Chapter : નમાઝના જરૂરી મસાઈલ
(Page : 67 to 70)
નમાઝમાં જે ચીજો હુઝૂર નબીએ કરીમ (સલ.)થી સાબિત થઈ છે, પણ તેની તાકીદ ફર્ઝ અને વાજિબ બરાબર સાબિત થઈ નથી, તેને સુન્નત કહેવામાં આવે છે.
નમાઝમાં ફર્ઝ અને વાજિબ સિવાય બાકીની ચીજો સુન્નત અને મુસ્તહબ છે. નમાઝ સહીહ અને સારી રીતે સુન્નત તરીકા પ્રમાણે પઢવા માટે સુન્નતો ઉપર ધ્યાનથી અમલ કરવો જોઈએ. અને આ સુન્નતોમાંથી કોઈ ચીજ ભૂલથી છૂટી જાય, તો નમાઝ તૂટતી નથી અને સહવનો સિજદો પણ વાજિબ થતો નથી.
આ સુન્નતોમાં ઘણી સુન્નતો “મોઅક્કેદાહ” છે. અને થોડી સુન્નતો મુસ્તહબ છે, જે નીચે મુજબ છે :
- નમાઝ માટે ઉભા રહેવામાં બન્નેવ પગ વચ્ચેની જગ્યા ચાર આંગળ જેટલી રાખવી.
- તકબીરે તહરીમા કહેતા પહેલાં પુરૂષો બન્ને કાનોની લવ સુધી હાથ ઉઠાવે અને સ્ત્રીઓ ખભા સુધી હાથ ઉઠાવે.
- પુરૂષો હાથ ઉઠાવતી વખતે આંગળીઓ ઉભી રાખી અંગુઠા કાનો તરફ રાખી, હથેળી કિબ્લા સામે રાખે. અને સ્ત્રીઓ પણ હાથ ચાદરમાં રાખી હથેળી કિબ્લા સામે રાખે.
- ઈમામે બધી તકબીરો અવાજથી કહેવી.
- તકબીરે તહરીમા કહેતી વખતે સીધા ઉભા રહેવું અને માથુ નમાવવું નહીં.
- પુરૂષોએ જમણો હાથ ડાબા હાથની પીઠ ઉપર મૂકી ડુંટી નીચે બાંધવો. એવી રીતે કે જમણા હાથની નાની આંગળી અને અંગુઠાથી ડાબા હાથના પહોંચાને પકડી, હથેળી ડાબા હાથની પીઠ પર રાખી બાકીની ત્રણ આંગળીઓ પહોંચા ઉપર રાખે. અને સ્ત્રીઓ છાતી પર ડાબા હાથની પીઠ ઉપર જમણો હાથ મૂકીને બાંધે.
- સના એટલે કે “સુબ્હાનકલ્લાહુમ્મ” પુરી પઢવી.
- અઉઝુબિલ્લાહ પુરી પઢવી.
- બિસ્મિલ્લાહ પુરી પઢવી.
- ફર્ઝ નમાઝની ત્રીજી અને ચોથી રકાઅતમાં સૂરએ ફાતિહા (અલ્હમ્દુ શરીફ) પઢવી.
- સૂરએ ફાતિહા પઢી લીધા પછી આમીન કહેવું.
- સના, અઉઝુ, બિસ્મિલ્લાહ અને આમીન દરેકને ધીમેથી પઢવું.
- રુકૂઅ અને સિજદામાં ત્રણ વાર તસ્બીહ પઢવી સુન્નતે મોઅક્કેદા છે અને પાંચ કે સાત વાર તસ્બીહ પઢવી મુસ્તહબ છે.
- સુન્નત મુજબ કુર્આન શરીફ અનુક્રમે પઢવું.
- રુકૂઅમાં માથુ અને પીઠ બન્ને ભાગ સરખા થઈ જાય તેટલું વળવું અને હાથને પાંસળીઓથી જુદા રાખવા અને બન્ને હાથની આંગળીઓ પહોળી કરી ઘુટણોને પકડવા. સ્ત્રીઓ બન્ને બાજુઓ અને બન્ને પગના ઘુટણો મેળવીને રાખે. અને બન્ને હાથની આંગળીઓ મેળવીને ઘુટણો પર હાથ મૂકે તેટલું ઝુકે.
- રુકૂઅ પછી ઉભા થતી વખતે “સમિઅલ્લાહુલિમન હમિદહ”કહેવું અને પુરા ઉભા થઈને “રબ્બના લકલ હમ્દ” કહેવું. જમાઅતની નમાઝમાં ઈમામે “સમિઅલ્લાહુલિમન હમિદહ”કહેવું અને મુક્તદીએ “રબ્બના લકલ હમ્દ” કહેવું.
- સિજદહમાં જતી વખતે પહેલાં બન્ને ઘુટણો, પછી બન્ને હાથ, પછી નાક અને પેશાની મૂકવી. એવી જ રીતે સિજદહથી ઉઠતી વખતે પહેલાં પેશાની, પછી નાક, પછી હાથ અને પછી ઘુટણો પર હાથના સહારે ઉભા થઈ જાય. જમીન પર હાથ ન ટેકવે.
- સિજદહની હાલતમાં પેટને જાંગથી અને કોણીઓને પાંસળાથી અને હાથોના પહોંચાને જમીનથી દૂર રાખે. હાથની આંગળીઓ મેળવેલી રાખે અને કિબ્લા સામે, કાનોની બરાબર રાખે. પગ જમીન ઉપર ઉભા લગાડેલા રાખી પગની આંગળીઓને પણ કિબ્લા સામે રાખે. સ્ત્રીઓ પગને ઉભા ન રાખે, બલ્કે જમણી તરફ પગ કાઢીને મૂકે અને પેટને જાંગથી અને બાઝુઓને બન્ને પાંસળીઓથી ભીસીને, કોણીઓને જમીન ઉપર રાખી દે અને સંકોચાઈને સિજદો કરે.
- જલસા અને કાએદામાં ડાબો પગ બીછાવી તેના ઉપર બેસે અને જમણા પગના પંજાને ઉભો રાખે. પગના આંગળાના ટેરવાં કિબ્લા તરફ રાખે અને બન્ને હાથ જાંગો પર મૂકી આંગળીઓ ઘુટણ પાસે કિબ્લા સામે રાખવી. સ્ત્રીઓ બેઉ પગ જમણી તરફ કાઢીને ડાબા ઢગરા પર બેસે. હાથની આંગળીઓ મેળવેલી રાખીને જાંગ ઉપર રાખે.
- તશહ્હુદ એટલે કે અત્તહિય્યાત પઢતી વખતે “અશ્હદુ અલ્લા ઈલાહ” ઉપર કલિમહની આંગળી ઉભી કરે (વચલી આંગળી અને અંગુઠાનું ગોળાકાર કરીને) અને “ઈલ્લલ્લાહ” કહેતી વેળા નીચે મૂકી દે. કાએદો પુરો થાય ત્યાં સુધી એમ જ રાખે.
- આખરી કાએદામાં અત્તહિય્યાત પછી દુરૂદ શરીફ પઢવું.
- દુરૂદ શરીફ પછી દુઆ પઢવી.
- પ્રથમ જમણી તરફ અને પછી ડાબી તરફ સલામ ફેરવવી.
- કિયામની હાલતમાં નજર સિજદહની જગ્યાએ અને રુકૂઅમાં પગોની પીઠ ઉપર, જલ્સા અને કાએદામાં પોતાના ખોળા ઉપર અને સલામ ફેરવતી વખતે પોતાના ખભા ઉપર નજર રાખવી.
- ખાંસીને બને ત્યાં સુધી રોકવી.
- બગાસુ આવે ત્યારે મોઢુ બંધ રાખવું અને જો ખૂલી જાય તો કિયામની હાલતમાં જમણા હાથની અને બીજી હાલતમાં ડાબા હાથની પીઠથી મોઢું ઢાંકી લેવું.
ઈમામ સલામ ફેરવતી વખતે પોતાના તમામ મુક્તદીઓને અને ફરિશ્તાઓને જાણે સલામ કરે છે એવો ખ્યાલ કરે. અને મુક્તદી ઈમામને, ફરિશ્તાઓને અને પોતાના જમણી અને ડાબી તરફના નમાઝીઓને સલામ કરે છે એવો ખ્યાલ કરે. તેવી જ રીતે એકલા નમાઝ પઢવામાં બન્ને તરફ ફરિશ્તાઓને સલામ કરી રહ્યો છે, તેવો ખ્યાલ કરે.
Log in or Register to save this content for later.