તંત્રી સ્થાનેથી
રમઝાનમાં આપણી ગફલત
માહે રમઝાન ચાલી રહયો છે. મુસલમાનો માટે આ માસમાં દરેક પ્રકારે જ બરકત છે. અલ્લાહ તઆલાના વાયદા પ્રમાણે આ માસમાં મુસલમાનની રોઝી પણ વધારી દેવામાં આવે છે અને નેકીઓ પણ વધારી દેવામાં આવે છે. જેઓને કંઈ વધુ અમલ કરવાની તોફીક નથી મળતી એમને પણ દરેક નેકીનો સિત્તેર ગણો સવાબ તો મળે જ છે. આમ આ મહીનો મુસલમાન માટે દરેક રીતે બરકતનો મહીનો છે.
આ મહીનો અલ્લાહ તઆલાની મહેરબાનીનો છે, અલ્લાહ તઆલાને પ્યારો છે. માટે એમાં નેકીનો સવાબ વધારે તો ગુનાહોની નહૂસત અને વબાલ પણ વધારે હોય એ સ્પષ્ટ છે. માટે આ મહીનામાં ગુનાહોથી બચવું ઘણું જ જરૂરી છે. આ બાબતે મુસલમાનો, વિશેષ કરીને યુવાનો ઘણા ગાફેલ છે. રાત્રિના લાંબી મજલિસો, પાર્ટીઓ, અને આજની ભાષામાં 'મનોરંજન' કહેવાતા ઘણા કાર્યોમાં એમનો સમય વિતાવે છે. અમુક 'નિડર' પ્રકારના લોકો તો રોઝો પણ રાખતા નથી, અને જાહેરમાં રોઝાદાર હોવાનો ડોળ કરે છે, આવા બગાવતીઓની સંખ્યા પણ સમાજમાં વધી રહી છે. જરૂરત છે કે આ બધી બુરાઈઓ સમાજમાંથી દૂર કરવામાં આવે, આવા લોકો પ્રતિ યોગ્ય રીતે અણગમો વ્યકત કરીને એમને એમની બુરાઈનો એહસાસ કરાવવામાં આવે.
તરાવીહ રમઝાનની વિશેષ ઈબાદત છે. રમઝાનમાં કોઈ વિશેષ ઈબાદત ન કરી શકતા લોકો ફકત રોજની વીસ રકાત તરાવીહ પઢી લે તો પણ રમઝાનની ઈબાદતનો સંતોષ લઈ શકાય. પણ..હવે તરાવીહમાં લોકોની સંખ્યા ઘણી જ ઓછી થઈ રહી છે. જે અત્યંત ચિંતાનો વિષય છે.
જુમ્આની નમાઝ, ઈદની નમાઝ, શબેબરાત, રમઝાનની સત્તાવીસમી રાત, વગેરે અવસરોએ મસ્જિદમાં આવતા મુસલમાનો બીજા દિવસોમાં કયાં ખોવાય જાય છે. લોકો કેટલી નિડરતા અને બહાદુરીથી ગફલત અને બેપરવાઈ આચરે છે, અને પછી કેવા બેશરમ બનીને અમુક તમુક અવસરોએ આવીને મસ્જિદની આગળની સફોમાં ગોઠવાય જાય છે. ખબર નહીં કોને ધોકો – ફરેબ આપતા હશે ? અલ્લાહ તઆલાને? મસ્જિદના કાયમી નમાઝીઓને? કે પછી પોતાને જ.
રમઝાન અને આપણી સખાવતો.
રમઝાન સંબંધી બીજી પણ એક ખાસ વાત કહેવાની છે.
સામાન્ય પણે આપણે ત્યાં ઈસ્લામી સંસ્થાઓનો ચંદો - ફાળો રમઝાનમાં કરવામાં આવે છે. પહેલાં વધુ પડતો આવો ચંદો સ્થાનિક રહેતો હતો. પણ જેમ જેમ મુસલમાનોમાં જાગૃતિ આવતી ગઈ, તેમ એમની જાહેર સેવા કરતી સંસ્થાઓ પણ વધી ગઈ. અને લોકોની સખાવતો પણ વધી ગઈ. સંસ્થાઓની સેવાઓ પણ વધી ગઈ. એટલે ચંદાનો વ્યાપ વધ્યો છે. આજે સ્થિતિ એ છે કે ગુજરાતના લોકો મદરસાઓ અને મસ્જિદના ચંદા માટે વિદેશ તરફ દોડ મુકે છે, તો ભારતભરના અન્ય મુસલમાનો ચંદા માટે ગુજરાત તરફ દોડ મૂકે છે અને ગુજરાત એમના માટે ચંદાનું મોટું મરકઝ છે.
દીનના સામુહિક કાર્યો, મદરસા, મસ્જિદ, મકતબ, સ્કૂલ, દવાખાના, ગરીબોની વિવિધ પ્રકારેની મદદ, માટે ચંદા - ફાળાની પ્રથા ઘણી સરસ છે. નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમના ઝમાનાથી ચાલતી આવી છે. સરકારોના બજેટ દ્વારા ચલાવવામાં આવતા પ્રોજેકટ કરતાં પણ વધારે મોટા, અને વધુ લાભદાયી કાર્યો આપણે આ ચંદા – ફાળાની પ્રથા દ્વારા ચલાવી રહયા છે. અને ભારતમાં ચંદા - ફાળાથી થતા દીનના કાર્યો (મદરસા, મસ્જિદ, મકતબ, સ્કૂલ, દવાખાના) થકી જ મુસલમાનોની ઓળખ બાકી છે. જો આ પ્રથા ન હોત, અને એના થકી ચાલતા આ બધા સેવાકાર્યો ન હોત તો... આજનો ભારતીય મુસલમાન કેવો હોત એની કલ્પના શકય નથી.
ખેર...મુદ્દાની વાત એ છે કે ચંદો – ફાળો કરનાર વ્યકિત કે પ્રતિનિધિને સમાજમાં માનથી જોવામાં આવે એ જરૂરી છે. કારણ કે એની કુરબાની ઘણી મોટી છે. ગામ ગામ ફરવું, અને માણસો શોધી ગોતીને એમને મળવું, પછી માંગણી કરવી અને કંઈક મેળવીને પછી બધું અમાનતથી જમા કરાવી દેવું... આટલી મોટી કુરબાની અને આવી અમાનતદારી આજના ઝમાનામાં...દિમાગ ચકરાવે ચઢી જાય છે. આવા ચંદો કરવાનો જેમને અનુભવ હશે, તેઓ જાણે છે કે કોઈ માણસ જયારે ચંદો લખાવે છે તો એટલી ખુશી થાય છે જાણે તે રકમ એણે ચંદો કરનારને જ હદિયામાં આપી હોય, હાલાંકે એમાં એક પાઈ પણ એની નથી હોતી.
ચંદાની આ પ્રથા દ્વારા જ આપણે ત્યાં ઈસ્લામ અને દીનનું અસ્તિત્વ છે. માટે ચંદો કરનાર વ્યકિતને લોકો અપમાનિત કે હડધૂત ન કરે, એ જરૂરી છે. એને આવકાર આપવો જોઈએ. શકય હોય તો મદદ કરો. કમ સે કમ એની રાહમાં રુકાવટ ન બનવું જોઈએ. મસ્જિદોના વ્યવસ્થાપકોએ એમને મસ્જિદમાં ચંદો કરવા અને રોકાણ કરવાની પરવાનગી આપવી જોઈએ.
એમાં કોઈ દુષણ કે નુકસાન હોય તો એનો ઉપાય શોધો, પરેશાનીનો હલ કાઢો, પણ મસ્જિદોને તાળાં, કે ચંદા પર પાબંદી, વગેરે નિયમો યોગ્ય નથી.
સદવર્તન તેમજ માલ ખર્ચ કરવાના સ્થાનો,કંજુસ લોકોની બુરાઇ અને એમનો અંજામ
- મુફતી ફરીદ અહમદ કાવી
وَ اعْبُدُوا اللّٰهَ وَ لَا تُشْرِكُوْا بِهٖ شَیْــٴًـا وَّ بِالْوَالِدَیْنِ اِحْسَانًا وَّ بِذِی الْقُرْبٰى وَ الْیَتٰمٰى وَ الْمَسٰكِیْنِ وَ الْجَارِ ذِی الْقُرْبٰى وَ الْجَارِ الْجُنُبِ وَ الصَّاحِبِ بِالْجَنْۢبِ وَ ابْنِ السَّبِیْلِۙ-وَ مَا مَلَكَتْ اَیْمَانُكُمْؕ-اِنَّ اللّٰهَ لَا یُحِبُّ مَنْ كَانَ مُخْتَالًا فَخُوْرًا(36) الَّذِیْنَ یَبْخَلُوْنَ وَ یَاْمُرُوْنَ النَّاسَ بِالْبُخْلِ وَ یَكْتُمُوْنَ مَاۤ اٰتٰىهُمُ اللّٰهُ مِنْ فَضْلِهٖؕ-وَ اَعْتَدْنَا لِلْكٰفِرِیْنَ عَذَابًا مُّهِیْنًا(37) وَ الَّذِیْنَ یُنْفِقُوْنَ اَمْوَالَهُمْ رِئَآءَ النَّاسِ وَ لَا یُؤْمِنُوْنَ بِاللّٰهِ وَ لَا بِالْیَوْمِ الْاٰخِرِؕ-وَ مَنْ یَّكُنِ الشَّیْطٰنُ لَهٗ قَرِیْنًا فَسَآءَ قَرِیْنًا(38) وَ مَا ذَا عَلَیْهِمْ لَوْ اٰمَنُوْا بِاللّٰهِ وَ الْیَوْمِ الْاٰخِرِ وَ اَنْفَقُوْا مِمَّا رَزَقَهُمُ اللّٰهُؕ-وَ كَانَ اللّٰهُ بِهِمْ عَلِیْمًا(39) اِنَّ اللّٰهَ لَا یَظْلِمُ مِثْقَالَ ذَرَّةٍۚ-وَ اِنْ تَكُ حَسَنَةً یُّضٰعِفْهَا وَ یُؤْتِ مِنْ لَّدُنْهُ اَجْرًا عَظِیْمًا(40)
તરજમહ : અને તમે અલ્લાહની બંદગી કરો અને કોઈને તેની સાથે ભાગીદાર ન ઠરાવો અને માતાપિતા સાથે સદવર્તન કરો, તેમજ સગાંઓ, યતીમો, ગરીબો, રિશ્તેદાર પાડોશી કે અન્ય પાડોશી, સહવાસી મિત્રો, મુસાફિર અને અને તમે માલિક છો એવા (ગુલામો) સાથે પણ (સદવર્તન કરો). બેશક, અલ્લાહ તઆલા જે કોઈ ઘમંડી અને અભિમાની હોય એને પસંદ નથી કરતા. (૩૬) આવા લોકો પોતે કંજૂસાઈ કરે છે અને લોકોને પણ કંજૂસાઈ કરવાનું કહે છે અને અલ્લાહ તઆલાએ એની મહેરબાનીથી જે કંઈ આપ્યું છે એ છૂપાવે છે અને અમે આવા કાફિરો માટે અપમાનકારી અઝાબ તૈયાર રાખ્યો છે. (૩૭) અને (આવા લોકો એમનો માલ લોકોને દેખાડવાના આશયે ખર્ચ કરે છે અને અલ્લાહ તઆલા ઉપર તેમજ આખિરતના દિવસ ઉપર ઈમાન રાખતા નથી અને શયતાન જેનો સાથી હોય તો પછી એ ઘરો બુરો સાથી છે. (૩૮) અને એમના ઉપર શું મુસીબત આવી પડત, જો તેઓ અલ્લાહ ઉપર અને કિયામતના દિવસ ઉપર ઈમાન લાવત તેમજ અલ્લાહ તઆલાએ જે કંઈ આપ્યું છે તેમાંથી કરત? અને અલ્લાહ તઆલા આ લોકોને ખૂબ જાણે છે. (૩૯) બેશક, અલ્લાહ તઆલા કોઈના ઉપર રજમાત્ર પણ ઝુલ્મ કરતો નથી, અને કોઈ એક (નાનકડી) નેકી હશે તો તેને બમણી કરી દેશે અને પોતાના તરફથી પાસેથી મહાન બદલો આપશે. (૪૦)
તફસીર : સૂરએ નિસાઅમાં શરૂથી જ ઓરતો, યતીમો, ગરીબો, રિશ્તેદારો તેમજ દરેકના હકો – અધિકારો, વિશેષ કરીને માલ સંબંધી હકો આપવાની તાકીદ વારંવાર કરવામાં આવી છે, વારસા વહેંચણીના હુકમો અને નિયમો પણ એનો જ એક ભાગ હતો, એનું વિગતવાર વર્ણન કરવા ઉપરાંત એને લગતા બીજા અનેક હુકમોનું પણ વર્ણન કરવામાં આવ્યું. હવે અમુક આયતોમાં અમુક જરૂરતમંદો કે હકદારોને એમના હક તરીકે માલ - મદદ આપવાનો આદેશ છે, માં—બાપથી શરૂઆત કરીને પાડોશી અને અજાણ્યા મુસાફર સુધી એનું વર્તુળ લંબાવવામાં આવ્યું છે. આ બધાને એમનો હક આપવા માટે માણસના દિલમાં ઈમાન હોવું જરૂરી છે, ઉપરાંત માલ ખર્ચ કરવાની હિમ્મત હોવી પણ જરૂરી છે, આવા બધા માણસોને માલ આપવો અને તે પણ ખુદાના એક હુકમના આધારે અને એમનો હક સમજીને, પોતાનું એહસાન જતાવ્યા વગર, કંજૂસ માણસનું કામ નથી. આ આયતોમાં એનું જ સુંદર રીતે વર્ણન કરવામાં આવ્યું છે.
સહુપ્રથમ એક અલ્લાહની ઈબાદત અને શિર્ક ન કરવાની તાકીદ છે. એટલા માટે કે અલ્લાહ તઆલા ઉપર ઈમાન જ માણસને લોકોના હક અદા કરવા અને એની રાહમાં ખર્ચ કરવાની પ્રેરણા – તરગીબ આપે છે. સાથે જ શિર્કની મનાઈ કરવામાં આવી, જેથી લોકો ખોટા માબૂદો પાછળ ખર્ચ ન કરે, અને વિશેષ એટલા માટે કે જૂઠા ખુદાઓની ઈબાદત કરનાર વધુ પડતા લોકો અન્યોના હક મારીને ખાય જાય છે અને પછી માબૂદો પાછળ ધુમ ખર્ચ કરીને એમ સમજે છે કે મારો આ જૂઠો માબૂદ મારાથી પ્રસન્ન રહેશે તો મને કંઈ નહીં થાય. એટલે શિર્કની મનાઈમાં આ બાબત પણ શામેલ છે કે ખુદા સિવાય કોઈ બીજી શકિત કે માબૂદને ખુશ કરવાના નામે ખર્ચ કરવાની પણ મનાઈ છે.
પછી સહુપ્રથમ માં – બાપ સાથે સદવર્તન કરવાનો હુકમ છે. એવું વર્તન જે દરેક રીતે સારુ જ કહી શકાય. અહિંયા આ વાત ધ્યાને લેવા જેવી છે કે આ આયતમાં અને અન્ય આયતોમાં પણ અલ્લાહ તઆલાએ પોતાની ઈબાદત કરવાના હુકમ પછી તુરંત માં – બાપ સાથે સદવર્તનનો હુકમ કર્યો, એનાથી માં-બાપનું મહત્વ અને એમની સાથે સદવર્તન કરવાની તાકીદ સ્પષ્ટ થાય છે. સદવર્તનમાં માં – બાપ પાછળ પૂરતો બલકે હાથ ખોલીને ખર્ચ કરવા ઉપરાંત એમની દરેક પ્રકારની સેવા આવી જાય છે. એમની શારિરીક સેવા કરવામાં આવે. એમની સાથે ધીમા અવાજે નરમાશથી વાત કરવામાં આવે. કોઈ એવી વાત ન કહે કે એવું કામ ન કરે જેનાથી એમનું દિલ દુખે. એમના દોસ્તો અને સંબંધીઓ સાથે પણ સદવર્તન કરે. એટલે સુધી કે માં – બાપે અવલાદના હકો અદા કરવામાં કોતાહી કરી હોય છતાં અવલાદને એની પરવાનગી નથી કે એમની સાથે બદસુલૂકી કરે.
માં – બાપ પછી બીજા નંબરે બધા જ રિશ્તેદારો સાથે સદવર્તન કરવાનો હુકમ છે. એટલે કે માલ વડે કે જેવી જરૂરત હોય એ મુજબ એમની મદદ કરવામાં આવે. એમને જરૂરત ન હોય તો એમનું સન્માન કરવા ખાતર પણ એમની સાથે સદવર્તન કરવામાં આવે.
પછી ત્રીજા - ચોથા નંબરે યતીમો અને ગરીબો સાથે સદવર્તન અને એહસાન કરવાનો હુકમ છે. યતીમો અને ગરીબો સાથે સદવર્તન, મદદ અને એમના માલ – અધિકારનું રક્ષણ કરવાની તાકીદ આ સૂરતમાં પણ અનેકવાર આવી ચુકી છે. અત્રે માં – બાપ અને રિશ્તેદારોના સદવર્તન સાથે એમનું વર્ણન કરીને અલ્લાહ તઆલા એવું કહેવા માંગે છે કે એમની સાથે સદવર્તન પણ એટલું જ મહત્વનું છે જેટલું માં – બાપ અને સગાઓ સાથે..
પછી પાંચમા અને છઠ્ઠા નંબરે બે પ્રકારના પાડોશીઓનું વર્ણન છેઃ الجار الجنب અને الجار ذي القربي હઝરત ઈબ્ને અબ્બાસ રદિ.ના કથન મુજબ રિશ્તેદાર પાડોશી અને રિશ્તેદાર ન હોય એવો અન્ય પાડોશી એમ તરજમહ કરવામાં આવ્યો છે. અમુક તફસીરકારોના મતે આપણા મકાનથી અડીને રહેતો નજીકનો પાડોશી અને થોડે દૂર રહેતો પાડોશી.. અને અમુક તફસીરકારોના મતે મુસલમાન પાડોશી અને ગેરમુસ્લિમ પાડોશી... એમ તરજમહ કરવામાં આવ્યો છે. કુરઆનના શબ્દો મુજબ બધા જ તરજમહ શકય અને સહીહ છે. અને આમ બે પ્રકારના પાડોશીઓમાં ફરક હોય એ તાર્કિક પણ છે. પાડોશી રિશ્તેદાર હોય, મકાનથી અડીને રહેતો હોય કે મુસલમાન હોય અન્ય પાડોશીઓ કરતાં એનો હક વધારે હોય એ તાર્કિક અને સ્વભાવિક પણ છે. અને આ પાડોશીઓમાં ફરક કરી શકાય છે. હદીસ શરીફમાં છે : અમુક પાડોશીઓનો એક હક છે, અમુકના બે હક છે અને અમુકના ત્રણ હકો છે. એક હક વાળો ગેરમુસ્લિમ પાડોશી છે. બે હકવાળો મુસલમાન પાડોશી છે અને ત્રણ હકવાળો મુસલમાન રિશ્તેદાર પાડોશી છે.
સાતમા નંબરે સાથીદારનું વર્ણન છે. એટલે કે એવો દોસ્ત જે માણસની સાથે હરતો ફરતો હોય, ઉપરાંત એમાં એવા સાથીદારો પણ શામેલ છે જે થોડી વાર માટે પણ માણસ સાથે ભેગા થયા હોય, જેમ કે સફરમાં કે કોઈ મજલિસમાં માણસની આસપાસ જે લોકો હોય એમની સાથે સદવર્તન કરવું પણ ઈસ્લામી ફરજ છે.
આઠમાં નંબરે મુસાફરનું વર્ણન છે. એટલે કે કોઈ મુસાફર એની સફર દરમિયાન ગામમાં, મહોલ્લામાં કે રસ્તામાં મળી જાય અને શહેર કે ગામમાં,એને કોઈ ઓળખતું ન હોય તો એને રોકાવા - ખાવા -પીવા અને રસ્તો બતાવવા વગેરેની મદદ કરવી પણ ઈસ્લામી ફરજ છે.
નવમાં નંબરે ગુલામ – લોંડીઓ સાથે સદવર્તનની તાકીદ છે. પહેલાના સમયમાં ગુલામ - લોંડીઓ માણસની માલિકીનો માલ ગણાતો હતો, અને ઘણા આકાઓ એમની સાથે જાનવરો જેવો વર્તાવ કરતા હતા, એટલે કુરઆનમાં વિશેષ તાકીદ કરવામાં આવી કે તેઓ પણ 'માનવી' છે, અલ્લાહે તમને માલિક અને એમને તમારા ગુલામ બનાવ્યા છે તો અલ્લાહનો શુક્ર માનીને એમની સાથે સદવર્તન કરો. નહીતર અલ્લાહ તઆલા એવું પણ કરી શકત કે તમને ગુલામ બનાવીને એમને તમારા માલિક બનાવી દેત.
અને છેલ્લે અલ્લાહ તઆલાએ ફરમાવ્યું કે અલ્લાહ તઆલા ઘમંડી અને અભિમાની લોકોને પસંદ નથી કરતા. એટલે કે માણસે ઘમંડમાં રહીને આ બધા હકદારોનો હક દબાવી ન રાખે, અથવા એમ ન થાય આ બધા લોકો સાથે સદવર્તન કરીને પછી ઘમંડ – અભિમાન જતાવે કે મેં તમારા ઉપર આમ તેમ ઉપકાર કર્યો છે.
પછી આયત નં ૩૭માં આવા ઘમંડી અને લોકોના હકો અદા ન કરનાર કંજૂસ લોકોનું વર્ણન છે. હઝરત ઈબ્ને અબ્બાસ રદિ. ફરમાવે છે કે આયતમાં મદીનાના યહૂદીઓ પ્રતિ ઈશારો છે, તેઓ ઘણા વધારે ઘમંડી હતા, કંજૂસ હતા અને લોકોને પણ દીનની રાહમાં ખર્ચ કરવાથી રોકતા હતા અને અલ્લાહ તઆલાએ તવરાતમાં જે આદેશો એમને આપ્યા હતા એ છુપાવતા હતા. વિશેષ કરીને અઘરા હુકમો વર્ણન કરતા ન હતા, અને નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ વિશે જે ભવિષ્યવાણી એમની કિતાબમાં હતી એ છુપાવતા હતા.
આયત નં : ૩૮માં આવા લોકોની એક અન્ય બુરી આદતનું વર્ણન છે કે આવા લોકો અલ્લાહની રાહમાં અને હકદારો એમનો હક આપવામાં માલ નથી વાપરતા પણ લોકો સમક્ષ દેખાડો કરવાનો હોય તો ભરપૂર માલ ખર્ચ કરે છે. આ લોકોને જાણે આખિરતમાં હિસાબ ન આપવાનો હોય અને ફકત દુનિયાના લોકો પાસેથી જ સર્ટીફિકેટ લેવાનું હોય કે ભારે સખાવતી દાનવીર છે. આવું એટલા માટે થાય છે શયતાનને તેઓ દોસ્ત બનાવી લે છે અને શયતાન જેવો બુરો દોસ્ત હોય તો પછી પૂછવાનું જ શું ?
આ યહૂદીઓ જો અલ્લાહ તઆલા ઉપર ઈમાન લાવીને એટલે કે અલ્લાહ તઆલાની વાત માનીને અલ્લાહ તઆલાએ આપેલ દોલતને એની રાહમાં, એણે બતાવેલ હકદારોનો હક અદા કરવામાં ખર્ચ કરત તો એમને શું થઈ જાત ? કોઈ નુકસાન કે મુસીબત આવી પડત ? હરગિઝ નહીં, બલકે અલ્લાહ તઆલાની રઝામંદી એમને નસીબ થાત અને અલ્લાહ તઆલા એમના માલમાં વધારે બરકત આપત.. પણ તેઓને ઘમંડ છે અને કંજૂસાઈમાં આમ કરે છે, અલ્લાહ તઆલાએ એમના આ કરતૂતોની ખબર છે. અને અલ્લાહ તઆલા કોઈની સાથે જુલમ નથી કરતા, એમને એમના કરતૂતો ઉપર જરાયે અન્યાય કર્યા વગર અઝાબ આપશે અને જો તેઓ નેકી કરત તો અલ્લાહ તઆલા નાનકડી નેકીને ઘણી મોટી કરીને પોતાની પાસે રાખત અને પછી એનો અનેક ગણો સવાબ આપત. એટલે કે અલ્લાહ તઆલા બુરાઈનો બદલો તો બુરાઈ જેટલો જ આપે છે પણ નેકીનો બદલો અનેક ગણો વધારીને આપે છે.
મઆરિફુલ હદીસ
હઝરત મવલાના મંઝૂર નોમાની (રહ.)
અનુવાદ : મવલાના યાકૂબ બારીવાલા સા. રહ.(બ્લેકબર્ન. યુ.કે.)
ભાગ નંબરઃ ૧૬૪
કયા વખતે સદકો કરવાનો ષવાબ વધારે મળે છે?
عَنْ أَبِي هُرَيْرَةَ ، قَالَ : رَجُلٌ قَالَ : يَا رَسُولَ اللهِ ، أَيُّ الصَّدَقَةِ أَعْظَمُ أَجْرًا؟ قَالَ : " أَنْ تَصَدَّقَ وَأَنْتَ صَحِيحٌ شَحِيحٌ ، تَخْشَى الْفَقْرَ وَتَأْمُلُ الْغِنَى ، وَلَا تُمْهِلَ حَتَّى إِذَا بَلَغَتْ الْحُلْقُومَ قُلْتَ : لِفُلَانٍ كَذَا ، وَلِفُلَانٍ كَذَا ، أَلَا وَقَدْ كَانَ لِفُلَانٍ " (رواه البخارى ومسلم)
તરજુમાઃ- હઝરત અબૂ હુરૈરહ રદિ.થી રિવાયત છે કે એક માણસે રસૂલુલ્લાહ સલ.થી પુછયું કે કયા સદકાનો ષવાબ વધારે મળે છે? આપ સલ.એ ફરમાવ્યું કેઃ વધુ ષવાબ તે વખતે છે કે તમે એવા સમયે સદકો કરો કે જયારે તમે તંદુરસ્ત હોય, અને તમારામાં માલની લાલસા તેમ ભંડોળ ભેગું કરવાની લાલચ હોય, એવી હાલતમાં (અલ્લાહ તઆલાના રસ્તામાં ખર્ચ કરવાથી) તમને મોહતાજીનો ભય હોય, અને માલદારીની દિલમાં ઉમંગ હોય, (એવા સમયે અલ્લાહ તઆલાને રાજી કરવા) પોતાનો માલ ખર્ચ કરવો ખરી ખુદા પરસ્તી અને ખુદા શોધવાની દલીલ છે, અને એવા સદકાનો ષવાબ ઘણો જ મહાન છે.) અને એવું ન બનવું જોઈએ કે તમે વિચારતા રહો, અને ટાળતા રહો, એવામાં મૃત્યુ સમય આવી પડે. અને જીવ ખેંચાયને ગળામાં આવી જાય, તે વખતે તમે માલ વિષે વસીય્યત કરો કે આટલું ફલાણાને અને આટલું ફલાણાને આપો, જો કે તે સમયે માલ (તમારા હાથમાંથી નિકળી જઈને) વારસદારો પાસે પહોંચી જશે. (બુખારી શરીફ, મુસ્લિમ શરીફ)
ખુલાસો :- માણસોમાં એ કમઝોરી છે કે જયાં સુધી તંદુરસ્તી અને શકિત હોય છે. અને મૃત્યુ સામે દેખાતુ નથી, ત્યાં સુધી અલ્લાહ તઆલાના રસ્તામાં ખર્ચ કરવામાં કંજૂસી કરે છે. શેતાન તેમના દિલમાં વસ્વસો નાંખે છે કે જો અમે અલ્લાહ તઆલાના રસ્તામાં વાપર્યુ તો અમારી પાસેથી ઓછું થઈ જશે. અમે પોતે ફકીર અને મોહતાજ બની જઈશું તેથી તેમનો હાથ ઉઘડતો નથી પરંતુ જયારે મૃત્ય સામે દેખાય છે. અને જીવવાની આશા ખતમ થઈ જાય છે. તો સદકો યાદ આવે છે. રસૂલલ્લાહ સલ.એ ફરમાવ્યું કે આ વાત યોગ્ય નથી. અલ્લાહ તઆલાની નજરમાં મેહબુબ અને મકબુલ સદકો તે છે જે બંદો તંદુરસ્તી અને શકિત હોવાની હાલતમાં કરે કે તેની સામે તેના કામો અને પોતાનું ભવિષ્ય હોય, તે છતાં અલ્લાહને ખુશ કરવા માટે અને આખિરતમાં સવાબની આશા સાથે રબ્બે કરીમના વાયદાઓ પર યકીન અને ભરોષો કરી એવી હાલતમાં હાથ ઉઘાડી નાંખે કે અલ્લાહ તઆલાના રસ્તામાં તેના બંદાઓ પર ખર્ચ કરે એવા બંદાઓ માટે કુર્આન પાકમાં સફળતાનો વાયદો છે.
" وَمَنْ يُوْقَ شُحَّ نَفْسِهِ فَأُوْلٰئِكَ هُمُ الْمُفْلِحُوْنَ"
પોતાના બાલ બચ્ચાઓની જરૂરત પર વાપરવું પણ સદકો છે
પોતાના બાલ બચ્ચાઓની જરૂરતો પર તેમની શકિત મુજબ ઓછો વત્તો ખર્ચ તો બધા જ કરે છે. પરંતુ તે ખર્ચ કરવાથી લોકોને તે રૂહાની ખુશી પ્રાપ્ત થતી નથી. જે અલ્લાહ તઆલાના નેક બંદાઓને બીજાઓની જરૂરતો પર અને મિસ્કીનો તેમ ફકીરો પર સદકો કરવાથી થાય છે. કારણ કે પોતાના બાલ બચ્ચાઓ પર વાપરવા તે લોકો ષવાબનું કામ સમજતા નથી પણ તેને લાચારીનું એક ટેક્ષ અથવા નફસની માંગ સમજે છે.
રસૂલુલ્લાહ (સલ.)એ બતાવ્યું કે પોતાના બાલ બચ્ચાઓ અને સગા સંબંધીઓ પર ફકત અલ્લાહ ખાતર સવાબની નિય્યતથી ખર્ચ કરવો જોઈએ. એવા સમયે જે ખર્ચ થશે તે બધો સદકા માફક આખિરતની બેંકમાં જમા થશે. બલકે બીજાઓ પર સદકો કરવાથી વધુ સવાબ મળશે. રસૂલુલ્લાહ સલ.ની આ તાલીમથી આપણા માટે એક મહાન નેક બખ્તી અને ભલાઈનો દરવાજો ખુલી જાય છે. હવે અમે જે કંઈ બાલ બચ્ચાઓના ખાવા પીવા કપડાં લત્તા અને જોડા પર જાઈઝ મર્યાદામાં ખર્ચ કરીશું તે એક પ્રકારનો "સદકો" અને ષવાબનું કામ હશે. એ શર્તે કે અમે તે નિય્યતથી ખર્ચ કરીએ.
(٥١) عَنْ أَبِي مَسْعُودٍؓ قَالَ : قَالَ رَسُولُ اللّهِ صَلَّى اللّهُ عَلَيْهِ وَسَلَّمَ : « إِذَا أَنْفَقَ المُسْلِمُ نَفَقَةً عَلٰى أَهْلِهِ ، وَهُوَ يَحْتَسِبُهَا ، كَانَتْ لَهُ صَدَقَةً » (رواه البخارى ومسلم)
તરજુમા:- હઝરત અબૂ મસઉદ રદિ.થી રિવાયત છે કે રસૂલુલ્લાહ સલ.એ ફરમાવ્યું કેઃ જયારે કોઈ ઈમાનદાર બંદો પોતાના બાલ બચ્ચા પર ષવાબની નિય્યતથી ખર્ચ કરશે. તો તેના હકમાં સદકો ગણાશે. (અને તે અલ્લાહની નજરમાં સવાબનો હકદાર બનશે.) (બુખારી, મુસ્લિમ)
(٥٢) عَنْ أَبِي هُرَيْرَةَؓ قَالَ : يَا رَسُولَ اللّهِﷺ، أَيُّ الصَّدَقَةِ أَفْضَلُ؟ قَالَ : « جُهْدُ الْمُقِلِّ ، وَابْدَأْ بِمَنْ تَعُولُ » (رواه ابوداؤد)
તરજુમાઃ- હઝરત અબૂ હુરૈરહ રદિ.થી રિવાયત છે કે તેમણે રસૂલુલ્લાહ સલ.ને પુછયુઃ યા રસૂલલ્લાહ! કયો સદકો અફઝલ છે? આપ સલ.એ ફરમાવ્યું કેઃ તે સૌથી અફઝલ સદકો છે જે ગરીબ માણસ પોતાની મેહનતથી કમાઈ કરે અને પહેલા તેમના ઉપર ખર્ચ કરે જેના તમો જવાબદાર છો (એટલે પોતાના ઘરવાળાઓ પર)
(٥٣) عَنْ أَبِي هُرَيْرَةَ رَضِيَ اللَّهُ عَنْهُ قَالَ : جَاءَ رَجُلٌ إِلَى رَسُولِ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ فَقَالَ : يَا رَسُولَ اللَّهِ ، عِنْدِي دِينَارٌ قَالَ : « أَنْفِقْهُ عَلَى نَفْسِكَ » . قَالَ : عِنْدِي آخَرُ ، قَالَ : « أَنْفِقْهُ عَلَى وَلَدِكَ » . قَالَ : عِنْدِي آخَرُ ، قَالَ : « أَنْفِقْهُ عَلَى أَهْلِكَ » . قَالَ : عِنْدِي آخَرُ ، قَالَ : « أَنْفِقْهُ عَلَى خَادِمِكَ » . قَالَ : عِنْدِي آخَرُ ، قَالَ : « أَنْتَ أَعْلَمُ بِهِ » (رواه ابوداؤد والنسائى)
તરજુમાઃ- હઝરત અબૂ હુરૈરહ રદિ.થી રિવાયત છે કે એક માણસે રસૂલુલ્લાહ સલ. પાસે આવી અરજ કરી કે મારી પાસે એક દીનાર છે. (બતાવો હું તેને કયાં અને કોની ઉપર ખર્ચ કરૂં?) આપ સલ.એ ફરમાવ્યું: (સૌથી ઉત્તમ એ છે કે) તું તારી જરૂરતમાં વાપરી લે, તેણે કહ્યું કે મારી પાસે બીજો પણ છે. આપ સલ.એ ફરમાવ્યું કે તે તમારી અવલાદની જરૂરતમાં ખર્ચ કરો, તેણે કહ્યું કે તેના માટે મારી પાસે બીજા પણ છે. આપ સલ.એ ફરમાવ્યું તો તેને તમારી પત્નિના કામમાં ખર્ચ કરો. તેણે કહ્યું તેના માટે મારી પાસે બીજા પણ છે. તો આપ સલ.એ ફરમાવ્યું કે તો પછી તમારા ગુલામ અને ખાદિમો પર ખર્ચ કરો. તેણે કહ્યું કે તેના માટે મારી પાસે બીજા પણ છે તો આપ સલ.એ ફરમાવ્યું કે તમે વધુ અનુભવી છો કે (તમારા સગાઓમાં કોણ વધુ જરૂરતમંદ અને હકદાર છે.) (અબૂ દાઉદ, નસાઈ)
ખુલાસો :- કદાચ તેના દેખાવથી હુઝૂર સલ.એ અનુમાન કર્યુ હોય કે તે પોતે જ વધુ જરૂરતમંદ અને તંગીમાં છે અને તેની પાસે ફક્ત એક જ દીનાર છે, અને તેને તે આખિરતના ષવાબ અને અલ્લાહ તઆલાની ખુશી માટે કોઈ જગ્યાએ વાપરવા ઇચ્છે છે. અને તેમને એ ખબર નથી કે મો’મિન જે કંઇ તેની જરૂરતમાં અથવા બાલ બચ્ચાઓ અને ગુલામો પર (જેની જવાબદારી તેના પર છે.) ખર્ચ કરે, તો તે બધું જ સદકો અને અલ્લાહ તઆલાની ખુશીનો સબબ બને છે.જેથી આપ સ.લ એ ક્રમવાર એ મુજબ અભિપ્રાય આપ્યો,કાયદો અને હુકમ તો એ જ છે. કે માણસ પહેલાં તે હકો અને જવાબદારીઆે પુરી કરે જે તેના ઉપર જરૂરી છે. તે પછી આગળ ધપે, હા, તે અલ્લાહના ખાસ બંદાઓ જેમને તવક્કુલ અને અલ્લાહ તઆલા પર ભરોષાનું ઉચ્ચ સ્થાન પ્રાપ્ત છે. અને તેના ઘરવાળાઓને પણ તેમાંથી કંઈક ભાગ મળ્યો છે. તેમના માટે ઠીક છે કે પોતે ફાકા કરી, પેટ પર પથ્થર બાંધી, ઘરમાં જે કંઈ હોય બીજા જરૂરતમંદોને ખવડાવી દે, હુઝૂર સલ.નો અને ખાસ સહાબાનો રિવાજ એ જ હતો.
يُؤْثِرُوْنَ عَلٰى أَنْفُسِهِمْ وَلَوْ كَانَ بِهِمْ خَصَاصَةٌ -(سوره حشر)
સગા સંબંધીઓ પર ખર્ચ કરવાની ખાસ ફઝીલત
(٥٤) عَنْ سُلَيْمَانَ بْنِ عَامِرٍؓ قَالَ قَالَ رَسُولُ اللّهِ ﷺ الصَّدَقَةُ عَلَى الْمِسْكِيْنَ صَدَقَةٌ وَهِيَ عَلٰى ذِي الرَّحْمِ ثِنَتَانٍ صَدَقَةٌ وَصِلَةٌ (احمد والترمذي والنسائي)
તરજુમાઃ- હઝરત સુલેમાન બિન આમિર રદિ.થી રિવાયત છે કે રસૂલુલ્લાહ સલ.એ ફરમાવ્યું કે કોઈ અજાણ્યા નાદારને અલ્લાહ વાસ્તે કંઈ આપવું ફકત સદકો છે અને પોતાના સગા સંબંધી (જરૂરતમંદ)ને અલ્લાહ તઆલા વાસ્તે આપવામાં બે પાસાં છે. અને બે પ્રકારનો ષવાબ છે. એક સદકાનો સવાબ અને બીજો સીલા રહમીનો (એટલે સગાઈનો સંબંધ જાળવવાનો) જે જાતે જ ઘણી મહાન નેકી છે.
عَنْ زَيْنَبَ ، امْرَأَةِ عَبْدِ اللهِ بْنِ مَسْعُوْدٍ قَالَتْ : قَالَ رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ : « تَصَدَّقْنَ ، يَا مَعْشَرَ النِّسَاءِ ، وَلَوْ مِنْ حُلِيِّكُنَّ » قَالَتْ : فَرَجَعْتُ إِلَى عَبْدِ اللهِ فَقُلْتُ : إِنَّكَ رَجُلٌ خَفِيفُ ذَاتِ الْيَدِ ، وَإِنَّ رَسُولَ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَدْ أَمَرَنَا بِالصَّدَقَةِ ، فَأْتِهِ فَاسْأَلْهُ ، فَإِنْ كَانَ ذَلِكَ يَجْزِي عَنِّي وَإِلَّا صَرَفْتُهَا إِلَى غَيْرِكُمْ ، قَالَتْ : فَقَالَ لِي عَبْدُ اللهِ : بَلِ ائْتِيهِ أَنْتِ ، قَالَتْ : فَانْطَلَقْتُ ، فَإِذَا امْرَأَةٌ مِنَ الْأَنْصَارِ بِبَابِ رَسُولِ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ حَاجَتِي حَاجَتُهَا ، قَالَتْ : وَكَانَ رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَدْ أُلْقِيَتْ عَلَيْهِ الْمَهَابَةُ ، قَالَتْ : فَخَرَجَ عَلَيْنَا بِلَالٌ فَقُلْنَا لَهُ : ائْتِ رَسُولَ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ ، فَأَخْبِرْهُ أَنَّ امْرَأَتَيْنِ بِالْبَابِ تَسْأَلَانِكَ : أَتُجْزِئُ الصَّدَقَةُ عَنْهُمَا ، عَلَى أَزْوَاجِهِمَا ، وَعَلَى أَيْتَامٍ فِي حُجُورِهِمَا؟ وَلَا تُخْبِرْهُ مَنْ نَحْنُ ، قَالَتْ : فَدَخَلَ بِلَالٌ عَلَى رَسُولِ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ فَسَأَلَهُ ، فَقَالَ لَهُ رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ : « مَنْ هُمَا؟ » فَقَالَ : امْرَأَةٌ مِنَ الْأَنْصَارِ وَزَيْنَبُ ، فَقَالَ رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ : « أَيُّ الزَّيَانِبِ؟ » قَالَ : امْرَأَةُ عَبْدِ اللهِ ، فَقَالَ لَهُ رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ : " لَهُمَا أَجْرَانِ : أَجْرُ الْقَرَابَةِ ، وَأَجْرُ الصَّدَقَةِ " (رواه البخارى ومسلم)
તરજુમાઃ- હઝરત અબ્દુલ્લાહ બિન મસ્ઉદ રદિ.ની પત્નિ હઝરત ઝૈનબથી રિવાયત છે કે રસૂલુલ્લાહ સલ.એ (એક ખુત્બામાં ખાસ કરી સ્ત્રીઓને સંબોધતા) ફરમાવ્યું કે એય ખાતૂનો! તમારે અલ્લાહ તઆલાના રસ્તામાં સદકો કરવો જોઈએ ભલે તમારે તમારા દાગીનામાંથી આપવું પડે. (આગળ હઝરત ઝૈનબ રદિ. બયાન કરે છે કે) મેં જયારે હુઝૂર સલ.નો આ ઈર્શાદ સાંભળ્યો તો હું મારા પતિ હઝરત અબ્દુલ્લાહ બિન મસ્ઉદ રદિ. પાસે આવી અને કહ્યું કે રસૂલુલ્લાહ (સલ.) એ અમો સ્ત્રીઓને સદકો કરવાની ખાસ તાકીદ ફરમાવી છે (અને મારી ઈચ્છા છે કે મારી પાસે જે કંઈ છે તેને અલ્લાહના રસ્તામાં ખર્ચ કરવાની સઆદત પ્રાપ્ત કરૂં) અને તમે પણ તંગ હાથ અને ખાલી હાથ છે. હવે તમે રસૂલુલ્લાહ સલ.ની સેવામાં હાજર થઈ પુછો (કે જો હું તમને જ આપી દઉં તો મારો સદકો અદા થશે?) જો તમને આપવું યોગ્ય હોય તો હું તમને જ આપી દઉં, નહીં તો બીજા જરૂરતમંદોને આપી દઈશ. કહે છે કે અબ્દુલ્લાહ બિન મસ્ઉદ રદિ.એ કહ્યું કે તમે જાતે જ જઈ હુઝૂર સલ.ને પુછી લો હું પોતે ગઈ ત્યાં ગઈ તો જોયું કે અન્સારમાંથી એક સ્ત્રી આપ સલ.ના દરવાજા પર ઉભી છે. અને તેનો હેતુ પણ એ જ હતો જે મારો હતો (એટલે તે પણ એ જ મસ્અલો પુછવા આવી હતી) અને રસૂલુલ્લાહ સલ.ને અલ્લાહે એક ખાસ રોબ આપ્યો હતો, (જેના કારણે દરેકને આપની સામે વાત કરવાની હિંમત થતી ન હતી, જેથી અમારી પાસે આપની પાસે જઈ પુછવાની હિંમત ન થઈ) એટલામાં (આપના ખાસ ખાદિમ અને મુઅઝઝીન) હઝરત બિલાલ બહાર નિકળ્યા, અમે બન્નેવે તેમને કહ્યું કે આપ સલ.ની સેવામાં અરજ કરો કે બે સ્ત્રીઓ દરવાજા પર ઉભી છે. અને આપને પુછી રહી છે કે જો તે તેમના જરૂરતમંદ પતિઓ અને તે યતીમો પર જેઓ તેમની પરવરીશમાં છે સદકો કરે તો શું સદકો અદા થઈ જશે? (અને અમને સદકાનો સવાબ મળશે?) અને રસૂલુલ્લાહ સલ.ને અમારો પરિચય ન આપશો. કે અમે કોણ છે? બિલાલ રદિ. આપ સલ.ની સેવામાં હાજર થયા અને તે બન્નેવ સ્ત્રીઓનો સવાલ રજૂ કર્યો, આપ સલ.એ પુછયું કે તે કોણ છે? બિલાલ રદિ.એ અરજ કરી કે એક તો અન્સારીમાં છે અને બીજી ઝૈનબ છે. આપ સલ.એ પુછયું કોણ ઝૈનબ? બિલાલ રદિ.એ અરજ કરી અબ્દુલ્લાહ બિન મસ્ઉદ રદિ.ની પત્નિ ઝૈનબ! આપ સલ.એ ફરમાવ્યુંઃ હા, (તેમનો સદકો અદા થઈ જશે) અને આ હાલતમાં તેમને બે ઘણો સવાબ મળશે. એક સદકાનો અને બીજો સિલા રહમીનો સવાબ.
રમઝાનમાં કરવાના કામો
અલબલાગ આપના હાથોમાં પહોંચશે ત્યારે મુસલમાનો માટે અત્યંત બરકતવાળો મહીનો રમઝાન શરૂ થઈ ચુક્યો હશે. રમઝાન ગુનાહોને ધોવા અને માફ કરાવવાનો મહીનો છે. બરકત અને રહમતનો ખઝાનો ભેગો કરવાનો મહીનો છે. રમઝાનની બરકતો અને રહમતો કેવી રીતે પ્રાપ્ત કરવામાં આવે ? કેમ કરીને એનાથી અલ્લાહની નિકટતા મેળવવામાં આવે ? એ માટે નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે હદીસ શરીફમાં અનેક નુસ્ખાઓ અને આમાલ દર્શાવ્યા છે. દરવરસે રમઝાન પૂર્વે અને રમઝાનમાં વિવિધ કિતાબો અને મેગેઝિનોમાં આ બાબતે ઉલમાએ કિરામ દ્વારા વિવિધ લેખો લખવામાં આવે છે.
અત્રે ખુલાસા સ્વરૂપ રમઝાનમાં કરવાના અને ન કરવાના કામો દર્શાવીએ છીએ, દુઆ છે કે આપણા સૌને અલ્લાહ તઆલા રમઝાનની બરકતોથી નવાઝે.આમીન.
સાવચેતી, અદબ અને નમ્રતા
રમઝાન અત્યંત મુબારક મહીનો છે. દિવસ અને રાત બંનેમાં ઘણી બરકતો છે. માટે રમઝાન શરૂ થતાં જ મુસલમાને સાવચેતી, અદબ અને આજિઝીથી રહેવું જોઈએ. કયાંક 'નફસ' અને ગુનાહોની આદત પ્રભાવી થઈને એની બરકતોથી આપણને મહરૂમ ન કરી દે.
અવળા કામો ન કરો.
માણસનો નફસે અમ્મારહ અને શયતાન માણસને અવળા રસ્તે ચલાવી ગુમરાહ કરે છે. જેમ કે રમઝાન અસલમાં ઓછું ખાવા- પીવા, ઓછું સુવા અને ઓછું બોલવા અને વધારે ઈબાદત કરવા અને વધારે સખાવત કરવાનો મહીનો છે. આજકાલ શયતાને માણસને ગુમરાહ કરી દીધો છે કે રમઝાન એટલે પેટ ફુલાવીને ખાવા પીવા, બિસ્તર ઉપર પડી રહેવાનું નામ છે. વધારે ઈબાદતના બદલે વધારે ધંધો કરવાનું અને સખાવતના બદલે ખુબ કમાણી કરી લેવાનો મહીનો છે.
અમુક કાર્યો વધારે કરો
ઈબાદતમાં મહેનત વધારે કરો. મહેનતનો મતલબ છે માણસ જેનાથી થાકી જાય. એટલે માણસે થાકી જવાય એટલી બધી ઈબાદત રોજ દિવસે અને રાત્રે કરવી જોઈએ. આ માટે નીચેના કામો વધારે કરો.
(૧) નમાઝ. ફરજ નમાઝો, વાજિબ નમાઝો અને વધુથી વધુ નફલો પઢો. તરાવીહ આ મહીનાની વિશેષ સુન્નત છે. એનો ખુબ એહિતમામ કરો. તહજ્જુદની પાબંદી આ મહીનામાં ઘણી જ સરળ છે, માટે તહજ્જુદ જરૂર પઢવી જોઈએ.
(૨) તિલાવત. દરરોજ ત્રણ પારાથી વધારે.
(૩) સદકહ, ખૈરાત. વધારે કરો. ઝકાત અને ફિતરહ ઉપરાંત નફલી સદકહ એટલે કે લિલ્લાહ ખૈરાત ખૂબ કરો. સગાઓ અને ગરીબોને મદદ કરો. આડોશ-પાડોશને સહાય કરો.
(૪) આખિરતની ફિકર કરો. એટલે કે આખિરતની સદાની જિંદગીનો વિચાર કરીને એના માટે તૈયારી કરો. આખિરતનો વિચાર કરીને પોતાને દુનિયાની મહોબ્બતથી બહાર કાઢો.
(૫) નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે અનેક લડાઈઓ આ મહીનામાં જ લડી હતી, એટલે આ મહીનો દીન માટે જિહાદ, કુરબાની અને મહેનતનો છે. માટે દીન ખાતર માલ, જાનની કુરબાની માટે આ મહીનામાં તત્પર રહો.
અમુક કામો બંધ કરી દયો.
(૧) બદનજરી ન કરો. આંખોની હિફાજત કરો. આંખોની બદનજરી કયાંક રમઝાનના નૂરને જ ખતમ ન કરી દે, એનો ખ્યાલ રાખો.
(૨) ટી.વી. ન જુઓ. બિલ્કુલ બંધ કરી દયો. સમાચાર પણ ન જુઓ.
(૩) ગુનાહની મજલિસો, સોહબત અને વાતચીત બંધ કરી દયો. ગીબત, જુઠ, બુરાઈ અને બેકાર વાતોની ટાઈમપાસ મજસિલો બંધ કરી દયો.
અમુક કામો ઓછા કરી દયો
ખાવું— પીવું. સુવું. બીજી જાઈઝ ખ્વાહિશો. વાતચીત, દુન્યવી મેગેઝિનો અને સમાચારપત્રો - મેગેઝિનો વગેરે.
રોજની દુઆ.
રોજ, પાબંદીથી બે રકાત સલાતુલ હાજત પઢીને દુઆ કરો કે હે અલ્લાહ ! આ રમઝાનને અમારા માટે રહમત, મગફિરત, જહનનમથી છુટકારો, અને આફિયતનો મહીનો બનાવો. તારી રહમત અને મહેરબાની મેળવનારા બંદાઓમાં અમને શામિલ ફરમાવો અને મહરૂમ લોકોમાં અમને શામિલ ન ફરમાવો.
માણસ પોતાની દુન્યવી જરૂરતોને પણ પાબંદીથી દુઆ માંગીને અલ્લાહ પાસેથી પૂરી કરાવી શકે છે. અસબાબ અપનાવ્યા પછી અલ્લાહ પાસે માંગવાનો આ શ્રેષ્ઠ અવસર છે.
છેલ્લો અશરહ
રમઝાનના છેલ્લા દસ દિવસ ઘણા કીમતી છે. આ દસ દિવસને બરબાદ થવાથી બચાવો. નવા કપડાં વગર પણ ઈદની ખુશીઓ મનાવી શકાય છે, પણ એના માટે બજારમાં રખડીને બરકતો બરબાદ ન કરવી જોઈએ. આજકાલ ઈદની ખરીદીના નામે છેલ્લા દસ દિવસ ઘણી ખરાબ રીતે વીતાવવામાં આવે છે. વિચારો...કે... કદાચ આ તમારી જિંદગીનો છેલ્લો રમઝાન હોય....
ચાર કામો વધારે કરો
(૧) લા ઈલાહ ઈલ્લલ્લાહ.. વધારે પઢો.
(૨) અલ્લાહ તઆલાના દરબારમાં મગફિરત માંગો.
(૩) જન્નતની દુઆ કરો.
(૪) જહન્નમથી પનાહ માંગો.
સિત્તેર હજાર વાર લા ઈલાહ ઈલ્લલ્લાહ.. પઢવાની એક ફઝીલત આ પણ છે કે એનાથી માણસની મગફિરત થઈ જાય છે. રોજના ૨૫૦૦ વાર પઢવાનો મામૂલ બનાવવામાં આવે તો આ કામ સરળ થઈ જાય છે.
ઈસ્તિગ્ફાર અને અન્ય વધારે પઢવાની દુઆ, દુરૂદ વગેરે.. ત્રણસો વાર જરૂર પઢવામાં આવે.
હઝરત ગંગોહી રહ. ફરમાવે છે દુઆ, વઝીફા વગેરે વધારે હોવું ત્રણસોની શરૂ થાય છે. ત્રણસોથી ઓછી તસ્બીહને વધારે ન કહી શકાય.
અધૂરા ઈલ્મ સાથે દીનની વાત કરવી - કહેવી
હઝરત અકદસ શૈખુલ હદીસ મવલાના ઝકરિયા રહ.ની કિતાબ 'ઈસ્લામી સિયાસત'નો ક્રમશ અનુવાદ મુફતી ફરીદ અહમદ કાવી.
દરેક કામમાં જે તે વિષયના કાબેલ - નિષ્ણાંત લોકોની વાત માનવામાં આવે છે.
વિચારવાની એક વાત આ પણ છે કે દુનિયાના દરેક કામમાં જે તે વિષયના નિષ્ણાત અને કાબેલ વ્યકિતની સલાહ લેવામાં આવે છે, મકાન બનાવવું હોય તો કડિયા વગર છુટકો નથી. તાળું ઠીક કરાવવું હોય તો લુહાર પાસે જ જવું જોઈએ. કેસ કરવો તો વકીલ વગર શકય નથી. માણસ ચાહે ગમે તેટલા હોશિયાર હોય, મકાન બનાવવાનું કામ કડિયો જ કરશે. પણ દીનનું ઈલ્મ એટલું સસ્તું થઈ ગયું છે કે જે માણસ પણ થોડું ઘણું બોલવા – લખવાનું શીખી લે છે તે શરીઅત અને ઈસ્લામનો મોટો જાણકાર બની જાય છે. પોતાને મહાન વિદ્વાન સમજે છે. એની ઊંડી જાણકારી અને બારીક સમજદારી સામે કુરઆન અને હદીસ શરીફ પણ સ્વીકાર્ય નથી. પછી બિચારા ઉલમાની શી હેસિયત? આવા લોકોનો કોઈ વિરોધ કરે તો ઉલમા જ કરે છે, એટલે જ આવા વિદ્વાનો અને અભ્યાસુઓ ઉલમા વિરુદ્ધ જેટલું ઝેર ઓકે, સાચો કે જૂઠો જે આરોપ લગાવે, અને લોકોને ઉલમા વિરુદ્ધ ભડકાવે, બધું જ શકય છે, કારણ કે એમની ખોટી વાતો અને દીનના નામે એમની ભળતી વાતોનો પોલ ઉલમા જ ખોલતા હોય છે. તેઓ વિરોધી પણ બને છે, દુશ્મની પણ રાખે છે અને જે થાય તે બધું જ કરે છે. પણ આખરે ઉલમા શું કરી શકે ?
આવા લોકો વિશે જ નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમનો ઈરશાદ છે : મને મારા પછી સૌથી વધારે ખોફ તમારા ઉપર એવા મુનાફિકનો છે, જે વાકચાતુર્ય ધરાવતો હોય.
આવા લોકો એમના વાકચાતુર્ય, મીઠી ભાષા અને સુંદર લેખન – કથન થકી લોકોને પોતાના પ્રતિ આકર્ષે છે અને દીનના દરેક હુકમની ઠેકડી ઉડાવે છે, હઝરત ઉમર રદિ.એ એમના ખિલાફતકાળમાં દીનના વિવિધ વિભાગો અને એના લગતા નિષ્ણાંતો અલગ અલગ તારવ્યા હતા. એકવાર જાબિયહ સ્થળે વઅઝ કરતી વેળા આપ રદિ.એ ફરમાવ્યું હતું : જે માણસ અલ્લાહના કલામ વિશે કોઈ વાત જાણવા – શીખવા ચાહે એ હઝરત ઉબય બિન કઅબ રદિ. પાસે જાય. જે માણસે વારસા વહેંચણી બાબતે કોઈ મસ્અલો જાણવો હોય એ હઝરત ઝૈદ બિન ષાબિત રદિ.ને પૂછે. જે કોઈને ફિકહનો કોઈ હુકમ જાણવો - સમજવો હોય તો એ હઝરત મુઆઝ બિન જબલ રદિ. પાસે પહોંચે. હા, જેને બયતુલ માલમાંથી કોઈ મદદ જોઈતી હોય એ મારી પાસે આવે. મને અલ્લાહ તઆલાએ હાકેમ અને માલ વહેંચનાર બનાવ્યો છે. (મજમઉઝઝવાઈદ)
એમના પછી તાબેઈન રહ.ના ઝમાનામાં તો દીનના અલગ અલગ વિભાગોના જાણકારો અને વિદ્વાન ઉલમાની અલગ અલગ જમાતો બની ગઈ હતી. હદીસના જાણકારોની જમાત અલગ, ફુકહાની જમાત અલગ, તફસીરના વિદ્વાનોનો સમુહ અલગ. વઅઝ કરનાર અલગ, સૂફીયા અલગ.. પણ આપણા ઝમાનામાં દરેક માણસ બધા જ વિષયોનો નિષ્ણાંત અને કાબેલ બનવા માંગે છે. એક માણસને થોડું ઘણું અરબી લખતાં આવડી ગયું, બલકે ઉર્દૂ સારી રીતે લખવા અને તકરીર કરવાની આવડત આવી ગઈ તો પછી એ પોતાને તસવ્વુફમાં પણ કાબેલ ગણે છે, ફિકહમાં પોતાને મુજતહિદ – મુફતી ગણે છે, કુરઆને પાકની તફસીરમાં એ ચાહે તેવી વાત બનાવીને કહી શકે છે, એના માટે એવી કોઈ પાબંદી નથી કે પાછલા બુઝુર્ગોએ આવું કઈ કહયું લખ્યું છે કે નહીં. એને એવી કોઈ ફિકર નથી કે હું જે કંઈ કહું છું, એનાથી ઉલટું નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની હદીસમાં કહેવાયું છે. દીન અને શરીઅતના નામે એ ચાહે તે બોલે, જે મોંઢે આવે એ બોલે, કોઈની મજાલ છે કે કોઈની એની ટીકા કરી શકે અથવા એની ગુમરાહીને સામે લાવે. કોઈ એમ કહે કે તમારી આ વાત બુઝુર્ગોના ફલાણા કથનની વિરુદ્ધ છે તો આમ કહેનાર લકીરનો ફકીર કહેવાશે. સંકૃચિત દિમાગનો માણસ ગણાશે. એને નવા વિચારો અને નવી શોધોથી અજાણ છે. એનાથી વિપરીત જે કોઈ માણસ એમ કહે છે આજ સુધી પાછલા અકાબિર અને બુુુઝુર્ગોએ જે કંઈ કહયું એ બધું ખોટું છે, અને દીન વિશે નવી નવી વાતો રજૂ કરે, એ સાચો વિદ્વાન અને અભ્યાસુ છે. નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ ફરમાવે છે : જે માણસ કુરઆનની તફસીરમાં પોતાની સમજના આધારે કંઈ કહે, તો એની વાત ચાહે ખરી હોય છતાં એ ખોટો છે. (મજમઉઝઝવાઈદ) અને આમ છતાં આ અભ્યાસુઓ અને વિદ્વાનો કુરઆનની દરેક આયત વિશે અકાબિર ઉલમાની વાતો છોડીને નવી નવી વાતો ઘડતા રહે છે.
ઉપરથી સિતમ આ છે કે દરેક માણસ ઉલમાને જ મશવેરો આપે છે કે તેઓ વિવાદ ન કરે, વિખવાદ ન કરે, કોઈને કાફિર- ફાસિક ન કહે. પણ કોઈ એવું નથી કહેતું આ નવા કહેવાતા દીનના અભ્યાસુઓ દીનના વર્તુળમાંથી બહાર ન નીકળે. તેઓ નુબુવ્વતનો ઈન્કાર કરે, કુરઆન હદીસનો ઈન્કાર કરે, નમાઝ રોઝાને બેકાર કહે, નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની શાનમાં ગુસ્તાખી કરે, સહાબા રદિ.ને ગાળો આપે, મુજતહિદ ઈમામોને પણ ગુમરાહ કહી દે, ફિકહ અને હદીસને અમલ માટે અયોગ્ય ઠરાવે, દીનના નાના મોટા અનેક હુકમોનો ઈન્કાર કરે, ઠેકડી ઉડાવે, છતાં તેઓ મુસલમાન જ રહેશે. પાકા દીનદાર ગણાશે. અને જે કોઈ એમના વિરુદ્ધ અવાઝ ઉઠાવે તે દીનનો દુશ્મન ગણાશે. મુસલમાનોનો વિરોધી છે. લોકોને કાફિર કહેનાર છે.
ખરી વાત આ છે કે ઉલમા કોઈને કાફિર નથી બનાવતા. જે માણસ દીનની જરૂરી વાતોમાંથી કોઈનો ઈન્કાર કરે છે તે પોતે જ પોતાના શોખ અને આધુનિકતા કે અજ્ઞાનતાના કારણે કાફિર બની ગયો છે, ચાહે કોઈ એને કાફિર કહે કે ન કહે. અને જો તે એના કરતૂતોથી કાફિર નથી બન્યો તો કોઈના કાફિર કહેવાથી કાફિર નહીં બને. અને બની ગયો છે તો કોઈ એને કાફિર ન બતાવે છતાં તે મુસલમાન નથી. ખરું વિચારીએ તો આવા ખોટા માણસોને કાફિર કહેનારનું એહસાન કહેવાય કે તે ટકોર કરે છે, ચેતવે છે અને એહસાસ અપાવે છે કે તમે જે વસ્તુ - વિચારો અપનાવ્યા છે એ તમને ઈસ્લામથી બહાર કરી દેશે. તમને કાફિર બનાવી દેશે. જેને સાચે જ દીનની ફિકર હોય તો એણે આ ચેતવણીથી ચેતી જવું જોઈએ.
સામે વાળાની વાત ઉપર વિશ્વાસ ન હોય તો પોતે અભ્યાસ કરીને જાણકારી મેળવી લેવી જોઈએ કે આ વાત ખરી છે કે ખોટી. ઘણું કરીને એટલું જ નીકળશે કે કાફિર કહેનારની વાત ખોટી નીકળશે. અને હું માનું છું કે વાત ખોટી પણ હોય શકે છે, પણ હમેંશા ખોટી જ હોય એવું નથી હોતું. માટે પશ્ચિમી શિક્ષણ, નાસ્તિકતાના પ્રભાવમાં કે અજ્ઞાનતાના કારણે ગમે તેવી વાતો કહેનાર વિશે એમ વિચારવું કે તેઓ ગમે તેમ બોલે એમને કાફિર ન કહેવામાં ન આવે, મુસલમાનોની ભલાઈની વાત નથી. આમ થવાથી તો એ નાવાકેફો અને જાહિલ લોકો પોતે જ કાફિર બની જશે, અને નાદાનીથી એમની વાતોમાં આવી જનાર લોકોને પણ કાફિર બનવા દેવા સમાન છે. આવા લોકો જ વાસ્તવમાં કાફિર બનનાર અને કાફિર બનાવનાર હોય છે, અને તેઓ એમ ઈચ્છે છે કે એમની કુફ્રની વાતોના કારણે એમને કાફિર ન કહેવામાં આવે. લોકો સામે એને લાવવામાં ન આવે. અને જે લોકો એમ કહે છે કે કુફ્ર આજકાલ સસ્તુ થઈ ગયું છે. દરેક માણસ જ કાફિર છે, અને પછી કહેવાતા સુધારકોની કુફ્રભરી વાતોને સામાન્ય સમજે છે, એમની આ હરકત નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની હદીસો અને ઉમ્મતના ઉલમા ફુકહાના કથનો બાબતે નાદાની છે.
ઈફતારને બે ભાગમાં વહેંચો.
એટલે કે ઈફતારીનું બધું જ ખાણું ઈફતારી વેળા ન ખાય લો. ઈફતાર કરતી વેળા પેટને સંતોષ થાય, ભૂખ તૂટી જાય, તરસ મટી જાય એટલું ખાઓ અને મગરિબ માટે જલદી કરો. આ જ સમય મગરિબની નમાઝનો છે. અને એમાં મોડું કરવી શરીઅતની દષ્ટિએ ખોટું છે. મગરિબની નમાઝ પછી વધારે ખાય શકાય છે. નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમનો આ જ તરીકો હતો.
કુદરતની બે નિશાનીઓ
કુદરતની પહેલી નિશાની :
અલ્લાહની કુદરતની પ્રથમ નિશાની માનવી જેવી ઉચ્ચ મખ્લૂક અને દુનિયાના બાદશાહને માટીથી પેદા કરવું છે અને માટી આ દુનિયાનું અત્યંત નિમ્ન કક્ષાનું તત્વ છે. જેમાં સમજ, સંવેદના, હલન-ચલન અને જ્ઞાનનો એક પણ અંશ નથી. માનવીના શરીરના ચાર મહત્વના તત્વો આગ,પાણી, હવા અને માટીમાં માટી સિવાય બાકીના તત્વોમાં કંઈક તો હલન-ચલન જેવું છે, પરંતુ માટી તો એનાથી પણ વંચિત છે, છતાં કુદરતે માનવીની ઉત્પત્તિ માટે એને પ્રાથમિકતા આપી, આ જ તે વસ્તુ છે, જે શયતાનની ગુમરાહી — પદભષ્ટતાનું નિમિત્ત બની કે તેના સર્જનમાં અગ્નિોનો અંશ મહત્તમ હોવાથી એણે પોતાને માટી કરતાં શ્રેષ્ઠ સમજી અભિમાન દર્શાવ્યું. અને આ વાત એની સમજમાં ન આવી કે ઉચ્ચતા અને શ્રેષ્ઠતા અલ્લાહના હાથોમાં છે, તે જેને પણ ઈચ્છે ઉચ્ચ બનાવી શકે છે.
માનવીય ઉત્પત્તિનું મૂળ તત્વ માટી છે, એ વાત હઝરત આદમ (અલૈ.)નું સર્જન માટીથી હતું એ આધારે તો સ્પષ્ટ જ છે, કે તેઓ દરેક માનવીના અસ્તિત્વની બુનિયાદ છે, માટે પાછળના માનવીઓના સર્જનને પણ તેમના માધ્યમથી માટીથી સર્જિત કહેવા ખોટું નથી. અન્યથા એમ પણ કહી શકાય કે માનવીની જન્મ પરંપરા વીર્યથી ચાલતી આવી છે. અને વીર્યમાં માટીનું તત્વ મહત્વનો ભાગ ધરાવે છે.
કુદરતની બીજી નિશાની :
બીજી નિશાની આ છે કે માનવીથી જ અલ્લાહે એવી સ્ત્રીનું સર્જન કર્યું જે પુરુષોનું જોડું બને. એક જ તત્વથી, એક જ સ્થળે, એક જ ખોરાકથી પેદા થનાર બાળકોના હવે પ્રકાર કરી દીધા, જેમના અંગો – અવયવો, સૂરત સીરત, આદતો - સંસ્કારોમાં સ્પષ્ટ તફાવત અને વૈવિધ્યતા જોવા મળે છે, અલ્લાહ તઆલાના સર્જનની શ્રેષ્ઠતા અને હિકમતના પુરાવાઓ માટે આ નિશાની જ કાફી છે.
આગળ સ્ત્રીના આ વિશિષ્ટ સર્જનમાં રહેલી હિકમત અને મર્મ વર્ણવવામાં આવ્યો છે કે لتسكنوا اليها કરવામાં આવી છે કે તમને પુરુષોને એમની પાસે જઈને શાંતિ – સાંત્વન મળે. વિચાર કરવાથી માલૂમ પડે છે કે મર્દની જેટલી જરૂરતોનો સંબંધ સ્ત્રીથી છે, એ બધાનો નિચોડ – આશય અંતરનો આરામ અને દિલનો સુકૂન છે. કુર્આન શરીફે એક જ શબ્દમાં એ બધું સમાવી લીધું.
આ આયતથી સ્પષ્ટ થાય છે કે વિવાહિત જીવનના સઘળા વ્યવહારોનો ખુલાસો અંતરનો આનંદ અને દિલનો સુકૂન છે, જે ઘરમાં એ ઉપલબ્ધ છે, તેણી પોતાના સર્જનહેતુમાં સફળ છે. અને જયાં દિલને શાંત્વન ન મળે, ત્યાં ભલે સઘળું બીજું બધું હોય, વિવાહિત જીવનની દ્રષ્ટિએ એ અસફળ છે, આ પણ સ્પષ્ટ છે કે પરસ્પરનો આંતરિક આનંદ, ઉલ્લાસ, ધર્મ - શરીઅત આધારિત નિકાહ કરવાથી જ મળે છે. જે દેશો અને સમાજે ધાર્મિક - શરઈ પરંપરાઓથી વિપરીત હરામ રીતો અપનાવી, એમના જીવનમાં મનની શાંતિ અને ચિત્તની એકાગ્રતાનો અભાવ સ્પષ્ટ જોવા મળે છે. કારણ સ્પષ્ટ છે કે જાનવરોની જેમ ફકત સમય પૂરતી વાસના પૂરી કરવાનું નામ આનંદ અને સુકૂન નથી. વિવાહિત જીવનનો ધ્યેય મનની શાંતિ છે, અને એ માટે પારસ્પરિક પ્રીત – પ્રેમ અને હેત આવશ્યક છે.
ઉપરોકત આયત દ્વારા સ્ત્રી – પુરુષના વિવાહિત જીવનનો ધ્યેય મનની શાંતિ વર્ણવવામાં આવ્યો છે, અને એ ત્યારે જ શકય છે કે બંનેવ પાત્રો એક બીજાના હકો જાણે અને પુરા કરે, નહી તો અધિકારો અને માંગણીઓના ઝગડાઓ ગૃહશાંતિને બદલે કલેશ - કંકાસ ઉત્પન્ન કરી દે છે. અધિકારોની અદાયગી માટેની એક રીત એ હતી કે એના કાયદા-કાનૂન બનાવી—વર્ણવી તેને લાગુ કરી દેવામાં આવે. અન્ય માણસો સંબંધી એમ જ કરવામાં આવ્યું છે, કે એકબીજાના હકોને હડપ કરી જવા, પૂરા ન કરવાને હરામ ઠેરવી એ વિશે કડક ચેતવણીઓ આપવામાં આવી છે, સજાઓ નકકી કરવામાં આવી છે, ત્યાગ – હમદર્દી અને ઉદારતાની નસીહત કરવામાં આવી છે. પરંતુ જયાં સુધી ખુદાનો ખોફ ન હોય, કોઈ કોમ ફકત કાયદા-કાનૂનથી સીધી રાહે નથી આવતી, એ અનુભવસિદ્ધ વાત છે. માટે જ સામાજિક સંબંધો પરત્વે શરઈ આદેશો સાથે કુર્આનમાં ઠેરઠેર واخشوا ، اتقوا الله અલ્લાહથી ડરો અને ખોફ કરો વગેરેની તાકીદ કરવામાં આવી છે.
સ્ત્રી પુરુષના પરસ્પર સંબંધો જ કંઈક એવા પ્રકારના છે કે કોઈ અદાલત કે કાયદા દ્વારા અને ન્યાય બદ્ધ કરવું કે સંબંધિત પક્ષોને એના વડે મજબૂર કરવા મુશ્કેલ છે. એટલે જ નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે વિદાયના ખુત્બામાં એવી આયતો પસંદ કરી, જેમાં તકવા, આખેરતનો ખોફ વગેરેનું વર્ણન છે. કારણ કે વાસ્તવિક રૂપે તો ડર - ખોફ અને માનવીનો તકવો -પરહેઝગારી પારસ્પરિક અધિકારોની પૂર્ણતા માટે સહાયક બને છે.
અલ્લાહનું એક વધુ ઈનામ એ પણ છે કે વૈવાહિક અધિકારોને શરઈ કાનૂની બનાવવાની સાથે એને માનવીય પ્રકૃતિ – ફિતરત અને મિજાઝ અનુસાર બનાવી દીધા, જેમ મા બાપ અને અવલાદના સંબંધોમાં અલ્લાહે એમના દિલોમાં એવુ હેત મુકી દીધું કે મા-બાપ પ્રાણ કરતા વધુ ચીવટથી અવલાદની રક્ષા-દેખભાળ કરે છે. અને એ જ પ્રમાણે અવલાદમાં પણ માં-બાપ પ્રત્યે એક કુદરતી મહોબ્બત મૂકી દીધી.
પતિ – પત્નીના સંબંધોમાં પણ અલ્લાહે આ જ પ્રમાણે ચક્ર ચલાવ્યું અલ્લાહ તઆલા ફરમાવે છે وجعلوا بينكم مودة ورحمة
અર્થાત: બન્નેવ વચ્ચે ફકત કાનૂની કે શરઈ સંબંધોથી વધીને એમના દિલો – અંતરોમાં એક બીજાનો પ્રેમ – મહોબ્બત ભરી દીધાં. કુર્આનમાં વપરાયેલ શબ્દો (ود مودة) નો અર્થ ચાહવાનો છે. જેમકે પ્રેમમાં હોય છે. ઉપરોકત આયતમાં અલ્લાહ તઆલાએ બે શબ્દો વાપર્યા છે. (مودة ورحمة) એમાં નિર્દેશ હોય શકે છે કે "મવદત" (પ્રેમ) એવા સમય સુધી હોય છે, જયાં સુધી બન્નેવની કામવાસના, મનેચ્છા એક બીજાને પ્રેમ - પ્યાર કરવા પ્રેરે છે. અને જયારે ઘડપણમાં બન્નેની ઈચ્છાઓ પૂરી થઈ જાય છે, તો પરસ્પરમાં રહમત – હેત માનવીની પ્રકૃતિ બની જાય છે.
ઝકાત કોના ઉપર વાજિબ?
ઈસ્લામી શરીઅત મુજબ 'માલદાર માણસ' ઉપર વરસમાં એકવાર ઝકાત કાઢવી ફરજ છે. બલકે શરીઅતે માલદારોના માલમાં નક્કી કરેલ આ અલ્લાહ તઆલાનો હક છે, જેને વસૂલ કરવા માટે અલ્લાહ તઆલાએ ગરીબોને પોતાના નાયબ બનાવ્યા છે. માલદાર માણસ માટે આ મોટા સન્માનની વાત કહેવાય કે અલ્લાહ તઆલાએ પોતે એને માલદાર બનાવ્યો અને પછી એ માલમાં પોતાનો હક નક્કી ફરમાવ્યો. ગરીબ માટે પણ આ ભારે સઆદતની વાત કહેવાય કે અલ્લાહ તઆલાએ પોતાનો હક વસૂલ કરવા અને વાપરવા એને પોતાનો નાયબ બનાવ્યો.
સામાન્ય રીતે મુસલમાન રમઝાન માસમાં પોતાની માલ સંપત્તિનો હિસાબ કરીને ઝકાત કાઢતો હોય છે. માણસની નિય્યત એવી હોય છે કે રમઝાનમાં નેકીનો સવાબ વધારે મળે છે, અને ગરીબને પણ આ મુબારક મહીનામાં રાહત રહે, જેથી તે ખુશીથી રોઝા રાખી શકે.
અલબત્ત આજકાલ ઘણા ખરા લોકોને શરીઅતના હુકમની જાણકારી નથી હોતી, એટલે જેમ ઘણા માલદાર લોકો એમના ઉપર ઝકાત વાજિબ હોવા છતાં ઝકાત આપતા નથી, એ જ પ્રમાણે ઘણા લોકો ઝકાતના હકદાર નહીં હોવા છતાં પોતાને ઝકાતના હકદાર સમજીને લોકોની ઝકાત લે છે, ખાય છે, અને ગુનામાં સપડાય છે. શરીઅતની નજરે જેના ઉપર ઝકાત વાજિબ થતી હોય એવા માલદાર માણસની અને જેને ઝકાત આપી શકાય એવા ગરીબ માણસની વ્યાખ્યા ઘણી જ સ્પષ્ટ છે. લોકો એને જાણે અને સમજે એ જરૂરી છે. ઝકાત આપનારા માણસ પણ આ બાબત સારી રીતે જાણી લે કે એમના ઉપર ઝકાત વાજિબ છે કે નહીં, અને ઝકાત વાજિબ છે તો પછી એ પણ જાણી લેવું જરૂરી છે કે કોને કોને ઝકાત આપી શકાય અને કોને કોને નહીં ? પોતાને ગરીબ અને મોહતાજ સમજીને ઝકાત લેવા ઈચ્છતા માણસોએ પણ સારી રીતે જાણી લેવું જોઈએ કે તેઓ ઝકાત લઈ શકે છે કે નહીં ? ઝકાત કોના ઉપર વાજિબ થાય છે અને કોના ઉપર નહીં અને કોણ ઝકાત લઈ શકે છે અને કોણ નહીં. એની છણાવટ અમે આગળ કરવા જઈ રહ્યા છીએ. સામાન્ય પણે લોકો એમ સમજે છે કે જેના ઉપર ઝકાત કાઢવી વાજિબ નથી. એ માણસ ગરીબ ગણાય અને એ બીજાની ઝકાત લેવાનો હકદાર છે. કુરઆન અને હદીસના આધારે આ બાબત સહીહ અને દુરૂસ્ત નથી. માટે ઝકાત લેવા ઈચ્છુક માણસો પોતાની સ્થિતિ તપાસી લે પછી જ ઝકાત વસૂલ કરે. ઝકાત આપનારા માણસ પણ હકદાર ન હોય એવા માણસને ઝકાત આપવાની સાફ ના પાડી દે એ જ મુનાસિબ છે અને માંગનાર માણસે વાસ્તવિકતા સ્વીકારીને ઝકાત લેવાથી દૂર રહેવું જ મુનાસિબ છે.
શરઈ દ્રષ્ટિકોણ મુજબ ઝકાત આપવા કે લેવા બાબતે ત્રણ પ્રકારના માણસો હોય શકે છે.
(૧) જેઓ માલદાર છે અને એમના ઉપર ઝકાત કાઢવી વાજિબ છે.
(૨) જેઓ ગરીબ છે અને ઝકાત લેવાના હકદાર છે .
(૩) માલદાર પણ નહીં અને ગરીબ પણ નહીં, એટલે કે જેમના ઉપર ઝકાત કાઢવી વાજિબ નથી અને ઝકાત લેવાના હકદાર પણ નથી.
(૧) માણસ ઉપર ઝકાત ત્યારે વાજિબ થાય છે જયારે એની પાસે :
૮૭. ૪૭૯ ગ્રામ સોનું.
૬૧૨.૩૫ ગ્રામ ચાંદી.
બેમાંથી કોઈ એકની કીમત જેટલી રોકડ.
બેમાંથી કોઈ એકની કીમત જેટલો વેપારનો માલ. ખુલાસો આ થયો કે જે માણસ પાસે ...
૮૭. ૪૭૯ ગ્રામ સોનું હોય.
૬૧૨.૩૫ ગ્રામ ચાંદી હોય.
બેમાંથી કોઈ એકની કીમત જેટલી રોકડ હોય.
બેમાંથી કોઈ એકની કીમત જેટલો વેપારનો માલ હોય.
થોડું સોનું અને થોડી ચાંદી મળીને,
થોડું સોનું અને થોડી રોકડ મળીને,
થોડી ચાંદી અને થોડી રોકડ મળીને,
થોડું સોનું ચાંદી અને થોડો વેપારનો માલ મળીને.
સોનું કે ચાંદી કે વેપારનો માલ અને રોકડ મળીને...
૬૧૨.૩૫ ગ્રામ ચાંદીની કીમત જેટલો થઈ જાય અને એક વરસ સુધી નિસાબનો માલિક રહે તો એના ઉપર ઝકાત વાજિબ થાય છે. માલનો ચાલીસમો ભાગ ઝકાત સ્વરૂપે ગરીબોને આપવો જરૂરી છે.
(૨) ઝકાત લેવાના હકદાર હોવા કે હકદાર ન હોવાનો નિસાબ .
જે માણસ શરીઅતની નજરે ગરીબ હોય એ ઝકાતનો હકદાર છે અને ઝકાત લઈ શકે છે. ગરીબ હોવાનો મતલબ આ છે કે માણસ ઉપરોકત ચાર રીતોમાંથી કોઈ એક રીતે માલદાર ન હોય.
આ ચાર બાબતો ઉપરાંત એક પાંચમી શરત પણ જરૂરી છે. એના આધારે જ માણસ ગરીબ અને ઝકાતનો હકદાર ગણાશે અને તે આ છે કે માણસ પાસે ૮૭. ૪૭૯ ગ્રામ સોનું / અથવા ૬૧૨.૩૫ ગ્રામ ચાંદી... બેમાંથી કોઈ એકની કિંમત જેટલો જરૂરતથી વધારે સામાન પણ ન હોય. ખુલાસો આ થયો કે ઝકાત લેવાનો હકદાર ગરીબ માણસ તે ગણાશે જેની પાસે:
૮૭. ૪૭૯ ગ્રામ સોનું ન હોય.
૬૧૨.૩૫ ગ્રામ ચાંદી ન હોય.
બેમાંથી કોઈ એકની કીમત જેટલી રોકડ ન હોય.
બેમાંથી કોઈ એકની કીમત જેટલો વેપારનો ન હોય.
બેમાંથી કોઈ એકની કીમત જેટલો જરૂરતથી વધારે સામાન ન હોય.
થોડું સોનું અને થોડી ચાંદી મળીને,
થોડું સોનું અને થોડી રોકડ મળીને,
થોડી ચાંદી અને થોડી રોકડ મળીને,
થોડું સોનું ચાંદી અને થોડો વેપારનો માલ મળીને,
સોનું કે ચાંદી કે વેપારનો માલ અને રોકડ મળીને,
સોનું કે ચાંદી કે વેપારનો માલ કે રોકડ અને જરૂરતથી વધારે સામાન મળીને પણ ૬૧૨.૩૫ ગ્રામ ચાંદીની કીમત જેટલો ન થતો હોય,તો આવો માણસ ગરીબ અને ઝકાતનો હકદાર છે.
(૩) માલદાર પણ નહીં અને ગરીબ પણ નહીં, એટલે કે જેમના ઉપર ઝકાત કાઢવી વાજિબ નથી અને ઝકાત લેવાના હકદાર પણ નથી. તે એવો માણસ છે જેની પાસે નંબર ૧ માં દર્શાવ્યા મુજબ ઝકાત કાઢવી વાજિબ થાય એટલો માલ નથી, અલબત્ત ઘરમાં જરૂરતથી વધારેનો સામાન હોય અને એની કીમત નિસાબ મુજબ ૬૧૨.૩૫ ગ્રામ ચાંદી જેટલી થઈ જતી હોય. તો આવો માણસ શરીઅતની નજરે ગરીબ નથી, અને એ ઝકાત લઈ શકતો નથી.
સોનું, ચાંદી, રોકડ અને વેપારનો માલ થોડો હોય, ઝકાતના નિસાબ જેટલો ન હોય, પણ એની સાથે જરૂરતથી વધારેનો માલ મેળવીએ તો બધાની કીમત ૬૧૨.૩૫ ગ્રામ ચાંદીની કીમત જેટલી થઈ જાય તો આવો માણસ પણ ગરીબની વ્યાખ્યામાંથી બહાર થઈ જાય છે. એ ગરીબ નથી અને ઝકાત લઈ શકતો નથી.
વરસ દરમિયાન એકવાર પણ વપરાશ અને ઉપયોગમાં ન આવતી વસ્તુઓ, ઉપરાંત વધારાની ગાડી, વધારાના ઘરો, ઉપયોગમાં ન આવતા વાસણો, કપડાં, ગાદલાંઓ, શો કેશમાં રાખેલી શોભા – શણગાર અને શોખ માટે વસાવેલ વસ્તુઓ, ટી.વી. કદી કદી વપરાશમાં આવતી મોટી ચટાઈ અને ગાલીચાઓ વગેરે પણ જરૂરતથી વધારેનો સમાન ગણવામાં આવશે. જો કોઈ માણસ પાસે આવો સામાન એટલો બધો હોય અથવા સોના, ચાંદી કે રોકડ સાથે મળીને ૬૧૨.૩૫ ગ્રામ ચાંદીની કીમત જેટલો થઈ જાય તો એ ઝકાત લેવાનો હકદાર નથી.
યાદ રાખો : જરૂરતથી વધારે માલ ગમે તેટલો હોય (જો તે સોનું ચાંદી રોકડ કે વેપારનો માલ ન હોય તો) એના આધારે માણસ ઉપર ઝકાત વાજિબ થતી નથી, પણ આવો માલ જો ઉપર મુજબની કીમતનો થતો હોય તો એના લીધે માણસ ગરીબની વ્યાખ્યામાંથી નીકળી જાય છે અને તે ઝકાત લેવાનો હકદાર રહેતો નથી.
-- મુફતી ફરીદ અહમદ. જામિઅહ જંબુસર
જામિઅહ ઉલૂમુલ કુર્આન જંબુસરનો ૩૨મો ઈનામી અને “તકસીમે અસ્નાદ દસ્તાર બંદી" નો ર૩મો વાર્ષિક જલ્સો
ચાલુ વર્ષે ડિગ્રી પ્રાપ્ત કરનાર "૯-મુફતી, ૭૪-આલિમ, ૬૩-કારી, ૩ર-હાફિઝ, ૪૩- ડીપ્લોમા અરેબીક અને ૪૦-ડીપ્લોમા પરશીયન" તાલીબે ઈલ્મનું પદવીદાન સમારંભ
અલ્હમ્દુલિલ્લાહ ! ૧૨-માર્ચ-૨૦૨૨ શનિવારના રોજ વાર્ષિક પરીક્ષાઓ પૂર્ણ થઈ. પરીક્ષામાં સફળતા પ્રાપ્ત કરનાર તલબાએ કિરામને પ્રોત્સાહિત કરવા તા. ૧૦ / શઅબાન / ૧૪૪૩ મુતાબિક ૧૪ / માર્ચ / ૨૦૨૨ના સોમવારના રોજ સવારે ૯:૦૦ કલાકે એક ઈનામી મજલિસનું જામિઅહના વિશાળ દારૂલ હદીષ હોલમાં આયોજન કરવામાં આવ્યું હતુ. જેનું પ્રમુખ પદ અહકરે (હઝરત મવલાના મુફતી અહમદ સાહેબ દા.બ.) સંભાળ્યુ હતું.
મજકૂર ઈનઆમી જલ્સામાં તિલાવતે કલામે પાક અને નઅતુન્નબી (સ.અ.વ.) રજુ કર્યા પછી જામિઅહના અસાતિઝએ હદીષ (મવલાના મુહંમદ મદની સા., મવલાના મુફતી અશરફ સારોદી સા., મવલાના ઈસ્માઈલ અદા સારોદી સા., મવલાના અ.રશીદ નદવી ખાનપૂરી સા તેમજ મવલાના અ.રશીદ સાહેબે) તલબાએ કિરામને નસીહતો ફરમાવી હતી.
ત્યાર બાદ ફારસી-ઉર્દુથી લઈ તદરીબુલ ઈફતા સુધી તાલીમ હાસિલ કરતા તમામ તલબા કિરામને ઉમૂમી તેમજ પ્રથમ અને બીજો નંબર પ્રાપ્ત કરનારને ખુસૂસી ઈનામો (કિતાબો તથા ભેટ સોગાદો) તથા રોકડ ઈનામ જામિઅહના અસાતિઝએ કિરામના હસ્તક અર્પણ કરવામાં આવ્યા હતા.
અંતે અહકરે (હઝરત મુહતમિમ સાહેબે) તલબાએ કિરામને નસીહતો કરતા રજાઓમાં તાલીમ સાથે સંકળાયેલા રહેવા તાકીદ કરી તેમજ તલબાએ કિરામને અભિનંદન આપી વર્ષો વર્ષ સારી પ્રગતિ કરે એવી દુઆ કરી હતી. અંતમાં દુઆ કરી જલ્સાની પૂર્ણાહૂતિ થઈ હતી.
ઈન્આમી જલ્સાની આ મજલિસ ૧૨:૫૦ સુધી ચાલી હતી.
એવી જ રીતે તા. ૧૧/શઅબાન/૧૪૪૩ હિજરી મુતાબિક ૧૫-માર્ચ-૨૦૨૨ મંગળવારના રોજ સવારે ૯/૩૦ કલાકે જામિઅહ ઉલૂમુલ કુર્આન,જંબુસરનો દસ્તારબંદીનો ૨૩મો અને વાર્ષિક ૩૨મો જલસો જામિઅહની વિશાળ મસ્જિદમાં રાખવામાં આવ્યો. ઉકત મુબારક પ્રસંગે નામાંકિત ઉલમાઅ તશરીફ લાવ્યા હતા.
ઉકત મુબારક પ્રસંગે નામાંકિત ઉલમાઅ તશરીફ લાવ્યા હતા અને મુખ્ય મહેમાન તરીકે હઝરત મવલાના મુફતી અમીન પાલનપૂરી સાહેબ દા.બ. (ઉસ્તાદે હદીષ વ ફિકહ : દારૂલ ઉલૂમ દેવબંદ) અને હઝરત મવલાના મુફતી ઉબેદુલ્લાહ અસઅદી સાહેબ દા.બ. (શૈખુલ હદીષ : જામિઅહ અરબિય્યહ હથોડા – બાંદા, સભ્યઃ મુસ્લિમ પર્સનલ લો બોર્ડ, સેક્રેટરી : ઈસ્લામિક ફિકહ એકડમી) હાજર રહયા હતા.
જલ્સાનો પ્રારંભ કલામે પાકની તિલાવત તેમજ હમ્દેબારી રજુ કર્યા બાદ અહકરના દિકરા જામિઅહના નાયબ મુહતમિમ મવલાના અરશદ દેવલ્વીએ જામિઅહનો વાર્ષિક રીપોર્ટ રજુ કરી આવનાર મહેમાનોનો આભાર વ્યકત કર્યો હતો અને રિપોર્ટના અંતે જામિઅહથી મુફતી થનાર તાલિબે ઈલ્મનો સનદી મકાલાની રસ્મે ઈજરા કરવામાં આવી હતી.
ત્યારબાદ તલબાએ કિરામને બુઝુર્ગ ઉલમાએ કિરામ અને અસાતિઝએ જામિઅહના મુબારક હસ્તે દસ્તારબંદી કરવામાં આવી અને સનદ વિતરણ કરવામાં આવી. સનદ વિતરણ બાદ મહેમાને ખુસૂસી હઝરત મવલાના મુફતી અમીન પાલનપૂરી સાહેબ (દા.બ.) એ પરહેઝગારી ઈખ્તિયાર કરવા બાબતે વિસ્તારપૂર્વક વાત કરી હાજરજનોને ફયજવંત ફરમાવ્યા હતા, ત્યાર બાદ મહેમાને ખુસૂસી હઝરત મવલાના મુફતી ઉબેદુલ્લાહ અસઅદી સાહેબે પોતાના કીમતી મલ્ફુઝાતથી હાજરજનોને ફૈજવંત કર્યા હતા.
ત્યાર બાદ નિકાહની મજલિસ હતી જેમાં જામિઅહના શૈખુલ હદીષ હઝરત મવલાના મુફતી અસજદ સાહેબ (દા.બ.) એ નિકાહનો ખુત્બો પઢયો હતો અને હઝરત મવલાના ઈબ્રાહીમ સાહેબે આઠ જોડાઓના નિકાહ પઢાવ્યા હતા. અંતે બકીય્યતુસ્સલફ દાઈએ કબીર હઝરત મવલાના ઈબ્રાહીમ દેવલવી સાહેબ (દા.બ.) એ દુઆ ફરમાવી હતી.
અલ્હમ્દુલિલ્લાહ આ મુબારક પ્રસંગે દૂરદૂરના વિસ્તારોમાંથી મોટી સંખ્યામા જનમેદનીએ હાજરી આપી માનનીય હસ્તીઓની નસિહતો તેમજ કીમતી મલ્કુઝાતથી ભરપૂર લાભ ઉઠાવ્યો
ફતાવા વિભાગ
મવ. મુફતી અસ્જદ દેવલ્વી સાહેબ
તસ્દીક કર્તા મવ. મુફતી અહમદ દેવલા સદર મુફતી જામિઅહ જંબુસર
વધારે નફા માટે માલનો સંગ્રહ કરવો
સવાલ : મારો પ્રશ્ન છે કે અમારે ત્યાં પેટ્રોલ તથા ડીઝલના ભાવ વધે છે, ત્યારે બપોરે ત્રણ વાગે ટી.વી. સમાચારમાં જોવા મળે છે. અને ભાવની વધની અસર રાત્રે બાર કલાકે સરકારી નિયમ પ્રમાણે કરવાની રહે છે, હવે મારી પાસે જે સ્ટોક (પેટ્રોલ તથા ડીઝલ) બપોરે ત્રણ કલાકે હોય છે. તો એ સ્ટોક અમો ગ્રાહકને પૂરતા પ્રમાણમાં આપતા નથી. અમારો મકસદ રાત્રે ૧૨ કલાકે વધારે જથ્થો રહે તેવી નિય્યત રાખીએ છીએ તો આ પ્રમાણે કરવું જાઈઝ છે અથવા ના જાઈઝ છે?
અમો રાત્રે ૧૨ કલાક પછી વધેલા ભાવથી ડિઝલ તથા પેટ્રોલ વેચીએ છીએ.
જવાબઃ حامدا ومصليا ومسلما
શરીઅતની પરિભાષામાં લોકોની જરૂરતની વસ્તુના સ્ટોક કરવાને "ઈહતિકાર" કહેવામાં આવે છે, આવું કરવા પાછળનો આશય એ હોય છે કે ભાવ વધે ત્યારે વેચાણ કરી વધુ નફાનો લાભ ઉઠાવવામાં આવે, જો લોકોની જરૂરતની વસ્તુમાં અછત વર્તાતી હોય અને તેની સંગ્રહખોરી કરવાના લઈ લોકો તકલીફમાં સપડાતા હોય, તો સંગ્રહખોરી કરવું મના છે, આવી પરિસ્થિતિમાં ઉલમાએ સંગ્રહખોરીને મકરૂહે તહરીમી ઠેરવ્યું છે. અને આવી સંગ્રહખોર વ્યકિતને હુઝૂરે પાક (સલ.)એ લઅનત પાત્ર ઠેરવી છે. (શામી : ૭/૩૦૬ ઉપરથી ફિકહુલ મુઆમલાત : ૧/૯૩, કામુસૂલ ફિકહ : ૨)
(આજે ગાડી માણસની જરૂરતની વસ્તુ બની ગઈ છે, અને તેનું ચાલવું પેટ્રોલ – ડિઝલ વિના શક્ય નથી, માટે આ પણ એક જરૂરતની જ વસ્તુ ગણાશે. જો આપના રાત્રીના ૧૨ વાગ્યા સુધી વેચાણ બંધ કરવા અને સ્ટોક કરવાથી લોકોને પેટ્રોલ – ડીઝલની અછત વર્તાતી હોય અને તકલીફ પડતી હોય, તો એવા સંજોગોમાં વેચાણ બંધ કરી, સ્ટોક કરી વધુ ભાવ લેવાના આશયે મૂકી રાખવું મના ઠરશે. ફકત અલ્લાહ તઆલા વધુ જાણનાર છે. (તા. ૧૮ જુમાદલ ઉલા – ૧૪૩૭ હિજરી)
ફોટા - કાર્ટુનના કિરણો વાળી ઘડિયાળ વેચવી.
સવાલ : હું ઘડિયાળ રિપેરિંગનું કામ કરું છું, હાલ એવી ઘડિયાળ બજારમાં આવેલ છે, જેમાં ટાઈમ બતાવવાની સાથે સાથે એક સ્વીચ હોય છે, જેને દબાવવાથી લાઈટ સાથે દિવાલ પર સજીવનો ફોટો - કાર્ટુન પડે છે, ગ્રાહકને બતાવવા માટે સ્વીચ દબાવી ગ્રાહકને બતાવવું પડે તો આવી ઘડિયાળો દુકાનમાં રાખી વેચી શકાય ?
ઉપરોકત મસ્અલાનો જવાબ આપવા મહેરબાની ફરમાવશો.
જવાબઃ حامدا ومصليا ومسلما
કુર્આન અને હદીસની રૂએ સજીવનો ફોટો તેમજ તે નિર્જીવ વસ્તુઓ જેની પૂજા કરવામાં આવે છે, તેવી વસ્તુઓ બનાવવું ના જાઈઝ છે, માટે ઘડિયાળમાં આ રીતનો ફોટો ફીટ કરવો કોઈ પણ રીતે દુરૂસ્ત નથી, અને આપના માટે પણ ગ્રાહકને પ્રોત્સાહિત કરવા માટે આ રીતનો ફોટો સ્વીચ દબાવી બતાવવો જાઈઝ નથી. અલબત્ત આપનો હેતુ અને મકસદ સમય દર્શાવનાર ઘડિયાર વેચવાનો હોય તો મકસદ તરફ નજર કરતાં વેચાણ કરવું દુરૂસ્ત છે. જેમકે આપણા ફુકહાએ પેપરોમાં ફોટા હોવા છતાં તેના વેચાણને દુરૂસ્ત ઠેરવ્યું છે. (મિશ્કાત : ૩૮૫, તસ્વીર કે શરઈ અહકામ, ફતાવા મહમૂદિય્યહ : ૧૯ /૪૯૮, ૪૭૮, ૪૭૯ ઉપરથી શહુલ મજલ્લા અતાસી : પેજ નં ૧૩) ફકત અલ્લાહ તઆલા વધુ જાણનાર છે. (તા. ૨૬, જુમાદલઉખરા, ૧૪૩૬ હિજરી)
મજબૂરીના ખરીદ વેચાણનો મતલબ અને હુકમ
સવાલ : નીચે જણાવેલ હદીસનો ભાવાર્થ લખી સમજાવવા વિનંતી.
' હઝરત અલી (રદિ.) ફરમાતે હૈં કે રસૂલુલ્લાહ (સલ.) ને મજબૂર કી ખરીદ વ ફરોખ્ત સે મના ફરમાયા હૈ. (અબૂદાવૂદ : ૩૩૮૨)
જવાબઃ حامدا ومصليا ومسلما
હઝરત રસૂલુલ્લાહ (સલ.) એ ખરીદ - વેચાણના અમુક પ્રકારોથી મનાઈ ફરમાવી છે. જેમાંથી એક પ્રકાર અરબીમાં "બયએ મુઝતર્ર" છે. "મુઝતર્ર" નો ભાષાકિય અર્થ "મજબૂર" નો થાય છે. હઝરાતે ઉલમા અને ફુકહાએ કિરામે મુખ્યત્વે સદર ખરીદ - વેચાણના મના કરવામાં આવેલ પ્રકારના બે મતલબ બયાન કર્યા છે. (૧) ધાક - ધમકી દ્વારા કોઈ વ્યકિતને કોઈ વસ્તુ ખરીદ કરવા અથવા વેચાણે આપવા પર મજબૂર કરવામાં આવે, જાહેર છે આ રીતે કોઈને જબરદસ્તી ખરીદ - વેચાણ કરાવવાની સ્થિતિમાં તેની રઝામંદી હોતી નથી. માટે આ રીતનું ખરીદ - વેચાણ ફાસિદ છે, અને દુરુસ્ત નથી. (૨) એક માણસને ખાવા, પીવા, પહેરવા વગેરે સંબંધિત કોઈ વસ્તુની સખત જરૂરત હોય, વેપારી તેની જરૂરત અને મજબૂરીનો લાભઉઠાવતા તે વસ્તુ તેના બજાર ભાવથી ખૂબ વધારે કિંમત લીધા વિના આપવા તૈયાર ન હોય, એવી જ રીતે એક માણસના શિરે દેવું હોય અને તેની ભરપાઈ કરવા પોતાની કોઈ વસ્તુ વેચાણે આપવા મજબૂર હોય, અને વેચાણે લેનાર તેની આ મજબૂરીનો લાભ ઉઠાવી ઘણાં જ સસ્તા ભાવે તેને વેચાણ કરવા ઉપર મજબૂર કરે. સવાલમાં મઝકૂર રિવાયતમાં આ રીતે કોઈની મજબુરીનો લાભઉઠાવવાની મનાઈ કરવામાં આવી છે. (બઝલુલ મજહૂદ : ૧૧ / ૭૫,૭૬. દુર્ર : શામી : ૭ / ૨૪૭ ઝકરિયહ, નફહાતુત્તનકીહ : ૩ / ૫૮૭, અલ ફિકહુલ ઈસ્લામી વ અદિલ્લતુહ : ૪ / ૧૨૭, ૧૨૮ ઉપરથી) ફકત અલ્લાહ તઆલા વધુ જાણનાર છે. (તા. રબીઉલ આખર, ૧૪૩૭ હિજરી)
હારૂન બિન અન્તરહ એમના વાલિદનો કિસ્સો વર્ણવે છે કે એમના વાલિદ એક મુકામે હઝરત અલી રદિ. પાસે ગયા. આપ રદિ. એક જુની ચાદર ઓઢીને બેસેલા હતા. સખત ઠંડી અને ટાઢ હોવાથી થરથરી રહયા હતા. મેં અરજ કરી કે અમીરુલ મુઅમિનીન ! અલ્લાહ તઆલાએ તમારા માટે અને તમારા ઘરવાળાઓ માટે આ માલમાં (બયતુલ માલમાં) એક વિશેષ હિસ્સો નક્કી કર્યો છે. છતાં તમે પોતાની સાથે આવો વર્તાવ કેમ કરો છો? આપ રદિ.એ જવાબ આપ્યો કે,
ખુદાની કસમ ! હું તમારા આ માલમાંથી કંઈ પણ લેવા માંગતો નથી. આ મારી પોતાની ચાદર છે જે હું ઘરેથી ઓઢીને આવ્યો છું. અથવા એમ કહયું કે મદીનાથી ઓઢીને આવ્યો છું.
બોધકથા
જંગલમાં એક સસલું રહેતું હતું. ગાજર એનો પ્રિય ખોરાક. જંગલના ગાજર પેટભરીને ખાય અને મોજથી રહે. એક દિવસ એને વિચાર આવ્યો કે આજે કંઈ બીજો ટેસ્ટ કરીએ. માછલીનો શિકાર કરીને એનો સ્વાદ માણીએ.
એટલે કાંટો દોરી લઈને નદી કિનારે આવી ગયું. કાંટાંમા ગાજર પરોવ્યું અને નદીમાં લટકાવીને બેસી ગયું. પણ આખો દિવસ પૂરો થવા છતાં એક પણ માછલી પકડાય નહીં. આમને આમ ત્રણ દિવસ નીકળી ગયા.
ચોથા દિવસે સસલાએ ફરી ગાજર પાણીમાં લટકાવ્યું તો એક મોટી માછલી મ્હોં ફાડીને સામે આવી ગઈ. સસલાને કહેવા લાગી : હે લાંબા કાનવાળા જનાવર ! સાંભળ! હવે અમને ખાવા માટે ગાજર નાખ્યું તો અમે બધી માછલીઓ મળીને તને કાચું ખાઈ જઈશું. ગાજર અમે ખાતા નથી, એની તને ખબર નથી ?
વાર્તા અહીં પૂરી થાય છે.
અને સાર આપે છે કે આપણે જે કંઈ અન્યો સામે રજૂ કરી રહયા છીએ, સર્વિસ હોય કે પ્રોડકટ, દાન હોય કે દેવું, શિખામણ હોય કે શિક્ષા... તે લોકોની માંગ મુજબ નથી, જરૂરત મુજબ નથી, ઉપયોગી નથી, અને પછી સામેથી સારા વળતર કે પ્રતિભાવની આશા રાખીએ તો બેકાર છે. જે માણસ કંઈ મેળવવા માંગે છે, એ પહેલાં પોતાને જુએ કે શું આપી રહયો છો? કોઈને એની જરૂરતની કે પસંદની વસ્તુ આપી રહયો છે તો એને મરજી મુજબનો બદલો મળી શકે છે. પણ માણસ એમ સમજે કે હું જે કંઈ આપું એને જ લોકો સ્વીકારી લે, એ ખોટું છે. બીજાની પસંદનો ખ્યાલ રાખશો તો તમારી પસંદ પૂરી થશે.
ખોટો સિક્કો લઈને નીકળનારના હાથમાં એ સિક્કો જ રહે છે, એનાથી કંઈ મેળવી શકતો નથી.
HOW TO SPEND THE BLESSED MONTH OF RAMADAN
Allah says: "The month of Ramadan is the one in which the Qur'an was revealed as guidance for mankind and as clear signs that show the right way and distinguish between right and wrong. So those of you who witness the month must fast in it..." (Surah al-Baqarah, 2:185)
The blessed month of Rama?an is about to begin in a few days. Who among the Muslims does not know the greatness and blessedness of this month! The extent of His Mercy that descends upon His servants is unfathomable.
Allah Almighty has made it a month of worship. In this month, there are those actions that every Muslim knows and fulfills. For example, Muslims observe the fast in this month and they also know that the tarawi? prayers are from the Sunnah. All praises are due to Allah that He gives Muslims the tawfiq to fast and He grants them the honor of attending the tarawi? prayers. However, right now I want to shed light upon another aspect of this blessed month.
Ramadan is commonly viewed as only a month of fasting and tarawi?, and that there is no other significance to it. Without a doubt, the fasting and the tarawi? prayers are two major acts of worship in this month. However, the reality is that the blessed month of Rama?an demands more from us!
The month of Ramadan is the season of divine blessings. It is the month of purification, it is meant for annual renovation of the inner spiritual qualities. It is a golden opportunity for every Muslim to strengthen his 'Iman, to purify his heart and soul and to remove the evil effects of the sins committed by him.
This month invites a Muslim to minimize his other mundane involvements and maximize the acts of worship.
One should plan his schedule for this month, before-hand, so as to spare maximum time for 'ibadah.
Here is a brief list of the acts which should be carried out in Ramadan with due care:
1. To offer every prayer with jama'ah in a masjid.
2. To rise up a little earlier than the exact time of suhoor and to offer the salah of tahajjud. There is no prescribed number of the Tahajjud prayer. Yet, it is better to pray 8 Rak'at.
3. To offer the nafl prayers of Ishraq (two rak'at after sunrise) Duha (Four rak'at which may be performed at anytime after Ishraq before noon) and Awwabin (six rak'at after maghrib).
4. The recitation of the Holy Qur'an. No specific limit is prescribed. But one should recite as much of it as he can.
5. Dhikr or Tasbeeh,
6. Prayers and supplications: No particular prayer is prescribed. One can pray for everything he needs both in this world and in the Hereafter. However, the supplications of the Holy Prophet (S.A.W.) are so comprehensive that they encompass all that a Muslim can need in his life and after his death. It is, therefore, much advisable to pray Allah Almighty in the prophetic words used by the Holy Prophet (S.A.W.).
છેલ્લા પાને......
આજની સમસ્યા
આજની સમસ્યા આ છે કે માણસ સાચી વાત મનમાં રાખે છે અને જૂઠી વાત જાહેરમાં બોલે છે.
મહેનત કરતા રહો
કોઈ આપણને નીચો પાડવાની કોશિશ કરે કે અદેખાય કરે તો સમજો કે તમે કંઈક કરી રહયા છો, સફળ થઈ રહ્યા છો, આવા માણસો પ્રત્યે અનદેખી કરીને પોતાની મહેનત કર્યે રાખો.
સાચું ઈલ્મ
માણસ જે બોલતો હોય એ એની કળા કે વિદ્યા નથી. સાચી કળા અને વિદ્યા તો એનો કિરદાર અને અમલ છે.
મોટો પણ નાનો માણસ
માણસ મોટો બની જાય, ઘણો ઊંચો થઈ જાય, પણ ત્યાં ચડીને માણસાઈથી ઉતરી પડે તો આ બધી મોટાઈ બેકાર છે.
ઈમાનની કસોટી
કસોટી નાની પણ અઘરી હોય છે. પાંચ નમાઝોમાં ફરજની નમાઝ સૌથી ટુંકી છે, પણ એ જ માણસના ઈમાન અને અમલની કસોટી છે.
ઈમાન ઉપર જિંદગી
બધા જ મુસલમાનો તમન્ના કરે છે કે ઈમાન ઉપર મોત આવે. પણ જિંદગી ઈમાન મુજબ ગુઝરે ઉપર આવે એવી તમન્ના કેટલા લોકો કરે છે ? અને જેની જિંદગી ઈમાન ઉપર ગુઝરી હોય એણે ઈમાન ઉપર મોત આવવાની તમના કરવાની શી જરૂરત ?
નસીહત કેવી હોય ?
નસીહત સામે વાળા માણસના દિલમાં ઉતરે એવી હોવી જોઈએ. દિલને તોડી નાંખે એવી નહીં.
કામની ઓળખ
ઓળખાણથી મળેલું કામ થોડા સમય માટે જ હોય છે, પણ પોતાના કામ અને આવડતથી મળેલી ઓળખ હમેંશા બાકી રહે છે.
આજના અને કાલના કામો
કામ કરનાર લોકો એમના બધા કામો આજે જ કરી નાખે છે અને ન કરનાર લોકો એમના કામો કાલ ઉપર નાખી દે છે.
મોટી માછલી અને નાની માછલી
મોટી માછલી નાની માછલીને ગળી જાય છે, ત્યાં સુધી કે નાની માછલી એટલી મોટી થઈ જાય કે મોટી માછલીના મોંઢામાં ન આવી શકે. આમ માણસે ત્યાં સુધી દુશ્મનથી બચીને રહેવું જોઈએ, જયાં સુધી તે દુશ્મનની પહોંચથી ઊંચો ન થઈ જાય.
પારકી આશા
બુદ્ધિશાળી માણસ પોતાની જરૂરતો માટે પોતાનાથી જ આશા રાખે છે અને બેવકૂફ માણસ આશાની નજરો અન્યો સામે દોડાવે છે.
રમઝાનની સુન્નતો
(૧) રમઝાનનો ચાંદ જોવાનો પ્રયત્ન કરવો.
(૨) રાતની સુન્નત નમાઝ એટલે કે તરાવીહ પઢવી
(૩) 'લયલતુલ કદ્ર' માં વિશેષ ઈબાદત કરવી અને નફલો પઢવી.
(૪) લયલતુલ કદ્રની રાતે બેاللَّهُمَّ إِنَّكَ عُفُوٌّ كَرِيْمٌ تُحِبُّ الْعَفْوَ فَاعْفُ عَنِّي દુઆ વિશેષ પઢવી.
(૫) રમઝાન દરમિયાન કુર્આન શરીફ વધારે પઢવું અને દોહરાવવું. સહાબએ કિરામ રદિ. ત્રણ દિવસમાં કે સાત દિવસમાં કે દસ દિવસમાં એક ખતમ કરતા હતા. હઝ. ઉસ્માન રદિ. રોજ એક ખતમ કરતા હતા.
(૬) સદકહ ખૈરાત વધારે કરવી.
(૭) શકિત હોય તો ઉમરહ કરવો
(૮) એતેકાફ કરવો.
(૯) વિશેષ કરીને છેલ્લા અશરહનો એતેકાફ.
(૧૦) છેલ્લી દસ રાતોમાં ઈબાદત કરવી અને જાગવું.
(૧૧) સહેરી ખાવી અને શકય એટલું મોડું કરવું.
(૧૨) સમય થઈ જાય એટલે તુરંત ઈફતાર કરવું.
(૧૩) મીઠી વસ્તુથી ઈફતાર કરવો. તાજી ખજૂર, એ ન હોય તે સૂકી ખજૂર અને એ પણ ન હોય તો પાણી..
(૧૪) ઈફતાર વેળા દુઆ પઢવી. મસ્તૂન દુઆ આ છે :
ذَهَبَ الظَّمَأُ وَ ابْتَلَّتِ الْعُرُوْقُ وَ ثَبَتَ الْأَجْرُ إِنْ شَاءَ اللهُ
اللّٰهُمَّ لَكَ صُمْتُ وَ عَلَى رِزْقِكَ أَفْطَرْتُ فتَقَبَّلْ مِنِّي إِنَّكَ أَنْتَ السَّمِيْعُ الْعَلِيْمُ
(૧૫) રોઝાદારોને ઈફતાર કરાવવો.
(૧૬) કોઈ ઝઘડાની વાત કરે તો 'મારો રોઝો છે' એમ કહીને ઝઘડાથી દૂર રહેવું.