સઈના મસાઈલ

Chapter : હજ્જ ઉમરહના જરૂરી મસાઈલ

(Page : 77 to 80)

મસ્અલો : તવાફ પછી તરત સઈ કરવી સુન્નત છે. કોઈ કારણ વગર મોડુ ન કરવુ જોઈએ. થાક લાગવા અથવા બીજી કોઈ જરૂરતને લઈ વચમાં થોભી જાય તો વાંધો નથી.

મસ્અલો : પુરૂષો માટે મિલૈન (ઝડપી ચાલવાની જગ્યા)માં ઝડપથી ચાલવુ સુન્નત છે.

મસ્અલો : હજની સઈ તવાફે કુદૂમ પછી કરે, પરંતુ તવાફે ઝિયારત પહેલાં કરે તો સઈમાં તલ્બિયહ પઢે.

મસ્અલો : ઉમરહની સઈમાં તલ્બિયહ ન પઢે. ઉમરહ કરનારનો તલ્બિયહ તવાફ કરતી વખતે ખતમ થઈ જાય છે.

મસ્અલો : સફા ઉપર એટલી ઊંચાઈએ ચઢે કે ખાનએ કાબા દેખાવા માંડે. દીવાળ સુધી પહોંચવું ઠીક નથી.

મસ્અલો : સફા–મરવહ પર ચઢવું સુન્નત છે. ચાહે ચઢયા વગર કાબા દેખાય. મરવહ પર વધુ ઊંચાઈએ ચઢવું મના છે.

મસ્અલો : સઈને સફાથી શરૂ કરી મરવહ પર પૂરી કરવી વાજિબ છે.

મસ્અલો : સફા–મરવહ પર ઝિક્ર અને દુઆઓ દોહરાવવી તથા થોડીવાર થોભવુ મુસ્તહબ છે. લીલી લાઈટો દરમિયાન (મિલૈનમાં) દરેક ચક્કરોમાં ઝડપથી ચાલવુ મુસ્તહબ છે. અને આપ સ.અ.વ.થી આ દુઆ પઢવી સાબિત છે :

رَبِّ اغْفِرْ وَارْحَمْ وَتَجَاوَزْ عَمَّا تَعْلَمْ اِنَّکَ اَنْتَ الْاَعَزُّ الْاَکْرَمُ۔

રબ્બિગ્ફિર વર્‌હમ વતજાવઝ અમ્મા તઅલમ ઈન્નક અન્તલ અઅઝઝુલ્અકરમ”

અર્થ : અય મારા રબ ! બખ્શીશ અને રહમ કરો અને તે ભૂલથી દરગુઝર ફરમાવો, જે આપ જાણો છો. બેશક ! આપ મહાન ઈઝઝતવાળા અને ઘણા કૃપા કરનાર છે.

મસ્અલો : ભીડના કારણે જો ઝડપી ન ચાલી શકતા હોય અથવા પોતાને કોઈ ઉઝર કે તકલીફ હોય તો ઝડપથી ચાલવુ જરૂરી નથી. જ્યારે તબીઅતને રાહત હોય અથવા ભીડ ઓછી થાય ત્યારે ઝડપી ચાલે.

સઈથી ફારિગ થઈ વાળ મૂંડાવવા કે કપાવવા પહેલાં મસ્જિદે હરામમાં આવીને બે રકાઅત નફલ પઢવી મુસ્તહબ છે. શર્ત એ છે કે, મકરૂહ સમય ન હોય. ત્યારબાદ ઉમરહ કરવાવાળા લોકો માથાના વાળ મૂંડાવી અથવા કપાવી લે.

નોંધ : મરવહ પર કેટલાક માણસો કાતર લઈને ઉભા રહે છે. તેમની પાસે ઘણા માણસો થોડાક વાળ કપાવી લે છે. તો આ પ્રમાણે કરવાથી હનફી મસ્લકમાં માણસ એહરામથી બહાર થઈ શકતો નથી અને હલાલ પણ નથી થઈ શકતો. બલ્કે શરઈ રીતે કપાવવા કે મૂંડાવવા જોઈએ. [વાળ કપાવવા કે મૂંડાવવા વિશે વિગતવાર ચર્ચા અલગ પ્રકરણમાં થશે.]

મસ્અલો : તવાફે ઝિયારતની સઈમાં એહરામ શર્ત નથી, બલ્કે અફઝલ અને મુસ્તહબ છે કે ૧૦મી તારીખના મિનામાં કુર્બાની અને બાલ મૂંડાવીને એહરામ ખોલી નાંખ્યા બાદ તવાફે ઝિયારત કરે. જો કે એહરામની હાલતમાં તવાફે ઝિયારત કરવામાં કોઈ વાંધો નથી. પરંતુ જો કોઈ માણસ હજની સઈ મીના જતાં પહેલાં કરવા ઈચ્છે તો એહરામ બાંધી તવાફ કરી સઈ કરે.

મસ્અલોઃ તવાફે કુદૂમ પછી સઈ ન કરી હોય તો હજના દિવસોમાં તવાફે ઝિયારત પછી કરી લે. હજના દિવસો પછી સઈ કરવી મકરૂહ છે.

મસ્અલોઃ સઈ પગપાળા કરવી વાજિબ છે. જો કોઈ ઉઝર હોય તો સવારી ઉપર કરી શકે છે. ઉઝર વગર સવારી ઉપર સઈ કરી તો દમ (કુર્બાની) વાજિબ થશે.

મસ્અલો : સઈમાં વુઝૂ હોવુ મુસ્તહબ છે. વુઝૂ વગર પણ સઈ થઈ જાય છે.

સઈથી ફારિગ થઈ વાળ કપાવી કે મૂંડાવી ઉમરહ અને હજ્જે તમત્તુઅવાળા પોતાનો એહરામ ખોલી નાંખી સામાન્ય કપડાંમાં મક્કાવાસીના જેમ રહે. અને જો મુફરિદ અથવા કારીન છે, તો તેમનો એહરામ બાકી રહેશે. તેમણે એહરામની પાબંદીઓ સાથે મક્કા મુકર્રમહમાં થોભવુ પડશે.

હજ પહેલાંના દિવસોને કિંમતી સમજી વધુમાં વધુ તવાફ અને બીજી ઈબાદતોમાં પોતાને મશ્ગૂલ રાખે અને બજારોની ટહેલ, શોપીંગ તથા ફુઝૂલ વાતોમાં સમય બરબાદ કરવાથી પોતાને બચાવે. કોઈ ઈબાદતમાં દિલ ન લાગે તો કમથી કમ મસ્જિદે હરામના સહનમાં બેસી નિરાંતે કાબા શરીફને જોયા કરે તો પણ સવાબ મળશે. અને બધાને ઈબાદતમાં મશ્ગૂલ જોઈ પોતાને પણ ઈબાદત કરવાનો શોખ પેદા થશે. બજારો તો દુનિયામાં ઘણા મળશે, પરંતુ આ તવાફ અને ખાનએ કાબાને જોવાનો લ્હાવો કયાંય મળશે નહિ.

Log in or Register to save this content for later.