તંત્રી સ્થાનેથી
કુરબાની : અર્થ, મહત્વ, અને ઉપયોગિતા
કુરબાનીને અરબીમાં اضحیۃ કહેવાય છે, ઉર્દૂ ફારસીમાં કુરબાની કહેવાય છે. કુરબાન શબ્દ પણ અરબી છે. એનો અર્થ છે કોઈના નિકટ થવું. કુરબાની થકી બંદો અલ્લાહની નિકટતા મેળવે છે. એટલે એને કુરબાની કહેવામાં આવે છે. ઈસ્લામમાં હઝરત ઈબ્રાહીમ અલયહિસ્સલામ અને એમના દીકરા હઝરત ઈસ્માલઈ અલૈ.ની યાદમાં કુરબાનીની ઈબાદત લાગુ કરવામાં આવી છે. દર વર્ષે ઝુલ હજ્જ મહિનાની ૧૦મી, ૧૧મી અને ૧૨મી તારીખે આ ઈબાદત અદા કરવામાં આવે છે. આ દરમિયાન મુસ્લિમો ઘેટાં બકરાં, ઊંટ, વગેરે જેવા વિવિધ પાલતુ જાનવરોની કુરબાની આપે છે કે એટલે ઝબહ કરીને ગોશ્ત પોતે પણ ખાય છે અને અન્યોને પણ ખવડાવે છે.
કુરઆનમાં અલ્લાહ તઆલાના જણાવ્યા મુજબ હઝરત ઈબ્રાહીમ અલયહિસ્સલામને અલ્લાહ તરફથી સપનામાં એમની સૌથી વધુ પ્રિય વસ્તુ એટલે કે પુત્ર ઈસ્માઈલના બલિદાન આપવાનો હુકમ થયો. તેમણે આ આદેશમાં વિલંબ કે વિરોધ કર્યા વગર અનુસર્યો, પરંતુ તેઓ બલિદાન આપવા જઈ રહ્યા હતા તેટલામાં અલ્લાહ તઆલાએ પુત્ર ઈસ્માઈલના બદલે બદલે એક ઘેટો મોકલ્યો અને ઘેટાને ઝબહ કરવામાં આવ્યો. અલ્લાહ તઆલાએ હઝરત ઈબ્રાહીમ અલૈ.ના દીકરા હઝરત ઈસ્માઈલ અલૈ.ની અવલાદમાં નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમને પેદા ફરમાવ્યા હતા એટલે એમની ઉમ્મતમાં હઝરત ઈસ્માઈલ અને હઝરત ઈબ્રાહીમ અલૈ.ની યાદ સ્વરૂપે કુરબાનીની પ્રથા જારી કરવામાં આવી.
કુરબાની એ આ વાતનો ઈઝહાર છે કે કોઈ પણ વસ્તુ અલ્લાહના હુકમથી ઉપર નથી. પોતાની અવલાદ કે અવલાદ જેવી પ્રિય વસ્તુ પણ નહીં. દેખાવમાં તો એમાં એક જાનવરની કુરબાની છે, પણ અંદરથી તે વ્યકૃિતના અહંકાર, સ્વાર્થ અને ખરાબ ભાવનાઓનું બલિદાન છે.
કુરઆનમાં છે : અલ્લાહને ના માંસ પહોંચે છે, ના લોહી; પરંતુ અલ્લાહ પ્રત્યેનો તમારો ખોફ અને ઈબાદતની ભાવના એના દરબારમાં પહોંચે છે.
કરબાનીનો એક સબક આ છે કે જીવનમાં જ્યારે અલ્લાહની તરફથી પરિક્ષા આવે ત્યારે હઝરત ઈબ્રાહીમ અલૈ. જેવી રજામંદી બતાવીને અલ્લાહ તઆલા અને ઈમાન પ્રત્યે માણસે વફાદાર રહેવું જોઈએ.
કુરબાનીનો ગોશ્ત ત્રણ ભાગમાં વહેંચાય છે, એક ભાગ માણસ પોતાની પાસે રાખે છે. બીજો ભાગ સંબંધી/મિત્રોમાં અને ત્રીજો ભાગ ગરીબોને આપવામાં આવે છે, આમ એનાથી સમાજમાં સમરસતા અને એક બીજાની મદદ સહાય કરવાની ભાવના પ્રસરે છે.
અનેક ગરીબ પરિવારો ઈદના આ અવસરે ગોશ્ત ખાઈ શકે છે, અને ઘણું વધારે ખાય શકે છે, કંઈક ભેગું કરીને રાખી શકે છે, પહેલાંના ઝમાનામાં ગોશ્તને સુકવીને સંગ્રહ કરવામાં આવતો હતો, આજકાલ ફ્રીજમાં રાખવામાં આવે છે. આમ મોંઘો ગોશ્ત ગરીબોને સરળતાથી મફતમાં મળી રહે છે અને તે પણ આપનાર તરફથી કોઈ ઉપકારની ભાવના વગર. નિશંક આ મોટી રાહત અને સુકૂનની વાત છે.
કુરબાની માણસને સબક આપે છે કે જીવનમાં ઘણી વખત એવી વસ્તુઓનો ત્યાગ કરવો પડે છે, જેને આપણે ઘણી પ્રિય માનતા હોઈએ છે. કુરબાની એ સમજ આપે છે કે ઈમાન અને ધર્મ સૌથી ઉપર છે.
સામાન્ય રીતે આવું બલિદાન સહજ નથી, જે જાનવર મહીનાઓ સુધી પાળ્યું હોય તેમજ પોતાની આસપાસ એને રાખ્યું એની કુરબાનીમાં કરુણા અને દુઃખ છુપાયેલું હોય છે. પણ હક્કની રાહમાં આ પણ કરી છુટે છે, એમ થવાની આ કાર્ય સંયમ અને હૃદયની નરમાશ વિકસાવે છે.
ખુલાસો આ કે કુરબાની એ માત્ર એક ઔપચારિક ધાર્મિક પ્રથા નથી. એ આત્મા માટેનું શિસ્તબદ્ધ સાધન છે, જે માણસને ત્યાગ, કરુણા, ઈમાન અને સામાજિક જવાબદારી શિખવે છે. જો તેને ઊંડાણપૂર્વક સમજવામાં આવે, તો તે આધ્યાત્મિક ઊંચાઈ ઉપરાંત એક સશક્ત સમાજના નિર્માણ માટે મજબૂત પાયા રૂપે કામ કરે છે.
છેલ્લા પાને…
મદદ કોની પાસે માંગશો ?
જે માણસ તમારી દોસ્તી કે પાડોશમાં રહેવા છતાં તમારી જરૂરતને સમજે નહીં, એનાથી મદદ માંગીને પોતાને જલીલ ન કરશો.
વફાદાર અને ગદ્દાર
જે પાંદડું પાનખરમાં ન ખરે. એ પાંદડાઓની નજરમાં ગદ્દાર, ઝાડની નજરે વફાદાર અને મોસમની નજરે બગાવતી ગણાય છે.
શું હાલ છે ?
ઈમામ માલિક રહ.ને કોઈકે પૂછયું : શું હાલ છે ? ફરમાવ્યું : ઉંમર ઘટી રહી છે ને ગુનાહો વધી રહયા છે.
ખોફે ખુદા
માણસ જેનાથી ડરતો હોય એનાથી દૂર ભાગે છે, અલબત્ત અલ્લાહ તઆલાની ઝાત એવી છે કે માણસ એનાથી ડરતો હોય છતાં દૂર ભાગવાની જરૂરત નથી. બલકે જેટલો નજીક થશે, ડર દૂર થઈ જશે.
કુરઆનની તિલાવત
દિલ – દિમાગ, શરીર અને રૂહને મજબૂત કરનારી સૌથી અસરકારક બાબત અલ્લાહ તઆલાની કિતાબ એટલે કુરઆનની તિલાવત છે.
લોકોને સમજાવો
હઝ. અલી રદિ. ફરમાવે છે કે લોકો સમક્ષ ખુદા અને રસૂલની વાતો એવી રીતે રજૂ કરો કે તેઓ સમજી શકે. એવું ન થાય કે આપણી રજૂઆત અને સમજાવટમાં કમીના કારણે લોકો એનો ઈન્કાર કરવા માંડે.
બંદગીની ઈઝઝત
મુસલમાન માટે આટલી ઈઝઝત કાફી છે કે તે અલ્લાહનો બંદો છે અને આટલો ગર્વ કાફી છે કે અલ્લાહ એનો પરવરદિગાર છે.
ચાદર જોઈને પગ લાંબા કરો
માણસે એના શોખ અને ઈરાદાઓને પોતાની શકિતના તાબે રાખવા જોઈએ. જયારે શકિત અને સંપત્તિ વધે ત્યારે જ શોખ વધારવા જોઈએ.
નિયત મુજબ કામ કરતા રહો
માણસે એના કામોનો આધાર પોતાની નિયતને બનાવવો જોઈએ. કોઈ શું કહે છે એ માણસના કામનો આધાર ન હોવો જોઈએ. અલબત્ત નિયત સારી અને ખેરખ્વાહીની હોય એ જરૂરી છે.
ખુદાને વકીલ બનાવો
માણસને ગુનેગાર બનાવીને અદાલતમાં રજૂ કરવામાં આવે છે ત્યારે માણસને બોલવાની ઈજાઝત નથી હોતી, વકીલ એના તરફથી બોલે છે. દુનિયાની અદાલતમાં પણ માણસને ગુનેગાર સમજવામાં આવે તો ખામોશ થઈને ખુદાને વકીલ બનાવી દેવામાં આવે અને હસ્બુનલ્લાહુ વ નિઅમલ વકીલ પઢતા રહેવું જોઈએ.
હજની લગતી નિશાનીઓના એહતેરામનો હુકમ
﷽
یٰۤاَیُّهَا الَّذِیْنَ اٰمَنُوْۤا اَوْفُوْا بِالْعُقُوْدِؕ اُحِلَّتْ لَكُمْ بَهِیْمَةُ الْاَنْعَامِ اِلَّا مَا یُتْلٰى عَلَیْكُمْ غَیْرَ مُحِـلِّی الصَّیْدِ وَ اَنْتُمْ حُرُمٌ ؕ-اِنَّ اللّٰهَ یَحْكُمُ مَا یُرِیْدُ(1) یٰۤاَیُّهَا الَّذِیْنَ اٰمَنُوْا لَا تُحِلُّوْا شَعَآىٕرَ اللّٰهِ وَ لَا الشَّهْرَ الْحَرَامَ وَ لَا الْهَدْیَ وَ لَا الْقَلَآىِٕدَ وَ لَاۤآٰمِّیْنَ الْبَیْتَ الْحَرَامَ یَبْتَغُوْنَ فَضْلًا مِّنْ رَّبِّهِمْ وَ رِضْوَانًاؕ-وَ اِذَا حَلَلْتُمْ فَاصْطَادُوْاؕ-وَ لَا یَجْرِمَنَّكُمْ شَنَاٰنُ قَوْمٍ اَنْ صَدُّوْكُمْ عَنِ الْمَسْجِدِ الْحَرَامِ اَنْ تَعْتَدُوْاۘ-وَ تَعَاوَنُوْا عَلَى الْبِرِّ وَ التَّقْوٰى ۪-وَ لَا تَعَاوَنُوْا عَلَى الْاِثْمِ وَ الْعُدْوَانِ۪- وَ اتَّقُوا اللّٰهَؕ-اِنَّ اللّٰهَ شَدِیْدُ الْعِقَابِ(2)
તરજમહ : ઘણી રહમતવાળા અને નિરંતર રહમ કરનાર અલ્લાહના નામથી.
હે ઈમાનવાળાઓ ! કરારો બંધનોને પૂરા કરો, તમારા માટે ચોપગાં ચરનાર પશુઓ હલાલ કરવામાં આવ્યાં, તે જાનવરો સિવાય જેમનું વર્ણન આગળ આવશે (અને) તે સંજોગો સિવાય જેમાં તમે એહરામ કે હરમમાં હોવ. બેશક, અલ્લાહ તેના ચાહવા (મરજી મુજબ) હુકમ આપે છે. (૧) હે ઈમાનવાળાઓ ! અલ્લાહ (ના દીન) ના પ્રતિકો – ઓળખ ચિન્હોની, અને પવિત્ર મહિનાની, અને હદી (હરમમાં કુરબાની થનાર જાનવર)ની અને ગળામાં પટ્ટા હોય એવા કુરબાનીના જાનવરોની અને પવિત્ર બયતુલ્લાહ પ્રતિ અલ્લાહની મહેરબાની અને રહમતના મકસદે જનાર લોકોની બેઈઝઝતી ન કરો. અને જ્યારે તમે એહરામ ખોલી નાંખો તો શિકાર કરી શકો છો. અને એક કૌમ તરફથી તમને પવિત્ર મસ્જિદ (કઅબહ)થી રોકવાની દુશ્મની તમને (દુશ્મનીમાં) અતિશયોકિત કરવા કદાપિ ઉશ્કેરે નહિ ! અને આપસમાં નેક કામો તથા પરહેઝગારીમાં મદદ કરતા રહો અને પાપ તથા ઝુલ્મમાં મદદ ન કરો અને અલ્લાહથી ડરતા રહો. બેશક અલ્લાહ સખત અઝાબ આપનાર છે. (૨)
તફસીર : અહીંયાથી સૂરએ 'માઈદહ' શરૂ થઈ રહી છે. આ મદની સૂરત છે, કુલ મળીને એમાં એકસો વીસ આયતો અને સોળ રુકૂઅ છે.
ઘણા મહત્વના હુકમોનું આ સૂરતમાં વર્ણન છે. 'માઈદહ'નો અર્થ દરસ્તરખાન થાય છે. સૂરતની છેલ્લી આયતોમાં એક કિસ્સામાં એનો ઉલ્લેખ આવે છે એટલે આ સૂરતનું નામ 'માઈદહ' રાખવામાં આવ્યું છે. અને સૂરતના આરંભે 'કરારો'નું વર્ણન છે એ આધારે એને સૂરએ 'ઉકૂદ' પણ કહેવામાં આવે છે. અરબીમાં ઉકૂદ એટલે કરારો.
પાછલી સૂરતમાં વારસા વહેંચણી ઉપરાંત અનેક પ્રકારના હુકમોનું વર્ણન હતું, એ બધા હુકમો એક રીતે અલ્લાહ તઆલા સાથેના કરારો અને વચનો છે. એટલે આ સૂરતના આરંભે આરંભે જ એક કાયદા – નિયમનું વર્ણન છે કે હે ઈમાનવાળાઓ ! બધા કરારો અને વચનો પૂરા કરો. પાછલી સુરતમાં એ પણ વર્ણન હતું કે બની ઈસરાઈલ દ્વારા અલ્લાહ તઆલા સાથેના કરારો પૂરા ન કરવાના કારણે એમના ઉપર અમુક જાનવરો હરામ ઠેરવવામાં આવ્યા હતાં, આ સૂરતના આરંભે બધા વચનો કરારો પૂરા કરવાની તાકીદ સાથે એ જાનવરો હલાલ હોવાનું પણ એલાન કરવામાં આવ્યું.
પ્રથમ આયતમાં બે હુકમો છે. એક કરાર એગ્રીમેન્ટ પૂરા કરો, વ્યકિતગત, સામુહિક, સામાજિક, ધાર્મિક અને નૈતિક, બધા કરારો એમાં આવી જાય છે. તફસીર કર્તાઓના લખવા મુજબ પાળતુ જાનવરને સમયસર ઘાસચારો – પાણી આપવાનો હુકમ પણ અલ્લાહનો એક કરાર છે. જે પાળવો માણસ ઉપર જરૂરી છે.
બીજો હુકમ જાનવરો હલાલ હોવા વિશેનો છે. પાલતુ જાનવરોને માણસ સીધી રીતે હલાલ – ઝબહ કરીને ખાય શકે છે તો હરણ, સસલા જેવા જંગલી જાનવરોને શિકાર કરીને ખાવાની ઈજાઝત છે.
આ હુકમમાંથી અલ્લાહ તઆલાએ બે અપવાદો વર્ણવ્યા છે. એક તો અમુક જાનવરોને હલાલ હોવાના હુકમમાંથી બાકાત કરવામાં આવ્યા છે.જેનું પછી અલ્લાહ તઆલા એક રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ વર્ણન કરશે, જેમ કે સુવ્વર, ગધેડો વગેરે. બીજો અપવાદ સ્થળ અને સ્થતિનો છે. એટલે કે હલાલ જાનવરોનો શિકાર હરમ શરીફની હદોમાં દુરુસ્ત નથી. અને હલાલ જાનવરોનો શિકાર એહરામની હાલતમાં દુરુસ્ત નથી. ચાહે હરમની હદોમાં હોય કે બહાર.
આયતના અંતે અલ્લાહ તઆલા ફરમાવે છે : અલ્લાહ પોતાની મરજી મુજબ હુકમ ફરમાવે છે. એની મરજી લોકોને નુકસાનથી બચાવવાની, કેળવણી કરવાની અને કસોટી વગેરેની હોય શકે છે.
આ આયતમાં એહરામ અને હરમ શરીફની હદોમાં શિકારનો હુકમ છે, એટલે એને લગતો બીજો હુકમ હજ ઉમરહ અને હરમ શરીફને લગતો આગળની આયતમાં વર્ણવવામાં આવ્યો છે.
પ્રથમ એક સર્વગ્રાહી નિયમ તરીકે તાકીદ કરવામાં આવી છે કે અલ્લાહ તઆલાના એટલે કે ઈસ્લામને લગતા પ્રતિકો અને ઓળખ ચિન્હોનું અપમાન કે બેઈઝઝતી ન કરવામાં આવે. દરેક ધર્મના અમુક પ્રતિકો હોય છે. એના થકી એ ધર્મ કે ધર્મના અનુયાયીઓ કે ધર્મની પરંપરાઓ જાણી સમજી શકાય છે. જેમ કે મુસલમાનોમાં દાઢી, મસ્જિદ કે મસ્જિદના મીનારાઓ, અઝાન, વગેરે. આવી વસ્તુઓને અરબીમાં 'શિઆર' કહે છે. હઝરત શાહ વલીયુલ્લાહ રહ.ને કુર્આન, કાબા શરીફ, નમાઝ અને નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમને ઈસ્લામના ચાર મોટા શિઆર ગણાવ્યા છે.
પછી હજને લગતી અમુક બાબતોને હજની નિશાની – પ્રતિક હોવાને હજની જેમ એહતેરામની ગણાવીને એના અપમાન અને બેહુરમતી કરવાની મનાઈનું વર્ણન છે. આવી ચાર વસ્તુઓનું વર્ણન છે.
૧. પવિત્ર ચાર મહીનાઓની બેઈઝઝતી ન કરો. આ ચાર મહીનાઓ એટલે હજના ત્રણ મહીનાઓ, ઝીલકદ, ઝીલહજ મહોર્રમ, અને ઉમરહનો એક મહીનો રજબ. આ ચાર મહીનાઓને આરબો પવિત્ર ગણતા હતા અને એમાં લડાઈ — યુદ્ધ કરતા ન હતા, બલકે બાપ માર્યાનું વેર પણ આ મહીનાઓમાં દબાવી દેતા હતા. ઈસ્લામ પછી આ ચાર મહીનાઓમાં લડાઈ - યદ્ધની મનાઈનો હુકમ તો ખતમ કરી દેવામાં આવ્યો. અલબત્ત આ મહીનાઓનું મહત્વ અને પવિત્રતા બાકી રાખવામાં આવી. આ મહિનાઓમાં ઈબાદતનો વધારે સવાબ અને ગનાહોનો વધારે ગુનો થાય છે.
૨. હદીનું જાનવર. અરબના લોકો હજ કે ઉમરહમાં જતા તો હરમ શરીફમાં કુરબાની કરવા માટે નાના – મોટા જાનવરો પણ પોતાની સાથે લઈને જતા. આવા જાનવરોના ગળામાં કોઈ હાર કે નિશાની લટકાવી ન હોય તો એને હદી કહેતા હતા. સામાન્ય પણે નાના જાનવર બકરા ઘેટાના ગળામાં કંઈ લટકાવતા ન હતા, એટલે તફસીર કર્તાઓ દ્વારા આ આયતમાં 'હદી'નો અર્થ હજ –ઉમરહમાં લઈ જવાતું નાનું જાનવર કરવામાં આવે છે.
૩. કલાઈદ. હજ – ઉમરહમાં મોટું જાનવર ઊંટ, ગાય વગેરે લઈ જતા એના ગળામાં ખાંસડાનો કે કોઈ બીજી વસ્તુનો હાર લટકાવી દેતા. જેથી રસ્તે જતાં અને પડાવે હોય ત્યારે ચરતાં ચરતાં જાનવરો કોઈના હથ્થે ચડી જાય તો એને છેડે નહીં કે ચોરી ન કરી જાય.
૪. હજ ઉમરહ કરવા અલ્લાહના ઘરે આવવાના ઈરાદે નીકળેલા લોકોનું બેઈઝઝતી, અપમાન, સતામણી ન કરો. લોકો હજ ઉમરહ કરવા ઉપરાંત અલ્લાહના ઘરે જઈને અલ્લાહની રહમત અને મહેરબાનીની દુઆઓ માંગવાની નિયત રાખતા હોય છે. એટલે કહેવામાં આવ્યું કે અલ્લાહની રહમત – મહેરબાની માંગવા આવતા લોકોનું અપમાન સતામણી ન કરો.
આયતના અંતે બે હુકમો છે : એક આ કે હજ એહરામ ખોલી દેવામાં આવે અને હરમ શરીફની હદોમાંથી નીકળી આવો ઉમરહ કરીને તો ખાવા માટે જાનવરનો શિકાર કરી શકો છો. બીજો હુકમ એક વિશેષ ઘટના સંબંધી છે. આ આયત પણ એ ઘટના ટાણે જ અલ્લાહ તઆલા તરફથી ઉતારવામાં આવી હતી. ઘટના એમ હતી કે હિજરી સન ૬ માં નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ ઉમરહ માટે મક્કા જવા નીકળ્યા. મક્કા વાળાઓ સાથે દુશ્મની હતી, પણ અરબસ્તાનનો અત્યાર સુધીનો રિવાજ આ જ હતો કે હજ - ઉમરહના વિશેષ મહીનાઓમાં દોસ્ત દુશ્મન બધા જ મક્કામાં આવીને હજ ઉમરહ કરી શકતા હતા. અરબસ્તાનનો આવો નિયમ હોવા છતાં મક્કા વાળાઓએ નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ અને સહાબાને ઉમરહ માટે મક્કામાં પ્રવેશવા દેવાનો ઈન્કાર કયૉ અને લડવા માટે તૈયાર થઈ ગયા. આ બધી વિગત જાણીને હઝૂર નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ મક્કાની પહેલાં હુદયબિયહ મુકામે રોકાય ગયા. અંતે અહિંયા બંને પક્ષો વચ્ચે સુલહ થઈ, આવતા વરસે ઉમરહ માટે આવવાનું સહમતીથી નક્કી થયું અને મુસલમાનો ત્યાંથી પાછા વળ્યા.
બીજા વરસે જયારે નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ અને મુસલમાનો ઉમરહ માટે મક્કા પહોંચ્યા તો આ આયત ઉતારવામાં આવી. એમાં પ્રથમ તો મક્કા વાળાઓને તાકીદ છે કે હજ—ઉમરહ માટે આવનાર લોકો અને એમના જાનવરોની બેઈઝઝતી ન કરવામાં આવે. અને છેલ્લે મુસલમાનોને તાકીદ છે કે તમને ગયા વરસે અલ્લાહના ઘરમાં પ્રવેશવા અને ઉમરહ કરવાથી રોકવામાં આવ્યા હતા, એમની આ શત્રુતાની કડવાશ દિલમાં રાખીને તમે કોઈ અતિરેક ન કરશો. અને કોઈ કરે તો એની મદદ પણ ન કરશો. મુસલમાનોને અલ્લાહનો હુકમ છે કે નેકીના કામમાં એક બીજાની મદદ કરે અને ગુનાહ કે ઝુલમના કામમાં એકબીજાની મદદ ન કરે.
આયતના આ છેલ્લા શબ્દોથી માલુમ પડે છે કે ગુના – ઝુલમમાં મદદ કરવી પણ ગુનો આચરવા સમાન છે. એટલે જ વ્યાજુ વહેવામાં મદદ કરનાર, શરાબ પીવામાં મદદ કરનારને ગુનેગારના ગુના અને અઝાબમાં ભાગીદાર ગણવામાં આવ્યા છે
મઆરિફુલ હદીસ
હઝરત મવલાના મંઝૂર નોમાની (રહ.)
અનુવાદ : મવલાના યાકૂબ બારીવાલા સા. રહ. (બ્લેકબર્ન, યુ.કે.)
ભાગ નંબરઃ ૧૯૩
દુઆના અમુક અદબો
બીજાઓથી પહેલા પોતાના માટે દુઆ
દુઆનો એક અદબ એ છે કે જયારે કોઈ બીજા માટે દુઆ કરવી હોય તો પહેલાં અલ્લાહ તઆલા પાસે પોતાના માટે માંગે. પછી બીજા માટે માંગે જો ફકત બીજા માટે જ માંગશે તો તેની હેસીયત જરૂરત મંદ ભીખારી જેવી નહી હોય ફકત "શફારીશી'' માફક હશે અને એ દરબારે ઈલાહીમાં કોઈ માંગનાર માટે યોગ્ય નથી. એટલા માટે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ)નો પણ એ જ રિવાજ હતો કે જયારે આપ (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ) કોઈ બીજા માટે દુઆ કરવા ચાહતા તો પહેલાં પોતાના માટે માંગતા, કામિલ અબ્દીય્યતનો તકાઝો પણ એ જ છે.
(۸۸) عَنْ أُبَيِّ بْنِ كَعْبٍ قَالَ كَانَ رَسُولُ اللّهِ ﷺ إِذَا ذَكَرَ أَحَداً فَدَعَالَهُ بَدَأَ بِنَفْسِهِ - (رواه الترمذي)
હઝરત ઉબય બિન કઅબ રદિ.થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહ અલયહી વસલ્લમ)જયારે કોઈને યાદ ફરમાવતા અને તેના માટે દુઆ કરવા ઈચ્છતા તો પહેલાં પોતાના માટે માગતાં, પછી તે માણસ માટે દુઆ ફરમાવતા (તિર્મિઝી)
હાથ ઉઠાવી દુઆ કરવુ
(۸۹) عَنْ اِبْنِ عَبَّاسٍ(رض) قَالَ سَلُّوْا اللّهَ بِبُطُوْنِ اَكُفِّكُمْ وَلَا تَسْأَلُوْهُ بِظُهُوْرِهَا فَإِذَا فَرَغْتُمْ فَامْسَحُوْا بِهَا وُجُوهَكُمْ (رواه ابوداؤد)
હઝરત અબ્દુલ્લાહ બિન અબ્બાસ રદિ.થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ)એ ફરમાવ્યું અલ્લાહ તઆલા સામે એવી રીતે હાથ ઉઠાવી માંગ્યા કરો કે હથેળીઓ સામે હોય, હાથ ઉધા કરી ન માંગો. અને જયારે દુઆ કરી લો, તો ઉઠાવેલા હાથ ચેહરા પર ફેરવી લો.
ખુલાસો :- બીજી અમુક હદીસોથી જણાય છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ) જયારે આવનાર અને ઉતરનાર કોઈ બલાને રોકાવવા માટે અલ્લાહ તઆલાથી દુઆ કરતા તો હાથોની પીઠ આકાશ તરફ રહેતી હતી. અને જયારે દુનિયા અને આખિરતની કોઈ ભલાઈ માંગતા હતા તો સીધા હાથ ફેલાવી માંગતા હતા. અને જયારે દુનિયા અને આખિરતની કોઈ ભલાઈ માંગતા હતા તો સીધા હાથ ફેલાવી માંગતા હતા. જેવી રીતે કોઈ ભીખારી અને માંગનારે હાથ લાંબો કરી અને ફેલાવી માંગવું જોઈએ. એ જ પ્રકાશમાં અબ્દુલ્લાહ બિન અબ્દુલ્લાહ બિન અબ્બાસ રદિ.ની આ હદીસનો અર્થ એ જ થાય છે કે જયારે અલ્લાહ તઆલા પાસે કોઈ જરૂરત માંગવામાં આવે તો તેની સામે ફકીરો માફક હાથ સીધા ફેલાવી માંગવામાં આવે. અને છેવટમાં તે ફેલાવેલા હાથ મોં પર ફેરવવામાં આવે. એ ધ્યાન સાથે કે આ ફેલાયેલા હાથ પાછા નથી ફર્યા, કરીમ રબની રહમ અને બરકતનો કોઈ ભાગ જરૂર મળ્યો.
(۹۰) عَنْ السَّائِبِ بْنِ يَزِيدَ عَنْ أَبِيهِ أَنَّ النَّبِيَّ ﷺ كَانَ إِذَا دَعَا فَرَفَعَ يَدَيْهِ مَسَحَ وَجْهَهُ بِيَدَيْهِ - (رواه ابوداؤد والبيهقي)
હઝરત સાઈબ બિન યઝીદ તેમના બાપ યઝીદ બિન સઈદ રદિ.થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ)નો રિવાજ હતો કે જયારે હાથ ઉઠાવી દુઆ માંગતા તો છેવટમાં પોતાના હાથ ચેહરા મુબારક પર ફેરવી લેતા હતા. (અબૂ દાઉદ)
ખુલાસો :- દુઆમાં હાથ ઉઠાવવા અને છેવટમાં હાથ મોં પર ફેરવવા રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ)થી લગભગ કળીબંધ સાબિત છે. જે લોકોએ એનાથી ઈન્કાર કર્યો છે. તેમને હજરત અનસ રદિ.ની હદીસથી ફકત ગેર સમજ ઉભી થઈ છે. ઈમામ નવી રહ.એ શહે મુહઝઝબમાં લગભગ ત્રીસ હદીસો એ સંબંધી ભેગી કરી છે. અને ખુલાસાવાર તે લોકોની ગેર સમજની હકીકત ખોલી છે.
દુઆ પહેલાં હમ્દો સલાત
(۹۱) عَنْ فُضَالَةَ بْنِ عُبَيْدٍ قَالَ سَمِعَ رَسُولُ اللَّهِ ﷺ رَجُلًا يَدْعُو فِي صَلوٰتِهِ لَمْ يَحْمِدِ اللّهَ وَلَمْ يُصَلِّ عَلَى النَّبِيِّ ﷺ فَقَالَ رَسُولُ اللَّهِ ﷺ عَجَّلَ هَذَا ثُمَّ دَعَاهُ فَقَالَ لَهُ أَوْ لِغَيْرِهِ إِذَا صَلّٰی أَحَدُكُمْ فَلْيَبْدَءْ بِتَحْمِيدِ رَبِّهٖ وَالثَّنَاءِ عَلَيْهِ ثُمَّ يُصَلِّى عَلَى النَّبِيِّ مَا ثُمَّ يَدْعُوْ بَعْدُ بِمَا شَاءَ (الترمذي وابوداؤد والنسائي)
હઝરત ફુઝાલા બિન ઉબૈદ કરે રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહ અલયહી વસલ્લમ)એ એક માણસને નમાઝમાં દુઆ કરતાં સાંભળ્યો, જેમાં તેણે ન અલ્લાહ તઆલાની હમ્દ બયાન કરી, ન રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ)પર દુરૂદ મોકલ્યું તો હુઝૂર (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ)એ ફરમાવ્યું કે તે માણસે દુઆમાં ઉતાવળ કરી છે. પછી આપ (સલ્લલ્લાહ અલયહી વસલ્લમ)એ તેને બોલાવ્યો અને તેને અથવા તેની હાજરીમાં બીજા માણસને સંબોધી ફરમાવ્યું જયારે તમારામાંથી કોઈ નમાઝ પઢે તો દુઆ કરવા પહેલાં તેણે અલ્લાહ તઆલાની હમ્દ કરવી જોઈએ, પછી તેના રસૂલ પર દુરૂદ શરીફ મોકલે. ત્યાર બાદ જે ચાહે તે દુઆ કરે.
દુઆની છેવટમાં આમીન
(۹۲) عَنْ أَبِيْ زُهَيْرٍ النُمَيْرِیِّ قَالَ خَرَجْنَا مَعَ رَسُولِ اللّهِ ﷺ لَيْلَةً فَآتَيْنَا عَلَى رَجُلٍ قَدْ اَلَحَّ فِي الْمَسْئَلَةِ فَوَقَفَﷺ يَسْتَمِعُ مِنْهُ فَقَالَﷺ أَوْجَبَ إِنْ خَتَمَ فَقَالَ رَجُلٌ مِنَ الْقَوْمِ بِأَيِّ شَيْءٍ يَخْتِمُ يَارَسُولَ اللّهِ قَالَ بِآمِيْنَ، فَإِنَّهُ إِنْ خَتَمَ بِآمِيْن فَقَدْ أَوْجَبَ -(رواه ابوداؤد)
હઝરત અબૂ જુહૈરી રદિ.થી રિવાયત છે કે એક રાત્રે અમે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ)સાથે બહાર નિકળ્યા અમો એક અલ્લાહ તઆલાના બંદા પાસેથી પસાર થયા, જે ઘણી કાકલુદી સાથે અલ્લાહ તઆલા પાસે માંગી રહ્યો હતો રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ) ઉભા રહી તેની દુઆ અને અલ્લાહ તઆલાના દરબારમાં તેનું માંગવું તેમ કાકલુદી કરવું સાંભળવા લાગ્યા, પછી આપ (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ)એ અમો લોકોને ફરમાવ્યું કે જો તેણે દુઆનો અંત ઠીક કર્યો, અને ટીકીટ બરાબર લગાવી, તો જે તેણે માંગ્યું છે તેનો તેણે ફેંસલો કરવી લીધો. અમારામાંથી એક માણસે પુછયું કે હુઝૂર ! ઠીક અંત અને સ્ટેમ્પ બરાબર લગાવવાની શું રીત છે? આપ (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ)એ ફરમાવ્યું અંતમાં આમીન કહી દુઆ પુરી કરે, (જો તેણે એવું કર્યુ તો અલ્લાહ તઆલા પાસે નક્કી કરાવી લીધું)
ખુલાસો : ખતમનો અર્થ પુરી કરવાનો પણ થાય છે અને સ્ટેમ્પ લગાડવાનો પણ થાય છે. આ બન્ને ખરેખર એક જ હકીકતની બે વ્યાખ્યાઓ છે. જેથી તરજુમામાં બન્નેવ શબ્દો વાપરવામાં આવ્યા છે. હદીસનો અસલ પાઠ એ છે કે દરેક દુઆના અંતમાં બંદાએ આમીન કહેવું જોઈએ જેનો અર્થ એ છે કે હે અલ્લાહ ! મારી દુઆ કબૂલ ફરમાવ ! એના ઉપર જ દરેક દુઆનો અંત થવો જોઈએ. એની હિકમત નજીકમાં જ આગળ લખી ચુકયો છે.
પોતાના નાનાઓથી પણ દુઆની ભલામણ
(۹۳) عَنْ عُمَرَ بْنِ الْخَطَّابِ(رض) قَالَ اِسْتَاذَنْتُ النَّبِيَّ ﷺ فِيْ الْعُمْرَةِ فَاَذِنَ وَقَالَ أَشْرِ كْنَا يَا أُخَيَّ فِيْ دُعَائِكَ وَلَا تَنْسَنَا فَقَالَ كَلِمَةً مَايَسُرُّنِيْ أَنَّ لِيْ بِهَا الدُّنْيَا -(رواه ابوداود والترمذي)
હઝરત ઉમર બિન ખત્તાબ રદિ.થી રિવાયત છે કે એક વાર મેં ઉમરાહ કરવા માટે મક્કા મુકર્રમા જવાની રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ)પાસે રજા માંગી, તો આપ (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ)એ મને રજા આપી, અને ફરમાવ્યું કે ભાઈ ! અમને પણ તમારી દુઆઓમાં યાદ રાખજો, ભુલી ન જશો ? હઝરત ઉમર રદિ. ફરમાવે છે કે આપ (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ) એ મને સંબોધી ભાઈનો જે શબ્દ કહ્યો, જો મને તેના બદલામાં દુનિયા આપી દેવામાં આવે તો પણ હું ખુશ ન થાઉં.
ખુલાસો :- આ હદીસથી જણાયું કે દુઆ એવી ચીજ છે જેની ભલામણ મોટાઓ એ પણ તેમના નાનાઓને કરવી જોઈએ. ખાસ કરી એવા સમયે જયારે તે કોઈ એવા નેક અમલ માટે અથવા કોઈ પવિત્ર જગ્યાએ જઈ રહ્યો હોય જયાં કબૂલ થવાની ખાસ આશા હોય.
આ હદીસમાં રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ)એ હઝરત ઉમર રદિ.ને ઉખય્યના શબ્દોથી સંબોધ્યા, જે અખી (ભાઈ)નું ટુંકાણ છે જેનો શાબ્દીક અર્થ ભય્યા (ભાઈ) છે. એનાથી હઝરત ઉમર રદિ.ને જેટલી ખુશી થઈ (જે તેમણે જાહેર કરી છે) તે બિલકુલ યોગ્ય છે. એની સાથે જ આ હદીસથી હઝરત ઉમર રદિ.ના સ્થાનની ઉચ્ચતા અને દરબારે ઈલાહીમાં તેમની કબુલિય્યતની જે શાક્ષી મળે છે તે જ એક મહાન સનદ છે.
તે દુઆઓ જે ખાસ કરી કબૂલ થાય છે
(٩٤) عَنْ أَبِيْ الدَّرْدَاءِ قَالَ قَالَ رَسُولُ اللهِ ﷺ دَعْوَةُ الْمَرْءِ الْمُسْلِمِ لَاَخِيْهِ بِظَهْرِ الْغَيْبِ مُسْتَجَابَةٌ عِنْدَ رَأْسِهٖ مَلَكٌ مُوَکَّلٌ كُلَّمَا دَعَا لَاَخِيْهٖ بِخَيْرٍ قَالَ الْمَلِكُ الْمُوَكَّلُ بِهٖ آمِينَ وَلَكَ بِمِثْلٍ - (رواه مسلم)
હઝરત અબૂ દરદાઅ રદિ.થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ)એ ફરમાવ્યું કોઈ મુસલમાનની તેના ભાઈ માટે ગેબી રીતે દુઆ કબૂલ થઈ જાય છે. તેની પાસે એક ફરિશ્તો છે. જેની ડયુટી એ જ છે કે જયારે તે પોતાના કોઈ ભાઈ માટે (તેની પાછળ) કોઈ સારી દુઆ કરે છે તો તે ફરિશ્તો કહે છે કે તારી આ દુઆ અલ્લાહ પાક કબૂલ કરે, અને તને પણ એવી જ ભલાઈ અર્પણ કરે.
ખુલાસો :- તેની ગેરહાજરીમાં દુઆની જે ખાસ કબુલિયત અને બરકતનો આ હદીસમાં ઉલ્લેખ છે. તેનું ખાસ કારણ જાહેરમાં એ જણાય છે કે એવી દુઆમાં ઇખ્લાસ વધુ હોય છે. વલ્લાહુ અઅલમ....
(٩٥) عَنْ أَبِيْ هُرَيْرَۃَ(رض) قَالَ قَالَ رَسُولُ اللهِ ﷺ ثَلٰثُ دَعْوَاتٍ مُسْتَجَابَاتٌ لَا شَكَّ فِيهِنَّ دَعْوَةُ الْوَالِدِ دَعْوَةُ الْمُسَافِرِ وَدَعْوَةُ الْمَظْلُومِ (الترمذي وابوداؤد وابن ماجة)
હઝરત અબૂ હુરૈરહ રદિ.થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ)એ ફરમાવ્યું ત્રણ દુઆઓ ખાસ કરી કબૂલ થઈ જાય છે. અને તેમના કબૂલ થવામાં શંકા જ નથી. એક અવલાદના હકમાં માં-બાપની દુઆ બીજી મુસાફીર અને પરદેશીની દુઆ, ત્રીજી મઝલૂમની દુઆ.
ખુલાસો :- આ દુઆઓ કબૂલ થવાનો ભેદ એ જ છે કે તે દુઆઓ ઇખ્લાસ અને દિલથી નિકળે છે. અવલાદ માટે માં-બાપનો ઈપ્લાસ તો સાફ છે. એ જ મુજબ બિચારો પરદેશી, અને મઝલૂમ (દુઃખીયારા)નું હૃદય તુટેલુ હોય છે. અને તુટેલા હૃદયમાં અલ્લાહ તઆલાની રહમત ખેંચવાની ખાસ શકિત છે.
(٩٦) عَنْ ابْنِ عَبَّاسٍ(رض) عَنِ النَّبِيِّ ﷺ قَالَ خَمْسُ دَعْوَاتٍ يُسْتَجَابُ لَهُنَّ دَعْوَةُ الْمَظْلُوم حَتّٰی يَنتَصِرَ وَدَعْوَةُ الْحَاجِّ حَتّٰى يَصْدِرَ وَ دَعْوَةُ الْمُجَاهِدِ حَتّٰى يُفْقَدَ وَدَعْوَةُ الْمَرِيضِ حَتّٰى يَبْرَأَ وَدَعْوَةُ الْاخِ لِاَخِيْهٖ بِظَهْرِ الْغَيْبِ ثُمَّ قَالَ وَأَسْرَعُ هٰذِهٖ الدَّعُوَاتِ إِجَابَةً دَعْوَةُ الْاخِ بِظَهْرِ الْغَيْبِ (رواه البيهقي في الدعوات الكبير)
હઝરત અબ્દુલ્લાહ બિન અબ્બાસ રદિ.થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ)એ ફરમાવ્યું પાંચ માણસોની દુઆઓ ખાસ કરી કબૂલ થઈ જાય છે. મઝલૂમની દુઆ જયાં સુધી તે બદલો ન લઈ લે, હજ કરનારની દુઆ જયાં સુધી તે પોતાના ઘરે પાછો ન આવી જાય. અને અલ્લાહ તઆલાના રસ્તામાં જિહાદ કરનારની દુઆ જયાં સુધી તે શહીદ થઈ દુનિયાથી લાપતા ન થઈ જાય. અને બિમારની દુઆ જયાં સુધી તે તંદરૂસ્ત ન થઈ જાય. અને એક મુસલમાન ભાઈની બીજા મુસલમાન ભાઈ માટે તેની ગેર હાજરીમાં દુઆ આ બધુ વર્ણન કર્યા પછી આપ (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ)એ ફરમાવ્યું અને એ દુઆઓમાં સૌથી જલ્દી કબૂલ થનારી દુઆ કોઈ મુસલમાન ભાઈ માટે તેની ગેર હાજરીમાં કરવામાં આવતી દુઆ છે. (બયહકી)
ખુલાસો :- દુઆ જો હકીકતમાં દુઆ હોય, અને દુઆ કરનારની જાત અને તેના અમલોમાં કોઈ એવી વસ્તુ ન હોય જે કબૂલ થવાથી આડ બને, તો દુઆ જરૂર કબૂલ થાય છે. પરંતુ મો'મિન બંદાની અમુક ખાસ હાલતો અથવા અમલો એવા હોય છે કે તેના કારણે રહમતે ઈલાહી ખાસ તેના તરફ ફરે છે. અને દુઆ કબૂલ થવાનો ખાસ હક જન્મે છે. આ હદીસમાં જે પાંચ માણસોની દુઆઓનો ઉલ્લેખ છે. તેમાંથી મઝલૂમની દુઆ અને ગેર હાજર માટેની દુઆનું વર્ણન પહેલાં થઈ ચુકયું છે. અને હજ તેમ જિહાદ એવા અમલો છે કે જયાં સુધી બંદો તેમાં પરોવાય છે તે જાણે અલ્લાહ તઆલાના દરબારમાં છે. અને તેનાથી ઘણો જ નજીક છે. એ જ મુજબ મો'મિન બંદાની બિમારી તેના ગુનાહોથી સફાઈ અને અલ્લાહ તઆલાની નજદીકીના રસ્તામાં તેના માટે ઉચ્ચ પ્રગતિનું સાધન છે. અને બીમારીના બિસ્તર પર તે વિલાયતની મંઝીલો પાસ કરી રહ્યો છે. એટલા માટે તેની દુઆ પણ ખાસ કરી કબૂલ થાય છે.
માનવીય મશીન ની વોરંટી
અલ્લાહ તઆલાએ માણસને આપેલ બુદ્ધિ એટલી કીમતી અને શક્તિશાળી વસ્તુ છે કે આપણે એની કલ્પના પણ નથી કરી શકતા. રોજ નવી શોધો સામે આવે છે અને દરેક એવી કે માણસે કલ્પના પણ ન કરી હોય એવી વસ્તુઓ વૈજ્ઞાનિકો બનાવીને આપે છે. વિમાનથી લઈને મોબાઈલ સુધી અનેક શોધો છે જેની પાછળના લોકોએ કદી કલ્પના પણ નહીં કરી હોય.
આ બધી શોધોમાં વધુ પડતી શોધો માણસની જિંદગીમાં રાહત અને સરળતા પેદા કરવાના આશયે જ સામે આવી છે. વિચારશીલ અને સાધન સંપન્ન માણસ કોઈ અઘરું કામ જુએ અને એને સરળ કરવા માટે વિચારવા માંડે અને અનેક પ્રયોગો કરીને કોઈ મશીન એવું બનાવી આપે છે કે માણસનું કામ સરળ થઈ જાય છે. ટાઈપ રાઈટર પછી કોને ખબર હતી કે કોમ્પ્યુટર આવશે અને બધું સરળ થઈ જશે, બલકે કોમ્પ્યુટર દ્વારા તો જીવનના અનેક ક્ષેત્રોમાં એવા ક્રાંતિકારી ફેરફારો થયા છે એ બધાથી અજાણ વ્યકિતના માનવામાં પણ ન આવે.
કહે છે કે આજે વર્તમાનમાં પાછલી બધી સદીઓમાં મરી ચુકેલા વૈજ્ઞાનિકો કરતાં વધારે વૈજ્ઞાનિકો જીવંત છે. અને આ બધા વેજ્ઞાનિકોની શોધ, પરિક્ષણ અને પરિણામો ફકત એક મિનિટમાં હઝારો પેજમાં લખાય અને છપાય રહયા છે.
આ બધું માણસને અલ્લાહ તઆલાએ આપેલ બુદ્ધિના કારણે જ છે. જયારે કે માણસ પોતે અલ્લાહ તઆલાનું સર્જન છે. એનાથી આપણે વિચારી શકીએ છીએ કે અલ્લાહ તઆલા કેટલો શકિતશાળી અને વિશાળ જ્ઞાન ધરાવનાર હશે.
અલ્લાહ તઆલાના સર્જન એટલે કે માણસ અને માણસના સર્જન એટલે કે એની શોધો.. બંનેમાં એક સમાનતા આ છે કે દરેક વસ્તુની એક મર્યાદા રાખવામાં આવી છે. દરેક વસ્તુની એક વોરંટી અને એકસપાયરી નક્કી કરવામાં આવી છે. અલબત્ત ફરક આ છે કે માણસ એણે બનાવેલ વસ્તુની મર્યાદા નક્કી કરીને લોકોને બતાવી દે છે કે ફલાણા દિવસ પછી આ વસ્તુ બેકાર ગણાશે કે નુકસાનકારક થઈ જશે. વગેરે.. જયારે કે અલ્લાહ તઆલાએ પણ માણસની એકપાયરી ડેટ પોતાની પાસે રાખી છે. કોઈને બતાવી નથી કે કયા માણસે કયારે એકસપાયર થવાનું છે ? હા, અલ્લાહ તઆલાએ અમુક નિશાનીઓ નક્કી કરી છે જે માણસને એની એકસપાયરી યાદ અપાવતી રહે છે. આ જ મુદ્દો માણસ માટે સૌથી વધારે વિચારવાનો છે. એ પોતે બનાવેલ વસ્તુની મર્યાદા નક્કી કરે છે, પછી એને બેકાર કરી દે છે કે માર્કેટમાંથી પાછી મંગાવી લે છે, પણ માણસને એની પોતાની મર્યાદા અને એકસપાયરીની ખબર નથી એ કયારે કામ કરવાનું બંધ કરી દેશે કે એને પાછો બોલાવી લેવામાં આવશે.. !
રોજ બરોજ નવી શોધો થકી આવતી માનવ ઉપયોગી વસ્તુઓ માણસની સહુલત અને સરળતા ખાતર બનાવવામાં આવે છે પણ માણસ આ વસ્તુઓ થકી સહૂલત અનુભવવાના બદલે વધારે પરેશાની અને મશ્શૂલીમાં સપડાય રહયો છે, એ હવે પહેલાં કરતાં વધારે બેચેન રહે છે, એનો મતલબ એ થયો કે આ સવલતોને માણસ મુળ મકસદે નથી વાપરતો બલકે ખોટી રીતે વાપરી રહયો છે.
વોરંટી અને એકસપાયરીના એક સામાન્ય ઉદાહરણ થકી માણસ પોતાના અને ખુદા તઆલાના સંબંધોને સમજી શકે છે તો આ સૃષ્ટિમાં અલ્લાહ તઆલાએ બનાવેલ લાખો વસ્તુઓ થકી અલ્લાહ તઆલાને સમજી શકે છે, એની કુદરતનો કરિશ્મો જોઈ શકે છે, પોતાની આખિરત યાદ કરી શકે છે..
જે માણસ કોઈ વસ્તુ બનાવીને એના ઉપયોગની રીત પણ બતાવે છે, એની મર્યાદા અને નુકસાનો પણ બતાવે છે એ જ પ્રમાણે અલ્લાહ તઆલાએ માણસને દુનિયા આપીને એને વાપરવાની રીત, મર્યાદાઓ અને નુકસાનો બતાવી દીધા છે. માણસે એ જ રીતે વાપરવાની છે અને મર્યાદા પૂરી થયે વપરાશ બંધ કરી દેવાનો છે.
માટે માણસ માટે બેહતર આ જ છે કે દુનિયાની સવલતોને પણ એની મર્યાદામાં વાપરે, પોતાની એકસપાયરી આવતાં પહેલાં એને વાપરી લે, જેથી દુનિયાના અસબાબ દુનિયામાં પણ રાહત આપે અને આખિરતમાં પણ રાહત આપે. ......
ઈદુલ ફિત્રનું બયાન
ઈદ્દલ ફિત્ર, ૧૪૪૬ હિ. મુતાબિક ૩૦ એપ્રિલ ૨૦૨૫ના રોજ જામિઅહ કંપાઉંડમાં પરંપરાગત રીતે ઈદની નમાઝની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ વેળા શહેરમાંથી સેંકડો લોકો ઈદની નમાઝ માટે જામિઅહમાં પધારે છે. આ લોકો સમક્ષ જામિઅહના ઉસ્તાદે હદીસ અને કેવળણીકાર જનાબ મવ. બશીર ભડકોદ્રવી સાહેબે વઅઝ કરી હતી અને ઈદ તેમજ રમઝાન અને ઈદના બોધપાઠોની શિખામણ આપી હતી. આ વઅઝ હઝ. મવલાના રહ.ના કલમે જ લેખિત સ્વરૂપે અલબલાગના વાચકો સમક્ષ રજૂ કરીએ છીએ. અલબલાગ.
الحمد لله رب العالمين، والعاقبة للمتقين، والصلاة والسلام على سيد المرسلين وعلى آله وأصحابه أجمعين ، أما بعد
فأعُوذُ بالله من الشيطن الرجيم - بسم الله الرحمن الرحيم
شهر رمضان الذين أنزل فيه القراٰن هدى للناس وبينات من الهدى
والفرقان - - الخ
મોહતરમ બુઝુર્ગો અને મોઅઝઝ દીની ભાઈઓ !
અલ્લાહ તબારક વ તઆલાનો ખૂબ આભાર કે અલ્લાહ તઆલાએ આપણને ઈદનો મુબારક દિવસ નસીબ ફરમાવ્યો, અલ્લાહ તઆલા આપને આવી અસંખ્ય ઈદો નસીબ ફરમાવે. આમીન
રમઝાનુલ મુબારકની સમાપ્તિ પર ઈદુલ ફિત્ર મનાવવામાં આવે છે, રસૂલુલ્લાહ (સલ.) મક્કા મુકર્રમહથી હિજરત કરીને મદીના તશરીફ લઈ ગયા તે સમયે મદીનામાં પણ બે તહેવાર ઉજવવામાં આવતા હતા, એક નવરોઝ અને બીજો મહરજાન, રસૂલુલ્લાહ (સલ.)એ ફરમાવ્યું કે અલ્લાહ તઆલાએ તે બે તહેવારોના બદલામાં બીજા બે તહેવાર આપ્યા છે, એક ઈદુલ ફિત્ર અને બીજો ઈદુલ અદહા, આજે ઈદુલ ફિત્ર મનાવવા માટે આપણે આ ખુલ્લા મેદાનમાં ભેગા થયા છીએ.
અલ્લાહના ફઝલ અને કૃપાથી આપણને રમઝાનુલ મુબારક નસીબ થયો, રમઝાનમાં આપણે રોઝા રાખ્યા, તરાવીહ પઢી, તિલાવતે કલામે પાક કરી, ઝકાત અદા કરી અને ઈદગાહમાં આવતા પહેલા સદકએ ફિત્ર પણ આપણે અદા કર્યો, ઉકત સદકાર્યો આપણે રમઝાનમાં કર્યાં તો અલ્લાહ તઆલાએ તેના બદલામાં આપણને ઈદનો મુબારક દિવસ ખુશી પ્રગટ કરવા તહેવાર રૂપે આપ્યો છે, અને માશાઅલ્લાહ આપણા તહેવારમાં પણ માનવતા અને ઈન્સાનિયત નવાઝી છે, રસૂલુલ્લાહ (સલ.)ની મદીનામાં આમદ પહેલા જે તહેવારો ઉજવવામાં આવતા હતા તેમાં જહાલત યુગનો પ્રભાવ હતો, ખેલકૂદ વિગેરેના તમાશા હતા, અને એવા ખેલકૂદ કે જેમાં ખુન ખરાબા પણ થઈ જતા હતા, એના બદલામાં અલ્લાહ તઆલાએ બે ઈદોના તહેવાર આપ્યા, આપણી ઈદ મનાવવાનો તરીકો સીધો -સાદો છે, સારા કપડાં પહેરી પોતાના ઘેરથી તકબીર (અલ્લાહુ અકબર) પઢતા પઢતા ઈદગાહમાં આવવાનું અને બે રકાત અદા કરીને તકબીર પઢતાં પઢતાં પોતાના ઘરે પરત ફરવાનું છે. ઈદની નમાઝ પહેલા સદકએ ફિત્ર અદા કરવાનો છે. રસૂલુલ્લાહ (સલ.) એ ફરમાવ્યું છે, જે સાહિબે નિસાબ (જૂના હિસાબે સાડા બાવન તોલા ચાંદી અને આજના હિસાબે ૬૧૨ ગ્રામ ૩૬૦ મીલીગ્રામ જેટલા માલ માલિક) હોય અને સદકએ ફિત્ર અદા ન કર્યો હોય તે અમારી ઇદગાહ ના નજીક પણ ન આવે,فلا یقربنّ مصلانا ઇદ અદા કરવા માટે સદકએ ફિત્ર વાજિબ ઠેરવ્યો છે, એમાં હિકમત એ છે કે માલદાર ઈદ કરે તો સાથે ગરીબ પણ ઈદ કરી શકે.
આ છે આપણા તહેવારની રૂપરેખા કે ઈદગાહમાં તકબીર પઢતા પઢતા આવો અને અલ્લાહનું નામ લેતાં લેતાં ઘર વાપસી કરો. જહાલત યુગની કોઈ એવી હરકત ન કરવી જોઈએ કે જેનાથી કોઈ માનવ તો શું ? કોઈ પશુને પણ તકલીફ પહોંચે, રસૂલુલ્લાહ (સલ.)એ આપણને તહેવાર મનાવવાનો તરીકો પણ એવો બતાવ્યો છે કે જેમાં માનવતા છે અને માનવ હિતોનું રક્ષણ છે.
કોમોના તહેવારોમાં તેમના ધાર્મિક સિદ્ધાંતો અને પરંપરાઓનું પ્રદર્શન થતું હોય છે, કોઈ પણ કોમના તહેવારથી તે કોમની સભ્યતા અને તેનો શિષ્ટાચાર પ્રગટ થાય છે, માશાઅલ્લાહ આપણો મઝહબે ઈસ્લામ સંપૂર્ણપણે માનવતાવાદી છે. અને માણસ જાતને જીવનના દરેક પાસામાં પેશ આવતા પ્રશ્નોમાં માર્ગદર્શન આપ્યું છે. મતલબ કે આપણો મઝહબ સંપૂર્ણ છે, મારા આ દાવાની સચ્ચાઈ માટે અત્રે હું એક હદીસ ટાંકુ છું.
હઝરત સલમાન (રદિ.) થી રિવાયત છે તેઓને પૂછવામાં આવ્યું કે તમોને તમારા નબી (સલ.) દરેક વાતમાં માર્ગદર્શન આપે છે,પેશાબ-પાખાનું કરવાનો તરીકો પણ ?
قد علّمكم نبيكم كل شئ حتى الخرائۃ
અર્થાતઃ તમને તમારા નબી દરેક વાત શીખવાડે છે, પ્રશ્ન કરનાર યહુદી હતો અને તેનો આશય ઈસ્લામની મઝાક ઉડાવવાનો હતો, પરંતુ હઝરત સલમાન (રદિ.) નબી સાહબના સહાબી હતા! પાકા મોમિન હતા ! તેમણે ગર્વ સાથે જવાબ આપ્યો કે હાં ! અમોને અમારા નબી સાહેબે તમામ બાબતોમાં માર્ગદર્શન આપ્યું છે, પેશાબ-પાખાનાના આદાબ પણ શિખવાડયા છે, અમોને રસૂલુલ્લાહ (સલ.) શિખવાડયું છે કે પેશાબ પાખાના કરતી વખતે કિબ્લા તરફ મોં ન કરો, હાડકું તેમજ ગોબરથી ઈસ્તેન્જો ન કરો, જમણા હાથનો ઉપયોગ ન કરો, વિગેરે વાતો બતલાવી છે, માણસ ખલવત (એકાંત) માં જે ક્રિયાકાંડ કરે છે, તેમાં પણ અમોને માર્ગદર્શન આપવામાં આવ્યું છે. એ દલીલ છે એ વાતની કે અમારો મઝહબ મુકમ્મલ (સંપૂર્ણ) છે, એવું નથી કે ઈબાદત અને પૂંજાપાઠની બે-પાંચ વાતો બતાવી દેવામાં આવી હોય અને સામાન્ય જીવન-સંસારિક જીવન અને સામાજિક જીવનના પ્રશ્નોમાં માર્ગદર્શન ન આપ્યું હોય, બલ્કે જીવનમાં પેશ આવતા પ્રત્યેક પ્રશ્નમાં ઈસ્લામે રેહનુમાઈ ફરમાવી છે, પેશાબ-પાખાનાથી લઈને શાદી-વિવાહ ઈબાદત તેમજ અકાઈદ તમામ બાબતોમાં દિશા સૂચન કર્યુ છે, ઈસ્લામે પોતાના અનુયાયીઓને માનવતાનો પાઠ પઢાવ્યો છે, કે પોતાના વાણી વર્તન કે ચાલ-ચલનથી કોઈને તકલીફ ન પહોંચવી જોઈએ, બલ્કે રસ્તામાં કોઈ તકલીફ આપનાર ચીજ ઈંટ-પથ્થર જુઓ તો તેને હટાવી લેવાનો આદેશ કર્યો છે, રસૂલુલ્લાહ (સલ.) એ ફરમાવ્યું કે اتقو اللاّعانین લાનત નોતરનાર બે ચીઝોથી બચો.
સહાબએ કિરામ (રદિ.) એ પૂછયું કે લા'નત (અલ્લાહની રહમતથી દૂરી) નોતરનાર એ બે વસ્તુઓ કઈ છે ? રસૂલુલ્લાહ (સલ.)એ ઈર્શાદ ફરમાવ્યો કે એક તો છાંયડાવાળા ઝાડ નીચે પેશાબ-પાખાનું કરવું. બીજુ કે માર્ગમાં જયાં લોકોની અવર-જવર હોય ત્યાં પેશાબ-પાખાનું કરવું, ઉકત બંને હરકતો લા'નત નોતરનાર છે, એમ તો બંને વાતો સામાન્ય જણાય છે, પરંતુ એમાં માનવતાનો મોટો ઉપદેશ છે, વર્તમાન યુગમાં તો પાકા રોડ બનેલા છે અને એરકંડીશન ગાડીઓ પણ છે, પરંતુ પેગમ્બર સાહેબના યુગની પરિસ્થિતિ પર દ્રષ્ટિપાત કરવો જોઈએ અને અરબ દેશની ભૂગોળ પર નજર કરવી જોઈએ કે તે યુગમાં વટેમાર્ગુઓ માટે છાંયડાવાળું ઝાડ કેટલું આર્શિવાદરૂપ બનતુ હતું, જો ઝાડ નીચે જ કોઈએ પાખાનું કર્યુ હોય તો આરામ કરનારને કેટલું અડચણ રૂપ બને ! બીજું કે અવર-જવરવાળા માર્ગમાં પાખાનું કરવાથી પણ લોકોને તકલીફ થાય અને લોકો લા'નત કરે.
રસૂલુલ્લાહે (સલ.) માર્ગમાંથી તકલીફ દેવાવાળી અડચણો દૂર કરવું સદકો કરવાનો સવાબ બતાવ્યો છે, માનવજાતના માર્ગમાં અડચણ રૂપ વસ્તુઓ ઈટ -પથ્થર, રોડાંઓને દૂર કરવું, સદકાનો સવાબ પેગમ્બર સાહેબે બતાવ્યો છે, ભલા એવા રહમતુલ લિલ-આલમીન પેગમ્બરના અનુયાયીઓ કોઈના રસ્તાના રોડાં કેવી રીતે બની શકે ? દુન્યામાં ખોટો ભ્રમ ફેલાવી દીધો છે અને કોઈ પણ ભાંગ ફોડિયા પ્રવૃત્તિમાં એકાદ મુસ્લિમ નામ મળી આવે એટલે ઈસ્લામી આતંકવાદનું લેબલ ચીપકાવી દેવામાં આવે છે, દાઢી-ટોપીવાળાને દેહશતગર્દ સમજવામાં આવે છે. ભલા ! ઈસ્લામને આતંકવાદ સાથે શુ નિસ્બત ? રાહત ઈન્દોરીએ કહ્યું છે કે ...
મસીહા દર્દ કે હમદર્દ હો જાયે તો કયા હોગા
રવાદારી કે ચશ્મે સર્દ હો જાયે તો કયા હોગા
જો યે લાખોં કરોડો પાંચ વકતો કે નમાઝી હૈ
અગર સચમુચમેં દહશતગર્દ હો જાયે તો કયા હોગા!
એક અન્ય હદીસમાં રસૂલુલ્લાહ (સલ.) એ ફરમાવ્યું છે કે
الايمان بضع وستون شعبة افضلها قول لا اله الا الله وادناها اماطة الأذى عن الطريق والحياء شعبة من الايمان
અર્થાત: ઈમાનના ૬૦થી પણ વધારે વિભાગો છે, બીજી એક હદીસમાં છે કે ૭૦ થી વધારે વિભાગો છે, જેમાં અફઝલ લા ઈલાહ ઈલ્લલ્લાહનો કલિમો છે, અને અદના વિભાગ માર્ગમાંથી વટેમાર્ગુઓને અડચણરૂપ ચીઝ હટાવી દેવી. રસૂલુલ્લાહે (સલ.) એ માર્ગમાંથી તકલીફ દેવાવાળી વસ્તુને હટાવી લેવાને ઈમાનનો એક ભાગ ગણાવ્યો. ઉપરની હદીસમાં સદકાનો સવાબ બતાવ્યો છે, કેટલી પવિત્ર તાલીમ છે મઝહબે ઈસ્લામની !
મારા દોસ્તો અને બુઝુર્ગો ! ઘણો જ સારો માનવતાવાદી ધર્મ આપણને અલ્લાહ તઆલાએ આપ્યો છે, જે બદલ આપણે અલ્લાહનો શુક્ર અદા કરવો જોઈએ, અને અલ્લાહની એ નેઅમતની કદર કરવી જોઈએ, આપણા મઝહબની તાલીમ આપણા જીવનમાં ઉતારવી જોઈએ અને મઝહબના આદેશો પ્રમાણે આપણું જીવન બનાવવું જોઈએ. રમઝાન શરીફ જેવા મુબારક મહિના આપણને અલ્લાહ તઆલાએ આપ્યા છે, તેનો મકસદ પણ એ જ છે કે આપણું પુરુ જીવન તકવાવાળુ બને, રમઝાનના મુબારક મહિનામાં આપણે રોઝા રાખીને હરામથી તો દૂર રહીએ જ છીએ, હલાલ ચીઝોથી પણ રોઝાની હાલતમાં પરહેઝ કરીએ છીએ, માટે પૂરા વરસ માટે હરામથી પરહેઝ કરવાવાળા બની જવું જોઈએ.
હઝરત મૌલાના અલી મિયાં સાહબ નદવી ફરમાવતા હતા કે રોઝા બે પ્રકારના હોય છે, એક રોઝો દિવસનો જેમાં ૧૨ થી ૧૩ કલાક ખાવા-પીવા વિગેરે હલાલ ચીઝોથી બચવામાં આવે છે, અને બીજો રોઝો પૂરી જીંદગીનો હોય છે, કે પૂરી જીંદગી હરામ ચીઝોથી બચવાનો રોઝો રમઝાન શરીફના ૩૦ રોઝાઓની મશ્ક (પ્રેકટીશ) થી આપણે આપણું પુરું જીવન તકવામય બનાવી લેવું જોઈએ, શરીઅતે હરામ ઠેરવેલ ચીઝોથી હંમેશા બચવાવાળા બનવું જોઈએ.
અલ્લાહ તઆલાએ ઘણો જ સારો અને પવિત્ર મઝહબ આપણને આપ્યો છે, એ અલ્લાહની ઘણી જ મોટી નેઅમત છે. એ નેઅમતનો આપણને પોતાને એહસાસ હોવો જોઈએ, અને એની કદર -કિંમત આપણી નજરમાં હોવી જોઈએ. વિશેષતઃ વર્તમાન પરિસ્થિતિમાં આપણે આપણા મઝહબની વધુ ચિંતા કરવી જોઈએ, આવતી પેઢીઓમાં ઈમાનની હિફાઝત માટે આપણી કોશિશો વધુ તેજ થવી જોઈએ, પ્રતિકૂળ પરિસ્થિતિના રોડળાં રડવા માત્રથી પ્રશ્નનો ઉકેલ આવવાનો નથી. ચોળે-ચૌટે બેસીને હાલાતના ગીલા - શિકવાથી કોઈ ફાયદો થવાનો નથી, મોબાઈલમાં ડિબેટો સાંભળવાથી કોઈ ફાયદો થવાનો નથી, બલ્કે સાચી દિશામાં નક્કર કદમ ઉઠાવવા પડશે, ખરાબ હાલાત ભૂતકાળમાં પણ આવ્યા હતા, ઈસ્લામી ઈતિહાસ ખોલીને વાંચો, આપણા બુઝુર્ગોએ પ્રતિકૂળ હાલાતમાં કયો માર્ગ અપનાવ્યો હતો, આપણે આજે આપણા બુઝુર્ગોના નકશે કદમ પર ચાલવાની જરૂરત છે.
ઈતિહાસમાં ડોકિયું કરીશું તો ખબર પડશે કે, જયારે અંગ્રેજો આપણા દેશ પર કબ્જો જમાવી બેઠા હતા, ઈસાઈ પાદરીઓ દ્વારા મુનાજિરા થતા હતા, દેશમાં વટાળ (ધર્મ પરિવર્તન) પ્રવૃત્તિ ચાલતી હતી, મોગલ સલતનત અંતિમ શ્વાસ લઈ રહી હતી. ઈસ્લામ ખતરામાં હતો, આપણા બુઝુર્ગો અંર્ગેજોથી દેશને આઝાદી અપાવવા આઝાદીનો જેહાદ ખેલી રહ્યા હતા, પરંતુ ૧૯૫૭નો સ્વતંત્ર્ય સંગ્રામ નાકામ-નિષ્ફળ થયો ત્યારે ઈસ્લામને બચાવવા માટે આપણા બુઝુર્ગો જંગના મેદાનેથી શસ્ત્ર સરંજામ સમેટીને મસ્જીદોની જુની પુરાણી ચટાઈઓ પર આવીને નાના બચ્ચાઓને દીની તાલિમ આપવામાં મશ્કુલ થઈ ગયા, ખરેખર સંગ્રામની એ નિષ્ફળતામાંથી આપણા બુઝુર્ગોને ઘણી જ કામિયાબીની રાહ મળી કે ઈસ્લામને બચાવવા માટે નાના બાળકોને ઈસ્લામી તાલીમનું સિંચન શરૂ કર્યુ, આજે હું દાવા સાથે કહી શકું છું કે આજે આ દાઢીઓ અને ટોપીઓ જે દેખાઈ રહી છે, તે આપણા બુઝુર્ગોની દુરંદેશીનો કરિશ્મો છે.
બહાર અબ જો ચમનમેં આઈ હૂઈ હૈ
યે સબ પૌદ ઉન્હીં કી લગાઈ હૂઈ હૈ
મારા દોસ્તો ! આજે આપણે પુનઃ ઈતિહાસના એવા વળાંક પર આવીને ઉભા છીએ કે સ્થિતિ અતિ ગંભીર છે. આજે આપણે પહેલાં કરતા પણ વધુ સજાગ થવાની જરૂર છે, દીની તાલિમ બાબતે વધુ ધ્યાન કેન્દ્રિત કરવાની જરુરત છે.આજની આપણી દીની તાલીમ પ્રત્યેની ગફલતના પરિણામો ખરાબ હશે. "લમ્હોને ખતા કી. સદીયોંને સજા પાઈ" વાળી ઉક્તિ આપણા રૂપર સાબિત થશે. નાના બાળકોના માનસમા ઈસ્લામી તાલીમનું સિંચન કરવું જોઈએ, ગામડે-ગામડે અને મહોલ્લે મહોલ્લે મકતબ-મદ્રસા કાયમ કરવા જોઈએ. ગરીબ ગામડાઓના મસ્લિમોની ફિકર કરી ત્યાં મકતબો કાયમ કરવા માટે માલી હેસિયતવાળા લોકોએ ધ્યાન આપવું જોઈએ અને ગરીબ ગામડાઓમાં પોતાના ખર્ચે મકતબ ખોલવા જોઈએ, બચ્ચાઓમાં દીની તાલીમ મજબૂત થશે તો આવતી નસલોમાં દીન અને ઈમાન મહફઝ રહેશે. ઈન્શાઅલ્લાહ !
અત્રે એ વાતનો ઉલ્લેખ પણ આવશ્યક સમજું છું કે આલિમો બલ્કે અંબિયાએ કિરામ પણ દુન્યવી તાલીમના વિરોધી નથી, સમયના તકાઝા અનુસાર દુન્યવી શિક્ષણ પણ આપવું જ જોઈએ, સભ્યતાથી જીંદગી જીવવા માટે પણ તાલીમ જરૂરી છે. હુઝૂર પાક (સલ.) બદરના ખૂંખાર કેદીઓને લખતા, વાંચતા શિખવવાના બદલામાં મુકત કર્યા હતા, એટલે દુન્યવી શિક્ષણનો કોણ વિરોધ કરી શકે ? પરંતુ આખેરતની કામયાબીનો આધાર અને આખેરતમાં નજાતનો ઝરીયો દીની તાલીમ જ છે.દીની તાલીમથી જ અલ્લાહના અહકામ પર અમલ કરવાનો જઝબો પેદા થશે, સારા સંસ્કાર અને ઉમદા અખ્લાક પણ દીની તાલીમથી જ પેદા થશે, આજે યુરોપમાં પણ અવાઝ ઉઠી છે કે દુન્યવી તાલીમે રાહતના અસ્બાબ તો આપ્યા, પરંતુ અખ્લાક અને ઈન્સાનિયત ન આપી.
એટલે પુનઃ તાકિદપૂર્વક ગુજારિશ કરું છું કે દીની તાલીમની ફિકર કરવી સમયનો તકાઝો છે. માટે દરેકે દામે-દિરમે-સખુને-કદમે બચ્ચાંઓની દીની તાલીમની કોશિશ કરવી જોઈએ. (વ આખિરુ દઅવાના અનિલ હમ્દુ લિલ્લાહિ રબ્બિલ આલમીન)
હઝ.મવલાના ગુલામ મુહમ્મદ વસ્તાનવી રહ
પાછલા દિવસોમાં જામિઅહ ઈશાઅતુલ ઉલૂમ અક્કલકુવાના સ્થાપક, વિશ્વપ્રસિદ્ધ આલિમ, બુઝુર્ગ, કોમ અને સમાજના રાહબર અને ઘડવૈયા, દીની – દુન્યવી તાલીમ ક્ષેત્રના ક્રાંતિકારી અને ઈન્કિલાબી કેળવણીકાર, જનાબ હઝરત મવલાના ગુલામ મુહમ્મદ વસ્તાનવી સાહેબ ઈન્તેકાલ ફરમાવી ગયા. ઈન્નાલિલ્લાહ…
હઝરત મવલાના સૂરત જિલ્લાના એક નાનકડા ગામ કોસાડીના વતની હતા, સામાન્ય ખેડુત પરિવારના સભ્ય હતા. અલબત્ત નેક અને દીનદાર કુટુંબમાં પેદા થયા હતા. અને અલ્લાહ તઆલાનો નિયમ છે કે ખાનદાનની દીની – કોમી કુરબાનીઓ અને દીનદારીની કદર રૂપે ખાનદાનમાં કોઈ માણસને દીની એતેબારથી ઉચ્ચ મકામ આપીને દીની કુરબાનીઓની કદર ફરમાવે છે. હઝરત ઈબ્રાહીમ અલૈ.ની કુરબાનીઓ એટલી બધી હતી કે અલ્લાહ તઆલાએ સદીઓ સુધી એમના કુટુંબમાં જ નબીઓ મોકલવાનો સિલસિલો જારી ફરમાવ્યો. કુરઆનમાં એની વિગત અલ્લાહ તઆલાએ ફરમાવી છે. કહેવાનો આશય આ છે કે લોકોએ પોતાના ખાનદાનમાં દીનદારી સાચવી રાખવી જોઈએ. અલ્લાહ તઆલા એની કદર કરીને ખાનદાનને ગમે ત્યારે દીની-દુન્યાની તરક્કીઓ આપશે.
મવલાના ગુલામ મુહમ્મદ રહ. ગુજરાતી પ્રસિદ્ધ દીની દર્સગાહ ફલાહે દારૈન તડકેશ્વરના ફારિગ હતા. અત્રે હઝરત મવલાના અબ્દુલ્લાહ કાપોદરવી રહ. હઝ. મવ. મુફતી અહમદ બેમાત રહ., હઝ. મવ. ઝુલફિકાર રહ. હઝ. મવ. શેરઅલી સા. રહ. વગેરે ઉસ્તાદો પાસેથી ઈલ્મ અને તકવાની કેળવણી મેળવી. પછી સહારનપૂર ખાતે મઝાહિર ઉલૂમમાં વધુ તાલીમ માટે ગયા હતા. સહારનપૂરમાં હઝ. મવલાના યુનૂસ સાહેબ રહ. હઝરત મવલાના આકિલ સા. રહ, વગેરે ઉસ્તાદો પાસેથી હદીસ પઢવાની સઆદત મેળવી. આ દરિમયાના શૈખુલ હદીસ હઝરત મવ. ઝકરિયા રહ. અને હઝ. મવ. અઅદુલ્લાહ રામપૂરી રહ.ની ખિદમતમાં જતા હતા અને ખિદમતો કરીને એમની દુઆઓ પણ પોતાના નસીબમાં લખાવતા રહયા. ઉપરાંત સાદગી અને બુઝુર્ગીમાં મશ્હૂર, અંદર અને બહાર દરેક રીતે 'ફકીર' કહેવાતા હઝરત મવલાના કારી સય્યદ સિદીક રહ. ના હાથે બયઅત થયા હતા અને એમના થકી જ ખિલાફત પણ મેળવી હતી. આ બધી વિવિધ પ્રકારની સઆદતોની અસર ગમે ત્યારે પ્રગટ થવાની જ હતી અને અંતે અક્કલકુવા ખાતે આપ રહ.ને દીની – દન્યવી તાલીમની એક એવી મશાલ પ્રગટાવી અને સમગ્ર ભારતના મુસલમાનોમાં દીની – દુન્યવી તાલીમ ક્ષેત્રે પરિવર્તનની લહેર ફંકાય ગઈ. અક્કલકુવા જતાં પહેલાં આપ રહ. દારૂલ ઉલૂમ કંથારીઆમાં પણ થોડો સમય મુદર્રિસ તરીકે સેવા આપી હતી.
તાલીમ – શિક્ષણ ક્ષેત્રે આપની સેવાઓની સુવાસ ભારત ઉપરાંત અરબ વિશ્વમાં પ્રસરી હતી અને મવલાના રહ.ને ભારતના અને અરબ દેશોના અનેક ધનવાનો અને હાકેમો સાથે સંબંધો બંધાયા હતા. પોતે ભારતમાં પંદર હઝાર વિદ્યાર્થીઓ ધરાવતી સંસ્થાના વડા હતા. ભારતની અનેક સરકારી અને દીની સંસ્થાઓના ટ્રસ્ટી કે સલાહકાર હતા. આ બધું છતાં તેઓ સ્વભાવે સરળ અને સાદું વ્યકિતત્વ અને બુઝુર્ગોની શાન ધરાવતા હતા. ગરીબોની મદદ, મોહતાજોની સહાય, મસ્જિદ – મદરસાઓની સ્થાપના અને નેકી — ભલાઈનું કોઈ કામ એવું નહીં હોય જે એમણે ન કર્યું હોય.
જામિઅહ ઈશાઅતુલ ઉલૂમ ફકત એક મદરસો કે શૈક્ષણિક સંસ્થા ન હતી, બલકે આ સંસ્થાના નેજા હેઠળ અનેક પ્રકારના કોમી, મિલ્લી અને દીની કામો અંજામ આપતા હતા. આ સંસ્થાના નેજા હેઠળ ભારતના ૧૬ રાજયોમાં ૩૫૦૦ મકતબ, ૬૦૦૦થી વધારે મસ્જિદો, ૩૩ હોસ્પિટલો, સો મોટા મદરસાઓ સ્કૂલ સાથે, ૨૯૨ સ્કૂલ – કોલેજ, ૬૫૭૦ વોટર પ્રોજેકટ...શરૂ કરવામાં આવ્યા. નિશંક એક સરકાર જેટલું કામ હઝ. મવલાના રહ. પોતે કરીને ગયા છે.
અલ્લાહ તઆલા હઝરત મવલાના રહ.ની બધી સેવાઓ એમના હકમાં સદકએ જારિયહ બનાવીને કુબૂલ ફરમાવે. જન્નતુલ ફિરદોસમાં ઉચ્ચ સ્થાન અતા ફરમાવે. એમની ખિદમતોને એમના વાલિદૈન, સગાઓ અને ઉસ્તાદો માટે પણ મગફિરતનો સબબ બનાવે. એમના પછી સંસ્થાનું સુકાન સંભાળનાર એમના પુત્ર મવલાના હુઝેફા સાહેબ દા.બ.ની પણ ગેબી મદદ ફરમાવીને સંસ્થાને વધારે પ્રગતિ આપે. ઉમ્મતમાં એમના જેવા અનેક કેળવણીકારો પેદા ફરમાવે. આમીન.
ચાર લક્ષણોફિત્નાના ઝમાનાના
હદીસ શરીફમાં ફિતનાના સમય વિશે નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે જે માર્ગદર્શન આપ્યું છે તે ઘણું મહત્વપૂર્ણ છે. આ સમયે દરેક માણસને પોતાની જાતના સુધારણા - ઈસ્લાહમાં ધ્યાન આપવું જોઈએ. અન્ય લોકોની પાછળ દોડવું નહીં. હદીસમાં ફિત્નાના સમય વિશે ચાર લક્ષણો આ રીતે વર્ણવવામાં આવ્યાં છે :
૧. માલની મહોબ્બત ધન-દોલત માટે દોડતા રહેશે અને તેમના તમામ કાર્યો પૈસા મેળવવાના લાલચ પર આધારિત રહેશે. લાલચ અને કંજુસાઈ.
૨. નફસની ઈચ્છાઓને તાબે થઈ જવું. એટલે કે લોકો પોતાની ઈચ્છાઓ, શોખ અને એશ આરામના લક્ષ્યો પાછળ દોડતા રહેશે અને જે મનમાં આવશે તે જ કરશે.
૩. આખિરતની પરવા ન કરવી. એટલે કે દુનિયાને આખિરતથી વધારે મહત્વ આપવામાં આવશે અને આખિરતના જીવનની કોઈ ફિકર ન રહેશે.
૪. પોતાના વિચારો અને મત ઉપર માણસને ઘમંડ રાખશે. એટલે કે દરેક વ્યક્તિ પોતાની રાય અને મંતવ્યમાં ફસાયેલી રહેશે અને અન્ય લોકોની વાત સાંભળવા માટે તૈયાર નહીં હોય.
આવા માણસો સામે જયારે દીનની કોઈ વાત, અમલ કરવા માટે આગ્રહ કરવામાં આવશે તો કહેશે કે મારા મતે તમારે આમ કરવું જોઈએ અને તેમ કરવું જોઈએ. અને આમ બહાના બતાવીને તે દીન અને અલમ બાબતે કોઈની સાથે શરીક નહીં થાય. અળગો રહેશે.
આવા જ સમય માટે નબીએ કરીમ સલ્લલ્લાહ અલયહિ વ સલ્લમનો ઈરશાદ છે કે આ ઝમાનામાં દરેક માણસે પોતાની ફિકર કરવી જોઈએ કે એનો દીન અને અમલ સલામત રહે. અન્યોની ફિકર કરવામાં વધારે ધ્યાન આપવું જોઈએ નહીં.
મહમૂદુલ ખસાઈલ
પીરો મરશિદ હઝ. એકદસ મવલાના મફતી અહમદ ખાનપુરી સાહેબ દા.બ.ના મુખે રજૂ થયેલ ઈમામ તિરમિઝી રહ. ની અત્યંત આધારભૂત અને મહૂર કિતાબ શમાઈલે તિરમિઝીની ઉર્દૂ શરહ 'મહમૂદુલ ખસાઈલ 'નો ગુજરાતી અનુવાદ..
અનુવાદક : જનાબ અહમદહુસેન ગાજી સા.
હદીસ નંબર (૬૦)
હઝરત અબૂ સઈદ ખુદરી (રદિ.) ફરમાવે છે કે હુઝૂર (સલ.) જયારે નવા કપડા પહેરતા તો (ખુશી જાહેર કરવા) એ કપડાનું જે નામ હોય તે લેતા. (દા.ત. અમામો અથવા કુર્તો અથવા ચાદર વગેરે) પછી આ દુઆ પઢતા "અલ્લાહુમ્મ લકલ હમ્દુ કમા કસવ્તની હી, અસ્અલુક ખયરહુ વ ખર મા સુનિઅ લહૂ, વ અઉઝૂબિક મિન શર્રિહી શર્રિ મા સુનિઅ લહૂ" (તર્જુમોઃ હે અલ્લાહ તારો શુક્ર છે કે તે મને કપડા પહેરાવ્યા અને તારાથી તેની ભલાઈ અને તેના (મકસદ)ની ભલાઈનો સવાલ કરું છું જેના માટે આ (કપડા) બનાવવામાં આવ્યા છે અને તારાથી તેની બૂરાઈ અને એ ચીજોની બૂરાઈથી પનાહ માંગુ છું જેના માટે આ કપડા બનાવવામાં આવ્યા છે / અને હું તારાથી તેની ભલાઈ અને એ ચીજની ભલાઈ માંગુ છું જે તેના માટે બનાવવામાં આવ્યું છે અને હું તેની બૂરાઈ અને એ ચીજની બૂરાઈથી પનાહ માંગુ છું જે તેના માટે બનાવવામાં આવી છે.
ફાયદો... سمَّاہُ باسْمِہٖ નામ લેવાનો મકસદ અલ્લાહની એક નેઅમત પર ખુશી વ્યકત કરવાની હોય છે અને એ શુક્ર જાહેર કરવા માટે આ દુઆ પઢતા હતા.
خيره وخير ما صنع له - - - الخ
પોશાકની ભલાઇ દા.ત. આ પોશાક મારા માટે તારી ઇબાદતમાં કામ આવે અને પોશાકની બૂરાઈ દા.ત. વ્યકિત કયારેક પોશાક પહેરીને સ્વાર્થ અને ઘમંડમાં ફસાય જાય છે કે મારા જેવો પોશાક કોઈની પાસે નથી, કયારેક પુરુષ પોશાક પહેરીને આ ઈચ્છા કરવા લાગે છે કે ઓરતો મને જુએ અથવા ઓરત પોશાક પહેરીને એવી ઈચ્છા કરે છે કે પુરુષ મને જૂએ વગેરે વગેરે, આ તેની બુરાઈ છે આ બધી બુરાઈઓથી પણ પનાહ માંગુ છું.
અલ્લાહ તઆલાએ દરેક વસ્તુમાં ભલાઈનું પાસું પણ રાખ્યું છે અને બુરાઈન પાસે પણ રાખ્યું છે, તેથી અલ્લાહ તઆલા જયારે વપરાશ માટે કોઈ નવી વસ્તુ અર્પણ કરે તો આ દુઆ માંગવી જોઈએ. દા.ત. સવારી નવી આવે તો કહો કે હે અલ્લાહ ! તેમાં જે ભલાઈ છે અને જે સારા મકસદ માટે આ વપરાય છે, તે મને અર્પણ કર અને તેમાં જે બૂરાઈ છે અથવા જે બૂરા મકસદમાં આ વપરાય છે, તેનાથી મારી હિફાઝત ફરમાવ.
હદીસ નંબર (૬૧)
હઝરત અનસ (રદિ.) ફરમાવે છે કે હઝરત નબીએ કરીમ (સલ.)ને પહેરવાના કપડામાં સૌથી વધુ પસંદ નકશીકામ કરેલ યમની ચાદર હતી.
હુઝૂર (સલ.)ને પોશાકમાં યમની ચાદર પસંદ હતી
યમની ચાદર નકશીકામ કરેલી અને ધારીવાળી હતી, તેમાં એક લાઈન સફેદ હતી અને બીજી લાઈન લીલા રંગની સુતરાઉ અથવા શણની હતી, તેને હઝરત નબીએ કરીમ (સલ.) પસંદ કરતા હતા; એટલા માટે કે લીલો પોશાક જન્નતીઓનો પોશાક બતાવવામાં આવે છે. એ ચાદર નરમ હતી અને બનાવટ પણ તેની ઉમદા હતી અને સુતરાઉ હોવાને કારણે હઝરત નબીએ કરીમ (સલ.) ના બદન મુબારક માટે ઘણી યોગ્ય હતી એટલે હઝરત નબીએ કરીમ (સલ.) તેને પસંદ કરતા હતા.
કુર્તો વધારે પસંદ હતો કે ચાદર ?
પ્રકરણની શરૂઆતમાં એક રિવાયત આવી છે કે હઝરત નબીએ કરીમ (સલ.) ને કુર્તો પસંદ હતો, એ રિવાયતથી આ માલૂમ પડે છે કે કુર્તો વધારે પસંદ હતો અને અહીં એ માલૂમ થાય છે કે ચાદર વધારે પસંદ હતી. જાહેરમાં આ બંને રિવાયતોમાં વિરોધાભાસ માલૂમ પડે છે, એટલે આ બંને રિવાયતોમાં વિભિન્ન તરીકાથી સામ્યતા માલૂમ પડે છે.
(૧) તે પણ પસંદ હતી અને આ પણ પસંદ હતી.
(૨) અથવા એ કે સિવેલા કપડામાં હુઝૂર (સલ.) ને કુર્તો પસંદ હતો અને ઓઢવાના કપડાઓમાં યમની નકશીદાર ચાદર પસંદ હતી.
(૩) અથવા એવું કહી શકાય કે પોશાકના પ્રકારોમાં કુર્તો પસંદ હતો અને બીજા પ્રકારોમાં યમની નકશીદાર ચાદર, જેમકે કોઈ વ્યકિતને પહેરવામાં કુર્તો વધારે પસંદ છે અને સાથે જ કપડાના પ્રકારોમાં સુતરાઉ પસંદ છે. તો બંનેની હેસિયત અલગ અલગ છે. ટુંકમાં બીજા પ્રકારોની દ્રષ્ટિએ યમની લીલા રંગની ચાદર પસંદ હતી અને શણગારની દ્રષ્ટિએ કુર્તો પસંદ હતો.
હદીસ નંબર (૬૨)
હઝરત અબૂ જુહયફહ (રદિ.) ફરમાવે છે કે મેં આપ (સલ.) ને જોયા હતા, તે વખતે આપ (ના મુબારક શરીર) પર (કપડાંની) લાલ જોડામાં જોયા હતા અને આ જોડ અડધી પિંદલી સુધી હતી,તેના કારણે પિંદલીઓ અને પિંદલીઓની ચમક નજર આવતી હતી. અને હાલમાં જાણે મારી નજરમાં આપ (સલ.)ની બંને પિંડલીઓની ચમક વસી ગઈ છે. સુફીયાન કહે છે : તે (લાલ જોડ) નકશીદાર યમની જોડ હતી.
ફાયદો : આ કિસ્સો હજ્જતુલ વિદાઅનો છે. હજ્જતુલ વિદાઅના મોકા પર હઝરત અબૂ જુહયફહ (રદિ.) એ હઝરત નબીએ કરીમ (સલ.) ને લાલ જોડમાં જોયા હતા અને આ જોડ અડધી પિંડલી સુધી હતી, તેને કારણે પિંડલીઓ અને પિંડલીઓની ચમક નજર આવતી હતી. જાણે તે દ્રશ્ય હદીસ બયાન કરતી વખતે તેમની નજરોની સામે છે. અમુક દ્રશ્યો એવા હોય છે કે લાંબી મુદ્દત પસાર થયા પછી તે વ્યકિતની નજરની સામે હોય છે. અહીંયા તે બતાવવા માંગે છે કે હઝરત નબીએ કરીમ (સલ.) ને લાલ જોડીમાં જોયા, જાણે આજે પણ હું પિંડલીઓની ચમકને જોઈ રહ્યો છું.
લાલ પોશાકનો હુકમ
اراھا حبرۃ આ એટલા માટે કહેવું પડયું કે હદીસે પાકમાં સંપૂર્ણ લાલ પોશાકની પુરુષો માટે મનાઈ આવી છે. તેના હુકમના સિલસિલામાં ફુકહા વચ્ચે મતભેદ છે. અહનાફને ત્યાં સહીહ કથન એ છે કે પુરુષો માટે સંપૂર્ણ લાલ પણ પહેરવું જાઈઝ છે, પરંતુ તકવા પ્રમાણે ઉત્તમની વિરુદ્ધ છે, હઝરત ગંગોહી (રહ.) એ એ જ ફરમાવ્યું છે. જો કે સંપૂર્ણ લાલ કપડાની પુરુષો માટે મનાઈ આવી છે અને સહાબી (રદિ.) એવું કહે છે કે મેં હઝરત નબીએ કરીમ (સલ.) ને લાલ જોડી પહેરેલા જોયા ; તેથી આ રિવાયતના રાવીઓમાં હઝરત સુફીયાન બિન ઉયયના (રહ.) 'જે મોટા મુહદ્દિષ છે" ફરમાવે છે કે તેમાં ધારીઓ (લાઈનો) લાલ હતી, લાલ અને સફેદ મિશ્રિત હતી અને તેમાં કોઈ કરાહત (અણગમો) નથી. યમનની સુતરાઉ ચાદરો જેમ લીલી હતી, જેમકે ઉપરની રિવાયતથી માલૂમ પડયું. એવી રીતે એ લાલ રંગની પણ હતી, એ જોડીમાં તેમને હઝરત નબીએ કરીમ (સલ.) ને જોયા.
હદીસ નંબર (૬૩)
હઝરત બરાઅ બિન આઝિબ (રદિ.) ફરમાવે છે : મેં લાલ રંગના પોશાકમાં કોઈ વ્યકિતને આપ (સલ.) થી વધારે ખૂબસુરત નથી જોયા, તે વખતે હુઝૂર (સલ.) ના વાળની લટ દાઢી સુધી આવી રહી હતી.
ફાયદો: આ રિવાયત પહેલા પણ શરૂઆતના બાબમાં આવી ગઈ છે. આપનો પોશાક લાલ ધારીવાળો હતો, આ બતાવવા માટે આ રિવાયતને અહીં પેશ કરી છે.
સુફયાન બિન અબૂ અરફજા ફરમાવે છે કે હઝરત ઉમર રદિ.એક દિવસ કહેવા લાગ્યા કે ખુદાની કસમ હું નથી જાણતો કે હું ખલીફા છું કે બાદશાહ ? જો હું બાદશાહ છું, તો એ એક મોટો બોજ છે. હાજરજનોમાંથી એકે જવાબ આપ્યો: અમીરૂલ મુઅમીનીન ! ખલીફા અને બાદશાહમાં મોટો તફાવત છે. જે કોઈથી ખોટી રીતે કંઈ લે નહીં, અને કોઈને ખોટી રીતે કંઈ આપે પણ નહીં, એ ખલીફા છે, અલ્હમ્દલિલ્લાહ આપ એવું જ કરો છો. જે જુલ્મ કરી જેનાથી ઈચ્છે છીનવી લે, અને જે ને ઈચ્છે આપી દે એને બાદશાહ કહે છે. હઝરત ઉમર રદિ. આ સાંભળી ખામોશ થઈ ગયા. (તારીખે અફકાર સિયાસતે ઈસ્લામીઃ ૨૯)
શરઈ માર્ગદર્શન અને ફતાવા વિભાગ
મવ. મુફતી અસ્જદ દેવલ્વી સાહેબ
તસ્દીક કર્તાઃ મવ. મુફતી અહમદ દેવલા
(સદર મુફતી જામિઅહ જંબુસર)
તલાકની ઈદ્દતમાં ભરણપોષણનો ખર્ચ
સવાલ: એક ઓરતને ૩-તલાક કોર્ટના મારફત થઈ છે. આપ હઝરતથી જવાબ તલબ એ છે કે ઓરતે શોહર પાસેથી રૂા.૪,૦૦,૦૦૦/- (ચાર લાખ)ની માંગણી કરી હતી તો શોહરે કોર્ટ મારફત દસ્તાવેજ કરી (ચાર લાખ) આપી દીધા છે અને દસ્તાવેજ માં લખાવ્યુ છે કે રૂા. ૧,૨૦,૦૦૦ (એક લાખ વીસ હજાર)નાની છોકરીના પ વર્ષ સુધીનો ખર્ચ અને ૨,૮૦,૦૦૦ (બે લાખ એસી હજાર) ઓરતનો ઈદ્દત ખર્ચ છે. શોહર માલદાર પણ છે અને ચાર લાખ રૂપીયા આપી પણ દીધા છે. તો શું આટલી બધી રકમ લઈ શકાય? આજના જમાના મુજબ કેટલી રકમ લઈ શકાય ?
નાની છોકરી જે હાલમાં ૨ વર્ષની છે અને છોકરીના બાપે ફકત ૫ વર્ષ સુધીનો ખર્ચ ૧,૨૦,૦૦૦ આપેલ છે અને દસ્તાવેજ અને દસ્તાવેજમાં લખાવ્યુ છે કે હવે પછી નાની છોકરીનું ભરણ પોષણ માટે ઓરતે શોહર પાસેથી કાંઈ માગવાનું નથી અને છોકરી જયારે શાદી લાયક થશે ત્યારે પોતાના શકિત પ્રમાણે જે આપવું હશે તે માટે આપવા બંધાયેલો છે, તો શું છોકરીના ૫ વર્ષ પછી બાપના જીમ્મે છોકરીનો ખર્ચ છે કે પછી શાદી થાય ત્યારે જ ભરણપોષણ માટે બંધાયેલા છે ?
حامدا ومصليا ومسلما : જવાબ
(અ) ઈસ્લામી નિયમ મુજબ એક તલાક પામેલ ઓરત ઈદ્દતના સમય ગાળામાં ભરણ પોષણના ખર્ચની હકદાર ઠરે છે, જે શવહરની માલી હેસીયતને ધ્યાનમાં રાખીને મધ્યમસરનો નકકી કરવામાં આવશે, માટે જો શવહર ખૂશહાલ આર્થિક રીતે મજબૂત સ્થિતિમાં હોય, તો માસિક ચાર હજારથી પાંચ હજાર સુધીની રકમ ભરણ પોષણ પેટે નકકી કરવામાં આવશે, હવે જોઈ લેવામાં આવે કે ઈદ્દતનો સમયગાળો શરીઅતના નિયમથી કેટલા મહીનાઓનો થાય છે, તે પ્રમાણે હિસાબ કરી લેવામાં આવે. આપે ૨,૮૦,૦૦૦ રૂપિયા ઈદત ખર્ચ પેટે લખ્યા છે, તે વધારે છે. જો આપના તરફથી માંગણી કરવામાં ન આવી હોય બલકે શવહરે પોતાની રાજી ખુશીથી આપેલ હોય. તો પછી સદર રકમનું લેવુ જાઈઝ ઠરશે. (મહમૂદુલ ફતાવા જદીદ:૫/૪ અ, કિતાબુલ મસાઈલ: ૫/૪૭૪)
(બ) જો ઈદ્દતના સામાન્ય ખર્ચથી વધુ રકમ આપના તરફથી માંગણીના લઈ શવહરના મરજી વિરૂધ્ધ જબરદસ્તીથી લેવામાં આવી હોય તો વધારાની રકમ લેવુ જાઈઝ ઠરશે નહીં. (મ.ફતાવાઃ૫/૪૨૫ ઉપરથી) ફતાવા રહીમીય્યહમાં છેઃ ઈદ્દત સે ઝિયાદહ ખર્ચ કા મુતાલબા કરના ઓર હુકૂમત કે ફેસલે કે મુતાબિક અમલ કરના ઔરત કે લીયે દુરૂસ્ત નહીં. (૫/૪૯, મકતબા ઈહસાન) બીજી એક જગ્યાએ એક જવાબમાં આ વિશે વિગતવાર સમજૂતી આપતા અંતે લખે છેઃ અગર વો અપની મરજી સે બડી રકમ દે દે યા અપની મરજી સે કુછ દેતા રહે, તો વો મના નહીં હે, મગર ઉસે કાનૂની શકલ દેના ઓર જબરદસ્તી શવહર કો નફકા (ભરણ પોષણ) કા જિમ્મેદાર બનાના ઓર ન દેને ૫ર મુસ્તહિકકે સજા કરાર દેના કિસી હાલ મેં સહીહ નહી હે. (૫/૫૮)
(૨) ઈસ્લામી નિયમ મુજબ નાની બાળકી, જયારે કે તે નાદાર હોય, (પોતાનો માલ ન હોય)નો ભરણ પોષણનો ખર્ચ તેની શાદી થતા સુધી બાપના શિરે લાગુ થાય છે, માટે માત્ર પાંચ વર્ષ સુધીના ખર્ચનો કરાર કરવો ગેર શરઈ બાબત છે, આ રીતે કરાર કરવાથી પાંચ વર્ષ પછીથી શાદી થતા સુધીનો ભરણપોષણનો ખર્ચ ખતમ થતો નથી, સદર બાળકીના બાપના શિરે ત્યાર પછી પણ બાકી રહે છે, બલકે શરઈ દ્રષ્ટિએ ભરણપોષણ સાથે, પરવરિશનું મહેનતાણું પણ બાળકીના બાપના શિરે વ્યાજબી ધોરણે લાગું થતું હોય છે, જે પણ ધ્યાન પાત્ર બાબત છે.(કિ.મસાઈલ : ૫/૪૮૩ ઉપરથી, મજમુઅહ કવાનીને ઈસ્લામી : ૧૬૮) તા. ૨૩/ઝુલ-કઅદહ/૧૪૩૯ હિજરી.
બોધકથા
માનસિક રીતે અત્યંત પરેશાન અને નિરાશ એક વ્યકતિ સાઇકયાટ્રીશ્ટ-મનોચિકિત્સક પાસે ગઈ. એને જણાવ્યું કે આટલું બધં ધન દોલત હોવા છતાં એના મનને શાંતિ નથી. એ હમેંશા બેચેની અને અજંપો અનુભવે છે. જિંદગી ખોખલી અને નિરસ લાગે છે. મને કોઈ રાહ બતાવો કે મારી જિંદગીમાં ખુશી રીતે આવી જાય.
ચિકિત્સકે પોતાની ઓફિસમાં સફાઈ કરતી વૃદ્ધ સ્ત્રીને બોલાવીને કહયું કે તમે આ વ્યકિતને બતાવો કે જિંદગીની ખુશી તમે કેવી રીતે પ્રાપ્ત કરી ? અને પેલા બેચેન વ્યકિતને કહયું કે તમે એકવાર શાંતિથી આ વૃદ્ધાની વાત સાંભળી લ્યો, પછી આપણે આગળ વિચારીશું.
વૃદ્ધાએ કહેવા લાગી કે મારો પતિ મલેરિયામાં મરી ગયો, એના બે ચાર માસમાં મારો દીકરો એકસીડન્ટમાં મરી ગયો. દુનિયામાં હવે મારું કોઈ હતું નહીં, હું એકલી અને નિસહાય હતી. દિવસે ને દિવસે મારી એકલતા અને બેચેની વધતી જતી હતી. ત્યાં સુધી કે મેં આત્મહત્યા કરવાનું વિચારી લીધું.
એમાં એક દિવસ બિલાડીનું એક બચ્ચું મારી પાછળ પાછળ મારા ઘર સુધી આવી ગયું. ઘણી સર્દીના કારણે મેં એને ઘરમાં બોલાવી લીધું અને થોડું દૂધ પીવડાવ્યું. દૂધ પીને બચ્ચું મારા પગોમાં રમવા લાગ્યું. કેટલાયે મહીના પછી મારા પગોમાં નરમ સ્પર્શ અને ગુદગુદી મહસૂસ કરીને મારા હોંઠો ઉપર મુસ્કાન આવી ગઈ. બસ. આ જ ક્ષણે મને વિચાર આવ્યો કે બે ઘુંટડા દૂધ મને આવી મુસ્કાન આપી શકતું હોય તો થોડા પ્રયાસો કરીને હું વધારે ખુશ થઈ શકું છું.
સવારે ઉઠીને મેં બે ચાર બિસ્કીટ બનાવ્યા અને મારા બીમાર પાડોશી પાસે લઈને ગઈ. પાડોશી મારી આ મદદથી ખુશ થયો તો મને ઘણી ખુશી થઈ.... બસ ત્યારથી મને ખુશ થવાનો દરવાજો મને મળી ગયો. જેમ જેમ હું બીજાઓને ખુશ કરું છું, મને એમનાથી વધારે ખુશી મળે છે.
વાર્તાનો સાર આ છે કે જિંદગીની ખુશી પાઈ પાઈનો હિસાબ કરીને દોલત ભેગી કરવામાં નથી. બલકે ભેગી કરેલી દોલત અન્યોને આપીને ખુશ કરવામાં આવે છે. આજકાલ માલદારોની ખુશીઓ પણ મોંઘી હોવા છતાં દેખાવ પુરતી હોય છે. આ જ લોકો જો નાના લોકો વચ્ચે જઈને નાની પણ સાચી ખુશીઓ વહેંચે તો સાચી ખુશી મેળવી શકે છે.
Significance of the First 10 Days of Dhul Hijjah
The first 10 days of Dhul Hijjah (also spelled Zul Hijjah) are among the most sacred and spiritually significant days in the Islamic calendar. Dhul Hijjah is the 12th and final month of the Islamic lunar calendar, and these first 10 days hold immense value in Islam due to their connection with major acts of worship, including Hajj and Qurbani (sacrifice).
Allah Swears by These Days in Surah Al-Fajr:
"By the dawn, and by the ten nights..."(Qur'an 89:1-2) Many scholars interpret these "ten nights" to refer to the first 10 days of Dhul Hijjah, which emphasizes their importance.
Best Days for Good Deeds: The Prophet Muhammad (S.A.W.) said: "There are no days in which righteous deeds are more beloved to Allah than these ten days."(Bukhari) This includes acts like prayer, fasting, charity, and dhikr (remembrance of Allah)
Day of Arafah (9th Dhul Hijjah) One of the greatest days in Islam. The day when pilgrims stand on the plains of Arafat. The Prophet (S.A.W.) said: "Fasting on the Day of Arafah expiates the sins of the previous year and the coming year." (Muslim)
Eid al-Adha (10th Dhul Hijjah) Known as the "Festival of Sacrifice. "Commemorates Prophet Ibrahim's (AS) willingness to sacrifice his son in obedience to Allah. Muslims perform Qurbani (animal sacrifice), attend Eid prayers, and celebrate with family and community.
Recommended Actions During These 10 Days:
(1) Fasting Especially on the Day of Arafah (9th Dhul Hijjah).
(2) Extra Prayers (Nafl Salah) - Increase voluntary acts of worship.
(3) Dhikr - Frequently say SubhanAllah, Alhamdulillah, La ilaha illallah, and Allahu Akbar.
(4) Qur'an Recitation - Spend more time reading and reflecting.
(5) Charity and Good Deeds - Help others and be generous.
(6) Sacrifice (Qurbani) - For those who can afford it, do it on Eid al-Adha.
(7) Make Du'a and Seek Forgiveness - These are days when prayers are especially accepted.
Daily Focus Day 1-3: Preparation & Intention
(1) Renew your intentions.
(2) Plan your spiritual goals.
(3) Start fasting if you can. Make a Du'a list for the next few days.
Day 4-6: Consistency
(1) Increase your Qur'an time. Stick to all daily actions. (2) Give more charity each day (even a little). (3) Begin preparing for Qurbani.
Day 7-8: Intensify Worship
(1) Add Tahajjud if possible (before Fajr). (2) Reflect deeply on the life of Prophet Ibrahim (AS).
(3) Check your Qurbani arrangements.
Day 9: Day of Arafah
(1) FAST this day - it wipes sins for 2 years (previous + coming).
(2) Spend the day in Du'a, worship, and reflection.
(3) Think of your goals for the coming year. "There is no day on which Allah frees more people from the Fire than the Day of Arafah." (Muslim)
Day 10: Eid al-Adha
(1) Perform Eid prayer (with joy and humility).
(2) Offer your Qurbani (sacrifice).
(3) Celebrate, but continue remembering Allah.
(4) Share your blessings with family and the poor.