અલ-બલાગ : મે-2023

તંત્રી સ્થાનેથી

પાછલા દિવસોમાં એક ઓર રમઝાનનો મહીનો વીતી ગયો. રમઝાનની ફઝીલતોમાં આપણે સાંભળતા આવ્યા છે કે એમાં એક નેકીનો સવાબ સિત્તેર ગણો મળે છે. નફલનો સવાબ ફરજ બરાબર આપવામાં આવે છે. મોટા શયતાનો કેદ કરી લેવામાં આવે છે, જેથી તેઓ મુસલમાનોને ગુમરાહ ન કરી શકે. આ બધી ફઝીલતો સાંભળીને સામાન્ય મુસલમાન પણ રમઝાન દરમિયાન નેકી કરવા અને ગુનાહોથી બચવા ઉપર ખૂબ ધ્યાન આપે છે. મોઢેથી બોલવા કે લડાઈ—ઝઘડા કે જીભાજોડી કરવાથી પણ દૂર રહે છે. મસ્જિદો ભરેલી રહે છે. લોકો રોઝા રાખે છે, નમાઝો પઢે છે, તરાવીહ પઢે છે અને ખૂબ દુઆઓ કરતા નજર આવે છે. દાન - સખાવત પણ ખૂબ કરે છે. છેલ્લા અશરહમાં એતેકાફ પણ થાય છે. સત્તાવીસમી રાત કે છેલ્લી જુમ્અહના દિવસે ખૂબ વધારે ઈબાદત કરવામાં આવે છે.

એક સાચો અને અસલી મુસલમાન કેવો હોય, અને મુસ્લિમ મહોલ્લો કે મુસ્લિમ સમાજ કેવો હોય એનો પૂરો નહીં તો કંઈક નમૂનો રમઝાનમાં આપણને જોવા મળે છે.

પણ જેવી ઈદ આવી, ઈદની નમાઝ પૂરી થઈ, મુબારકબાદોની આપ લે થઈ કે... બધું ખતમ. પછી મસ્જિદમાં બે ચાર કે દસ વીસ માણસો જ દેખાય છે. મુસલમાન બીજા દિવસે જ પીકનીક પર નીકળી જાય છે અને મોટા ગુનાહો પણ એક સામાન્ય કામ સમજીને કરી નાખે છે. અઝાન સમયે લોકો મસ્જિદ તરફ જતા આવતા દેખાતા નથી. લોકોના વર્તન અને વહેવારમાં નરમી કે દીનદારી ખતમ થઈ જાય છે. વાત વાતમાં ગાળ કે અપશબ્દો કે મેંણા – ટોંણા – ધમકીઓ આવી જાય છે.

આવી સ્થિતિમાં એક પ્રશ્ન જરૂર થાય છે કે શું કયામતમાં ફકત રમઝાનનો જ હિસાબ થવાનો છે ? આખું વરસ જે કામો કરીએ છીએ એનો હિસાબ નહીં થાય ? ઈબાદત, તિલાવત, સખાવત બધું રમઝાનમાં જ ફરજ છે? પછી કંઈ નહીં?

માણસની ખોટી માનસિકતા શરીઅતના સારા હુકમોને પણ બગાડી નાંખે છે. કુર્આન અને હદીસમાં આ મહીનામાં વધારે ઈબાદતો કરવાનો હુકમ એટલા માટે કરવામાં આવ્યો છે કે એક મહીનો વધારે ઈબાદત કરવાથી માણસને ઈબાદતની આદત પડી જાય, અને પછી આખું વરસ પાંચ ટાઈમની નમાઝ, થોડી તિલાવત, નેકી, તકવા, નરમ સ્વભાવ અને અખ્લાકના કામો કરવા આસાન થઈ જાય.

વેપારી માણસ સીઝનમાં કે તહેવારોના દિવસમાં ખૂબ કમાયને પછી દુકાન બંધ નથી કરી દેતો. સીઝનમાં એ પોતાની દુકાન, સામાન, સારા વર્તન અને યોગ્ય ભાવનો લોકોને પરિચય કરાવે છે અને પછી આખું વરસ એના ફળ સ્વરૂપે ઘરાક આવે એની આશા રાખે છે. આવું જ કંઈ રમઝાનનું છે. અલ્લાહ તઆલા આ મહીનામાં નેકીઓ કરવી અને ઈબાદત અદા કરવાનો માહોલ બનાવીને માણસને પોતાની ઓળખ આપે છે, પોતાના નજીક કરે છે, અને પછી ૧૧ મહીના માણસની કસોટી કરે છે કે હવે માણસ પોતાના શોખ અને લગનથી કેટલી ઈબાદતો કરે છે? નેકીઓ કરે છે ?

માણસે આ વાત પણ સમજવાની છે કે અલ્લાહ તઆલાએ દીન અને શરીઅતની જે વ્યવસ્થા ચલાવી છે એ કામ ચલાઉ વ્યવસ્થા કે બેકાર દોડા દોડી કે નફા વગરની મહેનત નથી. શરીઅતના દરેક હુકમ પાછળ અનેક મકસદો અને ફાયદાઓ રહેલા હોય છે. રમઝાનની ઈબાદતનો થકી ફકત રમઝાન પૂરતો વધારે સવાબ આપવાનો મકસદ નથી, બલકે રમઝાનમાં વધારે સવાબ આપવા ઉપરાંત આખું વરસ માણસને સવાબનો ઉમ્મીદવાર બનાવીને નેક બનાવી રાખવાનો પણ છે. માટે ઈબાદતો અદા કરવા ઉપરાંત દરેક ઈબાદત પાછળ શરીઅતે ધારેલા અને નક્કી કરેલા મકસદો અને ફાયદાઓ સમજવા પણ જરૂરી છે. આમ કરવાથી માણસને ઈબાદતના સવાબ ઉપરાંત બીજું ઘણું બધું મળે છે. આવી બધી વાતો જાણવા – સમજવાના કારણે જ કહેવાય છે કે આલિમ અને જાહિલની ઈબાદતમાં મોટો ફરક છે. આલિમની એક ઘડીની ઈબાદત જાહિલની અનેક રાતોની ઈબાદત કરતાં વધારે સવાબ આપનારી હોય છે.

નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની વફાત વેળા ઘણા સહાબા વિચારતા થઈ ગયા હતા કે હવે શું થશે ? શું કરવું ? અમુકને તો ઈસ્લામ છોડીને પાછા વળવાનો વસવસો પણ આવી ગયો... એવામાં હઝરત અબૂ બક્ર સિદ્દીક રદિ.એ તકરીર કરીને ફરમાવ્યું : લોકો, સાંભળો, જો તમે મુહમ્મદની ઈબાદત કરતા હતા તો મુહમ્મદ મરી ચુકયા છે, વાત ખતમ. પણ જો તમે અલ્લાહની ઈબાદત કરતા હતા તો એ અલ્લાહ અને એનો દીન – હુકમો હજુ પણ મોજૂદ છે, એની ઈબાદત કર્યા કરો અને દીન ઉપર અમલ કરતા રહો. હઝરત અબૂબક્ર રદિ.ની આ તકરીર સાંભળીને બધાને હોશ આવ્યો અને દીન પર અડગ રહયા.

હઝરત અબૂબક્ર રદિ.ની આ વાત યાદ કરીને હું પણ કહેવા માંગું છું કે, જો મુસલમાન બિરાદરોની ઈબાદતો રમઝાન ખાતર હતી તો રમઝાનનો સમય એક લહેર હતી, વીતી ગઈ અને તમારી ઈબાદતો પણ એની સાથે ઉડી ગઈ સમજો, પણ જો આપણી ઈબાદતો અલ્લાહ ખાતર હતી, તો અલ્લાહ રમઝાન પછી પણ મોજૂદ છે, એના તરફથી ઈબાદત અને નેકીનો હુકમ રમઝાન પછી પણ બાકી જ છે. માટે ખુદાને ભુલશો નહીં, એના હુકમો અને ઈબાદતો છોડશો નહીં, રમઝાનની પ્રેકટીસના સહારે આખું વરસ નમાઝો – ઈબાદત, તિલાવત અને શરીઅતની પાબંદી કરીએ, એ જ આપણું લક્ષ્ય હોવું જોઈએ.

રસૂલે ખુદાનું આજ્ઞાપાલન

- મુફતી ફરીદ અહમદ કાવી



مَنۡ يُّطِعِ الرَّسُوۡلَ فَقَدۡ اَطَاعَ اللّٰهَ ​ۚ وَمَنۡ تَوَلّٰى فَمَاۤ اَرۡسَلۡنٰكَ عَلَيۡهِمۡ حَفِيۡظًا ؕ‏ ﴿٨٠﴾ وَيَقُوۡلُوۡنَ طَاعَةٌ فَاِذَا بَرَزُوۡا مِنۡ عِنۡدِكَ بَيَّتَ طَآٮِٕفَةٌ مِّنۡهُمۡ غَيۡرَ الَّذِىۡ تَقُوۡلُ​ ؕ وَاللّٰهُ يَكۡتُبُ مَا يُبَيِّتُوۡنَ​ ۚ فَاَعۡرِضۡ عَنۡهُمۡ وَتَوَكَّلۡ عَلَى اللّٰهِ​ ؕ وَكَفٰى بِاللّٰهِ وَكِيۡلًا‏ ﴿٨١﴾ اَفَلَا يَتَدَبَّرُوۡنَ الۡقُرۡاٰنَ​ؕ وَلَوۡ كَانَ مِنۡ عِنۡدِ غَيۡرِ اللّٰهِ لَوَجَدُوۡا فِيۡهِ اخۡتِلَافًا كَثِيۡرًا‏ ﴿٨٢﴾ وَاِذَا جَآءَهُمۡ اَمۡرٌ مِّنَ الۡاَمۡنِ اَوِ الۡخَـوۡفِ اَذَاعُوۡا بِهٖ​ ۚ وَلَوۡ رَدُّوۡهُ اِلَى الرَّسُوۡلِ وَاِلٰٓى اُولِى الۡاَمۡرِ مِنۡهُمۡ لَعَلِمَهُ الَّذِيۡنَ يَسۡتَنۡۢبِطُوۡنَهٗ مِنۡهُمۡ​ؕ وَلَوۡلَا فَضۡلُ اللّٰهِ عَلَيۡكُمۡ وَرَحۡمَتُهٗ لَاتَّبَعۡتُمُ الشَّيۡطٰنَ اِلَّا قَلِيۡلًا‏ ﴿٨٣﴾ 

જે માણસ અલ્લાહના રસૂલ (મુહમ્મદ સલ.)નો હુકમ માનશે એણે જ અલ્લાહની તાબેદારી કરી કહેવાશે. અને જે કોઈ પીઠ ફેરવશે તો અમે તમને તેઓના જવાબદાર બનાવીને નથી મોકલ્યા (કે તમારી પૂછપરછ કરીએ, એ એમનો જ ગુનો ગણાશે) (૮૦) અને મુનાફિક લોકો મોઢેથી તો આજ્ઞાપાલનની વાત કરે છે, પછી જ્યારે આપની પાસેથી બહાર આવે છે ત્યારે એમના માંહેથી એક ટોળી રાત્રિના સમયે એવી વાતો (મન્સૂબા) કરે છે જે એમણે કહેલી (આજ્ઞાપાલનની) વાતોથી વિપરીત હોય છે, અને તેઓ જે કંઈ રાત્રે સલાહ મસલત કરે છે એ બધું અલ્લાહ લખી લે છે, માટે આપ તેઓ તરફ લક્ષ ન આપો અને અલ્લાહ ઉપર ભરોસો રાખો. અને અલ્લાહ જ (બધા) કામો બનાવનાર તરીકે બસ છે. (૮૧) શું તેઓ કુર્આનમાં ચિંતન નથી કરતા ? જો એ (કુર્આન) અલ્લાહના સિવાય અન્ય કોઈનું (કલામ) હોત તો તેઓને તેમાં અવશ્ય ઘણો વિરોધાભાસ જોવા મળત. (૮૨) અને જ્યારે એમને શાંતિ કે ભયની કોઈ બાબતની જાણ થાય છે તો તેઓ તેને ફેલાવી દે છે, પણ જો તેઓ તે વાતને રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમને અને એમના જવાબદાર લોકો સુધી પહોંચાડે તો આ જવાબદારોમાં જેઓ ચોક્સાઈ કરનારા છે તેઓ એ વાતને સારી રીતે સમજી શકે. અને જો તમારા ઉપર અલ્લાહનો ફઝલ અને તેની રહમત ન થાત તો અમુક લોકો સિવાય તમે બધા શયતાનના તાબેદાર બની ગયા હોત.

તફસીર : પાછલી ઘણી આયતોથી મુનાફિકોના કરતૂતો, તેમજ જિહાદ અને શરીઅતના અન્ય હુકમોનું માર્ગદર્શન વારાફરતી ચાલતું આવ્યું છે, એ જ ક્રમ આગળ ચાલે છે. પ્રથમ અલ્લાહ તઆલા તરફથી રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની ફરમાબરદારી – આજ્ઞાપાલનનો આદેશ છે, પછી આ બાબતે મુનાફિકોનું વલણ બતાવવામાં આવ્યું છે, અને પછી વાત આગળ વધારતાં કુરઆનની સચ્ચાઈ પૂરવાર કરવામાં આવી છે, અને અંતે સામાજિક સુરક્ષાને લગતા એક વિશેષ હુકમનું માર્ગદર્શન આપવામાં આવ્યું છે.

ઈસ્લામની વાતો સાચી અને સારી લાગતી હોવા છતાં મદીનાના યહુદીઓ અને વિરોધીઓનું એક કારણ આ પણ હતું કે નબી તરીકે એક “માણસ”ના તાબે રહીને એના હુકમોના તાબે રહેવામાં નાનમ સમજતા હતા, નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની તાબેદારી જરૂરી ન હોવાની વાતને બુનિયાદ બનાવીને ઘણા ઈસ્લામી આદેશો પ્રત્યે અનદેખી કરતા હતા. અમુક રિવાયતોમાં છે કે એકવાર નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે લોકોને પોતાની વાતો - હુકમો માનવાની તાકીદ કરી તો યહૂદીઓ કહેવા લાગ્યા કે આ માણસ પોતાની વાતો મનાવીને લોકો દરમિયાન પોતાને ખુદા બનાવવા માંગે છે. એમના જવાબમાં અલ્લાહ તઆલાએ કુરઆનમાં જ હુકમ ફરમાવી દીધો કે રસૂલની ફરમાબરદારીમાં જ અલ્લાહની ફરમાબરદારી છે. કારણ કે રસૂલની બધી વાતો અલ્લાહ તરફથી જ હોય છે. રસૂલને અલ્લાહ તઆલાએ વિશેષ કેળવણી આપીને લોકોની હિદાયત માટે નક્કી કર્યા હોય છે.

આમ સ્પષ્ટ હુકમ હોવા છતાં લોકો રસૂલની તાબેદારી – ફરમાબરદારી ન કરે તો અલ્લાહ તઆલા નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમને સાંત્વના આપતાં ફરમાવે છે કે લોકોની પોતાની જવાબદારી છે કે રસૂલની વાતોને અનુસરે. રસૂલની જવાબદારી નથી કે લોકો પાસે પરાણે પોતાની તાબેદારી કરાવે. માટે જે કોઈ નાફરમાની કરશે એ પોતાનું નુકસાન કરશે.

ઉપરોકત આયતની તફસીરમાં ઉલમાએ લખ્યું છે કે આ આયતથી સ્પષ્ટ થાય છે કે જેમ અલ્લાહના હુકમો એટલે કે કુરઆનને માનવું ફરજ છે, એ જ પ્રમાણે નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમના હુકમો એટલે હદીસનું અનુસરણ પણ ફરજ છે. આજે પણ અમુક લોકો કહે છે કે ઈસ્લામનો આધાર ફકત કુરઆન છે. પયગંબરની વાતો – હુકમો ઈસ્લામનો ભાગ નથી. ઉપરોકત આયતથી સમજી શકાય છે કે એમનું આમ કહેવું ખોટું છે.

મવ. દરયાબાદી રહ. લખે છે કે આયતથી રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમનું માસૂમ (ભૂલ, ગલતી, ગુનાથી મહફૂઝ) હોવાનું પણ પુરવાર થાય છે. જો રસૂલે ખુદાથી ભૂલ, ગુનો કે ગલતી થવાની શક્યતા હોત તો અલ્લાહ તઆલા એમની વાતો માનવાનો હુકમ હરગિઝ ન આપત. ઉપરાંત રસૂલની તાબેદારી જરૂરી હોવાનું બીજું પાસું આ પણ છે કે રસૂલની નાફરમાની, અલ્લાહની નાફરમાની છે.

પછીની આયતમાં અલ્લાહના આ હુકમ બાબતે મુનાફિક લોકોનું ખોટું વલણ અને વર્તન બયાન કરીને એમની ટીકા કરવામાં આવી છે. મદીનામાં મુનાફિક લોકોની એક એવી ટોળી બની હતી જેઓ વાતો પણ બે મોંઢાની કરતા હતા અને કામો પણ દગાબાઝીના કરતા હતા. નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ પાસે આવતા તો પોતાની વફાદારી અને તાબેદારીની કસમો ખાતા. કહેતા કે તમારી તાબેદારીમાં જીવવું અમારું જીવન છે. અને પછી રાત્રે ભેગા થઈને ઈસ્લામ અને મુસલમાનોના વિરોધ માટે સાજિશ કરતા, પ્રપંચો કરતા, પેંતરાઓ ગોઠવતા અને મુસલમાનોના વિરોધ કરવામાં જ પોતાની શકિત વાપરતા હતા. આ બધી હરકતોની ખબર નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ સુધી પહોંચતી હતી. અલબત્ત અનેક કારણોસર એમના વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવી શકય ન હતી. આવી સ્થિતિમાં નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ ઘણા પરેશાન અને બેચેન થઈ જતા હતા. ખુલ્લા શત્રુને મારી – હટાવી શકાય છે, એનાથી બચવાના ઉપાયો થઈ શકે છે, પણ આ ઘરના ભેદીઓ અને જાસૂસો હતા. એટલે અલ્લાહ તઆલાએ નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમને હુકમ આપ્યો કે એમના તરફ ધ્યાન આપો નહીં, અનદેખી કરો, પરવા ન કરો. એને ખુદાના ઉપર છોડી દયો. બધા કામો તમારે કરવાના નથી હોતા. અમુક કામો અલ્લાહ તઆલા તમારા વતી કરી લેશે. એમના પ્રપંચો – સાજિશોને નાકામ કરવાની જવાબદારી અલ્લાહ તઆલાએ પોતે ઉઠાવી છે.

આવા લોકો માટે ત્રણ વાતો અલ્લાહ તઆલાએ આ આયતમાં ફરમાવી છે :

(૧)રાતના અંધારામાં કરવામાં આવતા એમના આ કરતૂતો અલ્લાહ તઆલા પોતાની પાસે લખી લે છે, જેથી કયામતમાં એનો હિસાબ કરી શકાય. (૨) રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અયલયહિ વ સલ્લમને એમના કરતૂતોની પરવા ન કરવાનો હુકમ આપ્યો. (૩) અલ્લાહ તઆલાએ એમના કરતૂતો - પેંતરાઓને નાકામ કરવાની જવાબદારી પોતે ઉઠાવી લીધી અને ફરમાવ્યું,وکفیٰ باِاللہ وکیلا એમના વિરુદ્ધ તમારી હિફાજત માટેના બધા કામો અલ્લાહ તઆલા જ તમારા વકીલ તરીકે કરી લેશે.

મઆરિફુલ કુરઆનમાં છે કે આયતથી આ પણ સમજમાં આવે છે કે આગેવાનો અને વડીલોએ સમાજહિત માટે આવી અનેક પરેશાનીઓ સામે લડવું પડતું હોય છે. લોકો ખોટા આરોપો લગાવે છે, ઘણા લોકો દોસ્તના વેશમાં દુશ્મની કરતા હોય છે, પણ કોમ માટે નિખાલસતા અને સાચી લાગણી રાખીને કામ કરતા હોય તો આવી બાબતોને અનદેખી કરીને કામ ઉપર ધ્યાન આપવું, એ અલ્લાહ તઆલાની શિખામણ છે. મુનાફિકો કે શત્રુઓની આવી હરકતો અને કરતૂતો એટલા માટે વર્ણવવામાં આવે છે કે પાછળના લોકોને આવી હરકતો ન કરવાની શિખામણ મળે અને સાચા પાકા લોકો સાવધ રહે કે દરેક સમાજમાં આવા અંદરખાને દુશ્મની રાખતા લોકો પણ હોય છે.

પછીની આયતમાં કુરઆનમાં ચિંતન – મનન કરવાનો આદેશ છે, જેનાથી માણસ સમજી શકે છે કે આ કોઈ માણસે ઉપજાવેલી વાતો નથી. આકાશ ધરતીના સર્જન, સુર્ય – ચંદ્રના ઉદય અને અસ્ત, માં ના પેટથી લઈને બાળકના જન્મ-મરણની વાતો, ખેતી અને દરિયાઓની વાતો, જન્નત-જહન્નમ અને પછી દુનિયા તેમજ આખિરતને લગતા હુકમો, ઈબાદતોની વિગત વગેરે.. બધી બાબતો જે વિસ્તારથી કુરઆનમાં વર્ણવવામાં આવી છે, એ કોઈ માણસના બસની વાત નથી. પોતાના તરફથી ઉપજાવીને કહેનાર માણસ આટલી વિગતેથી કહેવામાં ઉલટી સીધી વાતો કહી જાય છે, વિરોધાભાસી વાતો વર્ણવે છે. પણ અલ્લાહના કલામમાં કોઈ વિરોધાભાસ નથી, જેનાથી પૂરવાર થાય છે કે આ ખુદા તઆલાની વહી છે. જે મુહમ્મદ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ ઉપર એમના નબી હોવાના કારણે જ ઉતારવામાં આવી છે. અને આ વહી આવવી જ મુહમ્મદ સાહેબના નબી હોવાની દલીલ છે.

તફસીરે ઉસ્માનીમાં છે કે મુનાફિકો કે વિરોધીઓ ઉપર આપવામાં આવેલ રસૂલની તાબેદારીના આદેશ બાબતે એમ કહી શકતા હતા કે અમને તાબેદારી કરવામાં વાંધો નથી, પણ મુહમ્મદ સાચા રસૂલ હોય તો ને ! એટલે કુરઆનને દલીલ રૂપે રજૂ કરીને કહેવામાં આવ્યું કે આ કુરઆન અલ્લાહનું કલામ છે, મુહમ્મદ થકી તમારી સામે આવે છે, જે મુહમ્મદ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમના નબી હોવાની દલીલ છે. તેઓ નબી ન હોત તો આવું કલામ રજૂ કરી શકત નહીં.

મઆરિફુલ કુરઆનમાં છે કે આ આયતમાં હુકમ છે કે કુરઆનમાં ચિંતન- મનન કરવામાં આવે, એમાં જે વાતો કહેવામાં આવી છે એને સમજવામાં આવે. એનાથી પૂરવાર થાય છે કે કુરઆનને સમજવું અને એની વાતોમાં વિચાર – મનન કરવું ફકત મોટા ઈમામો કે મુજતહિદ ફુકહા કે ઉલમાનું કામ નથી. સામાન્ય લોકોએ પણ કુરઆનને સમજવું જોઈએ. અલબત્ત દરેકે એના જ્ઞાન અને બુદ્ધિના સ્તર મુજબ કુરઆનને સમજવાનું હોય છે. ઉલમા અને મુજતહિદ લોકો કુરઆનની આયતો - શબ્દો થકી હલાલ હરામના મસઅલાઓ સમજે છે. સામાન્ય માનવીને અલ્લાહ તઆલાની મહાનતા, આખિરત અને કયામતની વાતો સમજીને ઈમાનને મજબૂત કરવાનું હોય છે. એટલે સામાન્ય માનવી માટે બેહતર આ છે કે કોઈ આલિમના દર્સે કુરઆન થકી કુરઆનને સમજે અથવા કોઈ મોતબર તફસીરની કિતાબનું વાંચન કરતો રહે. અને જયાં કંઈ અસમંજસ ઉદભવે તો વિદ્વાન આલિમથી પૂછીને સમજવાની કોશિશ કરે.

ખુલાસો એ કે કુરઆનને સમજવા બાબતે કોઈ વિશેષ સમુહની ઈજારાદારી નથી, પણ કુરઆન સમજનાર પાસે આવશ્યક જ્ઞાન, બુદ્ધિ, આવડત અને સમજણ હોવી જરૂરી છે. જ્ઞાન અને સાયન્સના બધા વિષયોના દરવાજા દુનિયાના દરેક માણસ માટે ખુલ્લા છે. એવી કોઈ પાબંદી કયાંયે નથી કે ફલાણો માણસ ફલાણી વિદ્યા નથી શીખી શકતો, આમ છતાં દરેક વિષય અને વિદ્યા સમજવા ખાતર વિશેષ કાબેલિયત હોવી જરૂરી છે. કાબેલિયત હોય તો જ વિદ્યા શીખવાડવામાં આવે છે નહીંતર એને દૂર રહેવાનું કહેવામાં આવે છે. મેડીકલ વિદ્યા શીખ્યા વગર કોઈ માણસ અમુક ચોપડીઓ કે વિવિધ દવાઓની ખાસિયતો વાંચીને પોતે તબીબી પ્રેકટીસ કરવા માંડે તો આ કામ જેટલું ભયંકર નુકસાનકર્તા છે, એનાથી વધારે નુકસાન કુરઆન સમજવાની કાબેલિયત ન હોવા છતાં સમજવાનો દાવો કરીને પોતાની ટુંકી બુદ્ધિ મુજબ કુરઆનને સમજવાથી થાય છે.

છેલ્લી આયત અમુક તફસીરકારોના મતે મુનાફિકો — યહૂદીઓ વિશે નાઝિલ થઈ છે તો અમુકના મતે નાદાન મુસલમાનોને એમાં શિખામણ આપવામાં આવી છે. વાત એમ હતી કે એ દિવસોમાં એક તરફ ઈસ્લામ ચારે તરફ ફેલાય રહયો હતો તો ઘણી બધી તરફથી વિરોધ અને મુકાબલો પણ થઈ રહયો હતો. મદીનામાં નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ મારફત લોકોને ઈસ્લામની તાલીમ આપવામાં આવતી હતી, એટલે સ્થાનિક સ્તરે પણ રોજ કોઈ નવો હુકમ કે નવી ઘટના સામે આવતી હતી. આવી સ્થિતિમાં ઘણીવાર કોઈ આધાર વગરની વાત કોઈના મોઢેથી નીકળતી અને પછી અફવા બનીને ચારે તરફ પ્રસરી જતી હતી. આવી વાતો હકારાત્મક પણ હોતી અને ઘણીવાર નકારાત્મક એટલે કે લોકોમાં ડર, માયૂસી કે ઉશ્કેરાટ પેદા કરનાર પણ હોતી. આવી અફવાઓના કારણે અફરા તફરી સર્જાતી હતી અને પછી ખબર પડતી હતી કે આવું કંઈ છે જ નહીં, એટલે લોકોને તાકીદ કરવામાં આવી કે આવી કોઈ ખબર - અફવા આવે તો એને લોકો માંહે ફેલાવવાના બદલે જવાબદાર લોકો સુધી પહોંચાડવામાં આવે. તેઓ એમના સુત્રો મારફતે કે એમની આગોતરી જાણકારી, સુજબુજ કે બુદ્ધિના આધારે વધારે સમજી શકશે કે હકીકત શું છે ? અને વાતમાં કેટલી સચ્ચાઈ છે ? આમ આવી અફવાઓથી અફરા તફરી ન સર્જાય અને લોકોની લાગણીઓથી રમત રમવાનો કોઈને મોકો ન મળે.

આ આયતમાં કહેવામાં આવ્યું છે કે આવી ખબર કે અફવાને રસૂલ સુધી પહોંચાડો અને જવાબદાર લોકો સુધી પહોંચાડો. એનાથી સ્પષ્ટ થયું કે રસૂલે ખુદા મોજૂદ ન હોય તો જે કોઈ જવાબદાર હસ્તી અમીર કે સરદાર હોય, તાબેદારી અને માર્ગદર્શન બાબતે એનું સ્થાન રસૂલ જેવું જ ગણાશે.

આયતના અંતે અલ્લાહ તઆલા ફરમાવે છે કે અલ્લાહની મહેરબાની અને રહમતના કારણે તમારા માંહે રસૂલ મોજૂદ છે, અલ્લાહની કિતાબ છે, જેમાં જરૂરી શિખામણો છે. જો આ રહમતે ખુદાવંદી ન હોત તો અમુક બુદ્ધિશાળી અને સમજદાર માણસો સિવાય તમારા માંહેના વધુ પડતા લોકો શયતાનના રસ્તે ચાલીને એના તાબેદાર બની ગયા હોત. એટલે કે લોકો માંહે વધુ પડતા લોકો હોશિયારી, બુદ્ધિ અને ઉચ્ચ સમજ ધરાવતા હોતા નથી. આવા લોકો અંતે શયતાનની વાતોમાં આવીને એના તાબેદાર બની જાય છે. સમાજમાં બુદ્ધિશાળી લોકો ઓછા હોય છે. તેઓ શયતાનની ચાલમાં આવતા નથી. માટે સામાન્ય લોકોએ આવા બુદ્ધિશાળી, સમજદાર અને સાચું જ્ઞાન - ઈલ્મ રાખનાર લોકોના સંપર્કમાં રહેવું જરૂરી છે. કોઈ પણ વાત સામે આવે તો સહુપ્રથમ આવા સમજદાર લોકો સમક્ષ રજૂ કરીને પછી એને માનવા કે રદ કરવાનો નિર્ણય કરવો જોઈએ. નહીંતર શયતાનની જાળમાં ફસાય જવાનો ખતરો રહે છે.

મઆરિફુલ હદીસ

હઝરત મવલાના મંઝૂર નોમાની (રહ.)

અનુવાદ : મવલાના યાકૂબ બારીવાલા સા. રહ. (બ્લેકબર્ન. યુ.કે.)

ભાગ નંબર: ૧૭૫

હજરે અસ્વદ

(۱۷۸) عَنْ اِبْنِ عَبَّاسٍ ؓقَالَ قَالَ رَسُوْلُ اللّهِ ﷺ فِي الْحَجَرِ وَاللّهِ لَيَبْعَثَنَّهُ اللّهُ يَوْمَ الْقِيٰمَةِ لَهُ عَيْنَانِ يَبْصُرُ بِهِمَا وَلِسَانٌ يَنْطِقُ بِهٖ يَشْهَدُ عَلٰى مَنِ اسْتَلَمَهٗ بِحَقٍّ (رواه الترمذي وابن ماجة والدارمي بحق)

તરજુમાઃ હઝરત અબ્દુલ્લાહ બિન અબ્બાસ (રદિ.)થી રિવાયત છે કે રસુલૂલ્લાહ (સ.અ.વ.)એ હજરે અસ્વદ વિષે ફરમાવ્યું ખુદાની કસમ કયામતમાં અલ્લાહ તઆલા તેને નવું જીવન અર્પણ કરી એવી રીતે ઉભો કરશે કે તેને બે આંખો હશે, જેનાથી તે જોઈ શકશે, અને જીભ હશે જે વડે તે બોલશે, અને જે બંદાઓએ તેનો ઈસ્તીલામ કર્યો હશે, તેમના હકમાં ગવાહી આપશે. (તિર્મિઝી, ઈબ્ને માજહ)

ખુલાસો : હજરે અસ્વદ જોવામાં એક પથ્થરનો ટુકડો છે. પરંતુ તેમાં એક આત્મીક પાવર છે. અને તે દરેક તે માણસને ઓળખે છે. જે અલ્લાહની નિસ્બતથી અદબ અને પ્યાર સાથે તેને સીધો અથવા કોઈક વાસ્તાથી ચુમે છે. અને તેનો ઈસ્તીલામ કરે છે. કયામતમાં અલ્લાહ તઆલા તેને એક જોવા વાળો તેમ બોલવાવાળો બનાવી ઉભો કરશે. અને તે બંદાઓના હકમાં ગવાહી આપશે. જેઓ અલ્લાહના હુકમ મુજબ આશિક બની ઘણી જ ભાવના સાથે તેને ચુંબન કરતા હતા.

(۱۷۹) عَنْ عَابِسِ بْنِ رَبِيْعَةَ  ؓقَالَ رَأَيْتُ عُمَرَ يُقَبِّلُ الْحَجَرَ وَيَقُوْلُ إِنِّيْ لَاَعْلَمُ أَنَّكَ حَجَرٌ مَا تَنْفَعُ وَلَا تَضُرُّ وَلَوْلَا أَنِّيْ رَأَيْتُ رَسُوْلَ اللّهِ ﷺ مَا يُقَبِّلُ مَا قَبَّلْتُكَ  (رواه البخاري ومسلم)

તરજુમાઃ- હઝરત આબીસ બિન રબીઆ તાબીઈથી રિવાયત છે કે મેં હઝરત ઉમર રદિ.ને જોયા, તેઓ હજરે અસ્વદને ચુમતા હતા અને કહેતા હતા કે હું ખાત્રી પૂર્વક જાણું છું કે તું એક પથ્થર છે. (તારામાં કોઈ ખુદાઈ ગુણ નથી) તું કોઈને નફો કે નુકસાન પહોંચાડી શકતો નથી જો મેં રસુલૂલ્લાહ (સ.અ.વ.)ને તને ચુમતા ન જોયા હોય તો હું તને ન ચુમત.

ખુલાસો : હઝરત ઉમર રદિ.એ આ વાત જાહેરમાં અને લોકોની સામે એટલા માટે કહી કે કોઈ અનાડી નવ મુસ્લિમ હઝરત ઉમર રદિ. અને બીજા મહાન મુસલમાનોને હજરે અસ્વદને ચુમતા જોઈ એવુ ન સમજે કે આ પથ્થરમાં કોઈ ખુદાઈ ગુણ કે ખુદાઈ ચમત્કાર ત્થા બનાવ અને બગાડની શકિત હશે, એટલા માટે તેને ચુમવામાં આવે છે. હઝરત ઉમર રદિ.ના ઈર્શાદથી એક કાયદાની મૂળ વાત જાણવા મળી કે કોઈ વસ્તુની તાઝીમ અને મહાનતા એ ધારણાથી કરવામાં આવે કે અલ્લાહ અને રસૂલનો હુકમ છે. તો તે તાઝીમ હક પર છે. પરંતુ જો કોઈ મખ્લુકને નફો અથવા નુકસાન પહોંચાડનાર ત્થા બનાવ બગાડનો માલિક સમજી તેની તાઝીમ કરવામાં આવે તો એ શિર્ક છે. જેની ઈસ્લામમાં ગુંજાઈશ નથી.

તવાફમાં ઝિક્ર અને દુઆ

(۱۸۰) عَنْ عَبْدِ اللّهِ بْنِ السَّائِبِ ؓقَالَ سَمِعْتُ رَسُوْلَ اللّهِ ﷺ يَقُوْلُ مَا بَيْنَ الرُّكْنَيْنِ رَبَّنَا آتِنَا فِي الدُّنْيَا حَسَنَةً وَّ فِي الْآخِرَةِ حَسَنَةً وَّقِنَا عَذَابَ النَّارِ (رواه ابو داؤد)

તરજુમાઃ- હઝરત અબ્દુલ્લાહ બિન સાઈબ (રદિ.)થી રિવાયત છે કે મેં રસુલૂલ્લાહ (સ.અ.વ.)ને (તવાફની હાલતમાં) રૂકને યમાની અને હજરે અસ્વદની વચમાં આ દુઆ પઢતા સાંભળ્યા, “રબ્બના આતિના ફિદ્દુનિયા હસનતંવ વફીલ્આખિરતિ હસનતંવ વ કિના અઝાબન્નાર” (અબૂ દાઉદ)

(۱۸۱) عَنْ أَبِيْ هُرَيْرَۃَ  ؓأَنَّ النَّبِيَّ ﷺ قَالَ وُكِّلَ بِهٖ سَبْعُوْنَ مَلَكاً ( يعني الركن اليماني) فَمَنْ قَالَ اَللّٰهُمَّ إِنِّيْ أَسْئَلُكَ الْعَفْوَ وَالْعَافِيَةَ فِي الدُّنْيَا والآخِرَةِ رَبَّنَا آتِنَا فِي الدُّنْيَا حَسَنَةً وَّفِي الْآخِرَةِ حَسَنَةً وَّقِنَا عَذَابَ النَّارِ، قَالُوْا ---- آمِیْنْ  (رواه ابن ماجة)                                       

તરજુમાઃ- હઝરત અબૂ હુરૈરહ (રદિ.)થી રિવાયત છે કે રસુલૂલ્લાહ (સ.અ.વ.)એ ફરમાવ્યું કે રૂકને યમાની પર સિત્તેર ફરિશ્તા નક્કી કરવામાં આવ્યા છે. તે દરેક બંદાની દુઆ પર આમીન કહે છે. જેઓ તેની પાસે આ દુઆ કરે છે. “અલ્લાહુમ્મ ઈન્ની અસ્અલુકલ અફવ વલઆફિયત ફિદ્દુનિયા વલઆખિરતિ, રબ્બના આતિના ફિદ્દુનિયા હસનતંવ વ ફિલઆખિરતિ હસનતંવ વ કિના અઝાબન્નાર” (એય અલ્લાહ! હું તારી પાસે દુનિયા અને આખિરતમાં માફી અને આફિયત ચાહું છું એય પરવરદિગાર! અમને દુનિયામાં અને આખિરતમાં ભલાઈ અર્પણ કર અને દોઝખના અઝાબથી બચાવ. (ઈબ્ને માજહ)

વુકુફે અરફાની મહત્વતા અને ફઝીલત

હજનો સૌથી મહત્વનો રૂકન નવમી ઝિલ્હજે અરફાતના મેદાનનો વુકુફ છે. જો તે એક ઘડી માટે પણ મળી જાય તો હજ નસીબ થઈ ગઈ, અને જો કોઈ કારણસર હાજી નવ ઝિલ્હજના દિવસે અને તે પછીની રાત્રીના કોઈ ભાગમાં પણ અરફાતમાં ન પહોંચી શકયો તો તેની હજ છુટી ગઈ, હજના બીજા રૂકનો, તવાફ, સઈ, રમી, જમરાત વિગેરે કોઈ કારણસર છુટી જાય તો તેનો કોઈ ન કોઈ કફફારો અને બદલો થઈ શકે છે. પરંતુ જો વુકુફે અરફા છુટી જાય તો તેનો કોઈ બદલ નથી.

(۱۸۲) عَنْ عَبْدِ الرَّحْمٰنِ بْنِ يَعْمَرَ الدُّئَلِّيْ ؓقَالَ سَمِعْتُ النَّبِيَّ ﷺ يَقُوْلُ الْحَجُّ عَرَفَةُ مَنْ أَدْرَكَ عَرَفَةَ لَيْلَةَ جَمْعٍ قَبْلَ طُلُوْعِ الْفَجْرِ فَقَدْ أَدْرَكَ الْحَجُّ، أَيَّامُ مِنٰى ثَلٰثَةٌ فَمَنْ تَعَجَّلَ فِي يَوْمَيْنِ فَلَا إِثْمَ عَلَيْهِ وَمَنْ تَأَخَّرَ فَلَا إِثْمَ عَلَيْهِ . (رواه الترمذي وأبو داود والنسائي وابن ماجة والدارمي) 

તરજુમાઃ- હઝરત અ. રહમાન બિન યઅમુર દુઅલી (રદિ.)થી રિવાયત છે કે મેં રસુલૂલ્લાહ (સલ.)થી સાંભળ્યું ફરમાવતા હતા હજનો (ખાસ રૂકન જેના પર હજનો આધાર છે.) વુકુફે અરફા છે. જે હાજી મુઝદલીફા વાળી રાત્રે (એટલે નવવી અને દસમી ઝિલ્હજની વચલી રાતમાં) પણ સુબ્હ સાદિક પહેલાં અરફાતમાં પહોંચી જશે, તેને હજ મળી જશે. અને તેની હજ થઈ ગઈ, (યૌમે નહર એટલે દસ ઝિલ્હજ પછી) મિનામાં થોભવાના ત્રણ દિવસો છે. (જેમાં ત્રણે જમરાઓની રમી કરવામાં આવે છે. અગિયાર, બાર અને તેર ઝિલ્હજ) જે કોઈ ફકત બે દિવસમાં (એટલે અગિયાર, અને બારના રમી કરી) જલ્દી મીનાથી નિકળી જાય, તો તેમાં પણ કોઈ ગુનોહ નથી, અને જો કોઈ એક દિવસ વધુ રોકાયને (૧૩ ઝિલ્હજની રમી કરી) ત્યાંથી નિકળે તો તેના ઉપર પણ કોઈ ગુનોહ નથી. (બન્નેવ વાતો જાઈઝ છે.) (તિર્મિઝી, અબૂ દાઉદ)

ખુલાસો :- જો કે હજનો આધાર વકુફે અરફા પર છે. જેથી તેમાં એટલી સહુલત રાખવામાં આવી છે કે જો કોઈ માણસ નવમી ઝિલ્હજના દિવસે અરફાતમાં ન પહોંચી શકે (જે વકુફનો ખરો વખત છે) તે જો આગલી રાત્રે કોઈ ભાગમાં પણ ત્યાં પહોંચી જાય તો તેનો વકુફ અદા થઈ જશે. અને તે હજથી અભાગ્યો નહીં રહેશે. યૌમુલઅરફા પછી દસ ઝિલ્હજે યૌમેનહર છે. જેમાં એક જમરાની રમી અને કુર્બાની તથા માથું મુંડાવવું વિગેરે કામો પછી એહરામની પાબંદીઓ પુરી થઈ જાય છે. અને તે જ દિવસે મક્કા જઈ “તવાફે ઝિયારત” કરવાનો હોય છે. ત્યાર પછી મીનામાં વધારેમાં વધારે ત્રણ દિવસો અને ઓછામાં ઓછા બે દિવસ રોકાયને ત્રણે જમરાઓને કાંકરીઓ મારવી મનાસીકમાંથી છે.

બસ જો કોઈ માણસ ફકત બે દિવસ અગિયાર અને બાર ઝિલ્હજના રમી કરી મક્કા ચાલ્યો જાય તો તેના પર કોઈ ગુનોહ નથી અને જો કોઈ ૧૩ ઝિલ્હજના થોભી જઈ રમી કરી લે તો પણ જાઈઝ છે.

(۱۸۳) عَنْ عَائِشَةંَ  ؓقَالَتْ أَنَّ رَسُوْلَ اللهِ ﷺ قَالَ مَا مِنْ يَوْمٍ اَكْثَرُ مِنْ أَنْ يَّعْتِقَ اللهُ فِيْهِ عَبْداً مِنَ النَّارِ مِنْ يَوْمِ عَرَفَةَ وَإِنَّهٗ لَيَدْنُوْ ثُمَّ يُبَاهِيْ بِهِمُ الْمَلٰئِكَةَ فَیَقُوْلُ مَا اَرَادَ ھٰؤُلاَءِ   (رواه مسلم)

તરજુમાઃ- હઝરત આયશા સિદ્દીકા (રદિ.)થી રિવાયત છે કે રસુલૂલ્લાહ (સ.અ.વ.)એ ફરમાવ્યું કોઈ દિવસ એવો નથી જેમાં અલ્લાહ તઆલા અરફાના દિવસથી વધારે પોતાના બંદાઓ માટે જહન્નમથી આઝાદી અને છુટકારાનો ફેંસલો કરતો હોય, (એટલે ગુનેહગાર બંદાઓની મગફિરત અને જહન્નમથી આઝાદીનો ફેંસલો સૌથી વધુ સંખ્યામાં વર્ષના ૩૬૦ દિવસોમાં એક દિવસ અરફાના દિવસમાં થાય છે) તે દિવસે અલ્લાહ તઆલા તેની રહમત અને મહેરબાનીથી (અરફાતમાં ભેગા થનાર) પોતાના બંદાઓની બિલ્કુલ પાસે હોય છે. અને તેમના ઉપર ફખર કરતા ફરિશ્તાઓને કહે છે : “મા અરાદ હાઉલાઈ” જુઓ છો મારા આ બંદાઓ કયા હેતુસર અહીંયા આવ્યા છે ?

(١٨٤) عَنْ طَلْحَةَ بْنِ عُبَيْدِ اللهِ بْنِ كَرِيْزٍ ؓأَنَّ رَسُوْلَ اللّهِ ﷺ قَالَ مَا رُإِىَ الشَّيْطَانُ يَوْماً هُوَ فِيْهِ أَصْغَرُ وَلَا أَدْحَرُ وَلَا أَحْقَرُ وَلَا أَغْيَظُ مِنْهُ فِيْ يَوْمِ عَرَفَةَ وَمَا ذَاكَ إِلَّا لِمَا يَرٰى مِنْ تَنَزُّلِ الرَّحْمَةِ وَتَجَاوُزِ اللّهِ عَنِ الذُّنُوْبِ الْعِظَامِ  (رواه مالك مرسلا) 

તરજુમાઃ- હઝરત તલ્હા બિન ઉબૈદુલ્લાહ બિન કરીઝ તાબીઈથી રિવાયત છે કે રસુલૂલ્લાહ (સલ.)એ ફરમાવ્યું શૈતાન કયારેય એટલો ઝલીલ, અને બે ઈઝઝત, તેમ ધુતકારેલો, ફિટકારેલો, અને એટલો બધો વિફરેલો જોવામાં નથી આવ્યો, જેટલો તે અરફાના દિવસે ઝલીલ, બે ઈઝઝત, અને કાળો, તેમ વિફરેલો જોવામાં આવે છે. અને તે ફકત એટલા માટે કે તે દિવસે અલ્લાહની રહમત મુશળધાર વરસતી જોઈ અને મોટા મોટા ગુનાહોની માફીનો ફેંસલો થતાં જુએ છે. અને (તે એ મરદુદ માટે બરદાસ્તથી બહાર છે.) (મુઅત્તા ઈમામ માલિક)

ખુલાસો :- અરફાતના મુબારક મેદાનમાં ઝિલ્હજની નવમી તારીખે જે રહમતો અને બરકતો ઉતરવાનો ખાસ દિવસ છે જયારે હજારો લાખોની સંખ્યામાં અલ્લાહના બંદા ફકીરો મોહતાજોની જેવા બની ભેગા થાય છે. અને તેની સામે પોતાના અને બીજાઓ માટે મગફિરત તેમ રહમતની દુઆઓ અને રડ કકડ કરે છે. અને તેની સામે કાકલુડી કરી રડે કકડે છે. તો ચોક્કસ અરહમુર્રાહિમીનની રહમતનો જોશ મારતો સમુદ્ર ઉભરાય છે. અને પછી તે પોતાની શાને કરીમી પ્રમાણે ગુનેહગારોની મગફિરત અને જહન્નમથી છુટકારાના તેમ આઝાદીના મહાન ફેંસલા ફરમાવે છે. તો શૈતાન સળગી ઉઠે છે. અને તે પોતાનું માથું કુટીને રહી જાય છે

ઉલમાએ કિરામ દરમિયાન ઈખ્તેલાફ રહમત

હઝરત અકદસ શૈખુલ હદીસ મવલાના ઝકરિયા રહ. ની કિતાબ 

“ઈસ્લામી સિયાસત”નો ક્રમશ અનુવાદ 

• મુફતી ફરીદ અહમદ કાવી.

મારી સમજ મુજબ સાચી વાત આ જ છે કે ઉલમા દરમિયાન ઈખ્તેલાફ અલ્લાહ તઆલાની મોટી રહમત છે. તમને યાદ હશે કે મેં હદીસના સબક દરમિયાન પણ આ વારંવાર આ વિચાર વ્યકત કર્યો હતો કે જે મસ્અલામાં ઈમામો દરમિયાન ઈખ્તેલાફ હોય તો એમાં મને મોટી સહૂલત દેખાય છે કે શરીઅત મુજબ જ કંઈક ગુંજાઈશ નીકળી આવશે, અને જે મસ્અલામાં કોઈ ઈખ્તેલાફ નથી હોતો, એમાં હક અને હુકમની ફકત એક જ બાજુ હોય છે, એટલે બીજી ગુંજાઈશ એમાં હોતી નથી. બધાનું એક જ હુકમ ઉપર એકમત હોવાનો મતલબ આ જ છે કે હક અને મુળ હુકમ આ જ છે. કારણ કે ઉમ્મતના સઘળા ઉલમા કોઈ ગુમરાહી કે ખોટા હુકમ ઉપર એકમત હોય એ શકય નથી. ઉલમાએ કિરામે આ શ્રેષ્ઠ ઉમ્મતની જે વિશેષતાઓ ગણાવી છે એમાં એક આ પણ છે કે આ ઉમ્મત ગુમરાહી ઉપર ભેગી નહીં થાય. જે બાબતે ઉમ્મત એકમત અને ભેગી હોય તો અલ્લાહ તઆલાનો હુકમ પણ એવો જ હશે, એ નક્કી છે. નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની હદીસ પણ છે કે મારી ઉમ્મત ગુમરાહીની કોઈ બાબતે એકમત થઈ જાય એ શકય નથી. અનેક સહાબાએ આ રિવાયત વર્ણવી છે. ઉપરાંત એક બીજી હદીસમાં છે કે મેં અલ્લાહ તઆલા પાસે દુઆ કરી છે કે મારી ઉમ્મત કદી ગુમરાહીની કોઈ બાબત ઉપર એકમત ન થઈ જાય. એટલે બધા જ ગુમરાહીની એ વાત અપનાવી લે, એવું ન થાય, તો અલ્લાહ તઆલાએ આ દુઆ કુબૂલ ફરમાવી લીધી.

બીજી એક હદીસમાં છે કે અલ્લાહ તઆલાએ તમને ત્રણ વસ્તુઓથી મહફૂજ રાખ્યા છે. એક આ છે કે તમે બધા ગુમરાહી ઉપર એકમત નહીં થાઓ. હાફિઝ ઈરાકી રહ. ફરમાવે છે કે શરીઅતને લગતી ગમે તે બાબત હોય, અકીદો હોય કે અમલ, કાર્ય હોય કે કથન, એવું કદી ન થાશે કે બધા જ લોકો કોઈ ખોટી વાતને દુરુસ્ત માનીને અપનાવી લે. બલકે કોઈ તો એવું હશે જે હક અને સાચા હુકમને અપનાવીને એને જાહેર કરશે.

આવી સ્થિતિમાં હવે આપણે વિચારીએ કે આધુનિક વિચારસરણીના નામે કોઈ એવી વાત શરીઅતમાં શામેલ કરી દેવી, જેનો કોઈ આધાર ન હોય, બલકે પાછલા બુઝર્ગોએ પણ એવી કોઈ વાત કહી ન હોય, બલકે આજ સુધીના બધા જ દીની આલિમો — વિદ્વાનો એનાથી વિપરીત વાત કહેતા આવ્યા હોય, તો આ નવી વાતને પૂર્ણ ગુમરાહી ન કહીએ તો શું કહીએ ? હા, કોઈ બાબતે પહેલેથી દીની બુઝુર્ગો – આલિમો વચ્ચે ઈખ્તેલાફ રહયો હોય, અને બંને તરફની વાતો વિદ્વાનો કહેતા આવ્યા હોય તો એમાં સહૂલત વધારે છે. એટલે કે આમ કરે કે તેમ કરે, એટલું નક્કી છે કે માણસ ગુમરાહ નહીં કહેવાય. નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની હદીસથી પણ આ વાતને સમર્થન મળે છે.

હઝરત ઉમર બિન અ. અઝીઝ રહ.ને બીજા ઉમર કહેવામાં આવે છે. એમની ખિલાફતના ઝમાનાને ખિલાફતે રાશિદહની જેમ બરકતવાળો – નમૂનારૂપ સમજવામાં આવે છે. તેઓ ફરમાવે છે કે, સહાબા રદિ.માં અમુક હુકમો બાબતે ઈખ્તેલાફ ન હોત અને દરેક હુકમમાં બધા સહમત હોત, મને આ વાત સારી ન લાગત. એટલે કે એમના માંહે ઈખ્તેલાફ ન હોત તો પછી કોઈ આસાની અને ગુંજાઈશ ન મળત. (ઝરકાની)

દારમી રહ.એ પણ હઝરત ઉમર બિન અ. અઝીઝ રહ.નું આવું જ કથન વર્ણવ્યું છે. અને પછી દારમી રહ. આગળ લખે છે : કે હઝરત ઉમર બિન અ. અઝીઝ રહ.એ પોતાની સલતનતમાં આ હુકમ લખી મોકલાવ્યો કે દરેક કોમ એમના ઉલમા જે મુજબ ફતવો આપે, એ પ્રમાણે અમલ કરે.

ઔન બિન અબ્દુલ્લાહ તાબેઈ હતા. મોટા ઈબાદતગુઝાર બુઝુર્ગ ગણાતા હતા. તેઓ કહે છે કે મને આ વાત પસંદ નથી કે સહાબામાં ઈખ્તેલાફ ન હોય. એટલે કે તેઓ બધા જેે એક વાતે સહમત થઈ જાય તો પછી એના વિરુદ્ધ કરનાર માણસ સુન્નત વિરુદ્ધ આચરણ કરનાર ગણાશે. અને જો સહાબામાં કોઈ હુકમ બાબતે ઈખ્તેલાફ હોય તો માણસ માટે સરળતા છે કે બે માંથી જે મુજબ અમલ કરે, એ સુન્નત વિરુદ્ધ કરનાર નહીં ગણાય.

અબ્દુલ્લાહ બિન મુબારક મોટા ઈમામ છે. તેઓ ફરમાવે છે કે કુરઆન અને હદીસની સામે કોઈનું કથન મોતબર નથી. આવી જ રીતે બધા જ સહાબા રદિ. જો કોઈ એક હુકમ ઉપર એકમત હોય તો એના વિરુદ્ધ કોઈની વાત મોતબર નથી. હા, જે હુકમ બાબતે સહાબા રદિ.માં મતભેદ હોય એમાં આપણને સહૂલત મળી જાય છે કે આપણે એવી વાત ઉપર અમલ કરીએ જેને આપણે કુરઆન-હદીસ પ્રમાણે સમજતા હોય.

દુર્રે મુખ્તાર અને શામીમાં છે કે મુજતહિદ ઈમામો અને ઉલમા વચ્ચેનો મતભેદ રહમત છે. જેટલો મતભેદ વધારે હશે એટલી રહમત વધારે. અને હું પુછું છું કે ઉલમા વચ્ચે ઈખ્તેલાફ ન હોય, કોઈ ઝમાનામાં એવું બન્યું છે ? ઈસ્લામના આરંભથી, બલકે દુનિયા શરૂ થઈ ત્યારથી કોઈ એવો સમય આવ્યો છે કે એમાં ઉલમા અને અહલે હક દરમિયાન પણ આપસમાં ઈખ્તેલાફ ન રહયો હોય ? અલ્લાહ તઆલાએ શું બધા જ અંબિયાએ કિરામ ઉપર એક સમાન દીન ઉતાર્યો છે ? બુનિયાદી વાતો એક જેવી રાખવામાં આવી છે, બાકી અન્ય ઘણી બાબતોમાં અલગ અલગ આપવામાં આવી છે. હઝરત દાવૂદ અલૈ. અને હઝરત સુલેમાન અલૈ.ના અનેક ફેસલાઓમાં વિરોધાભાસ હતો. આમ છતાં અલ્લાહ તઆલાએ બંનેના વખાણ કર્યા છે. અલ્લાહ તઆલા ફરમાવે છે : فَفَهَّمْنٰهَا سُلَیْمٰنَۚ-وَ كُلًّا اٰتَیْنَا حُكْمًا وَّ عِلْمًا٘-(અમે ખેતર વાળા કજિયામાં) સુલૈમાન અલૈ.ને સમજ આપી અને બંને (દાવૂદ અને સુલેમાન)ને અમે હિકમત અને ઈલ્મ આપ્યું છે.

બીજી વાત સાંભળો ! નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમનો ઈરશાદ છે : આસમાનમાં બે ફરિશ્તાઓ છે. એક કડક હુકમ કરે છે અને બીજો નરમ સરળ આદેશ આપે છે. બંને સાચા છે. એમાંથી એક હઝરત જિબ્રઈલ છે અને બીજા મીકાઈલ અલૈ. છે. આવી જ રીતે બે નબીઓ છે. એક નરમ – સરળ આદેશ આપે છે અને બીજા કડક હુકમ આપે છે. અને બંને સાચા – સીધા રસ્તે છે. એક હઝરત ઈબ્રાહીમ અલૈ. અને બીજા હઝરત નૂહ અલૈ. અને મારા પણ બે સાથીઓ છે. એક નરમ છે અને બીજા કડક. એટલે કે હઝરત અબૂ બક્ર રદિ. અને હઝરત ઉમર રદિ. (જામેઉસ્સગીર)

આ કાયદા મુજબ જ ઉમ્મતના ઉલમા, સુફિયા, અને દરેક ઝમાનામાં અકાબિરીન દરમિયાન ઘણી બધી બાબતોએ વિરોધાભાસ રહયો. સ્વભાવમાં વિવિધતાના કારણે એક આલિમ બાઅમલના મતે જેમાં સખતી – કડકાઈ હોય એ હુકમ સહી હોય છે એટલે ઘણી બાબતોમાં એ સખત હુકમ આપે છે. અને બીજા આલિમ નરમી અપનાવે છે. બદરની લડાઈ વેળા પકડવામાં આવેલ કેદીઓ વિશે પણ હઝરત અબૂબક્ર રદિ. અને હઝરત ઉમર રદિ.નો મતભેદની બુનિયાદ પણ સ્વભાવની નરમી અને કડકાઈના કારણે જ હતો.

અમુક વિશેષ દુઆઓ અને  એનો  મોટો  સવાબ

(૧) હદીસ શરીફમાં છે : જે માણસ આ દુઆ દસ વાર પઢશે, એના માટે ચાલીસ હઝાર નેકીઓનો સવાબ લખવામાં આવશે.

لَا إِلٰهَ إِلَّا اللهُ وَاحِداً أَحَداً صَمَداً لَمْ يَتَّخِذْ صَاحِبَةً وَّلَا وَلَدًا وَ لَمْ يَكُنْ لَّهٗ كُفُوًا أَحَدٌ

(૨) એક હદીસમાં છે : દરેક ફરજ નમાઝ પછી દસ વાર આ ઝિક્ર પઢતા રહો. એક ગુલામ આઝાદ કરવા જેટલો સવાબ મળશે.

لَا إِلٰهَ إِلَّا اللّهُ وَحْدَهٗ لَا شَرِيْكَ لَهُ لَهُ الْمُلْكُ وَ لَهُ الْحَمْدُ وَهُوَ عَلٰى كُلِّ شَيْءٍ قَدِيْرٌ

(૩) એક હદીસમાં છે કે જે માણસ આ ઝિક્ર પઢશે એના માટે વીસ લાખ નેકીઓ લખવામાં આવશે.

لَا إِلٰهَ إِلَّا اللّهُ وَحْدَهٗ لَا شَرِيْكَ لَهٗ أَحَداً صَمَداً لَّمْ يَلِدْ وَلَمْ يُوْلَدْ وَ لَمْ يَكُنْ لَّهٗ كُفُوًا أَحَدٌ

(૪) એક હદીસમાં છે : જે માણસ સો વાર لا الہ الاِّ اللہ લા ઈલાહ ઈલ્લલ્લાહ પઢશે તો અલ્લાહ તઆલા કયામતના દિવસે એને એવા રોશન ચહેરા સાથે ઉઠાવશે જેમ ચૌદમો ચાંદ હોય છે. અને જે દિવસે આ તસ્બીહ પઢશે, તે દિવસે એના કરતાં સારો અમલ કરનાર તે જ માણસ હશે જેણે આ તસ્બીહ એના કરતાં વધારે પઢી હશે.

(૫) એક હદીસમાં નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમનો ઈરશાદ છે : જે માણસ દરેક નમાઝ પછી :

૩૩ વાર સુબ્હાનલ્લાહ,

૩૩ વાર અલ્હમ્દુલિલ્લાહ,

૩૩ અલ્લાહુ અકબર અને એકવાર આ દુઆ પઢશે :

 لَا إِلٰهَ إِلَّا اللّهُ وَحْدَهٗ لَا شَرِيْكَ لَهٗ، لَهُ الْمُلْكُ وَ لَهُ الْحَمْدُ وَهُوَ عَلٰى كُلِّ شَيْءٍ قَدِيْرٌ

તો એના ગુનાહો માફ થઈ જાય છે, ચાહે તે સમંદરના ફીણ જેટલા વધારે કેમ ન હોય.

(૬) હઝરત અબૂ રાફેઅ રદિ.ની બીવી હઝરત સલ્મહ રદિ.એ નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની સેવામાં અરજ કરી કે મને કોઈ નાનો વઝીફો – પઢવાની દુઆ બતાવો, જે વધારે લાંબો ન હોય. તો આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે અરજ કરી કે, અલ્લાહુ અકબર દસવાર પઢી લ્યો. અલ્લાહ તઆલા એના ઉપર ફરમાવે છે કે આ તો મારા માટે છે. પછી દસવાર સુબ્હાનલ્લાહ પઢો. અલ્લાહ એના ઉપર ફરમાવે છે કે આ પણ મારા માટે છે. પછી “અલ્લાહમ્મગ્ફિર લી” اللّٰھُمَّ اغْفِرْلَیْ દસવાર પઢો તો અલ્લાહ તઆલા ફરમાવે છે કે મેં તારી મગફિરત કરી દીધી.

(૭) એક હદીસમાં છે : સુબ્હાનલ્લાહ, અલ્હમ્દુલિલ્લાહ, અલ્લાહુ અકબર દસ દસ વાર પઢો અને પછી જે ચાહે તે દુઆ કરો. કબુલ થશે.

(૮) નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમનો ઈરશાદ છે : જે માણસ આ દુઆ પઢશે એને દરેક અક્ષરના બદલે દસ દસ નેકીઓ મળશે

سُبْحَانَ اللهِ وَالحَمْدُ لِلّهِ وَ لَا إِلَهَ إِلَّااللهُ وَاللَّهُ أَكْبَرُ

(૯) એક હદીસમાં છે :

સો વાર “સુબ્હાનલ્લાહ” પઢી લ્યો.એના બદલામાં સો અરબ ગુલામ આઝાદ કરવા જેટલો સવાબ મળશે. 

સો વાર “અલ્હમ્દુલિલ્લાહ” પઢી લ્યો. એનો સવાબ સો ઘોડા સામાન સાથે જિહાદ માટે આપવા જેટલો સવાબ મળશે.

સો વાર અલ્લાહુ અકબર પઢો. સો ઊંટોની મકબૂલ કુરબાની કરવા જેટલો સવાબ મળશે.

સો વાર “લા ઈલાહ ઈલ્લલ્લાહ” પઢી લ્યો. સઘળા આસમાન જમીન ભરાય જાય એટલો બધો સવાબ મળશે.

ફઝાઈલે ઝિક્ર. હઝરત શેખુલ હદીસ મવ. ઝકરિયા રહ

તોબા અને અલ્લાહની રહમત

બુખારી શરીફમાં હઝરત અનસ રદિ.એ નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની હદીસ વર્ણવી છે, એમાં અલ્લાહ તઆલા બંદાની તોબાથી કેટલા ખુશ થાય છે એને એક ઉદાહરણ દ્વારા સમજાવવામાં આવ્યું છે.

એક માણસ લાંબા સફરે નીકળે છે. ઊંટ ઉપર સવાર છે. સફર મુજબનો સામાન અને ભાથું પણ સાથે છે. સફર દરમિયાન એક મોટા રણમાં પહોંચે છે. બપોરનો સમય થાય છે તો એક ઝાડ શોધીને ત્યાં આરામ કરવા ઉતરે છે. ઊંટ પાસે બેસાડીને સૂઈ જાય છે. થોડીવારે આંખ ખુલી અને જોયું તો ઊંટ ગાયબ !

ખાવા – પીવાનો સામાન અને પાણી, બધું જ ઊંટ ઉપર હતું. સફરની સવારી પણ એ જ ઊંટ. દૂર સુધી ખુલ્લા રણમાં ફકત ઊંટ જ એનો સહારો હતું અને તે હવે ગાયબ હતું. એણે આમ તેમ શોધ્યું પણ કયાંય એનું નિશાન ન હતું. અંતે નિરાશ થઈને એમ વિચારીને કે હવે મરવાનું છે તો આ ઝાડ નીચે જ મરીશ.. ત્યાં જ સૂઈ ગયો. થોડીવારે ઊંઘ આવી ગઈ. અને પછી થોડીવારે આંખ ખુલી તો જુએ છે કે એનું ઊંટ એની પાસે જ આવીને ઉભું છે. મુસાફર તો જાણે ખુશીનો માર્યો ગાંડો જ થઈ ગયો. આ ખુશીમાં અલ્લાહનો શુક્ર અદા કરવા લાગ્યો. પણ દિલ – દિમાગમાં ખુશી એવી છવાય ગઈ હતી કે ખુદાનો શુક્ર અદા કરવાના શબ્દો પણ એના મોંઢે આવતા ન હતા.

ખુશીનો માર્યો એ કહેવા લાગ્યો : હે અલ્લાહ ! તું મારો બંદો, હું તારો પરવરદિગાર... એણે કહેવાનું હતું કે હે અલ્લાહ ! તું મારો રબ છે અને હું તારો બંદો છું... પણ ખુશીમાં એના મોંઢેથી એવા શબ્દો નીકળે છે કે, પોતાને પરવરદિગાર અને અને અલ્લાહને બંદો કહી દે છે. નબી કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ આ કિસ્સો વર્ણવીને ફરમાવે છે કે જુઓ, આ માણસને કેટલી ખુશી થઈ હશે એનો આપણને અંદાઝો આવી શકે છે ? બસ આ જ પ્રમાણે જયારે કોઈ બંદો ગુનાહોથી તોબા કરે છે. અલ્લાહના દરબારમાં આવીને માફી માંગે છે, ફરમાબરદાર બને છે તો અલ્લાહ તઆલાને આ માણસ કરતાં પણ વધારે ખુશી થાય છે. અલ્લાહ તઆલા કોઈના મોહતાજ નથી. કોઈની તોબા અને માફીથી એની મહાનતામાં કોઈ વધારો નથી થતો. પણ પોતાના એક બંદાની નાફરમાનીથી અલ્લાહ તઆલાને કેટલી નારાજગી થતી હશે અને બંદાને પોતાનો તાબેદાર જોઈને અલ્લાહ તઆલા કેટલા ખુશ થતા હશે, એનો અંદાઝો આપણે કરી શકીએ છીએ.

કુરઆનમાં અલ્લાહ તઆલા પોતે ફરમાવે છે : હે મારા બંદાઓ ! તમે (ગુનાહો કરીને કે નાફરમાની કરીને) તમારા પોતાના ઉપર ઝુલમ કર્યો છે, તો પણ અલ્લાહની રહમતથી માયૂસ ન થાઓ. અલ્લાહ તઆલા એ બધા જ ગુનાહો માફ કરી દેશે.

અલ્લાહ તઆલા સીધી રીતે ગુનેગાર બંદાઓને સંબોધે છે, અને આવી સ્થિતિમાં પણ ફરમાવે છે, “હે મારા બંદાઓ”. એક સામાન્ય માણસ પણ જયારે એના દીકરાની કોઈ નાની મોટી ભૂલ બાબતે નારાજ થાય છે તો દીકરો સામે હોય છતાં બીવીને સંબોધીને કહે છે કે તારા દીકરાને કહી દેજે કે મારા ઘરમાં પગ ન મૂકે. કમથી કમ શબ્દો એવા ઉચ્ચારે છે જાણે એ એનો દીકરો ન હોય. એટલે કે બેટાની નાફરમાનીથી બાપ એટલો નારાજ હોય છે કે દીકરાનો સંબંધ પોતાની સાથે દર્શાવવા તૈયાર નથી હોતો. પણ અલ્લાહ તઆલા ગુનેગારોને નાફરમાની કરતા હોવાની સ્થિતિમાં સંબોધે છે અને ફરમાવે છે : હે મારા બંદાઓ !

આ અલ્લાહ તઆલાની રહમતની શાન છે. આપણે એની રહમતની આ શાનથી ફાયદો ઉઠાવવો જોઈએ.

માણસે જોઈએ કે ગુનો ન કરે. થઈ જાય તો તોબા કરે. માફી માંગે. ફરીવાર ગુનો ન કરવાનો પાકો ઈરાદો કરે. અલ્લાહ તઆલા એની તોબા અને માફી કુબૂલ ફરમાવશે.

નશાખોરી અને ઈસ્લામ

ઈસ્લામમાં જે ગુનાઓની સખત મનાઈ અને પાબંદી છે એમાં એક મહત્વનો ગુનો નશો કરવાનો છે. કુરઆનમાં નશો કરવાને હરામ અને શરાબને નાપાક કહેવામાં આવી છે. આ મનાઈનું કારણ સમજાવતાં ઉલમાએ વિસ્તારથી ચર્ચા ફરમાવી છે. ઉલમા લખે છે કે સારા સંસ્કાર અને અખ્લાક માનવીનું મોંઘેરું ઘરેણું છે. અને નશો કરવાથી માણસના સંસ્કાર ખોવાય જાય છે. એના ઉપર હેવાનિયત અને જંગલીપણું છવાય જાય છે. નશો કર્યા પછી માણસ ખરાબ કૃત્યો કરવા માંડે છે. એનાથી માણસની રૂહ અને આત્મા અપવિત્ર – નાપાક થઈ જાય છે. રૂહાની ગંદકી માણસ માટે ઝાહેરી ગંદકી કરતાં પણ વધારે ખતરનાક હોય છે. હદીસ શરીફમાં આ વિશે ભારે કડક મનાઈ અને સજાનું વર્ણન કરવામાં આવ્યું છે.

બુખારી શરીફમાં હદીસ છે, નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે ફરમાવ્યું : નશો કરતી દરેક વસ્તુ હરામ છે. બીજી એક હદીસમાં હઝરત જાબિર બિન અબ્દુલ્લાહ રદિ. નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમનો ઈરશાદ વર્ણવે છે કે જે વસ્તુની વધુ માત્રાનું સેવન કરવાથી નશો થતો હોય તો એ વસ્તુ થોડી માત્રામાં (નશો થાય નહીં એવી રીતે) પણ ખાવી – પીવી હરામ છે. હદીસ શરીફનો આ હુકમ ઘણો જ હિકમત ભર્યો અને ધ્યાનપાત્ર છે. કારણ કે વધુ પડતા લોકો નશાની લતના શિકાર આવી રીતે જ થાય છે કે શરૂમાં થોડી માત્રામાં નશાનું સેવન કરે છે પછી નશાની તલબ વધતી જાય છે અને ઘણીવાર એટલી વધી જાય છે કે ઝેરયુકત ઈન્જેકશનો આપવા પડે છે.

નશાનું સૌથી મોટું નુકસાન આ છે કે માણસના સ્વાસ્થ્ય ઉપર ખરાબ અસર પડે છે. બધા જ તબીબો આ બાબતે એકમત છે કે દારૂ અને નશો એક પ્રકારનું ધીમું ઝેર છે. જે ધીરે ધીરે માણસના શરીરને ખોખલું કરી નાંખે છે. માણસનું આયુષ્ય ઘટાડે છે. શરીર અને ઉમર કુદરતે આપેલી અમાનત છે. આ અમાનત સાથે માણસના પોતાના અને સમાજ કુટુંબના અનેક લાભો અને સંબંધો જોડાયેલા છે. નશો કરવો એક રીતે આ બધી અમાનતોમાં ખયાનત છે. હદીસ શરીફમાં માનવીય જીવનના આ સર્વગ્રાહી પાસાને સામે રાખીને જ બીજી એવી વસ્તુઓની પણ મનાઈ ફરમાવી છે જેનાથી માણસના શરીરમાં કમઝોરી આવે. અબૂદાવૂદ શરીફમાં હદીસ છે કે નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે નશો લાવનાર અને શરીરની શકિતને તોડતી દરેક વસ્તુની મનાઈ ફરમાવી છે.

નશો કે માદક દ્રવ્યોના સેવનનું બીજું મહત્વનું નુકસાન આર્થિક રીતે અસર કરે છે. ડ્રગ્સ ગમે તે હોય, લીકવીડ હોય કે પાવડર, મોંઘું હોય છે. મોંઘી શરાબની એક બોટલની કિંમત એટલી બધી હોય છે ગરીબના આખા ઘરનું એક ટંકનું ખાવા એનાથી ખરીદી શકાય. અમુક ડ્રગ્સ તો ૧, કિલોના કરોડો રૂપિયે વેચાય છે.

નશાકારક વસ્તુઓનું સેવનની શરૂઆત તો માણસની મરજીથી થતી હોય છે, પણ જયારે એની લત - આદત પડી જાય છે તો માણસ હવે માણસની મરજી છીનવાય જાય છે. હવે તે નશાનો શિકાર બની જાય છે. ખાવાની બે રોટી મળે કે ન મળે, એને ડ્રગ્સ મળવું જોઈએ. ઘરના માણસો ભુખ્યા રહે તો ભલે, નશો કરવો માણસની મજબૂરી થઈ જાય છે. આમ નાણાની મહામૂલી પુંજી નશા થકી બરબાદ થાય છે. અને માણસ પોતાના જ પૈસાથી પોતાના જીવનને બરબાદ કરે છે.

નશામાં આવીને માણસ ઘણીવાર ન કરવાના કામો કરી બેસે છે. ન બોલવાની વાતો બોલી નાંખે છે. ગાળો, અપશબ્દો, ભૂંડા કથનો અને બુરા બોલ બોલવા સામાન્ય છે. નશામાં આવીને માણસ કોઈની મર્યાદા નથી જાળવી શકતો. માં – બાપ કે વડીલોને પણ બુરા શબ્દો કહે છે. ઘરમાં આવીને બાળકો – બીવી સાથે મારઝુડ કરે છે. વૃદ્ધ – માં બાપને મારવા બલકે હત્યા કરી દેવાની ઘટનાઓ પણ સામે આવે છે.

એટલે જ હદીસ શરીફમાં નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ ફરમાવે છે કે નશો બુરાઈઓની જડ છે.

આખિરતમાં ગરીબ-મોહતાજ કોણ હશે?

હદીસ શરીફમાં છે કે, હઝરત અબૂ ઝર ગિફારી રદિ. ફરમાવે છે કે એકવાર મેં નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની સેવામાં અરજ કરી કે યા રસૂલલ્લાહ, સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ ! મને બે શબ્દોની કંઈક નસીહત ફરમાવો. આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે ફરમાવ્યું : તમને પોતાના અંદર કોઈ ખામી હોવાની ખબર હોય તો આટલી જાણકારી તમને અન્યોની ખામીઓ જોવાથી રોકી દે, એ જરૂરી છે. અને જે કામ તમે પોતે કરો છો, તો અન્યો દ્વારા એ કામ કરવામાં આવે તો એના ઉપર નારાજ ન થાઓ. મોટી ખામી આ છે કે તમે પોતાની ખામીઓથી ગાફેલ હોવ અને અન્યોની ખામીઓ શોધતા ફરો. પોતાની ખામીઓ ઉપર ગુસ્સો ન આવે અને અન્યોની ખામીઓ ઉપર ગુસ્સો કરવા માંડો. પછી આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે પોતાનો મુબારક હાથ છાતી ઉપર માર્યો અને ફરમાવ્યું : તદબીરથી મોટી કોઈ પરહેઝગારી નથી, અને સારા અખ્લાકથી મોટી કોઈ વસ્તુ નથી. (કન્ઝુલ ઉમ્માલ)

આ હદીસમાં નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે ઉમ્મતને શીખામણ આપી છે કે દરેક માણસે પોતાના અંદર મોજૂદ ખામીઓ અને બુરાઈઓ પ્રતિ વધારે ધ્યાન આપવાની જરૂરત છે. અન્યોની ખામીઓ જોવા કે એમને નસીહત કરવા કરતાં માણસે પોતાની ખામીઓને સુધારવાની કોશિશ કરવી જોઈએ. માણસ જયાં સુધી પોતાને સુધારવાનો પ્રયત્ન નથી કરતો, પોતાની ખામીઓ અને ગુનાહો પ્રત્યે સજાગ નથી હોતો, લોકો એની નસીહત ઉપર ધ્યાન નથી આપતા.

મુળ વાત આ છે કે કયામતના દિવસે માણસનો અસલ હિસાબ એના પોતાના આમાલ વિશે જ હશે. દરેકને એના આમાલ વિશે પૂછવામાં આવશે, અન્યોના આમાલ વિશે નહીં.

બીજા મુસલમાનોને દીની દાવત, નસીહત, અમ્રબિલમઅરૂફ પણ એક નેકીનું કામ છે, માણસે એના તરફ ધ્યાન આપવું જોઈએ, પણ એ બીજા નંબરે આવે છે, પ્રથમ નંબરે માણસે પોતાની સુધારણા, નેકી, તકવા તરફ ધ્યાન આપવું જોઈએ. દીનની દાવત કે અમ્રબિલમઅરૂફ માટે જરૂરી નથી કે આપણે લોકોના એબ અને ગુનાહો શોધતા ફરીએ. એના વગર પણ આ કામ કરી શકાય છે. એટલે કે જો કોઈ નિખાલસ માણસ અન્યોના ગુનાહો શોધ્યા વગર, એને બદનામ કર્યા વગર એને દીનની દાવત આપે કે શિખામણ આપે તો એમાં કોઈ વાંધો નથી, ભલે એ પોતે અમુક તમુક ગુનાહો આચરતો હોય... ગુનાહોથી બિલ્કુલ પાક – પવિત્ર માણસ તો કોણ હશે?

ખુલાસો આ થયો કે અન્યોના ગુનાહો શોધવા, ખામીઓ પાછળ પડવું અને પછી નસીહત કરવા એની પાછળ દોડવું અને તે પણ એવી સ્થિતિમાં કે પોતાના ગુનાહો તરફ માણસ ધ્યાન આપતો ન હોય, તો આ ઘણી બુરી હરકત છે. એનો કોઈ ફાયદો નથી.

એક હદીસમાં છે, નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે સહાબાને પૂછયું કે, તમારા મતે મુફલિસ માણસ કોણ કહેવાય ? સહાબા રદિ.એ જવાબ આપ્યો કે, જેની પાસે કોઈ માલ – દોલત ન હોય એ મુફલિસ છે. નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે ફરમાવ્યું : મારી ઉમ્મતનો મુફલિસ માણસ તે હશે જે કયામતના દિવસે ઘણા બધા નેક આમાલ લઈને આવશે, પરંતુ બીજી તરફ એણે દુનિયામાં ઘણા લોકોને ગાળો આપી હશે, કોઈના ઉપર ખોટો આરોપ લગાવ્યો હશે, કોઈનો માલ નાજાઈઝ રીતે હડપી લીધો હશે, કોઈની હત્યા કરી હશે, કોઈને સતાવ્યો હશે, કોઈના ઉપર ઝુલમ કર્યો હશે.... આ બધા કયામતના દિવસે એની પાસેથી પોતાના હકોની માંગણી કરશે. અલ્લાહ તઆલા હિસાબ - કિતાબના નિયમ મુજબ આવા મઝલૂમ લોકોને આ નેક માણસની નેકીઓ આપવાનો હુકમ ફરમાવશે. એટલે બધી નેકીઓ આવા મઝલૂમ લોકો વચ્ચે વહેંચી દેવામાં આવશે. બધી નેકીઓ વહેંચ્યા પછી પણ હજુ આવા મઝલૂમ લોકોની માંગણી બાકી રહેશે, તો અલ્લાહ તઆલા હુકમ ફરમાવશે કે મઝલૂમ લોકોના ગુનાહો આ ઝાલિમના ખાતામાં નાખી દેવામાં આવે.

આ હદીસથી માલૂમ થાય છે કે બીજા માણસોના હકો પ્રત્યે માણસ ગફલત દાખવશે તો પોતાની નેકીઓથી હાથ ધોવા ઉપરાંત અન્યોના હકો પણ પોતાના માથે લેવાની નોબત આવી શકે છે.

હઝરત મવલાના સય્યિદ મુહમ્મદ રાબેઅ નદવી સાહેબ રહ.

મુસ્લિમ વિશ્વના ટોચના બુઝુર્ગો અને આગેવાનોમાં સ્થાન ધરાવતા અને વિશેષ કરીને ભારતીય મુસ્લિમોની આસ્થા અને રાહબરીનું કેન્દ્ર સમા વયોવૃદ્ધ આલિમે દીન, મુસ્લિમ પર્સનલ લો બોર્ડ ભારતના પ્રમુખ, નદવતુલ ઉલમા લખનઉના નાઝિમ, દેશ વિદેશની અનેક સંસ્થાઓના પ્રમુખ અને સરપરસ્ત, ઈલ્મી – અમલી અનેક ચળવળોના આગેવાન ... હઝરત મવલાના સય્યિદ મુહમ્મદ રાબેઅ નદવી સાહેબ રહ. તા. ૨૧ રમઝાન, ૧૪૪૪, – ૧૩ એપ્રિલ ૨૦૨૩, ગુરુવારે સાંજે લગભગ સાડા ત્રણ વાગ્યે ૯૪ વરસની વયે ઈન્તેકાલ ફરમાવી ગયા. ઈન્નાલિલ્લાહ.

આપ રહ. ૧૯૨૯ ઈ.માં તકિયા રાય બરેલી ખાતે પેદા થયા. ૧૯૪૮માં દારૂલ ઉલૂમ નદવહ ખાતેથી તાલીમ પૂરી કરી અને ૧૯૪૯ માં નદવહ ખાતે જ મુદર્રિસ તરીકે સેવા આપવા લાગ્યા. પછી બે વરસ અરબસ્તાન ગયા અને પાછા આવીને નદવહમાં તાલીમમાં પરોવાય ગયા. ૧૯૯૪માં નદવહના મોહતમિમ બનાવવામાં આવ્યા, પછી ૧૯૯૭માં નાયબ નાઝિમ બનાવવામાં આવ્યા અને ૨૦૦૦માં નાઝિમ બનાવવામાં આવ્યા. ૨૦૦૩થી આપ રહ. મુસ્લિમ પર્સનલ લો બોર્ડના અધ્યક્ષ હતા. ઉપરાંત ૨૦૦૭થી દા. ઉલૂમ દેવબંદની મજલિસે શૂરાના સભ્ય પણ હતા.

આપ રહ. હસની સય્યિદ હતા. અને “હસની” નિસ્બત મુજબ જ રહેણી – કરણી, વાણી વર્તન, તકવા - દીનદારી અને કોમની રાહબરીમાં સાચે જ અસલાફ અને પાછલા બુઝુર્ગોના જાનશીન અને નમૂના હતા. ભારતીય મુસલમાનોના દરેક સમુહ અને ફિરકામાં આપ રહ.ને સન્માનની નજરે જોવામાં આવતા હતા. અને ભારતીય મુસ્લિમોના સર્વસ્વીકૃત મંચ એટલે કે મુસ્લિમ પર્સનલ લો બોર્ડના પ્રમુખ તરીકે બધા જ ફિરકાઓ આપ રહ.ને પોતાના આગેવાન માનતા હતા અને વિશ્વાસ કરતા હતા.

અરબી અને ઈસ્લામી વિદ્યાઓમાં કાબેલ અને વિદ્વાન લોકોમાં આપ રહ.ની ગણના થતી હતી. “નદવતુલ ઉલમા” ખાતે આપ રહ. પાસે તાલીમ – કેળવણી મેળવેલા હઝારો વિદ્યાર્થીઓ આજે દેશ વિદેશમાં ફેલાયેલા છે અને મદ૨સાઓ ઉપરાંત મોટી યુનિવર્સિટીઓમાં ઉચ્ચ સ્થાને જ્ઞાન-ઈલ્મની સેવા કરી રહયા છે. આપ રહ. દ્વારા લખાયેલ અરબી સાહિત્ય ભાષાને લગતા પુસ્તકો અરબ વિશ્વમાં પણ લોકપ્રિય થયા છે. અમુક પુસ્તકો મદ૨સાઓના પાઠયક્રમમાં પણ શામેલ છે. ઉપરાંત સીરતે નબવી અને અન્ય ઈસ્લામી વિષયો ઉપર પણ આપ રહ.એ અનેક પુસ્તકો લખ્યા છે. આપ રહ. દ્વારા લખવામાં આવેલ અમુક પુસ્તિકાઓનો ગુજરાતી અનુવાદ જામિઅહ દ્વારા પણ પ્રકાશિત કરવામાં આવ્યો છે.

દેશની નામાંકિત અને આગેવાન સંસ્થાઓના આપ રહ. વડા હતા. વિશેષ કરીને મુસ્લિમ પર્સનલો લો બોર્ડના પ્રમુખ હતા, રાજકીય અને સામાજિક ક્ષેત્રે આ સંસ્થા મુસલમાનોને લગતા અનેક પ્રશ્નો બાબતે માર્ગદર્શન પુરું પાડતી હતી. વર્તમાન ભારતીય વાતાવરણ મુજબ રાજકીય અને સામાજિક રીતે ભારતીય મુસ્લિમોને પરેશાન કરવા હેતુ મુસ્લિમોની સંસ્થાઓ, પરંપરાઓ – ઈબાદતો – ધર્મસ્થાનો બાબતે વિરોધીઓ દ્વારા જે અનેક કેસો પણ ભારતીય અદાલતમાં દાખલ કરવામાં આવે છે એની લડત પણ પર્સનલ લો બોર્ડ દ્વારા આપ રહ.ની રાહબરીમાં લડવામાં આવતી હતી. ઉપરાંત ભારતીય મુસ્લિમોના બધા ફિરકાઓને પરસ્પરના વિરોધાભાસ છતાં સામુહિક પ્રશ્નો બાબતે એકમત રાખીને સમાન વલણ અપનાવવા બાબતે આપ રહ.એ ભારે કુનેહ અને સમજદારી દાખવીને પર્સનલ લો બોર્ડનું નેતૃત્વ કર્યું. ખાનદાની રીતે આપ રહ. હઝરત મવલાના સય્યિદ અબુલ હસન અલી નદવી રહ. ભાણેજ હતા. અને હઝરત રહ.ની સીધી દેખરેખ હેઠળ રહીને આપ રહ.એ તાલીમ – કેળવણી પૂર્ણ કરી હતી. થોડો સમય દેવબંદ ખાતે શૈખુલ ઈસ્લામ હઝરત મવલાના હુસૈન અહમદ મદની રહ.ની સોહબતમાં પણ રહયા હતા.

હઝરત મવલાના અલી મીયાં રહ.ની વફાત પછી નદવતુલ ઉલમા, નદવી ઉલમા અને તકિયા રાય બરેલીની ખાનકાહમાં આપ રહ. હઝરત અલી મીયાં રહ.ના સાચા જાનશીન પુરવાર થયા અને દરેક ક્ષેત્રે જરૂરી માર્ગદર્શન પુરું પાડીને સાચા મુત્સદ્દી અને રાહબર બનીને રહયા.

હઝરત મવલાના અલી મીયાં રહ. દ્વારા શરૂ કરવામાં આવેલ “રાબેતએ અદબે ઈસ્લામી” અને પયામે ઈન્સાનિયત ચળવળમાં પણ આપ રહ. પ્રમુખ પદ શોભાવીને આ ચળવળોને આગળ ધપાવી.

જામિઅહ જંબુસર ખાતે પણ અનેક વાર આપ રહ. તશરીફ લાવ્યા હતા. જામિઅહ ઉપરાંત જામિઅહના મોહતમિમ મુફતી અહમદ સાહેબ દા.બ. પ્રત્યે ભારે મુહબ્બત અને લગાવ રાખતા હતા. નદવતુલ ઉલમાના આલિમો ગુજરાતમાં જયારે પણ સફર કરતા તો એમને જામિઅહ જંબુસરની મુલાકાત લેવાની તાકીદ કરતા હતા.

તસવ્વુફમાં હઝરત મવલાના અલી મીયાં રહ.ના ખલીફા હતા. અને દર વરસે રમઝાનમાં તકિયા રાય બરેલી ખાતે એતેકાફ ફરમાવતા હતા. આ વરસે પણ રમઝાન ખાતે ત્યાં જ મુકીમ હતા, તબિયત ખરાબ થઈ તો લખનઉ લાવવામાં આવ્યા, સારવાર થઈ પણ આખરી સમય આવી ગયો હતો. ૨૧ રમઝાન, ૧૪૪૪ હિ. ગરૂવારે અલ્લાહને પ્યારા થઈ ગયા.

ગુરૂવારે જ તરાવીહ પછી જનાઝહની પ્રથમ નમાઝ દારૂલ ઉલૂમ નદવહમાં અદા કરવામાં આવી અને પછી બીજા દિવસે સવારે ૮ વાગ્યે એમના વતન તકિયા રાય બરેલીમાં બીજી નમાઝે જનાઝહ પઢીને રાય બરેલીમાં જ ખાનદાનના અન્ય બુઝુર્ગોની સોહબતમાં દફન કરવામાં આવ્યા. બંને જગ્યાએ હઝારો લોકોએ જનાઝહની નમાઝમાં ભાગ લીધો.

અલ્લાહ તઆલા આપ રહ.ની મગફિરત ફરમાવે. જન્નતુલ ફિરદોસમાં ઉચ્ચ સ્થાન અતા ફરમાવે. સઘળી નેકીઓ અને દીની સેવાઓ કુબૂલ ફરમાવીને સદકએ જારિયહ બનાવે. અને ભારતીય મુસ્લિમ સમાજને, નવદતુલ ઉલમા, પર્સનલ લો બોર્ડ તેમજ અન્ય સંસ્થાઓને એમના સ્થાને કાબેલ હસ્તીઓની રાહબરી નસીબ ફરમાવે. આમીન.••

શરઈ માર્ગદર્શન   ફતાવા વિભાગ

મવ. મુફતી અસ્જદ દેવલ્વી સાહેબ 

તસ્દીક કર્તા મવ. મુફતી અહમદ દેવલા 

સદર મુફતી જામિઅહ જંબુસર

ખરાબ નારિયેળ પરત લેવાનો હુકમ

સવાલ (૧) : શું ફરમાવે છે ઉલમાએ દીન અને મુફતીયાને કિરામ નીચેના મસઅલામાં કે એક માણસ શહેરમાંથી નારિયેળ ખરીદે છે. પછી તે ગામમાં આવીને તેને વેચે છે. હવે સૂરત આ છે કે નારિયેળ કયારેક કયારેક ખરાબ પણ નીકળે છે. અને તે (વેપારી) તેને પરત લેતો નથી, હવે આ માણસ જે ગામમાં લાવીને વેચે છે, તે પોતાના ગ્રાહકથી ખરાબ નારિયેળ પાછું ન લે તો શું શરીઅત એને જાઈઝ ઠેરવે છે કે નહીં ?

જવાબ:حامدا ومصليا ومسلما 

ગ્રાહકે આપની દુકાનેથી ખરીદ કરેલ નારિયેળ તોડવામાં આવતા ખરાબ હોવું માલૂમ પડે, તો તેની બે સૂરતો છે :

(૧) બિલકુલ ખરાબ હોય, ઉપયોગના કાબિલ ન હોય, આવી સ્થિતિમાં શરઈ દ્રષ્ટિએ આપ અને ગ્રાહક વચ્ચે થયેલ સોદો જ રદ બાતીલ ઠરશે અને આપના શિરે જરૂરી છે કે ગ્રાહકને નારિયેળની વસુલ કરેલ પૂરી કિંમત પરત કરો, અને આપને પણ આવી સુરતમાં અસલ માલિક પાસેથી પૂરી કિંમત પરત લેવાનો અધિકાર રહેશે, અલબત્ત આપે જો શહેરમાંથી મોટી માત્રામાં નારિયેલ ખરીદ કરેલ હોય, તેમાંથી બે-ચાર જ આ રીતે ખરાબ નીકળે, તો આવુ ખરાબ નીકળવું સામાન્ય હોય, કોઈ ઐબ અને ખામીની બાબત ન કહેવાશે અને પરત કરવા અને કિંમત વસુલ કરવાનો અધિકાર મળશે નહીં. (દુર્ર- શામી : ૭ /૧૮૬, ૧૯૭, ૧૯૮, દુરરુલ હુક્કામ : ૧/ ૩૧૦, ૩૧૧૧, ત. બહેશ્તી ઝેવર : ૨ / ૧૭૦, ૧૭૧ ઉપરથી)

(૨) સંપુર્ણ પણે ખરાબ ન હોય બલકે તોડયા બાદ કોઈક રીતે ઉપયોગ અને ફાયદો ઉઠાવવા લાયક છે, તો આવી હાલતમાં નારિયેળ ગ્રાહક તોડવાના લઈ, પરત દુકાન માલિકને ન કરી શકે, અલબત્ત આ રીતની ખરાબીવાળા નારિયેળની બજારમાં જે કિંમત ચાલતી હોય, તે ઉપરાંત કિંમત ગ્રાહકને માંગણી કરે પરત કરવામાં આવશે. દા.ત. ખરીદ કિંમત નારિયેળની “૨૫” રૂપિયા છે, નીકળેલ ખરાબ નારિયેળની કિંમત બજારમાં “૧૦” રૂપિયા છે તો “૧૦” થી ઉપરના બીજા “૧૫” રૂપિયા દુકાનવાળાએ ગ્રાહકને પરત કરવાના રહેશે અને જો દુકાનવાળો આ રીતના નારિયેળ લેવા સહમત હોય તો પછી ગ્રાહક નારિયેળ પરત કરી, તમામ કિંમત દુકાનવાળા પાસેથી વસુલ કરે.

આ બીજી સુરતમાં ગામના દુકાનવાળાને મુળ શહેરના વેપારી પાસેથી ગ્રાહકને પરત કરવામાં આવેલ ખામીના લઈ નુકસાની વસુલ કરવાનો અધિકાર નથી અને તે ખામી મુકત નારિયેળ પરત કરવાનો અધિકાર ધરાવે છે. (દુર્ર – શામી : ૭/૧૯૮, ૨૦૦, ૧૯૬ ઉપરથી)

હા, જો આપ ગ્રાહકને વેચાણ વેળાએ એવું કહી આપો કે આ નારિયેલ છે, આપ સારી રીતે જોઈને લઈ લો, પાછળથી, તેમાં કોઈ ખામી જોવા મળે તો તે વિશે જવાબદારી મારી રહેશે નહીં. આવુ કહી નારિયેળનો ગ્રાહક સાથે સોદો થાય અને ગ્રાહક આ ઉપર સહમત હોય, તો નારિયેળ લઈ ગયા બાદ, તેમાં ગમે તેવી ખરાબી જોવા મળે, તેને પરત કરવાનો અથવા નુકસાની વસુલ કરવાનો અધિકાર મળશે નહીં.

(દુરરુલ હુક્કામ : ૧/૨૯૫ મસાઈલે બ.ઝેવર : ૨ / ૩ર ઉપરથી) ફકત અલ્લાહ તઆલા વધુ જાણનાર છે. (તા. ૨૬ સફર – ૧૪૩૯ હિજરી)

ઓરત શણગાર માટે મેકઅપ કરી શકે ?

સવાલ : ઓરત શણગાર માટે મેકઅપનો ઉપયોગ કરી શકે છે કે નહીં ? માથાના વાળ કપાવી શકે છે ? આંખોના ભવાં જેને (આઈબ્રો) કહેવામાં આવે છે તે બનાવી શકે છે કે નહીં ? પગની રૂવાટી કાઢી શકે કે નહીં ? અર્જ છે કે લેખિત જવાબ આપવા મહેરબાની કરશો.

જવાબ:حامدا ومصليا ومسلما : 

એક ઔરત માટે પોતાના શોહરને ખુશ કરવા માટે શરીઅતની મર્યાદામાં રહી ઝીનત અને શણગાર કરવો દુરુસ્ત છે, મેકઅપનો શુમાર પણ શણગારમાં થાય છે, માટે પ્રત્યેક તે વસ્તુથી શણગાર અને ઝીનત ધારણ કરવી દુરુસ્ત છે, મેકઅપ કરવું જાઈઝ છે જેમાં નાપાક વસ્તુઓની મિલાવટ ન હોય, આંખની ભવોના વાળ બિલ્કુલ મુંડી કાઢવા તો જાઈઝ નથી, હદીસ શરીફમાં તેની મનાઈ ફરમાવી છે, અલબત્ત જો ઓરતની ભવો વધી ગઈ છે અને ખરાબ લાગતી હોય, તો શોહરને ખુશ કરવા માટે તેને પાતળી અને બારીક બનાવવી જાઈઝ છે. (કિ. નવાઝિલ : ૧૫ / ૪૬૭, ૪૬૮ ઉપરથી)

પગ ઉપરની રૂંવાટી શોહરને ખુશ કરવા ખાતર સાફ કરવી જાઈઝ છે, કિતાબુન્નવાઝિલમાં છે. “ યહ રૂંવા શવહર કી ખુશનૂદી કે લિયે સાફ કરાના દુરુસ્ત હૈ”

ઔરત માટે મર્દની જેમ માથાના વાળ કપાવવા (જેમ કે આજકાલ ફેશન પરસ્ત ઓરતોની હાલત છે.) બિલ્કુલ જાઈઝ નથી. કારણ કે હદીસ શરીફમાં મર્દો સાથે એકરૂપતા ધારણ કરનાર ઓરતો પર લઅનતનું વર્ણન છે. અલબત્ત જો એક બે વાળ એ રીતે વધી ગયા હોય કે જોવામાં ખરાબ લાગતા હોય તો ઝીનત રૂપે તેવા એક – બે વાળ કાપવાની ઈજાઝત છે કારણ કે આ રીતે કાપવામાં મર્દો સાથે મુશાબહત અને એકરૂપતા સાબિત થતી નથી. (સ. બુખારી શરીફ : ૨, ઈ. ફતાવા : ૪ / ૨૨૭-૨૨૯, કિતાબુન્નવાઝિલ : ૧૫ / ૫૨૩ ઉપરથી) ફકત અલ્લાહ તઆલા વધુ જાણનાર છે. (તા. ૧૭/ શવ્વાલ ૧૪૩૭ હિજરી)

___________________________________

માણસ અલ્લાહ તઆલાથી રાજી રહે એ જરૂરી છે. અને અલ્લાહ તઆલાથી રાજી રહેવાની નિશાની આ છે કે અલ્લાહ તઆલાની તકદીર ઉપર રાજી અને ખુશ રહે.

બોધકથા

નોશેરવાન ઈરાની ઈતિહાસનો મશહૂર રાજા ગણાય છે. ન્યાય અને પ્રજાહિત ખાતર એણે કરેલા સુધારાઓ અને ફેસલાઓના કારણે આજે પણ સન્માન પૂર્વક એનું નામ લેવામાં આવે છે. રાજાની આ નામના અને ન્યાયના નિર્ણયોમાં મોટું યોગદાન એના વઝીર “બઝર જમ્હર”નું હતું. અલબત્ત વઝીરની સેવાઓને બાદશાહના દરબારીઓ અને સામાન્ય જન પણ જાણતું સમજતું હતું, પણ સત્તા તો આખર રાજાની હતી એટલે બધું નામ – સન્માન રાજાને જ મળતું હતું.

એક દિવસ રાજા કોક બાબતે બઝર જમ્હરથી નારાજ થઈ ગયો અને બજર જમ્હરને ફાંસીએ ચડાવવાનો હુકમ કર્યો. રાજાનો હુકમ હતો. બધા દરબારીઓએ રાજાનો જયઘોષ કરીને હુકમને તદ્દન ન્યાયઅનુસાર ગણાવ્યો.

ફાંસીનો દિવસ આવ્યો, બધા લોકો મેદાનમાં ભેગા થયા. રાજા આવીને સિંહાસને બિરાજમાન થયો. દેશભરમાંથી લોકો બઝર જમ્હરની ફાંસીનો તમાશો જોવા ભેગા થયા. દેશ અને પ્રજા ઉપર આ વઝીરના ઉપકારને જાણવા છતાં રાજાની ખુશામતમાં સુત્રો પોકારીને સમર્થન વ્યકત કરી રહયા હતા.

વઝીરને સાંકળોએ બાંધીને રાજા સમક્ષ હાજર કરવામાં આવ્યો. રાજાએ વઝીરો અને દરબારીઓને પૂછયું કે આ ગુનેગારની તરફે કોઈએ કંઈક કહેવું છે ? જવાબમાં બધાએ જ બાદશાહના ન્યાયના વખાણ કરીને કહયું ગુનેગાર તો સજાને જ પાત્ર હોય. અમારે એને બચાવવા કંઈ કહેવું નથી. રાજા ચારે તરફ નજર ફેરવીને જોઈ રહયો હતો કે કોઈ વઝીરને બચાવવા કે રજૂઆત કરવા આવે છે કે નહીં ?

એણે જોયું કે દૂરથી કોઈ સ્વરૂપવાન યુવતી ખુલ્લા વાળ અને ઉઘાડા ચહેરે આવી રહી છે. ઈરાની સભ્યતામાં આમ ખુલ્લું ફરવું નિર્લજ્જતા અને નામોશીની વાત હતી. યુવતીને દૂર ઉભી રાખીને બાદશાહે આમ ખુલ્લા ફરવાનું કારણ પૂછાવ્યું તો યુવતીએ એક જ વાકયમાં બધી હકીકત કહીને બાદશાહ અને એના ખુશામતખોરોની હકીકત સામે કરી દીધી.

યુવતીએ જવાબ આપ્યો : આટલા મોટા મેળાવડામાં કોઈ સાચો મર્દ હોત તો મારે આમ ખુલ્લા વાળે, ઉઘાડા મોંએ નિર્લજ્જ થઈને આવવું ન પડત.

વાર્તાનો સાર આ છે કે મર્દાનગી સચ્ચાઈ વ્યકત કરવામાં છે, સાચા અધિકારીની ઓળખમાં છે, પોતાના સાચા હિતેચ્છું – ખેરખ્વાહને ઓળખીને એના હકમાં આગળ આવવામાં છે. સત્તાના સમર્થનમાં ઉભું રહેવું અને નિર્જિવ વસ્તુઓની જેમ હવાની દિશાએ ફરતા રહેવું મર્દાનગી નથી.

Life After Ramadan

It’s been one and a half week since we said goodbye to Ramadan 1444 and many of us are trying to hold onto the ‘spirit of Ramadan' for as long as possible - the powerful connection to Allah, the revived relationship with the Qur’an and Salah, and the feeling of being productive and active with our worship. However, the good habits we developed during the blessed month will sometimes be forgotten until next Ramadan. We may be too busy, distracted, unmotivated or simply forget about them. With that in mind, here are six tips on how to keep up the good habits after Ramadan and continue to be close to Allah.

(1) Keep fasting: Fasting is a unique action because it is purely for Allah: we sacrifice our food, drink and more only for Allah’s sake and He will reward us for our sacrifice on the Day of Judgement.

There are many days throughout the year on which it is Sunnah to fast: Mondays and Thursdays, the three middle days of each lunar month (or 'The Bright Days'), any six of the days of Shawwal (the month following Ramadan), and many more.

(2) Give more time to your Salah: The five prayers represent time taken out of our busy schedules to connect with Allah and renew our submission to Him. Now that Ramadan is over, don't fall into old habits of delaying your prayers, missing Fajr or not praying Sunnah; maintain your discipline and give this second pillar of Islam the time it deserves. At the same time, set realistic targets - don't aim to pray all the Sunnah and all the Nawafil and Tahajjud every single night if you know you're not going to do it!

Remember, the Messenger of Allah (saw) said, 'The acts most beloved to Allah, Exalted be He, are those which are done regularly, even if they are small'. (Muslim)

(3) Set a time for reciting the Qur’an: Ramadan is ultimately the month of celebrating the Qur'an and glorifying Allah for sending us this guidance.

Many of us strove to complete the Qur’an this Ramadan and were thus spending at least an hour per day listening to or reading the Qur’an. Now that Ramadan is over, set aside just 10-15 minutes, maybe after Asr or Maghrib - to read or listen to the Qur’an. This will keep your relationship with the Qur’an alive and will help you hold onto the spiritual feeling you experienced during Ramadan.

(4) Be realistic, don't try to change too much all at once! There are going to be times when you fall behind on your Salah or fasting or Qur’an goals but don’t be hard on yourself! Remember, you don't have to aim high or try to compere with others: set yourself achievable goals and bear in mind that there will be ups and downs in your productivity and spirituality.

(5) Give regular Sadaqah: The Messenger of Allah (saw) said, “Sadaqah extinguishes sins just as water extinguishes fire”. (Sunan Ibn Majah)

The Prophet (s.a.w.) was more generous in Ramadan than in any other month, and many of us followed his Sunnah by increasing our Sadaqah this Ramadan. However, he (s.a.w.) also gave regular charity for the rest of the year and encouraged his family and Companions (R.) to do the same. Allah multiplies the reward for what we give throughout the year, not just in Ramadan, and giving Sadaqah is a way of increasing our provision and seeking forgiveness.

(6) Make a list: Finally, the sixth and most important tip: set your own goals. You know best what habits you developed during Ramadan and what your spiritual progress was. Make a list of the things you did during Ramadan that you wouldn’t normally have done. How much Qur’an did you read per day? Did your relationship with family and friends change? What was your diet like? Did you give more Sadaqah or help around the house more? When you’ve made the list, make the intention to keep up at least three of your good habits. Stick the list on a cupboard or fridge or set a reminder on your phone to reflect on the list every couple of weeks.

The Messenger of Allah (saw) said, “Actions are according to intentions, and everyone will get what was intended”. (Bukhari)

છેલ્લા પાને......



સિત્તેર વરસનો એતેકાફ

હઝરત હસન રદિ. ફરમાવતા કે એક ગરીબ – જરૂરતમંદની મદદ કરવી સિત્તેર વરસના એતેકાફ કરતાં વધારે સવાબનું કામ છે.

ગુસ્સો 

કોઈકે હઝરત ઈસા અલૈ.ને પૂછયું કે સૌથી વધારે આકરી – અઘરી વસ્તુ શું છે ? એમણે જવાબ આપ્યો કે અલ્લાહનો ગઝબ - ગુસ્સો. કારણ કે જહન્નમ પણ એનાથી પનાહ માંગે છે. એણે પૂછયું કે અલ્લાહના ગુસ્સાથી બચવાનો શું ઉપાય ? તો હઝરત ઈસા અલૈ.એ જવાબ આપ્યો કે માણસે પોતાના ગુસ્સા ઉપર કાબૂ રાખવો.

અલ્લાહની મદદ

જે માણસ ચાહતો હોય કે અલ્લાહ તઆલા એની જરૂરતો પૂરી કરે, એણે અલ્લાહની મખ્લુકની જરૂરતો પૂરી કરવા ઉપર ધ્યાન આપવું જોઈએ.

હાકેમ, પ્રજા અને બુદ્ધિ

હાકેમ વ્યકિતની હુકૂમત લોકો ઉપર હોય છે. અને એના પોતાના ઉપર એની બુદ્ધિ હુકૂમત કરતી હોય છે. હાકેમે જોતાં રહેવું જોઈએ કે લોકો ખુશ છે કે નારાજ ? જો લોકો નારાજ હોય તો સમજવું કે બુદ્ધિ એની પાસે ખોટા કામો કરાવી રહી છે.

સલાહ મસલત

નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમને ખુદા તઆલાનું સીધું માર્ગદર્શન મળતું હતું, છતાં ખુદાએ હુકમ ફરમાવ્યો કે સહાબાથી મશ્વેરો કરો. ઉલમા લખે છે કે આમ એટલા માટે કે પછીના ખલીફાઓ – હાકેમો લોકોથી મશ્વેરો કરીને રાજકાજ કરે. અને મશ્વેરો અનુયાયી સહાબાથી કરવાનું કહેવામાં આવ્યું, ફરિશ્તાઓથી મશ્વેરો કરવાનું નહીં.

અસલી ખઝાનો

એક રાજાને વઝીરોએ કહયું કે પ્રજા ઉપર વેરો – ટેકસ નાંખીને ખઝાનો ભરવો જોઈએ, શી ખબર કયારે જરૂરત આવી પડે ? રાજાએ જવાબ આપ્યો કે સુખી સંપન્ન પ્રજાથી મોટો કોઈ ખઝાનો નથી. જરૂરત પડશે ત્યારે હું જે માંગીશ તે એમની પાસેથી મળી રહેશે.

સરકારી કર્મચારી

સિકંદરે એના ગુરૂ અરસ્તુને પૂછયું કે સરકારની કામ કાજ અને ચાકરી માટે યોગ્ય લોકો કેવા હોવા જોઈએ ? એણે જવાબ આપ્યો કે અમાનતદાર અને દિલના સંતોષી. ખયાનત (ભ્રષ્ટાચાર) કરનાર અને લાલચુ લોકોને કામે રાખવાથી વ્યવસ્થા ખોરવાય જાય છે.

હોશિયાર માણસ

હદીસ શરીફમાં છે કે હોશિયાર માણસે પોતાની સ્થિતિ – સંજોગો સમજી આવનારા દિવસોની તૈયારી કરતા રેહવું જોઈએ.