તંત્રી સ્થાનેથી
જીવનની અમુક ઘડીઓ એવી હોય છે કે પસાર થતાં થતાં પરસેવો પાડી જાય છે. એક એક પળ ગણીને પસાર કરવી પડે છે. પણ... કોરાના દરમિયાન ધીમી પડી ગયેલ માનવીની હરકતો પછી ૨૦૨૩ એવું વીજળી વેગે પસાર થઈ ગયું, જાણે પાંખો ફફડાવીને પંખીડું ઉડી ગયું. સમયને રોકી શકાતો નથી. એનો સંગ્રહ કરવો શકય નથી. ગમે તેવો હોય, સારો નરસો, સુખ દુખ કે ઠંડો ગરમ.. આખરે વીતી જાય છે. આ વરસ પણ વીતી ગયું. અને એક નવું વરસ આપણી સામે છે.
૧૨ મહીનામાં આપણી સામે ઓછામાં ઓછા ત્રણ વાર વરસ પુરું થવાની હાકબેલ વાગે છે. ઈસ્લામી વરસ પુરું થઈને મહોર્રમથી નવું વરસ શરૂ થાય ત્યારે.. ગુજરાતી નવું વરસ પુરું થઈને દીવાળીએ નવું વરસ બેસે ત્યારે.. અને પહેલી જાન્યુઆરીએ..
સામાજિક રીતે નોકરી, ખેતી, વેપાર વગેરે આધારો પ્રમાણે સમાજમાં આપણે જે પ્રકારના તાંતણે બંધાયેલા છીએ એમાં આપણા સૌ સમક્ષ ઉપરોકત ત્રણમાંથી ઓછામાં કોઈ પણ બે અવસરોએ વરસ પુરું થવાનો અને નવું વરસ શરૂ થવાનો પુરતો એહસાસ રહે છે.
આવા અવસરો માણસને આગળ પાછળની ગણતરી કરવાનો મોકો આપે છે. અત્યાર સુધી શું મેળવ્યું ? શું રહી ગયું ? શું ગુમાવ્યું ? હવે પછી શું કરવાનું છે ? એનો વિચાર કમથી કમ એકવાર તો આવા અવસરોએ માણસના દિલમાં આવી જ જાય છે. ગાફેલ માણસ આ વિચારને જ પકડી લઈને થોડીવાર વિચારી લે તો નિશંક એના જીવનમાં હકારાત્મક અને પરિણામ લક્ષી પરિવર્તન આવી શકે છે.
સમય ચાહે ગમે તે હોય અને ઓછો વધતો ગમે તેટલો હોય, ઘણી જ કીમતી જણસ છે. અલ્લાહ તઆલાએ અમુક આદેશોનું મહત્વ દર્શાવવા ખાતર સમયની કસમ ખાયને વર્ણવી છે. જેમ આપણે કોઈ વાતનું મહત્વ જતાવવા ખાતર અલ્લાહની કસમ ખાયને વર્ણવીએ છીએ.. એનાથી સમજી શકાય છે કે ખુદાની નજરમાં સમય કેટલી મહત્વની વસ્તુ છે. આ મહત્વના કારણે જ તો અલ્લાહ તઆલા એક એક પળના નાના કામોને પણ મોટી નેકીનું કામ ગણીને મોટો સવાબ આપે છે. એકવાર સુબ્હાનલ્લાહ કહેવાના સવાબમાં જન્નતનું એક ઝાડ મળે છે. અને સવાર સાંજ ૧૦૦ વાર સુબ્હાનલ્લાહ કહેવાનો સવાબ ૧૦૦ હજ કરવા જેટલો !
એક મુસલમાન તરીકે આપણો સઘળો સમય નેક કામોમાં જ પસાર થાય એવા કામો આપણા હોવા જોઈએ. માણસ પોતાના માટે, ઘરના સભ્યો માટે કે કુટુંબ અને સમાજ માટે કમાતો હોય અને એમને રાહત પહોંચાડતો હોય, નેકી કરતો હોય કે સામાજિક – સાર્વજનિક કામો કરતો હોય, દીની અને ઇસ્લામની હિફાઝત માટેના પ્રયત્નો કરતો હોય, નેકી અને ઇબાદતમાં મશ્ગુલ રહેતો હોય. આ બધા જ કામો નેકી અને સવાબના છે. અને જો ગફલતમાં રહેતો હોય, મોજ મસ્તી, સુસ્તી આળસ, વ્યર્થ ખેલ કુદમાં પડયો રહે તો એ સમયની બરબાદી ઉપરાંત સારા કામો માટે મળેલ તકને ખરાબ કરનાર હોવાથી બમણું નુકસાન છે.
આજ કાલ તો સમય બરબાદ કરવાના અનેક સાધનો આપણા હાથ વગા થઈ ગયા છે. ફક્ત એક નાનકડા મોબાઈલ થકી માણસ સો પ્રકારના વ્યર્થ કામોમાં સમય બરબાદ કરે છે. બેકાર ચેટીંગ કરે છે. ફિલ્મો અને વીડીયો જોવામાં મગ્ન રહે છે. કલાકો સુધી વિવિધ મેચો અને મુકાબલાઓ જુએ છે. ફેસબુક, ટવીટર જેવા સોશ્યલ એપ્સમાં સદંતર નકામી વાતોમાં પણ કલાકો પસાર કરે છે. અને જાણકારો બતાવે છે એ આ બધાથી પણ ઘણું વધારે ખતરનાક અને ભારે નુકસાનકારક ઘણું બધું મોબાઈલ દ્વારા માણસના હાથવગું થઈ ગયું છે.
યુવાનો અને કયાંક તો બાળકો પણ. એવી ગેમ અને જુગારી રમતોના રવાડે ચડી ગયા છે કે પળવારમાં હઝારો રૂપિયા હારી જાય છે અને પછી બાપના કે કોઈ સગાના ગજવામાંથી ચોરી કરે છે.
ખેર ! મીડીયા અને અખબારો થકી આજકાલ નવા વરસની ચર્ચાઓ થઈ રહી છે. એ અનુસંધાને અત્રે બે ચાર વાતો લખવામાં આવી છે, આવા અવસરો આપણને કંઈ નવી શરૂઆત કરવાની અને પાછલી ભૂલો છોડવાનું આમંત્રણ આપતા હોય છે, આપણે એનો એહસાસ કરીને કંઈક નવી શરૂઆત કરી લઈએ, જીવનની ભૂલો સુધારવા અને ગુનાઓ છોડવાની હિમ્મત કરી લઈએ તો ઘણું સારું…
ખુલ્લા દિલે રસુલે ખુદાની ફરમાબરદારી ઈમાનની બુનિયાદી શરત છે.
ખુલ્લા દિલે રસુલે ખુદાની ફરમાબરદારી ઈમાનની બુનિયાદી શરત છે.
મુફતી ફરીદ અહમદ કાવી.
بسم الله الرحمن الرحيم
أَلَمْ تَرَ إِلَى الَّذِيْنَ يَزْعُمُوْنَ أَنَّهُمْ آمَنُوْا بِمَا أُنْزِلَ إِلَيْكَ وَمَا أُنْزِلَ مِنْ قَبْلِكَ يُرِيْدُوْنَ أَنْ يَّتَحَاكَمُوْا إِلَى الطَّاغُوْتِ وَقَدْ أُمِرُوْا أَنْ يَّكْفُرُوْا بِهِ وَيُرِيْدُ الشَّيْطَانُ أَن يُّضِلَّهُمْ ضَلَالًا بَعِيْدًا﴿60﴾ وَإِذَا قِيْلَ لَهُمْ تَعَالَوْا إِلَى مَا أَنْزَلَ اللّهُ وَإِلَى الرَّسُوْلِ رَأَيْتَ الْمُنَافِقِيْنَ يَصُدُّوْنَ عَنْكَ صُدُوْدًا﴿61﴾ فَكَيْفَ إِذَا أَصَابَتْهُمْ مُّصِيْبَةٌ ۘبِمَا قَدَّمَتْ أَيْدِيْهِمْ ثُمَّ جَاءُوْكَ يَحْلِفُوْنَ بِاللّهِ إِنْ أَرَدْنَا إِلَّا إِحْسَانًا وَّتَوْفِيْقًا﴿62﴾ أُولٰئِكَ الَّذِيْنَ يَعْلَمُ اللّهُ مَا فِيْ قُلُوْبِهِمْ فَأَعْرِضْ عَنْهُمْ وَعِظْهُمْ وَقُلْ لَّهُمْ فِيْ أَنْفُسِهِمْ قَوْلًا بَلِيْغًا﴿63﴾ وَمَا أَرْسَلْنَا مِنْ رَّسُوْلٍ إِلَّا لِيُطَاعَ بِإِذْنِ اللهِ وَلَوْ أَنَّهُمْ إِذْ ظَّلَمُوْا أَنْفُسَهُمْ جَاءُوْكَ فَاسْتَغْفَرُوا اللّهَ وَاسْتَغْفَرَ لَهُمُ الرَّسُوْلُ لَوَجَدُوا اللهَ تَوَّابًا رَّحِيْمًا ﴿64﴾ فَلَا وَرَبِّكَ لَا يُؤْمِنُوْنَ حَتّٰى يُحَكِّمُوْكَ فِيْمَا شَجَرَ بَيْنَهُمْ ثُمَّ لَا يَجِدُوْا فِيْ أَنْفُسِهِمْ حَرَجًا مِّمَّا قَضَيْتَ وَيُسَلِّمُوْا تَسْلِيْمًا ﴿65﴾
તરજમહ : (હે નબી ! ) શું તમે આ લોકોને જોતા નથી, જેઓ દાવો તો એવો કરે છે કે જે કંઈ (હુકમો) આપના તરફ ઉતારવામાં આવ્યા અને જે કંઈ તમારા પહેલાં ઉતારવામાં આવ્યા તે બધા (હુકમો) ઉપર ઈમાન રાખે છે , (છતાં) તેઓ ચાહે છે કે શયતાન પાસે (એમના વિવાદનો)ફેસલો લઈ જાય. જયારે કે એમને શયતાનને નકારવાનો હુકમ આપવામાં આવી ચુકયો છે. અને શયતાન તો ચાહે જ છે કે એમને લાંબી ગુમરાહીમાં ભટકાવી દે. (60) અને જ્યારે તેઓને કહેવામાં આવે છે કે અલ્લાહે જે હુકમ ઉતાર્યા છે તેની તરફ અને રસૂલ (સલ.) તરફ આવો તો આ વેળા આપ મુનાફિકોને જોશો કે તમારાથી સદંતર દૂર રહે છે. (61) પછી એમનું શું થશે જયારે કોઈ મુસીબત એમના હાથોએ કરેલ કામોના કારણે એમના ઉપર આવી પડશે અને તેઓ તમારી પાસે કસમ કે ખુદાના સમ અમારો તો ફકત ભલાઈ અને મેળાપ કરાવવાનો જ ઇરાદો હતો. (62) આ તે લોકો છે જેમના દિલોમાં જે કંઈ છે તો અલ્લાહ જાણે છે, માટે આપ એમના (ગુનાઓ) પ્રત્યે બેદરકાર રહો અને તેમને નસીહત કરતા રહો અને એમને એમની ઝાત વિશે અસરકારક વાત કહેતા રહો. (6૩) અને અમે દરેક રસૂલને એટલા માટે જ મોકલ્યા છે કે અલ્લાહના હુકમ મુજબ એમની તાબેદારી કરવામાં આવે. અને તે (મુનાફિક) લોકોએ જ્યારે (ગુનાહ કરીને) પોતાનું જ નુકસાન કર્યું તે જ વખતે તેઓ તમારી પાસે આવી ગયા હોત અને અલ્લાહ પાસે માફી માંગત અને અને રસૂલ પણ તેઓ માટે માફી માંગત તો અવશ્ય તેઓ અલ્લાહને મોટો માફ કરનાર રહમ કરનાર પામત. (64) માટે હવે આપના પરવરદિગારના સોગંદ, તેઓ ઈમાન લાવનાર નહીં ગણાય, જયાં સુધી કે તેમના વચ્ચે ઉત્પન્ન થતા ઝઘડાઓમાં તમારી પાસે નિર્ણય ન કરાવે, અને પછી તમે જે ફેંસલો આપો તે બાબતે એમના દિલોમાં તંગી - નારાજગી પણ ન રાખે અને સંપૂર્ણ રીતે સ્વીકારી લે. (65)
અગાઉની આયતોમાં યહૂદીઓ અને બધા જ લોકોને કહેવામાં આવ્યું હતું કે અમાનતો અને જવાબદારીઓ અદા કરવામાં આવે, લોકો વચ્ચે ન્યાય મુજબ ફેસલા કરવામાં આવે, અલ્લાહ અને રસૂલની ફરમાબરદારી કરવામાં આવે, અને કોઈ વિવાદ થાય તો અલ્લાહ અને એના રસૂલ પાસે ફેસલો કરાવવામાં આવે. આ જ અનુસંધાને હવે એક એવી ઘટનાનું અલ્લાહ તઆલા વર્ણન ફરમાવે છે જેમાં એક મુનાફિક અને યહૂદી વચ્ચે થયેલા ઝઘડામાં મુનાફિક પક્ષ મોમિન હોવાનો દાવો કરવા છતાં મુસલમાનોના દુશ્મન એક યહૂદી આગેવાન પાસે ફેસલો કરાવવાનો આગ્રહ કરતો હતો. પછી અલ્લાહ તઆલા ફરમાવે છે કે અલ્લાહના રસૂલ પાસે ફેસલો કરાવીને એને સંપૂર્ણ રીતે સ્વીકાર કરવો સાચા મોમિન હોવા માટે જરૂરી છે.
ઘટના એમ બની હતી કે એક મુનાફિક (જાહેરમાં મુસલમાન અને અંદરથી યહૂદી) વ્યકિતનો બીજા યહૂદી સાથે ઝઘડો થઈ ગયો. યહૂદી વ્યકિતનો આગ્રહ હતો કે મુહમ્મદ પયગંબર સાહેબ પાસે વિવાદનો ફેસલો કરાવીએ અને પોતાને મુસલમાન તરીકે ઓળખાવતા મુનાફિકનો આગ્રહ હતો કે યહૂદી આગેવાન કઅબ બિન અશરફ પાસે ફેસલો કરાવીએ. મુળ વાત એ હતી કે બંનેને યકીન હતું કે મુહમ્મદ સલ્લલ્લાહ અલયહિ વ સલ્લમ તો ઇન્સાફ મુજબ જ ફેસલો કરશે, એટલે યહૂદી તો રાજી હતો, પણ મુનાફિક વ્યકિત વિવાદમાં પોતે ખોટો હતો એટલે કઅબ બિન અશરફ પાસે કંઈક ગરબડ - રિશ્વત વડે પોતાના પક્ષે ફેસલો કરાવવા ચાહતો હતો.
અંતે બંને નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ પાસે જ આવ્યા. આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે વિગત - વિવાદ સાંભળી અને સમજીને યહૂદીના પક્ષે ફેસલો આપ્યો. મુનાફિકને આ ફેસલો ગમ્યો નહીં અને યહૂદીને આગ્રહ કર્યો કે આપણે ઉમર ફારૂક રદિ. પાસે જઈને ફરીવાર રજૂઆત કરીએ. હઝરત ઉમર રદિ. પણ નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમના હુકમ અનુસાર જરૂરત મુજબ ઝઘડાઓનું નિવારણ કરતા હતા. આ બંનેએ એમની સામે જઈને પોતાનો વિવાદ રજૂ કર્યો અને બીજી વિગત પણ દર્શાવી કે એકવાર નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ પાસે જઈને ફેસલો કરાવી ચુકયા છે. હઝરત ઉમર રદિ.એ મુનાફિકને પૂછયું કે સાચે જ તમે એકવાર નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ પાસે ફેસલો કરાવી ચુકયા છે ? મુનાફિકે એકરાર કર્યો. હઝરત ઉમર રદિ.એ બંનેને રોકી લીધા. અને પછી ઘરમાં જઈને તલવાર લઈને આવ્યા અને કહેવાતા મુસલમાન એટલે કે મુનાફિકને કતલ કરી દીધો. અને ફરમાવ્યું કે જે બદબખ્ત અલ્લાહના રસૂલના ફેસલા ઉપર રાજી ન હોય, એના માટે આ જ ફેસલો છે.
પ્રથમ બે આયતોમાં આ ઘટના તરફ જ ઇશારો છે કે ઈમાનનો દાવો કરનાર મુનાફિક અલ્લાહના શયતાન પાસે ફેસલો કરાવવા ચાહે છે, અને આવા મુનાફિકને રસૂલે ખુદા પાસે ફેસલા માટે જવાનું કહેવામાં આવે છે તો દૂર ભાગે છે.
પછી શું થયું એનું વર્ણન આગળની આયતમાં છે, અને એમાં પણ મુનાફિકોનું હરકતો – કરતૂતોનું વર્ણન છે.
હઝ. ઉમર રદિ.ના હાથે મરનાર મુનાફિક મુસલમાનના રિશ્તેદારો નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની સેવામાં આવ્યા અને હઝ. ઉમર રદિ. વિરુદ્ધ હત્યાનો દાવો કર્યો અને કસમ ખાયને કહેવા લાગ્યા કે અમારાને માણસ હઝ. ઉમર રદિ. પાસે જવાનો આગ્રહ એટલા માટે હતો કે તેઓ સુલેહ સફાઈ કરાવીને બંને પક્ષો વચ્ચે મેળ-મિળાપ કરાવી દે. એવો આશય ન હતો કે રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમનો ફેસલો મંજૂર ન હતો.
આ જ વેળા અલ્લાહ તઆલાએ હઝરત જિબ્રઇલ અલૈ.ને વહી લઈને મોકલ્યા અને એમાં નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ ને વાકીફ કરવામાં આવ્યા કે હઝરત ઉમર રદિ.નો ફેસલો સહી છે અને રસૂલે ખુદાના ફેસલાને નકારનાર માણસ ની આ જ સજા હોય છે. આ લોકો પોતાના માણસને છાવરવા માટે જૂઠું બોલી રહયા છે. આયત નં ૬૨ - ૬૩માં આ જ વાત કહેવામાં આવી છે કે "હવે જયારે એમના હાથોએ કરેલ કામોના કારણે એમના ઉપર મુસીબત આવી પડી તો જુઓ કેવા તમારી પાસે કસમ ખાતા ખાતા આવે છે અને કહે છે કે ખુદાના સમ અમારો તો ફકત ભલાઈ અને મેળાપ કરાવવાનો જ ઇરાદો હતો. આ તે લોકો છે જેમના દિલોમાં જે કંઈ છે તો અલ્લાહ જાણે છે, માટે આપ એમના ગુનાઓ પ્રત્યે અનદેખી કરીને એમને સમજાવતા રહો અને તેમને એવી નસીહત કરો કે એમના દિલમાં સચ્ચાઈ ઉતરે."
અગાઉની આયતના અંતમાં મુનાફિકોને જે અસરકારક નસીહત કરવાનું વર્ણન છે, એ જ નસીહત હવે અલ્લાહ તઆલા વર્ણવે છે કે અલ્લાહ તઆલા રસૂલો એટલા માટે જ મોકલે છે કે લોકો એમની વાતો માને. રસૂલનું કામ ફકત અલ્લાહના હુકમ પહોંચાડવાનું છે જ, પણ એમણે દર્શાવેલી વાતો અલ્લાહના હુકમો હોય છે એટલે એમની ફરમાબરદારી અને આજ્ઞાપાલન લોકો માટે જરૂરી છે. મુનાફિક માણસે પ્રથમ તો ઝઘડાના વિવાદ માટે અલ્લાહના નબીની વાત માનવા તૈયાર ન હતો, અને એક શયતાની આગેવાન પાસે ફેસલો કરાવવા ચાહતો હતો, અને પછી પણ અલ્લાહના નબીના ફેસલા બાબતે રાજી ન હતો અને હઝરત ઉમર રદિ. પાસે ગયો. અને હવે લોકો એના ગુનાને છાવરવા બહાના કરે છે કે એ સુલેહ કરાવવા ચાહતો હતો વગેરે.. આવી સ્થિતિમાં કરવાનું કામ આ હતું કે તમે બધા તમારા માણસની ભૂલ સ્વીકારીને અલ્લાહ તઆલા પાસે માફી માંગત અને નબીએ કરીમ સલ્લલ્લાહ અલયહિ વ સલ્લમની સેવામાં આવીને પણ ભૂલ સ્વીકાર કરત તો રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ પણ એમના માટે અલ્લાહ તઆલા પાસે માફી માંગત.. તો અલ્લાહ તઆલા મોટો મહેરબાન છે, તોબા કુબૂલ ફરમાવીને એમના ઉપર રહેમ કરત.
અને છેલ્લી આયતમાં અલ્લાહ તઆલા પોતે કસમ ખાયને આ ખુલાસા તરીકે ફરમાવે છે કે તમારા પરવરદિગારની કસમ ! સાચા- પાકા મોમિન હોવા માટે જરૂરી છે કે તમારા વચ્ચે ઉત્પન્ન થતા દરેક ઝઘડામાં નબી પાસે જ ફેસલો કરાવવામાં આવે અને નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ જે કંઈ ફેસલો કરે એને ખુલ્લા મને ખુશી સાથે સ્વીકારવામાં આવે. એના વગર મોમિન હોવું શકય જ નથી.
મઆરિફલ કુરઆનમાં મુફતી શફીઅ સાહેબ રહ. ફરમાવે છે કે, આ આયતથી અમુક હુકમો પૂરવાર થાય છે :
(૧) જે માણસ પોતાના ઝઘડાઓમાં કે કોઈ પણ બીજી બાબતે નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમના નિર્ણય કે ફેસલા કે હુકમને માનવાનો ઇન્કાર કરે તે મુસલમાન નહીં ગણાય. એટલે જ આવા માણસને હઝ. ઉમર રદિ.એ કતલ કરી દીધો.
(૨) દરેક પ્રકારના વિવાદ કે ઝઘડામાં, ચાહે લેન-દેન બાબતે હોય કે ઇબાદત અને અકીદા બાબતે હોય, બંને પક્ષો ઉપર જરૂરી છે કે નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ પાસે જ વિવાદનો ફેસલો કરાવે અને એ ફેસલાને માન્ય રાખે.
(૩) જે કોઈ કાર્ય કે હુકમ કે ફેસલો નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ કરી ચુકયા હોય એને ખુશીથી સ્વીકાર કરવો અને માનવો જરૂરી છે. કોઈ માણસ એ હુકમને માને તો ખરો પણ ખુશ ન હોય તો આમ હોવું એના ઈમાનની કમઝોરી છે. જેમ જે સ્થિતિમાં શરીઅત તરફથી તયમ્મુમ કરીને નમાઝ પઢવાની છુટ આપવામાં આવી છે, એવા સંજોગોમાં પણ કોઈ માણસ તયમ્મુમ કરવા ઉપર રાજી ન હોય તો તકવો નથી બલકે દિલની બીમારી છે. જે સંજોગોમાં બેસીને નમાઝ પઢવાની છુટ આપવામાં આવી છે, નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે પણ બેસીને નમાઝ અદા કરી છે, છતાં કોઈ માણસ બેસીને નમાઝ પઢવાને બુરું કે ખોટું કામ સમજતો હોય એણે સમજવું જોઈએ કે એના દિલમાં બીમારી છે. સામાન્ય તકલીફ હોય અને સહન કરીને માણસ ઉભો થઈ નમાઝ પઢે તો એ સારી બાબત છે, અસહય તકલીફ હોય છતાં શરીઅતે આપેલ છુટ પ્રત્યે અણગમો દાખવીને એને છોડી દેવી ખોટું કામ છે અને તકવો નથી.
હજ્જતુલ વિદાઅ એટલે હુઝૂર સલ.ની છેલ્લી હજ
فَلَمَّا كَانَ يَوْمُ التَّرْوِيَةِ تَوَجَّهُوْا إِلٰى مِنَى فَأَهَلُّوْا بِالْحَجِّ وَرَكِبَ النَّبِيُّ ﷺ فَصَلّٰى بِهَا الظُّهْرَ وَالْعَصْرَ وَالْمَغْرِبَ وَالْعِشَاءَ وَالْفَجْرَ ثُمَّ مَكَثَ قَلِيْلًا حَتّٰى طَلَعَتِ الشَّمْسُ وَأَمَرَ بِقُبَّةٍ مِّنْ شَعَرٍ تُضْرَبُ لَهُ بِنَمِرَةَ فَسَارَ رَسُولُ اللَّهِ ﷺ وَلَا تَشُكُّ قُرَيْشٌ إِلَّا أَنَّهُ وَاقِفٌ عِنْدَ الْمَشْعَرِ الْحَرَامِ كَمَا كَانَتْ قُرَيْشٌ تَصْنَعُ فِي الْجَاهِلِيَّةِ فَأَجَازَ رَسُوْلُ اللهِ ﷺ حَتّٰى أَتٰى عَرَفَةَ فَوَجَدَ الْقُبَّةَ قَدْ ضُرِبَتْ لَهٗ بِنَمِرَةَ فَنَزَلَ بِهَا۔
અર્થાત :- પછી જયારે તરવીયહનો દિવસ (એટલે આઠ જિલ્હજનો દિવસ) થયો તો બધા લોકો મીના જવા લાગ્યા, (અને જે સહાબા રસૂલુલ્લાહ સલ.ના હુકમથી સફા મરવાની સઈ કરી તેમનું એહરામ છોડી હલાલ થઈ ચુકયા હતા) તેમણે હજનું એહરામ બાંધ્યું, અને રસૂલુલ્લલાહ સલ. આપની ઉટડી પર સવાર થઈ મીના તરફ ચાલ્યા, ત્યાં પહોંચી આપ સલ.એ (અને સહાબા રદિ.એ મસ્જીદે ખૈફમાં) ઝુહર, અસર, મગરિબ, ઈશા, અને ફજર એમ પાંચેવ નમાઝો પઢી પછી ફજરની નમાઝ પઢી, થોડીવાર આપ મીનામાં વધુ થોભ્યા જયારે સુર્યોદય થયો તો આપ અરફાત તરફ રવાના થયા અને આપ સલ.એ હુકમ આપ્યો હતો કે ઉનથી બનાવેલો તંબુ આપના માટે "નિમરાહ' માં ઉભો કરવામાં આવે. (નિમરાહ અસલમાં તે જગ્યા છે જયાંથી આગળ અરફાત શરૂ થાય છે.) આપના કુટુંબના લોકો કુરૈશીઓને એની ખાત્રી હતી અને એ વિષે તેમને કોઈ શંકા ન હતી કે આપ મશ્અરે હરામ પાસે થોભશે, જેમકે કુરૈશીઓ જાહિલીયત યુગમાં કરતા હતા (પરંતુ આપે એવું ન કર્યું પણ) આપ "મઅરે હરામ''ની હદોથી આગળ વધી અરફાત સુધી પહોંચી ગયા અને આપે જોયું કે (આપની સુચના મુજબ) નિમરહમાં આપનો તંબુ લાગેલો છે. તો આપ સલ. તે તંબુમાં બિરાજમાન થયા.
ખુલાસો : હજની ખાસ હલચલ ઝિલ્હજથી શરૂ થાય છે જેને યૌમે તરવિયહ કહેવામાં આવે છે. તે દિવસે સવારમાં હાજીઓ મિના માટે રવાના થાય છે, ''ઈફરાદ" અથવા "કિરાન" ની રાતે હજ કરનારાઓ તો પહેલેથી જ એહરામમાં હોય છે તે સિવાય બીજા હાજીઓ તે જ દિવસે એટલે આઠ જિલ્હજજે એહરામ બાંધી મિના જાય છે. અને નવમીની સવાર સુધી ત્યાં થોભે છે. રસૂલુલ્લાહ સલ. અને આપની સાથે અમૂક સહાબા રદિ. જેઓ કુર્બાનીઓ સાથે લાવ્યા હતા તે તો એહરામમાં જ હતા, બાકી જે સહાબા રદિ. એ ઉમરાહ કરી એહરામ છોડી નાંખ્યું હતું તે બધાએ આઠમીની સવારમાં હજનું એહરામ બાંધ્યું અને હજનો આ બધો કાફલો મિના રવાના થઈ ગયો, તે દિવસે ત્યાં જ થોભ્યા પછી નવમીની સવારે સુર્યોદય પછી અરફાત માટે રવાના થયા, અરફાત મિનાથી લગભગ છ માઈલ અને મક્કાથી લગભગ નવ માઈલ દૂર છે. અને એ હરમની હદોની બહાર છે. બલકે તે બાજુ હરમની હદો જયાં પુરી થાય છે ત્યાંથી અરફાત શરૂ થાય છે.
અરબના બીજા કબીલાઓ જે હજમાં આવતા હતા તે બધા નવમી જિલ્હજ જે હરમની હદોથી બહાર નિકળી અરફાતમાં થોભતા હતા, પરંતુ રસૂલુલ્લાહ સલ.ના કુટુંબીઓ એટલે કુરૈશ જેઓ પોતાને કા'બાના મુજાવર અને મુતવલ્લી ત્થા અલ્લાહના હરમવાળા કહેતા હતા તેઓ વૃકુફ માટે પણ હરમની હદોમાંથી બહાર નિકળતા ન હતા. અને તેને પોતાનું અનોખા પણું સમજતા હતા આ જુના કૌટુંબિક રિવાજના આધારે કુરૈશીઓને ખાત્રી હતી કે રસૂલુલ્લાહ સલ. પણ 'મઅરે હરામ' પાસે જ વૃકુફ કરશે પરંતુ તેમનીએ રીત ખોટી હતી અને વુકુફનું ખરૂ સ્થળ અરફાત જ હતું, એટલા માટે આપ સલ.એ મિનાથી ચાલતી વખતે જ લોકોને સુચના આપી હતી કે આપ સલ.ને થોભવા માટે તંબુ 'નમિરાહ'માં ઉભો કરવામાં આવે. જેથી સુચના મુજબ 'નમિરાહ વાદી'માં જ આપનો તંબુ લગાવવામાં આવ્યો, અને આપ સલ. ત્યાં જ ઉતર્યા અને તે તંબુમાં બિરાજમાન થયા.
حتَّى إذَا زَاغَتِ الشَّمْسُ أَمَرَ بالقَصْوَاءِ، فَرُحِلَتْ له، فأتَى بَطْنَ الوَادِي، فَخَطَبَ النَّاسَ وَقالَ: إنَّ دِمَاءَكُمْ وَأَمْوَالَكُمْ حَرَامٌ علَيْكُم، كَحُرْمَةِ يَومِكُمْ هذا، في شَهْرِكُمْ هذا، في بَلَدِكُمْ هذا، أَلَا كُلُّ شَيءٍ مِن أَمْرِ الجَاهِلِيَّةِ تَحْتَ قَدَمَيَّ مَوْضُوعٌ، وَدِمَاءُ الجَاهِلِيَّةِ مَوْضُوعَةٌ، وإنَّ أَوَّلَ دَمٍ أَضَعُ مِن دِمَائِنَا دَمُ ابْنِ رَبِيعَةَ بنِ الحَارِثِ، كانَ مُسْتَرْضِعًا في بَنِي سَعْدٍ، فَقَتَلَتْهُ هُذَيْلٌ، وَرِبَا الجَاهِلِيَّةِ مَوْضُوعٌ، وَأَوَّلُ رِبًا أَضَعُ رِبَانَا؛ رِبَا عَبَّاسِ بنِ عبدِ المُطَّلِبِ، فإنَّه مَوْضُوعٌ كُلُّهُ، فَاتَّقُوا اللَّهَ في النِّسَاءِ؛ فإنَّكُمْ أَخَذْتُمُوهُنَّ بأَمَانِ اللهِ، وَاسْتَحْلَلْتُمْ فُرُوجَهُنَّ بكَلِمَةِ اللهِ، وَلَكُمْ عليهنَّ أَنْ لا يُوطِئْنَ فُرُشَكُمْ أَحَدًا تَكْرَهُونَهُ، فإنْ فَعَلْنَ ذلكَ فَاضْرِبُوهُنَّ ضَرْبًا غيرَ مُبَرِّحٍ، وَلَهُنَّ علَيْكُم رِزْقُهُنَّ وَكِسْوَتُهُنَّ بِالْمَعْرُوْفِ، وَقَدْ تَرَكْتُ فِيْكُمْ مَا لَنْ تَضِلُّوْا بَعْدَهٗ إنِ اعْتَصَمْتُمْ به؛ كِتَابُ اللهِ، وَأَنْتُمْ تُسْأَلُونَ عَنِّي، فَما أَنْتُمْ قَائِلُونَ؟ قالوا: نَشْهَدُ أنَّكَ قدْ بَلَّغْتَ وَأَدَّيْتَ وَنَصَحْتَ، فَقالَ بإصْبَعِهِ السَّبَّابَةِ، يَرْفَعُهَا إلى السَّمَاءِ وَيَنْكُتُهَا إلى النَّاسِ: اللّٰهُمَّ اشْهَدْ، اللّٰهُمَّ اشْهَدْ، ثَلَاثَ مَرَّاتٍ. ثُمَّ أَذَّنَ بِلَالٌ، ثُمَّ أَقَامَ فَصَلَّى الظُّهْرَ، ثُمَّ أَقَامَ فَصَلَّى الْعَصْرَ، وَلَمْ يُصَلِّ بَيْنَهُمَا شَيْئًا،
અર્થાત :- પછી જયારે સુર્ય નમી ગયો તો આપ સલ.એ પોતાની કસ્વાઅ પર કાઠી બાંધવાનો હુકમ આપ્યો, અને કાઠી બાંધી દેવામાં આવી, આપ સલ. સવાર થઈ વાદીએ ઉર્ના ની વચ્ચે આવ્યા. અને આપ સલ.એ ઉંટડી પર બેઠા બેઠા જ લોકોને ખુત્બો આપ્યો જેમાં ફરમાવ્યું:
લોકો ! તમારૂ લોહી, તમારો માલ, તમારા ઉપર હરામ છે. (એટલે નાહક કોઈનું ખૂન કરવું અને નાજાઈઝ રીતે કોઈતો માલ, તમારા ઉપર હરામ છે) તે જ પ્રમાણે જેમકે આજ અરફાના દિવસે જિલ્હજના મુબારક માસમાં તમારા આ પવિત્ર શહેર મક્કામાં (તમે નાહક કોઈનું ખુન કરવું, અને કોઈનો માલ લેવો હરામ સમજો છો.) સારી રીતે સમજી લો કે જાહિલીયતની બધી ચીજો (એટલે ઇસ્લામ પ્રગટ થતાં પહેલા, અંધકાર અને ગુમરાહીના યુગની બધી વાતો અને બધા કિસ્સા પુરા થયા) મારા બન્ને પગો નીચે દફન થઈ નાબૂદ થઈ ગયા, (હું તેની નાબૂદી અને ખતમ થવાની જાહેરાત કરૂં છું) અને જાહિલીયત યુગમાં જે ખુન થયા તે પણ માફ છે. (હવે કોઈ મુસલમાન જાહિલીયત યુગના કોઈ ખુનનો બદલો લેશે નહીં અને સૌ પ્રથમ હું મારા કુટુંબના એક ખુન રબીઆ બિન હારીશ બિન અ. મુત્તલીબના પુત્રના ખુનને માફ કરવાની જાહેરાત કરૂં છું જે બનુસઅદ કુટુંબના એક ઘરમાં દુધ પીવા માટે રહેતા હતા. તેમને હુઝૈલ કુટુંબના માણસોએ કતલ કર્યા હતા. (હુઝૈલ પાસેથી હજુ તે ખુનનો બદલો લેવો બાકી હતો પરંતુ હવે હું મારા કુટુંબ તરફથી જાહેરાત કરૂં છુ કે હવે તે કિસ્સો પુરો થયો, બદલો લેવામાં આવશે નહી) અને જાહિલીયત યુગના બધા વ્યાજના લેણદેણ (જે કોઈના ઉપર બાકી છે તે પણ) ખતમ કરવામાં આવે છે (હવે કોઈ મુસલમાન કોઈની પાસેથી તેનું વ્યાજનું લેણદેણ કરશે નહીં,) અને એ બાબતમાં પણ હું સૌથી પહેલાં મારા કુટુંબના વ્યાજુ લેણદેણમાંથી મારા કાકા અબ્બાસ બિન અબ્દુલ મુત્તલિબના વ્યાજુ લેણદેણ ખતમ થવાની જાહેરાત કરૂં છું (હવે તેઓ કોઈની પાસેથી પોતાનું વ્યાજુ લેણું વસુલ કરશે નહીં) તેમના બધા જ વ્યાજુ લેણા ખત કરવામાં આવે છે અને એય લોકો! સ્ત્રીઓના હકો અને તેમની સાથે વર્તાવ સંબંધી અલ્લાહથી ડરો, એટલા માટે કે તમે તેણીઓને અલ્લાહની અમાનત તરીકે લીધી છે. અને અલ્લાહના હુકમ અને તેના કાયદાના આધારે તમારા માટે તેણીઓથી લાભ ઉઠાવવો હલાલ થયો છે. અને તમારો ખાસ હક તેણીઓ પર એ છે કે જે માણસનું તમારા ઘરમાં આવી તમારી જગ્યાએ તથા તમારા બિસ્તર પર બેસવું તમને પસંદ ન હોય, તેણીઓ તેમને એનો મોકો ન આપે, પરંતુ જો તેઓ આવી ભુલ કરી બેસે તો (ચેતવણી માટે અને ફરી આમ ન થાય એ હેતુએ જો થોડી શિક્ષા આપવી યોગ્ય અને ફાયદા કારક સમજે) તો તેણીઓને મામુલી શિક્ષા આપી શકો છો અને તેણીઓનો ખાસ તમારા ઉપર એ છે કે તમારી શકિત અને તાકાત મુજબ તેમના ખાવા પીવાની વ્યવસ્થા કરો.
અને હું તમારા માટે હિદાયતનો તે સામાન છોડી રહ્યો છું કે જો તમે તેની સાથે વળગેલા રહેશો અને તેની તાબેદારી કરતા રહેશો તો કદી ગુમરાહ થશો નહી. તે અલ્લાહની કિતાબ છે. અને કયામતના દિવસે અલ્લાહ તરફથી તમોને મારા વિષે પુછવામાં આવશે (કે મેં તમને અલ્લાહ તરફથી સુચનાઓ અને તેના હુકમો પહોંચાડયા હતા ?)તો બતાવો ! તમે ત્યાં શું કહેશો ? અને શું જવાબ આપશો ? હાજર જનોએ અરજ કરી કે અમે શાક્ષી આપીએ છીએ અને કયામતના દિવસે પણ શાક્ષી આપીશું કે આપે અલ્લાહનો સંદેશ અને તેના હુકમો અમને પહોંચાડયા અને અમારી રેહબરી તેમ તબ્લીગનો હક અદા કરી દીધો. અને નસીહત તેમ ભલાઈમાં કોઈ કસર છોડી નથી. તે વાત પર આપ સલ.એ શહાદતની આંગળી આકાશ તરફ ઉઠાવી, અને લોકોના મજમા તરફ ઈશારો કરી ત્રણ વાર ફરમાવ્યું અલ્લાહુમ્મ અશ્હદ, અલ્લાહુમ્મ અશ્હદ, અલ્લાહુમ્મ અશ્હદ, એટલે એય અલ્લાહ! તું ગવાહ રહે કે મેં તારા સંદેશા અને તારા હુકમો તારા બંદાઓ સુધી પહોંચાડી દીધા. અને તારા આ બંદાઓ એનો ઈકરાર કરી રહ્યા છે. ત્યાર બાદ (આપના હુકમથી) હઝરત બિલાલ રદિ.એ અઝાન આપી, પછી ઈકામત કહી, અને આપ સલ.એ ઝહોરની નમાઝ પઢાવી. ત્યાર પછી હઝરત બિલાલ રદિ.એ ફરી ઈકામત કહી અને આપ સલ.એ અસરની નમાઝ પઢાવી.
ખુલાસો : આટલું નક્કી છે કે તે વરસે અરફાનો દિવસ જુઆ હતો, રસૂલુલ્લાહ સલ.એ ઝવાલ પછી ઉપરોકત ખુત્બો આપ્યો હતો તે પછી ઝહોર અને અસરની બન્ને નમાઝો (ઝહોરના વખતમાં) એક સાથે પઢી, હદીસમાં ઝોહરનો ઉલ્લેખ સ્પષ્ટ છે. જેનાથી જાહેર થાય છે કે આપ સલ.એ તે દિવસે જુમાની નમાઝ પઢી નથી પણ ઝહોર પઢી, અને જે ખુત્બો આપ સલ.એ આપ્યો તે જુમાનો ખુત્બો નહિ બલ્કે અરફાતના દિવસનો ખુત્બો હતો, જુમા ન પઢવાનું કારણ લગભગ એ હતું કે અરફાતમાં કોઈ વસ્તી ન હતી, એક વાદી અને રણ છે. જુમ્આ વસ્તીઓ અને આબાદીઓમાં પઢવામાં આવે છે.
અરફાના દિવસના આ ખુત્બામાં આપ સલ.એ જે સુચનાઓ આપી તે વખતે મજમામાં તે જ ચીજોની જાહેરાત અને તબ્લીગ તેમ તાલીમ જરૂરી અને વધુ મહત્વ હતી ખુત્બા પછી આપ સલ.એ ઝોહર અને અસર એકી સાથે ઝોહરના વખતમાં અદા કરી, અને વચમાં સુન્નત અથવા નફિલની બે રકાત પણ પઢી નહી, ઉમ્મત એના પર સહમત છે કે અરફાતના વુકુફના દિવસે આ બન્નેવ નમાઝો એ મુજબ પઢવામાં આવે અને એ જ મુજબ મગરિબ અને ઈશા તે દિવસે મુઝદલ્ફા પહોંચી ઈશાના ટાઈમમાં એકી સાથે પઢવામાં આવે રસૂલુલ્લાહ સલ.એ એવું જ કર્યુ હતું, જેમકે આગળ જણાશે. તે દિવસે એ નમાઝોની ખરી રીત અને તેમનો ખરો વખત એ જ છે. એની એક હિકમત તો એ થઈ શકે છે કે તે દિવસની શાન દરેક ખાસ અને આમ પબ્લીકને માલુમ પડી જાય કે આજના માટે અલ્લાહ તરફથી નમાઝોના સમયમાં આ ફેરફાર કરવામાં આવ્યો છે. અને બીજી હિકમત એ પણ થઈ શકે છે કે તે દિવસનો અસલી વજીફો જે ઝિક્ર અને દુઆ છે. તેના માટે એકાગ્રતા સાથે બંદો પરવારી રહે, અને ઝોહરથી મગરિબ સુધી બલ્કે ઈશા સુધી કોઈની ફિકર પણ ન રહે.
ઇસ્લામનો અર્થ અને કાર્યવર્તુળ
હઝ.મવ. અબૂલ હસન અલી મીયાં નદવી (રહ.)
કુર્આનમાં છે: હે ઈમાન વાળાઓ, ઈસ્લામમાં પૂરા- સંપુર્ણ દાખલ થઈ જાઓ અને શૈતાનનું અનુસરણ ન કરો. તે તો તમારો ખુલ્લો શત્રુ છે. (૨,૨૦૮)
અહિંયા અનામત કે આરક્ષણ નથી કે આ તમારૂં અને આ અમારૂં.આટલું દેશનું અને આટલું રાજયનું. આ અલ્લાહનું અને આ પરિવાર કબીલાનું, થોડું દીન-ધર્મ માટે અને થોડું રાજનૈતિક લાભ માટે. અહિંયા તો સઘળી ઉપાસના—બંદગી અલ્લાહ માટે જ છે. ઈસ્લામના આ પરિઘમાં માનવ જીવન અને તેના સઘળા પાસાંઓ આવી ગયા છે.
મોટાથી મોટા વિદ્વાન (ફકીહ), સંશોધક (મુજતહીદ) આલિમ-બુઝુર્ગ- પીર-ઓલિયા કે વિદ્વાનને કોઈ એવી વાતમાં સંશોધનનો અધિકાર નથી જે કુર્આન—હદીસમાં સ્પષ્ટ છે.
અલ્લાહની ઇચ્છા, ઈસ્લામની માંગ અને અપેક્ષા છે કે પૂરા– સંપુર્ણ દાખલ થઈ જવામાં આવે. પરંતુ હું સ્પષ્ટ શબ્દોમાં કહેવું મારૂં કર્તવ્ય સમજું છું કે મુસલમાનોની રહેણી કરણી, શાદી વિવાહના રિવાજો, વારસા વહેંચણી, મુઆમલાત અને સામાજીક સંબંધો ઇસ્લામના નીતિ નિયમોથી ઘણાં જ દૂર છે.
કેટલાક લોકો ઈસ્લામી અકાઇદ (બુનિયાદી માન્યતાઓ) પરત્વે પૂરા પાકા છે, તૌહીદ-એકેશ્વરવાદમાં શ્રધ્ધા ધરાવે છે. અલ્લાહના રસૂલોથી આસ્થા ધરાવે છે. પરંતુ ઇબાદતમાં કાચા પડે છે. ઘણા એવા પણ છે, જેઓ અકાઇદ, ઇબાદતમાં પાકા છે, પરંતુ સામાજીક સંબંધોમાં માની ન શકાય એવા અવિશ્વાસુ હોય છે. કોઈ પણ મામલામાં ધોકાબાઝી, અન્યાય કરીને જ રહે છે. પાડોશીઓને રંજાડે છે. માપ તોલમાં ગરબડ કરે છે. વગેરે…
તમારામાંથી કોઈ પણ માણસ મુસલમાન ન કહેવાશે, જયાં સુધી એનો પાડોશી એની યાતના, સતામણીથી સુરક્ષિત ન થઈ જાય.
ખેર, આપણામાં એક સમુહ એવો છે, જેણે સઘળા વ્યવહાર, સંબંધો અને મુઆમલાતને ઇસ્લામથી બહાર કરી દીધા છે. ફકત અકાઇદ અને ઇબાદત જ એમનો સંપુર્ણ ઇસ્લામ છે. સંબંધોમાં પારદર્શિતા, વચન પાલન, અમાનદારી, સહિયારી વસ્તુઓમાં ન્યાયપુર્ણ વહેચણી, એમના મતે કોઈ ઇસ્લામી આચારને લગતી બાબત નથી. માનવીય અધિકારો, ચાકરોના હકો, નાત- સગાઈના તકાદાઓથી સ્વતંત્ર, બધામાં જ વ્યકિતગત સ્વાર્થ અને મનમાની.
અલ્લાહના રસૂલ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે પોતાના સાનિધ્ય- સોબતમાં રાખી ચાત્રિયવાન અનુયાયીઓ (સહાબાઓ)નો જે અનુકરણીય સમુદાય તૈયાર કર્યો હતો, તેઓ દીન-ધર્મના સંપંર્ણ શ્રધ્ધાળુ, ઈસ્લામી આચાર વિચારમાં ઘડાયેલા, અકાઇદ, ઇબાદત, મુઆમલાત, આચરણ અને આયોજન, રાજ, સત્તા, જય, પરાજય, અને શાસન વ્યવસ્થા; દરેકમાં ઇસ્લામી નીતિ નિયમોને અનુસરનારા અને આધીન હતા.
ઇસ્લામનો અર્થ અને કાર્યવર્તુળ(અલ-બલાગ)
હઝ.મવ. અબૂલ હસન અલી મીયાં નદવી (રહ.)
કુર્આનમાં છે: હે ઈમાન વાળાઓ, ઈસ્લામમાં પૂરા- સંપુર્ણ દાખલ થઈ જાઓ અને શૈતાનનું અનુસરણ ન કરો. તે તો તમારો ખુલ્લો શત્રુ છે. (૨,૨૦૮)
અહિંયા અનામત કે આરક્ષણ નથી કે આ તમારૂં અને આ અમારૂં.આટલું દેશનું અને આટલું રાજયનું. આ અલ્લાહનું અને આ પરિવાર કબીલાનું, થોડું દીન-ધર્મ માટે અને થોડું રાજનૈતિક લાભ માટે. અહિંયા તો સઘળી ઉપાસના—બંદગી અલ્લાહ માટે જ છે. ઈસ્લામના આ પરિઘમાં માનવ જીવન અને તેના સઘળા પાસાંઓ આવી ગયા છે.
મોટાથી મોટા વિદ્વાન (ફકીહ), સંશોધક (મુજતહીદ) આલિમ-બુઝુર્ગ- પીર-ઓલિયા કે વિદ્વાનને કોઈ એવી વાતમાં સંશોધનનો અધિકાર નથી જે કુર્આન—હદીસમાં સ્પષ્ટ છે.
અલ્લાહની ઇચ્છા, ઈસ્લામની માંગ અને અપેક્ષા છે કે પૂરા– સંપુર્ણ દાખલ થઈ જવામાં આવે. પરંતુ હું સ્પષ્ટ શબ્દોમાં કહેવું મારૂં કર્તવ્ય સમજું છું કે મુસલમાનોની રહેણી કરણી, શાદી વિવાહના રિવાજો, વારસા વહેંચણી, મુઆમલાત અને સામાજીક સંબંધો ઇસ્લામના નીતિ નિયમોથી ઘણાં જ દૂર છે.
કેટલાક લોકો ઈસ્લામી અકાઇદ (બુનિયાદી માન્યતાઓ) પરત્વે પૂરા પાકા છે, તૌહીદ-એકેશ્વરવાદમાં શ્રધ્ધા ધરાવે છે. અલ્લાહના રસૂલોથી આસ્થા ધરાવે છે. પરંતુ ઇબાદતમાં કાચા પડે છે. ઘણા એવા પણ છે, જેઓ અકાઇદ, ઇબાદતમાં પાકા છે, પરંતુ સામાજીક સંબંધોમાં માની ન શકાય એવા અવિશ્વાસુ હોય છે. કોઈ પણ મામલામાં ધોકાબાઝી, અન્યાય કરીને જ રહે છે. પાડોશીઓને રંજાડે છે. માપ તોલમાં ગરબડ કરે છે. વગેરે…
તમારામાંથી કોઈ પણ માણસ મુસલમાન ન કહેવાશે, જયાં સુધી એનો પાડોશી એની યાતના, સતામણીથી સુરક્ષિત ન થઈ જાય.
ખેર, આપણામાં એક સમુહ એવો છે, જેણે સઘળા વ્યવહાર, સંબંધો અને મુઆમલાતને ઇસ્લામથી બહાર કરી દીધા છે. ફકત અકાઇદ અને ઇબાદત જ એમનો સંપુર્ણ ઇસ્લામ છે. સંબંધોમાં પારદર્શિતા, વચન પાલન, અમાનદારી, સહિયારી વસ્તુઓમાં ન્યાયપુર્ણ વહેચણી, એમના મતે કોઈ ઇસ્લામી આચારને લગતી બાબત નથી. માનવીય અધિકારો, ચાકરોના હકો, નાત- સગાઈના તકાદાઓથી સ્વતંત્ર, બધામાં જ વ્યકિતગત સ્વાર્થ અને મનમાની.
અલ્લાહના રસૂલ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે પોતાના સાનિધ્ય- સોબતમાં રાખી ચાત્રિયવાન અનુયાયીઓ (સહાબાઓ)નો જે અનુકરણીય સમુદાય તૈયાર કર્યો હતો, તેઓ દીન-ધર્મના સંપંર્ણ શ્રધ્ધાળુ, ઈસ્લામી આચાર વિચારમાં ઘડાયેલા, અકાઇદ, ઇબાદત, મુઆમલાત, આચરણ અને આયોજન, રાજ, સત્તા, જય, પરાજય, અને શાસન વ્યવસ્થા; દરેકમાં ઇસ્લામી નીતિ નિયમોને અનુસરનારા અને આધીન હતા
કવ્વાલી અને ઉર્સની હકીકત(અલ-બલાગ)
કવ્વાલી, ઉર્સ વગેરેની શરૂઆત સારી હતી, પરંતુ પછીથી ધીરે ધીરે એમાં સંખ્યાબંધ બિદ્અતો પ્રવેશી ગઈ, એટલા માટે ઉલમાએ કિરામે આ બાબતોને ના જાઈઝ જાહેર કરવી પડી. ઉર્સ શરૂમાં સમયના આયોજન ના પ્રકારની એક વસ્તુ હતી. જેમકે દારુલ ઉલૂમ -દેવબંદ અને મદ્રસા મઝાહિરુલ ઉલૂમ બંને મદ્રેસાઓમાં બુખારી શરીફ નિર્ધારિત પિરીયડ (ઘંટો-તાસ)માં પઢાવવામાં આવે છે, સરળતા ખાતર આ પ્રકારનું સમયનું આયોજન કરવામાં આવ્યું છે, આ બિદઅત નથી. મેં હઝરત ગંગોહી (રહમતુલ્લાહિ અલયહિ)ના યુગમાં જોયું કે એમના ત્યાં દરરોજ ઈદ જેવું રહેતું. કયારેક હઝરત સહારનપૂરી (રહમતુલ્લાહિ અલયહિ)તો કયારેક હઝરત શયખુલ હિંદ (રહમતુલ્લાહિ અલયહિ) અને કયારેક હઝરત મદની (રહમતુલ્લાહિ અલયહિ) પધારતા. ખાદિમો ઝિયારત કરતા. ઉર્સની શરૂઆત આ રીતે થઈ કે શયખની વફાત પછી એમના ખલીફાઓ અને શ્રધ્ધાળુઓ વર્ષમાં એકવાર પરિચય, આત્મીયતા અને કાર્યવર્તુળ વિસ્તારવા માટે એકત્ર થતાં હતા. પોતાના શયખની વફાતની તારીખ દરેકને યાદ હોય છે. મારા કાકા સાહેબ (રહમતુલ્લાહિ અલયહિ)ની વફાત બુધવારના રોજ ફજરની નમાઝથી પહેલાં થઈ હતી. એમના તમામ શિષ્યોને આ યાદ છે. તો કહેવાનું તાત્પર્ય આ છે કે પ્રારંભમાં આ વસ્તુ સારી હતી, પરંતુ છેવટે કુરિવાજોની પકડ ના કારણે એ બિદ્અત બની ગઈ.
એજ રીતે કવ્વાલી પણ ઘણા બધાં મશાઈખથી સાંભળવાનું સાબિત છે, પરંતુ એની કેટલીક શરતો છે, જે હઝરત ઈમામ ગઝાલી (રહમતુલ્લાહિ અલયહિ)એ " ઈહયાઉલ ઉલૂમ"માં દર્શાવી છે. હવે એમાં અનેક પ્રકારના દૂષણો પ્રવેશી ગયાં છે એટલા માટે હરામ ઠરાવી દેવામાં આવી. દિલ્હીનો એક ગવૈયો હતો, તે હજ્જે બયતુલ્લાહ માટે ગયો ત્યાં એક ગ્રામીણ અરબે હૂદીખ્વાની (તે ગીત, જે અરબના ઊંટ હાંકનારાઓ ઊંટને દોરતી વખતે ગાય છે.) શરૂ કરી દીધી. જેના કારણે એનું ઊંટ ભડકયું અને તે પડી ગયો. ગવૈયો બોલી ઊઠયો, "અલ્લાહના રસૂલ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) પર કુર્બાન !" લોકોએ પૂછયું કે કઈ વાત પર ? તેણે કહયું કે ' હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લ)એ આટલા માટેજ ગાવાનું હરામ ઠેરવ્યું છે. જો અમારું ગીત સાંભળતા, તો હરામ ન ઠેરવત.”
અમે પોતાના બુઝુર્ગોને જોયા છે કે કોઈ સારી કવિતા સાંભળતા તો ઝૂમી ઉઠતા. “તઝકિરતુર્રશીદ” માં હઝરત શાહ અબ્દુલ કુદૂસ ગંગોહી (રહમતુલ્લાહિ અલયહિ)ને ઘંટીના દળવાના સૂરને કારણે પરમ આનંદની અનુભૂતિ થઈ.
બુઝુર્ગોની ટીકા કરવામાં ઉતાવળ ના કરો. અકીદતમંદ હોવું ન હોવું જુદી વાત છે.પરંતુ વિરોધ કે અવગણના ન કરો, કેમકે, જો એ અલ્લાહના મુકર્રબ બંદા છે તો એમની સાથે શત્રુતા રાખનાર વિશે અલ્લાહ તઆલાનું એ'લાન છે કે( من عادىٰ لي وليا فقد اٰذَنْتُهٗ بالحرب ) મારા મુકર્રબ બંદાની સાથે દુશ્મની રાખનારને મારા તરફથી લડાઈનું એ'લાન છે." ટીકા – ટીપ્પણીનો હક્ક એમના સમકક્ષ માણસોને છે, જાણ્યા-સમજયા વિના મન ફાવે તેવો વાણી વિલાસ ન કરો.
کسانیکه یزدان پرستی کنند - بآواز دولاب و مستی کنند
અલ્લાહના ચાહકોને સારા સૂરની જરૂરત નથી હોતી. તે તો અદા પર ફિદા થઈ જાય છે. મા'મૂલી અદા ઉપર દિલ આપી દે છે.
નિઝામુદ્દીન અવૃલિયાઅ્ (રહમતુલ્લાહિ અલયહિ) પણ સિમાન્ (કવ્વાલી, શે'રશાયરી)ને ચોક્કસ શરતો સાથે પરવાનગી પાત્ર સમજતા હતા. હઝરત સુલતાનજી રહ.ની વૃષ્ટિએ કવ્વાલી માટે ચાર શરતો હતી. ૧,સંભળાવનાર દુરાચારી, સ્વચ્છંદ અને શહવત પરસ્ત ન હોવો જોઈએ. ૨, બાળક અથવા ઓરત ન હોવાં જોઈએ. ૩, જે કાંઈ સંભળાવવામાં આવે તેનું વિષય વસ્તુ નિરર્થક મઝાક મશ્કરીવાળું કે અશ્લીલ ન હોવું જોઈએ. ૪, સંગીતના સાધનોનો પ્રયોગ ન થવો જોઈએ. (અન્ફ્રાસે ગયબી.પેજ:૬૬)
એમને ત્યાં સિમાએનું સ્વરૂપ આવું હતું કે અમીર ખૂસરો કેટલીક કાવ્યપંકિતઓ સંભળાવતા, એનાથી સુલતાનજી રહ.પર ખાસ પ્રકારની કયફિયત પેદા થતી અને થોડીવારમાં ઓસરી જતી. કયારેક અમીર ખુસરોની સાથે કેટલાક અન્ય માણસો પણ કાવ્ય પઠનમાં જોડાતા. હઝરત કાઝી ઝિયાઉદ્દીન સાહેબ રહ. જે એ સમયે દીલ્હીના સર્વોચ્ચ મુફતી હતા. એમણે જયારે આ વિશે જાણ્યું તો ઉગ્ર વિરોધ કર્યો. હઝરત સુલતાનજી રહ.એ ફરમાવ્યું કે હું વિવશ છું, સિમાઅ કેટલીક બીમારીઓનો ઈલાજ છે. જયારે કાઝી સાહેબ રહમતુલ્લાહિ અલયહિનો વિરોધ તીવ્ર બન્યો તો સુલતાનજી રહ.એ ફરમાવ્યું જો હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)થી મારી વિવશતા અને લાચારી અંગેની ઈજાઝત અપાવી દઉં તો માનશો કે નહીં ? કાઝી સાહેબે સંમતિ દર્શાવી. આ અનુસાર ખ્વાબમાં નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)એ આવીને ફરમાવ્યું કે આ મઅઝૂર છે. કાઝી સાહેબ રહ.એ ખ્વાબમાં જ પુછયું કે હુઝૂર (સલ્લલ્લાહે અલયહિ વસલ્લમ)! શરીઅતની સ્પષ્ટતા ઉપર અમલ કરું યા ખ્વાબ પર ?" સવાર થઈ તો સુલતાનજી રહ.એ કાઝી સાહેબ રહ.ને પૂછયું કે હવે તો મારો પીછો છોડશો કે નહીં ? કાઝી સાહેબ રહ.એ ફરમાવ્યું કે હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) તરફથી જવાબ નથી મળ્યો (મૌનનો અર્થ આ છે કે શરીઅતની સ્પષ્ટતા પર અમલ કરવો જોઈએ.)
જયારે કાઝી સાહેબ રહ.નો મૌતનો સમય નજીક આવ્યો તો હઝરત સુલતાનજી રહ. ઈયાદત માટે પધાર્યા. કાઝી સાહેબ રહ.નું બારણું ખટખટાવ્યું. અંદરથી ખાદિમ દરવાજા પર આવ્યો અને પૂછયું કે કોણ ? સુલતાનજી રહ.એ પોતાનું નામ બતાવ્યું. ખાદિમે અંદર જઈને ખબર આપી તો કાઝી સાહેબ રહ.એ ફરમાવ્યું કે હું ઝિંદગીના આખરી શ્વાસોમાં કોઈ બિદઅતીનું મોઢું જોવા નથી ઈચ્છતો, આ એમના ઇસનો વિષય હતો. સુલતાનજી રહ.એ ફરમાવ્યું કે હું એવો ગુસ્તાખ બિદઅતી નથી, બિદઅતી પોતાની બિદઅતથી તવબહ કરીને આવ્યો છે. જયારે કાઝી સાહેબ રહ.ને આ ખબર મળી તો એમણે પોતાનો અમામહ (પાઘડી) મોકલ્યો અને કહેવાડયું કે એના પર કદમ મુબારક મૂકીને અંદર પધારે, હઝરત સુલતાનજી રહ. પોતાના શિર પર અમામહ મૂકીને કાઝી સાહેબ રહ.ની સેવામાં હાજર થયા તો કાઝી સાહેબ રહ.એ શયખુલ મશાઈખ સુલતાનજી રહ. સામે નીચે મુજબનો શે'ર પઢયો.
آنان که خاک را بنظر کیمیا کنند
آیا بود که گوشته چشمے بما کنند
જે લોકોની નજર માટીને સોનું બનાવી દે છે, કેવું સારું થાત જો તેમની એક ઊડતી નજર મારી ઉપર પણ પડી જાત.
'ઇસ્લામી સિયાસત'નો ક્રમશ અનુવાદ મુફતી ફરીદ અહમદ કાવી.
મેં ઘણા એવા લોકો જોયા છે, જેઓ હઝરત ગંગોહી રહ.ની વફાત પછી હઝરત રહ.ના મોટા ખલીફા અને જાનશીન હઝરત સહારનપૂરી રહ., હઝરત શૈખુલ હિન્દ રહ કે હઝરત રાયપૂરી રહ. સાથે જોડાયેલા રહયા નહીં અને અંતે મહરૂમ રહી ગયા. હઝરત ગંગોહી રહ.ના આ ખલીફાઓ પણ આસમાને હિદાયતના આફતાબ હતા. આવું પછી આ બુઝુર્ગોથી સંબંધ રાખનારા અમુક લોકોએ કર્યું, કે તેઓ આ બુઝુર્ગોની વફાત પછી એમના જાનશીન અને ખલીફાઓ સાથે જોડાયા નહીં. આવા લોકો પાછળના ખલીફાઓ અને જાનશીનોને એમના આગલા બુઝુર્ગો સાથે સરખાવીને જુએ છે. પાછળના ખલીફાઓ દરેક રીતે તો આગલા બુઝુર્ગો જેવા હોય જ નહીં, એટલે એમની નજરમાં ખલીફાઓ નાકાબેલ ઠરે છે. પણ એનાથી નુકસાન કોનું થયું ? આ લોકો જ મહરૂમ રહયા. અને એનું કારણ પણ ફકત એમના વિચારો હતા કે એમણે ખલીફાઓને કાબેલ સમજવામાં આનાકાની કરી. આવા લોકોએ વિચારવું જોઈએ કે જે લોકો જતા રહયા છે એ ફરી પાછા નહીં આવે, અને વર્તમાનમાં જે બુઝુર્ગો છે એ જતા રહેશે તો એમના પછી આવનાર આ વર્તમાન બુઝુર્ગો જેવા પણ નહીં હોય. માટે આ બાબતે ફકત એટલું જ જોવાનું રહે છે કે આ માણસ દીનની જરૂરી વાતો ઉપર અમલ કરે છે કે નહીં ? દીનની જરૂરી વાતોનો ઇન્કાર કરનાર તો દીનથી જ બહાર હોય છે, અને ત્યાર પછી દીનની જરૂરી વાતોને સ્વીકાર કરનાર જેટલી હદે સુન્નતે રસૂલ ઉપર અમલ કરતો હશે એટલો વધારે હિદાયત ધરાવનાર ગણાશે. સુન્નતનો રસ્તો જ અસલી હિદાયત છે.
છઠ્ઠી વાત આ યાદ રાખવાની છે કે નવા અહલે ઇલ્મ એટલે કે ઉલમા આખરે આપણા દરમિયાનથી જ આવશે ને ! માટે તેઓ જે પ્રકારના લોકો વચ્ચેથી આવતા હશે એની અસર એમના અંદર જોવા મળશે. જેવું લોઢું હશે એવી જ તલવાર બને. જેવી માટી હશે એવું વાસણ બને. જેવું તાંબુ એવી જ કલઈ એના ઉપર દેખાશે.
નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમનો ઇરશાદ છે : خياركم في الجاهلية خياركم في الاسلام
એટલે કે તમારામાં જે માણસ જહાલતકાળમાં ઇસ્લામ પૂર્વે સારા – શરીફ હતા તેઓ ઇસ્લામમાં પણ સારા - શરીફ ગણાશે, શરત એટલી કે ઇસ્લામની જાણકારી – સમજ મેળવી લે. (હદીસ)
આજે પણ આ જ નિયમ લાગુ પડે છે. જે લોકો વ્યકિતગત શરીફ હોય છે અને શરાફત સાથે ઇલ્મ મેળવે છે તેઓ અખ્લાકની ઉચ્ચ હદે પહોંચે છે. અને દીની ઇલ્મની જ વાત નથી. દુનિયાની વિદ્યાઓ – કળાઓમાં પણ આવું જ છે. વ્યકિતગત શરાફતથી કોરા હોય એવા લોકો જયારે ડીગ્રીઓ લઈને ઉચા હોદ્દાઓ ઉપર પહોંચે છે તો રિશ્વત, ભ્રષ્ટાચાર અને ઝુલમ કરીને ખુદાની મખ્લુકને તકલીફ પહોંચાડે છે. માટે જો મુસલમાનોની જમાતમાંથી સારા અને ઉચ્ચ લોકો દીની ઇલ્મ અને વિદ્યાઓ મેળવવા ન આવતા હોય અને અંતે ખરાબ લોકો આલિમ બનતા હોય તો આ આલિમનો વાંક છે કે પછી મુસલમાનોનો વાંક છે ? નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ કયામતની એક નિશાની વર્ણવતા ફરમાવે છે કે,
મોટા લોકોમાં બુરાઈ — બેહયાઈ વધી જશે, સત્તા નાના લોકો પાસે આવશે અને ઇલ્મ – વિદ્યા એવા લોકો માંહે સમેટાય જશે જેઓની સમાજ માંહે હેસિયત નહીં હોય. અને ઉપરથી સારા કહેવાતા લોકો દીન બાબતે બે મોઢાની વાતો કરશે. (ઇશાઅહ)
એટલે કે મોટા ગણાતા લોકોને માલ અને મોભાની લાલચમાં ઈલ્મે દીન મેળવવાની ફુરસદ નહી હોય. કેવા ઝુલમની વાત છે ! જેમને કોઈ ફિકર ચિંતા નહી હોય, માલદાર હશે, તેઓ એમની કીમતી જિંદગીને અત્યંત બેકાર અને બરબાદ થનાર કામો – કોશિશોમાં વેડફી નાંખે છે. આવા લોકો અલ્લાહ તઆલા સામે શું જવાબ આપશે ?
નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમનો ઇરશાદ છે :
કયામતના દિવસે પાંચ બાબતે માણસ પાસેથી જવાબ ન મેળવી લેવામાં આવે, એના બંને કદમને હટવા દેવામાં આવશે નહીં. ૧. ઉમર – જિંદગી કેવા કામોમાં પૂરી કરી ? ૨. જવાની – યુવાનીમાં શું કર્યું ? એટલે કે જવાનીની શકિત અને સ્ફૂર્તિને અલ્લાહની ખૂશીના કામોમાં વાપરી કે નારાજગીના કામોમાં ? ૩. માલ કયાંથી મેળવ્યો અને ૪. કયાં ખર્ચ કર્યો ? એટલે કે માલ કમાવા માટે જાઇઝ રીતો અપનાવી કે નાજાઈઝ ? વ્યાજ, રિશ્વત વગેરે. અને જાઇઝ જગ્યાએ ખર્ચ કયો કે નાજાઈઝ ? ફુઝુલ ખર્ચી અને કંજૂસાઈની વચ્ચે રહીને ખર્ચ કર્યો કે પછી એ બેમાંથી કોઈ એક બુરાઈ અપનાવી હતી? ૫. જે ઇલ્મ – જ્ઞાન મેળવ્યું એના ઉપર કેટલો અમલ કર્યો ? ઇલ્મ મેળવવું અલ્લાહનો આગવો હુકમ છે અને પછી એના ઉપર અમલ કરવાનો પણ અલગ હુકમ છે. એટલે જ ઇલ્મ ન હોય અને કોઈ ગુનો થાય તો એક ગુનો લાગુ પડે છે પણ ઇલ્મ હોવા છતાં માણસ અમલ ન કરે અને ગુનાના કામો કરે તો એનો ઘણો વધારે ગુનો થાય છે.
માટે જે લોકો પોતાની જિંદગીને જે ફકત અલ્લાહ તઆલાની મહેરબાનીથી જ મળી છે, અલ્લાહની રઝામંદી સિવાયના કામોમાં બરબાદ કરી રહયા છે, એમણે અલ્લાહને જવાબ આપવાની તૈયારી રાખવી જોઈએ. એના દરબારમાં કોઈની વકાલત કે બેરિસ્ટરી કામ નહીં આવે. ખોટા દાવાઓ અને જૂઠા ગવાહો પણ કોઈ મદદ કરી શકશે નહીં. દરેક માણસ માટે જરૂરી છે કે આ પાંચ બાબતોએ જવાબ આપવાની તૈયારી રાખે. ઘણી મોટી અદાલતમાં જવાબ આપવાનો થશે.
મારો મકસદ આ બાબતે ધ્યાન દોરવાનો છે કે વ્યકિતગત ગુણો અને ખાનદાની શરાફતની ઘણી અસર હોય છે. એટલે જ આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે ફરમાવ્યું હતું કે ખલીફા તો કુરેશમાંથી હોવા જોઈએ.
હઝરત ઉમર રદિ. એકવાર મદીના શરીફની દેખરેખ માટે નીકળ્યા હતા. ફરતા ફરતા થાકીને એક દિવારે ટેક લગાવીને થોડી વાર ઉભા રહયા. એવામાં એક ડોશીનો અવાજ સંભળાયો, એ એની દીકરીને કહી રહી હતી કે દૂધમાં થોડું પાણી ભેળવી દે. છોકરીએ ના પાડીને કહી રહી હતી કે અમીરુલ મુઅમિનીન તરફથી આ બાબતે મનાઈ ફરમાવવામાં આવી છે. માં એ એને કહયું કે અમીરુલ મુઅમિનીન અહિંયા આવીને કયાં જોવાના છે ? છોકરીએ કહયું કે આ તો ઘણું ખરાબ કહેવાય કે અમીરુલ મુઅમિનીનની સામે તો એમની વાત માનવાનો ડોળ કરીએ અને પછી નાફરમાની કરીએ ? આમ ના કરાય. હઝરત ઉમર રદિ.એ આ મકાનને યાદ રાખી લીધું અને સવાર થતાં જ પોતાના દીકરા આસિમની શાદીનું માંગુ ત્યાં મોકલી દીધું. આ જ દીકરીને અવલાદમાંથી પાછળથી હઝ. ઉમર બિન અ, અઝીઝ રહ. પેદા થયા. (ઈઝાલતુલ ખિફા : ૨/૭૮)
વિશ્વભરમાં સલમાનોની લાચાર સ્થિતિ
વિશ્વમાં સદીઓથી ઇસ્લામ સામે યહૂદી- ઈસાઈ સત્તાઓનો સંઘર્ષ ચાલતો રહયો છે. આ સંઘર્ષ અને લડાઈઓનો આધાર સીધી રીતે ધર્મ હતો. એનાથી વિપરીત અન્ય અમુક સત્તાઓ જેમ કે ભારતીય ઉપખંડમાં મુસ્લિમ બાદશાહોના આક્રમણ પાછળ ધાર્મિક આધાર ઓછો અથવા બિલ્કુલ ન હોવા જેવો છે. અહિંયાની લડાઈ અને આક્રમણનો મુખ્ય આશય પોતાનું સામ્રાજય વધારવાનો હતો. એટલે જ ભારતમાં રાજ કરનાર મુસલમાન બાદશાહો એમના વિરોધી મુસલમાન રાજાઓ સામે પણ લડતા રહેતા હતા. મુગલો અને લોધીઓની લડાઈનો ઇતિહાસ આપણી સામે જ છે.
ઈસાઈઓ સાથે મુસલમાનોની લડાઈઓ ધાર્મિક આધારે ચાલતી આવતી હતી, એ પણ ઇતિહાસમાં સ્પષ્ટ છે. અલબત્ત ઈસાઈ સત્તાઓ દ્વારા પાછળથી પોતાની રીત બદલીને એક નવો આધાર શોધવામાં આવ્યો. એક સદી પહેલાં જયારથી મુસ્લિમ ખિલાફતને ખતમ કરવામાં આવી, ત્યારથી વિશ્વમાં મુસલમાનોની સ્થિતિ પણ ઈસાઈઓની જેમ બની ગઈ. તેઓ અનેક દેશોમાં, અનેક કોમો, ભાષા અને ભૌગોલિક સંસ્કૃતિઓમાં વહેંચાયેલા સમુહો બની ગયા. જેમ ઈસાઈઓ અનેક દેશોમાં વહેંચાયેલા છે. આજની સ્થિતિમાં દુનિયામાં અનેક દેશો ઈસાઈઓની બહુમતિવાળા છે તો ઘણા દેશો મુસલમાનોની બહુમતી વાળા છે. અને ધાર્મિક રીતે લોકો સમાન ધર્મ પાળતા હોવા છતાં દેશ, ભુગોળ, ભાષા વગેરે રીતે એકબીજાથી નોખા અને અળગા છે. અને એમને સાંકળી રાખનાર તંતુ એટલે કે ધર્મનો આધાર કમઝોર પડી ગયો છે.
અલબત્ત વિચારવાની વાત છે કે સદીઓ સુધી ચાલતો આવતો મુસ્લિમ – ઇસાઈ સંઘર્ષ શું હવે ખતમ થઈ ગયો છે ? બંને સમુહો નાના દેશો અને ટુકડાઓમાં વહેંચાયને પાછલું બધું ભૂલીને પોત પોતાની પ્રગતિ અને જીવન જીવવામાં વ્યસ્ત છે કે પછી હજુ પણ અંદરખાને અદાવતની આગ સળગી રહી છે ? વિશ્વના વર્તમાન પ્રવાહો અને ઉથલ પાથલ જોતાં જણાય છે કે આર્થિક પ્રવૃતિઓ અને કરારો, માનવ અધિકારો કે વૈશ્વિક માપદંડો, શિક્ષણ અને ટેકનોલોજીની આપ-લે અથવા હસ્તાંતરણ વગેરે. અનેક બાબતોએ આજે પણ મુસ્લિમ-ઈસાઈ વચ્ચેની ખેંચતાણ ચાલુ છે.
વર્તમાન વૈશ્વિક સંજોગો પ્રતિ નજર કરીએ તો વિવિધ રીતે આજે પણ મુસલમાનો ઉપર લડાઈ અને સમસ્યાઓ થોપવામાં આવી રહી છે. મુસલમાનોના હાથે પરાજિત થઈને પોતાના એમ્પાયરો ગુમાવ્યા પછી ઈસાઈ અને યહૂદી લોબીએ ખિલાફતે ઇસ્લામી (તુર્ક એમ્પાયર)ને છિન્ન ભિન્ન કરીને બદલો તો લઈ લીધો પણ આજે પણ મુસ્લિમ દેશોને અને લોકશાહી દેશોમાં જીવતી મુસ્લિમ આબાદીને યેન કેન પ્રકારે રંજાડવાનું ચાલું છે. તુર્ક એમ્પાયર તૂટયા પછી કેટલાયે નાના મુસ્લિમ દેશો અને પ્રદેશો એવા હતા જેમની સૈન્ય શકિત ન હોવાથી જાણે આખા દેશ અને પ્રદેશને જ અપહરણ કરી લેવામાં આવ્યા. વધુ પડતા ઇસ્લામી દેશોમાં આર્થિક બેહાલી, ગૃહયુદ્ધ અને સામાજિક ભેદભાવના સંજોગો ઉભા કરવામાં આવ્યા છે. સીરીયા, ઇરાક, લેબનોન, લીબીયા, અફગાનિસ્તાન ઉપર યુદ્ધ થોપીને તબાહ બરબાદ કરી દેવામાં આવ્યા અને પછી ત્યાં પોતાની કઠપુતળી સરકારો દ્વારા લોક અધિકારોનું હનન આજે પણ ચાલુ છે. આખા દેશની વસતી અત્યાચારોની શિકાર અને મઝલૂમ હોવા છતાં પોતાના અધિકારો માટે અવાઝ ઉઠાવી શકતી નથી. ખાડીનો પ્રદેશ એટલા બધા નાના અને ઓછી વસતી વાળા ભાગોમાં વહેંચાય ગયો છે કે સઉદી અરબ જેવો મોટો દેશ પણ પોતાના રક્ષા માટે બીજા દેશોનો મોહતાજ છે.
દેશો અને પ્રદેશોની બદહાલી ઉપરાંત નીચલા સ્તરે પણ મુસલમાનોની આવી જ સ્થિતિ છે. લોકશાહી કે સેકયુલર દેશોમાં પણ ટાર્ગેટ કરીને મુસલમાનોને પરેશાન કરવાની પુરતી કોશિશ કરવામાં આવે છે. ભારત, શ્રીલંકા અને બર્માના ઉદાહરણો તો સામે જ છે. પાછલા મહીનાઓમાં બ્રિટનમાં પણ સંપૂર્ણ આયોજન સાથે મુસ્લિમ કમ્યુનિટીને બદનામ કરવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. આ બધું નિશંક એક આયોજન પ્રમાણે જ કરવામાં આવી રહયું છે. વિશ્વભરમાં સહુપ્રથમ મુસ્લિમ વિરોધી માહોલ ઉત્પન્ન કરવામાં આવે છે. ઈલેક્ટ્રોનિક અને સોશ્યલ મીડીયા દ્વારા કૃત્રિમ સમાચારો અને ઘટનાઓ ઉભી કરીને પછી પ્લાન મુજબ સમાચારો, સ્ટોરીઓ અને ડિબેટની માયાજાળ રચવામાં આવે છે, અને એના પ્રભાવમાં સરકારી કાયદાઓ, નિર્ણયો અને કોર્ટના ફેસલાઓને પ્રભાવિત કરવામાં આવે છે. આ બધા માટે વિવિધ સ્તરે થીંક ટેંક, પ્રેશર ગ્રુપ જેવા સમુહો કામ કરે છે. પણ...
મુસલમાન શું કરે છે ? એવું લાગે છે કે એક કોમ તરીકે મુસલમાનો પાસે આવી કોઈ થીંક ટેંક, પ્રેશર ગ્રુપ, ફાઇનાન્સીયલ સપોર્ટર વગેરે કંઈ નથી, એટલું જ નહીં, બલકે મુસલમાનો અને એમની નેતાગીરી આવી બધી બાબતોથી અજાણ, દૂર અને ગાફેલ પણ છે. ખરી રીતે કહીએ તો એક સમાજ અને કોમ પાસે કોમી – મિલ્લી જે શકિતઓ હોવી જોઈએ, એ બિલ્કુલ નથી. ગફલતમાં રહીને પોતાના તરફથી અસ્તિત્વના કોઈ અસબાબ અપનાવ્યા વગર ફકત ખુદાના રહમ કરમ ઉપર કોમ જીવી રહી છે. અલ્લાહ તઆલા એના અસ્તિત્વની હિફાઝત કરે અને શાંતિ – સલામતી સાથે તરક્કી અને સફળતાઓ આપે.
સમયપાલન અને સમય બધ્ધતા
ઇસ્લામે સમય પાલન અને સમયબધ્ધતાના નિયમોને પૂરી મહત્વતા સાથે મનુષ્યની જીવન વ્યવસ્થામાં સ્થાન આપ્યું છે. એનું સમજદારી પુર્વક શિક્ષણ અને કેળવણી આપી છે. ત્યાં સુધી કે કુર્આને તો ચાંદ-સૂરજને પેદા કરવાનો મકસદ જ "સમયનો અંદાઝો–ગણતરી' દર્શાવી છે. કુર્આનમાં છેઃ
"અલ્લાહ તે છે, જેણે સૂરજને ચમકતો અને ઉજળો બનાવ્યો, અને તેની ચાલ માટે નક્ષત્રો નકકી કર્યા,જેથી તમે વરસોની ગણતરી અને હિસાબ જાણી શકો.''(યૂનુસઃ૫)
બીજી એક જગાએ કુર્આનમાં જ ચાંદ વડે થતી આ ગણતરીને બાર મહિનાઓ પર વહેંચી દીધી. અલ્લાહ ફરમાવે છેઃ "નિશંક મહિનાઓની ગણતરી અલ્લાહને ત્યાં બાર માસ છે, આસ્માન જમીનને પેદા કરવાના દિવસથી જ અલ્લાહના નકકી કરવા મુજબ.'' (તવબહઃ૩૬)
પછી આ મહિનાઓને અઠવાડિયાઓ પર વહેંચી દીધા.ઈર્શાદ છે : તારા રબ અલ્લાહે તો આસ્માન જમીનને છ દિવસમાં જ પેદા કરી દીધાં. (યૂનુસઃ૩)
છેલ્લો–સાતમો વિષેશ દિવસ જુમ્અહ હતો, જેમાં આદમ અલૈ.ને પેદા કરવામાં આવ્યા, એને ઈબાદત માટે વિષેશ સ્થાન આપવામાં આવ્યું. અલ્લાહ ફરમાવે છેઃ અય ઈમાન વાળાઓ જુમ્અહના દિવસે જયારે જુમ્અહ માટે અઝાન કહેવામાં આવે, તો અલ્લાહને યાદ કરવા (ખુત્બા–નમાઝ) માટે ચાલી નીકળો, અને ખરીદ વેચાણ બંધ કરી દો. (જુમઅહઃ૯)
પછી આ અઠવાડિયાઓને કુર્આને રાત દિવસ પર વહેંચી દીધા. કુર્આનમાં છે :''તે અલ્લાહ રાત(ના અંધારા)ને દિવસ(ની રોશની)પર ચડાવે છે, અને દિવસ(ની રોશની)નેરાત(ના અંધારા) પર ચડાવે છે."(ઝુમરઃ ૫)
આનાથી આગળ વધી દિવસોને વહેંચતા ઘડીઓનો ઉલ્લેખ પણ કુર્આનમાં છે: એક ઠેકાણે ઇર્શાદ છેઃ જાણે આ લોકો દિવસભરની એક ઘડી જ(દુનિયામાં) રહયા હોય." (યૂનુસઃ૪)
સમયના આ બધા નાના મોટા ભાગોની સંગઠિતા અને વહેંચણીનું અસલ ધ્યેય એ દર્શાવયું કે માનવ ઉત્પત્તિનું મુળ ધ્યેય અર્થાત ઈબાદત સરળતા, સવલત અને સમય બધ્ધતા સાથે અદા થાય, અને સમયના ટુકડાઓમાં વિખેરાયને ન રહી જાય.
કુર્આનમાં આ વસ્તુનો સ્પષ્ટ નિર્દેશ છે. અલ્લાહ ફરમાવે છે : લોકો આપનાથી ચાંદ વિષે પૃચ્છા કરે છે, તમે બતાવો કે લોકોને તેમના કામો માટે અને હજ વિ. ઇબાદતો માટે સમય મર્યાદા બતાવવા માટે છે.'
બીજી એક જગાએ છેઃ અલ્લાહ તે છે જેણે રાત દિવસને આગળ પાછળ આવતા બનાવ્યા, તે માણસ માટે જે (અલ્લાહની નિશાનીઓને અને હુકમોને) સમજવા પ્રયત્ન કરે અથવા શુક્ર અદા કરવા ચાહે.
આટલેથી ન અટકતાં કુર્આને નમાઝ રોઝાના નિર્ધારિત સમયો પણ દર્શાવી સમયપાલન અને સમયબધ્ધતાની અજોડ કેળવણી મુસલમાનોને આપી છે.ઈર્શાદ છેઃ જરૂર મુસલમાનો ઉપર નમાઝ નકકી સમય પ્રમાણે ફર્જ છે. (નિસાઅઃ ૧૦૩)
રોઝા વિષે અલ્લાહ ફરમાવે છેઃ
" જે માણસ રમજાનમાં હોય તે જરૂર રોઝો રાખે"(બકરહઃ ૧૮૫)
હજ વિષે છેઃ હજ નકકી મહિનાઓમાં જ કરવાની છે. (બકરહ: ૧૯૭)
આ સિવાય ઝકાત વિષેની સમયમર્યાદાની વિગત જેમ કે વર્ષમાં એક વાર, એક વર્ષ સુધી માલનું માણસ પાસે હોવું વગેરે હદીસથી સ્પષ્ટ થાય છે.
વધુ આગળ જોતાં એ પણ જણાય આવે છે કે ઇબાદતોના આ પ્રબંધ અને વ્યવસ્થામાં કયાંક ચંદ્રવર્ષ (ચાંદના અસ્ત ઉદય)થી કામ લેવામાં આવ્યું છે, તો કયાંક સુર્યવર્ષથી.
જે ઇબાદતો મહિનાઓ કે વર્ષોની લાંબી મર્યાદામાં આવતી હતી, એમને ચાંદ ઉપર આધારિત કરવામાં આવી અને વર્ષના બાર મહિનાઓ નકકી કરી દરેકનો અંત-આંરભ ચાંદ દેખાવા ઉપર નકકી કર્યો. જેનો ખાસ મકસદ એ છે કે સમયમર્યાદા વાસ્તવિક હોય, પ્રાકૃતિક-બનાવટી કે અડસટ્ટા પર આધારિત ન રહે. અને એમાં ગણતરીના કારણે કે કોઈની મનેચ્છાને લઈ વધઘટની ઘુસણખોરી ન થઈ શકે.
જેમ કે હજ, જે આખા આયખામાં ફકત એક જ વાર હોય છે,પરંતુ એની અદાયગી વર્ષના છેલ્લા માસ ઝિલ્હજમાં જ રાખવામાં આવી. એ જ પ્રમાણે ઝકાત જે આમ તો વર્ષમાં એકવાર કોઈ પણ સમયે અદા કરી શકાય, પરંતુ તેમાં માણસ પાસે આવ્યા બાદ પુરૂં એક ચાંદવર્ષ વીતી જવાની શર્ત લગાવી દેવામાં આવી, જેના લઈ આ ઇબાદતમાં પણ એક પ્રકારની સમયબધ્ધતાના આવી ગઈ. આ જ પ્રમાણે રોઝો પણ એક વર્ષાંતરે અદા કરવાની ધાર્મિક ક્રિયા છે, એને ચાંદ વર્ષના એક ચોકકસ માસ સાથે જોડી દેવામાં આવ્યો, જેના લઈ એનો અંત આંરભ ફકત ચાંદ જોવા ઉપર જ આધારિત થર્યો. કોઈની મરજી કે ખરી-ખોટી ગણતરીને એમાં અવકાશ ન રહયો.
આ બધી ઇબાદતો ચાંદવર્ષ પર આધારિત હતી.
આ સિવાય જે ઇબાદતો વર્ષે કે મહિને આવવાના બદલે દૈનિક હતી અને દિવસના પણ વિવિધ ભાગોમાં નિશ્ચિત સમયે અંજામ આપવાની છે, એની સમય મર્યાદા સુર્યવર્ષ (સુર્યના ઉદય-અસ્ત) પર આધારિત કરી. કારણ કે ચાંદ મહિનાના દરેક દિવસે દેખાતો ન હોવાની સાથે દિવસના અજવાળામાં પણ એનું દેખાવું શકય નથી. જો આ ઇબાદતોની સમય મર્યાદા માટે ચંદ્રને આધાર બનાવવામાં આવત તો દિવસની ઇબાદતોથી હાથ ઉંચા કરી નાંખવા પડત અને રાતની ઇબાદતો પણ એક નકકી સમયે અદા કરવી મુશ્કેલ થઈ પડત. જેમ કે દરરોજનો રોઝો, દિવસે કરવાની ઇબાદત હોવાથી એની સમયમર્યાદા ચંદ્ર દ્રારા કરવી અશકય હતી. માટે સુર્યોદય અને સુર્યાસ્ત ઉપર આધારિત કરવામાં આવી.
પાંચ નમાઝોમાંથી વધુ પડતી દિવસમાં છે, જયારે ચાંદ દેખાતો જ નથી,અને જે રાત્રે પઢવાની છે,એમાં પણ રાત્રે ચંદ્રના ઉદય-અસ્ત આગળ પાછળ હોવાથી સમયબધ્ધતા શકય ન હતી. માટે નમાઝોની સમય મર્યાદા સુર્ય પ્રમાણે નકકી કરવામાં આવે, એ જ યોગ્ય હતું.
ફજર સુબ્દે સાદિકથી સુર્યોદય સુધી.
ઝોહર સૂરજ ઢળવાથી પડછાયાના બેવડાવા સુધી. અસર પડછાયાના બેવડાવાથી લઈ સુર્યાસ્ત સુધી. મગરિબ સુર્યાસ્ત પછીથી અંધારૂ થતાં સુધી. ઇશા અંધારૂ થયા બાદથી સુબ્સે સાદિક સુધી.
આમ આ નમાઝો સમયમર્યાદામાં બંધાયેલી, તો એના બાદ જ તકબીર, તસ્બીહ વગેરે અન્ય દુઆઓ, વઝીફાઓ પઢવાનું કહી એમને પણ સમયના વર્તુળમાં ઘેરી લેવામાં આવ્યા.
આ જ રીતે હજને જોઈએ તો તે ભલે ચંદ્રવર્ષ પ્રમાણે વર્ષાતરે આવતી ઇબાદત છે, પરંતુ તેના અરકાનો જેમ કે તવાફ, સઈ, અરફાતનું રોકાણ, મિના– મુઝદલિફહનું રોકાણ, શયતાનને કાંકરીઓ મારવી, કુરબાની, તવાકે ઝિયારત વગેરે બધા જ કાર્યો સુર્યસમય પ્રમાણે કરવાનું ઠેરવ્યું.
મતલબ કે ઇબાદતોને કોઈને કોઈ રીતે સમયમર્યાદામાં જરૂર બાંધી દેવામાં આવી છે. વર્ષના બે છેડાઓને રોઝાઓ વડે જકડી દેવામાં આવ્યા છે, તો મહિનાના દરેક અઠવાડિયાને જુમ્અહના જમા થવા સાથે જોડી દેવામાં આવ્યા અને પછી અઠવાડિયાના દરેક દિવસને પાંચ નમાઝો દ્વારા પાંચ ભાગોમાં વહેંચી એને પણ પકડમાં લઈ લેવામાં આવ્યા. જેનો સ્પષ્ટ મતલબ એ થયો કે જીવનના દરેક વર્ષ, દરેક માસ અને દરેક રાત દિવસને સામયિક ઇબાદતોથી જકડી વચ્ચેના ખાલી સમયોને વ્યકિતગત, સામાજીક વગેરે કામો માટે છોડી દેવામાં આવ્યા. એનું ચોખ્ખું પરિણામ એ આવે છે કે સમાજ-સંસારનું જે કંઈ કામ કરવાનું હોય તે પણ સમય આધારિત થઈ જાય.અને આમ માનવીનું પુરૂં જીવન દીની કે દુન્યવી, અત્યંત સમયબધ્ધ- સુગઠિત થઈ જાય. વેરવિખેર ન થાય, અવ્યવસ્થામાં અટવાય ન જાય.
આમ સમયપાલન અને સમયબધ્ધતાનું અસલ ધ્યેય ભલે ઇબાદત અલ્લાહની બંદગીની પાબંદી હતું. પરંતુ સાથે જ સામાજીક જરૂરતોને પણ વચ્ચેના સમયમાં ઘેરી લેવામાં આવી.
સંસાર સમાજના કામો જીવનનું અસલ ધ્યેય ન હોવાથી સીધી રીતે તેની સમયબધ્ધતા યોગ્ય પણ ન હતી, તો આ સમયબંધન વિના માણસનું જીવન વેરવિખેર થવાનો પણ ભય હતો, જે આવી સુંદર રીતે ઇસ્લામે ઉકેલી નાંખ્યો.
વિપરીત ઈસાઈઓએ જેમણે હવે પોતાનું અસલ ધ્યેય ફકત ભૌતિક પ્રગતિ જ નકકી કરી રાખ્યું છે,એમણે (બાઈબલ તો આ વિષે એમને કોઈ નિર્દેશન આપતું જ ન હતું) પણ કુર્આનના આ સમય પાલનના સિધ્ધાંતને અમલી સ્વરૂપે જરૂર અપનાવ્યો. પરંતુ ઇબાદત કે ધર્મના કામોમાં નહી, બલ્કે પોતાની સુખ સાહયબી અને ભૌતિક પ્રગતિના કામોમાં જ.
પ્રવાસનો સમય, રોકાણનો સમય, ખાવાપીવાનો સમય, રમવા કુદવા અને મોજ મસ્તીનો સમય, મુલાકાતનો સમય, ઓફિસ સમય, ૨જાનો સમય, ઓવર ટાઈમ. અરે! નાચગાન અને ઝિનાખોરીનો પણ ટાઈમ નકકી.
આ બધા જ સમયો બિલ્કુલ એવી રીતે નકકી કર્યા છે, જેમ ઇસ્લામે ઇબાદતોના સમય નકકી કર્યા છે. સિને થિયેટરો પણ નકકી સમયે ખુલે અને બંધ થાય છે. કલબો, ડિસ્કો-ડાન્સ પાર્ટીઓ નકકી સમયે શરૂ થઈ પૂરી થાય છે. નોકરીની વય મર્યાદા ૫૫-૫૮ વર્ષ નકકી. નોકરીનો સમય પણ નકકી, કલાકો જ નહિ, મિનિટો પણ નકકી. તેમાં પણ લંચ અને ડિનરનો સમય પણ નકકી.
સફરને જોઈએ તો રેલ્વે- બસ,હવાઈ જહાજનો સમય પણ નકકી. દરેક ગામે દરેક શહેરે ટ્રેન, બસ, વિમાન પહોંચવાનો- ઉપડવાનો સમય અચૂક. અને તે પણ સંપુર્ણપણે સરકારના હાથમાં. લોકોની મરજી પ્રમાણે નહી. બિલ્કુલ એ જ પ્રમાણે જેમ ઈસ્લામમાં ઇબાદતોની સમયબધ્ધતા અલ્લાહે પોતાના હાથમાં રાખી છે.
ગર્વનર, પ્રધાનો, મીનીસ્ટરોને મળવાનો સમય, કલાકો જ નહિં, મીનીટો પ્રમાણે પણ ચોકકસ, ચુકી ગયા તો ગયા.
આ બધું જ ચોપડીઓમાં નિર્દેશિત-નકકી. જેમ કે મુસલમાનોની કિતાબો નમાજ, રોઝા, હજના સમયની ચર્ચાથી ભરેલી હોય છે. રેલ્વેનું સેંકડો પાનાનું ટાઈમ ટેબલ, વિમાનોનું ટાઈમ ટેબલ, સિવિલ સર્વિસનું ટાઈમ ટેબલ જુદુ. મિલીટરી વ્યવસ્થાનું ટાઈમ ટેલબ પાનાઓ ભરી અલાયદું. વગેરે વગેરે...
કહેવાનું એ સમય મર્યાદાના સિધ્ધાંતને જેમ ઇસ્લામે ઈબાદત અને ધાર્મિક- આધ્યાતિમક કામો માટે વાપર્યો, ઈસાઈઓએ એને પોતાના વ્યકિતગત સ્વાર્થના કામો અને ભૌતિક સુખો માટે વાપર્યો. અને આવી રીતે એક કોમ આધ્યમિત્ક જીવનમાં પ્રગતિ કરી ઉચ્ચ શિખરે પહોંચી ગઈ, તો બીજી કોમ ભૌતિક જીવનમાં આગળ વધી ગઈ પરંતુ એના આધ્યાત્મિક જીવનની કમર ભાંગી ગઈ.
શરઈ માર્ગદર્શન ફતાવા વિભાગ
બેંક દ્વારા મળતા વ્યાજનો કયાં - કેવી રીતે ઉપયોગ કરવો ?
સવાલ : સરકારી કાયદા મુજબ ફરજિયાત ધાર્મિક સંસ્થાઓના પૈસા મુકવા પડે છે, જો બેંકોમાં પૈસા મુકવામાં આવ્યા હોય તો તેના ઉપર બેંકો વ્યાજ ડાયરેકટ ખાતામાં જમા કરી આપે છે, નિયમ મુજબ અમુક મહીના કે વર્ષે જે તે બેંકના નિયમ મુજબ ખાતમાં એન્ટ્રી અલગ પાડે છે હવે એ જમાં થયેલ વ્યાજ કયાં – ક્યાં વાપરી શકાય એ અંગે આપનાથી ખુલાસાની જરૂરત છે. (૧) પોતાના અંગત કામમાં વાપરી શકાય ? (૨) સંસ્થાની વ્યાજની રકમ સંસ્થાના કયા – કયા કામમાં વાપરી શકાય ? (૩) ગરીબ મુસલમાનની મદદ કરી શકાય ? (૪) જાહેર રસ્તાઓ, રોડ વગેરેમાં વાપરી શકાય ? સંસ્થાના ટોયલેટ, ગટર લાઈનમાં વાપરી શકાય ? (૫) આ પૈસાથી સરકારી મેહસુલ જમીન – મિલકત વેરાઓ અર્થાત સરકાર ધારો, અન્ય સરકારી કયા કયા
વેરાઓમાં વાપરી શકાય ? (૬) સેલ ટેક્ષ ઈન્કમટેક્ષ ભરી શકાય ? (૭)
બેંકના ચેક કમીશન – ડ્રાફ કમીશનમાં આપી શકાય?
જવાબ (૧ થી ૭) : حامدًا ومصليا ومسلما
જરૂરત પડયે બેંકોમાં પૈસા જમા કરતા તે ઉપર પ્રાપ્ત થતા વ્યાજના મસરફ અને ખર્ચ સ્થાન વિશે અમારા મતે નીચે મુજબની તફસીલ છે.
(૧) ધાર્મિક તેમજ સામાજિક સંસ્થાને સરકારી બેંકોથી વ્યાજ રૂપે મળેલ રકમ સરકાર તરફથી લાગુ કરવામાં આવેલ ગેર વ્યાજબી ટેક્ષોમાં વાપરવામાં આવે, ગેર વ્યાજબી ટેક્ષથી મુરાદ તે ટેક્ષ છે જેના બદલામાં આગવી સગવડ સરકાર તરફથી આપવામાં આવતી ન હોય, જે ટેક્ષના બદલામાં આગવી સગવડ સરકાર તફરથી આપવામાં આવતી હોય, જેમકે પાણી વેરો, જેના બદલામાં પાણી પુરૂ પાડે છે, તેનો ગેર વ્યાજબી ટેક્ષમાં શુમાર થશે નહીં, ઈન્કમ ટેક્ષ, ઘરવેરો, એવી રીતે સરકારી મહેસૂલ કે જેના બદલામાં કોઈ ફાયદો સરકાર તરફથી મળતો ન હોય, તો તે ગેર વ્યાજબી ટેક્ષો છે, સરકારી બેંકોના વ્યાજથી તેની ભરપાઈ કરી શકાય છે, એવી જ રીતે સંસ્થાના જમીન તથા અન્ય મિલકતોના માલિકી હકના દસ્તાવેજ બનાવવા માટે ભરવામાં આવતી સ્ટેમ્પ ડયુટી માં પણ સદર બેંકના વ્યાજને ઉપયોગમાં લેવું દુરૂસ્ત છે. કે વ્યાજ એક હરામ માલ છે અને હરામ માલ વિશે એના મુળ માલિક સુધી પહોંચાડવાનો હુકમ છે, આ રીતે ટેક્ષોની અદાયગી અને ભરપાઈ કરવી એ હરામ માલ વ્યાજને મુળ માલિક સુધી પહોંચાડવાની એક સુરત છે. જેના થકી સરકારી ખજાના સુધી માલ પરત થઈ જતો હોય છે. (મુન્તખબ નિઝામુલ
ફતાવા : ૩ / ૨૦૨, મહમુદ્દલ ફતાવા : ૨ / ૩૧૧, ગુ. કિતાબુન્નવાઝિલ : ૧૧ / ૩૫૪, ૩૫૯, ૩૬૯ ઉપરથી)
ચેક કમીશન તથા ડ્રાફટ કમીશન સર્વિસ ચાર્જના હુકમમાં હોય, તેમાં વ્યાજનો ઉપયોગ કરવો તે વ્યાજને પોતાના ઉપયોગમાં લેવા સમાન છે, માટે વ્યાજથી ચેક કમીશન અને ડ્રાફટ કમીશન ની ચૂકવણી દુરૂસ્ત નથી. (ઈસ્લામ કા કાનૂને ઈજારહ : ૪૯, ૫૧ ઉપરથી)
સેલ ટેક્ષમાં વ્યાજ ઉપયોગ કરવા બાબત આ વિગત છે કે વેપારી ગ્રાહક પાસેથી તેને વસૂલ ન કરતો હોય, તો વ્યાજથી તેની ચૂકવણી કરવી દુરૂસ્ત છે. અન્યથા સેલ ટેક્ષની ચૂકવણી વ્યાજથી દુરૂસ્ત નથી, એટલે કે વેપારી ખરીદનાર પાસેથી સરકાર શ્રીએ વિવિધ રૂપે નકકી કરેલ વિવિધ ટેક્ષ વસૂલ કરી ચુકયો છે, તો હવે એની એટલી જ ફરજ બાકી રહે છે કે ટેક્ષ પેટે વસૂલ કરેલ રકમ કોઈ પણ જાતની ઉચાપટ વિના પૂરેપુરી અમાનત સાથે સરકાર શ્રીના ખઝાનામાં જમા કરાવી આપે. અને વ્યાજ દ્વારા સેલ ટેક્ષ અદા કરવાની ચેષ્ટા ન કરે. (મહમુદુલ ફતાવા : ૨/૨૯૮ ગુ.)
સાથે આ વસ્તુ પણ ધ્યાનમાં રાખે કે મ્યુનિસિપાલિટી તરફથી વસૂલ કરવામાં આવતા વેરામાં બેંકનું વ્યાજ ન આપવામાં આવે. (મહમુદુલ ફતાવા : ૨/૩૦૦ ગુ.)
(ર) વ્યાજનું બીજુ ખર્ચ સ્થાન ગરીબ મોહતાજ છે, કોઈ પણ પ્રકારના વ્યાજને વ્યાજના વબાલથી બચવા ખાતર સદકાની નિય્યત વિના જે તે ગરીબ, મોહતાજને માલિકી ધોરણે આપી દેવામાં આવે. (બેંક ઈન્શોરંશ ઔર સરકારી કરઝે)
વ્યાજને જાહેર હિતના કામો જેમકે રોડ બનાવવો, જાહેર ઉપયોગ માટે જાજરૂ તામીર કરવું, ગટર લાઈન વગેરે બનાવવામાં ઉપયોગ કરવો દુરૂસ્ત નથી. (મહમુદુલ ફતાવા : ભાગ ૨ ઉપરથી)
એવી જ રીતે બેંકમાં પૈસા જમા કરાવા પર મળતા વ્યાજને પોતાના અંગત ખર્ચમાં લેવું વ્યાજખોરી હોવાના લઈ દુરૂસ્ત નથી, હા, સંસ્થાને મળેલ વ્યાજને નંબર (૨) મુજબ આપ મસરફ બનતા હોય તો આપ ઉપયોગમાં લઈ શકો છો.
આ પણ યાદ રહે કે જયાં સુધી વપરાશની પ્રથમ સૂરત શકય હોય, બીજી સૂરતમાં ખર્ચ કરવાથી પરહેઝ કરવામાં આવે.
બિન વ્યાજબી ટેક્ષની ભરપાઈ સરકારી બેંકોથી પ્રાપ્ત થયેલ વ્યાજ માટે છે, સહકારી બેંકોના વ્યાજથી ભરપાઈ કરવામાં ન આવે, બલ્કે એમાં નાણા જમા કરાવા પર મળતી વ્યાજની રકમને ગરીબ – મોહતાજને માલિકી ધોરણે આપી દેવામાં આવે. (અર્રિબા : ૨૮૯)
સવાલ (૮) : વ્યાજની રકમ બેંકમાં જમા રહેવા દઈ, પોતાની પાસેથી એટલા પૈસા શરીઅતના હુકમ મુજબ આપી દે તો ચાલશે?
જવાબ (૮) : વ્યાજ જયારે ખાતામાં જમા થઈ જાય છે, ત્યારે જે તે ખાતેદારને વ્યાજ પર તસર્રુફનો0 પુરેપુરો અધિકાર મળી જાય છે, જેમકે એક કબ્જેદારને અધિકાર હોય છે, અને રૂપિયા – પૈસા ચોકકસ કરવાથી ચોકકસ થતા નથી, માટે જે પૈસા વ્યાજની નિય્યતથી આપ આપશો, તેનાથી વ્યાજની અદાયગી થઈ જશે, આનાથી સ્પષ્ટ થઈ જાય છે કે ખાતામાંથી વ્યાજની રકમ ઉપાડયા વિના તે વ્યાજના બદલામાં પોતાની પાસે મોજૂદ પૈસામાંથી ખર્ચ કરવાની ગુંજાઈશ છે. અલબત્તા બેહતર એ છે કે ખાતામાં મોજૂદ વ્યાજને, વ્યાજની નિય્યતથી ઉપાડી તેને જ મસરફમાં ખર્ચ કરવામાં આવે. (ફતાવા ઝકરિય્યહ : ૫/૪૧૯, કિતાબુન્નવાઝિલ : ૧૧/૪૧૮, કિતાબુલ મસાઇલ : ૨/ ૨૫૬, ફતાવા મહમૂદિય્યહ મઅ તઅલીક : ૧૬ / ૪૦૧ ઉપરથી) ફકત અલ્લાહ તઆલા વધુ જાણનાર છે. (તા. ૧૧ / રજબ ૧૪૩૭)
બોધકથા..
કાચબા અને સસલાની હરિફાઈની વાર્તા બધાએ જ સાંભળી હશે.
બંનેએ એકબીજાને હરાવવાના ઇરાદે હરિફાઈ કરી. સસલું દોડયું પણ વચ્ચે સૂઈ ગયું અને કાચબો ધીરે ધીરે ચાલતો મંઝિલે પહોંચી ગયો. વાર્તાનો સાર આ નીકળ્યો કે મંઝિલ પામવા માટે સતત પ્રયત્ન જરૂરી છે. વચ્ચે અટકી જવાથી લક્ષ્ય પામી શકાતું નથી.
આ જ સસલા કાચબાએ ફરીવાર શરત લગાવી. સસલું આ વેળા સજાગ હતું એટલે દોડયું અને મંઝિલે જઈને જ શ્વાસ લીધો, પરિણામે જીતી ગયું. આ બીજી વાર્તાનો સાર આ છે કે પોતાની ભૂલો સુધારો. દોહરાવો નહીં. મંઝિલ એકવાર નહીં તો બીજા પ્રયત્ને જરૂર મળશે.
કાચબો અને સસલું... બે વારની હરિફાઈમાં બંને એક એક વાર જીત અને હાર મેળવીને સરખા હતા. કાચબાએ ત્રીજીવાર હરિફાઈનો ઓફર કરી તો સસલું તૈયાર થઈ ગયું, પણ કાચબાએ શરત મુકી કે રસ્તો બીજો હશે. સસલાએ મંજૂર કર્યું અને હરિફાઈ શરૂ કરી. સસલું દોડયું તો ખરો પણ વચ્ચે નદી આવી ગઈ એટલે અટકી જવું પડયું અને કાચબો પાછળથી આવીને સામે પાર મંઝિલે પહોંચી ગયો. આ વાર્તાનો સાર એ કે મુકાબલો બરાબરીનો અને ખરાખરીનો હોય તો શત્રુ કે પ્રતિસ્પર્ધીને પોતાના મનપસંદ મેદાનમાં ખેંચી લાવો. કાચબાએ આ યુકિત અજમાવી અને જીતી ગયો.
ચોથીવાર બંનેએ આ બીજા રસ્તે ફરી એકવાર મુકાબલો કરવાનું વિચાર્યું. આગલા ત્રણ મુકાબલાથી બંનેને એકબીજાની મર્યાદા અને કમઝોર પાસાઓની ખબર પડી ગઈ હતી એટલે આ વેળા બંનેએ દોસ્તી કરી લીધી.
જમીન ઉપર દોડવાનું આવ્યું તો કાચબો સસલાની પીઠ ઉપર બેસી ગયો અને નદી આવી તો સસલો કાચબાની પીઠ ઉપર બેસી ગયો. આમ ટુંક સમયમાં બંને સરખી રીતે મંઝિલે પહોંચી ગયા.
આ વાર્તાનો સાર આ છે કે મુકાબલો કરવામાં જીત ત્યારે જ મળે જયારે રસ્તો – મેદાન આપણી શકિત મુજબનું હોય અને વિપરિત સંજોગોમાં હાર... અને આ જ લક્ષ્યમાં બીજાને ભાગીદાર કરીને સહિયારી મહેનત કરવાથી દરેક સ્થિતિમાં લક્ષ્ય પામી શકાય છે. આમ મુકાબલા કરતાં દોસ્તી કરવી વધારે સારી છે. માટે દોસ્તી કરો, એકબીજાની કમઝોરી સમજો અને એમાં પરસ્પર મદદ કરીને આગળ વધો.
છેલ્લા પાને.....
રોઝીની મહેનત
અલ્લાહ તઆલા પરિંદાઓને રોજ પેટ ભરીને ખાવાનું આપે છે, એમણે ભેગું નથી કરવું પડતું.. સાથે આ પણ હકીકત છે કે અલ્લાહ તઆલા દાણા | એમના માળામાં નથી ફેંકતા, પરિંદાએ દાણા શોધવા તો નીકળવું જ પડે છે.
પારકી આસ
જે માણસ પોતાનું કામ પોતે ન કરી શકતો હોય એણે બીજાથી આશા પણ ન રાખવી જોઈએ. માણસ પાસે બે શરીર અને બે રૂહ નથી કે એક વડે પોતાનું અને બીજા વડે તમારું કામ કરે.
સાચી મહેનત
સાચી મહેનત એ ગણાય જેમાં માણસનું શરીર એની રૂહાની શકિતના તાબે રહીને કામ કરે.
નવરા ન રહો.
સમજદારીની વાત આ છે કે કદીક કામ ઓછું હોય તો વહેલા પૂરું કરીને નવરા ન બની જાઓ, બલકે ધીરે ધીરે કરીને સમયને મશ્ગુલ રાખો. જેથી નવરાશની આદત ન પડે.
બે લાલચી
બે વસ્તુઓના લાલચીઓનું પેટ કદી ભરાતું નથી. માલનો લાલચી અને ઈલ્મ – જ્ઞાનનો
બળદ અને કુતરો
બળદ બિલકુલ ઓછું બોલે છે. કુતરો ભસતો જ રહે છે. માણસ બળદ કે કુતરો નથી, એટલે એણે શું કરવાનું છે એનું એને ભાન હોવું જોઈએ.
શરીફ માણસની નિશાની
શરીફ અને સજ્જન માણસથી પહેલી અને છેલ્લી નિશાની આ છે કે તે એવા માણસનું પણ સન્માન કરે છે જેનાથી એને કોઈ લાભ – નફાની આશા નથી હોતી.
ખરાબ પુસ્તક
દસ સારા પુસ્તકો વાંચીને માણસ એક પગથિયું બુદ્ધિમાં ઉપર ચડે છે, અને એક ખરાબ પુસ્તક વાંચીને દસ પગથિયાં નીચે પટકાય છે.
હિકમતની વાત
ઈમામ શુઅબી રહ. ફરમાવે છે કે કોઈ માણસ શામના છેડેથી યમનના છેડા સુધી ફકત એટલા માટે જાય કે હિકમત - હોશિયારીની એક વાત શીખે, તો મારા મતે આ યોગ્ય કામ છે.
દોલતની નશો
હઝરત અલી. રદિ. ફરમાવે છે કે દોલતના નશાથી અલ્લાહની પનાહ માંગો. આ નશો ઘણો લાંબો હોય છે, મોત અને કબરથી જ ઉતરે છે.
દુશ્મન જેવો દોસ્ત
ઈમામ શાફેઈ રહ. ફરમાવે છે કે જે દોસ્ત મારફત તમને શારિરીક, આર્થિક કે રૂહાની ફાયદો ના પહોંચતો હોય તે લગભગ દુશ્મન જેવો જ છે
કવ્વાલી અને ઉર્સની હકીકત
હઝરત શયખુલ હદીસ મવલાના ઝકરિયા (રહ.)
કવ્વાલી, ઉર્સ વગેરેની શરૂઆત સારી હતી, પરંતુ પછીથી ધીરે ધીરે એમાં સંખ્યાબંધ બિદ્અતો પ્રવેશી ગઈ, એટલા માટે ઉલમાએ કિરામે આ બાબતોને નાજાઈઝ જાહેર કરવી પડી. ઉર્સ શરૂમાં સમયના આયોજન ના પ્રકારની એક વસ્તુ હતી. જેમકે દારુલ ઉલૂમ-દેવબંદ અને મદ્રસા મઝાહિરુલ ઉલૂમ બંને મદ્રસાઓમાં બુખારી શરીફ નિર્ધારિત પિરીયડ (ઘંટો-તાસ)માં પઢાવવામાં આવે છે, સરળતા ખાતર આ પ્રકારનું સમયનું આયોજન કરવામાં આવ્યું છે, આ બિદઅત નથી. મેં હઝરત ગંગોહી (રહમતુલ્લાહિ અલયહિ)ના યુગમાં જોયું કે એમના ત્યાં દરરોજ ઈદ જેવું રહેતું. કયારેક હઝરત સહારનપૂરી (રહમતુલ્લાહિ અલયહિ)તો કયારેક હઝરત શયખુલ હિંદ (રહમતુલ્લાહિ અલયહિ) અને કયારેક હઝરત મદની (રહમતુલ્લાહિ અલયહિ) પધારતા. ખાદિમો ઝિયારત કરતા. ઉર્સની શરૂઆત આ રીતે થઈ કે શયખની વફાત પછી એમના ખલીફાઓ અને શ્રધ્ધાળુઓ વર્ષમાં એકવાર પરિચય, આત્મીયતા અને કાર્યવર્તુળ વિસ્તારવા માટે એકત્ર થતાં હતા. પોતાના શયખની વફાતની તારીખ દરેકને યાદ હોય છે. મારા કાકા સાહેબ (રહમતુલ્લાહિ અલયહિ)ની વફાત બુધવારના રોજ ફજરની નમાઝથી પહેલાં થઈ હતી. એમના તમામ શિષ્યોને આ યાદ છે. તો કહેવાનું તાત્પર્ય આ છે કે પ્રારંભમાં આ વસ્તુ સારી હતી, પરંતુ છેવટે કુરિવાજોની પકડ ના કારણે એ બિદ્અત બની ગઈ.
એજ રીતે કવ્વાલી પણ ઘણા બધાં મશાઈખથી સાંભળવાનું સાબિત છે, પરંતુ એની કેટલીક શરતો છે, જે હઝરત ઈમામ ગઝાલી (રહમતુલ્લાહિ અલયહિ)એ “ઈહયાઉલ ઉલૂમ”માં દર્શાવી છે. હવે એમાં અનેક પ્રકારના દૂષણો પ્રવેશી ગયાં છે એટલા માટે હરામ ઠરાવી દેવામાં આવી. દિલ્હીનો એક ગવૈયો હતો, તે હજ્જે બયતુલ્લાહ માટે ગયો ત્યાં એક ગ્રામીણ અરબે હૂદીખ્વાની (તે ગીત, જે અરબના ઊંટ હાંકનારાઓ ઊંટને દોરતી વખતે ગાય છે.) શરૂ કરી દીધી. જેના કારણે એનું ઊંટ ભડકયું અને તે પડી ગયો. ગવૈયો બોલી ઊઠયો, “અલ્લાહના રસૂલ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) પર કુર્બાન !” લોકોએ પૂછયું કે કઈ વાત પર ? તેણે કહયું કે “હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લ)એ આટલા માટે જ ગાવાનું હરામ ઠેરવ્યું છે. જો અમારું ગીત સાંભળતા, તો હરામ ન ઠેરવત.”
અમે પોતાના બુઝુર્ગોને જોયા છે કે કોઈ સારી કવિતા સાંભળતા તો ઝૂમી ઉઠતા. “તઝકિરતુર્રશીદ” માં હઝરત શાહ અબ્દુલ કુદ્દૂસ ગંગોહી (રહમતુલ્લાહિ અલયહિ)ને ઘંટીના દળવાના સૂરને કારણે પરમ આનંદની અનુભૂતિ થઈ.
બુઝુર્ગોની ટીકા કરવામાં ઉતાવળ ના કરો. અકીદતમંદ હોવું ન હોવું જુદી વાત છે.પરંતુ વિરોધ કે અવગણના ન કરો, કેમકે, જો એ અલ્લાહના મુકર્રબ બંદા છે તો એમની સાથે શત્રુતા રાખનાર વિશે અલ્લાહ તઆલાનું એ'લાન છે કે( من عادىٰ لي وليا فقد اٰذَنْتُهٗ بالحرب ) “મારા મુકર્રબ બંદાની સાથે દુશ્મની રાખનારને મારા તરફથી લડાઈનું એ'લાન છે.” ટીકા – ટીપ્પણીનો હક્ક એમના સમકક્ષ માણસોને છે, જાણ્યા-સમજયા વિના મન ફાવે તેવો વાણી વિલાસ ન કરો.
کسانیکه یزداں پرستی کنند - به آواز دولاب و مستی کنند
અલ્લાહના ચાહકોને સારા સૂરની જરૂરત નથી હોતી. તે તો અદા પર ફિદા થઈ જાય છે. મા'મૂલી અદા ઉપર દિલ આપી દે છે.
હઝરત નિઝામુદ્દીન અવલિયાઅ્ (રહમતુલ્લાહિ અલયહિ) પણ સિમાઅ્ (કવ્વાલી, શે'રશાયરી)ને ચોક્કસ શરતો સાથે પરવાનગી પાત્ર સમજતા હતા. હઝરત સુલતાનજી રહ.ની દ્રષ્ટિએ કવ્વાલી માટે ચાર શરતો હતી. ૧,સંભળાવનાર દુરાચારી, સ્વચ્છંદ અને શહવત પરસ્ત ન હોવો જોઈએ. ૨, બાળક અથવા ઓરત ન હોવાં જોઈએ. ૩, જે કાંઈ સંભળાવવામાં આવે તેનું વિષય વસ્તુ નિરર્થક મઝાક મશ્કરીવાળું કે અશ્લીલ ન હોવું જોઈએ. ૪, સંગીતના સાધનોનો પ્રયોગ ન થવો જોઈએ. (અન્ફાસે ગયબી.પેજ:૬૬)
એમને ત્યાં સિમાઅ્નું સ્વરૂપ આવું હતું કે અમીર ખૂસરો કેટલીક કાવ્યપંકિતઓ સંભળાવતા, એનાથી સુલતાનજી રહ.પર ખાસ પ્રકારની કયફિયત પેદા થતી અને થોડીવારમાં ઓસરી જતી. કયારેક અમીર ખુસરોની સાથે કેટલાક અન્ય માણસો પણ કાવ્ય પઠનમાં જોડાતા. હઝરત કાઝી ઝિયાઉદ્દીન સાહેબ રહ. જે એ સમયે દીલ્હીના સર્વોચ્ચ મુફતી હતા. એમણે જયારે આ વિશે જાણ્યું તો ઉગ્ર વિરોધ કર્યો. હઝરત સુલતાનજી રહ.એ ફરમાવ્યું કે હું વિવશ છું, સિમાઅ કેટલીક બીમારીઓનો ઈલાજ છે. જયારે કાઝી સાહેબ રહમતુલ્લાહિ અલયહિનો વિરોધ તીવ્ર બન્યો તો સુલતાનજી રહ.એ ફરમાવ્યું જો હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)થી મારી વિવશતા અને લાચારી અંગેની ઈજાઝત અપાવી દઉં તો માનશો કે નહીં ? કાઝી સાહેબે સંમતિ દર્શાવી. આ અનુસાર ખ્વાબમાં નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)એ આવીને ફરમાવ્યું કે આ મઅઝૂર છે. કાઝી સાહેબ રહ.એ ખ્વાબમાં જ પુછયું કે હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)! શરીઅતની સ્પષ્ટતા ઉપર અમલ કરું યા ખ્વાબ પર ?” સવાર થઈ તો સુલતાનજી રહ.એ કાઝી સાહેબ રહ.ને પૂછયું કે હવે તો મારો પીછો છોડશો કે નહીં ? કાઝી સાહેબ રહ.એ ફરમાવ્યું કે હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) તરફથી જવાબ નથી મળ્યો (મૌનનો અર્થ આ છે કે શરીઅતની સ્પષ્ટતા પર અમલ કરવો જોઈએ.)
જયારે કાઝી સાહેબ રહ.નો મૌતનો સમય નજીક આવ્યો તો હઝરત સુલતાનજી રહ. ઈયાદત માટે પધાર્યા. કાઝી સાહેબ રહ.નું બારણું ખટખટાવ્યું. અંદરથી ખાદિમ દરવાજા પર આવ્યો અને પૂછયું કે કોણ ? સુલતાનજી રહ.એ પોતાનું નામ બતાવ્યું. ખાદિમે અંદર જઈને ખબર આપી તો કાઝી સાહેબ રહ.એ ફરમાવ્યું કે હું ઝિંદગીના આખરી શ્વાસોમાં કોઈ બિદઅતીનું મોઢું જોવા નથી ઈચ્છતો, આ એમના ઈખ્લાસનો વિષય હતો. સુલતાનજી રહ.એ ફરમાવ્યું કે હું એવો ગુસ્તાખ બિદઅતી નથી, બિદઅતી પોતાની બિદઅતથી તવબહ કરીને આવ્યો છે. જયારે કાઝી સાહેબ રહ.ને આ ખબર મળી તો એમણે પોતાનો અમામહ (પાઘડી) મોકલ્યો અને કહેવાડયું કે એના પર કદમ મુબારક મૂકીને અંદર પધારે, હઝરત સુલતાનજી રહ. પોતાના શિર પર અમામહ મૂકીને કાઝી સાહેબ રહ.ની સેવામાં હાજર થયા તો કાઝી સાહેબ રહ.એ શયખુલ મશાઈખ સુલતાનજી રહ. સામે નીચે મુજબનો શે'ર પઢયો.
آناں که خاک را بنظر کیمیا کنند
آیا بود که گوشهٔ چشمے بما کنند
જે લોકોની નજર માટીને સોનું બનાવી દે છે, કેવું સારું થાત જો તેમની એક ઊડતી નજર મારી ઉપર પણ પડી જાત.
ISTIGHFAR:
SOLUTION TO EVERY PROBLEM
There are numerous benefits of Istighfar, seeking forgiveness of Allah (s.w.t) and this is not written in any common book, it is written in Allah's (s.w.t) Qu'ran that he who does Istighfar, Allah (s.w.t) blesses him with several things.
It is related in Tafsir al Qurtubi that Hasan al-Basri (r.a) was once seated. A man came saying " O Master, I'm very sinful do tell me an act which I can do to be forgiven". Hasan al-Basri (r.a) replied, "Go and do Istighfar".
Second person came and said, " O Master, for many days rains have stopped and there is drought. Tell me an action through which Allah (s.w.t) will send down rain to us". Hasan al-Basri (r.a) replied, "Go and do Istighfar".
Third person came and said, " I am under a lot of debt. I am working, but please make dua that Allah (s.w.t) give me wealth so I can be saved from debts". Hasan al-Basri (r.a) replied, "Go and do Istighfar to Allah"
Fourth person came and said, "It is a wish of mine that Allah (s.w.t) give me an offspring. So please make dua that Allah (s.w.t) give me pious offspring". Hasan al-Basri (r.a) replied, "Go and do Istighfar"
Fifth person came and said, "I have an orchard please make dua so that it gives more fruits, so that the return will be more." Hasan al-Basri (r.a) replied, " Go and do Istighfar"
Sixth person came and said, "If I were to get water spring in my house, I will be so pleased". Shaykh Hasan replied, "Go and do Istighfar". Shaykh Hasan al-Basri's (r.a) disciple, Ibn Sabih (r.a) who was sitting close, was very surprised thinking, "Why is it that Shaykh Hasan al-Basri (r.a) is giving the same solution of Istighfar to whoever comes to him"?
So Ibn Sabih (r.a) eventually asked "Why are you giving one response for all the problems"? On hearing this Shaykh Hasan al-Basri (r.a) recited what Allah (s.w.t) said in Qur'an:
'Ask forgiveness from your Lord; for He is Oft-Forgiving; 'He will send rain to you in abundance; "Give you increase in wealth and sons; and bestow on you gardens and bestow on you rivers (of flowing water). [Qur'an 71:10-12]
In these blessed verses of Qur'an there are so many benefits of istighfar, seeking forgiveness of Allah (s.w.t). This is the solution for many who are distressed. Some are distressed that their children are not pious, some are upset due to lack of offspring, some are upset due to excessive sinning. Some want there to be more increase in their business. Just like a garden gives fruits to sell as a commodity, once business is also an analogy to 'garden' in this verse.
If we start doing this one act of Istighfar regularly, all of our problems will be solved through this. We won't need to go to any other person to give us solutions to our problems. This solution is given by Allah through revelation of Qur'an, verily it is the truth from Allah (s.w.t). There is nothing in the word of Allah (s.w.t) except truth. Try it and see the blessings one receives from the abundant recitation of Istighfar.