૨૬-જાન્યુઆરી, પ્રજાસત્તાક દિવસ
તા. ૧૫ ઓગસ્ટ, ૧૯૪૭ના દિવસે ભારત આઝાદ તો થઈ ગયું પરંતુ હજુ સુધી ભારત પાસે પોતાનું કોઈ બંધારણ ન હતું. બલકે અગાઉના સુધારેલા વસાહતી કાયદાઓ, ગવર્મેન્ટ ઓફ ઈન્ડીયા એકટ ૧૯૩૫ આધારિત ભારતનો વહીવટ ચાલતો હતો. ઉપરાંત દેશ હજુ પણ રાજા પંચમ જયોર્જના બ્રિટીશ આધિપત્ય તળે ગણાતો હતો. અને એ આધારે લોર્ડ માઉન્ટ બેટન હજુ પણ ગવર્નર જનરલના પદ ઉપર બિરાજમાન હતો. ત્યાર પછી ૨૯ ઓગસ્ટ ૧૯૪૭ના દિવસે ભારતના અલગ કામયી બંધારણની રચના માટે સમિતિનું ગઠન કરવામાં આવ્યું.
આ સમિતિ દ્વારા, નવેમ્બર ૧૯૪૭ના રોજ બંધારણનો એક મુસદ્દો બંધારણ સભામાં રજૂ કરવામાં આવ્યો. આ બંધારણને મંજૂરી આપવા પહેલાં એના ઉપર ચર્ચા કરવા બંધારણ સભાનું ૧૬૬ દિવસનું જાહેર સત્ર બોલાવવામાં આવ્યું. જે બે વર્ષ ૧૧ માસ, ૧૮ દિવસ ચાલ્યું.
અનેક સુધારા-વધારા અને પૂરતા વિચાર વિમર્શ પછી ૩૦૮ સભ્યોની બંધારણ સભાએ ૨૪ જાન્યુઆરી ૧૯૫૦ ના રોજ બંધારણના મુસદ્દાની અંગ્રેજી અને હિન્દી નકલો ઉપર હસ્તાક્ષર કર્યા. એના બે દિવસ પછી ૨૬ તારીખે આ બંધારણને ભારત દેશ માટે કાયદાનું સ્વરૂપ મળ્યું. આ દિવસથી જ બ્રિટીશ ગવર્નર જનલરના સ્થાને ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્ર પ્રસાદને નક્કી કરવામાં આવ્યા.
આમ આ દિવસને પ્રજાસત્તાક દિવસ કહેવામાં આવે છે.
બંધારણનો અમલ એ આઝાદીની પરિપૂર્ણતા હતી, જયારે કોઈ વ્યક્તિને પોતાના મકાન બાંધકામનું કાર્ય પૂર્ણ થતાં જે ખુશી થાય છે તેવી જ ખુશી ભારતવાસીઓને ઈ.સ.૧૯૫૦માં થઈ હતી, બંધારણના ઘડવૈયાઓએ જે બંધારણ ઘડયું તે કોઈ ધર્મ આધારિત નહીં પરંતુ બધાને લઈને ચાલનારૂ હતું, બધાને બરાબરીનો હક આપનારૂ ઘડાયું છે.
એક મુસલમાન તરીકે જોઈએ તો ઇસ્લામ થકી વિશ્વ સમક્ષ સહુપ્રથમ રજૂ કરવામાં આવેલ માનવીય અધિકારો, જેમ કે સ્વતંત્રતા, સમાનતા અને સન્માન, ન્યાય, સમાન અધિકારો, વગેરે ઉપદેશોની એક અસર આ બંધારણમાં પણ જોવા મળે છે. આપણે બંધારણ અંગે ભલે અજાણ હોઈએ, પરંતુ નબી કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમના સમાનતા, બંધુત્વ, એકબીજાના હકો પુરા કરવા, માફ કરી દેવું, અન્ય ધર્મો અંગે બુરૂ ન બોલવું જેવા સદવિચારોને,ઉસુલોને અપનાવવાથી દીન ધર્મ સાથે દેશ અને વતનને પણ વફાદાર રહી શકીએ છીએ.
ભારતમાં મુસ્લીમ સલ્તનત હતી, આ સલ્તનત અંગ્રેજોએ છીનવી હતી. હુકુમત મુસલમાનો પાસેથી છીનવાઈ હોવાથી મુસલમાનોએ આઝાદીની લડતની શરૂઆત કરી હતી. આ આઝાદીની લડત નબીએ કરીમ (સ.અ.વ.)ના સંદેશનું અનુસરણ હતું, તેમના ઉપદેશના અમલનો એક ભાગ હતો. આપણાં બુઝુર્ગો, વડીલોએ સૌને ભેગા મળી, ભેગા રહીને જ કામ કરવાનો સંદેશ આપ્યો છે અને એમાં જ આપણાં ધ્યેયો સિદ્ધ થશે તેમાં બેમત નથી. સ્વતંત્ર ભારતની પ્રથમ બંધારણ સભામાં મોલાના અબુલ કલામ આઝાદ, મોલાના હસરત મોહાની, અને મોલાના હિફઝુરહમાન સ્યોહારવી, બેગમ એજાઝ રસૂલ, તજમ્મુલ હુસૈન અને હુસૈન લાલજીભાઈ જેવા લોકો શામેલ હતા.
સ્વતંત્ર ભારતમાં મુસલમાનોના યોગદાન અને અધિકારો બાબતે ચર્ચા કરીએ તો બંધારણીય સભાની એક મહત્વની બાબત યાદ રાખવી પણ જરૂરી છે, આરક્ષણ એટલે કે અનામતના મુદ્દે બનાવવામાં આવેલ કમીટીની રિપોર્ટના આધારે જયારે ૨૨ ડિસેમ્બર, ૧૯૪૯ના રોજ ધારા ૨૯૨ અને ૨૯૪ અનુસાર મતદાન થયું તો સાતમાંથી પાંચ વોટ અનામત વિરુદ્ધ પડયા હતા, અને મોલાના અબુલ કલામ આઝાદ, મોલાના હિફઝુરહમાન સ્યોહારવી, બેગમ એજાઝ રસૂલ, તજમ્મુલ હુસૈન અને હુસૈન લાલજીભાઈ દ્વારા મુસ્લિમ અનામતનો વિરોધ કરવામાં આવ્યો હતો. એટલે કે મુસલમાનોએ પોતે અનામત જતી કરીને, પોતાના અધિકારો માટે ભારતીય ગણતંત્રની વ્યવસ્થા ઉપર વિશ્વાસ વ્યકત કરીને સ્વબળે આઝાદ ભારતમાં આગળ વધવાનો નિર્ણય કર્યો હતો. (નવભારત ટાઈમ્સ, ૧૪ ડિસે.)
ઉપરોકત બલિદાનને યાદ કરીને ભારતના પ્રસિદ્ધ કટારલેખક અને ઇતિહાસવિદ કુલદીપ નાયર લખે છે : મુસ્લિમોએ સ્વેચ્છાએ તેમના માટેની આરક્ષણની જોગવાઈ જતી કરી. બંધારણીય સભા મુસ્લિમો માટે આરક્ષણની જોગવાઈ રાખવાના મતની હતી, પરંતુ મુસ્લિમ તે માટેના પોતાના ઇન્કાર ઉપર મક્કમ રહયા. પછીથી તેમની સાથે હળહળતો ભેદભાવ રખાશે એવી તેમને ત્યારે કલ્પના સુદ્ધાં ન હતી. આ ભેદભાવ એ હદે પહોંચ્યો છે કે સાચર સમિતિએ સ્વીકારવું પડયું કે દેશમાં મુસ્લિમોને સ્થિતિ દલિતોથી પણ બદતર છે. (ગુજરાત મિત્ર, બયાને મુસ્તફા. માસિક, ડિસે. ૧૮)
બંધારણીય સભાના એક મુસ્લિમ સભ્ય મોલાના હિફઝુરહમાન અમરોહા (યુ.પી.) સીટ ઉપરથી ત્રણવાર ચુટાઈને ભારતીય લોકસભાના સાંસદ બન્યા હતા. તેઓએ દારૂલ ઉલૂમ દેવબંદ મદરસામાં તાલીમ લીધી હતી. આપણા ગુજરાતના જામિઅહ ડાભેલના મદરસામાં પણ શિક્ષક તરીકેની સેવાઓ એમણે આપી હતી. ડાભેલ મદરસામાં તેઓ શિક્ષક - ઉસ્તાદ હતા એ દિવસોમાં દરમિયાન જ ગાંધીજીની દાંડી કુચ ડાભેલ નજીકથી પસાર થઈ હતી, અને મવલાના હિફઝુર્રહમાને અન્ય અનેક ઉસ્તાદો સંગાથે ગાંધીજીની દાંડીકુચમાં શરીક થયા હતા.
બંધારણ પણ બધી કોમ અને જાતિને, ધર્મને કોઈ બંધન કે વાડાઓમાં બાંધતું નથી તો આપણે પણ નાત – જાત – ધર્મ કે કોમના વાડાઓ ભુલી એક બની દેશની તરક્કી અને પ્રગતિના કાર્યમાં જોડાઈ જવું જોઈએ અને જો એમ થશે તો જ બંધારણના અમલનો, પ્રજાસત્તાક દિનનો ઉદ્દેશ્ય પુરો થયો ગણાશે.
મૌલાના મદની મેમોરિયલ હાઈસ્કૂલ-જંબુસરમાં પ્રજાસત્તાક પર્વની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી.
જામિઅહ ઉલૂમુલ કુરઆન, જામિઅહ સંચાલિત મૌલાના મદની મેમોરિયલ હાઈસ્કૂલ - જંબુસર, જામિઅહ ઔદ્યોગિક તાલીમ સંસ્થા - જંબુસર, અને જામિઅહ ઈંગ્લીશ મીડીયમ તથા ગુજરાતી મીડીયમના સંયુક્ત ઉપક્રમે જામિઅહના મેદાનમાં ૭૨ માં પ્રજાસત્તાક દિનની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. ૭૨માં પ્રજાસત્તાક પર્વની ઉજવણીની શરૂઆત કલામે પાકની તિલાવતથી કરવામાં આવી હતી. કારી તલ્હા દ્વારા સુંદર અવાજમાં તિલાવત કરવામાં આવી હતી. ત્યારબાદ જામિઅહ ઉલૂમુલ કુરઆન ટ્રસ્ટ- જંબુસરના આદ્યસ્થાપક અને મેનેજીંગ ટ્રસ્ટી મૌલાના મુફતી અહમદ સાહેબના વરદ હસ્તે તિરંગો ફરકાવવામાં આવ્યો હતો. ધ્વજવંદન બાદ શાળાના મદદનીશ શિક્ષક શ્રી એ. યુ. ગાજીએ ભારતની આઝાદીની લડતમાં મુસ્લિમોનું યોગદાન, તેઓના બલિદાનની ભાવનાને ઉજાગર કરતાં જણાવ્યું હતું કે, હમણાં ૨૩મી જાન્યુઆરીએ નેતાજી સુભાષચંદ્ર બોઝની ૧૨૫ મી જન્મ જયંતી ઉજવવામાં આવી. નેતાજીની ગણના મહાત્મા ગાંધી, મૌલાના અબુલ કલામ આઝાદ,મૌલાના હુસેન અહમદ મદની,પંદિત જવાહરલાલ નેહરુ જેવા આઝાદીની લડતના ઉચ્ચ કોટિના નેતાઓમાં થાય છે.
નેતાજી ૧૯૨૩માં રાષ્ટ્રીય સ્વરાજ પક્ષમાં જોડાયા અને માત્ર ૪૧ વર્ષની નાની વયે ઇ.સ.૧૯૩૮માં કોંગ્રેસ અધિવેશનના પ્રમુખ બન્યા.અંગ્રેજો વિરુદ્ધ લોકમત જાગૃત કરવા તેમની ધરપકડ કરવામાં આવી અને કોલકાતામાં તેમના નિવાસસ્થાને નજરકેદ કરવામાં આવ્યા, ત્યારે ૧૬, જાન્યુ. ૧૯૪૧ના રોજ એક અફઘાની પઠાણ ઝિયાઉદ્દીનનો વેશ ધારણ કરી જર્મની પહોંચ્યા. અકબરશાહે જર્મની પહોંચાડવાની સંપૂર્ણ વ્યવસ્થા કરી હતી. જર્મનીમાં ઇજનેરીના વિદ્યાર્થી કર્નલ આબિદ હસન સફરાની પોતાનો અભ્યાસ છોડીને નેતાજી સાથે જોડાયા.
સુભાષચંદ્ર બોઝે બર્લિન રેડિયો પરથી પોતાના દેશવાસીઓને બ્રિટન સામે જેહાદ જગાવવાનો અનુરોધ કર્યો. એ આઝાદ હિન્દ રેડિયોની સ્થાપના જર્મનીમાં મુમતાઝ અહમદે કરી હતી. ત્યાર પછી સિંગાપુર અને રંગૂનમાં પણ આઝાદ હિન્દ રેડિયોની શરૂઆત કરી. અંગ્રેજોની કડક સુરક્ષા છતાં સુભાષચંદ્ર બોઝ એક સબમરીન દ્વારા બર્લિનથી જાપાન પહોંચ્યા. આ ૯૦ દિવસના લાંબા પ્રવાસમાં કર્નલ આબિદ હસન નેતાજીના એકમાત્ર ભારતીય સાથી હતા. રંગૂનમાં જયારે નેતાજીએ આઝાદ હિંદ ફોજ માટે ફાળો આપવાની અપીલ કરી તો રંગૂનમાં સ્થાયી ધોરાજીના વેપારી અબ્દુલ હબીબ મારફાનીએ એક કરોડ રૂપિયાની સહાય કરી. ત્યાર પછી ફરી બીજી વખતે મદદ કરવાની અપીલ કરી ત્યારે મહંમદ ઇબ્રાહિમ એન્ડ બ્રધર્સે ત્રીસ લાખ રૂપિયા અને હાજી દાઉદ અન્ડ કંપનીએ પંદર લાખ રૂપિયા અર્પણ કર્યા. આઝાદ હિંદ ફોજનો નારો શરૂઆતમાં HELLO હતો. કર્નલ આબિદ હસને જય હિન્દનો નારો આપ્યો હતો. જે આજે પણ દેશમાં લોકપ્રિય છે. નેતાજીના ખૂબ જ વિશ્વાસુ કર્નલોમાં કર્નલ શાહનવાજખાન, કર્નલ હબીબુરરહમાન, કર્નલ મહેબૂબ વગેરે હતા. આઝાદ હિંદ ફોજમાં અનેક મુસ્લિમો દેશની આઝાદી માટે શહીદ થયા. ઈતિહાસકાર પી.એન. ચોપરાએ પોતાના પુસ્તક WHO'S WHO OF INDIAN MARTYRS માં આઝાદ હિંદ ફોજમાં શહીદ થયેલા ૧૬૭ મુસ્લિમોની નોંધ કરી છે.
નેતાજી ૧૮ ઓગસ્ટ ૧૯૪૫માં વિમાન દુર્ઘટનામાં અવસાન પામ્યા ત્યારે કર્નલ હબીબુરરહમાન તેમની સાથે હતા. ઈ.સ. ૧૯૫૬માં ભારત સરકારે નેતાજીના અવસાન અંગે એક તપાસ સમિતિ બનાવી. જેમાં નેતાજીના વિશ્વાસુ અને તે સમયના પાર્લામેન્ટના સભ્ય શાહનવાજખાનને આ સમિતિના વડા બનાવ્યા અને આ સમિતિનું નામ શાહનવાજખાન રાખવામાં આવ્યું હતું.
જામિઅહ ઈંગ્લિશ મીડિયમ શાળાના આચાર્ય જનાબ મુસ્તકીમ સૈયદ સાહેબે પ્રાસંગિક પ્રવચન આપતાં જણાવ્યું હતું કે આપ સૌએ સદીનું સૌથી મોટું વેકેશન ભોગવી લીધું છે. હવે સમય છે આવનારી પરીક્ષાઓની તૈયારી કરવાનો.આથી આપ સૌ વિદ્યાર્થીઓ પોતાનો ધ્યેય સિદ્ધ કરવા માટે આયોજન કરીને મહેનતમાં લાગી જવું જોઈએ.
શાળાના આચાર્યશ્રી બશીરભાઈ આઈ. પટેલે પોતાના પ્રવચનમાં લોકશાહી, તેની પરિભાષા, આદર્શો અને મૂલ્યોની વાત કરતાં જણાવ્યું કે પહેલા રાજકારણમાં આવવા માટે ગાંધીજીના મૂલ્યો અને આદર્શોના સહારે રાજકારણીઓ રાજકારણમાં પ્રવેશ મેળવતા હતા. અને ગાંધીજીએ સત્ય, અહિંસા, પ્રેમ, સદભાવ અને માનવતા જેવા મુલ્યો વાસ્તવમાં તો મુસ્લિમ મિત્રો અને મૌલાનાઓના સહવાસ તથા કુરાન અને હદીસના અધ્યયનથી જ પ્રાપ્ત કર્યા હતા. તેઓએ રાજકીય આદર્શો અને મૂલ્યોની વાત કરતાં જણાવ્યું કે દેશના મુઠ્ઠીભર તત્વો પોતાની મેલી મુરાદ પાર પાડવા લોકશાહીના મૂલ્યોનું પતન કરી રહ્યા છે. સાંપ્રદાયિક લાગણીઓના ઓથા હેઠળ રાજકારણમાં પ્રવેશ મેળવી દુનિયાની સૌથી મોટી લોકશાહી ધરાવતા દેશને બદનામ કરી રહ્યા છે અને બિનસાંપ્રદાયિકતાને નુકસાન પહોંચાડી રહ્યા છે. તેઓએ જણાવ્યું કે જો ભારતની આઝાદીમાં ઉલેમાએ કિરામ હિસ્સો ના લેત તો ભારત કદી આઝાદ ન થયું હોત, અને જો ઉલમાએ કિરામે આઝાદી માટે બલિદાન ના આપ્યુ હોત, રેશમી રૂમાલની ચળવળ, બાલાકોટ ચળવળ અને ખિલાફત ચળવળ ન થઈ હોત, તો આઝાદીનું સપનું અધુરું રહયું હોત. આ બધી ચળવળોના સાર અંતે જમીયતે ઉલ્માએ હિન્દ સ્વરૂપે સામે આવ્યો અને છેલ્લે આ સંસ્થાએ સંગ્રામમાં મહત્વનો ભાગ ભજવ્યો. આઝાદીની લડતમાં પણ અને આઝાદી પછી દેશમાં જે કંઈ સાંપ્રદાયિક પરિબળો દ્વારા જુર્મ, અત્યાચાર થયા તેની સામે અડગપણે અવાજ ઉઠાવવાનું ભગીરથ કાર્ય જમીયત ઉલ્માએ હિન્દે કર્યું છે. અને આજે પણ એ કરે છે. પછી એ ગોધરાકાંડ, અયોધ્યાકાંડ, ભાગલપુરકાંડ કે દેશના કોઇપણ ખૂણામાં મુસ્લિમોને અત્યાચાર કે જુલમ - સિતમ થયો હોય, હંમેશાં જમીયતે ઉલ્માએ હિન્દના નેજા હેઠળ જબરજસ્ત પ્રતિકાર કર્યો છે અને મદદ માટે સક્રિય રહી છે. તેઓએ ખાસ કરીને વિદ્યાર્થીઓને જણાવ્યું કે હવે ઉલેમાઓની સાથે આપણે ભાવિ પેઢી તરીકે તૈયાર થવાનું છે. અને એ તૈયારી શિક્ષણ થકી થઇ શકશે. આપણે શિક્ષિત હોઈશું તો બંધારણના અધિકારોને જાણી શકીશું. જાણશું તો તેને મેળવવા માટે લડત આપી શકીશું. માટે સૌને ઉચ્ચ ગુણવત્તા સહિતનું શિક્ષણ મેળવી બંધારણીય હક્કોની સુરક્ષા માટે તૈયાર થવા અનુરોધ કર્યો હતો. દવા અને દુઆ બંનેનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે દવા એટલે કે ઉચ્ચ ગુણવત્તાવાળું શિક્ષણ અને દુઆ એટલે કુરાન અને હદીસની રોશનીમાં ઉલમાઓની રેહબરી બંને જરૂરી છે, એમ તેઓએ જણાવ્યું.
મૌલાના બશીર ભડકોદરવીએ પોતાના મૃદુભાષી પ્રવચનમાં ખુબ જ ગહનતા પૂર્વક જણાવ્યું કે પ્રજાસત્તાકનો અર્થ જ પ્રજાના હાથોમાં શાસન અને લોકોના હાથમાં શાસન વ્યવસ્થા હોવાનો છે. તેઓએ પ્રજાસત્તાક અને લોકશાહી કેવી હોય તેનું ઉદાહરણ આપતાં હઝરત ઉમર રદી.ના ખિલાફતકાળના ગવર્નર હઝરત સઈદ બિન આમિર રદી.ની ઘટનાનો ઉલ્લેખ કર્યો. સઈદ બિન આમિર રદી.ને ઉમર રદી.એ હિમ્સના ગવર્નર બનાવ્યા હતા. કહેવાય છે કે ઉમર રદી.ની ફિરાસત (દૂરંદેશી) બેમિસાલ હતી. તેમને ગવર્નર બનાવ્યા બાદ શાસન વ્યવસ્થાની જાત તપાસ કરવા તેઓ સીધા એમના પ્રદેશમાં ગયા અને જુમ્આ મસ્જિદમાં જઈને લોકોને એમના ગર્વનર વિશે પૂછપરછ કરી. લોકોએ એમના ગર્વનર વિશે ચાર ફરિયાદો કરી. પ્રથમ ફરિયાદ હતી : (૧) ગવર્નર કાર્યાલયમાં મોડેથી (લેટ) આવે છે. ઉમર રદી.એ બધાની સામે જ ઉત્તર તલબ કર્યો તો એમણે જણાવ્યું કે મારી પત્ની બીમાર છે, અને કોઈ ચાકર રાખવાનો ખર્ચ મને મળતો નથી. માટે હું ઘરનું કામ સમેટીને આવું છું. (૨) બીજી ફરિયાદ હતી કે અઠવાડિયામાં એક દિવસ છુટ્ટી રાખે છે. એમણે જવાબ આપતાં જણાવ્યું કે મારી પાસે એક જ જોડ કપડાં છે. જેને ધોઈ-સૂકવવામાં દિવસ નીકળી જાય છે. (૩) ત્રીજી ફરિયાદ હતી કે દિવસે જ ખિલાફતનું કામ કરે છે, જવાબ મળ્યો કે મેં દિવસ પ્રજા (મખ્લૂક)ને અને રાત ખુદા(ખાલીક)ને આપી દીધી છે. અર્થાત રાત્રે બંદગી કરું છું. આ છે લોકશાહી. (૪) ચોથી ફરિયાદ આ હતી કે તેઓ કદી બેહોશ થઈને મૃતપાય થઈ જાય છે. એમણે ચોખવટ કરી કે હઝરત ખુબૈબ રદિ.ની શહાદત વેળા હું મુસલમાન ન હતો. કાફિરો સાથે મક્કામાં હતો. એમને સૂળીએ લટકાવીને એમના શરીરનો ગોશ્ત કાપવામાં આવતો હતો. પછી લોકોએ એમને પૂછયું કે હવે તો તમને એમ થતું હશે કે મારી જગ્યાએ મુહમ્મદ હોત તો સારું થાત ? એમણે જવાબ આપ્યો કે, ખુદાની કસમ ! મને તો એ પણ પસંદ નથી કે એમને કોઈ કાંટો વાગે અને હું ઘરમાં સલામત બેસ્યો હોય ! મને એમની શહાદતનું આ દશ્ય કદી યાદ આવી જાય છે, હું મુસલમાન ન હતો, મેં એમની કોઈ મદદ કરી નહીં, એટલે મને દિલમાં બીક લાગે છે કે કયામતના દિવસે મારો આ ગુનો માફ નહીં થાય તો શું થશે ? આ બીકે જ હું બેહોશ થઈ જાઉં છું. આ છે ઈસ્લામી લોકશાહીના આદર્શો કે ખલીફા, ગવર્નર અને પ્રજા એક જ સાથે. પરંતુ દુઃખ સાથે કહેવું પડે છે કે આજે આપણા દેશની લોકશાહી બીમાર થઈ ગઈ છે. સત્તાધારીઓ રાજા બની ગયા છે. એક લોકશાહીમાં નેતા પાસે માત્ર એક જોડ કપડાં, બીજી લોકશાહીમાં ૧૦ લાખનો સૂટ ? સાચો પ્રજાસત્તાક દિન ત્યારે જ કહેવાશે કે જયારે પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ આવે. પ્રજાના કાર્યો અને મૂળભૂત સુવિધાઓ પૂરી થાય. વિકાસનો આધાર એ વાત ઉપર છે કે તે દેશની પ્રજા કેટલી ખુશ છે અને પ્રજાની બુનિયાદી જરૂરતો ઉપર કેટલું ધ્યાન આપવામાં આવે છે ? પરંતુ અફસોસની વાત છે કે આજે આપણી લોકશાહી બીમાર થઈ ગઈ છે. દારૂની અડધી બોટલમાં આપણો મત ખરીદાય જાય છે. ફિલોસોફર સુકરાતે સાચું જ કહયું છે કે શિક્ષિત અને લાયકાત ધરાવતા માણસોને જ સરકાર ચુંટવાનો અધિકાર હોવો જોઈએ. આપણે આ બીમાર લોકશાહીને શિક્ષણ થકી તંદુરસ્ત બનાવવાની જરૂરત છે.
કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી પ્રાસંગિક પ્રવચન આપતાં મુફતી અહમદ યાકુબ દેવલવી સાહેબે જણાવ્યું હતું કે ધોરણ-૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓએ સખત પરિશ્રમ કરીને ઊંચી ટકાવારી પ્રાપ્ત કરવી જોઈએ. આજે સમાજને સારા ડોકટરો, એન્જિનિયરો અને ઓફિસરોની જરૂર છે. જે સારા અને ઉચ્ચ શિક્ષણથી જ મળી શકશે. તેમણે કન્યા કેળવણી ઉપર ભાર મુક્તાં જણાવ્યું હતું કે દિકરીઓએ વધુને વધુ શિક્ષણ પ્રાપ્ત કરીને સમાજમાં નવી ક્રાંતિ લાવવી જોઈએ.અંતમાં મુફતી અહમદ સાહેબે દેશમાં અમન અને ભાઈચારા તથા વિપ્રયાર્થીઓને શિક્ષણ અને જીવનમાં સફળતા મળે તે માટે દુઆઓ ગુજારી હતી. કાર્યક્રમનું સફળ સંચાલન સંયુક્ત રીતે શાળાના મદદનીશ શિક્ષક મેમણ અ.વાહીદ તથા યાકુબ સારોદીએ કર્યું હતું. હાજર તમામ લોકોએ બુંદીના લાડુ ખાઈને સૌએ પ્રજાસત્તાક દિનની મીઠાસને વાગોળતાં વાગોળતાં સૌએ હસતાં મોં એ વિદાય લીધી હતી.
સૃષ્ટિના સર્જનોમાં ચિંતન મારફત પરવરદિગારની ઓળખ પછી ખુદાનો એકરાર અને દુઆ
– મુફતી ફરીદ અહમદ કાવી
اِنَّ فِیْ خَلْقِ السَّمٰوٰتِ وَ الْاَرْضِ وَ اخْتِلَافِ الَّیْلِ وَ النَّهَارِ لَاٰیٰتٍ لِّاُولِی الْاَلْبَابِ(190) الَّذِیْنَ یَذْكُرُوْنَ اللّٰهَ قِیٰمًا وَّ قُعُوْدًا وَّ عَلٰى جُنُوْبِهِمْ وَ یَتَفَكَّرُوْنَ فِیْ خَلْقِ السَّمٰوٰتِ وَ الْاَرْضِۚ-رَبَّنَا مَا خَلَقْتَ هٰذَا بَاطِلًاۚ-سُبْحٰنَكَ فَقِنَا عَذَابَ النَّارِ(191) رَبَّنَاۤ اِنَّكَ مَنْ تُدْخِلِ النَّارَ فَقَدْ اَخْزَیْتَهٗؕ-وَ مَا لِلظّٰلِمِیْنَ مِنْ اَنْصَارٍ(192)رَبَّنَاۤ اِنَّنَا سَمِعْنَا مُنَادِیًا یُّنَادِیْ لِلْاِیْمَانِ اَنْ اٰمِنُوْا بِرَبِّكُمْ فَاٰمَنَّا ﳓ رَبَّنَا فَاغْفِرْ لَنَا ذُنُوْبَنَا وَ كَفِّرْ عَنَّا سَیِّاٰتِنَا وَ تَوَفَّنَا مَعَ الْاَبْرَارِ(193)رَبَّنَا وَ اٰتِنَا مَا وَعَدْتَّنَا عَلٰى رُسُلِكَ وَ لَا تُخْزِنَا یَوْمَ الْقِیٰمَةِؕ-اِنَّكَ لَا تُخْلِفُ الْمِیْعَادَ(194) فَاسْتَجَابَ لَهُمْ رَبُّهُمْ اَنِّیْ لَاۤ اُضِیْعُ عَمَلَ عَامِلٍ مِّنْكُمْ مِّنْ ذَكَرٍ اَوْ اُنْثٰىۚ-بَعْضُكُمْ مِّنْۢ بَعْضٍۚ-فَالَّذِیْنَ هَاجَرُوْا وَ اُخْرِجُوْا مِنْ دِیَارِهِمْ وَ اُوْذُوْا فِیْ سَبِیْلِیْ وَ قٰتَلُوْا وَ قُتِلُوْا لَاُكَفِّرَنَّ عَنْهُمْ سَیِّاٰتِهِمْ وَ لَاُدْخِلَنَّهُمْ جَنّٰتٍ تَجْرِیْ مِنْ تَحْتِهَا الْاَنْهٰرُۚ-ثَوَابًا مِّنْ عِنْدِ اللّٰهِؕ-وَ اللّٰهُ عِنْدَهٗ حُسْنُ الثَّوَابِ(195)
તરજમહ : બેશક, આસમાનો અને પૃથ્વીના સર્જનમાં અને રાત દિવસના અદલા બદલીમાં અકલમંદો માટે નિશાનીઓ છે. (૧૯૦) જેઓ ઊભા રહીને અને બેસીને તેમજ પડખે સૂતાં સૂતાં અલ્લાહને યાદ કરે છે અને આસમાનો તેમજ પૃથ્વીના સર્જન (ના મકસદ) વિશે ચિંતન કરે છે. (અને પછી નિષ્કર્ષ કાઢે છે કે) હે અમારા પરવરદિગાર ! તેં આ બધું નિરર્થક બનાવ્યું નથી, તું પાક – પવિત્ર છે, તું અમને દોઝખના અઝાબથી બચાવી લેજે. (૧૯૧) હે અમારા પરવરદિગાર ! બેશક, જેને તું દોઝખમાં દાખલ કરીશ તો તેને તેં સાચે જ જલીલ કરી દીધો. અને આવા ઝાલિમોનો કોઈ મદદગાર ન જ હોય. (૧૯૨) હે અમારા પરવરદિગાર ! અમે એક પોકારનારને સાંભળ્યો, જે ઇમાન માટે પોકારી રહયો હતો કે (લોકો !) તમે તમારા પરવરદિગાર ઉપર ઈમાન લાવો, જેથી અમે ઈમાન લઈ આવ્યા. હે અમારા રબ ! હવે અમારા (મોટા) ગુનાહોને માફ ફરમાવ, અને અમારી બુરાઈઓ (નાના ગુનાહો)ને પણ અમારાથી દૂર કર અને નેક લોકો સાથે અમને મૌત આપ. (૧૯૩) હે અમારા રબ ! અને અમને તે વસ્તુ (જન્નત) આપજે, જેનો તેં તારા રસૂલો મારફત અમને વાયદો કર્યો છે. અને કિયામતના દિવસે અમને જલીલ ન કરીશ. નિશંક તું વાયદાથી વિરુદ્ધ નથી કરતો. (૧૯૪) એટલે તેઓના પરવરદિગારે પણ તેમની દુઆ કુબૂલ ફરમાવી કે હું તમારામાંથી કામ કરનાર કોઈ પણ માણસના કામને અકારત કરતો નથી પુરુષોમાં હોય કે સ્ત્રી માંહે. તમે બધા એક મેક જ છો. એટલે જેઓ હિજરત કરીને આવ્યા છે અને જેઓને એમને ઘરો (કે શહેરો)માંથી હંકારી મૂકવામાં આવ્યા અને જેમને મારી રાહમાં તકલીફો આપવામાં આવી, અને જેઓ લડયા અને લડાઈમાં માર્યા ગયા, તો એમના ઉપરથી એમના ગુનાહો હું જરૂર માફ કરી દઈશ. અને એમને એવા બાગો જરૂર રહેવા આપીશ, જયાં નીચે નહેરો વહેતી હશે. આ અલ્લાહ પાસેથી એમને મળનાર બદલો છે અને અલ્લાહની પાસે જ સારો બદલો મળે છે. (૧૯૫)
ઉપરોકત આયતમાં પૃથ્વી અને આકાશોમાં મોજૂદ અલ્લાહ તઆલાના અસ્તિત્વ અને એકત્વ (તવહીદ)ની નિશાનીઓ હોવાનું કહીને બુદ્ધિશાળી અને જાણકાર લોકોને એમાં મનન - ચિંતન કરવાનો આદેશ છે. તેઓ આ બધું વિચારે તો એમ જ તવહીદ એમને સમજમાં આવી જાય. આકાશોની ખગોળીય વ્યવસ્થા અને એની વિગત, ચંદ્ર, સુર્ય અને બીજા ગ્રહો - તારાઓની સંખ્યા, એ બધા વચ્ચેનું અંતર, એમની ચાલ – ગતિ, બધા ગ્રહોનો પરસ્પર સંબંધ પ્રભાવ, એમની ધરી, પરિક્રમણ અને ગુરૂત્વાકર્ષ, ગ્રહણ અને એના કારણો તેમજ સમય, ઉદય અને અસ્તનો સમય, ઉર્જા અને પ્રકાશ તેમજ અધારું અને ઠંડી વગેરેના નિયમો, આ બધી વિગતોથી ખગોળ શાસ્ત્રમાં ચોપડાઓ ભરેલા છે. આવું જ કંઈ ધરતી - પૃથ્વી વિશે છે. જમીનનો આકાર, માપ, પરિઘ, એના વિવિધ પડો કે પ્લેટો, ખાણ-ખનીજ, ગુરુત્વાકર્ષણ અને એની અસરો, આબો હવા અને ઋતુઓના ફેરફાર, વગેરે કેટલાયી બાબતો છે, જેના માટે ફકત એક વિષય પૂરતો નથી, બલકે ભુગોળ, ભુસ્તરશાસ્ત્ર, આર્કિયાલોજી, એગ્રીકલ્ચર, વગેરે કેટલાયે અલગ અલગ વિષયો સામે આવી ગયા, છતાં અલ્લાહ તઆલાએ એમાં મૂકેલા રહસ્યો અને ફાયદાઓ પૂરા નથી થતા.
મુફતી શફીઅ સા. રહ. ફરમાવે છે કે 'આસમાન અને જમીન'માં ચિંતન કરવામાં આસમાન જમીન ઉપરાંત દરેક તે વસ્તુ શામેલ છે જે આ બંનેમાં– અલ્લાહ તઆલાએ પેદા ફરમાવી છે. બલકે વધુ વિચારીએ તો સમજમાં આવે છે કે આસમાન એટલે કે દરેક પ્રકારની ચડતી, પ્રગતિ અને જમીન એટલે દરેક પ્રકારની પડતી.. બધું જ અલ્લાહ તઆલાનું સર્જન છે.
ધરતી અને આકાશના ફેરફારો એટલે કે રાત – દિવસ, ગરમી, ઠંડી અને વરસાદ, ૨બી, ખરીફ અને વિવિધ ઋતુઓ... અને તે પણ જમીનના વિવિધ ભાગોમાં અલગ અલગ રીતે, અલગ સમયે.. અને એમ લાગે જાણે બધું વારા ફરતી નક્કી કરેલું છે, જે એના ક્રમ મુજબ ચાલતું રહે..
હઝરત આઇશહ રદિ. વર્ણવે છે કે એક વાર નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ આખી રાત રડતા રહયા અને સવાર સુધી ઇબાદત કરતા રહયા, મેં કહયું કે, તમારા માટે તો આગળ - પાછળ બધું જ માફ છે, છતાં આટલી બધી ઇબાદત અને રડવાનું શું કારણ ? તો નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે ફરમાવ્યું : અલ્લાહ તઆલાએ મારા ઉપર આજે રાતે આ .. إن في خلق السموات والأرض ، الآية માણસ આ આયત પઢે અને એ મુજબ ચિંતન ન કરે, એના માટે તબાહી છે.
આયતમાં બુદ્ધિશાળીઓને આ બધી બાબતોમાં ચિંતન- મનન કરવાની અપીલ કે આદેશ કરવામાં આવ્યો છે, કોઈ પ્રગટ મોઅજિઝહ કે નવી નિશાની કરતાં આ બધાનું સર્જન જ મોટી નિશાની છે. અમુક તફસીરકારો કહે છે કે એકવાર મક્કાના લોકોએ નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમથી માંગણી કરી કે મક્કાનો સફા પહાડ સોનાનો બનાવી દયો તો અમે તમારી વાત માનીએ.. એના જવાબમાં આ આયત નાઝિલ કરવામાં આવી.
મવલાના દરયાબાદી રહ. ફરમાવે છે કે આયતમાં એક રીતે ધરતી -આકાશ કે અન્ય વસ્તુઓને દેવી-દેવતા સમજીને ઇબાદત કરતા લોકોનું ખંડન પણ થઈ ગયું, એમને અલ્લાહ તઆલાએ જણાવી દીધું કે આ બધું મારું સર્જન છે અને મારા તાબે છે.
આયતમાં અકલમંદોને ચિંતન - મનન કરવાનો આદેશ છે. આ અકલમંદો કોણ છે ? એનું વર્ણન આગળની આયતમાં છે. અકલમંદ માણસ ઉઠતાં –બેસતાં, સૂતા – જાગતાં અલ્લાહ તઆલાની ઇબાદત કરે છે, અને અલ્લાહ તઆલાના આવા બધા સર્જનોમાં ચિંતન કરીને એ નિષ્કર્ષ ઉપર પહોંચે છે કે અલ્લાહ તઆલાએ આ બધું બેકાર નથી બનાવ્યું.અલ્લાહ તઆલાના આવા બધા સર્જનોમાં ચિંતન કરીને એ નિષ્કર્ષ ઉપર પહોંચે છે કે અલ્લાહ તઆલાએ આ બધું બેકાર નથી બનાવ્યું.
કુરઆનની નજરે અકલમંદીનું માપદંડ આ નથી કે માણસ પાસે માલ દોલત હોય અથવા તે મોટો વૈજ્ઞાનિક હોય કે મોટો અનુભવી હોય. ખરી અકલમંદી આ છે કે માણસ એના જ્ઞાન- સમજ દ્વારા ચિંતન કરતો આગળ વધે અને વચ્ચેના બધા તબક્કાઓ પાર કરીને અંત સુધી પહોંચે કે આ બધાનું આયોજનબદ્ધ સર્જન કરનાર એક હસ્તી છે. શરદી – ગરમીને સમજવા માટે ધરતીના ભ્રમણ અને સુર્યની ગરમી ઉપર ન અટકે, બલકે એનાથી આગળ વધીને વિચારે કે આખર આવી રચના એમને એમ કેવી રીતે શકય છે ? અને કોઈકે કરી છે તો એનો કોઈ આશય પણ હશે !
મવલાના દરયાબાદી ફરમાવે છે કે આ આયત થકી નાસ્તિકો કે પ્રકૃતિવાદીઓનું પણ ખંડન થઈ ગયું, તેઓ આ બધી રચના અને વ્યવસ્થાને એક જોગાનુજોગ બનેલી ઘટના સમજે છે. પણ અલ્લાહ તઆલા ફરમાવે છે કે આ બધું જોગાનુજોગ નથી, ખુદાનો કરિશ્મો છે અને એની પાછળ મોટો આશય અને હિકમત છુપાયેલી છે.
આવા લોકો જયારે ચિંતન - મનન થકી સૃષ્ટિના સર્જનહાર અને સર્જનના મકસદને સમજી લે છે તો આખિરત વિશે એમનું ઈમાન તાજું થઈ જાય છે, એટલે પછી દુઆ કરે છે કે, (૧) હે પરવરદિગાર ! અમને જહન્નમના અઝાબથી બચાવી લેજો. (૨) અમને આખિરતની બદનામીથી બચાવજો.
કારણ કે જે કોઈ વિશે તમે જહન્નમનો ફેસલો કરશો તો એ માણસ જહન્નમી ઠરવાના કારણે બધાની સામે જ જલીલ થઈ જશે. આ દુઆથી માલૂમ પડે છે કે હશના મેદાનમાં આવી રીતે જલીલ અને અપમાનિત થવું પણ એક પ્રકારનો સખત અઝાબ છે. જેનાથી બચવાની દુઆ કરવી જરૂરી છે. (૩) હે પરવરદિગાર અમે તારા મુનાદી અને પયગંબરની ઈમાનની દાવત સાંભળીને એને સ્વીકારી લીધી છે, ઈમાન લઈ આવ્યા છીએ, માટે એની બરકતથી અમારા મોટા ગુનાહો માફ કરી દયો અને નાના ગુનાહો માટે અમારી આ નેકીને કફફારો બનાવી લ્યો. અને નેક લોકોમાં અમને શામેલ ફરમાવો. આ દુઆથી માલૂમ થયું કે માણસને અલ્લાહ તઆલા આખિરતમાં માફ કરે એ હેતુ માણસે દુનિયામાં નેકી કરી રાખવી જોઈએ. ઈમાન અને અન્ય નેકીઓની બરકતથી ગુનાહો માફ થઈ શકે છે. (૪) ચોથી દુઆમાં આખિરત અને જન્નતના મેળવવા બાબતે છે. અલ્લાહ તઆલાએ અંબિયાએ કિરામ મારફતે એના નેક બંદાઓ વિશે જે આખિરતના જે ઈનામો અને નેઅમતોનો વાયદો કર્યો છે, એ અમને કયામતમાં મળી જાય.
આ દુઆથી સ્પષ્ટ થાય છે કે ગુનાહોની માફી માંગવાનો અસલ મકસદ આ જ છે કે માફી મેળવીને અમે એ કાબેલ બની જઈએ કે અમને આ બધી આખિરતની નેઅમતો અને કામ્યાબી મળી જાય.
અંતે આયત નં ૧૯૫ માં અલ્લાહ તઆલા તરફથી આ બધી દુઆઓ કુબૂલ કરવાનો વાયદો કરવામાં આવ્યો છે. અને એમાં વિશેષ કરીને મુસલમાનો અને મુહાજિરોએ ઉઠાવેલ તકલીફોનું વર્ણન કરવામાં આવ્યું છે. આમ એમની તકલીફોનું વર્ણન કરીને એમને બતાવવામાં આવ્યું કે અલ્લાહ તઆલાએ તમારી આ તકલીફોની નોંધ લીધી છે અને એ બધાના બદલામાં જ તમને જન્નતના બાગો અને નેઅમતો મળશે.
આ આયતમાં અલ્લાહ તઆલાએ ફરમાવ્યું છે કે પુરૂષ હોય કે સ્ત્રી, જે કોઈએ જે કંઈ નેક કામો કર્યા હશે એમને સવાબ મળશે અને સ્ત્રી - પુરૂષ એકમેક છે. એનાથી સ્પષ્ટ થાય છે માનવી હોવામાં, અલ્લાહના બંદા હોવામાં, નેકી અને બુરાઈ, તેમજ સવાબ અને અઝાબ બાબતે બંને સમાન છે.
અલ્લાહની નજરમાં સ્ત્રી – પુરૂષનો કોઈ ભેદ નથી. ઈસાઈઓ અને હિંદુઓનું માનવું છે કે સ્ત્રી હોવું એક પાપ છે, અને ઘણી બધી નેકીઓ અને સવાબોને લાયક નથી. આખિરતના હિસાબ - કિતાબ અને સવાબની વાત હતી એટલે આ બાબતને સ્પષ્ટ રૂપે અલ્લાહ તઆલાએ વર્ણન ફરમાવી છે.
મવલાના દરયાબાદી રહ. ફરમાવે છે કે આયતમાં અલ્લાહ તઆલા સ્પષ્ટ રૂપે ફરમાવે છે કે જે લોકોને એમના ઘરોમાંથી કાઢી મુકવામાં આવ્યા અને સતાવવામાં આવ્યા એટલે મુહાજિર સહાબાના ગુનાહો માફ કરવામાં આવશે.
એનાથી સ્પષ્ટ થાય છે કે ગમે તેવો નેક માણસ હોય, એનાથી ગુનો થઈ શકે છે. ગુનાહો અને ભૂલથી કોઈ પવિત્ર નથી. ઈસ્લામી માન્યતા મુજબ ફકત અંબિયાએ કિરામ જ ગુનાહોથી માસૂમ અને પાક છે. આજે ઘણા લોકો એમના પીર, બાવા, કે બુઝુર્ગ વિશે એમ માની લે છે કે એમનાથી કોઈ ગુનો થઈ જ નથી શકતો, એ ખોટું છે
મઆરિફુલ હદીસ
હઝરત મવલાના મંઝૂર નોમાની (રહ.)
અનુવાદ : મવલાના યાકૂબ બારીવાલા સા. રહ.(બ્લેકબર્ન. યુ.કે.)
ભાગ નંબરઃ ૧૫૧
જનાઝાની નમાઝમાં વધુ સંખ્યાની બરકત અને મહત્વતા
عَنْ عَائِشَةَؓ ، عَنِ النَّبِيِّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ : « مَا مِنْ مَيِّتٍ تُصَلِّي عَلَيْهِ أُمَّةٌ مِنَ الْمُسْلِمِينَ يَبْلُغُونَ مِائَةً ، كُلُّهُمْ يَشْفَعُونَ لَهُ ، إِلَّا شُفِّعُوا فِيهِ » (رواه مسلم)
તરજુમો : હઝરત આયશા સિદ્દીકા (રદિ.)થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ)એ ફરમાવ્યું: જે મૈયત પર મુસલમાનોની એક મોટી જમાઅત નમાઝ પઢે, જેમની સંખ્યા સો સુધી પહોંચી જાય, અને તે બધા જ અલ્લાહના દરબારમાં તે મૈયત માટે સિફારિશ (ભલામણ) કરે. (એટલે મગફિરત અને રહમતની દુઆ કરે) તો તેમની ભલામણ અને દુઆ જરૂર સ્વીકારવામાં આવશે.
عَنْ كُرَيْبٍ ؓ ، مَوْلَى ابْنِ عَبَّاسٍ ؓ، عَنْ عَبْدِ اللهِ بْنِ عَبَّاسٍ ؓ، أَنَّهُ مَاتَ لَهُ ابْنٌ بِقُدَيْدٍ أَوْ بِعُسْفَانَ فَقَالَ : يَا كُرَيْبُ ، انْظُرْ مَا اجْتَمَعَ لَهُ مِنَ النَّاسِ ، قَالَ : خَرَجْتُ ، فَإِذَا نَاسٌ قَدِ اجْتَمَعُوا لَهُ ، فَأَخْبَرْتُهُ ، فَقَالَ : تَقُولُ هُمْ أَرْبَعُونَ؟ قَالَ : نَعَمْ ، قَالَ : أَخْرِجُوهُ ، فَإِنِّي سَمِعْتُ رَسُولَ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ ، يَقُولُ : « مَا مِنْ رَجُلٍ مُسْلِمٍ يَمُوتُ ، فَيَقُومُ عَلَى جَنَازَتِهِ أَرْبَعُونَ رَجُلًا ، لَا يُشْرِكُونَ بِاللهِ شَيْئًا ، إِلَّا شَفَّعَهُمُ اللهُ فِيهِ » (رواه مسلم)
તરજુમોઃ- હઝરત અબ્દુલ્લાહ બિન અબ્બાસ (રદિ.)ના આઝાદ કરેલા ગુલામ અને ખાસ સેવક કુરૈબ તાબિઈ બયાન કરે છે કે હઝરત ઈબ્ને અબ્બાસ (રદિ.)ના એક પુત્રનું અવસાન કુદૈદમાં અથવા ઉસ્ફાનમાં થયું (જયારે લોકો ભેગા થયા) તો હઝરત ઈબ્ને અબ્બાસ (રદિ.)એ મને ફરમાવ્યું કે જે લોકો ભેગા થયા છે. તમો જરા જુઓ, કુરૈબ (રહ.) કહે છે કે હું બહાર નિકળ્યો, તો જોયું કે ઘણા લોકો ભેગા થઈ ચુકયા છે. મેં તેમને એની ખબર આપી, તો તેમણે ફરમાવ્યું તમને લાગે છે કે તેઓ ચાલીસ હશે? કુરૈબે કહ્યું, હા. (ચાલીસ જરૂર હશે) ઈબ્ને અબ્બાસ (રદિ.)એ ફરમાવ્યું કે હવે જનાઝો બાહર લઈ લો. મેં રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમથી સાંભળ્યું છે કે જે મુસલમાનનું અવસાન થઈ જાય, અને તેના જનાઝાની નમાઝ ચાલીસ એવા માણસો નમાઝ પઢે જેમનું જીવન શિર્કથી બિલ્કુલ પાક હોય, (અને તે નમાઝમાં તે મૈયત માટે મગફિરત અને રહમતની દુઆ કરે)તો અલ્લાહ તઆલા તેમની ભલામણ તે મૈયતના હકમાં જરૂર સ્વીકારે છે. (મુસ્લિમ શ.)
ખુલાસો :- "કુદૈદ" મક્કા મુકર્રમા અને મદીના મુનવ્વરાના માર્ગમાં "રાબિગ" પાસે એક ગામ હતું અને ઉસ્ફાન મક્કા મુકર્રમા અને રાબિગ વચ્ચે મક્કાથી લગભગ પાત્રીસ, છત્રીસ, માઈલના અંતરે એક વસ્તી હતી, રાવીને શંકા થઈ ગઈ કે હઝરત અબ્દુલ્લાહ બિન અબ્બાસ (રદિ.)ના પુત્રના મૃત્યુનો બનાવ એ બંને જગ્યાઓમાંથી કઈ જગ્યાએ બન્યો હતો.
عَنْ مَالِكِ بْنِ هُبَيْرَةَ ؓ، قَالَ : قَالَ رَسُولُ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ : « مَا مِنْ مُسْلِمٍ يَمُوتُ فَيُصَلِّي عَلَيْهِ ثَلَاثَةُ صُفُوفٍ مِنَ الْمُسْلِمِينَ ، إِلَّا أَوْجَبَ » ، فَكَانَ مَالِكٌ « إِذَا اسْتَقَلَّ أَهْلَ الْجَنَازَةِ جَزَّأَهُمْ ثَلَاثَةَ صُفُوفٍ لِهَذَا لِلْحَدِيثِ » (رواه أبو داود)
તરજુમોઃ- હઝરત માલિક બિન હુબૈરહ (રદિ.)થી રિવાયત છે કે મેં રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ)થી આપનો ઈર્શાદ સાંભળ્યો કે જે મુસલમાનનું અવસાન થઈ જાય, અને મુસલમાનોની ત્રણ સફો તેની જનાઝાની નમાઝ પઢે, (અને તેના માટે મગફિરત અને જન્નતની દુઆ કરે) તો જરૂરથી અલ્લાહ તઆલા તે બંદા માટે (મગફિરત અને જન્નત) વાજિબ કરી દે છે. (માલિક બિન હુબૈરહ (રદિ.)થી આ હદીષની રિવાયત કરનાર મુરશિદ યઝની કહે છે કે) માલિક બિન હુબૈરહ (રદિ.)ની આદત હતી કે જયારે તેઓ જનાઝો પઢનારાઓની સંખ્યા ઓછી જોતા તો આજ હદીષના આધારે તે લોકોને ત્રણ સફોમાં વહેંચી નાંખતા હતા.
ખુલાસો :- આ ત્રણ હદીષો છે. સૌ પ્રથમ હઝરત આયશા(રદિ.) ની હદીષમાં સો મુસલમાનોના જનાઝાની નમાઝ પઢવા પર અને તે પછીની હઝરત અબ્દુલ્લાહ બિન અબ્બાસ (રદિ.)ની હદીષમાં ચાળીસ મુસલમાનોની નમાઝ પઢવા પર અને છેલ્લી માલિક બિન હુબૈરહ (રદિ.) વાળી હદીષમાં મુસલમાનોની ત્રણ સફો એ નમાઝ પઢવા પર મગફિરત અને જન્નતની ભલામણ અને દુઆ કબૂલ થવાનો ઈત્મિનાન જાહેર કર્યો છે. એવું જણાય છે કે વિવિધ સમયમાં અલ્લાહ તરફથી રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ) પર આ ત્રણેવ વાતો જાહેર થઈ, કદાચ પહેલાં આપ (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ)ને બતાવવામાં આવ્યું કે જો કોઈ બંદાની જનાઝાની નમાઝ સો માણસો પઢી લે અને તે નમાઝમાં તે મરનાર માટે મગફિરત અને રહમતની દુઆ કરે તો અલ્લાહ પાક તેના હકમાં જરૂર તેમની દુઆ કબૂલ કરશે. તે પછી વધુ સહુલત કરી આપી, અને માત્ર ચાળીસ મુસ્લિમોના નમાઝ પઢવા પર આ ખુશ ખબરી સંભળાવી, તે પછી વધુ સહુલત કરવામાં આવી, અને ત્રણ સફો નમાઝ પઢવા પર આપને એ જ શાંતવત આપવામાં આવ્યું ભલે સંખ્યા ચાળીસથી ઓછી હોય.મતલબ કે આ હદીષોથી જણાય છે કે જનાઝાની નમાઝમાં વધારે સંખ્યા સારી અને બરકત તેમ રહમતનું કારણ છે. એટલા માટે યોગ્ય હદ સુધી તેનો પ્રબંધ અને કોશિષ જરૂર કરવી જોઈએ.
દફન કરવાની રીત અને તેના અદબો
عَنْ عَامِرِ بْنِ سَعْدِ بْنِ أَبِي وَقَّاصٍ ، أَنَّ سَعْدَ بْنَ أَبِي وَقَّاصٍ ، قَالَ : فِي مَرَضِهِ الَّذِي هَلَكَ فِيهِ : « الْحَدُوا لِي لَحْدًا ، وَانْصِبُوا عَلَيَّ اللَّبِنَ نَصْبًا ، كَمَا صُنِعَ بِرَسُولِ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ » (رواه مسل)
તરજુમોઃ હઝ. સઅદ બિન અબી વક્કાસ (રદિ.)ના પુત્ર આમિર બયાન કરે છે કે વાલિદ સાહબ સઅદ બિન અબી વક્કાસ (રદિ.)એ તેમની અવસાન વખતની બીમારીમાં વસિય્યત કરી હતી કે મારા માટે 'બગલી' કબર બનાવવામાં આવે, અને તેને બંધ કરવા માટે કાચી ઈંટો ઉભી મુકી દેવામાં આવે, જેમ રસૂલુલ્લહ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ માટે કરવામાં આવ્યું હતું. (મુસ્લિમ શ.)
ખુલાસો :- એનાથી જાણવા મળયું કે કબરની અફઝલ અને બેહતર રીત એ જ છે કે બગલી બનાવવામાં આવે, અને કાચી ઈંટોથી બંધ કરવામાં આવે, રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ)ની મુબારક કબર પણ એ જ રીતે બનાવવામાં આવી હતી, પરંતુ જો જમીન એવી કાચી હોય કે "બગલી" કબર બની શકતી ન હોય તો પછી બીજી રીતે કબર બનાવવામાં આવે, જેને "શિક" કહે છે. અમૂક રિવાયતોથી જણાય છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ)ના યુગમાં મોકા મુજબ બંને પ્રકારની કબરો બનાવવામાં આવતી હતી. પરંતુ અફઝલ લહદ એટલે બગલી કબરની જ રીત છે.
عَنْ هِشَامُ بْنُ عَامِرٍ أَنَّ النَّبِيَّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ يَوْمَ اُحُدٍ احْفِرُوا وَأَوْسِعُوا وَأَعْمِقُوا وَأَحْسِنُوا وَادْفِنُوا الِاثْنَيْنِ وَالثَّلَاثَةَ فِي قَبْرٍ وَاحِدٍ وَقَدِّمُوا أَكْثَرَهُمْ قُرْآنًا » (رواه أحمد والترمذي وأبو داود والنسائى)
તરજુમો:- હઝરત હિશામ બિન આમિર (રદિ.)થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ)એ ઉહદના દિવસે ફરમાવ્યું કે શહીદો માટે કબરો ખોદો, અને તેને પહોળી અને ઉડી કરો, અને સારી રીતે બનાવો, અને બે બે ત્રણ ત્રણને એક એક કબરમાં દફન કરો, અને તેમનામાંથી જેને કુર્આન વધુ યાદ હોય તેને આગળ રાખો.
ખુલાસો :- ગઝવએ ઉહદમાં લગભગ સિત્તેર સહાબા (રિદ.) શહીદ થયા હતા તે સૌ માટે તે સમયે અલગ અલગ કબરો ખોદવી ઘણું કઠણ કામ હતું, એટલા માટે આપ (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ)એ હુકમ આપ્યો કે એક કબરમાં બે ત્રણ માણસો દફન કરવામાં આવે, પરંતુ એની તાકીદ ફરમાવી કે કબરો કાયદેસર ખોદવામાં આવે. ઉંડી પણ હોય, અને પહોળી પણ હોય. અને એક સુચના મુજબ એક કબરમાં જયારે વધુ શહીદો દફન કરવામાં આવે. તો ગોઠવણીમાં પહેલો અને કિબ્લા તરફ તેને રાખવામાં આવે જેને કુર્આન વધુ યાદ હોય, મતલબ કે તે ઈમામ છે. અને તેની સાથે વાળાઓ મુકતદી આ હદીષના કારણે લડાઈ જેવા મહત્વની હાલતોમાં જાઈઝ છે કે એક કબરમાં અસંખ્ય મૈયતો દફન કરી શકાશે.
عَنِ ابْنِ عُمَرَ ، أَنَّ النَّبِيَّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ كَانَ إِذَا أَدْخَلَ الْمَيِّتُ القَبْرَ ، وَقَالَ بِسْمِ اللهِ وَبِاللَّهِ وَعَلَى مِلَّةِ رَسُولِ اللهِ وَفِىْ رِوَايَةٍ وَعَلَى سُنَّةِ رَسُولِ اللهِ. (رواه احمد والترمذي وابن اجة وابو داؤد)
તરજુમોઃ- હઝરત અબ્દુલ્લાહ બિન ઉમર (રદિ.)થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ)જયારે કોઈ મૈયતને કબરમાં ઉતારતા (અથવા કોઈ મૈયત કબરમાં ઉતારવામાં આવતી) તો ફરમાવતા હતા ''બિસ્મિલ્લાહિ વબિલ્લાહિ વ અલા મિલ્લતિ રસુલિલ્લાહિ" (અમે આ બંદાને અલ્લાહના પાકના નામ સાથે અને તેની મદદથી અને તેના નબીના તરીકા મુજબ કબરના હવાલે કરીએ છીએ) અને એ જ હદીષની અમૂક રિવાયતોમાં "અલા મિલ્લતિ રસુલિલ્લાહિ" ના બદલે "અલા સુન્નતિ રસુલિલ્લાહિ"નો શબ્દ પણ રિવાયત કરવામાં આવ્યો છે.
عَنْ جَعْفَرِ بْنِ مُحَمَّدٍ ، عَنْ أَبِيهِ مُرْسَلًا ، عَنِ النَّبِيِّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ أَنَّ النَّبِيَّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ حَثَا عَلَى الْمَيِّتِ ثَلَاثَ حَثَيَاتٍ بِيَدَيْهِ جَمِيعًا وَأَنَّهُ رَشَّ عَلَى قَبْرِ اِبْنِهِ اِبْرَاهِيْمَ وَوَضَعَ عَلَيْهِ حَصْبَاء. (رواه البغوي في شرح السنة)
તરજુમોઃ- હઝરત ઈમામ જાફર સાદિક તેમના વાલિદ ઈમામ મુહંમદ બાકિર (રદિ.) થી મુરસલ રિવાયત કરે છે કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમે એક મૈયત પર (એટલે દફન વખતે તેની કબર પર) બંને હાથ એક સાથે ભરી ત્રણવાર માટી નાંખી અને આપના પુત્ર હઝરત ઈબ્રાહીમની કબર પર પાણી છાંટયું અને તેના ઉપર કાંકરા નંખાવ્યા. (શર્હુસ્સુન્નહ)
عَنْ عَبْدُاللهِ ابْنَ عُمَرَ ، قَالَ : سَمِعْتُ النَّبِيَّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ يَقُولُ : « إِذَا مَاتَ أَحَدُكُمْ فَلَا تَحْبِسُوهُ ، وَأَسْرِعُوا بِهِ إِلَى قَبْرِهِ ، وَلْيُقْرَأْ عِنْدَ رَأْسِهِ بِفَاتِحَةِ الْكِتَابِ ، وَعِنْدَ رِجْلَيْهِ بِخَاتِمَةِ الْبَقَرَةِ فِي قَبْرِهِ » (رواه البيهقى فى شعب الإيمان وقال والصحيح أنه موقوف)
તરજુમોઃ હઝ. અબ્દુલ્લાહ બિન ઉમર (રદિ.)થી રિવાયત છે કે આપ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમે ફરમાવ્યું હતુ કે જયારે તમારો કોઈ માણસ મૃત્યુ પામે, તો તેને મોડે સુધી ઘરમાં રોકો નહી. અને કબર સુધી પહોંચાડવામાં તેમજ દફન કરવામાં ઉતાવળે કામ લો અને (દફન પછી) માથા તરફ સુરએ બકરહની આગલી આયતો (મુફલિહુન સુધી) અને પગો તરફ તેની પાછલી આયતો (આમન ર્રસૂલુ થી સૂરતના અંત સુધી) પઢવામાં આવે.
(આ હદીષ ઈમામ બૈહકીએ શોઅબુ લ્ઈમાનમાં રિવાયત કરી છે અને સાથે જ કહ્યું છે કે સહી વાત એ છે કે આ હઝરત ઈબ્ને ઉમર રદિ.નો કોલ છે. રિવાયતમાં જે પ્રમાણે હુઝૂર (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ)ની તરફ નિસબત કરવામાં આવી છે. સનદના હિસાબે સાબિત નથી.)
ખુલાસો :- મૈયતને મોડે સુધી ઘરમાં ન રાખવા અને કફન દફનમાં જલ્દી કરવાની સુચના રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ)થી ઘણી હદીષોમાં આવેલી છે. અને સુરએ બકરહની આગલી તેમ પાછલી આયતો કબર પર પઢવાનો હુકમ જાહેર છે કે હઝરત ઈબ્ને ઉમર (રદિ.) પોતાના તરફથી નથી આપી શકતા ખરેખર એ વાત પણ રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ)થી જ રાખી હશે. એટલા માટે સનદના હિસાબે ભલે આ હદીષ મરફુઅ સાબિત ન હોય, પરંતુ મુહદ્દિસો અને ફુકહાઓના કાયદા મુજબ આ મરફુઅના હુકમમાં જ ગણાશે.
હિકમતની વાતનું મહત્વ અને દીન ઉપર અમલના બદલામાં કામ્યાબીનો વાયદો.
હઝરત અકદસ શૈખુલ હદીસ મવલાના ઝકરિયા રહ.ની કિતાબ 'ઇસ્લામી સિયાસત'નો ક્રમશ અનુવાદ -મુફતી ફરીદ અહમદ કાવી.
"શું કહે છે, તે જુઓ, કહેનારને ન જૂઓ." નો મતલબ
લોકોમાં પ્રચલિત છે કે 'વાત તરફ ધ્યાન આપો, કોણ કહે છે એ મહત્વનું નથી.' એક રીતે આ સાચું છે, અમુક હદીસોથી પણ એ પુરવાર થાય છે. અમુક શબ્દોના ફેરફાર સાથે આ વાત હદીસ શરીફમાં આ મુજબ છે : હિકમતની વાત મોમિનની ખોવાયેલી મતા છે. જયાં પણ મળી આવે, લઈ લેવી જોઈએ. (મિશ્કાત શ.)
અલબત્ત યાદ રાખવું જોઈએ કે કહેનારને જોયા વગર ફકત વાત ઉપર ધ્યાન આપવા માટે જરૂરી છે કે સાંભળનારને ખરા ખોટાની સમજ હોય. દીનના સિદ્ધાંતો અને સાચી - ખોટી વાતને પારખવા માટેના નિયમોથી વાકેફ હોય. એને સમજ પડતી હોય કે ફલાણી વાત દીન – પ્રમાણે છે અને ફલાણી વાત દીન વિરુદ્ધ છે. વાત કુરઆન – હદીસ મુજબ છે કે નહીં ? સલફે સાલેહીનનો આ વિષયે શું કહેવું છે અથવા એમની રીત શું હતી? જયાં સુધી આવી સમજ અને પરખ ન હોય તો દરેક પ્રકારની લખાણો અને બયાનોથી માણસ પ્રભાવિત થયા કરશે અને સાચી સમજતો રહેશે. આ જ કારણે આજે સ્થિતિ આ છે કે સવારે માણસ ઉપર એક વિચાર છવાયેલો હોય છે અને સાંજે બદલાય જાય છે. એક માણસ આવીને જોરદાર તકરીર કરીને આખી ભીડ પાસે હાથ ઉંચો કરાવીને જાય છે, પછી બીજો આવે છે ને એના વિરુદ્ધ જબરદસ્ત બયાન કરીને હાથ ઉંચા કરાવે છે.
કહેવાનો ખુલાસો આ છે કે મુસલમાનની કામ્યાબી અને સફળતા ફકત દીનની તાબેદારી, નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ અને પાછલા બુઝુર્ગો – અકાબિરના તરીકા ઉપર ચાલવામાં છે. આખિરતમાં આ જ વસ્તુ કામ આવશે. એનાથી જ દુનિયામાં તરક્કી થશે. એના ઉપર અમલ કરીને જ આગલા લોકો પ્રગતિના શિખરે પહોંચ્યા હતા. એમના હાલાત અને અહેવાલ આપણી સામે છે જ. અને ઇતિહાસ જાણનાર કોઈ પણ વ્યકિત એનો ઈન્કાર નથી કરી શકતો. એના વિરુદ્ધ જવામાં મુસલમાનો માટે બરબાદી છે. આખિરતનું નુકસાન છે. દુનિયાનું પણ નુકસાન છે. ગમે તેટલી તદબીરો અને પ્રયાસો કરી લઈએ, જેટલા ચાહે ઠરાવો પાસ કરાવી લઈએ, અખબારોમાં લેખો લખવામાં આવે, અને વાંચવા -વંચાવવામાં આવે, બધું બેકાર છે, મુસલમાનની પ્રગતિનું મુળ અને મુખ્ય રસ્તો ગુનાહોથી બચવાનો છે અને ઈસ્લામી આદર્શોને અપનાવવાનો છે. એના સિવાય કોઈ બીજો રસ્તો ધ્યેય અને મંઝિલે પહોંચાડનાર નથી.
દીનની પાબંદી બાબતે બુઝુર્ગોના હાલાત અને ગૈબી મદદના અમુક કિસ્સાઓ
અહિંયા એક વાત બીજી પણ વિચાર કરવાની છે, ભલે આજે ઇસ્લામને બદલી નાખવામાં આવે, ઈસ્લામી અહકામને મોલ્વીઓનો ઇસ્લામ, મુલ્લાઓનો જૂનવાણી ઈસ્લામ, વગેરે જેવું ચાહે તેવું કહી દેવામાં આવે..
પરંતુ જે બુઝુર્ગોએ હઝારો કિલ્લા ફતેહ કર્યા હતા, લાખો કરોડો આબાદીઓને મુસલમાન બનાવીને ત્યાં મુસલમાનો સત્તા સ્થાપી હતી, તેઓ પાસે આ મોલ્વીઓ વાળો ઇસ્લામ જ હતો. બલકે તેઓ તો આજના મુલ્લાઓ કરતાં વધારે કટ્ટર હતા. ત્યાં તો દીનથી એક ઈંચ દૂર થવાને પણ બરબાદી સમજવામાં આવતું હતું, ઝકાત ન આપવામાં આવે તો લડાઈ કરવામાં આવતી હતી. કોઈ માણસ શરાબને જાઇઝ કહે તો એને મારી નાખવામાં આવતો હતો. અને હરામ સમજવા છતાં કોઈ પીએ તો એને કોરડા મારવામાં આવતા હતા. તેઓ તો કહેતા હતા કે અમારામાં કોઈને નમાઝ છોડવાની હિંમત ન હતી, ફકત એવો મુનાફિક જ નમાઝ છોડી શકતો હતો. જેનું મુનાફિક હોવું બધાને સામે આવી ગયું હોય. બાકી બીજા મુનાફિકોની પણ હિમ્મત ન હતી કે કોઈ નમાઝ છોડે કે ગેરહાજર રહે. એમના ઉપર જયારે પણ કોઈ મુસીબત કે ગભરાટની બાબત પેશ આવતી તો તુરંત નમાઝમાં મશ્ગુલ થતા હતા, હઝ. અબૂ દરદાઅ રદિ. ફરમાવે છે કે જયારે આંધી—વાવાઝોડું આવતું તો નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ મસ્જિદમાં જતા રહેતા અને જયાં સુધી વાવાઝોડું બંધ ન થાય, બહાર આવતા ન હતા.
અનેક સહાબા રદિ.એ વિવિધ શબ્દોમાં નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની આ આદત વર્ણવી છે કે પરેશાની અને બેચેનીની કોઈ બાબત હોય તો આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ નમાઝમાં મશ્ગુલ થતા હતા. એક સહાબી રદિ.એ નબીએ કરીમ સલ્લલ્લાહ અલયહિ વ સલ્લમનું કથન વર્ણવ્યું છે કે પહેલાંના અંબિયાએ કિરામની પણ આ જ આદત હતી, અને અનેક સહાબા કિરામ રદિ.ની પણ આવી આદત હોવાનું વર્ણન આવે છે. આ વિષયે કંઈક વધુ વિગત જોવી હોય તો મારા રિસાલા ફઝાઈલે નમાઝમાં જોઈ લેવામાં આવે. તેઓ નમાઝમાં તીર વેઠી લેતા હતા, પણ નમાઝની મજામાં એવા મશ્ગુલ રહેતા કે નમાઝ તોડવાની હિમ્મત ન થતી હતી. અઝાન સાંભળતા જ દુકાનો છોડીને નમાઝ માટે જતા રહેવાનો મામૂલ હતો. હઝરત ઉમર રદિ.એ એમના ખિલાફતકાળમાં બધા ગવર્નરોને આદેશ મોકલ્યો હતો કે મારી પાસે સૌથી વધારે મહત્વનું કામ 'નમાઝની પાબંદી' છે. જે કોઈ એની હિફાઝત કરી શકે છે, એ માણસ દીનના બીજા કામોની પણ હિફાઝત કરી શકે છે. અને જે કોઈ નમાઝને છોડે છે એ દીનના અન્ય આદેશોને પણ છોડી દેશે કે બરબાદ કરી દેશે.
હઝરત અબૂબક્ર સિદ્દીક રદિ.એ મુરતદ લોકો સાથે લડવા માટે હઝરત ખાલિદ રદિ.ને લશ્કરના અમીર બનાવીને રવાના કર્યા તો એમને તાકીદ ફરમાવી કે, જે કોઈ માણસ આ પાંચ વસ્તુઓમાંથી કોઈ એકનો પણ ઇન્કાર કરે એની સાથે લડાઈ કરવામાં આવે. કલિમએ શહાદત, નમાઝ, ઝકાત, રોઝો, હજ.
હઝરત ઉમર રદિ.એ જયારે ઉત્સહ બિન ગઝવાનને ઈરાનમાં એક લડાઈ માટે લશ્કરના અમીર બનાવીને મોકલ્યા તો તાકીદ ફરમાવી કે, પોતાની પૂરી તાકત સાથે અલ્લાહથી ડરો. ન્યાય સાથે ફેસલા કરો. દરેક નમાઝને એના સમય ઉપર અદા કરો. અને અલ્લાહનો ઝિક્ર વધારે પ્રમાણમાં કરશો. (ઇબ્ને જરીર)
હઝરત અબૂબક્ર રદિ.ના ઝમાનામાં 'અજનાદૈન' સ્થળે રોમન સેના સાથે મુસલમાનોનું મશ્હૂર યુદ્ધ થયું હતું. રોમન સેનાના સેનાપતિએ એક અરબી માણસને જાસૂસ બનાવીને મુસલમાનોના લશ્કરની સ્થિતિ જાણવા માટે મોકલ્યો. એને તાકીદ કરી કે એક દિવસ અને એક રાત મુસલમાનોના લશ્કરમાં રહીને, ધ્યાનપૂર્વક બધું જોઈને પછી પાછો આવે. આ જાસૂસ અરબી વંશનો હતો એટલે લશ્કરમાં કોઈ પણ ડર વગર હર્યો ફર્યો, બધું જોયું – ભાળ્યું અને પાછા જઈને એણે જે સ્થિતિ દર્શાવી તે આ મુજબ હતી :
આ લોકો રાતના ઇબાદતગુઝાર છે. દિવસના ઘોડેસ્વાર યોદ્ધાઓ છે. એમના બાદશાહનો દીકરો પણ કંઈ ચોરી કરે તો એના હાથ પણ તેઓ કાપી નાંખે, એવા પાકા છે. અને ઝીના કરે તો એને હક — ન્યાય મુજબ એને પણ મારી નાખે.
આ જાસૂસે જે કંઈ કહયું એ બધું જ સાચું હતું. હદીસ શરીફની કિતાબોમાં આ કિસ્સો અનેક સ્થળે છે કે મખ્ઝૂમ કબીલાની એક ઓરતે ચોરી કરી, ઓરત ઊંચા ઘરની હતી, લોકોને થયું કે નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની સેવામાં કોઈ પણ રીતે શિફારીશ કરવામાં આવે. પણ કોઈનાથી હિમ્મત થતી ન હતી. આખરે નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમના પાલકપુત્ર હઝરત ઝૈદના પુત્ર હઝરત ઉસામહ રદિ.ને એના માટે તૈયાર કરવામાં આવ્યા. આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ એમની સાથે ઘણી મુહબ્બત કરતા હતા. એમણે નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની સેવામાં એ ઓરત વિશે સિફારિશ કરી તો આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે ધમકાવ્યા કે અલ્લાહે નક્કી કરેલી સજાઓ બાબતે સિફારિશ કરો છો ?
પછી નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે લોકોને ભેગા કરીને નસીહત ફરમાવી કે આગલી ઉમ્મતના લોકો આ જ કારણે હલાક થઈ ગયા, એમના અંદર જયારે કોઈ મોટો માણસ ચોરી કરતો તો એને છોડી દેતા હતા અને કોઈ સામાન્ય માણસ ચોરી કરતો તો એને સજા આપતા હતા. ખુદાની કસમ ! મુહમ્મદની દીકરી ફાતિમહ પણ ચોરી કરત તો એને પણ હાથ કાપી નાખવામાં આવત. હદીસની કિતાબોમાં આવા બીજા કિસ્સાઓ પણ છે. આ જ તે વસ્તુ છે જેના કારણે કાફિરોના દિલોમાં મુસલમાનોનો દબદબો અને ડર હતો. રોમન લશ્કરના સેનાપતિએ પેલા જાસૂસની વાત સાંભળીને કહયું કે જો તારી વાતો સાચી છે તો અમારા માટે જમીનમાં દફન થઈ જવું એમની સામે મુકાબલો કરવા કરતાં વધારે બેહતર છે.
એક રોમન વ્યકિત મુસલમાનોની કેદમાં હતો. અચાનક એને મોકો મળી ગયો અને તે નાસી છુટયો. હરકયુલસ બાદશાહે એને પકડીને એને મુસલમાનોના અહેવાલ પૂછયા અને કહયું કે બધી જ બાબતો એવી રીતે વર્ણન કર કે મારી સામે એમની સ્થિતિનું દશ્ય તાજું થઈ જાય. એણે આ જ બાબત વર્ણવી કે આ લોકો રાતના ઇબાદતગુઝારો છે, અને દિવસના યોદ્ધાઓ. એમના તાબા હેઠળ રહેતા બિન મુસ્લિમો પાસેથી પણ તેઓ કોઈ વસ્તુ કીમત ચુકવ્યા વગર નથી લેતા અને એક બીજાને મળે છે તો સલામ કરે છે. રાજા હરકયુલસે આ બધું સાંભળીને કહયું કે આ બધું સાચું છે તો તેઓ આ દેશના પણ માલિક બનીને રહેશે
ચીનના મુસ્લિમો ઉપર સરકારનો જુલમ
ચાઈનાનો શિનજિયાંગ પ્રાંત અને ત્યાં વસતા ઉઈગર મુસલમાનો વિશે અવારનવાર અત્યતં દુખદાયક સમાચારો આવતા રહે છે. અત્રે વસતા ઉઇગર વંશના લોકો મુળે તુર્કી વંશના છે. ચીનના ઉત્તર પશ્ચિમે આવેલ શિનજિયાંગ પ્રાંતમાં એમની મુખ્ય આબાદી વસે છે. ભાષાકીય અને ધાર્મિક આધારે આ એક સ્વતંત્ર પ્રાંત છે. ચીનમાં સૌથી મોટું ક્ષેત્રફળ ધરાવતો આ પ્રદેશ છે. એની સરહદો મંગોલિયા, રૂસ, કાઝકિસ્તાન, તાજકિસ્તાન, અફગાનિસ્તા અને કાશ્મીર મારફત ભારત સાથે પણ જોડાયેલી છે. લગભગ સવા બે કરોડની વસતી છે. જેમાં ૪૫ ટકા જેટલા ઉઈગર લોકો છે. કુદરતે આ પ્રદેશમાં ખનીજ સંપત્તિનો ભંડાર મુક્યો છે. પ્રાંતનો વધુ પડતો ભાગ રણ પ્રદેશ જેવો છે. જેમાં તેલ અને ગેસના ભંડારો છે. આ જ પ્રાંતની સાડા છ લાખ ચોરસ કિલોમીટર જેટલા પ્રદેશમાં ખેતી પણ થાય છે. વધુ પડતી કપાસની ખેતી થાય છે અને કપાસની ખેતીમાં વિશ્વમાં પ્રથમ સ્થાને છે. વધુ પડતો ભાગ ગરમ પ્રદેશ છે, પણ અમુક વિસ્તારોમાં શુન્યથી નીચે ૪ ડીગ્રી સુધી તાપમાન જતું રહે છે. વિશ્વની ૨૫ ટકા અને ચીનની ૮૪ ટકા કપાસની જરૂરત આ પ્રદેશથી પૂરી થાય છે. ઉપરાંત ઘઉં, મક્કઈ, ધાન, જેવા પાકો પણ થાય છે. કુદરતની મહેરબાનીથી આ બધી સમૃદ્ધિ પ્રદેશના ઉત્તર અને પશ્ચિમ વિસ્તારોમાં જ છે જયાં ઉઇગર લોકો વસે છે. જયારે હુણ પ્રજાતિના પ્રદેશો ઘણા પછાત છે. આ હુણ લોકો મોટી માત્રામાં સરકારી કોમ્યુનિસ્ટ પાર્ટીમાં શામેલ છે અને સરકારમાં શામેલ છે, એટલે ઉઇગર મુસ્લિમોની જમીનો અને ધંધા છીનવીને હુણ લોકોને આગળ લાવવાનો પ્રયત્ન કરે છે. બીજી તરફ પોતાના ધર્મ સાથે બાંધછોડ સ્વીકારવા તૈયાર ન હોય એટલે મુસલમાનો સરકાર અને કોમ્યુનિસ્ટ પાર્ટીથી દૂર રહે છે.
આર્થિક સમૃદ્ધિ સાથે અત્રેના લોકો શૈક્ષણિક રીતે પણ ઘણા આગળ છે.કૃષિવિજ્ઞાન, એન્જિન્યરીંગ, ભૂ સંશોધનને લગતી રીચર્સ સંસ્થાઓ વિશ્વભરમાં મોખરાનું સ્થાન ધરાવે છે. અમેરિકન તેલ કંપનીઓમાં ઉઈગર લોકો મોખરાની હોદ્દાઓ ઉપર બિરાજમાન છે. અહિંયાના લોકો ચીની ભાષા ઉપરાંત તુર્કી, ફારસી, રૂસી અને કાઝિક ભાષાઓ પણ બોલી જાણે છે.
શિનજિયાંગ પ્રાંત સદીઓ જૂના સિલ્કરૂટનું મુખ્ય કેન્દ્ર છે. પ્રખ્યાત 'કાગર' શહેર આ પ્રાંતમાં જ આવેલ છે. સરકાર દ્વારા આ પ્રદેશમાં ઉદ્યોગ અને ઉર્જા ક્ષેત્રે મોટું રોકાણ કરવામાં આવ્યું છે. સરકાર આ બધા રોકાણને પોતાની સફળતા ગણાવે છે તો ઉઈગર લોકોને શિકાયત છે કે એમનો રોજગાર છીનવામાં આવી રહયો છે. અને આધુનિકરણના નામે એમની જમીનો ઉપર કબજો કરવામાં આવી રહયો છે.
અત્રે વસતા લોકોની સમૃદ્ધિના કારણે જ આજે એમના ઉપર મુસીબત આવી પડી છે. અત્રેના હુણ લોકો ઉઈગર લોકોથી ઇર્ષા કરીને પ્રદેશમાં વારંવાર તોફાનો કરાવે છે. એમ તો સ્વતંત્ર પ્રદેશ કહેવાય છે, વીસમી સદીમાં અહિંયાના લોકોએ પોતાને સ્વતંત્ર જાહેર કરી દીધા હતા, પણ ૧૯૪૯માં ચીન સરકારે અત્રે સંપૂર્ણ કબજો કરી લીધો. અત્યારે કાયદો વ્યવસ્થા, ન્યાય વ્યવસ્થા, પોલીસ અને જાસૂસી તંત્ર ચીન સરકારને તાબે છે, એટલે સરકાર એની શકિતનો દુરૂપયોગ કરીને આ પ્રદેશોમાં હુણ લોકોને વસાવી રહી છે. ઉઈગર લોકોને શરૂમાં હુણ લોકો બાબતે કોઈ વિરોધ ન હતો. એમને પોતાના પ્રદેશોમાં ખેતી માટે અને તેલ – ગેસના ક્ષેત્રમાં કામ કરવા માટે માનવીય શકિતની જરૂરત પણ હતી. થોડા સમય પછી જયારે હુણ લોકોની આબાદી ઘણી વધી ગઈ તો સ્થાનિક લોકોએ આ બાબતે ચિંતા વ્યકત કરી. પણ સરકારે એમ કહીને વાત માની નહીં કે ગ્રામ્ય પ્રદેશના ગરીબ લોકોને રોજગાર માટે અત્રે વસાવવામાં આવે છે. ધીરે ધીરે બન્ને સમુદાયોમાં વિરોધ વધતો ગયો. હુણ મજૂરોનું કહેવું હતું કે ઉઈગર લોકોની ભાષામાં તુર્કી અને અરબી શબ્દો વધારે છે, જેના કારણે એમને વાતચીત કરવામાં તકલીફ પડે છે. અમુક લોકોને સવારે લાઉડ સ્પીકર ઉપર થતી અઝાન બાબતે તકલીફ હતી. આ દરમિયાન આંતરજાતિય વિવાહ શરૂ થયા અને હુણ છોકરીઓએ ઉઈગર યુવાનો સાથે શાદી કરી લીધી એટલે આ મુદ્દે પણ બંને સમુદાયો વચ્ચે ઘર્ષણ થવા લાગ્યું. આમ જયારે બંને સમુદાયો વચ્ચે ઘર્ષણ વધી ગયું તો ૨૦૧૪ માં ચીની ફોજ દ્વારા આતંકવાદની રોકથામનું નામ લઈને ઉઈગર લોકો વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી. લોકોના ઘરો ધ્વસ્ત કરીને પૂરી આબાદીઓ તોડી પાડવામાં આવી. એ જમીનો ઉપર હુણ લોકોને વસાવવામાં આવ્યા. અને હઝારો ઉઈગર યુવાનોને મોટા કેમ્પો સ્વરૂપ જેલમાં નાખી દેવામાં આવ્યા. ચાઈના સરકાર પોતાના આ બર્બર કૃત્યના બચાવમાં એક નવી દલીલ રજૂ કરી રહી છે, સરકાર કહે છે કે આ જેલો નથી, આ બધા વોકેશનલ ટ્રેનિંગ સેન્ટરો છે. અહિંયા યુવાનોને હુનર અને કળા શીખવાડવામાં આવે છે. આ યુવાનોના નકારાત્મક અને હિંસક વિચારોને સારા રસ્તે વાળવાના પ્રયત્નો છે. પણ આ વાસ્તવિકતા નથી. માનવઅધિકાર માટે કામ કરતા કર્મશીલોનું કહેવું છે કે આ કેમ્પોમાં યુવાનો ઉપર ત્રાસ ગુઝારવામાં આવે છે. યુવાનોને એમનો ધર્મ છોડવા અને એના વિરુદ્ધ આચરણ કરવા ઉપર મજબૂર કરવામાં આવે છે. સરકાર તરફે વફાદાર રહેવાના સોગંદ લેવડાવવામાં આવે છે. એક અંદાઝા મુજબ દસ લાખથી વધારે ઉઈગર લોકો જેલમાં છે. નવાઈની વાત આ છે કે સઉદી અરેબિયા, અને પાકિસ્તાન સમેત વિશ્વના ૧૮ મુસ્લિમ દેશોએ ચીનના આ પ્રયાસોને સમર્થન આપ્યું છે.
હવે ચાઇના સરકાર આતંકવાદ રોકવાના બહાને નવા કાયદા લાવી રહી છે, જે અનુસાર હલાલ ખાવા પીવાનો આગ્રહ કરવો ગુનો ગણવામાં આવશે. સરકારી ટીવી કે સરકારી શિક્ષણથી દૂર રહેવું અપરાધ ગણાશે. આવા લોકોને ફરી પાછા કેમ્પોમાં લાવીને માનસિક કેળવણી આપવામાં આવશે. આવા કાયદાઓ લાવવા માટે સરકાર ઉદાહરણ રજૂ કરે છે કે કોઈ દુકાનેથી ટુથપેસ્ટ ખરીદતી વખતે એના હલાલ કે હરામ હોવાની તપાસ કરવાથી લોકો ઉપર ખરાબ અસર પડે છે, અને યુવાનોમાં એનાથી ધાર્મિક કટ્ટરતા વધે છે. સરકારના મતે હલાલ - હરામની ચર્ચા દેશની સેકયુલર ઓળખ માટે ખતરો છે. અમુક મહીનાઓ પહેલાં કોમ્યુનિસ્ટ પાર્ટીના નેતાઓએ શિનજિયાંગમાં લોકોની એક સભા કરીને એમાં લોકો પાસેથી હલાલ હરામની ચર્ચા બંધ કરવાના શપથ પણ લેવડાવ્યા હતા.
બીબીસી અનુસાર કહેવાતા વોકેશનલ સેન્ટરથી નાસીને કઝાકિસ્તાન પહોંચનાર એક પ્રોફેસરે અદાલત સમક્ષ સોગંદપૂર્વક જણાવ્યું કે એ કોઈ રાજકીય કેળવણીના કેમ્પો નથી. બલકે પહાડો વચ્ચે બનેલ એક જેલ હતી. એમાં ફકત એટલી જ કેળવણી છે કે રોજ સવારે ગીત ગવડાવવામાં આવે છે કે કોમ્યુનિસ્ટ પાર્ટી વગર ચીનનું અસ્તિત્વ જ ખતમ થઈ જશે. બીજા દિવસે જે કોઈ આ ગીત યાદ ન કરે એને નાશ્તો નથી આપવામાં આવતો.
એક અન્ય કેદીના જણાવ્યા અનુસાર આવા કેમ્પોમાં ફકત એટલી જ તાલીમ આપવામાં આવે છે કે કોમ્યુનિસ્ટ પાર્ટી મહાન છે. ઉઇગર સંસ્કૃતિ જૂનવાણી છે અને ચાઇનીઝ સભ્યતા આધુનિક છે. જે પુરૂષોને કેદ કરવામાં આવ્યા છે એમના ઘરોમાં બાળકોનું રક્ષણ કરવાના નામે સાદા વેશમાં પોલીસના માણસો રહે છે. જેનાથી સ્ત્રીઓ અને યુવાન છોકરીઓ ભારે માનસિક દબાણ અનુભવે છે. આવા કેદીઓ પાસે એમની જ જમીનમાં મજૂરી કરીને ખેતી કરાવવામાં આવે છે.
દોઢ અરબ લોકોને એક સમાન વિચાર સરણી, રહેણી કરણીમાં જકડવાનું જનૂન એક સ્વસ્થ માનવીના દિમાગથી ઉપજ નથી હોય શકતી. એમાં કોઈ સારો ઇરાદો હોય એ પ્રથમ નજરે જ અશકય છે.
આ બધા અત્યાચારો સામે ચીનનું સરકારી અખબાર લખે છે કે અમુક પગલાંઓ આકરાં છે, પણ એના કારણે જ અમારો દેશ આંતરવિગ્રહથી બચી રહયો છે. એક રીતે જોવા જઈએ તો ફલસ્તીન અને બર્મા પછી ચાઇના, ત્રીજો દેશ છે, જયાંથી આયોજનબદ્ધ રીતે મુસલમાનોનું નિકંદન કરવામાં આવી રહયું છે. અને મજાની વાત આ છે કે ઘણા બધા મુસ્લિમ દેશોના નેતાઓ અને આર્મી વડાઓ અને પરદા પાછળ કરીને દખલ ધરાવતી શકિતઓ પણ ચીનનું સમર્થન કરે છે.
મર્હૂમ મવલાના ઇસ્હાક મડાનવી રહ.
મવ. બશીર ભડકોદ્રવી સા. જામિઅહ જંબુસર
તા. ૨૬ મી જાન્યુઆરી ૨૦૨૧ના રાત્રે ઈશાંની નમાઝ બાદ મુફતી અહમદ સાહેબ દેવલ્વીએ ફોન દ્વારા સમાચાર આપ્યા કે દારૂલ ઉલૂમ લુણાવાડાના શૈખુલ હદીસ મવ. ઇસ્હાક સાહેબ મડાનવી અલ્લાહની રહમતે પહોંચી ગયા છે. ઈન્નાલિલ્લાહિ વ ઈન્ના ઇલયહિ રાજેઉન.
પાલનપૂરથી લગભગ પંદર કિલોમીટરના અંતરે મડાના નામનું એક નાનકડું ગામડું છે. તેને મવલાનાનું વતન હોવાનું સૌભાગ્ય પ્રાપ્ત છે. જો કે મવલાના રહ.ના પૂર્વજો નવાબ પાલનપૂરના ઝમાનામાં સિંધના કાછેલા ગામ (વર્તમાન પાકિસ્તાન)થી હિજરત કરીને પાલનપુર આવ્યા હતા. ત્યાર બાદ મવલાનાએ ગુજરાતને જ પોતાનું વતન બનાવી લીધું, ગુજરાતી થઈને જ રહયા અને અંતિમ શ્વાસ પણ ગુજરાતમાં જ લીધા. આપની માતૃભાષા સિંધી હતી. પરંતુ સામાન્ય વાતચીત ગુજરાતી શબ્દોના મિશ્રિન વાળી ઉર્દૂમાં કરતા હતા. હા ! અમુક સંજોગોમાં પોતાના ઘરના સભ્યો સાથે સિંધીમાં વાત કરતાં પણ દેખાયા હતા. પ્રાથમિક શિક્ષણ પોતાના વતન મડાનામાં મેળવ્યું, મકતબની તાલીમ પાડોશના ગામ ડીંડ્રોલમાં મેળવી અને દારૂલ ઉલૂમ આણંદથી ૧૯૫૪માં આલિમ થયા. આણંદ, વડાલી, બાદ લગભગ અર્ધી સદી દારૂલ ઉલૂમ લુણાવાડામાં સેવા આપી. અને હદીસ શરીફની ટોચની કિતાબ બુખારી શરીફનો દર્સ આપતા રહયા. બુખારી શરીફ જેવી કિતાબનો આટલા સમય સુધી પઢાવવું ઘણાં જ સૌભાગ્યની વાત છે. હા, એથીયે મોટા સૌભાગ્ય અને મહત્વકાંક્ષાની વાત મૌલાના માટે મારી નજરમાં આ છે કે દારૂલ ઉલૂમ આણંદનો જયારે સુવર્ણકાળ હતો, જે સમયે મવલાના અ. જબ્બાર રહ. આઝમી જેવા રાષ્ટ્રિય સ્તરના ધુરંધર આલિમ ત્યાંના શૈખુલ હદીસ અને સદર મુદર્રિસ હતા, ત્યારે મહૂમ મવલાના ત્યાં મુખ્તસરુલ મઆની જેવી ઉચ્ચ કક્ષાની કિતાબોનો દર્સ આપતા હતા.
ગુજરાતના મોટા આલિમોમાં મવલાના મર્હૂમની ગણના થતી હતી. ઘણી જ ઊંચી ઇલ્મી લાયકાત ધરાવતા હતા. પરંતુ કોઈ પણ જાતનું ઈલ્મી આડંબર આપની પાસે ન હતું. એક દુરવૈશ સિફત ઇન્સાન હતા, અત્યંત સાદગી સભર જીવન જીવતા હતા. ખાવા - પીવામાં સાદગી રાખતા હતા. રુખી – સુકી રોટી પર કનાઅત કરી લેનાર મસ્ત ફકીર હતા. ઘણો જ મિલનસાર સ્વભાવ હતો. નાના - મોટા દરેક સાથે આદર અને માન - સન્માનથી પેશ આવતા હતા. દારૂલ ઉલૂમ લુણાવાડાના સ્ટાફના આલિમો - ખાદિમો બધા જ આપની મજલિસમાં શરીક થઈ શકતા હતા અને વિના ખચકાટ પોતાના પ્રશ્નોનો ઉકેલ મેળવતા હતા.
ઉર્દૂ, ફારસી અરબી અને ગુજરાતીમાં શાયરી કરી લેતા હતા. જો એમની કૃતિઓને એકત્ર કરવાની કોઈ કોશિશ કરે તો ઇલ્મી – અદબી સાહિત્યમાં વધારો થઈ શકે છે. રાજકરણની ઊંડી સમજ ધરાવતા હતા. સવિશેષ વર્તમાન રાજકરણ ઉપર આપની ટીપ્પણીઓ નોંધ લેવા લાયક રહેતી હતી. પ્રસંગને અનુરૂપ ગમે તેવી મોટી સભામાં વકતવ્ય આપી શકતા હતા. અને વળી દીની બયાનમાં તો આપી આગવી શૈલી હતી.
સને ૧૯૮૯ પહેલાં દારૂલ ઉલૂમ લુણાવાડામાં મૌલાના ખલીલુર્રહમાન રશીદ સાહેબ રહ. મોહતમિમ હતા, મદરસો તે સમયમાં ઘણો જ આર્થિક સંકટમાં રહેતો હતો. મુદર્રિસોને સમયસર પગાર પણ ચુકવી શકાતો ન હતો.
તે કપળાકાળમાં મોલાના ઇસ્હાક સાહબ હઝરત મોહતમિમ સાહેબને ઘણાં જ મદદગાર પુરવાર થયા હતા. મદરસાની આર્થિક સંકળામણ દૂર કરવા મવલાના મર્હૂમે ઘણી જ કોશિશો કરી હતી. મુંબઈ, વેરાવળ, વગેરે શહેરો અને દૂર દરાઝની સફરો ખેડીને મદરસા માટે માલી મદદ એકત્રિત કરી હતી.
મવલાનાની ઉકત સફરોના સાથી મુફતી અહમદ દેવલ્વી સાહેબ (મોહતમિમ જામિઅહ ઉલૂમુલ કુરઆન) એમની મહેનત અને જફાકશીના સાક્ષી આજે પણ મોજૂદ છે. અત્રે એ વાત ઉલ્લેખનીય છે કે મુફતી અહમદ સાહેબ દેવલ્વી સાહેબ પણ દારૂલ ઉલૂમ લુણાવાડા ખાતે પાંચ વરસ તદરીસી સેવા આપી ચુકયા છે.
દારૂલ ઉલૂમોના વાર્ષિક દસ્તારબંદીના જલ્સાઓ, તકરીર, કિરાઅત વગેરે વિષયે મદરસાઓમાં યોજાતી સ્પર્ધા (મુસાબકા), તેમજ ખત્મે બુખારી શરીફના જસ્લાઓ બાબતે મવલાનાનું મંતવ્ય ગુજરાતના અન્ય ઉલમાએ કિરામથી અલગ હતું. ઓરતોની તબલીગી જમાત અને મદરસતુલ બનાત (છોકરીઓના હોસ્ટેલ સુવિધાવાળા મદરસા) બાબતે પણ મવલાના પોતાનો અલગ મત ધરાવતા હતા. પોતાની લખેલી પુસ્તિકા પણ ઉકત બાબતો ઉપર ટીપ્પણીઓ કરી છે. મવલાના રહ.નં માનવું હતું કે એમાં ફાયદા કરતાં નુકસાન વધારે છે.
ઓરતોની તબલીગી જમાઅત વિશે મવલાના રહ.એ લખ્યું છે કે આજના ફિત્નાઓના યુગમાં મસ્તૂરાતની તબલીગી જમાઅતનો જે સિલસિલો શરૂ કરવામાં આવ્યો છે તે શરઈ દષ્ટિએ જાઇઝ નથી. મદરસતુલ બનાત વિશે આપ રહ.એ લખ્યું છે કે આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની દીની તાલીમની કાર્યપદ્ધતિમાં બાલિગ તેમજ મુરાહિકા છોકરીઓને એક જગ્યાએ હોસ્ટેલમાં રાખીને તાલીમ દેવાનું કોઈ ઉદાહરણ નથી મળતું. દીની મરકઝો ગણાતા સ્થાનોમાં જેમ કે મદીના મુનવ્વરહ, બગદાદ, માવરાઉન્નહર, સમરકંદ, બુખારા, નિશાપૂર, વગેરેમાં કોઈપણ જગ્યાએ હોસ્ટેલ વાળા મદરસાનો પત્તો મળતો નથી. ભારતમાં પણ દેવબંદ, સહારનપૂર, વગેરે સ્થળોએ આપણા બુઝુર્ગોએ હોસ્ટેલ વાળા છોકરીઓના મદરસા ખોલ્યા નથી. શરીઅતની રૂહ (આત્મા)ના વિરુદ્ધ છે અને ઘણી બુરાઈઓ જન્મ લઈ શકે છે.
અંતમાં એ કે આપણું રાષ્ટ્રીય પર્વ ૨૬ મી જાન્યુઆરીનો સુર્ય અસ્ત થયો ત્યાર બાદ થોડી જ વારમાં ઇલ્મનો આફતાબ પણ સદાના માટે અસ્ત થઈ ગયો. મા ના કદમો નીચે જન્નત છે, ની ઉકતીને અનુસરીને જીવનભર માંની સેવા કરી અને આખર માના કદમોમાં જ મડાના ખાતે કબ્રસ્તાનમાં દફન થયા.
મર્હૂમના જનાઝહમાં ગુજરાતભરમાંથી ઉલમાએ કિરામ તેમજ અકીદતમંદો શરીક થયા હતા. લુણાવાડા, ગોધરા અને પાલનપૂરની આસપાસના આલિમો મોટી સંખ્યામાં હાજર હતા. જંબુસરથી જામિઅહ ઉલૂમુલ કુરઆનના મોહતમિમ મુફતી અહમદ દેવલ્વી સાહેબ પણ લાંબો સફર ખેડીને જનાઝહમાં પહોંચ્યા હતા. દારૂલ ઉલૂમ લુણાવાડાના શૈખુલ હદીસ મવલાના હિફઝુર્રહમાન સાહેબે જનાઝહની નમાઝ પઢાવી હતી. અને તા. ૨૭ જાન્યુઆરીના બપોરે ૨-૦૦ વાગ્યે અલ્લાહની ઉકત અમાનતને સુપુર્દે ખાક ફરમાવવામાં આવી હતી.
આસમાં તેરી લહદ પર શબનમ અફશાની કરે નૂર સે મામૂર યે ખાકી શબિસ્તાં હો તેરા......
કૌટુંબિક સંબંધો અને વારસાઈનો અધિકાર
અલ્લાહ તઆલાની હિકમતનો તકાઝો છે કે ખાનદાન અને કુટુંબના સભ્યોમાં પરસ્પર સંપ અને એકતાનો એવો સંબંધ હોય કે બધા એના થકી જોડાયેલા રહે, લાગણીના તાંતણે બંધાયને હમદર્દ બને, અને દરેક માણસ બીજાના દુખ— દર્દને પોતાનું દુખ અને દર્દ સમજે. આ હેતુ સિદ્ધ થાય એ માટે ત્રણ વાતો જરૂરી છે.
૧) બધા વચ્ચે કુદરતી એટલે સ્વભાવિક મુહબ્બત હોય. જેમ કે અવલાદ અને માં બાપ, ભાઈ - બહેન વગેરે વચ્ચે હોય છે.
૨) બીજા એવા કારણો – પરિબળો જે આ સંબંધને વધારે મજબૂત કરે. જેમ કે પરસ્પર મળતા રહેવું. કંઈક આપ લે થતી રહેવી. વગેરે. એનાથી મુહબ્બત વધે છે અને કપરા સમયે એકબીજાને મદદગાર બનવાની પ્રેરણા મળે છે.
૩) કોઈ એવી વારસાગત પ્રથા અને પરંપરા, જે સ્વભાવિક મુહબ્બતનો આધાર બને અને એમાં વધારો કરે. એના માટે શરીઅત દ્વારા સિલારહમી કરવાનો આદેશ આપ્યો છે. વારસામાં મળતો અધિકાર આ પરંપરા અને સંબંધને કાનૂની બનાવવા માટે જ છે.
અલબત્ત અમુક સ્વભાવિક ખામીઓ, માલની લાલચ તેમજ અમુક બાહય પરિબળોથી પ્રેરાયને માણસ ઘણીવાર સિલારહમી અને પરસ્પર સહકારના સંસ્કાર નિભાવતો નથી. સિલારહમીનો પૂરો હક અદા કરતો નથી. શરીઅતે જેટલું કરવાનું કહયું છે એનાથી ઘણું ઓછું કરીને પણ ઘણું બધું કર્યું હોય એમ સમજે છે. એટલે શરીઅત તરફથી સિલારહમીના અમુક કામો શરીઅત તરફથી વાજિબ કરવામાં આવ્યા છે. જેમ કે માં – બાપ અને અવલાદમાંથી એક માલદાર હોય અને બીજા ગરીબ હોય તો એનું ભરણપોષણ જરૂરી છે. રીશ્તેદારીના ક્રમ મુજબ અન્ય સગાઓ વચ્ચે પણ આ નિયમ લાગુ પડે છે. કુટુંબના એક સભ્યથી અન્ય કોઈ વ્યકિત ભૂલથી મરી જાય કે અવયવને નુકસાન પહોંચે તો એનું વળતર બધાએ ભેગું મળીને આપવાનો હુકમ છે. બીજા પણ અમુક હુકમો છે. આ જ અનુસંધાનમાં માણસના એવા માલ બાબત વિશેષ આદેશ આપવામાં આવ્યા છે, જે માલ મરતી વેળા માણસ પાસે મોજૂદ હોય અને હવે માણસને એની કોઈ ખાસ જરૂરત ન રહી હોય. હયાતી દરમિયાન આ માલ એની પોતાની જરૂરતોમાં અને એના ઉપર જેમનું ભરણ પોષણ જરૂરી હોય એમના માટે વાપરવામાં આવતો હતો, એટલે મૃત્યુ પછી પણ આ માલ એના સગાઓ વચ્ચે જ વહેંચવામાં આવે છે. (રહમતુલ્લાહિલ વાસિઅહ •••••
શરઈ માર્ગદર્શન ફતાવા વિભાગ
મવ. મુફતી અસ્જદ દેવલ્વી સાહેબ
તસ્દીક કર્તા : મવ. મુફતી અહમદ દેવલા સદર મુફતી જામિઅહ જંબુસર
વકફની પ્રોપર્ટીની આકારણી અને વેરો.
સવાલ : સલામ. એક ઇબાદતગાહ છે. તેની આકારણી અત્યાર સુધી થઈ નથી, હવે હું એની આકારણી કરવા ચાહું છું, તો ઇબાદતગાહમાં નમાઝ ૧-૧ - ૨૦૦૭ થી શરૂ થઈ હતી, તો હવે ઇબાદતગાહની આકારણી કયારથી કરાવું ? ૨૦૦૭ થી કરાવું કે ૨૦૧૦ થી કરાવું. તેનો કુર્આન અને હદીસની રોશનીથી જવાબ આપશો, એવી મારી નમ્ર વિનંતી છે. જવાબ આપવામાં વિલંબ ના કરશો, કારણ કે આ મહીનામાં આકારણી શાખામાં અરજી કરવાની છે, અને બીજુ કે આ ઇબાદતગાહની પાંચ દુકાનો છે. તેની પણ આકારણી થઈ નથી, તો તેની આકારણી હું ૨૦૧૦ થી કરવા માંગુ છું, અને ઇબાદતગાહ ૨૦૦૭ થી નમાઝ ચાલુ થઈ તો મને ડર લાગે છે કે દુકાનોનું ૨૦૦૭ થી આકારણી કરાવું તો અધિકારીઓ દુકાનો સાથે ઇબાદતગાહની પણ ૨૦૦૭થી આકારણી કરી લે તો એના માટે ઈબાદતગાહની આકારણી પણ ૨૦૧૦ ના વર્ષથી કરાવી લઉં તો ચાલે કે ના ચાલે ? તેનો જવાબ આપવા મારી નમ્ર વિનંતી છે.
આકારણી થાય એટલે દુકાનોનો વેરો ચાલુ થઈ જાય અને એક દુકાનનો વેરો મીનીમમ ૩૦૦૦ / રૂા. આવે છે તો ૨૦૧૦ ના વર્ષથી ગણીએ તો એક દુકાનનો વેરો ૯૦૦૦/- રૂા. થાય છે અને જો ઈબાદતગાહના ૨૦૦૭ના વર્ષથી હિસાબ લગાવ્યા તો એક દુકાનનો વેરો ૧૫૦૦૦/- રૂા. થાય, માટે તમે મને જવાબ આપો કે ઇબાદતગાહને ૨૦૦૭, ગણીએ કે ૨૦૧૦ના વર્ષથી ? કુર્આન હદીસની રોશનીમાં જવાબ આપશો, ધાર્મિક સ્થળોનો વેરો ઓછો હોય છે.
જવાબ : શરઈ દ્રષ્ટિએ એક વ્યકિત માટે પોતે રહેતા જે તે દેશના નિયમનું પાલન ત્યાં સુધી જરૂરી છે, જયાં સુધી કે તેની પાબંદીમાં ગુનાહ ન કરવો પડે, હઝરત મવ. મફતી મુહમ્મદ તકી ઉસ્માની (દા.બ.) લખે છે : ફિકહ કા કાયદા હોતા હે. વોહ કૌલન ઔર અમલન ઇસ બાત કા ઈકરાર કરતા હે કે જબ તક યે કે જો કામ મઅસિયત ઔર ગુનાહ ન હોં. ઉનમે હુકુમત કી ઇતાઅત વાજિબ હે, દૂસરે ઇસ લિયે કે જો શખ્સ જિસ મુલ્કમેં કિયામ પઝીર (રેહતા) ઇસ મુલ્ક કે કવાનીન કીસી ગુનાહ કરને પર મજબૂર નહીં કરેંગે. વો ઉન કવાનીન કી જરૂર પાબંદી કરેગા. (ફિકહી મકાલાત : ૧/૪૦)
માટે રજૂ કરેલ સુરતમાં સરકારી ધારો જોવામાં આવે, સરકારી ધારા મુજબ જે દિવસથી માલિક થયા હોય. તે દિવસથી આકારણી કરાવવી જરૂરી હોય. તો પછી એવી સુરતમાં ૨૦૦૭ થી જ આકારણી કરવામાં આવે અને સરકારી ધારામાં એવી છૂટછાટ હોય કે જયારે નોંધણી કરાવવા જાઓ, તે દિવસથી આકારણી કરાવવી, તો પછી અત્યારે જયારે નોંધણી કરાવવા જાવ તે દિવસ (૨૦૧૦) થી આકારણી કરી નોંધણી કરાવવામાં આવે. ફકત અલ્લાહ તઆલા વધુ જાણનાર છે. (તા. ૫ / જુમાદલ આખર ૧૪૩૪ હિજરી - ૧૭એપ્રિલ ૨૦૧૩ ઈ.)
મુદર્રિસ માટે સાપ્તાહિક છુટ્ટી
સવાલ : હું એક મદરસામાં દીની ખિદમત આપું છું, અને મસ્જિદમાં બે ટાઈમની નમાઝની ઝિમ્મેદારી નીભાવું છું, મસ્જિદ અને મદરસાનું ટ્રસ્ટ એક છે, અને મદસાને લગતા કામની ઝિમ્મેદારી એક ટ્રસ્ટ નામે નામે (જોઈન્ટ કમીટી) ને આપવામાં આવેલી છે, જોઈન્ટ કમીટીએ કાયદો એવો બનાવેલ છે કે જુમ્આના દિવસે જુમ્આની નમાઝની નમાઝની ઝિમ્મેદારી હોય યા ન હોય, રજા સિવાય અંગત કારણસર કંયાયે જવું નહીં અને જવું હોય તો રજા ચિઠ્ઠી આપીને જ જવું, જુમ્આના દિવસે મદરસાની રજા હોય છે, આ કાયદો શરીઅતની રૂએ બરાબર છે કે પછી જોઈન્ટ કમીટી મુદર્રિસ પર હુકમ કરી રહયા છે, જોઈન્ટ કમીટીના પ્રમુખ દઅવત – તબ્લીગમાં જોડાયેલા છે, વિગતવાર જવાબ આપશો.
જવાબ : એક મુદર્રિસ અથવા ઈમામની જયારે કમીટી તરફથી મુદર્રિસ અથવા ઈમામ તરીકે નિયુકિત કરવામાં આવે, તે સમયે જે પ્રમાણે છુટ્ટી વિશે કોલ - કરાર થયા હોય, તે મુજબ જુમ્આના દિવસની છુટ્ટી વિશે રજા લેવી કે નહીં લેવીનો હુકમ રહેશે. નિયુકત સમયે જ નક્કી થયું હોય કે અઠવાડિયામાં જુમ્આ અથવા અન્ય કોઈ દિવસે રજા રહેશે, તો પછી એવી સ્થિતિમાં ક્મીટીએ એક મુદર્રિસ અથવા ઈમામને જરૂરત વિના મના કરવું તથા રજા લેવાની ફરજ પાડવું દુરૂસ્ત નથી. પરંતુ જો પહેલેથી જ નિયુકિત સમયે આ વિશે કરાર કરવામાં આવ્યો હોય કે જુમ્આના દિવસે પણ ૨જા લઈને જવું યા પછી કમીટી કોઈ મસ્લિહતના લઈ પાછળથી આ મુજબ નિયમ લાગુ કર્યો હોય અને શરૂથી જ આની બાહેધરી કરી લેવામાં આવી હોય કે કમીટીના નિયમોના અનુસરીને જિમ્મેદારી અદા કરવાની રહેશે, તો એવી સૂરતમાં મુદરિસ ઈમામે કોલ-કરાર મુજબ છુટ્ટી લેવી પડશે. (કુર્આને કરીમ માઈદહ : ૧, મિશ્કાત : ૨૯૨૩)
(૨) કમીટીના સભ્યોએ આ વાત સારી રીતે સમજી લેવી જોઈએ કે અઠવાડિક એક દિવસની છુટ્ટીનો નિઝામ પુરાના જમાનાથી ચાલ્યો આવ્યો છે અને આપણા પુર્વજ બુઝુર્ગો આ રીતે અઠવાડિયામાં એક દિવસ સંજોગ મુજબ પોતે સ્થાપેલ મસામાં છુટ્ટીની વ્યવસ્થા રાખતા જ આવ્યા છે, બલકે ઇસ્લામી અદાલતોમાં ઇસ્લામી શાસનકાળમાં કાઝી જજ માટે અઠવાડિક છુટ્ટી રાખવામાં આવતી હતી, જેથી કરી તેઓ આરામ લઈ શકે અને અવિરતપણે કામ કરવાના લઈ થાકી ના જાય. (દુર્ર - શામી : ૩/૩૮૦)
એવી જ રીતે એક ઈમામ અને મુદર્રિસની જરૂરીયાત પણ તેનો તકાજો કરતી હોય છે, આજ કારણ છે કે દુન્યાવી દરેક સંસ્થામાં આની વ્યવસ્થા હોય છે, આજે દરેક માણસ આ રીતની છુટ્ટી મળે એવી પ્રબળ ઈચ્છા રાખે છે, બલકે એવી જગ્યાને જ પસંદ કરે છે જયાં આ રીતની છુટટીનો પ્રબંધ હોય, માટે જે રીત અસ્લાફ અને બુઝુર્ગોથી ચાલી આવી છે, તેને વળગી રહેવામાં જ મસ્જિદ – મદ્રેસાનો ફાયદો છે, નહીં તો એવું થવાની પુરેપુરી સંભાવના છે કે એક આલિમ મજબૂરીના દરજામાં આપને ત્યાં મસ્જિદ - મદ્રસામાં જિમ્મેદારી સ્વીકારશે અને અન્ય સહુલતવાળી જગ્યા મળતા રાજીનામુ આપી દેશે, જેનું નુકસાન મસ્જિદ- મદ્રસાની તાલીમને થવું ચોકકસ છે. આ બધી મસ્લિહતોને ધ્યાનમાં લઈ કમીટીએ છુટ્ટીની પણ જોગવાઈ રાખવી જોઈએ અને આ સંબંધે તંગી ન વર્તે, અલ્લાહ તઆલા અમલની તૌફીક આપે. ફકત અલ્લાહ તઆલા વધુ જાણનાર છે. (તા. ૮ / જુમાદલ આખર – ૧૪૩૪ હિ. /૨૦/૪/૨૦૧૩ ઈ.સ.)
બોધકથા :
શેખ સાદીએ એમના મહૂર પુસ્તક ગુલિસ્તાંમાં એક વાર્તા લખી છે : એક રાજા શિકારે નીકળ્યો હતો. રાત પડી ગઈ અને શહેરથી દૂર જંગલમાં રાત્રિરોકાણ કરવાની નોબત આવી. ઠંડીના દિવસો હતા એટલે કોઈ સલામત સ્થળ શોધી રહયા હતા. એવામાં ખેતરમાં બનેલ એક ગરીબ ખેડૂતનું ઘર નજર આવ્યું. રાજાએ કહયું કે આ ઘરમાં જ રાત રોકાઈએ, જેથી ઠંડીથી બચી શકીએ. રાજાની ઇચ્છા સાંભળીને એક વઝીર કહેવા લાગ્યો કે ગરીબનું આ નાનકડું ઘર બાદશાહ સલામતના માન - મોભા પ્રમાણે નથી. અને એક ગરીબ સામે એના ઘરમાં રહેવાની પરવાનગી માંગવી પણ બાદશાહને શોભા નથી દેતું. આપણે બહાર મેદાનમાં તંબુ લગાવી દઈએ છીએ. મોટું તાપણું કરીશું, એનાથી ખાવા પણ બનશે અને ગરમી પણ મળશે.
એટલામાં ગરીબ ખેડૂતને આ બધાની ખબર પડી. એ તુરંત બાદશાહની સેવામાં આવ્યો. ઘરમાં જે કંઈ હાજરહજૂર હતું એ સેવામાં રજૂ કરીને અરજ કરી કે મારું ખાણું ખાવાથી અને મુજ ગરીબના ઘરમાં રહેવાથી રાજાજીના માન -મોભામાં કંઈ પણ ઉણપ નહીં આવે. પણ આપના વઝીરો - દરબારીઓ નથી ઇચ્છતા કે એક ખેડૂતને આવું સન્માન મળે.
રાજાને ખેડૂતની વાત પસંદ પડી અને એના ઘરમાં જ રાતવાસો કર્યો. ઉપરાંત સવારે ત્યાંથી રવાના થતી વેળા ખેડૂતને ઇનામ પણ આપ્યું.
ખેડૂત પણ રાજાને વળાવવા દૂર સુધી સાથે આવ્યો અને કહેતો જતો કે,
રાજાએ એક ખેડૂતના ઘરમાં રાતવાસો કર્યો, એનાથી રાજાની મહાનતા અને મોભામાં કંઈ ઉણપ નથી આવી, પણ આવા મહાન રાજાની સેવા અને વિશ્વાસ પ્રાપ્ત કરીને મારા જેવો ખેડૂત આકાશને આંબી જાય એવી ધન્યતા અનુભવે છે.
વાર્તાનો સારા આ છે કે મોટા લોકોએ દરબારીઓથી ચેતીને રહેવું જોઈએ. પોતાનું કે રાજાનું કોઈ નુકસાન ન હોય, બલકે લાભ હોય, છતાં તેઓ અન્યોથી વધારે હસદ કરીને એમ ઇચ્છતા હોય છે કે કોઈ બીજાને બાદશાહની નિકટતા કે વિશ્વાસ પ્રાપ્ત ન થાય, અને આમ કરીને તેઓ એક વર્તુળ બનાવી લે છે, જેમાં કોઈ બીજાને આવવા પણ નથી દેતા અને બાદશાહને એમાંથી બહાર પણ નથી નીકળવા દેતા.
Real happiness is in
remembrance of Allah
MONEY ISN'T EVERYTHING
Happiness! Ah what a wonderful term, wouldn't all of us like to have that? I think it's the only thing that we need in life. How can we achieve happiness in the life hereafter as well as in this life?
Most people think, 'okay sure we will suffer all this life to get a reward of which we are not sure we will get as we are never good enough for God'.
But we intend to prove that we do get the rewards of obedience in this world and that we can get happiness even in the most direst of circumstances.
With money, We can buy a house but not a home, buy a bed but not sleep, buy a clock but not time, buy a book but not knowledge, buy food but not an appetite, buy position but not respect, buy blood but not life, buy a medicine but not health, buy sex but not love, buy insurance but not safety.
So there are things you can buy with money, but not real happiness in life.
It means, money is not everything.
Allah says in the holy Quran:
"Those who believe and whose hearts find peace in the remembrance of Allah. It is in the remembrance of Allah alone that the hearts really find peace. (Ar- Raad:13:28)
Whoever does righteousness, whether male or female, while he is a believer - We will surely cause him to live a good life, and We will surely give them their reward [in the Hereafter according to the best of what they used to do. Surat An-Nahl (16:97)
So the real happiness is in the Remembrance of Allah. We all must not connect our heart to this materialistic world. We all should work on getting the levels of spirituality and seed barkat from Allah only.
While zhikr (remembrance of Allah) means keeping in one's memory, remembering, recalling, or learning by heart any given piece of information, it also holds such metaphorical meanings as reputation, honor and glory, salaah, prayer and the heavenly texts.
Psychological and physical happiness only by surrendering to the Quran Al- Karim, which is the greatest remembrance of Allah.
Remembering Allah means reciting His name in every moment, and surrendering to Him with. the full understanding that one is under His control.
છેલ્લા પાને......
ત્રણ મહત્વના કામો
હઝ. અબ્દુલ્લાહ ઈબ્ને ઉમર રદિ. ફરમાવે છે કે એક માણસે આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની સેવામાં અરજ કરી કે યા રસૂલલ્લાહ ! મને કંઈક નસીહત કરો. આપ સલ્લલ્લાહ અલયહિ વ સલ્લમે ફરમાવ્યું : • નમાઝ એવા ધ્યાનથી પઢો કે આ જિંદગીની છેલ્લી નમાઝ છે. • લોકોના માલ તરફ નજર રાખો. • એવું કામ ન કરશો કે પછી માફી માંગવી પડે. (તબરાની)
એક કિમતી નસીહત
હઝરત અબૂ હુરયરહ રદિ. ફરમાવે છે કે એક માણસે આવીને આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમને અરજ | કરી કે મને કંઈક એવી નસીહત અને કામની વાત શીખવાડો કે એના ઉપર અમલ કરીને હું દીન – દુન્યાની ભલાઈ મેળવી શકું! આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે જવાબ આપ્યો ગુસ્સો ન કરશો. (મિશ્કાત શરીફ)
લાભકારક અમલ
હઝરત હારિષ બિન હિશામ રદિ. ફરમાવે છે કે મેં એક દિવસ અરજ કરી કે હે અલ્લાહના રસૂલ ! મને કોઈ એવો લાભકારક અમલ બતાવી દયો કે એના ઉપર દઢતા સાથે અમલ કરી શકું. આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે ઝબાન તરફ ઈશારો કરીને ફરમાવ્યું કે, આના ઉપર કાબૂ રાખો.
તરબિયતની રીત
ફૂલ - પાંદડાથી ખાલી છોડ વચ્ચે કોઈ બાગનો માળી જયારે છોડવાઓને પાણી નાંખે છે ત્યારે ફૂલ - પાંદડાથી હર્યા-ભર્યા છોડ અને સુકાય રહેલ કે ફુલ પાંદડાથી ખાલી છોડ વચ્ચે કોઇ ફરક નથી કરતો, અને બંને છોડ બાબતે પૂરી ઉમીદ રાખીને સિંચન કરે છે. બાળકોની તરબિયત અને કેળવણીનું કામ પણ આવું જ છે.
કિરદારની સુંદરતા
માણસના કપડાં ગમે તેટલા કિંમતી હોય, એના કરણી અને કિરદારને છુપાવી નથી શકતા.માણસે પોતાના કિરદારને સુધારવાનો પ્રયત્ન કરવો જોઈએ. પછી ગમે તેવા કપડાંમાં પણ એ સારો લાગશે.
અકીદતનો તકાદો
માણસ જયારે એના દોસ્ત, શિક્ષક ઉસ્તાદ, નેતા અને અમીર ઉપર સાચો વિશ્વાસ કરે તો પછી દોસ્ત અને અમીરની પણ ફરજ છે કે એ વિશ્વાસ ઉપર ખરો ઉતરે. ભોળો માણસ કોઈના ઉપર આંધળો વિશ્વાસ મુકે અને પછી તે નેતા એને સાચે જ આંધળો પૂરવાર કરે, એ ઘણી દુખની વાત છે.
મદદનો મકસદ
એહસાન અને મદદ સામે વાળાને મજબૂત કરવા અને આગળ વધારવા માટે હોય છે, માટે એહસાન કરીને એવી આશા કદી ન રાખવી કે લોકો આપણી પાછળ રહે અને આગળ ન નીકળે.