અલ-બલાગ : સપ્ટેમ્બર-2020

તંત્રી સ્થાનેથી 


કેન્દ્ર સરકાર તરફથી નવી શિક્ષણનિતિ જારી કરવામાં આવી છે. કેબિનેટમાં મંજૂર કરીને હવે આગળ એના અમલીકરણની કોશિશ કરવામાં આવશે. આ નિતિ અંગે ઘણી ચર્ચાઓ ચાલી રહી છે. અલબત્ત વર્તમાન વાતાવરણમાં અનેક જવલંત મુદ્દાઓ ચર્ચામાં છે. કોરોના, સરકારી સંપત્તિઓનું ખાનગીકરણ, બેરોજગારી, આર્થિક મંદી, સરકારની નિષ્ફળતાઓને ઢાંકવા નાના નાના મુદ્દાઓને મોટા બનાવીને ચગાવવા અને હિંદુ – મુસ્લિમ એંગલ હોય એવા મુદ્દાઓને આધારે નફરતનો માહોલ ઉભો કરવો. વગેરે... આ બધા વચ્ચે આ નિતિ અંગે જેવી જોઈએ એવી ચર્ચા નથી થઈ રહી....

અત્રે અમુક વિચારવા યોગ્ય બાબતો અમે લખવાની કોશિશ કરીએ છીએ, શકય છે કે કંઈક એના થકી કંઈ વિચારવાની અને સમજવાની રાહ મળે..

સહુપ્રથમ વાત આ છે કે આવી કોઈ પણ નવી નિતિ બહાર પાડતાં પહેલાં સરકાર તરફથી એનો મુસદ્દો – ડ્રાફ્ટ તૈયાર કરીને લોકો સમક્ષ મુકવામાં આવે છે, અને લોકો પાસેથી મંતવ્યો માંગવામાં આવે છે. લોકો તરફથી મળતા યોગ્ય મંતવ્યોના આધારે (જો એ સરકારની મરજી વિરુદ્ધ ન હોય તો) મુસદ્દામાં જરૂરી સુધારા વધારા પણ કરવામાં આવે છે. આજે આ પોલિસી કેબિનેટમાં મંજૂર પણ કરી લેવામાં આવી, પણ જયારે એનો મુસદ્દો લોકો સમક્ષ મુકવામાં આવ્યો હતો, ત્યારે આપણે એની કોઈ નોંધ લીધી હતી? એનો અભ્યાસ કરીને યોગ્ય સુચનો સરકાર સમક્ષ મુકયા હતા ? પ્રથમ કરવાનું કામ આ જ હતું, જે કદાચ યોગ્ય રીતે કરવામાં આવ્યું નથી. આજ સુધી આ નવી નિતિની કોઈ ચર્ચા આપણે ન કરી અને હવે જયારે સામે આવી ગઈ તો બધા એના વિશે ફિકર કરે છે કે એ આપણા માટે હાનિકારક છે કે લાભદાયી ? આ ચર્ચા કોણ કરે છે અને કેટલી નિખાલસતા કે સભાનતાથી કરે છે? એ પણ વિચારીએ ? વોટસેપ, ફેસબુક જેવા સોશિયલ મીડીયાના આ ઝમાનામાં વધુ પડતા લોકો પોતે કંઈ કરતા નથી. આ નિતિના મુદ્દા સીધી રીતે વાંચવાનો સમય કોઈની પાસે નથી, પણ કોઈ બીજાની ઓડિયો – વીડીયો કલીપ મળે કે બધા એને જ સો ટકા સાચી સમજીને શેર પણ કરે છે અને કોઈ પણ આધારભૂત જાણકારી વગર પોતાના તરફથી પણ હકારાત્મક કે નકારાત્મક બાબતો એમાં ઉમેરે છે. સમાજના જે આગેવાનો કે સંસ્થાઓ શિક્ષણ ક્ષેત્રે કામ કરે છે, અને શિક્ષણની નિતિ કે એની અસરો વગેરે સમજે છે, અને સમાજ માટે શું કરવું એની સમજ રાખે છે એવા લોકો માટે ચર્ચાનો આ વિષય છે, દરેક જ માણસ એમાં કુદી પડે એ જરૂરી નથી. અન્ય લોકો વધારે ડર અને માયૂસીનો માહોલ ઉભો કરે છે.

આપણે જે દેશમાં અને આજકાલ જે વાતાવરણમાં રહીએ છીએ એમાં કોઈ એવી પોલીસી આવે અથવા આદેશો જારી થાય જેમાં દેશની બહુમતિ સંખ્યાને સામે રાખીને નિર્ણય કરવામાં આવ્યો હોય, એ નવાઈની વાત નથી. આ બાબત દેશના બંધારણ અને સેક્યુલરિઝમ સાથે મેળ નથી ખાતી એટલે ખોટી છે પણ બહુમતિ લોકોની નજરે તો તર્કસંગત છે, આપણને બંધારણીય કે ધાર્મિક રીતે કોઈ બાબતે વાંધો હોય તો એ વિશે સકારાત્મક સુધારાની માંગ કરવી આપણો અધિકાર છે.

નવી નિતિમાં એક સ્પષ્ટ વાત આ છે કે સંઘ પરિવાર વર્તમાન સરકારની પાછળ રહીને પોતાની વિશેષ વિચારધારા લાગુ કરી રહયો છે, અને પાછલા અનુભવોના આધારે હવે 'હિંદુત્વ' કે હિન્દુ ધર્મનું નામ લેવાના બદલે ભારતીય સંસ્કૃતિ અને પરંપરાઓ, ભારતીય વિદ્યાઓ – કળાઓ, ભારતના પ્રાચીન ઇતિહાસ અને ભવ્ય વારસા... જેવા નવા મથાળાઓ હેઠળ પાઠયક્રમને ભગવા રંગે રંગવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. સેકયુલર બંધારણ અને અદાલતના કાયદા સામે આ એક છટકબારી છે અથવા કહો કે મજબૂત કવચ છે. લોકોને યાદ હશે કે ભારતીય જનતા પાર્ટીએ શરૂમાં જયારે હિંદુત્વને પોતાનો ચુંટણી એજન્ડો બનાવ્યો તો ધર્મના આધારે વોટ માંગવાનો વિરોધ થયો અને સુપ્રિમમાં કેસ થયો, આ સમયે ભાજપ તરફથી કોર્ટ સમક્ષ કહેવામાં આવ્યું કે 'હિંદુત્વ'નો મતલબ કોઈ વિશેષ ધર્મ નથી, બલકે ભારતીય સંસ્કૃતિ છે, આ શબ્દને ધર્મ સાથે કોઈ લેવા દેવા નથી. વર્તમાન નિતિમાં ફરીવાર આવો જ ધોકો આપવાનો પ્રયત્ન છે.

આવી સ્થિતિમાં ઘણીવાર સીધો વિરોધ આપણને નુકસાન કરી શકે છે. સીધો વિરોધ એક તો રાજકીય પાર્ટીઓ તરફથી થતો હોય છે, જે એમની નિતિનો એક ભાગ હોય છે, પણ સમાજ માટે કામ કરતી સંસ્થાઓએ આવા સમયે સમાનતા અને સમન્વયના મુદ્દા શોધીને પોતાની વાત રજૂ કરવી જોઈએ. સંસ્કૃતિ, પરંપરા, ઇતિહાસ, ધાર્મિક સંસ્કાર, વગેરેમાં ઘણી બાબતો દરેક માટે સમાન પણ હોય શકે છે અને વિવિધ પ્રદેશો, સંસ્કૃતિઓ, પ્રદેશના આધારે અલગ અલગ પણ હોય શકે છે, જેના આધારે આપણને સવલત કે છુટછાટ મળી શકે છે.

એક વાત યાદ રાખવાની છે કે મુસલમાનો અને અન્ય લઘુમતિ કોમોએ લઘુમતિમાં હોવાને લઈ, બંધારણમાં મળેલા અધિકારો મુજબ પોતાની ધાર્મિક ઓળખ અને અસ્તિત્વ ટકાવી રાખવા ધાર્મિક શિક્ષણને જરૂરી મહત્વ આપીને જીવંત રાખ્યું છે. પોતાનો ધર્મ, ધાર્મિક પરંપરાઓ, અને આગવી ઓળખ ગુમ નથી થવા દીધી. બાળકોને માટે સ્કૂલ - કોલેજના શિક્ષણ પછીનો સમય આપીને, અને મોટાઓ પોતાના ધંધા, રોજગાર, નોકરી વગેરેમાંથી સમય કાઢીને ધર્મ સમજવા અને અનુસરવા માટે પુરતો સમય આપવાનો પ્રયત્ન કરે છે. એટલે કે આપણે દુનિયા (ધંધો રોજગાર) અને દીન બંને સાથે લઈને ચાલવાનો પ્રયત્ન કરીએ છીએ. બલકે આપણામાંથી તો અમુક લોકો એવું માને છે કે આ કારણે જ આપણે દુનિયામાં પાછળ છીએ, અલબત્ત આ ચર્ચાનો અલગ વિષય છે. પરંતુ સામે પક્ષે બહુમતિ સમાજ પોતાના ધર્મના શિક્ષણ, કેળવણી, ધાર્મિક પુસ્તકોના શિક્ષણ વગેરે બાબતે મહદ અંશે ગાફેલ છે. એમની આસપાસ શિક્ષણ ફકત સ્કૂલ – કોલેજનું જ છે. અને એમના હિત ચિંતકો કે આગેવાનોને જયારે પણ ધર્મ જીવંત રાખવાની કે આગળ વધારવાની ચિંતા થાય એટલે પહેલું નિશાન સરકારી શિક્ષણ વ્યવસ્થા ઉપર જ તાકવામાં આવે છે. આવી ચેષ્ટા અગાઉ પણ અનેક વખત કરવામાં આવી ચુકી છે.

આપણા વચ્ચે દીની ઉલમા અને દુન્યવી શિક્ષિતો વચ્ચે જરૂરી સમન્વય ઓછું થઈ રહયું છે, એટલે કે જે સંસ્થાઓ સમાજની મદદ માટે જે કોઈ ક્ષેત્રમાં કામ કરે છે, એમાં જે તે વિષયના નિષ્ણાંતો સાથે જરૂરી મસલત કરવામાં આવતી નથી. આધુનિક શિક્ષણ આપતી મુસ્લિમ સંસ્થાઓ અને દીની તાલીમ આપતા મદરસાઓના જિમ્મેદારોએ પરસ્પર બેસીને, પોતાની બીબાઢાળ વ્યવસ્થામાં કંઈક ફેરફાર કરીને નવા ચેલેન્જનો સામનો કરવાની જરૂરત છે. મદરસાઓને સ્કૂલ બનાવી દેવાની કે સ્કૂલ શિક્ષણમાં કાપ મુકવાની જરૂરત નથી, પણ બંને ક્ષેત્રના કાબેલ લોકો અને જરૂરી સાધનો ધરાવતી સંસ્થાઓ ઘણું બધું કામ કરી શકે એની ગુંજાઈશ છે.

સ્કૂલના પાઠ્યક્રમોમાં જે વાતો ઇસ્લામ કે મુસલમાનો વિરુદ્ધ હોય છે, એની જરૂરી છણાવટ અને અભ્યાસ પણ નથી કરવામાં આવતો, પછી એની અસરો દૂર કરવાના પ્રયત્નો તો દૂરની વાત છે. પાઠ્યક્રમોના અભ્યાસ પછી એમાં ઇસ્લામ, મુસલમાન, ઈસ્લામી ઇતિહાસ, મુસ્લિમ પરંપરાઓ વગેરે બાબતે આવતી નકારાત્મક બાબતોને અનુલક્ષીને સાચા તથ્યો આધારિત ટુંકનોધ સકારાત્મક શૈલીમાં તૈયાર કરવામાં આવે અને બે ચાર દિવસના કેમ્પ કે વર્કશોપ થકી બાળકો કે યુવાનોને એની સમજૂતી આપી શકાય છે. આ કેમ્પ કે વર્કશોપ સ્કૂલ - કોલેજના માપદંડ પ્રમાણે જ હોય અને એ જ ક્ષેત્રના લોકોની સેવા લેવામાં આવે તો ઘણો ફાયદો થાય. નવી નિતિ મુજબ શિક્ષણ શરૂ થશે તો પછી આ રીત જ સહુથી વધારે ઉપયોગી નીવડશે.

વર્તમાન શિક્ષણ નિતિમાં તો છે જ અને આવનારી નિતિમાં પણ ઘણા એવા કોર્સ અને વિભાગો હશે જે લઘુમતિ કે મુસ્લિમ સમાજને સામે રાખીને તૈયાર કરવામાં આવ્યા હશે, પણ આપણે એનો લાભ કેટલો ઉઠાવીએ છીએ ? ગુજરાતની યુનિવર્સિટીઓમાં અરબી વિભાગ છે, પણ અરબીનું ઉચ્ચ શિક્ષણ આપતા મદરસાઓની ભરમાર હોવા છતાં આપણે આ વિભાગોને વિદ્યાર્થીઓ પૂરા નથી પાડી શકતા, પરિણામે આ વિભાગો કયાં તો બંધ થઈ ગયા છે અથવા બંધ થવાની આરે છે. જામિઅહ મિલ્લીયહ અને અલીગઢ મુ. યુનિ.માં ઇસ્લામી સ્ટડીઝના વિભાગો છે તો આપણે જ એને વિદ્યાર્થીઓ પૂરા પાડવાના છે અને આવા બીજા ધર્મના વિભાગો બને તો આપણને એના ઉપર વાંધો ન હોવો જોઈએ.

ઘણીવાર સ્કૂલોમાં અમુક પ્રકારની ધાર્મિક વિધિઓ કરવાનો પરિપત્ર આવે છે, અને ત્યારે આપણે બેચેન થઈ જઈએ છીએ. આપણને આપણા બાળકોના ઇસ્લામી સંસ્કારોની ચિંતા થાય છે, આ સ્વભાવિક છે. આવા સરક્યુલરોને અદાલતમાં પડકારવામાં આવે છે. આ રીત દુરુસ્ત છે, એમાં બેમત નથી. સરકાર, સરકારી નિતિઓ અને સરકારી શિક્ષણનો કોઈ ધર્મ ન હોવો જોઈએ, એ સરકારની બંધારણીય અને ફરજ છે. આ વિષયે એક બેહતર રીત આ પણ છે કે સામાન્ય દિવસોમાં સરકારના શિક્ષણ વિભાગ અને જવાબદારો સાથે ચર્ચા કરીને સલાહ આપવામાં આવે કે વિવિધ ધર્મી ભારતીય મિશ્ર સમાજને સામે રાખીને સ્કૂલોને આવી ધાર્મિક વિધિઓથી બાકાત રાખવામાં આવે, કાં તો દરેકને એના ધર્મ અનુસાર વિધિ કરવાની છુટ આપવામાં આવે. વિરોધ કે વિવાદનો માહોલ ઉભો કર્યા વગર આમ કરવામાં આવે તો કદાચ સારું પરિણામ મળી શકે છે. નવી નિતિ વિશે જે ભય સેવવામાં આવી રહયો છે એના નિરાકરણમાં આ બાબત પણ ઉપયોગી નીવડી શકે છે.

શિક્ષણ ક્ષેત્રના નિવૃત શિક્ષકો, આચાર્યો, પ્રોફેસરો, સરકારી અધિકારીઓ અને અફસરોની મોટી નેઅમત આપણી પાસે આજે ઉપલબ્ધ છે, પણ સમાજ એમની કદર નથી કરી રહયો, એ સાફ દેખાય આવે છે. આ લોકો પોતાનું છેલ્લું જીવન સંસાર સાથે રહીને કે અલ્લાહનું નામ લઈને જીવવા માંગતા હોય એ સ્વભાવિક છે, પણ એમને થોડી કુરબાની માટે તૈયાર કરીને એમની પાસેથી માર્ગદર્શન અને કેળવણી મેળવી શકાય છે. વિવિધ ક્ષેત્રના નિવૃત લોકો પોતે પણ આગળ આવીને, નાના મોટા ગ્રુપ કે સંસ્થા બનાવીને સમાજ માટે ઘણું કરી શકે છે.

આપણી એક સમસ્યા આ પણ છે કે દેશ અને દુનિયામાં બધું જ આપણી મરજી મુજબ ઓટોમેટિક થયા કરે, અને કદી પણ કોઈ અવરોધ, સમસ્યા કે ચિતા આડે ન આવે. આવું કેવી રીતે શકય છે ? આપણા અકીદા મુજબ દુનિયા દારૂલ અસબાબ છે. દેશ અને દુનિયામાં અન્ય ધર્મના લોકો વસે છે. દરેકના વિચારો, વિચારધારાઓ અને સ્વભાવ પણ અલગ અલગ હોય છે. એટલે દરેક સ્થિતિમાં આપણે કેવી રીતે રહેવું એની તૈયારી આપણે જ કરવાની રહે છે. સમસ્યા કે મુસીબત આવતાં પહેલાં એનો અંદાઝો કરવાની શકિત (દીર્ઘદ્રષ્ટિ) આપણે કેળવવી પડશે. લોકો ફકત મુસીબત આવ્યા પછી રોક્કળ અને શોર ઘણો કરે છે પણ યોગ્ય ઉપાય અને ઈલાજ કરવામાં પાછા પડે છે.


વર્તમાન વિશ્વ કયાં જઈને અટકશે ?

વિશ્વભરમાં મચેલી અફરાતફરી રોજબરોજ વધતી જ જાય છે. નવા દેશો અને પ્રદેશો વચ્ચે તણાવ, યુદ્ધ, મંદી - બેરોજગારી, રાજકીય અને આર્થિક અવ્યવસ્થા વગેરે બાબતો વધી રહી છે, અને નજીકના ભવિષ્યમાં એનો અંત આવે એવું પણ લાગતું નથી. વીસમી સદીના આરંભમાં વિશ્વયુદ્ધો, સદીના મધ્યે ખિલાફતનો ખાતમો અને મુસ્લિમ દેશોના ટુકડા કરીને પછી ઇસરાઈલની સ્થાપના અને પછી ઇસરાઈલ સાથેના યુદ્ધોમાં મુસલમાનોની ખુવારી, અને સદીના અંતમાં ઈરાક, અફગાનિસ્તાન, વગેરેની ઘટનાઓ ... આટલું બધું જોયા પછી એમ લાગતું હતું કે આવનારી સદી મુસલમાનોની હશે, પણ અફસોસ... વિશ્વના વિવિધ પ્રદેશોમાં મજબૂત સરકારો, રાજકીય શકિત, સેનાઓ અને ભરપૂર દોલત હોવા છતાં મુસ્લિમ સરકારો દ્વારા મુસલમાનોના ઉદ્ધાર અને સલામતી માટે કોઈ મજબૂત પગલાં લીધા નહીં, સાચી વાત આ છે કે અલ્લાહ તઆલાએ આપેલ અસબાબ અને શકિતઓનો એહસાસ પણ ન કર્યો અને કદર પણ ન કરી, બલકે સામા પક્ષે યુરોપ, અમેરિકા, રૂસ વગેરેએ આ બધાનો એહસાસ કરીને મુસ્લિમ વિશ્વને કમઝોર કરવા, તોડવા અને ખતમ કરવાના યોજનાબદ્ધ રીતે પ્રયાસો શરૂ કર્યા, અને મુસ્લિમ દેશો, સત્તાધીશો, વિરોધપક્ષો, રાજકીય નેતાગીરી કે સૈન્ય નેતાગીરી, કયાંક પ્રજા તો ક્યાંક રાજા, બધાને પોતાના ચક્રવ્યુહમાં ફસાવી લીધી, અને આજે ફકત વીસ વરસમાં આપણે સમગ્ર મુસ્લિમ વિશ્વમાં ભયંકર અરાજકતા અને ખૂનામરકીનો માહોલ જોઈ રહયા છે.
આજના પ્રિન્ટ, ઇલેકટ્રોનિક, સોશ્યલ મીડીયાના માલિકોમાં આરબોની નોંધપાત્ર ભાગીદારી છે, પણ સંચાલન મુસ્લિમ વિરોધી લોકો પાસે છે, અને ભાગીદારો ફકત એમના રોકાણ અને નફાની ગણતરી માંડે છે. આ જ મીડીયા વિશ્વભરમાં મુસલમાનો અને ઇસ્લામ વિરોધ વાતાવરણ ઉભું કરે છે, મીડીયાએ જ ઇસ્લામ અને આતંકવાદને સમાન શબ્દો બનાવી દીધા છે. તલાક, બહુપત્નિત્વ, શરીઅત, પરદો, જિહાદ.. વગેરે ઇસ્લામ અને મુસલમાનોને લગતા અનેક મદ્દાઓને વિવાદાસ્પદ બનાવીને રજૂ કરવામાં આવે છે. ઘણી બધી વાતો તો એવી ઇસ્લામ સાથે જોડી દેવામાં આવે છે જેને ઈસ્લામ સાથે કોઈ લેવા દેવા જ નથી. મુસલમાનોના વિવિધ પંથોને આધાર બનાવીને 'ઈસ્લામ'ના અલગ પ્રકારો વર્ણવવામાં આવે છે. ઉદારવાદી કે કટ્ટરપંથી ઇસ્લામ, વહાબી ઇસ્લામ, સૂફી ઇસ્લામ, સલફી, દેવબંદી, બરેલ્વી, શિયા, સુન્ની ઇસ્લામ.. એમ ઈસ્લામને અલગ રીતે વર્ણવવામાં આવે છે. પાછલા દિવસોમાં આપણા મીડીયામાં એક જાહિલ પત્રકારે 'જિહાદ'ને બદનામ કરવા હેતુ આવી જ ચેષ્ટા કરી હતી. ચિંતાનો વિષય આ છે કે આ બધાનો મકસદ ફકત ચર્ચા કરવા, બદનામ કરવા કે ગલત ફહમી પેદા કરવાનો નથી, બલકે એના થકી વિવિધ દેશોને, એક દેશમાં વસતી અલગ અલગ કોમોને, લડાવીને મુસલમાનો વિરુદ્ધ નફરતનું વાતાવરણ ઉભું કરવામાં આવે છે. બર્મામાં રોહિંગ્યા મુસલમાનોના કત્લે આમ કરતા પહેલાં મીડીયા દ્વારા નફરતનું ભારે વાતાવરણ ઉભું કરવામાં આવ્યું હતું.

હવે આ બધામાં એક નવું પરિબળ શસ્ત્રોના વેપાર અને ધંધાનું પણ ઉમેરાયું છે. શસ્ત્રોના વેપારીઓ હવે કબીલાઓ, કોમો, દેશોને લડાવે છે, પ્રાઈવેટ લડાકા ગ્રુપો શરૂ કરવામાં આવ્યા છે, બનાવટી રીતે વિરોધનું વાતાવરણ ઉભું કરીને નક્કી શહેરોમાં લોકોને રસ્તા ઉપર લાવવામાં આવે છે, સરકારોને, સેનાને બીવડાવવામાં આવે છે અને મોટા મોટા સોદાઓ કરવામાં આવે છે. જયોજબર્નાડ શોને કોઈકે પૂછયું હતું કે, ત્રીજું વિશ્વયુદ્ધ થશે તો એમાં કેવા હથિયારો વપરાય શકે છે ? પણ એટલું નક્કી છે કે એવો વિનાશ થશે કે ત્યાર પછી લડવા માટે એમની પાસે લાકડીઓ પણ નહીં રહે. કંપનીઓ, બિઝનેસ ટાયકૂનો અને વિવિધ દેશો વચ્ચે શસ્ત્રોની હરિફાઈ, સત્તા કે મહાસત્તા બનવાની લાલચ, ધર્મો અને સમાજ વચ્ચે પ્રસરી રહેલી નફરત, પોતાની મોત અને આસપાસની માનવતાને ભૂલીને આગળ વધી રહેલો માણસ કયાં જઈને અટકશે એ કહેવું મુશ્કેલ છે, પણ એક દિવસ એવો જરૂર આવશે જયારે અલ્લાહ તઆલાની કુદરત સામે માનવીની આ બધી ટેકનોલોજી અને લાલસા - કામના ટુંકી પડશે અને ચકનાચુર થઈ જશે.

બોધકથા..
નં. ૧૦૮

ઈરાનના એક રાજાનો ગુલામ નાસી ગયો. રાજાએ એને શોધવા અને પકડવા માણસો મોકલ્યા. જે એને શોધીને બાંધીને રાજા સામે લઈ આવ્યા.
દરબારમાં આ ભાગેડુ ગુલામ વિશે ચર્ચા થઈ. અમુક દરબારીઓ એની ભૂલ માફ કરવાના પક્ષમાં હતા. અલબત્ત એક વઝીરને ગુલામ પ્રત્યે કંઈ અદાવત હતી, એટલે એણે સલાહ આપી કે એની ગરદન ઉડાવી દયો, જેથી આ ગુલામને એની ભૂલની સજા અને બીજા ગુલામો ઉપર પણ ધાક બેસે. ગુલામે આ સલાહ સાંભળી તો રાજાને અરજ કરી કે, તમે મારા માલિક અને સ્વામી છો, જે સજા આપશો, મને મંજૂર ! પણ... મારી આ ભૂલ એટલી ખતરનાક નથી કે વરસોના વફાદાર ગુલામને મારી નાખવામાં આવે. આમ થશે તો લોકોમાં પણ તમારી નામોશી થશે, અને પરવરદિગાર પણ તમારી પકડ કરશે. છતાં જો તમે મારી નાખવા ચાહતા હોવ તો એક રીત છે. તમે પહેલાં મને રજા આપો કે આ વઝીરને હું મારી નાખું. પછી એની હત્યાની સજામાં મને મારી નાખજો. આમ વગર વાંકે મને મારવાના ગુનામાંથી તમે બચી જશો અને મને મારી નાખવાનો તમારો શોખ પણ પૂરો થઈ જશે.

રાજા આ બધું સાંભળીને હસી પડયો. અને વઝીરને પૂછયું કે, હવે તમારી શું સલાહ છે ?

વઝીરે ઉત્તર આપ્યો કે, ખુદા વાસ્તે આ નાલાયક ગુલામને આઝાદ જ કરી દયો. નહીંતર એ મને કોઈ મુસીબતમાં ફસાવી દેશે.

શેખ સાદી આ કિસ્સો વર્ણવીને કહે છે :

તમારે જો કોઈ પથ્થર વાળા માણસથી ઝઘડવું હોય તો પોતાનું માથું ફોડાવવા માટે તૈયાર રહેવું જોઈએ. અને તીરંદાઝે યાદ રાખવું જોઈએ કે સામાવાળાનું તીર તમને પણ નિશાન બનાવી શકે છે.

વાર્તાનો બીજો સાર આ પણ છે કે, રાજા, હાકેમ, કાઝી, જજ કે લવાદ માટે જરૂરી છે કે સ્વાર્થી અને ઇર્ષાળુ લોકોની શિકાયતના આધારે કે કોઈ એક પક્ષની એકતરફી વાત સાંભળીને કોઈને સજા ન કરે, બલકે આરોપી અને બીજા પક્ષની વાત પણ સાંભળે અને પછી કોઈ ફેસલો કરે.

કુફફાર - મુશરીકીન ગુનાહો છતાં સારી સ્થિતિમાં કેમ ?

હઝરત અકદસ શૈખુલ હદીસ મવલાના ઝકરિયા રહ.ની કિતાબ 'ઈસ્લામી સિયાસત'નો ક્રમશ અનુવાદ મુફતી ફરીદ અહમદ કાવી

સામાન્ય મુસલમાનોને, બલકે અમુક દીની સમજ રાખનારા લોકોના મનમાં પણ એક પ્રશ્ન ઉદભવે છે કે અગાઉ વર્ણવ્યા મુજબ નેકીઓ અને ગુનાહો, મુસલમાનો માટે નફાકારક અને નુકસાનકર્તા છે, એ જ પ્રમાણે કાફિરો અને ગુનેગારો માટે પણ છે. અને આવું જ હોવું જોઈએ. નુકસાનકર્તા કામ બધા જ માટે જ નુકસાન કરનારું હોવું જોઈએ. અને આમ જ હોય તો પછી ખુદાનો ઇન્કાર કરનાર કાફિરો એમના કુફ્ર અને ગુનાહો છતાં કેમ સુખી સંપન્ન છે? દુનિયામાં તેઓ સફળ અને પ્રગતિના રસ્તે છે અને મુસલમાન કમઝોર, પડતીનો શિકાર છે અને પરેશાનીઓ વધતી જ જાય છે. અમુક જાહિલો આ બાબતે એટલા બધા શંકા – અસમંજસમાં સપડાયા કે શરીઅતના બધા નિયમો અને હદીસનો જ ઈન્કાર કરી બેઠા છે. બીજાઓને દુન્યામાં સફળ જોઈને જે કામો તેઓ કરે છે એને જ સફળતાનું માપદંડ સમજી લીધું. આમ થવાનું કારણ પણ એમની ઈસ્લામ અને ઈસ્લામી તાલીમ બાબતે અજ્ઞાનતા છે. ઈસ્લામી આદર્શો અને નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની તાલીમમાં દરેક બાબત સ્પષ્ટતા સાથે વર્ણન કરી દેવામાં આવી છે, પણ એ એને સમજવાની ફુરસદ કોને છે ? નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમનો ઈરશાદ છે કે અલ્લાહના એક નબીએ અલ્લાહ તઆલા સમક્ષ આવો જ પ્રશ્ન રજૂ કર્યો હતો કે હે અલ્લાહ! તારો એક બંદો મુસલમાન છે, નેક આમાલ કરે છે, તું એનાથી દુનિયા છીનવી લે છે અને મુસીબતો એના ઉપર નાખી દે છે, અને બીજો એક બંદો તારો ઈન્કાર કરનાર – કાફિર છે, એ તારી નાફરમાની કરે છે, તું એના ઉપરથી મુસીબતો હટાવીને દુનિયાની રાહતો એને આપે છે. અલ્લાહ તઆલાએ જવાબમાં વહી મોકલાવી કે મારા મોમિન બંદાના અમુક ગુનાહો હોય છે, એના કારણે હું આમ વર્તાવ કરું છું, જેથી તે બંદો જયારે મારી પાસે આવે તો એની ખૂબીઓનો સારો બદલો હું આપી શકું. અને કાફિર બંદાની અમુક ખૂબીઓ હોય છે, એના બદલામાં દુનિયામાં જ સારો વર્તાવ કરી દઉં છું, જેથી મારી પાસે આવે ત્યારે એને બુરાઈઓની બદલો આપું. (મજમઉઝઝવાઈદ)

બીજી એક હદીસમાં છે કે, અલ્લાહ તઆલા મોમિન બંદાની કોઈ નેકીમાં કમી નથી ફરમાવતા. મોમિનને એ નેકીના બદલામાં દુનિયામાં પણ ભલાઈ – ઈનામ આપવામાં આવે છે અને આખિરતમાં એનો સવાબ અલગથી આપવામાં આવશે. અને કાફિરને એની સારી આદતોના બદલામાં દુનિયામાં રોઝી આપી દેવામાં આવે છે પણ જયારે તે આખિરતમાં પહોંચશે તો (ઈમાન ન હોવાના કારણે) એની પાસે કોઈ નેકી હશે નહીં, જેનો એને સવાબ મળે. (મિશ્કાત શરીફ)

એક અન્ય હદીસમાં છે : જયારે અલ્લાહ તઆલા કોઈ બંદા સાથે નેકી અને ભલાઈનો ઇરાદો કરે છે તો એના ગુનાહોનો બદલો દુનિયામાં જ લઈ લે છે, (કારણ કે દુનિયાનો અઝાબ આખિરતના મુકાબલામાં ઘણો હલકો હોય છે.) અને જયારે કોઈના ઉપર નારાજ થાય છે તો એના ગુનાહોનો બદલો રોકી લેવામાં આવે છે, અને કયામતમાં એનો બદલો આપવામાં આવે છે. (તિરમિઝી શરીફ)

વિવિધ શબ્દો અને અંદાઝથી આ વાત નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની હદીસમાં વારંવાર કહેવામાં આવી છે કે કાફિર માટે આખિરતમાં નેકીઓનો કોઈ બદલો નહીં હોય એટલે જે કંઈ ભલાઈ—નેકી એ કરે છે એનો બદલો એને દુનિયામાં જ આપી દેવામાં આવે છે, કેમ કે નેક કામોનો બદલો એ ફકત દુનિયામાં જ મેળવી શકે છે, આ જ કારણે ઘણી બધી બુરાઈઓ કરવા છતાં જે કંઈ ભલાઈના કામો એ કરે છે, એના બદલામાં એને દુનિયામાં કામ્યાબી – ભલાઈ મળતી રહે છે. એનાથી વિપરીત મુસલમાનને નેક આમાલનો બદલો આખિરતમાં મળનાર છે, અને બુરાઈઓનો બદલો વધુ પડતો દુનિયામાં આપી દેવામાં આવે છે, એટલે જે કંઈ કોતાહી, ગુનાહો અને નાફરમાની એ કરે છે, એના બદલામાં દુનિયામાં એ પરેશાની અને બદહાલીનો શિકાર બને છે.

દુનિયામાં મુસલમાનો ઉપર આવતી મુસીબતોમાં અલ્લાહ તઆલાની હિકમત અને મસ્લેહત

નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમનો ઇરશાદ છે : મારી ઉમ્મત ઉપર અલ્લાહ તઆલાની રહમત છે. એના માટે આખિરતમાં (કાયમી) અઝાબ નહીં હોય. એનો અઝાબ (અને ગુનાહોનો બદલો વધુ પડતો દુનિયામાં જ) ફિત્નાઓ, હત્યાઓ અને ધરતીકંપના સ્વરૂપે આપી દેવામાં આવે છે. (અબૂ દાવૂદ શરીફ/મિશ્કાત શરીફ)

ઈતિહાસના જાણકારો માટે એક અસમંજસ આ બાબતે આ થાય છે કે અમુક કોમો જયાં સુધી ધાર્મિક બેદીની – નાફરમાનીમાં આગળ વધતી રહી એમના ઉપર કોઈ અઝાબ આવ્યો નહીં, અને પછી જયારે એમની દીની – ધાર્મિક સ્થિતિ સુધરવા માંડી તો એમના ઉપર આસમાની અઝાબ આવી ગયો. એનો જવાબ પણ ઉપરની વાતોથી સમજી શકાય છે કે શકય છે કે એમની આગલી હાલત ઘણી વધારે ખરાબ થઈને કુફ્ર સુધી પહોંચી જવાને કારણે હવે દુનિયામાં અઝાબ થવાને પાત્ર ન રહી હોય, અને પછી જયારે એમના અંદર સુધારણા થઈ તો દુનિયામાં અઝાબ થવાને પાત્ર બની ગયા. બીમારી જયારે ઓપરેશનને કાબેલ ન રહે તો ઓપરેશન નથી કરવામાં આવતું. એ તો જયારે ઓપરેશન ઉપયોગી લાગે ત્યારે જ કરવામાં આવે છે.

બુખારી અને મુસ્લિમ શરીફમાં નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમના પોતાના નેક બીવીઓથી નારાજ થવાના કિસ્સામાં હઝરત ઉમર રદિ.નો ઈરશાદ છે, તેઓ ફરમાવે છે કે, હું ઘરમાં દાખલ થયો અને જોયું કે ઘરનો સઘળો સરસામાન ત્રણ વસ્તુઓ પુરતો જ છે. એક ખુણામાં ચપટી જવ અને એક બે કાચા ચામડાં પડેલાં છે. આવી એક બે વસ્તુઓ બીજી પડેલી હતી. નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ કોથળાના એક બિસ્તર ઉપર સુતેલા હતા. શરીર ઉપર ઓઢવાની કોઈ ચાદર નહીં અને કોથળા ઉપર પણ કોઈ ચાદર કે કાપડ પાથરેલું ન હતું. પરિણામે કોથળાના નિશાન પવિત્ર શરીર ઉપર ઉપસી આવ્યા હતા. હું આ દ્રશ્ય જોઈને રડવા લાગ્યો. નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે રડવાનું કારણ પૂછયું તો મેં અરજ કરી કે યા રસૂલલ્લાહ ! રડવું કેમ ન આવે ? શરીરે કોથળાના નિશાન ઉપસી આવ્યા છે. ઘરનો બધો સરસામાન આ બે ચાર વસ્તુઓ છે. બીજી તરફ ઈરાન અને રોમના લોકો અલ્લાહ તઆલાની ઇબાદત પણ નથી કરતા, અને એમના ઉપર દુનિયાની રેલમછેલ છે, અને આપની આ હાલત ? નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ ટેક લગાવીને સુતા હતા, ઉઠીને બેસી ગયા અને ફરમાવ્યું : હે ખત્તાબના પુત્ર! તમને (આપણા સાચા હોવા) વિશે કોઈ શંકા છે ? આ લોકોને એમની ભલાઈનો બદલો દુનિયામાં જ આપી દેવામાં આવ્યો છે.

કુર્આનમાં અલ્લાહ તઆલા ફરમાવે છે :

અને જો બધા લોકોના એક જ તરીકાના (કાફિર) થઇ જવાની શકયતા ન હોત તો અમે રહમાનનો ઈનકાર કરનાર લોકોના ઘરોની છતો ચાંદીની બનાવી આપત તથા સીડીઓ પણ જેના ઉપર તેઓ ચઢે (ઊતરે) છે. અને તેઓના ઘરોના દરવાજા તથા તખતો પણ જેના ઉપર તેઓ તકિયા લગાડી બેસે છે. (તે સૌ ચાંદીના કરી આપત) તેમજ સોનાનાં, (કરી આપત) પણ એ બધું જ કેવળ દુનિયાની જિંદગીનો અલ્પ લાભ છે; (આખરે ફના જ છે) અને આખિરત(ની કાયમી બખ્શિશ) તો આપના પરવરદિગારને ત્યાં અલ્લાહથી ડરનારાઓ માટે જ છે. (સૂરએ ઝુખરુફ : ૩૩-૩૫)

નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની દુઆ છે : હે અલ્લાહ ! જે માણસ તારા ઉપર ઈમાન લાવે અને મારી રિસાલતનો એકરાર કરે, એને તારી મુલાકાતની મુહબ્બત નસીબ ફરમાવો. તકદીર એના માટે સરળ ફરમાવો. અને દુનિયા ઓછી આપો. અને જે કોઈ તારા ઉપર ઈમાન ન લાવે, મારી રિસાલતનો એકરાર ન કરે, એને તારી મુલાકાતની મુહબ્બત ન આપશો. અને દુનિયા વધારે આપી દેજો. (મજમઉઝઝવાઈદ ૧૦/૨૮૬)

માહે મુહર્રમ, ઈસ્લામી ઈતિહાસનો યાદગાર મહીનો

'મુહર્રમ' ઈસ્લામી વરસનો પહેલો મહીનો છે, ઈસ્લામી વરસ ચંદ્ર આધારિત છે, એને હિજરી સન કહેવામાં આવે છે, કારણ કે ઈસ્લામી ઈતિહાસ  પ્રમાણે નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની હિજરતના દિવસથી એનો આરંભ થાય છે. ૧૪૩૨નો મતલબ એ થાય છે કે, નબીએ કરીમ સલ્લલ્લાહ અલયહિ વ સલ્લમની હિજરતને ૧૪૩૧ વરસ વીતી ગયાં છે. મુસલમાનોની ઘણી બધી ઇબાદતો આ વરસના દિવસો આધારિત છે, માટે એને ઈસ્લામી કેલેન્ડર પણ કહેવામાં આવે છે.


વરસની ગણતરીની બીજી રીત ઈસ્વી સન પણ છે, એ સુર્યગતિ આધારિત છે, હઝ. ઈસા અલૈ.ના જન્મદિવસથી એની ગણતરી શરૂ થાય છે, એટલે ૨૦૧૧ કહેવાનો મતલબ એ થયો કે હઝ. ઈસા અલૈ. ના જન્મને ૨૦૧૦ વરસ વીતી ગયા. 


મુસલમાનોની ઈબાદતનો સંબંધ ચંદ્ર અને સૂર્ય બન્ને ઉપર આધારિત છે, જેમ કે નમાઝોનો સમય સૂર્યની ચાલ ઉપર આધારિત છે, અને રમઝાન તેમજ ઈદનો દિવસ ચંદ્ર દ્વારા નક્કી કરવામાં આવે છે. એમાંયે દિવસનો એતેબાર ચંદ્ર પ્રમાણે અને સમયનો એતેબાર સૂર્ય પ્રમાણે કરવામાં આવે છે, જેમ કે રમઝાન માસનો આરંભ અંત ચંદ્ર દ્વારા નક્કી થાય છે પણ રોઝાની સહેરી – ઈફતારનો સમય સૂર્ય દ્વારા નક્કી કરવામાં આવે છે. હજના દિવસો ચંદ્રની ચાલથી નક્કી થાય છે, પણ હજના અરકાન અદા કરવાના સમયો સૂર્યની ચાલ –ભ્રમણથી નક્કી કરવામાં આવે છે.


ઈસ્લામી ઈબાદતોના દિવસો ચંદ્ર આધારિત કરવા પાછળ એક હિકમત આ પણ છે કે, સૂર્યવરસ કરતાં ચંદ્રવરસ દસ દિવસ નાનું હોય છે, માટે મુસલમાનોને વરસની દરેક ઋતુના રોઝા અને હજનો અવસર મળે છે. એક મુસલમાનને બાલિગ થયા પછી સામાન્ય ઉમર પ્રમાણે દરેક ઋતુમાં રોઝા રાખવાનો અવસર મળી આવે છે. મુહર્રમ સાથે ઈસ્લામી ઈતિહાસની ઘણી યાદગાર ઘટનાઓ જોડાયેલી છે, નુબુવ્વત પૂર્વેની પણ અને વફાત પછીની પણ.


બુખારી શરીફની એક રિવાયતમાં છે કે મક્કાના કુરૈશીઓ દસમી મહોર્રમનો રોઝો રાખતા હતા, એનું કારણ એ બતાવતા હતા કે આ દિવસે જ હઝરત ઈબ્રાહીમ અલૈ.ને આગમાં નાખવામાં આવ્યા હતા અને અલ્લાહ તઆલાએ આગ એમના માટે બાગ બનાવી દીધી હતી. હિજરત પછી નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ મદીના આવ્યા, તો યહૂદીઓને પણ આ દિવસના રોઝા રાખતા જોયા, એમને પૂછતાં જણાયું કે આ દિવસે બની ઈસરાઈલને હઝ. મૂસા અલૈ.ના નેતૃત્વમાં એમના શત્રુ ફિરઔનથી છુટકારો મળ્યો હતો, જેથી બની ઈસરાઈલ માટે આઝાદી અને ખુશીનો દિવસ છે, નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે આ જાણીને ફરમાવ્યું કે અમે તો હઝરત મૂસા અલૈ. સાથે તમારા કરતાં વધારે સંબંધ અને નિકટતા ધરાવીએ છીએ, અમે પણ આ દિવસનો રોઝો રાખીશું, ત્યારથી આ રોઝો મુસલમાનો પર ફરજ હતો, રમઝાનના રોઝા ફરજ થયા પછી આ રોઝો નફલ કરી દેવામાં આવ્યો. નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે જીવનના છેલ્લા વરસે એમ પણ ફરમાવ્યું કે, યહૂદીઓના રોઝાથી આપણો રોઝો નોખો હોય એ માટે આગલા વરસથી આશૂરાના બે રોઝા રાખીશું, પણ તે પહેલાં નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની વફાત થઈ ગઈ, આ કારણે જ ઉલમા કહે છે કે, દસમી મહોર્રમ સાથે એક દિવસ આગળ કે પાછળનો રોઝો પણ રાખવો જોઈએ.


નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની વફાત પછી બે મહત્વની ઘટનાઓ મહોર્રમથી જોડાયેલી છે અને દર વરસે મુસલમાનો આ ઘટનાઓને યાદ કરે છે, પહેલી ઘટના હઝરત ઉમર (રદિ.)ની શહાદત છે, જે પહેલી મહોર્રમના દિવસે થઈ. બીજી ઘટના દસમી મહોર્રમે હઝરત હુસૈન (રદિ.) અને ખાનદાને નુબુવ્વત 'એહલે બયત'ના બીજા સભ્યોની શહાદત છે. કરબલા ખાતે ઘટેલ 'એહલે બયત'ની શહાદતની આ ઘટના ઈસ્લામી ઈતિહાસ માં અનોખુ મહત્વ ધરાવે છે.


શહાદતની ઘટનાઓના મહત્વ પાછળ આ બન્ને શહીદોની મહાનતા છુપાયેલી છે. હઝરત ઉમર (રદિ.), નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમના સાથી, સહાયક અને મહાન સહાબી છે, ઈસ્લામના બીજા ખલીફા છે. નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે પણ અનેક હદીસોમાં આપની ફઝીલત અને મહાનતા વર્ણવી છે. એક હદીસમાં નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ ફરમાવે છે. 'જો મારા પછી કોઈ નબી આવવાના હોત તો તે હઝરત ઉમર (રદિ.) હોત. નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમના મુખે ઉચ્ચારેલ આ ફઝીલત પછી હઝરત ઉમર (રદિ.)ની મહાનતા વિશે કંઈ કહેવાનું બાકી રહેતું નથી.


હઝરત હુસૈન (રદિ.) નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમના પ્યારા નવાસા છે. નુબુવ્વતના ખોળામાં રહીને નબવી લાડ-કોડ સાથે ઉછરવાની આ સઆદત ફકત હઝરત હસન અને હુસૈન રદિ.ને જ પ્રાપ્ત છે.


હઝરત અબૂ હુરયરહ (રદિ.) ફરમાવે છે કે એક દિવસ હઝરત હસન રદિ. અને હઝરત હુસૈન (રદિ.) નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમના ખભા ઉપર ઉછળ કૂદ કરી રહયા હતા, મેં આ દ્રશ્ય જોઈ અરજ કરી કે યા રસૂલલ્લાહ ! તમને આ નવાસાઓથી ઘણો પ્રેમ છે, તો આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે ફરમાવ્યું કે, 'આ બન્ને તો મારા ફુલ છે'.


એક વાર નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ જુમ્અહનો ખુત્બહ આપતા હતા, અને સામેના મેદાનમાં બન્ને રમી રહયા હતા, રમતા રમતા તેઓ પડી ગયા, તો આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ ખુત્બાની વચ્ચે જ મિમ્બર પરથી ઉતર્યા અને બન્નેને ઊંચકીને મિમ્બર પર લઈ ગયા, પછી ફરમાવ્યું કે મારાથી આ બાળકોનું પડી જવું સહન ન થયું, એટલે ખુત્બાની વચ્ચે મારે જવું પડયું.


હદીસોમાં છે કે હઝરત હસન (રદિ.) અને હુસૈન (રદિ.) નબીએ કરીમ સલ્લલ્લાહ અલયહિ વ સલ્લમના હમશકલ – એક રૂપ હતા, હઝરત હુસૈન (રદિ.) છાતીથી ઉપરના ભાગે અને હઝરત હસન (રદિ.) નીચેના ભાગમાં એકરૂપ હતા. એક દિવસે હઝ. ફાતિમહ (રદિ.) આ બન્નેને ઉઠાવીને નાઝ-ગર્વથી ફરમાવતાં હતાં કે, ખુદાની કસમ ! આ બન્ને મારા બાપ ઉપર ગયા છે, એમના બાપ ઉપર નહિ.


હઝરત હસન (રદિ.) અને હઝરત હુસૈન (રદિ.) આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમના અતિપ્રિય નવાસા હતા, એટલે સઘળા જ મુસલમાનોને એમનાથી પ્યાર હોય એ સ્વભાવિક છે. આ પ્યાર, મહોબ્બતની બધી ઘટનાઓનું અત્રે વર્ણન શકય પણ નથી, અત્રે મહોર્રમ મહીનાથી શહાદતનો સંબંધ ધરાવતા બન્ને મહાન સહાબા (રદિ.)થી સંબંધિત એક એક વાત અરજ કરી દઈએ.


હઝરત ઉમર (રદિ.)ને જયારે જખ્મી કરવામાં આવ્યા અને તબીબોએ નિરાશ થઈને વસીય્યત કરવાનું કહી દીધું તો આ પરિસ્થિતિમાં પણ એમના પુત્ર હઝરત ઈબ્ને ઉમર (રદિ.)એ એમનું ધ્યાન દોર્યું કે અબ્બા જાન ! ફજરની નમાઝમાં જખ્મી થવાથી તમારી ફજરની નમાઝ બાકી છે, તે અદા કરી લ્યો, હઝરત ઉમર (રદિ.)એ તયમ્મુમ કરીને નમાઝ અદા કરવાનો પ્રયત્ન કર્યો તો બેહોશ થઈ ગયા, બે, ત્રણવાર આવું થયું, પણ હઝરત ઈબ્ને ઉમર (રદિ.) એમને બરાબર યાદ અપાવતા રહયા, અને હઝરત ઉમર (રદિ.)એ આવી સ્થિતિમાં પણ નમાઝ અદા કરી લીધી. 


આ જ પ્રમાણે હઝરત હુસૈન (રદિ.)એ કરબલાના મેદાનમાં શત્રુઓ સામે ચાલુ લડાઈએ પણ નમાઝ અદા કરી, કહે છે કે પહેલું તીર આપને નમાઝની હાલતમાં જ વાગ્યું હતું, અને નમાઝ પઢતાં પઢતાં જ તેઓ શહીદ થયા છે.


માટે આપણા આ બન્ને બુઝુર્ગોનો પયગામ આપણા માટે આ છે કે દીન અને ઈસ્લામ પર દ્રઢતાપૂર્વક અમલ કરવામાં આવે અને નમાઝની તો હર હાલતમાં પાબંદી કરવામાં આવે. કહી શકાય કે, હઝ.ઉમર (રદિ.)એ એમના શાસનકાળમાં ન્યાય અને સમાનતાની જે પરંપરા સ્થાપિત કરી હતી, એને પૂરી સ્થાપિત કરવાના પ્રયત્નોમાં જ હઝ. હુસૈન (રદિ.) જાનની બાજી લગાવીને શહીદ થઈ ગયા, એમનું આ મિશન આપણા ઉપર બાકી છે, અલ્લાહ તઆલા આપણને એમના અનુસરણની તોફીક આપે. - પુનઃપ્રકાશન. અલબલાગ ડિસે.૨૦૧૦.

આખિરતમાં શહીદો માટે નેઅમતો, ઉહદ પછીની બે ઘટનાઓ અને સહાબાનો ઈમાની જોશ



- મુફતી ફરીદ અહમદ કાવી.



وَ لَا تَحْسَبَنَّ الَّذِیْنَ قُتِلُوْا فِیْ سَبِیْلِ اللّٰہِ اَمْوَاتًا ؕ بَلْ اَحْیَآءٌ عِنْدَ رَبِّھِمْ یُرْزَقُوْنَ ﴿ۙ۱۶۹﴾ فَرِحِیْنَ بِمَاۤ اٰتٰھُمُ اللّٰہُ مِنْ فَضْلِہٖ ۙ وَ یَسْتَبْشِرُوْنَ بِالَّذِیْنَ لَمْ یَلْحَقُوْا بِھِمْ مِّنْ خَلْفِھِمْ ۙ اَلَّا خَوْفٌ عَلَیْھِمْ وَ لَا ھُمْ یَحْزَنُوْنَ ﴿ۘ۱۷۰﴾ یَسْتَبْشِرُوْنَ بِنِعْمَةٍ مِّنَ اللّٰہِ وَ فَضْلٍ ۙ وَّ اَنَّ اللّٰہَ لَا یُضِیْعُ اَجْرَ الْمُؤْمِنِیْنَ ﴿ۚ۱۷۱﴾ اَلَّذِیْنَ اسْتَجَابُوْا لِلّٰہِ وَ الرَّسُوْلِ مِنْۢ بَعْدِ مَاۤ اَصَابَھُمُ الْقَرْحُ ؕۛ لِلَّذِیْنَ اَحْسَنُوْا مِنْھُمْ وَ اتَّقَوْا اَجْرٌ عَظِیْمٌ ﴿ۚ۱۷۲﴾ اَلَّذِیْنَ قَالَ لَھُمُ النَّاسُ اِنَّ النَّاسَ قَدْ جَمَعُوْا لَكُمْ فَاخْشَوْھُمْ فَزَادَھُمْ اِیْمَانًا ٭ۖ   وَّ قَالُوْا حَسْبُنَا اللّٰہُ وَ نِعْمَ الْوَكِیْلُ ﴿۱۷۳﴾ فَانْقَلَبُوْا بِنِعْمَةٍ مِّنَ اللّٰہِ وَ فَضْلٍ لَّمْ یَمْسَسْھُمْ سُوْٓءٌ ۙ وَّ اتَّبَعُوْا رِضْوَانَ اللّٰہِ ؕ وَ اللّٰہُ ذُوْ فَضْلٍ عَظِیْمٍ ﴿۱۷۴﴾ اِنَّمَا ذٰلِكُمُ الشَّیْطٰنُ یُخَوِّفُ اَوْلِیَآءَہٗ ۪ فَلَا تَخَافُوْھُمْ وَ خَافُوْنِ اِنْ كُنْتُمْ مُّؤْمِنِیْنَ ﴿۱۷۵﴾ 

  તરજમહ : અને જે લોકો અલ્લાહની રાહમાં માર્યા ગયા (શહીદ થયા) તેમને તમે કદાપિ મુરદા ગણશો નહિ, બલકે એમના પરવરદિગાર પાસે જીવંત છે, રિઝક પણ મેળવે છે. (૧૬૯) અલ્લાહે એની મહેરબાનીથી જે કંઈ એમને આપ્યું છે એનાથી ખુશ છે, અને એમની પાછળના જે લોકો એમની પાસે પહોંચ્યા નથી, એમના વિશે ખુશી અનુભવે છે કે એમના ઉપર પણ કોઈ ડર અને ગમ ન હશે. (૧૭૦) અલ્લાહની નેઅમત અને મેહરબાની ઉપરાંત તેઓ આ બાબતે પણ ખુશી અનુભવે છે કે અલ્લાહ ઈમાનવાળાઓનો અજ્ર (સવાબ) નિરર્થક નથી કરતા. (૧૭૧) જેમણે ઝખમી (નુકસાન) થયા પછી પણ અલ્લાહ અને રસૂલ (સલ.)ની વાત માની, આવા નેકી કરનાર અને ડરનાર (પરહેઝગાર) લોકો માટે બહોળો અજ્ર (સવાબ) છે. (૧૭૨) આ તે લોકો છે જેમને અન્ય લોકોએ કહ્યું કે : (તમારા દુશ્મન) લોકો તમારી સામે લડવા ભેગા થયા છે, માટે એમનાથી ડરજો, તો આ વાતે એમનું ઈમાન વધારી દીધું અને કહી દીધું કે અમને અલ્લાહ કાફી છે અને તે બેહતરીન ભરોસાપાત્ર કામ કરનાર (કાર્યસાધક) છે. (૧૭૩) અંતે તેઓ અલ્લાહની નેઅમત અને મહેરબાની લઈને એવા પરત ફર્યા કે એમને કોઈ તકલીફ પહોંચી નહિ. અને તેઓ અલ્લાહની મરજીને તાબેદાર રહયા. અને અલ્લાહ તઆલા ઘણી મહેરબાની વાળો છે. (૧૭૪) આ તો ફક્ત શયતાન (તમને) એના મિત્રોથી બીવડાવે છે, માટે તમારે એમનાથી ડરવું નહિ, પણ જો તમે ઈમાનવાળા હોવ તો (ફકત) મારાથી ડરતા રહો. (૧૭૫)


તફસીર : અગાઉની આયતોમાં મુનાફિકોનું આ કથન આવ્યું હતું કે આ લોકો (મુસલમાનો) અમારી વાત માનીને ઘરે બેસી રહયા હોત તો માર્યા ન ગયા હોત ! એમને પ્રથમ એક જવાબ તો આ આપવામાં આવ્યો કે ઘરે બેસી રહેવાથી મોત નહિં આવે એમ તમે માનો છો તો જયારે ઘરે જ તમારી મોત આવે તો બચીને બતાવજો. ઘરે રહીને પણ એના સમયે મોત આવવાની હોય તો મેદાને જંગની મોત પણ એના સમયે જ કહેવાય. હવે આ આયતોમાં એમને એક બીજો જવાબ આપવામાં આવ્યો કે, રાહે ખુદામાં મરનારા લોકો વિશે એમ ન સમજો કે જિંદગી પૂરી થઈ ગઈ, લડાઈમાં ન ગયો હોત તો વધુ જિંદગી જીવવા મળત ! કારણ કે રાહે ખુદામાં મર્યા પછી પણ માણસ અલ્લાહ તઆલા પાસે જીવંત જ રહે છે અને અલ્લાહ તઆલા એને જન્નતની રોઝી પણ આપે છે. અગાઉ સૂરએ બકરહ આયત : ૧૫૪ માં પણ આ વાત આવી ચુકી છે. ત્યાં આ બાબતે જે વિગત લખી છે, ફરીવાર એને ટુંકમાં જોઈ લઈએ :


અલ્લાહના રસ્તામાં શહીદ થનાર લોકો બીજા મૃત લોકોની જેમ મૃત નથી હોતા, બલકે તેઓ અનેક રીતે જીવંત હોય છે. એમને અલ્લાહ તઆલા તરફથી રોઝી પણ આપવામાં આવે છે. મતલબ કે શહીદ થનાર માણસનો પ્રાણ એળે નથી જતો, એ તો એક નવા પ્રકારની જિંદગી મેળવે છે, જેમાં એને પરવરદિગાર તરફથી રોઝી પણ મળતી હોય છે.


મૃત્યુ પછી કબરમાં સવાલ - જવાબ અને અઝાબ - રાહતની વિગત અનેક હદીસોમાં સ્પષ્ટ શબ્દોમાં વર્ણન કરવામાં આવી છે. અને એ મુજબ દરેક જ માણસ, ચાહે શહીદ હોય કે ન હોય, એને કબરમાં એક વિશેષ પ્રકારની જિંદગી એવી આપવામાં આવશે જેના થકી એને સવાલ - જવાબ કરવામાં આવશે અને કબરમાં અઝાબ અથવા રાહત આપવામાં આવશે. આ વિગતના આધારે પ્રશ્ન ઉદભવે છે કે પછી શહીદ વિશે એમ કહેવાનો શો મતલબ કે તેઓ જીવંત છે ? બધા જ લોકો મર્યા પછી ઉપરોકત આધારે જીવંત હોય છે. આ પ્રશ્નનો ઉત્તર આ છે કે શહીદ મય્યિત અને સામાન્ય મય્યિત, બન્નેને કબરમાં આપવામાં આવતા નવા જીવનની કેફિયત અને દરજો અલગ અલગ હોય છે. આ અલગ હોવાના દરજાની સાચી વિગત અલ્લાહ તઆલા જ જાણે છે, પણ એને સમજવા માટે આટલો પૂરાવો કાફી છે કે સાચા શહીદનું શરીર જમીનમાં દફન કર્યા પછી પણ હમેંશા એમ જ રહે છે. કોહવાતું નથી કે જંતુઓ એને ખાય શકતા નથી. જેમ કે જીવંત માણસનું શરીર. આ વાસ્તવિકતાથી પૂરવાર થાય છે કે મરવા પછી બરઝખની જિંદગીમાં શહીદ અને સામાન્ય માણસ વચ્ચે ઘણો ફરક હોય છે. આયતથી આ બાબત સ્પષ્ટ રીતે પૂરવાર થઈ કે શહીદ મરવા પછી પણ જીવંત રહે છે અને એને અલ્લાહની નેઅમતો મળે છે તો એનાથી જ આ બાબત આસાનીથી સમજી શકાય છે કે અલ્લાહના દુશ્મનનોને મરવા પછી કબરમાં અઝાબ થશે.


કુલ મળીને આ આયતમાં શહીદો માટે ત્રણ ખૂશખબરીઓ છે. પ્રથમ આ કે તેઓ હમેંશા જીવંત રહેશે. બીજી આ કે એમને અલ્લાહ તઆલા તરફથી વિશેષ રોઝી આપવામાં આવશે. ત્રીજી ખૂશખબરીનું વર્ણન આગળની આયતમાં છે કે પોતાના જે સંબંધીઓ હજુ દુનિયામાં છે એમના વિશે પણ તેઓ એમ વિચારીને ખુશી અનુભવે છે કે જો તેઓ પણ દુનિયામાં રહીને નેક અમલ અને જિહાદ કરશે તો અહિંયા આવીને આવી જ નેઅમતો અને ઉચ્ચ દરજાઓ એમને મળશે. મઆરિફુલ કુર્આનમાં છે કે શહીદના કોઈ સગા- સંબંધીનું મૃત્યુ નજીક હોય તો શહીદને પહેલાંથી એની ખબર કરવામાં આવે છે કે ફલાણો માણસ તમારી પાસે આવી રહયો છે, જેનાથી એને એવી જ ખુશી થાય છે જેમ દુનિયામાં કોઈ છુટા પડી ગયેલા દોસ્તના મળવાથી થતી હોય છે.


અબૂદાવૂદ શરીફમાં છે કે ઉહદમાં શહીદ થનાર સહાબા રદિ.ની રૂહોને અલ્લાહ તઆલાએ લીલા રંગના સુંદર પક્ષીઓ શરીરમાં દાખલ કરીને જન્નતમાં ફરવા ખુલ્લી છોડી દીધી કે જન્નતની નહેરો અને બાગોમાં ફરીને ખાય અને પીએ અને મોજ કરે અને પાછી આવીને અલ્લાહના અર્શ નીચે લટકતી ફાનૂસ કે ઝુમરમાં રહે. આ બધી નેઅમતો જોઈને તેઓ કહેવા લાગ્યા કે અમારા સંબંધીઓ તો અમારા મરવાથી દુનિયામાં ગમગીન છે. કોઈ અમારી આ હાલતની એમને જાણ કરી દે તો તેઓ પણ જાણી લે કે જો તેઓ પણ દુનિયામાં રહીને નેક અમલ અને જિહાદ કરશે તો અહિંયા આવ્યા પછી એમને પણ કોઈ ગમ કે તકલીફ નહીં પડે. એમની કુરબાનીઓ અને શહાદત બેકાર નહીં જાય. એમની આ ઇચ્છાના જવાબમાં અલ્લાહ તઆલાએ ફરમાવ્યું કે અમે તમારી હાલતની એમને જાણ કરી દઈએ છીએ અને પછી આ આયત નાઝિલ કરવામાં આવી.


આયત નં ૧૭૨. ઉહુદની લડાઈમાં એક રીતે કાફિરોનું પલ્લુ ભારે રહયું હતું, એટલે લડાઈ પૂરી થયા પછી જયારે બધા પાછા વળ્યા તો થોડેક દૂર ગયા પછી અબૂ સુફયાન અને કાફિરોને થયું કે બધા જ મુસલમાનોને ખતમ કરી નાખીએ એ જ બેહતર છે. આમ વિચારીને પાછા ફરવાનો ઇરાદો કર્યો પણ પછી ગભરાયા અને ડરના માર્યા એમ જ પાછા વળી ગયા. અલબત્ત ખોટી ચાલાકી કરીને મદીના તરફ આવતા અમુક મુસાફરોને કહયું કે મદીના જઈને મુસલમાનોને બીવડાવો કે મક્કા વાળાઓ મોટું લશ્કર ભેગું કરીને આવી રહયા છે. આ તરફ મદીનામાં નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમને એમના ઇરાદાની ખબર પડી ત્યારે મુસલમાનોને પાછા લડવા બોલાવ્યા, અને આગલા દિવસની લડાઈમાં શરીક સહાબાને જ આવવાની તાકીદ ફરમાવી. આગલા દિવસની લડાઈમાં થાકેલા અને જખ્મી થયેલા આ સહાબાઓ આપ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમની સાથે નીકળ્યા અને હમરાઉલ અસદ નામી સ્થળ સુધી આવ્યા. રસ્તામાં મક્કાથી આવતા નઈમ બિન મસ્ઉદ નામી માણસે મુસલમાનોને ડરાવવાની કોશિશ કરી તો મુસલમાનોએ કહયું : 'હસ્બુનલ્લાહ વ નિઅ્મલ્વકીલ' અલ્લાહ અમારા માટે કાફી છે. સીરતની કિતાબોમાં આ ઘટનાને ગઝવએ હમરાઉલ અસદ કહેવામાં આવે છે.


અમુક તફસીરકારોના મતે આ આયત ઉહદની લડાઈ પછી એક વરસે થયેલ એક બીજી ઘટના બાબતે નાઝિલ થઈ છે. ઉહદની લડાઈ પૂરી થયે કાફિરોનો સરદાર અબૂ સુફયાન કહેતો ગયો કે આવતા વરસે બદ્રમાં ફરી લડીશું તો હુઝૂર (સલ.)એ કબૂલ કર્યું. જયારે તે વખત આવ્યો ત્યારે હુઝૂર (સલ.)એ લોકોને લડાઈ પર નીકળવાનો હુકમ કર્યો, આગલી વેળા ઉહુદમાં ઝખમી થયેલા લોકો તૈયાર થઈ સાથે ગયા. તેમના માટે આ આયતમાં ખુશખબરી છે કે હાર્યા અને જખમી થયા છતાં પણ હિમ્મત હાર્યા નહિ. અબૂ સુફયાન મક્કાથી લડાઈના ઈરાદે નીકળ્યો તો ખરો, પણ ચાહતો હતો કે મુસલમાનો ન આવે તો સારું. તેમના જ ઉપર આક્ષેપ મૂકીશું કે આવ્યા નહિ. આ હેતુ માટે મદીના તરફ જનાર એક માણસને કંઇક આપીને કહ્યું કે ત્યાં અમારા તરફથી એવી વાતો ઉડાવજો કે તેઓ ડરના માર્યા લડવા આવે નહિ. આમ કરીને તે દુકાળના બહાને પાછો વળી ગયો. પેલો માણસ મદીનામાં આવી કહેવા લાગ્યો કે મક્કાવાળાઓની સંખ્યા બહુ જ છે, તમારે લડવું ન જોઇએ. આ સાંભળી મુસલમાનોમાં ભયને બદલે ઈમાની જોશ વધી ગયો અને કહેવા લાગ્યા કે ''હસ્બુનલ્લાહુ વ નિઅ્મલ વકીલ’' સર્વ જગતના મુકાબલામાં અમને એકલો અલ્લાહ જ બસ છે. ફરી વાયદા પ્રમાણે બદ્ર મુકામે આવી પહોંચ્યા, પણ લડાઇ થઈ નહિ. ત્રણ દિવસ ત્યાં થોભ્યા અને બદ્રના બજારમાં વેપાર કરી ઘણો નફો મેળવી પાછા ફર્યા.


આ ઘટનામાં અલ્લાહ તઆલાએ મુસલમાનોને ચાર નેઅમતો અતા ફરમાવી. એક તો કાફિરો ઉપર મુસલમાનોનો એવો રોબ છવાય ગયો કે લડયા વગર એમણે પાછા ફરી જવું પડયું. બદ્રના મેળામાં વેપાર કરવાથી મુસલમાનોને ઘણો નફો મળ્યો. લડાઈ ન થવાથી જાનહાનિ કે ઝખમનું કોઈ નુકસાન ન થયું અને સહુથી મોટી નેઅમત આ મળી કે અલ્લાહ તઆલાની રઝામંદીનો પરવાનો કુર્આનમાં આપવામાં આવ્યો.


છેલ્લી આયતમાં અલ્લાહ તઆલા ફરમાવે છે કે શત્રુઓ ભેગા થઈ રહયા છે, પાછા હમલો કરવા આવી રહયા છે, એવા સમાચારો આપીને ડરાવનાર માણસ શયતાન છે. જે તમને એના દોસ્તોથી ડરાવવા માંગે છે, પણ મુસલમાનોએ એનાથી ડરવાની જરૂરત નથી, મુસલમાનોએ અલ્લાહ તઆલાથી જ ડરવું જોઈએ. મવલાના દરયાબાદી રહ. લખે છે કે શયતાન કદી પોતાની અસલી શકલમાં આવીને હમલો નથી કરતો. કોઈને કોઈ માણસની શકલમાં જ વાર કરે છે. અને આ લોકો જ શયતાનના દોસ્તો હોય છે.


મઆરિફુલ કુર્આનમાં છે કે, મશાઈખ અને ઉલમાએ લખ્યું છે કે આ દુઆ (હસ્બુનલ્લાહુ વ નિઅ્મલ વકીલ) એક હઝાર વાર ઇખ્લાસ સાથે પઢીને દુઆ કરવામાં આવે તો અલ્લાહ તઆલા જરૂર કબુલ ફરમાવે છે. મુસીબતો, અને ચિંતાઓ દૂર કરવા માટેનો આ મુજર્રબ અમલ છે.


મકતબમાં શનિવારે કે રવિવારે રજા પાડવાનો હુકમ :

શરઈ માર્ગદર્શન
ફતાવા વિભાગ
મવ. મુફતી અસ્જદ દેવલ્વી સાહેબ તસ્દીક કર્તા મવ. મુફતી અહમદ દેવલા સદર મુફતી જામિઅહ જંબુસર

મકતબમાં શનિવારે કે રવિવારે રજા પાડવાનો હુકમ :

સવાલ : સલામે મસ્નૂન બાદ હું એક મદ્રેસામાં બાળકોને દીની તઅલીમ આપવાની ખિદમત આપી રહયો છું, જેમાં એક આલીમ સાહબ કહે છે કે જુમ્આના બદલે શનિવારે રજા રહશે, મેં કહયું, આની શી જરૂર છે, વરસોથી હું પઢાવું છું, જુમ્આની રજા ચાલતી આવી છે, જુમ્આનો દિવસ મુબારક છે, બધા જ મકાતિબ અને મોટા મદારિસમાં જુમ્આની રજા રહે છે. કોઈ શરઈ અથવા દુન્યવી કારણ વગર જુમ્આની રજા કેન્સલ કરી શનિવારે રજા રાખવી મુનાસિબ નથી, હવે સવાલ એ છે કે કોઈ પણ જાતના કારણ વગર જુમ્આના બદલે શનિવારે રજા રાખવાથી જુમ્આની નમાઝની તૈયારીમાં કોઈ આલીમને દુરથી આવવાનું થાય, વળી કંથારીઆ દા.ઉ.થી પ્રસિધ્ધ થયેલ ઈસ્લામી બસીરત નામી કિતાબમાં છે કે ફકત શનિવારનો નફલ રોજો યહૂદીઓની મુશાબહત ના લઈ મકરૂહ છે અને શનિવારનો એહતેરામ યહૂદી લોકો કરે છે, જેથી આપ મોહતરમ તસલ્લી બખ્શ જવાબ આપી મુત્મઈન કરશો કે જુમ્આની રજા બદલી શનિવારની રજા મકાતિબમાં રાખવી હિતાવત છે અથવા જુમ્આની રજા બરાબર છે. દુઆમાં યાદ ફરમાવશો.

જવાબ: ઈસ્લામી શરીઅત પોતાના અનુયાયીઓને પોતાની આગવી ઓળખ, વિશિષ્ટતાઓ, સંસ્કારોને સાચવણીની પ્રેરણા આપે છે. અને અન્ય કોમો તથા ધર્મના લોકોથી મળતાપણું, એક રૂપતા, મુશાબહત ધારણ કરવાથી દૂર રહેવાની તાકીદ ફરમાવે છે. હઝરત રસૂલુલ્લાહ (સલ.) નો પવિત્ર આદેશ છે : 'જે કોઈ અન્ય કોમ સાથે મુશાબહત – એકરૂપતા – મળતાપણું ઈખ્તિયાર કરશે, તે તેમાંથી ગણાશે.' જાહેર છે આપ (સલ.)ના મુબારક ફરમાનનો હેતુ આ જ છે કે અન્ય કોમ – ધર્મ સાથે સામ્યતાપણુ એકરૂપતા અપનાવવાથી બચવામાં આવે છે, આ જ કારણ છે કે આપણા પૂર્વજ આ વસ્તુની ખૂબ જ તકેદારી ફરમાવતા આવ્યા છે. ફતાવા મહમૂદિય્યહ (જદીદ) માં હઝરત મફતી મહમૂદ હસન સા. ગંગોહી (રહ.) યવમે આશૂરહ (૧૦ મી ના દિવસે મદ્રેસામાં રજા પડવા વિશેના સવાલ ના જવાબ ના લખે છે "દસ મુહર્રમ કો રોઝહ કી ફઝીલત હદીસ શરીફસે સાબિત હય, ઔર ભૌ મુતઅદ્દિદ (વિવિધ) ખુસૂસિય્યાત (વિશિષ્ટતાઓ) ઈસ દિન કી વારિદ હૂઈ હૈં, લેકિન ઈસ દિનમેં તઅતીલ (છુટ્ટી) કરના ઔર કારોબાર યા મદારિસ કો બંધ રખના રવાફિઝ કા શિઆર (ખાસ પ્રતિક) હય, જિસસે ઈજતિનાબ લાઝિમ હય. (આ જવાબમાં જ આગળ લખે છે). આમ્મતન (સમાન્ય રીતે) ઈસ્લામી ઇદારોમેં જુમ્આ કે રોઝ તઅતીલ (છુટ્ટી) હોતી હય, ઇત્વાર (રવિવાર) કી તઅતીલ સે ઇસી લિયે મના કિયા જાતા હય કે ઉસ રોઝ ગેર મુસ્લિમ તઅતીલ (છુટ્ટી) કરતે હૈ. (૧૫-૬૪૧) હકીમુલ ઉમ્મત હઝરત મવ. અશરફ અલી થાનવી (રહ.)ને મદ્રેસામાં રવિવારની છુટ્ટી સંબંધિત સવાલ કરવામાં આવ્યો તો હઝરતે જવાબ આપતા લખ્યું : "નહીં, બ-સબબ તશબ્બુહ વ તઅઝીમ યવમે નસારા કે" (એટલે કે ઈસાઈઓના આ દિવસને (વિશેષ રીતે) મહત્વ આપવું અને એમની સાથે મુશાબહતના લઈ રવિવારે છુટ્ટી કરવામાં ન આવે.) (ઈમ્દાદુલ ફતાવા : ૪/૨૬૬) 

ઉપરોકત જવાબોથી સ્પષ્ટ થાય છે કે ઈસ્લામી શરીઅતમાં છુટ્ટી વિશે પણ ગેર કોમ સાથે મળતાપણું, એકરૂપતાને પસંદ કરવામાં નથી આવી.

જેવી રીતે ઈસાઈ લોકો રવિવારની તઅઝીમ કરે છે, છુટ્ટી પાડે છે. એવી જ રીતે યહૂદી લોકો શનિવારની છુટ્ટી કરે છે, અને એની તઅઝીમ કરે છે, અને આ દિવસની છુટ્ટી તેમનો મઝહબી શિઆર (ધાર્મિક પ્રતિક) છે. માટે જેવી રીતે ઈસાઈઓ સાથે તેમની વિશિષ્ટતામાં મુશાબહતના લઈ જુમ્આની જગ્યાએ રવિવારની છુટ્ટી પાડવામાં ન આવે, એવી જ રીતે યહૂદીઓ સાથે મુશાબહતના લઈ જુમ્આની જગ્યાએ શનિવારના દિવસની છુટ્ટી પાડવામાં ન આવે કે શરીઅતની તાલીમાતનો તકાદો આ જ છે.

મારી નાકીસ સમજ મુજબ શરીઅતમાં જુમ્આના દિવસની જે હેસીયત વર્ણન થઈ છે, જે ફઝીલતો, ખૂબીઓ મન્કૂલ છે, તેના લોકોના દિલોમાં ઘર કરવામાં આપણી આગવી સંસ્થાઓમાં 'જુમ્આ'ના દિવસને મહત્વ આપી છુટ્ટી કરવાનો બહું મોટો દખલ છે. બલકે આ દિવસમાં છુટ્ટી હોવી એ આપણી ઓળખ સમાન છે. અને એટલે જ લોકો કંઈક અંશે આ પ્રત્યે ધ્યાન આપી એનો ખ્યાલ રાખે છે, માટે આપણા બુઝુર્ગોએ જે એક નિતિ જુમ્આની મહત્વતાને નજર સમક્ષ રાખી તે દિવસની છુટ્ટી નક્કી કરી છે, તેમાં ફેરફાર ન કરવો એ જ યોગ્ય છે, આપણે બાળકોની કેળવણી કરી, જુમ્આના દિવસે ઇબાદતમાં વિતાવવાનો નિઝામ બનાવીશું તો ઘરે રહીને પણ ઇબાદત કરશે, બાળપણામાં પણ અને મોટા થયા પછી પણ.

અંતમાં આ વિશે હઝરત અકદસ મવલાના મુફતી અહમદ સા. ખાનપુરી (મ.ઝિ.) નો આ સંબંધિત એક ફત્વો સવાલ સાથે- નકલ કરું છું:

સવાલ : હમારે યહાં દીની મકતબોમેં પિછલે ચંદ સાલોં સે જુમ્આ કો તાલીમ જારી (ચાલુ) રખ્ખી જાતી હય ઔર બજાએ જુમ્આ કે શનિચર કો તઅતીલ (છુટ્ટી) રખ્ખી જાતી હય, ઐસા કરને સે બચ્ચોંકી હાજરી ઝયાદા રેહતી હય, યે ઉઝર પેશ કિયા જાતા હય, આયા ઝિમ્મેદારોં કા યે ફેઅલ (અમલ) યા'ની શનિચરકો તઅતીલ (છુટ્ટી) તશબ્બુહ બિલ્યહૂદ હે યા નહીં? ઉસ્કો બાકી રખના ચાહિયે યા બદલ દેના ચાહિયે?

જવાબ : શન્બા (શનિચર) કી તઅતીલ યે યહૂદિયોં કા મઝહબી શિઆર હય, ઈસ લિયે હમારે દીની મદારિસમેં "શન્બા''કો તઅતીલ (છુટ્ટી) કરને સે ઉનકે સાથ તશબ્બુહ લાઝિમ આતા હય, ઔર યવમે યહૂદ કી તઅઝીમ કો ભી મુસ્તલઝિમ હય, ઈસ લિયે ઉસકો બદલ કર હસ્બે સાબિક (પહેલાની જેમ) યવમે જુમ્આ કો તઅતીલ (છુટ્ટી) કી જાએ.( મહમૂદુલ ફતાવા : ૪ / ૭૮૨) ફકત અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.

તા. ૫/મુહર્રમ – ૧૪૩૪ હિજરી / ૨૦ - ૧૧ - ૨૦૧૨ ઈસ્વી

Muharram one of the sacred months

arram one of the sacred months When did the Islamic Hijri calendar beg

Muharramul Haram is the first month of the Islamic calendar, i.e. the Hijri year starts off with Muharramul Haram and concludes with Dhul-Hijjah. In addition, Muharramul Haram is one out of such four months that have been called as the months of sanctity by the Almighty Allah. Holy Prophet(S.A.W.) has declared this month as the month of the Almighty Allah. Although, each and every day and month belongs to the Almighty Allah, but linking this month with the Almighty Allah emphasizes its superiority. Another merit of the month of Muharram is that fasting in it is of the greatest value (second only to the fasts of Ramadanul Mubarak). Hazrat Ali (May Allah be pleased with him) says: One day I was sitting with the Holy Prophet  (ﷺ), a person came and asked: O Prophet of Allah (ﷺ) which month would you order me for fasting besides the month of Ramadan. Holy Prophet ( ﷺ) said, if you want to fast besides the month of Ramadan, then fast in Muharram as it is the month of Allah. There is a day in this month on which the Almighty Allah accepted the repentance of a race and He would accept the repentance of other people too. (Tirmizi, Vol: 1 P 157). The race that was pardoned this day was Bani Israel as it is explained in Hadeeth that the Almighty Allah granted salvation to Hazrat Musa (AS) and Bani Israel against Pharaoh and his troupe.


When it came to launching a new Islamic calendar in the time of Hazrat Umar Farooq, the Companions suggested different criteria for beginning of the Islamic calendar such as birth of the Prophet (peace and blessings of Allah be upon him), advent of prophet-hood and migration to Madinah. Ultimately, the companions agreed on migration to Madinah and started the Islamic calendar based on the year of Hijrah to Madinah. It means all the years before the migration to Madinah were made zero and the year of the migration to Madinah was recognized as the first year. As for the order of the months, it was arranged according to all the various calendars prevalent in the Arabs, that is, the beginning of the year from Muharram. As explained earlier, among the Arabs, the month of Muharram was the first month of the year since ancient times, so it was not changed in the Islamic calendar either. Thus the new Islamic calendar began with the migration from Medina, but the order of the months remained the same.


As per the solar system, there are 365 or 366 days in the Gregorian calendar, while there are 354 days in the Hijri calendar. But all calendars have 12 months. In the Hijri calendar the month is either 29 or 30 days while in the Gregorian calendar seven months are of 31 days, four months are 30 days and one month is 28 or 29 days. The system of both the sun and the moon is made by Allah. Numerous acts of worship in Islamic law are linked to the Hijri calendar. Due to the difference of 10 or 11 days in both calendars, the time of certain worships varies from season to season. This change of seasons is also a sign of Allah Almighty. We should pounder over and invite others to reflect on how the weather changes. Obviously, this is the command of Allah alone, Who created the seasons, and in each season He has ordained many things according to the seasons, as Allah says: "Surely in the creation of the heavens and the earth and in the alternation of night and day, great signs of Allah for those who have understanding and remember Allah while sitting and reclining, and reflect on the creation of the heavens and the earth, and say: Our Lord! You did not create all this in vain. You are free (from such nonsense). So save me from the torment of Hell. (Surah Al-Imran, Verse 190-191)


Let's all promise to ourselves on the commencement of the New Hijri Year that we will strive to please Allah in the remaining days of our life. We are enjoying life but we don't know when the angel of death will take out our life. The Messenger of Allah (PBUH) said: "Take advantage of five matters before five other matters: your youth, before you become old; and your health, before you fall sick; and your richness, before you become poor; and your free time before you become busy; and your life, before your death." (Mustadrak Hakim and Musannaf Ibn Abi Shaibah) The Prophet (PBUH) also said: "The two feet of the son of Aadam will not move from near his Lord on the Day of Judgment until he is asked about five (matters):- 1) about his life how he spent it; 2) about his youth - how he took care of it; 3) about his wealth how he earned it; 4) and where he spent it; 5) and about that which he acted upon from the knowledge that he acquired." Dear brothers, we all have to stand one day before our Creator, Master and Sustainer and will be questioned as to what we have done with our lives by Allah Who is nearer to us than our jugular vein, Who created us and is controlling everything. 


All that we have gained from the last 354 days is nothing but a few sweet and bitter memories that we still have in our mind. Otherwise, we have forgotten all the past days as if we didn't live them at all. What we actually should do on this occasion inspect ourselves by looking back at the passed days and trying to recall how many vitreous or evil deeds we have added to our 'action sheet'. We should think whether we have succeeded to add such good deeds to the list of our actions that may benefit and bring happiness to us in the hereafter or have we, out of negligence and carelessness, got some more sins inscribed in the 'action sheet' that may make us among the losers in the world to come. We should realize if we observed the Islamic rituals such as Salah, Sawm, Sadaqa in the proper manner. Did we try to perform Salah with utmost humility and veneration (Khushu' and Khudu') or it was the same way we have been doing our worship since childhood? Did fasting helped us develop fear of Allah in us or it was a mere morning to evening starvation? Did we ever think of helping a needy person, an orphan or a widow? Did we rectify our behavior? Did we try to transform our conduct into that of the Messenger of Allah (PBUH)? Did we impart whatever religious knowledge we have to others? Did we take any step to teach our children what will be helpful for them in attaining success in the next never-ending life or was all that we cared providing them with modern education and worldly comforts? Did we try to help people during the running year or did we cause only troubles for them? Did we help the orphans and the widows or were we just spectators? Did we try to fulfill the rights that the Qur'an has upon us? Did we truly obey Allah and His Messenger (PBUH) throughout the year? Did we fulfill the rights of our parents, neighbors and the relatives?



જ્યારે મૃત્યુના ચિન્હો દેખાય તો શું કરે?

(٣٠٩) عَنْ اَبٍى سعيد أَبِي هُرَيْرَةَ ، قَالَا : قَالَ رَسُولُ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ : " لَقِّنُوا مَوْتَاكُمْ : لَا إِلَهَ إِلَّا اللَّهُ ". (رواه مسلم)

તરજુમોઃ- હઝરત અબૂ સઈદ ખુદરી (રદિ.) અને હઝરત અબૂ હુરૈરહ (રદિ.)થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ)એ ફરમાવ્યું: મરનારને કલિમએ "લા ઈલાહ ઈલ્લલ્લાહ"ની તલ્કીન કરો. 
ખુલાસો :- આ હદીષમાં મરનારાઓથી તે લોકો મુરાદ છે જેમના ઉપર મૃત્યુના ચિન્હો દેખાવા લાગે, તે સમયે તેમની સામે "લા ઈલાહ ઈલ્લલ્લાહુ" પઢવામાં આવે, એ જ તલ્કીનનો અર્થ છે. જેથી તે સમયે તેનું ધ્યાન અલ્લાહની એકતા તરફ કેન્દ્રીત થાય, અને જો જીભ સાથ આપે તો તે સમયે આ કલિમો પઢી પોતાનું ઈમાન તાજુ કરી લે, અને એ જ હાલતમાં દુનિયાથી વિદાય થાય, આલિમોએ ખુલાસો કર્યો છે કે તે સમયે બીમારને કલિમો પઢવાનું કહેવામાં ન આવે, ખબર નહીં તે સમયે તે બીચારાના મોંથી શું નિકળી જાય, તેની સામે તો માત્ર કલિમો જ પઢવામાં આવે.

(٣١٠) عَنْ مُعَاذِ بْنِ جَبَلٍ قَالَ : قَالَ رَسُولُ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ : " مَنْ كَانَ آخِرُ كَلَامِهِ لَا إِلَهَ إِلَّا اللَّهُ دَخَلَ الْجَنَّةَ ". (سنن ابو داؤد)

તરજુમોઃ- હઝરત મુઆઝ બિન જબલ (રદિ.)થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ)એ ફરમાવ્યું: જેના છેલ્લા બોલ "લા ઈલાહ ઈલ્લલ્લાહ" હોય તે જન્નતમાં જશે. (અબૂ દાઉદ શરીફ)


(٣١١) عَنْ مَعْقِلِ بْنِ يَسَارٍ قَالَ : قَالَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ : " اقْرَءُوا ( يس ) عَلَى مَوْتَاكُمْ ". (سنن ابو داؤد)

તરજુમાઃ- હઝરત મઅકલ બિન યસાર (રદિ.)થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ)એ ફરમાવ્યું: તમે મરનારાઓ પાસે યાસીન શરીફ પઢયા કરો. (મુસ્નદે અહમદ, અબૂ દાઉદ, ઈબ્ને માજા) 
ખુલાસો :- અહીંયા પણ મરનાવાવાળાઓથી મતલબ તે જ લોકો છે જેમના પર મૃત્યુના ચિન્હો દેખાવા લાગે, અલ્લાહ જ જાણે છે કે આ હુકમની ખાસ હિકમત અને મસ્લેહત શું છે. હા, એટલું ચોક્કસ છે કે આ સૂરતમાં દીન અને ઈમાન વિષે ઘણી અગત્યની વાતો સમાયલી છે. અને મૃત્યુ પછી જે કંઈ થવાનું છે એમા ઘણું જ અસર કારક અને વિગતવાર બયાન છે. અને ખાસ કરી એની છેલ્લી આયત "ફસુબ્હાનલ્લઝી બિયદીહી મલકૂતુ કુલ્લિ શય્યઈવ વ ઈલયહી તુરજઉન" મૃત્યુ સમય માટે ઘણી જ યોગ્ય અને મોકા સર છે.


(٣١٢) عَنْ جَابِرِ بْنِ عَبْدِ اللَّهِ الْأَنْصَارِيِّ قَالَ : سَمِعْتُ رَسُولَ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، قَبْلَ مَوْتِهِ بِثَلَاثَةِ أَيَّامٍ يَقُولُ : " لَا يَمُوتَنَّ أَحَدُكُمْ إِلَّا وَهُوَ يُحْسِنُ الظَّنَّ بِاللَّهِ عَزَّ وَجَلَّ ". (رواه مسلم)

તરજુમોઃ- હઝરત જાબિર (રદિ.)થી રિવાયત છે કે મેં રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ)ના અવસાનથી ત્રણ દિવસ પહેલાં સાંભળ્યું તમારામાંથી દરેક માણસનું એવી હાલતમાં મૃત્યુ થવું જોઈએ કે તેને અલ્લાહ સાથે સારો ગુમાન હોય. (મુસ્લિમ શરીફ) 

ખુલાસો :- અલ્લાહ પર ઈમાન અને તેની મગફિરતનો તકાઝો એ છે કે બંદાને અલ્લાહનો ભય પણ હોય અને તેની રહમતની આશા પણ હોય, પરંતુ ખાસ કરી છેલ્લા સમયમાં રહમતની આશા વધુ હોવી જોઈએ, બીમાર પોતે પણ એની કોશીષ કરે. અને તેના ખિદમત કરનારાઓ તેમ ખબર અંતર પુછનાર લોકો પણ તે સમયે એવી જ વાતો કરે જેનાથી અલ્લાહ સાથે તેને સારો ગુમાન અને રહમ કરમની આશા જન્મે.

જ્યારે મૃત્યુના ચિન્હો દેખાય તો શું કરે?


(٣١٣) عَنْ أُمِّ سَلَمَةَ ، قَالَتْ : دَخَلَ رَسُولُ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ عَلَى أَبِي سَلَمَةَ، وَقَدْ شَقَّ بَصَرُهُ ، فَأَغْمَضَهُ، ثُمَّ قَالَ : " إِنَّ الرُّوحَ إِذَا قُبِضَ تَبِعَهُ الْبَصَرُ ". فَضَجَّ نَاسٌ مِنْ أَهْلِهِ، فَقَالَ : " لَا تَدْعُوا عَلَى أَنْفُسِكُمْ إِلَّا بِخَيْرٍ، فَإِنَّ الْمَلَائِكَةَ يُؤَمِّنُونَ عَلَى مَا تَقُولُونَ ". ثُمَّ قَالَ : " اللَّهُمَّ اغْفِرْ لِأَبِي سَلَمَةَ، وَارْفَعْ دَرَجَتَهُ فِي الْمَهْدِيِّينَ، وَاخْلُفْهُ فِي عَقِبِهِ فِي الْغَابِرِينَ، وَاغْفِرْ لَنَا وَلَهُ يَا رَبَّ الْعَالَمِينَ، وَافْسَحْ لَهُ فِي قَبْرِهِ، وَنَوِّرْ لَهُ فِيهِ ". (رواه مسلم)
તરજુમો:- હઝરત ઉમ્મે સલ્મા (રદિ.)થી રિવાયત છે કે (તેમના પતિ હઝરત અબૂ સલ્માના અવસાન સમયે) રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ)તશરીફ લાવ્યા, તેમની આંખો ખુલી રહી ગઈ હતી, આપ (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ)એ તેને બંધ કરી ફરમાવ્યું: જયારે આત્મા–એટલે કે રૂહ શરીરમાંથી કાઢી લેવામાં આવે છે. તો આંખોની રોશની પણ તેની સાથે નિકળી જાય છે. (જેથી મૃત્યુ પછી આંખો બંદ કરી દેવી જોઈએ. આપ (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ)ની એ વાત સાંભળી) તેમના ઘરના માણસો જોર જોરથી રડવા લાગ્યા. (અને એ રંજ અને સદમાથી તેમના મુખે એવી વાતો નિકળવા લાગી જે તેમના જ હકમાં બદદુઆ હતી) તો આપ (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ)એ ફરમાવ્યું લોકો! તમારા હકમાં ભલાઈ અને ખૈરની દુઆ કરો, એટલા માટે કે તમે જે કંઈ કહી રહ્યા છો, ફરિશ્તા તેના ઉપર આમીન કહે છે, પછી આપ (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ)એ પોતે આ પ્રમાણે દુઆ ફરમાવી, એય અલ્લાહ! અબૂ સલ્માને માફ કર, અને તારા હિદાયત મેળવેલા બંદાઓમાં તેમનું સ્થાન ઉચ્ચ બનાવ, અને તેના બદલે તું જ સરપરસ્તી અને દેખરેખ રાખ તેના પાછલા ગમઝદા લોકોની. અને રબ્બુલ આલમીન અમને માફ કર અને તેમને, અને તેમની કબરને રોશન અને પહોળી બનાવ. (મુસ્લિમ શરીફ)

(٣١٤) عَنْ أُمِّ سَلَمَةَ ، أَنَّهَا قَالَتْ : سَمِعْتُ رَسُولَ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ يَقُولُ : " مَا مِنْ مُسْلِمٍ تُصِيبُهُ مُصِيبَةٌ، فَيَقُولُ مَا أَمَرَهُ اللَّهُ : إِنَّا لِلَّهِ وَإِنَّا إِلَيْهِ رَاجِعُونَ، اللَّهُمَّ اَجِرْنِي فِي مُصِيبَتِي وَأَخْلِفْ لِي خَيْرًا مِنْهَا. إِلَّا أَخْلَفَ اللَّهُ لَهُ خَيْرًا مِنْهَا ". قَالَتْ : فَلَمَّا مَاتَ أَبُو سَلَمَةَ، قُلْتُ : أَيُّ الْمُسْلِمِينَ خَيْرٌ مِنْ أَبِي سَلَمَةَ، أَوَّلُ بَيْتٍ هَاجَرَ إِلَى رَسُولِ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ ؟ ثُمَّ إِنِّي قُلْتُهَا، فَأَخْلَفَ اللَّهُ لِي رَسُولَ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، (رواه مسلم)

તરજુમોઃ- હઝરત ઉમ્મે સલ્મા (રદિ.)થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ)એ ફરમાવ્યું: જે ઈમાન વાળા પર કોઈ મુસીબત આવે, (અને કોઈ વસ્તુ ખોવાય જાય) તે સમયે અલ્લાહ પાસે અરજ કરે, જે અરજ કરવાનો હુકમ છે, એટલે

 إِنَّا لِلَّهِ وَإِنَّا إِلَيْهِ رَاجِعُونَ اللَّهُمَّ أَجِرْنِي فِي مُصِيبَتِي وَاخْلُفُ لِي خَيْراً مِنْهَا "

અર્થાત:- અમે અલ્લાહના છે. અલ્લાહ તરફજ સૌને પાછા ફરી જવાનું છે, એય અલ્લાહ! મને મારી આ મુસીબતમાં બદલો આપ, અને (જે વસ્તુ મારી પાસેથી લઈ લેવામાં આવી છે) તેના બદલામાં સારી વસ્તુ જરૂર અર્પણ કરજે, ત્યારે અલ્લાહ તઆલા તે વસ્તુના બદલે તેનાથી સારી વસ્તુ જરૂર અર્પણ કરશે (ઉમ્મે સલમા (રદિ.) કહે છે કે) જયારે મારા પહેલા પતિ અબૂ સલમાનું મૃત્યુ થયું ત્યારે મે મારા દિલમાં વિચાર્યુ કે મારા મર્હુમ પતિ અબૂ સલમાથી સારૂ કોણ થઈ શકે છે? તેઓ સૌથી પહેલા મુસલમાન હતા. જેમણે ઘરબાર સાથે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ) તરફ હિજરત કરી હતી. (પરંતુ રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ)ના શિક્ષણ મુજબ) મેં તેમના અવસાન પછી "انا لله وانا اليه راجعُونَ " કહ્યું અને દુઆ કરી " اللهم اجرني في مُصِيبَتِي وَاخْلُفُ لِي خَيْراً منها" જેથી અલ્લાહ ત‌આલાએ અબૂ સલમાની જગ્યાએ રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ) નસીબ ફરમાવ્યા. (મુસ્લિમ શરીફ)

(٣١٥) عَنِ الْحُصَيْنِ بْنِ وَحْوَحٍ ، أَنَّ طَلْحَةَ بْنَ الْبَرَاءِ مَرِضَ، فَأَتَاهُ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ يَعُودُهُ، فَقَالَ : " إِنِّي لَا أَرَى طَلْحَةَ إِلَّا قَدْ حَدَثَ فِيهِ الْمَوْتُ، فَآذِنُونِي بِهِ، وَعَجِّلُوا ؛ فَإِنَّهُ لَا يَنْبَغِي لِجِيفَةِ مُسْلِمٍ أَنْ تُحْبَسَ بَيْنَ ظَهْرَانَيْ أَهْلِهِ ". (رواه ابو داؤد)

તરજુમો-હઝરત હસીન બિન વહવહ (રદિ.)થી રિવાયત છે કે તલ્હા બિન બરાઅ (રદિ.) બીમાર થયા. રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ)તેમની ખબર લેવા પધાર્યા. (તેમની નાજુક હાલત જોઈ) આપ (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ)એ બીજા લોકોને ફરમાવ્યું મને લાગે છે કે એમના મૃત્યુનો સમય આવી ગયો છે. (જો એવો સમય આવી જાય) તો મને જાણ કરશો. અને તેમના (કફન દફનમાં) જલ્દી કરજો, કેમકે કોઈ મુસલમાનની મૈય્યિત માટે યોગ્ય નથી કે તે ઘરવાળાઓ વચ્ચે વધુ ટાઈમ રહે. (અબૂ દાઉદ)

ખુલાસો :- આ હદીષથી જાણવા મળ્યું કે મૃત્યુ પછી મય્યતના કફન દફન વિગેરેમાં જલ્દી કરવામાં આવે.

હઝરત મવલાના મુફતી સય્યિદ મુહયુદ્દીન બરોડવી રહ.

પાછલા દિવસોમાં ગુજરાતના મહાન વિદ્વાન આલિમ અને મુફતી હઝરત મવલાના સય્યિદ મુફતી મુહયુદ્દીન બરોડવી રહ. પણ ઈન્તેકાલ ફરમાવી ગયા. વર્તમાનમાં ગુજરાત અને ગુજરાત બહાર મોટું નામ ધરાવતા ઉલમા, મુફતી અને શૈખુલ હદીસ જેવા ઉચ્ચ સ્થાને સેવા આપતા અનેક મહાનુભાવોના આપ ઉસ્તાદ અને મુરબ્બી હતા.

૧૯૪૨ માં આપ રહ.નો જન્મ થયો હતો. આરંભિક તાલીમ ઘરમાં લઈને દારૂલ ઉલૂમ આણંદમાં હિફજ અને અરબી ૩ સુધીની તાલીમ પૂરી કરી, ને પછી દારૂલ ઉલૂમ દેવબંદ પહોંચ્યા. ત્યાં ૧૯૬૪માં દવરએ હદીસની તાલીમ પૂરી ફરમાવી, પછી ત્યાં જ હઝરત ફકીહુલ ઉમ્મત રહ. પાસે ઇફતાની તાલીમ પૂર્ણ ફરમાવીને 'મુફતી'ની સનદ પ્રાપ્ત કરી. આ દિવસોમાં કંથારીઆ ખાતે દારૂલ ઉલૂમ શરૂ કરવાની મહેનત ચાલી રહી હતી. ૧૯૬૯માં દારૂલ ઉલૂમની શરૂઆત થઈ તો આપ રહ.ને અહિંયા મુદર્રિસ તરીકે નિયુકત કરવામાં આવ્યા. પ્રાથમિક દરજાઓથી આપ રહ.એ તદરીસ શરૂ ફરમાવી અને જેમ જેમ કલાસો આગળ વધતી રહી, આપ રહ. આગળની કિતાબો પઢાવતા રહયા. અંતે દવરએ હદીસ શરીફની શરૂઆત થઈ તો આપ રહ.ને શૈખુલ હદીસ બનાવવામાં આવ્યા. દારૂલ ઉલૂમ કંથારીઆના દિવસોથી જ મુફતી તરીકે ફતવા પણ લખતા હતા.

ત્યાર પછી આલીપોર જિ. નવસારી ખાતે એક નવા મદરસાની શરૂઆત થઈ તો આપ રહ.ને ત્યાંના શૈખુલ હદીસ અને મોહતમિમની જવાબદારી સંભાળવાનો આગ્રહ કરવામાં આવ્યો તો આપ રહ. ત્યાં તશરીફ લઈ ગયા અને ત્યાં પણ ધીરે ધીરે તાલીમ આગળ વધતી રહી અને અંતે દવરએ હદીસ શરીફની શરૂઆત થઈ તો આપ રહ. શૈખુલ હદીસ તરીકે બુખારી શરીફ પઢાવવા લાગ્યા, અહિંયાથી અમુક કારણોસર પછી અલગ થઈ ગયા તો એ જ દિવસોમાં તડકેશ્વર ખાતે ઇફતા વિભાગ શરૂ કરવાનું નક્કી થયું, જેના માટે કોઈ યોગ્ય મુફતીની જરૂરત હતી. એટલે હઝરત મવલાના અબ્દુલ્લાહ કાપોદ્રવી રહ.એ આપને આમંત્રણ આપ્યું અને આપ રહ. ત્યાં મુફતી તરીકે સેવા બજાવવા લાગ્યા. ત્રણ વરસ સુધી અત્રે મુફતી તરીકે અને હદીસ શરીફના ઉસ્તાદ તરીકે સેવા બજાવી.

પછી અંકલેશ્વર ખાતે દારૂલ ઉલૂમ મરકઝે ઇસ્લામી મદરસાની શરૂઆત થઈ અને દવરએ હદીસ શરૂ કરવાની નોબત આવી તો હઝરત મવલાના મૂસા માંકરોદ રહ. સાહેબે આપ રહ.ને તડકેશ્વરથી અંકલેશ્વર આવવાની દાવત આપી અને આપ અંકલેશ્વર આવી ગયા અને અહિંયા ચાર વરસ શૈખુલ હદીસ તરીકે સેવાઓ આપી.

૧૯૯૨માં અંકલેશ્વર છોડીને વડોદરા આવી ગયા અને બઝમે નસરૂલ મુઅમિનીનની સ્થાપના ફરમાવી. આ જ સંસ્થા હેઠળ પછી વડોદરાથી થોડે દૂર કુંઢેલા ખાતે એક મદરસાની શરૂઆત ફરમાવી અને ત્યાં જ ઈફતા અને દીની તાલીમની સેવા આપતા હતા.

આપ રહ. કાબેલ મુદર્રિસ હોવા ઉપરાંત નિષ્ણાંત મુફતી પણ હતા. ગુજરાતના નામાંકિત મુફતીઓમાં આપ રહ.ની ગણના થતી હતી. આધુનિક સમયમાં સામે આવતા નવા દીની પ્રશ્નો ઉપર વિચારણા કરવા હેતુ કુંઢેલા ખાતે રહ. દર વરસે મુફતીઓના સેમિનાર આયોજન કરવાની શરૂઆત પણ આપ રહ.એ ફરમાવી હતી. ઇસ્લામિક ફિકહ એકેડમી, ઈદારહ મબાહિષે ફિકહીય્યહ વગેરે સંસ્થાઓમાં આપ રહ.ના મંતવ્યને મહત્વ આપવામાં આવતું હતું. મજલિસે તહફફજે મદારિસની મીટીંગ અને અન્ય અવસરોએ આપ રહ. જામિઅહ જંબુસરમાં પધારતા હતા.

લોકડાઉનના દિવસોમાં વડોદરા ખાતે જ રહેતા હતા. થોડા દિવસ બીમાર રહયા અને તા. ૩ ઓગસ્ટ ૨૦૨૦ના દિવસે અલ્લાહની રહમતે પહોંચી ગયા. કોરોના અને લોકડાઉનના દિવસોમાં અનેકાનેક ઉલમા અને વિદ્વાનો અલ્લાહની રહમતમાં પહોંચ્યા છે. એમાં આપ રહ.ની વફાત ગુજરાતના મુસલમાનો માટે મોટું નુકસાન અને સદમો છે.

અનેકાનેક મદરસાઓમાં લાંબા સમય સુધી હદીસ અને ફિકહની સફળ તાલીમ આપવાના કારણે સેંકડો ઉલમા અને તલબાએ આપ રહ.થી લાભ ઉઠાવ્યો છે. આજે વિવિધ મદરસાઓમાં મોટા હોદ્દાઓ ઉપર દીની તાલીમ આપતા અનેક ઉસ્તાદો અને બુઝુર્ગો આપ રહ.ના શાગિર્દ છે, જે બધું ઇન્શાઅલ્લાહ આપ રહ.નો મહાન સદકએ જારિયહ છે. અલ્લાહ તઆલા મરહૂમની મગફિરત ફરમાવે. સગાઓને સબ્ર – અજ્ર આપે. એમની દીની સેવાઓ અને સદકએ જારિયહને કુબૂલ ફરમાવે અને એમની ખોટ પુરી શકે એવા અનેક આલિમો ગુજરાતના મુસલમાનોમાં પેદા ફરમાવે. આમીન.

હઝરત મવલાના મહમૂદ શબ્બીર રાંદેરી રહ.

રાંદેર ચાંદ કમીટીના પ્રમુખ અને ગુજરાતની મશહૂર દીની દર્સગાહ જામિઅહ હુસૈનિયહના મોહતમિમ જનાબ હઝરત મવલાના મહમૂદ શબ્બીર બિન મવલાના સઈદ સાહેબ રહ. પાછલા દિવસોમાં ઇન્તેકાલ ફરમાવી ગયા. ઇન્નાલ્લિાહ. પ્રથમ જામિઅહ હુસૈનિયહમાંથી તાલીમ અને ફરાગત મેળવીને પછી દારૂલ ઉલૂમ દેવબંદ પહોંચ્યા અને ત્યાં ફરી દવરએ હદીસમાં શરીક થયા. ૧૯૭૬ થી જામિઅહ હુસૈનિયહમાં મુદર્રિસ તરીકે સેવા આપવાની શરૂઆત ફરમાવી અને સફળ ઉસ્તાદ તરીકે લગાતાર ૪૪ વરસ સેવાઓ આપી. હદીસ શરીફ અને કુરઆનનો તરજુમહ ઘણા જ શોખ અને તૈયારી સાથે પઢાવતા હતા. કિતાબોના જબરા શોખીન હતા. પોતાના મદરસાના કુતુબખાનાની વધુ પડતી કિતાબો એમણે વાંચી કે જોઈ લીધી હશે એ બધા કહે છે. નવી લખાતી અને છપાતી કિતાબો વિશે ઘણી જાણકારી ધરાવતા હતા. આ જ કારણે હઝરત મવલાના અબ્દુલ્લાહ કાપોદ્રવી રહ. પણ એમના સાથે આ વિષયે ચર્ચા કરતા રહેતા હતા અને નવી આવનાર કિતાબ સહુપ્રથમ એમની સેવામાં હદિયો મોકલતા હતા. છેલ્લા ઘણા વરસોથી રાંદેર ચાંદ કમીટીના પ્રમુખ હતા. છેલ્લે ૨૯ ઝિલકઅદહ ૧૪૪૧/૨૧ જૂલાઈ ૨૦૨૦ના રોજ પણ ચાંદ કમીટીની મીટીંગમાં શરીક થયા હતા, અને અઠવાડિયામાં તા. ૫ ઝિલ્હજ ૧૪૪૧ હિ. ૨૭ જૂલાઈના રોજ ટુંકી માંદગી બાદ ઇન્તેકાલ ફરમાવી ગયા. ઈન્નાલિલ્લાહ.. અલ્લાહ તઆલા હઝરત મરહૂમની મગફિરત ફરમાવે. એમની મહામૂલી દીની સેવાઓને કુબૂલ ફરમાવીને સદકએ જારિયહ બનાવે અને જન્નતુલ ફિરદોસમાં ઉચ્ચ સ્થાન નસીબ ફરમાવે.

જનાબ હાજી અહમદ બોબાત સાહેબ રહ.

જનાબ હાજી અહમદ બોબાત સાહેબ રહ.

તા. ૨૫ ઓગસ્ટના રોજ ગુજરાતના એક ઓર સમાજસેવક, મુસલમાનોની દીની – દુન્યવી તાલીમ અને પ્રગતિના હિમાયતી જનાબ હાજી અહમદભાઈ બોબાત રહ. ઇન્તેકાલ ફરમાવી ગયા. ઈન્નાલિલ્લાહ. સમાજ સેવા અને શિક્ષણમાં પ્રવૃત ગુજરાતની અનેક સંસ્થાઓના સ્થાપક હોવાની પ્રમુખપદે આપ રહ. સેવા આપતા હતા. સુરતી સુન્ની વહોરા મુસ્લિમ એજયુકેશન સોસા./હાજી એ.એમ. લોખાત સાર્વ.હોસ્પિટલ સુરતના પ્રમુખ/એ.વાય. દાદાભાઈ ટેકનિકલ ઇન્સટીટયુટના પ્રમુખ/સાર્વજનિક કોલેજ ઓફ ફિઝયોથેરાપી સુરતના પ્રમુખ/ગુજરાત ટુડે દૈનિક પ્રકાશિક કરતા ટ્રસ્ટ લોકહિત પ્રકાશનના પ્રમુખ હતા. ઉપરોકત સંસ્થાઓનમાં પ્રમુખ પદે સક્રિય રહીને યોગ્ય સેવા અને માર્ગદર્શન આપવા ઉપરાંત વ્યકિતગત રીતે પણ આર્થિક યોગદાન આપતા હતા.

દુન્યવી તાલીમ ઉપરાંત મુસલમાનોની દીની બેદારી માટે આપ રહ. ઘણા ફિકરમંદ રહેતા હતા. જરૂરત હોવી એવી જગ્યાએ મસ્જિદનું બાંધકામ કરવાની પણ ફિકર કરતા હતા. વ્યવસાયે ચાર્ટડ એકાઉન્ટ હતા. મુંબઈ ખાતે રહેતા હતા અને દર અઠવાડિયે કે મહીને બે ચાર દિવસ ગુજરાત આવતા હતા. અંકલેશ્વર ખાતે અનેક વાર એમને મળવાનું થતું હતું. ઘણીવાર લાંબો સમય મળવાનું ન થતું તો ફોન કરીને શિકાયત પણ કરતા હતા કે મુફતી સાહેબ તમે આવતા નથી ? વિશાળ દ્રષ્ટિ, મોટું મન, સાફ દિલ અને પારદર્શક કાર્યશેલી રાખીને સમાજ સેવા કરતા હતા. આ જ એમનું આખિરતનું ભાથું હતું અને આ જ આપણા માટે એમના જીવનનો બોધ છે. અલ્લાહ તઆલા એમની મગફિરત ફરમાવે. જન્નતુલ ફિરદોસમાં ઉચ્ચ સ્થાન નસીબ ફરમાવે. બધી જ ખિદમતો અને સેવાઓ કુબૂલ ફરમાવે. આમીન.

હઝરત અકદસ મવલાના યૂસુફ પાંડોર રહ. આફ્રિકા

હઝરત અકદસ મવલાના યૂસુફ પાંડોર રહ. આફ્રિકા

સાઉથ આફ્રિકા ખાતે બુઝુર્ગોની યાદગાર અને બુઝુર્ગોની છેલ્લી નિશાની, જનાબ હઝરત મવલાના યૂસુફ પાંડોર સાહેબ રહ. પાછલા દિવસોમાં ઈન્તેકાલ ફરમાવી ગયા. ઈન્નાલિલ્લાહ. આપ રહ. હઝરત શૈખુલ ઇસ્લામ મવલાના સય્યિદ હુસૈન અહમદ મદની રહ.ના શાગિર્દ અને મુરીદ હતા. હઝરત શૈખુલ ઇસ્લામ રહ. સાથે આસામમાં બે વાર રમઝાન માસ ગુઝારવાની સઆદત પણ આપને મળી હતી. ફિદાએ મિલ્લત હઝરત મવ. અસ્અદ રહ.ના ખલીફા હતા. હઝરત અકદસ ફકીહુલ ઉમ્મત રહ. સાથે પણ વિશેષ સંબંધ ધરાવતા હતા. હઝરત ફકીહુલ ઉમ્મત રહ.ના જાનશીન હઝરત મવલાના ઇબ્રાહીમ પાંડોર સાહેબના મોટા ભાઈ થતા હતા.

એક રીતે આપ રહ. પાંડોર ફેમીલીના વડીલ અને મુરબ્બી હતા. સ્વભાવે સાદા, મિલનસાર અને મહેમાન નવાઝ હતા. બુઝુર્ગો અને બુઝુર્ગોથી સંબંધ ધરાવનાર દરેકની સેવા માટે સદા તત્પર રહેતા હતા. અલ્લાહ તઆલા એમની મગફિરત ફરમાવે. જન્નતુલ ફિરદોસમાં ઉચ્ચ સ્થાન નસીબ ફરમાવે.

વાચકોને બધા જ મરહૂમીન માટે દુઆએ મગફિરત અને ઈસાલે સવાબની દરખાસ્ત છે.

વ‌અઝમાં ઈખ્લાસ 

અમ્ર બિન ઝર રહ. એ એમના વાલિદને પૂછયું કે, તમે લોકો સામે વઅઝ કરો છો તો લોકો ખૂબ રડે છે, પણ બીજા વાએઝોના વઅઝમાં લોકો રડતા નથી, એનું શું કારણ છે? એમણે જવાબ આપ્યો કે, ભાડાના માતમી (રડાવનાર) અને સાચા માતમી (ગમના કારણે સાચું રડનાર – રડાવનાર) વચ્ચે આ જ તો ફરક છે.

બીજાનું કરજ ચૂકવવાની નેકી 

જઅફર અહમર નામે એક બુઝુર્ગ બીમાર પડયા. હુરૈમ બજલી નામના એક બુઝુર્ગ એમના ખબર અંતર પૂછવા આવ્યા. જઅફરે એમને જણાવ્યું કે, મારા માથે કરજના બોજ કરતાં વધારે કોઈ બીજો બોજ નથી. હુરૈમે એમને કહ્યું કે, ચિંતા ન કરો, તમારું બધું કરજ મારા માથે છે, હું ચુકવી દઈશ. એના થોડાક જ દિવસોમાં જઅફર સ્વસ્થ થઈ ગયા. લોકોએ હુરૈમને પૂછયું કે, તમારી પાસે પણ કંઈ નથી, તમે આ બધું કરજ ક્યાંથી ચુકવશો ? એમણે કહ્યું કે, મારું ઘર વેચીને એ કરજ ચુકવવાની નિયત છે.

હઝ. ઉમર રદિ.ની નસીહત

હઝરત ઉમર રદિ.નું કથન છે કે, જે વસ્તુથી તમને તકલીફ થાય એનાથી દૂર રહો. નેક દોસ્તોની સંગત રાખો, જે મળવા ઘણા મુશ્કેલ છે. અને પોતાના કામોમાં એવા લોકો સાથે મશ્કેરો કરો જેઓ અલ્લાહથી ડરતા હોય.

બૂરો દોસ્ત 

યહયા બિન મઆઝ ફરમાવે છે કે, જે દોસ્ત પ્રત્યે તમારે સદવર્તન કરવાની ફરજ - મજબૂરી પડે એ બુરો દોસ્ત છે. અને જે દોસ્તને તમારે દુઆ માટે કહેવું પડે એ બુરો દોસ્ત છે. અને જે દોસ્ત પાસે તમારે માફી -સફાઈ કરવી પડે એ પણ બુરો દોસ્ત છે.

બુરા લોકોની સોહબત

બુરા લોકોની સોહબત નેક લોકો પ્રત્યે બદગુમાની પેદા કરે છે.

ગુનાહોની માફીનો એક અમલ

લોકો માટે પીવાના પાણીની વ્યવસ્થા કરી દેવી ઘણી મોટી નેકી છે. બુઝુર્ગોનું કહેવું છે કે જે માણસના ગુનાહો ઘણા વધારે હોય એણે ગુનાહોની માફી માટે પીવાના પાણીની વ્યવસ્થા કરવી જોઈએ. એક તરસ્યા કુતરાને પાણી પીવડાવનાર ગુનેગારની મગફિરત થઈ શકે છે તો માણસ અને મુસલમાનની તરસ બુઝાવનારની મગફિરત જરૂર થશે.

હઝ. ઈબ્ને અબ્બાસ રદિ.ની ખુશ્બુ

હઝરત ઈબ્ને અબ્બાસ રદિ. જયારે ઘરેથી મસ્જિદે જતા તો એમણે લગાવેલ ખુશ્બુના કારણે રસ્તાની આસપાસ રહેતા લોકોને ખબર પડી જતી હતી કે ઈબ્ને અબ્બાસ રદિ. જઈ રહયા છે.