અલ-બલાગ : ઓગસ્ટ-2024

તંત્રી સ્થાનેથી....



પરંતુ શું મુસ્લિમ બુદ્ધિજીવીઓ, આગેવાનો, વિવિધ દેશોના વડાઓ અને રાજાઓ કે વડાપ્રધાનો આ બધું સમજતા નથી ? નિશંક તેઓ પણ આ બધું સમજે છે, પણ કંઈ કરવા માંગતા નથી કે કરી શકતા નથી. વર્તમાન દોરની આ વાસ્તવિકતા છે. મુસ્લિમ વિશ્વના વડાઓ બાબતે કંઈ ખરાબ બોલ્યા વગર સારું ગુમાન રાખીએ તો એટલું કહી શકાય કે, સંજોગોને સમજીને તેઓ વર્તમાનમાં ફકત પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવાની કોશિશ કરી રહયા છે. જીવતા રહેવા માટે ફાંફા મારી રહયા છે. જાન બચી તો લાખો પાયે, આજે કોમ અને દેશને બચાવી લઈએ, કાલે નિશંક સંજોગો બદલાશે અને કોઈ એવો યોદ્ધો આવશે જે મુસલમાનોને એમની મઝલુમિયતમાંથી છોડાવીને ન્યાયને રસ્તે આગળ વધારશે. ઈન્શાઅલ્લાહ.

જે સ્થિતિ ઉપરના લેવલે રાજાઓ અને વડાઓની છે, એવું જ નીચે સુધી છે. બલકે નીચેના લેવલે સંજોગો વધારે ખરાબ છે. મુસલમાનોના આગેવાનો, સુધારકો, કોમી અને સામાજિક સંસ્થાઓના નેતાઓ, વડાઓ અને વડવાઓ સમાજ હિતને પણ ભૂલી ગયા છે, તેઓ આજકાલ વ્યકિગત હિત અને ફાયદો રાખીને કોમ અને સમાજનો સોદો કરી નાંખે છે. વધુ વિગત રજૂ કરવાની જરૂરત નથી, આપણી સામે રોજ બરોજ આવી ઘટનાઓ સામે આવતી રહે છે.

આવા સમયમાં આપણે શું કરવું જોઈએ, અથવા કોમ અને સમાજની ફિકર રાખતા માણસે કયો રસ્તો અપનાવીને કામ કરવું જોઈએ ? એની થોડી ચર્ચા કરવી છે. સૌ પ્રથમ યાદ રાખવું કે મસ્લિમ કોમ ઉપર ફક્ત ૧૪૦૦ વરસના સમય કાળ દરમિયાન પણ અનેક વાર કપરા સંજોગો આવ્યા છે. અમુકવાર તો થાય કે જાણે દુનિયામાંથી જ મુસલમાનો ખતમ થઈ જશે અને કોઈ એક બે પ્રદેશમાં મુસલમાનો ઉપર ખરાબ સંજોગો આવ્યા હોય એવી ઘટનાઓ તો અનેક.. આ બધો ઇતિહાસ સામે હોય તો હિંમત રહે છે. માયૂસીથી બચી શકાય છે. બીજી વાત આ છે કે પાછલા ઝમાનામાં જયારે સંજોગો ખરાબ થયા હતા ત્યારે શું રીત અપનાવવામાં આવી હતી એનો અભ્યાસ કરીને વર્તમાન મુજબ નવી રીત અપનાવવામાં આવે. જેમ કે ચંગેઝીઓ અને તાતારીઓના આક્રમણ વખતે જયારે મુસ્લિમ વિશ્વ ઉપર તારાજી આવી હતી તો મુસલમાન વિદ્વાનો અને ઉલમાએ કિરામે સત્તાના સમર્થન વગર અને સત્તાને લક્ષ્યમાં રાખ્યા વગર ફકત દીનની તાલીમ અને અનુસરણ ઉપર વધારે ભાર મુકયો અને પરિણામે દીન અને ઈસ્લામ ફરી જીવંત થઈ ગયો. એ સમયે તસવ્વુફ અને ખાનકાહોના માધ્યમથી આ કામ કરવામાં આવ્યું હતું, એટલે જ એ ઝમાનો તસવ્વુફનો સોનેરી કાળ કહેવાય છે. ભારતીય ઉપખંડમાં અંગ્રેજાએ મુસલમાન રાજાઓ પાસેથી સત્તા છીનવી તો દીની તાલીમ અને શિક્ષણને ઘણું નુકસાન થયું હતું, આ વેળા મવલાના કાસિમ નાનોત્વી રહ. અને એમના સાથીઓ દ્વારા સત્તાના સાથ વગર અને સત્તાના લક્ષ્ય વગર દીની તાલીમ માટે દારૂલ ઉલૂમ દેવબંદ અને મઝાહિર ઉલૂમ સહારનપૂર વગેરે મદરસાઓની શરૂઆત થઈ અને પછી નાના નાના મકતબો શરૂ કરવામાં આવ્યા.

આ બધા પ્રયાસો બતાવે છે કે ઇસ્લામ અને મુસલમાનોની ભલાઈ ઇચ્છનાર લોકો કદી માયૂસ નથી થયા, તેઓ સમયાનુસાર પ્રયાસો કરતા આવ્યા છે, આપણે પણ એ રસ્તે ચાલવાનું છે. પણ અગાઉ અમે વર્ણવ્યું છે એ મુજબ વર્તમાનમાં જે રુકાવટ આવી ગઈ છે એને હટાવવી જરૂરી છે. આજકાલ સમાજ અને કોમના ફાયદાને પાછળ છોડી દેવામાં આવ્યો છે. માણસના દિમાગ ઉપર વ્યક્તિગત હિત અને લાભનો નશો ચડી ગયો છે. આ બાબતે થોડી અમથી કુરબાની આપીશું તો પણ એનો ઘણો લાભ આપણને મળશે. અને છેલ્લી વાત આ છે કે આ કુરબાની માટે પોતાને દીનના રખેવાળ લોકો એટલે કે ઉલમા અને દીનદારોએ સહુથી પહેલાં આગળ આવવું પડશે.


શયતાની આરઝુઓ ગુમરાહીનો સબબ છે. 

જન્નત -જહન્નમનો આધાર આમાલ છે.

-મુફતી ફરીદ અહમદ કાવી.

اِنَّ اللّٰهَ لَا یَغْفِرُ اَنْ یُّشْرَكَ بِهٖ وَ یَغْفِرُ مَا دُوْنَ ذٰلِكَ لِمَنْ یَّشَآءُؕ - وَ مَنْ یُّشْرِكْ بِاللّٰهِ فَقَدْ ضَلَّ ضَلٰلًۢا بَعِیْدًا(116) اِنْ یَّدْعُوْنَ مِنْ دُوْنِهٖۤ اِلَّاۤ اِنٰثًاۚ-وَ اِنْ یَّدْعُوْنَ اِلَّا شَیْطٰنًا مَّرِیْدًا(117) لَّعَنَهُ اللّٰهُۘ-وَ قَالَ لَاَتَّخِذَنَّ مِنْ عِبَادِكَ نَصِیْبًا مَّفْرُوْضًا(118) وَّ لَاُضِلَّنَّهُمْ وَ لَاُمَنِّیَنَّهُمْ وَ لَاٰمُرَنَّهُمْ فَلَیُبَتِّكُنَّ اٰذَانَ الْاَنْعَامِ وَ لَاٰمُرَنَّهُمْ فَلَیُغَیِّرُنَّ خَلْقَ اللّٰهِؕ - وَ مَنْ یَّتَّخِذِ الشَّیْطٰنَ وَلِیًّا مِّنْ دُوْنِ اللّٰهِ فَقَدْ خَسِرَ خُسْرَانًا مُّبِیْنًا (119) یَعِدُهُمْ وَ یُمَنِّیْهِمْؕ-وَ مَا یَعِدُهُمُ الشَّیْطٰنُ اِلَّا غُرُوْرًا(120)اُولٰٓىٕكَ مَاْوٰىهُمْ جَهَنَّمُ٘- وَ لَا یَجِدُوْنَ عَنْهَا مَحِیْصًا(121) وَ الَّذِیْنَ اٰمَنُوْا وَ عَمِلُوا الصّٰلِحٰتِ سَنُدْخِلُهُمْ جَنّٰتٍ تَجْرِیْ مِنْ تَحْتِهَا الْاَنْهٰرُ خٰلِدِیْنَ فِیْهَاۤ اَبَدًاؕ-وَعْدَ اللّٰهِ حَقًّاؕ-وَ مَنْ اَصْدَقُ مِنَ اللّٰهِ قِیْلًا(122) لَیْسَ بِاَمَانِیِّكُمْ وَ لَاۤ اَمَانِیِّ اَهْلِ الْكِتٰبِؕ-مَنْ یَّعْمَلْ سُوْٓءًا یُّجْزَ بِهٖۙ-وَ لَا یَجِدْ لَهٗ مِنْ دُوْنِ اللّٰهِ وَلِیًّا وَّ لَا نَصِیْرًا(123)وَ مَنْ یَّعْمَلْ مِنَ الصّٰلِحٰتِ مِنْ ذَكَرٍ اَوْ اُنْثٰى وَ هُوَ مُؤْمِنٌ فَاُولٰٓىٕكَ یَدْخُلُوْنَ الْجَنَّةَ وَ لَا یُظْلَمُوْنَ نَقِیْرًا(124) وَ مَنْ اَحْسَنُ دِیْنًا مِّمَّنْ اَسْلَمَ وَجْهَهٗ لِلّٰهِ وَ هُوَ مُحْسِنٌ وَّ اتَّبَعَ مِلَّةَ اِبْرٰهِیْمَ حَنِیْفًاؕ-وَ اتَّخَذَ اللّٰهُ اِبْرٰهِیْمَ خَلِیْلًا(125) وَ لِلّٰهِ مَا فِی السَّمٰوٰتِ وَ مَا فِی الْاَرْضِؕ-وَ كَانَ اللّٰهُ بِكُلِّ شَیْءٍ مُّحِیْطًا(126) 


તરજમહ : બેશક, અલ્લાહ તઆલા એની સાથે કોઈને શરીક કરવાને કદી માફ નહીં કરશે, અને એના સિવાયના ગુના ચાહે તેના બખ્શી દેશે, અને જેણે અલ્લાહ સાથે કોઈને શરીક બનાવ્યો તો બેશક તે માણસ બહુ દૂરની ગુમરાહીમાં જઇ પડયો. (૧૧૬) એ (મુશરિક) લોકો તો અલ્લાહને છોડીને જેને પુકારે (પૂજે) છે તે બધી નારી જાતિ(ના માબૂદોની મૂર્તિઓ) છે, અને આમ તેઓ બદમાશ શયતાનને જ પૂજે છે (૧૧૭) એને તો અલ્લાહે પોતાની રહમતથી દૂર કર્યો છે અને ત્યારે એણે કહયું હતું કે હું તારા બંદાઓમાંથી એક નક્કી ભાગ મારા તરફ ખેંચી લઇશ (૧૧૮) અને હું એ લોકોને જરૂર ગુમરાહ કરીશ અને તેમને ખોટી ઉમ્મીદો અપાવીશ અને એમને એવો હુકમ આપીશ કે તેઓ જાનવરોના કાન ચીરશે અને એવો હુકમ કરીશ કે તેઓ અલ્લાહ તઆલાએ બનાવેલ સૂરતને બદલવા મજબૂર થઈ જશે. અને જે કોઈ માણસ અલ્લાહને છોડી શયતાનને દોસ્ત બનાવશે તો બેશક તે ખુલ્લું નુકસાન ઉઠાવશે. (૧૧૯) શયતાન લોકોને ફકત વાયદાઓ કરી શકે છે અને ખોટી ઉમ્મીદો અપાવે છે. અને શયતાન લોકોને ફક્ત ફરેબનો જ વાયદો કરી શકે છે. (૧૨૦) આવા લોકોનું ઠેકાણું જહન્નમ છે અને જહન્નમથી બચવાની કોઈ પનાહ એમને મળશે નહીં. (૧૨૧) અને જે લોકો ઈમાન લાવ્યા અને નેક કામો કર્યાં એમને ઘણા જલદી એવા બગીચાઓમાં દાખલ કરીશું, જયાં નીચે નહેરો વહેતી હશે, આ જન્નતમાં તેઓ હમેશા રહેશે. અલ્લાહનો આ વાયદો સાચો છે અને અલ્લાહથી વધુ સાચી વાત કહેનાર કોણ હોય શકે ?(૧૨૨) સવાબનો આધાર તમારી આશાઓ કે અહલે કિતાબની આશાઓ નથી. બલકે જે કોઈ માણસ પણ ગુનો કરશે તેને એનો બદલો (સઝા) મળશે અને અને તેની પાસે અલ્લાહના સિવાય કોઇ દોસ્ત કે મદદગાર નહીં હોય. (૧૨૩) અને જે કોઈ નેક કામ કરશે, પુરુષ હોય કે સ્ત્રી, અને તે મુઅમિન હોય, તો આ બધા જન્નતમાં દાખલ થશે અને તેમના ઉપર ઝરાયે ઝુલ્મ નહીં થાય. (૧૨૪) અને દીનમાં એનાથી વધારે સારો માણસ કોણ હોય શકે કે જેણે પોતાની ઝાતને અલ્લાહને તાબે કરી દીધી, અને તે નેક કામો કરનાર પણ હોય, તેમજ ઇબ્રાહીમ (અલૈ.)ના દીનને ફક્ત એના તરફ થઈને અનુસરતો હોય ? અને ઇબ્રાહીમ અલૈ.ને તો અલ્લાહ તઆલાએ ખાસ દોસ્ત બનાવ્યા છે. (૧૨૫) અને આસમાનો અને જમીનમાં જે કંઈ છે એ બધું અલ્લાહનું જ છે અને અલ્લાહ તઆલા દરેક વસ્તુને ઘેરી રાખનાર છે. (૧૨૬)

ઉપરોકત આયતો પહેલાં લગભગ એક રૂકૂઅમાં એક ઘટના બાબતે માર્ગદર્શન અને સંબંધિત બાબતો સમજાવવામાં આવી હતી. ત્યાર પછીની આ આયતોમાં સર્વગ્રાહી રીતે અલ્લાહ તઆલા એ ઘટનામાં સંડોવાયેલા લોકો ઉપરાંત દરેક મોમિન કાફિર માટે અમુક ખાસ ખાસ હુકમો અને કાયદાઓ બયાન ફરમાવે છે.

(૧) અલ્લાહ તઆલા કુફ્ર અને શિર્કના ગુનાહને માફ નથી કરતા. એટલે કે માણસ કુફ્ર કે શિર્કની હાલતમાં મરે તો આખિરતમાં આ ગુનો માફ કરવામાં નહીં આવે. એના સિવાયના ગુનાહોમાંથી અલ્લાહ તઆલા એની મરજી મુજબ જેટલા ગુના, જેના માટે એની મરજી હોય, માફ કરી દેશે. આ અલ્લાહ તઆલાએ પોતે બનાવેલ નિયમ છે. જેનું એ પોતે પાલન કરશે. માટે માણસે ગમે તે સ્થિતિ આવે, કુફ્ર શિર્કથી બચવું જોઈએ. અને એ સિવાય ગુનો થઈ જાય તો તોબા કરીને અલ્લાહ તઆલા પાસે માફી માંગી લેવી જોઈએ. જેથી માફી મળી જાય. એક કહેવાતા મુસલમાન (મુનાફિક) માણસે યહૂદી ઉપર તોહમત મુકીને એને બદનામ કરવાનો પ્રયત્ન કર્યો હતો, એ પણ તોબા કરી લેત તો માફી મળી જાત. પણ પોતાનો ફરેબ – દગો પકડાય ગયો તો એ કાફિરો સાથે જઈ ભળી ગયો, એ વધારે મોટો ગુનો છે. આ જ કાયદો દરેક માટે છે. માણસે ગુનો કર્યા પછી અલ્લાહ તઆલાથી માયૂસ થવાના બદલે એની પાસે માફી માંગવાની રીત અપનાવવી જોઈએ. ઘણા લોકો અમુક તમુક ગુના કર્યા પછી એમ સમજે છે કે આપણે તો મોટા ગુનેગાર થઈ ગયા છે, હવે તોબાનો શું ફાયદો ? અને આમ વિચારીને વધારે ગુના કરે છે, એ વધારે ખોટું છે.

(૨) શિર્ક અને કુફ્ર તો જાહેરી રીતે જ ખોટું કામ છે. કોઈ પણ સદબુદ્ધિ ધરાવનાર માણસ એને યોગ્ય ન કહી શકે. શિર્ક કરતા લોકો અલ્લાહને છોડીને જે માબૂદોને પૂજે છે એ વધુ પડતા નારી જાતિના હોય છે. એક તરફ તેઓ નારી જાતિને હલકી અને નિમ્ન સમજે છે અને પછી એ જ જાતિના માબૂદો બનાવીને પૂજે છે. વાસ્તવમાં શયતાન એમને બહેકાવીને એમની પાસે આવા કામો કરાવે છે. આવા માબૂદોની આસપાસ શયતાનો ઘણીવાર એવા કરતબ દેખાડે છે જેથી લોકોને લાગે કે અમારા માબૂદ શકિતશાળી છે. આમ તેઓ શયતાનને જ પૂજે છે એમ ગણાય.

(૩) શયતાન માણસનો દુશ્મન છે. અલ્લાહ તઆલાએ એના પોતાના દરબારમાંથી ધિક્કારીને બહાર કાઢી મુકયો છે. અને જયારે અલ્લાહ તઆલા એને ધિક્કારી રહયા હતા ત્યારે જ એણે દાવો કર્યો હતો કે હે ખુદા ! હું તમારા બંદાઓમાંથી એક નક્કી માત્રામાં લોકોને તારા રસ્તેથી ગુમરાહ કરી દઈશ. એમને તારા કહેવા પ્રમાણે ઇબાદત નહીં કરવા દઉં, બલકે મારા કહેવા પ્રમાણે એમને ચલાવીશ.

(૪) શયતાનનો દાવો છે કે તે અલ્લાહના બંદાઓને ગુમરાહ કરવાનો પ્રયત્ન જરૂર કરશે, અમુકને ગુમરાહ પણ કરશે.

શયતાન અલ્લાહના બંદાઓને ખોટી આરઝુઓ, તમન્નાઓમાં ફસાવશે, જાહેરમાં સારી દેખાતી વસ્તુઓની મળવાની આશા દેખાડીને એમને ગુમરાહ કરશે. ગુનાહોને એવા આકર્ષક બનાવશે કે માણસ એને કરવા પડાપડી કરશે. માણસમાં આશા જગાડશે કે વ્યાજુ કારોબાર કરીને તે મોટો માલદાર બની શકે છે. આર્થિક રીતે સદ્ધર બનવા માટે વ્યાજુ લેવદ દેવડ વગર છુટકો નથી. પરદો ઓરતોની પ્રગતિમાં અવરોધક છે. ઓરતો બહાર નીકળીને કામ કરશે તો કુટુંબની પ્રગતિ થશે. વગેરે. આ બધી શયતાની આરઝુઓ છે. એનો ખુલાસો એ છે કે જો આખિરતની આરઝૂ વધારે મજબૂત હોય તો માણસ એને પામવા શરીઅતની પાબંદીઓને અનુસરશે. પણ શયતાનનું કામ આ છે કે માણસના દિલમાંથી આખિરતની આરઝૂઓના બદલે દુનિયાની આરઝૂઓ વધારે મજબૂત કરી દેશે. જેથી એને પામવા ગમે તે કરી છુટે.

(૫) શયતાન કહે છે કે હું એમને એક અલ્લાહને ભુલાવીને મુર્તિઓ પાછળ એવા ગાંડા કરી દઈશ કે તેઓ એના માટે પણ જાનવરોની બલિ આપશે. એના નામ ઉપર કાન ચીરીને જાનવરો છુટા મુકી દેશે અને સમજશે કે એનાથી અમારો માબૂદ ખુશ થશે.

(૬) શયતાન કહે છે કે હું લોકોને એવા ગુમરાહ કરીશ કે તેઓ અલ્લાહની બનાવટને બદલવા તૈયાર થઈ જશે. મર્દ પોતાને ઓરત બનાવશે. ઓરત પોતાને મર્દ બનાવીને સામે આવશે. વગેરે.. આજકાલ તો પૂર્ણ રીતે જેન્ડર ચેન્જ કરવાના ઓપરેશન કરવા - કરાવવામાં આવે છે. કુરઆનની આ આયતમાં એને સ્પષ્ટ રીતે શયતાની કામ કહેવામાં આવ્યું છે. શરીર ઉપર ટેટું બનાવવા, ઓરતોએ મર્દો જેવા અને મર્દોએ ઓરતો જેવા વાળ રાખવા, વગેરે પણ શયતાની કામો છે. શયતાનને પોતાનો આદર્શ બનાવીને જે કોઈ એના કહેવા ઉપર ચાલશે એ મોટા નુકસાનમાં રહેશે. કારણ કે એમાં અલ્લાહની દુશ્મની છે. શયતાન તરફ જે કંઈ માણસના દિલમાં નાખવામાં આવે છે એ બધા ગુનાના ખ્યાલો ઇરાદોઓની હકીકત ફકત આરઝૂઓ છે, શોખ અને સપનાઓ છે, માણસ એની પાછળ ગાંડો થઈને આખિરતને ભૂલી જાય છે. અને જયારે મોત આવે છે ત્યારે ખબર પડે છે કે હવે તો સામે આખિરત છે, પેલા બધા શોખ અને આરઝૂઓ તો શયતાની દગો હતો.

(૭) જે માણસ શયતાની રસ્તે ચાલે છે એ જહન્નમનો હકદાર ઠરે છે. અને કુફ્ર શિર્કની હાલતમાં જ મરવાને કારણે જહન્નમમાંથી નીકળવાનું પણ નસીબ નહીં થાય. એનાથી વિપરીત જે માણસ અલ્લાહ અને રસૂલ ઉપર ઈમાન લાવે છે, નેક કામો કરે છે એને અલ્લાહ તઆલા એવી જન્નત આપશે કે એના મહેલો નીચેથી સાફ મીઠા પાણીની નહેરો વહેતી હશે, અને એમાં સદાયે રહેવાનું મળશે.

(૮) આરિખતના સવાબનો આધાર નેક આમાલ છે. ખોખલી ઉમ્મીદોના આધારે કોઈને કંઈ નહીં મળે. યહૂદીઓ એમ સમજે છે કે અમે લોકો તો અલ્લાહના બેટાઓ છે, અમે ગમે તે કરીએ ચાલશે. અલ્લાહ તઆલા એના બેટાઓને જહન્નમ નહીં, જન્નતમાં જ મોકલશે. ઈસાઈઓ પણ એમ કહે છે કે અમારે સીધા જન્નતમાં જવાનું છે. જન્નત અમારા માટે જ છે. અમારા નબી અમને જન્નતમાં લઈ જશે. આ બધી આરઝૂઓ ખોટી છે. અને હે મુસલમાનો ! તમને પણ જન્નત નેક આમાલથી જ મળશે. તમે પણ એવી આરઝુ રાખો કે અમે તો અલ્લાહના મહબૂબ મુહમ્મદ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની ઉમ્મત છીએ, તો એનાથી કંઈ જન્નત નહીં મળે.

(૯) જે કોઈ માણસ ગુનો કરશે એને એનો બદલો જરૂર મળશે. અને અલ્લાહ તઆલા પાસે હિસાબ કિતાબ થશે ત્યારે કોઈની મદદ કામ નહીં આવે. અને જે માણસ અલ્લાહ અને રસૂલ ઉપર ઈમાન લાવવાની સાથે નેક કામો કરશે એને જન્નત મળશે. કોઈના ઉપર રજમાત્ર ઝુલમ અલ્લાહ તઆલા નહીં કરે. માણસ ઇમાન ધરાવતો હશે પણ થોડા ઘણા ગુનાહો કર્યા હશે તો અલ્લાહ તઆલા રહમ કરીને એને માફ કરશે અથવા ગુનાહો મુજબ જહન્નમ ભોગવીને પછી જન્નત મળશે.

(૧૦) હઝ. ઈબ્રાહીમ અલૈ. અલ્લાહ તઆલા ખાસ પ્યારા નબી છે. એમના દીન અને તરીકાની વિશેષતા એ છે કે તેઓ શિર્ક નથી કરતા. એમના પછી બધા જ નબીઓ એમના તરીકા મુજબ શરીઅત લઈને આવ્યા છે. શરીઅતે મુહમ્મદી પણ હઝ. ઈબ્રાહીમ અલૈ.ના સિદ્ધાંતો મુજબ જ છે. એટલે દરેક માણસે એને અનુસરવી જરૂરી છે. અને સૌથી શ્રેષ્ઠ માણસ તે જ કહેવાશે જે હઝ. ઈબ્રાહીમના દીન એટલે કે તવહીદને એકચિત્તે અપનાવી લે. એટલે કે આમ તેમ બિલ્કુલ ન ફરકે. પુરો દીને ઇબ્રાહીમ એટલે કે તવહીદ અપનાવી લે.

(૧૧) આસમાન, જમીન અને એમાં જે કંઈ છે એ બધું અલ્લાહની માલિકી છે, એણે જ બનાવ્યું છે, એની હસ્તી આ બધાને ઘેરી રાખનાર છે, એટલે કોઈ પણ વસ્તુ એની કુદરતથી બહાર નથી. બધું એના તાબામાં છે. આવી જ હકીકત હોય તો સમજદારી એમાં જ છે કે અલ્લાહના તાબેદાર થઈને રહીએ અને નાફરમાની ન કરીએ.



મઆરિફુલ હદીસ

હઝરત મવલાના મંઝૂર નોમાની (રહ.) 

અનુવાદ : મવલાના યાકૂબ બારીવાલા સા. રહ. (બ્લેકબર્ન. યુ.કે.)

ભાગ નંબર: ૧૮૫

સુબ્હાનલ્લાહિ વબિહમ્દિહી અને લા-ઈલાહ ઈલ્લલ્લાહની ફઝીલત-બરકત

(۲۰) عَنْ جُوَيْرِيَّةَ  ؓأَنَّ النَّبِيﷺ خَرَجَ مِنْ عِنْدِهَا بُكْرَةً حِينَ صَلَّى الصُّبْحَ وَهِيَ فِي مَسْجِدِهَا ثُمَّ رَجَعَ بَعْدَ أَنْ أَضْحٰى وَهِيَ جَالِسَةٌ قَالَ مَا زِلْتِ عَلَى الْحَالِ الَّذِي فَارَقْتُكِ عَلَيْهَا ؟ قَالَتْ نَعَمُ ، قَالَ النَّبِيُّ ﷺ لَقَدْ قُلْتُ بَعْدَكِ أَرْبَعَ كَلِمَاتٍ ثَلٰثَ مَرَّاتٍ لَوْ وُزِنَتْ بِمَا قُلْتِ مُنْذُ الْيَوْمَ لَوَزِنَتْهُنَّ سُبْحَانَ اللّهِ وَبِحَمْدِهِ عَدَدَ خَلْقِهِ وَزِنَةَ عَرْشِهِ وَرِضٰى نَفْسِهِ وَمِدَادَ كَلِمَاتِهِ - (رواه مسلم) 

હઝરત ઉમ્મુલમુઅમિનીન જુવૈરીયા રદિ.થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ) એક દિવસ ફજરની નમાઝ પઢયા પછી તેણી પાસેથી બહાર ગયા, તેઓ તે સમયે પોતાની નમાઝની જગ્યાએ બેસી કંઈ પઢી રહ્યા હતા, પછી આપ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ મોડેથી ચાસ્તના સમયે પાછા પધાર્યા, હઝરત જુવૈરીયા રદિ. તે જ મુજબ બેઠા પોતાના વજીફામાં મશ્ગુલ હતા, આપ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમે તેમને ફરમાવ્યું : હું જયારથી તમારી પાસેથી ગયો, શું તમે એ જ હાલતમાં બરાબર બેસી પઢતા રહ્યા ? તેમણે અરજ કરી જીહાં. આપ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમે ફરમાવ્યું તમારી પાસેથી ગયા પછી મેં ચાર કલિમા ત્રણવાર કહ્યા, જો તે તમારા પુરા વજીફા સાથે વજન કરવામાં આવે જે તમે આજે સવારથી પઢો છો. તો તેનું વજન વધી જશે. તે કલિમાઓ આ છે. "સુબ્હાનલ્લાહિ, વબિહમ્દીહી, અદદ ખલ્કીહી વ ઝિનત અર્શીહી, વ રિઝા નફસિહી, વ મિદાદ કલિમાતિહી." અલ્લાહ તઆલાની તસ્બીહ અને હમ્દ બધી સૃષ્ટિની સંખ્યા અને તેના મહાન અર્શના વજન બરાબર, અને તેની પાક જાતની રજામંદી પ્રમાણે અને તેના કલિમાઓની હદ મુજબ. (મુસ્લિમ શ.)

(۲۱) عَنْ سَعْدِ بْنِ أَبِي وَقَاصٍ أَنَّهُ دَخَلَ مَعَ النَّبِيِّ ﷺ عَلَى امْرَأَةٍ وَبَيْنَ يَدَيْهَا نَوًى أَوْ  حَصًى تُسَبِّحُ بِهِ فَقَالَ أَلَا أُخْبِرُكِ بِمَا هُوَ أَيْسَرُ عَلَيْكِ مِنْ هَذَا أَوْ أَفْضَلُ سُبْحَانَ اللّهِ عَدَدَ مَا خَلَقَ فِي السَّمَاءِ وَسُبْحَانَ اللهِ عَدَدَ مَا خَلَقَ فِي الْأَرْضِ وَسُبْحَانَ اللّهِ عَدَدَ مَا بَيْنَ ذَالِكَ وَسُبْحَانَ اللهِ عَدَدَ مَا هُوَ خَالِقُ وَاللّهُ أَكْبَرُ مِثْلَ ذَالِكَ وَالْحَمْدُ لِلّهِ مِثْلَ ذَالِكَ وَلَا إِلٰهَ إِلَّا اللّهُ مِثْلَ ذَالِكَ وَلَا حَوْلَ وَلَا قُوَّةَ إِلَّا بِاللّهِ مِثْلَ ذَالِكَ (رواه الترمذي وأبو داود) 

હઝરત સઅદ બિન અબી વક્કાસ રદિ.થી રિવાયત છે કે તેઓ રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ) સાથે એક સ્ત્રી પાસે પહોંચ્યા તેણીની સામે ખજૂરની થોડી ગોટલીઓ પડેલી હતી. (અથવા કાંકરા હતા) તેણી તે ગોટલીઓ અથવા કાંકરાઓ પર તસ્બીહ પઢતાં હતા, રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે ફરમાવ્યું હું તમને તે વસ્તુ ન બતાવું જે તમારા માટે એનાથી વધુ સહેલું છે. (અથવા ફરમાવ્યું કે એનાથી વધુ અફઝલ છે) તે એ છે કે આ પ્રમાણે કહો :

سُبْحَانَ اللهِ عَدَدَ مَا خَلَقَ فِي السَّمَاءِ وَسُبْحَانَ اللّهِ عَدَدَ مَا خَلَقَ فِي الْأَرْضِ وَسُبْحَانَ اللّهِ عَدَدَ مَا بَيْنَ ذَالِكَ وَسُبْحَانَ اللّهِ عَدَدَ مَا هُوَ خَالِقُ 

સુબ્હાનલ્લાહ બધી આસ્માની મખ્લૂકની સંખ્યા પ્રમાણે સુબ્હાનલ્લાહ બધી ધરતીની મખ્લૂકની સંખ્યા મુજબ, સુબ્હાનલ્લાહ ધરતી અને આકાશ વચ્ચેની બધી મખ્લૂકની સંખ્યા મુજબ સુબ્હાનલ્લાહ તે બધી મખ્લૂકની સંખ્યા પ્રમાણે જેનો તે હમેશાં હમેશ સુધી સર્જનહાર છે. અને (અલ્લાહુ અકબર) એ જ પ્રમાણે, અને (અલ્હમ્દુલિલ્લાહ) એ જ મુજબ (લા ઈલાહ ઈલ્લલ્લાહ) એ જ મુજબ અને (લા હવ્લ વલા કુવ્વત) એ જ મુજબ. (તિર્મિઝી, અબૂ દાઉદ)

ખુલાસો : આ બંને હદીસોથી માલમ થયું કે વધારે સવાબ મેળવવાની એક રીત વધુ ઝિક્ર છે. તો બીજી રીત આ છે કે સાથે એવા શબ્દો ઉમેરવામાં આવે જે વધુ સંખ્યા બતાવતા હોય, જેમકે ઉપરની હદીસોમાં હુઝૂર સલ્લલ્લાહુ અલયહી વસલ્લમે બતાવ્યું છે. અહીંયા એ વાત પણ ધ્યાનમાં લેવા જેવી છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ)એ જાતે અમુક હદીસોમાં વધારે ઝિક્રની પ્રેરણા આપી છે. અને નજીકમાં જ તે હદીસ પસાર થઈ ચુકી છે. જેમાં આપ (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ) દરરોજ સવારે "સુબ્હાનલ્લાહિ વબિહમ્દીહી" કહેનારના ગુનાહો માફ થવાની ખુશખબર સંભળાવી છે. એટલા માટે હઝ. સઅદ બિન અબી વક્કાસ રદિ.ની રિવાયત કરેલી આ હદીસ અને એનાથી આગલી હઝરત જુવેરીયા રદિ.ની હદીસથી વધારે ઝિક્રની મનાઈ કે ન પસંદ હોવું સમજવું ખોટું છે. આ બન્નેવ હદીસોનો ભાવાર્થ અસલમાં એ છે કે વધારે સવાબ પ્રાપ્ત કરવા માટેનો એક સહેલો માર્ગ એ પણ છે અને ખાસ તે લોકો જે પોતાની ખાસ હાલતના કારણે ઝિક્ર માટે વધુ વખત કાઢી શકતા નથી તેઓ આ રીતે ઘણો સવાબ મેળવી શકે છે.

હઝરત શાહ વલિયુલ્લાહ રહ.એ એ બાબતમાં ફરમાવ્યું છે કે જે માણસનો હેતુ પોતાના અંતર આત્મા અને જીવનને ઝિક્રના રંગમાં રંગવો હોય તેણે વધુ ઝિક્રનો માર્ગ અપનાવવો જરૂરી છે. અને જેનો હેતુ ઝિક્રથી ફકત આખિરતનો સવાબ પ્રાપ્ત કરવો હોય તેણે એવા ઝિક્રના કલિમાઓ ચુંટવા જોઈએ જે અર્થના આધારે વધારે ઉંચા અને બહોળા હોય, જેમકે આ બન્નેવ હદીસોમાં વર્ણન છે.

હઝ. સઅદ બિન અબી વક્કાસ રદિ.ની આ હદીસથી એ પણ જાણવા મળ્યું કે નબવી યુગમાં તસ્બીહનો રિવાજ ન હતો, પરંતુ અમુક લોકો એ હેતુસર ગોટલીઓ અથવા કાંકરા વાપરતા હતા, અને રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમે તેમને તેનાથી રોકયા નહીં, સ્પષ્ટ છે કે આ રીત અને તસ્બીહમાં કોઈ ફરક નથી, બલકે તસ્બીહ તેની જ એક પ્રગતિ પ્રાપ્ત અને સહેલી રીત છે. જે લોકોએ તસ્બીહને બિદઅત ગણી છે. બેશક તેમણે સખ્તી અને અતીશયોકતીથી કામ લીધું છે.

લા ઈલાહ ઈલ્લલ્લાહની ખાસ ફઝિલત

(۲۲) عَنْ جَابِرٍ قَالَ قَالَ رَسُولُ اللهِ ﷺ أَفْضَلُ الذِّكْرِ لَا إِلٰهَ إِلَّا الله (الترمذي وابن ماجة) 

હઝરત જાબિર રદિ.થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ)એ ફરમાવ્યું સૌથી અફઝલ ઝિક્ર 'લા ઈલાહ ઈલ્લલ્લાહ' છે.

ખુલાસો :- હઝરત સમુરહ બિન જુન્દુબ રદિ.વાળી હદીસ પહેલાં વર્ણન થઈ ચુકી જેમાં ફરમાવ્યું હતું કે બધા કલિમાઓમાં અફઝલ આ ચાર કલિમા છે. "સુલ્હાનલ્લાહ" "અલ્હમ્દુલિલ્લાહ" "લા ઈલાહ ઈલ્લલ્લાહ" અને "અલ્લાહુ અકબર" અને હઝરત જાબિર રદિ. વાળી હદીસમાં "લા ઈલાહ ઈલ્લલ્લાહ'ને સૌથી અફઝલ કલિમો બતાવ્યો છે. હકીકત એ છે કે દુનિયાભરના બીજા બધા કલિમાઓ અને કલામોના મુકાબલામાં તો આ ચાર કલિમા અફઝલ છે. પરંતુ તે બધામાં "લા ઈલાહ ઈલ્લલ્લાહ" તેમનાથી વધુ અફઝલ છે. કેમકે "લા ઈલાહ ઈલ્લલ્લાહ" બાકી ત્રણ કલિમાઓના ભાવાર્થને પણ પોતાના અંદર સમેટી લે છે. જયારે બંદો એવું કહે છે કે માબૂદ બરહક ફકત અલ્લાહ તઆલા છે. તેના સિવાય કોઈ નથી. તો તેના તાબામાં આ વાત જાતે જ આવી જાય છે. કે તે દરેક કમી અને એબથી પાક અને પવિત્ર છે. અને બધા જ કમાલના ગુણોનો તે એકત્ર કરનાર છે. અને બુઝુર્ગી તેમ મોટાઈમાં તે જ મહાન છે. કેમકે જે કોઈની ભાગીદારી વગર એકલો જ માબૂદ હોય તેમાં આ બધી વાતો હોવી જરૂરી છે. એટલા માટે જેણે ફકત "લા ઈલાહ ઈલ્લલ્લાહ" કહ્યું, તેણે તે બધુ જ કરી નાંખ્યું જે "સુબ્હાનલ્લાહ" "અલ્હમ્દુલિલ્લાહ' અને 'અલ્લાહુ અકબર' મારફત કહેવામાં આવે છે. તે સિવાય "લા ઈલાહ ઈલ્લલ્લાહ" ઈમાનનો કલિમો છે. એટલા માટે બધા જ પયગામ્બરોની તાલીમનો પહેલો પાઠ છે. અને પોત પોતાના અનુભવ મુજબ આરિફો અને સુફીઓ એના પર સહમત છે કે અંતર આત્માની સફાઈ અને દિલને દરેક તરફથી વાળી અલ્લાહ તઆલા સાથે બાંધવામાં સૌથી વધુ અસર કારક એ જ કલિમો 'લા ઈલાહ ઈલ્લલ્લાહ'નો ઝિક્ર છે. એ જ કારણે એક હદીસમાં રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ)એ ઈમાની કેફિયતને દિલમાં તાજગી અને પ્રગતી માટે એ કલિમો "લા ઈલાહ ઈલ્લલ્લાહ"ને વધુ પઢવાનો હુકમ આપ્યો છે.

(۲۳) عَنْ أَبِي هُرَيْرَةَ  قَالَ قَالَ رَسُولُ اللَّهِ ﷺ مَا قَالَ عَبْدٌ لَا إِلٰهَ إِلَّا اللّهُ مخلصاً مِنْ قَلْبِهِ إِلَّا فُتِحَتْ لَهُ أَبْوَابُ السَّمَاءِ حَتّٰى تُقْضِي إِلَى الْعَرْشِ مَا اجْتَنَبَ الكَبَائِرِ - (رواه الترمذي)

હઝરત અબૂ હુરૈરહ રદિ.થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ)એ ફરમાવ્યું જે બંદો દિલના ઈખ્લાસ સાથે "લા ઈલાહ ઈલ્લલ્લાહ" કહે, તેના માટે જરૂર આકાશના દ્વાર ખુલી જાય છે. અને તે કલિમો અર્શે ઈલાહી સુધી પહોંચી જાય છે. એ શર્તે કે તે માણસ કબીરા ગુનાહથી બચે.

ખુલાસો :- આ હદીસમાં "લા ઈલાહ ઈલ્લલ્લાહ"ની એક ખાસ ફઝીલત અને ખાસીયતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જો ઇખ્લાસથી એ કલિમો પઢવામાં આવે અને અલ્લાહથી દૂર કરનાર મહાન ગુનાહોથી બચવાનો પ્રયત્ન કરે તો આ કલિમો સીધો અર્શે ઈલાહી સુધી પહોંચે છે. અને ખાસ કબુલિય્યતથી નવાજવામાં આવે છે. અને તિર્મિઝીની જ એક હદીસમાં છે કે

وَلَا إِلٰهَ إِلَّا اللّهَ لَيْسَ لَهَا حِجَابٌ مِنْ دُونِ اللّهِ حَتّٰى تَخَلُصَ إِلَيْهِ

(લા ઈલાહ ઈલ્લલ્લાહ અને અલ્લાહ તઆલાની વચ્ચે કોઈ પરદો નથી આ કલિમો સીધો અલ્લાહ તઆલા પાસે પહોંચે છે.)

અર્થાત કે અલ્લાહ તઆલાના ઝિક્રના બીજા કલિમાઓના મુકાબલામાં આ કલિમાની આ એક ખાસ ફઝીલત અને ખાસીયત છે. હઝ. શાહ વલિયુલ્લાહ રહ. ફરમાવે છેઃ લા ઈલાહ ઈલ્લલ્લાહમાં ઘણી ખાસયતો છે. પહેલી આ છે કે તે ઉઘાડા શિર્કને નાબૂદ કરે છે. બીજી આ કે છુપા શિર્કને પણ નાબૂદ કરે છે. ત્રીજી આ છે કે તે બંદાની અને અલ્લાહ તઆલાની ઓળખ વચ્ચેના પર્દાઓને ભષ્મ કરી મ‌અરિફત અને કુર્બનું સાધન બની જાય છે.

(٢٤) عَنْ أَبِي سَعِيدِنِ الْخُدْرِى قَالَ قَالَ رَسُولُ اللَّهِ ﷺ قَالَ مُوسٰى عَلَيْهِ السَّلَام يَارَبِّ عَلِّمْنِي شَيْئاً أَذْكُرُكَ بِهِ أَوْ أَدْعُوكَ بِهِ فَقَالَ يَا مُوْسٰى قُلْ لَا إِلٰهَ إِلَّا الله فَقَالَ يَا رَبِّ كُلُّ عِبَادِكَ يَقُولُ هٰذَا إِنَّمَا أُرِيدُ شَيْئًا تَخُصُّنِي بِهِ قَالَ مُوسٰى لَوْ أَنَّ السَّمٰوَاتِ السَّبْعَ وَعَامِرَهُنَّ غَيْرِى وَالْأَرْضِينَ السَّبْعَ وُضِعْنَ فِي كِفَّةٍ وَلَا إِلٰهَ إِلَّا اللّهُ فِي كِفَّةٍ لَمَالَتْ بِهِنَّ لَا إِلٰهَ إلا الله - (رواه البغوي في شرح السنة) 

હઝરત અબૂ સઈદ ખુદરી રદિ.થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ)એ બયાન ફરમાવ્યું કે અલ્લાહના નબી મુસા અલૈ.એ અલ્લાહ તઆલાના દરબારમાં અરજ કરી કે અય મારા પરવરદીગાર! મને કોઈ એવો કલિમો શિખવાડ જેના વડે હું તારો ઝિક્ર કર્યા કરું, (અથવા કહ્યું કે જેના વડે તને પુકારું) તો અલ્લાહ તઆલાએ ફરમાવ્યું કે અય મુસા અલૈ. "લા ઈલાહ ઈલ્લલ્લાહ" કહ્યા કરો, તેમણે અરજ કરી કે મારા રબ ! એ કલિમોતો દરેક જ તારા બંદા કહે છે. હું તો કોઈ એવો કલિમો ઈચ્છુ છું જે આપ ફકત મને જ બતાવો ? અલ્લાહ તઆલાએ ફરમાવ્યું: અય મુસા અલૈ. જો સાત આસમાન અને મારા સિવાય બધી જ સૃષ્ટિ જેનાથી આસમાનો ભરેલા છે. અને સાતેવ ધરતીઓ એક ત્રાજવામાં મુકવામાં આવે અને "લા ઈલાહ ઈલ્લલ્લાહ" બીજા ત્રાજવામાં, તો "લા ઈલાહ ઈલ્લલ્લાહ'નું વજન બધાથી વધી જશે.

ખુલાસો :- મુસા અલૈ.ને અલ્લાહ તઆલા સાથે બંદગી અને મહોબ્બતનો ખાસ સંબંધ હતો. એમને ખાસ નજદીકીની તમન્ના હતી, એટલે તેમણે અલ્લાહ તઆલા પાસે અરજ કરી કે મને કોઈ ખાસ કલિમાનું શિક્ષણ આપવામાં આવે. અલ્લાહ તઆલાએ તેમને "લા ઈલાહ ઈલ્લલ્લાહ" બતાવ્યો, જે ઝિક્રમાં સૌથી અફઝલ છે. તેમણે અરજ કરી કે મારી અરજ તો કોઈ ખાસ કલિમા માટે છે. જે ફકત મને જ મળવો જોઈએ. મતલબ કે "લા ઈલાહ ઈલ્લલ્લાહ"ના કલિમાનું આમ હોવું તેની કિંમત અને બુઝુર્ગી વિષે તેમના માટે આડ બની ગઈ. એટલા માટે બતાવવામાં આવ્યું કે "લા ઈલાહ ઈલ્લલાહ"ની હકીકત ધરતી આકાશની બધી સૃષ્ટિના મુકાબલામાં વધુ કિંમતી અને વજનદાર છે. એ અલ્લાહ તઆલાની આમ રહમત છે કે તેણે પયગમ્બરો મારફત આ મહાન નેઅમત દરેકને જ અર્પણ કરી છે. મતલબ કે નબીઓ અને રસૂલો માટે પણ લા ઈલાહ ઈલ્લલ્લાહથી વધુ બરકતવંત કલિમો બીજો કોઈ નથી. આ મહા મુલ્ય નેઅમતે ખુદાવંદીના આભાર પેટે આ કલિમાને પોતાનો વજીફો બનાવવામાં આવે અને વધુ પઢી અલ્લાહ તઆલા સાથે ખાસ સંબંધ બાંધવામાં આવે.

કલિમએ તૌહિદની ખાસ બુઝુર્ગી અને બકરત

(٢٥) عَنْ أَبِي هُرَيْرَۃَ قَالَ قَالَ رَسُولُ اللهِ ﷺ مَنْ قَالَ لَا إِلٰهَ إِلَّا اللّهُ وَحْدَهُ لَا شَرِيكَ لَهُ لَهُ الْمُلْكُ وَلَهُ الْحَمْدُ وَهُوَ عَلى كُلِّ شَيْءٍ قَدِيرٌ، فِي يَوْمٍ مِائَةَ مَرَّةٍ كَانَتْ لَهُ عِدْلَ عَشْرِ رِقَابِ وَكُتِبَتْ لَهُ مِائَةُ حَسَنَةٍ وَمُحِیَتْ عَنْهُ مِائَةُ سَيِّئَةٍ وَكَانَتْ لَهُ حِرزاً مِنَ الشَّيْطَانِ يَوْمَهُ ذَالِكَ حَتَّى يُمْسِيَ وَلَمْ يَأْتِ أَحَدٌ بِأَفْضَلَ مِمَّا جَاءَ بِهِ إِلَّا رَجُلٌ عَمِلَ أَكْثَرَ مِنْهُ - (رواه البخاری و مسلم)

હઝ. અબૂ હુરૈરહ રદિ.થી રિવાયત છે, રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહી વ સલ્લમે ફરમાવ્યું જેણે સો વાર "લા ઈલાહ ઈલ્લલ્લાહુ વહદહૂલા શરિક લહુલ્મુલ્ક વ લહુલ્હમ્દુ વહુવ અલા કુલ્લિ શય્યઈન કદીર" કહ્યું તો તેને દસ ગુલામ આઝાદ કરવા જેટલો સવાબ મળશે, તેના માટે સો નેકીઓ લખવામાં આવશે, સો ગુનાહ નાબૂદ કરવામાં આવશે અને આ અમલ તેના માટે તે દિવસ સાંજ સુધી શેતાનના હુમલાથી બચાવનું સાધન બનશે. અને કોઈ માણસનો અમલ તેના અમલથી વધુ અફઝલ નહીં હોય, તે માણસ સિવાય જેણે તેનાથી વધુ અમલ કર્યો હોય.

ખુલાસો : બેશક આ કલિમએ તૌહિદ એટલો જ મહાન મરતબા વાળો અને બરકતવંત છે જેટલો આ હદીસમાં બતાવવામાં આવ્યો છે. મૃત્યુ બાદ એ વસ્તુ આપણે બધા જોઈશું અમુક લોકોને આવી હદીસો વિષે શંકાઓ થાય છે, જેમાં કોઈ કલિમાનો આટલો બધો સવાબ બતાવવામાં આવ્યો હોય, હાલાંકે તેઓને પોતાના જીવનમાં ઘણીવાર અનુભવો થયા હશે કે બુરાઈ અને ફસાદનો એક શબ્દ આગ લગાડી દે છે. અને તેની મન્હુસ અસર વર્ષો સુધી કુટુંબો અને જમાઅતોની જીંદગીઓને જહન્નમ બનાવી દે છે. એવી જ રીતે કોઈક વાર ઇખ્લાસથી નિકળેલો એક ભલાઈનો કલિમો ફસાદની ભળકતી આગને બુજાવવામાં ઠંડા પાણીનું કામ આપે છે અને બેચેનીઓ - કડવાશ દૂર કરી જીંદગીઓને બાગો બહાર બનાવી દે છે. માણસના મોંથી નિકળેલા એક શબ્દની અસરો આ દુનિયામાં જ પડે છે. તેમાં વિચાર કરી આખિરતના તેનાથી મહાન અને ભવિષ્યમાં નિકળતા પરિણામો અને ફળોને સમજવામાં વધુ મુશ્કેલી પડતી નથી.


સહાબા રદિ.ના ઝઘડાના અમુક કિસ્સાઓ

હઝરત અકદસ શૈખુલ હદીસ મવલાના ઝકરિયા રહ.ની કિતાબ : 

'ઈસ્લામી સિયાસત'નો ક્રમશ અનુવાદ. મુફતી ફરીદ અહમદ કાવી.

અગાઉ વર્ણવેલ સૈદ્ધાંતિક વાતો પછી હવે સહાબા રદિ. વચ્ચે ઉત્પન્ન થયેલ અમુક ઇખ્તેલાફના નમુનારૂપ કિસ્સાઓ લખું છું. ધ્યાનથી જોવાનું છે કે પરસ્પરની લડાઈઓમાં પણ આ હસ્તીઓએ કેવો નમૂનો આપણા સમક્ષ મુકયો છે. 'જંગે જમલ' ઘણી જ ઘમાસાનની લડાઈ હતી. લગભગ વીસ હઝાર માણસો એમાં માર્યા ગયા હતા.

જયારે લડાઈ શરૂ થવાની હતી ત્યારે હઝ. અલી રદિ. આગળ આવ્યા અને સામેની જમાઅતમાંથી હઝ. ઝુબૈર રદિ.ને પોકાર્યા. તેઓ એમની લાઈનમાંથી આગળ આવ્યા. બંને આગળ વધીને એકબીજા ભેટયા. રડયા. પછી હઝ. અલી રદિ.એ પૂછયું કે તમારી શી મજબૂરી હતી કે તમારે લડવા આવવું પડયું ? હઝ. ઝુબૈર રદિ.એ જવાબ આપ્યો કે હઝ. ઉસ્માન રદિ.ની હત્યાનો બદલો લેવા. બંને વચ્ચે વાતચીત થતી રહી. આ વર્તાવ હતો બે એવા વિરોધીઓનો જે એકબીજા સામે લડવા તલવાર કાઢીને તૈયાર હતા.

ત્યાર પછી લડાઈ થઈ અને હઝ. અલી રદિ.ના લશ્કરની જીત થઈ. એમાં સામા પક્ષના ઘણા લોકો કેદ કરવામાં આવ્યા. હઝ. અલી રદિ.ના લશ્કરના અમુક માણસોએ આગ્રહ કર્યો કે આ કેદીઓને કતલ કરવામાં આવે. હઝ. અલી રદિ.એ મના કરી દીધું. બલકે દરેકને ફરીવાર બયઅત કરતા રહયા અને માફ કરતા રહયા. આ કેદીઓ પાસે પકડાયેલ માલને તો ગનીમત કરાર દેવામાં આવ્યો પણ એમને કેદ રાખવાનો પણ ઇન્કાર કરી દીધો. લોકોએ આ બાબતે પ્રશ્ન કર્યો કે જયારે એમનો માલ ગનીમત છે તો પછી તેઓની ઝાત પણ કેદી અને ગુલામ હોવી જોઈએ ?પણ હઝ. અલી રદિ. ઈનકાર કરતા રહયા. આખર લોકોના આગ્રહ ઉપર જવાબ આપ્યો કે તમે બતાવો, શું તમારા બધાની માં એટલે કે ઉમ્મુલ મુઅમિનીન હઝ. આઇશહ રદિ.ને ગુલામ બનાવીને પોતાના ભાગે લેવા કોણ તૈયાર છે ? બધાએ જવાબ આપ્યો કે અલ્લાહની પનાહ. આવું ન કરી શકીએ. હઝ. અલી રિદ.એ ફરમાવ્યું કે હું પણ અલ્લાહની પનાહ ચાહું છું.

શું આપણે આપણા સામાન્ય વિરોધીનું પણ સન્માન કરીએ છીએ ? દુશ્મની અને મુકાબલામાં તલવાર કાઢનાર દુશ્મનની તો વાત જ નથી. આપણે સામાન્ય વિવાદ કરનારનું પણ એટલું સન્માન કરીએ છીએ જેટલું તેઓ સામે તલવાર કાઢનારનું કરતા હતા ?

હઝ. અલી રદિ.એ ત્યાર પછી જોયું કે મરનાર લોકોમાં મુહમ્મદ બિન તલ્હા પડયા છે. હઝ. અલી રદિ.એ એમને જોઈને ફરમાવ્યું : અલ્લાહ તઆલા તમારા ઉપર રહમ ફરમાવે. તમે મોટા ઇબાદત ગુઝાર હતા. રાત દિવસ નમાઝ પઢનાર હતા. ભારે ગરમીમાં પણ તમે રોઝા રાખતા હતા.

આ જ લડાઈમાં હઝ. આઈશહ રદિ. સામે લશ્કરમાં હતા, બલકે સરદાર જ તેઓ હતા. લડાઈ વચ્ચે એમનું ઊંટ ઝખ્મી થઈને પડી ગયું તો હઝ. અલી રદિ.એ જલદીથી લોકોને કહયું કે જુઓ ધ્યાન રાખો. એમને કોઈ તકલીફ તો નથી પહોંચીને.

હઝ. આઇશહ રદિ.ના ભાઈ મુહમ્મદ આ લડાઈમાં સામે પક્ષે હઝ. અલી રદિ. સાથે હતા. તેઓ જલદી આગળ વધ્યા અને ખબર પૂછી કે કંઈ તકલીફ તો નથી થઈ ? ત્યાર પછી હઝ. અલી રદિ. પોતે પાલકી લઈને પાસે આવ્યા અને ફરમાવ્યું : અમ્મા જાન ! કોઈ તકલીફ તો નથી થઈ ને ? અલ્લાહ તઆલા તમારી ભૂલ માફ કરે. હઝ. આઇશહ રદિ.એ ફરમાવ્યું : અલ્લાહ તઆલા તમારી પણ મગફિરત ફરમાવે.

આ હતો વિરોધીઓ સાથેનો વર્તાવ અને મુકાબલા કરનારનું સન્માન. આપણને આપણો કોઈ વિરોધી હાથમાં આવી જાય તો આપણો કેવો વર્તાવ હોય ? કોઈ હાથમાં આવે તો એની જાન કે આબરૂ કોઈ વસ્તુ ઉપર આપણે રહમ કરીએ?

હઝ. અલી અને હઝ. અમીર મુઆવિયહ રદિ.ની લડાઈમાં ઘણા બોધ છે. અમીર મુઆવિયહ રદિ.ની હુકૂમતમાં એક ઘટના સામે આવી. એક માણસે એની બીવીને કોઈની સાથે ઝીના કરતાં જોઈ લીધી. ગુસ્સો કાબૂમાં ન રહયો અને એણે એને કતલ કરી દીધી. હઝ. અમીર મુઆવિયહ રદિ. પાસે આ ઘટના પહોંચી. તેઓ અસમંજસમાં પડી ગયા કે શું ફેસલો કરવો ? આવા કતલની સજા એમ તો બદલામાં કતલ કરવાની જ છે. પણ જે સંજોગોમાં આ માણસે હત્યા કરી હતી એને નજર અંદાઝ કરીને ફેંસલો કરી શકાય એમ ન હતું. હઝ. અમીર મુઆવિયહ રદિ.એ હઝ. મુસા અશઅરી રદિ.ને લખ્યું કે આ વિશે હઝ. અલી રદિ.ને પૂછીને અમલ કરવામાં આવે.

શું આપણે પણ પોતાના કોઈ વિરોધી સામે આપણી અજ્ઞાનતાનો એકરાર કરીને જેમાં વિરોધ ન હોય એવી બાબતમાં સામે વાળાને પૂછવા જઈ શકીએ છીએ ? આપણે ત્યાં તો જે આપણો રાજકીય વિરોધી હોય એની કોઈ વાત મોતબર નથી. એનામાં એ કાબેલિયત જ નથી ગણતા કે કોઈ મસ્અલામાં એને પૂછવામાં આવે.

હઝ. અલી રદિ.જયારે ખલીફા બન્યા અને બધા લોકો એમના હાથ ઉપર બયઅત થવા માંડયા ત્યારે અન્સારી લોકોની એક જમાઅત બયઅત થઈ નહીં. હઝ. અલી રદિ.એ એમના ઉપર જબરદસ્તી ન ફરમાવી. આપ રદિ.ને કોઈએ પૂછયું તો જવાબ આપ્યો કે આ લોકો હકનો સાથ આપવાથી પાછળ હટી ગયા છે. પણ બાતિલનો સાથ નથી આપતા. આજે કોઈ જમાઅત આમ ખામોશ રહે કે અળગી રહે તો એનો શું અંજામ થાય ? એ સમાચાર જોનાર લોકોથી છુપો નથી.

હઝ. ઈમામ હસન રદિ.ને ઝેર પીવડાવવામાં આવ્યું અને જયારે મોતનો સમય નજીક આવ્યો તો લોકોએ પૂછયું કે તમને કંઈક ખબર છે કે કોણે ઝેર આપ્યું છે? તો આપ રદિ.એ ફરમાવ્યું : ખુદાની કસમ ! હું બિલકુલ બતાવીશ નહીં કે કોણે ઝેર આપ્યું છે. હું સમજું છું તે જ માણસ હોય તો અલ્લાહ તઆલાનો ઈન્તેકામ કાફી છે અને કદાચ તે માણસ ન હોય તો પછી મારા કારણે કોઈ બેગુનાહ માર્યો જાય એ મને પસંદ નથી.

આ બધા સામે આપણો શું અમલ છે ?

જેનાથી સામાન્ય મતભેદ હોય એના માથે દરેક પ્રકારની બુરાઈ નાખવામાં આવે છે. આપણને જે કંઈ તકલીફ પહોંચે એને સાજિશ કહેવામાં આવે છે. કોઈ બીજો માણસ તકલીફ આપે તો એને પણ વિરોધીના માથે નાખવાની કોશિશ કરવામાં આવશે. ઘણીવાર આપણું દિલ પણ કહે છે કે આવું કામ એ નથી કરી શકતો, પણ ઇન્તેકામનો જોશ આપણને ઉભારે છે કે સામેવાળો બેગુનાહ હોવા છતાં એને ફસાવવો જ જોઈએ.

જંગે જમલમાં હઝ. આઈશહ રદિ. અને હઝ. અલી રદિ. સામ સામે હતા. એમના કારણે જ યુદ્ધ થયું હતું. પરંતુ જયારે હઝ. અલી રદિ.ના દીકરા હઝ. હસન રદિ. ઉપર ઝેરની ખૂબ અસર થઈ અને મોતનું યકીન થઈ ગયું તો એમણે પોતાના નાના ભાઈ હઝ. હુસૈન રદિ.ને હઝ. આઇશહ રિદ.ની સેવામાં મોકલ્યા અને ઇજાઝત માંગી કે હઝ. આઈશહ રદિ.ના હુજરામાં પોતાના નાના સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ પાસે દફન થવા માંગે છે. હઝ. આઇશહ રદિ.એ ખુશીથી આ દરખાસ્ત સ્વીકાર કરી લીધી. પછી હઝ. હસન રદિ.એ હઝ. હુસૈન રદિ.ને કહયું કે શકય છે મારા જીવતા હોવાના કારણે એમણે શરમ રાખીને ઈજાઝત આપી હોય, એટલે મારી મોત પછી ફરીથી ઇજાઝત લઈ લેશો, તેઓ ઇજાઝત આપે તો ત્યાં નહીં તો મુસલમાનોના કબ્રસ્તાનમાં દફન કરી દેશો. હઝ. હુસૈન રદિ.એ ભાઈની વફાત પછી ફરીવાર હઝ. આઈશહ રદિ. પાસે પરવાનગી માંગી, તો હઝ. આઈશહ રદિ.એ ફરમાવ્યું : હા, હા, પૂરા સન્માન સાથે ઇજાઝત છે. આ છે મુસલમાનોની લડાઈ અને એકબીજાનું સન્માન. આ જ ઘટનામાં આગળ જે થયું એ પણ જાણવા જેવું છે. બની ઉમય્યહના સરદારોએ વિરોધ કર્યો કે હઝ. હસન રદિ.ને એ હુજરામાં દફન કરવા દેવામાં આવશે નહીં, કારણ કે હઝ. ઉસ્માન રદિ.ને ત્યાં દફન થવાની ઇજાઝત નથી આપી. આ વિરોધ છતાં હઝ. હુસૈન રદિ.એ જનાઝહની નમાઝ માટે મદીનાના અમીર સઈદ બિન આસને આગળ કર્યા અને ફરમાવ્યું કે સુન્નત તરીકો આ જ છે.

શું આપણે પણ સુન્નત તરીકાની રિઆયતમાં પોતાના દુશ્મન સાથે આ મામલો કરી શકીએ છીએ ? અહિંયા તો સામાન્ય મામૂલી ઈખ્તેલાફમાં ઇમામને મુસલ્લા ઉપરથી અને ઇમામતમાંથી હટાવી દેવા એ રોજ બરોજની ઘટના છે. બેચાર કિસ્સાઓ હોય તો ગણાવીએ. આવા તો હઝારો—લાખો કિસ્સાઓ છે, કેટલા ગણાવીએ. આ કિસ્સાઓ તો સહાબા રદિ.ના મુસલમાન વિરોધીઓ સાથે સદવર્તનના છે. ગેર મુસ્લિમો સાથે એમના સદવર્તનના કિસ્સા પણ જોઈએ.


બેવા ઓરત અને ઇસ્લામ

માનવીય સમાજમાં સ્ત્રીઓના હકો – અધિકારોના એક ભાગ રૂપે બેવા ઓરતોની સમસ્યા મહત્વનો વિષય છે. અને દરેક ઝમાનામાં એના ઉપર ચર્ચાઓ થતી આવી છે. આ જ કારણે દરેક ઝમાનામાં ચાલેલી સુધારણા ચળવળોમાં, સામાજિક આગેવાનો તરફથી અને જે તે દેશમાં પ્રચલિત ધર્મોમાં આ બાબતે સકારાત્મક કે નકારાત્મક ઘણી બાબતો સામે આવતી રહી છે.

બેવા ઓરતો વિશે ઇસ્લામ શું કહે છે ? ઇસ્લામી આદર્શો આ બાબતે શું છે? અને ઇસ્લામ એમને કઈ નજરે જુએ છે ? આ બધા સવાલોના જવાબો જાણવાનો પ્રયાસ કરીએ તો આપણી સમક્ષ એક ઘણી જ સકારાત્મક હકીકત ઉપસીને આવે છે. ઈસ્લામ દ્વારા બેવા ઓરતોને માનવીય સમાનતા આધારિત સમાન હકો આપવામાં આવ્યા છે. ઓરતના બેવા હોવાને કોઈ પણ બાબતે નકારાત્મક ગણવામાં આવ્યું નથી. બલકે કોઈ પણ હુકમમાં બેવા કે કુંવારી કે શાદીશુદા, કોઈ ફરક નથી. ઉપરાંત બેવા ઓરતો બાબતે સમાજમાં પ્રચલિત નકારાત્મક કે અપમાનજનક વિચારો અને રિવાજોને ખતમ કરવાની કોશિશ કરવામાં આવી છે.

ઇસ્લામી તાલીમ – વિચારસરણીમાં ઓરત એક સ્વતંત્ર અને સંપૂર્ણ વ્યકિત છે. એના અસ્તિત્વ કે અધિકારોને કોઈ બીજા ઉપર આધારિત આશ્રિત કરવામાં નથી આવ્યા. ઓરતને શાદી પૂર્વે પણ સ્વતંત્ર ગણવામાં આવી છે, શાદી પછી પણ અને શોહરની વફાત પછી પણ. ઓરતને જે માનવીય સમાનતા અને સ્વતંત્રતાના અધિકારો જે એ દરેક હાલમાં સલામત જ રહે છે. ઇસ્લામમાં શાદીના બહાને કન્યાદાન કરીને કોઈને કોઈની માલિકીમાં નથી સોંપવામાં આવતી. ઈસ્લામમાં પતિને પરમેશ્વર કહીને ઓરત પાસે પતિની પૂજા નથી કરાવવામાં આવતી. બન્નેને એક બીજાની સેવા અને જવાબદારીઓ પૂરી કરવાનું કહેવામાં આવે છે.

ઇસ્લામ આવ્યા પછી લોકોએ જોયું કે બેવા ઓરતને અપમાનિત, અપશુકન કે મનહૂસ સમજવામાં નથી આવતી. લોકોએ જોયું કે ઈસ્લામ તો બેવા ઓરતની મદદ કરવાની વાત કરે છે. એને અપનાવવાની વાત કરે છે. ઘરમાં, મહોલ્લામાં કે ગામમાં બેવા હોવાને અપશુકન કે મનહૂસ સમજવાની કોઈ કલ્પના પણ ઇસ્લામ કે મુસલમાનોમાં નથી. બેવા ઓરતને સમાજનું એક સન્માન જનક અંગ ગણીને સમાજની પ્રગતિ – ભલાઈમાં યોગદાન આપનાર ગણવામાં આવી છે.

ઈસ્લામ થકી બેવા ઓરતોને આ અધિકાર આપવામાં આવ્યો કે પોતાના શોહરની વફાત પછી તે પોતાની મરજી મુજબ બીજી શાદી કરી શકે છે. એને કોઈની દાસી કે નોકરડી બનવાની જરૂરત નથી. બીજી તરફ પુરૂષોને કહેવામાં આવ્યું કે શાદી કરવા માટે બેવા ઓરત કે કુંવારી ઓરત સમાન છે. માણસ એની પસંદ મુજબ શરીઅતના દાયરામાં રહીને શાદી કરી શકે છે. સમાજને બેવા ઓરતો બાબતે સકારાત્મક સંદેશ આપવાના આશયે જ મુહમ્મદ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે પોતે પણ અનેક બેવા ઓરતો સાથે શાદી કરી હતી. આમ કરવાના જે કારણો હતા એમાં એક ખાસ કારણ આ જ હતું કે સમાજને શીખવવામાં આવે કે બેવા ઓરતોને પણ ઇઝઝતથી જીવવાનો હક છે. અને સમાજના એક અંગ તરીકે એમને આપણે અપનાવવી જોઈએ.

ઇસ્લામે બેવા ઓરતને મરનાર શોહરના માલમાં મરનારની અવલાદની જેમ વારસાઈનો અધિકાર પણ આપ્યો. જેથી શોહરની વફાત પછી એના ભરણપોષણની વ્યવસ્થા થઈ શકે. તે શોહરના ઇન્તેકાલ પછી ઇઝઝત વાળું જીવન ગુઝારી શકે.

બેવા ઓરત વિશે ઇસ્લામ થકી રજૂ કરવામાં આવેલ અધિકારો અને નવા વિચારોનું પરિણામ એ આવ્યું કે ઓરતને સમાજમાં સન્માનની નજરે જોવામાં આવી અને જયાં જયાં ઇસ્લામ પહોંચ્યો ત્યાં આ સુધારો પણ પહોંચ્યો. યુરોપને ઓરતની સ્વતંત્રતાનો વિચાર ઇસ્લામ થકી જ મળ્યો પણ યુરોપના લોકો એમાં અતિરેકના શિકાર થઈ ગયા. પહેલાં તેઓ ઓરતને માનવી પણ સમજવા તૈયાર ન હતા અને જયારે એમની પાસે ઓરત બાબતે ઇસ્લામની થિયરી પહોંચી તો હવે બીજી તરફ વધારે ઝુકી ગયા, પરિણામે આજે ત્યાંની કૌટુંબિક વ્યવસ્થા પડી ભાંગી છે.


હઝ. અલી રદિ.નો એક અજીબ ફેસલો

હઝ. અલી રદિ. યમનમાં નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ તરફથી કાઝી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. જયારે એમને યમનમાં કાઝી તરીકે જવાનો હુકમ કરવામાં આવ્યો તો એમણે અરજ કરી કે યા રસૂલલ્લાહ ! હું તો હજી ઘણો નાનો છું. અને આ વિષયનો કોઈ અનુભવ પણ નથી. આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે ફરમાવ્યું કે જયારે તમારી પાસે કોઈ મામલો આવે તો ફકત એક પક્ષની વાત સાંભળીને કોઈ નિર્ણય ન કરશો. જયારે બીજા પક્ષની વાત સાંભળી લ્યો પછી કોઈ ફેંસલો કરજો. હઝ. અલી રદિ. ફરમાવે છે કે હું એ પ્રમાણે જ કરતો રહયો અને ખુદાની કસમ આ રીત અપનાવ્યા પછી કોઈ પણ મામલામાં મને કોઈ અસમંજસ રહેતી ન હતી.

આ દિવસોમાં યમનમાં એકવાર આપ રદિ. સામે એક વિચિત્ર કેસ રજૂ કરવામાં આવ્યો. એક મેદાનમાં લોકોએ સિંહને ફસાવવા એક ખાડો ખોદયો હતો. લોકોની ચાલાકી મુજબ સિંહ એ ખાડામાં પડી ગયો. હવે લોકો સિંહને જોવા માટે ખાડાની આસપાસ ભેગા થયા. એમાં મસ્તી મજાક અને ધક્કા મુક્કીમાં એક માણસનો પગ લપસ્યો અને એ ખાડામાં પડવા લાગ્યો. પડતાં પડતાં એણે બીજા માણસને પકડયો, બીજાએ ત્રીજાને પકડયો. ત્રીજાએ ચોથાને પકડયો. આમ ચારેવ કુવામાં ખાબકયા. સિંહે ચારેવને ઝખ્મી કર્યા, એ દરમિયાન એક માણસે પોતાના ચાકુ દ્વારા સિંહને મારી નાખ્યો. આ ચારેવ ઝખ્મીઓ પણ આખરે મરી ગયા. વિવિધ કબીલાના લોકો એમના મરનાર માણસનો બદલો લેવા એક બીજાને દોષ દેવા લાગ્યા. ભારે લડાઈ થાય એવું હતું એવામાં હઝરત અલી રદિ. ત્યાં આવી પહોંચ્યા અને ફરમાવ્યું : ભલા લોકો ! હજુ તો રસૂલે ખુદા તમારા દરમિયાન મોજૂદ છે અને તમે લડવા મારવા ઉપર ઉતરી આવ્યા. ચાર માણસોના બદલામાં સો બસો માણસો મારી નાખશો ! તમે રાજી હોવ તો હું તમારા દરમિયાન ફેંસલો કરું છું. તમને માન્ય રહે તો ઘણું સારું. નહિંતર નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ સામે તમારી વાત રજૂ કરજો. તેઓનો ફેંસલો સાચો જ રહેશે.

જે કબીલાઓ દ્વારા આ કુવો ખોદવામાં આવ્યો છે, એમની પાસે ચારેવ મરનારાઓની દિયત (માલ સ્વરૂપે ખૂનનો બદલો) વસૂલ કરવામાં આવશે. અલબત્ત એક ખૂનની પૂરી દિયત, બીજાની અડધી. ત્રીજાની એક તૃતિયાંશ અને ચોથાની એક ચતુર્થાંશ. પ્રથમ જે માણસ પડયો એને (એના સગાઓને) એક ચતુર્થાંશ દિયત આપવામાં આવે. બીજા નંબરે પડનારને એક તૃતિયાંશ દિયત, ત્રીજા નંબરે પડનારને અડધી દિયત અને છેલ્લે પડનારને પૂરી દિયતની રકમ આપવામાં આવે.

લોકોને આ અજીબો ગરીબ ફેસલો સમજમાં આવ્યો નહીં અને એમણે માનવાથી ઇન્કાર કરી દીધો. પછી હજના દિવસોમાં તેઓ મક્કા આવ્યા તો હજ્જતુલ વદાઅમાં આ કેસ નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ સમક્ષ રજૂ કર્યો. સાથે જ દર્શાવ્યું કે આ કેસમાં હઝરત અલી રદિ. આવો ફેંસલો કર્યો છે.

સિયરે સહાબામાં છે કે રિવાયતોમાં ફેંસલો કયા આધારે કરવામાં આવ્યો એની વિગત આવતી નથી. પણ અમારા મતે હઝરત અલી રદિ. એ અમુક બાબતોને આધાર બનાવીને આ ફેંસલો આપ્યો હશે. પ્રથમ વાત તો આ કે આ ખાડો જે લોકોએ ખોદયો હતો એ બધા ખાડો ખોદવાના કારણે એક રીતે જવાબદાર ગણાય, એટલે દિયતની રકમ એમની પાસેથી ઉઘરાવીને જમા કરી. પ્રથમ પડીને મરનાર માણસના પડવા અને મરવામાં કોઈ બીજાનો વાંક પ્રથમ નજરે દેખાતો નથી, અચાનક એ પોતે જ પડી ગયો એમ કહી શકાય. પણ એના પડવા મરવામાં ધક્કા મુક્કીનો કંઈક દખલ કહેવાય, સાથે જ એણે બીજા માણસને પણ પકડીને ખાડામાં નાખ્યો એટલે બીજા ત્રણ માણસોને મારવાનો વાંક પણ એના ઉપર છે, એટલે ખાડો ખોદનાર લોકો પાસે ફકત એક ચતુર્થાંશ દિયત એના સગાઓને અપાવી. બીજા માસણના પડવા અને મરવામાં એનો પોતાનો પણ કંઈક વાંક હતો. પહેલો પડનાર માણસનો પણ કંઈક વાંક હતો અને ધક્કા મુક્કીનો પણ વાંક હતો. એટલે એને દિયત થોડી વધારે આપવામાં આવી. ત્રીજા માણસના પડવામાં એનો વાંક ઓર ઓછો હતો, પણ પહેલા પડનાર બન્ને લોકો અને ધક્કા મુક્કીનો વાંક વધારે કહી શકાય એટલે એને અડધી દિયત અપાવવામાં આવી. ચોથા પડનાર માણસે પોતે કોઈને પકડીને પાડયો ન હતો, એટલે એને મળનાર દિયતમાંથી કંઈ પણ ઓછું કર્યા વગર દિયતની પૂરી રકમ એને આપવામાં આવી.


મહમૂદુલ ખસાઈલ

જનાબ અહમદ હુસેન ગાજી સા.

મુહરે નુબુવ્વતનું બયાન

અલ્લાહ તઆલાએ હઝરત નબીએ કરીમ (સલ.) ને નબી બનાવ્યા હતા અને આપના નબી હોવાની નિશાનીરૂપે આપના શરીર પર કુદરતી રીતે મુહરે નુબુવ્વત હતી. મુહરે નુબુવ્વત હુલ્યા મુબારકનો જ એક ભાગ છે, પરંતુ ઈમામ તિરમિઝી (રહ.) એ અગત્યની વસ્તુ હોવાને કારણે તેનું બયાન કરવા એક અલગથી શિર્ષક આપ્યું.

મુહરે નુબુવ્વતનું ગાયબ હોવું, આપ(સલ.)ની વફાતની નિશાની

મુહરે નુબુવ્વત જન્મથી વફાત સુધી આપ (સલ.) ના મુબારક શરીર પર રહી, આપ (સલ.)ના મૃત્યુ પછી જયારે સહાબા (રદિ.)માં મતભેદ થયો. કેટલાક એવું કહેતા હતા કે મૃત્યુ પામી ગયા છે અને અમુક કહેતા હતા કે ના, તે સમયે હઝરત અસ્મા બિન્તે અબૂબકર (રદિ.) એ એવું કહયું હતું કે મુહરે નુબુવ્વતને જોઈ લો, છે કે નથી ? માટે જયારે જોયું તો તે ગાયબ હતી, આપ (સલ.) ના મુબારક શરીરથી આ મુહરે નુબુવ્વત ગાયબ હોવાને હઝરત નબીએ કરીમ (સલ.)ની વફાતની નિશાની ગણવામાં આવી.

શું મુહરે નુબુવ્વત પર કંઈ લખેલું હતું ?

મુહરે નુબુવ્વત પર કંઈ લખેલું હતું કે નહીં ? મશહૂર મુહદ્દિષ હઝરત ઈબ્ને હિબ્બાન (રહ.) ફરમાવે છે કે તેની ઉપર "મુહમ્મદુર્રસૂલુલ્લાહ"લખેલું હતું , કેટલાક લોકો કહે છેسر فانت المنصور લખેલું હતું, એટલે આપ આગળ વધો, અલ્લાહ તઆલા તરફથી તમારી મદદ કરવામાં આવશે, પરંતુ હદીસના વિવરણકારો ફરમાવે છે કે મુહરે નુબુવ્વત પર કંઈ લખેલું હોવા વિશે જે રિવાયતો છે તે ઠોસ સબૂત સુધી પહોંચતી નથી.

હદીસ નં. ૧૫

હઝરત સાઈબ બિન યઝીદ (રદિ.)નું બયાન છે કે મારી કાકી-માસી મને હઝરત નબીએ કરીમ (સલ.) પાસે લઈ ગયા અને અરજ કરી, હે અલ્લાહના રસૂલ ! મારો ભાણેજ બિમાર છે. આપ (સલ.) એ મારા માથા પર હાથ ફેરવી મારા માટે બરકતની દુઆ કરી અને આપ (સલ.) એ વુઝૂ કર્યુ તો મેં આપના વુઝૂથી વધેલું - વુઝૂના અવયવોથી પડનારુ પાણી પીધું, પછી હું આપ (સલ.) ની પાછળ ઊભો રહ્યો તો મારી નજર આપ (સલ.) ની મુહરે નુબુવ્વત પર પડી જે બે ખભાઓની વચ્ચે હતી જે મસહરીના ગુડીયા (ચકોરીના ઈંડા આકાર) જેવી હતી.

ફાયદો: હઝરત સાઈબ બિન યઝીદ (રદિ.)નો નાના સહાબામાં સમાવેશ થતો હતો. હિ.સ. ૨ માં પેદા થયા, હઝરત નબીએ કરીમ (સલ.) ની વફાત વખતે તેમની ઉમર આઠ વર્ષની હતી.

બુઝુર્ગો પાસે બાળકોને બરકત અને દુઆ માટે લઈ જવામાં આવે છે.

સહાબી (રદિ.) ને શી તકલીફ હતી ?

હઝરત સાઈબ (રદિ.) ને શી તકલીફ હતી ? કેટલાકનું કહેવું છે કે માથામાં તકલીફ હતી એટલે હઝરત નબીએ કરીમ (સલ.)એ તેમના માથા પર હાથ ફેરવ્યો; પરંતુ હઝરત શેખ ઝકરિય્યહ (રહ.) ફરમાવે છે કે માથા પર હાથ ફેરવવો તકલીફને કારણે ન હતો. સામાન્ય રીતે બાળકોના માથા પર શફકત અને મુહબ્બતને કારણે હાથ ફેરવવામાં આવે છે, તેમની ઉપર પણ શફકત અને મુહબ્બતને કારણે હાથ ફેરવ્યો હતો. બુખારી શરીફની રિવાયતથી ઈશારો મળે છે કે તેમના પગમાં તકલીફ હતી.

આપ (સલ.)નો મુઅજિઝહ

રિવાયતોમાં છે કે એ સહાબી વૃદ્ધ થઈ ગયા, શરીરના બધા વાળ સફેદ થઈ ગયા પરંતુ માથાના વાળ છેલ્લે સુધી કાળા રહ્યા, આ હાથ ફેરવવાનો અસર હતો.

આપ(સલ.)ના વુઝૂના પાણી વિશે સહાબાનો મામલો

વુઝૂ "વાવના પેશ સાથે" વુઝૂના અમલને કહે છે અને વઝૂ ''વાવના ઝબર સાથે’' વુઝૂમાં વધેલા પાણીને કહે છે, આ વાકયના બે અર્થ થઈ શકે છે.

(૧) પહેલાના જમાનામાં સામાન્ય રીતે વાસણમાં હાથ નાંખીને પાણી લેવામાં આવતું હતું, નળીવાળા લોટા ન હતા, બલકે મોટું વાસણ રહેતું, વુઝૂ કરનારો અંદર હાથ નાંખીને ખોબાથી પાણી લેતો હતો, અહીંયા એક મતલબ એ થઈ શકે છે કે જે વાસણમાં આપે હાથ નાંખીને વુઝૂ કર્યુ, એ વાસણમાં જે પાણી વધી ગયું હતું, તે મેં પીધું, સહાબા (રદિ.) માં તેમાં સ્પર્ધા થતી હતી. હજ્જતુલ વિદાઅના મોકા પર હઝરત બિલાલ (રદિ.) હુઝૂર (સલ.)ના વુઝૂનું વધેલું પાણી લઈને આવ્યા, તો સહાબા (રદિ.) એકત્ર થઈ ગયા, કોઈના હાથમાં આવ્યું તો કોઈના હાથમાં ન આવ્યું. જેના હાથમાં આવ્યું હતું તેના હાથ પર હાથ મારીને લઈ રહ્યા હતા અને પોતાના શરીર પર ફેરવી રહ્યા હતા, કારણ કે અલ્લાહ તઆલાએ તેમાં શિફા રાખી છે.

(૨) જેનો અર્થ એ હોય શકે છે કે હઝરત નબીએ કરીમ (સલ.) ના વુઝૂના અવયવોથી જે પાણી નીચે પડતું હતું તેને લઈને પીધું, સહાબા (રદિ.) વિશે એ પણ સાબિત છે કે હઝરત નબીએ કરીમ (સલ.)ના અંગોથી પાણી નીચે પડવા દેતા ન હતા, બલકે નીચે પડતા પહેલા પોતાના હાથોમાં લઈને અંગો પર લગાવી લેતા હતા, એ પાણીની પાકી-નાપાકીનો કોઈ સવાલ જ ન હતો, કારણ કે કિતાબોમાં હઝરત નબીએ કરીમ (સલ.)ના ફુઝલા (ગંદકી) પણ પાક લખી છે.

મુહરે નુબુવ્વત કયાં હતી ?

મુહરે નુબુવ્વત બંને ખભાઓની બિલ્કુલ વચ્ચે ન હતી, બલકે ડાબા ખભા તરફ જયાં દિલ હોય છે તેની સામે હતી, તેને બતાવવા માટે આ રિવાયત રજૂ કરવામાં આવી છે.

મુહરે નુબુવ્વતની મિકદાર (માપ)

حجلۃ ના બે અર્થો બયાન કર્યા છે :

(૧) કેટલાક લોકો ફરમાવે છે કે زر الحجلۃ એટલે હોપસ્કોચ બટન, પહેલા જમાનામાં જયારે દુલ્હનને વિદાય કરવામાં આવતી હતી તો શાદીની રાત પસાર કરવા માટે પલંગને સજાવવામાં આવતો હતો અને પલંગની ઉપર કપડું બાંધીને રૂમ જેવું બનાવવામાં આવતું હતું, તેને સુંદર બનાવવા માટે તેની ઉપર મોટા મોટા બટન લગાવવામાં આવતા હતા, આજે પણ ઘણી જગ્યાએ સુંદરતા વધારવા આવા બટન લગાવવામાં આવે છે. તેને અરબીમાં حجلۃ કહે છે. મતલબ એ થયો કે મુહરે નુબુવ્વત હોપસ્કોચ બટન બરાબર હતી, ઈમામ નવવી (રહ.) એ આ મતલબને પસંદ ફરમાવ્યો છે અને મોટા ભાગના મુહક્કિકો (સંશોધકો)એ તેને અપનાવ્યો છે.

(૨) અમુક લોકો ફરમાવે છે કે زر الحجلۃ એટલે ચકોરીનું ઈડું. ચકોર (તેતર જેવું) એક પક્ષી છે. ચાંદનું ખૂબ શોખીન છે, ચાંદની રાતમાં ચાંદ જોઈને રાતભર નાંચે છે. ખૂબ જ સૌંદર્યવાન હોય છે. અરબીમાં તેના નરને یعقوب અને માદાને حجلۃ કહે છે. એટલે તેનો મતલબ એ થયો કે મુહરે નુબુવ્વત ચકોરીના ઈંડાની સાઈઝની હતી.

હદીસ નં. ૧૬

હઝરત જાબિર બિન સમુરહ (રદિ.) ફરમાવે છે કે મેં રસૂલુલ્લાહ (સલ.) ની નુબુવ્વતની મુહરને આપના બંને ખભાઓ વચ્ચે જોઈ, જે લાલ ગ્રંથિ (રસોળી) જેવી અને (પ્રમાણમાં) કબૂતરના ઈંડા જેટલી હતી.

ફાયદો : કયારેક શરીરની અંદર ખાલ અને ગોશ્ત વચ્ચે કોઈ વધારાનો ભાગ આવી જાય છે, તેને લીધે ગાંઠ આવી જાય છે જેને રસોળી કહે છે આમાં રાવીએ નુબુવ્વતની મુહરનો રંગ બતાવ્યો છે.

بيضة الحمامة રહ્યા છે, નુબુવ્વતની મુહરની મિકદાર અને રંગ વિશે ભિન્ન ભિન્ન રિવાયતો આવી છે, તેની તુલના કરતા મશહૂર મુહદ્દિષ અલ્લામા કુર્તુબી (રહ.) ફરમાવે છે કે મુહરે નુબુવ્વતની મિકદાર અને સાઈઝ બદલતી રહેતી હતી, કયારેક નાની થતી તો ક્યારેક મોટી થતી હતી, એવી રીતે રંગ પણ બદલાતો રહેતો હતો, પરંતુ હઝરત શેખુલ હદીસ મૌલાના મુહમ્મદ ઝકરિય્યહ (રહ.) ફરમાવે છે કે મુહરે નુબુવ્વતની સાઈઝ અને રંગમાં કોઈ ફેરફાર થતો ન હતો, અલબત્ત અનુભવ કરનારાઓએ પોત પોતાના અંદાજમાં સાઈઝ અને રંગ બતાવવાની કોશિશ કરી છે. દા.ત. એક વસ્તુ અમુક લોકો જુએ છે, પછી દરેક વ્યક્તિ તેને બતાવવા અને તાબીર કરવા માટે પોતાના દિમાગમાં હાજર વસ્તુને સામે રાખીને સરખાવે છે, તો આ મતભેદ હકીકતમાં સરખાવનારાઓનો છે, નહીં તો નુબુવ્વતની મુહરમાં કોઈ ફેરફાર થતો ન હતો.


શરઈ માર્ગદર્શન ફતાવા વિભાગ

મવ. મુફતી અસ્જદ દેવલ્વી સાહેબ 

તસ્દીક કર્તા મવ. મુફતી અહમદ દેવલા 

(સદર મુફતી જામિઅહ જંબુસર)

વકફમાં ખયાનત કરનારને સેક્રેટરી બનાવવો જાઇઝ નથી.

સવાલ : (૧) એક વ્યકિત જે સેક્રેટરી હતા, તેઓ પોતે વકફ જમીનના વેચાણમાં સહભાગી થયા છે, તો આવી વ્યકિત સેક્રેટરીના પદ માટે લાયક ઠરે છે ? શરીઅતનો હુકમ જણાવવા મહેરબાની કરશો, એ વિનંતી. 

(૨) મસ્જીદ (સંસ્થા) તથા મદ્રેસા (સંસ્થામાં) નોકરી કરતી વ્યકિતઓ એડવાન્સ પગાર માંગે તો આપી શકાય ?

જવાબ -ઃ

حامدا ومصليا و مسلما - : 

(૧) મસ્જિદ અને મદ્રેસાના સેક્રેટરીની એક મહત્વપૂર્ણ અને મોટી જવાબદારી મસ્જિદ, મદ્રેસાની મિલકતો વગેરે તથા તેના હિતોના રક્ષણ અને હિફાઝતની છે, આજ કારણે ફુકહાએ લખ્યું છે કે આ જવાબદારી પૂર્ણ કરવા માટે તે વ્યકિતની નિમણુંક કરવામાં આવે, જે દીનદાર, વકફ સંબંધિત શરઈ ધારા ધોરણોથી વાકિફ, અમાનતદાર અને પરહેઝગાર હોય, ખાસ કરી જે વ્યકિત અમાનતદાર ન હોય, ખિયાનત આચરનાર હોય, તેવી વ્યકિતની આવા સેક્રેટરી જેવા અહમ પદ પર નિયુક્તિ કરવી દુરૂસ્ત નથી, બલકે પહેલાથી આવા મહાન પદ પર કોઈ બિરાજમાન હોય અને વકફ બાબતે ખિયાનત જાહેર થાય, તો તેને હટાવી દેવી, તે લોકોની ફરજ છે જેઓ નિમણુંક કરવા અને છૂટા કરવાની જવાબદારી નિભાવે છે, ઈસ્લામી હુકૂમતમાં કાઝીને આવી ખાઈન (ખયાનત કરનાર) વ્યકિતને તેના પદેથી દૂર કરવાનો આદેશ છે અને ઈસ્લામી હુકૂમત ન હોવાની સ્થિતિમાં ગામની જવાબદાર વ્યકિતઓ જેઓ નિમણુંકની ઝિમ્મેદારી નિભાવતા હોય, તેઓએ આ કામ કરવાનું રહે છે, નહીં તો તેઓ ગુનેહગાર ઠરશે. (દુર્ર-શામી : ૬/૫૭૮, ફ.રહીમીય્યહ :૫/૧૨૫ ઉપરથી)

“ફતાવા કાસમીય્યહ”માં છે: જિસકી ખિયાનત સાબિત હો જાએ, ઉસકી તવલીયત (વકફનું ઝિમ્મેદાર બનાવવું) જાઈઝ નહીં હે. (૧૭/૪૧૬) એક સેક્રેટરીનુ વકફ સંબંધિત જમીનના વેચાણ કરારમાં સહી કરવી એ વકફની જમીનના ગસબ અને હડપ કરવામાં મદદ કરવી છે અને રક્ષકના બદલે ભક્ષક બનવું છે, આ કૃત્ય વકફની હિફાઝત માટે નિયુક્ત વ્યક્તિએ કરવું ઘણું જ અફસોસજનક અને વખોડવા પાત્ર કૃત્ય છે, વકફમાં આવી ખિયાનત કરનાર વ્યક્તિને સેક્રેટરી પદે નિયુક્ત કરવો બિલકુલ જાઈઝ નથી, બલકે હજુ જો આ પદે બિરાજમાન હોય, તો સિફત પુર્વક તેઓને હટાવી દેવો જોઈએ.

મસ્જિદ મદરસાના મુલાઝિમને એડવાન્સ પગાર આપવો.

(૨) મસ્જિદ, મદ્રેસાના મુલાઝિમીનને એડવાન્સ પગાર આપવામાં કોઈ વાંધો નથી. (બદાઈઅઃ ૪/૬૨, શહુલ મજલ્લા: ૧/૨૪૩,૨૬૫-૨૬૬ ઉપરથી) તેની બે સૂરતો છે. (૧) અમૂક મહીનાઓનો સંપૂર્ણ પગારોની એડવાન્સ ચૂકવણી કરી આપવામાં આવે જેમકે એક મુલાઝિમનો માસિક પગાર ૩૦૦૦ રૂપિયા છે, તો બે મહીનાના એડવાન્સ પગારો રૂપે ૬૦૦૦ રૂપિયા આપવામાં આવે, આ સૂરત જાઇઝ છે. (૨) દરેક મહીનાના પગારનો એક ભાગ એડવાન્સ આપવામાં આવે, જેમકે નંબર (૧) માં લખેલ ઉદાહરણમાં ૬૦૦૦ રૂપિયા એ રીતે આપવા કે ભવિષ્યના આઠ મહીનાના પગારોના ૭૫૦–૭૫૦ રૂપિયા પહેલેથી એડવાન્સ ચૂકવણી કરી આપવામાં આવે અને આવનાર આઠ મહીનાઓમાં દર મહીને મૂળ પગાર ૩૦૦૦ રૂપિયામાંથી ૭૫૦ કપાત કરી, ૨૨૫૦ રૂપિયા બાકી પગાર પેટે ચૂકવણી કરવામાં આવે. આ સૂરત પણ જાઈઝ છે.

અલબત્ત આ રીતનો વ્યવહાર મસ્જિદ, મદ્રેસાના હિતોને સામે રાખી કરવામાં આવે અને સાથે શરત કરી આપવામાં આવે કે જે તે મુદ્દત માટે લીધેલ એડવાન્સ પગારોની મુદ્દત પૂરી થતા પહેલાં સંજોગે મુલાઝમત ખતમ થઈ જાય, તો તેટલી મુદ્દતનો લીધેલ એડવાન્સ પગાર હિસાબથી પરત લેવામાં આવશે. યાદ રહે કે કોઈને પણ મસ્જિદ, મદ્રસાની રકમ કર્ઝ પેટે આપવી જાઈઝ નથી.

ليس للمتولى إيداع مال الوقف والمسجد إلا ممن في عياله ولا إقراضه

(બહર : ૫/૨૫૯, મહમૂદુલ ફતાવા : ૬/૬૧૨)

ફક્ત અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.


ચાર કામોની ફિકર

હઝ. ઈબ્રાહીમ બિન અદહમ રહ. મશહૂર સૂફી બુઝુર્ગ છે. એમના વાલિદે મોહતરમ 'અદહમ' પણ નેક બુઝુર્ગ, આલિમ હતા. અલ્લાહ તઆલાની મહેરબાનીથી બલ્ખના રાજાની શાહઝાદીથી એમના નિકાહ થયા. ઇબ્રાહીમ રહ. વાલિદહના પેટમાં હતા, એ દિવસોમાં આપના વાલિદ અને વાલિદહ હજની સફરે હતા, ત્યારે મક્કહમાં જ આપ રહ.નો જન્મ થયો. જન્મ પછી આપની વાલિદહ મસ્જિદમાં લોકો પાસે પોતાના પુત્રને લઈ જતાં અને કહેતાં કે મારા પુત્ર માટે દુઆ કરો કે અલ્લાહ તઆલા એને નેક બનાવે.

રાજાને કોઈ શાહઝાદો ન હતો, માટે આપને જ વલીઅહદ (પાટલી કુંવર) નક્કી કર્યા અને આમ નાનાની વફાત પછી ઇબ્રાહીમ રાજગાદી ઉપર બિરાજમાન થયા.

ઇબ્રાહીમ પહેલેથી જ નેકદિલ, ન્યાય પસંદ અને પરહેઝગાર હતા. બાદશાહીના ઠાઠમાઠ અને દરબારીમાં પણ અલ્લાહ તઆલાની બંદગીને ભૂલતા ન હતા. દુરવેશો, વાલીઓ, અને અલ્લાહ વાળાની કદર કરતા હતા.

એકવાર રાજા ઇબ્રાહીમ દરબાર ભરી બેઠા હતા.

એક રૂઆબદાર માણસ શાનથી દરબારમાં પ્રવેશ્યો, તેનો દામ દમામ જોઈને કોઈએ એને પૂછયું પણ નહીં કે તમે કોણ છો ?

જયારે રાજાની નજીક પહોંચી ગયો તો રાજા ઇબ્રાહીમે જ પુછયું કે :

રાજા : તમે કોણ છો ?

મુસાફિર : મુસાફર છું, સરાય(મુસાફરખાનું) શોધી રહ્યો છું

રાજા : આ કોઈ મુસાફરખાનું નથી, આ તો મારો મહેલ છે.

મુસાફિર : તમારાથી પહેલાં અહીંયા કોઈ રહેતું હતું?

રાજા : મારાથી પહેલાંનો બાદશાહ,

મુસાફિર : તેનાથી પહેલાં ?

રાજા : પેહલાંનો બાદશાહ.

આમ અમુક વારના સવાલ જવાબ પછી તે મુસાફરે કહ્યું કે, તો પછી આ મુસાફરખાનું જ કહેવાયને !

આ ચર્ચાનો રાજા ઇબ્રાહીમ પર ઘણો જ અસર થયો અને અલ્લાહ તઆલાની યાદ, ઇબાદતમાં આપનું ધ્યાન ઓર વધી ગયું.

થોડા સમય પછી બીજી ઘટના ઘટી.

રાજા ઇબ્રાહીમ બિસ્તર પર આરામ કરી રહ્યા હતા, એ દરમિયાન એમને ઉપરના માળે છત પર કોઈના ચાલવાનો અને પગલાંનો અવાજ સંભળાયો, એમણે પુછયું કે, કોણ ?

કોઈ બીજું નથી એ તો હું મારૂં ઊંટ શોધવા ઉપલા માળે ચઢયો છું.

તારાથી વધારે તો કોઈ બેવકુફ હશે, ઊંટ વળી છત ઉપર હોતુ હશે ?

તો પછી જે માણસ ગાદીએ બેસીને ખુદાને શોધતો હોય, તે મારા કરતાં વધારે બેવકૂફ છે.

આ ઘટના પછી રાજા ઇબ્રાહીમની પરિસ્થિતિ બિલ્કુલ બદલાય ગઈ અને તેઓ રાજપાઠ છોડી જંગલમાં નીકળી પડયા.

રાજપાઠ છોડીને હઝરત ઇબ્રાહીમ રહ. અલ્લાહ તઆલાની ઇબાદત અને મઅરિફત માટે ખૂબ મહેનત કરવા લાગ્યા, સદાયે ખુદાનો ખોફ આપના પર સવાર રહેતો, એકવાર કોઈકે આપને પુછી લીધું કે તમે કોના બંદા છો ?

સવાલ સાંભળતા જ કાંપી ઉઠયા અને બેહોશ થઈ ગયા, હોશમાં આવ્યા તો આ આયત પઢી.

كل من في السموات والأرض إلا آتى الرحمن عبدا

આસમાન અને જમીનની દરેક વસ્તુ અલ્લાહ તઆલાની ગુલામ બનીને એની પાસે આવે છે.

પેલા માણસે પુછયું કે પહેલાં એનો જવાબ કેમ આપ્યો નહીં?

તો ફરમાવ્યું : જો હું એમ કહું કે હું અલ્લાહ તઆલાનો બંદો છું તો મને બીક લાગે છે કે બંદગીનો હક અદા કર્યા વિના હું કેવી રીતે દાવો કરું કે હું ફલાણાનો બંદો છું?

અને જો ના કહું તો કાફિર થઈ જવાની બીક છે.

એક સમયના બાદશાહ, શાહી જીવન માણેલા, ઇબ્રાહીમ હવે હમેંશા પોતાના હાથે મહેનત કરી ગુજરાન ચલાવતા હતા, કદી લાકડાં વેચતા તો કદી કોઈના બાગ ખેતરની રખેવાળી પણ કરી લેતા હતા.

એક વાર કોઈ બાગની રખેવાળી કરી રહ્યા હતા, એક સિપાઈ આવ્યો અને ફળ માંગ્યું, હઝરત ઇબ્રાહીમ (રહ.)એ માલિકની પરવાનગી વગર આપવા ના કહી દીધું, તેણે ઘમંડમાં આવી એક કોરડો એમના પર વીંઝી દીધો, હઝરત ઈબ્રાહીમ (રહ.)એ એની સામે માથું ઝુકાવી દીધું અને બોલ્યા, જે માથું અલ્લાહ તઆલાની નાફરમાની કરે એ માર ખાવાને લાયક છે.

સિપાહી આ સાંભળી આપની બુઝુર્ગી પામી ગયો, એટલે માફી માંગવા લાગ્યો, ઇબ્રાહીમ (રહ.)એ ફરમાવ્યું : ભાઈ ! જે માથા સામે લોકો માફી માંગે તે તો હું બલ્ખમાં જ છોડી આવ્યો છું.

ચાર કામોની ફિકર

એક માણસે દરખાસ્ત કરી કે તમે કદી કદી તશરીફ લાવો તો અમે બધા હાજર થઈએ, અને કંઈક નસીહત સાંભળીએ.

જવાબમાં ફરમાવ્યું કે, હમણાં મને ચાર કામોની ફિકર છે, જયારે એ કામો પતાવી લઉં તો પછી આમ કરીશું.

પહેલી ફિકર :

અલ્લાહ તઆલાએ જયારે 'અઝલ'માં તેની ખુદાઈનો એકરાર કરાવ્યો હતો, ત્યારે ફરમાવ્યું હતું કે એક જમાઅત જન્નતી છે, અને બીજી જહન્નમી. મને સદાની ફિકર લાગી ગઈ છે કે હું કઈ જમાઅતમાં હોઈશ?

બીજી ફિકર :

બાળક જયારે માંના પેટમાં બનવા માંડે છે ત્યારે ફરિશ્તો અલ્લાહ તઆલાથી પૂછે છે કે આને નેકબખ્ત લખું કે બદબખ્ત? મને ચિંતા છે કે મારા વિશે શું લખવામાં આવ્યું હશે ?

ત્રીજી ફિકર :

ફરિશ્તો જયારે રૂહ કબ્જે કરે છે ત્યારે અલ્લાહ તઆલાને પૂછે છે કે આ માણસની રૂહને મસલમાનોની રૂહોમાં રાખું કે કાફિરોની ? શી ખબર મારા વિશે એ ફરિશ્તાને શું કહેવામાં આવશે ?

ચોથી ફિકર :

કયામતમાં હુકમ થશે કે,

وامتازوا اليوم أيها المجرمون 

"ગુનેગારો આજે ફરમાબરદારોથી અલગ થઈ જાય " મને ફિકર છે કે મારી ગણતરી કઈ જમાઅતમાં હશે ?

જયારે પણ વાત કરતા તો ઘણી જ બોધદાયક અને અસરદાર વાતો ઇરશાદ ફરમાવતા, લોકોને ઘણી જ ટૂંકી વાતમાં નસીહત મળી જતી, અને અમલ- કરવાની તોફીક પણ થતી.

એક વાર એક માણસ મુદ્દત સુધી આપની સેવામાં રહ્યો, જયારે તે જવા લાગ્યો તો એણે અરજ કરી કે મારામાં કોઈ એબ હોય તો બતાવો ?

હઝરત ઈબ્રાહીમ (રહ.)એ ફરમાવ્યું :

મને તારામાં કોઈ એબ નથી દેખાતો, કારણ કે મેં હમેંશા તને મહોબ્બતની નિગાહથી જ જોયો છે, માટે આ સવાલ કોઈ બીજાથી કરશો!

એક વાર કોઈ બુઝુર્ગથી સવાલ કર્યો, કે ગુજરાન કેમ ચાલે છે? તેમણે કહ્યું કે મળે તો ખાય લઉં છું, નહીં તો સબ્ર કરૂં છું.

હઝરત ઇબ્રાહીમ (રહ.)એ ફરમાવ્યું :

આવું તો શહેરના કુતરાઓ પણ કરે છે કે મળે તો ખાધું નહી તો સબર કરી, અસલ કામ આ છે કે મળે તો બીજાને પ્રાથમિકતા આપો અને ન મળે તો સબ્ર કરો.

એક આલિમે એમનાથી નસીહતની દરખાસ્ત કરી તો ફરમાવ્યું : પૂછડી બનીને રહો, માથું બની ન રહો, કેમ કે માથું કાપી દેવામાં આવે છે, અને પૂંછડી છોડી દેવામાં આવે છે.


બોધકથા

કહે છે કે બાદશાહ અલતમશ સાથે એકવાર કોટવાળના નાના દીકરાની મુલાકાત થઈ ગઈ. પુત્રના લક્ષણ પારણામાંથી.. એક આ દીકરો ભારે ચતુર હતો. બાદશાહે એને પોતાના દરબારીઓમાં શામેલ કરી લીધો. નિર્મળ પ્રકૃતિના આ યુવાન દરેક બાબતે બાદશાહની આશા ઉપર ખરો ઉતરતો હતો. વફાદારી, અમાનતદારી અને શરાફતમાં બેનમૂન હતો. જે કામ પણ સોંપવામાં આવે એને ખૂબી સાથે અંજામ આપતો હતો.

એક તરફ એની કાબેલિયતના પ્રતાપે બાદશાહની નજરમાં એનું સ્થાન વધી રહયું હતું તો બીજી તરફ ઇર્ષાળુઓ અને કપટીબાજ લોકોની નજરમાં એક કણાની માફક ખૂંચી રહયો હતો. અંતે એમણે મસલત કરીને આ ચરિત્રવાન યુવક ઉપર એક તહોમત મુકી અને બાદશાહના કાનો સુધી આ વાત પહોંચાડી કે બાદશાહ સલામત ! જે વ્યકિત ઉપર દરેક બાબતે વિશ્વાસ મુકી રહયા છે, એ અત્યંત નીચ અને અપાત્ર છે.

ઇર્ષાળુઓએ ઘણી ચતુરાઈથી આ પેંતરો રચ્યો હતો અને એમને યકીન હતું કે બાદશાહ આ યુવાનને ફાંસી આપી દેશે. પણ બાદશાહને એહસાસ થઈ ગયો કે યુવાનનો કોઈ વાંક – ગુનો નથી. આ તો ઇર્ષાળુઓની સાજિશ છે. એટલે બાદશાહે યુવાનને બોલાવીને પૂછયું કે, લોકો તારા વિશે ખરાબ વાતો કરી રહયા છે, એનું શું કારણ છે ?

યુવાને જવાબ આપ્યો કે, એનું કારણ ફકત એટલું જ છે કે બાદશાહ સલામત મારા પ્રત્યે વિશ્વાસ અને પ્રેમ વ્યકત કરે છે. આ બાબત એમની ઈર્ષાનું મૂળ કારણ છે.

હસદખોર લોકો પરાપૂર્વેથી નસીબદારો પ્રત્યે આવું જ કરતા આવ્યા છે. ચામાચિડિયું દિવસે જોઈ નથી શકતું તો એમાં સુર્યનો શો વાંક? અને કોઈ વ્યકિત માંહે આવડત – કમાલ ન હોય તો બીજાનો શો વાંક ?

બોધપાઠ : શેખ સાદી આ હિકાયત થકી બોધ આપવા માંગે છે કે, માણસ સાચે જ ગુણવાન હોય તો એની જરૂર કદર થાય છે.

બીજો બોધ આ છે કે પ્રગતિના શિખરો સર કરનાર ભાગ્યવાન માણસે ઇર્ષાળુઓ અને હસદખોરોથી સાવધાન રહેવું પણ જરૂરી છે.

ત્રીજો બોધ આ છે કે બાદશાહ સામે જયારે કોઈના વિશે ફરિયાદ કરવામાં આવે તો એની તપાસ કર્યા વગર કોઈ નિર્ણય કરવો જોઈએ નહીં.


Teaching Bhagavad Gita in The School

The book as Values and Principles of Bhagavad Gita was released on Friday 22-12-2023 by the Education Minister of the State. It has been decided by the education department of Gujrat to teach "Bhagavad Gita" as a subject from the new session of the new year in the school of state in std 6th to 8th by the BJP government of the present state. This decision to teach Bhagavad Gita is a matter of destruction for the constitution and the secular structure of India. it is not only inappropriate but also subversive of the secular structure of the Indian Constitution.

The Constitution of India provides mainly six fundamental rights in which the right to religious freedom in Article 25 to Article 28 has been given which has been completely ignored in the present matter. As you know that India's future is being shaped in school classrooms, every child is given the birth-right to find purpose and love. One should be educated to understand and appreciate the beauty of life and the world when one can enjoy the rights without any religious discrimination. Instead, in the name of new education policy, the government's compulsory teaching of Bhagavad Gita in the form of a religious book for children of different religious communities has caused many controversies and problems. Teaching the Bhagavad Gita as a school subject in book form is a distraction to the rich heritage of India's integrated culture. Religion is a vested effort to spread discrimination on the basis of caste and language.

The placement of Bhagavad Gita as teaching in schools by the government in the name of new education policy is precisely nurturing and promoting a particular religion which is detrimental to national unity and integrity. As specified in Article 28 of the Constitution of India, no person studying in an educational institution recognized by the State or receiving aid from State funds shall be compelled to participate in the religious education imparted in such an institution and to attend religious worship i.e. prayer. 

India is inhabited by people who follow different religions, speak different languages and have different cultures, so if a religious text like Bhagavad Gita is taken as a subject, the religious rights of the followers of other religions will be violated and the question of protection As per the Article 25, it is encroached upon the freedom of all citizens of India to practice their favorite religion in this policy.

In Fact The Bhagavad Gita is a religious text that gives rise to many controversies for study in the form of a book because the religions recognized as the constitutional religion of India like Sikhism, Islam, Jains, Buddhists are mentioned in Article - 25. For their children to be able to use their own scriptures, so this policy invites a lot of controversy because all religions are constitutionally equal before the state. The education has been organized by the education department over the years for increasing the values and morality. The importance of life values has been emphasized in education. The values of love, humanity, decency, patience, benevolence, selflessness, charity and generosity, the integrated values of all the religions recognized in India, which embody the ideal of life, have been included in the value oriented education. Bhagavad Gita is a religious book, taking its values as a book in the name of new education policy, the study in education becomes a book of a particular religion which is an attack on religious freedom. The religion is described in Bhagavad Gita, therefore, it cannot be introduced in the education system in book form.

From the point of view of religion, every scripture has a different importance and a higher place before its followers. Learning is done with literature and respect. The holy scriptures of every religion are placed in a high place in their homes.

Therefore, As the president of “Majlise Tahaffuz-e- Madaris”, it is our humble request to the government to reconsider this decision of teaching "Bhagavad Gita" subject in the curriculum of Std: 6th to 8th and stop it immediately.


છેલ્લા પાને…..

આપવા - લેવાના માપદંડ

કોઈને કંઈ આપવા માટે માણસ સો ટકા ખરાઈ કરે છે. પરંતુ કંઈ પાછું લેવું હોય તો ખરાઈ કર્યા વગર બહાનું બતાવીને જ પાછું લઈ લે છે.

ખોટી બહસ

બુદ્ધિ અને સમજદારી મળી જાય પછી પણ માણસ ખોટી બહસ ચર્ચામાં મશ્ગૂલ થાય તો એ ગુમરાહ થઈ શકે છે. (હદીસ)

વૃદ્ધનું સન્માન

હદીસ શરીફમાં છે કે જે માણસ કોઈ વૃદ્ધનું સન્માન – મદદ કરે છે તો અલ્લાહ તઆલા એને પણ બુઢાપામાં એવો મદદગાર આપશે.

ગમના બે પ્રકાર

ગમ બે પ્રકારના હોય છે. એક આપણો અને બીજા પરાયો. આખિરતનો ગમ આપણો છે. એ ફાયદાકારક છે. દુનિયાનો ગમ પરાયો છે. એ નુકસાનકારક છે.

બેકાર વાતો અને કામો

બેકાર વાતો અને બેકાર કામો છોડી દેવાનું નામ તસવ્વુફ છે અને દિલ જે વસ્તુની ઇચ્છા કરે એને છોડી દેવાનું નામ તવક્કુલ છે.

માલદારી કે ગરીબી

હઝ. અલી રદિ. ફરમાવે છે કે જો માલદારી ગુનાહો તરફ લઈ જતી હોય તો ગરીબી વધારે સારી છે.

ઇલ્મ અને માલની દોલત

ઇલ્મની દોલત માલની દોલત કરતાં વધારે કીમતી છે. ઇલ્મ માણસની હિફાઝત કરે છે જયારે કે માલની હિફાઝત માણસે પોતે કરવી પડે છે. (હઝ. અલી રદિ.)

લાલચ અને યકીન

દિલમાં જેટલી વધારે લાલચ હોય છે એટલું અલ્લાહ તઆલા ઉપર યકીન ઓછું હોય છે.

સંસ્કાર શું છે ?

સંસ્કાર આ છે કે આપણા ઉપર કોઈ ઉપકાર કરે તો આપણે એનું લોકો સામે વર્ણન કરીને શુક્ર અદા કરીએ અને આપણે કોઈના ઉપર એહસાન કરીએ તો એને છુપાવવાનો પ્રયત્ન કરીએ.

ગરીબીનું નુકસાન

ગરીબી માણસની હોશિયારીને પણ છુપાવી દે છે. અને ઘણીવાર વતનમાં પણ ગરીબીના કારણે પરદેશી જેવો બની જાય છે.

કથની અને કરણી

આજકાલ માણસે એની વાણી સુધારી લીધી છે. એવા મીઠા બોલ બોલે છે કે એમાં કોઈ ભૂલ નથી કરતો. પણ આમાલ એવા ખરાબ કરી લીધા છે કે એક અમલ સાચો નજર નથી આવતો.