અલ-બલાગ : જાન્યુઆરી-2022

તંત્રી સ્થાનેથી

રાજાના હૈયે પ્રજાનું હિત વસેલું હોવું જોઈએ... એવું રાજાશાહીના ઝમાનામાં કહેવાતું હતું. રાજાઓ તો આખા પ્રદેશને પોતાની જાગીર બલકે વ્યકિતગત મિલ્કત સમજતા હતા, એટલે એમને બોધ – શિખામણ આપવા આવું કહેવામાં આવતું હતું. અને આજે તો પાંચ વરસની ટુંકી સરકાર હોય છે, એનો વડો પણ આ દરમિયાન બદલાતો હોય છે. અને સરકારે પણ સંવિધાન મુજબ, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કાનૂનો મુજબ કામ કરવાનું હોય છે. અને એમાં ઘણા લાંબા ગાળાના કામો આગલી સરકારોના લાગુ કરેલા પૂરા કરવાના હોય છે. આવી સ્થિતિમાં એકવાર સત્તામાં આવીને કોઈ સરકાર કે એનો વડો એમ સમજે કે દેશ અમારી જાગીર છે, એમાં પ્રજાના પણ કોઈ અધિકાર નથી, આગલી સરકારોએ પ્રજાના હિતના નામે લોકોને ખોટી સવલતો આપી રાખી હતી, હવે દરેક વસ્તુના પૈસા ચુકવવા પડશે. વગેરે... તો આવી સરકારો દેશ અને પ્રજાનું ભારે નુકસાન કરી રહી છે.

કુરઆનમાં એક સ્થળે અલ્લાહે ન્યાય અને ઈન્સાફનું મહત્વ સમજાવતાં ફરમાવ્યું છે : કોઈ કોમ કે સમાજની તમારા પ્રત્યેનો વિરોધ - અદાવત તમને અન્યાય તરફ ન ખેંચી જાય, એનો ખાસ ખ્યાલ રાખજો.

સાચી રીતે સત્તા ભોગવવાનો આ જ નિયમ છે. આજે આખા વિશ્વમાં લોકોની સત્તા લોકોના હાથમાં, કહીને લોકશાહી પ્રચલિત કરી દેવામાં આવી છે, પણ સત્તાને દરેકને વહાલી હોય છે. કોઈને વ્યકિતગત એશ— લાભ માટે તો કોઈને બીજા આશયે, એટલે ન્યાયને એક તરફ મુકીને દરેકની કોશિશ હોય છે સત્તા ટકી રહેવી જોઈએ. ભલેને લોકો સાથે અન્યાય કરવો પડે.

દેશમાં આવેલ અત્યાર સુધીની સરકારો પણ દૂધે ધોયેલી ન હતી, ઘણી બધી ભૂલો તેઓ કરતી આવતી હતી. દરેક સરકારે પ્રજાહિતમાં પોતાની શકિતઓ વાપરવામાં કચાશ રાખી હતી અને આજે પણ આ સિલસિલો ચાલુ જ છે. પણ હવેની સરકારો, ચાહે રાજયોની હોય કે કેન્દ્રની હોય, અને ગમે તે પક્ષની હોય... પ્રજાલક્ષી નિર્ણયો લેવામાં પાછળ જ પડતી દેખાય છે. જે પ્રજાના લાખો વોટ લઈને સરકાર બને છે, એના હિતોના બદલે બે અમુક તમુક કંપનીઓ અને બિઝનેસમેનો અને કોર્પોરેટ ગ્રુપોના હિતને વધારે પ્રાધાન્ય આપવામાં આવે છે. તેઓને એમ લાગે કે ફલાણો કાયદો અમારા વેપાર માટે અઘરો છે, નફામાં અવરોધ બને છે તો સરકાર ખુશીથી એ કાયદો જ બદલી આપે છે, એનાથી વિપરીત પ્રજાના કાયદા રોજબરોજ આકરા બનતા જાય છે. જાણે કાયદા એટલા માટે જ બનાવવામાં આવતા હોય કે લોકો વધારેથી વધારે એનું ઉલ્લંઘન કરે અને એ બહાને સરકારના સંકજામાં વધારે સપડાય.

આ બધું આજે એટલા લખવું પડયું કે પાછલા દિવસોમાં સરકારે પોતે સંસદમાં આ માહિતી આપી કે પાછલા સાત વરસોમાં આઠ લાખથી વધારે ભારતના નાગરિકોએ ભારતની નાગરિકતા છોડી છે, અને અન્ય દેશોની નાગરિકતા લીધી છે. આ તો ભારતની નાગરિકતા છોડનાર લોકોની સંખ્યા છે. ભારત છોડીને અન્ય દેશોમાં ગેરકાયદેસર પ્રવેશ કરેલા લોકોની સંખ્યા અલગ છે. અને રોજગાર માટે અન્ય દેશોમાં ગયેલા લોકોની સંખ્યા એનાથી પણ અલગ છે. જો આપણી સરકારો પ્રજા હિતના આટલા બધા કામો કરે છે, જેટલા જાહેરાતમાં બતાવે છે તો આ સ્થિતિ હરગિઝ ન હોત. આ આંકડાઓ જ બતાવે છે આપણે ગર્તામાં ધકેલાય રહયા છે. સરકારોએ પોતાની નિતિઓ વિશે આત્મચિંતન કરવાની જરૂરત છે. પક્ષ-વિપક્ષની ખેંચતાણમાંથી બહાર નીકળીને ભેગા મળીને દેશ માટે પ્રગતિની રાહ નક્કી કરવાની જરૂરત છે.

એક તરફ ભારતના નાગરિકો દેશ છોડવા આવી રીતે પડાપડી કરી રહ્યા છે, તો બીજી તરફ વર્તમાન સરકારને એમ લાગે છે કે ભારતની ઈકોનોમી ઘણી મજબૂત છે, એટલે ભારતના પાડોશી દેશોના નાગરિકો ભારતમાં આવવા પડાપડી કરી રહ્યા છે. આ જ ભરમમાં નાગરિકતા સુધાર બિલ લોકસભામાં પાસ કરવામાં આવ્યું છે. આવા ભરમમાં રાચતા લોકોએ આસામમાં સુપ્રિમ કોર્ટની દેખરેખ હેઠળ નાગરિકતા રજિસ્ટર બનાવ્યું અને પુરાવાઓ ચેક કર્યા તો બાંગ્લાદેશ બન્યાના ૪૦ વરસો પછી પણ બે ચાર લાખ લોકો એવા નીકળ્યા જેમની પાસે ભારતની નાગકિતાના પુરાવા ન હતા. ખરી હકીકત આ છે કે ભારતની નેતાગીરી અને સરકારો ભારતના નાગરિકોને જ સલામત રોજગાર મળી રહે એવું આયોજન કરી શકતી નથી તો અન્ય દેશોન નાગરિકોને આપણે શું આપી શકવાના હતા ?

આજે આપણે વિદેશ, વિદેશીઓ કે વિશ્વની ચિંતા કરવાના બદલે પોતાના દેશની ચિંતા કરવાની જરૂરત છે. દેશના નાગરિકોને રોજગાર અને પાયાની સુવિધાઓ મળી રહે એનું આયોજન કરવાની જરૂરત છે.


ગુલામ ઓરતો (લોંડી) સાથે નિકાહ કરવાની ઇજાઝત

-મુફતી ફરીદ અહમદ કાવી

وَ مَنْ لَّمْ یَسْتَطِعْ مِنْكُمْ طَوْلًا اَنْ یَّنْكِحَ الْمُحْصَنٰتِ الْمُؤْمِنٰتِ فَمِنْ مَّا مَلَكَتْ اَیْمَانُكُمْ مِّنْ فَتَیٰتِكُمُ الْمُؤْمِنٰتِؕ-وَ اللّٰهُ اَعْلَمُ بِاِیْمَانِكُمْؕ-بَعْضُكُمْ مِّنْۢ بَعْضٍۚ-فَانْكِحُوْهُنَّ بِاِذْنِ اَهْلِهِنَّ وَ اٰتُوْهُنَّ اُجُوْرَهُنَّ بِالْمَعْرُوْفِ مُحْصَنٰتٍ غَیْرَ مُسٰفِحٰتٍ وَّ لَا مُتَّخِذٰتِ اَخْدَانٍۚ-فَاِذَاۤ اُحْصِنَّ فَاِنْ اَتَیْنَ بِفَاحِشَةٍ فَعَلَیْهِنَّ نِصْفُ مَا عَلَى الْمُحْصَنٰتِ مِنَ الْعَذَابِؕ-ذٰلِكَ لِمَنْ خَشِیَ الْعَنَتَ مِنْكُمْؕ-وَ اَنْ تَصْبِرُوْا خَیْرٌ لَّكُمْؕ-وَ اللّٰهُ غَفُوْرٌ رَّحِیْمٌ(25) یُرِیْدُ اللّٰهُ لِیُبَیِّنَ لَكُمْ وَ یَهْدِیَكُمْ سُنَنَ الَّذِیْنَ مِنْ قَبْلِكُمْ وَ یَتُوْبَ عَلَیْكُمْؕ-وَ اللّٰهُ عَلِیْمٌ حَكِیْمٌ(26) وَ اللّٰهُ یُرِیْدُ اَنْ یَّتُوْبَ عَلَیْكُمْ- وَ یُرِیْدُ الَّذِیْنَ یَتَّبِعُوْنَ الشَّهَوٰتِ اَنْ تَمِیْلُوْا مَیْلًا عَظِیْمًا(27) یُرِیْدُ اللّٰهُ اَنْ یُّخَفِّفَ عَنْكُمْۚ-وَ خُلِقَ الْاِنْسَانُ ضَعِیْفًا(28)

તરજમહ : અને તમારામાંથી જેની પાસે મુસલમાન આઝાદ સ્ત્રીઓ સાથે નિકાહ કરવાની શક્તિ ન હોય તો તે તમારી માલિકીની મુસલમાન લોંડીઓમાંથી કોઈની સાથે નિકાહ કરે. અને અલ્લાહ તમારા ઈમાનને ખૂબ જાણે છે. તમે બધા એકમેક (સમાન છે. એટલે લૉડીઓ સાથે પણ એમના માલિકોની પરવાનગીથી નિકાહ કરી શકાય છે. અને તેણીઓને એમની મહેર નિયમ મુજબ આપી દયો. એ શરતે કે તેણીઓને પત્ની બનાવવામાં આવે, તેણીઓ ઝીના થકી શોખ પૂર્ણ કરનારી અને ન છૂપી યારી કરનારી ન હોય. અને આ મુજબ જ્યારે તેણીઓને નિકાહ (ના બંધન)માં આવી જાય, પછી પણ જેા બદકારી કરે તો તેણીઓ ઉપર (કુંવારિ) આઝાદ સ્ત્રીઆે અડધી શિક્ષા લાગુ કરવામાં આવે.

(લોંડીઓ સાથે નિકાહ કરવાની) આ છુટ તમારામાંથી જેને ઝીના (માં સપડાવવા)ની બીક હોય તેને માટે છે; પણ તમે સબર કરો એ તમારા માટે બેહતર છે. અને અલ્લાહ ઘણો બખ્શનાર (તેમજ) દયાળુ છે. (૨૫) અલ્લાહ ચાહે છે કે (એના હુકમો) તમારી સામે સ્પષ્ટ રીતે બયાન કરે, અને તમારાથી આગલા લોકોની રીત – ભાત તમને બતાવે અને તમને માફી આપે. અને અલ્લાહ સઘણું જાણનાર હિકમતવાળો છે. (૨૬) અને અલ્લાહ ચાહે છે કે તમારા ઉપર મહેરબાની કરવા ચાહે જ છે, પણ જે લોકો એમની મનેચ્છાઓ મુજબ ચાલે છે તેઓ ચાહે છે કે તમે (સીધા રસ્તેથી) હટીને ઘણા દૂર જઇ પડો. (૨૭) અલ્લાહ તમારા ઉપરથી બોજ હલકો કરવા ચાહે છે અને ઇન્સાનને કમઝોર પેદા કરવામાં આવ્યો છે. (૨૮)

તફસીર : કઈ કઈ સ્ત્રીઓ સાથે નિકાહ કરવા જાઇઝ છે અને જાઇઝ નથી, એનું વર્ણન અગાઉની આયતોમાં હતું. અને એક વિશેષ શરતનું વર્ણન હતું કે નિકાહ કરવામાં મહેર હોવી જરૂરી છે. આ જ અનુસંધાનમાં આ આયતોમાં ગુલામડી – દાસી સાથે નિકાહ જાઈઝ હોવાનું વર્ણન છે. અલબત્ત આ હુકમને તે સમયના સામાજિક સંજોગોની પરિસ્થિતિને સામે રાખીને વર્ણવવામાં આવ્યો છે. લોંડી કે દાસી કોઈ માલિકની માલિકીમાં હોય છે, અને તે સમયના પ્રચલિત રિવાજ મુજબ, જે શરીઅતમાં પણ માન્ય છે, આ વાત જાઇઝ હતી કે માલિક પોતાની લોંડી સાથે શારિરીક સંબંધો બાંધી શકે છે. આવી સ્થિતિમાં એક આઝાદ માણસ બીજા માણસની લોંડી સાથે શાદી કરવાને સામાન્ય રીતે પસંદ કરતો ન હતો. લોકોની માલિકીમાં મોજૂદ લોંડીઓ એમના માલિકના ઘરમાં રહીને ઈસ્લામથી પરિચિત થઈને મુસલમાન પણ બની જતી હતી. ઉપરાંત આઝાદ ઓરત અને ગુલામ ઓરત એટલે કે લોંડીમાં માલ, કુટુંબ, ઇઝઝત વગેરે બાબતે મોટો તફાવત રહેતો હતો. ઘણા માલિકો પોતાને શારિરીક જરૂરત ન હોય એવી પોતાની લોંડીઓના કોઈ અન્ય પુરૂષ સાથે, ચાહે તે પુરૂષ કોઈ અન્ય માણસનો ગુલામ હોય કે આઝાદ માણસ હોય, નિકાહ કરાવતા હતા, જેથી એની જરૂરત પૂરી થઈ શકે અને ઈઝઝત સલામત રહે. આવી લોંડીઓની મહેર ઓછી એટલે કે આઝાદ ઓરત કરતાં લગભગ અડધી કે એથી પણ ઓછી રાખવામાં આવતી હતી.

હવે આયતમાં વર્ણવવામાં આવેલ હુકમ જોઈએ કે, નિકાહમાં મહેર આપવી જરૂરી છે, અને કોઈ ગરીબ માણસ પાસે ઓરતને આપવા જેટલી મહેરની રકમ ન હોય તો આખર એ માણસ પોતાની જરૂરત જાઈઝ તરીકાથી કેવી રીતે પૂરી કરી શકે? આ આયતોમાં એનો જ હુકમ વર્ણવવામાં આવ્યો છે. હુકમ આ છે કે જે માણસ પાસે પાકદામન આઝાદ ઓરતો સાથે નિકાહ કરવાની શકિત એટલે કે એમને આપવાની થતી મહેરની રકમ અને ખાવા પીવાનો ખર્ચ વગેરેની શકિત ન હોય તો આવો માણસ મુસલમાન લોંડી – બાંડી સાથે નિકાહ કરી શકે છે. લોંડીને મહેરની રકમ ઓછી આપવાની થાય છે અને તે વધુ સમય એના માલિકના ઘરે માલિકનું કામકાજ કરતી હોય છે એટલે એના ખાવા – પીવાનો ખર્ચ પણ શોહરના માથે આવતો નથી, આમ માણસ ઘણા ઓછા ખર્ચે નિકાહ કરીને પોતાની જરૂરત જાઈઝ તરીકાથી પૂરી કરી શકે એવો હુકમ અલ્લાહ તઆલા તરફથી આપવામાં આવ્યો છે.

આવી સ્થિતિમાં લોંડી સાથે નિકાહ કરવામાં આઝાદ માણસ પોતાના માટે શરમજનક ગણે એ માનવીય સ્વભાવની ખાસિયત છે, એટલે અલ્લાહ તઆલા ફરમાવે છે કે તમારી જરૂરત નિકાહ કરવાની છે, તમારી પાસે આઝાદ ઓરત સાથે નિકાહ કરીને એને નિભાવી શકાય એટલો માલ નથી, પછી આવી ગુલામ સ્ત્રી સાથે નિકાહ કરવામાં શું વાંધો છે ? અને એ મોમિન – મુસલમાન છે, અને તમારા બધાના ઈમાનનો હાલ અલ્લાહ તઆલા વધારે જાણે છે, શી ખબર કે એનું ઈમાન તમારા કરતાં પણ વધારે મજબૂત હોય, અને એ રીતે ગુલામ હોવા છતાં અલ્લાહ તઆલાના દરબારમાં તમારા કરતાં વધારે ઈઝઝત વાળી હોય શકે છે. માટે જરૂરત હોય તો ગુલામ ઓરત સાથે નિકાહ કરવામાં શરમ અનુભવવાની જરૂરત નથી. અને એ ગુલામ સ્ત્રી પણ આખર આદમી એટલે કે આદમની ઓલાદ અને તમારા જેવી માણસ જ છે ને, એટલે વંશ – કુટુંબની ઉચ્ચતા કે મહાનતા પણ છેવટે ત્યાં જ જઈ મળે છે.

આ બંને વાકયો નિકાહના ખ્વાહિશમંદ માણસને જાઇઝ રીતે નિકાહ કરવામાં બાધારૂપ બનતા ખોટા વિચારોને ખતમ કરવા માટે અને નિકાહ કરવાની પ્રેરણા આપવા માટે ફરમાવવામાં આવ્યા છે.

પછી આવા નિકાહ સમયે ધ્યાનમાં રાખવાની વિશેષ બાબતો દર્શાવવામાં આવી છે. પ્રથમ આ કે ગુલામ ઓરત સાથે નિકાહ કરવા માટે એના માલિક એટલે કે આકાની પરવાનગી જરૂરી છે. એની પરવાનગી નહીં હોય તો નિકાહ સહી નહીં થાય. બીજી વાત આ કે એમની મહેર રોકડ કે ઉધાર જે હોય તે, નિયમ મુજબ ચુકવી દેવામાં આવે. એના ગુલામ હોવાના કારણે શોહરે આ બાબતે એની સાથે અન્યાય કરવો જાઈઝ નથી. ત્રીજી વાત આ કે આવી ઓરત શોહરના નિકાહમાં આવીને પાકદામન રહેવા માંગતી હોય તો નિકાહ કરો. આ ગુલામ ઓરત બદકાર હોય અને નિકાહના બહાને પૈસા લઈને પોતાનો શોખ પૂરો કરીને પછી શોહરને છોડી દેનાર હોય, એટલે કે એનો મકસદ ઝીના કરવાનો હોય તો આ રીત દુરુસ્ત નથી. મરદ પણ એવી નિયત રાખતો હોય કે નિકાહ અને મહેરના નામે થોડી રકમ આપીને પોતાનો વાસના પૂરી કરીને પછી એને તરછોડી દઈશ, તો આ પણ ઝીના ગણાશે. ચોથી વાત આ કે આવી ગુલામ સ્ત્રીઓ છુપી રીતે કોઈને દોસ્ત –પ્રેમી બનાવીને ન રાખતી હોય.

નોંધ : આ આયતમાં ગુલામ ઓરત સાથે નિકાહ કરવાનો હુકમ એક વિશેષ સ્થિતિ એટલે કે આઝાદ ઓરત સાથે નિકાહ કરીને નિભાવની શકિત ન હોય, એવા સંજોગો માટે છે. અલબત્ત એના વગર પણ ઈમામ અબુ હનીફહ રહ.ના મસ્લક મુજબ ગુલામ ઓરત સાથે નિકાહ કરવા દુરુસ્ત છે. અલબત્ત ન કરવા બેહતર છે.

અહિંયા સુધી ગુલામ ઓરતો સાથે નિકાહના હુકમો હતા. હવે આ જ અનુસંધાને શાદીશુદા ગુલામ ઓરત નિકાહ પછી ઝીનાનો ગુનો કરે તો એની શું સજા હોય શકે એનું વર્ણન છે.

ઝીનાની સજા બે પ્રકારની છે. ગેરશાદીશુદા હોય તો ૧૦૦ કોરડા અને શાદીશુદા હોય તો સંગસાર એટલે કે પથ્થરો મારીને મારી નાખવાની છે. ગુલામ ઓરતની સજા અડધી હોય છે એટલે પથ્થરો વાળી સજા તો અડધી કરી શકાતી નથી એટલે ૧૦૦ કોરડાની સજા અડધી કરવામાં આવશે એટલે કે ગુલામ ઓરત શાદીશુદા હોવા છતાં ઝીના કરે તો એને ૫૦ કોરડાની સજા આપવામાં આવશે.

અંતે અલ્લાહ તઆલા ફરમાવે છે કે માણસ સબર કરીને ઝીનાથી બચે એ વધારે સારું છે. ગુલામ ઓરત સાથે નિકાહ કરવા કરતાં પણ સબર કરીને રહેવું વધારે સારું છે. અને જો કોઈ માણસ આવા સંજોગોમાં ગુલામ ઓરતો સાથે નિકાહ કરશે તો વાંધો નથી, અલ્લાહ તઆલા મોટો રહેમ કરનાર છે. એટલે એણે જ આ બાબતની છુટ આપી છે.

નોંધઃ ઉપરોકત આયતોમાં જે ગુલામ ઓરતોનું વર્ણન છે, એનો રિવાજ પહેલાંના ઝમાનામાં હતો. લડાઈઓમાં એકબીજાના માણસોને ગુલામ બનાવી લેવામાં આવતા અને પછી આવા ગુલામ સ્ત્રી- પુરૂષોનું ખરીદ વેચાણ થતું હતું. હવે આ પરંપરા વિશ્વભરમાંથી ખતમ થઈ ગઈ છે. બધા જ માનવીઓ આઝાદ છે. એટલે આજકાલ ઘરોમાં નોકરી કરતા કે મજૂરી કરતા લોકો ગુલામ નથી. બલકે તેઓ આઝાદ માણસ છે. એમના ઉપર શરીઅતે બતાવેલા ગુલામના હુકમો નહીં, બલકે આઝાદ માણસનો હુકમ લાગુ પડશે.

આયત નં ૨૬માં અલ્લાહ તઆલા ફરમાવે છે કે આવા હુકમો થકી અલ્લાહ તઆલા એમ ચાહે છે કે તમારી સામે સ્પષ્ટ હુકમો વર્ણવે, અને તમને સમજાવે કે આગલા લોકો માટે પણ અલ્લાહ તઆલાએ એમના મુજબ હુકમો આપવામાં આવતા હતા. જેથી કોઈ માણસ એમ ન સમજે કે હલાલ હરામના હુકમો ફકત અમારા માટે જ છે.

એનાથી વિપરીત જે લોકો શહવત પરસ્ત હોય છે, જેમની પાસે હલાલ – હરામના કોઈ નિયમો કે ધર્મ નથી હોતો, એવા લોકો આવી બાબતોમાં બીજા માણસોને ભરમાવીને ખોટા રસ્તે લઈ જાય છે. ત્યારે પણ એવા લોકો હતા અને આજે તો ઓર વધી ગયા છે, જેઓ ઓરતો સાથે પોતાની શહવત પૂરી કરવા માટે કોઈ નિયમ – કાનૂનને માનતા નથી, બલકે પૈસા નક્કી કરીને મોજ શોખ પૂરા કરી લે છે. આવા લોકોની વાતોમાં આવવાની મનાઈ અલ્લાહ તઆલાએ ફરમાવે છે.

છેલ્લે અલ્લાહ તઆલા ફરમાવે છે કે અલ્લાહના હુકમો એટલા માટે નથી હોતા કે માણસ ઉપર કડક બંધનો લગાવે, બલકે સરળતા માટે હોય છે. એટલે જ આઝાદ ઓરતને આપવા જેટલો ખર્ચ ન હોય તો ગુલામ ઓરત સાથે નિકાહ કરવાની પરવાનગી આપવામાં આવી છે. કારણ કે માણસ કમઝોર છે, નિકાહ વગર ગુનામાં સપડાવવાનો અંદેશો હોય છે, એટલે નિકાહની આસાન સૂરત બતાવવામાં આવી અને ગુનાથી બચવાનો રસ્તો બતાવવામાં આવ્યો. આસાની એમાં નથી કે ગમે તે રીતે શહવત પૂરી કરી લેવામાં આવે, એ તો દુનિયા અને આખિરત બંને રીતે નુકસાનકારક છે. આસાની નિકાહમાં છે, અને એમાંયે માણસને અલ્લાહ તઆલાએ સરળ નિકાહનો રસ્તો બતાવ્યો.


મઆરિફુલ હદીસ

હઝરત મવલાના મંઝૂર નોમાની (રહ.)

અનુવાદ : મવલાના યાકૂબ બારીવાલા સા. રહ. (બ્લેકબર્ન. યુ.કે.)

૧૬૧

મહેનત કરીને કમાવો, સવાલ ન કરો

(۲۹) عَنْ الزُّبَيْرِ بْنِ الْعَوَامِ ؓقَالَ قَالَ رَسُولُ اللَّهِ ﷺ لَاَنْ يَأْخُذَ أَحَدُكُمْ حَبْلَهُ فَيَاتِي بِحُزْمَةِ حَطَبٍ عَلَى ظَهْرِهِ فَيَبِيْعَهَا فَيَكُفَّ اللَّهُ بِهَا وَجْهَهُ خَيْرٌ لَهُ مِنْ أَنْ يسْأَلَ النَّاسَ أَعْطَوْهُ أَوْ مَنَعُوْهُ (رواه البخاري)

તરજુમાઃ- હઝરત ઝુબૈર બિન અવ્વામ રદિ.થી રિવાયત છે કે રસૂલુલ્લાહ સલ.એ ફરમાવ્યું તમારામાંથી કોઈ (જરૂરતમંદ) માણસની આદત એવી હોય કે તે દોરડુ લઈ જંગલમાં જાય અને લાકડાનો ભારો ઉચકી લાવે, તેને વેચે, અને એવી રીતે અલ્લાહની તૈાફિકથી તે માંગવાની બેઈઝઝતીથી પોતાને બચાવે, તે ઘણું જ ઉમ્દા અને સારૂ છે કે એ વાતથી કે લોકો પાસે સવાલ માટે હાથ ફેલાવે ચાહે તેને લોકો આપે કે ન આપે.

عَنْ أَنَسٍ بْنِ ماَلِكٍؓ أَنَّ رَجُلاً مِنَ الْأَنْصَارِ أَتَى النَّبِيَّ  يَسْأَلُهٗ، فقال : "أَمَا فِي بَيْتِكَ شَيْءٌ؟" قال: بلى، حِلْس؛ نلبس بعضه، ونبسط بعضه، وقَعْب نشرب فيه من الماء. قال: "ائْتِنِي بِهِمَا". قال: فأتاه بهما، فأخذهما رسول الله  بيده، وقال: "مَنْ يَشْتَرِي هَذَيْنِ؟" قال رجل: أنا آخذهما بدرهم. قال: "مَنْ يَزِيدُ عَلَى دِرْهَمٍ؟" مرَّتين أو ثلاثًا، قال رجل: أنا آخذهما بدرهمين. فأعطاهما إيَّاه وأخذ الدرهمين، فأعطاهما الأنصاري، وقال: "اشْتَرِ بِأَحَدِهِمَا طَعَامًا، فَانْبذْهُ إِلَى أَهْلِكَ، وَاشْتَرِ بِالآخَرِ قَدُومًا فَأْتِنِي بِهِ". فأتاه به، فشدَّ فيه رسول الله  عودًا بيده، ثم قال له: "اذْهَبْ فَاحْتَطِبْ وَبِعْ، وَلا أَرَيَنَّكَ خَمْسَةَ عَشَرَ يَوْمًا". فذهب الرجل يحتطب ويبيع، فجاء وقد أصاب عشرة دراهم، فاشترى ببعضها ثوبًا، وببعضها طعامًا، فقال رسول الله : "هَذَا خَيْرٌ لَكَ مِنْ أَنْ تَجِيءَ الْمَسْأَلَةُ نُكْتَةً فِي وَجْهِكَ يَوْمَ الْقِيَامَةِ، إِنَّ الْمَسْأَلَةَ لا تَصْلُحُ إِلاَّ لِثَلاثَةٍ: لِذِي فَقْرٍ مُدْقِعٍ، وَلِذِي غُرْمٍ مُفْظِعٍ، أَوْ لِذِي دَمٍ مُوجِعٍ.

તરજુમા-હઝરત અનસ રદિ.થી રિવાયત છે કે એક (નાદાર અને ગરીબ માણસ) અન્સારી સહાબીએ હુઝૂર સલ.ની સેવામાં હાઝર થઈ (પોતાની જરૂરત જાહેર કરી) આપ સલ. પાસે કંઈ માંગ્યું તો આ૫ સલ.એ ફરમાવ્યું કે શું તમારા ઘરમાં કંઈ જ નથી? તેવણે અરજ કરી ફકત એક કમ્બલ છે જે અર્ધી ઓઢીએ છીએ અને અર્ધી પાથરીએ છીએ અને એક પ્યાલું છે. જેનાથી પાણી પીએ છીએ. (બાકી અલ્લાહનું નામ) આપ સલ.એ ફરમાવ્યું: એ બન્ને વસ્તુ મારી પાસે લઈ આવો. તેમણે તે વસ્તુઓ લાવી આપ સલ.ને સોંપી દીધી. આપ સલ.એ તો કમ્બલ અને પ્યાલુ હાથમાં લઈ નિલામ કરવા માટે હાજરજનો ને સંબોધી ફરમાવ્યું આ બે વસ્તુ ખરીદવા કોણ તૈયાર છે? એક માણસે અરજ કરી હઝરત! એક દિરહમમાં હું એને ખરીદી શકું છું આપ સલ.એ ફરમાવ્યું એક દિરહમથી વધુ કોણ આપી શકે છે? (આ વાત આપ સ.અ.એ બે અથવા ત્રણ વાર ફરમાવી) બીજા માણસે અરજ કરી કે હઝરત! હું બે દિરહમમાં ખરીદી શકું છું આપ સલ.એ બન્ને ચીજો તે માણસને આપી તેની પાસેથી બે દિરહમ લઈ લીધા. અને તે અન્સારીને સોંપતાં ફરમાવ્યું કે એક દિરહમનો કંઈ ખાવાનો સામાન લઈ તમારા ઘરવાળાઓ (બૈરી છોકરા) ને આપી દો. અને બીજા દિરહમની એક કુહાડી ખરીદી લઈ મારી પાસે લઈ આપવો તેમણે તે મુજબ કર્યુ કુહાડી લઈ આપ સલ.ની સેવામાં પહોંચ્યા આપ સલ.એ પોતાના હાથ મુબારકથી તે કુહાડીને એક મજબૂત લાકડાનો હાથો બેસાડયો. અને તેમને ફરમાવ્યું : જાઓ અને જંગલમાંથી લાકડા લાવી વેચો અને હવે પંદર દિવસ સુધી હું તમને જોઉ નહી (એટલે બે અઠવાડિયા સુધી કામ કરો અને મારી પાસે આવવાનો પ્રયત્ન કરો નહી.) તે માણસ ચાલ્યા ગયા અને આપ સલની સુચના અનુસાર જંગલમાંથી લાકડા લાવી વેચતા રહ્યા પછી એક દિવસ આપ સલ.ની સેવામાં હાજર થયા અને તેમણે પોતાની મહેનત અને લાકડાના ધંધામાં દસ દિરહમ કમાઈ ભેગા કર્યા હતા તેમાંથી અમૂક દિરહમનું કપડું ખરીદયું અને અમૂક દિરહમનું અનાજ વિગેરે.

રસૂલુલ્લાહ સલ.એ તેમને ફરમાવ્યું તમારી મહેનતથી આ પ્રમાણે કમાવવું તમારા માટે એનાથી વધુ બેહતર છે કે કયામતના દિવસે લોકો પાસે માંગવાના ડાઘા તમારા ચેહરા પર હોય. (પછી આપ સલ.એ ફરમાવ્યું) કે સવાલ કરવો ફકત ત્રણ પ્રકારના માણસો માટે જાઈઝ છે. એક તે માણસ જેને ભુખ અને ફકીરીએ ઝમીન સાથે પટકી દીધો હોય. અને બિલ્કુલ લાચાર બનાવી દીધો હોય. બીજો તે માણસ જેના પર કરજ અથવા દંડનો બોજો હોય, (જેને અદા કરવાની શક્યતા ન હોય) અને ત્રીજો તે માણસ જેને ખુનનો બદલો ચુકવવાનો હોય, અને તેનાથી અદા થઈ શકતો ન હોય.

ખુલાસો :- આ હદીસ કોઈ વધુ ખુલાસાની મુહતાજ નથી, અફસોસ! જે નબીની આ સુચનાઓ અને આ પ્રમાણેનું જીવન હતુ તે નબીની ઉમ્મતમાં ધંધાદારી ભીખારીઓ અને ફકીરોની એક જમાઅત છે અને અમૂક લોકો એવા પણ છે જેઓ આલિમ અને પીર બની ઈઝઝતદાર ભીખ માંગે છે. આ લોકો ભીખ અને સવાલ સિવાય ધોકા બાજી અને ધર્મ વેચવાના પર ગુનેહગાર છે.

ઝકાત સિવાય માલનો સદકો

(۳۱) عَنْ فَاطِمَةَ بِنْتِ قَيْسٍؓ قَالَتْ قَالَ رَسُولُ اللّهِ ﷺ إِنَّ فِي الْمَالِ لَحَقاً سِوَى الزَّكٰوةِ ثُمَّ تَلَا لَيْسَ الْبِرُّ أَنْ تُوَلُّوْا وُجُوهَكُمْ قِبَلَ الْمَشْرِقِ وَالْمَغْرِبِ وَلَكِنَّ الْبِرَّ مَنْ آمَنَ بِاللهِ وَالْيَوْمِ الآخِرِ وَالْمَلٰئِكَةِ وَالْكِتَابِ وَالنَّبِيِّينَ وَآتَى الْمَالَ عَلَى حُبِّهِ ذَوِى الْقُرْبَى وَالْيَتَمَى وَالْمَسْكِينَ وَابْنَ السَّبِيلِ وَالسَّائِلِينَ وَفِي الرِّقَابِ وَإِقَامَ الصَّلوةَ وَآتَى الزَّكٰوةَ - ( الترمذي وابن ماجة والدارمي)

તરજુમા-હઝરત ફાતિમા બિન્તે કૈસ રદિ. થી રિવાયત છે કે રસૂલુલ્લાહ સલ.એ ફરમાવ્યું માલમાં ઝકાત સિવાય પણ અલ્લાહના હક છે. પછી આપ સલ.એ આ આયત તિલાવત ફરમાવી

لَيْسَ الْبِرُّ اَنْ تُوَلُّوا وُجُوهَكُمْ قِبَلَ الْمَشْرِقِ وَالْمَغْرِبِ وَلَكِنَّ الْبِرَّ مَنْ آمَنَ بِاللهِ وَالْيَوْمِ الآخِرِ وَالْمَلٰئِكَةِ وَالْكِتَابِ وَالنَّبِيِّينَ وَآتَى الْمَالَ عَلَى حُبِّهِ ذَوِى القُرْبَى وَالْيَتَمَى وَالْمَسْكِينَ وَابْنَ السَّبِيلِ وَالسَّائِلِينَ وَفِي الرِّقَابِ وَإِقَامَ الصَّلٰوةَ وَآتَى الزَّكٰوةَ

અર્થાત :- અસલ નેકી અને ભલાઈની મર્યાદા એ નથી કે (ઈબાદતમાં) તમે પૂર્વ કે પશ્ચિમ તરફ તમારૂ મોં કરી લો, પણ ખરી નેકીનો રસ્તો તે લોકોનો છે જેઓ ઈમાન લાવ્યા અલ્લાહ પર અને આખિરતના દિવસ પર ફરિશ્તાઓ પર, અલ્લાહની કિતાબો પર અને તેના નબીઓ પર, અને જેમણે માલની સાથે મહોબ્બત હોવા છતાં સગા સંબંધીઓ અને યતીમો મિસ્કીનો તેમ મુસાફરો, અને ભીખારીઓ પર તેમજ ગુલામોને આઝાદ કરવામાં ખર્ચ કર્યો, અને સારી રીતે નમાઝ કાયમ કરી તેમ ઝકાત અદા કરી.

ખુલાસો :- હદીસનો ભાવાર્થ અને હેતુ એ છે કે કોઈને આ ગલત ફેહમી ન થવી જોઈએ કે નક્કી કરેલ ઝકાત (એટલે વધારાના માલનો ચાલીસમો ભાગ) આપી દીધા પછી માણસ પર અલ્લાહનો બીજો કોઈ માલી હક બાકી રહેતો નથી. અને તે આ પ્રકારની દરેક જવાબદારીઓથી મુકત થઈ ગયો એવું નથી પણ ખાસ હાલતોમાં ઝકાત આપ્યા પછી પણ અલ્લાહના જરૂરતમંદ અને મોહતાજ બંદાઓની મદદ કરવાની જવાબદારી માલદારો પર બાકી રહે છે. દાખલા રૂપે એક શકિતશાળી માણસ હિસાબ કરી પુરી ઝકાત અદા કરી ચુકયો, ત્યાર પછી તેને ખબર પડી કે તેનો પડોશી ભુખ્યો છે. અથવા તેને ફલાણો સગો ઘણી જ ભીડમાં છે અથવા કોઈ શરીફ મુસીબતનો માર્યો અથવા મુસાફર એવી હાલતમાં તેની સામે આવે, જેની તાત્કાલીક મદદ કરવાની જરૂરત જણાય તો એવા સમયે જરૂરત મંદ અને મહોતાજ, લાચારોની મદદ કરવી વાજિબ છે. રસૂલુલ્લાહ સલ.આ વાત ફરમાવ્યા પછી ટેકા રૂપે સૂરએ બકરહની ઉપરોકત આયત તિલાવત ફરમાવી. આ આયતમાં નેકીના કામોના અનુસંધાનમાં ઈમાન પછી યતીમો, નાદારો, મુસાફરો, ભીખારીઓ, વિગેરે લાચાર લોકોની મદદ કરવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ત્યાર બાદ નમાઝ કાયમ કરવા અને ઝકાત આપવાનું વર્ણન છે. તેનાથી માલુમ પડે છે કે તેવા કમઝોર અને લાચાર લોકોની માલી મદદનો જે ઉલ્લેખ અહીંયા કરવામાં આવ્યો છે. તે ઝકાત સિવાય છે. કેમકે ઝકાતનું અલગ વર્ણન આ આયતમાં આગળ મોજુદ છે.

અમીર અને ગરીબ દરેક મુસલમાન માટે સદકો જરૂરી છે

(۳۲) عَنْ أَبِي مُوسٰى الْأَشْعَرِيِّؓ قَالَ قَالَ رَسُولُ اللّهِ ﷺ عَلٰى كُلِّ مُسْلِمٍ صَدَقَةٌ قَالُوا فَإِنْ لَمْ يَجِدْ قَالَ فَلْيَعْمَلْ بِيَدَيْهِ فَيَنْفَعُ نَفْسَهُ وَيَتَصَدَّقُ قَالُوا فَإِنْ لَّمْ يَسْتَطِعْ قَالَ فَيُعِيْنُ ذَالْحَاجَةِ الْمَلْهُوْفَ قَالُوْا فَإِن لَّمْ يَفْعَلْهُ قَالَ فَيَأْمُرُ بِالْخَيْرِ قَالُوا فَإِنْ لَّمْ يَفْعَلْ قَالَ فَيُمْسِكْ عَنِ الشَّرِّ فَإِنَّهُ لَهُ صَدَقَةٌ (رواه البخاري ومسلم)

તરજુમાઃ- હઝરત અબૂ મુસા અશઅરી રદિ.થી રિવાયત છે કે રસૂલુલ્લાહ સલ.એ ફરમાવ્યું: દરેક મુસલમાન પર સદકો જરૂરી છે. લોકોએ પુછયું કે કોઈની પાસે સદકો કરવા માટે કંઈ જ ન હોય તો શું કરે? આપ સલ.એ ફરમાવ્યું હાથ પગથી મહેનત કરી કમાણી કરે તેનાથી પોતે પણ ફાયદો ઉઠાવે અને સદકો પણ કરે. પુછવામાં આવ્યું કે જો તે સદકો ન કરી શકતો હોય તો શું કરે? આપ સલ.એ ફરમાવ્યું કોઈ પરેશાન લાચાર માણસનું કામ કરી તેની મદદ કરવી (એ પણ એક પ્રકારન સદકો છે.) અરજ કરવામાં આવ્યું જો કોઈ એવું પણ ન કરી શકતો હોય તો શું કરે? આપ સલ.એ ફરમાવ્યું: તો પછી લોકોને સારી અને ભલાઈની વાતો કહે. લોકોએ અરજ કરી તે પણ કોઈ ન કરી શકતો હોય તો શું કરે? આપ સલ.એ ફરમાવ્યું કમથી કમ બુરાઈથી પોતાને બચાવે. (એટલે એવો પ્રબંધ કરે કે તેનાથી કોઈને તકલીફ ન પહોંચે.) એ પણ તેના માટે એક પ્રકારનો સદકો છે.

ખુલાસો :- આ હદીસથી જાણવા મળ્યું કે જે લોકો પર માલદોલત ન હોવાથી ઝકાત ફરજ નથી તેમણે પણ સદકો કરવો જોઈએ. જો પૈસે ટકેથી હાથ ખાલી હોય તો મહેનત મજૂરી કરી પોતાનું પેટ કાપી સદકાની નેક બખ્તી મેળવવાની કોશીશ કરે, અને જો કોઈ ખાસ હાલતના કારણે કોઈ તેનાથી પણ લાચાર હોય તો કોઈ લાચાર પરેશાન હાલની સેવા ચાકરી કરી દે, અને હાથ પગથી કોઈ કામ ન કરી શકે તો જબાન વડે સેવા કરે.

હદીસનો મર્મ અને તેનો ખરો સંદેશ એ જ છે કે દરેક મુસલમાન ભલે અમીર હોય કે ગરીબ મજબૂર શકિતવાન હોય કે શકિતહીન તેના માટે જરૂરી છે કે પૈસે ટકે, હાથે પગે, વાતચીતથી જે રીતે અને જે પ્રકારે પણ બની શકે અલ્લાહના જરૂરતમંદ અને લાચાર બંદાઓની મદદ કરવી જોઈએ, અને તેમાં પાછી પાની ન કરે.


આંતકવાદ, ઇસ્લામ અને મીડીયાની ભુમિકા

ઈસ્લામ ધર્મના નામ અને અર્થમાં જ અમન અને સલામતીનો સંદેશ શામેલ છે. ઈસ્લામનો અર્થ છે સલામતી અને ઈમાનનો અર્થ છે અમન. પછી આ ધર્મ કેવી રીતે આંતકવાદનો સમર્થક હોય શકે છે ?

ઈસ્લામ તો શાંતિ, સુલેહ અને સલામતીની શિખામણ આપે છે. ઈસ્લામની નજરે માનવ જીવનનું મહત્વ એટલું બધું છે કે કુરઆનમાં દર્શાવ્યા પ્રમાણે એક નિર્દોષ વ્યકિતની હત્યા સમગ્ર માનવજાતિની હત્યા સમાન છે.

નિર્દોષોને મારવાને, ચાહે તે કોઈ પણ ધર્મને અનુસરતા હોય, કુરઆનમાં જિહાદ નહીં, બલકે 'ફસાદ' એટલે કે ખુદાઈ વ્યવસ્થામાં ખલેલ પહોંચાડવાનો ગુનો કરાર દેવામાં આવ્યો છે.

લોકોમાં આતંક ફેલાવવો અને ડર - ભયનો માહોલ ઉત્પન્ન કરવો અને અત્યાચાર જેવા ગુનાઓને ઈસ્લામમાં કોઈ અવકાશ નથી. કુરઆનમાં એક સ્થળે તો સાફ શબ્દોમાં આ પણ કહેવામાં આવ્યું છે કે,

ولا يجر منكم شنأن قوم على أن لا تعدلوا اعدلوا هو أقرب للتقوى

અર્થાત : કોઈ કોમ પ્રત્યેની તમારી અદાવતમાં તણાયને તમે એના સાથે નાઇન્સાફી અને જુલમ ન કરશો. આ આદેશ ઉપર અમલ કરશો તો જ અલ્લાહ તઆલાની નાફરમાનીથી બચી શકશો.

બીજી એક જગ્યાએ અલ્લાહનો આદેશ છે :

ولا يجرمنكم شنأن قوم أن صدوكم عن المسجد الحرام أن تعتدوا و تعاونوا على البر والتقوى ولا تعاونوا على الإثم والعدوان

અર્થાત : કોઈ કોમ પ્રત્યેની તમારી આ અદાવત કે એણે તમને પવિત્ર મસ્જિદમાં પ્રવેશ કરવાથી રોકયા હતા, એ કોમ ઉપર તમારા અત્યાચારનું નિમિત્તે ન બને એનો ખ્યાલ રાખજો. નેકી અને ભલાઈના કામોમાં એક બીજાને સહકાર આપો અને ગુના–જુલમના કાર્યોમાં કોઈને સહકાર ન આપો.

આંતકવાદ શું છે ?

આંતકવાદનો અર્થ ડર – ભયનો માહોલ ઉભો કરવાનો થાય છે. પોતાનો હેતુ પાર પાડવા માટે નિર્દોષ, માસૂમ, બેકસૂર લોકોના પ્રાણ, માલ, ઇઝઝત આબરુ અને ધાર્મિક સ્થળો ઉપર હમલો કરવો, બધું જ આંતકવાદમાં શામેલ છે.

યાદ રાખો, ફકત બોંબ ધડાકા કરવા જ આંતકવાદ નથી. બલકે જુલમ, સિતમ અને ડર–ખોફનો માહોલ ઉભો કરવો પણ આંતકવાદ છે. સત્તાધીશો પ્રજા ઉપર જુલમ કરે, સામાન્ય પ્રજા અને અશકતોના અધિકારો છીનવી લેવા, અને એમની સ્વતંત્રતાને કુંઠિત કરનારા દરેક પ્રયત્નો અને પ્રયાસો આંતકવાદમાં શામેલ છે. બેકસૂર લોકો ઉપર પોલીસનો અત્યાચાર, કાયદાનો ગલત ઉપયોગ કરીને નિર્દોષોને જેલોમાં ગોંધી દેવા પણ આંતકવાદ છે. નકસલીઓનો હિંસાચાર પણ આંતકવાદ છે. કોમી હુલ્લડો કરાવીને નિર્દોષ મુસલમાનો અને લઘુમતીઓના પ્રાણ અને માલ – સંપત્તિને નુકસાન કરવું પણ આંતકવાદ છે. કેસરીયા સંસ્થાઓ દ્વારા ઘરવાપસીના નામે શાંતિ ડહોળવાના પ્રયાસો, અશકતો અને નિરાધારોને ધર્મપરિવર્તન ઉપર મજબૂર કરવાના પ્રયાસો પણ આંતકવાદ છે. તોગડિયા અને એના જેવી ગંદી માનસિકતા ધરાવતા લોકો દ્વારા ગરીબ લોકોને એમના ઘરો અને ગામ છોડવા ઉપર મજબૂર કરવાના પ્રયાસો પણ આંતક છે. ઈસાઈઓ, શીખો અને બીજી લઘુમતીઓ ઉપર અત્યાચાર કરવો, ચર્ચ અને દેવળ સળગાવવા, દલિત છોકરીઓને નગ્ન કરીને જાહેરમાં ફેરવવી પણ આંતકવાદ છે. ઈસ્લામ ધર્મમાં આવા દરેક પ્રકારના આંતકની મનાઈ છે. પરંતુ અફસોસની વાત આ છે કે લોકો આંતકવાદને માપવા અને ઓળખવા માટે બેવડા માપદંડો અપનાવે છે.

આંતકની કોઈ પણ ઘટનાને, મસ્જિદમાં બ્લાસ્ટ થયો હોય તો એ પણ, સહુપ્રથમ મુસલમાનો સાથે જ જોડવાનો પ્રયાસ કરવામાં આવે છે. પછી કોઈ ઈમાનદાર અધિકારીની તપાસમાં કોઈ હિદું સંસ્થા, વ્યકિત, નકસલી, માઓવાદી, ઉલફા વગેરે સંગઠનનું નામ સામે આવે તો પછી આ ઘટનાની ભયાનકતા ઓછી બતાવવામાં આવે છે, એની પાછળ કોઈ યોગ્ય કારણ દર્શાવવાની ચેષ્ટા કરીને આતંકના આ કૃત્યને જાઇઝ ઠેરવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. હમણા પાછલા દિવસોમાં એક ઘટનામાં બેંગ્લોરના એક મુસલમાનને શકમંદ તરીકે દર્શાવવામાં આવ્યો અને આંતકવાદને લગતા અનેક સમાચારો અને ઘટનાઓ એની સાથે જોડી દેવામાં આવ્યા. અને પછી જયારે ખબર પડી કે આ મુસ્લિમ નામધારી શંકાસ્પદ વ્યકિત હિંદુ છે તો એને પાગલ કહીને આખી ઘટના ઉપર ઠંડુ પાણી રેડી દેવામાં આવ્યું. આવી અનેક ઘટનાઓ ઘટી છે. મુસ્લિમ નામ ધારણ કરીને, ઈસ્લામના નામે ધમકી આપીને ડર ખોફ ફેલાવનાર, અફવાહો ફેલાવનાર વિશે તપાસમાં જયારે ખબર પડી કે એ બિનમુસ્લિમ છે તો મીડીયા પોતાની જવાબદારીઓ ભૂલીને ખામોશ બની જાય છે.

મીડીયાને કોઈ પણ દેશની ત્રીજી આંખ કહેવામાં આવે છે. દેશ અને સમાજને બનાવવા કે બગાડવામાં મીડીયાનો મહત્વનો રોલ હોય છે. જો પોલીસ અને મીડીયા દેશ સાથે વફાદારી અને સચ્ચાઈ પૂર્વક વર્તવાનો પાકો ઇરાદો કરી લે તો ઇન્શાઅલ્લાહ દેશમાં આંતકવાદની એક પણ ઘટના ઘટશે નહીં. પરંતુ અફસોસની વાત આ છે કે પોલીસ તો દૂર રહી, મીડીયા વાળાઓ પણ જૂથવાદ, બેવફાઈ, કટ્ટરવાદ, ફરેબ અને ધોકાબાજી અપનાવે છે.

કોઈ બેકસૂર મુસલમાનની ધરપકડ કરવામાં આવે ત્યારે પોલીસે ઘડેલી બનાવટી સ્ટોરીના આધારે ઈલેક્ટ્રીક અને પ્રિન્ટ મીડીયામાં મોટા ભયાનક મથાળાઓ બનાવવામાં આવે છે. આખો દેશ માથે લઈ લેવામાં આવે છે, પરંતુ જયારે અદાલતમાં પોલીસના જૂઠ અને ફરેબ બેનકાબ થાય છે અને સચ્ચાઈ સામે આવે છે તો એ જ બહુબોલા મીડીયાને સાંપ સૂંઘી જાય છે.

અમુક કેસોમાં તો મીડીયાનો રોલ ઘણો જ પક્ષપાતી અને શર્મનાક હોય છે. અદાલત, જજ અને વકીલો ઉપર માનસિક પ્રેશર ઉભું કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે અને કોર્ટ કોઈને ગુનેગાર ઠેરવે એ પહેલાં મીડીયા દ્વારા ટ્રાયલ ચલાવીને સજા પણ નક્કી કરી દેવામાં આવે છે.

ખેર ! જિહાદ, નિશંક પવિત્ર કાર્ય અને અનિવાર્ય ધર્મયુદ્ધનું નામ છે. મુસલમાનોને આ વિષયે પયગંબર મુહમ્મદ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમના બદર, ઉહદ અને મક્કાની ફતેહની લડાઈ અને સંબંધિત આદેશો –આદર્શો બાબતે ગર્વ છે. ઈસ્લામ ઉપરાંત અન્ય ધર્મોના અનુયાયીઓ દ્વારા પણ ધર્મયુદ્ધો લડવામાં આવ્યા છે. યહૂદીઓ અને ઈસાઈઓ દ્વારા ધર્મના નામે જે યુદ્ધે લડવામાં આવ્યા હતા, એનો ઈતિહાસ જગજાહેર છે. હિંદુ ધર્મમાં પણ મહાભારત અને રામાયણના યુદ્ધોને પવિત્ર ધર્મયુદ્ધ ગણવામાં આવે છે.

અત્રે આ વિષયે વિગતવાર ચર્ચાને અવકાશ નથી. ફકત એટલું કહીશ કે, 'જિહાદ' શબ્દ સાંભળીને સામાન્ય રીતે માનવીના વિચારમાં લડાઈ અને યુદ્ધનું દશ્ય ઉપસે છે. પણ વાસ્તવિકતા એવી નથી. જિહાદ તો દરેક પ્રકારની મહેનત અને સારા પ્રયાસોને કહેવામાં આવે છે. અને કદી લડાઈ કરવી પડે તો એ પણ જિહાદ કહેવાય છે. અલબત્ત લડાઈ ટાણે કેટલી મર્યાદાઓ અને આદર્શો જાળવવાના છે એ પણ જાણવા જેવાં છે. લડાઈ દરમિયાન બાળકો, અશકતો, વૃદ્ધો, સ્ત્રીઓ, બીમારો, સંસારથી અળગા રહેતા હોય એવા ધાર્મિક લોકો અને કોઈ પણ પ્રકારના ધર્મસ્થાનોને અડકવાની પણ મનાઈ છે. આમને સામને લડાઈ વેળા પણ આવા નિર્દોષ અને લડાઈથી અલિપ્ત રહેતા લોકોને બચાવવાનો આદેશ છે તો પછી બોંબ ધડાકા કરીને નિર્દોષો, બાળકો અને સ્ત્રીઓને કતલ કરવાની ઈસ્લામમાં કોઈ જગ્યા ક્યાંથી હોય.

ધર્મ અને અધિકારોની વાત કરીએ તો ઇસ્લામમાં માનવાધિકારોની વાત તો પછી આવે છે, જાનવરો અને કીડીઓ બાબતે પણ રક્ષણ અને જાળવણી માટે સ્પષ્ટ માર્ગદર્શન આપવામાં આવ્યું છે. મુસ્લિમ શરીફમાં નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની હદીસ હઝરત અબૂ હરયરહ રદિ.એ વર્ણવી છે કે, આગલા નબીઓમાંથી એક નબી કોઈ પ્રદેશમાંથી પસાર થઈ રહયા હતા. એક ઝાડ નીચે પડાવ કર્યો એ દરમિયાન એક કીડી આપને કરડી ગઈ. એમણે ત્યાં મોજૂદ બધી કીડીઓને સળગાવી દેવાનો આદેશ આપ્યો. અલ્લાહ તઆલાએ એમને ફરમાવ્યું કે ફક્ત તમને કરડનારી કીડીને જ સળગાવવામાં તમને શું વાંધો હતો ? બીજી બધી બેકસૂર કીડીઓ શા માટે સળગાવી દીધી?

નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની હદીસમાં જે ઘટનાઓ વર્ણવવામાં આવી છે એમાં એક તરસ્યા કુતરાને પાણી પીવડાવવા ઉપર જન્નતની ખુશખબર અને બિલાડીને વગર વાંકે મારી નાખવા ઉપર જહન્નમની સજાનું વર્ણન પણ છે.


દીનદારો અને ઉલમાનું અપમાન : કયામતની નિશાની 

હઝરત અકદસ શૈખુલ હદીસ મવલાના ઝકરિયા રહ.ની કિતાબ 'ઈસ્લામી સિયાસત'નો ક્રમશ અનુવાદ મુફતી ફરીદ અહમદ કાવી.

હઝરત અલી રદિ. ફરમાવે છે કે એકવાર નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે ફરમાવ્યું : એવા સમયે તમારું શું થશે ? જયારે યુવાનો પાપી બની જશે અને ઓરતો હાથમાંથી નીકળી જશે. સહાબા રદિ.એ અરજ કરી કે હે અલ્લાહના રસૂલ ! શું આવું પણ થશે ? આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે ફરમાવ્યું : નિશંક આવું થશે અને એનાથી પણ વધારે બુરો હાલ થશે. પછી આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે ફરમાવ્યું : એવા સમયે તમારું શું થશે ? જયારે તમે લોકોને નેકી –સદાચારનો હુકમ કરવાનું છોડી દેશો અને બુરાઈઓથી રોકવાનું બંધ કરી દેશો. સહાબા રદિ.એ અરજ કરી કે હે અલ્લાહના રસૂલ ! શું આવું બધું પણ થશે ? આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે ફરમાવ્યું : નિશંક થશે અને ઘણું વધારે થશે. પછી આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે ફરમાવ્યું : ત્યારે તમારું શું થશે જયારે તમે લોકોને બુરા કામો કરવાનું કહેશો અને સારા કામોથી રોકશો. સહાબાએ પૂછયું: યા રસૂલલ્લાહ ! આવું પણ થશે ? આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે ફરમાવ્યું : ચોકકસ આવું બધું થશે. પછી ફરમાવ્યું : જયારે તમે બુરા કામોને સારા સમજશો અને સારા કામોને બુરા સમજવા માંડશો ત્યારે તમારું શું થશે ? (જમ્મુલ ફવાઇદ) છેલ્લા બે વાકયોમાં ફરક આ છે કે બુરા કામો કરવા અને બુરા કામોને સારા સમજવામાં ફરક છે.

અકીદાની ખરાબી અમલની ખરાબી કરતાં વધારે ખતરનાક છે.

શરીઅતની નજરે કોઈ બુરા કામ કરવાના ગુના કરતાં બુરા કામને સારા સમજવાનો ગુનો વધારે મોટો છે. એટલા માટે એમાં માણસના અકીદા માન્યતા અને વિચારોની ખરાબી છે. અને અકીદામાં ખરાબી અમલની ખરાબી કરતાં વધારે સખત હોય છે. માણસ ગમે તેટલા મોટા ગુના કરે, તેના કારણે ઇસ્લામથી નથી નીકળતો, પણ દીન- ઇસ્લામમાં જરૂરી ઠેરવવામાં આવેલ નાની અમથી વાતનો ઈન્કાર કરવાથી કે ઠેકડી ઉડાવવાથી ઈસ્લામમાંથી નીકળી જાય છે. અને આજે જયારે આ બધી નિશાનીઓ જોવામાં આવી રહી છે તો દીની કામોને અથવા ઇલ્મ અને ઉલમાને બુરું ભલું કહેવામાં આવે તો એ સ્વભાવિક છે અને એમાં કોઈ નવાઈની વાત નથી.

હઝરત અબ્દુલ્લાહ ઇબ્ને મસ્ઉદ રદિ.એ એક માણસને કહયું કે તમે લોકો આજકાલ એવા ઝમાનામાં છો કે ઉલમા વધી પડયા છે, અને કારીઓ ઓછા છે. કુરઆનના હકો અદા કરવા ઘણા જરૂરી છે. શબ્દો સારા ઉચ્ચારવા એટલા જરૂરી નથી. માંગનારા ઓછા છે અન આપનારા વધારે છે. નમાઝો લાંબી પઢો છો, પણ ખુત્બા - તકરીરો ટુંકા હોય છે. તમે તમારા દીની આમાલને તમારા શોખ કરતાં આગળ રાખો છો, પણ... ઘણા જલદી એવા દિવસો આવશે જેમાં ઉલમા ઓછા થઈ જશે, કારીઓ વધી પડશે, કુરઆનના શબ્દોના ઉચ્ચાર ઉપર વધારે મહેનત કરવામાં આવશે, પણ કુરઆનના હુકમોનો ખ્યાલ નહીં કરવામાં આવે. માંગનારા વધી જશે અને આપનારા ઓછા હશે. ખુત્બા અને તકરીરો લાંબી હશે અને નમાઝો ટુંકી હશે. માણસના શોખ અને મસ્તીઓ દીની આમાલ ઉપર પ્રાથમિકતા આપવામાં આવશે. આ બધું થશે એવું હદીસ શરીફમાં બતાવવામાં આવ્યું છે અને થઈ રહયું છે એ આપણે જોઈ પણ રહયા છીએ.

ઉલમા અને મશાઈખને ભાંડવાનો સિલસિલો ચાલતો આવ્યો છે.

આ બધા ઉપરાતં ખુદાઈ કાનૂનનો તકાઝો પણ આ છે કે ઉલમા અને મશાઈખ જેવા બુઝુર્ગ લોકોને ભાંડવાનો સિલસિલો પણ પહેલાંથી ચાલતો આવ્યો છે. કોઈ ઝમાનામાં આ બધું બંધ નથી થયું અને થવાનું પણ નથી. નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમનો ઈરશાદ સહીહ હદીસમાં છેઃ અલ્લાહ તઆલાની આદત છે કે દુનિયામાં જે કોઈ વસ્તુને બુલંદ કરે છે અને આગળ વધારે છે એને પછી પસ્ત પણ કરે છે અને પછાડે પણ છે. આખી દુનિયા ઉપર નજર કરો, પાછલા ઝમાનાની વાતો અને વર્તમાન ઘટનાઓની તુલના કરો, જે માણસે જે રીતે આગળ વધેલો-મશ્હૂર થયો હશે એ જ પ્રમાણે બદનામ પણ થયો હશો. જે લોકો વિશે અખબારોમાં જાહેરાતો અને વખાણો છપાયા હશે, એ જ અખબારો થકી એમનું અપમાન પણ છપાશે. નાની મોટો મજલિસો અને મહેફિલોમાં જેમને ખ્યાતિ મળતી જુઓ, એ જ મજલિસોમાં એમના ઉપર ગાળો પણ સાંભળશો. થોડું આગળ પાછળ થશે, પણ આ નિયમથી વિપરીત કદી નહીં થાય. માટે આ બધી વાતો તરફ ધ્યાન આપવાની કે એને મહત્વ આપવાની જરૂરત નથી. ઉલમાએ આ બધા તરફ ન તો ધ્યાન આપવાની જરૂરત છે ન એને સુધારવાની ચિંતા કરવાની જરૂરત છે.

અલ્લાહ અને બંદા વચ્ચેનો સંબંધ બરાબર હોય એ જરૂરી છે.

બુનિયાદી રીતે જરૂરી બાબત આ છે કે અલ્લાહ અને બંદા વચ્ચેનો સંબંધ સાફ હોવો જોઈએ. ફકત માન – સન્માન મેળવવા માટે કોઈ કામ કરવામાં ન આવે. બલકે જે કામ પણ કરવામાં આવે તે અલ્લાહ તઆલાની મરજી અને અલ્લાહના કલિમહને બુલંદ કરવાની નિયતે જ હોય. કોઈ આપણને સાથ આપે છે તો અલ્હદુલિલ્લાહ.. નથી આપતો ભલે રગડાય. શું અંબિયાએ કિરામ અલૈ.એ નાહક અને ખોટા લોકોના હાથોએ તકલીફો વેઠી નથી ? ગાળો અને અપશબ્દોની શી વાત ? ઝખ્મી થયા છે, જાનથી મારી નાખવામાં આવ્યા. નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે શું શું નથી સાંભળ્યું ? પાગલ, જાદુગર, વિખવાદ પેદા કરનાર, વગેરે કેટલાયે બુરા શબ્દો કહેવામાં આવ્યા. આ બધું જ સહેવામાં આવ્યું. તો પછી અંબિયાના વારસદાર જેમને કહેવામાં આવે છે એમને આ બધી બાબતોએ શિકાયત કેમ છે ? વિચારવાની બાબત આ છે કે આ બધું અલ્લાહની રઝામંદી ખાતર સહેવામાં આવે. એવું ન થાય કે અલ્લાહની રઝામંદી પણ ન મળે. અસલ નુકસાન આ જ છે. અલ્લાહની રઝામંદી મળી જાય પછી જેને જે ચાહવું હોય તે કહે, બલકે હું તો અમુક વખતે વિચારું છું કે મારા જેવા 'તુચ્છ' માણસ માટે અલ્લાહની મહેરબાની છે કે માલદાર લોકો મારાથી દૂર અને વેગળા જ રહે.

હઝરત મિરઝા મઝહર જાનેજાનાં રહ.એ એમના પત્રોમાં લખ્યું છે કે અલ્હદુલિલ્લાહ આ ઝમાનામાં દુનિયાદાર લોકો ફકીરો – ઔલિયાથી સંબંધ નથી રાખતા એ સારું છે. નહીતર ઔલિયા લોકો પરેશાન થઈ જાત. ખ્વાજા હાશિમ રહ.એ હઝરત મુજદ્દિદ રહ.ના મકામાતમાં લખ્યું છે કે હું એકવાર ખ્વાજા હુસ્સામુદ્દીન રહ.ની સેવામાં હાજર થયો. તેઓ હઝ. ખ્વાજા બાકી બિલ્લાહ રહ.ના ખલીફા હતા. હાજરજનોમાંથી કોઈકે માલદારો વિશે શિકાયત કરી કે તેઓ ફકીરો-દરવેશો સાથે સંબંધ નથી રાખતા. દરવેશો વિશે પહેલાના અમીરો જેવો એહતેરામ એમના દિલોમાં નથી હોતો. ખ્વાજા સાહેબે ફરમાવ્યું : આ અલ્લાહની મોટી હિકમત છે. આગલા ઝમાનાના દરવેશો એટલા બધા એકાંતવાસી હતા કે અમીરો ગમે એટલા એમના નજીક આવવા ચાહે, તેઓ તેઓ અમીરોથી દૂર જ રહેતા હતા. આ ઝમાનામાં આપણે એવા નથી રહ્યા. બલકે આ લોકો આપણાથી સંબંધો વધારે, મળતા ભળતા રહે તો આપણે આપણી ફકીરી બાકી નહીં રાખી શકીએ. આમ અલ્લાહની હિકમત આપણી હિફાજત કરી રહી છે.

હા, આટલું સ્પષ્ટ છે કે જે લોકો ઉલમાએ હકને સતાવે છે, એમનું અપમાન કરીને ગર્વ અનુભવે છે, નક્કી તેઓ ઉલમાનું નહીં પણ પોતાનું નુકસાન કરી રહયા છે. ઉલમાનું છેલ્લું નુકસાન તેઓ આ કરી શકે છે કે દુનિયાના અસબાબમાં નુકસાન કરી દે. અને તે પણ એ શરતે કે તકદીરમાંથી તેઓ કંઈ ઓછું કરવાની શકિત રાખતા હોય તો.. અથવા તો દુનિયાની ઈઝઝત – સન્માનમાં કંઈ નુકસાન કરે, જે ઘણી જ તુચ્છ અને હલકી વસ્તુ છે. પણ આવી રીતે તેઓ પોતાને બરબાદ કરી રહયા છે, પોતાનું નુકસાન કરી રહયા છે. નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમનો ઈરશાદ છે : તે માણસ મારી ઉમ્મતમાં નથી, જે અમારા વડીલોનું સન્માન ન કરે, અમારા નાનાઓ ઉપર રહમ ન કરે અને અમારા આલિમોની કદર ન કરે. (તરગીબ)

આ હદીસ ઉપર વિચાર કરવાની જરૂરત છે.

ઉલમાને ગાળો આપનારા લોકો અપમાન અને ગાળો ભાંડવા પછી પણ પોતાને ઉમ્મતે મુહમ્મદિયામાં ગણતા હોય છે, પણ ઉમ્મતના નબી એમણે પોતાની ઉમ્મતમાં ગણવા તૈયાર નથી. નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમનો ઇરશાદ છેઃ ત્રણ માણસોનું અપમાન કોઈ મુનાફિક જ કરી શકે છે. વૃદ્ધ મુસલમાન. ઉલમા. ઈન્સાફ કરનાર બાદશાહ. (તરગીબ)


ગુનેગારી અને ઇસ્લામી શરીઅત

ગુનાહોથી પવિત્ર સદગુણો અને સદાચાર પર આધારિત સમાજ રચના ઇસ્લામનું એક મુખ્ય ધ્યેય છે, એટલે ગુનેગારી ડામવા–ખતમ કરવાના યોગ્ય ઉપાયો એણે અપનાવ્યા છે, મુખ્યત્વે એને બે વિભાગોમાં વહેંચી શકાય. (૧) સંસ્કાર (૨) કાનૂન.

(૧) સંસ્કાર; એટલે કે માનવીના માનસને કેળવવામાં આવે, એના દિમાગમાં ઠસાવવામાં આવે કે વાણી-વિચાર અને વર્તનની સ્વતંત્રતાની ખુદાઈ નેઅમત અમર્યાદિત કે અનિયંત્રિત નથી; બલકે પોતાનું ધાર્યું બોલવા-કરવા માટે પણ અમૂક શરતો-નિયંત્રણો છે, એ આધારે જ માણસ વર્તી- બોલી શકે છે. જો એમ કરવામાં આવે તો દુનિયા-આખિરતમાં તે સફળતા પામશે અને જો એ શરતોને આધીન રહેવામાં ન આવે, સ્વતંત્રતાને સ્વછંદતા બનાવી દેવામાં આવે તો સમાજ ઉપર ખરાબ અસરો પડશે, ઉપરાંત સજાઓ પણ ભોગવવી પડશે. લાભ-નફાના આ તર્કને સમજાવવા માટે કેટલીયે આયતો કુર્આનમાં છે.

સૂરએ ઝિલઝાલ માં છે :

"જે રજમાત્ર નેકી કરશે તે એનું સારું પરિણામ જોશે અને રજમાત્ર બુરાઈ કરશે તે પણ એનું પરિણામ જોશે."

આ પણ એક વાસ્તવિકતા છે કે ગમે તેટલા સ્વચ્છ-સારા સમાજમાં અમૂક માણસો એવા જરૂર હોય છે જેમના વાણી, વર્તન નિયંત્રિત કે ભદ્ર નથી હોતાં અને નિર્ધારિત નિયંત્રણો પાબંદીઓનું ઉલ્લંઘન કરતા હોય છે, તેમના આવા કાર્યોને જ "ગુનો" કહેવામાં આવે છે.

ઈસ્લામી શરીઅતમાં સામાન્ય રીતે અબ્લાકી રાહે આવા ગુનાહોની રોકઠામનો પ્રયત્ન કરવામાં આવે છે, અલબત્ત અનિવાર્ય સંજોગોમાં કાનૂની રાહે સજાકીય પગલાંઓ પણ ભરવામાં આવે છે.

કાનૂન અને વ્યવસ્થાની પહેલો મકસદ આશય એ છે કે માણસના મૂળભૂત અધિકારોની રક્ષા કરવામાં આવે. આવા અધિકારો–હકો પાંચ હોય શકે.

(૧) પ્રાણની રક્ષા.

(૨) ધર્મની રક્ષા(ધાર્મિક સ્વતંત્રતા).

(૩) અક્કલ- સમજની રક્ષા (વૈચારિક સ્વતંત્રતા).

(૪) ઈઝઝત આબરૂની રક્ષા.

(૫) માલની રક્ષા.

આ માટે ઇસ્લામે એક ચોક્કસ પ્રણાલી અને વ્યવસ્થા અપનાવી છે. કિસાસ (પ્રાણના બદલામાં પ્રાણ)ના કાનૂનમાં લોકોના પ્રાણની રક્ષા છે. દારૂ, નશીલા પદાર્થો અને અન્ય વસ્તુઓ ઉપર પાબંદી દ્રારા માનવીની વૈચારિક શકિતને રક્ષાવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. ચોરીની એક સ્પષ્ટ સજા નક્કી કરવામાં માલની રક્ષાનો પ્રયત્ન છે. અને તહોમતની સજા (હદ્દેકઝફ) દ્રારા ઈઝઝત આબરૂની રક્ષા કરવામાં આવે છે. આ બધી વસ્તુઓના પાબંદ રહેવા ઉપરાંત દરેકને તેના ધર્મ પ્રમાણે ક્રિયાકાંડો કરવાની છુટ આપી ધર્મરક્ષાની બાંહેધરી આપવામાં આવી છે.

શરીઅતના ધારા ધોરણ મુજબ અમૂક ગુનાહો એવા છે, જેની સજા નક્કી છે. જયારે બીજા ગુનાહોની સ્પષ્ટ સજા દર્શાવવામાં આવી નથી. બલ્કે ફેસલો કાજી – જજના નિર્ણય ઉપર છોડી દેવામાં આવ્યો છે કે તે જ ગુનો અને ગુનેગારની પરિસ્થિતિની તુલના કરી કોઈ સજા નિર્ધારિત કરે. . . -


હઝરત અલી રદિ.નો દોરે ખિલાફત

અલ્લાહ તઆલાની તકદીર મુજબ અસબાબ ગમે તે બન્યા હોય, પણ આ વાત સ્પષ્ટ છે કે હઝરત અલી રદિ.ના ખલીફા બનવાની સાથે જ અચાનક ઈસ્લામી વિશ્વમાં વિવાદ, વિરોધ અને વિખવાદની આગ ભડકી ઉઠી અને ઇસ્લામી વિશ્વની એકતા એવી તૂટી ગઈ કે હઝરત અલી રદિ. દ્વારા ઘણા પ્રયત્નો કરવા છતાં પણ ફરીવાર એ પૃષ્ઠો જોડાયને આખી કિતાબ ન બની શક્યાં. દિવસે દિવસે પરેશાનીઓ અને વિવાદ વધતા જ રહયા. અને ત્યારથી જ હમેંશા માટે ઈસ્લામી સમાજમાં ફિરકાબંદી એવી પેસી ગઈ કે કયામત વગર એનો અંત દેખાતો નથી. બધું જોતાં એટલું કહી શકાય કે હઝરત અલી રદિ.નો દોરે ખિલાફત એમના આગલા ખલીફાઓની જેમ કામ્યાબ ન રહ્યો. શેરે ખુદા રદિ.ની હોશિયારી, કાબેલિયત, બહાદુરી અને નેકી—તકવાની જે અસરો વિશ્વ ઉપર લોકો જોવા માંગતા હતા એ બધી શકિત પરસ્પરની લડાઈ અને ગૃહયુદ્ધમાં ખપી ગઈ.

હઝરત અબૂબક્ર સિદ્દીક રદિ.એ જયારે ખિલાફતની બાગદોર સંભાળી ત્યારે પણ ઇસ્લામી વિશ્વ કપરા સંજોગોમાંથી પસાર થઈ રહયું હતું, આમ છતાં ત્યારની સ્થિતિ અને હઝરત અલી રદિ. સામે આવેલા સંજોગો અલગ હતા. સિદિકે અકબર રદિ. સામે મુસીબતો અને અડચણો હતી, પણ ત્યારે સમસ્યા કુફ, ઈરતિદાદ અને ઇસ્લામની હતી, એમાં બધા જ મુસલમાનો એકસંપ હતા અને હઝરત અબૂબક્ર રદિ.ની પડખે હતા. અને સામે પક્ષે મુરતદ કબીલાઓમાં એમની સત્તા લાલસાના કારણે સંપ ન હતો. સત્ય અને અસત્ય સ્પષ્ટ હતું. એટલે એમને કાબૂમાં કરી લેવા એકરીતે સરળ બાબત હતી. એનાથી વિપરીત હઝરત અલી રદિ.ના મુકાબલામાં સામે પક્ષે બે અલગ જમાઅતો હતી અને બધા જ મુસલમાનો હતા. બલકે એમના વિરોધીઓમાં એક પક્ષે ઉમ્મુલ મુઅમિનીન હઝરત આઈશહ રદિ., આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમના ફોયભાઈ હઝરત ઝુબૈર રદિ. જેવા મહાન લોકો હતા. તો બીજા સમુહમાં હઝરત અમીર મુઆવિયહ રદિ., હઝરત અમ્ર બિન આસ રદિ. જેવા હોશિયાર અને મુત્સદ્દી લોકો હતા. અને આ ત્રણેવ પક્ષો પોતાને સત્ય ઉપર સમજતા હતા. આ કોણ હક ઉપર છે અને કોણ ના હક ઉપર છે, એ અઘરી બાબત બની ગઈ હતી. જે કોઈ પોતાને હક ઉપર સમજીને બીજાને નાહક સમજે એની સામે મુસલમાનો સાથે લડાઈ કરીને મુસલમાનોને જ મારવાની મોટી સમસ્યા હતી. એમાંયે હઝરત મુઆવિયહ રદિ.ને એવા સમર્થકો અને નિખાલસ સહયોગીઓ મળ્યા હતા, જેવા હઝરત અલી રદિ. પાસે ઓછા હતા.

હઝરત અલી રદિ.ની રાજકીય અસફળતાનું એક કારણ આ પણ હતું કે તેઓ તકવા, દીનદારી, અમાનત, ન્યાયના એવા ઉચ્ચ માપદંડોના આધારે ખિલાફત ચલાવવા માંગતા હતા, જે પ્રમાણે હઝરત ઉમર રદિ. ચલાવતા હતા. પરંતુ હવે સંજોગો બદલાય ગયા હતા, એની અસર લોકોના દિલો ઉપર પડી હતી અને જે રસ્તે આપ રદિ. લોકોને લઈ જવા માંગતા હતા, લોકોમાં એની લાયકાત બાકી રહી ન હતી. એક તરફ હઝરત મુઆવિયહ રદિ.એ એમના સહાયકો સામે ખઝાના ખુલ્લા મુકી દીધા હતા તો બીજી તરફ હઝરત અલી રદિ. તણખલાનો પણ હિસાબ લેવા ચાહતા હતા. આ બાબતે હઝરત અલી રદિ.ની સખ્તીથી પરેશાન થઈને એમના અમુક સગાઓ અને મહત્વના સહયોગીઓ પણ સાથ છોડી ગયા હતા. અલબત્ત હઝરત અલી રદિ.ને આ પસંદ ન હતું કે રાજકીય સફળતા માટે સચ્ચાઈ, અમાનતદારી અને તકવાની ઈસ્લામી બુનિયાદો છોડી દેવામાં આવે.

હઝરત ઈમામ અબૂહનીફહ રદિ. ફરમાવે છે કે

ما قاتل أحد عليا إلا و على أولى بالحق منه و لو لا ما سار على فيهم ما علم أحد كيف السيرة في المسلمين.

હઝરત અલી રદિ. જેમની સાથે જે મુદ્દે પણ લડયા, એ મુદ્દાઓમાં હઝરત અલી રદિ. એમના વિરોધી કરતાં વધારે સાચા હતા. અને હઝરત અલી રદિ.એ આ લોકો સાથે જે રીત અપનાવી, એ રીતે એમણે ન અપનાવી હોત તો પછી મુસલમાનોને કદી ખબર જ ન પડત કે પરસ્પર આવો ઈખ્તિલાફ થાય તો કેવી રીત અપનાવવી જોઈએ.(અલ મુરતઝા : ૨૬૮)

હઝરત અલી રદિ.ની નાકામીનું બીજું કારણ આ હતું કે એમના અનુયાયીઓ અને સમર્થકોમાં સંપ-એકતા, અને ઈખ્લાસ ન હતો. એક મોટી સંખ્યા અબ્દુલ્લાહ બિન સબાના અનુયાયીઓની હતી, જેઓ એમ સમજતા હતા કે હઝરત અલી રદિ. રસૂલે ખુદાના નાયબ છે. અને પછી આ જ માન્યતાને આગળ વધારીને હઝરત અલી રદિ.ને ખુદા સમાન સમજવા લાગ્યા હતા. હઝરત અલી રદિ.એ એમને ભારે સજાઓ આપી પણ ફિત્નાના બીજ રોપાય ગયાં હતાં એટલી એની અસર ખતમ થાય એ શકય ન હતું. ઈસ્લામ અને ખિલાફત, બન્નેને આ ફિત્નાએ ઘણું નુકસાન પહોંચાડયું. હઝરત આઈશહ રદિ. સાથેની લડાઈમાં સુલહ બિલકુલ નજીક હતી, અને આ લોકોએ જ ગરબડ કરીને લડાઈ શરૂ કરાવી દીધી.

હઝરત અલી રદિના સમર્થકોમાં એક ગ્રુપ કુરઆન પઢનારા કટ્ટર લોકોનું હતું. તેઓ દરેક મામલામાં કુરઆનના શબ્દોને આગળ કરીને એ મુજબ અમલ કરાવવા ચાહતા હતા. કુરઆન શું કહેવા માંગે છે અને એ બાબતે નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે શું ફરમાવ્યું છે, એનાથી એમને કોઈ લેવા દેવા ન હતી. હઝરત મુઆવિયહ રદિ. સાથેની લડાઈમાં જયારે લવાદ સ્વીકારવામાં આવ્યા તો આ ગ્રુપ દ્વારા અલગ થઈને નવો ફિરકો બનાવી લેવામાં આવ્યો.

બીજા જે નિખાલસ લોકો હતા, તેઓ હઝરત અલી રદિ.ના સાચા હમદર્દ અને સહાયક હતા. પણ સિફફીનની લડાઈમાં જીતની છેલ્લી ઘડીએ વિરોધીઓની ચાલમાં ફસાયને એમની વાત માની લેવાથી માયૂસ અને હતાશ થઈ ગયા હતા. આ બાબતે પણ હઝરત અલી રદિ. ઉપર ખારજી ગ્રુપ દ્વારા જ દબાવ બનાવવામાં આવ્યો હતો. એટલે કહી શકાય કે આ નિખાલસ લોકો હઝરત અલી રદિ. ઉપર પોતાની કોઈ અસર ન હોવાથી અને ખોટા લોકોનો પ્રભાવ હોવાથી પાછળ હટી રહયા હતા.

આટલી બધી અડચણો અને અવરોધો છતાં હઝરત અલી રદિ.એ બેનમૂન હિમ્મત, દઢતા, અને સબ્ર – ધીરજ સાથે સંજોગોનો મુકાબલો કર્યો, આ દરમિયાન સચ્ચાઈ, તકવા, દીનદારી અને હિકમત મસ્લેહતને પણ પૂરી રીતે સામે રાખ્યાં. દુનિયાદારી કે સત્તાની લાલસામાં સિદ્ધાંતો સાથે કોઈ સોદો કર્યો નહીં. થોડીક જ દુનિયાદારી કે ઢીલ અપનાવવામાં આવત તો આપ રદિ. ખિલાફત અને રાજકાજમાં સફળ થઈ જાત, પણ રાજકાજ કે સત્તાની સામે દીન અને ઈસ્લામના બુનિયાદી સિદ્ધાંતોની હેસિયત બીજા નંબરે આવી જાત. આ જ તે બુનિયાદી બાબત છે જેના લઈને આપ રદિ.ની ખિલાફતને 'ખિલાફતે રાશિદહ' કહેવામાં આવે છે.

હઝરત અલી રદિ. ફરમાવે છે કે જે અલ્લાહ દાણાને ફાડીને એમાંથી છોડ ઉગાડે છે, અને પ્રાણીઓને પેદા કરે છે, નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે મને ખાતરી આપી હતી કે જે કોઈ સાચો – પાકો મુસલમાન હશે એ મારી સાથે મુહબ્બત રાખશે અને જે મુનાફિક હશે એ જ મારાથી અદાવત રાખશે.

મતલબ કે હઝરત અલી રદિ.ની મુહબ્બત રાખવી જરૂરી છે. એના વગર ઈમાન કામિલ નથી થઈ શકતું. હઝરત અલી રદિ.ની મુહબ્બત રાખવાનો જ એક ભાગ આ પણ છે કે હઝરત અલી રદિ.ના દોસ્તો, સગાઓ અને બીજા સઘળા સહાબા સાથે પણ મુહબ્બત રાખવામાં આવે.

હઝરત ઈમરાન બિન હુસૈન રદિ. રિવાયત કરે છે, નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે ફરમાવ્યું : અલી મારા સાથે જ છે અને હું અલી સાથે છું. અને અલી દરેક મોમિનના દોસ્ત છે. (તિરમિઝી)

હઝરત ઝૈદ બિન અરકમ રદિ. ફરમાવે છે, નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે ફરમાવ્યું: હું જેનો દોસ્ત છું અલી પણ એમના દોસ્ત છે. (મુ. અહમદ, તિરમિઝી)


જેલ શું છે ?

મુફતી અબ્દુલ કય્યમ સા. અમદાવાદ

માનવીય જગતમાં જેલનો ઈતિહાસ પણ ઘણો જૂનો છે. ગુનેગારોને સજા આપવા અને ગુનાખોરી રોકવા માટે વિવિધ ધર્મો અને દેશોમાં જેલને આવશ્યક ગણીને એના અસ્તિત્વને સ્વીકારવામાં આવ્યું છે. ઈસ્લામમાં વિવિધ ગુનાઓની શારીરિક સજા પણ છે અને અમુક તમુક કેસોમાં જેલની સજા પણ છે. નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે બદરની લડાઈ વેળા અમુક માણસોને કેદ પકડયા હતા. એવી જ રીતે બીજી અમુક ઘટનાઓમાં પણ કેદનું વર્ણન આવે છે.

દેશ-પ્રદેશની વ્યવસ્થા અને અમન - સલામતી માટે જેમ જેલનો ઉપયોગ થાય છે એ જ પ્રમાણે પાછલા ઝમાનાથી વિરોધીઓને દબાવવા, રાજકીય પ્રતિદ્વંદીઓ અને વિરોધી ચળવળોને ખતમ કરવા માટે, લોકોને ભયભીત કરવા, આંતક ફેલાવવા અને સત્યની અવાજ દબાવવા માટે પણ અત્યાચારી રીતે જેલનો ઉપયોગ થતો આવ્યો છે.

હઝરત યૂસુફ અલૈ. જેવા નિર્દોષ અને પવિત્ર માણસને મિસરના વઝીરની બીવી જેલની ધમકી આપે છે અને પોતાની સહેલીઓ સમક્ષ એનું વર્ણન કરતાં કહે છે કે, મેં આ વ્યકિતને મારા પ્રતિ આકર્ષિત કરવાના પ્રયત્નો કર્યા છે, અને જો તે મારી વાત નહીં માને તો એને સાચે જ જેલમાં નાંખી દેવામાં આવશે અને તે અપમાનિત થશે.

પછી આ ઘટના આગળ વધે છે તો કુરઆનમાં આ વર્ણન પણ છે કે,

જયારે આ લોકોને યૂસુફની પાકદામની અને ઝુલેખાની ભૂલ સમજાય ગઈ છતાં એમણે નક્કી કર્યું કે યૂસુફને જ એક સમય સુધી જેલમાં ગોંધી દેવામાં આવે. ફિરઓન દ્વારા હઝરત મૂસા અલૈ.ને જેલની ધમકી આપીને ડરાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો એનું વર્ણન પણ કુરઆનમાં છે.

ઇસ્લામી સલતનત ઉપર જયારે અબ્બાસી ખાનદાન બિરાજમાન થયું તો એમણે એમના પ્રતિસ્પર્ધી ગણાતા ઉમવી ખાનદાનના રાજકીય હરીફોને જેલ ભેગા કરવાનો આદેશ આપ્યો. આમ વિવિધ સમયે જેલનો ગલત ઉપયોગ પણ થતો આવ્યો છે. રાજકીય કિન્નાખોરી ઉપરાંત અત્યાચાર અને જુલમના હેતુએ ઉપયોગ થવાના કારણે જ આજની જેલો ગુનેગારોની સુધારણાના બદલે ગુનાઓની ટ્રેનિંગ અને ગુનેગારો પેદા કરવાની ફેકટરીઓ બની ગઈ છે. અહિંયા લોકોને ગુનો કરવાના વિવિધ તરીકા શીખવાડનારા જરૂર મળી આવે છે પણ સુધારણાનું કોઈ નામ નિશાન નથી.

જેલની અજીબો ગરીબ દુનિયા એમ તો બહારની દુનિયા જેવી જ હોય છે. રાત, દિવસ, ઋતુઓ અને સમયચક્ર, માણસો અને એમના વચ્ચે દોસ્તી દુશ્મની, બધું જ બહારની દુનિયા જેવું. આમ છતાં જેલની કિલ્લે બંધ ઊંચી દીવારો વચ્ચે ધબકતી આ દુનિયા બહારની દુનિયા કરતાં ઘણી બધી રીતે નોખી હોય છે.

ખુરશીદ અહમદ સાહેબ જેલનો પરિચય કરાવતાં લખે છેઃ

જેલ એક બીજી જ દુનિયાનું નામ છે. અમુક એકર જમીનનો એવો ટુકડો જેના ઉપર જેલ બનેલી હોય છે, દેખાવમાં તો પ્યારા વતનનો જ એક ભાગ હોય છે. બહારની ઈમારતોની જેમ અહીંની કોઠડીઓ અને ખોલીઓ પણ ઈંટો અને પથ્થરોથી જ બનેલી હોય છે. માણસો પણ અહીંયા બહાર જેવા જ હોય છે. છતાં જેલ એક નોખી દુનિયાનું નામ છે. અંદર અને બહાર વચ્ચે ગમે તેટલી સામ્યતા દેખાતી હોય પણ અહીંયાની દરેક વસ્તુ અલગ અને નોખી, દરેક વાત નિરાળી અને અલગ હોય છે. અહીંયા એક વિશેષ પ્રકારનું વાતાવરણ છવાયેલું હોય છે. ગુંગરામણ, અવ્યવસ્થા, ગુનાખોરી અને અદાવતની બૂ ચારે તરફ મહસૂસ થાય છે. દરેક વસ્તુ ઉપર એક પ્રકારની ગમગીની છવાયેલી હોય છે. દરેક વસ્તુ જાણે કહેતી હોય છે કે હું પણ એક કેદી છું. જેલમાં કદમ મૂકતાની સાથે જ માણસને પોતાની લાચારી અને મજબૂરીનો એહસાસ થઈ જાય છે. (તઝકિરએ ઝિંદાં)

મોલાના અબૂલ કલામ આઝાદ રહ. લખે છેઃ

જેલમાં પણ સુર્ય ઉગે છે અને આથમે છે. અહીંયા પણ તારાઓ ચમકે અને ચંદ્ર પ્રકાશે છે. અહીંયાની સવાર રાત્રિના અંધકારને ચીરીને અજવાળું પાથરે છે. પાનખર પછી વસંત અહીંયા પણ લહેરાય છે. સવારના પક્ષીઓ અહીંયા પણ કલરવ કરે છે, પરંતુ આ કલરવના ગીતો અને એના અર્થ બહારની દુનિયા કરતાં અલગ હોય છે. વાસ્તવિક વસંતની ઉમ્મીદમાં કેદીઓની કેટલીયે વસંતો પાનખર બની જાય છે, પરંતુ સાચી વસંતની આશા બાકી રહે છે.


બેકાર પંચાત અને ખણ-ખોદ

હઝરત મોલાના મુહમંદ અશરફ અલી થાનવી રહ.એ વાત ફરમાવતા હતા બેકારની પંચાત અને ખણખોદનો શું ફાયદો? માણસે કામ કરતા રહેવું જોઈએ, કામ કરવાવાળા લોકો હેતુ વિનાના બેકાર કામોને પસંદ નથી કરતા.

બેકાર પૂછપરછ કે ખણખોદનો મતલબ આ છે કે, કોઈના ઘરે મહેમાન બનીને આવે અને પછી વિષે પુછપરછ કરે કે ખાવા કયાં બનાવે છે? કોણે બનાવ્યું છે? નમક, મરચું, અને ગરમ મસાલો કયાંથી આવ્યો હતો ? અને કંઈ વસ્તું ક્યાં ક્યાંથી મંગાવી હતી? વગેરે..

અરે અલ્લાહના બંદા ! તને આ બધી વાતોની શું પંચાત ? ખાવા બનીને સામે આવી ગયું છે તો ખાઈ લ્યો, આ બધી બાબતો વિષે પુછીને શું કામ વખત બરબાદ કરો છો? સ્વાદિષ્ટ અને ગરમ ખાવા, સાથે ઠંડુ પાણી, આરામ દાયક ઠંડા રૂમમાં આપવામાં આવે, તો ભલેને તમને એના બાવરચી કે મસાલાઓ વિશે કોઈ જાણ ન હોય.. ખાવો અને મજા કરો.

અથવા તો એનો દાખલો આ પ્રમાણે છે કે કોઈને કેરી ખાવા માટે આપવામાં આવે તો કેરી વિશે સવાલ કરવા લાગે, આ કેરીનું વજન કેટલું છે ? તેની કિંમત શું છે? આની લંબાઈ શું છે? વિગેરે. અરે ભાઈ તને આ બધાથી વાતોની શું પંચાત? ખાઈ કેમ નથી લેતા? આ પાગલપણું છે.

આજ કાલ લોકોને આસમાનોના સિતારા વિશે જાણવાના શોખ છે, પરંતુ તે આસમાન અને સિતારા બનાવનાર છે તેને જાણવાની ફિકર નથી.

આ બધી વાતો આખિરત તરફ ધ્યાન ન હોવાના કારણે છે, માટે જ અલ્લાહ તઆલા ફરમાવે છે:

અને (કિયામતના દિવસે) સૂર ફૂંકવામાં આવશે ત્યારે જે કાંઈ આકાશો તથા પૃથ્વીમાં છે તે સૌ બેભાન થઈ જશે, (સુરએ ઝુમરઃ૬૮)

ઉપરોકત આયતથી માલુમા થાય છે કે સાચી ફિકર અને તપાસ તો આવી બધી વાતોની હોવી જોઈએ, આ બધી વાતો આપણી સામે પેશ આવશે, માટે આખિરતની ફિકર કરવી જોઈએ. ફિકર કરવી જોઈએ કે મોત આવશે અને ખાલી હાથ અલ્લાહ તઆલા સામે જઈ શું જવાબ આપીશું?


શરઈ માર્ગદર્શન અને ફતાવા વિભાગ

મવ. મુફતી અસ્જદ દેવલ્વી સાહેબ 

તસ્દીક કર્તાઃ મવ.મુફતી અહમદ દેવલા સાહેબ 

(સદર મુફતી જામિઅહ જંબુસર)

પેન્શન અને ગ્રેજયુએટીમાં વારસદારોનો હક નથી.

સવાલ : (૧) અમો અરજદારના વાલિદ સાહેબનો ઈન્તેકાલ થયો છે, તેઓના વારસદારોમાં મારી વાલિદહ તથા પુત્ર તરીકે હું પોતે તથા બે પુત્રીઓ મોજૂદ છે.

મારી વાલિદહ સાહિબાને પેન્શન ગ્રેજયુએટી તથા પ્રોવીડંડ ફંડ વિગેરેની કુલ રકમ ૧૦, ૨૫૦૦૦ દસ લાખ પચ્ચીસ હજાર મળેલ છે, તથા પ્રત્યેક માસે પેન્શન રૂા. ૧૪,૦૦૦ (ચૌદ હઝાર) મળે છે. મારી બહેનો જે પરણિત છે, તેઓ મારી વાલિદહ પાસે તેઓના હકની માંગણી કરે છે, તો અમો તમામ વારસદારોને શરીઅત મુજબ કેટલા કેટલા હિસ્સા મળવા પાત્ર થાય, તે વિગતો કુર્આન શરીફ અને હદીસ શરીફની રોશનીમાં જણાવવા વિનંતી છે.

حامدا و ومصليا ومسلما : 

જવાબ : (૧) ગ્રેજયુએટી તેમજ પેન્શન વફાત પામનાર સરકારી કર્મચારીના એવા રિશ્તેદારો માટે સરકાર તરફથી મળતી આર્થિક સહાય ગણાશે, જે રિશ્તેદારોને સરકાર પોતાના નિતી નિયમ મુજબ હકદાર ગણે છે, અને તેઓના નામથી આપે છે, આ ગ્રેજયુએટીના નામથી મળતી રકમ શરઈ દ્રષ્ટ્રિએ તરકહમાં શામિલ નહીં ગણાય, કારણ કે આ રકમ મરહૂમના પગારનો કોઈ ભાગ નથી. જેની સરકાર હાલ ચૂકવણી કરતી હોય, માટે આપના મરહૂમ વાલિદ સાહેબના બધા વારસદારો તેના હકદાર નહીં બને. બલકે સરકારી ધારા -ધોરણ મુજબ જેને સરકાર હકદાર સમજી આપે તેઓ જ તેના હકદાર ગણાશે. પછી તે એક હોય કે અનેક, આ જ હુકમ પેન્શનનો છે, તે પણ મરહૂમના વારસામાં શુમાર નહીં થાય. રજૂ કરેલ સૂરતમાં ગ્રેજયુએટી તથા પેન્શન આપના વાલિદાના નામથી જ સરકાર તરફથી મળેલ હોય, તો તેના હકદાર માત્ર આપના વાલિદા જ ગણાશે, તેમની પાસેથી હક રૂપે માંગણી ના કરી શકાય. (મસાઈલે બહેશ્તી ઝેવર:૨/૩૨૦, ફતાવા મહમૂદિય્યહ: ૨૦/૨૩૭ ઉપરથી, મુફીદુલ વારિસીન : પર, ફતાવા હક્કાનિય્યહ : ૬/૫૪૧)

અબલત્ત પ્રોવિડન્ટ ફંડ અને જીવનવીમાની રકમ જે સરકારી કર્મચારીના માસિક પગારમાંથી કાપવામાં આવે છે, તે મરહુમ વાલિદ સાહેબના તરકહ વારસામાં શુમાર થશે અને મરહૂમના બધા શરઈ વારસદારો પોતાના વારસા હક મુજબ તેમાંથી પોતાના ભાગનો માલિક અને હકદાર ગણાશે. ચાહે તે રકમ સરકાર તરફથી અમૂક વારસદારોને સુપ્રત કરવામાં આવી હોય, કારણ કે આ કપાત રકમ સરકારે તેમના નક્કી કરેલા માસિક પગારમાંથી કાપવામાં આવી છે, જે નોકરીના પગારનો એક ભાગ હોવાથી મરહૂમની માલિકીની રકમ છે, જે સરકારના માથે કર્ઝ હોય છે. (તસ્હીલે બહેશ્તી ઝેવર : ૨ / ૩૨૨) ખુલાસો એ કે ગ્રેજયુએટી, પેન્શનમાં બધા વારસદારોનો હક લાગુ થશે નહીં, અલબત્ત પ્રોવિડન્ટ ફંડ તથા ફરજિયાત જીવન વિમાની રકમ મરહૂમ વાલિદ સાહેબનો વારસો છે, જેમાં શરઈ નિયમ મુજબ નીચે પ્રમાણે બધા શરઈ વારસદારોનો હક લાગશે.

૮/૩૨

વિધવા

પુત્ર

૧૪

(૪) 

૨૮

પુત્રી

પુત્રી


પ્રોવિડન્ટ ફંડ, ફરજિયાત જીવન વીમાની રકમ તેમજ મરહૂમ વાલિદ સાહેબે જે કંઈ અન્ય માલ - મિલકત પોતાની વફાત સમયે છોડી હોય, તેમાંથી વારસા વહેંચણી અગાઉના હકો (કફન-દફનનો ખર્ચ, દેવું, આ બંનેને) અદા કરવામાં આવે, ત્યાર બાદ બાકી રહેલ રકમ, માલ, મિલકતના ૩ર ભાગો કરવામાં આવે, જેમાંથી ૪ ભાગે મરહૂમની વિધવા (વાલિદા)ને ૧૪ ભાગો મરહૂમના એક માત્રના પુત્ર (આપ)ને અને ૭-૭ ભાગો મરહૂમની બે દિકરીઓમાંથી દરેકને આપવામાં આવે.

ફકત અલ્લાહ તઆલા વધુ જાણનાર છે. તા.૧૬/જુમાદલ ઉખરા, ૧૪૩૫ હિજરી ૧૭/૪/ ૨૦૧૪ ઈ.

કર્મચારી માટે કંપનીએ લીધેલ લાઈફ ઇન્સ્યોરન્સના પૈસા

સવાલ : (૨) મર્હૂમભાઈ જે કંપનીમાં કામ કરતા હતા તે કંપની તરફથી એમની લાઈફ પોલીસી હતી, જેના હફતા કંપની પોતે ભરતી હતી, તો શરીઅતની દ્રષ્ટિએ એના પૈસા વારસદારો લઈ શકે ? અને એના પર કોનો હક?

જવાબ : (૨) કંપની અથવા સરકારી ખાતુ જે તે કર્મચારીના પગારમાંથી જે રકમ દર મહીને ફરજિયાત રીતે લાઈફ પોલીસી પેટે કાપી લે છે અને પછી નક્કી કરેલા નિયમ મુજબ નોકરીના અંતે અથવા નોકરીની મુદ્દત પૂરી થતા પહેલા મૃત્યુ થયે લાઈફ પોલીસીના નામથી જમા થયેલી રકમ સાથે જે વધારો કર્મચારી અથવા તેના સંબંધીને મળે છે તે વધારાની રકમ, પ્રો. ફંડની વધારાની રકમની જેમ શરઈ દ્રષ્ટિએ વ્યાજની વ્યાખ્યામાં નથી આવતી, માટે મઝકૂર વધારાની રકમને પણ પ્રો.ફંડની કપાત રકમ સાથે મળતી વધારાની રકમની જેમ કંપની અથવા સરકાર દ્રારા સહાય અને ઈનામ અથવા પગારનો ઉધાર ભાગ શુમાર કરવામાં આવશે, અને તેને લેવું જાઈઝ ઠરશે.

માટે રજૂ કરવામાં આવેલ સૂરતમાં મર્હૂમની લાઈફ પોલીસી પેટે જે રકમ મળી છે, જો આ લાઈફ પોલીસી ફરજિયાત હોય, સ્વૈચ્છિક ન હોય, તો તેને લઈ લેવામાં આવે. આ રકમ મરહૂમના તરકા - વારસામાં પ્રો. ફંડની જેમ શુમાર થશે, જેમાં બધા જ શરઈ વારસદારોનો શરઈ નિયમ મુજબ હક -હિસ્સો લાગુ થશે.

અને લાઈફ પોલીસી જો મરજિયાત હોય, તો પછી મરહૂમે જે રકમ જમા પ્રતિ માસ જમા કરાવી છે, તે હલાલ છે, તેનો શુમાર મરહૂમના તરકહ વારસામાં થશે અને વધારાની રકમ વ્યાજ ગણાશે, જે હરામ છે, જેને સવાબની નિય્યતે સદકો કરી આપવામાં આવે. (મજલ્લા ફિકહે ઈસ્લામી, ઈન્શૂરન્સ, વિમાનો ઈસ્લામી હુકમઃ ૩૧, મકાલા કવાનીને ઈસ્લામીઃ ૩૩૪ ઉપરથી)

ફકત અલ્લાહ તઆલા વધુ જાણનાર છે. (તા. ૧૦ મુહર્રમ ૧૪૩૬ હિજરી)


બોધકથા

એકવાર શહેરમાં સાઈકલ સવારીની હરિફાઈ હતી. શહેરમાં રહેતા બે ભાઈઓ સાઈકલ સવારીમાં ભારે કાબેલ હતા. ઝડપથી અને આવડતથી સાઇકલ ચલાવી લેવામાં પણ પાવરધા હતા. હરિફાઈના દિવસને દસ દિવસ વાર હતી, એટલે પહેલા ભાઈને વિચાર આવ્યો કે ભલે હું સાઈકલ ચલાવવામાં કાબેલ છું પણ જો હું રોજ થોડી પ્રેકટીસ કરી લઉં તો વધારે સારું રહેશે. આમ વિચારીને તે રોજ પ્રેકટીસ કરવા લાગ્યો. બીજા ભાઈએ વિચાર્યું કે મારે કોઈ પ્રેકટીસ કરવાની શી જરૂરત ? મને સાઈકલ હાંકતા અને દોડાવતાં આવડે જ છે ને ! આમ વિચારીને તેણે પ્રેકટીસ કરી નહીં.

હરિફાઈનો દિવસ આવ્યો, હરિફાઈ શરૂ થઈ તો અંદાઝ મુજબ બીજો ભાઈ આગળ ચાલી રહ્યો હતો, પણ થોડું વધારે આગળ ગયા પછી ધીરે ધીરે એના પગોના સ્નાયુઓ ખેંચાવા લાગ્યા અને ના છુટકે એણે થોડીવાર ઉભું રહેવું પડયું. જયારે પહેલો ભાઈ એની પાછળ પાછળ આવતો હતો, પણ એને દુખાવાની કોઈ તકલીફ ન હતી, એટલે આગળ વધતો રહયો અને અંતે જીતનું નિશાન પાર કરી ગયો.

કહાનીનો સાર આ છે કે માણસ પોતાની કાબેલિયત અને આવડત ઉપર સંતોષિત થઈને બેસી રહે, પોરસાયા કરે એ પુરતું નથી. પોતાની આવડત, હુનર અને કળાને સાચવવા માટે એને તાજી રાખવી જરૂરી છે. એનું નવીનીકરણ કરતા રહેવું જરૂરી છે. નહીં તો પડી રહેવાથી ગમે તેવું લોઢું કાટ ખાઈ જાય છે એમ ગમે એવી કળા પણ નબળી પડતી જાય છે. લખવા, બોલવા, ચાલવા, દોડવાથી લઈને માનસિક, શારિરીક, ધંધાકીય અને સેવાકીય દરેક પ્રકારની પ્રવૃતિઓમાં લગાતાર પ્રવૃત રહેવું, પ્રગતિ માટે અને સફળતા માટે જરૂરી છે. એટલે જ આપણે જોઈએ છીએ કે ઘણા વૃદ્ધો યુવાનો કરતાં વધારે સ્ફૂર્તિ ધરાવે છે અને ઘણા કમઝોરો મોટા પહેલવાનો કરતાં વધારે શકિત બતાવે છે.


Dawat o Tabligh must remain in on its correct Path

Hazrat Maulana Ibrahim Devla Sa Damat Barkatuhum advices Facts and Requests on "The blessed work of Dawat o Tabligh must remain in on its correct Path"

Maulana Words starts…..

"It is collective responsibity of all the Ulema of Muslim Ummah to preserve this great work of Dawat o Tabligh in its original and correct form in the light of Quran o Hadith as adopted by the Great Akabireen (Scholar) of Ummah."

Maulana Mentions Following Point about great effort of Dawat o Tabligh to be preserved.

1. The great effort of Dawat o Tabligh has always been done under direct supervision and control of the Pious and knowledgeable Ulema.

2. The Blessed work of Dawat o Tabligh is always being done primarily with intention of own correction and Islah.

3. The Basic ambit of the work of Dawat o Tabligh has been to inculcate in life the six chosen qualities of Sahaba-e- Kiram.

4. In this Great Movement of Dawah o Tabligh always has been appreciation, admiration and respect for all others of Deen and all people of capabilities.

5. This work of Dawat o Tabligh has been free from criticizing others, or competing or negating others.

6. There is no high claims and Exaggeration (Dawe and Gulu) in the work rather middle and inclusive attitude has been.

7. The work has been free from Groupism, Sectarianism and Taassub.

8. Through the work of Dawah, emphasis has been on establishment of Islamic Society.

9. The Preservation of the Manhaj of Dawah has always been by the Taqwa piety of the workers (Daee's).

10. In the work of Dawah always the collective conscience of Ummah has been preferred over any individual Opinions.


છેલ્લા પાને



મોંઘી કીમત

બે વસ્તુઓ ખરીદવામાં એની કીમત ન જુઓ. લાભદાયી દવા અને ઉપયોગી કિતાબ.

પ્રગતિનો આધાર

કોઈ પણ કોમની પ્રગતિના ચાર આધાર છે. (૧) સંપ – એકતા. (૨) શિક્ષણ – હુનર. (૩) ધન – દોલત. શકિત – સત્તા.

પાંચ બાબતો

પાંચ બાબતો માણસના ભાગ્યશાળી હોવાની નિશાની છે. (૧) વતનમાં જ રોઝગાર હોય. (૨) નેક અવલાદ (૩) નેક બીવી (૪) સાચો દોસ્ત. (૫) નેક પાડોશી.

આજકાલ

આજનું કામ કાલ ઉપર છોડનારે માણસે વિચારવું જોઈએ કે મેં આજે કશું કર્યું છે ? જેના આધારે આશા રાખી શકાય કે કાલે મારાથી કંઈ થશે ?

આશા અને ડર

જે માણસ પાસે આશા હોય એની પાસે બધું જ છે, ભલેને એના હાથ ખાલી હોય, અને જે માણસ પાસે ડર -બીક હોય, એની પાસે કશું જ નથી, ભલેને ધન દોલતના ભંડાર ભર્યા હોય.

માણસનું કામ

માણસનું કામ આ નથી કે દુનિયાના સમંદરમાં તણખલાઓની જેમ વહી જાય. બલકે એનું કામ તો

નાવિકોની જેમ દરિયાના મોજાઓનો મુકાબલો કરીને ડૂબતા લોકોને બચાવવાનું છે.

બુરી આદતો

બુરી આદતો અપનાવવી સરળ હોય છે, એને નિભાવવી મુશ્કેલ હોય છે અને છોડવી લગભગ અશકય હોય છે.

અનાજના દાણાની હેસિયત

અનાજનો એક દાણો ગુણ નથી ભરી શકતો, પણ જે દાણાઓ થકી ગુણ ભરાઈ રહી છે, એની મદદ કરી શકે છે.

લાંબો કે ટુંકો સમય

કરજ ચુકવવાની મુદ્દતો હોય તો લાંબો સમય પણ ટુંકો લાગે છે અને બીજાનું કામ કરવું પડે તો ટુંકો સમય પણ લાંબો લાગે છે.

માલની ગઈકાલ અને આજ

પહેલાના ઝમાનામાં વધારે માલ કોઈ સારી બાબત ગણવામાં ન આવતી હતી, અલબત્ત દીનદારો અને ઉલમા પાસે માલ હોવો ઢાલની જેમ જરૂરી છે. જેથી માલદારો અને ધનવાનો સામે સવાલ ન કરવો પડે.

સાત દીકરા

એક બાપ સાત દીકરોઓનું ભરણ પોષણ અને તાલીમ તરબિયત કરી શકે છે, પણ ઘણીવાર સાત દીકરા એક બાપને સાચવી નથી શકતા.

હારજીત

મન કે જીતે જીત હે, મન કે હારે હાર મન કો ઢારસ દે કે કરો સમંદર પાર