અલ બલાગ : જાન્યુઆરી-2025

વુઝૂ સાથે તિલાવતની બરકત

એકવાર હઝરત મવલાના ગંગોહી રહ.ને કોઈકે પૂછયું કે કુરઆન શરીફ વુઝૂ વગર પઢવામાં ખચકાટ થાય છે. અને આખો સમય વુઝૂ સાથે રહેવાતું નથી. હઝરત રહ.એ જવાબ આપ્યો કે હાથના બદલે કોઈ બીજી વસ્તુથી પાના ફેરવવાનું રાખો. અને મોટું કુરઆન રાખો. નાનું કુરઆન રાખવું તો એમેય મકરૂહ છે. પછી ફરમાવ્યું કે, હિંદન નામની એક નદી છે. શાહ અ.રહીમ દહેલ્વી રહ.ના મદરસા પાસેથી વહેતી હતી. એકવાર એ નદીનો કિનારો ધોવાયને પાણીમાં પડી ગયો. એમાંથી એક લાશ બિલકુલ સલામત નીકળી, પણ એનું કફન મેલું હતું. લાશ ત્યાંથી વહીને પાણીમાં જઈને અટકી ગઈ. થોડીવારે વધારે જમીન ધોવાયને પડી ગઈ. એમાંથી બીજી લાશ નીકળી. એનું કફન બિલકુલ સાફ હતું. કોઈ ધબ્બો પણ ન હતો. આ લાશ પહેલી લાશ પાસે પાણીમાં પહોંચી તો બંને લાશો આગળ વહેવા માંડી. જેમ એક માણસ બીજાની રાહ જોતો હોય અને પછી બંને સાથે રવાના થઈ જાય. લોકોએ આ લાશો વિશે તપાસ કરી તો એક ઘરડી ઓરતે બતાવ્યું કે આ બંને માણસો કુરઆનના હાફેજ હતા. પછી હઝરત ગંગોહી રહ. કહેવા લાગ્યા કે મારું ગુમાન છે કે જેનું કફન સાફ હતું એ વુઝૂ સાથે તિલાવત કરતો હશે અને બીજો વુઝૂ વગર તિલાવત કરતો હશે.

છેલ્લા પાને 



સારા વિચારોની ખેતી

માણસ જેમ ઉપયોગી પાકની ખેતી કરે છે એમ દિમાગમાં સારા વિચારો લાવવાના પ્રયત્નો કરવા જરૂરી છે. માણસના દિમાગમાં શયતાન તરફથી કરવામાં આવતી ખરાબ વિચારોની વાવણીને રોકવા આ ખૂબ જરૂરી છે.

સુંદરતા

સુંદરતા ફક્ત ચહેરામાં જ સિમિત નથી. એ લિબાસમાં પણ હોય છે, વાણી અને વર્તનમાં પણ હોય છે. વહેવાર અને વેપારમાં પણ હોય છે. બધી બાબતે સુંદર હોય એ સાચો સુંદર માણસ કહેવાય.

જીવન એક રમત

જીવન એક રમત છે. અને વિવિધ મેદાનોમાં રમવામાં આવે છે. દરેક મેદાનમાં જિંદગીની રમત રમવા માટે નિયમોની જાણકારી જરૂરી છે.

મુહબ્બત અને નફરત

મુહબ્બત કે નફરત દિલની લાગણીઓનું નામ છે. તે શબ્દોમાં વ્યકત થાય છે, છતાં ફકત શબ્દો દ્વારા જ મુહબ્બત કેનફરતનો અંદાઝો ન કરવો જોઈએ.

નાકામીનો ફાયદો

એક રસ્તો થાય પછી જ માણસ બીજો રસ્તો શોધે છે એમ કોઈ બાબતે અસફળ થયા પછી જ બીજી બાબતે સફળતાની તક સામે આવે છે.

શોખ અને ચુસ્તી

નિરાશા અને માયૂસી સાથે કરેલ કાર્ય સફળ થાય તો પણ મનને શાંતિ નથી આપતું અને શોખ – ચુસ્તી સાથે કરેલ કામ અસફળ થાય તો પણ માણસને અનુભવનો લાભ જરૂર આપે છે.

નેકીઓ કરતા રહો

નેકીઓ કરતા રહો, એનાથી દિલ સાફ થાય છે અને અલ્લાહ તઆલા સાથે સંબંધ સચવાય છે.

દુઆ

પોતાની દિનચર્યામાં દુઆ માટે અમુક સમય જરૂર નક્કી કરો. એના થકી મનને શાંતિ મળે છે, અલ્લાહ તઆલા ઉપર વિશ્વાસ વધે છે અને મુસીબત કે રાહત, બધી સ્થિતિઓમાં પોતાના ઉપર કાબૂ રહે છે.

મુશ્કેલ કામ

જીવનના જે વિષય કે વિભાગમાં તમારું કામ હોય, વેપાર હોય કે ખેતી, શિક્ષણ હોય કે સેવા, મુશ્કેલ કામ સામે આવે તો જરૂર હિંમત કરીને એની જવાબદારી ઉઠાવી લો. એનાથી વ્યકિતત્વનો વિકાસ થશે અને સફળતાની નવી મંઝિલો સર થશે.

INDIAN REPUBLIC DAY

India has been a self-governing country since 1947, India got independence from the British on the 15th August 1947 which we celebrate as Independence Day. However, the Constitution of India came into practice on 26th January 1950, since then we celebrate Republic Day every year.

Republic means the supreme power of the people who live in the country and only its citizens have the right to elect leaders as a President, Prime Minister, Chief Minister, MP, MLA etc. India is a democratic country, where everyone is authorized to live, wear and adopt the culture and religion which they desire. There is no any boundation to eat certain things which indicates a certain religion. There is no any boundation to accept a certain religion. There is no any boundation to adopt a certain culture. Everyone is free for what they eat, what they wear, and how they live? But it's very regrettable that some people want to colour every Indian in their own colour. They want to make India a Hindu State. They blame that Muslim are traitors. They consider that Muslims are a danger for the safety of our country. They openly oppose the Indian Constitution and Muslims. They consider that Muslims have got their share in the form of Pakistan. That's why they should go to Pakistan. But they forget that still India has more Muslims than Pakistan. 

I think they forget the sacrifices of Muslims for making India free but I would like to ask them. How can they forget the fact that the first person who endorsed Fatwa against the British and said “Today India became slave” was not anyone but a Muslim. How can they forget that, the first person who fought against the British was not anyone but a Muslim. How can they forget that, the first person who started the first revolution for independence, was not anyone but a Muslim. How can they forget that, the first person who stood up to stop the British step in south India and said “Sher ki ek din ki zindagi Gidar ki sau sal ki zindagi se behtar hai” was not anyone but a Muslim.

How can they forget that, the first person who said

Khilauna samajh kar na barbad karna

Ke hum bhi kisi ke banaye hue hai 

Firangi ke fauzon me hurmat ke fatwe 

Sare daar charh kar bhi gaye huye hain 

Wo shajar e Azadi jise khoon de kar seencha  

To phal uske pakne ko aaye huye hain 

was not anyone but a Muslim.

How can they forget that, the first person who said

Sare jahan se achha Hindustan hamara 

Ham bulbulen hain iski ye gulsitan hamara 

was not anyone but a Muslim.

How can they forget that, the first person who sounded the slogan of Inqilab Zindabad was not anyone but a Muslim.

The great freedom fighters were

Mahatma Gandhi,

Maulana Abul Kalam Azad,

Subhash Chandara Boss,

Tipu Sultan,

Ashfaqullah Khan,

Chandera Shekhar Azad,

Maulana Muhammad Ali Johar,

Lal Bahadur Shastri,

Maulana Husain Ahmad Madani,

Maulana Mahmudul Hasan Deobandi,

Jawahar Lal Nehro,

Rajinder Parsad etc.

May Allah keep Indian Muslims safe and prosperous and may India be the most beautiful place in the world, Ameen

તંત્રી સ્થાનેથી

એક સાચા પાકા મુસલમાન માટે હલાલ કમાણી ઘણી મહત્વની બાબત છે. હદીસ શરીફમાં તો એને દીનની જરૂરી ફરજો (નમાઝ, રોઝા, ઝકાત) પછી સૌથી મહત્વની ફરજ ગણવામાં આવી છે. માણસ ઉપર એના પોતાના માટે અને એના આધીન રહેતા લોકો (બાળકો, પત્નિ, મા–બાપ) વગેરેને ભરણ પોષણ પુરું પાડવું ફરજ છે. અને આ ફરજ માટે કમાણી આવશ્યક છે.

દુનિયાની શરૂઆતથી જ હલાલ કમાણી માણસ માટે થોડી અઘરી અને હરામ કમાણી સરળ રહેતી આવી છે, એટલે શયતાની અસરે માણસ હરામ કમાણી તરફ આકર્ષાય એ સ્વભાવિક છે અને જયારથી દુનિયા શરૂ થઈ, હલાલ–હરામની આ ખેંચતાણ પણ ચાલુ છે.

અલ્લાહ તઆલાની કુદરત અને અમાપ શકિત જોતાં એના માટે આ કંઈ અઘરું ન હતું કે હરામ કમાણીના બધા દરવાજા બંધ કરી દે, પણ અલ્લાહ તઆલા કોઈકની કસોટી અને પરીક્ષા કરવા માંગે છે, નેક લોકો ઉપર વિશ્વાસ જતાવવા માંગે છે તો બુરા લોકોને એમના અંજામ ઉપર પહોંચવા માટે પણ સરળતા કરી દે છે. એટલે દુનિયામાં હલાલ હરામની ખેંચતાણ બનાવી રાખી છે.

કોઈ એવા દેશમાં જયાંના કાયદા–કાનૂનમાં હરામ–હરામ બાબતે ઈસ્લામી કાયદાઓને અનુસરવામાં આવતા હોય ત્યાં મુસલમાન માટે કંઈ અંશે હલાલ–હરામની મર્યાદાઓ જાળવવી શકય છે પણ ભારત કે યુરોપના દેશો બધુવિધ ધર્મ સંસ્કૃતિઓ ધરાવતા હોય છે એટલે ત્યાં હલાલ – હરામની મર્યાદાઓ જાળવવી અઘરી બાબત છે. પણ માણસની મુસલમાની અને ઈમાની શકિતની પરીક્ષા પણ આવા જ વાતાવરણમાં થાય છે. એટલે દરેક મુસલમાને એની કમાણી બાબતે ઘણું સજાગ રહેવાનું છે કે એની કમાણીમાં હરામનો અંશ શામેલ ન થઈ જાય.

આજકાલ સોશ્યલ મીડીયાનો જમાનો છે, લોકો પોતાના મનોરંજન માટે કે ટાઈમ પાસના બહાને એને જોવાનું શરૂ કરે છે અને પછી એની અસરના શિકાર થઈ જાય છે. અન્યોની જેમ ઠાઠમાઠનો શોખ થાય છે કે ચળ ઉપડે છે અને પછી વહેલા માલદાર બનવાની લહાયમાં હરામ કમાણીના રસ્તે ચાલી નીકળે છે.

યાદ રાખવું જોઈએ કે માલદારીનો કુદરતી નિયમ આ છે કે બે ત્રણ પેઢીએ અમાનતદારી અને સાવચેતીથી ધંધો વેપાર કે ખેતી કરતી રહે તો ત્રીજી ચોથી પેઢી એશ–આરામ ભોગવે છે, એક જ જીવનમાં માણસ મોટો માલદાર બની જાય એ અપવાદ છે, જે કોઈ કોઈને જ ફળે છે. માટે એકદમ માલદાર બની જવાની ઘેલછા કે લાલચમાં કદાપિ પડવું જોઈએ નહીં. એકના ડબલ કરી દેતી કંપનીઓ અને એના એજંટો, નેટવર્ક માર્કેટીંગ કરતી કંપનીઓની મીટીંગો અને ટ્રેનિંગ કલાસો, શેરબજારમાં ફોરવર્ડ, ઓપશ્ન, કોમોડીટી, ફોરેકસ કે બુલિયન માર્કેટના સોદાઓ, મોટી બેંક લોન લઈને ધંધો વિકસાવવાના સપનાઓ.. આજકાલ સામાન્ય થઈ ગયું છે, ગુજરાતીમાં કહેવત છે કે લોભિયા હોય ત્યાં ધુતારા ભુખે ન મરે, આમ માલદાર બનવાની લાલચમાં માણસ પોતાની હલાલ મુડી ખોય બેસે છે. જે કંઈ હલાલ માલ અલ્લાહ તઆલાએ આપ્યો હોય એને અલ્લાહનો શુક્ર કરીને વાપરે, અલ્લાહનો શુક્ર અદા કરે અને જે કંઈ થઈ શકે એ મુજબ બે ચાર રૂપિયાની બચત કરતો રહે, અલ્લાહ તઆલાએ નસીબમાં લખ્યું હશે તો હલાલ રોજી ઉપર રાજી રહેવાથી બરકત મળશે, પણ લાલચમાં હલાલ કમાણીને બરબાદ ન કરવી જોઈએ.

હા! કોઈ વિશ્વાસની જગ્યાએ હલાલ રીતે ભાગીદારી થઈ શકતી હોય, હલાલ રીતે વેપાર કરી શકતો હોય તો નિશંક એમાં આગળ વધવું જોઈએ. દુનિયામાં હરામનું બજાર ઘણું ફેલાયેલું છે તો હલાલનું બજાર પણ આગળ વધવું જોઈએ.

જુલમને ખુલ્લો પાડવાની ઈજાઝત.

અમુક નબીઓનો યહૂદીઓ દ્વારા ઈન્કાર

  •  મુફતી ફરીદ અહમદ કાવી.

‏﷽

لَا یُحِبُّ اللّٰهُ الْجَهْرَ بِالسُّوْٓءِ مِنَ الْقَوْلِ اِلَّا مَنْ ظُلِمَؕ-وَ كَانَ اللّٰهُ سَمِیْعًا عَلِیْمًا(148) اِنْ تُبْدُوْا خَیْرًا اَوْ تُخْفُوْهُ اَوْ تَعْفُوْا عَنْ سُوْٓءٍ فَاِنَّ اللّٰهَ كَانَ عَفُوًّا قَدِیْرًا(149) اِنَّ الَّذِیْنَ یَكْفُرُوْنَ بِاللّٰهِ وَ رُسُلِهٖ وَ یُرِیْدُوْنَ اَنْ یُّفَرِّقُوْا بَیْنَ اللّٰهِ وَ رُسُلِهٖ وَ یَقُوْلُوْنَ نُؤْمِنُ بِبَعْضٍ وَّ نَكْفُرُ بِبَعْضٍۙ-وَّ یُرِیْدُوْنَ اَنْ یَّتَّخِذُوْا بَیْنَ ذٰلِكَ سَبِیْلًا(150) اُولٰٓىٕكَ هُمُ الْكٰفِرُوْنَ حَقًّاۚ-وَ اَعْتَدْنَا لِلْكٰفِرِیْنَ عَذَابًا مُّهِیْنًا(151) وَ الَّذِیْنَ اٰمَنُوْا بِاللّٰهِ وَ رُسُلِهٖ وَ لَمْ یُفَرِّقُوْا بَیْنَ اَحَدٍ مِّنْهُمْ اُولٰٓىٕكَ سَوْفَ یُؤْتِیْهِمْ اُجُوْرَهُمْؕ-وَ كَانَ اللّٰهُ غَفُوْرًا رَّحِیْمًا(152)

તરજમહ : અલ્લાહ તઆલા (કોઈના વિશે) જાહેરમાં ખરાબ વાત કરવાને પસંદ કરતા નથી, સિવાય કે જેના ઉપર જુલ્મ થયો હોય તે માણસ આમ કરે. અને અલ્લાહ સઘળું સાંભળનાર અને જાણનાર છે. (૧૪૮) તમે જે કંઈ ભલાઈ જાહેરમાં કરો છો અથવા છુપી રીતે કરો છો અથવા કોઈની બુરાઈને માફ કરો છો, તો અલ્લાહ તઆલા પણ ઘણો માફ કરનાર અને શકિતશાળી છે. (૧૪૯) જે લોકો અલ્લાહ તઆલા અને તેના રસૂલોને માનતા નથી અને ચાહે છે કે અલ્લાહ તઆલા અને એના રસૂલોમાં વચ્ચે ફરક કરે અને એમ કહે છે કે અમે અમુક નબીઓ ઉપર ઈમાન રાખીશું અને અમુકનો ઈન્કાર કરીએ છીએ, અને આમ કરીને વચ્ચેનો રસ્તો કાઢવા માંગે છે (૧૫૦) નિંશક આ બધા લોકો પાકા કાફિર છે. અને આવા કાફિરો માટે અમે અપમાનજનક અઝાબ તૈયાર કર્યો છે. (૧૫૧) અને જે લોકો અલ્લાહ અને તેના રસૂલો ઉપર ઈમાન લાવ્યા અને રસૂલોમાંથી કોઈ બાબતે ફરક કર્યો નથી, તો આ તે લોકો છે જેમને અલ્લાહ તઆલા વહેલી તકે એમનો સવાબ આપશે અને અલ્લાહ તઆલા ઘણો બખ્શનાર અને ઘણો રહમ કરનાર છે. (૧૫૨)

તફસીર : પ્રથમ આયતમાં અલ્લાહ તઆલાએ કોઈના વિશે જાહેરમાં બુરું બોલવાની મનાઈ ફરમાવી છે. ચાહે એની સામે બોલવામાં આવે કે એની પાછળ, જેને ગીબત કહેવામાં આવે છે. અલબત્ત જેના ઉપર ઝુલમ થયો હોય એ જુલમ વિશે જાહેરમાં બોલી શકે છે, લોકોને બતાવી શકે છે જેથી કોઈ એની મદદ કરે અથવા અન્ય લોકો જાલિમથી બચીને રહે. અલબત્ત એણે પણ ખોટી વાત બોલવી ગુનો ગણાશે. એટલે જ અલ્લાહ તઆલાએ આગળ ફરમાવ્યું કે અલ્લાહ તઆલા ખૂબ સાંભળનાર અને જાણનાર છે. એમાં એક ઈશારો મજલૂમને પણ છે કે લોકો સામે ઝુલમના રોદણા રડીને શિકાયત ન કરતો ફરે, અલ્લાહ તઆલાને બધું ખબર છે, એને સામે જ દુઆ કરે.

આયતની તફસીરમાં મવલાના દરયાબાદી રહ. ફરમાવે છે : આયતમાં કોને બધાની સામે અપમાનિત કરવાની અને એની પીઠ પાછળ ગીબત – નિંદા કરવાની મનાઈનું વર્ણન છે. કાનૂનની ભાષામાં આમ કરવાને બદનક્ષી કહેવામાં આવે છે. લોકોની સુધારણા અને સમાજમાં સહકાર અને સન્માનની ભાવના વિકસાવવા માટેનો આ મોટો સિદ્ધાંત છે.

અમુક તફસીરકારો મુજબ આ આયત તે સમયની એક ઘટનાના અનુસંધાને અલ્લાહ તઆલાએ ઉતારી હતી. એ ઝમાનામાં નિયમ હતો કે મુસલમાનોની કોઈ ટુકડી, જમાત અથવા કોઈ એકલો માણસ એવી વસ્તી કે કબીલામાં પહોંચે જેની સાથે મુસલમાનોએ સંધિ કરી હોય, તો એ ગામ કે કબીલાના લોકોએ એ માણસના ખાવા પીવા રહેવાની વ્યવસ્થા કરવી એટલે કે મહેમાન નવાઝી કરવી જરૂરી છે. એક માણસ આવી રીતે કોઈ જગ્યાએ પહોંચ્યો તો લોકોએ એની કોઈ તકેદારી રાખી નહીં, એટલે મુસલમાનો સમક્ષ એ લોકોની શિકાયત તેમજ બુરાઈ કરી, પોતાની બુરાઈ જોઈ-સાંભળીને એ લોકો નારાજ થયા તો અલ્લાહ તઆલાએ આયત ઉતારીને આવી શિકાયત કરવાને જાઈઝ ઠરાવી.

પછીની આયતમાં ત્રણ અન્ય અખ્લાકનું વર્ણન છે.

પ્રથમ એ કે માણસ કોઈ ભલાઈનું કામ જાહેરમાં કરે, આમ કરવું જાઈઝ છે, માણસને એના સ્વભાવ પ્રમાણે શોખ હોય છે કે કોઈ એના નેક ભલા કામની સરાહના કરે, એટલે એ જાહેરમાં ભલાઈ–સખાવત કરે છે. એમાં કંઈ ખોટું નથી. અલબત્ત ફકત દેખાડાની નિયત હોય અને દિલમાં નેકીનો કોઈ ઈરાદો ન હોય એ ખોટા સંસ્કાર છે.

બીજો નંબર અખ્લાકનો આ છે કે છુપી રીતે કોઈ ભલાઈ કરવામાં આવે, કોઈની મદદ કરવામાં આવે. માણસ કોઈ નેકી કરે અને કોઈને ખબર ન પડવા દે. આ દરજો વધારે ઊંચો છે. કારણ કે એમાં ફકત અલ્લાહ તઆલા ઉપર ભરોસો વ્યકત થાય છે, માણસે નેકી કરવામાં ફકત અલ્લાહ તઆલાની ખુશી સામે રાખી છે.

અખલાકનો ત્રીજો દરજો આ છે કે માણસ પોતાના સાથે વર્તવામાં આવેલ કોઈ બુરાઈ કે તકલીફને માફ કરી દે. આ કામ પહેલા બંને કામો કરતાં વધારે અઘરું છે. એટલે દરજા અને સવાબમાં સૌથી ઊંચું છે. બલકે આમ કરવું મોટા અલ્લાહ વાળાઓનો ગુણ છે. સામાન્ય માણસ શકિતશાળી હોય તો બુરાઈનો બદલો લે છે અને શકિત ન હોય તો લોકો સામે બુરાઈ કરીને સંતોષ માને છે. પણ અલ્લાહ વાળાઓ બધું બરદાશ્ત કરે છે, બદલો નથી લેતા. કોઈને સામે બોલતા નથી, અને ઉપરથી માફ પણ કરી દે છે. આયતના અંતે અલ્લાહ તઆલા ફરમાવે છે કે અલ્લાહ તઆલા સૌથી વધારે કુદરત અને શકિત હોવા છતાં ખૂબ માફ કરે છે. એટલે માણસે પણ શકિત હોવા છતાં માફ કરવાની આદત રાખવી જોઈએ.

પહેલી આયતમાં મજલૂમને ઈજાઝત હતી કે જુલમને લોકો સામે જાહેર કરે અને જાલિમને બદનામ કરે, આ બીજી આયતમાં એને બરદાશ્ત કરવાની અને માફ કરવાની શિખામણ આપવામાં આવી છે.

પછીની આયત : ૧૫૦ યહૂદીઓનું વર્ણન છે. તેઓ અલ્લાહ તઆલાના સઘળા હુકમોને માનતા ન હતા. એના ઘણા રસૂલોને પણ માનતા ન હતા. પોતાની મરજી પ્રમાણે અમુક નબીઓને અલ્લાહના પયગંબર માનતા હતા, હઝરત યહયા અલૈ. હઝરત ઈસા. અલૈ. અને નબીએ કરીમ હઝરત મુહમ્મદ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમને અલ્લાહના નબી હોવાનો ઈન્કાર કરતા હતા. આમ તેઓ અલ્લાહને પણ પુરી રીતે માનતા ન હતા. અને સગવડિયો ધર્મ પાળતા હતા. અલ્લાહ તઆલા એમની આ કુચેષ્ટાને વર્ણવતાં ફરમાવે છે કે તેઓ અલ્લાહ તઆલા અને એના અમુક રસૂલો વચ્ચે ફરક કરે છે, એટલે કે અમુક રસૂલોને માને છે બધાને નહીં, અલ્લાહના અમુક હુકમોને માને છે બધાને નહીં, એક રીતે તેઓ એક નવી રાહ અને નવો ધર્મ બનાવી રહયા હોય એમ વર્તે છે. જયારે કે સઘળા નબીઓ અલ્લાહ તઆલાએ મોકલેલ છે, બધા અલ્લાહના બંદા અને હુકમોને અનુસરે છે. અલ્લાહના બધા હુકમો અને બધા રસૂલોનો ઈન્કાર કરનાર કાફિરો જેવા નથી અને બધા હુકમો તેમજ રસૂલોને માનનાર મોમિનો જેવું પણ એમનું વર્તન નથી. અને કુફ્ર—ઈમાન વચ્ચેની નવી રાહે ચાલવા માંગે છે. અલ્લાહ તઆલા ફરમાવે છે કે આવા લોકો માટે અમે અપમાનજનક અઝાબ તૈયાર કરી રાખ્યો છે.

એમની સામે બીજા સારા લોકો અલ્લાહ તઆલાના સઘળા હુકમોને માને છે, એના સઘળા નબીઓને માને છે અને બધા ઉપર ઈમાન લાવે છે. આ મુસલમાનો છે. નબીઓ માંહે તેઓ એવો ફરક નથી કરતા આ સાચા નબી અને આ જુઠા નબી. બધાને જ સાચા નબી માને છે. અલ્લાહ તઆલા ફરમાવે છે કે અમે ઘણો જલદી એમને એમની નેકી અને ઈમાનનો સવાબ અને બદલો આપીશું. અને એમનાથી કંઈ ભૂલ–ગુનો થયો હશે તો એને માફ પણ કરી દઈશું એટલે કે એમણે અઝાબ નહી વેઠવો પડે. કારણ કે અલ્લાહ તઆલા મોટો બખ્શનાર અને મોટો રહમ કરનાર છે.

મઆરિફુલ હદીસ

હઝરત મવલાના મંઝૂર નોમાની (રહ.)

અનુવાદ : મવલાના યાકૂબ બારીવાલા સા. રહ.

૧૮૮ (બ્લેકબર્ન. યુ.કે.)

કુર્આને કરીમની અમુક ખાસ સુરતોની ફઝીલત

સુરએ કહફ

(٤٩) عَنْ أَبِي سَعِيدٍ ؓأَنَّ النَّبِيَّ ﷺ قَالَ مَنْ قَرَأَ سُورَةَ الْكَهْفِ فِي يَوْمِ الْجُمُعَةِ أَضَاءَ لَهُ النُّورُ مَا بَيْنَ الْجُمُعَتَيْنِ (رواه البيهقي في الدعوات الكبير)

હઝરત અબૂ સઈદ ખુદરી રદિ.થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહ અલયહી વસલ્લમ)એ ફરમાવ્યું જે માણસ જુમ્આના દિવસે સુરએ કહફ પઢે, તેના માટે નૂર બે જુમ્આની વચ્ચે ચમકશે. (બૈહકી)

ખુલાસો :- આ હદીસથી જણાય છે કે સુરએ કહફને જુમ્આના દિવસ સાથે કોઈ ખાસ જોડ છે. જેના કારણે તે દિવસે તેની તિલાવત માટે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ)એ ખાસ કરી પ્રેરણા આપી છે. અને ફરમાવ્યું છે કે જુમ્આના દિવસે સુરએ કહફ પઢવાથી દિલમાં એક ખાસ પ્રકારનું નૂર ઉત્પન્ન થાય છે. જેનો પ્રકાશ અને બરકત આગલી જુમ્આ સુધી રહેશે. આ હદીસને હાકિમ રહ.એ એમની કિતાબ મુસ્તદરકમાં રિવાયત કરીને લખ્યું છે કે આ હદીસની સનદ સહીહ છે, અલબત્ત બુખારી – મુસ્લિમ શરીફમાં એનું વર્ણન નથી.

"هذا الحديث صحيح الإسناد ولم يخرجاه"

એક બીજી હદીસમાં (જેને ઈમામ મુસ્લિમે પણ રિવાયત કરી છે) સુરએ કહફની આરંભની દસ આયતો વિષે લખ્યું છે કે જે તેને યાદ કરી લઈ પઢયા કરશે તે દજ્જાલના ફિત્નાથી બચી જશે. એના ખુલાસામાં હદીસ વેત્તાઓ એ લખ્યું છે કે સુરએ કહફનો જે કિસ્સો વર્ણવામાં આવ્યો છે તેમાં દરેક દજ્જાલી ફિત્નાઓનો પુરેપુરો તોડ મોજૂદ છે. અને જે દિલને આ હકીકતો અને વર્ણનનું યકીન પ્રાપ્ત થઈ જાય, જે કહફની આરંભની આયતોમાં વર્ણવામાં આવ્યું છે તો તેવું દિલ કોઈ દજ્જાલી ફિત્નાથી કદી અસર પ્રભાવિત થશે નહીં. આવી જ રીતે અલ્લાહ તઆલાના જે બંદાઓ ઉપરોકત આયતોની તે ખાસિયત અને બરકતો પર યકીન ધરાવીને તેને પોતાના દિલ દિમાગમાં સાચવી રાખશે. અને તેની પાબંદીથી તિલાવત કરતા રહેશે. અલ્લાહ તઆલા તેમને પણ દજ્જાલી ફિત્નાઓથી બચાવી લેશે.

સુરએ યાસીન

(٥٠) عَنْ مَعْقِلِ بْنِ يَسَارِ الْمُزَنِي ؓأَنَّ النَّبِيَّ ﷺ قَالَ مَنْ قَرَأَ يٰسۤ ابْتِغَاءَ وَجْهِ اللّهِ تَعَالٰى غُفِرَ لَهٗ مَا تَقَدَّمَ مِنْ ذَنْبِهٖ فَاقْرَءُوْهَا عِندَ مَوْتَاكُمْ - (رواه البيهقي في شعب الإيمان)

હઝરત મઅકલ બિન યસાર રદિ.થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ)એ ફરમાવ્યું જેણે અલ્લાહ તઆલાને રાજી કરવા માટે સુરએ યાસીન પઢી, તેના પાછલા ગુનાહ માફ કરી દેવામાં આવશે. જેથી આ મુબારક સુરત મરનારાઓ પાસે પઢયા કરો. (બૈહકી)

ખુલાસો :- આ હદીસમાં મરનારાઓ પાસે (ઈન્દ મૌતાકુમ) યાસીન શરીફ પઢવા માટે કહેવામાં આવ્યું છે. એનો અર્થ એ જ છે કે મરનારાઓ પાસે તેમના અંતિમ સમયે આ સુરત પઢવામાં આવે. અને ઘણા આલિમોએ એ જ સમજયું છે. એટલે જ આ મુસલમાનોમાં એનો રિવાજ પણ છે. પરંતુ બીજો અર્થ એ પણ થઈ શકે છે કે મૃત્યુ પામનારની કબર ઉપર આ સુરત પઢવામાં આવે જેથી આ સુરતની તિલાવતની બરકત તેની મગફિરતનો વાસ્તો બની જાય.

(٥١) عَنْ عَطَاءِ بْنِ أَبِي رِبَاحٍ ؓقَالَ بَلَغَنِيْ أَنَّ رَسُوْلَ اللّهِ ﷺ قَالَ مَنْ قَرَأَ يٰسۤ فِي صَدْرِ النَّهَارِ قُضِيَتْ حَوَائِجُهٗ (رواه الدارمی، مرسلا) 

હઝરત અતા બિન રિબાહ રદિ.થી રિવાયત છે તેમણે કહ્યું કે મને આ વાત મળી છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ)એ ફરમાવ્યું કે જે બંદો દિવસના આરંભમાં એટલે સવારમાં સુરએ યાસીન પઢશે અલ્લાહ તઆલા તેની જરૂરતો પુરી કરશે. (દારમી)

સુરએ વાકિઆ

(٥٢) عَنْ أَبِيْ مَسْعُوْدٍ ؓقَالَ قَالَ رَسُوْلُ اللّهِ ﷺ مَنْ قَرَأَ سُوْرَةَ الْوَاقِعَةِ فِي كُلِّ لَيْلَةٍ لَمْ تُصِبْهُ فَاقَةٌ أَبَداً وَكَانَ ابْنُ مَسْعُوْدٍ يَأْمُرُ بَنَاتَهٗ يَقْرَأْنَ بِهَا فِيْ كُلِّ لَيْلَةٍ ( رواه البيهقي في شعب الإيمان)

હઝરત અબ્દુલ્લાહ બિન મસ્ઉદ રદિ.થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ)એ ફરમાવ્યું જે માણસ દરરોજ રાત્રે સુરએ વાકિઆ પઢયા કરશે તેને કદી ભૂખમરો આવશે નહીં. (પછી રાવી બયાન કરે છે) કે પોતે હઝરત ઈબ્ને મસ્ઉદ રદિ.નો અમલ પણ આ જ હતો કે તે પોતાની છોકરીઓને એની તાકીદ ફરમાવતા હતા અને એમની દીકરીઓ દરરોજ રાત્રે સુરએ વાકિઆ પઢતી હતી. (બૈહકી)

સુરએ મુલ્ક

(٥٣) عَنْ أَبِيْ هُرَيْرَۃَ  ؓقَالَ قَالَ رَسُوْلُ اللهِ ﷺ إِنَّ سُوْرَةً فِي الْقُرْآنِ ثَلٰثُوْنَ آيَةً شَفَعَتْ لِرَجُلٍ حَتّٰى غُفِرَ لَهٗ وَهِيَ تَبَارَكَ الَّذِيْ بِيَدِهِ الْمُلْك. (رواه أحمد والترمذى وأبو داؤد والنسائي ابن ماجة)

હઝરત અબૂ હુરૈરહ રદિ.થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ)એ ફરમાવ્યું કુર્આનની એક સુરત જે ફકત ત્રીસ આયતોની છે તેણે એક બંદાના હકમાં અલ્લાહ તઆલાના દરબારમાં શફારિશ કરી, અને તે બખ્શી દેવામાં આવ્યો અને તે સુરત “તબારક લ્લઝી બિયદિહિલ્મુલ્ક” છે.

અલિફ, લામ, મીમ તન્ઝીલ

(٥٤) عَنْ جَابِرٍ ؓأَنَّ النَّبِيَّ ﷺ مَا كَانَ لَا يَنَامُ حَتّٰى يَقْرَءَ الۤمۤ تَنْزِيْلَ وَتَبَارَكَ الَّذِيْ بِيَدِهِ الْمُلك. (رواه أحمد والترمذي والدارمي)

હઝરત જાબિર રદિ.થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ)ત્યાં સુધી સુતા ન હતા જયાં સુધી કે “અલિફ લામ મીમ તન્ઝીલ” અને “તબારક લ્લઝી” ન પઢી લેતા, (એટલે રાત્રે સુતા પહેલાં આ બન્નેવ સુરતો પઢવાનો હુઝૂર (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ)નો અમલ હતો.) (અહમદ તિર્મિઝી, દારમી)

સુરએ અઅલા

(٥٥) عَنْ عَلِيٍّ ؓقَالَ كَانَ رَسُوْلُ اللهِ ﷺ يُحِبُّ هٰذِهِ السُّوْرَةَ "سَبِّحِ اسْمَ رَبِّكَ الْأَعْلٰى."(رواه احمد)

હઝરત અલી મુરતુઝા રદિ.થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ)ને આ સુરત (સબ્બિહિસ્મ રબ્બિક અઅલા) ઘણી જ પ્યારી હતી. (અહમદ)

ખુલાસો :- “કિતાબુસ્સલાત” (નમાઝના બયાનમાં) તે હદીસો પસાર થઈ ચુકી છે જેનાથી જણાય છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ) જુમ્આની નમાઝમાં અને એ જ પ્રમાણ ઈદોની નમાઝમાં વધુ ભાગે પહેલી રકાતમાં “સબ્બિહિસ્મ” પઢતા હતા આપનો આ અમલ એટલા જ માટે હતો કે આ સુરત તેના ખાસ બયાન અને સંદેશના હિસાબે આપ (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ)ને વધુ પ્યારી હતી.

સુરએ તકાષુર

(٥٦) عَنْ ابْنِ عُمَرَ ؓقَالَ قَالَ رَسُوْلُ اللهِ ﷺ لَا يَسْتَطِيْعُ أَحَدُكُمْ أَنْ يَّقْرَأَ أَلْفَ آيَةٍ فِيْ كُلِّ يَوْمٍ؟ قَالُوْا وَمَنْ يَّسْتَطِيْعُ أَنْ يَّقْرَأَ أَلْفَ آيَةٍ فِيْ كُلِّ يَوْمٍ، قَالَ أَمَا يَسْتَطِيْعُ أَحَدُكُمْ أَنْ يَّقْرَأَ أَلْهَاكُمُ التَّكَاثُر - (رواه البيهقي في شعب الإيمان)

હઝરત અબ્દુલ્લાહ બિન ઉમર રદિ.થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ)એ ફરમાવ્યું શું તમારામાંથી કોઈ એવું નથી કરી શકતો કે દરરોજ હજાર આયતો કુર્આન પાકની પઢયા કરે ? સહાબા રદિ.એ અરજ કરી હુઝૂર! એટલી શકિત કોનામાં છે ? કે દરરોજ એક હજાર આયતો પઢે. (એટલે આ અમારી શકિત બહાર છે) આપ (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ)એ ઈર્શાદ ફરમાવ્યો શું તમારામાંથી કોઈ એટલું નથી કરી શકતો કે રોજ “સૂરએ તકાષુર” પઢી લે. (બયહકી)

ખુલાસો :- કુર્આન પાકની અમુક ઘણી નાની સુરતો એવી છે જે તેના બયાન અને સંદેશના મહત્વતાના કારણે સેંકડો હજારો આયતો બરાબર છે. તેમાંથી એક “સુરએ તકાષુર” પણ છે. તેમાં દુનિયા પરસ્તી અને આખિરત તે ભુલી જવા પર જોરદાર હથોડા માર્યા છે. અને આખિરતના હિસાબ તેમ દોઝખના અઝાબનું વર્ણન એવી રીતે કરવામાં આવ્યું છે કે જો માણસનું દિલ બિલ્કુલ મરી ન ચુકયું હોય તો તેમાં ફિકર અને જાગૃતિ આવવી જરૂરી છે. આ હદીસમાં રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ)એ કદાચ એ જ આધારે તેને પઢવાને હજાર આયતો પઢવા બરાબર બતાવી છે.

આગળ ટાંકવામાં આવતી અમુક હદીસોમાં જે બીજી નાની નાની સુરતોને અર્ધા કુર્આન અથવા ત્રીજા ભાગના કુર્આન અથવા ચોથા ભાગના કુર્આન બરાબર બતાવવામાં આવી છે. તેમના વિષે પણ એ જ મુજબ સમજી લેવું જોઈએ, અને બનવા જોગ છે તેમની તિલાવતનો સવાબ પણ એ હિસાબથી વધારે અર્પણ કરવામાં આવે. અલ્લાહનો ખઝાનો આપણા માનવા તેમ સમજવાથી ઘણો જ બહોળો છે.

સીરીયા, પેલેસ્ટાઈન, બાંગ્લાદેશ અને ભારત

મુસ્લિમ વિશ્વમાં ફરી પાછી અચાનક ઉથલપાથલ મચી રહી છે. પહેલાં બાંગ્લાદેશ અને હવે સીરીયામાં સત્તા પલટો થઈ ગયો. બાંગ્લાદેશ પહેલા પાકિસ્તાનનો ભાગ હતું, પછી આ પ્રદેશમાં અન્યાયની લાગણી અનુભવાથી, ઉપરાંત આ વિસ્તાર એક રીતે બંગાળી કહેવાતા વિશેષ ભાષા અને કલ્ચર ધરાવતા લોકોનો હોવાથી અલગાવવાદનો ઉન્માદ ફેલાયો અને અંતે ભારતની મદદથી બાંગ્લાદેશ પાકિસ્તાનથી છુટું પડીને આઝાદ થયું. આમ છેલ્લી એક સદીમાં બે વાર બગાવત અને તખ્તાપલટને અજમાવેલી પ્રજાને સમજવામાં ત્યાંના વડાપ્રધાન ચુકી ગયા. એમની આર્થિક સદ્ધરતાની નીતિઓ સફળ થઈ રહી હતી, પણ સામાન્ય વર્ગ ધીરે ધીરે નારાજ થઈ રહયો હતો. સફળ સત્તાધીશો ધીરે ધીરે વિરોધને સહન નથી કરી શકતા અને દમનથી દબાવવાની કોશિશ કરે છે એટલે વિરોધ વધારે ફેલાય છે. સાચી સફળતા આ છે કે લોકોની ભાવના સમજીને એનું નિરાકરણ લાવવામાં આવે. લોકશાહી દેશોમાં વિપક્ષ કયા દેશમાં નથી હોતો ? પણ યુરોપના દેશો આ બાબતે લોકમતને ઘણું મહત્વ આપે છે, પ્રરિણામે ત્યાં લોકો વિરોધ કરે છે તો સરકારો એમની સમસ્યાનું સમાધાન કરે છે. બાંગ્લાદેશના રાજકારણ વિશે ઘણું લખી શકાય એમ છે, પણ શાસકની આ જ મોટી કમઝોરી કહેવાય કે વિરોધ વધતો રહયો પણ એના સમાધાનનો કોઈ પ્રયત્ન કરવામાં આવ્યો નહીં.

સિરિયામાં સત્તા પરિવર્તન થતાં ઘણી વાર લાગી, ત્યાંની પ્રજાએ ઘણા અત્યાચારો સહન કરવા પડયા. લગભગ બે દાયકાથી ત્યાં બરબાદીનું ચક્ર ફરી રહયું છે. નવા સમુહો સામે આવે છે, વિવિધ પ્રદેશો કબજે કરે છે અને ફરી પાછી લડાઈ ભડકે છે અને શહેરો બરબાદ થઈ રહયા છે.

સિરિયા વિશે આ લખનાર માને છે કે મુસલમાનો, ઈસાઈઓ અને યહૂદીઓ, ત્રણેવ ધર્મના માનનારાઓ સમજફેરમાં ઉતાવળ કરી રહયા છે. આ ત્રણેવ ધર્મના અનુયાયીઓના મતે છેલ્લા ઝમાનામાં કયામત પહેલાં એમને નેતૃત્વ પુરું પાડનાર એક સફળ નેતા “મસીહા” આવશે અને એના નેતૃત્વમાં અમે વિશ્વ સર કરીશું, એમ માન્યતા ધરાવે છે. આવા સંજોગોમાં ત્રણેવ ધર્મના લોકો આ “મસીહા”ની લડાઈમાં શરીક થવાની નિયતે તૈયારી કરી રહયા છે અને આ “મસીહા”નું કેન્દ્ર સ્થાન સીરીયામાં હોવાથી તે યુદ્ધનું કેન્દ્ર બની રહયું છે. હઝરત મહેદી હોય કે હઝરત ઈસા અલૈ. કે કોઈ બીજું .. ત્રણેવ કોમોને એમનો ઈન્તેઝાર છે. હઝરત ઈસા અલૈ.નું આસમાનેથી ઉતરવું કયામતની મોટી અને મહત્વની નિશાની ગણાય છે અને કયામતનો ચોક્કસ સમય કોઈને ખબર નથી એમ એની વાસ્તવિક નિશાનીઓનો સમય પણ ચોક્કસ ન કહી શકાય. હદીસ શરીફમાં આટલા સ્પષ્ટ માર્ગદર્શન છતાં મુસલમાનોમાં અનેક વિદ્વાનો એમના તર્ક અને દલીલો વડે હઝરત મહેદી રહ. અને હઝરત ઈસા અલૈ.ના આગમની તારીખો નક્કી કરી રહયા છે. ત્રણેવ કોમો તરફથી એમના મસીહાના આગમનની ગણતરીઓ પણ સીરીયામાં ચાલી રહેલ લડાઈઓનું મહત્વનું કારણ છે. જેમ કયાંક જમીનનો ભાવ વધવાનો અંદાઝો હોય તો મોટા માલદારો ત્યાં પહેલેથી જ ઝમીનો ખરીદવા પહોંચી જાય છે એમ સીરીયામાં બધા ભેગા થઈ રહયા છે. પણ કયામતનો દિવસ કોઈને ખબર નથી, તો આવી ગણતરીઓ સાચી પડે એમાં કોઈ સચ્ચાઈ નથી.

મુજ નાચીઝના મતે આવી રીતે તારીખો નક્કી કરીને હંગામો કરવાથી લોકોની શાતિમાં મોટો ભંગ પડે છે. અત્યાચારો થાય છે. હત્યાઓ અને લુટફાટ થાય છે, ધાર્મિક ગંથ્રોમાં આવી ભવિષ્યવાણીઓ એટલા માટે હોય છે કે માણસ એના દીન–ધર્મ ઉપર અડગ રહે, અધર્મી અને ફાસિક ન બની જાય. પણ એના ખોટા અંદાઝાઓ કરીને ફસાદ અને વિનાશનો સહારો લેવો ખોટો છે.

આ સિનારીયોનું બીજું દ્રશ્ય પેલેસ્ટાઈન છે. જયાં મુસલમાનોનું નિકંદન કાઢવામાં આવી રહયું છે. રીતસર એમને નિશાને લઈને મારવામાં આવી રહયા છે. રહેણાંક ઈમારતો ઉપર બોંબ મારીને સેંકડો માણસોને મારી નાખવામાં આવે છે. ખાવા પીવા માટે તરસતા લોકોને ભુખે મારવામાં આવી રહયા છે.

મુસલમાનોની જ નહીં, માનવતાની હત્યા થઈ રહી છે અને જે કોઈ એમાં ભાગીદાર છે કે રાજી છે કે શકિત હોવા છતાં ચુપ છે એ બધા કુદરતનો બદલો જોશે. ઈઝરાઈલની યહૂદી સરકાર પણ એમના મસીહા એટલે કે દજ્જાલ માટે મેદાન સાફ કરી રહી હોવાનો દાવો કરે છે. કદાચ એમને બધા કરતાં વધારે ઉતાવળ છે કે કયારે અમે વિશ્વ ઉપર શાસન કરતા થઈ જઈએ.

આ બધું એટલા માટે યાદ આવ્યું કે પાછલા દિવસોમાં સમાચાર હતા કે હિંદુ ધર્મ મુજબ કળયુગમાં અવતરનાર વિષ્ણુનો છેલ્લો કલ્કિ અવતાર “સંભલ”માં પ્રગટ થશે. કદાચ એની તૈયારીમાં જ ત્યાં પણ આટલો બધો હંગામો છે.

ખલીફા હારૂન રશીદ અને ખ્વાજા ફુઝૈલ બિન અયાઝ રહ.

ખલીફા હારૂન રશીદના વઝીર ફઝલ બિન રબીઅનું વર્ણન છે કે એકવાર હજ પૂરી કરીને ખલીફા હારૂન રશીદ મારા ઘરે આવ્યા. હું ગભરાયને બહાર આવ્યો અને કહયું કે મને બોલાવી લીધો હોત. તમે શા માટે તકલીફ ઉઠાવી ? હારૂન રશીદે કહયું કે મારું દિલ ગભરાય રહયું છે. અંદરથી પરેશાન છું અને દિલના સુકૂન માટે કોઈ અલ્લાહવાળા પાસે જવાની ઈચ્છા છે.

મેં કહયું કે અહીંયા પાસે જ સુફયાન બિન ઉયયનહ રહ. છે. આપણે એમની પાસે જઈએ. અમે એમની પાસે પહોંચ્યા અને દરવાજે ટકોરા દીધા તો અંદરથી પૂછયું કે કોણ ? અમે જવાબ આપ્યો કે અમીરુલ મુઅમિનીન તમને મળવા આવ્યા છે. તેઓ ઉતાવળે બહાર આવ્યા અને અરજ કરી આપ અમીર છો, મને જ હુકમ કરીને બોલવી લીધો હોત ! બાદશાહે પછી આવવાનો મકસદ વર્ણવ્યો. થોડીવાર વાતો કરતા રહયા પછી પૂછયું કે તમારા માથે કોઈનું કરજ હોય હું આપની મદદ કરી દઊં? એમણે પોતાના કરજની વિગત જણાવી તો મને હુકમ કર્યો કે એમનું કરજ અદા કરવાની વ્યવસ્થા કરી દયો.

અહીંયાથી પાછા વળ્યા તો હારૂન રશીદે કહયું કે મને હજુ ચેન નથી. કોઈ બીજા પાસે જઈએ. મેં એમને અબ્દુર્રઝાક બિન હુમામનું નામ બતાવ્યું અને પછી અમે ત્યાં જઈ પહોંચ્યા. દરવાજે ટકોર કરી તો પૂછયું કે કોણ છે ? મેં બતાવ્યું કે અમીરુલ મુઅમિનની તમને મળવાની ઈચ્છા લઈને આવ્યા છે. તેઓ પણ એકદમ બહાર આવ્યા અને કહેવા લાગ્યા કે આપ મને હુકમ કરત તો હું પોતે જ આવી જત. ખલીફાએ કહયું કે, કોઈ વાંધો નહીં. અમારો મકસદ સાંભળો અને ઉકેલ પેશ કરો. પછી મોડે સુધી હારૂન રશીદ અને શેખ અબ્દુર્રઝાક વાતો કરતા રહયા. થોડીવારે મને બોલાવીને હુકમ કર્યો કે શેખ અબ્દુર્રઝાક રહ.નું સઘળું કરજ અદા કરી દેવામાં આવે.

ત્યાંથી રવાના થયા તો હારૂન રશીદ કહેવા લાગ્યા કે હજુ દિલની મુરાદ પૂરી થઈ નથી. કયાંક બીજે જવું પડશે. મેં હઝરત ફુઝૈલ બિન અયાઝ રહ.નું નામ લીધું. અમે ત્યાં પહોંચ્યા તો તેઓ નમાઝમાં મશ્ગૂલ હતા. મેં દરવાઝો ખખડાવ્યો તો પૂછયું કે કોણ છે ? મેં કહયું કે અમીરુલ મુઅમિનીન આવ્યા છે, એમને અંદર બોલાવો.

એમણે કહયું કે મારે વળી એમની સાથે શી લેવા દેવા ?

મેં કહયું કે, સુબ્હાનલ્લાહ, શું અમીરની ફરમાબરદારી તમારા ઉપર જરૂરી નથી ?

એમણે અંદરથી જ જવાબ આપ્યો કે શું તમને નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમનો આ ઈરશાદ ખબર નથી કે કોઈ મોમિન માટે યોગ્ય નથી કે બીજાઓ સામે પોતાને અપમાનિત કરે. એમ કહીને તેઓ દરવાજે આવ્યા. દરવાજો ખોલીને પાછા ગયા, ચિરાગ ઓલવી દીધો અને એક ખુણામાં જઈ બેસી ગયા. અમે ઘરમાં જઈને એમને શોધવા લાગ્યા. મારાથી પણ પહેલાં હારૂન રશીદનો હાથ એમને અડી ગયો તો એકદમ ફુઝૈલ બોલી ઉઠયા : અરે આ હાથ તો કેટલો નરમ છે ! પણ અલ્લાહના અઝાબથી બચી જાય તો જ બસ છે. મને દિલમાં થયું કે આજે રાત્રે જરૂર હઝરત ફુઝૈલ ખલીફા સાથે તકવાથી ભરપૂર સારી વાતો કરશે.

ખલીફાએ ત્યાર પછી પોતાના આવવાનો મકસદ વર્ણવ્યો.

હઝરત ફુઝૈલ રહ. કહેવા લાગ્યા કે, જયારે હઝરત ઉમર બિન અબ્દુલ અઝીઝ રહ.ને ખલીફા બનાવવામાં આવ્યા તો સાલિમ બિન અબ્દુલ્લાહ રહ., મુહમ્મદ બિન કઅબ રહ. અને રજાઅ બિન હયવહ રહ.ને બોલાવ્યા અને ત્રણેવને કહયું કે મારા માથે ખિલાફત જેવી મોટી કસોટી આવી પડી છે. તમે બધા મને યોગ્ય સલાહ આપીને મારી મદદ કરો.

જવાબમાં સહુ પ્રથમ સાલિમ બિન અબ્દુલ્લાહ રહ.એ ફરમાવ્યું કે, અમીરુલ મુઅમિનીન ! આવતી કાલે કયામતના દિવસે અલ્લાહના અઝાબથી બચવા માંગો છો તો મરતાં સુધી આ દુનિયાનો રોઝો રાખી લ્યો. એટલે કે મરતાં સુધી દુનિયાથી સંપૂર્ણ બચીને રહો.

પછી મુહમ્મદ બિન કઅબ રહ.એ નસીહત કરી કે અલ્લાહના અઝાબથી બચવા ચાહો છો તો મોટી ઉમરના દરેક વ્યકિતને તમારા વાલિદની જેમ કાબિલે એહતેરામ સમજો. મધ્યમ ઉમરના માણસને પોતાના ભાઈ સમાન અને નાનાઓને પોતાના બાળકોની જેમ સમજીને એમની સાથે સારો વર્તાવ કરો.

રજાઅ બિન હયવહ રહ. એ સલાહ આપી કે કયામતના દિવસે અલ્લાહ તઆલાના અઝાબથી બચવા ચાહતા હોવ તો મુસલમાનો માટે પણ એ જ વાત પસંદ કરો જે પોતાના માટે પસંદ કરો છો. અને એમના માટે એ વસ્તુ નાપસંદ કરો જે અલ્લાહ તઆલા પાસે નાપસંદ છે. આવી સ્થિતિમાં તમને મોત આવશે તો તમે અલ્લાહના અઝાબથી બચી જશો. હે બાદશાહ મને તમારા વિશે તે દિવસની ઘણી બીક લાગે છે જયારે લોકોના કદમ ડગમગી જશે.

આ સાંભળીને ખલીફા હારૂન રશીદ ઘણા જ રડયા. રડતાં રડતાં લગભગ બેહોશ જેવા થઈ ગયા.

ફઝલ બિન રબીઅ કહે છે મેં અરજ કરી કે, હઝરત! અમીરુલ મુઅમિનીન ઉપર થોડી નરમી કરો. વધુ કડક વાતો ન કહો.

હઝરત ફુઝૈલ કહેવા લાગ્યા : હે રબીઅના બેટા ! તમે અને તમારા સાથીઓ એમને તબાહ કરી રહયા છો અને હું નરમી કરું?

થોડી વારે હારૂન રશીદને હોશ આવ્યો તો ફુઝૈલ બિન અયાઝ રહ.ને કહેવા લાગ્યા, હજુ વધારે નસીહત કરો ! તો ફરમાવ્યું:

એકવાર હઝરત ઉમર બિન અબ્દુલ અઝીઝ રહ.ના એક ગર્વનર વિશે એમને શિકાયત કરવામાં આવી. એમણે ગર્વનરને પત્ર લખ્યો કે, હે ભાઈ! હું તને એ દિવસ યાદ અપાવું છું જયારે દોઝખ વાળા અલ્લાહના અઝાબમાં લગાતાર જાગતા રહેશે. પોતાને તે સમયથી બચાવો જયારે તમને અલ્લાહ તઆલાના દરબારમાંથી એવી રીતે કાઢી મૂકવામાં આવે કે એ તમારી અલ્લાહ તઆલા સાથે આખરી મુલાકાત હશે અને નજાતની કોઈ ઉમ્મીદ બાકી ન રહેશે. ગર્વનરે આ પત્ર વાંચ્યો તો લાંબી સફર કરીને હઝરત ઉમર બિન અબ્દુલ અઝીઝ રહ. પાસે આવ્યો. આપ રહ.એ એને આવવાનું કારણ પૂછયું તો કહેવા લાગ્યો કે તમારો પત્ર વાંચીને મારું દિલ આ સત્તા અને હોદ્દા ઉપરથી ઉઠી ગયું છે. હવે હું મરતાં સુધી કોઈ સરકારી હોદ્દો કુબૂલ કરીશ નહીં.

આ સાંભળીને હારૂન રશીદ વધારે રડવા લાગ્યા. અને કહયું કે અલ્લાહ તઆલા તમારા ઉપર રહમત કરે, મને ઓર નસીહત કરો.

હઝરત ફુઝૈલ બિન અયાઝ રહ. કહેવા લાગ્યા :

એકવાર નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમના કાકા હઝરત અબ્બાસ રદિ. આપની પાસે આવ્યા અને અરજ કરી હે અલ્લાહના રસૂલ ! મને કોઈ પ્રદેશનો ગર્વનર નિયુકત કરી દયો. આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે ફરમાવ્યું : કયામતના દિવસે આ સત્તા અફસોસ અને પસ્તાવાનો સબબ બનશે. જો શકય હોય તો તમે કોઈ દિવસ હાકેમ ન બનશો.

આ સાંભળીને ખલીફા ત્રીજાવાર રડી પડયા. પણ નસીહત સાંભળવાની ખ્વાહિશ હજુ પૂરી થઈ ન હતી. કહેવા લાગ્યા કે ઓર નસીહત સંભળાવો.

હઝરત ફુઝૈલ બિન અયાઝ રહ.એ ફરમાવ્યું : હે સુંદર મુખડા વાળા ! તારી સામે જ અલ્લાહ તઆલા કયામતના દિવસે આ મખલૂક વિશે પૂછપરછ કરશે. જો તું આ સુંદર ચહેરાને જહન્નમની આગથી બચાવી શકતો હોય તો જરૂર બચાવજે. ખબરદાર ! સવાર સાંજ કદી પણ પોતાની પ્રજાને કોઈ તકલીફ આપવાનો વિચાર ન કરજે. કેમ કે નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમનો ઈરશાદ છે :

જે કોઈ હાકેમે એની પ્રજાને ધોકો આપ્યો અને ખૈરખ્વાહી ન કરી એ જન્નતની ખુશ્બુ પણ સુંઘવા નહીં પામે.

હારૂન રશીદ વધારે રડવા લાગ્યા.

પછી હઝરત ફુઝૈલ રહ.થી પૂછયું કે તમારા ઉપર કોઈ કરજ છે ? એમણે કહયું કે હા, મારા ઉપર અલ્લાહ તઆલાનું કરજ છે. તે જ મારાથી હિસાબ પણ લેશે. હાય અફસોસ ! તે મારી પાસે હિસાબ માંગશે તો હું શું જવાબ આપીશ ? હાય અફસોસ ! મારી પાસે યોગ્ય જવાબ કે દલીલ ન હશે તો હું શું કરીશ ? પછી ફરમાવ્યું કે આ અલ્લાહના હકો છે. એની ઈબાદત અને મારા ઉપર જરૂરી ઠેરવેલા બંદાઓના હકો છે.

છેલ્લે હારૂન રશીદે આપ રહ.ની સેવામાં ૧૦૦૦ દીનાર રજૂ કર્યા અને કહયું કે આ તમારા ઘરવાળાઓ ઉપર ખર્ચ કરજો. અને પોતે ઈબાદતની શકિત માટે પણ આ પૈસાનો ખર્ચ કરજો. જવાબમાં આપ રહ.એ ફરમાવ્યું કે, અજીબ વાત કરો છો ! હું તમને નજાતનો રસ્તો બતાવું છું તો તમે બધો બોજ મારા ઉપર જ નાખવા ચાહો છો. અલ્લાહ તઆલા તમને સલામત રાખે. અને નેકીની તોફીક આપે.

ફઝલ બિન રબીઅ કહે છે કે ત્યાર પછી ઘણીવાર સુધી હઝરત ફુઝૈલ રહ. ખામોશ બેસી રહયા. કંઈ બોલ્યા નહીં. અને અમે ત્યાંથી ઉઠીને પાછા આવવા નીકળ્યા. ઘરના દરવાજે પહોંચ્યા તો હારૂન રશીદે કહયું કે હે અબુલ અબ્બાસ, જયારે પણ તું મને કોઈ માણસ પાસે લઈ જાય તો આવા માણસો પાસે જ લઈ જજે. આ માણસ જ મુસલમાનોનો સાચો સરદાર છે.

એમના ગયા પછી તુરંત હઝરત ફુઝૈલ રહ.ના બીવી એમની પાસે આવ્યાં અને કહેવા લાગ્યા કે આપણે જે ગરીબીમાં જીવન જીવી રહયા છે એનાથી તમે વાકેફ છો. જો તમે એ રકમ લઈ લેત તો આપણને થોડી રાહત થઈ જાત. હઝરત ફુઝૈલ રહ.એ જવાબ આપ્યો કે હું અને તમે પેલી કોમ જેવા છીએ, જેઓ આખું જીવન એક ઊંટના સહારે કમાતા રહયા અને છેલ્લે એ ઘરડું થયું તો એને ઝબહ કરીને એનો ગોશ્ત ખાય. એટલે કે આખું જીવન અલ્લાહ ઉપર તવક્કુલ કરીને ખાતા રહયા અને હવે એ તવક્કુલને છોડી દઈએ?

એમની આ વાત દરવાજે ઉભેલા હારૂન રશીદે સાંભળી લીધી. અને પાછા અંદર આવી ગયા, એ આશાએ કે કદાચ હઝરત ફુઝૈલ રહ. રકમ સ્વીકારી લેશે. હઝરત ફુઝૈલ રહ. એ બાદશાહને જોયા તો ઘરની છત ઉપર જતા રહયા. બાદશાહ પણ એમની પાછળ છત ઉપર ગયા. પણ બાદશાહની ઘણી બધી કોશિશ પછી પણ હઝરત ફુઝૈલ રહ.એ કોઈ જવાબ આપ્યો જ નહીં. છેલ્લે એક કાળી ગુલામડી અમારી પાસે આવી અને કહેવા લાગી કે હે ભલા માણસ ! તેં આખી રાત અમારા બુઝુર્ગને તકલીફ આપી છે. હવે પાછો જા. અલ્લાહ તારા ઉપર રહમ કરે. એટલે પછી અમે પાછા આવતા રહ્યા.


ખ્વાબમાં રસૂલે ખુદા સલ.ની ઝિયારત

નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની ખ્વાબમાં ઝિયારત થવી ઘણી બરકતની બાબત છે. હદીસ શરીફમાં નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે પોતે આ બાબતે ખુશખબરીઓ ઈરશાદ ફરમાવી છે. હઝરત અબૂ હુરયરહ રદિ. રિવાયત ફરમાવે છે કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે ફરમાવ્યું : જેણે સપનામાં મને જોયો તેણે સાચે જ મને જ જોયો, કારણકે શયતાન મારી શકલ અપનાવી શકતો નથી. (બુખારી, મુસ્લિમ)

ઈમામ બુખારી

ઈમામ બુખારી રહ.એ એક રાત્રે સ્વપ્નમાં જોયું કે આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ આરામ ફરમાવી રહ્યા છે, અને તેઓ પાસે બેસીને પંખા વડે માંખો ઉડાડે છે. ઈમામ બુખારી રહ. એ સવારે પોતાના ઉસ્તાદ ઈસ્હાક બિન રાહવય થી આ સ્વપ્નનો ઉલ્લેખ કર્યો, એમણે ફરમાવ્યું : મુબારક હો, તમને રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની હદીસો ભેગી કરવા માટે પસંદ કરવામાં આવ્યા છે, આ સઆદત તમને મળશે. (સીરતે ઈમામ બુખારી)

અબ્દુલવાહિદ તૂસી રહ. ઈમામ બુખારીના સહચર હતા, ઉપરાંત તે સમયના મહાન અવલિયામાંથી હતા, એક રાત્રે એમણે ખ્વાબ જોયું કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ સહાબા સંગાથે રસ્તા પર કોઈની રાહ જોઈ રહ્યા છે, એમણે સલામ કરી અરજ કરી:

યા રસૂલલ્લાહ કોની રાહ જોવામાં આવી રહી છે ?

આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે ફરમાવ્યું: મુહંમદ બિન ઈસ્માઈલ બુખારીની રાહ જોઈ રહ્યો છું.

હઝરત અબ્દુલ્વાહિદ તૂસી રહ. ફરમાવે છે કે થોડા જ દિવસ બાદ મને ઈમામ બુખારીની વફાતના સમાચાર મળ્યા, મેં તપાસ કરી તો જાણવા મળ્યું કે જયારે મેં ખ્વાબ જોયું હતું ત્યારે જ ઈમામ બુખારીની વફાત થઈ હતી. (ઈમામ બુખારી).

ઈશ્કે નબવી

જનાબ ગુલામ અહમદ હરીરી લખે છે કે મેં મારા ઉસ્તાદો મારફત સાંભળ્યું હતું કે મવલાના ઈમામ અબ્દુલ જબ્બાર ગઝનવીને ઈમામ ઈબ્ને હઝમ રહ.થી ગાઢ લગાવ હતો, પરંતુ એક વાત એમને સમજમાં ન આવતી કે ઈબ્ને હઝમ રહ. અકાબેરીન-સલફનો એહતેરામ કરતા ન હતા, એકવાર ખ્વાબમાં તેમને નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ની ઝિયારત થઈ તો ઈબ્ને હઝમ રહ. વિષે પૃચ્છા કરી તો આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ ફરમાવ્યું : આ ઈશ્કનો પ્રભાવ છે, બે અદબી નથી, વાસ્તવિકતા એ હતી કે ઈબ્ને હઝમ રહ. સુન્નતની પેરવીના ખૂબ આગ્રહી અને ચાહક હતા અને હદીસ હોવાની સૂરતમાં કોઈની વાત સાંભળતા ન હતા. (હયાતે ઈબ્ને હઝમ, અબૂ જહરહ, અનુ. ગુલામ અહમદ હરીરી)

શેખ અકબર મુહયુદ્દીન ઈબ્ને અરબી રહ. ફરમાવે છે કે સન હિજરી ૫૯૦ માં હું તિલ્મશાનમાં મારા શેખ અબૂ મદયનની સેવામાં હતો, એક રાત ખ્વાબમાં આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની ઝિયારત નસીબ થઈ, એક માણસ આ દિવસોમાં અમારા શેખનો વિરોધી હતો, અને એ કારણે મારૂં દિલ પણ એનું વિરોધી હતું, ખ્વાબમાં જયારે આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની ઝિયારત નસીબ થઈ તો આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે ફરમાવ્યું : “તમે શા માટે એના વિરોધી છો? મેં અરજ કરી કે તે મારા શેખનો વિરોધી છે” આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે ફરમાવ્યું : શું તે અલ્લાહ અને તેના રસૂલથી મહોબ્બત રાખે છે ? મે અરજ કરી કે હા, તે અલ્લાહ અને રસૂલથી જરૂર મહોબ્બત રાખે છે, તો આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે ફરમાવ્યું કે અબૂ મદયનથી તે નફરત કરે છે માટે તમે એનાથી નફરત કરો છો, તો જયારે તે અલ્લાહ અને તેના રસૂલથી મહોબ્બત રાખે છે તો પછી આ કારણે એનાથી મહોબ્બત કેમ નથી રાખતા? શેખ મુહયુદ્દીન રહ. ફરમાવે છે કે મેં તુરંત જ તોબા કરી અને મારી પહેલી વર્તણુક બદલી નાંખી હવે તે માણસ મારો પાકો દોસ્ત છે. (મકાલાત એહસાની/મવલાના ગીલાની રહ.)

શાદીની સુન્નત

હઝરત બાયઝીદ બુસ્તામી રહ. અલ્લાહના મોટા વલી હતા, એમણે શાદી કરી હતી નહીં, એમણે ખ્વાબમાં જોયું કે એક ઊંચી શાનદાર ઈમારતમાં અવલીયા અને બુઝુર્ગો આવન-જાવન કરી રહ્યા છે પરંતુ તેઓ અંદર જવા ઈચ્છે છે તો દરવાજો બંધ થઈ જાય છે. એમને ખબર પડી કે આ તો બારગાહે નબવી (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) છે. એમણે વિચાર્યુ કે અલ્લાહે મને બીજી ઘણી નેઅમતોથી નવાઝયો છે, પરંતુ આજે મને આ દરબારમાં જવાની પરવાનગી શા માટે મળતી નથી ?

આ વેળા એકદમ આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ ઈમારતના એકભાગમાંથી માથું બહાર કાઢી ફરમાવ્યું કે અહિંયા તેને જ આવવાની પરવાનગી મળે છે જે મારી સુન્નત અદા કરે.

સવારે આંખો ખુલી તો આંખોમાં અશ્રુ હતા, અને ફરમાવ્યું કે હવે તો નબી સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમના આદેશ ઉપર અમલ કર્યા સિવાય છુટકો નથી, અંતે વૃધ્ધા વસ્થામાં પણ શાદી કરી. (મકતુબાતે શયખુલ ઈસ્લામ)

હઝરત મવલાના અશરફ અલી થાનવી રહ.

મવલાના અનવારૂલ હસન કાકોરવી વર્ણવે છે કે હજના સફરમાં મદીના શરીફમાં મેં હઝરત મવલાના અશરફ અલી થાનવી રહ. વિષે એક ખ્વાબ જોયું, આ દિવસોમાં મને હજુ હઝરત થાનવી રહ.થી કંઈ વિશેષ અકીદત ન હતી ફકત એમને મોટા ગજાના આલિમ સમજતો હતો, માટે મદીનામાં રહેવાના દિવસો દરમિયાન મારા વિચારોમાં દૂર દૂર પણ કયાંય એમનો વિચાર ન હતો,

એકવાર રાત્રે ખ્વાબ જોયું કે આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) બીમાર છે, અને એક ખાટલા પર આરામ ફરમાવી રહ્યા છે અને મવલાના થાનવી રહ. આપની સેવા કરી રહ્યા છે. આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ની સેવામાં મવલાના થાનવી રહ.ની સાથે એક અન્ય બુઝુર્ગ પણ દૂર બેસેલા નજરે પડયા, ખ્વાબમાં એમના વિષે મને એમ સમજમાં આવ્યું કે તેઓ તબીબ છે.

સવારે આંખ ખુલી તો મને ખ્વાબની તઅબીર એ સમજમાં આવી કે આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ તો કેવી રીતે બીમાર હોય શકે ? આપના બીમાર હોવાનો મતલબ છે કે તેઓ ઉમ્મતની ઈસ્લાહ માટે પ્રયત્નો કરી રહ્યા છે. પરંતુ દૂર બેસેલા બુઝુર્ગ વિષે મને કંઈ સમજમાં આવ્યુ નહી કે તેઓ કોણ છે અને શું કરી રહ્યા હતા.

હજ પુરી કરી મેં મવલાના થાનવી રહ.ની સેવામાં પુરૂં ખ્વાબ અને મારી સમજમાં આવેલી તઅબીર પણ લખી મોકલી અને એ લખી જણાવ્યું કે પેલા બુઝુર્ગ વિષે મારી સમજમાં કંઈ આવતું નથી.

મવલાના થાનવી રહ.એ જવાબમાં લખી જણાવ્યું કે એ બુઝુર્ગ ઈમામ મહેદી રહ. છે, હજુ તેમનો સમય દૂર છે, માટે દૂર બેસેલા માલુમ પડયા. (બીસ બડે મુસલમાન)

હઝરત શાહ વલીયુલ્લાહ રહ.

હઝરત શાહ વલીયુલ્લાહ રહ.એ એકવાર ખ્વાબમાં જોયું કે ઈમામ હુસૈન અને હસન રદિ. એમના ઘરે પધાર્યા છે, ઈમામ હસન રદિ.ના હાથમાં એક કલમ છે, જેની અણી તૂટી ગઈ છે, ઈમામ હસન રદિ.એ હાથ આગળ કરી મને એ કલમ આપતાં ફરમાવ્યું કે આ કલમ નાના રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)નો છે, પહેલાં હુસૈન રદિ.એને બરાબર કરી લે,પછી આપું છું, એમના જેવું બરાબર કોઈ કરી શકતું નથી, હું આ સઆદતથી ઘણો જ ખૂશ થયો,

ત્યાર બાદ એક ચાદર લાવવામાં આવી, જેમાં ભરતકામની લીટીઓ હતી, એક લીટીમાં સફેદ દોરા હતા, બીજીમાં લીલા, ઈમામ હુસૈન રદિ.એ ચાદર ઉઠાવી ફરમાવ્યું કે આ મારા નાના રસૂલ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની ચાદર છે, પછી મને એ ચાદર ઓઢાડવામાં આવી અને મેં ભારપૂર્વક એ ચાદર માથા પર મૂકી દીધી. (તઝકીરહ શાહ વલીયુલ્લાહ/ મવલાના ગીલાની)

મવલાના હુસૈન અહમદ મદની રહ.

જનાબ સૈયદ ઈસરાયલી મવલાના મદની રહ.ને લખેલ એક પત્રમાં લખે છે કે હું તકરીર-વઅઝ કરવા હઝારીબાગ ગયો હતો, ત્યાં રાત્રે ખ્વાબમાં હુઝૂર સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની ઝિયારત નસીબ થઈ, મેં જોયું કે આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ અન્ય અમૂક માણસો સાથે ઉપસ્થિત છે, હું પણ સાથે હતો, મને નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે પુછયું કે હજુ સુધી મવલાના હુસૈન અહમદ નથી પધાર્યા ? હું અનાયાસે જ બોલી ઉઠયો કે અબ્દુલ્લાહ બિન ઉમર રદિ.એમને બોલાવવા ગયા છે હવે આવતા જ હશે. મેં નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની બારગાહમાં અરજ કરી કે મવલાના મદનીની શા માટે રાહ જોવાય રહી છે ? તો આપ સલ્લલ્લાહ અલયહિ વ સલ્લમએ ફરમાવ્યું કે મારે એમનાથી મારી ઉમ્મતની હાલત પુછવી છે? એટલામાં આપ તશરીફ લાવ્યા અને બિલ્કુલ હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)સામે બેસી ગયા, હઝરત અબ્દુલ્લાહ બિન ઉમર રદિ.ને એક માણસે હે ઈબ્ને ઉમર! કહી પોતાની પાસે બેસાડી દીધો.

ત્યાર બાદ મારી આંખો ખૂલી ગઈ સાડા ત્રણ વાગવામાં બે મીનીટ બાકી હતી, વુઝુ કરી બે રકાત નફલ શુક્ર અદા કરવા પઢી અને અત્યંત ખૂશી- પ્રસન્નતા સાથે મુસલ્લા પર ફજરના સમયની રાહ જોઈ બેસી રહ્યો. (મકતુબાતે શૈખુલ ઈસ્લામ)

ડોકટર જરમાનુસ અ.કરીમ

ડોકટર જરમાનુસ હંગરીની રાજધાની બોડા પિસ્ટમાં સ્થાપત્યકલાના નિષ્ણાંત પ્રોફેસર હતા, બીજા વિશ્વ યુધ્ધ પહેલાં તેઓ ભારત આવ્યા હતા, મુસલમાનોની સ્થાપત્ય કલાથી પ્રભાવિત હતા, બંગાળામાં રવિન્દ્રનાથ ટાગોરના શાંતિનિકેતનમાં પણ થોડો સમય રહ્યા, પરંતુ સત્યની શોધમાં ભટકતા એમના આત્માને આ વિદ્યામંદિરમાં શાંતિ મળી નહી, ત્યાંથી દિલ્હી જામેયા મિલ્લીયહ પધાર્યા અને મુસલમાન બની અ.કરીમ નામ રાખ્યું.

મુસલમાન થતાં પૂર્વે સત્યની શોધમાં ખૂબ પરેશાન હતા, વ્યાકુળ અને વિહવળ રહેતા, અને ઘણો માનસિક તણાવ અનુભવતા હતા, આ જ ગાળામાં એમને હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ની ઝિયારત નસીબ થઈ તેઓ લખે છે : એક રાત્રે મે ખ્વાબમાં નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમને જોયા, આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે ફરમાવ્યું :-કોઈ ખચકાટ વિના આગળ વધો, સિરતે મુસ્તકીમ તમારી સામે જ છે, પછી કુર્આનની આ અર્થસભર આયત પઢી :-

“શું અમે પૃથ્વીને પાથરણું બનાવ્યું નથી ? અને પર્વતોને જમીનના ખૂટા બનાવ્યા નથી ? અને અમે જ તમને (સ્ત્રી પુરુષનાં) જોડા બનાવ્યાં અને અમે જ તમારી ઊંઘને આરામની વસ્તુ બનાવી, અને અમે જ રાત્રિને પરદાની ચીજ બનાવી, અને અમે જ દિવસને ધંધાનો વખત બનાવ્યો.” (નબા,૬-૧૧) ત્યાર બાદ ઈસ્લામની સચ્ચાઈ મુજ પર સંપૂર્ણ પણે ખુલી ગઈ, જુમ્આના દિવસે હું જામે મસ્જીદ દીલ્હી ગયો અને ત્યાં ઈસ્લામ સ્વીકારનું એલાન કરી દીધું.

સુલતાન મહમૂદ ગઝનવી

એકવાર સુલતાન મહમૂદ ગઝનવીને ત્રણ વાતો વિષે શંકા થઈ પહેલી શંકા એક હદીસ વિષે હતી, જેમાં અલ્લાહના રસૂલ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમનો ઈર્શાદ છે કે ઉલમા અંબિયાના વારસ છે. બીજી શંકા કયામત વિશે હતી, ત્રીજી બાબત અમીર સુબુકતગીનથી એમની સગાઈ સંબંધી હતી, અને ત્રણેવ પ્રકારની શંકાઓ સુલતાન માટે માનસિક કષ્ટ અને પરેશાનીનો સબબ હતી. આ જ દિવસોમાં એકવાર સુલતાન કયાંકથી પરત ફરી રહ્યા હતા, નોકર ચિરાગ અને સોનાનું ચિરાગદાન લઈ સાથે ચાલતો હતો, રસ્તામાં જોયું કે એક તાલિબે ઈલ્મ મદ્રસામાં પોતાનો સબક યાદ કરી રહ્યો છે અને મદ્રસામાં અંધારૂ છે, કિતાબ જોવાની જરૂરત પડે ત્યારે ત્યાંથી ઉઠી બહાર જાય છે. એક દુકાનના ચિરાગ પાસે જઈ કિતાબ જોઈ પાછો આવી જાય છે. આ આ દ્રશ્યથી સુલતાન ખૂબ પ્રભાવિત થયો, અને તેણે તુરંત પોતાનો ચિરાગ તેને આપી દીધો, આ જ રાત્રે હુઝૂર સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની ઝિયારત તેમને નસીબ થઈ, હુઝૂર સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ ફરમાવી રહ્યા હતાઃ

“હે અમીર સુબુકતગીનના પુત્ર ! અલ્લાહ તને બંનેવ જહાંનમાં એવી ઈઝઝત આપે જેવી તેં મારા વારસને આપી.”

સુલતાન કહે છે કે આ એક વાકયથી મારી ત્રણેવ શંકાઓ દૂર થઈ ગઈ.

હઝરત ઈમામ અબૂ હનીફા રહ.

એકવાર ઈમામ અબૂ હનીફા રહ.એ ખ્વાબમાં જોયું કે તેઓ આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ના પવિત્ર હાંડકાઓને ભેગા કરી રહ્યા છે. એમાં અમૂક હાડકાંને બીજા હાડકાં કરતાં વધુ મહત્વ આપે છે. જયારે આપ જાગૃત થયા તો આ ખ્વાબથી ખૂબ પરેશાન થયા, અંતે મુહમ્મદ બિન સીરીન રહ.ના એક સાથીથી એની તાબીર પૂછી તો તેમણે ખુશ ખબર આપતાં જણાવ્યું કે તમે આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ની સુન્નતોની રક્ષા કાજ એટલી ફિકર કરશો કે સહીહ અને કમઝોર હદીસોને અલગ અલગ તરવી કાઢશો.

એક બીજીવાર ઈમામ અબૂ હનીફા રહ.ને ખ્વાબમાં આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ની ઝિયારત નસીબ થઈ, તે ખ્વાબમાં આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ ફરમાવ્યું :- હે અબૂ હનીફા ! અલ્લાહ તઆલાએ તમને મારી સુન્નત જીવંત કરવા પેદા કર્યા છે, એકલતા અપનાવવા (સન્યાસ) નો વિચાર ન કરો. (કશ્ફુલ મહજૂબ)


મહમૂદુલ ખસાઈલ

• જનાબ અહમદહુસેન ગાજી સા.


હઝરત અકદસ મવલાના મુફતી અહમદ ખાનપુરી સા. (દા.બ.) ની કિતાબ મહમૂદુલ ખસાઈલનો અનુવાદ પાછલા અમુક અંકથી અલબલાગમાં પ્રકાશિત થઈ રહયો છે. જામિઅહ હાઈસ્કૂલના શિક્ષક જનાબ અહમદ હુસૈન ગાઝી સાહેબ આ અનુવાદ રજૂ કરી રહયા છે. હવેથી આ અનુવાદ અલબલાગમાં ક્રમશઃ દર માસે રજૂ કરવામાં આવશે. ઈન્શાઅલ્લાહ..

હદીસ નંબર (૨૫) :

હઝરત બરાઅ બિન આઝીબ (રદિ.) ફરમાવે છે કે રસૂલુલ્લાહ (સલ.) (દેખાવે ઊંચા) મધ્યમ કદના હતા, બંને ખભાઓ વચ્ચેનું અંતર (સામાન્ય સ્કેલ કરતા) થોડું વધારે હતું. આપ (સલ.)ના વાળ કાનની ટીસી સુધી પહોંચેલા હતા. 

ફાયદો : جمه તેનો પારિભાષિક શબ્દ છે : તે વાળ જે કાન અને ગરદનથી વધીને ખભા સુધી પહોંચી જાય, પરંતુ شحمة أذنيه નો શબ્દ બતાવે છે કે અહીંયા તેનો વાસ્તવિક અર્થ મુરાદ નથી પરંતુ માત્ર વાળ મુરાદ છે.

હદીસ નંબર (૨૬) : 

હઝરત કતાદહ (રદિ.) ફરમાવે છે કે મેં હઝરત અનસ (રદિ.)થી પૂછયું કે રસૂલુલ્લાહ (સલ.) ના વાળ કેવા હતા ? તેમણે ફરમાવ્યું : ન તો વધુ વાંકડિયા હતા અને ન તો બિલ્કુલ સીધા (અને) આપના વાળ કાનની ટીસી સુધી પહોંચેલા હતા.

ફાયદો : كيف كان અહીંયા દવાલ કરવામાં આવ્યો કે વાળ મુબારક કેવા હતા? કેવામાં મિકદાર અને કેફિયત બંને આવી ગયું એટલે પહેલા કેફિયત અને બાદમાં મિકદાર બતાવી.

હદીસ નંબર (૨૭) : 

હઝરત ઉમ્મે હાની (રદિ.) ફરમાવે છે કે રસૂલુલ્લાહ (સલ.) મક્કામાં અમારી પાસે તશરીફ લાવ્યા, તે વખતે આપ (સલ.) (ના વાળો) ની ચાર લટો હતી.

ફાયદો : હઝરત ઉમ્મેહાની (રદિ.) હુઝૂર (સલ.)ના કાકાની છોકરી અને હઝરત અલી (રદિ.) ની હકીકી બહેન અને અબૂ તાલિબના પુત્રી છે, ફત્હે મક્કાના મોકા પર આપ (સલ.) મક્કામાં દાખલ થયા, તો સૌથી પહેલા તેણીના ઘરે તશરીફ લઈ ગયા, ત્યાં ગુસલ ફરમાવ્યું, ચાશ્તની નમાઝ પઢી, ત્યાર પછી આપ હરમ તશરીફ લઈ ગયા, આ ફત્હે મક્કાનો વાકિયો છે.

 غدائر : أربع غدائر બહુવચન છે. غدیرةએક વચન છે, કયારેક માણસના માથાના વાળ વિવિધ ભાગોમાં વહેંચાય જાય છે અને અનેક વાળોના ગુચ્છા બની જાય છે, જેને ઉર્દૂમાં “લટ” કહે છે અહીંયા તે જ મુરાદ છે, એક રિવાયતમાં عقائص નો શબ્દ આવ્યો છે, તેનો અર્થ પણ લટ થાય છે, પરંતુ થોડી વાંકી હોય તો તેને عقیصة કહે છે. આગળ એક રિવાયતમાં ضفائر નો શબ્દ પણ આવશે એટલે તે વાળ જેને એક બીજામાં દાખલ કરીને વીંટાળી દેવામાં આવ્યા હોય, તેને “ચોટલી” પણ કહે છે. કારણ કે આપ (સલ.) ના વાળ મુબારક લાંબા હતા, એટલા માટે શક્ય છે કે સફરમાં વાળોની હિફાઝત માટે વીંટાળી દીધા હોય. એવી રીતે સફરમાં મજબુરીને કારણે વીંટવાની ગુંજાઈશ છે, અલબત્ત તેને વીંટવાનો તરીકો ઓરતો જેવો ન હોવો જોઈએ.

હદીસ નંબર (૨૮) : 

હઝરત અનસ (રદિ.) ફરમાવે છે કે રસૂલુલ્લાહ (સલ.) ના વાળ અડધા કાનો સુધી હતા.

હદીસ નંબર (ર૯): 

હઝરત ઈબ્ને અબ્બાસ (રદિ.) ફરમાવે છે કે રસૂલુલ્લાહ (સલ.) (પહેલા) વાળોને (સેંથા વગર) એમ જ છોડી દેતા હતા, જયારે મુશરીકો પોતાના માથામાં સેંથો પાડતા હતા અને એહલે કિતાબ-યહુદી, નસારા (સેંથા વગર) એમ જ છોડી દેતા હતા અને જે કામો વિશે કોઈ હુકમ ઉતર્યો ન હોય તેમાં (શરૂઆતના દિવસોમાં) એહલે કિતાબનું સમર્થન પસંદ કરતા હતા. પછી (એહલે કિતાબનો વિરોધ કરતા) રસૂલુલ્લાહ (સલ.) સેંથો પાડવા લાગ્યા.

ફાયદો: كان يسدُلُ شَعُرَهُ માથાના વાળોમાં બે રીતે કાંસકો કરી શકાય છેઃ એક સુરત એ છે કે પેશાની-કપાળથી સીધા પાછળની તરફ લઈ જાય, તેને ડાબી જમણી સેંથો પાડીને બે ભાગમાં વહેંચવામાં ન આવે, તેને سدل કહે છે. બીજી સુરત એ છે કે સેંથો પાડીને માથાના વાળોને બે ભાગમાં વહેંચી દેવામાં આવે, તેને અરબીમાં فرق કહે છે. મક્કાના મુશરીકો સેંથો પાડતા હતા અને એહલે કિતાબ વાળોને સેંથો પાડયા વગર સીધા પાછળ છોડી દેતા હતા.

શરૂઆતમાં આપ (સલ.) ની આદતે શરીફા એ હતી કે જે કામોમાં આપને કોઈ સ્પષ્ટ હુકમ ન આપ્યો હોય, તેમાં એહલે કિતાબનું સમર્થન કરતા હતા, જેથી તેમને ઈસ્લામની તરફ આકર્ષી શકાય, પરંતુ એહલે કિતાબ દલીલો અને નિશાનીઓ સ્પષ્ટ હોવા છતાં પણ આપ પર ઈમાન ન લાવ્યા તો તેમની જીદને કારણે દીની કામોમાં તેમના વિરોધનો હુકમ આવી ગયો, અહીં સુધી કે ઈબાદતમાં પણ તેમની વિરુદ્ધનો એહતિમામ કરવામાં આવ્યો. વાળ વિશે પણ આ જ થયું, શરૂઆતમાં એહલે કિતાબના સમર્થનમાં સેંથો પાડયા વગર વાળોને સીધા રાખતા હતા, બાદમાં આપે પોતાના માથામાં સેંથો પાડવાનું શરૂ કરી દીધું અને આ જ આપ (સલ.) નો આખરી જમાના સુધી અમલ રહ્યો. એટલા માટે વાળોમાં સેંથો પાડવો જમ્હૂર ઉલમાએ કિરામના મતે મુસ્તહબ છે. સેંથો પાડયા વગર વાળોને રાખવાથી અમુક લોકોએ મનાઈ કરી છે પરંતુ મોટા ભાગનો મત એ છે કે સેંથો પાડયા વગર પણ સીધા વાળ રાખી શકાય છે, અલબત્ત સેંથો પાડવો બહેતર છે. સહાબા (રદિ.) માં બંને પ્રકારના ઉદાહરણો જોવા મળે છે.

હદીસ નંબર (૩૦): 

હઝરત ઉમ્મે હાની (રદિ.) ફરમાવે છે કે મેં રસૂલુલ્લાહ (સલ.) ને ચાર લટવાળા જોયા. 

ફાયદો : તેની તફસીલ પહેલા આવી ગઈ છે.

રસૂલુલ્લાહ (સલ.) નું તેલ અને કાંસકી કરવાનું બયાન

ફાયદોઃ વાળોમાં તેલ નાંખીને કાંસકી કરવાને ترجُّل કહેવામાં આવે છે. અહીંયા આ શિર્ષક લાવીને તેને મુસ્તહબ હોવાનું બતાવી રહ્યા છે, શરીઅતનો હુકમ છે કે વ્યકિત જો વાળ રાખે તો તેની સફાઈનો ખ્યાલ રાખે, અમુક લોકો વાળ રાખે છે, પરંતુ તેલ નાંખતા નથી અને ન તો કાંસકી કરે છે. વેરવિખેર- છુટા વાળોમાં રહે છે, તેને શરીઅત પસંદ કરતી નથી, જો વાળ રાખવા છે તો તેનો હક પણ અદા કરવો જોઈએ, જાતે હઝરત નબીએ કરીમ (સલ.) એ આ રીતે કર્યું છે અને તેની તરગીબ પણ આપી છે.

હદીસ નંબર (૩૧): 

હઝરત આયશા (રદિ.) ફરમાવે છે કે હું હૈઝની હાલતમાં (પણ) રસૂલુલ્લાહ (સલ.)ના મુબારક માથામાં તેલ-કાંસકી કરતી હતી.

ફાયદો : હૈઝની હાલતમાં પત્નીથી ખિદમત લેવી.

وأنا حائض: તેનાથી આ મસ્અલો સાબિત થાય છે કે પોતાની પત્નીથી હૈઝની હાલતમાં આ રીતે ખિદમત લેવામાં કોઈ વાંધો નથી. ઈસ્લામના આગમન પહેલા આ બાબતે અતિરેક હતો, યહુદીઓ હૈઝની હાલતમાં ઓરતોને બિલ્કુલ અલગ રૂમમાં બેસાડી દેતા હતા, અને કોઈ પણ પ્રકારની ખિદમત લેવાનું પસંદ કરતા ન હતા, જયારે કે અમુક કોમો એવી હતી જે હૈઝની હાલતમાં સંભોગને પણ જાઈઝ સમજતી હતી, ઈસ્લામે મધ્યમ માર્ગ અપનાવ્યો કે હૈઝની હાલતમાં તો સંભોગ ન કરવામાં આવે, પરંતુ ખાવા રાંધવું, તેલ નાંખવું વગેરે ખિદમત લઈ શકાય છે, અહીંયા હઝરત આયશા (રદિ.) એ તેલ નાંખવું અને કાંસકી કરવાનું વર્ણન કર્યુ છે, એટલે આ હદીસ લાવ્યા છે.

હદીસ નંબર (૩૨): 

હઝરત અનસ (રદિ.) ફરમાવે છે કે રસૂલુલ્લાહ (સલ.) માથામાં વધુ પ્રમાણમાં તેલ લગાવતા અને દાઢીમાં વધુ પ્રમાણમાં કાંસકી કરતા અને પોતાના માથા પર મોટા ભાગે એક કપડું બાંધી રાખતા હતા, જે (વધુ તેલ લગાવવાથી) તેલીનું કપડું જેવું લાગતું.

ફાયદો: હુઝૂર (સલ.) ની એક ખુસૂસીયત

قناع : એ કપડાને કહે છે જે તેલ લગાવ્યા પછી માથા પર એટલા માટે રાખવામાં આવે છે જેથી તેલને કારણે ટોપી અને અમામહ ચીકણો ન થાય, આપ (સલ.)ને વધારે તેલ લગાવવું પસંદ હતું, એટલે પછી જો આમ જ અમામહ પહેરવામાં આવે તો ચીકણો થઈ જાય, માટે અમામહ અને ટોપીને ચીકાશથી બચાવવા માટે કપડું માથા પર મુકીને અમામહ બાંધતા અને ટોપી પહેરતા હતા.

ثوب زيات :ચિકણાહતનું પ્રમાણ વધુ બતાવવા માટે આ વાક્ય વાપરવામાં આવ્યું છે, એટલે જેમકે તૈલીના કપડા ચીકણા હોય છે, એવી રીતે આ પણ ચીકણું થઈ જતું હતું, પરંતુ રિવાયતોમાં આવે છે કે કપડું ચીકણું હોવા છતાં કયારેય મેલું દેખાતુ ન હતું, ન આપ (સલ.) ના કપડામાં કયારેય જુ પડતી હતી અને ન આપ (સલ.) ના શરીર મુબારક પર કયારેય માખી બેસતી હતી, આ આપ(સલ.) ની ખુસૂસીયત હતી.

હદીસ નંબર (૩૩): 

હઝરત આયશા (રદિ.) બયાન કરે છે કે રસૂલુલ્લાહ (સલ.) સફાઈના મોકા પર પાકીમાં, તેલ-કાંસકી કરતી વખતે તેલ-કાંસકી કરવામાં અને બુટ-ચપ્પલ પહેરતી વખતે, જમણી તરફથી શરૂઆત કરતા હતા.

ફાયદો : જમણી તરફથી શરૂઆત કરવી હુઝૂર (સલ.) ને પસંદ હતું.

فی طهوره : હઝરત નબીએ કરીમ (સલ.) સફાઈમાં જમણી તરફથી શરૂ કરવાને પસંદ કરતા હતા, સફાઈથી મુરાદ વુઝૂ અને ગુસલ બંને છે. જે અંગ બે-બે છે, વુઝૂ કરતી વખતે તેમાં પહેલા જમણી તરફથી ધોતા પછી ડાબી અને ગુસલમાં પહેલા જમણા ભાગ પર પાણી નાંખતા ત્યાર બાદ ડાબા ભાગ પર.

બરકતવાળી વસ્તુનો નિયમ

શુર્રાહે નિયમ લખ્યો છે કે દરેક તે કામ જેનો સંબંધ શણગાર- શરીરની શોભાથી હોય અને તે કરવું માનવીની ઈજ્જતનું કારણ બને એવા કામો જમણી તરફથી કરવાને પસંદ કર્યા છે, દા.ત. કપડા પહેરવા, કુર્તામાં પહેલા જમણો હાથ જમણી બાંયમાં, પછી ડાબો હાથ ડાબી બાંયમાં નાંખવામાં આવે, એવી રીતે પાયજામો પહેરતી વખતે અને કપડા કાઢતી વખતે તેની વિરુદ્ધ કરવામાં આવશે. મસ્જિદમાં દાખલ થવું ઈબાદત, સવાબ અને નેકીનું કામ છે એટલે દાખલ થતા પહેલા જમણો પગ અને નીકળતી વખતે પહેલા ડાબો પગ, ટોઈલેટમાં જવું કોઈ સારું કામ નથી, જરૂરતને કારણે માણસ જાય છે એટલે ત્યાં દાખલ થતી વખતે ડાબો પગ અને નીકળતી વખતે જમણો પગ પ્રથમ કાઢવો. ટુંકમાં ઉસૂલ એ થયો કે જે કામ માનવી માટે શોભા અને શણગારનું હોય તેમાં જમણી તરફથી શરૂઆત કરવામાં આવે અને જે કામ એવું ન હોય તેમાં ડાબી તરફથી.

હદીસ નંબર (૩૪): 

હઝરત અબ્દુલ્લાહ બિન મુગફફલ (રદિ.) ફરમાવે છે કે રસૂલુલ્લાહ (સલ.) એ (દરરોજ) કાંસકી કરવાની મનાઈ ફરમાવી છે, પરંતુ ક્યારેક ક્યારેક પરવાનગી આપી.

ફાયદો: غبا એટલે કયારેક કયારેક. હઝરત કાઝી અયાઝ માલિકી (રહ.) એ તેનાથી ત્રીજો દિવસ મુરાદ લીધો છે, એટલે બે દિવસ છોડીને ત્રીજા દિવસે કાંસકી કરવામાં આવે. મોટાભાગના લોકો તેનું સમર્થન કરે છે કે એક દિવસ છોડીને કાંસકી કરવામાં આવે. દરરોજ કાંસકી કરવી અને તેલ નાંખવું શણગારની નિશાની છે અને શણગારમાં પોતાને મશ્ગૂલ કરવા પુરુષોનું કામ નથી એટલે તેલ નાંખવું અને કાંસકી કરવામાં બહેતર એ છે કે એક દિવસ છોડીને કરવામાં આવે. અબૂદાવૂદ શરીફની એક રિવાયતમાં દરરોજ કાંસકી કરવાની મનાઈ ફરમાવી છે. હાં, જો જરૂરત પેશ આવી જાય, દા.ત. તેલ નાંખ્યા પછી ગુસલ કર્યું અથવા વાળોમાં ધૂળ લાગી ગઈ, વાળ ગંદા થઈ ગયા તો હવે બીજી વખત તેલ નાંખી કાંસકી કરી શકાય છે, જરૂરત વગર દરરોજ કાંસકી કરવાને અપ્રિય ગણ્યું છે.

હદીસ નંબર (૩૫): 

હઝરત હુમૈદ બિન અબ્દુર્રહમાન (રહ.) એક સહાબીથી નકલ કરે છે કે રસૂલુલ્લાહ (સલ.) કયારેક કાંસકી કરતા હતા.

કાંસકી એક દિવસ છોડીને કરવી સુન્નત છે.

عن رجل શુર્રાહે હદીસમાં સહાબી (રદિ.)ના નામમાં મતભેદ છે, ત્રણ સહાબા (રદિ.) ના નામો રજૂ કરવામાં આવ્યા છે. (૧) હઝરત હકમ બિન અમ્ર, (૨) હઝરત અબ્દુલ્લાહ બિન સરજિસ, (૩) હઝરત અબ્દુલ્લાહ ઈબ્ને મુગફફલ (રદિ.).

كان يترجل غبا : હુઝૂર (સલ.)એ દરરોજ કાંસકી કરવાની મનાઈ ફરમાવી છે, જેમકે ઉપરવાળી રિવાયતથી માલૂમ પડયું, આ રિવાયતથી આપનો પોતાનો મામૂલ પણ માલૂમ થઈ ગયો કે આપ એક દિવસ છોડીને કાંસકી કરતા હતા, ઈબ્ને અરબી (રહ.) ફરમાવે છે કે : દરરોજ કાંસકી કરવી દેખાવો અને બનાવટ છે, બિલ્કુલ ન કરવી ગંદકી છે અને એક દિવસ છોડીને કરવી સુન્નત છે.


શરઈ માર્ગદર્શન -ફતાવા વિભાગ

મવલાના મુફતી અસ્જદ દેવલ્વી સાહેબ

તસ્દીક કર્તા: મવલાના મુફતી અહમદ દેવલા 

(સદર મુફતી જામિઅહ જંબુસર)

બાપની હયાતીમાં અવલાદ દરમિયાન મિલ્કતની વહેંચણી

સવાલ : અસ્સલામુ અલયકુમ વ.વ.

મોહતરમ કાબિલે એહતેરામ મૌલાના મુફતી સાહબ

આપ સાહેબની ખિદમતમાં જણાવવાનું કે હું નિવૃત્ત સરકારી કર્મચારી છું. મારા એહલિયા મોહતરમા અલ્લાહની રહમતમાં પહોંચી ચુકયા છે. મારી અવલાદમાં બે દિકરીઓ અને એક દિકરો છે. બન્ને દિકરીઓ શાદીશુદા છે અને દિકરો અભ્યાસ કરી રહયો છે. એક બાપ તરીકે હું વિરાસતને લગતા બે પ્રશ્નો આપ સાહેબની ખિદમતમાં રજુ કરૂ છું, જેનો શરીયતની રોશનીમાં જવાબ આપવા નમ્ર ગુજારિશ છે.

(૧) વારસા વહેંચણીનો યોગ્ય અથવા અફજલ સમય કયો ? બાપના મોત પહેલાં એટલે કે બાપની હાજરીમાં અથવા બાપના મોત પછી ?

(૨) જો બાપ પોતે પોતાની હયાતીમાં વારસા વહેંચણી કરવા ઈચ્છે તો બે દિકરી અને એક દિકરા માટે ભાગ વહેંચણી કેવી રીતે કરવી ?

(૩) બાપના મોત પછીની વિરાસતમાં બે દિકરી અને એક દિકરા વચ્ચે વારસા વહેંચણી માટે કોના કેટલા ભાગ બનાવવા ?

આપ હઝરતથી નમ્ર ગુજારિશ છે કે શરીયતની રોશનીમાં મારા સવાલોના લેખિતમાં જવાબ આપવા મહેરબાની કરશો. અલ્લાહ પાક આપની ખિદમતોનો બન્ને જહાંમાં બેહતરીન બદલો આપે. આમીન.

જવાબઃ حامدا ومصليا ومسلما 

(૧) ઈસ્લામી નિયમ મુજબ વારસાવહેંચણીનો હુકમ માણસની વફાત પછી, તેના વારસારૂપી માલમાં લાગુ થાય છે, માટે માણસની વફાત થયે તેના વારસારૂપી માલની વારસા વહેંચણી જે તે શરઈ વારસદારોમાં શરીઅતના નિયમ મુજબ વિના વિલંબે કરવું આવશ્યક છે.

(૨)–(૩) બાપે પોતાની હયાતીમાં અવલાદ દરમિયાન પોતાની માલ – મિલકતની વહેંચણી કરવી, માલિક બનાવવું બક્ષિસના હુકમમાં છે અને અવલાદને બક્ષિસ આપવા બાબત શરીઅતનો કાનૂન અવલાદ દરમિયાન બક્ષિસમાં સમાનતા રાખવાનો અને સરખા ભાગે આપવાનો છે, પછી તે છોકરો હોય કે છોકરી દરેકને સમાન ધોરણે બક્ષિસ કરવામાં આવે; માટે જો આપનો આશય આ રીતે આપવાથી તેઓ સાથે સુલૂક કરવાનો હોય, તો દરેકને સરખે ભાગે આપવામાં આવે, જેટલું દિકરાને આપવામાં આવે, તેટલું જ દિકરીને આપવામાં આવે, વિના શરઈ કારણે સુલૂક અને બક્ષિસમાં વધ ઘટ કરવું મકરૂહ છે. રજૂ કરવામાં આવેલ સૂરતમાં આપની બે દિકરીઓ અને એક દિકરો હોય, કુલ ત્રણ ભાગો કરવામાં આવે અને ત્રણેવના દરમિયાન એક-એક ભાગની વહેંચણી કરી દેવામાં આવે.

અને જો આપનો મકસદ અવલાદના દરમિયાન માલ-મિલકતની હાલની વહેંચણીનો એવો હોય કે આપની વફાત બાદ દરેકને તેનો શરઈ હક પ્રાપ્ત રહે અને પરસ્પર ઝઘડો ન થાય, તો આવી હાલતમાં શરીઅતના વારસા વહેંચણીના નિયમ મુજબ માલ-મિલકતની વહેંચણીની ગુંજાઈશ છે અને આપે લખેલ સ્થિતિ મુજબ કુલ ચાર ભાગો કરવામાં આવશે અને એક માત્રના દિકરાને બે ભાગો અને બે દિકરીઓમાંથી દરેકને એક-એક ભાગ આપવામાં આવે. અલબત્ત આનાથી ઉત્તમ સૂરત એ છે કે વારસા વહેંચણીના નિયમ મુજબ કાયદેસરનું વિલનામું કરાવી લેવામાં આવે, જેમાં ઉલ્લેખ હોય કે મારી મિલકતના ચાર ભાગો કરી, દિકરાને બે ભાગો અને બે દિકરીઓમાંથી દરેકને એક-એક ભાગ આપવામાં આવે, સદર વિલનામામાં દરેકના ભાગની મિલકતો પણ નક્કી કરી શકાય છે, આ રીત અપનાવવાથી ઝઘડો ઉભો થવાનો ભય પણ નહીં રહે અને આપ મરણ સુધી મિલકતના માલિક ગણાશો અને આપ તેને પોતાની જરૂરતોમાં ઉપયોગ કરવાનો ખુલ્લા મને અધિકાર રાખશો. (તકમિલએ ફત્હલ મુલહિમઃ ૨/૭૫, ફતાવા કાસમિય્યહઃ૨૫/૧૫૭ ઉપરથી)

યાદ રહે કે બક્ષિસ કરવાની સૂરતમાં પણ બેહતર એ જ છે કે સર્વ મિલકતની બક્ષિસ ન કરવામાં આવે, બલકે પોતાની આંશિક જરૂરતો મુજબ પોતાની માલિકીમાં અમુક માલ-મિલકત બાકી રહેવા દેવામાં આવે.

ફકત અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.તા. ૧૨/જુમાદલ આખર/૧૪૩૯ હિજરી


બોધકથા

ગામના એક નાના ખેડૂત પાસે એક ઘોડો હતો. રોજ સવાર થઈ ખેતરે જાય અને સાંજે પાછો આવે. ખેડૂતની આદત હતી કે જતાં આવતાં કોઈ પગપાળા ચાલતો હોય તો સાથે બેસાડી લે. કોઈનો બોજ કે ઘાસનો ભારો ઘોડા ઉપર મુકી લે. આમ એક દિવસ પણ એવો નહીં હોય કે ઘોડા વડે એણે કોઈની મદદ ન કરી હોય. એક દિવસ રસ્તે ચાલતો એક માણસ જોયો તો એણે ઘોડા ઉપર બેસાડી લીધો. અલબત્ત થોડે દૂર ગયા પછી એને લાગ્યું કે મારી પીઠમાં કંઈ ખુંચી રહયું છે, અને એ કંઈ સમજે એ પહેલાં તો પાછળના સવારે ધમકી ભર્યા અવાજે કહયું કે ઘોડા પરથી ઉતર અને ચાલતી પકડ, નહીંતર આ ચાકુ વડે તારું કામ તમામ કરી દઈશ.

બિચારો ખેડૂત ચુપચાપ ઉતરીને ઘરે ચાલ્યો ગયો. હવે એ ઘણો નિરાશ હતો, ખેતરે આવવા જવાની સવારી તો છીનવાઈ જ હતી, ઉપરાંત એને આ વાતનો પણ ખેદ હતો કે હું લોકો સાથે આટલી બધી ભલામનસાઈ સાથે વર્તતો હતો છતાં મારી સાથે આવું થયું ! આમ નિરાશામાં જ બે ત્રણ દિવસ થયા અને એક સવારે એણે જોયું કે ઘોડો એના ઘરના દરવાજે બંધાયેલો છે, અને એક ચિઠ્ઠી પડેલી છે, ખેડૂતે એ વાંચી તો એમાં લખ્યું હતું કે તમારો ઘોડો તમને પરત કરું છું. હું આ ઘોડો લઈને ફરવા નીકળ્યો તો દરેક માણસ મને કહેવા લાગ્યો તો આ ફલાણા ખેડુતનો ઘોડો છે, તારી પાસે કેવી રીતે ? એટલા બધા લોકોએ મને આવું કહયું કે મને એમ લાગ્યું કે આસપાસના બધા લોકો આ ઘોડાને ઓળખે છે અને હું મારી ચોરીને સંતાડી નહીં શકું, એટલે તમારો ઘોડો પરત કરું છું.

પોતાનો ઘોડો પણ પાછો મળવા ઉપરાંત પોતાની ભલાઈનું ફળ પણ મળ્યું, એ વિચારીને ખેડૂત ઘણો ખુશ થયો.

વાર્તાનો સાર આ છે કે પોતાની વસ્તુઓ થકી લોકોની મદદ કરતા રહેવું જોઈએ. ત્યાં સુધી કે લોકો એ વસ્તુમાં પોતાનો ફાયદો જોવા માંડે. આમ પોતાની વસ્તુનો લાભ સાર્વજનિક થઈ જાય તો માણસને એને સાચવવાની કે સંતાડવાની જરૂરત નહીં પડે. અને જો કોઈની પાસે સામાજિક કે સામુહિક માલિકીની વસ્તુનો વહીવટ હોય તો એવા માણસે તો વિશેષ કરીને એ વસ્તુનો ઉપયોગ લોકોની સહાય માટે જ કરવો જોઈએ. અને જો આમ થશે તો લોકો પણ એને પોતીકી મિલ્કત ગણીને સાચવશે.