અલ-બલાગ : સપ્ટેમ્બર-2024

તંત્રી સ્થાનેથી

ઈસ્લામ દ્વારા માનવ સમાજને આપવામાં આવેલ માર્ગદર્શનમાં એક મહત્વની બાબત “વકફ” છે. એના થકી કોઈ માણસ લાંબા સમય સુધી બલકે કયામત સુધી લોકોને ફાયદો પહોંચાડવાની વ્યવસ્થા કરી શકે છે અને સાથે જ પોતાના માટે પણ કયામત સુધી સવાબ ચાલુ રહેવાની આશા કરી શકે છે.


માણસ કોઈ પણ સવાબના કામ હેતુ પોતાની સ્થાવર મિલ્કતને વકફ કરી શકે છે. મસ્જિદ બનાવવા માટે કે મસ્જિદના નિભાવની આવક માટે. આવી જ રીતે મદરસા કે કબ્રસ્તાન માટે કે યતીમો માટે કે ગરીબો માટે કે સમાજના દરેક એવા વર્ગ માટે જે વર્ગ માંહે છેવટ સુધી કોઈને કોઈ ગરીબ વ્યકિત રહયા કરે. ઉપરાંત પોતાની આવતી પેઢીમાં આવતા ગરીબ માણસો માટે કે પોતાના ગામ, શહેર કે ખાનદાનમાંથી ઈલ્મે દીન મેળવતા કે દીનના અન્ય કામોમાં મશ્ગૂલ રહેતા લોકોના નિભાવ માટે, વગેરે. વકફના એટલા બધા હેતુઓ છે કે એની ઉપયોગિતાનો અંદાઝો કરવો મુશ્કેલ છે.


ભારતમાં સદીઓથી મુસલમાનો વસવાટ કરે છે. કેટલીયે સદીઓ સુધી મુસલમાનો સત્તા ઉપર હતા. આ દરમિયાન મુસ્લિમ શાસકોએ અન્ય ધર્મના ધાર્મિક સ્થાનો માટે જાગીરો અને જમીનો આપી હતી તો નિશંક એમણે મસ્જિદ, કબ્રસ્તાન અને અન્ય મકસદ માટે પણ જમીનો વકફ કરી હતી. બલકે તે ઝમાનામાં ભારતમાં મક્કા અને મદીના માટે જમીનો અને મકાનો વકફ હતા અને એની આવક અહિંયાથી ત્યાં મોકલવામાં આવતી હતી.


સ્પેનની કુરતુબાની જામેઅ મસ્જિદ, કઝવીનની જામેઅ મસ્જિદ અને સ્પેનની અન્ય મસ્જિદોની વકફની આવક એટલી બધી હતી કે વકફની આવક ભેગી કરવા માટે એક મોટા કમરાની જરૂરત પડતી હતી અને આ આવકથી મસ્જિદના નિભાવ ઉપરાંત શહેરના રહેવાસીઓ અને શહેરની સામુહિક જરૂરતો માટે ખર્ચ કરવામાં આવતો હતો. અમુક સમયમાં તો બાદશાહો આવા વકફ પાસેથી કરજ લેતા હતા. ઈતિહાસ કારોના મતે એક સમય એવો હતો કે વકફની આવક અને સરકારી ખઝાનાની આવક વચ્ચે હરિફાઈ થતી હતી.


ભારતમાં સદીઓથી મુસલમાનોના વસવાટના કારણે મોટી માત્રામાં વકફની જમીનો, ઈમારતો વગેરે આવેલ છે. મસ્જિદો, કબ્રસ્તાનો, મકબરાઓ, દરગાહો, મદરસાઓ અને આ બધાના નિભાવ માટે વકફ થયેલ જમીનો.. બધુ મળીને લાખો કરોડો એકડ જમીન છે. 


આઝાદી પહેલાં અને પછી પણ ભારતભરમાં ફેલાયેલ બધા વકફો વિખેરાયલ હતા. બંધારણમાં સ્વીકારવામાં આવેલ મુસ્લિમ પર્સનલ લોમાં વકફ પ્રોપર્ટીને ઈસ્લામી નિયમ મુજબ બાકી રાખવાની બાંહેધરી હતી પણ દરેક શહેર અને ગામની વફક જાયદાદની સ્થાનિક લોકો પોતાની રીતે વ્યવસ્થા કરતા હતા. આઝાદી પૂર્વે શાહી ઝમાનાથી ચાલતા આવતા ઘણા વકફની વ્યવસ્થા માટે એક બોર્ડ અને તંત્રની જરૂરત હતી. એની રચના પછી ભારતની મુસ્લિમ નેતાઓ થકી સરકારોની સહાયથી નક્કી કરવામાં આવ્યું કે સ્થાનિક સ્તરે મુસલમાનો વ્યકિતગત વકફ એટલે બાદશાહો દ્વારા વકફ કરવામાં આવ્યા ન હોય એવી વકફ મિલ્કતો અને ટ્રસ્ટો પણ વકફ બોર્ડમાં નોંધણી કરવામાં આવે. જયારે કે એ પહેલાં આવા વકફ ટ્રસ્ટો ચેરીટી ખાતામાં નોંધણી કરવામાં આવતા હતા. ત્યારે આશય આ હતો કે સરકારી નોંધણી અને બોર્ડની વ્યવસ્થાથી મુસલમાનોના વકફને રક્ષણ મળશે અને માથાભારે લોકો વકફની મિલકતો ઉપર કબજો નહી કરી શકે. પણ આજે એની ઉલટી અસર થઈ રહી છે.


વફક બોર્ડ ખાતે નોંધાયેલ મસ્જિદો, મદરસાઓ, કબ્રસ્તાનો, દરગાહો વગેરે અને એના નિભાવ માટે લોકોએ વકફ કરેલ ખેતરો, ઈમારતો વગેરે બધું એક સાથે બોર્ડના ચોપડે નોંધાયેલું છે. એટલે એક સાથે આટલી બધી ધર્માદા પ્રોપર્ટી મુસલમાનોના હાથમાં જોઈને મુસ્લિમ વિરોધી લોકોને એક મુદ્દો મળી ગયો છે. અને તેઓ વકફને છીનવી લેવા માંગે છે.


સંસદના પાછલા સત્રમાં વફક એકટમાં સુધારો કરવાનું બિલ આવ્યું હતું. જે હાલ પુરતું તો પાસ નથી થયું પણ મુસ્લિમ વિરોધીઓના પ્રોપેગંડા હજુ પણ ચાલુ છે. મુસલમાનોએ આ બાબતે સજાગ થઈને વકફની હિફાજત કરવા ઉપરાતં વિરોધીના દુષ્પ્રચારનો જવાબ આપવાની જરૂરત છે.


યતીમ છોકરીઓ સાથે નિકાહનો હુકમ

શોહરના ઝઘડા કે નારાજગીનો ઉકેલ


-મુફતી ફરીદ અહકમદ કાવી


بسم الله الرحمن الرحيم


وَيَسْتَفْتُونَكَ فِي النِّسَاءِ قُلِ اللّٰهُ يُفْتِيكُمْ فِيهِنَّ وَمَا يُتْلٰى عَلَيْكُمْ فِي الْكِتابِ فِي يَتَامَى النِّسَاءِ اللَّاتِيْ لَا تُؤْتُونَهُنَّ مَا كُتِبَ لَهُنَّ وَتَرْغَبُونَ أَنْ  تَنْكِحُوْهُنَّ وَ الْمُسْتَضْعَفِيْنَ مِنَ الْوِلْدَانِ وَأَن تَقُومُوا لِلْيَتَامَى بِالْقِسْطِ وَمَا تَفْعَلُوا مِنْ خَيْرٍ فَإِنَّ اللّٰهَ كَانَ بِهِ عَلِيمًا﴿ ۱۲۷﴾ وَإِنِ امْرَأَةٌ خَافَتْ مِنْ بَعْلِهَا نُشُوْزًا أَوْ إِعْرَاضًا فَلَا جُنَاحَ عَلَيْهِمَا أَنْ يُصْلِحَا بَيْنَهُمَا صُلْحًا وَالصُّلْحُ خَيْرٌ وَأُحْضِرَتِ الْأَنفُسُ الشُّحَّ وَإِنْ تُحْسِنُوْا وَتَتَّقُوْا فَإِنَّ اللّٰهَ كَانَ بِمَا تَعْمَلُونَ خَبِيرًا ﴿ ۱۲۸﴾ وَلَنْ تَسْتَطِيْعُوْا أَنْ تَعْدِلُوْا بَيْنَ النِّسَاءِ وَلَوْ حَرَصْتُمْ ۖ فَلَا تَمِيْلُوْا كُلَّ الْمَيْلِ فَتَذَرُوْهَا كَالْمُعَلَّقَةِ  وَإِنْ تُصْلِحُوْا وَتَتَّقُوْا فَإِنَّ اللّٰهَ كَانَ غَفُوْرًا رَّحِيْمًا ﴿ ۱۲۹﴾ وَإِنْ يَّتَفَرَّقَا يُغْنِ اللّٰهُ كُلًّا مِنْ سَعَتِهِ وَكَانَ اللّٰهُ وَاسِعًا حَكِيمًا ﴿١٣٠﴾




તરજમહ : અને લોકો આપને ઓરતો બાબતે (ફતવો) પૂછે છે, તો ફરમાવી દો કે અલ્લાહ તમને તેણીઓ બાબતે (નિકાહ)નો જવાબ આપે છે, અને જે આયતો તમારા સામે (પહેલાં) પઢવામાં આવી હતી તે એવી યતીમ ઓરત વિશે છે, જેમને અલ્લાહ તઆલાએ નક્કી કરેલ હકો (મહેર અને વારસો) તમે લોકો આપતા નથી અને એમની સાથે એમ જ નિકાહ કરવા ઈચ્છો છો. ઉપરાંત તે આયતો કમઝોર બાળકો માટે છે. અને તે આયતો એટલા માટે છે કે તમે યતીમોની દેખરેખ ન્યાયથી કરો. અને તમે જે કંઈ પણ ભલાઈ કરશો તો તેને અલ્લાહ ખૂબ જાણે છે. (૧૨૭) અને જો કોઈ ઓરતને એના પતિ તરફથી લડાઈ કે લાપરવાહીનો ડર હોય, પરિણામે બંને કોઈ સમાધાન કરી લે તો એમાં એ બંને ઉપર કોઈ ગુનો નહીં આવે. અને સુલેહ કરવી જ બેહતર છે, અને દિલોમાં લાલચ હોય જ છે. અને જો તમે સદવર્તન કરશો અને (લડાઈ-ઝઘડાથી) બચશો તો જે કંઈ તમે કરો છો એ બધું અલ્લાહ તઆલા ખૂબ જાણે છે. (૧૨૮) અને તમારામાં એ શક્તિ જ નથી કે બધી પત્નિઓ માંહે બરાબરી જાળવી શકો. ભલે એની આશા રાખતા હોવ. બસ તમે (એકના તરફ) પૂરે પૂરા ન ઢળી જાઓ, કે પછી બીજીને જાણે લટકતી છોડી દયો. અને જો તમે સુલેહ કરી લ્યો અને અન્યાયથી બચો તો અલ્લાહ તઆલા ઘણો બખ્શનાર, મોટો દયાળુ છે. (૧૨૯) અને જો તેઓ બન્ને અલગ થઈ જાય તો અલ્લાહ તઆલા એની ઉદારતાથી દરેકને બેનિયાઝ (સદ્ધર) કરી દેશે અને અલ્લાહ ઘણો ઉદાર અને તદબીરવાળો છે. (૧૩૦)


તફસીર : સૂરએ નિસાઅની આ ૧૨૭ થી ૧૩૦ સુધીની આયતો છે. અરબી મુજબ “નિસાઅ”નો અર્થ ઓરતો થાય છે. આ સૂરતમાં ઘણી આયતોમાં ઓરતો વિશેના હુકમો અલ્લાહ તઆલાએ વર્ણવ્યા છે. એટલે જ એનું નામ “નિસાઅ” છે. સૂરતના શરૂમાં યતીમો અને ઓરતો બાબતે સદવર્તન કરવાની તાકીદ હતી. વારસાઈને લગતા હુકમો પણ મુળ રીતે ઓરતોને વારસો આપવા માટે જ છે, એ પણ આ સૂરતમાં છે. આ સૂરતના શરૂમાં આયત નં ૩ માં યતીમો બાબતે લોકોમાં પ્રચલિત એક ખોટી – અન્યાયી રીત બાબતે એમને રોકવામાં આવ્યા હતા. અમુક માણસો જેમની દેખરેખ અને પરવરિશમાં યતીમ છોકરીઓ હોતી, તેઓ આ યતીમ છોકરીઓને બાલિગ થયા પછી એમની જાયદાદ માલ ન સોંપવો ન પડે એટલે એમની સાથે નિકાહ કરી લેતા હતા. અલ્લાહ તઆલાએ આ બાબતે એમને મનાઈ ફરમાવી એટલે લોકો યતીમ છોકરા—છોકરીઓનો નિકાહ પોતાના ઘરમાં કરવાથી રોકાય ગયા. આમ કરવામાં એમની સામે અમુક વાર નવી પરેશાની થવા માંડી. કારણ કે અમુક કિસ્સાઓમાં પરાયા કે દૂરના માણસ સાથે નિકાહ કરવામાં છોકરીને તકલીફ થાય એમ હોતું. યતીમ છોકરી માટે બેહતર સ્થિતી આ જ હોતી કે પરવરિશ કરનારના ઘરમાં જ એના નિકાહ કરવામાં આવે. એટલે લોકોએ આ બાબતે નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ પાસે આવા નિકાહની પરવાનગી માંગી. એટલે અલ્લાહ તઆલાએ ફરમાવ્યું કે શરૂમાં જે મનાઈનો હુકમ હતો, એનું કારણ એ હતું કે પરવરિશ કરનાર ફકત એ છોકરીના વારસા ખાતર અને એને મહેર ન દેવી પડે એટલા માટે એની સાથે નિકાહ કરી લેતો, અને પછી એકથી વધારે પત્નિઓ હોતી (જે ત્યારે સામાન્ય બાબત હતી) તો આ છોકરી સાથે પત્નિ બનાવી લેવા છતાં ન્યાય કરતો. આમ યતીમ છોકરીઓનું બે બાજું નુકસાન થતું. એમનો વારસો અને મહેર એમના હાથમાં ન આવતું અને ઉપરથી શોહર પણ એમની સાથે ઓરમાયું વર્તન રાખતો. આ ઝુલમથી રોકવા માટે હુકમ આપવામાં આવ્યો હતો કે એમની સાથે નિકાહ ન કરો. પણ જો આવી સ્થિતિ ન હોય, અને કોઈ અન્ય સાથે નિકાહ કરવાની સૂરતમાં યતીમને નુકસાન થાય એમ હોય અને પોતે કે ઘરમાં નિકાહ કરી લેવામાં યતીમનો ફાયદો હોય તો આવા સંજોગોમાં નિકાહ કરી શકાય છે. આ પરવાનગી ઉપરોકત આયત દ્વારા આપવામાં આવી છે. અને આ આયતો એવા યતીમ છોકરાઓ બાબતે પણ છે જેમની તમે પરવરિશ કરતા હોવ પછી અને એમનો માલ હડપી જતા હોવ અથવા એ નિયતે ઘરમાં જ એમના નિકાહ કરાવી દો.


ખુલાસો એ થયો કે મુસલમાનોમાં કાકા મામા ફોઈ – માસીના દીકરા દીકરીઓ સાથે નિકાહ જાઈઝ છે. એટલે કોઈ યતીમ એના કાકા, ફોઈ, માસી વગેરેની પરવરિશમાં હોય તો તેઓ પોતાના દીકરા - દીકરી સાથે નિકાહ કરાવી દે, અથવા કોઈ યતીમ એના પિત્રાઈ ભાઈ, ફોઈ ભાઈ, માસી ભાઈ વગેરેની પરવરિશમાં હોય અને તેઓ પોતે જ યતીમ સાથે નિકાહ કરી લે, અને આમ કરવામાં યતીમને એનો વારસો કે મહેર ન આપવાની નિયત હોય તો આમ કરવું ખોટું છે. અને જો માલ હડપવાની નિયત ન હોય બલકે યતીમ માટે આ સૂરત જ બેહતર હોય તો આમ કરવામાં કોઈ વાંધો નથી. પહેલાનો મનાઈનો હુકમ અને આ પરવાનગી, એ બધાનો સાર એ જ છે કે યતીમો બાબતે ન્યાયથી વર્તવામાં આવે.


છેલ્લે અલ્લાહ તઆલા ફરમાવે છે કે જે સંજોગો હોય એ મુજબના હુકમો તમને આપવામાં આવ્યા છે, હવે કોઈ માણસ એનાથી વિરુદ્ધ કરે, જેમ કે યતીમને વારસો કે મહેર ન આપવાનો લાભ જોઈને ઘરમાં જ એના નિકાહ કરી લે કરાવી દે, પછી જાહેરમાં એમ બતાવે કે યતીમ માટે આ જ બેહતર હતું તો આ ગુનો લોકોને ભલે ખબર ન પડે પણ અલ્લાહ તઆલા બધું જાણે છે.


પછીની ત્રણ આયતોમાં એક નિકાહ કર્યા પછી મર્દ - ઓરતને પેશ આવતી એક વિશેષ પરેશાનીનો હલ છે. ઈસ્લામ મુજબ એક માણસ એકથી વધારે ચાર સુધી સ્ત્રીઓ સાથે નિકાહ કરી શકે છે. આવી સ્થિતિમાં એવું બની શકે છે કે માણસને કોઈ એક પત્નિ સાથે વિવાદ થયા કરે, અથવા પસંદ ન હોય તો એના તરફ ધ્યાન ન આપે, અને ભરણપોષણ વગેરેના હકો અદા ન કરે, વગેરે. આવી પરેશાનીમાંથી નીકળવાના બે ઉપાયો હોય શકે છે. એક આ કે વિવાહિત સંબંધ ટકાવી રાખવા માટે સ્ત્રી - પુરૂષ બંને કંઈક બાંધછોડ કરે. એટલે કે શોહર પોતાની નારાજગી કે લડાઈ છોડીને ઓરતને સાથે રાખવા તૈયાર થાય, અને ઓરત એના અમુક હકો જતા કરીને કે ઓછા લઈને શોહરને રાજી કરી લે, જેમ કે ભરણપોષણનો ખર્ચ જતો કરે કે ઓછો સ્વીકારી લે. શોહર ઉપર જરૂરી છે કે જેટલી પત્નિઓ હોય એમને ત્યાં સમાન રીતે રાતવાસો કરે. આ બાબતે ઓરત કંઈક જતું કરે અને શોહરને છુટ આપે કે તે એને ગમતી બીવીની પાસે વધારે દિવસ રહે. વગેરે..આમ લગ્નજીવન ટકી જશે. આ સૂરત વધારે સારી છે. એટલે જ એને કુરઆનમાં પ્રથમ નંબરે વર્ણવી છે. એક તો એટલા માટે કે તલાકની નોબત નથી આવતી. અને બીજું એટલા માટે કે ઘણી વાર થોડા સમય પછી સંજોગો બદલાય છે, શોહરને ફરી પાછી એ જ બીવીની જરૂરત પડી શકે છે. એટલે જ અલ્લાહ તઆલા આ બાબતે ફરમાવે છે કે સુલહ કરી લ્યો અને હવે પછી અલ્લાહથી ડરીને સંબંધ બનાવી રાખશો તો અલ્લાહ તઆલા આ બધું જુએ છે અને એનો સારો બદલો આપશે.


નારાજગી કે લડાઈના સંજોગોમાં શોહર તલાક ન આપે અને ઓરત તલાક ન આપે એટલે એક વાત સ્પષ્ટ છે કે બંને પક્ષોને છુટા થવામાં અમુક વાતોનો ડર અને બીક હોય છે, અને હજુ કંઈક સ્વાર્થ બંને પક્ષે છે. શોહર એમ વિચારતો હોય કે મેં આ ઓરત સાથે નિકાહ કરવા મોટી રકમ મહેરની આપી છે, હવે એમ જ ઓરતને કેમ તલાક આપું ? ઓરત વિચારતી હોય કે શી ખબર બીજું ઠેકાણું કેવું મળે ? વગેરે. આમ બંનેના દિલમાં કંઈક સ્વાર્થ હોય છે. એટલે અલ્લાહ તઆલા ફરમાવે છે કે “દિલોમાં લાલચ હોય જ છે.” ઓરત ભરણ પોષણનો હક જતો કરે કે ઓછો કરે કે મહેરની રકમ માફ કરી દે તો શક્ય છે કે આ ફાયદાને સામે રાખીને શોહર તલાક પણ ન આપે અને સંબંધો પણ સુધારી લ્યે.


આ બીજી સુરત વિશે અલ્લાહ તઆલા ફરમાવે છે કે જો બંને પક્ષોમાં કોઈના તરફથી બીજા ઉપર કોઈ ઝુલમ ન હોય, પણ એકબીજાની વાસ્તવિક નારાજગી સામે રાખીને છુટા થવાનો ફેસલો કરે તો એ પણ દુરુસ્ત છે. અલબત્ત એ પહેલાં એક જરૂરી વાત અલ્લાહ તઆલા ફરમાવે છે કે, એક માણસની એકથી વધારે પત્નિઓ હોય તો માણસના સ્વભાવ પ્રમાણે એ શક્ય નથી કે બંને વચ્ચે દરેક બાબતે સમાન રીતે વર્તે. ચાહે આ બાબતે ગમે તેટલો શોખ હોય અને સાવચેતી રાખે. ઓછામાં ઓછું એટલું તો હોય જ છે કે દિલમાં બંનેની મુહબ્બત સમાન નથી રહેતી. જેમ કે અવલાદ બાબતે આ અનુભવ દરેકને હોય જ છે. બસ અલ્લાહનો હુકમ એટલો છે કે તમે કોઈ એક તરફ પૂર્ણ રીતે ન ઢળી જાઓ. અને બીજીને અદ્ધર લટકતી ન છોડી દયો કે શોહર એની પાસે રાતવાસો કરવા પણ ન આવે, ભરણપોષણ બાબતે પણ તકેદારી ન લ્યે. બેહતર રીત તો આ છે કે ગમે તેવા સંજોગોમાં માણસ બંને વચ્ચે સમાનતા જાળવવાની અને સદવર્તન કરવાની કોશિશ કરે, દિલની મહોબ્બતની વાત જુદી છે. જાહેરી રીતે સમાનતાની કોશિશ કરશે તો અલ્લાહ તઆલા એ પણ જુએ છે અને એનું સારું પરિણામ આપશે.


બહર હાલ ઓરત અને મર્દ વચ્ચે ઝઘડો હોય કે શોહર લાપરવાહી વર્તતો હોય અને સુલેહની કોઈ શકયતા ન હોય તો છુટા થવામાં જ ફાયદો છે. આ સ્થિતિમાં શોહરને હુકમ છેકે માલની લાલચે ઓરતને રોકી ન રાખે. ઓરત મહેરની રકમ માફ કરી દયે કે અન્ય કંઈ માલની ઓફર કરે તો શકય છે કે માલની લાલચે માણસ તલાક આપી દે. અને છુટા થયા પછીના સંજોગો અંદેશાઓ બાબતે અલ્લાહ તઆલા ફરમાવે છે કે અલ્લાહ તઆલા એની ઉદારતા, વિશાળતા અને સખાવત વડે બંનેને એટલું આપશે કે બંને સદ્ધર બની જશે, એકબીજાની જરૂરત નહીં અને બેનિયાઝ થઈ જશે. એટલે જયારે સુલેહ સમાધાનની કોઈ શકલ ન હોય તો એ સંબંધો વધારે સમય ખેંચવા ન જોઈએ. અલ્લાહ તઆલા ઘણો ઉદાર છે. આસમાન અને જમીનના ખઝાનાઓ અને લોકોના દિલો એના કબજામાં છે. એના ઉપર ભરોસો રાખવો જોઈએ. આગળની આયતોમાં આ જ અનુસંધાનમાં અલ્લાહ તઆલાની મહાનતા અને માલિકી અને વિશાળતાનું વર્ણન છે.


મઆરિફુલ હદીસ

મઆરિફુલ હદીસ

હઝરત મવલાના મંઝૂર નોમાની (રહ.) 

અનુવાદ : મવલાના યાકૂબ બારીવાલા સા. રહ. (બ્લેકબર્ન. યુ.કે.)

ભાગ નંબર:૧૮૬

અસ્માએ હુસ્ના (અલ્લાહના મુબારક નામો) અને તેની ફઝીલત

ખરા અર્થમાં અલ્લાહ તઆલાનું નામ એટલે જાતી નામ ફકત એક જ છે. અને તે છે “અલ્લાહ” હા તેના ગુણવાચક નામો અસંખ્ય છે. જે કુર્આન પાક અને હદીસોમાં આવેલા છે. તેમને જ “અસ્માએ હુસ્ના” કહેવામાં આવે છે. હાફિઝ ઈબ્ને હજર અસ્કલાની રહ.એ ફત્હુલ્બારી જે બુખારી શરફીની શર્હ લખી છે. તેમાં ઈમામ જાફર બિન મુહમ્મદ સાદિક અને સુફયાન બિન ઉયૈના રદિ.અને અમુક ઉમ્મતના બીજા બુઝુર્ગોથી નકલ કર્યુ છે કે અલ્લાહ તઆલાના નવ્વાણુ નામો તો ફકત કુર્આનમાં જ વર્ણવામાં આવ્યા છે. અને પછી તે લોકોએ જ તેની વિગત અને ચોક્કસપણુ પણ લખ્યું છે. તે પછી હાફિઝ ઈબ્ને હજર રહ.એ તેમાંથી અમુક નામો વિષે એવું લખતાં કે તે તેના ખાસ રૂપમાં કુર્આન પાકમાં વર્ણવામાં આવ્યા નથી. પણ બીજા નામોમાંથી કાઢવામાં આવ્યા છે. તેમના બદલે બીજા નામો કુર્આન પાકથી જ કાઢી બતાવ્યું છે કે એ નવ્વાણુ નામો કુર્આન પાકમાં પોતાના રૂપમાં વર્ણવ્યા છે. અને તેની આખી નામાવાલી આપવામાં આવી છે. જે ઈન્શા અલ્લાહ હવે પછી લખવામાં આવશે.

આપણા જ યુગના અમુક આલિમોએ અલ્લાહ તઆલાના ગુણવાચક નામોની શોધ ખોળ હદીસોથી કરી તો બસોથી વધુ મળ્યા, એ બધા જ ગુણવાચક નામો અલ્લાહ તઆલાના કામીલ ગુણોના શિર્ષક અને તેની ઓળખના દરવાજા છે. બસ અલ્લાહ તઆલાની યાદનો એક મજબૂત અને વિગતવાર માર્ગ એ પણ છે કે બંદો બુઝુર્ગી અને મહોબ્બત સાથે તે નામો મારફત અલ્લાહ તઆલાને યાદ કરે અને તે નામોનો વજીફો બનાવે.

આ ટુંકસાર પછી એ બાબતની અમુક હદીસો નીચે વાંચો :- 

(۲۹) عَنْ أَبِي هُرَيْرَۃَ  ؓقَالَ قَالَ رَسُولُ اللّٰهِ ﷺ إِنَّ لِلّٰهِ تِسْعَةً وَّ تِسْعَيْنَ إِسْماً مِائَةً إِلَّا وَاحِداً مَنْ أَحْصَاهَا دَخَلَ الْجَنَّةَ (رواه البخاري ومسلم) 

હઝરત અબૂ હુરૈરહ રદિ.થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ)એ ફરમાવ્યું કે અલ્લાહના નવ્વાણુ (એટલે સોમાં એક ઓછું) નામો છે. જેણે તેમને યાદ કર્યા, અને તેને સાચવ્યા, તે જન્નતમાં જશે.

ખુલાસો :- બુખારી અને મુસ્લિમની રિવાયતમાં ફકત એટલું જ છે તે નવ્વાણું નામોની વિગત અને ચોક્કસપણુ આ રિવાયતમાં બતાવવામાં આવ્યું નથી. હવે પછી ઈન્શાઅલ્લાહ તિર્મિઝી વગેરેની તે રિવાયતનો ઉલ્લેખ કરવામાં આવશે. જેમાં વિગતવાર તે નવ્વાણું નામો બયાન કરવામાં આવ્યા છે. હદીસવેત્તાઓ અને આલિમો એ વાત પર સહમત છે કે અલ્લાહના નામો ફક્ત નવ્વાણું જ નથી અને આ તેની ચોક્કસ સંખ્યા નથી. કેમકે શોધખોળ પછી હદીસોમાં તેનાથી વધુ સંખ્યા પણ મળે છે. જેથી હઝરત અબૂ હુરૈરહ રદિ.ની આ હદીસ વિષે કહેવામાં આવ્યું છે કે એનો ભાવાર્થ ફક્ત એ છે કે જે કોઈ અલ્લાહ તઆલાના નવ્વાણુ નામો યાદ કરશે, અને તેને સાચવશે તે જન્નતમાં જશે, એટલે ફક્ત નવ્વાણુ નામોની ગણત્રી કરી લેવા પર બંદો એ ખુશ ખબરીનો હકદાર બની જશે.

હદીસે પાકનું વાકય “મન અહસાહા દખલલ્જન્નત”ના ખુલાસામાં આલિમો અને શર્હ લખનારાઓએ વિવિધ વાતો લખી છે.

(૧) એક અર્થ એ બયાન કરવામાં આવ્યો છે કે જે બંદો અલ્લાહ તઆલાના નામોનો અર્થ સમજી અને તેને ઓળખી અલ્લાહ તઆલાના તે ગુણો પર યકીન કરશે, જેના તે નામો શિર્ષક પેટે છે. તે જન્નતમાં જશે.

(૨) બીજો અર્થ એ બતાવ્યો છે કે જે બંદો આ અસ્માએ હુસ્નાની માંગ પર અમલ કરશે, તે જન્તમાં જશે.

(૩) ત્રીજો અર્થ એ બયાન કરવામાં આવ્યો છે કે જે બંદો નવ્વાણુ નામોથી અલ્લાહ તઆલાને યાદ કરશે અને તે મારફત દુઆ કરશે. તે જન્નતમાં જશે.

ઈમામ બુખારી રહ.એ “મન અહસાહા”નો ખુલાસો “મન હફિઝહા” થી કર્યો છે. બલકે આ હદીસની અમુક રિવાયતોમાં “મન અહસાહા”ના બદલે “મન હફિઝહા”ના શબ્દો પણ આવેલા છે. જેથી આ ખુલાસાને મહત્વ આપવામાં આવે છે. અને અનુવાદમાં નાચીઝે પણ તેને જ પસંદ કર્યો છે.

આ આધારે હદીસનો ભાવાર્થ એ થશે કે જે બંદો ઈમાન અને અકીદત (માન્યતા) સાથે અલ્લાહ તઆલાની નઝદીકી અને તેની રજામંદી પ્રાપ્ત કરવા માટે આ નવ્વાણું નામો યાદ કરી લે અને તે મારફત તેને યાદ કરશે. તે જન્નતમાં જશે.

(٣٠)  ’’ھُوَ اللہُ الَّذِیْ لَا اِلٰہَ اِلَّا ھُوَ الرَّحْمٰنُ، الرَّحِیْمُ، الْمَلِکُ، الْقُدُّوْسُ، السَّلَامُ، الْمُؤْمِنُ، الْمُھَیْمِنُ، الْعَزِیزُ، الْجَبَّارُ، الْمُتَکَبِّرُ، الْخَالِقُ، الْبَارِئُ، الْمُصَوِّرُ، الْغَفَّارُ، الْقَہَّارُ، الْوَھَّابُ، الرَّزَّاقُ، الْفَتَّاحُ، الْعَلِیْمُ، الْقَابِضُ، الْبَاسِطُ، الْخَافِضُ، الرَّافِعُ، الْمُعِزُّ، الْمُذِلُّ، السَّمِیْعُ، الْبَصِیْرُ، الْحَکَمُ، الْعَدْلُ، اللَّطِیْفُ، الْخَبِیْرُ، الْحَلِیْمُ، الْعَظِیْمُ، الْغَفُوْرُ، الشَّکُوْرُ، الْعَلِیُّ، الْکَبِیْرُ، الْحَفِیْظُ، الْمُقِیْتُ، الْحَسِیْبُ، الْجَلِیْلُ، الْکَرِیْمُ، الرَّقِیْبُ، الْمُجِیْبُ، الْوَاسِعُ، الْحَکِیْمُ، الْوَدُوْدُ، الْمَجِیْدُ، الْبَاعِثُ، الشَّہِیْدُ، الْحَقُّ، الْوَکِیْلُ، الْقَوِیُّ، الْمَتِیْنُ، الْوَلِیُّ، الْحَمِیْدُ، الْمُحْصِیْ، الْمُبْدِئُ، الْمُعِیْدُ، الْمُحْیِیْ، الْمُمِیْتُ، الْحَیُّ، الْقَیُّوْمُ، الْوَاجِدُ، الْمَاجِدُ، الْوَاحِدُ، الصَّمَدُ، الْقَادِرُ، الْمُقْتَدِرُ، الْمُقَدِّمُ، الْمُؤَخِّرُ، الْاَوَّلُ، الْاٰخِرُ، الظَّاھِرُ، الْبَاطِنُ، الْوَالِی، الْمُتَعَالِی، الْبَرُّ، التَّوَّابُ، الْمُنْتَقِمُ، الْعَفُوُّ، الرَّءُوْفُ، مَالِکُ الْمُلْکِ، ذُو الْجَلاَلِ وَالْاِکْرَامِ، الْمُقْسِطُ، الْجَامِعُ، الْغَنِیُّ، الْمُغْنِیُ، الْمَانِعُ، الضَّارُّ، النَّافِعُ، النُّورُ، الْھَادِی، الْبَدِیْعُ، الْبَاقِی، الْوَارِثُ، الرَّشِیْدُ، الصَّبُوْرُ.‘‘(ترمذی، کتاب الدعوات، والبيهقي في الدعوات الكبير)

 હઝરત અબૂ હુરૈરહ રદિ.થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ)એ ફરમાવ્યું કે અલ્લાહ તઆલાના નવ્વાણુ નામ છે (સો માં એક ઓછુ) જેણે તેને યાદ કરી લીધા, અને તેને સાચવ્યા, તે જન્નતમાં જશે. (એ નામોની વિગત આ પ્રમાણે છે. તે અલ્લાહ છે જેના સિવાય કોઈ માલિક અને માબૂદ નથી. તે ૧. રહમાન છે. (ઘણી રહમતવાળો) ૨.રહીમ (ઘણો મહેરબાન) ૩. અલ્મલિક (ખરો બાદશાહ અને હાકિમ) ૪. કુદ્દુસ (ઘણો જ પવિત્ર અને પાક) પ. સલામ (જેનો ગુણ સલામતી છે) ૬. મો’મિન (શાંતિ આપનાર) ૭. મુહયમિન (પુરી દેખરેખ રાખનાર) ૮. અઝીઝ (છવાય જવું અને ઈઝઝત જેનો જાતી ગુણ છે અને જે બધા પર છવાયલો છે) ૯. જબ્બાર (શકિતમાન છે બધી સૃષ્ટિ તેના તાબામાં છે) ૧૦. મુતકબ્બિર (કિબ્રીયાઈ અને મોટાઈ તેનો હક છે) ૧૧. ખાલિક (સર્જનહાર) ૧૨. બારી (યોગ્ય રીતે બનાવનાર) ૧૩. મુસવ્વિર (છબી બનાવનાર) ૧૪. ગફફાર (ગુનાહોનો માફ કરનાર) ૧૫. કહહાર (બધા પર બરાબર પકડ રાખનાર, જેની સામે બધા જ બેબસ અને આજીઝ છે) ૧૬. વહહાબ (બદલો અને નફા વગર ઘણું જ અર્પણ કરનાર) ૧૭. રઝઝાક (બધાને રોજી આપનાર) ૧૮. ફત્તાહ (બધાં માટે રહમત અને રોજીના દ્વાર ખોલનાર) ૧૯. આલિમ (બધું જ જાણનાર) ૨૦. કાબિઝ ૨૧. બાસિત (તંગી કરનાર, સહુલત કરનાર, એટલે તેની એ શાન છે કે પોતાની હિકમત અને મરજી મુજબ કોઈવાર કોઈની હાલતમાં તંગી ઉતપન્ન કરે છે. અને કોઈવાર સહુલત કરે છે) ૨૨. ખાફિઝ ૨૩. શફિઅ (નીચો કરનાર, ઉંચો કરનાર) ૨૪. મુઈઝઝુ(ઈઝઝત આપનાર) ૨૫. મુઝિલ્લુ (બે ઈઝઝતી આપનાર, એટલે કોઈને બેઈઝઝતીના ખાડામાં ધકેલી દેવો, તેના કાબુ અને કબ્જામાં છે અને એ બધુ તેના તરફથી જ થાય છે) ૨૬. સમીઅ ૨૭. બષીર (બધું જ સાંભળનાર, બધુ જોનાર) ૨૮. હકમ ૨૯. અદલ (ખરો બાદશાહ, પુરેપુરો પ્રમાણિક) ૩૦. લતીફ (લતાફત અને લુત્ફો કરમ તેનો જાતી ગુણ છે) ૩૧. ખબીર (દરેક વાત જાણનાર) ૩૨. હલીમ (ઘણો જ સહનશીલ) ૩૩. અઝીમ (મહાન બુઝુર્ગીવાળો, સૌથી મહાન બુઝુર્ગ) ૩૪. ગફુર (ઘણો બખ્શનાર) ૩૫. શકુર (સારા અમલોની કદર કરનાર, અને સારામાં સારો બદલો આપનાર) ૩૬. અલીય્યુ ૩૭. કબિર (સૌથી ઉંચો, સૌથી મહાન) ૩૮. હફીઝુ (બધાની દેખરેખ રાખનાર) ૩૯. મુકીત (બધાને જીવન અર્પણ કરનાર) ૪૦. હસીબ (બધાની કફાલત કરનાર) ૪૧. જલીલ (મહાન શકિતશાળી)૪૨. કરીમ (કરમ કરનાર) ૪૩. રકીબ (રખેવાળ) ૪૪. મુજીબ (કબૂલ કરનાર) ૪૫. વસિઅ (સહુલત આપનાર) ૪૬. હકીમ (દરેક કામ હિકમતથી કરનાર) ૪૭. વદુદ (પોતાના બંદાઓને ચાહનાર) ૪૮. મજીદ (બુઝુર્ગીવાળો) ૪૯. બાઈષુ (ઉભા કરનાર, મૃત્યુ પછી મુરદાને જીવંત કરનાર) ૫૦. શહીદ (હાજર, જે બધુ જ જુએ છે, બધુ જાણે છે) ૫૧. હક (જેની જાત અને જેનો વજુદ પહેલેથી જ હક છે) પર. વકીલ (ખરા કામો બનાવનાર) ૫૩. કવી, ૫૪. મતીન (શકિતમાન, ઘણો જ મજબૂત) ૫૫. વલી (સરપરસ્ત અને મદદગાર) ૫૬. હમીદ (વખાણનો હકદાર) ૫૭. મુહસી (સૃષ્ટિના દરેકની જાણ રાખનાર) ૫૮. મુબ્દીઉ (પહેલો વજુદ આપનાર), ૫૯. મુઈદ (ફરીવાર જીવનદાન આપનાર) ૬૦. મુહયી(જીવનદાન આપનાર) ૬૧. મુમીત (મૃત્યુ આપનાર) ૬૨. હય (હમેશાં જીવંત, જીવન જેનો જાતી ગુણ છે) ૬૩. કય્યુમ (જે કાયમ રહેનાર, અને આખી સૃષ્ટિને પોતાની મરજી મુજબ કાયમ રાખનાર) ૬૪. વાજિદ (બધુ જ પોતાની પાસે રાખનાર) ૬૫. માજિદ (બુઝુર્ગી અને અઝમત વાળો) ૬૬. વાહિદ ૬૭. અહદ (પોતાની જાતમાં એક અને પોતાના ગુણોમાં એકલો) ૬૮. સમદ (સૌથી બે પરવા અને બધા તેના હોશીયારા) ૬૯. કાદિર, ૭૦. મુકતદીર (શકિતમાન બધા પર પુરો કાબુ રાખનાર) ૭૧. મુકદ્દિમ,(જેને ચાહે આગળ કરનાર) ૭૨. મુઅખ્ખિર (જેને ચાહે પાછળ કરનાર) ૭૩. અવ્વલ(સૌથી આગળ ) ૭૪. આખિર (સૌથી પાછળ) (એટલે જયારે કોઈ ન હતું, કંઈ ન હતું ત્યારે પણ તે મોજૂદ હતો, અને જયારે કોઈ રહેશે નહીં, કંઈ પણ નહીં રહે, તે સમયે અને તે પછી પણ મોજૂદ રહેશે) ૭૫. ઝાહિર,(એકદમ ખુલ્લો) ૭૬. બાતિન (એકદામ છુપો) ૭૭. વાલી (માલિક, અને કામ બનાવનાર) ૭૮. મુતઆલી (ઘણો જ ઉચ્ચ) ૭૯. બર્ર (મહાન ઉપકાર કરનાર) ૮૦. તવ્વાબ (તોબાની તૌકિક આપનાર, અને તોબા કબૂલ કરનાર) ૮૧. મુન્તકિમ (ગુનેહગારોને અંજામ સુધી પહોંચાડનાર) ૮૨. અફુવ્વુ (ઘણી માફી આપનાર) ૮૩. રઉફ (ઘણો મહેરબાન) ૮૪. માલિકુલ્મુલ્ક (બધી દુનિયાનો માલિક) ૮૫. ઝુલ્જલાલિ વલ્ઈકરામ (જલાલવાળો, રોબ અને દબદબા વાળો અને ઘણો જ કરમ કરનાર, જેના દબદબાથી બંદો હમેશાં ભયભીત રહે અને જેના કરમથી હમેશાં ઉમ્મીદ રાખે) ૮૬. મુકસિતુ (હકદારનો હક અદા કરનાર પ્રમાણિક, ન્યાયી) ૮૭. જામેઅ (બધી મખ્લૂકને કયામતમાં એકત્ર કરનાર) ૮૮. ગની,(પોતે બેનિયાઝ, બેપરવા જેને કોઈની જરૂરત નથી.) ૮૯. મુગ્ની (અને પોતાના દાનથી બંદાઓને બેપરવા કરનાર) ૯૦. માનિઅ (રોકનાર દરેક તે વસ્તુને જેને રોકવા ચાહે) ૯૧. દાર, (પોતાની હિકમત અને મરજી મુજબ નુકસાન પહોંચાડનાર) ૯૨. નાફેઅ (પોતાની હિકમત અને મરજી મુજબ ફાયદો પહોંચાડનાર) ૯૩. નૂર (ખરેખર નૂર) ૯૪. હાદી (રસ્તો બતાવનાર) ૯૫. બદીઅ (વગર નમુને સૃષ્ટિનો સર્જનહાર) ૯૬. બાકી (હમેશાં રહેનાર, જે કદી ફના નહીં થાય) ૯૭. વારિષ (બધુ નાબુદ થયા પછી બાકી રહેનાર) ૯૮.૨શીદ (હિદાયત અને હિકમત વાળો, જેનો દરેક ફેંસલો અને દરેક કામ બરાબર છે) ૯૯. સબુર (ઘણો જ ધીરજ રાખનાર, કે બંદાઓની મોટામાં મોટી નાફરમાની જુએ છે. અને તરત અઝાબ મોકલી તેમને બરબાદ નથી કરતો) (તિર્મિઝી શરીફ)

ખુલાસો :- હઝરત અબૂ હુરૈરહ રદિ.ની આ હદીસનો આગલો ભાગ તે જ છે જે સહીહૈનના હવાલાથી હમણા ઉપર નકલ કરવામાં આવ્યો. હા તેમાં નવ્વાણુ નામો અને શર્હ કરનારાઓનું એ મંતવ્ય છે કે મરફુઅ હદીસ એટલે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ)નો અસલ ઈર્શાદ એટલો જ છે. જેટલો સહીહૈનની રિવાયતમાં છે ( “إن لله تعالى تسعة وتسعين اسماً مائةً إلا واحدة من أحصاها دخل الجنة” )અલ્લાહ તઆલાના નવ્વાણુ નામ છે. જેણે તેને યાદ કર્યા તે જન્નતમાં જશે.) અને તિર્મિઝીની આ રિવાયતમાં અને એ જ પ્રમાણે ઈબ્ને માજા અને હાકિમ વગેરેની રિવાયતોમાં જે નવ્વાણુ નામ વિગતવાર વર્ણવ્યા છે. તે નબવી ઈર્શાદનો ભાગ નથી. બલકે હઝરત અબૂ હરૈરહ રદિ.ના વાસ્તાથી અથવા વગર વાસ્તે તેમના કોઈ વિદ્યાર્થી એ હદીસની ગુંચનો ખુલાસો તેમ તેના ટુંકસારની તફસીર રૂપે કુર્આન અને હદીસમાં આવેલા અલ્લાહ તઆલાના નામોનો ઉલ્લેખ કરી નાંખ્યો, મતલબ કે મુહદ્દીસોની પરિભાષામાં આ અસ્માએ હુસ્ના લખાયેલા છે. એની એક ધારણા તો એ પણ છે કે તિર્મિઝી અને ઈબ્ને માજા તેમ હાકિમની રિવાયતોમાં નવ્વાણુ નામોની જે વિગત દર્શાવી છે તેમાં ઘણો ફરક અને વિરોધાભાસ છે. જો એ નવ્વાણુ અસ્માએ હુસ્ના રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ)ના શિખવેલા હોત તો તેમાં આટલો વિરોધ તેમ ફેરફાર અશકય હતો.

મતલબ કે એ તો હદીસ અને રિવાયતના વિષયની ચર્ચા હતી. પરંતુ એટલી વાત બધા જ માન્ય રાખે છે કે તિર્મિઝીની ઉપરોકત રિવાયતમાં અને એ જ પ્રમાણે ઈબ્ને માજા વગેરેની રિવાયતોમાં જે નવ્વાણુ અસ્માએ હુસ્નાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તે બધા કુર્આન અને હદીસોમાં આવેલા છે. અને રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ) એ નવ્વાણુ અસ્માએ હુસ્નાને યાદ કરવા પર જે ખુશખબરી સંભળાવી છે. તેના તે લોકો ખરેખર હકદાર છે. જેઓ ઈખ્લાસ અને અઝમત સાથે અસ્માએ હુસ્નાને યાદ કરી, તે મારફત અલ્લાહને યાદ કરે. હઝરત શાહ વલિયુલ્લાહ રહ.એ તેની હકીકત અને તેના આધાર પર પ્રકાશ નાંખતાં ફરમાવ્યું કે જે કમાલના ગુણો હકતઆલા માટે છે તેને સાબિત કરવા જોઈએ, અને જે ચીજોથી તેની પાક છે તે ગુણો તેની જાતથી નકારવા જોઈએ. આ નવ્વાણુ અસ્માએ હુસ્નામાં તે બધાનો જ સમાવેશ થાય છે. જેથી આ અસ્માએ હુસ્ના અલ્લાહ તઆલાની મઅરિફતનો પુરેપુરો અને ખરો અભ્યાસક્રમ છે. એ જ કારણે તેના સમૂહમાં ઘણી બરકતો છે. અને અલ્લાહ તઆલાના દરબારમાં તેની ખાસ કબૂલિય્યત છે. જયારે કોઈ બંદાના નામામાં આ અસ્માએ ઈલાહી લાગી જાય તો તેના હકમાં અલ્લાહ તઆલાની રહમતનો ફેંસલો વાજિબ થઈ જશે. વલ્લાહુ અઅલમ.

તિર્મિઝીની ઉપરોકત રિવાયતમાં જે નવ્વાણુ અસ્માએ હુસ્નાનું વર્ણન કરવામાં આવ્યું છે તેમાંથી બે ત્રુતાંઉસ (૨/૩)તો કુર્આન પાક દર્શાવવામાં આવ્યા છે. બાકી હદીસોમાં આવેલા છે.

હઝરત ઈમામ જાફર સાદિક વગેરે જે લોકોએ દા'વો કર્યો છે કે અલ્લાહ તઆલાના નવ્વાણુ નામ કુર્આન મજીદમાં છે. તેમનું વર્ણન હમણાં ઉપર કરવામાં આવ્યું, અને એ વિષે હાફિઝ ઈબ્ને હજર રહ.ની છેલ્લી મહેનતનો પણ હવાલો આપવામાં આવ્યો કે તેમણે ફકત કુર્આન પાકમાંથી તે નવ્વાણુ અલ્લાહના નામો કાઢયા છે. જે તેમના ખરા રૂપમાં કુર્આનમાં મોજૂદ છે.

જો તે મુહદ્દીસો અને હદીસ વેત્તાઓની વાત માની લેવામાં આવે જેમનું મંતવ્ય છે કે તિર્મિઝીની ઉપરોકત રિવાયતમાં જે અસ્માએ હુસ્ના વર્ણન કરવામાં આવ્યા છે. તે મરફુઅ હદીસનો ભાગ નથી. બલકે કોઈ રાવી તરફથી લખાયેલા છે. એટલે હદીસના ટુંકસારની વિગત રૂપે તેમણે કુર્આન અને હદીસમાં આવેલા તે નામોનો વધારો કરી દીધો છે. તો પછી હાફિઝ ઈબ્ને હજરે રજૂ કરેલી નામાવાલી માનવા લાયક હોવી જોઈએ. જેના બધા નામો ખાસ ફેર બદલી વગર કુર્આનથી જ લેવામાં આવ્યા છે. હમો નીચે તેમની તે નામાવલી ફત્હુલ્બારીથી નકલ કરીએ છીએ. તેમણે ઈસ્મે જાત "અલ્લાહ"ને પણ તે નવ્વાણુ નામોમાં ગણી લીધું છે. બલકે તેનાથી જ નામાવલીની શરૂઆત કરી છે.

નવ્વાણુ અસ્માએ હુસ્ના જે બધા જ કુર્આન મજીદમાં મોજૂદ છે

અલ્લાહ, અર્રહમાન, અર્રહીમ, અલ્મલિક, અલ્કુદ્દુસ, અસ્સલામ, અલ્મુઅમિન, અલ્મુહયમિન, અલ્અઝીઝ, અલ્જબ્બાર, અલ્મુકબ્બીર, અલ્ખાલિક, અલ્બારી, અલ્મુસવ્વીર, અલ્ગફફાર, અલ્કહહાર, અત્તવાબ, અલ્વહહાબ, અલ્ખલ્લાક, અર્રઝઝાક, અલ્ફત્તાહ, અલ્અલીમ, અલ્હલીમ, અલ્અઝીમ, અલ્વાસીઅ, અલ્હકીમ, અલ્હય્યુ, અલ્કય્યુમ, અસ્સમીઅ, અલ્બસીર, અલ્લતીફ, અલ્ખબીર, અલ્અલિય્યુ, અલ્કબીર, અલ્મુહીત, અલ્કદીર, અલ્મૌલા, અન્નસીર, અલ્કરીમ, અર્રફીઅ, અલ્કરીબ, અલ્મુજીબ, અલ્વકીલ, અલ્હસીબ, અલ્હફીઝ, અલ્મુકીત, અલ્વદુદ, અલ્મજીદ, અલ્વારિષ, અશ્શહીદ, અલ્વલિય્યુ, અલ્હમીદ, અલ્હક્ક, અલ્મુબીન, અલ્કવિય્યુ, અલ્મતીન, અલ્ગનીય્યુ, અલ્માલિક, અશ્શદીદ, અલ્કાદીર, અલ્મુકતદીર, અલ્કાહીર, અલ્કાફી, અશ્શાકીર, અલ્મુસ્તઆન, અલ્ફાતીર, અલ્બદીઅ, અલ્ગાફિર, અલ્અવ્વલ, અલ્આખર, અઝઝાહીર, અલ્બાતિન, અલ્કફીલ, અલ્ગાલિબ, અલ્હકમ, અલ્આલિમ, અર્રફીઅ, અલ્હાફિઝ, અલ્મુન્તકીમ, અલ્કાઈમ, અલ્મુહ્યી, અલ્જામિઅ, અલ્મલીક, અલ્મુતઆલ, અન્નૂર, અલ્હાદી, અલ્ગકુર, અશ્શકૂર, અલ્અફુવ્વ, અર્રઉફ, અલ્અકરમ, અલ્આ'લા, અલ્બર્રૂ, અલ્હફીય્યુ, અર્રબુ, અલ્ઈલાહ, અલ્વાહીદ, અલ્અહદ, અસ્સમદ, અલ્લઝી લમ યલીદ વલમ યૂલદ વલમ યકુલ્લહુ કુફુવન અહદ.

(ફત્હુલ્બારી : ૨૬/૮૩)

નવ્વાણુ અસ્માએ હુસ્ના જે તિર્મિઝીની રિવાયતમાં વર્ણન થયા છે. અને એ જ પ્રમાણે આ જે હાફિઝ ઈબ્ને હજરે કુર્આન મજીદમાંથી કાઢયા છે. બેશક તેમાંથી દરેક અલ્લાહ તઆલાની ઓળખના દરવાજા છે.

ઉમ્મતના આલિમોએ વિવિધ યુગોમાં તેની શર્હમાં અલગ અલગ કિતાબો લખી છે. અગત્યના કામોમાં તે મારફત દુઆ કરવી, ઘણા અલ્લાહ વાળાઓના ખાસ મામૂલમાંથી છે. અને તેની કબુલિયત અનુભવેલી છે.


ગેર મુસ્લિમો સાથે સહાબા રદિ.નો વહેવાર

ગેર મુસ્લિમો સાથે સહાબા રદિ.નો વહેવાર

હઝરત અકદસ શૈખુલ હદીસ મવલાના ઝકરિયા રહ.ની કિતાબ :

“ઈસ્લામી સિયાસત”નો ક્રમશ અનુવાદ. મુફતી ફરીદ અહમદ કાવી.

એક નજર ગેર મુસ્લિમો સાથે વહેવાર ઉપર પણ કરી લઈએ.

મક્કાના કાફિર શત્રુઓએ શરૂમાં નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ અને મુસલમાનોને કઈ રીતે નથી સતાવ્યા ? તકલીફ, અપમાન અને સતામણીની કોઈ રીત નહીં હોય જે એમના સાથે વર્તવામાં ન આવી હોય. દરેક મુસલમાન એ બધું જાણે છે અને આમ ખાસ દરેક માણસ એના કિસ્સા જાણે છે. એના અમુક નમૂના રૂપ કિસ્સા જોવા હોય તો હિકાયાતે સહાબા જોઈ લેવામાં આવે. આ બધું થયા પછી જયારે મક્કા ફતેહ થાય છે, ત્યારે આ બધા દુશ્મનો માથું નમાવીને સામે હાજર હતા. દરેકની નજરોમાં એની અદાવતો ફરતી અને પોતાના વિશે બીતા હતા. પરંતુ આ વેળા નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમના મોઢેથી આ શબ્દો નીકળે છે :

لا تَثْرِيبَ عَلَيْكُمُ الْيَوْمَ يَغْفِرُ اللهُ لَكُمْ

આજે તમારા ઉપર કોઈ આરોપ નથી. અલ્લાહ તઆલા તમને માફ કરશે. બદરની લડાઈ વેળા કાફિરોએ ઘણા જુસ્સા અને શકિતથી મુસલમાનોનો મુકાબલો કર્યો હતો. પછી હાર્યા અને મુસલમાનોના હાથે કેદમાં પકડાયા, તો સદવર્તન રૂપે એમને સામાન્ય બદલો લઈને છોડી દેવામાં આવ્યા. અને અમુક ગરીબોને તો કોઈ માલ વગર જ આઝાદ કરી દેવામાં આવ્યા. બીજી જેટલી લડાઈઓ નબીએ કરીમ સલ્લલ્લાહ અલયહિ વ સલ્લમ અને સહાબા રદિ.એ લડી એમાં ગેરમુસ્લિમ દુશ્મનો સાથે જે વર્તાવ મુસલમાનોનો હતો એવો તો આજે મુસલમાન બીજા મુસલમાન સાથે પણ નથી વર્તતો. સામાન્ય માણસ બલકે કોઈ ઓરત પણ જો કોઈ શત્રુને પોતાના તરફની પનાહ કે સલામતીની ખાતરી આપી દે તો અમીર અને બાદશાહ માટે જરૂરી હતું કે એનો એતેબાર કરે. આજે તો હાલત આ છે કે કોમનો વડો કોઈની સાથે કોઈ કરાર કરે અને અમુક તમુક લોકોને એ પસંદ ન હોય તો બધાને ભેગા કરીને કોમના વડાના વિરુદ્ધ વિરોધ કે અસ્વીકારનો ઠરાવ પાસ કરવામાં આવે છે. ફત્હે મક્કા વેળા હઝરત ઉમ્મે હાની રદિ.એ એમના સાસરી પક્ષના કોઈ માણસને પનાહ આપી હતી, હઝ. અલી રદિ, એને રદ કરીને એ માણસને કતલ કરવા ચાહતા હતા, પરંતુ નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે કહી દીધું કે અમે એ પનાહ સ્વીકારી લીધી છે. બલકે નિયમ જાહેર કરવામાં આવ્યો કે સામાન્ય અને નાના માણસ પણ પનાહ અને સલામતીનો કરાર કરે તો એ માન્ય રહેશે.

હુરમુઝાન નામના ઈરાની કમાન્ડરે વારંવાર કરાર તોડયા. હારતો અને સુલહનો કરાર કરીને છુટી જતો. આખરે એકવાર પકડીને હઝ. ઉમર રદિ. પાસે લાવવામાં આવ્યો તો એક સામાન્ય બહાનું કાઢીને પોતાની જાનની સલામતીની ખાતરી મેળવી લીધી. એને તરસ લાગી હોવાનું કહીને પાણી માંગ્યું. પાણી આપવામાં આવ્યું તો કહેવા લાગ્યો કે કદાચ તમે મને પાણી પીતા પહેલાં જ મારી નાખશો. હઝ. ઉમર રદિ.એ કહયું કે ડરો નહીં, પાણી પીતાં સુધી તમને સલામતી આપવામાં આવે છે. આ સાંભળીને એણે પાણી ફેંકી દીધું. હઝ. ઉમર રદિ.એ ફરીવાર પાણી મંગાવ્યું તો કહેવા લાગ્યો હવે મારે પાણી નથી પીવું. અને તમે હું પાણી ન પીવું ત્યાં સુધી મને પનાહ આપી ચુકયા છો. આ ઘટનામાં આટલું તો સ્પષ્ટ હતું કે પાણી પીનારને પાણી પીવા સુધી અમન અને પનાહ છે. અને પાણી ન પીવું હોય તો પનાહની કોઈ જરૂરત નથી. કતલ કરી દેવામાં આવે. પણ તે લોકો ઘણા ઉચ્ચ મરતબે બિરાજતા હતા. એટલે હઝ. ઉમર રદિ.એ એનું આ બહાનું કુબૂલ કરી લીધું અને એને અરજ કરી કે મુસલમાન થઈ જાય.

આ બાબતે તેઓ કેટલું ઊંચું અને સારું વિચારતા હતા એનો અંદાઝો હઝ. ઉમર રદિ.એ હઝ. સઅદ રદિ.ના નામે લખેલ એક પત્રથી પણ થઈ શકે છે. એમાં લખ્યું હતું કે કોઈ ગેર અરબી માણસ જે અરબી સિવાયની ભાષા બોલતો હોય એ મઝાકમાં કે રમતમાં કે અન્ય ભાષામાં પણ એવા શબ્દો બોલે જેનો અર્થ પનાહ કે સલામતી માંગવાનો થતો હોય તો તમારે એને પનાહ અને સલામતી આપવી જરૂરી છે. એટલા માટે કે કોઈને સલામતી અને પનાહ આપવામાં ભૂલ થઈ જાય એ સ્વીકાર્ય છે પણ કોઈની સાથે કરાર તૂટે કે દગો થઈ જાય એમાં બરબાદી છે. આમ કરશો તો દુશ્મન મજબૂત થશે અને તમે કમઝોર થઈ જશો.

અબુ લુઅલુઅ નામનો માણસ હઝ. ઉમર રદિ.નો હત્યારો હતો. ઈસાઈ ગુલામ હતો. હઝ. ઉમર રદિ.ને એણે પહેલેથી જ ઈશારામાં ધમકી આપી હતી અને પછી ધમકી મુજબ એણે હઝ. ઉમર રદિ.ને કતલ કરી દીધા. હઝ. ઉમર રદિ. ફરમાવતા કે એણે મને ધમકી આપી છે, આમ છતાં એને કંઈ કહયું નહીં કે બદલો પણ ન લીધો. બલકે હઝ. ઉમર રદિ. એના સાથે એહસાન કરવા ચાહતા હતા. મુસલમાનો સાથે અદાવતનો હાલ આ હતો કે જયારે નિહાવંદ મુકામે થયેલ લડાઈ પછી ત્યાંના કેદીઓ મુસલમાનો પાસે લાવવામાં આવ્યા તો એક એક કરીને એ બધા કેદીઓના માથે હાથ ફેરવતો અને કહેતો કે “ઉંમર મારું કલેજું ખાય ગયો.”

ઈબ્ને મુલ્જિમ નામનો માણસ હઝ. અલી રદિ.નો હત્યારો હતો. હત્યા પહેલાં એકવાર પોતાની કોઈ જરૂરત લઈને હઝ. અલી રદિ. પાસે આવ્યો. આપ રદિ.એ એની જરૂરત પૂરી કરી દીધી અને ફરમાવ્યું કે આ મારો હત્યારો છે. કોઈકે કહયું કે તો પછી એને કતલ કરી દયો. આપ રદિ.એ ફરમાવ્યું કે પછી મને કોણ કતલ કરશે ? એક રિવાયતમાં આમ છે કે હજુ એણે મને કતલ નથી કર્યો તો હું એનાથી બદલો કેવી રીતે લઉં ? પછી જયારે એણે આપ રદિ. ઉપર હુમલો કર્યો અને પકડાય ગયો તો આપ રદિ.એ ફરમાવ્યું : હમણા એને કતલ ન કરજો. કેદ કરી લ્યો. કેદમાં એને સારું ખાવું અને નરમ બિસ્તર આપજો. અને જો હું એના આ હુમલા અને ઝખમથી મરી જાઉં તો બદલામાં એને કતલ કરજો. અને જો હું સારો થઈ જઈશ તો પછી એનાથી બદલો લેવો એ મારો હક છે. હું ચાહું તો માફ કરી દઉં કે બદલો લઉં. આવી બધી ઘટનાઓને એક ટુંકા લખાણમાં કેવી રીતે સમાવી શકાય ? ઈતિહાસ આવી ઘટનાઓથી ભરેલો છે. આ બેચાર નમૂના થકી મારે તો આ બાબતે ધ્યાન અપાવવું હતું કે મુખાલફત અને અદાવતો થતી રહે છે. પરંતુ દુશ્મનો સાથે પણ તે પવિત્ર હસ્તીઓનો જે વર્તાવ હતો એવો વર્તાવ આજે દોસ્તો સાથે પણ આપણે નથી કરતા. પછી આપણે ઉમ્મીદ કરીએ છીએ કે ફકત મોઢેથી ઈસ્લામનું નામ લઈએ અને આપણને એવા જ ફાયદાઓ અને સફળતાઓ મળે જે એમને મળતી હતી. કેવી રીતે શકય છે ? فالی اللہ المشتکی

છેલ્લી વસિયત :

મારો ઈરાદો હજુ વધારે લખવાનો હતો. પરંતુ મુબારક મહીનો નજીક આવી રહયો છે. અને આ મહીનામાં કોઈને પત્ર લખવું છોડો, આવેલા પત્રો પઢવા પણ મુશ્કેલ છે. એટલે એક ટુંકી નસીહત ઉપર આ લખાણ પુરું કરું છું.


મહમૂદુલ ખસાઈલ

મહમૂદુલ ખસાઈલ

• જનાબ અહમદહુસેન ગાજી સા.

હદીસ નંબર : 90

હઝરત રુમૈશહ (રદિયલ્લાહુ અન્હા) ફરમાવે છે કે મેં રસૂલુલ્લાહ સલ્લલ્લાહ અલયહિ વ સલ્લમનું ફરમાન (એટલી નજીકથી) સાંભળ્યું કે જો હું એ નજદીકીને કારણે આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની એ મુહરે નુબુવ્વતને જે આપના બે ખભાઓ વચ્ચે હતી, ચુંબન કરવા માંગતી તો ચુંબન કરી શકતી હતી. આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ હઝરત સઅદ બિન મુઆઝ (રદિ.)ના હકમાં ફરમાવી રહ્યા હતાઃ તેમના મૃત્યુના દિવસે તેમના માટે રહમાનનો અર્શ પણ ઝુમી ઉઠયો.

ફાયદો : આ જગ્યાએ આ રિવાયત લાવવાનો મકસદ હુઝૂર સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમનો ઈરશાદ પેશ કરવાનો નથી, પરંતુ રિવાયત બયાન કરનારી સહાબી ઔરત આ રિવાયતમાં મુહરે નુબુવ્વતનું વર્ણન કરી રહી છે, એ નિસ્બતથી આ રિવાયત લાવ્યા છે.

 اهتز له عرش الرحمن અર્શ હરકતમાં આવી ગયો, એ પણ બની શકે છે કે અર્શથી મુરાદ અર્શવાળા ફરિશ્તા હોય.

હઝરત સઅદ બિન મુઆઝ (રદિ.) નું સ્થાન

હઝરત સઅદ બિન મુઆઝ (રદિ.) મોટા જલિલુલ કદ્ર સહાબી છે, અન્સારના કબીલા ઔસના મોટા સરદારોમાં તેમની ગણના થાય છે. કબીલા ઔસની શાખ બનૂ અબ્દુલ અશહલથી તેમનો સંબંધ હતો. હુઝૂર સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ જયારે મક્કાવાળાઓથી માયુસ થયા તો હજની મોસમમાં હજના ઈરાદાથી આવનારા કાફલા અને કબીલાઓને ઈસ્લામની દાવત રજૂ કરતા અને સાથે સાથે આ પણ ફરમાવતા કે આપ લોકો મને પોતાને ત્યાં લઈ જાઓ જેથી હું અલ્લાહ તઆલાનો આ પયગામ તેના બંદાઓ સુધી શાંતિ અને સુકૂન સાથે પહોંચાડી શકું. મક્કાવાળા મારા રસ્તામાં અવરોધો લાવે છે, મને કામ કરવા દેતા નથી, પરંતુ કુરૈશનો દબદબો બધા કબીલાઓ પર એટલો વધારે હતો કે કોઈ કબીલો પોતાને ત્યાં લઈ જઈ આપની મદદ કરવા ન તૈયાર હતો, કારણ કે કુરૈશથી દુશ્મની વ્હોરી લેવી ખતરનાક હતી.

બીજી બાજુ મદીનામાં ચાર મશહુર કબીલા આબાદ હતા, બે યહુદીઓના, બનૂ નઝીર અને બનૂ કુરૈઝા અને બે અરબ મુર્તિપૂજકોના ઔસ અને ખઝરજ. સામાન્ય રીતે તેઓ વચ્ચે લડાઈઓ થતી રહેતી હતી, યહૂદીઓ એ મુર્તિપૂજકોને હંમેશા ધમકીઓ આપતા રહેતા હતા કે અંતિમ નબી (સલ.) ના આગમનનો સમય બિલ્કુલ નજીક આવી ગયો છે, જયારે તેઓ આવશે તો અમે તેમની ઉપર ઈમાન લાવીશું અને તેમની ઉપર ઈમાન લાવવાને કારણે અલ્લાહ અમારી મદદ કરશે અને તેને કારણે અમે તમારી ઉપર પ્રભાવિત થઈ જઈશું. યહૂદીઓ હજમાં ન જતા હતા અને અરબોમાં મુર્તિપૂજા હોવા છતાં દીને ઈબ્રાહીમીનો સિલસિલો હજ ચાલું હતો, હિજરતથી ત્રણ વર્ષ પહેલા ખઝરજના છ માણસોની રાતના સમયે મિનામાં હુઝૂર સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ સાથે મુલાકાત થઈ, આપ (સલ.) એ તેમનાથી વાતચીત કરી, તેમને ઈસ્લામની દાવત આપી. તો તેઓ આપસમાં એક બીજાને કહેવા લાગ્યા. આ તે જ નબી છે જેમના વિશે યહુદીઓ આપણાથી વારંવાર કહેતા હતા. આ સારો મોકો છે કે એ યહૂદીઓથી પહેલા આપણે તેમની ઉપર ઈમાન લઈ આવીએ, તેથી તેમણે રાતના અંધારામાં ઈમાન કબૂલ કર્યુ. બીજા વર્ષે બાર માણસો આવ્યા અને જમરએ અકબાની નજીક હઝરત નબીએ કરીમ (સલ.) ના હાથ પર બયઅત કરી, તેને “બયઅતે અકબા પહેલી” કહે છે. એ મોકા પર તે લોકોએ વાયદો કર્યો હતો કે આપ અમારા ત્યાં પધારો અમે આપની મદદ કરીશું.

ત્યાર પછી હિજરતનો સિલસિલો શરૂ થયો. હુઝૂર સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે એક જલીલુલ કદ્ર સહાબી હઝરત મુસ્અબ બિન ઉમૈર (રદિ.) ને એ લોકોની તાલીમ, તરબિયત અને કુર્આનની તાલીમ તેમજ ઈસ્લામી અહકામથી વાકેફ કરાવવા માટે મદીના મુનવ્વરહ મોકલ્યા. પહેલા છ માણસોએ મદીના વાપસી પર ઘરે ઘરે આપનું શ્રેષ્ઠ વર્ણન કરી દીધું આખા મદીનામાં કોઈ ઘર એવું ન હતું જયાં આપનું વર્ણન ન થતું હોય. બયઅતે અકબા પ્રથમ પછી તો આ ચર્ચા વધી ગઈ. દરેક મજલિસમાં આ જ ચર્ચા થતી કે હઝરત મુસ્અબ બિન ઉમૈર (રદિ.) હઝરત અસ્અદ બિન ઝુરારહ (રદિ.)ના ઘરે જઈને રોકાયા. હઝરત અસ્અદ બિન ઝુરારહ (રદિ.)તે સહાબી છે જેમણે સૌ પ્રથમ જુમ્આ કાયમ કરી. હુઝૂર સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની હિજરતથી પહેલા જ તેમની વફાત થઈ ગઈ હતી. હઝરત મુસ્અબ બિન ઉમૈર (રદિ.) મુસલમાનોને કુર્આન શિખવાડતા અને ઈસ્લામી અહકામથી વાકેફ કરાવતા હતા અને બીજા લોકોને પણ ઈસ્લામની દાવત પેશ કરતા હતા. માટે તેમની દાવતથી મદીનામાં ઘણા લોકો ઈમાન લઈ આવ્યા. એક વખતે હઝરત મુસ્અબ બિન ઉમૈર (રદિ.), હઝરત અસ્અદ બિન ઝુરારહ (રદિ.) ની સાથે એક બાગમાં ઔસના કેટલાક લોકોને (જેમાં સઅદ બિન મુઆઝનો પરિવાર બનૂ અબ્દુલ અશ્હલ પણ હતો) ઈસ્લામની દાવત પેશ કરી રહ્યા હતા. કોઈએ આવીને હઝરત સઅદ બિન મુઆઝ (રદિ.) ને જાણ કરી, તેઓ ઉસેદ ઈબ્ને હુઝેરની સાથે બેઠા હતા. હઝરત સઅદ બિન મુઆઝ (રદિ.), હઝરત અસ્અદ બિન ઝુરારહ (રદિ.) ના ખાલાના છોકરા અને પાક્કા મિત્રો હતા અને હઝરત ઉસૈદ બિન હુઝૈર (રદિ.) ની ફોઈ હઝરત સઅદ બિન મુઆઝ (રદિ.)ના નિકાહમાં હતા, એ બંને પણ પાક્કા મિત્રો હતા. એ બંનેને આવીને કોઈએ જાણ કરી કે હઝરત મુસ્અબ બિન ઉમૈર, અસ્અદ બિન ઝુરારહ (રદિ.)ની સાથે ફલાણાં બાગમાં અમુક લોકોને ઈસ્લામની દાવત આપી બયઅત કરી રહ્યા છે. આ સાંભળીને હઝરત સઅદ બિન મુઆઝને ગુસ્સો આવ્યો કે હે ! અમારા ખાનદાનના કેટલાક લોકોને એ ગુમરાહ કરી રહ્યો છે. તેમણે હઝરત ઉસૈદ બિન હુઝૈર (રદિ.) ને કહ્યું કે જુઓ ! હું જાતે જતો અને તેમની ખબર લેતો, પરંતુ અસ્અદ બિન ઝુરારહ મારા ખાલાના છોકરા છે અને ઉમરમાં મારાથી મોટા છે, હું તેમનો આદર કરું છું, એટલે આ મસ્અલાને તમે હલ કરી દો અને તેમની ખબર લો.

તેથી હઝરત ઉસૈદ બિન હુઝેર પોતાનો ભાલો લઈને ગયા, તેમને આવતા જોઈને હઝરત અસ્અદ બિન ઝુરારહએ હઝરત મુસ્અબ બિન ઉમૈર (રદિ.) થી કહયું: તેમને ઈસ્લામની દાવત પેશ કરો ! તેથી તેઓ આવ્યા અને આવતા જ તેમણે ધમકાવવાનું શરૂ કર્યુ. હઝરત મુસ્અબ બિન ઉમૈર (રદિ.) એ કહ્યું : જુઓ એક કામ કરો, હું તેમને જે વાતો કહી રહ્યો છું તમારી સામે પેશ કરું છું, જો તમને યોગ્ય લાગે તો કબૂલ કરી લેવી અને જો તમને પસંદ ન આવે તો અમે તમારા કબીલામાં આ કામ નહીં કરીએ. આ સાંભળી હઝરત ઉસૈદ બિન હુઝેરે કહ્યું : હાં ! આ તમે ઈન્સાફની વાત કહી, તેથી તેમણે પોતાનો ભાલો ત્યાં જ મુકી દીધો અને બેસી ગયા. હઝરત મુસ્અબ બિન ઉમૈર (રદિ.) એ તેમને કુર્આનની કેટલીક આયતો સંભળાવી અને ઈસ્લામની દાવત પેશ કરી, તો તેમણે કહ્યું કે તમારા આ દીનમાં કેવી રીતે દાખલ થવામાં આવે છે ? કહ્યું કે ગુસલ કરીને પાક કપડા પહેરો, કલિમહ પઢો અને ત્યાર બાદ શુક્રની બે રકાત પઢો, માટે આ બધું કરીને તેઓ અહીંથી પરત ફર્યા, તેમની હાલત જ બદલાય ગઈ, તેઓ હઝરત મુસ્અબ બિન ઉમૈર (રદિ.) ને કહીને આવ્યા હતા કે હું એક બીજા માણસને તમારી પાસે લાવું છું, જો તે ઈસ્લામ કબૂલ કરી લેશે તો આખો કબીલો ઈસ્લામ કબૂલ કરી લેશે.

હઝરત સઅદ બિન મુઆઝ (રદિ.) એ તેમને આવતા જોઈને કહ્યું : મારી સાથે આવો મામલો પેશ આવ્યો, હઝરત સઅદ બિન મુઆઝ (રદિ.) ને ગુસ્સો આવી ગયો અને કહેવા લાગ્યા કે હું તેમની ખબર લઉં છું, તેઓ પુરા જોશ સાથે ગયા, પરંતુ તેમની સાથે પણ હઝરત મુસ્અબ બિન ઉમૈર (રદિ.) એ એ જ અંદાજથી વાતચીત કરી કે જુઓ ! જો તમને આ કામ અપ્રિય હશે તો નહીં કરીએ, પરંતુ પહેલા તો સાંભળી લો. માટે તેમણે કહ્યું કે તમે ન્યાયની વાત કરી, તેઓ બેસી ગયા, તેમને ઈસ્લામ પેશ કર્યો તો તેમણે પણ તરત જ ઈસ્લામ કબૂલ કરી લીધો.

તેમનું પોતાના કબીલામાં ઘણું વજન હતું, કબીલાવાળાઓને ઈસ્લામની દાવત આપી તો આખો કબીલો બનૂ અબ્દુલ અશ્હલ મુસલમાન થઈ ગયો. મદીનામાં અલ્લાહ તઆલાએ બનૂ અબ્દુલ અશ્હલને આ ભાગ્ય આપ્યું કે આખો કબીલો એક સાથે ઈસ્લામ લઈ આવ્યો.

હઝરાતે મુહાજિરમાં જે મિજાઝ હઝરત ઉમર (રદિ.) નો હતો, તે જ મિજાઝ હઝરાતે અન્સારમાં હઝરત સઅદ બિન મુઆઝ (રદિ.) નો હતો, ખૂબ જ તેજ અને જોશીલા હતા, કોઈ તેમને કંઈ કહી શકતું ન હતું, ગઝવએ ખંદકના મોકા પર યહુદીઓએ મક્કાના મુશરિકો અને કબીલએ ગતફાનને રુશ્વત આપીને મુસલમાનોની વિરુદ્ધ ઉશ્કેર્યા, યહુદીઓ પરસ્પર મળેલા હતા, તેમની બધી જ જમાતો મુસલમાનોના મુકાબલામાં આવી હતી, હઝરત નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે આ મામલામાં સહાબા (રદિ.) થી મશ્વરો કર્યો, હઝરત સલમાન ફારસી (રદિ.) એ આ મત આપ્યો કે પર્શિયામાં આ તરીકો છે કે જયારે દુશ્મન મોટી સંખ્યામાં હોય અને મેદાનમાં મુકાબલો કરવો અશકય હોય તો શહેરની આસપાસ ખંડક-ખાઈ ખોડીને દુશ્મનને અંદર આવવાથી રોકવામાં આવે છે. હુઝૂર સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમને આ મશ્વરો પસંદ આવ્યો, ખંડક-ખાઈ ખોડવાનો ફેંસલો થયો અને મદીનાની ઉત્તર બાજુએ જયાંથી દુશ્મન આવી શકતા હતા જાતે હઝરત નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે પોતાના મુબારક હાથથી નિશાની બનાવી અને સહાબાના દસ-દસ લોકોની જમાતો બનાવીને દરેકને ચાલીસ ગજ ખોદવાનો હુકમ કર્યો. છ દિવસમાં સાડા ત્રણ માઈલ એટલે પોણા છ કિ.મી. લાંબી ખંડક તૈયાર થઈ ગઈ. મેદાનમાં મુશરિકોનું લશ્કર આવ્યું તો ખંડક વચ્ચે હતી, સામેની બાજુ મદીનામાં મુસલમાન હતા, બનૂ કુરૈઝહના યહુદીઓનો મુસલમાનો સાથે કરાર હતો, કરારને કારણે તેમણે મુસલમાનોનો સાથ આપવાનો હતો, પરંતુ બનૂ નઝીરના સરદાર હુયય બિન અખ્તબે બનુ કુરૈઝહના સરદાર કઅબ બિન અસદને શરમ અપાવીને મુસલમાનોની વિરુદ્ધ તૈયાર કર્યા.

જયારે હુઝૂર સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમને તેની જાણ થઈ તો આપે આ વાતની તપાસ માટે ઔસના સરદાર સઅદ બિન મુઆઝ (રદિ.) અને ખઝરજના સરદાર સઅદ બિન ઉબાદહ (રદિ.) ને મોકલ્યા અને એ બંને સઅદોથી કહ્યું કે જો ખરેખર એ લોકોએ કરાર તોડી નાંખ્યો છે તો અહીંયા આવીને સંકેતોમાં કહેવું જેથી મુસલમાનોનો હોંસલો ઓછો ન થઈ જાય અને જો કરાર ખતમ કર્યો નથી તો ખોલીને કહેવું. એ બંનેએ જઈને જોયું તો ત્યાં હાલત જ બિલ્કુલ બદલાય ગઈ હતી. કરાર તોડવાની નિશાનીઓ બધી મોજૂદ હતી, તે બંનેએ વાતચીત શરૂ કરી, ઘણી બોલચાલ થઈ. ટુંકમાં તેમણે આવીને હુઝૂર સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમને ઈશારાથી બતાવ્યું કે બનૂ કુરૈઝહએ ગદ્દારી કરી છે, તેમની ગદ્દારીનો હઝરત સઅદ બિન મુઆઝ (રદિ.) પર ઘણો અસર પડયો.


બોધકથા

બોધકથા

શેખ સાદી કહે છે કે,એકવાર હું દમાસ્કસની જામેઅ મસ્જિદમાં હઝરત યહયા અલૈ.ના મઝારે એતેકાફમાં હતો. એક દિવસે એક આરબ સુલતાન ત્યાં આવ્યો અને નમાઝ પઢીને દુઆમાં પરોવાય ગયો. મને ખબર હતી કે બાદશાહના અત્યાચાર અને ઝુલમથી લોકો ત્રાસી ગયા છે. દુઆ પૂરી કરીને એ મારા તરફ વળ્યો અને કહેવા લાગ્યો કે એક શત્રુ તરફથી મને મોટો ખતરો છે. તમે મારા માટે દુઆ કરી દો, બુઝુર્ગોની દુઆ કુબૂલ થાય છે.

મેં એની વાત સાંભળીને જવાબ આપ્યો કે, એક શક્તિશાળી માણસ બીજા અશકત અને લાચાર માણસનો હાથ તોડી નાંખે, શું આ સારું કહેવાય ? અશક્તો અને લાચારો ઉપર રહેમ નહીં કરનારને ખબર નથી કે એના પણ બુરા દિવસો આવી શકે છે, અને ત્યારે એને કોઈ મદદગાર નહીં મળે. કાંટા વાવીને ફુલ - કળીઓ ઉગવાની રાહ જોનાર માણસની આશા ઠગારી નીવડે એ સ્પષ્ટ છે. હે બાદશાહ ! આંખ કાન ઉપરથી ગફલતના પરદા હટાવો અને રૈયત સાથે ન્યાય કરો. યાદ રાખ ! આજે તું ન્યાય નહીં કરે તો તારા ન્યાયનો પણ એક દિવસ નક્કી છે.

માણસો બધા જ પરસ્પર એક શરીરના વિવિધ અંગો સમાન છે. અને બધાનું જતન એક જ રતનથી થયું છે. શરીરના એક અંગમાં પીડા હોય તો આખું શરીર બેચેન રહે છે, એમ જો તું અન્યોના દુખનું દર્દ અનુભવી શકતો ન હોય તો માણસના નામ ઉપર તું એક કલંક છે.

બોધપાઠ : આ હિકાયત દ્વારા શેખ સાદી સમાન અને સર્વગ્રાહી ન્યાય, ઉદારતા અને સખાવતનો ઉપદેશ આપવા માંગે છે. વિશેષ કરીને રાજા, હાકેમ અને અધિકારીઓ માટે આ બાબત સમજવી વધારે જરૂરી છે. દેશ - પ્રદેશ, રંગ – વર્ણ અને નાત જાતના તફાવત છતાં બધા માનવીઓ આખરે એકબીજાના ભાઈ છે.


છેલ્લા પાને ….

છેલ્લા પાને ….

ચહેરો કે વર્તન ?

માણસના દિમાગમાં બીજા માણસોના ચહેરાઓ કરતાં એમનું વર્તન અને વહેવાર વધારે સચવાય છે. એટલે પોતાનો વહેવાર અને વર્તન દરેક સાથે સારો રાખો.

ગુસ્સો અને ગાંઠ

આંધી તોફાન મોટા જહાઝને તોડીને ડૂબાડી શકે છે. પણ એક ગાંઠ નથી ખોલી શકતું. આવું જ ગુસ્સાનું છે. આખો સંસાર બરબાદ કરી દેશે પણ સમસ્યાનો હલ નહીં નીકળે.

તંગ દિલમાં ન ઘુસો 

ઘણા માણસોના દિલ તંગ હોય છે. આપણે એમાં જગ્યા ન બનાવી શકીએ. પણ સદવર્તન અને અખલાક થકી એમાં આપણી જરૂર ખુશબૂ મહેકાવી શકીએ છીએ.

સોળે કળાએ ખીલતાં પહેલાં

ચાંદને સોળે કળાએ ખીલતાં પહેલાં અધુરા રહેવું પડે છે. માટે સફળતા માટે પહેલાં અસફળતાને સહેવા માટે તૈયાર રહો.

સૌથી મોટી ભૂલ

માણસની સૌથી મોટી ભૂલ આ છે કે તે દરેક વેળા પોતાને જ સાચો અને સારો સમજતો રહે છે.

હરિફાઈ વગર આગળ વધો

બીજાઓ કરતાં સારા બનવા કે આગળ વધવાના પ્રયત્નો ન કરો. એનાથી હસદ પેદા થશે. આગળ વધવાની શ્રેષ્ઠ રીત આ છે કે માણસ આજે જેવા છો એનાથી વધારે સારા બનવાના પ્રયત્ન કરતા રહો.

બદનામ ન કરો

માણસને હક છે કે કોઈને પસંદ કરે અને કોઈને નાપસંદ. પણ માણસને આ અધિકાર નથી કે જેને નાપસંદ કરતો હોય એને લોકો માંહે બદનામ કરે.

સબ્રનું સ્ટેશન

સફળતાની સફર પૂરી થવાને આરે છે. બસ એક સબ્રનું સ્ટેશન પાર કરી જઈએ એટલી વાર છે.

ટુંકી જિદંગી

જિંદગી ઘણી ટુંકી છે. અને વિરોધીઓને પછાડવામાં કે નારાજ લોકોને રાજી કરવામાં ન બગાડો. જે રાજી છે અને સાથે છે એમના માટે કંઈ કરી જવાની કોશિશ કરો.

ફરક શું ?

આપણા અને પશ્ચિમના લોકો વચ્ચે શું ફરક છે ? તેઓ મોટા વૈજ્ઞાનિક અને ક્રાંતિકારી છે ? અને આપણે લકીરના ફકીર ? ના એવું નથી. તેઓ કોઈ શોધમાં અસફળ થનારને વારંવાર મોકો આપે છે. અને આપણે કોઈ સફળ થનારને વારંવાર અસફળ કરવા લડીએ છીએ.


A Prescription for Obtaining Closeness to Allah

4 advices of Dr. 'Abd al-Hayy al-'Arifi (R.A.)

Hazrat Dr. Abdul Hai Arifi (R.A.) was a great sufi. He had been contacted with Hakeemul Ummat Mawlana Ashraf Ali Thanwi (R.A.). Many great scholars pledged allegiance to him, like Hazrat Maulana Mufti Muhammad Taqi Usmani Sahib, Hazrat Maulana Mufti Muhammad Rafi Usmani Sahib and Hazrat Maulana Muhammad Yusuf Ludhianvi Sahib etc., pledged allegiance to Dr.Sahab (R.A.)

As he was a homoeopathic physician by profession and ran a clinic. He attended his clinic regularly. There he had a daily brief gathering for the seekers (talibeen).

The outstanding feature of Hazrat's training was that he delivered individuals from the fear of strenuous struggles and feats (assumed to be necessary to attain relationship with Allah SWT). He gave them hope. Bringing about a change in their thought process (that is, every action is done for the pleasure of Allah SWT) using succinct advice.

Once began to say to the audience of Majlis. Where will you do long meditations and prayers? I will tell you the short way to reach Allah. Do it for a few days and see what happens :

(1) He used to tell us, "Talk to Allah SWT and Get into the habit of talking to him secretly. Whenever the person started to do something lawful, say in his heart:

"O My Allah! (a) Please help me with this work. (b) Make it easy for me. (c) Carry it to completion with ease. (d) Accept it in your presence.

These are four short sentences, but one will turn to Allah hundreds of times a day, and this is what a believer needs to maintain his relationship with Allah at all times.

(2) Man has to deal with four situations in his daily life. (A). According to nature. (B). Against nature. (C). Memories of past mistakes and loss. (D). Future risks and concerns.

Get into the habit of saying ALLAHUMMA LAKAL HAMDU WA LAKAS SHUKR on the matter that comes according to nature.

If the matter goes against nature, then say INNA LILLAHI WAINNA ILAIHI RAJIOON.

If you remember past mistakes, immediately say ASTAGHFIRULLAH.

If there are future threats, say so: ALLAHUMMA INNII AAUZU BIKA MIN JAMIEEL FITAN MA ZAHAR ANHA WAMA BATAN

Thankfully, the present blessing was preserved. The reward of patience over the loss is secured and the presence of Allah will be blessed. The past is cleared by asking for forgiveness and his future has been protected by seeking refuge with Allah.

(3)He used to say:Get the knowledge of the duties and obligations (Faraiz and Wazibat) of the Shariat and keep doing them and keep avoiding major sins (Gunah-e-Kabirah).

(4) He used to say: Recite any Masnoon Zikr for a while and make this request to Allah "O My Allah! I want to be yours, make me yours, give me your love and knowledge".

Act upon these four things for a few days and then see what happens and how the near goals are fixed quickly..!!