અલ-બલાગ : ડિસેમ્બર-2021

તંત્રી સ્થાનેથી..

એકતા અને સંપ કોઈ પણ સમાજની અસલ શકિત છે. એકથી વધારે સભ્યો ધરાવતા કોઈ પણ પ્રકારના સમુહની શકિત એકતામાં સમાયેલી હોય છે. એમાંયે કોમ અને સમાજ માટે એકતાનું મહત્વ એટલું બધું છે કે શબ્દોમાં એનું વર્ણન શકય નથી. ફિરકાઓ અને વાડાબંધીઓમાં વહેંચાયેલ સમાજ એકતા અને સંપના અભાવે કમઝોર થતો રહે છે, બલકે ખતમ અને નામશેષ થઈ જાય છે.

અલબત્ત સામાજિક એકતા અને સંપ શું છે? એ કઈ ચીડીયાનું નામ છે ? એના માટે શું જરૂરી છે ? શું લાખો કરોડોની સંખ્યામાં ફેલાયેલ માનવ સમુહમાં વિવિધ એતેબારથી જે ભાગો, વિભાગો અને સમુહો બનેલા હોય છે, એ બધા જ એકતા અને સંપમાં અવરોધક હોય છે? વંશ, પ્રદેશ, મસ્લક અથવા શિક્ષણ, વેપાર વગેરે હેસિયતથી જે અલગ અલગ સમુહો બનેલા હોય છે, એ દરેક સ્થિતિમાં ખોટા હોય છે અને એકતા માટે અવરોધક કે બાધારૂપ બનતા હોય છે? આ બાબતો ખૂબ વિચારવાની છે.

વર્તમાન મુસ્લિમ સમાજ વૈશ્વિક રીતે... અને વિશ્વની વાત જતી કરીએ તો ભારતીય મુસ્લિમ સમાજ પણ અનેક ફિરકાઓ, મસ્લકો, જમાતો, બિરાદરીઓ અને જાતિઓ ઉપર આધારિત છે. અને જેમ કે અમુક લોકો ઈત્તેહાદ અને એકતા માટે અવાજ બુલંદ કરે છે, એ મુજબ આ બધી વાડાબંધીઓને ખતમ કરીને સમાજને એક કરી દેવો લગભગ મુશ્કેલ છે. ઈસ્લામ પણ આવી દરેક વાડાબંધીને ખતમ કરવા નથી ચાહતો. અલ્લાહ તઆલાએ જ એની હિકમત અને મસ્લેહત પ્રમાણે વિવિધ કબીલાઓ, બિરાદરીઓ અને પ્રદેશોમાં માનવીને વહેંચ્યો છે. અને દરેક કબીલા, બિરાદરી, પ્રદેશના લોકોમાં અલગ અલગ ખાસિયતો ટેવો પણ રાખી છે. આ બધાનો મકસદ અલ્લાહ તઆલાએ કુરઆનમાં એ દર્શાવ્યો છે કે એના થકી લોકો માંહે પરસ્પર ઓળખ બાકી રહે. એનો મકસદ એ નથી કે કોઈ કુટુંબ કે પ્રદેશના લોકો પોતાને ઉચ્ચ અને અન્યોને નીચ સમજવા માંડે. અલ્લાહ તઆલા પાસે ઉચ્ચતા અને પવિત્રતાનું માપદંડ તકવા અને દીનદારી છે, ચાહે એ ગમે તે કોમનો માણસ હોય.

એનો મતલબ એ થયો કે વિવિધ કબીલાઓ, જમાતો અને સમુહો, જયાં સુધી કબીલા અને જમાતના આધારે ઊંચ નીચને માપદંડ ન બનાવે અને દીન બાબતે બધા આ સિદ્ધાંત ઉપર એકમત હોય કે દીન અને તકવાના આધારે જ કોઈ માણસ સારો અને શરીફ ગણાશે, ત્યાં સુધી આવી વાડાબંધી અને જમાતોમાં કોઈ વાંધો નથી. અને જયારે દીન અને તકવાની બાબતમાં પણ કુટુંબ, જમાત અને બિરાદરી અવરોધક બની જાય તો પછી આ તે ફિરકાબંદી છે, જેના વિશે મનાઈ ફરમાવવામાં આવી છે.

આટલી પૂર્વભૂમિકા પછી મુળ વાત ઉપર આવું છું.. આજકાલ અમુક લોકો ફક્ત અને ફક્ત ઈત્તેહાદ અને એકતાના નામે જલસાઓ અને મીટીંગો કરે છે, અને આહવાન કરે છે સમાજે એકસંપ થવાની જરૂરત છે. ફિરકાબંદી અને વાડાબંધી તોડવાની જરૂરત છે. પણ... શું આ શકય છે ? અથવા શું આ સ્વીકાર્ય અને આવકાર્ય ધ્યેય છે? કે પછી નિરર્થક મહેનત છે? પાછલા ભૂતકાળને જોઈએ છીએ તો એવું પણ દેખાય છે કે આ જ મકસદે ભેગા થયેલા લોકોને એમનો મકસદ તો પ્રાપ્ત થયો નહીં, પણ આખરે તેઓએ પોતાના નામે એક અલગ સમુહ અને ફિરકો ઉમ્મતમાં વધારી દીધો…!!

અમારો આશય અત્રે આવી કોશિશોની નિંદા કે ટીકા કરવાનો હરગિઝ નથી. પરંતુ આવી કોશિશોમાં રહેલી એક મુળભૂત ખામી તરફ નિર્દેશ કરવાનો છે.

સમાજમાં એકતા અને ઈત્તેહાદ માટે ફિરકાઓ ખતમ કરવાનું આહવાન કરવાથી એકતાનો ધ્યેય સિદ્ધ નહીં થાય, એ વર્તમાન પરિપેક્ષ્યમાં સ્પષ્ટ છે. એટલે વધારે જરૂરી બાબત આ છે કે સમાજ સમક્ષ આવી પડેલી સમસ્યાઓ અને એના ઉપાયો – જે એકથી વધારે પણ હોય શકે છે – ને લોકો, ફિરકાઓ, બિરાદરીઓ અને જમાતો સમક્ષ મુકવામાં આવે અને દરેકને આહવાન કરવામાં આવે કે આ સમસ્યાઓ અને એના ઉપાયો માટે દરેક સમાજે પોતાનાથી બનતી કુરબાની આપવાની છે અને પ્રયત્નો કરવાના છે.

શિક્ષણ વિશે જાગૃકતા, સમાજ સુધારણા, ગરીબોની મદદ અને પરસ્પરનો આર્થિક સહકાર... જેવી અનેક પાયાની સમસ્યાઓ ફિરકાબંદી અને વાડાબંધી તોડવાનો નારો બુલંદ કર્યા વગર પણ દરેક ફિરકો કે જમાત પોતાના સ્તરે હલ કરી શકે છે અને એક બીજા ફિરકાની મદદ પણ કરી શકે છે. અને એના થકી ધીરે ધીરે આખો સમાજ આગળ આવી શકે છે.

અમુક સમસ્યાઓ નિશંક એવી છે જેના માટે યાંક જમાત, બિરાદરી, ફિરકા કે મસ્લક અવરોધક બને છે, અને ક્યાંક પ્રદેશ, વિસ્તાર કે ગામ શહેરની પ્રાદેશિક વાડાબંધી અવરોધક બને છે. પણ એવી સમસ્યાઓ જેનું નુકસાન દરેક ફિરકાને થાય છે, એના માટે અમુક એવા ઉપાયો અને નિરાકરણો નક્કી કરી શકાય છે જેના ઉપર દરેક પોતાના સ્તરે અમલ કરે અને સમાજની મદદ કરે.

ઘણીવાર એવું પણ થાય છે કે અમુક લોકો કોઈક એક નક્કી રીતમાં જ સમસ્યાનો ઉપાય જુએ છે. અને એના ઉપર લોકો ભેગા નથી થતા એટલે સમાજને ફિરકાબંદીના નામે ભાંડવામાં આવે છે. આમ કરવા કરતાં સમસ્યાના એકથી વધુ ઉપાયો અને નિરાકરણો શોધીને દરેકને પોતાનાથી બનતો સહયોગ કરવાનું કહેવામાં આવે તો વધારે સહયોગ મળે છે. આસમાની સુલતાની મુસીબતો ટાણે ચંદો કરવામાં આવે છે તો દરેક સમાજ અને ફિરકો સહાય આપે છે અને દરેક વચ્ચે કોઈ ભેદભાવ વગર વહેંચાય છે. પાછલા દિવસોમાં એન.આર.સી. બાબતે ચળવળ ચાલી તો બધા જ ફિરકા અને જમાતો એમાં સમાન રીતે એક થઈને લડત આપવા માટે ભેગા થયા હતા. આવા અનેક ઉદાહરણો છે. અને આવા જ ઈત્તેહાદની આપણને જરૂરત છે.

ખુલાસો આ છે કે ફકત ઇત્તેહાદ અને એકતાના નામે કોઈ ચળવળ ચલાવવાના બદલે મુસ્લિમ સમાજને જે સમસ્યાઓનો સામનો છે, એના ઉપાયો અને ઉકેલ લઈને સામે આવવાની જરૂરત છે, અને પછી એ ઉપાયો બાબતે કોમનો સહકાર માંગો અથવા એ ઉપાયો વિશે કોમને માર્ગદર્શન આપો, કે દરેક માણસે વ્યકિતગત રીતે અને સમાજ કે જમાતના સ્તરે આ પ્રમાણે કાર્ય કરવાનું છે.

એક છેલ્લી વાત આ છે કે વર્તમાન મુસ્લિમ સમાજ પાસે કોઈ રાજકીય નેતૃત્વ નથી, અને આ બાબતે કોઈ એકતા પણ નથી. પરિણામે એમ કહેવાય છે કે મુસલમાનોના વોટ વહેંચાય જાય છે અથવા એવા લોકોને ભાગે જાય છે જેઓ પાછળથી મુસલમાનોના વોટની કદર કરતા નથી. આ મોટી સમસ્યા છે, એમાં બે મત નથી. અલબત્ત આ એક જ સમસ્યાને વધારે ચગાવીને સમાજને લગાતાર ભાંડતા રહેવું યોગ્ય નથી.

આપણે યાદ રાખવું જોઈએ કે લોકશાહી રાજકરણમાં ઝપલાવતા માણસો અને પાર્ટીનું મુખ્ય ધ્યેય ફક્ત અને ફકત ચુંટણી જીતવી હોય છે. અને વોટ લેવા માટે ઉમેદવારો દરેક પ્રકારના નારા – તરીકા આજમાવતા હોય છે. એટલે આવેશ અને લાગણીને એક બાજુ મુકીને વિચારવાની જરૂરત હોય છે. આવતા દિવસોમાં ગ્રામ પંચાયતની ચુંટણીઓ આવી રહી છે, અને ત્યારે ગામડાના અત્યંત નાના સ્તરે પણ આપણે સમાજને તૂટતો, વહેંચાતો અને એકબીજાને મારતો- કાપતો જોશું. (ખુદા કરે એવું ન થાય) પણ એનાથી માયૂસ થવાની જરૂરત નથી. આ બાબત પૂરતી આપણા સમાજમાં સમજદારી, બલિદાન ભાવના અને એકતા નથી, તો ભલે... હાલ પુરતો આ વિરોધાભાસ અને જૂથવાદને સ્વીકારી લઈએ, અને શિક્ષણ, સમાજ સુધારણા, કાનૂની અધિકારો અને ધાર્મિક સ્વતંત્રતા, જેવા જે મુદ્દાઓ ઉપર રાજકીય વિરોધ ભૂલીને સહમતી અને સહકાર શકય છે એ બાબતોમાં ગામની, સમાજની, અને કોમની સેવામાં પ્રવૃત વ્યકિતઓ કે સંસ્થાઓની મદદ કરતા રહીએ, એ જરૂરી છે. આવા મુદ્દઓમાં મસ્લક, રાજકરણ, બિરાદરી અને ફિરકાને વચ્ચે લાવ્યા વગર એકબીજાનો સહકાર કરતા રહીશું તો કહી શકાશે કે કોમ અને સમાજમાં ઈત્તેહાદ બાકી છે. રાજકીય વિવાદ અને પાર્ટીબાજીને સ્વીકારવા સાથે પણ જો અન્ય સમસ્યાઓ બાબતે સમાજમાં જાગૃતિ અને પરસ્પર સહકારની ભાવના હશે તો આ વિવાદ અને ઇખ્તેલાફ ઈન્શાઅલ્લાહ વધારે નુકસાન નહીં કરે…


નિકાહ માટે પાત્ર અને અપાત્ર એટલે કે મહરમ અને નામહરમ ઓરતોનું વર્ણન.

-મુફતી ફરીદ અહમદ કાવી

وَ  لَا  تَنْكِحُوْا  مَا  نَكَحَ  اٰبَآؤُكُمْ  مِّنَ  النِّسَآءِ  اِلَّا  مَا  قَدْ  سَلَفَؕ-اِنَّهٗ  كَانَ  فَاحِشَةً  وَّ  مَقْتًاؕ-وَ  سَآءَ  سَبِیْلًا(22) حُرِّمَتْ  عَلَیْكُمْ  اُمَّهٰتُكُمْ  وَ  بَنٰتُكُمْ  وَ  اَخَوٰتُكُمْ  وَ  عَمّٰتُكُمْ  وَ  خٰلٰتُكُمْ  وَ  بَنٰتُ  الْاَخِ  وَ  بَنٰتُ  الْاُخْتِ  وَ  اُمَّهٰتُكُمُ  الّٰتِیْۤ  اَرْضَعْنَكُمْ  وَ  اَخَوٰتُكُمْ  مِّنَ  الرَّضَاعَةِ  وَ  اُمَّهٰتُ  نِسَآىٕكُمْ  وَ  رَبَآىٕبُكُمُ  الّٰتِیْ  فِیْ  حُجُوْرِكُمْ  مِّنْ  نِّسَآىٕكُمُ  الّٰتِیْ  دَخَلْتُمْ  بِهِنَّ٘-فَاِنْ  لَّمْ  تَكُوْنُوْا  دَخَلْتُمْ  بِهِنَّ  فَلَا  جُنَاحَ  عَلَیْكُمْ٘-وَ  حَلَآىٕلُ  اَبْنَآىٕكُمُ  الَّذِیْنَ  مِنْ  اَصْلَابِكُمْۙ-وَ  اَنْ  تَجْمَعُوْا  بَیْنَ  الْاُخْتَیْنِ  اِلَّا  مَا  قَدْ  سَلَفَؕ-اِنَّ  اللّٰهَ  كَانَ  غَفُوْرًا  رَّحِیْمًا(23) وَّ الْمُحْصَنٰتُ مِنَ النِّسَآءِ اِلَّا مَا مَلَكَتْ اَیْمَانُكُمْۚ-كِتٰبَ اللّٰهِ عَلَیْكُمْۚ-وَ اُحِلَّ لَكُمْ مَّا وَرَآءَ ذٰلِكُمْ اَنْ تَبْتَغُوْا بِاَمْوَالِكُمْ مُّحْصِنِیْنَ غَیْرَ مُسٰفِحِیْنَؕ-فَمَا اسْتَمْتَعْتُمْ بِهٖ مِنْهُنَّ فَاٰتُوْهُنَّ اُجُوْرَهُنَّ فَرِیْضَةًؕ-وَ لَا جُنَاحَ عَلَیْكُمْ فِیْمَا تَرٰضَیْتُمْ بِهٖ مِنْۢ بَعْدِ الْفَرِیْضَةِؕ-اِنَّ اللّٰهَ كَانَ عَلِیْمًا حَكِیْمًا(24)

તરજમહ : અને જે સ્ત્રીઓ સાથે તમારા બાપો (બાપ, દાદા કે નાનાએ) નિકાહ કર્યા હોય તો તેણીઓ સાથે તમે નિકાહ ન કરો, પરંતુ જે પ્રથમ થઈ ચૂક્યું (તે માફ છે.) નિશંક આ કામ ઘણી નિર્લજતાનું અને ધુણાસ્પદ કામ છે. અને ખરાબ રસ્તો છે.(૨૨) તમારા ઉપર હરામ ઠેરવવામાં આવી છે ? તમારી માઓ, દીકરીઓ, બહેનો, ફોઈઓ, માસીઓ, ભત્રીજીઓ ને ભાણજીઓ અને જે માતાએ તમને ધવડાવ્યા છે તે તથા દૂધ બહેનો તથા તમારી સાસુઓ તેમજ તમારી જે ઓરતો સાથે તમે સમાગમ કરી ચૂકયા તે ઓરતોની (આગલા ઘરની) છોકરીઓ, જે તમારી દેખરેખમાં છે. હા, જો તમે તેણીઓથી સોહબત નથી કરી તે (તેણીઓની છોકરીઓ સાથે પરણવામાં) તમને કંઈ ગુનાહ નથી અને તમારા વંશના છોકરાઓની વહુઓ તેમજ તમે બે બહેનોને એકઠી કરી. (આ બધી સ્ત્રીઓ સાથે નિકાહ હરામ છે) પરંતુ જે પહેલાં જે થઈ ચૂક્યું (તે માફ છે). બેશક, અલ્લાહ ઘણો માફ કરનાર રહમ કરનાર છે. (૨૩) અને સાથે નિકાહ દુરૂસ્ત છે.પતિવાળી સ્ત્રીઓ પણ (તમારા માટે) હરામ છે, પરંતુ જેણીઓના તમે (યુદ્ધ બંદી તરીકે) માલિક થઇ જાઓ. આ અલ્લાહ તઆલાએ લખેલા (નક્કી કરેલા) હુકમો છે. અને આ બધી સ્ત્રીઓ સિવાયની ઓરતો તમારા માટે હલાલ કરવામાં આવી એ શરતે કે તમે તમારો માલ (મહર)ને આપીને પ્રાપ્ત કરો, (અને) નિકાહ દ્વારા પાકદામન રહેવાનો ઈરાદો હોય, ન કે વાસના પૂરી કરીને મોજ માણવા નહીં. માટે જે એમના માંહેથી જે સ્ત્રીથી પણ તમે (નિકાહનો) લાભ ઉઠાવો, તેણીને એક નક્કી સ્વરૂપે મહેર આપો, અને (મહેર) મુકર્રર કર્યા પછી જે બાબતે તમે (પતિ-પત્ની) રાજી થઈ જાઓ તેમાં તમને કંઈ ગુનાહ નથી. બેશક, અલ્લાહ બધું જ જાણનાર (અને) હિકમતવાળો છે. (૨૪)

તફસીર : અગાઉની આયતોમાં જહાલતકાળની એક ખરાબ રીતનું વર્ણન આવ્યું હતું કે બાપના મરવા પછી દીકરો વારસદાર તરીકે બાપની બીવી એટલે કે સાવકી માં નો માલિક બની જતો, કાં પોતે નિકાહ કરતો કાં બીજે નિકાહ કરાવતો કાં એમ જ ઘરમાં ગોંધી રાખતો, વગેરે..આ અનુસંધાનમાં આગળ એવી સ્ત્રીઓનું વર્ણન છે, જેમના સાથે નિકાહ હરામ છે. એમાં સહુપ્રથમ એક ઉપરની બુરી આદત અને રસમ વિશે મનાઈનો હુકમ છે, અને પછી વિવિધ રિશ્તેદારીઓના એતેબારથી નિકાહ હરામ હોય એવી ઓરતોનું વર્ણન છે.

આયત નં. ૨૨ માં બાપની બીવી એટલે કે સાવકી માં સાથે નિકાહ હરામ હોવાનું વર્ણન છે. આ હુકમમાં સીધી લીટીના ઉપરના બધા જ બાપ એટલે કે દાદા, અને નાના પણ શામેલ છે. અર્થાત એમની પત્નિઓ સાથે નિકાહ હરામ છે. ચાહે નિકાહ પછી બાપ દ્વારા એ સ્ત્રી સાથે શારીરિક સંબંધ બંધાયો હોય કે ન બંધાયો હોય, બાપના નિકાહમાં રહેલ ઓરત સાથે નિકાહ કરવા પુત્ર માટે હરામ છે.

અલબત્ત જહાલત કાળમાં કોઈએ આવા નિકાહ કર્યા હોય તો એ માફ છે. માફ હોવાનો મતલબ આ છે કે એ ગુનો ગણાશે નહીં કારણ કે હરામ હોવાનો હુકમ તે વેળા લોકોને આપવામાં આવ્યો ન હતો. પણ જો કોઈના નિકાહમાં હજુ પણ આવી ઓરત હોય તો એ નિકાહ તુરંત ખતમ કરીને બંનેને જુદા કરવામાં આવશે.

પછી આયત નં ૨૩ માં વિગતવાર ચાર પ્રકારની ઓરતોનું વર્ણન છે, જેમના સાથે નિકાહ કરવા હરામ છે.

પ્રથમ એવી ઓરતોનું વર્ણન છે જેમની સાથે માણસની નસબ (વંશ)ની સગાઈ હોય. આવી કુલ સાત પ્રકારની ઓરતો છે.

માં... એટલે પોતાની સગી મા સાથે નિકાહ હરામ છે. એમાં નાની-દાદી ઉપર સુધી સીધી લીટીની તમામ દાદીઓ અને નાનીઓ શામેલ છે.

બેટી... સગી બેટી સાથે નિકાહ હરામ છે. એમાં નવાસી અને પોત્રી સીધી લીટીની બધી જ નવાસીઓ અને પોત્રીઓ શામેલ છે. સાવકી દીકરી એટલે કે પત્નિના આગલા શોહરની દીકરી વિશે હુકમ આગળ આવી રહયો છે. દત્તક પુત્રી સાથે નિકાહ દુરૂસ્ત છે.

બહેન... સગી બહેન, બાપ જણી બહેન અને માં જણી બહેન, ત્રણેવ સાથે નિકાહ હરામ છે.

ફોઈઅ... બાપની સગી બહેન, બાપ જણી બહેન અને માં જણી બહેન, એટલે કે ત્રણેવ પ્રકારની ફોઈઓ સાથે નિકાહ હરામ છે.

માસી... માં ની સગી બહેન, બાપ જણી બહેન અને માં જણી બહેન, દરેક પ્રકારની માસીઓ સાથે નિકાહ હરામ છે.

ભત્રીજી... ભાઈની છોકરીઓ સાથે નિકાહ હરામ છે. સગો ભાઈ હોય કે બાપ જણ્યો કે માં જણ્યો, દરેક પ્રકારના ભાઈની દીકરીઓ સાથે નિકાહ હરામ છે. અને નીચે સુધી સીધી લીટીમાં આવતી ભાઈની બધી જ દીકરીઓ (પોત્રી, નવાસી) સાથે નિકાહ હરામ છે.

ભાણેજ... બહેનની દીકરી સાથે નિકાહ હરામ છે. સગી બહેન હોય કે માં જણી કે બાપ જણી... અને નીચે સુધી સીધી લીટીમાં આવતી બહેનની બધી જ દીકરીઓ (નવાસી, પોત્રી) સાથે નિકાહ હરામ છે.

પછી દૂધની સગાઈના કારણે હરામ ઠરતી સ્ત્રીઓનું વર્ણન છે.

દૂધ માં... બાળપણમાં (બે વરસની ઉંમર સુધી) સગી માં સિવાય બીજી ઓરતનું દૂધ પીધું હોય એવી ધાવ માં સાથે નિકાહ હરામ છે. એકવાર દૂધ પીધું હોય કે વધારે વાર, અને થોડું પીધું હોય કે વધારે..

ધાવ બહેન... દૂધની સગાઈથી જે બહેન હોય એની સાથે નિકાહ હરામ છે. એટલે કે ધાવ માંની સગી દીકરી અથવા ધાવ માં પાસે દૂધ પીનાર કોઈ બીજાની દીકરી અથવા સગી માં નું દૂધ પીનાર કોઈ બીજાની દીકરી, આ બધી ધાવ બહેનો ગણાશે અને એમની સાથે નિકાહ હરામ છે.

ત્રીજા નંબરે સાસરી પક્ષની સગાઈ થકી હરામ ઠેરવવામાં આવેલ ઓરતોનું વર્ણન છે.

સાસુ... એટલે કે બીવીની માં સાથે નિકાહ હરામ છે. બીવીની માં, નાની, દાદી અને સગી માં કે દૂધ માં... બધા સાથે નિકાહ હરામ છે.

સાવકી દીકરી... એટલે કે બીવીના આગલા શોહરની દીકરી સાથે પણ નિકાહ હરામ છે. બીવીની આવી દીકરી, નવાસી કે પોત્રી પણ એમાં શામેલ છે. અલબત્ત એમાં શરત છે કે બીવી સાથે નિકાહ પછી સમાગમ થાય તો પછી આવી સાવકી દીકરી હરામ ઠરે છે. અને જો બીવી સાથે નિકાહ પછી સમાગમની નોબત ન આવે,(તલાક થઈ જાય કે મૃત્યુ થઈ જાય) તો આવી સાવકી દીકરી સાથે નિકાહ કરવા જાઇઝ છે.

પુત્રવધુ... સગા દીકરાની બીવી એટલે કે પુત્રવધુ સાથે નિકાહ હરામ છે. બેટાની જેમ પોત્ર અને નવાસાની બીવી સાથે પણ નિકાહ હરામ છે. પોતાની ઓરતથી દૂધ પીનાર દીકરો (ધાવ દીકરા)ની બીવી સાથે પણ નિકાહ હરામ છે. દત્તક દીકરાની બીવી સાથે નિકાહ હરામ નથી. એટલે કે દત્તક દીકરો શાદી કર્યા પછી તલાક આપે તો આવી ઓરત સાથે નિકાહ જાઈઝ છે.

બે બહેનો એક સાથે….. એટલે કે બે બહેનો સાથે એકસાથે નિકાહ કરવા અથવા એક બહેન પહેલેથી નિકાહમાં હોય તો બીજી બહેન સાથે નિકાહ કરવા હરામ છે. ચાહે બંને સગી બહેનો હોય કે બાપ જણી કે માં જણી અથવા દૂધ બહેનો હોય. હા જે ઓરત નિકાહમાં હોય એને તલાક આપ્યા પછી એની બહેન સાથે નિકાહ કરવા જાઈઝ છે.

અલબત્ત જહાલત કાળમાં કોઈએ આવા નિકાહ કર્યા હોય તો એ માફ છે. માફ હોવાનો મતલબ આ છે કે એ ગુનો ગણાશે નહીં કારણ કે હરામ હોવાનો હુકમ તે વેળા નાઝિલ થયો ન હતો. પણ જો કોઈના નિકાહમાં હજુ પણ આવી ઓરત હોય તો એ નિકાહ તુરંત ખતમ કરીને બંનેને જુદા કરવામાં આવશે.

અત્યાર સુધી જે ઓરતો સાથે નિકાહ હરામ હોવાનું વર્ણન આવ્યું છે, એમની સાથે નિકાહ કરવા સદંતર હરામ છે. ચાહે તે ઓરતો કોઈ અન્ય પુરૂષના નિકાહમાં હોય કે ન હોય, કોઈ પણ સ્થિતિમાં એમની સાથે નિકાહ હરામ છે. આગળ એવી ઓરતોનું વર્ણન છે, જેમની સાથે અમુક સંજોગોમાં એટલે કે કોઈ અન્ય પુરૂષના નિકાહમાં હોય ત્યારે નિકાહ હરામ છે. નહીંતર એમની સાથે નિકાહ કરી શકાય છે.

હરામ ઓરતોનો છેલ્લો પ્રકાર : એવી ઓરતો જે અન્ય પુરુષોના નિકાહમાં હોય, એમની સાથે પણ નિકાહ હરામ છે. એટલે કે એક સ્ત્રી એક સમયે એક જ શોહરના નિકાહમાં હોય શકે છે.

આ હુકમમાં એક અપવાદ છે, જેનું આગળ વર્ણન છે. શોહરવાળી ઓરત કોઈ દારૂલ હર્બ એટલે કે શત્રુ દેશમાં રહેતી સ્ત્રી હોય, અને લડાઈ દરમિયાન ફકત ઓરત બંદી તરીકે મુસલમાનોના હાથમાં આવી હોય અને એનો શોહર ત્યાં જ રહી ગયો હોય, આવી સ્થિતિમાં મુસલમાનોના હાથમાં બંદી બનીને દારુલ ઇસ્લામમાં આવી જવાથી શોહર સાથેના એના નિકાહ ખતમ ગણાશે, અને હવે ગનીમત તરીકે જેને આપવામાં આવે, એ એનો આકા – માલિક ગણાશે અને આકા એની ગુલામડી સાથે નિકાહ વગર પણ સમાગમ કરી શકે છે, આવી બાંદી અહલે કિતાબમાંથી હોય અથવા પાછળથી મુસલમાન થઈ જાય તો અત્રેના આઝાદ મુસલમાન પુરુષ પણ એની સાથે નિકાહ કરી શકે છે.

આગળ અલ્લાહ તઆલા ફરમાવે છે કે આ બધી ઓરતો સાથે નિકાહ હરામ હોવાનો હુકમ અલ્લાહ તઆલા તરફથી નક્કી કરવામાં આવ્યો છે. અને એમના સિવાયની ઓરતો તમારા માટે હલાલ છે. એટલે કે એમની સાથે નિકાહ કરી શકાય છે. અલબત્ત આવી હલાલ ઓરતો સાથે નિકાહ કરવાની અમુક રીતો - શરતોનું અત્રે વર્ણન છે. અમુક અન્ય શરતોનું વર્ણન કુરઆનમાં બીજા સ્થળે છે, જેમ કે આવી ઓરતો પણ એક સાથે ચાર જ હલાલ રહેશે. ચારથી વધારે ઓરતો એક સાથે નિકાહમાં રાખવી હરામ રહેશે. વગેરે.

અત્રે વર્ણવવામાં આવેલ પ્રથમ શરત આ છે કે, મહેર નક્કી કરીને આવી ઓરતો સાથે નિકાહ કરીને એમને પ્રાપ્ત કરવામાં આવે.

ઈમામ રાઝી રહ. ફરમાવે છે કે આયતથી બે વાતો પૂરવાર થાય છે. નિકાહમાં મહેર હોવી જરૂરી છે. અને મહેર એવી વસ્તુ હોવી જોઈએ જેને 'માલ' કહી શકાય.

બીજી જરૂરી બાબત આ છે કે ઓરતોને નિકાહ વડે એટલે કે શરીઅતના નિયમ મુજબ પાકદામન રહેવાના આશયે પ્રાપ્ત કરવામાં આવે. શરીઅતના નિયમ વિરુદ્ધ પૈસા આપીને કે પૈસા વગર, ફકત મોજ - મસ્તી અને ઝીનાકારી ખાતર નિકાહ વગર એમને રાખવામાં કે પ્રાપ્ત કરવામાં ન આવે.

આયતમાં આગળ આ જ અનુસંધાનમાં મહેરનો બીજો હુકમ વર્ણવવામાં આવ્યો છે કે જે ઓરત સાથે પણ ઉપરોકત નિયમ મુજબ નિકાહ કરવામાં આવે એને એક નક્કી માત્રામાં મહેર આપવી ફરજ છે. જે ઓરતનો હક છે. અને ઓરત જ એની માલિક ગણાશે. અને આવી મહેર રોકડમાં નક્કી કરવામાં આવી હોય તો ઓરતને હક છે કે જયાં સુધી મહેર એને આપવામાં ન આવે, એ શોહર પાસે જવાનો ઈન્કાર કરે. હા, એક રકમ મહેર સ્વરૂપે નક્કી કરીને નિકાહ કર્યા બાદ મીયાં – બીવી પરસ્પર મહેરની રકમ વધારે ઓછી કરવા ચાહે કે માફ કરવાનો નિર્ણય કરે તો કોઈ વાંધો નથી.

આ બધા હુકમો અલ્લાહ તઆલાએ ઘણી હિકમતો અને ફાયદાઓ મુજબ નક્કી કર્યા છે. એ જ માણસ અને માનવીય સમાજની જરૂરતો વગેરેને સારી રીતે સમજે છે. ચાહે એ બધું માણસની સમજમાં આવે કે ન આવે.


માનવજીવનને લગતાં વિવિધ પાસાંઓ બાબતે ઇસ્લામી તાલીમ અને આપણી ગફલત

વિશ્વ પશ્ચિમના સામ્રાજયવાદના પ્રભાવ હેઠળ આવ્યું, ત્યારથી યોજનાબદ્ધ રીતે દીનને ફકત ઈબાદતગાહો, મદરસાઓ અને ઘરોમાં સિમિત કરી દેવામાં આવ્યો, રાજકીય અને આર્થિક ક્ષેત્રે દીનની પકડ ઢીલી પડી ગઈ, બલકે ધીરે ધીરે ખતમ થઈ ગઈ, એમના મિશનને સફળ બનાવવામાં આપણી કાર્યપ્રદ્ધતિ પણ કંઈક અંશે જવાબદાર છે. જેટલું ઘ્યાન આપણે જીવનમાં ઇબાદતો પ્રત્યે આપ્યું, એટલું ધ્યાન ઇસ્લામી જિંદગીના અન્ય પાસાંઓ પ્રતિ નથી આપ્યું.

ઈસ્લામના કુલ પાંચ ભાગો છે,

અકાઇદ (માન્યતાઓ)

ઇબાદત

મુઆમલાત (વેપાર – વાણિજય)

મુઆશરત (રહેણી - કરણી)

અખ્લાક

આમાંથી અકાઈદ અને ઈબાદતનું મહત્વ આપણી નજરોમાં બાકી છે, પણ બીજા ભાગોને આપણે જેટલુ જોઈએ એટલું મહત્વ નથી આપ્યું,

મહત્વ નહીં આપવાના બે કારણો છે.

એક તો આ કે આપણા અમલ કાર્યોમાં ઇબાદત અકાઈદની પૂર્ણતાનો જેટલો પ્રબંધ - ખ્યાલ છે, એટલો મુઆમલાત - મુઆશરત અને અખ્લાક બાબતે નથી. એનું જ પરિણામ છે કે કોઈ માણસ (ખુદા બચાવે) નમાઝ છોડી દે છે તો દીનદારોના માહોલમાં એ માણસ બુરો અને ધૃણાપાત્ર સમજવામાં આવે છે, પણ જો કોઈ માણસ મુઆમલાતમાં હલાલ હરામની પરવા નથી કરતો અથવા જે બુરા અખ્લાક, કુટેવોથી બચવાનું છે એનાથી બચતો નથી તો સમાજમાં આવા માણસને વધારે ખરાબ સમજવામાં નથી આવતો.

બીજું કારણ એ છે કે, આપણે દિની મદરસાઓના શિક્ષણમાં, ઈબાદતના વિષયોને જેટલું મહત્વ આપીએ છીએ, મુઆમલાત મુઆશરત અને અખ્લાકના વિષયોને એટલું મહત્વ નથી આપતા.

ફિકહ હોય કે હદીસ, સંશોધન અને સમીક્ષાની બધી જ શકિત 'કિતાબુલ હજ' પર આવીને ખતમ થઈ જાય છે, ઘણું ચાલે તો નિકાહ અને તલાકના વિષયો સુધી, એનાથી આગળ ખરીદ - વેચાણ અને મુઆમલાતના પ્રકરણોની તાલીમમાં તરજૂમો પણ ઘણી વાર નથી કરવામાં આવતો, તરજુમો થાય છે તો, ઇબાદતના વિષયોની જેમ નાના મોટા મસ્અલાઓ પૂરતા ન્યાયથી નથી સામે આવતા, આપણી આ શિક્ષણ પદ્ધતિએ એવું પુરવાર કર્યું કે આ બધી બાબતો મહત્વની નથી, આમ થવામાં કંઈક અંશે લાચારી પણ છે, શત્રુઓના પ્રપંચને કારણે માર્કેટમાં, રાજવ્યવસ્થામાં અને જીવનના અન્ય ભાગોમાં દીન અને ઈસ્લામનું ચલણ ખતમ થઈ ગયું, અમલમાં ન હોવાથી આ વિષયોને લગતા મસ્અલાઓ ફક્ત વિચાર – ચિંતન અને ફિલોસોફીની કેટેગરીમાં આવી ગયા, અને જે વસ્તુ અમલ કાર્યથી નીકળીને ફિલોસોફીમાં આવી જાય, તબિયત એના પ્રતિ અમલી અને ક્રિયાવંત વિષયો જેટલું ધ્યાન નથી આપતી.

છતાં આ એક નક્કર વાસ્તવિકતા છે કે શરીઅત (ઈસ્લામી જીવન)ના વિવિધ વિભાગો એક બીજાથી એવા સંલગ્ન અને સંબંધિત છે કે એકમાં કોતાહી – નિરસતા બીજા વિભાગોને એટલા બધા પ્રભાવિત – ખરાબ કરી દે છે કે, એ સંપૂર્ણ પ્રાણવિહોણો બની જાય છે, જે માણસ કમાણીમાં હલાલ હરામની પરવા ન કરતો હોય એ ચાહે નમાઝ, રોઝહ, વગેરેનો પાબંદ હોય, ખરાબ કમાણીની અસરોથી એની ઇબાદતો પણ બેકાર થઈ જાય એ સ્પષ્ટ છે. માટે મુસલમાનો ઉપર જરૂરી છે કે માનવીય જીવનના દરેક ક્ષેત્રે ઇસ્લામી તાલીમ અને માર્ગદર્શનને અનુસરવાનો આગ્રહ રાખે. આવો આગ્રહ રાખીશું તો જ એ ક્ષેત્રે ઇસ્લામી આદેશોના અમલીકરણની રીતો સામે આવશે. અવરોધો આવશે તો ઉકેલો શોધાશે, અસમંજસ પેદા થશે તો પણ સ્પષ્ટીકરણ સામે આવશે અને આપણે દુનિયાને બતાવી શકીશું કે એક સર્વગ્રાહી ધર્મ કેવો હોય છે અને કેવી રીતે એ માનવીના સમગ્ર જીવનને માર્ગદર્શન પુરું પાડે છે.


મઆરિફુલ હદીસ

હઝરત મવલાના મંઝૂર નોમાની (રહ.)

અનુવાદ : મવલાના યાકૂબ બારીવાલા સા. રહ.

૧૬૦                      (બ્લેકબર્ન. યુ.કે.)

કેવી હાલતમાં સવાલ કરવાની છુટ છે? અને કેવી હાલતમાં મનાઈ છે?


عَنْ حُبْشِيِّ بْنِ جُنَادَةَ قَالَ : قَالَ رَسُولُ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ : إِنَّ الْمَسْأَلَةَ لاَ تَحِلُّ لِغَنِيٍّ ، وَلاَ لِذِي مِرَّةٍ سَوِيٍّ ، إِلاَّ لِذِي فَقْرٍ مُدْقِعٍ ، أَوْ غُرْمٍ مُفْظِعٍ ، وَمَنْ سَأَلَ النَّاسَ لِيُثْرِيَ بِهِ مَالَهُ ، كَانَ خُمُوشًا فِي وَجْهِهِ يَوْمَ القِيَامَةِ ، وَرَضْفًا يَأْكُلُهُ مِنْ جَهَنَّمَ ، وَمَنْ شَاءَ فَلْيُقِلَّ ، وَمَنْ شَاءَ فَلْيُكْثِرْ (رواه الترمذي)

તરજુમાઃ- હઝરત હુબ્શી બિન જુનાદાહ રદિ.થી રિવાયત છે કે રસૂલુલ્લાહ સલ.એ ફરમાવ્યું: માલદાર અને તંદુરસ્ત માણસે ભીખ માંગવી જાઈઝ નથી હાં એવો માણસ જેને નાદારી અને તંગીએ જમીન પર ફેંકી દીધો હોય તેના માટે જાઈઝ છે અથવા એવા માણસ માટે જાઈઝ છે જેના ઉપર કરજનો બોજ અથવા કોઈ ટેક્ષ વગેરેનો ભારે બોજો આવી ગયો હોય, અને જે માણસ (વગર લાચારીએ) ફક્ત માલમાં વધારો કરવા માટે લોકો પાસે હાથ ફેલાવે અને ભીખ માંગે તો કયામતના દિવસે તેનો આ સવાલ તેના મોં (ચહેરા) પર ઘા ના રૂપમાં દેખાશે. અને જહન્નમનો ગરમ સળગતો પથ્થર ત્યાં ખાવા મળશે. તે પછી પણ જેની ઈચ્છા હોય ભીખ ઓછી માંગે ચાહે વધારે (અને આખિરતમાં એનું પરિણામ ભોગવે.)

ખુલાસો :- આ હદીસમાં પણ અબ્દુલ્લાહ બિન અમ્ર રદિ.ની હદીસ નં ૧૪ મુજબ માલદારથી મતલબ તે માણસ છે જે અત્યારે જરૂરત મંદ અને લાચાર ન હોય, (ભલે તે માલદાર અને સાહિબે નિસાબ પણ ન હોય) એવા માણસે અને તંદુરસ્ત માણસ જે મહેનત કરી રોજી મેળવી શકે છે. તેના માટે આ હદીસમાં ભીખ માંગવાની મનાઈ છે. કાયદો અને મસ્અલો એ જ છે કે એવા માણસે કોઈ સામે ભીખ માંગવા હાથ ન ફેલાવવો જોઈએ. હા જો નાદારી અને તંગીથી કોઈ માણસ પડી ગયો હોય, અને સવાલ કર્યા વગર કોઈ ઉપાય ન હોય, અથવા કોઈને ટેક્ષ અથવા દંડ ભરવાનો હોય અને બીજાઓ પાસેથી મદદ મેળવવા વગર અદા ન કરી શકતો હોય, તો એવી હાલતમાં તેને માંગવાની છૂટ છે. છેવટમાં ફરમાવ્યું કે જે માણસ લાચારી અને જરૂરતના કારણે નહીં, પણ પોતાની હાલત સુધારવા માટે બીજાઓ સામે હાથ ફેલાવશે તો કયામતમાં તેની સજા એ આપવામાં આવશે કે તેના ચેહરા પર ખરાબ ઘા પડેલો હશે. અને જે કંઈ લોકો પાસેથી માંગી ભેગું કર્યુ હશે તે જહન્નમનો ગરમ પથ્થર બનાવી તેને તે ખાવા પર લાચાર કરવામાં આવશે.

عَنْ أَبِي هُرَيْرَةَؓ « مَنْ سَأَلَ النَّاسَ أَمْوَالَهُمْ تَكَثُّرًا ، فَإِنَّمَا يَسْأَلُ جَمْرًا فَلْيَسْتَقِلَّ أَوْ لِيَسْتَكْثِرْ » (رواه مسلم)

તરજુમા:- હજરત અબૂ હુરૈરહ રદિ.થી રિવાયત છે કે રસૂલુલ્લાહ સલ.એ ફરમાવ્યું જે કોઈ (જરૂરત લાચારીથી નહીં પણ) વધુ માલ મેળવવા લોકો પાસે ભીખ માંગે છે. તે ખરેખર તેના માટે જહન્નમની આગ માંગી રહ્યો છે. (એટલે એવી રીતે માંગી જે કંઈ મેળવશે તે આખિરતમાં તેના માટે દોઝખની આગ બનશે.) હવે તેમાં તે વધારો કરે કે ઘટાડો.

عَنْ عَبْدِ اللَّهِ بْنِ مَسْعُودٍؓ ، قَالَ : قَالَ رَسُولُ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ : « مَنْ سَأَلَ ، وَلَهُ مَا يُغْنِيهِ ، جَاءَتْ مَسْأَلَتُهُ يَوْمَ الْقِيَامَةِ فِي وَجْهِهِ خُمُوشٌ أَوْ خُدُوشٌ ، أَوْ كُدُوحٌ » ، قِيلَ : يَا رَسُولَ اللَّهِ ، مَا يُغْنِيهِ؟ قَالَ « خَمْسُونَ دِرْهَمًا ، أَوْ قِيمَتُهَا مِنَ الذَّهَبِ » (رواه أبو داود والترمذى والنسائى وابن ماجه والدارمى)

તરજુમાઃ- હઝરત અબ્દુલ્લાહ બિન મઉદ રદિ.થી રિવાયત છે કે રસૂલુલ્લાહ સલ. એ ફરમાવ્યું જે માણસ એવી હાલતમાં ભીખ માંગે કે તેની પાસે (એટલો માલ હોય જે તેના માટે બસ થઈ પડે અને તે બીજાઓનો મોહતાજ તેમ હોશિયારો ન રહે) તો કયામતના દિવસે હશરના મેદાનમાં એવી હાલતમાં આવશે કે તેનો સવાલ ચેહરા પર ઘા ના રૂપમાં દેખાશે. (ખમુશ, ખદુશ, કદુહ, આ ત્રણે શબ્દો એક જ અર્થમાં વપરાય છે. અને તેનો અર્થ ઘા નો થાય છે. કદાચ રાવીને શંકા થઈ ગઈ છે કે અસલ હદીસમાં આ ત્રણ શબ્દોમાંથી કયો શબ્દ હતો) આગળ હદીસમાં છે કે રસૂલુલ્લાહ સલ.નો આ ઈર્શાદ સાંભળી પુછવામાં આવ્યું કે યા રસૂલુલ્લાહ! તેની શું હદ છે જેને આપે (સલ.) મા યગનીય્યતુ ફરમાવ્યું છે (અને તેના પછી તે બીજાઓનો મોહતાજ અને હોશીયારો રહેતો નથી.) આપ સલ.એ ફરમાવ્યું કે પચાસ દીરહમ અથવા એટલી કિંમતનું સોનું. (અબૂ દાઉદ)

ખુલાસો :- મતલબ એ છે કે જેની પાસે પચાસ દિરહમ અથવા લગભગ એના બરાબર માલ હોય, જેને પોતાની જરૂરતમાં વાપરી શકતો હોય, અને કોઈ વેપાર ધંધામાં લગાવી શકતો હોય, તેને ભીખ માંગવી ગુનોહ છે. અને એવો માણસ કયામતમાં આવી હાલતમાં આવશે કે તેના ચેહરા પર નાજાઈઝ સવાલ કરવાના કારણે ખરાબ (ભુંડો) ડાઘો હશે.

આ હદીસમાં તે માલદારીની હદ જે હોવા પર સવાલ જાઈઝ નથી પચાસ દિરહમનો માલ હોવો નક્કી કર્યો છે. બીજી હદીસમાં એક અવકીયા એટલે ચાલીસ દીરહમ જેટલો માલ હોવું વર્ણવ્યું છે. અને વાસ્તવમાં એ બેમાં કંઈ ફરક નથી. પરંતુ અબૂ દાઉદની બીજી હદીસમાં જે સહલ બિન હન્ઝલા રદિ.એ રિવાયત કરી છે તેમાં છે કે રસૂલુલ્લાહ સલ.ને પુછવામાં આવ્યું (માલદારીની શું હદ છે જે હોવા પર સવાલ ન કરવો જોઈએ ?) તો આપ સલ.એ ફરમાવ્યુંઃ (એટલો માલ કે જેનાથી દિવસનું ભોજન કરી શકે અને રાતનું ખાવા ખાઈ શકે) એનાથી જણાય છે કે જો કોઈની પાસે એક દિવસનું ખાવા જેટલું હોય તો તેણે સવાલ કરવો જાઈઝ નથી.

તે માલદારી જેના પર ઝકાત ફરજ થાય છે તેની હદ તો નક્કી છે અને તે સંબંધી હદીસોમાં પહેલાં ઉલ્લેખ થઈ ચુકયો પરંતુ તે તવંગરી જે હોવા પર સવાલ ન કરવો જોઈએ રસૂલુલ્લાહ સલ.એ જુદા જુદા સમયે જુદી હદો બતાવી છે. હદીસ વેત્તાઓ એ તે વિરોધાભાસની વ્યાખ્યા ઘણી રીતે કરી છે મુજ નાચીઝની સામે સૌથી સહેલી વાત એ છે કે આ વિરોધાભાસ માણસો અને તેમની હાલતના હિસાબે છે એટલે અમૂક હાલતો અને માણસો એવા હોય છે કે થોડો માલ હોવા છતાં પણ તેમણે સવાલ કરવાની ગુંજાઈશ હોય છે પરંતુ જો તે ભંડોળ (ચાલીસ- પચાસ) દીરહમ જેટલો હોય તો કરવાની ગુંજાઈશ નથી અને અમુક હાલતો અને માણસો એવા પણ હોય શકે છે કે તેમની પાસે જો એક દિવસના ભોજન માટે કંઈ હોય તો તેમને સવાલ કરવાની ગુંજાઈશ નથી. એ જ મુજબ આ વિરોધાભાસને "રૂખ્સત અને અઝીમત" ના ફેરફાર પર પણ આવરી શકાય છે એટલે કે જે હદીસોમાં ૪૦-૫૦ દીરહમ જેટલા માલની હદ બતાવવામાં આવી છે તેમા સહુલત અને ફત્વાનું બયાન છે. અને જેમાં એક દિવસ ખાઈ શકે એટલું હોવાની હાલતમાં સવાલ કરવાથી રોકવામાં આવ્યા છે તે અઝીમત અને તકવાનું સ્થાન છે.

સવાલમાં ખરેખર બે ઈઝઝતી છે

عَنِ بْنِ عُمَر أَنَّ رَسُولَ اللّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ وَهُوَ عَلَى المِنْبَرِ وَهُوَ يَذْكُرُ الصَّدَقَةَ وَالتَّعَفُّفَ عَنِ الْمَسْأَلَةِ اليَدُ العُلْيَا خَيْرٌ مِنَ الْيَدِ السُّفْلٰى ، فَالْيَدُ الْعُلْيَا : هِيَ الْمُنْفِقَةُ ، وَالسُّفْلٰى : هِيَ السَّائِلَةُ. (رواه البخاري ومسلم) 

તરજુમા-હઝરત અબ્દુલ્લાહ બિન ઉમર રદિ.થી રિવાયત છે કે રસૂલુલ્લાહ સલ. એ સદકા અને સવાલથી બચવાનો ઉલ્લેખ કરતા એક દિવસ મિમ્બર પર ફરમાવ્યું ઉપર વાળો હાથ નીચે વાળા હાથથી ઉમ્દા છે. ઉપર વાળો હાથ દેનારનો હાથ છે. અને નીચે વાળો હાથ માંગનારનો હાથ છે.

ખુલાસો :- મતલબ એ છે કે આપનારનું સ્થાન ઉંચુ અને ઈઝઝત વાળુ છે. અને માંગનાર નીચો અને ઝલીલ છે. એટલા માટે મો'મિનને આપનાર બનવું જોઈએ. અને માંગવાની બેઈઝઝતીથી બને ત્યાં સુધી બચવું જ જોઈએ.

સવાલ કરવો જરૂરી જ હોય તો નેક માણસોને કરવો જોઈએ

عَنِ ابْنِ الْفِرَاسِيِّ ، أَنَّ الْفِرَاسِيَّ ، قَالَ قُلْتُ لِرَسُولِ اللّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ : أَسْأَلُ يَا رَسُولَ اللَّهِ ، فَقَالَ النَّبِيُّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ : « لَا ، وَإِنْ كُنْتَ سَائِلًا لَا بُدَّ ، فَاسْأَلِ الصَّالِحِينَ » (رواه ابوداود والنسائى)

 તરજુમા:- ઈબ્નુલ ફીરાસી તાબીઈ તેમના વાલીદ ફીરાસીથી રિવાયત કરે છે કે મેં રસૂલુલ્લાહ સલ.ને પુછ્યું કે હું મારી જરૂરત માટે લોકો પાસે સવાલ કરી શકું છું? તો આપ સલ.એ ફરમાવ્યું (જયાં સુધી બની શકે) સવાલ ન કરો જો તમો માંગવા માટે લાચાર જ હોય તો અલ્લાહના નેક બંદાઓ પાસે સવાલ કરો. (અબૂ દાઉદ, નસાઈ)

તમારી જરૂરત બંદાઓ સામે ન મુકો, અલ્લાહ સામે મુકો

عَنِ ابْنِ مَسْعُودٍ ، قَالَ : قَالَ رَسُولُ اللّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ : « مَنْ أَصَابَتْهُ فَاقَةٌ ، فَأَنْزَلَهَا بِالنَّاسِ ، لَمْ تُسَدَّ فَاقَتُهُ ، وَمَنْ أَنْزَلَهَا بِاللَّهِ ، أَوْشَكَ اللَّهُ لَهُ ، بِالْغِنٰى ، إِمَّا بِمَوْتٍ عَاجِلٍ ، أَوْ غِنًى آجِلٍ » (رواه أبو داود والترمذي)

  તરજુમાઃ હઝરત અબ્દુલ્લાહ બિન મસ્અુદ રદિ.થી રિવાયત છે કે રસૂલુલ્લાહ સલ.એ ફરમાવ્યું જેને કોઈ મહાન જરૂરત ઉભી થઈ અને તેણે લોકો સામે મુકી (તેમની પાસે મદદ માંગી) તો તેને એ મુસીબતથી છુટકારો મળશે નહીં. અને જેણે તે જરૂરત અલ્લાહ સામે મુકી, દુઆ કરી તો આશા છે કે અલ્લાહ પાક જલ્દી તેની જરૂરત પુરી કરી દે, જલ્દી મૃત્યુ આપી (જો મોતનો સમય આવી ગયો હોય) અથવા થોડું મોડેથી સારી હાલત બદલીને…

લોકોથી સવાલ ન કરવા પર જન્નતની જવાબદારી

عَنْ ثَوْبَانَؓ قَالَ : قَالَ رَسُولُ اللّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ : « مَنْ يَكْفُلُ لِي أَنْ لَا يَسْأَلَ النَّاسَ شَيْئًا ، فأَتَكَفَّلُ لَهُ بِالْجَنَّةِ فَقَالَ ثَوْبَانُ : أَنَا ، فَكَانَ لَا يَسْأَلُ أَحَدًا شَيْئًا. (رواه ابوداود والنسائى) 

તરજુમાઃ- હઝરત સૌબાન રદિ.થી રિવાયત છે કે રસૂલુલ્લાહ સલ.એ એક દિવસ ફરમાવ્યું જે મારી સાથે આ વાત પર વાયદો કરે તે અલ્લાહના બંદાઓ પાસે પોતાની કોઈ જરૂરતનો સવાલ નહીં કરે હું તેના માટે જન્નતની જવાબદારી લઉં છું સૌબાન રદિ. કહે છે કે મેં અરજ કરી હઝરત! હું વાયદો કરું છું રાવીનું બયાન છે કે તેથી જ હઝરત સૌબાન રદિ.ની આદત હતી કે તેઓ કોઈની પાસે કોઈ વસ્તુ માંગતા ન હતા.(અબૂ દાઉદ, નસાઈ)



કોઈ વસ્તુ મળે તો લઈ લેવી જોઈએ

عَنْ عُمَرَ بْنَ الْخَطَّابِؓ قَالَ : كَانَ النَّبِىُّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ يُعْطِينِي العَطَاءَ ، فَأَقُولُ : أَعْطِهِ مَنْ هُوَ أَفْقَرُ إِلَيْهِ مِنِّي ، فَقَالَ : « خُذْهُ إِذَا جَاءَكَ مِنْ هَذَا المَالِ شَيْءٌ وَأَنْتَ غَيْرُ مُشْرِفٍ وَلاَ سَائِلٍ ، فَخُذْهُ وَمَا لاَ فَلاَ تُتْبِعْهُ نَفْسَكَ » (رواه البخاري ومسلم)

તરજુમા-હઝરત ઉમર બિન ખત્તાબ રદિ.થી રિવાયત છે કે રસૂલુલ્લાહ સલ. કોઈ વાર મને કોઈ ચીજ અર્પણ કરતા તો હું અરજ કરતો હતો કે હઝરત! કોઈ એવા માણસને આપી દો જે મારાથી વધુ મોહતાજ હોય! તો આપ સલ. ફરમાવતા કે ઉમર એને લઈ લો અને માલિક બની જાઓ. (પછી ઈચ્છો તો) સદકા રૂપે કોઈ મોહતાજ ને આપી દો. (અને પોતાનો આ કાયદો બનાવી લો કે) જયારે કોઈ માલ તમને એવી રીતે મળે કે તમે તેના માટે સવાલ કર્યો નથી. અને તમારા દિલમાં લાલચ પણ ન હતી. (તો અલ્લાહ તરફથી સમજી) લઈ લો. અને જે માલ આ પ્રમાણે ન આવે તે તરફ ધ્યાન પણ ન રાખો. (બુખારી, મુસ્લિમ)


દીનદારો અને ઉલમાનું અપમાન : કયામતની નિશાની

હઝરત અકદસ શૈખુલ હદીસ મવલાના ઝકરિયા રહ.ની કિતાબ 'ઈસ્લામી સિયાસત'નો ક્રમશ અનુવાદ

મુફતી ફરીદ અહમદ કાવી.

સવાલઃ સમાજમાં ઉલમાએ કિરામનું સ્થાન ઘટે એવા પ્રયત્નો જાણી જોઈને કરવામાં આવે છે.

જવાબ : આ સાચી વાત છે. બિલ્કુલ સાચી વાત છે. પણ આવું થવાનું જ હતું અને થતું આવ્યું છે. એમાં કોઈ નવાઈ નથી. કોઈ એવો કાળ છે જેમાં દીનના ઉલમાએ કિરામ પ્રત્યે અદાવત ન હોય? એમનું અપમાન ન થયું હોય ? ઈમામ અબૂ હનીફહ રહ.ને કેદ નહોતા કરવામાં આવ્યા ? ઇમામ માલિકને સખત સજાઓ આપવામાં નથી આવી ? ઈમામ અહમદ બિન હંબલ રહને ઉપર કેવા કેવા સતાવવામાં આવ્યા ? કોઈ પણ મહાન આલિમ - બુઝુર્ગને જોઈ લ્યો. તે નાદાનો અને જાહિલો તરફથી આપવામાં આવતા કષ્ટો અને મુસીબતોનો શિકાર થયા જ હશે. ઈલ્લા મા શાઅલ્લાહ... કોઈ કોઈ એમાંથી બાકાત હશે.

જાહિલો, આલિમોના દુશ્મન છે અનેચ પણ.

હજરત અલી રદિ. નો ઇરશાદ છે:الجاهلون لأهل العلم أعداء 

જાહિલો – અજ્ઞાનીઓ ઉલમા અને જ્ઞાનીઓના દુશ્મન હોય છે.

અને ભવિષ્યમાં આવું વધતું જ રહેશે. કેમ કે નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે આ બાબતને કયામતની નિશાની ગણાવી છે. અને કયામતની જેટલી નિશાનીઓ હદીસ શરીફમાં આવી છે, એ બધી જ જાહેર થઈ રહી છે, અને જે નિશાનીઓનો હજુ સમય નથી આવ્યો એ નિશાનીઓની અસર અત્યારે દેખાય રહી છે. માટે કયામતની આ નિશાની (ઉલમાનું અપમાન) જાહેર થાય એ સ્વભાવિક છે. બલકે જે કંઈ આજકાલ થઈ રહયું છે, એ ઓછું છે અને હજુ પછી આવતા ઝમાનામાં આ બધું હજુ વધારે થશે. નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમનું ફરમાન છે : એક એવો ઝમાનો આવશે, જેમાં ઉલમાએ કિરામને કુતરાઓની જેમ કતલ કરવામાં આવશે. કાશ ! તે સમયના ઉલમા જાણી જોઈને હડકાયા બની જાય. (એટલે કે એમના સમયના કહેવાતા ઉદારવાદી સત્તાધીશોના કામમાં દખલ ન કરે અને એમની સુધારણાની ફિકર ન કરે, જેથી એમની સતામણીથી મહફૂઝ રહે.)

એક હદીસમાં છે કે એક એવો ઝમાનો આવશે કે ઉલમાએ કિરામ મોતને સોના કરતાં વધારે સારી સમજશે.

એક હદીસમાં છે કે એક એવો ઝમાનો આવશે કે એમાં આલિમની વાત માનવામાં નહીં આવે. સજ્જન અને ધીરજવાન વ્યકિતની પણ શરમ કરવામાં નહીં આવે. નાનાઓ પ્રત્યે રહમ–દયા અને મોટાઓનું સન્માન જાળવવામાં નહીં આવે. દુનિયા મેળવવા માટે પરસ્પર ખૂના મરકી થશે. હલાલને હલાલ અને હરામને હરામ નહીં સમજવામાં આવે. નેક લોકો છુપાતા ફરશે. આ ઝમાનાના લોકો સૌથી બુરા લોકો ગણાશે અને અલ્લાહ તઆલા કયામતના દિવસે એમના તરફ ઝરા પણ ધ્યાન નહીં આપે.

એક હદીસમાં છે કે એક એવો સમય આવશે કે એમાં સાચો મોમિન એવી રીતે છુપાતો ફરશે, જેમ કોઈ મુનાફિક આજે તમારા વચ્ચે પોતાની ઓળખ છુપાવીને રહે છે. (ઈશાઅહ)

એક હદીસમાં છે કે મોમિન કોઈ 'ગો' દરમાં છુપાય જશે તો ત્યાં પણ અલ્લાહ તઆલા કોઈ મુનાફિક અથવા એવા કોઈ માણસને મોકલશે જે એને તકલીફ આપશે. (મજમઉઝઝવાઈદ)

માટે અલ્લાહ વાળાઓનું અપમાન, દીનદારોને બૂરું ભલું કહેવું અને ગાળો આપવી, બધું થઈને રહેશે. અને જેટલું આજે થઈ રહયું છે, એનાથી ઘણું વધારે થશે. અને ઉલમા, મશાઈખ, દીનદાર કે પરહેઝગારોની શું વાત? આજે તો સહાબએ કિરામ રદિ.ને ખુલ્લમ ખુલ્લા ગાળો આપવામાં આવે છે, એમનું અપમાન કરવામાં આવે છે. રાફઝી લોકો તો આવું પહેલેથી જ કરતા આવતા હતા, પણ કહેવાતા આધુનિક સુન્નીઓ તરફથી પણ આવું બધું કરવામાં આવે છે. જે સહાબી વિશે જેવું મનમાં આવે એ બોલી દેવામાં આવે છે. જે દિલમાં આવે એ લખી દેવામાં આવે છે. એમને કોઈ પૂછનારું નથી કે કોઈ રોકનાર નથી. હાલાંકે નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમનો ઈરશાદ છે : જે કોઈ મારા સહાબાઓને ગાળો આપશે, એના ઉપર અલ્લાહની લાનત છે. ફરિશ્તાઓની લઅનત છે. બધા જ માણસોની લઅનત છે. (જામેઅ)

નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે દુઆ ફરમાવી છે કે હે અલ્લાહ! મારે એવા દિવસો ન જોવા પડે, અથવા સહાબાને સંબોધીને ફરમાવ્યું કે દુઆ કરો કે તમારે એવા દિવસો ન જોવા પડે જેમાં આલિમને અનુસરવામાં ન આવે. સહનશીલ માણસની શરમ ન ભરવામાં આવે. એ ઝમાનાના લોકોના દિલ કાફિરો જેવા હશે, અને બોલીઓ મુસલમાનો જેવી હશે. (તરગીબ)

નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમનું ફરમાન છે : એક એવો ઝમાનો આવશે જેમાં દીન ઉપર અડગ રહેવું હાથમાં આગનો અંગારો પકડવા જેટલું અઘરું હશે. (ઈશાઅહ)

નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે કયામતની નિશાનીઓમાં એક બાબત આ પણ ગણાવી છે કે ખાનદાનમાં સાચો મોમિન બકરીના બચ્ચાથી પણ વધારે જલીલ અને તુચ્છ ગણાશે.

કયામતની નિશાનીઓમાં જ આ વાત પણ શામેલ છે કે ગુનેગાર લોકો ખાનદાનના સરદાર ગણાશે. કમીના લોકો કોમના આગેવાન હશે, અને બુરા લોકોની બુરાઈથી બચવા ખાતર એમનું સન્માન કરવામાં આવશે.

આ પણ કયામતની નિશાની છે કે ગાયિકાઓ – નાચનારીઓની સંખ્યા વધી પડશે, વાજિંત્રોની બોલબાલા હશે, પુષ્કળ દારૂ પીવાશે, અને ઉમ્મતના આગળા બુઝુર્ગોને બુરું ભલું કહેવામાં આવશે.

એક હદીસમાં છે કે એક એવો ઝમાનો આવશે, જેમાં કોઈ દીનદાર પોતાના દીનને બચાવી નહીં શકે, સિવાય કે એક પહાડેથી બીજા પહાડ ઉપર અને એક ગુફામાંથી બીજી ગુફામાં નાસતો છુપાતો ફરે. જેમ શિયાળ એના બચ્ચાઓને લઈને ફરતું રહે છે. આ ઝમાનામાં હલાલ રોઝી મુશ્કેલ થઈ જશે. અને અલ્લાહની નાફરમાની કર્યા વગર રોઝી મળવી મુશ્કેલ હશે. (ઈશાઅહ)

=કયામતની નિશાનીઓ વિશે આ પણ આવે છે કે,

=બજારોમાં મંદી હશે,

=ઝીના દ્વારા પેદા થયેલા લોકો વધી પડશે.

=ગીબત સામાન્ય વાત ગણાશે.

=માલદારોનું સન્માન કરવામાં આવશે.

=બુરાઈઓ – ગુનાહો કરનારા વધી પડશે.

=અને બાંધકામો પણ ખુબ થશે. (ઈશાઅહ)

=બુરી – બેહયાઈની વાતો,

=બદ અખ્લાકી,

=પાડોશીઓ સાથે ખરાબ વર્તન,

=અને અચાનકના મૃત્યુ વધી પડશે. (જેમ કે હાર્ટ એટેકમાં થાય છે.)

આવી બધી કયામતની નિશાનીઓ ઉલમાએ કિરામે આગવા પુસ્તકોમાં ભેગી કરી છે. અને આ બધી નિશાનીઓમાંથી વધુ પડતી નિશાનીઓ આજે જોવામાં આવી રહી છે. તો પછી આ નિશાની પણ જોવામાં આવે એ સ્વભાવિક છે. બલકે હજુ એમાં જે કમી છે એ પણ પૂરી થઈને રહેશે. અને અપમાનનું આ વર્તન ફક્ત ઉલમા પૂરતું સિમિત નથી, બલકે દરેક દીનદારનો આ જ હાલ થશે. દીન ઉપર અમલ કરવું હાથમાં અંગારો લઈને ફરવા જેટલું અઘરું હશે. એક હદીસમાં છે કે કયામતની નિશાની આ પણ છે કે સાચા માણસોને જુઠાડવામાં આવશે અને જૂઠાઓને સાચા કહેવામાં આવશે. (ઈશાઅહ)

તંદુરસ્તી અને સ્વાસ્થ્યની હિફાજત માટે મસ્નુન દુઆઓ

તંદુરસ્તી અને આરોગ્યની સંભાળ માટેની દુઆઃ

اللّٰهُمَّ عَافِنِي فِي بَدَنِي ، اَللّٰهُمَّ عَافِنِي فِي سَمْعِي ، اللّٰهُمَّ عَافِنِي فِي بَصَرِي لَا إلٰه إلَّا أنت (الأدب المفرد للبخاري ، باب الدعاء عند الكرب، صحيح ٥٤٢/٧٠١)

હે અલ્લાહ તઆલા ! તુ મારા શરીરને તંદુરસ્તી આપ, હે અલ્લાહ તઆલા તું મારી શ્રવણ શકિત(સાંભળવાની શકિત)ને આફિયતથી સલામત રાખ, હે અલ્લાહ ! તું મારી દ્રષ્ટિ (આંખોની) શકિતને સલામત રાખ, તારા સિવાય કોઈ ઈબાદતના લાયક નથી.

કાન – આંખની આફિયત માટે દુઆ :

اللّٰهُمَّ مَتِّعْنَا بِأَسْمَاعِنَا وَأَبْصَارِنَا وَقُوَّتِنَا مَا أَحْيَيْتَنَا: (ترمذی : ٣٥٠٢، حسن)

હે અલ્લાહ! તુ અમને અમારી શ્રવણ શકિત(સાંભળવાની શકિત)ને અને આંખોની શકિતને અને સઘળી શકિતઓને જીવતા સુધી આફિયતથી સલામત રાખ.

દરેક પ્રકારની બિમારીથી હિફાજત માટે :

اللّٰهُمَّ إِنِّي أَعُوذُ بِكَ مِنَ الْبَرَصِ وَالْجُنُونِ وَالْجُذَامِ وَ مِنْ سَيِّئُ الْأَسْقَامِ . (أبو داؤد: ١٥٥٤ ، صحيح)

હે અલ્લાહ! હું સફેદ કોઢ, ગાંડપણ, અને રકતપિત્ત અને દરેક પ્રકારની બિમારીથી તારી પનાહ માગું છું(શરણમાં આવું છું).

ઘડપણ અને તકલીફોથી બચવા માટે દુઆ :

اللّٰهُمَّ إِنِّي أَعُوذُ بِكَ مِنَ الْبُخْلِ وَأَعُوذُ بِكَ مِنَ الْحُبْنِ وَأَعُوذُ بِكَ أَنْ أُرَدَّ إِلَى أَرْذَلِ الْعُمْرَ وَأَعُوذُبِكَ مِنْ فِتْنَةِ الدُّنْيَا وَأَعُوذُ بِكَ مِنْ عَذَابِ الْقَبْرِ. (صحيح بخارى ٦٣٧٠)

હે અલ્લાહ તઆલા ! હું કંજુસીથી તારી પનાહ માગું છું, અને કાયરાતાથી તારી પનાહ માગું છું, અને એવા ઘડપણથી તારી પનાહ માગું છું જેમાં અકલ જતી રહે અને બીજાનો મોહતાજ થઈ જાઉં, અને દુનિયાના ફિત્નાથી તારી પનાહ માગું (શરણમાં આવું) છું, અને કબ્રના અઝાબથી તારી પનાહ માગું છું. પરિવાર અને માલ દોલતની હિફાજત માટે દુઆ:

اللَّهُمَّ إِنِّي أَسْأَلُكَ الْعَفْوَ وَالْعَافِيَةَ فِي الدُّنْيَا وَالْآخِرَةِ، اللَّهُمَّ إِنِّي أَسْأَلُكَ الْعَفْوَ وَالْعَافِيَةَ فِي دِينِي وَدُنْيَايَ وَأَهْلِي، وَمَالِي، اللَّهُمَّ اسْتُرْ عَوْرَاتِي، وَآمِنْ رَوْعَاتِي

હે અલ્લાહ તઆલા ! હું તારા પાસે મારા દીન, દુનિયા પરિવાર અને માલ દોલતમાં માફી અને આફિયતનો સવાલ કરું છું. હે અલ્લાહ તઆલા ! મારી ઐબ (ભુલો અને બુરાઈ) ઉપર પરદો નાખી આપ અને મને દરેક પ્રકારના ડરથી અમન આપ.

દરેક પ્રકારના નુકસાનથી બચાવ માટે દુઆ : (ત્રણ વાર પઢવી)

بسم اللهِ الَّذِي لَا يَضُرُّ مَعَ اسْمِهِ شَيْءٌ فِي الْأَرْضِ وَلَا فِي السَّمَاءِ وَ هُوَ السميع العليم (ترمذی ۳۳۸۸، حسن، صحیح)

હું તે અલ્લાહ તઆલાના નામથી શરૂ કરૂં છું જેને આસ્માન – જમીનમાં કોઈ વસ્તુ નુકસાન નથી પહોંચાડી  શકતી, અને તે ખુબ સાંભળવા વાળો અને જાણવાવાળો છે.

લોકોની તકલીફથી બચાવ માટે દુઆ :

أَعُوذُ بِكَلِمَاتِ اللَّهِ التَّامَّاتِ مِنْ شَرِّ مَا خَلَقَ (صحيح مسلم (۲۷۰۹)

હું અલ્લાહ તઆલાના બધા જ નામો અને સિફાત થકી તમામ મખ્લૂકની દુષ્ટતાથી પનાહ માગું છું.

અલ્લાહ તઆલાની નારાજગી અને ગુસ્સાથી બચવા માટેની દુઆ:

اللهم إنِّي أَعُوذُ بِكَ مِنْ زَوَالِ نِعْمَتِكَ وَتَحَوُّلِ عَافِيَتِكَ وَفُجَاءَةِ نِقْمَتِكَ وَ جَمِيْعِ سَخَطِكَ . ( صحيح مسلم (۲۷۳۹)

હે અલ્લાહ તઆલા ! આપે આપેલ નેઅમતોના છીનવાઈ જવાથી અને તારી આપેલ આફિયત અને તંદુરસ્તીના જતા રહેવાથી અને અચાનકથી તારી પકડ આવવાથી તારી પનાહ માગું છું.


નિકાહમાં મહેરનું મહત્વ

ઈસ્લામી શરીઅત મુજબ નિકાહમાં 'મહેર'નું ઘણું મહત્વ છે. નિકાહમાં મહેર હોવી બુનિયાદી શરત છે. બલકે મહેર વગરનો કોઈ નિકાહ સ્વીકાર્ય જ નથી. જો નિકાહ કરનાર દુલ્હા-દુલ્હન પરસ્પર સહમતીથી પણ મહેર વગર નિકાહ કરવાનું નક્કી કરે, કે નિકાહ કરી લે તો પણ શરીઅતનો હુકમ છે કે ઓરતને મહેર આપવી પડશે. હા, ત્યાર પછી ચાહે ઓરત એ મહેરને માફ કરી દે કે પાછી આપી દે, એ ઓરતની મરજી છે, પણ નિકાહનું બંધન મહેર વગર ન હોય એ શરીઅતમાં માન્ય નથી.

નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ પોતાના નિકાહમાં મહેર નક્કી કરીને નિકાહ કરતા હતા. પોતાની પુત્રી હઝરત ફાતિમહ રદિ.ના હઝરત અલી રદિ. સાથે નિકાહ કરાવ્યા તો હઝરત અલી રદિ. પાસેથી એમને મહેર અપાવી.

તફસીર હિદાયતુલ કુરઆનમાં છે કે ઈસ્લામ પૂર્વે જહાલતકાળમાં પણ અરબના સજ્જન લોકોમાં નિકાહ વેળા મહેર આપવાનો રિવાજ હતો. ઇસ્લામમાં પણ આ સારી પ્રથાને બાકી રાખીને જરૂરી ઠેરવવામાં આવી.

એના બે ફાયદાઓ છે :

મહેરના કારણે નિકાહ ટકાઉ રહે છે. અને તૂટવાથી બચે છે. અને આમ થવાથી નિકાહનો મકસદ આશય પણ પૂર્ણ થાય છે. નિકાહનો મકસદ પ્રાપ્ત થાય એ માટે જરૂરી છે કે મીયાં - બીવી બંને એક બીજાને કાયમના સાથી, મદદગાર અને એકબીજાના પૂરક સમજે. સામાન્ય સ્થિતિમાં ઓરત તરફથી તો નિકાહ થતાં જ આ વિશેની બાંહેધરી પુરૂષને મળી જ જાય છે, અને તે એવી રીતે નિકાહ પછી ઓરતનો મામલો શોહરના હાથમાં આવી જાય છે. અને ઘર સંચાલન, તલાક વગેરે બાબતોના અધિકાર શોહરને મળી જાય છે. પણ પુરૂષ તરફે પણ કોઈ એવી વ્યવસ્થા કરવી જરૂરી હતી જેના લઈ તે પણ આ સંબંધમાં કાયમી રીતે બંધાયેલો અને પાબંદ રહે. આ માટે કોઈ એવો નિયમ બનાવવામાં આવે કે શોહર તલાક પણ આપી શકે નહીં તો આવો કાયદો નિકાહના સંબંધ માટે ઘણો નુકસાનકારક હોત, કારણ કે પછી તો આવા સંબંધમાં એકવાર બંધાય ગયા પછી નીકળવાનો કોઈ રસ્તો જ ન રહેત. તલાકનો અધિકાર કોર્ટ – કચેરીને આપવો પણ યોગ્ય બાબત ન કહેવાય, કારણ કે મીયાં-બીવીની વાતો કોર્ટ કચેરી સમક્ષ મુકવી શક્ય નથી હોતી. એટલે શોહરને તલાકનો અધિકાર આપવાની સાથે એના માટે વધારાની શરત મહેરની નક્કી કરવામાં આવે. જેથી શોહર તલાક આપવાથી બચતો રહે. એટલે કે પાછલા નિકાહની મહેર બાકી હશે તો તલાક વેળા ઓરત મહેર માંગશે એ બીકે... અથવા તલાક પછી નવા નિકાહ વેળા પણ મહેરની વ્યવસ્થા કરવી પડશે. એ બીકે શોહર નિકાહના બંધનને તોડવાથી બચતો રહેશે. નિકાહમાં મહેર નક્કી કરવાની આ મસ્લેહત અને ફાયદો તફસીરની કિતાબોમાં વર્ણવવામાં આવેલ છે, એનાથી પુરવાર થાય છે કે મહેરની રકમ એટલી વધારે જરૂર હોવી જોઈએ કે એ રકમ આપવામાં શોહરના ઉપર બોજ પડે, અને એની ચુકવણીમાં શોહરને થોડો પરસેવો પડે, જેથી કરીને તલાક આપતી વેળા એને વિચાર આવે કે તલાક આપીશ તો નવા નિકાહ માટે મહેરની વ્યવસ્થા કરવી પડશે, અને પહેલી ઓરતની મહેર બાકી હશે તો એ પણ આપવી પડશે, અને આમ વિચારીને એ તલાક આપતાં પહેલાં વારંવાર વિચારે.

બીજો ફાયદો આ છે કે મહેર નક્કી કરવાના કારણે નિકાહના બંધનનું મહત્વ સ્પષ્ટ થાય છે. લોકોના દિલમાં માલની મુહબ્બત હોય છે, અને જયાં સુધી સામે કોઈ વધારે મહત્વની વસ્તુ ન મળે, માણસ પોતાનો માલ છોડવા રાજી નથી થતો. નિકાહમાં મહેર કરવાથી સ્પષ્ટ થાય છે કે નિકાહનો સંબંધ માલ કરતાં પણ વધારે કિમતી અને મહત્વનો છે.

નિકાહમાં મહેર નક્કી કરવાના બીજા પણ અમુક ફાયદાઓ છે. જેમ કે, મહેરમાં યોગ્ય રકમ નક્કી કરવાથી સગાઓ ખુશ થાય છે, વિષેશ કરીને ઓરતના સગાઓને ખુશી થાય છે કે અમારી દીકરીને શોહરે યોગ્ય સન્માન આપ્યું છે. મહેર નક્કી કરવાથી નિકાહ અને ઝીના—મસ્તી વચ્ચે તફાવત સામે આવે છે.


ઇસ્લામી સંસ્કાર અને સંસ્કૃતિ

ઈસ્લામની આ આગવી વિશેષતા છે કે સામાજિક, સંસ્કારિક અને આધ્યાત્મિક આદર્શો અને કેળવણી માટેનું આગવું માળખું ઇસ્લામ પાસે ઉપલબ્ધ છે. જેમાં સૌથી મહત્વની બાબત આ છે કે ઇસ્લામ દ્વારા લોકોને પરસ્પર એકબીજાને ધર્માનુસરણની તાકીદ કરવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે. ઇસ્લામી પરિભાષામાં એને 'અમ્રબિલમઅરૂફ' (સારા કામો કરવાની સલાહ) અને 'નહિઅનિલમુન્કર' (બુરા કામોની રોકટોક) કહેવામાં આવે છે. એના માટે યોગ્ય રીત - પ્રણાલી અપનાવવાની તાકીદ કરવામાં આવી છે. વિશેષ કરીને ધર્મ બાબતે કોઈ દબાણ ન કરવાનો સ્પષ્ટ આદેશ છે. કોઈ માણસ સત્તા કે બીજા કોઈ પરિબળનું દબાણ બનાવીને લોકોને પરાણે મુસલમાન બનાવતો હોય કે બનાવ્યા હોય તે એ માણસે ખોટું કામ કર્યું છે. ઈસ્લામની સાચી તાલીમને એના સાથે કોઈ લેવા દેવા નથી.

સ્વરક્ષણ માટે, ધર્મરક્ષા માટે, જાલિમ, અત્યાચારી અને અન્યાયી સત્તાને પરાસ્ત કરીને લોકોને ન્યાય અને અધિકારો અપાવવા માટે પોતે પહેલ કરીને અથવા સ્વરક્ષા માટે રક્ષણાત્મક લડાઈ અને યુદ્ધની ઈસ્લામ પરવાનગી આપે છે. આવી લડાઈને ઈસ્લામી પરિભાષામાં 'જિહાદ' કહેવામાં આવે છે.

ખુદાની મખ્લૂક અને બંદાઓ સાથે સદવર્તન, સેવા, સહકાર અને સંસ્કાર સાથે રહેવા ઉપર ઇસ્લામમાં ભાર આપવામાં આવ્યો છે. દિલોને ફતેહ કરનારી તલવાર 'અખ્લાક' છે. કુરઆનમાં વારંવાર ભલાઈ અને સદવર્તન અને નરમી વર્તવાની તાકીદ કરવામાં આવી છે. પયગંબર સાહેબના જીવન ચરિત્રમાં એનો અમલી નમૂનો છે. ઉદારતા, ઉપકાર, રહમ અને માફીની શિખામણ આપવામાં આવી છે. જુલમ, અત્યાચાર, સગાઈ સંબંધ તોડવાની મનાઈ છે. મા-બાપની સેવા કરવાનો હુકમ સૌથી ઉપર છે. સ્ત્રીઓને વારસાઈમાં ભાગ આપવામાં આવ્યો છે. સ્ત્રીઓ સાથે સદવર્તન કરવાનો અને એમને પણ ઘરના પુરૂષ સભ્યોની જેમ સન્માન – સ્થાન આપવામાં આવ્યું છે.

અનાથ અને નિરાધાર લોકોની સહાય કરવાનો સ્પષ્ટ ખુદાઈ આદેશ કુરઆનમાં છે. છોકરીઓની કેળવણીની તાકીદ કરવામાં આવી છે, એને સવાબનું કામ કરાર દેવામાં આવ્યું છે. બાળકોના યોગ્ય ઘડતર અને શિક્ષણ માટેના અનેક આદેશો અને આદર્શો પણ દર્શાવવામાં આવ્યા છે.

દરેક પ્રકારના પ્રાણીઓની રક્ષા કરવા અને જરૂરત વગર એમને મારવાની મનાઈ છે. વધારે બોજ લાદવાની કે ભુખ્યા તરસ્યા રાખવાની પણ મનાઈ છે. ફળદ્રુપ અને છાંવ વાળા ઝાડો ન કાપવાનું કહેવામાં આવ્યું છે.

જેમ લીલોતરી અને ઝાડ - ફળને ખોરાક માટે ખાવા કે અન્ય જરૂરતો માટે કાપવાની પરવાનગી છે એ જ પ્રમાણે અમુક જાનવરોને પણ ખોરાક માટે ખાવાની અને બીજી જરૂરતો માટે ઉપયોગમાં લેવાની પરવાનગી છે.

પાડોશીઓ અને મહેમાનોની સેવા કરવા ઉપરાંત એમના પણ અનેક અધિકારો બતાવવામાં આવ્યા છે.

મુસલમાનોને એક બીજા ઉપર આવતા હકો અને સામાન્ય માણસના લાગુ પડતા હકોની વિસ્તૃત જાણકારી આપીને એના પાલનની તાકીદ કરવામાં આવી છે.

ઈલ્મ જ્ઞાન પ્રાપ્ત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. લજજા, પાકદામની, સફાઈ, સચ્ચાઈ, નેકી અને ભલાઈ અપનાવવાની પ્રેરણા આપવામાં આવી છે.

જૂઠ, તોહમત, દગો, ફરેબ, અપશબ્દો બોલવા, નિંદા, કુથલી, અપમાન અને અશ્લીલતાને મોટા ગુનાઓ ઠેરવવામાં આવ્યા છે.

દારૂ – મદિરા અને વ્યાજખોરી હરામ છે.

પયગંબર સાહેબે એમની હયાતીમાં ઇસ્લામી સંસ્કારો અને આદર્શો આધારિત એક સુંદર સમાજની રચના કરીને એક ઉચ્ચ નમૂનો પણ લોકો સમક્ષ રજૂ કરી દીધો છે. ઈસ્લામી આદર્શોની ફક્ત ફિલોસોફી નથી શિખવાડવામાં આવી, બલકે નેકી, પાકી, પવિત્રતા, શિયળતા અને સંસ્કાર આધારિત અમલી સ્વરૂપે એક સમાજની રચના પણ કરવામાં આવી.

ચરિત્ર ઘડતર માટે એટલા સુંદર અને ઉચ્ચ સંસ્કારો દર્શાવવામાં આવ્યા છે કે માણસ એનાથી પ્રભાવિત થયા વિના રહી જ ન શકે. પયગંબર સાહેબના સમયકાળમાં અને ત્યાર પછીના ખલીફાઓના ઝમાનામાં એના ઉચ્ચ નમૂનાઓ ઈતિહાસના પુસ્તકોમાં વાંચી શકાય છે.


શરઈ માર્ગદર્શન ફતાવા વિભાગ

મવ. મુફતી અસ્જદ દેવલ્વી સાહેબ તસ્દીક કર્તા

મવ. મુફતી અહમદ દેવલા સદર મુફતી જામિઅહ જંબુસર

ખરીદ વેચાણ તેમજ અન્ય કામોની દલાલી અને મહેનતાણાનો હુકમ

સવાલ : (૧) એક પાર્ટીનું ખેતર છે, તે ખેતર ખાલિદભાઈને અમુક રકમ આપી આ ખેતરમાં પાર્ટી સાથે ભાગીદાર બનાવ્યા છે, પાર્ટીએ આ સોદો પાર પાડવા બદલ મને દશ હજાર રૂપિયા આપવાનું કહેલું, મેં પાર્ટી પાસે દલાલી લેવાની કે ખૂશ કરવાની કોઈ વાત કરી જ નથી, છતાં તેઓ દશ હજાર આપવાનું કહે છે, તો આ રકમ હું લઉં તો તે દલાલી ગણાશે કે નહીં?

(૨) ઉપરોકત ખેતરમાં ખાલિદભાઈને મેં ભાગીદાર બનાવ્યા ત્યારે ખેતરનો હિસાબ રાખવો, વેચાણ હિસાબ તપાસવો, દર મહીને હિસાબ કરવો વિગેરે જિમ્મેદારી પેટે ખાલિદભાઈને મળતા નફામાંથી ૧૮ ટકા નફો લેવાનું નક્કી કર્યું છે, આ નફો લેવો ભાગીદારી ગણાશે કે પછી મહેનતાણું ગણાશે ? કે દલાલી? એ જણાવવા નમ્ર અરજ સહ આ વાતચીત ખાલિદભાઈ અને મારી વચ્ચે થઈ છે, એમાં પાર્ટીને કોઈ લેવા દેવા નથી. પાર્ટી સાથેની ભાગીદારીમાં નોટરી કરવામાં મારું નામ લખવાનું છે, તો ભાગીદારી, મહેનતાણું કે દલાલી ગણાશે ?

જવાબ: حامدا ومصليا و مسلما 

(૧) આપે જે હકીકત દર્શાવી છે, તે મુજબ સદર દશ હજારની હેસીયત નીચે મુજબ રહેશે. જો આપ દલાલી રૂપે જ કામ કરતા હોય અને આપનું દલાલ હોવું પ્રચલિત હોય, તો પછી આ રકમ દલાલીરૂપે ગણાશે અને જો આ૫ દલાલી રૂપે કામ કરતા ન હોય અને લોકોમાં આ વાત પ્રચલિત ન હોય, તો આ રકમ બક્ષિશ રૂપે શુમાર થશે. બન્નેવ સુરતોમાં આ રકમ આપના માટે હલાલ છે.

وعند الفقهاء مشهور المعروف كالمشروط كما هي مصرح في كتب الفقه وقواعد الفقه

(૨) જે સ્થિતિ આપે વર્ણન કરેલ છે, તે મુજબ આ સૂરત મહેનતાણાની છે, આપે જે કામ શિરે લીધુ છે, તેના ઉપર મહેનતાણું લેવું દુરુસ્ત છે, પરંતુ એ વિશે શર્ત એ છે કે મહેનતાણુ તેમજ કામ નકકી અને ચોક્કસ હોવુ જોઈએ, રજૂ કરેલ સૂરતમાં મહેનતાણાની માત્રા ચોક્કસ થતી નથી, બલકે મજહૂલ- અચોક્કસ રહે છે, માટે આ રીતનો મહેનતાણાંનો મુઆમલો દુરૂસ્ત નથી. માટે અત્યાર સુધી આપે જે કામ કર્યું, તેનું બજારમાં જે મહેનતાણું ચાલતુ હોય, પ્રચલિત હોય, તે મળશે અને હવે પછીથી નવેસરથી મુઆમલો કરવામાં આવે અને મહેનતાણુ ટકાવારીથી નહીં, બલકે માસિકરૂપે અથવા વાર્ષિકરૂપે અથવા રોજના હિસાબથી ચોક્કસ માત્રામાં નક્કી કરવામાં આવે, ભલે પછી તેને હમણાં વસૂલ કરવામાં ન આવે. (ફતાવા દારૂલ ઉલૂમ : ૧૫ / ૨૬૪, ૨૬૫ ઉપરથી)

તમો સદર જમીનનો દલાલ બની સોદો કરાવો, તો તે વેળાએ દલાલી ટકાવારીથી નક્કી થાય તે મુજબ લેવાની ગુંજાઈશ છે, (૧૫ / ૨૮૯ ઉપરથી) ફકત અલ્લાહ તઆલા વધુ જાણનાર છે. (તા. ૨૦ / રમઝાન, ૧૪૩૫ હિજરી)

પાકના નુકસાન ઉપર મળતી સરકારી મદદનો હકદાર કોણ ?

સવાલ : એક વ્યકિતએ પોતાની જમીન દાણે આપી દીધી છે અને જે તે રકમ રોકડ દાણ પેટે લઈ લીધી છે, હવે હાલમાં સરકાર તરફથી વધુ વરસાદથી ખેતીનું નુકસાન ધોવાણ થવાથી સરકાર પેટે મદદ મળી રહી છે, તો એ સરકારી મળેલ મદદ બાબત શું હુકમ છે ? જમીન માલિક હકદાર છે કે પછી દાણે લેનાર? જો ઉપરોકત જમીનને આધે ભાગે આપી હોય તો શું હુકમ છે? જણાવવા વિનંતી.

જવાબ : પાછલા દિવસોમાં વધુ વરસાદ થવાના લઈ, પાકમાં થયેલ ખેડૂતોના નુકસાનમાં સહાયરૂપ થવા, જે કંઈ રકમ સરકાર મદદ પેટે આપે છે, તે સરકાર તરફથી એક રીતની મદદ હોય, દરેક તે ખેડૂત લઈ શકે છે, જે સરકારના ધારા – ધોરણો મુજબ મજકૂર સહાયનો હકદાર બનતો હોય.

સરકાર તરફથી પ્રાપ્ત થતી આ પ્રકારની સહાયમાં જો સરકાર તેને જ આપવા માંગતી હોય, જેનું નામ આ માટે નોમિનેટ કરવામાં આવેલ છે, તો આવી સૂરતમાં તે વ્યકિત જ માલિક ગણાશે, જેના નામની સહાય મંજૂર કરાવવામાં આવી છે.

અલબત્ત સરકારનો આશય એ હોય કે ભલે ચોક્કસ નામથી સદર સહાય જારી કરવામાં આવી છે. પરંતુ એ થકી જે તે ખેડૂત (જેમના પાકનું વરસાદના લઈ ધોવાણ થયું છે)ને મજકૂર સહાય પહોંચે, તો પછી આ સહાય સર્વે જમીન દાણે લેનાર ખેડૂતને આપવામાં આવશે, જમીન માલિકનું કોઈ નુકસાન થયુ નથી એટલે તેને તેમાંથી કંઈ મળશે નહી.

અને જો જમીન આધે ભાગે આપવામાં આવી હોય, તો પછી જમીન માલિક અને ખેડૂત બન્નેવના પાકમાં નુકસાનના પ્રમાણેથી, સદર સહાયની વહેંચણી કરી આપવામાં આવશે. કારણ કે મકસદ જે તે પાકમાં થયેલ નુકસાનને ભરપાઈ કરવું છે, અને નુકસાન આવી સૂરતમાં બન્નેવનું જ હોય, બન્નેવ પાકમાં પોતાના ભાગ પ્રમાણેથી હકદાર ઠરશે. માત્ર જેના નામથી મદદ લેવામાં આવી છે, તે જ હકદાર ઠરશે નહીં. (શામી : ૪ / ૫૦૮, મવ. ફિકહિયહ : ભાગ : ૪૫-૨૯, મહમૂદુલ ફતાવા : ૩ /૪૫૧ ઉપરથી) ફકત અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.(તા. ૨/ જુમાદલ ઉખરા, ૧૪૩૫ હિજરી - ૩/૪/૨૦૧૪ ઈસ્વી)


ગુનાહે સગીરહ અને ગુનાહે કબીરહ

અહલે સુન્નત વલ જમાઅત ઉલમા આ બાબતે એકમત છે કે કબીરહ ગુનાહની માફી માટે માણસે તોબા કરવી જરૂરી છે. અને તોબામાં આ પણ શામેલ છે કે ગુનામાં કોઈ માણસનો હક હોય તો એ અદા કરવો અથવા એ માણસ પાસે માફ કરાવવું પણ જરૂરી છે. તોબા વગર આવા કબીરહ ગુનાહો માફ થશે નહીં અને આખિરતમાં માણસે એની સજા ભોગવવી પડશે. અલબત્ત સગીરહ ગુનાહો વિશે કુરઆન અને હદીસથી પુરવાર થાય છે કે નેકી કરવાની બરકતથી અલ્લાહ તઆલા સગીરા ગુનાહો માફ કરી દે છે. સૂરએ હૂદમાં અલ્લાહ તઆલા ફરમાવે છે :

બેશક નેકીઓ બુરાઈઓને ખતમ કરી દે છે. (૧૧૪)

અલબત્ત સગીરહ અને કબીરહ ગુનાહોનું સ્પષ્ટ વર્ગીકરણ કે વ્યાખ્યા કુરઆન - હદીસમાં વર્ણન કરવામાં આવી નથી. કોઈ પણ ગુનો એના કરતાં વધારે મોટા ગુના સામે સગીરહ (નાનો) અને એનાથી નાના ગુના સામે કબીરહ (મોટો) કહી શકાય છે. અને આવું કદાચ એટલા માટે છે કે જો અમુક તમુક ગુનાહો બાબતે સગીરહ હોવાનું નક્કી કહી દેવામાં આવત તો લોકો એવા ગુનાહો કરવામાં બિન્દાસ બની જાત. એટલે માણસ ડરતો રહે અને દરેક ગુના વિશે કબીરહ હોવાની બીકે બચતો રહે, એટલે સગીરહ અને કબીરહ ગુનાહો અલગ અલગ તારવવામાં આવ્યા નથી.

હઝરત ઈબ્ને અબ્બાસ રદિ.ની રિવાયત છે કે કબીરહ ગુનાહો લગભગ ૭૦૦ છે. અને ઈબ્ને હજર હયષુમી રહ.એ “અલ જવાઝિર'માં વર્ણવ્યા છે. અત્રે ફકત એક હદીસ વર્ણવવામાં આવે છે, જેમાં સાત એવા મોટા ગુનાહોનું વર્ણન છે જે માણસને બરબાદ કરી શકે છે:

હદીસ શરીફમાં નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમનો ઈરશાદ છે : સાત એવા ગુનાહોથી બચો જે માસણનું સત્યાનાશ વાળી દે છે. સહાબા રદિ.એ પૂછયું કે હે અલ્લાહના રસૂલ ! એ ગુનાહો કયા છે ? તો આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે ફરમાવ્યું : (૧)અલ્લાહ તઆલા સાથે શિર્ક કરવું. (૨) જાદુ કરવું કે કરાવવું. (૩) કોઈને નાહક કતલ કરવું. (૪) વ્યાજ લેવું દેવું. (૫) યતીમનો માલ હડપ કરી જવો. (૬) શત્રુઓ સાથે લડાઈમાં પીઠ ફેરવીને નાસવું. (૭) પાકદામન મુસલમાન ઓરત ઉપર ઝિનાની તોહમત લગાવવી. (મિશ્કાત શરીફ)

ઉલમાએ કિરામે અમુક કાયદાઓ વર્ણવ્યા છે જેના આધારે સગીરહ અને કબીરહ ગુનાહોને ઓળખી શકાય છે. એક કથન અનુસાર :

  • જે ગુનાહ બાબતે કોઈ વઈદ – અઝાબની ધમકી કુરઆન કે હદીસમાં વર્ણવવામાં આવી હોય.

  • જે ગુનાહની કોઈ શરઈ-દુન્યવી સજા (હદ) નક્કી કરવામાં આવી હોય.

  •  જે ગુનાહ કરવા ઉપર કુરઆન કે હદીસમાં લઅનતનું વર્ણન હોય.

  • જે ગુનાહ ખરાબી અને નુકસાનમાં ઉપરોકત ત્રણ પ્રકારના ગુનાહોથી વધીને હોય..

  • જે ગુનાહ દીન - ઇસ્લામ પ્રત્યે અપમાન અને ધિક્કારની ભાવનાથી કરવામાં આવ્યો હોય….

સગીરહ ગુનાહની આદત બનાવીને વારંવાર કરવાથી એ પણ કબીરહ બની જાય છે.

ઉપરોકત પાંચ બાબતોમાંથી કોઈ બાબત લાગુ પડતી હોય તો એ કબીરહ ગુનાહ છે. નહીંતર સગીરહ ગુનાહ કહેવાશે.


સૂરએ નિસાઅમાં અલ્લાહ તઆલા ફરમાવે છે: જો તમે એવા કબીરહ ગુનાહોથી બચીને રહેશો, જેનાથી તમને રોકવામાં આવ્યા છે તો અમે તમારી બુરાઈઓ (સગીરહ ગુનાહો) માફ કરી દઈશું. અને તમને ઈઝઝતવાળા સ્થળે એટલે કે જન્નતમાં પ્રવેશ આપીશું. (૩૧)

ઉલમાએ કિરામ ફરમાવે છે કે અલ્લાહ તઆલાની મહાનતા અને માણસ ઉપર એના એહસાનો જોતાં કોઈ પણ પ્રકારનો ગુનો અલ્લાહ તઆલાની શાનમાં ગુસ્તાખી અને કબીરહ ગુનાહ જ ગણાય. એટલે માણસે સગીરહ કબીરહના ફરકમાં પડયા વગર બધા જ ગુનાહોથી બચવાની કોશિશ કરવી જોઈએ. સગીરહ અને કબીરહનો ફરક ગુનાહોના નાના-મોટા હોવાનું દર્શાવવા માટે છે. એટલા માટે નહીં કે માણસ કોઈ ગુનાને નાનો સમજીને એને કરવાની હિમ્મત કરે કે આદત બનાવી લે.


ખ્વાજા ફરીદુદ્દીન રહ.ની વફાત

રાહતુલ કુલૂબમાં છે કે, શેખ ફરીદુદ્દીન ગંજશકર રહ.ની વફાતના અમુક દિવસ પહેલાં શમ્સ દબીર શાયરે ખ્વાજા નિઝામી ગંજવીના અમુક અશ્આર સંભળાવ્યા :

جہاں چیست بگذر ز نیرنگ او -- رہائی بچنگ آر از چنگ او

 مقیمے نہ بینی دریں باغ کس -- تماشا کند هر یکے یک نفس 

درو ہر دے تو برے می رسد - یکے میرود دیگری می رسد

 جہاں گرچہ آرام گا ہے خوش است -- شتابنده را نعل در آتش است

 یکی را در آرد به هنگامه تیز -- دیگر را از هنگامه گوید که خیز

نظامی سبک باش یاران شدند -- تو ماندی و غم گساران شدند

આ દુનિયા શું વસ્તુ છે ? એની માયાજાળ તોડીને આગળ વધો. એની ચુંગલમાંથી છુટકારો મેળવો. આ દુનિયામાં ઠરીઠામ થયેલો કોઈ માણસ તમને ન મળશે. દરેક માણસ એક ઘડી તમાશો કરીને જાય છે. એમાં દરેક પળે કોઈને કોઈ નવું આવતું રહે છે. એક જાય છે અને બીજો આવે છે. દુનિયા એમ તો આરામનું શ્રેષ્ઠ ઠેકાણું છે, પણ (આખિરતનો) ઉતાવળો માણસ આગ ઉપર ચાલતો હોય (એમ પરેશાન રહે) છે. કોઈને આ ભાગદોડમાં ઝડપથી દોડાવે છે, તો કોઈને કહે છે આ ભાગદોડમાંથી બહાર આવી જાઓ. 'નિઝામી' હળવો થા, બધા દોસ્તો ચાલ્યા ગયા. તું એકલો રહી ગયો છે, અને ગમના બધા મદદગારો મરી પરવાર્યા છે.

અશ્આર સાંભળીને શમ્સ દબીરથી ઘણા ખુશ થયા, એમને એક વિશેષ ઝભ્ભો ઈનામમાં આપ્યો, અને પછી તિલાવતમાં મશ્ગૂલ થઈ ગયા. દરેક સાથે વાતચીત બંધ કરી દીધી. (રાહતુલ કુલૂબ : ૭૧)

૫, મુહર્રમુલ હરામ, હિજરી સન ૬૬૪, ૧૨૬૬ ઈસ.માં આપ રહ.નો ઈન્તેકાલ થયો. સિયરુલ અવલિયામાં લખવા મુજબ આંતરડાની બીમારી મોતનો સબબ બની. મોડી રાત્રે ઈશાની નમાઝ પછી આપ રહ.નો ઈન્તેકાલ થયો અને અજોધન (પાકપટ્ટન)માં દફન કરવામાં આવ્યા.

બોધકથા

એક રાજા નાવડીમાં બેસીને દરિયાની સેર કરવા નીકળ્યો હતો. સાથે અમુક દરબારીઓ અને ગુલામ - ચાકરો પણ હતા. એક ચાકર એવો પણ હતો જે કદી નાવડીમાં બેસ્યો જ ન હતો. ચારે તરફ પાણી જોઈને એ ગભરાય ગયો. અને મોટેથી રડવા લાગ્યો. એના કકળાટથી રાજાની સેર અને સહેલની મજા બગડી ગઈ, ઘણો બધો સમજાવવા છતાં એ શાંત થતો ન હતો.

નાવડીમાં એક અનુભવી અને બાહોશ માણસ પણ હતો, એ સામે આવ્યો અને કહેવા લાગ્યો કે રાજા સાહેબ રજા આપે તો હું આ ગુલામની બીક–બેચેની ખતમ કરી શકું છું. રાજાએ તુરંત હા ભરી દીધી. અનુભવી માણસે બીજા ગુલામોને આદેશ કર્યો કે આ ગુલામને દરિયામાં ફેંકી દયો. બધાએ ઉંચકીને એને દરિયામાં ફેંકી દીધો. બેચાર ડૂબકીઓ ખાધા પછી અનુભવી માણસે હુકમ કર્યો કે હવે એને પાછો ખેંચી લ્યો. થોડી વાર પહેલાં ડૂબવાની બીકે શોરબકોર કરી રહેલ ગુલામ હવે શાંતિથી એક ખુણામાં બેસી ગયો હતો.

રાજાએ પેલા અનુભવી અને બાહોશ માણસને પૂછયું કે, તમે મને સમજાવો કે શા માટે એ ગુલામને દરિયામાં ફેંકાવીને પાછો ખેંચ્યો ? અને હવે એ ગુલામ કેમ ચુપચાપ – શાંત થઈ ગયો ? બાહોશ માણસે જવાબ આપ્યો કે, મહારાજ! એને દરિયામાં ડૂબવા કે ડૂબકી લગાવવાની તકલીફનો અનુભવ ન હતો. એટલે એને નાવડીની શાંતિ – સલામતીનો પણ કોઈ અનુભવ ન હતો. હવે એને બંનેવ વસ્તુઓનો એહસાસ થઈ ગયો છે, એટલે રાહત અનુભવીને ખામોશ છે.

વાર્તાનો એક બોધ તો આ છે કે જે માણસે કદી તકલીફ – મુસીબત અનુભવી ન હોય એવો માણસ પોતાને પ્રાપ્ત રાહત ચેનની કદર નથી સમજી શકતો. આવા માણસમાં સહનશીલતા અને ધીરજ સબ્ર પણ નથી હોતી એટલે ઘણો જલદી પરેશાન થઈ જાય છે. સફળ, સુખી અને પ્રસન્ન જીવન એવો માણસ જ માણી શકે છે જે રાહત અને મુસીબત બંને અનુભવી ચુકયો હોય.

બીજો બોધ આ છે કે મુસીબત ટાણે ગભરાયને બિલ્કુલ નિરાશ થઈને એમ સમજવું કે હવે કોઈ ઉપાય નથી, એ ખોટું છે. આવી નિરાશામાં એવા લોકો વધારે સપડાય છે, જેઓએ કદી મુસીબત જોઈ નથી. જેમ કે વર્તમાન ભારતના નફરતભર્યા મુસ્લિમ વિરોધી વાતાવરણને અનુલક્ષીને ઘણા લોકો નિરાશાવાદી બની ગયા છે. આવા લોકોએ પાછલા ઝમાનામાં ભારતમાં અને વિશ્વમાં મુસલમાનો ઉપર આવેલા સંજોગો અને કપળા દિવસોનો અભ્યાસ કરવો જોઈએ. આમ કરવાથી વર્તમાન પ્રત્યેની નિરાશા – બીક પણ ખતમ થશે અને શાંતિ – હિમ્મતથી જીવવાનો હોસલો મળશે.


20 FACTS ABOUT SADAQAH

Regarding Sadaqah; If the person giving Sadaqah knows that the money he is donating will reach Allah first and then the poor person, he will truly gain much more joy in giving rather than taking.

Benefits of Sadaqah

1. Sadaqah is one of the doors from Jannah.

2. Sadaqah is the most virtuous action in all good actions, and the best form of Sadaqah is to feed others.

3. Sadaqah will be a shade on the day of judgement and it will save a person from the fire.

4. Sadaqah makes the anger of Allah cool and it also cools the heat in the grave.

5. The best and most beneficial gift for a deceased person is Sadaqah and Allah continues to increase the reward of Sadaqah.

6. Sadaqah is a way to purify the soul and increases good deeds.

7. Sadaqah will be a cause of happiness on the day of judgement on the face of the giver.

8. Sadaqah is a source of peace from the dangers of the day of judgement and it doesn't let you grieve the past.

9. Sadaqah is a means of sins being forgiven and also expiates past sins.

10. Sadaqah is glad tidings of a good death and is also a cause for the Duas of the angels.

11. The person who gives Sadaqah is from the best of people and all those associated with it will also receive the reward.

12. The person who gives Sadaqah is promised great rewards.

13. The person who spends in Sadaqah is counted in those who have piety and people also begin to love him.

14. Giving Sadaqah is a sign of kindness and grace.

15. Sadaqah is a means of Duas being accepted and hardships being removed.

16. Sadaqah removes difficulties and closed 70 doors of harm in the world.

17. Sadaqah is a means of age and wealth being increased and is also a means of success and provision.

18. Sadaqah is a cure and a medicine.

19. Sadaqah prevents theft, a bad death, burns from fire and drowning.

20. Sadaqah is rewarded, even if it is on animals and birds.

The last thing The best and the easiest form of Sadaqah at this moment is to forward this message with the intention of it being Sadaqah. …


છેલ્લા પાને

હદીસમાં છે : અલ્લાહ તઆલા ચાર માણસોના દુશ્મન છે : કસમો – સોગંદ ખાયને સામાન વેચનાર. અભિમાન કરનાર ગરીબ. બુઢાપામાં ગુનો આચરનાર. અત્યાચારી હાકેમ.(નસાઈ શરીફ)

ફિત્ના

અલ્લાહસે કરે દૂર તો તાલીમ ભી ફિત્ના

 અમ્લાક ભી અવલાદ ભી જાગીર ભી ફિત્ના

 નાહક કે લિયે ઉઠે તો શમ્શીર ભી ફિત્ના

 શમશીર હી કયા, નઅરએ તકબીર ભી ફિત્ના

નકારાત્મકતા

નકારાત્મક વિચારો, અને વિચારસરણી, એક ભયાનક અંધારું છે. જેના થકી ઉમ્મીદના બધા ચિરાગો બુઝાય જાય છે, અને માણસને કોઈ રાહ નજર આવતી નથી.

જિમ્મેદારી

જિમ્મેદારીને ઝહેમત સમજવામાં આવે તો સફળતા નથી મળતી. જિમ્મેદારીને શોખ અને મજા સમજીને પૂરી કરવામાં આવે તો સફળતા મળે છે.

કોઈને સુધારતાં પહેલાં

ખરાબ અને ખોટા માણસને સમજાવતાં પહેલાં એના કાર્યો – કર્મોના ખોટા હોવાનો એહસાસ કરાવો. જે લોકો પોતાને ખોટા નથી સમજતા, એમને સમજાવવા કે સુધારવા શક્ય નથી.

સત્ય- અસત્ય

કદીક એવું લાગે છે કે જૂઠબોલવામાં નજાત અને રાહત છે, અને સાચું બોલવામાં પરેશાની.. પણ હકીકત આ જ છે કે જૂઠમાં બરબાદી અને અપમાન છે અને સચ્ચાઈમાં સન્માન અને નજાત છે.

શુક્ર - દુઆ

કોઈના ઉપકાર અને એહસાનનો બદલો આપવાની આર્થિક શક્તિ ન હોય તો કમથી કમ એને દુઆઓ આપીને એનો શુક્ર અદા કરવો જોઈએ.

ગામની મુસીબત

કમીના, કમઝાત અને કપટી લોકોનું માલદાર હોવું, આખા ગામ માટે મુસીબત છે.

ગુનાહે કબીરહ

માણસ જે ગુનાને નાનો સમજીને આચરતો હોય, એ ગુનો જ એના માટે સૌથી મોટો ગુનો છે.

સુલેહ

આખિરતની સલામતી માટે અલ્લાહ તઆલા સાથે સુલહ કરવી જરૂરી છે. અને દુનિયાની સલામતી માટે લોકો સાથે સુલેહથી રહેવું જરૂરી છે.

ખુશામતી લોકો

ખુશામતી લોકો એવી ખૂબીઓના પણ વખાણ કરે છે જે માણસમાં હોતી નથી, પછી મકસદ પૂરો ન થાય તો આ જ લોકો એવી બુરાઈઓ પણ વર્ણવે છે, જે માણસમાં હોતી નથી. માટે આવા લોકોથી સાવચેત રહેવું જોઈએ.


કોમના રાહબરોએ આગળ આવવાની જરૂરત છે.

ઈતિહાસનો દરેક વિદ્યાર્થી આ બાબતથી પરિચિત છે કે પ્રારંભિક સમયકાળના જે મુસલમાનોએ ઈસ્લામી આદર્શો ઉપર અમલ કરીને એનું સાક્ષાત સ્વરૂ૫ રજૂ કર્યું હતું, એ મુસલમાનોની આજની પેઢી ધીરે ધીરે સંસ્કાર અને શિક્ષણમાં પડતીનો શિકાર છે. દીન અને ધર્મના આચરણના બદલે સત્તા અને સંપત્તિને ધ્યેય બનાવી લેવામાં આવ્યાં છે.

નિશંક મુસલમાનો એક જાજરમાન સંસ્કૃતિના ઘડવૈયા અને રચનાકાર છે. અને વિશ્વમાં એમની જાહોજલાલી હજુ પણ સ્થાપિત છે. પણ એમના આધિપત્ય અને સર્વોપરિતાના સિંહાસનના પાયામાં ઉધઈ લાગી ચુકી છે. અને મુસલમાનો માંહે પણ એ બધી જ ખામીઓ આવી ગઈ છે, જે આખરે કોમોના કરુણ અંજામનું કારણ બને છે.

આ સંજોગોમાં સમાજના વિદ્વાનો અને રાહબરોએ હિંમત પૂર્વક આગળ આવીને મુસલમાનોમાં પ્રસરી ગયેલ અને એમને કોરી ખાતી બદીઓ અને ખામીઓ વિશે એમને સજાગ કરવાની અને મુસલમાન કોમને પૂર્ણ તબાહીથી બચાવી લેવાના ભરપૂર પ્રયાસો કરવાની જરૂરત છે. આ વિદ્વાનો અને રાહબરોની ઢબ – શૈલી અને રીત – પ્રણાલી ભલે નોખી હોય, પણ ધ્યેય બધાનું એક જ હોવું જોઈએ કે સમયના ચક્ર, ઈતિહાસની પરંપરા અને સામાજિક પરિવર્તનની માનસિકતા મુજબ મુસલમાનો જે બુરાઈઓમાં ફસાયા છે, એમાંથી એમને કાઢવામાં આવે.