અલ-બલાગ : જૂન-2021

તંત્રી સ્થાનેથી

કોઈ પણ ધર્મના અનુયાયીઓને તેમના ધર્મના આદેશો અને ઉપદેશો લાગુ કરવાની પૂરેપૂરી સત્તા અને અધિકાર હોય છે, આ બાબતે તેઓને કોઈની પરવાનગીની આવશ્યકતા ન રહે અને તેને લાગુ કરવામાં બીજી શક્તિઓની મોહતાજી ન રહે તેનું નામ જ ધાર્મિક આઝાદી અને સ્વતંત્રતા છે.

ઓછા વધતા અંશે, નવસોથી વધુ વરસો સુધી ભારતના કેટલાય ભાગોમાં અથવા આખા ભારતમાં મુસલમાનોની હુકૂમત રહી છે, એવું તો ન જ કહી શકાય કે મુસલમાનોની આ હુકૂમત ઈસ્લામી ધોરણે હતી, પરંતુ એક વાત સ્પષ્ટ છે કે મુસલમાનોને તે સમયગાળામાં ઈસ્લામી આદેશો સંપુર્ણપણે લાગુ કરવાની પૂરેપૂરી આઝાદી ચોકકસ પ્રાપ્ત હતી.

ઉલમાએ શરીઅતના અતૂટ પ્રયત્નો એ હતા કે ઈસ્લામની સંપુર્ણ કાયદા વ્યવસ્થા — જે દરેક ધર્મ અને વર્ગના લોકો માટે સંપુર્ણપણે શાંતિ અને સુકૂન આપનાર છે, ભારતમાં લાગુ કરવામાં આવે.

મુગલ સામ્રાજયના પતન પછી, ભારતમાં ઈસ્લામી કાયદા વ્યવસ્થાને લાગુ કરવુ તો દૂર, ઈસ્લામનું જ બાકી રહેવું મુશ્કેલ થઈ ચુકયુ હતું. તે સમયે ઈસ્લામની સુરક્ષાની સંપુર્ણ જવાબદારી ઉલમાએ કિરામના માથે હતી, જેમને પયગમ્બરોના વારસદાર અને મુસલમાનોના વડીલ, માર્ગદર્શક અને જિમ્મેદાર માનવામાં આવે છે.

ભારતનો એક એક નાગરિક ગવાહ છે કે ઉમ્મતના રેહબરો ઉલમાએ કિરામ પોતાની જવાબદારી નિભાવવામાં જરાયે કચાશ બાકી નથી રાખી. તેના માટે આ નેક અને અલ્લાહથી ડરવાવાળા આલિમો, રહમાનના બંદાઓએ એક બાજુએ ઉમ્મુલ મદારિસ "દારૂલ ઉલૂમ દેવબંદ"ની સ્થાપ્ના કરી, ત્યાર પછી ત્યાંના ફારિગીન, લાભાર્થીઓ અને ચાહકોએ અખંડ ભારતના ખૂણે ખૂણે દીની મદારિસનો જાળ ફેલાવી દીધી અને તે પણ એવા કપરા સમયે કે (જયારે ભારતની શૈક્ષણિક વ્યવસ્થા ગરીબો અને નાદારો પર ઉચ્ચ શિક્ષણના દરવાજા બંધ કરી રહી હતી અને માલદારોના ખિસ્સામાંથી હઝારો નહીં બલ્કે લાખો અને કરોડો રૂપિયા પચાવી રહી હતી અને પચાવી રહી છે અને ભારતની વધુ પડતી વસ્તીને અજ્ઞાનતા અને અપમાનની ઉંડી ખાઈઓમાં ધકેલી રહી હતી અને રહી છે) ત્યારે આ મદ્રેસાઓએ ગરીબ-અમીર, ઊંચ-નીંચ દરેક વર્ગના ભુલકાઓને ખાવા-પીવા, રહેવા-સુવા, પુસ્તક વિગેરેની સઘળી જરૂરતો ની જવાબદારી પોતાના સિરે લઈ તેમને શિક્ષણ, સંસ્કાર અને ઉચ્ચ અખ્લાકથી સુશોભિત કર્યા.

બીજી બાજુએ કૌમના મિલ્લી પ્રશ્નો, રાષ્ટ્રીય અધિકાર અને આવશ્યક બાબતોની પ્રાપ્તિ તથા તેઓના હકોની રક્ષા માટે "જમીઅતે ઉલમાએ હિન્દ"નો પાયો નાખ્યો. જેને કાયમી ધોરણે મહાન આલિમો અને અલ્લાહના વલીઓનું માર્ગદર્શન અને સમર્થન મળતુ રહયું અને તેમના નેતૃત્વ અને પ્રમુખપદેથી આ સંસ્થાએ ખૂબ જ શકિતપૂર્વ, સારી રીતે અને ઝડપથી પોતાના ધ્યેયો અને હેતુઓમાં કાર્યરત રહી છે.

વાંચકમિત્રો ! વર્તમાન મહામારીમાં કોમના આલિમો, બુધ્ધિજીવીઓ અને ઉમ્મતના માર્ગદર્શકોના અલ્લાહની રહમતમાં પહોંચી જવાથી કૌમ અને મિલ્લત અને મુસ્લિમ ભારત માટે ખાસ કરીને મોટા પાયે નુકશાન થયું છે. આખિરતના સફરે જનાર બે મહાપુરૂષો મારા મતે ખાસ હતા,

(૧) જમીઅતે ઉલમાએ હિન્દના મહાનવંત પ્રમુખ, દારૂલ ઉલૂમ દેવબંદના હદીષના ઉસ્તાદ, અને સહાયક મુહતમિમ અમીરુલ હિન્દ હઝરત મવલાના કારી સય્યિદ મુહમ્મદ ઉષ્માન મન્સૂરપૂરી સાહબ (નવ્વરલ્લાહુ મરકદહુ) છે.

 હઝરત મવલાનાનો જન્મ યુ.પી.ના મુઝફફરનગર જિલ્લામાં આવેલ કસ્બા "મન્સૂરપૂર" ના નવાબી સાદાત કુટુંબમાં થયો. આપના પિતા અને દાદા પોતે હાફિઝ, આલિમ અને ઈલ્મદોસ્ત (જ્ઞાનપ્રિય) પુરૂષ હતા. પ્રાથમિક દીની તઅલીમ અને હિફઝે કુર્આન વિગેરેની તઅલીમ પોતાના પિતા પાસેથી પ્રાપ્ત કરી અને ત્યાર પછી ઉચ્ચ શિક્ષણ ઉમ્મુલ મદારિસ દારૂલ ઉલુમ દેવબંદમાં પ્રાપ્ત કર્યું. આપ ખૂબ જ નેક, બાઅખ્લાક હોવાની સાથે ગઝબના બુધ્ધિશાળી હતા, એટલે પઢવાના જમાનામાં હંમેશ પ્રથમ નંબરે સફળતા મેળવતા. એટલુ જ નહિં, આપ દારૂલ ઉલૂમના ઉસ્તાદો તથા સંચાલકોની નઝરોમાં છવાઈ ચુકયા હતા. દારૂલ ઉલૂમથી ફારિગ થયા પછી ભારતના મહાન હમદર્દ, અલ્લાહના મહાન વલી, ઉમ્મતના માર્ગદર્શક એવા શૈખુલ ઈસ્લામ હઝરત મવલાના સય્યિદ હુસેન અહમદ મદની (નવ્વરલ્લાહુ મરકદહુ)ની દીકરી સાથે નિકાહ થયા અને આમ આપની ખાનદાની– મહાનતા બેગણી થઈ ગઈ.

આલિમ બન્યા પછી ઘણા ખરા વિષયોમાં આપે મહારત અને નિપુણતા પ્રાપ્ત કરી અને ત્યાર બાદ બિહારના "ગયા" અને યુ.પી.ના "અમરોહા"માં આવેલ મદ્રેસાઓમાં હદીષ અને તફસીરની મોટી કિતાબો પઢાવતા રહયા. પંદર સંતર વર્ષો પછી ઈસવી સન ૧૯૮૨માં માદરે ઈલ્મી દારૂલ ઉલૂમ દેવબંદમા આપની નિયુકિત કરવામાં આવી. આપ ખૂબજ પ્રતિભાશાળી અને કાબેલ હોવાની સાથે સાથે ખૂબ જ મહેનતી હતા, જેના કારણે આપ (રહ.)ની દારૂલ ઉલૂમ દેવબંદના ખૂબ જ મકબૂલ અને પહેલી હરોળના ઉસ્તાદોમાં ગણના થવા લાગી. ઘણા ઉલૂમ અને ફુનૂનની સાથે સાથે હદીષ અને ફિકહની ખાસ કિતાબોના પિર્યળ - સબક આપના ભાગે રહ્યા, સાથે જ દારૂલ ઈકામા (બોર્ડિંગ), તહફફુઝે ખત્મે નુબૂવ્વત, એહતેમામની નિયાબતની મોટી મોટી જવાબદારીઓ પણ આપના માથે રહી. આપ (રહ.) ખૂબ સિધ્ધાંતવાદી અને ખંતિલા હતા એટલે પઢાવવાની જેમજ બીજી જવાબદારીઓ પણ ખૂબજ મહેનત અને ચિવટાઈ પૂર્વક પૂરી પાડતા હતા. દરેક કાર્યને બારિક નજરથી જોતા અને તેને સારી રીતે પાર પાડવાની પૂરેપૂરી કોશિશ ફરમાવતા હતા. અને અલ્લાહ તઆલાએ આપને દરેક કાર્યમાં સફળતા અર્પણ કરી.

કાદિયાનિયતના તોડ તથા જવાબ આપવા અને ખત્મે નુબૂવ્વતની હિફાઝત સંદર્ભે આપની કુર્બાનીઓ વિશે અતિશયોકિત વિના કહી શકાય કે આપના બેનમૂન કારનામાઓ ઈતિહાસનું એક રોશન પ્રકરણ ગણાશે.

આપ (રહ.) ફારિગ થયા પછીથી જ જમીઅતે ઉલમાએ હિન્દ સાથે જોડાયેલા હતા, આપ જમીઅતના ખૂબ જ નિસ્વાર્થ, મુખ્લિસ અને પાયાના ખાદિમોમાંથી હતા. આગળ જતા જમીઅતે ઉલમા હિન્દની સેવાઓમાં આપની મુખ્ય ભુમિકા રહી. "મુલ્ક વ મિલ્લત બચાવ તહરીક" અને "જેલ ભરો" ચળવળમાં ધરપકડ આપી અને જેલમાં પણ ગયા.

ફિદાએ મિલ્લત, જાનશીને શૈખુલ ઈસ્લામ હઝરત મવલાના સય્યિદ અસઅદ મદની નવ્વરલ્લાહુ મરકદહુના દુઃખદ અવસાન પછી જમીઅતે ઉલમાઅ પર ખૂબ જ ધૈર્યભરી અને નાજુક પરિસ્થિતિ આવી પડી ત્યારે જમીઅતે ઉલમાએ હિન્દના પ્રમુખ પદ માટે તે સમયના અકાબિર ઉલમાએ કિરામની નઝર આપ (રહ.) પર અટકી ગઈ, આપ (રહ.)એ જમીઅતના પ્રમુખ તરીકેની સઘળી જવાબદારીઓ ખૂબ જ કપરા સંજોગોમાં સંભાળી અને જમાઅત અને જમીઅત તથા ઉમ્મતના ઉલમા અને ભારતના મુસ્લિમોને લઈ આગળ વધ્યા અને ઉમ્મતે મુસ્લિમાને તથા જમીઅતને વેરવિખેર થવાથી બચાવી લઈ તેને સુરક્ષિત બનાવી દીધી, બલ્કે તેનાથી આગળ વધીને તેને સફળતાના પંથે લઈ ગયા. આપ (રહ.) પોતાના સમકાલિન બુઝુર્ગોને ખૂબ જ માન-સન્માન આપતા, અને નાનકાઓ માટે ખૂબ જ મહેરબાન અને પ્રેમાળ હતા. સંબંધિઓ તથા ખાદિમ વર્ગનો ખૂબ ખયાલ રાખતા અને તેમને જરૂરતોને પોતાની અવલાદની જરૂરતોની જેમ સ્વખર્ચે પૂરી ફરમાવતા હતા.

અહકરના મવલાના મરહૂમ સાથે વ્યકિતગત સંબંધો ખૂબ જ સારા અને જૂના હતા, આપણા ઈદારા ''જામિઅહ ઉલૂમુલ કુર્આન – જંબુસર" ને અનેકવાર પોતાના બરકતવંત કદમોથી નવાઝયો. જમીઅતે ઉલમાએ હિન્દની કારોબારી મિટીંગ અને મબાહિષે ફિકહિય્યહના સેમીનારોમાં જયારે પણ મારી હાજરી થતી તો આપ (રહ.) જામિઅહ જંબુસર તથા અલ-મહમૂદ જનરલ હોસ્પિટલ વિશે પૂછપરછ કરતા અને તેની સફળતા જાણી ખૂશી વ્યકત કરતા અને ખૂબ દુઆઓ ફરમાવતા હતા. આપ (રહ.)ના જવાથી મિલ્લતે ઈસ્લામિય્યહની સાથે સાથે વ્યકિતગત રીતે હું પોતે અને જામિઅહ પરિવાર પણ મોટું નુકસાન અનુભવી રહયો છે. દુઆ ગુઝારું છું કે અલ્લાહ તઆલા મવલાના (રહ.)ને પોતાની ખાસ રહમતોથી ઢાંકી દે.

…………………………….

બીજા મહાપુરૂષ જે ફાની દુન્યાની છોડી અલ્લાહને વહાલા થઈ ગયા તે એશિયા બલ્કે સમગ્ર ઈસ્લામી જગતના અરબી અને ઉર્દૂ ભાષાના બેનમૂન લેખક, મહાન ઈસ્લામી રાયટર, અરબી માસિક "અદ્ દાઅી"ના ચીફ એડીટર (તંત્રી), બે નમૂન લેખક દારૂલ ઉલૂમ દેવબંદના શોઅબએ અદબ (અરબી પીએચડી વિભાગ)ના મહાન ઉસ્તાદ હઝરત મવલાના નૂર આલમ ખલીલ અમીની (રહમતુલ્લાહિ અલહિ).

આપનો જન્મ બિહાર રાજયના મુજફ્ફરપૂર જિલ્લામાં આવેલ એક નાનકડા ગામમાં થયો. બાળપણમાં આપના વાલિદે મુહતરમ હાફિઝ ખલીલ સાહેબ અલ્લાહની રહમતમાં પહોંચી ગયા, જેથી આપની વાલિદહ આપને લઈ પીયર આવી ગયા. આમ, આપનું બાળપણ અને પ્રાથમિક શિક્ષણ ત્યાં જ ગામડામાં થયું. ત્યાર પછી ઉચ્ચતર શિક્ષણ માટે યુ.પી.ના આ'ઝમગઢમાં આવેલ "મઉનાથભંજન" પહોંચ્યા અને ત્યાંથી વધુ તઅલીમ માટે દારૂલ ઉલૂમ દેવબંદ આવી તે સમયના અકાબિર ઉલમાએ કિરામ પાસે તાલીમ લીધી અને દૌરએ હદીષની તાલીમ મદ્રસા અમીનિય્યહ દિલ્હી ખાતે ઈસ્લામી ઈતિહાસકાર હઝરત મવલાના સય્યિદ મુહમ્મદ મિયાં સાહેબ પાસે પૂર્ણ ફરમાવી.

આપ (રહ.) ખૂબ જ મહેનતી અને વાંચવા લખવાના ધુની હતી, તાલિબે ઈલ્મીના ઝમાનામાં ખાવા-પીવા અને સુવા વિગેરે બાબતો પર બહુ જ ઓછો સમય ફાળવતા, વધુ પડતો સમય સબક યાદ કરવા, તકરાર, મુતાલઆ તથા પુનરાર્વતનમાં પસાર કરતા હતા. તલબામાં આપની તકરાર ખૂબ જ પ્રખ્યાત હતી. આપ તાલિબે ઈલ્મીના યુગમાં તલબા તથા અસાતિઝા બધાની નજરોમાં મકબૂલ અને છવાયેલા હતા. અરબી તથા ઉર્દૂ સાહિત્ય સાથે આપને પહેલેથી જ લગાવ હતો અને આગળ જતા હઝરત મવલાના વહીદુઝઝમાં કેરાનવી (રહ.) જેવી પ્રતિભાશાળી શખ્શિયતના શિક્ષણ અને સંસ્કારે આપની સલાહિયતમાં નિખાર લાવી દીધો.

મદ્રસા અમીનિય્યહથી ફારિગ થયા પછી આપના મુહસિન અને મુરબ્બી ઉસ્તાદ હઝ.મવ. સય્યિદ મુહમ્મદ મિયાં સાહબ (રહ.)ના કહેવા પર દા.ઉલૂમ નદવતુલ ઉલમા લખનૌ ખાતે મુદર્રિસ તરીકે પહોંચ્યા. નદવા ખાતે નવ વર્ષના શૈક્ષણિક ગાળામાં મુફક્કિરે ઈસ્લામ હઝ. મવ.સય્યિદ અબૂલ હસન અલી મિયાં નદવી (રહમતુલ્લાહિ અલય્હિ) સાથે નજીકનો સંબંધ રહયો. આપ હઝરત મુફકિ્કરે ઈસ્લામ (રહ.)ની નજરોમાં ખૂબ જ મકબૂલ હતા જેને લઈ તેમની પાસેથી મવલાના નદવી (રહ.)એ ઘણા બધા ઈલ્મી તથા લૈખિક કાર્યો કરાવ્યા.

ત્યાર બાદ, આપ માદરે ઈલ્મી દારૂલ ઉલૂમ દેવબંદ અદબના ઉસ્તાદ તરીકે તશરીફ લાવ્યા, ખૂબ જ મેહનત અને લગન સાથે શૈક્ષણિક સેવાઓ આપી. માસિક અરબી મેગેઝિન "અદ્ દાઅી"ના મહાતંત્રી રહયા. અને ઉર્દૂ અરબી ભાષામાં ઘણી કિતાબો લખી જે જ્ઞાનપ્રિય લોકો તથા જાહેર જનતામાં તેમજ અરબ અને અજમમાં પ્રખ્યાત થઈ. આપ (રહ.) પાકા દેવબંદી હતા. અલ્લાહના રસૂલ (સ.અ.વ.) તેમજ સહાબા (રદિ.)થી ખૂબ જ મુહબ્બત ધરાવતા હતા. કૌમ અને રાષ્ટ્રના હાલાતથી હંમેશા પરિચિત રહેતા અને તે મુજબ લેખો તથા પુસ્તકો લખતા અને આ થકી અરબ જગતમાં દેવબંદી મસ્લકનું મજબૂત રીતે પ્રતિનિધિત્વ ફરમાવ્યું અને એવું કહી શકાય કે હઝરત મવલાનાએ પોતાનાથી થતું બધુ કરી તેનો હકઅદા કરી આપ્યો.

આપ (રહ.) વર્ષોથી સુગર તથા બ્લડ પ્રેશરના પેશન્ટ હતા, અને છેલ્લા કેટલાક વર્ષો પહેલા હાર્ટનું પણ ઓપરેશન થયું હતું. આપનો સ્વભાવ ખૂબ જ નાજુક અને આપ ખૂબજ સંવેદનશીલ તબીઅત વાળા હતા. આટલી બધી બીમારીઓ અને ખાસ તબીઅતના કારણે કોઈપણ જગ્યાના સફર માટે જલ્દી તૈયાર થતા ન હતા, પરંતુ આપણા ઈદારા 'જામિઅહ' સાથે ખૂબ મુહબ્બત ફરમાવતા અને દર વર્ષે રજબ મહિનાની શરૂઆતમાં જંબુસર તશરીફ લાવતા, શૌખથી બે-ત્રણ દિવસ રોકાણ કરતા, જામિઅહની અંજુમનોના જલ્સાઓનું પ્રમુખપદ સંભાળતા અને તલબા તથા અસાતિઝાને પોતાના ઉંડા જ્ઞાન અને લાંબા અનુભવોની રોશનીમાં ખૂબ જ કિંમતી વાતોથી લાભવંત ફરમાવતા હતા.

અહકર સાથે વ્યકિતગત રીતે પણ મજબૂત અને નિસ્વાર્થ સંબંધો હતા, થોડા થોડા દિવસે અમારા વચ્ચે ફોનથી વાતચીત થતી, જેમાં કૌમ અને રાષ્ટ્ર સંબંધિત હાલાત તેમજ ઘરેલુ હાલાતની ચર્ચા કરતા અને મારા ખબર અંતર પુછતા રહેતા. દારૂલ ઉલૂમ દેવબંદના સમયગાળાથી જ મારા નાના ભાઈ અઝીઝમ મૌલ્વી મુફતી મુહમ્મદ મદની તથા મારા વહાલા સુપુત્ર મુફતી અસજદ તથા મુફતી અરશદ (સલ્લમહુમા) સાથે શફકત અને મહેરબાનીભર્યો વર્તાવ કરતા.

હઝ.મવ.ની અચાનક મૌતથી મુલ્ક અને મિલ્લતના અને જામિઅહ પરિવાર સાથે સાથે વ્યકિતગત રીતે મારા કુટુંબના સભ્યોને ઉંડો આંચકો લાગ્યો છે, પરંતુ આપણી પાસે કુદરતના ફૈસલા પર રાજી રહેવા સિવાય કોઈ વિકલ્પ નથી.

આ જ દિવસોમાં દારૂલ ઉલૂમ દેવબંદના હદીસ વિષયના નિષ્ણાંત અને કાબેલ ઉસ્તાદ હઝ. મવ. હબીબુરર્હમાન સાહેબ રહ. પણ અલ્લાહની રહમતે પહોંચી ગયા. હદીસના વિદ્વાન અને કલમના ધણી હતા. વરસો સુધી દા.ઉલૂમથી પ્રકાશિત થતા ઉર્દુ મેગેઝિન 'દારૂલ ઉલૂમ'ના તંત્રી રહયા હતા.

મુળ જગદીશપૂરના રહેવાસી હતા. ફરાગત પછી વિવિધ મદરસાઓમાં સેવા આપતા રહયા. આ દરમિયાન હઝ. મવ. શાહ અબ્દુલગની ફૂલપૂરી રહ. સાથે જોડાયા. હઝ. મવ. સય્યિદ અસ્અદ મદની રહ.એ ૧૯૮૦માં એમને દેવબંદ બોલાવ્યા અને પછી ૧૯૮૧માં દારૂલ ઉલૂમના મુદર્રિસ તરીકે નીમવામાં આવ્યા. મિશ્કાત શરીફ, અબૂદાવૂદ શરીફ અને મુસ્લિમ શરીફ જેવી હદીસની ઉચ્ચ કિતાબોનો દર્સ આપતા હતા. ઇસ્લામી વિદ્યાઓના અનેક વિષયો ઉપર આપ રહ.એ કિતાબો પણ લખી છે.

મારી દુઆ છે કે અલ્લાહ તઆલા ઉપરોકત ત્રણેવ બુઝુર્ગો અને વર્તમાનમાં ચાલી રહી મહામારીમાં અવસાન પામનાર તમામ ઉલમાએ કિરામ તથા સઘળા મો'મિનોની સંપુર્ણ મફિરત ફરમાવે અને તેમને શહાદતનો દરજો અર્પણ કરે, જન્નતમાં ઉચ્ચ સ્થાન અર્પણ ફરમાવી તેમના પરિવારજનોને ધીરજ, સબ્રે જમીલ તથા બેહતરીન બદલો અર્પણ કરે અને તેમની સઘળી જરૂરતોનો તેના ગૈબી ખઝાનાઓથી કફાલત ફરમાવે. તેમને તથા પૂરી ઉમ્મતે મુસ્લિમાને અવસાન પામનાર બુઝુર્ગોનો નેઅમલ બદલ અર્પણ કરે.

ઈ દુઆ અઝ્ મન્ વ અઝ્ જુમ્લા જહાં આમીન બાદ.


ઓરતોની મહેર તેમજ યતીમ અને મંદબુદ્ધિના બાળકોના માલ વિશે વિગતવાર માર્ગદર્શન

-મુફતી ફરીદ અહમદ કાવી



بسم الله الرحمن الرحيم

وَ  اٰتُوا  النِّسَآءَ  صَدُقٰتِهِنَّ  نِحْلَةًؕ-فَاِنْ  طِبْنَ  لَكُمْ  عَنْ  شَیْءٍ  مِّنْهُ  نَفْسًا  فَكُلُوْهُ  هَنِیْٓــٴًـا  مَّرِیْٓــٴًـا(4) وَ  لَا  تُؤْتُوا  السُّفَهَآءَ  اَمْوَالَكُمُ  الَّتِیْ  جَعَلَ  اللّٰهُ  لَكُمْ  قِیٰمًا  وَّ  ارْزُقُوْهُمْ  فِیْهَا  وَ  اكْسُوْهُمْ  وَ  قُوْلُوْا  لَهُمْ  قَوْلًا  مَّعْرُوْفًا(5) وَ  ابْتَلُوا  الْیَتٰمٰى  حَتّٰۤى  اِذَا  بَلَغُوا  النِّكَاحَۚ-فَاِنْ  اٰنَسْتُمْ  مِّنْهُمْ  رُشْدًا  فَادْفَعُوْۤا  اِلَیْهِمْ  اَمْوَالَهُمْۚ-وَ  لَا  تَاْكُلُوْهَاۤ  اِسْرَافًا  وَّ  بِدَارًا  اَنْ  یَّكْبَرُوْاؕ-وَ  مَنْ  كَانَ  غَنِیًّا  فَلْیَسْتَعْفِفْۚ-وَ  مَنْ  كَانَ  فَقِیْرًا  فَلْیَاْكُلْ  بِالْمَعْرُوْفِؕ-فَاِذَا  دَفَعْتُمْ  اِلَیْهِمْ  اَمْوَالَهُمْ  فَاَشْهِدُوْا  عَلَیْهِمْؕ-وَ  كَفٰى  بِاللّٰهِ  حَسِیْبًا(6)

તરજમહ : અને સ્ત્રીઓને એમની મહેર ખુશીથી આપી દયો. હા, જો તેણીઓ તમારા માટે કંઈક (છોડવા) રાજી હોય તો પછી એ વસ્તુ ખુશી અને મજાથી ખાઓ. (૪) અને મંદબુદ્ધિ (નાદાન યતીમો)ને તમારો એ માલ હવાલે ન કરો, જેને અલ્લાહ તઆલાએ તમારા બધાના જીવનનો આધાર બનાવ્યો છે, પણ એમાંથી એમને ખવડાવો અને એમને પહેરણ આપો. અને તેમને ભલી વાત કહેતા રહો.(૫) અને આવા યતીમોને નિકાહ(ની ઉમર) સુધી અજમાવતા રહો, જયારે તમને તેઓમાં કંઇક સમજદારીનો એહસાસ થાય તો તેમનો માલ તેમને હવાલે કરી દો. અને એમનો માલ વધારે અને ઉતાવળે વાપરીને ખાય ન જાઓ, એ બીકે (કે) તેઓ મોટા થઈ જશે (તો એમને પાછો આપવો પડશે.) અને જે માણસ (યતીમનો વાલી) માલદાર હોય, તેણે તો યતીમના માલથી બચીને રહેવું જોઈએ, અને જે વાલી ગરીબ હોય તે યોગ્ય રીતે ચાહે તો ખાય શકે છે. પછી જ્યારે એમના માલ મિલકત એમને હવાલે કરો તો એમની સામે ગવાહ બનાવી લ્યો. અને અલ્લાહ  તઆલા બરાબર હિસાબ લેનાર છે. (૬)

આ સૂરતમાં મુળ રીતે વિવિધ પ્રકારની રિશ્તેદારીઓના હુકમો વર્ણવવામાં આવ્યા છે. ઓરતો અને નિકાહ વિશે, યતીમો વિશે, વારસા વહેંચણી વિશે.. વગેરે.. શરૂમાં યતીમોનું વર્ણન છે. અગાઉની આયતોમાં હુકમ હતો કે યતીમ છોકરીઓને એમના હકો આપવા જરૂરી છે. વાલીઓ એમની સાથે નિકાહ કરીને એમના હકો હડપવાની કોશિશ ન કરે, અને જો આમ થવાનો ખોફ હોય તો વાલીઓ યતીમ છોકરીઓ સાથે પોતે નિકાહ ન કરે, અન્ય સ્થળે એમના નિકાહ કરાવે, જેથી એમના હકો એમને આપી શકાય અને પોતાની જરૂરત મુજબ અન્ય સ્ત્રીઓ સાથે નિકાહ કરે.

આ અનુસંધાનમાં નિકાહને લગતો એક વિશેષ હુકમ 'મહેર' બાબત અત્રે અલ્લાહ તઆલાએ વર્ણવ્યો છે. હુકમ આ છે કે, નિકાહ વેળા મહેર આપવી જરૂરી છે. મહેર બીવીને આપવાની છે. રાજીખુશીથી આપવાની છે. જબરદસ્તીથી માફ કરાવવી દુરૂસ્ત નથી.

આ ત્રણેવ બાબતોમાં તે સમયે લોકોમાં ભારે કોતાહી હતી. મહેર ઓરતના બદલે એના વાલીઓ લઈ લેતા હતા, જાણે પૈસા લઈને છોકરી વેચી હોય એમ. ઇસ્લામી દષ્ટિએ મહેર ઓરતની કિમત નથી. એ તો નિકાહ પછી ઓરત સાથે જે આત્મીય અને શારિરીક સંબંધોની શરીઅતે પરવાનગી આપી છે, એના સન્માનમાં ઓરતને આપવાની છે.

અમુક લોકો મહેર આપવામાં કચવાટ અનુભવે છે, બોજ મહસૂસ કરે છે. એટલે અલ્લાહ તઆલાએ ફરમાવ્યું 'રાજી ખુશીથી આપો'.

અને અમુક લોકો શરૂમાં મહેર આપતા નથી, અને પાછળથી આપવાના બદલે ઓરત ઉપર દબાવ નાખીને માફ કરાવે છે. ઓરત સંબંધ સાચવવા, નારાજગી અને કચવાટ - કંકાસ ઉભો થવાની બીકે માફ કરી દે છે. અલ્લાહ તઆલાએ આમ કરવાની પણ મનાઈ ફરમાવી અને ફરમાવ્યું કે, આમ દબાવ નાખીને મરજી વિરુદ્ધ મહેર માફ કરાવવી ખોટું છે. હા, ઓરત પોતે એની રાજી — ખુશી અને મરજીથી મહેરનો કંઈક હિસ્સો કે પૂરી મહેર પાછી આપી દે અથવા માફ કરી દે તો પછી શોહર એને વાપરી શકે છે.

પછીની આયતોમાં યતીમો વિશે જ અમુક હુકમો આપવામાં આવ્યા છે. જે ક્રમવાર નીચે મુજબ છે.

યતીમ બાળકો – બાળકીઓ જયાં સુધી નાદાન હોય, એમને એમનો માલ હવાલે કરવામાં ન આવે. ત્યાં સુધી વાલીઓ માલ પોતાની પાસે રાખે અને જરૂરત મુજબ એમના ખાવા - પીવા અને પહેરવેશ વગેરેની વ્યવસ્થા કરતા રહે. અને આ દરમિયાન એમની સાથે સદવર્તન કરવાની સાથે નરમાશથી સમજાવતા રહો કે આ તમારો જ માલ - સંપત્તિ છે, તમારી ભલાઈ માટે જ અમે રોકી રાખ્યો છે, અને જયારે તમે સમજદાર થઈ જશો તો તમને હવાલે કરવામાં આવશે. એમના ઉપર ખર્ચ કરો, અને એમને સમજાવો, આ બંને હુકમોનો ખુલાસો એ થયો કે એમની સાથે દરેક રીતે સદવર્તન અને ભલમનસાઈથી વર્તવું જરૂરી છે. વાલીની નિયત કે દિલમાં યતીમનો માલ પડાવી લેવા વિશે કોઈ શયતાની વસવસો આવી શકે છે, કુરઆને બતાવેલ રીત અપનાવવામાં આવે તો આપોઆપ એનો પણ ઇલાજ થઈ જશે.

આગલી અને પાછલી આયતોને જોતાં આ હુકમ યતીમો વિશે જ છે. પણ અલ્લાહ તઆલાનું કલામ સર્વગ્રાહી હોય છે. એક જ આયતમાં અનેક હુકમો શામેલ કરી લેવામાં આવે છે. યતીમોના હુકમો દર્શાવવા દરમિયાન ઉપરોકત હુકમ એવી રીતે વર્ણવ્યો છે કે એ યતીમો ઉપરાંત અન્ય દરેક નાબાલિગ- નાદાનને પણ લાગુ પડે. એમાં યતીમનો શબ્દ વાપરવાના બદલે سفھاء (નાદાન- મંદબુદ્ધિના વ્યકિતઓ)શબ્દ વાપરવામાં આવ્યો છે. આ જ કારણે હઝ. ઈબ્ને અબ્બાસ રદિ. વગેરેના મતે આયતમાં દર્શાવેલ હુકમો યતીમો ઉપરાંત દરેક નાદાન લોકો અને એમના વાલીઓને લાગુ પડે છે.

આયતમાં અલ્લાહ તઆલાએ ફરમાવ્યું છે : એમને તમારો માલ હવાલે ન કરો. એનો એક અર્થ એ થયો કે યતીમોના માલને પણ તમારો જ માલ સમજીને તકેદારી રાખો, એક કુટુંબ કે સમાજના સભ્યોને સામુહિક રીતે જોવામાં આવે તો બધા એક-મેક અને બધાનો માલ એટલે પોતાનો માલ ગણાતો હોય છે. બીજો અર્થ એ પણ થઈ શકે કે વાલીઓ એમનો માલ પણ આવા નાદાન બાળકોને હવાલે ન કરે, કારણ કે તેઓ માલ વાપરવાની આવડત નથી રાખતા.

આમ ખુલાસો એ થયો કે આયતમાં દર્શાવેલ હુકમો દરેક નાદાન બાળકને લાગુ પડે છે. વાલીનું પોતાનું બાળક હોય કે એમની પરવરિશમાં યતીમ બાળક હોય.માલ યતીમનો હોય કે વાલીનો હોય, નાદાનને આપવામાં ન આવે.

યતીમો અને માલનો હુકમ વર્ણવવા દરમિયાન 'માલ'નું મહત્વ પણ એમાં ગુંથીને વર્ણવી દીધું છે. અલ્લાહ તઆલા ફરમાવે છે : 'તમારા માલને અલ્લાહ તઆલાએ તમારા માટે જીવનનો આધાર બનાવ્યો છે.' એનાથી પુરવાર થાય છે કે માલ એક કીમતી નેઅમત છે. નાદાનોને હવાલે કરીને બરબાદ કરવી ગુનો છે. આ પણ પુરવાર થયું કે ઝકાત અને બીજા જરૂરી હકો અદા કરવાની સાથે માલ ભેગો કરી શકાય છે અને ભેગો કર્યો છે તો પછી સાચવવો જરૂરી છે. આ સાચવવાનું મહત્વ કેટલું બધું છે એ એક હદીસથી સ્પષ્ટ થાય છે, નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમનો ઇરશાદ છે : જે માણસ પોતાના માલની હિફાજત કરવામાં માર્યો જાય તો એને શહીદનો દરજો મળશે. એક બીજી હદીસમાં છે કે શકય છે માણસને એની ગરીબી કુફ્ર સુધી લઈ જાય. (મિશ્કાત શરીફ) સુફયાન ષોરી રહ. આ હદીસના અનુસંધાનમાં ફરમાવે છે કે, પહેલાંના ઝમાનામાં લોકો માલ ભેગો કરવાને સારું સમજતા ન હતા, પણ આજકાલ તો માલનું મહત્વ મોમિન માટે એક ઢાલ જેવું છે. એનાથી ઈમાન અને ઈઝઝતની હિફાઝત થાય છે.

પછીની આયતમાં યતીમોને એમનો માલ કયારે હવાલે કરવામાં આવશે એ બાબતે માર્ગદર્શન છે. આ માર્ગદર્શ અને હુકમો પાગલ ન હોય એવા બાળકો-લોકો માટે છે. પાગલ માણસોના હુકમ અલગ છે.

• યતીમોને નિકાહની ઉમરે પહોંચતા સુધી આજમાવતા રહો. એટલે કે બાલિગ થતાં પૂર્વે અને બાલિગ થાય ત્યારે પણ કસોટી કરો.

• અજમાયશ પછી લાગે કે એ ખરીદ-વેચાણ વગેરે કરી શકે છે અને પોતાનો માલ સાચવીને વાપરી — વધારી શકે છે તો બાલિગ થતાં પણ એને આપી શકાય છે. અને જો લાગે કે હજુ સમજદારી કે આવડત નથી, તો માલ હવાલે કરવામાં ન આવે. ઈમામ અબૂ હનીફહ રહ. ફરમાવે છે કે બાળક નિકાહની ઉમરે પહોંચે છતાં હજુ નાદાન હોય તો આવી સ્થિતિમાં બાલિગ હોવા છતાં માલ એમને હવાલે કરવામાં નહીં આવે.

• અલબત્ત ૨૫ વરસની ઉમરે માલ સોંપી દેવામાં આવશે. ચાહે સમજદાર હોય કે નાદાન. ઈમામ સાહબ રહ.ના મતે માલ સોંપવાની મનાઈનું કારણ બાળપણની નાદાની છે. જે ઘણીવાર ૨૫ વરસ સુધી રહે છે. ૨૫ વરસે બાળપણની નાદાની ખતમ થઈ જાય છે, પછી પણ કોઈ સમજદાર ન બને તો એ બુદ્ધિ – આવડતની કમી છે. એમાં બાળપણને કોઈ લેવા દેવા નથી. અને માણસો દરમિયાન બુદ્ધિ - હોશિયારી અને આવડત અનુભવનો તફાવત અલ્લાહ તઆલાએ રાખ્યો છે. એટલે આવા માણસને (જો એ પાગલ ન હોય તો) ભોળો નાદાન હોવા છતાં એનો માલ સોંપી દેવામાં આવશે.

• અને યતીમ બાળકો મોટા થઈ જશે અને એમનો માલ એમને સોંપી દેવો પડશે એ બીકે ઉડાવીને, વધારે વાપરીને ઉતાવળે વાપરશો નહીં. આમ કરવું ગુનો છે. ઈમામ અબૂ હનીફહ રહ. ફરમાવે છે કે આ આયતમાં 'મોટા થવા'નો મતલબ ૨૫ વરસની ઉમર છે.

આમ કુલ મળીને બાળકની બુદ્ધિ - આવડતની પ્રગતિને ત્રણ દરજે જોવામાં આવશે. બાલિગ થતાં પહેલાં. બાલિગ થયા પછી. ૨૫ વરસ પછી. પ્રથમ બે તબક્કે જો બાળક હોશિયાર જણાય તો માલ એના હવાલે કરવામાં આવે, નહીંતર હવાલે કરવામાં આવશે નહીં. અલબત્ત ત્રીજા તબક્કે એનો માલ હવાલે કરી દેવામાં આવશે, ચાહે એ નાદાન હોય.

યતીમ અને એના માલની દેખરેખ કરનાર વાલી અગર માલદાર હોય તો એણે યતીમના માલમાંથી મહેનતાણું, ફીસ કે લાભ, કંઈ પણ લેવું જાઇઝ નથી. યતીમ અને એના માલની દેખરેખ કરવી વાલી તરીકે એની શરઈ જવાબદારીમાં શામેલ છે.

• હા, આવો વાલી ગરીબ મોહતાજ હોય તો યતીમના માલમાંથી તકેદારી અને નિયમ મુજબ 'આવશ્યક જરૂરત' પુરતો થોડો માલ પોતાના વપરાશમાં લઈને વાપરી – ખાય શકે છે. મવલાના દરયાબાદી રહ. ફરમાવે છે કે વાલીને યતીમનો માલ વાપરવાની આ પરવાનગી એની દેખરેખનું મહેનતાણું નથી. એ તો એની દીની ફરજ છે અને દીની ફરજ પૂરી કરવાનું કોઈ મહેનતાણું ન હોય. આ તો ગરીબ વાલી માટે અલ્લાહ તઆલાએ યતીમના માલમાં રાખેલ હક છે.

• પછી જયારે અંતે યતીમનો માલ યતીમને હવાલે કરવાનો સમય આવે તો માલ આપતી વેળા એમની સામે બે ગવાહો પણ રાખવામાં આવે. જેથી ભવિષ્યમાં કોઈ વિવાદ થાય તો ગવાહો થકી એનું નિવારણ આવી શકે.

મવલાના દરિયાબાદી રહ. ફરમાવે છે કે, કુરઆન મજીદમાં અલ્લાહ તઆલા વધુ પડતી આયતોના અંતે કોઈ વઈદ અને તાકીદ વર્ણવે છે. એ મુજબ આ આયતના અંતે પણ ફરમાવ્યું કે "અલ્લાહ તઆલા બરાબર હિસાબ લેનાર છે." એટલે કે અસલ હુકમ તો યતીમના માલ બાબતે અમાનતદારી દાખવવાનો છે, અને અમાનતદારી મુજબ પૂરો માલ એમને હવાલે કરતી વેળા ગવાહ બનાવવાનો છે. એમાં વાલીએ કેટલી અમાનતદારી દાખવી છે, એ અલ્લાહ તઆલા જાણે છે અને બરાબર હિસાબ કરશે. જાહેરમાં ગવાહ બનાવીને આપી દેવાથી અમાનતદારીના તકાઝા પૂર નથી થઈ જતા.


મઆરિફુલ હદીસ

હઝરત મવલાના મંઝૂર નોમાની (રહ.)

અનુવાદ : મવલાના યાકૂબ બારીવાલા સા. રહ. (બ્લેકબર્ન. યુ.કે.)

૧૫૫

ઝકાતનું બયાન

ઈમાન અને નમાઝ પછી ઝકાતની દઅવત

عَنِ ابْنِ عَبَّاسٍ ، أَنَّ رَسُولَ اللّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ بَعَثَ مُعَاذًا إِلَى الْيَمَنِ ، ‏‏‏‏‏‏فَقَالَ : ‏‏‏‏ " إِنَّكَ تَأْتِي قَوْمًا أَهْلَ كِتَابٍ فَادْعُهُمْ إِلَى شَهَادَةِ أَنْ لَا إِلَهَ إِلَّا اللّهُ وَأَنَّ مُحَمَّداً رَسُولُ اللّهِ ، ‏‏‏‏‏‏فَإِنْ هُمْ أَطَاعُوا لِذٰلِكَ ، ‏‏‏‏‏‏فَأَعْلِمْهُمْ أَنَّ اللّهَ قَدْ فَرَضَ عَلَيْهِمْ خَمْسَ صَلَوَاتٍ فِي الْيَوْمِ وَاللَّيْلَةِ ، ‏‏‏‏‏‏فَإِنْ هُمْ أَطَاعُوا لِذٰلِكَ ، ‏‏‏‏‏‏فَأَعْلِمْهُمْ أَنَّ اللّهَ قَدْ فَرَضَ عَلَيْهِمْ صَدَقَةً فِي أَمْوَالِهِمْ ، ‏‏‏‏‏‏تُؤْخَذُ مِنْ أَغْنِيَائِهِمْ وَتُرَدُّ عَلَى فُقَرَائِهِمْ ، ‏‏‏‏‏‏فَإِنْ هُمْ أَطَاعُوا لِذٰلِكَ ، ‏‏‏‏‏‏فَإِيَّاكَ وَكَرَائِمَ أَمْوَالِهِمْ ، ‏‏‏‏‏‏وَاتَّقِ دَعْوَةَ الْمَظْلُومِ ، ‏‏‏‏‏‏فَإِنَّهَا لَيْسَ بَيْنَهَا وَبَيْنَ اللّهِ حِجَابٌ ". (رواه البخاري ومسلم)


            હઝરત અબ્દુલ્લાહ બિન અબ્બાસ રદિ.થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)એ મુઆઝ બિન જબલ રદિ.ને યમન મોકલ્યા, તો (રવાના કરતી વખતે) ફરમાવ્યું કે, તમે ત્યાં એક કિતાબવાળી કોમ પાસે જઈ રહ્યા છો. (જયારે તેમની પાસે પહોંચો) તો (સૌ પ્રથમ) તેમને એ કેહજો કે તેઓ તેની શાક્ષી આપે કે અલ્લાહ સિવાય કોઈ ઈબાદત અને બંદગીના લાયક નથી. અને મુહંમદ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) અલ્લાહના રસૂલ છે. જો તેઓ તમારી આ વાત માની લે તો તેમને બતાવો કે અલ્લાહ તઆલાએ તમારા ઉપર રાત દિવસમાં પાંચ નમાઝો ફરજ કરી છે. જો તેઓ એ પણ માની લે તો તેમને બતાવો કે અલ્લાહે તેમના ઉપર સદકો (ઝકાત) ફરજ કરી છે. જે તેમના માલદારોથી વસૂલ કરી તેમના ફકીરો અને ગરીબોને આપવામાં આવશે. જો એનો પણ સ્વીકાર કરી લે તો (ઝકાત વસૂલ કરવા બાબત વીણી વીણી) તેમનો સારો અને ઉમદા માલ લેવાથી બચજો. (હા મધ્યમ પ્રકારનો માલ વસૂલ કરજો, અને એ બારામાં કોઈની ઉપર જોર ઝબરદસ્તી ન કરશો.) અને મઝલૂમની બદદુઆથી બચજો, કેમકે તેની અને અલ્લાહ વચ્ચે કોઈ આડ નથી. (તે વિના સીધી અલ્લાહની બારગાહમાં પહોંચે છે. અને કબૂલ થાય છે.) (બુખારી મુસ્લિમ)

ખુલાસો :- આ હદીસ ભલે મઆરિફુલ હદીસના પહેલા ભાગમાં કિતાબુલ ઈમાનના અનુસંધાનમાં વર્ણન થઈ ચુકી છે. અને ત્યાં એનો ખુલાસો પણ ઘણો વિગતવાર કરવામાં આવ્યો છે. પરંતુ ઈમામ બુખારી રહ. વિગેરેની રીતે યોગ્ય જણાયું કે કિતાબુ ઝઝકાતનો આરંભ પણ એ જ હદીસથી કરવામાં આવે.

ઘણા આલીમો અને સિરતના લેખકોની તહકીક પ્રમાણે હઝરત મુઆઝ બિન જબલ રદિ.ને યમનના ગવર્નર અને કાજી બનાવી મોકલવાનો આ બનાવ સન હિજરી નવનો છે. અને ઈમામ બુખારી રહ. અને બીજા અમૂક આલીમોનું મંતવ્ય છે કે સન હિજરી દસનો બનાવ છે. યમનમાં ભલે એહલે કિતાબ સિવાય મૂર્તિપૂજક મુશરિકો પણ હતા. પરંતુ એહલે કિતાબની ખાસ મહત્વતાના કારણે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)એ તેમનું વર્ણન કર્યું અને ઇસ્લામની હિકમતભરી વ્યવસ્થા અનુસાર દર્શાવ્યું કે ઈસ્લામના બધા હુકમો અને માંગણીઓ એકી સાથે સામે વાળાને ન બતાવવામાં આવે. જેવી હાલતમાં ઇસ્લામ ઘણો જ કઠણ અને શકિત બહારનું વજન જણાશે. જેથી પહેલાં તેમની સામે ઇસ્લામની માન્યતાઓમાં ફકત તૌહિદ અને રિસાલતની શાક્ષી રજુ કરવામાં આવે. જેને દરેક અકલમંદ અને સારી ફિતરત તેમ નેક દિલ માણસ સહેલાઈથી માનવા તૈયાર થઈ શકે. ખાસ કરી એહલે કિતાબ માટે આ વાત નવી નથી.

પછી જયારે સામેવાળાનું દિલ અને દિમાગ તેને સ્વીકારી લે અને તે ફિતરી અને મૂળભૂત વાત માની લે તો તેમની સામે નમાઝનો ફરજ રજૂ કરવામાં આવે જે શારીરિક અને આત્મિક, અને જીભ વડે કરવાની ઈબાદતનો ઘણો જ ઉમદા અને સારામાં સારો પ્રસ્તાવ છે. જયારે તેને તેઓ સ્વીકારી લે તો તેમની સમક્ષ ઝકાતનો ફરજ રજૂ કરવામાં આવે. અને એ સંબંધી ખાસ ખુલાસો કરવામાં આવે કે આ ઝકાત અને સદકો ઇસ્લામના પ્રચારકો તેમના અંગત ઉપયોગ માટે તમારી પાસે માંગતા નથી. પરંતુ એક નક્કી હિસાબ અને કાયદા મુજબ જે કોમ અને જે જગ્યાના તવંગરો પાસે થી લેવામાં આવે તે જ કોમ અને ત્યાંના જ જરૂરત મંદો અને ભીખારીઓમાં વાપરવામાં આવશે.

ઇસ્લામની દઅવત વિશે આ સુચના સાથે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)એ હઝરત મુઆઝ રદિ.ને એ પણ તાકીદ ફરમાવી કે ઝકાત વસૂલ કરવામાં ન્યાયથી કામ કરજો, તેમના જાનવરો અને પાકમાંથી વીણીને સારો માલ લેવામાં ન આવે. સૌથી છેલ્લે નસીહત ફરમાવી કે તમે એક એવી જગ્યાના ગર્વનર અને હાકિમ બનીને જઈ રહ્યા છો, જોર ઝબરદસ્તીથી બચજો અલ્લાહનો મઝલૂમ બંદો જયારે ઝાલિમના હકમાં બદદુઆ કરે છે. તો તે સીધી અર્શ પર પહોંચે છે.

به   ترس از آه مظلوماں کے ہنگامِ دعا کردن              اجابت از در حق بهر استقبال می آید 

આ હદીસમાં ઇસ્લામની દઅવત વિષે ફકત તૌહિદ અને રિસાલતની શાક્ષી નમાઝ, અને ઝકાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઇસ્લામના બીજા હુકમો જેમકે

રોજા અને હજ્જનો પણ ઉલ્લેખ કર્યો નથી. જે નમાઝ અને ઝકાત માફક જ ઇસ્લામના પાંચ રૂકનોમાંથી છે. હાલાંકે હઝરત મુઆઝ રદિ. જે વખતમાં યમન મોકલવામાં આવ્યા રોજા અને હજ્જ બન્નેવની ફરજીય્યતનો હુકમ આવી ગયો હતો. એનુ કારણ એ છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ના ઈર્શાદનો હેતુ ઇસ્લામની દઅવતના ફાયદાઓ અને તેની હિકમતની રીતો બતાવવાનો હતો. જેથી આપ (સલ્લલ્લાહ અલયહિ વસલ્લમ)એ ફકત આ ત્રણ રૂકનોનો ઉલ્લેખ કર્યો, જો ઇસ્લામના રૂકનોની તાલીમ આપવાનો આશય હોત તો આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) બધા રૂકનોનો ઉલ્લેખ ફરમાવત. પરંતુ હઝરત મઆઝ રદિ.ને તે શિખવવાની જરૂરત ન હતી. તેઓ તે સહાબા રદિ.માંથી હતા જેઓ દીનના ઇલ્મમાં ખાસ મહારત રાખતા હતા.

ઝકાત ન આપવાનો અઝાબ

عَنْ أَبِي هُرَيْرَةَ رَضِيَ اللّهُ عَنْهُ ، ‏‏‏‏ قَالَ : ‏‏‏‏ قَالَ رَسُولُ اللّهِ صَلَّى اللّهُ عَلَيْهِ وَسَلَّمَ : ‏‏‏‏ "مَنْ آتَاهُ اللّهُ مَالًا فَلَمْ يُؤَدِّ زَكَاتَهُ ، ‏‏‏‏‏‏مُثِّلَ لَهُ يَوْمَ الْقِيَامَةِ شُجَاعًا أَقْرَعَ لَهُ زَبِيبَتَانِ يُطَوَّقُهُ يَوْمَ الْقِيَامَةِ ، ‏‏‏‏‏‏ثُمَّ يَأْخُذُ بِلِهْزِمَتَيْهِ (يَعْنِي شِدْقَيْهِ) ‏‏‏‏‏‏ثُمَّ يَقُولُ أَنَا مَالُكَ أَنَا كَنْزُكَ ، ‏‏‏‏‏‏ثُمَّ تَلَا : وَ  لَا  یَحْسَبَنَّ  الَّذِیْنَ  یَبْخَلُوْنَ  بِمَاۤ  اٰتٰىهُمُ  اللّٰهُ  مِنْ  فَضْلِهٖ  هُوَ  خَیْرًا  لَّهُمْؕ-بَلْ  هُوَ  شَرٌّ  لَّهُمْؕ-سَیُطَوَّقُوْنَ  مَا  بَخِلُوْا  بِهٖ  یَوْمَ  الْقِیٰمَةِؕ- (رواه البخاري)

હઝરત અબૂ હુરૈરહ રદિ.થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહ અલયહિ વસલ્લમ)એ ફરમાવ્યું, જે માણસને અલ્લાહ તઆલાએ માલ આપ્યો, છતાં તેણે તેની ઝકાત ન આપી તો તે માલ કયામતના દિવસે તે માણસ સામે એવા ઝેરીલા નાગના રૂપમાં આવશે જેના ઝેરની સખતીને લઈ તેના માથાના વાળ ખરી ગયા હશે. તેની આંખો પર બે સફેદ ટપકાં હશે. (જે સાપમાં આ બે ગુણો હોય તે ઘણો જ ઝેરી સમજવામાં આવે છે.) પછી તે સાપ (ઝકાત ન આપનાર કંજૂસ)ના ગળાનો હાર બનાવી દેવામાં આવશે. (એટલે તેના ગળામાં વિંટાઈ જશે.) પછી તેના બન્ને જડબાઓ પકડી (કરડશે) અને કહેશે કે હું તારો માલ છું હું તારો ખજાનો છું.

આ ફરમાવ્યા પછી રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)એ કુર્આન મજીદની આયત પઢી :

وَ  لَا  یَحْسَبَنَّ  الَّذِیْنَ  یَبْخَلُوْنَ  بِمَاۤ  اٰتٰىهُمُ  اللّٰهُ  مِنْ  فَضْلِهٖ  هُوَ  خَیْرًا  لَّهُمْؕ-بَلْ  هُوَ  شَرٌّ  لَّهُمْؕ-سَیُطَوَّقُوْنَ  مَا  بَخِلُوْا  بِهٖ  یَوْمَ  الْقِیٰمَةِؕ- (آل عمران - ع - ۱۹)

"અને એવું ન સમજે તે લોકો જે કંજુસી કરે છે. તે માલ અને દોલતમાં જે અલ્લાહે તેની મહેરબાની અને કરમથી તેમને અર્પણ કર્યો છે. (અને તેની ઝકાત આપતા નથી) કે તે માલ દોલત તેમના હકમાં સારો છે. પરંતુ પરિણામે તેમના માટે ખરાબ અને બુરો છે.

કયામતમાં તેમના ગળામાં હાર બનાવી તે દોલત પહેરવામાં આવશે. જેમાં તેમણે કંજુસી કરી હતી. (અને જેની ઝકાત અદા ન કરી હતી) (બુખારી શરીફ) (તિર્મિઝી, નસાઈ, અને ઈબ્ને માજા માં લગભગ એ જ વાત શબ્દોના નહીંવત ફેરફાર સાથે હઝરત અબ્દુલ્લાહ બિન મસ્ઉદ(રદી.) ની રિવાયતમાં છે.)

ખુલાસો :- કુર્આન અને હદીસમાં ખાસ ખાસ અમલોના જે ખાસ સવાબ અને સજાઓનો ઉલ્લેખ કર્યો છે, તે અમલો અને તેના સવાબો અને સજાઓમાં કાયમ કોઈ ખાસ નિસ્બત હોય છે. અમૂકવાર તે એવી જાહેર થઈ જાય છે કે આપણા જેવા અભણોએ પણ સમજવું મુશ્કેલ નથી હોતું. અને કોઈકવાર એટલી અઘરી અને છુપી નિસ્બત હોય છે કે જેને ફકત ખાસ આરિફ લોકો અને ઉમ્મતના અકલમંદો જ સમજી શકે છે. આ હદીસમાં ઝકાત ન આપવાના ગુનાહની સજા બતાવવામાં આવી છે. કે દોલતનું ઝેરીલો નાગ બની તેના ગળામાં વિટળાઈ જવું. તેના બન્ને જડબાંઓને કરડવું, ખરેખર એ ગુનાહ અને તેની સજામાં પણ એક ખાસ નિસ્બત સંબંધ છે. એનું કારણ એ છે કે જે કંજુસ માણસને જે માલની મુહબ્બત ને લઈ દોલતને વળગી રહે છે. અને વાપરવાની જગ્યાએ ખર્ચ કરતો નથી. તો તેને કહેવામાં આવે છે કે તે ખજાના પર સાપ બની બેઠો છે. અને એ જ નિસ્બતથી કંજુસ અને નિચમાણસ કોઈ કોઈ વાર એવા સ્વપ્ના પણ જુએ છે.

આ હદીસ અને આલે ઈમરાનની ઉપરોકત આયતમાં 'યવમલ કિયામતિ' નો જે શબ્દ છે. તેનો ભાવાર્થ એ છે કે આ અઝાબ દોઝખ અથવા જન્નતનાં ફેંસલાથી પહેલાં મેહશરમાં થશે. હઝરત અબૂ હરૈરહ રદિ.ની બીજી હદીસમાં (જેને ઈમામ મુસ્લિમ (રહ.)એ રિવાયત કરી છે) ઝકાત ન આપનાર એક ખાસ જમાઅતને આવા પ્રકારના અઝાબના ઉલ્લેખ છેલ્લે આ શબ્દોમાં પણ છે.

حتى يقضى بين العباد فيرى سبيله إما إلى الجنة وإما الى النار -

" આ અઝાબ ત્યાં સુધી થતો રહેશે, જયાં સુધી હિસાબ કિતાબ પછી બંદાઓ વિષે ફેંસલો કરવામાં આવશે. ફેંસલા પછી તે માણસ જન્નતમાં જશે. અથવા દોઝખમાં (જેવો તેના વિષે ફેંસલો થશે)"

એટલે જેટલો અઝાબ તે હિસાબ પહેલાં ભોગવશે જો તે તેના કુકર્મોની સજા માટે અલ્લાહની નજરમાં યોગ્ય હશે તો ત્યાર પછી છુટકારો મળશે. અને જન્નતમાં મોકલી દેવામાં આવશે. અને જો મેહશરના અઝાબથી તેનો હિસાબ ચુકતે નહીં થાય તો વધુ સજા અને અઝાબ ભોગવવા માટે દોઝખમાં મોકલવામાં આવશે.

اللهم احفظنا واغفر لنا ولا تعذبنا۔ 

કયામત અને જન્નત, દોઝખના અઝાબ અને સવાબ વિષે જે કાયદાની વાતો મઆરિફુલ હદીસના પહેલા ભાગમાં લખવામાં આવ્યું છે. જે લોકોની નજરે ન પડયું હોય તે જરૂર તેનું વાંચન કરે. આ ચીઝો સંબંધી ઘણાઓને દિમાગી ગભરામણનું કારણ બને છે. ઈન્શા અલ્લાહ તેને વાંચવાથી દુર થઈ જશે.


عَنْ عَائِشَةَؓ قَالَتْ : سَمِعْتُ رَسُولَ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ ، ‏‏‏‏‏‏يَقُوْلُ : ‏‏‏‏ مَا خَالَطَتِ الصَّدَقَةُ مَالًا قَطُّ اِلَّا اَهْلَكَتْهُ. (رواه الشافعى والبخارى) 

 હઝરત આયશા સિદ્દીકા રદિ.થી રિવાયત છે કે મેં રસૂલુલ્લાહ (સલ્લલ્લાહ અલયહિ વસલ્લમ)થી સાંભળ્યું કે ઝકાતનો માલ જયારે બીજા માલમાં ભેળસેળ થશે. તો તે માલને જરૂર બરબાદ કરશે.

ખુલાસો :- ઈમામ બુખારીના ઉસ્તાદ ઈમામ હુમૈદી રહ. તેમની મુસ્નદમાં હઝરત આયશા રદિ.ની આ રિવાયત નકલ કરી તેનો મતલબ કરે છે કે, જે કોઈ માણસ ઉપર ઝકાત વાજિબ હોય, અને તેને અદા ન કરે તો બે બરકતીથી તેનો બીજો માલ પણ બરબાદ થઈ જશે.

અને ઈમામ બયહકી એ શોઅબુલ ઈમાનમાં ઈમામ અહમદ રહ.ની સનદથી હઝરત આયશા રદિ.ની આ જ રિવાયત નકલ કરી લખ્યું છે કે ઈમામ અહમદ રહ. ફરમાવે છે કે આ હદીષનો અર્થ અને ભાવાર્થ એ છે કે જો કોઈ માલદાર માણસ (જે ઝકાતનો હકદાર નથી) ખોટા રસ્તે ઝકાત વસૂલ કરી લે, તો આ ઝકાત તેના બીજા માલમાં ભેળસેળ થઈ તેને પણ બરબાદ કરી નાંખશે. નાચીઝ લખનાર અરજ કરે છે કે હદીસના શબ્દોમાં એ બન્નેવ ખુલાસાઓની ગુંજાઈશ છે. તેમાં કોઈ વિરોધ અને ફેરફાર નથી.


દુનિયા - એક કસોટીનું કેન્દ્ર


અનેકાનેક પ્રકારની વિવિધતાઓ, ખૂબીઓ, ફાયદાઓ, લાગણીઓ, ખજાનાઓ, સ્થિતિ અને સંજોગો, ઋતુઓ અને પ્રદેશો.. એટલું બધું બનાવ્યું છે હજુ સુધી માનવી એ બધા સુધી પહોંચી પણ શકયો નથી, અને શોધ પણ નથી કરી શકયો. આ બધું બનાવ્યા પછી અલ્લાહ તઆલાએ માનવીને દુનિયામાં ઉતાર્યો અને ધરતી ઉપર પોતાનો ઉત્તરાધિકારી - નાયબ બનાવ્યો. એને કહેવામાં આવ્યું કે ધરતી ઉપર રહે, હરે ફરે, ખાય – પીએ, વાપરે – લાભ ઉઠાવે, ઉગાવે–કાપે અને બનાવે – તોડે.

અલબત્ત આ બધામાં ફકત એક શરત મુકી કે જે કંઈ કરે સીધી રીતે, નેક આશયે કરે. શયતાની કામો ન કરે. અલ્લાહ તઆલાની મરજી અને આદેશ મુજબ નેકીના રસ્તે ચાલે.

આમ એક તરફ તો માણસને ધરતી ઉપર રાજ કરવાની પરવાનગી આપી, શકિત અને સમજ આપી, અને બીજી તરફ અમુક શરતો મુકી દીધી. એટલે ધરતી ઉપર માણસનું અસ્તિત્વ કસોટી અને પરીક્ષાનો વિષય બની ગયો. દુનિયાને એટલે જ દારૂલ ઇમ્તહાન – કસોટીનું કેન્દ્ર કહેવામાં આવે છે. કુરઆનમાં અલ્લાહ તઆલાએ ફરમાવ્યું છે : અમે ભલાઈ અને બુરાઈ વડે માણસને અજમાવીએ છીએ. અને બીજી એક આયતમાં છે કે માનવી ઝઈફ - કમઝોર પેદા કરવામાં આવ્યો છે. એટલે કે ઝઈફ માણસે આ કસોટી પાર કરવાની છે.

મતલબ એ થયો કે કોઈ પણ માણસ આ બે બાબતો ધ્યાનમાં રાખે તો દુન્યાની જિંદગીમાં સફળ થઈ શકે છે. દુનિયાને કસોટીની જગ્યા સમજે, એશ અને રાહતનું સ્થળ ન સમજે અને પોતાને કમઝોર સમજે, શકિતશાળી અને મરજીનો માલિક ન સમજે.

અને જે માણસ આ બે બાબતો અથવા કોઈ એક બાબતને ભૂલીને દુનિયાની જિંદગી ગુઝારે છે એ આખરે નાકામ થાય છે, પસ્તાય છે. રાહત અને એશમાં પડયો રહેનાર જયારે બધું જતું રહે છે ત્યારે પસ્તાય છે, પોતાને શકિતશાળી અને મરજીનો માલિક સમજનાર પણ આખરે કોઈ બીજા સામે હારે છે અને પસ્તાય છે.


દંભ અને દેખાવ ખાતર દીની કામો કરવાની બુરાઈ


હઝરત અકદસ શૈખુલ હદીસ મવલાના ઝકરિયા રહ.ની કિતાબ 'ઇસ્લામી સિયાસત'નો ક્રમશ અનુવાદ મુફતી ફરીદ અહમદ કાવી.

જવાબ નં- ૫

સવાલ : આજકાલ સ્વાર્થ વધારે કામ કરે છે. દરેક માણસ એના સ્વાર્થ અને ફાયદાની પાછળ પડયો નજર આવે છે.

જવાબ : શકય છે કે આવું જ હોય. અને બધા નહીં તો અમુક લોકો એવા હશે જ, જે એમના સ્વાર્થ ખાતર કામ કરતા હશે. પણ આમ થવાનું કારણ પણ એ જ છે ને કે લોકો ઇસ્લામી તાલીમથી દૂર થઈ ગયા છે. આપણે આપણા આદર્શો અને તાલીમને અપનાવવાની જરૂરત છે, પછી આ એક બુરાઈ નહીં, બીજી બધી બુરાઈઓ પણ જતી રહેશે.

જે લોકો દુનિયાના સ્વાર્થ લાભ ખાતર દીનના કામો કરે છે, તેઓ નિશંક પોતાના ઉપર જુલમ કરે છે, નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમનો ઇરશાદ છે :  إنما الأعمال بالنيات وإنما لامرئ ما نوى 

તરજમહ : આમાલનો સવાબ નિયત ઉપર આધાર રાખે છે. અને દરેક માણસને એવો જ સવાબ – બદલો મળે છે જેવી એની નિયત હોય છે.

હઝરત મઆઝ રદિ.ને નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે યમન રવાના કર્યા તો એમણે અરજ કરી કે મને કોઈ નસીહત – જરૂરી અને તાકીદની વાતો દર્શાવો. તો આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે ફરમાવ્યું : ઇખ્લાસ સાથેનો થોડો અમલ પણ કાફી છે.

એક હદીસ શરીફમાં છે : મુખલિસ લોકોને અલ્લાહ તઆલા ખુશ રાખે. તેઓ હિદાયતના ચિરાગ હોય છે. એમના કારણે દરેક કાળો ફિત્નો દૂર થતો રહે છે.

હઝરત સઅદ રદિ. મશ્હૂર સહાબી છે. એમને એક વાર પોતાના વિશે કંઈક મોટા – મહાન હોવાનો વિચાર આવ્યો. હુઝૂર સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે એમને ચેતવ્યા અને ફરમાવ્યું કે, અલ્લાહ તઆલા કમઝોરો વડે જ આ ઉમ્મતની મદદ ફરમાવે છે. એમની નમાઝના કારણે, એમની દુઆના કારણે, અને એમના ઈખ્લાસના કારણે.

નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમનો ઇરશાદ છે : અલ્લાહ તઆલાને તમારા શરીર અને તમારી સૂરતોને નથી જોતા. બલકે તમારા દિલોને જુએ છે. એટલે કે દીનના કામો કરવામાં તમારી શું નિયત અને શું ઇરાદો છે?

અલ્લાહ તઆલાનો આ ઈરશાદ પહેલાં પણ વર્ણન કરી ચુકયો છું, ફરમાવે છે : જે લોકો (નેક આમાલના બદલામાં) ફકત દુન્યાની જિંદગીના લાભો અને ફાયદાઓની ઇચ્છા રાખતા હોય તો અમે એમને આમાલનો બદલો દુનિયામાં જ આપી દઈએ છીએ. અને એમાં એમને કંઈ પણ ઓછું આપવામાં નથી આવતું. અને પછી આવા લોકો માટે આખિરતમાં જહન્નમ સિવાય કંઈ ન હશે. અને એમના કરેલા કામો આખિરતમાં બેકાર જશે અને એમના કામો સંપૂર્ણ રદબાતલ ગણાશે.

અનેક હદીસોમાં છે કે, જે માણસનો અસલ મકસદ દુન્યા હોય, તો અલ્લાહ તઆલા એના હાલાતને પરેશાન કરી દે છે, અને ગરીબી એની આંખો સામે લાવી મુકે છે, એટલે કે દરેક સમયે ગરીબી – માલની ફિકરમાં રહે છે, અને જે માણસનો અસલ મકસદ આખિરત હોય, એને સુકૂન અને સંતોષ આપે છે, એના દિલને માલદાર કરી દે છે, અને દુનિયા અપમાનિત થઈને એની પાસે પહોંચે છે.

એક હદીસમાં અલ્લાહ તઆલાનું ફરમાન છે : એ આદમના પુત્ર ! તું બધું છોડીને મારી ઇબાદતમાં મશ્ગુલ થઈ જા. હું તારા દિલને માલદારીથી ભરી દઈશ. અને તારી ગરીબી દૂર કરી દઈશ. અને જો આમ નહીં કરે તો તારા દિલને ચિંતાઓથી ભરી દઈશ અને અને ગરીબી પણ દૂર નહીં કરીશ.

માટે એવા લોકો જેમનો મકસદ ફકત દુનિયાના લાભો છે, અને એમના સારા પ્રયાસોનો આયશ દુન્યાના બેકાર ફાયદાઓ જ છે, તેઓ નિશંક એમનો સમય બરબાદ કરી રહયા છે. હઝરત કઅબ રદિ. ફરમાવે છે : નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે ફરમાવ્યું : આ ઉમ્મતને દીનદારી અને ઉચ્ચતા અને જમીન ઉપર બાદશાહતની ખુશખબરી આપી દયો, આ બધું ઉમ્મતને મળશે, પણ યાદ રાખો, જે માણસ આખિરતના કામો દુન્યા માટે કરશે એને આખિરતમાં કંઈ પણ નહીં મળે.

એક સહાબી રદિ.એ નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની સેવામાં અરજ કરી કે હું કોઈ કામ કરું છું તો અલ્લાહ તઆલાની રઝામંદીનો ઇરાદો પણ હોય છે, અને સાથે જ એવો વિચાર પણ આવે છે કે મારો મરતબો પણ લોકો સામે આવે. આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે એમને કોઈ જવાબ આપ્યો નહીં, ત્યાર પછી આયત નાઝિલ થઈ કે,

فمن كان يرجوا لقاء ربه فليعمل عملاً صالحا ولا يشرك بعبادة ربه أحدا

તરજમહ : જે માણસ એના પરવરદિગારથી મળવાની આશા રાખતો હોય એ નેક કામ કરતો રહે, અને પોતાના પરવરદિગારની ઇબાદતમાં કોઈને શરીક ન કરે.

હદીસ શરીફમાં છે : જે માણસ રિયાકારી અને ખ્યાતિ માટે કામ કરતો હોય તો અલ્લાહ તઆલા કયામતના દિવસે એને મશહૂર કરી દેશે. એટલે કે એની ખરાબ નિયતને લોકો સામે જાહેર કરી દેશે. અને એને અપમાનિત – ઝલીલ કરશે.

હદીસ શરીફમાં છે : મને તમારા વિશે સૌથી વધારે જેની બીક છે, તે 'નાનું શિર્ક' છે. સહાબા રદિ.એ અરજ કરી: યા રસૂલલ્લાહ ! શિર્કે અસ્ગર (નાનું શિર્ક) શું છે ? તો આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે ફરમાવ્યું : રિયાકારી, અને દેખાડા માટે કોઈ કામ કરવું. કયામતના દિવસે અલ્લાહ તઆલા આવા લોકોને કહેશે : તમે જેમને બતાવવા માટે કામો કર્યા હતા, એમની પાસે જઈને બદલો અને સવાબ લઈ લો. (તરગીબ)

આ વિષયે બીજી ઘણી હદીસો પણ છે. જે બધાથી એક સરખી રીતે આ વાત પૂરવાર થાય છે કે જે નેક આમાલનો મકસદ ખ્યાતિ અને નામના મેળવવાનો હોય છે, અથવા માલ – અસબાબનો આશય હોય છે, અલ્લાહ તઆલાની રઝામંદી માણસનો ધ્યેય નથી હોતો, એ બધા આમાલ બેકાર જાય છે. બલકે ખૈરના બદલે બુરાઈ પેદા કરે છે. અગાઉ જિહાદના વિષયે આવી રિવાયતો વર્ણન થઈ ચુકી છે, જેમાં છે કે, જે જિહાદનો મકસદ લોકોમાં મશ્હૂર થવાનો હોય અથવા દુન્યાનો માલ હોય, તે કુબૂલ નથી થતો. નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ સામેથી એક સહાબી રદિ. પસાર થયા. સહાબા રદિ. એમની તંદુરસ્તી અને ચુસ્તી —ફુર્તી જોઈને કહેવા લાગ્યા કે આવી ચુસ્તી – શકિત અલ્લાહના રસ્તામાં વપરાય તો કેટલું સરસ ! આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે ફરમાવ્યું : આ માણસ એના નાના નાના બાળકોની મદદ માટે નીકળ્યો છે, એ પણ અલ્લાહની જ રાહ છે. અને જે માણસ એના વૃદ્ધ વાલિદૈનની મદદ માટે નીકળે એ પણ અલ્લાહની રાહ છે. અને જો પોતાની જરૂરતો પૂરી કરવા માટે અને પોતાને હરામથી બચાવવા ખાતર નીકળે છે તો એ પણ અલ્લાહનો રસ્તો છે. હા, જે માણસ મશ્હૂર થવા નીકળે છે એ શયતાનનો રસ્તો છે. (તરગીબ)

આ હદીસ અને આવી બીજી હદીસોથી આ પણ સ્પષ્ટ થાય છે કે 'અલ્લાહની રાહ'નો મતલબ ફક્ત જિહાદ કે ઇબાદતમાં મશ્ગુલ થવાનું નામ નથી. બલકે જરૂરી આમાલ કર્યા પછી બીજા જે કામો પણ નેક નિયતે કરવામાં આવે, અલ્લાહની રઝામંદીના આશયે હોય, લોકોના હકો અદા કરવાની નિયતે હોય, એ બધા કામો અલ્લાહની રાહના છે. જે લોકો એમ સમજે છે દીનદારી ફકત ઇબાદત કરવામાં જ છે, અને દુન્યાદારીના કામોમાં પ્રવૃત થવું દીનદારી વિરુદ્ધ છે, તેઓ ખોટું વિચારે છે. મોતબર ઉલમામાં કોઈ પણ આમ નથી કહેતો કે કમાણીના અસબાબ અપનાવવામાં ન આવે. બધું છોડી દેવામાં આવે. હા, આટલું જરૂર છે કે એ બધાનો મકસદ દુન્યાદારી ન હોય. આ બધા કામો પણ અલ્લાહ તઆલાની રઝામંદી ખાતર, અલ્લાહ તઆલાએ નક્કી કરેલા હકો અદા કરવા ખાતર કરવામાં આવે. માન મરતબો, તકબ્બુર, મોટાઈ અને લોકોની નજરમાં આગેવાન બનવાની નિયતે ન કરવામાં આવે.


ગરમી બાબત અમુક કોતાહીઓ અને ઉપયોગી સુચનો


આજ કાલ લોકોમાં અન્ય લાપરવાહીઓની જેમ ગરમીની ઋતુમાં પણ અધીરાઈ જોવા મળે છે, ઠંડી વધુ પડે છે તો આપણે અધીરા બની જઈએ છે, અને ગરમીનું પ્રમાણ વધી જાય છે તો પણ ત્રાહીમામ પોકારી જઈએ છીએ, આપણા દેશમાં શિયાળામાં ખુબ ઠંડી અને ઉનાળામાં અતિશય ગરમી પડે છે, પરંતુ ગરમી પ મહીના પડે છે, જયારે કે વધારે ઠંડી લગભગ ૪૦ દિવસ પડે છે. એટલે કે ૩ મહીના ઠંડા અને ૯ મહીના ગરમ રહે છે, આને ધ્યાનમાં લઈ ગરમી સંબંધિત અમુક અગત્યની બાબતો અત્રે રજૂ કરવામાં આવે છે :

આપણા દેશમાં ગરમી (ઉનાળા)ની ઋતુનું જેવું આગમન થાય છે, તો ગરમીથી બચવા માટે પાતળા અને બારીક પોશાકનો ઉપયોગ પુરુષોની સાથે સાથે ઓરતોમાં શરૂ થઈ જાય છે, અને સ્ત્રીઓ તો હદથી વધારે બારીક અને પાતળા વસ્ત્રો પહેરે છે, પુરુષોમાં તો માત્ર સતર ઢાંકવાનો જ મસ્અલો હોય છે, ઓરતોમાં સતરની સાથે પરદાનો પણ મસ્અલો હોય છે. ઘણા લોકો કસરત કરતી વખતે અને રાતે કે સવારે ફરવા નીકળે ત્યારે પોતાની જાંઘોને ખુલ્લી રાખે છે, આ મોટો ગુનોહ છે. (મુસ્નદે અહમદ : હદીસ નં. ૧૫૯૩૨) માટે આનાથી બચવું ઘણું જરૂરી છે.

ગરમીના આરંભનો અર્થ કપડા ઉતારવા અથવા બારીક પહેરવા નથી. બલકે શરીઅતના વર્તુળમાં રહી સતર જાહેર કરવા અને બેપર્દગીથી બચવું જોઈએ. ઘરમાં પણ ઘણા લોકો ઈજાર અને પેન્ટ (લુંગી વગેરે) એ રીતે પહેરે છે કે દુટીનો નીચેનો ભાગ ખુલ્લો હોય છે, ઘરમાં વડીલો અને નાના બાળકો સામે જાણી જોઈને આ રીતે ફરવાની શરીઅતમાં ઈજાઝત નથી, ઉનાળામાં ધીરજ અને સબર સાથે સહનશકિતને વધારવી જોઈએ. ખાસ કરી જયારે લાઈટ ન હોય ત્યારે તો ઘણા લોકો બહુ ગરમી ! ઓહ...….બહું ગરમી ! ની ફરિયાદ કરે છે, હલાંકે નાશુક્રિનો કોઈ શબ્દ મોઢેથી નીકળવો જોઈએ નહીં. જે કંઈ અલ્લાહે આપ્યું કે તેના પર અલ્લાહનો આભાર માનવાની ટેવ પાડવી જોઈએ.

ઉનાળામાં દિવસ મોટો અને રાત નાની હોય છે, જેથી લોકો ફજરની નમાજ જમાઅત સાથે પઢવામાં ઘણી લાપરવાહી કરે છે, ઘણા લોકોને રાતે મોડેથી સુવાની આદત હોય છે, તો આ રીતે (૧) એક નાફરમાની સવાર સવારમાં આ થાય છે કે પુરુષોની જમાઅત છુટી જાય છે, અને બીજી કોતાહી (પુરુષોની) આ થાય છે કે નમાજ કઝા કરી બેસે છે, ઘણી સ્ત્રીઓ પણ આ કોતાહીમાં શામેલ છે. હાલાંકે ગરમીનો કમાલ તો એમાં છે કે માણસ ગરમીના દિવસોમાં પણ તહજ્જુદ ન છોડે અને આ માત્ર અલ્લાહની તૌફીક અને તેના ફઝલો કરમથી થાય છે. (૨) સામાન્ય રીતે ઉનાળામાં રોઝા લાંબા હોય છે, જેથી પઢેલા – ભરેણા લોકો પણ મામુલી ગરમીની બીકે રમઝાનુલ મુબારકના રોઝા રાખતા નથી. જે મોટી નાફરમાની અને અઝાબને નોતરનાર છે. અલ્લાહ તઆલાએ આપણું સર્જન કર્યું છે. અને માનવીના સર્જન પ્રમાણે જ બધા આદેશો નક્કી ફરમાવ્યા છે. એ જ આધારે અમુક વખતે ઉનાળામાં રમઝાન માસ આવે છે અને આપણી ધીરજની કસોટી લેવામાં આવે છે અને કયારેક શિયાળામાં રમઝાન આવે છે જે આપણા માટે અનમોલ તોહફો અને ભેટ હોય છે. (૩) એક કોતાહી તો આ છે કે ઉનાળામાં ટુંકા - સોર્ટ વસ્ત્રો પહેરવામાં આવે છે, અહીંયા સુધી કે ગુંટણોની ઉપરની જગ્યા જે સતરમાં દાખલ છે તે દેખાય આવે છે, અને સ્ત્રીઓની પણ અજીબ હાલત હોય છે, કે આખા હાથ (બગલો સુધી) ખુલ્લા અને કપડા એકદમ બારીક અને ટુંકા ! (૪) વધુ પડતુ ઠંડુ પાણી પીવાથી અનેક બીમારીઓ થાય છે. આ વિશે ડોકટરો પાસે જઈ સલાહ લઈ શકો છો. (૫) બીજાની રાહત માટે પોતાની રાહતની કુરબાની : પ્રથમ તો આજ કાલ કુર્બાની આપનાર લોકો ઘણા ઓછા છે. અને ગરમીમાં લાઈટ, પંખો, ઠંડુ પાણી વગેરે બાબતે આવી કુર્બાની રહી જાય છે. (૭) વરસાદમાં નહાવામાં સાવચેતી અપનાવવામાં આવતી નથી. (૭) પશુઓના ખોરાક, પાણીમાં કમી થતી રહે છે, ઠંડીની ઋતુમાં ઘુમ્મસના લીધે અને ગરમીમાં પાણીની તંગી વગેરે કારણોથી પાણી ઓછું પીવડાવવામાં આવે છે કાં રહી જાય છે. (૮) તડકાથી જાતે પણ બચે અને પુશુઓને પણ બચાવે. (૯) વૃક્ષો અને છોડ પાછળ વખત લગાવી તેને હરિયાળા બનાવવામાં આવે. (૧૦) ગરમીઓના ખોરાકનો ઉપયોગ કરવો જોઈએ. (૧૧) શંકાસ્પદ ઠંડા પીણાઓ પીવામાં ન આવે, ખાસ કરી કેમીકલ યુકત.  (૧૨) જરૂરતથી વધારે વિજળીનો ઉપયોગ કરવામાં ન આવે. (૧૩) એટલા પાતળા કપડાં ન પહેરે કે શરીર નજર આવે. (૧૪) ઘરની બારીઓ એ રીતે ખુલ્લી ન રાખે કે બેપર્દગી થાય અથવા કોઈની નજર અંદર પડે. (૧૫) ગરમીના લીધે મસ્જિદની સફોમાં બે નમાઝીઓની વચ્ચે જગ્યા છોડીને ઉભા ન રહે. (૧૬) ગરમીના કારણે મસ્જિદની જમાઅત ન છોડે. (૧૭) એ.સી., એર કુલરવાળી મસ્જિદમાં નમાજના સમય સિવાય પરવાનગી વગર જરૂરતથી વધારે બેસી રહેવું જોઈએ નહીં. (૧૮) સ્ત્રીઓ ગરમીના કારણે ઓઢણી અને પડદો પહેરવાનું ન છોડે. (૧૯) ગરીમીના લીધે દરવાજા – બારીઓ ખુલ્લી હોવાના કારણે બીજાઓની અવાજ અથવા વાતો સાંભળવાની મનાઈ છે. (૨૦) ડિસ્પેન્સર (પાણીવાળા કુલરો)માં ભારે (વજનદાર) બોટલો લગાવવી, સ્ત્રીઓનું કામ નથી, માટે ઘરમાં પુરુષોને કહેવામાં આવે કે ભરેલી ભારે બોટલ જાતે લગાવે. અથવા તેનો બહેતર ઉપાય આ છે કે ઉપર ખુલ્લા ઢાંકણાવાળો જગ જેવી બોટલ લગાવવી જેથી બાળક પણ વાસણ વડે તેમાં પાણી ભરી શકે. (૨૧) નહેર અથવા ટયુબવેલ પર નહાવું હોય તો શલવારની જગ્યાએ જાડા કપડા પહેરવામાં આવે જેથી ભીના કપડા શરીર સાથે ચોંટી જવાથી સતર નજર ન આવે. (૨૨) ગરમીના લીધે જનાઝાની નમાજમાં પણ મોડું કરવામાં આવે છે, ઉનાળો હોય કે શિયાળો હોય મય્યિતને જલ્દી દફનાવવી જોઈએ. અલબત્ત ગરમીમાં તો બિલ્કુલ મોડું કરવું ન જોઈએ. (૨૩) ઉનાળામાં નહાવાનો ખૂબ એહતેમામ કરવામાં આવે જેથી કોઈને ગંધ ન લાગે. (૨૪) ગરમીમાં કાચી લસ્સીનો ઉપયોગ ખૂબ ફાયદાકારક છે. (૨૫) લીંબુનો ઉપયોગ ખૂબ હિતાવહ છે. (૨૬) ઠંડા પદાર્થથી બનાવેલ ઠંડા પીણાનો ઉપયોગ કરવો જોઈએ. (૨૭) ગરમીના કારણે મય્યિતને દફનાવવાથી ભાગવું જોઈએ નહીં કેમકે જનાઝાની નમાઝ પઢવાથી એક કીરાત અને દફનવિધિમાં શામેલ થવાથી બે કીરાત સવાબ મળે છે. (સહીહ બુખારી : ૧૩૨૫) તો આપણે ગરમીના લીધે એક કીરાત સવાબ ગુમાવીએ છીએ. (૨૮) ગરમી બહુ હોવાને કારણે ખબર અંતર, તઅઝીયત જેવી સુન્નત ઈબાદતોને છોડવી જોઈએ નહીં. (૨૯) ગરમીના કારણે હજનો સફર મુલતવી રાખવો જોઈએ નહીં. (૩૦) હજ દરમિયાન પોતાના આરામનો ખ્યાલ રાખે, પાણી વગેરેની હિફાજત કરે, જો કોઈને જરૂરત પડે તો જરૂરત મુજબ બીજાને પણ આપતા રહો. (૩૧) ફુવારા વાળી બોટલ (સ્પ્રે કરવા માટે) પોતાની પાસે રાખે, જયાં ગરમી હોય પોતાના પર અને જરૂરતમંદો પર પાણી સ્પ્રે કરતો રહે પરંતુ સ્ત્રીઓ પર કારણ વગર ન છાંટે, જયાં સુધી કે તે મજબુર ન હોય, કેમકે ગેર મહરમનો મસ્અલો છે. (૩૨) પડોશીઓનો ખ્યાલ રાખે, ખાસ કરી જેમને ફ્રિજ વગેરે ઠંડુ પાણી, બરફ વગેરેની જરૂરત હોય તો તેમની જરૂરતોને વહેલી તકે પૂરી કરવામાં આવે. (૩૩) વરસાદ, તડકાના કારણે તમે છત્રીનો ઉપયોગ કરી રહયા છો તો તેમાં પણ વૃદ્ધો અને બીમારોનો ખ્યાલ રાખવામાં આવે. (૩૪) ખાવાની સાથે અને ખાઈ રહયા પછી તુરંત ઓછું પાણી પીવું જોઈએ, ખાધા પછી ત્રણ કલાક પછી ખૂબ પાણી પીવું જોઈએ. ભલે પછી ઠંડીની ઋતુ હોય કે ગરમીની ઋતુ હોય, અમુક લોકો ગરમીના કારણે પાણીથી જ પેટ ભરી લે છે, અને પછી ખોરાક ખવાતો નથી, આ રીતે તેઓ અશકત થઈ જાય છે. (૩૫) ગરમીની મોસમમાં એ.સી. વાળી દુકાનોમાં બધા જવાનો પ્રયાસ કરે છે, જેનાથી બહાર લારી – ગલ્લા વાળાઓ અને ફેરીયાઓને નુકસાન થાય છે, એટલે તેમનું વેચાણ ઓછું થાય છે. (૩૬) હવા ઉજાસવાળી જગ્યાએ બેસવું હોય તો એવી રીતે ન બેસે કે બીજાઓને તકલીફ થાય. (૩૭) રેલવે વગેરેમાં બિઝનેસ કલાસ અથવા એ.સી. સ્લીપરનો નાજાઈઝ ઉપયોગ ન કરવામાં આવે. (૩૮) ઉનાળાના તડકાથી દોજખની યાદ આવતી હશે તો આ વિશે હદીસ શરીફમા છે જેનો ખુલાસો છે કે દોજખ ફરિયાદ કરતી હતી કે મારા અમુક ભાગોએ અમુકને ખાઈ લીધો તડકાને લીધે. તો અલ્લાહ તઆલાએ તેને બે શ્વાસ લેવાની ઈજાઝત આપી, એક ઠંડો અને એક ગરમ, શિયાળામાં દોજખ ઠંડો શ્વાંસ લે છે તો ઠંડી વધી જાય છે અને ઉનાળામાં ગરમ શ્વાસ લે છે તો ગરમીનું પ્રમાણ વધી જાય છે. (બુખારી : ૪ / ૧૨૦)  (૩૯) લુ થી બચવું જોઈએ, જે રીતે સખત ઠંડીમાં ઠંડક લાગી જાય છે, જેનાની માણસ બીમાર પડી જાય છે એ જ રીતે લુ લાગવાથી બચવું જોઈએ. ખાસ કરીને વાળ વગરના માણસે. (૪૦) તડકામાં નમાઝ પઢતા હોય અથવા અમુક સફો તડકામાં હોય તો મોડું કર્યા વગર નમાઝ ટુંકાવી દેવી જોઈએ. કેમકે હદીસ શરીફમાં છે કે નબીએ કરીમ (સલ.) નું ફરમાન છે : જયારે તમારાથી કોઈ તાપમાં બેઠો હોય ત્યાર પછી તેના ઉપર છાયડો આવી જાય અને તેના શરીરનો અમુક ભાગ તાપમાં હોય અને અમુક છાય માં હોય તો તેણે તે જગ્યાએથી ઉઠી જવું જોઈએ. (અબુ દાઉદ : ૪૮૨૧) અલ્લાહ તઆલા આપણને તમામ અહકામ પર અમલ કરવાની તૌફીક આપે. …


શરઈ માર્ગદર્શન ફતાવા વિભાગ


મવ. મુફતી અસ્જદ દેવલ્વી સાહેબ 

તસ્દીક કર્તા

 મવ. મુફતી અહમદ દેવલા સદર મુફતી જામિઅહ જંબુસર

ભટ્ટા માલિકને એડવાન્સ પૈસા આપીને ઈંટોનો સોદો કરવો

સવાલ: સલામ બાદ જણાવવાનું કે અમો ઈટોનો ધંધો કરીએ છીએ, અત્યારે હાલના તબક્કે એડવાન્સ રૂપિયા આપી ઈંટો ખરીદીએ છીએ.

હાલના તબક્કે ભઠ્ઠા ઉપર માલનું ઉત્પાદન બિલ્કુલ નથી. અમો ભઠ્ઠાના માલિકને ૧ મહિનાથી લઈને પાંચ મહિના સુધી પૈસા એડવાન્સ આપીએ છીએ, ત્યાર બાદ ભઠ્ઠાના માલિક માલનું ઉત્પાદન થયા બાદ અમને ઈટો આપે છે. હવે અમોને ઈલ્મે દીનની રોશનીમાં જવાબ આપવા વિનંતી છે, આવી હાલતમાં એડવાન્સ પૈસા આપી ઈટોનો ધંધો કરી શકાય ?

                                                                             حامدا و مصليا ومسلما (1) :જવાબ

સવાલમાં વર્ણન કરવામાં આવેલ સૂરત કે જેમાં ઈંટ - માલની કીંમત એડવાન્સ આપી દેવામાં આવે છે, જયારે કે ઈંટ, માલ ચોક્કસ મુદ્દત વિત્યે આપવાની રહે છે, ઈસ્લામી શરીઅત મુજબ વેપારના આ પ્રકારને 'સલમ'થી ઓળખવામાં આવે છે, શરીઅતની રૂએ આ પ્રકારનો મામલો – વેપાર દુરુસ્ત છે, પરંતુ તેના દુરુસ્ત થવા માટે અમુક શરતો છે, એ શરતોના આધીન હશે તો આ રીતનો મામલો સહીહ ગણાશે, નહીં તો નહીં. શરતો નીચે પ્રમાણે છે :

(૧) જે વસ્તુનો સોદો કરવામાં આવી રહેલ છે, તેનું નક્કી હોવું. (૨) તેના પ્રકારનું નક્કી હોવું. (૩) તેની કોલેટીનું નક્કી હોવું. (૪) તેની કોન્ટીટીનું નક્કી અને માલૂમ હોવું. (૫) માલની અદાયગીની મુદ્દત (જે એક મહીના અથવા તેથી વધુ હોય) તથા સોંપણીની જગ્યાનું નક્કી હોવું. (૬) સોદાની મજલિસમાં જ માલ વેચાણે આપનારે કીંમત ઉપર કબ્જો કરવું. (૭) માલનું ઉધાર હોવું. (૮) સોદાથી લઈ માલ આપવાની મુદ્દત સુધી કોઈ પણ સમયે માલનું બજારમાં ઉપસ્થિત હોવું, આ છેલ્લી શરત ઈમામ અબૂહનીફા (રહ.)ના મંતવ્ય મુજબ જરૂરી છે, અન્ય ત્રણ ઇમામોના નઝદીક જરૂરી નથી, હઝરત મવ. મુફતી મુહમ્મદ તકી સા. ઉસ્માની (રહ.) એ આ શરત ન ઉપસ્થિત હોય, તો પણ આ પ્રકારના સોદાને અન્ય ફુકહાના મંતવ્ય મુજબ દુરુસ્ત ઠેરવવાની ગુંજાઈશ લખી છે. (તસ્હીલે બહેશ્તી ઝેવર : ૨ / ૧૯૧, ફિકહુલ મુઆમલાત : ૧ / ૧૯૧,૧૯૨, દુર્ર - શામી : ભાગ – ૪)

રજૂ કરેલ સૂરતમાં ઇંટની કીમત એડવાન્સ સોદા સમયે આપી, ચોક્કસ મુદ્દત પછી ઈંટ આપવાનો સોદો - વેપાર કરવામાં આવે અને ઈંટની સાઈઝ, પ્રકાર, કોલેટી, માત્રા, સોંપણીની જગ્યા વિગેરે વસ્તુઓ ઉપરોકતમાં રજૂ કરવામાં આવેલ શરતો આધીન નક્કી કરી લેવામાં આવી હોય તો આ રીતનો ઈંટોમાં વેપાર કરવો દુરુસ્ત છે, ભઠ્ઠામાં અથવા બજારમાં ઈટોના સોદા વેળાએ ઉપસ્થિત ન હોવાથી સોદાના દુરુસ્ત હોવા બાબતે કોઈ અસર પડશે નહીં, જેમકે ઉપરોકતમાં તફસીલ વર્ણન કરી દેવામાં આવી છે. (હિદાયાઃ ૫ : ૨૫૪ ઉપરથી) ફકત અલ્લાહ તઆલા વધુ જાણનાર છે. તા. ૧૭/શવ્વાલ ૧૪૩૪ હિજરી

હપ્તેથી પૈસા ઉઘરાવી જમીન - બાંધકામનો ધંધો કરવો.

સવાલ : બજારમાં મધ્યમ વર્ગો માટે નીચે જણાવ્યા મુજબની સ્કીમનું આયોજન કરતા પહેલાં...

સલામ બાદ આ સ્કીમમાં સભ્ય દીઠ ૬૦,૦૦૦ રૂપિયા સાઈઠ હજાર ચાર મહીનામાં પુરા કરવા, ત્યાર બાદ કોઈ હપ્તો ભરવાનો નથી, આ ચાર મહીનામાં જેટલા સભ્યો થાય તેની રકમ જમાં કરવી. આ સ્કીમ કુલ સાત વર્ષની છે, આ સાત વર્ષમાં આખી જમીન વેચી, જમીનના પ્લોટ બનાવવા, બાંધકામ વિગેરેમાં લે-વેચ કરી સારો એવો નફો ભેગો કરી તેમાંથી તમામ ખર્ચા બાદ કરી ચોખ્ખા નફામાંથી ૬૫ ટકા નફો મેમ્બરોને હિસાબ બતાવી વહેંચવામાં આવશે. (ઈ.અ.)

આ યોજનામાં અમારી મહેનતમાં બધી પ્રિન્ટો કઢાવવી, મેમ્બરો બનાવવા, ઓફિસ શરૂ કરવી, જવાબદારી અને હિસાબ રાખવો, જમીનો ખરીદી વિગેરેની મહેનત છે. અને બધા થયેલા મેમ્બરોની રકમ છે, સવાલમાં નુકસાન થવું અસંભવિત છે, પણ ફતાવાની નજરે મેમ્બરોનો નુકસાનમાં કેટલો હિસ્સો અને પુરા સવાલ મુજબ આ સ્કીમ જાઈઝ છે કે નહીં તે પણ જણાવવા ગુજારીશ. ફતવાનો ખુલાસો વાંચવા તથા જવાબ આપવાની તકલીફ બદલ માફી.શુક્રિયહ, જઝાકલ્લાહ

                                                                             حامدا و مصليا ومسلما (1) :જવાબ

સવાલમાં દર્શાવવામાં આવેલ સુરત શરઈ દ્રષ્ટિએ વેપારના એક પ્રકાર 'મુઝારબત' (વર્કિંગ પાટનરશીપ)થી સંબંધિત છે, જેમાં એક પક્ષેથી માલ હોય છે, જયારે કે મૂડી રોકાણ અને વેપારની મઝકૂર સૂરતમાં સ્કીમરૂપે માસિક હપ્તેથી દરેક ગ્રાહકની ચોક્કસ મુડી ૬૦,૦૦૦/- રૂપિયા ભેગા કરી, પછી વેપાર અને રોકાણ તેનું કરવામાં આવતુ હોય, નફાની વહેંચણી પણ શરીઅતના નિયમ મુજબ ટકાવારીથી નકકી કરવામાં આવી હોય, મઝકૂર વેપારની સ્કીમ દુરુસ્ત અને જાઈઝ છે, અને તેમાં ભાગ લેવો પણ દુરુસ્ત છે. (મ.ફિકહિય્યહ : ૩૮ / ૫૧,૬૮, કામુસુલ ફિકહ:૫ /૧૧૯, મુઝારબત : ૧૭૯, શિર્કતો મુઝારબત : ૨૦૧ ઉપરથી)

સદર વેપારના પ્રકારમાં મુઝારિબ (વેપાર માટે મૂડી લેનાર) વેપાર લક્ષી જે કંઈ ખર્ચાઓ થાય, તેને ગ્રાહકોની મૂડીમાંથી દરેકના મૂડીના પ્રમાણથી વસૂલ કરવાનો હક ધરાવે છે, અને અન્ય જગ્યાએ પોતાનું સ્થળ છોડી વેપાર અર્થે જવાનું થાય તો સફર ખર્ચ, ખાવા, પીવા, રહેવાનો ખર્ચ પણ વસૂલ કરવાનો વર્કીંગ પાટનર હક રાખે છે, અલબત્ત વેપાર શરૂ થતા અગાઉ સ્કીમ લક્ષી જે કંઈ ખર્ચાઓ થાય, તેને ગ્રાહકોની મૂડીમાંથી વસૂલ કરવું દુરુસ્ત નથી. કારણ કે આ રીતનો ખર્ચ વેપાર લક્ષી નથી. માટે આપ સંચાલકો માટે વેપાર માટેના ખર્ચાઓ તો ગ્રાહકોની મૂડીમાંથી વેપાર શરૂ થયેથી વસૂલ કરવું દુરુસ્ત છે, એવી જ રીતે પોતાના શહેરને છોડી અન્ય જગ્યાએ વેપાર માટે સફર કરવો પડે, તો સફર ખર્ચ, ખાવા, પીવા, રહેવાનો ખર્ચ વસૂલ કરી શકો છો. (શર્હુલ મજલ્લહ, અલી હૈદર : ૩ / ૪૬૩, ૪૭૬, દુર્ર – શામી : ૮ / ૪૩૪,૪૩૫)

મૂડીમાંથી ખર્ચાઓ વસૂલ કરવાની સ્થિતિમાં જયારે વેપારમાં નફો થાય, તો પ્રથમ નફા દ્વારા મૂડીને પૂર્ણ કરવામાં આવે અને પછી જે નફો વધે તેમાં પૈસાના માલિકો અને વર્કિંગ પાટનરોની શરત મુજબ ભાગીદારી રહેશે. (દુર્ર– શામી : ૮/ ૪૪૭, ફતાવા ઝકરિય્યહ : ૫ / ૭૨૯)

જો વેપારમાં રોકાણ કરતા કોઈ નુકસાન થાય, તો તેની ભરપાઈ પ્રથમ નફાથી કરવામાં આવશે, નુકસાનની ભરપાઈ કરવામાં તમામ નફો ખતમ થઈ જાય, તો પછી નુકસાનને માલિકોની અસલ મૂડીથી વસૂલ કરવામાં આવશે, અને આવી સૂરતમાં મુઝારિબ (વર્કિંગ પાટનર) ના શિરે કોઈ વળતર લાગુ થશે નહીં. વેપાર કરતા બધા જ વેપારમાં નુકસાન અને ખોટ આવી પડે, નફો બિલ્કુલ થયો જ નહીં, તો આ બધી જ ખોટ-નુકસાન માલ આપનાર માલિકોનું ગણાશે. મુઝારિબ (વર્કિંગ પાટનર)ના શિરે કોઈ પણ પ્રકારની ખોટ-નુકસાનનું વળતર લાગુ થશે નહીં, પછી શરૂથી નુકસાનની જવાબદારી મુઝારિબ (વર્કિંગ પાટનર-વેપાર માટે પૈસા લેનાર) ના શિરે કેમ નાંખવામાં આવી ન હોય, તો પણ નુકસાન પૈસા આપનારાઓએ જ ભોગવવું પડશે. (શિર્કતો મુઝારબતઃ૨૩૮, શર્તુલમુજલ્લહ, અલી હૈદરઃ૩/ ૪૮૫, ૪૮૬) ફકત અલ્લાહ તઆલા વધુ જાણનાર છે. (૯/ ઝિ.કદ ૧૪૩૪ હિજરી, ૧૬ સપ્ટેમ્બર ૨૦૧૩)


બોધકથા

જૂના ઝમાનાની વાત છે, એક વિશાળ સામ્રાજયનો રાજા પોતાના મહેલથી ઘણા દૂર એક રેતાળ, પથરાળ અને પહાડી વિસ્તારોના પ્રવાસે જાય છે, રય્યતના હાલ જાણીને જયારે પાછો ફરે છે, તો એના પગ પર ફોલ્લા પડી ગયા હોય છે. બાદશાહ પહેલી જ વાર આટલા દૂરના પ્રવાસે ગયો હતો. રય્યતને મળવા અને એમની સુખાકારી માટે એણે ઇરાદો કર્યો પણ વારંવાર આવો પ્રવાસ કરવો જોઈએ. પણ એને પગમાં પડેલા ફોલ્લા અને ઘાવની ચિંતા હતી કે એનો કોઈ ઉપાય કરવામાં આવે.ઘણું વિચારીને પોતાના સૈનિકોને હુકમ કરે છે કે પ્રદેશના સઘળા રસ્તાઓને ચામડાથી ઢાંકી દેવામાં આવે. જેથી ફરીવાર હું પ્રવાસે નીકળું તો મારા પગને તકલીફ ન પડે. સિપાહીઓ આ આદેશ સાંભળીને એક બીજાના મોઢા જોવા લાગે છે, ખજાનચી અને મુનીમ પણ માથું ખંજવાળે છે. કારણ કે આમ કરવા માટે ખુબ બધા પ્રાણીઓના ચામડાની જરૂર પડે, અને પૈસા પણ પુષ્કળ જોઈએ.

છેવટે એક વફાદાર સૈનિક હિંમત કરીને કહે છે કે મહારાજ, આટલો બધો ખર્ચ કરવાની શી જરૂર ? આજ્ઞા હોય તો હું એક બીજો ઉપાય બતાવું. તમે એક નાનો ચામડાનો ટુકડો લઈને તમારા પગને ઢાંકી દો. રાજાને આ સુચન ગમી જાય છે. આટલી મોટી સમસ્યાનો આટલો સરળ અને નાનો ઉપાય ! તુરંત આ કીમતી સલાહનું પોતે પણ અનુસરણ કરે છે બધાને પણ એનું અનુસરણ કરવાનું કહે છે.

વાર્તાનો સાર આ છે કે ઘણીવાર સમસ્યા અને પરેશાની સામે પક્ષે નથી હોતી, પોતાના પક્ષે હોય છે. માણસે આત્મચિંત કરીને સમસ્યાનું મુળ શોધવાની જરૂરત હોય છે. આજે વધુ પડતા લોકોને એમના સંબંધીઓ અને અન્ય લોકો બાબતે શિકાયતો હોય છે. માણસ જો પોતાના અંદર જરૂરી પરિવર્તન કરી લે તો વધુ પડતી નારાજગી અને સમસ્યા હલ થઈ શકે છે. ઘણી બધી શિકાયતોમાં બીજાઓને સુધારવા કરતાં માણસે પોતાને સુધારવાની જરૂરત હોય છે.

સારું જીવન જીવવા માટે, સારા જગતનું નિર્માણ કરવું હોય તો પોતાની જાતને, પોતાના વિચાર અને આચરણને બદલવાની આવશ્યકતા છે.


Masjid al-Aqsa

The Noble Prophet (Peace Be Upon Him) dedicated a great deal of his life nurturing the Companions to appreciate the excellent qualities of Masjid al-Aqsa. Some of the reasons why Masjid al-Aqsa should form an important aspect of a believer's dedication, include the fact that Masjid al-Aqsa is:

1) the first qiblah for Muslims; 2) the station of al-Isra' and al-Mi'raj; 3) the second house of Allah built on earth; 4) the place where hundreds of Messengers of Allah are buried; 5) the place where many Companions are buried; 6) a place where miracles were shown by Allah's will; 7) a place which Allah Himself calls a 'blessed place'; 8) referred to directly and indirectly, seventy times in the Holy Qur'an; 9) the place where angels have descended with Allah's message; 10) the only place on earth where all the Messengers of Allah prayed at the same time led by the Prophet Muhammad (Peace Be Upon Him); 11) the only Masjid mentioned by name in the Holy Qur'an apart from the Ka'bah.

Masjid al-Aqsa Earth The Second House of Allah on Earth

Abu Dharr (R) reported that he asked the Prophet (Peace Be Upon Him), "O Messenger of Allah, which masjid was built first on earth?" The Prophet (Peace Be Upon Him) replied, "The Sacred Masjid of Makkah." Abu Dharr again asked, "Which was next?" The Prophet (Peace Be Upon Him) said, "The Masjid al-Aqsa." Abu Dharr (Peace Be Upon Him) further asked, "How long was the period between the building of the two masajid?" The Prophet (Peace Be Upon Him) said, "Forty years." Apart from these, offer your prayers anywhere when it is time to pray, as excellence lies in it." (Al-Bukhari) 

The Importance of Visiting Masjid Al-Aqsa :

Abu Hurayrah (R) relates that the Prophet (Peace Be Upon Him) said, "You should not undertake a special journey to visit any place other than the following three masajid (with the expectation of receiving greater reward); the Sacred Masjid of Makkah (Ka'bah), this masjid of mine (the Prophet's Masjid in Madinah), and Masjid al-Aqsa (of Jerusalem)." (Muslim)

The Virtues of Performing Salah in Masjid al-Aqsa

Anas Ibn Malik (ra) relates that the Prophet (saw) said:"A man's prayer in his house is equal (in reward) to 1 prayer; his prayer in the mosque of the tribes is equal to 25 prayers; his prayer in the mosque in which Friday prayer is offered is equal to 500 prayers; his prayer in Aqsa Mosque is equal to 50,000 prayers; his prayer in my mosque is equal to 50,000 prayers; and his prayer in the Sacred Mosque is equal to 100,000 prayers."

Abdullah ibn 'Amr related that the Prophet (Peace Be Upon Him) said, "When Sulayman ibn Dawud (Peace Be Upon Him) constructed Bayt al-Maqdis, he asked Allah three things. He asked Allah for adjudication in line with his ruling, which he was given. He asked Allah for an empire which cannot be attained by anybody after him, which he was given, and he asked Allah, when he completed the construction of Masjid al-Aqsa, that whoever comes solely to perform Salah in this masjid He forgives his sins, leaving him like the day his mother gave birth to him." (Al-Nasa'i) 

Masjid al-Aqsa – The First Qiblah :

Al-Bara' narrates, "We prayed along with the Prophet (Peace Be Upon Him) facing Bayt al-Maqdis (Jerusalem) for sixteen or seventeen months. Then Allah ordered him to turn his face towards the Ka'bah (in Makkah)." (Al-Bukhari and Muslim)


છેલ્લા પાને….

આગ અને દોસ્ત

શકીક બલ્ખી રહ. ફરમાવે છે : લોકો સાથે એવી રીતે રહો જેમ આગ સાથે રહો છો. એનો લાભ લેતા રહો, પણ સાવચેત રહો કે કયાંક તમને સળગાવીને રાખ ન કરી દે.

રાહત

શરીરની રાહત ઓછું ખાવામાં છે. મનની રાહત ઓછા ગુનાહોમાં છે. દિલની રાહત ઓછી ચિંતાઓમાં છે. ઝબાનની રાહત ઓછી વાતચીતમાં છે.

અખ્લાકનું મહત્વ

ફુઝૈલ બિન અયાઝ રહ. ફરમાવે છે : સદવર્તન અને સારા અખ્લાક ઘણા જરૂરી છે. ફાસિક માણસ પણ જો અખ્લાક અને સદવર્તન વાળો હશે તો લોકોને નફો પહોંચાડશે અને લોકો એને પસંદ કરશે અને ઇબાદતગુઝાર માણસ જો બદઅખ્લાક હશે તો લોકોને નુકસાન કરશે અને લોકો એને નાપસંદ કરશે.

દુઆની તોફીક

દુઆ કુબૂલ થાય એની ફિકર ન કરો. અલબત્ત દુઆ કરવાની તોફીક  થાય એની ફિકર કરો. જો દુઆની તોફીક મળી ગઈ તો સમજો કે કુબૂલ જરૂર થશે.

અહલે હકના દુશ્મનો

હઝરત કતાદહ રહ. ફરમાવે છે કે, અહલે બાતિલ - ખોટા લોકોની માન્યતાઓ, અકીદાઓ અલગ અલગ  હોય છે, એમની ઇચ્છાઓ અને રાહતો  પણ અલગ હોય છે, એમના કાર્યો, કર્મો, ધંધા પણ અલગ અલગ હોય છે, પણ એ બધા 'અહલે હક'ની અદાવતમાં એકસંપ હોય છે.

સમયની બરબાદી

સમયની બરબાદી મોત કરતાં પણ વધારે ખતરનાક છે. સમયની બરબાદી માણસને દુન્યા અને આખિરત બંનેનું નુકસાન કરે છે. અને મોતથી ફકત દુનિયાનું નુકસાન થાય છે.

સાચી મુહબ્બત

મુહબ્બતનો કોઈ અંત નથી હોતો. જો કોઈ મુહબ્બત ખતમ થઈ જાય છે તો સમજો કે એ મુહબ્બત નથી.

ચુપકીદી એક કળા છે, માણસ જયારે આ કળામાં પાવરધો થઈ જાય છે પછી જ બોલવાને કાબેલ બને છે.

અલ્લાહને રાજી રાખો

ઈમામ શાફેઈ રહ. ફરમાવે છે, કોઈ પણ માણસ એની આસપાસના બધા જ લોકોને ખુશ નથી રાખી શકતો. કોશિશ છતાં લોકો નારાજ થઈ જ જાય છે, માટે આસાન વાત આ છે કે અલ્લાહ સાથેના સંબંધો સુધારી લે, અને લોકોની ચિંતા છોડી દે કે કોઈ રાજી રહે છે અને કોઈ નારાજ થાય છે.

ખરાબ સમય

બુરું કામ કરનાર માણસને જો કોઈ બુરાઈ વિશે ટોકનાર ન હોય તો સમજો કે એ માણસના જીવનનો સૌથી ખરાબ સમય છે.


ફરિશ્તાનો ગુસ્સો

અલ્લામહ ઈબ્ને અલ્હાજ માલિકી રહ.એ એમની કિતાબ 'અલમદખલ'માં એક રિવાયત વર્ણવી છે કે : જયારે કોઈ માણસ મસ્જિદમાં વાતચીત કરે છે તો એક ફરિશ્તો એને સંબોધીને કહે છે કે, હે અલ્લાહના દોસ્ત ખામોશ થઈ જા. ત્યાર પછી પણ જો એની વાતચીત ચાલુ રહે છે તો ફરિશ્તો એને કહે છે : હે અલ્લાહના દુશ્મન ચુપ થા. ત્યાર પછી પણ એની વાતચીત ચાલતી રહે તો ફરિશ્તો એને કહે છે : ચુપ મર. તારા ઉપર અલ્લાહની લાનત થાય.

વિચારવાની બાબત આ છે કે દરેક માણસ મસ્જિદમાં એ નિયતે આવે છે કે અલ્લાહ તઆલાની રહમત લઈને પાછો નીકળે. પરંતુ મસ્જિદમાં આવીને વાતોમાં પરોવાય જાય છે અને રહમતના બદલે પોતાના માથે ગુનાનો બોજ લઈને બહાર નીકળે છે.

માટે મસ્જિદમાં આવ્યા પછી ખૂબ સાવચેતી રાખવાની જરૂરત છે. આપણા બુઝુર્ગો આ બાબતે ખૂબ સજાગ હતા.

વિશેષ કરીને નમાઝના સમયે વાતચીત કરવાથી સંપૂર્ણ રીતે બચવાની જરૂરત છે. અલ્લામહ શોઅરાની રહ. ફરમાવે છે કે નમાઝનો સમય તો મસ્જિદ એટલે કે શાહી મહેલમાં શાહી દરબાર ભરાવાનો સમય છે, આ સમયે અદબ, શિસ્ત અને સન્માનનો વધારે એહતેમામ કરવો જોઈએ.

હઝ. અકદસ મુફતી અહમદ ખાનપૂરી સા.દા.બ. હદીસ કે ઈસ્લાહી મઝામીન : ૧૪/૨૪૬