તંત્રી સ્થાનેથી..
મવ. અ. રશીદ નદવી સાહેબ રહ.ની વફાત
અલ્લાહ તઆલાએ કુર્આને કરીમમાં દુનિયા અને તેમાં મોજૂદ મખ્લૂક વિશે એક કાનૂન અને નીતિ નિયમ બયાન ફરમાવ્યો છે :
كل من عليها فان ويبقى وجه ربك ذو الجلال و الاكرام
જમીનની દરેક વસ્તુ ફના થનાર છે, અને માત્ર આપના પરવરદિગારની હસ્તી જ બાકી રહેશે, જે અઝમતવાળી અને બખ્શિશવાળી છે.
આપણે જોઈએ છીએ કે દરેક મીનીટ અને દરેક ઘડીમાં દુનિયામાં કોઈને કોઈ વસ્તુ–વ્યક્તિ ફના અને ખતમ થાય છે, અલ્લાહ તઆલાએ દરેક વ્યકિતના દુનિયામાં આવતા પહેલાં જ તેની વફાત અને તેનો દુનિયા છોડી જવાનો સમય નક્કી કરી રાખેલ છે, જેનાથી એક સેકન્ડ પણ વહેલું–મોડું થતું નથી, તેમ છતાં ઘણાં લોકો વિશે એમ લાગે છે નકકી કરેલ સમય જલ્દી પુરો કરી જતાં રહ્યાં, તેમના જવાથી દિલ ગમગીન થઈ જાય છે, અને તેમના જવાનો અફસોસ લાંબા સમય સુધી બાકી રહે છે, તેમજ એમ પણ જોવા મળે છે કે ઓછો સમય દુનિયામાં ગુજારી જનાર વ્યક્તિ ઓછા સમયગાળામાં એટલા બધા કામો સુંદરતાથી કરી જાય છે જે ઘણાં લાબો સમય ગુજારનારાઓ પણ કરી શકતા નથી, ઘણાં બધા મુહદ્દિસ, ફુકહાઅ, ઉલમાઅ અને અહલુલ્લાહ છે જેમને અલ્લાહ તઆલા તરફથી નિયુક્ત સમય ઓછો આપવામાં આવ્યો, પરતું ઓછા સમયમાં તેવા કાર્યો કરી ગયા જે તેમનાથી વધારે સમય પામવાવાળા પણ કરી શકતા નથી, આ અલ્લાહ તઆલાનો ફજલ અને ઈન્આમ છે,જેને ચાહે તેને અતા ફરમાવે છે, તેવાજ મહાન અને ગૌવરવંત વ્યક્તિઓમાંથી એક જામિઅહના ખંતી અને મકબૂલ ઉસ્તાઝે હદીસ, કોમના હમદર્દ અને ચિંતક મવલાના અ.રશીદ સાહબ ગોરધન ખાનપુરી નદવી (રહ.)નો પણ સમાવેશ થાય છે.
૨૭/સપ્ટેમ્બર/૨૦૨૨ના આપની વફાતની આઘાત જનક ખબર મને મકકા મુકર્રમામાં સફર દરિમયાન ત્યાંના સમય મુજબ સવારે મળી, વફાતના સમાચાર પ્રાપ્ત થતાં સ્તબ્ધ થઈ ગયો અને દુઃખમાં સપડાય ગયો.ઈન્ના લિલ્લહી વ ઈન્ના ઈલયહી રાજીઉન...
મરહૂમ મવલાના નો રિશ્તો જામિઅહ અને મુજ નાચિઝ સાથે સત્તાવીસ વર્ષથી મુહબ્બત અને અકીદતોથી બંધાયેલો હતો, મરહૂમ મવલાના માટે જે કંઈ તે પાક ધરતી પર થઈ શકતુ હતું, અલ્લાહ તઆલાની તૌફીકથી કર્યું, અલ્લાહ તઆલા કબૂલ ફરમાવે.
આપ રહ.એક પ્રખર આલિમે દીન, ઈસ્લામી ઈતિહાસકાર, ઉડા અભ્યાસુ, કામ્યાબ ઉસ્તાઝ, ઉમ્દા વકતા, કોમો મિલ્લતના હમદર્દ, સામાજના ખૈરખ્વાહ,ઉમ્મતના ફિકરમંદ અને વિવિધ ખુબીઓથી સરશાર એક સજજન વ્યકતિત્વ હતા.
મવલાના મરહૂમે મદરસા આણંદથી ફઝીલતની સનદ હાસિલ કરી, ત્યાર બાદ અરબીક સાહિત્યની તાલીમ પ્રાપ્ત કરવા હિન્દુસ્તાનના વિખ્યાત મદરસા "નદવતુલ ઉલમા, લખનઉ" ગયા, અને લાંબો સમય ત્યાં રહી તાલીમ પ્રાપ્ત કરી, ત્યાર બાદ નરોલી, લુણાવાડા વિગેરે જગ્યાઓએ તદરીસી ખિદમાત બજાવી, ત્યાર બાદ કુવૈતનો સફર કર્યો અને ત્યાંથી અમુક વર્ષો બાદ પરત ફર્યા પછી મવલાના ઈકબાલ સાહબ ખાનપૂરી દ્વારા જામિઅહ થકી ઈલ્મી અને તદરીસી ખિદમત માટે મારો સંપર્ક કર્યો, નાચિઝે જામિઅહમાં મુદર્રિસ તરીકે નિમણુંક કરી, અને તદરીસી જવાબદારી સુપ્રત કરી, જેને મરહૂમ મવલાનાએ હયાતની છેલ્લી સુધી જવાબદારી પુર્વક નિભાવી.
મવલાના રહ.એ આશરે ૨૭ વર્ષોની લાંબી મુદ્દત પઢાવવાની ખિદમત આપી, જામિઅહમાં હદીસની કિતાબો જેમ કે તિરમિઝી શરીફ, શમાઈલે તિરમિઝી, મિશ્કાત શરીફ, તફસીરમાં જલાલૈન શરીફ, તરજમએ કલામે પાક, ફિકહમાં હિદાયા અને ઉસૂલે ફિકહમાં નુરૂલ અન્વાર, વારસા વહેંચણીના શરઈ કાયદા કાનૂનની કિતાબ સીરાજી તેમજ ઉચ્ચ પ્રકારનું અરબી શીખવાડવા માટે પઢાવવામાં આવતી અદબ અને બલાગતની કિતાબો પઢાવી, અને ધગશ અને ખંતથી પઢાવી, તદરીસી ઝિમ્મેદારી અદા કરવાની સાથે એકસ્ટ્રા ટાઈમમાં પોતાની શકિત મુજબ તલબાએ કિરામને મજમૂન લખવાની રીત, બયાન-તકરીર કરવાની રીત વિગેરે શીખવાડતા, અને તલબાને કામના બનાવવા માટે વિવિધ રીતે તલબા પાછળ મહેનત કરતા.
જામિઅહમાં નિયુકત સમયે આપના જિમ્મે પઢાવવા સાથે કુતુબખાનાની જવાબદારી પણ હતી, કુતુબખાનું ઉચ્ચ રીતે સુસજજ થાય, તે માટે ન માત્ર ખુબ ચિંતિત રહેતા હતા બલ્કે તે માટે પ્રયત્નશીલ રહેતા, આથી જ જામિઅહે તેઓની ફિકરની કદર કરી સ્વંય મવલાના મરહૂમને કુતુબખાના માટે જરૂરી કિતાબો ખરીદવા માટે વિદેશનો સફર કરાવ્યો, આપે દરેક વિષય બાબત આધારસ્તંભ શુમાર થતી જરૂરી કિતાબો કુતુબખાનાઓમાં ફરી-ફરી શોધ-ખોળ કરી, જમા કરી કુતુબખાનાની ઝીનત બનાવી, નિઃશંક તે કિતાબે જામિઅહના કુતુબખાના માટે એક કિંમતી સોગાત છે અને તે કિતાબોથી આજે પણ અસાતિઝહ અને તલબા ફાયદો ઉઠાવે છે અને મવલાના માટે આખિરતનું ભાથું સ્થાપિત થશે.ઈન્શા અલ્લાહ.
અલ્લાહ તઆલાએ આપને ઘણી બધી સલાહિયતોથી નવાજયા હતા, તેમાંની એક ખાસ વિશેષતા તકરીર-બયાનની છે, આપ રહ. ઘણાં જ સારા અંદાજમાં ઓછા શબ્દોમાં વખતની જરૂરત પ્રમાણે લાભદાયક બયાન કરી ઉમ્મતની રાહનુમાઈ ફરમાવતાં હતા, જામિઅહમાં થનાર વિવિધ પ્રોગામો અને ખાસ કરી સાલાના જલ્સામાં એનાઉન્સરની બે-મિસાલ ખિદમત બજાવતા હતા, દેશ –દુનિયાથી જામિઅહમાં આવનાર બુઝુર્ગોની દિલચસ્પ અંદાજમાં ઓળખ કરાવી લોકોનું ધ્યાન તે તરફ દોરતા હતા, સાથે જામિઅહનો તઆરૂફ અને તેની ખિદમતો વર્ણન કરી જામિઅહની તરજુમાનીનું અહમ કાર્ય પોતાની આગવી શૈલીમાં બજાવતા, જે ખુસૂસી અને ઉમૂમી મહેમાનોના દિલોમાં જામિઅહની મહવત્તા અને તેના મકામને ઉત્પન્ન કરનાર સાબિત થતી.
મવલાના રહ.એ સાહિત્યિક ક્ષેત્રે ઈલ્મી સેવાઓ પણ બજાવી, મવલાના અરબી, ઉર્દૂ અને ગુજરાતી ભાષા બોલવા અને લખવામાં માહેર અને જાણકાર હતા, આપે ઉર્દુ ભાષામાં મકાલા, લેખો લખ્યા, તેમજ ગુજરાતી ભાષામાં પણ પુસ્તક અને નાની પુસ્તીકાઓ લખી, આપનું લખેલ એક પ્રસિદ્ધ પુસ્તક "ઈસ્લામ અને નારી સન્માન" છે, જેમાં આપે ઈસ્લામમાં સ્ત્રીનુ શું સ્થાન છે, તેની ચોખવટ કરવા સાથે ઈસ્લામ વિશે લોકોમાં જે અસમજણો છે, તે દૂર કરવાનો ઘણો જ સુંદર પ્રયત્ન કર્યો છે, જેની ચારથી વધુ આવૃતી જામિઅહના પ્રકાશન વિભાગથી પ્રગટ થઈ છે, તેમજ શરૂમાં અલ બલાગમાં પણ સંજોગોને અનુસાર રસભર લેખો લખતા હતા, તેમજ જામિઅહ તરફથી આપને અરબી, ઉર્દુ અથવા ગુજરાતીમાં કંઈક લખવાની જિમ્મેદારી સોંપવામાં આવતી તો આપ ઘણી જ મહેનતથી કાર્ય કરતા અને ખૂશીથી લખતા.
તેઓની ખુસૂસિય્યત હતી કે તેઓ મદરસાના નિઝામ અને હિદાયતોનું પાલન કરતા, ઘણી વેળાએ મદરસા તરફથી લાગુ થનાર નવી નિતી વિશે મુલાકાત કરીને તેની સરાહના કરતા, પઢાવવા વિશે જે કિતાબો અને પિરયડ ફાળવવામાં આવતા તે ઉપર રાજી રહેતા, પોતાના તરફથી આ પ્રત્યે માંગણી તો દૂરની વાત, મારી સમક્ષ ઇચ્છા પણ વ્યકત ન કરતા, લેખનકાર્ય સિવાય અન્ય કોઈ નાનું-મોટું કાર્ય પરિક્ષા વિગેરેની ખિદમત સોંપવામાં આવતી, તેને પણ શોખથી અદા કરતા.
મરહૂમ મવલાના એક તરફ જયાં જામિઅહ થકી ઇલ્મી ખિદમત આપતા હતા, ત્યાં જ જામિઅહ થકી મળેલ દીની-મિલ્લી સેવાના વિશાળ પ્લેટફોર્મથી ફાયદો ઉઠાવી, પોતાની ખિદમતનો સિલસિલો જામિઅહ સુધી સિમિત ન રાખી, કોમો – મિલ્લત અને સમાજની ઉત્થાન માટે પણ પોતાની સેવાઓ પેશ કરી, વિશેષ રીતે પોતાના ગામ ખાનપૂરની દરેક ક્ષેત્રે તરકકી માટે પણ મહેનત કરતા અને આ પ્લેટફોર્મથી જે કંઈ મવલાના મરહૂમએ ખિદમતો પેશ કરી છે, તે વિશેની ઘણી વાતો અલ-બલાગમાં શામેલ છે, તેમજ શોસિયલ મિડિયા પર મવલાના સંબંધે લખવામાં આવેલ લેખો અને મવલાનાના શાગીર્દોએ રજૂ કરેલ ટુંકા-લાંબા ઉર્દુ-અરબી નિબંધોથી પણ અંદાજ મળી શકે છે, આ બધુ ઈન્શાઅલ્લાહ મવલાના માટે સદકએ જારિયહ સાબિત થશે, અને ત્યાંની રાહતો સાથે દરજાતની તરકકીનો સબબ બનશે.
મવલાનાની ઈલ્મી, દીની, કૌમી, મિલ્લી, સામાજિક સેવાઓ અને ખિદમતો જામિઅહ અને મુસ્લિમ સમાજને વિવિધ ક્ષેત્રે મળેલ છે, તે ઉપર હું પોતે અને જામિઅહ પરિવાર તેઓનો ઋણી છે, તેઓની સેવાઓ ભૂલી ન શકાય, અલ્લાહ તઆલા તમામ ખિદમતોને કુબૂલ ફરમાવે, દરજાત બુલંદ ફરમાવે, મવલાનાની મગફિરત ફરમાવે અને તેમના પરિવારને તે તમામ બરકતોથી માલમાલ ફરમાવે જે આ૫ની હયાતમાં પ્રાપ્ત હતી. આમીન.
જવાબદારીઓની અમાનત પૂર્વક બજવણી અને ખુદા - રસૂલની ફરમાંબરદારી
- મુફતી ફરીદ અહમદ કાવી
بِسْمِ اللهِ الرَّحْمَنِ الرَّحِيمِ
اِنَّ اللّٰهَ یَاْمُرُكُمْ اَنْ تُؤَدُّوا الْاَمٰنٰتِ اِلٰۤى اَهْلِهَاۙ-وَ اِذَا حَكَمْتُمْ بَیْنَ النَّاسِ اَنْ تَحْكُمُوْا بِالْعَدْلِؕ-اِنَّ اللّٰهَ نِعِمَّا یَعِظُكُمْ بِهٖؕ-اِنَّ اللّٰهَ كَانَ سَمِیْعًۢا بَصِیْرًا(58)یٰۤاَیُّهَا الَّذِیْنَ اٰمَنُوْۤا اَطِیْعُوا اللّٰهَ وَ اَطِیْعُوا الرَّسُوْلَ وَ اُولِی الْاَمْرِ مِنْكُمْۚ-فَاِنْ تَنَازَعْتُمْ فِیْ شَیْءٍ فَرُدُّوْهُ اِلَى اللّٰهِ وَ الرَّسُوْلِ اِنْ كُنْتُمْ تُؤْمِنُوْنَ بِاللّٰهِ وَ الْیَوْمِ الْاٰخِرِؕ-ذٰلِكَ خَیْرٌ وَّ اَحْسَنُ تَاْوِیْلًا(59)
તરજમહ : બેશક, અલ્લાહ તમને હુકમ આપે છે કે અમાનતો (જવાબદારીઓ) તેમના હકદારીને પહોંચાડો અને જયારે તમે લોકો વચ્ચે (વિવાદનો) ફેસલો કરો તો ન્યાય મુજબ ફેસલો કરો.બેશક, અલ્લાહ આવી કેવી સુંદર વાતનો તમને બોધ આપે છે. ખરેખર, અલ્લાહ બધું જ સાંભળનાર બધું જ જોનાર છે. (૫૮) હે ઈમાન વાળાઓ ! અલ્લાહની ફરમાબરદારી કરો તેમજ રસૂલ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની ફરમાબરદારી કરો અને તમારામાં (જે મુસ્લિમ) હાકિમો હોય એમની તાબેદારી કરો. પછી જો કોઇ બાબતે તમે ઝઘડો તો તે વિવાદને અલ્લાહ અને રસૂલ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ (ના હુકમ) પાસે લઇ જાઓ, જો તમે સાચે અલ્લાહ અને કિયામત ના દિવસ પર યકીન રાખતા હો. આમ કરવું બેહતર અને પરિણામની દષ્ટિએ સારું છે.
તફસીર : પ્રથમ આયતમાં અમાનત એના હકદારને સોંપવાનો એક મહત્વનો કાયદો વર્ણવવામાં આવ્યો છે. દરેક પ્રકારની અમાનત, માલિકી અને જવાબદારીઓ બાબતે આ કાયદો લાગુ પડે છે. એટલે જ એને કાયદાના શબ્દોમાં સ્પષ્ટ રૂપે વર્ણવવામાં આવ્યો છે. અલબત્ત આ નિયમ એક વિશેષ ઘટનાના સંદર્ભે અલ્લાહ તઆલાએ નાઝિલ ફરમાવ્યો હતો. એ ઘટનાને જાણવી જોઈએ. એનાથી અન્ય પણ ઘણી બાબતો શીખવા મળે એમ છે.
વાત એમ હતી કે જહાલતકાળથી મક્કાના કુરેશીઓ દરમિયાન કાબા શરીફ અને કાબાના હજ માટે આવનાર હાજીઓની ખિદમત કરવી મોટી સઆદત અને સૌભાગ્યનું કામ સમજવામાં આવતું હતું. આ માટે કુરેશ કબીલાની અલગ અલગ શાખોમાં વિવિધ કામો વહેંચવામાં આવ્યા હતા, અને પછી દરેક શાખમાં એના નેતા કે આગેવાન કે વડો એ જવાબદારી નિભાવવાની વ્યવસ્થા કરતો હતો. આ જ વહેંચણી અનુસાર હાજીઓને ઝમઝમનું પાણી પીવડાવવાની જવાબદારી હઝરત અબ્બાસ રદિ.ને સોંપવામાં આવી હતી. બીજી એક જવાબદારી અબૂ તાલિબને હવાલે હતી. આવી જ એક જવાબદારી કાબા શરીફ એટલે કે અલ્લાહના ઘરના દરવાજાની ચાવીની સંભાળ અને ઝિયારત – ઇબાદત માટે આવનાર લોકો માટે એને ખોલવા વગેરેની હઝરત ઉસ્માન બિન તલ્હા રદિ.ને સુપરત હતી. આ જહાલતકાળની વાત છે અને હઝરત ઉસ્માન રદિ. હજુ ત્યારે મુસલમાન થયા ન હતા. તેઓ કહે છે કે અમે જુમેરાતે અને સોમવારે કાબા શરીફને ખોલતા હતા. અને લોકો એમાં જઈને ઇબાદત કરતા હતા. હિજરત પૂર્વે એકવાર નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ અને બીજા મુસલમાનો કાબા શરીફમાં ઇબાદત કરવા હેતુ જવા માંગતા હતા. ઉસ્માન બિન તલ્હા હજુ મુસલમાન થયા ન હતા, એટલે દુશ્મનીમાં એમને અંદર જવા દીધા નહીં અને સખત શબ્દોમાં નકારી દીધા. નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે ધીરજથી એમની વાત સાંભળી અને પછી ફરમાવ્યું કે, ઉસ્માન ! એવો દિવસ આવશે કે આ ચાવી મારા હાથમાં હશે અને મને અધિકાર હશે કે હું જેને ચાહું એને આપું. ઉસ્માન કહેવા લાગ્યા કે આવું થશે તો એ દિવસ કુરૈશ માટે મોટી બદનામીનો હશે. આપ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે ફરમાવ્યું કે, નહીં, એ દિવસ કુરૈશ માટે મોટી ઈઝઝતનો હશે. ઉસ્માન રદિ. કહે છે કે નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમના ગયા પછી મેં મારા દિલને તપાસ્યું તો મારા દિલમાં આ બાબતે યકીન હતું કે મુહમ્મદે જે કહયું છે એ થઈને રહેશે. અને મને થયું કે હું હમણા જ મુસલમાન બની જાઉં, પણ કોમ સમાજના લોકો મને ટોકવા માંડયા એટલે હું રહી ગયો. પછી જયારે મક્કા ફતેહ થયું તો સઘળી સત્તા મુહમ્મદ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ પાસે હતી એટલે ચાવી માંગવામાં આવી તો મેં એમ કહીને આપી દીધી કે આ અમાનત તમારે હવાલે કરું છું. નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે ચાવી લઈને કાબા શરીફ ખોલ્યું, એમાં જઈને નમાઝ અદા કરી અને બહાર આવ્યા. અને પછી ચાવી હઝરત ઉસ્માનને આપીને ફરમાવ્યું : આ ચાવી હવે કયામત સુધી તમારા ખાનદાન પાસે રહેશે. જે કોઈ તમારા ખાનદાન પાસેથી આ ચાવી છીનવશે એ ઝાલિમ ઠરશે. એટલે કે કોઈના માટે પણ ચાવીની આ જવાબદારી એમની પાસેથી લઈ લેવી જાઈઝ નહીં હોય.
ઉસ્માન બિન તલ્હા કહે છે ચાવી પાછી મળી તો હું ખુશ થઈ ગયો અને ખુશીમાં ચાવી લઈને જવા લાગ્યો તો નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે મને પાછો બોલાવ્યો અને ફરમાવ્યું : જે વાત મેં તમને કહી હતી એ પૂરી થઈ કે નહીં? ત્યારે મને પેલી વાત યાદ આવી જે મુહમ્મદ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે હિજરત પહેલાં મને ફરમાવી હતી કે એક દિવસ આ ચાવીનો અધિકાર મારી પાસે હશે. ઉસ્માન બિન તલ્હા કહે છે કે મેં એકરાર કર્યો કે તમારી વાત આજે સાચી પડી છે, અને પછી હું કલિમહ પઢીને મુસલમાન થઈ ગયો.
ઉપરોકત ઘટના વિશે હઝરત ઉમર રદિ. ફરમાવે છે કે તે દિવસે જયારે નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ કાબાશરીફમાંથી બહાર આવ્યા તો ઉપરોકત આયત એમના મુખે હતી અને પહેલાં કદી આ આયત આપ સલ્લલ્લાહુ અલહિ વ સલ્લમના મુખે સાંભળી ન હતી. એટલે કે આજે જ કાબા શરીફના અંદર હતા ત્યારે આ આયત આપ સલ્લલ્લાહ અલયહિ વ સલ્લમ ઉપર નાઝિલ થઈ હતી. હઝરત ઉસ્માન બિન તલ્હા દ્વારા નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમને ચાવી આપતી વેળા અમાનત આપવાની વાત કહેવામાં આવી હતી અને પછી એ જ સમયે આ આયત નાઝિલ થઈ એટલે નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે ચાવી હઝ. ઉસ્માનને પરત કરી દીધી. હાલાંકે હઝ. ઉસ્માન રદિ. તરફથી નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમને ચાવી સુપરદ કરવું કોઈ અમાનતની વાત ન હતી, બલકે મક્કા ફતેહ થવાથી અને હઝ. ઉસ્માન હજુ સુધી મુસલમાન ન હોવાથી હવે પછી કાબા શરીફનો સઘળો વહીવટ કરવાનો ઇખ્તિયાર નબીએ કરીમ સલ્લલાહુ અલયહિ વ સલ્લમનો જ હતો.
આ વેળા હઝરત અબ્બાસ રદિ. અને હઝરત અલી રદિ.એ અરજ કરી હતી કે કાબા શરીફની અન્ય જવાબદારીઓ અમારા હાથમાં છે તો આ ચાવીની જવાબદારી પણ અમને સોંપવામાં આવે, પણ નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે એમની માંગણી સ્વીકારી નહીં અને ચાવી હઝરત ઉસ્માન રદિ.ને જ સુપરદ ફરમાવી દીધી.
આયતો આયતનો સંદર્ભ હતો, જેના અનુસંધાને આયત નાઝિલ થઈ હતી.
આયતને મતલબ વિસ્તારથી વર્ણવતા તફસીરકારોએ લખ્યું છે કે, અમાનતનો મતલબ ફકત એટલો નથી કે એક માણસની કોઈ રકમ કે માલ બીજાને સાચવવા આપ્યો હોય. બલકે બીજી ઘણી બધી વસ્તુઓ એમાં આવી જાય છે, જેમ કે આ કિસ્સામાં કાબા શરીફની ચાવી સાચવવાની જવાબદારીને પણ 'અમાનત' કહેવામાં આવી છે. એવી જ રીતે સરકાર કે અધિકારીઓના હોદ્દા પણ અલ્લાહની અમાનત છે અને આગેવાનો કે અધિકારીઓ એ અમાનતના 'અમાનતદાર' છે. એમના ઉપર ફરજ છે પોતાના કામો અમાનતદારીથી પૂરા કરે, પોતાના તાબા હેઠળના કામો માટે યોગ્ય માણસ નીમવો કે કોઈને અલગ કરવામાં અમાનતનો હુકમ લાગુ પડશે. એક હદીસ શરીફમાં છે કે જે માણસને પ્રજાની કોઈ જવાબદારી સોંપવામાં આવી હોય અને પછી એણે પોતાના તાબા હેઠળ કામ સોંપવામાં દોસ્તી કે સંબંધના આધારે લાયકાત વગર કોઈને કામ સોંપ્યું તો એના ઉપર અલ્લાહની લઅનત છે અને એની કોઈ ફરજ કે નફલ ઇબાદત કુબૂલ નહીં થાય, અને આખર એ માણસ જહન્નમમાં જશે. (મઆરિફુલ કુરઆન)
એક હદીસ શરીફમાં મજલિસોને પણ અમાનત કહેવામાં આવી છે. એટલે કે કોઈ મજલિસ કે બેઠકમાં લોકો એકબીજા સામે જે વાત કરે એ વાતો એ મજલિસની અમાનત છે, માટે મજલિસ પૂરી થયા પછી કોઈ બીજા સામે એ મજલિસની વાતો એના કેહનારને પૂછયા વગર ફેલાવવી કે કોઈને કહેવી જાઈઝ નથી. એવી જ રીતે એક હદીસમાં મશવેરાને પણ અમાનતની બાબત કહેવામાં આવી છે, એટલે કે એક માણસ જયારે કોઈ બીજા માણસ પાસે મશ્કેરો લેવા જાય તો મશ્કેરો આપનાર માણસે અમાનતદારીથી સલાહ - મશ્કેરો આપવો જરૂરી છે.
આયતના આગળના ભાગમાં ઈન્સાફ પૂર્વક ફેસલા કરવાનો હુકમ છે. ફેસલા કરવાનું કામ કાજી, હાકેમ કે અધિકારી કે શાસકનું હોય છે. અને ઘરેલુ કે સામાજિક અથવા પરસ્પરની નાની મોટી વાતોમાં કોઈને લવાદ બનાવીને પણ ફેસલા કરાવતા હોય છે.
આયતમાં એક ખાસ વાત આ પણ છે કે સઘળા લોકો દરમિયાન ઈન્સાફથી ફેસલો કરવાનો હુકમ છે. એમાં મુસ્લિમ કે ગેર મુસ્લિમનો કોઈ તફાવત નથી.મઆરિફુલ કુરઆનમાં છે કે આયતથી એ પણ માલુમ થયું કે જે માણસ માં ન્યાય કરવાની શક્તિ ન હોય એને કાજી કે હાકેમ બનાવવો પણ દુરુસ્ત નથી.
અંતે કહેવામાં આવ્યું કે અલ્લાહ તઆલા તમને આ બધી નસીહતો કરે છે એ ઘણી કીમતી છે. કારણ કે આ નસીહત અને હુકમમાં દરેક માણસની ભલાઈ છે. અલ્લાહ તઆલા દરેકની ફરિયાદ સાંભળે અને ઝાલિમ– મઝલૂમ દરેકને જુએ છે, એના એ બધાનો ન્યાય કરવા માટે દુનિયામાં આ નિયમો નક્કી કરવામાં આવ્યા છે.
બીજી આયત મુસલમાનોને અલ્લાહ તઆલા, રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ અને હાકેમ કે જવાબદારોની વાત માનવા અને ફરમાબરદારીનો હુકમ આપવામાં આવ્યો છે.
કુરઆન માં ત્રણ શબ્દો છે: أولى الأمر,الرسول,الله, ઉલીલ્અમ્ર એટલે કોણ ? એની તફસીર વિશે ઈબ્ને કષીર અને તફસીરે મઝહરીના હવાલાથી મઆરિફુલ કુરઆનમાં છે કે મુસલમાન હાકેમો એટલે કાજી, ગર્વનર, અમીરુલ મુઅમિનીન ઉપરાંત ઉલમા પણ એમાં શામેલ છે. કેમ કે ઉલમા પણ લોકોને ઘણી બધી બાબતોમાં શરીઅતનો હુકમ બતાવતા હોય છે. એટલે એમની ફરમાબરદારી વાજિબ છે.
મઆરિફુલ કુરઆનમાં છે કે એક રીતે તો આ બધામાં ફકત અલ્લાહની જ તાબેદારીની વાત છે. અલબત્ત અલ્લાહના હુકમો માણસ સુધી અલગ અલગ રીતે પહોંચે છે એ રીતે આ ત્રણ દરજાઓ છે. ઘણા બધા હુકમો કુરઆનમાં સ્પષ્ટ રીતે વર્ણવવામાં આવ્યા છે, ઘણા બધા નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે હદીસ દ્વારા લોકો સામે વર્ણવવામાં આવ્યા છે, અને અમુક હુકમો એવા છે જે જરૂરત પડતાં પાછળથી ઉલમાએ કુરઆન અને હદીસના આધારે નક્કી કર્યા હોય છે.
અને કદી તમારો એટલે સામાન્ય લોકો અને પ્રજાનો આ ત્રીજા દરજાના લોકો એટલે કે હાકેમો સાથે કદી કોઈ ઝઘડો કે વિવાદ થઈ જાય તો અલ્લાહ અને રસૂલના હુકમોને માપદંડ બનાવો. જેની વાત અલ્લાહના હુકમ એટલે કે કુરઆન અને રસૂલના હુકમો એટલે હદીસ શરીફ મુજબ હોય એની વાત માન્ય રહેશે. હાકેમને પોતાની મરજી મુજબ હુકમ કરવાની પરવાનગી નથી અને સામાન્ય લોકોને ઈજાઝત નથી કે હાકેમનો હુકમ કુરઆન કે હદીસ મુજબ હોય તો એને અનાદર કરે. આમ કરવું જ પરિણામની દષ્ટિએ બેહતર છે. કારણ કે ખુદા અને રસૂલના હુકમો સામે વિવાદના બંને પક્ષો સમાન છે, અને ખુદા રસૂલની વાત માનવામાં કોઈ એક પક્ષને હાર જીતની લાગણી નહીં રહે અને વિવાદ શાંતિ ખુશીથી ઉકેલાય જશે.
મઆરિફુલ હદીસ
હઝરત મવલાના મંઝૂર નોમાની (રહ.)
અનુવાદ : મવલાના યાકૂબ બારીવાલા સા. રહ. (બ્લેકબર્ન. યુ.કે.)
ભાગ નં.170
હજ્જતુલ વિદાઅ એટલે હુઝૂર સલ.ની છેલ્લી હજ
قَالَ جَابِرٌ رَضِيَ اللهُ عَنْهُ : لَسْنَا نَنْوِي إِلَّا الْحَجَّ ، لَسْنَا نَعْرِفُ الْعُمْرَةَ ، حَتَّى إِذَا أَتَيْنَا الْبَيْتَ مَعَهُ ، اسْتَلَمَ الرُّكْنَ فَرَمَلَ ثَلَاثًا وَمَشَى أَرْبَعًا ، ثُمَّ تَقَدَّمَ إِلَى مَقَامِ إِبْرَاهِيمَ فَقَرَأَ : {وَاتَّخِذُوا مِنْ مَقَامِ إِبْرَاهِيمَ مُصَلًّى} فَجَعَلَ الْمَقَامَ بَيْنَهُ وَبَيْنَ الْبَيْتِ ، فَكَانَ أَبِي يَقُولُ وَلَا أَعْلَمُهُ ذَكَرَهُ إِلَّا عَنِ النَّبِيِّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ كَانَ يَقْرَأُ فِي الرَّكْعَتَيْنِ قُلْ هُوَ اللهُ أَحَدٌ وَقُلْ يَا أَيُّهَا الْكَافِرُونَ ، ثُمَّ رَجَعَ إِلَى الرُّكْنِ فَاسْتَلَمَهُ ، ثُمَّ خَرَجَ مِنَ الْبَابِ إِلَى الصَّفَا،فَلَمَّا دَنَا مِنَ الصَّفَا قَرَأَ : {إِنَّ الصَّفَا والْمَرْوَةَ مِنْ شَعَائِرِ اللهِ} « أَبْدَأُ بِمَا بَدَأَ اللهُ بِهِ » فَبَدَأَ بِالصَّفَا ، فَرَقِيَ عَلَيْهِ ، حَتَّى رَأَى الْبَيْتَ فَاسْتَقْبَلَ الْقِبْلَةَ ، فَوَحَّدَ اللهَ وَكَبَّرَهُ ، وَقَالَ : « لَا إِلَهَ إِلَّا اللهُ وَحْدَهُ لَا شَرِيكَ لَهُ ، لَهُ الْمُلْكُ وَلَهُ الْحَمْدُ وَهُوَ عَلَى كُلِّ شَيْءٍ قَدِيرٌ ، لَا إِلَهَ إِلَّا اللهُ وَحْدَهُ ، أَنْجَزَ وَعْدَهُ ، وَنَصَرَ عَبْدَهُ ، وَهَزَمَ الْأَحْزَابَ وَحْدَهُ » ثُمَّ دَعَا بَيْنَ ذَلِكَ ، قَالَ : مِثْلَ هَذَا ثَلَاثَ مَرَّاتٍ ، ثُمَّ نَزَلَ إِلَى الْمَرْوَةِ ، فَفَعَلَ عَلَى الْمَرْوَةِ كَمَا فَعَلَ عَلَى الصَّفَا ، حَتَّى إِذَا كَانَ آخِرُ طَوَافِهِ عَلَى الْمَرْوَةِ ، نَادَى وَهُوَ عَلَى الْمَرْوَةِ وَالنَّاسُ تَحْتَهُ فَقَالَ : « لَوْ أَنِّي اسْتَقْبَلْتُ مِنْ أَمْرِي مَا اسْتَدْبَرْتُ لَمْ أَسُقِ الْهَدْيَ ، وَجَعَلْتُهَا عُمْرَةً ، فَمَنْ كَانَ مِنْكُمْ لَيْسَ مَعَهُ هَدْيٌ فَلْيَحِلَّ ، وَلْيَجْعَلْهَا عُمْرَةً » ، فَقَامَ سُرَاقَةُ بْنُ مَالِكِ بْنِ جُعْشُمٍ ، فَقَالَ : يَا رَسُولَ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ ، أَلِعَامِنَا هَذَا أَمْ لِأَبَدٍ؟ فَشَبَّكَ رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ أَصَابِعَهُ وَاحِدَةً فِي الْأُخْرَى ، وَقَالَ : « دَخَلَتِ الْعُمْرَةُ فِي الْحَجِّ » مَرَّتَيْنِ « لَا بَلْ لِأَبَدِ أَبَدٍ »
અર્થાત :- હઝરત જાબિર રદિ.એ (હજ્જતુલ વિદાઅની વિગતો બયાન કરતાં) બતાવ્યું કે એ સફરમાં અમારી નિય્યત (પહેલેથી) ફકત હજની હતી (સફરની હૈસીયતથી અમારો હેતુ) ઉમરાહનો દીમાગોમાં ન હતો જયારે સફર પુરો કરી રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલહિ વસલ્લમ) સાથે બૈતુલ્લાહ પર પહોંચ્યા તો આપ સલ.એ સૌ પ્રથમ હજરે અસ્વદનો ઇસ્તીલામ કર્યો (એટલે કાયદા મુજબ તેના પર હાથ મુકી ચુમ્યા, પછી આપ (સલ્લલ્લાહુ અલયહ વસલ્લમ)એ તવાફ શરૂ કર્યા) જેમાં ત્રણ ચક્કરોમાં આપે રમલ કર્યો, (એટલે ખાસ તે રીતે ચાલ્યા જેમાં તાકાત અને બહાદુર દેખાય છે.) અને બીજા ચાર ચાક્કરોમાં પોતાની આદત મુજબ ચાલતા રહ્યા, પછી (તવાફના સાત ફેરા પુરા કરી) આપ મકામે ઈબ્રાહીમ તરફ ગયા અને આ આયત તિલાવત ફરમાવી.
وَاتَّخِذُوا مِنْ مَقَامِ إِبْرَاهِيمَ مُصَلَّى
(અને મકામે ઈબ્રાહીમ પાસે નમાઝ અદા કરો) પછી એવી રીતે ઉભા રહી આપે નમાઝ અદા કરી કે મકામે ઈબ્રાહીમ આપની અને બૈતુલ્લાહની વચ્ચે હતો. (એટલે બે રકાત તવાફની નમાઝ પઢી) હદીસના રાવી ઈમામ જઅફર સાદિક રહ. બયાન કરે છે કે મારા વાલિદ બયાન કરતા હતા કે આ બે રકાતોમાં આપ (સલ્લલ્લાહુ અલહિ વસલ્લમ). قُلْ یٰۤاَیُّهَا الْكٰفِرُوْنَۙ અને قُلْ هُوَ اللّٰهُ اَحَدٌۚ પઢી.ત્યાર પછી આપ ફરી હજરે અસ્વદ તરફ પાછા ફર્યા, અને ફરી ઈસ્તીલામ કર્યો, પછી એક દરવાજેથી (સઈ માટે) સફા પહાડ તરફ ચાલ્યા ગયા, અને તેની નજીક પહોંચી આપે આ આયત તિલાવત " إِنَّ الصَّفَا وَالمَرْوَةَ مِنْ شَعَائِرِ اللَّهِ " (બેશક સફા અને મરવા અલ્લાહની નિશાનીઓમાંથી છે. જેની વચમાં સઈ કરવાનો હુકમ છે.)
ત્યાર પછી આપ (સલ્લલ્લાહ અલહિ વસલ્લમ)એ ફરમાવ્યું હું આ સફા પહાડથી સઈ શરૂ કરૂં છું જેનો ઉલ્લેખ અલ્લાહ તઆલાએ આ આયતમાં પહેલો કર્યો છે. જેથી આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) પહેલા સફા પહાડ પર આવ્યા, અને તેની એટલી ઉંચાઈ પર ચઢયા કે બૈતુલ્લાહ આપની આંખો સામે આવી ગયું તે વખતે આપે કિબ્લા તરફ મોં કરી ઉભા થઈ અલ્લાહની તૌહિદ અને તકબીર ત્થા તમઝીદમાં મશ્ગુલ થઈ ગયા, આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)એ કહ્યું "લા ઈલાહ ઈલ્લલ્લાહુ વહદહુ લા શરીક લહુ, લહૂલ્મુલ્કુ વલહુલ્હમદુ વહુવ અલા કુલ્લિ શયઈન કદીર, લા ઈલાહ ઈલ્લલ્લાહુ વહદહુ અન્જઝ વઅદહુ જ નસર અબ્દહુ વ હઝમ અહઝાબ વહદહુ" (અલ્લાહ સિવાય કોઈ ઈબાદત અને પુંજવા લાયક નથી તે જ એકલો માબૂદ અને માલિક છે કોઈ તેનો ભાગીદાર નથી બધી સૃષ્ટિ પર તેનું જ રાજય છે. અને વખાણ અને હમ્દ તેનો જ હક છે. તે દરેક વસ્તુ પર શકિત ધરાવે છે. તે જ એકલો માલિક અને માબૂદ છે. તેણે (મક્કા પર અને આખા અરબસ્તાન પર હુકુમત બખ્શવા અને પોતાના દીનને ઉંચો કરવાનો) પોતાનો વાયદો પુરો કર્યો, અને તેના બંદાની તેણે ભરપુર મદદ કરી અને કુફ્ર, શિર્કના લશ્કરોને તેણે એકલાએ હરાવ્યા)
આપ (સલ્લલ્લાહુ અલહિ વસલ્લમ)એ ત્રણવાર આ શબ્દો ફરમાવ્યા અને તેમની વચ્ચે દુઆ માંગી ત્યાર પછી ઉતરીને આપ મરવહ તરફ ચાલ્યા, જયારે આપના કદમ મુબારક વાદીની નિચાણમાં પહોંચ્યા તો આપ થોડુ દોડીને ચાલ્યા, પછી જયારે નિચાણથી ઉપર આવ્યા તો આદત મુજબ ચાલ્યા અને મરવહ પહાડી પર પહોંચી ગયા અહીંયા પણ આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)એ તેવું જ કર્યુ, જેવું સફા પર કર્યું હતું, પછી જયારે આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)એ છેલ્લો ફેરો પુરો કરી મરવાહ પર પહોંચ્યા તો આપ સલ.એ પોતાના સાથી સહાબા રદિ.ને સંબોધી ફરમાવ્યું કે : જો પહેલેથી મારા ધ્યાનમાં તે વાત આવી હોત જે પાછળથી આવી તો હું કુર્બાની ના જાનવરો મદીનાથી સાથે ન લાવતે, અંતે આ તવાફ અને સઈ જે મેં કરી છે ઉમરાહમાં ગણી લેતે. તો હવે હું તમને કહું છું કે તમારામાંથી જેની સાથે કુર્બાની ના જાનવરો નથી તે પોતાનું એહરામ છોડી દે, અને અત્યાર સુધી જે તવાફ અને સઈ તેમણે કરી તેને ઉમરાહ ગણી લે,
આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)નો એ ઈર્શાદ સાંભળી સુરાકા બિન માલિકે અરજ કરી યા રસૂલલ્લાહ ! શું આ હુકમ હજના મહીનાઓમાં ઉમરાહ કરવામાં આવે? ખાસ આ વર્ષ માટે જ છે કે હંમેશાં માટે એ જ હુકમ છે ? આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) એ પોતાના એક હાથની આંગળીઓમાં નાખી ફરમાવ્યુ કે
دَخَلَتِ الْعُمْرَةُ فِي الْحَجِّ » مَرَّتَيْنِ « لَا بَلْ لِأَبَدِ أَبَدٍ »
(ઉમરાહ હજમાં શામેલ થઈ ગયો, ખાસ આ વર્ષ માટે જ નહી પણ હમેશાં માટે.)
ખુલાસો :- આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)એ સફા મરવાહની સઈના અંત પર જે વાત ફરમાવી કે જે લોકો કુર્બાનીના જાનવરો સાથે લાવ્યા નથી તેઓ પોતાના તવાફ અને સઈને ઉમરાહ ગણી લે, અને જો હું પણ કુર્બાનીના જાનવરો સાથે લાવ્યો ન હોત તો એવું જ કરત.
એનો અર્થ અને હકીકત સમજવા માટે પહેલાં એ જાણવું જોઈએ કે જાહિલિય્યત યુગમાં હજ અને ઉમરહ વિષે જે માન્યતા અને અમલી ભુલો રિવાજ રૂપે ઘર કરી ગઈ હતી તેમાંથી એ પણ હતી કે શવ્વાલ, ઝિલ્કઅદહ, ઝિલ્હજ, જે હજના મહીનાઓ કહેવાય છે. (કેમકે હજનો સફર એ મહીનાઓમાંજ થાય છે.) તે મહીનાઓમાં ઉમરાહ કરવો મહાન ગુનોહ સમજવામાં આવતો હતો જો કે એ વાત તદ્દન ખોટી અને મન ઘડત છે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)એ સફરના આરંભમાં જ વિગતવાર લોકોને બતાવ્યું હતું કે જેની મરજી હોય તે ફકત હજનું એહરામ બાંધે, (જેને હજની પરિભાષામાં ઈફરાદ હજ કહેવામાં આવે છે.) અને જેમની મરજી હોય તેઓ શરૂમાં ફક્ત ઉમરાહનું એહરામ બાંધે) અને મક્કા મુકર્રમામાં ઉમરાહથી પરવારી હજ માટે ફરી એહરામ બાંધે, (જેને તમત્તુઅ કહેવામાં આવે છે.) અને જેની મરજી હોય તેઓ હજ અને ઉમરાહનું ભેગું એહરામ બાંધે, અને એક જ એહરામથી બન્નેવ અદા કરવાની નિય્યત કરે, (જેને કિરાન કહેવામાં આવે છે.) આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)નો આ ઈર્શાદ સાંભળી અમૂક સહાબા રદિ.માંથી અમૂકે જ તેમની ખાસ હાલતના કારણે તમત્તુઅનો ઈરાદો કર્યો, અને તેમણે ઝુલ્હુલૈફામાં ફક્ત ઉમરાહનું એહરામ બાંધ્યું. તેઓમાં હઝરત આયશા રદિ. પણ હતા. નહીં તો વધુ પડતા સહાબા રદિ. એ ફકત હજનું અથવા હજ અને ઉમરાહનું ભેગું એહરામ બાંધ્યું, રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)એ જાતે પણ બન્નેવનું ભેગું એહરામ બાંધ્યું (એટલે "કિરાન" પસંદ કર્યું).
ઉપરાંત પોતાની કુર્બાનીના જાનવરો (ઉંટો) પણ મદીનાથી સાથે લઈ ચાલ્યા હતા અને જે હાજી કુર્બાનીના જાનવરો સાથે લઈ ચાલ્યા, તોઓ ત્યાં સુધી એહરામ છોડી શકતા નથી જયાં સુધી દસ ઝિલ્હજના કુર્બાની ન કરી દે, એટલા માટે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) અને તે સહાબાએ કિરામ જેઓ તેમની કુર્બાનીઓના જાનવરો સાથે લાવ્યા હતા હજથી પહેલાં (એટલે દસ ઝિલ્હજના કુર્બાની કરવા પહેલા) એહરામ છોડી શકતા ન હતા. પરંતુ જે લોકો કુર્બાનીના જાનવર સાથે લાવ્યા ન હતા. તેમના માટે શરઈ કોઈ લાચારી ન હતી.
મક્કા મુકર્રમહ પહોંચી આપને ખ્યાલ આવ્યો કે આ જે જાહિલીયતની વાત લોકોનાં દિલોમાં ઘર કરી ગઈ છે કે હજના મહીનાઓમાં ઉમરાહ કરવો મહાન પાપ છે, તેને રદ કરવા ત્થા તેની જડો ઉખેડવા માટે તેમ દિમાગોમાંથી તેના જંતુઓનો નાસ કરવા તથા દિલોને તેના અસરથી સાફ કરવા જરૂરી છે. અને વધુ માપ પર તેની વિરોધ અમલ કરી બતાવવું જોઈએ, અને તેના માટે શકય એ જ છે કે આપ સલ.ના સાથીઓમાંથી વધારેમાં વધારે લોકો જેઓ આપની સાથે તવાફ અને સઈ કરી ચુકયા છે એ તવાફ અને સઈને ઉમરાહ ગણી એહરામ છોડી દઈ હલાલ થઈ જાય, અને હજ માટે તેના સમય પર બીજુ એહરામ બાંધે, અને આપ સલ. જાતે પોતાના કુર્બાનીના જાનવરો સાથે લાવ્યા હતા જેથી તેમના માટે એની આવશ્યકતા ન હતી તો આપ સલ.એ. ફરમાવ્યું કે :
જો આરંભમાં મને એ વાતનો ખ્યાલ રહ્યો હોત જે પાછળથી ઉપસ્થિત થયો, તો હું મારી સાથે કુર્આનીના જાનવરો લાવતે નહીં, અને જે તવાફ અને સઈ મેં કરી છે તેને અલગ ઉમરાહનું રૂપ આપી એહરામ છોડી દેતે, (પરંતુ હું તો કુર્બાના જાનવરો સાથે લાવવાથી એવું કરવાથી લાચાર છું માટે તમે લોકોને કહું છું કે) તમારામાંથી જેઓ કુર્બાનીના જાનવર સાથે લાવ્યા નથી તે પોતાના તવાફ અને સઈને અલગ ઉમરાહ નક્કી કરી એહરામ છોડી હલાલ થઈ જાય, આપ સલ.નો એ ઈર્શાદ સાંભળી "સુરાકા બિન માલિક" ઉભા થયા કેમકે તેઓ અત્યાર સુધી એવું જ જાણતા હતા કે હજના મહીનાઓમાં અલગ ઉમરાહ કરવા મહાન પાપ છે. તેથી તેમણે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમને પુછયું કે આ દિવસોમાં અલગ ઉમરાહ કરવાનો હુકમ ફકત આ વર્ષ માટે જ છે અથવા હવે કાયમ માટે મસ્અલો એ જ રહેશે કે હજના મહીનાઓમાં અલગ ઉમરાહ કરી શકાય છે ?
રસૂલુલ્લાહ સલ.એ તેમને સારી રીતે સમજાવવા અને દિમાગમાં બેસાડવા માટે પોતાના એક હાથની આંગળીઓ બીજા હાથની આંગળીઓમાં પરોવી ફરમાવ્યું કે “ دَخَلَتِ الْعُمْرَةُ فِي الْحَجِّ”(હજ માં ઉમરાહ આ પ્રમાણે ભેગો થઈ ગયો.) એટલે હજના મહીનાઓમાં અને હજના દિવસો નજીક પણ ઉમરાહ કરી શકાય છે. અને તેને ગુનોહ સમજવો ખોટી અને જાહિલો જેવી વાત છે આ હુકમ કાયમ માટે છે.
وَقَدِمَ عَلِيٌّ مِنَ الْيَمَنِ بِبُدْنِ النَّبِيِّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ ، فَوَجَدَ فَاطِمَةَ مِمَّنْ حَلَّ ، وَلَبِسَتْ ثِيَابًا صَبِيغًا ، وَاكْتَحَلَتْ ، فَأَنْكَرَ ذَلِكَ عَلَيْهَا ، فَقَالَتْ : إِنَّ أَبِي أَمَرَنِي بِهَذَا ، فَقَالَ لَهُ رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ بِهَذَا مَاذَا قُلْتَ حِينَ فَرَضْتَ الْحَجَّ؟ » قَالَ قُلْتُ : اللهُمَّ ، إِنِّي أُهِلُّ بِمَا أَهَلَّ بِهِ رَسُولُكَ ، قَالَ : « فَإِنَّ مَعِيَ الْهَدْيَ فَلَا تَحِلُّ » قَالَ : فَكَانَ جَمَاعَةُ الْهَدْيِ الَّذِي قَدِمَ بِهِ عَلِيٌّ مِنَ الْيَمَنِ وَالَّذِي أَتَى بِهِ النَّبِيُّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ مِائَةً ، قَالَ : فَحَلَّ النَّاسُ كُلُّهُمْ وَقَصَّرُوا ، إِلَّا النَّبِيَّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ وَمَنْ كَانَ مَعَهُ هَدْيٌ ،
અર્થાત :– હઝરત અલી રદિ. (જેઓને ઝકાત અને બીજા વેરાઓ ઉઘરાવવા માટે રસૂલુલ્લાહ સલ.ના હુકમથી યમન ગયા હતા) ત્યાંથી હુઝૂર સલ.ની કુર્બાની માટે વધારાના જાનવરો લઈ મક્કા મુકર્રમહ પહોંચ્યા તેમણે પોતાની પત્નિ હઝરત ફાતિમા ઝોહરા રદિ.ને જોયા કે તેઓ એહરામ છોડી હલાલ થઈ ગયાં છે અને રંગીન કપડાં પહેર્યા છે. સુરમો પણ લગાડયો છે તો તેમણે તેમની આ રીત ઘણી જ ખોટી સમજી અને ના પસંદગી જાહેર કરી ( અબૂ દાઉદની રિવાયતમાં છે કે હઝરત અલી રદિ.એ તેણીને કહ્યું કે તમને કોણે કહ્યું હતુ કે તમે એહરામ છોડી હલાલ થઈ જાઓ ?) હઝરત ફાતિમા રદિ.એ કહ્યું કે મને વાલિદ સા. (રસૂલુલ્લાહ સલ.) એ હુકમ આપ્યો હતો (મેં તેમના હુકમને આદર આપવા એવું કર્યુ છે.) તે પછી હુઝૂર સલ.એ હઝરત અલી રદિ.ને ફરમાવ્યું કે જયારે તમે હજની નિય્યત કરી લબૈક કહી એહરામ બાંધ્યું, તે વખતે શું કહ્યું હતું? (એટલે "ઈફરાદ" મુજબ ફકત હજની નિય્યત કરી હતી કે "તમત્તુઅ" મુજબ ફકત ઉમરાહની નિય્યત, અથવા કીરાન મુજબ બન્નેવની ભેગી નિય્યત કરી હતી કે) તેમણે અરજ કરી કે મેં નિય્યત આ પ્રમાણે કરી હતી કે,
(اللهم إِنِّي أهل بما اهل به رسولك)
(હે અલ્લાહ ! હું તે એહરામ બાંધુ છું જે એહરામ તારા રસૂલ સલ.એ બાંધ્યું છે.) આપ સલ.એ ફરમાવ્યું કે જો કે હું કુર્બાનીના જાનવરો સાથે લાવ્યો છું (અને તેના કારણે હવે હજ પહેલાં એહરામ છોડી શકતો નથી અને તમે મારા જેવા એહરામની નિય્યત કરી છે) એટલા માટે તમે પણ મારી માફક એહરામમાં જ રહો આગળ હઝરત જાબિર રદિ. બયાન કરે છે કે કુર્બાનીના જે જાનવરો હુઝૂર સલ. સાથે લાવ્યા હતા અને પાછળથી આપના માટે હઝરત અલી રદિ. યમનથી લાવ્યા તેની કુલ સંખ્યા સો હતી. (અમુક રિવાયતોથી એવી વિગત જણાય છે કે ત્રેસઠ ઉંટ આપ સલ. સાથે લાવ્યા હતા. અને સાડત્રીસ ઉટ યમનથી આવ્યા હતા.)
હઝરત જાબિર રદિ. આગળ બયાન કર્યું કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની સુચના મુજબ તે બધા જ સહાબા એ એહરામ છોડી દીધું, જેઓ કુર્બાનીના જાનવરો સાથે લાવ્યા ન હતા અને સફા મરવાહની સઈથી પરવારી માથાના વાળ કતરાવી બધા હલાલ થઈ ગયા, અને જે તવાફ અને સઈ તેઓએ કરી હતી તેને અલગ ઉમરો ગણી લીધો રસૂલુલ્લાહ સલ. અને તે સહાબાએ એહરામમાં રહ્યા, જેઓ પોતાની કુર્બાનીઓ સાથે લાવ્યા હતા.
ખુલાસો :- જે સહાબા રદિ. એ આપની સુચના અને હુકમ મુજબ તેમનું એહરામ ખોલી નાંખ્યું, તેમણે તે મોકા પર વાળ મુંડાવ્યા નહીં પણ કતરાવ્યા એવું તેમણે કદાચ એટલા માટે કર્યુ કે મુંડાવવાની ફઝીલત હજનું એહરામ છોડવા પર પ્રાપ્ત કરી શકીએ. વલ્લાહુ અઅલમ.
પરદો - હિજાબ
અરબી ભાષામાં હિજાબનો અર્થ છે. છુપાવવું, ઢાંકવું, રોકવું, અને શરીઅતની પરિભાષામાં હિજાબનો મતલબ છેઃ સ્ત્રીએ પોતાનું પુરૂ બદન એવી રીતે ઢાંકવું કે બદનનો કોઈ પણ ભાગ જાહેર ન થાય, એટલે કે શરીઅતની નજરમાં સ્ત્રીનું પુરૂ શરીર "સતર" (ન જોવા પાત્ર) છે. સૂરએ અહઝાબમાં પરદહ વિશે અલ્લાહનો ઈર્શાદ છે : આમ (પરદો કરવું) તમારા અને તેમના દિલોની પાકીઝગી માટે સુંદર તરીકો છે.
સુરએ નૂરમાં ઈર્શાદે રબ્બાની છે, એ નબી મો’'મિન ઓરતોથી કહી દો કે "તેમની નજરોને નીચી રાખે, અને તેમની શર્મગાહોનું રક્ષણ કરે, (શિયળતા સાચવે) અને તેમની ઝીનત (રૂપ)ને જાહેર ન કરે, સિવાય કે જે જાહેર છે. અને તેમની છાતી ઉપર તેમની ઓઢણી નાંખી રાખે.
જયારે પરદાની આયત નાઝિલ થઈ ત્યારે નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમે પવિત્ર પત્નિઓ (ઉમ્મહાતુલ મુઅમિનીન) રદિ.ને પરાયા મરદોથી પરદો કરવાનો હુકમ આપ્યો, તેવી જ રીતે બધા મુસલમાનોને પણ હુકમ આપ્યો, આમ પૂરી ઉમ્મતની માંઓ ઉપર પરદો કરવો ફરજ થઈ ગયો.
પરદો કરવો અલ્લાહની ફરમાબરદારી છે, રસુલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમની આજ્ઞાનું પાલન છે. તેમાં જ તકવો પરહેઝગારી છે, પરદો હયા—શર્મ અને લજ્જાનું પ્રતિક છે, અને સૌથી વધીને પરદો એ ઈસ્લામનો- અલ્લાહનો આદેશ છે.
નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમનું ફરમાન છેઃ હયા અને ઈમાન એક સિક્કાની બે બાજુઓ છે, જો તેમાંથી કોઈ એક નીકળી જશે, તો બીજી પણ આપ મેળે જ નીકળી જશે.
પરદો ઓરત માટે કોઈ કેદ સમાન કે અપમાનનું પ્રતિક નથી, બલકે તેની શિયળતા પ્રવિત્રતા અને પાક દામનીની હિફાઝતનું સાધન છે.
ઓરતની પ્રવિત્રતા અને પાકદામની ઇસ્લામમાં ઘણી જ મહત્વની વસ્તુ છે, અન્ય સંસ્કૃતિઓમાં સ્ત્રીને આ સ્થાન હરગિઝ પ્રાપ્ત નથી.
એક એવા સમયે જયારે ઓરત એક તુચ્છ, તિરસ્કાર પાત્ર, વસ્તુ સમજવામાં આવતી હતી, ઈસ્લામે સમાજમાં તેનું સાચું સ્થાન તેના માન મરતબામાં વધારો કર્યો.
ઘણી સ્ત્રીઓના મતે પરદો અયોગ્ય છે, તો સ્ત્રીઓમાં જ એક મોટો વર્ગ પરદાની યોગ્યતા ઉપયોગિતાને સ્વીકારે સમજે અને અપનાવે છે, હાલમાં ફ્રાન્સમાં પરદા ઉપર પાબંદી બાબત મુસલમાન સ્ત્રીઓ તરફથી કરવામાં આવેલ વિરોધ એ વાતની સાક્ષી છે કે આવા દેશમાં ઉચ્ચ શિક્ષણ શીખવાડતી અને મેળવતી સ્ત્રીઓ પરદોની યોગ્યતા અને આવશ્યકતાને સમજે છે.
આજ કાલ ફક્ત મરદોની લોલૂપ નજરો અને વાસના સંતોષવા ખાતર, બે રૂપિયાની રકમની જાહેરાત ખાતર કે બે ચાર રૂપિયાની ટીકીટમાં અપાતા કથિત મનોરંજન ખાતર ફિલ્મોમાં ઓરતને બિલ્કુલ નગ્ન કરી રજૂ કરવામાં આવે છે.
નારી સ્વાતંત્રતાની ચળવળ ચલાવતી સંસ્થાઓને પરદાને કારણે મુસ્લિમ સમાજમાં સ્ત્રીના સ્થાન વિશે વારંવાર ચિંતા સ્ફુરે છે, પરંતુ જાહેરાતોમાં, પ્રદર્શનોમાં, દુકાનોમાં, હોટલો, દવાખાનાઓ, ફેકટરીઓમાં, કાઉન્ટરો ઉપર કે મેનેજર કે ડોકટરના પ્રર્સનલ સેક્રેટરી તરીકે એક નમણી નાજૂક સ્વરૂપવાન સ્ત્રીને રાખવાના આગ્રહ પ્રત્યે તેમને કોઈ વાંધો નથી, હાલાંકે સ્પષ્ટ છે કે સમાજમાં સ્ત્રીને તેના સાચા સ્થાનેથી ઉતારનાર અને તેને રમકડાની જેમ મનોરંજન કે વાસના સંતોષનું સાધન બનાવવામાં આવી નોકરીઓ–જોબ્સ મહત્વનો ભાગ ભજવે છે.
મુસ્લિમ સ્ત્રીઓમાં આજે પરદાનું ચલણ વધી રહ્યું છે, જે એક સારી વાત છે, જેને સૌએ સ્વીકારી વધુથી વધુ પ્રોત્સાહન આપવું જોઈએ.
પરંતુ સાથે જ આ પણ વાસ્તવિકતા છે કે ઘણી સ્ત્રીઓના બુરખાઓ આજકાલ બુરખાનું કામ ઓછું આપે છે અને લોકોને આકર્ષવાનું કામ વધુ આપે છે.
સ્ત્રીઓએ જાણવું જોઈએ કે પરદો એ ઈસ્લામનો આદેશ છે. જેનો મુખ્ય આશય સ્ત્રીને મરદોની નજરથી દૂર રાખવું છે. માટે જ પરદાના હુકમનો મતલબ ફકત બુરખો પહેરી લેવા પુરતો નથી, બલ્કે સાચા પરદાની રીત ઇસ્લામની નજરે આ છે કે ઓરત પોતાના ઘરના સૌથી અંદરના ભાગમાં જ રહે, જરૂરત વગર બહાર આવે, અને જો બહાર આવવાનું આવશ્યક જ હોય તો એવો પરદો કરી બહાર આવે કે કોઈ ઓળખી ન શકે કે આ ફલાણી ઓરત છે.
હદીસ શરીફમાં આ વિશે સ્પષ્ટ ફરમાનો મોજૂદ છે, સહાબી ઓરતો અને આપણા બુઝુર્ગોની નેક બીવીઓએ એના ઉપર સંપૂર્ણ રીતે અમલ કરી ઇસ્લામના આદેશ ઉપર અમલ કરવાનો નમૂનો આપણી સામે રજૂ કર્યો છે, માટે આપણા માટે પણ જરૂરી છે કે પરદાને અપનાવીએ અને એવી રીતે અપનાવીએ જે એના અસલ મકસદને પૂરો કરે.
દીન રાહબરો અથવા આલિમોની દીની કમઝોરીના બહાને એમનો અનાદર કરવો
હઝરત અકદસ શૈખુલ હદીસ મવલાના ઝકરિયા રહ.ની કિતાબ 'ઈસ્લામી સિયાસત'નો ક્રમશ અનુવાદ મુફતી ફરીદ અહમદ કાવી.
એક ચોથી વાત ખાસ યાદ રાખવાની આ પણ છે કે વ્યકિતગત ખૂબીઓ, સારો સ્વભાવ અને અખ્લાક અલગ બાબત છે અને ઇલ્મ અને વિદ્યામાં પારંગત કાબેલ હોવું અલાયદી ખૂબી છે. બંને વચ્ચે પરસ્પર ભેળસેળ કરવી અને એકબીજા સાથે સંલગ્ન સમજવાં મોટી ભૂલ છે. જે માણસ વિદ્યા - ઇલ્મ બાબતે નિપૂર્ણ અને કાબેલ હોય એ વ્યકિતગત ખૂબીઓ અને સ્વભાવમાં પણ શ્રેષ્ઠ હોય એ જરૂરી નથી. જો આમ જ હોત તો દરેક આલિમ એના ઝમાનાનો મોટો શેખ હોત. અને તસવ્વુફના બુઝુર્ગોને લોકોના અખ્લાક સુધારવા માટે ખાનકાહોની જરૂરત ન પડત. તરીકતના મશાઈખ એના માટે લોકોને મુજાહદહ ન કરાવત.
અલબત્ત સહાબએ કિરામ રદિ.ને અલ્લાહ તઆલાએ બહુમુખી કાબેલિયતો રાખી હતી. અને એમના માંહે આમ હોવું આવશ્યક પણ હતું. કારણ કે નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ પાસેથી આ બધું શીખીને ઉમ્મત સુધી પહોંચાડવાની જવાબદારી એમના માથે જ હતી. ચિરાગે નુબુવ્વતથી નીકળતા નૂરના દરેકના પ્રકારો લોકો સુધી પહોંચે એ જરૂરી હતું. પરંતુ સહાબા રદિ. પછી તાબેઈનના ઝમાનાથી દરેક પ્રકારના નૂરને અલગ અલગ રીતે પામવા શીખવા અને સમજવાની જરૂરત પડી, અને એટલે મુહદિષીન, ફુકહા, મુફસ્સિરીન અને સૂફીયાએ કિરામની અલગ અલગ જમાઅતો સામે આવી, એમના માંહે પણ અલ્લાહના ઘણા બંદા એવા હતા જેઓ વિવિધ કાબેલિયતો અને ખૂબીઓ ધરાવતા હતા અને આજે પણ એવું થાય છે, પણ વધુ પડતા કાબેલ લોકો કોઈ એક વિષયે જ કાબેલ હોય છે. માટે એવું સમજવું કે જે માણસ ઈલ્મ – જ્ઞાનમાં કોઈ વિષેશતા ધરાવતો હોય એ અખ્લાક —સંસ્કાર બાબતે પણ ઉચ્ચ સ્થાને હશે, સમયના બદલાતા સંજોગો બાબતે અજ્ઞાનતા છે. ઈલ્મ – જ્ઞાન માટે બાતીની ખૂબીઓ અને સારા અખ્લાક - સંસ્કાર ઘણા જરૂરી છે, એમાં કોઈ શંકા નથી, પણ ઇલ્મ મેળવા માટે આ બધું પણ શીખવું પડે એ જરૂરી નથી, અને ઇલ્મ પ્રાપ્તિ એના ઉપર મોકૂફ પણ નથી. આ બધા ઉપરાંત ઉલમા અને મશાઈખે તરીકતના અમુક અખ્લાકમાં તફાવત પણ છે. એટલે કે બંનેની શાન અલગ અલગ છે.
માટે જે બાબત તસવ્વુફના મશાઈખના મતે ખૂબી અને શ્રેષ્ઠતા સમજવામાં આવતી હોય એ ઉલમા માટે પણ ખૂબી કે શ્રેષ્ઠતા હોય એ જરૂરી નથી. જેમ કે અન્યો વિશે સારું ગુમાન રાખવું અને ખણખોદ ન કરવા બાબતે જોવામાં આવે તો સૂફીયાએ કિરામના મતે દરેક મુસલમાન વિશે સારું ગુમાન રાખવું મોટી ખૂબી અને અખ્લાકમાં ગણાય છે, જયારે કે હદીસની સનદ અને એ વિષયના ઉલમા માટે જરૂરી છે કે દરેક માણસ વિશે ખૂબ તપાસ કરે કે એ સાચો – નેક અને કાબેલ છે કે નહીં ? આ જ કારણે હદીસ વિદ્યાના વિદ્વાનોના મતે સૂફીયાએ કિરામ દ્વારા વર્ણવવામાં આવેલ ઘણી રિવાયતો અસ્વીકાર્ય હોય છે, કારણ કે તેઓ એમની નિખાલસતા અને અન્યો પ્રત્યે હમેંશા સારું ગુમાન રાખવાના કારણે ગમે તેવા મુસલમાને વર્ણવેલ રિવાયત સાચી માની લે છે. એને આ બાબતે ખોટો અને અવિશ્વાસુ નથી સમજતા. જયારે કે હદીસ વિદ્યામાં એના વર્ણન કરનારની સચ્ચાઈ, નેકી, તકવો અને અન્ય ઘણી બાબતો શામેલ કરીને હદીસની ખરાઈ કરવા માટે અલગ પ્રક્રિયા અને વિદ્યાનું ગઠન કરવામાં આવ્યું છે. એના અલગ વિદ્વાનો અને નિષ્ણાંતો હોય છે.
માટે કોઈ આલિમની વાત બાબતે ફકત એટલું જ જોવાનું રહે છે કે તે જે કંઈ કહી રહ્યો છે, એ બધું મઝહબ— ઇસ્લામ મુજબ છે કે નહીં ? કુરઆન અને હદીસ પ્રમાણે છે કે વિપરીત? ફુકહાએ કિરામ અને પાછલા બુઝુર્ગોના કથનોથી એની વાતને સમર્થન મળે છે કે નહીં ? જો એની વાત આ માપદંડે ખરી છે તો સ્વીકાર્ય છે, ભલે પછી એના વ્યકિતગત અમલમાં કંઈક કોતાહી દેખાતી હોય.
અમલ વગર અમ્રબિલ મઅરૂફની ઇજાઝત
હઝરત અનસ રદિ. ફરમાવે છે કે અમે નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમને અરજ કરી કે શું આ જરૂરી છે કે અમે પોતે અમલ ન કરીએ ત્યાં સુધી કોઈને નેકી કરવાનું ન કહીએ અને પોતે ન બચીએ ત્યાં સુધી કોઈને બુરાઈથી બચવાનું ન કહીએ? તો નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે ફરમાવ્યું : ના, એવું નથી. તમે લોકોને નેકીનો હુકમ—પ્રેરણા આપતા રહો, ચાહે તમે અમલ ન કરી શકતા હોવ. બુરાઈથી રોકતા રહો, ચાહે તમે પોતે ન રોકાય શકતા હોવ. (જમ્ઉલ ફવાઈદ)
પાંચમી વાત આ પણ જરૂરી છે કે દુનિયાની દરેક વસ્તુ ઉપર બદલાતા સંજોગોનો પ્રભાવ પડે છે. ઉલમા એનાથી કેમ બાકાત રહી શકે? નબવી દોરથી જેટલા દૂર થતાં જઈએ છીએ એ જ પ્રમાણે ફિત્નાઓ અને બુરાઈઓ વધી રહી છે, અને આપણે પોતાના અંદર આવેલ કમઝોરી અને પડતીને તો સ્વીકાર્ય સમજીએ છીએ પણ ઉલમાને આપણે પહેલાં ઝમાનાના ઊંચા માપદંડે પરખવા માંગીએ છીએ. શારીરિક શકિતની વાત આવે તો કહીએ છીએ કે હવે પહેલાંની જમે શકિત કયાં છે ? પરંતુ રૂહાની શકિત પ્રભાવ અને મુજાહદહની વાત આવે છે તો માણસ એમ ઇચ્છે છે કે મને જુનેદ બગદાદી, શેખ શિબ્લી, ઈમામ બુખારી અને ઈમામ ગિઝાલી જેવા માણસો જોઈએ છે.
દીનની પડતી બાબતે હદીસ શરીફમાં આગાહી
નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ દીની પડતીની આગાહી કરતાં ફરમાવે છે : આવનાર દરેક વરસ અને દિવસ પાછલા વરસ અને દિવસ કરતાં બુરો હશે એ નક્કી છે અને આ કયામત સુધી ચાલશે.(બુખારી શ.)
અલ્લામહ મુનાવી લખે છે કે આ હદીષ દીન-ઇસ્લામ બાબતે છે, (દુનિયા બાબતે નથી) અને સામાન્ય સ્થિતિનું આંકલન છે. એટલે કે કોઈક એવા માણસો પણ હશે જે પાછલા કરતાં વધારે સારા અને નેક હશે. હઝરત અબ્દુલ્લાહ ઈબ્ને મસ્ઉદ રદિ.નું કથન વર્ણવતાં અલ્કમહ રહ. ફરમાવે છે કે આવનાર દરેક દિવસ ઇલ્મની દ્રષ્ટિએ પાછલા દિવસો કરતાં ખરાબ હશે. અંતે જયારે ઉલમા જ નહીં રહે અને નેકીની તાકીદ - પ્રેરણા આપનાર તેમજ બુરાઈથી રોકનાર કોઈ નહીં રહે તો છેલ્લે બધા લોકો હલાક - બરબાદ થઈ જશે.
એક હદીસમાં નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમનો ઇરશાદ છે : નેક લોકો એક એક કરીને જતા રહેશે. અને છેલ્લે એવા લોકો રહી જશે જેમ અનાજના ખરાબ દાણા અને ખરાબ ખજૂરો, અને અલ્લાહ તઆલાને એમની જરાયે પરવા ન હશે.
માટે સમજવું જોઈએ કે દીન અને દીની બાબતોમાં પડતી અને કમઝોરી વગેરે તો થવાનું જ છે, આવા સંજોગોમાં નેકી, ભલાઈ અને સુધારના જે પ્રયત્નો થતા હોય એને ગનીમત અને પૂરતા સમજવા જોઈએ. નહીંતર એના પછી એના કરતાં વધારે ખરાબ સમય જોવાનો આવશે. જેમ કે વર્તમાનમાં મોજૂદ જૂના લોકો જેમણે એમના અકાબિરને જોયા છે અને એમના ફૈઝ, બરકત, સોહબતથી ફાયદો ઉઠાવ્યો છે, તેઓ નવા લોકો પ્રત્યે ધ્યાન નથી આપતા કે મોંઢું ફેરવી લે છે.
મર્હૂમ મવ.અ.રશીદ નદવી (રહ.)
હઝ. મવ.બશીર અહમદ ભડકોદ્રવી સાહેબ દા.બ.
ઉસ્તાદે હદીસ, જામિઅહ જંબુસર
મૌત કુદરતનો અટલ કાનૂન છે, મૌતનો સમય અલ્લાહે નિર્ધારિત કરેલો જ સમય છે. કુદરતના નકકી કરેલા સમયે જ મૌત આવે છે. તેમાં તસુભાર આઘું – પાછું થઈ શકતું નથી. સારાંશ કે મૌત માટે કોઈ વય મર્યાદા નથી. કોઈ માણસ શતક પણ વટાવી જાય અને કોઈ ચાળીસી પણ પાર ન કરી શકે, બલકે બાળપણમાં જ ચાલ્યો જાય. ઉકત વાસ્તવિકતાને ધાર્મિક આસ્થાવાળા લોકો તો માને જ છે. પરંતુ અલ્લાહ અને ધર્મનો ઈન્કાર કરનાર નાસ્તિક પણ માનવા મજબૂર છે. કોઈનો પણ મૌત વિષે મતભેદ નથી. હાં! મૌત પછીના મરહલાઓમાં અસંખ્ય મત ભેદો છે. અરબીના શાયર "મુતનબ્બી" એ કહયું છે કે ...
تَخَالَفَ النَّاس حتى لا اتفاق لَهُمْ
إلا على شجب والخلف في الشجب
અર્થાત: લોકોએ એ હદે મતભેદો કર્યા છે કે એવો આભાસ થતો હતો કે, હવે કોઈ પણ બાબતે લોકો એકમત થઈ શકશે જ નહીં. પરંતુ મૌતના પ્રશ્ન પર બધાને એક મત થવું પડયું. અને એમાંયે પાછા મૌત પછીની બાબતોમાં તો મતભેદો છે જ.
આ ટુંકી પ્રસ્તાવના એટલા માટે બાંધવી પડી કે તાજેતરમાં જામિઅહ ઉલૂમુલ કુર્આન –જંબુસરના ઉસ્તાદે હદીષ અને મારા જુના-પુરાણા સાથી મવ.અ.રશીદ નદવી સા.ની વફાતનો હાદેષો પેશ આવ્યો છે. મવલાના મર્હૂમ ટૂંકી માંદગી ભોગવી જોત-જોતામાં અલ્લાહને પ્યારા થઈ ગયા. (ઈન્ના લિલ્લાહહિ વ ઈન્ના ઇલયહી રાજીઉન) જાણે મજલિસમાંથી ઉઠીને એકદમ ચાલ્યા ગયા હોય અને હમણાં જ આવશે એવો એહસાસ થાય છે. પરંતુ અલ્લાહના અટલ કાનૂન સામે નતમસ્તક થવું જ પડે છે. અને એ હકીકત સ્વીકારવી રહી કે તેઓ આ ફાની જગતને છોડીને પોતાના કાયમી અને દાયમી સ્થાને પહોંચી ચૂકયા છે. બસ જીંદગીનો સફર પુરો થયો..
જીંદગી ! મોત તેરી મંઝીલ હે.
દૂસરા કોઈ રાસ્તા હી નહીં.
મવલાના મર્હૂમ સાથે મારે ઘણો જૂનો સંબંધ હતો. સને ૧૯૮૯ પહેલાં હું દારૂલ ઉલૂમ લુણાવાડા (જી.પંચમહાલ)માં તદરીસી ખિદમતમાં હતો. તે દરમ્યાન સને ૧૯૮૫માં મવલાના અ.રશીદ સાહબની પણ દારૂલ ઉલૂમ – લુણાવાડામાં મુદરિસ તરીકે નિમણુંક થઈ હતી. શરૂઆતમાં અમે લોકો દારૂલ ઉલૂમમાં જ રહેતા હતા. ખાવા-પીવાનું સાથે જ રહેતું હતું, થોડા સમય પછી ફેમિલી સાથે લુણાવાડા ગામમાં રહેવા લાગ્યા તો ત્યાં પણ આડોશ-પાડોશમાં રહેતા હતા અને દારૂલ ઉલૂમમાં જવા-આવવાનું સાથે જ રહેતું હતું. જતાં-આવતાં દીની-ઈલ્મી તેમજ રાજકારણને લગતી ઘણી બધી વાતો થતી હતી. તે સમયે મવલાના મર્હુમ હજુ નવા નવા ફારેગ હતા. પરંતુ આપની ઈલ્મી, સિયાસી સમજબૂઝ પ્રશંસાને પાત્ર હતી. મેં એક વડીલને વાત કરી કે આટલી નાની વયમાં આવી ફહમ - ફિરાસત અસામાન્ય કહેવાય, તો તેવણે કહયું કે આ તેમની ખાનદાની વરાસત છે. મવલાનાના પિતા તેમજ દાદા ગામમાં મોભાદાર ગણાતા માણસોમાંથી હતા. ગામના નાના-મોટા પ્રશ્નોને ઉકેલ ગામમાં જ લાવી દેતા હતા. મવલાનાને પણ એ ખુદાદાદ નેઅમત વારસામાં મળી હતી, અને મવલાનાની પાકટવયે સૌ કોઈએ જોયું અને સ્વીકાર્યુ કે, મવલાના મર્હૂમ આ બધામાં પોતાના બાપ-દાદાથી પણ બે કદમ આગળ નીકળી ગયા છે. ખાનપુર ગામના સિમાડા વટાવી ગુજરાત આખામાં આપની ઇલ્મી લાયકાત અને સયાસી બશીરત (સમજ બૂઝ)ની ચર્ચા થવા લાગી હતી.
તલબામાં આપની તદરીસ મકબૂલ હતી. ગમે તેવા મૂશ્કેલ વિષયને આસાની સાથે સમજાવી શકતા હતા. કલમના બાદશાહ હતા. ગુજરાતી, ઉર્દૂ તેમજ અરબી ભાષાઓ પર પ્રભુત્વ ધરાવતા હતા. આપના કલમથી ઘણું બધું સર્જન થયું છે. જો મેહફુઝ હોય તો સારૂં એવું સાહિત્ય મળી શકે એમ છે. 'ઈસ્લામ અને નારી સન્માન' નામનું પુસ્તક આપની પાકટ કલમનો શાહકાર છે. ઈસ્લામ પર સ્ત્રી બાબત ઘણા બેબુનિયાદ એ'તેરાજો કરવામાં આવ્યા છે. મવલાનાએ પોતાની કિતાબમાં દલીલબદ્ધ તેનું ખંડન કર્યુ છે. યુનાન, રોમન, યહૂદી, ખ્રિસ્તી, હિન્દુ સમાજ અને ઈસ્લામ પૂર્વેના અરબ સમાજમાં સ્ત્રીનું સ્થાન અને જે તે સમાજના સ્ત્રી સાથેના વહેવારનું શંસોધાનત્મક વર્ણન કર્યુ છે. અને ત્યારબાદ ઈસ્લામમાં સ્ત્રીના મકામ અને હૈસિયતને કુર્આન – હદીષની રોશનીમાં દલીલબધ્ધ સાબિત કરી છે. ઈસ્લામે સ્ત્રી જાતને જે સન્માન આપ્યું છે તેનું અલગ અલગ શિર્ષકો હેઠળ વર્ણન કર્યું છે. અન્ય સમાજોના સ્ત્રી સાથેના ભેદભાવને નજર સમક્ષ રાખી ઈસ્લામના પક્ષને મજબૂત તરીકાથી મૂક્યો છે કે ઈસ્લામે નારી જાત સાથે ન્યાય કર્યો છે.
કિતાબમાં શામેલ માહિતિ, મુદ્દાઓ અને ભાષા-શૈલી થી માલુમ પડે છે કે મવલાના મર્હૂમે ઉકત કિતાબ સમાજના બુધ્ધિજીવી વર્ગ વિશેષતઃ ગેરમુસ્લિમ સમાજને નજર સમક્ષ રાખીને લખી છે. કિતાબને વધુ પ્રમાણમાં છપાવીને કરીને બહોળા વાંચક વર્ગ સુધી પહોંચાડવી જોઈએ. અને જે અંગ્રેજીમાં અનુવાદ થઈ જાય તો નિશંક વધુ ફાયદાકારક નિવડશે. ઈન્શા અલ્લાહ.
"દિવાને ઈમામ શાફઈ" પર આપ (રહ.)એ તહકીકી કામ કર્યુ છે. તેને ઉર્દૂમાં રૂપાંતરીત પણ કરી છે. તે પણ ઉર્દૂ જગત માટે અનમોલ તોહફો છે.
કલમની સાથે સાથે આપ એક અચ્છા વકતા પણ હતા. નરમ લેહઝામાં ધીમા અવાઝે ગમે તે વિષય પર મજલિસ અને વિષયને અનુરૂ૫ સારું એવું વકતવ્ય આપી શકતા હતા. ખાસ ખૂબી એ હતી કે વિષય સાથે સારો એવો ન્યાય કરતા હતા.
મરણ બાદ મહાસિને મવતા (મહૂમના ઉમદા ગુણો) કહેવાનો રિવાજ છે. અને હદીષનો પણ તકાદો છે. પરંતુ મહૂમની ઉકત ખૂબીઓ લખનાર નાચીઝે તેમની હયાતમાં પણ ઘણી મજલિસોમાં કહી હતી. મારા એક મિત્રએ મવલાના મર્હૂમને મારી ઉક્ત વાતો સંભળાવી કે મોલવી બશીર તમારા કલમ અને બયાનના વખાણ કરે છે. તો જવાબમાં મૌલાનાએ કહયું કે, મોલવી બશીર મારા વડીલ મિત્ર છે, તેઓની ઉદાર દિલી છે કે નાનેરાઓના પ્રોત્સાહન માટે આવી વાતો કરે. બાકી મારી એવી કોઈ લાયકાત નથી. ખરેખર આ મહૂમની નમ્રતાહતી. કોઈકે સાચું જ કહ્યું છેઃ نہد شاخ پیر میوہ سر بر زمیں અર્થાત:ફળોથી ભરપુર હોય એવી ડાળીજ નીચે નમે છે.
શાયરીમાં આપને સારી દિલચસ્પી હતી. અમુક નજમો અને કાવ્યો મને પણ સંભળાવ્યા હતા. દારૂલ ઉલૂમ લુણાવાડાનો તરાના આપે લખ્યો હતો અને ત્યાંના વાર્ષિક જલ્સામાં પોતાના મધુર અવાજમાં ગાઈ સંભળાવ્યો પણ હતો. જામિઅહ-જંબુસર માટે પણ તરાના લખ્યો હતો, શકય છે કે મળી આવે, આપની લખેલી ઘણી શાયરીઓ અને કાવ્યો હશે, ગુજરાતી, ઉર્દૂ બંને ભાષામાં કહેતા હતા. જો આપની હસ્તલિખિત નોટબુકમાં તલાશ કરવામાં આવે તો અદબમાં એક નવા પુસ્તકનો ઉમેરો થઈ શકે એમ છે.
મવલાના એક મજબૂત મનોબળના અને સંયમિત માણસ હતા. મહેમાન નવાઝ હતા, અને સફર—હઝરમાં સાથીઓ સાથે ઉદારદિલીથી વર્તાવ કરતા હતા. લખનારને ઘણા વખત મર્હુમ સાથે સફર કરવાનો સંયોગ પ્રાપ્ત થયો હતો, મને એ પ્રત્યક્ષ અનુભવ થયો હતો કે, મવલાના સફરના સાથીઓનો ઘણો ખ્યાલ રાખતા હતા, અને ખાવા-પીવાની બાબતમાં સાથીઓ સાથે ઘણી ઉદારતા દાખવતા હતા. સાથીઓનું માન-ઇકરામ જાળવવું આપની ફિતરતમાં હતું.
મવલાનાનો જન્મ ૨૯/૦૬/૧૯૬૨ ઈસ્વીના રોજ થયો હતો અને ૨૭/૦૯/૨૦૨૨ના રોજ આપની વફાત થઈ હતી. ઈસ્વી સન પ્રમાણે આપની ઉમ્ર ૫૯ વર્ષની થઈ સ્કૂલ તેમજ દીની બુનિયાદી તા'લીમ ખાનપુરદેહમાં જ હાસિલ કરી, અને આલિમિયતનો કોર્ષ દારૂલ ઉલૂમ આણંદમાં સને ૧૯૮૧માં પૂરો કર્યો હતો, ત્યારબાદ બે વર્ષ માટે નદવતુલ ઉલમા લખનઉમાં રહયા હતા. ત્યાં અરબી અદબમાં માસ્ટરી કરી હતી. ત્યાંથી ફારેગ થઈ દારૂલ ઉલૂમ નરોલીમાં દોઢ વર્ષ સેવા આપી હતી. ત્યારબાદ પુરા દસ વર્ષ દારૂલ ઉલૂમ લુણાવાડામાં દીની-ઈલ્મી ખિદમત બજાવી હતી. લુણાવાડાથી કુવૈત ગયા અને બે વર્ષ બાદ કુવૈતને ખૈર કહી, જામિઅહ ઉલૂમુલ કુર્આન – જંબુસરમાં જીવનના અંતિમ શ્વાસ સુધી ફિકહ, અદબ અને હદીષની ખિદમત બજાવી અને તા.૨૭/૦૯/૨૦૨૨ના રોજ સદાને માટે આંખો મીંચી લીધી. "જીંદગી ભરકી બેકરારીકો કરાર આ હી ગયા".
મવલાના પોતાની પાછળ એક બેવહ અને બે બાળકો છોડતા ગયા છે. મવલાનાનો એકનો એક દિકરો મોલ્વી મુહમ્મદ તાહિર આલિમ છે. જે મરહૂમ વાલિદના અધુરાં કામો પૂરાં કરશે. એ જ આશા અને દુઆ. તે ઉપરાંત મવલાના સાહબ શાગિર્દોનો એક મોટો સમૂહ સવાબે જારિયા સ્વરૂપે છોડી ગયા છે. ખાનપુરદેહનો મદરસુલ બનાત અને ખાનપુરદેહ ગામની બધી જ મસ્જિદોમાં મવલાના મહૂમનો સિંહફાળો છે. ઝારખંડ, રાજસ્થાન વિગેરે જગ્યાઓ એ પણ દીની કામોમાં સારો એવ સહકાર આપ્યો છે. આપની કાર્ય પદ્ધતિ ગુપ્ત રાહે કામ કરવાની હતી. નામવરી દેખાવો કે શો-શોર ન હતો. એટલે ઘણા કામો પર પરદો જ રહયો.
અલ્લાહ તઆલા મહૂમના કામોને કબૂલ ફરમાવી આખેરતમાં આ'લા મકામ નશીબ ફરમાવે. પસમાંદગાનને સબ્રે જમીલ નશીબ ફરમાવે. અને જામિઅહ ઉલૂમુલ કુર્આન-જંબુસરને નેઅમુલ બદલ નશીબ ફરમાવે. આમીન.
"ખુદા બખ્શે બહૂત ખૂબીયાં થી મરને વાલે મેં".
પુરાણી યાદો
હઝ.મવ. અ.રશીદ ખાનપૂરી (રહ.)
મુફતી ઈસ્માઈલ અદા સારોદી સાહેબ દા.બ.
ઉસ્તાદે હદીસ, જામિઅહ જંબુસર
ઉકત શિર્ષક હેઠળ લખવા માટે વિચારતો, પણ હિંમત થતી ન હતી કે શું લખું ? હઝરત મર્હૂમ (રહ.)ના શાગિર્દો, ચાહકો, વડીલોના અનેક લેખ વોટસએપ પર જેમ જેમ આવતા ગયા તેમ તેમ મુંઝવણ વધતી ગઈ કે હવે શું લખવાનુ બાકી રહી ગયું! બીજી તરફ જામિઅહના માનવંતા મોહતમિમ હઝરત મવલાના મુફતી અહમદ સા.દેવલ્વી (દા.બ.)ના હુકમનું પાલન કરવું સઆદત અને નેકબખ્તી હતી છેવટે હઝરત મોહતમિમ સા.દા.બ. ના તા.૦૧/૧૨/૮૭ના રોજ 'ફિદાએ મિલ્લત'માં મવ.મુફતી અ.ગની સા. (રહ.)ની વફાત ટાણે લખાયેલ તંત્રી લેખની શરૂઆતમાં લખાયેલ શાયરીઓથી મારા લેખનો આરંભ કરી તે શાયરીઓ સહેજ બદલીને મવ.અ.રશીદ સા. નદવી (રહ.)વિષે ઉપયોગ કરૂ છુંઃ
ઇલાહી આ ગઝબ કેવો ? થયું પણ ના થવા જેવું,
કયાં ગયા (નદવી સા.) અધવચ આમ ત્યાગીને.
લખું તો શું લખું ? દુઃખ પણ નથી આલેખવા જેવું;
હતું ઓછામાં ઓછું એક દસકો જીવવા જેવું !
ખાનપૂરદેહ આપનું જન્મ સ્થળ
ભરૂચ જિ.ના જંબુસર તાલુકાની આલિમખેજ વસ્તી ખાનપુરદેહમાં તા.૨૯/૦૬/૧૯૬૨ મુતાબિક ૨૬/મોહર્રમ/૧૩૮૨ હિજરી અને જુમ્માના દિવસે આપનો જન્મ ખાનપુરના પ્રતિષ્ઠિત ખાનદાનોમાંથી ગોરધન ફેમીલીમાં થયો; આપના વાલિદ સાહેબ (રહ.)પોતાની આગવી ખેતી ધરાવવાના સાથે સાથે કપાસ અને અનાજના જથ્થાબંધ વેપારી હતા, મર્હૂમના જણાવ્યા મુજબ આપના દાદાએ આપને પઢવા માટેની રગબત આપી; આરંભની તા'લીમ આપે "મદ્રસા મુહમ્મદિવ્યા ઈસ્લામિયહ ખાનપુરદેહ'માં લીધી, મકતબની તા'લીમ પુરી કરી ફારસીની તા'લીમ પણ માદરે વતનમાં પોતાના મામા હઝ.મવ. ઈસ્માઈલ અહમદ ભાઈજી (રહ.) પાસે પૂર્ણ કરી.
વધુ અરબી દીની તા'લીમ માટે દારૂલ ઉલૂમ ફલાહે દારૈન તડકેશ્વરનું રૂખ કરી અરબી બીજા સુધીની તા'લીમ મેળવી; અને અરબી ત્રીજાથી દૌરએ હદીષ શરીફની તા'લીમ જામિઅહ તા'લીમુલ ઈસ્લામ આણંદમાં મેળવી આલિમ-ફાઝિલની સનદ મેળવી; અરબી સાહિત્યની ઉચ્ચ તા'લીમ માટે મર્હૂમે નદવતુલ ઉલમા લખનવમાં બે વરસ ગુજાર્યા.
મર્હૂમનો પ્રથમ પરિચય
જામિઅહ આણંદમાં જયારે હું દૌરએ હદીષમાં હતો ત્યારે મર્હૂમ અરબી ત્રીજામાં પઢતા હતા, મર્હુમના બનેવી હઝરત મવલાના યાકૂબ કિક્યા દેવલવી (રહ.) મારા રફીકે દર્સ હોય તેમની તર્બિયત, દોરવણી હેઠળ મર્હૂમ રહેતા હતા. મર્હુમ એક નાના કદના હતા, તલબામાં ફેશનેબલ પણ પઢવામાં ઘણાં હોશિયાર હતા.
બાલાએ સરશ ઝે હોશમંદી મી તફાત સિતારએ બલંદી
હોશિયારીના કારણે તેમના માથા પર ઊંચાઈનો તારો ચમકી રહ્યો હતો.
જામિઅહ આણંદમાં રૂમ પાર્ટનર
આણંદ જુના દાદર પાસે મસ્જિદની આજુ બાજુના નાના નાના રૂમો અને દર્સગાહો તથા પશ્વિમ તરફના રોડ તરફના ભાગે ઉસ્તાદોના મકાનો, એ જ જામિઅહ આણંદ દસમી મહોર્રમ ૧૩૯૬ હિજરી મુતાબિક ૧૨/૦૧/૧૯૭૬ને સોમવારે હાલ સ્થિત ભાલેજ રોડ ઉપર આવેલ જામિઅહ જુના દાદરથી સ્થળાંતર થયો; મર્હૂમ મવ.યાકૂબ કિકયા (રહ.)ના કારણે મવલાના અમારા સાથે રૂમમાં રહેવા લાગ્યા. જયાંથી ૧૯૭૭ ઈ.સ.માં ૧૦/શા'બાન ૧૩૯૭ હિજરીના રોજ અમારી જમાત સર્વપ્રથમ ફારિગ થઈ.
જામિઅહ આણંદ અને ખાનપુરનો સહકાર
ભાલેજ રોડ ઉપર સર્વપ્રથમ વાર્ષિક જલસાના રિપોર્ટમાં મોહતમિમ હઝરત મવલાના ગુલામ મુહમ્મદ ગામડી (રહ.)એ જણાવ્યું હતું કે "આ જામિઅહની જમીન શૈખુલ ઈસ્લામ હઝરત મવલાના હુસૈન અહમદ મદની નવ્વરલ્લાહુ મર્કદહુએ પસંદ ફરમાવી હતી અને તવકકલ અલ્લાહ ઉધાર ખરીદી હતી અલ્લાહ પાકે એનું કરજ પણ અદા કરી દીધું;”
જેના સ્પષ્ટિકરણમાં મવ.અ.રશીદ (રહ.)એ ફરમાવ્યું હતું અમારા વાલિદ સાહબ (રહ.)એ જ જામિઅહના મોહતમિમ સા.ને એ જમીન ખરીદી લેવા હિંમત આપેલ અને ખાનપુર બોલાવી ઘણો મોટો ફાળો કરાવી આપેલ. અને કરજથી જામિઅહને મુકત કરેલ.
આપનો તદરીસી કાળ
નદવતુલ ઉલમાથી ફારિંગ થઈને બે વરસ દારૂલ ઉલૂમ નાની નરોલી અને ત્યાંથી દારૂલ ઉલૂમ લુણાવાડામાં દસ વરસ સુધી ઉચ્ચ તા'લીમ આપી.
લુણાવાડા થી કુવૈત
આપ લુણાવાડાથી રોઝી રોઝગાર અર્થે કુવૈત ગયા, જયાં ઘણી ઈઝઝતના સાથે આપે સેલ્સમેન અને મેનેજર તરીકેની સેવાઓ બજાવી, આપ પોતે દુબઈ ફ્રીપોર્ટથી માલ આયાત કરતા હતા; ત્યાં રહી અરબો સાથે ઘણાં સંબધો થતાં રિફાહી સંસ્થાઓ મારફતે ઘણી મસ્જિદો ભારતમાં બનાવી; ભલે આપ કુવૈતમાં બે વરસ જ રહયા પણ ઘણાં સફરીઓ આપની સિફારિશોથી જતા થયા. આપે જામિઅહ જંબુસર માટે પણ હઝરત મોહતમિમ સા.દા.બ.ના મશવેરાથી કુવૈતનો સફર કર્યો, જામિઅહનો તઆરૂફ કરાવ્યો અને કાયમના મદદનીશ બન્યા. કુવૈત રહેવા દરમીયાન જયારે પણ આપ હજજ-ઉમરહ માટે બાય રોડ આવતા તો અલહસા ખાતે થઈ મારી મુલાકાત અવશ્ય લેતા.
કુવૈત થી જામિઅહ જંબુસર
મર્હૂમના જણાવ્યા મુજબ "આરિફ બિલ્લાહ મુર્શિદુલ ઉલમા હઝરત મુફતી અહમદ સા.ખાનપુરી દા.બ.ના હુકમથી જામિઅહ જંબુસરને આપે પોતાના ઈલ્મી ફૈઝ પહોંચાડવાનુ મરકજ બનાવ્યું. જામિઅહમાં આપની નિમણુંક થઈ તે વરસે જામિઅહમાં અરબી ચોથાની તા'લીમ શરૂ થઈ હતી, આજથી સત્તાવીસ વરસ પહેલાં આપની નિમણૂંક થતાં આપ માહે શવ્વાલમાં હાજર થયાં, તેના એક વરસ અગાઉ મારી નિમણુંક વેળા અન્નાદિયુલ અરબી (અરબી અંજુમન) ની જવાબદારી મારે સિરે કરવામાં આવી હતી; હઝરત મોહતમિમ સાહબ દા.બ.ની સેવામાં હાજર થઈ મેં અરજ કરી: મવલાના અ.રશીદ સા. નદવી ઝી.મ.આવી ગયેલ છે; નદવામાં પઢેલ છે આપની અરબી ભાષા બહું સારી છે, મવલાનાને જો અરબી અંજુમન સુપરત કરવામાં આવે તો તલબાને મારા કરતાં વધુ ફાયદો થશે; મારા ઈસરાર પછી અરબી અંજુમનના હઝરત મોહતમિમ સાહેબે બે ભાગ બનાવ્યા, મારા અને મર્હૂમના જિમ્મે અર્ધા–અર્ધા તલબા વહેંચી આપ્યા.
આપ (રહ.)ની તા'લીમ અને તર્બિયત
આપના શાગિર્દો અને જામિઅહના ફાઝિલ ઉલમાએ કિરામે અતિ વિશેષ લખેલ છે જેથી હું વધુ લખતો નથી. જયારથી જામિઅહમાં દૌરએ હદીષની તા'લીમ શરૂ થઈ ત્યારથી આપના બીમાર પડવાના દુઃખદ સમય સુધી આપે અન્ય કિતાબોના સાથે સુનને તિર્મિઝી શરીફ ૨૪ વરસ સુધી પઢાવી જેની ખુબીઓ જામિઅહના તલબા-ફુઝલા વર્ણન કરી ચુકયા છે.
પોતાના શેખ મવ.ઈબ્રાહીમ સા.પાલનપુરીની સેવામાં.
જામિઅહ ઉલૂમુલ કુર્આનમાં જે વરસે દૌરએ હદીષની તા'લીમ શરૂ થઈ ત્યારે મવ.નદવી પાસે તિર્મિઝી શરીફ પઢાવવાની જવાબદારી આવી ત્યારે મને જણાવ્યું કે આપણે "આણંદ શૈખ સાહબ (અર્થાત મવલાના ઈબ્રાહીમ સા.પાલનપુરી-શૈખુલ હદીષ આણંદ)પાસે મુલાકાત લઈ આવીએ, મારો વિચાર તિર્મિઝી શરીફની સનદ છપાવી તલબાને વહેંચવાનો છે.
મવલાના યાકૂબ સા.કિકયા (રહ.) દેવલાથી મવલાના યુસુફ અબ્દુલ્લાહ દેવલવી (રહ.)ને પોતાની કારમાં બેસાડી જંબુસર આવ્યા, અહિંયાથી અમે બંન્ને બેસી ગયા; હઝરત શૈખ (રહ.)ના સાથે બપોરે ખાધું; મવ.અ.રશીદ સાહબે અરજ કરી કે હઝરત મેરે જિમ્મે ઇસ સાલ તિર્મિઝી શરીફ પઢાના હે, મેં ચાહતા હું કે હમ સબને આપસે તિર્મિઝી શરીફ પઢી હે તો ઉસકી સનદ શાયેઅ કરકે તલબામેં તકસીમ કરદું! એના જવાબમાં હઝરત શૈખ (રહ.)એ ફરમાવ્યું "સનદ કી ઈશાઅત કરને કી જરૂરત નહિ હૈં, ઈશાઅત સે હદીષ કી બરકત ખતમ હો જાતી હે, ઝયાદા સે ઝયાદા જિસ દિન શુરૂ કરો ઉસ દિન બયાન કર દો, ઓર અગર આપકે શાગિર્દોમેં સે અગર કોઈ હદીષ પઢાતા હો ઉસે લિખ દો. હમારે મરને કે બાદ કોઈ ભી સનદ બયાન કર દેગા.
મવલાના સઈદ અહમદ બુઝુર્ગ મોહતમિમ જામિઅહ ઈસ્લામિયા ડાભેલના જીવન ચરિત્ર ઉપર હઝરત શૈખે એક લેખ લખ્યો હતો તે અમને આપ્યો અને ફરમાવ્યુ કે "આપ દોનો ઈસ મજમૂન કો વાપસ જાને સે પહેલે જરા દેખ લો; ઉસમેં અગર કોઈ બાત કાબિલે ઇસ્લાહ હો તો આપ દોનો નિશાનદહી કર દો. ઔર અભી થોડા આરામ કરલો. તે લેખ વાંચી ઝોહરની નમાઝ પછી હઝરત શૈખની ખિદમતમાં અમુક વાતો તરફ ધ્યાન અપાવ્યું અને તે બાબતો લેખમાંથી કઢાવી નાંખી. મવ.અ.રશીદ સા. પોતાના ઉસ્તાદની વાતને સામે રાખી અત્યાર સુધી તિર્મિઝીની સનદ પણ બયાન ન કરતા હતા એમ તલબાથી જાણવા મળ્યું.
અફસોસ જનક બાબત
એ છે કે જામિઅહ આણંદના શૈખ સા.ની મુલાકાતે જે સાથીઓ સાથે ગયો હતો તેમાંથી કોઈ એક પણ રહયું નહિં, શેખ સાદી (રહ.) એ લખેલ છે
હર દમ અઝ ઉમર મી રવદ નફસે ચું નિગાહ મી કુનમ નમાનદ બસે
દરેક ઘડીએ જીવનનો એક શ્વાસ જઈ રહયો છે, જયારે હું વિચારું છું ત્યારે લાગે છે કે હવે વધારે (સમય)બાકી રહયો નથી.
હર કે આમદ ઈમારતે નવ સાખ્ત રફત વ મંઝિલ બદીગરે પર્દાખ્ત
જે પણ આવ્યો તેણે નવી ઈમારત બનાવી, તે જતો રહયો, અને ઈમારત બીજા લોકો માટે ખાલી કરી ગયો.
બસે નામવર બ ઝમીન દફન કરદા અન્દ
કઝ હસ્તિયશ બરૂએ ઝમીન યક નિશાન નમાન્દ
ઘણાં નામચીન લોકોને ઝમીનના નીચે દફન કરી આપ્યા છે. જેમના અસ્તિત્વનો પૃથ્વી ઉપર એક નિશાન માત્ર પણ ન રહયું
આં પીર લાશા રા કે સુપુર્દન્દ ઝેરે ખાક
ખાકશ ચુંના બખુર્દ કે ઉસ્તુખ્વાં નમાન્દ
તે ઘરડી લાશને જમીનને સુપરત કરવામાં આવી; જમીને તેને એટલી ખાઈ કાઢી કે તેનું એક હાડકું પણ બચ્યું નહિં.
શૈખ સાઅદી (રહ.)ની આગલી શાયરી મારી જાતને સંબોધીને જણાવુ છું:
ખૈરકુન એ ફલાં વ ગનીમત શુમાર ઉમર ઝાં
પેશતર કે બાંગ બર આયદ ફલાં નમાન્દ
એ ફલાણાં ! કોઈ નેકી કરી લે અને ઉમરને ગનીમત જાણ, એનાથી અગાઉ કે એ અવાજ આવે કે ફલાણાં ન રહ્યા.
આપ (રહ.)ના અસાતિઝએ હદીષ
આપના તા'લીમી કાળમાં જામિઅહ આણંદ ગુજરાતની મશહૂર ઈલ્મી, તા'લીમી, તર્બિયતી દર્સગાહ હતી; મહાન અને પ્રખર અસાતિજએ કિરામનો મરકઝ હતો; જે પૈકી આપ મર્હૂમે (૧) હઝરત મવલાના ઈબ્રાહીમ સા. પાલનપુરી (કાલેળવી) (રહ.) (ખલીફએ અજલ હઝરત શૈખુલ હદીષ મવલાના ઝકરયા સા. રહ.) પાસે બુખારી શરીફ, સુનન તિર્મિઝી શરીફ, શમાઈલ તિર્મિઝી શરીફ અને (૨) મુફતી આદમ સાહબ પાલનપુરી ભીલવની (હાલ શૈખુલ હદીષ દારૂલ ઉલૂમ કાકોસી) પાસે અબૂ દાઉદ શરીફ અને (૩) હઝરત મવલાના ઇનાયતુલ્લાહ મદ્રાસી (રહ.) મુફસ્સિરે કુર્આન વલ હદીષ, શૈખુલ ઈસ્લામ મવલાના હુસૈન અહમદ મદની (રહ.)ના શાર્ગિદે ખાસ પાસે બાકી સિહાહ સિત્તા સાથે બૈઝાવી શરીફ સૂરએ બકરહ સુધી પઢવાની સઆદત નસીબ થઈ.
મદ્રસા તર્બિયતુલ બનાત ખાનપુર
બળી મુદ્દતમેં સાકી ભેજતા હે ઐસા મસ્તાના
બદલ દેતા હે જો બિગળા હુવા દસ્તૂરે મૈયખાના
આપ મર્હૂમે જામિઅહ જંબુસરમાં આવ્યા પછી આરિફ બિલ્લાહ હઝરત મુફતી અહમદ સા.ખાનપુરી દા.બ.ના મશવેરાથી હઝરતના ઇચ્છા મુજબ ગેર ઇકામતી – બોર્ડિંગ વિનાનો સ્થાનિક છોકરીઓ તા'લીમ લઈ શકે એવી ઉચ્ચ કક્ષાની તા'લીમ આપવા ખાતર મદ્રેસાની બુનિયાદ નાંખી, તે પછી આપ મર્હુમના પ્રયાસોથી મદ્રસાની જમીનની વ્યવસ્થા કરી ઈમારત પણ કાયમ કરી. મદ્રસામાં ઉચ્ચ દીની તા'લીમની સાથે સાથે કોમ્પ્યુટર અને સિવણ કલાસ, ભરતકલાસ સાથે અંગ્રેજી ભાષા પણ શીખવવાનું ચાલુ કર્યું.
આપના માટે સદકએ જારિયહ
ખાનપુરમાં ઉકત મદ્રસો, મસ્જિદો અને કબ્રસ્તાન તથા ઈદગાહની વ્યવસ્થા સાથે અનેક જગ્યાઓના દીની, મિલ્લી, રિફાહી કામો અને જામિઅહમાં આપના પાસે પઢેલ તલબા, ઉલમા આપના માટે સદકએ જારિયહ છે. અલ્લાહ પાક કબૂલ ફરમાવે. આમીન.
છેવટમાં શાયરની ભાષામાં:
બેગાંનગી નહી થી, બસ ઈતની દોસતી થી
મેં ઉનકો જાનતા થા વો મુજકો જાનતે થે.
હઝ.મવ.અ.રશીદ સાહબ નદવી ખાનપૂરી રહ.
વિશે દિલી પ્રતિભાવ અને છાપ
મુફતી અશરફ ઇબ્રાહીમ ભાના સારોદી સાહેબ દા.બ.
ઉસ્તાદે હદીસ જામિઅહ જંબુસર
પાછલા દિવસોમાં તા. ૨૯ સફર ૧૪૪૪ હિ./૨૭ સપ્ટેમ્બર ૨૦રર ના રોજ જામિઅહના ઉસ્તાદે હદીસ હઝ. મવ. અ.રશીદ નદવી ખાનપૂરી સાહેબ રહ. અલ્લાહની રહમતે પહોંચી ગયા. ઈન્નાલિલ્લાહ. જામિઅહમાં લગભગ ૧૬ વરસથી વધારે અમે મુદર્રિસ તરીકે પઢાવી રહયા હતા. આટલો લાંબો સમયગાળો જેમ જિંદગીમાં પોતાની છાપ છોડી જાય છે, એ જ પ્રમાણે મૃત્યુ વેળા પણ એટલો જ રંજ-ગમ આપી જાય એ સ્વભાવિક છે. દિલના આ દુ:ખને વ્યકત કરીને હળવા થવાની નિયતે જ જિંદગીમાં એમના થકી માણેલા સદવર્તન અને મૃત્યુ વેળા અનુભવેલી લાગણીઓ અત્રે લખી રહયો છું.
હઝરત મવલાના અ.રશીદ સાહબની ઉદાર દિલી
હઝરત શાહ વલીયુલ્લાહ સાહબ રહ. નું ફરમાન છે કે المعاصرة أصل المنافرة એટલે કે સમકાલીન પોતાના હમ જમાના અને સાથે કામ કરનાર કાર્યકરની ખૂબી અને કમાલ ઘણાં ઓછા બયાન કરે છે. પડતીના આ દિવસોમાં આ બુરાઈ દીનની હિફાજત કરનાર કિલ્લા એટલે કે દીની મદરસામાં પણ જોવા મળી રહી છે, એક પઢાવનાર બીજા પઢાવનારની વિશેષતાઓ અને ખૂબીઓનો ઘણી ઓછો સ્વીકાર કરે અને બયાન કરે છે, હાલાંકે અંબિયાએ કિરામની રીત આ હતી કે પહેલા આવનાર નબી પછી આવનાર નબીની ખુશખબરી બયાન કરતા હતા અને પછી આવનાર નબી પહેલા આવનાર નબીની વિશેષતાઓ સંભળાવતા હતા, જેમ કે કુર્આને કરીમ માં ઘણી જગ્યા એ છે. مُصدقاً لِمَا بَين يديه તેમજ સુરએ સફ માં ઈસા અલયહિસ્સલામનું કલામ વર્ણન કરવામાં આવ્યું છે : وَ مُبَشِّرًۢا بِرَسُوْلٍ یَّاْتِیْ مِنْۢ بَعْدِی اسْمُهٗۤ اَحْمَدُ આપણે ઉલમા અલ્લાહ તઆલાના ફજલ અને એહસાનથી અંબિયાના વારિસ છે અને નબવી કામોમાંથી એક અહમ કામ ઇલ્મ પઢવા-પઢાવવા દ્વારા દીનીની ખિદમત કરી રહ્યા છે તો આપણામાં પણ આ સિફત હોવી જરૂરી છે.
મર્હૂમ મવલાના અ.રશીદ સાહબમાં આ ખૂબી ઘણી જ સારી રીતે જોવા મળતી હતી, આપ જામિઅહમાં આપની સાથે પઢાવનાર ઉસ્તાદો તેમજ હમઉમર(સમવયસ્ક) ઉલમાની ખૂબીઓ અને કમાલનું દિલ ખોલીને વર્ણન કરતા હતા, અત્રે આ વિશે મારા સાથે બનેલ અમુક ઘટનાઓ અને કિસ્સાઓ રજૂ કરૂ છું.
આજથી આશરે સોળ વર્ષ પહેલા પઢાવવાના હેતુથી મારી નિમણુંક જામિઅહ, જંબૂસરમાં કરવામાં આવી, તો સંજોગો એવા બન્યા કે મારા બનેવી મવલાના ઈસ્માઈલ અદા દા.બ. જે જામિઅહ,જંબૂસરમાં જ પઢાવવાની ખિદમત આપતા હતા, તેમને લૂસાકા-જાંબિયા બુખારી શરીફ પઢાવવા જવાનું થયું.(જયાં આપે ચાર મહીના આ ખિદમત અંજામ આપી અને ફરી જામિઅહ,જંબૂસરમાં તશરીફ લાવ્યા) તો મવલાના અ.રશીદ સાહબ રહ. (જેઓ જામિઅહમાં મારા કરતાં દસ વરસ જૂના મુદર્રિસ હતા) મને મળ્યા અને કહેવા લાગ્યા, તમારા મોટા ભાઈ મવલાના મુફતી ઈસ્માઈલ સાહબ ભાના(દા.બ.)(ઉસ્તાદે હદીસ અને મુફતી દારૂલ ઉલૂમ, કંથારીયા) મારા લુણાવાડાના ઝમાનામાં પઢાવવાના સાથી થાય છે અને ત્યાં અમારા બંને વચ્ચે ઘણા સારા સંબંધો હતા. ઉપરાંત આપના બનેવી મવલાના મુફતી ઈસ્માઈલ અદા (દા.બ.)પણ મારા નિકટના દોસ્ત થાય છે, માટે આપને કોઈ પણ જરૂરત હોય અથવા હું તમારા કોઈપણ પ્રકારના કામમાં મદદરૂપ થઈ શકતો હોય તો મને દોસ્ત અને ભાઈ સમજી જાણ કરશો, સાચે જ એક નવા મદ્રસામાં નવા નિયુક્ત ઉસ્તાદ માટે આ શબ્દો ઘણી જ ખુશી અને દિલી સૂકનનું કામ કરે છે.
બીજો એક બનાવ પણ રજૂ કરૂ છું, જામિઅહમાં પઢાવવાના શરૂના દિવસોમાં મારો અને તેમનો વર્ગખંડ અને કલાસ સાથે જ હતો, અને આકાસ્મિક પણે મારી જરૂરી કિતાબો પઢાવવાના પિરીયડના સમયે મવલાના મર્હૂમના પિરીયડ સબકની તૈયારી કરવાના હેતુએ મદ્દસા તરફથી ખાલી રાખવામાં આવ્યા હતા, સદ નસીબે મવલાના મારો સબક સાંભળતા હતાં, એક દિવસ કહેવા લાગ્યા કે તમે ઘણી જ મહેનત કરીને સબક તૈયાર કરો છો અને તેને ખુલાસો પણ મનમોહક અંદાજમાં બયાન કરો છો. આ પણ મવલાના મર્હૂમની ઉદાર દીલીનો ખુલ્લો નમૂનો છે.
મવલાના મર્હૂમ જામિઅહમાં તિરમીઝી શરીફનો દર્સ વર્ષોથી આપતા હતા, તેમાં એક હદીસ આવે છે કે "ગરકદ નામનું ઝાડ યહૂદીઓનું છે” એક વાર મને કહેવા લાગ્યા કે હદીસ શરીફમાં ગરકદ નામના ઝાડને યહૂદીઓનું ઝાડ કહેવામાં આવ્યું છે, તેનું સચોટ કારણ સમજમાં નથી આવતું, ઘણી બધી કિતાબોમાં પણ તલાશ કરી, તેમ છતાં કોઈ સચોટ કારણ નથી મળતું, આપને જાણ હોય અથવા મળી જાય તો જાણ કરશો.
આ બાબત મેં અને મારા બિરાદર દોસ્ત મવલાના મુફતી ફરીદ સાહેબે કિતાબો તેમજ ઈન્ટરનેટ ઉપર તપાસ કરી, ઘણી તપાસ અને શોધખોળ બાદ તફસીરે કુરતુબીમાં એક વાત મળી કે હઝરત મૂસા અલ.ની લાકડી ગરકદ નામના ઝાડની હતી, આ વાત જણાવી મે કહયું કે કદાચ ઈસરાઈલમાં આજ કારણે ગરકદ ઝાડને વધુ પ્રમાણમાં રોપવામાં આવે છે, આ વાતથી મવલાના ઘણા જ ખુશ થયા અને કહેવા લાગ્યા, હા, આ જ કારણ હશે.
આ વાતથી તે પણ સમજી શકાય છે કે આપ ઘણી જ મહેનતથી તૈયારી કરી, એક-એક નાની મોટી બાબત શોધી સમજી સબક પઢાવતા હતા.
નોટ: એક વાતની ચોખવટ કરવું જરૂરી સમજું છું કે તફસીરે કુરતુબીમાં સહીહ ગેર સહીહ બન્નેવ પ્રકારની વાતો છે, અને બીજા મુફસ્સીર અલ્લામા અહમદ સાવી રહ.એ જલાલૈનનું વિવરણ કરતા લખ્યું છે કે મુસા અલ.ની લાકડી "આસ" નામના ઝાડની હતી, અને આ પણ ધ્યાન રહે કે બન્નેવ વાતો ઈસરાઈલી રિવાયતમાંથી છે.
હઝરત મવલાનાની વફાત સમયે અનુભવેલ નેકફાલી (શુભ સંકેતો)
અત્રે મવલાનાની વફાત પછી તેમના જન્નતમાં ઉચ્ચ સ્થાન પ્રાપ્ત થયું હશે, તેવા યકીન સાથે આપની વફાત વિશે અમૂક નેક ફાલ (શુભ સંકેતો) રજૂ કરૂ છું.
કુર્આને કરીમમાં છે કે ગુનેહગાર, જાલિમ અને અલ્લાહ તઆલાના નાફરમાન બંદાઓ મૃત્યુ પામે છે તો જમીન-આસ્માન કોઈને અફસોસ હોતો નથી, જેમ કે ફિરઓન અને તેની કોમના હલાક થવા વિશે બયાન કરતાં કુર્આને કરીમમાં છે:,فَمَا بَكَتْ عَلَیْهِمُ السَّمَآءُ وَ الْاَرْضُ અર્થાત તેમની હલાકત પર આસ્માન-જમીનને કોઈ અફસોસ નથી, જેના લઈ આસ્માન અને ધરતી રડયાં પણ નથી. આયતથી માલૂમ થાય છે કે અલ્લાહ તઆલાના નેક બંદાની વફાત પર જમીન-આસ્માન પણ અફસોસ કરે છે, આસ્માન રડે છે, તો જમીન તેના સ્વાગત માટે તૈયાર હોય છે, મવલાના મરહૂમ રહ.ની વફાત સાડા બાર વાગ્યાની આસ-પાસ થઈ અને તેના એક-દોઢ કલાક પછી વરસાદ પડયો, જેથી કહી શકાય છે કે આપની વફાત પર આસ્માન અને જમીને અફસોસ કરી આસ્માને આસું વહાવ્યા અને આસ્માન રડી અફસોસ કરવા લાગ્યું કે હવે આ નેક વ્યકિતને દીનની ખિદમત કરતાં નહીં જોઈ શકું.
બીજી એક નેક ફાલી આ પણ છે કે મવલાના રહ. જયારે નડીયાદ હોસ્પિટલમાં દાખલ હતાં, ત્યારે બિમારીની અવસ્થામાં આપને ભાન રહેતું ન હતું. કોઈ વ્યકિતને ઓળખતા ન હતાં અને શું બોલી રહ્યા છે, તેની પણ જાણ હોતી ન હતી, તે દિવસોમાં જામિઅહથી હું અમૂક ઉસ્તાદો સાથે મુલાકાત અને ખબર – અંતર માલૂમ કરવા ગયો, તો આપે મને જોઈ સ્મિત આપ્યું, આપ યાદ શકતી ન હોવાના લઈ મને ન જાણતા હોવા છતાં પુછયું તમે ખાવા વિગેરેથી ફારિંગ થઈ ગયા? તો મેં જવાબ આપતાં કહ્યું હા, તો આપ કહેવા લાગ્યા, અહીં જ જમી લેજો, અહિંયા જન્નતમાંથી ખાવા આવે છે, મુમકિન છે કે જન્નતથી આપના ખાવાનો ઈન્તેજામ અલ્લાહ તઆલાએ કરી આપ્યો હશે, અને આ ઘણી જ ખુશ નસીબીની વાત છે.
ત્રીજી એક નેક ફાલી આ છે કે હઝરત મવલાના રહ.ના જનાઝામાં ઘણાં જ લોકો આમ, ખાસ તથા બુઝુર્ગો, ઉલમા અને સામાન્ય માણસો ઉપસ્થિત હતા, તે જોઈ નુબુવ્વત કાળનો એક બનાવ અને આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની ખુશખબરી યાદ આવે છે કે પેગમ્બર સલ્લલ્લાહુ અલયહી વ સલ્લમ એક મજલિસમાં મૌજૂદ હતા અને સામેથી એક જનાઝો પસાર થયો, અને લોકોએ મરનાર વિશે સારા હોવાની વાત વર્ણવી તો આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે ફરમાવ્યું,: વજબત (તેઓ માટે જન્નત વાજિબ થઈ ગઈ) પછી બીજો જનાઝહ પસાર થયો તો લોકોએ એના વિશે અવળી વાતો કહી તો નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે ફરમાવ્યું : વજબત. (એના માટે જહન્નમ નક્કી છે.) પછી અલ્લાહના રસૂલ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે ફરમાવ્યું : તમે બધા જમીન ઉપર અલ્લાહ તઆલાના મુનાદી—ગવાહ છો. (બુખારી શરીફ)
છેલ્લે બસ આજ કહું છું કે આ દુનિયામાં લોકોની અવર-જવર હમેંશા ચાલુ રહે છે, દરેક વ્યકિતની મોત હયાત નકકી જ છે.
મોત સે કિસકો રૂસ્તગારી હે
આજ વહ કલ હમારી બારી હે
પરતું અમુક લોકોની વફાત દિલને જખ્મી અને ગમગીન કરી નાખે છે, દિલ તે સદમાને કબૂલ કરવા તૈયાર નથી હોતું, પરંતુ "મરજીએ મવલા અઝ હમા અવલા'ના કાયદા મુજબ અલ્લાહ તઆલાના ફેસલાને ખુશીથી કબૂલ કરવો જોઈએ અને આજ સિદ્દિકિય્યતનું મકામ છે.
ઉમ્મતે મુહમ્મદીયા સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ માટે બધાથી મોટો ગમનો પહાડ આપ સલ્લલ્લાહુ અલયહી વ સલ્લમની વફાત છે, અને કોઈ પણ પ્રકારની કુર્બાની આપી કોઈનો જીવ બચાવી શકાય અથવા પાછો લાવી શકાતો હોત તો આપ સલ્લલ્લાહુ અલયહી વ સલ્લમ પર જીવ ન્યોછાવાર કરનાર સહાબાએ કિરામ પોતાની હજારો જાનો આપીને આપનો જીવ બચાવી લેત.
ولو كان في الدنيا بقاء لساكن
لكان رسول الله فيها مخلدا
وما احد ينجو من الموت سالما
و سهم المنايا قد أصاب محمدا
મવલાનાની વફાત તેમના ઘર, ખાનદાન અને ખાનપુરના લોકો તેમજ જામિઅહ, જંબૂસર અને તેનાથી સંબંધ ધરાવનાર દરેક વ્યકિત માટે ઘણો જ મોટો સદમો અને અફસોસ જનક ઘટના છે, બસ અલ્લાહ તઆલાથી દુઆ છે કે આપની મગફિરત ફરમાવે, સગા સંબંધીઓને સબ્રની તવફિક આપે, અને જામિઅહ અને સગા સંબંધીને તેમના બેહતરીન નાયબ અતા ફરમાવે. આમીન.
પ્રિય મિત્ર મવ.અ.રશીદ સાહેબ ખાનપુરી રહ.
ઉસ્તાદે હદીસ : જામિઅહ ઉલૂમુલ કુર્આન જંબુસર
હઝ. મવ. અબ્બાસ બાબર દેવલ્વી સા. દા.બ.
ઉસ્તાદ જામિઅહ જંબુસર
જન્મ:૨૯/૦૬/૧૯૬૨,ઈસ્લામી તા.:૨૬/૦૧/૧૩૮૨ હિજરી.જન્મભૂમિઃખાનપુરદેહ,તા.જંબુસર જી.ભરૂચ (ગુજરાત) વફાત : ૨૭/૯/૨૦૨૨, ઈસ્લામી તા. : ૨૯/૨ / ૧૪૪૪ બુધવાર કુલ વય: ઈ.સ. પ્રમાણે ૬૦ વર્ષ અને ૩ મહીના. હિ.સ. પ્રમાણે ૬૨ વર્ષ અને ૨ મહીના
પ્રાથમિક તાલીમ :
આપ (રહ.) એ મકતબની સંપૂર્ણ તાલીમ પિતૃભૂમિ ખાનપુરદેહમાં પ્રાપ્ત કરી, તેમજ ફારસીની સંપૂર્ણ તાલીમ પોતાના માનનીય મામા હઝરત મૌલાના ઇસ્માઈલ ભાયજી (રહ.) પાસે ગામમાં જ પૂર્ણ કરી, મૌલાના (રહ.) પોતાના મામાજાન હઝરત મૌલાના ઇસ્માઈલ સાહેબ (રહ.)ની સલાહીયત અને લાયકાતના ખૂબ વખાણ કરતા. ફરમાવતા કે જો તેમને શરૂઆતમાં જ કોઈ મોટા ઇદારા (દારૂલ ઉલૂમ)માં પઢાવવાનો મોકો મળ્યો હોત તો આજે તેઓ (મામા) ખરેખર શૈખુલ હદીસ હોત.
ગામમાં ફારસીની તાલીમ પૂર્ણ કર્યા પછી આપ (રહ.) આગળ તાલીમ માટે દારૂલ ઉલૂમ ફલાહે દારૈન તડકેશ્વરમાં ગયા. ત્યાં એક વર્ષમાં અરબી (૧) પઢયું અને ત્યાર પછી બીજા વર્ષે તે સમયમાં તાલીમ અને તરબીયતમાં વિખ્યાત અને પ્રાચીન ગુજરાતની દીની દર્સગાહ જામિઅહ અરબિય્યહ તા'લીમુલ ઈસ્લામ આણંદ ગયા, જયાં તે સમયે પ્રખર અને કાબેલ મુદર્રિસો હઝરત મૌલાના ઈસ્માઈલ સાહબ સંભલી (રહ.), મૌલાના ઈનાયતુલ્લાહ મદ્રાસી, મૌલાના ઈબ્રાહીમ સા. પાલનપુરી (રહ.), મૌલાના આદમ સા. પાલનપુરી (મુ.ઝિ.), મૌલાના મુફતી ઈસ્માઈલ સા. ભડકોદ્રવી (રહ.) (ભૂતપૂર્વ શૈખુલ હદીસ : જામિઅહ જંબુસર અને સદર મુફતી—ઉસ્તાદે હદીસ દારૂલ ઉલૂમ કંથારીયા) વગેરે હસ્તીઓ પાસે તાલીમ મેળવી આલિમનું પ્રમાણ પત્ર અને દસ્તારે ફઝીલત પ્રાપ્ત કરી.
જામિઅહ આણંદથી ફારિંગ થયા પછી આપ (રહ.) આગળ વિશેષ તાલીમ માટે દારૂલ ઉલૂમ નદવતુલ ઉલમા (યુ.પી.) તશરીફ લઈ ગયા અને ત્યાં ચાર વર્ષ રોકાયને અરબી અદબ (સાહિત્ય) નો કોર્ષ પૂર્ણ કરી તેનું પ્રમાણપત્ર મેળવ્યું. નદવાના વિદ્યાર્થીકાળ દરમિયાન મુફક્કિરે ઈસ્લામ હઝરત મૌલાના અબૂલહસન અલી મિયાં (રહ.)ની સોહબતમાં રહી, તેમનાથી બની શકે એટલો દીની ફાયદો ઉઠાવવાની કોશિશ કરી. તેથી જ આપ (રહ.) હઝરત અલી મિયાં (રહ.)ના ચાહક હતા, તેમની કિતાબોનું ખૂબ વાંચન કરતા અને તલબાને પણ તે કિતાબો પઢવાની પ્રેરણા આપતા, તેમજ જલસાઓ અને બયાનો વગેરેમાં સામાન્યપણે આપ હઝરત અલી મિયાં (રહ.)ની કીમતી વાતો જનમેદની સમક્ષ નકલ ફરમાવતા.
સબક અને તાલીમ
નદવાથી તાલીમ પૂર્ણ કર્યા પછી ત્રણ ચાર મહીના પોતાના ગામ ખાનપુરદેહમાં રહયા, ત્યાર પછી તેમના પિતાના કહેવાથી હઝરત મૌલાના ઈબ્રાહીમ સાહેબ ભુરા ખાનપુરી (ઉસ્તાદે હદીસ દારૂલ ઉલૂમ માટલીવાલા) સાથે જામિઅહ રશીદિય્યહ નાની નરોલી, જી. સુરત ખાતે પઢાવવા તશરીફ લઈ ગયા. ત્યાં દોઢ વર્ષ સુધી ખિદમત આપી, ત્યાર પછી ત્યાંથી રાજીનામું આપી દારૂલ ઉલૂમ લુણાવાડામાં ઉસ્તાદ તરીકે આપની નિમણુંક કરવામાં આવી ત્યાં સતત દસ વર્ષ સુધી પ્રારંભિક દરજાની કિતાબો તથા હદીસની સેવાઓ આપી, ત્યાં પ્રારંભિક કિતાબોથી પ્રગતિ કરતા કરતા ઉચ્ચતર કિતાબો સુધી પહોંચ્યા.
ત્યાર પછી તેઓ કુવૈત ચાલ્યા ગયા અને ત્યાં લગભગ અઢી વર્ષ સુધી રહયા, પરંતુ આપ (રહ.) શ્રેષ્ઠ લાયકાત ધરાવતા વ્યકિત હોય, તેમજ તેમનો સ્વભાવ પણ તાલીમ - તરબિયત અને દીની સેવા કરવાનો હતો, જેથી તેઓ નોકરીને અલવિદા કહી પુનઃ ભારત તશરીફ લઈ આવ્યા. એ દિવસોમાં આ પ્રદેશના કેન્દ્રિય શહેર જંબુસરમાં થોડા વર્ષો પહેલા જ જામિઅહ ઉલૂમુલ કુર્આન" ની સ્થાપના થઈ હતી અને અરબી (૩) સુધી તાલીમ પહોંચી હતી અને દિવસોમાં ઈ.સ. ૧૯૯૬માં જામિઅહ જંબુસરમાં આ૫ની નિમણૂક થઈ, જયાં છેલ્લી ઘડી સુધી લગભગ ૨૬ વર્ષ સુધી કુર્આન અને હદીસની ખિદમત આપતા રહ્યા.
જામિઅહ જંબુસરમાં મૌલાના (રહ.) ની ખિદમત
મૌલાના જામિઅહના મકબુલ મુદર્રિસ હતા, પ્રારંભિક વર્ષોમાં તો આપની પાસે અરબી ૧ થી તમામ કલાસોની કિતાબો પઢાવવાની જવાબદારી હતી. ત્યાર પછી ધીરે ધીરે જામિઅહમાં તાલીમી દરજાઓ વધતા ગયા અને મૌલાના (રહ.) પ્રગતિ કરતા ગયા, અંતિમ ૧૦ – ૧૨ વર્ષોમાં આપના માથે અરબી ૪ થી દૌરએ હદીસ સુધીની વિવિધ કિતાબોના દર્સની જવાબદારી આવી. આપ (રહ.) સબકની પૂર્વ તૈયારી અચૂક કરતા, પાબંદી સહિત પોતાના સબકની જવાબદારી આપ (રહ.) અંજામ આપતા.
હઝરત મૌલાના (રહ.) ને અલ્લાહ તઆલા તરફથી તકરીર ભાષણ અને લેખનની શ્રેષ્ઠ નેઅમત અર્પણ કરવામાં આવી હતી, જેથી આપ (રહ.) એ આ નેઅમતથી પણ ભરપુર લાભ ઉઠાવ્યો, આ સંદર્ભે તલબા પર ઉત્સાહ પૂર્વક ધ્યાન આપતા, તલબામાં બયાન અને તકરીર કરવાની સલાહીયત પેદા થાય તે માટે તલબાને અવાર નવાર માર્ગદર્શન અને પ્રોત્સાહન આપતા રહેતા. તેમજ જામિઅહના તલબામાં લેખનનો શોખ પેદા થાય તે હેતુ તલબામાં લેખનકલાની સ્પર્ધાઓનું આયોજન પણ કરતા, તે માટે કઈ કિતાબો અને પુસ્તકોનું વાંચન કરવું તે તરફ તલબાને માર્ગદર્શન આપતા. લેખનની રીત શિખવતા. તલબાના લેખો અને નિબંધોનું બારીકાઈથી નિરિક્ષણ કરતા અને યોગ્ય સુધારા-વધારા તરફ તલબાનું ધ્યાન દોરતા અને પ્રોત્સાહન આપતા.
આપ (રહ.) જાતે એક જાણીતા પ્રવકતા ઉપરાંત એક શ્રેષ્ઠ લેખક પણ હતા. જેથી જામિઅહ તરફથી આયોજિત વિવિધ જલસાઓમાં આ૫ બેહતરીન તકરીર પણ ફરમાવતા. ઉપરાંત નવા અને જુના શાયરોની સેંકડો શાયરીઓ આપ (રહ.) ને યાદ હતી, જેને તેઓ વારંવાર જલસાઓમાં લોકો સમક્ષ રજૂ કરતા, વળી જાતે પણ શાયર હોય જરૂરત મુજબ જાતે પણ શેર (શાયરી) લખતા અને બોલતા હતા. જામિઅહના વાર્ષિક તથા અન્ય મહત્વપૂર્ણ જલસાઓમાં એનાઉન્સરની જવાબદારી પણ આપના શીરે જ રહેતી, મેં જે એનાઉન્સરો મારી નરી આંખોએ જોયા એમાં આપનું સંચાલન જ સૌથી સારું અનુભવ્યું છે.
અલ્લાહ તઆલાએ અર્પિત કરેલ આ ખૂબીનો ઉપયોગ કરી દરેક જગ્યાએ જામિઅહની ખૂબ જ સરસ તરજુમાની કરતા. આટલી બધી ખુબીઓ છતાં આપ (રહ.) અત્યંત વિનમ્ર હતા, મિત્રો અને સાથીઓની મજલિસમાં કદી પણ અલગથી સ્થાનની તલાશમાં રહેતા ન હતા.
મિલ્લી તથા સાર્વજનિક સેવાઓ
યુવાન છોકરીઓ દીનદાર બને એ હેતુસર આપ (રહ.) એ આપના વતન ખાનપુરદેહમાં "જામિઅહ તરબીયતુલ બનાત'ના નામથી છોકરીઓના મદૂસાની પણ સ્થાપના કરી છે, જેના સરપરસ્ત પીરે તરીકત મુફતીએ ગુજરાત હઝરત અકદસ મૌલાના મુફતી અહમદ સાહબ ખાનપુરી (દા.બ.) (શૈખુલ હદીસ જામિઅહ ઈસ્લામિય્યહ તાલીમુદ્દીન ડાભેલ) છે. મદ્રસા બનાતના કિયામ માટે આર્થિક મદદ અને તેની તાલીમ અને તરબીયતની સુધારણા અને પ્રગતિ માટે સદા ફિકરમંદ અને તત્પર રહેતા હતા.
આ સિવાય રાજસ્થાન, મેવાત અને ઝારખંડ વગેરે જેવા આર્થિક રીતે પછાત વિસ્તારોમાં અનેક મકાતિબ અને મદારિસની સ્થાપના આપ (રહ.) એ કરી. જેની તાલીમ, તા'મીરી અને તરબીયતી પ્રગતિમાં દર વર્ષે આપ પોતાનો મોટો હિસ્સો લગાવતા હતા. મૌલાના (રહ.) ગરીબો અને વિધવાઓની છુપી રીતે ખૂબ મદદ કરતા, ઉપરાંત જામિઅહના ગરીબ તલબાને પણ મદદ કરતા, પરંતુ આ બધી સખાવત અને મદદ ખામોશી અને એકાંતમાં અંજામ આપતા હતા. જેની લોકોને પણ જાણ ન હતી થતી.
મારી સાથેના સંબંધો અને ઓળખાણ
આમ તો હું અને મૌલાના (રહ.) સમકાલીન હતા, અમારો વિદ્યાર્થીકાળ પણ એક જ છે, એટલા માટે હું મૌલાના (રહ.)ને પહેલેથી જ ઓળખતો હતો, અલબત્ત સંબંધો અને મિત્રતા ગાઢ ત્યારે બની જયારે કે મૌલાના (રહ.)ની જામિઅહ જંબુસરમાં નિમણૂક થઈ. જામિઅહમાં ઘણા કાર્યો અમે સાથે કરતા હતા, તેઓ મારા સફર અને હઝરના સાથી હતા, મસાજીદ અને મકાતિબ તથા અન્ય ઘરેલૂ કામોમાં અમે પરસ્પર સલાહ - મશ્વરો કરતા હતા.
મૌલાના (રહ.) જે કમાલાત અને ખુબીઓના માલિક હતા તે આધારે મુસલમાનો અને ખાસ કરી ઉલમા વર્ગ માટે આપની વિદાઈ આજના સમયનું ખૂબ મોટુ નુકસાન છે. અલ્લાહ તઆલાથી દુઆ છે કે અલ્લાહ તઆલા તેમની મગ્નિરત ફરમાવે, ગુનાહોથી દરગુઝર ફરમાવે. અને જન્નનતમાં ઉચ્ચ સ્થાન નસીબ કરે. (આમીન)
કાબેલ અને વિદ્વાન આલિમે દીન
હઝ. મવ. અ.રશીદ નદવી ખાનપૂરી રહ.
વ્યકિતત્વનો આછો ચિતાર આપતી અમુક વાતો અને યાદો
પાછલા દિવસોમાં જામિઅહના ઉસ્તાદે હદીસ જનાબ હઝરત મવલાના અ.રશીદ નદવી સાહેબ દા.બ. ટુંકી માંદગી બાદ અલ્લાહની રહમતે પહોંચી ગયા. ઈન્નાલિલ્લાહ..
એક આદર્શ આલિમનું વ્યકિતત્વ કેવું હોય ? એનો આપ રહ. લગભગ સાચો નમૂનો હતો. વ્યકિતગત ખૂબીઓ, નેકીઓ, સંસ્કાર, મુત્સદ્દીપણું, સમાજ સેવા અને નેતૃત્વ – માર્ગદર્શન.. બધી બાબતે આપ રહ. કાબેલ હતા. એટલે જ એમની વફાત સમાજ માટે મોટી ખોટ ગણાશે એ સ્પષ્ટ છે.
આપણી પરંપરા મુજબ મદરસાથી તાલીમ પૂર્ણ કરીને સમાજ વચ્ચે આવનાર યુવાન જો ઇલ્મ — વિદ્યામાં કાબેલ હોય તો એની પ્રથમ પસંદ દીની તાલીમમાં પ્રવૃત થવાની જ હોય છે, એ જ વિચાર એમનો પણ ગણી શકાય. વાલી - વાલિદ પણ દીની સેવા અને આખિરતને સામે રાખીને આ ક્ષેત્રમાં જ સેવા આપવાની નિય્યત રાખતા હતા. એમના વ્યકિતત્વ, વિચારદ્રષ્ટિ અને કાર્યપદ્ધતિને સમજનારા જાણે છે કે તેઓ કોમ અને સમાજની સેવા કરવા ઘણી સારી રીતે સક્ષમ હતા. છતાં તેઓ તાલીમી – તરબિયતી ક્ષેત્રમાં પ્રવૃત થયા અને એને જ પોતાની દીની–દુન્યવી મહેનતનું છેલ્લું લક્ષ્ય સમજીને ખિદમત આપતા રહ્યા.
ખાનપૂરમાં આપ રહ. પેદા થયા. પ્રતિષ્ઠિત અને દીનદાર ખાનદાન હોવાથી અને આપણા ગામડાઓમાં આરંભિક દીની- દુન્યવી તાલીમની સારી વ્યવસ્થા હોવાથી ગામમાં જ તાલીમની શરૂઆત થઈ. સદનસીબે તાલુકામાં વડીલ આલિમનો મોભો ધરાવતા મર્હૂમ બુઝુર્ગ મવલાના ઇસ્માઈલ ભાયજી રહ. આપના મામા હતા, એટલે નાઝિરહ પછી ફારસી પણ ગામમાં પઢી લીધું. પછી તડકેશ્વર થઈને આણંદ પહોંચ્યા. આણંદમાં તાલીમ પૂરી કરીને ફારિંગ થયા અને અરબીની ઉચ્ચ તાલીમ માટે નવદતુલ ઉલમા લખનઉમાં પ્રવેશ મેળવ્યો. અહિંયા બે વસ્તુઓ મહત્વની હતી. અરબી ભાષાની ઉચ્ચ-વ્યવહારુ તાલીમ અને હઝરત મવલાના સય્યિદ અબુલ હસન અલી મીયાં રહ. જેવા બુઝુર્ગની કેળવણી અને સોહબત. મર્હૂમ મવલાના અ. રશીદ સાહેબ રહ. અરબી ભાષા ઉપર ઘણું સારું પ્રભુત્વ ધરાવતા હતા અને મવલાના અલી મીયાં રહ.થી ઘણા જ પ્રભાવિત – અકીદતમંદ હતા, એટલે કહી શકાય આ બે આકર્ષણોના કારણે જ તેઓ નદવહ ગયા હશે અને એમણે આ તાલીમ દરમિયાન આ બંને બાબતોને પૂરી રીતે આત્મસાત પણ કરી.
તાલીમ પૂર્ણ કર્યા પછી એક બે વરસ નરોલી ખાતે સેવા આપી અને પછી દારૂલ ઉલૂમ લુણાવાડા ખાતે આપ રહ. પહોંચ્યા અને દસ વરસ ત્યાં તાલીમી સેવા આપતા રહ્યા. પછી બે - ત્રણ વરસ કુવૈત રોજગાર માટે રહયા અને પાછા વતન આવ્યા અને જામિઅહ જંબુસરમાં દીની તાલીમ અને તરબિયતની સેવામાં પ્રવૃત થયા.
જામિઅહમાં તે વેળા હજુ અરબી - ૩ સુધીની તાલીમ હતી, અલબત્ત દરવરસે એક એક કલાસ તાલીમ આગળ વધી રહી હતી. જામિઅહના સ્થાપક, સંચાલક અને મોહતમિમ મુફતી અહમદ દેવલા સાહેબ પોતે અને એમણે પસંદ કરેલા વધુ પડતા ઉસ્તાદો જૂના અને અનુભવી હતા. એટલે પ્રથમ દિવસથી જ મદરસાનું સંચાલન અને દરેક કલાસની તાલીમ... બધું એવી રીતે આગળ વધી રહયું હતું જેમ દાયકાઓ જૂના મદરસાઓમાં થતું હોય છે. એક નવા શરૂ થયેલા મદરસાને અને એની તાલીમી – તરબિયતી વ્યવસ્થાને આવી પાકટ અને દઢ બનાવવા માટે મોહતમિમ અને ઉસ્તાદો - શિક્ષકોએ બમણી બલકે અનેક ગણી વધારે મહેનત કરવી પડતી હોય છે. આ બધી મહેનતોના કિસ્સાઓ અને દાસ્તાનો જામિઅહના જૂના ઉસ્તાદો પાસેથી આજે પણ સાંભળવા મળે છે, મર્હૂમ મવલાના રહ.નો પણ આ બધામાં મોટો ફાળો હતો.
હું નાચીઝ આ મદરસામાં આવ્યો ત્યારે જામિઅહની તાલીમ દવરહ સુધી પહોંચી ગઈ હતી, બે જમાઅતો ફારિંગ થઈ ચુકી હતી. મવલાના રહ. તિરમિઝી શરીફ પઢાવતા હતા અને એવું લાગતું ન હતું કે જામિઅહ હજુ આગળ વધી રહયો છે, બલકે આગળ વધી ચુકયો હતો અને અગાઉ લખ્યું એમ દાયકાઓ જૂના મદરસાની જેમ ચાલી રહયો હતો. તલબાઓ માંહે લેખન - વાંચનનો શોખ સ્પષ્ટ દેખાતો હતો. આ બધું સામુહિક મહેનત અને કોશિશોનું જ ફળ હતું એ નક્કી છે, એવી જ રીતે આ પણ સ્પષ્ટ હતું કે આ બધી મહેનતોમાં મવલાના મર્હૂમ પણ શામેલ હતા અને તલબા પાછળ મહેનત કરવામાં પાછળ ન હતા.
કોઈ નવી સંસ્થા, પેઢી, ઈદાર અથવા કોઈ પણ પ્રકારનું સામુહિક કામ શરૂ કરવામાં આવે ત્યારે અત્યંત કાબેલ લોકો પણ ઘણા નાના કામો પોતે કરતા હોય છે, પછી જેમ સંસ્થા આગળ વધે છે એમ નવા માણસો, કાર્યકરો અને હોદ્દેદારો એમાં શામેલ થતા જાય છે. આવી સ્થિતિમાં જૂના માણસો અને જવાબદારોના દિલમાં સંસ્થા પ્રત્યે પોતીકાપણાની લાગણી હોય છે. એક પટાવાળો અને સફાઈ કર્મી પણ એમ બોલતો હોય છે કે આ પેઢીને મેં આગળ વધારી છે, અને મારી આવી અને તેવી કુરબાની છે, વગેરે. અને આવા સંજોગોમાં કોઈ નવો માણસ આવે તો એને સ્વીકારવો જૂના માણસો માટે અઘરું હોય છે. અલબત્ત જામિઅહના સ્થાપકો મોહતિમમ સાહેબ દા.બ.એ જે વિશાળ દ્રષ્ટિએ જામિઅહની શરૂઆત કરી હતી એ જ માપદંડે કાબેલ અને વિશાળ હદયના માણસો શરૂઆતના તબક્કે જ જામિઅહમાં ભેગા કર્યા હતા. એટલે પાછળથી અનેક ઉસ્તાદો જામિઅહમાં આવ્યા અને પાછળથી આવનારા ઉસ્તાદો ઘણા કામોમાં જૂના ઉસ્તાદોના સમકક્ષ પણ બનાવવામાં આવ્યા, પણ કોઈને આ બાબતે રજમાત્ર અણગમો ન હતો.
મારી જ વાત કરું તો ૨૦૦૦ ઈ.માં ધરતીકંપ વાળા વરસે હું જામિઅહમાં આવ્યો હતો. એક બે વરસ પછી જામિઅહ દ્વારા 'અલબલાગ'નું પ્રકાશન શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો.મદરસામાં હઝ.મવ.બશીર સાહેબ દા.બ./હઝ.મવ.ઇકબાલ સાહેબ દા.બ./મવ.મુફતી ઇસ્માઈલ અદા સાહેબ.દા.બ./મવ.અબ્બાસ બાબર સાહેબ દા.બ./અને મર્હૂમ મવલાના અ.રશીદ નદવી સાહેબ રહ. જેવા કાબેલ, જૂના અને અનુભવી લેખકો મોજૂદ હતા. એવામાં આ લોકો સાથે જ મને પણ અલબલાગના સંપાદનમાં શામેલ કરવામાં આવ્યો. મારા માટે આ અજુગતી વાત હતી, પણ મેં અનુભવ્યું કે બધા જ બુઝુર્ગોએ એક નવા નિશાળિયાને એવું ન લાગવા દીધું કે નવો છે કે બિનઅનુભવી છે, બલકે મારી સાથે મારી હેસિયતથી વધારે જ વર્તન કર્યું અને આજે પણ એમનું આ એહસાન જારી છે. અલબલાગના અનુસંધાને ઘણા કોમી મિલ્લી વિષયોએ મવલાના મર્હૂમ સાથે ચર્ચા કરવાનો અને એમના વિચારોથી પરિચિત થવા અને અનુભવોથી લાભાંવિત થવાનો મોકો મને મળ્યો છે. મેં જોયું કે કોઈ પણ વિષયે કામચલાઉ કે અધૂરી માહિતીના આધારે કામ કરવાને તેઓ પસંદ કરતા ન હતા. અલબલાગ શરૂ થયું ત્યારે ઇસ્લામી સાહિત્ય અને મુસ્લિમ મીડીયાને લગતા પુસ્તકોનું ગહન વાંચન કરીને અલબલાગ માટે લેખો લખ્યા હતા. ગુજરાતના મુસ્લિમ વિદ્વાનોની સેવાઓના વિષયે જામિઅહમાં રાબેતએ અદબે ઈસ્લામીનો સેમિનાર યોજવાનું નક્કી થયું તો ગુજરાતના મુસ્લિમ ઇતિહાસ વિશે ગહન અને ઊંડો અભ્યાસ કર્યો, ઇસ્લામ પૂર્વેથી લઈને આજ સુધીના ગુજરાત અને મુસલમાનોના સંબંધ વિશેની જાણકારી ભેગી કરીને રજૂ કરી અને રાબેતની ગુજરાત શાખના જનરલ સેક્રેટરીના હોદ્દાને છાજે એવા અભ્યાસુ હોવાનો પરિચય આપ્યો.
ઈ.સ.માં રાબેતાની ગુજરાત શાખની સ્થાપના થઈ તો પ્રમુખ પદે હઝ. મવ. મુફતી અહમદ સાહેબ દા.બ. પછી જનરલ સેક્રેટરી પદે આપ રહને નક્કી કરવામાં આવ્યા હતા. પછી હઝ. મુફતી સાહેબ દા.બ.ના પ્રયાસો અને રાહબરી મુજબ સેમિનારનું આયોજન નક્કી થયું તો એને સફળ બનાવવામાં આપ રહ.નો મુખ્ય ફાળો હતો. બલકે એમ કહી શકાય કે એમનું બહુમુખી વ્યકિતત્વ દેશ – વિદેશના લોકો સામે આવે એ માટે જામિઅહના જાજરમાન વાર્ષિક જલસાના સંચાલનની કાયમી જવાબદારી પછી આ બીજું મોટું પ્લેટફોર્મ એમને આપવામાં આવ્યું હતું. અને મવલાના રહ. ઉપર આ વિષયે જે ભરોસો હઝરત મોહતિમમ સાહેબે મુકયો હતો એને એમણે સાર્થક કરી બતાવ્યો.
આપ રહ. ઉર્દૂ, અરબી અને ગુજરાતી ત્રણેવ ભાષામાં લખવા, વાંચવા અને બોલવા ઉપર સમાન પ્રભુત્વ ધરાવતા હતા. અને મોકા અનુસાર દીનની સેવા કરવા તત્પર રહેતા હતા. જામિઅહના સ્થાપક હઝરત મુફતી સાહેબ દેશભરની અનેક સંસ્થાઓ અને ચળવળો સાથે સંકળાયેલા હોવાથી જામિઅહમાં દેશ વિદેશના અનેક મહેમાનો આવવા ઉપરાંત વિવિધ કાર્યક્રમો જામિઅહમાં સમયાંતરે યોજાતા જ રહે છે, આવા કાર્યક્રમોમાં ઉર્દૂ, અરબી અને ગુજરાતીમાં તેઓ જામિઅહનું કે આપણા વિસ્તારનું કે મુસ્લિમ સમાજનું પ્રતિનિધિત્વ કરતા હતા. રાબેતાના સેમિનારના અનુસંધાને હઝ.મવ. અલીમીયાં રહ.ની 'પયામે ઇન્સાનિયત' ચળવળની અમુક સભાઓ શહેરના હિંદુ ભાઈઓ દરમિયાન યોજવાની નક્કી થઈ તો આપ રહ.એ એમાં સહુથી આગળ રહયા અને સરળ, સુગમ અને શુદ્ધ ગુજરાતી ભાષામાં ઈસ્લામનો સંદેશ લોકો સામે રજૂ કર્યો હતો.
ગુજરાતના મદરસાઓના અંબ્રેલા ઓર્ગેનાઈઝેશન 'મજલિસે તહફફુજે મદારિસ'ની સભાઓનું સંચાલન પણ વધુ પડતું આપ રહ. જ કરતા હતા.
એકવાર અમદાવાદ ખાતે મદરસાઓને લગતી બાબતોએ સરકારના દોરીસંચાર મુજબ એક સભા રાખવામાં આવી હતી તો મર્હૂમ મવલાના રહ. અને હઝરત મવ. અબ્દુલ્લાહ રવીદ્રવી રહ. મજલિસે તહફફુજના પ્રતિનિધિ તરીકે એ સભામાં હાજર રહ્યા હતા અને સભા પત્યા પૂરતા આત્મસંતોષ અને દઢતા પૂર્વક મીડીયા સમક્ષ હાજર થઈને 'મજલિસ'નો પક્ષ રાખવા ઉપરાંત પત્રકારોના સવાલોના જવાબો પણ આપ્યા હતા.
અગાઉ જણાવ્યું એ મુજબ ત્રણ ભાષાઓ ઉપર પ્રભુત્વ ધરાવતા હતા. અરબી ભાષા સાહિત્યનું ઊંડું જ્ઞાન ધરાવતા હતા. એટલે મદરસામાં આ વિષયની કિતાબોની તાલીમ પણ એમને શિરે જ રહેતી હતી. અરબ વિશ્વની જે સંસ્થાઓ કે વ્યકિતઓ સાથે જામિઅહ દ્વારા જે પત્રાચાર થતો હતો, એને આપ રહ. જ અંજામ આપતા હતા. અરબી સાહિત્યની જૂની અને માતબર ગણાતી કિતાબ 'મુતનબ્બી'નું એડીટીંગ અને વિવરણ અરબીમાં જ આપ રહ. લખી રહયા હતા. લગભગ કામ પુરું કરી ચુકયા હતા, પણ અન્ય મશ્ગૂલીઓના કારણે સાફ કરીને છપાવવા લાયક બનાવવાનુ કામ હાથ ઉપર લેતા ન હતા. હજુ પણ આ મસોદો એવો જ હશે, દુઆ છે કે કોઈ એને છપાવવા યોગ્ય બનાવે. ઉર્દૂ અને ગુજરાતીમાં અનેક લેખો એમણે લખ્યા છે, પણ આ બધા એક સ્થળે ભેગા મળવા મુશ્કેલ છે. 'ઈસ્લામ અને નારી સન્માન' આપનું માહિતિસભર પુસ્તક છે. ભારતની નવરચનામાં મુસલમાનોનો ફાળો ના શિર્ષક હેઠળ એક પુસ્તિક જામિઅહ દ્વારા છપાય ચુકી છે. રાબેતએ અદબના સેમીનાર ટાણે અલ્લામહ મુહમ્મદ બિન તાહિર પટની રહ.ના જીવન ચરિત્ર વિશે ખુબ જ અભ્યાસ પૂર્વક લખવામાં આવેલ એક કિતાબ પણ જામિઅહ થકી પ્રકાશિત થઈ ચુકી છે. હઝરત મવલાના અબ્દુલ્લાહ કાપોદ્રવી રહ. દ્વારા કરવામાં આવેલ 'દીવાને ઈમામ શાફેઈ રહ.'નામી કિતાબના ઉર્દૂ અનુવાદને સંપાદિત – પુનઃસંકલન કરવાનું કામ પણ હઝ. મવલાના અબ્દુલ્લાહ રહ.એ આપને સોંપ્યું હતું, આ કિતાબ પણ જામિઅહના પ્રકાશન વિભાગ દ્વારા છપાય ચુકી છે.
શરૂમાં લખ્યું એ મુજબ વ્યકિતગત ખૂબીઓમાં આપ રહ. આદર્શ વ્યકિતત્વ ધરાવતા હતા. સ્વભાવે નરમ અને મિલનસાર,સંસ્કાર-અખલાકમાં ઉચ્ચ આદર્શ, વર્તન – વહેવારમાં સજ્જન અને નિખાલસ, રહેણી કરણીમાં સાદા સરળ, વાણી વર્તનમાં મીઠા, આકર્ષક અને હદયને સ્પર્શી જનાર હતા. દુનિયામાં દરેકને ગમે એવું વ્યક્તિત્વ તો કોઈનું ન હોય, પણ જેમની સાથે પણ એમના સંબંધો હતા, એવા વધુ પડતા માણસો એમના સ્વભાવની ખૂબીઓનો એકરાર કરતા જોવા મળે છે.
મુજ નાચીઝ સાથે મહોબ્બત, મદદ અને માર્ગદર્શનનો સંબંધ રાખતા હતા. અમારી કલાસો અલગ અલગ હોવાથી ઘણા દિવસો સુધી મુલાકાત ન થાય તો કોઈક વાર સામે ચાલીને મુલાકાત કરતા હતા. ફિકહી મસ્અલા-મસાઈલ વિશે અને કોઈક વાર વેપાર-વહેવારની આધુનિક રીતોના શરઈ હુકમ વિશે પણ ચર્ચા કરતા હતા, પોતે અભ્યાસુ, વિદ્વાન અને શરીઅતના જાણકાર હતા, લોકો એમને મસ્અલો પૂછે તો એનો હુકમ બતાવવો એમના માટે સરળ વાત હતી, તેઓ બતાવતા પણ હતા, પણ સ્વભાવની સાદગીના કારણે મુલાકાત થતી તો પૂછતા કે ફલાણા મસ્અલા બાબતે આવો જ હુકમ છે ને ? મેં તો આવો હુકમ બતાવ્યો છે !
સંસ્થાઓ અને ઇદારાઓની સખાવતો અને સેવાઓ તો બધાની સામે આવે છે, પણ સંસ્થા કે કે સમાજના આગેવાનોની વ્યકિતગત કુરબાનીઓ, દાન સખાવત અને તકલીફો છુપાયેલી જ રહે છે. મવલાના રહ.નું પણ કંઈક આવું જ હતુ. સ્વભાવે સખી અને દાનવીર હતા. પણ એ બધું ખુદા તઆલાને ખબર છે કાં એમની સખાવતથી લાભ ઉઠાવનાર ગરીબોને.. તેઓ જામિઅહના એક આદર્શ અને પ્રભાવશાળી ઉસ્તાદ- કેળવણીકાર હતા, એટલે અહિંયાથી પઢીને જનાર અનેક તલબા પાછળથી એમના સંપર્કમાં રહેતા હતા, અને આવા અનેક તલબાને અને એમને સંલગ્ન મદરસાઓ – મસ્જિદોને તેઓ જરૂરી સહાય પૂરી પાડતા હતા, અને આ એમની સખાવતનો અદના હિસ્સો હશે એવો અંદાઝો કરી શકાય છે.
કોમી – મિલ્લી અને સામાજિક બાબતોમાં આગળ રહીને ભાગ લેતા હતા. દીની ઇદારાઓ, મસ્જિદો, મદરસા અને સામાજિક કામોમાં બનતા પ્રયત્નો કરીને મદદ કરતા હતા. પોતાના ગામ ખાનપૂરમાં તો એમણે ઘણા કામો કરવાનું બીડું ઝડપ્યું હતું, ઉપરાંત ગુજરાતના અન્ય વિસ્તારો અને ગુજરાત બહાર પણ મસ્જિદ, મદરસા વગેરેના અનેક સેવા કાર્યો તેઓ અંજામ આપતા હતા.
સુનાઉ દર્દે દિલ તાકત અગર હો સુનને વાલે મેં
ખુદા બખ્શે બહોત ખુબીયાં થી મરને વાલે મેં
ઇસ્લામી મીડિયા : નરી સત્યતા
હઝરત મવલાના અ.રશીદ નદવી રહ.
અલબલાગના આ અંકમાં જામિઅહના મર્હૂમ ઉસ્તાદે હદીસ હઝ. મવ. અ. રશીદ નદવી સાહેબ રહ. વિષે તઅઝિયતી લેખો સમાવિષ્ટ કરવામાં આવ્યા છે. આ જ અનુસંધાને મવલાના મર્હૂમની કલમે અલબલાગ માટે લખાયેલ અમુક મહત્વના લેખો પણ આ અંકમાં શામેલ કરવામાં આવ્યા છે. આ લેખો દ્વારા મવલાના મર્હૂમની વિશાળ વિચારદ્રષ્ટિ અને ઈસ્લામ વિશેના એમના ઊંડા જ્ઞાનનો પરિચય થાય છે.
હદીષ શરીફમાં સુવર્ણ યુગના મુસલમાનોનાં સમુહ જીવનના બનાવો પૈકી ગઝવએ તબૂક સંબંધિત એક બનાવ વિશેષ મહત્વ ધરાવે છે. બનાવની વિગત એવી છે કે તબૂકનો જિહાદ કારઝાળ ગરમી, ફળફળાદીની સીઝન અને બાગ-બગીચાઓના ઘટાદાર છાંયડે મોજ માણવાના સમયે થયો હતો. આવા બાહય બળોનાં લઈ અમુક માણસો હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) સાથે ઉપરોકત જિહાદમાં શરીક થઈ શકયા ન હતા. આવા ગેરહાજર રહેનારા લોકો બે પ્રકારના હતા, પહેલો પ્રકાર તે લોકોનો હતો જે સાચા મુસલમાન ન હતા અને ડબલ પોલીસી રાખનારા મુનાફિક હતા. હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) તેમના ઈસ્લામના જૂઠા દાવાથી વાકિફ હતા પરંતુ તેઓ પોતાના નિફાક (બેમુખતા)ને ગુપ્ત રાખતા હતા એટલે હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) પણ સમયના તકાદાનુસાર તેમના પ્રતી કડક વલણ અપનાવતા ન હતા. બીજા પ્રકારમાં ત્રણ માણસો હતા જે ઈસ્લામનાં સાચા અનુયાયી હતા. જૂઠા લોકો તો જાણી જોઈને તબૂક ગયા ન હતા જયારે આ ત્રણ પાકા સહાબા (રદિ.) ન જેવા કારણે અને વધુ પડતી સુસ્તીના લઈ આ જિહાદ માં ભાગ લઈ શકયા ન હતા. તબૂકના વિજય બાદ જયારે હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) મદીનહ મુનવ્વરહ પધાર્યા તો જૂઠા લોકોએ હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) સામે પોતાની ગેરહાજરીનાં ખરા-ખોટા કારણો રજુ કરી દીધા અને હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ તેમના કારણો સાંભળી જાણે આંખ આડા કાન કરી સ્વીકારી લીધા પરંતુ ત્રણેવ સહાબએ કિરામ (રદિ.) એ પોતાની ભૂલ ખુલ્લા મને સ્વીકારી લીધી. આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) તેમની આવી મહાન ભૂલની નોંધ લઈ ફરમાવ્યું કે તમો ઈલાહી ચુકાદાની રાહ જુઓ અને બધા મુસલમાનોને આ ત્રણેવનો બહિષ્કાર (બાયકાટ) કરવાનો આદેશ આપી દીધો. ત્રણેવ સહાબા (રદિ.) એ આ સજાને ૪૦ દિવસ સુધી સંપુર્ણ સબ્ર અને કામિલ ઈમાનો યકીન સાથે માથે ચઢાવી, ઉકત બનાવને હઝરત કઅ્બ રદિ. (જે ત્રણમાંના એક હતા) આ રીતે વર્ણવે છે કેઃ
મને હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ પૂછયું કે જિહાદમાં ન જવાનું કારણ શું હતું? મેં જવાબ આપ્યો કે હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)! જો હું ખરા-ખોટા કારણો આપવા ધારું તો એવા સબળ કારણો અને માન્ય દલીલો આપવા સમર્થ છું કે આપ મારી તે ધારદાર દલીલો અને ચોટદાર વાતોને સાંભળી મને સો ટકા સાચો જ માની લો, કારણ મારી પાસે મારી જૂઠી વાતને અસરકારક રૂપે રજુ કરવાની જોરદાર આવડત છે. પણ જો હું આવું કરું તો મારી વાતો જૂઠી હશે અને જૂઠ વડે હું થોડા સમય માટે આપને ધોકો તો આપી દઈશ પણ મારા અલ્લાહને રાજી નહીં કરી શકું અને આપને પણ અલ્લાહ તઆલા મારા જુઠા હોવાનું જણાવી આપશે પરિણામે આટલી એકજ બાબત મારા જુઠા હોવાનું પ્રમાણપત્ર સાબિત થશે અને આ૫ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) અને સહાબા રદિ.ની જમા'ત સામે હું બદનામ થઈ જઈશ અને મારી દુન્યા - આખિરત બંને બરબાદ થઈ જશે. હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) ! સાચી વાત આ છે કે વિના કારણે ફકત ગફલત અને સુસ્તી જ મારા જિહાદથી ગેરહાજર રહેવાનું નિમિત્ત બની છે. હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ એમની સત્ય કથા સાંભળી ફરમાવ્યું કે તમારી વાત સત્યને વરેલી છે. હવે ખુદાઈ આદેશની રાહ જુઓ. અલ્લાહ તઆલા પોતે જ કોઈ ફેંસલો ફરમાવશે.
ઉકત બનાવમાં હઝરત કઅ્બ (રદિ.)નું આવું કથન કે મારી પાસે મારી ખોટી વાતને ખરી સાબિત કરવાની ભારે આવડત છે. આજ ઈસ્લામી અને બિન ઇસ્લામી વિચાર શૈલીનો બુનિયાદી તફાવત છે અને આ જ તે આવડત છે જે વર્તમાનયુગે મીડિયાનું હાથવગું સાધન બની ગયું છે. અને જેને પ્રેસ વડે દરરોજ વાપરવામાં આવી રહી છે. આજ લાયકાતને જો સારા ઉચ્ચ અને પવિત્ર ધ્યેયને પ્રાપ્ત કરવા માટે વાપરવામાં આવે તો તે સર્વશ્રેષ્ઠ અને પ્રસંશનીય મીડિયા છે. નહિ તો ખતરનાક અને ખેદનીય મીડિયા છે. અફસોસ કે આજના પ્રેસ અને મીડિયાએ આ બીજી રીત ને જ અપનાવી લીધી છે. અને ઈસ્લામ વિરોધી લોબી લાબાં સમયથી તેને વિધીસર ઈસ્લામ અને મુસ્લિમોને નુકશાન પહોંચાડવાના આશયે વાપરતી આવી છે. મીડિયાની આવી નીતીથી નૈતિક અને સામાજિક મુલ્યોનું વરવું પ્રદર્શન તો થાય જ છે, સાથે સાથે સત્ય ઉપર પણ પડદો પાડી દેવામાં આવે છે. આજે આવા મીડિયાનું ચલણ વધી ગયું છે, બલ્કે તેનો એક ફન સ્વરૂપે સ્વીકાર કરી લેવામાં આવ્યો છે. ઘટના ગમે તે હોય તેને પોતાના લાભઅને મકસદ માટે વાપરી શકાય તે રીતે વર્ણવવામાં આવે છે.
વળી પ્રત્યેક બનાવને પોતાના તરફી બનાવવા માટે જૂઠ, નિફાક, ખોટી રજુઆત અને તેનો તદ્દન વિપરિત રીતે પ્રચાર-પ્રસાર કરવામાં લેશમાત્ર પાછીપાની કરવામાં નથી આવતી. સ્વાભાવિક રીતે જ ઈસ્લામ ધર્મ આવા પ્રચાર-પ્રસારનો પ્રખર વિરોધી છે. ઈસ્લામનો આદેશ છે કે સાચી વાત જ કહો, જૂઠી ના કહો અને કોઈને પણ ધોકો આપવાની કોશિષ ના કરો. પણ પશ્ચિમ દેશોનાં મીડિયાએ અને તેની નકલ રૂપે લગભગ દુન્યાભરનાં બધા જ પ્રચાર માધ્યમોએ હોશિયારી અને ચાલાકી ભરી વાત કરવાને અને દરેક ઘટનાને પોતાનો હેતુ સિધ્ધ કરવાના આશયે વાપરવાને એક કળા બનાવી લીધી છે.
આ જ તે મીડિયા છે જેને પાશ્ચાત્ય સંસ્કૃતિના પ્રચાર અને નવિન જાહિલિય્યતના પ્રસાર માટે દુન્યાએ એકમાત્ર હથિયાર બનાવી લીધું છે. અને જેના લઈ ધાર્મિક અને નૈતિક મુલ્યો જ નહિ, માનવીય સંસ્કારો પણ પતનની ઊંડી ગર્તામાં ધકેલાઈ ગયા છે. હાં, છતાં આવા એક જ અભિગમને વળગી રહેલ ઈન્ટરનેશનલ મીડિયાના સામે પક્ષે અમુક માથા ફરેલ લોકો અત્યારે પણ એવા મૌજૂદ છે જેઓ પોતાના પરવરદિગારનાં ખોફથી જૂઠું બોલવાથી બચે છે, અને સમગ્ર ઘટનાનું સત્ય વિશ્લેષણ કરે છે. અને વ્યકિતગત લાભો ઉપર સામુહિક લાભોને અને સ્વઘડિત મુલ્યો ઉપર ધાર્મિક, સૈધાંતિક અને સાર્વજનિક મુલ્યોને અગ્રિમતા અર્પે છે. આવા જ મીડિયાનું નામ ઈસ્લામી મીડિયા છે. આવો ઈસ્લામી મીડિયાનાં વિવિધ પાસાઓની ચર્ચા કરીએ.
ઈસ્લામમાં મીડિયાની દીની અહમિયત અને જરૂરત :
ઈસ્લામમાં મીડિયા અથવા પ્રચાર-પ્રસારના માધ્યમોની જરૂરત અને આવશ્યકતાના મુખ્ય કારણો નીચે મુજબના આપી શકાય છે.
* ઈસ્લામ સમગ્ર દુન્યા અને માનવજાત માટેનો વિશ્વ વ્યાપી ધર્મસંદેશ છે અને અલ્લાહ તઆલા સમગ્ર સૃષ્ટિના માલિક, સર્જક અને પાલક છે. અને આ સૃષ્ટિની પ્રત્યેક વસ્તુ તેની જાતની ગવાહી આપે છે. ઉમ્મતે દા'વતનાં પ્રત્યેક દાઈ ઉપર અલ્લાહનાં એક હોવાની દા'વત સમગ્ર માનવજાત સામે પહોંચાડવી જરૂરી છે અને તે માટે વર્તમાન યુગનું અસરકારક સાધન મીડિયા જ છે. માટે વ્યવસ્થિત ઈસ્લામી મીડિયાની જરૂરત ઉભી થઈ છે.
* ઈસ્લામ ધર્મ અંગીકાર કરનાર પ્રત્યેક મુસલમાન ઉપર ઈસ્લામનો સંદેશ અને તેના આદેશ અન્યો સુધી પહોંચાડવા જરૂરી છે. પોત પોતાના સમયે બધા જ નબીઓ અને રસૂલોએ આ ફરજ અદા ફરમાવી, કુર્આને કરીમ અને હદીષ શરીફથી આ બાબતને પૂરું સમર્થન મળે છે
ادع الى سبيل ربك بالحكمة والموعظة الحسنة (قرآن)
તમારા પાલનહારે દેખાડેલ માર્ગે ચાલવાની હિકમત અને નસીહત રૂપે સૌને દા'વત આપો.
بلغوا عنى ولو آية મારા તરફથી “જાણકાર અજાણ” ને પોહચાડી આપે ભલે દીનની એક જ વાત જાણતો હોય
نضر الله امراً سمع مقالتي અલ્લાહ મારી વાતો સાંભળી, સાચવી, અન્યો સુધી સંપૂર્ણપણે પહોંચાડનારને ખુશ રાખે.
ઉપરોકત ખુદાઈ-નબવી આદેશો પણ ઈસ્લામી મીડિયા વડે દીની દા'વતના કામને જરૂરી ઠેરવે છે.
* અંતિમ નબી (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) એમના સહાબા રદિ. અને તેમના બાદ આવનાર ઉમ્મતના બધા જ બુઝુર્ગોનું મિશન દીનની વાત અસરકારક રૂપે પહોંચાડવાનું જ રહયું છે
ماعلی الرسول الا البلاغ કે રસૂલ સ.અ.વ.ની જવાબદારી દિનના આદેશો પહોંચાડવાની જ છે. ઈસ્લામી મીડિયા પણ વર્તમાનયુગે દીનની વાત પહોંચાડવાનું એક અસરકારક માધ્યમ છે. એટલે તેને અપનાવવું અનિવાર્ય બની જાય છે.
* ઈસ્લામનો સંદેશો અન્ય સુધી ન પહોંચાડવો ઈસ્લામ ધર્મની દ્રષ્ટિએ ગુનોહ બને છે. કારણ તે ઈલ્મને છુપાવવાની વ્યાખ્યામાં આવે છે. અને કિતમાને ઈલ્મ મોટો ગુનોહ છે. પ્રત્યેક મુસલમાન ઉપર ફરજ છે કે તે જીવનની અંતિમ પળો સુધી દીનની વાત પહોંચાડતો રહે. નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) અને સહાબા રદિ. એ જે તકલીફો વેઠી તે દીની દા'વતના માર્ગમાં પડેલ તકલીફો જ તો હતી. મીડિયા વડે દીનનો પ્રચાર-પ્રસાર કરવો આ કારણે પણ આવશ્યક બની જાય છે.
દીની દા'વત અને મીડિયા :
કુર્આને કરીમમાં મીડિયા અને પ્રેસ માટે જે શબ્દ પ્રયોગવામાં આવ્યો છે તે અરબી ભાષાનો શબ્દ "દા'વત” છે. આ શબ્દ એટલો અર્થસભર, વિશાળ અને સર્વવ્યાપી છે કે તેનાથી વધુ સારો શબ્દ અન્ય ભાષાઓમાં તો ઠીક ખુદ અરબી જેવી વિશાળ ભાષામાં પણ મળવો મુશ્કિલ છે. આ શબ્દમાં ઈસ્લામી દા'વતના તે બધા જ માધ્યમો ભેગા થઈ જાય છે. જેનાથી ઈસ્લામી પ્રચાર-પ્રસારનું કામ ગઈકાલે, આજે અને આવતી કાલે લેવાતું કે લઈ શકાતું હોય છે. કુર્આને કરીમમાં અલ્લાહ તઆલા ફરમાવે છે
.ادع الى سبيل ربك بالحكمة والموعظة الحسنة
.ولتكن منكم امة يدعون الى الخير
.يا ايها الذين امنوا استجيبوا لله والرسول اذا دعاكم لما يحييكم
.قال نوح ربي اني دعوت قومی لیلا و نهارا
આ બધીજ આયતોમાં અને તે સિવાય અન્ય આયતોમાં પણ બધા જ પ્રકારની દીની મેહનતોને “દા'વત”નાં શબ્દથી વર્ણવવામાં આવી છે. ઉપરોકત આયતોથી જે અમુક વાતો સમજી શકાય છે તે આ છે કે ઈસ્લામી મીડિયા વડે દીની દાવતમાં પારદર્શતા લાવવા અને તેને વેગવાન બનાવવા અમુક સિધ્ધાંતોને અમલમાં મુકવા જરૂરી છે.
અણથક પ્રયાસ :
હઝ.નૂહ અલ.વાળી આયતથી આ વાત સમજમાં આવી કે દીનનો પયગામ અવિરતપણે વિવિધ પ્રકારે અને વિવિધ સ્થળે રજૂ કરવામાં આવે અને મુનાસિબ વખતે એવા અંદાજમાં આપવામાં આવે કે વાંચનાર- સાંભળનાર તેને વાંચવા-સાંભળવા આતૂર થઈ જાય. આ રીત વિશેષરૂપે શરીઅતના આધાર સ્થંભો નમાઝ, રોઝહ, ઝકાત, હજ્જ, અને ઈમાન-યકીનની વાત પહોંચાડવા માટે અપનાવવામાં આવે, જેથી અરકાને ઈસ્લામની મહત્વતા અકબંધ જળવાઈ રહે. કુર્આને કરીમમાં આજ વાતોને વારંવાર અનોખા અંદાજમાં રજૂ કરવી અને હદીષમાં આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ તરફથી એક જ વાત એટલી વાર કહેવી કે સહાબા રદિ.ના મુખે લાગણીપુર્વક આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની ખામોશી માટે لیته سکت જેવા શબ્દો સરી પડવા પ્રચાર-પ્રસાર અને દા'વતના માર્ગમાં તકરાર - પુનરાવર્તનના લાભદાયી હોવાને સમર્થન આપે છે.
નવિન પધ્ધતિ, આદર્શ રૂપરેખા :
દીનની દા'વત હિકમત અને નસીહતનાં અંદાજમાં આપવાના આદેશવાળી આયતથી આ વાત પણ સારી રીતે સમજી શકાય છે કે ઈસ્લામી મીડિયાનો વિશેષગુણ દા'વતની ઉચ્ચતમ્ શૈલી અપનાવવાનો અને નિમ્ન કક્ષાની હરકતોથી પરહેઝ કરવાનો છે. અને કોઈના વિચાર-વર્તન ઉપર વ્યંગાત્મક પ્રહાર કરવાના બદલે સદવર્તન દ્વારા સદાચારની દા'વત આપવાનો છે. દા.ત.માનવ મટી જાનવર બની ગયેલાઓની ઈસ્લાહ માટે નબીઓની સીરતે પાક અને તેમની પવિત્ર ઝિંદગીનુ વર્ણન કરી તેમના સંસ્કારો અપનાવવાની અને તેમના જેવા શ્રેષ્ઠતમ માનવમુલ્યો ગહન કરી શ્રેષ્ઠ માનવી બનવાની દાવત આપવામાં આવે. માનવીને શ્રેષ્ઠ બનવાની દા'વત એટલે દુન્યાથી બદીનું મૂળ ઉખેડી ફેંકવાની દા'વત. જેને ઈસ્લામી મીડિયા પ્રમુખતા આપે છે.
કર્તવ્ય નિષ્ઠા અને ફરજ પાલન :
ઉમ્મતે દા'વતવાળી આયતથી ઈસ્લામી મીડિયાનો ત્રીજો ઉદ્દેશ આ ફલિત થાય છે કે ઈસ્લામી મીડિયા હરપળે માનવીને માનવમુલ્યોનું ભાન કરાવવાની અને તેના પાલનહાર અને સર્જનહારની ઈબાદત-ઈતાઅત પ્રતિ સૌનું ધ્યાન કેન્દ્રિત કરાવતા રહેવાની ફરજ નિભાવે છે. વારંવાર દા'વત આપવાની હિકમત આ છે કે માનવીની પ્રકૃતિ કમજોર છે તે ઘણીવાર પોતાની ફરજ ભૂલી જઈ ગેર જવાબદારી ભર્યું વર્તન કરતો થઈ જાય છે અને પોતાના પરવરદિગારને ભુલાવી દે છે. એટલે આવી મહત્વની બાબતોની સતત ગાઈડલાઈન કરવી ઈસ્લામી મીડિયાની અગત્યની ફરજો પેકીની એક ફરજ છે. કુર્આનના આદેશوَّ ذَكِّرْ فَاِنَّ الذِّكْرٰى تَنْفَعُ الْمُؤْمِنِیْنَ નસીહત કરતા જ રહો કારણ તે મો'મિનો માટે લાભદાયક છે પણ આજ વાત સમજમાં આવે છે.
(1) ઈસ્લામી મીડિયાનાં વિશેષગુણો :
સત્યતાઃ ઈસ્લામી મીડિયાનો પાયો સત્યતા ઉપર રચાયેલો છે. ઈસ્લામ ધર્મ લાવનાર નબી (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ના મુબારક જીવનની શરૂઆત જ સત્યતા, અમાનતદારી અને પાકદામનીથી થઈ અને પોતાના આવા જ ગુણોનો દાખલો આપી આપે (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) સફા પહાડ ઉપરથી મક્કાનાં આરબોને સૌપ્રથમ દીનનો પયગામ આપ્યો હતો. આપે (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) સર્વપ્રથમ તેમનાથી પોતાના સાચા અને ઈમાનદાર હોવાનો પુરાવો મેળવ્યો અને ત્યાર પછી જ એમને સાચા માનવ મારફતે આવેલ સાચા દીનની દા'વત આપી. આ ઉપરથી સાબિત થયું કે સત્યતા એ ઈસ્લામી દા'વતનો પાયાનો સિધ્ધાંત છે. કારણ જે વ્યકિત દ્વારા એકાદ વખતે પણ જુઠ સાબિત થઈ જાય છે તેની વાતનો કોઈ જ એ'તિબાર નથી રેહતો. و الذي جاء بالصدق و صدق به અને فمن اظلم ممن كذب على الله وكذب بالصدق اذ جاءه જેવી આયતો થી આજ વાત સાબિત થાય છે. વર્તમાનયુગે જયાં દરેક ક્ષેત્રે જૂઠનું ચલણ અને પ્રોપેગન્ડાનું રાજ હોય ફક્ત ઈસ્લામી મીડિયાથી જ સત્યતા અને ઈમાનદારીની ઉમ્મીદ રાખી શકાય. કારણ તેનો પાયો જ સત્ય ઉપર નંખાએલો છે. એટલું જ નહિ જૂઠ અને ઈમાન કદી પણ ભેગા થઈ શકતા જ નથી.
(ર) ઉચ્ચતમ્ અને પવીત્ર હેતુ :
વર્તમાન યુગના ઈન્ટરનેશનલ મીડિયાએ જે હેતુઓ પામવાને અને જેના પ્રચાર-પ્રસારને પોતાનો મુખ્ય ધ્યેય બનાવી લીધો છે, તેની રૂપરેખા આ પ્રકારની છે. અનેકવીધ માનવસમુહો, જ્ઞાતિઓ અને જાતીઓ વચ્ચે વેરઝેરનાં બીજ રોપી દુશ્મની પૈદા કરાવવી, કુસંપ ઉભો કરી તેમને એકબીજાથી દૂર કરવા, ધનવાનો વિરૂધ્ધ નિર્ધનોને ઉભા કરવા, લઘુમતીને બહુમતી વિરૂધ્ધ અને બહુમતીને લઘુમતી વિરૂધ્ધ ભડકાવવા, નાત-જાત અને ભાષા તથા પ્રદેશવાદને પ્રોત્સાહિત કરવા, પોતાના હથિયારો અને દારૂગોળા વેચાણ માટે બે પાડોશીઓ વચ્ચે ફુટ પડાવી તેમને લડાવીક મારવા, વર્લ્ડ વોર જેવી પરિસ્થિતિનું નિર્માણ કરી દુન્યાને તબાહ બરબાદ અને પોતાના દેશને આબાદ કરવો, આ મીડિયાના મુખ્ય મુદ્દાઓ છે. વળી આ મીડિયા બદકારી, બે હયાઈ અને નગ્નતાનાં પ્રદર્શનમાં પણ આગળ પડતો ભાગ લે છે અને ગુંડા ટોળકીઓ, નાલાયકો, અસામાજિક તત્વો, અસભ્ય વર્તન, દુર્ગુણો, દુરાચારો અને અરાજકતાને ખૂબ પ્રોત્સાહન પૂરું પાડે છે. મા'મૂલી લાભ ખાતર સિધ્ધાંતનો અને નજેવા ફાયદા માટે દીનો ઈમાનનો સોદો કરી નાંખવો તેમના મન રમત છે..-
તેનાથી વિપરીત ઈસ્લામી મીડિયા સમગ્ર માનવજાતનાં લાભ, અમન, સલામતી અને તેને એકમેકથી એક બદનના ભાગોની જેમ જોડી રાખવાનો મુખ્ય ભાગ ભજવે છે. કુર્આન કરીમે વર્ણવેલ પાકૃતિક આદેશો, સર્વગ્રાહી હુકમો, અદલ ઈન્સાફ, સદવર્તન અને સદાચારના પ્રચાર-પ્રસાર વડે માનવ જાતનાં સર્વાંગી વિકાસનું કામ કરે છે. ઈસ્લામી મીડિયાનો વિશેષ ગુણ તા'મીર (રચના) છે તખરીબ (ખંડન) નહિ, જોડ છે તોડ નહિ, સમાજજીવન ને બુરાઈઓથી દૂર રાખવાનો છે, બુરાઈ શીખવાડવાનો નહિ, લોકોને બેદીની અને બદી થી દૂર કરી તકવા–પરહેઝગારીના સમીપ લાવવાનો છે. લોકોની આબરૂ બચાવવાનો છે બે આબરૂ કરવાનો નહિ, લોકોને હક આપવાનો છે હક દબાવવાનો નહિ, સચોટ સંપુર્ણ અને સત્ય હકીકતોને સામે લાવવાનો છે, જૂઠ, પ્રોપેગન્ડા અને ખોટી ખબરો ફેલાવવાનો નહિ. ઉપરોકત વિશેષ ગુણ કુર્આને મજીદે આવી આયતોમાં વર્ણવ્યો છે
وَ لَا تَقْفُ مَا لَیْسَ لَكَ بِهٖ عِلْمٌ١ؕ اِنَّ السَّمْعَ وَ الْبَصَرَ وَ الْفُؤَادَ كُلُّ اُولٰٓئِكَ كَانَ عَنْهُ مَسْئُوْلًا
કે જે વાતને સંપુર્ણપણે જાણતા ન હો તેવી વાત બયાન ન કરો કારણ કાન, આંખ અને દિલથી કાલે સવાલ કરવામાં આવશે.
اِنَّ الَّذِیْنَ یُحِبُّوْنَ اَنْ تَشِیْعَ الْفَاحِشَةُ فِی الَّذِیْنَ اٰمَنُوْا لَهُمْ عَذَابٌ اَلِیْمٌ فِی الدُّنْیَا وَ الْاٰخِرَةِ
જે લોકો ઈમાનવાળાઓમાં બે હયાઈની વાતો ફેલાવવી પસંદ કરે છે, તેમને દુન્યા–આખિરતમાં દર્દનાક અઝાબ ભોગવવો પડશે
(૩) સદા સજાગ, હરહંમેશ કાર્યરત :
ઈસ્લામી મીડિયાની ત્રીજી બુનિયાદી ખુસૂસિયત આ છે કે તે સદા સજાગ રહી સમાજ જીવનમાં ઘર કરી રહેલ ઉણપો અને ખામીઓને પોતાની નજરે જુએ છે. તેની વિગતો નોંધે છે તેના કારણો તપાસે છે, તેનું વિશ્લેષણ કરે છે. અને તેને સમાજ જીવનથી દૂર કરી સ્વચ્છ અને પવિત્ર સમાજ ઘડવાનો પ્રયાસ કરે છે. તે અન્યની જેમ હાલાતના તકાદાને ભુલી જઈ રમતગમત, નાચગાન અને ટાઈમપાસ પોગ્રામો વડે લોકોનાં મન જીતવાની કોશિષ કરવા, સમાજની ખરાબીઓથી આંખ આડા કાન કરવા અને સુંદર સુત્રો અને લોભામણા પોગ્રામો આપવાના બદલે સમાજના નાનાથી નાના બનાવ અને દરેક જાતની ખબરોની તુરંત નોટીસ લે છે. જેમ જનાબે રસૂલ(સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) પ્રત્યેક બાબતની પોતે છણાવટ કરતા હતા અને કોઈપણ અફવા કે ખબરને હિકમત અને વિવેક બુધ્ધિ થી હલ કરતા હતા. એટલું જ નહિ એવો કોઈ પણ બનાવ બનતા જ આપ મસ્જિદે નબવી પહોંચી જતા الصلوۃ جامعۃ નું એ'લાન થતું, અને લોકો ભેગા થઈ ગયા બાદ આપ મિમ્બર ઉપર બેસી અલ્લાહની હમ્દો સના પછી તે ખબર કે બનાવ બાબતની એટલા વિસ્તારે છણાવટ કરતા કે તે બાબત સૂરજ સમાન સ્પષ્ટ થઈ જતી. હદીષની કિતાબોમાં આવા અસંખ્ય દાખલાઓ મૌજૂદ છે.
સીરતની દરેક કિતાબમાં આ બનાવ આલેખાયો છે કે એક વેળા મદીનાના મુસલમાનો પરોઢે કોઈ ભયાનક અવાજથી ભયભીત થઈ ગયા પણ તેઓ એવો નિર્ણય ન કરી શકયા કે આ અવાજ કયાંથી આવ્યો હશે ? હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) અવાજ સાંભળતાં જ વિના વિલંબે ઘોડાની ખુલ્લી પીઠે સવાર થઈ ઘટના સ્થળે પહોંચી ગયા, જેથી સાચી ખબર મેળવી શકાય. થોડી વારમાં પરત આવી આપે (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) લોકોને ખબર આપી કે ગભરાવાની કોઈ જ જરૂરત નથી, શાંતી રાખો હું પોતે અવાજનાં સ્થળની મુલાકાત લઈ આવ્યો છું.
(૪) સમાજ સેવા અને દીનની દાવત :
ઈસ્લામી મીડિયા મસાઈલનો ઉકેલ અને મુસીબતોનું નિવારણ કરે છે. અને ઉકેલ માગતા કોયદાને વધુ ઉલજાવી તે વડે લાભ મેળવી લેવાની અર્વાચીન મીડિયાની વેપારપ્રથાને સદંતર નાબૂદ કરે છે. આટલી વાત તો દરેક ને સ્વીકારવી જ રહી કે જે ધર્મનો સંદેશ સત્ય વાત પહોંચાડવાનો હોય, તેના મીડિયાનો ધ્યેય પણ સાચી વાત પહોંચાડી તેનું સારા પરિણામ પ્રાપ્ત કરવાનો જ હોય. એટલે જ ઈસ્લામી મીડિયા એ બાબતની અવશ્ય નોંધ લે છે કે લોકમાનસે તેની વાતનો કેટલો અસર કબૂલ કર્યો? અને પયગામે હકની જવાબદારી પૂરી કરવામાં તે સફળ રહયો છે કે નિષ્ફળ ? રસૂલે અકરમ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ હઝ.મુઆઝ રદિ. ને યમન મોકલતી વેળા જે આદેશો આપ્યા હતા તેમાં પ્રત્યેક હિદાયત પછી તે હિદાયતથી પ્રાપ્ત થયેલ પરિણામો ઉપર ચાંપતી નજર રાખવાની અને તેની ખૂબ જ સારસંભાળ કરવાની પણ તાકીદ ફરમાવી હતી. દા.ત. આપે (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) ફરમાવ્યું હતું કે પેહલા યમનવાસીઓને આ વાત કેહશો અને જયારે તેઓ તમારી એક વાતને માની લે તો પછી આ બીજી વાત કેહશો અને તે પણ માની લે તો પછી એમની સાથે આ પ્રકારનો વ્યવહાર કરશો. ઉપરોકત નબવી હિદાયતથી જે વાત સ્પષ્ટ થાય છે તે આજ છે કે ઈસ્લામી મીડિયાની આ પણ જવાબદારી છે કે તે સામાજિક નૈતિક કે અન્ય ઉકેલ માંગતા પ્રશ્નનો સચોટ અને સરળ ઉપાય રજુ કરી પોતે બતાવેલ ઉપાયની લોકમાનસ ઉપર થયેલ અસરનો ઊંડાણ પુર્વક અભ્યાસ કરે અને એક પ્રશ્ને સંતોષકારક પરિણામ પ્રાપ્ત થયા પછી જ બીજા, ત્રીજા એમ અન્ય પ્રશ્નોનાં ઉકેલ માટે આગળ વધે. જેથી પ્રત્યેક પ્રશ્ને સફળતા પામી શકાય અને લોકો સુધી સાચી વાત પહોચાડવાના નકકર પ્રયાસોની શક્યતા વધી જાય.
આ ઈસ્લામી મીડિયાની ખૂબીઓનો અછડતો ચિતાર હતો, જેના સામાન્ય અભ્યાસથી આટલી વાત સ્પષ્ટ થઈ જાય છે કે નરી સત્યતા એટલે ઇસ્લામી મીડિયા. જેમાં પ્રોપેગન્ડા, જૂઠ કે બનાવટ માટે લેશ માત્ર અવકાશ નથી, દુન્યાના જૂઠા, ફરેબી, એકતરફી અને મત્લબી મીડિયા સામે આજે જો કોઈ વાતની જરૂરત હોય તો તે તટસ્થ, સત્ય, સચોટ અને હકીકતને વાચા આપતા ઇસ્લામી મીડિયાની છે. વળી વર્તમાન યુગમાં યહૂદી લોબીએ ઈન્ટરનેશનલ મીડિયા ઉપર આગવો કબજો જમાવી મીડિયા દ્વારા જંગના સુત્ર હેઠળ તેણે ઇસ્લામ વિરોધી વાપરી રહ્યા હોવાથી યહૂદી જૂઠા મીડિયા વિરૂધ્ધ ઈસ્લામી સાચા અને પવિત્ર મીડિયાની સખત અને બહોળી જરૂરત ઉભી થઈ છે અને છેલ્લા દસ પંદર વર્ષના બનાવો અને તેના પ્રચાર-પ્રસાર ઉપર નજર નાખવાથી એ તારણ ઉપર وَ اَعِدُّوْا لَهُمْ مَّا اسْتَطَعْتُمْ مِّنْ قُوَّةٍ - ની વ્યાખ્યામાં આવી જાય છે, કારણ ખરાને ખોટું અને સાચાને જૂઠ, સારાને ખરાબ અને ખરાબને સારો સાબિત કરવાની તેમા જબરદસ્ત તાકત છે અને સામુહિક બ્રેઈન વોશીંગનું કામ પણ તે સફળતા પુર્વક પાર પાડે છે.
આવો સંકલ્પ કરીએ કે દુશ્મનના આ હથિયારને પણ ઇસ્લામી મીડિયા વડે નકામું બનાવીશું અને સત્ય-હકકનો પયગામ દુન્યા સુધી પહોંચાડીશું•
માનવાધિકારનું અંતિમ બંધારણ અંતિમ નબીનું અંતિમ અભિભાષણ
મવ. અ.રશીદ ઇબ્રાહીમ નદવી ખાનપુરી રહ.
એમતો માનવાધિકાર (હયુમન રાઈટસ)એ ન્યૂવર્લ્ડ ઓર્ડર અથવા ગ્લોબલાઈઝેશનનાં સુત્રધારીઓનું કોઈ પણ અનાજ્ઞાકારી દેશની આંતરિક બાબતોમાં કાયદેસરની દખલગીરી કરવાનું લેટેસ્ટ માધ્યમ છે, જેના નેજા હેઠળ આજના કહેવાતા વિશ્વપતિ એ નક્કી કરેલ હદમાર્યાદા ઓળંગવાની ભૂલ કરી બેઠેલા ક્રાંતિકારી અને વિકાસશીલ દેશોની માનવાધિકાર હનનના આરોપસર ખરેખરી ધુલાઈ કરી, પાઠ ભણાવી તેમને પચ્ચીસ - પચાસ વરસ પાછળ ધકેલી દેવામાં આવે છે. છતાં બેવડી નીતીઓ અને ત્રેવડા ધોરણોને અનુસરતી આજની વિશ્વશકિતઓ પોતાના આવા હાથવગા સાધનને રૂપાળા રંગેરૂપે, સોહામણા સ્વરૂપે, સજાવી - શણગારીને દુન્યા સમક્ષ એવીરીતે રજૂ કરતા ફરે છે કે જાણે માનવાધિકારનાં તેઓ પ્રથમ શોધક, પ્રથમ રક્ષક અને પ્રથમ ઉપદેશક હોય! અને માનવાધિકારનો પોગ્રામ એકવીસમી સદીના માનવ સમાજને તેઓ દ્વારા અપાયેલ લેટેસ્ટ (નવિનતમ) ભેટસોગાદ હોય ! જાણે માનવ સમાજ આ પહેલાં આવા સદગુણોથી વંચિત, માનવમુલ્યોથી અપરિચિત અને પોતાના મૂળભૂત અધિકારોથી અજાણ હતો અને માનવાધિકારના આ ઝંડાધારીઓએ માનવાધિકારની શોધખોળ કરી માનવ સમાજ ઉપર મોટો ઉપકાર કર્યો હોય!
બીજા શબ્દોમાં કહિએ તો આવી સંસ્થાઓનો દા'વો છે કે સમગ્ર માનજાતને માનવતાના પાઠો અને સભ્યતાના સબકો ભણાવવા - પઢાવવાના કામ ઉપર એક માત્ર તેમનો જ ઈજારો છે અને આજે સમાજમાં જે કોઈ સભ્યતા, સંસ્કૃતિ અને માનવાધિકારનું રક્ષણ જોવા મળે છે તે તેમની જ દેન છે. દુન્યાના જે દેશોએ તેમની સંસ્કૃતિને અપનાવી લીધી છે તે જ સભ્યતાને પામી, માનવાધિકારોથી લાભાન્વિત થયા છે અને જેમણે એમની સંસ્કૃતિની અવગણના કરી તેનો અસ્વીકાર કરવાની ભૂલ કરી છે. તેઓ માનવાધિકારથી વંચિત છે અને ગમેતે ભોગે તેમને સુધારવાની જરૂરત છે, જેથી માનવ, દાનવ મટી માનવ બને, સભ્ય સમાજની રચના થાય અને આ જગથી જંગલરાજ દૂર કરી માનવતાવાદી માનવરાજ (માનવરૂપી માનવભક્ષકોના સામ્રાજય)ની સ્થાપનાનાં ચક્રો ગતિમાન થાય, જે રાજમાં મોટા (શકિતશાળી)ને આદરમાન (સર્વસત્તા) અર્પવામાં આવે અને નાના (નિર્બળો)ને મોટાઓ (મહાસત્તા)ની કૃપા દ્રષ્ટિ (દયાદાન) હેઠળ જીવવાનો અવસર મળે.
મહાસત્તાઓના આવા ઘડી કાઢેલા વિરોધાભાસી પોગ્રામ અને કપટાચારી કાર્યક્રમનાં નરસાં પાસાંથી આંખ આડા કાન કરી ફકત સારાં પાસાંને લઈએ તો પણ પ્રથમ દ્રષ્ટિએ એ જ તેમા અસંખ્ય ઉણપો, અગણ્ય ખામીઓ અને ફકત માનવબુધ્ધિ આધારિત હોવાના લઈ તે સર્વાંગ સંપૂર્ણ હોવાના બદલે અપૂર્ણ અને અપરિપકવ લાગે છે, કારણ આજની માનવાધિકાર ઉપર વૉચ રાખતી સમગ્ર સંસ્થાઓ એકજ ધરી ઉપર ફરતી અને એકજ તાકતના ઈશારે કામ કરતી (નાચતી) સંસ્થાઓ છે, તે જયાં, જયારે, જેવી અને જેટલી ભુમિકા ભજવવાનો આદેશ આપે છે, આ સંસ્થાઓ તેટલો અને તેવો જ અભિનય કરે છે અને તપાસના પૂરા માર્ગે મહાસત્તાએ ચીતરેલા STOP GO BACK BUMP AHEAD. જેવા બધાંજ વાંચી ને આગળ વધે છે, વળી જો મહાસત્તાની રહેમ રાહે કોઈ પંચની કાર્યવાહીને લીલી ઝંડી આપવામાં આવે છે તો તેમાં પણ તેની કાર્યસત્તા ફક્ત અને ફક્ત પચાસ - સો પાનાંનો રિપોર્ટ છપાવવાથી આગળ વધી શકતી નથી. જયારે બીજી તરફ માનવાધિકારનું હનન કરતી ટોળકીઓ, ટેરરિસ્ટો અને સત્તાઓ આવા રિપોર્ટોને પડકારી, તેની અવગણના કરી બલકે ઐસીતૈસી કરી પોતાનો કાર્યક્રમ આગળને આગળ ધપાવે જ રાખે છે. આવા પ્રપંચી પાપાચારીઓના પાપ અને રીઢા આતંકવાદીઓના આતંકની સજારૂપે માનવાધિકાર પંચની એકાદ રિપોર્ટ છપાવાથી એકાદ વકતવ્ય આવી જવા કે એકાદ નિંદા પ્રસ્તાવ પારિત કરવાથી, માનવીને માનવાધિકાર નથી મળી શકતો, બલ્કે શકય છે કે માનવાધિકાર સંસ્થાઓની આટલી ટૂંકી કામગીરીથી મજલૂમ પક્ષે નિરાશા, હતાશા, અપમાન, કાયરતા, મુંગા મ્હોંએ જુલ્મ સહન કરતા રહેવાનો અને કોઈપણ રિએકશન તમારા ડેથ વોરંટને આમંત્રણ આપવા સમાન છે, નો મેસેજ જાય અને જાલિમ પોતાના જુલ્મને યોગ્ય, ન્યાયી, સમયસરનો અને પરિણામલક્ષી સમજી લેવાની ભૂલ કરી બેસે, જરૂરત છે જાલિમ મજલૂમ બંનેનાં હાથ પકડવાની, મજલૂમના આંસૂ લુંછી તેને સંપૂર્ણ ન્યાય અપાવવાની અને પાપીને પકડીને પાપના પ્રકારસમ કડક અને ન્યાયી સજા આપવાની. જો આવું બને તો જ માનવાધિકારોનું રક્ષણ થયું ગણાય અને આવી સંસ્થાઓ પોતાના મિશનમાં સફળતા પામી શકે. સમય આવી ગયો છે કે માનવાધિકારની વાતો કરતી સંસ્થાઓ આત્મ નિરિક્ષણ કરે યા પોતાની અપૂર્ણ કે અટપટી કાર્યવાહીને પૂર્ણ અને વ્યવહારી બનાવે, યા કોઈના દબાવસર માનવ સમાજને ડબલ મેસેજ આપવાનું છોડીને પોતાના કાર્યક્રમ ઉપર પૂર્ણવિરામ મુકી દે.
આ તકે અંતિમ આકાશીધર્મ ઇસ્લામને માનવજાત સુધી પહોંચાડનાર અંતિમ નબીનું અંતિમ સંબોધન, જે તેમણે તેમના અંતિમ હજુ ટાણે પોતાના લાખોની સંખ્યામાં હાજર પ્રખર અનુયાયીઓ સમક્ષ આપ્યું હતું અને જે ઉદ્બોધનને ઈસ્લામધર્મમાં નબીની વસીય્યતસમ (વીલ) હોવાનું બહુમાન પ્રાપ્ત છે, તેને ટાંકવું ખૂબ જ જરૂરી છે, જેનાથી એકવીસમી સદીમાં માનવાધિકારોની શોધખોળ કરતા માનવાધિકારપંચોને જાણવા મળશે કે તમને જે માનવાધિકારનું અધૂરું સ્વપ્ન આજે આવ્યું છે તેનો આદેશ બલકે તેનું સંપૂર્ણ અમલી સ્વરૂપ આ દુન્યાએ પંદરસો વરસ પહેલાં જોઈ લીધું છે. અંતિમ નબી દ્વારા રજૂ કરવામાં આવેલ માનવાધિકારના અંતિમ બંધારણનો અભ્યાસ કરો અને તે આકાશી દિવ્યવાણીની રોશનીમાં તમારા માનવઘડિત માનવાધિકારોની ઉણપો દૂર કરો, નિશંક નબવી બંધારણ જ માનવીને સંપૂર્ણ માનવાધિકાર અને માનવાધિકાર પંચોને સંપૂર્ણ માર્ગદર્શન આપી શકે છે.
હિજરીસન ૧૦ના જિલ્કદ મહીનાની ૨૫,મી તારીખે અંતિમ નબી (સલ્લલ્લાહ અલયહિ વ સલ્લમ) મદીનહ મુનવ્વરહથી મકકહ મુકર્રમહ હજ઼બયતુલ્લાહ માટે રવાના થયા, આ મુબારક હજ્જ ને આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ની અંતિમ હજ્જ પુરવાર થવાથી, "હજ્જતુલ વદાઅ્" (અંતિમ, અલ-વિદાઈ હજ્જ) કહેવામાં આવે છે. આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ની સાથે એક લાખથી વધૂ સહાબએ કિરામ (રદિ.) (આપના સાથીઓ) પણ હજ્જે બયતુલ્લાહનો મુબારક ફર્જ અદા કરવા ચારે દિશાએથી આવી પહોંચ્યા હતા, આ સફરમાં આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ લોકોને હજ્જે બયતુલ્લાહ અદા કરવાની રીત અને તેના જરૂરી મસાઈલ સમજાવ્યા અને અરફહના દિવસે (૯,મી જિલહજ્જે) જે હજ્જની અદાયગીનો મુખ્ય દિવસ ગણાય છે, અરફાતના મૈદાનમાં (જયાં પહોંચ્યા વગર કોઈપણ હાજીની હજ્જ માન્ય ગણાતી નથી) એક તકરીર (ઉપદેશ-પ્રવચન) ફરમાવી, જેમાં સમગ્ર સદગુણો અને દુર્ગુણોનું વિસ્તારે વર્ણન ફરમાવ્યું અને માનવસમાજ માટે માનવાધિકારના સર્વગ્રાહી બંધારણની જાહેરાત કરી લોકોનાં બુનિયાદી હકકો અને મૂળભૂત ફરજોનું એ'લાન કર્યું અને હાજરજનોને આઝાદી, સમાનતા અને ભાઈચારાનાં સિધ્ધાંતો શીખવાડયા, આ સંબોધનના મનનીય, વર્ણનીય અને અનુકરણીય મુદ્દાઓ નીચે મુજબ છે.
આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે સર્વપ્રથમ સમગ્ર સૃષ્ટિના સર્જક, અલ્લાહ તઆલાના વખાણ અને તેનાથી જ સહાય અને ક્ષમાની યાચના કરી ફરમાવ્યું : યા અય્યુહન્નાસ ! હે માનવજાત. અહિંયાં (શ્રોતાજનો ફકત મુસલમાનો હોવા છતાં) હે મુસલમાનો નું નહિ પણ હે માનવજાતનું સંબોધન કરવામાં આવ્યું છે, જે એ વાતનો પુરાવો છે કે ઇસ્લામ સમગ્ર માનવજાતનો ધર્મ છે અને સમાનતા, સદભાવના અને એકતાને વરેલો છે, કહેવાતા નાત, જાત, જુથ, વાદ કે કોઈપણ પ્રકારના ભેદભાવને ઇસ્લામના મૂળ આદેશોમાં કોઈજ સ્થાન નથી, સમગ્ર માનવજાત માટે પૂંજનીય જાત એકમાત્ર અલ્લાહ તઆલાની જ જાત છે, કુર્આન સમગ્ર માનવજાત માટે એકમાત્ર અંતિમ જીવન બંધારણ છે અને હઝરત મુહમ્મદ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ સમગ્ર માનવજાતના અંતિમ પયગમ્બર (સંદેશવાહક) છે.
આગળ ફરમાવ્યું : "મારી વાત ધ્યાનથી સાંભળો, શકય છે આ વર્ષ પછી આ જગ્યાએ હું તમને ફરી ન મળી શકું."
આ શબ્દોના લઈને જ હુઝુર સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની આ તકરીરને ઇસ્લામમાં આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની વસિય્યત માનવામાં આવે છે, એક વીલનામાની મહત્વતા કેટલી હોય છે ? તેને લખવા બોલવા ટાણે આ જગથી વિદાય લેતી વ્યકિતની લાગણીઓ, હૃદયભાવનાઓ અને મહત્વાકાંક્ષાઓ કેવી હોય છે ? તે હરકોઈ સમજી શકે છે. વળી જયારે વસિય્યત-નસીહત કરનાર અંતિમ ખુદાઈ સંદેશવાહક હોય અને વિષય માનવજાતની ભલાઈનો હોય ત્યારે તેના શબ્દે શબ્દની વિશાળતા, મહાનતા અને અનિવાર્યતા ઘણી ગણી વધી જાય એ સ્પષ્ટ છે.
હે લોકો સૌના જાન, માલ, આબરૂ (ઉપર તરાપ મારવી) તમારા પાલનહાર સમક્ષ પહોંચતા સુધી નિષિધ્ધ (હરામ) છે, આજ પછી હર પળે, હરસ્થળે તે એટલા સુરક્ષિત અને સન્માનીય ગણાશે જેટલા તે આજના અરફહ જેવા પવિત્ર દિવસે, મદીનહ મુનવ્વરહ જેવા પવિત્ર શહેરે અને જિલહજ્જ જેવા પવિત્ર મહિને સન્માનીય અને સુરક્ષિત ગણવામાં આવે છે, આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે જાન માલ- આબરૂની રક્ષાનું બેનમૂન એ'લાન કરી, કજિયાના મુખ્ય કારણોને મૂળેથી ઉખેડી નાંખ્યા અને લોહીનો રંગ એક હોવા છતાં અરબી, અમેરિકી, ઈઝરાઈલી, હબશી, હિંદૂ, મુસ્લિમ, ઈસાઈ, યહૂદી જેવા ગૃપોમાં માનવસમાજની વહેંચણી કરી, કોઈ ચોકકસ ધર્મ કે કૌમનાં લોહીને પાણી સમજી નાહક વહાવવાને, તેમના માલને માલે ગનીમત સમજી લૂંટવા –બાળવાને અને તેમની માં—બહેનોની આબરૂ સાથે ચેંડા કરવાને વર્જિત, પ્રતિબંધિત અને નિષિધ્ધ ઠેરવવામાં આવ્યું, એટલું જ નહિ, હુઝૂરે અકરમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે જાન – માલ – આબરૂની સુરક્ષાકાજે માનવસમાજમાં દ્રઢ મનોબળ અને પૂરતી ઇચ્છાશકિત પૈદા કરવા વિવિધ સમયે વિવિધ ઉપદેશો આપ્યા જેથી માનવસમાજ આપમેળે માનવમુલ્યોનું મુલ્ય સમજે અને તેના અવમુલ્યનથી બચે તેમ છતાં માનવાધિકારનું હનન થાય તો છેલ્લા ઉપાય સ્વરૂપે માનવાધિકારને સંપૂર્ણ સુરક્ષા પ્રદાન કરવા, કોઈને નાહક (ખોટી રીતે) મારી નાખનારને કિસાસ (ખૂન કા બદલા ખૂન)ની અને કોઈનો નાહક માલ ચોરી કરનારને કત્એ યદ (હાથ કાપવાની) અને કોઈની આબરૂ લૂંટનાર (વ્યભિચારી – બળાત્કારી)ને પથ્થરો વડે મારી નાંખવાની કડક સજાઓ પણ નિર્ધારિત કરી.
દયાભાવનાનો લાભ અને અટપટા કાયદાની છટકબારીઓમાંથી છટકી જવાનો મોકો આપતા પ્રગતિવાદી કેહવાતા દેશોની ગુનાહિત પ્રવૃત્તિઓનો આંકડો મેળવી, તેમના મતે ગણાતા રૂઢીવાદી કે મૂળભૂત વાદીઓનાં તેવા દેશો સાથે જયાં આ કાયદાઓનું કડક અમલીકરણ છે સરખામણી કરો તો ખબર પડશે કે અસરકારક, પ્રરિણામલક્ષી અને ગુનાહિત પ્રવૃત્તિઓને ડામવાની શકિત કયા કાયદામાં છે ? અને કયો કાયદો ગુનાહોને છાવરી જાન-માલ-આબરૂ ક્ષેત્રે જધન્ય કૃત્યો આચરવાની પ્રેરણા આપે છે ? ખૂનીને સજારૂપે પોતાના ખૂનનો, ચોરને સજારૂપે પોતાના કપાએલા હાથનો અને વ્યભિચારીને સજારૂપે પોતાની ઈબ્રતનાક મૌતનો વિચાર માત્ર જે તે ગુનાહિત પ્રવૃત્તિથી દૂર હડસેલી દેશે, પછી ખુલ્લો પડેલો માલ કે એકલી જતી સ્ત્રી પણ ગુંડા તત્વો અને સમાજનાં નાસૂરોથી સુરક્ષિત રહેશે. ઈસ્લામના મતે તો માનવાધિકાર એટલે જાન-માલ-આબરૂની સંપૂર્ણ સુરક્ષા, આપમેળે કે સજાના જોરે, ઈસ્લામી ઈતિહાસમાં માનવાધિકારની આવી સંપુર્ણ સુરક્ષાના એક નહિ અનેક દાખલા મોજૂદ છે, આજે પણ આ કાયદાને અનુસરતા મુસ્લિમ દેશો તેનો જીવંત નમૂનો છે. તમારે તમારા પાલનહારને મ્હોં બતાવવાનું (તેના સમક્ષ હિસાબ માટે ઊભા રહેવાનું) છે, જો કોઈની પાસે કોઈની અમાનત હોય તો તેના માલિકને ઈમાનદારીથી પહોંચાડી આપે.
ઈમાનદારી માનવાધિકારનો આધાર સ્તંભ છે, નેતાઓ હોદ્દેદારો, સરકારો, સંસ્થાઓ, પંચો, ન્યાયાલયો, મહાસત્તાઓ અને પ્રત્યેક વ્યકિત કે વસ્તી સમાનપણે સૌના માટે ઈમાનદાર અને નિષ્ઠાવાન બની જાય તો માનવાધિકારનાં હનનનો પ્રશ્ન જ પૈદા ન થાય! આવા વિકટ પ્રશ્નો અને જટીલ સમસ્યાઓ ત્યારે જ ઊભી થાય છે જયારે માપદંડો બદલાય છે, હું કરું તે માનવાધિકાર અને મારા જેવું જ કામ અન્ય કોઈ કરે તો આતંકવાદ, આવા ડબલ માપદંડો જ એકશન – રિએકશન કે આક્રમણ પ્રતિ આક્રમણને જન્મ આપી માનવ જાતમાં બગાવતનું વાતાવરણ સર્જે છે, આ તકે ઈમાનદારીનું એક એવું ઉદાહરણ જેનો જોટો માનવ ઇતિહાસમાં જડવો મુશ્કિલ જ નહિ અસંભવ છે, ટાંકવું અતિ આવશ્યક ગણાય, અંતિમ નબી સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમનું ઈસ્લામ ધર્મ સાથે આગમન થાય છે, તેઓ મકકહ મુકર્રમહની જાહિલ, જાલિમ, અજ્ઞાનિ, અત્યાચારી અને બહુઈશ્વરવાદમાં રાચતી કૌમને ઇસ્લામ ધર્મ અંગીકાર કરવાની દા'વત આપે છે. એમના વિરોધમા હક-બાતિલ અને અંધકાર-પ્રકાશની અથડામણમાં જેટલી તરકીબો અપનાવવામાં આવે છે તે બધીજ યુકિતઓ અજમાવવામાં આવી, હો - હા, પથ્થરબાઝી, ગાળાગાળી, મારામારી, અપ્રચાર, પ્રોપેગન્ડા, આરોપો, બળવાઓ, સામાજિક બીહષ્કાર અને પ્રાણ લેવાનો પ્રયાસ, આ બધું ૧૩-૧૩ વરસ સુધી ચાલતું રહયું અને છેલ્લે બધાજ કબીલાના નવયુવાનોએ ખુલ્લી તલવારે આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમનાં ઘરનો ઘેરો, આપને નીકળતાની સાથે જ મારી નાંખવાના બદઈરાદે, ઘાલ્યો. આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ અલ્લાહના નબી હતા અને રક્ષાની જવાબદારી સર્વશકિતમાન અલ્લાહે લીધી હતી એટલે ૧૩ વર્ષીય પ્રયત્નોની જેમ આ છેલ્લા પ્રયત્ને પણ તેઓ નિષ્ફળ ગયા અને આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ આરામથી મદીનહ મુનવ્વરહના રસ્તે નીકળી પડયા.
વિચારો તો ખરા ! કે એક જ હુમલામાં મારી નાંખવાના આશય સાથે જેઓ ભેગા થયા હતા અને જેમનાં જીવનનું એકમાત્ર ધ્યેય અને લક્ષ્ય અંતિમ નબીને વિના વિલંબે, કોઈપણ ભોગે રસ્તેથી હટાવી દેવાનું હતું તે જ દુશ્મનોની, હાં !.તે જ મક્કહ વાસીઓની અમાનતો છેલ્લી રાત્રી સુધી મક્કહનાં એક માત્ર અમીન (અમાનતદાર) અને સાદિક (સત્યવાદી)નું બિરુદ મેળવી ચૂકેલા અંતિમ નબી પાસે હતી, વળી તે ખરા અમીનની અમાનતદારી તો જુઓ ! કે જીવ સટોસટની બાજીમાં પણ બધી જ અમાનતો તેમના માલિકો સુધી અમાનતદારીપૂર્વક પહોંચાડવા માટે નામ ઠામ અને વિગત સહિત પોતાના પિતળાઈ ભાઈ હઝ. અલી (રદિ.)ને સોંપી, સવારે પ્રત્યેક માલિકને તે પહોંચાડયા પછી જ મદીનહ આવવાની તાકીદ ફરમાવી. શું કોઈ દુશ્મન પોતાની અમાનતો, દસ્તાવેજો અને રહસ્યો પોતાના પરંપરાગત દુશ્મન પાસે મુકીને સંતોષ અનુભવે ખરો ? અને સામો પક્ષ દુશ્મનની હાથે ચઢેલી અમાનતોને સુરક્ષિત કે સલામત રાખવા પહોંચાડવાના પ્રયાસો કરે ખરો ? શું આજે એવું શકય છે કે ભારત પોતાના રહસ્યો પાક. પાસે અથવા પાક. ભારત પાસે મુકીને તેના સુરક્ષિત હોવાનો સંતોષ અનુભવે? અથવા ઇઝરાઈલ પોતાની ગુપ્ત વાતો ફલસ્તીન પાસે અને ફલસ્તીન ઇઝરાઈલ પાસે મુકીને તેની ગુપ્તતા જળવાઈ રહેવાનો સંતોષ માણે? હરગિઝ નહિ ! પણ ઈમાનદારી, ઈસ્લામધર્મની પાયાની તા'લીમ હોવાનાં લઈ ઈસ્લામના અનુયાયીઓના હાથે ઈમાનદારીના આવા દાખલા શકય જ નહિ, સર્વ સામાન્ય છે, ઈસ્લામી ઈતિહાસમાં એક નહિ અનેક જીવંત પુરાવા મોજૂદ છે, બોલ્યા પછી ફરવું નહિ, સંધિ કદી તોડવી નહિ, કથની - કરની માં તફાવત નહિ, કાયદાના બે માપદંડો નહિ, આ બધા ઇસ્લામના પાયાનાં સિંધ્ધાંતો છે. મક્કહ મુકર્રમહના ઐતિહાસિક વિજય ટાણે અમન શાંતિના આ પ્રચારકે હિજરત (ઘર છોડવા મજબૂર કરનાર) દુશ્મનો માટે એક વિજેતાને નહિ પણ, નબીને શોભે એવી આમ મા'ફીનું એ'લાન કર્યું અને જેની સાથે સંધી હતી તેનું નિર્ધારિત મુદ્દત સુધી આદરમાન કરવાની ઘોષણા પણ ફરમાવી, કારણ ઇસ્લામના મતે તેનું ઈમાન નથી જેમાં અમાનતદારી નથી અને વચનભંગ કરનાર દીનદાર નથી.
આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે ફરમાવ્યું : વ્યાજુ વ્યવહાર આજથી હરામ કરવામાં આવે છે, હાં, જે રકમ વ્યાઝે અપાય ચૂકી છે તેની મુદ્દલ રકમ પરત મળવાપાત્ર ગણાશે. બંને પક્ષ એકબીજા ઉપર જુલ્મ (માલી હક દબાવવો) નહિ કરી શકે અને હું સૌપ્રથમ અબ્બાસ બિન અ.મુત્તલિબની વ્યાઝની બધી રકમ ન લેવાપાત્ર હોવાની જાહેરાત કરું છું ! કોણ નથી જાણતું કે વ્યાઝુ વ્યવહાર એટલે માનવસમાજને બે વર્ગમાં વિભાજિત કરી એકને કંગાલ અને બીજાને ધનવાન બનાવવાનું ષડયંત્ર, સાથે સાથે, હરામખોરી, આળસ વૃત્તિ, નિર્ધનોનું શોષણ, વેપાર-ધંધાની પાયમાલી, માલની મુહબ્બત, અર્થજગતની બરબાદી અને મૂંડીવાદને પ્રોત્સાહન જેવા અનેક દુર્ગુણો માનવસમાજને ભેટ આપવાની બુરાઈ તો ખરી જ!વ્યાઝુવ્યવહારની જ તો બલા છે કે આજે વિકાશશીલ દેશો વિકાસના ઊંચા શીખરો આંબી રહ્યા છે, જયારે ગરીબ દેશો પતનની ઊંડી ગર્તામાં ધકેલાઈ રહ્યા છે, સમાજના માલદારો ગરીબોને અને ધનવાન દેશો ગરીબ દેશોને ભારે ટકાવારીનું વ્યાઝ ધીરે છે, થોડાક જ સમયમાં બે ત્રણ ઘણું થઈ જાય છે, પછી તેઓ મુદ્દલ પરત કરવાનું દૂર રહયું, વ્યાઝના જ ભારમાં એટલા ડૂબી જાય છે કે પોતાની મેહનત, ધંધાનો નફો, કુદરતી પેદાશો બધું જ પેલા દેવાની ચુકવણીમાં આપતા જાય છે, છતાં ભાર હલકો થતો નથી અને મોટું ભારણ થતા નફફટ દેશો જે તે દેશના અમુક ભાગો ઉપર કબજો જમાવવાનું કાવત્રુ પણ ઘડી કાઢે છે, વિશ્વ અર્થકારણ છિન્નભિન્ન થઈ જાય છે અને જંગલમાં જેમ મોટું જાનવર નાના જાનવરને, અને દરિયામાં મોટું માછલું નાના માછલાને ગળી જાય છે તેમ મોટા દેશો નાના દેશોને ગળી જઈ,પોતાની સીમા અને સત્તા વધારતા રહે છે.
દુન્યાને આગળ લાવવાની અને બધાને સુખ-શાંતિ અને અમન ચેન આપવાની વાતો કરતા મોટા દેશો અને બુધ્ધિવાદીઓ માટે સમય પાકી ગયો છે કે તેઓ ગરીબોની બધી પૂંજી પોતાને ઘેર ઢસડી જતા વ્યાઝુ વ્યવહાર ને પ્રતિબંધિત ઠેરવવા સક્રીય વિચારો અને પ્રયત્નો કરે, અને માનવસમાજની જરૂરતોને બિનવ્યાઝુ લોન (કરજ) આપી પૂરી કરવાની હિંમત દાખવે, પણ શું આ બધું તે (બનાવટી) સભ્ય સમાજના હાથે શકય છે જે દુન્યાને લૂંટવા ખાતર ભારે ટકાવારીએ લોન આપી મીડિયા દ્વારા જાણે દયા-દાનમાં આપ્યા હોય એવો બહોળો પ્રચાર કરી જે તે દેશને માનસિક રીતે પોતાનાં દબાણમાં રાખવાનો પ્રયાસ કરતો હોય ? માનવસમાજ સાથે મદદના નામે આટલી મોટી છેતરપિંડી કયા સુધી ? અને માનવાધિકારનું આવું શોષણ કેમ ? શું એક રૂપિયો પણ વ્યાજના લોભ વગર ન આપવાની નિતીથી માનવનો માનવપ્રતિ વિશ્વાસ જાગે ખરો?
કદાચ આજની માનવાધિકાર માટે લડત આપતી સંસ્થાઓને તો અર્થજગતને પાયમાલ કરતા આવા જુલ્મી વ્યાઝુ વ્યવહારને નાબૂદ કરવાનો વિચાર પણ નહિ આવ્યો હોય ! અને ચોકકસ પણે તે તેમના ભાવી એજન્ડામાં શામિલ પણ નહિ હોય ! પણ ઇસ્લામે તો વ્યાઝને હરામ અને વેપાર -રોજગારને હલાલ ઠેરવી તેનું સંપૂર્ણ માળખું દુન્યાને આપી જ દીધું છે, જરૂરત છે માનવસમાજ અને માનવાધિકાર માટે સ્થપાએલ સંસ્થાઓ તેનો અભ્યાસ કરે અને શકય એટલા જલ્દી અમલીકરણ વડે તેના મીઠાં ફળોનો આસ્વાદ માણે.
આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે ફરમાવ્યું : અને પ્રત્યેક ખૂન જે ઝમાનએ જાહિલિય્યત (અંધકારયુગ)માં થયું હતું તે રદબાતલ (જતું) કરવામાં આવે છે અને સૌ પ્રથમ હું રબીઅહ બિન હારિસ બિન અ. મુત્તલિબના ખૂનની મા'ફીનું એ'લાન કરી અંધકારયુગનાં ખૂન મા'ફ કરવાની શરૂઆત કરું છું. સો સો વરસ સુધી ચાલતી લડાઈઓ કેવી રીતે બંધ થાય ? વેરઝેર કેવી રીતે દૂર થાય? ભાઈચારો કેવી રીતે પૈદા થાય? આક્રમણ પ્રતિ આક્રમણ અથવા વેરભાવના ઉપર કેવી રીતે કન્ટ્રોલ થાય ? તે બધું કોઈ માનવાધિકારનાં આવા અસરકારક નિયમથી શીખે ! કાયદાનો રક્ષક પોતાની જાતને સૌથી વધૂ કાયદાની પાબંદ ગણે, બલ્કે સ્વજાતથી જ તેના અમલી કરણની શરૂઆત કરે તોજ કાયદાની સ્પ્રીટ જળવાઈ રહે અને નકકર પરિણામો મેળવી શકાય, નબવી યુગનો ઈતિહાસ જાણનારા બધાજ જાણે છે કે આવા નિયમોના આધારે જ ફકત ૨૩ વર્ષીય અને ખરી રીતે ૧૦ વર્ષીય મેહનત ના જ ફળસ્વરૂપે અંતિમ નબી સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે જંગલી જાનવરોથી પણ બદતર બની ચુકેલ કૌમને સર્વશ્રેષ્ઠ માનવ બનાવી દીધા, એટલું જ નહિ તેમણે જ શાંતીનાં દૂત બની આખી દુન્યાને ઇસ્લામની અનુપમ સંસ્કૃતિ અને માનવતાનો સંદેશ પહોંચાડયો. આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ ફરમાવ્યું : હે લોકો, તમારી પત્નીઓનો તમારા ઉપર હક છે, અને તમારો પણ તેમના ઉપર હક છે. તમારો તેમના ઉપર આ હક છે કે તેણીઓ તમારા સિવાય તમારા બિસ્તરા સુધી અન્ય કોઈને પહોંચવાનો અવસર ન આપે, (પર પુરુષથી શરીર સંબંધ ન બાંધે) અને તમારી પરવાનગી વગર પરપુરુષને તમારા ઘરમાં પ્રવેશવાની છૂટ ન આપે, જો તેણી ઉપરોકત બધી બાબતોમાં આજ્ઞાકારી સાબિત થાય તો તમારા શીરે તેણીના ખાવા-પીવા, પહેરવા, રહેવાની કાયદેસરની જવાબદારી આવી જાય છે. સ્ત્રીઓ સાથે સદવર્તનની મારી વસિય્યત કબૂલ કરો, સ્ત્રીઓનાં હકકો બાબત અલ્લાહથી ડરતા રેહજો, મારી વાતોને સારી રીતે સમજી લો.
સ્ત્રીઓને પુરુષ સમોવડી બનાવવાની છેતરામણી વાતો કરતા નારી સંગઠનો અને પ્રાશ્ચાત્ય સંસ્કૃતિથી પ્રેરાઈને સ્ત્રીઓનું ડબલ શોષણ કરતા નારી સ્વતંત્રતાનાં આંદોલનકારીઓએ નારીના ખરા સન્માનની આ આકાશી વાતોને આવકારવી જોઈએ. સ્ત્રીઓની આઝાદીનાં નામે તેના "ઘરની રાણી"ના પદને છીનવીને આ સંસ્કૃતિએ સ્ત્રીને શું આપ્યું? એર હોસ્ટેસનું પદ? કોલગર્લ ? કેબરે ડાન્સર ? સિનેમાની એકટર્સ ? સેલગર્લ ? ૫૦ (પચાસ) પૈસાની માચિસ કે ૫ (પાંચ) રૂપિયાનો સાબૂ વેચવા જેના દેહનું પ્રદર્શન કરી શકાય તેવું પદ? નોકરી કરીને કે (રૂપ વેચીને) પતિનું પણ ભરણ પોષણ કરવાની ડબલ જવાબદારીનું પદ ? પર પુરૂષને આકર્ષવાનું સાધન ? કુંવારી માતા બનવાનું પ્રોત્સાહન ? ઓદ્યોગિક ક્રાંતિનાં નામે નારીની અવદશા ? સ્ત્રી સન્માન ઉપર ઝનૂની આક્રમણ ? કુંટુંબ વ્યવસ્થાનો વિનાશ? ખતરનાક ગુપ્ત રોગો? સામુહિક ચારિત્ર્યનો વિનાશ ? જનજીવનમાં વ્યાપક અશાંતિ ? બાળ માનસનું ખતરનાક જાતીય ઉત્થાન? વેશ્યાવૃત્તિની વિનાશક વ્યાપકતા ? શું આપ્યું???
અરે પુરુષોને સ્ત્રીની સાચી હમદર્દી હોય તો એકાદ મર્દ તો એવો પૈદા થાય જે સ્ત્રીને બાળકો જણવાની તકલીફમાંથી મુકત કરી પોતે એકાદ બાળક જણવાની જવાબદારી ઉપાડી લે ! અથવા રડતા બાળકને કોઈ બાપ પોતેજ છાતીએ લગાવી દૂધ પિવડાવી દે, તુરંત જવાબ મળશે ગાંડા છો ? આ શક્ય જ નથી ! આ પ્રકૃતિ વિરૂધ્ધનું કૃત્ય ગણાય ! આ કામ માટે તો ઉપરવાળાએ સ્ત્રીને જ પૈદા કરી છે, સ્ત્રીનું શારીરિક ઘડતરજ એ પ્રકારનું છે! તો ભાઈ! સ્ત્રીને સ્ત્રીનું કામ કરવા દો અને તમે તમારું કામ કરે, શું તમે એવું ઈચ્છો છો કે સ્ત્રી કોઈ પુરુષની પત્ની બની તેના ઘરની સારસંભાર, શરીરસુખ, વંશવેલા વગેરેની જવાબદારી પણ ઉપાડે અને સમયની ચોરી કરી નફફટ પુરૂષો માટે નોકરી પણ કરે? શું આ પ્રકૃતિ વિરૂધ્ધનું કૃત્ય નથી ? શું આ શકય છે ? હાં, નો જવાબ આપનારા પ્રેકિટકલી કરી બતાવે તો ખરા ! શું સ્ત્રીને પુરૂષ સમોવડી બનાવવાની વાતો કરનારા સ્ત્રીનાં પુરુષ જેવા બાલ કપાવી કે વસ્ત્રો પરિધાન કરાવી આભાસી પુરૂષ બનાવવાના બદલે, સ્ત્રીનાં સામાન્ય અવયવોને પુરુષનાં સામાન્ય અવયવોમાં તબ્દીલ કરી સંપૂર્ણ પુરુષ બનાવી શકે ખરા ? જવાબ હાં, મા હોય તો એકાદ સેમ્પલ તૈયાર કરે અને સ્વજાતથી શરૂઆત કરે જેથી એમનું આંદોલન ફળિભૂત થયું ગણાય, અને નકારાત્મક હોય અને છે જ તો ખુદા ખાતર સ્ત્રી જેવી નાજુક નમણી જાત સાથે આટલી મોટી છેતરપિંડી કરવાનું પાપ છોડો અને બંનેને પોતપોતાની પ્રાકૃતિક જવાબદારી પૂરી કરવાની શીખ આપો. માજી રશિયન પ્રમુખશ્રી ગોર્બાચોવને સ્ત્રી જાતનું શોષણ અને સ્ત્રીદ્વારા ફેલાવવામાં આવી રહેલી બદી સમજમાં આવી ગઈ એટલે એમણે એક ચળવળ ચલાવી જેને મુખ્ય હેતુ એ પોતે આ પ્રમાણે લખે છે. મારા સમાજે ચોકકસ લક્ષ્યને પામવા સ્ત્રીને ઘરની બહાર ધકેલી દીધી છે જેનાં દુષ્પરિણામો અમે અનુભવી ચૂકયા છે. હું આ ચળવળ દ્વારા તેને ફરી પાછો ઘરનાં સર્વોચ્ચ પદે લઈ જવા માંગુ છું.
વિજ્ઞાનિક, મનોવૈજ્ઞાનિક અને જીવશાસ્ત્રીય સંશોધનોએ આ વાત દીવા જેવી સ્પષ્ટ કરી દીધી છે કે સ્ત્રી અને પુરુષના શારિરીક અને માનસિક વ્યકિતત્વમાં પાયાના વિશાળ તફાવતો રહેલા છે. આ તફાવતો મૂળભૂત અને પ્રાકૃતિક છે, તેથી અગર કોઈ એવું ઈચ્છે કે સ્ત્રી-પુરૂષ વચ્ચેના કુદરતી અંતરને ભૂંસી નાખવામાં આવે, તો પણ આવું કરી લેવું કોઈ કાળે શકય નથી.
સ્ત્રી – પુરૂષ વચ્ચેના કુદરતી તફાવતોના અનુસંધાનમાં પ્રસિધ્ધ નોબેલ પારિતોષિક વિજેતા ડો. એલેક્ષીસ કેરલ (Alexis Correl) લખે છે, "હકીકતની દ્રષ્ટિએ સ્ત્રી પુરૂષ કરતાં અત્યંત નકકર દષ્ટિએ સાવ ભિન્ન પ્રકૃતિની છે. સ્ત્રીઓને જોઈએ કે તેણીઓ પોતાની લાયકાતોને પોતાની પ્રકૃતિ મુજબ વિકસવા દે. પુરૂષોની નકલ કરવાનાં પ્રયત્નો ન કરે. સ્ત્રીઓએ પોતાના પ્રાકૃતિક કાર્યક્ષેત્ર (ઘર)ની પ્રવૃતિઓને કદાપિ છોડવી ન જોઈએ." ( Man - the Unknown, New York 1949, p.91).
નબવી સંબોધનમાં સ્ત્રી-પુરૂષનાં વર્ણવેલ હકકો કેટલા યોગ્ય, પ્રાકૃતિક અને સંપૂર્ણ છે ? એક નબી જ માનવજાતને આવું સંપૂર્ણ બંધારણ બક્ષી શકે, બાકી માનવબુધ્ધિ આધારિત નારીસ્વતંત્રતાનાં દુષ્પરિણામો દુન્યા (સ્વાર્થી લોકો સિવાય) અનુભવી જ ચૂકી છે.
આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ ફરમાવ્યું : તમારો રબ (પાલનહાર) એક (અલ્લાહ તઆલા) જ છે અને તમારા પિતા પણ એક જ છે, તમો બધાજ આદમ (અલ.)થી પયદા થયા અને આદમ (અલ.)ને માટીથી પયદા કરવામાં આવ્યા. અલ્લાહ પાસે (આખિરતમાં) સૌથી વધૂ સન્માનિત વ્યકિત તેજ ગણાશે જે સૌથી વધૂ પરહેઝગાર હશે. અરબીને બિન અરબી ઉપર અને કાળાને ગોરા ઉપર (ફકત અરબ કે શ્વેત હોવાનાં કારણે) કોઈ જ પ્રતિષ્ઠા નથી, હાં વધૂ પરહેઝગાર વધૂ સન્માનિત ગણાશે. હાજરજનો, ગેરહાજરો સુધી મારી આ વાતો પહોંચાડી આપે.
માનવાધિકારના નિયમો પ્રમાણે ઇસ્લામનાં મતે માનવમાત્ર માનવાધિકાર મેળવવા પાત્ર છે, તેમાં ધર્મ કે નાતજાતનો કોઈ જ તફાવત નથી, કારણ સમગ્ર મખ્લૂક (માનવજાત અને સૃષ્ટિ) અલ્લાહ તઆલાના પરિવાર સમાન છે અને અલ્લાહનો પ્રિયતમ માનવી તેજ બની શકે છે જે તે મહાન સર્જકના પરિવારસમ્ પ્રત્યકે સર્જન સાથે સદવર્તન કરે, આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે તમો બધા જ એક બાપની ઔલાદ છો એવું જણાવી વિશ્વ સમુદાયની અજોડ એકતાનું એ'લાન ફરમાવ્યું. આ એક વાકય ઉપર જો દુન્યા અમલ કરતી થઈ જાય તો વિશ્વ એક પરિવાર બની જાય અને ન જેવા બહાને થતા ઝઘડા આપમેળે દૂર થઈ જાય.
છેલ્લે આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે મુસલમાનો પરસ્પર એકબીજાના ભાઈ છે એવું ઐ'લાન ફરમાવી આજનાં મુસ્લિમ જગતને પોતાની પીછહઠનું કારણ સમજાવ્યું અને વારસા વહેંચણીનું અદ્રિતીય ઐ'લાન ફરમાવી માનવ સમાજને વિશેષરૂપે સ્ત્રીવર્ગને સર્વપ્રથમ માલી હકકો આપી સ્ત્રીને પણ પુરુષોની જેમજ વારસામાં ભાગીદાર બનાવી અને વ્યભિચારીની સજાની જાહેરાત ફરમાવી વ્યભિચારીથી વંશવેલો નહિ ચાલવાનું પણ એ'લાન કર્યું. આજના વ્યભિચારી બની ચુકેલા સમાજે અને વારસા વહેંચણીની ન્યાયી વહેંચણી બાબતે ગોથાં ખાતા બધાજ ધર્મોએ આ અંતિમ સંબોધનનો અભ્યાસ કરવો જ રહયો. જો તેઓ આમ કરવાની હિંમત કેળવે તો આ ભાષણથી ઘણું બધું મેળવી પોતાની ક્ષતીઓ દૂર કરી શકે છે.
મુસ્લિમ સમાજે પણ આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ આપેલ ઉખુવ્વત (ભાઈચારા)નો સબક ફરી પઢવોજ રહયો, વિરોધીઓએ સૌ પ્રથમ ભાઈચારા ઉપરજ પ્રહાર કર્યો હતો જેના વડે અરબી-તુર્કી જેવા વાડાઓમાં મુસ્લિમ સમાજને વહેંચીને "ઉસ્માની ખિલાફત"નું અકાળે મોત નિપજાવ્યું અને પછી મુસ્લિમ તાકતોને રજવાડાઓમાં વહેંચી ઐશ-મસ્તી – મૌજનો એવો પ્યાલો પાઈ દીધો કે તેનો નશો ઉતરવાનું નામ જ નથી લેતો, ભલેને ફલસ્તીન જેવી વિકટ સમસ્યાઓ ઊભી થાય! શું બત્રીસ દાંતો વચ્ચે જુબાનની જેમ અરબ રાષ્ટ્રો વચ્ચે વસતા ઈઝરાઈલને કચડી નાંખવું મુશ્કેલ કામ છે? પણ આ એક વાસ્તવિકતા છે કે જીભની જેમ જ ઈઝરાઈલ દાંતોનાં પ્રહારથી સંપૂર્ણપણે સુરક્ષિત છે, આ બલીહારી છે આપણા વાડાઓ અને વિખવાદોની ! ત્યાર પછી આજ સુધી ધર્મનાં નામે મુસ્લિમોને વિવિધ સમુદાયોમાં વહેંચવાની પોલીસી ચાલૂ જ છે, જેઓ તેમનાં હાથા બની ગયા છે તેઓએ મનન-મંથન કરવાનો સમય પાકી ગયો છે, પ્રત્યેક તન્ઝીમ, જમા'ત કે અલગ વિચારસરણી આપતો વર્ગ પોતાનાં બેકગ્રાઉન્ડ ઉપર જરૂર નજર નાંખી લે, શકય છે આપણો કોઈએ કુહાડીનાં હાથા કે બંદૂક મુકવાના ખભા તરીકે ઉપયોગ કર્યો હોય અને પૈસાના જોરે ઘરના જ ભેદીને ઘર તોડવાના કામે લગાડી દીધો હોય, અલ્લાહ તઆલા આપણી હિફાઝત ફરમાવે અને નમૂનારૂપ ઈસ્લામી ઉખુવ્વતને અનુસરવાની તૌફીક આપે. આમીન.
શરઈ માર્ગદર્શન
ફતાવા વિભાગ
મવ. મુફતી અસ્જદ દેવલ્વી સાહેબ તસ્દીક કર્તા
મવ. મુફતી અહમદ દેવલા
સદર મુફતી જામિઅહ જંબુસર
બેંકમાં સેવિંગ એકાઉન્ટમાં રકમ મુકવાનો હુકમ
સવાલ: સલામ બાદ નીચેના મસાઈલનો શરીઅત મુજબ જવાબ આપી આભારી થશો. (૧) આપણા ભારત દેશમાં બેંકોનું કામકાજ થાય છે. તે બે પ્રકારની બેંકો ચાલે છે. (૧) રાષ્ટ્રીય બેંક : જે બેંકોની માલિકી ભારત સરકારની છે, જેનો નફો થાય તે સરકારી ખાતે જમા થાય છે, જેના લઈ આ બેંકો ભારતના દરેક નાગરિકની માલિકી કહેવાય.
(૨) સરકારી બેંકો છે, જે અમુક સભ્યો શેર ભંડોળ એકઠું કરી તથા વધારાની મદદ સરકાર પાસેથી લઈ બેંકો ચલાવે છે. એનો નફો જે તે શેર ગ્રાહકો વચ્ચે વહેંચી આપી અમુક ટકા તથા બાકીનાથી પોતાનો વહિવટ તથા શેર ભંડોળમાં વધારો તથા અન્ય મિલકતો બેંક માટે ખરીદ કરી અન્ય ધંધામાં રોકાણ કરે છે, તો આ બે પ્રકારની બેંકો થઈ (૧) રાષ્ટ્રની માલિકી (૨) શેર હોલ્ડરોની માલિકી, હવે ઉપરોકત બંને બેંકોની વ્યાખ્યા સામે રાખી નીચેના સવાલોના જવાબ આપવા વિનંતી.
(૧) આ બંને બેંકોમાં અથવા કોઈ એકમાં પૈસા પોતાની સ્વેચ્છાએ જમા મુકવામાં જે વ્યાજે ધીરાણ કરે છે જે શરઈ દ્રષ્ટીએ જાઈઝ છે કે કેમ?
(૨) પોતાનો માલ હિફાઝત માટે બેંકમાં મુકી શકાય ? જયારે કે અન્ય કોઈ હિફાઝતની સુરત ન હોય ?
જવાબ:حامدا ومصليا ومسلما
(૧-૨) સરકારી તથા સહકારી બેંકમાં રૂપિયા-પૈસાની હિફાજત ખાતર અથવા પોતાની જરૂરત ના લઈ ખાતું ખોલાવી પૈસા જમા કરાવવાને હઝરાતે ફુકહાએ કિરામે દુરુસ્ત ઠેરવ્યું છે.
ખાતાના વિવિધ પ્રકારોમાંથી સામાન્ય રીતે બે ખાતાઓનો ઉપયોગ કરવામાં આવે છે. (૧) કરંટ એકાઉન્ટ (૨) સેવિંગ એકાઉન્ટ, કરંટ એકાઉન્ટ અને ખાતામાં વ્યાજ આપવામાં આવતું નથી, બલકે માણસના પૈસા જમા રહે છે, આ પ્રકારના ખાતામાં જરૂરત ના લઈ બધા જ ફુકહા અને મુફતીયાને કિરામ પૈસા જમા કરાવવાને દુરુસ્ત લખે છે. (ફિકહી મકાલાત : ૩/૨૧,૨૨)
સેવિંગ એકાઉન્ટ (ખાતું) જેમાં પૈસા જમા કરાવતા બેંક તરફથી વ્યાજ પણ મળતું હોય છે. આ પ્રકારના ખાતામાં પૈસા જમા કરાવવાની સુરતમાં જયારે કે વ્યાજ આપવામાં આવતુ હોય, મોટા ભાગના મુફતીયાને કિરામ આ ખાતામાં પૈસા જમા કરાવવાને મના કરે છે, પરંતુ દારૂલ ઉલૂમ દેવબંદનો ફતવો ખાસ સંજોગોમાં બેંકમાં સેવિંગ એકાઉન્ટ ખોલાવી પૈસા જમા કરાવવા વિશે દુરૂસ્ત હોવાનો છે, મદ્રસા શાહી મુરાદાબાદના સદર મુફતી મો. શબ્બીર સા.નું મંતવ્ય આ મુજબનું છે, (ઈ.નવાદિર) હઝ. મૌલાના ખાલિદ સૈફુલ્લાહ સા. રહમાની પણ સેવિંગ એકાઉન્ટમાં પૈસા મુકવાને જાઈઝ ઠેરવે છે.
આ સંબંધિત દારૂલ ઈફતા, દારૂલ ઉલૂમ દેવબંદનો સવાલ અને તેને જવાબ નીચે નકલ કરવામાં આવે છે.
સવાલ (૬૨૬૯૯) :હઝરત અલ્લામા મુફતી મુહમ્મદ તકી ઉસ્માની કે ફત્વે કે મુતાબિક બેંકમેં સેવિંગ, ફિક્સ ડિપોઝીટ વગેરેમેં રકમ રખના જાઈઝ નહીં, કરંટ એકાઉન્ટમેં જાઈઝ હે, લેકીન બેંકમેં કરન્ટ એકાઉન્ટમેં કમ સે કમ પાંચ યા દસ હઝાર રૂપિયે રેહના ચાહિયે. ઉસસે કમમેં એકાઉન્ટ બંધ હો જાતા હય, ઔર હર આદમી ઈતની બડી રકમ નહીં રખ સકતા, ઔર વો બેંકમેં રખને કા મોહતાજ ભી હે, ઔર સેવિંગ એકાઉન્ટ સે ઇસ તરહ કી તહદીદ (લિમીટ) નહીં હે, ઔર બહૂત સહુલત હૈ. પસ દરયાફત યે હે કે મઝકૂરા સુરતે હાલમેં સેવિંગ એકાઉન્ટમેં રકમ રખ કર મિલનેવાલે સૂદ કા બિલા નિય્યતે સવાબ સદકા કરને કી ગુંજાઈશ નિકલ સકતી હૈ યા નહીં?
જવાબ : જી હા, મજકૂર ફિસ્સવાલ (સવાલમાં વર્ણન કરાવમાં આવેલ) સૂરત કે પેશે નઝર બ–ગર્ઝે હિફાઝત બેંક કે સેવિંગ એકાઉન્ટમેં રકમ રખને કી ગુંજાઈશ હૈ, જો કુછ સૂદ બને ઉસે વકતન ફ-વકતન નિકાલ કર બિલા નિય્યતે સવાબ ગરીબો પર તકસીમ કર દિયા જાયે.
(૧૬, ડિસેમ્બર ૨૦૧૫ વેબ. દારૂલ ઈફતા, દારૂલ ઉલૂમ દેવબંદ)
હઝરત મવ. ખાલિદ સૈફુલ્લાહ રહમાનીના ફતાવામાં છે : બેંકમેં ફિકસ ડિપોઝીટ ખાતા ખોલના જાઈઝ નહીં, રકમ કી હિફાઝત કી ગર્ઝ સે સેવિંગ એકાઉન્ટ ખોલા જા સકતા હે, કયુંકે ઉસમેં હિફાઝત મકસૂદ હે, ન કે સૂદ. (કિતાબુલ ફતાવા : ૫ / ૩૨૮)
"જદીદ માલિયાતી ઈદારે ફિકહે ઈસ્લામી કી રોશનીમેં" માં હઝરત મુફતી સા. બેંકિંગ સિસ્ટમ વિશે શરઈ દ્રષ્ટિએ ચર્ચા કરતા લખે છે. "જહાં ઈસ્લામી બેંક કી સહૂલત મવજૂદ ન હો, વહાં મુરવ્વજા બેંકો કે કરંટ એકાઉન્ટ ઔર સેવિંગ એકાઉન્ટમેં રકમ જમા કરના જાઈઝ હે, કયું કે રકમ કી હિફાઝત કે લિયે યે એક જરૂરત હે, બા'ઝ દફા હિસાબ વ કિતાબમેં ભી યે સહુલત કા બાઈષ હે જૈસે કંપની કે મુલાઝિમ કી તનખ્વાહોં કી અદાયગી વગૈરા(પેજઃ ૨૩)
અને અભ્યાસ કરતાં માલૂમ પડે છે કે એક સામાન્ય માણસ માટે કરંટ એકાઉન્ટનું સંચાલન મુશ્કેલ બને છે અને આ હકીકત પણ સામે આવી રહી છે કે અમુક બેંકોએ કરંટ ખાતેદારને પણ વ્યાજ આપવાનું શરૂ કરી દીધું છે. કરંટ એકાઉન્ટના મુકાબલામાં સેવિંગમાં પૈસા જમા રાખવાની ચોક્કસ લીમીટ હોતી નથી. સંચાલન પણ સરળ છે, આ બધુ જોતાં માત્રને માત્ર પૈસાની હિફાઝત અથવા કોઈ કાનૂની જરૂરતના લઈ બેંકમાં સેવિંગ ખાતુ ખોલાવવું પણ દુરુસ્ત ઠરશે.
ખેતર ગીરવી રાખવાનો હુકમ અને રીત
સવાલઃ એક ભાઈનું ખેતર ગીરવી રાખવાનું છે અને અમારે લેવું છે તો શરીઅતને ધ્યાનમાં રાખીને શું હુકમ છે તે જણાવશો.
જવાબ:حامدا ومصليا ومسلما
ઈસ્લામી શરીઅત મુજબ જે તે વ્યકિતને કર્ઝ આપી, તેનાથી ભરોસા ખાતર કોઈ વસ્તુ ગીરવી રાખવી જાઈઝ છે, પરંતુ સાથે આ પણ યાદ રહે કે કર્ઝના બદલામાં જે વસ્તુ જમીન, ખેતર વિગેરે ગીરવી રાખવામાં આવ્યા છે તેનાથી ફાયદો ઉઠાવવું કર્ઝ આપનાર માટે વ્યાજ હોવાના લઈ દુરૂસ્ત નથી, આપણા સમાજમાં શરીઅતના મજકૂર હુકમ પરત્વે ઘણી જ ગફલત અને કોતાહી વર્તાય રહી છે, જે સુધારણા પાત્ર છે. (શામી : ૧૦/૬૮,૮૨, ૮૩, ઉપરથી) ફકત અલ્લાહ તઆલા વધુ જાણનાર છે. તા. ૧૩, રજબ, ૧૪૩૭હિજરી.
બોધકથા
એક યુવાને એના કેળવણીકાર અતાલીક – ઉસ્તાદને પ્રશ્ન કર્યો કે કોઈ ધ્યેયને પામવા અને સફળ થવા માટે મારે કેટલી અને કેવી મહેનત કરવી જરૂરી છે? અતાલીકે એને બીજા દિવસે નદીએ કિનારે જતી વેળા સાથે આવવાનું કહયું.
બીજા દિવસે બંને નદીએ પહોંચ્યા અને નહાવા પડયા. અતાલીકે યુવકના માથે હાથ મુકીને એને જોરથી પાણીમાં ડૂબાડી દીધો. બેચાર સેકંડમાં જ યુવકનો શ્વાસ ગુંગળાયો અને એ ડોકું બહાર કાઢવા તરફડવા માંડયો. અતાલીકે હજુ વધારે દબાવ્યો અને પાણીમાં નીચે સુધી ધકેલી દીધો. એવામાં બેચાર માછલીઓ આવીને એની પીંડલીઓ ઉપર વીંટળાય પડી, યુવાન હવે આકુળ વ્યાકુળ કોઈ પણ રીતે ઉપર આવવા ફાંફા માંડવા માંડયો. આખરે અતાલીકે એને ઉપર ખેચ્યો. યુવાનને હાશ થઈ. અને નાક મોઢામાંથી પાણી કાઢીને જોરથી શ્વાસ લેવા માંડયો.
હવે અતાલિકે એને કહયું કે પાણીમાં ગયા પછી તમે કઈ વસ્તુને પામવા આટલા બધા તરફડતા હતા? એણે કહ્યું કે : હવા - શ્વાસ.
હવે અતાલીકે એને કહ્યું કે, જે હવા-શ્વાસને પામવા માટે તમે તરફડતા હતા, એમ જ દરેક લક્ષ્યને જીવનના શ્વાસની જેમ જરૂરી સમજીને એ લક્ષ્યને પામવા તમે આવા જ પ્રયાસો કરો એ જરૂરી છે.
જે માણસ લક્ષ્ય બાબતે ગંભીર નથી હોતો એની મહેનત પણ વધારે નથી હોતી, અને છેલ્લે સફળતા પણ પૂરતી નથી મળતી. અને આ એક એવી બાબત છે જેને દરેક માણસ પોતાના લક્ષ્ય અને પોતાના પ્રયાસો થકી જ સમજી શકે છે અને મેળવી શકે છે.
માછલી માટે પાણીમાં રહેવું જ સફળતા છે, એ પાણીમાંથી બહાર આવે તો અંદર જવા તરફડે છે અને માણસ બહાર આવવા તરફડે છે. એમ દરેક માણસ માટે લક્ષ્ય પામવાની મહેનત અલગ અલગ હોય છે. આપણી આસપાસ કોઈ ઓછી મહેનત કરતું હોય અને સફળ થઈ જતું હોય તો આપણે પણ ઓછી મહેનતે સફળ થઈ જઈશું એમ વિચારવું ખોટું છે.
Meeting with a famous Doctor
(Bismillah & Sadqah)
Once I asked what is the secret to good health..?? Started saying that just don't fall ill. I said that it is not in our control..!! He laughed and said exactly that. 1 said that you tell me, I will do it absolutely..
He came close to me and started saying slowly, that never put anything in the mouth without Bismillah, whether it is a drop of water or a gram of gram. I fell silent... Then he started saying that Allah has not created anything without any purpose or bad reason... There is wisdom in everything and both advantages and disadvantages are hidden in it... When we put anything in our mouth after reciting Bismillah, then Allah removes harm from it... Always eat and drink after reciting Bismillah and keep paying thank you to Allah again and again in your heart... You will never fall sick... My eyes were wet... thinking about how big Aalim he is!
It was getting late. So I started getting up with a salute, then he took hold of my hand and started saying that keep listening to the last thing even with reference to food... I sat down saying they started saying that if you are having food while sitting with someone, then... Never take initiative even by forgetting, no matter how hungry you may be. Put it in the front plate and don't start it until it puts Lukman in its mouth. I was not daring to ask the benefit of this... But he himself started saying that Sadqa for your food was paid and at the same time Allah agreed that you took care of his servant first...
Remember it...!! Food is for the body and Bismillah is for the soul. tell now...!! You can get sick by eating like this...?? I started looking at his face impatiently.
Then I turned to go fast.... and started thinking about how much we and our people are bereft of these small things of Deen... May Allah give us the taufiqe to act upon on all His commands.
છેલ્લા પાને…..
બેકાર સમય
નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમનો ઈરશાદ છે : માણસની જે ઘડી સમય અલ્લાહના ઝિક્ર-તસ્બીહ વગર વીત્યો હશે, માણસ કયામતના દિવસે એના ઉપર એફસોસ કરશે.
છેલ્લી આશા
કોઈના હોસલાને તોડીને નિરાશ ન કરો. શકય છે કે એ છેલ્લી આશા લઈને તમારી પાસે આવ્યો હોય.
શોર અને ખામોશી
કુતરાઓ એમનો વજૂદ બતાવવા માટે ભસતા હોય છે તો જંગલનો સન્નાટો સિંહના અસ્તિત્વનો પુરાવો હોય છે.
સમસ્યાનો હલ
આજકાલ લોકો પાસે દરેક સમસ્યાનો હલ છે, પણ એ સમસ્યા બીજાની હોય તો...
દુશ્મની ન વહોરો
જાહિલ – અજ્ઞાની માણસ સામે સમજદારીની વાત કદી ન કરો. પહેલાં તો એ તમારી સાથે વિવાદ - વિરોધ કરશે, પછી પોતાની હાર સમજીને તમારો દુશ્મન બની જશે.
સુધારની મહેનત
માણસ જેટલી મહેનત પોતાની એબ–ખામી છુપાવવામાં કરે છે,એનાથી ઘણી ઓછી મહેનતે એ એબ ખામી સુધારી પણ શકે છે.
હકથી વધારે ઇઝઝત
ઈમામ શાફેઈ રહ. ફરમાવે છે કે જે માણસની મેં એની હેસિયત કરતાં વધારે ઈઝઝત કરી તો આખરે એની નઝરમાં મારી ઈઝઝત ઓછી થઈ ગઈ!
નેઅમતનો સદકો
દરેક નેઅમતનો એક સદકો હોય છે. અકલ બુદ્ધિનો સદકો આ છે કે બેવકૂફોની વાત સાંભળીને બરદાશ્ત કરવામાં આવે.
સફળતાનો રસ્તો
સફળતાનો રસ્તો પકડવા માટે ઉમ્મીદની મુખ્ય સડક ઉપર ચાલવું જરૂરી છે.
અણગમતી વસ્તુ
સાચી વાતો, અઘરો રસ્તો, અને સીધા – ચોખ્ખા લોકો... સામાન્ય રીતે અન્યોને ગમતા નથી.
સારો માણસ
સારા માણસની સહુથી મોટી નિશાની આ છે કે તે કોઈ પણ સ્વાર્થ વગર દરેકનું સન્માન કરે છે.
ત્રણ અખ્લાક
નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમનો ઈરશાદ છે : સદકો આપવાથી માલ ઓછો નથી થતો. માફ કરવાથી માણસની ઈઝઝત વધે છે. અને અલ્લાહ ખાતર નમ્ર બનવાથી માણસો મરતબો વધે છે.