[ર૩૪] જમીન પર બેસીને ઈશારાથી સજદહ કરવો

Chapter : નમાઝ

(Page : 30-304)

સવાલ :– (૩) જમીન ઉપર બેસીને ફર્ઝ, વાજિબ અથવા નફલ નમાઝ પઢનાર જમીન ઉપર પેશાની મૂકયા વગર માત્ર માથું ઝૂકાવીને ઈશારાથી સજદહ કરી શકે કે નહિ?

જવાબ :– (૩) નમાઝના અરકાન : કિયામ, રુકૂઅ, સજદહ, કઅ્‌દહ વગેરેમાં સજદહની ખાસ અને વિશેષ મહત્વતા છે, અને સજદહ એ નમાઝની રૂહ છે, માટે જમીન ઉપર બેસીને કોઈપણ પ્રકારની નમાઝ પઢનાર નમાઝી જો જમીન ઉપર નાક સાથે પેશાની મૂકીને સજદહ કરી શકતો હોય અથવા જમીન ઉપર કોઈ પાટલી વગેરે નકકર ચીજ મૂકીને જે જમીનથી નવ ઈંચ અથવા તેથી ઓછી ઉંચી હોય, તેના ઉપર નાક સાથે પેશાની મૂકીને સજદહ કરી શકતો હોય તો બન્ને સૂરતોમાં જમીન ઉપર અથવા સજદહ કરવા પાત્ર કોઈ વસ્તુ સજદહની જગ્યાએ મૂકીને તેની ઉપર સજદહ કરવો ઝરૂરી અને ફર્ઝ છે. આ બન્ને સૂરતોમાં માત્ર માથું ઝૂકાવીને માથાના ઈશારાથી સજદહ કરવો જાઈઝ નથી અને બન્ને સૂરતોમાં આ પ્રમાણે માત્ર માથાના ઈશારાથી સજદહ કરવાથી નમાઝ સહીહ રીતે અદા નહિ થાય અને તેણે સજદહ સાથે ફરી નમાઝ પઢવી પડશે.  (શામી–૧/પ૧૦, તહતાહી કમ મરાકી–૧ર૬)

               અને જો બેસીને નમાઝ પઢનાર નમાઝી ઉપર મુજબ ઉઝરના કારણે માત્ર પેશાની મૂકીને અથવા માત્ર નાકનો નકકર ભાગ જમીન ઉપર મૂકીને અથવા સજદહ ની જગ્યાએ કોઈ વસ્તુ મૂકીને તેના ઉપર સજદહ કરવા શકિતમાન ન હોય તો તેવો મઅઝૂર નમાઝી માથાના ઈશારાથી સજદહ કરી શકે છે અને તેણે રૂકુઅ કરતાં સજદહના ઈશારામાં માથું વધુ ઝુકાવવું ઝરૂરી છે. (બહર–ર/૧૧૩, આલમગીરી–૧/૧૩૬)

Log in or Register to save this content for later.