Chapter : બુન્યાદી ઇસ્લામી માન્યતા (અકીદાઓ)
(Page : 142 to 146)
- જન્નત અને દોઝખ નિશ્ચિત છે.
- જન્નત અને દોઝખ અત્યારે અસ્તિત્વમાં છે. એ બેઉની પેદાઇશ માનવ ઉત્પત્તિ પહેલાં અમલમાં આવી હતી અને તેનું અસ્તિત્વ હંમેશા બાકી રહેશે.
જેમ કે એ બન્ને તૈયાર થઈ ગઈ હોવાનો ઉલ્લેખ કરતાં કુરઆન મજીદમાં ફરમાવ્યું : અને તે (દોઝખની) આગથી પણ ડરતા રહો કે જે કાફિરો માટે તૈયાર કરવામાં આવી છે, અને પોતાના પરવરદિગારની બખ્શીશ તથા તે જન્નત તરફ દોડો કે જેની પહોળાઈ આકાશો અને પૃથ્વી સમાન છે, જે અલ્લાહપાકથી ડરનારાઓ માટે તૈયાર કરવામાં આવી છે. (આલિ ઇમરાન : ૧૩૧/૧૩૩)
- મૃત્યુ પછી દરરોજ સવાર-સાંજ મય્યિતને એનું ઠેકાણું બતાવવામાં આવે છે. જન્નતીને જન્નતની ખૂશખબરી અપાય છે અને દોઝખીને દોઝખ બતાવીને ચિંતાતૂર કરવામાં આવે છે.
જેમ કે હઝરત અબ્દુલ્લાહ બિન ઉમર (રદી.) રિવાયત વર્ણન કરે છે કે, રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમએ ફરમાવ્યું કે, જ્યારે કોઈ મૃત્યુ પામે છે, તો તેને તેની રહેવાની જગ્યા દેખાડવામાં આવે છે. જો તે જન્નતવાસીઓમાંથી હશે, તો જન્નત અને જો તે નર્કવાસીઓમાંથી છે, તો નર્ક (દેખાડવામાં આવે છે). પછી એને કહેવામાં આવે છે કે, જ્યારે તને અલ્લાહ તઆલા કિયામતના દિવસે (કબરમાંથી) ઉઠાવશે ત્યારે આ જ તારી જગા છે. (તિરમિઝી : અબવાબુલ જનાઇઝ, બાબ અઝાબે કબર વિશે)
- સ્વર્ગવાસીઓ અને નર્કવાસીઓ કદાપિ મરશે નહીં.
- મૌતને પણ ઝબહ કરી દેવામાં આવશે, એટલે કે કોઈને મૌત આવશે નહીં.
જેમ કે તિરમિઝી શરીફમાં હઝ. અબૂ હુરૈરહ (રદી.)ના હવાલાથી એક લાંબી હદીષ શરીફ વર્ણન કરી છે, જેના અંતિમ વાક્યો આ મુજબ છે : પછી જ્યારે સ્વર્ગવાસીઓને સ્વર્ગમાં અને નર્કવાસીઓને નર્કમાં પહોંચાડી દેવામાં આવશે, તો મૌતને ખેંચીને લાવવામાં આવશે અને (સ્વર્ગ અને નર્ક) બન્નેની વચમાં દિવાર પર (મૌતને) ઉભુ કરવામાં આવશે, પછી સ્વર્ગવાસીઓને બોલાવવામાં આવશે તો તેઓ ડરતાં ડરતાં જોશે અને (પછી) નર્કવાસીઓને બોલાવવામાં આવશે, તો તેઓ ખૂશ થતાં થતાં જોશે કે કદાચ (આપણી) સિફારીશ થઈ જાય, પરંતુ (એવું કંઈ ન થતાં) તેઓને પૂછવામાં આવશે કે, શું તમે લોકો આને ઓળખો છો ? એ બધા એકી અવાજે કહેશે : હા, આ તો મૌત છે, જે (દુનિયામાં) અમારા પાછળ લાગેલી રહેતી હતી. ત્યાર બાદ તે (મૌત)ને સુવડાવી દેવામાં આવશે, અને એ જ દિવાર પર ઝબહ કરવામાં આવશે. પછી કહેવામાં આવશે : અય સ્વર્ગવાસીઓ ! હવે તમે સદાને માટે જન્નતમાં રહેશો, ક્યારેય (તમારૂં) મૌત આવશે નહીં. અને અય નર્કવાસીઓ ! હવે તમે હમેંશા અહીં (નર્કમાં) જ રહેશો, ક્યારેય મૌત આવશે નહીં. (તિરમિઝી, અબવાબુ સિફતિલ જન્નહ, બાબ રઝાએ ઇલાહી વિશે)
- જન્નત જઝા (કર્મફળ) અને જહન્નમ સજા (કર્મદંડ) પામવાનું સ્થાન છે.
અલ્લાહ તઆલા ફરમાવે છે : અને જે કોઈ પુરૂષ હોય કે સ્ત્રી, પોતાના મુઅમિન હોવાની સ્થિતિમાં નેક કાર્ય કરશે, તો તેવા જ લોકો જન્નતમાં દાખલ થશે. (નિસાઅ : ૧ર૪) અને જે લોકો ઈમાન લાવ્યા અને ભલાં કામ કર્યા તેમને અમે જન્નતના ઝરૂખા(વાળા મહેલો)માં જગ્યા આપીશું.(અનકબૂત : પ૮) અને જે લોકો અલ્લાહપાક તથા રસૂલ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ની નાફરમાની કરશે, તો તેના માટે જહન્નમની આગ છે, જેમાં તેઓ સદા નિરંતર રહેશે. (સૂરએ જિન્ન : ર૩)
- માત્ર પોતાના આમાલથી કોઈ માણસ જન્નતને પાત્ર બની શકતો નથી, બલ્કે અલ્લાહપાક ચાહશે તેને પોતાની કૃપા અને રહમતથી જન્નતમાં મોકલશે અને જેને ચાહશે તેને પોતાના ન્યાય અને ઇન્સાફના આધારે જહન્નમમાં મોકલશે. અર્થાત્ દોઝખીઓ એના ન્યાય અને ઇન્સાફથી જ દોઝખમાં જશે. હા, જન્નતીઓ અને દોઝખીઓના દરજ્જાઓ કે કક્ષાઓનો ફર્ક એમના આમાલને કારણે હશે.
કુરઆન શરીફમાં છે : પણ અલ્લાહ તઆલા ચાહે તેને પોતાની રહમત માટે ખાસ કરી લે છે, અને અલ્લાહપાક બહુ જ કૃપાવાળો છે. (અલ બકરહ : ૭પ) અને તેમની સૌની વચ્ચે ન્યાયપૂર્વક ફેંસલો કરવામાં આવશે અને તેમના ઉપર જરાય ઝુલ્મ કરવામાં આવશે નહીં. (ઝુમર : ૬૯)
- જેના દિલમાં લેશમાત્ર ઈમાન હશે, તે પોતાના ગુનાહોની સજા ભોગવીને જન્નતમાં દાખલ થશે.
અલ્લાહ તઆલા ફરમાવે છે : (હે નબી (સલ.) ! મારા તરફથી લોકોને) આપ ફરમાવી દો કે હે મારા તે બંદાઓ ! જેમણે (ગુનાહો કરી) પોતાના ઉપર બેહદ ઝુલ્મ કર્યો છે, તમે અલ્લાહ તઆલાની રહમતથી નિરાશ થશો નહીં. બેશક, અલ્લાહ તઆલા (પાછલા) સૌ ગુનાહ માફ કરી દેશે. બેશક, તે જ અલ્લાહ તઆલા બખ્શનાર મહા દયાળુ છે. (ઝુમર : પ૩)
- જન્નતમાં પ્રવેશ્યા પછી જન્નતીઓ પોતાના મુસ્લિમ દોઝખી ભાઇઓ માટે સિફારીશ કરશે. આ સિફારીશ અમ્બિયાએ કિરામ અલયહિમુસ્સલામ, શુહદાઅ (ઇસ્લામ કાજે શહીદી વહોરનાર), સુલહાઅ (સદ્કાર્યો અને સદ્કર્મોમાં જીવન વિતાવનાર) અને ઉલમાએ કિરામ પોતપોતાના દરજ્જા અનુસાર ભાગ લેશે.
હદીષોમાં એનું વિગતવાર વર્ણન છે. અહિંયા કુરઆન શરીફની એક આયત ટાંકું છું : અલ્લાહ પાક ફરમાવે છે : તે (અલ્લાહ) તેમના આગલા તથા પાછલા અહેવાલને (સારી પેઠે) જાણે છે અને તેઓ (કોઈની) ભલામણ (સિફારીશ) પણ કરી શકતા નથી, પરંતુ જેને માટે અલ્લાહપાક રાજી હોય. (અમ્બિયાઅ : ર૮)
હઝરત અબૂ સઈદ (રદી.) રિવાયત વર્ણવે છે કે, રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે ફરમાવ્યું : મારી ઉમ્મતમાંથી અમૂક લોકો એક કબીલાની, કોઈ નાના અમથા (૧૦ થી ૪૦ માણસોના) સમૂહની, અને કોઈ વળી એક માણસની પણ સિફારીશ કરશે. પછી તે બધા જન્નતમાં દાખલ થઈ જશે. (તિરમિઝી, અબવાબુ સિફતિલ કિયામહ, સિફારીશ વિશેનો બાબ)
- જન્નતમાં જન્નતીઓની પોતાના પરિવારજનોથી મુલાકાત થતી રહેશે.
- જન્નતની સૌથી મોટી નેઅમત અલ્લાહપાકનો દીદાર-દર્શન છે.
કુરઆન શરીફમાં છે : તે દિવસે કેટલાક મુખડાં હરખથી તાજા હશે, (અને) પોતાના પરવરદિગારની તરફ નિહાળતા હશે. (કિયામહ : રર,ર૩)
હઝરત સુહૈલ (રદી.) સૂરએ યૂનુસની આયત નંબર ર૬ની તફસીર (ભાષ્ય)માં આપ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમનું એક ફરમાન વર્ણવે છે કે, જ્યારે જન્નતીઓ જન્નતમાં દાખલ થઈ જશે, તો એક એલાન કરનાર એલાન કરશે કે, તમને અલ્લાહ તઆલા તરફથી બીજી પણ એક ચીજ મળશે. તેઓ જવાબ આપશે કે, શું અલ્લાહ તઆલાએ અમારા મુખડા ઝળહળિત (રોશન) નથી કર્યા ? અને અમને છૂટકારો આપીને જન્નતમાં દાખલ નથી કર્યા ? (એટલે હવે બીજી તે કઈ વસ્તુની ઉણપ બાકી રહે છે ?) તે (એલાન કરનાર) કહેશે : કેમ નહીં, (હજુ એક મહાન નેઅમત બાકી છે.) પછી પરદો હટાવી લેવામાં આવશે. આપ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ ફરમાવે છે : ખુદાની કસમ ! જન્નતીઓને એમના (અલ્લાહપાક) તરફ જોવા અને દર્શન કરવાથી શ્રેષ્ઠ નેઅમત બીજી કોઈ ન મળી. (તિરમિઝી, અબવાબુ સિફતિલ જન્નહ, બાબ અલ્લાહ તઆલાના દીદાર બાબતે)
Log in or Register to save this content for later.