તંત્રી સ્થાનેથી
વિશ્વ સમાજમાં મુસલમાનોનું અસલ સ્થાન 'દાઈ' એટલે કે હિદાયતના રાહબર અને માર્ગદર્શક હોવાનું છે. લોકોને સચ્ચાઈ, સદવર્તન અને સલામતી અને ઈમાનનું માર્ગદર્શન આપે, રાહ ચીંધે. આગળી પકડી દિશા દોરે. સહાય કરે. આશરો આપે. પરંતુ અફસોસ આજે પરિસ્થિતિ વિપરીત છે, મુસલમાનો પોતે જ રાહ ભટકી ગયા છે, બલ્કે એવા લાવારિસ બની ગયા છે કે કોઈ અન્ય પણ તેમની આંગળી પકડનાર નથી. ખુદાને અને ખુદાની રાહ છોડીને જે નવી રાહે તેઓ પડયા છે, એમાં અનેક સત્તાઓ સમક્ષ સહાયનો હાથ લંબાવી રહયા છે. છતાં ક્યાંય તેમને પનાહ નથી. કોઈ એમનો સાચો મદદગાર નથી. શા માટે?
જવાબ ફક્ત એક જ છે. મુસલમાન ઈસ્લામને વિસારી બેઠો છે. પોતાની પાસે મોજૂદ ઇસ્લામી દોલતને તુચ્છ સમજી અન્યો તરફ મીટ માંડી છે. તેની પાસે જીવન જીવવા માટે આદર્શ જીવન વ્યવસ્થા, સામુહિક જીવનનું પુરૂં માળખું, આર્થિક ઉન્નતિ માટેની સંપુર્ણ રૂપરેખા, બધું જ ઈસ્લામના દામનમાંથી તેને મળી શકે છે.
એક સામાન્ય મુસલમાનની જેમ મુસ્લિમ સમાજના નેતા અને આગેવાન ગણાતા વડીલો, અને ઝિમ્મેદારોની હાલત એ છે કે તેઓ પોતાના વ્યકિતગત સ્વાર્થ અને હિત ખાતર મુસલમાનોના જાન માલને કુરબાન કરવામાં જરા સરખોય વિચાર કરતા નથી. નેતાઓના આ ટોળાને યાદ જ નથી કે પુર્વજો, વડીલોએ કેવી કુરબાનીઓ વેઠી, યાતનાઓ ભોગવી કોમના અસ્તિત્વની લડત લડી છે. બલિદાનોની દાસ્તાન તેમને કયાંથી યાદ હોય? દેશ કાજ, મિલ્લત કાજ અને માતૃભુમિની આન શાન જાળવવા ખાતર શું શું તેમણે લુટાવ્યું છે.
ઇસ્લામ પોતાના અનુયાયીઓને આદેશ આપે છે કે મુસીબતથી ન ગભરાતાં હિંમત પુર્વક હાલાતનો સામનો કરે. ઈસ્લામી દ્રષ્ટિબિંદુએ મુસલમાન તે છે જે મુસીબત કે આફત વેળા ધૈર્ય, સહનશીલતાને વળગી સંજોગોનો મુકાબલો કરે.
હદીસમાં હઝ સઅદ (રદિ.)થી રિવાયત છે :
હુઝૂર સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે ફરમાવ્યું માણસની ભલાઈ અને નસીબદારી એમાં જ છે કે અલ્લાહ પાકે તેના નામે જે કાંઈ લખી દીધું છે તેના ઉપર સંતોષ માને. અને માણસની કમનસીબી એ છે કે ખુદાપાકથી ભલાઈ માંગવાનું છોડી તેનાથી નાખૂશ રહે. (અહમદ)
જે મુસલમાનો આરંભે એકલા અટુલા હતા, શત્રુઓના શિકંજામાં ગિરફતાર હતા, ભુખના દહાડા વિતાવતા હતા, તિરસ્કારનું નિશાન હતા, એમણે જયારે અનેક પ્રકારની યાતનાઓ ઉપર ધૈર્ય અને સહનશીલતાથી કામ લીધું તો થોડાક જ સમયમાં તેના ફળ સ્વરૂપે અલ્લાહ તરફથી રૂમ અને ઈરાનની મહાસત્તાઓ તેમના ચરણોમાં આવી પડી. અને તેઓ તેના સ્વામી બની બેઠા.
ભુતકાળની આ ઘટનાઓમાં આપણા માટે બોધ છે કે મુસીબત ટાણે માયૂસ કે નિરાશ થવાના બદલે ગુનાહો થી બચવાની વધુથી વધુ કોશીશ કરવામાં આવે. મુસીબતના જાહેરી– બાતેની અને દીની —દુન્યવી કારણોની તપાસ કરીને તેના નિરાકણ તરફ લક્ષ આપવામાં આવે. આ જ નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમનું સાચુ અનુસરણ છે. અને એમાં જ સફળતા છે
બહુપત્નિત્વ અને ઇસ્લામ
પાછલી આયતમાં પુરૂષોને એકસાથે ચાર સ્ત્રીઓ સાથે નિકાહ કરવાની છૂટ આપવામાં આવી છે. આજની પરિભાષા મુજબ કહીએ તો બહુપત્નિત્વની પરવાનગી આપવામાં આવી છે. સમયાંતરે અમુક લોકો તરફથી આ ઇસ્લામી સિદ્ધાંત અને આદર્શની ટીકા કરવામાં આવે છે. એટલે આ બાબતે અત્રે એના વિશે ટુંકમાં વિવરણ આપીએ છીએ, જેથી આ ઇસ્લામી સિદ્ધાંતની સાર્થકતા સમજમાં આવે અને કદી કોઈ ટીકાકારની વાત કાનમાં પડે તો એના કારણે કોઈ મુસલમાનના દિલમાં શંકા કે અપરાધભાવ ઉત્પન્ન ન થાય.
એમ તો આ બાબત દરેક ધર્મમાં સમાન રીતે પ્રચલિત છે, બલકે કાળક્રમે વિશ્વના અસ્તિત્વથી આજ સુધી વિવિધ ખુણાઓમાં ફૂલેલી અને વિકસિત થયેલી બધી જ સંસ્કૃતિઓમાં આ બાબત સામાન્ય છે. હિન્દુ ધર્મમાં તો આ બાબત કદાચ ઇસ્લામ કરતાં પણ વધારે પ્રચલિત કહી શકાય. શ્રી રામના પિતા રાજા દશરથની ત્રણ પત્નિઓ હતી. શ્રી કૃષ્ણની સાત કે આઠ રાણીઓ હતી અને ગોપીઓ તો હઝારો ! હિન્દુધર્મ ગ્રંથોના આધારે ઘણા લેખકોએ લખ્યું છે કે શુદ્રને એક પત્નિ, વૈશ્યને બે, ક્ષત્રિયને ત્રણ અને બ્રાહમણને ચાર પત્નિઓ કરવાની છુટ છે અને રાજાને છૂટ છે કે તે ચાહે એટલી પત્નિઓ રાખે. યૂહદીઓ જેમને પોતાના ધર્મના પયગંબર માને છે, એ હઝરત ઇબ્રાહીમ અલૈ.ની બે પત્નિઓ હતી. હઝરત યાકૂબ અલૈ.ની પણ અનેક પત્નિઓ હતી. હઝરત મૂસા અલૈ.ની બે પત્નિઓ હતી. હઝરત દાવૂદ અલૈ.ની પણ અનેક પત્નિઓ હોવાનું વર્ણન આવે છે. હઝરત સુલેમાન અલૈ.વિશે તવરાતમાં છે કે એમની સાતસો બીવીઓ હતી. ઈસાઈ ધર્મનો પ્રથમ આધાર તો યહૂદીઓની તવરાત જ છે એટલે શરૂમાં ઈસાઈઓમાં પણ બહુપત્નિત્વની છૂટ હતી, પણ પાછળથી ચર્ચ દ્વારા એના ઉપર પાબંદી લગાવવામાં આવી. પણ પ્રકૃતિ વિરુદ્ધનો આ નિયમ સામે ચર્ચની હાર થઈ, અને અંતે ૧૬૫૦ ઈ.માં જર્મનીના શહેર ન્યુર્નબર્ગમાં યોજાયેલ ઈસાઈ ચર્ચોની કોન્ફરન્સમાં ઠરાવવામાં આવ્યું કે દરેક માણસને બે પત્નિઓ રાખવાનો અધિકાર છે. ઈસ્લામની શરૂઆત વેળા આરબોમાં પણ અનેક પત્નિઓ રાખવાનો રિવાજ હતો.
આમ છતાં છતાં ધાર્મિક વિરોધના કારણે આંધળા બનીને અમુક લોકો તરફથી મુસલમાનોને આ બાબતે એવી રીતે ટીકાનું નિશાન બનાવવામાં આવે છે કે (૧) જાણે તેઓ એકલા જ આ અતિભયંકર પાપ આચરતા હોય (૨) તે પણ ફરજિયાત પણે, (૩) અને સ્ત્રીની મરજી વિરુદ્ધ બળજબરીથી એને બીજી પત્નિ બનાવવામાં આવતી હોય એમ... જયારે કે વાસ્તવિકતા એમ નથી. બહુપત્નિત્વ ભારતમાં અને વિશ્વના અન્ય ધર્મોમાં પણ સ્વીકૃત છે. મુસલમાનોમાં એ ફરજિયાત નથી. જે વ્યકિતને જરૂરત હોય એ જ બીજા વિવાહ કરે છે. અને તે પણ ઈસ્લામી કાયદા પ્રમાણે બીજી સ્ત્રીની પૂરી સંમંતિથી. વિવાહમાં સ્ત્રીની સહમતિના કાયદા અને મુસલમાનોમાં એના અમલીકરણને, અન્ય સમાજોમાં એ બાબતે સેવવામાં આવતા દુલક્ષ્યની તુલનામાં જોવામાં આવે તો મુસલમાનો આ બાબતે કોઈ પણ રીતે ટીકાપાત્ર નથી. આ જ કારણ છે કે જયાં બહુપત્નિત્વ અસ્પુશ્ય ન હોય એવા સમાજ કે જ્ઞાતિઓમાં વિધવા અને વિધુરના વિવાહ પણ સરળતાથી થઈ જાય છે. ચાહે ગમે તે ધર્મ હોય.
સામાન્ય સમજદારીની વાત છે કે જો ઈસ્લામમાં બહુપત્નિત્વ ફરજિયાત હોત અથવા કોઈ દરજામાં આવશ્યક હોત તો મુસલમાનોમાં પુરૂષો કરતાં સ્ત્રીઓની સંખ્યા બમણા કરતાં વધારે હોત. તો જ તો દરેક પુરૂષ બે કે ત્રણ કે ચાર શાદીઓ કરી શકે. પણ વસતી ગણતરીના બધા જ આંકડા દર્શાવે છે કે મુસ્લિમ સમાજમાં સ્ત્રી - પુરષની સંખ્યા લગભગ સમાન છે.
ઇસ્લામનું આગમન થયું ત્યારે વિશ્વમાં પ્રચલિત ધર્મો અને સંસ્કૃતિઓ પાસે શાદી - વિવાહ અને તલાક વગેરે કોટુંબિક બાબતોને લગતી કોઈ સ્પષ્ટ અને ન્યાયી નીતિ ન હતી. અથવા હતી તો તે કાળક્રમે બદલાયને ભ્રષ્ટ થઈ ગઈ હતી. એટલે જ નિકાહ— તલાકના અનેક સ્પષ્ટ હુકમો અલ્લાહ તઆલાએ કુરઆનમાં જ વર્ણવ્યા છે. એક માણસ એકી સાથે કેટલી પત્નિઓ રાખી શકે છે એ બાબતે વિશ્વ સમાજ પાસે કોઈ માર્ગદર્શન અને નીતિ ન હતી. આરબોમાં જ નહીં, પારસીઓ, હિંદુઓ અને અન્ય ધર્મોમા પણ એની કોઈ સંખ્યા અને સીમા નક્કી ન હતી. માણસ એની મરજી મુજબ ચાહે એટલી સ્ત્રીઓ સાથે નિકાહ કરી લેતો, અને પછી પણ પોતાને સ્વતંત્ર સમજતો હતો, એટલે કે પત્નિઓના હકો અદા કરવા બાબતે બેદરકાર રહેતો હતો. એટલે સાચી રીતે જોઈએ તો ઇસ્લામ દ્વારા ચાર પત્નિઓ રાખવાની પરવાનગી નથી આપવામાં આવી, બલકે અમર્યાદિત આઝાદીને ચાર સુધી સિમિત કરવામાં આવી છે.
અને આમ શાદીની અમર્યાદિત છૂટને ચાર સુધી સિમિત કરવા સાથે અનેક પાબંદીઓ શરતો પણ લગાવી છે. કુરઆનની આ જ આયતમાં જેમાં ચાર નિકાહની પરવાગની છે, આગળ અલ્લાહ તઆલા ફરમાવે છે કે આ પરવાનગી એ શરતે જ છે કે તમે બધી પત્નિઓ વચ્ચે સમાનતા જાળવશો, અને જો તમને એવું લાગતું હોય કે એકથી વધારે પત્નિો વચ્ચે સમાનતા અને ન્યાય નહીં કરી શકો તો પછી એક જ નિકાહ કરવામાં આવશે. અને આ છતાં ફુકહાએ કિરામ લખે છે કે જરૂરત અને ન્યાયની શકિત હોવા છતાં માણસ બીજા નિકાહ ન કરે તો એને સવાબ મળશે. કારણ કે એ એની પહેલી પત્નિને તકલીફ અને પરેશાનીથી બચાવી રહયો છે. (મુખ્તારાતુન્નવાઝિલ)
હદીસ શરીફમાં છે કે એક માણસની એકથી વધારે પત્નિઓ હોય, અને તે એમના વચ્ચે ન્યાય નથી કરતો તો કયામતના દિવસે આ માણસ એવી સ્થિતિમાં આવશે કે તે એક બાજુ નમેલો હશે. એટલે કે હિસાબ કિતાબ પહેલાં જ એનું ગુનેગાર હોવાનું લોકો સામે આવી જશે.
જન્મદરના આધારે સમાજમાં છોકરા-છોકરીનું પ્રમાણ લગભગ સમાન હોય છે. અલબત્ત વર્તમાન સમયમાં આધુનિક યંત્રો દ્વારા પહેલેથી જ ગર્ભ પરિક્ષણ કરાવીને દીકરી હોય તો ગર્ભપાત કરાવવાનું જે વલણ મુસલમાન સિવાયના અન્ય સમાજોમાં પ્રચલિત થયું છે, એના કારણે છોકરા છોકરી વચ્ચેનો જન્મદર પ્રભાવિત થઈ રહયો છે, એ અલગ વાત છે. બલ્કે આ કુદરતની વ્યવસ્થાને પ્રભાવિત કરવાના પ્રયત્નો છે, જેના દુષ્પરિણામો પણ આપણો સમાજ ભોગવી રહયો છે. બહરહાલ કુદરતી વ્યવસ્થા મુજબ જન્મદર સમાન હોય છે, છતાં આગળ જતાં સમાજમાં સ્ત્રીઓ કરતાં પુરૂષોનું મૃત્યુદર વધારે રહે છે. એના કારણો ઉપર સમાજશાસ્ત્રીઓ લાંબી ચર્ચા કરે છે. એક કારણ યુદ્ધો અને લડાઈઓ છે.જેમાં લગભગ પુરૂષો જ માર્યા જાય છે. વિશ્વના અનેક દેશો વચ્ચે અને વિશ્વયુદ્ધોમાં જે ખુવારી થઈ એના આંકડા આ બાબતની સાક્ષી પુરે છે.ગુનાખોરીમાં વધુ પડતા પુરૂષો પકડાય છે અને આજીવન કારાવાસ કે મૃત્યુદંડની સજામાં જેલમાં જાય છે. જેના કારણે સમાજમાં સ્ત્રીઓની સંખ્યા વધારે રહે છે. વર્તમાન સમયમાં યાંત્રિક – ઓદ્યોગિક ક્રાંતિના કારણે ફેકટરીઓ, મશીનો, એકસીડન્ટ, હવાઈ અને રેલ યાત્રાની દુર્ઘટનામાં મરનારા વધુ પડતા પુરૂષો હોય છે. દરેક સમાજમાં યતીમ, વિધવા, તલાકશુદા, ગરીબ, નિસહાય, બદસુરત સ્ત્રીઓ એવી હોય જ છે, જેમનો કોઈ સહારો નથી હોતો.
આવી સ્ત્રીઓને સમાજમાં શામેલ રાખવાના બે જ તરીકા હોય શકે છે. કાં તો બહુપત્નિત્વની પરવાનગી આપીને એમને કુટુંબ અને સમાજમાં સન્માનજનક સ્થાન આપવામાં આવે અથવા વધારાની સ્ત્રીઓને એમના હાલ ઉપર છોડી દેવામાં આવે, જેના પરિણામે સમાજમાં બદી અને બુરાઈનું ચલન વધી જાય. યુરોપ અને અમેરિકાના દેશોમાં આજે સ્થિતિ આ છે કે સમાજમાં સિંગલ પેરેન્ટસનું પ્રમાણ વધારે છે. લોકો છોકરીઓ સાથે પોતાની જરૂરત પુરી કરીને તરછોડી દે છે, આ સ્થિતિ વિશે એમના ચિંતકો એમને અગાઉથી જ ચેતવી ચુકયા હતા, એમના મતે ફકત એક નિકાહ કરવાની પાબંદીના કારણે છુપી રીતે નાજાઈઝ સંબંધોનું જે ચલણ યુરોપ વગેરે દેશોમાં પ્રચલિત થઈ રહ્યું હતું, આજે એના શિખરે પહોંચીને શાદી વગર જ જાનવરોની જેમ પોતાની જરૂરત ગમે તેનાથી પુરી કરવા સુધી પહોંચી ગયું છે.
આવી સ્થિતિમાં સંસ્કાર અને સંસ્કૃતિના ઉચ્ચ માપદંડો ઉપર આધારિત કોઈ પણ સમાજ આ વાતને તર્ક સંગત અને ન્યાયપુર્ણ માનશે કે આ બધી સમસ્યા અને પરેશાનીઓનો સાચો ઉકેલ આ જ છે કે પુરૂષને એકથી વધારે શાદીઓ કરવાની છુટ આપવામાં આવે, જેથી નિસહાય અને નિરાધાર રહી જતી સ્ત્રીઓને સહાય મળે અને વિવાહ ન થવાના કારણે જે બદીઓ સમાજમાં ફેલાવાનો ડર છે એને રોકી શકાય.
હઝરત મવલાના દરયાબાદી રહ. લખે છે કે, 'બહુપત્નિત્વ'ના મુદ્દે મુસલમાનોએ શરમાવાની કે અપરાધભાવમાં આવીને કોઈ જવાબ આપવાની જરૂરત નથી. કુદરતી રીતે જ પુરૂષનું શરીર, શારિરીક શકિતઓ અને જરૂરતો એવી બનાવવામાં આવી છે કે વધુ પડતા પુરૂષોની જરૂરત માટે ફકત એક સ્ત્રી કાફી નથી હોતી. સ્ત્રી અને પુરુષનો શારીરિક સંબંધ એમ તો થોડીક મિનીટોનો હોય છે, એના પછી પુરૂષને કોઈ શારિરીક બોજ કે મુસીબત ઉઠાવવાની નથી હોતી. પણ એનાથી ઉલટું સ્ત્રી ઉપર લાંબાગાળાનો બોજ આવી જાય છે. પહેલાં ગર્ભ, પછી બાળકનો જન્મ અને પછી દૂધ પીવડાવવું.. બધું મળીને અઢી ત્રણ વરસનો સમય નીકળી જાય છે. એના સિવાય પણ સામાન્ય દિવસોમાં દરેક યુવાન અને તંદુરસ્ત સ્ત્રી માટે કુદરતી રીતે લગભગ એક સપ્તાહ માસિકના દિવસો બીમારી જેવા જ હોય છે. આવી સ્થિતિમાં ઓરતની મજબૂરી અને તકલીફો અને પુરૂષની જરૂરતોનો ખ્યાલ ન રાખીને કોઈ કાયદો એમ કહેતો હોય કે ફકત એક પત્નિ રાખવામાં આવે તો એ કાયદો ખામી ભરેલો છે. ઉપરાંત યુરોપના મોટા મહાન ડોકટરો અને જીવવિજ્ઞાનના વૈજ્ઞાનિકોના લખાણો આ બાબતનું સમર્થન કરે છે કે શારિરીક જરૂરત ઉપરાંત પુરૂષની વાસના એક પ્રકારની વિવિધતા પણ માંગે છે. માટે જે જીવન વ્યવસ્થા પુરૂષની આ જરૂરતનો ખ્યાલ ન રાખતી હોય, એ ગમે તેવી હોય, ખુદાની બનાવેલી અને ખુદાની મખ્લૂકને રાહત આપનારી નથી હોય શકતી. આ જ કારણે પાછલો જેટલો ઈતિહાસ આપણી જાણમાં છે એ મુજબ દરેક કાળના પયગંબરો, નબીઓ અને મહાપુરૂષોએ આ બાબતને જાઈઝ રાખી છે, બલ્કે એના ઉપર અમલ કરીને ઉદાહરણ પુરું પાડયું છે.
મઆરિફુલ હદીસ
હઝરત મવલાના મંઝૂર નોમાની (રહ.)
અનુવાદ : મવલાના યાકૂબ બારીવાલા સા. રહ.
૧૫૪ (બ્લેકબર્ન. યુ.કે.)
ઝકાતનું બયાન
قال الله تعالى : یٰۤاَیُّهَا الَّذِیْنَ اٰمَنُوْۤا اَنْفِقُوْا مِمَّا رَزَقْنٰكُمْ مِّنْ قَبْلِ اَنْ یَّاْتِیَ یَوْمٌ لَّا بَیْعٌ فِیْهِ وَ لَا خُلَّةٌ وَّ لَا شَفَاعَةٌ وَ الْكٰفِرُوْنَ هُمُ الظّٰلِمُوْنَ ﴿254﴾(البقرة، ع، ٣٤)
એય ઈમાનવાળાઓ ! જે માલ સામાન અમે તમને અર્પણ કર્યો છે.તેમાંથી તમે (અમારા રસ્તામાં અમારા હુકમ મુજબ) વાપરો. તે પહેલાં કે (કયામતનો) તે દિવસ આવી જાય, જેમાં કોઈ ધંધો વેપાર થશે નહીં. અને કોઈ દુનિયાની દોસ્તી પણ કામ આવશે નહીં અને કોઈ શીફારિશ પણ (કોઈ શિક્ષાને પાત્ર ગુનેહગારને) બચાવી શકશે નહી અને ન માનવા વાળાઓ ખરા જાલીમ છે. (જેમને કયામતમાં તેમના જુલ્મનું ફળ ભોગવવું પડશે)
દીનમાં ઝકાતની મહત્વતા અને તેનું સ્થાન
આ એક જાણેલી અને સમજેલી હકીકત છે કે તૌહીદ અને રિસાલતની સાક્ષી અને નમાઝ કાયમ કર્યા પછી ઝકાત ઈસ્લામનો ત્રીજો રૂકન (સ્થંભ) છે. કુર્આન મજીદમાં સિત્તેરથી વધુ જગ્યાઓ પર નમાઝ કાયમ કરવા અને ઝકાત આપવાનો ઉલ્લેખ સાથો સાથ કરવામાં આવ્યો છે, જેનાથી જાણવા મળે છે કે દીનમાં એ બન્નેવનું સ્થાન અને દરજ્જો લગભગ એક જ છે.
જયારે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ના અવસાન પછી અમૂક જગ્યાઓના એવા લોકો જે દેખાવમાં ઈસ્લામ સ્વીકાર કરી ચૂકયા હતા અને તૌહીદ-રિસાલતનો ઈકરાર કરી નમાઝો પઢતા હતા, ઝકાત આપવાથી મુકરી ગયા તો સિદ્દીકે અકબર રદિ.એ તેમની વિરૂધ્ધ જેહાદ નો ફેંસલો એ જ પાયા પર કર્યો હતો કે આવા લોકો નમાઝ અને ઝકાતના હુકમમાં ફરક કરે છે, જે અલ્લાહ અને રસૂલ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ના દીનથી નિકળી જઈ મુરતદ થવું છે.
સહીહ બુખારી અને સહીહ મુસ્લિમની પ્રખ્યાત રિવાયત છે કે હઝરત ઉમર રદિ.ને જવાબ આપતાં તેમણે ફરમાવ્યું,
وَاللهِ لأقاتلن من فرق بين الصلوة والزكوة
ખુદાની કસમ ! નમાઝ અને ઝકાતમાં જે લોકો ફરક કરશે. હું જરૂર તેમના વિરૂધ્ધ જેહાદ કરીશ. પછી બધા જ સહાબા રદિ.એ તેમના એ મંતવ્યને સ્વીકાર કર્યું, અને તેના પર બધા સહમત થઈ ગયા.
આ વિષે 'મઆરિફુલ હદીસ'ના પહેલા ભાગમાં શરૂમાં રસુલૂલ્લાહ સલ.ની તે હદીસો ટાંકવામાં આવી છે. જેમાં આપ સલ. એ ઇસ્લામના રૂકનો અને મુળભુત હુકમો અને તેની માંગણીઓનો ઉલ્લેખ કરી તૌહિદ અને રિસાલતની શાક્ષી પછી નમાઝ કાયમ કરવા અને ઝકાત આપવાનું જ વર્ણન કર્યુ છે. મતલબ કે કુર્આને પાક અને રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ના સૂચનો અને ખુત્બાઓમાં નમાઝ પઢવા અને ઝકાત આપવાનો ઉલ્લેખ એવી રીતે સાથે સાથે કરવામાં આવ્યો છે કે જેનાથી સમજાય છે કે આ બન્નેનું સ્થળ લગભગ એક જ છે. અને એ બન્નેવમાં કોઈ ખાસ જોડ અને સંબંધ છે.
ઝકાતના ત્રણ પાસા
ઝકાતમાં નેકી અને ફાયદાના ત્રણ પાસાં છે :
(૧) એક એ કે મોમિન જે પ્રમાણે નમાઝના કિયામ અને રૂકુઅ, સજદહ, મારફત અલ્લાહ સમક્ષ પોતાની બંદગી અને આજીઝી તથા તાબેદારીનો દેખાવ શરીર,આત્મા અને જીભ વડે કરે છે. જેથી કરી અલ્લાહની નઝદીકી અને તેની ખુશી અને રહમત પ્રાપ્ત થાય, એ જ પ્રમાણે ઝકાત અદા કરી તેના દરબારમાં પોતાના માલની ભેટ એ જ મતલબથી રજૂ કરે છે અને પુરવાર કરે છે કે તેની પાસે જે કંઈ છે, તે તેનું પોતાનું નથી, પણ ખુદાનું સમજે છે અને માને છે. તેની ખુશી અને નજદીકી પ્રાપ્ત કરવા માટે તે તેને કુર્બાન કરી ભેટ ચઢાવે છે. ઝકાતની ગણત્રી ઈબાદતોમાં એ જ પ્રકારની છે
દીન અને શરીઅતની પરિભાષામાં 'ઈબાદતો" બંદાના તે જ અમલોને કહેવામાં આવે છે, જેનો ખરો હેતુ અને અર્થ અલ્લાહ સમક્ષ પોતાની અબ્દીય્યત અને બંદગીના સંબંધને જાહેર કરવા, અને તે મારફત તેનો રહમ કરમ અને ખુશી શોધવાનો હોય.
(૨) બીજું પાસુ ઝકાતમાં એ છે કે તેની મારફત અલ્લાહના જરૂરત મંદ અને પરેશાન બંદાઓની સેવા અને મદદ થાય છે. એ રીતે પણ ઝકાત, સંસ્કારીક રીતે ઘણો જ મહત્વનો ભાગ છે.
(૩) ત્રીજું પાસુ તેમાં ફાયદા કારક એ છે કે માલની મહોબ્બત અને લાલચ જે ઈમાનને બરબાદ કરનાર અને ઘણી જ ખતરનાક રૂહાની બિમારી છે, ઝકાત તેનો ઈલાજ છે, તેના ખરાબ અને ઝેરીલા અસરથી મનને સ્વચ્છ અને સાફ કરવાનું સાધન છે. એ જ કારણે કુર્આનમાં એક જગ્યાએ ફરમાવ્યું છે
خُد من أَمْوَالِهِمْ صَدَقَةً تُطَهِّرُهُمْ وَتُزَكِّيهِم بِهَا
હે નબી! (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)! આપ મુસલમાનોના માલમાંથી સદકો (ઝકાત) વસૂલ કરો, જેના કારણે તેમના દિલોની સ્વચ્છતા અને તેના નફસોની સફાઈ થઈ જાય. બીજી જગ્યાએ ફરમાવ્યું છેઃ
وَ سَیُجَنَّبُهَا الْاَتْقَىۙ ﴿17﴾ الَّذِیْ یُؤْتِیْ مَالَهٗ یَتَزَكّٰىۚ ﴿18﴾ (سورة الليل)
"અને જહન્નમની આગથી તે મહાન પરહેઝગાર બંદો દુર રાખવામાં આવશે, જે તેનો માલ અલ્લાહના રસ્તામાં એટલા માટે ખર્ચે છે કે તેની આત્મા અને તેના દિલની સફાઈ અને સ્વચ્છતા થાય."
બલ્કે ઝકાતનું નામ એ જ કારણે ઝકાત રાખવામાં આવ્યું છે. કારણ કે ઝકાતનો ખરો અર્થ જ સ્વચ્છતાનો છે.
ઝકાતનો હુકમ પહેલી શરીઅતોમાં
ઝકાતની મહત્વતા અને લાભના કારણે તેનો હુકમ આગલા પયગમ્બરોની શરીઅતોમાં પણ નમાઝની સાથે સાથે જ રહ્યો છે.
સૂરએ અંબીયામાં હઝરત ઈબ્રાહીમ અલૈ. અને તેમના પુત્ર હઝરત ઈસ્હાક અલૈ. અને પછી તેમના પુત્ર હઝરત યાકૂબ અલૈ.નો ઉલ્લેખ કરતાં ઈર્શાદ છે કે
وَ اَوْحَیْنَاۤ اِلَیْهِمْ فِعْلَ الْخَیْرٰتِ وَ اِقَامَ الصَّلٰوةِ وَ اِیْتَآءَ الزَّكٰوةِ١ۚ وَ كَانُوْا لَنَا عٰبِدِیْنَۚۙ ﴿73﴾ (أنبياء - ع - ٥)
અને અમે તેમને આજ્ઞા કરી નેકીઓ કરવા (ખાસ કરી) નમાઝ પઢવા અને ઝકાત અદા કરવા, અને અમારા ઈબાદત ગુઝાર બંદાઓ હતા.
અને સૂરએ મરયમમાં હઝરત ઈસ્માઈલ અલૈ. વિષે અલ્લાહ ફરમાવે છે,
وَ كَانَ یَاْمُرُ اَهْلَهٗ بِالصَّلٰوةِ وَ الزَّكٰوةِ (مريم - ع - ٤ )
અને તેઓ પોતાના ઘરવાળાઓને નમાઝ અને ઝકાતનો હુકમ આપતા હતા. અને બની ઈસરાઈલના છેલ્લા પયગમ્બર હઝરત ઈસા બિન મરયમ અલૈ. વિષે છે કે તેમણે પોતાની કોમના લોકોને ફરમાવ્યુંઃ
قَالَ اِنِّیْ عَبْدُ اللّٰهِ١ؕ۫ اٰتٰىنِیَ الْكِتٰبَ وَ جَعَلَنِیْ نَبِیًّاۙ ﴿30﴾ وَّ جَعَلَنِیْ مُبٰرَكًا اَیْنَ مَا كُنْتُ١۪ وَ اَوْصٰنِیْ بِالصَّلٰوةِ وَ الزَّكٰوةِ مَا دُمْتُ حَیًّا ﴿31﴾ (سورة مريم - ع - ۲)
"હું અલ્લાહનો એક બંદો છું, તેણે મને કિતાબ અર્પણ કરી છે. અને નબી બનાવ્યો છે. અને જયાં પણ છું અને જયાં સુધી જીવતો રહીશ મને નમાઝ અને ઝકાતની વસિય્યત કરી છે.”
અને સૂરએ બકરહમાં જયાં બની ઈસરાઈલના ઈમાની સિધ્ધાંતો અને બુનિયાદી આદેશોનું વર્ણન કરવામાં આવ્યું છે, જેને અદા કરવાનો તેમની પાસેથી વાયદો લેવામાં આવ્યો હતો, તેમાં એક હુકમ એ પણ બયાન કરવામાં આવ્યો છે : ( اَقِیْمُوا الصَّلٰوةَ وَ اٰتُوا الزَّكٰوةَ - (سوره بقرة - ع -٥
"નમાઝ પઢતા રહેશો અને ઝકાત આપજો."
એ પ્રમાણે જયાં સૂરએ માઈદહમાં બની ઈસાઈલના વાયદા અને બંધનોનો ઉલ્લેખ છે. ત્યાં પણ ફરમાવ્યું છે :
وَ قَالَ اللّٰهُ اِنِّیْ مَعَكُمْ لَئِنْ اَقَمْتُمُ الصَّلٰوةَ وَ اٰتَیْتُمُ الزَّكٰوةَ وَ اٰمَنْتُمْ بِرُسُلِیْ (مائده، ع- ٣)
અને અલ્લાહે ફરમાવ્યું: હું (મારી મદદ વડે) તમારી સાથે છું, જો તમે નમાઝ પઢતા રહો અને ઝકાત આપતા રહો અને રસૂલો પર ઈમાન રાખતા હોવ.
કુર્આન પાકની આ આયતોથી જણાય છે કે નમાઝ અને ઝકાત હમેંશા આસ્માની શરીઅતોનો ખાસ અંશ અને નિશાની છે. દરેક શરીઅતમાં તેની વિગત અને રીત–પ્રણાલીમાં ફરક રહ્યો છે. આવો ફેરફાર તો આપણી શરીઅતના આરંભ અને અંત કાળમાં પણ રહ્યો છે. દાખલા રૂપે નમાઝ પહેલાં ત્રણ વખતની હતી, પછી પાંચ વખતની થઈ ગઈ.
પહેલાં દરેક ફરજ નમાઝમાં ફક્ત બે રકાત પઢવામાં આવતી હતી. પછી ફજર સિવાય બીજી ચાર નમાઝોમાં રકાતો વધી ગઈ.
આરંભમાં નમાઝ પઢતી વખતે સલામ અને વાત ચીતની છૂટ હતી. પછી તેનાથી મનાઈ કરવામાં આવી. હિજરત પહેલાં મક્કાના રહેઠાણમાં ઝકાતનો હુકમ હતો. (સૂરએ મો'મિનૂન, સૂરએ નમ્લ, અને સૂરએ લુકમાનની શરૂ આયતોમાં ઈમાનવાળાઓના જરૂરી ગુણો તરીકે નમાઝ પઢવી, અને ઝકાત આપવાનું વર્ણન છે. અને આ ત્રણે સૂરતો મક્કી છે.) પરંતુ તે યુગમાં ઝકાતનો અર્થ ફકત એટલો જ હતો કે અલ્લાહના જરૂરતમંદ બંદાઓ ઉપર અને ભલાઈના બીજા રસ્તાઓમાં માલ ખર્ચ કરવામાં આવે. ઝકાતની વ્યવસ્થાના વિગતવાર હુકમો ઉતર્યા ન હતા. તે હિજરત પછી મદીના તૈયબામાં ઉતર્યા.
જે ઈતિહાસકારો અને લેખકોએ લખ્યું છે કે ઝકાતનો હુકમ હિજરત પછી બીજા વર્ષે અથવા તેનાથી પણ પછી આવ્યો, તેમનો મતલબ કદાચ એ જ છે કે તેની હદો અને વ્યવસ્થા તથા વિગતવાર હુકમો તે વખતે આવ્યા. બાકી ઝકાતનો હુકમ તો ઈસ્લામના આરંભ કાળમાં હિજરતથી ઘણા પહેલાં ચોક્કસ આવી ગયો હતો. આ વાત ઉમ્મુલ મુ'મિનીન હઝરત ઉમ્મે સલમા રદિ.ની તે રિવાયતથી પણ સાબિત થાય છે. જેમાં તેમણે હિજરતે મદીના પૂર્વેની સહાબાની હબ્શાની હિજરતનો બનાવ બયાન કરતાં હઝરત જઅફરે તૈયાર રદિ.ની તે ચર્ચાનો ઉલ્લેખ કર્યો છે, જે તેમણે હબ્શાના બાદશાહ નજ્જાશીના સવાલના જવાબમાં ઈસ્લામ અને રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ની ઓળખ આપતાં કરી હતી. તેમાં રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ની દા'વત અને તાલીમ વિષે તેમના આ શબ્દો પણ છે. ويأمرنا بالصلوة والزكوة તેઓ અમને નમાઝ અને ઝકાતનો હુકમ આપે છે. એ જ પ્રમાણે બુખારી વિગેરેની રિવાયત મુજબ રોમના બાદશાહના સવાલના જવાબમાં રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) વિષે (તે સમયના આપના કટ્ટર શત્રુ) અબૂ સુફિયાનનું આ બયાન કે:
يأمرنا والصلوة والزكوة والعفاف-
તે અમને નમાઝ અને ઝકાતનો હુકમ આપે છે.અને સીલા રહમી અને પવિત્રતાનો આદેશ આપે છે." એની ખુલ્લી સાબિતી છે કે રસુલૂલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) હિજરત પહેલાં મક્કા મુઅઝઝમહમાં પણ નમાઝ અને ઝકાત તરફ બોલાવતા હતા. હા, ઝકાતની વર્તમાન વ્યવસ્થા અને વિગતવાર મસઅલા અને રૂપરેખા હિજરત પછી આવી. તેમાંયે તેની વસુલાતની વ્યવસ્થા તો હિજરી સન આઠ પછી થઈ
ઇબાદતના બદલામાં મદદનો વાયદો અને ઘમંડ કરવાના નુકસાનો
હઝરત અકદસ શૈખુલ હદીસ મવલાના ઝકરિયા રહ.ની કિતાબ 'ઈસ્લામી સિયાસત'નો ક્રમશ અનુવાદ • મુફતી ફરીદ અહમદ કાવી.
ઇબાદતના બદલામાં મદદનો વાયદો અને ઘમંડ કરવાના નુકસાનો
હઝરત અકદસ શૈખુલ હદીસ મવલાના ઝકરિયા રહ.ની કિતાબ 'ઈસ્લામી સિયાસત'નો ક્રમશ અનુવાદ • મુફતી ફરીદ અહમદ કાવી.
સહાબા રદિ. આ વાત સારી રીતે સમજતા હતા (કે અલ્લાહ તઆલાની ઇતાઅત અને ફરમાબરદારી જરૂરી છે. એનાથી જ અલ્લાહ તઆલાની મદદ આવે છે.) એટલે ઇતાઅત અને તાબેદારી એમનો સ્વભાવ બની ગયાં હતાં. અને આ જ કારણે સફળતા એમની સાથે જ રહેતી હતી. દરેક પ્રકારી ખુદાઈ મદદ એમને મળી રહેતી હતી. અને જયાં કંઈક ભૂલ - ચુક થઈ તો તકલીફ ઉઠાવવી પડી. ઉહદની લડાઈનો કિસ્સો મશ્હૂર છે કે નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે અમુક માણસોની એક ટુકડીને એક વિશેષ સ્થાન ઉપર ગોઠવીને હુકમ કર્યો હતો કે આપણે જીત્યે કે હારીએ, તમારે આ સ્થાનેથી હટવાનું નથી. લડાઈના અંતે મુસલમાનો જીતી રહ્યા હતા, અને જયારે એવું લાગ્યું કે હવે જીતી ગયા છે, તો આ ટુકડીના ઘણા બધા લોકોને એમ લાગ્યું કે હવે આપણે જીતી ગયા છે, એટલે મેદાન છોડીને નાસતા દુશ્મનોનો પીછો કરવા માંડયા. આ ટુકડીના અમીરે એમને આમ કરવાથી રોકયા અને નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની વાત યાદ અપાવી કે જીત્યા પછી પણ આપણે અહિંયાથી હટવાનું નથી. પરંતુ ટુકડીના વધુ પડતા લોકો એમ સમજતા હતા કે નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે લડાઈ દરમિયાન મુસલમાનો પ્રભાવી થાય ત્યારે હટવાની મનાઈ કરી હતી, હવે તો લડાઈ પણ પૂરી થઈ ગઈ છે, એટલે ત્યાંથી હટી ગયા.
આ વેળા પછી મોકો જોઈને હઝરત ખાલિદ બિન વલીદ (જેઓ તે વેળા મુસલમાન ન હતા અને શત્રુ પક્ષે સેનાપતિ હતા.) પાછળથી આવી ચડયા અને મુસલમાનો ઉપર હમલો કરી દીધો. હદીસ અને તારીખની કિતાબોમાં આ કિસ્સો મશ્હૂર છે. આવું જ કંઈ હુનૈનની લડાઈમાં પણ થયું હતું..
હુનૈનની લડાઈમાં મુસલમાનો તરફે સંખ્યાબળ વધારે હતું અને કાફિરોના પક્ષે ઓછું હતું, એટલે એના આધારે અમુક મુસલમાનોમાં ઘમંડ આવી ગયો હતો, પરિણામે મુસલમાનોએ ભારે પરેશાની અને કષ્ટો વેઠવા પડયા. કુરઆને કરીમમાં પણ આ તરફ અલ્લાહ તઆલાએ ધ્યાન દોર્યું છે.
અલ્લાહ તઆલા ફરમાવે છે : અલ્લાહ તઆલાએ ઘણા બધા અવસરોએ તમારી મદદ કરી છે, અને હુનૈન વેળા પણ મદદ કરી. જયારે તમે તમારા સંખ્યાબળના કારણે ખુશ હતા, પણ એ વધારે સંખ્યા તમને કંઈ કામ નહીં આવી. અને (શત્રુઓના તીરોના વરસાદ સામે તમને એવું લાગ્યું કે) જમીન આટલી બધી વિશાળ હોવા છતાં તંગ થઈ ગઈ છે, અને તમે પીઠ ફેરવીને નાસવા લાગ્યા.
મુરતદો સાથે લડાઈમાં પહેલાં તલીહા કઝઝાબ સાથે મુકાબલો હતો. એના ઘણા બધા માણસો મુસલમાનોના હાથે માર્યા ગયા, ઘણા નાસી ગયા. તલીહા પોતે પણ ફરાર થઈ ગયો. આ બધાથી મુસલમાનો પોરસાઈ ગયા. પછી મુસયલમહના લશ્કર સાથે લડાઈ થઈ, જેમાં સખત મુકાબલો કરવો પડયો. અને મુસલમાનોના પક્ષે ભારે ખુવારી થઈ. હઝરત ખાલિદ બિન વલીદ રદિ. આ બધી લડાઈઓમાં સેનાપતિ હતા. તેઓ ફરમાવે છે કે, અમે જયારે તલીહા સાથે લડીને જીતી ગયા, અને એની પાસે વધારે શકિત પણ ન હતી, એટલે મારા મોઢેથી એક વાત નીકળી ગઈ,—અને આવી વાતો ઉપર મુસીબત આવીને જ રહે છે- કે બનૂ હનીફહ (મુસયલમહનો કબીલો) શું વસ્તુ છે ? એનો પણ આ જ હાલ થશે જે આ લોકો (તલીહાના લશ્કર)નો થયો છે. પણ પછી અમારે બનુ હનીફહ કબીલાના યોદ્ધાઓનો સામનો કરવો પડ્યો કે એમના જેવા (યોદ્ધા) અમે જોયા ન હતા. અને સવારથી સાંજ સુધી તેઓ અમારી સાથે અડગતાથી લડતા રહ્યા.
આ કિસ્સામાં હઝરત ખાલિદ રદિ. પોતે એકરાર કરે છે કે મારા મોઢેથી એક વાત નીકળી ગઈ હતી, જેના કારણે અમારે આટલો સખત મુકાબલો વેઠવો પડયો.
સહાબા રદિ.ના લખાણો અને તકરીરોમાં નાની નાની વાતો ઉપર ટકોર અને એના અમુક ઉદાહરણો
ખુલફાએ રાશિદીન રદિ. નાની નાની વાતોની પણ દેખરેખ રાખતા હતા અને એ વિશે ટકોર કરતા હતા. યરમૂક ઉપર ચડાઈ કરવાની હતી, તો હઝરત ખાલિદ રદિ. ઈરાકમાં લડાઈમાં મશ્ગુલ હતા. યરમૂકના લશ્કરની મદદ માટે હઝરત અબૂબક્ર સિદ્દીક રદિ.એ એમને પત્ર લખ્યો કે ઇરાક ઉપર કોઈને તમારો નાયબ બનાવીને તુરંત યરમુક પહોંચો. આ પત્રમાં એમના વખાણ હતા અને કામ્યાબીઓ ઉપર મુબારકબાદ પણ હતી અને સાથે જ આ પણ લખ્યું હતું કે : તમારા અંદર ઘમંડ ન આવી જાય, એનો ખ્યાલ રાખજો. નહીંતર એનું નુકસાન ઉઠાવશો અને અપમાનિત થશો. પોતાના કોઈ કામ કે સફળતા ઉપર નાઝ ઘમંડ ન કરશો. જે મળે છે એ બધું અલ્લાહનું એહસાન છે અને તે જ બદલાનો માલિક છે.
આ લોકોના તકરીરો અને લખાણો - પત્રોમાં આવી બાબતોની વિશેષ તકેદારી રાખવામાં આવતી હતી, અને કોતાહીઓ વિશે સખત પકડ કરવામાં આવતી હતી. હઝરત ખાલિદ બિન વલીદ રદિ.ના જેટલા કારનામા મશ્હૂર છે, એ બધાથી દોસ્ત –દુશ્મન, મુસલમાન – કાફિર બધા જ વાકેફ છે. હઝરત અબૂબક્ર સિદ્દીક રદિ.ના ખિલાફતકાળમાં એકવાર હઝરત ઉમર રદિ.એ હઝરત ખાલિદ રદિ.ને લશ્કરના સેનાપતિની જવાબદારથી હટાવવાનો ઘણો આગ્રહ કર્યો પણ હઝરત અબૂબક્ર સિદ્દીક રદિ.એ એમની વાત સ્વીકારી નહીં.
પછી હઝરત ઉમર રદિ.ના ઝમાનામાં એકવાર હઝરત ખાલિદ રદિ.એ એક શાયરને ઘણું બધું ઈનામ આપી દીધું, તો હઝરત ઉમર રદિ.એ હઝરત ખાલિદના બાવડાં બંધાવીને એમને પાછા બોલાવી લીધા.
હઝરત ઉમર રદિ. જયારે બયતુલ મુકદ્દસ જઈ રહ્યા હતા તો આસપાસ લડી રહેલી ઈસ્લામી સેનાના સરદારોને હુકમ કર્યો કે પોતાના લશ્કરો ઉપર કોઈને નાયબ બનાવીને 'જાબિયહ' સ્થળે આવીને બધા એમને મળે. બધા સરદારો જાબિયહ સ્થળે આવી પહોંચ્યા. પ્રથમ યઝીદ બિન અબુ સુફિયાન સાથે, પછી હઝરત અબૂઉબૈદહ રદિ. સાથે અને પછી હઝરત ખાલિદ રદિ. સાથે મુલાકાત થઈ. આ બધાએ થોડો ઘણો રેશમી લિબાસ પહેર્યો હતો. હઝરત ઉમર રદિ.એ આ જોયું તો પોતાની સવારી ઉપરથી ઉતરીને એમને પથરા મારવાનું શરૂ કરી દીધું. અને કહેવા લાગ્યા કે તમે આટલા જલદી તમારા આચાર - વિચાર બદલી નાખ્યા અને આવો લિબાસ પહેરીને મને મળો છો. હજુ બે વરસ તો થયા છે કે તમે પેટ ભરીને ખાતા થયા છો. અને તમારી આ હાલત થઈ ગઈ છે, અગર બસો વરસની હુકૂમત પછી તમે આ હાલત અપનાવી હોત તો પણ હું તમારા સ્થાને કોઈ બીજાને અમીર બનાવી દેત. એમણે માફી માંગી અને અરજ કરી કે અમે હથિયારબંદ છીએ, અને આ તો ઉપરનો લિબાસ છે.
રેશમી લિબાસ પહેરવાના હુકમની ચર્ચા અલગ બાબત છે. અમુક સ્થિતિઓમાં એ જાઈઝ પણ છે. મૈસાન જયારે ફતેહ થયું તો હઝરત ઉમર રદિ.એ નોમાન બિન અદી રદિ.ને ત્યાંના હાકેમ બનાવ્યા. એમણે પોતાની બીવીને પણ સાથે લઈ જવાની ઈચ્છા વ્યકત કરી. પણ એમના બીવી તૈયાર નહીં થયાં. એમણે ત્યાંથી બીવીને પત્ર લખ્યો અને એમાં ત્યાંની રાહતો અને મજાઓ, શાયરીમાં લખી હતી. એમાં શરાબ અને શરાબની સુરાહીનો દોર ચાલવાનો ઉલ્લેખ પણ શાયરાના અંદાઝમાં હતો. હઝરત ઉમર રદિ.ને ખબર પડી તો એમને પત્ર લખ્યો. જેમાં બિસ્મિલ્લાહ પછી સહુપ્રથમ સુરએ ગાફિરની પહેલી આયત લખી હતી, અને પછી લખ્યું હતું: મેં તમારો ફલાણો શેર સાંભળ્યો છે. મેં તમને બરખાસ્ત કર્યા છે. તેઓ પાછા ફર્યા અને હઝરત ઉમર રદિ.ને સેવામાં આવીને કસમ ખાયને અરજ કરી કે મેં શરાબ નથી પીધી. એ તો ફક્ત શાયરાના અંદાઝમાં લખ્યું હતું. તો હઝરત ઉમર રદિ.એ ફરમાવ્યું: હું પણ તમારા વિશે આવું સારું જ વિચારું છું. પણ હવે હું તમને કોઈ બીજા પ્રદેશનો પણ હાકેમ નહીં બનાવું.
આવી બારીક નજર અને કડકાઈ હતી. હદીસની કિતાબોમાં અને ઈતિહાસમાં આવા અનેક કિસ્સાઓ મળી આવે છે. દુનિયા—આખિરતની તરક્કીનો આ જ એક રસ્તો હતો અને એમાં જરા એવી ભૂલ ચૂક થઈ કે એનું નુકસાન ઉઠાવવું પડયું છે, જેના અમુક ઉદાહરણો આપણે જોઈ ગયા છીએ. અને એમાંયે એવું છે કે ઉંચા વર્ગ ઉપર કે મોટા માણસ ઉપર એની હેસિયત મુજબ નાની ભૂલ વિશે પણ અલ્લાહ તઆલા તરફથી પકડ કરવામાં આવી. અને આવું જ થવું યોગ્ય છે. અરબીમાં કહેવત છેઃ નેક લોકોના અમુક સારા કામો, અતિનેક લોકોની હેસિયત મુજબ તો 'ગુનો' ગણાતા હોય છે. સૂરએ અબસમાં અલ્લાહ તઆલા તરફથી ટકોર કરવામાં આવી કે એક આંબળા માણસના મુકાબલામાં દુનિયાદાર માલદારની તકેદારી કેમ રાખવામાં આવી ? હાલાંકે આ તકેદારી દીન ખાતર જ હતી.
આ બધાથી વિપરીત સામાન્ય મુસલમાનો માંહે નાની મોટી ભૂલોને માફ ગણીને જયારે આવા નાના ગુનાહો વધે ત્યારે જ અલ્લાહ તઆલા તરફથી પકડ કરવામાં આવી. સરદાનિયહ એક મશ્હૂર ટાપૂ હતો. હિજરી સન ૯૦ ની આસપાસ મુસલમાનોના હાથે ફતેહ થયો. એ વેળા ગનીમતના માલમાં ઘણી ગડબડ થઈ હતી. જેના હાથમાં જે આવ્યું એ લઈ લીધું. બધા લોકો ફતેહ પછી જહાઝમાં બેસીને પરત આવી રહયા હતા એવામાં ગૈબથી અવાઝ આવ્યો કે,اللھم غرقھم ': હે અલ્લાહ ! એમને બધાને ડૂબાડી દે, અને બધા જ ડૂબી ગયા.
શરૂમાં નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમના ફરમાન અને પછી આ બધા ઉદાહરણો…. પાછલા ઈતિહાસના પૃષ્ઠો આ બધાથી ભરેલા છે. અને આજે જે કંઈ થઈ રહયું છે એ બધાની સામે છે. બેદીનીના અસબાબ આપણે પોતાના હાથે અપનાવી રહ્યા છે. ગુનાહોમાં જોર શોરથી આપણે પ્રવૃત થઈ રહ્યા છે. પરેશાનીઓ અને બદહાલી વધી રહી છે. અને હવે તો બધા સામુહિક રીતે ઇસ્લામ છોડી રહયા હોય એવી સ્થિતિ ઉભી થઈ રહી છે. દીનના એક એક અંશ અને અંગને તરછોડવામાં આવી રહયો છે. એટલે એનો કોઈ હલ હોય શકે છે તો ફકત દીન ઉપર મજબૂત રીતે અમલ કરવાનો અને ગુનાહોથી બચવાનો જ છે. પણ આવી જૂનવાણી વાતો કોણ કહે અને કોને કહે ? અલ્લાહ તઆલાથી દૂઆ કરીએ અને એ જ સાચો મદદગાર છે.
ઈદની ફિલોસોફી
ફરીદ અહમદ કાવી. જામિઅહ જંબુસર
રમઝાન મહીનામાં રોઝા, ઇબાદત, તરાવીહ અને નેકી—બંદગી કરનારા બંદાઓ માટે અલ્લાહ તઆલાએ મહિનો પૂરો થયે ખુશીઓ મનાવવા માટે ઈદ નક્કી ફરમાવી છે. આખો મહીનો દિવસે રોઝો અને તિલાવત, રાત્રે તરાવીહ અને સેહરી, દિલમાં ખુદાનો ખોફ, ગુનાહોની તોબા, જન્નતની આરઝૂ, ગરીબોની મદદ અને જરૂરતમંદોને સહાય, ઉપરાંત ઝકાત, ફિતરહ અને ખૈરાત માટે ખુશીથી ખર્ચ કરવો, એક સાથે એટલી બધી દીની-દુન્યવી કુરબાનીઓ અલ્લાહ તઆલાની પ્રસન્નતા પામવા બંદો આ મહીનામાં અદા કરે છે કે એના પૂરા થયે અલ્લાહનો એટલો પ્યારો અને નિકટમ બની જાય છે કે અલ્લાહ તઆલા એના માટે રહમત, મગફિરત અને જહન્નમથી નજાતનો વાયદો કરી દે છે, અને તે પણ એટલી પાકી ખાતરી સાથે કે આખિરતની આ નેઅમતોની નિશાની રૂપે દુનિયામાં પણ ખુશી મનાવવાનો આદેશ આપવામાં આવે છે.
હદીસ શરીફમાં નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમનો ઈરશાદ છે કે દરેક કોમની એક ઈદ હોય છે, અને આ આપણી ઈદનો દિવસ છે. એટલે કે ઇબાદતનો મહીનો પૂરો થવા પછીનો આ દિવસ આપણી ઈદ છે. ઉલમાએ કિરામ લખે છે કે નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમના આ ફરમાનમાં સંદેશ છે કે મુસલમાનોની ઈદ અન્યોથી નોખી છે, અને તે એ રીતે કે ઈદુલફિત્રના દિવસે મુસલમાનો જાન-માલની અનેક પ્રકારની ઈબાદતો અદા કરીને ફારેગ થયા હોય છે. એટલે ઈદનો મતલબ એ થયો કે અલ્લાહ તઆલાની ઈબાદતો સારી રીતે અદા થઈ ગઈ, એ જ સહુથી મોટી ખુશી છે. આવું જ કંઈ બકરઈદમાં પણ છે. મુસલમાન એ દિવસે પ્યારા જાનવરને ઝબહ કરવા અને હજની ઇબાદતથી ફારેગ થતો હોય છે.
બીજી કોમો એમના ઈતિહાસના કોઈ યાદગાર દિવસને ઈદ તરીકે મનાવે છે અને મુસલમાનો ઇબાદતની અદાયગીને ઈદ તરીકે મનાવે છે. નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમનો જન્મ, હિજરત, મેઅરાજ, બદરની ફતેહ, મક્કાની ફતેહ ઉપરાંત અનેક મહત્વની ઘટનાઓ ઈસ્લામી ઈતિહાસમાં મોજૂદ છે, પણ એ બધા યાદગાર દિવસોને છોડીને ઈબાદતને જ ઈદનો આધાર બનાવવો, ઇસ્લામની વિશેષતા છે.
એક બીજી રીતે વિચારીએ..
ઈદ ખુશીનો દિવસ છે, અને ખુશી સામુહિક રીતે જ મનાવવામાં ખરી મજા છે. આ બાબતને યાદ રાખીને વિચારો કે રમઝાનના રોઝા, તરાવીહ, તિલાવત, વગેરે ઇબાદતો મુસલમાનો સાથે મળીને, સામુહિક રીતે, સહાય, સહકાર, ભાઈચારા, સમાનતાની લાગણીઓ સહિત અદા કરતા હોય છે. અને પછી ઈદની ખુશીમાં પણ એ બધા જ મુસલમાનો ભાગીદાર હોય છે, આમ ઈદની ખુશી આ રીતે કેટલીયે ગણી બેવડાય જાય છે. અત્રે ઉલટું પણ વિચારી લઈએ. જે કોઈએ રમઝાનના રોઝા ન રાખ્યા હોય, રાત્રિના ઉજાગરા કરીને ઈબાદત ન કરી હોય, મન મોટું કરીને સખાવતો ન કરી હોય, એ ઈદના દિવસે કેવી રીતે ખુશીનો એહસાસ કરી શકે? મુબારક માસમાં પોતાને થકવી દે એટલી બધી ઇબાદતો કરીને પછી જ ઈદ મનાવવામાં આવે તો જ એમાં સાચી ખુશી છે.
ઈદના ઈસ્લામી તહેવારની એક બીજી વિશેષતા આ પણ છે કે ઈબાદતોથી ફારેગ થવા પછીની ખુશીને પણ ઈબાદત સાથે જોડી દેવામાં આવી છે. બન્નેવ ઈદોમાં ઈદની નમાઝ, ઈદુલફિત્રમાં સદકએ ફિત્ર અને બકરઈદમાં કુરબાની…એનો મતલબ એ થયો કે મુસલમાનની સાચી ખુશી તો અલ્લાહની ઇબાદતમાં જ છે. એક માલદારની સાચી ખુશી માલ ખર્ચ કરવામાં છે. માલ ભેગો કરવામાં નહીં. આમ એક ગરીબ માણસ પણ ઈદના દિવસે મુસલમાનો ભાઈઓની મદદ મેળવી એમની સાથે સમાન રીતે ખુશી મનાવીને પોતાના દુખોને ભુલી જાય છે. સુબ્હાનલ્લાહ... મુસલમાનોની ખુશીનો તહેવાર પણ કેવો... દરેક માટે ખુશી, અને તે પણ દરેકને અનુરૂપ. માલદારને ખર્ચ કરવાની ખુશી તો ગરીબને મદદ મળવાની ખુશી..
ઈદના દિવસે ખુશીમાં નમાઝ પઢવામાં આવે છે, એનો અર્થ એ થયો કે ખુશીમાં અલ્લાહ તઆલાને યાદ રાખવા જોઈએ, બલકે ખુશીને એનું ઇનામ સમજીને સૌપ્રથમ એના દરબારમાં સજદો કરવો જોઈએ. એટલે જ તો ઇસ્લામમાં કોઈ નેઅમત મળવાની ખુશીમાં શુકરાનાની નમાઝ કે શુક્રના સજદહનો રિવાજ છે. આમ ખુશીના પ્રસંગે અલ્લાહ તઆલાને યાદ કરવા, એ ઇદનો પ્રથમ સબક કહેવાય. અને જેમ ઈદના ખુશીના દિવસે સદકએ ફિત્રની ખેરાત કરવામાં આવે છે એમ સામાન્ય દિવસોમાં પણ વિવિધ ખુશીના અવસરોએ સદકહ કરવામાં આવે એને ઈદનો બીજો સબક કહી શકાય.
રમઝાનના રોઝા અને ઈદ વચ્ચે એક અજીબ પ્રકારની સામ્યતા અને એકરૂપતા છે. રોઝાનો એક મકસદ આ પણ બતાવવામાં આવે છે કે ખાવા પીવાની શકિત ધરાવતો માણસ ભૂખ્યો - તરસ્યો રહે તો એને સમાજના ગરીબોની તકલીફ અને દુખોનો એહસાસ થાય, આમ થવાથી એનું દિલ એમના પ્રતિ નરમ થશે, તે એમને સહાય કરશે અને પરિણામે સમાજ એકતા અને બંધુત્વના બંધનથી બંધાશે. આમ રોઝો રાખીને ગરીબો સાથે એમની ભુખ – તરસની મુસીબતમાં મુસલમાનને શરીક થવાનો અવસર મળે છે, તો ઈદના દિવસે ગરીબોને સદકહ-ખેરાત આપીને અને પોતાના ઘરવાળાઓ, સગાઓ, દોસ્તોને હદિયા, ભેટ, અને વિશેષ કરીને 'ઈદી' આપીને માણસ એમને પોતાની ખુશીમાં શરીક કરે છે.
આમ રમઝાન અને ઈદનો મુખ્ય સબક આ થયો કે તમે સમાજ સાથે જ રહો, મુસીબતમાં પણ સમાજની સાથે ઉભા રહો અને ખુશીમાં સમાજને તમારી સાથે શરીક કરો.
છેલ્લી વાત આ કે, ઈદનો દિવસ ખુશી અને મહેરબાનીનો હોય છે. માણસ ખુલ્લા મને એકબીજાને મળે છે, ખર્ચ કરે છે, હરે ફરે છે અને મોજ કરે છે. માટે આ દિવસે એકબીજાથી નારાજ લોકોએ એમની નારાજી ખતમ કરીને પરસ્પર ભાઈ – ભાઈ બની જવું ઈદનું સૌથી મોટું ઈનામ છે. જો માણસના દિલમાં આ દિવસે પણ કોઈ બીજા વિશે કંઈક નારાજી અને અણગમો મોજૂદ હોય તો એ માણસના દિલમાં ખુશી છે, એ કેવી રીતે સાચું માની શકાય ? માટે ઈદનો દિવસ મુસલમાનોને પરસ્પર મહોબ્બત રાખવાને પયગામ આપે છે.
ઈદ કે દિન તો ગલે લગ જાઈયે-દિન પડે હેં ઓર અનબન કે લિયે.
સબ્ર અને શુક્ર
માણસ ઉપર બે પ્રકારના સંજોગો આવે છે, બલકે માણસનું જીવન આ બે પ્રકારના સંજોગોમાં જ સિમિત હોય છે, એ કાં તો ખુશ અને સમૃદ્ધ હશે અથવા પરેશાન અને દુ:ખી હશે. માણસને એની ઇચ્છા અને મરજી મુજબની વસ્તુઓ મળી રહે, અને જરૂરતો સરળતાથી પૂરી થઈ જતી હોય તો એ પોતાને ખુશ અને સમૃદ્ધ સમજે છે અને જયારે એને જરૂરતની વસ્તુ ન મળે, તંગી હોય, કોઈ પસંદની અને પ્યારી વસ્તુ જતી રહે કે ન મળે ત્યારે એ દુખ અનુભવે છે, માયૂસ થાય છે, પોતાને નિસહાય સમજે છે. સુખના દિવસોને માણસ વધુ માણવા અને વધારે મજા કરવાનો પ્રયત્ન કરે છે, અને ઘણીવાર એમાં ખોટી હરકતો કરી બેસે છે. તો દુખના દિવસોમાં માણસ કોઈ પણ રીતે એને ભૂલવાનો પ્રયત્ન કરે છે. અને ઘણીવાર એમાં ન કરવાનું કરી બેસે છે.
કુરઆન શરીફમાં અનેક સ્થળે માણસ ઉપર આવતા આ બંને સંજોગોને અનુલક્ષીને ઘણું જ સચોટ માર્ગદર્શન આપવામાં આવ્યું છે. અને તે પણ એક સમાન અને એકમાત્ર ઇલાજ હોય એ રીતે વર્ણવવામાં આવ્યું છે. આ ખુદાઈ માર્ગદર્શન એટલે શુક્ર અને સબ્ર..
ખુશી અને સુખ – સમૃદ્ધિના સમયે શુક્ર અદા કરવો, અલ્લાહના એહસાન અને ઉપકારને યાદ કરીને વધારે ઇબાદત કરવી. સમૃદ્ધિ અને દોલતને માણવા - મજા કરવા માટે ખોટા તરીકાઓ અને તાયફાઓ કરવાના બદલે અલ્લાહના આદેશો ઉપર વધારે ધ્યાન આપીને અમલ કરવાની કોશિશ કરવામાં આવે. માણસ એમ વિચારે કે અલ્લાહ તઆલાની આ નેઅમત મને મળી ન હોત તો હું રોઝી - રોટી માટે પરેશાન હોત, મને આવો નવરાશનો સમય ન મળત, હવે જયારે મારી પાસે સમય છે અને માલ - દોલત છે તો હું આ માલ અને નવરાશને અલ્લાહ તઆલાની ઇબાદતમાં પસાર કરું. માલ વિશે અલ્લાહ તઆલાએ જે આદેશો આપ્યા છે એ મુજબ ખર્ચ કરીને એના દ્વારા જ મારી ખુશી વ્યકત કરું. જો કોઈ પણ પૂરા શોખ અને લાગણીથી દીન અને દીની કામોને અંજામ આપે તો મનોરંજનનો શોખ દીની કામો થકી પણ પૂરો થઈ શકે છે. અલ્લાહના ઘણા બંદાઓ એવા છે જેમને ઈબાદત અને સખાવતમાં જ મજા આવે છે, પણ આપણે બધા દુનિયામાં રહીને દુનિયાદાર લોકોની રહેણી કરણીને જ સાચી સમજીએ છીએ, એ જ આપણું મોડેલ અને નમૂનો હોય છે એટલે મોજ માણવા અને ખુશી વ્યકત કરવા માટે આપણે એમના જ તરીકાઓ અપનાવીએ છીએ. એક મુસલમાને આ બાબતે જ સમજદારી દાખવવાની જરૂરત છે, આપણે વિચારવાનું છે કે મજા માણવા અને ખુશી વ્યકત કરવાનો શું આ એક જ તરીકો છે ? નાચ-ગાન અને અશ્લીલતા ? ઈમાન – અખ્લાક, શર્મ - હયાને એક તરફ મુકીને મનફાવે તેમ કરવામાં આવે ? પોતાનો દીન, દીની હેસિયત અને સામાજિક મોભાને પણ ભૂલી જવામાં આવે? આ તો મોટી ભૂલ છે. ઘણી જ ખોટી રીત છે.
આ જ પ્રમાણે માણસ મુસીબતના દિવસોમાં પણ દીન અને દીની તરીકાને મહત્વ નથી આપતો. માલની મુસીબત હોય તો હલાલ - હરામના ફરક વિના કોઈપણ રીતે માલ મેળવવાની કોશિશ કરે છે. કોઈ બીજી આફત આવી પડે તો હાય તોબા મચાવે છે, પોતાની તકદીર વિશે કે અલ્લાહ તઆલા વિશે ખરાબ શબ્દો બોલે છે અને ખરાબ વિચારો વ્યકત કરે છે. અલ્લાહ તઆલાનો હુકમ છે કે આવા સમયે સબ્ર કરવામાં આવે. પોતાના દિલમાં આ ખ્યાલ અને અકીદાને વધારે મજબૂત કરવામાં આવે કે આ બધું અલ્લાહ તઆલા કરે છે, અને અલ્લાહની મરજી જ સર્વોચ્ચ છે. જો પરવરવિદગારને બંદા વિશે આ જ મંજૂર છે તો બંદાએ પણ મંજૂર રાખવું એની ફરજ છે. આ સ્થિતિ અને સંજોગો માણસ માટે દુખદાયક હોય તો એનો રસ્તો એ નથી કે અલ્લાહની નાફરમાની કરવામાં આવે, અલ્લાહ તઆલાને અથવા તકદીરને બુરું ભલું કહેવામાં આવે. બલકે એની રીત આ છે કે પોતાને સંજોગો મુજબ ઢાળીને પછી અલ્લાહ તઆલા પાસે મુસીબત અને તકલીફ દૂર થાય એવી દુઆ કરવામાં આવે.
આ બંનેવ સંજોગો અલ્લાહ તઆલા તરફથી માણસ માટે કસોટી અને પરીક્ષા માટે જ હોય છે. અને માણસનો શત્રુ શયતાન આ સ્થિતિનો લાભઉઠાવીને એને અલ્લાહ તઆલાની નારફમાની કરવા તરફ લઈ જાય છે. માટે માણસે ખુશી અને ગમીના મોકાઓ ઉપર સાવચેત રહેવાની જરૂરત છે. સુખના દિવસો હોય કે મુસીબતના. અલ્લાહ તઆલાના આદેશોને સર્વોપરી રાખીને જીવન વિતાવવામાં જ કામ્યાબી છે.
ઇસ્લામી ક્રાંતિ અને જિહાદ
અરબીમાં લડાઈ અને યુદ્ધ વિશે અનેક શબ્દો વપરાય છે. આવા દરેક શબ્દો અન્ય ભાષાઓની જેમ અરબીમાં પણ ભયાનક અને ખુંખાર અર્થ ધરાવે છે. આવા શબ્દો કોઈ શાંતિપ્રિય સમાજ અને શાંતિના ઉપદેશક ધર્મ માટે લાંછન કહેવાય એ સ્પષ્ટ છે. એટલે ઈસ્લામ દ્વારા લડાઈ માટે એક નવો શબ્દ આપવામાં આવ્યો : જિહાદ.
ઇસ્લામના મતે લડાઈ, ધર્મનો મુખ્ય આશય કે ઉચ્ચ ધ્યેય બિલ્કુલ નથી. અત્યંત અનાવશ્યક સ્થિતિઓમાં શત્રુ સાથે લડાઈનો આદેશ આપવામાં આવ્યો છે. અને તે પણ શત્રુની શરારત ખતમ કરવા સુધી જ.
એક મુસલમાનનો જેનાથી સામનો છે, જો એ પણ મુસલમાન બની જાય તો લડાઈનો પ્રશ્ન જ નથી. આજકાલ તો ઘણી સંસ્કૃતિઓ અને સત્તાઓને એમનું અસ્તિત્વ કોઈને કોઈ શત્રુ સામે હોય એમાં જ દેખાય છે. બલકે વર્તમાન ફિલોસોફરો સમાજના અસ્તિત્વ અને પ્રગતિ માટે શત્રુ ન હોય તો કોઈને પરાણે શત્રુ બનાવ્વામાં પોતાના સમાજનો વિકાસ કરવાની થીયરી પણ લખી રહયા છે. ઇસ્લામ આ ધુણાસ્પદ બાબતને સંપૂર્ણ નકારે છે.
જે સામો પક્ષ ઈસ્લામ સ્વીકાર ઉપર તૈયાર ન હોય તો સુલેહ કરવામાં આવે. એ પણ શકય ન હોય અને મુસ્લિમ શાસનના તાબે રહેવા માંગતો હોય તો સુરક્ષાકર આપીને એ ઓપ્શન પણ અપનાવવામાં આવે.
લડાઈ અને યુદ્ધને છેલ્લા અને મજબૂરીના ઉપાય સ્વરૂપે અપનાવવાના બુનિયાદી સિદ્ધાંતની જ અસર છે કે યુદ્ધ બાબત જે આદેશો આપવામાં આવ્યા છે, એ બધામાં શત્રુને શકય એટલું ઓછું નુકસાન થાય એનો ખ્યાલ રાખવામાં આવ્યો છે. આવા આદેશોની એક ઝલક જોઈએ.
-ખોટી રીતે શત્રુને મારવો, એને તડપાવવો, અને કષ્ટ આપવાની મનાઈ ફરમાવવામાં આવી.
- લડાઈમાં ભાગ ન લેનાર વૃદ્ધો, સ્ત્રીઓ, બાળકો, આંધળાઓ, ત્યાગી, તપસ્વીઓ, અશક્ત અને લંગડા, લૂલા વિકલાંગોને મારવા – પકડવાની મનાઈ.
- યુદ્ધ કેદીઓને બિનઉપયોગી કરી દેવાની મનાઈ.
-માણસો અને જાનવરોના અવયવો કાપી નાખવાની મનાઈ.
-ખેતી, ફસલ અને ઝાડો, કુવાઓ વગેરે નષ્ટ કરવાની મનાઈ.
-ખાવાની જરૂરત વગર કોઈ પણ જાનવરને મારવાની મનાઈ.
–યુદ્ધ દરમિયાન સ્ત્રીઓ સાથે બળાત્કારની મનાઈ.
- કેદી કે બંદી બનાવવામાં આવેલ લોકો ઉપર અત્યાચારની મનાઈ.
-આવા કેદી—બંદીઓને લડાઈમાં આડ બનાવવાની મનાઈ.
અરબસ્તાનમાં નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની દાવતે ઇસ્લામમાં લડાઈના વરસો દસ કહી શકાય. આ વરસોમાં જેટલી લડાઈઓ થઈ, એમાં બન્ને પક્ષેથી ૪૪૦ આરબો મરાયા. કબીલા બનુ કુરયઝહના ૬૦૦ કે ૭૦૦ યહૂદીઓ આમાં શામેલ નથી. એમને એમના નિયુક્ત કરેલ લવાદ સઅદ બિન મુઆઝ રદિ.એ જ મારી નાખવાનો નિર્ણય સંભળાવ્યો હતો. એમને શામેલ કરીએ તો ૧૧૪૦ થાય. આટલી ઓછી ખુવારી દ્વારા સ્થાપવામાં આવેલ નવી ઈસ્લામી વ્યવસ્થાની સામે આજના યુદ્ધો અને એના પરિણામો અને યુદ્ધ હેતુઓ સિદ્ધ થવાની ટકાવારી જોઈએ તો અંચબો થાય છે.
એક ઉદાહરણ
રશિયાએ કોમ્યુનિઝમ – સામ્યવાદ માટે પ્રાથમિક દિવસોમાં ૧૯ લાખ માણસોને ખતમ કર્યા. ૨૯ લાખ માણસોને સજા દ્વારા મૃત્યુ આપવામાં આવ્યું. પચાસ લાખ માણસોને દેશવટો આપવામાં આવ્યો. ચીનમાં કોમ્યુનિઝમ માટે દોઢ કરોડ જમીનદારોને ફાંસી આપવામાં આવી.
પૂર્વ યૂરોપમાં કોમ્યુનિસ્ટો દ્વારા બદલાની ભાવના હેઠળ અત્યાચારના શિકાર બનેલા લોકોનાં આંકડા ભેગા કરવા હેતુ, આવા દેશનિકાલ પામેલ લોકોએ બ્રિટનમાં એક સંસ્થા Inter denominationel Serviceની સ્થાપના કરી. આ સંસ્થાએ યૂરોપમાં કોમ્યુનિસ્ટોના હાથોથી મરનાર લોકો વિશેના જે આંકડા પ્રસિદ્ધ કર્યા એ નીચે મુજબ છે.
રશિયન આક્રમણ : પાંચ લાખ
કોમ્યુનિઝમ ક્રાંતિના વિરોધીઓ અને અન્ય લઘુમતિઓ વીસ લાખ
રશિયાના બંદી કેમ્પોમાં મરનાર કેદીઓ એક લાખ
કુલ છવ્વીસ લાખ
(=પુનઃપ્રકાશ)
રમઝાનનો છેલ્લો અશરો અને શબે કદ્ર
જેમ રમઝાનનો મહીનો બીજા મહીનાઓ કરતાં વધારે ફઝીલત ધરાવે છે, એ જ મુજબ તેનો છેલ્લો અશરો પહેલા બે અશરાથી બેહતર છે. અને શબે કદ્ર વધુ ભાગે એ જ છેલ્લા અશરામાં હોય છે. માટે હુઝૂર સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ પોતે પણ તેમાં ઇબાદતનો વધારે એહતેમામ કરતા હતા અને બીજાઓને પણ પ્રેરણા આપતા હતા.
હઝરત આયશા રદિ.થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) રમઝાનના છેલ્લા અશરામાં ઈબાદત વગેરેમાં બીજા દિવસો કરતાં વધુ મહેનત કરતા અને તકલીફ વેઠતા હતા. (મુસ્લિમ)
હઝરત આયશા રદિ.થી રિવાયત છે કે જયારે રમઝાનનો છેલ્લો અશરે શરૂ થતો તો રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ કમર બાંધી લેતા. અને રાતોમાં જાગતા. એટલે કે આખી રાત ઈબાદત, ઝિક્ર અને દુઆમાં મશ્ગુલ રહેતા અને પોતાના ઘરના માણસોને પણ જગાડતા હતા. જેથી તેઓ પણ રાતની બરકતો અને નેકીઓ પ્રાપ્ત કરે.
હઝરત આયશા રદિ.થી રિવાયત છે કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે ફરમાવ્યું શબે કદ્રને રમઝાનની પાછલી દસ રાતોમાંથી એકી રાતોમાં શોધો. (બુખારી)
મતલબ એ છે કે શબે કદ્ર રમઝાનના છેલ્લા અશરાની એકી રાતોમાંથી કોઈ એક હોય છે. એટલે એકવીસમી, તેવીસમી, પચ્ચીસમી, સત્તાવીસમી અથવા ઓગણત્રીસમી.
જો શબે કદ્ર નક્કી કરી દેવામાં આવત કે તે ફલાણી જ રાત છે. તો ઘણા લોકો તે જ રાતમાં ઇબાદત વગેરેનો એહતેમામ કરત. અલ્લાહ તઆલાએ તેને એવી રીતે છુપાવી કે કુર્આન પાકમાં એક જગ્યાએ ફરમાવ્યું કે કુર્આન પાક શબે કદ્રમાં ઉતાર્યુ અને બીજી જગ્યાએ ફરમાવ્યું કે કુર્આન રમઝાનમાં ઉતાર્યુ તેનાથી ઈશારો મળ્યો કે શબે કદ્ર રમઝાનની રાતોમાંથી જ કોઈ રાત હતી.
હુઝુર સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે વધુ નિશાની રૂપે ફરમાવ્યું કે રમઝાનના છેલ્લા અશરાની એકી રાતોમાં તે હોવી વધુ શક્ય છે. જેથી તે રાતોનો ખાસ પ્રબંધ કરવામાં આવે.
આ પ્રકારની હદીસો હઝરત આયશા રદિ. સિવાય બીજા સહાબા રદિ.થી પણ રિવાયત કરવામાં આવી છે. અને અમૂક સહાબા રદિ.નો ખ્યાલ હતો કે શબે કદ્ર રમઝાનની સત્તાવીસમી રાતે જ હોય છે.
ઝિર બિન હુબૈશ જે મોટા તાબિઈ છે. બયાન કરે છે કે મેં હઝરત ઉબય બિન કઅબ રદિ.ને પુછયું કે, આપના દીની ભાઈ અબ્દુલ્લાહ બિન મસ્ઉદ રદિ. કહે છે કે "જે કોઈ આખું વર્ષ રાત્રે ઉઠશે એટલે ઇબાદત કરશે તેને શબે કદ્ર મળી જ જશે. (એટલે શબે કદ્ર વર્ષની કોઈ પણ રાત્રી હોય છે.) જે માણસ તેની બરકતો મેળવવા ઈચ્છતો હોય તેણે વર્ષની દરેક રાત્રીમાં ઈબાદત કરવી જોઈએ. તો એમ કરવાથી જરૂર તે શબે કદ્રની બરકતો મેળવી શકશે.
આ વિષે તમારૂ શું કહેવું છે ? તેમણે ફરમાવ્યું કે ભાઈ ઈબ્ને મસ્ઉદ (રદિ.) ઉપર અલ્લાહ રહમત ઉતારે. તેમનો ભાવાર્થ આ વાતથી એ હતો કે લોકો (કોઈ એક જ રાત્રીની ઈબાદત) પર બસ ન કરી લે. નહીં તો તેમને પણ ચોક્કસ આ વાતની ખબર હતી કે શબે કદ્ર રમઝાન માસમાં હોય છે. અને તેમાં પણ ખાસ છેલ્લા અશરામાં હોય છે. (એકવીસ થી ઓગણત્રીસ અથવા ત્રીસ સુધી) અને તે નક્કી રાત સત્તાવીસમી છે. પછી તેમણે ચોક્કસ પણે કસમ ખાઈને કહ્યું કે તે બેશક સત્તાવીસમી રાત્રી જ હોય છે. (અને તેમના યકીનને ટેકા રૂપ કસમ સાથે) તેમણે ઈન્શા અલ્લાહ પણ નથી કહ્યું. (ઝિર બિન હુબૈશ) કહે છે કે મેં અરજ કરી કે હે અબૂલ મુન્ઝીર ! (આ હઝરત ઉબય રદિ.નું ઉપનામ હતુ) આ તમે શા આધારે કહો છો? તો તેમણે ફરમાવ્યું હું આ વાત એ નિશાનીના આધારે કહું છું જેની રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ અમને જાણ કરી હતી. અને તે એ કે શબે કદ્રની સવારમાં જયારે સુર્યોદય થાય છે તો તેના કિરણો હોતા નથી. (મુસ્લિમ શરીફ)
હઝરત ઉબય બિન કઅબ રદિ.ના જવાબથી જાણવા મળ્યું કે તેમણે જે ચોક્કસ પણે આ વાત દર્શાવી કે શબે કદ્ર ચોક્કસ સત્તાવીસમી રાત્રે જ હોય છે, એ વાત તેમણે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)થી નથી સાંભળી. પણ રસૂલુલ્લાહ (સલ્લલ્લાહ અલયહિ વ સલ્લમ)એ તેની એક ખાસ નિશાની બતાવી હતી, તેમણે તે નિશાની વધુ ભાગે સત્તાવીસમી રાત્રીની સવારમાં જોઈ હતી. તે કારણે ચોક્કસ પણે પોતાનું મંતવ્ય દર્શાવ્યું હતું.
રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે કોઈ વખતે એ પણ ફરમાવ્યું કે તેને છેલ્લા દસ દિવસમાં શોધો. અને કોઈવાર ફરમાવ્યું કે છેલ્લી દસ રાતોમાં એકી રાતોમાં શોધો. કોઈવાર છેલ્લા અશરાની પાંચ એકી રાતોમાંથી ચાર અથવા ત્રણ રાતો માટે ફરમાવ્યું, કોઈ ચોક્કસ રાત આપે ફરમાવી નથી. હા, ઘણા સહાબા રદિ.ના અનુભવો છે કે તે સત્તાવીસમી રાત્રે જ હોય છે.
હઝરત અનસ રદિ.થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ ફરમાવ્યું જયારે શબે કદ્ર હોય છે તો જિબ્રઈલ અલૈ. ફરિશ્તાઓના ટોળા સાથે ઉતરે છે. અને દરેક તે બંદા માટે રહમતની દુઆ કરે છે. જે ઉભો રહી અથવા બેસીને અલ્લાહના ઝિક્ર અને ઈબાદતમાં પરોવાયેલો હોય છે. (શોઅબુલ ઈમાન)
શબે કદ્રની ખાસ દુઆ
હઝરત આયશા રદિ.થી રિવાયત છે કે મેં રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ને અરજ કરી કે મને બતાવો કે જો મને ખબર પડી જાય કે કઈ રાત શબે કદ્રની છે. તો હું તે રાતમાં અલ્લાહથી શું માગું ? આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ ફરમાવ્યું કે અરજ કરો,
اللهم انك عفو كريم تحب العفو فاعف عنى
હે મારા ખુદા ! તું ઘણો જ માફ કરનાર અને મોટો કરમ કરનાર છે. અને માફ કરવું તને પસંદ છે. બસ તું મારા ગુનાહો માફ કરી દે.
આ હદીસના આધારે અલ્લાહના ઘણા બંદાઓનો મામૂલ છે કે તેઓ દરરોજ રાત્રે આ દુઆ ખાસ કરે છે. અને રમઝાન મુબારકની રાતોમાં અને તેમાં પણ ખાસ કરી છેલ્લા અશરાની એકી રાતોમાં આ દુઆનો વધુ એહતેમામ કરે છે.
ઇદના દિવસે શું પહેરશો ?
ઈદ વિશે એક ખૂબી ઓર યાદ આવી.
હદીસ શરીફમાં છે કે જયારે ઈદગાહમાં લોકો ભેગા થઈ જાય છે તો અલ્લાહ તઆલા ફરિશ્તાઓને ફરમાવે છે કે જે કર્મચારીએ પોતાનું કામ સારી રીતે પૂરું કરી દીધું હોય તો તેને શું બદલો આપવો જોઈએ?
ફરિશ્તાઓ અરજ કરે છે કે તેને તેનું પૂરું મહેનતાણું આપી દેવું જોઈએ.
એના ઉપર અલ્લાહ તઆલા ફરમાવે છે કે મારા જલાલ તથા ઇઝઝતની કસમ, આજે હું તેમને બખ્શી આપી છું.
હુઝૂર સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે અલ્લાહ તઆલા તથા ફરિશ્તાઓની વાતચીત વર્ણવીને પછી ફરમાવ્યું કે, બસ લોકો બખ્શા બખ્શાવ્યા (ઈદગાહથી) પાછા ફરે છે.
આ હદીસ શરીફ સાંભળ્યા પછી લોકોએ વિચારવું જોઈએ કે ઈદગાહમાં કેવી સૂરત બનાવીને જવું જોઈએ ? સૂરત શકલ અલ્લાહ તઆલાની મહેરબાની – કૃપાના લાયક તો હોય ! ઈનામ આપનારને ગમે એવી હોય.
જે લોક દાઢી મુંડાવે કે કતરાવે છે, તેમને જોઈએ કે આજથી જ તોબા કરી લે. હમેંશા માટે ન શકે તો બંને ઈદોના ગુઝરતા સુધી તો તેનાથી બચી જ રહે કે તેમાં મોટા દરબારમાં હાજરી થાય છે.
અમુક લોકો રેશમી લિબાસ પહેરી જાય છે. તેમણે સમજવું જોઈએ કે તેમની નમાઝ કુબૂલ થતી નથી. રેશમી લિબાસ ન પોતે પહેરે, ન પોતાના છોકરાઓને પહેરાવે. (ખુત્બાતે હકીમુલ ઉમ્મત, ગુજ. પેજ : ૨૭૫)
(આજકાલ ઘણા લોકો આધુનિક સ્ટાઈલના સૂટ અને અત્યંત ચુસ્ત લિબાસ પહેરીને જાય છે. જેનાથી માણસના અંગે અંગના આકાર સ્પષ્ટ દેખાય છે, બલકે વધારે રોમેન્ટિક અને ભડકાઉ લાગે છે. આવા લિબાસ કોઈ પણ રીતે ઈસ્લામી તો શું, માનવીય સંસ્કારોને પણ શોભે એવા નથી હોતા. માટે મુસલમાનોએ આવા લિબાસોથી બચવું જ જોઈએ.)
શરઈ માર્ગદર્શન ફતાવા વિભાગ
મવ. મુફતી અસ્જદ દેવલ્વી સાહેબ
તસ્દીક કર્તા મવ. મુફતી અહમદ દેવલા
(સદર મુફતી જામિઅહ જંબુસર)
કોરોના બીમારી અને સારવારને લગતા અમુક સવાલો કોરોના કારણે રોઝો ન રાખવો
સવાલઃ હું બીમાર છું, કોરોનાની અસર છે, ડોકટર કહે છે કે તમે રોઝા ના રાખશો, તો હું શું કરું? રોઝા નહીં રાખું તો ગુનેહગાર થઈશ ? તત્કાલ જવાબ આપશો.
જવાબ: (૧) حامدا و مصليا ومسلما
શરીઅતે બીમારીની હાલતમાં રોઝો ન રાખવાની છૂટ આપી છે, અલબત્ત જરૂરી છે કે મઝકૂર બીમારી રોઝો રાખવાના લઈ વધવાનો ખતરો હોય યા રોઝો રાખવાના કારણે મોડેથી તંદુરસ્ત થવાનો ભય હોય, બલકે એક સ્વસ્થ આદમી રોઝો રાખવાના લઈ બીમાર થઈ જવાનો ખતરો અનુભવતો હોય, તો તેવી વ્યકિત માટે પણ રોઝો ન રાખવાની છૂટ છે. અલબત્ત બીમારી અને ઉઝર ખતમ થયા બાદ રોઝાની કઝા કરવી જરૂરી છે, માટે રજૂ કરવામાં આવેલ સૂરતમાં આપના માટે રોઝો ન રાખવાની ઈજાઝત છે અને આપે લખેલ બીમારીની પરિસ્થિતિ જોતા રોઝો ન રાખવો બહેતર છે, અલબત્ત તંદુરસ્ત થયે તેની કઝા જરૂર કરી લેવામાં આવે. (દુર્ર/શામી : ૩ / ૪૦૩, ૪૦૪ ઉપરથી)
રોઝા દરમિયાન કોરોના ટેસ્ટ
સવાલઃ (૨) મેં રોઝો રાખેલ અને તાવ આવેલ, રેફરલ હોસ્પિટલમાં દવા લેવા ગયો, તો તેમણે કહયું કે તપાસ માટે ટેસ્ટ કરાવવો પડશે, તેમાં ડોટકરે મારા નાકમાં ટેસ્ટ માટે રૂ વીંટેલી લાકડી અંદર સુધી દાખલ કરી અને પછી તેને ખેંચી લીધી, તો મારો રોઝો ગણાશે ? અથવા તુટી ગયો ? શરીઅતનો હુકમ શું છે? જણાવશો.
જવાબ: (૨) حامدا و مصليا ومسلما
કોરોનાની તપાસ માટે રૂ વાળી લાકડી અથવા સળી નાક અથવા મોંઢા વાટે અંદર દાખલ કરી અને પછી થોડીક ક્ષણો અંદર રાખી બહાર કાઢી લેવામાં આવતી હોય અને તે લાકડી અથવા સળી સુકી હોય તેના ઉપર કોઈ લીકવીડ દવા ચોપડવામાં ન આવતી હોય અને તેનો કોઈ અંશ અંદર રહી જવા ન પામતો હોય તો તેની તપાસની રીતથી રોઝો તુટશે નહીં. હાલ તપાસ માટે જે રીત અપનાવવામાં આવે છે, તેમાં રોઝો તુટવાની કોઈ બાબત ઉપસ્થિત થતી નથી, માટે આપનો રોઝો તુટયો નથી, બાકી ગણાશે, હા, ટેસ્ટ કરાવ્યા બાદ આપે પોતાની રીતે રોઝો તોડનાર કોઈ વસ્તુ કરી હશે તો રોઝો તુટી જશે અને આપે કઝા કરવી પડશે, કફફારો આપવો પડશે નહીં. (શામી :૩)
રોઝા દરમિયાન નાસ અથવા ઓકસિજન લેવું
સવાલ (૩) : રોઝાની હાલતમાં ફેફસાઓની બિમારીના લઈને મશીનથી નાસ લેવામાં આવે અથવા ઓકિસજન લેવામાં આવે તો રોઝાનો શું હુકમ રહેશે?
જવાબ: (૩) حامدا و مصليا ومسلما
આપે સવાલમાં બે બાબતો માલૂમ કરી છે (૧) મશીનથી નાસ લેવું (૨) ઓકસિજન લેવું, પહેલી સૂરતનો હુકમ એ છે કે તેમાં રોઝો તુટી જશે. (શામી : ૩ / ૩૬૬ ઉપરથી, કિતાબુલ મસાઈલ : ૨ / ૧૬૨, નવાકિઝે સવમ સે મુતઅલ્લિક નયે મસાઈલ : ૧૯)
(૨) ઓકસિજન લેવાથી રોઝો તુટતો નથી, કારણ કે આ એક માત્રને માત્ર હવા જ હોય છે, અને હવાનું બદનમાં દાખલ થવું રોઝાને ફાસિદ નથી કરતું, હા, જો ઓકસિજન સાથે દવા યા અન્ય કોઈ વસ્તુ મિશ્રણ અને મિલાવટ કરવામાં આવી હોય અને તે વસ્તુ ગળાથી આગળ વધી જાય, તો રોઝો તુટી જશે અને આવી સૂરતમાં રોઝાની કઝા પણ કરવી પડશે. ફક્ત અલ્લાહ તઆલા વધુ જાણનાર છે. (ફતાવા મહમૂદિય્યહ:૧૦/૧૫૪, જદીદ ફિકહી મસાઈલ: ૧/૧૮૮ ઉપરથી)
રોઝા દરમિયાન નાકમાં લીંબુનો રસ કે ઝૈતૂનનું તેલ નાંખવું
સવાલ (૪) : રોઝાની હાલતમાં નાકમાં લીંબુનો રસ અથવા ઝૈતુનનું તેલ કે તલનું તેલ ટપકાવવું જાઈઝ છે કે નહીં?
જવાબ: (૪) حامدا و مصليا ومسلما
નાકમાં કોઈ પણ પ્રકારનું તેલ અથવા પ્રવાહી વસ્તુ નાખવાથી રોઝો તૂટી જાય છે, અલબત્ત આવી સૂરતમાં રોઝાની કઝા જરૂરી છે, કફફારો લાગુ થતો નથી. (કિતાબુલ મસાઈલ : ૨ / ૧૫૪ ઉપરથી)
રોઝા દરમિયાન કોરાના વેકસીન મુકાવવી
સવાલ : (૫) રોઝા દરમિયાન વેકસીન લેવાથી રોઝો રહેશે કે તૂટી જશે?
જવાબ: (૫) حامدا و مصليا ومسلما
જેમ સામાન્ય ઈન્જેક્શન લેવાથી રોઝા પર કોઈ અસર પડતો નથી, તેવી રીતે રસીકરણ અભિયાન દ્વારા આપવામાં આવતી વેકસીનથી પણ રોઝો તૂટતો નથી. (જવાહિરુલ ફિકહ જદીદઃ ૩/૫૧૯ ઉપરથી)
(તા. ૧૧ રમઝાનુલ મુબારક ૧૪૪૨ હિજરી)
બોધકથા
'ગુલિસ્તાં'માં શેખ સાદી રહ.એ એક કિસ્સો લખ્યો છે કે,
એકવાર હારૂન રશીદ બાદશાહના એક દીકરાને કોઈકે સિપાહીએ ગાળ આપી. એ સીધો બાપ પાસે આવ્યો અને શિકાયત કરી.
હારૂન રશીદે એની શિકાયત દરબારીઓ સામે મુકી અને સવાલ કર્યો કે, ગાળ આપનાર પ્રત્યે શું વર્તાવ કરવામાં આવે?
બધાએ એકથી ચડીને એક, જવાબો આપ્યા. કોઈકે કતલ કરવાનું તો તો કોઈએ ઝબાન વાઢી લેવાનું તો કોઈકે દેશનિકાલ કરી દેવાનું સુચન કર્યું. બધાથી છેલ્લે હારૂન રશીદે કહયું કે, બેટા, તમે એને માફી કરી દો એ આ બધી સજાઓ કરતાં વધારે સારું છે. અને માફ નથી કરી શકતા તો તમે બદલામાં એને એના જેવી ગાળ આપી દયો. એ જ શબ્દો અને એ જ ગાળ. એમાં તમે કંઈ વધારે બોલ્યા તો પછી તમે ગુનેગાર ગણાશો.
કિસ્સાથી પુરવાર થાય છે કે, માણસે પોતાના દીકરાઓને તરબિયત અને સંસ્કારમાં શું આપવાનું હોય છે. બદલાની ભાવના અને સત્તાનો નશો નહીં, બલકે અંતર – દિલની મોટાઈ અને બહારની નમ્રતા.
એ પણ સમજમાં આવે છે કે મોટા માણસે એની આસપાસના લોકોની ખુશામદથી બહેકીને કોઈ પગલું ન ભરવું જોઈએ. જેઓ માણસને અન્યો પ્રતિ ભલાઈ, માફી અને સદવર્તનની સલાહ આપે એ જ માણસના સાચા હમદર્દો અને દોસ્તો છે.
એક વાત કિસ્સાથી એ પણ સમજમાં આવે છે કે હારૂન રશીદના દીકરાએ પોતે એ સિપાહીને કોઈ સજા નથી કરી, બદલો નથી લીધો, બલકે બાપ પાસે આવીને શિકાયત કરી. એનાથી પુરવાર થાય છે કે હારૂન રશીદે એના દીકરાઓને કાયદો હાથમાં નહીં લેવાની સખત તાકીદ કરી હશે. નહીંતર શાહઝાદાઓ પોતે જ રય્યતને રાંક સમજીને પોતાનો ગુસ્સો ઠંડો કરી લેતા હોય છે.
The Best Time to Give Zakat is Ramadan
For Muslims around the world, Ramadan is a much revered and blessed month. Fasting is one of the five pillars of Islam that Muslims highly regard. Muslims fast for 29 to 30 days depending on the lunar calendar each year. Ramadan is regarded as a very special month as the first verses of the Holy Quran were revealed by God during this time. Ramadan is a time for self-contemplation, spiritual gains and reconnecting with the Almighty. Muslims all around the world try to make the most of this month by taking part in regular and congregational prayers, reading the Quran, forgiving people, being kind to others and giving charity, i.e. Zakat.
What is Zakat?
Zakat is a vital part of completing a Muslim individual's faith as it is the third pillar of Islam. Zakat basically means charity or welfare contribution to the poor and needy. For every sane and mature Muslim who has an economic activity leading to the net increase in his/her wealth, Zakat payment is mandatory. Cleansing one's wealth by contributing 2.5% of assets and income to the poor is an important aspect of worship to Islam.
What is the purpose of Zakat? : Zakat seeks to increase faith and devotion to God. It also serves as a net of social security for the poor and to uplift and support the entire community. Zakat helps keep the economy running by freeing people from burden and providing them with an opportunity to fulfil their potential. The act of giving Zakat not only cleanses the contributor's property but also the heart from selfishness and greed. When undertaken in a proper way, Zakat has long term effects on the condition of the entire Muslim community.
Do you have to pay Zakat in Ramadan?: Most Muslims choose to offer Zakat in Ramadan due to higher spiritual rewards in the holy month, but it is not necessary. Zakat should be paid once every year. The day a Muslim becomes the owner of minimum wealth that makes Zakat payable, they must calculate and pay the amount in the period of exactly one lunar year from this day. As Zakat is a responsibility, it is not permitted to delay payment when due.
How to give Zakat in Ramadan? One can easily continue giving Zakat as per the lunar year calculations, even in Ramadan. In addition to putting aside a portion of wealth for Zakat to be paid annually, it is also compulsory to give Zakat al Fitr which is food or money on behalf of fasting people. The food or money is equivalent to one day's meals for one fasting person. On behalf of every individual in the family, the head of the family pays this amount. Zakat al Fitr must be paid during the end of Ramadan but before the Eid prayer.
How to calculate Zakat?: After a full lunar year, it is mandatory to pay 2.5% of the wealth you own. Zakat needs to be paid on many kinds of wealth. It includes gold, silver, any ornaments containing 50% or more of gold or silver, cash in the bank or at home, property, bonds and pensions, land (other than where one resides) and money leased to others. છેલ્લા પાને
ઈટો અને ફૂલો સ્વીકારો
લોકો તમને ઈટો મારે તો આ ઈટને ભેગી કરો, અને તમારા જીવન ઘડતરમાં એનો ઉપયોગ કરો. જો તમને ફુલો-કળીઓ મારે, તો તમારા મુરબ્બીઓ–ઘડવૈયાઓને વહેંચી દયો. તમે નાદાન હતા ત્યારે ત્યારે તેમણે તમારો હાથ પકડયો હતો.
અનુભવ સફળતાનું પગથિયું છે
દરેક અસફળતાને જીવનના અનુભવનું એક આગળનું પગથિયું સમજો, જે આપને સફળતા અને પ્રગતિના તરફ દોરી જાય છે. રાત જેટલી લાંબી થાય છે, સવાર એટલી જ નજીક થતી જાય છે.
નેક દોસ્તો
પોતાના માટે નેક દોસ્તો પસંદ કરો, એમની શોધમાં રહો, નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમનું ફરમાન છે કે "માણસ તેના દોસ્તોના રસ્તે ચાલતો હોય છે, માટે દરેક માણસ જોઈ લે કે તે કોની સાથે દોસ્તી કરી રહ્યો છે. (તિર્મિઝી શરીફ)
દિલને મુહબ્બતથી આબાદ રાખો
દિલને અલ્લાહ તઆલા અને રસૂલની મહોબ્બતની હર્યુભર્યું રાખો. વાલિદૈનથી મહોબ્બત કરો. તમારી આસપાસ રહેતા લોકોથી પણ મહોબ્બત હેતથી રહો, મહોબ્બત- પ્રેમ દ્વારા યુવાનીમાં નવું જામ આવે છે. ઉંમર વધે છે. સંતોષની માયા પ્રાપ્ત થાય છે.
પોતાનો હિસાબ પહેલાં
હઝરત ઉમર રદિ.નું કથન છે, તમારો પોતાનો હિસાબ કરો, તે પહેલાં કે બીજાઓ દ્વારા તમારો હિસાબ કરવામાં આવે, વધુ સરળ આ છે કે તમે પોતાને તોળી લો, તે પહેલાં કે તમને બીજાઓ દ્વારા તોળવા-પારખવામાં આવે અને એવા દિવસ માટે તૈયારી કરી લો, જેમાં હજુ તમારે જવાનું છે અને ત્યાં કોઈ છૂપી વસ્તુ પણ છૂપી ન રહેશે.
આળસુ ન બનો
અંધારામાં મશાલ પ્રગટાવી પ્રકાશ પાથરો, પ્રકાશ પ્રગટાવતી ફાનસો પર પથ્થર ન મારો, અને સવાર પડે ત્યારે દિવસના આગમનનું અભિવાદન કરો, સુર્યોદય પણ જેમને જોવા ન મળે એવા આળસુ ન બનો. કમઝોર-નિ:સહાયની એટલી મદદ જરૂર કરો, જેથી તેની શકિત પાછી આવી જાય, કોઈ નિરાશને એટલો સધિયારો જરૂર આપો કે તે આશાનું કિરણ જોઈ લે, કોઈ ભટકેલાનું એટલું માર્ગદર્શન જરૂર આપો કે તે સીધા રસ્તે પડી જાય, ઘવાયેલાને મરહમ લાગાવો, પડી ભાંગેલાઓને ઉભા કરો, અને નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની નસીહત યાદ રાખો કે, એક મોમિન બીજા મો'મિનનો આયનો છે, મોમિન મો'મિનનો ભાઈ છે. તેના નુકશાનને અટકાવે છે, અને તેની રક્ષા કરે છે. (અબૂ દાઉદ શરીફ)