અલ-બલાગ : એપ્રિલ-2023

તંત્રી સ્થાનેથી

ભારત અને ભારતીય મુસલમાનો બાબતે આ એક સ્પષ્ટ નિષ્કર્ષ છે કે ભારતમાં ઈસ્લામનું વર્તમાન અસ્તિત્વ ભુતકાળના કોઈ દબાણ કે તલવારના જોરની બુનિયાદ ઉપર નથી. મુગલ, ગોરી, લોધી, ખિલજી કે અન્ય બહારથી આવનાર મુસલમાન રાજાઓ — સેનાઓ અહિંયા સત્તા માટે આવ્યા હતા, અને તે ઝમાનામાં દેશો જીતવા, પ્રદેશો સર કરવા અને સામ્રાજય સ્થાપવા રાજાઓ – મહારાજાઓમાં એવું જ પ્રચલિત હતું જેમ આજે લોકશાહીમાં કોઈ પાર્ટી એક પછી એક બધા વિવિધ રાજયોમાં પોતાની સરકાર બનાવીને કેન્દ્રમાં ગાદીએ બેસવાના પ્રયત્નો કરતી હોય છે. એટલે જ આ રાજાઓ અહિંયા આવીને જબરદસ્તી ધર્માતરણ કરાવવાના બદલે સ્થાનિક હિંદુઓને પોતાની સાથે કરીને, સૈન્ય અને શાસન વ્યવસ્થામાં સ્થાન આપીને રાજ કરતા રહયા. જેમને કટ્ટર કહેવામાં આવે છે એ બે દુશ્મનો ઓરંગઝેબ અને શિવાજી માંહે આ અજીબ સમાનતા હતી કે ઓરંગઝેબના લશ્કરમાં હિંદુ સેનાપતિઓ હતા તો શિવાજીના લશ્કરમાં મુસ્લિમ સેનાપતિઓ હતા.

અલબત્ત એક વાત જરૂર હતી, રાજાઓ અને એમની સેના સાથે આવનાર મુસલમાનો કે સુફી ઓલિયાઓની મહેનતથી જે લોકો મુસલમાન થયા, અથવા એમનાથી પણ પહેલાં દરિયા કિનારે આવતા વેપારી મુસલમાનો થકી જેઓ મુસલમાન થયા, એ બધા મુળ મુસલમાનો અને નવા મુસલમાન બનનાર લોકોમાં ઇસ્લામી આદર્શો અને તાલીમ થકી એક નવું જોમ અને જુસ્સો રહેતો હતો.

લોકો માટે, પ્રદેશ માટે, ગરીબો અને કચડાયેલા વર્ગ માટે, ઇસ્લામની આગવી ઓળખ અને એના આદર્શોને લોકો સુધી પહોંચાડીને માનવીય સમાનતા આધારિત એક સભ્ય - સંસ્કારી સમાજની રચના માટે તેઓ વ્યકિગત અને સામુહિક રીતે પ્રયત્નશીલ રહેતા હતા. તેઓ પોતાના વેપાર કે ખેતી માટે પણ જે કોશિશો કરતા એમાં પણ એક રીતે સમાજહિત અને માનવહિતનો ખ્યાલ સમાયેલો રહેતો હતો. પોતાના વર્તન અને વહેવારમાં ધર્મ અને માનવીય સંબંધોના મિશ્રણ થકી એમણે પોતાને અને પોતાના ધર્મને શ્રેષ્ઠ સાબિત કરી બતાવ્યો.

એનાથી વિપરીત આજે આપણે મુસલમાનોએ પોતાના અંદરથી સામુહિકતા, સમાનતા, સમાજહિત, માનવીય સંવેદનાઓને ખતમ કરી દીધી છે. આપણે સ્વાર્થી બની ગયા છે. વેપાર, ખેતી, શિક્ષણમાં જ નહીં, હવે ધર્માચરણ અને ઇબાદતો – આમાલમાં પણ આપણે સ્વાર્થી બની ગયા છીએ. કુરબાનીનો બકરાનું ગોશ્ત ઘરમાં સંઘરી લઈએ છીએ, ઇફતારીના મિષ્ટાન્ન આપણા રસોડેથી ગરીબો સુધી પહોંચતા નથી. તરાવીહ અને નમાઝમાં પણ પંખો અને એ.સી.ને શોધવામાં આવે છે. સદકા અને સખાવતોમાં પણ વાડાબંધી કરીએ છીએ.

આવી સ્થિતિમાં આપણી આસપાસ વસતા અન્ય ધર્મના ૮૦ ટકા લોકો સમક્ષ આપણે એક સંસ્કારી માનવીનું ઉદાહરણ પણ રજુ કરી શકવાની સ્થિતિમાં નથી, પછી એક આદર્શ મુસલમાન તરીકેનું મોડેલ તો આપણે કેવી રીતે રજૂ કરીએ ?

આપણે આ યાદ રાખવું જોઈએ કે પોતાને કે પોતાના કેરેકટરને સ્થાપવા માટે માણસે કુરબાની આપવી પડતી હોય છે. જેમ એક ધંધાને જમાવવા ખાતર ભારે કુરબાની આપવી પડતી હોય છે. આપણે મુસલમાનો પોતાના ધંધા સ્થાપવા ખાતર તો કુરબાની આપીએ છીએ, ખોટ ખમી લઈએ છીએ, પણ ઇસ્લામ અને ઈસ્લામના આદર્શોને સ્થાપવા ખાતર, સામેવાળાને એનો પરિચય આપવા ખાતર કેટલી કુરબાનીઓ આપીએ છીએ? કેટલું સહન કરીએ છીએ?

ધંધા, વાતચીત, વહેવાર, સંબંધો અને ઓળખમાં આપણે આદર્શ મુસલમાન હોવાનો પરિચય આપવા ખાતર અને ઈસ્લામની ખૂબીઓ સમજાવવા ખાતર પણ કંઈ કુરબાની આપતા થઈએ તો વર્તમાન ભારતમાં ફેલાયેલ ધાર્મિક ગલતફહમીઓ અને નફરતો ઘણા અંશે ઓછી થઈ શકે છે. ઈન્શાઅલ્લાહ.