અલ-બલાગ : એપ્રિલ-2021

તંત્રી સ્થાનેથી


માનવ જીવનને મોટા પાયે નુકસાન કરતી અમુક બીમારીઓ રોકવા અને ખતમ કરવા માટે આધુનિક તબીબી વિદ્યામાં વેકસીન અને રસીનું મહત્વ છે. આવી રસી માણસને એટલા માટે આપવામાં કે મુકવામાં આવે છે જેથી ભવિષ્યમાં માણસને બીમારી લાગે નહીં. પાછલા ઝમાનામાં આપણે જોયેલ શીતળા, પોલિયો વગેરે બીમારીઓ આજે નાબૂદ થઈ ગઈ છે, એનુ કારણ એ જ છે તબીબી વિજ્ઞાન દ્વારા એવી રસી અને દવા તૈયાર કરીને લોકોને દરેક માણસને પહેલેથી જ આપી દેવામાં આવી, જેથી આવી બીમારી થાય જ નહીં. આજે પણ નવા જન્મતા બાળકોને અનેક રસી અચુક મુકવામાં આવે એની સરકાર દ્વારા તકેદારી રાખવામાં આવે છે અને આપણે બધા જ આપણા નવા જન્મતા બાળકોને આ રસી આવશ્યક મળે એની ફિકર કરીએ છીએ.

પાછલા એક વરસથી કોરોનાની બીમારીએ માનવ સમાજને પરેશાન કરી મુકયો છે. આ બીમારીને વધુ ફેલાતી રોકવા માટે અને એની અસર ખતમ કરવા માટે એક તરફ યોગ્ય દવા અને સારવારની શોધ કરવામાં આવી રહી છે તો બીજી તરફ પૂર્વ તકેદારી સ્વરૂપે લગાવવાની વેકસીન પણ તૈયાર કરવામાં આવી છે. જેના થકી માણસના શરીરમાં એવી રોગપ્રતિકારક શક્તિ વિકસે છે, કે માણસનું શરીર આ બીમારીનો પ્રતિકાર કરીને બીમારીથી બચી શકે છે.

હાલમાં આપણા જિલ્લાના અનેક દવાખાનાઓમાં આ વેકસીન અને રસી ઉપલબ્ધ છે. અને સરકારના નિયમ મુજબ ૪૫ વરસથી ઉપરના લોકો માટે આ રસી મુકાવી શકે છે.

સમગ્ર દેશવાસીઓને અને વિશેષ કરીને મુસલમાન બિરાદરોને અમારી અપીલ છે કે રસીનું મહત્વ સમજે અને લગાવવાની ફિકર કરે. બીમારી અને મુસીબતથી બચવાના ઉપાય કરવા ઈસ્લામની તાલીમ છે.

વિશ્વાસુ મુસલમાનો ડોકટરોનું કહેવું છે કે બીમારીને રોકવા માટે રસી મુકાવવી પણ ઘણી જ જરૂરી છે. એમના સંશોધન, તપાસ અને જાણકારી મુજબ રસીમાં કોઈ પણ વસ્તુ દીની કે દુન્યવી રીતે વાંધાજનક નથી. માટે સમગ્ર દેશવાસીઓ અને મુસલમાન બિરાદરોને અપીલ કરું છું કે રસી વિશે જે 4 ખોટી ગેરસમજો ફેલાવવામાં આવી રહી છે એના ઉપર વિશ્વાસ ન કરે. અને તકેદારીના આ ઉપાયનું મહત્વ સમજીને રસી મુકાવવા આગળ આવે.

શરઈ દષ્ટિકોણ

શરઈ દષ્ટિએ આ બધું બીમારીથી બચવાના ઉપાય અને તદબીરની હેસિયત ધરાવે છે. ઈસ્લામનો બુનિયાદી અકીદો છે અને આપણે બધા એને માનીએ – પાળીએ છીએ કે સૃષ્ટિની સઘળી વ્યવસ્થા અલ્લાહ તઆલાના હાથમાં છે, જે કંઈ થાય છે એ બધું અલ્લાહ તઆલાની તકદીર મુજબ થાય છે, અને તકદીર પણ પહેલેથી જ નક્કી થાય છે. આ સાથે એક બીજો અકીદો આ પણ છે કે અલ્લાહ તઆલાએ સૃષ્ટિના સંચાલન માટે અમુક નિયમો નક્કી કર્યા છે, અને સામાન્ય પણે સૃષ્ટિની વ્યવસ્થા એના આધારે જ ચાલે છે. ચાર મહાન ફરિશ્તાઓના નામો અને એમના કામો આપણે બાળકોને પણ યાદ કરાવીએ છીએ, એનો સ્પષ્ટ મતલબ આ જ છે કે સૃષ્ટિની વ્યવસ્થા અલ્લાહ તઆલાની તકદીર અને મરજી મુજબ ચાલે છે, અને અલ્લાહ તઆલાની તકદીર અને મરજી મુજબ આ વ્યવસ્થા અસબાબ અને પરિબળોના તાબે ચાલી રહી છે, ઘણા પરિબળો આપણને સમજાય છે તો ઘણા નથી સમજાતા.. અને અમુક ઘટનાઓ, મુઅજિઝાઓ, કરામાત વગેરે અસબાબથી ઉપરવટ પણ અલ્લાહ તઆલાની મરજી મુજબ થાય છે.

અસબાબ અને એના પરિણામની આ ખુદાઈ વ્યવસ્થાના કારણે જ માણસ એમ સમજે છે ખાવાથી ભુખ ખતમ થાય છે ને પીવાથી તરસ છીપાય છે. દવાથી બીમારી દૂર થાય છે અને જો કોઈ માણસ પહેલેથી અમુક સાવચેતી રાખે તો બીમાર પણ નથી પડતો. રમઝાનમાં ઇબાદત માટે રાત્રે જાગવાનો ઇરાદો હોય તો દિવસમાં જ વધારે સૂઈ લે છે અથવા પહેલેથી જ ચા-કોફી પીને તૈયાર થઈ જાય છે. રાતે ઇબાદત શરૂ થાય અને ઊંઘ આવે પછી ઊંઘને દૂર કરવાના ઉપાય કરવાનો કોઈ ફાયદો નથી થતો. એટલે એડવાન્સ તૈયારી કરી લેવામાં આવે છે.

માણસ બીમાર ન પડે એની સાવચેતી રૂપે અનેક તદબીરો અને ઉપાયો હદીસે નબવીમાં પણ વર્ણવવામાં આવ્યા છે. શરીરની અને ઘરની સફાઈથી લઈને મહીનાના અમુક દિવસોમાં હિજામા કરાવવાનો હુકમ પણ છે.

હદીસ શરીફમાં ખજૂર અને કાકડી સાથે ખાવાનો હુકમ છે, જેથી કોઈ એક ફળની ગરમી કે ઠડીથી નુકસાન ન થાય.

બુખારી અને મુસ્લિમ શરીફમાં હદીસ છેઃ જે માણસ સવારે સાત અજવહ ખજૂર ખાય લે, એને તે દિવસે કોઈ ઝેર કે જાદુ નુકસાન નહી કરી શકે.

બલકે તિબ્બે નબવીના વિષયે સંશોધન કરનાર લોકોએ તિબ્બે નબવીના નુસ્ખાઓને બે વિભાગમાં વહેંચ્યા છે : તિબ્બે નબવી વિકાયી અને તિબ્બે નબવી ઇલાજી. વિકાઈ એટલે કે એવી બાબતો જેના થકી બીમારી પૂર્વે જ સાવચેતીથી તાલીમ અને તદબીર દર્શાવવામાં આવી હોય અને ઇલાજી એટલે એવી તદબીરો અને ઉપાયો જે બીમારી લાગુ પડયા પછી ઇલાજ સ્વરૂપે અપનાવવાનો હુકમ આપવામાં આવ્યો હોય.

હઝરત અકદસ મવલાના અશરફ અલી થાનવી રહ.ને પૂછવામાં આવ્યું:

બીમારીમાં સપડાયા પહેલાં જ અગમચેતી સ્વરૂપે દવાની તદબીર અપનાવવી જાઇઝ છે કે નહીં ? તો આપ રહ.એ જવાબ આપ્યો કે, દવા હલાલ હોય તો બીમારી પહેલાં લઈ લેવી પણ જાઈઝ છે. (ઇમ્દાદુલ ફતાવાઃ ૪-૨૮૪)

આ એક લાંબો વિષય છે અને એના વિશે ઘણું બધું લખી શકાય છે, અલબત્ત આટલી વાતોથી વાચકો સમજી શકે છે કે બીમારી આવતાં પૂર્વે તકેદારી અને અગમચેતીના ઉપાયો અપનાવવા શરીઅતની દષ્ટિએ ખોટું કામ નથી, બલકે સારું અને આવશ્યક છે.

આ તો ફકત બીમારી વાત હતી. શરીઅતની તાલીમ તો એ છે કે કોઈ પણ મુસીબત અને તકલીફ આવતાં પહેલાં જ એની તૈયારી કરી રાખો.

અવલાદ મર્યા પછી ગરીબ ન રહી જાય એટલે એમના માટે માલ છોડી જવાની નસીહત છે.

દુશ્મન સાથે લડવાની નોબત આવી શકે છે તો પહેલેથી તૈયારી કરી રાખવાનો હુકમ છે. મોત પહેલાં મોતની તૈયારી અને આખિરત પહેલાં આખિરતની તૈયારીનો હુકમ છે.

ખુલાસો આ કે તકેદારી રાખવી, અગમચેતીના પગલાં ભરવા તવક્કુલના વિરુદ્ધ નથી. બલકે ઇસ્લામની તાલીમને અનુરૂપ કાર્ય છે. એમાં જ માણસ અને માનવસમાજની સલામતી છે.


રિશ્તેદારો અને યતીમોના હકો
--મુફતી ફરીદ અહમદ કાવી

بِسْمِ اللهِ الرَّحْمَنِ الرَّحِيمِ

یٰۤاَیُّهَا النَّاسُ اتَّقُوْا رَبَّكُمُ الَّذِیْ خَلَقَكُمْ مِّنْ نَّفْسٍ وَّاحِدَةٍ وَّ خَلَقَ مِنْهَا زَوْجَهَا وَ بَثَّ مِنْهُمَا رِجَالًا كَثِیْرًا وَّ نِسَآءً١ۚ وَ اتَّقُوا اللّٰهَ الَّذِیْ تَسَآءَلُوْنَ بِهٖ وَ الْاَرْحَامَ١ؕ اِنَّ اللّٰهَ كَانَ عَلَیْكُمْ رَقِیْبًا ﴿1﴾ وَ اٰتُوا الْیَتٰمٰۤى اَمْوَالَهُمْ وَ لَا تَتَبَدَّلُوا الْخَبِیْثَ بِالطَّیِّبِ١۪ وَ لَا تَاْكُلُوْۤا اَمْوَالَهُمْ اِلٰۤى اَمْوَالِكُمْ١ؕ اِنَّهٗ كَانَ حُوْبًا كَبِیْرًا ﴿2﴾ وَ اِنْ خِفْتُمْ اَلَّا تُقْسِطُوْا فِی الْیَتٰمٰى فَانْكِحُوْا مَا طَابَ لَكُمْ مِّنَ النِّسَآءِ مَثْنٰى وَ ثُلٰثَ وَ رُبٰعَ١ۚ فَاِنْ خِفْتُمْ اَلَّا تَعْدِلُوْا فَوَاحِدَةً اَوْ مَا مَلَكَتْ اَیْمَانُكُمْ١ؕ ذٰلِكَ اَدْنٰۤى اَلَّا تَعُوْلُوْاؕ ﴿3﴾ 

સૂરએ નિસાઅ

તરજમહ : હે લોકો તમારા પરવરદિગારથી ડરતા રહો, જેણે તમને બધાને (ફકત) એક માણસથી પૈદા કર્યા, અને તેનાથી જ તેની જોડી (પત્નિ)પેૈદા કરી અને તે બંને દ્વારા ઘણાં બધા પુરુષો અને સ્ત્રીઓને ફેલાવ્યાં, અને તે અલ્લાહથી ડરો જેના વાસ્તાથી તમે એકબીજા સામે (હકોનો) સવાલ કરો છો. અને (સવિશેષ) રિશ્તેદારીઓ બાબતે પણ ડરતા રહો. બેશક, અલ્લાહ તમારા બધા ઉપર નિગરાની રાખનાર છે. (૧) અને યતીમોને એમનો માલ આપી દો, અને સારી વસ્તુ બદલીને ખરાબ વસ્તુ ન આપો. અને એમનો માલ, તમારા માલ સાથે મેળવીને ખાઓ નહિ, નિશંક એ મોટો ગુનો છે. (૨) અને જો તમને ખોફ હોય કે તમે યતીમો (એટલે કે યતીમ છોકરીઓ) બાબતે ન્યાય નહિ કરી શકો તો અન્ય સ્ત્રીઓમાંથી તમને પસંદ હોય એવી તે બે બે કે ત્રણ ત્રણ કે ચાર ચાર ઓરતો સાથે નિકાહ કરો, અને જો (એમાં પણ) તમને ખોફ હોય કે તેણીઓ વચ્ચે ન્યાય નહિ કરી શકો તો એક સાથે જ નિકાહ કરો. અથવા જે લોંડી તમારી માલિકીની હોય તે જ બસ છે. આ હુકમ તમે (અન્યાયથી એક તરફ) ઝુકી ન પડો એની નજીક છે. (૩)

સૂરએ નિસાઅ મદની છે. એટલે મદીના શરીફમાં હિજરત પછીના સમયગાળામાં ઉતરી છે. એમાં કુલ ૧૭૭ આયતો છે. ૨૪ રુકૂઅ છે. આ સૂરતમાં ઓરતોને લગતા એટલા બધા આદેશો અલ્લાહ તઆલાએ દર્શાવ્યા છે કે કોઈ બીજી સૂરતમાં આટલી વિગતે દર્શાવ્યા નથી. એટલે સૂરતનું નામ 'નિસાઅ' રાખવામાં આવ્યું. અરબીમાં આ શબ્દ ઓરતો કે સ્ત્રીઓ (બહુવચન)ના અર્થમાં વપરાય છે.

આ સૂરતમાં રિશશ્તેદારીનું વિશેષ વર્ણન કરવામાં આવ્યું છે. રિશ્તેદારીનો નિભાવ, વારસાના માલની વહેંચણી, યતીમોની દેખરેખ વગેરે બાબતો એવી છે કે તકવા અને પરહેઝગારી વગર એમના ઉપર અમલ કરી શકાય નહીં, એટલે અલ્લાહ તઆલાએ સૂરતને તકવાના હુકમથી શરૂ ફરમાવી છે. આગલી સૂરત આલે ઈમરાનના અંતે પણ તકવાની તાકીદ હતી.

સૂરતની શરૂઆતમાં "હે લોકો !" દ્વારા સંબોધન છે. એટલે કે તકવાનો હુકમ દરેક માટે છે. દરેક કોમ અને ખાનદાન, કોઈ પણ પ્રદેશ અને વિસ્તારના લોકો હોય..અલ્લાહ તઆલાથી દરેકે જ ડરવાની જરૂરત છે, અને અલ્લાહ તઆલાથી ડરવાનું નામ જ તકવા છે. અને અલ્લાહ તઆલાથી ડરવાનો મતલબ છે : એના આદેશો તોડવા અને નાફરમાની કરવાથી બચવામાં આવે. આ બાબતે જે સજાઓ મળશે એનાથી ડરવું. સ્વયં અલ્લાહ તઆલા તો 'રબ' અને પરવરદિગાર છે. એ તો સમગ્ર માનવજાત અને સૃષ્ટિનો પાલનહાર છે. એનાથી ડરવાની જરૂરત નથી, બલકે મુહબ્બત કરવાની હોય છે. (તફસીરે માજિદી)

આગળની આયતોમાં રિશ્તેદારીને લગતા હકો અને હુકમોનું વર્ણન છે એટલે અહિંયા શરૂમાં જ આ બાબત જતાવી દીધી તમને બધાને અલ્લાહ તઆલાએ એક માણસ આદમ થકી પેદા કર્યા છે. એ જ આદમથી એમનાં પત્નિ હવ્વાને પેદા કર્યાં હતાં. અને પછી રિશ્તેદારી બાબતે વિશેષ ડરવા અને તકેદારી રાખવાનો હુકમ આપતાં અલ્લાહ તઆલા ફરમાવે છે : તમારે બે બાબતોથી વિશેષ ડરવાનું છે. (૧) અલ્લાહ તઆલાથી ડરો. કેમ કે અલ્લાહ તઆલાનો વાસ્તો આપીને જ તમે પરસ્પર એક બીજા પાસે પોતાના હકો અને અધિકારો માંગો છો. (૨) રિશ્તેદારીને તોડવાથી ડરો. કારણ કે પરસ્પર હકો માંગવા માટે રિશ્તેદારીનો પણ વાસ્તો આપવામાં આવે છે. જો આ બાબતોનો ખોફ લોકોમાંથી ઓછો થઈ જાય તો એકબીજાના હકો દબાવી લેવામાં અને હડપ કરી જવામાં લોકો બેખોફ થઈ જશે અને પછી માંગવા છતાં કોઈ આપશે નહીં. પરસ્પરના હકો અદા કરવામાં કાયદા કાનૂન કરતાં આવો ખોફ વધારે અસર કરે છે. એટલે જ અલ્લાહ તઆલાએ આયતના અંતે એમ પણ તાકીદ ફરમાવી છે કે તમે જે કંઈ કરો છો, એ બધું અલ્લાહ તઆલાની દેખરેખ અને બારીક નિગરાનીમાં છે. એટલે દુનિયાના કાનૂનની જેમ એની નજર કે પકડમાંથી છટકી જવાની કોઈ શકયતા નથી.

 ઉપરોકત પ્રથમ આયતમાં તકવાના હુકમ સાથે દરેક પ્રકારની રિશ્તેદારીના હકો અદા કરવાની તાકીદ હતી. હવે આગળ બીજી આયતમાં યતીમો વિશે તાકીદના અમુક આદેશો બતાવવામાં આવ્યા છે :

    (૧) યતીમોને એમનો માલ આપી દયો.

માલ આપી દેવાનો એક મતલબ આ છે કે એમના હાથોમાં સોંપી દેવામાં આવે, આ હુકમ એમના બાલિગ થયા પછી લાગુ પડે છે. જેમ કે આગળની આયતોમાં આવશે કે બાલિગ થયે એમનો માલ એમને સોંપી દેવામાં આવે. બીજો મતલબ આ છે કે એમનો માલ અલગ ગણવામાં આવે. એની હિફાજત કરવામાં આવે. પોતાની માલિકીમાં લઈને કે સમજીને એને વાપરવો અને સમેટી લેવો નહીં. બાળપણ અને યતીમીના કારણે તેઓ પોતે એમનો માલ માંગી શકે એવી સ્થિતિમાં નથી હોતા, એટલે આ વિશે ખાસ તાકીદ રાખવાની જરૂરત છે.

    (૨) પોતાની ખરાબ વસ્તુઓને એમની સારી વસ્તુઓ સાથે અદલ બદલ ન કરો. જેમ કે એમને અદલ બદલ કે વેચાણ સોદાનું બહાનું બતાવીને પોતાનું ખરાબ જાનવર કે જમીન ના બદલામાં યતીમની સારી જમીન લઈ લેવામાં આવે.

    (૩) યતીમોનો માલ પોતાના માલ સાથે ભેળવીને હડપ ન કરો. આ વાત અલગથી એટલા માટે વર્ણવવામાં આવી કે લોકો ઘણીવાર માલ ભેગો રાખે છે, પછી એવી રીતે વાપરે છે કે યતીમનો માલ વધારે વપરાય અને પોતાનો માલ ઓછો વપરાય, અને લોકોને એમ જતાવે કે અમે અમારું ખાઈએ છીએ અને યતીમને એનું ખવડાવીએ છીએ. પણ વાસ્તવમાં યતીમનો માલ તેઓ ખાતા હોય છે. મુફતી શફીઅ સાહેબ રહ. ફરમાવે છે કે, આવા લોકોનું આવું કામ વધારે મોટો ગુનો છે, કારણ કે એમની પાસે પોતાનો માલ પણ હોય છે, છતાં પોતાનો માલ ઓછો વાપરે છે અને યતીમનો માલ વધારે વાપરે છે.

    (૪) આગળની આયતમાં યતીમ છોકરીઓ વિશેનો આ વિશેષ હુકમ છે. એને સમજવા માટે થોડી વિગતમાં જવું મુનાસિબ છે. ઇસ્લામ પૂર્વે જહાલત કાળમાં કોઈની પરવરિશ કે તાબા હેઠળ યતીમ છોકરી હોતી, એની માલિકીની જાયદાદ કે માલ પણ હોય તો યતીમના પાલકો અને વાલીઓ પોતે જ એની સાથે નિકાહ કરી લેતા, જેથી યતીમનો માલ અને જાયદાદ પણ કબજે કરી લેવાય અને આવી યતીમ છોકરીઓને મહેર પણ આપવી ન પડે. યતીમ છોકરી તો પોતે મહેર માંગી શકે એવી સ્થિતિમાં ન હોય, અને કોઈ બીજું વાલી - વારસ પણ ન હોય જે એના તરફથી મહેરની માંગણી કરે કે દબાવ કરે. એટલે જાયદાદ કબજે કરવા અને મહેરથી બચવા લોકો પોતે જ યતીમ છોકરીઓ સાથે નિકાહ કરી લેતા.

અલ્લાહ તઆલા ફરમાવે છે કે આમ કરવું બિલ્કુલ ખોટું છે. માટે યતીમ છોકરી સાથે નિકાહ કરવા હોય તો એના સઘળા હકો અદા કરવાની નિયતે જ નિકાહ કરો. અને જો તમને ખોફ હોય કે તમારાથી એમના હકો નહીં જળવાય, તમે એમની સાથે ન્યાય નહીં કરી શકો, તો પછી એમની સાથે નિકાહ કરવાનું ટાળો. અને નિકાહની તમારી જરૂરત અન્ય સ્ત્રીઓથી પૂરી કરો. અન્ય સ્ત્રીઓ સ્વતંત્ર હશે, એના વાલી-વારસો હશે, જેના કારણે તમને હિમ્મત નહીં થાય કે તમે એ સ્ત્રીઓનો માલ હડપ કરી શકો.

અને તમે ચાહો તો એકી સાથે બે કે ત્રણ કે ચાર આવી સ્ત્રીઓથી નિકાહ કરી શકો છો. એનાથી વધારે નહીં.

અને એમાંયે જો તમને ખોફ હોય કે આવી રીતે એકથી વધારે સ્ત્રીઓ કરવામાં તમે એ સ્ત્રીઓ-પત્નિઓ વચ્ચે સમાનતા અને ન્યાય નહીં કરી શકો તો પછી એક જ સ્ત્રી સાથે નિકાહ કરો. અથવા તમારી લોંડી ગુલામડીથી તમારી જરૂરત પૂરી કરો.

લોંડી – ગુલામનો ઝમાનો હવે નથી રહયો. પહેલાં જયારે ગુલામ લોંડીની પ્રથા હતી ત્યારે ગુલામ અને લોંડીનું ખરીદ વેચાણ થતું હતું અને તે માણસની માલિકીનો માલ ગણાતો હતો. અને શરીઅત દ્વારા માણસને છુટ હતી કે એની ગુલામડી-લોંડી સાથે શારીરિક સંબંધ બાંધી શકે અને પોતાની જરૂરત પૂરી કરી શકે.

અન્યાયનો ખોફ હોય તો યતીમ છોકરીઓ સાથે નિકાહ ન કરવા, અને અન્ય સ્ત્રી સાથે જરૂરત મુજબ નિકાહ કરવા, અને એમાં પણ અન્યાયનો ખોફ હોય તો એક સ્ત્રીથી જ નિકાહ કરવાથી માણસ જુલમ અને અન્યાય તરફ ઝુકી જવાથી મહફૂજ રહી શકે છે. એટલે આ રસ્તો સલામતીની વધારે નજીક છે.

આમ આ આયતમાં પ્રથમ • યતીમ છોકરીઓ સાથે એમનો માલ હડપ કરવાની નિયતે દબાવ લાવીને નિકાહ કરવાની મનાઈ છે. • પછી એકી સાથે યતીમ ન હોય એવી ચાર સ્વતંત્ર સ્ત્રીઓ સાથે નિકાહ કરવાની છુટ છે. • અને એમના વિશે પણ સમાનતા અને ન્યાયની તાકીદ છે, નહીંતર એક જ નિકાહ કરવાની અથવા લોંડીઓ વડે પોતાની જરૂરત પૂરી કરવાની તાકીદ છે.

એક સાથે એકથી વધારે ઓરતો સાથે નિકાહ કરવા એટલે કે બહુપત્નિત્વ અને એને લગતી વધુ વિગત ઇન્શાઅલ્લાહ આવતા અંકે લખીશું.



મઆરીફુલ હદીસ

یٰۤاَیُّهَا الَّذِیْنَ اٰمَنُوْا كُتِبَ عَلَیْكُمُ الصِّیَامُ كَمَا كُتِبَ عَلَى الَّذِیْنَ مِنْ قَبْلِكُمْ لَعَلَّكُمْ تَتَّقُوْنَۙ ﴿183

અર્થાત :- હે ઈમાન વાળાઓ ! તમારા ઉપર રોઝા ફરજ કરવામાં આવ્યા, જેમકે આગલી ઉમ્મતો પર ફરજ કરવામાં આવ્યા હતા. (રોઝાનો હુકમ તમને એટલા માટે આપવામાં આવ્યો છે) કે તમારામાં તકવો ઉત્પન્ન થાય. (બકરહ/૨૩)

તોહીદ અને રિસાલતની ગવાહી પછી નમાઝ, ઝકાત, રોઝા, અને હજ્જ ઇસ્લામના ચાર સ્થંભ છે.

    તે હદીસો "મઆરિફુલ હદીસ'ના શરૂમાં એ સંબંધી વર્ણન થઈ ચુકી છે કે જેમા રસૂલુલ્લાહ સલ.એ આ પાંચ ચીજોને ઈસ્લામના ફક્ત અને પાયાના સ્થંભો બતાવ્યા છે તેમના રૂકન અને સ્થંભ હોવા છે. તેની પેદાઈશ અને બાંધણી તેમ ફળવા ફાલવામાં આ પાંચ ચીજોને ખાસ સંબંધ છે. એ હિસાબે નમાઝ અને ઝકાતના અસરની જે ખાસિયતો છે તેને તેના ઠેકાણે વર્ણન કરવામાં આવી

રોઝાની તાસીર અને ખાસીયતનો ઉલ્લેખ કુર્આન પાકમાં વિગતવાર અને સવિસ્તાર કરવામાં આવ્યો છે. સૂરએ બકરહમાં રમઝાનના રોઝા ફરજ હોવાની જાહેરાત કરવા સાથે ફરમાવ્યું કે "લઅલ્લકુમ તત્તકુન" અર્થાત : "આ આજ્ઞાનો હેતુ ફકત તમારામાં પરહેઝગારી ઉત્પન્ન કરવાનો છે."

અલ્લાહ તઆલાએ માણસને રૂહાની અને હૈવાની અથવા બીજા શબ્દોમાં મલકુતી અને બહીમિય્યતનો નુસ્ખો બનાવ્યો છે. તેની તબીયત અને નેચરમાં બધા ભૌતિક હલ્કા અંશો પણ છે, જે બીજા જાનવરોમાં જોવા મળે છે. એ જ પ્રમાણે તેના નેચરમાં રૂહાની અને ફરિશ્તા સીફતનું નૂરાની દ્રવ્ય પણ છે, જે ઉપલી બારીક મખ્લુક ફરિશ્તાઓની ખાસ દોલત છે.

માણસની નેક બખ્તીનો આધાર તેના રૂહાની અને મલકુતી ગુણો, હેવાની અને બહીમી ગુણોથી વધી જવા પર અવલંબિત છે, જેથી તેને મર્યાદામાં રાખે. અને એ ત્યારે જ શકય છે કે બહીમી (જાનવર પણાનું) પાસું રૂહાની અને મલકુતી (ફરિશ્તા સિફત) પાસાની તાબેદારીની આદત બની જાય. અને તેના સામે માથું ન ઉચકે, રોઝાની તપસ્યાનો ખરો હેતુ એ જ છે કે તેનાથી માણસની હૈવાનીયત અને જાનવર પણાને અલ્લાહના હુકમોના તાબે રાખી ઈમાની અને રૂહાની માંગણીઓ પુરી કરવાની આદત બનાવવામાં આવે. અને આ વસ્તુ નુબુવ્વત અને શરીઅતના મુખ્ય હેતુઓમાંથી હોવાના કારણે આગલી બધી શરીઅતોમાં પણ રોઝાનો હુકમ આપવામાં આવ્યો. કુર્આન પાકમાં આ ઉમ્મતને રોઝાનો હુકમ આપતાં ફરમાવ્યું કે

یٰۤاَیُّهَا الَّذِیْنَ اٰمَنُوْا كُتِبَ عَلَیْكُمُ الصِّیَامُ كَمَا كُتِبَ عَلَى الَّذِیْنَ مِنْ قَبْلِكُمْ لَعَلَّكُمْ تَتَّقُوْنَۙ ﴿183

અર્થાત :- હે ઈમાન વાળાઓ ! તમારા ઉપર રોઝા ફરજ કરવામાં આવ્યા, જેમકે આગલી ઉમ્મતો પર ફરજ કરવામાં આવ્યા હતા. (રોઝાનો હુકમ તમને એટલા માટે આપવામાં આવ્યો છે) કે તમારામાં તકવો ઉત્પન્ન થાય. (બકરહ/૨૩)

મતબલ કે રોઝા માણસની જાનવર પણાની શક્તિને ફરિશ્તા સિફત અને આત્મિક શક્તિના તાબે રાખવા માટે અને અલ્લાહના હુકમો સામે નફસની તમન્નાઓ અને પેટ અને ભ્રષ્ટાચારને દબાવવાની આદત નાંખવાનો ખાસ વસીલો અને સબબ છે. જેથી આગલી ઉમ્મતોને પણ એ હુકમ આપવામાં આવ્યો હતો. ભલે રોઝાઓની મુદ્દત અને અમૂક બીજા વિગતવાર હુકમોમાં તે ઉમ્મતોની ખાસ હાલતો અને જરૂરતો ના હિસાબે થોડો ફેરફાર છે. આ છેલ્લી ઉમ્મત જેનો યુગ દુનિયાના અંતિમ દિવસ સુધી રહેશે. વર્ષમાં એક માસના રોઝા ફરજ કરવામાં આવ્યા અને રોઝાનો સમય "સુબ્હે સાદિક થી સુર્યાસ્ત સુધી રાખવામાં આવ્યો. અને આ મુદ્દત અને સમય ઉપરોકત હેતુ માટે અત્યાર ના યુગમાં ઘણો જ અનુકૂળ અને યોગ્ય છે. એનાથી ઓછા સમયમાં તપસ્યા અને નફસની સુધારણાનો હેતુ પાર પડી શકતો નથી. જો એનાથી વધુ સમય રાખવામાં આવ્યો હોત જેમકે રોઝામાં દિવસ સાથે રાત્રીને પણ મેળવી દેવામાં આવતો, અને ફકત સુબ્હસાદિક વખતે જ ખાવા પીવાની છૂટ આપવામાં આવી હોત, અથવા વર્ષમાં બે ચાર માસ લગાતાર રોઝા રાખવાનો હુકમ આપ્યો હોત તો વધુ પડતાં માણસો માટે બોજ રૂપ અને તંદુરસ્તી માટે નુકસાન કારક થાત.

મતલબકે સુબ્હેસાદિક (પરોઢ)થી સુર્યાસ્ત સુધીનો સમય અને વર્ષમાં એક મહીનો આ યુગના લોકો માટે તપસ્યા અને સુધારણોના હેતુસર બિલ્કુલ યોગ્ય અને અનુકુળ છે

તેના માટે મહીનો તે નક્કી કરવામાં આવ્યો જેમાં કુર્આન ઉતર્યું અને જેમાં અનહદ બરકતો અને બરકતોવાળી રાત્રી (લયલતુલ કદ્ર) હોય છે. જાહેર છે કે એના માટે આજ મુબારક માસ વધુ અનુકુળ અને યોગ્ય થઈ શકતો હતો. પછી આ મહીનામાં દિવસના રોઝાઓ સિવાય રાતમાં પણ એક ખાસ ઇબાદતની સામુહિક વ્યવસ્થા કરવામાં આવી, જે તરાવીહના રૂપમાં ઉમ્મતમાં પ્રચલિત છે. દિવસના રોઝાઓ સાથે રાતની તરાવીહની બરકતો પ્રાપ્ત થવાથી આ મુબારક મહીનાની નુરાનિય્યત વધી જાય છે. જેને પોતપોતાની સમજ મુજબ દરેક માણસ પારખી શકે છે. જે તેની સાથે થોડો પણ સંબંધ રાખતો હશે. આ ટુકી તમ્હીદ પછી રમઝાન અને રોઝા વગેરે વિષે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ના સૂચનો નીચે વાંચો:-

રમઝાન માસની ફઝીલતો અને બરકતો

عَنِ أَبِىْ هُرَيْرَةَ رَضِيَ اللَّهُ عَنْهُ ، قَالَ : قَالَ رَسُولُ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ : « إِذَا دَخَلَ رَمَضَانُ

 فُتِّحَتْ أَبْوَابُ الجَنَّةِ ، وَغُلِّقَتْ أَبْوَابُ جَهَنَّمَ وَسُلْسِلَتِ الشَّيَاطِينُ » وفى رواية أَبْوَابُ الرَّحْمَةِ... (رواه البخاري ومسلم)

તરજુમા:- હઝરત અબૂ હુરૈરહ રદિ.થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)એ ફરમાવ્યું કે જયારે રમઝાન આવે છે. તો જન્નતના દ્વાર ખોલી દેવામાં આવે છે અને દોઝખના દ્વાર બંધ કરી દેવામાં આવે છે અને શયતાનોને બાંધી દેવામાં આવે છે. (એક રિવાયતમાં "જન્નતના દ્વાર''ને બદલે "રહમતના દ્વાર" નો શબ્દ આવ્યો છે.) (બુખારી શરીફ)

ખુલાસો :- ઉસ્તાદોના ઉસ્તાદ હઝરત શાહ વલીઉલ્લાહ રહ. એ"હુજ્જતુલ્લાહિલ્બાલિગહ'માં આ હદીસની વ્યાખ્યા કરતાં લખ્યું છે કે : અલ્લાહના નેક અને તાબેદાર બંદાઓ રમઝાન માસમાં તાબેદારી અને નેકીઓમાં ગુંથાયેલા રહે છે. તેઓ દિવસ રોજો રાખી ઝિક્ર અને તિલાવતમાં પસાર કરે છે. અને રાત્રીનો વધુ ભાગ તરાવીહ, તહજૂદ અને દુઆ, ઇસ્તિગ્ફારમાં વિતાવે છે. અને તેની બરકતો અને નુરાનીયતથી ચકિત થઈ બીજા મુસ્લિમોના દિલો પણ રમઝાન મુબારકમાં ઈબાદત અને નેકીઓ તરફ ખેંચાઈ ઘણા ગુનાહોથી દૂર રહે છે. તો ઇસ્લામ અને ઈમાનવાળાઓના ગૃપમાં નેકી અને તકવાના આ એકત્રીત માહોલ અને નેકી તેમ ઈબાદતનું વાતાવરણ ઉપસ્થિત થવાથી તે બધી જ તબીયતો જેમાં કંઈ પણ સલાહીયત હોય છે અલ્લાહની મરજી મુજબના કામો તરફ પ્રેરાય ને બુરા અને ખરાબ કામોથી અણગમો દાખવે છે અને આ મુબારક માસમાં થોડા નેક અમલની મુલ્યતા પણ અલ્લાહ તરફથી બીજા દિવસો કરતાં ઘણી જ વધી જાય છે. આ બધી વાતોના પરિણામ રૂપે લોકો માટે જન્નતના દરવાજા ખોલી દેવામાં આવે છે. અને દોઝખના દરવાજા તેમના ઉપર બંધ કરી દેવામાં આવે છે. અને શેતાનો તેમનો રસ્તો મારવાથી લાચાર બની જાય છે.

આ ખુલાસા મુજબ ત્રણેવ વાતો (એટલે જન્નત અને રહમતના દ્વાર ખુલવા, દોઝખના દ્વાર બંધ થવા અને શેતાનોને કેદ કરી નકામા બનાવી દેવાનો) સંબંધ ફકત મો'મિનો સાથે છે. જેઓ રમઝાન મુબારકમાં ભલાઈ અને નેકી પ્રાપ્ત કરવા તરફ ખેંચાઈને રમઝાનની બરકતો તેમજ રહમતોથી લાભ મેળવવા માટે ઈબાદતો અને તાબેદારીના કામો કરે છે. બાકી કાફિરો અને ખુદાથી વંચિત અને અલ્લાહને ભૂલી ગફલતમાં ડુબેલા લોકો જેઓ રમઝાન અને તેના હુકમો તેમ બરકતોથી કોઈ સંબંધ નથી રાખતા, અને રમઝાનના આગમન પર તેમના જીવનમાં કોઈ ફેરફાર થતો નથી. ખુલ્લી વાત છે કે આવા પ્રકારની ખુશ ખબરીઓથી તેમને કોઈ સંબંધ નથી. તેમણે જયારે પોતાને જાતે જ અભાગી બનાવ્યા છે. અને બારે માસ શેતાનની તાબેદારી પર ખુશ છે. તો અલ્લાહના ત્યાં પણ તેમના માટે મહરૂમી સિવાય બીજું કંઈ નથી.

عَنْ أَبِي هُرَيْرَةَ قَالَ : قَالَ رَسُولُ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ : " إِذَا كَانَتْ أَوَّلُ لَيْلَةٍ مِنْ رَمَضَانَ ، صُفِّدَتِ الشَّيَاطِينُ ، وَمَرَدَةُ الْجِنِّ ، وَغُلِّقَتْ أَبْوَابُ النَّارِ ، فَلَمْ يُفْتَحْ مِنْهَا بَابٌ ، وَفُتِحَتْ أَبْوَابُ الْجَنَّةِ ، فَلَمْ يُغْلَقْ مِنْهَا بَابٌ ، وَيُنَادِي مُنَادٍ : يَا بَاغِيَ الخَيْرِ أَقْبِلْ ، وَيَا بَاغِيَ الشَّرِّ أَقْصِرْ ، وَلِلَّهِ عُتَقَاءُ مِنَ النَّارِ ، وَذَلكَ كُلُّ لَيْلَةٍ " (رواه الترمذي وابن ماجه)

    તરજુમા-હઝરત અબૂ હુરૈરહ રદિ.થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)એ ફરમાવ્યું જયારે રમઝાનની પહેલી રાત થાય છે. તો શેતાનો અને બદમાશ જીન્નાતો બાંધી દેવામાં આવે છે. અને દોઝખના બધા દરવાજાઓ બંધ કરી દેવામાં આવે છે. તેમાંથી કોઈ દરવાજો ખુલ્લો રહેતો નથી. અને જન્નતના બધા દરવાજા ખોલી દેવામાં આવે છે. તેનો એક પણ દરવાજો બંધ કરવામાં આવતો નથી. અને અલ્લાહ તરફથી અવાજ દેનાર પુકારે છે કે હે ભલાઈ અને નેકી શોધનારાઓ! આગળ વધો, આ સમયે અલ્લાહ તરફથી ઘણાં (ગુનેહગાર) બંદાઓને દોઝખથી છુટકારો મળી જાય છે. (તેમની માફીનો ફેંસલો કરી દેવામાં આવે છે.) અને આ બધુ રમઝાનની દરેક રાતમાં થાય છે. (તિર્મિઝી શરીફ)

ખુલાસો :- આ હદીસનો આગલો ભાગ તો એ જ છે જે આગલી હદીસમાં હતો. છેવટમાં ગૈબની દુનિયાનો મુનાદી જેની પુકારનું વર્ણન છે ભલે આપણે કાનોથી નથી સાંભળી શકતા, પરંતુ તેનો અસર અને તેની જાહેરાત આપણે આંખોથી જોઈ શકીએ છીએ કે રમઝાનમાં ઈમાનવાળાઓનું ધ્યાન ભલાઈ અને નેકીના કામો તરફ વધી જાય છે. એટલે સુધી કે ઘણા બે પરવા અને આઝાદ ખ્યાલના મુસલમાનો પણ રમઝાનમાં તેમની ચાલ બદલી નાંખે છે. આપણે તેને આકાશવાળાની પુકારનો જ અસર સમજીએ છીએ.

عَنِ ابْنِ عَبَّاسٍ ، قَالَ : « كَانَ رَسُولُ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ أَجْوَدَ النَّاسِ بِالخَيْرِ ، وَكَانَ أَجْوَدُ مَا يَكُونُ فِي رَمَضَانَ حِينَ يَلْقَاهُ جِبْرِيلُ ، يَلْقَاهُ كُلَّ لَيْلَةٍ فِي رَمَضَانَ ، يَعْرِضُ عَلَيْهِ النَّبِيُّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ القُرْآنَ ، فَإِذَا لَقِيَهُ جِبْرِيلُ كَانَ أَجْوَدَ بِالخَيْرِ مِنَ الرِّيحِ المُرْسَلَةِ » (رواه البخاري ومسلم)

 તરજુમા:- હઝરત અબ્દુલ્લાહ બિન અબ્બાસ રદિ.થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ભલાઈની બખ્શીશ અને અલ્લાહની મખ્લૂકને ફાયદો પહોંચાડવામાં અલ્લાહના બધા બંદોઓથી વધુ આગળ હતા. અને રમઝાન મુબારકમાં આપનો આ કરીમી ગુણ વધુ ખીલી ઉઠતો હતો. રમઝાનની દરેક રાત્રે જિબ્રઈલ અમીન અલૈ. આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ને મળતા હતા અને હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)તેમને કુર્આનપાક સંભળાવતા હતા.જયારે જિબ્રઈલ અલૈ. દરરોજ આપ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ને મળતા તો આપની આ મહેરબાની વાળો ફાયદો પહોંચાડવાનો ગુણ અને ભલાઈની બખ્શીશમાં અલ્લાહની મોકલેલી હવાઓથી વધુ જોર આવી જતું. અને તેજી ઉત્પન્ન થતી.

ખુલાસો :- મતલબ કે રમઝાન માસ રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ની તબીયત મુબારક માટે બહાર અને ખુશી તેમજ ભલાઈ લૂંટાવવાના ગુણમાં પ્રગતિનો મહીનો હતો. તેમાં એ વાત પણ શામેલ હતી કે આ માસની દરેક રાત્રે અલ્લાહ ના ખાસ દુત જિબ્રઈલ અમીન અલૈ. આવતા હતા અને આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) તેમને કુર્આન પાક સંભળાવતા હતા.


દુનિયા અને આખિરત સામ સામે હોય તો આખિરતને પ્રાથમિકતા આપવી જરૂરી છે.

હઝરત અકદસ શૈખુલ હદીસ મવલાના ઝકરિયા રહ.ની કિતાબ 'ઈસ્લામી સિયાસત'નો ક્રમશ અનુવાદ 

-મુફતી ફરીદ અહમદ કાવી.

નબીએ કરીમ સલ્લલ્લાહ અલયહિ વ સલ્લમનો ઇરશાદ છે : જે માણસ દુનિયાને પસંદ કરશે, આખિરતનું નુકસાન વેઠશે. અને જે આખિરતને પસંદ કરશે દુનિયાનું નુકસાન ઉઠાવશે. માટે તમે એવી વસ્તુને જે સદા બાકી રહેનાર છે એટલે કે આખિરતને એવી વસ્તુ ઉપર પ્રાથમિકતા આપો જે ફના થનાર છે.

સહાબએ કિરામ રદિ.એ આ સિદ્ધાંત સારી પેઠે સમજીને અપનાવી લીધો હતો. સાચી વાત આ છે કે જે માણસ દુનિયાના મુકાબલામાં આખિરતને આગળ કરે, અને આખિરતના મુકાબલામાં દુનિયાનું નુકસાન કરવા તૈયાર થઈ જાય તો જોવામાં તો એને દુનિયાનું નુકસાન થાય છે, પણ હકીકતમાં એને નુકસાન નથી થતું, તકદીરમાં જેટલું લખાયેલું હોય છે એ પહોંચીને જ રહે છે.

 નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમનો ઇરશાદ છે : જે માણસ આખિરત ચાહતો હોય છે, એના દિલને અલ્લાહ તઆલા બેનિયાઝીથી ભરી દે છે, એના વિખેરાયેલા કામોને ભેગા કરી દે છે, અને દુનિયા એની પાસે અપમાનિત થઈને પહોંચે છે. અને જે માણસની નિયતમાં દુનિયાની તલબ વધારે હોય છે, ગરીબી એની આંખો સામે જ ફરતી રહે છે, એના કામો વિખેરાયેલા રહે છે, અને આખરે દુનિયા પણ તકદીરથી વધારે મળતી નથી.

સહાબએ કિરામ રદિ. અને એમના પછીના અવલિયાએ કિરામ પાસે દુનિયા જલીલ થઈને આવતી હતી એવા એટલા બધા કિસ્સા છે કે આ હકીકતનો ઈન્કાર ન થઈ શકે. અને આવું કેમ ન થાય? દુનિયા તો એમના માટે જ પેદા કરવામાં આવી છે. હઝરત સઅદ રદિ.એ એક વેળા હઝ. આસિમ બિન અમ્ર રદિ.ને એક નાનકડી ટુકડીના અમીર બનાવીને મૈસાન મુકામે રવાના કર્યા. આસિમ બિન અમ્ર રદિ. ત્યાં પહોંચ્યા તો સંજોગોવસાત મુસલમાનો પાસે ખાવા-પીવાનો સામાન ખતમ થઈ ગયો. આસપાસ પણ કોઈ વ્યવસ્થા નથી. એક ઇરાની માણસ ગોવાળિયો જંગલ કિનારે મળ્યો. એને પૂછયું કે કયાંક દૂધ માટે અને સામાન ઉઠાવવા માટેના જાનવરો મળી શકે છે ? એણે જૂઠું બોલીને કહી દીધું કે મને ખબર નથી. પણ એ જ વેળા જંગલમાંથી એક બળદે પોકારીને કહયું કે અલ્લાહનો આ દુશ્મન જૂઠું બોલે છે, આ અમે બધા અહિંયા મોજૂદ છીએ. આ સાંભળીને હઝ. આસિમ રદિ. જંગલમાં ગયા, જાનવરોને પકડી લાવ્યા અને સાથીઓ વચ્ચે વહેંચ્યા.

અમુક ઇતિહાસકારોએ લખ્યું છે કે આ ઘટના કાદસિય્યહ મુકામે હઝરત સઅદ રદિ.સાથે ઘટી હતી. અને બંને વેળા આવી ઘટના પેશ આવી હોય એ પણ શકય છે. હજ્જાજ બિન યૂસુફના ઝમાનામાં એક વાર ઘટનાની ચર્ચા થઈ તો એને નવાઈ લાગી, અને એણે એવા માણસો શોધાવ્યા જે આ ઘટના વેળા હાજર હતા, અને એમને પૂછયું તો બધાએ કહયું કે એમણે પોતે બળદનો અવાઝ સાંભળ્યો હતો. હજ્જાજે પૂછયું કે લોકો આ ઘટના વિશે શું વિચારતા કે કહેતા હતા? તો એમણે જવાબ આપ્યો કે લોકો એનાથી એમ સમજતા હતા કે અલ્લાહ તઆલા મુસલમાનોથી રાજી છે, અને ફતેહ એમની સાથે જ છે. હજજાજે કહ્યું કે આવું તો ત્યારે જ શક્ય છે કે લશ્કરના બધા જ લોકો મુત્તકી અને પરહેઝગાર હોય ! તો એમણે જણાવ્યું કે લશ્કરના લોકોના દિલોની હાલત શું હતી એ અમને ખબર નથી. પણ જાહેરમાં અમે જે જોયું તે આ હતું કે દુનિયા વિશે એમના જેવા ત્યાગી અને દુનિયા સાથે એમનાથી વધારે અદાવત રાખનાર માણસો અમે નથી જોયા. એમના માં કોઈ માણસ બુઝદિલ કે ખયાનત કરનાર કે કરાર તોડનાર અમે નથી જોયો.

આ કિસ્સામાં જાનવરોનું બોલવું અથવા અલ્લાહ વાળાઓની સેવા માટે સામે ચાલીને પોતાને રજૂ કરવું, કોઈ અશકય બાબત નથી. સહીહ હદીસોમાં જાનવરોના બોલવાના કિસ્સા પૂરવાર છે. બુખારી શરીફ અને હદીસની અન્ય કિતાબોમાં છે કે એક માણસ ગાય લઈને જઈ રહયો હતો, ચાલતાં ચાલતાં એ થાકી ગયો અને એના ઉપર સવાર થઈ ગયો. ગાય કહેવા લાગી કે અમને સવારી માટે નથી પેદા કરવામાં આવ્યાં. અમારું કામ તો ખેતી કરવું છે. લોકોને એના બોલવા ઉપર ઘણી નવાઈ લાગી. નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે ફરમાવ્યું કે હું અને અબૂબક્ર તો આવી વસ્તુઓ ઉપર પહેલેથી જ ઈમાન રાખીએ છીએ.

એકવાર એક માણસ બકરીઓ ચરાવી રહયો હતો. એક દીપડાએ બકરી ઉઠાવી લીધી, તે માણસે શોર બકોર કર્યો તો દીપડો બોલ્યો કે કયામત પહેલાના ઝમાનામાં આ બકરીઓની હિફાજત કોણ કરશે ? લોકોને નવાઈ લાગી તો આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે ફરમાવ્યું : હું અને અબૂબક્ર તો આવી વસ્તુઓ ઉપર પહેલેથી જ ઈમાન રાખીએ છીએ. (મિશ્કાત શરીફ)

નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમના મુઅજિઝહની કિતાબોમાં અનેક કિસ્સાઓ વર્ણવવામાં આવ્યા છે, જેમાં જાનવરોએ હુઝૂરની નુબુવ્વતની ગવાહી આપે છે. લોકોને ઈમાન ન લાવવા બાબતે બુરું ભુલું કહેતા હોય. તમે જોવા માંગતા હોવ તો કાઝી અયાઝ રહ.ની શિફામાં પણ આવા અમુક કિસ્સાઓ વર્ણવવામાં આવ્યા છે.

ઉપરોક ઘટનાનો બીજો ભાગ એટલે કે જાનવરો પોતે કુરબાન થવા આગળ આવતા હોય, એમાં પણ કોઈ નવાઈ નથી. કેમ કે જો સહાબએ કિરામ રદિ. હરપળે શહીદ થવા માટે રાજી ખુશીથી તૈયાર રહેતા હોય તો અલ્લાહ તઆલા તરફથી એમની સાથે એવો જ વળતરનો વર્તાવ હોય ને! શેખ સાદીનો શેર છે:

تو هم کردن از حکم داور بیچ -- که گردن نه بچه ز حکم تو بیچ

અર્થાત : હે માણસ! તુ અલ્લાહ તઆલાના હુકમથી મોંઢુ નહીં ફેરવે અને ફરમાબરદારી કરતો રહીશ તો દુનિયાની વસ્તુઓ પણ તારો હુકમ માનવા સદા તત્પર રહેશે. સહાબા રદિ.ને શહાદતનો કેવો શોખ હતો, એના કિસ્સાઓથી કિતાબો ભરેલી છે. નમુના સ્વરૂપ અમુક કિસ્સાઓ હિકાયાતે સહાબામાં લખી ચુકયો છું, દિલ કરે તો જોઈ લેશો.

હજજતુલ વદાઅમાં નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે ૧૦૦ ઊંટોની કુરબાની આપી હતી. હુઝૂર આ ઊંટો કુરબાન કરી રહ્યા હતા, ત્યારે પાંચ છ ઊંટો એક સાથે આગળ આવતા હતા, કે પહેલાં અમને કુરબાન કરો. અબૂદાવૂદ શરીફમાં આ કિસ્સો મોજૂદ છે.

અને જયારે આપણે દુનિયામાં જોઈએ છીએ કે સામાન્ય પ્રકારના હાકેમો અને અફસરો, જેમની પાસે કોઈ વિશેષ અધિકાર પણ નથી હોતો, તેઓ પણ એમની વાત માનનાર તાબા હેઠળના માણસોની દરેક રીતે હિમાયત કરે છે તો અલ્લાહ તઆલા પોતાના ફરમાબરદાર બંદાઓની હિમાયત કેમ ન કરે. કુરઆન શરીફમાં અલ્લાહ તઆલાએ વાયદો ફરમાવ્યો છે :

 یٰۤاَیُّهَا الَّذِیْنَ اٰمَنُوْۤا اِنْ تَنْصُرُوا اللّٰهَ یَنْصُرْكُمْ 

 ઈમાન વાળાઓ ! જો તમે અલ્લાહ(ના દીન)ની મદદ કરશો તો અલ્લાહ તઆલા તમારી મદદ કરશે.

اِنْ یَّنْصُرْكُمُ اللّٰهُ فَلَا غَالِبَ لَكُمْ١ۚ وَ اِنْ یَّخْذُلْكُمْ فَمَنْ ذَا الَّذِیْ یَنْصُرُكُمْ مِّنْۢ بَعْدِهٖ١ؕ 

જો અલ્લાહ તઆલા તમારી મદદ કરે તો પછી કોઈ પણ તમારા ઉપર હાવી નહીં થાય અને જો એ તમને પરાજિત કરી દે તો એના સિવાય કોણ તમારી મદદ કરી શકે? (આલે ઈમરાન : ૧૬૦)


દહેજપ્રથા,

ઇસ્લામી કૌટુંબિક વ્યવસ્થા સામે એક પડકાર

સાંસ્કૃતિક વારસો ગણાતી આપણી ઇસ્લામી કૌટુંબિક વ્યવસ્થા સામે જે પડકારો વર્તમાન યુગમાં ઉભા થયા છે, એમાં એક મોટો પડકાર દહેજની માંગણી પણ છે. હઝારો દીકરીઓના માતા પિતા દીકરીઓનો બોજ લઈને કોઈ સસ્તો મુરતિયો શોધી રહ્યા છે, પણ સામે છોકરા પક્ષની માંગણીઓ એમના બસની નથી હોતી.

ઘણા સ્થળોએ સંજોગો ઉલટા પણ હોય છે, માલદારો એમની દીકરીઓ માટે મોટા માલદાર દુલ્હાની તલાશમાં હોય છે અને એટલા ઊંચા માપદંડ રાખે છે કે આખરે છોકરી ઘરે જ બેસી રહે છે. આપણા ગુજરાતમાં અમુક વિસ્તારો એવા પણ છે જયાં વિદેશના મુરતિયાની રાહ જોઈને છોકરીઓ ઘરમાં જ ઘરડી થઈ રહી છે. વિદેશી દીકરીઓના માતા - પિતાને પોતાના સમાજનો ભારતનો સારો જમાઈ તો જોઈએ છે પણ પોતાની દીકરીનો પતિ બનીને વિદેશી નાગરિકતા મેળવે એના બદલામાં લાખો રૂપિયા જમાઈ પાસેથી જ ઉઘરાવે છે.

ઈસ્લામી કોટુંબિક વ્યવસ્થા સામે આ સ્થિતિ મોટો પડકાર છે, કોટુંબિક વ્યવસ્થા પડી ભાંગી રહી છે, લાગણીઓના તાંતણે બંધાયેલ સમાજ આવી બાબતોના કારણે સ્વાર્થને આધીન થઈ જાય છે.

હદીસ શરીફમાં આ જ સ્થિતિને અનુલક્ષીને નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની ચેતવણી આવી છે કે, જયારે કોઈ એવી જગ્યાએથી પયગામ આવે જેના દીન- સંસ્કારથી તમે રાજી હોવ તો એને સ્વીકારીને નિકાહનું આયોજન કરી દેવામાં આવે. અને જો આમ નહીં કરવામાં આવે તો ધરતી ઉપર એટલે કે સમાજમાં ભારે બગાડ અને ખરાબી આવી જશે. (તિરમિઝી શ.) મતલબ એ થયો કે નિકાહ માટે બુનિયાદી આધાર દીનદારી છે. એને છોડીને કોઈ બીજી બાબતને આધાર બનાવવો યોગ્ય નથી. અને નિકાહ માટે માલને આધાર બનાવવો તો અલ્લાહ તઆલા અને રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ, કોઈને પસંદ નથી. કુરઆનમાં અલ્લાહ તઆલાએ ત્યાં સુધી ફરમાવ્યું છે કે, તમારા જે નેક - દીનદાર છોકરા છોકરીઓની હજુ શાદી થઈ ન હોય એમના નિકાહ કરાવી દયો. (માલ, જોબ, દહેજ કે અન્ય કારણે એમાં મોડું ન કરો), તેઓ ગરીબ હશે તો (નિકાહની બરકતથી) અલ્લાહ તઆલા એમને માલદાર કરી દેશે.

છોકરા પક્ષ તરફથી છોકરી પક્ષ સામે દહેજની માંગણી મુકવાનો મતલબ એ જ છે કે છોકરીના નિકાહ માટે એમની પાસેથી વધારેથી વધારે માલ માંગવામાં આવે, અને માંગણી મુજબ માલ આપવામાં ન આવે તો નિકાહ કરવામાં ન આવે. એમ તો તાર્કિક રીતે આ પ્રથા અને રિવાજમાં અનેક ખરાબીઓ છે. પણ સૌથી મોટી ખરાબી એ છે કે ઇસ્લામે જે શોહરને એની બીવીના ભરણપોષણનો જવાબદાર ગણ્યો છે એ શાદી પહેલાંથી જ પોતાનો ખર્ચ એની પત્નિ પાસેથી માંગી રહયો છે. જે શોહરને હુકમ છે કે નિકાહ માટે ઓરતને મહેર આપે, એ ઓરત પાસે ઉલટા પૈસા માંગી રહયો છે. એટલે આ રિવાજ અને પ્રથા કોઈ પણ રીતે ઈસ્લામી કહી શકાય એમ નથી.

દહેજ આપનાર અને લેનાર લોકો નબીએ કરીમ સલ્લલ્લાહ અલયહિ વ સલ્લમે એમની પ્યારી સાહબઝાદી હઝરત ફાતિમહ રદિ.ને આપેલ દહેજના કિસ્સાને દલીલ બનાવીને કહે છે દહેજ લેવું—દેવું ઇસ્લામી રિવાજ મુજબ છે. પણ યાદ રાખવું જોઈએ કે નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે હઝરત ફાતિમહ રદિ.ના નિકાહ સમયે જે કંઈ એમને આપ્યું હતું એ દહેજ સ્વરૂપે હરગિઝ ન હતું. જો નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ દહેજ આપવાના હિમાયતી હોત તો બીજી દીકરીઓના નિકાહના મોકા ઉપર દહેજ આપ્યું હોત. નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ જેવી હસ્તી એક દીકરીને દહેજ આપે અને બીજી દીકરીઓને ન આપે એ શકય નથી. મુળ વાત આ હતી કે હઝરત ફાતિમહ રદિ.ને આપવામાં આવેલ સામાન એક બાપ તરફથી દીકરીને આપવામાં આવેલ દહેજ ન હતું. બલકે એક વાલી અને કાકા તરફથી ભત્રીજાને આપવામાં આવેલ ઘરવખરીનો સામાન હતો. હઝરત અલી રદિ. બાળપણથી જ નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની પરવરિશમાં હતા. હિજરત કરીને જયારે બધા મુસલમાનો મદીના પહોંચ્યા તો મક્કાથી આવનાર મુસલમાનને કોઈ એક મદીનાવાસી મુસલમાન સાથે જોડી દેવામાં આવતો, જેથી મદીનાવાસી માણસ આ નવા આવનાર મુસલમાન ભાઈની મદદ કરે. હઝરત અલી રદિ. જયારે મદીના આવ્યા તો નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે એમને પોતાની સાથે જોડી લીધા અને ફરમાવ્યું આ મારો ભાઈ છે.

એટલે હઝરત અલી રદિ. નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની પરવરિશમાં હતા. મદીનામાં એમનું કોઈ બીજું ઘરબાર કે કુટુંબ ન હતું, જે કંઈ હતું એ હુઝૂર સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ જ હતા. એટલે કે જેમ હઝરત અલી રદિ.નું ભરણપોષણ મક્કામાં મારા ઝિમ્મે હતું, એમ હજુ પણ મારા જિમ્મે જ રહેશે. અને આ કારણે જ જયારે હઝરત અલી રદિ, માટે નવું ઘર વસાવવાનો સમય આવ્યો તો એમના વાલી અને સરપરસ્ત હોવાના નાતે આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે જરૂરી સામાન એમના માટે ખરીદીને આપ્યો.

ઉપરોકત વિગતને આધારે સમજી શકાય છે કે અહિંયા મુળ વાત દહેજ આપવા લેવાની ન હતી. બલકે નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ હઝરત અલી રદિ.ના વાલી પણ હતા અને હઝરત ફાતિમહ રદિ.ના વાલિદ પણ હતા. અને આમ બંને માટે ઘરવપરાશનો જરૂરી સામાન એક વાલી -વાલિદ તરીકે આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે એમને આપ્યો હતો.

અને જો માની લેવામાં આવે કે નબીએ કરીમ સલ્લમે હઝરત ફાતિમહ રદિ.ને કંઈક દહેજ આપ્યું હતું તો એનાથી એટલું જ પુરવાર થાય છે કે રુખસતી વેળા બાપ તરફથી બેટીને જરૂરત મુજબ સામાન આપવામાં આવે તો એ જાઇઝ છે, બેટી પ્રત્યે મુહબ્બત અને સહકારની લાગણી દર્શાવવા માટે સારું છે, પણ એનાથી એવું સાબિત નથી થતું કે દહેજ આપવું જરૂરી છે. દહેજમાં લાખો રૂપિયા હોવા જોઈએ. છોકરા પક્ષ તરફથી માંગવું જાઇઝ હોય એનો કોઈ આધાર નથી. ઘણા લોકો મોંઢેથી માંગતા નથી, પણ દિલમાં મોટી લાલચ છુપાવી રાખે છે, અને જયારે લાલચ મુજબ માલ નથી મળતો તો દુલ્હન ઉપર જુલમ કરે છે.

ખુલાસો આ કે રસમ અને રિવાજ સમજી દહેજ – આપવું લેવું ખોટું છે. અલબત્ત જરૂરત હોય તો એકબીજાની મદદ કરવી જોઈએ. અને દીકરી પ્રત્યે લાગણી અને મહોબ્બત દર્શાવવા માટે બાપ પોતાની શકિત મુજબ ઘરવખરીનો સામાન આપે તો એ જાઇઝ છે.


મસ્નૂન નિકાહની બરકત અને ખોટા રિવાજોનું નુકસાન

ઈસ્લામ ફક્ત અમુક ઇબાદતોનું નામ નથી. બલકે એક સંપૂર્ણ જીવન વ્યવસ્થા છે. જેના દ્વારા જીવનના સઘળા પાસાઓ બાબતે માર્ગદર્શન આપવામાં આવે છે. અને એવા નિયમો - સિદ્ધાંતો અર્પણ કરે છે જેમાં કોઈ ઉણપ કે અતિરેક નથી. સંપૂર્ણ રીતે ન્યાય આધારિત અને સંતુલિત છે. ઈસ્લામે આપેલ આવા આદેશોમાં એક મહત્વપૂર્ણ આદેશ નિકાહનો પણ છે. ઈસ્લામ દ્વારા નિકાહની વિધિને અત્યંત સરળ રાખવામાં આવી છે, ખર્ચાઓ બાબતે પણ નિકાહને સરળ અને સસ્તો મામલો રહે એવું માર્ગદર્શન આપવામાં આવ્યું છે. કારણ કે નિકાહ સાથે સમાજની પવિત્રતા અને પાકદામની જોડાયેલી છે.

જે પ્રમાણમાં નિકાહ કરવું અઘરું હશે એ જ પ્રમાણમાં ગુનો કરવું સરળ હશે અને સમાજમાં ગંદકી ફેલાશે. નિકાહ સરળ હશે તો ગુનાની શક્યતા ઓછી થઈ જશે અને સમાજમાં પવિત્રતા, શીયળતા, અને ગેરત – હયા જાળવવી આસાન હશે. આ જ કારણે નિકાહમાં છોકરી પક્ષ ઉપર શરીઅત દ્વારા કોઈ જવાબદારી નાખવામાં નથી આવી. છોકરા ઉપર મહેરની જવાબદારી નાખવામાં આવી છે, એમાં પણ છુટ આપવામાં આવી છે કે બંને પક્ષો પરસ્પર જે રકમ નક્કી કરી લે એ કાફી ગણાશે. વલીમો પણ જરૂરી નથી, બલકે સુન્નત છે. એમાં પણ વધારે ખર્ચ કે બોજ ઉઠાવવો સારી બાબત નથી ગણવામાં આવી. મીયાં—બીવીના હકો અને જવાબદારીઓ સંતુલિત અને સમાનતાના આધારે નક્કી કરવામાં આવી છે. આ બધાથી સમજી શકાય છે કે ઈસ્લામમાં નિકાહની વિધિ કેટલી સરળ રાખવામાં આવી છે. નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમનું ફરમાન છે : સૌથી વધારે ખૈર અને બરકતવાળો નિકાહ એ ગણાશે જેમાં ખર્ચ ઓછો કરવામાં આવ્યો હોય. ઇસ્લામ એ પણ શીખવાડે છે કે નિકાહ કરવાનો મકસદ તકવો, દીનદારી, અને પોતાની પાકદામની સાચવવાનો હોવો જોઈએ. નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે સ્પષ્ટ શબ્દોમાં ફરમાવ્યું છે કે નિકાહની બુનિયાદ દીનદારી હશે તો કામ્યાબી મળશે, અને દીનદારીથી હટીને કોઈ બીજા મકસદ માટે નિકાહ કરવામાં આવશે તો નુકસાન થશે. હદીસ શરીફમાં છે : જે માણસ કોઈ ઓરત સાથે ફકત એનો મોભો જોઈને નિકાહ કરશે તો અલ્લાહ આવા માણસને વધારે ઝલીલ કરશે. જે કોઈ માણસ કોઈ ઓરત સાથે ફકત એનો માલ જોઈને નિકાહ કરશે તો અલ્લાહ તઆલા આવા માણસને વધારે ગરીબ કરી દેશે. જે માણસ કોઈ ઓરત સાથે એના ફક્ત ઉચ્ચ ખાનદાન-વંશના કારણે નિકાહ કરશે તો અલ્લાહ તઆલા આવા માણસની નીચતા અને અપમાનમાં વધારો કરશે. અને જે માણસ કોઈ ઓરત સાથે એટલા માટે શાદી કરે કે એની આંખો અને શર્મગાહ ગુનાહથી મહફૂઝ રહે, અને રિશ્તેદારીના હકો અદા કરે તો અલ્લાહ તઆલા પતિ-પત્નિને બરકતોથી નવાઝશે.

આ ઇસ્લામની બુનિયાદી તાલીમ અને માર્ગદર્શન છે. જે મુજબ નિકાહનો પ્રસંગ પાર પાડવો મુસલમાનોની જવાબદારી છે. પરંતુ અફસોસની વાત આ છે કે અન્ય કોમોના રિવાજો અને પરંપરાઓ જોઈને મુસલમાનો ઇસ્લામની સુંદર અને સરળ વ્યવસ્થા અને તાલીમ છોડી રહયા છે. સુન્નતો ઉપર અમલ કરવાના બદલે એમણે ખોટા રિવાજો અપનાવી લીધા છે. સાદગી સાથે નિકાહ કરવાના બદલે હવે મુસલમાનો શાદી વિવાહના મોકા ઉપર દહેઝ લેવા-દેવા અને ફુઝૂલ ખર્ચી, ખોટા ખર્ચાઓ અને દેખાવડાઓ કરે છે. હાલાંકે કુરઆનમાં અલ્લાહ તઆલાએ સ્પષ્ટ રૂપે ફુઝૂલ ખર્ચીની મનાઈ ફરમાવી છે. અને ફુઝૂલ ખર્ચ કરનાર લોકોને શયતાનના ભાઈ કહયા છે. આવા વધારાના ખર્ચાઓને કારણે નિકાહનો પ્રસંગ મુશ્કેલ અને અઘરો થઈ જાય છે.

વર્તમાન સમયમાં દહેજ અને શાદીના પ્રસંગે કરવામાં આવતા ખર્ચાઓ, લેન –દેનના કારણે છોકરીને સમાજમાં એક બોજ તરીકે ગણવામાં આવે છે. હવે મુસલમાનોમાં પણ અન્ય કોમોની જેમ આ બોજના કારણે આત્મહત્યાના બનાવો બની રહયા છે. અને નિકાહ ન કરવા કે નિકાહમાં મોડું થવાના કારણે જે બુરાઈઓ સામે આવી શકે છે એ બધી બુરાઈઓ મુસ્લિમ સમાજમાં પ્રસરી રહી છે. મુસલમાનોમાં શાદીનો પ્રસંગ ઈસ્લામી તરીકાથી વિરુદ્ધ રીતે અંજામ આપવામાં આવે છે. અને ગેર જરૂરી બાબતો, બલકે નામુનાસિબ અને ખરાબ બાબતો એમાં શામેલ કરીને જરૂરી ઠેરવવામાં આવી છે. આ બધી બાબતો દૂર કરવાની આવશ્યકતા છે. જોવામાં આવી રહયું છે કે શાદીઓમાં ખોટા ખર્ચાઓ વધી રહયા છે. અને એના કારણે છોકરીના મા-બાપ બોજ તળે આવી જાય છે. પછી પત્નિ પાસે દહેજ અને તોહફાઓ લાવવાની માંગણી કરવામાં આવે છે. જેના કારણે પણ મા બાપ માટે મોટી મુસીબત ઉભી થાય છે. અને પછી કરજ લઈને આ બધી માંગણીઓ પૂરી કરે છે. આ પ્રમાણે કોઈને મજબૂર કરવા અને પરેશાન કરવા શરઈ રીતે નાજાઇઝ અને હરામ છે.

આપણે જે દેશમાં રહીએ છીએ, ત્યાં સદીઓથી ઓરત મઝલૂમ અને અત્યાચારનો શિકાર ચાલતી આવી છે. એમને માતા – પિતા કે શોહરની મિલ્કતમાંથી કોઈ વારસો મળતો ન હતો. આજે દેશના કાયદાઓના કારણે ઓરતને વારસાનો હકદાર ગણવામાં આવે છે, છતાં ભારતીય સમાજમાં આજે પણ ઓરતોને વારસામાં કોઈ ભાગ આપવામાં આવતો નથી. આ સ્થિતિને અનુલક્ષીને જ અહિંયા દહેજની પ્રથા અને રિવાજ ચાલતો આવ્યો છે. એટલે કે શાદી વેળા જ છોકરીને દહેજ અને તોહફા સાથે વળાવી દેવામાં આવે, કેમ કે મિલ્કતમાં એનો કોઈ ભાગ રહેવાનો નથી.

આ બધાથી વિપરીત ઇસ્લામી શરીઅત મુજબ છોકરીને એના માતા પિતાની મિલ્કતમાંથી, અને બીવીને એના શોહરની મિલ્કતમાંથી અચુક હિસ્સો મળે છે. અને અમુક સંજોગોમાં એને અન્ય સગાઓના માલમાં પણ વારસદાર બને છે. એટલે ઈસ્લામમાં દહેજ આપવા કે માંગવાની કોઈ પ્રથા નથી રાખવામાં આવી. પરંતુ અફસોસની વાત છે કે મુસલમાનોએ આ બંને બાબતોમાં પોતાનો ધર્મ છોડીને બીજી કોમોનું અનુસરણ કરવાનું શરૂ કરી દીધું છે. એક તો દહેજ આપવા લેવાની પ્રથા અને બીજી : ઓરતોને વારસાઈનો ભાગ ન આપવાનો રિવાજ. એટલે કે જે કામ કરવું ફરજ હતું એને હરામ કરી દીધું અને જે કામ હરામ હતું એને ફરજ ઠેરવી લીધું.

મુસલમાનોએ આ વાત સારી રીતે સમજી લેવાની છે કે શરઈ હક ન હોય, એવો કોઈ પણ માલ ખોટો દબાવ નાખીને પડાવી લેવામાં આવે તો એ હલાલ નથી, હરામ છે. એવી જ રીતે દહેજ પણ દબાવ નાખીને લેવામાં આવે છે તો શરીઅત મુજબ જાઇઝ અને હલાલ નથી, હરામ છે. આજે સ્થિતિ એવી છે કે શોહર અને એના ઘરવાળાઓની મરજી મુજબ દહેજની માંગણી પૂરી કરવામાં ન આવે તો પત્નિને સતાવવામાં આવે છે. વહુને દહેજ ઓછું લાવવાના મેણા – ટોણા સંભળાવવામાં આવે છે. અને એને એટલી મજબૂર કરવામાં આવે છે કે ઘણીવાર તેણી છેલ્લું પગલું ભરીને પોતાની જાન આપી દે છે. આ જ કારણે દહેજની સમસ્યા સમાજ માટે એક લાંછન અને લાનત છે. ઈસ્લામ મુજબ આ હરામ છે. અને અલ્લાહ તઆલાનો ગુસ્સો અને નારાજગી લાવનાર છે. થોડુંક અટકીને અહિંયા આ બાબત પણ વિચારવાની છે કે ફિલ્મો જોવાના કારણે આત્મ હત્યાનું ચલણ પણ સમાજમાં વધી રહયું છે. એને રોકવું અને સમાજને આ બુરાઈથી પાક રાખવાની ફિકર કરવી ઉલમાએ કિરામ અને સામાજિક કાર્યકરોની જવાબદારી છે.

મોહતરમ હઝરાત ! સમાજ ઉપર દહેજ પ્રથાની ઘણી નકારાત્મક અને નુકસાનકારક અસરો પડી રહી છે. જબરદસ્તી દહેજની લેવડ-દેવડ ઈસ્લામી શરીઅતના વિરુદ્ધ છે. એના કારણે ગરીબ છોકરીઓના નિકાહ મુશ્કેલ થઈ રહ્યા છે. એમનું ભવિષ્ય ખતરામાં ડૂબી જાય છે. છોકરી એના માતા - પિતા માટે રહમતના બદલે તકલીફનો સબબ બની જાય છે. અને બિચારો બાપ એની છોકરીના દહેજ માટે હલાલ - હરામ જોયા વગર માલ કમાવાની ફિકર કરે છે. પછી આવા શોહરો એમની ઓરતનો માલ ખાય છે, એટલે પછી એમની કમઝોરીઓ અને ગુનાહોને પણ છાવરે છે. છોકરીના દહેજ માટે માતા - પિતાએ ઝકાત અને હજ જેવી ઇબાદતો છોડવી પડે છે. સમાજના યુવાનો આવી રીતે દહેજમાં ઘણો બધો માલ મેળવીને પછી આળસુ થઈ જાય છે. અને પછી કયારેક વિવાદ થાય અને તલાકની નોબત આવે ત્યારે અનેક સમસ્યાઓ ઉભી થાય છે. દહેજ પાછું માંગવા લેવાનો વિવાદ સામે આવે છે, ઓરત પોતાનો માલ છોડવા તૈયાર નથી હોતી, અને શોહર દહેજ પાછું આપવાની બીકે તલાક નથી આપતો.

એવું નથી કે દહેજ લેવા-દેવામાં ફકત છોકરા પક્ષવાળા જ જવાબદાર હોય છે. સાચી વાત એ છે કે છોકરી પક્ષ પણ આ બુરાઈ પાછળ બરાબરનો જવાબદાર છે. સમાજની આ બુરાઈમાં એમનો પણ બરાબરનો હાથ છે. છોકરીના માં – બાપ છોકરી માટે ધન દોલત અને એશ આરામના સપના જુવે છે અને સીધા - સાદા ઓછી આવક વાળા છોકરાઓની સગાઈ ઠુકરાવીને મોટા માલદારોના ઘરે સગાઈ કરવાની કોશિશ કરે છે, પોતાની હેસિયતથી આગળનું વિચારે છે, છોકરો હલાલ કમાય છે કે હરામ ? એનો અકીદો સહી છે કે ગલત? એનો સ્વભાવ કેવો છે ? આ બધું જોતા નથી. છોકરાની બેશુમાર માંગણીઓ પૂરી કરીને પોતાની છોકરી એના હવાલે કરી દે છે. અને આમ માં બાપ પોતાના હાથે જ પોતાની અવલાદની દીન દુનિયા બરબાદ કરી દે છે. સમાજમાં મોજૂદ આવા ખોટા લોકોની હરકતોને કારણે ઘણી વાર એવા લોકો પણ મજબૂર બની જાય છે જેઓ આવી બુરાઈથી દૂર રહેવા માંગતા હોય છે. માટે જરૂરી છે કે છોકરીવાળા પોતાની છોકરી માટે એવા છોકરો પસંદ કરે જે દીનદાર પરહેઝગાર હોય, જેનો અકીદો દુરસ્ત હોય, અખ્લાક સારા હોય. એના સ્વભાવમાં દીનદારી અને ઠરેલપણું હોય.અલ્લાહથી ડરનાર અને રસુલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની સુન્નતો ઉપર અમલ કરનાર હોય. નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની આ જ તાકીદ છે કે દીનદારીને બુનિયાદ બનાવવામાં આવે. હઝરત અબૂ હરયરહ રદિ. રિવાયત ફરમાવે છે કે નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે ફરમાવ્યું : જયારે તમારા ઘરે કોઈ એવા માણસ માટે મંગણી આવે જેની દીનદારી અને અખ્લાકને તમે પસંદ કરતા હોવ તો એની સાથે છોકરીના નિકાહ કરાવી દયો. એમ નહીં કરશો તો (અને માલ કે મોભોના તલાશમાં છોકરીને બેસાડી રાખશો ) જમીનમાં મોટો ફિત્નો અને ફસાદ ફેલાશે. (તિરમિઝી શરીફ)

ખુલાસો આ છે કે નિકાહના પ્રસંગે છોકરા પક્ષ તરફથી દહેજની માંગણી કરવામાં આવે, અથવા છોકરી પક્ષ તરફથી છોકરાની દોલત – મિલ્કતને સગાઈનો આધાર બનાવવામાં આવે, આ બંને વાતો ઇસ્લામી તાલીમ મુજબ નથી. અને આવી ખોટી રીત અપનાવવાના કારણે જ રોજ બરોજ નવી ઘટનાઓ સામે આવતી રહે છે. ઉમ્મતની હઝારો છોકરીઓ આ લઅનતના કારણે ઘરોમાં બેસેલી છે. અને લોકો એમની છોકરીના નિકાહની ફિકરમાં ઘરડા માતા - પિતાનું ચેન સુકૂન ખતમ થઈ ગયું છે. આવી ખતરનાક સ્થિતિમાં સમગ્ર સમાજને બચાવવો ઉમ્મતની સામુહિક જવાબદારી છે. ઇતિહાસ ગવાહ છે કે દુનિયામાં છોકરીઓને જીવતી દાટી દેવા અને સ્ત્રી ઉપર થનારા અત્યાચારો વિરુદ્ધ સહુપ્રથમ પરિવર્તનની અવાજ ઇસ્લામ દ્વારા જ બુલંદ કરવામાં આવી હતી. નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમનો હાલ એ હતો કે કોઈ પણ ધર્મની છોકરી ઉપર અત્યાચાર થતો અથવા એને જીવતી દાટી દેવાની ઘટના સામે આવતી તો સહુથી વધારે દુખ અને દર્દ અનુભવતા હતા, એના વિરુદ્ધ સહુથી પહેલાં આપ વિરોધ કરતા હતા, અને જયાં સુધી છોકરી - સ્ત્રી ઉપર અત્યાચાર બંધ ન થઈ જાય, એને એનો હક ન મળી જાય ત્યાં સુધી આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ ચેનથી બેસતા ન હતા. અફસોસ ! આજે નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમના અનુયાયીઓ પોતે એમની બીવી અને વહુઓ ઉપર અત્યાચાર કરી રહયા છે. બેટીઓ-બહેનોને વારસાઈ હકથી વંચિત કરીને એમની સાથે અન્યાય કરે છે.

પાછલા દિવસોમાં અમદાવાદની આઈશા નામની છોકરીની આત્મહત્યાની જે દુખદાયક ઘટના સામે આવી, એનું કારણ પણ દહેજની માંગણી અને સાસરીયાનો ત્રાસ છે. આ અફસોસનાક કિસ્સો છે. વધારે તકલીફની બાબત આ છે કે આ ઘટના એવા લોકોના સમાજમાં ઘટી છે જેઓ અલ્લાહ અને એના રસૂલનું નામ લે છે, પોતાને મુસલમાન કહે છે. આ બધાનું મુળ ઇસ્લામી તાલીમ અને રીત રિવાજથી અજાણતા હોવા ઉપરાંત બિન ઈસ્લામી રિવાજો અને જીવનશૈલી અપનાવવું છે. આવા રિવાજાને જડમાંથી ખતમ કરવા માટે જરૂરી છે કે શાદી વિવાહ ઉપરાંત પૂરી જિંદગીમાં ઈસ્લામી તાલીમ અને આદર્શો ઉપર અમલ કરવામાં આવે. ઘર અને ખાનદાનમાં પ્યાર — મુહબ્બતનો માહોલ બનાવવામાં આવે. બહારથી આવનાર વહુ સાથે સદવર્તન દાખવવામાં આવે. શાદી - નિકાહના પ્રસંગને સરળ બનાવવામાં આવે. સમાજમાં જે લોકો ગરીબ અને કરજદાર હોય, પોતાની દીકરીઓના નિકાહ કરવાની શકિત ધરાવતા ન હોય, એમની મદદ કરવામાં આવે. સામાજિક અને સેવાભાવી કાર્યો કરતી સંસ્થાઓ તરફથી સામુહિક નિકાહનો પ્રોગ્રામ રાખીને આવા ગરીબ દીકરીઓના નિકાહની વ્યવસ્થા કરવામાં આવે. ઉલમાએ કિરામ અને મસ્જિદના ઈમામો એમની તકરીરો અને લખાણોમાં દહેજના નુકસાનો વર્ણન કરે. પ્રચાર માધ્યમો અને સોશ્યલ મીડીયા સાથે જોડાયેલ માણસો દહેજ બાબતે કાનૂની અને શરઈ નિયમો વર્ણન કરીને લોકોનું સમજણ આપે. જે લોકો દહેજ લેવા-દેવામાં પ્રવૃત હોય, દહેજના આધારે વહુઓ કે પત્નિઓને પરેશાન કરતા હોય, એમને ગુનેગાર ગણવામાં આવે. સમગ્ર મુસ્લિમ સમાજે શાદી વિવાહની બિન ઈસ્લામી રીતો — રસમો વિરુદ્ધ, વિશેષ કરીને દહેજ જેવી પ્રથા વિરુદ્ધ અવાજ ઉઠાવીને એને ખતમ કરવાના પગલાં ભરવાની જરૂરત છે.


શરઈ માર્ગદર્શન

ફતાવા વિભાગ

મવ. મુફતી અસ્જદ દેવલ્વી સાહેબ તસ્દીક કર્તા

મવ. મુફતી અહમદ દેવલા સદર મુફતી જામિઅહ જંબુસર

બીમારીના કારણે બચ્ચાદાની કઢાવી નાંખવી

સવાલ: સલામ બાદ જણાવવાનું કે મને છેલ્લા પાંચ વર્ષથી પેટમાં દુઃખાવો થતો હતો. ડોકટરોને બતાવ્યું તો કહ્યું કે તમારા પેટમાં ગાંઠ છે. બચ્ચાદાનીની જગ્યાએ, માટે ઓપરેશન કરાવવું પડશે અને તેમાં બચ્ચાદાની પણ કાઢવી પડશે, તો શું આવી હાલતમાં શરીઅત તરફથી ઈજાઝત છે ? શું ઓપરેશન કરાવવાથી હું ગુનેહગાર થઈશ, મહેરબાની કરી વિગતવાર જવાબ આપશો.

حامدا و مصليا ومسلما (1) :જવાબ

કુર્આને કરીમ અને હદીસ શરીફની રૂએ સામાન્ય હાલતમાં એક ઓરત માટે પોતાની બચ્ચાદાની ઓપરેશનથી કઢાવવી મના છે.

અલબત્ત જો કોઈ ઓરત એવી બિમારી અને તકલીફમાં સપડાયેલી હોય કે જેની પીડાથી બચવા અને બિમારીના ઈલાજની સૂરત સજ્જન અનુભવી અને સારા ડોકટરોના મંતવ્ય મુજબ બચ્ચાદાની કઢાવવા સિવાય કોઈ પર્યાપ્ત ઉપાય ન હોય, તો પછી આવી ઓરત માટે ઈલાજની નિય્યતથી બચ્ચાદાની કઢાવવાની ગુંજાઈશ છે.

માટે જો આપને ગાંઠની તકલીફથી બચવા વિશે સારા અને અનુભવી ડોકટરોના કહેવા મુજબ એ જ છે કે બચ્ચાદાની - ગર્ભાશય કાઢી નાંખવામાં આવે અને એ વિના ગાંઠ કાઢવાની અને તેની તકલીફથી બચવાની શકલો સૂરત નથી, તો આપના માટે આ રીતના ઓપરેશનની ગુંજાઈશ છે, આપ આ રીતનું ઓપરેશન કરાવશો, તો ગુનેહગાર થશો નહીં. (શર્હુલ મજલ્લહ : નિયમ નંબર : ૨૧, ૩૦, ફતાવા રહીમિય્યહ : ૧૦/૧૮૨, ઉપરથી, ઈલાજ વ મુઆલજા કે શરઈ અહકામ) ફકત અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.

(૨૦ જમાદલ અવ્વલ : ૧૪૩૪ હિજરી ૨/૪/૨૦૧૩ ઈસ્વી)

નોકરી દરમિયાન જૂઠ બોલવું

સવાલ : સલામ બાદ જણાવવાનું કે હું ઝેદ અત્યારે ગ્રેજયુએશન પુરૂં કર્યા પછી છેલ્લા સાડા ત્રણ મહીનાથી ટેલિકોમ કંપનીની ઓફીસમાં નોકરી કરું છું, આ નોકરીમાં મારું કામ માત્ર કોમ્પ્યુટર પર જ કરવાનું હોય છે, તે છતાં વધારાના કામમાં એવું છે કે અમુક ગ્રાહક એવા હોય છે કે જેમનો નંબર બંધ થઈ જાય કે ઈનકમીંગ કે આઉટ ગોઈંગ સેવા તે નંબરની બંધ થઈ જાય તો તેમના નિરાકરણની બધી જવાબદારી મારી જ હોય છે, તેમને અમુક મુદ્દતનો ટાઈમ આપું છું. દા.ત. ૧૫ મીનીટ / અડધો કલાક, એક કલાક, તે ટાઈમમાં કામ હોવાને કારણે તે વાયદો પૂરો નથી થતો અને દિવસમાં ઓછામાં ઓછું ૧૦ થી ૧૫ વખત જુઠું પોતાના સ્વબચાવ ખાતર બોલવું પડે છે, ખોટા ખોટા વાયદા થાય છે તો આ સ્થિતિમાં આપથી દિલી મારી ગુજારીશ છે કે ઈસ્લામી શરીઅત અનુસાર આ નોકરી મારા માટે કરવી એ જાઈઝ છે કે ના જાઈઝ ? હલાલ છે કે હરામ? મારે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ, આનો ખુલાસાવાર જવાબ જામિઅહના લેટરપેડ પર આપના સહીહ સિક્કા સાથે આપો એવી મારી આપને નમ્ર વિનંતી છે.

حامدا و مصليا ومسلما (1) : જવાબ

કોમ્પ્યુટરના કામમાં મહારતના લઈ, તે વિશેના કામ કરવાની નોકરી કરવી, શરઈ દ્રષ્ટિએ દુરુસ્ત છે, તેમાં કોઈ જ વાંધો નથી, અલબત્ત જરૂરી છે કે નાજાઈઝ અને ગુનાહના કામો કરવાથી પરહેજ કરવામાં આવે.

મોબાઈલનું કામ કરવું જયારે કે વધારાનું હોય, તેના લઈ જુઠ પણ બોલવું પડતુ હોય, તો તે કામ કરવાની ના પાડી દેવામાં આવે, જુઠ બોલવું જરૂર ગુનાહ છે, પરંતુ મઝકૂર નોકરી દુરૂસ્ત છે, આ વડે પ્રાપ્ત કરવામાં આવેલી કમાણી હલાલ ગણાશે, જુઠું બોલવાનો માત્ર ગુનાહ લાગુ થશે.

આપની ભાવના સાચે જ મુબારકબાદીના પાત્ર છે, જુઠ સખત ગુનાહનું કામ છે. એનાથી બચવું જરૂરી છે, આપે પહેલેથી જ પોતાની ફુરસદ જોઈ ગ્રાહકને સમય આપવો જોઈએ અને તેમ છતાં કામ ન થઈ શકે તો સાચી હકીકત રજૂ કરી દેવામાં આવે, આનો અસર ગ્રાહક ઉપર સારો જ પડશે, દુકાનના માલિકને પણ આ વસ્તુની જાણ કરી દેવામાં આવે, ફકત અલ્લાહ તઆલા વધુ જાણનાર છે. (તા.૨૨/જુમા. અવ્વલઃ ૧૪૩૨ હિ.-૪/એપ્રિલ ૨૦૧૩ ઈ.)

બોધકથા

એક માણસ રોઝી - રોટી મેળવવા વતન થી બહાર ગયો હતો. આ જ સફરમાં એનું મરણ થયું. દૂર રહેતા એના પુત્રોને ખબર પડી તો એમને ઘણો અફસોસ થયો. આસપાસના લોકોને પણ આ બાબતની ખબર પડી તો લોકો ઘરે બેસવા અને શાંતિ – શાંત્વના આપવા આવવા લાગ્યા.

મોટો દીકરાએ આવનાર લોકોને આવકાર અને મુલાકાત માટે ઘર ખોલ્યું અને વ્યવસ્થા કરવા લાગ્યો. પણ નાના ભાઈઓ આ વેળા એની આડે આવી ગયા અને આગ્રહ કરવા લાગ્યા કે પહેલાં બાપે છોડેલ મિલ્કતનો વારસો વહેંચવામાં આવે. મોટા ભાઈએ એમને કહયું કે લોકો આપણા ઘરે આવી રહયા છે, એવી સ્થિતિમાં આ સારું ન કહેવાય. તમે થોડી રાહ જુઓ તો સારું.

પણ ભાઈઓએ માન્યું નહીં અને કાઝી પાસે દોડી ગયા. કાઝી સાહેબે મોટા ભાઈને હાજર થવાનું ફરમાન મોકલ્યું. મોટા ભાઈ પરેશાન થઈ એક અનુભવી માણસને સલાહ લેવા દોડયો કે શું કરવું? એ વડીલે એને કહયું કે તારી મુસીબતનો ઉકેલ ફલાણા માણસ પાસે જ હોય શકે. તારે એની પાસે જવું જોઈએ. મોટા ભાઈએ કહયું કે એ તો ગાંડો માણસ છે. એ મને શું સલાહ આપશે ? પણ વડીલે એને આગ્રહ કર્યો કે એની પાસેથી જ ઉકેલ મળશે. મોટો ભાઈ દોડયો અને ગાંડા પાસે પહોંચીને બધી બીના દર્શાવી દીધી. ગાંડાએ ઉકેલ બતાવ્યો કે ભાઈઓને જઈને પૂછ કે પિતાજી મરી ગયા છે એનો શું પુરાવો તમારી પાસે છે ? પુરાવો આપો તો માલ વહેંચી આપું.

કાઝી સાહેબ પણ આ જવાબથી ખુશ થઈ ગયા અને એક લાંબા સમય સુધી ભાઈઓની માંગણી અટવાય ગઈ.

મોટા ભાઈએ એમને કહયું કે તમે એક અઠવાડિયું રાહ જોઈ હોત તો તમારે આટલી બધી રાહ ન જોવી પડત.

કિસ્સાનો સાર આ છે કે આવા સંજોગોમાં સમજદાર માણસો એમની સામે મોજૂદ સંજોગોને અનુસરી એમ જ કહે કે બાપ મરી ગયો છે, બધા ઘરે બેસવા તઅઝિયત માટે આવી રહ્યા છે, એટલે મૃત્યુ વિશે શંકા કરવાને કોઈ સ્થાન નથી. પણ આવા સમયે નાદાન અને બેવકૂફ લોકોની વાત કામ આવે છે. આમ ઘણી વાર નાદાન લોકોની વાતમાં સમસ્યાનો ઉકેલ મળી આવે છે.

આપણી ઇચ્છા મુજબની વસ્તુ થોડી મોડી પણ મળી જવાની હોય તો કોઈ બીજાને નારાજ કરીને એને મેળવવાની ઉતાવળ કરવી યોગ્ય નથી.

Philosophy of Ramadan

The Holy Qur'an has expressly told us that the basic objective for which man is created by Allah (swt) is that he "worships" Him: And I did not create Jinn and human beings except that they should worship Me.

The word used by the Holy Qur'an for the worship is "ibadah" which has a much wider meaning than "worship." In English, the word "worship" normally indicates some specific acts or rituals meant exclusively to show one's reverence to his Creator. But the word "ibadah" is not restricted to such acts or rituals, rather, it embodies any act done in submission to Allah's commands and to seek His pleasures. Therefore, many acts which seem to be mundane in nature are included in the word of "ibadah" like earning one's livelihood through halal (permissible) means and in order to fulfill one's obligations towards his dependents.

However, 'ibadah is of two kinds. At the first place there are acts meant exclusively to worship Allah, having no worldly objective, like salah, fasting, etc. These are direct acts of 'ibadah while the other kind of 'ibadah includes the acts which are primarily mundane, but they are converted into an 'ibadah when they are performed in full conformity with Shari'ah and with an intention to discharge one's obligations. Therefore, these acts are treated as 'ibadah in an indirect manner. It is obvious that the direct acts of 'ibadah should be superior to the indirect ones.

Now, while prescribing very few acts of direct 'ibadah in one's daily life, like the salah which is performed five times a day, Islam has left its followers mostly with the indirect acts of 'ibadah like eating, drinking, earning the livelihood and association with one's wife, children, parents, relatives, friends and other human beings. But the primary nature of these acts being mundane, one becomes so absorbed in their worldly pleasures that their material aspects prevail over their spiritual aspects. Therefore, these acts have less spiritual strength than the direct acts of worship.

Since the direct acts of 'ibadah are very few in one's daily life as compared to the indirect ones, his spiritual progress becomes slow vis his material progress. The month of Ramadan has been designed to maintain a balance between material and spiritual aspects of human life. This month is meant to maximize the direct acts of 'ibadah and to minimize the pure mundane activities, so that one may accelerate his spiritual progress to make up the distance and to repair the spiritual loss one may have suffered through his deep involvement in the mundane activities during the year. The days of Ramadan are designed to keep fast which is an act of 'ibadah for the whole day, and depriving oneself from any material food for many hours, it lessens the bad spiritual effects, if any, of the material pleasures. The nights of Ramadan, on the other hand, are spent in offering Tarawih and waking up for tahajjud and suhur, reducing the time of one's sleep much less than in the normal days. Moreover, apart from the prescribed acts of worship, one is supposed to offer as much optional (nafl) 'ibadah in this month as he can. In this way the level of one's spiritual activities in this month is raised up much higher than in other days of the year.

This philosophy of the month of Ramadan makes it clear that this month should be devoted to the direct acts of worship as far as possible. That is why the reward of the virtuous acts in this month has been multiplied. This is to encourage the Muslims to the maximum possible acts of 'ibadah.

છેલ્લા પાને

ચાર બાબતો કાફી છે.

નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમનો ઇરશાદ છે : ચાર વસ્તુઓ તમે કરતા થઈ જાઓ તો પછી દુનિયાની કોઈ પણ વસ્તુ ન કરવા કે ન મળવાનો કોઈ અફસોસ ન કરશો. (૧) અમાનતની હિફાજત કરો. (૨) વાતચીતમાં સાચું બોલો. (૩) લોકો સાથે સારા અખ્લાકથી વર્તો. (૪)હલાલ અને પાક રોઝી ખાઓ.

સફળ લોકો

સફળ લોકો એમની સફળતાઓ, નિર્ણયો અને શોધો વડે દુનિયાને બદલી નાંખે છે. અને કમઝોર લોકો દુનિયાની બીકે પોતાના ફેસલાઓ બદલી નાંખે છે.

સારુગુમાન

અબૂદાવૂદ શરીફમાં રિવાયત છે કે બીજા લોકો વિશે સારું ગુમાન રાખવું બેહતરીન ઈબાદત છે.

બાપનો તોહફો

બાપ તરફથી એની અવલાદ માટે સૌથી બેહતરીન તોહફો આ છે કે અવલાદની સારી તરબિયત કરે.

દુનિયાની મહોબ્બત

માણસ ઘણું બધું ઈલ્મ મેળવી લે પણ દુનિયાની મહોબ્બત ઓછી ન થાય તો આવો માણસ અલ્લાહ તઆલાથી દૂર જ રહેશે.

દ્રષ્ટિ અને દ્રષ્ટિબિંદુ

આંખો બધાની એક સમાન હોય છે, પણ જોવાનો અંદાઝ અલગ હોય છે અને દષ્ટિબિંદુ પણ અલગ હોય છે.

ઝુલમ અને માફી

દુનિયાના વધુ પડતા, ઝુલમ, તકલીફ, ધોકો, ફરેબ, તો માણસોને આપે છે અને માફી અલ્લાહ તઆલા પાસે માંગે છે.

સાચો નેક અમલ

સાચો નેક અમલ તે છે જેને કરવા પાછળ લોકોના વખાણ અને શુક્રિયાની આશા ન રાખવામાં આવે.

કુરઆન પઢતા રહો

નબીએ કરીમ સલ્લલ્લાહ અલયહિ વ સલ્લમનો ઇરશાદ છે : કુરઆન પઢતા રહો, કારણ કે કયામતના દિવસે કુરઆન એના પઢનાર લોકો માટે સિફારીશ કરશે.

સચ્ચાઈની રાહમાં અડગ રહો

સચ્ચાઈની રાહમાં અડગ રહો. આખી દુનિયા પણ તમારા વિરોધમાં હોય, છતાં યાદ રાખો કે અલ્લાહ તઆલા આવા લોકો સાથે હોય છે.

જીવનનો આનંદ

માણસ પાસે એની પસંદની વસ્તુઓ ન હોય તો જે વસ્તુઓ મોજૂદ હોય એને જ પસંદ કરીને કામમાં લાવે.

જીવનનો આનંદ જરૂર મળશે.

બચપની કી વો અમીરી

બચપન કી વો અમીરી ન જાને કહાં ખો ગઈ

 જબ પાની મેં હમારે જહાઝ ચલા કરતે થે.

મનોરંજનના નામે નાચ -ગાન માણવું

નાચવું અને ગીતો ગાવું, અથવા કોઈના નાચ-ગાનને માણવું જોવાનો મકસદ શું હોય શકે ? લોકો કહે છે કે એના થકી મનોરંજન મળે છે, માણસનો થાક અને માનસિક તણાવ ઓછો થાય છે. વગેરે.. પણ શું સાચે જ નાચ-ગાનથી આ મકસદ પૂરો થાય છે? નાચ-ગાનમાં કરવાથી કે એને જોવા માણવાથી માણસને લાભ વધારે થાય છે કે નુકસાન? વાસ્તવિકતા એ છે કે થોડીકવારના આવા મનોરંજનથી માણસ રાહત ઓછી અનુભવે છે અને પરેશાની – તણાવ વધારે.

અને આમ એટલા માટે થાય છે કે ગાયનના શબ્દો અને એમાં વર્ણવવામાં આવેલ લાગણીઓ વાસ્તવિક જીવનમાં શક્ય નથી હોતી, માણસ એને અનુભવી પણ નથી શકતો અને વ્યકત પણ નથી કરી શકતો. આવું જ કંઈ નાચ નૃત્ય અને એની અદાઓમાં થાય છે. વધુ પડતા ગાયનો કોઈની કોઈની સુંદરતા ઉપર આધારિત હોય છે, કોઈના પ્રતિ પ્યાર અને વ્યકત કરતાં હોય છે, અને યુવાન પેઢીને આકર્ષવા એમાં રોમાન્સ ઉમેરવામાં આવે છે. બલકે ગાયનના શબ્દો અને નૃત્યની અદાઓમાં પણ કામના અને વાસના ઉત્તેજીત થાય એવા દશ્યો બતાવાવમાં આવે છે. એટલે બધું કરીને નાચ – ગાન માણસની વાસના અને હેવાનિયતને ભડકાવવાનું જ કામ કરે છે. અને એટલે જ નાચ – ગાનની મજલિસમાં માણેલ થોડી વારના મનોરંજન પછી માણસ એની અસરે વધારે માનસિક તકલીફ અને દબાવ અનુભવે છે. મનોરંજના દશ્યોમાં જોયલ વાતો વાસ્તવિક જીવનમાં લગભગ શકય નથી હોતી, એટલે માણસ એને ખોટી રીતે મેળવવા અને માણવાનો પ્રયત્ન કરે છે, બળાત્કાર, અપહરણ, લુંટફાટ, હત્યા અને ઘણું બધું એનું જ આ નાચ – ગાનનું જ પરિણામ હોય છે.

હદીસ શરીફમાં છે : મારી ઉમ્મત પાંચ કામો કરશે તો એની બરબાદી નક્કી છે. (૧) એકબીજા ઉપર લાનત કરશે અને બદદુઆ કરશે. (૨) લોકોમાં શરાબ પીવાની આદત આવી જાય. (૩) રેશમના એટલે હરામ હોય એવા લિબાસ પહેરશે. (૪) ગાનાર અને નાચનાર ઓરતોને પસંદ કરશે, (એટલે કે એમને બોલાવીને મહેફિલો કરવામાં આવશે. (૫) સમલૈગિંક સંબંધો સામાન્ય થઈ જશે. એટલે કે પુરૂષો પુરૂષોથી અને સ્ત્રીઓ સ્ત્રીઓથી જ પોતાની જરૂરતો પૂરી કરી લેશે. (કન્જઝુલ ઉલમા)