તંત્રી સ્થાનેથી
ધાર્મિક અને સાંસ્કૃતિક ઓળખ દરેક સમાજ અને ધર્મનો આગવો વારસો અને બોદ્ધિક સંપત્તિ કહેવાય છે. સમાજ અને અનુયાયીઓએ એની જાળવણી અને જતન કરવું એટલું જ મહત્વનું છે, જેટલું અન્ય સંપત્તિઓનું જતન જરૂરી છે. ધાર્મિક ઓળખ અને વારસા –સંપત્તિમાં શું શું શામેલ છે, એની વિગત ઘણી લાંબી હોય છે, એની પૂરી ચર્ચા કરવાનો આશય નથી, પણ એનું વર્તુળ કેટલું વિશાળ હશે એનો અંદાઝો આ બાબતથી કરી શકાય છે કે દરેક સમાજ અને ધર્મ પાસે સમય, દિવસ, મહીના, વરસ, દાયકા, સદીઓ અને કાળ ગણવા માટે પોતપોતાનું આગવું કેલેન્ડર છે. વિશ્વભરમાં અંગ્રેજી અથવા કહો કે ઈસાઈ કેલેન્ડરની સર્વોપરિતા છતાં દરેક સમાજ, સંસ્કૃતિ અને ધર્મના અનુયાયીઓએ પોતાનું કેલેન્ડર આજે પણ સાચવી રાખ્યું છે, અને એ મુજબ જ પોતાના તહેવારો, ઉત્સવો અને પરંપરાઓ ઉજવે છે. કહેવાય છે કે વિશ્વભરમાં ૧૦૦ ની આસપાસ કેલેન્ડરો છે. પાછલા દિવસોમાં એક અખબારમાં વાંચ્યું હતું કે ૧૯૫૦ ના દાયકામાં કેલેન્ડર રિફોર્મ કમીટીએ સર્વે કર્યો હતો, જેમાં સામે આવ્યું હતું કે હિન્દુ, જૈન, બોદ્ધ તહેવારોની ઉજવણી માટે લગભગ ૩૦ જુદા જુદા કેલેન્ડર્સનો ઉપયોગ થાય છે. આ સંખ્યા બતાવે છે કે ધાર્મિક અને સાંસ્કૃતિ વારસાની જાળવણી બાબતે વિશ્વનો દરેક ધર્મ અને દરેક સમાજ જાગૃત અને સજાગ રહે છે અને કેલેન્ડર જેવી બાબતને પણ આજ દિન સુધી દરેક સમાજે જાળવી રાખી છે.
ઈસ્લામી વરસ ચંદ્ર આધારિત છે, અને મુહર્રમથી શરૂ થાય છે. છેલ્લો મહીનો ઝિલ્હજ છે. મુસ્લિમ ઈતિહાસકારોએ ઈસ્લામી કેલેન્ડર વિશે એક મજાની વાત આ લખી છે કે એના છેલ્લા મહીનામાં કુરબાનીની યાદગાર છે અને પહેલા મહીનામાં પણ હઝરત ઉમર રદિ. અને હઝરત હુસૈન રદિ.ની શહાદતની યાદગાર છે. આમ આપણું વરસ શહાદતથી શરૂ થાય છે અને કુરબાની ઉપર પુરું થાય છે.
ઈસ્લામી વરસને 'હિજરી સન' એટલા માટે કહેવામાં આવે છે કે ઈસ્લામી ઈતિહાસની મહત્વની ઘટના એટલે કે નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની હિજરતના દિવસથી એની ગણતરીનો આરંભ થાય છે. ૧૪૪૪નો મતલબ એ થાય છે કે, નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની હિજરતને ૧૪૪૪ વરસ વીતી ગયાં છે. મુસલમાનોની ઘણી બધી ઈબાદતો આ વરસના દિવસો આધારિત છે, માટે એને ઈસ્લામી કેલેન્ડર પણ કહેવામાં આવે છે.
ઈસ્વી કે અંગ્રેજી કેલેન્ડર સુર્યગતિ આધારિત છે, હઝ. ઈસા અલૈ.ના જન્મદિવસથી એની ગણતરી શરૂ થાય છે, એટલે ૨૦૨૨ કહેવાનો મતલબ એ થયો કે હઝ. ઈસા અલૈ.ના જન્મને ૨૦૨૨ વરસ વીતી ગયા.
અત્રે યાદ રાખવું જોઈએ કે ઈસ્લામી ઈબાદતોનો સંબંધ ચંદ્ર અને સૂર્ય બન્ને ઉપર આધારિત છે, જેમ કે નમાઝોનો સમય સૂર્યની ચાલ ઉપર આધારિત છે, અને રમઝાન તેમજ ઈદનો દિવસ ચંદ્ર દ્વારા નક્કી કરવામાં આવે છે. એમાંયે દિવસનો એતેબાર ચંદ્ર પ્રમાણે અને સમયનો એતેબાર સૂર્ય પ્રમાણે કરવામાં આવે છે, જેમ કે રમઝાન માસનો આરંભ - અંત ચંદ્ર દ્વારા નક્કી થાય છે પણ રોઝાની સહેરી-ઈફતારનો સમય સૂર્ય દ્વારા નક્કી કરવામાં આવે છે. હજના દિવસો ચંદ્રની ચાલથી નક્કી થાય છે, પણ હજના અરકાન અદા કરવાના સમયો સૂર્યની ચાલ-ભ્રમણથી નક્કી કરવામાં આવે છે.
ઈસ્લામી ઈબાદતોના દિવસો ચંદ્ર આધારિત કરવા પાછળ એક હિકમત આ પણ છે કે, સૂર્યવરસ કરતાં ચંદ્રવરસ દસ દિવસ નાનું હોય છે, માટે મુસલમાનોને વરસની દરેક ઋતુમાં રોઝા અને હજનો અવસર મળે છે. એક મુસલમાનને બાલિગ થયા પછી સામાન્ય ઉમર પ્રમાણે દરેક ઋતુમાં રોઝા રાખવાનો અવસર મળી આવે છે.
ઈસ્લામી વરસના પ્રથમ મહીના મુહર્રમ સાથે ઈસ્લામી ઈતિહાસની ઘણી યાદગાર ઘટનાઓ જોડાયેલી છે, નુબુવ્વત પૂર્વેની પણ અને વફાત પછીની પણ. નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની વફાત પછી બે મહત્વની ઘટનાઓ મહોર્રમથી જોડાયેલી છે અને દર વરસે મુસલમાનો આ ઘટનાઓને યાદ કરે છે.
પહેલી ઘટના હઝરત ઉમર (રદિ.)ની શહાદત છે, જે પહેલી મહોર્રમના દિવસે થઈ. બીજી ઘટના દસમી મહોર્રમે હઝરત હુસૈન (રદિ.) અને ખાનદાને નુબુવ્વત 'એહલે બયત'ના બીજા સભ્યોની શહાદત છે. કરબલા ખાતે ઘટેલ 'એહલે બયત'ની શહાદતની આ ઘટના ઈસ્લામી ઈતિહાસમાં અનોખું મહત્વ ધરાવે છે.
મદીનાના યહૂદીઓનું શિર્ક અને મુસલમાનો પ્રત્યેની અદાવત અદેખાઈ
- મુફતી ફરીદ અહમદ કાવી
﷽ اِنَّ اللّٰهَ لَا یَغْفِرُ اَنْ یُّشْرَكَ بِهٖ وَ یَغْفِرُ مَا دُوْنَ ذٰلِكَ لِمَنْ یَّشَآءُۚ-وَ مَنْ یُّشْرِكْ بِاللّٰهِ فَقَدِ افْتَرٰۤى اِثْمًا عَظِیْمًا(48) اَلَمْ تَرَ اِلَى الَّذِیْنَ یُزَكُّوْنَ اَنْفُسَهُمْؕ-بَلِ اللّٰهُ یُزَكِّیْ مَنْ یَّشَآءُ وَ لَا یُظْلَمُوْنَ فَتِیْلًا(49) اُنْظُرْ كَیْفَ یَفْتَرُوْنَ عَلَى اللّٰهِ الْكَذِبَؕ-وَ كَفٰى بِهٖۤ اِثْمًا مُّبِیْنًا(50) اَلَمْ تَرَ اِلَى الَّذِیْنَ اُوْتُوْا نَصِیْبًا مِّنَ الْكِتٰبِ یُؤْمِنُوْنَ بِالْجِبْتِ وَ الطَّاغُوْتِ وَ یَقُوْلُوْنَ لِلَّذِیْنَ كَفَرُوْا هٰۤؤُلَآءِ اَهْدٰى مِنَ الَّذِیْنَ اٰمَنُوْا سَبِیْلًا(51)اُولٰٓىٕكَ الَّذِیْنَ لَعَنَهُمُ اللّٰهُؕ-وَ مَنْ یَّلْعَنِ اللّٰهُ فَلَنْ تَجِدَ لَهٗ نَصِیْرًا(52) اَلَمْ تَرَ اِلَى الَّذِیْنَ اُوْتُوْا نَصِیْبًا مِّنَ الْكِتٰبِ یُؤْمِنُوْنَ بِالْجِبْتِ وَ الطَّاغُوْتِ وَ یَقُوْلُوْنَ لِلَّذِیْنَ كَفَرُوْا هٰۤؤُلَآءِ اَهْدٰى مِنَ الَّذِیْنَ اٰمَنُوْا سَبِیْلًا(51)اُولٰٓىٕكَ الَّذِیْنَ لَعَنَهُمُ اللّٰهُؕ-وَ مَنْ یَّلْعَنِ اللّٰهُ فَلَنْ تَجِدَ لَهٗ نَصِیْرًا (52) اَمْ لَهُمْ نَصِیْبٌ مِّنَ الْمُلْكِ فَاِذًا لَّا یُؤْتُوْنَ النَّاسَ نَقِیْرًا(53) اَمْ یَحْسُدُوْنَ النَّاسَ عَلٰى مَاۤ اٰتٰىهُمُ اللّٰهُ مِنْ فَضْلِهٖۚ-فَقَدْ اٰتَیْنَاۤ اٰلَ اِبْرٰهِیْمَ الْكِتٰبَ وَ الْحِكْمَةَ وَ اٰتَیْنٰهُمْ مُّلْكًا عَظِیْمًا(54) فَمِنْهُمْ مَّنْ اٰمَنَ بِهٖ وَ مِنْهُمْ مَّنْ صَدَّ عَنْهُؕ-وَ كَفٰى بِجَهَنَّمَ سَعِیْرًا(55)
તરજમહ : બેશક, અલ્લાહ તઆલા તેની સાથે કોઈને શરીક કરવાને માફ નહીં કરે. અને એના સિવાય (ના ગુનાહ) જેના માટે ચાહશે તેને બખ્શી દેશે અને જે કોઈ અલ્લાહ સાથે કોઈને શરીક ઠેરવશે તેણે મહાન પાપ કર્યું (ગણાશે). (૪૮) હે (નબી સલ. !) શું તમે પેલા લોકોને જોયા નથી, જેઓ (પોતે જ) પોતાની પવિત્રતા જતાવે છે, પણ અલ્લાહ જેને ચાહશે તેને જ પવિત્ર કરે છે. અને એમના ઉપર એક દોરા જેટલો (રજ માત્ર) પણ જુલ્મ થશે નહિ. (૪૯) આપ જુઓ તો ખરા ! તેઓ અલ્લાહ ઉપર (વિરુદ્ધ) કેવું કેવું જૂઠ બોલે છે ? અને આ ખુલ્લો ગુનો જ એમના માટે પૂરતો છે. (૫૦) (હે નબી સલ. :) શુ તેમ પેલા લોકાને જાયા નથા, જેમને કિતાબનો એક ભાગ (ઈલ્મ) મળ્યો છે, છતાં તેઓ મૂર્તિઓ અને શયતાન પર યકીન રાખે છે. અને કાફિરો વિશે કહે છે કે તેઓ મોમિનો કરતાં વધારે હિદાયતના રસ્તા ઉપર છે. (૫૧) આ તે જ લોકો છે, જેમના ઉપર અલ્લાહ તઆલાએ લઅનત કરી છે અને જેમના ઉપર અલ્લાહ તઆલા લઅનત કરે છે એમના માટે કોઈ મદદગાર તમને કદાપિ નહીં દેખાય.(પર) શું (ખુદાની) સલતનતમાં એમનો કંઈ ભાગ છે? એમ હોત તો તેઓ લોકોને એક રાયનો દાણો પણ ન આપે. (૫૩) અથવા તો તેઓ (મુસલમાન) લોકો પ્રત્યે એ બધી બાબતો (નેઅમતો)ના કારણે હસદ કરે છે, જે અલ્લાહ તઆલાએ તેઓને પોતાની મહેરબાનીથી અર્પણ કરી છે. એ તો અમે ઈબ્રાહીમ (અલૈ.)ના વંશજોને જ કિતાબ અને હિકમત આપી છે. અને એમને તો અમે મોટી સલ્તનત પણ આપી છે. (૫૪) પછી એમનામાંથી કેટલાક તેના ઉપર ઈમાન લાવ્યા અને કેટલાક તેનાથી દૂર રહયા. અને ભડકે બળતી જહન્નમ (એમના માટે) કાફી છે. (૫૫)
તફસીર : અગાઉની આયતોમાં મદીનાના યહૂદીઓની અનેક શરારતો અને બુરી હરકતો વર્ણવીને એમને અંતે કહેવામાં આવ્યું હતું કે તમારા ચહેરા બગાડીને ફેરવી દેવાનો અઝાબ અમે ઉતારીએ અથવા તમારા ઉપર શનિવારવાળાઓ જેવી લાનત કરવામાં આવે, તે પહેલાં અથવા ઈમાન લઈ આવો. બાકી તમારી વર્તમાન સ્થિતિ અલ્લાહને પસંદ નથી, તમે અનેક પ્રકારના ગુનાહો ઉપરાંત નબીઓનો વિરોધ કરવા અને શિર્કના ગુનાહમાં મશગુલ છો, અને આ સ્થિતિમાં તમને અઝાબનો હકદાર ઠરાવે છે. ત્યાર બાદ આ આયતોમાં આ યહૂદીઓને જ ડરાવવા માટે કહેવામાં આવે છે કે અલ્લાહ તઆલા શિર્કના ગુનાહને માફ નથી કરતા, એટલે કે માણસ શિર્કની હાલતમાં મરે તો અલ્લાહ તઆલા આ ગુનાહને માફ નહીં કરે. શિર્ક વગર એટલે કે ઈમાન સાથે મરે, ચાહે અન્ય ગુનાહો કર્યા હોય તો અલ્લાહ તઆલા એ ગુનાહો માફ કરી શકે છે. મદીનાના યહૂદીઓ એ વેળા બે પ્રકારે શિર્ક કરતા હતા :
(૧) હઝરત ઉઝેર અલૈ. અલ્લાહના બેટા કહેતા હતા. જેમ ઈસાઈ લોકો હઝરત ઈસા અલૈ.ને અલ્લાહના બેટા કહેતા હતા.
(૨) યહૂદીઓ અને ઈસાઈઓ પણ, એમના ધાર્મિક નેતાઓ – આલિમો વિશે માન્યતા ધરાવે છે કે તેઓ કોઈ પણ બાબતે હરામ કે હલાલ હોવાનો ફેસલો કરી શકે છે. એટલે કે અલ્લાહ તઆલાએ હલાલ કે હરામ ઠરાવેલ હુકમો બાબતે ફેરબદલ કરી શકે છે. યહૂદીઓએ જયારે આ આયત સાંભળી તો પોતાના વિશે કહેવા લાગ્યા કે અમે શિર્ક નથી કરતા, અમે તો અલ્લાહના ચુનંદા બંદાઓ છીએ, અલ્લાહના પ્યારા અને બેટા સમાન છીએ, અમારા માંહે જ નુબુવ્વત ચાલતી આવી છે, વગેરે... માટે અમને 'મુશરિક' કહેવામાં ન આવે. અલ્લાહ તઆલાએ એમના જવાબમાં આગળની આયત ઉતારી કે જુઓ તો ખરા ! આ લોકો પોતાના કેવા પાક -સાફ અને નેક બતાવે છે, એમ કંઈ પોતે જ દાવો કરવાથી પાક- સાફ નથી બનાતું. ગુનાહોથી પાક – સાફ અને પવિત્ર બનાવનાર અને બતાવનાર હસ્તી અલ્લાહ તઆલાની છે, એ કહે તે સાચું………. અને એના કહેવા મુજબ આ યહૂદીઓ શિર્ક કરે જ છે, એટલે એમને અઝાબ થશે અને એમાં રજમાત્ર ઝુલમ નહીં ગણાય, કારણ કે તેઓ અઝાબના હકદાર જ છે. અને જુઓ તો ખરા, તેઓ કેવી ખુલ્લી રીતે અલ્લાહ તઆલા વિરુદ્ધ જૂઠ બોલે છે, અલ્લાહ તઆલા સાથે શિર્ક કરે છે, અને પાછા અલ્લાહના મકબૂલ પ્યારા હોવાનો દાવો કરે છે, આટલા બધા ગુનાહો સાથે અલ્લાહના પ્યારા હોવાનો એમનો દાવો જ એમના ખુલ્લા ગુનેગાર હોવા માટે કાફી છે.
મવલાના દરિયાબાદી રહ. લખે છે કે અલ્લાહ તઆલાએ તો તવહીદ, તકવા અને નેકીને પવિત્રતા અને શ્રેષ્ઠતાનું માપદંડ નક્કી કર્યું છે, એને છોડીને યહૂદીઓ એમના વંશ ઉપર અભિમાન કરે છે, અને નબીઓની અવલાદ અને વંશજ હોવાના આધારે પોતાને પવિત્ર બતાવે છે. આ બધું ગુમરાહી છે. ભારતમાં ઘણા લોકો પોતાને બ્રાહમણ, ક્ષત્રિય વગેરે બતાવીને પોતાને ઉચ્ચ કહે છે, સુર્યવંશી, ચંદ્રવંશી, વગેરે કહીને પોતાનુ કુળ—વર્ણ બતાવીને અન્યોને તુચ્છ કહે છે, જાપાની લોકો પોતાને દેવતાઓના વંશજ કહે છે, એ બધા આમાં શામેલ છે અને કંઈક આવું તે મુસલમાનો વિશે કહી શકાય જેઓ પીરઝાદા, મખ્દુમઝાદા, સય્યિદઝાદા, વગેરેના ભમ્રમાં રહીને પોતાને ઉચ્ચ — પવિત્ર સમજે છે. (તફસીરે માજિદી)
યહૂદીઓ જયારે એમ કહયું કે અમે શિર્ક નથી કરતા, એના જવાબમાં પ્રથમ તો ઉપર મુજબ કહેવામાં આવ્યું કે પાક - પવિત્ર હોવાના દાવા ન કરો, અલ્લાહ તઆલાને ખબર છે કે કોણ પાક પવિત્ર છે. હવે આગળ એમને જવાબ આપવામાં આવ્યો છે કે તમે જુઓ! આ લોકોને થોડું ઘણું આસમાની કિતાબ અને વહીનું ઈલ્મ આપવામાં આવ્યું છે છતાં મુર્તિઓ અને શયતાનને માને છે અને પૂજે છે અને કાફિરોને કહે છે કે તમે કાફિરો મુસલમાનો કરતાં વધારે સારા અને સીધા રસ્તે છો.
આ જવાબમાં એક ઘટના તરફ ઈશારો છે, ઘટના એમ બની હતી કે ગઝવએ ઉહદ પછી અને અમુક રિવાયતો મુજબ બદરની લડાઈ પછી યહૂદીઓના સરદાર કઅબ બિન અશરફ અને હુય બિન અખ્તબ મક્કા ગયા અને મુસલમાનો વિરુદ્ધ એક બીજાની સહાયનો કરાર કરવા કટિબદ્ધ થયા. આ વેળા મક્કાના સરદારોએ પરસ્પરના વિશ્વાસ માટે યહૂદીઓના સરદારો પાસે માંગણી કરી કે તમે સાચે જ અમારા હમદર્દ અને વિશ્વાસુ હોવ તો અમારી મૂર્તિઓ સમક્ષ સજદો કરો. આ સરદારો મુર્તિઓ સામે સજદહ કરી લીધો. અમુક તફસીરકારોના મતે મુર્તિઓનું નામ જિબ્ત અને તાગૂત હતું. જેનો આયતમાં ઉલ્લેખ છે. અને બીજા અમુક તફસીરકારો કહે છે કે એમ મુર્તિનું નામ જિબ્ત હતું તાગૂતનો મતલબ મક્કાના સરદારો અબુ સુફિયાન વગેરે છે. જેમની દરેક વાત એ વેળા યહૂદી સરદારો માની રહયા હતા.
આ વેળા મક્કાના લોકોએ યહૂદી સરદારોથી આ પણ પૂછયું કે તમે આસમાની કિતાબોનું જ્ઞાન ધરાવો છે, મુહમ્મદ પણ આસમાની કિતાબનું જ્ઞાન એમની પાસે આવતું હોવાની વાત કરે છે. તમે તમારા જ્ઞાનના આધારે બતાવો કે મુહમ્મદ સાચા છે કે અમે મક્કાવાસીઓ સાચા છે ? આ વેળા ફકત મક્કાના સરદારોને ખુશ કરવા માટે યહૂદી સરદારોએ એમને કહયું કે તમારો રસ્તો અને ધર્મ મુહમ્મદ કરતાં સારો અને સાચો છે. યહૂદીઓ સારી પેઠે જાણતા હતા કે મુહમ્મદ સાચા છે અને મક્કાના મુર્તિપૂજકો ખોટા રસ્તે છે, પણ ઈસ્લામ દુશ્મનીમાં તેઓ કોઈ પણ હદે જવા તૈયાર હતા.
આ ઘટનાનો ઉલ્લેખ કરીને અલ્લાહ તઆલાએ મદીનાના યહૂદીઓને બતાવ્યું કે તમે તવહીદ કે એકેશ્વરવાદનું નામ લ્યો છો, પણ શિર્ક કરો છો અને શિર્ક કરનાર લોકોની સહાય પણ કરો છો.
અલ્લાહ તઆલા ફરમાવે છે કે આ જ તે લોકો છે જેમના ઉપર અલ્લાહ તઆલા લઅનત – ધિક્કાર ફરમાવે છે. અને જેને ખુદા તઆલા ધિક્કારી દે એનો કોઈ મદદગાર નથી હોય શકતો.
છેલ્લી ત્રણ આયતોમાં અલ્લાહ તઆલા યહૂદીઓની મુસલમાનો પ્રત્યેની અદાવત અને અદેખાઈનું કારણ બતાવે છે કે સદીઓથી બનીઈસરાઈલ ખાનદાનમાં નુબુવ્વત સાથે સત્તા ચાલતી આવતી હતી, બનીઈસરાઈલ હઝરત ઈબ્રાહીમ અલૈ.ના પુત્ર હઝરત ઈસ્હાક અલૈ.ના વંશજોને કહે છે. હવે છેલ્લે અલ્લાહ તઆલાએ હઝરત ઈબ્રાહીમ અલૈ.ના બીજા દીકરા હઝરત ઈસ્માઈલ અલૈ.ના વંશજ એટલે કે મુહમ્મદ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમને નુબુવ્વત અને સત્તા સોંપી એટલે તેઓ અદેખાઈમાં વિરોધ કરી રહયા છે.
અલ્લાહ તઆલા ફરમાવે છે કે યહૂદીઓને સમજવું જોઈએ કે નુબુવ્વત અને સત્તા તમારા અધિકારની વાત નથી, એમ હોત તો તમે કોઈને દાણો પણ આપત, પણ એ અલ્લાહની દેણ છે, એ જેને ચાહે છે તેને આપે છે, એનો વાયદો એ હતો કે હઝરત ઈબ્રાહીમ અલૈ.ના વંશજોને નુબુવ્વત આપશે, એ મુજબ અલ્લાહ તઆલા એના વાયદા ઉપર કાયમ છે, અલ્લાહનો વાયદો એવો ન હતો કે હઝરત ઈબ્રાહીમના વંશજોમાં ફકત બનીઈસરાઈલને જ નુબુવ્વત અને સત્તા આપશે. પણ બની ઈસરાઈલ – યહૂદીઓએ પોતે જ નક્કી કરી લીધું કે ઈબ્રાહીમના વંશજોમાં ફકત અમે જ નુબુવ્વત – સત્તાના હકદાર છીએ, જે ખોટું છે.
આમ અલ્લાહ તઆલાએ તો એના વાયદા મુજબ હઝરત ઈબ્રાહીમ અલૈ.ના ખાનદાનને જ નુબુવ્વત અને સત્તા સોંપી છે. હવે ઈબ્રાહીમ અલૈ.ના ઘણા વંશજો આ વાસ્તવિકતાને સમજીને મુહમ્મદ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ ઉપર ઈમાન લાવે છે અને ઘણા નથી લાવતા. અને જેઓ ઈમાન નથી લાવતા એમના માટે ભડકી રહેલ જહન્નમ કાફી છે. કારણ કે નબી ઉપર ઈમાન લાવવા સિવાય નજાતનો કોઈ રસ્તો નથી.
મઆરિફુલ હદીસ
હઝરત મવલાના મંઝૂર નોમાની (રહ.)
અનુવાદ : મવલાના યાકૂબ બારીવાલા સા. રહ. (બ્લેકબર્ન. યુ.કે.)
ભાગ નંબરઃ ૧૮૮
એહરામનો લિબાસ
(١٥٦) عَنْ عَبْدِ اللّهِ بْنِ عُمَرَ أَنَّ رَجُلًا سَأَلَ رَسُولَ اللّهِ ﷺ مَا يَلْبِسُ الْمُحْرِمُ مِنَ الثِّيَابِ فَقَالَ رَسُولُ اللهِ ﷺ لَا تَلْبِسُوا الْقَمِيصَ وَالْعَمَائِمَ وَالسَّرَاوِلَاتِ وَلَا الْبَرَانِسَ وَلَا الْخِفَافَ إِلَّا أَحَدٌ لَا يَجِدُ النَّعْلَيْنِ فَيَلْبِسُ الْحُفَّيْنِ وَلْيَقْطَعْهُمَا أَسْفَلَ مِنَ الْكَعْبَيْنِ وَلَا تَلْبِسُوْا مِنَ الثَّيَابِ شَيْئًا مَسَّهُ زَعْفَرَانٌ وَلَا وَرْسٌ -(رواه البخاري والمسلم )
તરજુમાઃ હઝરત અબ્દુલ્લાહ બિન ઉમર (રદિ.) રિવાયત ફરમાવે છે કે એક માણસે હુઝૂર (સલ.)ને પુછયું કે મુહરિમ (હજ અથવા ઉમરાહનું એહરામ બાંધનાર) કયા કયા કપડા પહેરી શકે છે? આપ (સલ.)એ ફરમાવ્યું કે એહરામની હાલતમાં ન કુરતો પહેરો, ન માથા પર પાઘડી બાંધો અને ન સરવાલ (પાયજામો) પહેરો, અને ન બરાની પહેરો ન પગમાં મોજા પહેરો, તે માણસ જેની પાસે પહેરવા માટે ચપ્પલ જોડા ન હોય, તો લાચારી એ પગોને બચાવવા માટે મોજા પહેરો, અને તેને ઘૂંટીઓ નિચેથી કાપી નાંખી જોડા જેવા બનાવી લો. (આગળ આપ (સલ.)એ ફરમાવ્યુ કે એહરામની હાલતમાં) એવું પણ કોઈ કપડું ન પહેરો જેને કેસર અથવા વર્સનો રંગ અને ખુશ્બુ લાગેલી હોય…(બુખારી, મુસ્લિમ)
ખુલાસોઃ- રસૂલુલ્લાહ (સ.અ.વ.)એ આ હદીષમાં ખમીસ, પાયજામો, પાઘડી, વગેરે ફકત અમુક પ્રકારના કપડાંનું નામ લીધું, જેનો તે વખત રીવાજ હતો, મજકૂર હુકમ તે બધા કપડાનો પણ છે જે વિવિધ વખતોમાં અને વિવિધ કોમો અને દેશોમાં તે હેતુસર વપરાય અથવા ભવિષ્યમાં વપરાશે, જે હેતુસર ખમીસ, પાયજામો, પાઘડી વગેરે વપરાતા હતા. કેસર તો પ્રખ્યાત છે, વર્સ પણ એક સુગંધિત પીળા રંગના પાંદડા છે. એ બન્નેવ વસ્તુ સુગંધ માટે વપરાય છે. એટલા માટે એહરામમાં એવા કપડા વાપરવાની પણ મનાઈ કરવામાં આવી, જેમાં કેસર કે વર્સ લાગેલું હોય. સવાલ કરનાર માણસે પુછયું હતું કે મુહરિમ કયા કપડા પહેરે? એ જવાબમાં આપ(સ.અ.વ.) એ પણ સુચના આપી કે પુછવાનું એ નથી કે મુહરીમ કયાં કપડા પહેરે? તો આપ (સ.અ.વ.)એ જવાબમાં ફરમાવ્યું કે ફલાણા ફલાણા કપડા ન પહેરે. પણ એ જાણવું જોઈતું હતું કે કયા પ્રકારના કપડા પહેરવાની તેના માટે મનાઈ છે. કેમકે એહરામનો અસર એ છે કે અમુક કપડાં અને અમુક વસ્તુઓ જેનો વપરાશ આમ હાલતમાં જાઈઝ છે. એહરામના કારણે તેનું વાપરવું નાજાઈઝ થઈ જાય છે. એટલા માટે એવું પુછવું જોઈએ કે એહરામમાં કયા કપડાં અને કઈ વસ્તુ વાપરવી મના અને નાજાઈઝ છે.
(١٥٧) عَنْ ِابْنِ عُمَرَ أَنَّهُ سَمِعَ رَسُولَ اللّهِ ﷺ يَنْهَى النِّسَاءَ فِيْ إِحْرَامِهِنَّ عَنِ الْقُفَّازَيْنِ وَالنِّقَابِ وَمَا مَسَّ الْوَرْسُ وَالزَّعْفَرَانُ مِنَ الثِّيَابِ وَلْتَلْبَسْ بَعْدَ ذَالِكَ مَا أَحَبَّتْ مِنْ اَلْوَانِ الثِّيَابِ مُعَصْفَرٍ أَوْ خَزٍّ أَوْ حُلِيٍّ أَوْ سَرَاوِيْلَ أَوْ قَمِیْصِِ اَوْ خُفٍّ(رواه أبو داود)
તરજુમા : હઝરત અબ્દુલ્લાહ બિન ઉમર (રદિ.)થી રિવાયત છે કે મેં રસુલૂલ્લાહ (સ.અ.વ.)થી સાંભળ્યું કે આપ (સ.અ.વ.) એ સ્ત્રીઓને એહરામની હાલતમાં હાથના મોજા અને ચેહરા પર નિકાબ નાંખવાથી મના ફરમાવતા હતા. તથા તે કપડા વાપરવાથી રોકતા હતા જેમાં કેસર અને વર્સ લાગેલું હોય તે પછી એના સિવાય જે રંગીન કપડા પહેરવા ઈચ્છે પહેરી શકે છે ભલે કસુંબી હોય કે રેશમી અને એવી રીતે તેણીઓ દાગીના પણ પહેરી શકે છે અને સુરવાર, ખમીસ, તેમ મોજા પણ પહેરી શકે છે.
ખુલાસોઃ- આ હદીષથી એ જણાય છે કે એહરામની હાલતમાં ખમીશ, સુરવાર વગેરે સિવેલા કપડાં પહેરવાની મનાઈ ફકત પુરૂષો માટે છે સ્ત્રીઓને પરદાના કારણે તે બધા કપડા વાપરવાની છૂટ છે અને મોજા પહેરવાની પણ રજા છે. હા! હાથના મોજા પહેરવાની તેણીઓને પણ મનાઈ છે. એવી જ રીતે મોં પર નકાબ નાંખવાની પણ મનાઈ છે. પરંતુ એનો એ અર્થ નથી કે તે અજાણ્યા માણસો સામે પણ પોતાનું મોઢું ખુલ્લુ રાખે, હદીષમાં કાયદેસર મોં પર નિકાબ નાંખવાની મનાઈ છે, પરંતુ જયારે અજાણ્યો માણસ સામે આવી જાય તો પોતાની ચાદર અથવા બીજી કોઈ વસ્તુથી તેમણે ઓથ કરી લેવી જોઈએ. અબૂ દાઉદમાં હઝરત આઈશા (રદિ.) ની રિવાયત છે, ફરમાવે છે કે હું હજમાં હુઝૂર (સ.અ.વ.) સાથે એહરામમાં હતી (તો એહરામના કારણે મોં પર નકાબ ઓઢતી ન હતી) જયારે અમારી સામેથી પુરૂષો પસાર થતા તો અમે ચાદરો માથા પર લટકાવી લેતી હતી અને આવી રીતે પરદો કરી લેતી હતી પછી જયારે તે પુરૂષો આગળ નિકળી જતા તો અમે અમારા મોં ઉઘાડી લેતી હતી. હઝરત આઈશા (રદિ.)ના બયાનથી સ્પષ્ટ રીતે જણાય છે કે એહરામની હાલતમાં સ્ત્રીઓએ નિકાબ વાપરવો મના છે પરંતુ જ્યારે અજાણ્યા પુરૂષો સામે આવી જાય તો ચાદરથી અથવા બીજી કોઈ વસ્તુથી આડ કરી લેવી જોઈએ.
એહરામથી પહેલા સ્નાન કરવું (નહાવું)
(١٥٨) عَنْ زَيْدِ بْنِ ثَابِتٍ أَنَّهُ رَأَى النَّبِيَّ ﷺ تَجَرَّدَ لِإِهْلاَلِهِ وَاغْتَسَلَ (رواه البخاري والدارمی)
તરજુમાઃ હઝરત ઝૈદ બિન સાબિત (રદિ.)થી રિવાયત છે કે તેમણે રસૂલુલ્લાહ (સલ.)ને જોયા કે આપ (સલ.) કપડાં ઉતાર્યા અને એહરામ બાંધવા માટે સ્નાન કર્યુ.
ખુલાસોઃ આ હદીષના આધારે એહરામથી પહેલા સ્નાન કરવું સુન્નત કહેવામાં આવ્યું છે. પરંતુ જો કોઈએ બે રકાત એહરામ બાંધવા માટે ફક્ત વુઝૂ કરી લીધુ તો પણ બસ છે તેનું એહરામ સહી થઈ જશે.
એહરામની લબ્બેક
(١٥٩) عَنْ ابْنِ عُمَرَ قَالَ سَمِعْتُ رَسُولَ اللهِ ﷺ يُهِلُّ مُلَبِّدًا يَقُولُ لَبَّیْکْ اللّٰهُمَّ لَبَّيْكَ لَبَّيْكَ لا شَرِيْكَ لَكَ لَبَّيْكَ إِنَّ الْحَمْدَ وَالنِّعْمَةَ لَكَ وَالْمُلْكَ لَا شَرِيْكَ لَكَ، لَا يَزِيْدُ عَلَى هٰؤُلَاءِ الْكَلِمَاتِ - (رواه البخاري والمسلم )
તરજુમાઃ હઝરત અબ્દુલ્લાહ બિન ઉમર (રદિ.) રિવાયત કરે છે કે રસુલૂલ્લાહ (સલ.)ને લબ્બેક પઢતા સાંભળ્યા. એવી હાલતમાં કે આપ (સ.અ.વ.)ના માથાના વાળ જમેલા અને વ્યવસ્થિત ચોંટેલા હતા. (જેમકે સ્નાન પછી માથાના વાળ રહે છે.) આપ (સ.અ.વ.) આ પ્રમાણે લબ્બેક પઢતા :
اللّٰهُمَّ لَبَّیْك لَبَّيْكْ لَا شَرِيْكَ لَكَ لَبَّيْكْ إِنَّ الْحَمْدَ وَالنِّعْمَةَ لَكَ وَالْمُلْكَ لَا شَرِيْكَ لَكَ
હું હાજર છું ખુદાવંદ તારા દરબારમાં હાજર છું. હાજર છું. તારો કોઈ ભાગીદાર નથી. હું તારા દરબારમાં હાજર છું. બધાં જ વખાણ અને તારીફો તારા જ લાયક છે. અને બધી જ નેઅમતો તારી જ છે. અને બધી સૃષ્ટિમાં હુકુમત પણ તારી જ છે. તારો કોઈ ભાગીદાર અને બરાબરી કરનાર નથી.
ખુલાસોઃ હદીવેત્તાઓએ લખ્યું છે કે અલ્લાહ તઆલાએ પોતાના ખલીલ ઈબ્રાહીમ મારફત તેના બંદાઓને હજ એટલે તેના દરબારમાં હાજરીનું આમંત્રણ અપાવ્યું હતું (જેનું વર્ણન કુર્આન પાકમાં પણ છે.) તો હજમાં જનાર બંદો જયારે એહરામ બાંધી લબ્બેક પઢે છે, તો તે જેવો ઈબ્રાહીમ અલૈ.ની પુકાર અને અલ્લાહ તઆલાના આમંત્રણના જવાબમાં અરજ કરે છે કે ખુદાવંદા ! તેં મને તારા દરબારની હાજરી માટે બોલાવ્યો હતો અને તારા ખલીલ અલૈ.મારફત આમંત્રણ આપ્યું હતું હું હાજર છું અને માથાભેર હાજર છું. (લબૈક અલ્લાહુમ્મ લબ્બેક)
એહરામની પહેલી લબ્બેક કયારે
(١٦٠) عَنْ عَبْدِ اللّهِ بْنِ عُمَرَ قَالَ كَانَ رَسُولُ اللّهِ ﷺ أَدْخَلَ رِجْلَهُ فِي الْغَرْزِ وَاسْتَوَتْ بِهِ نَاقَتُهُ قَائِمَةً أَهَلَّ مِنْ عِنْدِ مَسْجِدِ ذِي الْحُلَيْفَةِ (البخاري ومسلم)
તરજુમાઃ હઝરત અબ્દુલ્લાહ બિન ઉમર (રદિ.)થી રિવાયત છે કે રસુલૂલ્લાહ (સલ.)નો મામુલ હતો કે (ઝૂલ્હુલૈફાની મસ્જીદમાં બે રકાત નમાઝ પઢયા પછી) જયારે આપ સલ. ઉંટડીના પાઘડામાં પગ મુકતા, અને ઉંટડી બરાબર ઉભી થઈ જતી તે વખતે આપ સલ. એહરામની લબ્બેક પઢતા હતા.
ખુલાસો : સહાબાની રિવાયતો અને તેમના કથનો એ બાબતમાં જુદા જુદા છે કે રસૂલુલ્લાહ સલ.એ હજજતુલ વદાઅમાં એહરામની પહેલી લબ્બેક કયા વખતે અને કઈ જગ્યાએ પઢી હતી, હઝરત અબ્દુલ્લાહ બિન ઉમર રદિ.નું બયાન (જેમકે આ હદીસમાં ઉલ્લેખ છે) તે મુજબ ઝુલ્હુલેફાની મસ્જીદમાં બે રકાત નમાઝ પઢવા પછી આપ સલ. ત્યાં જ પોતાની ઉટડી પર સવાર થયા અને જયારે ઉંટડી આપ સલ.ને લઈ સીધી ઉભી થઈ ગઈ તે વખતે આપ સલ.એ પહેલી વાર એહરામની લબ્બેક પઢી અને જેવા તે જ વખતથી મુહરીમ થઈ ગયા, અને અમૂક સહાબા રદિ.નું બયાન છે કે જયારે આપ ઉંટડી પર સવાર થઈ થોડે દૂર નિકળી "બૈદાઅ' સ્થળે પહોંચ્યા (જે ઝૂલ્હુલેફાથી બિલકુલ નજીક થોડું ઉંચાઈ પર મેદાન જેવું હતું) તે વખતે પહેલી લબ્બેક પઢી અને અમૂક રિવાયતોથી જાણવા મળે છે કે જયારે આપે સલ. ઝૂલ્હુલેફાની મસ્જીિદમાં બે રકાત નમાઝ એહરામની પઢી તો તે જ વખતે ઉંટડી પર સવાર થતાં પહેલાં આપ સલ.એ પહેલી લબ્બેક પઢી. અબૂ દાઉદ અને મુસ્તદરક હાકિમ વગેરેમાં પ્રખ્યાત તાબઈ હઝરત સઈદ બિન જુબૈર રદિ.નું બયાન છે કે મેં અબ્દુલ્લાહ બિન અબ્બાસ રદિ.ને સહાબાના આ વિરોધ વિષે પુછ્યું તો તેમણે બતાવ્યું કે ખરી હકીકત એ છે કે રસૂલુલ્લહ સલ. એ મસ્જીદે ઝુલ્હુલૈફામાં બે રકાત એહરામની નમાઝ પઢી તરત પહેલી લબ્બેક પઢી હતી પરંતુ એની જાણ ફકત અમૂક તે જ લોકોને થઈ તે તે વખતે આપ સલ.ની પાસે હતા તે પછી જયારે આપ સલ. ઉટડી પર સવાર થયા, અને ઉટડી બરાબર સીધી ઉભી થઈ ગઈ તે વખતે ફરી આપ સલ.એ લબ્બેક પઢી, અને ઉંટડી પર સવાર થયા પછી આ પહેલી લબ્બેક હતી તો જે લોકોએ આ લબ્બેક આપ સલ.થી સાંભળી અને પહેલી લબ્બેક ન સાંભળી હતી તેઓ સમયા કે પહેલી લબ્બેક આપે ઉટડી પર સવાર થયા પછી પઢી, પછી જયારે ઉટડી ચાલવા માંડી અને "બૈદાઅ" સ્થળે પહોંચી તો આપ સલ.એ ફરી લબ્બેક પઢી, તો જે લોકોએ પહેલી અને બીજી લબૈક તે વખતે પઢી, જયારે આપ "બૈદાઅ" પર પહોંચ્યા, હઝરત અબ્દુલ્લાહ બિન અબ્બાસ રદિ.ના આ બયાનથી ખરી હકીકત સ્પષ્ટ થઈ જાય છે.
લબ્બેક જોરથી પઢવામાં આવે
(١٦١) عَنْ خَلَّادِ بْنِ السَّائِبِ عَنْ أَبِيْهِ قَالَ قَالَ رَسُولُ اللّهِ ﷺ أَتَانِيْ جِبْرَئِيْلُ فَأَمَرَنِيْ أَنْ آمُرَ أَصْحَابِيْ أَنْ يَّرْفَعُوْا أَصْوَاتَهُمْ بِالْإِهْلَالِ أَوِ التَّلْبِيَّةِ - (رواه مالك والترمذي وأبو داود والنسائي وابن ماجة والدارمي)
તરજુમાઃ હઝરત ખલ્લાદ બિન સાઈદ તાબીઈ તેમના પિતા સાઈબ બિન ખલ્લાદ અન્સારી (રદિ.)થી રિવાયત કરે છે કે રસુલૂલ્લાહ (સલ.)એ ફરમાવ્યું કે: મારી પાસે જિબ્રઈલ અલૈ. આવ્યા, અને તેમણે અલ્લાહ તઆલા તરફથી મને હુકમ પહોંચાડયો કે હું મારા સાથીઓને હુકમ આપું કે તેઓ લબ્બેક જોરથી પઢે.
(١٦٢) عَنْ سَهْلِ بْنِ سَعْدٍ قَالَ قَالَ رَسُولُ اللّهِ ﷺ مَا مِنْ مُسْلِمٍ يُلَبِّيْ إِلَّا لَبّٰی مَنْ عَنْ يَمِيْنِهِ وَشِمَالِهِ مِنْ حَجَرٍ أَوْ مُدَرَ حَتَّى تَنْقَطِعَ الْأَرْضُ مِنْ هَهُنَا وَهَهُنَا .(رواه الترمذي وابن ماجة)
તરજુમાઃ- હઝરત સહલ બિન સઅદ (રદિ.)થી રિવાયત છે કે રસુલૂલ્લાહ (સ.અ.વ.)એ ફરમાવ્યું કે: અલ્લાહનો મોમિન અને મુસ્લિમ બંદો જયારે હજ અથવા ઉમરહની લબ્બેક પુકારે છે (અને કહે છે લબ્લૈક અલ્લાહુમ્મ લબૈક) તો તેની જમણી ડાબી બાજુ અલ્લાહની જે મખ્લુક હોય છે ભલે તે નિર્જીવ પથ્થર અને જાડો, અથવા ઢેફાં હોય, તે પણ તેની સાથે લબૈક કહે છે. એટલે સુધી કે જમીન આ તરફથી અને તે તરફથી એકત્ર થઈ જાય છે.
ખુલાસો : આ હકીકત સ્પષ્ટ રીતે કુર્આનમાં બયાન કરવામાં આવી છે કે સૃષ્ટિની દરેક વસ્તુ અલ્લાહની તસ્બીહ અને હમ્દ કરે છે પરંતુ તે હમ્દ અને તસ્બીહ મનુષ્યો સમજી શકતા નથી બસ એ જ મુજબ સમજવું જોઈએ કે લબ્બેક કહેનાર ઈમાનવાળા સાથે તેની જમણી ડાબી બાજુની દરેક વસ્તુ લબૈક કહે છે. પરંતુ આપણે મનુષ્યો એને સાંભળી શકતા નથી.
લબ્બેક પછી ની ખાસ દુઆ
(١٦٣) عَنْ عُمَارَةَ بْنِ خُزَيْمَةَ بْنِ ثَابِتٍ عَنْ أَبِيْهِ عَنِ النَّبِيِّ ﷺ أَنَّهُ كَانَ إِذَا فَرَغَ مِنْ تَلْبِيَتِهِ سَأَلَ اللهَ رِضْوَانَهُ وَالْجَنَّةَ وَاسْتَعْفَاهُ بِرَحْمَتِهِ مِنَ النَّارِ (رواه الشافعي)
તરજુમાઃ હઝ. અમ્મારહ બિન ખુઝૈમા બિન સાબિત અન્સારી તેમના પિતાથી રિવાયત કરે છે કે રસુલૂલ્લાહ (સ.અ.વ.)જયારે લબ્બેકથી પરવારી જતા (એટલે લબ્બેક પઢી મુહરીમ થઈ જતા) તો અલ્લાહ પાસે તેની ખુશી અને જન્નતની દુઆ કરતા અને તેની રહમતથી દોઝખથી છુઠકારો માંગતા.
ખુલાસો : આ હદીસના આધારે આલિમોએ લબ્બેક પછી એવી દુઆને અફઝલ અને સુન્નત કહી છે જેમાં અલ્લાહ તઆલાથી તેની ખુશી અને જન્નતનો સવાબ કરવામાં આવે અને દોઝખના અઝાબથી પનાહ માંગવામાં આવે સાફ વાત છે કે મો'મિન બંદાની સૌથી મહાન જરૂરત અને એનો સૌથી મહત્વનો હેતુ એ જ છે કે તેને અલ્લાહની ખુશી અને જન્નત પ્રાપ્ત થઈ જાય, અને અલ્લાહની નારાજી તેમ દોઝખના અઝાબથી પનાહ મળી જાય, જેથી એ મોકાની સૌથી ઉત્તમ દુઆ એ જ છે. ત્યાર પછી તે સિવાય પણ જે ચાહે માંગી શકે છે.
اللّٰهُمَّ إِنَّا نَسْأَلُكَ رِضَاكَ وَالْجَنَّةَ وَنَعُوذُ بِكَ مِنْ غَضَبِكَ وَالنَّارِ"
આપણા પ્રાણ અને બાળકો કરતાં પણ વધુ
- મવલાના ખાલિદ સૈફુલ્લાહ રહમાની સાહેબ.
મુસ્લિમો માટે પયગંબર મુહમ્મદ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ માત્ર એક આસ્થાનું કેન્દ્ર નથી, તેઓ મુસલમાનોના પ્રેમા, આદર અને સન્માનના પણ સ્ત્રોત છે. જો કોઈ મુસ્લિમના માતા-પિતાનું અપમાન થાય અથવા તેમને ગાળો દેવામાં આવે તો તેને એટલું મન દુઃખ નથી થતો જેટલું દુખ એક મુસલમાન રસુલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની બદનામી અને તેમની શાનમાં ગુસ્તાખી કરવાથી અનુભવે છે. ભલે તે મુસલમાન કેટલો પણ દીની બાબતમાં ગાફિલ રેહતો હોય, અને પાંચ ટાઈમની નમાઝ પણ પઢતો ના હોય અને તેની પાબંદી પણ કરતો ના હોય, ભલે તે દારૂનું પણ સેવન કરતો હોય અને વ્યાજખોર પણ હોય… બલકે આવા અનેક મોટા પાપો કરી રહ્યો હોય.. ભલે તેના ઈમાનનું સ્વભિમાન અને ઈસ્લામ પ્રત્યેની તેની સદભાવના અને વિશ્વાસ તેને આવા મોટા પાપો કરતા રોકી શકયા નહી, પણ જયારે પયગંબર સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની શાન અને ઈજ્જત તરફ કોઈ આંગળી ચીંધે છે તો તેની આત્મા કાંપી ઉઠે છે અને શરીર ધ્રુજી જાય છે. અને છેવટે તે પયગંબર માટે પોતાનો પ્રાણ અને પ્રિય માતા-પિતા બલકે જીવથી વધારે વ્હાલાં બાળકોનું બલિદાન આપવા પણ તૈયાર થઈ જાય છે. આવા પ્રેમના દાખલાઓ બીજા ધર્મોના ઈતિહાસમાં દૂર દૂર સુધી જોવામાં પણ નથી આવતા અને સાંભળવા પણ નથી મળતા.
પયગંબર મુસા (અલૈ.)ના સાથીઓ અને અનુયાયીઓએ તો સામે મોઢે તેમને કહ્યું હતું કે તમે તમારા પરવરદિગાર સાથે મળીને યુદ્ધ કરો, અમે તો અહીંયા જ બેસી રેહવાનાં છે અને તમારી સાથે પણ આવવાના નથી.
વર્તમાન બાઈબલ અને ખ્રીસ્તી લોકોની માન્યતા મુજબ પયગંબર ઈસા (અલૈ.)ને ફાંસીના માંચડે લટકાવવામાં આવ્યા હતા પણ તેમના સાથી અને સજજનોએ તેમને બચાવવાનો પ્રયાસ પણ કર્યો ન હતો, પણ પયગમ્બર મુહમ્મદ(સ.અ.વ)ના સાથીઓ અને માનવાવાળાઓનો ઈતિહાસ ખૂબ જ અલગ અને અનોખો છે.
આ અનોખા પ્રેમના દ્રશ્યો જોવા હોય તો ઉહદની લડાઈમાં પયગમ્બર મુહમ્મદ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ સાથે આવેલ હઝરત સઅદ ઈબ્ને રબીઅહ (રદી.)ને જુઓ. શરીર ઉપર તીર અને તલવારના બાર-તેર ઘાવ હતા, શરીર ઝખ્મોથી ચૂર હતું અને લડાઈના મેદાનમાં ક્યાંક પડયા હતા. એટલામાં એમણે હઝરત ઉબઈ ઈબ્ને કઅબ (રદી.)ને જોયા તો એમને બોલાવીને છેલ્લો પયગામ આપ્યો.
જીવનની અંતિમ ઘડીઓમાં પણ તેમણે પત્ની અને બાળકોને માટે કોઈ સંદેશો ના કહયો. બલકે તેમણે કહ્યું: જયારે તમે રસુલ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની ખિદમતમાં પહોંચો તો મારા સલામ પેશ કરજો અને મારી હાલત વિશે જણાવજો અને મારા કબીલા અને ખાનદાનના લોગોને કહી દેજો કે કબીલાના એક પણ માણસના જીવતા હોવાની સ્થિતિમાં પયગંબર સાહેબને આંચ પણ આવશે તો અલ્લાહ તઆલા સમક્ષ કોઈ પણ જાતની માફી સ્વીકારવામાં આવશે નહી.
મક્કાનું દશ્ય છે, નાના-મોટા લોકો ટોળે વળ્યા છે, મક્કાના કાફિરો બદરની લડાઈમાં માર્યા ગયેલા એમના નેતાઓની હત્યાનો બદલો લેવા માંગતા હતા. આ હેતુએ હઝરત ઝૈદ બિન દષના (રદિ.)ની હત્યા કરવાની તૈયારી કરી રહ્યા હતા. કોઈકે એમને સુળીએ લટકાવીને એમને પૂછયું: હે ઝૈદ! હું તને અલ્લાહનો વાસ્તો આપીને પુછું છું, શું તને એવું પસંદ નથી કે તું તારા પરિવારમાં હોય અને મુહમ્મદ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ તારી જગ્યાએ અમારી સાથે હોય અને અમે તેમની હત્યા કરી નાખીએ. હઝરત ઝૈદે જરા પણ ખચકાટ અને વિચાર્યા વગર કહ્યું : ના. ખુદાની કસમ ! મને તો એ પણ પસંદ નથી કે મુહમ્મદ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમના પગમાં કોઈ કાંટો પણ ખુંચે અને તેઓને દુઃખ પહોંચે અને તે સમયે હું મારા પરિવારની વચ્ચે બેઠો હોઉં. અબુ સુફયાન તે ઘડી એ તે મિટિંગમાં હાજર હતા અને મક્કાના લોકોના આગેવાન હતા. હજુ ઈસ્લામ સ્વીકાર્યો ન હતો. આ દશ્ય જોઈને તેમણે કહ્યું : ખુદાની કસમ ! મુહમ્મદ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમના સાથીદારો તેમને જેટલો પ્રેમ કરે છે એટલો પ્રેમ મેં કયારેય કોઈને કરતા નથી જોયો. (તબકાતે ઈબ્ને સાદ)
બનુ દીનાર કબીલાની એક સ્ત્રી પર ઉહુદના યુદ્ધ સમયે આઘાત અને સદમાનો પહાડ તુટી પડયો હોય એવી સ્થિતિ હતી. વારા ફરતી તેના પતિ,ભાઈ અને પિતા શહીદ થઈ ગયા. તેણીને લોકો આ સમાચાર પહોંચાડયા તો તેણીએ ઈન્ના લિલ્લાહી વ ઈન્ના ઈલઈહી રાજીઉન કહીને રસુલ સલ્લલ્લાહુ અલયહિવ સલ્લમના ખબર અંતર પૂછવા લાગી કે એમનું શું થયું? અને જયારે લોકોએ કહયું કે અલ્લાહના ફઝલ અને કરમથી તેઓ સારા અને સહી સલામત છે. તો તેણીએ કહ્યું કે મારે એક વાર મુહમ્મદ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ ને જોવા છે. અને જયારે લોકોએ તેણીને પયગમ્બર સલ્લલ્લાહ અલયહિ વ સલ્લમને ઈશારા થી બતાવ્યા તો ખચકાટ વગર બોલી પડી કે મુહમ્મદ (સ.અ.વ)ને સહી સલામત જોયા પછી મારા માટે કોઈ મુસીબત મોટી નથી. (સીરતે ઈબ્ને કસીર)
આવો જ એક બીજો બનાવ પણ તે જ યુદ્ધ માં બન્યો કે એક સ્ત્રી પોતાના પુત્ર, પિતા,પતિ અને ભાઈ સાથે લડાઈના મેદાનમાં આવી હતી. લડાઈમાં તેના સગા વ્હાલા એક પછી એક શહીદ થઈ ગયા. જયારે તેણી લાશો જોવા આવી અને પૂછ્યું કે આ બધા કોણ છે ? તો એને જણાવવામાં આવ્યું કે આ તમારા પિતા છે, આ તમારો ભાઈ છે, આ તમારો પતિ છે, પછી તેણીએ પુછ્યું કે રસુલુલ્લાહ સલ્લલ્લાહ અલયહિ વ સલ્લમની શું ખબર છે ? તો લોકો તેણીને રસુલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમને મળવા લઈ ગયા. નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમને સલામત જોઈને તે કહેવા લાગી કે મારા માબાપ તમારા પર કુરબાન, જયારે તમે સુરક્ષિત છો તો મને કોઈ ફરક નથી પડતો.
સહાબાના દિલોમાં અલ્લાહ તઆલાએ પયગમ્બર (સ.અ.વ.)નો અપાર પ્રેમ રાખ્યો હતો. અને તેમના જીવનની એક-એક ક્ષણમાં આ જુસ્સાનું પ્રતિબિંબ જોવા મળતું હતું. અને આજ પ્રેમ ઉમ્મતને સહાબા પાસેથી વારસામાં મળ્યો છે. ખરેખર એક મુસલમાન પોતાના જીવથી પણ વધારે પયગંબર (સ.અ.વ)ને પ્રેમ અને મુહબ્બત કરતો હોય છે.
હઝરત મવલાના અશરફ અલી થાનવી (રહ.)ને એક વ્યક્તિએ પ્રશ્ન પુછ્યો કે મને આ વાત માં શક છે કે કોઈ પણ વ્યક્તિ જયાં સુધી પોતાના પ્રાણ અને પોતાની અવલાદ તેમજ માતાપિતાથી પણ વધારે રસુલુલ્લાહ (સ. અ. વ.) સાથે પ્રેમ અને મુહબ્બત ના કરે, તે પાક્કો અને ચુસ્ત મુસલમાન નથી થઈ શકતો. મને એવું લાગે છે કે માણસને અવલાદ વધારે વહાલી હોય છે. તો હઝરત થાનવી (રહ.)એ પૂછ્યું કે તમારો દીકરો પયગમ્બર મુહંમદ સાહેબને ગાળો દે તો તમે શું કરશો? એણે જવાબ આપ્યો કે હું તેને મારી નાખીશ. તો હઝરત થાનવી(રહ.)એ કહ્યું કે આ તે જ મુહબ્બત છે કે જેના સામે અવલાદ પણ કશું નથી.
પાછલા દિવસો માં ઝારખંડની રાજધાની રાંચીમાં મુદ્દસ્સિર નામના છોકરાને ગુસ્તાખીએ રસૂલના વિરોધ પ્રદર્શન રેલીમાં શહીદ કરી દેવામાં આવ્યો. અને છેલ્લો શબ્દ જે તેના મોંઢે થી નીકળ્યો તે ઈસ્લામ ઝિંદાબાદ હતો. પછી જે બન્યું તેનાથી મને સહાબાના સમયની યાદ આવી ગઈ, જયારે મીડિયા પ્રતિનિધિએ તેની વૃદ્ધ અભણ માતાથી વાર્તાલાપ કર્યો. તો આ મુસલમાન મહિલાએ કહ્યું : મને મારા શહીદ પુત્ર પર ગર્વ છે કે તેણે પવિત્ર પયગંબર (સ.અ.વ.)ના નામ પર પોતાના જીવનનું બલિદાન આપ્યું અને ઈસ્લામ ઝિંદાબાદ કહેતાં કહેતાં દુનિયા ને અલવિદા કરી ગયો. ઈસ્લામ કાલે પણ ઝિંદાબાદ હતો આજે પણ ઝિંદાબાદ છે અને હમેશા ઝિંદાબાદ રહેશે. આ મુસલમાન સ્ત્રીનું નિવેદન સાંભળીને મારી આંખો ખરેખર ભીની થઈ ગઈ. મારું દિલ મને કહી રહયું છે કે જે કોમ અને ઉમ્મતમાં આવી ઈમાનવાળી અને હિંમતવાન માતાઓ હશે તે કોમ અને ઉમ્મત કયારે પણ ડરપોક અને કમ બુઝદિલ નહી બને. તે સમુદ્રમાં તરીને આગની જવાળાઓ પર ચાલશે, પરંતુ તે પોતાના ઈમાનને ડૂબવા કે બળવા દેશે નહીં.
આ સમયે જરૂરી છે કે પરિસ્થિતિનો પૂરેપૂરી તાકાત અને દઢતા સાથે સામનો કરવામાં આવે. મુસલમાનોનું મનોબળ ઉંચુ રહે એવા પ્રયાસો કરવામાં આવે. તેમને કાયર બનવાથી બચાવવામાં આવે. દેઢ સંકલ્પ અને હિંમત પેદા કરવીને એમના મનમાં આ વાત દઢ કરી દેવામાં આવે કે મુસલમાન લોહીના આખરી ટીપાં સુધી પોતાના ઈમાન અને ઈસ્લામની રક્ષા કરશે. પરંતુ જુલમ અને અસત્ય, કુફ્ર– શિર્ક સામે ઝુકી નહી શકે. મુસલમાન તે નથી જે ફૂલોના રસ્તા પર ચાલે તો અલ્લાહનું નામ લે અને જયારે તેને કાંટાવાળા માર્ગ પર ચાલવાની વારો આવે ત્યારે તે અલ્લાહને ભૂલી જાય. ખુશી અને આરામના દિવસોમાં મુસલમાન હોવા પર ગર્વ કરે અને જુલમ અને અત્યાચારના દિવસોમાં તે પોતાના ધર્મનું નામ લેતા પણ ડરે અને મઝાક કરનારાઓની વચ્ચે પોતાના ધર્મને શરમ અનુભવે.
આ દેશમાં અંગ્રેજોના શાસન દરમિયાન અને પછી પણ, મુસ્લિમો ઘણી કસોટીઓમાંથી પસાર થયા છે અને મુસલમાનોનું ખુન એટલી હદે વહાવવામાં આવ્યું છે કે જો તે બધાને નદીમાં રેડવામાં આવે તો પાણીનો રંગ બદલાઈ જાય. પરંતુ આ બધાની વચ્ચે પણ આપણા વડીલોએ ધીરજ અને અડગતાનો માર્ગ અપનાવ્યો. તેઓએ સંપત્તિ અને સોના ચાંદીની લાલચમાં કોઈની સાથે સાંઠગાંઠ નથી કરી. તેઓ પોતાના લોહીના સગાંઓને પણ પોતાના હાથોથી દફન કરે છે, અને આખરે પોતાના જીવનનું પણ બલિદાન આપતા આવ્યા છે, પરંતુ જે ધર્મ (ઈસ્લામ)ને તેમણે સભાનતા અને ખુશીની સ્વીકાર્યો છે, અથવા તેમના વડવાઓ પાસેથી વારસામાં મેળ્યો છે, એને દિલમાં વસાવી એને રાખ્યો છે. આપણો રસ્તો અને આપણી મંઝિલ આ જ છે કે આપણને ઈસ્લામ અને ઈસ્લામના પયગંબર મુહમ્મદ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ આપણા પ્રાણ અને બાળકો કરતાં પણ વધુ વ્હાલા છે.
સાર સંકલન: અ. રઝાક નાપા. વિદ્યાર્થી ઈફતા વિભાગ. જામિઅહ જંબુસર.
આપણા પ્રાણ અને બાળકો કરતાં પણ વધુ
- મવલાના ખાલિદ સૈફુલ્લાહ રહમાની સાહેબ.
મુસ્લિમો માટે પયગંબર મુહમ્મદ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ માત્ર એક આસ્થાનું કેન્દ્ર નથી, તેઓ મુસલમાનોના પ્રેમા, આદર અને સન્માનના પણ સ્ત્રોત છે. જો કોઈ મુસ્લિમના માતા-પિતાનું અપમાન થાય અથવા તેમને ગાળો દેવામાં આવે તો તેને એટલું મન દુઃખ નથી થતો જેટલું દુખ એક મુસલમાન રસુલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની બદનામી અને તેમની શાનમાં ગુસ્તાખી કરવાથી અનુભવે છે. ભલે તે મુસલમાન કેટલો પણ દીની બાબતમાં ગાફિલ રેહતો હોય, અને પાંચ ટાઈમની નમાઝ પણ પઢતો ના હોય અને તેની પાબંદી પણ કરતો ના હોય, ભલે તે દારૂનું પણ સેવન કરતો હોય અને વ્યાજખોર પણ હોય… બલકે આવા અનેક મોટા પાપો કરી રહ્યો હોય.. ભલે તેના ઈમાનનું સ્વભિમાન અને ઈસ્લામ પ્રત્યેની તેની સદભાવના અને વિશ્વાસ તેને આવા મોટા પાપો કરતા રોકી શકયા નહી, પણ જયારે પયગંબર સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની શાન અને ઈજ્જત તરફ કોઈ આંગળી ચીંધે છે તો તેની આત્મા કાંપી ઉઠે છે અને શરીર ધ્રુજી જાય છે. અને છેવટે તે પયગંબર માટે પોતાનો પ્રાણ અને પ્રિય માતા-પિતા બલકે જીવથી વધારે વ્હાલાં બાળકોનું બલિદાન આપવા પણ તૈયાર થઈ જાય છે. આવા પ્રેમના દાખલાઓ બીજા ધર્મોના ઈતિહાસમાં દૂર દૂર સુધી જોવામાં પણ નથી આવતા અને સાંભળવા પણ નથી મળતા.
પયગંબર મુસા (અલૈ.)ના સાથીઓ અને અનુયાયીઓએ તો સામે મોઢે તેમને કહ્યું હતું કે તમે તમારા પરવરદિગાર સાથે મળીને યુદ્ધ કરો, અમે તો અહીંયા જ બેસી રેહવાનાં છે અને તમારી સાથે પણ આવવાના નથી.
વર્તમાન બાઈબલ અને ખ્રીસ્તી લોકોની માન્યતા મુજબ પયગંબર ઈસા (અલૈ.)ને ફાંસીના માંચડે લટકાવવામાં આવ્યા હતા પણ તેમના સાથી અને સજજનોએ તેમને બચાવવાનો પ્રયાસ પણ કર્યો ન હતો, પણ પયગમ્બર મુહમ્મદ(સ.અ.વ)ના સાથીઓ અને માનવાવાળાઓનો ઈતિહાસ ખૂબ જ અલગ અને અનોખો છે.
આ અનોખા પ્રેમના દ્રશ્યો જોવા હોય તો ઉહદની લડાઈમાં પયગમ્બર મુહમ્મદ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ સાથે આવેલ હઝરત સઅદ ઈબ્ને રબીઅહ (રદી.)ને જુઓ. શરીર ઉપર તીર અને તલવારના બાર-તેર ઘાવ હતા, શરીર ઝખ્મોથી ચૂર હતું અને લડાઈના મેદાનમાં ક્યાંક પડયા હતા. એટલામાં એમણે હઝરત ઉબઈ ઈબ્ને કઅબ (રદી.)ને જોયા તો એમને બોલાવીને છેલ્લો પયગામ આપ્યો.
જીવનની અંતિમ ઘડીઓમાં પણ તેમણે પત્ની અને બાળકોને માટે કોઈ સંદેશો ના કહયો. બલકે તેમણે કહ્યું: જયારે તમે રસુલ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની ખિદમતમાં પહોંચો તો મારા સલામ પેશ કરજો અને મારી હાલત વિશે જણાવજો અને મારા કબીલા અને ખાનદાનના લોગોને કહી દેજો કે કબીલાના એક પણ માણસના જીવતા હોવાની સ્થિતિમાં પયગંબર સાહેબને આંચ પણ આવશે તો અલ્લાહ તઆલા સમક્ષ કોઈ પણ જાતની માફી સ્વીકારવામાં આવશે નહી.
મક્કાનું દશ્ય છે, નાના-મોટા લોકો ટોળે વળ્યા છે, મક્કાના કાફિરો બદરની લડાઈમાં માર્યા ગયેલા એમના નેતાઓની હત્યાનો બદલો લેવા માંગતા હતા. આ હેતુએ હઝરત ઝૈદ બિન દષના (રદિ.)ની હત્યા કરવાની તૈયારી કરી રહ્યા હતા. કોઈકે એમને સુળીએ લટકાવીને એમને પૂછયું: હે ઝૈદ! હું તને અલ્લાહનો વાસ્તો આપીને પુછું છું, શું તને એવું પસંદ નથી કે તું તારા પરિવારમાં હોય અને મુહમ્મદ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ તારી જગ્યાએ અમારી સાથે હોય અને અમે તેમની હત્યા કરી નાખીએ. હઝરત ઝૈદે જરા પણ ખચકાટ અને વિચાર્યા વગર કહ્યું : ના. ખુદાની કસમ ! મને તો એ પણ પસંદ નથી કે મુહમ્મદ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમના પગમાં કોઈ કાંટો પણ ખુંચે અને તેઓને દુઃખ પહોંચે અને તે સમયે હું મારા પરિવારની વચ્ચે બેઠો હોઉં. અબુ સુફયાન તે ઘડી એ તે મિટિંગમાં હાજર હતા અને મક્કાના લોકોના આગેવાન હતા. હજુ ઈસ્લામ સ્વીકાર્યો ન હતો. આ દશ્ય જોઈને તેમણે કહ્યું : ખુદાની કસમ ! મુહમ્મદ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમના સાથીદારો તેમને જેટલો પ્રેમ કરે છે એટલો પ્રેમ મેં કયારેય કોઈને કરતા નથી જોયો. (તબકાતે ઈબ્ને સાદ)
બનુ દીનાર કબીલાની એક સ્ત્રી પર ઉહુદના યુદ્ધ સમયે આઘાત અને સદમાનો પહાડ તુટી પડયો હોય એવી સ્થિતિ હતી. વારા ફરતી તેના પતિ,ભાઈ અને પિતા શહીદ થઈ ગયા. તેણીને લોકો આ સમાચાર પહોંચાડયા તો તેણીએ ઈન્ના લિલ્લાહી વ ઈન્ના ઈલઈહી રાજીઉન કહીને રસુલ સલ્લલ્લાહુ અલયહિવ સલ્લમના ખબર અંતર પૂછવા લાગી કે એમનું શું થયું? અને જયારે લોકોએ કહયું કે અલ્લાહના ફઝલ અને કરમથી તેઓ સારા અને સહી સલામત છે. તો તેણીએ કહ્યું કે મારે એક વાર મુહમ્મદ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ ને જોવા છે. અને જયારે લોકોએ તેણીને પયગમ્બર સલ્લલ્લાહ અલયહિ વ સલ્લમને ઈશારા થી બતાવ્યા તો ખચકાટ વગર બોલી પડી કે મુહમ્મદ (સ.અ.વ)ને સહી સલામત જોયા પછી મારા માટે કોઈ મુસીબત મોટી નથી. (સીરતે ઈબ્ને કસીર)
આવો જ એક બીજો બનાવ પણ તે જ યુદ્ધ માં બન્યો કે એક સ્ત્રી પોતાના પુત્ર, પિતા,પતિ અને ભાઈ સાથે લડાઈના મેદાનમાં આવી હતી. લડાઈમાં તેના સગા વ્હાલા એક પછી એક શહીદ થઈ ગયા. જયારે તેણી લાશો જોવા આવી અને પૂછ્યું કે આ બધા કોણ છે ? તો એને જણાવવામાં આવ્યું કે આ તમારા પિતા છે, આ તમારો ભાઈ છે, આ તમારો પતિ છે, પછી તેણીએ પુછ્યું કે રસુલુલ્લાહ સલ્લલ્લાહ અલયહિ વ સલ્લમની શું ખબર છે ? તો લોકો તેણીને રસુલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમને મળવા લઈ ગયા. નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમને સલામત જોઈને તે કહેવા લાગી કે મારા માબાપ તમારા પર કુરબાન, જયારે તમે સુરક્ષિત છો તો મને કોઈ ફરક નથી પડતો.
સહાબાના દિલોમાં અલ્લાહ તઆલાએ પયગમ્બર (સ.અ.વ.)નો અપાર પ્રેમ રાખ્યો હતો. અને તેમના જીવનની એક-એક ક્ષણમાં આ જુસ્સાનું પ્રતિબિંબ જોવા મળતું હતું. અને આજ પ્રેમ ઉમ્મતને સહાબા પાસેથી વારસામાં મળ્યો છે. ખરેખર એક મુસલમાન પોતાના જીવથી પણ વધારે પયગંબર (સ.અ.વ)ને પ્રેમ અને મુહબ્બત કરતો હોય છે.
હઝરત મવલાના અશરફ અલી થાનવી (રહ.)ને એક વ્યક્તિએ પ્રશ્ન પુછ્યો કે મને આ વાત માં શક છે કે કોઈ પણ વ્યક્તિ જયાં સુધી પોતાના પ્રાણ અને પોતાની અવલાદ તેમજ માતાપિતાથી પણ વધારે રસુલુલ્લાહ (સ. અ. વ.) સાથે પ્રેમ અને મુહબ્બત ના કરે, તે પાક્કો અને ચુસ્ત મુસલમાન નથી થઈ શકતો. મને એવું લાગે છે કે માણસને અવલાદ વધારે વહાલી હોય છે. તો હઝરત થાનવી (રહ.)એ પૂછ્યું કે તમારો દીકરો પયગમ્બર મુહંમદ સાહેબને ગાળો દે તો તમે શું કરશો? એણે જવાબ આપ્યો કે હું તેને મારી નાખીશ. તો હઝરત થાનવી(રહ.)એ કહ્યું કે આ તે જ મુહબ્બત છે કે જેના સામે અવલાદ પણ કશું નથી.
પાછલા દિવસો માં ઝારખંડની રાજધાની રાંચીમાં મુદ્દસ્સિર નામના છોકરાને ગુસ્તાખીએ રસૂલના વિરોધ પ્રદર્શન રેલીમાં શહીદ કરી દેવામાં આવ્યો. અને છેલ્લો શબ્દ જે તેના મોંઢે થી નીકળ્યો તે ઈસ્લામ ઝિંદાબાદ હતો. પછી જે બન્યું તેનાથી મને સહાબાના સમયની યાદ આવી ગઈ, જયારે મીડિયા પ્રતિનિધિએ તેની વૃદ્ધ અભણ માતાથી વાર્તાલાપ કર્યો. તો આ મુસલમાન મહિલાએ કહ્યું : મને મારા શહીદ પુત્ર પર ગર્વ છે કે તેણે પવિત્ર પયગંબર (સ.અ.વ.)ના નામ પર પોતાના જીવનનું બલિદાન આપ્યું અને ઈસ્લામ ઝિંદાબાદ કહેતાં કહેતાં દુનિયા ને અલવિદા કરી ગયો. ઈસ્લામ કાલે પણ ઝિંદાબાદ હતો આજે પણ ઝિંદાબાદ છે અને હમેશા ઝિંદાબાદ રહેશે. આ મુસલમાન સ્ત્રીનું નિવેદન સાંભળીને મારી આંખો ખરેખર ભીની થઈ ગઈ. મારું દિલ મને કહી રહયું છે કે જે કોમ અને ઉમ્મતમાં આવી ઈમાનવાળી અને હિંમતવાન માતાઓ હશે તે કોમ અને ઉમ્મત કયારે પણ ડરપોક અને કમ બુઝદિલ નહી બને. તે સમુદ્રમાં તરીને આગની જવાળાઓ પર ચાલશે, પરંતુ તે પોતાના ઈમાનને ડૂબવા કે બળવા દેશે નહીં.
આ સમયે જરૂરી છે કે પરિસ્થિતિનો પૂરેપૂરી તાકાત અને દઢતા સાથે સામનો કરવામાં આવે. મુસલમાનોનું મનોબળ ઉંચુ રહે એવા પ્રયાસો કરવામાં આવે. તેમને કાયર બનવાથી બચાવવામાં આવે. દેઢ સંકલ્પ અને હિંમત પેદા કરવીને એમના મનમાં આ વાત દઢ કરી દેવામાં આવે કે મુસલમાન લોહીના આખરી ટીપાં સુધી પોતાના ઈમાન અને ઈસ્લામની રક્ષા કરશે. પરંતુ જુલમ અને અસત્ય, કુફ્ર– શિર્ક સામે ઝુકી નહી શકે. મુસલમાન તે નથી જે ફૂલોના રસ્તા પર ચાલે તો અલ્લાહનું નામ લે અને જયારે તેને કાંટાવાળા માર્ગ પર ચાલવાની વારો આવે ત્યારે તે અલ્લાહને ભૂલી જાય. ખુશી અને આરામના દિવસોમાં મુસલમાન હોવા પર ગર્વ કરે અને જુલમ અને અત્યાચારના દિવસોમાં તે પોતાના ધર્મનું નામ લેતા પણ ડરે અને મઝાક કરનારાઓની વચ્ચે પોતાના ધર્મને શરમ અનુભવે.
આ દેશમાં અંગ્રેજોના શાસન દરમિયાન અને પછી પણ, મુસ્લિમો ઘણી કસોટીઓમાંથી પસાર થયા છે અને મુસલમાનોનું ખુન એટલી હદે વહાવવામાં આવ્યું છે કે જો તે બધાને નદીમાં રેડવામાં આવે તો પાણીનો રંગ બદલાઈ જાય. પરંતુ આ બધાની વચ્ચે પણ આપણા વડીલોએ ધીરજ અને અડગતાનો માર્ગ અપનાવ્યો. તેઓએ સંપત્તિ અને સોના ચાંદીની લાલચમાં કોઈની સાથે સાંઠગાંઠ નથી કરી. તેઓ પોતાના લોહીના સગાંઓને પણ પોતાના હાથોથી દફન કરે છે, અને આખરે પોતાના જીવનનું પણ બલિદાન આપતા આવ્યા છે, પરંતુ જે ધર્મ (ઈસ્લામ)ને તેમણે સભાનતા અને ખુશીની સ્વીકાર્યો છે, અથવા તેમના વડવાઓ પાસેથી વારસામાં મેળ્યો છે, એને દિલમાં વસાવી એને રાખ્યો છે. આપણો રસ્તો અને આપણી મંઝિલ આ જ છે કે આપણને ઈસ્લામ અને ઈસ્લામના પયગંબર મુહમ્મદ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ આપણા પ્રાણ અને બાળકો કરતાં પણ વધુ વ્હાલા છે.
સાર સંકલન: અ. રઝાક નાપા. વિદ્યાર્થી ઈફતા વિભાગ. જામિઅહ જંબુસર.
લિબાસ કેવો હોવો જોઈએ?
શરઈ નિયમ અને માર્ગદર્શન
લિબાસમાં માણસની શોભા છે, એના થકી માણસનો મોભો વ્યકત થાય છે. કુરઆનમાં છે કે હઝરત આદમ અલૈ. અને હઝરત હવ્વા અલૈ.ને પેદા કરીને જન્નતમાં રાખવામાં આવ્યા હતાં, ત્યાં અલ્લાહ તઆલાએ એમને જન્નતનો લિબાસ પહેરાવ્યો હતો, પછી જયારે અલ્લાહ તઆલાએ મના કરેલ કોઈ ફળ ખાવાની ભૂલ એમણે કરી તો જન્નતનો લિબાસ એમના શરીરેથી ઉતરી (ઉડી) ગયો. એટલે તુરંત એ બંને જન્નતના ઝાડોના પાંદડાઓ શરીરે ઢાંકવા લાગ્યા. આ ઘટનાથી માલૂમ થાય છે શરીરે લિબાસ હોવું માણસના સ્વભાવમાં પહેલેથી જ મુકવામાં આવ્યું છે.
અહાદીસમાં બયાન કરેલ રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમના ફરમાન પર વિચાર કરવાથી માલૂમ થાય છે કે લિબાસ વિશે આપની તાલીમ નીચે મુજબ છે:
(૧) પોશાક એવો હોય જેનાથી સતર ઢંકાઈ જાય અને લિબાસના કારણે માણસ સજ્જન લાગે. સતર ખુલ્લુ રહે અથવા લોકો ખરાબ સમજે અને માણસનો મોભો ખરાબ થાય એવાં કપડાં ન પહેરવામાં આવે.
(૨) જે કપડાં જે ખાસ સ્ત્રીઓ માટે બનાવવામાં આવ્યાં હોય એ પુરષોએ પહેરવા મના છે. જે કપડાં ખાસ પુરૂષો માટે હોય એ સ્ત્રીએ પહેરવા મના છે.
(૩) પુરૂષ રેશમના કપડા ન પેહરે, સોના અને ચાંદીની જેમ રેશમ ફકત સ્ત્રીઓ માટે ખાસ છે.
(૪) જરૂરતથી વધારે ફુજૂલ ખર્ચ કપડા પર ન કરવામાં આવે, તેમ જ મોટાઈ બતાવવા માટે ફેશન કે શણગાર અપનાવવામાં ન આવે. કારણ કે આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમનું ફરમાન છે કે જે વ્યકિત શોહરત માટે અને દેખાવ માટે શણગાર કરશે તો અલ્લાહ તઆલા કયામતના દિવસે તેને જલીલ અને રૂસ્વા કરશે.(મુસ્નદે અહમદ)
અને એક હદીસમાં આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમનું ફરમાન છે કે જે વ્યકિત શાનદાર કપડા પહેરવા ઉપર કુદરત હોવા છતાં તવાજુઅ અને નમ્રતા માટે સાદા કપડા પેહરે કે જેથી પોતાની મોટાઈ પણ જાહેર ન થાય અને ગરીબનું દિલ પણ ન દુભાય તો અલ્લાહ તઆલા તે વ્યકિતને કયામતના દિવસે બધી મખ્લુકના સામે બોલાવીને વિકલ્પ આપશે કે ઈમાની કપડાંઓમાંથી જે જોડ પસંદ હોય તે લઈને પેહરી લે.(તિરમિઝી)
(૫) અબૂ બુરદહ રદી.થી રિવાયત છે કે હઝરત આઈશા રદી.એ એક મોટી ચાદર અને એક મોટી લુંગી કાઢી બતાવ્યું કે આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની વફાત આ જ બે કપડામાં થઈ હતી, એટલે કે આપે વફાત સુધી આ જ પ્રમાણેના કપડા પહેર્યા હતાં.(બુખારી શરીફ)
કપડાં પહેરવાની દુઆઃ
હઝરત અબૂ સઈદ રદી રિવાયત કરે છે કે આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ જયારે નવા કપડાં, ઈમામહ વિગેરે પહેરતાં તો તે કપડાંનું નામ લઈ આ દુઆ પઢતા હતા :
اللهم لك الحمد كما كسوتنيه أسألك خيره وخير ما صنع له وأعوذ بك من شره وشر ما صنع له
તરજૂમહ: એ અલ્લાહ, તારો શુક્ર અને તારીફ કરું છું કે તે મને કપડાં પહેરવા આપ્યા, હું તારાથી કપડાની ખૈર અને ભલાઈને સવાલ કરું છું અને જેના માટે આ બનાવવામાં આવ્યા છે તે ખૈર અને ભલાઈનો સવાલ કરું છું (એટલે કે આ કપડાથી હું તારી ઈબાદત કરૂં) અને આ કપડા અને જે મકસદ માટે બનાવવામાં આવ્યા છે તેની શર અને બુરાઈથી પનાહ માગું છું. (તિરમિઝી)
કપડા પહેરવાની એક નાનકડી દુઆ પણ આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે બયાન કરી છેઃ
الحمد لله الذي كساني هذا ورزقنيه من غير حول منى ولا قوة
હદીસમાં છે કે જે વ્યકિત કપડા પહેરતી વખતે આ દુઆ પઢશે તેના બધા જ નાના ગુનાહ માફ કરી આપવામાં આવશે.
વ્યાજની લેવડ દેવડ માનવીય સમાજ માટે ખતરનાક
વ્યાજ અને વ્યાજુ વ્યવહારો માનવીય સમાજ માટે કયારે પણ અને કોઈ પણ રીતે લાભદાયી રહયા નથી. એટલા માટે જ વ્યાજુ વ્યવહાર કોઈ પણ શરીઅતમાં હલાલ નથી. ઈસ્લામી શરીઅતમાં પણ તેનું હરામ હોવું બધા જ આધારોથી સાબિત છે. વ્યાજુ લેવડ દેવડ લાનતી અમલ છે, મખ્લુકમાં સૌથી શ્રેષ્ઠ, ઉત્તમ અને બુઝુર્ગ હસ્તી હઝરત મુહમ્મદ મુસ્તુફા સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે વ્યાજ લેવાવાળા અને દેવાવાળા, વ્યાજુ મામલાના ગવાહો અને વ્યાજુ કારોબારનો હિસાબ લખનાર બધા લોકોને લાનતના હકદાર ઠેરવ્યા છે.
જે લોકો વ્યાજુ ધંધામાં સંડોવાયેલા હોય, તેને હલાલ સમજતા હોય અને વ્યાજુ ધંધો છોડવા માંગતા ન હોય તેવા લોકો વિશે કુર્આને પાક અને હદીસોમાં ખૂબ જ કડક સજાઓ વર્ણન કરવામાં આવી છે.
ઈમામ સરખ્સી (રહ.)એ સૂરએ બકરહની ૭૫ થી ૭૯ નંબર સુધીની આયતોના આધારે આ ખતરનાક ગુનાહની નીચે દર્શાવેલ પાંચ સજાઓ વર્ણન ફરમાવી છે.
(૧) વ્યાજુ લેવડ-દેવડ કરનાર વ્યકિત પાગલપણાનો ભોગ બને છે.
(૨) આવો માણસ હલાક અને બરબાદ થશે અને તેમની દોલતમાં એવી બેબરકતી પેદા થશે કે તે અને તેમની અવલાદ તે માલથી સારી રીતે ફાયદો નહીં ઉઠાવી શકે.
(૩) અલ્લાહ તઆલા અને તેના રસૂલ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ તરફથી આવા વ્યાજખોર લોકો સામે જંગનું એલાન છે.
(૪) કુફ્ર.એટલે કે જે લોકો વ્યાજુ વ્યવહારને હલાલ અને જાઈઝ સમજે છે તેમના પર કુફ્રનો આદેશ લાગુ થશે.
(૫) દોજખમાં કાયમી સજા. એટલે કે જે વ્યાજખોરો વ્યાજને હલાલ સમજતા હતા અને તૌબા ઈમાન વગર તેઓ મરણ પામ્યા તો કુફ્ર પર મૃત્યુ પામવાના કારણે તેમને કાયમ માટે દોજખમાં નાંખી દેવામાં આવશે. તફસીરકર્તાઓએ લખ્યું છે કે કુર્આન મજીદમાં આનાથી વધારે ખતરનાક સજા કોઈ બીજા ગુનાહની નથી આવી.
હદીસોમાં પણ વ્યાજુ વ્યવહાર વિશે વઈદો અને ધમકીઓનું વર્ણન આવ્યું છે. વ્યાજુ ધંધાને અલ્લાહના રસૂલ (સલ.) એ સાત ભયંકર ગુનાહોમાંથી એક ગુનોહ બતાવ્યો છે.
એક હદીસ શરીફમાં છે : "વ્યાજખોરીનો સૌથી નાનો ગુનોહ પોતાની માં સાથે સિત્તેર વાર ઝિનાકારી કરવા સમાન છે."
એક હદીસમાં છે : "જે કોમમાં ઝિનાકારી અને વ્યાજખોરી ફેલાય જાય તો (એ વાતનો સંકેત છે કે) તે કોમે અલ્લાહના અઝાબને દાવત આપી દીધી છે."
કુર્આન અને હદીસોમાં ઉપર વર્ણિત ખતરનાક વઈદો અને સજાઓ પછી કોઈ પણ મુસલમાન માટે હલાલ નથી કે તે કોઈ વ્યાજુ સંસ્થા કે બેન્કની રચના કરે અથવા પોતાના બાપદાદાઓએ ચાલુ કરેલ કોઈ એવી વ્યવસ્થાને બાકી રાખે અથવા તેની પ્રગતિ, વૃદ્ધિ તથા તેને મજબૂત કરવા માટે થોડી પણ કોશિશ કરે, અથવા એવી કોઈ બેંક, સંસ્થા, પેઢીનો શેર હોલ્ડર બને અથવા તેની પસંદગીમાં કોઈ પણ પ્રકારનો હિસ્સો લે.
એક મુસલમાનનું કોઈ પણ વ્યાજુ સંસ્થા કે બેંકની પસંદગીમાં ઉમેદવારી નોંધાવવી, ઉમેદવારો માટે પ્રચાર કરવો અને તેમને મત આપવાની અપીલ કરવી, વ્યાજુ સંસ્થાઓમાં નોકરી કરવી, એવા કેન્દ્રોના ચેરમેન કે ડાયરેકટર કે મેમ્બર બનવું અથવા કોઈને આવી જગ્યાએ હોદ્દો કે નોકરી મળવા બદલ મુબારકબાદી આપવી અને પોતાની ખુશી જાહેર કરવી વગેરે પણ ગુનાના કામો છે.
મુસ્લિમો માંહે જે અમુક લોકો આ નાજાઈઝ વ્યાજુ કારોબારમાં સંડોવાયેલા હોય તો મુસલમાનો ઉપર જરૂરી છે કે આવા લોકો અને એમના કામો પ્રત્યે પોતાની નારાજગીને જાહેર કરે, આવી સંસ્થાઓ અને બેંકોની આ પ્રકારની પ્રવૃત્તિઓથી પોતાને દૂર રાખે. વ્યાજુ ગુનાહ અને કારોબારમાં પ્રવૃત લોકોથી દૂર રહે અને તેમની કોઈ પણ જાતની મદદ ન કરે.
સૂરએ માઈદહની એક આયતમાં મુસલમાનોને હુકમ છે કે તેઓ નેકી અને પરહેજગારીના કામોમાં એક બીજાની મદદ કરે અને ગુનાહ તેમજ જુલમ પર કોઈની મદદ ન કરે.
વેપાર ઈબાદત કેવી રીતે બનશે ?
અકબર ઈલાહાબાદીએ ખૂબ સરસ કહયું છેઃ
ઝવાલે કૌમ કી તો ઈબ્તિદા વો થી કે જબ
તિજારત આપને કી તર્ક, નોકરી કર લી
મુસલમાનોના પતનનું એક મોટું કારણ આ પણ છે કે તેમણે વેપાર અને કારોબારને છોડી નોકરી-ચાકરીને પોતાનો વ્યવસાય બનાવી લીધો છે. નોકરી પઢવા ભણવાનું કેન્દ્ર બની ગયું છે, આપણી સૌ ડિગ્રીઓનો હેતુ 'ચાકરી' બની ગઈ છે. આપણને માંના ખોળામાં જ શીખવવામાં આવે છે કે મારો દિકરો મોટો થઈને એન્જિનીયર બનશે, પાયલોટ બનશે અથવા તો વધારે પગારવાળી નોકરી કરશે.
ખેર ! આ પણ સારું કામ હોય શકે છે, પરંતુ આ સિવાય પણ બીજો એક ધંધો છે જે અત્યંત પવિત્ર, બરકતી અને ઈઝઝતદાર છે. એટલે કે વેપાર ! આ નબીઓનો ધંધો છે. નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમનો ધંધો છે, આ સહાબા (રદિ.)ની પ્રવૃત્તિ છે. જેના વિશે આપ (સલ.) એ ફરમાવ્યું છે "તમારે વેપાર અને કારોબાર કરવો જરૂરી છે, કેમ કે રોજીના ૧૦ ભાગમાંથી ૯ ભાગ માત્ર વેપારમાં છે."
આપણે વિચારીએ કે આપણામાંથી ૯૦ ટકા લોકો રોજી રોટી માટે ૯ ભાગને છોડી ૧ ભાગવાળી રોજી પાછળ નાસભાગ કરે છે, અને પછી ફરિયાદ કરે છે કે તે પુરતું નથી, કેવી રીતે હોય ? લોકોને કહેવામાં આવે કે ફલાણા વાસણમાં ૯ માણસોનું ખાવું છે, અને ફલાણા બીજા વાસણમાં એક જ માણસનું ખાવું છે. પછી લોકો પેલા એક માણસ પૂરતા વાસણ પર તુટી પડે તો બતાવો એક માણસનું ખાવું બધાને પુરતું થઈ શકે ખરું? એક માણસ પણ પેટ ભરીને ખાઈ નહીં શકે ! આ જ હાલત આપણી છે, આજે આપણે ૯ ભાગ વાળા વાસણને છોડીને એક ભાગ (નોકરી વગેરે) વાળા વાસણ પાછળ દોડાદોડી કરી રહ્યા છીએ, અને પછી કિસ્મત અને નસીબને દોષ આપીએ છીએ કે અમારા નસીબમાં જ આવું નુકસાન લખ્યું છે ! અમારું નસીબ જ ખરાબ છે!
એક બીજી હદીસમાં છે કે આપ (સલ.)ને પૂછવામાં આવ્યું : કયો વ્યવસાય (ધંધો) સૌથી વધારે પવિત્ર છે ?
તો આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે જવાબ આપ્યો કે માણસની પોતાના હાથની કમાણી અને દરેક તે ધંધો જે પવિત્ર હોય, એટલે કે એવો ધંધો જે શરીઅતની પાબંદીને સામે રાખી કરવામાં આવે.
આ હદીસથી પણ વેપારની અગત્યતાનો અંદાઝો લગાવી શકાય છે કે પોતાના હાથની કમાણી અને વેપાર જો શરીઅતની હદો અને નિયમોના વર્તુળમાં રહી કરવામાં આવે તો આનાથી પવિત્ર અને બરકતી ધંધો બીજો કોઈ જ નથી. તેનું કારણ એ જ કે આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે ખુશખબરી આપી છે કે સાચો અને અમાનતદાર વેપારી કયામતના દિવસે નબીઓ, સિદ્દીકો અને શહીદોની હરોળમાં હશે. આ સન્માન દરેક વેપારી માટે નથી બલકે સાચા અને અમાનતદાર વેપારી માટે છે.
સત્યવાદી અને અમાનતદાર વેપારી કયારેય શરીઅતના વર્તુળથી નીકળીને વેપાર નહીં કરે, તે સૌથી પહેલા વેપાર અને વાણિજય વિશે શરઈ દ્રષ્ટિકોણથી જાણકારી મેળવશે, વેપાર - કારોબાર સંબંધિત ફિકહી મસાઈલ શીખશે અને પછી પોતાના વેપારને શરીઅત પ્રમાણે આગળ વધારશે. તો જ તે કિયામતના દિવસે નબીઓ, સિદ્દીકો અને શહીદોની હરોળમાં ઉભો હશે. આજે દુઃખદ બાબત છે કે આપણે વેપાર - ધંધો તો કરીએ છીએ પરંતુ તેમાં ઈસ્લામી વેપારની ઝલક દેખાતી નથી.
આપણે માત્ર નફો કમાવવાને વેપાર સમજી બેઠા છે, જયારે કે વેપાર માત્ર નફો કમાવવાનું નામ નથી, બલકે વેપાર નફો પહોંચાડવાનું નામ છે, વેપાર બીજાને નુકસાનથી બચાવવાનું નામ છે, વેપાર તો ભલાઈ અને હમદર્દીનું નામ છે, વેપાર બીજા લોકોને ધોકાબાજીથી બચાવવાનું નામ છે, વેપાર ઈસ્લામના આદેશોને જીવંત કરવાનું નામ છે. વેપાર નફો કમાવા માટે હોય છે, એ સાચું, પરંતુ તેનો અર્થ એ નહીં કે ગ્રાહકની ચામડી કાઢી નાંખવામાં આવે. સારાંશ કે આપણે નોકરીની સાથે સાથે વેપાર અને કારોબાર તરફ પણ ધ્યાન આપવું જોઈએ અને શરીઅતના વર્તુળમાં રહી વેપાર કરવો જોઈએ. જો આપણે આ પ્રમાણેનો વેપાર કરવામાં સફળ થઈ ગયા તો વેપાર એક ઈબાદત બની જશે
શ્રેષ્ઠ સહકર્મી અને કર્મચારી
હઝરત ઉમર (રદિ.)ના ઝમાનામાં ૪ માણસોને રાજકારણ અને વ્યવસ્થાતંત્ર કાબેલ સમજવામાં આવતા હતા, હઝરત અમીરે મુઆવિયા (રદિ.), હઝરત અમ્ર બિન આસ (રદિ.), હઝરત મુગૈરહ બિન શુઅબહ (રદિ.) અને ઝિયાદ બિન સુમય્યા (રદિ.). એમાંથી પ્રથમ ત્રણને હઝરત ઉમર (રદિ.) એ મોટા હોદ્દાઓ આપ્યા હતા. ઝિયાદ નવજવાન હતા માટે તેમને હઝરત અબૂ મુસા અશઅરી (રદિ.)ના સહાયક તરીકે નિમ્યા હતા, અમ્ર બિન મઅદીકરૂબ અને તલ્હા બિન ખુવયલિદ (રદિ.) યુદ્ધકળાના માહેર હતા, પરંતુ રાજકારણ જાણતા ન હતા, માટે તેમને ઈરાકની લડાઈઓમાં નિયુકત કર્યા પરંતુ ના પાડી દીધી કે તેમને રાજકીય હોદ્દો આપવામાં ન આવે. હઝરત અબ્દુલ્લાહ બિન અરકમ (રદિ.)ના અક્ષર ઘણા સરસ હતા, હુઝૂર (સલ.)ને પણ પસંદ હતા, તેમને આપ રદિ.એ સરકારી પત્ર વ્યવહાર પર નિયુકત કરી દીધા, હઝરત અમ્માર બિન યાસીર (રદિ.) આદરણીય અને પતિષ્ઠિત સહાબી હતા પરંતુ રાજકારણ અને સંચાલન વગેરેથી અપરિચિત હતા, આપે તેમને કુફાના હાકીમ બનાવી દીધા, પરંતુ તે ચાલી ન શક્યા તો હાકીમ પદેથી હટાવી દીધા.
સહાબા (રદિ.) પોતે કોઈ પદ લેવાથી બચતા હતા, જેથી આપ (રદિ.) એ સહાબા (રદિ.)ને સંબોધીને કહ્યું કે તમે મારી મદદ નહીં કરો તો બીજું કોણ કરશે? (અલ-ફારૂક, અલ્લાહ શિબલી નોઅમાની : ૨)
એક વખતે હઝરત ઉમર (રદિ.) તશરીફ લાવ્યા હતા, આપે પોતાની સાથે બેઠેલા લોકોને કહયું દરેક પોત પોતાની ઈચ્છા રજૂ કરે, એક માણસે કહયું : મારી તમન્ના છે કે જો મને આ ઘર સોનાથી ભરેલુ મળી જાય તો હું એને અલ્લાહના રસ્તામાં ખર્ચ કરી દઉં, ત્યાર પછી આપે કહયું : બીજો માણસ ઈચ્છા જાહેર કરે, એક માણસે કહયું : મારી તમન્ના છે કે આ ઘર હિરા, જવેરાત અને કીમતી પથ્થરોથી ભરેલું હોત તો હું તેને અલ્લાહના રસ્તામાં ખર્ચ કરી દેત, અને ગરીબોમાં વહેંચી આપત. આપ (રદિ.) એ ફરમાવ્યું કે હજુ વધારે ઈચ્છા દર્શાવો, જેથી લોકોએ કહયું: અય અમીરુલ મુઅમિનીન ! અમને હવે કંઈ સમજમાં આવતુ નથી, તેના પર હઝરત ઉમર (રદિ.) એ ફરમાવ્યું : મારી તમન્ના છે કે આ ઘર હઝરત અબૂ ઉબૈદહ બિન જર્રાહ (રદિ.) જેવા માણસોથી ભરેલુ હોય અને હું તેમને હોદ્દાઓ આપું. (હુલ્યતુલ અવલિયા વ તક્કાતુલ અસ્ફિયા, અલ્ગુહાજિરુન ફીસ્સહાબહ, અબૂ ઉબયદહ બિન જર્રાહ... : ૧ / ૧૦૨)
કોઈ પણ સંસ્થા, કંપની અને વિભાગ માટે સૌથી કીમતી વસ્તુ તેના કર્મચારીઓ હોય છે, કર્મચારીઓ જ કોઈ પણ સંસ્થાને સફળ બનાવી શકે છે, અને તેમના જ દમથી દરેક કંપની અને વિભાગોની રોનક હોય છે, માટે શ્રેષ્ઠ કર્મચારીઓની પસંદગી કરવી, તેમને પોતાની સાથે કામ કરવા તૈયાર કરવા, તેમને ઈજ્જત આપવી, તેમને સંસ્થા સાથે વળગી રહેવા પર તૈયાર કરવા વગેરે જેવી બાબતો સંસ્થાની સફળતા માટે સૌથી અગત્યની બાબતો છે, વર્ઝિન એઈરલાઈન્સના સ્થાપક રિચાર્ડ બ્રેનશન કહે છે કે કોઈ પણ કંપનીની સૌથી કીમતી વસ્તુનો પાયો તેની બિલ્ડીંગ અથવા મશીનરી નથી હોતી, બલકે તેના કર્મચારીઓ હોય છે. માટે કાબેલ અને લાયક કર્મચારીઓની પસંદગી કરવામાં આવે અને તેમને જ બઢતી આપવામાં આવે.
હઝરત અબૂ બક્ર સિદ્દીક (રદિ.)એ પણ આવું કર્યું હતું, હઝરત ઉબૈદહ બિન જર્રાહ (રદિ.)ની મહાનતા છતાં આપે યુદ્ધભૂમિમાં હઝરત ખાલિદ બિન વલીદ (રદિ.)ને સૈન્યના વડા નિમ્યા. આપે હઝરત અબૂ ઉબૈદહ બિન જર્રાહને જે પત્ર લખ્યો તે ખૂબ જ મહત્વનો છે, આપે લખ્યું: નિશંક મેં શામના યુદ્ધ માટે ખાલિદને સેનાપતિ બનાવ્યા છે, માટે તમે તેમનો વિરોધ કરશો નહીં, તેમનું આજ્ઞા પાલન કરશો, મેં તેમને તમારા પ્રમુખ બનાવ્યા છે, જો કે મને ખબર છે કે તમે તેમના કરતા અફઝલ (શ્રેષ્ઠ) છો, પરંતુ મારુ માનવું છે કે ખાલિદમાં યુદ્ધ બાબતની જે જાણકારી અને હોશિયારી છે એ તમારામાં નથી. અલ્લાહ તઆલા મને અને તમને ભલાઈ અને સલામતી આપે.
શરઈ માર્ગદર્શન અને ફતાવા વિભાગ
મવ. મુફતી અસ્જદ દેવલ્વી સાહેબ તસ્દીક કર્તા
મવ. મુફતી અહમદ દેવલા સદર મુફતી જામિઅહ જંબુસર
બર્થ ડે - જન્મદિવસની ઉજવણી વિશે શરઈ માર્ગદર્શન
સવાલ : હું એક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવું છું. જયાં આપણા મુસ્લિમ સમાજના બાળકો અભ્યાસ કરે છે. અભ્યાસ કરનાર બાળકોમાંથી અવારનવાર કોઈને કોઈક બાળકનો જન્મ દિવસ આવતો હોય છે, જેથી તે બાળક પોતાના ઘરવાળાઓથી અથવા પોતાના માં-બાપના કહેવાથી અથવા અન્ય બાળકોના કહેવાથી કે દેખાદેખીમાં જન્મ દિવસની ખુશી વ્યકત કરવા માટે ચોકલેટ લાવીને શાળાના તમામ શિક્ષકોને તથા પોતાના કલાસમાં વહેંચે છે, તો જન્મ દિવસની ઉજવણી કરવામાં અને આવા ચોકલેટ વહેંચવામાં તથા લેવામાં શરીઅતનો શું હુકમ છે ? અને જે બાળકનો જન્મ દિવસ હોય તે વર્ગના અન્ય બાળકો "હેપ્પી બર્થ ડે ટુ યુ" કહીને તેને વધાવે છે, તો આ કહેવા પાછળ શરીઅતનો શું હુકમ છે ? આ ઉપરોકત બાબતો પરથી નીચેના પ્રશ્નોના જવાબો કુર્આન અને હદીસની રોશનીમાં આપશો.
(૧) જન્મ દિવસની ઉજવણી કરી શકાય છે?
(૨) જન્મ દિવસની ઉજવણીના ભાગરૂપે બીજાને ખવડાવવું યોગ્ય છે?
(૩) જન્મ દિવસની ઉજવણીમાં શામેલ થવું, ત્યાં ખાવું-પીવું અથવા ચોકલેટ લેવા જાઈઝ છે ?
(૪) જન્મ દિવસને ઈસ્લામી દ્રષ્ટિએ કેવી રીતે પસાર કરવો જોઈએ?
જવાબઃ حامدا و ومصليا ومسلما
માણસના જીવનનું વર્ષ પરુ થયે અલ્લાહ તઆલા તરફથી મળતો તેના નવા વર્ષનો પ્રથમ દિવસ એ તેનો જન્મ દિવસ છે, જેને અંગ્રેજી ભાષામાં "બર્થ ડે" કહેવામાં આવે છે, આજકાલ પેપરો વાંચતા કઈ એક સમાચાર લીડરો અને નેતાઓની જન્મ દિવસની ઉજવણી સંબંધિત જોવા મળે છે, અને તેને ખૂબ ધામધૂમથી અને પુષ્કળ પૈસો વેડફી ઉજવણી કરવાનું વર્ણન હોય છે, જન્મ દિવસ, બર્થ ડે એક ગેર ઈસ્લામી રસમ છે, અને પશ્ચિમી સંસ્કૃતિની દેન અને પેદાવાર છે, બીજી કોમોમાં તો એને ખૂબ જ મહત્વતા આપવામાં આવે છે, પરંતુ અફસોસ કે આપણો મુસ્લિમ સમાજ પણ આ ફુઝૂલ અને ગેર ઈસ્લામી રસમમાં યેનકેન પ્રકારે બીજી કોમોની દેખાદેખી ઈલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડીયા, સોશિયલ મીડીયા વગેરેમાં આવતા આ વિશેના સમાચારોથી પ્રભાવિત થઈ ખૂબ ઝડપથી સપડાય રહેલ છે, અને ઘણા દુઃખ સાથે લખવું પડે છે કે આપણી શાળાઓમાં રજૂ કરવામાં આવતા સાંસ્કૃતિક પ્રોગ્રામોના ભાગરૂપે રોજની નવી ખબરોની સાથે જે તે વિદ્યાર્થીના જન્મ દિવસનો ઉલ્લેખ પણ સમાચાર બોર્ડ પર કરવામાં આવે છે, જયારે કે આપણી ફરજ બને છે કે આપણે ઈસ્લામી સંસ્કૃતિની સાચવણીનો પુરેપુરો ખ્યાલ રાખી દુન્યવી શિક્ષણથી બચ્ચાઓનો શણગાર કરીએ અને ફુઝૂલ રસમોથી બચાવીએ.
મઝકૂર રસમ ગેર ઈસ્લામી એટલા માટે છે કે ઈસ્લામમાં આ પ્રકારની રસમની કોઈ સાબિતી નથી, ખયરૂલ કુરૂનમાં હુઝૂર (સલ.) અને તે પછી સહાબા, તાબિઈન, તબે તાબિઈન અથવા ચારેવ મઝહબના ઈમામોમાંથી કોઈ એકથી પણ પ્રચલિત રિવાજ મુજબ જન્મ દિવસ મનાવવો સાબિત નથી. બલકે અન્ય કોમોનો રિવાજ અને રસમ છે અને અન્ય કૌમોના રસમ રિવાજથી હદીસ શરીફમાં મનાઈ ફરમાવવામાં આવી છે, હુઝૂરે અકરમ (સલ.) નો ઈર્શાદ છે, ' જે માણસ અન્ય કૌમ સાથે એકરૂપતા અને મુશાબહત ઈખ્તિયાર કરે તે (અંજામ રૂપે) તેઓમાંથી શુમાર થશે.” (મિશ્કાત શરીફ : ૩૭૫)
અન્ય એક રિવાયતમાં વર્ણન છે : "જે અન્ય કૌમોના રસ્તા પર ચાલે તે અમારા રસ્તા પર નથી. " (સહીહ જામેઅ સગીર : ૩ / ૧૧૩) બુખારી શરીફમાં રિવાયત છે કે અલ્લાહ તઆલાની નિગાહોમાં લોકોમાં સૌથી વધુ નાપસંદ ત્રણ વ્યકિતઓ છે. જેમાંથી એક તે વ્યકિત છે જે ઈસ્લામ પર હોવા છતાં બિન ઈસ્લામી રીતને અપનાવે. (બુખારી શ. હદીસ નંબર : ૬૮૮૨)
બીજી કૌમોના જે કંઈ રીત રિવાજો છે તે બિન ઈસ્લામી છે, જેને અમલમાં લાવવું ઉપરોકત રિવાયતોમાં આવેલ વઈદોના લઈ અલ્લાહ અને તેના રસૂલ (સલ.) ને નારાજ કરનાર છે, હુઝૂર (સલ.) હિજરત ફરમાવી જયારે મદીના મુનવ્વરાહ પધાર્યા, તો મદીનાના લોકો બે દિવસની ખૂશી રૂપે ઉજવણી કરતા હતા, આપના સવાલ કરવા પર બતાવવામાં આવ્યું કે આ સિલસિલો જાહિલિય્યત કાળથી ચાલતો આવ્યો છે. રસૂલુલ્લાહ (સલ.) એ ફરમાવ્યું : અલ્લાહ તઆલાએ આ બે પ્રસંગો અને તહેવારોના બદલામાં તમને એનાથી બેહતર ઈદના દિવસો આપ્યા છે. (૧) ઈદુલ અદહા અને (૨) ઈદુલ ફિત્ર . યહૂદીઓ અને નસરાનીઓ નક્કાલી (નકલ) અને એકરૂપતા ઈખ્તિયાર કરવાની બાબતમાં એટલા બધા હસ્સાસ હતા કે આપની અમલ પ્રણાલી જોઈને યહુદીઓ કહેવા લાગ્યા કે આ વ્યકિત તો દરેક મામલામાં અમારા વિરોધ પર ઉતરી આવે છે. (મુસ્લિમ શરીફ બ–હવાલા મિશ્કાત : ૫૬)
હદીસ સ્પષ્ટ અને સખત શબ્દોમાં હિદાયત ફરમાવે છે કે એક મુસલમાને બીજી કોમની ધાર્મિક અને સાંસ્કૃતિક રીતે સામ્યતા ઈખ્તિયાર કરવાથી પોતાની યથાશકિત મુજબ બચવું જોઈએ.
આમેય આ જન્મ દિવસની ઉજવણીની રસમ ઈસ્લામી અભિગમથી સદંતર મેળ ખાતી નથી, જીવનના એક વરસનું પસાર થઈ જવું ખુશીનો અવસર નથી, બલકે અફસોસ અને આત્મચિંતન અને મુહાસબાનો અવસર છે કે જીવનનું એક વર્ષ ઓછુ થયું અને એની સાચી રીતે કદર ન થઈ શકી, એક મોમિનનો તો અકીદો છે કે જીવનન અલ્લાહની અમાનત છે, જેના વિશે કિયામતના દિવસે સવાલ કરવામાં આવશે, હુઝૂરે અકરમ (સલ.)નું ફરમાન છે : જયાં સુધી ચાર સવાલ એક વ્યકિતથી પૂછી લેવામાં નહીં આવે, ત્યાં સુધી તેના પગ આગળ ધપી શકશે નહીં. આ સવાલો પૈકી એક સવાલ તેના જીવન વિશે હશે કે તેને કયા ખતમ કર્યુ ? (તિરમિઝી : ૨ / ૬૭)
અને સાથે સાથે આ રસમ બિન ઈસ્લામી હોવા ઉપરાંત તેમાં નાજાઈઝ અને ગેર શરઈ વસ્તુઓ પણ જોવા મળે છે, ગાયનો વગાડવા, નૃત્ય કરવું–કરાવવું, મર્દ અને ઓરતોનું ભેગુ થવું, બીજી કોમની નકલ ઉતારતા મીણબત્તી ઓલવવી, ખવડાવવા પીવડાવવામાં ફુઝૂલખર્ચી કરવી.. આ જ બધા કારણો અને શરઈ બાબતોના લઈને વર્તમાન યુગના મુફતીયાને કિરામ આની ઉજવણી કરવાથી મનાઈ કરે છે.
હઝરત મવલાના મુફતી અબ્દુર્રહીમ સા. (લાજપુરી રહ. ફતાવા રહીમિય્યહમાં લખે છે : રસ્મે સાલગિરહ (જન્મ દિવસ) યહ ખાલિસ ગેર અકવામ કા તરીકા ઔર ઉન્હી કી રસમ હે. મુસલમાનોં પર લાઝિમ હે કે મઝકૂરા તરીકે સે ઈજતિનાબ કરે, વરના ઉસકી નહૂસત સે ઈમાન ખતરેમેં પડને કા ખતરા હે. (ફતાવા રહીમિય્યહ: ૧/૫૦૨)
ફતાવા હક્કાનિય્યહમાં છે : ઈસ્લામમેં ઈસ કિસ્મ કે રસ્મો રિવાજ કા કોઈ સુબૂત નહીં હે, ખયરૂલ કુરૂનમેં કિસી સહાબી, તાબિઈ, તબએ તાબિઈન યા અઈમ્મએ અરબઆમેં સે કિસી સે મુરવ્વજા તરીકા પર સાલગિરહ મનાના સાબિત નહીં, યહ રસમે બદ અંગ્રેજો કી ઈજાદ કરદહ (ઘડેલ) હય, ઉનકી દેખાદેખી કુછ મુસલમાનોંમેં ભી યહ રસ્મ સિરાયત કર ચૂકી હય, ઈસલિયે ઈસ રસ્મ કો જરૂરી સમજના, ઐસી દઅવતમેં શિર્કત કરના ઔર તોહફે - તહાઈફ દેના ફુઝૂલ હે, શરીઅતે મુકદ્દસામેં ઈસકી કત્અન ઈજાઝત નહીં. (૨/૭૪)
હઝરત મવલાના ખાલિદ સયફુલ્લાહ સા. (દા.બ.) જદીદ ફિકહી મસાઈલમાં લખે છે. યવમે મીલાદ મનાના જિસે બર્થ ડે કેહતે હૈં. ન કિતાબ વસુન્નત સે સાબિત હે, ન સહાબા (રદિ.) ઔર સલફે સાલિહીન (રહ.) કે અમલ સે, શરીઅતને બચ્ચોં કી પેદાઈશ પર સાતર્વે દિન અકીકા રખા હે, જો મસ્તૂન હે ઔર જિસ કા મકસદ નસબ કા પૂરી તરહ ઈઝહાર ઔર ખુશી કે ઈસ મોકે પર અપને અઈઝઝો અહબાબ ઔર ગુરબા કો શરીક કરના હે, બર્થ ડે કા રિવાજ અસલમેં મગરિબી તહઝીબ કી બર આમદાતમેં સે હૈં, જો હઝરત મસીહ (અલૈ.) કા યવમે પેદાઈશ ભી મનાતે હૈ, આપ (સલ.)ને દૂસરી કૌમોં સે મઝહબી ઔર તહઝીબી મુમાષલત (સામ્યતા) ઈખ્તિયાર કરને કો ના પસંદ ફરમાયા હે. ઈસ લિયે યે જાઈઝ નહીં, મુસલમાનોં કો ઐસે ગેર દિની આ'માલ સે બચના ચાહિયે. (૧/૪૬૮)
હઝરત મવલાના મુફતી મુહમ્મદ યુસૂફ લુધયાનવી સા. (રહ.)ને આપ કે મસાઈલ ઔર ઉનકા હલ' માં જન્મ દિવસના દ્રષ્ટિકોણ વિશે પૂછવામાં આવેલ એક સવાલના જવાબમાં લખે છે કે " સાલ ગિરહ (જન્મ દિવસ) મનાને કી રસમ અંગ્રેજો કી જારી કી હૂઈ હે, ઔર જો સુરત આપને લિખી હે, બહુત સે નાજાઈઝ ઉમૂર કા મજમૂઆ હૈં. (૨/૫૧૮)
માટે આવી રસમોમાં શરીક થવાથી બચવું જોઈએ, આ પ્રકારના પ્રસંગોમાં શરીક થવા વિશે આ વાત યાદ રાખવી જોઈએ કે ફુઝૂલ અને બેકાર બાબતોમાં ભાગ લેવો પણ ફુઝૂલ છે, જયારે જન્મ દિવસની ખૂશી જ અર્થહિન છે કે એનાથી ઉમ્ર (આયુષ્ય) વધતી નથી, બલકે ઘટે છે, તો પછી એની ઉજવણી અને એમાં શરીક થવું કોઈ અકલમંદીની વાત નથી, જો કોઈ વ્યકિત આવા પ્રસંગોમાં દાવત આપે, કેક, ચોકલેટ વિગેરે વસ્તુઓ આપે, તો જો ફુઝૂલ અને બિન ઈસ્લામી રસમમાં શામેલ થવું પસંદ હોય તો દાવત કબૂલ કરવામાં આવે નહીં તો ના પાડી દેવામાં આવે.
હઝરત મુફતી મુહમ્મદ યુસૂફ લુધયાનવી સા. આ જ પ્રકારના એક સવાલના જવાબમાં લખે છે: અગર ઈસ ફુઝૂલ રસ્મમેં શિર્કત મતલૂબ હો તો ખા લિયા જાયે વરના ઈન્કાર કર દિયા જાએ, બીજા એક જવાબમાં આ પ્રસંગે "ભેટ" આપવા વિશે લખે છે : તોહફા દેના અચ્છી બાત હે, લેકીન સાલગિરહ કી બિના પર દેના બિદઅત હે. (આપ કે મસાઈલ ઔર ઉનકા હલ : ૨ / ૫૧૮, ૫૧૯)
(૧-૩) મઝકૂર તફસીલથી સ્પષ્ટ થઈ ગયું કે જન્મ દિવસની જેમ ઉજવણી ન કરવામાં આવે, એવી જ રીતે ઉજવણી રૂપે બીજાને ખવડાવવાથી કોઈની ઉજવણીમાં શામેલ થવાથી, ખાવા-પીવાથી બચવામાં આવે.
(૪) અસલ તો એ છે કે જિંદગીના આ દિવસને અમલની લાઈનથી પોતાની જાતનો મુહાસબો કરે, હઝરત ઉમર (રદિ.) નું એક ફરમાન : "કન્ઝુલ ઉમ્માલ'માં વર્ણન થયેલ છે : તમારો (કિયામતના દિવસે) હિસાબ કિતાબ થશે, તેના આવવાથી પેહલા તમે પોતાના નફસનો મુહાસબો કરો. એટલા માટે કે આ વસ્તુ તમારા (ભવિષ્યના) હિસાબમાં વધુ આસાનીનો સબબ છે, તમારુ વજન અને તમારી ખરાઈ— ખોટાઈ કરવામાં આવે એ પહેલા તમે પોતાનું વજન અને ખરાઈ - ખોટાઈ કરી લ્યો, અને પોતાને મોટી પેશી અને હાજરી માટે શણગારી લ્યો કે જે દિવસે અલ્લાહની અદાલતમાં હાજર કરવામાં આવશે તો તમારી કોઈ છુપી વાત છૂપાવેલ રહેશે નહીં. આ મુબારક ફરમાનનો તકાઝો છે કે માણસ વર્ષ પુરુ થવા પર પોતે આત્મમંથન કરી આ'માલમાં વધારો થયો કે ઘટાડો ? અને આજ સુધી આ કીમતી અમાનતના હકની અદાયગીમાં થયે કોતાહીઓ પર નદામત, અફસોસ, તોબા, ઈસ્તિગ્ફાર કરે અને હવે પછી આ પ્રકારની ભૂલો, કોતાહીઓ ના થાય એ માટે કોઈ નિત્યક્રમ બનાવે.
ખુશી વ્યકિત કરવાને બદલે ભુલોને સુધારવાની ફિકર કરે, આપણા અસ્લાફે કિરામ ઉમ્ર મુબારક અને આયુષ્યની ઘડીઓ ઘટવાની સ્થિતિમાં નદામત, અફસોસ વ્યકત કરતા હતાં. બીજાઓની માફક ખુશી વ્યકત કરી તેની ઉજવણી ન કરતા હતા, મહાન સહાબી હઝરત અબ્દુલ્લાહ ઈબ્ને મસ્ઉદ (રદિ.) ફરમાવે છે કે : જે દિવસનો સુરજ ગુરૂબ થઈ ગયો તેના ઉપર મને જે અફસોસ (અને રંજ) થાય છે, તે અન્ય કોઈ વસ્તુ પર નથી થતો કે આ દિવસથી મારુ આયુષ્ય ઘટયું હોય અને અમલમાં વધારો ન થયો. (કીમતુઝ મન ઈન્દલ ઉલમા : ૨૭)
આનાથી સ્પષ્ટ થાય છે કે બર્થ ડે વિશે શરીઅતનો શું અભિગમ છે અને આવા પ્રસંગો વેળાએ આપણા બુઝુર્ગોનો શું અમલ છે, અલ્લાહ તઆલા આપણા બધાને સહિહ સમજ આપે, ગલત રસમોથી હિફાઝત ફરમાવે અને બુઝુર્ગોનો તરીકો અપનાવી પોતાનો મુહાસબો કરવાની તૌફીક આપે. ફકત અલ્લાહ તઆલા વધુ જાણનાર છે. (તા. ૨૬ રબિ.અવ્વલ ૧૪૩૭ હિજરી)
બોધકથા :
એક દોસ્તનું મૃત્યુ થઈ ગયું હતું. એને દફન કરવાની જવાબદારી મારા સિરે હતી. જલદી કબ્રસ્તાને જઈને મેં કબર ખોદનારને પૈસા આપ્યા અને કહયું કે મારા બતાવ્યા મુજબ કબર ખોદીને તૈયાર કરો. પાંચ કલાકમાં બધું કામ પૂરું કરીને મને કોલ કરો. કબર ખોદનારે પૈસા લીધા અને કબ્રસ્તાન તરફ ચાલી નીકળ્યો. કોઈના મરવા જીવવાની અસર એના ઉપર પડતી ન હતી. બલકે લોકોના મરવામાં જ એનો ધંધો હતો. મારા દોસ્તના મૃત્યુનો સદમો એના ચહેરા ઉપર શોધવો, એ મારી ભૂલ હતી.
મારા પગ મારો સાથ આપતા ન હતા. અચાનક પગ લથડયો અને હું એક કબરના માથે પડી ગયો. મોં ઉચું કરીને જોયું તો કબરની તખ્તી ઉપર અનેક મિલોના માલિક એક બિઝનેસમેનનું નામ હતું. કબર ભાંગી ગઈ હતી અને તિરાડોમાંથી વરસાદનું પાણી અંદર જઈ રહ્યું હતું. કરોડો રૂપિયાનો માલિક અને ચાર બંગલાઓનો ધણી જાણે મને કહી રહયો હતો: 'હાદી હયાત' ! સંભાળીને ચાલ. આજે તારા દોસ્તને દફનાવવા આવ્યો છે, કાલે તારે પોતે પણ અહિંયા આવવાનું છે.
મને યાદી આવી ગયું કે કોલેજના દિવસોમાં આ જ મરનાર દોસ્તના મૃત્યુની જૂઠી ખબર ચાલી નીકળી તો હું હાંફતો દોડતો એના ઘરે જઈ ચડયો હતો. પણ ત્યાં જઈને જોયું તો દરવાજે જ દોસ્ત ઉભો હતો. મને એટલી ખુશી થઈ કે આંખે ખુશીના આંસુ આવી ગયાં. મારો દોસ્ત મને કહેવા લાગ્યો: હાદી હયાત! સાંભળ. હું મર્યો હોત તો શહેરની આ બધી દુકાનો આમ ખુલ્લી ન હોત. આખું બજાર બંધ કરીને હું ગયો હોત.
આજે મારો એ દોસ્ત સાચે જ મરી ગયો હતો. પણ બજારની એક દુકાન પણ બંધ થઈ ન હતી. એના સગા ભાઈની દુકાન પણ ખુલ્લી હતી. મેં વાત કરી તો એ ભાઈ કહેવા લાગ્યો : જનાઝહને વાર છે. દૂધ, દહીં ખરાબ ન થઈ જાય એટલે માલ વેચીને જલદીથી આવું છું.
શકય છે કે આ સાચી ઘટના હોય, અથવા કોઈ વાર્તાકારે રચેલ વાર્તા.
પણ એનો એક જ સાર છે કે માણસનો આ ભરમ ખોટો છે કે મારા વગર આ નહીં થાય અને તે નહીં થાય. બધું જ ચાલતું રહેશે. કોઈના ધ્યાને પણ નહીં આવે અને આપણે ચાલી નીકળવાનું છે.
પોતાની નેકી અને કરેલા નેક કામો.. બે જ વસ્તુઓ બાકી રહેશે.
Muharramm: The Sacred Month and its Benefits
Muharram, also known as Muharram-ul-Haram, is the first month of the Hijri calendar and thus marks the beginning of the Islamic year. It is the only month which Allah's name has been attached to the Prophet Muhammad (saw) referred to it as 'the Sacred Month of Allah' - and is thus a highly blessed month
It is one of the four sacred months, and its special importance is indicated by its name. The word 'Muharram' literally means 'forbidden' Therefore, Muharram is special simply because Allah has chosen it to be so. He commands us not to 'wrong ourselves' during this sacred month, which essentially means to ensure we have pure intentions and righteous behaviour and don't fall into sin.
Although many of us understand the importance of the month of Ramadan, we can often neglect the sacred months. However, they offer us a wealth of opportunities to seek the mercy and favour of Allah, the likes of which cannot be found at any other time of the year.
They have been specifically selected by Allah Himself as the best times to draw closer to Him.
It is highly recommended to fast as much as possible during Muharram (though fasting the whole month is reserved for Ramadan only). The Messenger of Allah (saw) said, 'The best fasting after Ramadan is the Sacred Month of Allah (Muharram)...' (Muslim) The Messenger of Allah (saw) said that fasting on the day of 'Ashura, 'expiates the minor sins of the past year' (Muslim). It is, therefore, highly recommended to fast on this day.
The Prophet (saw) also advised us to also fast on the 9th and/or 11th of Muharram in order to differentiate between his Ummah and the People of the Book and as we know, following his Sunnah contains immense blessing.
Some other people attribute the sanctity of 'Ashura' to the martyrdom of Sayyidna Husain, Radi-Allahu anhu, during his battle with the Syrian army. No doubt, the martyrdom of Sayyidina Husain, Radi-Allahu anhu, is one of the most tragic episodes of our history. Yet, the sanctity of 'Ashura' cannot be ascribed to this event for the simple reason that the sanctity of 'Ashura' was established during the days of the Holy Prophet, Sall-Allahu alayhi wa sallam, much earlier than the birth of Sayyidna Husain, Radi-Allahu anhu.
On the contrary, it is one of the merits of Sayyidna Husain, Radi-Allahu anhu, that his martyrdom took place on the day of 'Ashura'.
Another misconception about the month of Muharram is that it is an evil or unlucky month, for Sayyidna Husain, Radi-Allahu anhu, was killed in it. It is for this misconception that people avoid holding marriage ceremonies in the month of Muharram. This is again a baseless concept, which is contrary to the express teachings of the Holy Quran and the Sunnah. If the death of an eminent person on a particular day renders that day unlucky for all times to come, one can hardly find a day of the year free from this bad luck because every day is associated with the demise of some eminent person. The Holy Quran and the Sunnah of the Holy Prophet, Sall-Allahu alayhi wa sallam, have liberated us from such superstitious beliefs.
છેલ્લા પાને......
મદદમાં ત્રણ વાતો યાદ રાખો
કોઈની મદદ કરતાં ત્રણ વાતોનું ધ્યાન રાખવું. (૧. આપણે અલ્લાહના માલમાંથી એના બંદાઓને આપી રહયા છીએ. પોતાના માલમાંથી કોઈના ઉપર ઉપકાર નથી કરી રહ્યા. (૨. અલ્લાહનો માલ અલ્લાહને જ આપી રહ્યા છીએ. કોઈ ગરીબ – મોહતાજને આપી રહ્યા છે એવું વિચારવું નહીં. (૩. કોઈની મદદ કરવાથી માલ ઓછો થતો નથી. બલકે અલ્લાહના વાયદા મુજબ એમાં ઘણો વધારે થાય છે.
સાચો સાથી અને દોસ્ત
જે માણસ બીજાની મુસ્કાન પાછળ છુપાયેલા દુખને, ગુસ્સા પાછળ છુપાયેલા પ્યારને અને ચુપકીદી પાછળ છુપાયેલી ચિંતા – કારણને સમજી શકે | એ સાચો દોસ્ત છે.
નબીઓની સુન્નત
ચાર વાતો નબીઓની સુન્નત અને | તરીકો છે. શર્મ કરવી. ખુશ્બુ વાપરવી. | મિસ્વાક – દાંતણ કરવું. નિકાહ કરવા.
ચાર કામો
હઝ. સહલ રહ. ફરમાવે છે કે, બધી ભલાઈઓ ચાર કામોમાં સમાય જાય છે. (૧. પેટને ભૂખ્યું રાખો. (૨. ખામોશ રહો. (૩. લોકોથી એકાંત જાળવો. (૪. રાત્રે જાગીને ઈબાદત કરો.
મહબૂબની મૂરત
લોકો એમના મહબૂબની મૂરત બનાવે છે પણ મુસલમાનો એમના મહબૂબ નબી ઉપર દુરૂદ પઢે છે.
થોડો સમય
અલ્લાહ તઆલાને થોડો સમય | આપવાથી માણસનો પૂરો સમય સુધરી જાય છે.
સાચા અખ્લાક
એવા માણસોનું સન્માન કરવું જેમના સાથે કોઈ સ્વાર્થ કે સંબંધ લાગેલો ન હોય, એ જ સાચા સંસ્કાર અને અખ્લાક છે.
સૌથી સારો અને બુરો માણસ
હદીસ શરીફમાં છે : જે માણસની ઉમર લાંબી હોય અને આમાલ નેક હોય એ સૌથી સારો છે અને જેની ઉમર લાંબી હોય પણ આમાલ ખરાબ હોય એ સૌથી બુરો છે.
મકબૂલ અમલ
સાચા અર્થમાં નેક અને મકબૂલ અમલ એને કહેવાય જેના કર્યા પછી લોકોના મુખે વખાણ સાંભળવાની આશા ન રાખવામાં આવે.
ખુદાનો ન્યાય
શેખ સાદી ફરમાવે છે કે જયારે મને ખબર પડી કે જિંદગીમાં મહેલમાં નરમ બિસ્તર પર સુતા માણસ અને ખૂલી જમીન ઉપર સૂતા માણસના સપના અને મર્યા પછી બંનેની કબર સરખી હોય છે, તો મને યકીન થઈ ગયું અલ્લાહ પાસે બધા જ સમાન છે.