ઈમાન સૌથી મોટી નેઅમત
દુનિયામાં અલ્લાહ તઆલાએ જેટલી નેઅમતો ઉતારી છે, તેમાં સૌથી મોટી નેઅમત ઈમાન છે. તેની હિફાઝત કરવી દરેક મુસલમાન ઉપર ફરજ છે. ફકહાએ કિરામ એટલે ઈસ્લામિક વિદ્વાનોએ આ વાત સ્પષ્ટ લખી છે કે જો ઈસ્લામની રક્ષા માટે મુસલમાનોએ જાન, માલ અને અવલાદ બધું જ કુરબાન કરવાની જરૂર પડે, તો પણ તેમાં કોઈ સંકોચ ન કરવો જોઈએ.
આજે આપણે દુનિયાને જોઈ રહ્યા છીએ અને તેના સુખનો આનંદ લઈ રહ્યા છીએ, તેથી આપણને આ દુનિયાની વધારે કદર છે. આખિરતમાં જ્યારે આપણે જન્નત જોઈશું અને તેના સુખનો આનંદ લઈશું, ત્યારે આપણને સમજાશે કે જન્નતની સરખામણીમાં દુનિયાના સુખની કોઈ વિસાત નથી. આ દુનિયા ત્યાં સુધી જ ઉપયોગી છે, જ્યાં સુધી તેના દ્વારા અલ્લાહની આજ્ઞાપાલન કરવામાં આવે. જો તેના કારણે અલ્લાહની નાફરમાની થવા લાગે, તો દુનિયાનો ત્યાગ કરવો એ દરેક મુસલમાનની જવાબદારી છે.
કારૂનને અલ્લાહ તઆલાએ તવરાતનો “હાફિઝ” બનાવ્યો હતો, પરંતુ દુનિયાની મહોબ્બત તેના દિલમાં એવી ઘર કરી ગઈ હતી કે તે ઝકાત આપવાનો ઈન્કાર કરવા લાગ્યો અને દીનથી દૂર ચાલ્યો ગયો. અલ્લાહ તઆલાએ તેને તેના સમગ્ર ધન સાથે જમીનમાં ધસાવી દીધો. તેના જમીનમાં ધસવા પહેલાં ઘણા લોકો તેના જેવા ધનની લાલચ કરતા હતા, પરંતુ જ્યારે તેમને ખબર પડી કે તે સજામાં સપડાયો છે, ત્યારે આ લાલચી લોકો કહેવા લાગ્યા : તૌબા તૌબા, દુનિયા કોઈ ચીજ નથી. માલ અને ધન બધું નાશવંત છે. ફક્ત અલ્લાહની જ ઈબાદત છે અને આખિરતનો સવાબ સૌથી શ્રેષ્ઠ છે. અને તે ફક્ત ઈમાન અને નેક આમાલની પાબંદી કરવાથી જ મળશે.
દુનિયામાં અલ્લાહનો સંદેશ લઈને જેટલા નબીઓ આવ્યા છે, તે બધા પોતે આ સંદેશ પર ઈમાન લાવ્યા અને તે મુજબ અમલ કરીને બીજાઓને પણ અમલ કરવાની પ્રેરણા દાવત આપી. અલ્લાહ તઆલાના હુકમો માનનારાઓને જન્નતની બશારત ખુશખબર આપી અને ન માનનારાઓને જહન્નમથી ડરાવ્યા. આ દુનિયામાં નબીઓ સિવાય બીજા કોઈ પણ માણસના ઈમાનના કાયમ રહેવાની કોઈ ગેરંટી નથી. છતાં, અબિંયાએ કિરામ પોતાના ઈમાનની ફિકર કરતા હતા, અને અન્યોને પણ ઈમાન બાબતે સતત સાવધાન રહેવાની સલાહ આપતા હતા.
હઝરત ઈબ્રાહીમ અલૈ. અને હઝરત યાકૂબ અલૈ. એ પોતાની અવલાદને ઈમાન ઉપર ટકી રહેવા અને અંતે ઈમાન પર જ મરવાની વસિયત અને તાકીદ કરી હતી. સૂરએ બકરહમાં છે : આ જ વાતની ઈબ્રાહીમ અલ. અને યાકૂબ અલ. એ પોતાના પુત્રોને સલાહ આપી કે ઓ મારા પુત્રો ! નિશ્ચિત રીતે અલ્લાહ તઆલાએ તમારા માટે આ દીન પસંદ કર્યો છે. તેથી, તમે મરો ત્યારે ફક્ત મુસલમાન તરીકે જ મરજો. !
હઝરત યાકૂબ અલૈ.એ પોતાની અવલાદ પાસેથી ઈમાન પર કાયમ રહેવાનું વચન લીધું હતું. તેમને ચિંતા હતી કે હું તો મુસલમાન એટલે અલ્લાહનો તાબેદાર છું અને જીવતો છું ત્યાં સુધી આ અવલાદના ઈમાન ઉપર નજર રાખી શકું છું. પરંતુ, નબીઓની સંતાનના ઈમાનની કોઈ ગેરંટી નથી કે તેઓ ઈમાન પર કાયમ રહેશે કે નહીં. તેથી તેમણે વચન લીધું. અને જ્યારે બધાએ મુસલમાન અને અલ્લાહના તાબેદાર રહેવાનું વચન આપ્યું અને તેમને ખાતરી આપી, ત્યારે જ તેમની ચિંતા દૂર થઈ. કુરઆનમાં છે :
શું તમે હાજ૨ હતા જ્યારે યાકૂબ (અલૈ.)ને મૃત્યુ આવ્યું? ત્યારે તેમણે પોતાના પુત્રોને પૂછયું હતું : મા૨ા પછી તમે કોની ઈબાદત કરશો? પુત્રોએ કહ્યું : અમે તમારા અને તમારા પિતા ઈબ્રાહીમ, ઈસ્માઈલ અને ઈસ્હાકના ઈલાહ (માબૂદ)ની ઈબાદત કરીશું, જે એક જ ઈલાહ (અલ્લાહ) છે અને અમે તેના ફરમાબ૨દા૨ છીએ. (સૂરત અલ-બક૨હ- ૧૩૩)
આ લખાણ દ્વારા સમજાવવામાં આવ્યું છે કે નબીઓ ઈમાનની હિફાઝત માટે ઘણા ફિકરમંદ રહેતા હતા અને તેઓ પોતાની અવલાદને ઈમાન પર ટકી રહેવાની તાકીદ કરતા હતા.
ઉપર દર્શાવવામાં આવ્યું તે મુજબ અલ્લાહ તઆલાના નબીઓ પણ પોતાની અવલાદના ઈમાન માટે ખૂબ ચિંતિત રહેતા હતા. તેઓ પોતે પણ ઈમાનની સ્થિતિમાં જીવવા અને ઈમાન સાથે મરવા ઈચ્છતા હતા અને ઈમાનની અમૂલ્ય સંપત્તિને પોતાની અવલાદ અને આવનારી પેઢીમાં કાયમ રાખવા માગતા હતા.
કુરઆનના ઉપરોકત વર્ણનથી સમજમાં આવે છે કે આપણે મુસલમાનોને પણ સૌથી વધુ ઈમાનની ચિંતા હોવી જોઈએ. આ દુનિયા ઈમાન હોય તો જ સારી છે. અને જો ઈમાન ન હોય, તો દુનિયાની કોઈ વસ્તુ સારી નથી લાગતી.
ઈમાન બાબતે હંમેશા સાવચેત અને સજાગ રહેવું જોઈએ અને આ ડરતા રહેવું જોઈએ કે કયાંક ઈમાન ખોવાય ન જાય. ખુદા ન કરે, એવું ન થાય કે ઈમાન આપણા હાથમાંથી સરકી જાય અને આપણને ખબર પણ ન પડે. હદીસ શરીફમાં આવે છે કે મોમિન ઈમાન વિશે ચિંતિત રહે છે, જ્યારે મુનાફિક નિરાંતે રહે છે. ઉપરોક્ત વિગત લખવાનું કારણ આ છે કે આજકાલ ભારતીય મુસલમાનો સામે પોતાના ઈમાનની હિફાજત કરવાની મોટી જવાબદારી આવી પડી છે. બલકે ઈમાન અને કુફ્ર સમજનાર લોકો ઉપર પોતાના અને અન્ય નાદાન લોકોના ઈમાનની હિફાજત કરવાની બેવડી જવાબદારી આવી પડી છે.
વર્તમાન સ્વતંત્ર ભારત બાબતે આ વાસ્તવિકતાનો ઈનકાર કરી શકાય એમ નથી કે એના માટે મુસલમાનોએ પોતાનું લોહી વહાવ્યું છે. પ્રાણનું બલિદાન આપ્યું છે, અને ફાંસીના દોરડે ચડી ગયા હતા. દેશ આવા બધા અનેક બલિદાનો પછી આઝાદ થયો છે. પણ આજે આ આપણા બિરાદરાને વતન મુસલમાનોની કુરબાનીઓની કોઈ કદર નથી કરી રહ્યા અને ઈતિહાસના પાનાઓમાંથી એમના બલિદાનોને ભુંસી નાખવા માંગે છે. આ હકીકતને આપણે બીજા શબ્દોમાં એમ પણ કહી શકીએ કે મુસલમાનોનું ઈમાન મજબૂત ન હોત, તો દેશ આઝાદ ન થયો હોત. અંગ્રેજો તરફથી ખ્રિસ્તી ધર્મ અપનાવવા માટે દામ, દંડ અને ભેદભાવ સહિત સઘળા તરીકાઓ અજમાવવામાં આવતા હતા, પણ કુરબાન થવાને સ્વીકાર્યું પણ આઝાદીના લડવૈયા મુસલમાનોએ ઈમાન સાથે સોદો કર્યો નહિ.
આપણે આજકાલ જે પરિસ્થિતિ જોઈ રહ્યા છીએ, તેની આગાહી નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ પહેલેથી જ કરી ચુકયા હતા. અનેક હદીસો આ બાબતનો ઉલ્લેખ છે કે પાછળના ઝમાનામાં મુસલમાનો માટે ઈમાન પર ટકી રહેવું ખૂબ જ મુશ્કેલ હશે. ઈમાન પર કાયમ રહેવું એવું મુશ્કેલ હશે જાણે કે કોઈ હાથમાં સળગતો અંગારો પકડે. ઘણા લોકો સવારે મુસલમાન હશે, પણ સાંજ પડે ત્યાં સુધી કાફિર બની જશે. જે રીતે મોટા સમુહો એકસાથે ઈમાનમાં દાખલ થશે, એ જ રીતે મોટી સંખ્યા એકસાથે ઈમાનમાંથી બહાર પણ નીકળી જશે, ત્યાં સુધી કયામત પૂર્વ ઘણા મુસલમાનો મુર્તિપૂજા કરવા માંડશે.
હઝરત મૌલાના અબુલ હસન અલી મિયાં નદવી રહ. આ જ બાબત એટલે કે ઈરતિદાદ એટલે કે ઈસ્લામ છોડી દેવાને ભારતમાં મુસલમાનોની સૌથી સમસ્યા સમજતા હતા. અને વારંવાર મુસલમાનોને આ બાબત તરફ સાવધાન કરતા હતા. એક પ્રસંગે તેમણે કહયું હતું:
ભા૨તીય ઉપખંડના મુસલમાનોને પોતાની સામે મોં ફાડીને ઉભેલી સમસ્યાની ગંભીરતા અને એ સમસ્યાની વિનાશકારી અસ૨નો અંદાઝો નથી. એમની સામે મુખ્ય સમસ્યા છે : નવી પેઢી વચ્ચે વધી ૨હેલ વૈચારિક ઈરતિદાદ. એટલે કે વૈચારિક ૨ીતે તેઓ ઈસ્લામને છોડી ૨હયા છે અને ઈસ્લામને બિન ઉપયોગી સમજી ૨હયા છે. મારી પાપી આંખો જોઈ ૨હી છે કે જો આ સમસ્યાની ગંભીરતા ઉમ્મત સમજતી નહીં હોય તો આ સાંસ્કૃતિક અને વૈચારિક ઈરતિદાદ મુસલમાનોને અંદરથી ખોખલા બનાવી દેશે. થોડાં વર્ષો પછી આ દેશમાં મુસલમાનોની મોટી સંખ્યા માત્ર નામના મુસલમાન ૨હી જશે. ધીમે ધીમે, તેઓ પોતાની અજ્ઞાનતા અને જહાલતના કા૨ણે ઈમાન અને તવહીદની અમૂલ્ય નઈમતથી વંચિત થઈ જશે.
ઈરતિદાદ (ઈમાન છોડવા)ના વિવિધ સ્વરૂપો
સામાન્ય લોકો સમજે છે કે એક મુસલમાનના મુરતદ થવાનો અર્થ આ છે કે તે યહૂદી, ઈસાઈ કે અન્ય કોઈ ધર્મ સ્વીકારી લે કે મૂર્તિઓને સજદો કરે, પરંતુ હકીકતમાં આ બધું જરૂરી નથી. આવું કર્યા વગર પણ માણસનું ઈમાન ખતમ થઈ શકે છે. કોઈ માણસ રોજા-નમાઝની પાબંદી કરતો હોવા છતાં ઈસ્લામમાંથી નીકળી ગયો હોય એમ હોય શકે છે. તે કુરઆનની તિલાવત કરવા છતાં પણ મુસલમાન હોય, હદીસ પઢવા-પઢાવવા છતાં પણ ઈમાન ગુમાવી શકે છે.
જે માણસ ઈબાદતને લાયક એક અલ્લાહ હોવાની માન્યતા સ્વીકારતો ન હોય, અલ્લાહના હુકમોનો ઈન્કાર કરતો હોય, કુરઆનનો મજાક ઉડાવતો હોય, સુન્નતે નબવી પ્રત્યે તિરસ્કાર કરતો હોય, ઈસ્લામની ઓળખ ગણાતા મહત્વના હુકમો માનવાનો ઈન્કાર કરતો હોય, જેમ કે જો કોઈ ઝકાતને નકારી કાઢે, હઝરત મુહંમદ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમને અંતિમ નબી તરીકે ન માને, અથવા છેલ્લા ઝમાનામાં હઝરત ઈસા અલૈ.ના આસમાનેથી ઉતરવાની વાત નકારી કાઢે... આવો માણસ ઈમાનમાંથી બહાર થઈ જાય છે.
આજના કાદિયાની લોકો અને શકીલ બિન હનીફ અને તેમના અનુયાયીઓની સ્થિતિ એ જ છે. તેઓ કુરઆન અને સુન્નતની વાતો કરે છે, રોજા - નમાઝ અને ઝકાત પણ આપે છે, પણ હકીકતમાં તેઓ ઈસ્લામમાં નથી.
બીજી એક ચિંતાજનક બાબત આ પણ છે કે આધુનિક શિક્ષણથી અંજાયેલા ઘણા લોકો પણ ઈમાન ગુમાવી રહ્યા છે, આપણે એને વૈચારિક ઈરતિદાદ -ફિકરી ઈરતિદાદ કહી શકીએ છીએ. આ લોકો નીચે મુજબના હોય શકે છે :
જે લોકો સમજે છે કે સ્ત્રીઓને ઈસ્લામમાં પૂરતા હકો મળતા નથી.
જેઓ ઈસ્લામમાં સ્ત્રીઓના હક ઓછા હોવાની ખામી દર્શાવે છે.
જેઓ ઈસ્લામી વારસાગત નિયમોમાં સ્ત્રીઓને પુરુષોની તુલનામાં ઓછો હિસ્સો આપવાને ખોટું કહે છે.
જેઓ માને છે કે સ્ત્રીઓને વારસો આપવો જ ખોટું છે, કારણ કે તેમના પર કોઈ ખર્ચની જવાબદારી નથી.
જેઓ પુરુષોને તલાક (છૂટાછેડા) આપવાના અધિકાર બાબતે ઈસ્લામની શરીઅતની ટીકા કરે છે.
જેઓ નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની પવિત્ર પત્નિઓ બાબત ખોટી ટીકાઓ કરે છે અથવા ટીકાઓનું સમર્થન કરે છે.
જેઓ સહાબાઓ પર આક્ષેપ કરે છે.
જેઓ ઈસ્લામી સજાઓને ક્રૂર ગણાવે છે.
જેઓ પુરુષોને ચાર લગ્ન કરવાના હકને ખોટો કે અન્યાયી ગણે છે.
જેઓ રોજાને ગેરજરૂરી માને છે અને નમાઝ પઢવાને ફક્ત થાકવાનું કામ કહે છે.
આ બધા લોકો ગુમરાહ છે અને વૈચારિક રીતે અમલી રીતે ઈસ્લામ છોડી ચુકયા છે એમ કહી શકાય. આપણે તેમના ઈમાનની ચિંતા કરવી જોઈએ અને તેમને સંપૂર્ણ અને નિખાલસ ઈસ્લામ તરફ પાછા લાવવા માટે પ્રયત્ન કરવો જોઈએ.
યહૂદીઓના ઝુલમની સજા અને નબીઓ મોકલવાનો મકસદ
મુફતી ફરીદ અહમદ કાવી.
﷽ فَبِظُلۡمٍ مِّنَ الَّذِيۡنَ هَادُوۡا حَرَّمۡنَا عَلَيۡهِمۡ طَيِّبٰتٍ اُحِلَّتۡ لَهُمۡ وَبِصَدِّهِمۡ عَنۡ سَبِيۡلِ اللّٰهِ كَثِيۡرًا ۙ ﴿١٦٠﴾ وَّاَخۡذِهِمُ الرِّبٰوا وَقَدۡ نُهُوۡا عَنۡهُ وَاَكۡلِـهِمۡ اَمۡوَالَ النَّاسِ بِالۡبَاطِلِ ؕ وَاَعۡتَدۡنَـا لِلۡـكٰفِرِيۡنَ مِنۡهُمۡ عَذَابًا اَلِيۡمًا ﴿١٦١﴾ لٰـكِنِ الرّٰسِخُوۡنَ فِى الۡعِلۡمِ مِنۡهُمۡ وَالۡمُؤۡمِنُوۡنَ يُـؤۡمِنُوۡنَ بِمَاۤ اُنۡزِلَ اِلَيۡكَ وَمَاۤ اُنۡزِلَ مِنۡ قَبۡلِكَ وَالۡمُقِيۡمِيۡنَ الصَّلٰوةَ وَالۡمُؤۡتُوۡنَ الزَّكٰوةَ وَ الۡمُؤۡمِنُوۡنَ بِاللّٰهِ وَالۡيَوۡمِ الۡاٰخِرِ ؕ اُولٰٓٮِٕكَ سَنُؤۡتِيۡهِمۡ اَجۡرًا عَظِيۡمًا ﴿١٦٢﴾ ۞ اِنَّاۤ اَوۡحَيۡنَاۤ اِلَيۡكَ كَمَاۤ اَوۡحَيۡنَاۤ اِلٰى نُوۡحٍ وَّالنَّبِيّٖنَ مِنۡۢ بَعۡدِهٖ ۚ وَاَوۡحَيۡنَاۤ اِلٰٓى اِبۡرٰهِيۡمَ وَاِسۡمٰعِيۡلَ وَاِسۡحٰقَ وَيَعۡقُوۡبَ وَالۡاَسۡبَاطِ وَعِيۡسٰى وَاَيُّوۡبَ وَيُوۡنُسَ وَهٰرُوۡنَ وَسُلَيۡمٰنَ ۚ وَاٰتَيۡنَا دَاوٗدَ زَبُوۡرًا ۚ ﴿١٦٣﴾ وَرُسُلًا قَدۡ قَصَصۡنٰهُمۡ عَلَيۡكَ مِنۡ قَبۡلُ وَرُسُلًا لَّمۡ نَقۡصُصۡهُمۡ عَلَيۡكَ ؕ وَكَلَّمَ اللّٰهُ مُوۡسٰى تَكۡلِيۡمًا ۚ ﴿١٦٤﴾ رُسُلًا مُّبَشِّرِيۡنَ وَمُنۡذِرِيۡنَ لِئَلَّا يَكُوۡنَ لِلنَّاسِ عَلَى اللّٰهِ حُجَّةٌ ۢ بَعۡدَ الرُّسُلِ ؕ وَكَانَ اللّٰهُ عَزِيۡزًا حَكِيۡمًا ﴿١٦٥﴾ لٰـكِنِ اللّٰهُ يَشۡهَدُ بِمَاۤ اَنۡزَلَ اِلَيۡكَ اَنۡزَلَهٗ بِعِلۡمِهٖ ۚ وَالۡمَلٰٓٮِٕكَةُ يَشۡهَدُوۡنَ ؕ وَكَفٰى بِاللّٰهِ شَهِيۡدًا ؕ ﴿١٦٦﴾
તરજમહ : યહૂદીઓના આવા (અગાઉની આયતોમાં વર્ણન થયેલ ગુનાહો અને નબીઓ ઉપરના) ઝુલમના કારણે અમે તેમના ઉપર ઘણી પાક - પવિત્ર વસ્તુઓ પણ હરામ કરી દીધી, જે તેમના માટે હલાલ હતી. તેમજ એમના થકી અલ્લાહના (હિદાયતના) રસ્તાથી ઘણા લોકોને રોકવાના કારણે.. (૧૬૦) અને એમના વ્યાજ લેવાના કારણે, જયારે કે એમને આમ કરવાથી રોકવામાં આવ્યા હતા... અને લોકોનો માલ ખોટી રીતે ખાવા (હડપવા)ના કારણે પણ (ઉપરોકત સજા ફરમાવી.) અને અમે એમના માંહેના કાફિરો માટે દુઃખદાયક અઝાબ તૈયાર કરી રાખ્યો છે. (૧૬૧) અલબત્ત તેઓમાંથી ઈલ્મ (અને અમલમાં) પાકા લોકો તથા ઈમાન લાવનાર લોકો, જે કંઈ આપના ઉપર નાઝિલ કરવામાં આવ્યું અને જે કંઈ આપના પહેલાં નાઝિલ કરવામાં આવ્યું એ બધા ઉપર યકીન (ઈમાન) રાખે છે. અને આ બધા નમાઝ કાયમ કરનારા, ઝકાત આપનારા અને અલ્લાહ તેમજ આખિરતના દિવસ ઉપર ઈમાન રાખનારા લોકો છે. આવા લોકોને અમે અવશ્ય મહાન સવાબ આપીશું (૧૬૨) બેશક, અમે તમારા ઉપર વહી મોકલી છે જેમ અમે વહી મોકલી હતી નૂહ (અલૈ.) ઉપર તથા એમના પછીના નબીઓ ઉપર. અને અમે વહી ઉતારી હતી ઈબ્રાહીમ (અલૈ.) અને ઈસ્માઈલ (અલૈ.) અને ઈસ્હાક (અલૈ.) અને યાકૂબ (અલૈ.) તથા તેમના વંશજો ઉપર અને ઈસા (અલૈ.) અને ઐયૂબ (અલૈ.) અને યૂનુસ (અલૈ.) અને હારૂન (અલૈ.) અને સુલયમાન (અલૈ.) ઉપર. અને અમે (જ) દાવૂદ (અલૈ.)ને ઝબૂર આપી હતી. (૧૬૩) અને અમે તે બધા રસૂલો મોકલ્યા છે જેમનું અગાઉ તમારા સમક્ષ વર્ણન કર્યું છે અને એવા રસૂલો પણ મોકલ્યા છે જેમનું વર્ણન તમારા સમક્ષ (હજુ) કર્યું નથી. અને અલ્લાહ તઆલાએ મૂસા (અલૈ.) સાથે તો વિશેષ રીતે વાત કરી હતી. (૧૬૪) અને રસૂલોને ખુશખબર આપનાર અને ડરાવનાર તરીકે મોકલ્યા, જેથી લોકો પાસે અલ્લાહ તઆલા સામે કોઈ દલીલ (આ રસૂલોને મોકલ્યા પછી) બાકી ન રહે. અને અલ્લાહ તઆલા ઘણો જબરદસ્ત હિકમતવાળો છે. (૧૬૫) (લોકો ભલે ઈન્કાર કરે) પરંતુ અલ્લાહ તઆલા ગવાહી આપે છે કે જે કંઈ આપના ઉપર ઉતાર્યું છે એ પોતાના ખાસ ઈલ્મથી જ ઉતાર્યું છે, તેમજ ફરિશ્તાઓ પણ (એના) ગવાહ છે અને અલ્લાહની ગવાહી જ બસ કાફી છે.(૧૬૬).
તફસીર : અગાઉની આયતોમાં યહૂદીઓના અનેક ગુનાહોનું વર્ણન હતું, અલ્લાહ તઆલાની શાનમાં એમની ગુસ્તાખી અને નબીઓની નાફરમાની ઉપરાંત નબીઓ તેમજ નેક લોકોની હત્યા જેવા ગુનાહો આચરવામાં પણ તેઓ ખચકાતા ન હતા. એમના આવા બધા કરતૂતો વર્ણવીને અલ્લાહ તઆલા ફરમાવે છે કે એમના આવા ગુનાહોના કારણે અમે એમના ઉપર ઘણી એવી પાક હલાલ વસ્તુઓ હરામ કરી દીધી જે પહેલાં એમના માટે હલાલ હતી.
આ આયતમાં એમના બીજા ચાર મોટા ગુનાહોનું વર્ણન છે. ૧. ઝુલમ, જેની વિગત ઉપરની આયતો ૧૫૨ થી ૧૫૯ માં વર્ણન છે. ૨. તેઓ દરેક ઝમાનામાં લોકોને અલ્લાહના રસ્તાથી એટલે કે નબીઓની ફરમાબરદારી અને એમના ઉપર ઈમાન લાવવાથી રોકતા હતા. ૩. એમને દરેક ઝમાનામાં વ્યાજની મનાઈ કરવામાં આવી હતી છતાં તેઓ વ્યાજ ખાવાનું છોડતા ન હતા. ૪. લોકોનો માલ નાહક રીતે એટલે કે લુંટ, રિશ્વત જેવા તરીકાઓ દ્વારા પચાવી લેતા હતા.
આ આયતમાં એમના ઉપર જે વસ્તુઓને હરામ ઠેરવવાનું વર્ણન છે, એની વિગત સૂરએ અનઆમ આયત નં ૧૪૬ માં છે કે, અમે યહૂદીઓ ઉપર નખ વાળા દરેક જાનવર હરામ કરી દીધા છે. અને ગાય બકરીમાં પીઠ, આંતરડા અને હાડકાંઓની થોડી ચરબી છોડીને બાકીની ચરબી પણ હરામ ઠેરવી છે.
જાનવરોમાં પગ બે પ્રકારે હોય છે. અમુકમાં ગોળ ખુર હોય છે, જેમ કે ગાય ઘોડામાં. અમુકમાં આંગણીઓ જેવા ખુર હોય છે. જેમ કે ઊંટમાં. એવી જ રીતે પક્ષીઓના પગમાં આંગળીઓ હોય છે એ બે પ્રકારની હોય છે. ખુલ્લી આંગળીઓ જેમ કે મરઘી અને બીજા પક્ષીઓ અને અમુકની આંગળીઓ ભેગી હોય છે જેમ કે બતક. આ બધામાંથી જે જાનવર કે પક્ષીઓની આંગળીઓ ભેગી હોય અને અલગ ન હોય એ હરામ છે. આ વિશે તફસીર કારોએ ઘણી વિગત વર્ણવી છે, જે ઈન્શા અલ્લાહ સૂરએ અનઆમની તફસીરમાં વર્ણન કરીશું.
આ અત્યાચારી અને નાફરમાન યહૂદીઓનું વર્ણન હતું, એમના માંહે અમુક સારા અને નેક લોકો પણ હતા, જેઓ તવરાતના આલિમ હતા અને એ મુજબ અમલ પણ કરતા હતા. એટલે આયત ૧૬૨ માં અલ્લાહ તઆલાએ એમને અપવાદ રૂપ ગણાવીને એમની ખૂબીઓ વર્ણવી છે કે તેઓ તવરાતનું સહીહ અને પાકું ઈલ્મ ધરાવે છે. એટલે કે એના મુજબ અમલ કરે છે, અને તવરાતના આદેશ મુજબ નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ ઉપર ઈમાન ધરાવે છે, તેઓ જરૂર અલ્લાહ તઆલા ઉપર, અલ્લાહ તઆલા તરફથી તમારા (હઝરત મુહમ્મદ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) ઉપર અને અગાઉના નબીઓ ઉપર ઉતારવામાં આવેલ વહી અને હુકમો ઉપર ઈમાન ધરાવે છે. તેઓ નમાઝ કાયમ કરે છે, ઝકાત આપે છે, અને અલ્લાહ તેમજ આખિરતના દિવસ ઉપર પણ ઈમાન ધરાવે છે. એમને જરૂર વહેલી તકે (આખિરતમાં અને દુનિયામાં પણ) અમે મોટો સવાબ આપીશું.
પછીની આયત ૧૬૩ – ૧૬૪માં અલ્લાહ તઆલાએ નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની નુબુવ્વતનો ઈન્કાર કરનાર અહલે કિતાબ યહૂદીઓ અને ઈસાઈઓને સમજાવવામાં આવ્યા છે, અને દલીલ રૂપે એમને કહેવામાં આવ્યું છે કે તમે જે નબીઓને માનો છો, જેમના ઉપર ઈમાન ધરાવો છો, એ બધા નબીઓ ઉપર અમે જ વહી મોકલી હતી, અને હવે અમે મુહમ્મદ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ ઉપર વહી મોકલીને એમને નબી બનાવ્યા છે તો પછી એમનો ઈનકાર કેમ ?
અલ્લાહ તઆલાએ અત્રે અમુક નબીઓના નામ પણ વર્ણવ્યાં છે : હઝરત નૂહ (અલૈ.), હઝરત ઈબ્રાહીમ (અલૈ.), હઝરત ઈસ્માઈલ (અલૈ.), હઝરત ઈસ્હાક (અલૈ.), હઝરત યાકૂબ (અલૈ.) તથા એમના ખાનદાનમાં આવેલ અનેક નબીઓ, હઝરત ઈસા (અલૈ.), હઝરત ઐયૂબ (અલૈ.) હઝરત યૂનુસ (અલૈ.), હઝરત હારૂન (અલૈ.), હઝરત સુલયમાન (અલૈ.), હઝરત દાવૂદ (અલ.), હઝરત મુસા (અલૈ.).
પછી અલ્લાહ તઆલા ફરમાવે છે કે આ બધા ઉપરાંત બીજા અનેક નબીઓ છે જેમના નામો અમે તમારા સમક્ષ વર્ણવ્યાં નથી.
અને પછીની આયતમાં આ રસૂલો અને નબીઓ મોકલવાના મકસદ પણ વર્ણવ્યા છે : ૧. આ રસૂલો લોકોને અલ્લાહ તઆલાની ફરમાબરદારી કરવા ઉપર આખિરતની કામ્યાબી, મોટા સવાબ અને જન્નતની ખુશખબર આપે છે. ૨. ગુનેગારો, નાફરમાનો-કાફિરોને જહન્નમથી અને અલ્લાહના અઝાબથી ડરાવે છે. ૩. વિશેષ એટલા માટે પણ કે લોકો આખિરતમાં હિસાબ-કિતાબ વેળા એમ ન કહે કે અમને તો એક અલ્લાહ, ઈમાન, આખિરત અને અલ્લાહના હુકમો વિશે કંઈ ખબર ન હતી, કોઈએ બતાવ્યું ન હતું, વગેરે. લોકોને સમજાવનાર, અલ્લાહના હુકમો બતાવનાર, ખુશખબર આપનાર અને ડરાવનાર રસૂલો મોકલીને અલ્લાહ તઆલાએ લોકોની હિદાયત માટે પૂરતી વ્યવસ્થા કરી દીધી. એટલે કે લોકોની હિદાયત માટે આમ કરવાની આવશ્યકતા પણ હતી અને જયારે અલ્લાહ તઆલાએ હિદાયત માટે આટલું બધું કર્યું છે, તો પછી નાફરમાનોને સજા આપવી પણ તર્કસંગત ગણાશે.
અલ્લાહ તઆલા આ સૃષ્ટિ અને એમાં મોજૂદ દરેક વસ્તુ માણસ અને જાનવરો સહિત બધાનો સર્જનહાર છે, એને અધિકાર છે કે એણે પેદા કરેલ દરેક વસ્તુને જેમ ચાહે તેમ વાપરે. ચાહે કોઈને જન્નત આપે અને કોઈને જહન્નમ. પણ અલ્લાહ તઆલાએ પોતાના કમાલ અને જમાલ થકી પોતાના વિશે આ નક્કી કર્યું છે કે દરેક માણસ સાથે ન્યાય પૂર્વક વહેવાર કરવામાં આવશે એટલે પછી ન્યાયના તકાઝા મુજબ સઘળી વ્યવસ્થા ગોઠવી, નબીઓ મોકલ્યા, નેકી-બદીની શકિતઓ આપી, અને પછી એલાન કર્યું કે ઈમાન લાવનારા, નેકીઓ કરનાર તાબેદાર લોકોને જન્નત મળશે અને નાફરમાન કાફિરોને જહન્નત સજા મળશે.
મઆરિફુલ હદીસ
હઝરત મવલાના મંઝૂર નોમાની (રહ.)
અનુવાદ : મવલાના યાકૂબ બારીવાલા સા. (બ્લેકબર્ન. યુ.કે.)
ભાગ નંબરઃ (૧૯૦)
કુરઆને કરીમની અમુક ખાસ સુરતોની ફઝીલત
સુરએ બકરહની અંતિમ આયતો
(٦٧) عَنْ أَيَفَعَ بَنِ عَبْدِ الكَلَاعِي ؓقَالَ قَالَ رَجُلٌ يَا رَسُولَ اللَّهِ أَيُّ سُورَةِ الْقُرْآنِ أَعْظَمُ ؟ قَالَ قُلْ هُوَ اللّهُ أَحَد قَالَ فَأَيُّ آيَةٍ فِي الْقُرْآنِ أَعْظَمُ ؟ قَالَ آيَةُ الْكُرْسى اللهُ لَا إِلٰهَ إِلَّا هُوَ الْحَيُّ الْقَيُّومُ قَالَ فَأَيُّ آيَةٍ يَا نَبِيَّ اللّهِ تُحِبُّ أَن تُصِيبَكَ وَأُمَّتَكَ ؟ قَالَ خَاتِمَهُ سُورَةِ الْبَقَرَةِ فَإِنَّهَا مِنْ خَزَائِنِ رَحْمَةِ اللّهِ تَعَالَى مِنْ تَحْتِ عَرْشِهِ أَعْطَاهَا هَذِهِ الْأُمَّةَ لَمْ تَتْرُكْ خَيْراً مِنْ خَيْرِ الدُّنْيَا وَالْآخِرَةِ إِلَّا اشْتَمَلَتْ عَلَيْهِ (رواه الدارمی)
હઝરત અયફઅ બિન અબ્દુલ કલાઈ રદિ.થી રિવાયત છે કે એક માણસે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ)થી અરજ કરી યા રસૂલલ્લાહ ! કુર્આનની કઈ સુરત સૌથી વધુ મહત્વતા વાળી છે ? આપ (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ)એ ફરમાવ્યું “કુલ હુવલ્લાહુ અહદ” તેણે અરજ કરી અને આયતોમાં કુર્આનની કંઈ આયત વધુ મહત્વતા પુર્ણ છે ? આપ (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ)એ ફરમાવ્યું “આયતુલ કુર્સી” “અલ્લાહુ લા ઈલાહ ઈલ્લા હુવલ હચ્યુલ કય્યમ” તેણે અરજ કરી અને કુર્આનની કઈ આયત છે જેના વિષે આપની ખાસ તમન્ના છે કે તેનો ફાયદો અને તેની બરકતો આપને અને આપની ઉમ્મતને મળે ? આપ (સલ્લલ્લાહ અલયહી વસલ્લમ)એ ફરમાવ્યું સુરએ બકરહની અંતિમ આયતો (આમન ર્રસૂલથી છેવટ સુધી) પછી આપ (સલ્લલ્લાહ અલયહી વસલ્લમ)એ ફરમાવ્યું આ આયતો અલ્લાહ તઆલાની રહમતના તે ખાસ ખઝાનાઓમાંથી છે જે તેના અર્શે અઝીમના નીચે છે. અલ્લાહ તઆલાએ એ રહમતની આયતો આ ઉમ્મતને અર્પણ કરી છે. તેણે દુનિયા અને આખિરતની દરેક ભલાઈ અને દરેક ખૈર પોતાના અંદર સમેટી રાખી છે.
ખુલાસો:
“કુલ હુવલ્લાહુ અહદ” અને “આયતુલ કુર્સી”ની મહત્વતા અને તેની અલગતાવાદ વિષે ઉપર વર્ણન થઈ ચુકયું છે. સુરએ બકરહની છેલ્લી આયતો વિષે જેમકે આ હદીસમાં ફરમાવવામાં આવ્યું છે. તે મુજબ બેશક એ આયતો અલ્લાહ તઆલાના ખાસ રહમતના ખઝાનાઓમાંથી છે. આરંભમાં “આમન ર્રસૂલ”થી “લાનુફરિંકુ બૈન અહદીં મિર્રસુલિહી” સુધી ઈમાનની તલ્કીન ફરમાવી, તે પછી “સમીઅના વઅતઅના”માં ઈસ્લામ અને તાબેદારીનો વાયદો લેવામાં આવ્યો, ત્યાર બાદ ગુફરાનક રબ્બનામાં તે ભુલોની માફી અને મગફિરતની દરખાસ્ત છે. જે ઈમાન અને તાબેદારીના વાયદા પછી પણ આપણાથી થઈ જાય છે.
તે પછી “લા યુકલ્લિફુલ્લાહુ નફસ”માં કમઝોર બંદાઓને તસલ્લી આપવામાં આવી છે. અને આશ્વાસન આપવામાં આવ્યું કે અલ્લાહ તઆલા તરફથી કોઈ એવું વજન અને દબાણ બંદાઓ પર નાંખવામાં આવતુ નથી. અને કોઈ એવી વસ્તુની માંગણી કરવામાં આવતી નથી જે તેમને શકિતથી બહાર હોય, ત્યાર બાદ “રબ્બના લા તુઆખિઝના” થી છેવટ સુધી ઘણી જ મજબૂત દુઆની તલકીન ફરમાવી છે. બેશક આ આયતો પોતે જ રહમતે ઈલાહીનો ખજાનો છે. અલ્લાહ તઆલા એને ઓળખવાની અને તેનાથી ફાયદો ઉઠાવવાની તોફિક આપે. આમીન...
(٦٨) عَنْ جُبَيْرِ بْنِ نُفَيْرٍ أَنَّ رَسُولَ اللّهِ ﷺ قَالَ إِنَّ اللّهَ خَتَمَ سُورَةَ الْبَقَرَةِ بِاٰيَتَينِ أُعْطِيتُهُمَا مِنْ كَنْزِهِ الَّذِي تَحْتَ الْعَرْشِ فَتَعَلَّمُوهُنَّ وَعَلِّمُوهُنَّ نِسَاءَكُمْ فَإِنَّهَا صَلٰوةٌ وَقِرْبَانٌ وَدُعَاءٌ (رواه الدارمي، مرسلاً)
હઝરત જુબૈર બિન નુફેર તાબઈથી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહ અલયહી વસલ્લમ)એ ફરમાવ્યું કે અલ્લાહ તઆલાએ સુરએ બકરહને એવી બે આયતો પર ખતમ ફરમાવી છે જે તેણે તેના ખાસ ખઝાનામાંથી મને અર્પણ કરી છે. જે તેના અર્શે અઝીમ નીચે છે. તમે લોકો તેને શીખો, અને તમારી સ્ત્રીઓને શિખવાડો, કેમકે એ આયતો પુરેપુરી રહમત છે. અને અલ્લાહ તઆલાની નઝદીકી મેળવવાનું ખાસ સાધન છે. અને તેમાં ઘણી જ મજબુત દુઆ છે. (દારમી)
ફાયદો :- યાદ રાખો ! જુબેર બિન નુફેર જેમણે આ હદીસ રસૂલુલ્લાહ (સલ્લલ્લાહ અલયહી વસલ્લમ)થી રિવાયત કરી છે તે તાબઈ છે. તેમણે તે સહાબીનો ઉલ્લેખ કર્યો નથી. જેમની મારફત તેમને આ હદીસ મળી, એટલા માટે આ હદીસ મુરસલ છે. એ જ મુજબ પહેલી હદીસ પણ મુરસલ છે. કેમકે તેના રાવી અયફઅ બિન અબ્દે કલાઈ પણ તાબીઈ છે. તેમણે પણ કોઈ સહાબીનો હવાલો આપ્યા વગર તેને રિવાયત કરી છે.
(٦٩) عَنْ أَبِي مَسْعُودٍ قَالَ قَالَ رَسُولُ اللهِ الآيَتَانِ مِنْ آخِرِ سُورَةِ الْبَقَرَةِ مَنْ قَرَأَ بِهِمَا فِي لَيْلَةٍ كَفَتَاهُ - (رواه البخاري ومسلم)
હઝરત અબૂ મસ્ઉદ અન્સારી રદિ.થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ)એ ફરમાવ્યું સુરએ બકરહની છેલ્લી બે આયતો જે કોઈ રાત્રે તેને પઢશે તે તેના માટે બસ થઈ પડશે. (બુખારી, મુસ્લિમ શરીફ)
ખુલાસો :- હદીસનો ભાવાર્થ જાહેરમાં એ છે કે જે માણસ રાત્રે સુરએ બકરહની આ છેલ્લી આયતો પઢી લેશે. તે ઈન્શા અલ્લાહ દ૨ેક બુરાઈથી બચી જશે. બીજો અર્થ એ પણ થઈ શકે છે કે જો કોઈ માણસ તહજ્જુદમાં ફકત આ આયતો પઢી લે તો તેના માટે એટલું જ બસ છે. વલ્લાહુ અઅલમ....
આલે ઈમરાનની છેલ્લી આયતો
(۷۰) عَنْ عُثْمَانَ بْنِ عَفَّانَ ؓقَالَ مَنْ قَرَءَ آخِرَ آلِ عِمْرَانَ فِي لَيْلَةٍ كُتِبَ لَهُ قِيامُ لَيْلَة - (رواه الدارمی)
હઝરત ઉષ્માન બિન અફફાન રદિ.થી રિવાયત છે તેમણે ફરમાવ્યું કે જે માણસ કોઈ રાત્રે આલે ઈમરાનની છેલ્લી આયતો પઢશે તેના માટે આખી રાતની નમાઝનો સવાબ લખવામાં આવશે. (દારમી)
ખુલાસો :- આલે ઈમરાનની છેલ્લી આયતોથી મતલબ “ઈન્ન ફી ખલ્કિસ્સમાવાતિ વઅર્દિ”થી સુરત પુરી થતાં સુધીની આયતો છે. સહીહ રિવાયતોમાં આવેલું છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ) રાત્રે તહજ્જુદ માટે ઉઠતા તો સૌ પ્રથમ (વુઝૂ કરતાં પહેલા એ જ આયતો પઢતા હતા) આલે ઈમરાનનો એ છેલ્લો રૂકુઅ પણ સુરએ બકરહના છેલ્લા રૂકૂઅ માફક ઘણો જ મજબૂત દુઆ પર અવલંબીત છે. અને લગભગ એ રૂકૂઅની ખાસ ફઝીલતનો ભેદ એ દુઆ વાળી આયતોમાં જ છુપાયેલો છે. સૃષ્ટિના સર્જનમાં મનન કરનારાઓ અને હમેશાં અલ્લાહ તઆલાને યાદ કરવાવાળા બંદાઓની જીભે આ મજબુત દુઆ એ રૂકૂઅમાં આ રીતે વર્ણવી છે.
رَبَّنَا مَا خَلَقْتَ هَذا بَاطِلاً سُبْحَانَكَ فَقِنَا عَذَابَ النَّارِ، رَبَّنَا إِنَّكَ مَن تُدْخِل النَّارَ فَقَدْ أَخْزَيْتَهٗ وَمَا لِلظَّالِمِينَ مِنْ أَنصَارٍ ، رَبَّنَا إِنَّنَا سَمِعْنَا مُنَادِيًا يُنَادِي لِلْإِيمَانِ أَنْ آمِنُوا بِرَبِّكُمْ فَآمَنَّا رَبَّنَا فَاغْفِرْ لَنَا ذُنُوبَنَا وَكَفِّرْ عَنَّا سَيِّئَاتِنَا وَتَوَفَّنَا مَعَ الْأَبْرَارِ، رَبَّنَا وَآتِنَا مَا وَعَدَتَّنَا عَلَى رُسُلِكَ وَلَا تُخْزِنَا يَوْمَ الْقِيَامَةِ إِنَّكَ لَا تُخْلِفُ الْمِيعَادَ
અર્થાત :- અય અમારા પરવરદિગાર ! તેં આ દુનિયાનું બેકાર સર્જન કર્યુ નથી, તું એ વાતથી પાક અને પવિત્ર કે કોઈ બેકાર કામ કરે, (ખચીત આ દુનિયાના જીવન પછી જઝા અને સઝા સત્ય છે) તો તું અમને દોઝખના અઝાબથી બચાવ, અય અમારા રબ ! જેને તે દોઝખમાં ફેંકયો ખરેખર તેને તેં બે ઈઝઝત કર્યો, અને એવા દુષ્ટોનો કોઈ મદદગાર નહીં હશે, અય અમારા રબ ! અમે એક બોલાવનાર અને અવાજ દેનારને સાંભળ્યો કે તે ઈમાન તરફ બોલાવે છે. અને કહે છે કે લોકો ! તમારા રબ પર ઈમાન લઈ આવો, તો અમે ઈમાન લઈ આવ્યા, અય અમારા રબ ! અમારા ગુનાહો બખ્શી દે, અમારી બુરાઈઓ અમારાથી દૂર કરી દે, અને અમને તારા વફાદાર અને નેક બંદાઓ સાથે દુનિયામાંથી ઉઠાવ અને અય અમારા રબ ! અમને તે સર્વ અર્પણ કર, જેનો તેં તારા રસૂલોના મુખે ઈમાનવાળાઓ માટે વાયદો કર્યો છે. અને અમને કયામતના દિવસની બેઈઝઝતીથી બચાવ. બેશક તું તારા વાયદાથી વિરૂધ્ધ કરીશ નહીં.
સુરએ આલિઈમરાનના છેલ્લા રૂકૂઅની આ દુઆ કુર્આન પાકની ઘણી જ મજબૂત બે ત્રણ દુઆઓમાંથી છે. અને જેમકે અરજ કરવામાં આવ્યું આ રૂકુઓની ખાસ ફઝીલત આ દુઆ વાળી આયતોના કારણે જ છે. વલ્લાહુ અઅલમ...
હઝરત ઉષ્માન ગની રદિ.એ જે ફરમાવ્યું કે જે માણસ રાત્રે આ આયતો પઢશે, તેના માટે આખી રાતના નફિલોનો સવાબ લખવામાં આવશે. જાહેર છે કે એ વાત તેમણે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહ અલયહી વસલ્લમ)થી જ સાંભળી હશે. હુઝૂર (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ)થી સાંભળ્યા વગર કોઈ સહાબી પોતાના તરફથી એવી વાત કરી શકતા નથી. માટે હઝરત ઉષ્માન રદિ.નું આ ફરમાન મરફૂઅ હદીસના હુકમમાં જ છે.
ફાયદો :- ઉમ્મતે મુસ્લિમા મરહૂમા પર અલ્લાહ તઆલાની જે ખાસ રહમતો છે. તેમાંથી એક એ પણ છે કે થોડા અમલ પર વધુ સવાબના ઘણા રસ્તાઓ રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ) મારફત આ ઉમ્મતને બતાવવામાં આવ્યા છે. જેથી તે લોકો પોતાની ખાસ હાલતના કારણે મોટા મોટા અમલો ન કરી શકે તો તે નાના નાના અમલ કરીને જ અલ્લાહ તઆલાની ખાસ મહેરબાનીઓના હકદાર બની શકે.
ઉપરોકત હદીસો જેમાં રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ)એ ખાસખાસ સુરતો અને ખાસ આયતોની ફઝીલતોનો ઉલ્લેખ કર્યો છે. તે એ જ લાઈનની કડીઓ છે. તેમનો હેતુ એ જ છે કે ઘણા બંદાઓ જેઓ પોતાની ખાસ હાલતના કારણે કુર્આન પાકની વધુ તિલાવત ન કરી શકતા હોય, તેઓ આ ખાસ સુરતો અને આયતોની તિલાવત મારફત વધુ સવાબ અને અલ્લાહની ખાસ મહેરબાનીના લાયક બની જાય, એટલા માટે એ હદીસોનો હક છે કે તેમના ઉપર યકીન રાખી એ સુરતો અને આયતોની તિલાવતનો ખાસ પ્રબંધ કરવામાં આવે, જેથી અલ્લાહ તઆલાની ખાસ મહેરબાનીઓમાં આપણો પણ ભાગ લાગી જાય. ખરેખર આપણે જો એટલું પણ ન કરી શકીએ તો ઘણા જ અભાગ્ય છીએ.
મઆરિફુલ હદીસ
હઝરત મવલાના મંઝૂર નોમાની (રહ.)
અનુવાદ : મવલાના યાકૂબ બારીવાલા સા. રહ.(બ્લેકબર્ન. યુ.કે.)
ભાગ નંબર : ૧૮૯
કુરઆને કરીમની અમુક ખાસ સુરતોની ફઝીલત
સુરએ ઝિલ્ઝાલ, સુરએ કાફિરૂન, સુરએ ઈખ્લાસ
(٥٧) عَنْ ابْنِ عَبَّاسٍ وَأَنَسِ بْنِ مَالِكٍ ؓقَالَا قَالَ رَسُوْلُ اللّهِ ﷺ "إِذَا زُلْزِلَتْ" تَعْدِلُ نِصْفَ الْقُرْآن و "قُلْ هُوَ اللهُ أَحَدٌ" تَعْدِلُ ثُلُثَ الْقُرْآنِ وَ "قُلْ يا أَيُّهَا الْكٰفِرُوْنَ" تَعْدِلُ رُبُعَ الْقُرْآن۔(رواه الترمذي)
હઝરત અબ્દુલ્લાહ બિન અબ્બાસ રદિ.અને હઝરત અનસ બિન માલિક રદિ.થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ)એ ફરમાવ્યું “સુરએ ઈઝા ઝુલ્ઝીલત” અર્ધા કુર્આન બરાબર છે. અને “કુલ હુવલ્લાહુ અહદ” ત્રીજા ભાગના કુર્આન બરાબર છે. અને “કુલ આ અવ્યુહલ કાફિરૂન” ચોથા ભાગના કુર્આન બરાબર છે. (તિર્મિઝી શરીફ)
ખુલાસો :- સુરએ “ઈઝા ઝુલ્ઝીલત”માં કયામતનું વર્ણન અને તેનો ચિતાર ઘણો જ અસર કારક વર્ણવ્યો છે. અને એ જ મુજબ તેની છેલ્લી આયત “ફમંયઅમલ મિસ્કાલ ઝર્રતીન ખૈરંયરહુ” માં બદલો અને સજા બન્નેવનું વર્ણન હોવા છતાં એટલું બધુ અસર કારક રીતે કરવામાં આવ્યું છે કે જો એ સંબંધી આખી કિતાબ પણ લખવામાં આવે તો એનાથી વધુ અસર કારક નહી હોય. કદાચ આ સુરતની એ ખાસિયતના કારણે જ આ હદીસમાં તેને અર્ધા કુર્આન બરાબર બતાવવામાં આવી છે. એ જ પ્રમાણે સુરએ ઈખ્લાસ (કુલ હુવલ્લાહ)માં ઘણા જ ટુંકસાર સાથે અલ્લાહની એકતા, તેની પાકી, અને તેના ગુણો, કમાલનું જે ચમત્કારિક રીતે વર્ણન છે તે પણ આ સુરતની જ ખાસિયત છે. અને કદાચ એ જ કારણે તેને ત્રીજા ભાગના કુર્આન બરાબર બતાવી છે. અને “કુલ યા અય્યુહલ કાફિરૂન”માં ઉઘાડી રીતે શિર્કવાળાઓથી અલગતા અને દૂર રહેવાની જાહેરાત કરી જે રીતે ચોખ્ખી એકતાનું શિક્ષણ આપવામાં આવ્યું છે. (જે દુનિયાનો પાયો અને જડ છે) તે આ સુરતની ખાસિયત છે. અને કદાચ એ જ કારણે એ સુરતને આ હદીસમાં ચોથા ભાગના કુર્આન બરાબર બતાવવામાં આવી છે.વલ્લાહુ અઅલમ.
(٥٨) عَنْ فَرَوَةَ بْنِ نَوْفَلٍ عَنْ أَبِيهِ أَنَّهٗ قَالَ يَا رَسُوْلَ اللّهِ عَلِّمْنِي شَيْئًا أَقُوْلُهٗ إِذَا أَوَيْتُ إِلٰى فِرَاشِيْ، فَقَالَ إِقْرَأْ قُلْ يَا أَيُّهَا الْكٰفِرُوْنَ فَإِنَّهَا بَرَاءَةٌ مِنَ الشِّرْكِ (رواه الترمذي وأبو داود والنسائي)
હઝરત ફરવહ બિન નૌફલ તેમના વાલિદ નૌફલ રદિ.થી રિવાયત કરે છે કે તેમણે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ)થી અરજ કરી કે મને કોઈ એવી ચીઝ પઢવાની બતાવો જેને હું સુતી વખતે બિસ્તર પર પઢી લઉં આપ (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ)એ ફરમાવ્યું “કુલ યા અવ્યુહલ કાફિરૂન” પઢયા કરો, તેમાં શિર્કથી બરાઅત (દુરી) છે. (તિર્મિઝી, અબૂ દાઉદ, નસાઈ)
(٥٩) عَنْ أَبِي الدَّرْدَاءِ ؓقَالَ قَالَ رَسُوْلُ اللّهِ ﷺ أَيَعْجِرُ أَحَدُكُمْ أَنْ يَقْرَأَ فِي لَيْلَةٍ ثُلُثَ الْقُرْآنِ قَالُوْا كَيْفَ يَقْرَأُ ثُلُثَ الْقُرْآنِ قَالَ "قُلْ هُوَ اللّهُ أَحَدٌ" يَعْدِلُ ثُلُثَ الْقُرْآن - (رواه مسلم ورواه البخاري عن أبي سعد وروى الترمذي عن ابي ايوب الانصاري بمعناه)
હઝરત અબૂ દરદહ રદિ.થી રિવાયત છે કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહી વ સલ્લમે ફરમાવ્યું શું તમારામાંથી કોઈ એનાથી પણ આજીઝ છે કે એક રાતમાં ત્રીજા ભાગનું કુર્આન પઢે? તો સહાબા રદિ. એ પુછ્યું કે એક રાતમાં ત્રીજા ભાગનું કુર્આન પઢી શકે તો ફરમાવ્યું “કુલ હુવલ્લાહુ અહદ” ત્રીજા ભાગના કુર્આન બરાબર છે.(તો જેણે રાતમાં તે સુરત પઢી તેણે જેવું ત્રીજા ભાગનું કુર્આન પઢી લીધું) (મુસ્લિમ શરીફ)
અને ઈમામ બુખારીએ એ જ હદીસ હઝરત અબૂ સઈદ ખુદરી રદિ.થી રિવાયત કરી છે. અને ઈમામ તિર્મિઝીએ એ જ બયાનની એક હદીસ હઝરત અબૂ ઐયુબ અન્સારી રદિ.થી રિવાયત કરી છે.
(٦٠) عَنْ أَنَسٍ ؓأَنَّ رَجُلًا قَالَ يَا رَسُوْلَ اللّهِ ﷺإِنِّي أُحِبُّ هٰذِهِ السُّورَةَ "قُلْ هُوَ اللهُ أَحَد" قَالَ إِنَّ حُبَّكَ إِيَّاهَا أَدْخَلَكَ الْجَنَّة (رواه الترمذي وروى البخاري معناه)
હઝરત અનસ રદિ.થી રિવાયત છે કે એક માણસે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ)ની સેવામાં અરજ કરી કે હઝરત! મને આ સુરત “કુલ હુવલ્લાહુ અહદ” ઘણી જ પ્યારી છે. આપ (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ)એ ફરમાવ્યું એ સુરત સાથે તમારો પ્યાર તમને જન્નતમાં લઈ જશે. (તિર્મિઝી શરીફ)
(શબ્દો અને લખાણના નહીવત ફેરફાર સાથે એ જ બયાનની હદીસ ઈમામ બુખારીએ પણ રિવાયત કરી છે.)
(٦١) عَنْ أَبِي هُرَيْرَۃَ ؓأَنَّ النَّبِيَّ ﷺ مَا سَمِعَ رَجُلًا يَقْرَأُ "قُلْ هُوَ اللّهُ أَحَدٍ" فَقَالَ وَجَبَتْ قُلْتُ وَمَا وَجَبَتْ قَالَ الْجَنَّةُ (رواه مالك والترمذي والنسائي)
હઝરત અબૂ હુરૈરહ રદિ.થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ)એ એક માણસને “કુલ હુવલ્લાહ અહદ” પઢતા સાંભળ્યો, તો ફરમાવ્યું તેના માટે વાજિબ થઈ ગઈ. મેં અરજ કરી યા રસુલ્લાહ ! શું વાજિબ થઈ ગઈ ? આપ (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ)એ ફરમાવ્યું જન્નત.
ખુલાસો :- સહાબા રદિ. જેમણે શિક્ષણ અને કેરવણી સીધી રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ પાસેથી પ્રાપ્ત કરી હતી. અને દરેક કાર્યમાં આપ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમનું અનુકરણ તેમ તાબેદારીના લાલચી હતા. સાફ વાત છે કે જયારે તેઓ કુર્આન પાકની અને ખાસ કરી આ સુરતો અને આયતોની તિલાવત કરતા હશે. જેમાં અલ્લાહ તઆલાની એકતા અને ગુણોનું વર્ણન ઘણી જ અસર કારક રીતે કરવામાં આવ્યું છે. તો બીજાઓને પણ સાફ જણાતુ હશે કે આ તેમના દીલની હાલત છે. અને તેમની જીભ પર ખુદા બોલી રહ્યો છે. આ હદીસમાં જે સહાબીએ “કુલ હુવલ્લાહ અહદ” પઢવાનું વર્ણન છે. તેમની હાલત તે સમયે એવી જ હશે અને હુઝૂર સલ્લલ્લાહુ અલયહી વસલ્લમને જણાયું હશે કે તેઓ ખરી ઈમાની કેફિયત અને ઈમાની મજા સાથે “કુલ હુવલ્લાહ અહદ” પઢી રહ્યા છે.
એવા માણસો માટે જન્નત વાજિબ હોવામાં શું શંકા છે. અલ્લાહ તઆલા આ નેઅમતનો થોડો ભાગ આપણ કમ નસીબોને પણ અર્પણ કરે.
(٦٢) عَنْ أَنَسِ بْنِ مَالِكٍ ؓ عَنِ النَّبِيِّ ﷺ قَالَ مَنْ أَرَادَ أَنْ يَّنَامَ عَلٰى فِرَاشِهٖ ثُمَّ قَرَأْ مِائَةَ مَرَّةٍ "قُلْ هُوَ اللهُ أَحَدٌ" إِذَا كَانَ يَوْمُ الْقِيٰمَةِ يَقُولُ لَهُ الرَّبُّ يَا عَبْدِي ادْخُلْ عَلٰى يَمِيْنِكَ الْجَنَّةَ. (رواه الترمذي)
હઝરત અનસ બિન માલિક રદિ.થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ)એ ફરમાવ્યું જે માણસ બિસ્તર પર સુવાનો ઈરાદો કરે, પછી (સુવા પહેલા) સો વાર સુરએ કુલ હુવલ્લાહુ અહદ પઢે તો જયારે કયામત કાયમ થશે, તો અલ્લાહ તઆલા તેને ફરમાવશે એય ! મારા બંદા ! તારા જમણા હાથ તરફથી જન્નતમાં ચાલ્યો જા.
ખુલાસો :- “અલા યમીનિક” (તારા જમણા હાથ તરફ)નો અર્થ એ પણ થઈ શકે છે કે તે બંદો હિસાબની જગ્યાએ જયાં હશે ત્યાંથી જન્નત તેની જમણી બાજુ હશે, અને તેને કહેવામાં આવશે કે તારી જમણી બાજુ ચાલી જન્નતમાં ચાલ્યો જા, બીજો શકય અર્થ આ છે કે જન્નતનો જમણી તરફનો ભાગ ડાબી બાજુના ભાગ કરતાં અફઝલ હશે. અને તે બંદાને ફરમાવવામાં આવશે કે તું જમણી બાજુવાળી જન્નતમાં ચાલ્યો જા, ખચિત ઘણો જ સસ્તો સોદો છે. કે સુતા પહેલાં ફકત સો વાર “કુલ હુવલ્લાહુ અહદ” પઢવા પર આ દોલત મળી જાય અલ્લાહ તઆલા તોફિક આપે તો કોઈ મહાન વાત નથી. અલ્લાહ તઆલાના અમુક બંદાઓને જોયા છે કે તેમનો રાત્રે સુતા પહેલાં દરરોજનો અમલ એનાથી પણ ઘણો જ વધારે છે.
મુઅવ્વઝતૈન
(٦٣) عَنْ عُقْبَةَ بْنِ عَامِرٍ ؓقَالَ قَالَ رَسُولُ اللّهِ ﷺ أَلَمْ تَرَ آيَاتٍ أُنْزِلَتِ اللَّيْلَةَ لَمْ يُرَ مِثْلُهُنَّ قُلْ أَعُوذُ بِرَبِّ الْفَلَقِ وَقُلْ أَعُوذُ بِرَبِّ النَّاسِ (رواه مسلم)
હઝરત ઉકબા બિન આમિર રદિ.થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ)એ ફરમાવ્યું શું તમને ખબર નથી ? આજે રાત્રે જે આયતો મારા ઉપર ઉતરી છે (તે એવી અનોખી છે કે) તેના જેવી ન કદી જોવામાં આવી, ન સાંભળવામાં આવી. કુલ અઉઝુ બિરબ્બિલ્ફલક, અને કુલ અઉઝુ બિરબ્બિન્નાસ.
ખુલાસો :- આ બન્નેવ સુરતો એ હિસાબે અનોખી છે કે તેમાં આરંભથી અંત સુધી અલ્લાહ તઆલાની પનાહ લેવામાં આવી છે. જાહેર શરારતથી અને છુપી શરારતોથી પણ, અને અલ્લાહ તઆલાએ તેમાં ફિત્નાઓથી બચવા માટે બે હિસાબ તાસીર રાખેલી છે. મતલબ કે બધા જ ફિત્નાઓથી બચવા માટે મજબૂત કિલ્લો છે અને આ સુરતો ટુંકી હોવા છતાં ઘણી જ કમાલ વાળી અને અદભૂત છે.
(٦٤) عَنْ عُقْبَةَ بْنِ عَامِرٍ قَالَ بَيْنَا أَنَا أَسِيْرُ مَعَ رَسُوْلِ اللّهِ ﷺ بَيْنَ الْحُحْفَةِ وَالْأَبْوَاءِ إِذْ غَشِيَتْنَا رِيحٌ وَظُلْمَةٌ شَدِيْدَةٌ فَجَعَلَ رَسُوْلُ اللّهِ ﷺ يَتَعَوَّذُ بِأَعُوْذُ بِرَبِّ الْفَلَقِ وَأَعُوْذُ بِرَبِّ النَّاسِ وَيَقُوْلُ يَا عُقْبَةَ تَعَوَّذْ بِهِمَا فَمَا تَعَوَّذَ مُتَعَوِّذٌ بِمِثْلِهِمَا - (رواه أبو داود)
હઝરત ઉકબા બિન આમિર રદિ.થી રિવાયત છે કે એક સફરમાં હું રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ)સાથે હતો જુહફા અને અબ્વાઅની વચમાં (આ બન્નેવ પ્રખ્યાત જગ્યાઓ મદીના અને મક્કાની વચમાં છે) અચાનક જોરદાર વાવાઝોડું ફૂંકાયું અને ઘણું જ અંધારૂ છવાય ગયું, રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ)એ આ બન્નેવ સુરતો (મુઅવ્વઝતૈન) પઢી અલ્લાહ તઆલા પાસે પનાહ માંગવી શરૂ કરી, અને મને પણ ફરમાવ્યું કે ઉકબા ! તમે પણ આ સુરતો પઢી અલ્લાહ તઆલાની પનાહ માંગો, કોઈ પનાહ લેનારને એનાથી અનોખી પનાહ મળશે નહી. (એટલે અલ્લાહ તઆલાની પનાહ લેવા માટે કોઈ દુઆ એવી નથી જે આ બન્નેવ સુરતો જેવી હોય. આ ખાસિયતમાં તે અનોખી અને અદભુત છે. (અબૂ દાઉદ શરીફ)
ખુલાસો :- આ હદીસથી જાણવા મળ્યું કે જયારે કોઈ મુસીબત અને ખતરો સામે આવે તો મુઅવ્વઝતૈન પઢી અલ્લાહથી પનાહ (આસરો) માંગવી જોઈએ, એનાથી ઉમ્દા અને એના જેવું બીજું તઅવ્વુઝ નથી.
(٦٥) عَنْ عَائِشَةَ ؓأَنَّ النَّبِيَّ كَانَ إِذَا أَوٰى إلٰى فِرَاشِهٖ كُلَّ لَيْلَةٍ جَمَعَ كَفَّيْهِ ثُمَّ نَفَثَ فِيْهِمَا فَقَرَأَ فِيْهِمَا "قُلْ هُوَ اللهُ أَحَد وَ قُلْ أَعُوذُ بِرَبِّ الْفَلَقِ وَ قُلْ أَعُوذُ بِرَبِّ النَّاسِ" ثُمَّ يَمْسَحُ بِهِمَا مَا اسْتَطَاعَ مِنْ جَسَدِهِ يَبْدَأَ بِهِمَا عَلٰى رَأْسِهٖ وَوَجْهِهٖ وَمَا أَقْبَلَ مِنْ جَسَدِهِ يَفْعَلُ ذَالِكَ ثَلٰثَ مَرَّات (رواه البخاري ومسلم)
હઝરત આયશા સિદ્દીકા રદિ.થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ)નો મામૂલ હતો કે દરરોજ રાત્રે જયારે આરામ ફરમાવવા માટે બિસ્તર પર પધારતા હતા તો પોતાના બન્નેવ હાથોને મેળવી લેતા (જેમ દુઆ વખતે બન્નેવ હાથ મેળવવામાં આવે છે) પછી હાથો પર ફુંક મારતા અને “કુલ હુવલ્લાહુ અહદ અને કુલ અઉઝુ બિરબ્બિલ્ફલક તથા કુલ અઉઝુ બિરબ્બિન્નાસ” પઢતા, પછી જયાં સુધી બની શકતું ત્યાં સુધી પોતાના બદન પર બન્નેવ હાથ ફેરવતા માથા મુબારક અને ચેહરા મુબારક તથા પાક શરીરના સામેના ભાગથી શરૂ ફરમાવતા (તે પછી બાકી શરીર પર જયાં સુધી હાથ પહોંચી શકતા ત્યાં સુધી ફેરવતા હતા) એવું આપ (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ) ત્રણવાર કરતા હતા.
ખુલાસો :- રાત્રે સુતા પહેલાં આ ટુંકો નબવી અમલ તો ઘણો જ સહેલો છે. ઓછામાં ઓછી એની પાબંદી આપણે બધાએ જ કરવી જોઈએ. એની બરકતો બયાનથી બહાર છે. અલ્લાહ તઆલા તૌફિક અતા ફરમાવે.
અમુક ખાસ આયતોની ફઝીલત અને અનોખાપણું
ઉપરોકત હદીસોમાં જે પ્રમાણે ખાસ ખાસ સુરતોની ફઝીલતો વર્ણન કરવામાં આવી છે. એ જ મુજબ અમુક હદીસોમાં અમુક ખાસ આયતોની ફઝીલત અને વિશેષતાઓ વર્ણન કરવામાં આવ્યું છે. એ બારામાં અમુક હદીસો નીચે વાંચો :
આયતુલ કુર્સી
(٦٦) عَنْ أَبَيِّ بْنِ كَعْبٍ ؓقَالَ قَالَ رَسُوْلُ اللّهِ ﷺ يَا أَبَا الْمُنْذِرِ أَتَدْرِي أَيُّ آيَةٍ مِنْ كِتَابِ اللّهِ تَعَالٰى مَعَكَ أَعْظَمُ ؟ قُلْتُ اَللّهُ وَرَسُولُهٗ أَعْلَمُ قَالَ يَا أَبَا الْمُنْذِرْ أَتَدْرِي أَيُّ آيَةٍ مِنْ كِتَابِ اللهِ تَعَالٰى مَعَكَ أَعْظَمُ ؟ قُلْتُ اللّهُ لَا إِلٰهَ إِلَّا هُوَ الْحَيُّ الْقَيُّومُ ؟ قَالَ فَضَرَبَ فِي صَدْرِى وَقَالَ لِيَهْتِكَ الْعِلْمُ يَا أَبَا الْمُنْذِرْ۔
હઝરત ઉબય બિન કઅબ રદિ.થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ)એ (તેમના ઉપનામ અબૂ મુન્ઝીરથી સંબોધતાં) ફરમાવ્યું અય અબૂ મુન્ઝીર ! તમે જાણો છો કે અલ્લાહ તઆલાની કિતાબની કઈ આયત તમારી પાસે સૌથી વધુ મહત્વતા વાળી છે ? મેં અરજ કરી કે અલ્લાહ અને તેના રસૂલ (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ)ને વધુ ઈલ્મ છે. આપ (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ)એ ફરીવાર ફરમાવ્યું અય અબૂ મુન્ઝીર ! તમે જાણો છો કે અલ્લાહ તઆલાની કિતાબમાં કઈ આયત તમારી પાસે વધુ મહત્વતા વાળી છે? મેં અરજ કરી “અલ્લાહુ લા ઈલાહ ઈલ્લા હુવલ હૈયુલ્કય્યમ” તો આપ (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ)એ મારી છાતી ઠપકી (મતલબ કે એ જવાબ પર શાબાશી આપી) અને ફરમાવ્યું અય અબૂ મુન્ઝીર તને આ જ્ઞાન માફક આવે અને મુબારક થાય. (મુસ્લિમ શરીફ)
ખલાસો :- રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ)ના સવાલના જવાબમાં ઉબય બિન કઅબ રદિ.એ પહેલાં અરજ કરી કે અલ્લાહ અને તેના રસુલ વધુ જાણનાર છે. (કે કઈ આયત અલ્લાહ તઆલાની કિતાબમાં વધુ અઝમત વાળી છે) આ જવાબ અદબ પુર્વક હતો, પરંતુ જયારે રસૂલલ્લાહ (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ)એ ફરીવાર તે જ સવાલ કર્યો તો ઉબય બિન કઅબ રદિ.એ પોતાના જ્ઞાન અને સમજ મુજબ જવાબ આપ્યો, કે મારી સમજ મુજબનો “અલ્લાહુ લા ઈલાહ” એટલે “આયતુલ કુર્સી” કુર્આન પાકની સૌથી વધુ મહત્વતા પૂર્ણ આયત છે. રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ)એ એ જવાબને યોગ્ય ગણી શાબાશી આપી અને એ શાબાશીમાં તેમની છાતી કદાચ એટલા ઠપકી કે દિલ (હૃદય) (જે જ્ઞાન અને ઓળખનું સ્થાન છે) તે છાતીમાં જ હોય છે.
મતલબ કે આ હદીસથી જાણવા મળ્યું કે કુર્આનની આયતોમાં આયતુલ કુર્સી સૌથી વધુ મહત્વતા પુર્ણ છે. અને તે એટલા માટે કે તેમાં અલ્લાહ તઆલાની એકતા, પાકી, અને કમાલના ગુણો ત્થા તેની ઉચ્ચ શાનની મહત્વતા તેમ ઉચ્ચતા, જેવી રીતે વર્ણન કરવામાં આવી છે. તે તેમાં એકલો અને અદભુત છે.
રમઝાન મુબારક
અલ્લાહની મહાન નેઅમત
રમઝાનનો મુબારક મહીનો અલ્લાહ તબારક વ તઆલાની એક મહાન નેઅમત છે. આ પવિત્ર મહિનો અલ્લાહના નૂર અને સુકૂનની મોસમ કહેવાય છે. એમાં અલ્લાહ તઆલાની રહમતો મુશળધાર વરસાદની જેમ વરસે છે. એટલે જ નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે આ મહીના વિશે ઘણી ફઝીલતો વર્ણવી છે. દુઃખની વાત એ છે કે આપણે આ બરકતવાળા મહીનાની સાચી કદર કરતા નથી, કારણ કે આપણું સમગ્ર ધ્યાન અને આપણી બધી કોશિશો ફક્ત દુનિયાદારી અને ભૌતિક સુખ-સગવડ મેળવવા તરફ જ કેન્દ્રિત હોય છે.
આ પવિત્ર મહિનાનું સાચું મૂલ્ય તો તે જ લોકો સમજી શકે છે, જેઓ આખિરતની ફિકર કરતા હોય અને જેઓ આખી જિંદગી મૃત્યુ પછીની આખિરતની જિદંગી માટે તૈયારી કરવામાં વિતાવતા હોય.
હદીસ શરીફમાં છે : હઝરત અનસ રદિ. ફરમાવે છે કે જ્યારે રજબ મહિનો શરૂ થતો, ત્યારે નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ આ દુઆ માંગતા હતાઃ
اَللّٰهُمَّ بَارِكْ لَنَا فِيْ رَجَبَ وَ شَعْبَانَ وَ بَلِّغْنَا رَمَضَانَ
અર્થ : હે અલ્લાહ ! અમારા માટે રજબ અને શાબાન મહિનો બરકતવાળો બનાવ અને અમને રમઝાનના મહિના સુધી પહોચાડ. (શુઅબ અલ-ઈમાન ૩/૩૭૫) અર્થાત અલ્લાહ તઆલા જિંદગીમાં એટલી બરકત આપે કે આપણને રમઝાનનો મહીનો મળે અને આપણે એમાં ઈબાદતો કરી શકીએ.
વિચારવાની વાત છે, રમઝાનના બે મહીના પહેલાંથી નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ રમઝાન માટે ઉત્સાહ અને આતુરતા બતાવતા હતા અને રમઝાન મળે એવી દુઆ કરતા હતા. આવું ફક્ત તે જ વ્યકિત કરી શકે, જે રમઝાનના મહિનાનું સાચું મૂલ્ય સમજતો હોય અને પૂરા એહતેમામ સાથે તેની બરકતો મેળવવાનો ઈરાદો રાખતો હોય.
અલ્લાહ તઆલાએ રમઝાનનો આ મુબારક મહીનો વિશેષ એટલા માટે આપણને આપ્યો છે કે માણસ વર્ષના અગિયાર મહિના દુનિયાના કામ ધંધાઓમાં વ્યસ્ત રહે છે, જેના કારણે દિલમાં ગફલત આવી જાય છે, રૂહાનીયત એટલે કે ઈસ્લામ અને ઈમાનનું નૂર ઘટી જાય છે. અને અલ્લાહ તઆલાની નિકટતા ઓછી થઈ જાય છે. તો માણસ રમઝાનના મહીનામાં ઈબાદત કરીને પોતાની રૂહાની કમીને દૂર કરી શકે, દિલમાં છવાય ગયેલ ગફલત અને માલ-દોલત (ભૌતિકતાની) અસર દૂર કરી શકે અને ફરીથી અલ્લાહનો ખાસ-નિકટનો બંદો બની શકે.
રોઝાનો હેતુ : રોઝાની મહેનતનો મુખ્ય હેતુ અને ઉદ્દેશ્ય આ છે કે માણસમાં રહેલ હેવાનીયત (પશુસ્વભાવ) અને બહીમિયત (જંગલી વૃત્તિ) ઉપર કાબુ મેળવીને તેને અલ્લાહ તઆલાના આદેશોની પાબંદી અને ઈમાની-રૂહાની તકાઝાઓ-હુકમોની તાબેદારી માટે તૈયાર કરવામાં આવે.
રોઝા થકી માણસને મનની ઈચ્છાઓ, શોખ અને શહવતને અલ્લાહ તઆલાના આદેશોને તાબે રાખવાનું શિખવાડે છે, જેથી અલ્લાહ તઆલાના હુકમો ઉપર અમલ કરવામાં શોખ-શહવત આડે ન આવે.
આ જ હેતુએ રોઝા દરેક ઉમ્મત ઉપર અને દરેક શરીયતમાં ફરજ કરવામાં આવ્યા હતા. અલબત્ત આગલી ઉમ્મતો માટે રોઝાઓની સંખ્યા અને અન્ય કેટલાક નિયમો તેમની જરૂરિયાત મુજબ અલગ હતા.
અલ્લાહ તઆલાએ ઉમ્મતે મુહમ્મદિયહને પણ ફરજિયાત રોઝા રાખવાનો આદેશ આપ્યો છે, કુરઆનમાં છે : એ ઈમાનવાળાઓ ! તમારા ઉપર રોઝા ફરજ કરવામાં આવ્યા છે, જેમ કે તમારાથી પહેલાની ઉમ્મતો પર ફરજ કરવામાં આવ્યા હતા, જેથી તમે પરહેઝગાર (મુત્તકી) બની જાઓ. (બકરહ : ૧૭૩)
નફસ એટલે કે માણસનું મન જયારે માણસે પેટ ભરીને ખાધું પીધું હોય ત્યારે ગુનાહ તરફ વધારે આર્કષાય છે. એટલે રોઝા થકી માણસને ભુખ્યો રાખવામાં આવે છે, જેથી ભૂખ અને તરસના દબાવથી, નફસની શહવત અને ગેરજરૂરી ઈચ્છાઓનો પ્રભાવ ઘટી જાય છે. આમ રોઝાનો મુળ મકસદ જ આ છે કે ભુખ તરસ વડે નફસને કમઝોર કરવામાં આવે, જેથી તે ગુનાના કામો તરફ જતું અટકી જાય. આનું જ નામ “તકવા” છે.
રોઝા વિશે આપણે એમ પણ કહી શકીએ કે આસમાની દુનિયાની હસ્તીઓ એટલે કે ફરિશ્તાઓ કંઈ ખાતા પીતા નથી. એમને અલ્લાહ તઆલાએ ખાવા પીવાના કે શહવત-શાદીના મોહતાજ નથી બનાવ્યા. અને ઉમ્મતને હુકમ કરવામાં આવેલ રોઝામાં પણ પણ સુબ્હે સાદિકથી લઈને ગુરૂબે આફતાબ સુધી ખાવા, પીવા અને બીવી સાથે સહવાસ કરવાથી બચવાનો હુકમ છે. આમ અલ્લાહ તઆલા બંદાઓને રોઝાનો હુકમ કરીને કહેવા માંગે છે કે એ મારા બંદાઓ ! જો તમે આ ત્રણ વસ્તુઓ (ખાવા, પીવા અને સહવાસ)થી બચશો અને અમારી પવિત્ર મખલૂક ફરિશ્તાઓ સાથે સમાનતા અપનાવશો, તો અમારી આ પવિત્ર મખલૂકનો એક ખાસ ગુણ – ખાસિયત પણ તમારા અંદર આવી જશે. આ ગુણ છે અલ્લાહ તઆલાની ફરમાબરદારી અને ઈતાઅત. સુરએ તહરીમમાં અલ્લાહ તઆલા ફરિશ્તાઓના ગુણ વર્ણવતાં ફરમાવે છે કે ફરિશ્તાઓ અલ્લાહ તઆલાના કોઈ પણ આદેશની અવગણના કે નાફરમાની કરતા નથી. આનું જ નામ તકવા છે અને એ જ રોઝાનો મુખ્ય મકસદ છે.
રોઝાનો સમયગાળો સુબ્હે સાદિકથી ગુરૂબે આફતાબ સુધી રાખવામાં આવ્યો. આ સમય વર્તમાન સમયના માનવીની કેળવણી અને તાલીમ તેમજ એને આત્મ સંયમ શીખવાડવા માટે ખૂબ જ મુનાસિબ માધ્યમ છે.
રોઝા માટે મહીનો એવો નક્કી કરવામાં આવ્યો જેમાં કુરઆને કરીમ નાઝિલ થયું હતું. આ જ મહીનામાં બેશુમાર બરકતો અને રહમતો ભરેલી રાત એટલે કે શબે કદર આવે છે. આમ રોઝા માટે દિવસનો સમયગાળો અને રમઝાનનો મહીનો સૌથી વધારે મુનાસિબ હતો.
આ મહીનામાં દિવસના રોઝા ઉપરાંત રાત્રે પણ એક ખાસ ઈબાદતનો હુકમ કરવામાં આવ્યો છે. એટલે કે તરાવીહ પઢવાને વિશેષ સવાબનું કામ કરાર દેવામાં આવ્યું. એટલે દિવસની જેમ આ મહીનાની રાતો પણ ઘણી બરકતવાળી અને નૂરાની બની જાય છે.
હઝરત અબૂહુરયરહ (રદિ.) રિવાયત કરે છે કે જે કોઈ ઈમાન સાથે, સવાબની ઉમ્મીદ રાખીને એટલે કે અલ્લાહ તઆલા ખાતર રમઝાનના રોઝા રાખે તેના પાછલા ગુનાહો માફ કરી દેવામાં આવે છે. અને જે કોઈ ઈમાન અને સવાબની ઉમ્મીદ સાથે રમઝાનમાં તરાવીહ અને નફલ નમાઝો પઢશે એના પણ પાછલા ગુનાહો માફ કરી દેવામાં આવશે. (સહીહ બુખારી ૧/૨૭૦, સહીહ મુસ્લિમ ૧/૨૫૯) અલ્લાહ તઆલા આપણને રોઝાની હકીકત સમજીને તેને તવા અને ઈમાન સાથે પુરી રીતે અદા કરવાની તૌફીક અતા ફરમાવે.
રોઝાનો મકસદ પૂરો કરવા માટે આવશ્યક કામોઃ
રમઝાનમાં ફક્ત રોઝા રાખવા અને તરાવીહ પઢી લેવાથી તકવા અને પરહેઝગારીનો ગુણ હાસલ નથી થતો. આ મકસદને પ્રાપ્ત કરવા માટે જરૂરી છે કે ગફલતના પડદાને દિલમાંથી દૂર કરવામાં આવે. માનવીના સર્જન પાછળ અલ્લાહ તઆલાનો જે મકસદ છે એ તરફ ધ્યાન આપવામાં આવે. પાછલા ૧૧ મહિનાના ગુનાહો માફ કરાવીને આવનારા ૧૧ મહિના માટે અલ્લાહના ખોફ અને આખિરતના જવાબ આપવાના એહસાસ સાથે હવે પછી ગુનાહો ન કરવાનો ઈરાદો અને મજબૂત પ્રેરણા દિલમાં ઉત્પન્ન થાય. આવા ઈરાદાનું નામ જ તકવા છે.
રમઝાન મુબારકની બરકતો પ્રાપ્ત કરવા માટે માણસે પોતાની ઈબાદતની માત્રામાં પણ વધારો કરવો જોઈએ. બીજા દિવસોમાં જે નફલ નમાઝો પઢવાની તક કે તવફીક મળતી નથી, તેને આ મુબારક મહીનામાં પઢવાની કોશિશ કરવી જોઈએ. જેમ કે મગરિબ પછીની સુન્નતો ઉપરાંત છ રકાતો અથવા સુન્નતો સાથે કુલ છ રકાતો અવ્વાબીન પઢવી જોઈએ.
ઈશાની નમાઝ માટે થોડા પહેલાં આવીને ચાર રકાત કે બે રકાત નફલ પઢી લઈએ. સહેરી માટે ઉઠવાનું તો છે જ, થોડું વહેલું ઉઠીને ઓછામાં ઓછી ચાર રકાત તહજ્જુદ પઢી લેવી. એ જ રીતે, ઈશરાકની નમાઝ પઢવાનો એહતેમામ કરીએ. જો ઈશરાકનો સમય ઊંઘનો સમય હોય તો ચાશ્તની થોડી રકાતો તો પઢી શકીએ છીએ. ઝોહર પછી બે સુન્નત સાથે બે રકાત નફ્લ અને અસર પહેલાં ચાર રકાત નફલ પઢી શકાય.
યાદ રાખીએ કે નમાઝ એવી વિશેષ ઈબાદત છે જે માણસને અલ્લાહ તઆલા સાથે જોડે છે અને તેના સાથે સંબંધ મજબૂત કરે છે, જેના પરિણામે માણસને હંમેશા અલ્લાહની નઝદીકી પ્રાપ્ત થાય છે.
હઝરત અબુ હુરયરહ રદિ.ની એક રિવાયતમાં છે, બંદો તેના રબના સૌથી નજીક સજદાની હાલતમાં હોય છે. એટલે નમાઝને અલ્લાહ તઆલાનો એક તોહફો ગણી શકાય જે અલ્લાહ તઆલાએ આપણને આપ્યો છે.
બીજું મહત્વપૂર્ણ કામ આ છે કે વધુમાં વધુ કુરઆન મજીદની તિલાવતનો એહતેમામ કરવામાં આવે. કારણ કે રમઝાનના પવિત્ર મહીનાનો કુરઆન મજીદ સાથે ઘનિષ્ઠ સંબંધ છે. આ મહીનામાં જ કુરઆન મજીદ ઉતારવામાં આવ્યું. અલ્લાહ તઆલા ફરમાવે છેઃ شَهْرُ رَمَضانَ الَّذِي أُنزِلَ فِيهِ الْقُرْآنُ : મહીનો તે છે જેમાં કુરઆન નાઝિલ કરવામાં આવ્યું. (બકરહ, ૧૮૫).
નબીએ અકરમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ પોતે પણ રમઝાન મુબારકમાં હઝરત જિબ્રઈલ (અલૈ.)સાથે કુરઆન મજીદનું દૌર (પુનરાવર્તન) કરતા હતા
તમામ બુઝર્ગો, આલિમો અને સુફીઓની જિંદગીમાં આમ તો કુરઆન સાથે વિશેષ લગાવ જોવા મળે છે, પણ રમઝાન મુબારકમાં તેમની તિલાવતનો મામૂલ ખુબ વધી જતો. જેમ કે, ઈમામે આઝમ હઝરત ઈમામ અબુ હનીફા રહ.રમઝાનમાં દિવસમાં એક રાતમાં એક અને એક તરાવીહમાં એક. આ રીતે કુલ ત્રણ વખત કુરઆન શરીફ ખતમ કરતા હતા.
આપણા પાછલા બધા અકાબિર બુઝુર્ગો જેમ કે હઝરત હાજી ઈમ્દાદુલ્લાહ મુહાજિર મક્કી રહ., મૌલાના મુહંમદ કાસિમ નાનોતવી રહ., મૌલાના રશીદ અહમદ ગંગોહી રહ,, મવલાના શાહ અબ્દુર્રહીમ રાયપૂરી રહ., શેખુલ હિંદ મૌલાના મહમૂદ હસન દેવબંદી રહ., મૌલાના ખલીલ અહમદ સહારનપુરી રહ., હકીમુલ ઉમ્મત મૌલાના અશરફ અલી થાનવી રહ., શેખુલ ઈસ્લામ મૌલાના સૈયદ હુસૈન અહમદ મદની રહ., મૌલાના યહયા કાંધલવી રહ., મૌલાના મોહંમદ ઈલ્યાસ કાંધલવી રહ., શાહ અબ્દુલ કાદિર રાયપૂરી રહ., શેખુલ હદીસ મૌલાના ઝકરીયા મુહાજિર મદની રહ., ફકીહુલ ઉમ્મત મૌલાના મુક્તી મહમૂદ હસન ગંગોહી રહ., મૌલાના કારી સૈયદ સિદ્દીક અહમદ બાંદવી રહ., મૌલાના શાહ અબરારુલ હક હરદોઈ રહ., ફિદાએ મિલ્લત મૌલાના સૈયદ અસઅદ મદની (રહ.) વગેરેનું રમઝાનમાં તિલાવત કેટલી બધી કરતા હતા એ આજે પણ લોકો વચ્ચે નવાઈની વાત તરીકે જોવામાં આવે છે.
ત્રીજું મહત્વનું કામ : આ પવિત્ર મહીનામાં દરેક મોમિને તરાવીહ પઢવાની પાબંદી કરવી જોઈએ અને તરાવીહમાં કુરઆન મજીદની તિલાવત દુરુસ્ત અને સ્પષ્ટ થાય એનો પણ ખ્યાલ રાખવામાં આવે. ઝડપથી અને અક્ષરોને તોડીને પઢવાનું ટાળવું જોઈએ, કારણ કે આ રીતે કુરઆન મજીદનું પઠન અલ્લાહ તઆલાના કલામની મહાનતા વિરુદ્ધ છે. આવી રીતે પઢવાના કારણે કુરઆન મજીદ સ્વયં પઢનાર માટે બદદુઆ કરે છે.
આ રીતે પઢનાર અને સાંભળનાર બંને ગુનેગાર થાય છે. આજે આપણી સ્થિતિ એવી છે કે, કેટલાક હાફિઝ સાહેબ ખુબ ઝડપથી અક્ષરોને તોડી તોડી પઢી જાય છે, એક શ્ચાસમાં આખી સુરએ ફાતિહા પઢી નાંખે છે. રુકૂઅ, સજદા અને તશહહુદને પણ યોગ્ય રીતે અદા કરવામાં આવતા નથી. માત્ર ૪૦ - ૪૫ મિનિટમાં આખી તરાવીહ પૂરી કરી નાખવામાં આવે છે, અને પછી કલાકો સુધી ગપસપમાં સમય પસાર થાય છે. હાફિઝ સાહેબ અને સાંભળનારાંઓમાં કોઈને પણ આ બાબતનો અહેસાસ નથી થતો કે અમે કુરઆન મજીદની નાકદરી અને બેઅદબી કરી છે અને રમઝાનનો કેટલો બધો સમય બેકાર કરી દીધો.
આ સ્થિતિ ઘણી જ ખેદજનક છે. આ પવિત્ર મહીનામાં અલ્લાહ તઆલાની બરકતો અને રહમતના દરવાજાઓ આપણા માટે બંધ ના થઈ જાય, એ માટે સાફ, સહીહ રીતે ધીરે ધીરે કુરઆન મજીદ વાંચવા અને સાંભળવા ઉપર ધ્યાન આપવું જોઈએ. આમ કરીને દુનિયા અને આખિરત, બંનેની ભલાઈ મેળવી શકાશે.
ચોથું મહત્વનું કામ : એ છે કે પોતાના ગુનાઓ માટે તૌબા અને ઈસ્તિગફાર કરતા રહેવું જોઈએ. હઝરત કઅબ બિન ઉજરહ રદિ. રિવાયત કરે છે કે એક વાર નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ મિંબરની પહેલી, બીજી અને ત્રીજી સીડી પર ચડતા જતા હતા અને હરેક વખત આમીન કહેતા હતા. સહાબા રદિ.એ પૂછયું કે યા રસૂલલ્લાહ ! આપે આમીન કેમ કહ્યું? તો નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે ફરમાવ્યું : જિબ્રઈલ (અલૈ.) મારી પાસે આવ્યા હતા અને જયારે મેં મિંબરની પહેલી સીડી ઉપર પગ મૂકયો ત્યારે તેઓએ કહયું કે હલાક થઈ જાય એ વ્યકિત જેને રમઝાનનો મહીનો મળ્યો છતાં પણ તેને અલ્લાહ તઆલા તરફની ગુનાહોની માફી ના મળી. મેં એમની આ દુઆ ઉપર આમીન કહયું.
સ્પષ્ટ છે કે જે વ્યકિત માટે જિબ્રઈલ અલૈ. બદદુઆ કરે અને નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ આમીન કહી દે, તેની બરબાદીમાં શંકા નથી. તેથી આ પવિત્ર મહીનામાં વધુ ને વધુ રડી કરગરીને સાચા દિલથી અલ્લાહ તઆલા સામે તૌબા અને ઈસ્તિગફારની કોશિશ કરવી જોઈએ. આ મહીનો અલ્લાહ તઆલાની રહમત, મગફિરત અને નજાતનો છે, જેનો પાયો સાચી તૌબા અને ગુનાઓ માટે માફી માંગીને તોબા કરવામાં છે.
પાંચમું કામ : રમઝાન મુબારકની બરકતો અને ફઝીલતો મેળવવા માટે દુઆઓની પણ ખાસ પાબંદી કરવી જોઈએ. અનેક હદીસોમાં રોઝાદારની દુઆ કુબૂલ થવાની ખુશખબરી આપવામાં આવી છે. હઝરત અબુ હુરયરહ (રદિ.)ની રીવાયત છે, નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે ફરમાવ્યું કે ત્રણ વ્યક્તિઓની દુઆ રદ થતી નથી. (૧) રોઝાદારની ઈફ્તારના સમય. (૨) ન્યાયી શાસકની.(૩) મઝલૂમની. અલ્લાહ આ દુઆઓને વાદળોથી ઉપર લઈ જાય છે અને તેના માટે આકાશના દરવાજાઓ ખોલી દે છે. અને અલ્લાહ તઆલા એને સંબોધીને ફરમાવે છે: હું તારી મદદ કરીશ, ભલે જરાક વિલંબ કરું. (તિરમિઝી શરીફ)
આ મહીનો અલ્લાહ તઆલાથી માંગવાનો મહીનો છે, તેથી જેટલી શકય હોય એટલી દુઆઓ કરવી જોઈએ. પોતાના માટે, પોતાના કુટુંબીજનો, મિત્રો, સ્વજનો, સમસ્ત ઉમ્મતે મુહમ્મદીયહ માટે, તથા સમગ્ર ઈસ્લામી દુનિયા માટે અલ્લાહ તઆલા પાસે ભલાઈ, હિદાયત અને શાંતિ માટે દુઆઓ કરવી જોઈએ. અલ્લાહ તઆલા આ દુઆઓ જરૂર કબૂલ કરશે, ઈન્શાઅલ્લાહ.
છઠ્ઠું કામ : રમઝાન મુબારકમાં નફ્લી સદકહ આપવાનો પ્રયત્ન કરવો જોઈએ. હદીસ શરીફમાં છે કે હુઝૂર સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની સખાવત આખું વરસ દરિયાની જેમ વહેતી રહેતી હતી. પરંતુ રમઝાનના મુકદ્દસ મહીનામાં તો આપની સખાવત એટલી બધી વધારે હોતી જાણે જોરથી ફૂકાંતો પવન હોય. (બુખારી શરીફ) આપણે પણ જરૂરતમંદો શોધીને એમની જરૂરતો પૂરી કરવી જોઈએ. અને જો કોઈ સામેથી પોતાની જરૂરત રજૂ કરે તો પછી એને હરગિઝ ખાલી હાથ પાછો ન કાઢવો જોઈએ.
સાતમું કામ : એક જરૂરી કામ જે રમઝાન મુબારકના અસલ મકસદ હાસલ થવામાં મદદરૂપ છે, તે ખોરાક ઓછો કરવાનું છે. કારણ કે રોઝા રાખવાનો હેતુ શહવત અને પ્રાણીઓ જેવી તાકાતોને ઓછી કરી દેવાનો અને ફરિશ્તાઓ જેવી નૂરાની શક્તિઓને વધારવાનો છે. વધુ ખાવાથી આ મકસદ હાસલ થતો નથી.
શેખુલ હદીસ હઝરત મૌલાના ઝકરીયા સાહેબ (રહ.) ફરમાવે છે : આપણી હાલત એવી બની ગઈ છે કે ઈફ્તાર સમયે પૂરો દિવસ ભૂખ્યા રહયા એના બદલામાં બેગણું ખાઈએ છીએ. અને સેહરીમાં આખો દિવસ ભુખ્યા રહેવાનું બહાનું કાઢીને ખૂબ ખાઈએ છીએ. આમ રમઝાનમાં એટલું બધું ખાઈ લઈએ છીએ કે સામાન્ય દિવસોમાં આટલું બધું ખાતા ન હતા.
સાચી વાત આ છે કે આપણે ફકત ખાવાનો સમય બદલીએ છે. ઈફ્તારમાં, તરાવીહ બાદ અને સહરીમાં પણ ખાવાની માત્રા ઘટવાની જગ્યાએ વધી જાય છે, જેના કારણે શહવત અને પ્રાણ વૃતિ ઓછી થવાને બદલે વધારે થાય છે, જે નિશંક રમઝાનના અસલ મકસદના વિરુદ્ધ છે.
નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ ફરમાવે છે : પેટનું ભરાય જવું, ભરવામાં આવતાં બધા જ પાત્રો અને વાસણો ભરવા કરતાં વધારે નાપસંદ છે. ઈન્સાન માટે થોડું એટલું ખાવું પૂરતું છે, જે તેને ઊભું રહેવા માટે શક્તિ આપે. જો વધારે ખાવું જરૂરી હોય તો પેટનો ત્રીજો ભાગ ખાવા માટે, ત્રીજો ભાગ પીવા માટે અને ત્રીજો ભાગ શ્વાસ લેવા માટે રાખવો જોઈએ. (તિરમિઝી શરીફ) હા, એટલું ઓછું પણ ન ખાવું જોઈએ કે ઈબાદતોમાં ખલેલ પડે અથવા અન્ય દીની કામોમાં કમઝોરી આવી જાય.
આઠમું અને અત્યંત મહત્વનું કામ: એ છે કે, ખાસ કરીને રમઝાન મુબારકમાં ગુનાહોથી સદંતર પરહેઝ કરવામાં આવે. દરેક મુસલમાન એટલું નક્કી કરી લે કે આ બરકત, રહમત અને મગફિરતના મહીનામાં તેના આંખ, કાન અને જીભ ગલત રીતે વપરાશે નહીં. આ એક માસમાં કોશિશ કરે કે સાચું બોલીશું, ગીબત, ચુગલી અને બેકાર વાતો કરવા મજલિસ બાઝી કરીશું નહીં.
આ તે કંઈ રોઝો કહેવાય કે ભૂખ અને તરસથી બચવા માટે તો ખાવા પીવાની મનાઈ સહન કરી, પણ ટેલીવીઝન સામે બેસીને કે મોબાઈલમાં અશ્લીલ અને ખરાબ ફિલ્મો શોખથી જોઈએ છીએ. એક તરફ તો હલાલ વસ્તુઓને અલ્લાહના હુકમથી છોડી રહયા છીએ, પણ બીજી તરફ હરામ વસ્તુ છોડતા નથી. મહેફિલ ગોઠવીને ગીબત અને ચુગલી કરવામાં આવે છે, જૂઠા અને ભૂંડા જોકસ કહીએ - સાંભળીએ છીએ, આ બધા ગુનાહોની અસરથી રોજાનું નૂર અને બરક્ત નષ્ટ થઈ જાય છે.
હઝરત અબૂહરયરહ (રદી.) રિવાયત કરે છે કે, રસૂલુલ્લાહ સલ્લલ્લાહ અલયહિ વ સલ્લમે ફરમાવ્યું : જો કોઈ માણસ જૂઠી વાતો અને ખરાબ કામો છોડી ન શકે, તો અલ્લાહ તઆલાને તેની ભૂખ અને તરસ સાથે કોઈ લેવાદેવા નથી.
અર્થાત રોઝો માત્ર ભૂખ્યા-તરસ્યા રહેવાનું નામ નથી, બલકે અલ્લાહ તઆલાના હુકમો ઉપર અમલ કરવાનું નામ છે. એટલે જરૂરી છે કે માણસ ખાવા પીવાની સાથે સાથે તમામ પ્રકારના પાપોથી પોતાને બચાવે. જો કોઈ માણસ ગુનાહો છોડવા તૈયાર ન હોય અને ફક્ત રોઝા રાખીને એમ સમજે કે હું અલ્લાહ તઆલાના હુકમો ઉપર અમલ કરું છું અને તાબેદાર બંદો છું તો એવા રોજાનું અલ્લાહના દરબારમાં કોઈ મૂલ્ય નથી.
હઝરત અબુ ઉબૈદા બિન જર્રાહ (રદી.)થી રિવાયત છે કે નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમએ ફરમાવ્યું : રોઝો એ માણસ માટે ઢાલ છે, જયાં સુધી તે તેને ફાડી ન નાંખે. (નસાઈ શરીફ)
અર્થાત રોઝો શયતાન, દોઝખ અને અલ્લાહના અઝાબથી બચાવનું સાધન છે, પણ માણસ જયારે ગુનાહો, (જૂઠ, ગીબત, ચુગલી વગેરે) કરે છે તો આ સાધન ખરાબ થઈ જાય છે. જેમ ઢાલ સલામત હોય તો તલવારનો ઘા રોકી શકે છે, પણ ઢાલ જ ફાટી ગઈ હોય તો તલવારનો વાર રોકી શકાતો નથી.
હઝરત આઈશા સિદ્દીકા (રદી.)રિવાયત કરે છે કે, નબીએ અકરમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમનો ઈરશાદ છે : જો કોઈ રોઝદાર પાસે કોઈ વ્યક્તિ ગાળો બોલે અથવા ઝઘડો કરવા માંગે, તો રોઝદાર એને કહે કે મેં રોઝો રાખ્યો છે. એટલે હું તારી સાથે ઝઘડો કરીને તારા જેવો નહીં બનું. (બુખારી શરીફ)
આ તમામ હદીસોનું સાર આ જ છે કે રોઝાનો મૂળ હેતુ તકવા હાસિલ કરવાનો છે, અને રમઝાન મુબારકની બરકતો અને અલ્લાહની રહમતો પ્રાપ્ત કરવા માટે ગુનાહ અને ખરાબ અમલોથી બચવું અત્યંત જરૂરી છે. ગુનાહોથી બચ્યા વગર તકવાની સાચી નેઅમત પ્રાપ્ત થઈ શકતી નથી.
અલ્લાહ તઆલા આપણ સહુને પોતાની બરકતો અને રહમતોથી આ તમામ બાબતો પર અમલ કરવાની તૌફીક અતા ફરમાવે, રમઝાન મુબારકની કદર કરવાની તવફીક અને તાકાત આપે અને આ મુબારક મહીનાની બરકતવંતી પળોને સાચી રીતે પસાર કરવાની તૌફીક નસીબ કરે.
મહમૂદુલ ખસાઈલ
હઝ. મવલાના મુફતી અહમદ ખાનપૂરી સાહેબ દા.બ.ના મુખે રજૂ થયેલ ઈમામ તિરમિઝી રહ.ની અત્યંત આધારભૂત અને મશહૂર કિતાબ શમાઈલે તિરમિઝીની ઉર્દૂ શરહ “મહમૂદુલ ખસાઈલ” નો ગુજરાતી અનુવાદ..
• અનુવાદક : જનાબ અહમદહુસેન ગાજી સા.
રસૂલુલ્લાહ (સલ.)નું ખિઝાબ કરવાનું બયાન
ફાયદોઃ- خضب નો અર્થ છે : વાળોને રંગવા, ભલે તે કોઈ પણ વસ્તુથી હોય, બુખારી શરીફની રિવાયત છે કે આપ (સલ.) એ ઈરશાદ ફરમાવ્યો : યહૂદી અને નસારા ખિઝાબ નથી કરતા, તમે લોકો ખિઝાબ કરતા રહો. આ હદીસને આધારે મર્દ માટે દાઢી અને માથામાં ખિઝાબને સુન્નત કર્યો છે. પુરુષ માટે હાથ અને પગને રંગવા મના છે, ઓરતો માટે તેની ઈજાઝત છે, બલકે પરિણિત ઓરતે તેનો એહતેમામ કરવો જોઈએ.
અહનાફના મતે ખિઝાબ મુસ્તહબ છે, પરંતુ કાળા ખિઝાબનો ઉપયોગ કરવો મકરૂહે તહરીમી છે અને શવાફેઅના મતે ખિઝાબ સુન્નત છે, પરંતુ કાળો હરામ છે.
શું હુઝૂર (સલ.) એ ખિઝાબનો ઉપયોગ કર્યો છે ?
હુઝૂર (સલ.) ના ખિઝાબ વા૫૨વાના સિલસિલામાં રિવાયતો અલગ અલગ છે. આનાથી પહેલા બાબમાં હઝરત અનસ (રદિ.)ની રિવાયત આવી ગઈ કે હઝરત અનસ (રદિ.) થી આપ (સલ.) ના ખિઝાબ વાપરવા વિશે પૂછયું, તો તેના જવાબમાં તેમણે ફરમાવ્યુંઃ આપના વાળ એટલા સફેદ ન હતા કે ખિઝાબની જરૂરત પેશ આવે, હા! હઝરત અબૂબક્ર (રદિ.) કતમ અને હિન્ના દ્વારા પોતાના વાળોને રંગતા હતા, આ રિવાયતથી સ્પષ્ટ થાય છે કે આપ (સલ.) એ ખિઝાબ વાપર્યો ન હતો, તેની વિરુદ્ધમાં કેટલીક રિવાયતોથી આપે ખિઝાબ વાપર્યો તેવું માલૂમ થાય છે, તેનો જવાબ હાફિઝ ઈબ્ને હજર અસ્કલાની (રહ.) એ આ આપ્યો છે કે આપ (સલ.) એ ખિઝાબનો ઉપયોગ ઘણો ઓછો કર્યો છે, તેનું ઈલ્મ હઝરત અનસ (રદિ.) ને ન થઈ શકયું, એટલે હઝરત અનસ (રદિ.)એ મનાઈ ફરમાવી. આ વિશે અહનાફનું વલણ એ છે કે ખિઝાબનું મુસ્તહબ હોવું કૌલી રિવાયતથી સાબિત છે, જાતે આપ (સલ.) એ ખિઝાબનો ઉપયોગ કર્યો હોય એવું સાબિત નથી, જેમકે સાહિબે દૂર્રે મુખ્તારે લખ્યું છે, તેના હાશિયામાં અલ્લામા શામી (રહ.) એ દલીલમાં હઝરત અનસ (રદિ.) વાળી રિવાયત રજૂ કરી છે, અલબત્ત અલ્લામા બિજોરી શાફઈ (રહ.) નું કહેવું છે કે જાઈઝ હોવાના બયાન માટે આપ (સલ.) થી ખિઝાબનો ઉપયોગ કરવો સાબિત છે. રહી વાત કે આ બાબમાં જાતે ઈમામ તિરમિઝી (રહ.) નું વલણ શું છે ? તો મોટા ભાગના શમાઈલના શુર્રહનો ખ્યાલ છે કે ઈમામ તિરમિઝી (રહ.) નું વલણ આ માલૂમ થાય છે કે હઝરત નબીએ કરીમ (સલ.) એ ખિઝાબનો ઉપયોગ કર્યો નથી.
હદીસ નંબર ૪૪: હઝરત અબૂ રિશ્મા (રદિ.) ફરમાવે છે કે હું મારા પુત્રને સાથે લઈને રસૂલુલ્લાહ (સલ.) ની ખિદમતમાં હાજર થયો, આપ (સલ.) એ ફરમાવ્યું : શું આ તમારો છોકરો છે ? મેં અરજ કરી હા ! આપ તેના ગવાહ છો. (તેની ઉપર) રસૂલુલ્લાહ (સલ.) એ ફરમાવ્યું : તેના ગુનાહોની સજા તારી ઉપર નથી અને તારા ગુનાહની સજા તેની ઉપર નથી. (અબૂ રિશ્મા રદિ.) કહે છે કે મેં વાળોના બુઢાપાની અસર લાલ રંગની સુરતમાં જોઈ.
અબૂ ઈસા કહે છે કે આ રિવાયત આ બાબમાં રિવાયત થયેલી સૌથી ઉમદા અને સ્પષ્ટ રિવાયત છે, એટલે સહીહ રિવાયતો આ છે કે આપ બુઢાપાની (એ) હદ સુધી પહોંચ્યા ન હતા, (કે ખિઝાબની જરૂરત પડે) અબૂ રિશ્માનું નામ રિફાઆ બિન યષરબી તૈમી છે.
ફાયદો : એકના ગુનાહની સજા કોઈ બીજો નહી ભોગવે
اشھد به જમાનએ જાહિલિય્યતમાં અરબોમાં આ રિવાજ હતો કે જો પિતાએ કોઈ ગુનોહ કર્યો અને સજા માટે પિતા હાથ ન લાગ્યા તો છોકરાને પકડીને પિતાની સજા આપવામાં આવતી હતી એવી રીતે છોકરો કોઈ ગુનોહ કરીને નાસી જાય તો પિતાને તેની સજા ભોગવવી પડતી હતી, ઈસ્લામે આવીને આ ખોટા રિવાજને ખતમ કરી દીધો એકનો ગુનોહ કોઈ બીજો નહીં ઉઠાવે, જેણે ગુનોહ કર્યો તે જ સજા ભોગવશે, ولا تزر وازرۃ وزر اخری “કરે કોઈ અને ભોગવે કોઈ” આ જંગલનો કાનૂન છે, ઈસ્લામ તેની પરવાનગી આપતો નથી. અહીંયા હઝરત અબૂ રિશ્મા (રદિ.) એ એ જ આધારે અરજ કર્યુ હતું કે આપ ગવાહ રહો કે તેને સજા ભોગવવાની નોબત આવે તો આપ ગવાહી આપી શકો છો કે આ તેનો પુત્ર છે.
لا یجنی જે પૃષ્ઠભૂમિમાં હઝરત અબૂ રિશ્મા (રદિ.) એ વાત અરજ કરી હતી, આપે તેનો જવાબ આપ્યો કે ઈસ્લામ તમારા આ ઉસૂલને સ્વીકારતો નથી. તેના પાપની સજા તમને અને તમારા પાપની સજા તેમને નહીં મળે.
الشیب الاحمر : જે લોકો હઝરત નબીએ કરીમ (સલ.) ના ખિઝાબ વાપરવાનું સમર્થન કરે છે તેઓ આ રિવાયતથી દલીલ પેશ કરે છે. ઈન્કાર કરનારાઓ તરફથી તેનો જવાબ આપવામાં આવ્યો કે આ લાલાશ ખિઝાબની નથી પરંતુ જયારે શરૂઆતમાં વાળ કાળાથી સફેદ થવા લાગે છે તો પહેલા લાલ થાય છે અને ધીરે ધીરે સફેદ થઈ જાય છે, આ લાલાશ કુદરતી છે, ન કે ખિઝાબના અસરની.
હદીસ નંબર (૪૫): હઝરત ઉસ્માન બિન મવહબ (રહ.) કહે છે કે હઝરત અબૂ હુરયરહ (રદિ.) થી પૂછવામાં આવ્યું કે શું રસૂલુલ્લાહ (સલ.) એ ખિઝાબ લગાવ્યો હતો ? આપે જવાબ આપ્યો કે હા !
અબૂ ઈસા ફરમાવે છે કે આ હદીસને અબૂ અવાનહે ઉસ્માન બિન અબ્દુલ્લાહ બિન મવહબ (રહ.) થી નકલ કરી છે અને તેમાં سئل ابو ھریرۃ ને બદલે ( عن ام سلمة ) રદિ. કહ્યું છે.
ફાયદો : આ રિવાયતથી ખિઝાબનો ઉપયોગ સાબિત થાય છે, પરંતુ આ રિવાયત સનદના એતેબારથી ઝઈફ છે, ઈમામ તિરમિઝી (રહ.) ફરમાવે છે કે હઝરત ઉસ્માન ઈબ્ને મવહબની રિવાયતમાં તો રાવી હઝરત અબૂ હુરયરહ રદિ. છે, પરંતુ અબૂ અવાનહની રિવાયતમાં રાવી હઝરત ઉમ્મે સલ્મહ રદિ. છે, એટલે આ સવાલ હઝરત ઉમ્મે સલ્મહ (રદિ.)ને કરવામાં આવ્યો હતો.
હદીસ નંબર (૪૬): હઝરત બશીર બિન ખસાસિયહના પત્ની જહદમહ (રદિ.) ફરમાવે છે કે મેં આપ (સલ.)ને આ રીતે જોયા કે પોતાના ઘરેથી નીકળી રહ્યા છે, માથું ખંખેરી રહ્યા છે, અને આપે ગુસલ કર્યુ છે અને માથામાં ખુશ્બુ લાગેલી હતી, અથવા કહ્યું કે મહેંદીનો રંગ હતો આ શબ્દ નકલ કરવામાં ઈમામ તિરમિઝી (રહ.)ના ઉસ્તાદ ઈબ્રાહીમ બિન હારૂનને શંકા થઈ.
હદીસ નંબર (૪૭): હઝરત અનસ (રિદ.) ફરમાવે છે કે મેં રસૂલુલ્લાહ (સલ.) ના વાળ ખિઝાબ કરેલા જોયા.
હદીસ નંબર (૪૮): હઝરત અબ્દુલ્લાહ બિન મુહમ્મદ બિન અકીલ (રહ.) ફરમાવે છે કે મેં હઝરત અનસ બિન માલિક (રદિ.) પાસે રસૂલુલ્લાહ (સલ.) ના ખિઝાબ કરેલા વાળ જોયા.
ફાયદો : પાછળ બાબમાં હઝરત અનસ (રદિ.) ની રિવાયત આવી ગઈ કે આપ (સલ.) એ કયારેય ખિઝાબ કર્યો નથી, એટલા માટે કે આપના વાળોની સફેદી એટલી હતી જ નહીં કે ખિઝાબની જરૂરત પેશ આવે, અને અહીંયા હઝરત અનસ (રદિ.) ની રિવાયતથી સાબિત થઈ રહ્યું છે, તેનો જવાબ એ છે કે હઝરત અનસ (રદિ.) પાસે હુઝૂર (સલ.) નો એક વાળ હતો, તેમણે બરકત માટે રાખ્યો હતો. લોકો તેને જોવા માટે આવતા હતા અને હઝરત અનસ (રદિ.) તેમાં ખુશ્બુ લગાવતા હતા, ખુશ્બુમાં રંગવાને લીધે તેનો રંગ લાલ થઈ ગયો હતો, હુઝૂર (સલ.) ના માથા મુબારક પર હોવાની હાલતમાં તે લાલ ન હતો, બલકે બાદમાં ખુશ્બુ લગાવવાને કારણે તે રંગીન થઈ ગયો હતો.
હુઝૂર(સલ.) ના વાળ રંગીન કેમ થયા ?
બુખારી શરીફ અને મુસ્તદરક હાકિમમાં એક રિવાયત તફસીલથી છે કે હઝરત અનસ (રદિ.) એ બસરાને પોતાનું વતન બનાવી લીધું હતું, ત્યાં જ રહેતા હતા, ત્યાં જ મૃત્યુ થયું અને ત્યાં જ કબર બની. હઝરત અબ્દુલ્લાહ ઈબ્ને મુહમ્મદ બિન અકીલ ફરમાવે છે કે બસરાના રોકાણ દરમિયાન એક વખતે હઝરત અનસ (રદિ.) મદીનાની ઝિયારત માટે તશરીફ લઈ ગયા, તે વખતે મદીનાના ગવર્નર હઝરત ઉમર ઈબ્ને અબ્દુલ અઝીઝ (રહ.) હતા, તેમણે એક વ્યકિતને હઝરત અનસ (રદિ.) પાસે મોકલ્યો કે હઝરત અનસ (રદિ.) થી પૂછો કે શું રસૂલુલ્લાહ (સલ.) એ ખિઝાબ કર્યો છે ? એટલા માટે કે મેં હુઝૂર (સલ.) ના વાળોને રંગીન જોયા છે, એ વ્યકિતએ જઈને પૂછયું તો હઝરત અનસ (રદિ.) એ પૂછયું કે આ વાત કોણે કહી ? તેણે કહ્યું: હઝરત ઉમર બિન અબ્દુલઅઝીઝ (રહ.) એ, તો હઝરત અનસ (રદિ.) એ જવાબ આપ્યો કે મેં જાતે હુઝૂર (સલ.) ના માથા અને દાઢીના વાળ ગણ્યા તો અગિયાર જેટલા સફેદ વાળ હતા, અને જે રંગ તમે જોયો તે હુઝૂર (સલ.) નો લગાવેલો નથી, બલકે તે વાળ જેમની પાસે રાખેલ છે, તેમણે તેની ઉપર ખુશ્બુ લગાવી તેને કારણે તેનો તે રંગ થઈ ગયો છે. તેનાથી માલૂમ થયું કે હઝરત અનસ (રદિ.) ની રિવાયતમાં જે રંગીન વાળોનું વર્ણન છે, તે લોકોના રંગેલા છે, ન કે હુઝૂર (સલ.) ના.
હાઈસ્કૂલ ઈનામ વિતરણ સમારંભ
તા.૦૭/૦૨/૨૦૨૫,ગુરૂવારના રોજ મૌલાના મદની મેમોરીયલ હાઈસ્કૂલ-જંબુસરમાં વાર્ષિક ઈનામ વિતરણ સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ ૫ થી ૧૨ના વિદ્યાર્થીઓને ઈનામ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમના અધ્યક્ષપદે જામિઅહ ઉલૂમુલ કુર્આન ટ્રસ્ટ-જંબુસરના મેનેજીંગ ટ્રસ્ટી જનાબ મુફતી અહમદ યાકુબ દેવલ્વી સાહબ ઉપસ્થિત રહયા હતા. અતિથિ વિશેષ મૂળ જંબુસરના અને હાલ વડોદરામાં વકીલાત કરતા ધારાશાસ્ત્રી જનાબ યુનુસ પઠાણ સાહેબ તથા જંબુસરના પી.આઈ. એ.વી.પાણમીયા સાહેબ, સામાજિક કાર્યકર અને બિલ્ડર જનાબ ઈલ્યાસ મુલતાની આણંદવાલા સાહેબ તેમજ વિશાળ સંખ્યામાં વાલીગણ, વિદ્યાર્થીગણ હાજર રહયા હતા.
કાર્યક્રમની શરૂઆત તિલાવતે કુર્આનથી કરવામાં આવી હતી. શાળાની બાળાઓએ પ્રાર્થનાગીત રજૂ કર્યું હતું.
સ્વાગત પ્રવચન શાળાના આચાર્ય જનાબ બશીરભાઈ આઈ.પટેલે કર્યું હતું. જેમાં ઉપસ્થિત મહેમાનોએ સમાજ માટે આપેલી કુરબાની તથા વર્તમાનમાં સમાજ માટે કરી રહેલા ઉમદા કાર્યોની વિસ્તૃત છણાવટ કરી હતી. તેમણે ચાલુ વર્ષે ખેલમહાકુંભમાં મૌલાના મદની મેમોરીયલ હાઈસ્કૂલ- જંબુસરના વિદ્યાર્થીઓએ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું તે બદલ અભિનંદન આપતા જણાવ્યું હતું કે શાળાના વિદ્યાર્થીઓએ વિવિધ રમતોમાં શ્રેષ્ઠ દેખાવ કરી રૂા.૭૦,૦૦૦/- જેટલી રકમ પ્રાપ્ત કરી છે. તાલુકા કક્ષાએ પ્રથમ ક્રમાંક મેળવી રૂા.૧૫,૦૦૦/-નું ઈનામ પ્રાપ્ત કર્યું છે તેની જાહેરાત કરી હતી. વધુમાં તાલુકામાં પ્રથમ અને જિલ્લા કક્ષાએ દ્વિતિય ક્રમાંક મેળવ્યો છે. આચાર્યશ્રીએ વિદ્યાર્થીઓના ઉત્કૃષ્ટ પ્રદર્શનને ધ્યાનમાં રાખી જંબુસરના પી.આઈ. સાહેબને મૌલાના મદની મેમોરીયલ હાઈસ્કૂલ-જંબુસરમાં N.C.C. શરૂ કરવા માટે સાથ સહકાર આપવા માટે વિનંતીસહ અરજ કરી હતી. ત્યારબાદ ઉપસ્થિત મહેમાનોનું પુષ્પગુચ્છ, શાલથી સન્માન કરવામાં આવ્યું.
શાળાના મદદનીશ શિક્ષકશ્રી અહમદહુસેન ગાજી સાહેબે વિદ્યાર્થીઓને જીવનમાં સફળતા મેળવવાનો મંત્ર કહેતા જણાવ્યું હતું કે મહેનતથી સફળતા મળે છે. પરંતુ સાચી દિશામાં મહેનત કરીએ તો સફળતા અવશ્ય મળે છે. તેમણે આગવી શૈલીમાં વિદ્યાર્થીઓને ઉદાહરણો આપી બોર્ડની પરીક્ષામાં જવલંત સફળતા મેળવવા આહવાન કર્યું હતું.
ત્યારબાદ ધોરણ ૫ થી ૧૨(વિજ્ઞાન પ્રવાહ તથા સામાન્ય પ્રવાહ) તથા અંગ્રેજી માધ્યમના ધોરણ ૧૦ના પ્રથમ, દ્વિતિય અને તૃતિય નંબર પ્રાપ્ત કરનાર વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને શિલ્ડ તથા ઈનામો અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું.
પ્રાસંગિક પ્રવચન આપતા એડવોકેટ યુનુસ સાહેબે જણાવ્યું હતું કે ઈનામ સમારંભો આનંદદાયક હોય છે. સાથે સાથે ઈનામ ન મેળવતા વિદ્યાર્થીઓ માટે પ્રેરણા પૂરી પાડે છે. વિદ્યાર્થીઓ મહેનત કરવા પ્રેરાશે. તેમનામાં ઈનામ પ્રાપ્ત કરવા માટે ઉત્કંઠા જાગશે.
તેમણે વિદ્યાર્થીઓને જણાવ્યું કે જીવન એક ચિત્ર જેવું છે. બ્રશ અને પેઈન્ટ દ્વારા આ ચિત્ર આપણે દોરવાનું છે. સારુ ચિત્ર કઈ રીતે બને તે માટે પ્રયત્નો કરવા પડશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે દિવસે દિવસે શિક્ષણનો વ્યાપ વધતો જાય છે. પહેલાં દીની ઈદારાઓ ફકત દીની શિક્ષણ પુરતું કાર્ય કરતા હતા. આજે દીની અને દુન્યવી શિક્ષણ આપી સમાજ સુધારનું શ્રેષ્ઠ કાર્ય કરી રહયા છે.
તેમણે મુફતી અહમદ યાકુબ દેવલ્વી સાહેબને અભિનંદન આપતા જણાવ્યું હતું કે તેમણે ધોરણ ૫ થી ૧૨ ગુજરાતી મિડીયમ તથા ધોરણ ૧૦ સુધી ઈંગ્લિશ મિડીયમ શાળાની સ્થાપના કરી છે. જેઓ સમાજને પ્રગતિના પંથે લઈ જવા કૃતનિશ્ચયી છે. તેમણે આ સંસ્થા વધુને વધુ પ્રગતિ કરે એ માટે દુઆઓ આપી હતી.
જંબુસર પોલીસ સ્ટેશનના પી.આઈ. એ.વી.પાણમીયા સાહેબે ઈનામો મેળવનાર વિદ્યાર્થીઓને શભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે જેઓને ઈનામ નથી મળ્યા એમણે ઉદાસ કે નિરાશ થવાની જરૂર નથી. તેમણે આજથી જ મહેનતમાં લાગી જવું જોઈએ. શાળા છોડયા પછીની જવાબદારીઓ નિભાવવામાં અવ્વલ આવો એવી મારી શુભેચ્છા છે. તેમણે બાપ-દિકરો અને ઘોડેસવારીનું ઉદાહરણ આપતા જણાવ્યું હતું કે જીવનપથમાં લોકો ભલું-બુરૂં કહેતા રહેશે, પરંતુ તમો તમારા ધ્યેયને પકડી રાખજો. જીવનમાં ગમે તેટલી અડચણો આવે, પરંતુ અટકતા નહીં.
પ્રમુખપદેથી પ્રાસંગિક પ્રવચન આપતા સંસ્થાના પ્રમુખ જનાબ મુફતી અહમદ યાકુબ દેવલ્વી સાહેબે અરબી કહેવતનો અર્થ સમજાવ્યો હતો કે રાત્રે જાગવાનો જે આદિ હોય છે તે ઉંચા મરતબા પ્રાપ્ત કરે છે. ઈનામ વિતરણ જેવા કાર્યક્રમોથી વિદ્યાર્થીઓની સલાહિયત અને આવડત, કૌશલ્યો બહાર આવે છે. આજનો પ્રોગ્રામ પણ તમારી સુષુપ્ત શકિતઓને પ્રોત્સાહિત કરવા માટેનો જ છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે ઉજજવળ ભવિષ્ય માટે શિક્ષણ જરૂરી છે. આપણી સંસ્થામાં દીન અને દુન્યવી શિક્ષણ આપવામાં આવે છે તેનો ભરપુર લાભ સમાજે ઉઠાવવો જોઈએ. ધોરણ ૧૦,૧૨ના વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કે જેઓ બોર્ડની પરીક્ષા આપવાના છે તેવા વિદ્યાર્થીઓ પરીક્ષાની તૈયારીમાં લાગી જાય. નાઈટ વર્ગો ચાલે છે તેનો લાભ ઉઠાવે.
કાર્યક્રમના અંતે મુફતી અહમદ સાહેબે વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય અને સંસ્થાની પ્રગતિ માટે દુઆઓ ગુજારી કાર્યક્રમનું સમાપન કર્યું હતું.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના સુપરવાઈઝર યાકુબ પટેલ સાહેબે તથા અ.વાહીદ મેમણે કર્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના N.S.S. યુનિટ તથા સમગ્ર સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી.
શરઈ માર્ગદર્શન અને ફતાવા વિભાગ
મવ. મુફતી અસ્જદ દેવલ્વી સાહેબ
તસ્દીક કર્તાઃ મવ. મુફતી અહમદ દેવલા
સદર મુફતી જામિઅહ જંબુસર
સંસ્થાઓ દ્વારા લોકોની ઝકાત જમા રાખવાનો હુકમ
સવાલ : એક ટ્રસ્ટ બેવા ઓરતોની મદદ માટે ઝકાત,સદકાત વિગેરે રકમ એકત્ર કરે છે, જેમાં વધુ પ્રમાણમાં ઝકાતની રકમ હોય છે,તે ટ્રસ્ટ વર્ષોથી રકમ વહેંચણી કરી વધુ રકમ જમા રાખે છે, અત્યારે મોટી રકમ એકત્ર થઈ ગઈ છે, સવાલ આ છે કે ઝકાતની રકમ આ રીતે એક વર્ષથી વધુ જમા રાખવું દુરૂસ્ત છે ? અને આ રીતે રકમ જમા રાખવાની સૂરતમાં ઝકાત આપનારની ઝકાત અદા થઈ જશે ?
જવાબઃبسم الله الرحمن الرحيم؛ حامداً ومصلياً ومسلماً
(૧) શરઈ દ્રષ્ટિએ ઝકાતની રકમને બની શકે ત્યાં સુધી વહેલી અદા કરવામાં આવે અને એક વર્ષમાં જરૂરતમંદ સુધી પહોંચાડી આપવું જરૂરી છે, વિના કારણે ઝકાતની રકમ રોકી રાખી અદા ન કરવું મકરૂહે તહરીમી છે અને આ પ્રમાણે ઝકાતની રકમ રોકી રાખનાર ગુનેહગાર થશે, તેમજ જયાં સુધી હકદારો સુધી ઝકાત પહોંચાડવામાં નહી આવે,ત્યાં સુધી ઝકાત આપનારની ઝકાત અદા થશે નહીં. (શામીઃ ૩/૧૯૧, કિ.નવાઝિલઃ ૬/૫૪૬) રજૂ કરેલ સવાલમાં સંસ્થા અને ટ્રસ્ટનું લોકોની ઝકાતની રકમની અદાયગીમાં વિલંબ કરવું દુરૂસ્ત નથી; બલ્કે ઝકાતની રકમ એક વર્ષથી વધુ રોકી રાખવાના લઈ ગુનેહગાર થશે. આવા એક સવાલના જવાબમાં હઝરત મવલાના મુફતી ઈસ્માઈલ સાહબ લખે છે બચત કરવાથી ઝકાતની અદાયગીમાં વિલંબ થાય છે, જે ઝકાત આપનાર અને યુનિયનના કાર્યકર્તાઓ બધા જ માટે મકરૂહે તહરીમી અને નાજાઈઝ છે, મઝકૂર કામોમાં ખર્ચ કરવા ઉપરાંત જે રકમ ફાઝલ પડે છે,તે રકમ પણ વર્ષ દરમિયાન હકદારોને આપી દેવી જરૂરી છે, તેને જમા ન રાખી શકાય, નહિ તો જયાં સુધી તે રકમ જમા રહેશે,ત્યાં સુધી માલિકની ઝકાત અદા નહિ થાય અને મોડું કરવાનો ગુનોહ લાગુ ૫ડશે. (શામીઃ ૧૩, ભાગ:૨) (ઝુબ્દતુલ ફતાવા ૪/૧૪૮)
માટે ટ્રસ્ટ માટે જરૂરી છે કે એક વર્ષના સમયગાળામાં જરૂરતમંદો સુધી ઝકાતની રકમ પહોંચાડી આપે, તેમજ જે રકમ જમા થઈ છે, તેને જલ્દીથી જરૂરતમંદ સુધી પહોંચાડે અને આટલા વર્ષ સુધી વિલંબ કરવા પર તૌબા–ઈસ્તિગ્ફાર કરે. ફકત અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.
૧૦/ શવ્વાલ /૧૪૪૫ હિજર - ૨૦/એપ્રીલ/૨૦૨૪ ઈસ્વી.
સંયુકત માલમાં વારસા વહેંચણી પહેલાં ઝકાતનો હુકમ
સવાલ : મારા માતા-પિતાની સંયુકત મિલકતની વહેંચણી પહેલા ઝકાત આપવા બાબતે જાણકારી આપવા વિનંતી.
ઝકાત માત્ર મારા ભાઈએ અથવા અમે ભાઈ-બહેને આપવી એની બાબતે જાણકારી આપવા વિનંતી.
જવાબઃ (અ) વારસારૂપી માલ-મિલકતની વહેંચણી આકસ્મિક રીતે ન થઈ શકી હોય, તો જયાં સુધી વહેંચણી કરવામાં ન આવે ત્યાં સુધી જેઓના કબ્જામાં તે માલ નથી તે વારસદારો ઉપર વારસારૂપી માલમાંથી ઝકાત પાત્ર માલની ઝકાત લાગુ થશે નહીં, હાં જયારે વહેંચણી થતા વારસારૂપી માલમાંથી ઝકાત પાત્ર માલ કબ્જામાં આવે ત્યારે તેઓ પહેલેથી જો ઝકાત વાજિબ થવા પાત્ર માલદાર હશે, તો ઝકાતના હિસાબનું ચાલુ વર્ષ પૂર્ણ થઈ, વારસા પેટે પોતાના ભાગે આવેલ ઝકાત પાત્ર માલની ઝકાત આપવી પડશે, પાછળના વર્ષોની ઝકાત આપવી જરૂરી નથી અને જો પહલેથી ઝકાત મઝકૂર વારસદારો પર શરઈ નિયમ મુજબ લાગુ થતી ન હોય, તો હવે વારસા વહેંચણીમાં મળેલ ઝકાત પાત્ર માલ નિસાબની માત્રામાં (૮૭ ગ્રામ, ૪૮૦ મિ.ગ્રામ સોનુ અથવા ૬૧૨ ગ્રામ ૩૬૦ મિ.ગ્રામ ચાંદીની કિંમત બરાબર) હોય, તો વહેંચણી થયા પછી માલ કબ્જામાં આવવાના દિવસથી વર્ષ પુરૂ થયે ઝકાત વાજિબ થશે. નહીં તો નહીં.
(બ) અલબત્ત જેના કબ્જામાં વારસારૂપી માલ છે, જો તે પહલેથી ઝકાત વાજિબ થવા પાત્ર માલદાર છે, તો વહેંચણી પહેલાના દરેક વર્ષની ઝકાત તેના માટે અદા કરવી વાજિબ છે, કારણ કે ઝકાત પાત્ર માલ તેની માલિકીમાં પણ છે અને કબ્જામાં પણ છે, અને જો પહલેથી ઝકાત વાજિબ થવા પાત્ર માલદાર ન હોય અને વારસારૂપી માલમાંથી તેના હિસ્સાના ઝકાત પાત્ર માલ નિસાબની બરાબર અથવા વધારે હોય, તો પણ ઝકાત વારસારૂપી માલમાંથી તેના હિસ્સાના ઝકાત પાત્ર માલમાં લાગુ થશે, અને જયારથી કબ્જામાં મઝકૂર ઝકાત પાત્ર માલ છે, ત્યારથી પોતાના હિસ્સાની ઝકાત કાઢવી જરૂરી છે.
(જ) ''અ''માં લખેલ હુકમ ત્યારે છે, જયારે કે આકસ્મિક રીતે વહેંચણી ન થઈ હોય, પરંતુ જો બધા શરઈ વારસદારોએ પરસ્પર સહમતીથી વારસારૂપી માલની વહેંચણી ન કરી હોય, અને વારસારૂપી માલને સહિયારો રહેવા દીધો હોય, તો આવી સૂરતમાં જો પહલેથી વારસદારો પર ઝકાત લાગુ થતી હતી, તો હવે પાછલા દરેક વર્ષની ઝકાત પણ કાઢવી જરૂરી છે, અને જો પહલેથી માલદાર ન હોય અને વારસા વહેંચણીમાં વારસારૂપી માલમાંથી તેમના હિસ્સામાં આવતો ઝકાત પાત્ર માલ નિસાબની માત્રામાં હોય, તો પણ પાછલા વર્ષોની ઝકાત કાઢી ન હોય, તો ઝકાત આપવી પડશે.
ફકત અલ્લાહ તઆલા વધુ જાણનાર છે. ૨૩/૨જબ૧૪૩૯ હિજરી
—-----------------------------------------
હઝરત અબૂ ઉમામહ રદિ. રિવાયત કરે છે કે મેં આપ સલ્લલ્લાહ અલયહિ વ સલ્લમથી દરખાસ્ત કરી કે મને કોઈ નેક કાર્ય કરવાનું માર્ગદર્શન આપો, આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે ફરમાવ્યું કે, તમે રોઝો રાખો, એના જેવું બીજું નેક કામ નથી. (નસાઈ શરીફ)
હઝરત જાબિર બિન અબ્દુલ્લાહ રદિ. ફરમાવે છે કે, તમે રોઝો રાખો તો તમારા કાન, આંખ અને ઝબાનને પણ જૂઠ, ગુનાહો વગેરેનો રોઝો રખાવો. પાડોશીને તકલીફ ન આપો. રોઝાના દિવસે શાંત, શાણા અને ડાહયા થઈને રહો, તમારો રોઝાનો દિવસ અને રોઝા વગરનો દિવસ સરખા ન હોવા જોઈએ.
બોધકથા
પાંચ કિલો અનાજ
એક ઉંદર ફરતો ફરતો અનાજના ડબ્બા ઉપર પહોંચી ગયો. એક સામટું આટલું બધું અનાજ જોઈને એ ખુશ થઈ ગયો. ડબ્બામાં ઉતર્યો અને રોજ અનાજ ખાતો રહયો. અનાજ ધીરે ધીરે ઓછું થતું રહયું પણ ઉંદરને એનો એહસાસ થયો નહીં. આખરે એક દિવસ અનાજ પુરું થઈ ગયું અને ઉંદરના ખાવા માટે કંઈ રહયું નહીં.
ઉંદર હવે પસ્તાયો. ખાવા માટે દાણોય ન હતો અને ઊંડા ડબ્બામાંથી બહાર નીકળાય એમ પણ ન હતું. હવે જીવવા માટે જરૂરી હતું કોઈ ડબ્બામાં ફરીવાર અનાજ નાંખે અને ખાય અથવા કોઈ એને કાઢે અને સ્વતંત્ર રીતે એ પોતાનો ખોરાક શોધી શકે.
ઉંદરને હવે સમજાયું કે આમ એક જગ્યાએ સિમિત થઈ જવાથી અને આઝાદી વગરના થોડા ખોરાકથી ખુશ થઈને ડબ્બામાં કેદ થઈ જવાનું કેવું ભયંકર પરિણામ આવે છે.
વાર્તા ઘણી નાની છે પણ દરેક માટે મહત્વની છે.
સરળતાથી મળી જતી થોડી મદદ, ખુશી કે રાહત કયાંક આપણને પાછળથી કોઈ મજબૂરીમાં ફસાવી નહીં દે, એ વિશેષ વિચારવાની બાબત છે. થોડી રાહત ખાતર સ્વતંત્રતા છોડીને કોઈની કેદમાં જતા રહેવાનો અંજામ લાચારી છે.
આપણા કામો સરળતાથી પૂરા થતા રહે તો સચેત રહેવાનું છે કે કયાંક આપણે એનાથી આળસુ અને રાહતના કેદી ન બની જઈએ. આવી સ્થિતિમાં માણસ બાહય મદદ ઉપર નિર્ભર થઈ જાય છે.
માણસ જયારે પોતાની આવડત અને આઝાદીનો ઉપયોગ નથી કરતો તો જે કંઈ મેળવે છે એના કરતાં વધારે ગુમાવે છે.
IMPORTANCE OF TAKBEER-E-ULA
(JOINING THE CONGREGATIONAL SALAAT AT ITS COMMENCEMENT)
Allah Ta'ala states: “And hasten towards the Forgiveness from your Rabb…”(Qur'aan)
In the above Aayat, “Maghfirat” (Forgiveness) from Allah refers to those actions which will be a means for one to attain the Forgiveness of Allah. Several tafseers of the Qur'aan Majeed have listed these Asbaab-e-Maghfirat (those actions which are a means of attaining forgiveness). Hadhrat Anas Bin Maalik Radhiyallahu Anhu commented that this Aayat refers to Takbeer-e-Ula as explained in the Kutub of Tafseer and in Bayhaqi's Shu'bul Imaan. The most encompassing Tafseer is A'maal-e-Saalihah (good deeds) which brings Takbeer-e-Ula also within its scope.
We all have many sins and thus one of the ways of attaining Maghfirat is by being on time for the Takbeer-e-Ula (i.e. joining the Jamaat Salaat at the Takbeer-e-Tahreema with the Imaam). The Hadeeth below explains the virtue and value of going early for Salaat:
Nabi Sallallahu Alayhi Wasallam said: “He who performs Salaat with Jamaat purely for the sake of Allah in such a condition that he attains Takbeer-e-Ula (the first Takbeer) for forty days, two freedoms will be recorded for him: (1) Exemption from The Fire of Jahannam, (2) Freedom from Nifaaq (hypocrisy).” (Mishkaat)
The above Hadeeth mentions two great rewards:
(1) Freedom from the Fire of Jahannam (Baraa-atum minan Naar) - a person will be saved from the Fire of Jahannam owing to this virtuous act. Every man should thus develop the excellent habit of attaining the Jamaat from the very beginning. Since the best Salaat for women is in their homes, we have hope in Allah Ta'ala that He grants women the very same reward when they perform their Salaat at home on its prescribed time. An authentic Hadeeth states that a woman's Salaat in her home is more virtuous than her performing her Salaat in even Masjid-e-Nabawi Sallallahu Alayhi Wasallam. [Imaam Ahmad/Ibn Hibbaan/Kanzul Ummaal]
The best Masjid for a woman is her home. Hadhrat Umme Salmah (Radhiyallahu Anha) reports from Nabi (Sallallahu Alayhi Wasallam), “The best Masaajid for women are the innermost corners of their homes.” [Imaam Ahmad / Baihaqi /Kanzul Ummaal]
(2) Freedom from Nifaaq (Baraa-atum minan Nifaaq) - it means a person is pure from any Nifaaq (hypocrisy) because making an effort to commence his Salaat with the Takbeer-e-Tahreema of the Imaam is a sign of a person being free from Nifaaq and this is a sign of a person's Imaan being intact. The same applies to that woman who performs her Salaat at home, on its prescribed time.
Such a person will be protected from carrying out the actions of the Munaafiqeen and he/she will be given the Tawfeeq to carry out the actions of the People of Ikhlaas. In the Aakhirat, this person will be saved from the Punishment of the Fire which will be meted out to the Munaafiqeen. This act of performing Salaat in Jamaat for forty days Salaat, and also being present for the Takbeer-e-Ula will be evidence for him that he is not a Munaafiq. This is because the Munaafiqeen stand lazily for their Salaat and the one who is early for his Salaat is obviously not behaving like a Munaafiq.
For attaining the above two rewards, there are four conditions mentioned: (1) Salaat with Jamaat not performing it individually. A woman who diligently performs her Salaat in her home at its prescribed time, also reaps the same reward as men in the Musjid. (2) Ikhlaas (sincerity) -doing it only for the Pleasure of Allah. (3) Must join Jamaat when the Imaam says the first Takbeer. The woman at home performs her Salaat at the prescribed times. (4) This should be done continuously for 40 days for all five Salaats....
છેલ્લા પાને......
બે કમઝોરીઓ
બે કામો માણસની કમઝોરીને પૂરવાર કરે છે. જયાં બોલવાનું હોય ત્યાં ખામોશ રહેવું અને જયાં ખામોશ રહેવાનું હોય ત્યાં બોલવું.
મુસ્કાનનો વેપાર
જો તમને મુસ્કુરાતાં નથી આવડતું તો તમારે કોઈ દુકાન ખોલવી જોઈએ નહીં.
રોટીનો સ્વાદ
જે માણસ પેટ ભરીને ખાણું ખાતો હોય એને વિવિધ વાનગીઓનો સ્વાદ બિલકુલ નથી પડતો. અને શરીરને તો લેશમાત્ર લાભ નથી થતો.
ખાડો ખોદે તે પડે
જે પોતાના પાડોશીનું ઘર હલાવે છે એનું પોતાનું ઘર પડી જાય છે.
ખતરનાક ભૂલો
બીજા લોકોની ભૂલો હમેંશા આપણી ભૂલો કરતાં ઘણી વધારે ખતરનાક હોય છે.
આભુષણ કે ઈલ્મ ?
શરીરે આભુષણોથી શણગારવા કરતાં દિલ - દિમાગને જ્ઞાન અને બુદ્ધિનો પાઠ શીખવાડવો વધારે ઉપયોગી કામ છે.
ભુખી મહોબ્બત
જે મહોબ્બત તોહફા માંગ્યા કરતી હોય એ હમેંશા ભૂખી રહે છે.
શાહઝાદો, ગુલામ અને દોસ્ત
પોતાના દીકરાને પાંચ વરસ સુધી શાહઝાદાની જેમ રાખો, પછી દસ પંદર વરસ સુધી ગુલામની જેમ રાખો અને પછી એના દોસ્ત બની જાઓ.
કોનાથી શું શીખવા મળે ?
ખાનદાન અને ઘરવાળાઓ માણસને બોલતાં શીખવાડે છે અને સમાજ – જનતા એને ખામોશ રહેતાં શીખવાડે છે.
નફરત કે માફી
લોકોને પોતાના જ્ઞાન – ઈલ્મના ત્રાજવે જોવાથી તેઓ પ્રત્યે નફરત થશે, કેમ કે આપણા જ્ઞાનના ત્રાજવે તેઓ ગુનેગાર છે. પણ એમની વાસ્તવિક સ્થિતિ સમજવાથી માફીની લાગણી જાગે છે.
કોણ બોલે ?
જેઓ અન્યોને કંઈ આપે છે એમણે આ બાબતે ખામોશ રહેવું જોઈએ. હા, જેઓ એમના પાસેથી લે છે, એમણે જરૂર આભાર વ્યકત કરવો જોઈએ.
પાડોશીની છોકરી
જેમને ખબર નથી હોતી કે પાડોશીના ઘરનો ચુલો સળગે છે કે નહીં, તેઓ પાડોશીની છોકરીની વધારે ખબર રાખતા હોય છે.