વારસા વહેંચણીના નિયમો અને વારસદારોના હિસ્સાઓ ૨
-મુફતી ફરીદ અહમદ કાવી.
بِسْمِ اللهِ الرَّحْمَنِ الرَّحِيمِ
وَ لَكُمْ نِصْفُ مَا تَرَكَ اَزْوَاجُكُمْ اِنْ لَّمْ یَكُنْ لَّهُنَّ وَلَدٌۚ-فَاِنْ كَانَ لَهُنَّ وَلَدٌ فَلَكُمُ الرُّبُعُ مِمَّا تَرَكْنَ مِنْۢ بَعْدِ وَصِیَّةٍ یُّوْصِیْنَ بِهَاۤ اَوْ دَیْنٍؕ-وَ لَهُنَّ الرُّبُعُ مِمَّا تَرَكْتُمْ اِنْ لَّمْ یَكُنْ لَّكُمْ وَلَدٌۚ-فَاِنْ كَانَ لَكُمْ وَلَدٌ فَلَهُنَّ الثُّمُنُ مِمَّا تَرَكْتُمْ مِّنْۢ بَعْدِ وَصِیَّةٍ تُوْصُوْنَ بِهَاۤ اَوْ دَیْنٍؕ-وَ اِنْ كَانَ رَجُلٌ یُّوْرَثُ كَلٰلَةً اَوِ امْرَاَةٌ وَّ لَهٗۤ اَخٌ اَوْ اُخْتٌ فَلِكُلِّ وَاحِدٍ مِّنْهُمَا السُّدُسُۚ-فَاِنْ كَانُوْۤا اَكْثَرَ مِنْ ذٰلِكَ فَهُمْ شُرَكَآءُ فِی الثُّلُثِ مِنْۢ بَعْدِ وَصِیَّةٍ یُّوْصٰى بِهَاۤ اَوْ دَیْنٍۙ-غَیْرَ مُضَآرٍّۚ-وَصِیَّةً مِّنَ اللّٰهِؕ-وَ اللّٰهُ عَلِیْمٌ حَلِیْمٌﭤ(12) تِلْكَ حُدُوْدُ اللّٰهِؕ-وَ مَنْ یُّطِعِ اللّٰهَ وَ رَسُوْلَهٗ یُدْخِلْهُ جَنّٰتٍ تَجْرِیْ مِنْ تَحْتِهَا الْاَنْهٰرُ خٰلِدِیْنَ فِیْهَاؕ-وَ ذٰلِكَ الْفَوْزُ الْعَظِیْمُ(13) وَ مَنْ یَّعْصِ اللّٰهَ وَ رَسُوْلَهٗ وَ یَتَعَدَّ حُدُوْدَهٗ یُدْخِلْهُ نَارًا خَالِدًا فِیْهَا ۪- وَ لَهٗ عَذَابٌ مُّهِیْنٌ(14)
તરજમહ : અને તમને તમારી ઓરતો જે છોડીને જશે એમાંથી અડધું મળશે, જો તેણીઓની કોઈ અવલાદ ન હોય તો.. પણ જો તેણીઓને અવલાદ હોય તો જે કંઈ છોડયું છે એમાંથી તેણીઓએ કરેલ વસિય્યત (બાદ કર્યા) પછી અથવા દેવું (હોય તો તે) ચૂકવ્યા પછી તમને ચોથો ભાગ મળશે. અને તેણીઓને તમે જે કંઈ છોડીને જશો એમાંથી ચોથો ભાગ મળશે જો તમારે અવલાદ ન હોય તો.. પણ જો તમારે અવલાદ હોય તો તમે જે કંઈ છોડયું છે એમાંથી તમે કરેલ વસિય્યત (બાદ કર્યા) પછી અથવા કર્ઝ (હોય તો તે) ચૂકવ્યા પછી તેણીઓને આઠમો ભાગ મળશે. અને જે કોઈ પુરુષ એવો હોય જે બાપ કે દીકરા વગર (ના લોકો માટે) વારસો છોડી જાય અથવા આવી જ (બાપ કે દીકરા વગરની) કોઈ સ્ત્રી હોય, પણ તે (પુરુષ કે સ્ત્રી)ને એક ભાઈ અથવા એક બહેન (મા જણી) હોય તો બંનેમાંથી દરેકને છઠ્ઠો ભાગ મળશે, પણ જે એકથી વધુ હોય તો જે વસિય્યત કરવામાં આવી હોય તે (બાદ કર્યા) પછી અથવા કર્ઝ (હોય તો તે ચૂકવ્યા પછી) ત્રીજા ભાગમાં સૌ ભાગીદાર છે. (વસિય્યત કરવામાં કે કરજના બહાને) કોઈને નુકસાન પહોંચે. આ અલ્લાહ તઆલાની તાકીદ છે અને અલ્લાહ સઘળું જાણનાર (અને) ઘણો સહનશીલ છે. (૧૨) આ અલ્લાહ તઆલાએ નક્કી કરેલા હુકમો (કાનૂનો) છે અને જે કોઈ અલ્લાહ અને તેના રસૂલની ફરમાબરદારી કરશે, અલ્લાહ તેને એવી જન્નતમાં પ્રવેશ આપશે, જેના નીચે નહેરો વહેતી હશે. તેઓ એમાં સદા રહેશે અને આ જ મહાન સફળતા છે. (૧૩) અને જે કોઈ અલ્લાહ અને તેના રસૂલ (સલ.)ની નાફરમાની કરશે, અને એણે નક્કી કરેલ હદો ઓળંગશે તો તેને એવી આગમાં નાખશે, જેમાં સદાએ રહેવાનું હશે અને તેને અપમાનિત કરનાર અઝાબ છે. (૧૪)
તફસીર : આયત નં : ૧૨ માં પ્રથમ પતિ - પત્નિના વારસાઈ હકનું વર્ણન છે, અને પછી બાપદાદા કે પુત્ર - પૌત્ર ન હોય, પણ ફક્ત ભાઈ – બહેન એવા મરનાર માણસની વારસાઈનો હુકમ છે.
પતિ - પત્નિમાંથી પત્નિનું મૃત્યુ થાય, અને મરનાર ઓરતની કોઈ અવલાદ (આગલા પાછલા કોઈ પણ શોહરથી) ન હોય, તો તેણીએ છોડેલ માલનો અડધો ભાગ શોહરને મળશે. અને બાકી અડધો માલ અન્ય વારસદારોમાં વહેંચાશે. અને જો મરનાર ઓરતની (આગલા પાછલા કોઈ પણ શોહરથી) અવલાદ હોય, એક હોય કે વધારે, છોકરો હોય કે છોકરી, તો શોહરને એક ચતુર્થાંશ માલ મળશે. અલબત્ત અહિંયા પણ વસીય્યત અને કરજ પહેલાં ચુકવવાનું છે. પછી આ મુજબ અડધો કે ચોથો ભાગ મળશે.
પતિનું મૃત્યુ થાય અને (હયાત કે મૃત ગમે તે પત્નિથી) કોઈ અવલાદ ન હોય, વસિય્યત અને કરજ ચુકવ્યા પછી.. પત્નિને ચોથો ભાગ મળશે.
એક પત્નિ હોય તો પણ અને વધારે હોય તો પણ. એટલે એકથી વધારે પત્નિઓ હોય તો પણ ચોથા ભાગમાં જ બધી ભાગીદાર ગણાશે. દરેકને ચોથો ભાગ નહીં મળે. અને જો મરનાર પતિની (હયાત કે મૃત ગમે તે પત્નિથી) અવલાદ હોય તો વસીય્યત અને કરજ ચુકવ્યા બાદ પત્નિને આઠમો ભાગ મળશે. એકથી વધારે પત્નિઓ હોય તો પણ આઠમાં ભાગમાં જ બધી સરખી રીતે ભાગીદાર ગણાશે. અને બાકીનો માલ અન્ય વારસદારોમાં વહેંચાશે.
અત્રે આ ખાસ યાદ રાખવાનું છે કે પતિએ હજુ સુધી પત્નિનું મહેર ચુકવ્યું ન હોય તો એ પણ મૃતકના માથે કરજ છે. એટલે વારસા વહેંચણી પૂર્વે અન્ય કરજની જેમ એને અદા કરવામાં આવશે, પછી વારસાઈના ભાગ પાડવામાં આવશે.
આયત નં : ૧૨ ના બીજા ભાગમાં 'કલાલહ” માણસની વારસાઈનું વર્ણન છે. અરબીમાં 'કલાલહ' એવા માણસને કહેવામાં આવે છે જેના ઉપર કે નીચે સીધી લીટીના વારસદારો હયાત ન હોય. એટલે બાપ, દાદા વગેરે પૂર્વજો અને પુત્ર, પૌત્ર વગેરે વંશજો હયાત ન હોય. ફકત ભાઈ કે બહેન હયાત હોય.
આવા માણસની મૃત્યુ વેળા જે ભાઈ કે બહેન હયાત હશે એ ત્રણ પ્રકારના હોય શકે છે. એક મા બાપથી હોય એવા સગા ભાઈ બહેન. બાપ એક અને મા અલગ હોય એવા સાવકા. મા એક હોય અને બાપ અલગ હોય એવા સાવકા. આ ત્રણ પ્રકારોમાંથી પ્રથમ બે પ્રકારના વારસદારોનો હુકમ સૂરએ નિસાઅના અંતે વર્ણવવામાં આવ્યો છે. અલબત્ત ત્રીજા પ્રકારનો હુકમ અહિંયા વર્ણવવામાં આવ્યો છે. જેનો ખુલાસો આ છે કે મરનાર માણસ પાછળ એના બાપ-દાદા જેવા પૂર્વજો ન હોય અને પુત્ર પૌત્ર જેવા વંશજો પણ ન હોય, પણ મા જણ્યા ભાઈ કે બહેન હોય તો…… ફકત એક ભાઈ કે એક બહેન જ હોય તો આ ભાઈ કે બહેનને છઠ્ઠો ભાગ મળશે. અને જો એકથી વધારે હોય, (ચાહે બે ભાઈ કે બે બહેન કે એકભાઈ અને એકબહેન હોય) તો આવા મા જણ્યા ભાઈ બહેન ગમે તેટલા હોય,બધા એક તૃતીયાંશમાં સરખા ભાગીદાર ગણાશે. અને આ ભાઈ બહેનો વચ્ચે વહેંચણીમાં સ્ત્રી-પુરુષનો કોઈ તફાવત નહીં કરવામાં આવે. વારસા વહેંચણીની આ એક જ સૂરત એવી છે જેમાં સ્ત્રી – પુરુષને સમાન રીતે ભાગ આપવામાં આવે છે. બાકીનો માલ અન્ય વારસદારોમાં વહેંચાશે અને અન્ય વારસદારો નહીં હોય તો એમની પાસે પાછો આવશે. અહિંયા પણ અગાઉની આયતોની જેમ હુકમ છે કે પ્રથમ વસીય્યત અને કરજ ચુકવવામાં આવશે, પછી ભાઈ કે બહેનને વારસાઈ આપવામાં આવશે.
નોટ : અત્રે કુરઆનના શબ્દોમાં એવી સ્પષ્ટતા નથી કે આ હુકમ મરનાર 'કલાલહ'ના ફકત મા જણ્યા ભાઈ – બહેન માટે જ છે. અલબત્ત તફસીરકારો આ બાબતે એકમત છે કે આ આયતમાં ફકત મા જણ્યા ભાઈ બહેનનો હુકમ છે. અને સગા ભાઈ બહેન કે બાપ જણ્યા ભાઈ બહેનનો હુકમ સૂરતના અંતે વર્ણવવામાં આવ્યો છે.
આ આયતમાં અંતે એક વિશેષ તાકીદ غَیْر مُضَآرٍّۚ ના શબ્દો દ્વારા કરવામાં આવી છે. એટલે કે વસીય્યત કરીને કોઈનું નુકસાન ન કરવામાં આવે. અને કરજના બહાને પણ કોઈનું નુકસાન ન કરવામાં આવે. વસિય્યત અને કરજના બહાને વારસદારોને નુકસાન કરવાની ઘણી બધી સૂરતો હોય શકે છે, બધી સૂરતો મના છે. જેમ કે કોઈના માટે ત્રીજા ભાગથી વધુની વસિય્યત કરી ગયો તો ત્રીજા ભાગ સુધી આપવામાં આવે, વધુ નહિ. બીજું એ કે જેને મીરાસ મળે છે તેને એના વારસાઈ હિસ્સાથી વધારે કંઇ આપવાની વસિય્યત કરી ગયો તો તે મોઅતબર નથી. અગર સઘળા વારિસો પુખ્ત ઉંમરના હોઈ રાજી ખુશીથી આ બંને પ્રકારની વસિય્યત કબૂલ રાખે તો ઠીક, નહિ તો તે બાતિલ થશે. એવી જ રીતે કોઈને વધારે માલ આપવાની નિયતે મરતાં પહેલાં કહી દીધું કે એનું મારા માથે કરજ છે, કોઈની પાસેથી કરજ લેવાનું થતું હતું તો કહી દીધું કે એનું કરજ આવી ગયું છે, પોતાની પાસે મોજૂદ રૂપિયા પૈસા વિશે એમ કહી દે કે ફલાણાની અમાનત છે, એને પાછી આપી દેજો.. વગેરે... બલકે તફસીરકારોએ લખ્યું છે કે એક તૃતીયાંશ સુધીની વસીય્યત નિયમ મુજબ દુરુસ્ત છે, પણ એમાંયે જો વસીય્યત કરવામાં મરનારની નિય્યત વારસદારોનું નુકસાન કરવાની હોય તો એ ગુનેગાર ગણાશે. ભલે નિયમ મુજબ વસીયત ઉપર અમલ કરવામાં આવશે.
ઉપરોકત આયતોમાં ત્રણ વાર કહેવામાં આવ્યું છે કે વસીય્યત અને કરજની ચુકવણી કરવી વારસાઈના ભાગો આપતાં પહેલાં કરવી જરૂરી છે. અને ત્રણે સ્થળોએ પ્રથમ વસીય્યત અને પછી કરજની ચુકવણીનો ઉલ્લેખ છે. પણ ખાસ યાદ રાખવાની વાત આ છે કે મૃત્યુ પછી મરનારના કફન -દફન વગેરેના ખર્ચ પછી ચુકવણી કરવામાં પ્રથમ દરજો કરજનો છે. કરજ ચુકવ્યા પછી જે માલ બચે એના એક તૃતીયાંશમાં વસીય્યત અને બીજા બે તૃતીયાંશમાં વારસાઈને અમલ કરવામાં આવશે. જે કોઈ મરનારનો બધો માલ સંપત્તિ એના કરજમાં વપરાય જાય તો વસીય્યત ઉપર અમલ કરવામાં નહીં આવે. આયતના શબ્દોમાં વસીય્યતનો ઉલ્લેખ કરજ કરતાં પહેલાં એટલા માટે છે કે લોકો એનું મહત્વ સમજે. કર્જને તો લોકો લેણદારનો હક સમજે છે, પણ વસીય્યત જેના માટે પણ કરવામાં આવી હોય, એનો હક નથી હોતો, મરનારનું એના ઉપર એહસાન – ઈનામ હોય છે, એટલે વારસદારો આ બાબતે ગફલત કે અનદેખી ન કરે એટલે કરજથી પણ પહેલાં એનો ઉલ્લેખ કરવામાં આવ્યો.
છેલ્લે અલ્લાહ તઆલા ફરમાવે છે કે વારસા વહેંચણીના આ ભાગો અને નિયમો અલ્લાહ તઆલાની તાકીદ છે. અને કોને આપવું – ન આપવું અને કેટલું આપવું એ બધાની પૂરી જાણકારી એને જ છે.
છેલ્લે અલ્લાહ તઆલા ફરમાવે છે :
આ અલ્લાહ તઆલાએ નક્કી કરેલા હુકમો (કાનૂનો) છે અને જે કોઈ અલ્લાહ અને તેના રસૂલની ફરમાબરદારી કરશે, અલ્લાહ તેને એવી જન્નતમાં પ્રવેશ આપશે, જેના નીચે નહેરો વહેતી હશે. તેઓ એમાં સદા રહેશે અને આ જ મહાન સફળતા છે. અને જે કોઈ અલ્લાહ અને તેના રસૂલ (સલ.)ની નાફરમાની કરશે, અને એણે નક્કી કરેલ હદો ઓળંગશે તો તેને એવી આગમાં નાખશે, જેમાં સદાએ રહેવાનું હશે અને તેને અપમાનિત કરનાર અઝાબ છે.
મઆરિફુલ હદીસ
હઝરત મવલાના મંઝૂર નોમાની (રહ.)
અનુવાદ : મવલાના યાકૂબ બારીવાલા સા. રહ.(બ્લેકબર્ન. યુ.કે.)
વેપારના માલ પર ઝકાત
عَنْ سَمُرَةَ بْنِ جُنْدُبٍ أَنَّ رَسُولَ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ كَانَ"يَأْمُرُنَا أَنْ نُخْرِجَ الصَّدَقَةَ مِنَ الَّذِي نُعِدُّ لِلْبَيْعِ". (رواه أبو داود)
તરજુમા:- હઝરત સમુરહ બિન જુન્દુબ રદિ.થી રિવાયત છે કે રસુલૂલ્લાહ સલ.નો અમને હુકમ હતો કે અમે તે દરેક વસ્તુમાં ઝકાત આપીએ જે અમે વેપાર માટે તૈયાર કરી હોય.(અબુ દાઉદ)
ખુલાસો :– આ હદીસથી જણાયું કે માણસ જે માલથી વેપાર કરે તેના ઉપર ઝકાત વાજિબ છે.
વર્ષ પુરૂ થવા પર ઝકાત વાજિબ થશે
عَنْ ابْنِ عُمَرَ قَالَ : قَالَ رَسُولُ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ : " مَنِ اسْتَفَادَ مَالًا فَلَا زَكَاةَ فِيهِ حَتَّى يَحُولَ عَلَيْهِ الْحَوْلُ. (رواه الترمذي)
તરજુમા- હઝરત અબ્દુલ્લાહ બિન ઉમર રદિ.થી રિવાયત છે કે રસૂલુલ્લાહ સલ.એ ફરમાવ્યું: જેને પણ કોઈ રીતે માલ મળે, તો તેના ઉપર ત્યાં સુધી ઝકાત વાજિબ નહિ થાય, જયાં સુધી તે માલ પર વર્ષ ન વીતી જાય.
عَنْ عَمْرِو بْنِ شُعَيْبٍ ، عَنْ أَبِيهِ ، عَنْ جَدِّهِ ، أَنَّ امْرَأَةً أَتَتِ النَّبِىَّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ بِابْنَةٌ لَهَا وَفِي يَدِ ابْنَتِهَا مَسَكَتَانِ غَلِيظَتَانِ مِنْ ذَهَبٍ ، فَقَالَ : "أَتُعْطِينَ زَكَاةَ هَذَا؟"قَالَتْ : لَا ، قَالَ : "أَيَسُرُّكِ أَنْ يُسَوِّرَكِ اللَّهُ بِهِمَا يَوْمَ الْقِيَامَةِ سِوَارَيْنِ مِنْ النَارِ؟" فَخَلَعَتْهُمَا ، فَأَلْقَتْهُمَا إِلَى النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ ، وَقَالَتْ : هُمَا لِلَّهِ وَلِرَسُولِهِ. (رواه أبو داود وغيره من أصحاب السنن)
તરજુમા– હઝરત અબ્દુલ્લાહ બિન અમ્ર બિન આસ રદિ.થી રિવાયત છે કે એક ઓરત તેની છોકરીને લઈ હુઝૂર સલ.ની સેવામાં હાજર થઈ. તે છોકરીના હાથોમાં સોનાના ભારે વજનદાર કંગન હતા. આપ સલ.એ તેને ફરમાવ્યું કે તમે આ કંગનોની ઝકાત આપો છો? તેણીએ અરજ કરી કે હું એની ઝકાત તો નથી આપતી! આપ સલ.એ ફરમાવ્યું શું તમારા માટે આ ખુશીની વાત ગણાશે કે અલ્લાહ તઆલા તમારા આ કંગનો (જેની ઝકાત ન આપવાના કારણે) કયામતમાં આગના કંગન પહેરાવવામાં આવે? અલ્લાહની તે બંદીએ બન્નેવ કંગનો ઉતારી રસુલૂલ્લાહ સલ. સામે નાંખી અરજ કરી કે હવે તે અલ્લાહ અને તેના રસુલના છે. (અબુ દાઉદ, તિર્મિઝી, નસઈ, ઈબ્ને માજા)
عَنْ أُمِّ سَلَمَةَ ، قَالَتْ : كُنْتُ أَلْبَسُ أَوْضَاحًا مِنْ ذَهَبٍ ، فَقُلْتُ : يَا رَسُولَ اللَّهِ ، أَكَنْزٌ هُوَ؟ فَقَالَ : "مَا بَلَغَ أَنْ تُؤَدَّى زَكَاتُهُ ، فَزُكِّيَ فَلَيْسَ بِكَنْزٍ". (رواه مالک وابوداؤد)
તરજુમા:- હઝરત ઉમ્મે સલમા રદિ.થી રિવાયત છે કે હું સોનાના "અવઝાહ" (એક ખાસ જણસનું નામ છે.) પહેરતી હતી મેં તેમની બાબત રસૂલુલ્લાહ સલ.ને પૂછયું કે યા રસૂલુલ્લાહ! શું એ પણ ખજાનો ગણાશે ? જેના પર સુરએ તોબા ની આયત”-والذين يكنزون الذهب والفضة”-માં દોઝખની ધમકી આપવામાં આવી છે) આપ સલ.એ ફરમાવ્યું કે: જે માલ એટલો થઈ જાય કે તેની ઝકાત આપવાનો હુકમ લાગુ પડે અને હુકમ મુજબ તેની ઝકાત આપવામાં આવે તો ખજાનો નથી.
ખુલાસો :- આ હદીસોના જ આધારે ઈમામ અબૂ હનીફા રહ. સોના ચાંદીના દાગીનાઓ પર (જે નિસાબ જેટલા હોય) ઝકાત ફરજ થવાનું માને છે. પરંતુ બીજા ઈમામો રહ. ઈમામ માલિક રહ. ઈમામ શાફઈ રહ. અને ઈમામ અહમદ રહ. દાગીનાઓ પર ઝકાત ફરજ થવું ત્યારે જ માને છે જયારે તે વેપાર માટે હોય, અથવા માલ સાચવવા માટે દાગીના બનાવવામાં આવ્યા હોય, પરંતુ જે દાગીનાઓ ફકત વપરાસ માટે અને શોભા માટે હોય, તે ઈમામો તેમાં ઝકાત વાજિબ માનતા નથી. આ મસ્અલામાં સહાબા રદિ.ના મંતવ્યો જુદા જુદા છે. પરંતુ હદીસોથી વધુ ટેકો ઈમામ અબુ હનીફા રહ.ને જ મળે છે. એટલા જ માટે અમૂક શાફઈ મસ્લકના મુહક્કીક આલિમોએ પણ આ મઅલામાં હનફી મસ્લકને વજનદાર ગણ્યો છે. જેથી તફસીરે કબીરમાં ઈમામ રાઝી રહ. એ એ જ વાત પસંદ કરી છે, અને લખ્યું છે કે જાહેર હદીસો એ જ વાતને ટેકો આપે છે. (વલ્લાહુ અઅલમ.)
ઝકાત અગાઉ પણ અદા કરી શકાય છે.
عَنْ عَلِيٍّ ، أَنَّ الْعَبَّاسَ سَأَلَ رَسُوْلُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ فِي تَعْجِيلِ صَدَقَتِهِ قَبْلَ أَنْ تَحِلَّ ، فَرَخَّصَ لَهُ فِي ذَلِكَ". (رواه أبو داود والترمذي وابن ماجه والدارمى)
તરજુમાઃ- હઝરત અલી રદિ.થી રિવાયત છે કે હઝરત અબ્બાસ રદિ.એ પોતાની ઝકાત અગાઉ અદા કરવા વિષે રસૂલુલ્લાહ સલ.ને પૂછયું તો આપ સલ.એ તેની પરવાનગી આપી.(અબુ દાઉદ)
ઝકાત અને સદકાના હકદારો
عَنْ زِيَادِ بْنِ الْحَارِثِ الصُّدَائِيَّ ، قَالَ : أَتَيْتُ النَّبِىَّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ فَبَايَعْتُهُ ، فَذَكَرَ حَدِيثًا طَوِيلًا ، فَأَتَاهُ رَجُلٌ ، فَقَالَ : أَعْطِنِي مِنَ الصَّدَقَةِ ، فَقَالَ لَهُ رَسُولُ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ : "إِنَّ اللَّهَ لَمْ يَرْضَ بِحُكْمِ نَبِيٍّ وَلَا غَيْرِهِ فِي الصَّدَقَاتِ حَتَّى حَكَمَ هُوَ فَجَزَّأَهَا ثَمَانِيَةَ أَجْزَاءٍ فَإِنْ كُنْتَ مِنْ تِلْكَ الْأَجْزَاءِ أَعْطَيْتُكَ حَقَّكَ". (رواه أبو داود)
તરજુમાઃ- હઝરત ઝિયાદ બિન હારિસ સુદાઈ રદિ.થી રિવાયત છે કે મેં રસૂલુલ્લાહ સલ.ની સેવામાં હાજર થઈ આપ સલ.થી બયઅત કરી ઝિયાદ રદિ.એ મોકા પર એક લાંબી હદીસ વર્ણવી, આ બનાવ નકલ કર્યો છે કે આપ સલ.ની સેવામાં તે સમયે એક માણસ હાજર થયા અને અરજ કરી કે: ઝકાતના માલમાંથી મને કંઈક અર્પણ કરવામાં આવે રસૂલુલ્લાહ સલ.એ તેવણને ફરમાવ્યું:- અલ્લાહ તઆલાએ ઝકાતના મસારિફ (ખર્ચ કરવાના રસ્તાઓ) કોઈ નબી અથવા ગેર નબીની મરજી મુજબ નથી બનાવ્યા, બલકે પોતે જ ફેંસલો કરી આઠ ભાગ કર્યા છે. જો તમે તે ભાગોમાંથી કોઈ ભાગમાં હશો તો તમને ઝકાતમાંથી આપવામાં આવશે.(અબૂ દાઉદ)
ખુલાસોઃ– રસૂલુલ્લાહ સલ.એ આ હદીસમાં ઝકાતના ભાગો વિષે અલ્લાહ તઆલાના જે હુકમનો હવાલો આપ્યો છે તે સૂરએ તોબાની આ આયતમાં આવેલો છે.
اِنَّمَا الصَّدَقٰتُ لِلْفُقَرَآءِ وَالْمَسٰكِیْنِ وَالْعٰمِلِیْنَ عَلَیْهَا وَالْمُؤَلَّفَةِ قُلُوْبُهُمْ وَفِی الرِّقَابِ وَالْغٰرِمِیْنَ وَفِیْ سَبِیْلِ اللّٰهِ وَابْنِ السَّبِیْلِ)
અર્થાત :- ઝકાત મુફલીસો, મોહતાજો, અને ઝકાત વસુલ કરનારાઓ તથા મુઅલ્લફતે કુલુબનો હક છે. અને તે વાપરી શકાય છે. ગુલામોને છોડાવવામાં અને તે લોકોની મદદમાં જેઓ કર્જ વગેરેની મુસીબતમાં ડબેલા છે. અને એ જ પ્રમાણે મુજાહિદોની મદદ માટે ઝકાતની આઠ જગ્યાઓ છે જેને કુર્આન પાકમાં બયાન કરવામાં આવી છે. તેમનો ટુંકો પરિચય નીચે મુજબ છે. :-
ફકીરો :- એટલે ગરીબ અને નાદાર લોકો, ફકીર અરબીમાં માલદારની તુલ્નામાં બોલાય છે. તે હિસાબે તે બધા જ ગરીબ લોકોનો તેમાં સમાવેશ થાય છે. જેઓ માલદાર નથી (એટલે જેમની પાસે એટલો માલ નથી, જેના ઉપર ઝકાત વાજિબ થતી હોય) શરીઅતમાં માલદારીની હદ એ જ છે. "કિતાબુલ ઝઝકાત” ના આરંભમાં હઝરત મઆઝ રદિ.ની હદીસ પસાર થઈ ચૂકી છે. જેમાં ઝકાત વિષે ઈર્શાદ ફરમાવવામાં આવ્યો છે કે તેમના માલદારો પાસેથી વસુલ કરી ફકીરોને આપવામાં આવે.
મિસ્કીન:– તે જરૂરતમંદ લોકો જેમની પાસે પોતાની જરૂરતો પુરી કરવા માટે કંઈ જ ન હોય અને બિલ્કુલ ખાલી હાથ હોય.
આમિલીન :– એટલે ઝકાત વસુલ કરવાવાળાઓ, તે લોકો ભલે માલદાર હોય તો પણ તેમનું મહેનતાણુ અને વખતના બદલામાં ઝકાતમાંથી આપી શકાય છે. રસૂલુલ્લાહ સલ.ના સમયમાં એ જ રિવાજ હતો.
રિકાબ :- એટલે ગુલામો અને લોંડીઓને આઝાદ કરાવવા માટે પણ ઝકાતમાંથી વાપરી શકાય છે.
કરજદારોઃ જે લોકો પર માલનું દબાણ આપવી પડયું હોય, જેને વેઠવાની તેમનામાં શકિત ન હોય, જેમકે તેમની હૈસીયતથી વધુ કરજનો બોજ અથવા બીજુ કોઈ માલી નુકસાન તેવા લોકોની મદદ પણ ઝકાતના માલથી થઈ શકે છે.
અલ્લાહના રસ્તામાં :- ઘણા આલિમો અને ઈમામો એનાથી દીનની મદદ અને બચાવ કરવાનો અર્થ, એટલે અલ્લાહના કલિમાને બુલંદ કરવાની જરૂરતો પૂરી કરવી.
મુસાફિર :- એવા મુસાફર જેમને સફરમાં હોવાના કારણે મદદની જરૂરત હોય,
ઝિયાદ બિન હારિસ સુદાઈ રદિ.ની આ હદીસમાં જેના વિષે ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે તેમણે રસૂલુલ્લાહ સલ.ને દરખ્વાસ્ત કરી કે ઝકાતમાંથી મને કંઈ અર્પણ કરવામાં આવે તેમને જવાબ આપતાં રસૂલુલ્લાહ સલ.એ ફરમાવ્યું કે અલ્લાહે ઝકાતના આ આઠ ભાગે પોતે જ નક્કી કર્યા છે, જે તમારો તેમાંથી કોઈ એકમાં પણ સમાવેશ થશે તો હું તમને આપીશ. અને જો સમાવેશ નહીં થાય તો મને એ હક અને ઈખ્તીયાર નથી કે તેમાંથી હું તમને કંઈક આપી શકું. (અહિંયા ફકત હદીસને સમજવા માટે ખુલાસા રૂપે "મસારિફ" નું વર્ણન કરવામાં આવ્યું છે. વિગતવાર મસ્અલાઓ ફિકાહની કિતાબોમાં જોઈ લો, અથવા આલિમો અને મુફતીઓથી પૂછવામાં આવે.)
عَنْ أَبِي هُرَيْرَةَ قَالَ : قَالَ رَسُولُ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ : « لَيْسَ المِسْكِينُ الَّذِي يَطُوفُ عَلَى النَّاسِ تَرُدُّهُ اللُّقْمَةُ وَاللُّقْمَتَانِ ، وَالتَّمْرَةُ وَالتَّمْرَتَانِ ، وَلَكِنِ المِسْكِينُ الَّذِي لاَ يَجِدُ غِنًى يُغْنِيهِ ، وَلاَ يُفْطَنُ بِهِ ، فَيُتَصَدَّقُ عَلَيْهِ وَلاَ يَقُومُ فَيَسْأَلُ النَّاسَ » (رواه البخاري ومسلم)
તરજુમાઃ- હઝરત અબૂ હુરૈરહ રદિ.થી રિવયાત છે કે રસૂલુલ્લાહ સલ.એ ફરમાવ્યું: અસલી મિસ્કીન (જેની સદકાથી મદદ કરવી જોઈએ) તે નથી જે (માંગવા માટે) લોકો પાસે આવે છે. (ઘેર ઘેર ફરે છે. અને ભીખારીઓ માફક ચક્કર લગાવે છે.) અને જયારે એક બે લુકમા અથવા ખજૂરો (તેના હાથમાં મુકવામાં આવે છે તો) લઈને ચાલ્યો જાય છે બલકે ખરો નાદાર તે માણસ છે જેની પાસે પોતાની જરૂરતો પુરી કરવાના સાધનો નથી (અને તે પોતાની હાલત લોકોથી છુપાવે છે એટલા માટે) કોઈને તેની નાદારીનું ભાન થતું નથી કે સદકાથી તેની મદદ કરે, અને તે બહાર નિકળી લોકો પાસે માંગતો પણ નથી.(બુખારી, મુસ્લિમ)
ખુલાસો :- હદીસનો ભાવાર્થ એ છે કે તે ધંધા દારી ભીખારી જે દરદર ફરી લોકો પાસે ભીખ માંગે છે ખરા નાદાર અને સદકાના ખરા હકદાર નથી હોતા, બલકે સદકા માટે એવા ઈઝઝતદાર જરૂરમંદોને શોધવા જોઈએ જેઓ શરમ અને લાજ ના કારણે નફસની સફાઈના કારણે લોકો પર પોતાની જરૂરત જાહેર કરતા નથી. અને ન કોઈની પાસે માંગે છે. એ જ લોકો ખરા નાદાર છે. જેમની સેવા અને મદદ ઘણી જ ઉમદા અને સારો અમલ છે.
عَنْ عَبْدِ اللَّهِ بْنِ عَمْرٍو قَالَ : قَالَ رَسُولُ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ « لَا تَحِلُّ الصَّدَقَةُ لِغَنِيٍّ ، وَلَا لِذِي مِرَّةٍ سَوِيٍّ » (رواه الترمذي وأبو داود والدارمي)
તરજુમા:- હઝરત અબ્દુલ્લાહ બિન અમ્ર રદિ.થી રિવાયત છે કે રસૂલુલ્લાહ સલ.એ ફરમાવ્યું માલદાર અને તંદુરસ્ત માણસ માટે ઝકાત હલાલ નથી.
عَنْ عُبَيْدِ اللَّهِ بْنِ عَدِيِّ بْنِ الْخِيَارِ ، قَالَ : أَخْبَرَنِي رَجُلَانِ : أَنَّهُمَا أَتَيَا النَّبِيَّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ فِي حَجَّةِ الْوَدَاعِ ، وَهُوَ يُقَسِّمُ الصَّدَقَةَ ، فَسَأَلَاهُ مِنْهَا ، فَرَفَعَ فِينَا الْبَصَرَ وَخَفَضَهُ ، فَرَآنَا جَلْدَيْنِ ، فَقَالَ : « إِنَّ شِئْتُمَا أَعْطَيْتُكُمَا ، وَلَا حَظَّ فِيهَا لِغَنِيٍّ ، وَلَا لِقَوِيٍّ مُكْتَسِبٍ » (رواه ابوداود والنسائى)
તરજુમા:- હઝરત ઉબૈદુલ્લાહ બિન અદી તાબીઈ રહ. નકલ કરે છે કે મને બે માણસો એ બતાવ્યું કે તેઓ હજ્જતુલ વિદાઅમાં રસૂલુલ્લાહ સલ.ની સેવામાં હાજર થયા તે સમયે આપ સલ. ઝકાતનો માલ વહેંચી રહ્યા હતા, તો અમે બંનેવે પણ તેમાંથી કંઈક માંગ્યું આપ સલ. એ ઉપરથી નીચે સુધી અમને જોયા તો અમને તંદુરસ્ત અને મજબૂત જોયા, પછી ફરમાવ્યું કે તમે ઈચ્છો તો હું આપી દઉં (પરંતુ એવું સમજી લો) કે આ માલમાં માલદારો અને એવા તંદુરસ્ત લોકોનો ભાગ નથી જેઓ કમાવાની શકિત ધરાવતા હોય.
ખુલાસો :- આ બન્નેવ હદીસોમાં માલદારથી તે માણસ છે જેની પાસે ખાવા પહેરવાનો સામાન મોજુદ હોય, અને અત્યારે તેને એની જરૂરત ન હોય, એવા માણસને જો તે સાહિબે નિસાબ ન હોય અને ઝકાત આપવામાં આવે, તો ભલે અદા થઈ જશે, પરંતુ તેણે પોતે ઝકાત લેવાથી બચવું જોઈએ, એ જ મુજબ જે માણસ તંદુરસ્ત હોય અને મહેનત મજુરી કરી રોજી કમાઈ શકતો હોય, તેણે પણ ઝકાત લેવાથી બચવું જોઈએ, ખરી રીત તો એ જ છે. અને આ હદીસોમાં એ જ કાયદાની સુચના આપી છે પરંતુ ખાસ હાલતોમાં એવા લોકોએ પણ ઝકાત લેવાની ગુંજાઈશ છે એટલા જ માટે ઉબૈદુલ્લાહ બિન અદી રદિ.વાળી હદીસમાં આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે એ તે બન્નેવ સાથીઓને ફરમાવ્યું કે જો તમે લેવા ઇચ્છો તો આપી દઇશ. إن شئتما أعطيتكماજેની સાથે મતભેદ હોય, એના વિશે ખોટું બોલવા - વિચારવાથી સાવચેત રહો.
હઝરત અકદસ શૈખુલ હદીસ મવલાના ઝકરિયા રહ.ની કિતાબ 'ઈસ્લામી સિયાસત'નો ક્રમશ અનુવાદ મુફતી ફરીદ અહમદ કાવી.
ઝબાનની હિફાજતનો હુકમ
હઝરત મુઆઝ રદિ.ને એકવાર નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે અમુક નસીહતો કરી. પછી ફરમાવ્યું કે, આ બધા કામો કરવા સરળ કરી દે એવી એક પાયાની વાત બતાવું? એમણે અરજ કરી કે જરૂર બતાવો. નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે ઝબાન તરફ ઇશારો કરીને ફરમાવ્યું કે, 'તે આ વસ્તુ છે.' એટલે કે તમારી ઝબાનને કાબૂમાં રાખો.
હઝરત મુઆઝ રદિ.એ અરજ કરી યા રસૂલલ્લાહ ! શું અમારી ઝબાનના કારણે પણ અમારો હિસાબ લેવામાં આવશે? હુઝૂર સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે ફરમાવ્યું : માણસને એની ઝબાનની ખેતી જ નાક રગડીને જહન્નમમાં લઈ જાય છે. (હાકિમ, મિશ્કાત)
એટલે કે જેવી રીતે દાંતરડા વડે ખેતી - ઘાસ કાપીને એક જગ્યાએ ભેગું કરવામાં આવે છે, એમ આ ઝબાન કારત વાતો કરી કરીને માણસના આમાલ નામું ભરે છે. આ દુખદ વાસ્તવિકતા છે કે આપણે દીનના અન્ય કામોની જેમ ઝબાન બાબતે પણ ઘણી જ બેદરકારી દાખવીએ છીએ. હાલાંકે ઝબાનની બાબત સૌથી મહત્વની છે. પણ આપણી ઝબાન આપણા કાબૂમાં રહેતી જ નથી. દરેક માણસ બેધડક જેમ ચાહે તેમ બીજા ઉપર આરોપ લગાવી દે છે. કોઈને વિચાર નથી આવતો કે બીજાઓ ઉપર જે આરોપ લગાવવામાં આવે છે, કોઈ હાકેમની અદાલતમાં એને પુરવાર કરવાની જવાબદારી પણ આપણા માથે આવવાની છે.
કાન, આંખ, દિલ, દરેક વિશે સાવચેતી રાખવાનો હુકમ
આપણા લોકોની સ્થિતિ આ છે કે અત્યંત બેબાકીથી મરજી હોય એને અંગ્રેજોનો પગારદાર, સી.આઈ.ડી. કે એજન્ટ કહી દઈએ છીએ. અથવા જેના વિશે દિલ કરે એને કોંગ્રેસનો નોકર અને મજૂર ગણાવી દઈએ છીએ. અલ્લાહ તઆલા ફરમાવે છે :
જે બાબતે તને ખબર ન હોય, એની પાછળ ન પડ. બેશક કાન, આંખ અને દિલ, આ દરેક વસ્તુ વિશે (કયામતના દિવસે) હિસાબ લેવામાં આવશે અને ધરતી ઉપર ઘમંડ કરીને ન ચાલ, (આમ જમીન ઉપર જોરથી પગ મુકીને ચાલવાથી) તું જમીનને ફાડી શકવાનો નથી કે(શરીરને તાણીને ચાલવાથી) પહાડોની ઉચાઈએ પહોંચી શકવાનો નથી. આ બધા બુરા કામો તારા પરવરદિગારને નાપસંદ છે. આ બધી વાતો એ હિકમતનો એક ભાગ છે, જે વહી દ્વારા પરવરદિગારે તમારા ઉપર ઉતારી છે. (બની ઈસરાઈલઃ૩૬)
આ આયતમાં કાન, આંખ, દિલ, દરેક વિશે સાવચેતી રાખવાનો હુકમ છે, દિલમાં પણ કોઈના વિશે નિરાધાર આરોપને સ્થાન આપવું ખોટું કામ છે.
મતભેદ થાય ત્યારે સામેવાળાને સ્વાર્થી કહી દેવું ગુસ્તાખી છે.
જે માણસ પણ આપણી સાથે મતભેદ રાખતો હોય, એને સ્વાર્થી કહેવો, માલ કે મરતબાનો લાલચી હોવાનો આરોપ લગાવવો, મોટી જવાબદારીની વાત છે. શું આ શક્ય નથી કે એના મતે દીનના એતેબારથી, અથવા મુસલમાનોની ભલાઈ, કામ્યાબી માટે એ જ રીત મુનાસિબ હોય, જે એ કહી રહયો છે. માની લઈએ કે આપણા મતે એ રીત ખતરનાક અને ઘણી નુકસાનકારક છે. પણ વિચારીએ કે, આપણી પાસે કોઈ વહી નથી કે આપણો જ રસ્તો હક છે. ખરા - ખોટા હોવાની શકયતા બંને તરફ છે. અને માની લઈએ કે આપણે કહીએ છીએ એ જ રીત હક હોવાની નક્કી છે, તો પણ જરૂરી નથી કે સામે વાળા માણસે બુરી નિય્યતે કે સ્વાર્થના કારણે એ રસ્તો અપનાવ્યો છે. શકય છે કે નિય્યતમાં સાચો હોય, પણ ભૂલ કરી રહ્યો હોય. માટે આપણા ઉપર જરૂરી થઈ પડે છે કે એમને સમજાવીએ મુસલમાનની શામ મુજબ ઇસ્લામી અબ્લાક એને પોતાનો દોસ્ત બનાવીએ. એના ઉપર સાચા - ખોટા આરોપ લગાવીને હળપળ એની ગીબતમાં લાગ્યા રહેવું અને એને તકલીફ પહોંચાડવાની ફિરાકમાં રહેવું ખોટું છે. અલ્લાહ તઆલાનો ઇરશાદ છે :
જે લોકો મોમિન મરદો અને મોમિન ઓરતોને, એમણે કંઈ ગુનો ન કર્યો હોય છતાં તકલીફ આપે છે, તેઓ બોહતાન અને સ્પષ્ટ ગુનો આચરી રહયા છે. (સૂરએ અહઝાબ: ૫૮)
એકવાર નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે પૂછયું કે, જાણો છ, મુફલિસ કોણ હોય છે ? સહાબા રદિ.એ ઉત્તર આપ્યો કે, અમે તો મુફલિસ એવા માણસને કહીએ છીએ જેની પાસે કોઈ પૈસો કે સામાન ન હોય. હુઝૂર સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે ફરમાવ્યું : મારી ઉમ્મતનો મુફલિસ માણસ તે હશે જે કયામતના દિવસે ઘણા બધા રોઝાઓ, ઝકાત વગેરે ઇબાદતો લઈને આવશે. પરંતુ એણે કોઈને ગાળો આપી હશે, કોઈના ઉપર બોહતાન – જૂઠા આરોપ લગાવ્યા હશે, કોઈનો માલ નાહક ખાધો હશે, કોઈનું ખૂન કર્યું હશે, કોઈને માર્યો હશે.. એટલે અમુક નેકીઓ આ માણસ લઈ લેશે, અમુક બીજો માણસ લઈ લેશે, અને પછી જયારે નેકીઓ ખતમ થઈ જશે પણ હકદારોનો હક બાકી હશે તો એના હક મુજબના ગુનાહો આ માણસ ઉપર નાખી દેવામાં આવશે.
સાચો મુફલિસ આ જ છે, કારણ કે નેકીઓનો ઘણો મોટો ઢગલો લઈને તે આખિરતમાં પહોંચ્યો, પણ પરિણામ એ આવ્યું કે બીજાઓના ગુનાહો પણ એના માથે આવી પડયા.
ગીબત અને બોહતાનમાં ફરક
એકવાર નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે પૂછયું કે, શું તમે જાણો છો ? ગીબત શું છે? સહાબા રદિ.એ અરજ કરી કે અલ્લાહ અને એના રસૂલ વધારે જાણે છે. આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે ફરમાવ્યું: કોઈ માણસ વિશે એવી વાત કરવી જે એને પસંદ ન હોય. કોઈએ કહ્યું કે તે એબ એ માણસમાં સાચે જ મોજૂદ હોય તો ? આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે ફરમાવ્યું : ત્યારે જ તો એ ગીબત છે. જો તેનામાં એ એબ ન હોય, છતાં એના વિશે એવું કહેવામાં આવે તો એ ગીબત નથી, બલકે એનાથી વધીને બોહતાન આરોપ છે. (તરગીબ)
હા, એટલી વાત જરૂરી છે કે કોઈના એબનું વર્ણન ફક્ત એના એબ બુરાઈ જાહેર કરવા માટે જ હોય તો ગુનો છે. અગર કોઈ દીની ફાયદો અને મસ્લેહતના કારણે માણસની એબ કે બુરાઈ બતાવવી જરૂરી હોય તો વાંધો નથી. આમ છતાં કોઈના વિશે એવી વાત કહેવી જે વાસ્તવમાં એ માણસમાં હોય જ નહીં તો અલ્લાહ તઆલા એને જહન્નમના એવા ભાગમાં કેદ કરશે જયાં અહલે જહન્નમનો પસીનો, લોહી, પરું વગેરે ભેગું થતું હશે. (તરગીબ)
સાચી વાત આ છે કે આપણી ઝબાન કાબૂમાં નથી રહેતી, જે માણસ વિશે, મનમાં આવે અને ફાવે તેમ કહી દઈએ છીએ, હાલાં કે ઝબાનની હિફાઝત ઘણી જરૂરી છે. એક સહાબી રદિ.એ નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમને પૂછયું કે, મને કોઈ એવી વાત બતાવી દયો, જેને મજબૂત પકડી રાખું. આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે ઝબાન તરફ ઈશારો કરીને ફરમાવ્યુંઃ આ વસ્તુને કાબુમાં રાખો.
એક બીજા સહાબીએ આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમને પૂછયું કે કઈ વસ્તુથી બચું ? આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે ફરમાવ્યુંઃ ઝબાનથી.
હદીસ શરીફમાં આવે છે કે જે લોકો માણસોની મઝાક ઠેકડી ઉડાવે છે એમના માટે કયામતમાં જન્નતનો એક દરવાઝો ખોલવામાં આવશે, દરવાઝામાંથી દરેક માણસ એને બોલાવશે કે જલદીથી અંદર આવી જા. આ માણસ ઘણી તકલીફમાં હશે, એટલે જેમ તેમ કરીને દરવાજે પહોંચશે, કે તુરંત દરવાઝો બંધ કરી દેવામાં આવશે. અને તુરંત બીજો દરવાઝો ખોલવામાં આવશે. ત્યાંથી પણ એને અંદર આવવાનું કહેવામાં આવશે. અને આ માણસ ઘણી તકલીફ ઉઠાવીને દરવાજે પહોંચશે કે દરવાઝો બંધ કરી લેવામાં આવશે. અને ત્રીજો દરવાઝો ખોલવામાં આવશે. આમ વારંવાર એની સાથે થતું રહેશે. એટલે સુધી કે તે માણસ છેલ્લે માયૂસ થઈને ખુલતા દરવાઝા પાસે જવાની હિમ્મત પણ નહીં કરે. (તરગીબ)
કોઈની ઠેકડી ઉડાડવાનો આ બદલો છે, કયામતના દિવસે એની સાથે આવી રીતે મજાક કરવામાં આવશે. અમુક લોકો નાની અને સામાન્ય બાબતે પણ બીજા મુસલમાનની મઝાક ઉડાવે છે, એમના કાર્ટૂન બનાવે છે, એમની બુરાઈમાં શાયરી લખે છે... એવા લોકોએ કદી એકાંતમાં બેસીને વિચારવું જોઈએ કે કયામતના દિવસે એમનો શું અંજામ થવાનો છે ?
નબવી સામાજિક સુધારાઓ અને આપણી સ્થિતિની સમીક્ષા
નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમને દુનિયામાં નબી બનાવીને મોકલવા પાછળ અલ્લાહ તઆલાનો શું મકસદ હતો ? માનવ સમાજને શું ભલાઈ શીખવાડવાનો આશય હતો અને કઈ બુરાઈઓની સફાઈ કરવાનો ધ્યેય હતો?
જે ખૂબીઓ, સંસ્કારો, સારા રિવાજો અને ઉચ્ચ પરંપરાઓ નબવી તાલીમ થકી અલ્લાહ તઆલાએ ઉમ્મતને આપ્યા હતા, અને જેના ઉપર એક આદર્શ સમાજની કેળવણી કરીને નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ નમૂનો આપીને ગયા હતા, આપણે એ નમૂના ઉપર કાયમ છીએ કે નહીં? કાયમ છીએ તો કેટલી હદે ? અને ભટકી ગયા છે તો કેટલા અંશે ? કયી બાબતમાં આપણે રાહ ભૂલી ગયા છીએ?
મુસલમાનોએ આ બાબતે પોતાના સમાજની ચકાસણી કરતા રહેવું જરૂરી છે કે નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ જે બુરાઈઓ અને ખોટા રિવાજા – પ્રથાઓ કે ગુનાહો ખતમ કરીને એના સ્થાને ભલાઈ અને નેકીની પરંપરા શીખવાડીને ગયા હતા એનો શું હાલ છે ? કયાંક એવું તો નથીને કે ફરી પાછી બુરાઈઓ આપણા અંદર આવી ગઈ હોય? આપણે નેકીઓના બદલે ફરી પાછા બુરાઈના રસ્તે જઈ રહયા હોય?
અશ્લીલતા અને નગ્નતા, એ સમયે સામાન્ય હતી. એટલી બધી કે અમુક લોકો નગ્ન થઈને કાબા શરીફનો તવાફ કરતા હતા. આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે આ નગ્નતા અને અશ્લીલતા ખતમ કરીને ફકત તવાફ પૂરતી નહીં, સામાન્ય જીવનમાં પણ સતર અને પરદાની પ્રથા લાગુ કરી.
જુગાર – સટ્ટો સામાન્ય બાબત હતી. હરમ શરીફમાં પણ જુગા રમતા હતા. નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે આ બધાની મનાઈ ફરમાવી. વ્યાજ સામાન્ય બાબત હતી, વેપાર અને કરજ - ઉધાર, બધા જ વહેવારમાં વ્યાજ સામાન્ય હતું. એના ઉપર પાબંદી લગાવી દીધી.
દારૂ અને નશાનું સેવન પણ સામાન્ય બાબત અને આદત હતી. બલકે દારૂના પ્રકારો, પીવાના વાસણો, એના સંગ્રહ અને પીવા – પીવડાવવા બાબતે ગર્વ કરવામાં આવતો હતો. નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે દારૂ અને દરેક નશાની સદંતર મનાઈ ફરમાવી. અને આખા સમાજને દારૂ – નશાના વ્યસનથી પાક કરી દીધો.
વંશ, ભાષા, પ્રદેશ, કોમ, કબીલા આધારિત ભેદભાવ, અભિમાન અને વાડાબંધી પણ એમની સંસ્કૃતિનો ભાગ હતો. એક બીજાથી ચડિયાતા હોવાનું અને પુરવાર કરવામાં હોડ લાગતી હતી. આ બધું ખતમ કરીને નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે એક નવું માપદંડ બતાવ્યું: નેકી અને તકવાનું. એલાન કરવામાં આવ્યું કે હવે સમાજમાં સૌથી વધારે મોભાદાર માણસ એ જ કહેવાશે જે સૌથી વધારે પરહેઝગાર અને નેક હોય.
દીકરીનો જન્મ બદનામીનો સબબ સમજતા હતા. બોજ ગણતા હતા. બાપ ચાહે તો એને જીવતી રાખતો નહીંતર મારી નાખતો હતો. નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે બેટીને જીવંત રહેવાનો અધિકાર પણ આપ્યો અને ઈઝઝત – સન્માન પણ આપ્યું.
નાચ ગાનને કળા સમજતા હતા. સંસ્કાર – સંસ્કૃતિનો એક ભાગ હતો. એના થકી પરાયાં સ્ત્રી - પુરૂષો મનોરંજન માણતા હતા. નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે આ અતિ ખરાબ કૃત્યને હરામ ઠેરવ્યું અને ફરમાવ્યું કે મને નબી બનાવીને મોકલવાનો એક મકસદ આ પણ છે કે હું નાચ-ગાનના સાધનો અને વાજિંત્રો તોડું.
કમાણી અને માલ બાબતે હલાલ - હરામનો કોઈ ફરક લોકોમાં બાકી રહ્યો ન હતો. દરેકનો પોતાનો કાયદો અને નિયમ હતો. શકિતશાળી માણસોએ લોકોનો માલ હજમ કરવા નવી રીતો અને અજીબ તરીકાઓ ઘડી કાઢયા હતા. નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે હલાલ હરામની સમજ આપવાની સાથે આ બાબતે સ્પષ્ટ નિયમો દર્શાવ્યા અને બીજાનો માલ હરામ રીતે ખાવાને જહન્નમની આગ ખાવા સમાન બતાવ્યું.
યતીમ બાળકો અને ઓરતો વિશેષ રૂપે સમાજમાં મઝલૂમ હતાં. એમના અધિકારોની કોઈ કલ્પના કે વિચાર જ કોઈને હતો નહીં. નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે આવા કચડાયેલા અને નિસહાય લોકોને ઝુલમથી નજાત અપાવી અને એમના અધિકારો –હકો નક્કી કર્યા.
લોકોમાં સ્વાર્થ અને મતલબીપણું હદથી વધારે હતું. પોતાના લાભસ્વાર્થ સામે હક કે નાહક કંઈ પણ જોતા ન હતો. કોઈને નુકસાન થાય તો થાય પણ મારો સ્વાર્થ અને લાભ સધાવો જોઈએ. આ બુરાઈના તોડ સ્વરૂપે નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે દીર્ઘકાળી નસીહતો અને ઉપાયો અમલમાં મુક્યા હતા. હિજરત કરીને આવનાર મક્કાના લોકોને મદીનાના લોકોના ભાઈ કરાર દેવામાં આવ્યા. અને મદીનાના લોકોએ આ બંધુત્વને એટલે સુધી અમલમાં મુકયું કે એમને પોતાની સંપત્તિમાં પણ ભાઈની જેમ બરાબર ભાગીદાર સમજયા. નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની નસીહત છે : બધા મોમિનો ભાઈ-ભાઈ છે. એટલે કે બીજાની વસ્તુને પોતાની અથવા પોતાના ભાઈની વસ્તુ સમજીને સાચવો. હડપ કરવા, પચાવી પાડવા કે એને નુકસાન કરવાનો પ્રયત્ન ન કરો.
સમાજને સર્વગ્રાહી રીતે અસર કરતા આ અમુક સુધારાઓ છે. નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે ૨૩ વરસના સમયગાળામાં આ બધું કરી બતાવ્યું. ઇતિહાસમાં આટલા ટુંકા સમયમાં આવી ક્રાંતિ અને ઈન્કિલાબનું કોઈ ઉદાહરણ નથી. પરંતુ....
અફસોસ આ વાતનો છે કે આજે ઉપર વર્ણવવામાં આવેલ ઘણી બધી ગુનાહની રસમો – અને પરંપરાઓ ફરી આપણા સમાજમાં આવી રહી છે. લોકો દુનિયાની લાલચે કે લાગણીઓમાં તણાયને દીનને કુરબાન કરી દે છે અને ગુનાહના કામોને ગળે લગાડે છે. સમાજના દરેક સભ્યની જવાબદારી છે કે સમાજને એનાથી પાક કરવા માટે પોતાનાથી બનતી દરેક પ્રકારની મહેનત કરે.
કુઝૂલ ખર્ચ અને પૈસાનો દુરૂપયોગ એટલે શું ?
ફુઝૂલ ખર્ચ, પૈસા અને સંપત્તિનો દુરૂપયોગ.. એક બુરી આદત અને કુટેવ ગણાય છે. વ્યકિતગત વસ્તુઓ ઉપરાંત સામુહિક અને રાષ્ટ્રીય સંપત્તિઓમાં પણ આ બાબત લાગુ પડે છે. કુદરતે આપેલ બેહિસાબ નેઅમતોમાં પણ માણસ ફુઝૂલ ખર્ચી કરે છે અને એનો દુરૂપયોગ કરે છે. પણ.. ફુઝૂલ ખર્ચી, એક એવો શબ્દ અને એવું કામ છે જેને અલગ અલગ માણસો જુદી જુદી રીતે જૂએ અને વર્ણવે છે. કોઈક પ્રકારનો ખર્ચ એક માણસના મતે જરૂરી હોય છે તો બીજા માણસ એને બિનજરૂરી ખર્ચ કહીને ફુઝૂલખર્ચીમાં ગણવાનો આગ્રહ કરે છે. આવી સ્થિતિમાં અમુક માણસોને કન્ફયુઝન થાય છે કે આખર સહી અને સાચો ઉપયોગ શું છે અને ફુઝૂલ ખર્ચ કે દુરૂપિયોગ કયારે કહેવાશે ? આજે આપણે આ બાબતને સમજવાની કંઈક કોશિશ કરીશું..
આપણે પહેલેથી એમ સાંભળતા અને સમજતા આવીએ છીએ કે ઘર સંસાર, કારોબાર વગેરે બધું દુનિયાના કામો છે. એટલે એમાં વાપરવામાં આવતા પૈસાને 'ઈસ્રાફ' ફુઝૂલખર્ચ અથવા બેકાર ખર્ચા સમજીએ છીએ. ઘણા એવા લોકો પણ હોય છે જે શકિત હોવા છતાં એમના બાળકોને પીકનીક કે ફરવા લઈ જવાને પણ ફુઝૂલ ખર્ચ સમજે છે. આમ સમજવું ખોટું છે. ઘરવાળાઓ પાછળ જરૂરત મુજબ ખર્ચ કરવો, કારોબાર વિકસાવવો અને એમાં જરૂરત મુજબ પૈસો નાખવો ફુઝૂલ ખર્ચ નથી. દીની અને દુન્યવી બંને રીતે જરૂરી ખર્ચ છે અને એમાં કોઈ ગુનો કે બુરાઈ નથી. આપણે એક ઉદાહરણથી સમજીએ...
એક માણસને રહેવા માટે ઘરની જરૂરત છે. આ માટે એક ઝુંપડી બનાવીને રહેવાની વ્યવસ્થા કરી લે તો એનાથી જરૂરત પૂરી થઈ શકે છે, અને કોઈ માણસ આમ કરે તો જાઈઝ પણ છે.. પરંતુ માણસ એમ ઇચ્છે કે રહેવા – સહેવા સાથે થોડી રાહત પણ મળે, એટલે એક પાકું મકાન બનાવે છે, ઈટ અને સિમેન્ટથી ચણીને પ્લાસ્ટર સાથેનં મકાન બનાવે છે.માણસ એમ વિચારે છે કે મજબૂત ઘર હોય તો કોઈ ચિંતા ન રહે. અને જરૂરતો આસાનીથી પૂરી થતી રહે. આમ કરવું પણ જાઈઝ છે અને એમાં કોઈ ઇસ્રાફ કે ફુઝૂલ ખર્ચી નથી. એનાથી આગળ વધીને કોઈ માણસ એમ ઇચ્છે કે રહેવા સહેવા અને આરામ – સહૂલત સાથે થોડું સારું લાગે, અને ખૂબસૂરત દેખાય એવું ઘર હોવું જોઈએ, એટલે ઘરને કલર કરાવે છે, મારબલ કે ટાઇલ્સ લગાવે છે, કોઈ રૂમમાં કારપેટ બિછાવે છે તો આ પણ ફુઝૂલ ખર્ચ નથી. માણસ આ બધું કર્યા વગર રહી શકે છે, જરૂરત પૂરી કરી શકે છે, પણ ચાહે છે કે મારું ઘર સારું દેખાય, મને પણ સારું લાગે, રાહત અનુભવાય.. અને માણસ પાસે એટલી શકિત પણ છે તો કોઈ વાંધો નથી. શરીઅત એને આમ કરવાથી રોકતી નથી અને આવો ખર્ચ ઈસ્રાફ કે દુરૂપયોગમાં શામેલ નથી.
આ બધાથી આગળ વધીને એક દરજો દેખાડા અને પ્રદર્શનનો છે. એટલે કે માણસનો મકસદ ઘર બનાવવા પાછળ કે એને શણગારવા પાછળ લોકોને દેખાડવાનો હોય, લોકો સામે પોતાની માલદારી વગેરેનું પ્રદર્શન કરવાનો હોય તો આવો ખર્ચ ઇસ્રાફ છે અને ફુઝૂલ ખર્ચ ગણાશે. શરીઅત એના વિશે મના કરે છે અને આવા ખર્ચા કરનારને શયતાનના ભાઈ ગણાવે છે.
આવું જ કપડાં અને જરૂરતની અન્ય વસ્તુઓ જેમ કે સવારી વગેરે બાબતે કહી શકાય છે. એક હદીસમાં છે કે જો માણસને અલ્લાહ તઆલાએ માલદારી આપી હોય તો એ માણસ ઉપર દેખાવી જોઈએ. ઇસ્લામ એમ નથી કહેતો કે માલદાર હોવા છતાં શરીરે ફાટેલા - ઠીંગડા મારેલા કપડાં પહેરીને ફરો. તૂટેલી ચપ્પલ અને ફાટેલા જોડા પહેરો. આ સાદગી અને બચત નથી બલકે નાદાની છે.
મુળ વાત એ છે સાદગી, ફુઝૂલ ખર્ચી, જેવા અમુક શબ્દોનો ખોટો મતલબ માણસના દિમાગમાં બેસી જાય છે અને માણસ એને વળગી રહે છે. પરિણામે કાં તો પોતે તકલીફમાં પડે છે અથવા અન્યો પ્રત્યે બદગુમાની કરે છે.
અલ્લાહની મુહબ્બત
કુરઆનમાં અલ્લાહ તઆલા ફરમાવે છે :
અલ્લાહનો ઈન્કાર કરનાર લોકો અલ્લાહ તઆલા પ્રત્યે જેટલી મુહબ્બત રાખે છે એવી જ એમના માબૂદો સાથે પણ રાખે છે. આવું કેમ ચાલે ? ઈમાન વાળા લોકો ફકત એક અલ્લાહ તઆલાથી મુહબ્બત કરે છે અને તે પણ ઘણી વધારે મુહબ્બત ધરાવતા હોય છે.
એટલે માણસે પોતાના દિલને તપાસવું જોઈએ, શું તેમાં અલ્લાહ તઆલાની મુહબ્બત છે ? જો નથી તો એના માટે કોશિશ કરો. દિલમાં અલ્લાહ તઆલાની મુહબ્બત કેવી રીતે પૈદા કરી શકાય તેના તરીકા અત્રે વર્ણન કરવામાં આવે છે, તે પહેલાં એક વાત સમજવી જરૂરી છે, માટે પ્રથમ તેનો ખુલાસો કરવામાં આવે છે, ઘણાં લોકો સમજે છે કે અલ્લાહ સાથે મુહબ્બત આપણા ઈખ્તિયારમાં નથી, તો પછી એના માટે કોશિશ કે તદબીર અપનાવવાનો શું મતલબ ? તો તેનો જવાબ આ છે કે મુહબ્બત આપણા ઈખ્તિયારમાં નથી, પરંતુ એના માટે કોશિશ તો આપણે કરી શકીએ છીએ, જો આપણે કોશિશ અને મેહનત કરીશું તો ઈન્શાઅલ્લાહ તેનું ફળ જરૂર મળશે, અલ્લાહ તઆલાએ દરેક વસ્તુ પ્રાપ્ત કરવાની તરકીબ બતાવી છે, અલ્લાહ તઆલાની મુહબ્બત હાસીલ કરવાની તરકીબો નીચે મુબજ છે.
(૧) દરરોજ થોડીક વાર(પંદર વીસ મીનીટ કેમ ન હોય) એકલામાં આ નિયતથી બેસી અલ્લાહ તઆલાને યાદ કરી ઝીક્ર કરવો જોઈએ કે આના થકી અલ્લાહની મુહબ્બત હાસીલ થશે.
(૨) દરરોજ એકાંતમાં બેસી અલ્લાહ તઆલાએ આપણને આપેલ નેઅમતોને ધ્યાનમાં લાવવી જોઈએ અને સોચવું જોઈએ કે આ નેઅમતોના બદલામાં આપણા આમાલ અને વ્યવહાર અલ્લાહ તઆલા સાથે કેવાં છે ? આપણે એનો શુક્ર અદા ન કરતા, તેમ છતાં પણ અલ્લાહ તઆલા આપણને નેઅમતો આપે છે.
(૩) અલ્લાહ તઆલાના મહબૂબ બંદા(નેક લોકો, અવલિયા) વગેરે સાથે તઅલ્લુક(સંબંધ)બનાવવામાં આવે, તેમની ખિદમતમાં હાજર થવું મુશ્કેલ અને કઠિન હોઈ તો તેમના સાથે પત્ર વ્યવહારથી સંબંધ રાખે, યાદ રાખો કે અલ્લાહ વાળાઓ પાસે પોતાના વ્યકિતગત ઝઘડાઓ લઈને ન જાય, તેમજ દુનિયા પ્રાપ્ત કરવાની નિયતથી પણ ન જાય, આ તો પોતાના સ્વાર્થ અને મતલબ – ફાયદાની સોહબત છે. એક રીતે આ બુઝુર્ગોની નાકદરી છે. એનાથી માણસનો મકસદ કદાચ હલ થઈ જાય, પણ બુઝુર્ગોથી જે મુળ ફાયદો મેળવવાનો છે, એનાથી માણસ મહરુમ રહે છે. એટલે બુઝુર્ગોની ખિદમતમાં હાજર થઈ અલ્લાહ સુધી પહોંચવાનો માર્ગ પુછે અને પોતાની બાતિની બિમારી સંબંધિત જાણ કરી તેનો ઈલાજ પુછવો જોઈએ.
(૪) અલ્લાહ તઆલાના બધા હુકમોનું પાલન કરવું જોઈએ, કારણ કે જેના હુકમોનું પાલન કરવામાં આવે છે, તેની મુહબ્બત દિલમાં પૈદા થાય છે.
(૫) દુઆઓમાં અલ્લાહ તઆલાની મુહબ્બત માંગવામાં આવે.
આ પાંચ રીતે કોશિશ કરવામાં આવે, ઈન્શાઅલ્લાહ થોડાક જ દિવસોમાં અલ્લાહની સાચી મુહબ્બત પ્રાપ્ત થશે અને બાતિની બિમારીઓ દુર થઈ જશે.
એક બુઝુર્ગ નદી કિનારે એક વીંછીને પાણીમાં ડૂબવાથી બચાવવાની કોશિશ કરતા હતા. તેઓ એને પાણીમાંથી જમીન ઉપર લાવવા હાથમાં લેતા કે તુરંત તે વીંછી હાથે ડંખ મારતો અને પાછો પાણીમાં જઈને તરફડતો. બુઝુર્ગ ફરીવાર એને હાથમાં લેતા અને તે ડંખ મારીને પાણીમાં જઈ પડતો. આમ વારંવાર થયું તો કોઈ ડોઢડાહ્યાએ બુઝુર્ગને કહયું કે શીદને આટલી બધી તકલીફ ઉઠાવો છો? પડતો મુકો એને! બુઝુર્ગે કહયું કે વીંછી પોતાનું કામ કરે છે અને હું મારું કામ કરું છું. એનાથી અકળાયને હું પણ એને પડતો મુકી દઉ તો પછી મારી જવાબદારી અને માણસાઈ કયાં ગઈ?
મુસલમાન કેવો હોય છે ?
મુસલમાનથી જયારે કોઈ ગુનો થઈ જાય તો તોબા વગર એને ચેન ન પડે.
કોઈનો હક મારવા - દબાવવાનો ગુનો હોય તો ભૂલ સ્વીકારીને એને સુધારી લે છે.
ભૂલ થાય તો વાંક બહાના બનાવીને પોતાને જ સારો - સાચો બતાવવું મુસલમાનનું કામ નથી. ભૂલ સ્વીકારવાથી માણસ વધારે મોટો બને છે.
કોઈ સાથે મામલો કરે છે તો પૂરી રીતે નિભાવે છે. ચાહે એમાં નુકસાન કેમ ન ઉઠાવવું પડે.
પોતાના સંબંધો સાચવે છે. સગાઓ સાથે.. દોસ્તો સાથે.. દરેક સાથે. શરીયતના હક વગર કોઈનાથી સંબંધ તોડતો નથી. બલકે અન્યો એના હક મારે કે સંબંધો તોડે તો પણ તે સિલા રહમી કરે છે. એનાથી જ તો મુસલમાનના જીવનમાં સુખ – ચેન રહે છે.
મુસલમાન જયારે કોઈને વાયદો કરે છે તો પૂરો કરે છે. વાયદો તોડવો મુસલમાનનું કામ નથી. વાયદો તોડવાથી સામે વાળાને તકલીફ પહોંચે છે. કોઈને તકલીફ પહોંચાડવી ગુનાહે કબીરહ અને હરામ છે.
મુસલમાન જયારે કોઈની સાથે વાત કરે છે તો પોતાના શબ્દો, રીત-ભાત, અંદાઝ અને શૈલીમાં શાલીનતા અને સભ્યતાનો ખ્યાલ રાખે છે. સારી વાત સારા અંદાઝમાં જ કરવાની હોય છે, એની તકેદારી રાખે છે.
મુસલમાન ઉપર કોઈ ઝુલમ કરે છે તો એવો બદલો લે છે કે બંને પક્ષો ખુશ રહે છે. એટલે કે માફ કરી દે છે.
મુસલમાનનું દરેક કામ બીજાને રાહત આપનારું હોય છે. કારોબાર હોય કે ઘર સંસાર, દરેક બાબતે તે સામેવાળાનો ખ્યાલ રાખે છે.
મુસલમાનને કોઈનો એબ નજર આવે તો આયનાની જેમ સુધારવાની કોશિશ કરે છે. જેમાં એબ હોય છે એને જ બતાવે છે. બીજાને કહીને બદનામ નથી કરતો.
મુસલમાન એના માં – બાપનો ખિદમતગાર હોય છે. એમને ખુશ રાખીને એમની દુઆઓ લે છે.
બીવી અને ઘરના સભ્યો માટે વડીલ અને મહેરબાન બનીને રહે છે. બાળકો અને બીવીને પોતાના નોકર નથી સમજતો. બીવી એના ઘરને માલિકણ હોય છે અને બાળકો એનું ભવિષ્ય હોય છે. તે બંનેની દીની તરબિયત અને દુન્યવી જરૂરતોનો ખ્યાલ રાખે છે.
કઝા નમાઝોની ફિકર
અલ્લાહ તઆલાને ઈરશાદ છે :
• નમાઝ કાયમ કરો મારી યાદ માટે.
• નમાઝ માણસને બુરાઈઓ અને ગુનાહોથી રોકે છે.
• મુસલમાનો ઉપર નક્કી સમયે નમાઝ પઢવી ફરજ છે.
એક હદીસમાં છે કે ઈસ્લામ અને કુફ્ર વચ્ચેનો મોટો ફરક નમાઝ છે. એટલે નમાઝને ફરજ સમજનાર મુસલમાન અને નમાજના ફરજ હોવાનો ઈન્કાર કરનાર કાફિર – બિનમુસ્લિમ છે.
રસૂલે કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમનો આદેશ છે કે જે વ્યકિત નમાઝ પઢવાનું ભુલી જાય અથવા નમાઝના સમયે ઉઘમાંથી ઉઠી શક્યો નહીં તો તેનો કફફારો એ છે કે જયારે પણ તેને તે યાદ આવે ત્યારે એ નમાઝ પઢી લેવામાં આવે. (સહિહ મુસ્લીમ)
મતલબ કે જીવનમાં જયારે પણ તે વ્યકિતને એની છુટેલી નમાઝ યાદ આવે તો તેને તે નમાઝ અદા કરવી પડશે.
ગઝવએ ખંદકના સમયે નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની અસરની નમાઝ કઝા થઈ તો આ૫ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે મગરીબ અને ઈશાંના વચ્ચે તેની કઝા કરી હતી.(સહીહ મુસ્લીમ)
નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમના આ અમલથી કઝા નમાઝોની અદાયગીની દલીલ ઉપરાંત કઝા નમાઝોની અહમ્મિયત પણ સ્પષ્ટ થાય છે કે કઝા નમાઝો ફક્ત તૌબા કરી લેવાથી માફ નહી થાય બલકે તે બધી નમાઝો ની અદાયગી પણ જરૂરી છે.
કઝાએ ઉમરીનો ગલત તરીકો
લોકોમાં આ વાત મશહુર છે કે જે વ્યકિત રમઝાન મહીનાના અંતિમ જુઅહના દિવસે એક ફર્ઝ નમાઝ કઝા પઢી લે તો તેની સીત્તેર વર્ષની કઝા નમાઝો નો બદલો થઈ જશે.
હદીષના વિદ્વાનોનું ફરમાન છે કે આ એક મનઘડત હદીસ છે. અને આજ કાલ મોબાઈલમાં આવી બનાવટી અને મનઘડત હદીસોના મેસેજ વધારે પ્રમાણમાં શેર – ફોરવર્ડ થતા રહે છે.
હદીશ શરીફના હુકમ અનુસાર જમાઅત સાથે નમાજ પઢવાથી પચ્ચીસ અને બીજી એક હદીસ અનુસાર સત્તાવીસ નમાઝો જેટલો સવાબ મળે છે. (સહીહ બુખારી) અને રમજાનુલ મુબારકમાં એક નફલ નમાઝનો સવાબ એક ફર્ઝ નમાઝ જેટલો અને એક ફર્ઝ નમાઝનો સવાબ સીત્તેર ફર્ઝ નમાઝો જેટલો મળે છે. અને મસ્જિદે નબવીમાં એક નમાઝ સવાબમાં પચાસ હજાર નમાઝો જેટલી અને મસ્જિદે હરામમાં એક નમાઝનો સવાબ એક લાખ નમાઝો જેટલો મળે છે.
પણ યાદ રાખવું જોઈએ કે જુદી જુદી અહાદીસમાં વર્ણવવામાં આવેલ આ બધી જ સૂરતોમાં માણસના માથેથી એક જ નમાઝનો ફરજ પૂરો થશે. એવી જ રીતે રમઝાનના અંતિમ જુમ્બહના દિવસે કોઈ પણ પ્રકારની નમાઝ વરસો વરસની કઝા થયેલી નમાઝોનો બદલો બની શકે નહીં. એવી જ રીતે તોબા કરી લેવાથી નમાઝ ને તેના સમય પર અદા ન કરવાનો ગુનોહ તો મુઆફ થઈ જશે, પરંતુ પુખ્તવયથી લઈ અત્યાર સુધીની બધી જ નમાઝોની કઝા માણસના માથે બાકી રહેશે. જયા સુધી તેને અદા કરી લેવામાં નહી આવે ત્યાં સુધી મુઆફ થશે નહી.
ખર્ચ અને બરકત
ઘણા લોકોને અલ્લાહ તઆલા તેમની જરૂરતથી વધારે માલ આપે છે, જો તે માણસ એ માલ વિશેના હકો અને ફરજો સારી રીતે અદા કરે છે, તો અલ્લાહ તઆલા તેમને આ સ્થાને બાકી રાખે છે, એટલે કે માલ-દોલત તેમના પાસે બાકી રહે છે. જેમ કે વખત પર ઝકાત આપતા રહે, નજીકના સગા–સંબંધીઓ, જરૂરતમંદ લોકો તેમજ ઉલમાએ કિરામ અને નેક લોકો સાથે સખાવત અને સદવર્તન કરતા રહે અને તેમની સહાય કરે.. વગેરે...
અને જો માલદાર લોકો આ હકો અદા કરવામાં લાપરવાહી કરે, જરૂરતમંદ અને સગા —સ્નેહીનો દૂર રાખે, આપવા અને સખાવતનો સ્વભાવ નથી બનાવતા તો ઘણીવાર એમ બને છે કે અલ્લાહ તઆલા તેમના પાસેથી માલ-દોલત છીનવી લે છે, અને આ સ્થાન બીજા કોઈ વ્યકિતને આપે છે.
આવા અનેક કિસ્સાઓ છે કે કોઈ માણસની દુકાન, ફેકટરી કે ધંધો ખુબ સારી રીતે ચાલતો હોય, એનાથી આવક પણ ખુબ થતી હોય. અને તેના માલિક અનેક ગરીબોની મદદ કરતા હોય. સખાવત અને દાનમાં આગળ પડીને ભાગ લેતા હોય. ગરીબોના રાશન, દવા અને શિક્ષણ તાલીમની જવાબદારીઓ નિભાવતા હોય. અને તેના કારણથી અલ્લાહ તઆલા આવા માણસોને બરકતથી નવાઝતા હતો...
પછી આ માલિકનું મૃત્યુ થઈ જાય છે... ધંધો એમની અવલાદના હાથમાં આવે છે. તો તે વિચારે છે કે આપણા વાલિદ પાગલ હતા, આટલું બધું લોકોને આપી દેતા હતા. એટલે જરૂરતમંદોની મદદ ઓછી કરી દે છે. લોકોની જરૂરતો સામે હાથ ઉંચા કરી દે છે. માલ ન હોવાનું બહાનું કાઢે છે. અને આવી રીતે જેમ એમની સખાવત ઓછી થાય છે એમ ધંધો અને આવક પણ ઓછી થતી જાય છે. પણ એમને સમજ પડતી નથી કે આમ શા કારણે થાય છે ? કોઈ એમને સમજાવે છે છતાં એમની સમજમાં આવતું નથી, કારણ કે અલ્લાહ તઆલા હવે આ કામ બીજાથી લેવા માંગતા હોય છે.
માટે માણસે પોતાના માલમાં અલ્લાહ તઆલાએ મુકેલા લોકોના હકોની ફિકર રાખવી જરૂરી છે. માણસ સમજે છે કે આ બધુ ફક્ત મારું જ છે, પરંતુ વાસ્તવિકતામાં તે બીજા લોકો માટે અલ્લાહ આપણને આપતા હોય છે. સમજો કે પોસ્ટમેનની નોકરી લાગી છે, અને સારો પોસ્ટમેન તે જ છે જે ટપાલને જેના સાચા માલિક સુધી પહોંચાડી આપે, અને જે આ પ્રમાણે કામ કરે છે તેને ટપાલ વિભાગ નોકરી ઉપર રાખે છે, અને જે પોસ્ટમેન તેના માલિક સુધી ટપાલ ન પહોંચાડે તેને ટપાલ વિભાગ નોકરી ઉપર રાખતા નથી.
આપણને અલ્લાહ તઆલા જરૂરતથી વધારે માલ આપી રહયા છે, તો તે આપણો નથી બલકે તેમાં બીજા લોકોનો પણ હક છે, વધારે માલ અલ્લાહ તઆલા એટલા માટે જ આપે છે કે માણસ પોતાના ઘરના લોકો ઉપર ખર્ચ કરે અને પછી વધે તો સગા-સ્નેહી પર ખર્ચ કરે, તેમજ પાડોશીઓ, સ્કૂલ- મદ્રસા, તલબા અને ઈમામો અને ઉલમાએ કિરામનો પણ ખ્યાલ રાખે.
આ બધા રહમતના અસબાબ છે. માણસ એની તકેદારી રાખે તો અલ્લાહ તઆલાની રહમતો ઉતરે છે. માલમાં બરકત થાય છે, બરબાદ થવા કે નુકસાન થવાથી મહફૂજ રહે છે.
હદીસ શરીફમાં છે કે માલમાં ઝકાત ઉપરાંત પણ અન્ય હકો છે.
એટલે ફક્ત શરીઅત તરફથી ફરજ ઠેરવવામાં આવેલ હકો જ માણસ અદા કરે એ પુરતું નથી. બલકે બરકત મુજબ અન્ય મરજિયાત ખર્ચાઓમાં પણ માણસે ભાગ લેવો જોઈએ. અલ્લાહ તઆલા તો માણસને માલ આપતી વેળા જરૂરત મુજબ આપવાના બદલે વધારે અને ઘણો વધારે આપે, અને માણસ અલ્લાહની રાહમાં ખર્ચ કરવાનો સમય આવે ત્યારે ફક્ત ફરજ હકો જ અદા કરે અને વધારે ખર્ચ ન કરે, તો ઘણી બેશર્મી અને નાશુક્રી છે. માટે માણસે અલ્લાહ તઆલાની નેઅમતનો શુક્ર કરવાના નિયતે બરકત મુજબ રાહે ખુદામાં માલ ખર્ચ કરતા રહેવું જોઈએ.
વેપારને ઈબાદત કઈ રીતે બનાવી શકાય ?
ઇસ્લામ માત્ર ઇબાદતના કામોનું નામ નથી. જીવન વ્યવસ્થા, રાજસત્તા,સામાજિક પ્રવૃત્તિઓ આ બધું દીનનો એક ભાગ છે. વેપારી નાનો હોય કે મોટો, પુરુષ હોય કે સ્ત્રી જો તે હઝરત ખદીજા (રદિ) અને અલ્લાહના રસૂલ (સલ.)ને પોતાનું રોલ મોડલ માને અને તેમની સુન્નત તેમજ ઈસ્લામી ઉસૂલો મુજબ વેપાર કરે તો દૂર નથી કે દુનિયામાં પણ તે માણસ સફળ વેપારી કહેવાશે અને આખિરતમાં પણ નબીઓ, સિદ્દીકો અને શહીદોની સાથે તેને ઉઠાવવામાં આવશે થશે.
ઈસ્લામનો અભ્યાસ કરવાથી માલૂમ પડે છે કે દુનિયામાં કેટલાયે વિસ્તારો એવા છે જયાં ઈસ્લામનો આરંભ મુસલમાન વેપારીઓના આગમનથી થયો. મુસલમાનો વેપારનો માલ લઈને આ વિસ્તારમાં આવ્યા અને એટલી ઈમાનદારીથી વેપાર કર્યો કે બિનમુસ્લિમો પ્રભાવિત થયા વગર રહ્યા નહીં અને ઈસ્લામનો ન કેવળ આરંભ થયો બલકે ચારેકોર ઈસ્લામની વાહ વાહ થવા લાગી. આવું જ એક ઉદાહરણ માલદ્રીપનું છે. સિંધમાં પણ ઈસ્લામનો ઉદય અરબ મુસ્લિમ વેપારીઓના આગમનથી જ થયો.
ઇસ્લામે ન કેવળ વેપારને પસંદ કર્યો બલકે નોકરી પર વેપારને પ્રધાન્ય આપ્યું છે, વેપારના એવા નિયમો જે કયારેક મુસલમાનની ઓળખાણ હતી અને આપણા ધર્મ (ઈસ્લામ)નો અંશ છે, તેને બિન મુસ્લિમોએ અપનાવીને સમગ્ર વિશ્વ પર કબ્જો કરી લીધો છે, અને આપણે પોતાના નબીએ કરીમ સલ્લ્લાહુ અલયહિ વ સલ્લમની સુન્નત એટલે કે 'વેપાર' છોડીને મોહતાજ થઈ ગયા છે.
મુસ્લિમ રાષ્ટ્રોમાંથી પાકિસ્તાન દુનિયાનો સૌથી મોટો ઈસ્લામી દેશ હોવા છતાં ઈમાનદારીમાં ૧૬૦ માં નંબરે છે. જયારે બિન મુસ્લિમ ગણાતો દેશ જાપાન ઈમાનદારીમાં પ્રથમ નંબર છે, આપણે તો વેપારના નામે એક રીતે ધોકો અને દગાનો જ ધંધો કરીએ છીએ. પણ પરિણામે અલ્લાહ તઆલાએ પણ આપણા વેપાર રોજગારમાંથી બરકત ઉઠાવી લીધી.
કોઈ શંકા નથી કે એક સાચા મુસલમાનને અમાનતદારી પૂર્વક વેપાર કરવો હોય તો એણે આંતરિક અને બાહય રૂકાવટો અને પડકારોનો સામનો કરવો પડે છે. તેમ છતાં આપણે આ રોઝીના આ નબવી તરીકાને આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમના સૂચવેલ નિયમો મુબજ કરવાની જરૂરત છે. ભલે પછી ઓનલાઈ કામ કરે કે પછી ઓફલાઈન, કોઈ ફર્ક પડતો નથી. પરિશ્રમ, લગન અને હિમ્મત કદાપિ બેકાર નહી જાય. કેમ કે નેક અને અમાનતદાર વેપારીનો નફો જાહેરમાં થોડો હોય છે, પરંતુ અલ્લાહ તઆલા તેમાં બરકત આપી દે છે.
એવો વેપારી જે જુઠું ન બોલે, જુઠી કસમો ન ખાય, ન પોતાના માલનું નુકસાન છુપાવે, એવા વેપારી વિશે અલ્લાહના રસૂલ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે ખૂશખબરી આપી છે કે કિયામતના દિવસે નબીઓ, સિદ્દીકો, અને શહીદોની સાથે તેમને ઉઠાવવામાં આવશે. આવી ઈજ્જત અને આદર અન્ય કોઈ ધંધા અને વેપાર વિશે નથી આવી.
વેપારીએ કદીયે દગો કરવો ન જોઈએ, લેવડ-દેવડમાં અલ્લાહ તઆલાથી ડરતો રહે, જે લેવડ-દેવડમાં દગો આપવામાં આવ્યો હોય, ત્યાંથી બરકત ઉઠાવી લેવામાં આવે છે. દરેક વેપારી એના વેપારમાં અમાનતદારી જળવાય રહે એ માટે અલ્લાહથી મદદ-દુઆ માંગતો રહે. અને મહેનત કરવામાં કદીયે પાછીપાની ન કરે. એક વાર નહીં તો બીજી વાર, અથવા થોડા સમય પછી એક વખત અવશ્ય એવો આવશે કે સફળતા તમારા કદમ ચુમશે.
મુસલમાન વેપારી માટે એક જરૂરી બાબત આ પણ છે કે એના માલમાં અલ્લાહ તઆલાએ નક્કી કરેલા અન્ય લોકોના હકો, વિશેષ કરીને ગરીબોને હકો અદા કરવાની ખાસ તકેદારી રાખે. એટલે કે ઝકાત, સદકહ વગેરે અદા કરવાની પૂરી કોશિશ કરે. ગ્રાહકોમાં પણ ઘણા ગરીબો હોય છે, એમને સસ્તા ભાવે આપવું પણ એમનો હક છે.
વેપારમાં બરક્તનો એક સબબ આ પણ છે કે વેપાર માણસના દીન, અખ્લાક અને સદવર્તન ઉપર પ્રભાવી ન થઈ જાય. એટલે કે વેપારના કારણે માણસ દીની આમાલ, અખ્લાક અને સદવર્તન છોડી દે એવું ન બને. ઘણા લોકો લે - વેચ કે ઉઘરાણી કરવામાં નાજાઇઝ અથવા ગેર અખ્લાકી રીતો અપનાવે છે. આમ કરવાથી વેપારમાંથી બરકત ખતમ થઈ જાય છે.
શરઈ માર્ગદર્શન
ફતાવા વિભાગ
મવ. મુફતી અસ્જદ દેવલ્વી સાહેબ
તસ્દીક કર્તા
મવ. મુફતી અહમદ દેવલા સદર મુફતી જામિઅહ જંબુસર
મદરસા માટે વકફ જમીન વેચીને બીજી જમીન ખરીદવી
સવાલ : આજથી વરસો પહેલાં અમારા ગામના એક સખીદાતાએ મદ્રસા માટે ગામની બિલ્કુલ નજીકમાં જ એક ખેતર વક્ફ આપ્યું હતું, તેમાં ત્યારે પણ ખાસ પાક થતો ન હતો અને હાલમાં પણ કંઈજ પાક થતો ન હોવાથી છેલ્લા પાંત્રીસ વર્ષથી મજકૂર ખેતરની હરાજી પણ થઈ શકતી નથી, ખુલાસો એ કે એ ખેતરની બિલ્કુલ આવક થતી, ઉલ્ટાનું સરકારી મેહસૂલ ભરવું પડે છે, હાલ એ ખેતરની આજુબાજુમાં પ્લોટ પાડી બાંધકામ કરી વસવાટ પણ શરૂ થઈ ચૂકયો છે, જેથી દબાણ વિગેરે કારણોથી વકફ મિલ્કતમાં દબાણ કે અન્ય પ્રકારે નુકસાન થવાની શકયતા પણ વધી ગઈ છે.
જો ઉપરોકત ખેતર વેચવામાં આવે તો હાલના મંદીના સંજોગો હોવા છતાં લગભગ પચાસ લાખ રૂપિયા આવે તેમ છે અને એ રકમથી બીજી મિલ્કત વસાવી લેવામાં આવે તો સંસ્થાને કાયમ માટે મોટી આવક મળી શકે એમ છે.
હાલ ખેતર આપનાર દાતા તો હયાત નથી, પણ તેમના વાલી વારસોએ પણ જો શરીઅત છુટ આપે તો મજકૂર ખેતર વેચી બીજી મિલ્કત વસાવવાની છૂટ આપી છે.
તો આપથી ગુઝારિશ છે કે શરીઅતની રોશનીમાં જણાવશો કે મદ્રસા કમીટી અથવા ગામ સભ્ય ઠરાવ કરી ઉપરોકત મિલ્કત વેચી બીજી મિલ્કત વસાવી શકે છે કે કેમ? જવાબ આપી શુક્રિયાનો મોકો આપશો.
حامدا ومصليا ومسلما : જવાબ
વકફ કરવામાં આવેલ જમીન જાયદાદો વિશે અસલ ઇસ્લામી નિયમ તો એ જ છે કે વકફ હમેશાં માટે હોવાના લઈ, તેમાં સામન્ય સંજોગોમાં ફેરબદલ કરવું, વેચાણે આપવું દુરૂસ્ત નથી, હુઝૂર (સલ.) નું વકફ સંબંધિત ફરમાન છે : 'તેનું ન વેચાણ થઈ શકે છે, ન તેને બક્ષિસ પેટે આપી શકાય છે અને ન તેમાં વારસાઈનો નિયમ લાગુ થઈ શકે છે."(મિશ્કાત : ૩ / ૧૫૬)
માટે સામાન્ય સંજોગોમાં વકફ કરવામાં આવેલ વસ્તુઓમાં ફેર બદલ કરવું જાઈઝ નથી.
અલબત્ત હઝરાતે કુકહાએ કિરામે ખાસ સંજોગો અને સૂરતોમાં વકફ જમીન - જાયદાદમાં ફેર બદલીની ઇજાઝત આપી છે કે ચોક્કસ સૂરતોમાં વકફ જમીનને અન્ય જમીનથી બદલવી અથવા તેને વેચાણે આપી, આવેલ કિંમતથી બીજી જમીન વકફ પેટે ખરીદ કરવી જાઈઝ છે.
વકફની ફેરબદલીની નીચે મુજબની સૂરતો હોય શકે છે.
(૧) વકફ કરનારે વકફ કરતી વેળાએ પોતાના માટે અથવા અન્ય માટે તબ્દીલીની શર્ત કરી હોય, આવી સૂરતમાં વકફની તબ્દીલી અન્ય જાયદાદથી કરી શકાય છે.
(૨) વકફ કરનારે તબ્દીલીની શર્ત ન કરી હોય, પછી બરાબર છે કે આ પ્રકારની શર્ત કરવાથી ખામોશી ઈખ્તિયાર કરી હોય અથવા ફેર બદલ ન કરવાની શર્ત મૂકી હોય. આવી સૂરતમાં જોવામાં આવે કે વકફ કરવામાં આવેલ જમીન – જાયદાદ કોઈ પણ રીતે ઉપયોગી અને ફાયદો કરનાર ન હોય, અથવા તેની આવકથી ખર્ચ વધુ હોય, આ બંનેવ સૂરતોમાં એવા દીનદાર લોકોની કમિટીની ઈજાઝતથી તબ્દીલી કરી શકાય છે. જેમાં મુફતીયાને કિરામનો પણ સમાવેશ થતો હોય.
(૩) વકફ કરવામાં આવેલ વસ્તુ ઉપયોગી તો હોય, પણ ફેર બદલ કરવામાં વધુ ફાયદો નજર આવ તો હોય, આવી સૂરતમાં વેચાણ વગેરે દ્વારા ફેરફાર કરવું જાઈઝ નથી. (શામી : ૩ / ૩૮૭- ૮૮, તસ્હીલે બહેશ્તી ઝેવર : ૧ / ૫૯૨, મજલ્લા અવકાફમાંથી)
સવાલમાં દર્શાવવામાં આવેલ વકફની સદર જમીન વાસ્તવિક રૂપે જ ઉપયોગી ન રહી હોય, બલકે આવકના બદલે ખર્ચો ભોગવવો પડતો હોય, તો આવી સૂરતમાં દીનદાર અને મુફતીયાને કિરામ હોય, એવી કમીટી આ કામ માટે બનાવી, તેઓના નિરિક્ષણ બાદ ઈજાઝત આપ્યે, તેને બીજી જમીનથી બદલવી અથવા વેચાણે આપી, આવેલ કિંમતથી તુરંત બીજી મિલકત વકફ પેટે સ્થાપિત કરવી જાઈઝ છે, ફકત અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.
(તા. ૩/રબીઉલ આખર ૧૪૩૫ હિજરી - ૪/૨/૨૦૧૪ ઈસ્વી)
મસ્જિદના ગાદલા સાચવવાની તિજોરીનો ખર્ચ કોણ આપે ?
સવાલ : અમારી મસ્જિદનો હિસાબ કિતાબનો વહીવટ હું કરું છું, તેમાં મસ્જિદના ઉપરના ભાગે એક રૂમ બનાવેલ છે, તેમાં હમણાં દઅવતના કામના સાથીઓએ ગાદલા આવનારી જમાઅત માટે ખરીદીને મુકેલા છે, અને હિફાઝત માટે અમે ઉપર રૂમમાં એક લોખંડની તીજોરી દિવાલમાં ફીટ બેસાડી છે, તો લોખંડની તીજોરીનો જે ખર્ચ થયો, તે મસ્જિદની રકમમાંથી અપાય કે કેમ? અથવા મુસલ્લીઓ પાસેથી અલગ ઉઘરાવીને આપવી તે જણાવવા મહેરબાની કરશો.
જવાબઃحامدا ومصليا ومسلما
જે સવાલમાં દર્શાવવામાં આવેલ ગાદલાં મસ્જિદમાં જ આપવામાં આવ્યા હોય, પરંતુ તેના ઉપયોગ વિશે ચોખવટ કરવામાં આવી હોય કે તેને મસ્જિદમાં આપનાર જમાઅતના સાથીઓ માટે વિશેષ રીતે વાપરવામાં આવે, તો આ ગાદલાં મસ્જિદમાં આપવામાં આવેલ હોય, તેની હિફાઝત, મસ્જિદની વસ્તુની હિફાઝત છે, માટે મસ્જિદમાં આવેલ રકમથી તેની હિફાઝત ખાતર તીજોરી તૈયાર કરવામાં કોઈ વાંધો નથી. ફક્ત અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.
(તા. ૨૨, જુમાદલ ઉલા – ૧૪૩૫ હિજરી - ૨૪/૩/૨૦૦૪)
મૌલાના મદની મેમોરીયલ હાઈસ્કૂલ - જંબુસર ૭૫ માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી
આજ રોજ મૌલાના મદની મેમોરીયલ હાઈસ્કૂલ – જંબુસરમાં ૭૫માં સ્વાતંત્રય પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાને જામિઅહ ઉલુમૂલ કુર્આન જંબુસરના પ્રમુખ જનાબ મુફતી અહમદ દેવલ્વી સાહેબ ઉપસ્થિત રહ્યા હતા. આમંત્રિત મહેમાનોમાં જામિઅહના નાયબ મોહતમીમ મુફતી અરશદ સા., જામિઅહ આઈ.ટી.આઈ.ના આચાર્ય જનાબ ઝહીર મારાજ, જામિઅહ ઈંગ્લિશ મીડિયમના આર્ચાય જનાબ મુસ્તકીમ સૈયદ સા. જામિઅહના ઉસ્તાદો, તલબાઓ તેમજ શાળાના વિદ્યાર્થી - વિદ્યાર્થીનીઓ તથા મોટી સંખ્યામાં વાલીગણ હાજર રહયો હતો.
કાર્યક્રમની શરૂઆત કારી તલ્હા સા. દ્વારા તિલાવતે કુર્આનથી કરવામાં આવી હતી. પ્રમુખ સાહેબના વરદ હસ્તે તિરંગો ફરકાવવામાં આવ્યો હતો. રાષ્ટ્રધ્વજને સલામી અને રાષ્ટ્રગીત બાદ પ્રાસંગિક પ્રવચનો આપવામાં આવ્યા હતા.
જનાબ મુસ્તકીમ સૈયદ સાહેબે પ્રા. પ્રવચન આપતાં જણાવ્યું હતું કે અંગ્રેજોથી તો આઝાદી કયારનીય મળી ગઈ છે પરંતુ છેલ્લા દોઢ વર્ષમાં આપણો દેશ ભયંકર મહામારીમાંથી પસાર થઈ રહયો છે. તેમાંથી આઝાદી મેળવવાની બાકી છે. લોકો આર્થિક રીતે પામાલ થઈ ભીખ માંગવા મજબુર થઈ ગયા છે. આ મહામારી અને આર્થિક સંકટમાંથી બહાર નીકળવું એ આજ ની સાચી આઝાદી કહેવાશે.
મૌલાના મદની હાઈસ્કૂલ - જંબુસરના આચાર્ય જનાબ બી. આઈ. પટેલ સાહેબે પ્રા. પ્રવચન આપતા જણાવ્યું હતું કે વર્તમાન પરિસ્થિતિઓ વિકટ છે. તેમાંથી બચવાનો ઉપાય વર્ષો પહેલા આપણા પ્રથમ શિક્ષણમંત્રી મૌલાના અબ્દુલ કલામ આઝાદ બતાવી ગયા છે કે શિક્ષણ એ જ એકમાત્ર ઉપાય છે જે આઝાદીને જાળવી રાખવામાં મદદરૂપ થશે. આપણે આપણી ઈચ્છાઓને દબાવીને પણ ઉચ્ચ શિક્ષણ લેવુ જોઈએ. ભલે પરિસ્થિતિ કેટલીય ગંભીર કેમ ન હોય? તેમણે ઈતિહાસને વાગોળતા જણાવ્યું હતું કે ઈસ્ટ ઈન્ડિયા કંપનીનું જહાજ સુરત બંદરે આવતાની સાથે જ ભારતને ગુલામ બનાવવાની ગતિવિધિઓ શરૂ થઈ ગઈ હતી. જહાંગીર બાદશાહના સમયે મદ્રાસનો પ્રદેશ જે ૨૫ ચો. કી.મી.નો હતો તે લીધો, શાહજહાંના સમયમાં વિલિયમ ફોર્ટે ઘણો મોટો વિસ્તાર વ્યાપાર માટે લીધો. ઔરંગઝેબ રહ. અને દારાશિકોહના રાજયાભિષેકની વાત કરતા તેમણે જણાંવ્યું કે ઈતિહાસકારો નોંધે છે કે ઔરંગઝેબ રહ.ના રાજયાભિષેકથી ભારતની ગુલામી ૨૦૦ વર્ષ સુધી પાછળ ધકેલાઈ ગઈ હતી. તેમના ૫૦ વર્ષના શાસન ભારતમાં સામાજિક અને આર્થિક વિકાસ થયો હતો. ત્યારબાદ ભારતની ગાદી ઉપર બાર જેટલા સુલતાનો આવ્યા જેમણે અંગ્રેજોનો સામનો કર્યો. અંતે અંગ્રેજોની ક્રુરનીતિ કામકરી ગઈ તેમણે વધુમાં જણાંવ્યુ કે આપણે ઉચ્ચ શિક્ષણ લઈને વર્તમાન પરિસ્થિતિઓની સામે મજબુત બનવું પડશે. શિક્ષણ એ જ એકમાત્ર હથિયાર છે.
મદદનીશ શિક્ષક ગાઝી સાહેબે પ્રા. પ્રવચન આપતાં જણાવ્યું હતું કે લોકો સાચો ઈતિહાસ જાણતા નથી તેમાં જેટલી સરકાર જવાબદાર છે. તેટલા આપણે પણ છીએ. તેમણે મૌલાના કાપોદ્રવી સાહેબના પ્રસંગને ટાંકતા જણાંવ્યું હતું કે મુસ્લિમ વૈજ્ઞાનિકો, બુદ્ધિજીવીઓ અને ઉલમાએ કીરામ વિશેની જાણકારી અને જ્ઞાન આજની પેઢી પાસે હશે તો જ આવનારી પેઢી તેના વિશે જાણશે. તેમણે આઝાદીની લડતની શરૂઆતથી લઈને ભારતના અંતિમ મુઘલ સમ્રાટ બહાદુરશાહ ઝફરની કુરબાનીને યાદ કરી હતી. સાથે – સાથે ગાંધીજી અને ઉલમાઓની મુલાકાત વર્ણવતા જણાવ્યું કે ધામણ ગામે (ડાભેલ) થયેલી આ મુલાકાત બાદ ગાંધીજીએ મીઠાનો સત્યાગ્રહ કર્યો. જેનાથી ગાંધીજીને રાષ્ટ્રીય સ્તરે નામના મળી.
મૌલાના અબ્દુર્રરશીદ નદવી સાહેબે પોતાની ધારદાર વાણીમાં પ્રા. પ્રવચન આપતા જણાવ્યું હતું કે આજે દુઃખ થાય છેકે આઝાદીની લડતમાં મુસ્લિમોએ જે કુરબાનીઓ આપી છે તેને આપણે ભુલી ગયા છીએ, તેમણે પ્રસિદ્ધ ઇતિહાસકાર અને રાજયસભાના ભૂતપૂર્વ સભ્ય વિશ્વંભરનાથના શબ્દોને ટાંકતા જણાંવ્યું હતું કે અંગ્રેજોના સમયે લોકો ગુલામીમાં હતા અને આજે જે ઈતિહાસ લખાય છે તે ગુલામીની માનસિકતાથી જ લખાય છે જેમાં મુસલમાનોને બાકાત રાખવામાં આવ્યા છે. તેમણે N.G.સકસેનાનું કથન ટાંક્યુ હતું કે – અફસોસની વાત છે કે આઝાદીની લડતના ઈતિહાસમાં મુસ્લિમોને તિરસ્કૃત કરવામાં આવ્યા છે.
તેમણે વધુમાં જણાંવ્યું કે ઈતિહાસ બદલવાની પાછળ પણ એક ઈતિહાસ છે. જો આપણે માહિતગાર નહી રહીએ તો લોકો સાચો ઈતિહાસ ભુલી જશે. જયારે ભગતસિહે ધારાસભા ઉપર બોમ્બ ફેંકયો ત્યારે અંગ્રેજ અધિકારીએ તેમને પ્રશ્ન કર્યો હતો. કે મુસ્લિમોએ ૮૫૦ વર્ષ રાજ કર્યુ એ સમયે કેમ કોઈ ભારતીયે આવું કામ નથી કર્યું ? અને અમારા ૧૫૦ વર્ષના શાસનમાં તમે બોમ્બ ફેંકી મારી નાંખવા તૈયાર થઈ ગયા ? ભગતસિંહનો દિલેર અને સ્પષ્ટ જવાબ સાંભળીને અંગ્રેજો પણ ચોકી ગયા હતા. તેમણે જવાબ આપ્યો કે : 'મુસલમાનોએ ભારતને' સોને કી ચીડિયા' બનાવી સમૃધ્ધ બનાવ્યું. તેમણે અમોને ગુલામીનો એહસાસ પણ નથી થવા દીધો જયારે તમોએ અમને ગુલામ બનાવી દીધા છે.'
તેમણે આઝાદીની લડતમાં મુસ્લિમોએ આપેલી કુર્બાનીનું વિગતવાર વર્ણન કર્યું હતુ. કે ૨૭ હજાર થી વધુ મુસ્લિમોને ગોળીએ દેવામાં આવ્યા હતા. અંગ્રેજોને આ બાબતનો સવાલ પૂછવામાં આવતાં જણાંવ્યું કે મુસ્લિમોને લીધે જ કલકત્તાથી દિલ્હી સુધી આવતા અમોને પર વર્ષ લાગ્યા . જો તેઓ લડતમાં ન હોતતો ૧૦ જ વર્ષમાં હિન્દુસ્તાન કબ્જે કરી લેત. તેમણે અંદામાન નિકોબારની કાલાપાનીની સજામાં મુસ્લિમોની બહુમતી, ગાંધીજીની સુરક્ષા કરનાર બરકતમર્મીયા અન્સારી અને આઝાદી પછી પણ દેશની તિજોરી માટે ૫ હજાર કિલો સોનું આપનાર હૈદરાબાદના નવાબની કુરબાનીને યાદ કરી હતી.
મૌલાના બશીર સાહેબ ભડકોદ્રવી સાહેબે તેમની મૃદુ પરંતુ વેધક વાણીમાં જણાવ્યું હતું કે આજે દેશમાં સદ્ભાવના, સેવા અને સંસ્કૃતિના રક્ષણ માટે કામ કરનાર સમૂહોને બદનામ કરવામાં આવી રહયા છે. તેમણે હાજર શ્રોતાજનોને આહવાન કર્યું હતું કે શિક્ષણ અને વાંચન દ્વારા એ સમજવામાં આવે છે કોણ રાષ્ટ્રદોહનું કામ કરે છે અને કોણ રાષ્ટ્રહિતનું ? તેમણે ડો. અલ્લામા ઈકબાલની જામિયા મીલિયા ઈસ્લામિયા યુનિ. ના વાઈસ ચાન્સેલરના પદને ઠુકરાવવાની ઘટનાને યાદ કરી તેમના શબ્દોને યાદ કર્યા હતા કે :
આજે મુસ્લિમોને ફિલોસોફીની નહી ટેક્નીકલ તાલીમની જરૂર છે. તેમણે વધુમાં જણાવ્યું હતુ કે આજે ભલે મુસ્લિમોને 'પંચર' કહીને બોલાવતા હોય પરંતુ એ પણ ટેકનીકલ જ્ઞાન હોય તો જ શકય બને છે. આ જ્ઞાન માણસને પગભર બનાવે છે કોઈનો મોહતાજ નહી.
અંતમાં સભાના પ્રમુખ મુફતી અહમદ સાહેબે તેમના ટૂંકા પ્રવચનમાં જણાંવ્યું હતું કે, આપણી સંસ્થા મુસ્લિમ બાળકોને દીની—દુન્યવી વૈચારીક અને ટેક્નીકલ જ્ઞાન માટે એક પ્લેટફોર્મ છે તેના થકી જીવનમાં સફળતા પ્રાપ્ત કરવા માટે ખુબ મહેનત કરો. આપણા સમાજમાં રહેલા શિક્ષણના ઓછા પ્રમાણને લીધે બેરોજગારી બધુ છે. સામાજિક ઝગડાઓ વધુ છે. તેને શિક્ષણ થકી જ દૂર કરી શકીસુ તેમણે દિકરીઓને વધુ શિક્ષણ મેળવી કુટુંબ અને સમાજનું નામ રોશન કરવા આહ્વાન કર્યું હતુ.
અંતે મુફતી સા.ના હસ્તે કોરોના મહામારીના નાશ, વિશ્વશાંતિ અને સલામતી માટે દુવાઓ ગુજારવામાં આવી હતી.
બુંદીના લાડુની મીઠાશને વાગોળતા - વાગોળતા આઝાદીના આ પર્વને ઉમંગ અને ઉત્સાહથી વધાવી લીધો હતો. કાર્યક્રમનું સફળ સંચાલન શાળાનાં મ. શિક્ષક યાકુબ સારોદી તથા મેમણ અબ્દુલ વાહીદે કર્યુ હતુ. કાર્યક્રમને સફળ બનાવવાની વ્યવસ્થામાં શાળાનાં દકક ગૃપના વિદ્યાર્થીઓએ ખુબ જ જહેમત ઉઠાવી હતી.
બોધકથા.....
એક વૃદ્ધ વ્યકિત હોસ્પિટલમાં સારવાર માટે દાખલ હતા. આ દરમિયાન હોસ્પિટલની સેવિકા - નર્સે જાર્યું કે એક યુવાન રોજ વૃદ્ધની સાર-સંભાળ માટે આવતો હતો. ખાવું ખવડાવતો, એમના કપડાં-બિસ્તર સાફ કરતો. હોસ્પિટલના બગીચામાં એમને લઈ જતો, થોડી વાર ફેરવતો અને પછી એમના રૂમમાં લાવીને સુવડાવી દેતો. અને જયારે બીમાર વૃદ્ધ સૂઈ જાય પછી પાછો જતો રહેતો.
એક દિવસે નર્સ જયારે એમને તપાસવા આવી તો એનાથી કહી દેવાયું કે, તમે ખુશનસીબ છો, આટલો સેવાભાવી અને ખિદમતગુઝાર દીકરો તમને મળ્યો છે. રોજ તમારા ખબર-અંતર પૂછવા આવે છે અને ચાકરી કરે છે. આ ઝમાનામાં આવો દીકરો મળવો મુશ્કેલ છે.
બીમાર વૃદ્ધ આ સાંભળીને થોડી વાર વિચારમાં સરી પડયા. ધીરે ધીરે એમની આંખો ભીંજાય ગઈ, પછી કહેવા લાગ્યા: કાશ આ યુવાન મારો દીકરો હોત... એ મારો દીકરો નથી. એ તો અમારા ગામનો એક યતીમ છોકરો છે. એ નાનો હતો ત્યારે એના માતા - પિતાના અવસાન પછી એક દિવસ એ મસ્જિદના દરવાજે બેસીને રડતો હતો, હું એને પકડીને એક દુકાને લઈ ગયો અને મીઠાઈ ખવડાવીને એને રમતો– હસતો કરીને ઘરે આવી ગયો.
આ વાતને વરસો વીતી ગયા. અમુક દિવસો પહેલાં આ યુવાનને ખબર પડી કે હું બીમાર છું, હું અને મારી બીવી બંને ઘણા વૃદ્ધ અને કમઝોર છે, તો મારી બીવીને પોતાના ઘરે લઈ ગયો અને મને દવાખાને સારવાર માટે લઈ આવ્યો છે. મેં એને વારંવાર કહ્યું કે બેટા તમે શીદને આટલી બધી તકલીફ ઉઠાવો છો? તો કહે છે કે તમે ખવડાવેલ મીઠાઈનો સ્વાદ હજુ પણ મારા મોઢામાં તાજો છે.
વાર્તાનો સાર : એમ તો નેકી માટે કહેવામાં આવે છે કે 'નેકી કર, દરિયા મેં ડાલ' એટલે કે લોકો સાથે ભલાઈ કરીને દરિયામાં પૈસા નાખ્યા હોય એમ સમજ. જેમ દરિયામાં નાખેલી વસ્તુ શોધ્યે પણ નથી જડતી એમ નેકીનો બદલો દુનિયામાં મળે એની આશા ન રાખો. પણ... આ વાસ્તવિકતા છતાં વિચારવાની વાત એ છે કે માણસે કદી પણ નાની – મોટી ભલાઈ કરવાની તક છોડવી જોઈએ નહીં. ઘણા નાના કામોનો મોટો બદલો આ દુનિયામાં પણ મળી જાય છે.
મહત્વની બીજી વાત આ છે કે ભલાઈ કરવા માટે યોગ્ય માણસ, યોગ્ય સમય અને યોગ્ય સ્થાન પણ ધ્યાને રાખવાનું છે. આજકાલ લોકો હઝારો - લાખોની સખાવત કરે છે પણ યોગ્ય આયોજનનો અભાવ હોય છે.
Self Constant purification
Constant purification: Increase in your worship acts and strive for the obedience of Allah (swt) at all times. Follow His guidance through the teachings of the Quran and Hadith. You should prioritise with the compulsory acts such as five daily prayers, even as you try to pick up the supererogatory ones.
Conscious awareness: Your nafs is
conscious and as such you have control over decisions you make that will impact your daily life and the hereafter. Therefore be conscious of Allah (swt) at all times and make a choice to break free from the negative desires and inclinations.
Avoid sins and prohibitions: And always follow an evil thought, speech or act with a good one. You can achieve this through learning and seeking beneficial knowledge. In that way, you can sieve the truth from falsehood; and permissible acts from prohibitions.
Remember the test of temporal life: This temporary life is a test and a preparation for the ultimate abode the everlasting world and hereafter. Which then is more worthy of striving for?
Follow the Sunnah: In our beloved Prophet (saw), we have the perfect example. So follow him and you won't go wrong.
Think of positive & negative effects of every action: For example, with the 5 daily prayers the benefits from physical to psychological bring serenity and a tranquil effect even beyond the prayers. While delaying/missing prayers due to laziness and negligence may bring about guilt, feeling of burden, regret, need to make excuses etc in addition to amassing sins.
Use your time wisely: Assess your time & accompanying deeds. And try to keep positively busy with rewarding acts. Do something for the Ummah without expecting a profit. Make it an investment for your hereafter.
Keep good company: Mind your environment and those you choose to stay around. Choose those who can help guard your creed & deen.
Purify your acts through your intention: Renew them as often as you can, centred on Allah's pleasure and to earn paradise. Isn't paradise and its wonders enough motivation to give up the instant gratifications for ?
Make Du'a: Make supplications for a sound & pure heart; one that is filled with Allah's love but yearns for even more of Allah's (swt) love. The heart can only become sound, achieve success, take pleasure, be satisfied, experience enjoyment, become pleased, attain serenity and calmness through the ibadaah (worship) of its Lord; having love of Him and turning to Him (in repentance). Even if it were to attain every type of pleasure from creation, it will not acquire serenity & tranquillity. This is because the heart possesses an intrinsic need for its Lord, since He is its deity, love and pursuit and with Allah the heart achieves joy, pleasure, delight, amenity, serenity and tranquillity.
[Ibn Taymiyyah's essay of Servitude]
-------------------------------------------------------
હદીસ શરીફમાં છે : સાચો અને અમાનતદાર વેપારી આખિરતમાં અંબિયાએ કિરામ, સિદ્દીકીન અને શહીદો સાથે હશે. (તિરમિઝી શરીફ) નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમનો ઈરશાદ છે : વેપારી લોકો કયામતના દિવસે નાફરમાન લોકોમાં શામેલ કરીને સામે લાવવામાં આવશે. હા, જે લોકો અલ્લાહ તઆલાથી ડરતા રહે, નેકી અપનાવે અને સાચું બોલીને વેપાર કરતા હશે, તેઓ નાફરમાન લોકોમાં નહીં હોય.(તિરમિઝી)
છેલ્લા પાને…
જન્નતમાં જનાર માણસો.
ચાર કામ કરનાર માણસો જન્નતમાં જશે. ફરજ ઉપરાંત નફલ રોઝા રાખનાર. મુસલમાન ભાઈના જનાઝહમાં શામેલ થનાર. મિસ્કીનને ખાવું ખવડાવનાર. બીમારની ખબર અંતર પૂછનાર. (મિશ્કાત શરીફ)
છુપાયેલી ભલાઈ
ઘણી બધી તકલીફો અને પરેશાનીઓમાં માણસ માટે ખૈર અને ભલાઈ છુપાયેલી હોય છે. (કુર્આન)
નસીહત અને ખુશામત
નસીહતની વાતો સાચી હોય છે પણ માણસ એને ધ્યાનથી સાંભળતો નથી અને ખુશામત ખોટી હોય છે, છતાં માણસ એને ધ્યાનથી સાંભળે છે.
પોતાને કેવી રીતે કેળવશો ?
માણસ પોતે જ પોતાને કેળવવા માંગતો હોય તો ફક્ત આટલું કરી લે કે અન્યોની જે આદતો એને બુરી લાગતી હોય એને પોતે ન અપનાવે.
ચાર વસ્તુઓથી પનાહ.
નબીએ કરીમ સલ્લલ્લાહ અલયહિ વ સલ્લમ સહાબાને ચાર વસ્તુઓથી પનાહ માંગવાની દુઆ શીખવાડતા હતા :
(૧) હે અલ્લાહ, હું દોઝખના અઝાબથી બચવા તારી પનાહમાં આવું છું. (૨) કબ્રના અઝાબથી બચવા માટે તારી પનાહમાં આવું છું. (૩) દજજાલના ફિત્નાથી બચવા તારી પનાહમાં આવું છું. (૪) જિંદગી અને મોતના ફિત્નાથી બચવા તારી પનાહમાં આવું છું.
શ્રેષ્ઠ સ્થળ
જોવાની શ્રેષ્ઠ જગ્યા માણસનું પોતાનું દિલ અને અંતર છે. અને રહેવાનું શ્રેષ્ઠ સ્થળ પોતાની ઓકાત છે.
અઘરી અને આસાન નસીહત
બીજાને નસીહત કરવી આસાન છે, પણ કોઈના મોઢે નસીહત સાંભળવી અઘરું કામ છે.
કોઈને બદનામ ન કરો.
નસીહત કરવામાં ધ્યાન રાખો કે સામે વાળો માણસ બદનામ ન થાય, કે એને બદનામીનો એહસાસ ન થાય. નસીહતનો મકસદ ભલાઈનો દરવાઝો ખોલવાનો હોય છે. તોડવાનો નહીં.
મુહબ્બત
માણસે બીજા દરેક માણસ સાથે મુહબ્બત કરવી જોઈએ. અલબત્ત જે માણસના દિલમાં આપણી મુહબ્બત હોય એની સાથે ઓર વધારે મુહબ્બત કરવી જરૂરી છે.
યા અલ્લાહ !
યા અલ્લાહ ! જેટલી આસાની અને રાહત સાથે મારા શરીરમાં રૂહ મુકવામાં આવી હતી, એટલી જ આસાની મારી રૂહ નીકળતી વેળા મને અતા ફરમાવ. આમીન….