તંત્રી સ્થાનેથી
કાયદો, કાનૂન, બંધારણ શા માટે હોય છે ? એની આવશ્યકતા શું છે ?
એનો જવાબ આ છે કે એના થકી દરેક માણસ એક નક્કી મર્યાદામાં રહે છે, પરસ્પર સમાનતા બાકી રહે છે, શકિતશાળીની અનાવશ્યક શકિતને ઘટાડે છે અને કમઝોરને જરૂરત મુજબ સમર્થન અને હિમ્મત આપે છે.
અલબત્ત સમય જતાં લોકોમાં અને એમના વહેવારમાં પરિવર્તન આવે છે. જીવન પદ્ધતિ અને સાધનો બદલાય છે એટલે ઘણીવાર પહેલાંના નિયમો અપૂરતા બને છે, ઘણીવાર માપદંડો બદલાય જાય છે એટલે પછી કાયદામાં પરિવર્તનની જરૂરત ઉભી થાય છે. અને જરૂરત મુજબ કાયદામાં પરિવર્તન કરવામાં આવે છે. સુધારા – વધારા કરવામાં આવે છે. આ કુદરતનો નિયમ છે અને દરેક માણસ પોતાના કુટુંબમાં અને કાર્યવર્તુળમાં પરિવર્તનના આ નિયમને અનુસરે જ છે.
કાયદા – કાનૂનમાં પરિવર્તન આવશ્યક હોવાને બધા સમજે છે, પણ વિચારવાની વાત આ છે કે સ્વયં 'પરિવર્તન' એવું કોઈ ધ્યેય નથી કે એને પામવું અને અનુસરવું જરૂરી હોય. મુળ ધ્યેય લોકોની જરૂરતો, સવલત અને સમયના તકાદાને અનુરૂપ માનવ સમાજને પરસ્પરની સમાનતા સાથે આગળ લઈ જવાનું લક્ષ્ય કાયદા – કાનૂનમાં પરિવર્તનની જરૂરત ઉભી કરે છે.
આપણે વિચારીએ કે પહેલાંના ઝમાનામાં કોઈ ગુના ઉપર નક્કી કરવામાં આવેલ મામૂલી દંડની રકમ આજે ગુનો રોકવા માટે પુરતી નથી. એમાં વધારો કરવો આવશ્યક છે. પહેલાં સાયકલ માટે પણ સરકારની મંજૂરી લેવી પડતી હતી તો મોટરના વર્તમાન સમયમાં એ નિરર્થક છે.
એટલે એક વાત તો આ યાદ રાખવાની છે કે કાનૂનમાં પરિવર્તન સ્વયં કોઈ લક્ષ્ય નથી કે પરિવર્તન થતું જ રહેવું જોઈએ. જરૂરત હોય તો કરી શકાય, નહીંતર સો વરસ કે હઝાર વરસ જૂનો કાયદો હોય તો પણ એ જ ચાલતો રહેવો જોઈએ.
બીજી વિચારવાની વાત આ છે કે કાયદો અને કાનૂન લોકોની રાહત – સવલત માટે લોકો થકી જ ઘડવામાં આવે છે અને લોકોની માંગ થકી જ એમાં પરિવર્તન થાય છે. હા, એના અમલીકરણ માટે અલાયદી સત્તા હોય છે, જેથી સમાન રીતે એનું અમલીકરણ થઈ શકે.
પણ જો કાયદો - કાનૂન પોતે જ એક શકિતનું કેન્દ્ર બની જાય અને કમઝોરોને દબાવવાનું સાધન બની જાય અથવા કાયદો ઘડવાનું કામ કોઈ વિશેષ સમુહના હાથમાં આવી જાય અને આ શિકત વડે અસમાનતા કે અન્યાય થવા માંડે તો કાયદા — કાનૂનનું મહત્વ અને ઉપયોગિતા ખતમ થઈ જાય છે. એટલે જ તો જે રાજાઓ, સરમુખ્ત્યારો સત્તાના મદમાં મસ્ત થઈને અન્યાયી નિયમો –કાયદો ઘડતા હતા એમને તાનાશાહ, અત્યાચારી, ઝાલિમ કહેવામાં આવે છે. એમના વિશે કોઈ એમ નથી કહેતું કે લોકો કાયદાનું ઉલ્લંધન કરતા હતા, અને તેઓ કાયદાના અમલીકરણ કરતા હતા, એટલે તેઓ ઝાલિમ ન કહી શકાય!
વર્તમાન વિશ્વની અન્ય સત્તાઓને આપણે જોઈએ,યુરોપ,અમેરિકાના વિકસિત દેશો સમય પ્રમાણે લોકોને સહુલત થાય એ મુજબ નિયમમાં ફેરફાર કરે છે. ભારતમાં પણ કંપનીઓ માટે, ઉદ્યોગકારો માટે, દેશી-વિદેશી રોકાણ માટે સરળતા રહે એ મુજબ કાયદા બનાવવામાં આવે છે. કરોડો, અરબો, ખરબોની જમીન સસ્તામાં આપવા ઉપરાંત ટેકસમાફી વગેરે ઘણું બધું.. આપણે જોઈએ જ છીએ.
તો પછી પ્રશ્ન ઉભો થાય છે કે લોકોના વ્યકિતગત અથવા ધાર્મિક જીવનને લગતા કાયદાઓમાં પરિવર્તન કરીને સરકાર લોકોને શા માટે પરેશાન કરવા માંગે છે ? સરકારે તો લોકોને સહૂલત થાય એ મુજબનું પરિવર્તન કરવું જોઈએ... એના બદલે સંવિધાનને જ ધર્મનું સ્થાન આપીને કહેવાતા સંવિધાનના રક્ષકો પોતે ભગવાન બની જાય છે, પછી તેઓ ઇચ્છે છે કે લોકો અમારી મરજી મુજબ ચુપચાપ અમને અનુસરતા રહે. માણસ ધર્મ અને ઈશ્વર – અલ્લાહને છોડીને સંવિધાન પાછળ છુપાયેલા માનવીય માબૂદોની વાત માનવા માંડે..
ભૂલથી થતી હત્યાનો ગુનો - બદલો અને મુસલમાનના ઇસ્લામ વિશે શંકા કરવી
﷽ وَمَا كَانَ لِمُؤۡمِنٍ اَنۡ يَّقۡتُلَ مُؤۡمِنًا اِلَّا خَطَـــًٔا ۚ وَمَنۡ قَتَلَ مُؤۡمِنًا خَطَـــًٔا فَتَحۡرِيۡرُ رَقَبَةٍ مُّؤۡمِنَةٍ وَّدِيَةٌ مُّسَلَّمَةٌ اِلٰٓى اَهۡلِهٖۤ اِلَّاۤ اَنۡ يَّصَّدَّقُوۡا ؕ فَاِنۡ كَانَ مِنۡ قَوۡمٍ عَدُوٍّ لَّـكُمۡ وَهُوَ مُؤۡمِنٌ فَتَحۡرِيۡرُ رَقَبَةٍ مُّؤۡمِنَةٍۖ وَاِنۡ كَانَ مِنۡ قَوۡمٍۢ بَيۡنَكُمۡ وَبَيۡنَهُمۡ مِّيۡثَاقٌ فَدِيَةٌ مُّسَلَّمَةٌ اِلٰٓى اَهۡلِهٖ وَ تَحۡرِيۡرُ رَقَبَةٍ مُّؤۡمِنَةٍ ۖ فَمَنۡ لَّمۡ يَجِدۡ فَصِيَامُ شَهۡرَيۡنِ مُتَتَابِعَيۡنِ تَوۡبَةً مِّنَ اللّٰهِ ؕ وَكَانَ اللّٰهُ عَلِيۡمًا حَكِيۡمًا ﴿٩٢﴾ وَمَنۡ يَّقۡتُلۡ مُؤۡمِنًا مُّتَعَمِّدًا فَجَزَآؤُهٗ جَهَـنَّمُ خَالِدًا فِيۡهَا وَغَضِبَ اللّٰهُ عَلَيۡهِ وَلَعَنَهٗ وَاَعَدَّ لَهٗ عَذَابًا عَظِيۡمًا ﴿٩٣﴾ يٰۤـاَيُّهَا الَّذِيۡنَ اٰمَنُوۡۤا اِذَا ضَرَبۡتُمۡ فِىۡ سَبِيۡلِ اللّٰهِ فَتَبَـيَّـنُوۡا وَلَا تَقُوۡلُوۡا لِمَنۡ اَ لۡقٰٓى اِلَيۡكُمُ السَّلٰمَ لَسۡتَ مُؤۡمِنًا ۚ تَبۡـتَـغُوۡنَ عَرَضَ الۡحَيٰوةِ الدُّنۡيَا فَعِنۡدَ اللّٰهِ مَغَانِمُ كَثِيۡرَةٌ ؕ كَذٰلِكَ كُنۡتُمۡ مِّنۡ قَبۡلُ فَمَنَّ اللّٰهُ عَلَيۡكُمۡ فَتَبَـيَّـنُوۡا ؕ اِنَّ اللّٰهَ كَانَ بِمَا تَعۡمَلُوۡنَ خَبِيۡرًا ﴿٩٤﴾
તરજમહ : અને કોઈ મુસલમાન માટે જાઇઝ નથી કે તે કોઈ મુસલમાનને કતલ કરે, સિવાય કે ભૂલથી (એવું થઈ જાય.) અને જે માણસ કોઇ મુસલમાનને ભૂલથી કતલ કરી બેસે તો એણે એક મુસલમાન ગુલામને આઝાદ કરવો પડશે, તેમજ એક દિય્યત (હત્યાનું વળતર) મરનારના ઘરવાળાઓ (વારસદારો)ને પહોંચાડવાનું રહેશે. સિવાય કે તેઓ માફ કરી દે. (તો દિય્યત માફ થઇ જશે.) અને જો તે કતલ થનાર તમારી દુશ્મન કોમનો માણસ હોય, પણ મુસલમાન હોય તો (માત્ર) એક મુસલમાન ગુલામને આઝાદ કરવાનો છે. અને જો તે એવી કોમનો વ્યકિત હોય કે તમારા અને એમની વચ્ચે (શાંતિ) કરાર છે, તો તેના ઘરવાળાઓ (વારસદારોને) દિય્યત પહોંચાડવાની છે, તેમજ એક મુસલમાન ગુલામ પણ આઝાદ કરવાનો છે. પછી જેની પાસે (આઝાદ કરવા માટે ગુલામ કે લોંડી) ઉપલબ્ધ ન હોય તો અલ્લાહ સામે તોબા (માફી) માટે લગાતાર બે માસના રોઝા રાખવાના રહેશ. અને અલ્લાહ બધું જાણનાર હિકમતવાળો છે. (૯૨) અને જે માણસ કોઇ મુસલમાનને જાણી જોઈને કતલ કરે તો તેની સજા જહન્નમ છે, જેમાં તે સદા પડયો રહેશે અને તેના ઉપર અલ્લાહનો ગઝબ (નારાજગી) અને લઅનત (રહમતથી બાકાત) થશે. અને તેના માટે મોટો અઝાબ તૈયાર કર્યો છે. (૯૩) હે ઈમાનવાળાઓ ! જ્યારે તમે રાહે ખુદામાં (જિહાદ માટે) નીકળો તો પૂરતી ચોખવટ - ચોક્સાઇ કરી લ્યો. અને જે માણસ તમારી સામે સલામ રજૂ કરે તેને એમ ન કહો કે તું મુસલમાન નથી, એટલા માટે કે તમને (એનો) દુનિયાની જિંદગીનો સામાન લઈ લેવાની ઇચ્છા હોય. કારણ કે અલ્લાહને ત્યાં ઘણી ગનીમતો છે. તમે પણ પહેલાં આવા જ હતા, પછી અલ્લાહે તમારા ઉપર ઉપકાર કર્યો તેથી હવે તમે ચોકસાઈ રાખો. બેશક, તમે જે કંઈ કરો છો, એ બધાની અલ્લાહ તઆલા સંપૂર્ણ ખબર રાખે છે, (૯૪)
તફસીર : અગાઉની આયતોમાં સામુહિક લડાઈ અથવા યુદ્ધ બાબતેના નિયમો દર્શાવવામાં આવ્યા હતા, હવે આ આયતોમાં વ્યકિતગત લડાઈ કે હત્યા અને બદલા વિશેના અમુક નિયમો દર્શાવવામાં આવ્યા છે.
સહુપ્રથમ અલ્લાહ તઆલાએ આ બાબતે તાકીદ ફરમાવી છે કે એક મુસલમાન માટે આ કોઈ રીતે યોગ્ય નથી કે તે કોઈ બીજા મુસલમાનને જાણી જોઈને કતલ કરે, એની હત્યા કરે. આમ કરવું મોટો ગુનો છે. હા, ભૂલથી કોઈની હત્યા થઈ જાય, એ અલગ બાબત છે, જેમ કે જનાવરને શિકાર કરવા તીર તાકયું હોય અને કોઈ માણસને જઈ વાગે.
મુળ રીતે આ આયતોમાં ભૂલથી થતી હત્યાના બદલા અને ગુનાનું વર્ણન છે. કુરઆનના હુકમોથી માલૂમ થાય છે કે આવી હત્યાના થકી પણ માણસ બે સ્તરે ગુનો કરે છે. એક ગુનો અલ્લાહ તઆલાની મખ્લૂકની હત્યાનો અને બીજો ગુનો જે તે ખાનદાનના એક માનવ સભ્યની હત્યાનો.
બંને ગુનાની સજાની વિગત આ મુજબ છે કે ભૂલથી જેની હત્યા થઈ છે, (૧) એ માણસ મુસલમાન હશે અને મુસલમાનોના પ્રદેશમાં જ રહેતો હશે, (૨) અથવા મુસલમાન હોવા છતાં એવા ગેરમુસ્લિમ કુટુંબ – કબીલામાં રહેતો હશે જેમની સાથે મુસલમાનોની સંધિ હશે, (૩) અથવા મુસલમાન હોવા છતાં ગેરમુસ્લિમ શત્રુ લોકો માંહે રહેતો હશે, એટલે કે મુસલમાનો અને એના કબીલા વચ્ચે યુદ્ધની સ્થિતિ ચાલતી હશે.
પ્રથમ બંને સુરતોમાં હત્યા કરનાર ઉપર બંને ગુનાહોની સજા આવશે, એટલે કે અલ્લાહના ગુનાની સજા સ્વરૂપે એણે એક ગુલામ આઝાદ કરવો પડશે અને જેની હત્યા થઈ છે એના વારસદારોને મરનારના વળતર સ્વરૂપે 'દિય્યત' આપવી પડશે. એક માણસની 'દિય્યત'માં દસ હઝાર દિરહમ અથવા એક હઝાર દીનાર અથવા સો ઊંટ હોય છે. અને મરનાર સ્ત્રી હોય તો પુરૂષ કરતાં અડધો માલ દિય્યત સ્વરૂપે આપવાનો થાય છે.
તોબા – માફી સ્વરૂપે જે ગુલામ આઝાદ કરવાનો રહે છે એ હત્યા કરનારના વ્યકિતગત માલમાંથી ચુકવવામાં આવશે. અને દિય્યતનો માલ હત્યા કરનાર વ્યકિતના કબીલાના લોકો ભેગા મળીને ભોગવશે. આમ એટલા માટે કે કબીલાના લોકો ઉપર સામુહિક - સામાજિક જવાબદારી છે કે કબીલાના લોકો કોઈની હત્યા ન કરી બેસે એનો ખ્યાલ રાખે, ઉપરાંત કોઈ કબીલાના કોઈ સભ્યની ભૂલના કારણે એના ઉપર આવતી મુસીબતમાં બધા એની મદદ કરે અને એકલો ન છોડી દયે.
ત્રીજી સૂરતમાં મરનાર શત્રુ કબીલાનો વ્યકિત છે, એટલે એની હત્યાનું વળતર એના વારસદારોને આપવાનું નહી રહે, અલબત્ત એક માણસની હત્યાનો ગુનો જરૂર થયો છે. એટલે એની તોબા માટે એક ગુલામ આઝાદ કરવો પડશે.
ખુલાસો એ થયો કે ત્રણેવ સુરતોમાં એક માણસની હત્યાનો ગુનો જરૂર લાગુ પડે છે, એટલે એની તોબા — માફી માટે ગુલામ આઝાદ કરવો પડશે. અને જો કોઈની પાસે ગુલામ ન હોય, અને ખરીદ કરીને આઝાદ કરવાની શકિત પણ ન હોય, અથવા આજે ગુલામી પ્રથા નાબૂદ થઈ ગઈ છે, એવી સ્થિતિમાં તોબા – માફી માટે લગાતાર બે મહીનાના રોઝા રાખવા જરૂરી છે.
પછી આયત નં : ૯૩ માં હત્યાના ઈરાદે એટલે કે જાણી જોઈને કોઈની જાન લેવાના ગુનાનું વર્ણન છે. સ્પષ્ટ છે કે આ ઘણો મોટો ગુનો છે, એટલે એની સજા પણ સખત વર્ણવવામાં આવી છે. આવી હત્યાની દુન્યવી સજા તો 'ખૂનનો બદલો ખૂન'ની છે. એટલે કે અદાલતમાં ગુનો પુરવાર થાય તો અદાલત દ્વારા હત્યારાને મારી નાખવામાં આવે. જેનું વિગતવાર વર્ણન સૂરએ બકરહમાં આવી ગયું છે. અને આખિતરની સજા એ રહેશે છે કે હત્યારાને અલ્લાહ તઆલા કાયમ માટે જહન્નમમાં નાંખી દેશે. તફસીરકારોના મતે કાયમ માટે જહન્નમમાં નાંખી દેવાનો અર્થ એ છે કે એના જહન્નમમાં રહેવાની કોઈ મર્યાદા અલ્લાહ તઆલાએ નક્કી કરી નથી, આ ગુનાની કોઈ હદ નથી તો એની સજાની પણ કોઈ હદ નથી. અલ્લાહ તઆલાની મરજી થશે ત્યારે એને જહન્નમમાંથી બહાર કાઢવામાં આવશે. ઉપરાંત અલ્લાહ તઆલા એનાથી સખત નારાઝ થશે અને પોતાની રહમતથી દૂર કરી દેશે. અને એના માટે અલ્લાહ તઆલાએ મોટો અઝાબ જહન્નમાં અલગથી તૈયાર કરી રાખ્યો છે, એમાં જ એણે અચોક્કસ મુદ્દત સુધી રહેવું પડશે.
છેલ્લે આયત નં ૯૪ માં ભૂલથી થયેલી એક હત્યાના કિસ્સાનું વર્ણન કરીને વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું છે.
મદીનાના શરૂના દિવસોમાં વારાફરતી અમુક ઘટનાઓ એવી ઘટી કે મુસલમાનો સમક્ષ કોઈ કબીલના માણસે પોતાને મુસલમાન દર્શાવ્યો છતાં મુસલમાનોને એમ લાગ્યું કે આ માણસ અમારાથી બચવા જૂઠું બોલીને પોતાને મુસલમાન દર્શાવે છે, જેથી લડાઈ દરમિયાન પોતાની જાન અને માલ બચાવી લે. અને આમ વિચારીને મુસલમાનોએ એને કતલ કરી દીધો. તફસીરની કિતાબોમાં આવા અનેક કિસ્સાઓ વર્ણવવામાં આવ્યા છે. હઝ. ઇબ્ને અબ્બાસ રદિ.ની રિવાયત છે કે અમુક સહાબા રદિ.ને દુશ્મન સાથે લડાઈ માટે મોકલવામાં આવ્યા હતા, રસ્તામાં એમને એક માણસ મળ્યો, જે પોતાની બકરીઓ ચરાવવા જઈ રહયો હતો. મુસલમાનોને જોઈને એણે સલામ કરી, એટલે કે પોતાના મુસલમાન હોવાની નિશાની આપી. પણ સહાબા રદિ.ને થયું કે આ શત્રુ પક્ષનો માણસ છે, ફકત પોતાની જાન અને માલ બચાવવા એ મુસલમાન હોવાનો ઢોંગ કરી રહયો છે. એટલે એને મારીને એની બકરીઓ લઈ લીધી. પછી જયારે આ સહાબા રદિ. મદીના આવ્યા અને નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમને આ બાબતની ખબર પડી તો ઘણા નારાજ થયા. અને આ વેળા અલ્લાહ તઆલાએ ઉપરોકત આયત નાઝિલ ફરમાવી. આ આયતમાં અમુક બાબતોની વિશેષ તાકીદ કરવામાં આવી છે:
(૧) જિહાદની સફરે નીકળો અને સામે કોઈ અજાણ્યો વ્યકિત મળે તો એની સાથે શત્રુ જેવો વ્યવહાર (કેદ કે કતલ) કરતાં પહેલાં ખૂબ તપાસ કરો અને સાવચેતી રાખો.
(૨) કોઈ માણસ પોતાને મુસલમાન કહે તો એને મુસલમાન જ સમજવામાં આવે. એને એમ ન કહેવામાં આવે કે તું અંદરથી મુસલમાન નથી, અને ઢોંગ કરે છે વગેરે.
(૩) આવું સામાન્ય પણે એટલા માટે થાય છે કે મુસલમાનો એમ વિચારે છે કે આ માણસ પોતાનો માલ બચાવવા ઢોંગ કરે છે, અને સાથે જ મુસલમાનોના દિલમાં પણ એને શત્રુ સમજવાની સાથે એનો માલ ગનીમત સ્વરૂપે લઈ લેવાની ઇચ્છા હોય છે. એટલે કે માલની ઇચ્છા -લાલચ આવી ગલત ફહમીનો સબબ બનતી હોય છે. માટે માલની લાલચ છોડી દેવી અને માણસને મુસલમાન સમજીને છોડી દેવો જરૂરી છે. તમને એનો માલ ગનીમત સ્વરૂપે નહીં મળે તો ભલે, અલ્લાહ તઆલા પાસે ઘણી બધી ગનીમતો છે.
(૪) તમારે મુસલમાનોએ યાદ રાખવું જોઈએ કે તમારી સ્થિતિ પણ પહેલાં આવી જ હતી. મક્કામાં તમે જાહેર રીતે પોતાને મુસલમાન બતાવી શકતા ન હતા. સામે કોઈ મુસલમાન મળે તો એની સામે સલામ કરીને કે કલિમો પઢીને પોતાની મુસલમાન હોવાની ઓળખ આપતા હતા. આવું જ આવી ઘટનાઓમાં હોય શકે છે, કે આ માણસ પહેલેથી જ મુસલમાન હોય, અત્યાર સુધી કોઈ કારણે ખુલીને પોતાનો ઇસ્લામ જાહેર કરી શકતો નથી, અલબત્ત તમને જોઈને એણે પોતાની એકતા અને ઈસ્લામી ભાઈચારો વ્યકત કર્યો તો તમે એને ઢોંગી કહેવા માંડયા ! તમારા ઉપર અલ્લાહ તઆલાએ એહસાન ફરમાવ્યું કે તમને મક્કામાંથી કાઢીને સહી સલામત મદીનામાં સ્થાન આપ્યું, શકિત અને સત્તા આપી, તો હવે તમારા જેવા અન્ય ગરીબડા લોકોનો પણ ખ્યાલ રાખો.
ઉપરોકત આયતના આધારે ઉલમાએ લખ્યું છે કે જે માણસ કલિમહ પઢીને હોય કે કોઈ અન્ય નમાઝ રોઝા જેવા ઈસ્લામી પ્રતિક અપનાવીને પોતાને મુસલમાન જાહેર કરે, એને મુસલમાન સમજવો જરૂરી છે. ચાહે તે ગમે તેવા ગુના કરતો હોય કે નમાઝ, હજ, ઝકાત, જેવી ઈસ્લામી ફરજો પ્રત્યે બેદરકાર હોય. અલબત્ત કોઈ માણસ પોતાને મુસલમાન જાહેર કરવાની સાથે એવા કામો કરતો હોય જે અન્ય ધર્મના પ્રતિક હોય તો પછી ફકત પોતાને મુસલમાન કહેવાથી એને મુસલમાન નહીં ગણવામાં આવે.
મઆરિફુલ હદીસ
હઝરત મવલાના મંઝૂર નોમાની (રહ.)
અનુવાદ : મવલાના યાકૂબ બારીવાલા સા. રહ. (બ્લેકબર્ન. યુ.કે.)
ભાગ નંબર: ૧૭૮
હરમેન શરીફેનના ફઝાઈલ
મુહદ્દીસોનો રિવાજ છે કે હજના બયાનમાં જ હરમૈનની ફઝીલતોની હદીસો પણ ટાંકે છે એ જ રિવાજની તાબેદારીમાં હરમે મક્કા અને હરમે મદીનાની ફઝીલતોની હદીસો અહીંયા ટાંકવામાં આવે છે.
હરમે મક્કાની અઝમત (મોટાઈ બુઝૂર્ગી)
ખાનએ કા'બાને અલ્લાહ તઆલએ પોતાનું પવિત્ર ઘર બનાવ્યું છે અને એજ નિસ્બતથી મક્કા શહેર જેમાં બૈતુલ્લાહ છે. ''બલદુલ્લાહિલ્હરામ'' બનાવવામાં આવ્યું જેમા આખી દુનિયાના ઘરોમાં કા'બા મુકર્રમાને અલ્લાહ તઆલા સાથે ખાસ નિસ્બત છે એ જ રીતે આખી દુનિયાના શહેરોમાં મક્કા મુકર્રમાને અલ્લાહ સાથે ખાસ નિસ્બતની ફઝીલત પ્રાપ્ત છે. અને એ જ નિસ્બતના કારણે તેની દરેક દિશામાં કેટલાય માઈલો સુધીની જગ્યાને હરમ (એટલે ઈઝઝત કરવા લાયક) બનાવી છે. તેના ખાસ અદબો અને હુકમો નક્કી કર્યા અને અદબ તેમ બુઝૂર્ગીના આધારે ઘણી એવી વાતો ત્યાં મના કરવામાં આવી છે જેની દુનિયાની બીજી જગ્યાઓમાં છુટ છે. જેમકે તેની હદોમાં કોઈ શીકાર કરવાની છુટ નથી લડાઈ ઝઘડાની રજા નથી જાડ કાપવા અને ઝાડોના પાંદડા તોડવાની છુટ નથી એ પવિત્ર જગ્યામાં તે બધી ચીજોને અદબ અને બુઝૂર્ગી વિરૂધ્ધ ગુનેહગારોનું કામ બતાવ્યું છે.
હરમના તે ઈલાકાની હદો પહેલાં સૈયદના ઈબ્રાહીમ અલે.એ નક્કી કરી હતી, પછી રસૂલુલ્લાહ સલ.એ પોતાના સમયમાં તે હદોને ફરી પાકી કરી, હવે તે હદો મશ્હૂર અને પ્રખ્યાત છે અર્થાત તે આખો ઈલાકો ''બલદુ લ્લાહિ લ્હરામ'' નું આંગણુ છે. અને તેનો એવો જ અદબ અને ઈઝઝત વાજિબ છે જે અલ્લાહના પવિત્ર શહેર મક્કાનો છે. તે વિષે હુઝૂર સલ.ની અમૂક હદીસો નીચે વાંચો :-
(۱۹۹) عَنْ عَيَّاشِ بْنِ أَبِيْ رَبِيْعَةَ الْمَخْزُوْمِيِّؓ قَالَ قَالَ رَسُولُ اللّهِ ﷺ لَا تَزَالُ هٰذِهٖ الْأُمَّةُ بِخَيْرٍ مَا عَظَّمُوْا هٰذِهٖ الْحُرْمَةَ حَقَّ تَعْظِيْمِهَا فَإِذَا ضَيَّعُوْا ذَالِكَ هَلَكُوْا (ابن ماجة)
તરજુમાઃ- હઝરત અયાશ બિન રબીયા મઅઝુમી (રદિ.)થી રિવાયત છે કે રસુલૂલ્લાહ (સ.અ.વ.)એ ફરમાવ્યું: મારી ઉમ્મત જયાં સધુ આ પવિત્ર હરમની પુરેપુરી ઈઝઝત કરતી રહેશે, અને તેની પવિત્રતા અને તાઝિમનો હક અદા કરતી રહેશે ભલાઈથી રહેશે. અને જયારે તેમાં એ વાત નહીં રહે, બરબાદ થઈ જશે.
ખુલાસો :- મતલબ કે બૈતુલ્લાહ અને મક્કા મુકર્રમા, તેમ હરમના પુરા ઈલાકાની ઈઝઝત અને પવિત્રતા અલ્લાહ તઆલા સાથે બંદગીના ખરા સંબંધો અને સાચી વફાદારીની નિશાની છે જયાં સુધી તે સંયુકત પણે ઉમ્મતમાં બાકી રહેશે અલ્લાહ તઆલા આ ઉમ્મતની દેખરેખ રાખશે. અને તે દુનિયામાં સલામતી અને ઈઝઝત સાથે રહેશે, અને જયારે ઉમ્મતની ચાલ સંયુકત પણે એ વિષે બદલાઈ જશે અને ખાનએ કા'બા તેમ પવિત્ર હરમની પવિત્રતા અને ઈઝઝત વિષે તેમાં કમી આવશે તો પછી આ ઉમ્મત અલ્લાહની દેખરેખ તેમ મદદનો હક ખોઈ નાંખશે. અને તેના પરિપામમાં તબાહી બરબાદી તેમના ઉપર છવાય જશે.
આપણા આ સમયમાં સફરની સહુલતો અને અમૂક બીજા કારણોથી પણ ભલે હજ કરનારાઓની સંખ્યા વધી ગઈ છે પરંતુ ત્યાં બધી દુનિયાના જે મુસલમાનો આવે છે તેમની રીત ભાગ બતાવે છે કે બૈતુલ્લાહ અને પવિત્ર હરમના અદબો અને ઈઝઝતના હિસાબે ઉમ્મતમાં સંયુકત પણે ઘણી કમી આવી ગઈ છે. અને બેશક એ પણ તે સબબોમાંથી અને દેખરેખથી અભાગ્ય કરી દેવામાં આવી છે.
اللّٰهُمَّ عَافِنَا وَاعْفُ عَنَّا وَاغْفِرْ لَنَا وَارْحَمْنَا وَعَامِلْنَا بِمَا أَنْتَ أَهْلُهُ وَلَا تُعَامِلْنَا بِمَا نَحْنُ أَهْلُهُ"
(۲۰۰) عَنِ ابْنِ عَبَّاسٍ قَالَ قَالَ النَّبِيُّ ﷺ يَوْمَ فَتْحِ مَكَّةَ لَا هِجْرَةَ وَلٰكِنْ جِهَادٌ وَنِيَّةٌ فَإِذَا اسْتُنْفِرْتُمْ فَانْفِرُوْا وَقَالَ يَوْمَ فَتْحِ مَكَّةَ إِنَّ هٰذَا الْبَلَدَ حَرَّمَهُ اللّهُ يَوْمَ خَلَقَ السَّمٰوَاتِ وَالْأَرْضَ فَهُوَ حَرَامٌ بِحُرْمَةِ اللهِ إِلٰى يَوْمِ الْقِيٰمَةِ وَإِنَّهٗ لَمْ يَحِلَّ الْقِتَالُ فِيْهٖ لِاَحَدٍ قَبْلِيْ وَلَمْ يَحِلَّ لِىْ إِلَّا سَاعَةً مِنْ نَهَارٍ فَهُوَ حَرَامٌ بِحُرْمَةِ اللّهِ إِلٰى يَوْمِ الْقِيٰمَةِ لا يُعْضَدُ شَوْكُهُ وَلَا يُنْفَرُ صَيْدُهُ وَلَا يَلْتَقِطُ لُقْطَتَهٗ إِلَّا مَنْ عَرَّفَهَا وَلَا يُحْتَلٰى خَلَاهَا قَالَ الْعَبَّاسُ يَا رَسُوْلَ اللّهِ إِلَّا الْإِذْخِرُ فَإِنَّهُ لِقَيْنِهِمْ وَلِبُيُوْتِهِمْ فَقَالَ إِلَّا الإِذْخَرَ۔ (رواه البخاري ومسلم)
તરજુમાઃ- હઝરત અબ્દુલ્લાહ બિન અબ્બાસ (રદિ.)થી રિવાયત છે કે મક્કા ફતેહ થયું તે દિવસે રસુલૂલ્લાહ (સલ.)એ ફરમાવ્યું: હવે હિજરતનો હુકમ રહ્યો નથી પરંતુ જિહાદ અને નિય્યત બાકી છે. માટે જયારે તમને અલ્લાહના રસ્તામાં નિકળવાનું કહેવામાં આવે તો નિકળી જાઓ, અને તે ફતહે મક્કાના દિવસે આપ સલ.એ ફરમાવ્યું: આ મક્કા શહેરને અલ્લાહે તે જ દિવસથી પવિત્ર બનાવ્યું છે જે દિવસે જમીન અને આસમાન પેદા કર્યા, (એટલે જયારે અલ્લાહે ધરતી અને આકાશ બનાવ્યા તે જ વખતે ધરતીના આ ટુકડાને જેના ઉપર મક્કા વસેલું છે અને તેની આજુ બાજુના હરમના ઈલાકાને પવિત્ર બનાવ્યું છે. જેથી અલ્લાહના એ હુકમના કારણે કયામત સુધી તેનો અદબ અને ઈઝઝત કરવી વાજિબ છે. અને મારા પહેલાં અલ્લાહે કોઈ પણ બંદાને અહીંયા અલ્લાહના રસ્તામાં લડવાની પણ છુટ આપી નથી. અને મને પણ આજના દિવસે થોડા સમય માટે તેની સમયસર પરવાનગી આપી છે. તે સમય પુરો થયા પછી કયામત સુધી લડાઈ અને દરેક એવા કામો જે આ પવિત્ર જગ્યાના અદબ અને એહતેરામની વિરૂધ્ધ હશે, હરામ છે, આ જમીનના કાંટાવાળા ઝાડોને કાપવા તેમ છાંટવામાં ન આવે અને જો કોઈ પડેલી વસ્તુ જોવામાં આવે તો તેને તે જ માણસ ઉઠાવે જે કાયદા મુજબ તેની જાહેરાત કહતો રહે અને અહીંયાના લીલા ઘાસને પણ કાપવા તેમ ખોદવામાં ન આવે. (તે વાત પર આપ સલ.ના કાકા) હઝરત અબ્બાસ રદિ.એ અરજ કરી: ઈઝખિર ઘાસ બાકાત કરવામાં આવે કેમકે અહીંયાના લુહાર લોકો તેને વાપરે છે. અને ઘરોના છાંપરાંઓ માટે તેની જરૂરત પડે છે. રસૂલુલ્લાહ સલ.એ હઝરત અબ્બાસ રદિ. ના અરજ કરવા પર તેને બાકાત કારી દીધી.
ખુલાસો :- આ હદીસમાં રસૂલુલ્લહ સલ.એ બે જાહેરાતનો ઉલ્લેખ કર્યો છે જે આપ સલ.એ મક્કા ફતેહ થયું તે દિવસે ખાસ ફરમાવ્યો હતો.
પહેલી જાહેરાત એ હતી કે : હવે હિજરતનો હુકમ રહ્યો નથી. એનો અર્થ સમજવા માટે એ જાણવું જરૂરી છે કે ફતહે મક્કાથી પહેલા જયારે મક્કા પર કાફિરો અને મુશ્રીકોનો કબ્જો હતો, જે ઈસ્લામ અને મુસલમાનોના કટ્ટર દુશ્મન હતા અને મક્કામાં રહી કોઈ પણ મુસલમાન માટે ઇસ્લામી જીવન વિતાવવું અશકય હતું તો હુકમ એ હતો કે મક્કામાં જે અલ્લાહના બંદાઓ ઇસ્લામ સ્વીકાર કરે, તેમના માટે જો શકય હોય તો મક્કા છોડી મદીના ચાલ્યા જાય, જે તે સમયે ઇસ્લામી સેન્ટર અને દુનિયાભરમાં ઇસ્લામી જીવન માટ એક માત્ર સ્કુલ અને કેળવણીનું મરકઝ હતું મતલબ કે તે ખાસ હાલતમાં હિજરત ફરજ હતી અને તેની ઘણી ફઝીલતો અને મહત્વતા હતી, પરંતુ જયારે સને ૮ હિજરીમાં અલ્લાહ તઆલાએ મક્કા મુકર્રમા પર ઇસ્લામી હુકુમત કાયમ કરી તો પછી હિજરતની જરૂરત પુરી થઈ ગઈ. જેથી આપ સલ.એ ફત્હે મક્કાના દિવસે જ જાહેરાત કરી કે હવે હિજરતનો હુકમ પુરો થઈ ગયો, તેનાથી તે લોકોને કુદરતી રીતે ઘણી જ નાઉમ્મીદી અને અફસોસ થયો હશે જેમકે હમણાં ઇસ્લામ સ્વીકારનો તૌફિક નસીબ થઈ હતી અને હિજરતની મહાન ફઝીલતનો દરવાજો બંધ થઈ જવાના કારણે તેઓ એ સઆદતથી મેહરૂમ રહ્યા હતા. તેમના એ અફસોસનો ઈલાજ કરવા માટે રસૂલુલ્લાહ સલ.એ ફરમાવ્યું કે : હિજરતની ફઝીલત અને સઆદતનો દરવાજો ભલે બંધ થઈ ગયો છે પરંતુ અલ્લાહના રસ્તામાં જિહાદ અને અલ્લાહના દરેક હુકમ માનવાની નિય્યત ખાસ કરી અલ્લાહના કલિમાને બુલંદ કરવા અલ્લાહના રસ્તામાં કુર્બાની માટે દિલના ઈરાદાનો દરવાજો ખુલ્લો છે. અને મહાન સઆદત અને ફઝીલત તે રસ્તે અલ્લાહનો દરેક બંદો પ્રાપ્ત કરી શકે છે.
બીજુ એ'લાન ફત્હે મક્કાના દિવસે આપ સલ.એ ફરમાવ્યું કે : આ મક્કા શહેર જેની બુઝુર્ગી અને પવિત્રતા જુના જમાનાથી માનવામાં આવી રહી છે. તે ફકત રિવાજ અથવા કોઈ પંચાયતે નક્કી કરેલી નથી પણ અલ્લાહ તઆલાના કાયમી હુકમથી છે. અને કયામત સુધી અલ્લાહનો હુકમ છે કે તેનો ખાસ અદબ અને ઈઝઝત કરવામાં આવે. એટલે સુધી અલ્લાહ માટે જિહાદ અને લડાઈ જે એક ઉચ્ચ કક્ષની ઈબાદત અને મહાન સઆદત છે અહિંયા તેની પણ છુટ નથી, મારા પહેલા કોઈને પણ તેની પરવાનગી સમયસર આપવામાં પણ આવી નથી. મને પણ બહું જ નજીવા સમય માટે પરવાનગી આપી હતી અને તે પણ વખત પુરો થતાં ખતમ થઈ ગઈ, હવે કયામત સુધી કોઈને અહીંયા લડાઈ કરવાની પરવાનગી નથી.
જેવી રીતે ખાસ જગ્યાઓ માટે સરકારી કાયદાઓ હોય છે. તે જ મુજબ અહીંયાના ખાસ અદબો અને કાયદાઓ છે અને તે એ જ છે જેનું આપ સલ. એ તે મોકા પર એ'લાન ફરમાવ્યું :
લગભગ એ જ બયાનની હદીસ હઝરત અબૂ હુરૈરહ રદિ.થી પણ રિવાયત છે
(۲۰۱) عَنْ جَابِرٍ قَالَ سَمِعْتُ النَّبِيَّ ﷺ يَقُوْلُ لَا يَحِلُّ لِأَحَدٍ أَن يَّحْمِلَ بِمَكَّةَ السِّلاَحَ - (رواه مسلم)
તરજુમાઃ- હઝરત જાબિર રદિ.થી રિવાયત છે કે મેં રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)થી સાંભળ્યું આપ સલ. ફરમાવતા હતા કેઃ કોઈ મુસલમાન મક્કામાં હથિયાર ઉઠાવે એ તેના માટે જાઇઝ નથી.
ખુલાસો :- ઉમ્મતના બધા જ આલિમો આ હદીસનો અર્થ એ ધરાવે છે કે મક્કા મુકર્રમા અને હરમની હદોમાં કોઈ મુસલમાને બીજાની વિરોધમાં હથિયાર ઉઠાવવા અને તેને વાપરવા જાઈઝ નથી, એ તે પવિત્ર સ્થળના અદબ અને ઈઝ્ઝતની વિરૂધ્ધ છે એ મતલબ નથી કે કોઈને હથિયાર હાથમાં લેવાની છુટ નથી. વલ્લાહુ અઅલમ.
ઇલ્મ, જ્ઞાન, શિક્ષણ વિશે
દીની ફઝીલત અને આખિરતનો સવાબ
દીની અને દુન્યવી શિક્ષણની એક સમીક્ષા
* મુફતી ફરીદ અહમદ કાવી
અલ્લાહ તઆલાએ જયારે પ્રથમ માનવી એટલે કે આદમ અલૈ.ને પેદા કરવાનો નિર્ણય કર્યો, એ વેળાની કંઈક વાતો બોધ અને શિખામણના હેતુએ કુરઆન શરીફમાં વર્ણવી છે. કુરઆનમાં છે કે, જયારે આ નિર્ણય અલ્લાહ તઆલાએ ફરિશ્તાઓ સમક્ષ જાહેર કર્યો તો ફરિશ્તાઓ કહેવા લાગ્યા: તમે ધરતી ઉપર એવી મખ્લૂક પેદા કરશો જે ત્યાં ફસાદ મચાવશે અને લોહી વહાવશે. જવાબમાં અલ્લાહ તઆલાએ ફરિશ્તાઓને આ વાત સમજાવવાની હતી કે માનવીને પેદા કરીને ધરતી ઉપર વસાવવાનો નિર્ણય કેટલો યોગ્ય છે. અને માનવી કેટલું ઉત્તમ સર્જન છે ! એટલે અલ્લાહ તઆલાએ સહુપ્રથમ હઝ, આદમ અલૈ.ને વિવિધ વસ્તુઓ અને બાબતોનું જ્ઞાન આપ્યું. પછી એમને ફરિશ્તાઓ સામે રજૂ કર્યા. પછી ફરિશ્તાઓને પૂછયું કે તમે મને આ બધી વસ્તુઓ વિશે જાણકારી આપો. એ બધી વસ્તુઓની જાણકારી ફરિશ્તાઓનો વિષય ન હતો એટલે તેઓ એને સમજી શકે પણ એમ ન હતા અને બતાવી શકે એમ પણ ન હતા. પછી આ જ પ્રશ્ન હઝ. આદમ અલૈ.ને પૂછયો તો એમણે બધી જાણકારી બધાની સામે રજૂ કરી દીધી.
હવે ફરિશ્તાઓને સમજ પડી કે માનવી કેટલી ઉચ્ચ મખ્લૂક અને બેનમૂન સર્જન છે. એટલે પછી અલ્લાહ તઆલાએ એમને કહયું કે મેં તો તમને કીધું જ હતું ને કે ધરતી અને આકાશની છુપી વસ્તુઓની જાણકારી પણ હું ધરાવું છું. તો જાહેર અને દેખીતી વસ્તુઓની જાણકારી તો મારી પાસે હોય જ. અને મને તો તમે જે કંઈ છુપાવો અને જાહેર કરો છો, એ બધાની જ પણ જાણકારી છે.
આ આખી ઘટના કુરઆનમાં અલ્લાહ તઆલાએ વર્ણવી છે, એનાથી અનેક પ્રકારના બોધ અને શિખામણો આપણને મળે છે, અને આ બોધ તો બિલ્કુલ સ્પષ્ટ રીતે સમજમાં આવે છે કે ફરિશ્તાઓ દ્વારા માનવી વિશે વ્યકત કરવામાં આવેલ 'ફસાદ'ની ખામી સામે માનવીની શ્રેષ્ઠતા પૂરવાર કરવા માટે અલ્લાહ તઆલાએ માનવીના 'જ્ઞાની' હોવાની ખૂબી રજૂ કરી. જેને જોઈને ફરિશ્તાઓએ પણ માનવીની શ્રેષ્ઠતાનો એકરાર કર્યો. આપણે વિચારી શકીએ છીએ કે માનવીને જ્ઞાન જેવા ગુણથી ગુણવંત જોઈએ ફરિશ્તાઓને કેવી હસરત થઈ હશે ? આજે આપણે માનવી હોવા છતાં, ઘણું બધું જ્ઞાન ધરાવતા હોવા છતાં કોઈ મોટા જ્ઞાની-વિજ્ઞાનીની વાતો જાણીએ કે સાંભળીએ છીએ તો આપણને પણ હસરત થઈ આવે છે. જ્ઞાન અને ઇલ્મની મહાનતા અને ફઝીલત સમજવા ખાતર આ એક ઘટના પૂરતી છે.
અને આજના વિશ્વમાં તો જ્ઞાન– ઇલ્મની જરૂરત એટલી બધી છે કે એના વગર કદાચ માણસનું જીવન અશક્ય લાગે છે. પહેલાં પણ આજે પણ લોકો એવા માણસને જેની પાસે કોઈ જ્ઞાન આવડત ન હોય, એને ગામડિયો, ગમાર કે જાહિલ કહેતા અને આજે પણ આ શબ્દો માનવી માટે ગાળથી ઓછા નથી.
આ ઘટનાથી બીજી વાત આ પણ સમજવા મળે છે કે 'ઈસ્લામ' ધર્મમાં ઇલ્મ કે જ્ઞાન બાબતે કોઈ રોક ટોક નહીં જ હોય. કુરઆનમાં તો જ્ઞાનને માનવીની મહાનતાનો આધાર બતાવવામાં આવ્યો છે.
મક્કામાં અજ્ઞાનતા એક સામાન્ય વાત હતી, આખા અરબસ્તાનની આસ્થાનું કેન્દ્ર હોવા છતાં મક્કામાં આંગણીના વેઢે ગણી શકાય એટલા જ માણસો લખવા વાંચવાનું જાણતા હતા. એવામાં ત્યાં મુહમ્મદ સાહેબને અલ્લાહ તઆલા તરફથી નબી અને સંદેશવાહક તરીકે નક્કી કરીને અલ્લાહનો ગેબી પેગામ લોકોને પહોંચાડવાનું કહેવામાં આવે છે. આ તબક્કે લોકો સમક્ષ મુહમ્મદ સાહેબની સચ્ચાઈ અને નબી હોવાના પુરાવા આપવા પણ જરૂરી હતા, એવી વાતો લોકો સમક્ષ રજૂ કરવાની હતી, જે તેમને અજ્ઞાનતાથી બહાર આવવાની પ્રેરણા આપી શકે. એટલે સહુપ્રથમ જે સંદેશો આસમાનેથી અલ્લાહ તઆલાએ મોકલ્યો એમાં પણ ઈલ્મની મહાનતાનું વર્ણન હતું : ''તમારા એ પરવરદિગારનું નામ લઈને પઢો, (વાંચો, બોલો) જેણે તમને પેદા કર્યા છે, જેણે માનવીને લોહીના લોથડાથી પેદા કર્યો, પઢયા કરો, તમારો પરવરદિગાર જ ઇઝઝતવાળો છે, જેણે કલમ વડે લોકોને જ્ઞાન આપવાની વ્યવસ્થા કરી છે. અને ઈન્સાનને એવી વાતો શીખવાડી જે તે જાણતો ન હતો."
જ્ઞાન અને એમાંયે કલમ વડે લખવું કેટલી મહાન વાત હશે, એ વિચારીએ. અલ્લાહ તઆલાએ આ તબક્કે એનો ઉલ્લેખ કર્યો છે.
અત્રે મહત્વની વાત આ પણ છે કે મક્કાના લોકોમાં ત્યારે ફકત અજ્ઞાનતાની બદી જ ન હતી કે એને દૂર કરવાનું મિશન નબીએ કરીમ સલ્લલ્લાહ અલયહિ વ સલ્લમને આપવામાં આવ્યું હોય. બલકે મુળ ખરાબી તો એમના સંસ્કારો, કુરિવાજો, ખરાબ રસમો, ઝુલમ, ઝીના, અન્યાય, લુટમાર, ખૂનામરકી અને બીજી અન્ય બદીઓ હતી. આ બદીઓ દૂર કરવા માણસમાં ઉચ્ચતા અને શ્રેષ્ઠતાનો ભાવ ભરવાની જરૂરત હતી. શ્રેષ્ઠતા અને સજ્જનતાનો એહસાસ કરાવવા માટે પ્રથમ માનવીને જ્ઞાન તરફ વાળવામાં આવ્યો. સારા સંસ્કાર, દીનદારી, ન્યાય વગેરે ગુણો અજ્ઞાની માનવીમાં પણ હોય શકે છે, પણ એક તો આ ગુણો જ્ઞાન - શિક્ષણ વગર આગલી પેઢીમાં જઈ શકતા નથી, અને અજ્ઞાની માનવી પોતાની અજ્ઞાનતાના કારણે ગમે ત્યારે પાછો અન્યાયી અને ગુનેગાર બની જાય એમાં વાર નથી લાગતી.
જ્ઞાન-ઈલ્મનું આ મહત્વ, ઉપયોગિતા અને તાસીરના કારણે જ નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ ફરમાવતા હતા કે ઇલ્મ મેળવવું દરેક મુસલમાન ઉપર ફરજ છે.
અહિંયાથી પ્રશ્ન ઉભો થાય છે કે કુરઆન અને હદીસમાં, અલ્લાહ તઆલા અને એના રસૂલે કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે જે ઇલ્મ – જ્ઞાનનું મહત્વ વર્ણવ્યું છે અને જેને પ્રાપ્ત કરવાનો આદેશ આપ્યો છે, એમાં કયા કયા જ્ઞાન- ઇલ્મનો સમાવેશ થાય છે ?
આજે આખા વિશ્વમાં જ્ઞાનનો વિસ્ફોટ થઈ ચુકયો છે. દરેક ગલી અને મહોલ્લામાં સ્કૂલ, કોલેજ કે ટયુશન કલાસીસ ખુલી ચુકયા છે. હઝારો પ્રકારના કોર્સ અને લાખો પ્રકારની ડીગ્રીઓ કદાચ અસ્તિત્વમાં આવી ચુકી હશે. છતાં.... આ કોર્સ ભણેલા અને ડીગ્રીઓ ચમકાવેલા માણસો જાનવરો કરતાં બુરી હરકતો કરતા નજરે આવે છે. મોટા લેખકો અને વિચારકોને વાંચીને એમ થાય છે કે જાણે ગધેડાની પીઠ ઉપર પુસ્તકોનો ઢગલો લાદી હોય તો એના કારણે ગધેડાના મોઢેથી કવિતા કે કીમતી શિખામણ નહીં નીકળે, બલકે તે તો હજુ પણ હોંચી હોંચી જ કરશે. આમ ઘણા માનવીએ ઘણું બધું વાંચ્યા પછી, વિચાર્યા પછી, શીખ્યા પછી, લખ્યા પછી પણ હજુ વાતો તો અજ્ઞાનતાની જ કરતા નજર આવે છે. ઈલ્મ – જ્ઞાનનું નામ લઈને જ સમલૈગિકતા, લીવ ઇન રિલેશનનું સમર્થન કરવામાં આવે છે. શોષણ, ભેદભાવ અને અત્યાચારને સહી ઠેરવવામાં આવે છે. અમેરિકા અને બીજા દેશો એટમ બોંબ બનાવવાને અને એના થકી હિરોશીમાને તબાહ કરવાના નિર્ણયને સાચો પુરવાર કરે છે. વેજ્ઞાનિકો એક બીજાની શોધો અને સંશોધનો ચોરી કરે છે, જૂઠા રિસર્ચ રજૂ કરે છે. શિક્ષકો અને પ્રોફેસરો જે લખે છે અને જે ભણાવે છે એ બધું 'કોર્પોરેટ' લોબી નક્કી કરે છે, હદ તો ત્યાં છે કે દીન અને ઇસ્લામના ઇલ્મના નામે પણ જે કંઈ ચલાવવામાં આવે છે એમાં પણ સફાઈ, સચ્ચાઈ અને નિખાલસતા નથી રહી.
એટલે એક નજર વર્તમાન આધુનિક શિક્ષણ ઉપર કરી લઈએ. જે યુવાનો અને યુવતીઓ આ શિક્ષણ મેળવે છે એમના વિચારો શું હોય છે ? દેશ વિદેશની યુનિવર્સિટીઓમાં કેવી વિચારસરણીને પ્રોત્સાહન આપવામાં આવે છે ? શિક્ષિત લોકોના વિચારમાં શું પરિવર્તન આવે છે ?
આ યુવાનો – યુવતીઓ પોતાના માં બાપ અને કેળવણીકારોએ જૂનવાણી, રૂઢિવાદી અને બેવકૂફ સમજે છે. ભલે તેઓ મોઢે ન બોલે, પણ એમના વિચારોમાં આ વાત સમાયેલી હોય છે. અને કયાંકને કયાંક સામે આવી જાય છે અને બીજે કયાંય સામે આવે કે ન આવે, જયારે એમની અવલાદના શિક્ષણ અને કેળવણીની વાત આવે ત્યારે સમજ પડે છે કે એમના દિમાગમાં અત્યાર સુધી શું ભરેલું હતું ? ઘણા દીનદારો અવલાદને યુનિવર્સિટીમાં મોકલીને આધુનિક બનવા તરફ દોટ મુકે છે તો કોઈ અતિશિક્ષિત વ્યકિત એવો પણ હોય છે જે પોતાના રસ્તેથી પાછો વળે છે અવલાદને આધુનિક શિક્ષણની સ્વછંદતાને બદલે જરૂરી શિક્ષણ આપીને પછી દીની શિક્ષણ અપાવવાને પસંદ કરે છે. શું આ વાસ્તવિકતા નથી કે વર્તમાન આધુનિક શિક્ષણ આપણા બાળકો અને યુવાનોને ડાંસ, મ્યુઝિક, યુવક- યુવતીઓની ફ્રેન્ડશીપ, બલકે માં – બાપ છોડીને ઘર છોડવા તરફ દોરી જાય છે અને વર્તમાન શિક્ષણ પ્રણાણીથી આવતી આ બદીઓને રોકવાનો કોઈ પ્રયત્ન નથી કરી રહ્યા. કહેવાનો મતલબ આ છે કે આપણે આપણી જરૂરતોના કારણે સ્કૂલ કોલેજ કે આગળનું શિક્ષણ મેળવવા મજબૂર છીએ તો પછી એના થકી આવતી બુરાઈઓ પ્રતિ સજાગ રહીને એને રોકવા કે ખતમ કરવાના પ્રયાસો અલગથી કરવા જોઈએ.
આ તબક્કે આ પણ વિચારવાનું છે કે નર - નારી દરેક માટે જ્ઞાન વિજ્ઞાનના આ બધા વિષયો ઉપયોગી છે ? અને દરેક વિષય છોકરા છોકરીએ ભણવો જોઈએ ? શિક્ષણની ઘેલછામાં આપણે આપણી એવી દીકરીઓને પણ કોલેજના ગંદા વાતાવરણના હવાલે કરી દઈએ છીએ, જેના વિશે આપણે સારી રીતે જાણીએ છીએ કે આ છોકરી એટલી હોશિયાર નથી, માંડ પાસ થઈ શકે એમ છે. અને પાસ થઈને ફકત કોઈ સામાન્ય નોકરી કરશે. સમાજને ઉપયોગી થવાની વાત દૂર રહી.
રહી વાત પગભર થવાની ! તો યાદ રાખવું જોઈએ કે દીકરી જયાં સુધી ઘરે છે, તો માં – બાપ એના ભરણપોષણના જવાબદાર છે, અને શાદી પછી એના ભરણપોષણની જવાબદારી શોહરના શિરે છે. એટલે દીકરીઓને કમાતી કરવાની નિતિને ઈસ્લામી માન્યતાને અનુરૂપ કોઈ પણ રીતે કહી શકાય નહીં, અપવાદ સ્થિતિમાં સ્થિતિને કમાવાની પરવાનગી છે, એ અલગ વિષય છે.
વર્તમાન આધુનિક શિક્ષણ બિનઉપયોગી અથવા નુકસાનકારક છે, એવું ઠસાવવાનો આશય નથી. એના વિષયો મુળ રીતે માનવીય સમાજ માટે ઘણા ઉપયોગી અને ફાયદાકારક છે. આધુનિક ચિકિત્સા પદ્ધતિ ન હોત તો શું થાત? આંખોના નંબરોથી લઈને કૃત્રિમ અવયવો અને હદયરોગના ઇલાજ સુધીની સવલતો શકય ન હોત, ટેકનોલોજી અને મશીનરી થકીની સવલતો કલ્પના બહારની આપણને મળી છે, આ બધું જ્ઞાન-વિજ્ઞાન થકી શકય બન્યું છે, એટલે એને બેકાર કે બિન ઉપયોગી કેવી રીતે કહી શકાય ? બલકે કુરઆન હદીસમાં જે જ્ઞાન – વિજ્ઞાનનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે, એના દાયરાથી બહાર કહેવું પણ ખોટું કહેવાશે !
આમ છતાં આ વાતનો ઈન્કાર ન થઈ શકે કે આધુનિકતાએ, અને જ્ઞાન — વિજ્ઞાને માણસને ઘણી બધી ખોટી વાતો પણ શીખવાડી છે.
આ બધું જોવાની સાથે જયારે ઇલ્મ – જ્ઞાન પ્રતિ ખુદા અને રસૂલે ખુદાની તાકીદ યાદ આવે છે તો સ્વભાવિક પ્રશ્ન થાય કે કુરઆન અને હદીસનો મકસદ આવા જ્ઞાન – ઈલ્મની પ્રેરણા કે તરગીબ આપવાનો તો નહીં જ હોય.
એટલે એક વાત જરૂર સ્પષ્ટ થઈ જાય છે કે આધુનિક શિક્ષણ પ્રણાલી કે વિષયો ઉપર આંખ બંધ કરીને ઇલ્મ-જ્ઞાનની ઈસ્લામી ફઝીલતને લાગુ કરવી ભૂલ ભરેલું કહેવાશે. હા, માનવ સમાજ માટે ઉપયોગી હોય, જેના થકી માણસને સંસ્કાર અને સેવાની શીખ મળતી હોય, જે માણસને શકિત અને સાર્મથ્ય આપતું હોય, માનવીને હલાલ રોઝી અને જાઇઝ સવલતો આપતું હોય, એ જરૂર ઉપયોગી છે, કુદરતની નેઅમત અને ઇનામ છે. ખુદાઈ નિશાની અને દલીલ છે.
હવે આ જ બાબતે જરા આપણે બીજા દષ્ટિકોણથી વિચાર કરીએ.
ઇસ્લામમાં કે કુરઆન અને હદીસમાં ઇલ્મ — જ્ઞાનની ફઝીલત અને એનું અનેરું મહત્વ કયા સંજોગોમાં કયા આશયે વર્ણવવામાં આવ્યું હતું ? જ્ઞાન પાછળ માનવીને દોડાવીને કયાં પહોંચાડવો હતો? એ પણ આપણે વિચારવાની બાબત છે.
જરૂરત હતી માનવીને અત્યાચાર, અન્યાય, લુટમાર, ખૂનામરકીના રસ્તેથી પાછા વાળવાની, દીકરીઓને જીવતી દાટવાથી લઈને ગરીબોને ગુલામ બનાવી લેવા સુધીની ખોટી આઝાદી અને ગુનાહિત રસમો છોડાવવાની.
એક ખુદાને ભૂલીને માણસે પોતાના માટે મરજી મુજબના ખુદાઓ ઘડી – કોતરી લીધા હતા, પછી એમના નામે ખોટા અને શયતાની કામો કરવામાં આવતા હતા. કુફ્ર, શિર્ક, શરાબ, સુવ્વર, જુગાર, સટ્ટો બધું જ ધર્મ કે રિવાજોના નામે કરવામાં આવતું હતું અને યોગ્ય સમજમાવમાં આવતું હતું.
ઇસ્લામ અને કુરઆનનો એમને આ બધાથી કાઢીને એક ખુદા તરફ લાવવાનો હતો. તવહીદ અને રિસાલતના પાબંદ બનાવવાનો હતો. કુફ્ર શિક્રથી કાઢીને અલ્લાહની સહીહ રીતે ઇબાદત કરાવવાનો હતો. લુટમારના બદલે સખાવત અને ઝકાતની રીત શિખવાડવાનો હતો. હત્યા – ખૂનામરકીના બદલે શાંતિ – સલામતિની રાહે ચલાવવાનો હતો. અત્યાચાર અન્યાયના બદલે ન્યાય, સમાનતા અને મદદની રાહ બતાવવાનો હતો. એટલે અલ્લાહ તઆલા અને રસૂલનો અસલ મકસદ તો અલ્લાહના બંદા બનાવીને અલ્લાહની ફરજોના પાબંદ બનાવવાનો હતો. એના માટે જ ઇલ્મનો સહારો લેવામાં આવ્યો હતો અને ઇલ્મના માધ્યમથી લોકોને આ રસ્તે લાવવાનો જ મુખ્ય આશય હતો.
એટલે જ ઉલમા કહે છે કે કુરઆન અને હદીસમાં ઇલ્મ - જ્ઞાનની જે ફઝીલત છે, એનાથી સીધી રીતે ઇલ્મે દીન મુરાદ છે. નમાઝ, રોઝા, ઝકાત, હજ જેવી ઇબાદતો અને વેપાર, વહેવાર અને વર્તનમાં શું હલાલ - જાઇઝ છે અને શું હરામ કે નાજાઇઝ છે ? એ શીખવા માટે જ ઇલ્મની ફઝીલત છે. અને આ બધા માટે જ અન્ય વિદ્યાઓ, હુનરો, ટેકનોલોજી બીજું કંઈ શીખવું પડે તો આડકતરી રીતે એ પણ ફઝીલતવાલું ઈલ્મ ગણાશે.
કોઈ માણસ હલાલ કમાણી માટે સુથાર, લુહાર બને કે કોમ્પ્યુટર, મોટર, મોબાઈલ, મશીન કે અન્ય વસ્તુઓને લગતું જ્ઞાન મેળવે, તો હલાલ કમાણીનું સાધન હોવાના કારણે સવાબનું પણ સાધન કહેવાશે.
લોકસેવા અને સમાજ કલ્યાણ માટે ડોકટર બને કે વૈજ્ઞાનિક બને કે વેપાર ધંધાને દેશ-વિદેશ સુધી વિકસાવે અને પછી એનાથી કમાણી પણ કરે તો આ બધું લોકસેવાના નિયત હોય ત્યાં સુધી સવાબનું જ કામ છે. પણ એનાથી શોષણ કરવાની નિયત હોય, ખોટી રીતે માલ કમાવો હોય તો આવા ઇલ્મ માટે કુરઆનની ફઝીલત ન હોય શકે. આવી જ વાત ત્યારે પણ કહી શકાય કે કોઈ માણસ કુરઆન, હદીસ કે ફિકહ કે બીજા દીની વિષયો એટલા માટે શીખતો હોય કે એના થકી માલ ભેગો કરે, લોકોને ઊંઠા ભણાવીને પોતાની આંગળીએ નચાવે, વ્યકિતગત સ્વાર્થ પૂરો કરે.. તો આવા ઇલ્મને કુરઆન હદીસની ફઝીલત બિલ્કુલ લાગુ ન પડે.
અને શું આ વાત કોઈને સમજમાં આવે છે કે, એક માણસ ઇલ્મ જ્ઞાનની ફઝીલતનું નામ લઈને, અને એમ કહીને કે હદીસ શરીફમાં જ્ઞાન મેળવવાનો હુકમ આપવામાં આવ્યો છે, ઉચ્ચ શિક્ષણ મેળવીને ડીગ્રીઓ ઉપર ડીગ્રીઓ મેળવે છે, દેશ વિદેશની સફરે પણ જાય છે, પણ એ જ માણસ કુરઆન – હદીસની આ જ ફઝીલત અને હુકમના આધારે નમાઝ રોઝા, ઝકાત, કે હલાલ હરામનું લેશમાત્ર ઇલ્મ હાસિલ કરવાથી દૂર ભાગે ! ધર્મને ધંધો અને ઇબાદતોને ધતીંગ કહેવા માંડે, અને બેતુકા તર્કનો સહારો લઈને એ જ કુરઆન અને હદીસનું ખોટું અર્થઘટન કરવા માંડે.
ખુલાસો આ છે કે, કુરઆન, હદીસ અને ઈસ્લામમાં આવેલ ઇલ્મ – જ્ઞાનની ફઝીલતનો પ્રથમ અને અસલી ધ્યેય તો ખુદાના આદેશો – આદર્શોનું ઇલ્મ હાસિલ કરવાનો જ છે. અસલ સવાબ આવા દીની અને હલાલ હરામના ઇલ્મ – જ્ઞાન માટે જ છે. પછી માણસની નિયત મુજબ હલાલ રોઝી અને સેવા અને કલ્યાણને લગતી બાબતોના જ્ઞાન – વિજ્ઞાન પણ એમાં શામેલ થઈ શકે છે. .. ..
હઝ. સહારનપૂરી રહ. અને હઝ. મવ. યહયા સા.રહ.
અમુક મસ્અલાઓમાં મતભેદ છતાં ઉદારતા
હઝરત અકદસ શૈખુલ હદીસ મવલાના ઝકરિયા રહ.ની કિતાબ 'ઇસ્લામી સિયાસત'નો ક્રમશ અનુવાદ મુફતી ફરીદ અહમદ કાવી.
મારા શેખ હઝરત મવલાના ખલીલ અહમદ સાહેબ રહ. અને મારા વાલિદ હઝ. મવ. યહયા સાહેબ રહ. વચ્ચે અનેક શરઈ મસ્અલાઓમાં મતભેદ હતો. અને અમુક લોકોને હઝ. સહારનપૂરી રહ. પોતે જ ફરમાવતા કે મારા મતે તો ફલાણી વસ્તુ જાઇઝ નથી, પણ મોલ્વી મુહમ્મદ યહયા સાહેબના મતે જાઇઝ છે. તમારું મન કરતું હોય તો ઉપરના માળે જઈને એમને પૂછી લ્યો અને એ મુજબ અમલ કરો. મારી સાથે પણ આવી જ ઘટના ઘટી હતી, હઝરત રહ.ના જીવનની છેલ્લી રમઝાનમાં શાબાન (પૂરો થવા)ના ચાંદ બાબતે વિવાદ થયો હતો, એટલે રમઝાનના અંતે ચાંદ બાબતે આ ચર્ચા શરૂ થઈ કે આજે આસમાન સાફ છે, એટલે ત્રીસ દિવસ પૂરા થયે પણ ચાંદ ન દેખાય તો શું કરવું? રોઝો રાખવો કે નહીં ? હઝરત રહ.નું માનવું હતું કે શાબાન (રમઝાન શરૂ) વેળાના ચાંદની ગવાહી અમુક કારણોસર શરઈ રીતે સહીહ ન હતી, એટલે રોઝો રાખવો જોઈએ. અને મારું માનવું હતું કે તે ગવાહી સહી હતી એટલે કાલે રોઝો રાખવાનો નથી. દિવસ ભર આ ચર્ચા થતી રહી, સાંજે ચાંદ દેખાયો નહીં, હઝરત રહ.એ નક્કી કર્યું કે હું કાલે રોઝો રાખીશ, મેં અરજ કરી કે મારા માટે શું હુકમ છે ? તો ફરમાવ્યું કે મારું અનુસરણ કરવું જરૂરી નથી. મારી વાત સમજમાં આવી હોય તો રોઝો રાખો, નહીંતર ન રાખો. અંતે હઝરત રહ.એ તો રોઝો રાખ્યો અને મેં રોઝો ન રાખ્યો. હઝરત રહ.ના ખાદિમોએ પણ ઘણાએ રોઝો રાખ્યો અને ઘણાએ રોઝો ન રાખ્યો. પણ હઝરત રહ.એ કોઈને પૂછયું પણ નહીં કે તમે રોઝો કેમ નથી રાખ્યો ? હવે મને અફસોસ થાય છે કે હઝરત રહ.ના મંતવ્ય સામે મેં પોતાની સમજને મહત્વ કેમ આપ્યું ? મારે હઝરત રહ.ની વાત માનવી જોઈતી હતી. પણ હઝરત રહ.એ ઈશારામાં કે મોંઘમ શબ્દોમાં, કોઈ પણ રીતે નારાજગી વ્યકત કરી નહીં, બલકે કંઈક અંશે મારું સમર્થન કર્યું.
એટલે કે આવા મતભેદ વાળા મસ્અલાઓ અને બાબતો અવામ અને લોકો સુધી લઈ જતા ન હતા, એમાં પરસ્પર વિરોધી નિવેદનો, ચોપાનિયા છાપવાં અને સામે વાળાને ખોટો પૂરવાર કરવાની પરંપરા ન હતી. પણ જયારે ઉલમા દ્વારા જ મતભેદની આવી બાબતોને અવામમાં અને લોકોમાં લઈ જવામાં આવે છે તો એના પરિણામે વિવાદ વકરે છે અને લોકો બે ભાગે વહેંચાય જાય છે.
લોકોમાં વધી રહેલા વિરોધ અને વિવાદનું બીજું કારણ, જે પહેલાં કારણ કરતાં વધારે પ્રભાવી પણ છે, આ છે કે શરીઅતથી અજ્ઞાન સામાન્ય લોકો હવે શરઈ મસ્અલાઓમાં માથું મારવાનું શરૂ કરી દીધું છે. તેઓ પોતાની રીતે નક્કી કરવા મંડયા છે કે ફલાણો આલિમ સહી છે અને ફલાણો ખોટો. શરીઅતથી અજાણ લોકોએ ઉલમાના મતભેદમાં વચ્ચે પડીને પોતાને કાજી બનાવવાની શી જરૂરત છે? લોકોને મસ્અલાની દલીલ અને ચર્ચાનું કોઈ જ્ઞાન તો હોતું નથી. છતાં જે મસ્અલામાં વિવાદ હોય એમાં પોતે જજ બની જાય છે. આવી સ્થિતિમાં એમની જવાબદારી ફકત એટલી જ છે કે બંને તરફના ઉલમામાંથી જેના પ્રત્યે એમને અકીદત અને મુહબ્બત હોય, અને જેને વધારે દીનદાર, મુત્તકી, અનુભવી અને જાણકાર સમજતા હોય એની વાત માનીને અમલ કરે. પણ આ બધું અમલ કરનાર માણસ સમજતો હોય છે. જે લોકો મકસદ જ વિવાદમાં પડવાનો અને વિવાદ આગળ વધારવાનો હોય એમને ઉલમાની એવી તકરીરોમાં પણ મજા નથી આવતી જેમાં બીજા ગ્રુપ ઉપર ટીકા, મજાક કે અપશબ્દો ન કહેવામાં આવે અને એકબીજાની ટોપીઓ ન ઉછાળવામાં આવે. જે જલ્સામાં સીધી સાદી રીતે દીનની વાતો કહેવામાં આવે, એ જલ્સો મજા વગરનો ફીકો સમજવામાં આવે છે. એને વઅઝ કે તકરીર જ નથી સમજતા. માહેર મુકર્રિર અને વાએઝ એને જ સમજવામાં આવે છે જે સામે વાળાને ખરી ખોટી સંભળાવે.! હાલાંકે કુરઆન—હદીસમાં જે બાબતે સહુથી વધારે તાકીદ અને મનાઈ આવી છે, એ આપસનો વિવાદ અને ઝઘડો છે. આ બાબતે કુરઆનમાં ઘણી જ તાકીદ આવી છે. અલ્લાહ તઆલા ફરમાવે છે : પરસ્પર વિવાદ - ઝઘડો ન કરશો, નહીંતર પાછા પડી જશો અને તમારી હવા – ધાક ખતમ થઈ જશે. (અન્ફાલ)
સહાબા રદિ. માંહે મતભેદ અને નિખાલસતાના કિસ્સા
બુખારી શરીફમાં એક કિસ્સો છે : હઝરત અબ્દુલ્લાહ બિન મસ્ઉદ રદિ. ફરમાવે છે કે મેં એક માણસને કુરઆન શરીફની એક આયત પઢતાં સાંભળ્યો. મેં નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમના મુખે જે પ્રમાણે આયત સાંભળી હતી, એ પ્રમાણે એ પઢતો ન હતો. હું એનો હાથ પકડીને નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની સેવામાં લઈ ગયો. નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે ફરમાવ્યું : તમે બંનેવ બરાબર પઢો છો. પરસ્પર વિવાદ ન કરો. પહેલાંના લોકોએ પરસ્પર વિવાદ કર્યો હતો, અને તેઓ હલાક થઈ ગયા.
આ કિસ્સામાં બંને સહાબા વચ્ચે કુરઆનના અમુક શબ્દોના ઉચ્ચાર બાબતે મતભેદ હતો, છતાં હુઝૂર સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે બંનેવને સાચા ઠેરવ્યા. એટલે કે વિરોધાભાસને બરકરાર રાખવાની સાથે વિવાદ કરવાની મનાઈ ફરમાવી. અને વિવાદ કરવાને બરબાદીનું કારણ દર્શાવ્યું.
આવી ઘટના હઝ. ઉમર રદિ. સાથે પણ ઘટી હતી. તેઓ ફરમાવે છે કે મેં હઝ. હિશામને સૂરએ ફુરકાન પઢતાં સાંભળ્યા. અને મેં જે મુજબ નબીએ કરીમ સલ્લલ્લાહ અલયહિ વ સલ્લમે શીખવાડયું હતું એ મુજબ તેઓ પઢતા ન હતા. તેઓ નમાઝમાં હતા, અને વિચાર આવ્યો કે ચાલુ નમાઝમાં જ એમને પકડીને નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ પાસે લઈ જાઉં. પણ મેં ધીરજ રાખી અને નમાઝ પૂરી થઈ તો એમની ગરદનની ચાદર ખેંચીને પૂછયું કે આ સૂરત તમને કોણે શીખવાડી છે ? એમણે પણ નબીએ કરીમ સલ્લલ્લાહ અલયહિ વ સલ્લમનું નામ લીધું. મેં કહયું કે તમે જૂઠું બોલો છો. પછી હું એમને આ જ સ્થિતિમાં પકડીને નબીએ કરીમ સલ્લલ્લાહ અલયહિ વ સલ્લમ પાસે લઈ ગયો અને અરજ કરી કે તમે જે પ્રમાણે પઢવાનું મને શીખવાડયું હતું, આ હિશામ એ પ્રમાણે પઢતા નથી. નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે અમારા બંનેનું પઢવાનું ફરી સાંભળ્યું અને બંનેવના ઉચ્ચારને સહી ઠરવ્યું. (દુર્રે મન્ષૂર)
આ ઉપરાંત હદીસની કિતાબોમાં સેંકડો કિસ્સા મોજૂદ છે, જેમાં સહાબા વચ્ચે કોઈ બાબતે વિવાદ થવા અને પછી હુઝૂર દ્વારા બંનેવ પક્ષોને સાચા ઠેરવવાનું વર્ણન છે.
આ બધાનો મતલબ એવો નથી કે કોઈ બાબતે આપણો મત અલગ હોય તો એને વર્ણવવામાં પણ ન આવે. કોઈ માણસ આલિમ, વિદ્વાન અને લાયકાત ધરાવતો હોય તો એને યોગ્ય રીતે મત – મંતવ્યને રજૂ કરવાનો અધિકાર છે.
સૂરએ ફુરકાન બાબતે જ એક કિસ્સો હદીસ શરીફમાં છે કે એકવાર નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે ફજરની નમાઝમાં આ સૂરત પઢી, અને વચ્ચેથી એક આયત છૂટી ગઈ અને છેલ્લે ખબર પડી. નમાઝ પૂરી થયે નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે પૂછયું કે નમાઝીઓમાં ઉબય બિન કઅબ છે કે નહીં? (હઝ. ઉબય રદિ. કુરઆનના પાકા હાફિજ અને કારી ગણાતા હતા) એમણે અરજ કરી કે, યા ૨સૂલલ્લાહ ! હું હાજર છું. હુઝૂરે પૂછયું કે, તો પછી તમે મને ભૂલ બતાવી કેમ નહીં ? એમણે માફી સાથે અરજ કરી કે મને એમ થયું કે કદાચ આ આયત હટાવી લેવામાં આવી હશે.
અબૂદાવૂદ શરીફમાં પણ આવા બે અન્ય કિસ્સાઓ વર્ણવવામાં આવ્યા છે.
આ કિસ્સાઓથી પૂરવાર થાય છે કે નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ જયારે પોતાના માટે હુકમ કર્યો કે ભૂલની ટકોર કરવામાં આવે તો અન્યોને કોઈ ટકોર કરવામાં શું વાંધો હોય શકે ? શરીઅત તો આ બાબતને એટલું બધું મહત્વ આપે છે કે કોઈ વાત ખોટી લાગે, અને ઝાલિમ બાદશાહ સામે હિમ્મત પૂર્વક કહી દેવામાં આવે તો એ સૌથી ઊંચો જિહાદ છે. અને જયારે આલિમ – વિદ્વાન માણસ કોઈના કામ કથનને ખોટું સમજતો હોય તો પછી એને શીદને સ્વીકારે ? હદીસ શરીફમાં છે કે ગુનાના કામમાં કોઈની વાત હરગિઝ માનવી નહીં.
આવી બાબતોએ એકવાત જરૂર યાદ રાખવી જોઈએ કે માણસની નિયત અને મકસદ અલ્લાહની ફરમાબરદારી હોય. સચ્ચાઈ રજૂ કરવાનો આશય હોય. જૂથવાદના આધારે પોતાના સમુહ — કે કબીલાનું સમર્થન કરવાની નિયત ન હોય. વિરોધ કરવામાં કોઈ વાંધો નથી, નિયમ મુજબ મર્યાદામાં હોય તો એ સારી બાબત છે. પણ પછી આ મતભેદને વિવાદ- ઝઘડાનું નિમિત્ત બનાવી લેવું, એના થકી મુસલમાનોમાં બે ગ્રુપો બને એવા પ્રયત્નો કરવા ખોટું અને નિંદનીય છે. મતભેદ હોવો અને ઝઘડો કરવો, બંનેમાં મોટો તફાવત છે. જે વિરોધ અને મતભેદ સારી બાબત છે, એને આપણે મુસીબત અને બરબાદીનું નિમિત્ત બનાવી લીધું છે.
જન્નતી આમાલ
અઝાન
નમાઝ માટે આપવામાં આવતી અઝાન મોટા સવાબનું કામ છે. માણસને જન્નતમાં લઈ જતો મુબારક અમલ છે. લોકોને અઝાનનો સવાબ અને ફઝીલત ખબર પડી જાય તો એના માટે હરિફાઈ કરવા માંડે, અને બધાનો વારાફરતી વારો નક્કી કરવો પડે. અઝાનના શબ્દો અને એના થકી કરવામાં આવતા એલાનને આપણે સમજી લઈએ તો અઝાનનો સવાબ પણ સમજમાં આવી જાય. અલ્લાહ તઆલાની તવહીદનું એલાન કરવા સાથે પોતાના તરફથી એના સ્વીકારની ગવાહી, નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની નુબુવ્વતનું એલાન અને સ્વીકારની ગવાહી, લોકોને નમાઝની દાવત... આ બધું એક મુઅઝિઝન જાહેરમાં ઊંચા સાદે પોકારીને લોકો સામે એલાન કરે છે. એટલે જ મુઅઝિઝનની ફઝીલત વર્ણવવા નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ ફરમાવે છે : મુઅઝિઝનની ગરદન કયામતના દિવસે બીજા બધા લોકો કરતાં વધારે લાંબી – ઊંચી હશે. (મુસ્લિમ શ.) એટલે કે લાંબી ગરદન હોવાના કારણે તેઓ ઓળખાય જશે કે આ બધા લોકો ફલાણો નેક કામ કરનાર માણસ છે. આ ઓળખ માટે અલ્લાહ તઆલાએ એમની ગરદન એવી રીતે લાંબી કરી દેશે જેમ કોઈ સુંદર વ્યકિતની ગરદન હોય છે. આમ અલ્લાહ તઆલા એમને કયામતના દિવસે વિશેષ ઓળખ પણ આપશે અને ખૂબસુરતી પણ આપશે.
એક ફઝીલત આ પણ છે કે મુઅઝિઝનનો અવાજ જયાં સુધી પહોંચે છે, એટલા વિસ્તારની બધી મખ્લૂક કયામતના દિવસે એના હકમાં ગવાહી આપશે કે આ બંદો તો રોજ તવહીદ રિસાલત અને નમાઝની પોકાર કરતો હતો.
હઝ. અબૂ સઈદ ખુદરી રદિ. એક વાર હઝ. અબ્દુર્રહમાન બિન સઅસઆ રદિ.ને સંબોધીને કહેવા લાગ્યા કે, હું જોઉં છું કે તમને બકરીઓ ચરાવવાનું અને જંગલમાં રહેવું વધારે ગમે છે. જંગલમાં બકરીઓ ચરાવવા દરમિયાન નમાઝનો સમય થાય તો નમાઝ પઢતાં પહેલાં ઊંચા સાદે અઝાન પોકારજો. કેમ કે મુઅઝિઝનની અવાઝ જયાં સુધી પહોંચે છે, એ દરમિયાનની બધી મખ્લૂક કયામતના દિવસે એના હકમાં ગવાહી આપશે. (બુખારી શરીફ)
વુઝૂ
નમાઝ, તિલાવત, કાબા શરીફનો તવાફ, ઉપરાંત અનેક ઇબાદતો માટે જરૂરી છે. એટલે જ વુઝૂને આવી ઇબાદતોની ચાવી કહેવામાં આવી છે. કયામતના દિવસે સઘળી ઉમ્મતો ભેગી હશે તો ઉમ્મતે મુહમ્મદિયહની નિશાની વુઝૂ હશે, એટલે એ વુઝૂના અવયવો ચમકતા હશે, એનાથી ઓળખાય જશે કે આ ઉમ્મતે મુહમ્મદીનો માણસ છે. એટલે જ નબીએ કરીમ સલ્લલ્લાહ અલયહિ વ સલ્લમનો હુકમ છે કે વુઝૂના અવયવો જેમ કે હાથ – પગને એની નક્કી હદથી થોડા વધારે ધુવો. જેથી કયામતના દિવસે અવયવો વધારે ચમકે.
એક હદીસમાં છે નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે ફરમાવ્યું : કયામતના દિવસે સહુપ્રથમ મને અલ્લાહની બારગાહમાં સજદહ કરવાની ઇજાઝત આપવામાં આવશે. અને પછી સહુપ્રથમ મને જ સજદહમાંથી માથું ઊંચું કરવાનો હુકમ કરવામાં આવશે. હું મારી સામે જોઈશ તો અન્ય ઉમ્મતોના માણસો વચ્ચે પણ મારી ઉમ્મતના માણસોને ઓળખી લઈશ. ડાબે જમણે જોઈશ તો એ તરફ પણ મારી ઉમ્મતના માણસોને હું ઓળખી લઈશ.
એક સહાબીએ પૂછયું કે, યા રસૂલલ્લાહ ! તમે તમારી ઉમ્મતના માણસોને કેવી રીતે ઓળખશો ? તો આપ સલ્લલ્લાહ અલયહિ વ સલ્લમે ફરમાવ્યું : મારી ઉમ્મતના ચહેરા અને વુઝૂના અવયવો ચમકદાર હશે. (મુસ્નદે અહમદ)
તિલાવતે કુરઆન :
કુરઆન મજીદની તિલાવત પણ મોટી ઇબાદત છે. જે માણસ કુરઆન મજીદ યાદ કરવા અને એના અર્થ મતલબ સમજવામાં કે ચિંતન મનનમાં મશ્ગૂલ રહે છે, એ કયામતના દિવસે બીજા માણસો કરતાં વધારે ઉચ્ચ સ્થાન પામશે. નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમનો ઇરશાદ છે : તિલાવત કરતા રહો. કયામતના દિવસે કુરઆન પોતાના પઢનાર લોકો માટે ભલામણ કરશે.
એમાં પણ બે સૂરતોની વિશેષ ફઝીલતો છે :
હદીસમાં છે : બે દમદાર સૂરતો એટલે કે સૂરએ બકરહ અને સૂરએ આલે ઇમરાનની તિલાવત કરતા રહો. આ બન્ને સૂરતો કયામતના દિવસે બે વાદળોની શકલમાં અથવા પક્ષીઓના ટોળાની જેમ આવશે અને પોતાને પઢનાર માણસ માટે (ફરિશ્તાઓ સામે કે અલ્લાહ તઆલા સામે) દલીલ કરશે.
પછી છેલ્લે નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે ફરમાવ્યું : સૂરએ બકરહને પઢતા રહો. એને પકડવી- પઢવી બરકતનો સબબ છે અને એને છોડવી પરેશાનીનો સબબ છે. અને એની સામે જાદૂગરોનું પણ કંઈ ચાલતું નથી. એટલે કે જાદૂની અસરથી માણસ મહફૂજ રહે છે. (મુસ્લિમ શરીફ)
બીજી એક હદીસમાં છે : કુરઆન મજીદ પઢનાર કયામતના દિવસે અલ્લાહના દરબારમાં આવશે તો કુરઆન એના માટે અરજ કરશે કે, હે પરવરદિગાર ! મારી તિલાવત કરનારને શાહી લિબાસ પહેરાવો. એટલે અલ્લાહ તઆલા એ માણસને શાહી લિબાસ પહેરાવશે. પછી કુરઆન અરજ કરશે : હજુ વધારે પહેરાવો. તો અલ્લાહ તઆલા એને માન – મોભાનો તાજ પહેરાવશે. પછી કુરઆન અરજ કરશે : પરવરદિગાર એનાથી રાજી થઈ જાઓ. તો અલ્લાહ તઆલા એનાથી રાજી થઈ જશે.
ઘડપણ
જે મુસલમાન ભાઈ જીવનભર મુસલમાન રહીને, ઈસ્લામી કરતાં કરતાં અને ઇસ્લામ ઓળખ જાળવીને ઘરડો થાય છે, અલ્લાહના દરબારમાં આવા માણસની ઘણી કદર હોય છે. હદીસ શરીફમાં આવા માણસનું સન્માન જાળવવાનો આદેશ આપવામાં આવ્યો છે. નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ ફરમાવે છે : જે યુવાન કોઈ વૃદ્ધ - વડીલનું માન જાળવે છે, અલ્લાહ તઆલા એને એના ઘડપણમાં એવા લોકોનો સહારો આપશે જે એનું સન્માન જાળવશે. (તિરમિઝી)
સન્માન એક બીજી હદીસમાં છે : જે માણસ અમારા (મુસલમાનોના) બાળકો ઉપર રહમ ન કરે, અને ઘરડાઓનું સન્માન ન જાળવે, એ અમારો (મુસલમાન સમાજ)નો સભ્ય નથી. (તિરમિઝી)
એક હદીસમાં છે : જે માણસ ઇસ્લામ સાથે વૃદ્ધ થાય છે, કયામતના દિવસે એનો બુઢાપો એના માટે નૂર બની જાય છે. (તિરમિઝી શ.)
માનવીની મર્યાદિત શકિતઓ વિશ્વાસ અને સહકારનું માધ્યમ
અલ્લાહ તઆલાએ માણસને વિવિધ પ્રકારની જેટલી શકિતઓ, ખૂબીઓ અને કાબેલિયતો આપી છે, એ બધી જ શકિતઓ મર્યાદિત છે. ગમે તેટલો શકિતશાળી કે સમજદાર હોય, એની પાસે મોજૂદ શકિતઓ અને કાબેલિયતની આખર કોઈ મર્યાદા હશે જ. જેમ કે માણસને આંખ આપીને જોવાની શકિત દષ્ટિ આપવામાં આવી છે. પથ્થરો અને દરિયાઓ જોઈ શકતા નથી. તારાઓ અને ગ્રહોને આંખ નથી આપવામાં આવી. ઝાડો અને ઝરણા પોતે એમનું સોંદર્ય નથી જોઈ શકતા.
અલબત્ત માણસને કુદરતે જોવાની શકિત આપી છે, પણ તે સિમિત છે. કોઈ અવરોધ ન હોય તો એક કિલોમીટર કે ઓછી વધતી વસ્તુઓ માણસ જોઈ શકે છે. એનાથી વધારે નહીં. અને જો વચ્ચે દીવાર આવી જાય તો એક અત્યંત પાસેની વસ્તુ પણ નથી જોઈ શકતો. બલકે કોઈ વસ્તુને આંખોથી બિલ્કુલ નજીક કરીને આંખોએ વળગાડી દે તો પણ નથી જોઈ શકતો.
આવું જ કંઈ સાંભળવાની શ્રવણ શકિત વિશે છે. સીધી રીતે થોડી દૂરનો અવાજ સાંભળી શકે છે, તે પણ કોઈ અવરોધ ન હોય તો. નહીંતર અડીને આવેલા કમરામાં શું વાત થાય છે એ પણ નથી સાંભળી શકતો.
એક રીતે આ મર્યાદા આપણને ખૂચે એવી છે. આ બધું માણસની કમઝોરી હોય એવું લાગે છે, પણ બીજી રીતે વિચારીએ તો આ ખૂબી છે, માનવીય કાબેલિયતની પૂર્ણતા છે. અમર્યાદિત હોવું બધી જ વસ્તુમાં પૂર્ણતા કે ખૂબી નથી ગણાતું.
આપણે એને સમજવાની કોશિશ કરીએ, દરેક માણસ પોતાના માટે એક વિશેષ એકાંત અને આગવા પણું ઇચ્છતો હોય છે. માણસ ઇચ્છતો હોય છે કે એનું જીવન અન્યોની દખલગીરીથી આઝાદ હોય. અન્યોના આંખ કાન એના સુધી ન પહોંચે. અને આ ત્યારે જ શકય છે આંખ – કાનની શકિતઓ મર્યાદિત હોય.
એક મોટી બિલ્ડીંગમાં લોકો અલગ અલગ ઘરોમાં રહેતા હોય, છતાં બધા લોકો એકબીજાની નજરમાં હોય, એકબીજાની બધી જ વાતો અને ગપશપ સાંભળી શકતા હોય તો લોકો માટે આવી સ્થિતિમાં જિંદગી ગુઝારવી મુશ્કેલ થઈ જાય. માણસ પોતાના મકાનમાં હોવા છતાં એમ સમજશે કે તે રેલ્વેના પ્લેટ ફોર્મ ઉપર છે, જયાં એને બધા જોઈ રહયા છે. આમ માણસની પોતાની સહૂલત અને સરળતા એમાં જ છે કે એની શકિતઓ મર્યાદિત હોય.
માણસની આ મર્યાદાઓના કારણે જ માણસ બીજા માણસનો મોહતાજ બને છે. એને બીજાએ જોયેલી કે સાંભળેલી વાતોની જરૂરત પડે છે.
વિચાર અને વાંચનની શક્તિનો પણ આ જ હાલ છે. એક માણસ એક સિમિત મર્યાદા સુધી વાંચે છે, અને વિચારે છે અને નિષ્કર્ષ કાઢે છે, બીજો એની મર્યાદા મુજબ કરે છે. અને પછી બંને એકબીજા સામે પોતાનું જ્ઞાન રજૂ કરે છે, પછી જ્ઞાનગંગા વહે છે.
અંતે આ મર્યાદા અને કમઝોરી બંને વચ્ચે વિશ્વાસ અને સહકારનું માધ્યમ બની જાય છે. કોઈની મોહતાજી વગરનો માણસ અભિમાની અને અહંકારી હોય છે. આમ માણસની મર્યાદાઓ એને સમાનતા અને સભાનતા વાળું જીવન જીવવા ઉપર મજબૂર કરે છે.
દુનિયાના ઇતિહાસ ઉપર નજર કરીએ છીએ તો આપણને દેખાય છે કે જે કોઈને જે બાબતે જરૂરતથી વધારે શકિત મળી ગઈ, સત્તા કે સમર્થન મળી ગયું, માલ કે અસબાબ મળી ગયા, ટેકનોલોજી કે સંશાધનો મળી ગયાં, એ બધામાં એનો દુરુપયોગ કરવા વાળા વધારે છે. એક વૈજ્ઞાનિકે એના દિમાગનો ઉપયોગ કરીને અણું બોંબ બનાવ્યો તો બેફામ બનેલી સત્તાએ એનો ઉપયોગ કરીને દુનિયાને નષ્ટ કરવાનો અખતરો કર્યો. આ બંને શકિતઓ એમની કાબેલિયતને કોઈ સારા સ્થાને પણ વાપરી શકી હોત.
ખુલાસો આ છે કે માણસને જે કંઈ શકિતઓ કે ખૂબીઓ આપવામાં આવેલી છે, એ સિમિત છે, એનો અંત છે, કોઈ બીજો માણસ એનાથી કંઈ વધારે કે ઓછી શકિત વાળો હોય શકે છે, પણ માનવી અને દુનિયાની ભલાઈ એમાં છે કે બધાની શકિત અને સાર્મથ્ય ભેગું મળીને એકબીજાને કામ આવે. માણસ એકબીજા ઉપર વિશ્વાસ કરે અને એક બીજાને સહકાર આપે. …
શરઈ માર્ગદર્શન ફતાવા વિભાગ
મવ. મુફતી અસ્જદ દેવલ્વી સાહેબ
તસ્દીક કર્તા મવ. મુફતી અહમદ દેવલા સદર મુફતી જામિઅહ જંબુસર
મોજા ઉપર મસહ કરવાના મસાઇલ
સવાલ : (૧) મોજા ઉપર મસહ બાબતે શું હુકમ છે ?
મોજા પહેરીને કેટલા ટાઈમ સુધી મસહ કરી શકાય છે ?
સંડાસમાં મોજા પહેરીને જવાથી મોજાના ઉપર અને નીચેના ભાગમાં મસહ કરી શકાય છે, અથવા મોજા કાઢી પગનો નીચેનો ભાગ ધોઈ શકાશે?
એક પગમાં તકલીફ હોય તો બન્ને પગ પર મોજા પહેરી શકાશે ?
એક પગમાં તકલીફ હોય તો મસહ બન્ને પગ ઉપર કરી શકાય ?
મોજા ઉપર મસહ કર્યા પછી મોજા ઉતારી શકાય કે નહીં ? અગર ઉતારી દીધા તો વુઝૂ બાકી રહેશે કે નહીં ?
જવાબ:
حامدا مصليا ومسلما
ખુફફૈન (ચામડાના મોજા) પર મસહના દુરૂસ્ત હોવા માટે દસ શર્તોનું હોવું જરૂરી છે.
(૧) ટખ્નો (પીંડલીથી નીચેની ઢેકીઓ) સાથે ટખ્નોથી નીચેના તમામ પગને ઢાંકી લે.
(૨) પગના આકારે બનેલ હોવાની સાથે પગથી લાગેલ હોય.
(૩) તે એટલા મજબૂત હોય કે તેને પહેરી જોડા-ચપ્પલ વિના એક ફરસખ (લગભગ સાડા પાંચ કિલોમીટર) સુધી પગપાળા ચાલી શકાય.
(૪) તે પગ ઉપર કોઈ વસ્તુથી બાંધ્યા વિના અટકી રહે.
(૫) એટલા જાડા હોય કે પાણીને પગ સુધી પહોચવા ન દે.
(૬) બેમાંથી કોઈ પણ મોજો એટલો ફાટેલ ન હોય કે જે મસહના જાઈઝ હોવા માટે રૂકાવટ બને.
(૭) સંપૂર્ણ પાકી પર તેને પહેરવામાં આવે.
(૮) આ પાકી તયમ્મુમ વડે હાસિલ કરવામાં ન આવી હોય.
(૯) મસહ કરવાવાળો જનાબતની અવસ્થામાં ન હોય.
(૧૦) કપાયેલ પગવાળા માણસ માટે જરૂરી છે કે હાથની ઓછામાં ઓછી ત્રણ નાની આંગળીઓ બરાબર તેનો પગ ઉપરથી બાકી હોય. (કિતાબુલ મસાઈલ : ૧ / ૧૯૭, દુર્ર-શામી ૧/૪૩૬)
મઝકૂર શરતો આધિન જેની પાસે મોજા હોય, અને તેને વુઝૂ બાદ પહેર્યા હોય, તો જયારે જયારે વુઝૂ તુટે તો ફરીવાર વુઝૂ કરતી વેળાએ પગને ધોવાને બદલે તેના ઉપર મસહ કરી શકે છે, મસહ કરવાનો મસ્નુન તરીકો નીચે મુજબ છે.
પાણીથી ભીંગવેલ બંને હાથોની આંગળીઓ ખુલ્લી રાખી મોજાના આગળના (આંગળીઓ તરફના) ભાગે મૂકીને હાથ ઉપર તરફ લઈ જવામાં આવે, જાણે આંગળીઓથી મોજા ઉપર લાઈન દોરતા હોય. બેહતર છે કે આંગળીઓ સાથે હથેળી પણ મોજા ઉપર મૂકવામાં આવે. (કિતાબુલ મસાઈલ : ૧ / ૧૯૮)
(૨) મસહની મુદ્દત : મુકીમ (મુસાફિર ન હોય તેવી) વ્યકિત માટે મસહની સમય મર્યાદા એક દિવસ – એક રાત્રી (૨૪ કલાક) ની છે અને મુસાફિર માટે ત્રણ દિવસ-ત્રણ રાત્રી (૭૨ કલાક) ની છે. બંને સ્થિતિમાં સમય મર્યાદાની શરૂઆત પાકી પર મોજા પહેર્યા બાદ જયારે પ્રથમ વખત વુઝૂ તૂટશે, ત્યારથી ગણાશે, પહેરવાના સમયથી ગણત્રી કરવામાં નહી આવે. (દુર્રે-શામી: ૧ / ૪૫૩, ૪૫૬ ઉપરથી ઝકરિય્યહ)
(૩) મોજા સંડાસમાં પહેરીને જવાની સૂરતમાં મોજા પાણી લાગવાથી પલડી ગયા હોય અને પાણી પગો સુધી ન પહોંચ્યુ હોય અથવા પહોંચ્યુ હોય પરંતુ પગનો વધુ પડતો ભાગ પલર્યો ન હોય, તો ફરીથી મસહ કરવાની અથવા પગ ધોવાની જરૂરત નથી, આ હુકમ ત્યારે છે, જયારે કે મોજાને લાગેલ પાણી પાક હોય. અને જો મોજાને લાગેલ પાણી નાપાક હોય અને પગો સધી પણ આ નાપાક પાણી પહોંચ્યુ હોય. તો આવી સ્થિતિમાં મોજા અને પગના જેટલા ભાગમાં નાપાક પાણી લાગેલ છે, નાપાક ગણાશે પગને પણ ધોવો પડશે અને નાપાક પાણી લાગવાના લઈ મોજાને પણ પાણીથી ધોવો પડશે, કે મોજા પર પ્રવાહી નાપાકી લાગવાની સૂરતમાં પાક કરવા માટે પાણીથી ધોવા જરૂરી છે, આવી સૂરતમાં અને જયારે પણ મસહ બાદ એક અથવા બંને મોજાઓને કાઢવામાં આવે, મસહ તુટી જશે, જો વુઝૂ ના હોય તો ફરીથી વુઝૂ કરી મોજા પહેરવામાં આવે અને વુઝૂ હોય તો માત્ર પગ ધોઈ ફરીથી મોજા પહેરી લેવામાં આવે અને પછીથી જયારે વુઝૂ તુટે અને વુઝૂ કરવામાં આવે ત્યારે મોજા પર મસહ કરી શકાય છે.
(દુર્ર-શામી ઝકરિય્યહ : ૧) ૧/૪૬૫, ૫૧૦, ૫૧૧ ઉપરથી, તહતાવી અલલ મરાકી : ૧૩૩, ઉપરથી)
(૪) પગમાં તકલીફ હોય અથવા ન હોય, બંને હાલતોમાં ચામડાના મોજા પહેરવા અને વુઝૂ વેળાએ શરીઅતના હુકમ મુજબ મસહ કરવું દુરૂસ્ત છે. (તહતાવી અલલ મરાકી : ૧૨૭, ૧૨૮) અલબત્ત મોજા બંને પગોમાં પહેરવા જરૂરી છે.
(૫) બંને પગોએ મોજા પહેરેલ હોય, તો તકલીફ હોય કે ન હોય બંને હાલતોમાં મોજા પર મસહ કરવું નંબર એકમાં લખવામાં આવેલ શરતો આધિન દુરૂસ્ત છે.
(૬) એકવાર વુઝૂ તૂટયા પછી મોજા ઉપર મસહ કર્યો હોય તો હવે પછી એક અથવા બંને મોજા ઉતારવાથી મસહ ખતમ થઈ જશે, જો તે સમયે વુઝૂ હોય તો પગ ધોઈ મોજા ફરીથી પહેરી લેવામાં આવે અને જો તે સમયે વુઝૂ ન હોય, તો આખુ વુઝૂ ફરીથી કરી મોજા પેહરી લેવામાં આવે.
ફકત અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.
(તા. ૨૦, જુમાદલ ઉલા, ૧૪૩૭ હિજરી)
બોધકથા
એક ઘણા ધનવાન માફિયાએ એની આવક – જાવકનો હિસાબ રાખવા એક મુનીમ – એકાઉન્ટન્ટ રાખ્યો હતો. આ મુનીમ બહેરો અને ગુંગો હતો. થોડા સમય પછી એને ખબર પડી કે આ હિસાબનવેસ મારા પૈસા ચોરી રહયો છે, અને થોડા થોડા કરીને ઘણા બધા રૂપિયા એને સેરવી લીધા છે. માફિયાને અફસોસ થયો કે મેં આ માણસ ઉપર ખોટો વિશ્વાસ મુકયો.
આખરે માફિયાએ એને પૂછી - ધમકાવીને ચોરેલા પૈસા પાછા કઢાવવાનું નક્કી કર્યું. આ માટે એણે બહેરા- ગુંગા લોકો સાથે ઈશારાથી વાત ચીત કરી શકે એવા માણસને શોધ્યો. પછી મુનીમને બોલાવ્યો.
માફિયાએ પેલા માણસને કહયું કે એને પૂછ કે મારા પૈસા એણે કયાં સંતાડયા છે? દુભાષિયાએ ઈશારાની ભાષાથી એને આ સવાલ પૂછયો. મુનીમે ઈશારાની ભાષામાં એને જવાબ આપ્યો કે મને આ બાબતે કંઈ ખબર નથી. અને મેં કંઈ લીધું કે સંતાડયું નથી. પેલા માણસે માફિયાને મુનીમનો જવાબ સંભળાવી દીધો.
માફિયો તો આખર ગુંડો જ હતો. એણે પિસ્તોલ કાઢીને મુનીમના લમણે મુકી દીધી અને પછી દુભાષિયાને કહયું કે હવે એને પૂછ કે પૈસા કયાં સંતાડયા છે ? મુનીમે ઇશારાની ભાષામાં જણાવ્યું કે બંગલાના ગેરેજમાં ફલાણી જગ્યાએ પૈસા ભેગા કર્યા છે. માફિયાએ દુભાષિયાને પૂછયું કે એ શું જવાબ આપ્યો ? તો દુભાષિયાએ જણાવ્યું કે એ કહે છે કે તું બુઝદિલ, ડરપોક અને ગુનેગાર માણસ છે. મને મારવાની તારામાં હિમ્મત કયાંથી હોય ? તારાથી થાય તે કરી લે. માફિયાએ આ જવાબ સાંભળ્યો તો ગુસ્સામાં આવીને તુરંત મુનીમને મારી નાખ્યો. આમ ચોરેલા પૈસાનો ભેદ એમ જ રહી ગયો. અને પછી એ બધા પૈસા પેલો દુભાષિયો કાઢી ગયો.
માફિયાએ બે વાર અલગ અલગ માણસો ઉપર આંધળો વિશ્વાસ મુકયો અને બંનેવાર એને ધોકો મળ્યો. મુનીમના ધોકાને તો એ સમજી પણ ગયો પણ દુભાષિયાના ફરેબને સમજવા કે એની સચ્ચાઈ જાણવાની કોઈ તકેદારી એણે રાખી ન હતી. એટલે અહિંયા એને નુકસાન થઈ ગયું.
વાર્તાનો સાર આ છે કે કોઈના ઉપર સાવ આંધળો વિશ્વાસ ન મુકવો જોઈએ, અને એક વિશ્વાસુની ચકાસણીમાં જેની મદદ લેઈ રહયા હોય એવી સ્થિતિમાં તો ઘણું જ જરૂરી છે કે આપણે એ બીજા બાબતે વધારે સાવચેતી રાખીએ.
Repercussions of Uniform Civil Code
1. The rights of individuals and religious denominations under Articles 25 and 26 respectively shall be affected;
2. The diversity of the country (which is basic feature of our social structure) shall be affected and this will seriously impact the national integration of our country.
3. The federal structure and allocated legislative powers of different legislatures of our country, where States and the Centre are free to make laws in their respective areas; shall be seriously affected.
4. A mandatory uniform code on family-matrimonial laws shall be preposterous to our nation governed by the principles of secularism, a basic feature of the India Constitution and unique to the Indian subcontinent, a nation where existing codes on criminal and civil law are not uniform to begin with and are embedded with inclusive and secular principles based on diversity of the nation.
5. A mandatory uniform code shall be a blanket imposition of one identity on a country whose inhabitants bear diverse identities.
6. A uniform code on family laws shall severely impact the cultural rights protected under the fundamental rights.
7. A mandatory uniform code shall be affront to the cherished principle of legal pluralism. A uniform code shall push our country many steps back from inclusivity and tolerance.
8. Under the Muslim Personal Law (Shariat), the burden of maintenance of entire family is upon the husband/father. A code based on strict interpretation of 'equality' shall mean the burden of maintenance to be shared by the wife/mother equally.
9. Under the Muslim Personal Law (Shariat), the entire income/earnings and property of the woman is exclusively owned by her, not shared by the husband or the children whether during subsistence of marriage or after divorce. A code based on strict interpretation of 'equality' shall mean denial of exclusive ownership to her..
10. Under the Muslim Personal Law (Shariat), in the event of divorce or death of the husband, the burden of maintenance of the children shifts to the father (divorced husband), paternal grandfather, paternal uncles or sons until the children attain adulthood. A code based on strict interpretation of 'equality' shall mean a system where a woman, divorced or widowed, shall have to bear the burden of maintenance.
11. Under the Muslim Personal Law (Shariat), a woman receives maintenance during her iddat period. As per Section 125 CrPC, a woman is eligible for such a maintenance until she gets married again. Our courts have recently opined that even a woman who is employed can seek maintenance from her husband. A code based on strict interpretation of 'equality' shall mean either women losing the right of being maintained by their husbands or an equal burden of maintenance on a socio-economically disadvantaged class of women.
12. Under the Muslim Personal Law (Shariat), a man pays dower or say mabar at the time of marriage. A code based on strict interpretation of 'equality' shall either mean women being forced to forego their dowers or being coerced to pay dowers to men. Needless to mention, the shift in the law of dower will impact the contractual nature of a Muslim marriage.
13. The inheritance law of Shariat is based on the principles of equity rather than equality stricto sense. Accordingly, since Muslim men have been tasked with the financial responsibilities of maintaining a family, their rights in property have been placed on a higher pedestal in terms of their higher financial responsibilities.
14. Under the Muslim Personal Law, one cannot transfer his property by Will in favour of any of the legal heirs whether man or woman. A Will, further, is not permitted of more than one-third part of a testator's property. Under the codified applicable Hindu law, the distribution of the entire property in favour of one's sons-disadvantageaging Hindu women-has remained a social predicament.
છેલ્લા પાને.....
સત્તા કયાં સુધી ?
એક રાજાને એના રાજકુમારે પૂછયું કે આ રાજગાદી આપણાં વશંમાં કયાં સુધી રહેશે ? રાજાએ જવાબ આપ્યો કે જયાં સુધી આપણે ન્યાય કરતાં રહીશું રાજકાજ આપણી પાસે રહેશે.
રૂહની મોત
માણસની રૂહ - આત્મા જયારે પોતાને પૂર્ણ સમજવા માંડે છે, ત્યારથી જ એ મરી પરવારે છે.
દુઆનું ફળ કે ગુનાની સજા
માણસને તાત્કાલિક શું મળવું જોઈએ ? ગુનાહોની સજા કે દુઆઓનું ફળ ? માણસ દુઆનું ફળ વહેલું માંગે છે, અને ગુનાહોની સજા ભૂલાવી દેવા માંગે છે. પણ બેહતર એ છે કે બંને વસ્તુઓ ખુદાને હવાલે કરી દેવામાં આવે. દુઆ કરીને ખુદા તઆલાથી કુબૂલ થવાની આશા રાખો અને ગુનાહ થાય તો માફીની આશા રાખો.
સફળ હોવાનો ભરમ
આત્મવિશ્વાસ સફળતાની નિશાની અને પગથિયું છે. પણ પોતે જ સાચા સફળ હોવાનો ભરમ ગુમરાહીનો રસ્તો છે.
હોશિયાર અને મજબૂત માણસ
પોતાની ભૂલોને સુધારીને માણસ હોશિયાર બને છે, અને મકસદને યાદ રાખીને મહેનત કરવાથી માણસ મજબૂત બને છે.
કંજૂસ અને સખી
દોલત ભેગી કરવા માટે કંજૂસાઈ કરતો માણસ ઇઝઝત – આબરૂ જતી કરવામાં એટલે કે અપમાન સહેવામાં સખી હોય છે.
સજ્જન કોણ ?
સારો માણસ એના કાર્યો – કરણી થકી જ ઓળખી શકાય. વાતો દ્વારા કોઈની સજ્જનતા માપવી ખોટી છે. સારી વાતો એમ તો દીવારો ઉપર પણ લખેલી હોય છે. એનાથી દીવારને શો ફાયદો ?
દુનિયા
આ દુનિયા માટીનું એક રમકડું છે, આખર એણે તૂટવાનું અને નષ્ટ જ થવાનું છે.
સારો માણસ કોણ
સારો માણસ ગણિતના શુન્ય જેવો હોય છે. ભલે એની પોતાની કોઈ કીમત ન હોય, પરંતુ જેની સાથે પણ જોડાય, એની કીમત દસ ગણી વધારી દે છે.
પડેલો માણસ
પહાડેથી પડેલો માણસ ઉભો થઈ શકે છે, પણ કોઈને નજરેથી ઉતરેલો માણસ ફરી એની નજરે ઊંચો થઈ જાય, એ મુશ્કેલ છે.
સફળતા અને સફળ લોકો
એક નવાઈની વાત આ પણ છે કે લોકો સફળતાને પસંદ કરે છે, પણ સફળ લોકોને પસંદ નથી કરતા.