તંત્રી સ્થાનેથી
દેશ અને વિદેશમાં જે પ્રમાણેના સંજોગો બની રહયા છે, એ જોતાં કહી શકાય કે આવતા અમુક મહીનાઓ અને વરસો ઘણા સંગીન અને પરેશાની ભર્યા હોય શકે છે, આપણી મુસીબતો એમાં વધી શકે છે. અલબત્ત અલ્લાહની રહમત અને મહેરબાની આવા સંજોગો કરતાં વધારે નજીક છે. શકય છે કે ઝુલમનો ઘડો ભરાય ગયો હોય અને આવતા અમુક મહીનાઓ કે વરસોમાં એનો અંત આવી જાય.
જે હોય તે, આવતી કાલે શું થવાનું છે, એ અલ્લાહ જ બેહતર જાણે છે, પણ આપણે અસબાબની દુનિયામાં રહીએ છીએ એટલે વર્તમાન સંજોગો મુજબ અને ભવિષ્યનો અંદાઝો કરીને અસબાબ અપનાવવા જરૂરી છે.
ભારતના પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો ભારતીય મુસલમાનો માટે વર્તમાન વિપરીત સંજોગો પ્રથમવારની ઘટના નથી. મુસ્લિમ કાળમાં જયારે ભારત ઉપર મુસલમાનોનું રાજ કહેવાતું હતું ત્યારે પણ ખિલજીઓ, મોગલો, લોધીઓ વગેરે એકબીજા ઉપર આક્રમણ કરતા હતા અને નિર્દયપણે લુટફાટ - મારકાપ કરતા હતા, અલબત્ત તે વેળા યુદ્ધો સામાન્યપણે સેનાઓ લડતી હતી અને પ્રજાને નુકસાન ઓછું થતું હતું. પછી ૧૮૫૭ના વિપ્લવ વેળા અંગ્રેજોએ મુસલમાનોનું કત્લે આમ કર્યું અને કહેવાય છે કે દિલ્લીથી કલકત્તા સુધી આખા રસ્તે દરેક ઝાડ ઉપર મુસલમાનોની લાશો લટકતી હતી. ૧૯૪૭ માં ભાગલા વેળા પાકિસ્તાન જનારા અને અહિંયા રહી જનાર, બંને મુસલમાનોએ ઘણું બધું સહન કર્યું છે. જેણે આ બધું જોયું હોય, કાં વાંચ્યુ સમજયું હોય એના માટે હવે કંઈ નવું નથી. ઉપરોકત ઘટનાઓ બહોળા પ્રભાવ વાળી હતી, બાકી વિશેષ પ્રદેશ કે શહેરમાં તો દર પંદર વીસ વરસે અત્યાચાર અને હત્યાની એક નાની કયામત ભારતીય મુસલમાનો ઉપર આવતી જ રહે છે. ભારતમાં આવું થતું જ રહે છે, પણ મુસલમાનો અને ઈસ્લામનો સંબંધ, મુસલમાનો અને એમના ખુદાનો સંબંધ કદી કમઝોર નથી થયો. મુસલમાનો એમની આગવી ઓળખ સાથે દેશમાં અને સમગ્ર વિશ્વમાં જીવતા આવ્યા છે અને જીવતા રહેશે.
સંજોગો, લડાઈઓ, યુદ્ધો, અત્યાચારો, અલ્લાહની સુન્નત એટલે કે પરંપરા છે, નિયમોનુસાર એનું ચક્ર ફરતું રહે છે. આ બધામાં કોઈ વાત સાચે જ ડરવાની હોય, અને નુકસાનકારક હોય તો એક જ છે : નિરાશા અને ડર..
આત્મવિશ્વાસ, દઢતા, હિમ્મત અને નિડરતા માણસને ગમે તેવા સંજોગોમાં ટકાવી રાખે છે, જયારે કે ડર અને નિરાશા અને બુઝદિલી ગમે તેવા મજબૂત માણસને પણ મારી નાખે છે. અલ્લાહ તઆલા ફરમાવે છે કે શયતાન તમને એના દોસ્તોથી ડરાવે છે, માટે તમે શયતાનના દોસ્તોથી ડરશો નહીં, અને સાચા ઈમાનવાળા હોવ તો મારાથી જ ડરશો. અને ખુદાની દશ્મનીમાં આગળ વધી રહેલા લોકો(ની શકિત)ને જોઈને ગમગીન કે નિરાશ ન થાશો. તેઓ અલ્લાહ (અને એના દીનને) કંઈ નુકસાન કરી શકવાના નથી. (આલે ઈમરાન : ૧૭૫)
માટે મુસલમાનોએ યાદ રાખવું જોઈએ કે એમના દિલોમાં જે ખોફ અને ડર આવે છે એ શયતાન તરફથી હોય છે, શયતાન એના દોસ્તોની તાકતને વધારી ચઢાવીને રજૂ કરીને મુસલમાનોને ડરાવવા માંગતો હોય છે, પણ આપણે એનાથી ડરવાની જરૂરત નથી.
એક સફળ માણસ જેમ પોતાની સફળતાથી સંતોપિત હોય છે, અને વિરોધીઓની ટીકાની પરવા નથી કરતો એમ આપણે ઈમાન ઉપર અડગ રહેવાનું છે, હા, સફળ માણસ વિરોધીઓને ટીકાને સામે રાખીને આગળના કામોનું લક્ષ્ય નક્કી કરે છે, એ કોશિશ કરે છે હજુ આ કે તે બાબતે કચાસ રહી ગઈ છે, એને પણ સુધારી લઈશું તો પછી વિરોધીઓ ચુપ થઈ જશે, એમ આપણે આપણા વિરોધીઓના વિરોધને સામે રાખીને આપણું દીની-દુન્યવી ભવિષ્ય સુધારવાના પ્રયત્નો કરી શકીએ છે. આપણે જીવનના જે ક્ષેત્રે પણ શત્રુ સામે કમઝોર પડતા હોઈએ, શિક્ષણમાં અથવા શિક્ષણના જે વિભાગમાં, તબીબી વિદ્યામાં, કાનૂની વિધાનમાં, પ્રસાશન અને રાજકાજમાં, વેપાર કે કારીગરી અને સર્વિસમાં... આ ક્ષેત્રોમાં આપણી ખામીઓ દૂર કરીને આપણે સદ્ધર થવાના પ્રયત્નો કરતા રહેવાનું છે. આપણાથી બનતા આ બધા પ્રયાસો કરીને પછી ખુદાની સામે હાજર થઈને પાબંદીથી એની બંદગી કરવાની છે અને દુઆ કરવાની છે.
અને છેલ્લી વાત.. યાદ રાખો, અલ્લાહ તઆલા આપણી મદદ માટે અસબાબનો મોહતાજ નથી. અને ઘણીવાર એવા સંજોગો આવીને ઉભા રહે છે કે અસબાબ ઉપયોગી પણ નથી હોતા, આવા ટાણે પોતાના અસ્તિત્વને ટકાવી રાખવું જ મહત્વનું હોય છે. અપૂરતા અસબાબ સાથે સામે આવીને પોતાને બરબાદ કરવાથી માણસે બચવાનું હોય છે. આવા સંજોગો માટે જ અલ્લાહ તઆલાનો ઇરશાદ છે : હું જ ખુદા છું, દુનિયાનો માલિક છું, બાદશાહોનો બાદશાહ છું. બાદશાહોના દિલ મારા હાથમાં છે, બંદાઓ મારી ફરમાબરદારી કરે છે તો હું એમના હાકેમોના દિલોમાં રહમત અને નરમી ભરી દઉં છું અને બંદાઓ જયારે મારી નાફરમાની કરે છે તો એમના રાજાઓના દિલમાં સખતી અને સજા ભરી દઉં છું, જેના લઈને તેઓ લોકોને ભારે સજાઓ આપે છે. માટે તમે બાદશાહો વિરુદ્ધ બદદુઓ કરવામાં પોતાનો સમય બરબાદ ન કરો બલકે પોતાને ઝિક્ર દુઆ વગેરેમાં મશગૂલ કરો, તો હું તમારા વતી એમના માટે કાફી છું. (મિશ્કાત શરીફ) ...
મદીનાના યહૂદીઓની શરારતો અને ઇમાન ન લાવવા ઉપર ખુદાની ધમકી
-મુફતી ફરીદ અહમદ કાવી
اَلَمْ تَرَ اِلَى الَّذِیْنَ اُوْتُوْا نَصِیْبًا مِّنَ الْكِتٰبِ یَشْتَرُوْنَ الضَّلٰلَةَ وَ یُرِیْدُوْنَ اَنْ تَضِلُّوْا السَّبِیْلَﭤ(44) وَ اللّٰهُ اَعْلَمُ بِاَعْدَآىٕكُمْؕ-وَ كَفٰى بِاللّٰهِ وَلِیًّا ﱪ وَّ كَفٰى بِاللّٰهِ نَصِیْرًا(45) مِنَ الَّذِیْنَ هَادُوْا یُحَرِّفُوْنَ الْكَلِمَ عَنْ مَّوَاضِعِهٖ وَ یَقُوْلُوْنَ سَمِعْنَا وَ عَصَیْنَا وَ اسْمَعْ غَیْرَ مُسْمَعٍ وَّ رَاعِنَا لَیًّۢا بِاَلْسِنَتِهِمْ وَ طَعْنًا فِیْ الدِّیْنِؕ-وَ لَوْ اَنَّهُمْ قَالُوْا سَمِعْنَا وَ اَطَعْنَا وَ اسْمَعْ وَ انْظُرْنَا لَكَانَ خَیْرًا لَّهُمْ وَ اَقْوَمَۙ-وَ لٰـكِنْ لَّعَنَهُمُ اللّٰهُ بِكُفْرِهِمْ فَلَا یُؤْمِنُوْنَ اِلَّا قَلِیْلًا(46) یٰۤاَیُّهَا الَّذِیْنَ اُوْتُوْا الْكِتٰبَ اٰمِنُوْا بِمَا نَزَّلْنَا مُصَدِّقًا لِّمَا مَعَكُمْ مِّنْ قَبْلِ اَنْ نَّطْمِسَ وُجُوْهًا فَنَرُدَّهَا عَلٰۤى اَدْبَارِهَاۤ اَوْ نَلْعَنَهُمْ كَمَا لَعَنَّاۤ اَصْحٰبَ السَّبْتِؕ-وَ كَانَ اَمْرُ اللّٰهِ مَفْعُوْلًا(47)
તરજમહ : હે નબી ! શું તમે પેલા એવા લોકોને જેમને કિતાબનો એક ભાગ આપવામાં આવ્યો છે, જોતા નથી કે તેઓ ગુમરાહી વહોરે છે અને ચાહે છે કે તમે પણ સીધા રસ્તેથી ભટકી જાઓ. (૪૪) પણ અલ્લાહ તમારા શત્રુઓને ખૂબ જાણે છે અને અલ્લાહ જ હિમાયત કરવામાં પૂરતો છે અને અલ્લાહ જ સહાયક તરીકે પણ કાફી છે. (૪૫) એ યહૂદીઓમાં અમુક લોકો અલ્લાહની (કિતાબની) વાતોને તેની જગ્યાએથી બદલી નાંખે છે. અને કહે છે : અમે સાંભળ્યું, પણ માનતા નથી. અને સાંભળ, પણ તને ન સંભળાય તો સારું, અને પોતાની જીભ(ઉચ્ચાર) મરોડીને દીન બાબતે ટોણો મારવા ખાતર 'રાઈના' (શબ્દ) કહે છે, એના કરતાં તેઓ એમ કહેત કે અમે સાંભળ્યું અને માની લીધું, અને (હે મુહમ્મદ) સાંભળ અને અમારા તરફ ધ્યાન આપ, તો (આમ કરવું) તેઓના હકમાં બેહતર અને ઠીક હોત. પરંતુ અલ્લાહ તઆલાએ એમના કુફ્રના કારણે એમના ઉપર લઅનત કરી છે, એટલે થોડાક માણસો છોડીને તેઓ (કોઈ પણ) ઈમાન લાવશે નહિ. (૪૬) હે કિતાબવાળાઓ ! અમે જે (કુર્આન) ઉતાર્યું છે તે તમારી પાસે મોજૂદ કિતાબ (તવરાત)નું સમર્થન કરે છે, તેના ઉપર તમે એ પહેલાં ઇમાન લઈ આવો કે અમે ઘણા (લોકોના) ચહેરાઓને બગાડીને પછી તેને પીઠ ઘુમાવી દઈએ નાખીએ અથવા તેમના ઉપર એવી લઅનત કરીએ જેવી કે શનિવાર વાળાઓ પર લઅનત કરી હતી અને અલ્લાહનો હુકમ તો થયો જ સમજો. (૪૭)
તફસીર : આ આયતોમાં વિશેષ કરીને મ દીનાના યહૂદીઓની હરકતો અને કરતૂતોનું વર્ણન છે. આયત નં ૪૪ - ૪૫ માં અલ્લાહ તઆલા નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ અને મુસલમાનોને ફરમાવે છે કે મદીનાના યહૂદીઓ વિશે તમે જાણો જ છો કે એમને અલ્લાહની કિતાબ તવરાતનું કંઈક ઇલ્મ અલ્લાહે આપ્યું છે, જેના થકી એમને દીન, નુબુવ્વત, મુહમ્મદ અને ઇસ્લામની સચ્ચાઈનું સારી રીતે યકીન હતું, છતાં ઈમાન છોડીને ગુમરાહી વહોરી લીધી. અને પાછા કોશિશ કરે છે કે મુસલમાનોને પણ ગુમરાહ કરીને ઇસ્લામ છોડાવી દે. એટલે એમની કહેવાતી દોસ્તીથી અને છુપા કાવતરાઓથી સાવચેત રહેવાની જરૂરત છે. અલ્લાહ તઆલા મુસલમાનોના આ દુશ્મને સારી રીતે ઓળખે છે, આજની સ્થિતિમાં તેઓ મુસલમાનો કરતાં વધારે શક્તિશાળી લાગે છે, પણ મુસલમાનોની હિમાયત -મદદ માટે એમની સામે અલ્લાહ કાફી છે, અલ્લાહ બધું સંભાળી લેશે.
પછી આયત નં : ૪૬ માં મદીનામાં વસતા આ બધા યહૂદીઓની અમુક હરકતોનું વર્ણન છે, નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ અને ઇસ્લામ પ્રત્યેની એમની દુશ્મનીના કારણે તેઓ આ હરકતો કરતા હતા. (૧) તવરાતમાં નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ વિશે અલ્લાહ તઆલાએ જે કંઈ વર્ણવ્યું હતું એ બધું તવરાતમાં કાઢી નાખીને લોકોને બતાવતા ન હતા. જેમ કે આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમના નબી બનીને આવવા વિશેની ભવિષ્યવાણી, આપની શકલ-સૂરત, સંસ્કાર-અખ્લાક, હિજરતનું વર્ણન, સહાબા વિશે અને કિલ્લા વિશેનું વર્ણન... યહૂદીના બુરા આલિમો અને નેતા લોકો તવરાતની આ બધી વાતો છુપાવીને સામાન્ય લોકો સામે તવરાત એવી રીતે રજૂ કરતા જાણે આ બધી વાતો એમાં છે જ નહીં.
(૨) યહૂદીઓ જયારે નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની મજલિસમાં આવતા અને એમને કોઈ વાત કહેવામાં આવતી તો જવાબમાં કહેતા કે અમે સાંભળી લીધું. પણ દિલમાં એમ કહેતા કે અમે કંઈ આ વાતો ઉપર અમલ કરવાના નથી. એટલે કે ફકત દેખાવ પુરતું સાંભળવાનો એકરાર અને ડોળ કરતા હતા, અમલ કરવાનો જ નથી, એ બાબતે અંદરથી મક્કમ રહેતા હતા.
(૩) નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમને કોઈ વાત કહેવી હોય તો કહેતા કે હે મુહમ્મદ અમારી વાતો સાંભળ ! અને તે જ વેળા દિલમાં એમ વિચારતા અને દુઆ કરતા કે તને સંભળાય નહીં એ જ સારું. આમ તેઓ નબીએ કરીમ વિશે દિલમાં નફરત ભરી રાખતા અને બદદુઆ કરતા રહેતા.
(૪) નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ સાથેની વાતચીત દરિમયાન કંઈક પૂછવા કે પોતાની વાત કહેવા ખાતર તેઓ આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમને સંબોધીને 'રાઈના' કહેતા હતા. આ શબ્દનો એક અર્થ થાય છે કે અમારા તરફ ધ્યાન આપો. પણ જીભ મરોડીને ખરાબ રીતે ઉચ્ચારવામાં આવવામાં આવે તો અરબી ભાષા મુજબ એનો એક અર્થ : 'ઢોળ ચરાવનાર' થાય છે, ઉપરાંત યહૂદીઓની ભાષામાં એનો અર્થ 'બેવકૂફ'નો પણ થાય છે. આવું બધું કરીને પછી આપસમાં વાતો કરતા કે મુહમ્મદ સાચા નબી હોત તો એમની આપણી આ બધી શરારતોની ખબર કેમ નથી પડતી? એટલે કે આવું બધું કરીને દીન અને નુબુવ્વત વિશે ટોણો પણ મારતા હતા.
અલ્લાહ તઆલા એમની આ બધી હરકતોને લોકો સામે જાહેર કરી દીધી અને એમને શિખામણ આપી કે, એના બદલે તમે એમ કહેત કે 'અમે સાંભળ્યું અને માની લીધું'... અને ફકત એટલું જ કહેત કે 'અમારી વાત સાંભળો', સાથે નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમને બદદુઆ ન આપત... અને 'રાઇના'ના બદલે 'વન્ઝુરના' (અમારા તરફ ધ્યાન આપો) કહેત... તો વધારે બેહતર સહી બાબત કહેવાત. પણ ઇસ્લામના ઈન્કાર અને હદથી વધારે શરારતોના કારણે અલ્લાહ તઆલાએ એમને ધુત્કારી દીધા છે. એટલે અમુક યોગ્ય માણસો સિવાય તેઓને ઈમાનની દોલત નસીબ થશે જ નહીં.
આ બધી એમની શરારતોને જાહેર કરીને આગળની આયત ૪૭માં અલ્લાહ તઆલા એમને ઈમાન લઈ આવવાની દાવત આપે છે, અને ઈમાન ન લાવવાની સૂરતમાં અઝાબની ધમકી આપે છે. અલ્લાહ તઆલા ફરમાવે છે : તમારા ચહેરાઓ બગાડીને ફેરવી દેવામાં આવે અથવા તમારા ઉપર શનિવારવાળાઓ જેવી લાનત કરવામાં આવે એ પહેલાં ઈમાન લઈ આવો. અલ્લાહ તઆલાના હુકમ અને અઝાબ બાબતે ગફલતમાં રહેવું સારું નથી. એકવાર અલ્લાહ તઆલા હુકમ કરી દેશે તો પછી થઈને જ રહેશે. આ આયતમાં બે પ્રકારની ધમકી આપવામાં આવી છે. યા તો એમના ચહેરા બગાડીને પીઠ તરફ ફેરવી દેવામાં આવશે, એટલે આખું મોઢું ઉલટું કરી દેવામાં આવે. અમુક તફસીરકારોના મતે ચહેરો સપાટ કરીને આંખો-નાક વગેરે ખતમ કરી દેવામાં આવે. બીજી ધમકી લાનત અને ધિક્કારની છે, જેના પરિણામે માણસ અલ્લાહની રહમતથી એવો દૂર થાય છે કે દુનિયા -આખિરત ક્યાંયનો રહેતો નથી. અને એના માટે શનિવાર વાળાઓનું ઉદાહરણ આપવામાં આવ્યું. શનિવારવાળાઓનો કિસ્સો અગાઉ આવી ગયો છે કે શનિવારે ખુદા તરફથી મનાઈ હોવા છતાં તેઓ માછલીઓનો શિકાર કરતા હતા અને ખુદાનો હુકમ તોડવા માટે તદબીરો કરતા હતા, તો અલ્લાહ તઆલાએ એમને વાનર બનાવીને પછી મારી નાખ્યા. અને એમના પછી આવનારા નબીઓ મારફતે એમના ઉપર ધિક્કાર - લાનત કરાવી.
તફસીરના વિદ્વાનોએ લખ્યું છે કે મદીનાના વધુ પડતા યહૂદીઓ તો ઈમાન લાવ્યા નહીં, છતાં આ ધમકી મુજબ ચહેરા બગાડીને ફેરવી દેવાનો અઝાબ એમના ઉપર કેમ આવ્યો નહીં ? એનો જવાબ આ છે કે આયતમાં બેમાંથી એક અઝાબની ધમકી છે, અઝાબ કાં લાનત. અને અલ્લાહ તઆલાએ લાનતનો અઝાબ નક્કી કરી દીધો એટલે પહેલા અઝાબની જરૂરત ન રહી. ઘણા વિદ્વાનોએ લખ્યું છે કે અઝાબના વાત ત્યારે હતી કે કોઈ પણ યહૂદી ઈમાન ન લાવત.. પણ અમુક યહૂદીઓ અને એમના અમુક ઉલમા ઈમાન લઈ આવ્યા એટલે અઝાબ મોકૂફ રાખવામાં આવ્યો. જયારે અન્ય અમુક વિદ્વાનોનું કહેવું છે કે આ અઝાબ દુનિયામાં જ આપવામાં આવશે એવું આયતમાં નથી કહેવાયું, એટલે આખિરતમાં કે કયામતના દિવસે આ અઝાબ એમને આપવામાં આવશે.
મઆરિફુલ હદીસ
હઝરત મવલાના મંઝૂર નોમાની (રહ.)
અનુવાદ : મવલાના યાકૂબ બારીવાલા સા. રહ. (બ્લેકબર્ન. યુ.કે.)
ભાગ નંબરઃ ૧૬૭
હજજનું બયાન -
(١٤٧) عَنْ ابْنِ عُمَرَؓ قَالَ جَاءَ رَجُلٌ إِلَى النَّبِيِّ ﷺ فَقَالَ يَا رَسُوْلَ اللّهِ مَا يُوْجِبُ الْحَجَّ قَالَ الزَّادَ وَالرَّاحِلَةُ (رواه الترمذي وابن ماجه)
તરજુમાઃ- હઝરત અબ્દુલ્લાહ બિન ઉંમર (રદિ.) થી રિવાયત છે કે એક માણસે રસૂલુલ્લાહ (સ.અ.વ.)ની સેવામાં હાજર થઈ પુછયું કે કઈ વસ્તુ હજને વાજિબ કરે છે? આપ (સ.અ.વ.)એ ફરમાવ્યુ કે સફરનો સામાન અને સવારી,
ખુલાસો :-કુરઆન પાકમાં હજની ફરજીયત માટે من استطاع الیہ سبیلا ફરમાવવામાં આવ્યુ એટલે હજ તે લોકો પર ફરજ છે જેઓ સફર કરી મકકા મુઅઝઝમહમાં સુધી પહોંચવાની શક્તિ ધરાવતા હોય. તેમાં એ ગુંચ છે કે કદાચ સવાલ કરનાર સહાબીએ તેનો ખુલાસો માંગ્યો હોય અને પુછયું હોય કે શકિતની ચોકકસ મર્યાદા શુ છે ? તો આપ (સ.અ.વ.) એ ફરમાવ્યુ કે એક તો સવારીની વ્યવસ્થા હોય, જેનાથી મકકા સુધી સફર થઈ શકે તે સિવાય ખાવા પીવા જેવી જરૂરતો માટે એટલી પુંજી હોય જે સફરના સમયમાં ગુજરાન માટે બસ થઈ પડે. ફુકહાએ ગુજરાનમાં તે લોકોના ગુજરાનને શામેલ કર્યા છે જેમનું ભરણ-પોષણ જનારના માથે હોય.
(١٤٨) عَنْ أَبِيْ هُرَيْرۃَؓ قَالَ قَالَ رَسُوْلُ اللّهِ ﷺ مَنْ حَجَّ فَلَمْ يَرْفَثْ وَلَمْ يَفْسُقْ رَجَعَ كَيَوْمٍ وَلَدَتْهُ أُمُّهٗ (رواه البخاري والمسلم)
તરજુમા:- હઝરત અબુ હુરૈરહ (રદિ.)થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સ.અ.વ.)એ ફરમાવ્યુ જે માણસે હજ કરી, અને તેમાં કોઈ ફાહિશ અને ખરાબ કામ ન કર્યું, અને અલ્લાહની કોઈ નાફરમાની ન કરી તો તે ગુનાહોથી એવો પાક સાફ થઈ પાછો ફરશે જેવો તે દિવસે હતો જે દિવસે તેની માંએ તેને જન્મ આપ્યો હતો. (બુખારી, મુસ્લિમ)
ખુલાસોઃ- કુરઆન મજીદમાં ફરમાવવામાં આવ્યુ છે કે
اَلْحَجُّ أَشْهُرٌ مَعْلُوْمَاتٌ فَمَنْ فَرَضَ فِيهِنَّ الْحَجَّ فَلَا رَفَثَ وَلَا فُسُوْقَ وَلَا جِدَالَ فِيْ الْحَجِّ
આ આયતમાં હજ કરનારાઓને સુચના આપવામાં આવી છે કે ખાસ કરીને હજના સમય દરમિયાન તેઓ શહવતની વાતો અને અલ્લાહની નાફરમાનીવાળા કામો તેમજ અંદર અંદર લડાઈ ઝઘડાથી બચતા રહે, હઝ. અબૂ હુરૈરહ (રદિ.)ની આ હદીષમાં એ સુચના પર ચાલવા વાળાઓને ખુશખબરી આપવામાં આવી છે અને ફરમાવવામાં આવ્યું કે જે માણસ હજ કરે, અને હજના દિવસોમાં શહવતની વાતો ન કરે, અલ્લાહની નાફરમાની થાય એવી કોઈ હરકત ન કરે જેમાં ફિસકની મર્યાદામાં આવતી હોય, તો હજની બરકતથી તેના બધા ગુનાહ માફ કરી દેવામાં આવશે અને તે ગુનાહોથી એવો પાક સાફ થઈ પાછો ફરશે, જેવો તે જન્મના દિવસે ગુનાહોથી પાક સાફ હતો. અલ્લાહ તેની મહેરબાનીથી આ દૌલત નસીબ કરે.
(١٤٩) عَنْ أَبِيْ هُرَيْرَةَؓ قَالَ قَالَ رَسُوْلُ اللّهِ الْعُمْرَةَ إِلَى الْعُمْرَةِ كَفَّارَةٌ لِمَا بَيْنَهُمَا وَالحَجُّ الْمَبْرُوْرِ لَيْسَ لَهُ جَزَاءٌ إِلَّا الْجَنَّةُ (رواه البخاري والمسلم)
તરજુમા:- હઝરત અબૂ હુરૈરહ (રદિ.)થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ.)એ ફરમાવ્યુ એક ઉમરાહથી બીજો ઉમરાહ તેના વચલા ગુનાહોનો કફફારો થઈ જાય છે, અને “હજજે મબરૂર” (પાક અને ખાલિસ હજ)નો બદલો તો જન્નત છે. (બુખારી, મુસ્લિમ)
(١٥٠) عَنْ اِبْنِ مَسْعُوْدٍؓ قَالَ قَالَ رَسُوْلُ اللّهِ ﷺ تَابِعُوْا بَيْنَ الْحَجِّ وَالْعُمْرَةِ فَإِنَّهُمَا يَنْفِيَانِ الْفَقْرَ وَالذُّنُوْبَ كَمَا يَنْفِيْ الْكِيْرُ خَبَثَ الْحَدِيْدِ وَالذَّهَبِ وَالْفِضَّةِ وَلَيْسَ لِلْحَجَّةِ الْمَبْرُوْرَةِ ثَوَابٌ إِلَّا الْجَنَّةُ ( الترمذي والنسائي)
તરજુમા:- હઝરત અબ્દુલ્લાહ બિન મસ્ઉદ(રદિ.)થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સ.અ.વ.) એ ફરમાવ્યુ કે હજ અને ઉમરહ લગાતાર કર્યા કરો કેમકે હજ અને ઉમરહ બન્નેવ ફકીરી અને મોહતાઝગી તથા ગુનાહોને એવી રીતે દૂર કરે છે જેવી રીતે લુહાર અને સોનીની ભઠઠી લોખંડ અને સોના, ચાંદીનો મેલ સાફ કરે છે. હજજે મબરૂરનો બદલો અને સવાબ જન્નત છે. (તિર્મિઝી, નસાઈ)
ખુલાસોઃ- જે માણસ ઈખ્લાસથી હજ અથવા ઉમરાહ કરે છે તો જાણે અલ્લાહ તઆલાની રહમતના સમુદ્રમાં ડુબકી મારે છે અને સ્નાન કરે છે જેના પરીણામમાં તે ગુનાહોના ખરાબ અસરથી પાક-પવિત્ર થઈ જાય છે અને તે સિવાય દુનિયામાં પણ તેના ઉપર અલ્લાહની મહેરબાની થાય છે કે ફકીરી તથા મોહતાજી અને દુર્દશાથી છુટકારો મળે છે અને ખુશહાલ જીવન અને દિલની શાંતિ મળે છે. તે ઉપરાંત “હજજે મબરૂર”નો બદલો જન્નતના (રૂપમાં અર્પણ થવું અલ્લાહનો નિશ્ચિત ફેંસલો છે.
١٥١) عَنْ أَبِيْ هُرَيْرَةَؓ عَنِ النبّيِّ ﷺ أَنَّهُ قَالَ الْحَاجُّ وَالْعُمَّارُ وَفْدُ اللَّهِ اِنْ دَعَوْہُ اَجابَھُم وَ اِنْ اسْتَغْفَرُوْہُ غَفَرَ لَھُمْ (رواہ ابن ماجہ)
તરજુમા:- હઝરત અબૂહુરૈરહ (રદિ.)થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સ.અ.વ.)એ ફરમાવ્યુ હજ અને ઉમરાહ કરનાર અલ્લાહના મહેમાન છે. જો તે અલ્લાહથી દુઆ કરે તો તેમની દુઆ કબુલ ફરમાવે અને જો તેઓ તેનાથી મગફિરત માંગે તો તેમને માફ કરી દે. (ઈબ્ને માજા)
(١٥٢) عَن ابْنِ عُمَرَ قَالَ : قَالَ رَسُولُ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ : « إِذَا لَقِيتَ الْحَاجَّ فَسَلِّمْ عَلَيْهِ وَصَافِحْهُ ، وَمُرْهُ أَنْ يَسْتَغْفِرَ لَكَ قَبْلَ أَنْ يَدْخُلَ بَيْتَهُ ، فَإِنَّهُ مَغْفُورٌ لَهُ » (رواه احمد)
તરજુમા:- હઝરત અબ્દુલ્લાહ બિન અબ્દુલ્લાહ બિન ઉંમર (રદિ.)થી રિવાયત છે કે રસુલૂલ્લાહ (સલ.)એ ફરમાવ્યુ જયારે કોઈ હજ કરનાર સાથે તમારી મુલાકાત થાય તો તેના ઘર પહોંચતા પહેલા તેની સાથે સલામ કરો, મુસાફહો કરો, અને મગરિતની દુઆ માટે કહો કારણ કે તે એવી હાલતમાં છે કે તેના ગુનાહોની મગફિરતનો ફેંસલો થઈ ચુકયો છે(એટલા માટે દુઆ કબુલ થવાની ખાસ વકી છે.) (મુસનદે અહમદ)
(١٥٣) عَنْ أَبِي هُرَيْرَةَ مَنْ خَرَجَ حَاجًّا أَوْ مُعْتَمِرًا أَوْ غَازِيًا ثُمَّ مَاتَ فِي طَرِيقِهِ كَتَبَ اللهُ لَهُ أَجْرَ الْغَازِي وَالْحَاجِّ وَالْمُعْتَمِرِ..... (رواه البيهقى فى شعب الايمان)
તરજુમાઃ- હઝરત અબૂ હુરૈરહ (રદિ.)થી રિવાયત છે કે અલ્લાહનો જે બંદો હજ અને ઉમરહની નિય્યતથી અથવા અલ્લાહના રસ્તામાં જેહાદ માટે નિકળયો, અને રસ્તામાં જ તેનું મૃત્યુ થઈ ગયું તો અલ્લાહ તઆલા તરફથી તેના માટે તેજ અજર અને સવાબ લખવામાં આવશે, જે હજ અને ઉમરાહ કરનાર માટે અને અલ્લાહના રસ્તામાં જેહાદ કરનાર માટે નકકી કરવામાં આવે છે.(બયહકી)
ખુલાસોઃ- અલ્લાહના આ કરીમી કાયદા મુજબ કુરઆનમાં પણ જાહેરાત કરવામાં આવી છે. અલ્લાહતઆલાનો પાક ઈર્શાદ છે
وَ مَنْ یَّخْرُجْ مِنْۢ بَیْتِهٖ مُهَاجِرًا اِلَى اللّٰهِ وَ رَسُوْلِهٖ ثُمَّ یُدْرِكْهُ الْمَوْتُ فَقَدْ وَ قَعَ اَجْرُهٗ عَلَى اللّٰهِ١ؕ وَ كَانَ اللّٰهُ غَفُوْرًا رَّحِیْمًا۠ ﴿100ع النساء 4﴾
અર્થાત: અને જે માણસ પોતાનું ઘરબાર છોડીને અલ્લાહ અને તેના રસૂલ તરફ હિજરતની નિય્યતથી નીકળી ગયો અને તેનું મૃત્યુ થઈ જાય (રસ્તામાં) તેના બદલો અલ્લાહ પાસે નકકી થઈ ગયો અલ્લાહ પાક ઘણો બખ્શિશ કરવાવાળો અને મહાન દયાળુ છે.
આનાથી માલુમ પડયુ કે જે કોઈ અલ્લાહની ખુશીનું કોઈ કામ કરવા માટે ઘેરથી નિકળે અને તે કરતા પહેલા રસ્તામાં જ તેનું જીવન પુંરૂ થઈ જાય, તો અલ્લાહ તઆલાને ત્યાં તે અમલનો પુરો સવાબ તે બંદાને આપવામાં આવશે. અને એ અલ્લાહની ક્રુપાળુ શાનના લાયક છે. وَكَانَ اللهُ غَفُوراً رَّحِيما
મીકાત
કાબા શરીફને અલ્લાહ તઆલાએ ઈમાનવાળઓનો કિબ્લો અને પોતાનું પવિત્ર અને ઈઝઝતવાળુ “ઘર” બનાવ્યુ છે અને જેવુ કે વર્ણન કરવામાં આવ્યુ કે જે લોકો ત્યાં પહોંચવાની શકિત ધરાવે છે તેમના ઉપર જીવનભરમાં એકવાર હાજર થવું અને હજ કરવી ફરજ છે. એ હજ અને હાજરીના અમુક જરૂરી અદબો નકકી કર્યા છે. તેમાંથી એક એ છે કે હાજર થનાર પોતાનો દરરોજ પહેરાવાના લિબાસમાં હાજર ન થાય એવા ફકીરો જેવા લિબાસમાં હાજર થાય જે મરનારના કફન માફક હોય અને આખેરતમાં મેદાનેહશર ની હાજરી યાદ અપાવે. કુરતો, પાયજામો, સદરો, શેરવાની, કોટ, પાટલૂન, કંઈ જ નહીં ફકત એક લુંગી બાંધી લે, અને એક ચાદર બદનના ઉપરના ભાગપર નાંખી લે. માથુંપણ ખુલ્લુ હોય, પગમાં મોજા બલ્કે એવા જોડા પણ ન હોય, જેનાથી પગ ઢંકાય જાય. આવા પ્રકારની અમુક બીજી પણ પાબંદીઓ લાદવામાં આવી. જેનો હેતુ એ છે કે બંદો એવી શકલ, સુરતમાં હાજર થાય જેનાથી તેની નમ્રતા અને શકિત તેમ બે હૈસિયત, ગરીબી તથા દુનિયાના ઐશો આરામથી અણગમો દેખાય. પરંતુ બંદાઓની અશકિત, નિરબળતાનો ખ્યાલ કરી તેમને એ તકલીફ આપવામાં ન આવી કે તેઓ પોતાનો ઘેરથી જ એહરામ બાંધી એ અદબોના પાબંદ થઈ રવાના થાય. જો એવા હુકમો આપવામાં આવે તો અલ્લાહના બંદાઓ મુશ્કેલીમાં મુકાઈ જતે. થોડા સમય પહેલા જ ઘણાં હાજીઓ મહીનાઓ સુધી સફર કર્યા પછી મકકા મુકરમા પહોંચતા હતા અને અત્યારે પણ ઘણાં દેશોના હાજીઓ કેટલાય અઠવાડિયા સુધી ધરતી તેમજ સમુદ્ર માર્ગે સફર કરી ત્યાં પહોંચે છે. ખુલ્લી વાત છે કે આટલો લાંબો સમય એહરામની પાબંદીઓ નીભાવવી ઘણા લોકો માટે અઘરી થઈ પડતે. જેથી વિવિધ રસ્તેથી આવનાર હાજીઓ માટે મકકા મુકર્રમા નજીક વિવિધ દિશાઓમાં અમુક નકકી કરવામાં આવી અને હુકમ આપવામાં આવ્યો કે હજ અને ઉમરહ માટે આવનાર જયારે તે તે જગ્યાઓમાંથી કોઈ જગ્યા પર પહોંચે તો 'બૈતુલ્લાહ” અને “અલ્લાહના પવિત્ર શહેર'ના અદબમાં ત્યાંથી એહરામ બંધ થઈ જાય. વિવિધ દિશાઓમાંથી નકકી કરેલ જગ્યાઓ જેની વિગત આગળ આવશે તેને મિકાત કહેવામાં આવે છે. અને એ પણ સમજી લેવું જોઈએ કે એહરામ બાંધવાનો અર્થ ફકત એહરામના કપડાં પહેરવાનો નથી પણ તે કપડાં પહેરી પહેલા બે રકાત (એહરામની નમાઝ) પઢવામાં આવે છે તે પછી જોરથી તલ્બિયા પઢવામાં આવે છે.
لَبَّيْكَ ٱللَّٰهُمَّ لَبَّيْكَ، لَبَّيْكَ لَا شَرِيكَ لَكَ لَبَّيْكَ، إِنَّ ٱلْحَمْدَ وَٱلنِّعْمَةَ لَكَ وَٱلْمُلْكَ لَا شَرِيكَ لَكَ
આ તલ્બીયા પઢવા પછી માણસ એહરામ બંધ થઈ જાય છે અને ત્યાંથી જ હજનો અમલ શરૂ થઈ જાય છે અને એહરામ વાળી બધી જ પાબંદીઓ તેના ઉપર લાગુ પડી જાય છે. જેમ તકબીરે તહરીમા કહયા પછી નમાઝનો અમલ શરૂ થઈ જાય છે. અને નમાઝવાળી બધી પાબંદીઓ લાગુ પડે છે.
આ ટુંકી વ્યાખ્યા પછી મિકાતો, એહરામ તેમજ લબ્બેક (તલ્બિયા) વિષે હુઝૂર (સ.અ.વ.)ની નીચેની હદીયો વાંચો.
મીકાત
(١٥٤) عَنِ ابْنِ عَبَّاسٍ رَضِيَ اللَّهُ عَنْهُمَا، أَنَّ النَّبِيَّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ وَقَّتَ لِأَهْلِ الْمَدِينَةِ ذَا الْحُلَيْفَةِ، وَلِأَهْلِ الشَّأْمِ الْجُحْفَةَ، وَلِأَهْلِ الْيَمَنِ يَلَمْلَمَ، وَلِأَهْلِ نَجْدٍ قَرْنًا، فَهُنَّ لَهُنَّ وَلِمَنْ أَتَى عَلَيْهِنَّ مِنْ غَيْرِ أَهْلِهِنَّ مِمَّنْ كَانَ يُرِيدُ الْحَجَّ وَالْعُمْرَةَ، فَمَنْ كَانَ دُونَهُنَّ فَمِنْ أَهْلِهِ حَتَّى إِنَّ أَهْلَ مَكَّةَ يُهِلُّونَ مِنْهَا۔(رواه البخاري والمسلم)
તરજુમા - હજરત અબ્દુલ્લાહ બિન અબ્બાસ (રદિ.)થી રિવાયત છે કે હુઝૂર (સ.અ.વ.)એ ઝુલ્હુલૈફા મદીના વાસીઓનો મીકાત નકકી કર્યો, અને જુહફા સિરયાવાસીઓ માટે, અને કરનુલમનાઝિલ નજદવાળાઓ માટે અને યલમલમ યમનવાસીઓ માટે. બસ આ ચાર જગ્યાઓ તેના રહેવાસીઓ માટે મીકાત છે અને તે બધા લોકો મળે જેઓ બીજી જગ્યાઓએથી એ મીકાત પર થઈ હજ અથવા ઉમરહના ઈરાદે પસાર થાય, અને જે લોકો એ જગ્યાઓથી અંદર હોય, (એટલે કે તે જગ્યાઓથી મકકા મુકર્રમા તરફ રહેતા હોય) તો તેઓ પોતાના ઘરેથી જ એહરામ બાંધશે. અને આ કાયદાઓ મુજબ જ ચાલશે જેથી મકકાવાસીઓ ખાસ મકકાથી જ એહરામ બાંધશે.
(١٥٤) عَنْ جَابِرٍ عَنْ رَسُولِ اللهِ ﷺ قَالَ مَهَلُّ أَهْلِ الْمَدِيْنَةِ مِنْ ذِي الحُلَيْفَةِ وَالطَّرِيقِ الآخَرِ الجُحْفَةُ وَمَهَلُّ أَهْلِ الْعِرَاقِ مِنْ ذَاتِ عِرْقٍ وَمَهَلُّ أَهْلِ نَجْدٍ قَرْدنٌ وَمَهَلُّ أَهْلِ الْيَمَنِ يَلَمْلَم (رواه مسلم )
તરજુમાઃ- હઝરત જાબિર (રદિ.) થી રિવાયત છે કે તેઓ હુઝૂર (સલ.)થી નકલ ફરમાવે છે કે આપ (સલ.)એ ફરમાવ્યું મદીનાવાસીઓનો મિકાત (જયાંથી તેઓ એહરામ બાંધશે) 'ઝુલ્હુલૈફાહ' છે અને બીજા રસ્તેથી જનારાઓનો મીકાત ‘જુહફા' છે અને ઈરાકી લોકોનો મીકાત ‘ઝાતે ઈર્ક' છે. અને નજદવાસીઓનો મીકાત 'કર્નુલમનાઝિલ' છે, અને યમન વાસીઓનો મીકાત 'યલમ્લમ' છે.
ખુલાસો:- ઉપરવાળી હઝરત અબ્દુલ્લાહ બિન અબ્બાસ (રદિ.)ની રિવાયતમાં ફકત ચાર મિકાતનો ઉલ્લેખ છે.(૧) ઝુલ્હુલૈફા (૨)જુાહફા (૩)કર્નુલ્મનાઝિલ (૪)યલમયમ અને હઝરત જાબિર (રદિ.)ની આ રિવાયતમાં પાંચમો મીકાત “ઝાતે ઈર્ક”નો પણ ઉલ્લેખ છે. જે ઈરાક વાસીઓનો મીકાત નક્કી કરવામાં આવ્યો છે. બન્નેવ રિવાયતોમાં એક નજીવો ફરક એ પણ છે કે આગળ રિવાયતમાં 'જાુહફા' સિરયાવાસીઓનો મિકાત બનાવવામાં આવ્યો હતો. અને બીજી રિવાયતમાં તેને “બીજા રસ્તે આવનારાઓનો મીકાત કહેવામાં આવ્યો છે. જેનો અર્થ સાફ છે કે મદીનાવાસીઓ પણ જો બીજા રસ્તાથી (એટલે જાુહફા તરફથી) મકકા જાય તો, તેઓ જાુહફાથી પણ એહરામ બાંધી શકે છે તેમના સિવાય જે બીજા ઈલાકાઓના લોકો જેમકે સિરયાવાસીઓ જુહદા તરફથી આવે તો તેઓ પણ જુહદાથી એહરામ બાંધશે એન અમુક હદીષ વેત્તાઓએ “બીજા રસ્તાવાળા' થી સિરયાવાળાઓને જ માન્યો છે. એવો સમયે બન્ને રિવાયતોમાં ફકત બોલ અને શબ્દોનો જ ફરક રહેશે.
મતલબ કે આ પાંચેવ જગ્યાઓ નકકી અને સહમત 'મીકાતો' છે. જે ઈલાકાઓ માટે એ મીકાત નકકી કરવામાં આવ્યા છે તેમનાથી મકકા આવનાર લોકોના રસ્તામાં એ આવે છે. તેમની ટૂંક વ્યાખ્યા આ મુજબ છે.
ઝુલ્હુલૈફા : જે મદીના માટે મીકાત નકકી કરવામાં આવી છે મદીના તૈયબાથી મકકા મુકરમા જતાં ફકત પાંચ માઈલના અંતરે છે. આ મકકા મુકર્રમાથી સૌથી દુર મીકાત છે. ત્યાંથી મકકા મુકર્રમા લગભગ બસો માઈલ પર છે. બલ્કે અત્યારના રસ્તે લગભગ અઢીસો માઈલ દૂર છે. જો કે મદીના વાસીઓનો દીન સાથે ખાસ સંબંધ છે. જેથી તેમનો મીકાત એટલે દૂર નક્કી કરવામાં આવ્યો, દીનમાં જેનો દરજજો જેટલો મહાન છે. તેને તકલીફ પણ એટલી જ વેઠવી પડે છે.
જુહફા : આ સિરિયા અને પશ્ચિમી દેશોથી આવનાર લોકોનો મીકાત છે આ હાલના “રાબિગ” નજીક એક વસ્તી હતી. હવે એ નામની કોઈ વસ્તી ત્યાં નથી. પરંતુ એટલી ખબર છે કે તે 'રાબિગ'નજીકમાં હતી. જે મક્કા મુકર્રમાથી લગભગ સો માઈલના અંતરે પશ્ચિમ તરફ દરિયા કિનારા નજીક છે.
કર્નુલ મનાઝિલ : નજદ તરફથી આવનાર લોકોનો મીકાત છે. મકકા મુકર્રમાથી લગભગ ત્રીસ, પાંત્રીસ માઈલ પુર્વમાં નજદ જવાના રસ્તા પર એક પહાડ છે.
ઝાતે ઈર્ક : એ ઈરાક તરફથી આવનાર લોકોનો મીકાત છે. મકકા મુકર્રમાથી ઉત્તર પુર્વ (ઈશાન ખુણા)માં ઈરાક જવાના રસ્તા પર આવેલો છે. મકકા મુકર્રમાથી લગભગ પચાસ માઈલના અંતરે છે.
યલમલમ : એ યમન તરફથી આવનાર લોકોનો મીકાત છે. એ તિહામાના પહાડમાંથી એક પ્રખ્યાત પહાડ છે. જે મકકા મુકરમાથી લગભગ ચાલીસ માઈલના અંતરે દક્ષિણ પુર્વ (વાયવ્ય ખૂણા)માં યમનથી મકકા આવનારના રસ્તામાં આવે છે.
જેમકે ઉપરોકત હદીયોથી જાણવા મળ્યુ કે રસૂલુલ્લાહ (સ.અ.વ.) એ એ પાંચો જગ્યાઓને જાતે ત્યાંના રેહવાસીઓ માટે અને બીજા ઈલાકાઓના તે લોકો માટે જેઓ હજ અથવા ઉમરાહ માટે તે જગયાઓ તરફથી આવે ‘મીકાત' નક્કી કર્યા છે. ઉમ્મતના કુકહાઓનો એના પર સહમત અને ઈજમાઅ છે કે જે માણસ હજ અથવા ઉમરાહ માટે તે જગ્યાઓમાંથી કોઈ જગ્યા તરફથી આવશે તેના માટે જરૂરી છે કે તે એહરામ બાંધી તે જગ્યાએથી આગળ વધે એહરામ બાંધવાનો અર્થ અને તેની રીત ઉપર વર્ણન થઈ ચુકી છે.
નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની સીરતનો અભ્યાસ અને અનુસરણ
પોતાની કામ્યાબી અને અન્યોને દાવતનો પ્રભાવી તરીકો
—રજૂઆત. મવ. ઝુબેર આમોદી. મુદર્રિસ જામિઅહ જંબુસર
મુહંમદ બિન અબ્દુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ ફરિશ્તા બનાવીને મોકલવામાં નથી આવ્યા, આપ કોઈ બીજી દુનિયા અથવા બીજા ગ્રહના ન હતા, આજ દુનિયા અને આજ ગ્રહના એક વ્યકિત હતા, અલ્લાહ તઆલાએ આપને ઈન્સાન બનાવી, ઈન્સાની તમામ જરૂરતો સાથે નબી બનાવી આ અંધકારમય દુનિયાને અજવાળામાં લાવવા માટે મોકલ્યા હતા, માટે જ આપે નિકાહ કરી સામાજીક જીવન વિતાવ્યું, આપને અવલાદ પણ હતી, આપના દોસ્ત-દુશ્મન પણ હતા, આપે તંગીમાં પણ જીવન પસાર કર્યું અને ખુશહાલીમાં પણ જીવન વિતાવ્યું, આપે લડાઈમાં પણ જીવન ગુજાર્યું અને અમન, શાંતીમાં પણ જીવન વિતાવ્યું, સારાંશ આ છે કે એક મામૂલી વ્યકિત પોતાના જીવનમાં જે ચડાવ અને ઉતાર જુએ છે તે તમામ ચડાવ, ઉતાર આપના જીવનમાં પણ આવ્યા, એટલે જ આજે કોઈ પણ વ્યકિત આપનું જીવન ચરિત્ર અને સીરત ઈન્સાફથી પઢે તો જરૂર તેને એક પાક, સાફ અને અનુસરવા લાઈક જીવન ચરિત્ર જોવા મળશે.
આપે આ પ્રમાણે સરળ અને આદર્શ જીવન એટલા માટે જ ગુજાયું કે નાનો-મોટો દરેક માણસ, ગરીબ અને માલદાર દરેક વ્યકિત તેને અનુસરી સરળતા સાથે જીવના ગુજારી શકે, આપે આ પ્રમાણે જીવન એટલા માટે ગુજાર્યું કે આપ દરેક વ્યકિત માટે એક આદર્શ અને નમુનો હતા, દરેક વ્યકિત પોતાના જીવનું પ્રતિબિંબ તેમના જીવન સાથે મેળવીને જોઈ શકે છે કે હું તે પ્રમાણે જીવન જીવી રહયો છું કે નહી?
પરંતુ અફસોસની વાત આ છે કે આજે આખી દુનિયાએ આ સર્વશ્રેષ્ઠ અનુસરણપાત્ર જીવનથી આંખો બંધ કરી લીધી છે, તેનાથી વધુ અફસોસ અને બદનસીબી વાત આ છે કે કલિમહ પઢનાર, પોતાને મુસલમાન કહેનાર, નબીની સાચી મોહબ્બતનો દાવો કરનાર મુસલમાનનું જીવન પણ નબી સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમના જીવનની જેમ નથી, આપની સુન્નતો ઉપર અમલ કરવામાં આવતો નથી.
આપણામાં ઘણા બધા મુસલમાનો છે જે યુરોપીય જીવનશૈલી, પહેરવેશ, અથવા કોઈ એક્ટર કે એકટ્રેસના જેમ જીવન બોલવા, ચાલવા, પહેરવા કે ખાવા પીવાને પસંદ કરે છે, અને તેને અનુસરે છે, પોતાની અવલાદને અંગ્રેજી તાલીમ ફકત આ આશયે આપવામાં આવે છે યુરોપમાં અંગ્રેજી તાલીમને મહત્તવ આપવામાં આવે છે અને ત્યાં એનો રિવાજ છે, સમાજ અને મુઆશરહમાં તે જ તરીકા અપનાવવાને પસંદ કરવામાં આવે છે જે યુરોપના તરીકા છે અને આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમના તરીકાને તરછોડવામાં આવે છે, બસ તેમના દિમાગ અને સોચમાં યુરોપનું અનુરકરણ જ સફળતાનું માપદંડ છે. માટે સૌપ્રથમ આપણે આપ સલ્લલ્લાહ અલયહિ વ સલ્લમની સીરત અને સુન્નતોનું વાંચન કરવું જોઈએ અને તે જ મુજબ જીવન વિતાવવું જોઈએ, તેમાં જ આપણા માટે દુનિયા આખિરતનો નફો અને કામયાબી છે.
હિન્દુસ્તાનમાં મુસલમાનો એક હઝારથી વધારે વરસોથી વસી રહ્યા છે, અને ગેર મુસ્લિમ ભાઈઓને બજારમાં, ઘરો પાસે, સંકુલ અને કોલેજમાં બધે જ મુસલમાનોથી મળવાનું હોય છે, તેમ છતાં ઘણાં બધા ગેરમુસ્લિમ ભાઈઓને મુસલમાનો વિશે ગેર સમજ અને ખોટી જાણકારી છે, તેના લઈ ઘણાં બધા ગેર મુસ્લિમ મુસલમાનોથી નફરત કરે છે અને સમજે છે કે મુસલમાન એક જવાબદાર, દેશપ્રેમી, શાંતિપ્રેમી હોય જ નથી શકતો, આ ગેર સમજના ઘણા બધા કારણો છે, જેમ કે રાજકારણીઓના નફરતભર્યા ભાષણો, ન્યુજ ચેનલ વાળાઓનું મુસ્લિમો વિરૂદ્ધ ઝેર ઓકવું, અને મુવીજ કે વેબ સીરીજમાં હિંસાની આગ લગાડે તેવી જુઠી વાતો બતાવવી વિગેરે. અમુક થોડાક જ ગેર મુસ્લિમ ભાઈઓ છે જે મુસલમાનો સાથે નફરત કરતા નથી.
આ બધા જ ઇસ્લામી તાલીમ અને રીત રિવાજથી બિલ્કુલ જ અજાણ છે, જેનું કારણ આ છે કે આપણે જ લેખિત, મોખિક અને અમલી રીતે આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની તાલીમનો પ્રચાર-પ્રસાર અને પરિચય આપ્યો નથી. આપ સલ્લલ્લાહુ અલયહી વ સલ્લમનું મુબારક ફરમાન છે :
بلغوا عني ولو آية .. ألا فليبلغ الشاهد الغائب.
આપ સલ્લલ્લાહુ અલયહી વ સલ્લમે આગમાં જતાં લોકોને બચાવી જન્નતનો માર્ગ બતાવ્યો, આખી દુનિયાના લોકોને એક જ ખાનદાન અને એક માલિકના બંદા બતાવ્યા, કયામત સુધી આવનાર ઈન્સાનિયતના દરેક દર્દી અને તકલીફનો ઈલાજ ફકત અને ફક્ત આપ સલ્લલ્લાહ અલયહિ વ સલ્લમની તાલીમાતથી જ જઈ શકે છે, પરંતુ જે લોકો પાસે આ ઇલાજ છે તે લોકોની ગફલતના લઈ દરેક ઇન્સાન સુધી તે તાલીમાત પહોંચતી નથી, આપણે અમલ કરીને આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની તાલીમ લોકો સુધી પહોંચાડીને દુનિયાની સમસ્યાઓનો ઇલાજ કરી શકીએ છીએ, પરંતુ આપણે જ તેના ઉપર અમલ ન કરી, લોકો સુધી આપની તાલીમ ન પહોંચાડીને આપણી ઓળખ અને અસ્તિત્વને જોખમમાં નાખયું છે.
મુસલમાનોની આ જ પ્રમાણેની ગફલતના લઈ ઉન્દુલુસમાં આઠ સો વર્ષ સુધી હુકુમત અને રાજ કરવા છતાં આજે ત્યાં ઇસ્લામનું કોઈ નામ-નિશાન બાકી નથી, ઘણી બધી મસ્જિદો બંધ છે, અઝાન પણ થતી નથી, ઉન્દુલુસ મુસલમાનોના હાથમાંથી ગયા પછી આ જ ઈસાઈઓએ ત્યાં મુસલમાનો પર બે હિસાબ અત્યાચારો અને જુલમ કર્યા, ઉપરોકત તમામ બાબતો બનવાના ઘણાં બધા કારણો છે જેમાંથી એક મુખ્ય કારણ આ છે કે ત્યાંના મુસલમાનોએ આટલા લાંબા સમય ગાળા સુધી રાજ કરવાના છતાં ત્યાંના ગેર મુસ્લિમ લોકોને ઇસ્લામ અને દીનની દાવત આપી નહીં, અને આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમના તરીકાથી વંચિત રાખયા, અને આપની સીરતને આમ ન કરી, અને બીજા લોકોએ આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની ખોટી સીરત બયાન કરી લોકોને ઇસ્લામ દુશ્મન બનાવી દીધા, જેથી લોકોએ ઈસાઈઓને ત્યાં કબજો કરવામાં મદદ કરી અને ત્યાર બાદ મુસલમાનો, મસ્જિદો સાથે જે વ્યવહાર કર્યો એ જગ જાહેર છે.
માટે આપણે પણ આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની સીરતની કિતાબોનું વાંચન કરીને તે મુજબ જીવન ગુઝારવું જરૂરી છે. અને લોકો સુધી નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ તેમજ ઇસ્લામી આદર્શો, જીવનશૈલી અને માનવીય સંસ્કારોની તાલીમ પહોંચાડવી જરૂરી છે.
કિબ્લા તરફ નમાઝ પઢનાર અને કલિમહ પઢનારને કાફિર ન કહેવાનો મતલબ
હઝરત અકદસ શૈખુલ હદીસ મવલાના ઝકરિયા રહ.ની કિતાબ 'ઇસ્લામી સિયાસત'નો ક્રમશ અનુવાદ મુફતી ફરીદ અહમદ કાવી.
નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમનો ફેસલો ન માનનાર સાથે હઝરત ઉમર રદિ.નો વર્તાવ
બે માણસો વચ્ચે ઝથડો થયો. આ ઝઘડો આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની સેવામાં પહોંચ્યો તો હકીકત જાણ્યા - સમજયા પછી આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે એક માણસના હકમાં ચુકાદો સંભળાવ્યો. ચુકાદો જેના વિરુદ્ધ હતો એણે કહયું કે બાબત હઝરત ઉમર રદિ.ને સોંપવામાં આવે કે તેઓ ચુકાદો કરે. આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે એને પરવાનગી આપી. બંને જણા ઝઘડો લઈને હઝરત ઉમર રદિ. પાસે પહોંચ્યા અને સઘળી ઘટના કહી સંભળાવી. બધી વિગત સાંભળીને હઝરત ઉમર રદિ. ઘરમાં ગયા અને તલવાર લાવીને તે માણસને કતલ કરી દીધો જેણે હુઝૂર સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમનો ફેસલો અમાન્ય સમજીને હઝરત ઉમર રદિ. પાસે જવાની પરવાનગી આપી હતી. અને પછી ફરમાવ્યું : જે માણસ નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમના ફેસલાને સ્વીકાર ન કરે, એના માટે મારો આ જ ફેસલો છે.
પણ આજે આપણે જોઈએ.. નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમના ફેસલાઓ અને હુકમ બાબતે લોકોનો વર્તાવ શું છે? કેટલાયે હુકમો વિરુદ્ધ લોકો પોતાનો વિચાર રજૂ કરે છે, અનેક સુન્નતોની મઝાક ઉડાડવામાં આવે છે. કેટલાયે તાકીદના હુકમોનો અન્યાયી રીતે વિરોધ કરવામાં આવે છે, એક બે હુકમની વાત હોય ઠીક. દાઢી અને ઇસ્તેન્જાની જ વાત નથી, શરાબ અને વ્યાજ બાબતે શું થઈ રહયું છે. નમાઝ અને ઝકાતની શી સ્થિતિ છે. રોઝા અને હજ પ્રતિ પણ લોકોને અણગમો છે. ઉપરની ઘટનામાં વિચારવાની વાત પણ છે કે જે વ્યકિતને હઝરત ઉમર રદિ.એ કતલ કરી દીધી, તે વ્યકિત મુસલમાન હતી. કલિમહ પઢનાર હતા. અને આજે? કોઈ કલિમહ પઢનાર વિરુદ્ધ એક શબ્દ બોલી શકાય એમ નથી. માણસ કિબ્લા તરફ મોઢું કરી લે, પછી જે કરવું હોય તે કરતો રહે છે. કુરઆનમાં અલ્લાહ તઆલા ફરમાવે છે: નેકી માત્ર એટલી જ નથી કે તમારું મુખ પૂર્વ કે પશ્ચિમ તરફ કરો, પરંતુ નેક તે માણસ છે અલ્લાહ ઉપર અને આખિરત ઉપર અને ફરિશ્તાઓ પર અને કિતાબો અને પયગમ્બરો પર ઈમાન લાવે. અને તે (માણસ) અલ્લાહની મુહબ્બતના ખાતર સગાં-વહાલાંને અને થતીમોને તથા મોહતાજોને અને મુસાફિરો અને સવાલ કરનારાઓને તથા (કેદીઓ અને ગુલામોની) ગરદનો છોડાવવામાં માલ આપતો હોય અને નમાઝ કાયમ રાખતો હોય તેમજ ઝકાત પણ આપ્યા કરતો હોય, અને (એ ઉપરાંત) એ લોકો છે જેઓ કોઇ કરાર કરે તો પોતાનો કરાર પૂરો કરે છે, અને ગરીબી તથા દુઃખમાં અને લડાઈમાં દઢ રહેનારા હોય. આ લોકો જ સાચા છે અને આ લોકો જ (ખરા) પરહેઝગાર (ગણવાને) લાયક છે. (સૂ. બકરહ: ૧૭૭)
અહલેકિબ્લાને કાફિર ન કહેવાનો હુકમ અને અહલેકિબ્લા એટલે કોણ ?
હઝરત ઇમામ અબૂ હનીફહ રહ.નો ઇરશાદ છે : અહલે કિબ્લામાંથી કોઈને અમે કાફિર નથી ઠરાવતા. અલબત્ત ઇમામ સાહેબ રહ.નો મતલબ શું આ છે કે કિબ્લા તરફ જે કોઈ રહેતું હોય, ચાહે કાફિર હોય કે મુશિ્રક, કોઈને પણ કાફિર નહીં કહેવામાં આવે ? અથવા આ મતલબ છે કે જે કોઈ માણસ કિબ્લા તરફ મોંઢું કરીને કોઈ વાત કરે અથવા બયતુલ્લાહને કિબ્લા માનતો હોય કે કિબ્લા તરફ નમાઝ પઢતો હોય... પછી ચાહે ગમે તેવું કામ કરે, મુર્તિપૂજા કરે, કુફની વાતો કરે, અમે અને પણ કાફિર નહીં કહીએ? જો આમ જ હોત તો પછી ઈમામ સાહેબ રહ.એ જ નામના માણસને સંબોધીને આવું કેમ કહયું કે اخرج عنی یا کافر હે કાફિર મારી પાસેથી ચાલ્યો જા. આ એક બિદઅતી અને ગુમરાહ માણસ હતો, અને એક નવો ફિરકો એણે શરૂ કર્યો હતો. ઈમામ અબૂ યુસુફ રહ. ફરમાવે છે કે મારા અને ઈમામ સાહેબ રહ. વચ્ચે છ મહીના સુધી ચર્ચા ચાલતી રહી, અંતે અમે બંને આ વાતે સહમત થયા કે જે કોઈ માણસ કુરઆનને મલૂક કહે તે કાફિર છે. શું કુરઆનને મલૂક કહેનાર લોકો તે વેળા અહલે કિબ્લા ન હતા ? નમાઝ પઢતા ન હતા ? રોઝા રાખતા ન હતા? કલિમહ પઢતા ન હતા? રવાફિઝનો એક ફિરકો કહે છે કે હઝરત જિબ્રઇલ અલૈ.થી વહી લાવવામાં ભૂલ થઈ ગઈ અને હઝરત અલી રદિ.ના બદલે આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમને આપી દીધી. તેઓ પણ કલિમહ પઢે છે, અને પોતાને મુસલમાન કહે છે અને કિબ્લા તરફ નમાઝ પઢે છે. છતાં તેઓ કાફિર છે. કરામિતહના કાફિર હોવા વિશે કોઈ શક છે ? તેઓ જનાબતના ગુસલનો ઈન્કાર કરે છે. શરાબને હલાલ કહે છે. વરસમાં ફક્ત બે રોઝા જ ફરજ ગણે છે. અઝાનમાં 'મુહમ્મદ બિન હનફિયહ રસૂલુલ્લાહ' કહે છે. આ બધું છતા આવા લોકો પોતાને મુસલમાન કહે છે. માટે અહલે કિબ્લાનો સહી મતલબ ઉલમાએ અને તે પણ એક બે નહીં, સેંકડો ઉલમાએ આ બતાવ્યો છે કે અહલે કિબ્લાનો મતલબ તે લોકો છે જેઓ દીન અને ઇસ્લામની જરૂરી વાતોમાંથી કોઈનો ઈન્કાર ન કરતા હોય.
અલ્લામહ શામી રહ. લખે છે :
આ બાબતે કોઈ મતભેદ નથી કે જે માણસ દીને ઇસ્લામની જરૂરી બાબતોનો ઈન્કાર કરતો હોય તે કાફિર છે. ચાહે તે અહલે કિબ્લા એટલે કે કિબ્લા તરફ મોઢું કરીને નમાઝ પઢતો હોય. અને આખી જિંદગી ઇબાદત કરતો રહે. ઈકફારુલ મુલહિદીનમાં નિબરાસના હવાલાથી લખ્યું છે કે :
મુતકલ્લિમીન એટલે કે અકાઇદ વિષયના વિદ્વાન ઉલમાના મતે અહલે કિબ્લા એવા માણસને કહેવામાં આવે છે જે દીનની જરૂરી બાબતોનો એકરાર કરતો હોય, એટલે કે એવી બાબતો જેનું શરીઅતમાં હોવું મશ્હૂર અને પુરવાર હોય. જેમ કે આ દુનિયા પહેલાં ન હતી અને પાછળથી ખતમ થઈ જશે, કયામતના દિવસે માણસોને એમના શરીર સાથે ફરી જિવંત કરવામાં આવશે. નમાઝ, રોઝા, વગેરે ઇબાદતોનું ફરજ હોવું, વગેરે અકીદાઓ... જે માણસ આવી વસ્તુઓનો ઈન્કાર કરતો હોય એ અહલે કિબ્લા નથી. ચાહે તે ઇબાદતોમાં કેટલીયે મહેનત કરતો હોય. આવી જ રીતે જે માણસમાં દીને ઈસ્લામની જરૂરી બાબતોનો ઈન્કારની નિશાની કે દલીલ જોવામાં આવે તે પણ અહલે કિબ્લા નથી, જેમ કે કોઈ માણસ મુર્તિ સામે સજદો કરે, શરીઅતના કોઈ હુકમનું અપમાન કરવું કે મઝાક ઉડાવવી.
ખુલાસો આ કે ઉલમા જયારે એમ કહે છે કે અમે અહલે કિબ્લાને કાફિર નથી ઠેરવતા, તો એનો મતલબ આ છે કે કોઈ ગુનાના કારણે માણસને કાફિર નથી કરાર દેતા. અને દીનની એવી વાતો જેના વિશે શરીઅતના હુકમ હોવાની હેસિયત બધાને ખબર ન હોય, એનો ઈન્કાર કરવાથી માણસને કાફિર નહી કહેવામાં આવે. આ ખુલાસો અને નિચોડ છે, જે યાદ રાખવો જોઈએ.
ખરી હકીકત આ છે કે ઇમામ અબૂ હનીફહ રહ. અને અન્ય બુઝુર્ગોએ જે એમ કહયું છે કે તેઓ કલિમહ કહેનાર કોઈ પણ માણસને કાફિર નથી કહેતા, અથવા અહલે કિબ્લાને કાફિર નથી ઠેરવતા, એનાથી એમનો આશય એમના ઝમાનામાં મોજૂદ ખવારિજના ફિરકા દ્વારા રજૂ કરવામાં આવતી માન્યતાનું ખંડન કરવાનો છે. ખવારિજ હરામ કામ એટલે ગુનાહે કબીરહ કરનાર દરેકને કાફિર કહે છે. અથવા બુઝુર્ગોનું આ કથન એવા લોકો વિશે છે, જે દીનની એવી વાતોનો ઈન્કાર કરતા હોય જેના વિશે શરીઅતનો હુકમ હોવાની હેસિયત બધાને ખબર ન હોય. ઇમામ મુહમ્મદ રહ. સિયરે કબીરમાં ફરમાવે છે : જે માણસ ઇસ્લામી શરીઅતની કોઈ બાબતનો ઈન્કાર કરે, એણે 'લા ઇલાહ ઇલ્લલ્લાહ'ના એકરારને તોડી નાખ્યો.
માટે કોઈ માણસ એમ ન સમજે કે એકવાર કલિમહ પઢી લીધા પછી માણસ આઝાદ છે, જે ચાહે તે કરે અને જેમ ચાહે તેમ બોલે. જો આમ જ હોત તો અલ્લાહ તઆલાએ યહૂદીઓની જે ટીકા-બુરાઈ કરી છે તે ખોટી કહેવાય.
યહૂદીઓ વિશે અલ્લાહ તઆલા ફરમાવે છે:
શું તમે કિતાબની અમુક બાબતો ઉપર ઈમાન લાવ છો અને અમુક બાબતો ઉપર ઈમાન નથી લાવતા. આવી હરકત કરનારનો એક જ બદલો છે કે દુનિયાની જિંદગીમાં અપમાન મળે અને કયામતના દિવસે આવા લોકો સખત અઝાબમાં નાંખી દેવામાં આવશે. અને અલ્લાહ તઆલા તમારા આમાલથી ગાફેલ નથી.
કુરબાની કોના ઉપર વાજિબ છે ?
કુરબાની દરેક એવા મુસલમાન ઉપર વાજિબ છે, જે,
આઝાદ હોય.
સમજદાર હોય. (ગાંડો ન હોય).
શરીઅત તરફથી નકકી કરેલ નિસાબ (માલ)નો માલિક હોય.
મુકીમ, એટલે વતનમાં સ્યાથી હોય (મુસાફિર ન હોય).
બાલિગ હોય.
(શામી : ૬/૩૧૨--બદાઈઅ : ૪/૧૯૬, ૧૯૭)
ઉપરની શરતોમાંથી અમુક વિશે વધુ જાણકારી :
શરીઅત તરફથી નકકી કરેલ નિસાબ (માલદારી) એટલે :
-- ૮૭. ૪૭૯ ગ્રામ સોનું.
-- ૬૧૨.૩૫ ગ્રામ ચાંદી.
--બેમાંથી કોઈ એકની કીમત જેટલી રોકડ કે,
--બેમાંથી કોઈ એકની કીમત જેટલો વેપારનો માલ કે,
--બેમાંથી કોઈ એકની કીમત જેટલો જરૂરતથી વધારે સામાન.
ઉપરોક પાંચ વસ્તુમાંથી કોઈ એક પણ જેની પાસે હોય, તે શરીઅત પ્રમાણે કુરબાની કરવાપાત્ર માલદાર ગણાશે. અને એની ઉપર કુરબાની વાજિબ છે. (અહસનુલ ફતાવા : ૭/૫૦૮)
થોડી ચાંદી અને થોડું સોનું હોય, તો બન્નેવની ભેગી કીમત ઉપર પ્રમાણે કોઈ એકની કીમત જેટલી થઈ જાય તો એવા માણસ ઉપર પણ કુરબાની વાજિબ થશે.
સોના ચાંદીમાંથી કોઈ એક કે બન્ને થોડી માત્રામાં હોય, અને સાથે થોડી રોકડ હોય, તો એને પણ ગણતરીમાં લઈ કીમત લગાવવામાં આવે, જો બધું થઈ ઉપર દર્શાવેલી ચાંદીની કીમત પ્રમાણે થઈ જાય તો કુરબાની વાજિબ થશે.
(જરૂરતથી વધારેનો સામાન એટલે અમુક જોડથી વધુ કપડાં, રહેતા ન હોય એવું ઘર, વપરાતા ન હોય એવા વાસણો, ટી.વી. વગેરે...)
કુરબાની વાજિબ થવા માટે ઉપર દર્શાવવા પ્રમાણે આવશ્યક નિસાબ જરૂરી છે, માટે ગરીબ (જે ઉપર પ્રમાણે નિસાબનો માલિક ન હોય) ઉપર કુરબાની વાજિબ નથી. પરંતુ ગરીબ માણસ જો કુરબાનીની નિય્યતથી કુરબાનીના દિવસોમાં જાનવર ખરીદશે તો એ જાનવરની કુરબાની કરવી એના ઉપર વાજિબ ઠરશે.(ફતાવા રહીમીયહ : ૨/૮૪)
ગરીબ માણસે કુરબાનીનું જાનવર કુરબાનીના દિવસો પહેલાં ખરીદી લીધું તો કુરબાનીના દિવસો શરૂ થતાં પહેલાં આ જાનવરની કુરબાની એના ઉપર વાજિબ નથી, માટે એને વેચી શકે છે, ખાય શકે છે, અને ચાહે તો બીજા જાનવરથી બદલી શકે છે. (ફતાવા રહીમીયહ : ૨/૮૪)
કુરબાનીના દિવસો પહેલાં માલદારે જાનવર ખરીદયું તો માલદાર ઉપર પણ આ નક્કી જાનવર કુરબાનીમાં ઝબહ કરવું વાજિબ નથી. ઉપર પ્રમાણે એમાં ફેરફાર કરી શકે છે. (ફતાવા રહીમીયહ : ૨/૮૪)
મરદોની જેમ ઓરતો ઉપર પણ જો તેણીઓ નિસાબની માલિક હશે, તો કુરબાની વાજિબ થશે. સામાન્ય પણે સ્ત્રીઓ પાસે સોના-ચાંદીના ઘરેણા હોય છે. જો ઉપર પ્રમાણે નિસાબ ધરાવતી હોય તો તેના પર કુરબાની વાજિબ છે.
સ્ત્રીઓ વિશે અમુક મસ્અલાઓ..
એક સ્ત્રી પાસે બે તોલા સોનું છે, અન્ય કંઈ ચાંદી નથી, આવી સ્ત્રી પાસે જો કંઈ પૈસા રહેતા હોય તો પછી એના ઉપર કુરબાની વાજિબ છે. જો રૂપિયા પૈસા નથી રહેતા તો એના ઉપર કુરબાની વાજિબ નથી. (આપ કે મસાઈલ ..૪/૧૧૩)
ઓરત જો નિસાબની માલિક છે, તો એના ઉપર કુરબાની વાજિબ છે.
- તેણી પોતાના પૈસાથી કુરબાની કરે.
- એની પાસે રોકડ રકમ ન હોય તો શોહર કે અન્ય કોઈથી લઈને કુરબાનીની વ્યવસ્થા કરે.
- અથવા કોઈ થરેણું વેચી કુરબાની કરે.
- અથવા ઓરત તરફથી ઓરતના કહેવાથી અને પરવાનગીથી શોહર કુરબાની કરે.
ઓરતના કહેવા કે પરવાનગી અને જાણ કર્યા વગર શોહર કુરબાની કરશે તો ઓરતની કુરબાની અદા થશે નહીં. (ફતાવા રહીમીયહ : ૯/૩૨૯)
ઓરતના મહેરની રકમ જો શોહરના ઝિમ્મે બાકી હોય, તેની ગણતરી ઓરતના નિસાબમાં ગણાશે નહી. (ફતાવા રહીમીયહ : ૨/૮૨)
મહેર શોહરના ઝિમ્મે બાકી હોય અને શોહર માલદાર હોય અને નિકાહ વખતે મહેર રોકડ નકકી કરવામાં આવી હતી તો આવી ઓરત ઉપર કુરબાની વાજિબ છે. ધણી માલદાર ન હોય અથવા નિકાહ વખતે મહેર ઉધાર રાખવામાં આવી હતી તો આવી મહેર ઓરતના નિસાબમાં ગણાશે નહી. (યામી ૬/૩૧૨)
- કુરબાની બાલિગ ઉપર વાજિબ થાય છે. (જેની ઉંમર ૧૫ વરસ થઈ ગઈ હોય અથવા તે પહેલાં એહતેલામ (સ્વપ્નદોષ) કે સ્ત્રી સંભોગ દ્વારા વીર્યસ્ખલન થાય તો શરીઅત પ્રમાણે બાલિગ કહેવાશે.)
નાબાલિગ ઉપર કુરબાની વાજિબ નથી, માટે વાલીએ પોતાના માલમાંથી એના તરફથી કુરબાની કરવી વાજિબ નથી. (ફતાવા રહી..: ૬/૮૭)
નાબાલિગ જો માલદાર હોય તો વાલીએ નાબાલિગના માલમાંથી કુરબાની કરવી દુરૂસ્ત નથી. જો વાલીએ નાબાલિગના પૈસાથી કુરબાની કરી તો વાલીએ એનો બદલો આપવો પડશે. એટલે કે એટલી રકમ બાળકના માલમાં પરત કરવી પડશે. (બદાઈઅ : ૪/૧૯૦)
ઉપરોકત શરતો પ્રમાણેની લાયકાત ઈદના ત્રીજા દિવસ સુધી બાકી રહેવાનો એતબાર કરવામાં આવશે.
એટલે કે કોઈ માણસ ૧૦મી ઝિલ્હજની સુહે સાદિક વેળા શરતો પ્રમાણે કુરબાની કરવાપાત્ર ઠરતો હતો, પરંતુ ૧૧મી કે ૧૨મી ઝિલ્હજના દિવસે કોઈ શરતની લાયકાત ઓછી થઈ ગઈ, જેમ કે ૧૧મી કે ૧૨મી તારીખે શરઈ સફરે નીકળી પડયો અથવા ૧૨મી તારીખ પૂરી થવા પહેલાં કુરબાની માટે આવશ્યક નિસાબ પ્રમાણેનો માલદાર ન રહયો તો એના ઉપર કુરબાની વાજિબ નથી. અર્થાત આવા માણસે જો હજુ કુરબાની કરી ન હોય તો કરવી વાજિબ નથી.
એ જ પ્રમાણે જો કોઈ માણસ ઉપરોક્ત શરતો પ્રમાણે ૧૦મી ઝિલ્હજના સુહે સાદિક વેળા લાયકાત ધરાવતો ન હતો, પરંતુ ૧૦-૧૧- ૧૨ ઝિલ્હજ (કુરબાનીના ત્રણ દિવસો) પૂરા થતાં પહેલાં ઉપરોકત શરતો પ્રમાણે લાયકાત વાળો થઈ ગયો, જેમ કે કોઈ માણસ ઝિલ્હજની ૧૧મી તારીખે બાલિંગ થયો તો એના ઉપર પણ કુરબાની વાજિબ થશે.
મુસાફિર માણસ ૧૧મી કે ૧૨મી તારીખે વતન પરત ફર્યો તો એના ઉપર પણ કુરબાની વાજિબ છે.
કુરબાની રહી જાય તો.....
કોઈ માણસ સમયસર એટલે કે કુરબાનીના દિવસોમાં કુરબાની ન કરી શકે તો કુરબાનીની કઝા એના ઉપર જરૂરી છે.
• જો જાનવર ખરીદી લીધું હતું અને કુરબાની કરવાથી રહી ગયું હોય તો એ જાનવર ગરીબને સદકો કરી દેવામાં આવે.
• જે માણસ ઉપર કુરબાની વાજિબ હતી છતાં જાનવર ખરીદયું નહીં કે મોટા જાનવરમાં હિસ્સો પણ રાખ્યો નહીં અને કુરબાની રહી ગઈ તો પછી એટલી રકમનો સદકો કરવો જરૂરી છે, જેનાથી કુરબાનીના દિવસોમાં કુરબાની કરી શકાય છે. એટલે કે જે માણસ વધારે સદ્ધર હોય તો એણે કુરબાની પાત્ર મોટા કે નાના જાનવરની કીમત સદકો કરવો બેહતર છે. અને જેની શકિત ન હોય એ એક હિસ્સાની કીમત સદકો કરે. સદ્ધર માણસ પણ જો કુરબાનીની કઝા સ્વરૂપે ફકત હિસ્સાની કિંમતનો સદકો કરશે તો કઝા સહીહ ગણાશે, પણ દરેક માટે હવે કુરબાનીની કઝામાં અફઝલ આ છે કે આખા જાનવરની કીમત સદકો કરે. (કિફાયતુલ મુફતી, મહમુદુલ ફતાવા : ૭/૪૭૬)
• કોઈ માણસની ઘણાં વરસોની કુરબાની છુટી ગઈ હોય તો એનો હુકમ પણ ઉપર પ્રમાણે જ છે. ચાહે તો દરેક વરસની કુરબાનીની કઝા સ્વરૂપે એક એક જાનવરની કીંમત કે એક હિસ્સાની કીમત સદકો કરે.
• કુરબાની વાજિબ હતી એવો માણસ કુરબાનીના દિવસો દરમિયાન કુરબાની કરવા પહેલાં વફાત પામે તો એના ઉપર કુરબાની વાજિબ રહેતી નથી એટલે એના વારસદારોએ એના તરફથી આ કુરબાની કરવી જરૂરી નથી.
• કુરબાની વાજિબ હતી એવા માણસે કુરબાનીના દિવસોમાં કુરબાની કરી નહીં, પરિણામે એના ઉપર કઝા જરૂરી હતી, એટલે એણે મરતાં પહેલાં કાં તો કુરબાનીની કઝા (કીંમતનો સદકો કરવું) જરૂરી છે, અથવા વસીય્યત કરી જાય કે મૃત્યુ પછી છોડેલા માલમાંથી વાજિબ કુરબાનીની કઝા કરવામાં આવે. જો આમ નહીં થાય તો કુરબાની ન કરવાનો ગુનો એના શિરે બાકી રહેશે.
• કઝા કુરબાની કરનાર માણસ બીજા વરસે કુરબાનીના દિવસોમાં કુરબાની કરીને કઝા કરવા ચાહે તો એ જાઈઝ નથી, એનાથી કુરબાનીની કઝા નહીં થાય, બલકે કઝા કુરબાનીની કીંમતનૉ સદકો કરવો જ જરૂરી છે.
હજ્જ
મહત્વતા, શ્રેષ્ઠતા, ફાયદાઓ, લાભો
હજ્જ ઇસ્લામના પાંચ ફરજોમાંથી એક છે. હઝરત ઈબ્ને ઉમર રદિ.ની રિવાયતમાં ઈસ્લામના જે પાંચ ફરજોનો ઉલ્લેખ છે, એમાં હજ્જ પણ છે. ઈસ્લામના સ્થંભોમાં સૌથી છેલ્લે ફરજ કરવામાં આવેલ હજજ છે. હિજરતના આઠમાં વર્ષે એના ફરજ હોવાનો આદેશ આવ્યો. ત્યારે ઈસ્લામના ઈતિહાસમાં સૌ પ્રથમ હજજ સ.હિ.૯માં હઝરત અબૂ બકર રદિ.ની આગેવાની હેઠળ અદા કરવામાં આવી, સ્વયં નબીએ કરીમ સલ.એ સ.હિ.૧૦માં હજ્જ કરી જે આપ સલ.ની પ્રથમ અને અંતિમ હજ્જ હતી.
હજ્જનો શાબ્દિક અર્થ કોઈક જગ્યાનો ઈરાદો કરવો કે પ્રવાસ ખેડવો, અને શરીઅતની દૃષ્ટિએ વિશેષ કાર્યો (ઈબાદત) અંજામત આપવા શ્રધ્ધા સહિત કા'બા (મક્કા શરીફ) પ્રતિ જવું એટલે જ હજ્જ.
હજ્જ સમગ્ર જીવનમાં માત્ર એકવાર એવા વ્યકિત પર ફર્ઝ થાય છે, જેની આર્થિક પરિસ્થિતિ સારી હોય, એક હજ્જ સિવાય જેટલી પણ હજ્જ કરવામાં આવશે તે નફલી ગણાશે, હા ! કોઈ વ્યકિત હજ્જ કરવાની મન્નત માને તો એને મન્નત પૂર્ણ કરવા માટે બીજી વખત હજ્જ અદા કરવી જરૂરી છે.
હઝરત અબૂ હરૈરહ રદિ.થી રિવાયત છે કે નબી સલ.એ ફરમાવ્યું અલ્લાહ તઆલાએ તમારા ઉપર હજ્જ ફર્ઝ કરી છે. માટે તમો હજ્જ કરો. (સહીહૈન)
હજ્જની મહત્વતા, શ્રેષ્ઠતા અને એનો સવાબ વિષે અનેક હદીયો વર્ણવવામાં આવેલ છે. એમાંથી થોડીક હદીયોનો ઉલ્લેખ કરવામાં આવે છે.
હઝરત અબૂ હુરૈરહ રદિ.થી રિવાયત છે કે નબી સલ.એ ફરમાવ્યું જે વ્યકિત હજ્જ કરે અને એમાં મનેચ્છાઓથી પર રહી કોઈ દુરાચરણ નથી કરતો તો તે વ્યકિત પાપોથી પવિત્ર થઈ એ રીતે પરત ફરે છે જેવો કે તે એ સમયે હતો જયારે તેની માતાએ એને જન્મ આપ્યો (મુસ્લિમ)
હઝરત અબૂ હુરૈરહ રદિ.થી રિવાયત છે કે નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે ફરમાવ્યું વૃધ્ધ અશકત અને સ્ત્રીઓનો જિહાદ હજ્જ છે. (નસાઈ શરીફ ઉપરોકત આયતો અને હદીષોના આધારે સ્પષ્ટ થાય છે કે હજ્જ કોઈ એવી ઈબાદત નથી કે વ્યકિતમાં હજ્જ કરવાની તાકાત હોવા છતાં મનમાં આવે તો અદા કરે અને મનમાં આવે તો એને મુલતવી રાખે, પરંતુ હજ્જ એવી ઈબાદત છે જેની અદાયગી પ્રત્યેક તે માણસ પર જીવનમાં એકવાર ફર્ઝ છે. જેની પાસે કા'બા સુધી પહોંચવાનો ખર્ચ હોય અને શારિરીક રીતે પણ તંદુરસ્ત હોય, હજ્જ ફર્ઝ થયા પછી વહેલી તકે અદા જોઈએ, વિલંબ ન કરવો જોઈએ, નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ ફરમાવે છે હજ્જની અદાયગીમાં ઉતાવળ કરો, એટલા માટે કે તમારામાંથી કોઈને ખબર નથી કે કયારે કોઈ અડચણ આવી પડે. (અ. દાઉદ)
જો આપણે વ્યકિતની ઉત્સુકતા અને હજ્જને લગતી પ્રવૃતિઓનો ઘ્યાનથી અભ્યાસ કરીએ તો આપણને એ બંનેમાં એક સંબંધ જોવા મળશે, વાસ્તવમાં ઉત્સુકતા અને પ્રેમ એક જીવિત અને ઉચિત સ્વાભાવ વ્યક્તિની પ્રાકૃતિક જરૂરત છે, એ તેની શાંતિ માટે પ્રયત્નશીલ રહે છે અને શાંતિનો માર્ગ શોધે છે. ખાનાએ કાખા હજ્જ સંબંધી પ્રવૃતિઓ અને એને લગતા પ્રત્યેક કાર્યો માનવીની પ્રાકૃતિક ઉત્સુકતાની શાંતિનો સામાન ઉપલબ્ધ કરાવે છે.
ઈમાન ગિઝાલી રહ.ના કહેવા મુજબ આશિક અને પ્રેમી પ્રત્યેક તે વસ્તુના આતુર હોય છે કે જેનો સંબંધ એના પ્રેમી સાથે હોય, કા'બાનો સંબંધ અલ્લાહ તઆલા સાથે છે એટલા માટે મુસ્લિમોએ સ્વભાવિક રીતે સૌથી વધુ એના આતુર હોવું જોઈએ. ઉપરાંત તે અજર-સવાબની આશા પણ હોવી જોઈએ, જેનો વાયદો પણ કરવામાં આવ્યો છે. (ઈહૃાા ઉલ ઉલૂમ : ૨૪/૧)
શાહ વલીયુલ્લાહ રહ. તેમની વિખ્યાત કિતાબ હુજ્જતુલ્લાહિલ બાલિગહના ભાગ ૧ પેજ. ૫૯ પર લખે છે "ક્યારેક વ્યકિત તેના પાલનહાર પ્રતિ અતિઆતુર હોય છે અને મુહબ્બત જોર કરે છે તો એ આતુરતાની શાંતિ માટે તે ચો તરફ ઝાંખે છે, તો ખબર પડે છે કે તેનો સામાન માત્ર હજ્જ છે. (અરકાને અરબઆ)
એ જ પ્રમાણે હજ્જ સંબંધી પ્રત્યેક પ્રવૃતિઓ અને કાર્યોમાં જે બાબત સ્પષ્ટ અને આકર્ષક છબી રૂપે સામે આવે છે તે પ્રેમ અને ગાંડાપણું, બલિદાન અને ન્યોછાવર થવાનો જોશ છે. હજરત મવલાના સૈયદ અબૂ અલ હસન અલી નદવી રહ.ના કહેવા મુજબ હજ્જમાં તન અને મનની લગામ લાગણી અને મહોબ્બતને હવાલે કરી દેવામાં આવે છે. એટલા માટે કે હજ્જ અલ્લાહ તઆલા પ્રતિ માણસની ઉત્સુકતા અને મિલનની ઝંખનાને શાંત કરવા માટે છે.
હજ્જમાં જેમ માનવીની પ્રાકૃતિક આતુરતા અને પ્રેમની શાંતિનો સામાન છે. તેજ પ્રમાણે હજ્જનો વિશ્વ વિખ્યાત સમારંભના બીજા અસંખ્ય એવા ફાયદા અને લાભો પણ આપે છે જેની ગણતરી અશકય છે.
સૌ પ્રથમ આપણે એ મુદ્દા પર વાત કરીએ કે મક્કાની યાત્રા માણસ સ્વયં પોતાની કોઈ ભૌતિક જરૂરત પૂર્ણ કરવા માટે નથી કરતો, પરંતુ અલ્લાહ તઆલા ખાતર હજ્જનો ફરીજો અદા કરવા માટે કરે છે. એટલા માટે એક હાજીમાં હજ્જની નિય્યત સાથે નેકી, સદાચારી અને સંયમના લાભો સ્પષ્ટ થવા લાગે છે, તે માત્ર નેકીના કાર્યોમાં લાગેલો રહે છે, લોકો સાથે તેનો વ્યવહાર સુધારવાનું પ્રારંભી દે છે, એનો લાભ સ્વયં એની જાતને તો થાય જ છે, સાથોસાથ એની આસપાસ વસતા લોકોને પણ તેનો લાભ થાય છે અને જયારે તે હજ્જની અદાયગી માટે અલ્લાહ તઆલાના ઘરે પહોંચે છે તો એમાં માત્ર આજ્ઞાપાલન અને આનાકાની કર્યા વિના અલ્લાહ તઆલાના આદેશોનું પાલન કરવાનો જજબો જ બાકી રહે છે. અલ્લાહના મહાન નબી હઝરત ઈબ્રાહીમ અલૈ. સાથે નવો સંબંધ બંધાય છે અને એ નવા સંબંધના પરિણામે તવહીદ, અલ્લાહ પર યકીન, અલ્લાહના માર્ગમાં બલિદાન (કુર્બાની) અને એની આજ્ઞાપાલન અને રજામંદી (પ્રસન્નતા) પામવા અને જીવનને અલ્લાહ તઆલાના આદેશ પ્રમાણે અસરકારક, મજબૂત અને ટકાઉ બનાવવાના પ્રયત્નો અને પ્રયોજનનો જોશ પ્રાપ્ત થાય છે. અલ્લાહ તઆલાના માર્ગમાં પોતાનું બધું જ ન્યોછાવર કરી એનો સત્ય ઉપદેશ પ્રત્યેક વ્યકિત સુધી પહોંચાડવાની ઈચ્છા જાગૃત થાય છે.
એક તરફ સમગ્ર મુસ્લિમ જગત માટે હજ્જના દિવસો સમાન છે, તો બીજી બાજુ આપણને એક અન્ય તાજગીના દર્શન થશે, કે જગતના વિવિધ દેશો અને પ્રદેશમાં વસતાં અસંખ્ય મુસ્લિમો કા'બાનો પ્રવાસ ખેડે છે. એ જ રીતે હાજીઓના મક્કા જવાથી લઈ પોતપોતાના વતન પરત આવતા સુધી મુસ્લિમ જગતમાં હલનચલન અને જાગૃતિનું મોજું ફેલાય જાય છે.
હજ્જના સમયે વિશ્વના પ્રત્યેક દેશમાંથી સુખી સંપન્ન મુસલમાનો હજ માટે આવે છે. આ દરેકની ભાષા અને સામાજિક સંસ્કૃતિમાં વિવિધતાં જોવા મળે છે, છતાં આ પ્રત્યેક હાજીઓ એક જ વસ્ત્રોમાં, એક જ કેન્દ્રમાં અને એક જ હેતુ ખાતર એકત્રિત થાય છે. આવી રીતે ઇસ્લામિક એકતાનું દર્શન થાય છે. પરદેશવાદ, વંશવાદ, ભાષાવાદ, વગેરેથી ઉપરવશ થઈ ઇસ્લામિક એકતા પ્રદર્શિત થાય છે અને ત્યાંથી સમગ્ર મુસ્લિમ જગતને ઉપદેશ પહોંચે છે કે સમગ્ર મુસ્લિમ પ્રજામાં સુમેળ, સર્વાનુમતિ, એકમત અને સહમતી હોવી જોઈએ, એટલા માટે કે સમસ્ત મુસ્લિમ વિશ્વ એક શરીરની જેમ છે અને તેમના હેતુઓ સમાન છે.
આ છે હજ્જના કેટલાક લાભો અને ફાયદાઓ જેના વિષે કુર્આને ફરમાવ્યું છે કે લોકો અહીંયા આવી જુએ કે તેઓ માટે હજ્જમાં લાભો છે.
સાદગી ઈમાનનો એક ભાગ
શાદી-લગ્ન, વલીમા-અકીકા વિશે ઈસ્લામનું દ્રષ્ટિકોણ એ છે કે ઓછામાં ઓછા ખર્ચામાં ખૂબ જ સાદગીથી આવા પ્રસંગો પૂરા કરવામાં આવે. એટલી સાદગી કે બિલકુલ નજીકના સંબંધીઓની દાવતને પણ જરૂરી સમજવામાં ન આવે. અને એટલા ઓછા ખર્ચમાં કે માત્ર એક બકરીથી પણ વલીમાની દાવત પુરતી થઈ પડે. એક બકરીથી વલીમો કરવાનો અર્થ એ છે કે માત્ર અમુક માણસોને જ વલીમામાં બોલાવવામાં આવે, તો બીજા લોકો અહીં સુધી કે નજીકના સબંધીઓને પણ કોઈ વાંધો વચકો ન હોય. મુસલમાનોને તમામ પરિસ્થિતિઓમાં સાદગી અને લઘુત્તમ ખર્ચમાં આવા પ્રસંગો કરવાની આ તાલીમ આપવામાં આવી છે. વ્યકિત અમીર હોય કે અત્યંત ગરીબ હોય, અમીર પરિવારમાં શાદી અથવા વલીમાં કે અકીકાનો પ્રસંગ હોય કે કોઈ સામાન્ય અને ગરીબ ખાનદાનમાં પ્રસંગ હોય, આર્થિક સંકટ હોય કે ન હોય, મતલબ કે દરેક પરિસ્થિતિમાં ઇસ્લામ ધર્મ એ વાતને બિલકુલ પસંદ નથી કરતો કે શાદી - લગ્ન અને વલીમા -અકીકા વગેરે જેવા પ્રસંગોમાં થોડીયે ફુઝૂલખર્ચી, નાચગાન, વાજિંત્રો (ડી.જે) વગાડવા, પ્રસિદ્ધિ, રિયાકારી, દંભવગેરે જેવી ખરાબીઓ આચરવામાં આવે. તેમજ કોઈ પણ પ્રકારની જાહોજલાલી જાહેર કરવામાં આવે. શાદી, વલીમા અને અકીકાના એવા પ્રસંગો જેમાં વ્યર્થ ખર્ચ, દંભીપણુ, અભિમાન તેમજ ખરાબીઓ અથવા કોઈ પણ જાતનું ગુનાહિત કૃત્ય થઈ રહયું હોય, તેમાં ભાગ લેવાની મનાઈ કરવામાં આવી છે.
માટે આર્થિક પરિસ્થતિ સારી હોય કે નબળી હોય, મોકો હોય કે ન હોય, શાદીમાં ખર્ચ કરવાની કેટલીય શકિત હોય, સૌથી ઉત્તમ બાબત આ છે કે મુસલમાનો ખૂબ જ સાદગી અને ન્યુત્તમ ખર્ચમાં આવા પ્રસંગોને અંજામ આપે. અને આ બાબતે કોઈના મહેંણા ટોણા અને ટીકા ટીપ્પણીઓની પરવા ન કરે, અને ન તો શરમ અનુભવે. માણસે તે ગુનાહોથી શરમાવું જોઈએ, સૌથી વધુ બીક તો અલ્લાહ તઆલાની નારાજગી અને તેના ગુસ્સા અને ગઝબની હોવી જોઈએ, સાદગી ઈમાનનો એક અંશ છે. માટે સાદગીને પોતાનું પ્રતિક અને ઓળખ બનાવો. સરકારની પાબંદીઓનો વિચાર ન કરો, બલકે તેને માત્ર એક બહાનુ સમજો, આ અવસરને ગનીમત સમજી શાદી અને અન્ય પ્રસંગોમાં થતી કુપ્રથાઓ તથા ખરાબીઓને કાયમ માટે નાબૂદ કરો.
લોકડાઉન થકી જે સંજોગો આપણી સામે આવ્યાં એમાં આપણે ઘણું શીખ્યા છે, ઘણી અઘરી બાબતો હવે આપણને સામાન્ય લાગે છે, લોકડાઉનમાં શાદીઓ સાદગીથી અંજામ આપવામાં આવી. કોઈને દાવત આપવાનો કે કોઈને આવવાનો આગ્રહ પણ કરવામાં આવતો ન હતો. એમ આ સંજોગો સામાજિક પ્રસંગોની યોગ્ય વ્યવહાર અને આચરણ આપણને શીખવી ગયા છે. માણસ હવે આને જ પોતાની આદત બનાવી લે કે હવે પછી જયારે પણ મારે ત્યાં આવો કોઈ પ્રસંગ આવશે તો નિસંકોચ આવી જ સાદગી અપનાવીશ. આ દિવસોમાં લોકોએ શીખી લીધું છે કે કોઈ દાવત ન આપે કે અથવા કાર્ડના બદલે ફકત મૌખિક દાવત આપે અથવા સહકુટુંબ દાવત આપવાને બદલે માત્ર ૧-૨ માણસોને જ દાવત આપે તો એમાં કંઈ ખોટું નથી.
આપણે મુસલમાનો, સમાજને આ બધી તકલીફ આપનારી બાબતોને કાયમ માટે નાબૂદ કરી શકીએ છીએ અને શાદી અથવા અન્ય સમારંભ ટાણે આમંત્રિત ન કરવા બદલ ફરિયાદો તથા મહેંણા ટોણાની જે ખોટી અને ગંદી આદતો વર્ષોથી સમાજ માટે ખતરનાક બની બેઠી છે, તેનાથી મુકિત મેળવી શકીએ છીએ. એ જ રીતે 'લોકો શું કહેશે?" કહીને કુરિવાજો, કુપ્રથાઓ અને ખરાબીઓ આચરવાની મજબૂરીથી આપણને કાયમ માટે છુટકારો મળી શકે છે. એટલા માટે કે વર્તમાન પરિસ્થિતિમાં આ વાકયએ પણ પોતાનું વજન ગુમાવી દીધુ છે.
લોકોડાઉનના કારણે આપણે પાબંદ છીએ પરંતુ તેને અલ્લાહ તઆલા તરફથી એક વ્યવસ્થા સમજી આને આપણે શાદી - લગ્નોમાં થતી ઘણી ખરાબીઓથી બચવા માટે ઢાલ અને અલ્લાહ તઆલાની પ્રસન્નતા પ્રાપ્ત કરવાની સીડી બનાવીએ શકીએ છીએ.
માટે આપણે પાકો ઇરાદો કરી લેવો જોઈએ કે સરકારની પાબંદીઓના લીધે નહીં બલકે અલ્લાહની પ્રસન્નતા પ્રાપ્ત કરવા અને તેના રસૂલ (સલ.) ની તાલીમાત મુજબ અત્યંત સાદગી અને લઘુત્તમ ખર્ચમાં બધા પ્રસંગો અને સમારંભો કરીશું. અલ્લાહ તઆલા આપણ સૌને તૌફીક આપે. આમીન.
શરઈ માર્ગદર્શન અને ફતાવા વિભાગ
મવ. મુફતી અસ્જદ દેવલ્વી સાહેબ
તસ્દીક કર્તા મવ. મુફતી અહમદ દેવલા
સદર મુફતી જામિઅહ જંબુસર
વાલીની જાણ બહાર સમકક્ષ ન હોય એવા છોકરા સાથે છોકરીના નિકાહ
સવાલ : એક છોકરીએ છુપી રીતે ઘરવાળાઓને અજાણતામાં રાખી એક છોકરા સાથે નિકાહ કરી લીધા, તે છોકરો ન તો કોઈ કામ-ધંધો કરે છે અને ન શિક્ષિત છે, હુનરમાં પણ એક્ષપર્ટ નથી અને કુટુંબ – કબીલાના રીતે પણ કોઈ ખાસ વર્ચસ્વ નથી, જયારે નિકાહ કરનાર છોકરી શિક્ષિત અને ભણેલ છે, ઊંચા અને મોભાદાર કુટુંબથી સંબંધ રાખે છે, હવે છોકરીના માં– બાપ છોકરીથી આ નિકાહ પરત્વે રાજી નથી, પરંતુ છોકરીએ જીદ કરી નિકાહ પઢી લીધા છે, શરીઅતના ધારા – ધોરણો આકિલ -બાલિગ છોકરીને નિકાહનો ઈખ્તિયાર આપે છે, સવાલ એ છે કે આ રીતે કરવામાં આવેલ નિકાહ માન્ય ગણાશે કે નહીં. જવાબ આપી મહેરબાની કરશો.
જવાબઃ حامدا و ومصليا ومسلما
આકિલ બાલિગ છોકરી પોતાના વલીની ઇજાઝત વિના "ગેરે કુફૂઅ" એટલે કે એવા છોકરા સાથે નિકાહ કરે, જે સમાજ, ખાનદાનની દ્રષ્ટિએ છોકરીના ખાનદાન વિગેરેથી નિમ્ન કક્ષાનો હોય, તો આવા નિકાહ વિશે આ પહેલાં ફતવા પાત્ર મંતવ્ય હસન બિન ઝિયાદની રિવાયત મુજબ નિકાહના મુઅકિદ અને અસ્તિત્વ ન પામવાનું હતું, પરંતુ બદલાતા સંજોગો અને હાલાતમાં જયારે કે સમાજમાં પહેલાની જેમ સમકક્ષ હોવાનું મહત્વ જોવા ન મળતું હોય અને છોકરા-છોકરીઓની ભેગી શિક્ષણ વ્યવસ્થાના કારણે આ રીતના નિકાહોનું પ્રમાણ વધી જવાના લઈ, જાહિરૂરિવાયત મુજબ ઘણા મુફતીયાને કિરામ ફતવો આપે છે, જે પ્રમાણે છોકરી જો પોતાનાથી સમકક્ષ એવા છોકરા સાથે નિકાહ ન કરે, બલકે તેનાથી ખાનદાની રીતે ઉતરતી કક્ષાના છોકરા સાથે નિકાહ કરે, તો આ નિકાહ મુનઅકિદ થયેલ અને દુરૂસ્ત ગણાશે, અલબત્ત સમકક્ષતા અને કુફૂઅની રિઆયત ન કરવાના લઈ, તેના અવલિયા, બાપ વિગેરેને આ નિકાહ સંબંધિત વાંધો ઉઠાવી, નિકાહ ફસ્ખ (રદ) અને ખતમ કરવાનો અધિકાર રહેશે.
રજૂ કરવામાં આવેલ સૂરતમાં જયારે કે છોકરીએ ગેર કુફૂઅમાં (એટલે કે સમકક્ષતાની રિઆયત ન કરતા) નિકાહ કર્યા છે, તો છોકરીના વલી, બાપને મળેલ નિકાહ રદ કરવાના હકની બુન્યાદ ઉપર શરઈ પંચાયતમાં મજકૂર મામલો રજૂ કરી, નિકાહ ખતમ અને ફસ્ખ (રદ) કરાવી શકે છે, અલબત્ત આ માટે શર્ત એ છે કે નિકાહની જાણ થયા પછી છોકરીમાં ગર્ભ જાહેર થતાં પહેલાં ખામોશ ન રહે, બલકે આ વિશે પોતાનો દાવો રજૂ કરી, ફસ્ખની માંગણી કરી આપે, અન્ય સૂરતમાં વલીનો આ હક ખતમ થઈ જશે. (દુર્ર - શામી : ૪/ ૧૫૯, ઝકરિય્યહ ઉપરથી)
ઇસ્લામિક ફિકહ એકેડમી (જેમા હિન્દુસ્તાનના મશ્હૂર અને મોઅતબર મુફતીયાને કિરામ ભેગા મળી, આજના સંજોગોના કારણે ઉદભવતા નવા મસ્અલાઓ વિશે ચર્ચા કરી, સર્વ સંમતીથી ફેસલાઓ કરે છે) ના "૧૧"માં ફિકહી સેમિનારમાં સવાલમાં રજૂ કરવામાં આવેલ સૂરત તેમાં શરીક થયેલ મુફતીયાને કિરામના દરમિયાન ચર્ચામાં આવતા તેઓએ ભેગા મળી અંતે જે ફેસલો જારી કર્યો તે અહીંયા રજૂ કરવામાં આવે છે.
મુસલમાન આકિલ બાલિગ લડકે ઔર લડકી કા બાહમી (આપસી) રઝામંદી સે કિયા ગયા નિકાહ શરઅન મુઅકિદ હો જાતા હે. કફાઅત (સમકક્ષતા) લુઝૂમે અકદમેં (લાઝિમ થવામાં) મુઅષિર (અસરકારક) હૈ. સિહત વ ઈનકાદે નિકાહમેં નહીં.”
અગર આકિલ વ બાલિગ ખાતૂનને ગેરે કુફૂઅમે વલી કી રઝામંદી કે બગૈર નિકાહ કર લિયા તો યે નિકાહ શરઅન મુઅકિદ હોગા, લેકીન અવલિયા કો કાઝી કે યહાં મુરાફઆ (રજૂઆત કરનેકા) હક હોગા, (નયે મસાઈલ ઔર ફિકહ એકેડમી કે ફેસ્લેં : ૧૦૩-૧૦૪)
ઝુબ્દતુલ ફતાવા ગુજરાતીમાંથી પણ આ વિશે એક ફત્વો નકલ કરવામાં આવે છે.:
"જો આકિલ બાલિગ છોકરીએ પોતાના નિકાહ શરીઅતના તરીકા મુજબ મુસ્લિમ ગવાહોની મૌજૂદગીમાં કુફુ સાથે કર્યા છે, તો તે જાઈઝ છે, અને ખાનદાની વાલીઓને વાંધો ઉઠાવવાનો કોઈ હક નથી, અને જો વાલીની ઈજાઝતથી ગેર કુફુ સાથે કર્યા છે, તો પણ જાઈઝ છે, અને આ બંને સૂરતોમાં નિકાહમાં મહરે મિષ્લેથી ઓછી મહર ન હોવી જોઈએ અને જો વાલીની ઈજાઝત વગર ગેર કુકૂમાં નિકાહ કર્યા હોય, તો મહકમએ શરઈય્યહમાં અરજી કરી ફસ્ખ કરાવવા જોઈએ. (૬/૧૪૬)
એવી જ રીતે ફતાવા વિભાગ, દારૂલ ઉલૂમ દેવબંદની વેબસાઈટ ઉપરથી પણ આ સંબંધિત એક જવાબ અત્રે વર્ણન કરવામાં આવે છે.
"અગર વો ગેર સય્યિદ લડકા સય્યિદા લડકી કા કુફૂ ન હો, મષલન અન્સારી હો ઔર સય્યિદા લડકી અપને વાલિદ કી ઈજાઝત વ મરઝી ઔર સરપરસ્તી કે બગૈર અઝ ખૂદ નિકાહ કર લે, તો હસન બિન ઝિયાદ કી રિવાયત કે મુતાબિક વો નિકાહ સિરે સે સહીહ હી ન હોગા, ઔર કિસી ઝમાનેમેં ઇસી રિવાયત પર ફતવા થા, લેકિન અબ હાલાતે જમાના કી વજહ સે ફતવા ઈસ પર હૈ કે વો નિકાહ હો જાએગા, અલબત્ત લડકી કે વાલિદ કો હકકે ઈઅતિરાઝ હાસિલ હોગા, વો અપને ઈસ હક કી બુન્યાદ પર શરઈ પંચાયતમેં જાકર નિકાહ ફસ્ખ કરા શકતા હૈ. (ફતાવા દારૂલ ઉલૂમ)
ફક્ત અલ્લાહ તઆલા વધુ જાણનાર છે. તા. ૧૦ / સફર / ૧૪૩૭ હિજરી
બોધકથા....
જંગલના રાજા સિંહને એકવાર ફરતાં ફરતાં ઉંદર મળી ગયો. એકમેકની વાતો કરતાં ઉંદરે સિંહને કહયું કે સિંહરાજા મને સલામતીની ખાતરી આપે તો એક વાત કહું? સિંહે એને કહ્યું કે, બેફિકર, તારે જે કહેવું હોય તે કહે.
ઉંદરે કહ્યું કે હું તમને એક મહીનામાં મારી નાંખું એટલી શક્તિ ધરાવું છું. સિંહ ખડખડાટ હસ્યો. અરે ઉદરડા! તું મને કેવી રીતે મારીશ ? ઉંદરે કહયું કે, જરૂર... બસ તમે મને એક મહીનાની મોહલત આપો.
સિંહે કહયું કે, મને મંજૂર છે. તને એક મહીનાની મોહલત છે, આ દરમિયાન તું કશું કરી શકયો નહીં તો પછી હું તને મારી નાખીશ.
મહીનાની ગણતરી શરૂ થઈ ગઈ. પહેલા સપ્તાહ દરમિયાન તો સિંહ ઉદરનો પડકાર યાદ કરીને હસતો રહ્યો. અલબત્ત એને એક બે વાર સપનું આવ્યું કે ઉદર એની હત્યા કરી રહયો છે. બીજા સપ્તાહમાં સિંહને રોજ વિચાર આવવા લાગ્યો કે કયાંક ઉદરની વાત સાચી ન હોય, શી ખબર એનો શું મનસૂબો હોય ? ત્રીજું અઠવાડિયામાં તો સિંહના દિલમાં રીતસરનો ડર જ પેસી ગયો અને તે હરપળે આ વિચારથી ધ્રુજી ઉઠતો કે પેલો ઉંદર મને મારી નાખશે તો મારું શું થશે ? મને એની કોઈ તદબીર પણ ખબર નથી કે હું બચી શકું ? ચોથા સપ્તાહે તો ડરના માર્યા સિંહે બહાર નીકળવાનું પણ બંધ કરી દીધું, એમ વિચારીને કે ઉંદરે બિછાવેલી કોઈ ચાલમાં હું ફસાય ન જાઉં ! મોતની બીકે ખાધા પીધા વગર લાચાર એક ખુણામાં પડયો રહયો.
આખરે મહીનો પૂરો થયો અને બધા જનાવરો સિંહને જોવા ગુફામાં ગયા તો સિંહ મરી પરવાર્યો હતો. ઉંદરે કંઈ કર્યા વગર બાજી જીતી લીધી અને પોતાનું કહેલું કરી બતાવ્યું.
આ વાર્તામાં સિંહના સ્થાને પોતાને મુકો. અને ઉંદરની જગ્યાએ દુનિયા, દુનિયાની વસ્તુઓ અને એની ચિંતાઓ મુકો.
ઈમાન અને ઇલ્મ (જ્ઞાન)ની શક્તિ થકી માણસ બહાદુર સિંહ કરતાં વધારે શક્તિશાળી હોય છે, પણ દુનિયા, જરૂરતો, જરૂરતની વસ્તુઓની ચિંતાઓ કરીને માણસ પોતાની શક્તિઓ ભૂલી જાય છે. ભવિષ્યની ચિંતા એને એવી કોરી ખાય છે કે પોતાની પાસે મોજૂદ દીની, રૂહાની અને દુનિયાના અન્ય અસબાબ પણ ભૂલી જાય છે. અને કાલ્પનિક ચિંતા થકી પોતાની આખિરત બરબાદ કરી દે છે.
આવતી કાલ માટે અસબાબ અપનાવો, મહેનત કરીને કંઈક ભેગું પણ કરી લો, એમાં વાંધો નથી. પણ કાલે શું થવાનું છે એની ચિંતામાં જ ડૂબ્યા રહેવાથી બરબાદી પાકી થઈ જાય છે.
40 Lessons by Holy Prophet (S.A.W)
(1) Refrain from sleeping between fajr and Ishraq, Asr and Maghrib, Maghrib and Isha.
(2) Avoid sitting with smelly people. i.e (onion)
(3) Do not sleep between people who talk bad before sleeping.
(4) Don't eat and drink with your left hand.
(5) Don't eat the food that is taken out from your teeth.
(6) Don't break your knuckles.
(7) Check your shoes before wearing it.
(8) Don't look at the sky while in Salaat.
(9) Don't spit in the toilet.
(10) Don't clean your teeth with charcoal.
(11) Sit and wear your trousers.
(12) Don't break tough things with your teeth.
(13) Don't blow on your food when it's hot but u can fan it.
(14) Don't look for faults in others.
(15) Don't talk between iqamath and azan.
(16) Don't speak in the toilet.
(17) Don't speak tales about your friends.
(18) Don't antagonize your friends.
(19) Don't look behind frequently while walking.
(20) Don't stamp your feet while walking.
(21) Don't be suspicious about your friends.
(22) Don't tell lies at anytime.
(23) Don't smell the food while you eat.
(24) Speak clearly so others can understand.
(25) Avoid travelling alone.
(26) Don't decide on your own but do consult others who know.
(27) Don't be proud of yourself.
(28) Don't be sad about your food.
(29) Don't boast. (30) Don't chase the
beggars.
(31) Treat your guests well with a good heart.
(32) Be patient when in poverty.
(33) Assist a good cause.
(34) Think of your faults and repent.
(35) Do good to those who do bad to you.
(36) Be satisfied with what you have.
(37) Don't sleep too much, it causes forgetfulness.
(38) Repent at least 100 times a day (Istighfaar).
(39) Don't eat in darkness.
(40) Don't eat mouth-full.
છેલ્લા પાને
ભયાનક અંધારું
સૌથી ભયાનક અંધારું નકારાત્મક વિચારો અને આચરણ છે. એનાથી ઉમીદ અને આશાના બધા ચિરાગો બુઝાય જાય છે.
બુરાઈથી બચવાની રીત
પોતાને કોઈ બુરાઈથી બચાવવાની સરળ રીત બીજાને એ બુરાઈથી રોકવું છે. કારણ કે પછી માણસે પોતે એ બુરાઈથી બચવું જરૂરી થઈ પડશે, અને લોકો પણ એને એ કામ કરવા નહીં દે.
નાયક અને ખલનાયક
નકારાત્મક કામો કરનાર માણસ ઇતિહાસનો ખલનાયક હોય છે અને સકારાત્મક કામ કરનાર 'નાયક' અને 'સર્જક' હોય છે.
ભૂલથી થતી ભૂલ
સારા લોકોથી પણ કદી કોઈ ભૂલ થઈ જાય છે, પણ આ ભૂલ પણ એમનાથી ભૂલથી જ થઈ હોય છે. જાણી જોઈને નથી કરતા, માટે તેઓની આવી ભૂલો દરગુઝર કરવા પાત્ર હોય છે.
વફાદારી
જેનાથી કંઈ મેળવવા માંગતા હોય એની તાબેદારી અને વફાદારી જરૂરી છે.
શ્રેષ્ઠ દુઆ
કુરઆન અને હદીસની ઘણી દુઆઓ એવી છે, જેમાં ફકત અલ્લાહ તઆલાના વખાણ છે. કોઈ પ્રકારની માંગણી કે સવાલ નથી. એટલે કે અલ્લાહ તઆલાનો ઝિક્ર કરવો, શુક્ર કરવો અને તારીફ વર્ણવવી પણ એક પ્રકારની દુઆ છે. આવી દુઆ પછી ખુદા તઆલા પોતાની ખુશીથી આપે છે, જે માણસે પોતે માંગેલી વસ્તુ કરતાં વધારે લાભદાયી હોય છે.
મુરબ્બીનો હક
માણસ જે હસ્તીને પોતાના માટે વડીલ, મુરબ્બી કે ઉપકારક સમજે, એવી હસ્તીની ઘણી બધી ખામીઓને પણ જતી કરવી જરૂરી છે.
બે વફૂફોનું કામ
ખુદાના ફેસલાઓમાં ખામી શોધવી બેવકૂકોનું કામ છે. નેક બંદાઓ ખુદાના બધા ફેસલાઓને ખુશીથી સ્વીકારી લેતા હોય છે. અને ખુદા તરફથી મુસીબત અને આજમાયશ હોય તો એનાથી દુઆ કરીને રાહત માંગે છે.
અસબાબ અને દુઆ
ઘણી જરૂરતો અને મુસીબતો એવી હોય છે, જેને દૂર કરવાના અસબાબ પણ માણસ પાસે નથી હોતા, આવા સમયે દુઃઆ જ સૌથી શ્રેષ્ઠ સબબ અને સાધન બને છે.
શ્રેષ્ઠ બનવાની રીત
જે માણસ પોતાને શ્રેષ્ઠ બનાવવા માંગતો હોય એણે લોકોના મુખેથી પોતાની ભૂલો, બુરાઈ અને ટીકા સાંભળવી જોઈએ.