અલ-બલાગ : ફેબ્રુઆરી-2022

   તંત્રી સ્થાનેથી

કોઈ એવું વરસ તો હોતું જ નથી કે દેશમાં કે રાજયમાં કોઈ ચુંટણી ન હોય. ગ્રામ્ય, નગર, રાજય અને કેન્દ્ર સ્તરની ચુંટણીઓ વરસના વિવિધ દિવસોમાં ક્યાંકને કયાંક યોજાતી જ હોય છે.

સરકારો અને પ્રધાનોના ભ્રષ્ટાચારના લીધે પ્રજા લક્ષી કામો પૂરતા પ્રમાણમાં થતા નથી, એટલે આવી ચુંટણીઓમાં ભ્રષ્ટાચાર તો મુદ્દો હોય જ છે, પણ આપણી ભારતની પ્રજા આવા મુદ્દાઓ પ્રત્યે જડ અને અસંવેદનશીલ છે. આવા સામુહિક સમસ્યાઓને લગતા મુદ્દા એને સ્પર્શતા નથી, આવી સમસ્યાઓ તો કુદરતનો પ્રકોપ હોય છે અને ઉપરવાળાને દુઆ—પ્રાથના કરવાથી એ હલ થઈ શકે છે, માટે એના તરફ ધ્યાન આપવાના બદલે ધર્મ અને આસ્થાના મુદ્દાઓ ઉપર વધારે આર્કષાય છે. કેવી વિપરિત વિચારસરણી છે! મુસીબતો અને સમસ્યાઓ માટે ધર્મ અને આસ્થાના સહારે જીવીએ છીએ અને ધર્મ અને આસ્થાને મજબૂત કરવા એ જ મુસીબતો અને પરેશાનીઓની સર્જક સત્તા અને નેતાઓને સહારે જઈએ છીએ. ખેર...

પ્રજાની આ કમઝોરી સત્તા લાલસુ નેતાઓએ તો સમજી જ છે, પણ ભારતમાં સત્તા માટે ઝઝુમતા નેતા વર્ગ ઉપરાંત એક અન્ય વર્ગ પણ છે, જેની નજરમાં દેશનું ભવિષ્ય નથી, બલકે એનો એક માત્ર આશય ભારતની બહુધર્મીય ઓળખ મિટાવવાનો છે. આ આશયે સત્તા કબજે કરવી છે, અને સત્તા માટે સરળ રસ્તો ધાર્મિક ઉન્માદનો છે. એટલે ફકત ચુંટણી ટાણે ધર્મનું જે રાજકરણ સત્તાના લાલચી નેતાઓ કરતા હતા, એ જ રાજકરણ આ વર્ગ સત્તા માટે નહીં બલકે સાચે જ ભારતીય પ્રજામાં નફરત અને વેરઝેરનું વાતાવરણ ઉભું કરવા માટે કરવામાં પ્રવૃત છે.

સીધી રીતે હવે લોકોએ સમજવાનું છે કે પહેલાં ચુંટણી ટાણે જે ધાર્મિક ઉન્માદનું વાતાવરણ ઉભું કરવામાં આવતું હતું એનો મકસદ ચુંટણી પૂરતો જ રહેતો હતો અને પછી બધું સામાન્ય થઈ જશે એમ આપણે કહેતા હતા, અને થતું પણ હતું. પણ હવે આપણે સમજવું પડશે કે નફરતના સોદાગરો ચુંટણીના અવસરને પોતાની નફરતની કમાણી માટેનો અવસર સમજે છે, તેઓ આ મોકાનો લાભ ઉઠાવીને કાયમી નફરત લોકોમાં પેસી જાય એવા પ્રયત્નો કરે છે. હવે આપણે એમ સમજી કે કહીને બેસી રહીએ કે ચુટણી પતશે એટલે બધું સામાન્ય થઈ જશે, એ ખોટું છે. ચુંટણીના નામે લાંબા ગાળાની નફરત પ્રસરાવવાના પ્રયત્નો થઈ રહયા છે. અને આપણે એને થોડા સમયની સમસ્યા સમજીને અનદેખી કરી રહયા છે. આવા તત્વો પાછલા રાજાઓની લડાઈઓને સામાન્ય માણસ સુધી લઈ આવવા માંગે છે, વિશ્વના ઈતિહાસમાં સત્તાની લડાઈમાં સામાન્ય માનવીને વચ્ચે લાવવાને ક્યાંયે ઉચિત નથી ગણવામાં આવ્યું. પ્રજા તો જે રાજા જીતે એની ગણાતી હતી. આજે રાજાઓની લડાઈ રહી નથી એટલે ફક્ત પાછલો ઈતિહાસ એક નજરે વાંચીને ધાર્મિક ઉન્માદમાં ઉતરી જતા લોકો વર્તમાનમાં પણ એ ભુતકાળ દોહરાવવાનો નાદાની ભર્યો પ્રયત્ન કરવા ચાહે છે.

આવા સંજોગોમાં મુસ્લિમ સમાજે ભારતમાં એના ધર્મ, અધિકારો, સ્વતંત્રતા અને જાન-માલની સલામતી માટે વિશેષ પ્રયત્નો કરવાની જરૂરત છે. ભારતમાં વસતા હિંદુ—મુસ્લિમ સમાજની આજ સુધીની વિશેષતા આ જ હતી કે બધા પરસ્પર મળી સમજીને રહેતા આવ્યા છે. અકબર અને મહારાણા પ્રતાપ સિંધ... શિવાજી અને ઓરંગઝેબ. સામસામે લડતા હતા પણ હિંદુ રાજાનો સેનાપતિ મુસલમાન તો મુસલમાન રાજાનો સેનાપતિ હિંદુ નજર આવતો હતો. અર્થાત સત્તાની લડાઈ લોકોના પરસ્પર સંબંધો અને વફાદારીમાં આડે આવતી ન હતી. આજે પણ આ લાગણી ભારતભરમાં પ્રસરે છે. માટે મુસ્લિમ સમાજે બે વિરોધી બાબતો વચ્ચે સમન્વય જાળવીને એકતાના પ્રયત્નો કરવા આજની મોટી આવશ્યકતા છે. પ્રથમ તકેદારી પોતાના દીન-ધર્મ અને ધાર્મિક ઓળખ બાબતે રાખવાની છે. ધાર્મિક તાલીમ, ધાર્મિક સ્થાનો, ઈબાદત અને ધર્માનુસરણની આઝાદી બાબતે રાખવાની છે. એમાં કોઈ બાંધછોડ ન કરવામાં આવે અને એમાં કોઈ રુકાવટ આવે એવી કોઈ પણ હરકતને બરદાશ્ત ન કરવામાં આવે. બીજા નંબરે દરેક ભારતીય નાગરિક સાથે પરસ્પરનો ભાઈચારો જાળવવાની અને એને વધારે મજબૂત કરવાની તકેદારી રાખવાની છે. આ માટે આગવા પ્રયત્નો કરવા પણ આવશ્યક છે. કોઈ સામે મળી ગયું અને આપણે હાય હેલો કરી લીધું એટલેથી કામ નહીં ચાલે, બલકે ભાઈચારો અને સમન્વય વધે, એકતા અને સમાનતાની લાગણી વધે એ હેતુએ અલાયદા કામો કરવા જરૂરી છે. એ માટે સમય, શકિત અને નાણા પણ ખર્ચ કરવા પડે તો કરવા જોઈએ.


સામાજિક -સામુહિક સંબંધોને લગતા પાંચ મહત્વના હુકમો

-મુફતી ફરીદ અહમદ કાવી

بسم الله الرحمن الرحيم

یٰۤاَیُّهَا الَّذِیْنَ اٰمَنُوْا لَا تَاْكُلُوْۤا اَمْوَالَكُمْ بَیْنَكُمْ بِالْبَاطِلِ اِلَّاۤ اَنْ تَكُوْنَ تِجَارَةً عَنْ تَرَاضٍ مِّنْكُمْ-وَ لَا تَقْتُلُوْۤا اَنْفُسَكُمْ ؕ اِنَّ اللّٰهَ كَانَ بِكُمْ رَحِیْمًا(۲۹) وَ مَنْ یَّفْعَلْ ذٰلِكَ عُدْوَانًا وَّ ظُلْمًا فَسَوْفَ نُصْلِیْهِ نَارًا ؕ وَ كَانَ ذٰلِكَ عَلَى اللّٰهِ یَسِیْرًا(۳۰) اِنْ تَجْتَنِبُوْا كَبَآىٕرَ مَا تُنْهَوْنَ عَنْهُ نُكَفِّرْ عَنْكُمْ سَیِّاٰتِكُمْ وَ نُدْخِلْكُمْ مُّدْخَلًا كَرِیْمًا(۳۱) وَ لَا تَتَمَنَّوْا مَا فَضَّلَ اللّٰهُ بِهٖ بَعْضَكُمْ عَلٰى بَعْضٍ ؕ لِلرِّجَالِ نَصِیْبٌ مِّمَّا اكْتَسَبُوْا ؕ وَ لِلنِّسَآءِ نَصِیْبٌ مِّمَّا اكْتَسَبْنَ ؕوَ سْــٴَـلُوا اللّٰهَ مِنْ فَضْلِهٖ ؕاِنَّ اللّٰهَ كَانَ بِكُلِّ شَیْءٍ عَلِیْمًا(۳۲) وَ لِكُلٍّ جَعَلْنَا مَوَالِیَ مِمَّا تَرَكَ الْوَالِدٰنِ وَ الْاَقْرَبُوْنَ ؕوَ الَّذِیْنَ عَقَدَتْ اَیْمَانُكُمْ فَاٰتُوْهُمْ نَصِیْبَهُمْ ؕاِنَّ اللّٰهَ كَانَ عَلٰى كُلِّ شَیْءٍ شَهِیْدًا(۳۳) 

તરજમહ : હે ઈમાનવાળાઓ ! તમે અંદરોઅંદર ખોટી રીતે એક બીજાનો માલ ખાઈ ન જાઓ, હા, એ તમારી રાજીખુશીના ખરીદ વેચાણ થકી હોય (તો વાંધો નથી.) અને તમે પોતા ના(લોકો) ની હત્યા ન કરો. બેશક, અલ્લાહ તઆલા તમારા ઉપર ઘણો મહેરબાન છે.(૨૯) અને જે કોઈ અદાવત રાખીને કે ઝુલમ કરીને આ કામો કરશે તો અમે તેને વહેલી તકે આગમાં નાખીશું અને આ સજા અલ્લાહ માટે ઘણી સહેલી છે. (૩૦) જો તમે એવા મોટા ગુનાહોથી બચીને રહેશો જેનાથી તમને રોકવામાં આવ્યા છે, તો અમે તમારા નાના ગુનાહોને માફ કરી દઈશું, અને તેમને ઈઝઝતવાળા સ્થાને (જન્નત)માં દાખલ કરીશું. (૩૧) અને જે બાબતે અલ્લાહે તમારા માંહે એકને બીજા ઉપર ફઝીલત (અગ્રીમતા) આપી છે, એની તમન્ના ન કરો. પુરુષોને એમની કમાણીનો હિસ્સો મળશે અને સ્ત્રીઓને (પણ) એમની કમાણીનો હિસ્સો મળશે. અને અલ્લાહ પાસે એની મહેરબાની માંગો. બેશક અલ્લાહ દરેક વસ્તુનો સંપૂર્ણ જાણકાર છે. (૩૨) અને સ્ત્રી-પુરુષ દરેકને અમે તે માલના વારસદાર બનાવ્યા છે, જે માતા પિતા અને સગાંઓ છોડે છે. અને જેમની સાથે તમારો (જહાલતકાળથી મદદ અને વારસાઈનો) કરાર થઈ થયો હોય એમને પણ તેઓને ભાગ આપી દો. બેશક અલ્લાહ તઆલા દરેક બાબતનો ગવાહ (જાણકાર) છે. (૩૩)

તફસીર : સૂરએ નિસાઅની આ પાંચ આયતોમાં પાંચ મહત્વના હુકમો વર્ણવવામાં આવ્યા છે. (૧) કોઈનો માલ નાજાઈઝ રીતે હડપ કરવા કે ખાવાની મનાઈ (૨) હત્યા કરવાની મનાઈ (૩) મોટા ગુનાહોથી બચવાની તાકીદ (૪) ખુદાઈ તફાવતમાં ખોટું ન જુઓ (૫) વારસાઈમાં દરેક હકદારને એનો હક આપો.

એમ તો આ સૂરતમાં યતીમો અને ઓરતો વિશે વિશેષ હુકમોનું વર્ણન છે, પણ એમાં કોઈને કોઈ રીતે માલ-સંપત્તિ વિશેના હુકમોનું વર્ણન થતું આવ્યું છે. સૂરતના આરંભે યતીમોના માલ વિશે, પછી ઓરતની મહેરના માલ વિશે, પછી વારસાઈમાં આવતા માલના ભાગો અને હકદારો વિશે, વગેરે.. હવે આ આયતમાં દરેક માણસના માલ વિશે એક સર્વગ્રાહી હુકમ બતાવવામાં આવ્યો છે કે કોઈનો પણ માલ નાજાઈઝ કે ગેરકાનૂની રીતે લેવો, વાપરવો કે એના ઉપર હાથ મારવો ગુનો છે. ચાહે મરદ હોય કે ઓરત. સગા હોય કે અજાણ્યા. બલકે મુસલમાન કે ગેર મુસ્લિમ દરેકના માલનો આ જ હુકમ છે.

આયતના તરજુમો કરવામાં 'ખોટી રીતે એક બીજાનો માલ' ન ખાવાના શબ્દો વાપરવામાં આવ્યા છે. મુળ અરબીના શબ્દો أموا لکم છે. એટલે કે 'તમારો માલ' અને આ આધારે તફસીરકારો લખે છે કે આયતમાં ખોટી રીતે બીજાનો માલ ખાવાની મનાઈ તો આયતમાં છે જ, માણસને પોતાનો માલ પણ નાજાઈઝ રીતે વાપરવાની મનાઈ પણ આયતમાં શામેલ છે. બાતિલ અને ખોટી રીતનો મતલબ ખયાનત, ચોરી, જૂઠ, જુગાર, વ્યાજ.. બધું જ એમાં આવી જાય છે. પછી અલ્લાહ તઆલા બીજાનો માલ લેવા - વાપરવાની જાઈઝ રીત બતાવે છે કે પરસ્પરની ખુશીથી ખરીદ-વેચાર કરીને કોઈનો માલ લ્યો તો એ વાપરી – ખાય શકાય છે. એમાં પણ અલ્લાહ તઆલાએ શરત મુકી કે ખરીદ-વેચાણ પણ મરજીથી હોય, કોઈની પાસેથી એનો માલ ઝબરદસ્તીથી છીનવી લેવામાં આવે, ચાહે એને કોઈ વળતર કે કીમત આપવામાં આવી હોય, છતાં મના છે અને હરામ ગણાશે.

આયતના બીજા ભાગમાં એકબીજાની હત્યા કરવાની મનાઈ છે. અહિંયા પણ કુરઆનના શબ્દો મુજબ તરજમહ થાય છે: તમે પોતાની હત્યા ન કરો. અને તફસીરકારોના કહેવા મુજબ એકબીજાની હત્યા કરવાની મનાઈ ઉપરાંત પોતાની હત્યા કરવા એટલે કે આત્મહત્યા કરવાની મનાઈ પણ આ આયત થકી સ્પષ્ટ થાય છે. આ હુકમોનો ફાયદો આ છે કે માણસો એકબીજાના માલ અને પ્રાણ ઉપર તરાપ નહીં મારે. અને માનવસમાજ અત્યાચાર, ઝુલમ અને હત્યાથી મહફૂઝ રહેશે. એટલે અલ્લાહ તઆલા છેલ્લે ફરમાવે છે : આ બંને હુકમો અલ્લાહ તઆલાએ માનવી પ્રત્યેની એની રહમત અને કૃપાના કારણે જ આપ્યા છે. અને જે કોઈ અલ્લાહના આદેશોથી ઉપરવટ જઈને કે ઝુલમ કરીને એટલે કે મનાઈનો હુકમ જાણવા છતાં અદાવત રાખીને કે સતાવવા ઝુલમના ઈરાદે નાજાઈઝ રીતે કોઈ માલ હડપ કરશે કે કોઈની હત્યા કરશે તો અલ્લાહ તઆલા એને જહન્નમની સજા આપશે.

હરામ રીતે કોઈનો માલ હડપી જવો કે કોઈની હત્યા કરવી મોટા ગુનાઓ છે, એની સજા જહન્નમ છે એમ ઉપરની આયતમાં વર્ણવવામાં આવ્યું.. એના વિપરીત હવે આયત નં : ૩૧ માં છે કે ઉપરોકત મોટા ગુનાઓ અને અન્ય મોટા ગુનાઓ જેની અલ્લાહ તઆલાએ મનાઈ ફરમાવી છે, માણસ બચતો રહે તો અલ્લાહ તઆલા માણસની અન્ય ભૂલો એટલે કે નાના ગુનાઓ, કોતાહીઓ, કસૂરો માફ કરી દેશે, અને માફી આપીને એમને સન્માનના સ્થળે એટલે કે જન્નતમાં પ્રવેશ આપશે.

મવલાના દરયાબાદી રહ. ફરમાવે છે કે આ આયતથી પુરવાર થાય છે કે મોટા મોટા વલીઓ અને બુઝુર્ગો પણ ગુનાહોથી મહફૂઝ- માસૂમ નથી. અલ્લાહ તઆલા એમની બહોળી ઈબાદતો અને નેકીઓના કારણે એમના ઉપર રહમત કરીને એમના નાના ગુનાહોને માફ કરી દે છે અને એમને મોટા મરતબાઓથી નવાઝે છે.

આયતમાં કબીરહ ગુનાઓથી બચવાનો હુકમ છે. પણ કયા ગુના કબીરહ અને કયા સગીરહ છે એનું વર્ણન સ્પષ્ટ રૂપે કુરઆન કે હદીસમાં આવ્યું નથી. કોઈ પણ ગુનો એના કરતાં વધારે મોટા ગુના સામે સગીરહ (નાનો) અને એનાથી નાના ગુના સામે કબીરહ (મોટો) કહી શકાય છે. અને આવું કદાચ એટલા માટે છે કે જો અમુક તમુક ગુનાહો બાબતે સગીરહ હોવાનું નક્કી કહી દેવામાં આવત તો લોકો એવા ગુનાહો કરવામાં બિન્દાસ્ત બની જાત. એટલે માણસ ડરતો રહે અને દરેક ગુના વિશે કબીરહ હોવાની બીકે બચતો રહે, એટલે સગીરહ અને કબીરહ ગુનાહો અલગ અલગ તારવવામાં આવ્યા નથી.

હઝરત ઈબ્ને અબ્બાસ રદિ.ની રિવાયત છે કે કબીરહ ગુનાહો લગભગ ૭૦૦ છે. અને ઈબ્ને હજર હયષુમી રહ.એ 'અલ જવાઝિર'માં વર્ણવ્યા છે. અત્રે ફકત એક હદીસ વર્ણવવામાં આવે છે, જેમાં સાત એવા મોટા ગુનાહોનું વર્ણન છે જે માણસને બરબાદ કરી શકે છે :

હદીસ શરીફમાં નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમનો ઈરશાદ છે : સાત એવા ગુનાહોથી બચો જે માસણનું સત્યાનાશ વાળી દે છે. સહાબા રદિ.એ પૂછયું કે હે અલ્લાહના રસૂલ ! એ ગુનાહો કયા છે ? તો આ૫ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે ફરમાવ્યું : અલ્લાહ તઆલા સાથે શિર્ક કરવું. (૨) જાદુ કરવું કે કરાવવું. (૩) કોઈને નાહક કતલ કરવું. (૪) વ્યાજ લેવું – દેવું. (૫) યતીમનો માલ હડપ કરી જવો. (૬) શત્રુ સાથે લડાઈમાં પીઠ ફેરવીને નાસવું. (૭) પાકદામન મુસલમાન ઓરત ઉપર ઝિનાની તોહમત લગાવવી. (મિશ્કાત શરીફ)

ઉલમાએ કિરામે અમુક કાયદાઓ વર્ણવ્યા છે જેના આધારે સગીરહ અને કબીરહ ગુનાહોની ઓળખી શકાય છે. એક કથન અનુસાર :

• જે ગુનાહ બાબતે કોઈ વઈદ-અઝાબની ધમકી કુરઆન કે હદીસમાં વર્ણવવામાં આવી હોય.

• જે ગુનાહની કોઈ શરઈ-દુન્યવી સજા (હદ) નક્કી કરવામાં આવી હોય. • જે ગુનાહ કરવા ઉપર કુરઆન કે હદીસમાં લઅનતનું વર્ણન હોય.

• જે ગુનાહ ખરાબી અને નુકસાનમાં ઉપરોકત ત્રણ પ્રકારના ગુનાહોથી વધીને હોય..

• જે ગુનાહ દીન - ઈસ્લામ પ્રત્યે અપમાન અને ધિક્કારની ભાવનાથી કરવામાં આવ્યો હોય..

• સગીરહ ગુનાહની આદત બનાવીને વારંવાર કરવાથી એ પણ કબીરહ બની જાય છે.

ઉપરોકત પાંચ બાબતોમાંથી કોઈ બાબત લાગુ પડતી હોય તો એ કબીરહ ગુનાહ છે. નહીંતર સગીરહ ગુનાહ કહેવાશે.

ઉલમાએ કિરામ ફરમાવે છે કે અલ્લાહ તઆલાની મહાનતા અને માણસ ઉપર એના એહસાનો જોતાં કોઈ પણ પ્રકારનો ગુનો અલ્લાહ તઆલાની શાનમાં ગુસ્તાખી અને કબીરહ ગુનાહ જ ગણાય. એટલે માણસે સગીરહ—કબીરહના ફરકમાં પડયા વગર બધા જ ગુનાહોથી બચવાની કોશિશ કરવી જોઈએ. સગીરહ-કબીરહનો ફરક ગુનાહોના નાના-મોટા હોવાનું દર્શાવવા માટે છે. એટલા માટે નહીં કે માણસ કોઈ ગુનાને નાનો સમજીને એને કરવાની હિમ્મત કરે કે આદત બનાવી લે.

આયત નં : ૩૨ માં અન્યોને પ્રાપ્ત હોય એવી નેઅમતો કે ખૂબીઓ વિશે ખોટી લાલચ અને તમન્ના કરવાની મનાઈ છે. એનું મુળ કારણ એ જ છે કે માણસ ઉપર મુજબના ગુનાહોથી બચી શકે. બીજાનો માલ ખાવા અને પ્રાણ લેવામાં મુખ્ય બાબત લોભ અને ઈર્ષા છે. એના ઉપાય તરીકે ફરમાવ્યું કે અલ્લાહ તઆલા કોઈને બીજાઓ પર અમુક પ્રકારની સ્વાભાવિક શ્રેષ્ઠતા અર્પણ કરે તો તમે તે સંબંધી હવસ અને લોભ ન કરો, એથી ઈર્ષા અને કીનો ઉત્પન્ન થવા ઉપરાંત એમાં અલ્લાહ તઆલાની હિકમતનો વિરોધ કરવો પણ છે. એનાથી એવું સિદ્ધ નથી થતું કે આવી ખૂબીઓના કારણે તે માણસનો અલ્લાહ તઆલા પાસે કોઈ મરતબો છે કે વિશેષ સ્થાન ધરાવે છે, વિશેષ મરતબાનો આધાર તો માણસે એની મહેનતથી કરેલા નેક કામો હોય છે. આ નેઅમત કે ખૂબી તો અલ્લાહ તઆલાએ આપી છે, એમાં અલ્લાહની મરજી જે હોય તે, માણસે એમાં બીજા માણસનો વાધ ન કરવો જોઈએ. આ આયત ઊતરવાનું એક કારણ આ પણ છે કે અમુક સ્ત્રીઓએ હુઝૂર (સલ.)ને અરજ કરી : અલ્લાહ તઆલા દરેક ઠેકાણે માત્ર પુરુષોને જ ઉદ્દેશે છે, તેનું શું કારણ ? મીરાસમાં પુરુષોને સ્ત્રીઓથી બમણો ભાગ ઠેરવ્યો, સ્ત્રીની સાક્ષી પણ અડધી ગણી, તેથી જો અમે પણ પુરુષ હોત તો કેવું સારું થાત! એક સ્ત્રીએ આ પણ પૂછયું કે શું સ્ત્રીઓને પોતાની નેકીઓનો સવાબ પણ અડધો મળશે ? તે સૌના જવાબમાં ફરમાવ્યું કે આવી ખોટી તમન્નાઓ ન કરો. આ બધું અલ્લાહની હિકમત મુજબ છે. સ્ત્રી-પુરુષ દરેકને તેઓની કરણી – આમાલનો સવાબ સમાન રીતે મળશે. તેમાંથી સહેજ પણ ઘટાડવામાં આવશે નહિ, માટે નેકીઓમાં આગળ વધીને દુઆ માંગો કે અલ્લાહ તઆલા આમાલનો વધારેથી વધારે સવાબ આપે.

અલ્લાહ તઆલાને દરેક વસ્તુને સંપૂર્ણ ઈલ્મ હોવાથી માણસોની લાયકાત અને ગજા કાબેલિયત અને નેઅમતો - શકિતઓ આપે છે. પુરૂષોએ મહેનત, નોકરી, કમાણી જિહાદ વગેર કામો કરવાના છે તો સ્ત્રીઓ માટે પતિ-સેવા, શિયળનું રક્ષણ, બાળકોની પરવરિશ વગેરે કામો છે, અને એ મુજબ દરેકને શકિત અને સમજદારી આપે છે.

આયત નં ૩૩ માં પણ માલ વિશે જ એક વિશેષ હુકમ છે. અને અત્રે આ હુકમ એટલા માટે જોડવામાં આવ્યો કે અમુક ઓરતોએ વારસાઈમાં ઓરતોનો હિસ્સો ઓછો જોઈને એમ સમજી હતી કે પુરૂષોનું સ્થાન અલ્લાહ તઆલા પાસે ઊંચું છે, જેમ કે અગાઉની આયતમાં આવી ગયું. એમને સમજાવવા ખાતર અલ્લાહ તઆલા ફરમાવે છે કે દરેકના વારસદારો અમે નક્કી કર્યા છે, માં - બાપ જે માલ છોડીને જાય એમાં અમારા નક્કી કરવા મુજબ એમને હિસ્સો મળશે. એ ફકત માલના હિસ્સાના હકદારો છે, એનાથી પણ કોઈની શ્રેષ્ઠતા પુરવાર નથી થતી. આવો હુકમ તો એવા લોકો વિશે પણ જેમની સાથે કોઈનો મદદ - સહાયનો કરાર હોય. મદદ - સહાયનો કરાર હોવાનો મતલબ આ છે કે અરબોમાં પહેલાં એવો રિવાજ હતો કે કોઈ માણસ એકલો હોય, કોઈ નજીકનો વારસદાર ન હોય તો કોઈ બીજા માણસ કે કબીલા સાથે કરાર કરતો કે જિદંગીમાં મારા ઉપર કોઈ મુસીબત આવી પડે કે કોઈ કારણે દિયત વગેરેની મોટી રકમ આપવાની થાય તો બંને એકબીજાની મદદ કરશે અને આવી એકલતાની સ્થિતિમાં મોત આવે તો બંને એકબીજા વારસદાર ગણાશે. હિજરત પછી મક્કી સહાબા રદિ. અને મદની મદદગારો વચ્ચે જે ભાઈચારાનો સંબંધ નબીએ કરીમ સલ્લલ્લાહ અલયહિ વ સલ્લમે જોડયો હતો એમાં પણ આ બાબત શામેલ હતી. જેમની સાથે આવો કરાર થયો હોય એમને મરનારના માલમાંથી છઠ્ઠો ભાગ આપવામાં આવતો હતો. પાછળથી આ હુકમ ખતમ કરી દેવામાં આવ્યો. અલબત્ત ઈમામ અબૂહનીફહ રહ.ના મસ્લક મુજબ મરનારની પાછળ નજીક કે દૂરના કોઈ પણ વારસદાર ન હોય તો જેની સાથે આવો કરાર થયો હોય એને મરનારનો પુરો માલ મળી શકે છે.


ઈલ્મ સંબધી ચારમાંથી કોઈ ગુણ અપનાવો અને ઉલમાનું અપમાન ન કરો.

હઝરત અકદસ શૈખુલ હદીસ મવલાના ઝકરિયા રહ.ની કિતાબ 'ઈસ્લામી સિયાસત'નો ક્રમશ અનુવાદ મુફતી ફરીદ અહમદ કાવી.

હદીસ શરીફમાં છે : ચાર સ્થિતિઓ - ખૂબીઓ છોડીને પાંચમી સ્થિતિ અપનાવશો તો બરબાદી છે.

નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમનો ઈરશાદ છે : તુ કાં તો આલિમ બનજે. અથવા તાલિબે ઈલ્મ, અથવા ઈલ્મની વાતો સાંભળનાર બનજે અથવા ઈલ્મ અને ઉલમા સાથે મુહબ્બત રાખજે. આ ચાર સિવાય કોઈ બીજી રીત ન અપનાવજે, નહીંતર બરબાદ થઈશ. (મકાસિદે હસનહ)

ઈબ્ને અબ્દુલ બર્ર રહ. ફરમાવે છે કે પાંચમી રીત એટલે ઉલમાની દુશ્મની કરવી અને એમની સાથે અદાવત રાખવી છે. એક હદીસમાં નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમનો ઈરશાદ છે : આલિમ બનો કાં તાલિબે ઈલ્મ. આ શકય ન હોય તો ઉલમા સાથે મુહબ્બત કરો. એમના પ્રત્યે અદાવત ન રાખશો. (મજમઉઝઝવાઈદ)

એક હદીસમાં છે : કુરઆનના જાણકારો કયામતના દિવસે જન્નતવાળાઓના ચોધરી હશે.

બીજી હદીસમાં છે: કુરઆનના જાણકારો અલ્લાહના વલી છે. જે માણસ એમની સાથે દુશ્મની કરે છે તે અલ્લાહથી દુશ્મની કરે છે અને જે એમની સાથે દોસ્તી કરે છે એ અલ્લાહ સાથે દોસ્તી કરે છે.

નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમનો ઈરશાદ છે : મને મારી ઉમ્મત વિશે ત્રણ બાબતોનો સૌથી વધારે ડર છે. એમાંથી એક આ છે કે એમના માંહે કોઈ આલિમ-દીનના જાણકાર માણસ હોય અને તેઓ એની પરવા ન કરે અને બરબાદ કરી દે. (તરગીબ)

ઈમામ નવવી રહ.એ શર્હે મુહઝઝબમાં લખ્યું છે કે બુખારી શરીફમાં નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમનો ઈરશાદ વર્ણવવામાં આવ્યો છે કે જે માણસ મારા કોઈ દોસ્તને સતાવશે તો મારા તરફથી એની સાથે લડાઈનું એલાન છે.

ઉલમા અલ્લાહના વલી છે અને એમને સતાવવા ઉપર અલ્લાહનો અઝાબ

ખતીબ બગદાદી રહ.એ હઝરત ઈમામ અબૂ હનીફહ રહ. અને ઈમામ શાફેઈ રહ.થી વર્ણવે છે કે ફુકહાઅ અને ઉલમા જ અલ્લાહના વલી છે, તેઓ અલ્લાહના વલી ન હોય તો પછી બીજું કોઈ અલ્લાહના વલી નથી હોય શકતું.

હઝરત અબ્દુલ્લાહ બિન અબ્બાસ રદિ. ફરમાવે છે કે જે માણસ કોઈ ફકીહ – આલિમને તકલીફ આપે છે એ જાણે નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમને તકલીફ આપે છે. અને જે માણસ નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમને તકલીફ આપે એ અલ્લાહ તઆલાને તકલીફ આપે છે.

ઈબ્ને અસાકિર રહ. ફરમાવે છે :

મારા ભાઈ ! એક વાત સારી રીતે સમજી લ્યો. અલ્લાહ તઆલા મને અને તમને એની રઝામંદીથી નવાઝે. અને આપણ ને એવા લોકોમાં શામેલ કરે જેઓ એનાથી ડરે છે. અને એની મરજી મુજબનો તકવો અપનાવે છે. નસીહત આ છે કે ઉલમાનો ગોશ્ત (એટલે કે એમની ગીબત) ઘણો ઝેરીલો હોય છે. એમની શાનમાં ગુસ્તાખી કરનાર લોકોને અપમાનિત કરવા બાબતે અલ્લાહ તઆલાની આદત બધાને જ ખબર છે કે જે કોઈ એમના અપમાનની વાતો કરે છે એને અલ્લાહ તઆલા મરવા પહેલાં જ એના દિલને મારી નાખે છે.

મવલાના અબ્દુલ હય રહ. એમના ફતાવામાં લખે છે કે,

ઉલમાને ગાળો આપનારનો મકસદ ઈલ્મ અને ઉલમાનું અપમાન કરવું છે તો ફુકહાએ આવા માણસનો હુકમ કાફિર થઈ જવાનો વર્ણવ્યો છે. અને આમ ન હોય તો પણ આવા માણસના ફાસિક હોવા, અને દુનિયા –આખિરતમાં અલ્લાહના અઝાબના હકદાર હોવા વિશે કોઈ શંકા નથી.

અલ્લામહ અબ્દુલ વહાબ શુઅરાની રહ. મોટા સૂફી બુઝુર્ગ હતા. એમણે એક કિતાબ 'ઉહૂદે મુહમ્મદયિહ' નામની લખી છે. એમાં એવી વાતો ભેગી કરી છે જેના ઉપર નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે સહાબા પાસેથી વચન અને કરાર લીધા હતા. એમાં તેઓ લખે છે કે,

નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ સલ્લમે અમારા સાથે એક કરાર આ પણ કર્યો છે કે અમે ઉલમાએ કિરામનું સન્માન કરીએ. એમની ઈઝઝત કરીએ. આપણી પાસે એટલી શકિત નથી કે એમના એહસાનનો બદલો આપી શકીએ. ચાહે આપણે આપણી બધી જ સંપત્તિ એમને આપી દઈએ. આ કરાર અને વચન બાબતે ઘણા તલબા અને મુરીદો કોતાહી કરવા માંડયા છે. મને તો એક માણસ પણ એવો નજર નથી આવતો જે એના ઉસ્તાદના જરૂરી હકો અદા કરતો હોય. આ બાબત દીનની મોટી બીમારી છે. એનાથી ઈલ્મનું અપમાન છતું થાય છે અને નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમના આદેશો પ્રત્યે લાપરવાહી દેખાય છે.

આ કિતાબમાં એક બીજા સ્થળે લખ્યું છે કે, અમે ઉલમા, સુલહા અને બુઝુર્ગોનું સન્માન કરીએ, એ બાબતે નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે વચન લીધું છે. ચાહે ઉલમા પોતે એમના ઈલ્મ ઉપર અમલ ન કરતા હોય. આપણે એમના જરૂરી હકો અદા કરવા જરૂરી છે. અને અમલ વિશે એમનો મામલો અલ્લાહને સુપરદ કરી દઈએ. જે માણસ એમના વાજિબ હકો અદા કરવામાં કોતાહી કરે છે, તે અલ્લાહ અને એના રસૂલ સાથે ખયાનત કરે છે. કેમ કે ઉલમાએ કિરામ રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમના નાયબ છે. અને રસૂલે ખુદાની શરીઅતના જાણકાર અને ખાદિમ છે. એટલે એમના અપમાનની અસર સીધી નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ સુધી પહોંચે છે. અને આખર આવું કામ કુફ્ર બની જાય છે. તમે જ વિચારો કે બાદશાહ અગર કોઈને પોતાનો એલચી બનાવીને કોઈની પાસે મોકલે અને તે માણસ એલચીનું અપમાન કરે તો બાદશાહ પોતાના એલચીની ફરિયાદ ઉપર પુરતું ધ્યાન આપશે અને અપમાન કરનારને જે નેઅમતો આપી હશે એ પાછી લઈ લેશે. અને જો કોઈ માણસ બાદશાહના એલચીનું સન્માન કરશે અને હક અદા કરશે તો બાદશાહ એને પોતાની નિકટ સ્થાન આપશે.

આ લખાણમાં પણ કહેવામાં આવ્યું છે કે ઉલમા ચાહે એમના ઈલ્મ પ્રમાણે અમલ ન કરતા હોય. આ વાત શરૂમાં પણ અમે હઝરત મઆઝ રદિ.ના પત્રના અનુસંધાનમાં વર્ણવી ચુકયા છે. એટલે ફરીવાર એને વર્ણવતા નથી.

હઝરત અલી રદિ. ફરમાવે છે કે નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે જયારે મારી ઉમ્મત એના ઉલમા સાથે અદાવત રાખશે, અને બજારોમાં ઊંચી ઈમારતો બનાવશે, માલ દોલતના આધારે નિકાહ કરવા માંડશે, (એટલે કે નિકાહમાં દીનદારી અને તકવાના બદલે માલ જોવામાં આવશે) તો અલ્લાહ તઆલા ચાર પ્રકારના અઝાબો એમના ઉપર નાંખી દે છે, દુકાળ, બાદશાહનો ઝુલમ, હાકેમોની ખયાનત (ભ્રષ્ટાચાર) અને દુશ્મનો તરફથી લગાતાર હુમલાઓ. (મુસ્તદરક હાકેમ)

આ ચારમાં કયો અઝાબ આજે નથી દેખાતો ? પણ ઉમ્મત પોતે જ અઝાબના અસબાબ અપનાવે છે તો પછી શિકાયત શીદને ?

નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમનો ઈરશાદ છે : બની ઈસરાઈલના ઘરમાં એક કુતરી હતી. એને બચ્ચાં થવાનો સમય નજીક હતો. એ જ દિવસોમાં ઘરે કોઈ મહેમાન આવ્યું. કુતરીએ વિચાર્યું કે આજે રાતે મહેમાન હોવાથી શોર કરીશ નહીં, પણ પેટમાંનું બચ્ચું અંદરથી જ શોર કરવા માંડયું. અલ્લાહ તઆલાએ વહી દ્વારા ફરમાવ્યું કે, આ જ ઉદાહરણ તમારા પછી આવનારી ઉમ્મતનું છે. એના બેવકૂફ લોકો ઉમ્મતના આલિમો ઉપર ગાલિબ આવી જશે. (મજમઉઝઝવાઈદ)

ફિકહ અને ફતાવાની કિતાબોમાં ઘણી જગ્યાએ આ વાત વર્ણવવામાં આવી છે કે ઈલ્મ અને ઉલમા પ્રત્યે અદાવત અને નફરત ઘણી ખતરનાક બાબત છે. ફતાવા આલમગીરીમાં 'નિસાબ'નામી કિતાબમાંથી વર્ણવવામાં આવ્યું છે કે જે માણસ કોઈ આલિમ પ્રત્યે કોઈ ઝાહેરી સબબ વગર અદાવત રાખે, એના વિશે ડર છે કે કાફિર થઈ જાય. ઝાહેરી સબબનો મતલબ આ છે કે કોઈ શરઈ -દીની કારણ અને દલીલ હોય તો વાંધો નથી. પણ કોઈ શરઈ દલીલ કે કારણ વગર આમ કરવું ખતરનાક છે. આવી સ્થિતિમાં વાત કુફ્ર સુધી પહોંચી શકે છે એટલે દરેક માણસે આ બાબતે ઘણી જ સાવચેતી રાખવાની જરૂરત છે


મઆરિફુલ હદીસ

હઝરત મવલાના મંઝૂર નોમાની (રહ.)

અનુવાદ : મવલાના યાકૂબ બારીવાલા સા. રહ.(બ્લેકબર્ન. યુ.કે.)

ભાગ નંબરઃ ૧૬૨

સદકાની પ્રેરણા અને તેની બરકતો

(۳۳) عَنْ أَبِي هُرَيْرَةَ ؓ قَالَ قَالَ رَسُولُ اللهِ ﷺ قَالَ اللّهُ تَعَالَى اَنْفِقْ يَا ابْنَ آدَمَ اُنْفِقُ عَلَيْكَ (رواه البخاري ومسلم)

તરજુમા હઝરત અબૂહુરૈરહ રદિ.થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ.)એ ફરમાવ્યું : દરેક બંદાને અલ્લાહનો સંદેશ છે કે એ આદમના પુત્ર ! તું (મારા બંદાઓ પર) તારી કમાઈ ખર્ચ કર, હું મારા ખજાનામાંથી તને આપીશ. 

ખુલાસો : મતલબ કે અલ્લાહ તરફથી જવાબદારી છે કે જે કોઈ તેના લાચાર બંદાની જરૂરત પર ખર્ચ કરતો રહેશે, તેને અલ્લાહના ગેબી ખજાનામાંથી મળતું રહેશે. અલ્લાહ તઆલા એ જે બંદાઓને યકીનની દૌલતથી માલામાલ કરેલા છે. અમો એ તેમને જોયા છે કે તેમની એ જ આદત છે અને તેમની સાથે ખુદાનો પણ એ જ વર્તાવ છે. અલ્લાહ પાક આપણને પણ તે યકીન માંથી કંઈક ભાગ અર્પણ કરી દે. આમીન.

ફાયદો : પહેલાં આવી ચુકયું છે કે જે હદીસમાં રસૂલુલ્લાહ (સલ.)થી કોઈ વાત બયાન કરવામાં આવી અને તે કુર્આન પાકની આયત ન હોય તો તે હદીસને 'હદીસે કુદસી' કહેવામાં આવે છે. આ હદીસ પણ તે પ્રકારની છે.

(۳۴) عَنْ أَسْمَاءَ قَالَتْ : قَالَ : قَالَ رَسُولُ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ : « أَنْفِقِي ، وَلاَ تُحْصِي ، فَيُحْصِيَ اللَّهُ عَلَيْكِ ، وَلاَ تُوعِي ، فَيُوعِيَ اللَّهُ عَلَيْكِ ارْضَخِي مَاسْتَطَعْتِ » (رواه البخارى ومسلم)

તરજુમાઃ- હઝરત અસ્મા બિન્તે અબૂ બકર રદિ.થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ.)એ ફરમાવ્યું કે તમે અલ્લાહના ભરોષા પર તેના રસ્તામાં ખુલ્લા હાથે ખર્ચ કરતા રહો અને ગણો નહીં, (એટલે એ ફિકરમાં ન પડો કે મારી પાસે કેટલું છે અને તેમાંથી કેટલું અલ્લાહના રસ્તામાં આપું) જો તમે તેના રસ્તામાં એ મુજબ ગણત્રી કરી આપશો તો તે પણ તમને ગણત્રીથી જ આપશે. (અને જો ગણત્રીના હિસાબ વગર આપશો તો તે પણ પોતાની નેઅમતો તમારા ઉપર વગર હિસાબે વરસાવશે) અને દોલતને સંગ્રહ કરી તેમ બંધ કરી રાખી ન મુકો, નહીં તો અલ્લાહ તઆલા પણ તમારી સાથે એવો જ વર્તાવ કરશે. (કે રહમત અને બરકતના દ્વાર ખુદા ન કરે તમારા માટે બંધ થઈ જાય) માટે જે કંઈ ઓછું વત્તુ બની શકે અને જેટલાની તોફીક થાય અલ્લાહના રસ્તામાં છુટા હાથે આપ્યા કરો. (બુખારી –મુસ્લિમ)

(۳۵) عَنْ أَبِىْ أُمَامَةَ قَالَ : قَالَ رَسُولُ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ : إِنْ تَبْذُلِ الْخَيْرَ خَيْرٌ لَكَ ، وَإِنْ تُمْسِكْهُ شَرٌّ لَكَ. وَلَا تُلَامُ عَلَى الْكَفَافِ ، وَابْدَأْ بِمَنْ تَعُولُ. (رواه مسلم)

તરજુમાઃ-હઝરત અબૂ ઉમામહ રદિ.થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ.)એ ફરમાવ્યું: ઓ આદમના પુત્રો! અલ્લાહની આપેલી દૈાલત જે તમારી જરૂરતથી વધારાની હોય તેને અલ્લાહના રસ્તામાં ખર્ચ કરી નાંખવી તમારા માટે બેહતર છે અને તેને રોકી રાખવી તમારા માટે નુકસાનકારક છે હા, ગુજરાન પુરતુ રાખવામાં વાંધો નથી અને સૌ પ્રથમ તેની ઉપર ખર્ચ કરો, જેઓની તમારા ઉપર જવાબદારી છે. (મુસ્લિમ શરીફ)

ખુલાસો : આ હદીસનો સંદેશ એ છે કે માણસ માટે ફાયદાકારક વાત એ છે કે જે દોલત કમાણી કે બીજી રીતે તેની પાસે આવે, તેમાંથી પોતાની જરૂરત મુજબ તેની પાસે રાખી બાકી અલ્લાહના રસ્તામાં તેના બંદાઓ પર ખર્ચ કરતો રહે તેમાં સૌ પ્રથમ તે લોકોનો હક છે જેનો અલ્લાહે તેને જવાબદાર ઠેરવ્યો છે. અને જેની પાલવવાની જવાબદારી તેને આપેલી છે જેમકે તેના બાલ બચ્ચાઓ અને જરૂરતમંદ સગા સંબંધીઓ વિગેરે.

જે અલ્લાહના રસ્તામાં વપરાય તે જ બાકી રહી કામ આવશે.

عَنْ عَائِشَةَ ، أَنَّهُمْ ذَبَحُوا شَاةً ، فَقَالَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ : مَا بَقِيَ مِنْهَا؟ قَالَتْ : مَا بَقِيَ مِنْهَا إِلاَّ كَتِفُهَا قَالَ : بَقِيَ كُلُّهَا غَيْرَ كَتِفِهَا. (رواه الترمذى)

તરજુમાં– હઝરત આયશા સિદ્દીકા રદિ.થી રિવાયત છે કે એક બકરી ઝુબેહ કરવામાં આવી (તેનો ગોસ્ત અલ્લાહ માટે વહેંચી દીધો) પછી રસૂલુલ્લાહ સલ. પધાર્યા તો પુછ્યું કે બકરીમાંથી શું બાકી રહ્યું? હઝરત આયશા રદિ.એ અરજ કરી ફકત એક હાથ વધ્યો છે (બાકી બધુ ખતમ થઈ ગયું) આપ સલ.એ ફરમાવ્યું કે એ હાથ સિવાય બાકીનું જે અલ્લાહ માટે વહેંચવામાં આવ્યું તે જ ખરેખર બાકી રહ્યું, અને કામમાં આવ્યું (એટલે આખિરતમાં ઈન્શાઅલ્લાહ તેનો સવાબ મળશે.)

રાહે ખુદામાં ખર્ચ કરવા વિષે યકીન અને ભરોષો કરનારાઓની રીત

عَنْ أَبِي هُرَيْرَةَ قَالَ : قَالَ رَسُولُ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ : « لَوْ كَانَ لِي مِثْلُ أُحُدٍ ذَهَبًا ، لَسَرَّنِي أَنْ لاَ يَمُرَّ عَلَيَّ ثَلاَثُ لَيَالٍ وَعِنْدِي مِنْهُ شَيْءٌ ، إِلَّا شَيْئًا أَرْصُدُهُ لِدَيْنٍ » (رواه البخارى ومسلم)

તરજુમા:- હઝરત અબૂ હુરૈરહ રદિ.થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ.) એ ફરમાવ્યું કે જો મારી પાસે ઉહદ પહાડ બરાબર સોનું હોત તો મને ઘણી ખુશી થાત કે ત્રણ રાતો વિતતા પહેલાં તેને અલ્લાહના રસ્તામાં વાપરી નાંખું અને મારી પાસે તેમાંથી કંઈ જ બાકી ન રહે, તે સિવાય કે હું કરજ અદા કરવા માટે કંઈ બચાવી લઉં. (બુખારી શરીફ)

عَنْ أَبِي هُرَيْرَةَ ، أَنَّ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ ، دَخَلَ عَلَى بِلَالٍ وَعِنْدَهُ صُبْرَةٌ مِنْ تَمْرٍ ، فَقَالَ : " مَا هَذَا يَا بِلَالُ؟ " قَالَ : تَمْرٌ ادَّخَرْتُهُ ، قَالَ : " أَمَا تَخْشَى ، أَنْ تَرَى لَهُ بُخَارٌ فِي نَارِ جَهَنَّمَ يَوْم الْقِيَامَةِ؟ أَنْفِقْ يَا بِلَالُ وَلَا تَخْشَ مِنْ ذِي الْعَرْشِ إِقْلَالًا " (رواه البيهقى فى شعب الايمان)

તરજુમાઃ હઝરત અબૂ હરૈરહ રદિ.થી રિવાયત છે કે રસૂલુલ્લાહ સલ. એક દિવસ હઝરત બિલાલ રદિ.ના ઘરે પધાર્યા તો જોયું કે તેમની પાસે ખારેકનો ઢગલો છે. આપ સલ.એ ફરમાવ્યું: બિલાલ આ શું? તેમણે અરજ કરી કે ભવિષ્ય માટે માલ ભેગો કરૂં છું. (જેથી ભવિષ્યમાં રોજીની ચિંતા ન રહે) આપ સલ.એ ફરમાવ્યું: બિલાલ! શું તમને એ ભય નથી કે કાલે કયામતમાં દોઝખની આગનો તાપ અને બળતરા જુઓ, હે બિલાલ! જે કંઈ પાસે આવે તે પોતાના ઉપર અને બીજાઓ પર ખર્ચ કરતા રહો અને અર્શના માલિકથી તંગીનો ભય ન રાખો (એટલે યકીન રાખો કે જેવી રીતે તેણે આ અર્પણ કર્યું ભવિષ્યમાં પણ તે એ જ મુજબ અર્પણ કરશે. તેના ખજાનામાં ખોટ નથી જેથી આવતી કાલ માટે ભંડોળ ભેગું કરવાની ફિકર ન કરો.) (બયહકી)

ખુલાસો– હઝરત બિલાલ રદિ.''સુફફાવાળાઓ'માંથી હતા. જેમણે રસૂલુલ્લાહ સલ.નુ તવક્કુલવાળુ જીવન અપનાવ્યું હતું, તેમને ભવિષ્ય માટે અનાજનો ભંડોળ ભેગો કરવો પણ યોગ્ય ન હતો, જેથી રસૂલુલ્લાહ સલ.એ તેમને સુચના આપી ભલે બીજા લોકો માટે એ જાઈઝ છે બલકે રસૂલુલ્લાહ સલ. એ અમૂક સહાબા રદિ.ને પોતાનો બધો માલ અલ્લાહના રસ્તામાં ખર્ચ કરવાથી રોકયા પણ હતા, પરંતુ સહાબા રદિ.માંથી જે લોકોએ રસૂલુલ્લાહ સલ.નુ તવક્કુલવાળુ જીવન અપનાવ્યું હતું તેમના માટે આ પ્રમાણે ભંડોળ ભેગું કરવાની ગુંજાઈશ ન હતી.

"જીનકે રૂત્બે હેં સિવા ઉન્કો સિવા મુશ્કિલ હે"

હદીસના છેલ્લા વાકયમાં ઈશારો છે કે અલ્લાહના જે બંદાઓ ભલાઈના રસ્તામાં હિંમત સાથે ખર્ચ કરશે. તે અલ્લાહના ખજાનામાં કમી નહીં જુએ.

છુટા હાથે રાહે ખુદામાં ખર્ચ નહીં કરનાર ભારે નુકસાનમાં રહેશે

عَنْ أَبِي ذَرٍّ ، قَالَ : انْتَهَيْتُ إِلَى النَّبِيِّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ وَهُوَ جَالِسٌ فِي ظِلِّ الْكَعْبَةِ ، فَلَمَّا رَآنِي قَالَ : « هُمُ الْأَخْسَرُونَ وَرَبِّ الْكَعْبَةِ » فَقُلْتُ : فِدَاكَ أَبِي وَأُمِّي ، مَنْ هُمْ؟ قَالَ : « هُمُ الْأَكْثَرُونَ أَمْوَالًا ، إِلَّا مَنْ قَالَ هَكَذَا وَهَكَذَا وَهَكَذَا مِنْ بَيْنَ يَدَيْهِ وَمِنْ خَلْفِهِ وَعَنْ يَمِينِهِ وَعَنْ شِمَالِهِ وَقَلِيلٌ مَا هُمْ. (رواه البخارى ومسلم)

તરજુમાઃ- હઝરત અબૂઝર ગિફારી રદિ.થી રિવાયત છે કે હું એક વખતે રસૂલુલ્લાહ સલ.ની સેવામાં હાજર થયો, તે સમયે આપ સલ. કા'બાના છાંયડામાં બેઠા હતા. આપ સલ.એ મને જોઈ ફરમાવ્યું: કા'બાના રબની કસમ! તે લોકો ઘણા જ નુકસનમાં છે. મેં અરજ કરી, મારા માં-બાપ આ૫ પર કુર્બાન થાય તેઓ કોણ છે. જે નુકસાનમાં છે? આપ સલ.એ ફરમાવ્યું તે લોકો જેઓ માલદાર અને તવંગર છે, તેમાંથી તે જ લોકો નુકસાનથી બચશે, જે તેમની આગળ પાછળ ડાબે જમણે (દરેક બાજુ ભલાઈના રસ્તે) દોલતને છુટા હાથે વાપરે છે, પરંતુ માલદારોમાં એવા લોકો ઘણા ઓછા છે.

ખુલાસો : હઝરત અબૂ ઝર રદિ.એ તંગીનું જીવન ધારણ કરી લીધું હતું અને તેમના સ્વભાવ અને તબીયત મુજબ એ જ તેમના માટે યોગ્ય હતું, રસૂલુલ્લાહ સલ.ની સેવામાં જયારે પણ હાજર થતાં તો આપ સલ. તેમના શાંત્વના માટે ફરમાવતા કે : માલદારી અને તવંગરી જે દેખાવમાં મહાન નેઅમત છે, ખરેખર મોટી કસોટી પણ છે અને ફકત તે લોકો જ તેમાં સફળ થઈ શકે છે. જેઓ તેની સાથે દિલ ન લગાવે. અને છુટા હાથે ભલાઈના કામોમાં માલ ખર્ચ કરે. જેઓ એવું નહીં કરે. તેઓ પરિણામે ઘણા જ નકસાનમાં રહેશે.


સમાજ સેવક, સેવાભાવી અને ઉલમાપ્રેમી

હઝરત મૌલાના યુસૂફ સા. દેવલા રહ.

• હઝરત મુફતી અહમદ સાહેબ દેવલા (દા.બ.)

મોહતમિમ : જામિઅહ ઉલૂમુલ કુર્આન-જંબુસર

આ વાત દરેક માણસ માને છે કે દુન્યામાં આવનાર દરેક માણસનું મૃત્યુ નક્કી છે, એટલું જ નહીં તમામ મનુષ્યો અને જિન્નાતો બલકે સૃષ્ટિની દરેક વસ્તુનું પતન તેના ઉદય પહેલા જ નક્કી થઈ ચુકયું હોય છે, એટલે કે જીવન મૃત્યુનો સંદેશ આપે છે, અને મૃત્યુ એ જીવનની એક વાસ્તવિકતા છે.

પરંતુ આ વિદાય લેનારાઓમાં અમુક હસ્તીઓ એવી હોય છે કે જે કેટલાયે લોકોને શોકગ્રસ્ત કરી અશ્રુઓ વહાવતી ચાલી જતી હોય છે, આ લોકો અલ્લાહના ખાસ બંદાઓ હોય છે, જેઓ પોતે પણ અલ્લાહના હુકમોનું પાલન કરે છે અને બીજા લોકો પણ તેમનાથી માર્ગદર્શન મેળવી શરીઅતના આદેશોનું પાલન કરે છે.

આવા જ એક નેકદિલ, નિખાલસ, કોમના સાચા સેવક મૌલાના યુસૂફ સાહબ દેવલા ટુંકી માંદગી બાદ હમણાં થોડા દિવસો પહેલા જ અમને શોકગ્રસ્ત છોડી ચાલ્યા ગયા. તેમના આ રીતે અચાનક ચાલ્યા જવાથી દેવલા ગામ બલકે જંબુસર તાલુકા માટે એક પુરાય નહીં એવી ખોટ સાલતી રહેશે. ઈન્નાલિલ્લાહિ વ ઈન્ના ઈલયહિ રાજિઉન.

હઝરત મરહૂમ મૌલાના યુસૂફ સા. મારા અંગત મિત્ર તેમજ સહપાઠી હતા, તેમજ ઉલમા પ્રેમી અને ઉલમા નવાજ હતા. વાસ્તવમાં આમારા બંનેમાં ૨ કે અઢી વર્ષનો તફાવત હોય એટલે સ્કૂલ અને મદ્રસામાં સાથે ભણતા અને પઢતા હતા. જેથી હું મર્હુમ મૌલાનાને સારી રીતે ઓળખું છું. માણસમાં કોઈ કામની આવડત હોવી ઘણી મોટી વસ્તુ છે. કયા તાલિબે ઈલ્મની સલાહીયત કેવી છે ? કયા તાલિબ ઈલ્મને કયા મદ્રસામાં પઢવા માટે મુકવો જોઈએ ? અને તાલિબે ઈલ્મના વાલીને આગળ પઢવા માટે કેવી રીતે તૈયાર કરવામાં આવે ? વગેરે જેવી ખુબીઓના મર્હૂ્મ બાદશાહ હતા. આ બાબત મર્હૂમે પોતાના માનનીય ઉસ્તાદોથી શીખી હતી.

હું અને મર્હુમ સહપાઠી હોય અમે બંનેએ પ્રાથમિક દીની અને આધુનિક તાલીમ વતન દેવલા ખાતે પૂર્ણ કરી, સાતમી કલાસ હઝરત મવલાના ઈબ્રાહીમ સાહબ (દા.બ.) દેવલા (દાઈએ કબીર) પાસે પઢવાનું બહુમાન પણ અમને પ્રાપ્ત છે. તે સમયે "ઈસ્લામ કયા હૈં" (લેખક : મવલાના મન્ઝૂર નોઅમાની સા.)ની નવી નવી કિતાબ આવી હતી, જે કિતાબ હઝરત મૌલાના ઈબ્રાહીમ સા. પાસે પઢવાનો અમને મોકો મળ્યો.

ગામમાં પહેલા કાયદેસરથી મદ્રસાની કોઈ ઈમારત ન હતી એટલે મસ્જિદમાં મદ્રસો ચાલતો હતો. અલ્લાહ તઆલાના ફઝલથી થોડા સમય પછી જયારે મદ્રસો બન્યો તો તેના ઉદ્ઘાટન પ્રસંગે વિશેષ મહેમાન તરીકે હઝરત મૌલાના અ. જબ્બાર સાહેબ રહ. (શૈખુલ હદીસ : દારૂલ ઉલૂમ આણંદ) દેવલા ખાતે પધાર્યા હતા. અને અમારા માટે ગર્વની વાત તો એ છે કે અલ્હમ્દુલિલ્લાહ! હઝરત મૌલાનાને સૌ પ્રથમ કુર્આન શરીફ સંભળાવવાનું સૌભાગ્ય અમારી જમાઅતને મળ્યું હતું! અમે મકતબની પ્રાથમિક દીની તાલીમ પૂર્ણ કરી તો આગળ તાલીમ માટે હઝરત મવલાના યાકુબ શેખ રહ. અમને ડાભેલ મદ્રસામાં મૂકવા આવ્યા હતા. ત્યારથી જ હું અને મર્હુમ સાથે હતા, એક જ થાળમાં ખાવું– પીવું, રહેવું, ઉઠવું, બેસવું વગેરે.

મર્હૂમ અકાબિર અને અસ્લાફના પરંપરાગત વારસાના ધ્વજધારી હતા, ઉચ્ચ માનવીય અને સંસ્કારિત વિશેષ્ટતાઓથી અલ્લાહ તઆલાએ મહૂમને નવાજયા હતા, આપ વિનમ્રતા, સાદગી, ગરીબો પ્રત્યે સહાનુભૂતિ તથા હમદર્દી, માનવસેવા વગેરે જેવા વિવિધ ગુણો અને અખ્લાકનો એક નમૂનો હતા. આપને ઉચ્ચ કોટીના બુઝુર્ગોની સોહબત પ્રાપ્ત હતી. ખાસ કરી તેઓ બુઝુર્ગોની સેવા કરવામાં માહેર હતા, બુઝુર્ગો સાથે-સામે કેવી રીતે વર્તવું, તેમની સેવા કઈ રીતે કરવી? બુઝુર્ગોનું દિલ કેવી રીતે જીતવું એ બધાને ન આવડે, આ પણ એક કળા અને આવડત છે. જો આ કળા શીખવી હોય તો હઝરત મૌલાના યુસૂફ સાહબ દેવલા (રહ.)ના જીવનનો અભ્યાસ કરી લે. ખાસ કરીને હઝરત મહૂમ દાઈએ કબીર હઝરત મવલાના ઈબ્રાહીમ સાહેબ (દા.બ.) ના રાજદાર અને ખાસ ખાદિમ હતા. જયારે પણ હઝરત મવલાના (દા.બ.) ગુજરાત આવતા તો છાયડાની જેમ તેમની સાથે જ રહેતા હતા. અને મૌલાનાની ખૂબ જ સેવા કરતા હતા. જેનો પુરાવો છે કે મૌલાના (રહ.)ના ઈન્તિકાલ પર હઝરત મૌલાના ઈબ્રાહીમ સા. (દા.બ.)ના મુખેથી આ શબ્દો સરી પડયા હતા કે 'મોલવી યુસૂફની ખોટ વરસો સુધી સાલશે !' અલ્લાહુ અકબર !

હમણાં મૌલાના ઈબ્રાહીમ સાહબે દેવલા (દા.બ.) દિલ્લીથી તશરીફ લાવ્યા તો અમે દેવલા ખાતે તેમની ખબર લેવા માટે ગયા, ત્યારે મર્હૂમ અફસોસ સહિત કહેવા લાગ્યા : "આ વખતે હું મૌલાનાની ખિદમતથી મહરુમ રહી ગયો! ચાલો હવે અલ્લાહની મરજી !

મર્હૂમ પઢવાના સમયથી જ ખિદમત ગુજાર હતા. સૌ પ્રથમ તેમને હઝરત મૌલાના ઈબ્રાહીમ સાહેબ આછોદી રહ. "જેમનો હમણાં થોડા દિવસો પહેલા જ ઈન્તિકાલ થયો" તેમની ખિદમતનો મોકો મળ્યો અને હઝરત મૌલાના ઐયુબ સાહબ આઝમી રહ. જેઓ બુખારી શરીફ પઢાવતા હતા, તેમની ખિદમતનો પણ મર્હૂમને મોકો મળ્યો. આ રીતે તેમણે અનેક બુઝુર્ગોની ખિદમતની તક ઝડપી લીધી હતી.

તે સમયે મૌલાના શાહ વસીઉલ્લાહ સાહબ (રહ.) પધાર્યા હતા, હું, મર્હૂમ મૌલાના યુસૂફ સા. અને હઝરત મૌલાના અબરાર સા. (રહ.) અમે બધા સાથે હઝરત મૌલાના શાહ વસીઉલ્લાહ સા.થી બયઅત થયા. મલતબ કે હઝરત મર્હૂમનો મશાઈખથી પણ તઅલ્લુક રહયો છે.

ઈ.સ.૧૯૬૯માં અમે બંને સાથે જ ફારિંગ થયા. અલ્હદુલિલ્લાહ! અલ્લાહ તઆલાએ તેમને પોતાના વતન દેવલામાં દીની ખિદમત માટે કબૂલ કર્યા. ૧૯૭૦ થી અંત સુધી નિખાલસતા પૂર્વક દીની ખિદમત આપ્યા રહયા. અને અમારો પરસ્પરનો સંબંધ તેમજ સહપાઠી તરીકેનો રિશ્તો પણ વધતો જ ગયો. અને જામિઅહ ડાભેલમાં જે હમણાં મુફતી શબ્બીર સાહેબે કહ્યું કે હઝરત મૌલાના સઈદ સાહેબે પત્ર મારફતે જણાવ્યું કે અમે આમ તો રમઝાન પછી આવતા કોઈ પત્રનો જવાબ આપતા નથી પરંતુ તમારો પત્ર છે તો અમે જરૂર જવાબ આપીશું. સામાન્ય રીતે રમઝાન મુબારકમાં મદ્રસાઓનો ચંદો થાય છે. તાલિબે ઈલ્મીના સમયથી જ અમે જામિઅહ ડાભેલની ચંદા બુક લઈને આવતા હતા અને ચંદો કરતા હતા. અને સમયસર જમા પણ કરાવી દેતા હતા. તેમજ મર્હુમ દારૂલ ઉલૂમ દેવબંદ તથા અનેક મદ્રસાનો ચંદો પણ ધગશ અને નિસ્વાર્થ પણે કરતા હતા.

મર્હુમ નમાઝ – રોઝાના ખૂબ જ પાબંદ હતા.

માનનીય માસ્તર સાહબે હમણાં કહયું કે સૌથી વધારે એતિકાફ તેમણે કર્યો છે, અમે બંને અરબી ૨ થી મૌલાના યાકુબ શેખ સાહેબ (રહ.) સાથે મોટી મસ્જિદમાં એતિકાફ કરતા હતા. અલ્લાહ તઆલાએ તેમનાથી દેવલા જ નહીં પરંતુ જંબુસર તાલુકો બલકે ભરૂચ જિલ્લા અને ગુજરાત ક્ષેત્રે સાર્વજનિક અને પ્રજાકિય અનેક કામો લીધા છે.

જમીઅતે ઉલમા ભરૂચ જીલ્લામાં પણ તેમનું અનેક ઘણુ યોગદાન રહ્યું છે, તેઓ ઈ.સ. ૧૯૭૯ થી જમીઅતે ઉલમા જિલ્લા ભરૂચ સાથે જોડાએલા રહયા. અને જમીઅતે ઉલમા જીલ્લા ભરૂચના પ્લેટફોર્મથી થતા દરેક નાના મોટા પ્રોગ્રામોમાં અચૂક ભાગ લેતા હતા. અને જરૂરી સલાહ - સુચનો પણ આપતા રહેતા. અને ભારતભરમાં ક્યાં પણ તોફાનો થયા, ભૂકંપ આવ્યો અથવા કોઈ આફત આવી પડી અને જમીઅત અથવા જામિઅહ તરફથી કોઈ અપીલ આપવામાં આવતી તો તરત જ તેઓ કોઈ પણ જાતના ખચકાટ વિના લબૈક કહી દેતા અને ઈમાનદારી સહિત ખૂશી ખૂશી એ સંપૂર્ણ રકમ મને જમા કરાવતા હતા. અલ્હબ્દુલિલ્લાહ દેવલા ગામના લોકોને અલ્લાહ તઆલા તરફથી જે સખાવતનો ગુણ મળ્યો છે તેનાથી મર્હૂમે ભરપૂર ફાયદો ઉઠાવ્યો.અને જયારે પણ જમીઅતે ઉલમા જિલ્લા ભરૂચ તરફથી મદદ માટે કહેવામાં આવતું તો મૌલાના મર્હુમ સા. ની સાથે મૌલાના ઈબ્રાહીમ સા. લલ્લુ તથા મર્હૂમ મૌલાના યાકુબ સા. કિકયા (રહ.) મહેનત અને ધગશથી ચંદો કરતા અને સંપૂર્ણ રકમ મને પહોંચાડતા. તેઓ જનસેવામાં સદા અંગ્રેસર રહેતા. આ સંસ્થાથી સંલગ્ન તમામ ઉલમા તથા સભ્યો પણ આપની આ અમુલ્ય સેવાઓને બિરદાવે છે, અને અમારો જમીઅત પરિવાર તેમની વફાતથી ઘણો આઘાત અનુભવે છે. અને તઅઝિયત પેશ કરે છે.

મર્હૂમ સ્વભાવે મિલનસાર હતા. બધાની સાથે હળી મળીને રહેતા, સામાન્ય માણસને પણ તેઓ ઈજ્જતની નિગાહથી જોતા, તેઓ એક વડીલ અને મોટી હસ્તી હોવા છતાં એક સામાન્ય માણસની જેમ એકદમ સાદુ જીવન જીવતા હતા. દરેક જરૂરતમંદનો તેઓ ખ્યાલ રાખતા, તેમનામાં સિલા રહમીનો ગુણ ઠસોઠસ ભર્યો હતો,

صِلْ مَنْ قَطَعَكَ وَاَعْطِ مَنْ حَرَمَكَ وَاعْفُ عَمَّنْ ظَلَمَكَ

અર્થ : જે (માણસ) તમારી સાથે સંબંધ તોડે તેમની સાથે સંબંધ જોડો (અને) જે તમને વંચિત રાખે તેમને આપો, અને જે તમારા પર અત્યાચાર ગુજારે તેમને માફ કરો. (હદીસ)

વિદેશમાં વસતા પોતાના સગા-સંબંધિઓ પાસેથી રકમ ઉઘરાવીને ગરીબો અને લાચારોની ખૂબ જ મદદ કરતા. તેમના મોટા સુપુત્ર મૌલાના આરિફ સા. જેઓ ફૈઝાનુલ કુર્આન (અમદાવાદ)માં દીની ખિદમત અંજામ આપી રહયા છે, ત્યાંના મોહતમિમ સા. મૌલાના હબીબ અમદાવાદી સાહેબ કે જેમની પાસે ઈસા ફાઉન્ડેશન તરફથી રમઝાન શરીફમાં અમુક વસ્તુઓ ગરીબોને વિતરણ કરવા માટે આવતી તે બધી વસ્તુઓ મૌલાના હબીબ સાહેબ મૌલાના આરિફ મારફતે હઝરત મર્હૂમ મૌલાના યુસૂફને પહોંચાડતા હતા તે વસ્તુઓ સંપૂર્ણ અમાનતદારી સાથે હકદારોને પહોંચાડતા હતા. તેમનામાં ખિદમતની ભાવના ખીચોખીચ ભરેલી હતી. જન સેવા એ જ પ્રભુ સેવા તેમનો નારો હતો. તેમને માનવ સેવાનું સામાન્ય કામ પણ મળી જતું તો તેઓ રાજીના રેડ થઈ જતા અને ખૂબ જ ઉત્સાહ સાથે તેને નિભાવતા! અને આ સદકાર્યોની બરકતથી જ તેમને ગંભીર બિમારી હોવા છતાં કોઈને ખબર પણ પડવા દીધી નથી. તેમને આ ગંભીર બિમારીની કંઈ પડેલી પણ ન હતી, તેઓ છેલ્લે સુધી સફર કરતા રહ્યા, સામે વાળો માણસ તો એમ જ સમજતો કે આ માણસને કંઈ જ નથી. અલ્લાહુ અકબર !

હઝરત મર્હૂમ ખૂબ જ વિખ્યાત અને પ્રતિભાશાળી વ્યકિત હતા, એમની કોમ પ્રત્યેની સેવા, નિખાલસતા, કોમી હમદર્દીને અને તેમના સાફ વ્યકતિત્વને જોઈ તથા એમની દીની સેવાઓની કદર કરી તેઓને અનેક મદ્રસાઓના ટ્રસ્ટી અને સભ્ય તરીકે પણ નિમવામાં આવ્યા હતા, એક દશક સુધી જામિઅહ ડાભેલ જેવી જગ વિખ્યાત દીની સંસ્થાના પણ તેઓ ટ્રસ્ટી રહી ચુક્યા છે. પોતાની જવાબદારી અમાનતદારી સહિત નિભાવવી અને જવાબદારીના ફળ રૂપે કોઈ હોદો, પદ કે માલ, મરતબાથી ખૂબ જ દૂર રહેતા.

તેઓ દરેક નાના મોટા દારૂલ ઉલૂમો પ્રત્યે મુહબ્બત ધરાવતા હતા, સંસ્થાને અને સંસ્થાના મુદર્રિસો અને કર્મચારીઓને ખૂબ જ માન અને ઈજ્જત આપતા હતા, ખાસ કરીને જામિઅહ જંબુસરના તો તેઓ સભ્ય હોય એમ જ લાગતુ હતું આટલી મોટી હસ્તી હોવા છતાં જયારે પણ જામિઅહમાં પધારતા તો તેઓ સામે ચાલીને દરેક ઉસ્તાદની મુલાકાત કરતા, અને ખબર અંતર પૂછતા. આ તેમની નિખાલસતા અને સાદાઈનું સામાન્ય ઉદાહરણ છે. અને સામે જામિઅહના ઉસ્તાદો પણ તેમને માનની નજરે જોતા. જામિઅહની સેવાઓને તેઓ કદરની નજરે જોતા અને પ્રોત્સાહન પણ આપતા, અને જામિઅહની પ્રગતિ જોઈને ખૂશ થઈને અંતઃકરણથી દુઆઓ પણ આપતા.

અલ્લાહ તઆલા તેમની કરવટ કરવટ મગ્ફિરત ફરમાવે, નેક લોકો, શહીદો અને નબીઓના સમુહમાં તેમની ગણના કરે. અલ્લાહ તઆલા તેમની ખિદમતોને કબૂલ કરે અને આખિરતમાં નજાતનો જરીયો બનાવે. અને તેમને જન્નતુલ ફિરદૌસમાં ઉચ્ચ મકામ નસીબ ફરમાવે. અને પોતાની બે પનાહ રહમતોના હકદાર બનાવે. આમીન.


હઝરત મવલાના નઝીર અહમદ સા. દેવલા (રહ.)

કેળવણી અને કાર્યશેલીની કેટલીક વાતો અને યાદો

મુફતી અશરફ ભાના સારોદી જામિઅહ, જંબુસર

ઝમી બે નૂર પાતે હૈ, ફલક બે નૂર પાતે હૈં - રિસાલત કી નિયાબત કરને વાલે ઉઠતે જાતે હૈં યે કેસી નામુબારક આંધીયાં દુનિયા મેં આતી હૈં મઝામીને મુહબ્બત કે રિસાલે ઉઠતે જાતે હૈં હરીમે ઈલ્મ કી મખ્સુસ શમ્એં બુજી જાતી હૈં-શરીઅત કે મુહાફિઝ રૂખ્સત હોતે જાતે હૈં ઈલાહી તેરગી દુનિયામેં દૂની હોતી જાતી હૈ-નબી કે વારિષો સે બઝમ સૂની હોતી જાતી હૈ.

તારીખ ૬ જમાદિઉલ આખર ૧૪૪૩ હિજરી મુતાબિક ૯ જાન્યુઆરી ૨૦૨૨ ઈસ્વી, રવિવારે અચાનક મારા મિત્ર, જામિઅહ જંબુસરના નાયબ મુહતમિમ મવલાના અરશદ સાહેબ (ઝીદ મજદુહુ)એ ફોન દ્વારા ખૂબ જ રડતા અવાજે આ દુઃખદ સમાચાર સંભળાવ્યા કે આપણા સૌના પ્રિય ઉસ્તાદ અને મુરબ્બી હઝરત અકદસ મવલાના નઝીર અહમદ સાહેબ (નવ્વરલ્લાહુ મરકદહુ)નું નિધન થયું છે.

સમાચાર સાંભળીને હૃદય ગમથી ભરાઈ ગયું. ઘણી વાર સુધી ઈન્નાલિલ્લાહ પઢી દુઆ કરતો રહ્યો, કારણ કે હઝરતુલ ઉસ્તાદ રહ. લગભગ અઢી મહિનાથી અલ મહમૂદ જનરલ હોસ્પિટલ - જંબુસર ખાતે સારવાર હેઠળ હતા અને આ આખા સમયગાળા દરમિયાન અમે (હું પોતે, મુફતી અસજદ સાહેબ, મવલાના અરશદ સાહેબ, કારી બશીર ખાનપુરી સાહેબ અને હઝરતના મસિયાઈ ભાઈ મવલાના અબ્બાસ સાહેબ દેવલા) રોજ આપની સેવામાં હાજર થતા હતા અને લાંબો સમય બેસીને હસી ખુશીની વાતો કરતા હતા. એનાથી હઝરત મવલાનાને ખૂબ જ સંતોષ થતો હતો અને અમારો પણ એ જ આશય હતો.

બીમારીમાં વધઘટ થતી રહેતી હતી અને સારવાર પણ ચાલુ જ હતી, સારવાર અને દેખભાળ માટે ડોકટરો અને તેમના મદદનીશો તથા ખાદીમોની ટીમ હંમેશા હાજર રહેતી હતી અને જે રીતે આપને રીકવરી થઈ રહી હતી તેનાથી અમને બધાને આશા હતી કે આપ સાજા થઈ જ જશે ઈન્શાઅલ્લાહ, પરંતુ આપ અલ્લાહની મરજીને લબ્બેક પોકારી અચાનક જ આ દુનિયાને અલ વિદાઅ કહી અમને બધાને જુદાઈનો એક અસહય ગમ આપી ગયા. ખરેખર આ બધુ અમારા બધા માટે અણધાર્યું હતું.

إنا لله وإنا إليه راجعون إن لله ما أعطى و له ما أخذ و كل شيئ عنده بأجل مسمى وفلنصبر ولنحتسب

હાજરી અને સબકની પ્રથમ સઆદત

આ નાચીઝે હિજરી સન ૧૪૧૨ના રબી. આખરમાં દારૂલ ઉલૂમ માટલી વાલા ભરૂચ ખાતે છ માસિક પરીક્ષા બાદ અરબીના ચોથા વર્ષમાં દાખલ થયો હતો. તે વર્ષે મવલાના રહ. પાસે અમારા બે પીરીયડ હતા. જેમાં શર્હે શુઝૂર. મકામાતે હરીરી અને સફીનતુલ બુલગા પઢી.

બીજા વરસે અરબી-૫ માં હુસામી અને અકીદએ તહાવીયહ પઢવાનો લહાવો મળ્યો. અને અરબી-૬ ના વરસે અમને હઝરત પાસે મિશ્કાત શરીફ ભાગ-૨માં કિતાબુન્નિકાહ થી અંત સુધી અને મુઅત્તા ઈમામ માલિક પઢવાની તક મળી.

દરેક કિતાબ એવી રીતે પઢાવતા અને સમજાવતા કે એક એક શબ્દ અને દરેક ચેપ્ટર દિલ – દિમાગમાં ઉતરી જતું. હુસામીમાં તો સબક પઢાવી તુરંત જ એ જ સબક મારા દ્વારા કલાસમાં દોહરાવતા હતા.

અકદીદએ તહાવીયહ ખૂબ જ વિગતવાર સમજાવતા હતા, અહલે-હક્કની માન્યતાઓ ધરાવતું સ્પષ્ટ અને દાર્શનિક અને ફીલોસોફીની મિલાવટથી પાક પુસ્તક છે. દરેક અકીદાની વિશે કુર્આની આયતો અને હદીષની રોશનીમાં વિસ્તૃત સમજૂતી આપીને તર્કબદ્ધ રીતે પણ સમજૂતી આપતા હતા. પ્રાચ્યવાદીઓ અને અન્યોની શંકાઓનો વિસ્તૃતપણે રદ ફરમાવતા. આ સબકમાં વિશેષ રીતે દિલ અને દિમાગ ઈમાન અને અકીદાની રોશીનીથી રોશન થઈ જતા હતા. અને ઈસ્લામની હક્કાનિયતથી દિલને સંતોષ પ્રાપ્ત થતો.

મિશ્કાત શરીફનો સબક :

હદીસના સબક માટે આ૫ (રહ.) સંપૂર્ણ તૈયારી અને બહોળા અભ્યાસ સાથે કલાસમાં પધારતા હતા. તાલિબે ઈલ્મ અરબીમાં હદીસ પઢે એ દરમિયાન તેમાં કોઈ ભૂલ કરી હોય તો આપ તેને નરમીથી સુધારી લેતા અને પછી દરેક હદીસનું સ્પષ્ટીકરણ ફરમાવતાં પહેલા હદીસનો સુંદર તરજુમો કરતા, હદીષમાં વર્ણવવામાં આવેલ મસ્અલા અને હુકમ વિશે વિવિધ ઈમામોના કથનો, દલીલો સમજાવીને પછી જે હનફી મસ્લક મુજબ હુકમ અને દલીલની સમજૂતી આપતા હતા. આ બધી વિગતોનો ઉલ્લેખ કરતી વેળાએ ઈમામોના માન સન્માનનો ખાસ ખયાલ રાખતા. રીત રસમ અને સમાજ સુધારણા બાબતને લગતી હદીષોનું વર્ણન કરતી વખતે સમાજના બગાડનો ઉકેલ બતાવતા. 'રિકાક' (આખિરત, જન્નત, જહન્નમ વગેરેને લગતી) હદીષોને એવી રીતે વર્ણવતા કે અમારા તલબાના દિલો નરમ થઈ જતા અને ઘણીવાર આંખો ભીની થઈ જતી અને ટપોટપ આંસુ વહાવવા લાગતી.

હદીસમાં ફીતના અને કયામતની નિશાનીઓનું વર્ણન આવતું તો ભૂતકાળની વિવિધ ઐતિહાસિક ઘટનાઓ ઉપરાંત ભવિષ્યની શકયતાઓ અને દુનિયાની ઉથલ પાથલ અને પરદા પાછળ કામ કરી રહેલ શકિતઓ વિશે ઘણી પૂરતી જાણકારી આપતા હતા. વૈશ્વિક પ્રવાહો અને સમાચારોથી સુપેરે પરિચિત રહેતા હતા. એટલે આ વિષયે આપ રહ.ની વાતો ઘણી જ તાર્કિક અને દલીલબદ્ધ હોતી. કોઈ મસ્અલા કે ઘટનાની સમજૂતી માટે જ્યાં કોષ્ટકો અને નકશાની જરૂર પડતી હતી, તે તેને પણ દોરીને સમજાવતા હતા, ઉદાહરણ તરીકે, એક વાર સબકમાં ઉહદની લડાઈનું વર્ણન હતું. લડાઈ દરમિયાન તિરંદાજોનું રૂમાત પહાડી પરથી હટી જવા અને પાછળથી આવીને મુશ્રિકો દ્વારા નહેરના નીચેના માર્ગેથી હુમલો કરવાનો ઉલ્લેખ થયો તો આપએ આ બાબતનો એક નકશો બનાવીને આખી વિગત સમજાવી કે ઉહદ પહાડ ક્યાં છે ? મુસલમાનોનું લશ્કર કયાં હતું? રુમાત પહાડી ક્યાં છે? અને હઝરત ખાલિદ બિન વલીદ (રહ.) છુપ છુપાવીને રુમાત પહાડી પર કેવી રીતે હમલો કર્યો વિગેરે.. આ બધી વાતો એવી રીતે સમજાવી કે હજુ સુધી તે નકશો અને તેની વિગતો દિમાગમાંથી જતી નથી.

આપ (રહ.)ને સહાબા (રદિ.)ની ખૂબીઓ અને કુરબાનીઓ એવી રીતે વર્ણવતા કે સહાબાની મુહબ્બત અને મહાનતાથી તલબાના દિલ દિમાગને ભરી દેતા હતા. 'મનાકિબે સહાબા'ના વિષયને આપ (રહ.) એવી રીતે પઢાવતા કે હું વિના શંકોચે કહી શકુ કે આવું અદ્દભૂત અને અનુપમ સ્પષ્ટીકરણ અત્યાર સુધી ન તો કોઈથી સાંભળ્યું છે અને ન કોઈ પુસ્તકમાં જોયું છે. આ બધી ખૂબી સાથે આપ મજકૂર કિતાબને એવી શબ્દે શબ્દ સમજાવીને પઢાવતા કે એકાદ હદીષમાં પણ ઉતાવળ ન કરતા હતા.

અહીંયા હું સ્પષ્ટ કરી દઉ કે હઝરત મવલાના રહ. સાથે કુદરતી રીતે મારા ઊંડા સબંધો હતા અને અલ્લાહ તઆલાની મારા ઉપર ખાસ રહમત રહી છે કે હઝરત (રહ.)પાસે જે કિતાબો પઢી છે તેને લાંબા સમય સુધી પઢાવવાની તક પ્રાપ્ત થઈ. જેમકે નાચીઝે 'હુસામી' પંદર વર્ષ પઢાવી, 'શર્હે શુઝૂર' છ વર્ષ પઢાવી. અને મિશ્કાત શરીફ તો છેલ્લા સત્તર વર્ષોથી લગાતાર હું પઢાવી રહ્યો છું. والحمد لله على ذالك

તલબા પ્રત્યે નરમી અને હેત - શફકત

આપ રહ. ખૂબ જ નરમ સ્વભાવ ધરાવતા હતા. સબક કે પાઠ પઢાવવા અને સમજાવતી વેળા તલબા સાથે શફકત અને નરમી વર્તતા હતા. તાલિબે ઈલ્મની કોઈ શરારત કે હરકત ઉપર ખૂબ જ પ્રેમભાવ સાથે ટિપ્પણી કરતા. મેં મારા અઢી વર્ષના ગાળામાં હઝરતુલ ઉસ્તાદને કદી પણ ગુસ્સે થતા કે મારપીટ કરતા નથી જોયા. શિક્ષકો, ઉસ્તાદો અને કેળવણીકારો જાણે જ છે કોઈ કડકાઈ વગર બાળકોને ભણાવવું કેટલું અઘરું કાર્ય છે.

વાએઝ અને સુધારક :

હઝરત (રહ.) સફળ અને સ્વીકાર્ય શિક્ષક હોવાની સાથે સાથે એક વિદ્વાન ખતીબ અને મુકર્રિર પણ હતા. દારૂલ ઉલૂમ માટલીવાલાની વિશાળ મસ્જિદમાં જુમ્અહની નમાઝ પઢવા માટે શહેરીજનો મોટી સંખ્યામાં આવતા હતા, જેનો લાભ ઉઠાવી આપ (રહ.) જુમ્અહની નમાઝ પહેલા અડધો કલાક ઈસ્લાહી બયાન ફરમાવતા. આ સિલસિલો શરૂ થયો તો તેનો લાભ જોઈ તે સમયના મુહતમિમ સાહેબ હઝરત મવલાના યાકૂબ સાહબ (રહ.)એ હઝરતુલ ઉસ્તાદને આ કાર્ય માટે નિયુકત કરી લીધા અને આ સિલસિલો ચાલુ રાખવા વિનંતી કરી. આમ, વર્ષો સુધી આ જવાબદારીને સબકની જેમ પાબંદીથી અદા કરતા રહયા. કદી પણ તેમાં ગેર હાજરી નથી થવા દીધી. કમાલની વાત એ છે કે દર અઠવાડિયે નવા વિષય અને નવા ટોપિક ઉપર તકરીર કરતા હતા. એમાંયે જે તે સમય મુજબ વિષય ચર્ચામાં હોય એની છણાવટ અવશ્ય કરતા હતા. દરેક તકરીર કુર્આન અને હદીષના અવતરણોથી સમૃદ્ધ અને સામાન્ય વ્યકિત પણ સમજી શકે તેવી હોતી. આપના બયાનથી ઉલમાએ કિરામ, તલબા તથા આમ લોકો ખૂબ જ ફાયદો ઉઠાવતા.

ત્યાર બાદ આપના બયાનનો સિલસિલો ભરૂચ શહેરની એક મશ્હૂર સોસાયટી 'હુસેનિયહ' ખાતે એક મસ્જિદમાં શરૂ થયો. જે પચ્ચીસ વર્ષના લાંબા ગાળા સુધી ચાલુ રહયો. આમ, ઈસ્લાહી બયાનો દ્વારા પણ હઝરત (રહ.)નો ફૈઝ અને બરકત ચાલુ રહી, જે નિશંક આપના માટે આખિરતનું ભાથુ અને સદકએ જારિયહ ગણાશે. ઈન્શાઅલ્લાહ.

બયઅત અને ઈજાઝત :

હઝરત (રહ.)એ પોતાના દિલ અને અંતરની ઈસ્લાહ માટે સૌથી પહેલા ફકીહુલ ઉમ્મત હઝરત મુફતી મહમૂદુલ હસન ગંગોહી (રહ.)ના હાથે બયઅત થયા હતા. અને હઝરત ફકીહુલ ઉમ્મતના અવસાન પછી આપના મહાન ખલીફા, ઉલમાએ કિરાનના મુરશિદ, ગુજરાતના મહાન મુફતી હઝરત અકદસ મુફતી અહમદ સાહેબ ખાનપૂરી (મુદ્દ ઝિલ્લહુલ આલી)ના હાથે બયઅત થયા હતા. અને ખૂબ જ ટૂંકા ગાળામાં હઝરતે આપને ખિલાફત અને ઈજાઝત અર્પણ કરી, માત્ર એટલું જ નહીં બલ્કે શહેર ભરૂચ ખાતે ખાનકાહી પોગ્રામ ચાલુ કરવા પ્રેરણા બલ્કે હુકમ ફરમાવ્યો, આમ, હઝરતના કહેવા પર આપ (રહ.)એ ભરૂચ ખાટકીવાડની મસ્જિદમાં સાપ્તાહિક મજલિસનો સિલસિલો શરૂ કર્યો જે છેલ્લી બીમારી સુધી પાબંદીથી નિભાવતા રહ્યા.

નાચીઝ પ્રત્યે પ્રેમ - શફકત :

આપ રહ. મુજ નાચીઝ ગુનેહગાર પર ખૂબ મહેરબાન હતા. વિદ્યાર્થીકાળથી જ મારા પ્રત્યે ખાસ ધ્યાન આપતા, જયારે પણ કોઈ કિતાબ, લખાણ બાબતે કોઈ મુંઝવણ થતી અને હું એમની પાસે જતો તો આપ સંતોષજનક જવાબ આપી તેનો ઉકેલ બતાવતા. પઢાવવાના જમાનામાં પણ ઘણી વાર તેમને પુછવાની જરૂર જણાઈ, તો આપે તેનો ઉકેલ જ નહીં, તેને લગતી કિતાબોનું માર્ગદર્શન પુરૂં પાડયું.

પઢાવવાના ગાળા દરમિયાન ઘણી ખરી વાતોનું સંશોધન મારી પાસે કરાવતા, એક સમયે ભરૂચ શહેરમાં એક મેહદવીથી ચર્ચા ચાલી રહી હતી, તો આપ (રહ.)એ મને કહયું કે હઝરત મેહદી તો અંતિમ યુગમાં તશરીફ લાવશે તો તેમના સાથી મિત્રો કોણ હશે તે બાબતની વિગતવાર હદીષો ઢુંઢીને મને મોકલો, ત્યારે મેં, અને જામિઅહ જંબુસરના હદીષ અને ફિકહના ઉસ્તાદ મુફતી ફરીદ સાહેબે આ બાબતે હદીષોની તપાસ કરી અને આ બાબતની એક સુંદર પુસ્તિકા ડાઉનલોડ કરી, પ્રિન્ટ કાઢીને હઝરતને મોકલી આપી, હઝરત ખૂબ જ ખૂશ થયા અને કહેવા લાગ્યા કે મને આ પુસ્તિકાથી ખૂબ મદદ મળી અને મારુ કામ સરળ થઈ ગયું અને ખૂબ દુઆઓ આપી.

નાની નાની વાતે પણ આપ ખૂબ પ્રસન્ન થઈ જતા. નાચીઝે એક વાર કોટી હદીયામાં આપી તો તેને હોશે હોશે કબૂલ ફરમાવી અને છેલ્લે સુધી પહેરતા રહયા. ઘણીવાર મારી સમક્ષ તેનો ઉલ્લેખ કરતા કે તમે આપેલ કોટી ખૂબ પહેરુ છું અને ખૂબ દુઆઓ આપતા એટલુ જ નહિં, કોટી માટે અનેકવાર હદિયામાં કપડાં પણ આપતા રહયા.

મને ઘણીવાર કહેતા, મેં મારી રોજબરોજની દુઆઓમાં કેટલાક લોકોના નામની લિસ્ટ બનાવી રાખી છે, જેમના માટે ખૂબ જ પાબંદીથી દુઆ કરતો રહું છું, આ લિસ્ટમાં તારું નામ પણ છે. તારું નામ લઈ હું દરરોજ દુઆ કરું છું. અફસોસ કે હઝરતના અવસાનથી દુઆઓનો આ સિલસિલો કપાઈ ગયો.

હઝરત (રહ.) અંતિમ બે વર્ષોમાં બીમારી અને કમઝોરીમાં સંડોવાયેલા રહયા, જેને લઈ આપે એવી એકલતા પકડી લીધી કે કલાસ, મસ્જિદ અને જુમ્અહના બયાન સિવાય કોઈ જગ્યાએ સફર ન કરતા હતા. આ એકલતાને ટાળવા અમે સાથી મિત્રો (હું, મુફતી અસજદ સાહેબ, મવલાના અરશદ સાહેબ, કારી બશીર સાહેબ તથા મવલાના અઝીમ (ઉમર ફારૂક મુકરદમવાલા) કાવી સાહેબ વિગેરે) દોઢ બે મહિનામાં એકાદ વાર રાત્રે મગરિબ પછી આપના ઘરે હાજર થતા, થોડી વાર નિસંકોચ વાતો કે પરસ્પર રમુજ કરતા અને પછી ગમે તેમ કરીને આપ રહ.ને તૈયાર કરીને હળવાશ માણવા ઘરેથી બહાર લઈ આવતા. પછી કોઈ હોટલમાં ખાવા ચાલ્યા જતા. આમ, બે ત્રણ કલાક અમે લોકો એમની સંગતમાં પસાર કરતા, એનાથી હઝરતની તબીઅત હળવી થઈ જતી હતી. અમારી સાથે ખુલીને વાતચીત કરતા, નસીહતો ફરમાવતા. આપની પોતાની કોઈ અવલાદ ન હતી એટલે અમારા જવાથી આપના તમામ ગમ, એકલતા અને મુંઝવણ દૂર થઈ જતી હતી અને કહેતા કે આપ લોકોને આવવાથી મારુ મન પ્રસન્ન થઈ જાય છે અને ખૂબ જ ખૂશી થાય છે.

તવાઝુઅ અને ઈન્કિસારી (નમ્રતા અને સાદગી) :

આપ ફરમાવતા રહેતા કે આપણે તકબ્બુર અને મોટાઈથી બચતા રહેવું જોઈએ, માણસે પોતાની ભુલ સ્વીકારવાની આદત બનાવવી જોઈએ, આ બાબતે બે નમૂઓ રજુ કરું છું:

(૧) એક વખતે કહેવા લાગ્યા કે પહેલા હું ઉર્દૂનો 'ફઝા' શબ્દનો ઉચ્ચાર ઝેર સાથે 'ફિઝા' બોલતો હતો, એક દિવસે એક કશ્મીરી તાલિબે ઈલ્મે આવીને કહ્યું કે આ શબ્દ શબ્દકોશમાં 'ફઝા' ઝબર સાથે લખેલો છે. અલ્હદુલિલ્લાહ ! મેં તેની વાત માનીને એનો આભાર માન્યો અને મારી ભુલને સુધારી લીધી.

(૨) બીમારીના દિવસોની વાત છે, વાતચીત દરમિયાન જયારે "નશાત" શબ્દ આવ્યો. આપ રહ. ઝેર સાથે 'નિશાત' બોલતા હતા. મારા મોઢે આ શબ્દ એકવાર 'નશાત' ઝબર સાથે નિકળી ગયો તો મેં ઉઝર કરતા કહ્યું કે મને પહેલાથી જ આ પ્રમાણે બોલવાની આદત છે, હું માફી ચાહું છું, મે તેની કદી તહકીક નથી કરી. એટલે આપે તરત જ મોબાઈલમાં ડીકશનરી ખોલીને આ શબ્દ શોધ્યો અને કહેવા લાગ્યા કે 'નશાત' ઝબર સાથે જ ખરુ છે, તુ આ શબ્દ બરાબર બોલે છે. પછી કહેવા લાગ્યા કે આવી કોઈ ભુલ હોય તો મને કહી દેવાનું.

આ ઘટનાઓમાં થકી આપ (રહ.)ના સ્વભાવમાં રહેલ નમ્રતા ઉપરાંત શોધ અને શીખવાની જે લગન હતી એ સ્પષ્ટ થાય છે. આપની વિન્રમતા જુઓ કે મને ઘણી વાર કહેતા કે તુ મારો શાગિર્દ છે, પરંતુ હું દિલથી તારું સન્માન કરું છું, આ વાકયથી મને શરમ આવતી, અને હું કહેતો કે, હઝરત! હું તો આપનો શાગિર્દ છું, મારું માથું આપની સેવામાં હાજર છે આપ ચાહો તો આપનો પગ મારે માથે મૂકી દો. બસ આપ મારા માટે દુઆ ફરમાવતા રહેશો.

એક સપનાનો ઉલ્લેખ :

મૃત્યુથી એકાદ બે વર્ષ પહેલાં હઝરત (રહ.)નું એક વાર જામિઅહમાં આગમન થયું, મહેમાનખાનામાં બે ત્રણ દિવસ રોકાણ કર્યું. એક દિવસે કહેવા લાગ્યા કે મેં એક સપનું જોયું છે કે મારી બીજી શાદી થઈ છે અને બન્નેવ ઓરતોમાં ખૂબ જ સારા સબંધો છે. જો કે બધા જ મામલાઓ મારી મોટી પત્ની એટલે કે હાલની પત્નિની મરજી પ્રમાણે થાય છે અને પછી કહેવા લાગ્યા કે જો કે મારી ઉમર અને તંદુરસ્તી બીજા લગ્નની પરવાનગી નથી આપતી.

આ સાંભળી મેં તરત જ અરજ કરી કે હઝરત! આ સપનામાં આપના માટે તથા માસી (હઝરતની અહલિયા) માટે જન્નતની ખૂશખબરી છે કે આપ જન્નતમાં હશો અને ખાલા આપની સાથે જન્નતની હુરોની સરદાર બનીને રહેશે ઈન્શાઅલ્લાહ. તો આપ આ સાંભળી ખૂબ જ ખૂશ થઈ ગયા.

બીમારીના દિવસોમાં અલ્લાહ તરફ પ્રયાણ :

આશરે છેલ્લા અઢી ત્રણ મહિનાથી અલ-મહમૂદ જનરલ હોસ્પિટલ ખાતે આપ (રહ.)નો ઈલાજ ચાલી રહયો હતો. બીમારીમાં ઉતાર ચઢાવ રહેતો, છતાં અમે લોકો માયૂસ ન હતા, પરંતુ આપ રહ. વારંવાર ફરમાવતા કે હવે મારી ઉમર પૂર્ણ થઈ ચુકી છે, આપની વાતથી અમે લોકોને અચંબો થતો કારણ કે આપની પરિસ્થિતિ એવી ન હતી, પરંતુ એવુ જ થયું. આપને એ બાબતનો એહસાસ પહેલેથી જ થઈ ચુક્યો હતો, એ જ કારણ હતુ કે આપ (રહ.) પોતાના સઘળા મામલાઓ સાફ કરી રાખ્યા હતા અને અવસાન પછીના વારસા વહેંચણી અને અન્ય બાબતો વિશે સઘળી બાબતો મુહતરમ મવલાના અરશદ સાહબને વસીય્યત ફરમાવી દીધી હતી, બલકે મવલાના અરશદ સાહબને પોતાના વસી અને વ્યવસ્થાપક તરીકે નકકી કરી દીધા હતા. અંતિમ દસ પંદર દિવસ તો એવા પસાર થયા કે આપ વધુ પડતા ખામોશ રહેતા, આંખો બંધ અને જીભે કલિમાનું રટણ રહેતુ, જે અમને પણ સંભળાતું હતું.

ઈર્ષાપાત્ર મૌત :

મૃત્યુથી ચાર દિવસ પહેલા આપને વડોદરા તપાસ માટે લઈ જવામાં આવ્યા, ઘણા ડોકટરોથી મશ્વરો લેવામાં આવ્યો. બધા જ રિપોર્ટો કરાવવામાં આવ્યા, પરંતુ મૃત્યુથી એક દિવસ પહેલા આપ જિદ કરવા લાગ્યા કે મને ગમે તે રીતે જંબુસર લઈ ચાલો. આમ શનિવાર રવિવારની વચલી રાતે આશરે દસેક વાગે આપને જંબુસર હોસ્પિટલમાં લાવવામાં આવ્યા. અમે તો ખૂબ જ ખૂશ હતા, તબીઅત પણ પહેલા કરતા સારી હતી, એટલે અમે મુલાકાત કરી પાછા વળી ગયા. બીજા દિવસે બપોરે બાર વાગ્યે આપ આપની અહલિયા સાથે વાતો કરી રહ્યા હતા. આપની અહલિયા સાથે આપની ભાણકી જે હંમેશા આપના ઘરે રહેતી હતી તે પણ તે સમયે હાજર હતી, આપે તેને બોલાવી કહેવા લાગ્યા કે બધાને મારા સલામ કહેજે અને પોતાના પગો સરખા કરી કલિમએ તય્યિબહ પઢતા અલ્લાહને પ્યારા થઈ ગયા. (અલ્લાહ આપ પર ખૂબ રહમ ફરમાવે)

જાન કર મિનજુમ્લહ ખાસાને મેખાના તુજે

 મુદ્દતો રોયા કરેંગે જામ વ પેમાના તુજે

 આપ (રહ.) એ પોતાની પાછળ પોતાની અહલિયા સિવાય અગણિત વિદ્યાર્થીઓ છોડયા છે જે આપના માટે સદકએ જારિયહ ગણાશે. (ઈન્શાઅલ્લાહ)

દુઆ છે કે અલ્લાહ તઆલા આપની સઘળી શૈક્ષણિક અને ગેર શૈક્ષણિક સેવાઓને કબૂલ ફરમાવે અને ઉમ્મતે ઈસ્લામિય્યહને આપનો નેઅમલ બદલ અર્પણ કરે. (આમીન)


શરઈ માર્ગદર્શન અને ફતાવા વિભાગ

મવલાના મુફતી અસ્જદ દેવલ્વી સાહેબ 

તસ્દીક કર્તાઃ મવલાના મુફતી અહમદ દેવલા સાહેબ 

(સદર મુફતી જામિઅહ જંબુસર)

(F.S.I)નું વેચાણ શરઈ દષ્ટિએ ?

સવાલ : ૧૯૬૦ માં મારા વાલિદ સાહબ અને એમના પાર્ટનર કંપનીમાં એક જમીન રાખેલી અને તેના પ્લોટ પાડેલ, જેમ જેમ ગ્રાહકો આવતા ગયા તેમ તેમ વેચતા ગયા, સ્કીમની અને રોડની જગ્યા અને ખરાબાની જગ્યા વેચનાર પાર્ટીએ ફ્રી ઓફ ચાર્જ દસ્તાવેજ કરી આપેલ, જો તે રોડની જગ્યાને મુન્સીપાલ્ટીના નામે કરી આપીએ તો કાર્પોરેશન અમને એફ. એસ. આઈ. (F.S.I) ફલોર સ્પેશ ઈન્ડેક્ષ એટલી જગ્યાનું સર્ટીફીકેટ આપે તો એ સર્ટીફીકેટના આધારે અમે એફ. એસ. આઈ. બીજી પાર્ટીને બાંધકામ માટે વેચાણ આપી શકીએ છીએ, તો શરીઅત એ બાબતે ઈજાઝત આપે કે કેમ ? એ જાઈઝ છે? ખુલાસાથી કુર્આન અને હદીસની રોશનીમાં જવાબ આપશો.

જવાબઃ حامدا ومصليا ومسلما 

રજૂ કરવામાં આવેલ સ્થિતિમાં જે રસ્તો મ્યુન્સીપાલ્ટીના નામે કરવાથી, પ્લોટ માલિકોના પ્લોટ ખરીદ કરવાના લઈ મળતા હકો એટલે કે રસ્તાનો હક ખતમ ન થતો હોય, બલકે બાકી જ રહેતો હોય, તો મ્યુન્સીપાલ્ટીના નામે આપની માલિકીનો રસ્તો કરી, તેના બદલામાં F.S.I (ફલોર સ્પેશ ઈન્ડેક્ષ –આકાશી હક) નું સર્ટીફીકેટ લેવું અને આગળ આ હકનું વેચાણ કરવું જાઈઝ છે, આજના યુગમાં આવા આકાશી હકનું જયાં ખરીદ-વેચાણ વાંધાજનક નથી સમજવામાં આવતુ. લોકોમાં આવા આકાશી હકનું ખરીદ વેચાણનું ચલન પણ છે, લોકો એને માલ સમજીને એની લેવડ દેવડ કરે છે અને આ આધારે જ ઘણા મુફતીયાને કિરામે આના એટલે કે F.S.I. ના હકના ખરીદ-વેચાણની ઈજાઝત આપી છે. (ફિકહી મકાલાત : ૧૯૦-૧૯૨, જ. ફિકહી મસાઈલ : ૧૮૭– ૮૮, હુકૂક ઔર ઉન્કી ખરીદો ફરોખ્ત : ૧૮૬-૧૮૮) ફકત અલ્લાહ તઆલા વધુ જાણનાર છે. (તા. ૨૩ / ૧ / ૧૪૩૬,૧૭/૧૧/૨૦૧૪ ઈ.)

પાછળથી પાર્ટનર બનનારનો હિસ્સો

સવાલ : મારા વાલિદ સાહબ અને એમના પાર્ટનરે કંપની ભાગીદારી પેઢી ૧૯૫૬ થી ચાલુ કરેલ એ દરમિયાન અમુક મિલકતો ખરીદેલ એમાંથી અમુક મિલકતો હજુ પણ છે. પછી ૧૯૬૩માં મારા કાકાને પાર્ટનર તરીકે જોડેલ તો ૧૯૬૩ પહેલાની જે મિલકતો ખરીદેલ તેમાં એમનો હક લાગે કે કેમ? શરીઅતની રૂએ કુર્આન અને હદીસની રોશનીમાં જવાબ આપશો.

જવાબઃ حامدا ومصليا ومسلما 

 ઇસ્લામી શરીઅત મુજબ કોઇ વ્યકિત કંપની અથવા ભાગીદારીમાં ચાલતા મુઆમલામાં તેટલાં જ હિસ્સામાં ભાગીદાર બને છે જેટલા હિસ્સામાં તેને ભાગીદાર અને પાર્ટનર બનાવવામાં આવી હોય. (શિર્કતો - મુઝારબત : ૨૮૮ ઉપરથી)

સવાલમાં પેશ કરવામાં આવેલ સૂરતમાં આપના કાકાને જેટલા હિસ્સામાં પાર્ટનર બનાવવામાં આવ્યા હશે, તેટલા જ હિસ્સા મુજબ જ તેઓ પાર્ટનર અને ભાગીદાર ગણાશે, જો કંપનીની પહેલાથી મવજૂદ બધી જ મિલકતોમાં ૧૯૬૩ માં આપના કાકાને ભાગીદાર બનાવવામાં આવેલ હોય, તો આ સ્થિતિમાં ૧૯૬૩ પહેલા જે મિલકતોની કંપની માટે ખરીદ કરેલ, તેમાં પણ તેઓ ભાગીદાર ગણાશે અને તે બધી જ મિલકતોમાં તેમનો પાર્ટનર તરીકે હક લાગુ થશે. અને જો કંપનીની બધી મિલકતોમાં તેઓને પાર્ટનર તરીકે દાખલ કરવામાં ન આવ્યા હોય, બલકે ૧૯૬૩ પછીથી જે પ્રોપર્ટી, મિલકતો ખરીદ કરવામાં તેમાં પાર્ટનર બનાવવાનું નકકી કરવામાં આવ્યું હોય, તો પછી તેઓ ૧૯૬૩ પહેલા ખરીદ કરવામાં આવેલ મિલકતોમાં ભાગીદાર બનતા ન હોય, તેમાં તેઓનો કોઈ હક લાગુ થશે નહીં. કારણ કે શરઈ રીતે માલિક થવાનું અને ભાગીદાર બનવાનું કોઈ કાર્ય-કારણ આવેલ નથી. ફકત અલ્લાહ તઆલા વધુ જાણનાર છે. (તા. ૩ મુહર્રમ ૧૪૩૬ હિજરી - ૨૯ /૧૦/૨૦૧૪)

મેરેજ બ્યુરો ખોલવો અને ફી લેવાનો હુકમ

સવાલ : હું એક મેરેજ બ્યુરો ઓફિસ ખોલવા માંગુ છું તેમાં કોઈ પણ વ્યકિત માટે ઓફીસમાં પ્રવેશ ફી રૂા. ૫૦૦/- નક્કી કરેલ છે. તેમજ બન્ને પક્ષ (છોકરાવાળા તથા છોકરીવાળા) ની વાત પાકી (યાને) નક્કી થઈ જાય તો બન્ને પક્ષ પાસે રૂા. ૫૦૦૦/- (પાંચ હજાર) લેખે લેવાની ઈચ્છા છે, તો આ ફી લેવી શરઈ રીતે હલાલ છે ? તે પ્રમાણે જાઈઝ છે કે કેમ? તે વિગતવાર જણાવવા આપને વિનંતી છે. ઈન્શાઅલ્લાહ આપના જવાબનો ઈન્તેજાર રહેશે.

જવાબઃ حامدا ومصليا ومسلما 

મેરેજ બ્યુરોની ઓફીસ ખોલતા તેમાં થતા વ્યવસ્થાકિય તથા સાધન સામગ્રીના ખર્ચાઓને પહોંચી વળવા જે તે નિકાહના રિશ્તાથી જોડાવવા માંગતી વ્યકિત પાસેથી પ્રવેશ ફી વ્યાજબી ધોરણે લઈ શકાય છે, એવી જ રીતે નક્કી કરાવવા માટે કરવી પડતી મહેનતના મહેનતાણા રૂપે એક ચોક્કસ રકમ પણ લેવી શરઈ દ્રષ્ટિએ જાઈઝ છે કે આ એક જાઈઝ કાર્ય—મહેનતનો ઈવઝ અને બદલો છે, જેને શરીઅતે દુરુસ્ત ઠેરવ્યો છે. (દુર્ર, શામી :૧૨-૧૩, કિ. ફતાવા : ૫ / ૪૦૪,૪૦૫ ઉપરથી) અલબત્ત રિશ્તો જોડવામાં આ બાબતનો ખાસ ખ્યાલ રાખવામાં આવે કે શરીઅતની મર્યાદામાં રહીને કામો થાય.

ફકત અલ્લાહ તઆલા વધુ જાણનાર છે. (તા. ૧ / રબી. ૧૪૩૬ હિ.)


બોધકથા

એક ખેડૂત અને એનો દીકરો... એક દિવસ ફરવા નીકળ્યા. ચાલતાં ચાલતાં થાકી ગયા તો દીકરાના આગ્રહથી એક ઝાડના છાંયડે વિસામો લેવા બેસ્યા... ઝાડ ઉપર નાના ફળો લાગેલા હતા. દીકરાને થયું કે આટલા મોટા ઝાડ ઉપર આવા નાના ફળ… અને તરબૂચના નાના છોડ ઉપર મોટા મોટા તરબૂચ... આ તે કેવી કુદરત... એણે પોતાના વિચારો બાપને કહયા... પણ બાપે કોઈ જવાબ આપ્યો નહી...

વાતો કરતાં કરતાં થાકનો માર્યો દીકરો ઊંઘી ગયો... અને થોડી જ વારમાં વાયરો ફૂંકાયો તો ઝાડના બે ચાર ફળો ટપ ટપ નીચે પડયા અને તે પણ સીધા દીકરાના માથા ઉપર.. દીકરાની આંખ ખુલી ગઈ.. એનો બાપ પાસે જ બેસેલો હતો... દીકરાને કહેવા લાગ્યો... દીકરા ! કુદરતનો પાડ માનો, ખુદાનો ઉપકાર સમજો... અને પરવરદિગારનો કરિશ્મો જુઓ... આ ઝાડ ઉપર તરબુચ જેવા મોટા મોટા ફળ હોત તો અત્યારે તું જીવતો ન હોત...

દીકરાને પણ કુદરતનો કરિશ્મો સમજમાં આવી ગયો અને ખુદાનો શુક્ર કરતાં કરતાં બાપ-દીકરા ત્યાંથી આગળ વધ્યા...

વાર્તાનો સાર આ છે કે ખુદાની કુદરતમાં બધું યોગ્ય સ્થાને જ ગોઠવાયેલું છે. માણસે એમાં વાંધા-વચકા કાઢવાના બદલે એને હકારાત્મક રીતે સમજવાની જરૂરત છે. સૃષ્ટિની વ્યવસ્થામાં સર્જનહારની ભૂલો કાઢવાના બદલે માણસે એમાં પોતાનું યોગ્ય સ્થાન અને જવાબદારી નિભાવવાની જરૂરત છે.

ઘણા ગરીબ લોકો માલદારોનો માલ જોઈને પોતાની ગરીબી ઉપર નિસાસો નાંખે છે, પણ એમને ખબર નથી કે આવા માલદારો કેવી મોટી આફતો અને બીમારીઓમાં સપડાય છે ! આવી જ રીતે ઘણા માલદારો ગરીબોની તંદુરસ્તી અને સલામતી જોઈને વિચારે છે કે આ લોકો કેટલા ખુશનસીબ છે ! પણ એને ખબર નથી કે આ ગરીબને બે ટંકનો રોટલો રળવા કેવી અને કેટલી મહેનત કરવી પડે છે. બધાનો સાર એ છે કે ખુદાની વ્યવસ્થા મુજબ ખુશ રહીને એમાં પોતાનું ભલું સમજીને પોતાની જવાબદારી નિભાવવામાં જ સલામતી છે.


મૌલાના મદની મેમોરીયલ હાઈસ્કૂલ-જંબુસર પ્રજાસત્તક દિનની ઉજવણી કરાઈ

તા.૨૬ જાન્યુઆરી,૨૦૨૨ના રોજ મૌલાના મદની મેમોરીયલ હાઈસ્કૂલ-જંબુસરમાં ૭૩મા ગણતંત્ર દિવસની સરકારની ગાઈડ લાઈન મુજબ ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને જામિઅહ ઉલૂમુલ કુર્આન-જંબુસરના પ્રમુખ જનાબ મુફતી અહમદ યાકુબ દેવલ્વી સાહેબ ઉપસ્થિત રહ્યા હતા. આમંત્રિત મહેમાનપદે જામિઅહ આઈ.ટી.આઈ.ના સુપરવાઈઝર ઝહીર મારાજ સાહેબ, જામિઅહ અંગ્રેજી મિડીયમ સ્કુલના આચાર્ય મુસ્તકીમ સૈયદ સાહેબ, જામિઅહના શિક્ષકગણ, ગ્રામજનો તથા વિદ્યાર્થીઓમર્યાદિત સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.

કાર્યક્રમની શરૂઆત તિલાવતે કુર્આનથી કરવામાં આવી હતી. ત્યારબાદ જનાબ મુફતી અહમદ સાહબના વરદ્ હસ્તે તિરંગો ફરકાવવામાં આવ્યો હતો. રાષ્ટ્રગીત અને સલામી બાદ વક્તાઓએ પ્રાસંગિક પ્રવચનો આપ્યા હતા.

મૌલાના મદની મેમોરીયલ હાઈસ્કૂલ-જંબુસરના મ.શિક્ષક જનાબ ગાજી એ.યુ. સાહેબે પ્રાસંગિક પ્રવચન આપતા જણાવ્યું હતું કે આઝાદીની લડત તમામ ધર્મ અને સમાજના લોકોએ ભેગા મળીને લડી હતી. ગાંધીજી અને સુભાષચંદ્ર બોઝની વિચારસરણી ધરાવનાર લોકો અંગ્રેજોને દેશમાંથી હાંકી કાઢવાનુ ધ્યેય ધરાવતા હતા. તેમનો શત્રુ એકમાત્ર અંગ્રેજ હુકુમત હતી. આજે વિભાજનવાદી નીતિ અપનાવવામાં આવી રહી છે. બંધારણના ઘડવૈયાની દૂરંદેશીથી આજે આપણે સલામત છીએ. વધુ સલામત અને મજબુત બનવા માટે ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરી આપણા અધિકારોનું રક્ષણ કરવાનું છે. આપણને મુસ્લીમ સંસ્થાઓ સહકાર આપવા તૈયાર છે. બસ આપણે તેને લાયક બનવું પડશે.

મુસ્તકીમ સૈયદ સાહેબે વિદ્યાર્થીઓને હાર્ડવર્ક અને સ્માર્ટવર્ક થકી સિધ્ધિ પ્રાપ્ત કરવાનું આહ્વાન કર્યું હતું. નઈમ સિદ્દીકી સાહેબે પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે વિશ્વના સૌથી મોટા આપણા બંધારણે આપેલા હકકોને આપણે જ્ઞાનપ્રાપ્તિ થકી જ જાણી શકીશું. મુસ્લીમોએ આપેલી કુરબાનીઓને આજે આપણે ભુલી ગયા છીએ. મુસ્લીમ સંસ્થાઓને બંધ કરવામાં આવી રહી છે. જે આપણી નિષ્ક્રિયતા પુરવાર કરે છે.

શાળાના આચાર્ય જનાબ બી.આઈ.પટેલ સાહેબે તેમની આગવી શૈલીમાં પ્રાસંગિક પ્રવચન આપતા જણાવ્યું હતું કે આજે આઝાદીના ઈતિહાસને ભુલાવી દેવામાં આવી રહયો છે. કેટલાક મુઠ્ઠીભરતત્વો આપણા બંધારણીય હકકોને છીનવવાના પ્રયત્નો કરી રહયા છે. જે માટે આપણે સૌ જવાબદાર છીએ. તેમણે બંધારણ રચનામાં શામેલ મુસ્લીમ સભ્યોનો આભાર માનતા જણાવ્યું કે તેમણે આપણને અધિકારો આપીને કયામત સુધી ભારતમાં રહેવું સરળ કરી દીધું.

તેમણે વધુમાં આઝાદહિંદ ફોજની રચના માટે મુસ્લીમોએ કરેલી મદદ, ગાંધીજીને મુસ્લીમોએ આપેલ આર્થિક સહકારને યાદ કર્યા હતા. સુલેમાન અલયહિસ્સલામના દૌલત, શોહરત અને ઈલ્મમાંથી ઈલ્મની પસંદગીના વાકિઆને વર્ણવતા જણાવ્યું હતું કે જયાં ઈલ્મ હશે ત્યાં દૌલત અને મિલકત દોડતી આવશે. તે દ્વારા સમજાવ્યું હતું કે આપણે જ્ઞાનપ્રાપ્તિ થકી દૌલત અને ઈજજત કમાઈએ. મોટા થઈ બીજાને મદદ કરીએ તથા સમય, શિષ્ટ અને ઈસ્લામિક સંસ્કૃતિનું અનુકરણ કરીએ.

સંસ્થાના પ્રમુખ મુફતી અહમદ સાહેબે અધ્યક્ષ સ્થાનેથી જણાવ્યું હતું કે જેવી રીતે ઈસ્લામ ધર્મમાં બે ઈદ છે તેવી જ રીતે રાષ્ટ્રભાવના જગાડનાર બે દિવસો આવે છે. એક સ્વતંત્રતાદિન અને બીજો પ્રજાસત્તાકદિન.અંગ્રેજોએ ભારતમાં આવીને સૌપ્રથમ મુસ્લીમ સંસ્કૃતિને ખતમ કરવાનું કાર્ય કર્યું હતું. જેનો મુસ્લીમોએ સખત વિરોધ કર્યો હતો.

તેમણે વધુમાં જણાવ્યું હતુ કે બંધારણની રચનામાં હિસ્સો લેનાર મુસ્લીમો ભણેલા અને પઢેલા પણ હતા. જે દિન અને દુન્યવી શિક્ષણના હિમાયતી હતા. આપ જે સંસ્થામાં અભ્યાસ કરી રહયા છો તે એમની જ વિચારસરણી ઉપર આધારિત છે. આપણે આપણી સંસ્કૃતિ અને સભ્યતાને વળગી રહેવું પડશે. તેનું જતન અને રક્ષણ કરવુ પડશે. સમાજમાં ફેલાયેલી નફરતને દૂર કરવી પડશે. તમામ મુસ્લીમ સમાજે એક બની, શિક્ષણ પ્રાપ્ત કરી ઈસ્લામિક સંસ્કૃતિને નફરત કરનારાઓને આપણે જવાબ આપવો પડશે.

અંતમાં મુફતી અહમદ સાહેબે દેશની એકતા અને અખંડિતતા, ભાઈચારા તથા બિમારીને દૂર કરવા માટે દુઆઓ કરીને કાર્યક્રમનું સમાપન કર્યું હતું.

સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શાળાના મ.શિક્ષક અબ્દુલવાહિદ મેમણ સાહેબે કર્યું હતું. કાર્યક્રમના અંતે બુંદીના લાડુઓથી મોઢુ મીઠુ કરી પ્રજાસત્તાક દિનની મિઠાશને અનુભવી હતી.


છેલ્લા પાને.....



હજુ એક તક બાકી છે

ભુતકાળ અને ભવિષ્ય લુટાય ગયાં હોય, છતાં ભવિષ્ય હજુ સલામત હોય છે, અને માણસ પાસે સમૃદ્ધ થવાની એક ઓર તક બાકી હોય છે. પાછલી ભૂલો સુધારીને આગળ વધી શકાય છે.

નમ્રતા અને શિસ્ત

નમ્રતા, અને શિસ્ત માણસનું ઘરેણું છે. જેટલી વધારે હશે માણસ એટલો વધારે સુશોભિત હશે કીમતી પણ..

સાચું દુઃખ



અન્યોના દુખ-દર્દથી દુખી થવું જ સાચું દર્દ છે. પોતાનું દુઃખ દર્દ તો જાનવર પણ અનુભવે છે, એમાં માનવીની શી ખૂબી ?

સફળતા કે અભિમાન ?

સહિયારા પ્રયત્નોમાં સફળતા વધારે અને વહેલી મળે છે, પણ એમાં પોતાના અહમ અને અભિમાનને કોરે મુકીને અન્યોની આવડતને સન્માન આપવું પડે છે. હવે માણસે વિચારવાનું છે કે સફળતા જોઈએ છે કે અહમને પોષવો છે?

અસ્ત અને ઉદય

દરેક અસ્ત પછી ઉદય આવે છે, બસ માણસમાં એક રાત ટકી રહેવાની તાકત હોવી જોઈએ.

સાચો અકલમંદ

અન્યોની ભૂલો અને સતામણીને ભૂલી જનાર અને પોતાની ભૂલો,

અત્યાચારોને યાદ રાખીને સુધાર તોબા કરનાર માણસ સાચો અને સારો  અકલમંદ છે.

તળાવ અને દરિયો

તળાવ એક વરસાદમાં છલકાય પડે છે, પણ દરિયો છલકાતો નથી. આમ નાનકડા દિલ અને અંતર સાથે માણસ મોટી કામ્યાબી નથી મેળવી શકતો.

લાભદાયી અનુભવ

માણસને પોતાને તો નુકસાન ઉઠાવ્યા પછી અનુભવ મળે છે. પણ માણસ અન્યોના અનુભવને પણ પોતાના અનુભવ જેટલું મહત્વ આપે તો અનુભવનો લાભ અને નુકસાનથી સલામતી.. બંને ફાયદા મળે છે.

બંધ રસ્તો

માણસને ચાલતાં આવડતું હોય તો રસ્તો કદી બંધ નથી થતો. એક રસ્તો બંધ થાય છે, એ જ ઘડીએ બીજા અનેક રસ્તા ખુલ્લા પણ હોય છે.

થોડું લઈને રાજી રહો

સમજદાર માણસ ઘણું બધું માંગે છે, પણ જયારે લેવાનો સમય આવે ત્યારે થોડું લઈને વધું પડતું જતું કરે છે.

ન બોલવાની તૈયારી

લોકો આ બાબતે ઘણી તૈયારી કરી છે કે એમણે શું બોલવાનું છે, પણ બુદ્ધિશાળી માણસ એવી તૈયારી પણ કરે છે કે એણે શું નથી બોલવાનું…