અલ બલાગ : ઓક્ટોબર-2023

તંત્રી સ્થાનેથી

હઝ. મવ. ઇકબાલ સાહેબ ખાનપુરી રહ.ની વફાત

પ્રત્યેક વ્યકિત સાથે તેનો પરિવાર હોય છે અને દરેક વ્યકિત પરિવારના સહયોગથી જ આગળ વધે અને તરકકીની મંઝીલોની સફર ખેડે છે,દરેક સંસ્થાનું પણ પોતાનું એક પરિવાર હોય છે, જેનું એક જરૂરી અંગ તેની મેનેજમેન્ટ બોડી, કર્મચારીવર્ગ અને ઓફિસ સ્ટાફ છે, સંસ્થાની સ્થિરતા અને ઉન્નતિ તેઓના સહકાર પર આધારીત હોય છે,જો કોઈ સંસ્થાને પ્રમાણિક, કર્મચારી, ધગશથી કામ કરનાર મહેનતી અને નિખાલસ કાર્યકર્તા મળી જાય, તો તે સંસ્થા પોતાના નિયત હેતુઓમાં કામ્યાબ થાય છે.

આરંભ કાળથી જ જામિઅહ,જંબૂસરનું સૌભાગ્ય રહયું છે કે તેને શરૂઆતથીજ બુર્ઝગોની સરપરસ્તી મળી અને સાથે જ પ્રમાણિક,ખંતથી કામ કરનાર, અમાનતદાર અસાતિઝહ અને ઓફિસ સ્ટાફ મળયો, જેઓએ જામિઅહ પરિવારથી જોડાયા બાદ પોતાનો એક માત્ર હેતુ બનાવયો, અને તે છે જામિઅહ-જંબૂસર.......

જામિઅહ પરિવારને અલ્લાહ તઆલા તરફથી નેઅમતોના સ્વરૂપમાં અર્પણ થયેલ ખંત અને મહેનતથી ખિદમત કરનાર મુખલિસ કાર્યકરોમાં એક હઝરત મવલાના ઈકબાલ બિન ઈસા ખાનપૂરી (રહ.)હતા,જેઓ મારા મદરસા અરબિય્યહ તઅલીમુલ મુસ્લિમીન, લુણાવાડાના સાથી હતા, મવલાના (રહ.) ભાડાના મકાનમાં શરૂ કરવામાં આવેલ જામિઅહ,જંબૂસરથી તેના આરંભના બીજા વર્ષે સંકળાયા અને જામિઅહ પરિવારના અહમ સદસ્ય બન્યા, વફાદારી પુર્વક જામિઅહની વિવિધલક્ષી ખિદમતો-સેવાઓ કરતા કરતા તારીખઃ ૧૩/સપ્ટેમ્બર/૨૦૨૩- બુધવારના રોજ આશરે સવારના ૧૧:૦૦ વાગ્યે પોતાના જીવનની સમય મર્યાદા પુરી કરી દુનિયાથી આખિરતનું લાંબા અને હમેંશાના સફર પર રવાના થઈ ગયા.

કોઈએ કહયુ છે અને સાચુ કહયુ છેઃ

فقد الأحباب سقم الألباب

એટલે કે નજીક અને નિકટના સંબંધ રાખનાર સાથીઓનું દૂર થવું તંદુરસ્ત અને સમજદાર વ્યકિતને બેચેન કરી જાય છે,બિમારીમાં સપડાવી દે છે, વિષેશરૂપે એવા સાથી જે સાચે જ સાથી છે અને આપણા જામિઅહના મહત્વના સદસ્ય છે, જે અહકરના દરેક મિશન,કાર્ય,ખાસ કરી જામિઅહની ઉન્નતીમાં મોટો ભોગ આપનાર સાથીનું જુદા થવું ખૂબજ આઘાતજનક અને દુખદાયક છે, પરંતુ અલ્લાહનો ફેસલો છે અને તેના ફેસલા સામે આપણે સૌ નિઃસહાય છે.ઈન્ના લિલ્લાહી વ ઈન્ના ઈલયહી રાજિઉન...ઈન્ના લિલ્લાહી વ ઈન્ના ઈલયહી રાજિઉન......

આપ (રહ.)પઢવાના જમાનાથી જ ખુલૂસ, લિલ્લાહિય્યત, નમ્રતા, સાદગી, અડગતા,તવકકુલ, કાર્યકુશળતા, સેવાભાવી, ગીબત તેમજ ફુજુલ વાતોથી પરહેઝ કરનાર, દરેક નાના-મોટાનું સન્માન અને મર્યાદા જાળવનાર, ઝિક્ર અઝકારના પાબંદ, પરહેઝગારી તથા ઈલ્મી શોખ જેવી અનેક ખુબીઓના માલિક હતા.

આપ(રહ.)એ સંપુર્ણ જીવન ઈલ્મી, દીની,મિલ્લી,કોમી ખિદમત માટે સમર્પિત કર્યું હતું. દારૂલ ઉલૂમ-ફલાહે દારૈન તડકેશ્વરમાં ચોટીના ઉલમાની છત્રછાયામાં ઈલ્મ પ્રાપ્ત કર્યા બાદ દારૂલ ઉલૂમ દેવબંદમાં એક વર્ષ તાલીમ હાસિલ કરી હતી, ઈલ્મી સફર પુરો કર્યા બાદ આપ(રહ.)કોલવણા, ઈસ્લામપૂરમાં મકતબની તાલીમ સાથે જોડાયા હતા,તે પછી મદરસા અરબિય્યહ તઅલીમુલ મુસ્લિમીન-લુણાવાડામાં આપ(રહ.)આલિમિય્યતના મુદર્રીસ તરીકે નિમણુક પામ્યા અને સાથેજ નાઝિમની પણ જવાબદારી સંભાળતા હતાં, મદરસામાં વિવિધ બાંધકામ-તઅમીરી કામોની દેખરેખ કરતા અને બાંધકામના કામોમાં પોતાના આગવી આવડતને ઉપયોગમાં લઈ બાંધકામ વ્યવસ્થિત અને સુંદર થાય તેની ફિકર કરતા, અને નિગરાની કરતા કરતા આપ માહિર ઈજનેર હોય તેમ છાપ ઉભી કરી દીધી હતી, આજ કારણે એન્જીનિયર અને બાંધકામ કરનારાઓનું માર્ગદર્શન આપતા અને ખંતથી મદરસાની સેવા કરતાં,આપની ઈલ્મી સલાહિય્યતથી તો વાકેફ હતો જ મવલાનાના આ બધા કામો જોઈ બીજી સલાહિય્યતો અને કાબિલીય્યતોથી પણ વાકેફ થયો.

સન. ૧૯૮૮માં એક ભાડાના મકાનમાં જયારે અલ્લાહ તઆલાની તવફીકથી, અલ્લાહ તઆલા ૫૨ ભરોસો કરતા મુખલિસ અસાતિઝહ અને ઈલાકાના રબ્બાની સિફત બુઝુર્ગોની દુઆ અને સલાહથી દારૂલ- કુર્આન,જંબૂસર નામી મદરસાની શરૂઆત કરવામાં આવી,જે આજે જામિઅહ ઉલૂમુલ કુર્આન,જંબૂસરના નામથી એક વિશાળ ઈલ્મી, દીની, સમાજી સેવાઓના મરકજના રૂપમાં ફેરવાય ગયો છે, સન.૧૯૮૮માં જામિઅહની સ્થાપના બાદ સન. ૧૯૮૯માં નાચિઝે મરહૂમ મવલાના ઈકબાલ સાહબ ખાનપૂરી(રહ.)ને જામિઅહના મુહતમિમ પદ માટે આગ્રહ કરી અહિંયા પધારવા માટે વિનંતી કરી હતી, મવલાનાએ મારી દરખ્વાસ્તને મંજુર રાખી, પરંતુ મુહતમીમ પદને સ્વીકારવાથી મઅજિરત કરી, તો પછી એક નાઝિમ અને મુદર્રિસની હેસીયતથી પધારવા માટે મે સહમત કર્યા અને આ રીતે હઝરત મવલાના જામિઅહના નાઝિમ બની જંબૂસર પધાર્યા અને જામિઅહની શુરાના હેતુઓ અને આયોજનો મુજબ એક ખૂબસુરત અને સુંદર બાગરૂપી જામિઅહ બનાવવામાં વર્ણન પાત્ર અને ભૂલી ન શકાય તેવું બલિદાન આપ્યું, જામિઅહમાં અમૂક ઈમારતો છોડી જે કંઈ ઈમારતો તૈયાર થઈ છે, તથા ભવ્ય અને ખૂબસુરત મસ્જિદની તામીર મવલાનાએ પોતાની આગવી સોચ,શૈલીથી નકકી કરેલ રૂપરેખા પર આધારિત છે અને આભારી પણ છે,મવલાના વ્યવસ્થાકિય નિઝામને પણ સંભાળતા, ઈજનેર બનીને તા”મીરાતની દેખરેખ કરતા, એક ખઝાનચી તરીકે હિસાબો પર નઝર રાખતા, અમાનતોની હિફાજત કરતા અને એક મુદ્દત પછી જયારે તાલીમીકાર્યથી જોડાવવાની જીજ્ઞાસા જાગી,તો પઢાવવાની ઈચ્છા વ્યકત કરી, તેઓની ઈચ્છાને માન આપી, મદરસાએ મવલાના(રહ.)ને તદરીસ અર્થે કિતાબો સોપવામાં આવી, મવલાના(રહ.)એ કિતાબોની જવાબદારી પણ અદા કરી અને મિશ્કાત શરીફ,તરજુમએ કલામ પાક, રિયાઝુસ્સાલિહીન, ગુલિસ્તાં, બોસ્તાં વિગેરે કિતાબો મહેનતથી પઢાવી.

મવલાના રહ.મદરસાલક્ષી મહામુલ્ય જવાબદારીઓને ખંતપુર્વક નિભાવવું,તેને અગ્રીમતા આપવું,મદરસા તરફથી સુપ્રત કરવામાં આવેલ કામોને બજાવી લાવવું,મદરસાના વફાદાર રહેવું, મદરસાના સમયની પાબંદી કરવું અને જરૂરતના સમયે જામિઅહની સેવા અર્થે એકસ્ટ્રા સમય ફાળવવું વિગેરે જેવી મહત્વની ખૂબીઓ વર્ણનપાત્ર છે.

આપ(રહ.)ઘણા જ અમાનતદાર અને હિસાબ-કિતાબમાં ચોખ્ખા વ્યકિત હતાં,દેશ-વિદેશમાં વસતા જામિઅહના મુહસિનો અને અન્ય લોકો આપ(રહ.) પર ભરોસો કરી પોતાના મોટા-મોટા હિસાબો આપના હવાલે કરતા, આપના થકી પોતાના પ્રાઈવેટ ખૈરના કાર્યો કરાવતા,મવલાના (રહ.) ઘણી પ્રમાણિકતાથી તેને પુરૂ કરતા.

આપનું જીવન સાદગીભર્યું હતું, ઓછાબોલા હતા,જરૂરત મુજબ બોલવું આપની તબીઅત હતી, સોચી અને તોલીને હિકમતભરી અને કામની વાતો કરતા.

સમયના સદઉપયોગ કરવાની આદત હમેશાં સુધી રહી,છેલ્લી વયે પણ બિમારીઓ અને કમજોરીઓ હોવાં છતાં આપ મદરસામાં પધારી વિવિધ કિતાબોના લેખન-વાંચનમાં વ્યસ્ત અને પરોવાયલા રહેતાં, છેલ્લા થોડાક મહિના પહેલા બિમારીની અવસ્થામાં પણ આપે અહમ લેખિત કાર્યો કર્યા, ગતવર્ષે આપ(રહ.)ને નાચિજે એક ઉર્દુ કિતાબ”દોરએ હાઝિર કા અઝીમ ફિતના”આપી ગુજરાતીમાં અનુવાદ કરવા વિનંતી કરી હતી,તો આપે થોડાક દિવસોમાં તેનું ઘણુ જ સારૂ ગુજરાતી અનુવાદ કરી આપ્યું હતું જે જામિઅહના પ્રકાશન વિભાગથી “વર્તમાન યુગનો મોટો ફિતનો-સ્માર્ટ ફોન”ના નામથી પ્રકાશિત થઈ છે, ત્યાર બાદ આપ(રહ.)એ ઈસ્લામી અકાઈદ-માન્યતાઓ વિશે લખેલ કિતાબ”અકીદતુ-તહાવી”નું આસાન સ્પષ્ટીકરણ અને વિવરણ ઉર્દુ ભાષામાં લખ્યું,અફસોસ!તેના પ્રકાશન અને પ્રસિદ્ધ થતાં પહેલાં જ અમલ અને કામની દુનિયા છોડી કરેલ સદકર્મોનો બદલો અને ઈનામ લેવા આખિરતના સફર પર રવાના થઈ ગયાં.

આપ(રહ.)ની ચાહત હતી કે અકિદતુ-તહાવિય્યની લખેલ આસાન ઉર્દૂ શરહનું પ્રકાશન જોઈ અલ્લાહ તઆલાની રૂબરૂ હાજરી આપે,તે માટે આપે લખેલ કાચી કિતાબ તૈયાર કરી હતી અને તેના જલદી પ્રકાશનો માટે વ્યાકુળ હતા, પરંતુ તેમાં પ્રુફરિડીંગ બાકી હોવાના લઈ પ્રકાશનમાં મોડુ થયું અને તે પહેલાં જ આપ(રહ.)ખતમ થનાર દુનિયામાં તેમની યાદો છોડી આખિરતના સફર પર રવાના થઈ ગયા, સત્ય છે કે માણસનું જીવન જે કાર્યો, ફિકરોમાં ગુજરે છે વફાત પણ તે જ કાર્યો, ફિકરો સાથે આવે છે,આપ રહ.ને અંતિમ પળોમાં પણ ઉપરોકત કિતાબના પ્રકાશનની ફિકર હતી,પરંતુ નિર્ધારિત સમય આવી પહોંચતા આ ઉમ્મીદ પુરી ન થઈ, ઘણાં અલ્લાહના મકબૂલ બંદાઓ છે કે તેઓની આવી હાલતમાં જ વફાત થઈ,જેમ કે શામના મશહૂર આલિમ અને મુહદ્દિસ હઝરત મવલાના શૈખ અબ્દુલ ફત્તાહ અબૂ ગુદ્દહ (રહ.)પણ મરણ પથારીમાં તેમણે લખેલ અમૂક કિતાબોના પ્રકાશનની ચિંતામાં જ હતા અને વફાત પામ્યા, સાચું કહે તો આ ઘણી સારી અને ઉમ્મીદ આપનાર હાલતમાં અલ્લાહ તઆલાના દરબારમાં હાજરીની નિશાની છે અને આને ખાતિમહ બિલ-ખૈર કહી શકાય કે છેવટ સુધી દીની કાર્યો અને ફિકરમાં રહે અને તે જ હાલતમાં અલ્લાહ તઆલાના દરબારમાં હાજર થાય, આપે તો પોતાના જીવનનું છેલ્લુ કાર્ય ઈસ્લામી અકિદહ અને માન્યતાઓનું વિવરણ કરવાનું કર્યું,જેથી યકીન રાખી શકાય છે કે આપ કામિલ ઈમાન લઈ અલ્લાહ તઆલા સમક્ષ હાજર થયા.જલ્દી જ આ કિતાબ જામિઅહના પ્રકાશન વિભાગથી પ્રકાશિત થશે, (ઈન્શા અલ્લાહ)આ સિવાય આપે ઘણી કિતાબો લખી છે,જે તમામ જામિઅહના પ્રકાશન વિભાગથી પ્રસિદ્ધ અને પ્રકાશિત થઈ છે, વિશેષરૂપે આપની વિશ્ર પ્રસિધ્ધ કિતાબ”હજ અને ઉમરાહ ફલાહીના હમરાહ”છે,જે સૌપ્રથમ ગુજરાતી ભાષામાં લખી હતી,હજ અને ઉમરાહ કરવા જનાર લોકોએ ખૂબ પસંદ કરી હજનું ભાથું આ કિતાબને બનાવી લીધુ, જેમાં આપે આંગણી પકડી હજ કરવાતા હોય તેમ દરેક વાત સિખવી અને સમજાવી છે, તેના લઈ ઘણાં લોકોએ મને અને મરહૂમ મવલાના(રહ.)ને તેનું ઉર્દૂ કરવા માટે આગ્રહ કર્યો,આપે તેને કબૂલ કરી ઉર્દૂમાં લખી અને ત્યાર બાદ અંગ્રેજી અને હિન્દી ભાષામાં પણ પસિદ્ધ કરવામાં આવેલ છે, જેના લઈ વિશ્રપ્રસિધ્ધ કહેવું ખોટું ન કહી શકાય અને આ કિતાબ આપ માટે ઝખિરએ- આખિરત અને ભાથુ બનશે.ઈન્શા અલ્લાહ

આપની ચીર વિદાય અને જુદાઈ ખરેખર જામિઅહ અને જામિઅહ પરિવાર માટે રંજ-ગમ અને અફસોસનું નિમિત્ત છે, પરંતુ નબિએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમનું ફરમાન આપણા માટે તસલ્લીદાયક અને શાતાદાયક છેઃ

ان لله ما أخذ وله ما أعطى وكل شيء عنده بأجل مسمى فلتصبر ولتحتسب

બેશક, અલ્લાહનું જ હતું જે કંઈ તેણે લઈ લીધું અને તેણે જ અર્પણ કરેલ હતું,તેને ત્યાં દરેક વસ્તુનો સમય નિયુકત છે, જેથી સબ્ર કરી સવાબની ઉમ્મીદ રાખો. (બુખારી શરીફ: ૧૨૮૪)

અલ્લાહ તઆલા મરહૂમની કરવટ-કરવટ મગફિરત ફરમાવે,જન્નતુલ ફિરદૌસ અતા ફરમાવે, આપની દરેક પ્રકારની ખિદમતો કબૂલ કરી બુલંદ અને ઉંચા દરજાતની પ્રાપ્તીનો સબબ બનાવે,આપના ઈલ્મ અને કિતાબોથી વધુમાં વધુ લોકોને ફાયદો ઉઠાવવાની તવફીક આપે, પસમાંદગાનને સબ્રે જમીલ અતા ફરમાવે,પરિવારજનો અને જામિઅહને આપની મોજુદગીમાં જે ખૈરો બરકત પ્રાપ્ત હતી તે તમામ ખૈરો બરકતનો સિલસિલો જારી રાખે,જામિઅહને આપનો નેઅમુલ-બલદ અતા ફરમાવે.આમીન યા રબ્બલ આલમીન.

મર્હુમના હકમાં યથાશકતી દુઆએ મગફિરત અને ઈસાલે સવાબની વાચનવર્ગને ખુસૂસી વિનંતી

મુસાફરીમાં નમાઝ કસર (અડધી) પઢવાની સહૂલત


મુફતી ફરીદ અહમદ કાવી. 

وَاِذَا ضَرَبۡتُمۡ فِى الۡاَرۡضِ فَلَيۡسَ عَلَيۡكُمۡ جُنَاحٌ اَنۡ تَقۡصُرُوۡا مِنَ الصَّلٰوةِ ​ۖ  اِنۡ خِفۡتُمۡ اَنۡ يَّفۡتِنَكُمُ الَّذِيۡنَ كَفَرُوۡا​ ؕ اِنَّ الۡـكٰفِرِيۡنَ كَانُوۡا لَـكُمۡ عَدُوًّا مُّبِيۡنًا‏ ﴿١٠١﴾

તરજમહ : અને (હે મુસ્લિમો !) જ્યારે તમે જમીન ઉપર સફર કરો ત્યારે નમાઝ (ની રકાતો)માંથી કમી કરવામાં તમારા ઉપર કંઈ ગુનાહ નથી, આ શરતે કે તમને (શત્રુ) કાફિરો તરફથી સતામણીની બીક હોય. બેશક, કાફિરો તમારા ખુલ્લા દુશ્મન છે. (૧૦૧)

ઉપરની આયતોમાં જિહાદ અને દુશ્મનો સામે લડવાનો હુકમ હતો. અને લડાઈઓમાં ઘણીવાર સફર પણ કરવો પડે છે, આવી સફરમાં સામાન્ય રીતે દુશ્મનની બીક હોય છે, અટલે સફરમાં પેશ આવતા દુશ્મનના ખતરના અનુસંધાને બે સહૂલતો આપવામાં આવી છે.

(૧) પહેલી સહૂલત આ છે કે નમાઝો ટુંકાવવાની ઈજાઝત આપવામાં આવી, એટલે કે ચાર રકાત વાળી નમાઝોમાં બે રકાત પઢવામાં આવે.

પહેલાં શરત હતી કે સફરમાં દુશ્મનનો ખોફ હોય તો જ નમાઝ ટુંકી પઢવામાં આવે. શાંતિ હોય અને કોઈ બીકનો માહોલ ન હોય તો આ સહૂલત ન હતી. પણ પાછળથી સફરની દરેક હાલત માટે આ સહૂલત કરી દેવામાં આવી. મુસ્લિમ શરીફમાં હઝ. ઉમર રદિ.ની હદીસ છે કે "મેં રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમને નમાઝ ટુંકાવવામાં શત્રુના ખોફની શરત બાબતે પૂછયું તો નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે ફરમાવ્યું કે શત્રુનો ખોફ ન હોય તો નમાઝ ટુંકી પઢવાની છે. અને આ અલ્લાહનું ઈનામ છે. એને કુબૂલ કરવુ જોઈએ." અલ્લાહનું ઇનામ કુબૂલ કરવાનો મતલબ છે કે સફરમાં નમાઝ ટુંકી પઢવી જ જરૂરી છે. કોઈ માણસ પુરી પઢવા ચાહે તો એ અલ્લાહના ઈનામને ઠુકરાવવા સમાન ગણાશે.

નોંધ : હદીસ શરીફ મુજબ ૪૮ માઇલ એટલે કે આજના ૭૮ કિ. અંતરની મુસાફરી 'શરઈ સફર' કહેવાય અને એનાથી ઓછી મુસાફરી હોય તો એ મુસાફરીમાં નમાઝ ટુંકાવવાની સહૂલત મળશે નહીં.

મઆરિફુલ હદીસ

હઝરત મવલાના મંઝૂર નોમાની (રહ.) 

અનુવાદ : મવલાના યાકૂબ બારીવાલા સા. રહ.  (બ્લેકબર્ન. યુ.કે.)

ભાગ નંબર: ૧૮૦

 મસ્જીદે નબવી સલ.ની બુઝુર્ગી અને ફઝીલત

 મસ્જીદે નબવી સલ. જેનો પાયો રસૂલુલ્લાહ સલ.એ હિજરત પછી મદીના તૈયબામાં નાંખ્યો, જેમાં આપ સલ.એ આખી જીંદગી નમાઝો પઢી, અને જે આપની બધી દીની કારકર્દીઓ તાલીમ, કેળવણી, હિદાયત, અને સુચનો, તેમ દઅવત અને જિહાદનું સેન્ટર બની રહી, અલ્લાહ તઆલાએ તેને પોતાના પવિત્ર ઘર કા'બા અને મસ્જીદે હરામ સિવાય દુનિયાની બધી ઈબાદત ગાહો પર ફઝીલત અને બુઝુર્ગી બક્ષી છે.

સહીહ હદીસોમાં છે કે ત્યાંની એક નમાઝનો સવાબ બીજી આમ મસ્જીદોની હજાર નમાઝોથી વધારે છે.

٢١٤) عَنْ أَبِي هُرَيْرَةَؓ قَالَ قَالَ رَسُولُ اللَّهِ ﷺ صَلوةٌ فِي مَسْجِدِى هَذَا خَيْرٌ مِنْ   أَلْفِ صَلاةٍ فِيمَا سِوَاهُ إِلَّا الْمَسْجِدِ الْحَرَامِ  (رواه البخاري ومسلم)

 તરજુમાઃ- હઝરત અબૂ હુરૈરહ રદિ.થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)એ ફરમાવ્યું: મારી આ મસ્જીદમાં (એટલે મદીના તૈયબાની મસ્જીદે નબવીમાં) એક નમાઝ બીજી મસ્જીદોની હજાર નમાઝોથી બેહતર છે. સિવાય મસ્જીદે હરામના. (બુખારી, મુસ્લિમ)

ખુલાસો :– આ હદીસમાં મસ્જીદે નબવી સલ.ની નમાઝ મક્કા મુકર્રમાની મસ્જીદે હરામ સિવાય બીજી બધી મસ્જીદોની હજાર નમાઝોથી બેહતર બતાવી છે. પરંતુ મસ્જીદે હરામની નમાઝના દરજાથી આ હદીસ ચુપ છે પરંતુ બીજી નીચે આવતી હદીસોમાં તેનો પણ ખુલાસો કરવામાં આવ્યો છે.

(٢١٥) عَنْ عَبْدِ اللهِ بْنِ الزُّبَيْرِ قَالَ قَالَ رَسُولُ اللَّهِ ﷺ صلاةٌ في مسجدِي هذا خيرٌ من ألفِ صلاةٍ في ما سواه إلا المسجدَ الحرامَ، وصلاةٌ في المسجدِ الحرامِ أفضلُ من مائةِ صلاةٍ في مسجدِي هذا - (رواه احمد)

તરજુમા:- હઝરત અબ્દુલ્લાહ બિન ઝુબૈર રદિ.થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)એ ફરમાવ્યું: મારી આ મસ્જીદમાં એક નમાઝ બીજી મસ્જીદોની હજાર નમાઝો કરતાં અફઝલ છે. સિવાય મસ્જીદે હરામના અને મસ્જીદે હરામની નમાઝ મારા આ મસ્જીદની સો નમાઝોથી અફઝલ છે.

ખુલાસો :– આ હદીસમાં એ વાત સ્પષ્ટ છે કે દુનિયાની બધી મસ્જીદોના મુકાબલામાં મસ્જીદે નબવી સલ.ની નમાઝનો સવાબ હજાર ઘણો, બલકે તેનાથી પણ થોડો વધારે છે. અને મસ્જીદે હરામની નમાઝ મસ્જીદે નબવીની નમાઝથી સો દરજે અફઝલ છે. એટલે બીજી મસ્જીદોના મુકાબલામાં મસ્જીદે હરામની નમાઝનો સવાબ એક લાખ ઘણો બલકે તેનાથી પણ કંઈક વધારે છે.

 (٢١٦)عَنْ أَنَسٍ قَالَ : قَالَ رَسُولُ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ : " مَنْ صَلَّى فِي مَسْجِدِي أَرْبَعِينَ صَلَاةً ، لَا تَفُوتُهُ صَلَاةٌ ، كُتِبَ لَهُ بَرَاءَةٌ مِنَ النَّارِ ، وَبَرَاءَةٌ مِنَ الْعَذَابِ ، وَبَرَاءَةٌ مِنَ النِّفَاقِ " (رواه احمد والطبرانى)

          તરજુમાઃ- હઝરત અનસ રદિ.થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)એ ફરમાવ્યું: જેણે મારી મસ્જીદમાં લગાતાર ૪૦ નમાઝો પઢી, એક નમાઝ પણ છુટવા ન પામી, તેના માટે દોઝખથી તેમ દરેક અઝાબથી અને નિફાકથી બરાઅત અને છુટકારો લખી દેવામાં આવશે.

ખુલાસો :- અમૂક અમલો અલ્લાહના ત્યાં ખાસ કબૂલિયત અને મેહબુબીયતના કારણે મોટા મોટા ફેંસલાઓનું કારણ બને છે. આ હદીસમાં મસ્જીદે નબવી સલ.માં લગાતાર ચાલીસ નમાઝો પઢવા પર ખુશખબરી આપવામાં આવી છે કે એવા માણસ વિષે અલ્લાહનું ફરમાન થઈ જશે કે તે બંદો નિફાકની નાપાકીથી બિલ્કુલ પવિત્ર છે, અને દોઝખ તેમ દરેક પ્રકારના અઝાબથી તેનો છુટકારો થઈ જશે.

(۲۱۷) عَنْ أَبِي هُرَيْرَۃَؓ قَالَ قَالَ رَسُولُ اللَّهِ ﷺ مَا بَيْنَ بَيْتِي وَمِنْبَرِى رَوْضَةٌ مِنْ رِيَاضِ الْجَنَّةِ وَمِنْبَرِى عَلَى حَوضِي - (رواه البخاري ومسلم)

તરજુમા:- હઝરત અબૂ હુરૈરહ રદિ.થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)એ ફરમાવ્યું: મારા ઘર અને મારા મિમ્બર વચ્ચેની જગ્યા જન્નતના બાગોમાંથી એક બાગ છે. અને મારો મિમ્બર મારી હોજે કૌસર પર છે. (બુખારી, મુસ્લિમ)

ખુલાસો :- મસ્જીદે નબવીમાં જે જગ્યા પર રસૂલુલ્લાહ સલ.નો મિમ્બર મુબારક હતો જેના પર બિરાજમાન થઈ આપ સલ. ખુત્બો આપતા હતા, (તે જગ્યા અત્યારે પણ નક્કી જ છે આપ સલ.એ ફરમાવ્યું કે મિમ્બરની તે જગ્યા અને આપ સલ.ના હુજરા શરીફ વચ્ચેનો જમીનનો ટુકડો અલ્લાહની ખાસ રહમતો અને મહેરબાનીઓની જગ્યા છે. જેના કારણે તે જન્નતના બાગોમાંથી એક બાગ સમાન છે. અને તે જગ્યા હકદાર છે કે અલ્લાહની રહમતો અને જન્નતના તલબગારોને તેની સાથે જન્નત જેવો લગાવ રહે. કહેવામાં આવે છે કે ખુદાનો જે બંદો ઈમાન-ઇપ્લાસ સાથે અલ્લાહની રહમત અને જન્નતનો તલબગાર બની આ જમીનના ટુકડામાં આવ્યો તે જેવો જન્નતના બાગમાં આવી ગયો અને આખિરતમાં તે પોતાને જન્નતના એક બાગમાં જ જોશે.

હદીસના અંતમાં આપ સલ.એ ફરમાવ્યું છે કે : મારો મિમ્બર મારી હોજ પર છે. એનો મતલબ સાફ છે કે આખિરતમાં હોજે કૌસર પર મારો મિમ્બર હશે, અને જેમ આ દુનિયામાં આ મિમ્બર પરથી અલ્લાહના બંદાઓને હિદાયત અને સુચનો પહોંચાડું છું અને સંદેશાઓ સંભળાવું છું. એ જ મુજબ આખિરતમાં તે મિમ્બરથી જે હોજે કૌસર પર મુકવામાં આવશે. તે ખુદાવંદી હિદાયતને કબૂલ કરનારાઓને રહમતના જામ (ગ્લાસ) પીવડાવીશ, બસ જે કોઈ કયામતના દિવસ માટે આબે કૌસરનો તલબગાર હોય તે આગળ વધી આ મિમ્બર પરથી આપવામાં આવતા સંદેશ અને સુચનોને કબૂલ કરે, અને આ જગતમાં તેને પોતાની આત્માનો ખોરાક બનાવે.

۲۱۸) عَنْ أَبِي سَعِيْدٍ قَالَ : قَالَ رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ : " لَا تُشَدُّ الرِّحَالُ إِلَّا لِثَلَاثَةِ مَسَاجِدَ : مَسْجِدِ الْحَرَامِ ، وَمَسْجِدِي هَذَا ، وَالْمَسْجِدِ الْأَقْصَى " (رواه البخاري ومسلم)

તરજુમાઃ- હઝરત અબૂ સઈદ ખુદરી રદિ.થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)એ ફરમાવ્યુંઃ દુનિયામાં ફકત ત્રણ મસ્જીદો છે તેમના સિવાય કોઈ મસ્જીદ માટે સફર કરવામાં ન આવે. મસ્જીદે હરામ, મસ્જીદે અકસા (બૈતુલમુકદ્દસ) અને મારી મસ્જીદ (મસ્જીદે નબવી)

ખુલાસો :- મતલબ એ છે કે એ બુઝુર્ગી અને ફઝીલત ફક્ત આ ત્રણ મસ્જીદોને પ્રાપ્ત છે કે તેમાં ઈબાદત કરવા માટે સફર કરવો જાઈઝ છે બલકે અલ્લાહ તઆલાની નજદીકી અને ખુશીનું કારણ છે. તે સિવાય કોઈ મસ્જીદને એ સ્થાન પ્રાપ્ત નથી બલકે તેમના માટે સફર કરવો મના છે.

જાહેર છે કે આ હદીસનો સંબંધ ફકત મસ્જીદો સાથે છે. અને બેશક આ હદીસના આધારે મસ્જીદે હરામ, અને મસ્જીદે નબવી, ત્થા મસ્જીદે અકસા સિવાય દુનિયાની કોઈ પણ મસ્જીદમાં ઈબાદત માટે સફર કરવો મના છે. પરંતુ બીજા જાઈઝ દીની અને દુનિયવી હેતુસર જેમકે વેપાર, દીન શીખવા, નેક લોકોના સંગ માટે, અને તબ્લીગ તેમ દઅવત વગેરે માટે સફર કરવાથી આ હદીસનો કોઈ સંબંધ નથી.

પવિત્ર રોઝા મુબારકની ઝિયારત

ભલે હુઝૂર સલ.ના રોઝા મુબારકની ઝિયારત હજનો કોઈ રૂકન કે ભાગ નથી પરંતુ જુના જમાનાથી ઉમ્મતનો એ રિવાજ ચાલ્યો આવે છે કે ખાસ કરી દૂર દેશોના મુસલમાનો જયારે હજમાં જાય છે તો રોઝએ પાકની ઝિયારત અને ત્યાં સલાતો સલામની સઆદત પણ જરૂર પ્રાપ્ત કરે છે. એટલે જ હદીસની ઘણી કિતાબોમાં "હજના ભાગ"ની છેવટે ઝિયારતે નબવી સલ.ની હદીસો પણ લખવામાં આવી છે. એ જ કાયદાનું અનુકરણ કરી "કિતાબુલહજ' ના આ સિલસિલાને અમે પણ ઝિયારતે નબવી સલ.ની હદીસો પર જ સમાપ્ત કરીશું.

(۲۱۹) عَنْ ابْنِ عُمَرَؓ قَالَ قَالَ رَسُولُ اللَّهِ ﷺ مَنْ حَجَّ فَزَارَ قَبْرِي بَعْدَ مَوْتِيْ كَانَ كَمَنْ زَارَنِي فِي حَيَاتِي ( رواه البيهقي في شعب الإيمان والطبراني في الكبير والأوسط)

તરજુમાઃ હઝરત અબ્દુલ્લાહ બિન ઉમર રદિ.થી રિવાયત છે કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે ફરમાવ્યું કેઃ જેણે હજ બાદ મારી કબરની ઝિયારત કરી મારા અવસાન પછી તો તે (આ સઆદત મેળવવામાં) તે લોકો માફક છે, જેમણે મારી હયાતીમાં મારી ઝિયારત કરી. (બૈહકી)

ખુલાસો :- રસૂલુલ્લાહ સલ.નું પોતાની કબર મુબારકમાં તેમ બધા નબીઓ અલૈ.નું તેમની કબરોમાં જીવંત હોવું બધી ઉમ્મતની સંયુકત માન્યતાઓમાંથી છે. ભલે હયાતનું રૂપ જુદુ હોય, અતે તેમાં વિરોધ છે. અને રિવાયતો તેમ ઉમ્મતના ખાસ લોકોના અનુભવોથી સાબિત થાય છે કે જે ઉમ્મતી કબર મુબારક પર હાજર થઈ સલામ અરજ કરે છે આપ સલ. તેની સલામ સાંભળે છે. અને જવાબ આપે છે. એવા રૂપમાં આપ સલ.ના અવસાન પછી આપની કબર મુબારક પર હાજરી આપી સલામ અરજ કરવી, એક પ્રકારની આપની સેવામાં હાજર થઈ રૂબરૂમાં સલામ કરવાનો લહાવો પ્રાપ્ત કરવાનું એક રૂપ છે. અને બેશક એવી સઆદત છે કે ઈમાન વાળાઓ કોઈ પણ કિંમતે તે મેળવવાની કોશીશ કરે.

(۲۲۰) عَنْ اِبْنَ عُمَرَؓ قَالَ قَالَ رَسُولُ اللَّهِ ﷺ مَنْ زَارَ قَبْرِي وَجَبَتُ لَهُ شَفَاعَتِي

(رواه ابن خزيمة في صحيحه والدارقطني والبيهقي) 

તરજુમાઃ- હઝરત અબ્દુલ્લાહ બિન ઉમર રદિ.થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)એ ફરમાવ્યું: જેણે મારી કબરની ઝિયારત કરી તેના માટે મારી શફાઅત વાજિબ થઈ ગઈ. (ઈબ્ને ખુઝૈમા, દારે કુત્ની, બૈહકી)

ખુલાસો :- આ બાબત મઆરિફુલ હદીસના પહેલા ભાગમાં તે હદીસો લખાઈ ચુકી છે. જેમા ફરમાવવામાં આવ્યું છે કે જયાં સુધી એક ઉમ્મતીને રસૂલુલ્લાહ સલ.ની મહોબ્બત અલ્લાહ તઆલા સિવાય દુનિયાની દરેક વસ્તુથી (એટલે સુધી કે માં-બાપ, બાલ-બચ્ચાં, અને પોતે પોતાની જાતથી પણ) વધારે ન હોય ત્યાં સુધી તેને ઈમાનની હકીકત અને તેની મજા પ્રાપ્ત થતી નથી. અને રોઝાએ અકદસ સલ.ની ઝિયારત બેશક એ મહોબ્બતનો જરૂરી તકાજામાંથી છે જેનું એ અમલી રૂપ છે. એક અરબી કવી એ કહ્યું છે.

أمر على الديار ديار ليلى   اقبل ذا الجدار وذا الجدارا

وما حب الديار شغفن قلبي  ولكن حب سكن الديارا 

અર્થાત :- હું જયારે મારી મેહબુબા લૈલાની વસ્તીમાંથી પસાર થાઉ છું તો કોઈકવાર આ ભીંતને ચુમું છું તો કોઈકવાર તે ભીંતને અને ખરેખર એ વસ્તીના ઘરોની મહોબ્બત મારા દિલને પાગલ નથી બનાવ્યું પણ હું તો એ વસ્તીમાં વસનાર મેહબુબ પર ફીદા છું.

તે સિવાય ઝિયારત કરનારના દિલની જે કેફિયત ઝિયારત વખતે હોય છે અને નબી સલ.ના પડોશની બરકતોથી ઈમાની વાયદો નવુ રૂપ ધારણ કરી રહ્યો છે. તેમ ગુનાહો પર શરમાવવું, પસ્તાવવું, અલ્લાહ તરફ રૂજૂઅ કરવું, તોબા, ઈસ્તીફારની જે લહેરો તે સમયે તેના દિલમાં ઉત્પન્ન થાય છે. અને નબવી મહોબ્બતના જઝબાઓ જે મોજો મારે છે તેમ મહોબ્બત અને શરમીંદગીના મિશ્રણથી આંખોમાંથી જે આંસુઓની ધારા વહે છે. તેમાંથી દરેક વસ્તુ એવી છે જે નબવી શફાઅત બલકે ખુદાવંદી બખ્શીશ વાજિબ કરી દે છે. જેથી તેમાં કોઈને પણ શંકા અને શકની આવશ્યકતા નથી કે રોઝએ અકદસ સલ.ના દરેક ઈમાન ધરાવતા ઝિયારત કરનારને ઇન્શા અલ્લાહ જરૂર નબવી શફાઅત પ્રાપ્ત થશે.

હા, જો ફુટી કિસ્મતથી કોઈ ઝિયારત કરનાર એવો છે જેના દિલને આ કેફીયત અને જોશમાંથી કંઈ પણ નસીબ થતું નથી તો સમજી લો કે તેનું દિલ ઈમાનની દોલતથી ખાલી છે. પછી તેની ઝિયારત ખરી ઝિયારત નથી ફકત ઝિયારતનું રૂપ છે. અને અલ્લાહ તઆલા અને તેના રસૂલ સલ.ના ત્યાં કોઈ અમલનું ખાલી રૂપ ભરોષ પાત્ર નથી.

રસૂલલ્લાહ સલ.ની કબર મુબારકની ઝિયારતના જે ફાયદાઓ બરકતો, અને મસ્લેહતોનું ઉપર વર્ણન થયું તેને નજર સમક્ષ રાખી જો એ હદીસ પર મનન કરવામાં આવે જે ઝિયારતની પ્રેરણામાં રિવાયત કરવામાં આવી છે. તો ભલે સનદના આધારે તેના પર ટીકા ટીપ્પણ કરવામાં આવે, પરંતુ માનવી આધારે તે દીનની ફીકરી અને અમલી વ્યવસ્થા સાથે બિલ્કુલ બંધાયલી અને એક સમાન જણાશે અને સાફ દિમાગના લોકો તેનાથી શાંત થઈ જશે, કે કબર મુબારકની ઝિયારત કબર વાળા સલ.ની જાત મુબારક સાથે ઈમાની સંબંધ અને મહોબ્બત તેમ ઈઝઝતમાં વધારો તેમ દીની પ્રગતિનો ખાસ વસીલો છે. યકીન છે કે દરેક ખુશનસીબ ઈમાનવાળા બંદાઓ જેઓને અલ્લાહ તઆલાએ ઝિયારતની સઆદતથી માલા માલ કર્યા છે. તેની ગવાહી આપી શકશે.

રોઝએ અકદસ સલ.ની ઝિયારતના અદબો નાચીઝ વિગત વાર મારી કિતાબ 'તમો હજ કેવી રીતે કરશો ?" માં લખી ચુકયો છું, વાંચકોની ભલામણ છે કે તેઓ તેને જરૂર વાંચે. ઈન્શા અલ્લાહ ઘણી રૂહાની મજા મળશે.

 فللہ الحمد و على رسوله الصلاة والسلام .

અકાઇદમાં ઇખ્તેલાફ કરવો ગુમરાહી છે.

હઝરત અકદસ શૈખુલ હદીસ મવલાના ઝકરિયા રહ.ની કિતાબ 'ઇસ્લામી સિયાસત'નો ક્રમશ અનુવાદ મુફતી ફરીદ અહમદ કાવી.

અલ્લામહ ઝુરકાની એમની કિતાબ શહેં મવાહિબમાં લખે છે કે આ ઉમ્મત અગર ઇખ્તેલાફ કરે એવી બાબતોમાં જેમાં ઇજતેહાદની ગુંજાઇશ છે, તો એ રહમત છે, અને મોટી નેઅમત છે, મહાન ફઝીલતવાળી બાબત છે. ઉમ્મત માટે વિશાળતાનો સબબ છે. અને ઇખ્તેલાફ થકી સામે આવનાર વિવિધ કથનો વિવિધ શરીઅતોની જેમ ગણાશે.જાણે નબીએ કરીમ સલ્લ્લાહ અલયહિ વ સલ્લમ એ બધા મજમૂઆને લઈને આવ્યા હોય એમ ગણાશે. એટલે જ હઝરાતે સહાબા રદિ. અને એમના પછીના ઉલમાએ કિરામે નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમના કાર્યો અને કથનોના આધારે જે હુકમો ઇજતેહાદ થકી પુરવાર કર્યા છે, તે બધા હુકમો ઈમામોના દરમિયાન વિરોધાભાસી હોય છતાં વિવિધ શરીઅતોની જેમ ગણાશે, અને આ પણ નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમનો એક મુઅઝિજહ છે. એટલે જેમ આગલી બધી શરીઅતો વિરોધાભાસ છતાં અલ્લાહે ઉતારેલ સાચા હુકમો છે, એ જ પ્રમાણે ઇમામો અને સહાબાના ઇજતેહાદમાં વિરોધાભાસ હોય છતાં બધું સાચું અને અલ્લાહના જ હુકમો ગણાશે.

પરંતુ અકાઇદમાં ઇખ્તેલાફ કરવો ગુમરાહી છે. અને અહલે સુન્નત વલ જમાઅતનો અકીદો જ સાચો અકીદો છે. હદીસમાં જે ઇખ્તેલાફ વિશે રહમત હોવાનું કહેવામાં આવ્યું છે એ બુનિયાદી ન હોય એવા હુકમો બાબતેનો ઇખ્તેલાફ મુરાદ છે. અને જે વિરોધાભાસ—ઈખ્તેલાફની મનાઈ છે, એનાથી મુરાદ ઉસૂલ અને બુનિયાદી બાબતોમાં ઇખ્તેલાફની મનાઈ અને બુરાઈ મુરાદ છે. અલ્લામહ સુબ્કી રહ. ફરમાવે છે કે આ બાબતે કોઈ શક નથી કે ઉસૂલ અને બુનિયાદી બાબતોમાં ઇખ્તેલાફ કરવો ગુમરાહી છે. અને ઘણા બધા ફસાદનો સબબ છે. ઉદાહરણ તરીકે 'તકદીર'નો બુનિયાદી અકીદો છે, શરીઅત થકી એમાં બહસ — ચર્ચા કરવાની મનાઈ કરવામાં આવી છે. એમાં ઇન્કાર કરવા કે એમાં વિરોધ કરવા પર હદીસોમાં એટલી ભારે વઈદો અને ધમકીઓ આવી છે કે અલ્લાહની પનાહ. નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમનો ઇરશાદ છે કે તકદીરનો ઈન્કાર કરનાર કદરીયા ફિરકાના લોકો મારી ઉમ્મતના મજૂસીઓ - પારસીઓ છે. જો તેઓ બીમાર પડે તો ખબર અંતર પણ ન પૂછો. મરી જાય તો જનાઝહમાં શરીક ન થાઓ.

બીજી એક હદીસમાં છે કે આ ઉમ્મતના મજૂસ તે લોકો છે જેઓ તકદીરનો ઈન્કાર કરે છે. એમના માંહેથી કોઈ મરી જાય તો જનાઝહમાં પણ શરીક ન થાઓ.બીમાર પડે તો ખબર અંતર પણ ન પૂછો. તેઓ દજ્જાલની જમાઅત છે. અલ્લાહ તઆલા એમને દજ્જાલની જમાઅત સાથે શરીક કરી દેશે.

યહયા બિન યઅમુર રહ. ફરમાવે છે કે હું અને હુમૈદ હજ કે ઉમરહ કરવા જઈ રહયા હતા. અમને તમન્ના થઈ કે સહાબામાંથી કોઈકની ઝિયારત થાય તો એમનાથી કદરીયહ ફિરકા વિશે પૂછીશું, સંયોગથી હઝરત અબ્દુલ્લાહ ઇબ્ને ઉમર રદિ. સાથે મુલાકાત થઈ તો મેં એમને પૂછયું કે અમારી આસપાસ એક જમાઅત નવી સામે આવી છે જેઓ ઇલ્મ બાબતે ગુઢ ચર્ચાઓ કરે છે, કુર્આન પણ પઢે છે પણ તકદીરનો ઇન્કાર કરે છે, હઝ. અબ્દુલ્લાહ ઈબ્ને ઉમર રદિ.એ ફરમાવ્યું : એમને કહી દેજો કે હું એમનાથી બરી છું, અને તેઓ મારાથી બરી છે. એટલે કે મારો એમનાથી કોઈ સંબંધ નથી અને એમને મુજથી કોઈ લેવા દેવા નથી.

ઘણી બધી રિવાયતો આવા લોકો વિશે હદીસ શરીફમાં આવી છે. અબુબકર ફારસી રહ.એ 'કિતાબુલ ઈજમાઅ'માં વર્ણવ્યું છે કે જે માણસ નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ ઉપર કોઈ પ્રકારની તોહમત લગાવે એ માણસ એક મતે તમામ ઉલમાની દષ્ટિએ કાફિર છે. (ફત્હુલ બારી) બુખારી શરીફમાં છે કે હઝ. અલી રદિ.ની સેવામાં ઝિન્દીક લોકોનો એક સમુહ લાવવામાં આવ્યો, હઝ. અલી રદિ.એ એમને આગમાં સળગાવી દીધા. હઝ. ઈબ્ને અબ્બાસ રદિ.ને જયારે આ વાતની ખબર પડી તો ફરમાવ્યું : હું આગમાં ન સળગાવત, બલકે કતલ કરી દેત.

વિદ્વાન, કર્મષ્ઠ, નિખાલસ, નેકદિલ, મુદર્રિસ, મુકર્રિર અને જામિઅની યશકલગી

હઝ. મવલાના ઇકબાલ ખાનપુરી ફલાહી રહ,

-મુફતી અસ્જદ દેવલ્વી. (શૈખુલ હદીસ, જામિઅહ)

દુન્યા છોડીને જનાર મોટી હસ્તીઓની યાદ અને તેઓની ખૂબીઓના વર્ણનનો મતલબ ભાવાર્થ આથી વિશેષ શું હોય શકે છે કે તેઓ દુન્યાથી જતાં રહયા છતાં પોતાની યાદો, સ્મરણો અને સિદ્ધિઓ આપણી આસપાસ મોજૂદ છે. તેઓની જાત ભલે ચાલી ગઈ હોય, પણ તેઓનું વ્યકિતત્વ રહી ગયેલ છે, જે શખ્સનું જવું યાદો સાથે હોય, તેનું જવું સંપુર્ણ રીતે ખતમ થવું અથવા મૃત થવું ન ઠેરવી શકાય, જયારે કોઈ વ્યકિત દુન્યાથી સિધાવી જાય અને તેની સાથે સિધ્ધિઓ યાદો જીવંત હોય,તો વાસ્તવિક રીતે તે જીવીત ગણાય છે, એનાથી વિપરીત જે વ્યકિત થકી દીની, દુન્યવી, કૌમી, મિલ્લી ક્ષેત્રે કોઈ સિદ્ધિ અને કાર્ય ન થયું હોય, તેવી વ્યકિત ભલે જીવીત હોય, પણ તેને મૃત ખ્યાલ કરવામાં આવે છે અને આવા જીવનનો કોઈ મતલબ રહેતો નથી, એની સામે એક એવું જીવન છે, જે મોતને પણ પાછળ છોડી દે છે, મોત નસીબદાર હોય છે કે તેના ઉપર અન્યોનું જીવન પણ રશ્ક કરે છે.

જામિઅહ જંબૂસરના નાઝિમ, મુદર્રિસ, મુકર્રિર, લેખક,દારૂલ ઉલૂમ ફલાહે દારૈન, તડકેશ્વરના કદીમ ફાઝિલ, માદરેઈલ્મ-દારૂલ ઉલૂમ દેવબંદના બરકતવંત ઈલ્મી ઝરણાંનું પાણી પીનાર, ગુજરાતના મશ્હૂર આલિમે દીન, જિલ્લા ભરૂચનું ઈલ્મ પ્રેમી ગામ ખાનપૂરના સપૂત હઝરત મવલાના ઈકબાલ સાહબ ખાનપૂરી(રહ.) પણ તે ભાગ્યશાળી, ખુશકિસ્મત, શખ્સીય્યતોના સમૂહમાં શામેલ છે, જે દુન્યાથી ગયા પણ છે અને નથી પણ ગયા, બલકે આપણા દરમિયાન રહી ગયા છે એમ લાગે છે. જાહેર રીતે તેઓના બરકતવંતા શરીરને એમના વતન ખાનપૂરના કબ્રસ્તાનમાં સુપુર્દે ખાક કરી દેવામાં આવ્યુ છે,પરંતુ તેઓની પવિત્ર યાદો, સ્મરણોની ખુશ્બુ ફિઝાઓમાં, વિશેષ રીતે જામિઅહ સંબધિત વર્તુળમાં પ્રસરિત છે, યાદ કરવા વાળાઓ પોત પોતાની હેસીયતના પ્રમાણમાં પોતાના દિલ અને દિમાગમાં સમાવી પ્રસન્નતા અનુભવી રહેલ છે અને લુત્ફ ઉઠાવી રહેલ છે કે તેઓ આપણા દરમિયાનથી  રૂખ્સત થઈ જવાં છતાં આજે પણ પોતાની શ્રેષ્ઠ સેવાઓ,કાર્યો સાથે અસ્તિત્વ ધરાવે છે, આજે પણ એવો આભાસ થાય છે કે મોલાના ઈકબાલ સાહબ ખાનપૂરી મોજૂદ છે, હરે ફરે છે, વિવિધ કામોમાં વ્યસ્ત છે,પોતાના કાર્યલયમાં કિતાબનું વાંચન કરી રહયા છે, કોઈ કિતાબ લખી રહયા છે, મુતાલામાં મગ્ન છે,જરૂરી જવાબદારીઓ નિભાવી રહયા છે, વિગેરે વિગેરે..

ખૂબ કહેવામાં આવ્યું છેઃ

 ન કુછ ભી રહા,તો સબ કુછ રહા

 તેરી યાદ દિલમેં અગર રેહ ગઈ

અને…..

 આતી રહેગી તેરી અનફાસ કી ખૂશ્બુ 

ગુલશન તેરી યાદસે મહકતા હી રહેગા

 હઝરત મવલાના (રહ.) ઈલ્મમાં પાકા, અમલમાં મજબૂત, અતિ અમાનતદાર,વિવેક,વિનમ્રતા અબ્લાકના પ્રતિક, એક પ્રખર દીની શિક્ષક, મુદર્રિસ, વકતા, કાબિલ વ્યવસ્થાપક, લેખક, સ્વભાવે નરમ, સાદગી પસંદ, ખંતીલા અને તે સિવાય અનેક ખૂબીઓના માલિક હતા.

બંદાની યાદદાસ્ત મુજબ પુર્ણ રીતે પરિચિત થવાનો અવસર ત્યારે પ્રાપ્ત થયો,જયારે તાલિબે ઈલ્મીના જમાનામાં જામિઅહ જંબૂસરમાં તરાવીહમાં કુર્આને શરીફ સંભળાવવાની સઆદત પ્રાપ્ત થઈ.

હઝરત મવલાના રહ. મારા બુઝુર્ગ વાલિદ સાહબના દારૂલ ઉલૂમ તાલીમુલ ઈસ્લામ-લુણાવડાના તદરીસી જોડીદાર હતા, આ આધારે હઝરત મવલાના(રહ.)તો મારા માટે એક બુઝુર્ગની હેસીયત ધરાવતા અને હું તેમના સામે એક શિષ્ય અને પુત્રની જેમ હતો, હઝરત મવલાના અને મારા દરમિયાન આટલુ મોટુ અંતર હોવા છતાં તે વેળાથી લઈ છેવટ સુધી અને અંતિમ બિમારીની અવસ્થામાં પણ બંદાએ નિહાળયું કે હઝરત મવલાનાનો વ્યવહાર મારા સાથે શફકત ભર્યો,મુહબ્બત ભર્યો બલ્કે મુજ નાચિજને શર્માવી દેનાર એટલે કે ઘણો જ માન સન્માનભર્યો રહયો અને મવલાનાના જીવનનું વાંચન કરવામાં આવે, તો આ વાત મારા સિવાય બધા જ મહસૂસ કરશે કે મવલાના નાનાથી નાના માણસનો વિવેક ફરમાવતા, માન સન્માનથી હસતા મોઢે બોલાવતા,વાત-ચીત કરતા, હાલાંકે જામિઅહના સ્ટાફમાં એક-બેને બાદ કરતા બધા માટે તેઓ ઉસ્તાઝની ઉંમરના શુમાર થતા હતાં.

હું અનેક વેળા હઝરત મવલાના રહ.ની મુલાકાત માટે અથવા કોઈ કામ અર્થે તેઓની દર્સગાહ-ઓફિસમાં હાજરી આપતો,તો તેઓ જામિઅહના એક મોટા હોદ્દા પર બિરાજમાન અને અવામ-ખવાસમાં ઉચ્ચ સ્થાન ધરાવતા છતાં જયારે પણ બંદાએ હાજરી આપી, હઝરત મવલાના ઉભા થઈ જતા, આગ્રહ કરતા કે મસનદ-તખત પર બેસું, હું જલ્દીથી નીચે બેસી જતો, તો હઝરત પણ મારા સાથે નીચે બેસવાની કોશીશ કરતાં, પરંતુ મારી આજિઝાના દરખ્વાસ્તને લઈ પોતાની જગ્યાએ તશરીફ ફરમાવતા.

હયાતના આખરી દિવસોમાં હઝરત મવલાના (રહ.)ના અચાનક પડી જવાના લઈ થાપુ તૂટી ગયું અને ઓપરેશન અર્થે અલ-મહમૂદ હોસ્પીટલમાં એડમીટ થયા, તો અહકરે બિમાર પુરસી અર્થે હાજરી આપી, હઝરત મવલાના ઘણાં જ ખુશ થયા, ફરમાવવા લાગ્યા મને ઘણું સારૂ છે અને પછી માઝિરત અને અફસોસ કરતા કહેવા લાગ્યા: "મારે આ રીતે વિના કફની- ટોપી સુઈ ન રહેવું જોઈએ, મને શરમ આવે છે, પરંતુ બિમારી અને તકલીફના લઈ મજબૂર છું."

હઝરત રહ.ના વિવેક, વિનમ્રતા અને તવાઝુઅની જે સ્થિતિ હતી તે અકલ્પનિય હતી,પોતાની જાત કરતા અન્યો પ્રત્યેનો આદરભાવ કુટી-કુટીને હઝરતના સ્વભાવમાં સમાયેલ હતો, સાહિબે ઈલ્મ અને ઘણું જ બધુ હોવા છતાં પોતાને કંઈ જ શુમાર ન કરતા અને આ જ હુઝૂર સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમનો તરીકો,સહાબએ કિરામની રીત અને અસ્લાફની આદત હતી, જે આજે રૂખ્સત થઈ ગઈ છે, હવે તો પરિસ્થિતી એવી થઈ ગઈ છે કે કંઈ ન હોવા છતાં પોતાને મોટું સમજવું,પોતાના માટે આદરભાવ અને અન્ય માટે અનાદરની ભાવના સામાન્ય થઈ રહી છે.જોવા જઈએ તો હઝરત (રહ.)ની સર્વ જીંદગી વિવેક, આજિઝી અને નાનાઓ પ્રત્યે પ્યાર અને શફકતથી રચેલ પચેલ હતી,જાણે આપ હઝરત રસૂલુલ્લાહ સલ્લલ્લાહ અલયહિ વ સલ્લમના ઈરશાદઃ'જે નાનાઓથી શફકત ન કરે, મોટાઓનો આદર ન કરે અને આલિમને સન્માન ન આપે, તે અમારી જમાઅતથી અથવા અમારા રસ્તા પર નથી હોઈ શકતો.''માં આવેલ હિદાયતની મિસાલ હતા અને એવું કહી શકાય કે હઝરત રહ.ને જે ઉચ્ચ સ્થાન, બુલંદી અને લોકોમાં મકબૂલિય્યત પ્રાપ્ત થઈ તેમાં તવાઝુઅ અને વિનમ્રતા ઘણું મહત્વ રાખે છે,હુઝુર સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમનું મુબારક ફરમાન છે: 'જે માણસ અલ્લાહ ખાતર વિનમ્રતા ઈખ્તિયાર કરે છે, તો અલ્લાહ તઆલા તેને બુલંદ ફરમાવે છે."(તિરમિઝી શરીફ)

મરતબા આજ ભી ઝમાનેમેં

 પ્યારસે આજિઝીસે મિલતા હે

હઝરત રહ.ની ખાસ સિફત તેઓનું સાદગીભર્યું જીવન હતું,સાદગીને પસંદ કરતાં, સાદગી સાથે રહેતા, તેઓની ખૂબીઓ, કમાલાત સાદગીમાં ઢંકાયેલ હતા,હઝરત મવલાના રહ.એ ઘણી જ મેહનતથી ઈલ્મ હાસિલ કર્યુ હતુ, ફલાહે દારૈનના મુમતાઝ ટોચના સલાહિય્યત ધરાવનાર ઉલમામાંથી હતાં, મશ્હૂર મુહદિસ અને દારૂલ ઉલૂમ ફલાહે દારૈનના તે સમયના શૈખુલ હદીસ હઝરત મવલાના તકીયુદ્દીન નદવી(દા.બ.), રઈસ હઝરત મવલાના અબ્દુલ્લાહ કાપોદ્રવી (રહ.),હઝરત મવલાના સય્યીદ ઝુલફકાર સાહબ રહ.વિગેરે બુઝુર્ગો અને બાકમાલ અસાતિઝહથી ફૈઝવંત થઈ તેઓના ચહીતા બન્યા. હઝરત મવલાના સય્યીદ ઝુલફકાર રહ. હોય અથવા હઝરત મવલાના અબ્દુલ્લાહ કાપોદ્રવી રહ.હોય,જયારે પણ તેઓની મુલાકાત-ઝિયારત માટે જવાનું થતું તો જોયું કે તેઓ મુલાકાતની સાથે જ પ્રથમ હઝરત મવલાના ઈકબાલ સાહબ રહ.ની ખૈર-ખૈરીયત ઘણાં જ નિરાલા અને પ્યારભરા અંદાજમાં માલૂમ ફરમાવતાઃ 'હમારે ઈકબાલકી કયા ખબર હે?"

હઝરત મવલાના તકીયુદ્દીન નદવી(દા.બ.)થી હઝરત મરહૂમનો ગાઢ સંબંધ હતો અને મારા અંદાજ મુજબ હઝરત મવલાનાનો તેઓથી સુલૂકનો પણ સંબંધ હતો, એક વેળા બંદાએ આ બાબત સવાલ કર્યો હતો, તો હઝરતે વાતને ટાળી દીધી હતી, હઝરત મવલાના તકીયુદ્દીન નદવી(મ.ઝિ)જામિઅહની દાવત પર એકથી વધારે વાર પધારી ચુકેલ છે, જામિઅહમાં આપનું અનેકવાર તશરીફ લાવવા અને જામિઅહથી જોડાવવામાં મવલાના મરહૂમ સાથેનો સંબંધ લોહચુંબકની ગરજ સારતો હતો. મવલાના(રહ.) પણ તેઓથી અતુટ સંબંધ રાખતા, અબૂ ધાબીથી જયારે ઈન્ડિયા પધારતા, તો મવલાના મરહૂમ મુંબઈ મુલાકાત માટે હાજર થતાં,હઝરત મવલાના તકીયુદ્દીન સાહબ(દા.બ.)પણ પોતાના ચહીતા અને કાબિલ શિષ્યને ન ભુલતા, પોતાની તસનીફાત-કિતાબો(જે દળદાર અને અનેક ભાગોમાં છપાયેલ છે)મોલાના મરહૂમને ભેટ સ્વરૂપે મોકલાવી મુહબ્બત જાહેર કરતા.

હઝરત મવલાના(રહ.)ખંતથી પોતાની જવાબદારી અને ઝિમ્મેદારી પ્રત્યે ઘણા જ ચોકકસ હતા, નાની-મોટી દરેક જવાબદારી દિલચસ્પી લઈ અદા કરતા, અને તેને બજાવવા માટે તનતોડ મેહનત ફરમાવતા,જયારે એમના સિરે ફકત જામિઅહના સંચાલનની જવાબદારી હતી તે વેળાએ પણ દરેક કામને ખૂબ જ ચીવટ પુર્વક વ્યવસ્થિત રીતે, તરતીબથી કરતા અને ત્યાર બાદ પણ પોતાની સ્વચ્છાએ તદરીસ સાથે જોડાયા, તો તેમાં પણ ખૂબજ મેહનત ફરમાવતા, નાની-નાની વાતોના રિસર્ચ અર્થે જામિઅહના વિશાળ કુતુબખાનામાં પોતે તશરીફ લઈ જતા, મારા ખયાલ મુજબ કુતુબ ખાનામાં તહકીક અર્થે સૌથી વધુ આપ રહ.તશરીફ લઈ જનાર જામિઅહના ઉસ્તાદ હતા, સુપ્રત કરવામાં આવેલ કિતાબ પાછળ એટલી મેહનત કરતા, અને એટલી બધી નોટસ લખતા કે જાણે કિતાબ સાથે એક શરહ અને ગાઈડ તૈયાર કરી રહયા છે અને તૈયાર થયેલ નોટસના લઈ આપના દિલમાં તે કિતાબની શરહ લખવાનો ખયાલ પૈદા થતો, ઘણી વાર અમારા સમક્ષ તે વિશે ઈચ્છા વ્યકત કરતા, બલકે તેને પોતાના ભવિષ્યના લેખન સંબંધિત પ્લાનીંગમાં શામેલ કરતા, હઝરત મવલાના રહ.એ જામિઅહમાં ગુલિસ્તાં-બોસ્તાં અને કલામે પાકના તરજુમહથી લઈ મિશ્કાત સુધીની કિતાબો પઢાવી, કલામે પાકના છેલ્લા દસ પારાના તરજુમહ પર0. પણ કામ કર્યુ હતું,કસસુન નબીય્યીન, ગુલિસ્તાં, બોસ્તાં ઉપર પણ કામ કર્યું હતું અને અકીદતુ-તહાવીય્યહની તો એક આગવી આસાન શરહ લખી, આનાથી પણ હેરતમાં પાડનાર વાત આ છે કે મવલાના(રહ.)અમુક વર્ષો સુધી અંગ્રેજીના પીરયડો પણ લેતા હતા, તેમાં પઢાવવામાં આવતા પુસ્તકો તાલીમી દ્રષ્ટિએ યોગ્ય ન જણાયા, તો અંગ્રેજી વિશેના પુસ્તકોનું વાંચન કરી પોતાની રીતે અંગ્રેજી વિષયનું શિક્ષણ આપતા હતા, આ બધું દર્શાવે છે કે હઝરત મવલાના રહ. મેહનતી-ખંતી હોવાની સાથે એક જવાબદારીને ધગશથી નિભાવનાર મજબૂત સલાહીય્યતના માલિક, કામ્યાબ ઉસ્તાઝ અને તાલીમના નિષ્ણાંત હતા.

હઝરત મવલાના (રહ.)ની હયાતના આખરી પાંચ-છ વર્ષોમાં જયારે હઝરત મવલાનાની કમઝોરી વધી ગઈ અને કંપવાની બિમારીના લઈ બોલ વેરાવાની સ્થિતિ ઉત્પન્ન થઈ, તો સ્વંય મવલાનાએ હઝરત મુહતમીમ સાહબ (દા.બ.)ની સેવામાં પોતાની સ્થિતિ અને તેના લઈ તાલીમી નુકસાન થવાનો અંદેશો વ્યકત કર્યો અને સાથે જ કહ્યું કે હું આ જવાબદારી હાલની મારી બિમારીના લઈ અદા કરવાથી લાચાર છું, આવી હાલતમાં મારાથી પઢાવવાનો હક અદા નથી થઈ શકતો, માટે આપ મને આ પઢાવવાની જવાબદારીથી તકલીફ દૂર થવા સુધી માઝૂર સમજો, મુહતમીમ સાહબ (મ.ઝિ.)આપની ગુજારિશને વાચા આપી, લેખનકાર્ય વિગેરની વિશેષરૂપે જવાબદારી સોંપી, મવલાના રહ.તેને પણ ખૂબ ચોકસાઈ પુર્વક અંત સુધી અદા ફરમાવતા રહયા, વિચારવામાં હઝરત મવલાના રહ.ની આ દરખવાસ્ત દર અસલ આખિરતની જવાબદહીના ભાગરૂપે હતી, સ્વંય મવલાના રહ.એ આ વાત જામિઅહના નાયબ મુહતમિમ મવલના અરશદ (ઝિ.મ.)સામે વ્યકત કરી હતી.

હઝરત રહ.સમયના ઘણાં જ પાબંદ હતા, સાથે જ સમયની હિફાઝત, કાર્યલક્ષી બનાવવું,તે તેમની વિશિષ્ટતા હતી, હંમેશા મદરસાના નિયત સમય પેહલા જ મદરસે પહુંચી જતા, આવતાની સાથે મકસદમાં મશ્ગૂલ થઈ જતા, મદરસાના ટાઈમમાં પોતાની જવાબદારી અદા કરવામાં, પઢાવવા- વાંચન, લેખન કાર્યમાં મશ્ગૂલ રહેતા, કોઈને કોઈ કામમાં પરોવાયેલ રહેતા.

મદરસે માટે જવા નિકળતા,તો કોઈક વાર ઘરવાળા કહેતા કે હજુ તો ૧૦-૧૫ મિનિટ બાકી છે, તો મવલાના જવાબમાં ફરમાવતા"વહેલુ જવું સારૂ,એક મિનિટ મોડા જઈએ, તો તેનો પગાર લેવો પછી હરામ થઈ જાય'.

હઝરત રહ.ની મોટી વિશિષ્ટતા હતી કે પોતાની ઝુબાનના ઉપયોગ સંબંધે ખૂબ જ તકેદારી વર્તતા, કદી કોઈની બુરાઈને ઝુબાન પર ન લાવતા, ન કોઈની બુરાઈ સાંભળવાને પસંદ કરતા,પોતાના અથવા જામિઅહના વિરોધીઓ માટે અભદ્ર અને અસંસ્કારી શબ્દો બોલતા સાંભળવામાં નથી આવ્યા, નકામી અને બિન ઉપયોગી વાતોથી આપનું જીવન સાફ સુથરૂ હતું, જાણે આપ હુઝુર સલ્લલ્લાહુ અલય્હી વ સલ્લમના મુબારક ઈરશાદઃ ''અલ્લાહ અને આખિરત પર ઈમાન ધરાવનારા માણસે સારી વાત કેહવી જોઈએ, નહીં તો ખામોશ રહેવું જોઈએ.' અને એક કિંમતી નસીહત : "માણસના (સાચા) મુસલમાન હોવાની ખૂબી આ છે કે તે નકામી બાબતોને છોડી દે.''ના સાચા અને સાક્ષાત ઉદાહરણ હતા અને આ જ કારણ હતુ કે હઝરત રહ.મદરસાના સમય દરમિયાન અથવા બીજા સમયે કોઈની પાસે બેસવાને અથવા મજલિસબાજીને ટાળતા હતા અને એકાંતવાસાને પ્રધાયન્તા આપતા.

આપ(રહ.)મસ્જિદમાં આવતા તો સુનન વિગેરેથી ફારિંગ થઈ,આજિઝી પુર્વક ગરદન નીચી કરી ખાસ સ્થિતિમાં અદબ સાથે બેસી જતાં, તે વેળાએ મવલાના (રહ.)ની કેફીયત અજીબ રહેતી હતી,એવો એહસાસ થતો કે હઝરત જાણે બધુ ભુલી બીજી તરફ ગુમ થઈ ગયા છે, મસ્જિદમાં વાતચીત કરવાનું તેઓના મત મુજબ કોઈ સ્થાન ન હતુ,જલસા વિગેરેના લઈ મસ્જિદમાં પધારતા તો પણ આપ (રહ.)ખૂબ આજિઝી અને ખામોશી સાથે બેસતા અને તે સમયે પણ પોતે કોઈની સાથે વાત ન કરતા.મતલબ હઝરત(રહ.)ના દિલમાં અલ્લાહ તઆલાની અને અલ્લાહના ઘરની અઝમત ખૂબ ભરેલી હતી અને મસ્જિદના અદબોનો પુરે પુરો ખ્યાલ રાખતા.

સલફે સાલિહીનની કેફિયત કંઈક આવીજ મસ્જિદમાં આવવા પર વર્ણન કરવામાં આવી છે કે તેઓ મસ્જિદના દરવાજા પર પહોંચતા તો ખુદાના ખોફના લઈ તેઓનો રંગ પીળો થઈ જતો, લોકોએ કારણ માલૂમ કરતા, તો જણાવતા કે લોકો દુનિયાના હાકિમના દરબારમાં જાય છે,તો તે ઉપર તેનો રોપ છવાય જાય છે અને આ વાતથી ડરે છે કે કયાંક કોઈ વાત અદાલતના આદાબ અને બાદશાહની શાન વિરૂધ્ધ ન થવા પામી જાય, માટે શું હું બાદશાહોના બાદશાહ એટલે કે હકીકી બાદશાહના દરબારનું આટલું પણ માન-સન્માન ન જાળવું,જેટલું કે એક દુનિયાના નાનકડા બાદશાહનું માન જાળવવામાં આવે છે,આદરના લઈ મારો રંગ પીળો થઈ પડે છે,આ મહાન દરબારની શાન વિરૂધ્ધ કોઈ પગલું ન ભરાઈ જાય. (જવાહિરૂલ ફિકહ,આદાબુલ મસાજિદઃ ૩/૧૧૦)

મસ્જિદ સંબંધિત હઝરતના અદબભર્યા અમલમાં વિશિષ્ટરૂપે એટલે લખવુ પડયું વર્તમાન સમયમાં આ બધા અદબોનું હનન થઈ રહેલ છે, મસ્જિદમાં વાતચીત, ગમેતેમ બેસવું વિગેરે જેવી બેઅદબીઓ સામાન્ય થઈ પડેલ છે,જે એક ચિંતાજનક બાબત છે.

આપના ઘરથી નજીકના સાહિલપાર્કની મસ્જિદમાં ઘણી વાર નમાઝ પઢવા જતો હતો, મવલાના(રહ.)ને ઘણાં દિવસો સુધી મસ્જિદમાં નમાઝ માટે ન જોયા, તો બંદાને લાગ્યું કે કદાચ બિમાર હશે, વધુ તકલીફમાં હશે,તો ખૈર- ખૈરિયત માલૂમ કરી આ બાબત અરજ કરી તો ફરમાવ્યું કે મારી કંપવાની બિમારીના કારણે બીજાને તકલીફ થઈ શકે છે, માટે હું ઘરેજ નમાઝ પઢી લઉં છું, મઝકૂર મવલાનાના અમલથી માલૂમ થાય છે કે આપ રહ.ખયાલ રાખતા હતા કે મારાથી કોઈ વ્યકિતને જાણે અજાણે તકલીફ ન પહોંચે, બની શકે ત્યાં સુધી તેનાથી બચવાની કોશીશ કરતા.

હઝરત મવલાના સય્યીદ અબુલ હસન અલી નદવી રહ.નો મલફૂઝ-વાત પઢવામાં આવેલ છેઃ ''જો કોઈ માણસ મને આમ કહે કે હું કદી કોઈને તકલીફ નથી પહોંચાડતો તો તે માણસને હું વિલાયતનું પ્રમાણ-સનદ અર્પણ કરીશ."હઝરતનો મિઝાજ કોઈને તકલીફ આપવાનો બિલ્કુલ ન હતો, બલકે અન્યને રાહત પહોંચાડવાનો હંમેશા રહયો અને આ વાતની સાક્ષી બધા જ પુરશે.

ઇશ્કે નબવી(સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)માં પણ આપનો હાલ અનોખો હતો, આપ(રહ.) સબઝ(લીલા)રંગના ફર્શ પાથરવા અને પગરખા વાપરવાને પસંદ ન કરતા હતા,આપ ફરમાવતા હતા "ગુંબદે ખઝરાનો રંગ સબઝ(લીલો) છે,કેટલાક આશિકે રસૂલ(સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)નો અભિગમ આ મુજબ રહેલ છે,જેનાથી મવલાના (રહ.)પણ પ્રભાવિત હતા, શરઈ દ્રષ્ટિએ મઝકૂર અદબની હેસીયત જે કંઈ હોય, પરંતુ મવલાના(રહ.)ની મઝકૂર અભિગમથી તેઓના ઈશ્કે નબવીનો હાલ જરૂર ઉજાગર થાય છે.

હઝરત રહ.ની મશ્હૂર અને મકબૂલ કિતાબ"હજ અને ઉમરાહ ફલાહીના હમરાહ'માં મદીનતુ ર્રસૂલ(સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)અને તેની ઝિયારતની જે અછુટી અને અનેરી શૈલીમાં વર્ણન કરેલ છે, તે પણ બતાવે છે કે આપ(રહ.)ઈશ્કે નબવી(સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)માં નખ-શિખ ડુબેલા હતા. 

દિલ ઈશ્ક મેં જો કુરબાન હો ગયા 

કતરા સે મોજ,મોજ સે તુફાન હો ગયા

 હઝરત મવલાના (રહ.)એ જામિઅહના નાઝિમ હોવાથી લઈ એક મુદર્રિસના સ્વરૂપે જે ખિદમતો, સેવાઓ કરી, તે વિશે બસ આટલુ જ કહી શકાય કે જામિઅહ અને જામિઅહની ખૂબસુરત ઈમારતો બેઝુબાન હોવા છતાં,મવલાના(રહ.)નો હાલ વ્યકત કરતા બોલી રહી છેઃ

 પત્તા પત્તા બુટા બુટા હાલ હમારા જાને હે

 જાને ન જાને ગુલ હી ન જાને બાગ તો સારા જાને હે 

હઝરત(રહ.)ની સેવાઓ માત્ર જામિઅહ સુધી જ સિમિત ન હતી, બલકે કુદરત તરફથી મળેલ સલાહિય્યત દ્વારા વિવિધ રીતે અનેક મદરસાઓ, મસ્જિદો, ઘરોની તામીર અને જરૂરતમંદોની જરૂરતો પુરી કરવામાં સહાયરૂપ બનતા, પોતાના સંબંધો અને અસબાબ થકી ગરીબોની મદદ કરતા-કરાવતા. પોતાના વતન ખાનપૂરને દીની અને અન્ય ક્ષેત્રે આગળ લાવવા પ્રયત્નશીલ રહેતા, ખાનપૂર ગામના મદરસતુલ બનાતની સ્થાપનાથી લઈ તામીર સુધીના કામોમાં અને ભવ્ય મોટી મસ્જિદ વિગેરેની તામીરમાં મવલાના(રહ.)નો ફાળો મહત્વનો રહેલ છે.જામિઅહલક્ષી અને અન્ય નાની મોટી બધીજ ખિદમતો હઝરત(રહ.)માટે સદકએ-જારિયહ સાબિત થશે. ઈન્શા અલ્લાહ.

 હઝરત મવલાના (રહ.)આ સિવાય અન્ય ઘણી બધી જાહેરી-બાતિની ખૂબીઓથી સુશોભિત હતા, બધાંનું વર્ણન કરવું હાલ શકય નથી.....વરક તમામ હુવા ઓર મદહ બાકી હે.

અલ્લાહ તઆલા હઝરત(રહ.)ની મગફિરત ફરમાવે,દરજાત બુલંદ ફરમાવે,આપની તમામ સેવઓ-ખિદમતો કબૂલ ફરમાવે અને આપના વુજૂદની રહમતો અને બરકતો આપણાં બધા માટે બાકી રાખે અને ફિત્નાઓથી હિફાઝત ફરમાવે.

اللهم لا تحرمنا اجره ولا تفتننا بعده

એક સિતારા ઔર ગિરા

મવ. બશીર ભડકોદ્રવી સા.

 ઉસ્તાદે હદીસ, જામિઅહ જંબુસર

كُلُّ مَنْ عَلَيْهَا فَانٍ وَيَبْقٰى وَجْهُ رَبِّكَ ذُو الْجَلَالِ وَالإِكْرَام (سورة الرحمن)

તર્જુમો : આ દુન્યામાં અસ્તિત્વ ધરાવનાર દરેક વસ્તુ ફના થનાર છે, માત્ર પરવરદિગારની ઝાત બાકી રહેશે.

મૌત દુન્યવી જિંદગીનો અંત અને આખિરતની જિંદગીની શરૂઆતનું નામ છે, દુન્યાનું સુખ-દુઃખ કે રાહત-તકલીફ મૌત થતાં જ સમાપ્ત થઈ જાય છે. જે માણસે અલ્લાહના હુકમો અને તેની મરજી પ્રમાણે જીવન વિતાવ્યું હશે તે મૌત પછી અલ્લાહની નેઅમતોથી માલામાલ થશે અને જો અલ્લાહના અહકામ વિરુદ્ધ પોતાની મરજી પ્રમાણે જીવન જીવ્યો હશે તો અઝાબમાં મુબ્તલા થશે.

મજબૂત કિલ્લો કે આલિશાન કોઠી મૌતને રોકી શકતી નથી. ચુનંદા હોશિયાર ચોકીદારો પણ મૌતથી પોતાને મૌતથી બચાવી શકતા નથી, મેડિકલ સાયન્સ કે આજની અત્યાધુનિક ટેકનોલોજી પણ મોતને માત આપી શકતી નથી. મૌતની સામે માલ, અવલાદ, દોસ્ત-અહબાબ બધાના જ પ્રયાસો નિષ્ફળ રહે છે. મૌતનો સમય અલ્લાહના તરફથી નક્કી છે, મૌત અલ્લાહ તઆલાનો અટલ કાનૂન છે, અદના માનવીની તો શું વિસાત ? અંબિયાએ કિરામ પણ કુદરતના ઉકત કાનૂનથી બાકાત ન રહયા, મૌત થતા જ ઈન્સાનના આમાલનું રજિસ્ટર્ડ બંધ થઈ જાય છે, તેના માટે તૌબા-ઈસ્તીગ્ફારનો દરવાજો પણ બંધ થઈ જાય છે અને જઝા-સઝાનો દરવાજો ખુલી જાય છે .

કુર્આને પાકમાં અલ્લાહ તઆલાએ મૌતને "અજલ" શબ્દથી આલેખ્યું છે. "અજલ" અરબી શબ્દ છે, તેનો અર્થ : એવી વસ્તુ જેનો સમય નક્કી છે, જે કોઈ પણ રીતે ટાળી ન શકાય.

 કુર્આનમાં ઈર્શાદ છે : "પ્રત્યેક જીવને મૌત આવીને જ રહેશે."

મૌતની વાસ્તવિકતાને દરેક માણસ સ્વીકારે છે, જે નાસ્તિક લોકો ખુદાનો ઈન્કાર કરે છે, નુબુવ્વત અને રિસાલતને ધરાર નકારે છે, આખિરત અને સજીવન થવાને માનતા નથી, તેઓ પણ મૌતનો ઈન્કાર કરી શકતા નથી. મૌત પછીની બાબતોમાં મતભેદો ખરા, પરંતુ મૌતની હકીકતને માનવા સૌ કોઈ મજબૂર છે.

અરબીના મશ્હૂર શાયર મુતનબ્બીએ એક શેરમાં સુંદર વર્ણન કર્યું છે.

تَخالَفَ الناسُ حَتّى لا اِتِّفاقَ لَهُم

إِلّا عَلى شَجَبٍ وَالخُلفُ في الشَجَبِ

અર્થાત: લોકોએ એટલી હદે મતભેદો કર્યા કે એવો આભાસ થાય છે કે હવે કોઈ પણ મુદ્દા પર એકમતી થઈ શકશે નહીં, પરંતુ મૌત બાબત એકમત થયા, અલબત્ત મૌત પછીની બાબત પર ફરી એ જ મતભેદો.

કુદરતના અટલ કાનૂને આખરે મવલાના ઇકબાલ સાહબને પણ પોતાની આગોશમાં લઈ લીધા, તા.૧૩ સપ્ટેમ્બર ૨૦૨૩ના ૧૧ વાગે ખબર મળી કે મવલાના ઇકબાલ ખાનપુરી સાહબ અલ્લાહને પ્યારા થઈ ગયા. ઈન્ના લિલ્લાહિ વ ઇન્ના ઇલયહિ રાજિઉન.

જાન હી દે દી જિગરને આજ પાયે યાર પર

ઉમ્ર ભર કી બેકરારી કો કરાર આ હી ગયા

મવલાનાનો જન્મ જંબુસર તાલુકાના મુસ્લિમ બાહુલ્ય ગામ ખાનપુરમાં ઈ.સ. ૧૯૪૯ માં થયો હતો, સ્કૂલ-મદ્રસાની બુનિયાદી તા'લીમ પોતાના ગામમાં જ લીધી હતી. ત્યાર બાદ દીનની ઉચ્ચ તા'લીમ માટે ફલાહે દારૈન તડકેશ્વરમાં એડમિશન લીધું હતું. ઉચ્ચ તાલિમની જીજ્ઞાસા જગાવતો એક દિલચશ્પ લતીફો મૌલાના મર્હુમે ઘણી વખતે પોતે સંભળાવ્યો હતો અને અલ-બલાગના એક અંકમાં લખ્યો પણ હતો, મવલાના પોતાની સ્કૂલ-મદ્રસાની પ્રાથમિક તા'લીમ પૂરી કરી પોતાના માતા–પિતાના કામમાં મદદ કરવા લાગ્યા હતા, મવલાનાએ લખ્યું છે કે હું મારી વાલિદા સાહીબા અને મામી સાહીબા સાથે ખેતરમાં કપાસ વીણી રહયો હતો, મામી અને વાલિદા વાતો કરી રહયા હતા કે સુરત જીલ્લાના તડકેશ્વર ગામમાં એક નવો દારૂલ ઉલૂમ ખુલી રહયો છે અને આપણા ગામ ખાનપુરના ઘણા છોકરા ત્યાં પઢવા જવાના છે. મવલાના લખે છે કે બંનેની ઉકત વાત મારા દિલમાં ઘર કરી ગઈ મને જીજ્ઞાસા જાગી કે મારે પણ દીની તાલીમ હાસિલ કરવા માટે તડકેશ્વર જવું જોઈએ. બસ મનોમન નક્કી કરી લીધું અને જરૂરી સામાન લઈ તડકેશ્વર જવા તૈયાર થઈ ગયો, અમે ખાનપુર ગામના ૧૮ છોકરા બળદગાડામાં સવાર થઈ જંબુસર પહોંચ્યા, જંબુસરથી હાજી ઈસ્માઈલ અરબી સાહબ ભડકોદ્રાવાલાની રેહબરીમાં અમે તડકેશ્વર જવા માટે રવાના થઈ ગયા. આ વાત ઈ.સ. ૧૯૬૪ની છે.

નવા ખુલતા દારૂલ ઉલૂમ માટે ૧૮ છોકરા તો માત્ર એક ગામ ખાનપુરના ગયા, જંબુસર તાલુકાના અન્ય ગામોના પણ ઘણા છોકરા ગયા હશે, મને યાદ છે કે દારૂલ ઉલૂમ કંથારીયા જયારે શરૂ થયો હતો ત્યારે જંબુસર તાલુકાના ગામડાઓમાંથી વીસ-વીસ, પચ્ચીસ-પચ્ચીસ છોકરાઓ એકી સાથે જતા હતા, ગામના મકતબના મુદર્રિસો વાલીઓની તશ્કીલ કરીને છોકરાઓને પઢવા માટે તૈયાર કરતા હતા, જંબુસર તાલુકાના છોકરાઓથી ગુજરાતના બધા જ દારૂલ ઉલૂમોમાં રોનક હતી, દારૂલ ઉલૂમોને આબાદ કરવામાં જંબુસર તાલુકાનો મોટો ફાળો છે, પરંતુ સખેદ લખવું પડે છે કે અત્યારે તે માહોલ નથી રહયો, હવે દીની તાલીમ ક્ષેત્રે ઘણી ઓટ આવી ગઈ છે. દીની તાલીમ પ્રત્યે ઉદાસીનતા આવી ગઈ છે, કાશ ! પુનઃ તે ફિઝા પૈદા થાય.

શરાબે કોહન ફિર પીલા સાકિયા 

વહી જામ ગરીદશમેં લા સાકિયા

મવલાના ઈકબાલ સાહબ પઢવામાં ઘણાં જ હોશિયાર હતા, બલકે પ્રથમ નંબરે કામયાબ થતા હતા, તે સમયના વિદ્વાન આલિમો જેમકે મવ. તકિયુદ્દીન મઝાહિરી, મવ. અબ્દુલ્લાહ કાપોદ્રવી, મવ. ગુલામ નુરગત સાહબ, મુફતી અહમદ બેમાત સાહબ, મવ. ઝુલફિકાર ગ્વાલયરી સાહબ વિગેરે આપના ઉસ્તાદોમાંથી હતા. આપ મર્હુમ બધા જ ઉસ્તાદોના લાડલા (મંઝૂરે નઝર) હતા, સવિશેષ મવ. અબ્દુલ્લાહ કાપોદ્રવી સાહબ આપને ઘણો જ પ્રેમ અને સન્માન આપતા હતા. ઈ.સ. ૧૯૭૩માં મવલાનાએ ફલાહે દારૈન તડકેશ્વરથી દર્સે નિઝામીની તકમીલ કરી, ત્યાર બાદ રઈસે ફલાહે દારૈનના મશ્વરાથી ઉચ્ચ દીની તાલીમ માટે દારૂલ ઉલુમ દેવબંદ પહોંચ્યા હતા. દેવબંદમાં પણ આપની ગણના મુમતાઝ તલબામાં થતી હતી. દરજએ મિશ્કાતમાં આપ પ્રથમ નંબરે ઉત્તિર્ણ થયા હતા, દારૂલ ઉલૂમ દેવબંદે આપને ’'મિશ્કાત શરીફ’’ની કિતાબ ઈનામમાં આપી હતી.

મર્હુમ સાથે મારો ઘણો જ પુરાનો નાતો હતો, ઈ.સ. ૧૯૭૯માં હું તદરીસી ખિદમત માટે લુણાવાડા પહોંચ્યો, ત્યારે મવલાના દારૂલ ઉલૂમ લુણાવાડાના નાઝિમ – સંચાલક હતા, તદરિસમાં હું બિલકુલ નવો હતો, વિદ્યાર્થીકાળ પૂરો કરી સીધો જ હું લુણાવાડા પહોંચ્યો હતો, મવલાનાએ મને સારી હૈયા ધારણ આપી હતી, તદરીસના ઉલૂમ-આદાબથી મને વાકેફ કર્યો હતો, બલકે મને ત્યાં નભાવી અને ટકાવી રાખવામાં મૌલાના મર્હૂમનો મોટો ફાળો હતો. મૌલાનાના એ ઋણનો હું આજે પણ કરજદાર છું, અલ્લાહ તઆલા મર્હુમને જઝાએ ખૈર આપે અને જન્નતુલ ફિરદૌસ નસીબ ફરમાવે. (આમીન)

તે સમયે દારૂલ ઉલૂમમાં કલાસ રૂમ અને તલબાને રહેવા-સુવા માટે કોઈ ખાસ ઈમારત ન હતી. ક્રિશ્ચિયન મિશને છોડેલી મેંગલોરી નળિયાવાળી બે-ત્રણ ઈમરાતો હતી, તેનો જ તાલિમ અને હોસ્ટેલ તરીકે ઉપયોગ થતો હતો, આજે કલાસ રૂમ અને હોસ્ટેલની આલિશાન બિલ્ડિંગો દારૂલ ઉલૂમમાં જે નજરે પડે છે, તેનું બાંધકામ મવલાના મર્હુમની સીધી દેખરેખ હેઠળ થયું હતું. મવલાના જે કામ હાથ પર લેતા તેની ધૂન આપના ઉપર સવાર થઈ જતી હતી. પાગલ બનીને તે કામમાં મગ્ન થઈ જતા હતા અને કામની સમાપ્તિ સુધી દમ ન લેતા હતા. બાંધકામમાં મવલાનાને સારી એવી રૂચી હતી અને સારો એવો અનુભવ પણ હતો, બલકે આપના શોખ-સ્વભાવનો વિષય હતો. આપના મિત્રો મવલાનાને વગર ડિગ્રીના એન્જીનિયરના ખિતાબથી નવાઝતા હતા.

પંદર વરસ જેવી લાંબી મુદ્દત સુધી લુણાવાડા દારૂલ ઉલૂમની સેવા બજાવી હતી, ત્યાર બાદ મવલાનાને વતન તરફ આપવવાની ઉત્કંથા જાગી અને લુણાવાડાથી બિસ્તર સમેટી લીધો હતો કે બીજી તરફ તકદીરનો એવો કરિશ્મો થયો કે મુફતી અહમદ દેવલવી સાહબ અને અન્ય બુઝુર્ગો જંબુસર ખાતે ઇલ્મી મરકઝ સ્થાપવાની મથામણમાં હતા. મુફતી અહમદ સાહેબને મવલાના ઇકબાલ જેવો મુખ્લિસ અને ખંતિલો માણસ મળી ગયો, પછી બંને મુજાહિદોની જોડીએ તનતોડ મહેનત અને મશક્કત કરીને આર.સી.સી.ની ઈમારતનું જે ચમન ખડું કર્યું છે, તેની બાગ-બહાર (ખીલેલી વસંત) આજે આપણી નજરો સમક્ષ છે, અલ્લાહ તઆલા એ વસંતને સદાબહાર બનાવે. (આમીન)

બહાર અબ જો ચમન મેં આઈ હૂઈ હૈ

યે સબ પૌદ ઉન્હીં કી લગાઈ હૂઈ હે 

      મવલાનાને લેખન-વાંચનનો પણ સારો શોખ હતો, ગુજરાતી-ઉર્દૂમાં ઘણી કિતાબો મવલાનાએ લખી છે, આપની લખેલી નાની-મોટી અગિયાર કિતાબો મારી જાણમાં છે, જેમાંથી "હજ અને ઉમરાહ ફલાહીના હમરાહ' નામની કિતાબ અવામમાં ઘણી જ મકબૂલ થઈ છે. મવલાના અબ્દુલ્લાહ કાપોદ્રવી સા.ના કહેવાથી "સફીનતુલ બુલગા" નામની અરબી કિતાબની શરહનું કામ પણ મવલાનાએ શરૂ કર્યુ હતું અને સારું એવું કામ પણ થઈ ચુકયું હતું, પરંતુ અન્ય જીમ્મેદારીઓમાં મશ્ગૂલ થઈ જવાથી ઉકત કામ પુરું ન થઈ શકયું, જો સંપૂર્ણ થઈ ગયું હોત તો એક અમુલ્ય ઈલ્મી વારસો ગણાત. અમુક બે તકલ્લુફ મિત્રો આપનાથી લતીફાસંજી પણ કરતા હતા કે મવલાના સારી ઈલ્મી લાયકાત ધરાવે છે પરંતુ બધી લાયકાત ઈટ-પથ્થર અને રોડાઓ પાછળ ખપાવી દીધી છે.

સાદગી સભર, મિલનસાર અને ખંતિલા માણસ હતા, ઈલ્મી શાન કે આલિમાના શૌકત આપની પાસે હતી જ નહી. પદની ગરિમા આપને મહેનત–મશક્કતના કામથી રોકતી ન હતી. દરેક કામને જીમ્મેદારી પૂર્વક વિના સંકોચે કરી જાણતા હતા. દારૂલ ઉલૂમ લુણાવાડામાં એક મોટી લાઠી (ડાંગ) લઈને ખૂદ મારા રૂમ પર આવ્યા, મને લાઠી આપીને કહયું કે આ લાઠી આપની પાસે રાખશો. અહિંયા ચોર વિગેરેનો ખતરો રહે છે અને સાંપ પણ નીકળતા રહે છે, લાઠી મજબૂત છે કામ આવશે ! દરેક મુદર્રિસને લાઠી પહોંચાડી હતી. હું મનોમન વિચારતો હતો કે લાઠી તો મજબૂત હશે પણ એને વાપરનાર હાથ પણ મજબૂત હોવો જોઈએ ને !

السيف بالساعد لا الساعد بالسيف

અર્થાત: સ્વયં તલવારમાં વાઢકાપની શકિત હોતી નથી. પરંતુ તલવાર ચલાવનાર હાથોની કળા-શક્તિની ખૂબી હોય છે.

શરૂઆતમાં દારૂલ ઉલૂમ લુણાવાડામાં દર બીજા ત્રીજા દિવસે બૂમ પડતી કે ફલાણી જગ્યાએ સાંપ નીકળ્યો છે, અને મવલાના ઇકબાલ સાહબ તેમજ મવ. યાકુબ ભડકોદ્રવી સા. લાઠીઓ લઈને ત્યાં પહોંચી જતા અને સાપને મારીને જ દમ લેતા.

ઈ.સ. ૨૦૨૩માં મવલાનાને હાર્ટએટેક આવ્યું હતું, એ એટેક ઘણું જ ઘાતક પુરવાર થયું, ભરૂચ હોસ્પિટલમાં આપને એન્જોપ્લાસટી કરવામાં આવી હતી, લગાતાર ઈલાજ ચાલુ હતો, પરંતુ '"મરજ બઢતા ગયા જૂં જૂં દવા કી" મવલાનાની કમજોરી દિન પ્રતિ દિન વધતી જ ગઈ અને જીવનના અંતિમ દિવસોમાં પથારીવશ થઈ ગયા હતા, અંતે તકદીરનું લખાણ ગાલિબ આવ્યું અને અલ્લાહના બુલાવા પર લબ્લૈક કહી ગયા. ઈન્ના લિલ્લાહિ વ ઈન્ના ઈલયહિ રાજિઉન.

તા. ૧૩ સપ્ટેમ્બર ૨૦૨૩ના રાત્રે ઈશા બાદ માદરે વતન ખાનપુરના કબ્રસ્તાનમાં મર્હુમની દફનવિધિ કરવામાં આવી, ગામવાસીઓ, સગાસંબંધીઓ, જામિઅહ ઉલૂમુલ કુર્આનના ઉસ્તાદો, મવલાનાના શાગિર્દોનો બહોળોવર્ગ અને અન્ય આલિમોના જમ્મેગફીરે જનાઝામાં શિર્કત ફરમાવી હતી. જનાઝાની નમાઝ મુફતી અહમદ દેવલવી સાહબે (મોહતમિમ જામિઅહ ઉલૂમુલ કુર્આન) પઢાવી હતી.

મવલાના પોતાની પાછળ બેવહ, બે પુત્રો, ચાર પુત્રીઓને છોડી ગયા છે. મવલાનાના બંને પુત્રો માશાઅલ્લાહ હાફિઝે કુર્આન અને આલિમે દીન છે. તે ઉપરાંત અસંખ્ય શાગિર્દો આપના માટે સવાબે જારિયહ છે. અલ્લાહ તઆલા મર્હુમને જન્નતુલ ફિરદૌસ નશીબ ફરમાવે અને પસમાંદગાને સબ્રે જમીલ નશીબ ફરમાવે. (આમીન)

આસ્માં તેરી લહદ પર શબનમ અફશાની કરે 

નૂર સે મામૂર યે ખાકી શબિસ્તાં હો તેરા......

મૌલાના ઈકબાલ સા. ફલાહી ખાનપુરી (રહ.)ની અમુક વાતો

રજૂઆત : મૌલાના અબ્બાસ સા. બાબર (દેવલવી) ઉસ્તાદે ફિકહ, જામિઅહ જંબુસર,

હઝરત મૌલાના ઈકબાલ સા. (રહ.) નો જન્મ ૧ / જુન / ૧૯૪૯ ના રોજ જંબુસર તાલુકાના નાનકડા ગામ ''ખાનપુરદેહ''માં ખેડૂત પરિવારમાં થયો હતો. તેમના માતા-પિતા એકદમ સાદા અને ગરીબ હતા, આપ (રહ.) નો ઉછેર જો કે ગરીબી અને અતિ સાદગીમાં થયો હોવાથી સાદગી અને વિનમ્રતા આપ (રહ.)ની ટેવ તથા સ્વભાવ બની ગયો હતો.

આપ (રહ.) એ દુન્યવી અને દીની તાલીમ પોતાના પ્યારા વતન ખાનપુરદેહમાં પ્રાપ્ત કરી, જો કે બાળપણથી જ ખૂબ હોશિયાર અને મહેનતું હોવાથી ભણવા તથા પઢવામાં પણ ખૂબ જ હોશિયાર હતા. પ્રાથમિક મકતબની તાલીમ પૂર્ણ કર્યા પછી માતા પિતા સાથે ખેતી કામમાં પ્રવૃત્ત થઈ ગયા પરંતુ આપને નાનપણથી જ દીની તાલીમનો શોખ અને જિજ્ઞાસા હોવાના કારણે અલ્લાહ તઆલાએ તેમની આ નેક તમન્ના પૂર્ણ કરવાનો ફેસલો કર્યો. આ વિશે તેઓ સ્વયં ફરમાવે છે :

"પ્રાથમિક તાલીમ પૂર્ણ કર્યા પછી હું મારા માતા-પિતા સાથે ખેતીકામમાં લાગી ગયો, એવામાં મને જાણ થઈ કે ગામના ૧૧-૧૨ છોકરાઓ અરેબિક ઉચ્ચ તાલીમ અર્થે તડકેશ્વર (જી. સુરત) જઈ રહયા છે, તો હું પણ થોડી ઘણી તૈયારી કરી ગામના છોકરાઓના (નસીબદાર) સમુહ સાથે થઈ ગયો, (અલ્હદુલિલ્લાહ!) તડકેશ્વર દારૂલ ઉલૂમમાં અમારા બધાનો દાખલો પણ થઈ ગયો."

દારૂલ ઉલૂમ તડકેશ્વરનો વિધાર્થીકાળ તથા ઉસ્તાઝો

મૌલાના મર્હુમે દારૂલ ઉલૂમ તડકેશ્વર (જી. સુરત)માં ફારસીથી લઈ દૌરએ હદીસ શરીફ સુધીની સંપૂર્ણ તાલીમ મેળવી, આપ (રહ.) હોશિયાર-પ્રવિણ અને સમજદાર હોવા ઉપરાંત ખૂબ જ મહેનતું હતા, જેથી તેઓ પોતાના વર્ગમાં સદા પ્રથમ ક્રમે ઉત્તિર્ણ થતા, જેના લઈ તેઓ પોતાના તમામ માનનીય ઉસ્તાદોના ચહીતા અને લાડલા બની ગયા હતા, સવિશેષ તે સમયના દારૂલ ઉલૂમ તડકેશ્વરના શેખુલ હદીસ બલકે સંસ્થાના સૌ પ્રથમ શેખુલ હદીસ હઝરત મૌલાના તકિયુદ્દીન નદવી મઝાહિરી સા. (મુ.ઝી.) (અત્યારે સ્થાયી : અલ ઐન યુનિ. સંયુક્ત આરબ અમીરાત–યુ.એ.ઈ) સાથે નિકટના સંબંધો હતા, જે મૃત્યુની ઘડી સુધી રહયા. માનનીય ઉસ્તાદ સા. હઝરત મૌલાના ઈકબાલ સા. (રહ.)ને ભારતના મુઝફફરપૂરમાં પોતાના સ્થાપેલ મદ્રસામાં વિશેષ આમંત્રણ આપી બોલાવતા રહેતા હતા.

તે સમયે દારૂલ ઉલૂમ તડકેશ્વરના મોહતમિમ પદે હઝરત મૌલાના ગુલામ નુરગત સાહેબ હતા, અન્ય ઉસ્તાઝોમાં હઝરત મૌલાના મુફતી અહમદ બેમાત સા. (રહ.), હઝરત મૌલાના સય્યિદ ઝુલફિકાર (રહ.), હઝરત મૌલાના શેર અલી પઠાણ (રહ.), હઝરત મૌલાના અબ્દુલ્લાહ સા. કાપોદ્રવી (રહ.)ના નામો મોખરે છે, તમામ ઉસ્તાદો સાથે આપનો સંપર્ક અને સંબંધ સદા લાગણીભર્યો રહયો. આપના ઉસ્તાદો પણ આપ (રહ.) પર અતિશય મહેરબાન હતા.

દારૂલ ઉલૂમ દેવબંદમાં પ્રવેશ

દારૂલ ઉલૂમ તડકેશ્વરમાં આલિમ કોર્ષ પૂર્ણ કરી, આગળ ઉચ્ચ તાલીમ અર્થે તેઓ દારૂલ ઉલૂમ દેવબંદ તશરીફ લઈ ગયા, ત્યાં પ્રવેશ પરીક્ષા આપી અને સારા માર્કસે ઉત્તિણ થયા અને ત્યાર પછીના વર્ષે ફરીવાર દૌરએ હદીસ શરીફમાં દાખલો લીધો અને ત્યાંના વિદ્વાન બુઝુર્ગ ઉસ્તાદો પાસે દૌરએ હદીસની કિતાબો પઢવાનું બહુમાન મેળવ્યું.

તે સમયે જામિઅહ જંબુસરના સ્થાપક મૌલાના મુફતી અહમદ દેવલવી સા.(દા.બ.) અને જામિઅહના ભૂતપૂર્વ શૈખુલ હદીસ માનનીય મૌલાના મુફતી ઈસ્માઈલ સા. ભડકોદ્રવી (રહ.) પણ દારૂલ ઉલૂમમાં ઈલ્મ પ્રાપ્તિમાં મશ્ગૂલ હતા અને ત્યાં આ બુઝુર્ગ ત્રિપુટીનું ખાવું, રહેવું, સુવું એકી સાથે રહેતું.

દીની સેવાઓ

દારૂલ ઉલૂમ દેવબંદથી ફારિંગ થયા પછી પ્રારંભિક અમુક વર્ષ આપ (રહ.) એ આસપાસના ગામડાઓમાં પ્રાથમિક દીનિયાત તથા નાઝિરા કુર્આનની સેવા બજાવી, ત્યાર પછી તેઓ દારૂલ ઉલૂમ લુણાવાડા તશરીફ લઈ ગયા, ત્યાં મર્હુમે અતિ ઉત્સાહ, પરિશ્રમ અને ખંત સહિત દીની સેવાની શરૂઆત કરી, આપના શિરે પ્રાથમિક કિતાબોની જવાબદારી હતી, તદઉપરાંત આપને ત્યાંના મોહતમિમ સાહેબે વ્યવસ્થાપક (નાઝિમ) ની જવાબદારી પણ સોંપી હતી, જેથી તલબાએ કિરામની તરબિયત-કેળવણી - દેખરેખ તરફ પણ આપ વિશેષ ધ્યાન આપતા, તેમજ હઝરત મર્હુમને બાંધકામનો પણ એટલો જ શોખ હતો, જેથી સંસ્થાની બાંધકામ પ્રવૃત્તિઓ પણ આપના શિરે હતી. બાંધકામ ક્ષેત્રે આપે અનેક ઘણી કુરબાનીઓ આપી. આ રીતે આપ (રહ.) દારૂલ ઉલૂમ લુણાવાડામાં સતત ૧૭ વર્ષ સુધી નિખાલસભાવે સેવા બજાવી.

જામિઅહ જંબુસરમાં....

જામિઅહ જંબુસરના સ્થાપક અને મોહતમિમ હઝરત મૌલાના મુફતી અહમદ સા. દેવલા (દા.બ.)ની સાથે ઓળખાણ તો વિદ્યાર્થીકાળથી જ હતી, વળી દારૂલ ઉલૂમ લુણાવાડામાં પાંચ વર્ષ સાથે પઢાવવાનો મોકો પણ મળ્યો એટલા માટે મૌલાના મર્હુમની ખુબીઓથી જામિઅહના સ્થાપક સારી રીતે પરિચિત હતા, માટે ઈ.સ. ૧૯૮૯માં જામિઅહના આરંભિક દિવસોમાં જયારે કે ન કોઈ ઈમારત હતી અને ન તો કોઈ માલિકી, બલકે કહી શકાય કે નાનકડો છોડ હતો ત્યારે જામિઅહના સ્થાપકે મૌલાના મર્હુમને જંબુસર પઢાવવાનું આમંત્રણ આપ્યું. હઝરત મર્હુમે મુફતી સા. (દા.બ.)ના આ નિમંત્રણને સ્વીકારી પોતાના વિસ્તારનો હક અદા કરવાની ભાવના સાથે જામિઅહ જંબુસરમાં ચાલ્યા આવ્યા. જામિઅહ તે દિવસોમાં જંબુસર બસ ડેપો પાસે ભાડાના મકાનમાં ચાલી રહયો હતો, એક જ જગ્યાએ તલબાનું ખાવું, પીવું, રહેવું અને પઢવું વગેરે રહેતું. ચાર- પાંચ નાનકડા ઓરડાઓમાં બે વર્ષ સુધી આ રીતે ચાલતું રહયું અને તાલીમ પણ માત્ર દીનિયાત સુધીની જ થતી હતી. મૌલાના (રહ.) અતિ ઉત્સાહ અને નિખાલસભાવે સેવામાં લાગી ગયા, આ બે વર્ષના ગાળામાં જામિઅહના સ્થાપક મુફતી અહમદ સા. (દા.બ.) એ આ જગ્યા (જયાં અત્યારે જામિઅહ મૌજૂદ છે) વેચાણે લઈ લીધી હતી અને મર્હુમને મુખ્ય સંચાલક બનાવ્યા, તેમજ બાંધકામની બધી જવાબદારી મૌલાના મર્હુમને સોંપી દીધી હતી, જેથી મૌલાના મર્હુમે આ કામને અંજામ આપવા હેતુ પોતાની આવડત, અનુભવ, તનતોડ મહેનત સહિત રાત દિવસ એક કરી દીધા. નકશો જાતે તૈયાર કરતા અને અમુક અન્ય એન્જીનિયરોની પણ મદદ લીધી. બાંધકામ ધીરે ધીરે આગળ વધતુ રહયું અને મદ્દસો બે વર્ષની ટુંકી મુદ્દત એટલે કે ઈ.સ. ૧૯૯૧માં હાલની જગ્યાએ સ્થળાંતર થયો (જયાં સાત કલાસો બની ગઈ હતી). ધીરે ધીરે તાલીમ અને બાંધકામ ક્ષેત્રે પ્રગતિ થતી ગઈ અને અત્યારે તો આ જામિઅહ એક વટવૃક્ષની જેમ આ વિસ્તાર જ નહીં બલકે સમગ્ર ગુજરાત અને સમગ્ર ભારતને પોતાની ઈલ્મી સુવાસથી સુગંધિત કરી રહયો છે. (યાદ રહે કે તે દિવસોમાં જામિઅહના સ્થાપક દારૂલ ઉલૂમ માટલીવાલામાં મુફતી અને હદીસના ઉસ્તાદની હેસીયતથી ભરૂચ ખાતે રહેતા હતા.) પરંતુ જંબુસર વધુ પ્રમાણમાં આવતા-જતા રહેતા હતા.

ત્યાર પછી અલ્લાહની કુદરત અને ફેસલાથી મૌલાના મુફતી અહમદ સાહેબ દેવલવી (દા.બ.) જામિઅહમાં સદા માટે તશરીફ લઈ આવ્યા અને આ બંને બુઝુર્ગ યોદ્ધાઓ સાથે મળીને કામ કરતા રહયા.

હઝરત મોહતમિમ સા.ના આગમન પછી હઝરત મૌલાના ઈકબાલ સા. (રહ.)એ પઢાવવાનું શરૂ કરી દીધું હતું, જેથી કેટલાયે વર્ષો સુધી આપ તફસીરે કુર્આન, રિયાઝુસ્સાલિહીન અને ગુલિસ્તાંના દર્સ (પાઠ) આપતા રહયા. તેમજ મિશ્કાતુલ મસાબીહના અમુક પ્રકરણોનું લેકચર પણ આપતા હતા.

લેખન અને સંપાદન કાર્ય

મૌલાના (રહ.) વાંચન અને લેખનના ખૂબ શોખીન હતા, તેઓ પોતાના સંચાલનના સમય દરમિયાન દિવસમાં કેટલાયે પુષ્ઠોનું વાંચન કરી લેતા અને વળી તાલીમની જવાબદારીની સાથે તો તેમના વાંચનના શોખ – રુચિમાં અનેક ઘણો વધારો થયો. તેનું જ કારણ હતું કે સંચાલન અને શિક્ષણકાર્યની સાથે ઉર્દૂ-ગુજરાતીમાં આપે અનેક કિતાબો લખી નાંખી, જેની યાદી અત્રે પ્રસ્તુત છે : (૧) હજ ઔર ઉમરહ ફલાહી કે હમરાહ (ઉર્દૂ, ગુજરાતી, હિન્દી, અંગ્રેજી)(૨)ઉમરહ (ગુજરાતી) (૩) બેહનોં કી હજ (ગુજરાતી) (૪) ઈબાદુર્રહમાન (ઉર્દૂ) (૫) કુદરતે ખુદાવંદી (ઉર્દૂ) (૬)ઝિયારતે મદીના મુનવ્વરહ (ગુજરાતી) (૭) હજ કે પાંચ દિન (ગુજરાતી) (૮) હજ કા સાથી (ગુજરાતી) (૯) મોમિન કા હથિયાર (ઉર્દૂ) (૧૦) માહે રમઝાન ઔર રોઝે (ઉર્દૂ) (૧૧) પ્યારી બાતેં દિલ કે પ્યારોં કે લિયે (ઉર્દૂ) (૧૨) સ્માર્ટફોન (ગુજરાતી) (આ પૈકી હજ ઔર ઉમરહ ફલાહી કે હમરાહ નામી કિતાબ લોકોમાં ખૂબ જ મકબૂલ થઈ)

ખિતાબત (બયાન)

મૌલાના મર્હુમ કાબેલ આલિમ હોવા ઉપરાંત એક સારા પ્રવક્તા પણ હતા, જામિઅહના જલસાઓમાં વર્ષો સુધી તેમના શાનદાર બયાનો પ્રવચનો અમે સાંભળ્યા છે.

મારા ઉપર વિશેષ ઉપકારો

મૌલાના મર્હુમના મારા ઉપર અનેક ઉપકારો છે, જેમાંથી અત્રે હું એક ઘટના આપ સમક્ષ રજૂ કરી રહયો છું. જયારે હું ઈ.સ. ૧૯૯૦માં જામિઅહ જંબુસરમાં તાલીમી સેવા માટે આવ્યો તે વખતે જામિઅહમાં તાલીમ અને રહેણાંક માટે અલગથી કોઈ વ્યવસ્થા ન હતી, ત્યાં ભાડાના મકાનમાં જ તાલીમ પણ થતી અને તલબાનું ખાવા-પીવા અને રહેવાનું પણ તે જ મકાનમાં હતું. મારા માટે પણ ફેમિલી સાથે રહેણાંકની મોટી સમસ્યા હતી, જેથી મેં મૌલાના ઈકબાલ સાહેબ સમક્ષ મકાન બાબતે વાત મૂકી તો મૌલાનાએ મને પોતાના ઉપર અગ્રિમતા આપી અને ફરમાવ્યું કે હું જે મકાનમાં રહેવા માટે આવવાનો છું તમે ત્યાં ચાલ્યા આવો, હું મારી ફેમેલીની ખાનપુર રહેવા દઉં છું, જેથી તે જ ઘડીએ હું ફેમિલી સહિત રહેવા માટે આવી ગયો, આ મૌલાનાનું મારા પર મોટુ એહસાન છે. આ રીતે અમે બંને સતત ૨૨ વર્ષ સુધી એક બીજાના પડોશી બનીને રહયા.

બીમારી અને વફાત

આશરે પાંચ-છ વર્ષ પહેલાં હઝરત મૌલાનાને હૃદય હુમલો આવ્યો અને ભરૂચ ખાતે ડિવાઈન હોસ્પિટલમાં આપની સારવાર થઈ, બલુન છોડવામાં આવ્યું ત્યાર પછી આપ બિલકુલ સાજા પણ થઈ ગયા હતા. પરંતુ અતિ કાળજી અને પરેજીના કારણે આપ ખૂબ ઓછો ખોરાક લેતા હતા, અને તે પણ એકદમ સાદો ખોરાક જેના કારણે તેઓ ખૂબ અશકત અને કમજોર પડી ગયા હતા. જો કે તેમને પહેલા પણ કંપવાની બીમારી હતી જ, તે પણ વધી ગઈ હતી, તેમ છતાં મૌલાના મર્હુમ પાબંદી સહિત મદ્રસે આવતા અને પોતાની પ્રવૃત્તિઓમાં પ્રવૃત્ત રહેતા હતા.

પરંતુ વફાતથી લગભગ દોઢ-બે માસ પહેલા આપ પડી ગયા જેના કારણે આપનો પગ ભાંગી ગયો, જેનું ઓપરેશન પણ થયું અને સફળ પણ રહયું અને ફરીવાર પોતાનું કામ શરૂ હતું કે પાછા પડી ગયા અને ફરી પણ પહેલા જયાં ઓપરેશન કર્યુ હતું તેમાં જ તકલીફ ઉભરી અને આપ આ અવસ્થામાં છેલ્લા એક મહિનાથી પથારીવશ હતા, અંતે તા. ૨૬ સફર ૧૪૪૫ હિજરી / અંગ્રેજી તા. ૧૩ સપ્ટેમ્બર ૨૦૨૩ના બુધવારના દિવસે અલ્લાહની રહમતમાં પહોંચી ગયા. ફ-રહમતલ્લાહિ રહમતંવ્ વાસિઅહ.. તેમની અંતિમવિધિ તેઓના પ્યારા વતન ખાનપુરદેહ ખાતે કરવામાં આવી, જનાઝાની નમાઝમાં તેમના સુભેચ્છકો, શાગિર્દો, આલિમો, સગાં-સંબંધીઓ તથા મિત્રોની જનમેદની ઉમટી પડી હતી. તેમની જનાઝાની નમાઝ જામિઅહના મોહતમિમ હઝરત મુફતી અહમદ સા. દેવલા (દા.બ.)એ પઢાવી હતી.

અંતમાં દુઆ છે કે અલ્લાહ તઆલા હઝરત મૌલાના (રહ.)ને પોતાના મકબૂલ અને નિકટના બંદાઓની યાદીમાં સ્થાન નસીબ કરે, તેમના દરેક સદકર્મોને કબૂલ ફરમાવે અને તેમના માટે સવાબે જારિયહ બનાવે, સર્વ પરિવારજનોને ધીરજ નસીબ ફરમાવે. અને મૌસૂફ (રહ.) એ પોતાની પુરાય ન એવી ખોટ છોડી છે તેને પોતાની કુદરતથી પુર ફરમાવી દે. (આમીન)

જામિઅહને એક અન્ય આઘાત

આહ ! હઝરત મવ. ઈકબાલ ફલાહી (રહ.)

મુસ્લિમ જગત અને આલમે ઇસ્લામ માટે સૌથી મહાન અને આઘાતજનક બાબત હઝરત મુહમ્મદ (સલ.)ની વફાત અને દુનિયાથી પરદા કરી જવાનો બનાવ છે. થોડા દિવસની માંદગી પછી અલ્લાહના રસૂલ (સલ.)નું ''રફીકે આ'લા'' ની મુલાકાતને પ્રધાન્ય આપવું સહાબએ કિરામને બેહોશ કરી દેવા માટે કાફી હતું. હઝરત ઉમર (રદિ.) જેવા વ્યકિત વફાતને માનવા માટે તૈયાર તો ન જ હતા, ઉપરાંત અન્ય કોઈની ગરદન ઉડાવી દેવાનું એલાન કરી ચુકયા હતા, ખરેખર આપની વફાતથી વધીને કોઈ સદમો શું હોઈ શકે ! એવા કપરા સમયે હઝરત અબૂબક્ર સિદ્દીક (રદિ.) એ ઉમ્મતની કમાન સંભાળી અને ઉમ્મતને

 وَمَا مُحَمَّدٌ إِلَّا رَسُولٌ قَدْ خَلَتْ مِنْ قَبْلِهِ الرُّسُلُ ---- الخ

જેવી આયતોથી પોતાના બોધપાઠની શરૂઆત કરી અને ઉમ્મતને હિંમત તથા આશ્વાસન આપ્યું અને વફાત પછીના અન્ય કામો અંજામ આપ્યા.

દુનિયા અને દુનિયાની દરેક વસ્તુ સજીવ હોય કે નિર્જીવ હોય, વ્યક્તિગત રીતે કે સામુહિક રીતે વિનાશ પામવાની જ છે કુર્આન શરીફના આદેશ અનુસાર કોઈ પણ વ્યકિત અમર નથી, નિર્ધારિત સમયે આ દુનિયાને છોડીને જવાનું છે, દુનિયામાં મનુષ્ય જવા માટે જ આવે છે, ના કે હંમેશા રહેવા માટે.

જામિઅહ જંબુસર એટલે ઈલ્મી, અમલી, તા'લીમી, તબ્લીગી, રૂહાની, જિસ્માની શુદ્ધિકરણ અને ઈસ્લાહનું મધ્યબિંદુ જેવા સ્થળે છેલ્લા એક વરસમાં ખાનપુર જેવા જગવિખ્યાત મશ્હૂર ગામના બે આલિમો અર્થાત હઝરત મવલાના અ. રશીદ નદવી (ઉસ્તાદે હદીષ, જામિઅહ જંબુસર) (રહ.) અને ત્યાર પછી અત્યારે હઝરત મવલાના ઈકબાલ ફલાહી સા. (નાઝિમે આ'લા, જામિઅહ જંબુસર) આપણને છોડીને દારે બકા- હંમેશાં બાકી રહેનાર જગત તરફ ચાલ્યા ગયા. ઈન્ના લિલ્લાહિ વ ઈન્ના ઈલયહિ રાજિઉન

હઝરત મવ. ઈકબાલ સા. નો જન્મ ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના ખાનપુરદેહ ગામે ઈ.સ. ૧૯૪૯માં થયો હતો, ગામમાં મકતબ અને પ્રાથમિક શાળાની તાલીમ પુરી કર્યા પછી આશરે ૧૯૬૪માં દીની ઉચ્ચ તાલીમ લેવા માટે તે સમયે નવોદિત એવા દારૂલ ઉલૂમ ફલાહે દારૈન તડકેશ્વરમાં અન્ય તલબા સાથે દાખલો મેળવ્યો.

દારૂલ ઉલૂમ ફલાહે દારૈનના મોહતમિમ અને રઈસ હઝરત મવલાના અબ્દુલ્લાહ સા. કાપોદ્રવી (રહ.) ની નજર શરૂથી જ મવ. ઈકબાલ ફલાહી (રહ.) ઉપર પડેલ, અને રઇસ (રહ.)ની તાલીમ- તર્બિયત હેઠળ મર્હુમ (રહ.) કાપોદ્રવી સા. (રહ.) ના મંઝૂરે નજર બન્યા અને ફલાહે દારૈનના તે સમયના ઉચ્ચ કક્ષાની સલાહિય્યતો ધરાવતા એવા હઝરત મવલાના તકિયુદ્દીન નદવી દા.બ, મવ. મુફતી અહમદ બેમાત (રહ.), મવલાના ઝુલફિકાર ગ્વાલ્યરી (રહ.) અને મવલાના શેરઅલી (રહ.), મવ. યાકુબ દેસાઈ (રહ.) જેવા અન્ય અસાતિજએ કિરામ પાસેથી તાલીમ મેળવેલ, રઈસે ફલાહે દારૈન હઝરત મવ. અબ્દુલ્લાહ સા. કાપોદ્રવી (રહ.)ના મશવેરાથી આપ દારૂલ ઉલૂમ દેવબંદ પહોંચ્યા હતા.

ફરાગત હાસિલ કર્યા પછી તાઝિય્યતી ઈજલાસમાં સાંભળવા મળ્યું કે મર્હુમે ખાનપૂર અને ઈસ્લામપૂર તા. જંબુસરમાં પણ મકતબની તાલીમની ખિદમત બજાવી હતી.

દારૂલ ઉલૂમ તાલીમુલ ઈસ્લામ લુણાંવાડામાં હઝરત મર્હુમ (રહ.) એ ઘણાં વરસો તાલીમી, તામીરી, વ્યવસ્થાકિય જેવી અનેક ખિદમતો અંજામ આપેલ, રઈસે ફલાહે દારૈન (રહ.) એ મર્હૂમને અરબી વ્યક્તૃત્વતાની કિતાબ સફીનતુલ બુલગાની તશરીહ-સ્પષ્ટિકરણ કરવાનું કામ સુપરત કરેલ પરંતુ અન્ય કામોના લઈ તે કામ પૂર્ણ થઈ શકયું નહીં.

જામિઅહ જંબુસરના સ્થાપક હઝરત મવલાના મુફતી અહમદ સા. દેવલવી દા.બ. તથા અન્ય ઉલમા અને બુઝુર્ગોએ જયારે જંબુસરમાં સ્થાપના કરી તેવા શરૂના દિવસોમાં જ હઝરત મુફતી અહમદ સા. ની નજર મર્હૂમ ઉપર પડી અને આપ લુણાવાડા છોડી જંબુસર આવી ગયા. મોહતમિમ સાહબની ગેરહાજરીમાં મર્હુમે ઘણી વફાદારી અને ધગશથી કામ જારી-સારી રાખ્યું.

જામિઅહ જંબુસરની જમીનો, ઈમારતો, શાખાઓ આપ બન્ને બુઝુર્ગોની મહેનતોનું જીવતુ-જાગતું પરિણામ છે, જામિઅહ જંબુસર અલ્લાહના ફઝલો કરમથી અને બુઝુર્ગોની દુઆઓથી અન્ય દારૂલ ઉલૂમોની હરોળમાં ઉભો થઈ ગયો, અલ્લાહ પાક મોહતમિમ સા.ની ઉમરમાં બરકત અતા ફરમાવે. (આમીન)

મવ. ઈકબાલ સા. સાથે ઈ.સ. ૧૯૯૬થી આજ દિન સુધી સાથે રહેવાનું નસીબ થયું. મવલાના (રહ.)ના દિમાગમાં કોઈ કામ કરવા બાબત વિચાર આવી જતો તો તે કામની ધૂન સવાર થઈ જતી અને કોઈ પણ કાજે તે કામ પુરું કરતા. કોમ્પ્યુટર જયારે શરૂ શરૂમાં જંબુસરમાં આવ્યું ત્યારે અમુક જાણકારને બોલાવી શીખવાનું ચાલુ કર્યુ અને જામિઅહનું બધું કામ કોમ્પ્યુટર પર કરવાનું આપે શરૂ કર્યુ.

ઈ.સ. ૧૯૯૬માં જયારે જામિઅહ જંબુસરમાં મારી નિમણુક થઈ તે વખતે એહલે હદીષ-ગેરમુકલ્લિદ જમાત સાથે લેખિત મુનાઝિરો ચાલતો હતો, કયારેક તે લોકો તરફથી કોઈ પમ્ફલેટ અસર-મગરિબની વચ્ચે મળતું અને તાત્કાલિક તેનો જવાબ તૈયાર કરવામાં આવતો પછી મોડી રાતે મવલાના ઈકબાલ સા. (રહ.) કોમ્પ્યુટર ઉપર લખી કાઢતા અને રાતે જ ઝેરોક્ષ કઢાવી બીજા દિવસે સવારે ફજરની નમાઝ સમયે અમુક તલબાને જંબુસરની મસ્જિદોમાં રવાના કરી પરચાઓ વહેંચી આપતા હતા.

શરૂના અમુક વરસો સુધી હું જામિઅહની કલાસમાં રહેતો હતો, રાત્રીના સમયે મવલાના પાસે કોમ્પ્યુટર રૂમમાં બેસવાનો સમય મળતો, એક વખતે જંબુસર શહેરમાંથી એક હિન્દુભાઈનો ફોન આવ્યો કે કોમ્પ્યુટર નવું લીધુ છે અને મોનિટર ઉપર વાયબ્રેશન થાય છે. આટલું સાંભળી તુરંત જ મવલાનાએ તે હિંદુભાઈને કહ્યું કે સી.પી.યુ.ને મોનિટરથી દૂર રાખો, તે ભાઈએ દૂર કર્યુ અને કોમ્પ્યુટર બરાબર ચાલુ થઈ ગયું, તે વડીલે ખુશ થઈને મવલાનાની મુલાકાતે આવવાની રજા માંગી, મવલાનાએ કહ્યું આવી જાય, તે ભાઈ મિઠાઈ લઈને આવ્યા, ખુશ થયા અને મવલાના ઈકબાલ સાહેબને પૂછવા લાગ્યા કે તમે કંઈ કોલેજમાં ટ્રેનિંગ લીધી હતી ?! મવલાનાએ જવાબ આપ્યો : એમ.ટી.બી. કોલેજમાં, સામેવાળા ભાઈએ પૂછ્યું બરોડા કે સુરતમાં ? ત્યારે મવલાનાએ જવાબ આપ્યો કે મેં કોઈ કોલેજમાં તાલીમ લીધી નથી, "એમ.ટી.બી." એટલે "મારી ઠોકીને બેસાડી દેવું' આ વાકય સાંભળી તે ભાઈ ઘણા પ્રસન્ન થયા અને મદ્રસામાં અપાતી ધાર્મિક તાલીમ બાબત તેઓએ જાણકારી મેળવી.

મવલાનાએ ઉર્દુ—ગુજરાતી અનેક કિતાબો લખેલ છે, જેમાંથી "હજ અને ઉમરહ ફલાહીની હમરાહ" ઘણી મકબૂલ થઈ, દર વરસે ગુજરાતમાં હાજીઓને આપવામાં આવે છે અને હજ માટે જનાર સ્ત્રીઓ-પુરુષો તે કિતાબથી લાભ ઉઠાવે છે.

મવલાના અનેક સિફતો, અખ્લાક, ગુણોના માલિક હતા, જે મવલાનાની જન્નતી હોવાની નિશાની છે. આપના અનેક શાગિર્દો આપના માટે સદકએ જારિયહ છે. આપના ઈલ્મથી અનેક લોકો ફાયદો ઉઠાવી રહયા છે અને ઉઠાવશે, આપની અવલાદમાં ચાર દિકરીઓ અને બે દિકરાઓ છે બંને દીકરાઓ હાફિઝ, કારી, આલિમ છે જેમાંથી એક તો મર્હૂમની હયાતીમાં જ મોહતમિમ સા.ની નિમણૂક કરવાથી જામિઅહમાં તાલીમ આપે છે.

અલ્લાહ પાક મર્હૂમની બાલ-બાલ મગફિરત ફરમાવે, આપને જન્નતુલ ફિરદોસમાં ઉચ્ચ સ્થાન નસીબ ફરમાવે અને આપના પરિવારને સબ્રે જમીલ નસીબ ફરમાવે, મર્હૂમની હયાતીમાં અલ્લાહ પાક મર્હૂમના પરિવારજનોને જે જે નેઅમતોથી નવાઝતો હતો તેનાથી નવાઝેલા રાખે.

ઈ દુઆ અઝ મન વ અઝ જુમલા જહાં આમીન બાદ. આમીન સુમ્મ આમીન

વર્તમાન જામિઅહના રચનાકાર

હઝ. મવ. ઇકબાલ ફલાહી રહ.

હઝ.મવ. મુફતી ઇબ્રાહીમ બરોડવી. યુ.કે.

મખદૂમ વ મુરબ્બી હઝરત મવલાના મુફતી અહમદ સાહબ દેવલા(દા.બ.)નો ફોન મુજ નાચિજ પર આવ્યો,જેમાં આપે ફરમાવ્યું કે હઝરત મવલાના ઈકબાલ સાહબ ખાનપૂરી(રહ.)સાથે રહેવા અને તેમના તાબા હેઠળ પઢાવવાનું સૌભાગ્ય તને પણ પ્રાપ્ત થયું છે,માટે આપના વિશે અમુક બાબતો લેખિતમાં આપ, જેથી અલ–બલાગ વિષેશાંકમાં તેનો સમાવેશ કરવામાં આવે,મુરબ્બી,વડીલ અને બુઝુર્ગોના હુકમનો આદર કરવું શરઈ દ્રષ્ટિએ પણ જરૂરી છે અને ઈસ્લામી સંસ્કાર પણ છે, તેના લઈ મવલાના ઈકબાલ સાહબ ખાનપુરી (રહ.)વિશે અમુક વાતો રજૂ કરી રહયો છું,જે આપણા સૌ માટે અનુકરણ કરવા પાત્ર છે.

સન ૧૯૯૩થી સન ૧૯૯૮સુધીના વર્ષો મારા પઢાવવા અને તદરીસનો શરૂનો સમયગાળો હતો,જયારે હું જામિઅહમાં પઢાવતો-તદરીસી ખિદમત બજાવતો હતો, તે સમયે જામિઅહ ઉલૂમુલ કુર્આન,જંબૂસરની સ્થાપનાના શરૂના વર્ષો હતા,

મખદૂમ વ મુરબ્બી હઝરત મુહતમીમ સાહબ મુફતી અહમદ દેવલા(દા.બ.)તે સમયે માટલીવાલા-ભરૂચમાં એક ઉસ્તાદ તરીકે ખિદમત બજાવતા હતા,જેના લઈ જામિઅહને કોઈ એવા વ્યકિતની જરૂર હતી,જે પોતાની જાત જામિઅહને સમર્પિત કરી હમેંશા ત્યા હાજર રહે,જામિઅહના તા'મીરી કામોમાં ધ્યાન આપવાના સાથે મદરસાનું પણ સંચાલન કરે વિગેરે, તેના માટે અલ્લાહ તઆલાએ હઝરત મવલાના ઈકબાલ સાહબ ખાનપુરી(રહ.)ને નેઅમત સ્વરૂપમાં આપ્યા અને આપે આ બધી જ જવાબદારીઓ ઘણી અમાનતદારી અને ચોકસાઈ પુર્વક બજાવી.

આપ(રહ.)દરેક રીતે મારાથી મોટા અને નાઝિમ હોવા છતાં દરેક ઉસ્તાદ તેમજ નાના-મોટા કામદારો સાથે ખુબજ વિનમ્રતા અને મુહબ્બતથી માન આપી વાતચીત કરતા,જામિઅહના સ્ટાફ કવાટર્સમાં હું અને આપ(રહ.) ઉપર-નીચે રહેતા હતા, જેથી કહી શકાય કે મને આપની પડોસમાં રહેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે,અને આપ(રહ.)ને ઘણાં નઝદીકથી જોવા અને સમજવાનો સમય મળ્યો,આપનો સ્વભાવ વિનમ્ર, પ્રેમાળ અને એક બીજાની મદદ કરી આગળ ધપાવવાનો હતો,આપ દરેક કાર્ય ઘણી જ ફિકરમંદી, ધગસ, ઉત્સાહ અને ધ્યાનપુર્વક કરતા હતા.

તે સમયે કમ્પ્યુટરનો ઉપયોગ વધુ ન હતો,ઘણાં લોકો તેમાં લખવું અને તેનાથી ફાયદો ઉઠાવવાની રીતથી વાકેફ ન હતા,આપ(રહ.)એ પણ તેના માટે કોઈ ખાસ કોર્ષ કરી તેની તાલીમ પ્રાપ્ત કરી ન હતી, તેમ છતાં આપ(રહ.)કમ્પ્યુટરથી ફાયદો ઉઠાવતા,વિષેશરૂપે જામિઅહની ઓળખ આપવા અને જામિઅહ માટે દુઆની ગુજારિશ કરવા દેશ-વિદેશના ઉલમાએ કિરામને અરબી, ઉર્દુ તેમજ ગુજરાતીમાં કમ્પ્યુટર પર પત્ર લખતા હતા,તે સમયે આ પ્રમાણે લખવાનો રિવાજ ઓછો હતો.

આપે પોતાનું જીવન જામિઅહ માટે સમર્પિત કર્યું હતું,આપ(રહ.) મદરસાના વખત સિવાય બીજા વખતમાં પણ હાજર રહેતા, આપને કયારે પણ સમય પર આવી સમય પુરો થતા જતા રહેતા નથી જોયા, હમેંશા મદરસાના સમય પહેલા તશરીફ લાવતા અને સમય પુરો થયા બાદ મદરસાના કામોમાં વ્યસ્ત રહી મોડેથી જતા હતા અને હમેંશા મદરસાની ઓફિસમાં અથવા જયાં પણ તા'મીરી કામ ચાલુ હોય,ત્યાં રહી સેવા આપતા રહેતા,

ત્યાં સુધી નિહાળ્યું કે આપ કોઈ સફરથી પાછા ફરતી વેળાએ પહેલા ઘરે જવાની જગ્યાએ જામિઅહમાં જતા હતા અને ત્યાં જે પણ દેરરેખ અને કામકાજ હોતુ, તેને પુર્ણ કરીને જ ઘરે જતાં,જામિઅહની ઈમારતોની તા'મીરમાં આપે ઘણુ બલિદાન આપ્યુ છે, "મે" મહિનાની બપોરની ગરમી હોય કે નવેમ્બર-ડિસેમ્બરની કડકડતી ઠંડી હોય, આપ હમેંશા ઈજનેર બની ઉભા રહી નિગરાની અને દેખરેખ કરતા,તેમજ કામ કરનારાઓને જરૂરત પડતા માર્ગદર્શન પણ આપતા રહેતા હતા,આપને તા'મીરી કામમાં ઘણી કુશળતા,આવડતના સાથે સાથે રૂચિ પણ હતી, જેના લઈ આપ જાતે જ નકશો તૈયાર કરી જામિઅહના સ્થાપક અને મુહતમીમ હઝરત મુફતી અહમદ સાહબ દેવલા(મ.ઝિ.)ના સમક્ષ રજૂ કરતા, આપ તરફથી લીલી ઝંડી મળતા જ તે મુજબ કામ શરૂ કરાવી આપતા.

મને ખૂબ યાદ છે બલકે કહી શકાય કે આ બધુ મારી નજરો સમક્ષ આવી રહયુ છે કે તે દિવસોમાં જામિઅહના સ્થાપક અને મુહતમીમ હઝરત મુફતી અહમદ સાહબ દેવલા(મ.ઝિ.) માટલીવાલા-ભરૂચમાં પઢાવતા હોવાના લઈ દર બે ત્રણ દિવસે સાંજે જામિઅહમાં તશરીફ લાવતા,હઝરત મવલાના(રહ.) બે-ત્રણ દિવસની કારગુજારી આપની સામે રજૂ કરતા,ત્યાર બાદ બન્ને બુર્ઝગો જામિઅહની ઓફિસમાં બેસી મોડી રાત (૧૧:૩૦-૧૨:૦૦વાગ્યા) સુધી જામિઅહની તાલીમી,તરબિયતી અને તા'મીરી તરકકી વિશે વિચાર વિમર્શ કરતા,ત્યાર બાદ હઝરત મવલાના(રહ.)ઘરે પરત ફરતા અને મુહતમીમ હઝરત મુફતી અહમદ સાહબ દેવલા(મ.ઝિ.)ભરૂચ માટે રવાના થતા હતા.અલ્લાહ તઆલા બન્નેવ બુર્ઝગોની અનમોલ કુરબાનીઓ અને બલિદાનોને કુબૂલ ફરમાવી તેનો ખુબ બેહતર બદલો આપે.આમીન

અલ્લાહ તઆલા હઝરત મવલાના ઈકબાલ સાહબ(રહ.)ની કરવટ- કરવટ મગફિરત ફરમાવે,જન્નતુલ ફિરદૌસમાં આ'લા મકામ અર્પણ કરે, આપના પરિવારને સબ્ર આપે અને જામિઅહને આપના નિઅમુલ બદલથી નવાજે.આમીન.

હઝ. મવલાના ઇકબાલ ફલાહી રહ.એ સંપાદન

 કરેલ કિતાબો પર એક નજર અને ટુંક પરિચય

 —--------મુફતી ઝુબેર આમોદી, જામિઅહ જંબુસર

હઝરત મવલાના ઈકબાલ સાહબ ખાનપૂરી(રહ.)વિવિધ ખૂબીઓ ધરાવતા હતા, આપ(રહ.)પઢવા લખવાથી વિશેષ દિલચસ્પી રાખતા હતા, મદરસાના વ્યવસ્થાકિય કામો સાથે વધારાના સમયને ઉપયોગમાં લઈ મુતાલ'આ, વાંચનમાં મશ્ગૂલ રહેતા, તે દરમિયાન કોઈ વાત પસંદ આવતી, કોઈ લેખ ઉમદા જણાતો અથવા પોતાની ઝાતે સમજદારી અને સલાહિય્યતના કારણે કોઈ ખાસ વિષય પર લેખનકાર્ય દ્વારા કિતાબના સંપાદનનું તથા કિતાબોના દર્સને તેની તૈયારીના અનુસંધાને તેની ગાઈડ અને શરહના સંપાદનની જરૂરત જણાતી તો મવલાના(રહ.)તેને અલ્લાહ તઆલા તરફથી મોકલેલ નેક વિચાર સમજી તેની બિસ્મિલ્લાહ કરી દેતા અને તેને કિતાબનુ સ્વરૂપ આપવા માટે મંડી પડતા, હઝરત(રહ.)ની આ જ મુબારક આદત અને ઉમ્મતની ફિકરના લઈને લોકોના માગદર્શન માટે નાની-મોટી એક ડઝનથી વધુ કિતાબો અસ્તિત્વમાં આવી, અત્રે તે કિતાબોનો ટુંકમાં પરિચય નામો સહ લખવામાં આવે છે.

  (૧)હજ અને ઉમરાહ ફલાહીના હમરાહ : 

હઝરત મવલાના ઈકબાલ સાહબ ખાનપૂરી(રહ.)ની સુવિખ્યાત અને સૌથી વધુ સ્વીકૃતિ પામનાર કિતાબ છે,આપ(રહ.)એ પ્રથમ ઉમરહનો સફર કર્યો અને ત્યાર બાદ બીજા જ વર્ષે ઘરવાળાઓ સાથે હજ માટે તશરીફ લઈ ગયા હતા, ત્યાં હજ અને ઉમરાહ કરનાર લોકોની હજ અને ઉમરાહના આમાલની સહીહ અદાયગી સંબંધે ઘણી જ ગફલતને ઘણી જ નઝદિકથી નિહાળી, તેના લઈ મવલાનાના દિલમાં એક ફિકર જાગી અને ત્યાંથી જ પાકી નિયત સાથે પરત ફર્યા કે હજ ઉમરાહ સંબંધિત લોકોને માર્ગદર્શન માટે કિતાબ સંપાદન કરૂં અને આજ મુબારક ધરતીના નેક ઈરાદાને અમલી સ્વરૂપ આપતા આપે પ્રથમ હજ અને ઉમરાહની રીત અને મસાઈલ વિશે સદર કિતાબનું સંપાદન કર્યુ.

ઉપરોકત કિતાબમાં આપ(રહ.)એ હજ અને ઉમરાહની રીત,હજ- ઉમરાહના જરૂરી મસાઈલ વિગેરેને આસાન અને સરળ ભાષામાં લખ્યા છે, હજ-ઉમરાહ માટે ઘરેથી નિકળવાથી લઈ ઘરે પાછા આવવા અને પરત ફરવા સુધીની દરેક વાત શીખવાડી અને સમજાવી છે,જાણે આપ(રહ.)સાથે રહી હજ કરાવી રહયા હોય,તેમજ હજ દરમિયાન હાજીઓને ત્યાંના અરબી લોકો સાથે એરપોર્ટ તેમજ દુકાનો પર વાત-ચીત કરવામાં મુશ્કેલી ઉભી થતી હોય છે, માટે આપે હાલના સમયમાં પ્રચલિત અરબીક શબ્દોને કિતાબના અંતમાં લખ્યા છે, જેથી હાજીને અરબી લોકો સાથે વાતચીત કરવામાં મુશ્કેલી ઉભી ન થાય.કિતાબની શરૂમાં ફકીહ અને મુહદિસ હઝરત મવલાના મુફતી અહમદ સાહબ ખાનપુરી(મ.ઝિ)એ તકરીઝ લખી છે,જેમાં આપ લખે છેઃ "હઝરત મવલાના ઈકબાલ અલી ફલાહી ખાનપુરી સાહેબે કેટલીક મોઅતબર કિતાબોના અભ્યાસ પછી આ આશિકાના ઈબાદતની સહીહ અને મસ્નુન રીત ભાત આ કિતાબમાં જમા ફરમાવી છે, જેનો અભ્યાસ દરેક હાજી- હજીયાણી માટે આ અનોખી ઈબાદતને સહીહ અને સુન્નત તરીકાથી અદા કરવા માટે સહાયરૂપ અને ઉપયોગી થશે."

તેમજ ફકીહે વકત હઝરત મવલાના મુફતી ઈસ્માઈલ સાહબ ભડકોદ્રવી(રહ.)સદર કિતાબ વિશે અભિપ્રાય રજૂ કરતા લખે છેઃ "આ સફર ખાલિસ એક ઈબાદત માટે છે અને આ ઈબાદત લાંબી ઈબાદત છે,જે સામાન્ય રીતે પોતાના દેશથી દૂર બીજા દેશ(સઉદિય્યહ)ની એક લાંબી સફર કરીને અદા કરવાની છે,જુદી જુદી જગાઓએ તેના ફર્ઝો, વાજિબો અદા કરવાના છે અને તે જુદા જુદા વખતોમાં અદા કરવાના છે, એક મોટા માનવ સમૂહની સાથે રહીને અદા કરવાના છે, પોતાના વતનથી દૂર, સફરની હાલતમાં એક લાંબી ઈબાદત અદા કરવાની છે અને સામાન્ય રીતે પોતાના સ્થળ ઉપર રહીને અદા કરવામાં આવતી દૈનિક, સાપ્તાહિક અને વાર્ષિક ઈબાદતો કરતાં હજ-ઉમરાહના મોટા ભાગના આ'માલ જુદા પ્રકારના છે,આવા કારણોને લઈ હજ-ઉમરાહની ઈબાદત સહીહ અને સુન્નત તરીકા મુજબ અદા કરવી,બીજી ઈબાદતો કરતાં વધુ મુશ્કેલ છે, માટે તેના મસાઈલ માટે દુન્યાની ઘણી ભાષાઓમાં કિતાબો લખવામાં આવી છે.

હઝરત મવલાના ઈકબાલ અલી ખાનપૂરી 'ફલાહી' સાહેબ(મ.આ.)એ પણ એક અલગ શૈલીમાં ખરેખર હજ-ઉમરાહના એક સાચા હમરાહીના રૂપમાં બલ્કે એક હાજીનું આ પવિત્ર સફરનું સફરનામું,કેવા આ'માલ,કેવી ભાવનાઓ સાથે તૈયાર થવું જોઈએ,મુહતરમ મવલાનાએ જાણે તે માટેનું એક આગોતરૂ સફરનામું તૈયાર ફરમાવી દીધું છે,હાજી-હજીયાણી પોતાના ઘરેથી રવાના થતાં પહેલાં વાંચવાનું શરૂ કરે અને વાંચતા-વાંચતા સફર કરે અને તે મુજબ અમલ કરી આ મુબારક સફર આગળ વધારતા જાય અને પોતાના સહીહ અને મસ્નુન આ'માલથી એક સુંદર સફરનામું તૈયાર કરે.

મુહતરમ મવલાના સાહેબે ઘણી વિશ્વાસ પાત્ર કિતાબોનો અભ્યાસ કરી આ કિતાબ તૈયાર ફરમાવી છે, તેમાં લખવામાં આવેલ મસાઈલ અહકરે ઝીણવટભરી નજરે વાંચ્યા છે,જે સહીહ અને દુરૂસ્ત છે."

સૌપ્રથમ ઉપરોકત કિતાબ ગુજરાતી ભાષામાં લખવામાં આવી હતી,ત્યાર બાદ જયારે લોકોએ આ કિતાબને ખૂબ પસંદ કરી અને લોકો માટે ઘણી જ ફાયદામંદ માલૂમ થઈ તો જામિઅહના ઉસ્તાદે હદીસ વ તફસીર મરહૂમ મવલાના અ.રશીદ સાહબ ખાનપુરી(રહ.)એ તેનું ઉર્દૂમાં ભાષાંતર કર્યું, આ સિવાય મઝકૂર કિતાબનું લોકોની માંગ,જરૂરત અને કિતાબની ઉપયોગીતાને લઈ અંગ્રેજી અને હિંદી ભાષામાં પણ અનુવાદ કરવામાં આવ્યું અને આ બધી જ ભાષાઓમાં મઝકૂર કિતાબને જામિઅહથી પ્રસરીત કરવામાં આવી, સેંકડો નહી, હજારોની સંખ્યામાં લોકો હજ અને ઉમરાહ નામી કિતાબના અભિલાષી છે અને શુક્રગુજાર છે, અને આ કિતાબના લઈ હઝરત માટે હાજી લોકો બરાબર દુઆ કરતા રહયા છે અને ભવિષ્યમાં પણ હઝરતને દુઆઓ મળતી રહેશે.ઈન્શા અલ્લાહુ તઆલા

(૨)હાજીનો સાથી : 

હઝરત મવલાના(રહ.)ની કિતાબ"હજ અને ઉમરાહ ફલાહીના હમરાહ"સાઈઝમાં મોટી અને પેજમાં વધારે હોવાના લઈ હજના દિવસોમાં સાથે રાખવું મુશ્કેલ થઈ શકે તેમ હતું, તેને ધ્યાનમાં રાખી આપે એક ટુંકી અને પોકેટ સાઈજમાં કિતાબ તૈયાર કરી, જેથી હાજી હરહંમેશ આ કિતાબને સાથે રાખી તેનાથી ફાયદો ઉઠાવી શકે,આપની કિતાબ ''હજ અને ઉમરાહ ફલાહીના હમરાહ'નો સંક્ષેપ અને ખુલાસો છે.

(૩)બહેનોની હજ : 

આ કિતાબમાં મહિલાઓ માટે હજ,ઉમરાહ અને ઝિયારતે મદિનાના મસાઈ પણ પોકેટ સાઈઝમાં છે.

(૪)ઉમરાહ અને ઝિયારતે મદીનહ મુનવ્વરહ : 

આ કિતાબમાં ઉમરાહ અને ઝિયારતે મદીનહના સંબંધિત મસાલઈ લખેલ છે,આ કિતાબ પણ પોકેટ સાઈઝમાં છે.

આ સિવાય આપે હાજીઓની આસાની માટે "હજના પાંચ દિવસ" "તવાફે કઅબહ''નામી પોકેટ સાઈઝ કિતાબ અને કાર્ડ તૈયાર કરેલ છે.

(૫)મોમિન કા હથિયાર : 

ઈન્સાનનું જીવન વિવિધ પ્રકારની જરૂરતોથી સંકળાયેલું હોય છે અને દરેક પ્રકારની જરૂરતો ફકત અલ્લાહ તઆલા જ પુરી કરી શકે છે,તેના માટે અલ્લાહ તઆલાએ આપણને દુઆ માંગવાનો હુકમ આપવાની સાથે તેને કબૂલ કરવાનો વાયદો પણ કર્યો છે, નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે દુઆને મોટી ઈબાદત અને ઈબાદતનુ મગઝ (ખુલાસો-નિચોડ)ફરમાવ્યુ છે, તેમજ હદીસ શરીફમાં દુઆને "મોમિનનું હથિયાર''બતાવવામાં આવ્યું છે.દીને ઈસ્લામમાં દુઆની બેહદ અહમિય્યતને ધ્યાનમાં રાખી હઝરત મવલાના ઈકબાલ સાહબ (રહ.)એ ઉપરોકત કિતાબ તૈયાર કરી,જેમાં આપ(રહ.)એ દુઆનો અર્થ,દુઆના કબૂલ થવાની શરતો, દુઆ કબૂલ થવાનો મતલબ,કયા કારણોથી દુઆ કબૂલ નથી થતી, દુઆ માટે દરખ્વાસ્ત કરવું વિગેરે અહમ બાબતોને વિસ્તારમાં લખી છે, દુઆના તે ફસીહ બલીગ શબ્દો જે આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમના મુખ મુબારકથી નિકળેલ છે, તે પણ આપ સલ્લલ્લાહ અલયહિ વ સલ્લમનો એક મોઅજિઝહ છે,માટે આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે બતાવેલ તેમજ માંગેલ દુઆના શબ્દો અને તેના ફાયદાઓ પણ કિતાબમાં જણાવ્યા છે, કહી શકાય કે આ કિતાબ દુઆઓનો એન્સાઈકલોપીડિયા(જ્ઞાનકોશ- સર્વવિદ્યાકોશ)છે.

(૬)માહે રમઝાન ઓર રોઝે : 

બરકતો અને રહમતોનો મહિનો,નેકીઓની સીઝન, તકવહ અને અલ્લાહ તઆલાની નઝદિકી અને નિકટતા પ્રાપ્ત કરવાનો સમય એટલે રમજાનનો મુબારક મહિનો, કુર્આન અને હદીસમાં રમઝાન,રોઝા વિગેરેની ઘણી ફઝીલત અને સવાબ વર્ણન કરવામાં આવી છે,હઝરત મવલાના (રહ.)એ સદર કિતાબમાં આસાન ઉર્દુ ભાષામાં રમઝાન મહિનાની ફઝિલતો, રોઝાના સવાબ અને રોઝાના ફાયદાઓ, તેમજ રમઝાન મહિનો કેવી રીતે વિતાવવો? કયા કાર્યો અને અમલો રમઝાનમાં કરવા જોઈએ અને કયા કાર્યો અને અમલો ન કરવમાં આવે વિગેરેને ખૂબ વિસ્તાર પુર્વક બયાન કર્યા છે, તેમજ રોઝાને લગતા. મસાઈલ, તરાવિહ, એ'તેકાફ, સદકએ ફિતર, ઈદુલ ફિતરના ફઝાઈલ અને મસાઈલ પણ ઘણી જ સરળ ભાષામાં રજૂ કર્યા છે.

(૭)ઈબાદુર્રહમાન : 

કુઆને કરીમમાં સુરએ ફુરકાન- આયત નં.૬૩ થી ૭૭માં અલ્લાહ તઆલાએ પોતાના મકબૂલ, ખાસ અને મુકર્રબ બંદાની ૧૩ (તેર) સિફતો બયાન ફરમાવી છે;એટલે કે અલ્લાહ તઆલાના મહબૂબ બંદાનું જીવન આ મુજબ હોય છે, તેમજ કોઈ વ્યકિત અલ્લાહ તઆલાનો મહબૂબ અને મકબૂલ બંદો બનવાની ઈચ્છા રાખતો હોય (જે દરેક મોમિનની ઈચ્છા હોયજ છે અને હોવી પણ જોઈએજ) તો તેણે આ પ્રમાણે જીવન વિતાવવું જોઈએ,હઝરત મવલાના (રહ.)એ ઉર્દુ અરબી તફસીરોનું વાંચન-મુતાલઆ કરી સુરએ ફુરકાનની તે આયતો (૬૩-૭૭)ની તફસીર અને સમઝૂતી વિસ્તૃતમાં બયાન કરી છે.


(૮)કુદરતે ખુદાવંદી ઓર ઈન્સાનકો દઅવતે તફકકુર: 

અલ્લાહ તઆલાએ કુર્આને કરીમમાં અલગ-અલગ રીતે પોતાનો તઆરૂફ, પોતાની કુદરત અને તાકતની ઓળખ આપી છે, તેમજ દુનિયાની ઘણી બધી વસ્તુઓ છે જે અલ્લાહ તઆલાની તાકત-કુદરત અને ફકત તેના જ માલિક-ખુદા, પાલનહાર અને કર્તાધર્તા હોવાના સંકેત આપે છે, અલ્લાહ તઆલાએ કુર્આને કરીમમાં ઘણી આયતોમાં આસ્માન, જમીન, સૃષ્ટી અને બ્રહ્માંડની ઘણી બધી વસ્તુઓમાં ઉંડાણ પુર્વક ચિંતન-મનન કરવાનો હુકમ આપ્યો છે,જેથી અલ્લાહ તઆલાની વહદાનિય્યત-એકેશ્રવરવાદ,તાકત, કુદરત, જન્નત, જહન્નમ, મોત પછી અલ્લાહ તઆલા સમક્ષ ઈન્આમ અને બદલા માટે હાજરી વિગેરે વાતો સમજવું આસાન થઈ જાય અને તે બાબત ઈન્સાનના દિલ-દિમાગમાં જે કંઈ પ્રશ્નો અને શક-શંકા હોય,તો તે દુર થઈ જાય,હઝરત મવલાના(રહ.)એ સદર કિતાબમાં તે તમામ આયતો જેમાં અલ્લાહ તઆલાએ સૃષ્ટીની અલગ- અલગ વસ્તુમાં ચિંતન-મનન અને ગોરોફિકર કરવાનો હુકમ આપ્યો છે, તેને એકત્ર કરી છે અને ઘણી બધી તફસીરની કિતાબો તેમજ વિવિધ કિતાબોના સંદર્ભમાં વિસ્તૃતમાં તે આયતોની સમજૂતી અને તફસીર લખી છે,તેમજ કાયનાતની અલગ-અલગ વસ્તુઓ જોઈ અલ્લાહ તઆલાની ઓળખ કેવી રીતે પ્રાપ્ત થાય,તે પણ અપુર્વ રીતે સમજાવ્યું છે,હઝરત મવલાના(રહ.)એ સદર કિતાબ ઘણા નિરાળા અને ઉત્તમ અંદાજમાં લખી છે.

(૯)પ્યારી બાતેં દિલ કે પ્યારોં કે લિએ: 

દીને ઇસ્લામમાં બાળપણથી જ બચ્ચાને દીની તા'લીમ અને સમજ આપવાનો હુકમ છે,જેના અનુસંધાનમાં આપણા ત્યાં મકાતિબ અને મદારિસમાં બાળકોને તા'લીમ આપવામાં આવે છે,હઝરત મવલાના (રહ.)એ આ કિતાબ મકાતિબના બચ્ચાઓ માટે તૈયાર કરી છે,જેમાં આપે સરળ અને આસાન શબ્દોમાં ઈસ્લામી અકાઈદ- માન્યતાઓ, દૈનિક જરૂરતની દુઆઓ, ફરિશ્તા, સહાબા, અઈમ્મહ વિગેરેનો પરિચય,વુઝુ,ગુસલ, તયમ્મુમ, અઝાન, નમાઝના ફરાઈઝ,સુન્નતો અને આદાબ વિગેરે જરૂરી બાબતોને બયાન કરી છે, ઈસ્લામનું બેઝિક-મૂળભૂત અને બુનિયાદી જ્ઞાન મેળવવા માટે ઘણી સારી કિતાબ છે.

(૧૦)ઝકાત અને સદકએ ફિત્ર : 

ઇસ્લામ ધર્મનો ત્રીજો મહત્વનો સ્તંભ અને રૂકન"ઝકાત''છે,કુર્આને કરીમમાં અનેક ઠેકાણે નમાઝ સાથે ઝકાતનું વર્ણન કરવામાં આવ્યું છે,ઝકાત અલ્લાહ તઆલાના બંદાઓની સેવા અને સદવર્તનનું એક પ્રતિક છે, ઝકાતની આ મહત્વતાના લઈ તેના અહકામ, નિયમો કુર્આન-હદીસ અને આ બન્નેના આધારે ફિકહી કિતાબોમાં વિસ્તૃતથી વર્ણન કરવામાં આવ્યા છે,હઝરત મવલાના(રહ.)એ મઝકૂર કિતાબમાં કુર્આન હદીસની રોશનીમાં ઝકાત, ઉશર(ખેતીની ઝકાત)તથા સદકએ ફિત્ર આપવાના ફઝાઈલ અને ફાયદાઓ તેમજ ઝકાત, ઉશર(ખેતીની ઝકાત)તથા સદકએ ફિત્ર ન આપવાના નુકસાન અને વઈદો બયાન કરી છે, તેના સાથે ફિકહ-ફતાવાની મુઅતબર કિતાબોના આધારે ઝકાત,ઉશર અને સદકએ ફિત્રના જરૂરી મસાઈલ હવાલા સહિત લખ્યા છે અને ઝકાત વિશે લોકોમાં ઉભી થતી મુઝવણોના ઉકેલો પણ વિસ્તારમાં લખ્યા છે.

(૧૧)દીની નિસાબ : 

એક મુસલમાનને પોતાના જીવનમાં ઈબાદત અને અમલ માટે જે મસાઈલ,આદાબ અને દુઆઓની જરૂરત પેશ આવે છે, હઝરત મવલાના(રહ.)એ તે તમામ મસાઈલ,આદાબ અને દુઆઓને આ કિતાબમાં હવાલા સહિત રજૂ કર્યા છે, મઝદૂર કિતાબ નમાઝ, રોઝા,ઝકાત હજના જરૂરી મસાઈલ, ઈસ્લામી અકાઈદ, સહાબાએ કિરામ, અઈમ્મએ ઈઝામ અને કુર્આને કરીમની તફસીર વિશે જરૂરી માલૂમાત, ૧૭૦થી વધુ દુઆઓ જેવી જરૂરી અને અહમ બાબતોનું બેહતરીન મિશ્રણ છે, મકતબ પુર્ણ કરેલ છોકરા અને છોકરીઓને આ કિતાબ પઢાવવામાં આવે,તો ઘણી જ ફાયદાકારક સાબિત થશે, તેવી ઉમ્મીદ છે.

(૧૨)એક તંદુરસ્તી હઝાર નેઅમત : 

ખાનપૂર ગામમાં છોકરીઓને દીની તાલીમ આપવા માટે "મદરસહ તરબિયતુલ બનાત'નામી મદરસહ છે,તેમાં છોકરીઓને દીની તાલીમ સાથે હુનરો પણ શીખવાડવામાં આવે છે, મદરસામાં હુનરપેટે ઘરઘથ્થુ ઈલાજની પણ તા'લીમ આપવા મવલાના (રહ.)એ સદર કિતાબ તૈયાર કરી હતી,જેમાં નાની-મોટી બિમારીઓના ઘરઘથ્થુ-દેશી ઈલાજ તે લાઈનની મુઅતબર કિતાબોનું વાંચન કરી એકત્ર કર્યા છે.

(૧૩) વર્તમાન યુગનો સૌથી મોટો ફિતનો સ્માર્ટ ફોન: 

"દૌરએ હાઝિર કા અઝીમ ફિતનાઃસ્માર્ટ ફોન કે નુકસાનાત,તબાહકારિયાં ઓર બચાવ કે તરીકે" નામની ઉર્દૂ કિતાબનું અનુવાદ છે,આ કિતાબમાં સ્માર્ટ ફોનના લઈ થતા નુકશાનો અને ફિત્નાઓ બયાન કરવાના સાથે આ ફિત્ના પર કાબુ કેવી રીતે મેળવી શકાય અને આ દુષણથી કેવી રીતે બચી શકાય તે બાબતો વર્ણન કરવામાં આવી છે.હઝરત મવલાના રહ.એ ઉર્દુ કિતાબનો ઘણો જ સુંદર અને સરળ અનુવાદ કર્યો છે.

(૧૪) ષમીનતુલ ફલાહિય્યહ :-

ઈસ્લામી અકાઈદ અને માન્યતાઓ વિશે અરબી ભાષામાં સૌથી અહમ અને મકબૂલ કિતાબ "અકીદતુ—તહાવી''છે, જે દરેક મકતબે ફિક્રના નઝદિક મકબૂલ છે અને ઈસ્લામી અકાઈદની અસલ કિતાબ સમજવામાં આવે છે,જેના લઈ અરબ દેશો તેમજ અજમના દરેક મદરસામાં પઢાવવામાં આવે છે,આપ(રહ.)એ આ કિતાબની આસાન ઉર્દૂ ભાષામાં શરહ-સ્પષ્ટીકરણ લખયું છે, કિતાબમાં ટોટલ ૧૦૮ અકાઈદ- માન્યતાઓ છે,આપે દરેક અકીદહને અલગ-અલગ એ'અરાબ સાથે લખી તેનો તરજુમહ કર્યો છે, તેના સાથે મુઅતબર અરબી-ઉર્દૂ કિતાબોના આધારે દરેક અકિદહની સમજૂતી કુર્આનની આયત અને હદીસ હવાલા સાથે લખી છે, આ કિતાબ દરેક ઉર્દૂ જાણનાર માટે ઈસ્લામી માન્યતાઓને સમજવામાં મદદરૂપ અને ફાયદાકારક થશે.(ઈન્શાઅલ્લાહ)

ઉપરોકત કિતાબ આપની લખેલ છેલ્લી કિતાબ છે,આપ હયાતમાં જ આ કિતાબના પ્રકાશનની ઘણી ઈચ્છા રાખતા હતા અને તે બાબત છેલ્લે સુધી ફિકરમંદ પણ હતાં, પરંતુ અફસોસ ! તેના પ્રસિદ્ધ થતા પહેલાં જ આપ દુનિયા છોડી જતા રહયા, જામિઅહના પ્રકાશન વિભાગથી આ કિતાબને ટુંક સમયમાં પ્રસિદ્ધ કરવામાં આવશે.(ઈન્શા અલ્લાહુ તઆલા)

આ સિવાય આપે નમાઝ પઢવાની મસ્તૂન રીત, નમાઝના ફરાઈઝ, સુનન અને આદાબ વિશે "નમાઝ ઇસ તરહ પઢે" નામી રિસાલો લખ્યો છે, તેમજ અરબિક ગ્રામર અને વ્યાકરણને આસાન રીતે શીખવાડવા માટે "સરફ ઓર નહવ કા આસાન કોર્સ"નામી કિતાબ લખી રહયા હતા, પરંતુ કામ પુરૂ થતા પહેલા જ આપની વફાત થઈ ગઈ.

અલ્લાહ તઆલા આપની દરેક પ્રકારની ખિદમતોને કબૂલ ફરમાવે અને તેનો બેહતરીન બદલો આપે.

જામિઅહના હમદર્દ અને શુભેચ્છક એવા મુળ સારોદના વતની

 અને અમેરિકાના ન્યુયોર્ક શહેરમાં સ્થિત હાજી અહમદ કરખડીવાલા

 અલ્લાહની રહમતમાં.

મુળ સારોદના વતની અને અમેરિકાના ન્યુયોર્ક શહેરમાં રહેતા જનાબ હાજી અહમદ મુહંમદ કરખડી વાળા તા. ૧૨/૧૦/૨૦૨૩ ગુરૂવારના રોજ આ ફાની દુનિયા છોડીને હમેંશાની દુનિયામાં કુચ કરી ગયા. ઈન્ના લિલ્લાહ.

વર્તમાન ખાતે આપ રહ. ન્યુર્યોક ખાતે એક બિઝનેસ મેન તરીકે રહેતા હતા, પણ આપ રહ.નું ખાનદાન મુળ સારોદનું વતની હતું અલબત્ત આપના વાલિદ જનાબ મુહમંદ સુલેમાન પટેલ ધંધાર્થે કરખડી ગયા હતા અને ત્યાં જ વસી ગયા હતા. પોતાના ભાઈઓમાં તેઓ સૌથી નાના ભાઈ હતા અને દીની સ્વભાવ ધરાવતા હતા.

મરહૂમ જામિઅહ ઉલૂમુલ કરુઆન જંબુસર ઉપરાંત એની સંલગ્ન સંસ્થાઓ સાથે નિકટનો નાતો ધરાવતા હતા. મુખ્ય સંસ્થા એટલે કે મદરસા પછી જામિઅહની આઈ.ટી. આઈ. પ્રત્યે આપ રહ.ને વધારે લગાવ હતો અને આ સંસ્થાઓના સંચાલન માટે મોટી મદદ ફરમાવતા હતા. પછી જયારે અલ મહમૂદ જનરલ હોસ્પિટલ શરૂ કરવામાં આવી તો એને પણ પોતાની ખૈરાતમાં મહત્વનું સ્થાન આપતા હતા.

મરહૂમ જયારે ભારતના પ્રવાસે હોય ત્યારે સીધા જામિઅહમાં જ ઉતરતા હતા અને રોકાણ ફરમાવતા હતા. એનું કારણ મુજ નાચીઝ સાથે એમનો વ્યકિતગત સંબંધ અને પછી એના આધારે જામિઅહ પ્રત્યે એમની સખાવતો અને આત્મીયતા હતા. હું જયારે માટલી વાલામાં મુદર્રિસ હતો ત્યારે તેઓ એક વાર હઝ. મવ. અબૂલ હસન સા. રહ. પાસે કોઈ તાવીજ માટે આવ્યા હતા અને ત્યારે સહુપ્રથમ મુલાકાત થઈ હતી, આ મુલાકાત ત્યાર પછી મુજ સાથે ભાઈ જેવા સંબંધોનો પાયો બન્યો. 

સરળ સ્વભાવ અને દીની આચરણ આપ રહ.ની ખુબી હતી. ધાર્મિક કાર્યોમાં ખુદ દિલચસ્પી લેતા હતા. પોતાના પરિવાર જનોનો પણ ખુબ  ખ્યાલ રાખતા હતા. ભારત હોતા ત્યારે દરરોજ પોતાના માં-બાપની કબરે જઈ દુઆ કરવાનો મામૂલ હતો.

પોતાના મુળ વતન સારોદ ખાતે પણ દીની મિલ્લી કાર્યોમાં આગળ પડતો ભાગ ભજવતા હતા. સારોદ ખાતે જામિઅહની નિગરાની તાબા હેઠળ એક સુંદર મસ્જિદ પણ આપ રહ.એ તામીર ફરમાવી હતી.

જામિઅહ સાથેના લગાવના કારણે અત્રે પધારતા ત્યારે તલબએ કિરામ અને અસાતિઝએ કિરામ સાથે પણ ચર્ચા કરતા, જામિઅહ અને આઈ.ટી.આઈ. તેમજ હોસ્પિટલ પ્રત્યેના પોતાના લગાવના કારણે અમેરિકા વાસીઓ અને અન્ય દેશોમાં વસતા પરિચિતોને પરિચિત કરાવવામાં પણ દિલચસ્પી લેતા હતા.

મરહૂમ પોતે દીની આમાલના ઘણા જ પાબંદ હતા. તિલાવત અઝકાર અને દુઆઓના પણ ઘણા પાબંદ હતા. કુરઆનની તિલાવત આપ રહ.ને વિશેષ પસંદ હતી. દરરોજ એકવાર સલાતુત્તસ્બીહ પઢવાનો મામૂલ હતો. મોત પહેલાનો છેલ્લા માસમાં તિલાવતનો મામૂલ ઘણો વધી ગયો હતો. તહજ્જુદના પાબંદ હતા. અને રોજ તહજ્જુદ પછી કંઈક ચાલવાનો મામૂલ હતો, છેલ્લા દિવસે તહજ્જુદ પછી ચાલવા નીકળ્યા તો ચાલતી વેળા જ સવારના મુબારક સમયે આપ રહ.નો ઇન્તેકાલ થઈ ગયો.

અલ્લાહ તઆલા આપ રહ.ની ઇબાદતો, નેકીઓ અને દીની ઇદારાઓ તેમજ દીની મિલ્લી કામોમાં આપ રહ.ની કુરબાનીઓને કુબૂલ ફરમાવે. સદકએ જારિયહના કામોનો સવાબ કયામત સુધી જારી રાખે. જન્નતુલ ફિરદોસમાં ઉચ્ચ સ્થાન આપે. આપની પાછળ રહી જતાં સગાઓ, દીકરા - દીકરીઓને સબ્રની તોફીક આપે. નેકી, તકવા અને સખાવત, ખૈરાતમાં એમના પગલે ચાલવાની તોફીક આપે. આમીન.

નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ 

સલ્લમના મુબારક ચહેરાનું બયાન

રજૂઆત : જ. ગાઝી અહમદ સા. 

ઈમામ તિરમિઝી (રહ.) એ સૌથી પહેલું પ્રકરણ 'બાબુ સિફતુન્નબિય્યી" (નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમના મુબારક ચહેરાનું બયાન) કાયમ કર્યુ છે. હિન્દુસ્તાની ગ્રંથોમાં આ પ્રકરણ "બાબુ મા જાઅ ફી ખલ્કિ રસૂલિલ્લાહિ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) ના શબ્દોથી આવે છે. અરબીમાં બે શબ્દો બોલવામાં આવે છે. "ખુલ્ક અને ખલ્ક" ખુલ્ક શબ્દ આદત, લક્ષણ અને શક્તિ સાથે ખાસ છે તેની જાણકારી સમજ દ્વારા પ્રાપ્ત થાય છે અને ખલ્કનો અર્થ આંખથી દેખાતી વસ્તુઓ જેમકે ચહેરો, શકલ - સૂરતની ઓળખ અને બનાવટ સાથે ખાસ છે. તેનો તર્જુમો કરીશું ''શકલ – સૂરત, એટલે હઝરત નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)નો મુબારક ચહેરો કેવો હતો ? આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ની મુબારક આંખો કેવી હતી ? આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) નું મુબારક નાક કેવું હતું? આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ના મુબારક હોંઠ કેવા હતા ? આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) ની મુબારક દાઢી કેવી હતી ? વગેરે વગેરે.

હઝરત શેખ (રહ.) ફરમાવે છેઃ હઝરાતે સહાબએ કિરામ (રદિ.) નું ઉમ્મત પર ઘણું એહસાન છે. એ લોકોએ હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ના કથનો, કાર્યો, અમલો અને શરીઅતની બધી જ હિદાયતો સાચવીને ઉમ્મત સુધી પહોંચાડી. જો કોઈ હઝરત નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) નો આશિક હોય અને એવો આશિક જેને કયારેય મઅશુક - પ્રિયની ઝિયારત ન કરી હોય અને મુલાકાત નસીબ ન થઈ હોય, તે આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) ના હાલાત સાંભળીને સંતોષ પામી જાય છે. આ હઝરાતે સહાબએ કિરામ (રદિ.) એ ઉમ્મત પર મોટું એહસાન કર્યું છે. 

હદીસ નંબર (૧)

હઝરત રબિઅહ બિન અબી અબ્દુર્રહમાન (રહ.) કહે છે કે મેં હઝરત અનસ (રદિ.) ને ફરમાવતા સાંભળ્યા કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) ન વધુ ઊંચા હતા, ન ઠીંગણા, (પરંતુ આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમનું કદ વચગાળાનું હતું અને જયારે કોઈ જમાતમાં ઊભેલા હોતા તો સૌથી ઊંચા નજર આવતા હતા.) અને ન (ચુનાની જેમ બિલ્કુલ સફેદ) ગોરા, ન ઘઉવર્ણા (બલકે ગોરા ચમકદાર હતા.) અને વાળ ન બિલ્કુલ સીધા હતા અને ન બિલ્કુલ વળેલા (વાંકડિયા) હતા. (બલકે આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમના મુબારક વાળ થોડા વળેલા હતા.) અલ્લાહ તઆલાએ ૪૦ વર્ષની ઉંમરમાં નુબુવ્વતથી નવાજ્યા, પછી મક્કામાં દસ વર્ષ અને મદીનામાં દસ વર્ષ રોકાણ કર્યુ. પછી અલ્લાહ તઆલાએ ૬૦ વર્ષની ઉમરમાં વફાત આપી. તે વખતે આપના માથા અને દાઢીમાં વીસ વાળ પણ સફેદ ન હતા.

ફાયદો :

  હદીસ બયાન કરનાર હઝરત અનસ (રદિ.) ની ઓળખ

સૌ પ્રથમ હઝરત અનસ (રદિ.) ની રિવાયત પેશ કરી. ઈમામ તિરમિઝી (રહ.) આ કિતાબમાં વધુ પ્રમાણમાં હઝરત અનસ (રદિ.) ની રિવાયતો લાવ્યા છે અને સ્પષ્ટ છે કે શમાઈલમાં વધુ રિવાયતો બયાન કરવાનો હક તેઓ જ રાખે છે, કારણ કે તેઓ હઝરત નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ના ખાસ ખાદિમ હતા. તેમના પિતાનું નામ માલિક બિન નઝર હતું. હઝરત નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) જયારે હિજરત કરીને મદીના તશરીફ લાવ્યા તો હઝરત અબૂ તલ્હા (રદિ.) (હઝરત અનસ (રદિ.)ના સાવકા પિતા)થી ફરમાવ્યું કે કોઈ એવો છોકરો લઈ આવો જે ઘરનું કામકાજ કરે. હઝરત અનસ (રદિ.) ફરમાવે છે કે હઝરત અબૂ તલ્હા (રદિ.) મને ઊંટ પર પોતાની પાછળ બેસાડીને નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ની ખિદમતમાં લઈ ગયા અને અરજ કરી કે હે અલ્લાહના રસૂલ ! આ અનસ છે, તમારી ખિદમત કરશે. તે વખતે હઝરત અનસ (રદિ.) ની ઉંમર દસ વર્ષની હતી અને વફાત સુધી હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ની ખિદમતમાં રહયા. હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) ની વફાત સમયે તેમની ઉમર વીસ વર્ષની હતી. દસ વર્ષ હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ની ખિદમતમાં રહયા. કોઈ વ્યકિત કોઈ બુઝુર્ગ અથવા કોઈ શેખની ખિદમતમાં બે-ચાર દિવસ રહીને આવે છે તો તે ફૂલાય જાય છે. અંદાજો લગાવો કે જેણે દસ વર્ષ સુધી હઝરત નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) ની ખિદમત કરી હોય, અલ્લાહ તરફથી તેની સાથે ફઝલનો મામલો કેવો થયો હશે ?

હઝરત નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) એ તેમના જાન, માલ અને ઉમરમાં બરકતની દુઆ કરી હતી. માટે લાંબુ જીવન મળ્યું, છેલ્લે બસરા તશરીફ લઈ ગયા, ત્યાં સ્થાયી થયા અને ત્યાં વફાત પામ્યા. તેમની કબર પર અલ્લાહના ફઝલથી હાજરી નસીબ થઈ છે. વફાત વખતે તેમની ઉંમર ૯૯ વર્ષની હતી. હિ.સ. ૯૧માં તેમની વફાત થઈ.

"અબૂ હમ્ઝહ" તેમનું ઉપનામ હતું. ફરમાવે છે કે હમ્ઝહ એક સબજીનો છોડ છે. હું તેને ખૂબ જ પસંદ કરતો હતો. એટલે હઝરત નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) એ મારું ઉપનામ અબૂ હમ્ઝહ રાખ્યું.

તેમનાથી બે હજાર બસો છત્રીસ (૨૨૩૬) હદીસો નકલ થઈ છે. કેટલાક સહાબા (રદિ.) તે છે, જેમનાથી વધુ રિવાયતો નકલ થઈ છે, જેમને મુહદ્દિષીનની પરિભાષામાં "મુકષ્ષિરીન" કહેવામાં આવે છે. હઝરત અનસ (રદિ.) પણ "મુકષ્ષિરીન"માં શામિલ છે. અન્સારના કબીલા ખઝરજથી તેમનો સંબંધ હતો

ઈસ્લામ અને હલાલ રોજી

અલ્લાહ તઆલા ફરમાવે છે : હે લોકો ! જમીનની (પેદા થેયલી) વસ્તુઓમાંથી પવિત્ર-હલાલને ખાઓ અને શયતાનના પગલે ન ચાલો, બેશક તે તમારો ખુલ્લો દુશ્મન છે. એટલે તે તો તમને નઠારા અને નફફટાઈના જ કામ શીખવશે, વળી, એવો હુકમ કરશે કે અલ્લાહના જિમ્મે એવી વાત લગાડો, જેની સનદ પણ તમે રાખતા નથી. (સૂરએ બકરહ : ૧૬૮, ૧૬૯)

બીજી એક જગ્યાએ કુરઆનમાં અલ્લાહ તઆલા ફરમાવે છે : અલ્લાહ તઆલાએ તમને જે વસ્તુ આપી છે તેમાંથી પવિત્ર - હલાલ વસ્તુઓ ખાઓ (તેમજ વાપરો) અને જે અલ્લાહ ઉપર તમે ઈમાન રાખો છો તેનાથી ડરતા રહો. (સૂરએ માઈદહઃ ૮૮)

આ બંને આયતોમાં અલ્લાહ તઆલાએ ફરમાવ્યું છે કે હે લોકો ! અમે જમીનમાં જે વસ્તુઓ પેદા કરી છે, તે તમારા માટે પેદા કરી છે. તે ખાઓ, પીઓ પરંતુ શરત એ છે કે તે પવિત્ર હલાલ હોય જો અમે તેને તમારા માટે હરામ કરી દીધું તો તેને ખાવાની અને વર્તવાની પરવાનગી નથી.

હરામ વસ્તુઓના બે પ્રકાર છે : એક તો તે વસ્તુઓ છે જેને અલ્લાહે પેદા કરી છે પરંતુ કોઈ મસ્લિહતને લીધે પેદા કરનારાને તેનું ખાવાનું હરામ કરી દીધું, જે અસલમાં હલાલ હતી, પરંતુ એ વ્યકિતએ તેને હરામ બનાવી લીધી, જેમ કે ચોરીનો માલ અથવા જુઠ બોલીને દગો આપીને કમાયેલો માલ જે અસલમાં હલાલ હતો, પરંતુ એ વ્યકિતએ નાજાઈઝ તરીકાથી તેને પ્રાપ્ત કર્યો અને પોતાના માટે હરામ બનાવી લીધો. કુર્આનમાં છે કે દરેક હરામથી બચો અને હલાલ જ ખાઓ અને વર્તો.

"અને શયતાનના પગલે ન ચાલો, બેશક એ તમારો ખુલ્લો દુશ્મન છે." મતલબ એ છે કે એ તમારા દિલમાં વસવસા નાંખે છે અને માલથી મુહબ્બત પેદા કરે છે અને તેના પરિણામથી તમને ગાફેલ કરી દે છે. મોમિન અને સાચા મુસલમાનની એ જ શાન હોય છે કે તે દરેક કાર્યમાં પહેલા પોતાની આખિરત અને હિસાબ-કિતાબને સામે રાખે છે. પરંતુ શયતાન માનવીનો એવો દુશ્મન છે કે તે દિલમાં વસવસા – ખોટા ખ્યાલો નાંખીને માલની મુહબ્બતમાં એવો આંધળો બનાવી દે છે કે તે પોતાની આખિરત અને હિસાબ-કિતાબને એકદમ ભૂલી જાય છે અને મોમિનની આખિરતની બરબાદીથી શયતાન ખૂબ જ ખુશ થાય છે.

"બેશક શયતાન તમારો ખુલ્લો દુશ્મન છે."કહીને અલ્લાહ તઆલા પોતાના બંદાઓને એ તરફ બોલાવી રહયા છે કે અલ્લાહ પોતાની કિતાબ કુર્આનમાં તમને હલાલ રોજી ખાવાનો હુકમ આપે છે. તમે એ હુકમને પોતાના જીવનમાં ઉતારી લો અને હલાલ અને હરામથી આઝાદ થઈને અને દુનિયાની મુહબ્બતમાં આખિરતથી આંધળા બનીને જીવન ન ગુજારો, કારણ કે તમારું આ કૃત્ય અલ્લાહ અને તેના રસૂલ (સલ.)ના બતાવ્યા માર્ગને છોડીને શયતાનના માર્ગ પર ચાલવું છે. જે તમારો ખુલ્લો દુશ્મન છે, તેનો બતાવેલો દરેક માર્ગ તમારી આખિરતને બરબાદ કરનારો અને અલ્લાહની રહમતથી દૂર કરનારો અને અલ્લાહના અઝાબને નજીક કરનારો છે.

કુરઆનમાં છે :

" શયતાન તમને ગરીબીથી ડરાવે છે અને તમને નઠારી વાત (બુરી વાતો) નો હુકમ કરે છે અને અલ્લાહ (સારી વસ્તુ આપવા પર) પોતાના તરફથી તમારા ગુનાહો માફ કરવાનો અને (બદલામાં) વધુ આપવાનો વાયદો કરે છે. (સૂરએ બકરહ : ૨૬૮)

મતલબ એ છે કે શયતાન તમને અલ્લાહના રસ્તામાં રૂપિયા ખર્ચ કરવાથી ડરાવે છે જો ખર્ચ કરશો તો તમારો માલ ઓછો થઈ જશે, તમારા બાળકો અને તમે મોહતાજ બની જશો, એટલે તમે જેને મહેનત કરીને કમાયું છે તેને સંઘળી રાખો. માતા-પિતા, સંબંધીઓ, ફકીર, મોહતાજ અને જરૂરતમંદ પર ખર્ચ ન કરો, નહીં તો તમે જાતે ગરીબ થઈ જશો. આવી રીતે દુશ્મન શયતાન તરફથી દિલમાં બુરી વાત નાંખવામાં આવે છે. બીજી તરફ અલ્લાહ તઆલા જે બંદાઓ પર સૌથી વધુ મહેરબાન છે તેમને વાયદો કરે છે કે અલ્લાહના રસ્તામાં ખર્ચ કરવું અલ્લાહને એવું પ્રિય છે કે તે ખુશ થઈને ખર્ચ કરનારાના ગુનાહોને માફ કરી દે છે અને ખર્ચના બદલામાં માલમાં વધારો પણ કરે છે.

આ વાત પર ધ્યાન આપવાની જરૂરત છે કે હરામ કમાવવું અને ખાવું વ્યકિતના દિલમાંથી અલ્લાહનો ડર અને આખિરતની ફિકર દુર કરી દે છે, જેનું પરિણામ એ આવે છે કે હરામ ખાનારાઓની ઈબાદતની કબૂલિયતનો દરવાજો બંધ થઈ જાય છે, અહીંયા સુધી કે તેની દુઆ પણ કબૂલ થતી નથી.

હઝરત ઇબ્ને અબ્બાસ (રદિ.) ફરમાવે છે કે હઝરત સઅદ ઇબ્ને અબી વક્કાસ (રદિ.) એ ઉભા થઈને અલ્લાહના રસૂલ (સલ.) થી દરખ્વાસ્ત કરી કે યા રસૂલલ્લાહ (સલ.) ! મારા માટે દુઆ ફરમાવી દો કે અલ્લાહ મને મુસ્તજાબુદ્ દઅવાત (મકબૂલ દુઆવાળો) બનાવી દે, આપ (સલ.) એ ફરમાવ્યું કે "ખાવાને હલાલ કરી લો મુસ્તજાબુદ્ દઅવાત બની જશો.' અને ફરમાવ્યું કે તે અલ્લાહની કસમ જેના કબજામાં મારો જીવ છે, જે વ્યકિતએ હરામ કોળિયો પેટમાં નાંખ્યો તો ચાળીસ દિવસ સુધી તેની (કોઈ ઈબાદત) કબૂલ નહીં થાય અને ફરમાવ્યું કે જે શરીરનો ગોશ્ત હરામ માલથી અને વ્યાજથી વધ્યો છે જહન્નમની આગ તેનાથી વધારે નજીક છે.

અલ્લાહના રસૂલ (સલ.)ના ફરમાનથી સ્પષ્ટ થાય છે કે હરામ ખાનારાની કોઈ ઈબાદત કબૂલ નહીં થાય, અહીંયા સુધી કે તેની દુઆ પણ કબૂલ નહીં થાય. તેનું કારણ એ છે કે જયારે વ્યકિતના શરીરમાં તાકત હરામ ખાવાથી આવે છે તો એ હરામથી બનેલી તાકતનો જયાં પણ ઉપયોગ કરી રહયો છે, અલ્લાહને ત્યાં એ કબૂલ નથી. અહીંયા સુધી કે તે દુઆ માંગવા જે હાથોને ઉઠાવી રહયો છે, જે મોઢાથી માંગી રહયો છે, અલ્લાહ જાણે છે કે જે લોહી તેની રક્તવાહીનીઓમાં ભ્રમણ કરી રહયું છે તે હરામ કમાઈથી દોડી રહયું છે. એટલે કબૂલ નથી.

એટલે જ કુર્આનમાં ફરમાવ્યું છે : "બેશક શયતાન તમારો ખુલ્લો દુશ્મન છે.’’ એટલે માણસની આખિરતનું આબાદ થવું, સારા કર્મો કરવા અને ગુનાહોથી બચવું, શયતાન માટે ઘણી તકલીફ આપનારી વસ્તુ છે. કારણ કે એ માણસનો ખુલ્લો દુશ્મન છે.

એક દુશ્મન તો એ છે કે જે છુપી રીતે હુમલો કરે છે અને મિત્ર બનીને માણસની સાથે રહે છે, શયતાન તો એવો દુશ્મન છે, જે હમેશાં ડંકો વગાડીને માનવીની દુશ્મનીનું એલાન કરીને દુનિયામાં આવ્યો છે. કુર્આનમાં અલ્લાહ તઆલા સૂરએ અઅરાફમાં આયત નં. ૧૬,૧૭,૧૮ માં બયાન ફરમાવે છે કે શયતાનની નાફરમાની કરવાને કારણે તેને બેઈજ્જત કરીને જન્નતમાંથી નીકળવાનો હુકમ અલ્લાહ તઆલાએ આપ્યો તો શયતાને અલ્લાહથી કયામત સુધીની જિંદગીની ભીખ માંગી, અલ્લાહે તેની માંગ પૂરી કરી તો તેના તેવર બદલાઈ ગયા અને અલ્લાહને કહયું:

હે અલ્લાહ તેં મને ગુમરાહ કર્યો છે તેથી હું પણ અવશ્ય તારા સીધા માર્ગ પર લોકોની તાકમાં બેસીશ. પછી તેમની ઉપર તેમની આગળથી, તેમની પાછળથી અને જમણી—ડાબી બાજુએથી હુમલો કરીશ અને તું તેઓમાંના ઘણાંને શુક્રગુઝાર પામીશ નહીં. (સુરએ અઅરાફ ૧૬-૧૭)

શયતાનની આ બદબખ્ત હિમ્મત પર અલ્લાહ તઆલાને ગુસ્સો આવ્યો અને ફરમાવ્યું :

અહીંયાથી મરદૂદ થઈની નીકળી જા ! માણસો જે કોઈ તારા રસ્તે ચાલશે તો હું (પણ) જરૂર તમારા બધાને દોજખમાં ભરી દઈશ.(સૂ. અઅરાફ : ૧૮)

કુર્આને પાકમાં આ વિષયને સૂરએ હિજ્રની આયત નંબર ૧૫, આયત નંબર ૨૮ થી ૪૪ અને સૂરએ બની ઈસરાઈલ આયત નં. ૬૧ થી ૬૫ અને સૂરએ સોદમાં આયત નં. ૭૧ થી ૮૫ માં વારંવાર બયાન કર્યું છે. કારણ કે દુનિયા આબાદ થતાં પહેલા જ શયતાને જમીન અને આકાશના સર્જક અલ્લાહની સામે માનવી સાથે પોતાની દુશ્મની જાહેર કરી હતી એટલે અલ્લાહ તઆલા કુર્આનમાં ફરમાવે છે કે શયતાન તમારો છુપો નહીં પરંતુ ખુલ્લો દુશ્મન છે. એવી રીતે એ હદીસમાં પણ આ વિષયનું વર્ણન છે.

હદીસ શરીફમાં છે : અલ્લાહના રસૂલ (સલ.) એ ફરમાવ્યું કે શયતાને કહ્યું કે હે રબ ! હું તારી ઈજ્જતની કસમ ખાઉ છું કે જયાં સુધી તારા બંદાઓના શરીરમાં જાન રહેશે તેમને તારા સીધા માર્ગથી ભટકાવતો રહીશ, તો અલ્લાહ તઆલાએ ફરમાવ્યું કે હું મારી ઈજ્જત અને જલાલની કસમ ખાઉ છું કે જયાં સુધી તેઓ મારી સમક્ષ માફી માંગતો રહેશે. હું તેમના ગુનાહોને માફ કરતો રહીશ. (મુસ્નદે અહમદ)

કુર્આનની આયતો અને વર્ણન કરેલી હદીસો આ વાતને સ્પષ્ટ કરે છે કે માનવીથી શયતાનની દુશ્મની આજની નથી બલકે હઝરત આદમ (અલૈ.) ના ધરતી પર આવતાં પહેલાંની છે. બીજી વાત એ કે શયતાન છુપાયેલો નહીં બલકે ખુલ્લો દુશ્મન છે જે અલ્લાહની સામે માનવીની આખિરતની બરબાદીનો દાવો કરીને આવ્યો છે.

તેથી હરામ કમાણી, હરામ ખાણું અને અન્ય હરામ કામો વ્યકિત માટે અલ્લાહની રહમતથી મહરૂમ થવાનું કારણ છે.

અલ્લાહ તઆલાએ જયાં જેમ માણસને હરામથી બચવાનો હુકમ આપ્યો છે, એવી જ રીતે માણસને પોતાની અવલાદ ઉપર પણ હરામ માલ ખર્ચ કરવાથી રોકયો છે.

હઝરત મુઆઝ બિન જબલ (રદિ.) ફરમાવે છે કે અલ્લાહના રસૂલ (સલ.) એ મને દસ વાતોની નસીહત ફરમાવી છે, તેમાંથી એક હુકમ એ પણ છે કે પોતાના કુટુંબીજનો પર ઉત્તમ (પવિત્ર) માલ ખર્ચ કરો.

મતલબ કે જેવી રીતે તારી ઉપર જરૂરી છે કે હરામ કોળિયો તારા પેટમાં ન જાય એવી રીતે જો તું ઈચ્છે કે તારા પછી તારા ઘરમાં ઈમાન અને ઈસ્લામની રોશની રહે, તો તારી અવલાદને પણ હરામ રોજીથી બચાવ. કારણ કે જે વાલિદૈન હરામ ખવડાવીને પોતાના બાળકોને જવાન કરે, તો તેનાથી ઈસ્લામ અને ઈમાનની આશા રાખવી મુર્ખામી સિવાય કંઈ નથી. તેનો સાફ મતલબ છે કે અવલાદને હરામ માલ ખવડાવનારાઓના ઘરમાં ઈસ્લામનો પ્રકાશ અને તેની પેઢીમાં ઈમાની જિંદગી બાકી નહીં રહે અને આ મહરૂમીનું કારણ હમેંશા માટે એ જ બદનસીબ માતા-પિતા હશે જેમણે હરામ કમાણી કરી હતી અને અવલાદને હરામ ખવડાવ્યું હતું.

માટે દરેક વ્યકિતએ આખિરતની બરબાદીથી બચવા માટે અને પોતાના વંશ - વારસોના ઈમાનની હિફાઝત માટે તેમજ અલ્લાહની ઈબાદત અને દુઆઓની કબૂલિયત માટે પુરી જવાબદારીથી હલાલ રોજી પ્રાપ્ત કરવી જોઈએ અને હરામ રોજીથી બચવું જોઈએ, જેથી અલ્લાહ તઆલાના ગુસ્સાથી બચી શકે અને દુનિયામાં તેની રહમત અને આખિરતમાં ખુશીનો હકદાર બની શકે.

હરામ માલ ખાવાથી બુરા અખ્લાક પેદા થાય છે. ઈબાદતમાં જન્નતનો શોખ જતો રહે છે. દુઆ કબૂલ થતી નથી. અલ્લાહનો અને આખિરતનો ડર તેના મનમાંથી નીકળી જાય છે, એનાથી વિપરીત હલાલ રોજીથી દિલમાં નૂર ઉત્પન્ન થાય છે. ખરાબ અખ્લાકથી નફરત અને સારા અબ્લાકથી મુહબ્બત પેદા થઈ જાય છે. ઈબાદતમાં મન લાગે છે. ગુનાહોથી દિલ ગભરાય છે અને દુઆ કબૂલ થાય છે.

ઈસ્લામ અને માપતોલ

અલ્લાહ તઆલા કુર્આનમાં ફરમાવે છે :

માપ અને તોલ પૂરેપૂરાં કરો અને લોકોને તેમની વસ્તુઓ ઓછી ન આપો અને પૃથ્વી પર તેના સુધારા પછી ખરાબી ન ફેલાવો. (અઅરાફ:૮૪)

આયતનો અર્થ આ પ્રમાણે છે કે માપતોલ બરાબર કરતા રહો અને લોકોની વસ્તુઓમાં કમી કરીને તેમને નુકસાન પહોંચાડો નહીં. આ આયતમાં પ્રથમ તો એક ખાસ ગુનાહની મનાઈ કરવામાં આવી જે વજન કરતી વખતે માપમાં ચોરી કરવામાં આવે છે. ત્યાર પછી :

" لا تبخس الناس اشيائهم"

ફરમાવીને દરેક જાતના હકોમાં કોતાહી અને લાપરવાહીની મનાઇ ફરમાવી. ભલે પછી તે માલ વિશે હોય કે પછી ઈજ્જત અને આબરૂ વિશે હોય અથવા કોઈ અન્ય વસ્તુ માટે હોય.

એનાથી સ્પષ્ટ થયું કે જે રીતે માપતોલમાં ચોરી કરી ગ્રાહકને ઓછું આપવું હરામ છે, એ જ રીતે અન્ય માનવીય હક્કોમાં પણ લાપરવાહી અને કમી કરવી હરામ છે. કોઈની ઈજ્જત અને પ્રતિષ્ઠા પર હુમલો કરવો અથવા કોઈના દરજા અને સ્થાન પ્રમાણે તેની ઈજ્જત ન કરવી, જેનું આજ્ઞાપાલન વાજિબ (જરૂરી) છે તેમાં કોતાહી - લાપરવાહી કરવી અથવા જે માણસની ઈજ્જત કરવી જરૂરી છે તેમાં લાપરવાહી કરવી, આ બધી બાબતો ઈસ્લામમાં હરામ છે.

કુરઆનમાં છે :માપ અને તોલને ન્યાયસર પૂરું કરો અને લોકોને તેમનો સામાન ઓછો ન આપો અને દેશમાં ખરાબી મચાવી હદથી વધો નહિં. (સૂરએ હુદઃ૮૫)

આ આયતમાં માપતોલની કમીનો મતલબ છે કે જેનો જે પણ હક માણસના માથે હોય તેને પૂરેપૂરો અદા ન કરે બલકે તેમાં કમી કરે ભલે પછી તે માપવાની વસ્તુ હોય કે પછી કોઈ તોલવાની વસ્તુ હોય. જો કોઈ નોકરીયાત પોતાની ફરજ અને જવાબદારીમાં લાપરવાહી કરે છે, કોઈ કર્મચારી અથવા મજૂર પોતાના કામના નક્કી સમયમાં મોડો આવે કે વહેલો વતો રહે, (જયારે કે તે પોતાનો પગાર પૂરેપુરો લે છે) આ બધું મનાઈના હુકમમાં છે. (મઆરિફુલ કુર્આનઃ ૪/૬૬૪)

કુરઆનમાં છે :

તમે માપ પૂરું ભરી આપો અને (કોઈનું) નુકસાન કરનારાઓ માંહેના ન થાઓ, અને સમતોલ ત્રાજવા વડે તોલો. (દંડી ન મારો). (સૂરએ શુઅરાઃ૧૮૧)

આયતનો મતલબ એ છે કે ત્રાજવું અને બીજા માપવાના સાધનોને સમતોલ રાખી ઉપયોગ કરો કે જેમાં ઓછું તોલાવાનો ખતરો ન રહે. એટલે કે આ હુકમ માત્ર માપતોલ સાથે ખાસ નથી, બલકે કોઈના હકમાં કમી કરવા ઈચ્છે —ચાહે તેનો ધર્મ ગમે તે હોય-દરેક સ્થિતિમાં હરામ છે. (મઆરિફુલ કુર્આનઃ૬ /૫૪૪)

કુરઆનમાં છે :

અને તેણે જ આકાશને ઊંચું કર્યું અને તેણે જ (દુનિયામાં) ત્રાજવાં મૂક્યાં, કે જેથી તમે તોલવામાં વધઘટ કરો નહિ અને ન્યાયસર તોલને કાયમ રાખો અને તોલમાં કમી કરો નહિ. (સૂરએ રહમાનઃ ૭,૮,૯)

મીઝાન ત્રાજવાના યોગ્ય ઉપયોગનો હુકમ આ આયતોમાં છે તે બધાનો ખુલાસો ન્યાય કાયમ કરવો છે. અને કોઈનો હક મારવા અને જુલમ અને અત્યાચારથી બચાવવો છે. આકાશ અને ધરતીને બનાવવાનો મૂળ હેતુ દુન્યામાં ન્યાય અને ઇન્સાફ પ્રસ્થાપિત કરવાનો છે. અને શાંતિ પણ ન્યાયથી જ કાયમ થઈ શકે છે, નહીં તો ખરાબી જ ખરાબી થશે, મીઝાનના અર્થમાં દરેક તે સાધનનો સમાવેશ થાય છે જેનાથી કોઈ વસ્તુનું માપ કે વજન નક્કી થઈ શકે ભલે પછી તે બે પલ્લાઓવાળું ત્રાજવું હોય કે માપણીનું કોઈ મશીન. (મ. કુર્આનઃ૮/૪૪૫)

અન્ય એક સ્થળે અલ્લાહ તઆલા ફરમાવે છેેેેે :

માપતોલમાં ઘટાડો કરનારાઓ માટે મહા બરબાદી છે કે તેઓ જ્યારે લોકોથી (પોતાનો હક) માપીને લે ત્યારે તો પૂરું ભરી લે છે અને જ્યારે તેમને માપીને અથવા તોલીને આપે ત્યારે ઓછું આપે છે.

ઉપરોકત આયતના આધારે ઈસ્લામે માપતોલમાં કમી કરવાને હરામ ઠેરવ્યું છે. કેમકે સામાન્યપણે વ્યવહારો આ રીતે જ થાય છે તેના જ કારણે કહી શકાય કે હકદારનો હક અદા થયો કે નહીં. દરેક હકદારનો હક સંપૂર્ણ આપવો જોઈએ, તેમાં કમી કરવી હરામ છે, આ હુકમ માત્ર માપતોલ સાથે ખાસ નહી, બલકે દરેક તે વસ્તુ જેનાથી કોઈનો હક પૂરો કરવો અથવા ન કરવો ચકાસી શકાતું હોય તેનો આ જ હુકમ છે ભલે પછી તે માપતોલથી કે ડર્ઝન પ્રમાણે હોય અથવા કોઈ અન્ય તરીકાથી હોય દરેકમાં હકદારના હકમાં કમી કરવું હરામ છે. (મઆરિફુલ કુર્આન : ૮ / ૬૯૩)

આ આયતોમાં બતાવવામાં આવ્યું કે અસલમાં પોતાનો હક પૂરો મેળવવો અને બીજાના હકમાં કમી કરવી ઈસ્લામમાં નાજાઇઝ અને હરામ છે. માપતોલ સિવાય પણ જયાં પણ પોતાનો હક લેવો અને બીજાઓનો હક અદા ન કરવાની વાત આવે, તેના માટે આ જ આ જ નિયમ લાગુ પડશે, દા.ત. પતિનું પત્નીથી સંપૂર્ણ હક લેવો અને પત્નીનો હક પૂરો ન આપવો, અવલાદનું મા-બાપથી પૂરો હક લેવો અને તેમનો હક પૂરો ન કરવો, અથવા કર્મચારીનું માલિક – શેઠથી પૂરો હક લેવો અને માલિકનો હક પૂરો ન કરવો....યાદ રાખો ! બધાનો હક આ જ આયતની કસોટી પર ચકાસીને નાજાઈઝ અને ગુનોહ ઠેરવવામાં આવશે.

માપતોલ વિશે અલ્લાહના નબી (સલ.) ના અમુક ફરમાનો

હઝરત અબ્દુલ્લાહ બિન અબ્બાસ (રદિ.) થી રિવાયત છે કે અલ્લાહના રસૂલ (સલ.) નું ફરમાન છે : પાંચ ગુનાહોની સજા પાંચ વસ્તુઓ છે.

(૧) જે લોકો વચનભંગ કરે છે અલ્લાહ તઆલા તેમના પર તેમના દુશ્મનોને ગાલિબ કરી દે છે.

(૨) જે લોકો અલ્લાહના નિયમોને છોડી અન્ય નિયમોના આધારે ફેસલો કરે છે તેમનામાં ભૂખમરો અને ગરીબી ફેલાય જાય છે.

(૩) જે કોમમાં વ્યાજની પ્રથા હોય તેમાં મૃત્યુ દરમાં વૃદ્ધિ થાય છે.

(૪) અને જે કોમમાં માપતોલમાં ચોરી થતી હોય અલ્લાહ તઆલા તેમને દુષ્કાળમાં નાંખી દે છે.

(૫) જે લોકો ઝકાત અદા નથી કરતા અલ્લાહ તેમનાથી વરસાદ રોકી લે છે. (મઆરિફુલ કુર્આન : ૮ / ૬૯૪–હાકિમ)

હઝરત ઈબ્ને અબ્બાસ (રદિ.) ની રિવાયત છે કે અલ્લાહના રસૂલ (સલ.) નું ફરમાન છે ઃ

જે લોકોમાં ખયાનત અને બેઈમાની સામાન્ય બની જાય છે, અલ્લાહ તઆલા તેમના દિલોમાં દુશ્મનોની ધાક નાંખી દે છે.

અને જે લોકોમાં વ્યાજુ લેન-દેનનું દુષણ હોય છે તેમનામાં મૃત્યુ દરમાં વધારો થાય છે.

અને જે કોમ માપતોલમાં કમી કરે છે અલ્લાહ તઆલા તેમની રોજી રોકી દે છે એટલે કે દુષ્કાળમાં તેમને ફસાવી દે છે.

હઝરત અબૂ સફવાન સુવેદ બિન કેસ (રદિ.) થી રિવાયત છે કે તેઓ ફરમાવે છે કે : હું અને મખરમા અલ-અબ્દી હજરથી કપડાં લાવ્યાં, તો નબી (સલ.) અમારી પાસે તશરીફ લાવ્યા અને પાયજામાનો ભાવ કર્યો અને મારી પાસે એક વજન કરનાર હતો જે ઈંટ વડે વજન કરતો હતો તો આપ (સલ.) એ ફરમાવ્યું વજન કરો અને (પલ્લુ) નમાવીને તોળો.’ હઝરત જાબિર (રદિ.) થી રિવાયત છે કે નબી (સલ.) એ તેમની પાસેથી એક ઈંટ ખરીદી તો આપે તેની કિંમત ચુકવવા માટે ઝુકાવીને વજન કર્યું.

હઝરત અબૂ હુરયરહ(રદિ.)નું કથન છે કે અલ્લાહના રસૂલ (સલ.) અનાજના એક ઢગલા પાસેથી પસાર થયા (જે એક દુકાનદારનું હતો) આપે પોતાની પવિત્ર આંગળીઓ તે અનાજમાં નાંખી તો આપ (સલ.) ની આંગળીઓ ભીની થઈ ગઈ તો આપે તે અનાજ વેચનાર દુકાનદારને કહયું કે (તમારા અનાજમાં) આ ભીનાશ શાની છે ? તેણે કહ્યું : એ અલ્લાહના રસૂલ (સલ.) ! અનાજ પર વરસાદના ટીપા પડી ગયા હતા, (તો મેં ઉપરના ભીના થયેલ ભાગને નીચે કરી દીધો) (તો) આપ (સલ.) એ ફરમાવ્યું : ભીના ભાગને તમે ઉપર કેમ રહેવા ન દીધો? જેથી ગ્રાહકો તેને જોઈ શકે (સાંભળો !) જે માણસ છેતરપિંડી કરશે તે અમારામાંથી નથી. (મુસ્લિમ)

ઉકત હદીસોમાં સાફ ખબર પડે છે કે ઇસ્લામ ધર્મમાં વ્યવહારોની સફાઈ અને સચ્ચાઈ પર ખૂબ જ ધ્યાન આપવામાં આવ્યું છે અને ખયાનત, બેઈમાની અને ધોકાબાજીથી કમાવવાને નાજાઈઝ અને હરામ બતાવ્યું છે. અને અલ્લાહના રસૂલ (સલ.) ના આ ફરમાનોમાં મુસ્લિમ અને બિનમુસ્લિમનો કોઈ ભેદ નથી. જેનાથી માલૂમ થાય છે કે ખયાનત અને ધોકેબાજી ઈસ્લામમાં પાપ અને ગુનાહિત કૃત્ય છે. ભલે પછી તે મુસલમાન સાથે હોય કે પછી બિનમુસ્લિમ સાથે હોય. ગુનોહ હમેંશા ગુનોહ છે.

હદીસ શરીફમાં હઝરત અલી રદિ.ના ફઝાઇલ

❑ હઝરત સઅદ બિન વક્કાસ રદિ. રિવાયત ફરમાવે છે કે નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે હઝરત અલી રદિ.ને સંબોધીને એકવાર ફરમાવ્યું હતું : (દુનિયા અને આખિરતમાં, રિશ્તેદારી અને મરબતબાના એતેબારથી અને ઇસ્લામના મદદગાર હોવામાં) તમારું સ્થાન મારા માટે એવું જ છે, જેમ હઝરત મૂસા અલૈ. માટે હઝરત હારૂન અલૈ. હતા. હા, એટલો ફરક છે કે મારા પછી કોઈ નબી નહીં આવે. (બુખારી – મુસ્લિમ)

❑ હઝરત અલી રદિ. ફરમાવે છે કે જે અલ્લાહ દાણાને ફાડીને એમાંથી છોડ ઉગાડે છે, અને પ્રાણીઓને પેદા કરે છે, નબીએ કરીમ સલ્લલ્લાહ અલયહિ વ સલ્લમે મને ખાતરી આપી હતી કે જે કોઈ સાચો— પાકો મુસલમાન હશે એ મારી સાથે મુહબ્બત રાખશે અને જે મુનાફિક હશે એ જ મારાથી અદાવત રાખશે.

મતલબ કે હઝરત અલી રદિ.ની મુહબ્બત રાખવી જરૂરી છે. એના વગર ઈમાન કામિલ નથી થઈ શકતું. હઝરત અલી રદિ.ની મુહબ્બત રાખવાનો જ એક ભાગ આ પણ છે કે હઝરત અલી રદિ.ના દોસ્તો, સગાઓ અને બીજા સઘળા સહાબા સાથે પણ મુહબ્બત રાખવામાં આવે.

 ❑ હઝરત ઈમરાન બિન હુસૈન રદિ. રિવાયત કરે છે, નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે ફરમાવ્યું : અલી મારા સાથે જ છે અને હું અલી સાથે છું. અને અલી દરેક મોમિનના દોસ્ત છે. (તિરમિઝી)

❑ હઝરત ઝૈદ બિન અરકમ રદિ. ફરમાવે છે, નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે ફરમાવ્યું : હું જેનો દોસ્ત છું અલી પણ એમના દોસ્ત છે. (મુ. અહમદ, તિરમિઝી)

❑ હઝરત ઈબ્ને ઉમર રદિ. ફરમાવે છે કે, નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે હિજરત પછી એક અન્સારી અને એક મુહાજિર સહાબા દરમિયાન ભાઈચારાનો સંબંધ જોડયો હતો. એકવાર હઝરત અલી રદિ. નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની મજલિસમાં આવ્યા તો આંખોમાં આંસુ હતા. કહેવા લાગ્યા કે, આપ બીજા બધા મુહાજિર લોકોને અન્સારમાંથી ભાઈ શોધી દીધા. મારી સાથે કોઈને પણ ભાઈ બનાવ્યા નહીં ? નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે ફરમાવ્યું : તમે તો દુનિયા અને આખિરતમાં મારા ભાઈ છો. (તિરમિઝી)

❑ હઝરત અલી રદિ. રિવાયત ફરમાવે છે કે, હું નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ પાસે જયારે પણ કોઈ વસ્તુ માંગતો, આપ જરૂર આપતા હતા અને જયારે હું ખામોશ રહેતો અને કંઈ માગતો નહીં, તો નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ પોતે આપતા હતા. (તિરમિઝી)

❑ હઝરત અલી રદિ. રિવાયત ફરમાવે છે કે નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે ફરમાવ્યું : હું હિકમત (બુદ્ધિ – જ્ઞાન)નું શહેર છું અને અલી આ શહેરનો દરવાજો છે. એક રિવાયતમાં છે : હું ઇલ્મનું શહેર છું અને અલી એનો દરવાજો છે. અને બીજી એક રિવાયતમાં આ પણ છે કે, જે કોઈ ઇલ્મ હાસિલ કરવા ચાહે એ ઇલ્મના શહેરના દરવાજેથી અંદર આવે.

❑ મતલબ આ છે કે નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ મારફતે નુબુવ્વત અને વહીનું જે ઇલ્મ અને અલ્લાહના આદેશોની જાણકારી ઉમ્મતને મળી, એ સહાબએ કિરામ મારફતે જ મળી છે, એટલે સહાબએ કિરામ ઇલ્મે ઇલાહી અને ઇલ્મે નબવીના દરવાજા કહેવાય છે. આ બાબતે હઝરત અલી રદિ.નું સ્થાન સૌથી ઉચ્ચ છે, એ મહાનતા અને ફઝીલત બતાવવા ફકત હઝરત અલી રદિ.નું નામ લેવામાં આવ્યું. એટલે જ એક બીજી હદીસમાં આપ સલ્લલ્લાહ અલયહિ વ સલ્લમનો ઇરશાદ છે : મારા સહાબા આસમાને હિદાયતના તારાઓની જેમ છે. રાહ ભટકેલ મુસાફિર જે કોઈ તારાને પકડી લેશે એને એ તારો મંઝિલે પહોંચાડી દેશે.

❑ હઝરત જાબિર રદિ. રિવાયત ફરમાવે છે કે ગઝવએ તાઇફ વેળા નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે હઝરત અલી રદિ.ને બોલાવ્યા અને કાનમાં કંઈક કહેવા લાગ્યા. ઘણીવાર સુધી આમ વાત ચાલતી રહી તો મુનાફિકો કહેવા લાગ્યા કે પોતાના પિત્રાઈ સાથે ઘણી લાંબી વાતો કરવામાં આવી રહી છે ! રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમને ખબર પડી તો ફરમાવ્યું : અલી સાથે હું નહીં, અલ્લાહ તઆલા વાતો કરતા હતા.

લડાઈ સામે હતી, અને લડાઈને લગતી એવી વાત હશે જે બધા સામે કહેવી યોગ્ય ન હોય, એટલે નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે કાનમાં કહી. અમુક લોકોનું એમ કહેવું કે હઝરત અલી રદિ.ને કોઈ વિશેષ ઇલ્મે બાતિન આપવામાં આવ્યું હતું જે બીજા સહાબાને આપવામાં આવ્યું ન હતું, એ બેબુનિયાદ છે.

❑ હઝરત અબૂસઈદ રદિ. ફરમાવે છે કે નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે ફરમાવ્યું : હે અલી ! મારા અને તમારા સિવાય કોઈ બીજા માટે જાઇઝ નથી કે જનાબતની હાલતમાં આ મસ્જિદમાંથી પસાર થાય.

મતલબ આ છે કે શરૂમાં મસ્જિદે નબવીની આસપાસ સહાબાના ઘરો હતા અને દરવાજા મસ્જિદ તરફે ખુલતા હતા. આ ઘરના સ્ત્રી – પુરૂષોની આવન જાવન મસ્જિદમાંથી જ થતી હતી. પાછળથી હુકમ આપવામાં આવ્યો કે હવે ઘરોના દરવાજા મસ્જિદ તરફ બંધ કરીને પાછલી બાજુ કરી લ્યો. હવેથી જનાબતવાળા પુરૂષો અને હૈઝ વાળી સ્ત્રીઓને મસ્જિદમાંથી પસાર થવાની પરવાનગી નથી. આ હુકમમાંથી નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ અને હઝરત અલી રદિ.ને બાકાત રાખવામાં આવ્યા.

❑એક હદીસમાં છે કે નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે હઝરત અલી રદિ. સિવાય બીજા દરેકના ઘરોના દરવાજા બંધ કરવાનો આદેશ આપ્યો.

❑ હઝરત ઉમ્મે અતીય્યહ રદિ. રિવાયત ફરમાવે છે કે એકવાર નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે હઝરત અલી રદિ.ને સહાબાની એક જમાત સાથે કોઈ લડાઈ માટે મોકલ્યા હતા. ત્યાર પછી નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમને મેં દુઆ કરતાં સાંભળ્યા કે, હે અલ્લાહ ! જયાં સુધી અલી સહી સલામત પાછા ન આવે, મને મોત ના આપજો.

❑હઝરત ઉમ્મે સલ્મહ રદિ. રિવાયત ફરમાવે છે કે નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે ફરમાવ્યું : મુનાફિક લોકો અલીને પસંદ નથી કરતા અને મોમિન કદી અલી સાથે અદાવત ન રાખશે.

❑ બીજી એક હદીસમાં નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે ફરમાવ્યું : જેણે અલીને બુરું કહયું એણે મને બુરું કહયું.

❑ હઝરત અલી રદિ.ની રિવાયત છે કે નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે એમને સંબોધીને ફરમાવ્યું કે,

હે અલી ! તમારી સ્થિતિ હઝરત ઇસા અલૈ. જેવી જ છે. યહૂદીઓએ એમની સાથે અદાવત અને દુશ્મની રાખી. એટલી બધી કે એમની વાલિદહ મરિયમ ઉપર બદકારીનો આરોપ પણ લગાવ્યો, અને ઈસાઈઓએ એમની સાથે એટલી બધી મુહબ્બત દર્શાવી કે એમને એવા સ્થાને મૂકી દીધા જે એમનું સ્થાન ન હતું. પછી હઝરત અલી રદિ.એ ફરમાવ્યું કે, મારા બારામાં પણ આ મુજબ બે પ્રકારના માણસો બરબાદીમાં પડશે. એક માણસ મારી મુહબ્બતમાં અતિશયોકિત દાખવનાર જે મારી એવી ખૂબીઓ વર્ણવશે જે મારામાં નથી અને બીજો અદાવત રાખનાર, જે અદાવતની આગમાં મારા ઉપર આરોપો લગાવશે. (મુ. અહમદ. મિશ્કાત)

શરઈ માર્ગદર્શન અને ફતાવા વિભાગ

મવ. મુફતી અસ્જદ દેવલ્વી સાહેબ 

તસ્દીક કર્તા મવ. મુફતી અહમદ દેવલા સદર મુફતી જામિઅહ જંબુસર

ફોઈ બહેનની છોકરી સાથે નિકાહ

સવાલ : અમારા સાળાનો છોકરો અને સાળીની નવાસીના નિકાહ થઈ શકે છે કે નહીં ? તે શરઈ દ્રષ્ટિએ જાઈઝ છે કે નહીં ? તેનો જવાબ આપવા વિનંતી છે.

છોકરીના મોટા બા એવું કહે છે કે છોકરો અને છોકરી મામા-ભાણજી થાય છે, એટલે આ નિકાહ ન થઈ શકે, એટલા માટે આપની પાસે મસ્અલો પેશ કરું છું.

 જવાબ :

حامدا ومصليا ومسلما

રજૂ કરવામાં આવેલ સૂરતમાં સાળાનો છોકરો સાળીની નવાસી સાથે નિકાહ કરી શકે છે, આ સૂરત છે છોકરાએ પોતાની ફોઈ બહેનની છોકરી સાથે નિકાહ કરવાની, શરઈ દ્રષ્ટિએ જયારે ફોઈની છોકરી સાથે નિકાહ કરવા દુરૂસ્ત છે, તો ફોઈની છોકરીની છોકરી સાથે નિકાહ કરવામાં તો કોઈ વાંધો હોવો જ ન જોઈએ કે ફોઈની છોકરી તો વધારે નિકટની રિશ્તેદારી રાખે છે, તેમ છતાં તેની સાથે નિકાહ જાઈઝ છે, તો ફોઈની નવાસીમાં તો વચમાં એક વાસ્તો વધી જતાં રિશ્તેદારી પેહલી સૂરતના મુકાબલામાં થોડીક દૂરની થઈ ગઈ, માટે આવી સૂરતમાં જાઈઝ હોવું વધુ યોગ્ય ઠરે છે, હઝરત ફાતિમા (રદિ.) હઝરત અલી (રદિ.) માટે (કાકાભાઈ — પિત્રાઈ હઝરત રસૂલુલ્લાહ (સલ.) ના દિકરી હોવાના લઈ) પિતરાય ભત્રીજી હતા, છતાં હઝરત (સલ.) એ હઝરત ફાતિમાને હઝરત અલીના નિકાહમાં આપેલ, આનાથી માલૂમ પડયું કે પિતરાઈ ભત્રીજી સાથે નિકાહ દુરૂસ્ત છે, એવી જ રીતે ફોયાઈ ભાણકી સાથે નિકાહ પણ દુરૂસ્ત ગણાશે. આ સગા મામા ભાણેજનો રિશ્તો નથી, એટલે સાળાના છોકરાના નિકાહ સાળીની નવાસી સાથે કરાવવામાં કોઈ વાંધો નથી. (ફતાવા કાસિમિય્યહ : ૧૫/૧૮૭, સૂનને નસાઈ : ૨/૭૬ ઉપરથી) ફક્ત અલ્લાહ તઆલા વધુ જાણનાર છે. (તા. ૧૧/૫/૧૪૩૮ હિજરી)

મહેરની રકમ તેમજ આડ પેટે આપવામાં આવેલ વસ્તુનો હુકમ

સવાલ : મુફતી સા. ! આપની ખિદમતમાં એક સવાલ રજૂ કરવા માંગુ છું. શરીઅત મુજબ જવાબ આપી શુક્રિયાનો મોકો આપશો.

સવાલ આ છે કે હલીમા નામની ઔરતના ઝૈદ નામી મર્દ સાથે લગ્ન નક્કી કરતી વખતે ૧ તોલો સોનું (આડ પેટે) તેમજ ૫૦૦૦/- રૂા. મહર આપવાની શર્ત થઈ હતી. ત્યાર બાદ નિકાહની મજલિસમાં ૧ તોલો સોનું (આડ પેટે) તેમજ ૫૦૦૦/- રૂા. મહર આપવાનું વર્ણન પણ થયું હતું. નિકાહની અમુક મુદ્દત પછી અણબનાવ થતા છૂટાછેડા લેવાનું નક્કી થયું હતું. તો મસ્અલાના ઐતિબારથી હલીમા નામની ઔરત ૫૦૦૦/- રૂા. તેમજ સોનાની માલિક થઈ જશે ? અને ઝૈદને સોનું તેમજ આ રકમ આપવી જરૂરી થશે ? જો છૂટાછેડા થાય તો શરઈ એતિબારથી નાનો નફકહ (ભરણપોષણ ખર્ચ)ની મુદ્દત તેમજ રકમ જણાવશો. ઔરત પાછલા ત્રણ-ચાર મહીનાથી પોતાના બાપના ઘરે રહે છે, તો શું એ ખર્ચો પણ ઝૈદને આપવાનો રહેશે ? વહેલી તકે જવાબ આપવા મહેરબાની.

حامدا و ومصليا ومسلما: જવાબ 

રજૂ કરવામાં આવેલ સૂરતમાં ઉલ્લેખ કરવામાં આવેલ છે કે નિકાહની મજલિસમાં (નિકાહના અકદ વેળાએ) મહર રૂપે ૫૦૦૦/- રૂા. અને સાથે એક તોલા સોનાનો શુમાર થશે. જયારે આ બંને વસ્તુઓ મહર રૂપે જ નિકાહ સમયે બયાન કરવામાં આવી હતી તો, આ બંને વસ્તુઓનું શરઈ દ્રષ્ટિએ મહર હોવું નક્કી છે, સદર સુરતમાં જો હવે બંને મિયાં—બીવીમાં છૂટાછેડા થાય અથવા નિકાહ બાકી રહે, બંને સ્થિતિઓમાં હલીમા મઝકૂર બંને મહરરૂપી વસ્તુઓ (૫૦૦૦ + એક તોલા સોના)ની હકદાર થશે. આ પહેલા ચૂકવણી થઈ ગઈ હોય તો આ બંને વસ્તુઓ તેની માલિકીની ગણાશે અને જો ચૂકવણી શોહર ઝૈદ તરફથી કરવામાં ન આવી હોય તો તેના શિરે વાજિબ અને જરૂરી છે કે ઔરતના મહર રૂપી હક બનતી બંને વસ્તુઓની અદાયગી કરે, સૂરએ નિસાઅમાં વિવિધ જગ્યાએ આ હકની અદાયગીનો આદેશ આપવામાં આવ્યો છે. (સૂરએ નિસાઅ : ૪, ૨૪)

યાદ રહે કે એક તોલા સોનું આપવાની વાત મહર પેટે નક્કી ન કરતા આડ રૂપે આપવાનો ઉલ્લેખ (નિકાહ પહેલા અથવા પછી અથવા નિકાહ સમયે) થયો હોય, તો પણ એની અદાયગી શોહરે કરવી જરૂરી છે અને ઔરત શર્ત આધિન અથવા વાયદા અને વચન મુજબ માંગણી કરી શકે છે. (નયે મસાઈલ ઔર ફિકહ એકેડમી કે ફેસલે (તબાઅત : ૨૦૧૪) ૧૦૫, મજલ્લા ઈશ્તિરાત ફિન્નિકાહ:૩૪૪થી ૩૭૧ઉપરથી, ફતાવા કાસિમિય્યહ : ૧૩/૧૩૮ ઉપરથી)

(૨) ઈસ્લામી નિયમ મુજબ ઈદ્દતની સમય મર્યાદા નીચે મુજબ છૂટાછેડા થવાની સૂરતમાં રહેશે.

૧- ગર્ભવતી હોય, તો બચ્ચાનો જન્મ થતા સુધીનો સમય ગાળો.

૨- ગર્ભવતી ન હોય, અને માસિક આવતું હોય તો છૂટાછેડા પછી સંપૂર્ણ ત્રણ માસિક (હૈજ) પુરા થતા સુધીનો સમય ગાળો.

૩– માસિક ન આવતું હોય તો ત્રણ ઈસ્લામી મહીનાની સમય મર્યાદા.

(૩) નાન નફકહની કોઈ ચોક્કસ માત્રા શરીઅત તરફથી નક્કી કરવામાં આવી નથી. મર્દ અને ઔરતની હાલત ધ્યાનમાં રાખી સમયની મોંઘવારી મુજબ કોઈ માત્રા નક્કી કરી લેવામાં આવે, માસિક ૪૦૦૦/- થી ૫૦૦૦/- રૂા. જેટલી માત્રા નક્કી કરવી મુનાસિબ છે.

(૪) ઔરત પાછલા ત્રણ-ચાર મહીનાથી પોતાના બાપના ઘરે રહે છે, તો તે સમયના નાન નફકહ વિશે હુકમ આ છે કે જો ઔરત શોહરની પરવાનગી વિના પોતે બાપના ઘરે ચાલી ગઈ હોય તો તે ના ફરમાન ગણાશે અને નફકહની શોહરના ઘરે પાછી આવતા સુધી હકદાર થશે નહીં. અને અન્ય કોઈ સુરત હોય, તો તફસીલ લખી શરઈ હુકમ માલૂમ કરી લેશો. ફકત અલ્લાહ તઆલા વધુ જાણનાર છે. (૪/શા'બાન,૧૪૩૮ હિજરી)

બોધકથા

સખત ગરમીના દિવસો હતા. જંગલનો સિંહ ભુખ્યો થયો હતો. આસપાસ કોઈ જનાવર દેખાતું ન હતું. ગરમીના કારણે બધા જ જનાવરો પોત પોતાના ઠેકાણે આરામ કરી રહયા હતા. ભુખ્યો સિંહ બહાર નીકળ્યો પણ એક સસલા સિવાય કોઈ જનાવર એને મારણ માટે દેખાયું નહીં.

સિંહે સસલાને પકડી તો લીધું પણ પછી વિચાર કરવા લાગ્યો કે આ સસલાથી મારું પેટ ભરાશે નહીં. હજુ તે આમ વિચારી રહયો હતો કે ત્યાંથી એક હરણ દોડતું કુદતું પસાર થયું. સિંહને થયું કે આ નાનકડા સસલાના બદલે હું હરણને પકડી પાડું તો મારા પેટની ભુખ કંઈક ઠરશે. આમ વિચારીને સિંહે સસલાને છોડી મુકયું અને શકય એટલી ઝડપે હરણની દિશામાં દોડ મુકી. પણ હરણ કયાંક સંતાય ગયું અને સિંહની નજરથી અલોપ થઈ ગયું.

સિંહને ઘણો અફસોસ થયો. હવે તેને પસ્તાવો થયો કે હરણને પામસવા સસલું છોડી દીધું પણ સસલું પણ ગયું અને હરણ પણ હાથે ન આવ્યું. અને આમ ભુખ્યા રહેવાની નોબત આવી.

વાર્તાનો સાર કહાવતમાં કહીએ તો ... લાલચ બુરી બલા હે... ઉધાર મરઘી કરતાં રોકડું ઈડું સારું... બંગલાના શોખમાં ઝુંપડી ન તોડી પાડો... વગેરે....

અર્થાત જે તક હાથમાં આવી ગઈ હોય એને છોડવામાં આવે તો અંતે પસ્તાવાનો વારો આવશે.

ઘણા લોકો મોટી નોકરીની લાલચમાં હાથમાં આવેલ નોકરી છોડી દે છે. કોઈ નજીવા કારણે નોકરી છોડીને પછી વિચારે છે કે દુનિયા મોટી છે, મને બીજી નોકરી મળી જશે..

Rabiul-Awwal: Real Message of Seerat-e-Tayyaba

RABIUL-Awwal is the most significant month in the Islamic history, because humanity has been blessed in this month by the birth of the Holy Prophet (PBUH). Before the birth of the Holy Prophet (PBUH) not only the Arabian peninsula, but also the so-called civilised nations of Rome and Persia were drowned in the darkness of ignorance, superstitions, oppression and unrest. The Holy Prophet (PBUH) came with the eternal truth of Tauheed (Oneness of Allah), the only faith that provides a firm basis for the real concepts of knowledge, equity and peace. It was this faith, which delivered humanity from ignorance and superstitions and spread the light of true knowledge all over the world.

Thus the birth of the Holy Prophet (PBUH) was the most significant and the most remarkable event in human history. Had there been room in Islamic teachings for the celebration of birthdays or anniversaries, the birthday of the Holy Prophet (PBUH) would have undoubtedly deserved it more than the birthday of any other person. But that is against the nature of Islamic teachings. That is why, unlike Judaism, Christianity, and Hinduism, there are very few festivals in Islam, which provides for only two Eids (Eid ul-Fitr and Eid ul-Azha) during the whole year. The dates of these two Eids do not correspond to the birthday of any of the outstanding persons of Islamic history, nor can their origin be attributed to any particular event of history that had happened in these dates.

Both of these two Eids have been prescribed for paying gratitude to Allah on some happy events that take place every year. The first event is the completion of the fasts of Ramazan and the second event is the completion of Hajj, another form of worship regarded as one of the five pillars of Islam. The manner prescribed for the celebration of these two Eids (festivals) is also different from non-Islamic festivals. There are no formal processions, illumination or other activities showing formal happiness. On the contrary, there are congregational prayers and informal mutual visits to each other, which can give real happiness instead of its symbols only. On the other hand, Islam has not prescribed any festival for the birthday of any person, however great or significant he may be. The prophets of Allah are the persons of the highest status amongst all human beings. But the Holy Prophet (PBUH) or his noble companions never observed the birthday or anniversary of any of them. Even the birthday of the Holy Prophet (PBUH) which was the happiest day for the whole mankind, was never celebrated by the Holy Prophet (PBUH) himself, nor by his blessed Companions.

The Companions of the Holy Prophet (PBUH) remained alive after him for about a century, but despite their unparalleled and profound love towards the Holy Prophet (PBUH), they never celebrated the birthday or the death anniversary of Holy Prophet (PBUH). Instead, they devoted their lives for promoting the cause of Islam, for bringing his teachings into practice, for conveying his message to the four corners of the world and for establishing the Islamic order in every walk of life. The reason for abstinence from such celebrations is that they divert the attention of people from the real teachings of Islam towards the observance of some formal activities only. Initially, these celebrations may begin with utmost piety and with a bona fide intention to pay homage to a pious person. Yet, the experience shows that the celebration is ultimately mixed up with an element of merrymaking and rejoicing and is generally confused with secular festivals and often sinful activities creep into it gradually.

Thus, the observance of the 12th of Rabiul-Awwal as a religious feast is not warranted by any verse of the Holy Quran or by any teaching of the Holy Prophet (PBUH). Had it been a part of the religion it would have been clearly ordered or practiced by the Holy Prophet (PBUH) and his blessed companions or, at least, by their immediate pupils. But no example of the celebration of the occasion can be traced out in the early centuries of the Islamic history. It was after many centuries (According to Maulana Yusuf Ludhinavi it was in the year 604 A.H) that some monarchs started observing the 12th of Rabiul-Awwal as the birthday of the Holy Prophet (PBUH) without a sound religious basis, and the congregations in the name of Maulood or Milad were held where the history of the birth of the Holy Prophet (PBUH) used to be narrated.

What is really important with regard to the Holy Prophet (PBUH) is, first, to follow his teachings, and second to make his pious Seerat available to every Muslim, to preserve it in the hearts of the Muslims from the very childhood, to educate the family members to run their lives according to it and to hold it as the most glorious example of the human conduct the universe has ever witnessed and all this with utmost love and reverence, not manifested by some formal activities only, but also through actual behaviour of following the Sunnah. This cannot be done by merely holding processions and illuminating the walls. This requires constant and consistent efforts and a meaningful programme of education and training.

છેલ્લા પાને.....



અલ્લાહ નજીક છે.

અલ્લાહ તઆલા ફરમાવે છે કે, મારા બંદાઓ મારા વિશે પૂછે તો કહી દો કે અલ્લાહ તઆલા નજીક જ છે.

અલ્લાહ માફ કરનાર છે.

અલ્લાહ તઆલા ફરમાવે છે :

હે મારા બંદાઓ ! તમે રાત દિવસ ગુનાહો કરો છો, અને હું એ બધા ગુનાહો માફ કરીશં, માટે મારાથી માફી માંગો, હું તમને માફ કરી દઈશ.

ખુદાની શકિત

નમરૂદની બધી બાદશાહત એક મચ્છર સામે બેબસ બની ગઈ અને નમરૂદના મોતનો સબબ બન્યો. એ જ પ્રમાણે દુનિયાની બધી એટમી શકિતઓ કોરોના સામે લાચાર બની ગઈ અને જેને મરવાનું હતું એ મરીને જ રહયો.

જન્નતી કોણ

અલ્લાહના રસૂલ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમને પૂછવામાં આવ્યું કે જન્નત વાળાઓની નિશાની શું છે ? તો ફરમાવ્યું : સાચું બોલવું.

મરેલું દિલ

જો કોઈને સતાવીને પણ માણસને મીઠી ઊંઘ આવે છે તો માણસે એના દિલનો જનાઝો પઢી લેવો જોઈએ, કારણ કે એનું દિલ મરી ગયું છે.

જન્નત ન માંગો

હઝરત અલી.નું કથન છે, કે તમે જન્નત ના માંગો, બલકે|એવા આમાલ કરો કે જન્નત પોતે જ તમને માંગે.

કામ્યાબ અને કમઝોર માણસ

કામ્યાબ લોકો એમના ફેસલાઓથી દુનિયા બદલી દે છે. અને કમઝોર લોકો દુનિયાના ખોફથી પોતાના ફેસલા બદલી દે છે.

ત્રણ કામોના ત્રણ સવાબ

નજરોની હિફાઝત હિકમત, બુદ્ધિ અને સમજ ખેંચી લાવે છે. ઇસ્તિગ્ફાર રોઝી ખેંચી લાવે છે. અને હયા પાકદામની ખેર – ભલાઈ અને બરકતો ખેંચી લાવે છે.

ખુદા સાથે વેપાર

જયારે તંગી - ગરીબી વધી જાય, રોઝીનો કોઈ રસ્તો જ જડે તો સદકો આપીને અલ્લાહ તઆલા સાથે વેપાર કરી લ્યો.

તોફાન અને શયતાન

પાણી એની હદથી આગળ વધે તો એને તોફાન કહેવામાં આવે છે અને માણસ એની હદથી આગળ વધી જાય તો એને શયતાન કહેવામાં આવે છે.

ગુનો અને માણસ

જે ગુનાઓ નથી કરતા એ ફરિશ્તાઓ છે. જે ગુનો કરીને તોબા કરી લે એ માણસ છે. અને જે ગુનો કરીને એના ઉપર અડી જાય એ શયતાન છે.

અલ્લાહનો મહબૂબ

અબ્લાક - સંસ્કારનું ઘરેણું જેના ઉપર હોય મખ્લૂક અને ખાલિક બન્નેનો મહબૂબ હોય છે.

હઝ. ઉમર (રદિ.)નો ન્યાય

દ્રિતીય ખલીફા હઝરત ઉમર રદિ.ના કાળમાં હઝરત અમ્ર બિન આસ રદિ. મિસરના ગર્વનર હતા, એકવાર એમણે ઘોડદોડની સ્પર્ધાનું આયોજન કર્યુ, આ સ્પર્ધામાં ઈસ્લામી શાસનના એક ગવર્નર હઝરત અમ્ર બિન આસ રદિ.નો પુત્ર મુહમ્મદ પણ શામેલ હતો. સ્પર્ધામાં એક ગેરમુસ્લિમનો ઘોડો આગળ નીકળી ગયો, જીતની ખુશીમાં તે એવા શબ્દો બોલ્યો જે ગવર્નર હઝરત અમ્ર બિન આસ રદિ.ના પુત્ર મુહમ્મદને યોગ્ય ન જણાયાં, તેણે આ મિસરી ગેર મુસ્લિમને એક કોરડો ફટકારી દીધો અને કહ્યું કે ''આ લેતો જા ! હું સજ્જનોની અવલાદ છું."

આ મિસરનો ગેરમુસ્લિમ સીધો મદીના આવ્યો અને ખલીફા હઝરત ઉમર રદિ.ની સેવામાં ફરિયાદ રજૂ કરી.

હઝરત ઉમર રદિ.એ તેને મદીનામાં થોભાવ્યો અને તાત્કાલિક એક એલચી દ્રારા અમ્ર બિન આસ રદિ. અને તેમના પુત્રને તેડી મંગાવ્યા, જયારે તેઓ મદીના આવ્યા તો હઝરત ઉમર રદિ.એ તે ગેરમુસ્લિમને કોરડો આપી ફરમાવ્યું કે લે આ કોરડો અને પેલા સજ્જનના પુત્રને ફટકાર, મિસરી વ્યકિતએ ગવર્નરના પુત્રને એટલા કોરડા ફટકાર્યા કે તે ઝખ્મી થઈ ગયો, આ દરમિયાન હઝરત ઉમર રદિ.કહેતા રહ્યા કે ''એ શરીફ ઝાદહને મારો." જયારે તે ગવર્નરના પુત્રને મારવાથી ફારિગ થયો તો હઝરત ઉમર રદિ.એ તેને કહ્યું કે તેના બાપ અમ્ર બિન આસ રદિ.ના માથા ઉપર પણ કોરડો ચલાવ. ખુદાની કસમ એમના પુત્રે તેના બાપની મોટાઈના ઘમંડમાં જ તને માર્યો છે.

પરંતુ તે ગેરમુસ્લિમે કહ્યું કે અમીરૂલ મુઅમીનીન ! જેણે મને માર્યો હતો, હું તેનાથી બદલો લઈ ચૂકયો, વધુ મને જરૂરત નથી. હઝરત ઉમર રદિ.એ કહ્યું કે ખુદાની કસમ જો તું એમને પણ મારત તો અમે તને ન અટકાવત. પછી હઝરત અમ્ર બિન આસ રદિ.ને સંબોધીને ફરમાવ્યું :

હે અમ્ર ! તમે કયારથી લોકોને ગુલામ બનાવવા શરૂ કરી દીધા ? એમની જનેતાઓ તો એમને આઝાદ જ જણે છે.

માનવીય સન્માનની આવી અજોડ ઘટના ઈતિહાસમાં કયાંય જોવા નહીં મળે. (ઈસ્લામી ફિકહ : ૩/૩૪૮)