અલ બલાગ : જૂન-2022

તંત્રી સ્થાનેથી

અમુક વરસો પહેલાં ધર્મના આધારે ચુંટણી પ્રચાર કરવો ગુનો ગણાતો હતો. કડક ચુટણી કમિશ્નર હતા, એટલે મામલો વધારે અઘરો બની રહયો હતો. એટલે કોર્ટ કેસમાં કહેવામાં આવ્યું કે હિંદુત્વ અને હિંદુ, ધર્મનું નામ નથી, એક સંસ્કૃતિ છે, એટલે ચુંટણીમાં એનો ઉપયોગ ગુનો ન કહી શકાય. અને જજ થકી આ ર્તક દલીલ સ્વીકારીને હિંદુત્વના આધારે ચુંટણી લડવાની પરવાનગી આપી દેવામાં આવી. આજની પરિસ્થિતિના મુળમાં આવા અનેક ફેસલાઓ છે, અને દેશ હવે એના બુરા પરિણામો ભોગવી રહયો છે.

દેશના વર્તમાન શાસકોએ દસ - વીસ વરસ પહેલાં દેશ - પ્રેમ અને રાષ્ટ્રવાદનો આક્રમક પ્રચાર શરૂ કર્યો હતો, જેમાં વિરોધી રાજકીય પક્ષો ઉપરાંત વિશેષ રૂપે મુસલમાનોના રાષ્ટ્રપ્રેમ કે દેશપ્રેમ ઉપર પ્રશ્ન કરવામાં આવતો હતો, પૂછવામાં આવતું કે દેશ પહેલાં કે ધર્મ? વગેરે.

આજે હવે આ સમુહ રાષ્ટ્રવાદથી આગળ વધીને 'હિંદુત્વ'ના પડાવે છે. એટલે કે દેશપ્રેમ, રાષ્ટ્રવાદ કે બંધારણથી પણ ઉપરવટ જઈને હિંદુત્વને વધારે મહત્વ આપવામાં આવી રહયું છે. પણ મુસલમાનો સમક્ષ પ્રથમ દેશ કે ધર્મ?નો સવાલ કરનાર લોકો અને મીડીયા હવે એમને આ સવાલ પૂછતું નથી. ખેર.

અમારું માનવું છે કે “હિંદુત્વ” પણ એક પડાવ માત્ર હોય શકે છે. શક્ય છે કે આવતી કાલે આ સમુહ હિંદુત્વના બદલે એક વિશેષ જાતિની સત્તા કે સર્વોપરિતાને જ મહત્વ આપે. અને દેશપ્રેમના નામે મુસલમાનો આજે પોતાને ઠગાયેલા સમજે છે એમ બીજા લોકો હિંદુત્વના નામે પણ પોતાને ઠગાયેલા સમજે.

સરકાર ઝડપથી ખાનગી કરણ કરીને રાષ્ટ્રની સંપત્તિ અમુક તમુક લોકોને જ વેચી રહી છે, એટલે કે દેશનું વાસ્તવિક સંચાલન કરી રહેલ દરેક ધર્મના સરકારી અફસરો, અધિકારીઓ અને કર્મચારીઓના હાથમાંથી છીનવીને અમુક વિશેષ લોકોના હાથમાં આપવામાં આવી રહયું છે, આ ચિંતાની બાબત છે. સાચા દેશપ્રેમી અને રાષ્ટ્રવાદીઓ આવું ન કરે. બલકે દેશમાં ૮૦ ટકા હિંદુ વસતી હોવાના આધારે હિંદુત્વને દેશની ઓળખ બતાવનાર કોઈ પણ સજ્જન માણસ આવું ન કરે. અને દેશ તેમજ આ સંપત્તિનું સંચાલન તો ૯૯ ટકા હિંદુ લોકોના હાથમાં છે, છતાં આ બધું શા માટે હિંદુઓના હાથમાંથી ખેંચવામાં આવી રહયું છે ?

દેશમાં ૮૦ ટકા હિંદુઓ વસે છે, તો આ વસતી માટે રોજગાર અને મુળભુત જરૂરતો કેમ ઉભી કરવામાં નથી આવતી? પાછલા દિવસોમાં રિપોર્ટ આવી હતી કે દૈનિક ૩૫૦ લોકો ભારત છોડી રહયા છે અને એમાંયે ધનિકો અને વેપારીઓ વધારે છે. ૨૦૧૪ થી ૧૮ સુધી ૨૩૦૦૦ હઝાર કરોડપતિ લોકો દેશ છોડીને વિદેશી નાગરિક બની ગયા.

આવા અનેક વિરોધાભાસ દેશના કોઈ પણ સમજદાર માણસને અસમંજસમાં મુકી દે છે કે આખરે દેશમાં શું ચાલી રહયું છે અને વર્તમાન શાસકો દેશને કઈ દિશામાં લઈ જઈ રહયા છે?

આ બધા ઉપરાંત ધાર્મિક ઉન્માદ અને નફરતની સમસ્યા અલગથી છે. મીડીયા થકી હિંદુ - મુસ્લિમ વિરોધના મુદ્દાઓને દેશની કોઈ પણ પાયાની સમસ્યા કરતાં વધારે મહત્વ આપવામાં આવે છે. બલકે મીડીયા થકી બંને કોમોને લડાવવાના ભરપૂર પ્રયાસો કરવામાં આવે છે. છતાં સરકાર કે તંત્ર તરફથી એના ઉપર કોઈ ધ્યાન આપવામાં આવતું નથી.

એમ લાગે છે કે દેશનું સંચાલન બે સમાંતર સ્તરેથી કરવામાં આવે છે. ઉદ્યોગપતિઓ એમના ધંધાકીય નફા અને સોદાઓ માટે એમના માલીકીના મીડીયા થકી નગણ્ય મુદ્દાઓ મીડીયામાં ચલાવે છે અને એની આડમાં બેરોજગારી, ગરીબી જેવા લોકોના મુદ્દાઓ પાછળ મુકીને દેશની સંપત્તિઓના સોદા કરવામાં વ્યસ્ત છે. તો બીજી તરફ ધર્મને આગળ કરીને દેશને હિંદુત્વને રસ્તે લઈ જવા માંગતી શકિતઓ આ જ વાતાવરણથી ફાયદો ઉઠાવીને ધાર્મિક સર્વોપરિતાનું પોતાનું ધ્યેય સિદ્ધ કરી રહી છે. આમ આ બંને વર્ગ પોતાનો રોટલો શેકવામાં મસ્ત અને વ્યસ્ત છે. બાકી દેશની ફિકર કોઈને નથી.

દેશના વર્તમાન સંજોગોનું આ ટુંકું વિશ્લેષણ છે. મુસલમાનોએ આ તબક્કે ધીરજ રાખીને બે – ત્રણ કામો કરવાના છે. (૧) શક્ય એટલા પ્રયાસો કરીને પોતાના જાન માલની હિફાજત કરવાની છે. એટલે કે અસ્તિત્વ જાળવવાના પ્રયાસો કરવાના છે. (૨) શિક્ષણ અને સંસ્કારમાં આગળ વધવાનું છે. ૨૫ વરસ પહેલાં જે લફંગાગીરી માટે મુસલમાનો બદનામ હતા, તે આજે અન્યોના નામે છે, અને મુસલમાનો એમાંથી બહાર આવી ગયા છે, એ આપણે જોઈ રહયા છે. માટે હજુ દસ - વીસ વરસ ઉચ્ચ શિક્ષણની રાહે આગળ વધતા રહેવાનું છે. (૩) પોતાના ધર્મ અને ધાર્મિક ઓળખને જાળવી રાખવાના પૂરતા પ્રયત્નો કરવાના છે. આ માટે મસ્જિદ, મદરસા જેવા પરંપરાગત તરીકાઓમાં ઘેરાયેલા ન રહીને અન્ય આધુનિક તરીકાઓ પણ અપનાવવાની જરૂરત છે. સંસ્કાર અને સજ્જનતા, સખાવત અને સચ્ચાઈ આપણા વ્યવહારમાં જેટલી વ્યાપક હોય એ જરૂરી છે. કોમ અને સમાજની રક્ષા કે પ્રગતિના કામો લાંબાગાળાના બલકે આવતી પેઢી માટે હોય છે. નફરત અને વિરોધનો ઉભરો શમ્યા પછી ખબર પડશે કે કોણ કયાં ઊભું છે?

નશા કે જનાબતની હાલતમાં નમાઝની મનાઈ અને વિશેષ સંજોગોમાં તયમ્મુમનો હુકમ

- મુફતી ફરીદ અહમદ કાવી 


یٰۤاَیُّهَا الَّذِیْنَ اٰمَنُوْا لَا تَقْرَبُوا الصَّلٰوةَ وَ اَنْتُمْ سُكٰرٰى حَتّٰى تَعْلَمُوْا مَا تَقُوْلُوْنَ وَ لَا جُنُبًا اِلَّا عَابِرِیْ سَبِیْلٍ حَتّٰى تَغْتَسِلُوْاؕ-وَ اِنْ كُنْتُمْ مَّرْضٰۤى اَوْ عَلٰى سَفَرٍ اَوْ جَآءَ اَحَدٌ مِّنْكُمْ مِّنَ الْغَآىٕطِ اَوْ لٰمَسْتُمُ النِّسَآءَ فَلَمْ تَجِدُوْا مَآءً فَتَیَمَّمُوْا صَعِیْدًا طَیِّبًا فَامْسَحُوْا بِوُجُوْهِكُمْ وَ اَیْدِیْكُمْؕ-اِنَّ اللّٰهَ كَانَ عَفُوًّا غَفُوْرًا(43)

તરજમહ : હે ઈમાનવાળાઓ ! જયારે તમે નશામાં હોવ તો નમાઝ પાસે ન જાઓ (નમાઝ ન પઢો), ત્યાં સુધી કે તમે જે કંઈ બોલો છો એની તમને ખબર પડે. અને જનાબતની હાલતમાં હોવ ત્યારે પણ ગુસલ કરતાં સુધી નમાઝ પાસે ન જાઓ, સિવાય કે રસ્તો પાર કરતા હોવ. અને જો તમે બીમાર હોવ અથવા સફરમાં હોવ અથવા તમારામાંથી કોઈ માણસ હાજતેથી (પેશાબ પાખાનું કરી) આવ્યો હોય અથવા તમે ઓરતો સાથે સહવાસ કર્યો હોય, માટીથી તયમ્મુમ કરો, એટલે તમારા મોં ઉપર અને બંને હાથો ઉપર ( માટીમાં મારેલા હાથ) ફેરવો; બેશક, અલ્લાહ તઆલા મોટો ક્ષમા આપનાર, બખ્શનાર છે. (૪૩)

તફસીર : પાછલી ઘણી આયતોથી સમાજ, સંસાર, સદવર્તન અને સખાવત બાબતે વિવિધ પ્રકારનું માર્ગદર્શન ચાલતું આવતું હતું. એની વચ્ચે અત્રે ઈબાદતને લગતા બે હુકમોનું વર્ણન છે. સમાજ અને સંસાર સાથે ખુદાની ઈબાદત પણ માણસના નિત્યક્રમમાં શામેલ હોય છે, અને જેમ જીવનમાં બધું સાથે જ ચાલે છે, એમ આ બાબતે હુકમ દર્શાવવામાં પણ નમાઝના હુકમોને પણ અત્રે સાથે વીણી લેવામાં આવ્યા છે.

પહેલો હુકમ આ છે કે નશાની હાલતમાં અને જનાબત એટલે કે મોટી નાપાકીની હાલતમાં નમાઝ પઢવામાં ન આવે. બીજો હુકમ નાપાકીની હાલતમાં નમાઝ પઢવાની મનાઈમાંથી અપવાદરૂપ પરિસ્થિતિઓ વિશે છે.

પહેલા હુકમની વિગત આ છે કે ઈસ્લામના શરૂમાં શરાબ દારૂ ઉપર પાબંદી ન હતી. હિજરતના આરંભે મદીના શરીફમાં જયારે આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમને પૂછવામાં આવ્યું કે શરાબ અને જુગાર વિશે શું હુકમ છે ? તો અલ્લાહ તઆલાએ વહી દ્વારા કુરઆનમાં જણાવ્યું કે આ બંને કામોમાં મોટો ગુનો છે, અને લોકો માટે થોડો ગણો ફાયદો પણ છે. અને આ કામોનો ગુનો ફાયદાઓ કરતાં વધારે મોટો – હાનિકારક છે. (સૂ. બકરહ : ૨૧૯)

આ જવાબમાં શરાબ – દારૂ વિશે મનાઈનો હુકમ તો ન હતો, પણ એની બુરાઈ — ગુનો સ્પષ્ટ કરી દેવામાં આવ્યો હતો. એટલે ઘણા મુસલમાનો ત્યારથી જ શરાબથી દૂર થઈ ગયા. પછી એકવાર એવું થયું કે અમુક સહાબા રદિ.એ એક દાવતમાં ખાયને શરાબનું સેવન કર્યું. આ દરમિયાન નમાઝનો સમય થયો તો જે સહાબી નમાઝમાં ઈમામ બન્યા એમનાથી કુરઆન પઢવામાં મોટી ભૂલો થઈ ગઈ. એટલે અલ્લાહ તઆલાએ ઉપરોકત આયત નાઝિલ ફરમાવી કે નશાની હાલતમાં નમાઝ પાસે ન જાઓ.

નમાઝ પાસે ન જવાનો એક મતલબ આ છે કે નમાઝ પઢવાનો સમય થાય ત્યારથી જ શરાબનું સેવન કરવું નહીં, જેથી નમાઝમાં ગરબડ ન થાય અને નમાઝ સમયે માણસને એટલો હોશ રહે કે તે શું પઢી—બોલી રહયો છે. આમ અમુક નક્કી સમય પૂરતી શરાબ વિશે મનાઈ કરી દેવામાં આવી.

પછી થોડા સમય પછી સંપૂર્ણ રીતે શરાબ –દારૂના સેવન ઉપર પાબંદી લગાવી દેવામાં આવી.

શરાબની પાબંદી બાબતે તબક્કાવાર મનાઈ કરવાની રીત એટલા માટે અપનાવવામાં આવી કે લોકોને શરાબ છોડવામાં તકલીફ ન પડે. કારણ કે આવા વ્યસન અચાનક છોડી દેવાથી ઘણી બીમારીઓ અને અન્ય પરેશાનીઓ પણ સામે આવે છે.

જેમ નશાની હાલતમાં નમાઝ પઢવાની મનાઈ છે, એ જ પ્રમાણે જનાબતની હાલતમાં એટલે કે મોટી નાપાકીના હાલતમાં પણ નમાઝ પઢવાની મનાઈ છે. સ્વપ્નદોષ, સંભોગ અને હૈઝ—નિફાસના કારણે ગુસલ કરવું વાજિબ ઠરે છે, એને જનાબત અથવા મોટી નાપાકી કહે છે.

આ આયતમાં જનાબતની હાલતમાં નમાઝ પઢવાની મનાઈમાંથી એક સ્થિતિ અપવાદ છે, એટલે કે માણસ મુસાફર હોય અને પાણી ન હોય તો ગુસલ વગર પણ (અલબત્ત તયમ્મુમ કરીને) નમાઝ પઢી શકે છે.

અત્રે જનાબતની હાલતમાં સફરમાં પાણી ન હોય તો અપવાદ સ્વરૂપ તયમ્મુમ કરીને નમાઝ પઢવાની રાહત આપવામાં આવી છે એને અનુલક્ષીને નમાઝ અને પાકી બાબતે અન્ય અપવાદ સ્થિતિઓનું વિગતવાર માર્ગદર્શન આયતના આગળના ભાગમાં વર્ણવવામાં આવ્યું છે.

આયતમાં અલ્લાહ તઆલાએ બે એવી સ્થિતિઓનું વર્ણન કર્યું છે, જેમાં માણસ પાણીનો ઉપયોગ કરવા બાબતે લાચાર હોય શકે છે. (૧) સફર દરમિયાન વગડામાં હોય અને આસપાસ દૂર (એક માઈલ) સુધી પાણી ન હોય (૨) અથવા પાણી તો પાસે હોય પણ કોઈ બીમારીના કારણે પાણીનો ઉપયોગ ન કરી શકતો હોય. તો આવા સંજોગોમાં તયમ્મુમ કરી શકે છે.

અને કેવી નાપાકીથી પાક થવા માટે તયમ્મુમ કરી શકાય છે એને સમજાવવા માટે બે નાપાકીની બે સ્થિતિઓનું વર્ણન કર્યું છે. (૧) કોઈ માણસ કુદરતી હાજત (પેશાબ – પાખાનું) કરીને આવે. ફિકહની પરિભાષામાં આ સ્થિતિને નાની નાપાકી કહેવામાં આવે છે. જેમાં વુઝૂ કરવું જરૂરી હોય છે. આ એક ઉદાહરણ (પેશાબ – પાખાના)માં નાની નાપાકી (حدث اصغر) ના બધા જ પ્રકાર શામેલ છે. (૨) ઓરત સાથે સહવાસ – સંભોગ કર્યો હોય. આ ઉદાહરણમાં મોટી નાપાકી (حدث اکبر)ના બધા જ પ્રકાર શામેલ છે. જેમાં ગુસલ કરવું જરૂરી હોય છે. મતલબ એ થયો કે માણસને કોઈ પણ પ્રકારે પાક થવાની જરૂરત હોય, એટલે કે વુઝૂ અથવા ગુસલ કરવું જરૂરી હોય અને ઉપર જણાવ્યા મુજબ સફર કે બીમારીના કારણે પાણી વાપરી શકાય એમ ન હોય તો  તયમ્મુમ કરીને નમાઝ પઢવામાં આવશે.

આયતમાં તયમ્મુમ કરવા માટે પાક માટી વાપરવાનો હુકમ છે. અને એની રીત પણ વર્ણવવામાં આવી છે કે પાક માટી ઉપર હાથ મારીને એ હાથોને મોઢા ઉપર અને કોણીઓ સુધી હાથો ઉપર બે વાર ફેરવવામાં આવે. આ બાબતે વિગતવાર હુકમો હદીસ શરીફના આધારે ફિકહની કિતાબોમાં જોઈ શકાય છે.

મઆરિફુલ હદીસ

હઝરત મવલાના મંઝૂર નોમાની (રહ.)

અનુવાદ : મવલાના યાકૂબ બારીવાલા સા. રહ. (બ્લેકબર્ન. યુ.કે.)

ભાગ નંબરઃ ૧૬૬

: હજનું બયાન :

وَلِلّهِ عَلَى النَّاسِ حِجُّ الْبَيْتِ مَنِ اسْتَطَاعَ إِلَيْهِ سَبِيلًا وَمَنْ كَفَرَ فَإِنَّ اللّهَ غَنِيٌّ عَنِ الْعَالَمِينَ

અર્થાત :– અલ્લાહ વાસ્તે બયતુલ્લાહની હજ કરવી ફરજ છે, તે લોકો પર જેઓ એની શકિત ધરાવે છે અને જેઓ ન માને તો અલ્લાહને દુનિયાની કોઈ પરવા નથી.

જેમકે જાણવા મળ્યુ છે ઈસ્લામના પાંચ રૂકનોમાંથી છેલ્લો અને પરિપૂર્ણ કરનાર ફક્ત "બયતુલ્લાહ શરીફની હજ” છે.

હજ શું છે? એક નકકી સમયે અલ્લાહના દીવાનાઓ માફક તેના દરબારમાં હાજર થવુ અને તેના ખલીલ (દોસ્ત) હઝરત ઈબ્રાહીમ (અ.સ.) ની અદાઓ અને રીત-રિવાજોની નકલ ઉતારી તેના રસ્તા અને મસ્લકથી વળગી જવું તેમ તાબેદારીની સાબિતી આપવી, અને પોતાની શક્તિ મુજબ ઈબ્રાહીમી જઝબો અને કેફીયતમાં ભાગ લઈ પોતાને તે રંગમાં રંગી દેવું છે.

વધુ ખુલાસા માટે કહી શકાય છે કે અલ્લાહની એક શાન એ છે કે તે ઝુલ્જલાલે વલ્જબરૂત, અહકમુલ્હાકીમીન અને બાદશાહોનો બાદશાહ છે અને આપણે તેના આજીઝ અને લાચાર બંદાઓ અને તેના ગુલામ અને તાબેદાર છીએ. બીજી શાન તેની એ છે કે તે એવા બધા જ સારા ગુણોમાં પાવરધો છે જેના કારણે માણસને કોઈની સાથે મહોબ્બત થાય છે એ હિસાબે તે- હા— ફકત તે જ – હકીકી મહેબુબ છે તેની પહેલી હાકિમ અને બાદશાહી હોવાની શાનનો તકાઝો એ છે કે બંદો તેના દરબારમાં અદબ અને આજીઝી સાથે મુગ્ધ બની હાજર થાય.

ઈસ્લામી રૂકનોમાં પહેલો રૂકન નમાઝ એનું જ ખાસ પરતવ છે અને તેમાંજ એ રંગ વધુ છે. ઝકાત પણ એ જ વાસ્તવિકતાને બીજા રૂપમાં રજુ કરે છે અને એની બીજી મહેબૂબ હોવાની શાનનો તકાઝો એ છે કે બંદાઓનો સંબંધ તેની સાથે મહોબ્બત અને વાત્સલ્યનો હોય. રોઝામાં પણ કંઈક અંશે એ રંગ દેખાય છે. ખાવુ-પીવું છોડી દેવુ અને નફસની તમન્નાઓથી દૂર રહેવું ઈશ્ક અને મોહબ્બતની મંજીલોમાંથી છે. પરંતુ હજ એનો પુરેપુરો પુરાવો છે. સિવેલા કપડાને બદલે એક કફન જેવો પહેરવેશ ધારણ કરવો, ઉઘાડા માથે રહેવું, હજામત ન બનાવવી, નખ ન કાપવા, વાળ ન ઓળવા, તેલ ન લગાવવું, ખુશ્બુ ન વાપરવી, બદન પરથી મેલ સાફ ન કરવો, જોર જોરથી લબ્બેક પુકારવી, બૈતુલ્લાહની ચારે બાજુ ચકકર લગાવવા, તેના એક ખુણામાં લાગેલા કાળા પત્થર (હજરે અસ્વદ) ને ચુમવું, તેની ભીતો સાથે ચોટવું, રડવું, કકરવું, પછી સફા મરવાના ફેરા મારવા, મકકા શહેરમાંથી નીકળી જવું અને મિના અરફાત અને કદી મુઝદલેફાના રણોમાં પડયા રહવું, પછી જમરા પરથી વારંવાર કાંકરા મારતા રહેવું, આ બધા તે અમલો છે જે મહોબ્બતના દીવાના કરતા હોય છે. અને હઝરત ઈબ્રાહીમ (અલ.)એ આ આશીકી રીવાજના સ્થાપક સમાન છે. અલ્લાહપાકને તેમની આ અદાઓ એટલી ગમી કે પોતાના દરબારની ખાસ હાજરી, હજ અને ઉમરાના રૂકનો અને મનાસિક નક્કી કરી દીધી. એ જ બધા અમલોનું ભેગા થવું જેને હજ કહેવામાં આવે છે અને તે ઈસ્લામનો છેલ્લો અને પરિપૂર્ણ રૂકન છે. એ બાબત “મઆરિફુલ હદીષ”ના પહેલા ભાગમાં ઈમાનના બયાનમાં તે હદીષો પસાર થઈ ગઈ છે. જેમાં ઈસ્લામના પાંચ રૂકનોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને તેમાં છેલ્લો રૂકન “બૈતુલ્લાહની હજ” બતાવવામાં આવી છે.

હજ ફરજ થવાનો હુકમ મજબુત કથન મુજબ હીજરી સન નવમાં આવ્યો અને તેમાં બીજા વર્ષે હીજરી સન દસમાં આપ (સ.અ.વ.) ની વફાતથી ત્રણ માસ પહેલા રસુલુલ્લાહ (સ.અ.વ.) એ સહાબા (રદિ.)ની મોટી જમાઅત સાથે હજ ફરમાવી. જે 'હજજતુલ વિદાઅ' ના નામથી પ્રખ્યાત છે. અને એ જ હજજતુલ વિદાઅમાં ખાસ અરફાતના મેદાનમાં આપ (સ.અ.વ.) પર આ આયત ઉતરી....

الْيَوْمَ أَكْمَلْتُ لَكُمْ دِينَكُمْ وَاتْمَمْتُ عَلَيْكُمْ نِعْمَتِي وَرَضِيتُ لَكُمُ الإِسْلَامَ دِيناً (المائده: ع:ا)

અર્થાત :- આજે મેં તમારા માટે તમારો દીન પુરો કરી દીધો, અને તમારા ઉપર મારી નેઅમતો પુરી કરી દીધી.

તેમાં એક બારિક ઈશારો એ તરફ કરવામાં આવ્યો છે કે હજ ઈસ્લામનો પરિપુર્ણ રૂકન છે.

જો બંદાને ખરી અને ખાલિસ હજ નસીબ થઈ જાય, જેને દીન અને શરીઅતની ભાષામાં “હજજે મબરૂર' કહેવામાં આવે છે. ઈબ્રાહીમી તેમ મુહમ્મદી (સ.અ.વ.)નિસ્બતનો કોઈ અંશ મળી જાય તો જેવો તે નેક બખ્તીના શિખરે પહોંચી ગયો, અને એટલી મહાન નેઅમત તેને હાથ લાગી જેનાથી મહાન બીજી કોઈ નેઅમતનો આ દુનિયામાં ભાસ પણ થઈ શકતો નથી. તેને એ હક છે કે નેઅમતના આભાર માં દીવાનો બની વારંવાર કહે કે...

افتم بہ پائے خود که مکویت رسیده است نارم بچشم خود که جمال تو دیده است 

که دامنت گرفته بشویم کشیده است ہردم هزار بوسه زنم دست خویش را 

હજની ફરજિયત અને ફઝીલત

عَنْ أَبِي هُرَيْرَةَ ، قَالَ : خَطَبَنَا رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ ، فَقَالَ : « يَأَيُّهَا النَّاسُ قَدْ فَرَضَ اللهُ عَلَيْكُمُ الْحَجَّ ، فَحُجُّوا » ، فَقَالَ رَجُلٌ : أَكُلَّ عَامٍ يَا رَسُولَ اللهِ؟ فَسَكَتَ حَتَّى قَالَهَا ثَلَاثًا ، فَقَالَ : " لَوْ قُلْتُ : نَعَمْ لَوَجَبَتْ ، وَلَمَا اسْتَطَعْتُمْ " ، ثُمَّ قَالَ : « ذَرُونِي مَا تَرَكْتُكُمْ ، فَإِنَّمَا هَلَكَ مَنْ كَانَ قَبْلَكُمْ بِكَثْرَةِ سُؤَالِهِمْ وَاخْتِلَافِهِمْ عَلَى أَنْبِيَائِهِمْ ، فَإِذَا أَمَرْتُكُمْ بِشَيْءٍ فَأْتُوا مِنْهُ مَا اسْتَطَعْتُمْ ، وَإِذَا نَهَيْتُكُمْ عَنْ شَيْءٍ فَدَعُوهُ » (رواه مسلم)

તરજુમા-હઝરત અબુ હુરૈરહ રદી.થી રિવાયત છે કે રસુલૂલ્લાહ (સ.અ.વ.) એ એક દિવસ ખુત્બો આપ્યો, અને ફરમાવ્યું અય લોકો! તમારા ઉપર અલ્લાહે હજ ફરજ કરી છે. માટે તેને અદા કરવાની ફિકર કરો. એક માણસે અરજ કરી યા રસૂલુલ્લાહ! શું દર વર્ષે અમારા પર ફરજ કરવામાં આવી છે? રસૂલુલ્લાહ (સ.અ.વ.) તેના જવાબમાં ચુપ રહ્યા. અને કોઈ જવાબ ન આપ્યો. તે માણસે ત્રણ વાર પોતાનો સવાલ ઉલ્ટાવ્યો તો આપ (સ.અ.વ.) એ (નારાજી સાથે)ફરમાવ્યું કે જો હું તમારા એ સવાલના જવાબમાં 'હા' કહી દેત કે દર વર્ષે ફરજ કરવામાં આવી તો એ જ મુજબ ફરજ થઈ જાત અને તમે અદા ન કરી શકત. તે પછી આપ (સ.અ.વ.) એ સુચના આપી કે કોઈ બાબતમાં જયાં સુધી હું તમને કઈ હુકમ ન આપુ તો મારી પાસેથી હુકમ મેળવવાની (અને સવાલ કરી પોતાની પાબંદીઓ વધારવાની) કોશીશ ન કરશો. તમારાથી પહેલી ઉમ્મતોના લોકો એટલા માટે જ બરબાદ થયા કે તેમના નબીઓને સવાલો કરતા રહ્યાં જેથી મારી સુચના મુજબ જયારે હું તમને કોઈ કામનો હુકમ આપું તો જયાં સુધી તમારાથી બની શકે તેના ઉપર અમલ કરો અને જયારે તમને કોઈ ચીજથી રોકું તો છોડી દો. (મુસ્લિમ શરીફ)

ખુલાસોઃ– તિર્મિઝી વગેરેમાં એજ બયાનની હદીષ હઝરત અલી (રદિ.)થી રિવાયત કરવામાં આવી છે. તેમાં એ વિગત છે રસુલૂલ્લાહ (સ.અ.વ.) તરફથી હજના ફર્ઝ હોવાનું એ'લાન અને તેના ઉપર આ સવાલ જવાબ જે હઝરત અબુ હુરૈરહ (રદિ.) ઉપરોકત હદીષ વર્ણન કરવામાં આવ્યા. સુરએ આલે ઈમરાન ની આ આયતો ઉતરતા પહેલા બન્યું હતું.

(وَلِلّهِ عَلَى النَّاسِ حِجُّ الْبَيْتِ مَنِ اسْتَطَاعَ إِلَيْهِ سَبِيلًا ) 

અર્થાત :– અલ્લાહના માટે બૈતુલ્લાહની હજ કરવી ફરજ છે. તે લોકો પર જે તેની શકિત ધરાવે છે. (આલે ઈમરાન:૧૦)

હઝરત અબૂ હુરૈરહ (રદિ.)ની આ રિવાયતમાં તે સહાબીનું નામ વર્ણવ્યુ નથી જેમણે હુઝૂર (સ.અ.વ.)થી સવાલ જવાબ કર્યો હતો કે શું દર વર્ષે હજ કરવી ફરજ કરવામાં આવી છે?

પરંતુ હઝરત અબ્દુલ્લાહ બિન અબ્બાસ (રદિ.) ની એ જ બયાનની હદીષ જેને ઈમામ અહમદ (રહ.) અને દારમી અને નસાઈ વગેરેએ રિવાયત કરી છે. તેમાં ખુલાસો છે કે આ સવાલ કરનાર “અકરઅ બિન હાબિસ તમીમી' હતા. તે એવા લોકોમાંથી છે જેમણે મકકા ફતહ થયા પછી ઈસ્લામ સ્વીકાર કર્યો હતો. તેમને તાલીમ અને સંસ્કાર મેળવવાનો હજુ પુરો મોકો પ્રાપ્ત થયો ન હતો. એટલે જ તેમનાથી આ ભુલ થઈ હતી કે આવા પ્રકારનો સવાલ કરી બેઠા અને જયારે હુઝૂર (સ.અ.વ.) એ તેનો કોઈ જવાબ ન આપ્યો તો વારંવાર બે ત્રણ વખત પુછી બેઠા.

રસુલૂલ્લાહ (સ.અ.વ.)નું એવું ફરમાવવું કે જો હું હા કહી દેત તો દર વર્ષે હજ કરવી વાજિબ થઈ જાત. તેનો ભાવાર્થ અને હેતુ એ છે કે સવાલ કરી વિચારવું હતું કે, મેં જે હજ ફરજ હોવાનો હુકમ સંભળાવ્યો હતો તેનો તકાઝો અને માંગ આખી જીંદગીમાં બસ એક હજ હતી. તે પછી એવા સવાલ કરવાનું પરિણામ એ પણ થઈ શકતુ હતુ કે જો હું હા કહી દઉ (અને જાહેર વાત છે કે આપ( સ.અ.વ.) હા ત્યારે જ કહેતા જયારે અલ્લાહનો હુકમ હોત.) તો દર વર્ષે હજ કરવી ફરજ થઈ જાત. અને ઉમ્મત મુશ્કેલીમાં પડી જાત તે પછી આપ (સ.અ.વ.) એ ફરમાવ્યુ કે આગલી ઉમ્મતોના ઘણા લોકો વધુ સવાલો અને ચાવાચીવી કરવાાની ખરાબ આદતોના કારણે બરબાદ થઈ ગયા તેમણે પોતાના નબીઓને સવાલો કરી શરઈ પાબંદીઓમાં વધારો કર્યો, અને તે મુજબ અમલ ન કરી શકયા. હદીષના અંતમાં રસુલૂલ્લાહ (સ.અ.વ.) એ એક ઘણી અગત્યની અને કાયદાની વાત ફરમાવી કે...

જયારે હું તમને કોઈ વાતનો હુકમ આપું તો જયાં સુધી તમારાથી બની શકે તેના પર અમલ કરો, અને જે વાતથી રોકુ તે છોડી દો.

ભાવાર્થ એ છે કે મારી લાવેલી શરીઅત નો મિજાઝ તંગી અને મુશ્કેલીનો નથી. બલ્કે સહુલત અને આસાનીનો છે. જેટલી મર્યાદામાં તમારાથી અમલ થઈ શકે તેની કોશિશ કરો. બશરી અશક્તિઓના કારણે જે કસર રહી જશે, અલ્લાહ તઆલાની મહેરબાની અને રહેમથી તેની માફીની આશા છે.

عَنْ عَلِيٍّ قَالَ : قَالَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ : مَنْ مَلَكَ زَادًا وَرَاحِلَةً تُبَلِّغُهُ إِلَى بَيْتِ اللهِ وَلَمْ يَحُجَّ فَلاَ عَلَيْهِ أَنْ يَمُوتَ يَهُودِيًّا ، أَوْ نَصْرَانِيًّا ، وَذَلِكَ أَنَّ اللَّهَ تَبَارَكَ وَتَعَالَى يَقُولُ : وَلِلَّهِ عَلَى النَّاسِ حِجُّ البَيْتِ مَنْ اسْتَطَاعَ إِلَيْهِ سَبِيلاً. (رواه الترمذى)

તરજુમાઃ– હઝરત અલી મુરતઝા (રદિ.) થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સ.અ.વ.) એ ફરમાવ્યુ કે જેની પાસે હજના સફરનો જરૂરી સામાન હોય, અને તેને સવારી મળતી હોય, જે બૈતુલ્લાહ સુધી પહોંચાડી આપે, છતાં તે હજ ન કરે તો કોઈ ફરક નથી કે તે યહુદી થઈ મરે અથવા નસરાની થઈ મરે અને આ એટલા માટે કે અલ્લાહનો ઈરશાદ છે કે અલ્લાહ વાસ્તે હજજે બયતુલ્લાહ ફરજ છે તે લોકો પર જેઓ ત્યાં સુધી જવાની શકિત ધરાવે છે. (તિર્મિઝી)

ખુલાસો :- આ હદીષમાં તે લોકો માટે મહાન ધમકી છે જેઓ હજ કરવાની શકિત હોવા છતાં હજ ન કરે. ફરમાવવામાં આવ્યુ કે તેમનું એવી હાલતમાં મરવું અને યહુદી અથવા નસરાની થઈને મરવું બરાબર છે. (અલ્લાહ બચાવે) આ એવા પ્રકારની ધમકી છે જેવી કે નમાઝ છોડનારને કુફર્ અને શિર્કની નજીક પહોંચેલો બતાવવામાં આવ્યો છે. કુરઆનમાં છે કે

أَقِيمُوا الصَّلوةَ وَلَا تَكُونُوا مِنَ الْمُشْرِكِينَ

જેનાથી માલુમ પડે છે કે નમાઝ છોડવી મુશ્રીકોનો અમલ છે.

હજ ફરજ હોવા છતાં હજ ન કરનારને મુશ્રીકોને બદલે યહૂદીઓ અને નસરાનીઓ સાથે સરખાવવાનો ભેદ એ છે કે હજ ન કરવી યહૂદીઓ અને નસરાનીઓની ખાસિયત હતી. કારણ કે અરબના મુશ્રીકો હજ કરતા હતા. પરંતુ નમાઝ ન પઢતા હતા એટલે નમાઝ છોડવાને મુશ્રીકોની ટેવ બતાવી.

આ હદીષમાં શકિત હોવા છતાં હજ ન કરવાવાળાઓ માટે જે કડક ધમકી છે તેના માટે સૂરએ આલે ઈમરાનની ઉપરોકત આયતનો હવાલો આપવામાં આવ્યો, અને તેની સનદ રજુ કરવામાં આવી, જેમાં હજ ફરજ થવાનું બયાન છે.એટલે  وَلِلَّهِ عَلَى النَّاسِ حِجُّ الْبَيْتِ مَنِ اسْتَطَاعَ إِلَيْهِ سَبِيلًا. પરંતુ માલમ પડે છે કે રાવીએ ફક્ત હવાલા પુરતુ આયતને આગલો ભાગ પઢવા પર બસ કર્યું છે. આ ધમકી આયતના જે ભાગમાંથી નિકળે છે તે તેની આગળનો ભાગ છે.એટલે ومن كفر فان الله غنى عن العالمين જેનો મતલબ એ છે કે જો આ  હુકમ પછી જે કોઈ કાફિરો જેવી ચાલ ચાલશે, એટલે શકિત હોવા છતાં હજ ન કરે તો અલ્લાહને કોઈ પરવા નથી. તે બધી દુનિયા અને કાયનાતથી બે પરવા છે. તેમાં શકિત હોવા છતાં હજ ન કરનારની ચાલનેمن كفر ના શબ્દથી બતાવવામાં આવ્યુ છે. અને ان الله غنى عن العالمين ની ધમકી આપવામાં આવી છે. એનો અર્થ એ જ થયો કે એવા નાશુક્રા અને નાફરમાન લોકો જે કંઈ કરે અને જે જે હાલત પર મરે અલ્લાહને તેમની કોઈ પરવા નથી. લગભગ એ જ પ્રકારની હદીષ મુસ્નદે દારમી વગેરેમાં હઝરત અબૂ ઉમામાહ (રદિ.)થી રિવાયત થઈ છે.

ઈસ્લામ સ્વીકારનું દબાણ

ઈસ્લામની માન્યતાઓ, આદેશો, આદર્શો, ફકત તર્કઆધારિત કે ખોખલી ફિલસુફી નથી, બલકે બુદ્ધિ અને સત્યના માપદંડ પર પૂરા ઉતરે છે, માટે તર્કસંગત અને બુદ્ધિ આધારિત ધર્મ ઈસ્લામના સ્વીકાર માટે અલ્લાહ તરફથી કોઈના પર દબાણ નથી, સત્ય-અસત્ય, ઈસ્લામ-કુફ્ર; 'બે અને બે ચાર'ની જેમ સ્પષ્ટ છે, તો પછી આ ઉચિત પણ ન હતું કે આટલી સ્પષ્ટતા છતાં પણ માણસને હાથ પકડી મજબૂર કરવામાં આવે કે તમે એક અલ્લાહનો એકરાર કરી કુફ્ર-શિર્કને છોડો, આ તો એમ જ થયું કે સૂર્યના સ્પષ્ટ દેખાવા છતાં પણ માણસ પાસે દિવસનો એકરાર કરવાનો આગ્રહ કરવામાં આવે, સૂર્યોદય થયા પછી પણ કોઈ એનો સ્વીકાર ન કરે તો દુનિયા એની જ બુદ્ધિને ખોટી ગણશે.

અલ્લાહ તઆલાએ વિવિધ માધ્યમો અને સબબો દ્વારા સ્પષ્ટ કરી માણસ સામે ઈસ્લામને સ્પષ્ટ કરી દીધો છે અને પછી માનવીને છૂટ આપી દીધી કે સદાની ભલાઈ, સફળતા અને કામિયાબી પામવા સત્યધર્મ ઈસ્લામને સ્વીકારે અને સદાની જન્નતનો હકદાર ઠરે અથવા અજ્ઞાનતા અને જહાલતને અનુસરે અને આંધળુકિયાં કરીને બાતિલ એટલે કે અસત્ય પર બાકી રહે અને મૃત્યુ પછી જહન્નમની આગમાં સળગવાને પસંદ કરે.

સઘળી મખ્લૂકાતમાં ફકત માનવી અને જિનને અલ્લાહ તઆલાએ આવી છૂટ આપી છે, ફરિશ્તાઓને આ છૂટ નથી, એમની પ્રકૃતિમાં અનાદર અને નાફરમાનીનું તત્વ જ નથી, માણસો અને જિન્નાતો વિશે સ્પષ્ટ શબ્દોમાં કુર્આનમાં જણાવાયું છે કે દીન સંબંધી એમના ઉપર કોઈ દબાણ નથી, કારણ કે હિદાયતનો માર્ગ અને ગુમરાહીનો માર્ગ સ્પષ્ટ થઈ ગયો છે, ઉગતા સૂર્યની જેમ સ્પષ્ટ થઈ ચૂકેલ ધર્મને કોઈ અપનાવતું ન હોય તો હે મુહમ્મદ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ ! એમને કહી દો, કે તમે તમારા માર્ગે ચાલો, અમે અમારા ધર્મ પર છીએ, મૃત્યુ પછી આપણો ફેંસલો થશે, હે મુહમ્મદ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ ! તમને એમના ચોકીદાર નથી બનાવવામાં આવ્યા, કે દબાણવશ એમનાથી ઈસ્લામનો એકરાર કરાવવામાં આવે, કોઈ ઈમાન નથી લાવતું તો ભલે, આખરે એણે અમારી પાસે આવવાનું જ છે અને અમને હિસાબ-કિતાબ આપવાનો જ છે, ત્યારે અમે એને કડક અઝાબમાં સપડાવીશું, તમે એમને સમજાવતા રહો, જેને સમજવું હશે તે સમજશે, ભાગ્ય ફૂટેલા એનાથી વંચિત રહેશે.

કુર્આનની આ તાલીમ અને શિક્ષણના પ્રકાશમાં ઈસ્લામના સંપૂર્ણ ઈતિહાસમાં ક્યાંયે કોઈને દબાણવશ ઈસ્લામમાં લાવવાનો ઉલ્લેખ નથી. આજે પણ ઈસ્લામમાં પરવાનગી નથી કે કોઈ અન્યધર્મીને શક્તિ કે સત્તાના જોરે ઈસ્લામ સ્વીકારવા મજબૂર કરવામાં આવે, આમ કરનાર માણસ ઈસ્લામી આદેશોનું ઉલ્લંઘન કરનાર સમજવામાં આવશે અને આવી રીતે દબાણવશ અપનાવવામાં આવેલ ઈસ્લામ પણ સ્વીકાર્ય નથી, કારણ કે ઈસ્લામ ફક્ત મુખેથી અલ્લાહના એક હોવાના ઈકરાર કરવાનું નામ નથી, બલકે અંતર અને મનથી સ્વીકાર પણ આવશ્યક છે, ફકત મોંઢેથી કલિમહ પઢી લેવો કે બાહ્ય રીતે મુસલમાનો જેવા કાર્યો કરવા મંડી પડવું ઈસ્લામ નથી.

આ જ કારણે ઈસ્લામી સત્તામાં અન્ય ધર્મીઓને એમના ધાર્મિક કાર્યો અને માન્યતાઓ પ્રમાણે વર્તવાથી રોકવામાં આવતા નથી, જો તેઓ મુસલમાનો સાથે સુલેહ શાંતિથી રહીને જીવે તો ઈસ્લામી સત્તા તરફથી એમને રહેવાની સંપૂર્ણ સ્વતંત્રતા છે, ભારત દેશ પર મુસલમાનોએ ૧૧૦૦ વર્ષ રાજ કર્યું, જે જબરદસ્તીથી ઈસ્લામમાં દાખલ કરી દેવાની પરવાનગી કે પ્રથા હોત તો આ રાજાઓએ ભારતના બધા જ નાગરિકોને શા માટે મુસલમાન બનાવી દીધા નહીં, તેઓ સંપૂર્ણ સ્વતંત્ર અને શકિતશાળી રાજાઓ હતા, કોઈ વસ્તુ આ બાબતે એમને અવરોધક ન હતી, ફકત ઈસ્લામનો આ આદેશ જ એમને આમ કરવાથી રોકી રહ્યો હતો, સમગ્ર ભારતીય ઉપખંડ ભારત-પકિસ્તાન, બાંગ્લાદેશમાં આજે પચાસ કરોડથી વધુ મુસલમાનો છે, તેઓ કોઈ બીજા દેશથી આવેલા નથી એમણે કંઈ અનિચ્છાએ કે દબાણવશ ઈસ્લામ નથી અપનાવ્યો, આ બધા વંશીય રીતે અહિંયાના જ સુપુત્રો છે, એમના પૂર્વજોએ મુસલમાન અવલિયા અને ઈસ્લામની નિર્મળ તાલીમને જોઈ-સમજી ઈસ્લામ સ્વીકાર્યો છે, હઝરત ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તી (રહ.) આવા જ મહાન અવલિયા હતા.

માનવીએ સ્વયં બનાવેલ માબૂદો અને ખુદાઓના ખોટા હોવા અને મુશરિકો કે ખુદાના વિરોધીઓનો માર્ગ ઈસ્લામથી વિપરીત હોવા છતાં એમના ધાર્મિક વિચારો અને આચારોનો ખ્યાલ રાખવાનો મુસલમાનોને આદેશ છે, કુર્આનમાં મુસલમાનોને આદેશ આપવામાં આવ્યો છે કે હે મુસલમાનો ! કાફિરો અને મુશરિકો જે માબૂદોને પૂજે-ભજે છે, તમે એમના વિશે અપશબ્દો ઉચ્ચારો નહી, કયાંક તેમની અજ્ઞાનતા લઈ તેઓ અલ્લાહ વિશે પણ અપશબ્દો કે ગાળ ન બોલી બેસે અને તમે એ માટે કારણ ભૂત બનો.

આજ કાલ ઈસ્લામ વિશે અત્યંત ઝડપે આ ગેરસમજ પ્રસરાવવામાં આવી રહી છે કે કુર્આન શરીફમાં કાફિરો અને મુશરિકોને કતલ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

અમે સ્પષ્ટ કરી દઈએ કે ઈસ્લામ સાથે આ આરોપનો કોઈ સંબંધ નથી, પવિત્ર કુર્આન અને પયગમ્બર હઝરત મુહમ્મદ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમના કથનો (હદીસો)માંથી એક આયત કે એક હદીસ પણ એવી નથી, જેમાં મુસલમાનોને કુફ્ર-શિર્કના કારણે કાફિરો- મુશરિકોને મારવાના આદેશ આપવામાં આવ્યો હોય, બલકે એની પરવાનગી પણ નથી, અર્થાત નિષેધ છે, અને મારવાની વાત તો દૂર રહી, વિના કારણે કોઈ પણ માણસને ચાહે તે અન્ય ધર્મનો હોય, કષ્ટ કે તકલીફ આપવાથી પણ મનાઈ ફરમાવવામાં આવી છે.

અલ્લાહ તઆલા ફરમાવે છે કે શિર્ક પછી સૌથી મોટો અપરાધ કોઈ માણસને વિના કારણે કતલ કરવું છે, કુર્આનમાં છે કે એક માણસને મારી નાંખવો, એ સઘળા મનુષ્યોને મારી નાંખવા સમાન છે, વગર વાંકે કોઈને મારી નાંખવાની સજા ઈસ્લામમાં 'કિસાસ' છે, એટલે કે બદલામાં હત્યારાને પણ મારી નાંખવામાં આવે.

જો કુફ્રશિર્કના આધારે કાફિરો અને મુશરિકોને મારવાનો આદેશ હોય તો અલ્લાહ સ્વયં કાફિરો અને મુશરિકોને શા માટે નષ્ટ નથી કરી દેતા ? શા માટે એમને દુનિયામાં જીવવાનો મોકો આપે છે ? જે રબ અને માલિક કુફ્ર-શિર્ક છતાં તેના બંદાઓને આ દુનિયામાં મહેતલ આપી જીવવા દેવા માંગે છે, એમને મારી નાંખવાનો અધિકાર કોઈ બીજાને કે મુસલમાનને પણ કેવી રીતે હોય શકે?

દુનિયામાં છું પણ દુનિયાનો આશિક નથી.

એક વાર હઝરત અય્યુબ અલૈ. ગુસલ કરી રહ્યા હતા, અચાનક એમના ઉપર સોનાના પતંગિયા પડવા લાગ્યા. આપ અલૈ. એક કપડામાં તેને વીંટાળવા લાગ્યા તો અલ્લાહ તઆલાએ પુછ્યુંઃ શું અમે આપના દિલને આ બધી દુન્યવી વસ્તુઓથી પાક અને ખાલી નથી કરી દીધું? તો આપ અલૈ.એ જવાબ આપ્યોઃ જી એમ જ છે, પરંતુ હે અલ્લાહ પાક ! હું આપની બરકત અને રહમતથી બેદરકાર નથી રહી શકતો. એક નબી જ આ પ્રમાણે વાત કરી શકે છે.

હઝરત અય્યુબ અલૈ. એ આપણને તાલીમ આપી કે અલ્લાહ તઆલા જ્યારે કોઈ નેઅમત આપે તો તેને લેવામાં અચકાવું જોઈએ નહીં. માલ અને સંપત્તિનો પ્રેમ ખરાબ છે, પરંતુ સંપત્તિ પોતે ખરાબ નથી. હંમેશાં દિલમાં ધન હોવું ખરાબ છે.

આબ દર કશ્તી હલાકે કશ્તી અસ્ત

 આબ અન્દર જેરે કશ્તી પશતી અસ્ત

જ્યાં સુધી પાણી નાવડીના બહાર હોય છે ત્યાં સુધી પાણી નાવડીને ચલાવે છે પરંતુ પાણી જ્યારે નાવડીમાં આવી જાય છે તો તે નાવડી ડૂબાડી નાખે છે, આજ પ્રમાણે માલ દોલત અને સંપત્તિનો હાલ છે, જ્યાં સુધી દિલમાં દાખલ ન થાય ત્યાં સુધી જીવનની ઘણી બધી મુશ્કેલીઓ દુર કરે છે અને મદદરૂપ થાય છે, પરંતુ જયારે તે માલની મોહબ્બત દિલમાં દાખલ થઈ જાય તો તે જ વખતથી માણસના જીવનનો વિનાશ શરૂ થઈ જાય છે.

મુફતી શફી સાહબ રહ.એ દેવબંદમાં એક બાગ બનાવ્યો હતો, જ્યારે તે બાગ બનીને તૈયાર થઈ ગયો અને તેના વૃક્ષ ફળો આપવા લાગ્યા તો ભારતના ભાગલા પડયા અને એમણે હિન્દુસ્તાન છોડી પાકિસ્તાન જવાનું થયું. તેઓ ફરમાવે છે કે હિન્દુસ્તાન છોડતાં જ મારા દિલમાંથી તે બાગની મોહબ્બત ખતમ થઈ ગઈ.

અકબર ઈલાહાબાદી કહે છે :

દુનિયામે હું, દુનિયા કા તલબગાર નહીં હું.

 બાઝારસે ગુજરા હું ખરીદાર નહીં હું.

 શેખ ફરીદુદીન અત્તાર રહ. અત્તરના મોટા વેપારી હતા, અને અલગ અલગ પ્રકારના અત્તરોમાં ઘેરાયેલા રહેતા અને બીજા વેપારીઓની જેમ વેપાર વધારવાની જ ફિકરમાં રહેતા હતા, એક દિવસ એક મઝજુબ તેમની દુકાન પર આવ્યા અને અત્તરની શીશીઓ ખોલીને જોવા લાગ્યા, ઘણી વાર સુધી આવું કર્યા પછી શેખ ફરીદુદીન અત્તાર રહ.એ પૂછયુંઃ શું જોઈ રહ્યા છો?તમે ચાહો તો હું તમારી મદદ કરું.

પેલા મઝજૂબે કહ્યું હું જોઈ રહ્યો છું કે તમારો જીવ તો આ અત્તરની બાટલીઓમાં અટકેલો છે.

તુ ભર રહા હે દિલ મેં હુબે જાહ વ માલ

 કબ સમાવે ઉસમેં હુબે જુલ જલાલ

 જે દિલમાં માલ દોલતની મોહબ્બત ભરેલી હોય તે દિલમાં અલ્લાહ તઆલાની મોહબ્બત કેવી રીતે આવી શકે છે ?

ઈમામ ગિઝાલી ફરમાવે છે :

જે વ્યક્તિએ દુનિયામાંથી કંઈ કમાવ્યું ન હતું પરંતુ દુનિયા પ્રત્યેની મોહબ્બતથી તેનું દિલ ભરપૂર ભરેલ હતું તો તે વ્યક્તિ સૌથી મોટી ખોટ અને નુકસાનમાં છે. સંપત્તિ ખરાબ નથી, પરંતુ તેનો પ્રેમ ખરાબ છે. સંપત્તિ અને દોલત ખરાબ નથી.

દીને ઈસ્લામમાં સુન્નતે રસૂલ અને ઈતાઅતે રસૂલનું મહત્વ

હઝરત અકદસ શૈખુલ હદીસ મવલાના ઝકરિયા રહ.ની કિતાબ “ઈસ્લામી સિયાસતનો ક્રમશ અનુવાદ” મુફતી ફરીદ અહમદ કાવી.

અબ્દુલ્લાહ દયલમી રહ. મોટા તાબેઈ છે. અમુકના મતે સહાબી છે. તેઓ ફરમાવે છે કે મને બુઝુર્ગો મારફતે આ વાત પહોંચી છે કે દીન છૂટવા બરબાદ થવાની શરૂઆત સુન્નત છોડવાથી થશે. એક એક સુન્નત એવી રીતે છોડવામાં આવશે જેમ દોરડાના વળ વારફરતી ઉકેલવામાં આવે છે. હઝરત સઈદ બિન જુબૈર રહ.એ એકવાર એક હદીસ વર્ણવી. કોઈએ કહી દીધું કે આ હદીસ ફલાણી આયતમાં વર્ણવવામાં આવેલ વિગતના વિરુદ્ધ છે. એમણે ફરમાવ્યું કે હું નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમનું કથન વર્ણવું છું અને તું એને કુરઆન સામે અથાડે છે. નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમને કુરઆનની આયતોનો મતલબ વધારે સારી રીતે ખબર હતો. (દારમી) એટલે કે કુરઆનની વાતો ઘણી વાર ગૂઢ અને મોંઘમ હોય છે. હદીસમાં એની વિગત અને વિવરણ હોય છે. માટે કોઈ હદીસ શરીફને કુરઆનના વિરુદ્ધ કહી દેવાની ઉતાવળ ન કરવી જોઈએ. એ માટે ઘણો અભ્યાસ અને મનન કરવું જોઈએ. અને પછી પણ આયત અને હદીસમાં વિરોધાભાસ જણાય તો જોવામાં આવે કે કુરઆનની આયતમાં દર્શાવવેલ હુકમ પાછળથી કોઈ બીજી આયત દ્વારા બદલવામાં નથી આવ્યો? અથવા હદીસને વર્ણવનાર રાવીઓ બાબતે કોઈ કચાશ છે ? આ બધી તપાસ વગર એમ જ નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની હદીસને ઠુકરાવી દેવી મોટી નાફરમાની છે અને અલ્લાહ તઆલાની નાફરમાની કરવા સમાન છે. અલ્લાહ તઆલા ફરમાવે છે :

જે કોઈ અલ્લાહ અને એના રસૂલની નાફરમાની કરશે, એની નિયમો (હદો)થી આગળ વધશે (આમ કરવાથી માણસ કાફિર થઈ જાય છે) એને અલ્લાહ તઆલા જહન્નમમાં નાંખી દેશે, તે હમેંશા એમાં જ રહેશે. અને અપમાન થાય એવી સજા આપવામાં આવશે. (બયાનુલ કુરઆન)

બીજા સ્થળે કુરઆનમાં છે : કયામતના દિવસે કાફિર લોકો અને રસૂલની નાફરમાની કરનાર લોકો તમન્ના કરશે કે કાશ અમે આજે ધરતીમાં સમાય ગયા હોત. અને આજે તેઓ કોઈ પણ વાત અલ્લાહ તઆલાથી છુપાવી શકશે નહીં. (સૂ. નિસાઅ)

બીજી એક આયતમાં છે: અમે બધા રસૂલોને એટલા માટે જ મોકલ્યા છે કે અલ્લાહના હુકમ મુજબ એમની વાતો માનવામાં આવે. (સૂ. નિસાઅ)

એક આયતમાં અલ્લાહ તઆલા ફરમાવે છે : જે કોઈ રસૂલની વાત માનશે એણે અલ્લાહની વાત માની કહેવાશે. અને જે કોઈ રસૂલની વાત માનવાથી પાછો હટશે તો (એની સજા તે ભોગવશે, તમે એની ચિંતા ન કરો) અમે તમને આવા લોકોના ચોકીદાર નથી બનાવ્યા. (તમારું કામ ફક્ત એમને સમજાવવાનું છે.) (સૂ. નિસાઅ)

આવી અનેક આયતો છે જેનાથી સ્પષ્ટ થાય છે કે નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમનું અનુસરણ જ સાચો ઈસ્લામ છે. એનું જ નામ દીન છે. એ જ શરીઅત છે. એમાં જ અલ્લાહ તઆલાની ઈતાઅત -ફરમાબરદારી છે. અને આ જ કારણે સહાબા રદિ., વિશેષ કરીને ખુલફાએ રાશીદીનના ઝમાનામાં આ અનુસરણથી જરા પણ દૂર થવું કે હટવું મુશ્કેલ અને અઘરું હતું.

હઝરત અબૂબક્ર રદિ.ની ખિલાફતના આરંભે ચારે તરફ લોકો ઈસ્લામ છોડીને મુરતદ બની રહયા હતા. હઝરત ઉમર રદિ. જેવા બહાદુર અને દીન માટે ફિદા થનાર માણસ પણ હઝરત અબૂબક્રને વિનંતી કરતા હતા કે થોડી નરમી કરવામાં આવે. હઝરત અબૂબક્ર રદિ.એ આ વેળા હઝરત ઉમર રદિ.ને ટકોર કરી કે તમે જહાલતકાળમાં તો ઘણા દિલેર હતા અને હવે મુસલમાન બનીને બુઝદિલ બની ગયા ? ખુદાની કસમ, જે માણસ નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમના ઝમાનામાં ફકત બકરીનું એક બચ્ચું ઝકાત આપતો હતો અને હવે તે દેવાનો ઈન્કાર કરશે તો આટલી નાની વાતે પણ એની સાથે લડાઈ કરવામાં આવશે.

અમુક હદીસોમાં છે કે ઝકાતમાં આપવાનું એક દોરડું પણ આપવાથી ઈન્કાર કરશે તો એની સાથે લડાઈ કરવામાં આવશે.

દીન ઉપર અડગતા અને દીનની હિફાજત આને કહેવાય. સામુહિક રીતે ઈસ્લામ છોડી જવાના વિપરીત વાતાવરણમાં આવી કોઈ બાબતે બાંધછોડ કરી લેવી સામાન્ય વાત કહેવાત. પણ સહાબા રદિ.ના મતે નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમના રસ્તેથી થોડું પણ આમ તેમ થવું બરબાદી સમજવામાં આવતું હતું. હઝરત અબ્દુલ્લાહ ઈબ્ને મસઉદ રદિ. ફરમાવે છે કે હું જોઉ છું તમે બધાએ તમારા ઘરોને જ મસ્જિદ બનાવી લીધી છે. આવી રીતે તમે ઘરોમાં જ નમાઝ પઢતા રહેશો અને મસ્જિદને છોડી દેશો તો તમે નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની સુન્નતને છોડી દેશો. અને હુઝૂર સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની સુન્નત છોડી દેશો તો કાફિર થઈ જશો. (અબૂદાઉદ)

હઝરત અબ્દુલ્લાહ બિન ઉમર રદિ. ફરમાવે છે કે મુસાફિરની નમાઝ બે રકાત છે. અને જે કોઈ હુઝૂર સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે બતાવેલ આ તરીકા વિરુદ્ધ કરશે એ કાફિર છે. (શિફા)

હઝરત  અલી રદિ. ફરમાવે છે કે જે માણસ નમાઝ ન પઢે એ કાફિર છે. હઝરત ઈબ્ને અબ્બાસ રદિ.નું પણ આવું જ કથન છે કે જે માણસ નમાઝ પઢવાનું છોડી દે એ કાફિર છે.

હઝરત જાબિર રદિ.પણ ફરમાવે છે કે નમાઝ ન પઢનાર કાફિર છે.

આ બધા ઉપરાંત અન્ય સહાબા રદિ. અને તાબેઈન રહ. વિશે કિતાબોમાં છે કે તેઓ ઈરાદાપૂર્વક નમાઝ ન પઢનાર વિશે કાફિર હોવાનો ફતવો આપતા હતા. સાચી રીતે જોઈએ તો આપણા ઉલમાએ કિરામે કોઈને કાફિર કહેવા વિશે ખાસી તકેદારી રાખી છે. નમાઝ છોડનાર વિશે અન્ય સહાબા રદિના વિરોધી મત(કાફિર ન હોવા)ને સામે રાખીને ઉલમા ફરમાવે છે કે કાફિર હોવાનો હુકમ એવા માણસ માટે છે કે નમાઝના ફરજ હોવાનો ઈન્કાર કરીને નમાઝ છોડતો હોય. આ પણ અલ્લાહ તઆલાનું એહસાન કહેવાય કે સહાબા રદિ. દરમિયાન આ બાબતે વિરોધાભાસ હતો, ખુદા ન કરે, બધા જ સહાબા નમાઝ છોડનારના કાફિર હોવા વિશે એકમત હોત તો આપણે વિચારીએ, દુનિયામાં કેટલો મોટો વર્ગ આજે ઈરાદાપૂર્વક નમાઝ છોડી દે છે, એ બધા લોકો કુફ્રના અંધારામાં ધકેલાય ગયા હોત.

ઘણા લોકો ગર્વથી એમ કહે છે કે અમે કલિમહ પઢનાર કોઈ પણ વ્યકિતને કાફિર નથી કહેતા, લોકોને કાફિર કહેવું મોલ્વીઓનું કામ છે, તેઓ આખી દુનિયાને કાફિર ઠરાવી શકે છે. પણ હઝરત અબૂબક્ર રદિ.ને જુઓ, એમણે આવા અનેક કલિમહ પઢનાર લોકોને કતલ કરી દીધા, જેઓ ઝકાત આપવાનો ઈન્કાર કરતા હતા. હઝરત દયલમ મીરી રદિ. ફરમાવે છે કે અમે નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની સેવામાં અરજ કરી કે અમે લોકો ઠંડા પ્રદેશના રહેવાસી છીએ, અને મહેનતના કાર્યો કરવા પડે છે, એટલા માટે ઘઉંનો શરાબ બનાવીને પીએ છીએ, એનાથી મહેનતના કામો કરવાની શકિત પણ મળે છે અને શરદીમાં પણ રાહત રહે છે, નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે પૂછયું કે આ શરાબ નશાકારક હોય છે ? મેં અરજ કરી કે, નશો તો જરૂર થાય છે. આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે ફરમાવ્યું તો એનાથી બચીને રહો. મેં અરજ કરી કે લોકો છોડશે નહીં, કારણ એમને આદત પડી ગઈ છે અને જરૂરત પણ છે. તો આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે ફરમાવ્યું : લોકો આવી શરાબ પીવાનું ન છોડે તો એમને સાથે લડાઈ કરો. (અબૂદાવૂદ)

નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે એક વાર અમાનત વિશે ફરમાવ્યું કે લોકોમાં ધીરે ધીરે ઓછી થઈ જશે. અને એવા દિવસો આવશે કે લોકો એમ કહેશે કે ફલાણા કબીલામાં એક માણસ અમાનતદાર છે. સારા માણસની ઓળખ આટલી જ રહી જશે કે માણસ સમજદાર છે, ખુશમિજાઝ છે, મોટો બહાદુર છે. પણ એમાં રાયના દાણા જેટલું પણ ઈમાન ન હશે. (મિશ્કાત)

એકવાર નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે ફિત્નાઓનું વર્ણન ફરમાવ્યું : અને ફિત્નાઓ વર્ણવતા ફરમાવ્યું કે અંતે એવા લોકો રહી જશે જેઓ ગુમરાહીઓ તરફ બોલાવનાર હશે. (મિશ્કાત)

વસતી નિયંત્રણ કે સંશાધનોની વહેંચણી ?

મુસલમાનોની માન્યતા છે કે સૃષ્ટિ અને સંસારને બનાવનાર અને તેનું સંચાલન કરનાર ફકત અલ્લાહ તઆલા છે, તે જ પોતાની હિકમત અને કુદરતથી બધી સિસ્ટમને નિયંત્રણમાં રાખી ચલાવે છે.

બધા જ માણસોને તેણે જ પેદા કર્યા, અને તેમના માટે ખાધા ખોરાકની વ્યવસ્થા પણ તે જ કરે છે, દરેક જાનદારના ખોરાકની ઝિમ્મેદારી તેણે લીધેલ છે, અને તેને પુરું પાડવાનો વાયદો કર્યો છે, તે જ વાયદા મુજબ ફકત ઈન્સાનોને નહી દરેક જાનદારની રોજી પુરી પાડે છે, કુર્આને કરીમમાં સુરએ હૂદમાં અલ્લાહ તઆલાનું ફરમાન છે : કોઈ પણ પૃથ્વી પર ચાલનાર પ્રાણી એવું નથી કે જેની રોજી અલ્લાહ તઆલાના જિમ્મે ન હોય અને તે દરેકના રહેઠાણને તેમજ જયાં સોંપવામાં આવે છે તે સ્થાનને પણ જાણે છે, સઘણું સ્પષ્ટ કિતાબમાં લખાયેલુ છે.

અલ્લાહ તઆલાએ આ દુનિયાના દરેક વ્યકિત માટે તેની જીવન જરૂરતની વસ્તુઓની વ્યવસ્થા કરી રાખી છે, ઉપરોકત આયતની તફસીરમાં હઝરત મોલાના ખાલિદ સૈફુલ્લાહ રહમાની દા.બ. લખે છેઃ

અલ્લાહ તઆલા દરેક મખ્લુકની રોજીની વ્યવસ્થા કરે છે, માલઠોસ રોબર્ટે ૧૭૯૮માં કહયું હતું કે દુનિયાની આ વધતી વસ્તીને જોતાં ફકત ૩૦ વર્ષ સુધી જ ખાવા-પીવા અને જીવન જરૂરીયાતની સામગ્રી મળતી રહેશે, ત્યાર પછી ખાધ સામગ્રી વગેરે નહી મળે અને લોકોને ભુખા મરવાનો વખત આવશે, તેના સો વર્ષ પછી સર વિલ્યમએ તો ચેલેંજ કર્યું હતું કે ફકત ત્રીસ વર્ષ સુધી આ સાધાન-સામગ્રીથી આપણી જરૂરતો પુરી થઈ શકશે, પરંતુ આપણે જોઈ રહયા છે કે વસ્તીના વધવાના સાથે સાથે દરેક જ પ્રકારની વસ્તુઓમાં વધારો થઈ રહયો છે, કૃષિ પેદાશ ઉપરાંત મરઘી, ઈંડા, માછલી વિગેરે ખાવા પીવાની વસ્તુઓનું ઉત્પાદન એટલું બધું વધી ગયું છે કે પેહલાં આ પ્રમાણેના વધારાનું સોચી પણ ન સકતા હતા, તેમજ નવા નવા સંસોધનો અને સાધનોએ જીવનને એટલું આસાન કરી દીધું છે કે તેનો કોઈ હિસાબ નથી, આ બધુ જ અલ્લાહ તઆલાના કુર્આની હુકમની સચ્ચાઈ સાબિત કરે છે કે જેમ જેમ મખ્લુક અને વસ્તીમાં વધારો થશે તેમ તેમ બધી જ વસ્તુઓમાં અલ્લાહ તઆલા વધારો કરી આપશે, ગરીબી તેમજ મોઘવારી દૂર કરવા માટે વસ્તી નિયંત્રણ સાચો ઉકેલ નથી, પરંતુ અસલ ઉકેલ બે વસ્તુઓથી થઈ શકે છે.

(૧) ધરતીમાં દટાયેલ ખાણ, ખનીજ અને ફળદ્રુપતાને કેવી રીતે બહાર લાવવી?

(૨) તેની વહેંચણી કેવી રીતે કરવામાં આવે ?

આ બંન્ને બાબતો અલ્લાહ તઆલાએ માનવીને હવાલે કરી છે, એમાંજ માણસની બુદ્ધિ અને દયાનતદારીની કસોટી છે, પરંતુ બદનસીબે આ બન્ને બાબતોમાં જ વધારે ગડબડ થાય છે, માટે સૌ પ્રથમ આ બે બાબતો પર જ વિચારવાની જરૂર છે.

આ વાત એક ઉદાહરણથી સમજીએ. એક પરિવારના ભરણ પોષણનો ખર્ચ સરકારી ખજાનાથી આપવામાં આવતો હોય અને તે પરિવારના એક વ્યકિતને કહેવામાં આવે કે આ રકમ સરકારી ખઝાનામાંથી વસૂલ કરવાની જવાબદારી તમારી છે, હવે આ વ્યકિત તે રકમ વસૂલ ન કરે અથવા વસૂલ કરીને પરિવારના લોકો પર ખર્ચ ન કરે અને પોતે મોજ – એશ કરતો રહે તો તેમાં સરકાર અથવા સરકારી ખજાનાનો કોઈ વાંક નથી, તે વ્યકિતનો વાંક છે જે રકમ વસૂલ નથી કરતો અથવા પરિવાર પર ખર્ચ નથી કરતો. આ જ પ્રમાણે અલ્લાહ તઆલાએ ખાવા - પીવા તેમજ બીજી દરેક જરૂરતનો સામાન આપ્યો છે, અને તેને પ્રાપ્ત કરવા માટે બુદ્ધિ - સમજની શકિત આપી છે. તેમ છતાં જો લોકો ભુખથી મરતા હોય, ગરીબી તેમજ મોઘવારી વધી રહી હોય તો તેમાં વાંક તે લોકો અને સિસ્ટમનો છે જેમણે દુનિયાના બધા જ માલ પર કબ્જો કર્યો છે, અને તેને બરાબર રીતે વહેંચણી નથી કરતા, આજ કારણે એક તરફ અમેરીકામાં ઘઉંને જરૂરતથી વધારે બતાવી સમંદરમાં ફેંકવામાં આવે છે તો યુ.કે. માં મારકેટમાં ભાવમાં સંતુલન જાળવવા માટે ઘઉંની ખેતી તેમજ વેચાણ વિગેરે પર પાબંદી લગાડવામાં આવે છે, આના જ કારણે માલદાર વધુ માલદાર અને ગરીબ વધુ ગરીબ થતો જાય છે, અને દિવસે દિવસે ગરીબીમાં વધારો થતો જાય છે.

આપણા જ દેશમાં એક તરફ માલદારોના કુતરાઓને પનીર-બટર ખાવા મળે છે તો બીજી તરફ ગરીબને એક સાદી રોટલી પણ નસીબ નથી થતી, ગરીબી ચાહે દેશમાં હોય કે દુનિયામાં તેનું મુખ્ય કારણ સિસ્ટમ અને સ્વાર્થી વર્ગ છે જે ફકત પોતાના મોજ શોખ અને અય્યાશી માટે ગરીબોનું શોષણ કરે છે અને ગરીબોના મુખેથી કોળિયો લઈ પોતાની તિજોરીઓ ભરે છે. આ બધાથી વિપરીત ઈસ્લામી વ્યવસ્થા અને સિસ્ટમ એ પ્રમાણે છે કે માલ ફકત માલદારોના હાથમાં ન રહે, ગરીબ અને મોહતાજોને પણ પહોંચતો રહે.

આ માટે શરીઅતે ઝકાત, ઉશર વિગેરે જરૂરી ઠેરવ્યું છે, તેમજ અમુક ગુનાહના કફફારહમાં પણ ગરીબોને ખાવા આપવાનો હુકમ આપ્યો છે અને સદકાત ખૈરાતની તરગીબ આપી છે, જેથી ગરીબોની પણ જરૂરતો પુરી થાય અને માલ ફકત માલદારો પાસે ન રહે.

ગરીબી અને મોહતાજગી દૂર કરવા માટે અલ્લાહ તઆલાએ જે ખઝાનો આપ્યો છે તેની વહેંચણી સહીહ રીતે કરવી જરૂરી છે, એમાં દરેક વ્યકિતનો પુરો હક છે, ફક્ત માલદારોનો કબ્જો કરવો યોગ્ય નથી, અને આ જ પ્રમાણે કરવાથી ગરીબી દૂર થઈ શકે છે. વસતી નિયંત્રણ એનો સાચો ઉકેલ હરગિઝ નથી. બલકે સાચી રીતે જોઈએ તો વસતી નિયંત્રણનો તુક્કો પણ આવા માલદાર દેશો તરફથી ગરીબ દેશોને પરેશાન કરવા અને હકો હડપી જવાના બહાના તરીકે ચલાવવામાં આવે છે.

હઝરત ઉમર બિન અ.અઝીઝ (રહ.)નો ન્યાય

હઝરત ઉમર બિન અ. અઝીઝ રહ. (મૃત્યુ : ૧૦૧ હી.)ની સેવામાં સમરકંદનું એક પ્રતિનિધી મંડળ હાજર થયું, અને ત્યાંના સેનાપતિ કુતયબહ બિન મુસ્લિમ બાહલી વિશે શિકાયત કરી કે એમણે ઈસ્લામી પ્રમાણિકા અનુસાર અમને પહેલાં ચેતવ્યા ન હતા, અને અચાનક જ અમારા શહેરમાં પ્રવેશી તેને જીતી લીધું, માટે અમને ન્યાય આપવામાં આવે.

સમરકંદની જીત હઝરત ઉમર બિન અ. અઝીઝ રહ.ના આરૂઢ થતાં પહેલાંની વાત હતી, ઉપરાંત એ ઘટનાને ૧૫ વરસ પણ વીતી ગયાં હતાં, આમ છતાં આપ રહ.એ ન્યાયને પ્રાથમિકતા આપી અને ઈરાકના હાકેમને લખી મોકલ્યું કે સમરકંદના લોકોની સુનાવણી માટે એક વિશેષ કાજી નિયુકત કરવામાં આવે. આદેશ ઉપર તુરંત અમલ કરવામાં આવ્યો, અને જમીઅ બિન હાજિર બાજીને કાજી નક્કી કરવામાં આવ્યા.

કેસ ચાલુ થયો, બન્ને પક્ષકારોના બયાન સાંભળવા બાદ કાજીએ સમરકંદ વાસીઓની શિકાયત યોગ્ય ગણી ફેસલો આપ્યો કે ઈસ્લામી લશ્કર ત્યાંથી બહાર નીકળી જાય અને સમરકંદવાસીઓને એમનો કિલ્લો અને અન્ય મિલકતો પાછી સોંપી દેવામાં આવે, અને ફરીથી ઈસ્લમી સૈન્ય ઈસ્લામી પરંપરાને અનુસરી સમરકંદ પ્રતિકૂચ કરે, તેમની સામે શરતો રજૂ કરે, અને તેઓ ન માને તો જ એમનાથી લડાઈ કરે.

આ તે સમય હતો જયારે ઈસ્લામી ફોજના વિજયો ચીન સુધી પહોંચી ગયા હતા; પરંતુ કાજી તરફથી ફેંસલો આવતાં જ તે ફોજના સેનાપતિએ ફોજને શહેર ખાલી કરવાનો આદેશ આપ્યો. સમરકંદ વાસીઓએ જયારે જોયું કે મુસલમાન ન્યાયમાં આટલા પાકા અને સિધ્ધાંતવાદી છે તો અચંબામાં પડી ગયા, આ પૂર્વે આવું કદી જોયું ન હતું, તેઓએ તુરંત જ ઈસ્લામી શાસનની આધીનતા સ્વીકારી લીધી.

સમરકંદ વાસીઓ પંદર વરસ જુની ઘટનાની ફરિયાદ લઈને ગયા હતા, ઉપરાંત તેઓ હજુ મુસલમાન પણ ન હતા, પરંતુ હઝરત ઉમર બિન અ. અઝીઝ રહ.નો ન્યાય જોઈ એટલા પ્રભાવિત થયા કે આગામી થોડાક જ વરસોમાં આખો વિસ્તાર મુસલમાન થઈ ગયો

ઈસ્લામ એક પરિચય ધર્મ અને વ્યકિતગત

એક પૂર્ણ અને સર્વગ્રાહી ધર્મ અને વ્યક્તિગત જીવનથી લઈને સામાજિક જીવનના સઘળા પાસાઓનું માર્ગદર્શન આપતી ઈસ્લામી જીવન વ્યવસ્થાનું માળખું પયગંબર મુહમ્મદ સાહેબ મારફતે માનવીને આપવામાં આવ્યું છે.

પયગંબર મુહમ્મદ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ને અંતિમ નબી એટલા માટે કરાર દેવામાં આવ્યા કે આપની તાલીમ અને આદર્શો સદાને માટે બાકી રહેશે. જે કિતાબ (કુરઆન) એમને આપવામાં આવ્યું છે એ સદાને માટે બાકી રહેનાર છે અને કોઈ પણ પ્રકારના ફેરફાર કે બદલાવથી રક્ષિત છે. વિશ્વમાં આજે જેટલા આસમાની ગ્રંથો અસ્તિત્વમાં સમજવામાં છે એમાં ફકત કુરઆન જ અક્ષરસ એની અસલી સ્થિતિમાં છે. બલકે પયગંબર મુહમ્મદ સાહેબનું જીવનચરિત્ર, જીવનની હરપળના ઉલ્લેખ સાથે વિસ્તારપૂર્વક ઈતિહાસના પુસ્તકોમાં મોજૂદ છે.

હિંદુધર્મ વિશ્વનો પ્રાચીન ધર્મ હોવાનું કહેવામાં આવે છે. પરંતુ હિંદુ ધર્મના ધાર્મિક પુરૂષો વિશે ચોક્કસ રીતે કહી શકાતું નથી કે તેઓ કયા સમયકાળમાં હતા. એમના જીવનચરિત્ર વિશે અને એ સમયના ઈતિહાસ વિશે અમુક ઘટનાઓ, વાર્તાઓ અને યુદ્ધકથાઓ સિવાય બીજું કંઈ સાહિત્ય અને માહિતી ઉપલબ્ધ નથી. બોદ્ધ ધર્મની સત્તા ભારત ઉપરાંત એશિયાના અનેક દેશો સુધી ફેલાયેલી હતી. આમ છતાં કોઈ ઈતિહાસકાર આ ધર્મના સ્થાપક અને એમના આદર્શોની વિસ્તૃત જાણકારી રજૂ કરી શકે એમ નથી. એકેશ્વરવાદ અને મુર્તિ પૂજાનો ત્યાગ, આ ધર્મની બુનિયાદી તાલીમ હતી, પણ આજે આ સબક ભૂલાવી દેવામાં આવ્યો છે.

ઈસા મસીહનો સમયકાળ પયગંબર મુહમ્મદ સાહેબ કરતાં ફકત છ સો વરસ પહેલાંનો છે. પણ એમના જીવનના ફક્ત છેલ્લા ત્રણ વરસના બનાવો વર્તમાન બાઈબલમાં મળે છે. અને આ બાઈબલો પણ એમના અનેક વરસો પછી લખવામાં આવી. લેખકોએ પોતે ઈસા મસીહને જોયા પણ ન હતા. ઈસાઈઓમાંથી જ અમુક સંશોધકો ઈસા મસીહના અસ્તિત્વને જ કાલ્પનિક માને છે. ધર્મપુરૂષોમાંથી કોઈનું પણ જીવન ઈતિહાસના અજવાળે ઉજળું નથી દેખાતું, એટલે એ માનવી માટે કોઈ પણ રીતે નમૂનારૂપ નથી બની શકતું. ઘણા  મહાપુરૂષોની કબર પણ ખોવાય ગઈ છે. આ બધું જોતાં કહી શકાય કે અલ્લાહ આમ જ ઈચ્છતા હતા કે એમનું જીવનચરિત્ર અને એમના આદર્શો દુનિયામાં બાકી ન રહે, અને છેલ્લે એક સર્વગ્રાહી – સંપૂર્ણ જીવનપ્રણાલી આપીને એક મહાન અંતિમ નબી મોકલવામાં આવે. જેમના થકી કયામત સુધીના લોકો માટે માનવતાના દિવ્ય આદર્શો અને ખુદાઈ તાલીમ લોકો સુધી પહોંચાડવામાં આવે.

છેલ્લા પયગંબર અને નબી હઝરત મુહમ્મદ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ છે. પૂર્વેના બધા જ નબીઓ, ધર્મપુરૂષો, અને ધર્મસ્થાપકો માંહે મુહમ્મદ સાહેબને આ વિશેષ બહુમાન પ્રાપ્ત છે કે જન્મથી લઈને મરણ સુધીનું એમનું જીવન પવિત્ર, ચરિત્ર ઉચ્ચ, અને કરણી- કથની બધું જ માનવતા માટે ઉજ્જવળ નમૂનો છે. રોજ પાંચ વાર અઝાનમાં એમનું નામ દુનિયાના દરેક પ્રદેશમાં પોકારવામાં આવે છે અને પૃથ્વી અને આકાશમાં ગુંજે છે. દરેક ભાષામાં હઝારો નહીં, બલકે લાખો પુસ્તકો એમના જીવનચરિત્ર વિશે લખવામાં આવ્યા છે અને લખાય રહયા છે.

ઈસ્લામના પરિચય અને પ્રચાર - પ્રસારનું કામ પયગંબર મુહમ્મદ સાહેબના જીવનકાળમાં જ આગળ વધી ગયું હતું. વિવિધ દેશોના રાજાઓ મહારાજાઓને પયગંબર મુહમ્મદ સાહેબે ઈસ્લામ સ્વીકારવાનું આમંત્રણ આપતા પત્રો લખ્યા હતા. એ ૧૪૦૦ વરસ જૂના ઝુમક પત્રો તો આજે પણ મોજૂદ છે. આજે વિશ્વના દરેક દેશમાં મુસલમાનો વસે છે. લગભગ એક ચતુર્થાંશ વિશ્વની આબાદી મુસલમાનોની છે.

ઈસ્લામની આ પણ વિશેષતા છે કે તે ઈશ્વર તરફથી માનવ સમાજને આપવામાં આવેલ છેલ્લો ધર્મ છે. ધર્મની પરિપૂર્ણ અને છેલ્લી આવૃતિ છે. જે માણસને એના વ્યકિતગત અને સામાજિક - સામુહિક જીવન વિશે સર્વગ્રાહી માર્ગદર્શન આપે છે. આખિરત – પરલોકમાં નજાત અને સ્વર્ગની બાંહેધરી આપે છે. ઈસ્લામ સ્પષ્ટ રૂપે કહે છે કે આલોક અને પરલોકની સાચી સફળતા તવહીદ (એક જ અલ્લાહને માનવા – પૂજવા)માં જ છે.

પયગંબર મુહમ્મદ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમને અલ્લાહના નબી રસૂલ માનીને એમના આદેશોને માનવા સિવાય છુટકો નથી. દુનિયાના દરેક સમજદાર માણસે કુરઆન તેમજ પયગંબર સાહેબે બતાવેલા આદર્શો ઉપર વિચાર કરીને પોતાની સમજ બુદ્ધિથી એને માનવા–અનુસરવાની જરૂરત છે.

વેપારમાં નફો રળવાના દસ સિદ્ધાંતો

ઈસ્લામના પાંચ બુનિયાદી ભાગો (અકાઈદ, ઈબાદાત, મુઆમલાત, મુઆશરત અને અખલાક)માં એક મુઆમલાત છે, દીન અને ઈસ્લામનો બુનિયાદી વિભાગ હોવાના કારણે જેમ અકાઈદ અને ઈબાદત વિશે નાની-નાની બાબતો બયાન કરવામાં આવી છે, તે જ પ્રમાણે મુઆમલાત વિશે પણ નાની નાની વાતો બયાન કરવામાં આવી છે.

લોકો ઈબાદતમાં તો ઘણી સાવચેતી અને પાબંદી કરે છે, પરંતુ મુઆમલાતમાં બિલ્કુલ જ ફિક્ર નથી કરતા, જે વ્યકિત મુઆમલાતમાં અધુરો છે તે કયારે પણ અલ્લાહ તઆલાની નજદીકી પ્રાપ્ત નથી કરી શકતો, જયારથી મુસલમાનોમાં ધોકો આપવો, જુઠ બોલવું, હરામ કમાઈ વિગેરે વધી ગયું છે ત્યારથી જ મુસલમાન પોતાની ઈકોનોમીમાં ઘણો જ પાછળ ધકેલાઈ ગયો છે.

જે લોકો શરઈ નિયમોનું પાલન કરી હલાલ કમાઈથી પોતાના ઘરવાળા તેમજ યતીમ ગરીબની જવાબદારી ઉઠાવે છે અને તેમના હકો પુરા અદા કરે છે તે ઘણાં જ ખુશનસીબ છે, તેમના જ વિશે આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમનું ફરમાન છે : જે વેપારી સચ્ચાઈ અને અમાનતદારીથી વેપાર કરશે તેને અલ્લાહ તઆલા કયામતના દિવસે અંબિયા, સિદ્દીકીન અને શહીદો સાથે ઉઠાવશે.

વેપારમાં નફો પ્રાપ્ત કરવાના સિદ્ધાંતો

(૧) જૂઠ ન બોલવું, જૂઠી કસમ ન ખાવી, હમેંશા સાચું બોલવું. આ બરકતનો મુળ સિદ્ધાંત છે. ઘણા લોકો જૂઠું બોલીને વધારે નફો પ્રાપ્ત કરવાની કોશિશ કરે છે, પરંતુ થોડાક જ સમયમાં તે લોકો બિલ્કુલ કંગાળ થઈ જાય છે, કારણ કે આવા વેપારમાં નફો અને બરકત થતી નથી.

(૨) શરઈ નિયમ મુજબ વસ્તુની ખામી – ખરાબી છુપાવવી જાઈઝ નથી, બધી જ વસ્તુઓ સાફ સાફ બયાન કરવામાં આવે, આ પ્રમાણે વેપાર - ધંધો કરવાથી ગૈબી બરકતો પ્રાપ્ત થાય છે. ઘણાં લોકો મકાન, જમીન, ફળ, સબ્જી વગેરેમાં ખામીઓ છુપાવીને સોદો કરે છે અને સમજે છે કે તેઓ ઘણા હોશીયાર અને ચાલાક છે, વાસ્તવિકતામાં તે ચાલાકી નથી, બરબાદી છે.

(૩) હરામ રોઝી બધી જ બુરાઈની અસલ અને જડ છે, માટે થોડુંક કમાય પરંતુ હલાલ કમાય, તે માટે અમાનતદારીથી કામ કરે.

(૪) તોલ – માપ પુરું કરવામાં આવે. બલકે થોડુંક વધારે આપે, ઓછું બિલ્કુલ જ ન આપે, કુર્આન અને હદીસમાં તોલમાં કમી કરવા વાળાઓ માટે સખત વઈદ આવેલ છે.

(૫) કુર્આને કરીમમાં છે કે માપતોલમાં ઘટાડો કરનાર પર લાનત ઉતરે છે, અને તે વ્યકિત માટે હલાકત અને બરબાદીની વઈદ બયાન કરવામાં આવી છે જે પોતાનો હક તો પુરો વસૂલ કરે અને બીજાના હકો આપતી વેળાએ ઘટાડો કરે.

(૬) સારા અખલાક અને મીઠી વાણી અપનાવવી જોઈએ. વેપાર -ધંધામાં નકો હાસિલ કરવાનો એક નિયમ આ છે કે વેપારી ગ્રાહક સાથે મીઠી વાણી અને સારા અખલાકથી વર્તન કરે, કોઈ પણ વેપારી ચાહે મુસ્લિમ હોય કે ગેર મુસ્લિમ, સારા વર્તન અને સારા અખલાકથી વેપાર કરે તો ગ્રાહકો તેની પાસે ખેંચાયને આવે છે, અને નફો વધુ થાય

(૭) ઓછા નફામાં વેપાર કરે.

(૮) ભરોસાપાત્ર વ્યકિતને જ ઉધાર આપે, અને જો ચુકવણી ન કરી શકે તો નરમીથી માંગણી કરે, ગુસ્સો તેમજ મારપીટ ન કરે.

(૯) હરામ વસ્તુનો વેપાર ન કરે, જેમ કે દારૂ, લોટરી વિગેરે, મ્યુઝિક, તેમજ વ્યાજ લેવડ-દેવડથી બચે, હરામ વસ્તુનો વેપાર કરનાર વ્યકિત શકય છે કે ટુંક સમયમાં ઘણા પૈસા કમાઈ લે, પરંતુ આગળ જતાં તે વ્યકિત તેમજ તેની નસલ ગરીબી-મોહતાજગીમાં જીવન ગુઝારે છે.

(૧૦) સમય મુજબ સવારે જલદી દુકાન ખોલે. આપ સલ્લલ્લાહ અલયહિ વ સલ્લમનું ફરમાન છે કે વહેલી સવારે જે કામ કરવામાં આવે છે તેમાં બરકત હોય છે, માટે વહેલી સવારે જ કામ, ધંધો શરૂ કરે, એમ ન સોચવું જોઈએ કે સવારમાં કોણ ગ્રાહક આવશે ? તેનો બંદોબસ્ત અલ્લાહ તઆલા ગૈબથી કરી આપશે, અને આપ સલ્લલ્લાહુ અલયહી વ સલ્લમના ફરમાન ઉપર અમલ કરવાના લઈ તેની બરકતોનું મળવું યકીની છે.

શરઈ માર્ગદર્શન અને ફતાવા વિભાગ

મવલાના મુફતી અસ્જદ દેવલ્વી સાહેબ 

તસ્દીક કર્તાઃ મવલાના  મુફતી અહમદ દેવલા સદર મુફતી જામિઅહ જંબુસર

સરકારી જમીન ઉપર બાંધકામ અને રસ્તામાં અડચણનો ગુનો

સવાલ : (૧) કોઈ માણસ સરકારી જગ્યામાં પાકું મકાન બનાવીને રહે તો સરકારી જમીનમાં બાંધવુ ગુનો છે કે કેમ ? તે કિતાબનો હવાલો આપી જવાબ આપશો. (૨)બીજું કે રસ્તામાં અડચણ ઉભું કરે તે ગુનો છે કે કેમ તે લખી જણાવશો.

જવાબઃ حامدا و ومصليا ومسلما 

સરકારી જમીનમાં સરકારની પરવાનગી વિના મકાન બાંધવુ એ એક રીતે નાહક તરીકાથી સરકારી જમીનને પચાવી પાડવુ અને ગસબ કરવું હોય, ના જાઈઝ અને ગુનાહનું કામ છે. (કા. ફિકહ : ૪ / ૪૩૯ ઉપરથી)

અને જમીનને નાહક રીતે પચાવી લેવા ઉપર હદીસ શરીફમાં ઘણી સખત વઈદ વર્ણન થઈ છે, હઝરત અબ્દુલ્લાહ બિન ઉમર (રદિ.) થી બુખારી શરીફમાં વર્ણન છે કે હુઝૂરે અકરમ (સલ.)એ ઈરશાદ ફરમાવ્યો: જે વ્યકિત જમીનમાંથી થોડુક પણ દબાવશે તો અલ્લાહ તઆલા તરફથી કિયામતના દિવસે તેને સાત જમીનો સુધી ધસાડી દેવામાં આવશે. (બુખારી શરીફ : ૨૪૫૪) અન્ય એક રિવાયતમાં છે કે જે વ્યકિત ના જાઈઝ રીતે બીજાની જમીન દબાણ કરી લે, તો તેની કોઈ પણ નફલ અથવા વાજિબ ઈબાદત અલ્લાહ તઆલાની બારગાહમાં કબૂલ પાત્ર ઠરશે નહીં. (અઝ ઝવાજિર : ૨૭૪)

મઝકૂર રિવાયતોથી સ્પષ્ટ થાય છે કે જમીનનું દબાણ કરવું એક ગુનાહિત કૃત્ય છે, માટે જરૂરી છે કે આવી વ્યકિત જેમ બને તેમ જલ્દીથી મઝકૂર ગુનાહથી તૌબા કરી દબાણને ખતમ કરે અથવા સરકાર શ્રી પાસેથી વેચાણે લઈ જમીન પોતાની કરી લે, આવી જમીનો ઉપર નમાઝ પઢવાને પણ હઝરાતે ફુકહાઅ મકરૂહ લખે છે, આથી જલ્દીથી આ ગુનાહને ત્યજે અને છૂટકારો પ્રાપ્ત કરે. (દુર્ર-શામી : ૨ / ૪૪ ઝકરિય્યહ)

(૨) રસ્તામાં અડચણરૂપ બનવું, તંગી ઉભી કરવી ના જાઈઝ છે, અને ગુનાહનું કામ છે, હઝરાતે ફુકહાએ લખ્યું છે કે અગર કોઈ વ્યકિત રસ્તા ઉપર પોતાના મકાનની છાજલી બહાર કાઢે અથવા ઓટલો, ચબૂતરો બનાવે, તો જે લોકોને રસ્તા ઉપર આવવા જવાનો હક છે, તે લોકો આ છાજલી વિગેરે તોડી પાડવાનો અધિકાર રાખે છે, રસ્તા ઉપર માટી વિગેરે નાંખી અડચણ રૂપ બનવાને પણ મના લખ્યું છે. (મુખ્તારાતુન્નવાઝિલ : ૪ / ૩૦૪, ૩૧૨)

હઝરત મવલાના મુફતી મુહમ્મદ શફીઅ સા. (રહ.) એ અબૂદાઉદ શરીફ વિગેરેના હવાલાથી "ગુનાહે બે લઝઝત " નામી કિતાબમાં એક હદીસ લખી છે કે જે વ્યકિત કોઈ મંઝિલને તંગીરૂપ બનાવી દે, અથવા રસ્તાને બંધ કરી દે અથવા મુસલમાનને તકલીફ પહોંચાડે (કિંવા એવી જગ્યાએ થોભે અથવા મકાન બનાવે કે જેના લઈ રાહદારીઓ માટે તંગી ઉભી થાય) તો તેનો જિહાદ કબૂલ પાત્ર નહીં ગણાય. (મુ. અહમદ, અબૂદાવૂદ)

મઝકૂર હદીસમાં જિહાદની કોઈ વિશિષ્ટતા નથી, બલકે સામાન્ય રીતે આવી ગલતી જિહાદ વિગેરેમાં ઉદભવતી હોય છે, એટલે જિહાદનું વર્ણન છે, હદીસથી મુરાદ તો આ જ છે કે રસ્તામાં અવરોધરૂપ બનવું ગુનોહ છે, જયારે થોડી વાર માટે રસ્તામાં અવરોધ ઉભા કરી તંગ કરવું ગુનોહ છે, તો જે લોકો પોતાના મકાનોમાં રસ્તાનો કોઈ ભાગ શામેલ કરી લે છે, જેના લઈ સદા માટે રસ્તો તંગ બની જાય છે તેનો ગુનોહ કેટલો બધો સખત અને કાયમનો હશે, તે વિચારી શકાય છે.

આ એક ગુનાહિત કૃત્ય હોવા છતાં આ વિશે ઘણી ગફલત આપણા સમાજમાં જોવા મળે છે, જે અફસોસ જનક છે, અલ્લાહ તઆલા દરેકને સદબુદ્ધિ આપે.(ગુનાહે બે-લઝઝત : ૩૮ ઉપરથી) ફકત અલ્લાહ તઆલા વધુ જાણનાર છે. (તા. ૧૨ મુહર્રમઃ ૧૪૩૭ હિજરી)

મસ્જિદમાં કિબ્લાની દીવારે કોઈ લખાણ ટાંગવું

સવાલ : મસ્જિદની કાબા તરફની દિવાલ (શહેરની ડાબી બાજુએ ૬ ફુટની ઊંચાઈએ જમાઅતના ટાઈમ ઈસ્લામી તારીખ, વાર તેમજ જમાઅતનો ટાઈમ દર્શાવત ઘડિયાળ રાખી શકાય કે કેમ?

બીજુ કે દેશની ૯૦ થી ૯૫ ટકા મસ્જિદોમાં કાબા તરફની દિવાલો પર આવા ઘડિયાળો મુકેલ છે તો શું નમાઝમાં ભુલથી જોવાય જાય તો નમાઝ થશે કે કેમ ?

ઉપરના પ્રશ્નનો શરઈ દ્રષ્ટિએ દીનનો ફાયદો થાય એ રીતે જવાબ આપવા વિનંતી છે.

જવાબઃ حامدا و ومصليا ومسلما

નમાઝ પઢનાર નમાઝીના સામે લખાણવાળી તખ્તી હોય અને તેના ઉપર નમાઝીની નજર પડે અને તે લખાણને સમજી લે તો આવી સૂરતમાં નમાઝ તો ફાસિદ નથી થતી,, અલબત્ત ઈરાદાપૂર્વક આવું કરવાથી નમાઝમાં કરાહત આવે છે. (કિતાબુલ મસાઈલ : ૧/૩૮૪)

મસ્જિદમાં નમાઝીની સામેની દિવાલમાં નમાઝોના ટાઈમ વિગેરે દર્શાવતુ ઘડિયાળ લગાડવામાં નમાઝીઓની નમાઝમાં ખલલ પડવાનો ભય રહે છે કે નજર પડતા, લોકો વાંચવા મંડી પડે છે જેના લઈ નમાઝીની એકાગ્રતામાં ભંગ પડે છે, માટે કાબા તરફની દિવાલમાં લગાડવાથી બચવામાં આવે અને જો લગાડવું હોય, તો એટલું ઊંચે લગાડવામાં આવે કે દિવાલથી નઝદીક અથવા દૂર ઉભેલ વ્યકિતની નજર નમાઝ પઢતા તેના ઉપર ન પડે. આજે જયારે કે નમાઝ બાબત લોકોમાં નમાઝના આદાબની રિઆયત વિશે ગફલત પ્રવર્તે છે અને લોકોની નજરનું કોઈ એક સ્થાન હોતુ નથી, એટલે આ બધુ વિચારીને ઘડિયાળને યોગ્ય જગ્યાએ એ રીતે લગાડવામાં આવે કે કોઈની નમાઝમાં ખલલ પાડનાર ન બને.

ફકત અલ્લાહ તઆલા વધુ જાણનાર છે. (તા. ૧૩, મુહર્રમ ૧૪૩૭ હિજરી)

બોધકથા

અસ્મઈ નામના એક અરબી વિદ્વાન હતા. તેઓ લખે છે કે મેં એક સ્ત્રીને જોઈ કે માથે અનારનો ટોપલો લઈને જઈ રહી છે. એક માણસ પાછળથી ધીરે રહીને નજીક ગયો અને એક બે અનાર ચોરી લીધા.

મેં આ માણસનો પીછો કર્યો કે કયાં જાય છે અને ચોરેલા અનારનું શું કરે છે ? મેં જોયું કે આ માણસે ચોરેલા અનાર એક ગરીબને આપી દીધાં. અસ્મઈ રહ.એ એને કહયું કે, ભાઈ નવાઈ છે. અનાર તેં ગરીબને આપી દીધાં, મને એમ હતું કે તું પોતે ભુખ્યો હશે. એણે જવાબ આપ્યો કે હું આમ કરીને પરવરદિગાર સાથે વેપાર કરીને નફો મેળવું છું. અસ્મઈ રહ. એ પૂછયું કે કેવો વેપાર અને કેવો નફો ? એ કહેવા લાગ્યો કે હું એક દાડમની ચોરી કરું છું, એનો મને એક ગુનો થાય છે. અને પછી આ દાડમ ગરીબને આપું છું એના બદલામાં મને દસ નેકીઓ મળે છે, આમ મને નવ નેકીઓનો નફો થાય છે.

અસ્મઈ રહ.એ એને કહયું કે ભલા માણસ ! આ કોઈ વેપાર અને નફો નથી. તેં ચોરી કરીને ગુનો વહોર્યો છે. પછી આ જ વસ્તુ સદકો કરવાથી સવાબ નથી મળતો. સવાબ માટે તો પાક - હલાલ - જાઈઝ વસ્તુ હોવી જરૂરી છે. આ તો નાપાક કપડાને પેશાબથી ધોવા જેવું થયું. પાકી મેળવવા માટે પાક પાણી જરૂરી છે, એમ નેકી મેળવવા માટે હલાલ માલ જરૂરી છે.

કિસ્સાનો બોધ આ છે કે ઘણા લોકો કોઈ નેક આશયે અથવા ગુનાહોની માફી માટે કોઈ નેક કામ કરે છે, પણ એનાથી મકસદ પૂરો નથી થતો, કારણ કે નેકી કરવા માટેની જરૂરી શરત તેઓ પૂરી કરતા નથી. ઉપરોકત કિસ્સાની જેમ આજે પણ ઘણા લોકો હરામ માલ કમાયને એમાંથી સદકો સખાવત કરીને સવાબ કમાવાનો ભરમ રાખે છે.

માલ ઉપરાંત અન્ય કામોમાં પણ આ નિયમ લાગુ પડે છે. નેકીના બહાને ઘણા લોકો જૂઠું બોલે છે, જૂઠા મસ્અલાઓ કે જૂઠી હદીસો વર્ણવે છે. અને આજકાલ તો સોશ્યલ મીડીયા ઉપર વિરોધીઓ કે વિધર્મીઓને અપમાનિત કરવા અનેક પ્રકારની જૂઠી જાણકારી રજૂ કરવામાં આવે છે, માણસ એમ સમજે છે કે હું મારા ધર્મની, મારા સમાજની, મારા દેશની મદદ કરીને સદકાર્ય કરી રહયો છું. પણ સાચી હકીકત આ છે કે આમ કરવાથી કોઈ નેકી, સદકાર્ય કે ભલાઈનો સવાબ – ફાયદો મળતો નથી, બલકે જૂઠ-ફરેબનો ગુનો લાગુ પડે છે.

History of Sacrifice

As we enter Dhul Hijjah, the "month of the pilgrimage", one of the most blessed times after Ramadhan, we look forward to further strengthening our faith Insha'Allah.

This last month of Islamic calendar offers the promise of a fresh start: an opportunity to consider our spiritual goals and how we may better ourselves in the eyes of Allah (SWT). Participating in Hajj and offering an animal sacrifice to honour Prophet Ibrahim (AS) on Eid al-Adha are part of our faith, but even for the rest of us who don't have the possibility to perform Hajj,

The prophet of Allah, Ibrahim (AS) was shown in a dream that he is slaughtering his son Ismail (AS). The prophet's dream is verily true. Consequently, for the compliance of the command of Allah, Ibrahim (AS), departed from Palestine and reached Makkah. When the father informed his son that Allah Almighty has ordered him to slaughter you, then the most obedient son Ismail [peace be upon him] replied saying: "O my father, do as you have been commanded. You will find me, if Allah wills, among the steadfast." (Al-Saffat: 102).

Having been heard the response of the son, Ibrahim (AS) took his son Ismail (AS) to Makkah to slaughter him. In the meantime, the Satantried toenticehim at three places in Mina, where he stoned Satan seven times, thereafter, he sank into the earth.

Eventually, for the sake of the divinepleasure, Ibrahim (AS) laid the piece of his heart (the most beloved one) face-downed on the ground, sharpened the knife, blindfolded his eyes and then he continued to move the knife on the throat of his son, unless it was not heard from Allah the Almighty: "We called to him, "O Ibrahim, You have fulfilled the vision." Indeed, We thus reward the doers of good." (Al-Saffat 104-105).

Thus, in lieu of Ismail (AS), a ram from the heaven was sent down, whom Ibrahim (AS) slaughtered, as Allah, the Almighty, said in the holy Quran, "And We ransomed him with a great sacrifice." (Al-Saffat: 107).

After this incident, animals' sacrifice for seeking pleasure of Allah, used to be considered as a special worship.

By this way, sacrifice of animals has been prescribed every year, for Ummah of the messenger of Allah, Muhammad (PBUH).

Above all, it was made an Islamic Ritual. In pursuit of Ibrahim (AS) sacrifice and following the Sunnah of the Prophet Muhammad (PBUH), this series of animals' sacrifice will continue till the Day of Resurrection, Insha Allah.

here are some other amazing lessons we can take from the story of Ibrahim:

- Obedience to God.

- Adopting a more patient approach.

"And indeed we will try you with fear, hunger, damage to your wealth and lives and give glad tidings to the patient" (Al-Baqara: 155).

- Teaching our children spiritual values.

છેલ્લા પાને.....

ખુશનસીબ માણસ

સાચો ખુશનસીબ તે માણસ છે જે પોતાના નસીબ ઉપર ખુશ હોય.

સાચા ખોટા સંબંધ

સંબંધો તૂટયા પછી ખબર પડે છે સંબંધો સાચા હતા કે સ્વાર્થના હતા. સાચો દોસ્ત દોસ્તી તૂટયા પછી પણ દુશ્મન નથી બનતો. સ્થાર્થી દોસ્ત દોસ્તી તોડીને દુશ્મન બની જાય છે.

ઓનલાઈન

આજના માણસને દોસ્તો સાથે મોબાઈલ એપમાં ઓનલાઈન થવાની વધારે ફિકર છે, પણ પરવરદિગાર સાથે થોડીવાર પણ ઓનલાઈન થતો નથી.

આઈનો

કોઈને આઈનો બતાવતાં પહેલાં પોતે પણ એક નજર એમાં જોઈ લેવું બેહતર હોય છે.

જીવન અને શોખ

જીવન ઘણું સાદું, સસ્તું, સરળ અને હલકું છે. પણ માણસના ખોટા શોખ એને મોઘું, અઘરું અને કંટાળામય બનાવી દે છે.

ઝકાત અને સદકહ

ઝકાત થકી માણસનો માલ મહફૂઝ થાય છે અને સદકા થકી શરીર બીમારીઓથી મહફૂઝ રહે છે.

દુનિયા-આખિરતની ગુલામી

માથે કરજ હોવું દુનિયાની ગુલામી છે અને માથે ગુનાહ હોવા આખિરતની ગુલામી છે.

લાઈબ્રેરી અને હોટલ

આજકાલ લાઈબ્રેરીઓ અને પુસ્તકોનું ચલણ ઓછું થઈ ગયું છે. હોટલો અને ખાણા – પીણાનું ચલન વધારે છે. એટલે લોકોના દિમાગ વિચાર સંકોચાય રહયા છે અને પેટ વધી રહ્યાં છે.

ગીબતની મજલિસ

કોઈની ગીબત થતી હોય એવી મજલિસથી દૂર રહો. કારણ કે તમારા હટયા પછી ત્યાં તમારી પણ ગીબત થવા માંડશે.

રબના રમકડાં

આજે હારી જશું તો શું થશે? કાલે ફરી પાછી મહેનત કરીશું. આપણે તો ઉપરવાળાના રમકડાં છીએ, એમ જ કંઈ થોડા તૂટી જઈશું.

માણસ અને ફાણસ

અજવાળું ફેલાવે એનું નામ ફાણસ અને બીજાની મદદ કરે એ માણસ.

બ્લડગ્રુપ

દરેકના લોહીનું અલગ ગ્રુપ હોય છે. એટલે ઈચ્છાનુસાર કોઈને બ્લડ ડોનેશન કરવું શકય નથી. પણ આંસુનુ કોઈ ગ્રુપ નથી હોતું, માટે કોઈના પણ આંસુ જરૂર લુછી શકાય છે.

નાની ભૂલ અને મોટી ભૂલ

કોઈની નાની ભૂલની આપણે યાદ રાખી લઈ તો સમજવું કે આપણે મોટી ભૂલ કરી રહયા છીએ