મદીનહ તય્યિબહ

Chapter : હજ્જ અને ઉમરહ "ફલાહી ના હમરાહ"

(Page : 210 to 213)

મદીનહ તય્યિબહ

આ ગયા; હાસિલે ઈન્તિઝાર આ ગયા,

હાજીયો, લો નબીકા દિયાર આ ગયા !

દેખો દેખો ખજૂરોંકી જુરમુટમેં વો

સામને શહરે રશ્કે બહાર આ ગયા !

                મદીનહ તય્યિબહ, મકકહ મુકર્રમહની ઉત્તર તરફ છે. જાહિલિયતના ઝમાનામાં એને ”યસરબ” કહેતા હતા.”મુઅજમુલ બુલ્દાન”માં છે કે આ શહેરને યસરબ ઈબ્ને કાફિયહએ વસાવ્યું હતું એટલે એને યસરબ કહેવામાં આવતું હતું, પણ હવે ઇસ્લામમા એ નામની મનાઈ કરવામાં આવેલી છે.

                હિજરત પછી આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ એનું નામ તય્યિબહ રાખ્યું અને આ શહેરની આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ ઘણી ફઝીલતો બયાન ફરમાવી છે.

                ”વફાઉલ વફા”માં ”મદીનહ મુનવ્વરહ”ના ૯૪ નામો બયાન કરવામાં આવ્યા છે જેનાથી ”મદીનહ મુનવ્વરહ”ની બુઝુર્ગી અને દરજો જાહેર થાય છે.

                આ શહેરની ફઝીલત કોઈ માણસ કયારેય લખી નથી શકતો, એટલું જ કહેવું બસ છે, કે જે શહેરને અલ્લાહ તઆલાએ પોતાના પ્યારા હબીબ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) માટે કિયામગાહ તથા આરામગાહ ઠેરવ્યું અને હકતઆલા શાનહુએ પોતાના હબીબ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ના રહેવા માટે પસંદ કર્યુ. તેના થી અફઝલ બીજું કયું શહેર હોઈ શકે ?

                કાઝી અયાઝ ફરમાવે છે, કે જે જગાઓ ઉપર વહી ઉતરી હોય અને કુર્આને પાક નાઝિલ થયું હોય, હઝરત જિબ્રઈલ (અલયહિસ્સલામ) તથા હઝરત મીકાઈલ (અલયહિસ્સલામ) વારંવાર ત્યાં હાજર થતા રહયા હોય, જયાંનું મૈદાન અલ્લાહ વાળાઓના ઝિક્ર અને તિલાવત તથા તસ્બીહોથી ગુંજતુ રહયું હોય, અલ્લાહના દીન અને તેના રસૂલે પાક (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ની સુન્‍નતો જયાંથી ઝરણાની માફક વહેતી હોય તે પાક જગા (મદીનહ મુનવ્વરહ)ના મેદાનો એ લાયક છે કે તેની તઅ્‌ઝીમ કરવામાં આવે તેની ધૂળમાં આળોટવામાં આવે અને તેની ખૂશ્બૂ સુંઘવામાં આવે. મદીનહ મુનવ્વરહની એક એક વસ્તુ અનહદ કાબિલે કદ્ર છે.

મદીનહ મુનવ્વરહમાં દાખલ થવાની દુઆ :

  اللّٰھُمَّ اَنْتَ السَّلامُ وَ مِنْکَ السَّلامُ ، وَ اِلَیْکَ یَرْجِعُالسَّلامُ، فَحَیِّنَا رَبَّنَا بِالسَّلامِ، وَ اَدْخِلْنَا دَارَ السَّلامِ تَبَارَکْتَ رَبَّنَا، وَ تَعَالَیْتَ یَا ذَالْجَلالِ وَ الاِکْرَامِ ۔ رَبِّ اَدْخِلْنِیْ، مُدْخَلَ صِدْقٍ، وَّ اَخْرِجْنِیْ مُّخْرَجَ صِدْقٍ، وَّ اجْعَلْ لِیْ، مِنْ لَدُنْکَ سُلْطَانًا نَّصِیْرَا۔ وَ قُلْ جَائَ الْحَقُّ، وَ زَھَقَ الْبَاطِلُ، اِنَّ الْبَاطِلَ کَانَ زَھُوْقًا، وَ نُنَزِّلُ مِنَ الْقُرْاٰنِ، مَاھُوَ شِفَائٌ، وَّ رَحْمَۃٌ لِلْمُؤْمِنِیْنَ وَ لا یَزِیْدُ الظَّالِمِیْنَ اِلَّا خَسَارًا۔

                (અલ્લાહુમ્મ અન્ત સ્સલામ, વ મિન્ક સ્સલામ, વ ઈલય્‌ક યર્‌જિઉ સ્સલામ, ફ હય્યિના રબ્બના બિસ્સલામિ વ અદ્‌ખિલ્ના દારસ્સલામ, તબારકત રબ્બના, વ તઆલય્‌ત યા જલ્‌ જલાલિ વલ ઈકરામ. રબ્બી અદખિલ્ની મુદખલ સિદકીંવ વ અખ્રિજની મુખ્‌રજ સિદકિંવ વજ અલ્લી મિન લદુન્ક સુલતાનન નસીરા, વ કુલ જાઅલ હકકુ વ ઝહકલ બાતિલ, ઈન્‍નલ બાતિલ કાન ઝહૂકા. વ નુનઝિ્‌ઝલુ મિનલ્‌ કુર્આનિ, મા હુવ શિફાઉન વ રહ્‌મતુલ લિલ્મુઅ્‌મિનીન વલા યઝીદુ ઝ્‌જાલિમીન ઈલ્લા ખસારા.)

                ”અય અલ્લાહ ! તમો સલામતી વાળા છો અને તમારા તરફથી સલામતી છે અને તમારા જ તરફ સલામતી લોટે છે. અય અમારા રબ ! અમોને સલામતી સાથે જીવતા રાખો અને અમોને તમારા ઘરમાં કે જે સલામતી વાળું છે, દાખિલ ફરમાવો. ઓ અમારા રબ ! તમો ઊંચી શા’નવાળા છો, બળાઈ અને બુઝુર્ગીવાળા અય પરવરદિગાર, અમોને સચ્ચાઈના સાથે (મદીનહ મુનવ્વરહમાં) દાખલ ફરમાવો અને (મદીનહ મુનવ્વરહથી) સચ્ચાઈના સાથે બહાર કાઢો. અમોને તમારા તરફથી કામયાબી અને મદદ અતા ફરમાવો. કહી આપો, કે હક આવી ગયું અને બાતિલ ખતમ થઈ ગયું અને બેશક બાતિલ ખતમ થવાવાળું જ હતું.અને અમોએ કુર્આન ઉતાર્યું, જે ઈમાનવાળાઓ માટે શિફા અને રહમત છે અને ઝાલિમ લોકો તો નુકસાનમાં જ રહેવાના છે.”

                અને દુઆ કરો કે ”અય અલ્લાહ તમોએ જે કરમ અને એહસાનથી મને આ મુબારક દિવસ દેખાડયો, કે હું તમારા મહબૂબ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ના મહબૂબ શહેરમાં દાખલ થઈ રહયો/રહી છું, તમારા તે જ કરમ અને એહસાનથી, મને અહીંયાની ખાસ બરકતો ઈનાયત કરો અને તે તમામ બાબતોથી મારી હિફાઝત ફરમાવો, જે અહીંયાની બરકતોથી મહરૂમીનો સબબ બને.”

                જયારે પોતાના રૂમ ઉપર પહોંચો તો શાંતિથી પોતાનો સામાન ઠેકાણે મુકી આપો અને જો મદીનહ મુનવ્વરહ આવતાં પહેલાં આપને ગુસલ કે કપડાં બદલવાનો મોકો ના મળ્યો હોય, તો હવે જો શકય હોય તો ગુસલ કરી લો અથવા મિસ્વાક કરી, વુઝૂ કરી લો અને ચોખ્ખા કપડાં પહેરો, (કપડાં સફેદ હોય તો વધારે સારું, કારણ કે આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ને સફેદ કપડું સૌથી વધારે પસંદ હતું.) ખુશ્બૂ લગાવી લો અને પછી સૌથી પહેલાં મસ્જિદે નબવી (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)માં દાખલ થવા માટે અને રવઝએ અકદસ ઉપર હાજરી આપવાના ઇરાદાથી મસ્જિદે નબવી (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) તરફ જવાનું શરૂ કરો.

”વસીમ” એક મુઅજિઝહ મૈંને અરબકે ચાંદ કા દેખા,

કિ ખુદ ગાઈબ હૈ, લેકિન ચાંદની મઅલૂમ હોતી હૈ !

Log in or Register to save this content for later.