વગર વુઝૂએ તવાફ કરવો

Chapter : હજ્જ ઉમરહના જરૂરી મસાઈલ

(Page : 60 to 66)

કોઈપણ પ્રકારનો તવાફ વગર વુઝૂએ જાઈઝ નથી. તવાફના કુલ સાત પ્રકાર છે :

૧. તવાફે ઝિયારત : જે હજનો એક રૂકન (ફર્ઝ) છે. જો આ તવાફ પુરેપૂરો અથવા મોટાભાગના ચક્કર વગર વુઝૂએ કરશે તો સજામાં એક ‘દમ’ આપવો વાજિબ થશે. હાં, જો એ જ તવાફ પુનઃ કરે તો ‘દમ’ માફ થઈ જશે.

ર.તવાફે ઉમરહઃ આ તવાફ જો વગર વુઝૂએ પુરેપૂરો અથવા એકપણ ચક્કર અદા કરશે તો ‘દમ’ વાજિબ થશે. હાં, જો એ જ તવાફ પુનઃ કરી લેશે તો દમ માફ થઈ જશે.

૩.તવાફેનઝર(મન્નતનોતવાફ): જો આ તવાફ વગર વુઝૂએ કરશે તો આ તવાફ પણ ફર્ઝ હોવાના કારણે આમાં પણ ‘દમ’ વાજિબ થશે.

૪.તવાફેવિદાઅઃ આફાકી એટલે કે હરમની હદથી બહાર રહેનારા જ્યારે પોતાના વતન રવાના થાય તો તેમના પર તે વખતે એક તવાફ વાજિબ થાય છે. જેને તવાફે વિદાય કહે છે. જો આ તવાફ વગર વુઝૂએ કરશે તો જેટલા ચક્કર વગર વુઝૂએ કર્યા હશે, એ દરેક ચક્કરના બદલામાં એક–એક સદ્‌કએ ફિત્ર વાજિબ થશે.

પ.તવાફેકુદૂમઃ હરમ શરીફમાં પ્રવેશતાં જ જે તવાફ વાજિબ થાય છે, તેને તવાફે કુદૂમ કહેવામાં આવે છે. જો આ તવાફ વગર વુઝૂએ કરશે તો દરેક ચક્કરના બદલામાં એક સદ્‌કએ ફિત્ર વાજિબ થશે. આ તવાફ આફાકી માટે છે.

૬.નફ્‌લતવાફઃ આ તવાફ પણ જો વગર વુઝૂએ કરશે તો દરેક ચક્કરના બદલામાં એક–એક સદ્‌કએ ફિત્ર વાજિબ થશે.

૭.તવાફેતહીય્યહઃ એટલે કે હરમ શરીફમાં પ્રવેશતાંની સાથે જ એક તવાફ કરવામાં આવે છે એને તવાફે તહીય્યહ કહે છે. આ તવાફ દરેક માટે છે. જો આ તવાફ વગર વુઝૂએ કરવામાં આવશે તો દરેક ચક્કરના બદલામાં એક સદ્‌કએ ફિત્ર વાજિબ થશે. જો આ બધા તવાફોને પુનઃ કરી લેવામાં આવે તો જુર્માનો ખતમ થઈ જશે.

જનાબત (નાપાકી), માસિક, સુવાવડવસ્થાના ખૂનની હાલતમાં તવાફ

આ ત્રણમાંથી જો કોઈપણ હાલતમાં તવાફ કરશે તો ઉપર દર્શાવેલ તવાફના સાત પ્રકારો જ હશે :

૧. તવાફે ઝિયારત : જો તે તવાફે ઝિયારત હશે તો સજામાં એક ગાય અથવા ઊંટની કુરબાની વાજિબ થશે. જે હરમની હદની બહાર કરવામાં આવશે. અને જો ત્રણ અથવા ત્રણથી ઓછા ચક્કર આ હાલતમાં લગાવ્યા હશે તો એક ‘દમ’ બકરાની કુરબાની વાજિબ થશે. અને જો પાક થઈને પુનઃ એ તવાફ કરી લેશે તો સજા ખતમ થઈ જશે.

ર.તવાફે ઉમરહઃ જો આ તવાફને ઉપરોકત હાલતમાં કરવામાં આવશે તો એક ‘દમ’ વાજિબ થશે. હા, પાક થઈ પુનઃ કરી લેશે તો જુર્માનો ખતમ થઈ જશે.

૩.તવાફેવિદાઅઃ માસિક તથા નિફાસવાળી ઓરતને આ તવાફ માફ છે. અને જો મર્દ નાપાકીની હાલતમાં આ તવાફ કરશે તો જુર્માનામાં એક ‘દમ’ વાજિબ થશે. પાક થઈ પુનઃ કરશે તો માફ થઈ જશે.

૪.તવાફેનઝરઃ આ તવાફ વાજિબ છે. માટે જો ઉપરોકત હાલતમાં કોઈ આ તવાફ કરશે તો એક ‘દમ’ વાજિબ થશે. પાક થઈ પુનઃ કરવાથી દમ માફ થઈ જશે.

પ.તવાફેકુદૂમઃ ઉપરોકત હાલતમાં આ તવાફ કરવાથી પણ ‘દમ’ લાઝિમ થશે. પાક થઈ પુનઃ કરવાથી દમ માફ થઈ જશે.

૬.તવાફેનફલ,તવાફેતહીય્યહઃ ઉપરોકત હાલતમાં આ તવાફ કરવાથી પણ ‘દમ’ વાજિબ થશે. અને પાક થઈ પુનઃ કરવાથી દમ માફ થઈ જશે.

આ ઉપરથી માલુમ પડયું કે નાપાકી, માસિક અને નિફાસની હાલતમાં કરેલ તવાફનો ઓછામાં ઓછો જુર્માનો ‘દમ’ છે. કારણકે અહીંયા નફલ તવાફ તવાફે કુદૂમની જેમ છે.

તવાફ દરમિયાન વુઝૂ તૂટી ગયુ  અથવા માસિક આવી ગયું તો શું કરે ?

જો તવાફ દરમિયાન વુઝૂ તૂટી જાય તો તે જ જગ્યાએ તવાફ બંધ કરી વુઝૂ કરી આગળ તવાફ કરે. એટલે કે છોડેલી જગ્યાએથી આગળ વધે. પણ ફરીથી નવો ચક્કર લગાવવો બેહતર છે. અને જો તવાફ દરમિયાન ઔરતને માસિક આવી ગયું તો તવાફને ત્યાં જ રોકી દે અને જ્યારે હેઝથી પાક થઈ જાય ત્યારે આખો તવાફ ફરીથી કરે.

મસ્અલો : તવાફ ચાહે નફલી હોય કે સુન્નત, જેવી રીતે કે તવાફે કુદૂમ. અથવા વાજિબ તવાફ હોય, જેમ કે તવાફે વિદાઅ. જો વુઝૂ વગર કરશે તો સદકો વાજિબ થશે અને નાપાકીની (ગુસલ ફર્ઝ હોવાની હાલત)માં કરશે તો ‘દમ’ વાજિબ થશે. તવાફે ઝિયારત જે ફર્ઝ છે, તેને વુઝૂ વગર કરવાથી ‘દમ’ અને નાપાકીની હાલતમાં કરવાથી ઊંટની કુરબાની આપવી પડશે. ફરી જો ગુસલ કે વુઝૂ કરી દોહરાવી લેશે તો કોઈ વસ્તુ લાઝિમ થશે નહીં. ચાહે કોઈપણ તવાફ હોય. ફર્ઝ, વાજિબ, સુન્નત, નફલનો એકસરખો હુકમ છે કે, ફરીથી વુઝૂ ગુસલ દોહરાવવાથી દમ, સદકો કે ઊંટની જઝા હોય, માફ થઈ જશે. પરંતુ તવાફે ઝિયારત જો નાપાકીની હાલતમાં અદા કર્યો હોય તો તેને કુર્બાનીના દિવસો (૧૦ થી ૧ર ઝિલ્હજ્જ) સુધીમાં દોહરાવવુ જરૂરી છે. ત્યારબાદ દોહરાવવાથી મોડુ કરવા બદલ દમ આપવો પડશે.

મસ્અલો : તવાફ માટે નિય્યત જરૂરી છે. નિય્યત વગર સાત ચક્કર લગાવશે તો પણ તવાફ થાય નહીં. મોઢેથી નિય્યત કરવી જરૂરી નથી. દિલથી નિય્યત કરવી પણ કાફી છે.

મસ્અલો : તવાફમાં ટૂંકા પગલાંથી ચાલવુ મુસ્તહબ છે. અને દરેક ચક્કરની વચમાં અંતર રાખવુ (થોભવુ) મકરૂહ છે. બલ્કે એક ચક્કર પુરો કર્યા બાદ તરત જ બીજો ચક્કર શરૂ કરી આપે. કોઈ ખાસ કારણ વગર વચમાં થોભે નહીં.

મસ્અલો : તવાફ દરમ્યાન નમાઝીઓના સામેથી પસાર થઈ શકાય છે.

મસ્અલો : તવાફ દરમ્યાન રૂકને યમાનીને બન્નેવ હાથો અથવા જમણો હાથ લગાડવો સુન્નત છે, પરંતુ પગ પોતાની જગ્યા ઉપર રાખે. છાતી અને પગના પંજા કાબા શરીફ તરફ ન થાય તથા રૂકને યમાનીને ચુંબન પણ ન કરે. બીજા લોકોને જોઈને તેના તરફ હજરે અસ્વદની જેમ ઈશારો કે તકબીર ન કહે.

મસ્અલો : તવાફ શરૂ કરતી વખતે ફકત એક વખત હાથ કાનો સુધી ઉઠાવવાના છે. દરેક ચક્કરે હાથ કાનો સુધી ન ઉઠાવે.

મસ્અલો : ઈસ્તિલામ કાળી પટ્ટી ઉપર થોભીને કરે. તે વખતે ચહેરો અને છાતી હજરે અસ્વદ તરફ થઈ જાય તેમાં કોઈ વાંધો નથી.

મસ્અલો : કાબા શરીફને જોવું પણ એક ઈબાદત છે, પરંતુ તવાફ દરમ્યાન કાબા શરીફને જોવાની મનાઈ છે. માટે એનાથી બચવુ જોઈએ. ફકત હજરે અસ્વદ સામે ઉભા રહીએ ત્યારે હજરે અસ્વદ તરફ મોઢુ કરવુ જાઈઝ છે.

મસ્અલો : તવાફ દરમ્યાન કાબા શરીફની તરફ પીઠ કરવી પણ મકરૂહે તહરીમી છે. જો આ પ્રમાણે થઈ જાય તો તવાફના એટલા ભાગને દોહરાવવો વાજિબ છે. બેહતર છે કે, આખો ચક્કર દોહરાવી લે. એ જ પ્રમાણે કાબા શરીફ તરફ છાતી કરવી પણ મકરૂહે તહરીમી છે. માટે એટલા ભાગને દોહરાવી લે.

મસ્અલો : તવાફ દરમ્યાન કાબા શરીફના ગિલાફને વળગવા કે મકામે ઈબ્રાહીમને જોવાથી તવાફમાં વિક્ષેપ પડવાની સાથે છાતી કે પીઠ કાબા શરીફ તરફ થઈ જાય છે. જે મકરૂહ છે, માટે એનાથી બચવુ જોઈએ.                                                                                                                                                    મસ્અલો : તવાફ દરમ્યાન પોતાની નજર ચાલવાની જગ્યાએ રાખવી જોઈએ. ગમે તે તરફ જોવુ મુનાસિબ નથી.

મસ્અલો : તવાફ દરમ્યાન હજરે અસ્વદ સિવાય કાબા શરીફના કોઈપણ ખૂણા કે દિવાલને બોસો દેવાની મનાઈ છે. ફકત રૂકને યમાનીને હાથ લગાવે, બોસો ન આપે.

મસ્અલો : બિમાર અને કમઝોર માણસે ભાડેથી ગાડી કરવી જાઈઝ છે.

મસ્અલો : તવાફમાં જો કોઈ ઔરત મર્દની સાથે થઈ જાય એટલે કે ચાલવામાં સાથે હોય તો પુરૂષ કે સ્ત્રી કોઈનો તવાફ ફાસિદ થતો નથી, પરંતુ અલગ–અલગ રહેવુ સારૂં છે. જેથી ગેરમહરમ સાથે શરીરનો કોઈપણ ભાગ ન લાગે.

મસ્અલો : તવાફની જગ્યા કાબા શરીફ ના ચારેવ તરફ મસ્જિદની અંદર છે. ચાહે કાબા શરીફની નજીક હોય કે દૂર હોય, પરંતુ મર્દો માટે કાબા શરીફની નજીક તવાફ કરવો મુસ્તહબ છે.

મસ્અલો : જો કોઈ માણસ મસ્જિદની છત ઉપર ચઢી તવાફ કરશે તો ચાહે કાબા શરીફની ઉંચે થઈ જાય તો પણ તવાફ થઈ જશે.

મસ્અલો : મસ્જિદે હરામની બહાર નીકળીને તવાફ કરશે તો તવાફ ગણાશે નહિ.

મસ્અલો : તવાફમાં બિલ્કુલ ચૂપ રહેવુ અને કાંઈ જ ન પઢવુ જાઈઝ છે.

મસ્અલો : તવાફમાં ગુનાહના કામો, ખાસ કરીને સ્ત્રીઓને જોવા તથા ફુઝૂલ વાતો કરવાથી બચે.

Log in or Register to save this content for later.