મદીના મુનવ્વરહની બરકતવંતી મસ્જિદો

Chapter : હજ્જ ઉમરહના જરૂરી મસાઈલ

(Page : 190 to 196)

મસ્જિદેકુબાઃ મદીના મુનવ્વરહથી દક્ષિણ–પશ્ચિમ તરફ દોઢ માઈલના અંતરે કુબા આબાદ છે. અહીંયા તે મસ્જિદ છે, જેનો કુર્આન શરીફમાં ઉલ્લેખ છે. [સૂરએ તૌબા : આયત–૧૦૭/૧૦૮]

હિજરતના સફરનો છેલ્લો પડાવ અહીંયા ચાર દિવસનો હતો. (સોમ થી શુક્રવાર સુધી) ત્યારે આ તકવા અને પાકી– વાળી જગ્યા પર મસ્જિદ બંધાઈ. ઈસ્લામી તારીખની પહેલી મસ્જિદ હોવાનું સદ્‌ભાગ્ય આ મસ્જિદને પ્રાપ્ત છે.

મસ્જિદે કુબામાં બે રકાઅત નફલ પઢવાનો સવાબ એક ઉમરહ બરાબર છે. આ હદીષ શરીફ મસ્જિદે કુબાના મેહરાબ ઉપર પણ લખેલી છે. શનિવાર અથવા બીજા કોઈપણ દિવસે કુબામાં જવું અને આ મસ્જિદમાં બે રકાઅત પઢવી મુસ્તહબ છે. આપ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ શનિવારના આ મસ્જિદમાં તશરીફ લઈ જતા હતા.

મસ્જિદે કિબલતૈન : મદીના મુનવ્વરહથી દોઢ માઈલના અંતરે મસ્જિદે ફતહથી પશ્ચિમમાં છે. આપﷺ કબીલએ બનૂ સલ્મામાં તશરીફ લઈ ગયા હતા. ઝોહરની નમાઝનો સમય થતાં આપે નમાઝ શરૂ કરી. બે રકાઅત પઢાવી ચૂકયા હતા કે ત્રીજી રકાઅતમાં કિબ્લો બદલવાની આયત ઉતરી. પછી બે રકાઅત બયતુલ્મુકદ્દસ તરફ મોઢુ કરી પઢાવી. અને આયત ઉતરતાં કઅબા શરીફ તરફ નમાઝમાં જ મોઢુ ફેરવ્યું. ત્યારથી જ આ મસ્જિદ બે કિબ્લાવાળી કહેવામાં આવે છે.

મસ્જિદે જુમ્આઃ કુબાથી શુક્રવારના રવાના થતી વખતે આપﷺ કબીલએ બનૂ સાલિમમાં પહોંચ્યા અને જુમ્આનો સમય થઈ ગયો તો આપે આ જગ્યાએ જુમ્આની નમાઝ પઢાવી. આ મદીનહ મુનવ્વરહની પહેલી જુમ્આ હતી. કુબાની મસ્જિદથી પાછા ફરતા એક માઈલ પછી ડાબી તરફ એક સડક જાય છે. તે સડક પર જમણા હાથે આ મસ્જિદ છે.

મસ્જિદે ગમામહ : મદીના શરીફમાં જ આ મસ્જિદ છે. આપﷺ આ જગ્યાએ ઈદની નમાઝ પઢતા હતા. વરસાદ માંગવા માટે પણ નમાઝ પઢાવી હતી. તે સમયે વાદળો આવ્યા અને ખૂબ વરસાદ પડયો. એટલા માટે મસ્જિદે ગમામહ (વાદળો) નામ પડયું. મસ્જિદની સામે ગુનેહગારોને ઈસ્લામી સજા આપવામાં આવે છે.

મસ્જિદે ફતહ : સિલઅ પહાડીના નીચે ખંડકની લડાઈ થઈ હતી. તે જગ્યાએ છ–સાત મસ્જિદો પાછળથી બનાવવામાં આવી. તેમાં બધી મસ્જિદોથી ઉંચાઈ પર મસ્જિદે ફતહ છે. રિવાયત પ્રમાણે આપﷺ લડાઈ દરમિયાન ત્રણ દિવસ આ જગ્યાએ દુઆ ફરમાવી હતી. અને પછી દુઆ કબૂલ થવાની ખુશખબરી મળી. મસ્જિદે ફતહના કિબ્લારૂખ બીજી ચાર મસ્જિદો છે. જે મસ્જિદે સલ્માન ફારસી રદી; મસ્જિદે અબૂબક્ર, મસ્જિદે ઉમર રદી. અને મસ્જિદે અલીના નામથી મશ્હૂર છે. ખંદકની લડાઈના સમયે આ જગ્યાઓએ આ સહાબાએ કિરામનો પડાવ હતો. અને આપﷺ અહિંયા તશરીફ લાવી નમાઝ પણ પઢી. જેની યાદગાર રૂપે કદાચ બધાથી પહેલા હઝરત ઉમર ઈબ્ને અબ્દુલઅઝીઝ રહ. આ જગ્યાઓને મસ્જિદોની શકલમાં ફેરવી આપી. આ જગ્યા મસાજિદે ખમ્સા (પાંચ)ના નામથી મશ્હુર છે. હઝરત જાબિર રદી. ફરમાવે છે કે, મારે જ્યારે કોઈ જરૂરી અને અહમ કામ હોતુ તો હું તરત મસ્જિદે ફતહમાં આવતો. અને દુઆ કરતો હતો અને મને દુઆ કબૂલ થવાની ખુશખબરી મળી જતી હતી.

મસ્જિદે ઈજાબહઃ બકીઅ કબ્રસ્તાનથી ઉત્તર તરફ છે. આ જગ્યાએ બનૂ મુઆવિયહ બિન માલિક ઈબ્ને ઔફ રહેતા હતા. રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ એક દિવસ આ જગ્યાએ તશરીફ લાવ્યા અને નમાઝ પઢીને ઘણીવાર સુધી દુઆ કરતા રહયા. ત્યારબાદ ફરમાવ્યુ કે, મેં મારા રબથી ત્રણ દરખ્વાસ્તો કરી : (૧) મારી ઉમ્મતને દુષ્કાળના અઝાબથી બિલ્કુલ તબાહ ન ફરમાવે. (ર) મારી ઉમ્મતને સર્વત્ર ડુબવાના અઝાબથી હલાક ન ફરમાવે. (૩) આપસમાં લડાઈ–ઝઘડા, કુસંપ તથા ફાટફુટ મારી ઉમ્મતમાં ન થાય.

આમાંથી બે દુઆઓ કબૂલ થઈ અને ત્રીજી દુઆ કબૂલ નહીં થઈ. આ મસ્જિદમાં જ્યાં આપ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમએ નમાઝ પઢી હતી તે મસ્જિદના મેહરાબથી જમણી તરફ બે હાથ હટીને છે.

 ઉપરોકત (મસ્જિદે કુબાથી લઈ મસ્જિદે ફતહ) બધી મસ્જિદો આપ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમના બરકતવંતી કદમોથી પાવન થઈ હતી. માટે મોકો મળે તો બે રકાઅત અહીં નફલ પઢવી મુસ્તહબ છે.

જન્નતુલ બકીઅઃ મસ્જિદે નબવીથી પૂર્વમાં ગુંબદે ખદરાની સામે મશ્હૂર કબ્રસ્તાન બકીઅ છે. જેમાં હજારો સહાબા રદી; મુસલમાનોની પવિત્ર માતાઓ (હઝરત ખદીજા રદી. અને હઝરત મયમુનહ રદી. સિવાય) આપﷺ ની પુનિત પત્નીઓ, ફોઈઓ, મા દાઈ હલીમા, સાહબઝાદીઓ, સાહબઝાદા, હઝરત ઈબ્રાહીમ રદી; હઝરત હસન રદી; હઝરત અબ્દુલ્લાહ ઈબ્ને મસ્ઉદ રદી; હઝરત સઅદ ઈબ્ને અબી વક્કાસ રદી; હઝરત અબૂ સઈદ ખુદરી રદી; હઝરત અબ્બાસ, હઝરત ઉસ્માન રદી. તથા સેંકડો અવલિયાએ કિરામ આરામ ફરમાવી રહયા છે.

બકીઅની ઝિયારત મુસ્તહબ છે. હુઝૂરﷺ કબ્રસ્તાનમાં તશ્રીફ લઈ જતી વખતે આ દુઆ પઢતા હતા :

اَلسَّلَامُ عَلَیْکُمْ دَارَ قَوْمٍ مُؤْمِنِیْنَ اَنْتُمُ السَّابِقُوْنَ وَاِنَّا اِنْشَائَ اللّٰہُ بِکُمْ لَاحِقُوْنَ، سَلَامٌ عَلَیْکُمْ بِمَا صَبَرْتُمْ فَنِعْمَ عُقْبَی الدَّارِ، اَللّٰھُمَّ لَاتَحْرِمْنَا اَجْرَھُمْ وَلَا تَفْتِنَّا بَعْدَھُمْ وَاغْفِرْلَنَا وَلَھُمْ، اَللّٰھُمَّ اغْفِرْ لِاَھْلِ الْبَقِیْعِ وَارْحَمْ

અસ્સલામુ અલયકુમ દાર કવમિમ મુઅમિનીન, અનતુમ અસ્સાબિકૂન,વઈન્ના ઈન્શાઅલ્લાહુ બિકુમ લાહિકૂન. સલામુન અલયકુમ બિમા સબરતુમ ફનિઅમ ઉકબદ્દાર, અલ્લાહુમ્મ લાતહરિમના અજરહુમ વલા તફતિન્ના બઅદ– હુમ વગ્ફિરલના વલહુમ, અલ્લાહુમ્મગ્ફિરલિ અહલિલ્બકીઅ વરહમ.

દુઆનો અર્થ : અય ઈમાનવાળાની વસ્તીમાં વસવાટ કરનારાઓ ! તમો જ પ્રથમ છો. અને અમો અલ્લાહ પાકે ચાહયું તો તમારાથી મળવાવાળા છે. તમારી મુસીબતો ઉપર સબ્ર કરવાને લઈ તમારી ઉપર સલામ છે. બસ, કેટલુ સારૂ આખિરતનું ઘર છે. અય અલ્લાહ પાક ! આપ અમોને તેમના અજર (બદલા)થી મહરૂમ ન ફરમાવશો. અને તેમના પછી અમોને ફીત્ના અને પરીક્ષામાં ન આજમાવશો. અય અલ્લાહ પાક ! અમારી અને બકીઅવાળાની બક્ષીશ ફરમાવશો. અને બકીઅવાળાની બક્ષીશ અને તેમના ઉપર રહમ ફરમાવશો.

હાજીઓએ મદીના તૈયબહના રોકાણ દરમિયાન ત્યાં હાજરી આપી બકીઅવાળાઓ માટે તથા પોતાના માટે મગફિરતની દુઆ કરવી જોઈએ.

શુહદાએ ઉહુદઃ મદીના મુનવ્વરહથી ઉત્તરમાં ત્રણ માઈલના અંતરે પૂર્વથી પશ્ચિમમાં ત્રણ માઈલના ક્ષેત્રફળમાં ફેલાયેલો પહાડ છે. દૂરથી જોઈએ તો ઘણા પહાડોની હારમાળા લાગે છે.

આ પહાડ માટે આપﷺ મુહબ્બત અને પ્રેમના શબ્દો ફરમાવ્યા છે. આપﷺ એ ફરમાવ્યુ કે, આ પહાડ આપણાથી મુહબ્બત કરે છે અને આપણે એનાથી મુહબ્બત કરીએ છીએ.

આ પહાડ સામે પહોંચતા પહેલાં એક નાની પહાડી (ટેકરી) આવે છે, જ્યાં ઉહુદની લડાઈ (સન હીજરી ૩માં) વખતે આપﷺ એ પચાસ તીરંદાઝોને ઉભા રાખ્યા હતા. આ પહાડીને ‘જબલુર રૂમ્માત કહે છે. આ પહાડી અને ઉહુદ પહાડની વચમાં ખાલી મેદાનમાં ઉહુદની લડાઈ થઈ હતી અને ૭૦ સહાબાએ કિરામ આ લડાઈમાં શહીદ થયા હતા. તેમાં આપﷺ ના કાકા હઝરત હમ્ઝા રદી. અને બીજા સહાબાએ કિરામના મઝારાત છે. આપﷺ ત્યાં તશરીફ લઈ જતા હતા. અને શહીદોને સલામ તથા દુઆ પેશ ફરમાવતા હતા. ત્યાં જવુ મુસ્તહબ છે. સવારમાં વહેલુ જવુ જોઈએ, જેથી ઝોહરની નમાઝ મસ્જિદે નબવી સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમમાં શાંતિથી પઢી શકાય.

આ ખાસ જગ્યાઓ સિવાય બીજી ઘણી જગ્યાઓ છે. મદીના શરીફમાં કદમ–કદમ પર આપ (ﷺ)ની બરકતવંતી નિશાનીઓ અને ત્યાં જવુ સાબિત છે. પરંતુ અફઝલ એ છે કે, દુરૂદ શરીફ ખૂબ પ્રમાણમાં પઢે અને મસ્જિદે નબવીમાં જલ્દી જઈ જન્નતની કયારીમાં નમાઝ, તિલાવત, ઝિક્ર, દુરૂદ શરીફ વગેરે પઢવામાં પોતાને મશ્ગુલ રાખે.

            મદીના શરીફથી નીકળતી વખતે વિદાઇ સલામ પેશ કરે.પહેલાં મસ્જિદમાં જઇ બે રકાઅત નમાઝ પઢે, પછી સલાતો સલામ માટે હાજર થાય, પછી દુઆ માંગે. અય અલ્લાહ પાક મારા સફરને આસાન કરો. બંનેવ દુનિયાની કામ્યાબી નસીબ કરો. અને પોતાના પ્યારા હબીબﷺ ના દરબારની ઝિયારતનો વારંવાર મોકો આપો.

Log in or Register to save this content for later.