અલ-બલાગ : સપ્ટેમ્બર-2023

તંત્રી સ્થાનેથી

એક આદર્શ અને અનુકરણીય જીવન વ્યવસ્થા... ઇસ્લામનું મુખ્ય લક્ષ્ય છે. વ્યકિતગત ઇબાદતો – ફરજો પછી ... બલકે આ ઇબાદતોના માધ્યમથી પણ... દુનિયાવી રીતે જે ધ્યેય અને મકસદને સામે રાખવામાં આવ્યો છે, એ પરસ્પર સમાનતા, ન્યાય અને સહકાર આધારિત સમાજની રચના છે. એના માટે અલ્લાહ તઆલાએ નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમને આદર્શ માનવી તરીકે નક્કી ફરમાવ્યા હતા. નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ સહાબાની તરબિયત ફરમાવીને મદીના શરીફમાં આવી ઇસ્લામી સમાજની રચના કરી અને બધા જ ઇસ્લામી ઉસૂલોનું અમલીકરણ કરીને ઉચ્ચ નમૂનો પણ રજૂ કરી દીધો.

આપ સલલ્લાહુ અલયહિ વ સલ્લમે જે શાન સાથે ખુદાની ઈબાદત, ખૌફે ખુદા, ઝુહદ-તકવા, શુક્ર, શબ્ર, કનાઅત, દરગુઝર, રહમ વગેરેના જે અનુપમ ઉદરાહરણો વિશ્વ સમક્ષ રજૂ કર્યાં, એ જ શાન સાથે આપે સત્તા-હુકુમત, ન્યાય-ઈન્સાફ, જિહાદના અમલી નમૂના પણ કાયમ કરી બતાવ્યા. આપની અમાપ દરિયાદિલી અને ઉદારતાએ પોતાનું ઘર ખાલીખમ રાખીને લોકોની ઝોળીઓ છલકાવી દીધી, પોતાના પર પથ્થરો વરસાવનારાઓ પર દુઆઓના ફુલ વરસાવ્યા. આ ઉદારતા અને સહનશીલતા છતાં બાતિલ અને અસત્ય વિરૂધ્ધ હંમેશા સખત હાથે કામ લીધુ. આપે અલ્લાહ તઆલાની મર્યાદાઓના ઉલ્લંધનને કદીય સહન કરી લીધુ નથી. હક અને બાતિલ, નૂર અને અંધકાર દરમિયાન આપે કદી સમજુતી ફરમાવી નથી. દીની બાબતોમાં આપે જરા ય ઢીલાશ અને છુટછાટથી કામ લીધુ નથી. અનિષ્ટો સામે આપે હરગિઝ હથિયાર હેઠે મુકયા નથી.

પરંતુ અફસોસ ! આજે આપણે ઉમ્મતીઓ આ “ઉસ્વએ રસૂલ” (જીવન આદર્શ) અને નબવી તા'લીમાત-આજ્ઞાઓને વિસારી બેઠા છીએ. આજે આપણે એક એક નબવી હુકમને નિડરપણે પોતાના પગો નીચે રગડોળી રહ્યા છીએ ! આપણે ઈશ્કે રસૂલ સલલ્લાહુ અલયહિ વ સલ્લમના નામે જાતજાતના ઢોંગધતુરા કરીએ છીએ ! મુહબ્બતે રસૂલ સલલ્લાહુ અલયહિ વ સલ્લમની સામે મુસલમાનોએ તદ્દન પાયાહીન વાતો ઉપજાવી કાઢી છે કે જેનો હુઝૂર સલલ્લાહુ અલયહિ વ સલ્લમની મુબારક અને પવિત્ર ઝિંદગી સાથે સ્નાનસુતકનો પણ સંબંધ નથી!! આવી બે બુનિયાદ પ્રથાઓની ઉજવણી પછી મુસલમાનો સ્વજાતને જવાબદારી મુકત સમજી બેસે છે !

નબીએ કરીમ સલલ્લાહુ અલયહિ વ સલ્લમ જે મિશન લઈને પધાર્યા હતા અને જે મિશનની સર્વોપરિતા માટે આપ સલલ્લાહુ અલયહિ વ સલ્લમ પોતાનું આખું જીવન ઝઝુમતા રહ્યા, તે મિશનની આજે ભારે અવહેલના અને દુર્દશા થઈ રહી છે. હુઝૂર સલલ્લાહુ અલયહિ વ સલ્લમના ફરમાનો અને આપ સલલ્લાહુ અલયહિ વ સલ્લમ પર ઉતરેલી વહી (કુર્આન)ને આજે ખુલ્લેઆમ પડકારવામાં આવે છે. રબીઉલ અવ્વલમાં તશરીફ લાવનારે જે ખુદા પરસ્તીની તા'લીમ આપી હતી, તેનું આજે નિકંદન નીકળી રહ્યું છે. આજે ચોમેર ઝર પરસ્તી છે, અવલાદ પરસ્તી છે, ખ્વાહિશ પરસ્તી છે, પેટ પૂજા છે, ન માલૂમ કેટકેટલી પરસ્તીઓએ મુસલમાનો પર કબ્જો જમાવી લીધો છે! સર્વત્ર ઝુલ્મ સિતમ છે, વ્યાજનો વ્યાપ છે. દારૂ, જુગાર, વ્યાભીચાર, ચારિત્ર્યહીનતા, અને લંપટાઈનું ચોદિશ સામ્રાજય છે !

આવી હીન હરકતો, ચેષ્ટાઓ અને અણ ઈસ્લામી કૃત્યો પછી ઈશ્કે નબી સલલ્લાહુ અલયહિ વ સલ્લમના પોકળ દાવાઓમાં કોઈ વજન બાકી રહે છે ખરું ? આજે આયોજાતા આ જુલુસો, જલસાઓ અને મજલિસો કાલે કિયામતના દિવસે ઉમ્મતની શરમિંદગી અને બેઅમલીના કલંકને મિટાવી શકશે ખરા ??

આખિરતમાં હુઝૂર સલલ્લાહુ અલયહિ વ સલ્લમ પુછશે કે હે મારા ઉમ્મતીઓ ! જયારે કુર્આન અને સુન્નત પર ઝુલ્મ થઈ રહ્યો હતો, ત્યારે તમે કયાં હતા ? બેહયાઈ, બેઈન્સાફી અને બે અમલીના જયારે તોફાન ઉઠી રહ્યા હતા, ત્યારે તમે ગણત્રીના દિવસ જલસાઓ કરવા સિવાય બીજું કાંઈ કર્યું હતું? હુઝૂર સલલ્લાહુ અલયહિ વ સલ્લમના આ પ્રકારના પ્રશ્નોના આપણી પાસે ત્યારે શું ઉત્તરો હશે, એ બાબતે મુસલમાનો એ ગંભીરપણે અને શાંત ચિત્તે વિચાર કરવો જોઈએ.


રાહે ખુદામાં જિહાદ, હિજરત કરવાનો સવાબ અને ન કરવામાં મહરૂમી

-મુફતી ફરીદ અહમદ કાવી

﷽ لَا يَسۡتَوِى الۡقَاعِدُوۡنَ مِنَ الۡمُؤۡمِنِيۡنَ غَيۡرُ اُولِى الضَّرَرِ وَالۡمُجَاهِدُوۡنَ فِىۡ سَبِيۡلِ اللّٰهِ بِاَمۡوَالِهِمۡ وَاَنۡفُسِهِمۡ​ ؕ فَضَّلَ اللّٰهُ الۡمُجٰهِدِيۡنَ بِاَمۡوَالِهِمۡ وَاَنۡفُسِهِمۡ عَلَى الۡقٰعِدِيۡنَ دَرَجَةً​  ؕ وَكُلًّا وَّعَدَ اللّٰهُ الۡحُسۡنٰى​ؕ وَفَضَّلَ اللّٰهُ الۡمُجٰهِدِيۡنَ عَلَى الۡقٰعِدِيۡنَ اَجۡرًا عَظِيۡمًا ۙ‏ ﴿٩٥﴾ دَرَجٰتٍ مِّنۡهُ وَمَغۡفِرَةً وَّرَحۡمَةً​ ؕ وَكَانَ اللّٰهُ غَفُوۡرًا رَّحِيۡمًا‏  ﴿٩٦﴾ اِنَّ الَّذِيۡنَ تَوَفّٰٮهُمُ الۡمَلٰٓٮِٕكَةُ ظَالِمِىۡۤ اَنۡفُسِهِمۡ قَالُوۡا فِيۡمَ كُنۡتُمۡ​ ۖ قَالُوۡا كُنَّا مُسۡتَضۡعَفِيۡنَ فِىۡ الۡاَرۡضِ​ؕ قَالُوۡۤا اَلَمۡ تَكُنۡ اَرۡضُ اللّٰهِ وَاسِعَةً فَتُهَاجِرُوۡا فِيۡهَا​ؕ فَاُولٰٓٮِٕكَ مَاۡوٰٮهُمۡ جَهَـنَّمُ​ ۖ وَسَاءَتۡ مَصِيۡرًا ﴿٩٧﴾ اِلَّا الۡمُسۡتَضۡعَفِيۡنَ مِنَ الرِّجَالِ وَالنِّسَاءِ وَالۡوِلۡدَانِ لَا يَسۡتَطِيۡعُوۡنَ حِيۡلَةً وَّلَا يَهۡتَدُوۡنَ سَبِيۡلًا ﴿٩٨﴾ فَاُولٰٓٮِٕكَ عَسَى اللّٰهُ اَنۡ يَّعۡفُوَ عَنۡهُمۡ​ؕ وَكَانَ اللّٰهُ عَفُوًّا غَفُوۡرًا‏ ﴿٩٩﴾ ۞ وَمَنۡ يُّهَاجِرۡ فِىۡ سَبِيۡلِ اللّٰهِ يَجِدۡ فِى الۡاَرۡضِ مُرٰغَمًا كَثِيۡرًا وَّسَعَةً​ ؕ وَمَنۡ يَّخۡرُجۡ مِنۡ بَيۡتِهٖ مُهَاجِرًا اِلَى اللّٰهِ وَرَسُوۡلِهٖ ثُمَّ يُدۡرِكۡهُ الۡمَوۡتُ فَقَدۡ وَقَعَ اَجۡرُهٗ عَلَى اللّٰهِ​ ؕ وَكَانَ اللّٰهُ غَفُوۡرًا رَّحِيۡمًا‏ ﴿١٠٠﴾ 

તરજમહ : બરાબર નથી હોય શકતા કોઈ માઝૂરી વગર (ઘરે) બેસી રહેનારા અને અલ્લાહની રાહમાં પોતાના માલ અને પ્રાણ વડે જિહાદ કરનારા. પોતાના માલ અને પ્રાણ વડે જિહાદ કરનાર લોકોને અલ્લાહ તઆલાએ બેસી રહેનારા લોકો ઉપર મોટા દરજાની ફઝીલત આપી છે. અને અલ્લાહ તઆલાએ દરેકને ભલાઈ (જન્નત)નો વાયદો કર્યો છે અને (એમાંયે) અલ્લાહ તઆલાએ જિહાદ કરનારાઓને બેસી રહેનારાઓ કરતાં ઘણા મોટા સવાબની ફઝીલત આપી છે. (૯૫) (એમના માટે) અલ્લાહ તઆલા તરફથી ઘણા મહાન દરજાઓ, મગફિરત અને રહમત છે. અને અલ્લાહ મોટો બખ્શનાર મોટો રહમ કરનાર છે. (૯૬) બેશક ફરિશ્તાઓ જયારે એવા લોકોને મોત આપશે જેઓ પોતાના ઉપર ઝુલ્મ કરી રહયા હોય તો (ફરિશ્તા તેઓને પૂછશે છે કે) તમે શેમાં મશગુલ હતા ? તો તેઓ કહશે છે કે અમે તે જમીનમાં અશકત હતા, તો ફરિશ્તાઓ કહશે છે : શું અલ્લાહની જમીન વિશાળ ન હતી કે તમે ત્યાં હિજરત કરી જાત ? બસ આવા લોકોનું ઠેકાણું જહન્નમ છે અને ઘણું જ ખરાબ ઠેકાણું છે. (૯૭) અલબત્ત એવા લાચાર પુરૂષો, સ્ત્રીઓ અને બાળકો અપવાદ છે જેમની પાસે કોઈ યુકિત (સબબ) નથી અને તેઓને કોઈ માર્ગ પણ મળતો નથી (૯૮) તો ઉમ્મીદ છે કે આવા લોકોને અલ્લાહ તઆલા માફ કરી દે અને અલ્લાહ મોટો માફ કરનાર, મોટો બખ્શનાર છે. (૯૯) અને જે કોઇ અલ્લાહની રાહમાં હિજરત (વતન ત્યાગ) કરશે તો તે જમીનમાં ઘણી વિશાળતા અને બહોળી રોજી મેળવશે. અને જે કોઈ એના ઘરેથી હિજરત કરીને અલ્લાહ અને તેના રસૂલ પ્રતિ નીકળી આવે અને પછી તેનું મૃત્યુ આવી જાય તો અલ્લાહ તઆલા પાસે એનો સવાબ નક્કી થઈ ગયો છે. અને અલ્લાહ તઆલા મોટો બખ્શનાર અને મોટો રહમ કરનાર છે. (૧૦૦)

તફસીર : આ આયતોમાં અલ્લાહ તઆલાએ રાહે ખુદામાં જિહાદ કરવાની વિશેષ ફઝીલત અને મોટા સવાબનું વર્ણન ફરમાવ્યું છે. અલ્લાહ તઆલા ફરમાવે છે કે રાહે ખુદામાં પોતાના માલ અને પ્રાણ ન્યોછાવર કરીને જિહાદ કરનાર લોકો મોટા સવાબના હકદાર છે. એમના સવાબને એવા લોકો પહોંચી નથી શકતા જેઓ કોઈ કારણ અને માઝૂરી વગર જિહાદમાં નથી નીકળતા અને ઘરે બેસી રહે છે. આમ આ બંને સમુહો સવાબ અને ખુદા તઆલાની નિકટતાના મરતબાઓમાં સમાન નથી હોય શકતા. માલ – પ્રાણ ન્યોછાવર કરનારને અલ્લાહ તઆલા મોટા મરતબાઓ આપશે, અલ્લાહ તઆલાની વિશેષ મગફિરત અને રહમત એમને મળશે, એટલે તેઓ અન્યો કરતાં નિશંક મોટા અને મહાન ગણાશે.

આ આયતની તફસીરમાં ઉલમાએ કિરામે વિશેષ સ્વરૂપે લખ્યું છે કે આયતમાં જે બીજા સમુહનું વર્ણન છે, તે એવા લોકો છે જેમને કોઈ રુકાવટ અને અડચણ ન હોવા છતાં જિહાદ માટે તેઓ નીળકતા નથી, ઘરે રહેવાને પસંદ કરે છે. આવા લોકોનું સ્થાન નીચું અને ઉતરતું હોય એ સ્પષ્ટ છે. અને જે ખાસ વાત આ આયતથી સમજમાં આવે છે તે આ છે કે જિહાદમાં ન નીળકવા અને ઘરે બેસી રહેવા બાબતે આવા લોકો માટે કોઈ અઝાબ કે વઈદનું વર્ણન નથી કરવામાં આવ્યું. તેઓ ગુનેગાર છે એમ પણ નથી કહેવાયું, બલકે અલ્લાહ તઆલા ફરમાવે છે કે અલ્લાહ તઆલાએ બંને પક્ષોને ભલાઈ અને જન્નતનો વાયદો કર્યો છે, હા, મુજાહિદ અને યોદ્ધા લોકોને વિશેષ સ્થાન આપવામાં આવશે, એમ જરૂર ફરમાવ્યું છે. એટલે આ આયતથી પુરવાર થાય છે કે 'જિહાદ'નો હુકમ સામાન્ય સંજોગોમાં એવો 'ફરજ' નથી કે એને છોડવાથી માણસ ગુનેગાર ઠરે. એટલે કે 'ફર્જ ઐન' નથી, બલકે 'ફર્જે કિફાયહ' છે, એટલે કે ઉમ્મતમાં એક સમુહ આ ફરજ અદા કરતો રહેશે તો આખી ઉમ્મત તરફથી કાફી રહેશે.

સામાન્ય સંજોગો ન હોય, બલકે કટોકટી હોય, દુશ્મન ચડી આવ્યો હોય અને દરેક માણસે મુકાબલા માટે બહાર નીકળે તો જ બચાવ અને સલામતી શકય હોય તો પછી દરેક માણસ ઉપર પોતાની અને પોતાની આસપાસના લોકોની સલામતી માટે જિહાદ ફરજ થઈ જાય છે. પછી એનાથી કોઈ દૂર ભાગે તો ગુનેગાર ગણાશે. એવી જ રીતે કોઈ માણસને મુસલમાનોનો અમીર લડાઈમાં જવાનો હુકમ કરે તો એના ઉપર પણ જિહાદ જરૂરી ઠરે છે.

અગાઉની આયતમાં જિહાદ માટે ઘરેથી નીકળવાની પ્રેરણા - તરગીબ હતી તો આ આયતમાં હિજરતનો હુકમ અને તાકીદ છે. ઇસ્લામના આરંભના દિવસોમાં બલકે મદીના શરીફ મુસલમાનોએ હિજરત કરી ત્યાર પછી પણ મક્કા અને અન્ય કબીલાઓમાં ઇસ્લામ સ્વીકાર લોકો માટે જરૂરી હતું કે તેઓ એમનું વતન છોડીને મદીના આવીને મુસલમાનો ભેગા વસવાટ કરે. જેથી મુસલમાનો ભેગા રહીને દીન ઉપર અમલ કરી શકે અને દુશ્મનથી સલામત પણ રહે. આ દિવસોમાં અમુક લોકો મુસલમાન થવા છતાં વતન છોડીને મદીના આવતા ન હતા, કાં વતન છોડવાની બીકે ઈસ્લામ સ્વીકારવાની ઇચ્છા છતાં ઇસ્લામ સ્વીકારનું એલાન કરતા હતા. આવા લોકોને સંબોધીને અલ્લાહ તઆલા ફરમાવે છે કે એમને મૃત્યુ વેળા ફરિશ્તાઓ પૂછશે કે તમે મુસલમાનોમાં આવીને કેમ વસ્યા નહીં. હિજરત કેમ કરી નહીં ?

તફસીરકારોએ લખ્યું છે કે આ આયતમાં અમુક એવા લોકોનું વર્ણન છે જેઓ પોતાને મુસલમાન કહેતા હતા, પણ મદીના હિજરત કરી ન હતી, બલકે બદરની લડાઈમાં કુરેશ તરફેથી મુસલમાનો સામે લડવા પણ આવ્યા હતા, અને કુરેશની તરફે લડવામાં જ મુસલમાનોના હાથે તેઓ માર્યા ગયા, આમ મોત વેળા તેઓ પોતે જ પોતાના ઉપર જુલમ કરી રહયા હતા, ફરિશ્તાઓએ આ વેળા એમને ધમકાવીને જે કંઈ કહયું એનું વર્ણન આ આયતમાં છે. એટલે કે ફરિશ્તાઓ જયારે એમને પૂછયું કે તમે કઈ જમાઅતના લોકો છો ? તો તેઓએ કહયું કે અમે તો મુસલમાન છીએ. તો પછી ફરિશ્તાઓ કહે છે કે પછી તમે આમ મુસલમાનોના શત્રુ પક્ષે કેમ છો ? તો તેઓ કહે છે કે લાચારીના કારણે અમારે આ લોકો સાથે આવવું પડે છે કે રહેવું પડે છે. ત્યારે ફરિશ્તાઓ એમને કહે છે કે એવી તે શી લાચારી ? અલ્લાહની જમીન ઘણી વિશાળ છે, તમે તમારું ઘર — વતન છોડીને હિજરત કેમ ન કરી ? હિજરત કરવામાં શેની લાચારી ? આમ લાચારીનું ખોટું બહાનું સ્વીકારવામાં ન આવશે અને એમને જહન્નમના લાયક ઠરાવવામાં આવશે. હા, જે લોકો સાચે જ લાચાર હોય, જેમ કે વૃદ્ધ માણસ, સ્ત્રીઓ, બાળકો વગેરે... જેઓ સાચે જ અશકત હોય, સફરની શકિત ન હોય, રસ્તાની ભાળ ન હોય તો તેઓને માફ ગણવામાં આવશે. અલ્લાહ તઆલા એમને માફ કરશે.

છેલ્લે અલ્લાહ તઆલા ફરમાવે છે કે માણસ એમ વિચારીને હિજરત નથી કરતો કે વતન છોડયા પછી શી ખબર શું સંજોગોનો સામનો કરવો પડે ? પણ જે માણસ અલ્લાહ તઆલા ખાતર અલ્લાહ તઆલા ઉપર ભરોસો કરીને નીકળી પડે તો અલ્લાહ તઆલાની ધરતી ઘણી વિશાળ છે, વતન છોડયા પછી માણસની સામે વતન કરતાં વધારે ધરતીની વિશાળતા સામે હોય છે, અને વતન કરતાં વધારે રોઝી અને શકિત મળે છે.

આયતમાં એક વિશેષ ફઝીલતની વાત આ પણ છે કે એક વાર ખુદા ખાતર માણસ ઘર - વતન છોડીને નીકળી પડે તો પછી ભલે મંઝિલે ન પહોંચે, મુસલમાનો ભેગો ન થઈ શકે અને રસ્તામાં જ મૃત્યુ આવી જાય તો પણ એની હિજરત કુબૂલ ગણાશે અને અલ્લાહ તઆલાના દરબારમાં પૂરી હિજરતનો સવાબ મેળવશે.


મઆરિફુલ હદીસ

હઝરત મવલાના મંઝૂર નોમાની (રહ.) 

અનુવાદ : મવલાના યાકૂબ બારીવાલા સા. રહ. (બ્લેકબર્ન. યુ.કે.)

ભાગ નંબર: ૧૭૯

મદીના તય્યબાની બુઝુર્ગી અને મેહબુબિયત

ઘણા મુહદ્દીસોનો રિવાજ છે કે તેઓ પોતાની કૃતિઓમાં હજ અને ઉમરાહ વિષેની હદીસો સાથે "મક્કાની ફઝીલતનું બયાન" એ શિર્ષક હેઠળ મક્કા મુકર્રમાની બુઝર્ગી અને ફઝીલતની હદીસ અને તે સાથે "મદીનાની ફઝીલતનું બયાન" એ શિર્ષક હેઠળ મદીના તય્યબાની બુઝુર્ગીની હદીસો ટાંકે છે એ જ રીત અપનાવી અહીંયા પણ પહેલાં મક્કા મુકર્રમા વિષે હદીસો ટાંકવામાં આવી, હવે મદીના તય્યબહ વિષે હદીસો લખવામાં આવે છે.

(٢٠٥) عَنْ جَابِرِ بْنِ سَمُرَۃَ ؓ قَالَ سَمِعْتُ رَسُوْلَ اللّهِ ﷺ يَقُوْلُ إِنَّ اللّهَ سَمَّى الْمَدِينَةَ طَابَةَ (رواه مسلم)-

તરજુમાઃ- હઝરત જાબિર બિન સમુરાહ રદિ.થી રિવાયત છે કે મેં રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)થી સાંભળ્યું, આપ ફરમાવતા હતા કે અલ્લાહ તઆલાએ મદીનાનું નામ "તાબાહ" રાખ્યું છે. (મુસ્લિમ શ.)

ખુલાસો : તાબા, તીબા, અને તય્યબાહ એ ત્રણેનો અર્થ પવિત્ર અને રાહતનો થાય છે. અલ્લાહ તઆલાએ એનું એ નામ રાખ્યું અને એને એવું જ બનાવી દીધું તેમાં આત્માઓ માટે રાહત, જે શાંતિ અને ચેન તથા જે પવિત્રતા છે તે એનો જ હિસ્સો છે.

(٢٠٦) عَنْ أَبِيْ سَعِيْدٍ ؓ عَنِ النَّبِيِّ ﷺ قَالَ إِنَّ إِبْرَاهِيْمَ حَرَّمَ مَكَّةَ فَجَعَلَهَا حَرَاماً وَإِنِّيْ حَرَّمْتُ الْمَدِيْنَةَ حَرَاماً مَا بَيْنَ مَا زِمَيْهَا أَنْ لَا يُهْرَاقَ فِيْهَا دَمٌ وَّلَا يُحْمَلَ فِيْها سِلاحٌ وَلَا يُخْبَطَ فيْها شَجَرَةٌ إِلَّا لِعَلَفٍ (رواه مسلم) 

તરજુમાઃ- હઝરત અબૂ સઈદ રદિ.થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)એ ફરમાવ્યું કેઃ હઝરત ઈબ્રાહીમ અલૈ.એ મક્કાનું "હરમ" હોવાની જાહેરાત કરી હતી, (અને તેના ખાસ અદબો અને હુકમો બતાવ્યા હતા) અને હું "મદીના"ને "હરમ" નક્કી હોવાની જાહેરાત કરૂં છું તેની બન્નેવ બાજુના ઘાટ વચ્ચેનો આખો ભાગ એહતેરામ લાયક છે. તેમાં લડાઈ ન કરવામાં આવે, કોઈની વિરૂધ્ધ હથિયાર ઉઠાવવામાં ન આવે. (એટલે હથિયારો વાપરવામાં ન આવે) અને જાનવરોના ચારા સિવાય ઝાડના પાંદડાં પણ તોડવામાં ન આવે. (મુસ્લિમ શરીફ)

ખુલાસો :- જેમકે આ હદીસથી જાણવા મળ્યું, મદીના તૈયબાનો પણ સરકારી ઈલાકા માફક એહતેરામ કરવો વાજિબ છે. અને ત્યાં તે દરેક અમલ મના છે જે તેની બુઝૂર્ગી અને હુરમતની વિરૂધ્ધ હોય, પરંતુ તેના હુકમો બિલ્કુલ તેવા નથી જે મક્કાના હરમના છે, આજ હદીસમાં તેનો ઈશારો મળે છે. તેમાં જાનવરોના ચારા માટે ત્યાંના ઝાડોના પાંદડા તોડવા અને ખંખેરવાની છુટ આપવામાં આવી છે. જયારે મક્કાના હરામમાં તેની પણ છુટ નથી.

(۲۰۷) عَنْ سَعْدٍ ؓ قَالَ قَالَ رَسُوْلُ اللهِ ﷺ إِنِّيْ أُحَرِّمُ مَا بَيْنَ لَا بَتَيِ الْمَدِيْنَةِ أَنْ يُقْطَعَ عِضَاهُهَا أَوْ يُقْتَلَ صَيْدُهَا وَقَالَ الْمَدِيْنَةُ خَيْرٌ لَهُمْ لَوْ كَانُوا يَعْلَمُوْنَ لَا يَدْعُهَا أَحَدٌ رَغْبَةً عَنْهَا إِلَّا أَبْدَلَ اللهُ فِيْهَا مَنْ هُوَ خَيْرٌ مِنْهُ وَلَا يَثْبُتُ أَحَدٌ عَلٰى لَا وَائِهَا وَجَهْدِهَا إِلَّا كُنْتُ لَهٗ شَفِيْعاً أَوْ شَهِيْداً يَوْمَ الْقِيٰمَةِ - (مسلم)

 તરજુમાઃ- હઝરત સઅદ બિન અબી વક્કાસ રદિ.થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)એ ફરમાવ્યુંઃ હું મદીનાના બન્નેવ તરફના પહાડી કિનારાઓ વચ્ચેની જગ્યાને "હરમ' નક્કી કરૂં છું (એટલે તેનો અદબ કરવો વાજિબ હોવાનું એલાન કરૂં છું અને હુકમ આપું છું કે) તેના કાંટાવાળા ઝાડ કાપવામાં ન આવે, અને તેમાં રહેતા જાનવરોનો શિકાર કરવામાં ન આવે, એ બાબતમાં આપ સલ.એ એ પણ ફરમાવ્યું કે (અમૂક ચીજોની કમી અને અમૂક તકલીફો છતાં) મદીના લોકો માટે બેહતર છે જો તેઓ એની ભલાઈઓ અને બરકતોને જાણી લે, (તો કોઈ તંગી અને તકલીફ ના કારણે, તથા કોઈ પણ લાલચે તેને છોડવા તૈયાર ન થાત) જે કોઈ પોતાની મરજી અને ખુશીથી તેને ખેડી ચાલ્યો જશે, અલ્લાહ તઆલા તેની જગ્યાએ પોતાના કોઈ એવા બંદાને મોકલી આપશે, જે તેનાથી બેહતર અને અફઝલ હશે (એટલે કોઈના એ રીતે ચાલ્યા જવાથી મદીનામાં કોઈ કમી આવશે નહીં, બલકે તે જનાર તેની બરકતોથી મેહરૂમ થઈને જશે) અને જે માણસ મદીનાની તકલીફો, અને તંગી, તેમ મુશ્કેલીઓ પર સબર કરી (ધીરજ રાખી) ત્યાં પડી રહેશે, હું કયામતના દિવસે તેની શિફારિશ કરીશ અથવા તેના હકમાં ગવાહી આપીશ. (મુસ્લિમ શરીફ)

ખુલાસો :- શિફારિશ એ વાતની કે તેની ભુલો અને કસુર માફ કરી તેને બખ્શી દેવામાં આવે, અને તેના ઈમાન અને નેક અમલો તથા એ વાતની શાક્ષી કે આ બંદો તકલીફો, અને તંગી પર સબર કરી મદીનામાં પડી રહ્યો.

(۲۰۸) عَنْ أَبِيْ هُرَيْرَةَ ؓ أَنَّ رَسُوْلَ اللهِ ﷺ قَالَ لَا يَصْبِرُ عَلٰى لَا وَاءِ الْمَدِيْنَةِ وَشِدَّتِهَا أَحَدٌ مِنْ أُمَّتِيْ إِلَّا كُنْتُ لَهُ شَفِيْعاً يَوْمَ الْقِيٰمَةِ (رواه مسلم)

તરજુમા:- હઝરત અબૂ હુરૈરહ રદિ.થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)એ ફરમાવ્યું: મારો જે ઉમ્મતી મદીનાની તકલીફો અને મુશ્કેલીઓ પર સબર કરી ત્યાં રહેશે, હું કયામતના દિવસે તેની શિફારિશ અને શફાઅત કરીશ.(મુસ્લિમ શરીફ)

(۲۰۹) عَنْ أَبِيْ هُرَيْرَةَ ؓ قَالَ كَانَ النَّاسُ إِذَا رَأَوْ أَوَّلَ الثَّمَرَةِ جَاؤُا بِهٖ إِلٰى النَّبِيِّﷺ فَإِذَا أَخَذَهٗ قَالَ اللّٰهُمَّ بَارِكْ لَنَا فِيْ مَدِيْنَتِنَا وَبَارِكْ لَنَا فِيْ صَاعِنَا وَبَارِكْ لَنَا فِيْ مُدِّنَا اللّٰهُمَّ إِنَّ إِبْرَاهِيْمَ عَبْدُكَ وَخَلِيْلُكَ وَنَبِيُّكَ وَإِنِّيْ عَبْدُكَ وَنَبِيُّكَ وَإِنَّهٗ دَعَاكَ لِمَكَّةَ وَأَنَا أَدْعُوْكَ لِلْمَدِيْنَةِ بِمُثِلِ مَا دَعَاكَ لِمَكَّةَ وَمِثْلَهٗ مَعَهٗ ثُمَّ قَالَ بَدْعُوْا أَصْغَرَ وَلِيْدٍ لَهٗ فَيُعْطِيْهٗ ذَالِكَ الثَّمَرَ - (رواه مسلم)

તરજુમાઃ- હઝરત અબૂ હુરૈરહ રદિ.થી રિવાયત છે કે લોકોનો રિવાજ હતો કે જયારે તેઓ ઝાડ પર નવું ફળ લાગેલું જોતા તો લાવી રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમની સેવામાં હાજર કરતા, આપ સલ. તેને કબૂલ ફરમાવી આ પ્રમાણે દુઆ ફરમાવતાઃ એય અલ્લાહ! અમારા ફળોમાં અને તેની પેદાવારમાં બરકત આપ અને અમારા શહેર મદીનામાં બરકત આપ અને અમારા સાઅમાં અને મુદ માં બરકત આપ ઈલાહી! ઈબ્રાહીમ અલૈ. તારા ખાસ બંદા તારા ખલીલ અને તારા નબી હતા અને હું પણ તારો બંદો તેમ તારો નબી છું, તેમણે મક્કા માટે તારાથી દુઆ કરી હતી અને હું મદીના માટે તારાથી તેવી જ દુઆ કરૂં છું, અને તેની સાથે એટલી જ બીજી વધારાની. પછી આપ સલ. કોઈ નાના બાળકને બોલાવી તે નવું ફળ તેને આપતા હતા.

ખુલાસો : ફળો અને પાકમાં બરકતનો ભાવાર્થ સ્પષ્ટ છે કે વધુ થી વધુ પાક થાય, અને સિજન ભરપુર હોય, અને મદીના શહેરમાં બરકતનો અર્થ એ છે કે તે ખુબ આબાદ થાય અને તેના રહેવાશીઓ પર અલ્લાહની મહેરબાની થાય અને સાઅ, મુદ, બે માપ હતા તે સમયમાં અનાજ વિગેરેનો વેપાર તે માપથી જ થતો હતો, તેમાં બરકતનો મતલબ એ છે કે એક સાઅ અથવા એક મુદ જેટલા માણસો માટે અને જેટલા દિવસો માટે બસ થઈ પડે, તેનાથી વધુ માટે બસ થાય. કુર્આન પાકમાં હઝરત ઈબ્રાહીમ અલૈ.ની તે દુઆનો ઉલ્લેખ છે જે આપે પોતાની પત્નિ અને બાળકને મક્કાની વેરાન અને વગર ઘાસ ચારાની વાદીમાં વસાવતી વખતે તેમના માટે કરી હતી કે એય અલ્લાહ! તું તારા બંદાઓના દિલોમાં તેમની મહોબ્બત અને પ્રેમ નાંખી દે, અને તેઓને તેમની જરૂરત પ્રમાણે રોજી અને ફળ વગેરે પહોંચાડ, અને અહીંયા માટે અમન અને શાંતિ નક્કી કરી દે.

રસૂલુલ્લાહ સલ. નમૂના રૂપે આ ઈબ્રાહીમી દુઆનો ઉલ્લેખ કરી અલ્લાહ પાસે મદીના માટે તે જ દુઆ, બલકે વધારા સાથે કરતા હતા, અને દુઆનું ફળ દેખાય છે કે દુન્યાના જે ઈમાનવાળા બંદાઓ મક્કા સાથે પ્રેમ ધરાવે છે તે બધાને જ મદીના તૈયબા સાથે પણ પ્રેમ છે અને મદીના સાથેના પ્રેમમાં મક્કા કરતાં વધુ ભાગ ચોક્કસ છે.

રસૂલુલ્લાહ સલ.એ દુઆમાં ઈબ્રાહીમ અલૈ. ને અલ્લાહના બંદા તેના ખલીલ અને નબી કહ્યા, અને પોતાને ફકત બંદા અને નબી કહ્યા હબીબ હોવાનો ઉલ્લેખ કર્યો નહીં એ ફકત આપની નમ્રતાના કારણે હતું.

બિલકુલ નવું અને ઝાડનું પહેલું ફળ નાના બાળકને બોલાવી તેને આપવામાં શિખામણ છે કે આવા મોકાઓ પર નાના માસુમ બાળકોને આગળ રાખવા જોઈએ. નવા ફળો અને નાના બાળકનો સંબંધ પણ સ્પષ્ટ છે.

(۲۱۰) عَنْ أَبِيْ هُرَيْرَۃَ ؓ قَالَ قَالَ رَسُوْلُ اللّهِ ﷺ لَا تَقُوْمُ السَّاعَةُ حَتّٰى تَنْفِيْ الْمَدِيْنَةُ شَرَارَهَا كَمَا يَنْفِىْ الْكِيْرُ خَبَثَ الْحَدِيدِ (رواه مسلم) 

તરજુમાઃ- હઝરત અબૂ હરૈરહ રદિ.થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)એ ફરમાવ્યું: કયામત ત્યાં સુધી કાયમ નહીં થાય જયાં સુધી મદીના તેના ખરાબ માણસોને એવી રીતે બહાર નહીં ફેંકી દે જેવી રીતે લોખંડની ભઠ્ઠી લોખંડના કાટને દુર કરે છે. (મુસ્લિમ શરીફ)

ખુલાસો :- એટલે કયામત આવતાં પહેલાં મદીનાની આબાદી એવા ખરાબ માણસોથી પવિત્ર અને સ્વચ્છ કરી નાંખવામાં આવશે, જેઓ અકાઈદ, અને ફિકરો, તેમ અમલો અને ચરિત્રના હિસાબે ગંદા અને ખરાબ હશે.

(۲۱۱) عَنْ أَبِيْ هُرَيْرَةَ ؓ قَالَ قَالَ رَسُوْلُ اللهِ ﷺ عَلٰى اَنْقَابِ الْمَدِينَةِ مَلَائِكَةٌ لَا يَدْخُلُهَا الطَّاعُونُ وَلَا الدَّجَّالُ - (رواه البخاري ومسلم)

તરજુમાઃ- હઝરત અબૂ હુરૈરહ રદિ.થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)એ ફરમાવ્યુંઃ મદીનાના રસ્તાઓ પર ફરિશ્તા નક્કી કરવામાં આવ્યા છે, તેમાં પ્લેગ અને દજ્જાલ પ્રવેશ કરી શકશે નહીં.

ખુલાસો :- બુખારી મુસ્લિમની અમુક બીજી હદીસોમાં મદીના તૈય્યબા સાથે મક્કા મુકર્રમાની પણ એ ખાસીયત વર્ણવી છે કે દજ્જાલ તેમાં પ્રવેશ કરી શકશે નહીં એ કદાચ તે દુઆઓની બરકત છે જે અલ્લાહના ખલીલ સય્યદના ઈબ્રાહીમ અલૈ. અને અલ્લાહના હબીબ હઝરત મુહંમદ સલ.એ એ બન્નેવ પવિત્ર અને બરકત વંતા શહેરો માટે કરી હતી.

(۲۱۲) عَنْ اِبْنِ عُمَرَ قَالَ قَالَ رَسُولُ اللَّهِ ﷺ مَنِ اسْتَطَاعَ أَن يَمُوتَ بِالْمَدِينَةِ فَلْيَمُتْ بِهَا فَإِنِّيْ يَشْفَعُ لِمَنْ يَمُوتُ بِهَا - (رواه احمد والترمذی)

તરજુમા:- હઝરત અબ્દુલ્લાહ બિન ઉમર રદિ.થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)એ ફરમાવ્યું: જે કોઈ મદીનામાં મૃત્યુ પામવાની કોશીશ કરે તો તેણે મદીનામાં મૃત્યુ થવાની કોશીશ કરવી જોઈએ, હું તે લોકોની જરૂર શિફારીશ કરીશ, જેઓ મદીનામાં મૃત્યુ પામશે. (અને ત્યાં દફન થશે.)

(મસ્નદે અહમદ, તિર્મિઝી)

ખુલાસો :- આ સ્પષ્ટ વાત છે કે મૃત્યુ ફલાણી જગ્યાએ આવશે, એ કોઈના કાબુમાં નથી તેમ છતાં બંદો એની તમન્ના અને દુઆ કરી શકે છે. અને કંઈક અંશે એની કોશીશ પણ કરી શકે છે દાખલા રૂપે જે જગ્યાનુ મૃત્યુ પસંદ કરે ત્યાં જઈને રહી પડે જો કઝા અને કુદરતનો ફેંસલો વિરૂધ્ધમાં નહીં હોય તો મૃત્યુ ત્યાં જ થશે, મતલબ કે હદીસનો ભાવાર્થ એ જ છે કે જે માણસ આ સઆદત પ્રાપ્ત કરવા ઈચ્છતો હોય તે બને ત્યાં સુધી તેની કોશીશ કરે, ઈખ્લાસ સાથે કોશીશ કરનાઓની અલ્લાહ પણ મદદ કરે છે.


મુસલમાનો માંહે વિવાદ - ઇખ્તેલાફ કાબિલે તારીફ કે ગુમરાહી ?

હઝરત અકદસ શૈખુલ હદીસ મવલાના ઝકરિયા રહ.ની કિતાબ 'ઇસ્લામી સિયાસત'નો ક્રમશ અનુવાદ મુફતી ફરીદ અહમદ કાવી.

હઝરત હસન બસરી રહ. મોટા તાબેઈ અને મશ્હૂર ફકીહ હતા. બુઝુર્ગ સૂફીઓમાં એમની ગણના થાય છે. એકવાર 'તકદીર'ની હકીકત સમજાવતી વેળા એમના મોઢેથી એવી વાત નીકળી ગઈ જે અહલે સુન્નત વલ જમાઅતના મસ્લક મુજબ ન હતી. લોકોમાં એની ઘણી ચર્ચા થવા લાગી. વિરોધ પણ થવા માંડયો. અને પછી એમના વિશે જૂઠી વાતો પણ આવવા માંડી. આ ઘટના વિશે હઝરત ઐયૂબ રહ. ફરમાવતા હતા કે હઝરત હસન બસરી રહ. વિશે બે સમુહો દ્વારા જૂઠી વાતો કહેવામાં આવી. એક તો કદરીયા અકીદા વાળા લોકોએ પોતાનો મસ્લક ફેલાવવાના હેતુએ હસન બસરી રહ.ના નામે જૂઠી વાતો ફેલાવી. (એમનો અકીદો એવો હતો કે બંદાના કામોમાં અલ્લાહની તકદીરને કોઈ લેવા દેવા નથી. જે કંઈ કરે છે એ માણસ કરે છે અલ્લાહના હુકમને એમાં દખલ નથી હોતો.) બીજો સમુહ હઝરત હસન બસરી રહ.નો દુશ્મન હતો, એણે અદાવત રાખીને એમના વિશે જૂઠી વાતો ફેલાવી.

આજે પણ આવું જ થઈ રહયું છે. જે લોકોએ પોતાની વાત – મંતવ્ય લોકો ઉપર થોપવું હોય છે તેઓ પોતાની વાત જમાઅતના વડા કે અમીરના નામે ફેલાવે છે. અને જે લોકો વિરોધી હોય છે તેઓ ખોટી અને મનઘડત વાતો ફેલાવે છે. જેનાથી વિવાદ અને ઝઘડો વધે છે. અનુસરણ કરનાર અનુયાયીઓનું કામ તો એ હતું કે જે આલિમ વિશે એમને યકીન હોય કે તે આલિમ બા અમલ છે તો એનું અનુસરણ કરીને દીન ઉપર અમલ કરે. પણ અકીદત – મુહબ્બતનો દાવો કરવા છતાં લોકો દીન ઉપર અમલ કરતા નથી, બલકે મુહબ્બત - અકીદતનો મતલબ એ સમજે છે કે પોતાના પીર – અમીરની હિમાયત કરીને બીજાનો વિરોધ કરવામાં આવે કે એને ભાંડવામાં આવે. મુસલમાનો ઉપર જેની તાલીમ – અનુસરણ ફરજ છે એવા કુરઆનમાં કોઈને ગાળો આપવા કે અપશબ્દો કહેવાની એટલી સખત મનાઈ છે કે, અલ્લાહ તઆલા સિવાય જે માબૂદોને લોકો પૂજે છે, એવા ખોટા માબૂદોને પણ ગાળો કે અપશબ્દો કહેવાની મનાઈ કરવામાં આવી છે. સૂરએ અન્આમ માં છે :

  ولا تسوبوا الذين يدعون من دون الله  

અર્થાત: અલ્લાહના સ્થાને જે અન્ય માબૂદોને આ લોકો પુકારે છે, એ માબૂદોને ગાળો ન આપો. એમ કરવાથી તેઓ નાદાની અને આવેશમાં આવીને જવાબમાં અલ્લાહને ગાળો આપશે.

કુરઆન તો આ આયતમાં મૂર્તિઓ –બુતોને પણ ગાળો ભાંડવાની મનાઈ કરે છે અને બીજી તરફ કુરઆનને માનવાનો દાવો કરનાર મુસલમાનોની કોઈ જલ્સો કે સભા વિરોધી મુસલમાનોની બરબાદીના નારાઓ અને એમને ગાળો આપવાથી ખાલી નથી હોતા. આજકાલ દરેક સમુહનું મુખ્ય કામ સકારાત્મક, રચનાત્મક કે હેતુલક્ષી હોવાના બદલે નકારાત્મક અને ખંડનાત્મક વધારે હોય છે. બીજાઓને બુરું ભલું કહેવા અને બરબાદીના નારા પોકારવાનું મહત્વ વધારે સમજવામાં આવે છે. અને પાછા આ બધા એમ પણ કહે છે કે મુસલમાનો બરબાદ થઈ રહયા છે. પોતે જ મુસલમાનોની બરબાદીની દુઆ કરે છે, મુર્દાબાદના નારા પોકારે છે અને પછી રોદણા રડે છે કે મુસલમાનો બરબાદ થઈ રહયા છે.!

અત્રે યાદ રાખવું જોઈએ કે બધા જ ઇખ્તેલાફ અને વિવાદ બુરા નથી હોતા. ઘણા વિવાદ, વિરોધ કે ઇખ્તેલાફ અનિવાર્ય અને કાબિલે તારીફ પણ હોય છે, એવી જ રીતે આ પણ સ્પષ્ટ છે કે અમુક બાબતે ઇખ્તેલાફ નિશંક અયોગ્ય અને નિંદનીય જ હોય છે. માટે ઉલમા દરમિયાન મસ્અલાઓ વિશે જે ઇખ્તેલાફ છે એને ફસાદની જડ કહેવું ખોટું છે. મુળ ફસાદ તો આવા ઇખ્તેલાફને આધાર બનાવીને ઝઘડો કરવામાં છે. ચાહે પછી ઉલમા પોતે ઝઘડો કરવા માંડે કે અવામ કરે. આજકાલ આમ જ થઈ રહયું છે.

કઈ બાબતે ઈખ્તેલાફ નિંદનીય છે અને કઈ બાબતે ઇખ્તેલાફ સ્વીકાર્ય અને કાબિલે તારીફ છે ? એ શરીઅતના નિયમો થકી સમજી શકાય છે. શરીઅતના જે હુકમોનું કુરઆન – હદીસમાં સ્પષ્ટ વર્ણન છે, એમાં વિવાદ કે ઇખ્તેલાફ કરવો ગુમરાહી છે. અલ્લાહ તઆલા આવા ઇખ્તેલાફ અને વિરોધ - વિવાદ બાબતે ફરમાવે છે કે, તમે પેલા લોકો જેવા ન બનશો, જેમણે સ્પષ્ટ દલીલો – નિશાનીઓ આવ્યા પછી પણ વિરોધ કર્યો અને વિવિધ સમુહોમાં વહેંચાય ગયા.

હઝરત સઈદ બિન મુસય્યિબ રહ. એ જોયું કે એક માણસ અસર પછી નફલ નમાઝ પઢી રહયો છે. નમાઝ પઢયા પછી એ માણસ સઈદ બિન મુસય્યિબ રહ. પાસે આવીને કહેવા લાગ્યો કે, શું અલ્લાહ તઆલા મને નમાઝ પઢવા બાબતે અઝાબ - સજા કરશે ? હઝ. સઈદ રહ.એ કહયું કે નમાઝ બાબતે અઝાબ નહીં થાય, પણ નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે બતાવેલ હુકમનો અનાદર કરવા બાબતે તને સજા કરવામાં આવશે.

પેલો માણસ એમ કહેવા માંગતો હતો કે નમાઝ તો ઘણી મહાન ઇબાદત છે, ગમે તે સમયે પઢી શકાય. કોઈ સમયે પઢવાને નાજાઇઝ કે ગુનો કેમ કરીને હોય શકે ? આમ છતાં નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમનો હુકમ છે કે અસર પછી નફલ પઢવી જાઈઝ નથી, એટલે હઝ. સઈદ રહ.એ એને ફરમાવ્યું કે નમાઝ ભલે મહાન ઇબાદત છે, પણ ખોટા સમયે પઢવી ગુનાહનું કામ છે.

હઝ. ઉબાદહ બિન સામિત રદિ.એ એકવાર હદીસ વર્ણવી કે નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે એક દિરહમના બદલે બે દિરહમનો સોદો કરવાની મનાઈ ફરમાવી છે. ત્યાં મોજૂદ એક માણસ કહેવા લાગ્યો કે મારા વિચારે તો એમાં કંઈ ખોટું નથી. હઝ. ઉબાદહ રદિ. નારાજ થઈ ગયા અને ફરમાવ્યું: હું કહું છું કે હઝૂર સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે મનાઈ ફરમાવી છે અને તું કહે છે કે એમાં કંઈ ખોટું નથી. ખુદાની કસમ ! જયાં તું હશે ત્યાં હું કદી આવીશ નહીં.

ફુકહા, મુહદ્દિષીન અને બધા જ ઉલમાએ એકમતે આ હુકમ દર્શાવ્યો છે કે જે કોઈ બાબત ઇસ્લામનો હુકમ હોવાનું પાકી દલીલથી પૂરવાર હોય એનો ઈન્કાર કરવો કુફ્ર છે. કાઝી અયાઝ રહ.એ 'શિફા'નામની કિતાબમાં અને મુલ્લા અલી કારી રહ.એ એની શરહમાં લખ્યું છે કે બધા જ મુસલમાન વિદ્વાનો – ઉલમા આ બાબતે એકમત છે કે જે કોઈ માણસ બીજા મુસલમાનને કતલ કરવાને જાઈઝ કહે, અથવા શરાબ પીવાને જાઇઝ કહે અથવા ઝીના કરવાને જાઈઝ કહે, અથવા શરીઅતના કોઈ એવા હુકમનો ઈન્કાર કરે જેનો ઇસ્લામી હુકમ હોવું બધાને જ ખબર હોય તો એવો માણસ કાફિર છે. હા, કોઈ એવો નવમુસ્લિમ હોય જેને ઈસ્લામના બધા હુકમોની ખબર ન હોય અને કોઈ બાબતે ઇન્કાર કરે તો એને માફ ગણવામાં આવશે અને સાચી વાતની જાણકારી આપવામાં આવશે.

હઝરત અકદસ શાહ વલીયુલ્લાહ રહ.એ ઇઝાલતુલ ખિફામાં લખ્યું છે કે ત્રણ કારણોએ મુસ્લિમ હાકેમ વિરુદ્ધ બગાવત કરી શકાય છે. એમાંથી એક બાબત આ છે કે તે કોઈ એવી બાબતને ઇસ્લામી હુકમ હોવાનો ઈન્કાર કરે જેનો ઈસ્લામી હુકમ હોવું બધાને જ ખબર હોય. આવી સ્થિતિમાં એના વિરુદ્ધ બગાવત કરવી જાઇઝ છે. અને આ સૌથી અફઝલ જિહાદ છે. અને દરેક એવો હુકમ જેમાં ઇખ્તેલાફ કે વિરોધને કોઈ અવકાશ નથી, એમાં ઇખ્તેલાફ કે વિવાદ કરવો ગુમરાહી છે.


સંસ્કાર, સદગુણો, અખ્લાક

સંસ્કાર અને અખ્લાક, મર્યાદા અને સદગુણોના માપદંડે સૌથી ઊંચા લોકો અલ્લાહના નબીઓ અને પયગંબરો હોય છે. આ ફકત આપણી મુસલમાનોની અકીદતની વાત નથી. બલકે ઐતિહાસિક વાસ્તવિકતા અને પુરવાર થયેલ સત્ય છે. અને નબીઓ – પયગંબરોના જે જીવનચરિત્ર – સીરત આપણી પાસે છે એ બધાને સામે રાખીએ તો આ હકીકત પણ સામે આવે છે કે આપણા નબી હઝરત મુહમ્મદ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ માનવ ઇતિહાસના શ્રેષ્ઠ વ્યકિત છે. એમના પછીની વાત કરીએ તો ઇતિહાસ ગવાહી આપે છે કે સહાબા રદિ.ની જમાત સમુહ માનવીય ઇતિહાસમાં દરેક રીતે સર્વશ્રેષ્ઠ હતા. આદર્શ સમાજ અને અનુરકરણીય સોસાયટી તરીકે સહાબા રદિ.નો સમુહ નમુનારૂપ હતો. એકબીજાના મદદગાર, સહાયક, માન મોભો જાળવનાર, નિખાલસ અને નિસ્વાર્થ હતા.

આપણને કદાચ પ્રશ્ન થાય કે આ શ્રેષ્ઠતાનો આધાર શો છે ? નબીઓ અને સહાબાને કયા આધારે શ્રેષ્ઠ કહેવામાં આવે છે ? એનો જવાબ આ છે કે માનવ સમાજમાં શ્રેષ્ઠતાનો આધાર અખ્લાક અને સંસ્કાર છે. નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમનો ઇરશાદ છે : તમારા માંહે જેના અખ્લાક શ્રેષ્ઠ હોય એ સર્વશ્રેષ્ઠ વ્યકિત છે. (બુખારી શ.)

નબીઓ અને રસૂલો આ માપદંડે સહુથી ઊંચા હતા. તો નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની સીધી કેળવણી - દોરવણીના કારણે સહાબા રદિ. માનવ સમાજની શ્રેષ્ઠ હસ્તીઓ બની ગયા હતા.

એક સમાજ તરીકે લોકોની સામુહિક જવાબદારીમાં ઈમાન પછી સૌ પ્રથમ સામાજિક સંસ્કારો અને માનવીય મર્યાદાઓનું સ્થાન જ આવે છે. બલકે બધું મળીને સારા અખ્લાક અને સંસ્કાર જ સર્વસ્વ છે એમ કહી શકાય. કેમ કે એક સાચા માલિકને છોડીને અનેક ખુદાઓ માનવા સારા અખ્લાકની વાત ન કહેવાય. એટલે તવહીદ અને રિસાલત પણ સંસ્કાર અખ્લાકમાં જ આવી જાય છે.

આ તો સામુહિક - સામાજિક માનવીય સંસ્કારોની વાત હતી. વ્યકિતગત સંસ્કાર અને સદગુણોનું પણ ઇસ્લામમાં ઘણું મહત્વ છે. દરેકને વ્યક્તિગત રીતે પણ કુરઆન – હદીસમાં સારા અખ્લાક અપનાવવાનો આદેશ આપવામાં આવ્યો છે. હદીસમાં છે, નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમને કોઈએ પૂછયું કે, અલ્લાહ તઆલા પાસે કયો બંદો સહુથી શ્રેષ્ઠ ગણાશે ? જવાબમાં આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે ફરમાવ્યું : જેના અખ્લાક સહુથી સારા હશે. બીજી એક હદીસમાં આપ સલ્લલ્લાહ અલયહિ વ સલ્લમનો ઇરશાદ છે : જેના અખ્લાક સારા હશે એ બંદો મારાથી સહુથી વધારે નિકટ હશે. બીજી એક હદીસમાં આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમનું કથન છે : સમાજમાં સારા લોકો કોણ કહેવાય, એ તમારે જાણવું હોય તો સારા અખ્લાક વાળા લોકોને જોઈ લ્યો.

નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ સદગુણો અને સંસ્કારના ઉચ્ચ સ્થાને એટલા માટે ગણવામાં આવે છે કે વ્યકિતગત રીતે સદગુણી, સદાચારી અને સંસ્કારી હોવા ઉપરાંત પોતાના અનુયાયીઓમાં સંદગુણોના સિંચન અને શિક્ષણમાં આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ સહુથી વધારે સફળ હસ્તી હતા.

આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ પોતાની નુબુવ્વતનું મુખ્ય ધ્યેય જ આ બતાવતા હતા કે હું સદગુણો અને સારા અખ્લાકની પૂર્ણ તાલીમ માટે જ નબી બનાવવામાં આવ્યો છું.

નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમના જીવનમાં કદમ કદમ પર સારા અખ્લાક અને સદગુણોના ઉચ્ચ નમૂના જોવા મળે છે.

માનવ સમાજમાં સર્વ સ્વીકૃત ગણાતા અખ્લાકમાંથી કોઈ પણ ગુણ લઈ લો, અને વિશે નબીએ કરીમ સલ્લલ્લાહ અલયહિ વ સલ્લમના આચરણ અને તાલીમ – કેળવણીના નમૂના શોધીએ તો આપણને જણાશે કે જેટલી શ્રેષ્ઠ અને ઉચ્ચ હદે અખ્લાક અનુસરવામાં આવ્યા હતા અને શિખવાડવામાં આવ્યા હતા, વિશ્વમાં એનો જોડો મળે એમ નથી.


ઉચ્ચ નબવી સંસ્કાર વાયદાપાલન

વાત અને વાયદાના પાકા હોવું, ઉચ્ચ માનવીય સંસ્કાર અને ખૂબી ગણાય છે. એમાં પાર ઉતરવું અને આ ખૂબીમાં હમેંશા પાર ઉતરવું ઘણું મુશ્કેલ ગણાય છે. અમુક તમુક સંજોગોમાં માણસ આ કસોટીમાં પાર ઉતરે છે તો ઘણી વાર એવા સંજોગો બની જાય છે કે માણસ બહાના કાઢી જાય છે, ગલ્લાં તલ્લાં કરીને પણ વાયદાથી ફરી જાય છે. નબીએ કરીમ સલ્લલ્લાહ અલયહિ વ સલ્લમ ઉચ્ચ મુસ્લિમ વ્યકિતના ઘડતર માટે આ ખૂબી અને અખ્લાકને ઘણું મહત્વ આપતા હતા. આ વિષયે ઘણી જ તાકીદ અને નસીહત આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમના કથનોમાં આવી છે. અને પોતે પણ ઘણી જ ચીવટ અને પાબંદીથી વાયદો, વચન અને કરાર પાળવાનો એહતેમામ ફરમાવતા હતા.

મક્કામાં આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમના એક સાથી અબ્દુલ્લાહ નામે હતા. નબુવ્વત પહેલાંના દોસ્ત હતા. તેઓ મુસલમાન થયા પછી પોતાનો એક કિસ્સો વિશેષ વર્ણવતા હતા કે મક્કાના દિવસોમાં જયારે હજુ આપને નુબુવ્વત મળી ન હતી, અને આપ એક સામાન્ય વ્યકિત તરીકે જીવન ગુઝારતા હતા, એમની સાથે મારો એક કારોબારી સોદો થયો. થોડી રકમ જે મારા હાથમાં હતી, એ મેં આપી અને કહયું કે તમે અહિંયા જ રહો, હું બાકીની રકમ ઘરેથી લઈને આવું છું. ઘરે પહોંચીને હું ભૂલી ગયો કે મારે સોદાની બાકી રકમ મુહમ્મદને આપવા જવાનું છે. છેક ત્રીજા દિવસે મને યાદ આવ્યું કે મારે બાકીની રકમ આપવાની છે અને હું મુહમ્મદને ફલાણા સ્થળે ઉભા રાખીને આવ્યો હતો. હું બાકીની રકમ લઈને દોડતો હાંફતો એ સ્થળે પહોંચ્યો તો હજુ પણ મુહમ્મદ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ ત્યાં મોજૂદ હતા અને મારી રાહ જોઈ રહયા હતા. અને ફકત એટલું જ કહયું કે અબ્દુલ્લાહ ! તમે ઘણો પરેશાન કર્યો, તમે મને કહીને ગયા હતા કે અહિંયા જ ઉભો રહીને રાહ જાઉ.

વાયદા પાલનનું આવું ઉચ્ચ ઉદાહરણ બીજું કોઈ ન હશે. વિચારવાની વાત આ પણ છે કે આપના દોસ્ત અબ્દુલ્લાહને પણ અંદાઝો હતો કે મુહમ્મદ હજુ પણ ત્યાં જ ઉભા હશે. એટલે તેઓ દોડતાં ત્યાં જ આવ્યા. આ બાબત દર્શાવે છે કે વાત અને વચનના પાકા હોવાની આવી અનેક ઘટનાઓ સામે આવી હશે અને મક્કાના લોકોમાં મુહમ્મદ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની ઓળખ બની ગઈ હશે.

એક બીજો કિસ્સો જોઈએ. હઝરત હુઝૈફા રદિ. નામે એક સહાબી હતા. એમના વાલિદ યમાન રદિ. પણ સહાબી હતા. મુળ નામ હસીલ હતું પણ મુળ યમનના રહેવાસી હતા એટલે એમને યમાન કહેવામાં આવતા હતા. બદરની લડાઈ પહેલાં બાપ બેટા મુસલમાન થયા હતા. એમણે સાંભળ્યું હતું કે મુહમ્મદ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ અને એમના દુશ્મન મક્કા વાળાઓ સાથે લડાઈ થવાની છે. એટલે તેઓ એમ વિચારીને મદીના આવી રહયા હતા કે મદીનાવાસીઓ સાથે શામેલ થઈને મક્કા વાળાઓ સાથે લડીશું. તેઓ રસ્તામાં જ હતા કે મક્કાથી આવતું અબુજહલનું લશ્કર એમની સામે આવી ગયું. અને તેઓને લાગ્યું કે આ બંને બાપ બેટા મુહમ્મદના લશ્કરમાં શામેલ થવા જ મદીના જઈ રહયા છે. એટલે એમને અટકાવી દીધા. આ બંનેએ ટાળવાની કોશિશ કરી કે અમે અમારા વ્યકિતગત કામે મદીના જઈ રહયા છે, અમારે લડાઈથી કોઈ લેવા દેવા નથી, વગેરે.. આખરે અબૂજહલના લશ્કરના માણસોએ શરત કરી કે તમે વાયદો કરો કે મદીના જઈને મુહમ્મદના લશ્કરમાં શામેલ નહીં થશો તો અમે તમને જવા દઈએ. એમણે વાયદો કર્યો તો છોડી દેવામાં આવ્યા.

પછી આ બંને બાપ બેટા મદીના આવ્યા તો હુઝૂર સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ લડાઈ માટે મદીનાથી બહાર નીકળી રહયા હતા. એમણે આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ સમક્ષ સઘળી હકીકત અને બીના રજૂ કરી. નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમને આ સમયે માણસોથી ખૂબ જરૂરત હતી. માણસો ઓછા, હથિયારો અને સવારીઓ ઓછી, દુશ્મનની તૈયારી અને શકિત વધારે... પણ હઝરત હુઝૈફહ રદિ.એ જયારે જણાવ્યું કે અમે તો આવો વાયદો કરીને છુટીને આવ્યા છીએ. હવે આપ હુકમ આપો તો અમે તમારી સાથે લશ્કરમાં શામેલ થવા તૈયાર છીએ, અમારો તો પહેલાંથી જ ઇરાદો લશ્કરમાં શામેલ થવાનો હતો. આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે એમને હુકમ ફરમાવ્યો કે તમને અમારી સાથે લશ્કરમાં શામેલ થવાની ઇજાઝત નથી. તમે જે વાયદો કરીને આવ્યા છો, એ પૂરો કરવો જરૂરી છે.


દુનિયાનું જીવન, આખિરતની તૈયારી

દુનિયાના દરેક માણસને આપણે આ પરેશાનીમાં જોઈએ છે કે એની પાસે જે કંઈ છે એ એના માટે પુરતું નથી. પોતાને મળેલ વસ્તુઓથી તે પૂર્ણ રીતે ખુશ નથી. એને જે શરીર કે સોંદર્ય મળ્યું છે, એ અપુરતું લાગે છે. સંપત્તિ કે સત્તા, સાર્મથ્ય કે સન્માન, બધું એને અધુરું કે ઓછું લાગે છે.

હું એકવાર નેપાળની સફરે હતો. દુબઈથી ફલાઈટમાં એક ઓસ્ટ્રેલિયન મહિલા મારી બાજુની સીટ ઉપર આવીને બેસી. સફર દરમિયાન અમારા વચ્ચે વાર્તાલાપ અને વિચારોની આપલે શરૂ થઈ. મેં એની પાસેથી જીવનનું ધ્યેય અને લક્ષ્ય – સંતોષ શું છે એ બાબત જાણવા માંગી. એણે જણાવ્યું કે હું એટલા માટે જીવું છે અને મારી ફરજો પુરી કરું છું કે લોકો મને ખુશી અને સન્માન સાથે મળે. મને સન્માન આપે અને ખુશી વ્યકત કરે. એ લેડી ડોકટર હતી. એણે જણાવ્યું કે હું બીમારોની સારવાર કે સેવા કરીને, એમની હેલ્પ કરીને ઘણી ખુશ થાઉં છું. હું એમને ખુશ જોઉં છું તો એમની ખુશી મારા ઉપર પાછી આવે છે, અને મને ખુશ કરે છે.

વાત આગળ ચાલી તો મેં એને પૂછયું કે શું તમને તમારી ઇચ્છા મુજબની ખુશીઓ અને સંતોષ મળી જાય છે. એણે કહયું કે ઘણે અંશે હું ખુશ છું.

મેં એને પૂછયું કે શું તમે દરેક રીતે ખુશ છો ? મારા મતે આ શકય નથી. તમને જે શરીર મળ્યું છે અને જેવું નાક કે નકશો મળ્યો છે એનાથી તમે ખુશ છો ? એણે કહયું કે, ના.. મને મોકો મળે તો હું મારું નાક બદલી નાંખું.

વાર્તાલાપના આ તબક્કે હું વિચારમાં પડી ગયો. લગભગ દરેક માણસ એમ માનતો હોય છે કે એ પૂર્ણ રીતે ખુશ અને સંતોષિત નથી. માલ કે શરીર, નોકરી કે ઘર, પગાર કે હોદ્દો, દરેકને એવો એહસાસ છે કે હજુ ઘણું ઘટે છે.

માણસ આવી બધી બાબતે સમાધાન કરી લે છે એ અલગ છે. નહીંતર ઘરના વાતાવરણ, સગાઓ અને દોસ્તોના સ્વભાવ સુદ્ધાં માણસને પોતાને અનુરૂપ નથી લાગતા. કોઈવાર માણસ એની પત્નિ કે માં બાપ બાબતે વિચારે છે કે મને આ બધા યોગ્ય અને જેવા હોવા જોઈએ એવાં નથી મળ્યાં, તો ઘણી વાર માં બાપ અને પત્નિ વિચારતાં હોય છે એમને પતિ કે અવલાદ જેવી જોઈએ એવી ન મળી !

આ એક પ્રકારની પરેશાની, સમસ્યા અને વૈચારિક મુસીબત છે, માણસ એમાં ફસાયને એની પાસે જે કંઈ છે એ પણ ગુમાવી બેસે છે. ઘણીવાર સફળ અને કામ્યાબ માણસ પણ આવા વિચારોમાં ફસાય જાય છે અને બધું ખોય બેસે છે.

પરેશાની કહો કે ખાલીપણાનો એહસાસ... એનાથી માણસે બહાર આવવું જરૂરી છે. જિંદગીના સંતોષને પામવા અને અંતે પોતાની મરજી મુજબનું સર્વસ્વ પામવા માટે પ્રથમ જરૂરી પગલું આ છે કે માણસ જીવનના આરંભ અને અંતની ફોર્મૂલાને સમજે.

સહુપ્રથમ માણસે આ સમજવાની જરૂરત છે કે જીવનના બે તબક્કા છે. એક તબક્કો દુનિયાનો છે, જે મૃત્યુ ઉપર ખતમ થાય છે, અને બીજો તબક્કો આ કહેવાતા મૃત્યુ પછીનો છે. પ્રથમ તબક્કામાં માણસને આંશિક અને આવશ્યક વસ્તુઓ જ આપવામાં આવે છે. અહિંયા એને મરજી મુજબનું આપવામાં આવતું નથી. એની ઈચ્છાઓ અને મહેચ્છાઓ, વાસના અને કામનાઓ સઘળી પૂરી કરવામાં આવતી નથી. બલકે સાચી રીતે જોઈએ તો કોઈ એક માણસની ફકત એક ઇચ્છા પણ અહિંયા સારી રીતે પૂરી નથી થતી. બલકે માનવીય જીવનને કાબેલ બનાવવામાં આવેલ આ ધરતી અને એનું આકાશ પોતે પણ અધુરું છે. એમાં એ શકય પણ નથી કે માનવી એની ઈચ્છા મુજબનું બધું જ મેળવી શકે.

અત્રે આપણને પ્રશ્ન થઈ શકે કે કુદરતે એક તરફ તો માણસમાં ઇચ્છાઓ અને શોખ – મહત્વકાંક્ષાઓ મુકી છે, અને બીજી તરફ એને પૂરી કરવાઆ અસબાબ કેમ નથી આપ્યા ? કાં તો ઇચ્છાઓ જ ન મૂકી હોત અને મૂકી છે તો પછી એને પૂરી કરવા માટે મોકળું મેદાન અને શક્તિઓ આપી હોત.

આ પ્રશ્નના જવાબમાં જ માણસની પરેશાનીનો ઉકેલ છે. એનો જવાબ આપણને અંબિયાએ કિરામ અને કુરઆનના માર્ગદર્શનમાં મળે છે, માનવીય તર્કમાં આ જવાબ શોધવાની શકિત ન હતી. ભલે પાછળથી માનવી આ જવાબને તર્ક દ્વારા સિદ્ધ કરતો હોય.

જવાબની વિગત આ છે કે પ્રથમ તબક્કાનું જીવન ટુંકુ અને મર્યાદિત છે. એ ખતમ થવાનું છે, માણસનું વ્યક્તિગત જીવન પણ અને માનવી દુનિયાનું સઘળું અસ્તિત્વ પણ.. બધું એક નક્કી સમયે ખતમ થવાનું છે. એટલે પ્રથમ તબક્કામાં માણસને અપુરતું જીવન આપીને ઈચ્છાઓ વિકસાવવામાં આવી, એને પૂરી કરવાની ઇચ્છા પણ આપવામાં આવી, પછી ઇચ્છાઓ પૂરી ન થવાનો એહસાસ પણ આપવામાં આવ્યો, અને પછી બીજું જીવન આપવામાં આવશે, જેથી માણસ એની મરજી મુજબનું મેળવી શકે, અધૂરી ઇચ્છાઓ પૂરી કરી શકે, શોખ અને મોજના ઇરાદા પૂરા કરી શકે. આવી આઝાદી અને મોકળાશનું નામ જ જન્નત છે. આમ નિષ્કર્ષ એ આવ્યું કે જન્નત માણસની સ્વભાવિક ઇચ્છા છે. માણસે ઇચ્છેલ શોખ પૂરા કરવા માટે જરૂરી છે. આ જન્નતને પાત્ર બનવા માટેની પરીક્ષા માટે જ આ પ્રથમ તબક્કાનું જીવન અલ્લાહ તઆલા તરફથી માનવીને આપવામાં આવ્યું છે.

આ પરીક્ષા માનવીય હસ્તીની બધી હેસિયતની પરીક્ષા લેવામાં આવે છે. માણસના વિચારો, જ્ઞાન, કાર્યો, કથની, સંસ્કાર અને વહેવાર.. બધા માટે એક માપદંડ અને આદર્શ આચાર સંહિતા બનાવીને માણસની કસોટી કરવામાં આવે છે. અલ્લાહ તઆલા કુરઆનમાં ફરમાવે છે : અમે તમને ડરાવીને, ભૂખ્યા રાખીને, સંપત્તિ કે ધન દોલતનું નુકસાન કરીને, માણસો કે મદદગારોનું નુકસાન કરીને, ખેતપેદાશ, ફળો અને ઉત્પાદનો ઓછા કરીને એટલે કે વિવિધ રીતે તમને અજમાવીશું.... અને આ આજમાયશ એટલા માટે ખબર પડે કે તમારા માંહે કોના આમાલ કામો સારા છે ? જે કોઈ આ કસોટીમાં પાર ઉતરશે, કવોલિફાય થશે એને જન્નત મળશે, જેમાં એ ચાહશે એ મેળવી શકશે. ત્યાં માણસને સદાનું જીવન મળશે. મૃત્યુ નહીં આવે. બીમારી નહીં હોય. પરેશાની, ખોફ કે અફસોસ નહીં હોય.

બસ આટલી હકીકત માણસે સામે રાખવાની છે, એટલે કે યાદ રાખવાની છે. દુનિયાની પરેશાનીઓ અને મુસીબતો, અધૂરી ઇચ્છાઓ અને તૂટતા સપનાઓ મનને વ્યાકુળ કરે તો જીવનના બીજા તબક્કા તરફ ધ્યાન કેન્દ્રિત કરવાનું છે. માણસ જયારે જીવનના આ બીજા તબક્કાને ભૂલી જાય છે, આખિરત એની નજરો સામેથી હટી જાય છે, તો પરેશાનીનો શિકાર થઈ જાય છે. બેચેન બની જાય છે.

આજકાલ તો મુસલમાનોમાંથી પણ આખિરતનો ખ્યાલ અને હિસાબ કિતાબનું યકીન નામ માત્રનું રહી ગયું છે. સામાન્ય મુસલમાનોમાં વધુ પડતા લોકો એમ વિચારતા થઈ ગયા છે કે જે થવાનું હશે તે થશે. હમણા તો દુનિયાની દોડમાં ગમે તેમ કરીને આગળ વધો.

બધું કરીને જોતાં એવું લાગે છે કે આખિરતને સમજનારા અને એના ઉપર યકીનનો દાવો કરનાર દીનદાર લોકો અને આલિમો પણ આખિરતની તૈયારી માટે જીવનની એવી રાહ નથી અપનાવી રહ્યા જે જરૂરી છે. હલાલ હરામની ભેદરેખા ઓળખવાના દાવેદારો ઘણીવાર જાહિલો અને ગુનેગારો કરતાં વધારે ખોટા કામો કરી બેસે છે.

હઝ. મવલાના સય્યિદ અબૂલહસન અલી નદવી રહ. ફરમાવતા હતા કે, ઉલમાએ કિરામ ઉમ્મતના 'દિલ' સમાન સ્થાન ધરાવે છે. ઉલમા બગડી જશે તો આખી ઉમ્મત બગડી જશે. ઉલમા માંહે તકવો ઘટયો, દીનદારી ઓછી થઈ, આખિરત ભૂલાયી તો પછી ઉમ્મતમાં આ બધું ઓર વધારે જ હશે, એ નક્કી છે.

આપણી આસપાસ આ સામાન્ય છે કે આખો મહોલ્લો, ગામ કે શહેર કોઈ એક મસ્જિદના ઈમામ કે વાએઝ ઉપર જ અકીદતનો બધો ટોપલો ઢોળી દે છે. લોકો પોતે સાચું ખોટું, સવાબ કે ગુનો શું એ વિચારતા નથી, મોલાના સાહેબ જે કહે એ સાચું ! અને મવલાના સાહેબ કે ઈમામ સાહેબને ફિકર નથી હું લોકોને શું પધરાવી રહયો છું ? ખોટા કિસ્સાઓ, એના આધારે ખોટા હુકમો અને શરીઅતના નામે લોકોને ગુમરાહ કરવાના પ્રયત્નો આપણને આપણી આસપાસ પણ દેખાય આવે છે.

ખેર ! એક સામાન્ય માણસને પણ સમજમાં આવે એવી વાત એટલી જ છે કે,

દુનિયાનું આ જીવન એ પરીક્ષા છે, તૈયારી કરવાનું સ્થળ છે. આ અમલ કરવાની દુનિયા છે. બદલો, સવાબ અને સફળતાનું ઈનામ પછી મળશે. મરજી મુજબની સવલતો અને એશનું જીવન દુનિયાની આ પરીક્ષામાં પાસ થયા પછી મળવાનું છે.

(ઉર્દૂ ઉપરથી સારાંશ)


સીરતે રસૂલની બુનિયાદ

સદગુણો અને સચ્ચાઈ

સારા અખ્લાક અને સદગુણોમાં 'સચ્ચાઈ'નું સૌથી પહેલું સ્થાન ધરાવે છે. સાચું બોલવાની ટેવ હોવી અને જીવનભર એને વળગી રહેવું દરેકના બસની વાત નથી. કોઈ 'મરદ' માણસ જ આ ટેવને નિભાવી શકે છે. જેમ સચ્ચાઈનું સ્થાન અખ્લાકમાં સહુથી ઉપર છે, એમ જૂઠનું સ્થાન બુરા અખ્લાક અને અવગુણોમાં સૌથી ઉપર છે. સચ્ચાઈ બીજી અનેકાનેક ખૂબીઓની જનેતા છે તો જૂઠ ઘણીબધી બુરાઈની જડ અને બુનિયાદ છે.

બુરાઈઓમા સપડાયેલ માણસ સીધા રસ્તે પાછા ફરવા માંગતો હોય તો માણસ સચ્ચાઈ અપનાવી લે, જૂઠ છોડી દે, એની તાસીરથી બીજી બધી બુરાઈઓ આપોઆપ છુટી જશે.

એક માણસ નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની સેવામાં આવ્યો અને અરજ કરી કે યા રસૂલલ્લાહ ! હું ઈમાન લાવવા માંગું છું. મારે મુસલમાન થવું છે. પણ મારામાં અનેક બુરાઈઓ છે. હું શરાબનું સેવન કરું છું. ઝીનાની આદત છે. અને બીજી ઘણી બધી બુરાઈઓ અને ગુનાહો ! હું મુસલમાન બનવા તો તૈયાર છું, પણ આ બધી બુરાઈઓ એક દમ છુટશે નહીં, એક એક કરીને છોડીશ. નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે એની શરત મંજૂર રાખી અને એને કલિમહ પઢાવીને મુસલમાન કરી લીધો. ત્યાર પછી આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે એની પાસેથી વચન લીધું કે, તમે વાયદો કરો કે કદી જૂઠ નહીં બોલો. એટલે કે સહુપ્રથમ આ બુરાઈ છોડીને શરૂઆત કરો. એણે વાયદો કરી લીધો. અલ્લાહની કુદરત કે જૂઠ છોડવાના કારણે ઘણા જ જલદી ગુનાહની બધી આદતો છુટી ગઈ.

આ કિસ્સા થકી પુરવાર થાય છે કે નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમના મતે સચ્ચાઈ બુનિયાદી ખૂબી – નેકી છે અને જૂઠ બુનિયાદી ગુનો છે. માણસ અહિંયાથી આગળ વધે તો પછી બીજું બધું સરળ થઈ જાય છે.

અલ્લાહના નબીઓ લોકો માટે આદર્શ અને અનુસરણીય નમૂના હોય છે, એટલે તેઓ સદગુણોમાં સહુથી ઉચ્ચ સ્થાને હોય છે, નબીએ કરીમ સલ્લલ્લાહ અલયહિ વ સલ્લમ પહેલેથી જ લોકોમાં સહુથી સાચા વ્યકિત તરીકે ઓળખાતા હતા. મક્કાના બે માણસો આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમના સહુથી મોટા શત્રુ ગણાતા હતા. અબૂજહલ અને અબૂ સુફિયાન. મક્કાના લોકો અને કુરેશ ઉપરાંત અન્ય કબીલાઓને ઈસ્લામ અને આપના વિરુદ્ધ દુશ્મન બનાવીને ઉભા કરનાર મુખ્ય માણસો આ બે માણસો જ હતા. છતાં આ બંને માણસોને નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની સચ્ચાઈની બાબતે સ્પષ્ટ ગવાહી આપતા હતા. અબૂજહલને કોઈકે પૂછયું કે મુહમ્મદ વિશે તમારું શું કહેવું છે ? એણે કહયું કે, તે સાચા માણસ છે. પૂછનારે કહયું કે તો પછી તમે એમને નબી કેમ નથી માનતા ? તો એણે જવાબ આપ્યો કે એ અલગ વાત છે. એમનો વિરોધ અમારી ચોધરાહટ – નેતાગરીને લગતી બાબત છે.

નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે મદીના પહોંચ્યાના છઠ્ઠા વરસે અરબસ્તાનની આસપાસના રાજાઓને ઈસ્લામ બાબતે પત્રો લખ્યા હતા. એક પત્ર ત્યારની રોમન મહાસત્તાના શાસક 'કેસર'ને પણ લખ્યો હતો. આ પત્ર એના દરબારમાં પહોંચ્યો રાજાએ ઇચ્છા વ્યકત કરી કે અરબસ્તાનથી આવેલા કોઈ સજ્જન આપણા પ્રદેશમાં મોજૂદ હોય તો એને દરબારમાં રજૂ કરવામાં આવે. જેથી આ પત્ર મોકલનાર વિશે હું પૂર્વ માહિતી મેળવી લઉં. જોગાનુજોગ આ દિવસોમાં અબૂસુફિયાન વેપાર અર્થે ત્યાં મોજૂદ હતા, તે વેળા તેઓ ઇસ્લામ અને નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમના મોટા શત્રુ અને વિરોધી સરદાર ગણાતા હતા. આ વેળા રાજાએ અબૂ સુફિયાનને જે પ્રશ્નો પૂછયા એમાં એક પ્રશ્ન આ હતો કે મુહમ્મદ સાહેબના વ્યકિતગત જીવનમાં સચ્ચાઈ કે જૂઠ વિશે તમારે શું કહેવું છે ? એટલે કે વર્તન અને વહેવારમાં તેઓ તમારા દરમિયાન સાચા માણસ ગણાય છે કે જૂઠા ? અબૂસુફિયાને જવાબ આપ્યો કે તેઓ વ્યકિતગત રીતે સાચા માણસ છે.

આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમનું વ્યકિતગત જીવનમાં સચ્ચાઈ સ્પષ્ટ તરી આવતી હતી. જયારે આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે પ્રથમવાર સફાની ટેકરી ઉપર ચડીને ઇસ્લામ સ્વીકાર કરવાની આમંત્રણ આપ્યું તો સહુ પ્રથમ લોકો સમક્ષ પોતાની સચ્ચાઈની ગવાહી લોકો પાસે જ માંગી કે, તમે જ બતાવો, મેં ચાલીસ વરસ તમારા દરમિયાન વીતાવ્યા છે, રાત - દિવસની મારી સઘળી પ્રવૃતિઓ તમારી સામે છે, બાળપણ, યુવાની, વેપાર અને વહેવાર, બધું તમે જોયું છે. તમે મારા વિશે શું વિચારો છો ? મને સાચો સમજો છો કે જૂઠો ? લોકોએ જવાબ આપ્યો કે અમે તો તમારા વાણી – વર્તનમાં ફકત સચ્ચાઈ જ જોયી છે.

નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે પોતે સચ્ચાઈ ઉપર અડગ રહેવા ઉપરાંત સહાબા રદિ.ને પણ સચ્ચાઈની તાકીદ અને પાકી તાલીમ આપી હતી. એનું એક ઉદાહરણ જોઈએ. હિજરી સન ૯ માં મદીનાથી દૂર તબૂક મુકામે લડાઈ માટે જવાનું હતું. એક મહીનાની સફર હતી. મોટી લડાઈનો ખતરો હતો, એટલે ભારે તૈયારી કરવામાં આવી હતી. મદીના દરેક માણસે એમાં ભાગ લેવો જરૂરી હતો. જેમને કોઈ વાંધો કે બહાનું હોય એમણે લડાઈમાં ન આવવા બાબતે નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની પરવાનગી લેવી જરૂરી હતી. અમુક લોકો જેઓ મુનાફિક હતા અને દેખાવ પુરતા મુસલમાન હતા, તેઓએ જૂઠા બહાના બતાવીને લડવા માટે સાથે આવવાની અશકિત દર્શાવી. જયારે દસેક સાચા મુસલમાનો પણ પાછળ રહી ગયા. તેઓ લડાઈ માટે સાથે ગયા નહીં, અને મદીનામાં રહી જવાની ઇજાઝત પણ લીધી ન હતી. નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ જયારે સફરેથી પાછા આવ્યા તો સાથે ગયા ન હતા, એવા લોકો આવીને બહાના રજૂ કરવા લાગ્યા કે ફલાણા કારણે હું આવી ન શકયો, વગેરે.. એક સાચા પાકા મુસલમાન સહાબી હઝ. કઅબ રદિ. નામે હતા. તેઓને કોઈ રૂકાવટ ન હતી, સુસ્તીમાં અને પાછળથી નીકળીને એમની પાસે પહોંચી જઈશ, એવા આજકાલમાં રહી ગયા. એમને પણ લોકોએ કહયું કે હવે નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ પાછા આવી ગયા છે, તમે સેવામાં પહોંચો અને કોઈ બહાનું રજૂ કરી દયો, જેથી તમને માફી મળી જાય. તેઓ કહે છે કે મારા દિલમાં એકવાર આ વિચાર આવ્યો, પણ પછી મને થયું કે અલ્લાહના રસૂલ સામે મારે સાચું જ બોલવું જોઈએ. જૂઠ બોલવાનો ગુનો માથે ન લેવો જોઈએ. એટલે મેં જઈને સાચી હકીકત જણાવી દીધી કે મારે કોઈ રુકાવટ કે કારણ ન હતું. બસ સુસ્તી – આળસમાં રહી ગયો અને સાથે આવી શકયો નહીં. જે લોકો જુઠું બોલીને બહાનું કાઢી ગયા એમને તો કંઈ કહેવામાં આવ્યું નહીં, કારણ જૂઠ દિલનો ગુનો છે, એટલે અલ્લાહને હવાલે કરી દેવામાં આવ્યા. પણ હઝરત કઅબ રદિ. સાચું બોલ્યા અને ગુનો સ્વીકાર કરી લીધો તો સઘળા મુસલમાનોને હુકમ કરવામાં આવ્યો કે એમનો બાયકોટ કરવામાં આવે. અને પચાસ દિવસ સુધી આ સજા એમણે બરદાશ્ત કરી. આ અડગતા અને હિમ્મતને નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની તાલીમ – કેળવણીની બરકત જ કહી શકાય કે લાંબી સજા સ્વીકાર કરી લીધી પણ જૂઠ બોલવાને પસંદ કર્યું નહીં.


બુનિયાદી નબવી તાલીમના સંસ્કાર

અમાનતદારી

માનવીય સંસ્કારો અને અખ્લાકમાં અમાનતદારી ઘણો ઉચ્ચ ગુણ ગણાય છે. અમાનતદારી ખૂબી છે તો બેઈમાની અને ખિયાનત એબ – ખામી અથવા કુસંસ્કાર છે. માણસમાં આ ખૂબી અને અખ્લાક હોય તો લોકોના માલ, હકો, ઇઝઝત આબરૂ અને માન મોભો જાળવે છે. અને જે લોકોમાં અમાનતદારીના સ્થાને ખયાનત કે બેઈમાની હોય છે, તેઓ લોકોનો માલ હડપ કરી જાય છે. ઈઝઝત આબરૂ ઉપર કીચડ ઉછાળે છે, હકો અને અધિકારો છીનવે છે.

નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમને અલ્લાહ તઆલાએ પહેલાંથી જ અમાનતદારીની ખૂબી આપી હતી. નબી બન્યા એ પહેલાં અને પછી પણ... લોકોમાં આપનું સ્થાન પહેલાંથી જ એક સાચા અને અમાનતદાર વ્યકિતનું હતું. એટલે જ જયારે આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ પ્રથમવાર જાહેરમાં લોકોને ઇસ્લામ અને તવહીદની વાત કહેવા માટે આગળ આવ્યા તો પ્રથમ લોકોને પૂછયું કે તમને મારા તરફથી કદી ખયાનત, જૂઠ કે બે ઈમાનીનો અનુભવ થયો છે ? લોકોએ જવાબ આપ્યો કે ના, અમે તો તમને હમેંશા સાચા અને અમાનતદાર વ્યકિત તરીકે જ જોયા અને અનુભવ્યા છે, તો પછી આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે લોકોને પોતાની અમાતદારીની દુહાઈ આપીને ઇસ્લામ – તવહીદનો આગ્રહ કર્યો અને દાવત આપી.

માણસમાં એના માનવીય સ્વભાવ મુજબ અમુક કમઝોરીઓ જરૂર હોય છે, અલબત્ત સારા અને સજ્જન માણસોમાં કમઝોરીઓ કે ખામીઓ ઓછી અને ખૂબીઓ વધારે હોય છે. એટલે સામાન્ય રીતે સજ્જન ગણાતા માણસો પણ ઘણીવાર પરાયા કે અજ્ઞાત કે શત્રુઓ સાથેના વર્તનમાં સજ્જનતા ગુમાવી બેસે છે, પોતાના માણસોની ખોટી તરફેણ કરીને સાચાને અન્યાય કરી બેસે છે. પરંતુ નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની શાન કંઈક નિરાલી હતી. આપના સ્વભાવમાં એક રજમાત્ર પણ અન્યાય ન હતો. અમાનતદારી વિરુદ્ધ કોઈ કામ કે કથન આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ તરફથી કોઈએ જોયું કે સાંભળ્યું નથી.

જયારે મક્કાના કાફિરો અને શત્રુઓના અત્યાચારથી તંગ આવીને નબીએ કરીમ સલ્લલ્લાહ અલયહિ વ સલ્લમે મક્કાથી હિજરત કરીને મદીના જવાનો ઇરાદો કર્યો તો આ જ દિવસોમાં મક્કાના શત્રુઓએ નક્કી કર્યું હતું કે મક્કાના બધા કબીલામાંથી એક એક માણસ ભેગો થાય અને બધા મળીને મુહમ્મદ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની હત્યા કરી દે. આ હેતુએ મક્કાના વિવિધ નાકાઓ અને રસ્તાઓ ઉપર રાતથી જ પહેરો બેસાડી દેવામાં આવ્યો. અને એક ટોળું નબીએ કરીમ સલ્લલ્લાહ અલયહિ વ સલ્લમના ઘરને ઘેરીને બેસી ગયું કે તેઓ ઘરમાં નીકળે કે તુરંત એમને શહીદ કરી દેવામાં આવે.

આ સ્થિતિ એવી હતી કે નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ એમના અત્યાચારોથી તંગ આવીને મક્કા છોડી રહયા હતા, તો સામે શત્રુઓ પણ એટલા આગળ વધી ગયા હતા કે હત્યા કરવાનો પાકો ઇરાદો કરી લીધો હતો. કહી શકાય કે બંને પક્ષો એક બીજાથી પૂર્ણ રીતે માયૂસ થઈને દુશ્મન બની ગયા હતા.

આ સ્થિતિમાં નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ અલ્લાહ તઆલાના હુકમ મુજબ ઘરમાંથી નીકળવાનો ફેસલો કરે છે, અને ત્યારે છેલ્લું જે કામ અંજામ આપે છે એ અહિંયા વર્ણન કરવું છે :

હઝરત અલી રદિ.ને ઘરે બોલાવ્યા. તેઓ આપના પિત્રાઈ ભાઈ હતા. હજુ દામાદ બન્યા ન હતા. પોતે રાતના અંધારામાં નીકળી રહયા હતા એટલે એમને હુકમ કર્યો કે સવાર સુધી તમે મારા બિસ્તર ઉપર આરામ કરો, અને આ બધી અલગ અલગ અમાનતની રકમો અને વસ્તુ ફલાણા ફલાણા માણસને સવારે પહોંચાડી દેશો. પછી તમે પણ મક્કા છોડીને મદીના આવી જજો.

એટલે કે નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ શત્રુની તલવારની અણી હેઠળ ઘર છોડી રહયા છે, છતાં ફિકર એમની અમાનતો એમને પાછી કરવાની છે. અને બીજી તરફ શત્રુઓને પણ આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની અમાનતદારી ઉપર કેટલો વિશ્વાસ હશે કે જેને તેઓ મારવા નીકળ્યા છે, એની પાસે જ એમણે પોતાની અમાનતો સાચવવા આપેલ છે.

એક બીજો કિસ્સો જોઈએ.. કોઈ દુશ્મન કબીલા સાથે જિહાદ માટે નીકળવાનું હોય તો તૈયારીનો હુકમ આપતા પણ સાથીઓ અને સહાબાને એવી જાણ ન કરતા કે કયાં જવાનું છે. એકવાર આવી જ રીતે ખૈબરના યહૂદીઓ ઉપર હુમલો કરવા જવાનું થયું. ખૈબર વાળાઓને ખબર પણ ન પડી અને આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ લશ્કર લઈને એમના સીમાડાઓમાં પહોંચી ગયા. લોકો સવારે ખેતરે જવા નીકળ્યા તો એમને ખબર પડી કે મુહમ્મદ અને એમનું લશ્કર લડવા આવી પહોંચ્યું છે.

આ દરમિયાન રસ્તામાં આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમને એક કાળો માણસ ગોવાળિયો બકરીઓ ચરાવતો મળ્યો. લોકો એને અસ્વદ રાઈ કહેતા હતા. અરબી ભાષામાં અસ્વદ એટલે કાળો અને રાઈ એટલે જાનવર ચરાવનાર.

એણે પૂછયું કે હું મુસલમાન બની જાઉં તો મને શું મળશે ? આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે જવાબ આપ્યો કે જન્નત મળશે. એને નવાઈ લાગી. કહેવા લાગ્યો કે મુજ કાળિયાને જન્નત મળશે ? મને નજાત મળશે ? આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે ફરમાવ્યું કે જરૂર. તને જન્નત પણ મળશે અને તું નજાત પણ પામીશ. એણે અરજ કરી કે મને મુસલમાન બનાવી લ્યો. એ મુસલમાન બની ગયો તો એણે અરજ કરી કે હું તમારી સાથે તમારો સેવક બનીને રહીશ.

આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે ફરમાવ્યું કોઈ વાંધો નહીં, પણ આ બકરીઓ એના માલિકની છે, તે પાછી કરી આવો. તે વિચારમાં પડી ગયો કે આ બકરીઓ દુશ્મનની છે, એની સાથે તો લડવા આવ્યા છો, છતાં એને પાછી આપવા જવાનું ? એને એમ પણ થયું કે હું બકરીઓ પાછી આપવા જઈશ તો મારે હકીકત બતાવવી પડશે, પછી હું સહી સલામત કેવી રીતે પાછો આવી શકીશ? એણે આ ચિંતા આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ સમક્ષ રજૂ કરી તો એને જણાવ્યું કે તમે આ બકરીઓ માલિકના ઘર સુધી કે વાડામાં મુકીને પાછા આવી જાઓ.

દુશ્મનનો સામાન હતો. લડાઈ માટે જ એના ઘર સુધી પહોંચી ગયા હતા. અને તે ઝમાનાના નિયમ મુજબ લડાઈ પત્યા પછી દુશ્મનનો માલ પણ લુંટી લેવામાં આવતો હતો. એટલે આ બકરીઓ પાછી આપણા જ હાથમાં આવવાની હતી, પણ ઇસ્લામ સ્વીકારનાર એક નવા માણસને આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ એક બુનિયાદી ઇસ્લામી સંસ્કારનું શિક્ષણ અને કેવળણી આપવા માંગતા હતા. આ બુનિયાદી સંસ્કાર છે : અમાનતદારી..


મો. મદની મેમોરીયલ હાઈસ્કૂલ જંબુસરમાં સ્વાતંત્ર્ય દિનની ધામધૂમથી ઉજવણી કરાઈ

આજ રોજ મૌલાના મદની મેમોરીયલ હાઈસ્કૂલ-જંબુસરમાં ૭૭માં સ્વાતંત્ર્ય દિનની ખુબ જ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કાર્યક્રમના અધ્યક્ષ પદે જામિઅહ ઉલૂમુલ કુર્આન-જંબુસરનાં પ્રમુખ જનાબ મુફતી અહમદ યાકુબ દેવલ્વી સાહેબ ઉપસ્થિત રહયા હતા, મુખ્ય મહેમાન પદે જામિઅહના નાયબ મોહતમીમ જનાબ મૌલાના અરશદ સાહેબ, આમંત્રિત મહેમાનોમાં જામિઅહ ઈંગ્લીશ મીડીયમ સ્કૂલના આચાર્ય જનાબ મુસ્તાકઅલી સૈયદ સાહેબ, જામિઅહના ઉલમાએ કિરામ, વાલીગણ તથા વિશાળ સંખ્યામાં ગ્રામજનો, વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહયા હતા.

કાર્યક્રમની શરૂઆત તિલાવતે કુર્આનથી કરવામાં આવી હતી ત્યારબાદ કાર્યક્રમના અધ્યક્ષ જનાબ મુફતી અહમદ સાહેબના હસ્તે તિરંગો ફરકાવવામાં આવ્યો હતો. આજના આ કાર્યક્રમમાં પ્રાસંગિક પ્રવચન આપના શાળાના મ.શિ.જનાબ અહમદહુસૈન ગાઝી સાહેબે આઝાદીની લડતના સમયમાં મુસ્લિમોના હદયમાં આઝાદી માટેની તડપ, મુસ્લિમોએ આપેલી કુરબાનીઓની ઘટનાઓ વિગતવાર યાદ કરીને જણાવ્યું હતું કે જો આપણા વડવાઓએ આઝાદી માટે કુરબાનીઓ ન આપી હોત તો દેશમાં હજુ પણ ગુલામી સ્થિતિ હોત. જાગૃત બની સારા નાગરિક તરીકે છાપ ઉભી કરીએ.

જામિઅહ અંગ્રેજીમીડીયમ સ્કૂલના પ્રિન્સીપાલ જનાબ મુસ્તાકઅલી સૈયદ સાહેબે તેમના પ્રવચનમાં જણાવ્યું હતું કે, વિશ્વમાં મુસ્લિમોને ખરાબ ચિતરવામાં આવી રહયા છે. દિવસે દિવસે લોકોમાં પ્રેમ ભાવના ઘટતી જાય છે, ઈસ્લામ પ્રેમનો સંદેશ આપે છે. આપણે પણ શિક્ષણ થકી સારા સંસ્કારો ગ્રહણ કરીએ, અખ્લાકથી લોકોને પ્રભાવિત કરીએ, ખરાબ વર્તનથી ઈસ્લામની છબી ખરડાય છે.

મૌલાના મદની મેમોરીયલ હાઈસ્કૂલ જંબુસરના આચાર્ય જનાબ બશીરભાઈ પટેલે તેમના પ્રવચન દરમિયાન જણાવ્યું હતું કે આપણે જે શાળામાં અભ્યાસ કરી રહયા છીએ, જેના નામથી આ શાળા ચાલે છે તે હુસૈન અહમદ મદની સાહેબ એક સાચા સ્વાતંત્ર્ય વીર હતા, "રેશમી રૂમાલ"ની ચળવળ થકી ભારતના અન્ય નેતાઓને આઝાદીની લડતની પ્રેરણા મળી હતી. મુસ્લિમોએ આઝાદી માટે આપેલી કુરબાનીઓને આપણે ભુલવી ન જોઈએ. આપણાં ઉલમાએ દીન ચાહતા હતા કે આપણે દીની અને દુન્યવી તા'લીમ પ્રાપ્ત કરી મુસ્લિમ કૌમ પ્રગતિ અને વિકાસના શિખરો સર કરે અને તેથી જ આ શાળાનો પાયો નંખાયો હતો જેમાં ધોરણ પાંચ થી બાર (Sci) સુધીનો અભ્યાસ, NEET અને JEE નું કોચિંગ, NIOS થકી શિક્ષણથી વંચિત બાળકોને અભ્યાસ માટે પ્લેટફોર્મ પુરૂ પાડે છે. તેમણે આ સંસ્થાની મુલાકાતે આવેલ સરકારી અધિકારીઓ તથા કલેકટર શ્રી એ વિઝીટ-બુકમાં કરેલી નોંધને ટાંકતા જણાવ્યું હતું કે, શિક્ષણ માટેની તમામ સગવડો, વ્યવસ્થા, લોકેશન, શ્રેષ્ઠ શિક્ષકો, સારૂ મેનેજમેન્ટ, સુચારૂ વ્યવસ્થાપન આપણી સંસ્થાએ પુરૂ પાડયું છે તેનો પુરેપુરો ઉપયોગ કરી શ્રેષ્ઠ શિક્ષણ પ્રાપ્ત કરવા જણાવ્યું હતું.

કાર્યક્રમને અંતે અધ્યક્ષ પદેથી પ્રવચન આપતા મુફતી અહમદ સાહેબે જણાવ્યું હતું કે આજે મુસ્લિમોને દરેક ક્ષેત્રોમાં તકલીફોનો સામનો કરવો પડે છે. આપણે જ આપણી પછાત અવસ્થા માટે જવાબદાર છીએ. જો તમે શિક્ષણ પ્રાપ્ત કરશો તો રોજગારી તો મળશે જ, આઝાદીનો અર્થ સમજશો, પોતાના હકકોને સમજશો અને તેને મેળવવા માટે પ્રયત્ન કરશો. જો હજુ પણ નહીં જાગીએ તો આપણાં વડવાઓએ આપેલી કુરબાનીઓનો કોઈ અર્થ નહીં રહે.

પ્રવચન બાદ શાળાના વિશાળ પટાંગણમાં સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જામિઅહ પ્રા.શાળા, જામિઅહ ઈંગ્લીશ મીડિયમ પ્રા.શાળા તથા મદની હાઈસ્કૂલના વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ એ દેશભકિતથી ભરપુર દેશભકિત ગીતો, એકાંકીઓ, માહિમ, પ્રવચનો અને નઝમોની રમઝટ બોલાવીને વાતાવરણને દેશભક્તિથી ભરી દીધું હતું. બાળકોના કાર્યક્રમથી ખુશ થઈને શાળા પરિવારે તમામ બાળકોને ૫૦૦૦/- રૂપિયાનું ઈનામ આપવામાં આવ્યું હતું. તેમની કલા અને મહેનતને બિરદાવવામાં આવી હતી.

કાર્યક્રમને અંતે મુફતી અહમદ સાહેબે દેશમાં અમન-શાંતિ અને ભાઈચારાનું વાતાવરણ બની રહે એ માટે દુવાઓ ગુજારી હતી.

કાર્યક્રમનું સફળ સંચાલન શાળાના મ.શિક્ષણ યાકૂબ પટેલ તથા અ વાહીદ યુ.મેમણે કર્યું હતું. કાર્યક્રમના સફળ આયોજનમાં શાળાના આચાર્યનું માર્ગદર્શન, સ્ટાફનો સંપૂર્ણ સહકાર તેમજ N.S.S. વિગના વિદ્યાર્થીઓની મદદ મળી રહી હતી.

અંતમાં બુંદીના લાડુ નું વિતરણ કરવામાં આવ્યું હતું જેની મિઠાશમાં આઝાદીની મિઠાશ ભળતાં દિલ ખુશ-ખુશાલ બની ગયું હતું, અને સૌ હસતાં મોઢે છુટાં પડયા હતા.


શરઈ માર્ગદર્શન ફતાવા વિભાગ

મવ. મુફતી અસ્જદ દેવલ્વી સાહેબ 

તસ્દીક કર્તા મવ. મુફતી અહમદ દેવલા સદર મુફતી જામિઅહ જંબુસર

મદરસાની જમીન ઉપર શાદી હોલ બનાવવો

સવાલ : અમારા ત્યાં ૫૦ થી ૬૦ વરસથી મદરસા બિલ્ડીંગ છે. કુર્આન-હદીસની તાલીમ થાય છે, હવે મદરસા કમીટી તેને શહીદ કરીને મદરસાની વકફ જમીનના ઉપર શાદીનો હોલ (મેરેજ હોલ) બનાવવાનું વિચારી રહયા છે. એક તરફ મદરસાના રૂમ બનાવવામાં આવશે અને બીજી તરફ મેરેજ હોલ, તો મદરસાની વકફ બિલ્ડીંગ શહીદ કરીને મેરેજ હોલ બનાવી શકાશે ? શરીઅતમાં એની ગુંજાઈશ છે ? જયારે કે મેરેજ હોલ બનાવ્યા પછી ઘણા બધા ગુનાહ વજૂદમાં આવી શકે છે, જે શાદીઓના મોકા પર થાય છે. બે હયાઈ, બદનિગાહી, જીના, વીડીયો શુટીંગ, ઓરત અને મર્દનું સમુહ મીલન, ગેર ઈસ્લામી રસ્મો રીવાજ વગેરે વગેરે તેને નજરમાં રાખીને શું મદરસાની વકફ જમીન ઉપર મેરેજ હોલ બનાવવો જાઈઝ ગણાશે ? બીજું એ કે મેરેજ હોલની આવકનો ઉપયોગ કમીટી મસ્જીદ, મદરસાની કોઈ કાયમી આવક નથી, તો મેરેજ હોલની ઉપજ થયેલી રકમનો ઉપયોગ મસ્જીદ- મદરસાના નિભાવ ખર્ચ માટે જાઈઝ ગણાશે. જયારે કે ઉપરના ગુનાહ મેરેજ હોલના લઈને વજૂદમાં આવ્યા હોય. બસ એ જ. શરીઅતની રોશનીમાં વિગતે જવાબ આપવા મહેરબાની કરશો.

: જવાબ 

حامدا ومصليا ومسلما

શરીઅતના નિયમ મુજબ જે વસ્તુ જે હેતુ માટે વકફ કરવામાં આવી હોય, તે હેતુ માટે જ તે વસ્તુને ઉપયોગમાં લેવું જરૂરી છે, માટે જો મઝકૂર જમીન મદરસા માટે જ વકફ કરવામાં આવી હોય, તો તેને મદરસા માટે જ ઉપયોગ કરવામાં આવે, આવી સૂરતમાં જો મદરસાનું નવેસર બાંધકામ સામે મદરસાની આવક માટે જ દુકાનો, મેરેજ હોલ, કોમ્યુનિટી હોલ વગેરેનું આયોજન કરતા બાંધકામ કરવામાં આવે, તો શરઈ દ્રષ્ટિએ આવી રીતે હોલ બનાવવામાં કોઈ વાંધો નથી. (કિતાબુન્નવાઝિલ : ૧૪/૨૦૧)

મઝકૂર હોલને જે તે જાઈઝ પ્રસંગો માટે ભાડે આપવામાં પણ કોઈ વાંધો નથી, જેમ કે શાદી, દઅવત, જાઈઝ પ્રોગામ માટે ભાડે આપવું. કિતાબુન્નવાઝિલ" માં છે કે " શાદી હોલ બનાના ઔર ઉસકો કિરાયે પર ચલાના ફિ-નફસિહી જાઈઝ હૈ, તા હમ માલિક કો ચાહિયે કે વો ઐસે કવાનીન બનાયે કે શાદી હાલમેં હોનેવાલી તકરીબાતમેં મુન્કરાતે શરઈય્યહ કા ઈરતિકાબ ન હો, અગર ઐસે કવાનીન કે બાવજૂદ કોઈ શખ્સ વહાં કિસી ગુનાહ કા મુરતકિબ હોગા, તો માલિક સે ઉસ્કા મુઆખઝા નહીં કિયા જાએગા." (૧૨/૨૮૬)

આથી ભાડે લેનાર વ્યકિતઓ જો કોઈ ગલત- ના જાઈઝ કૃત્યનું આચરણ કરે છે. (સવાલમાં ઉલ્લેખ કર્યા મુજબ) તો આવું કૃત્ય આચરનાર જરૂર ગુનેહગાર ઠરશે, આ વિશે ભાડે આપનાર કમીટીના સભ્યો કુસૂરવાર ગણાશે નહીં, કારણ કે તેઓનો મકસદ ભાડે આપવાથી આ રીતે ગલત કાર્યો અને ગુનાહ માટે આપવાનો નથી અને હોલને ભાડે લઈ જે ગલત અને ગુનાહિત કાર્યો સવાલમાં લખ્યા મુજબ કરવામાં આવ્યા હોય, તે કાર્યો કમીટી સભ્યોના અથવા તેઓ દ્વારા પ્રેરિત નથી, માટે જવાબદાર સભ્યો આવા કામોથી બરી અને નિર્દોષ ગણાશે અલબત્તા કમીટીએ જોઈએ કે તેઓ ભાડે આપતી વેળાએ પ્રોગામો તથા પ્રસંગો સમયે થતી બદીઓ અને ગલત કામો ન આચરવાની ગ્રાહકથી બાંહેધરી લઈ લે અને હોલમાં આ વિશેની હિદાયતો (સુચનો) અને નસીહતો પણ મોટા અક્ષરોથી લખાવી આપે, જેથી કરી લોકો નસીહત હાસિલ કરે અને બિન ઈસ્લામી રિવાજો, ગુનાહિત કૃત્યો વગેરેથી દૂર રહેવાની ફિકર કરે અને સાથે જ જે લોકો પ્રત્યે એવું ગુમાન હોય કે તેઓ પ્રસંગો માટે ભાડે લીધા પછી બદીઓનું આચરણ કરશે, તો તેવા લોકોને ભાડે આપવાથી પરહેજ કરે.

હોલની તા'મીરની સ્થિતિમાં જે તે પ્રસંગો વગેરે એ ભાડે આપતા મળેલ ભાડુ હલાલ ગણાશે અને આ ભાડુ મદરસા માટે જ વાપરવામાં આવશે, જો મઝકૂર વકફ મદરસા માટે હોય. ફકત અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.

(તા. ૧૮/૨બી. આખર ૧૪૩૦ હિજરી)


બોધકથા

એક શાહી ચાકર, ઘોડા પર સવાર, સુંદર લિબાસે સજ્જ, ઠાઠ માઠથી ભર બજારે જઈ રહયો હતો. ચાકર હતો પણ બાદશાહનો સેવક હતો એટલે રોફ - રુઆબનો કોઈ પાર ન હતો.

એક બુઝુર્ગ સામે મળ્યા તો એને ટકોર કરી કે આટલું બધું અભિમાન – ગરૂર સારું નથી. આખર તો તું પણ અમારા જેવો એક માનવી જ છે ને !

એણે જવાબ આપ્યો : હું બાદશાહનો સેવક છે. વિશ્વાસુ છું. બાદશાહને ખાવું ખવડાવું છું. એ સૂઈ જાય ત્યારે હું રક્ષા કરું છું. તમને મારા મોભાનું કંઈ ભાન નથી. એ કોઈ હુકમ કરે છે તો હું ખડે પગે એની બજવણી કરું છું. તમે આડા ખસો. મારો સમય ન બગાડો.

બુઝુર્ગે એને પૂછયું કે, સેવા ચાકરી દરમિયાન તારાથી કોઈ ભૂલ થઈ જાય તો

તારા સાથે શું વર્તાવ કરે છે ? એણે જવાબ આપ્યો કોરડાઓ મારે છે. સજા કરે છે.

અને બાદશાહને આમ સજા આપવાનો હક છે. આખર એ મારો રાજા છે. બુઝુર્ગે એને કહયું કે જો સ્થિતિ આવી જ છે તો પછી મારે તારા કરતાં વધારે અભિમાન કરવું જોઈએ. હું તારા કરતાં વધારે મોભો અને મહાનતા ધરાવું છું.

તને ખબર છે ? હું એવા શહેનશાહનો ગુલામ છું જે પાળે–પોષે છે, રોજી આપે છે અને ખવડાવે છે, બીમાર પડું તો સાજો કરે છે. હું સુતો. હોઉં કે જાગું, હરપળ મારી હિફાજત કરે છે. એ પોતે કદી મારાથી દૂર નથી થતો અને મને પણ પોતાનાથી દૂર નથી કરતો. અને સૌથી મોટી વાત તો એ છે કે, મારાથી કદી ભૂલ થાય અને માફી માંગું તો માફ કરી દે છે. અને પહેલાંથી જ કહી રાખ્યું છે કે ભૂલ થાય તો માફી માંગી લેવી, માફી આપવામાં આવશે.

પેલા શાહી ચાકરે કહયું કે તો પછી મને પણ આવા શહેનશાહની ચાકરીમાં શામેલ કરી લ્યો.

બુઝુર્ગે કહયું કે, સરસ, નેક કામમાં વાર શેની. અલ્લાહને તાબે થઈ જા. એની ઇબાદત અને બંદગીમાં લાગી જા. એ જ સહુથી મોટો બાદશાહ છે.

કિસ્સાનો સાર આ છે કે, માણસ એની આસપાસની દુનિયામાં એવો ખોવાય જાય છે કે અલ્લાહની નેઅમતો અને એહસાનો એને યાદ જ નથી આવતાં. નેઅમત અને માલદારી હોય તો અભિમાની થઈને ખુદાને ભૂલી જાય છે અને મુસીબતમાં હોય તો માલ રાહત મેળવવાની દોડમાં પડીને ખુદાને ભૂલી જાય છે. દરેક સ્થિતિમાં ખુદા યાદ રહે, પછી જુએ કે જીવનની શી મજા છે.


છેલ્લા પાને.....



સારો મિત્ર

વધારે ભૂલો શોધનાર અને વધારે ટીકા કરનાર મિત્ર જ માણસનો સૌથી વધારે શ્રેષ્ઠ મિત્ર છે.

ચાર કામો

ચાર કામોથી રોઝી વધે છે : તહજ્જુદની નમાઝ, સવારે ઈસ્તેગ્ફાર, સદકહની આદત અને સવાર સાંજનું ઝિક્ર. અને ચાર કામોથી રોઝી ઘટે છે : સવારની ઊંઘ, નમાઝ છોડવી, સુસ્તી આળસ અને ખયાનત.

મર્દાનગી

માણસની મર્દાનગી ત્રણ બાબતોમાં પ્રગટ થાય છે : ગરીબી છુપાવવી. એટલે સુધી કે લોકો એને માલદાર સમજે. ગુસ્સો – નારાજગી દબાવી રાખવાં, એટલે સુધી કે લોકો એમ સમજે કે તે ખુશ છે. પરેશાની છુપાવવી, એટલી બધી કે લોકો એને ખુશ – સમૃદ્ધ સમજે.

બેવકૂફ લોકો

દીનદારી અને શરીઅતના અનુસરણ બાબતે ટીકા કરનાર લોકો બેવકૂફ હોય છે.

પાછળ ચાલો

પાછળ ચાલતો માણસ વધુ પડતો કોઈના રસ્તે ચાલતો હોય છે. એટલે ગુમરાહ થવાની શકયતા ઓછી હોય છે. અને આગળ દોડતો માણસ પોતે રસ્તો કાઢતો હોય છે, એટલે ગુમરાહીની શકયતા વધારે છે. માટે પાછળ રહો અને કોને અનુસરતા રહો.

લાંબી રાતો અને લાંબી જિંદગી

લાંબી રાતોને ઊંધી ઊંઘીને ટુંકી ન કરી નાંખો, એમાં કંઈક ઇબાદત કરી લ્યો. અને લાંબી જિંદગીને ગુનાહો વડે ખરાબ ન કરો. એને નેકીઓ કરીને શણગારી લ્યો.

બહાના ન કાઢો.

જે માણસને બહાના બનાવતા આવડે એને બીજું કંઈ આવડતું ન હશે. 

એક નવો માણસ તૈયાર કરો

પોતાના માંહે એક એવો માણસ તૈયાર કરો જે બીજા લોકોની મદદ સહાય માટે જીવતો હોય અને અન્યોની ફિકર કરતો હોય.

જરૂરત વગરની ટીકા

ગમે તે માણસમાં કંઈક તો કમઝોરી હશે જ, માટે જરૂરત વગરની ટીકાથી બચો. જરૂરત વગરની ટીકા, સૌથી પહેલાં નિખાલસ સંબંધોને બરબાદ કરે છે.

કુરઆન

કુરઆન હિદાયત છે, પરહેઝગાર અને નેક લોકો માટે પણ અને ગુનેગાર -કાફિર લોકો માટે પણ.

નેકી કયારે મળે ?

પસંદની વસ્તુની કુરબાની આપવાનું નામ જ નેકી છે. કચરો તો એમેય લોકો બહાર ફેંકતા જ હોય છે.


Occasional Discourse on the Celebration of Independence Day

in Maulana Madani Memorial High School- Jambusar 


By Mr. Mustaqali Syed Sahib

The Principal of Jamiah English Medium School

I would like to welcome the President of our organization Mufti Ahmed sahab, Molana Arshad sahab, honorable Principal Basir sir. I also want to honor our staff, children, guests and people among us.

We gathered here to pay tribute to those who fought tirelessly and fearlessly to shaped the destiny of entire country with wisdom and vision. It is important to reflect on who shaped the Indian dream and how.

India has stood as a beacon to the world with his glorious culture and tradition. Every revolution has its huge effects and after Indian revolution the whole world inspired by India.

Independence of India opens a door to new journey across a world as a nonviolence revolution. So many freedom fighters sacrifice their lives in honor of country, even more than 500 ulama e kiram hanged for raising their voices against Britishers. The huge contribution was made by Indian Muslims during this revolution. I would like to highlight the most inspiring personality all time named, Syed Fazlul hasan, which was known by their Pen name, Molana Hasrat Mohani.

He was the first man who gave the slogan and concept of "COMPLETE INDEPENDENCE" means "PURN SWARAJ" in 1920 and this slogan was firstly used by Shahid Bhagat Singh on the first train robbery. Molana Hasrat Mohani was started work as an editor of Urdu Magazine. His articles were spreading awareness to the people. He was jailed so many times by British Government. Even he was against the partition of India, therefore he resigned form Muslim league.

Being a, Muslim we should remember and spread awareness about sacrifice of our forefathers. Their perspectives their ambitions are still inspiring us. An event held in Qatar which is Fifa world cup 2022, was very successful and unforgettable over a decade.

Morgan Freeman asked to a boy who recited Quran in opening ceremony that, "how can so many countries, their culture and languages come together if only one way to accepted?" then a boy who only have a half body replied, "we were raised to believe that we were scattered on this earth as nation and tribe, so we can learn from each other and find beauty in our differences." Then Morgan Freeman smiled and replied, I can see in what unites us here in this moment is so much greater than what divides us. It is the result of legacy build up by our forefathers.

In this modern era, we want to remember victories done by our elders and should be stand with courage and ambition. The great poet Allama Iqbal said: "Aye sarzameen e undlas yaad hai tuje tha teri daliyon pe kabhi Aashiyan hamara, Chino Arab hamara, Hindustan hamara, Muslim hai ham vatan hai sara jahan hamara. Wish you a very happy independence to everyone.