કિયામતની કેટલીક નિશાનીઓ

Chapter : બુન્યાદી ઇસ્લામી માન્યતા (અકીદાઓ)

(Page : 138 to 142)

અલ્લામા ઈબ્ને કષીર (રહ.)એ પોતાની કૃતિ ‘‘અન્નિહાયા ફિલ ફિતની વલ મલાહિમમાં (પેજ–૧૮૦) ઈમામ બયહકી (રહ.)ના હવાલાથી હઝરત હસન બસરી (રહ.)ની એક રિવાયત લખી છે. આપ રહ. ફરમાવે છે કે, મેં વિદ્યાપ્રાપ્તિ માટે પ્રવાસ ખેડયો તો જ્યારે હું કૂફા પહોંચ્યો, તો મારી મુલાકાત રસૂલુલ્લાહ (સલ.)ના એક મહાન સહાબી હઝરત અબ્દુલ્લાહ બિન મસ્ઉદ (રદી.)થી થઈ. મેં આપ (રદી.)થી સવાલ કર્યો કે, શું તમારી પાસેકિયામતની નિશાનીઓ સબંધી કંઈક જાણકારી છે ? તો હઝરત અબ્દુલ્લાહ બિન મસ્ઉદ (રદી.)એ જવાબ આપ્યો કે, આ સબંધે મેં અલ્લાહના રસૂલ (સલ.)થી પૂછયું હતું, તો આપ (સલ.)એ મને આ ઉત્તર આપ્યો કે, કિયામતના ચિહ્નોમાંથી કેટલાક આ છે :

  • અવલાદ ભારે થઈ જશે : તેનો અર્થ એ છે કે, સંતાનો માતા–પિતાની ફરમાંબરદારી નહીં કરે. તેઓ માથાભારે બની જશે. બીજો અર્થ એ કે, માતા–પિતા પોતાની સ્વતંત્ર ઝિંદગી પ્રત્યે એટલા આકર્ષાશે કે સંતાન તેમને ભારેખમ લાગશે.
  • વરસાદ ગરમ થઈ જશે : તેનો અર્થ એ છે કે, વરસાદ પડવા છતાં ગરમી વધતી જશે.
  • રહસ્યો છતા થઈ જશે : રહસ્યો છતા થઈ જવા પાછળ એક કારણ તો એ હશે કે, માણસ જેને પોતાના રહસ્ય (રાઝ)ની વાત કહેશે, તે અપ્રમાણિકતા આચરી બીજાઓને જણાવી દેશે. અથવા તેનો અર્થ એ છે કે, પહેલાં જીવનના જે પાસા લોકોથી છુપાયેલા રહેતા હતા, તે પાસા લોકો પોતે જ જાહેર કરશે, અથવા તો બીજા લોકો જાણી જોઈને કોઈના રહસ્ય જાહેર કરશે. સ્ટીંગ ઓપરેશન, મોબાઈલ અને વિડિયોગ્રાફીના કારણે આમ બનવું હવે સામાન્ય થઈ ગયું છે.
  • જુઠ્ઠા માણસને સાચો ઠરાવવામાં આવશે : મતલબ કે લોકો વ્યક્તિગત હિતો સાધવા જુઠ્ઠા લોકોને સાથ આપશે. અને તેને ટેકો આપશે. આમ કરી તેઓ પોતાના ગેરકાનૂની હેતુઓ સિધ્ધ કરશે.
  • બેઈમાનને ઈમાનદાર ઠરાવવામાં આવશે : મતલબ કે જો કોઈ હોદ્દા પર કોઈ બેઈમાન અધિકારી પહોંચી જશે, તો કોઈ તેના ભ્રષ્ટાચાર પર આંગળી ઉઠાવશે નહીં, બલ્કે બધા તેની ચાપલૂસી કરી તેને ઈમાનદાર ઠેરવશે. લોકો બેઈમાન વ્યાપારીને પણ કંઈક ફાયદો મેળવવા ઈમાનદાર લેખાવે તો તે આમાં શામેલ છે.
  • ઈમાનદાર માણસને બેઈમાન કહેવામાં આવશે : મતલબ કે જો કોઈ પ્રમાણિકતા આચરશે તો તેને હતોત્સાહિત કરવામાં આવશે. બલ્કે ‘ઉલ્ટો ચોર કોટવાલને દંડેના ન્યાયે તેની પર જ ભ્રષ્ટાચારનો આરોપ લગાડવામાં આવશે. આમ બનવાનું આજકાલ સામાન્ય થઈ ગયું છે.
  • દરેક કબીલાની નેતાગીરી દંભીઓના હાથમાં હશે : એટલે કે તેઓની વાણી–વર્તનમાં ભેદ હશે. સામાન્યજનો પણ આવા બે મોઢાવાળા લોકોને પસંદ કરશે. તેમને સાચુ બોલતાં લોકો પસંદ પડશે નહીં.
  • દરેક બજાર પર ગુનેગારોનો કબ્જો હશે : જેમના મતે ધોકેબાજી કોઈ ખરાબ કામ નહીં હશે. તેઓ વ્યાપારના વિકાસ માટે અશ્લીલતા અપનાવતા પણ ખચકાશે નહીં. આ વાત આજના વ્યાપાર વિશ્વ પર બરાબર બંધ બેસે છે.
  • મહેરાબો શણગારવામાં આવશે : અર્થાત્‌ મસ્જિદની અસલ શાન એ છે કે, નમાઝીઓ વધારે થાય, લોકો મનનપૂર્વક (ખુશૂઅ–ખુઝૂઅ સાથે) નમાઝ પઢે. તેના બદલે મસ્જિદના ઉપરછલ્લા સાજ–શણગાર પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.
  • દિલો વેરાન થઈ જશે : મતલબ કે મનેચ્છાઓ પાછળ દોડવાના કારણે તથા સ્વાર્થ પાછળ ઘેલા થવાના કારણે મન મેલા થઈ જશે. જેના કારણે સાચી વાત સ્વીકારવાની કે ખોટી વાત છોડી દેવાની કોઈમાં નૈતિક હિંમત રહેશે નહીં.
  • પુરૂષો પુરૂષોને અને સ્ત્રીઓ સ્ત્રીઓને પુરતાં થઈ જશે : અર્થાત્‌ સજાતીયવૃત્તિ વધી પડશે. આજે જુઓ તો સજાતીયતાને કાનૂની રક્ષણ પુરૂ પાડવાની વાતો થઈ રહી છે. (અલ્લાહ તઆલાની પનાહ)
  • દુનિયાના વસેલા વિસ્તારોને વેરાન કરી નાંખવામાં આવશે અને ઉજ્જડ વિસ્તારોને વસાવવામાં આવશે : આજે આપ જુઓ તો દેખાશે કે મોટા–મોટા શહેરો બોમ્બ વર્ષાના કારણે પલકવારમાં રાખના ઢગલામાં ફેરવાય જાય છે. અને ઉજ્જડ વિસ્તારોને પુરાતત્વીય અવશેષોના સુંદર નામો આપવામાં આવે છે. અને તેને પર્યટન સ્થળ તરીકે વિકસાવવામાં રહ્યા છે. જો કે આવા ખંડેર વિસ્તારો પર લખલૂંટ પૈસો ખર્ચ કરવા કરતાં જીવતા જાગતા માનવબંધુઓની સુખાકારી માટે કંઈક કરવું જોઈએ.
  • ફિત્નાઓ પ્રગટ થશે : ક્યાંક માલનો ફિત્નો તો ક્યાંક સૌંદર્ય (જમાલ)નો ફિત્નો દેખા દેશે.
  • વ્યાજ ખાવામાં આવશે : સમગ્ર વિશ્વ વ્યાજુ વ્યવસ્થામાં જકડાય જશે. લોકો વ્યાજ ખાશે, પરંતુ તેને ખોટુ સમજવામાં નહીં આવશે. આજે લોકો એમ કહેતાં પણ સંભળાય છે કે, મુસ્લિમો આર્થિક ક્ષેત્રે એટલા માટે પછાત છે કે તેઓ વ્યાજ નથી લેતા. (અલ્લાહની પનાહ)
  • ગાવા બજાવવાના સાધનો સામાન્ય થઈ જશે : હદીષ શ.માં એમ છે કે, ‘‘ગાયન મનમાં દંભ પોષે છે. એવી રીતે જેવી રીતે કે પાણી ખેતીને પોષે છે. [મિશ્કાત શરીફ : ર/૪૧૧]
  • હદીષ શ.માં છે કે, અલ્લાહના રસૂલ (સલ.)એ ફરમાવ્યું કે, ‘‘મને દુનિયામાં સંગીતના સાધનો તોડવા માટે મોકલવામાં આવ્યો છે. છતાં આજે જુઓ તો મોબાઈલથી લઈ ડોર બેલ સુધી મ્યુઝિક–સંગીત પ્રસરી ચૂકયું છે.
  • ખજાનાઓ પ્રગટ થશે : મતલબ કે દફન કરેલા ખજાનાઓ બહાર આવશે. બીજો અર્થ એ છે કે, જે ખજાનાઓ છૂપાવીને રાખ્યા હશે તે બધાની સમક્ષ ખૂલી જશે. આજકાલ લોકો પોતે જ પોતાની સંપત્તિ જાહેર કરી રહયા છે અથવા તો ખણ ખોદયા પત્રકારો ધનવાનોની સંપત્તિની માહિતી લોકો સમક્ષ ધરી રહયા છે.
  • શરાબ પીવામાં આવશે : શરાબથી માણસ પોતાની ઉપરથી કાબૂ ગુમાવી બેસે છે. કોઈપણ સમજદાર માણસ તેને સારી વસ્તુ નથી કહેતો. પરંતુ કિયામત નજીક લોકો મોજમસ્તીમાં એવા તણાય જશે કે, સમજદારીના બધા જ તકાદાઓ એક બાજુ પર રહી જશે, અને શરાબનું ચલણ વધી જશે. આજે બિન મુસ્લિમ કહો કે મુસ્લિમ કહો બધા જ શરાબનું ઓછે–વત્તે અંશે સેવન કરે છે. અફસોસ છે આ હાલત પર !
  • સિપાઈઓ વધી જશે : આ ભવિષ્યવાણીનો શબ્દે શબ્દ કેવી રીતે પુરો થયો તે દરેક માણસ થોડુક વિહરશે તો સમજમાં આવી જશે. આજે જગતમાં કેટલા બધા ફોજીઓ તથા પોલીસો જોવા મળે છે. આ બધી કિયામતની નિશાનીઓ છે.
  • વાંકદેખા લોકો વધી જશે : આજે અખબારો જુઓ તો તેની સાબિતી મળી જશે. સામાન્ય જનજીવનમાં પણ હવે વાંકદેખા લોકોની કમી નથી. ખાસ કરીને હવે તો ઇલ્મ તથા અમલથી દૂર લોકો ઇલ્મ–અમલવાળાને છોડતા નથી.
  • કિયામતની એક નિશાની એ હશે કે, પીઠ પાછળ નિંદા કરવા– વાળા વધી જશે. જેના કારણે સામાજીક જીવનમાં મોટા મોટા ફિત્નાઓ ઉભા થશે. અને પરસ્પર વિશ્વાસ ઉઠી જશે. આ અનિષ્ટ પણ આજે પ્રત્યેક સ્તરે ફેલાયેલુ છે. જેનાં માઠાં પરિણામો ઉમ્મત આજે ભોગવી રહી છે.

હુઝૂર (સલ.)એ કિયામતની નિશાનીઓ વર્ણવી છે, તેનો વિશેષ હેતુ એ છે કે, ઉમ્મત ઈરાદાપૂર્વક કરવામાં આવતી આવી બુરાઈ– ઓથી યથાશક્તિ બચવાની કોશિશ કરે. અને પોતાના સમાજમાં એવુ વાતાવરણ ઉભુ થવા ન દે જેનાથી તે ખુદાની ફિટકારને લાયક બની જાય. એટલે આપણે દરેક વખતે પોતાના જીવનનું નિરીક્ષણ કરતા રહેવું જોઈએ. અને આવા અણગમતા કાર્યોથી પોતાને તથા પોતાના સમાજને સુરક્ષિત રાખવાની કોશિશ કરવી જોઈએ. અલ્લાહ તઆલા આપણા બધાને અમલ કરવાની તૌફીક અતા ફરમાવે. અને ફિત્નાઓથી મહફૂઝ રાખે, આમીન.

Log in or Register to save this content for later.