અલ-બલાગ : જુલાઈ-2021

યતીમોના માલ અને 

સ્ત્રીના વારસાઈ હકની તાકીદ


-મુફતી ફરીદ અહમદ કાવી

بسمِ اللهِ الرَّحْمَنِ الرَّحِيمِ 

لِلرِّجَالِ نَصِيبٌ مِّمَّا تَرَكَ الْوَالِدٰنِ وَالْأَقْرَبُونَ وَلِلنِّسَاءِ نَصِيبٌ مِّمَّا تَرَكَ الْوَالِدَانِ وَالْأَقْرَبُونَ  مِمَّا قَلَّ مِنْهُ أَوْ كَثُرَ نَصِيبًا مَّفْرُوضًا وَإِذَا حَضَرَ الْقِسْمَةَ أُولُوا الْقُرْبَى وَالْيَتٰمٰى وَالْمِسْكِينُ فَارْزُقُوهُمْ مِّنْهُ وَقُولُوا لَهُمْ قَوْلًا مَّعْرُوْفًا وَلْيَخْشَ الَّذِينَ لَوْ تَرَكُوا مِنْ خَلْفِهِمْ ذُرِّيَّةً ضِعٰفًا خَافُوا عَلَيْهِمْ فَلْيَتَّقُوا اللهَ وَلْيَقُولُوا قَوْلًا سَدِيدًا إِنَّ الَّذِينَ يَأْكُلُونَ أَمْوَالَ اليَتٰمٰى ظُلْمًا إِنَّمَا يَأْكُلُونَ فِي بُطُونِهِمْ نَارًا وَسَيَصْلَوْنَ سَعِيرًا

તરજમહ : મા બાપ અને નજીકનાં સગાઓ જે માલ છોડી જાય તેમાં પુરુષોનો હિસ્સો છે, અને ઓરતોનો પણ હિસ્સો એ માલમાં છે જે માબાપ કે નજીકના સગાં છોડી જાય, ચાહે તે માલ થોડો હોય કે વધારે. આ હિસ્સો (અલ્લાહ તરફથી) નક્કી છે. (૭) અને જો (વારસાની) વહેંચણી વખતે અન્ય સગાઓ અને યતીમો કે મોહતાજો હાજર થઇ જાય તો વારસામાંથી તેમને પણ આપો અને તેમની સાથે યોગ્ય વાત કરો. (૮) અને (યતીમો વિશે) લોકો એવા ડરે, જાણે કે તેઓ પોતાની પાછળ એવી નિસહાય નાની અવલાદ મૂકી જતા હોય જેમના વિશે તેઓને ચિંતા પણ હોય. માટે લોકોએ અલ્લાહથી ડરવું જોઈએ અને સીધી – યોગ્ય વાત કરવી જોઇએ. (૯) જે લોકો યતીમોનો માલ ઝુલમ કરીને ખાઈ જાય છે તેઓ ખરેખર એમના પેટમાં આગ ખાય રહયા છે. અને વહેલી તકે તેઓ પણ ધગધગતી  આગમાં દાખલ થશે. (૧૦)

તફસીર : અગાઉની આયતોમાં યતીમો અને ઓરતો વિશે અમુક આદેશો દર્શાવવામાં આવ્યા હતા.

જેમ કે યતીમોનો માલ હડપ ન કરવામાં આવે. એમાં નુકસાન થાય એવી અદલા બદલી ન કરવામાં આવે. યતીમોની પરવરિશ કરવામાં આવે અને પુખ્તવયના થાય ત્યારે કસોટી કરીને માલ સોંપી દેવામાં આવે વગેરે. એવી જ રીતે સ્ત્રીઓ વિશે અમુક હુકમો હતા કે એમની મહેરની રકમ ખુશીથી આપવામાં આવે. એકથી વધારે (ચાર સુધી) નિકાહ તો કરી શકાય છે પણ બધી બીવીઓ વચ્ચે ન્યાપૂર્વક સમન્વય અને સમાનતા જાળવવી જરૂરી છે. નહીંતર એક જ પત્નિ રાખવામાં આવે વગેરે..પછીની આ ચાર આયતોમાં પણ સ્ત્રીઓ અને યતીમો વિશે જ અમુક હુકમો દર્શાવવામાં આવ્યા છે.

પહેલી આયતમાં કહેવામાં આવ્યું છે કે મા – બાપ અને સગાઓ જે માલ છોડીને જાય છે એમાં પુરૂષ વારસદારોની જેમ જ સ્ત્રી વારસદારોનો પણ હક લાગુ પડે છે. અને આ હક અલ્લાહ તઆલાએ નક્કી કરી દીધો છે, એટલે ફરજિયાત પણે આપવો જરૂરી છે. મરજિયાત બાબત નથી. અને પછી ૧૧ મી આયતથી કોનો કેટલો હક અલ્લાહ તઆલાએ નક્કી કર્યો છે એનું વર્ણન આવી રહયું છે.

જહાલતકાળથી એવો રિવાજ ચાલતો આવતો હતો કે માણસના મૃત્યુ પછી એના માલ અને વારસાના હકદાર ફકત એવા લોકો જ ગણાય જેઓ ઘોડેસવારી કરી શકે અને દુશ્મન સામે લડી શકતા હોય. અને આ રિવાજની આડમાં પત્નિ, દીકરી અને નાબાલિગ દીકરાઓને કંઈ પણ આપવામાં આવતું નહીં. આ આયતના નાઝિલ થવા પાછળ પણ આવી જ એક ઘટના સબબ છે. હઝ. ઔસ બિન ષાબિત રદિ.નો ઇન્તેકાલ થયો. પોતાની પાછળ એક પત્નિ, બે દીકરીઓ અને એક નાબાલિગ દીકરો છોડી ગયા. એમના નિયમ મુજબ આ બધામાંથી કોઈ વારસાનો હકદાર ન હતું એટલે એમના પિત્રાઈ ભાઈઓએ બધો માલ કબજામાં લઈ લીધો. હઝ. ઔસ રદિ.ના પત્નિએ કહયું કે કમથી કમ આ પિત્રાઈ ભાઈઓ બધો માલ લઈ લે છે તો બંને દીકરીઓ સાથે નિકાહ કરી લે, જેથી દીકરોને સહારો મળે અને તેણીની એટલી ફિકર ઓછી થાય, પણ એમની આ વાત પણ માની નહીં. આખરે તેઓ નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ પાસે આવ્યાં અને પોતાની વિપદા સંભળાવી. જૂનો નિયમ અત્યાચારી છે, એ સ્પષ્ટ હતું, પણ અત્યાર સુધી વારસા વહેંચણી બાબતે અલ્લાહ તઆલા તરફથી કોઈ નવો હુકમ આવ્યો ન હતો એટલે નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ ખામોશ રહયા. અને પછી આ આયત ઉતરી કે જેમ પુરૂષોનો હિસ્સો છે, એવી જ રીતે સ્ત્રીઓનો પણ હિસ્સો છે.

આયતમાં અલ્લાહ તઆલાએ પુરૂષ અને સ્ત્રી, બંને માટે અલગ અલગ પૂરા વાકયોમાં હકદાર હોવાનું વર્ણન કરી છે, સ્ત્રીઓના હકદાર હોવાનું મહત્વ સ્પષ્ટ થાય છે.

વારસદાર હોવાનો એમ તો એક જ આધાર અને દલીલ છે, નિકટની સગાઈ, પણ આયતમાં અલગ અલગ કરીને બે દર્શાવવામાં આવ્યા છે : મા – બાપ હોવું અને નિકટની સગાઈ. અહિંયા પણ નિકટના સગામાં મા બાપ શામેલ જ છે, છતાં મા-બાપની મહત્વ દર્શાવવા હેતુ અલગથી એમનો ઉલ્લેખ કરવામાં આવ્યો.

(الاقربون) : એટલે કે 'નિકટની સગાઈ'ના શબ્દોથી એ પણ સ્પષ્ટ થાય છે કે વારસાઈનો કાયદાકીય આધાર સગાઈ છે, જરૂરતમંદ હોવું નહીં. એટલે કદી એવું પણ બની શકે કે જરૂરતમંદને ઓછું મળે કે કયાંક બિલ્કુલ ન મળે. આવી સ્થિતિમાં જરૂરતમંદની જરૂરત પૂરી કરવાના બીજા રસ્તાઓ અપનાવવામાં આવશે.

પછીની આયત નં : ૮ માં અખ્લાક અને સદવર્તન બાબતે એક ઘણી જ મહત્વની બાબત શીખવાડવામાં આવી છે. વારસા વહેંચણી વખતે એવું બની શકે છે કે બધા સગાઓને ખબર ન હોય કે એમનો હિસ્સો લાગે છે કે નહીં ? એટલે હકદાર ન હોય એવા સગાઓ પણ આવી પહોંચે, અથવા સગાઓમાં યતીમ બાળકો હોય, (અને શકય છે કે મરનાર એમની પરવિરશ પણ કરતા હોય) અને તેઓ પણ એમ સમજીને હાજર થઈ જાય અને અમારો કોઈ હિસ્સો હશે તો એમના આવી જવાને માઠું ન લગાડવામાં આવે. બલકે એમની જરૂરતને સામે રાખીને મરનારના માલમાંથી હિસ્સો આપીને જેમ અલ્લાહ તઆલાએ વારસદારો ઉપર એહસાન કર્યું છે, એને યાદ કરીને આવા સગાઓ કે યતીમનોને કંઈક સદકહ અને હદિયા સ્વરૂપે આપવામાં આવે. આવી રીતે અલ્લાહ તઆલા સગાઓ સાથે સદવર્તન કરવાનો મોકો આપે છે. વિશેષ કરીને જો આવા સગાઓ યતીમ કે નજીકના માણસો હોય, જેમ કે મરનારના યતીમ પોત્ર..તો કાકા અને ફોઈએ પોતાના હિસ્સામાંથી કંઈક એમને જરૂર આપવું જોઈએ. અને એમને વારસાઈનો હિસ્સો ન મળવાથી, અથવા જે કંઈ એમને સદકહ-હદિયા સ્વરૂપે આપવામાં આવે એને ઓછું સમજીને ખુશ ન હોય તો એમની સાથે યોગ્ય રીતે વાત કરવામાં આવે, એટલે કે નરમાશથી સમજાવવામાં આવે કે નિયમ મુજબ તમારો કોઈ હક બનતો નથી. અલબત્ત એમને ખોટું ન લાગે કે દિલ ન તૂટે એવી રીતે કહેવામાં આવે.

પછી આયત નં ૯ માં બીજાઓના યતીમ બાળકોની હાલત અને સ્થિતિને પોતાના બાળકો પ્રત્યે પોતાની મહોબ્બતનો અંદાઝો કરીને વિચારે કે દરેક માણસ એમ જ ઇચ્છતો હોય કે મારા મરવા પછી મારા બાળકો સાથે લોકો સદવર્તન અને સખાવતનો મામલો કરે. બાળકોને કોઈ પરેશાની ન ઉઠાવવી પડે કે કોઈ એમના ઉપર ઝુલમ ન કરે. આવો વિચાર માણસને અન્યોની યતીમ અવલાદ પ્રત્યે સદવર્તન દાખવવા માટે માનસિક ઉર્જા અને તરગીબ – પ્રેરણા પૂરી પાડે છે.

આ આયતમાં જેમ પોતાના બાળકો સાથે તુલના કરીને અન્યોના યતીમ બાળકો સાથે સદવર્તન કરવાની શિખામણ છે, એ જ પ્રમાણે પોતાની સાથે તુલના કરીને યતીમો સાથે ઝુલમ કરતા અન્ય લોકોની તુલના કરીને આવા અન્યાયી લોકોને રોકવા અને ટકોર કરવાનો પણ આદેશ પણ શામેલ છે.

અને આયત નં ૧૦માં યતીમનો માલ હડપ કરી જવાને આગ ખાવા સમાન ગણાવવામાં આવ્યું છે. અલ્લાહ તઆલાની હિકમત મુજબ આ બદલો કોઈને દુનિયામાં પણ મળી શકે છે અને આખિરતમાં તો નક્કી છે જ. મઆરિફુલ કુરઆનમાં એનું ઉદાહરણ આપ્યું છે કે ઘણી વસ્તુઓમાં અસલમાં જવલન અને અગ્નિનું મુળ હોય છે, પણ પ્રથમ સ્થિતિમાં અને ગરમ કે સળગતી નથી હોતી. જેમ કે ઘણા જવલનશીલ પદાર્થો કોઈ બીજી વસ્તુના સંપર્કમાં આવે તો સળગી ઉઠે છે. ઘણી વસ્તુઓ કોઈ બીજા પદાર્થ સાથે ભળે ત્યારે ઝેર બની જાય છે. આમ માણસમાં પેટમાં ગયેલો હરામ માલ કયામતના દિવસે એના પેટમાં આગ બનીને સળગશે.

એમ તો આ સજાની ધમકી યતીમનો માલ ખાવા બાબતે છે, પણ એમાં દરેક એવો વપરાશ શામેલ છે જેમાં યતીમનો માલ વેડફાતો હોય કે એમાં નુકસાન થતું હોય.


તંદુરસ્તીની હિફાજત, એક દીની જવાબદારી


દુનિયાનું જીવન અને એને માણવા – ભોગવવા અથવા કહો કે અલ્લાહના આદેશો મુજબ ગુઝારવા માટે અલ્લાહ તઆલાએ આપેલ શરીર, બે મોટી નેઅમતો છે, જેની સંભાળ અને કાળજી રાખવી આપણી જવાબદારી અને ફરજ છે, જીવનની સંભાળનો અર્થ આરોગ્ય અને સ્વાસ્થ્યની સંભાળ રાખવાનો છે, સવાસ્થ્ય માટે નુકસાનકારક વસ્તુઓથી બચવું જોઈએ, રોગપ્રતિકારક શકિત અને તંદુરસ્તી જળવાય રહે એની પણ તકેદારી રાખવી જોઈએ, શારિરીક તથા માનસિક તણાવ અને બિન જરૂરી મહેનત – કષ્ટથી પોતાને બચાવવું જોઈએ, આ બધા માટે જરૂરત મુજબ માલ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન પણ કરવો જોઈએ, કારણ કે બિમારી, અંગો-અવયવોમાં અશિકત અને આર્થિક તંગીના કારણે દીની કામોમાં પણ ખલેલ પડે છે અને ઈબાદત સારી રીતે થઈ શકતી નથી, અને અન્ય લોકોની ખિદમત પણ નથી થઈ શકતી, કયારેક તો નાશુક્રી, અધીરાઈ અને બે સબ્રી જેવી પરિસ્થિતિ આવી જતી હોય છે, જે ઘણી વાર ઈમાન ગુમાવવાનું પણ કારણ બને છે.

આરોગ્યની જાળવણી

તંદુરસ્તી અલ્લાહ તઆલાએ આપેલ ઘણી મોટી નેઅમત છે, બલકે કહી શકાય કે માણસનું અસ્તિત્વ જ તંદુરસ્તીના કારણે છે, સ્વાસ્થ્યને નુકસાનકારક વસ્તુઓથી સંપૂર્ણપણે બચવું જોઈએ, જેમકે,

વધુ પડતું ખાવું – સુવું અથવા જરૂરતથી ઓછું ખાવું – સુવું.

વધુ પડતા નવરા રહેવું,

માનસિક અથવા શારિરીક તણાવમાં રહેવું,

અથવા પોતાને કોઈ એવા કામમાં લીન કરી દેવું જેમાં હલન-ચલન ન થાય, જેનાથી મોટાપો આવે છે.

રાતના ઉજાગરા કરવા અને દિવસે સુંવું વગેરે..

આ બધી બાબતો સ્વાસ્થ્ય માટે હાનિકારક છે અને રોગચાળાનું કારણ બને છે, આ બધી બાબતોથી સંપૂર્ણપણે બચવું જોઈએ, જીવનને ક્રમબદ્ધ બનાવવું જોઈએ, સુવાના સમયે સુવું જોઈએ, ખાવાના સમયે ખાવું જોઈએ, કામના સમયે કામ કરવું જોઈએ, કસરત પણ કરતા રહેવું જોઈએ, રાત્રે મોડા સુવાની આદત ખોટી છે. તડકામાં વધું રહેવું પણ હાનિકારક છે. આ બધી વસ્તુઓ શરઈ દ્રષ્ટિએ પણ ધ્યાનમાં લેવા પાત્ર છે.

હદીસ શરીફમાં છે : તંદુરસ્ત અને તાકતવર મોમિન બિમાર અને કમજોર મોમિન કરતા સારો અને બેહતર છે.

 કુર્આન શરીફમાં ફરમાવે છે:

واذا مرضت فهو يشفین  الشعراء

 જયારે હું માંદો પડું છું તો તે જ મને સાજો કરે છે.

ઉપરોકત આયતથી માલૂમ થાય છે કે શરઈ દ્રષ્ટિએ તંદુરસ્તીની સંભાળ અને કાળજી પણ આવશ્યક છે.

એક હદીસમાં છે, તમારા શરીરનો પણ તમારા ઉપર હક છે અને તમારી આંખોનો પણ તમારા ઉપર હક છે, (બુખારી)

હદીસનો મકસદ તો મોડી રાત સુધી ઈબાદત માટે જાગવા અને લગાતાર નફલ રોઝાથી રોકવું છે, પરંતુ કોઈ પણ કામમાં વધુ પડતું વ્યસત અને લીન રહેવું, એકલતા અને નવરાશનો અભાવ, આ બધુ પણ તંદુરસ્તી માટે હાનિકારક છે, આનાથી આ પણ માલૂમ પડે છે કે વધુ પડતો ઉજાગરો કરવો અને વધુ પડતું ભુખું રહેવું તંદુરસ્તી માટે ઘણું જ નુકશાનકારક છે, અને જરૂરતથી વધારે ખાવું તેમજ વધું પડતું સુવું પણ મોટાપાનું કારણ બને છે.

એક હદીસમાં છે આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે ફરમાવ્યું :

બે નેઅમતો એવી છે જેમાં મોટા ભાગના લોકો નુકશાન અને ખોટમાં છે. (એટલે કે તેનાથી કોઈ એવું કામ નથી લેતા જેનાથી દીની ફાયદો થાય) એક તંદુરસ્તી અને બીજી ફુરસત(બુખારી)

આનાથી માલૂમ થાય છે કે રાત્રીના ઉજાગરા અને વધુ પડતું ભુખું રહેવું તંદુરસ્તી માટે નુકશાનકારક છે અને રોગપ્રતિકારક શકિતને પણ ઓછી અને કમજોર કરે છે, જેના કારણે બીજા દીની કામો પણ સહીહ રીતે અદા થઈ શકતા નથી. આજ પ્રમાણે તંદુરસ્તી, યુવાની, સમયની ફુરસતના મહત્વને એક હદીસ શરીફમાં આ પ્રમાણે વર્ણન કરવામાં આવી છે :

પાંચ વસ્તુઓ આવતાં પહેલા પાંચ વસ્તુઓથી લાભ ઉઠાવી લેવો જોઈએ અને તેને દીનના કામોમાં ખર્ચ કરવી જોઈએ,

(૧)ઘડપણ આવતા પહેલા જવાનીથી લાભ ઉઠાવો.

(૨)બિમારી પહેલા તંદુરસ્તીથી લાભ ઉઠાવો.

(૩) ગરીબી આવતા પહેલા માલદારીથી લાભ ઉઠાવો.

(૪) મશ્ગુલી આવતા પહેલા નવરાશથી લાભ ઉઠાવો.

(૫) મૃત્યુ પહેલા જીંદગીથી લાભ ઉઠાવી લો.

માટે સ્વાસ્થ્ય માટે નુકસાનકારક વસ્તુઓથી સંપૂર્ણપણે બચવું જોઈએ, અને બિમારીમાં તુરંત જ ઇલાજ તરફ ધ્યાન આપવું જોઈએ. જે તે બિમારીમાં એનો યોગ્ય અને જાઇઝ ઇલાજ કરાવવો જોઈએ તેમજ જાઇઝ રીતથી તંદુરસ્તીની હિફાજત કરવી જોઈએ, કારણ કે આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમનું ફરમાન છેઃ

અલ્લાહ તઆલાએ બિમારી અને દવા બન્ને ઉતાર્યા છે, દરેક બિમારી માટે દવા બનાવી છે, માટે તમે દવા પણ કરો અને હરામ વસ્તુથી દવા કરવાથી બચો. (અબૂ દાઉદ)

આ હદીસથી માલુમ થાય છે કે સ્વાસ્થ્ય જાળવી રાખવું અને તેની કાળજી કરવી જરુરી છે, સ્વાસ્થ્યને નુકસાન કરતી વસ્તુઓથી બચવું ખુબ જરુરી છે, ખાવાની બાબત ઉપર પણ ધ્યાન આપવું જોઈએ, ફાસ્ટ ફૂડ, વધુ પડતા મસાલાવાળો ખોરાક, ચાઈનીજ ખોરાક અને જરૂરતથી વધુ ખાવાથી બચવું જોઇએ, અને ફળ, ફુટ અને પોસ્ટીક આહાર અને શાકભાજી ખાવું જોઈએ, તેમજ ગોશ્ત અને માછલી જેવા ખોરાક સંયમિત રીતે ખાવા જોઈએ.

નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે સ્વાસ્થ્યને લાભદાયક આહાર ખાવા અને સ્વાસ્થ્યને નુકશાનકારક આહારથી દુર રહેવાનો આદેશ આપ્યો છે, હઝરત અલી રદી.ને એક વાર ફરમાવ્યું : તમે ખજુર ન ખાવો, તમે હજુ હમણાં જ માંદગીથી સાજા થયા છો, તમને અશકિત છે, ત્યાર પછી હઝરત ઉમ્મે મુન્ઝીર રદી.એ બિટ અને જવનું મિશ્રણ બનાવ્યું તો આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે ફરમાવ્યું : હે અલી રદી. ! આ ખાઓ, તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. (તિરમિઝી)

સ્વાસ્થ્ય માટે કાબેલ અને અનુભવી તબીબોની સલાહ લેવી જોઈએ. સ્વસ્થ, મજબૂત, અને સુડોળ શરીરનું હોવું અને તેના માટે કોશિશ અને પ્રયત્ન કરવા શરઈ દ્રષ્ટીએ ઇચ્છનીય છે, કારણ કે અલ્લાહ તઆલાનું ફરમાન છે: و اعدوا لهم ما استطعتم من قوة (الانفال (٦٠) અને (હે મુસ્લિમો) શત્રુના મુકાબલા માટે તમારાથી બને તેટલું બળ અને પાળેલા ઘોડાઓથી તૈયારી રાખો. તેમજ હદીસ શરીફમાં છે.


المؤمن القوى خير و احب الى الله من مؤمن الضعیف

અલ્લાહ તઆલાના નજદીક તાકતવર મોમિન કમજોર મોમિન કરતા વધુ પસંદીદા અને મહબૂબ છે.

જયારે બળવાન અને શક્તિશાળી શરીર અલ્લાહ તઆલા ને પસંદ છે તો તેને બાકી રાખવા અને તેને વધારવા માટે પ્રયત્નો કરવા અને જે વસ્તુથી શક્તિ અને તાકત ઓછી થાય છે તેનાથી બચવું જોઇએ. એના માટે નીચેની બાબતોનુ ઘ્યાન રાખવું જોઈએ, દોડવું, પગપાળા ચાલવાની આદત પાડવી, જે શસ્ત્રો વાપરવા કાયદા દ્વારા માન્ય છે અથવા પરવાનગી મેળવી શકાય છે, તેને વાપરતાં શીખવું જોઈએ, દેશ, વતન અને ધર્મની રક્ષા કરવામાં આ બધી આવડત ઉપયોગી નીવડી શકે છે. હદીસ શરીફમાં પણ આ પ્રમાણેના કામો કરવાની પ્રેરણા આપવામાં આવી છે. આપ સલ્લલ્લાહુ અલયહી વ સલ્લમનું ફરમાન છે : તીરંદાજી અને ઘોડેસવારી કરો. (તિરમિઝી) હદીસમાં છે જે વ્યકિતએ તીરંદાજી શીખી છોડી દીધી તે અમારામાં (સંપુર્ણ મોમિન) નથી(મુસ્લિમ શરીફ).

જરૂરત પુરતો માલ પણ જરુરી છે.

પોતાની જાન અને બદનની સંભાળ અને હિફાજત માટે અને ચિંતાઓથી મુક્ત રહેવા તેમજ હળવાશ અને શાંતિ અનુભવવા માટે જરૂરત પૂરતી સંપત્તિ અને માલ હોવું પણ ઇચ્છનીય છે, એટલે જ અલ્લાહ તઆલાએ માલ વેડફવાથી રોક્યા છે.  ولا تبذر تبذيرا بنو اسرائيل                  ٢٦

અને (માલને) નકામો ઉડાવો નહિ.

તેમજ હદીસ શરીફમાં જે વ્યકિતને ચિંતા મુકિત, તંદુરસ્તી અને એક દિવસના ખોરાકની પ્રાપ્તિ તેને ભાગ્યશાળી બતાવવામાં આવ્યો છે.

હદીસ શરીફમાં છે જે વ્યકિત એવી હાલતમાં સવારમાં ઊઠયો કે ચિંતાઓથી મુકત હોય અને તંદુરસ્ત હોય તેમજ કોઇ પ્રકારની બિમારી ન હોય અને એક દિવસ ખાવા પ્રમાણે ખોરાક હોય જેના કારણે તેને ભુખા રહેવાનો ડર ન હોય તો જાણે કે તેને પુરી દુનિયા એકત્રિત કરી આપવામાં આવી છે એટલે કે સમગ્ર વિશ્વ તેને આપવામાં આવ્યુ છે.(તિરમિઝી) આ હદીસથી તંદુરસ્તી, ચિંતા મુકત હોવું, આફિયત અને જરૂરત પુરતી સંપતિ મોટી નેઅમત છે એ પુરવાર થાય છે અને આ બધું મેળવવા પ્રયત્નો કરવાની પ્રેરણા – તરગીબ પણ માલુમ પડે છે.

એક હદીસમાં છે કે કોઇ વ્યક્તિ હલાલ રોજી પ્રાપ્ત કરવા આ નિયતથી મહેનત કરે કે મારે કોઈની પાસે કોઈ સામે હાથ લાંબો કરવો ન પડે અને બાલ બચ્ચા અને પરિવાનાના હક અદા કરીને જરૂરતો પુરી કરું અને વધેલા માલથી પડોશીની મદદ કરું, તો તે વ્યકિત અલ્લાહ તઆલાને એ હાલતમાં મળશે કે તેનો ચેહરો પુનમના ચાંદ જેમ ચમકતો હશે.

માટે દરેક વ્યકિતએ પોતાના શરીર, તંદુરસ્તીની હિફાજત માટે આ ત્રણેવ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ, શરીઅતના હુકમોનું પાલન કરી, તંદુરસ્તીના નિયમો મુજબ આરોગ્ય અને શરીરની શકિત અને તાકતનું ધ્યાન રાખવું જોઈએ, તેમજ જરૂરત પ્રમાણે માલ પ્રાપ્ત કરીને પછી જે નવરાશ મળે એમાં અલ્લાહ તઆલા તરફ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. આ બધુ શરઈ દ્રષ્ટિએ ઈચ્છિત અને પસંદીદા છે, અને આ માટે પ્રયત્ન કરવા શરીઅતના હુકમોનું પાલન કરવું છે.

અલબત્ત આ વાતનું ધ્યાન રહે કે તંદુરસ્તી અને સ્વાસ્થ્યની હિફાજત કરવી અને તેના માટે મેહનત કરવા પાછળ માણસ નિયત ઇબાદત અને આખિરતનું ભાથું તૈયાર કરવાની હોય, નહિંતર આ તંદુરસ્તી, તાકત વગેરે જહન્નમમાં જવાનું કારણ બની શકે છે, માટે દરેક કામને સંતુલિત અને સંયમ પૂર્વક રીતે, તંદુરસ્તીની હિફાજત અને હલાલ - હરામનો ખ્યાલ રાખીને કરવું જોઈએ, અને સાથે સાથે અલ્લાહ તઆલા તરફ પણ ધ્યાન કેન્દ્રિત રાખવું જોઈએ.

એક ખાસ વાત આ પણ છે કે માણસ પોતાના શરીર અને તંદુરસ્તીની હિફાજતનો શરઈ હક પણ અદા કરતો રહે. અર્થાત તંદરુસ્તીથી ફાયદો ઉઠાવીને શરીઅતના ફરજો અને બંદાઓના હકો અદા કરતો રહે. અલ્લાહની નેઅમતોનો શુક્ર અદા કરવાની આ અમલી રીત છે. એનાથી અલ્લાહ તઆલા ખુશ થાય છે અને એની નેઅમતમાં વધારો કરે છે


ખણ-ખોદ અને પંચાત અને મુસલમાન

 ભાઈઓના એબ - ખામીઓને છુપાવવા


હઝરત અકદસ શૈખુલ હદીસ મવલાના ઝકરિયા રહ.ની કિતાબ 'ઇસ્લામી સિયાસત'નો ક્રમશ અનુવાદ • મુફતી ફરીદ અહમદ કાવી.


એક વાત વિશેષ ધ્યાન રાખવાની આ છે કે દરેક માણસને સ્વાર્થી અને મતલબી સમજવો પણ ઇસ્લામી તાલીમના વિરુદ્ધ છે. અલ્લાહ તઆલા ફરમાવે છે : હે ઈમાન વાળાઓ ! વધુ પડતા (ખોટા) ગુમાનો અનુમાનોથી બચો. કારણ કે અમુક ગુમાનો ગુનાહ હોય છે. અને કોઈના એબ – ગુનાહોની તપાસ કે ખણખોદમાં ન પડો. અને એકબીજાની ગીબત પણ ન કરો. (સૂ. હુજરાત)

લોકોમાં આ આદત સામાન્ય છે કે જે માણસ આપણી મરજી મુજબના કામો કરતો હોય તે નિખાલસ છે. મુત્તકી – પરહેઝગાર છે. અને જેવો એ માણસ આપણી મરજી વિરુદ્ધ કોઈ કામ કરે છે, તે ચાપલૂસ છે, અંગ્રેજોનો ચેલો છે. હિંદુઓ તરફી છે. સ્વાર્થી અને મતલબી છે. મક્કાર અને કોમનો ગદ્દાર છે. દગાબાઝ અને અંગ્રેજોનો કમીશનખોર છે. કોંગ્રેસનો પગારદાર છે. આખી દુનિયાના એબો એમાં એકસાથે ભેગા થઈ જાય છે. એમાં જે અમુક સાચી ખામીઓ હોય એને લોકો સામે લાવીને બદનામ કરવામાં આવે છે, ઉપરાંત અનેક જૂઠા ગુનાહો એના માથે નાખવામાં આવે છે.

નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમનો ઇરશાદ છે : જે માણસ કોઈ બીજા મુસલમાનની ઈઝઝતની હિફાજત કરે છે, એટલે કે એની ખામીઓ લોકો સામે વર્ણવીને બદનામ નથી કરતો, અલ્લાહ તઆલા કયામતના દિવસે એના ગુનાહોને છુપાવશે. અને જે માણસ બીજા મુસલમાનના ગુનાહો લોકો સામે વર્ણવીને એને બદનામ કરે છે, અલ્લાહ તઆલા કયામતના દિવસે એના બધા છુપા ગુનાહો—ખામીઓ લોકો સામે કરી દેશે. અને પોતાના ઘરમાં સંતાઈને પણ એણે કોઈ ગુનો કર્યો હશે તો એને પણ જાહેર કરી દેશે.

હઝરત ઇબ્ને ઉમર રદિ. ફરમાવે છે કે એકવાર નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ મિમ્બર ઉપર બિરાજમાન હતા ત્યારે ઉંચા અવાજે ફરમાવ્યું : એવા લોકો સાંભળો ! જેમની ઝબાન ઉપર ઇસ્લામ છે અને દિલોમાં ઈમાન હજુ ઉતર્યું નથી. તમે મુસલમનોને સતાવો નહીં, એમની ખામી શોધતા ન ફરો. જે માણસ કોઈ મુસલમાનની ખામીઓ ગુનાહો શોધતો ફરે છે અલ્લાહ તઆલા એને જ બદનામ કરી દે છે. અને અલ્લાહ તઆલા જેની ખામીઓને જાહેર કરવા ચાહે, એને એના ઘરમાં કરેલા કામો બાબતે પણ બદનામ કરીને છોડે છે.

હઝરત અબ્દુલ્લાહ ઇબ્ને ઉમર રદિ.એ એકવાર કાબા શરીફ તરફ નજર કરી અને ફરમાવ્યું : તુ કેવું બરકતવાળું અને પવિત્ર ઘર સ્થળ છે. પરંતુ અલ્લાહ તઆલા પાસે એક મુસલમાનની ઇઝઝત તારા કરતાં ઘણી વધારે છે.

એક હદીસમાં છે કે પોતાના ભાઈની કોઈ તકલીફ બાબતે ખુશ ન થાઓ. અને કોઈ આવું કરે છે તો અલ્લાહ તઆલા એ ભાઈને તો મુસીબતમાંથી રાહત આપી દેશે અને તને એમાં સપડાવી દેશે.

એ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમનો ઇરશાદ છે : મને સૌથી વધારે એવા લોકો પસંદ છે, જેઓના અપ્લાક સારા હોય. પોતાના ખભા હાથો નરમ રાખતા હોય. (ખભા ચડાવેલ એટલે કે અક્કડ ન હોય), પરસ્પર મુહબ્બત કરતા હોય. લોકો વચ્ચે સંબંધ જોડનાર હોય. અને એવા લોકો સૌથી વધારે નાપસંદ છે જેઓ ચુગલખોરી કરનાર હોય, દોસ્તો વચ્ચે ભેદભાવ અને વિવાદ પૈદા કરતા હોય અને જે ગુનેગારોના ગુનાઓ શોધતા ફરતા હોય.

નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમનો ઇરશાદ છે : જો કોઈ માણસ તમને એવા ગુનામાં બદનામ કરે જે તમારા અંદર મોજૂદ છે, તો જવાબમાં તમે પણ એને એવા ગુનામાં બદનામ ન કરશો, જે એનામાં છે. તમને આ નૈકીનો સવાબ મળશે અને એણે જે કર્યું છે, એનો વબાલ એ ભોગવશે.

નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમનો ઇરશાદ છે : એકબીજાથી સંબંધો તોડો નહીં. એકબીજાથી મોઢું - પીઠ ન ફેરવો. એકબીજાથી દુશ્મની ન રાખો. એકબીજા ઉપર હસદ ન કરો. પરસ્પર ભાઈ ભાઈ બનીને રહો. કોઈ પણ મુસલમાન માટે જાઇઝ નથી કે બીજા મુસલમાન સાથે ત્રણ દિવસથી વધારે અબોલા રાખે. (તરગીબ)

નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમનો ઇરશાદ છે : અલ્લાહ તઆલા પાસે દરેક સોમવાર અને ગુરૂવારે આમાલ રજૂ કરવામાં આવે છે. અને દ૨ેક એવા માણસને માફ કરી દેવામાં આવે છે જે : શિર્ક ન કરતો હોય. પરંતુ જે બે માણસો વચ્ચે અદાવત અને કીનાખોરી હોય, એમના વિશે કહેવામાં આવે છે કે એમને હમણા રહેવા દયો. જયાં સુધી તેઓ પરસ્પર સુલહ ન કરી લે. (બુખારી/તરગીબ)

હદીસ શરીફમાં છે : જે માણસ કોઈને કાફિર કે અલ્લાહનો દુશ્મન કહીને પોકારશે, અને સામે વાળા માણસ એવો ન હશે તો આ શબ્દો બોલનાર માથે આવીને પડશે.

હદીસ શરીફમાં આ પણ છે કે મુસલમાનને ગાળ આપવી મોટો ગુનો છે. એક બીજી હદીસમાં આ પણ છે કે મુસલમાનને ગાળ આપનાર પોતાની બરબાદીની તૈયારી કરી રહયો છે. (તરગીબ)

હદીસ શરીફમાં છે : જે વ્યકિત કોઈ બીજા માણસને એવા કામ – ગુણ સાથે વર્ણન કરે, જે એમાં નથી તો અલ્લાહ તઆલા એને જહન્નમમાં કેદ કરીને કહેશે કે તેં કહેલી વાત સાચી કરીને બતાવ.

એક હદીસમાં આવ્યું છે : અલ્લાહ તઆલાના બેહતરીન બંદાઓ આ લોકો છે : જેમને જોઈને અલ્લાહની યાદ તાજી થઈ જાય. અને બુરા બંદાઓ આ લોકો છે : જેઓ ચુગલ ખોરી કરતા હોય, દોસ્તો વચ્ચે વિવાદ - જુદાઈ કરાવતા હોય, અને એવા લોકોમાં એબ શોધતા હોય જેઓ તે એબથી ખાલી સાફ હોય છે. (તરગીબ)

નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે હજ્જતુલ વદાઅમાં ખુત્બર – તકરીર ફરમાવી અને એમાં એલાન કર્યું કે તમારા બધાનું લોહી, આબરૂ અને માલ, એકબીજા ઉપર એવી રીતે હરામ છે જેમ આજે આ પવિત્ર શહેર, પવિત્ર મહીના અને પવિત્ર દિવસે છે.

એક હદીસમાં છે : એક મુસલમાનની જાન, આબરૂ અને માલ બીજા મુસલમાન માટે હરામ છે.

એક હદીસમાં છે : મુસલમાનને બદનામ કરવો મોટામાં મોટા વ્યાજ ખાવા જેવું છે.

આ વિષયની અનેક હદીસ અલગ અલગ શબ્દોમાં વર્ણવવામાં આવી છે. અમુક હદીસ અગાઉ પણ આવી ચુકી છે. આમ છતાં આપણા મુસલમાનોમાં એકબીજાની આબરૂ ઇઝઝત લેવી અને બદનામ કરવું એટલી સરળ બાબત બની ગઈ છે કે નાની અમથી વાત ઉપર બલકે ઘણીવાર ખોટા ગુમાને અને ગલતફહમીના આધારે પણ કોઈને બદનામ કરતાં શરમાતા નથી. અલ્લાહ તઆલા પાસે મુસલમાનની આબરૂ એટલી મોટી વસ્તુ છે કે એને સૌથી ખબરા વ્યાજ કહેવામાં આવ્યું છે. અને આ બાબત અનેક હદીસોમાં વર્ણવવામાં આવી છે. એક હદીસમાં તો છે કે સૌથી ખરાબ વ્યાજ એક મુસલમાનને બીજા ઉપર ગાળો વડે આગળ કરવો છે.

એટલે કે એક મુસલમાનને ગાળો આપીને બદનામ કરીને બીજાનું મહત્વ અને સ્થાન વધારવામાં આવે. આજે આપણે નજર કરીએ અને વિધારીએ કે, જેટલી જમાઅતો, સંસ્થાઓ આપણા લોકો વચ્ચે કામ કરે છે, રાજકીય હોય કે બિનરાજકીય, દરેક સમુહમાં એવા લોકો હોય છે જે બીજા સમુહ અને જમાતના લોકોને ચાહે તે ઉલમા હોય કે લીડર, ફકત એટલા માટે બરું ભલું કહેતા હોય છે કે એમને બદનામ કરવામાં આવે અને આવી રીતે પોતાની જમાઅત, સંસ્થા, પાર્ટીનું મહત્વ વધારવામાં આવે. મજાની વાત આ છે કે આ બધું દરેકને ખરાબ લાગે છે, ખરાબ કહે છે, અન્યો સામે શિકાયત કરે છે કે ફલાણો અમને ગાળો આપે છે, પરંતુ પોતાના વિશે વિચારતો નથી. પોતાના માણસો અને ગ્રુપની કરણી — કથની જોતો નથી, કોઈ આ નથી જોતું કે આ ગુનો તો તમારા લોકો પણ કરે જ છે. નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમનો ઇરશાદ છે : તમારા અમુક લોકો બીજાની આંખમાં પડેલું તણખલું પણ જોઈ લે છે, અને પોતાની આંખમાં પડેલું પાટીયું ભૂલી જાય છે. (જામેઅ)


 ધૂન, ધગશ અને શોખ

સેમ વોલ્ટનને તો બધા ઓળખતા હશે, વિશ્વની સૌથી મોટી કંપની 'વોલમાર્ટ' નો સ્થાપક અમેરીકી ઉદ્યોગપતિ ! તેની કંપનીમાં ૨૨ લાખથી વધુ કર્મચારીઓ કામ કરે છે. આ કંપનીએ વોલ્ટનને અમેરીકાનો સૌથી ધનિક માણસ બનાવી દીધો. તેના વિશે તેના જીવન ચરિત્રમાં એક અજીબ વાત લખાયી છે. તે શીખવાનો શોખ ધરાવતો હતો.

એક વાર બન્યું એમ કે બ્રાજિલના વેપારીઓએ નિર્ણય લીધો કે અમેરીકન કંપનીના માલિકોની મુલાકાત કરવામાં આવે. તેમણે ઘણી જ મુશ્કેલીથી અમેરીકન ઉદ્યોગપતિઓના સરનામા મેળવ્યા અને પછી તેમને પત્ર લખી મુલાકાતનો સમય માંગ્યો. પરંતુ નવાઈની વાત કે કોઈએ પણ તેના પત્રનો જવાબ આપ્યો નહીં અથવા મુલાકાતને નકારી દીધી. માત્ર એક ઉદ્યોગપતિએ પત્રનો સકારાત્મક જવાબ આપ્યો અને તે માણસ હતો સેમ વોલ્ટન ! વોલ્ટને બ્રાજિલિયન ઉદ્યોગપતિઓને પોતાના નિવાસસ્થાને મુલાકાત માટે બોલાવ્યા, તેમને આવકાર આપ્યો, તેમની સારી રીતે મહેમાની કરી, તેમની સાથે વેપાર વિશે ચર્ચાઓ થઈ. અંતે આ મુલાકાત મિત્રતામાં ફેરવા ગઈ, ત્યાર પછીથી વોલ્ટન બ્રાજિલિયન ઉદ્યોગપતિઓ સાથે સતત સંપર્કમાં રહયો. થોડા સમય પછી વોલ્ટનને થયું કે મારે પણ બ્રાજિલ જવું જોઈએ અને ત્યાંની વ્યાપારી પરિસ્થિતિઓનું અવલોકન કરવું જોઈએ. જેથી તે બ્રાજિલ ગયો, વેપારી મિત્રો સાથે મુલાકાત કરી. ત્યાર પછી તે નગરનું નિરિક્ષણ કરવા નીકળી પડયો. તે બ્રાજિલની સુપરમાર્કેટમાં પ્રવેશ્યો, વસ્તુઓની ગોઠવણ વગેરે બાબતોનું નિરિક્ષણ કર્યુ. તે દરમિયાન વોલ્ટને તેના ખિસ્સામાંથી માપપટ્ટી કાઢી વસ્તુઓને માપવા લાગ્યો. બે શેલ્ફની વચ્ચે પસાર થવાનો માર્ગ માપતો હતો, એવામાં પોલીસે તેને જોઈ લીધો, તેમણે સેમ વોલ્ટનની જાસુસ હોવાની શંકા હેઠળ ધરપકડ કરી તેને જેલમાં પુરી દીધો. વિશ્વની સૌથી મોટી કંપનીના માલિકે એક રાત્રી બ્રાજિલની જેલમાં પસાર કરી. વોલ્ટનના બ્રાજિલિયન મિત્રોને આ વાતની ખબર પડી તો તેમની ભલામણ પછી તેને જેલમાંથી મુકત કરવામાં આવ્યો. પરંતુ વોલ્ટનની ભાવના અને જુસ્સો જુઓ કે તેના મનના સહેજેય એમ ન થયું કે હું અમેરીકાનો સૌથી મોટો ધનિક વ્યકિત છું. મારા સ્ટોર જેવા કોઈ બીજા નથી. તેમ છતાં તેણે શીખવામાં કોઈ શરમ અનુભવી નહીં ! તેનામાં કંઈક શીખવાની અભિલાષા ખીચોખીચ ભરી હતી.

કામ કરવાના ત્રણ પ્રકાર છે :

(૧) પરંપરાગત રીતે કાર્ય કરવું, સમય જોવો, તક જોવી અને આવશ્યક સાધનોને સામે રાખવા. કામનો આગળનો દરજ્જો એ છે કે તેને પોતાની ઉપર સવાર કરી લઈએ. એટલી બધી તેની ધૂન અને લગન હોવી જોઈએ કે દરેક ઘડીએ તેના વિશે વિચારતો રહે. કામનો ત્રીજો પ્રકાર આ છે કે કામની ઉપર સવાર થઈ જાય. તેના માટે રાત – દિવસ એક કરી દે. તેમાં શંસોધનની એટલી કુશળતા પેદા કરી લે કે જે રીતે ચાહે કરી લે. તેના માટે અવનવી યુકિતઓ અને ઉપાયો અપનાવવામાં આવે.

ગત દિવસોની વાત છે કે અમેરીકન ડો. જિશાનુલ હસનને પૂછવામાં આવ્યું કે યુરોપ અને અમેરીકાના લોકો સાથે કામ કરવાથી કંઈ ખબર પડી કે તેમની સફળતાનું રહસ્ય શું છે ? તે કેમ વિશ્વ પર રાજ કરે છે ? એમણે જણાવ્યું કે : તેઓ શીખવાના ભુખ્યા છે, નવીન વાત અને વસ્તુ, નવી આઈડિયા અને ઉપાયો તેમને જયાંથી મળે છે તેને તત્કાળ લઈ લે છે. બલકે વર્તમાન વિશ્વના નિયમો મુજબ ગમે તે ભોગે એ નવા આઈડીયા કે શોધને ખરીદીને એની પેટન્ટ પણ કરાવી લે છે.

હિકમતની વાત તો મુસલમનની ગુમ થયેલ વારસો છે. બસ મૂળ વસ્તુ પોતાનામાં જે તે વસ્તુનો શોખ પેદા કરવો તેમજ લગન અને ધુનથી કામ કરવું છે. દુનિયાની જે કોમમાં આ વસ્તુ આવી ગઈ તે વિશ્વ પર રાજ કરશે


જનાબ ઝુબેરભાઈ દસુ રહ.

બાવન વરસની ઉમર કંઈ વધારે ન કહેવાય. ઝુબેરભાઈ દસુ, જામિઅહના એકાઉન્ટન્ટ.. આટલા વરસોમાં તો ઘણું કમાય ગયા. ૨૩ જૂન, ૨૦૨૧, બુધવારે રાત્રે લગભગ ૧૧-૩૦ વાગ્યે ઇન્તેકાલ થયો. ગુરૂવારે સવારે જામિઅહમાં નમાઝે જનાઝહ પઢીને હક તઆલાની રહમતના હવાલે કરવામાં આવ્યા.

જામિઅહમાં સેવા આપતા ઉસ્તાદો સહિતના 'જામિઅહ પરિવાર'માં કોઈ મોટી આઘાતજનક ઘટના અનુભવ્યાની લાગણી સમગ્ર જામિઅહમાં અનુભવાય રહી છે. વિશેષ કરીને એટલા માટે કે તેઓ જામિઅહ માટે એક એકાઉન્ટન્ટ તો હતા જ, પણ એનાથી વધીને પણ ઘણા ઉપયોગી અને બરકતવંતી હસ્તી હતા. મદરસાઓમાં તો મોહતમિમ પછી કદાચ સૌથી વધારે કામકાજનો બોજ અને ઇન્તેઝામી જવાબદારીનો હોદ્દો એકાઉન્ટન્ટનો જ છે. અને એમાંયે ઝુબેરભાઈ તો એક મિલનસાર અને સેવાભાવી, ઉલમાએ કિરામ પ્રત્યે ભારોભાર અકીદત ધરાવનાર માણસ હતા. એમની વફાત અને ખોટનો એહસાસ કદાચ એમની સેવાઓ કરતાં પણ વધારે અનુભવાશે.

સદાય હસતો ચહેરો તારો બધાને રડાવી ગયો

તારી ચેલેન્જ કોણ પૂરી કરશે, એ ખાડો પાડી ગયો.

યાદ આવતાં હૈયું કાંપે છે થરથર

તું તારી જિંદગી મસ્તીથી જીવી ગયો.

સંસ્થા જયારે શરૂ થતી હોય, ધીરે ધીરે આગળ વધતી હોય ત્યારે એક જ માણસ અનેક જવાબદારીઓ નિભાવતો હોય એ સ્વભાવિક છે. પણ જેમ જેમ સંસ્થા આગળ વધે, કામ વધે અને સવલતો ઉભી થાય એમ કામ વહેંચાતું જાય, અન્ય કર્મચારીઓ પણ સાથે આવે અને દરેકને રાહત થાય... પણ અમારે ત્યાં ઝુબેરભાઈની હાલત એવી ન હતી. શરૂમાં તેઓ જ હિસાબ લખતા હતા, પગારો અને બિલો ચુકવતા હતા, ચંદાની રસીદ બુકો આપવા અને હિસાબ કરીને લેવાનું પણ એમના શિરે હતું. જામિઅહમાં સીધી રીતે આવતા રકમ, અનાજ, જાનવર અને અન્ય વસ્તુઓના ચંદાની વસૂલી અને હિસાબ.. તલબાની ફીસ, પોકેટ ખર્ચ જમા કરવા અને આપવાનો હિસાબ.. સંસ્થાની પ્રગતિ સાથે આ બધા કામો વધતા જ ગયા.. લાખોનો વહીવટ કરોડોમાં થતો થયો.. બેન્ક ખાતાઓ અને ઓડિટના કામો, ઈન્કમટેકસ અને એફ.સી.આર.ની કાર્યવાહી.. પછી કુરબાનીનો સિલસિલો શરૂ થયો તો કુરબાનીના હિસ્સાઓની નોંધ, જરૂરત મુજબના જાનવરોની ખરીદી, જાનવરોની વહેંચણી, અને આ બધાનો સઘળો હિસાબ.. પછી જામિઅહ હેઠળ મસ્જિદો અને મકાતિબનું સંચાલન શરૂ થયું તો દર માસે બધાનું હાજરી રજિસ્ટર લઈને નવું રજિસ્ટર આપવા સાથે પગાર ચુકવવાનું કામ..

આ બધા કામો તો રેગ્યુલર અને ફરિજયાત પણે એમના જ ગણાતા હતા. ઉપરાંત જામિઅહના અને ઉસ્તાદોના અનેક કામો પણ તેઓ ફરજ અને જવાબદારી સમજીને નિભાવતા હતા.

ઘણી જગ્યાએ અમુક સર્વિસ માટે ૨૪×૭ લખેલું જોવા મળે છે, પણ આ તેઓ એકલા હાથે ૨૪×૭ કામ કરનાર હતા. એમની હાજરીનો સમય મદરસા તરફથી તો નક્કી હતો પણ સવારે આવ્યા પછી મોડી રાત સુધી ઓફિસમાં જ કામ કરતા રહેતા. વચ્ચે ખાવા માટે થોડો સમય જ ઘરે જતા હતા, એમાંયે ઘણીવાર ઓફિસે મંગાવીને ખાય લેતા હતા. હરસમય એમની હાજરી એટલી સામાન્ય બાબત હતી કે મદરસામાં કોઈ બિલનો હિસાબ લેવા, ચંદો કે ચંદાની બુક જમા કરવા આવનાર લોકો ગમે તે સમયે એવા વિશ્વાસે મદરસે આવી ચડતા કે ઝુબેરભાઈ તો હાજર હશે જ અને તેઓ હાજર જ હોય. ન હોય એટલે ફોન કરે તો સામેથી જવાબ મળે કે પાંચ મિનિટમાં આવું છું અને તુરંત આવી જાય. ઉઘ અને આરામ તો બસ મોડી રાતથી સવાર સુધી..આટલું બધું કામ કરીને પણ એમ સમજતા કે હું મારા સવાબ ખાતર આ બધું કરું છું. કોઈ કદર, શુક્રિયહ કે બદલાની આશા નહીં..

સ્વભાવ મિલનસાર, હસમુખ... એમના ટેબલ કે બારીએ જઈને ઉભા રહીએ તો હસતા મુખે આવકાર આપે અને ગમે તે કામમાં મશ્ગૂલ હોય, આવનારનું કામ પહેલાં જ કરી દેતા. મદરસાના ઉસ્તાદોના ગમે તે કામ હોય, મદદ કરવા તત્પર રહેતા. બેન્કમાં પૈસા જમા કરવા અને ઉપાડ.. લાઈટ બિલ, ગેસ બિલ વગેરે ૨૦ – ૨૫ ઉસ્તાદોના આ કામો પોતે એકલા જ કરી દેતા હતા.

એકવાર હું ઉપર એમની આફિસ પાસે આવ્યો તો મને પૂછવા લાગ્યા કે મોહતમિમ સાહેબ નીચે બેસેલા છે કે નહીં ? મને નવાઈ લાગી, તેઓ તો કામમાં મગ્ન રહેનાર માણસ હતા. કદી આવી ખણખોદ કરતા ન હતા. મેં પૂછયું કે તમારે શીદને ફિકર ? કહેવા લાગ્યા કે મહીનાના છેલ્લા દિવસો છે, ચેક ઉપર સહી કરાવવી છે, જો રહી જશે તો પછી બેંકમાં રજાઓ છે ને પગારમાં વિલંબ થશે ! કોઈવાર મહીનાના છેલ્લા દિવસોમાં મદરસાની રજા પડતી તો અચુક તે વેળા પગાર વહેલો જ કરી દેતા હતા. આ બાબતે હઝ. મોહતમિમ સાહેબ અને આ મરહૂમ ઝુબેરભાઈ સમાન વિચાર ધરાવતા હતા.

હું કોઈ બીજાને કેવી રીતે કામે લાગી શકું અને મદદ કરી શકું, એવી તલબ ધરાવતા હતા. આ લખનારના માથે વાળ વધી ગયેલા જોતા તો કહેતા કે લાવો હું વાળ કાપી આપું, મેં તો કદી એવી હિમ્મત નથી કરી, પણ મેં જોયું છે કે નિખાલસ સંબંધ ધરાવતા ઉસ્તાદોના વાળ પણ તેઓ કાપી દેતા. મોડે આવનાર કે શિકાયત હોય એવા તલબાને મોહતમિમ સાહેબ વાળ કપાવવાનું કહે અને તેઓ આનાકાની કરતા દેખાય એટલે ઝુબેર ભાઈ ઓફિસમાંથી નીકળીને એને પકડીને માથે મશીન ફેરવી દેતા.

હજુ તો ઘણી બધી સેવાઓ અને ખિદમતો છે.. કેટલું ગણીએ? કરોડોનો વહીવટ અને હિસાબ રાખનાર એકાઉન્ટન્ટ હોવા છતાં પોતાને ઉલમાએ કિરામનો ખાદિમ સમજતા હતા. મોહતમિમ સાહેબની મીટીંગ પછી કે હજ – ઉમરાથી આવનાર ઉસ્તાદો તરફથી નાશ્તાની વ્યવસ્થા ઝુબેર ભાઈ કરતા અને તે પણ એક ખાદિમ તરીકે.. વસ્તુઓ લાવવા વહેંચવા બલકે ચાયના કપ, ખાવાના ખુમચાઓ પણ ઉઠાવીને ખાદિમ તરીકે જ કામ કરતા હતા. આ લખનારનું કાર્ય સ્થળ એમની ઓફિસની બાજુમાં જ હતું એટલે ઘણી ઘણી વાતો થતી હતી, એમના મુખે આ શબ્દ વારંવાર સાંભળ્યા કે આપણે તો ઉલમાએ કિરામના ખાદિમ છે. ઉલમા આપણા સરદાર છે. અલ્લાહ તઆલા એમના તુફૈલથી આપણને પણ બખ્શી દેશે.. વગેરે. કોઈ વાર રાતે કોઈ કલાસમાં સબક થતો જોતા તો કહેતા કે હું આ ઉલમાએ કિરામથી પ્રેરણા લઈને રાત દિવસ કામ કરું છું. આ બધા દીનના આલિમ હોવા છતાં આટલી બધી મહેનત કરે છે તો હું તો દુનિયાદાર છું, મારે તો વધારે આમાલ કરવા જ પડે ને...! બેશક, તેઓ પગાર ખાતરની નોકરી નહીં, બલકે એક દીની ઇદારામાં 'સાચી દીની ખિદમત' આપતા હતા. અને જેમ અન્ય કિસ્સાઓમાં થાય છે મરનારની ઘણી ખૂબીઓ અને કુરબાનીઓ તો મરણ પછી જ ખબર પડે છે, હવે એમની અમાનતદારી અને નેકદિલીની અનેક દાસ્તાનો અને ઘટનાઓ સામે આવી રહી છે.

મદરસામાં અને એમની પાસે પણ દેશ વિદેશના નાના મોટા અનેક માણસો આવતા હતા. પણ ઓફિસમાં એમની પાસે એમના જૂના દોસ્ત યુ.કે. નિવાસી જનાબ અબ્દુલ હય ભાઈ અને વેપારી અજયભાઈ સિવાય બીજા કોઈ મોટા વેપારીને બેસેલા કદી નથી જોયા. મદરસાના બે ત્રણ સફાઈ ખાદિમો સાથે ઘરોબો કેળવીને એમની પાસે જરૂરી કામ કરાવીને થોડી ગમ્મત કરી લેતા. શહેરમાં પણ એમની દોસ્તી કે ઓળખાણ મોટા વેપારીઓ કરતાં સામાન્ય દુકાનદારો સાથે વધારે હતી.

અમાનતદારી એમ તો મોટો ગુણ છે. બલકે એમની મુખ્ય ખૂબી અને નેકી હતી. પણ એટલી સામાન્ય બાબત હતી કે અમને કદી એનો એહસાસ જ નથી થયો. મિલનસાર વ્યકિતત્વ અને હળતા ભળતા માણસ હતા એટલે સેંકડો લોકો સાથે વ્યકિતગત લેવડ-દેવડ અને બચત – કરજનો મામલો રહેતો હતો. પણ બધું જ વ્યવસ્થિત.. લેખિતમાં અને ચોકખુ ચણાક. સ્વભાવ અને શૈલી એવી બનાવી હતી કે બધા સાથે હળતા મળતા, હસતા રમતા હોવા છતાં મદરસાની આવક જાવક બાબતે એક શબ્દ કદી મોઢે આવતો ન હતો. આ બાબતે ભારે સાવચેતી અને તકેદારી રાખતા હતા.

પોતાના બધા ભાઈઓમાં સૌથી વધારે ભણેલા હતા. એટલે ભાઈઓ વિશે ખુબ ફિકર રાખતા હતા. એમના મોટા ભાઈ મવ. અબ્બાસ સાહેબના કહેવા પ્રમાણે અમારા બધા ભાઈઓ અને એમની અવલાદના ભવિષ્ય વિશે ખૂબ ફિકર કરતા હતા. એમની ઇચ્છા હતી કે હું મારા કુટુંબને ઘણા ઉચે લઈ જાઉં.. મવ. અબ્બાસ સાહેબના કહેવા મુજબ પૈસાની બચત કરીને નફાકારક આયોજન કરવાની પ્રેરણા અને શીખામણ એમણે જ અમને આપી હતી. નિશંક આ બાબત પણ એમની મોટી ખૂબી કહી શકાય. મદરસાના સામાન્ય પગારમાંથી બચત કરીને આયોજન કરીને એમણે ઘણું બધું કરી દેખાડયું.

પોતાની અવલાદના દીન-દુનિયા, બંને બાબતે પૂરી તકેદારી રાખતા હતા. પુત્રીને પૂરતી તકેદારી સાથે ભણાવીને ફીઝીયોથેરાપીસ્ટ બનાવી, જે આજે હલાલ રોઝી કમાય છે. પુત્ર હાફેજ સઈદ માટે મરી પરવારતા હતા. એના હિફજે કુરઆન પાછળ બે ત્રણ ઉસ્તાદો જેટલી મહેનત તેઓ પોતે કરતા હતા. સવાર સાંજ સબક અને દોર સાંભળવાની એટલી બધી તકેદારી રાખી કે એમનું પોતાનું નાઝિરહ હાફિજે કુરઆનની જેમ પાકું થઈ ગયું હતું. અને કદી મોટેથી ભૂલ કાઢતા તો એવું લાગતું કે હિફજ કલાસનો કોઈ પાકો મુદર્રિસ કુરઆન પઢી રહયો છે. આખી આખી આયત મોઢે પઢી દેતા હતા. ગત વરસે એને પણ ઘણી બધી કોશિશ કરીને મેડીકલ લાઈનમાં એડમીશન અપાવી ચુકયા છે. અલ્લાહ તઆલા ગેબી મદદ કરીને એની તાલીમ પૂરી ફરમાવે.

છેલ્લા ૪૫ દિવસથી હોસ્પિટલમાં હતા. સાજા સમા લાગતા હતા, પણ બીમારી વધતી જ રહી, રમઝાન ઇદના બીજા દિવસે હું મળવા ગયો, ખુશ થઈને ઉછળી પડયા. એમના દીકરા-દીકરી હાજર હતા, એમણે દુઆની વાત કરી તો કહેવા લાગ્યા : બેટા જે લોકોને આપણા પ્રત્યે મુહબ્બત હોય, તેઓ જ આવા દિવસોમાં આપણે મળવા આવે. તેઓ આપણા માટે દુઆ કરતા જ હોય.. પછી એકવાર મળવા ગયો, થોડા થાકેલા હતા, એટલે કહેવા લાગ્યા કે હું હવે થાકી ગયો છું. પણ પછી આ બે શબ્દો બાબતે એટલા પસ્તાયા કે મારા પછી મુફતી અસ્જદ સાહેબ અને મવ. અરશદ સાહેબ મળવા ગયા તો એમના સાથે માફીના શબ્દો મોકલાવ્યા અને એનાથી સંતોષ ન થયો તો ઓકિસજન સાથે મને ફોન કરીને કહેવા લાગ્યા કે, હું ઘણો સારો છું. તે વખતે અચાનક કમઝોરી વધી ગઈ હતી એટલે આવું બોલાય ગયું..માફ કરજો.. છેલ્લે દવાખાનાના ખાટલેથી જરૂરત મુજબ વોટસેપ મેસેજ કે કાગળથી કાપલીઓ લખીને કામ ચલાવતા હતા. આવા સંદેશોઓમાં અલ્લાહની તકદીર ઉપર રાજી હોવાની અને જીવન — મરણ અલ્લાહના હાથમાં હોવાની વાત પણ લખી દેતા હતા.

સાર આ છે કે ઘણી ખૂબીના માલિક હતા. વધારે લખવું છે પણ કેટલું લખું ?

દુઆ કરું છું કે અલ્લાહ તઆલા એમની ખૂબ મગફિરત ફરમાવે. જન્નતુલ ફિરદોસમાં ઉચ્ચ સ્થાન નસીબ ફરમાવે. એમની સેવાઓને કુબૂલ ફરમાવે. જામિઅહની સેવાઓને એમના માટે સદકએ જારિયહ બનાવે. સગાઓને સબ્ર અને અજ આપે. એમના હોવાથી જે રાહત - સુકૂન એમને હતું, એમની વફાત પછી એનાથી વધારે રાહત અને સૂકૂન એમની ફેમીલીને મળે એવા અસબાબ પેદા ફરમાવે. જામિઅહની ખોટ પૂરી કરીને અન્ય અમાનતદાર ખાદિમો કર્મચારીઓ અતા ફરમાવે. આમીન.. -ફરીદ અહમદ


શરઈ માર્ગદર્શન ફતાવા વિભાગ

મવ. મુફતી અસ્જદ

 દેવલ્વી સાહેબ

 તસ્દીક કર્તા 

મવ. મુફતી અહમદ દેવલા 

સદર મુફતી જામિઅહ જંબુસર


હાજી માટે કુરબાનીનો હુકમ

સવાલ (૧) : હજ માટે ગયેલ વ્યકિત સાહિબે નિસાબ છે, તો તેના ઉપર કુરબાની વાજિબ છે અથવા નહી ?

જવાબ:


حامدا و مصليا ومسلما (1)

માલી કુર્બાની વાજિબ થવાની શર્તોમાંથી એક શર્ત વ્યકિતના માલદાર હોવાની સાથે તેનું મુકીમ (પોતાના અસલ વતનમાં હોવું અથવા કોઈ જગ્યાએ ૧૫ દિવસ યા એથી વધુ મુદ્દત રહેવાની નિય્યતે થોભેલું) હોવું પણ છે.

માટે કુર્બાનીના દિવસોમાં હાજી મુકીમ હશે, તો કુરબાની વાજિબ થશે અને મુસાફિર હશે તો કુરબાની વાજિબ થશે નહીં. (શામી : ૩ / ૫૩૪)

એક હાજીના કુર્બાનીના દિવસોમાં મુકીમ હોવાની સૂરત આ હોય શકે છે કે હજ પહેલાથી તે મક્કામાં થોભેલ હોય અને હજ પછી પણ મક્કામાં હોય અને કુલ સમયગાળો થોભવાનો પંદર દિવસ યા એથી વધુ હોય, ભલે પછી તે મક્કા હજથી એક – બે દિવસ પહેલા પહોંચ્યો હોય અથવા હજ પછી એક બે દિવસે અથવા તરત રવાના થવાનો હોય, દા.ત. ૬ ઝુલહિજ્જહના મક્કા પહોંચ્યો હોય અને તેનું રોકાણ ૨૨ ઝુલહિજ્જહ સુધી હજના સફર સાથે મક્કામાં જ હોય, તો તે મુકીમ છે અને જો તે ૨૦ ઝુલહિજ્જહ અથવા તેથી પહેલા મક્કાથી રવાના થવાનો હોય અથવા કોઈ શરઈ સફર કરવાનો હોય, તો તે મુસાફિર છે અને તેને માલદારીની કુર્બાની કરવાની રહેશે નહીં. અમુક હાજીઓ હજ પહેલા મદીના મુનવ્વરહ હાજરી આપે છે અને હજના એક બે દિવસો અગાઉ મક્કા પધારે છે અને હજ પૂર્ણ થતા તેઓ પોતાના વતન રવાના થઈ જાય છે. આવા લોકો કુર્બાનીના દિવસોમાં મુસાફિર ઠરતા હોય, તેઓ ઉપર માલદારીની કુર્બાની લાગુ થશે નહીં.યાદ રહે કે માલદારીની કુર્બાની એક હાજી પોતાના વતનમાં પણ કરાવી શકે છે, તે માટે જરૂરી છે કે બન્ને જગ્યાએ કુર્બાનીના દિવસો હોય. ફકત અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.


ખેતીની જમીનના માલિક ઉપર કુરબાની વાજિબ છે કે નહીં ?

સવાલ (૨) : એક માણસ પાસે રૂપિયા — પૈસા અને ઘરેણાં નથી, માત્ર ખેતી માટે જમીન છે, જેનાથી તે પાક લે છે, તો તેના ઉપર કુર્બાની છે કે નહીં ?

જવાબ:(2) حامدا ومصليا ومسلما શરઇ દ્રષ્ટિએ એક વ્યકિત પાસે  જમીન, મકાન વગેરે હોય અને તે બધુ માત્ર તેની જરૂરતો પુર્ણ કરવા માટે હોય, તેની વધુ ન હોય, તો આ પ્રકારનો માલ-જમીન ભલે વિપુલ પ્રમાણમાં હોય, તેની જરૂરતમાં પરોવાયેલી ગણાશે અને કુર્બાની લાગુ થશે નહીં. હા ! જમીનથી આવેલ પાકની કિંમત કુર્બાનીના દિવસોમાં નિસાબ જેટલી હોય તો કુર્બાની વાજિબ થશે અને જો તેથી ઓછી હશે, તો કુર્બાની લાગુ થશે નહીં. (શામી : ૯ / ૪૫૩)


જમીનોના માલિક ઉપર હજ ફરજ છે કે નહીં ?

સવાલ (૩) એક માણસ પાસે જમીનો છે પણ આવકનું બીજું કોઈ સાધન નથી, આ વ્યકિત પોતાની બધી અથવા થોડીક જમીન વેચાણ કરે તો તેની કિંમતથી હજની અદાયગી થઈ શકે છે, તો શું આવી વ્યકિત ઉપર હજ ફર્ઝ થશે કે નહીં ?

حامدا و مصليا ومسلما 

રજૂ કરવામાં આવેલ સૂરતમાં તે વ્યકિત પાસે એટલી જમીન હોય કે તેમાંથી થોડીક જમીન વેચે જેનાથી હજના જરૂરી ખર્ચ પૂરા થઈ જાય અને હજથી પાછા ફર્યા પછી વધેલ જમીનથી પોતાની અને પોતાના શિરે જેઓના ભરણપોષણની જવાબદારી છે, તે પૂર્ણ થઈ શકતી હોય તો તે વ્યકિત ઉપર હજ ફર્ઝ છે અને જો એટલી જમીન ના હોય તો હજ ફર્ઝ થશે નહીં. (ગુનિયતુલ મનાસિક : ૨૦, ઈમ્દાદુલ અહકામ : ૨ / ૧૫૩) ફકત અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.


જમીનોના માલિક ઉપર હજ ફરજ છે કે નહીં ?

સવાલ (૩) એક માણસ પાસે જમીનો છે પણ આવકનું બીજું કોઈ સાધન નથી, આ વ્યકિત પોતાની બધી અથવા થોડીક જમીન વેચાણ કરે તો તેની કિંમતથી હજની અદાયગી થઈ શકે છે, તો શું આવી વ્યકિત ઉપર હજ ફર્ઝ થશે કે નહીં ?

حامدا و مصليا ومسلما 

રજૂ કરવામાં આવેલ સૂરતમાં તે વ્યકિત પાસે એટલી જમીન હોય કે તેમાંથી થોડીક જમીન વેચે જેનાથી હજના જરૂરી ખર્ચ પૂરા થઈ જાય અને હજથી પાછા ફર્યા પછી વધેલ જમીનથી પોતાની અને પોતાના શિરે જેઓના ભરણપોષણની જવાબદારી છે, તે પૂર્ણ થઈ શકતી હોય તો તે વ્યકિત ઉપર હજ ફર્ઝ છે અને જો એટલી જમીન ના હોય તો હજ ફર્ઝ થશે નહીં. (ગુનિયતુલ મનાસિક : ૨૦, ઈમ્દાદુલ અહકામ : ૨ / ૧૫૩) ફકત અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.


જીવનજરૂરીયાતી વસ્તુઓ વેચી હજમાં જવું.

સવાલ (૪) : એક માણસ પાસે એટલો માલ નથી કે જેનાથી તે હજ અદા કરી શકે તો શું તે હજ અદા કરવા અર્થે પોતાની જીવન જરૂરીયાતની વસ્તુઓ વેચી હજ કરે તે જરૂરી છે ?

જવાબ:(૪) حامدا ومصلیا ومسلما હર્જ ફર્ઝ થવા માટે જીવન  જરૂરીયાતની વસ્તુ અને માલથી વધુ એટલો માલ હોવો જરૂરી છે કે જેનાથી હજના જરૂરી ખર્ચ અદા કરી શકે અને જીવન જરૂરીયાતની વસ્તુથી વધુ માલ ન હોય તો તેના ઉપર હજ ફર્ઝ થશે નહીં, માટે રજૂ કરવામાં આવેલી સૂરતમાં હજ માટે જીવન જરૂરીયાતના સામાનને વેચવાની જરૂરત નથી. (ગુન્યતુલ મનાસિક : ૨૦) ફકત અલ્લાહ તઆલા વધુ જાણનાર છે. (તા. ૨૯ શવ્વાલ ૧૪૪૨ હિજરી)


બોધકથા ..

હઝરત મવલાના અશરફ અલી થાનવી રહ. એકવાર સહારનપૂરથી કાનપૂર જવા માટે લખનઉ જતી ટ્રેનમાં સવાર થયા. ડબ્બામાં બેસ્યા પછી બાજુના મુસાફર સાથે વાત ચીત શરૂ કરી અને પૂછયું કે તમે પણ લખનઉ જઈ રહયા છો ? એમણે જવાબ આપ્યો કે, ના, હું તો મેરઠ જઈ રહયો છું.

મવલાના થાનવી રહ.એ એને જણાવ્યું કે, આ ટ્રેન મેરઠ નહીં જાય. આ તો તમને લખનઉ લઈ જશે.

તેઓ બેચેન થઈ ગયા. ટ્રેન ચાલી પડી હતી. હવે એમની પાસે એક જ રસ્તો હતો કે પાસેના સ્ટેશને ઉતરીને પોતાની ટ્રેન બદલી લે. પરંતુ સાચા રસ્તે ન હોવાના કારણે તેઓ એટલા બેચેન હતા કે મેં એમના સાથે કંઈક વાત કરીને અને સલાહ આપવાની કોશિશ કરી તો કહેવા લાગ્યા : તમને વાતો કરવાની પડી છે, અને અહિંયા અમારા દિલમાં જે બેચેની -વ્યાકુળતા છે તે અમે જ જાણીએ છીએ.

ઘટનાનો એક બોધપાઠ આ છે કે સાચા રસ્તે ચાલનાર માણસને મંઝિલે પહોંચવાનું યકીન હોય છે, જેના લઈ એના દિલમાં એક પ્રકારનો સંતોષ, શાંતિ અને નિરાંત હોય છે. અને આ યકીનના પ્રતાપે સફરની તકલીફો વેઠવી પણ આસાન થઈ જાય છે. એનાથી વિપરીત ખોટા રસ્તે ચાલનાર માણસ ઘણો બેચેન હોય છે. અને આ બેચેની ઘણીવાર સાચું માર્ગદર્શન મેળવવામાં પણ અવરોધરૂપ બની જાય છે.

બીજો બોધ, બલકે પ્રથમ અને મહત્વનો બોધ આ છે કે ખોટા રસ્તે ચાલનાર માણસને જેટલી વહેલી ખબર પડે કે એ ખોટા રસ્તે ચાલી રહયો છે, એમાં એની ભલાઈ છે. રસ્તો બદલીને સાચા રસ્તે આવવું વધારે સરળ રહે છે. અને જેટલું મોડું થાય એટલું વધારે નુકસાન. અને જો કોઈને ખબર જ ન પડે કે એ ખોટા રસ્તે જઈ રહયો છે, અને સફર પૂરો થયે ખોટી અને અજનબી મંઝિલે પહોંચી જાય તો, આવો માણસ પહેલા પ્રકારની બેચેનીથી તો બચી જશે પણ ખોટા ઠેકાણે પહોંચવાની મુસીબત અને નુકસાન કંઈ ગણું વધારે હોય છે. કદાચ એની ભરપાય ન થાય એટલું બધું....


First Ten Days of Dhul-Hijjah,

First Ten Days of Dhul-Hijja

Allah has sworn by the first ten days of Dhul-Hijjah in the Qur'an (By the Dawn. By the ten nights (i.e. the first ten days of month of Dhul-Hijjah) Sura Al-Fajr. Verses: 1-2). This shows that the first ten days of Dhul-Hijjah are of great importance in Islam. The important rite of Hajj i.e. 'Wuqufe Arafah' is also performed in these ten days, which is the day of acquiring the greatest blessings of Allah. Thus, after Ramadan, there is the best chance to attain the success in the Hereafter in these days. Therefore, in these days, worship Allah as much as you can, do His Zikr, observe fast and offer sacrifice. There are special virtues of worshipping in these days which are mentioned in Ahadith, out of which I am describing some Ahadith below:

It is reported from Abdullah bin Abbas (RA) that the Prophet (PBUH) said: "On no other days are good deeds more liked by Allah than on these ten days (i.e. the first ten days of Dhul-Hijjah)." (Sahih Bukhari)

It is reported from Abdullah bin Abbas (RA) that the Prophet (PBUH) said: "No other days are considered more virtuous by Allah than these ten days, therefore, you should recite Tasbeeh-o-Tehleel and Takbeer-o-Tahmeed in abundance." (Tabraani)

Fasting On the Day Of Arafah:


It is reported by Qatada (RA) that the Holy Prophet (PBUH) said: "About the fasting on the day of Arafah, I surely hope that Allah will expiate the sins of the preceding year and the coming year because of it.”(Sahih Muslim)


From this Hadeeth, we come to know that fasting on the day of Arafah expiates the sins of the preceding year and the coming year. Therefore, fast on the 9th of Dhul-Hijjah.

Explanation: Due to difference in Matale' (the moon's rising places), it does not matter if the day of Arafah is different in different countries. Because similar to the day of Eid-ul-Fitr, the day of Eid-ul-Azha, Shab-e-Qadr and the day of Ashura, whatever day is considered to be the day of Arafah in terms of location, fasting on the same day would bring virtues and rewards, Insha Allah.

The Reality of Sacrifice:

Although, the process of sacrifice is ordained for every Ummah, as Allah said: "And for every nation We have appointed religious ceremonies, that they mention the name of Allah over the beast of cattle that He has given." (Surah Al-Hajj, Verse: 34). But the sacrifice was named after the great offering of sacrifice from Ibrahim and Ismael (AS) as "Sunnat-e-Ibraheemi". And due to this reason, it has become really important since that time. Therefore, sacrifice of animals is offered by the command of Allah, following the Sunnah of Prophet (PBUH) in order to remember the great sacrifice of Ibrahim and Ismail (AS) and this offering will continue till the Day of Judgment, Insha Allah. We get the lesson from this sacrifice that we are ready to sacrifice anything, our body, soul and time, in obedience to Allah.

The Significance and Virtues of Sacrifice:

Abdullah Bin Umar (RA) says that the Holy Prophet (PBUH) stayed in Madina Munawwara for ten years (and during this period) he had been continuously doing sacrifice (Tirmidhi, Abwab-ul-Azahi). Thus, during his stay at Madina, Prophet (PBUH) never missed the sacrifice even at a single occasion, although nothing was being cooked in his home for months for lack of food.

It is reported by Zaid Bin Arqam (RA) that the Companions (RA) asked the Prophet (PBUH): "O Prophet! What is Sacrifice?" (It means what is the purpose of Sacrifice?) The Prophet (PBUH) said: "It is the practice and Sunnah of your father Ibrahim (AS). The Companions (RA) asked: "What will we benefit from Sacrifice?" The Prophet (PBUH) said: "For every hair, you'll get one virtue." The Companions (RA) asked: "What will we benefit in return of wool?" The Prophet (PBUH) said: "(even) for every hair of the wool, you'll get one virtue." (Sunan Ibne Maja, Baab Sawaabul Azhia)

It is reported by Ayesha (RA) that the Prophet (PBUH) said: "No deed is more beloved to Allah than shedding the blood of sacrifice on 10th Dhul-Hijjah and the person who sacrifices will bring the hair, horns and hooves of his sacrificed animals on the Day of Judgment (and these things will become the cause of his virtues) and the blood of the sacrificed animal is accepted by Allah before it falls on the ground, therefore, offer the sacrifice happily." (Tirmizi. Baab Ma Jaa' Fi Fazlil Azhia).

It is reported from Abdullah Ibne Abbas (RA) that the Prophet (PBUH) said: "The wealth spent in any other thing is never superior to the wealth that has been spent on sacrifice on the day of Eid-ul-Azha." (Sunan Dar Qutni, Baabuz Zabaaeh, al-Sunan al-Kubra Lil Baihaqi Volume 9 Page 261)


છેલ્લા પાને......

અલ્લાહની મદદ

કુરઆનમાં અલ્લાહ તઆલા ફરમાવે છે : યકીન રાખો, અમે અમારા નબી ઉપર ઈમાન લાવનાર લોકોને દુનિયામાં પણ મદદ કરીએ છીએ અને એવા દિવસે પણ મદદ કરીશું જયારે ગવાહી આપનારા સામે ઉભા હશે. (સૂ. મુઅમિન : ૫૧)

કંજૂસ

હદીસ શરીફમાં છે : સૌથી મોટો કંજૂસ માણસ તે માણસ છે, જે સલામ  કરવામાં પણ કંજૂસી કરે.

ચાર ખૂબીઓ

ચાર ખૂબીઓ માણસમાં હશે તો આખી દુનિયા પણ હાથમાંથી નીકળી જાય તો ચિંતાની વાત નથી.(મુ. અહમદ)

સમજદારી

અન્ય પ્રાણીઓ અને માનવી વચ્ચે અક્કલ અને સમજદારીનો જ મોટો  તફાવત છે, આ જ કારણે માણસ 'અશરફૂલ મખ્લૂકાત' છે.

સપનાં

જે રાત્રે ઊંઘમાં દેખાય છે એ સપના નથી. સપના તો ઉઘ કુરબાન કરીએ ત્યારે મળતા હોય છે

નાની નાની વાતો

લોકો માણસને નાની નાની વાતોએ છોડી દે છે. અને ખુદા તઆલા માણસને નાની નાની વાતે અને ઇબાદતે પકડીને નજીક કરી લે છે.

પીળા અને લીલાં પાંદડાં

પાનખરમાં પાંદડા પીળા પડીને ખરી જાય છે, પણ જોવાનું આ છે કે પછી એ જ સ્થળે લીલાં પાંદડા ખીલે છે.

શરમની વાત

એક માણસ માટે આ શરમની વાત છે કે વફાદારી સમજાવવા માટે એની સામે કુતરાનું ઉદાહરણ આપવું પડે છે.

સાચું  જ્ઞાન

 આ છે કે માણસને ખબર હોય કે મને શું ખબર નથી ?

માણસના અસલી સંસ્કાર

એકાંતમાં માણસને જેની તલબ અને ઈચ્છા થાય, સમજો કે એ જ માણસનો સ્વભાવ અને સંસ્કાર છે.

એક ભૂલ 

માણસ એક મોટી ભૂલ આ કરે છે પહેલાં કોઈ બીજા માણસ સામે રડે છે અને પછી અલ્લાહ સામે રડે છે.

અલ્લાહ તઆલા

અલ્લાહ તઆલા તો સદાયે માણસના નિકટ જ હોય છે, પણ માણસ અલ્લાહ તઆલાથી દૂર થઈ જાય છે.

વાયદો અને ફેસલો

ખુશ થઈને કોઈ મોટો વાયદો ન કરી બેસો અને ગુસ્સો હોય ત્યારે કોઈ ફેસલો – નિર્ણય ન કરો.

ચમચો

ચમચો જે વાસણમાં પણ પડે છે, એને ખાલી કરીને જ છોડે છે.


અલ્લાહના નેક બંદાઓ

હઝરત થાનવી રહ.એ કિસ્સો લખ્યો છે કે, એક બુઝુર્ગની બીવી ખરાબ સ્વભાવની હતી. બુઝુર્ગને ઘણા સતાવતી હતી. લોકોને પણ ખબર પડી ગઈ કે આ બાઈ એમના બુઝુર્ગ શોહરને સતાવે છે, પરેશાન કરે છે. અમુક લોકોએ બુઝુર્ગને કહયું કે, આવી બીવીને તલાક આપી દેવી જોઈએ. બુઝુર્ગે કહયું કે, હા, હું આમ કરી શકું છું. પણ એક બીજું કામ મારા બસમાં નથી, એટલે તલાક નથી આપતો.

વાત એમ છે કે મારા તલાક આપ્યા પછી શકય છે કે આ ઓરત કોઈ બીજાના સાથે નિકાહ ન કરે. આવી સ્થિતિમાં તો કોઈ વાંધો નથી. પણ જો આ ઓરતના કોઈ બીજા સાથે નિકાહ થાય તો આ ઓરત એને પણ સતાવશે અને પરેશાન કરશે જ. હું આ વિચારીને તલાક નથી આપતો કે બીજાને જે તકલીફ પહોંચવાની છે, તે હું બરદાશ્ત કરી લઉં, બીજો કોઈ મુસલમાન ભાઈ મારા કારણે આ ઓરતની તકલીફથી મહફૂજ રહે એ મારા માટે મોટી વાત છે.

શેખસાદી રહ.એ પણ આવો એક કિસ્સો લખ્યો છે : એક ચોર કોઈ નેક ગરીબ માણસના ઘરે ચોરી કરવા ગયો. ઘણું બધું શોધ્યા પછી એને કંઈ પણ મળ્યું નહીં. પેલો દરવેશ માણસ આ બધું જોઈ રહયો હતો. ચોરને ખાલી હાથ જતા જોઈને એમને રહમ આવ્યો અને પોતાની ચાદર એના રસ્તમાં નાખી દીધી, જેથી કરીને તે ખાલી હાથે ન જાય.

શેખ સાદી રહ.એ આ કિસ્સો લખ્યા પછી રૂબાઈ લખી છે :

شنیدم که مردان راه خدا -- دل دشمناں ہم نکردند تنگ

ترا کے میسر شود ایں مقام -- که با دوستانت خلافست و جنگ

મેં સાંભળ્યું છે કે અલ્લાહના નેક બંદાઓ તો દુશ્મનોના દિલને પણ પરેશાન કરતા ન હતા. પણ તને હે અલ્લાહના બંદા ! આવો મરતબો કેવી રીતે મળી શકે છે ? કારણ કે તું તો દોસ્તો સાથે પણ લડાઇ-ઝઘડો કરતો રહે છે


મુસ્લિમ અદાવતનું નવું સ્થાન : ફ્રાન્સ

તંત્રી સ્થાનેથી ...

મુસ્લિમ અદાવતનું નવું સ્થાન : ફ્રાન્સ

વર્તમાન દુનિયામાં ઘણી કોમો અને સમાજો વસી રહયા છે. ઘણી કોમો અને સંસ્કૃતિઓ ખતમ થઈ ગઈ. ઘણી કોમો એવી છે કે દુનિયાની ક્ષિતિજે એની કોઈ ચમક દેખાય નથી, અને ગુમનામીમાં જ એ ખતમ થઈ ગઈ. અને કેટલીયે કોમો એવી છે કે કોઈ ખૂબી કે ખામીના કારણે દુનિયામાં મશ્હૂર થઈ જાય છે. આજે પણ દુનિયામાં જેટલી કોમો છે અને ચર્ચામાં રહે છે, એ બધી કોમો કોઈ ખૂબી કે ખરાબીના કારણે જ મશ્હૂર છે. ફ્રાન્સ અને ત્યાં વસતા લોકો આજકાલ એમની ધાર્મિક કટ્ટરતા અને ઇસ્લામ દુશ્મનીના કારણે મશ્હૂર છે. આજે સ્થિતિ એવી છે કે મુસલમાનોને તકલીફ પહોંચે કે વિરોધ વ્યકત થાય એવો કોઈ મોકો તેઓ હાથમાંથી જવા દેવા નથી માંગતા. પાછલા અમુક વરસોમાં તેઓ એવા અનેક પગલાં ભરી ચુકયા છે જેનાથી ઇસ્લામ પ્રત્યે એમની અદાવત ભારોભાર છલકે છે.

આજકાલ ભારતમાં પણ એક ટ્રેન્ડ ચાલી રહયો છે, વિશ્વમાં જયાં પણ મુસ્લિમ વિરોધી કોઇ નિર્ણય કે પગલું ભરવામાં આવે, ભારતમાં અમુક લોકો એના સમર્થનમાં ઉતરી પડે છે. એવું લાગે છે કે વિશ્વમાં હવે નિતિ – રીતી અને માનવીને આદર્શ જીવનનું માર્ગદર્શન આપે એવો કોઈ સાચો ધર્મ અને જીવનમંત્ર બાકી જ નથી રહયો, એટલે બધા ધર્મો પોતાનું અસ્તિત્વ એમાં જ જુએ છે કે ઇસ્લામનો વિરોધ કરીને પોતાના ધર્મનું અસ્તિત્વ ટકાવી રાખવામાં આવે. ઇસ્લામની સચ્ચાઈ અને ઉપયોગિતા પૂરવાર કરવામાં આ બાબત મહત્વનું પરિબળ અને મદદરૂપ મુદ્દો બની શકે છે. અલબત્ત આપણે આ તકનો લાભ ઉઠાવીને ઇસ્લામને અમલી રીતે, સમયની સમસ્યાના ઉકેલ તરીકે સમય મુજબ આધુકિન ભાષામાં રજૂ કરી શકીએ તો…

ફ્રાન્સ દ્વારા જ સહુપ્રથમ હિજાબ ઉપર પાબંદી લગાવવામાં આવી હતી. એન પછી એના અનુકરણમાં જ બીજા અમુક સેકયુલર કહેવાતા દેશોએ પણ પાબંદી લગાવી છે. સહુપ્રથમ ૨૦૦૪માં સ્કૂલોમાં હિજાબ ઉપર પાબંદી લગાવવામાં આવી. પછી ૨૦૧૦માં જાહેર સ્થળોએ, પાર્ક અને સરકારી ઇમારતોમાં હિજાબની પાબંદીનો કાયદો પસાર કરવામાં આવ્યો. જે મુજબ સ્ત્રીઓ ઉપર બુરકો પહેરવા અને ચહેરો છુપાય એવો કોઈ પણ લિબાસ પહેરવાની મનાઈ કરવામાં આવી. ફ્રાન્સ પછી સ્પેન, બેલ્જિયમ, ઇટલી, સ્વીટઝરલેન્ડ, ડેન્માર્ક, હોલેન્ડ વગેરે દેશોમાં આવી પાબંદીઓ શરૂ કરવામાં આવી. આમાંથી અમુક દેશોમાં તો દરેક પ્રકારના ધાર્મિક ચિહનો અને પોશાક ઉપર પાબંદી લગાવવામાં આવી છે, જેમ કે યહૂદી ટોપી અને મુસલમાન બુરકો, શીખ પાઘડી વગેરે. જયારે અમુક દેશોમાં ફકત ઇસ્લામી ઓળખ અને લિબાસ ઉપર પાબંદી છે.

ચાર્લી હેબ્દો નામનું એક બદનામ મેગેઝિન પણ ફ્રાન્સથી નીકળે છે. સરકારી છત્રછાયા હેઠળ એના દ્વારા અનેક વાર નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની શાનમાં ગુસ્તાખી કરવામાં આવી છે. આ બાબતે વિશ્વભરના મુસલમાનો અને સરકારોએ વિરોધ વ્યકત કર્યો છતાં ફ્રાંન્સ અને યુરોપની અનેક સરકારો આ મેગેઝિનનું સમર્થન કરે છે. વાણી – વિચારની સ્વતંત્રતાના નામ પર અનેક વાર શાને રિસાલતમાં આ મેગેઝિન થકી ગુસ્તાખી કરવામાં આવી, છતાં સરકાર તરફથી કોઈ પગલાં લેવામાં નથી આવતાં. સેકયુલરિઝમ એટલે કે બિન ધાર્મિકતા અથવા ધાર્મિક સમાનતાના બધા સિદ્ધાંતો આવા સમયે એક તરફ મુકી દેવામાં આવે છે.

પાછલા દિવસોમાં ફલસ્તીન ઉપર ઇઝરાયેલ દ્વારા અત્યાચારનો નવો ઇતિહાસ રચવામાં આવી રહયો હતો, શહેરો અને રહેણાંક વિસ્તારો ઉપર સીધી રીતે બોંબ વરસાવવામાં આવી રહયા હતા, સેંકડો નાગરિકો અને બાળકો શહીદ થયા, આખું વિશ્વ આ બાબતે ચિંતા વ્યકત કરી રહયું હતું, દરેક દેશમાં ઇઝરાયેલ વિરુદ્ધ દેખાવો થઈ રહયા હતા, અમેરિકા અને બ્રિટેનના બિન મુસ્લિમ લોકો પણ પરેશાન થઈને સડકો ઉપર ઉતરી આવ્યા હતા... ત્યારે ફ્રાંન્સ તરફથી અમાનવીય અને ધૃણાસ્પદ નિવેદનો આવી રહયા હતા. મુસ્લિમ દુશ્મનીમાં આંધળા થઈ ચુકેલા ફ્રાંન્સને ઇઝરાયેલનો ઝુલમ અને ફલસ્તીનમાં વ્યાપેલ માનવીય ત્રાસદી પણ નજર નહીં આવી, એ હદ કહેવાય. બલકે સ્વતંત્રતાના હિમાયતી ફ્રાંન્સમાં ફલસ્તીન તરફી રેલીઓ કરવા અને ઇઝરાયેલ વિરુદ્ધ દેખાવો કરવા ઉપર પણ પાબંદી લગાવી દેવામાં આવી હતી.

એવું લાગે છે કે ભવિષ્યમાં ફ્રાન્સ મુસ્લિમ વિરોધનું કેન્દ્ર બલકે આગેવાન શયતાન બનીને સામે આવી શકે છે. લોકોએ વાણી - વિચારની સ્વતંત્રતાના ખોખલા સુત્રોની વાસ્તવિકતા સમજવાની જરૂરત છે. આવા દેશો એની પાછળ સંતાયને પોતાની મુસ્લિમ દુશ્મની વ્યકત કરે છે.

અલબત્ત અમને લાગે છે કે ફ્રાન્સ અને એનું સમર્થન કરતા લોકો સરવાળે નુકસાનમાં રહેશે. કહે છે કે કાચના ઘરમાં રહેતા હોઈએ તો કોઈ બીજાને પથરા ન મરાય.. ઈસ્લામ જેવા સર્વગ્રાહી નિતિઓ અને ફિલોસોફી ધરાવતા ધર્મને ખોટો ઠેરવવાના પ્રયાસો, અને તે પણ એવા દેશોમાં જયાં બધું જ વિજ્ઞાન, તર્ક અને વહેવારની એરણે તોળાતું હોય, નુકસાનકારક જ નીવડશે. અમેરિકા અને યુરોપના અન્ય દેશો આ અખતરો કરી ચુકયા છે. ૯/૧૧ પછી અમેરિકાએ ઇસ્લામ વિરુદ્ધ એક લાંબી ચળવળ ચલાવી હતી, પણ એના પરિણામો અમેરિકામાં પણ અને વિશ્વમાં ખરાબ આવ્યાં છે. ફ્રાંન્સ અને એના સમર્થકોના આવા પ્રયાસો લોકોમાં ઇસ્લામને સમજવામાં જિજ્ઞાસા અને ઉત્સુકતા વધારશે અને લાંબાગાળે ઇસ્લામ અને મુસલમાનોને ફાયદો થશે.

કંઈક આવા જ સંજોગો ભારતમાં રચાય રહયા છે. ઈલેકશન જીતવાના બહાનું કહો કે સત્તાની સાઠમારી... પણ આ વાસ્તવિકતા નકારી શકાય નહીં કે અમુક શકિતઓને ભારતમાં મુસલમાનોનું અસ્તિત્વ ખટકી રહયું છે અને તેઓ ઇસ્લામ અને મુસલમાનોને ભુંડા ચીતરવા માટે ગમે તેટલી હદે જૂઠ અને ફરેબનો સહારો લેવામાં પણ શરમ નથી અનુભવતા.. પણ એમણે યાદ રાખવું જોઈએ કે જે ધર્મ અને સંસ્કૃતિ પાસે સમાજને આપવા માટે કંઈ છે જ નહીં, એના માટે આવા પ્રયાસો નુકસાનકારક નીવડી શકે છે. સામાન્ય માણસ પણ આવા ટાણે સમીક્ષા અને તુલના કરે છે, કે ફલાણી – ઢીકણી બાબતે ઇસ્લામની ખામી દર્શાવવામાં આવે છે તો આપણી પાસે એના મુકાબલામાં શું છે ? લોકો આવી તુલના કર્યા પછી પોતાના ધર્મથી માયૂસ થઈને ઇસ્લામ પ્રતિ આર્કષાય છે.. એ દરેકે યાદ રાખવું જોઈએ.

—--------------------------------


જામિઅહના એકાઉન્ટન્ટ... જનાબ ઝુબેરભાઈ દસુ. રહ…

જામિઅહના એકાઉન્ટન્ટ... જનાબ ઝુબેરભાઈ દસુ. રહ…

તા. ૨૩ જૂન ના દિવસે જામિઅહના એકાઉન્ટન્ટ, જનાબ ઝુબેર ભાઈ દસુ રહ.. અલ્લાહની રહમતે પહોંચી ગયા. ઇન્નાલિલ્લાહ.. મરહૂમ છેલ્લા ૪૫ દેવસથી બીમાર હતા, જામિઅહથી સલગ્ન અલમહમૂદમાં જ સારવાર લઈ રહયા હતા, કોરોના સંક્રમિત થયા હતા, છેલ્લે સુધી બધા રિપોર્ટ નોર્મલ આવી રહ્યા હતા, અલબત્ત ફેફસા ખરાબ થયા હતા જેમાં કોઈ સુધારો આવી શકયો નહીં, અને આખર આ બાબત જ એમની વફાતનો સબબ બની. સઘળા ઉપાયો અને દરેક પ્રકારની સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવી. પણ અલ્લાહ તઆલાની મરજી સામે કોઈનું ચાલતું નથી.

જામિઅહ માટે એમની વફાત મોટું નુકસાન છે. જામિઅહના આરંભકાળથી જ તેઓ જામિઅહ સાથે જોડાયા હતા અને જામિઅહને પોતાનું ઘર, બલકે આખિરતનું ઘર સમજીને જામિઅહમાં પોતાની ફરજ નિભાવતા હતા. અનેકાનેક જવાબદારીઓ વધવા છતાં તેઓ બધી જવાબદારીઓ હસતા મુખે સ્વીકારીને પૂરી કરતા રહયા. જામિઅહ ઉપરાંત અલમહમૂદ ચેરી. ટ્રસ્ટના હિસાબ માટે પણ યોગ્ય મદદ કરતા હતા. અને મુજ નાચીઝ પ્રત્યે વ્યકિતગત અકીદત દાખવીને જામિઅહની છત્ર છાયામાં કે મારી સામાજિક સેવાઓના અનુસંધાને જમીઅતે ઉલમાએ હિંદ, જિલ્લા ભરૂચના હિસાબો, અવારનવાર જામિઅહમાં યોજાતા અન્ય પ્રોગ્રામો બાબતનો હિસાબ, કુદરતી આફત વેળા અત્રેથી એકત્ર કરીને મોકલવામાં આવેલ ફાળાનો હિસાબ અને અહિંયા આવેલ આફતોમાં બહારથી આવેલ મદદનો હિસાબ પણ તેઓ અમાનતદારીથી કરી આપતા હતા.

પોતાની જવાબદારી પૂરી કરવા માટે ઘણો વધારે સમય જામિઅહમાં આપતા હતા. મારા અનુમાને તેઓ એકલા હાથે ત્રણ ચાર માણસનું કામ કરતા હતા. અમાનતદારી અને ચીવટમાં એમનો કોઈ જોડ ન હતો.

સંસ્થાના હિસાબ માટે અલગ માણસ રાખીને સંસ્થા ચલાવવી, ગુજરાતની સંસ્થાઓ – મદરસાઓની વિશેષતા છે. અને ગુજરાતની દીની સંસ્થાઓની સફળતા અને પ્રગતિનું આ મુખ્ય કારણ પણ છે. અને એમાં પણ મુખ્ય હિસ્સેદારી અમાનતદાર હિસાબનવેસોની છે.

ખિદમતનો બદલો દરેકને આખિરતમાં મળવાનો છે, મને પણ અને એમને પણ અને બીજા દરેકને. પણ મને એમ લાગ્યા કરે છે કે મદરસાઓ અને મુસ્લિમ વકફની સંસ્થાઓના હિસાબ અમાનતદારી પૂર્વક લખનાર સાચવનાર લોકો કયામતના દિવસે ઘણા આગળ હશે. ઈન્શાઅલ્લાહ..

મરહૂમના પરિવારજનોની સેવામાં મસ્નૂન તઅઝિયત પેશ કરીને દુઆ કરું છું કે અલ્લાહ તઆલા એમની મગફિરત ફરમાવે. જન્નતુલ ફિરદોસમાં ઉચ્ચ સ્થાન અતા ફરમાવે. સગાઓને સબ્ર આપે અને મરહૂમના સ્થાને અલ્લાહ તઆલા પોતે એમની દેખરેખ રાખીને પરવરિશ ફરમાવે. આમીન.


મઆરિફુલ હદીસ

હઝરત મવલાના મંઝૂર નોમાની (રહ.) 

અનુવાદ : મવલાના યાકૂબ બારીવાલા સા. રહે. ૧૫૬ (બ્લેકબર્ન. યુ.કે.)

ઈમાન અને નમાઝ પછી ઝકાતની દઅવત

(1) عَنْ ابْنِ عَبَّاسٍ أَنَّ رَسُولَ اللهِ ﷺ بَعَثَ مَعَاذَا إِلَى الْيَمَنِ فَقَالَ إِنَّكَ تَاتِي قَوْماً أَهْلَ كِتَابٍ فَادْعُهُمْ إِلَى شَهَادَةِ أَنْ لَا إِلَهَ إِلَّا اللَّهَ وَأَنَّ مُحَمَّداً رَسُولُ الله ﷺ فَإِنْ هُمْ أَطَاعُوا لِذَالِكَ فَأَعْلِمُهُمْ أَنَّ اللَّهَ قَدْ فَرَضَ عَلَيْهِمْ خَمْسَ صَلَوَاتٍ فِي الْيَوْمِ وَاللَّيْلَةِ فَإِنْ هُمْ أَطَاعُوا لِذَالِكَ فَأَعْلِمُهُم أَنَّ اللَّهَ قَدْ فَرَضَ عَلَيْهِمْ صَدَقَةً تُوْخَذُ مِنْ أَغْنِيَائِهِمْ فَتُرَدُّ عَلَى فُقَرَائِهِمْ فَإِنْ هُمْ أَطَاعُوا لِذَالِكَ فَإِياكَ وَكَرَائِمَ أَمْوَالِهِمْ وَاتَّقِ دَعْوَةَ الْمَظْلُومِ فَإِنَّهُ لَيْسَ بَيْنَهَا وَبَيْنَ اللَّهِ حِجَابٌ (رواه البخاري ومسلم)

તરજુમા : હઝરત અબ્દુલ્લાહ બિન અબ્બાસ રદિ.થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)એ મઆઝ બિન જબલ રદિ.ને યમન મોકલ્યા, તો (રવાના કરતી વખતે) ફરમાવ્યું કે, તમે ત્યાં એક કિતાબવાળી કોમ પાસે જઈ રહ્યા છો. (જયારે તેમની પાસે પહોંચો) તો (સૌ પ્રથમ) તેમને એ કેહજો કે તેઓ તેની શાક્ષી આપે કે અલ્લાહ સિવાય કોઈ ઈબાદત અને બંદગીના લાયક નથી. અને મુહંમદ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) અલ્લાહના રસૂલ છે. જો તેઓ તમારી આ વાત માની લે તો તેમને બતાવો કે અલ્લાહ તઆલાએ તમારા ઉપર રાત દિવસમાં પાંચ નમાઝો ફરજ કરી છે. જો તેઓ એ પણ માની લે તો તેમને બતાવો કે અલ્લાહે તેમના ઉપર સદકો (ઝકાત) ફરજ કરી છે. જે તેમના માલદારોથી વસૂલ કરી તેમના ફકીરો અને ગરીબોને આપવામાં આવશે. જો એનો પણ સ્વીકાર કરી લે તો (ઝકાત વસૂલ કરવા બાબત વીણી વીણી) તેમનો સારો અને ઉમદા માલ લેવાથી બચજો. (હા મધ્યમ પ્રકારનો માલ વસૂલ કરજો, અને એ બારામાં કોઈની ઉપર જોર ઝબરદસ્તી ન કરશો.) અને મઝલૂમની બદદુઆથી બચજો, કેમકે તેની અને અલ્લાહ વચ્ચે કોઈ આડ નથી. (તે વિના સીધી અલ્લાહની બારગાહમાં પહોંચે છે. અને કબૂલ થાય છે.) (બુખારી મુસ્લિમ)

ખુલાસો : આ હદીસ ભલે મઆરિફુલ હદીસના પહેલા ભાગમાં કિતાબુલ ઈમાનના અનુસંધાનમાં વર્ણન થઈ ચુકી છે. અને ત્યાં એનો ખુલાસો પણ ઘણો વિગતવાર કરવામાં આવ્યો છે. પરંતુ ઈમામ બુખારી રહ. વગેરે રીતે યોગ્ય જણાયું કે કિતાબુઝકાતનો આરંભ પણ એ જ હદીસથી કરવામાં આવે.

ઘણા આલીમો અને સીરતના લેખકોની તહકીક પ્રમાણે હઝરત મઆઝ બિન જબલ રદિ.ને યમનના ગવર્નર અને કાજી બનાવી મોકલવાનો આ બનાવ સન હિજરી નવનો છે. અને ઈમામ બુખારી રહ. અને બીજા અમૂક આલિમોનું મંતવ્ય છે કે સન હિજરી દસનો બનાવ છે. યમનમાં ભલે એહલે કિતાબ સિવાય મૂર્તિપૂજક મુશરિકો પણ હતા, પરંતુ એહલે કિતાબની ખાસ મહત્વતાના કારણે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)એ તેમનું વર્ણન કર્યુ અને ઇસ્લામની હિકમતભરી વ્યવસ્થા અનુસાર દર્શાવ્યું કે ઈસ્લામના બધા હુકમો અને માંગણીઓ એકી સાથે સામે વાળાને ન બતાવવામાં આવે. તેવી હાલતમાં ઇસ્લામ ઘણો જ કઠણ અને શકિત બહારનું વજન જણાશે. જેથી પહેલાં તેમની સામે ઇસ્લામની માન્યતાઓમાં ફકત તૌહિદ અને રિસાલતની શાક્ષી રજુ કરવામાં આવે. જેને દરેક અકલમંદ અને સારી ફિતરત તેમ નેક દિલ માણસ સહેલાઈથી માનવા તૈયાર થઈ શકે. ખાસ કરી એહલે કિતાબ માટે આ વાત નવી નથી.

પછી જયારે સામેવાળાનું દિલ અને દિમાગ તેને સ્વીકારી લે અને તે ફિતરી અને મૂળભૂત વાત માની લે તો તેમની સામે નમાઝનો ફરજ રજૂ કરવામાં આવે જે શારીરિક અને આત્મિક, અને જીભ વડે કરવાની ઈબાદતનો ઘણો જ ઉમદા અને સારામાં સારો પ્રસ્તાવ છે. જયારે તેને તેઓ સ્વીકારી લે તો તેમની સમક્ષ ઝકાતનો ફરજ રજૂ કરવામાં આવે. અને એ સંબંધી ખાસ ખુલાસો કરવામાં આવે કે આ ઝકાત અને સદકો ઇસ્લામના પ્રચારકો તેમના અંગત ઉપયોગ માટે તમારી પાસે માંગતા નથી, પરંતુ એક નક્કી હિસાબ અને કાયદા મુજબ જે કોમ અને જે જગ્યાના તવંગરો પાસેથી લેવામાં આવે તે જ કોમ અને ત્યાંના જ જરૂરત મંદો અને ભીખારીઓમાં વાપરવામાં આવશે.

ઇસ્લામની દઅવત વિષે આ સુચના સાથે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)એ હઝરત મઆઝ રદિ..ને એ પણ તાકીદ ફરમાવી કે ઝકાત વસૂલ કરવામાં ન્યાયથી કામ કરજો, તેમના જાનવરો અને પાકમાંથી વીણીને સારો માલ લેવામાં ન આવે. સૌથી છેલ્લે નસીહત ફરમાવી કે તમે એક એવી જગ્યાના ગવર્નર અને હાકિમ બનીને જઈ રહ્યા છો, જોર ઝબરદસ્તીથી બચજો અલ્લાહનો મઝલૂમ બંદો જયારે ઝાલિમના હકમાં બદદુઆ કરે છે. તો તે સીધી અર્શ પર પહોંચે છે.

به ترس از آه مظلوماں کے ہنگام دعا کردن  اجابت از در حق بهر استقبال می آید

આ હદીસમાં ઇસ્લામની દઅવત વિષે ફકત તૌહિદ અને રિસાલતની શાક્ષી નમાઝ, અને ઝકાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઇસ્લામના બીજા હુકમો જેમકે રોજા અને હજ્જનો પણ ઉલ્લેખ કર્યો નથી. જે નમાઝ અને ઝકાત માફક જ ઈસ્લામના પાંચ રૂકનોમાંથી છે. હાલાંકે હઝરત મઆઝ રદિ. જે વખતમાં યમન મોકલવામાં આવ્યા રોજા અને હજુ બન્નેવની ફરજીય્યતનો હુકમ આવી ગયો હતો. એનુ કારણ એ છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ના ઈર્શાદનો હેતુ ઇસ્લામની દઅવતના ફાયદાઓ અને તેની હિકમતની રીતો બતાવવાનો હતો. જેથી આપ (સલ્લલ્લાહ અલયહિ વસલ્લમ)એ ફકત આ ત્રણ રૂકનોનો ઉલ્લેખ કર્યો, જો ઇસ્લામના રૂકનોની તાલીમ આપવાનો આશય હોત તો આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) બધા રૂકનોનો ઉલ્લેખ ફરમાવત. પરંતુ હઝરત મઆઝ રદિ.ને તે શિખવવાની જરૂરત ન હતી. તેઓ તે સહાબા રદિ.માંથી હતા જેઓ દીનના ઈલ્મમાં ખાસ મહારત રાખતા હતા.


મઆરિફુલ હદીસ

હઝરત મવલાના મંઝૂર નોમાની (રહ.) 

અનુવાદ : મવલાના યાકૂબ બારીવાલા સા. રહે. (બ્લેકબર્ન. યુ.કે.)

ભાગ નંબરઃ ૧૫૬

ઝકાત ન આપવાનો અઝાબ

(۲) عَنْ أَبِي هُرَيْرَةَ  ؓقَالَ قَالَ رَسُولُ اللهِ ﷺ مَنْ آتَاهُ اللَّهُ مَالًا فَلَمْ يُؤَدِّ زَكٰوتَهُ مُثِّلَ لَهُ يَوْمَ الْقِيمَةِ شُجَاعاً أَقْرَعَ لَهُ زَبِيبَتَانِ يُطَوَّقُهُ يَوْمَ الْقِيٰمَةِ ثُمَّ يَأْخُذُ بِلَهْزِ مَتَيْهِ يَعْنِي شِدْقَيْهِ ثُمَّ يَقُولُ أَنَا مَالُكَ أَنَا كَنُرُكَ ثُمَّ تَلَا وَلَا يَحْسَبَنَّ الَّذِينَ يَبْخَلُونَ بِمَا آتَاهُمُ اللهُ مِنْ فَضْلِهِ هُوَ خَيْراً لَهُمْ بَلْ هُوَ شَرٌّ لَهُمْ ط سَيُطَوَّقُونَ مَا بَخِلُوا بِهِ يَومَ القِيٰمَةِ - (رواه البخاري)

તરજુમાઃ હઝરત અબૂ હુરૈરહ રદિ.થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહ અલયહિ વસલ્લમ)એ ફરમાવ્યું, જે માણસને અલ્લાહ તઆલાએ માલ આપ્યો, છતાં તેણે તેની ઝકાત ન આપી તો તે માલ કયામતના દિવસે તે માણસ સામે એવા ઝેરીલા નાગના રૂપમાં આવશે જેના ઝેરની સખતીને લઈ તેના માથાના વાળ ખરી ગયા હશે. તેની આંખો પર બે સફેદ ટપકાં હશે. (જે સાપમાં આ બે ગુણો હોય તે ઘણો જ ઝેરી સમજવામાં આવે છે.) પછી તે સાપ (ઝકાત ન આપનાર કંજૂસ)ના ગળાનો હાર બનાવી દેવામાં આવશે. (એટલે તેના ગળામાં વિંટાઈ જશે.) પછી તેના બન્ને જડબાઓ પકડી (કરડશે) અને કહેશે કે હું તારો માલ છું હું તારો ખજાનો છું. આ ફરમાવ્યા પછી રસૂલલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)એ કુર્આન મજીદની આયત પઢી:

وَلَا يَحْسَبَنَّ الَّذِينَ يَبْخَلُونَ بِمَا آتَاهُمُ اللّهُ مِنْ فَضْلِهِ هُوَ خَيْرًا لَهُمْ بَلْ هُوَ شَرٌّ لَهُمْ  سَيُطَوَّقُوْنَ مَا بَخِلُوا بِهِ يَوْمَ القِيٰمَةِ - (ال عمران - ٤ - ١٩)

અર્થાત :– અને એવું ન સમજે તે લોકો જે કંજુસી કરે છે. તે માલ અને દોલતમાં જે અલ્લાહે તેની મહેરબાની અને કરમથી તેમને અર્પણ કર્યો છે. (અને તેની ઝકાત આપતા નથી) કે તે માલ દોલત તેમના હકમાં સારો છે. પરંતુ પરિણામે તેમના માટે ખરાબ અને બુરો છે.

કયામતમાં તેમના ગળામાં હાર બનાવી તે દોલત પહેરવામાં આવશે. જેમાં તેમણે કંજુસી કરી હતી. (અને જેની ઝકાત અદા ન કરી હતી) (બુખારી શરીફ)

(તિર્મિઝી, નસાઈ, અને ઈબ્ને માજા માં લગભગ એ જ વાત શબ્દોના નહીંવત ફેરફાર સાથે હઝરત અબ્દુલ્લાહ બિન મસ્ઉદ રિવાયતમાં છે.)

ખુલાસો : કુર્આન અને હદીસમાં ખાસ ખાસ અમલોના જે ખાસ સવાબ અને સજાઓનો ઉલ્લેખ કર્યો છે, તે અમલો અને તેના સવાબો અને સજાઓમાં કાયમ કોઈ ખાસ નિસ્બત હોય છે. અમૂકવાર તે એવી જાહેર થઈ જાય છે કે આપણા જેવા અભણોએ પણ સમજવું મુશ્કેલ નથી હોતું. અને કોઈકવાર એટલી અઘરી અને છુપી નિસ્બત હોય છે કે જેને ફકત ખાસ આરિફ લોકો અને ઉમ્મતના અકલમંદો જ સમજી શકે છે. આ હદીસમાં ઝકાત ન આપવાના ગુનાહની સજા બતાવવામાં આવી છે. કે દોલતનું ઝેરીલો નાગ બની તેના ગળામાં વિટળાઈ જવું. તેના બન્ને જડબાંઓને કરડવું, ખરેખર એ ગુનાહ અને તેની સજામાં પણ એક ખાસ નિસ્બત સંબંધ છે. એનું કારણ એ છે કે જે કંજુસ માણસને જે માલની મહોબ્બત ને લઈ દોલતને વળગી રહે છે. અને વાપરવાની જગ્યાએ ખર્ચ કરતો નથી. તો તેને કહેવામાં આવે છે કે તે ખજાના પર સાપ બની બેઠો છે. અને એ જ નિસ્બતથી કંજુસ અને નિચમાણસ કોઈ કોઈ વાર એવા સ્વપ્ના પણ જુએ છે.

આ હદીસ અને આલે ઈમરાનની ઉપરોકત આયતમાં 'યવમલ કિયામતિ' નો જે શબ્દ છે. તેનો ભાવાર્થ એ છે કે આ અઝાબ દોઝખ અથવા જન્નતનાં ફેંસલાથી પહેલાં મેહશરમાં થશે. હઝરત અબૂ હુરૈરહ રદિ.ની બીજી હદીસમાં (જેને ઈમામ મુસ્લિમ (રહ.)એ રિવાયત કરી છે) ઝકાત ન આપનાર એક ખાસ જમાઅતને આવા પ્રકારના અઝાબના ઉલ્લેખ છેલ્લે આ શબ્દોમાં પણ છે.

حتّٰی یُقْضٰی بَیْنَ الْعِبَادِ فَيُرَى سَبِيْلَهُ إِمَّا إِلَى الْجَنَّةِ وَإِمَّا إِلَى النَّارِ

અર્થાત : આ અઝાબ ત્યાં સુધી થતો રહેશે, જયાં સુધી હિસાબ કિતાબ પછી બંદાઓ વિષે ફેંસલો કરવામાં આવશે. ફેંસલા પછી તે માણસ જન્નતમાં જશે. અથવા દોઝખમાં (જેવો તેના વિષે ફેંસલો થશે)'

એટલે જેટલો અઝાબ તે હિસાબ પહેલાં ભોગવશે જો તે તેના કુકર્મોની સજા માટે અલ્લાહની નજરમાં યોગ્ય હશે તો ત્યાર પછી છુટકારો મળશે. અને જન્નતમાં મોકલી દેવામાં આવશે. અને જો મેહશરના અઝાબથી તેનો હિસાબ ચુકતે નહીં થાય તો વધુ સજા અને અઝાબ ભોગવવા માટે દોઝખમાં મોકલવામાં આવશે.

اللهم احفظنا واغفر لنا ولا تعذبنا.

કયામત અને જન્નત, દોઝખના અઝાબ અને સવાબ વિષે જે કાયદાની વાતો મઆરિફુલ હદીસના પહેલા ભાગમાં લખવામાં આવ્યું છે. જે લોકોની નજરે ન પડયું હોય તે જરૂર તેનું વાંચન કરે. આ ચીઝો ઘણાઓને દિમાગી ગભરામણનું કારણ બને છે. ઈન્શા અલ્લાહ તેને વાંચવાથી દુર થઈ જશે.

(۳) عَنْ عَائِشَۃَ قَالَتْ سَمِعْتُ رَسُولَ اللهِ ﷺ يَقُولُ مَا خَالَطَتِ الصَّدَقَةُ مَالًا قَطُّ اِلاَّ اَھْلَکْتَہُ-

તરજુમાઃ- હઝરત આયશા સિદ્દીકા રદિ.થી રિવાયત છે કે મેં રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)થી સાંભળ્યું કે ઝકાતનો માલ જયારે બીજા માલમાં ભેળસેળ થશે. તો તે માલને જરૂર બરબાદ કરશ

ખુલાસો :- ઈમામ બુખારીના ઉસ્તાદ ઈમામ હુમૈદી રહ. તેમની મુસ્નદમાં હઝરત આયશા રદિ.ની આ રિવાયત નકલ કરી તેનો મતલબ કરે છે કે, જે કોઈ માણસ ઉપર ઝકાત વાજિબ હોય, અને તેને અદા ન કરે તો બે બરકતીથી તેનો બીજો માલ પણ બરબાદ થઈ જશે.

અને ઈમામ બયહકી એ શોઅબુલ ઈમાનમાં ઈમામ અહમદ રહ.ની સનદથી હઝરત આયશા રદિ.ની આ જ રિવાયત નકલ કરી લખ્યું છે કે ઈમામ અહમદ રહ. ફરમાવે છે કે આ હદીષનો અર્થ અને ભાવાર્થ એ છે કે જો કોઈ માલદાર માણસ (જે ઝકાતનો હકદાર નથી) ખોટા રસ્તે ઝકાત વસૂલ કરી લે, તો આ ઝકાત તેના બીજા માલમાં ભેળસેળ થઈ તેને પણ બરબાદ કરી નાંખશે. નાચીઝ લખનાર અરજ કરે છે કે હદીસના શબ્દોમાં એ બન્નેવ ખુલાસાઓની ગુંજાઈશ છે. તેમાં કોઈ વિરોધ અને ફેરફાર નથી.