હવાઈજહાઝમાં મહરમ વગર ઓરતનો સફર

Chapter : હજ્જ ઉમરહના જરૂરી મસાઈલ

(Page : 157-158)

આજના ઝમાનામાં ઘણા લોકો યુરોપ, અમેરિકા, સાઉદી અરબ વિગેરે દેશોમાં લાંબી મુદ્દત સુધી નોકરી પર રહે છે અથવા નોકરી પર તો નથી હોતા, પણ એવી અગવડો અને મુશ્કેલીઓ તેમના સામે હોય છે કે, જ્યારે ચાહે ત્યારે વતનમાં આવી શકતા નથી. અને તેમની ઓરતો વતનમાં એકલપણુ ભોગવે છે. અમુક વખત ફિત્નો અને ગુનાહનો ભય હોય છે. હવે એ હાલતમાં તેમના ધણી પોતાની પાસે બોલાવવા ચાહે તો શરઈ મસ્અલો આડરૂપ બની જાય છે. તેમની ઓરતો જો વગર મહરમે પોતાના ત્યાંના એરપોર્ટથી હવાઈ સફર ખેડે તો વગર મહરમે આટલો લાંબો સફર કરવો ઈમામ અબૂ હનીફા રહ.ના નજદીક જાઈઝ નથી. અને જો મહરમને સાથે લે તો મહરમના આવવા–જવાનો ખર્ચ એટલો બધો થાય છે કે, તેને ભોગવવો મુશ્કેલ છે. તો શું આ પરેશાનીની હાલતમાં શરીઅતમાં કોઈ હળવાશ અને હલ મોજુદ છે ? તો શરીઅતનો અસ્લ હુકમતો આ જ છે કે વગર મહરમે અથવા વગર ધણીએ સ્ત્રીના માટે અડતાલીસ માઈલ (૮૭ કિલોમીટર)નો સફર તથા ઈમામ અબૂ હનીફા રહ.ના નજદીક હજનો સફર પણ જે આટલી દૂરી પર હોય, વગર મહરમ અને વગર ધણીએ જાઈઝ નથી. પણ કોઈ ખાસ અગવડ અથવા મજબૂરીના વખતે શું હુકમ હશે ? તેના માટે અમુક બંધનોની સાથે હઝરત ઈમામ માલિક, ઈમામ શાફઈ, મુહમ્મદ ઈબ્ને સીરીન, ઈમામ અવઝાઈ અને ઈમામ હમ્માદ રહ.ના મસ્લક પર અમલની ગુંજાઈશ છે. આ હઝરાતના નજદીક એવો કાફલો અથવા એવી ઓરતોના સાથે વગર મહરમે સફર કરવાની ગુંજાઈશ છે, જેમના ઉપર પુરેપૂરો વિશ્વાસ હોય. માટે જો ઓરતનો ધણી સાઉદી અરબ, યૂરોપ અથવા અમેરિકા જેવા દૂરના દેશોમાં હોય, જ્યાં પહોંચવા માટે ભારે ખર્ચ ઉઠાવવા પડે અને મહરમનો ખર્ચ ઉઠાવવો મુશ્કેલ હોય અને ધણી ઓરતનો હક અદા કરવા આવી નથી શકતો, તો આ હાલતમાં જ્યાં ઓરત છે ત્યાંના એરપોર્ટ સુધી તેનો મહરમ પહોંચાડી આપે અને જ્યાં જવાનું છે ત્યાંના એરપોર્ટથી તેનો ધણી અથવા મહરમ જઈને લઈ આવે તો આ હવાઈ સફર દરમિયાન ઓરતનો કોઈ પરાયા મર્દ સાથે ગુનાહમાં સંડોવવાનો કોઈ ભય નથી. માટે આ જ સૂરતમાં ઉપર આવેલ અઈમ્મહના મસ્લક પર અમલ કરીને આ વાતની ગુંજાઈશ છે કે, ઓરત બન્નેવ તરફના એરપોર્ટ સુધી મહરમ અથવા ધણીના સાથે સફર કરે અને વચમાં વિમાની સફર વગર મહરમ, વગર ધણીએ, એ વાતની ખાતરી સાથે કરી શકે છે કે હવાઈજહાઝમાં ગેરમહરમ મર્દની સાથે ગુનાહમાં સંડોવવાનો ખતરો ના હોય અને આમાં પણ એ વાતની કોશિષ કરે કે, ડાયરેકટ ફલાઈટથી સફર કરે.

મસ્અલોઃ બિલ્કુલ વૃધ્ધાવસ્થામાં પહોંચી ગયેલ સ્ત્રી માટે ગેર મહરમની સાથે હજનો સફર કરવાની હઝરત થાનવી રહ.એ ગુંજાઈશ નકલ કરી છે. માટે મહરમ અથવા ધણીના સાથે હોવાની શર્તથી સિત્તેર વર્ષની વૃધ્ધા બાકાત છે. જ્યારે કે ગુનાહનો ભય ન હોય.

Log in or Register to save this content for later.