સફર માટે જરૂરી સામાનઃ

Chapter : હજ્જ અને ઉમરહ "ફલાહી ના હમરાહ"

(Page : 35 to 37)

સફર માટે જરૂરી સામાનઃ

                (૧)મર્દો માટે એહરામની બે ચાદરો (ચાર ચાદરો લઈ લો તો વધારે સારું) (ર)જરૂરત પ્રમાણે ચાર–પાંચ જોડ કપડાં (૩) એક જોડ સ્લીપર અને એક જોડ બૂટ (૪) મુસ્લ્લા (સફર દરમિયાન એરપોર્ટ ઉપર તેમજ રસ્તામાં અને સઊદી અરબિય્યહમાં પણ મુસલ્લાની જરૂરત પડશે, કારણ કે હજ્જ વખતે હરમ શરીફમાંથી ગાલીચા ઉઠાવી લેવામાં આવે છે, તો ત્યાં નમાઝો પઢવા તેમજ મિના, અરફાત, મુઝદલિફહ વગેરે જગાએ પણ જરૂર રહે છે.)(પ) ટોર્ચ (૬) ચાકુ (૭) સોય તથા દોરો (૮) મિસ્વાક (૯) એહરામ બાંધવાનો પટ્ટો (૧૦)આઈનો (૧૧) કાંસકી (૧ર) હજ્જની કિતાબ (જેમકે ‘ફલાહી’ની આ કિતાબ) (૧૩) ખાવા માટે એક પ્લેટ તથા નાની મોટી એક એક ચમચી (૧૪) સામાન બાંધવા માટે એક દોરી (૧પ) નાખૂન તરાશ (નખિયું)(૧૬)લોટો (૧૭) જરૂરી ટેલીફોન નંબરો લખેલી એક ડાયરી (૧૮)ખાંસી, કબઝિયાત, શરદી, માથા, તાવની જરૂરી દવાઓ (૧૯)ન્હાવા માટેનો રૂમાલ (ર૦) એક રંગીન ચશ્મો (ર૧) પોતાનો સામાન આસાનીથી ઓળખી શકાય અને આપને પરેશાની ન થાય એ માટે રંગીન રીબિન અથવા કોઈ ખાસ નિશાની જરૂરથી કરી આપો.(રર) એક ચાદર પણ પોતાની સાથે જરૂર લઈ જશો. (ર૩) હવા ભરવાનો એક તકિયો.(ર૪) એક નાની ડોલની પણ જરૂરત રહે છે, પોતાના રૂમમાં ગુસલ કરવા તેમજ કપડાં ધોવા માટે ડોલનું હોવું અવશ્ય જરૂરી છે, જો કે સઊદિય્યહમાં પણ ડોલ પાંચ, દસ રિયાલમાં સારી મળે છે, માટે ત્યાં ગયા પછી પણ ખરીદી શકો છો.

                અલ્હમ્દુલિલ્લાહ, ચાલો આ પ્રમાણે આપે બધી તૈયારી કરી લીધી, અને હવે આપ પોતાના ઘરેથી હજ્જના સફર માટે નીકળી રહયા છો, તો યાદ રાખો, ઘરેથી નીકળતી વેળા ખૂશખુશાલ નીકળો, ગમગીન અને માયૂસ મોઢે ના નીકળો, કારણ કે આ સફર ખૂશી ખૂશી જવાનો સફર છે.ઘરેથી નીકળતા પહેલાં તેમજ નીકળ્યા પછી થોડો સદકહ કરી આપો અને ઘરમાં તથા પોતાના મહોલ્લાની મસ્જિદમાં બે રકા’ત નમાઝ પઢો. પહેલી રકા’તમાં સૂરએ કાફિરૂન અને બીજી રકા’તમાં કુલ હુવલ્લાહુ અહદ…પઢો અને સલામ પછી આયતુલ કુર્સી અને લિઈલાફિ કુરયશ… પઢો અને અલ્લાહ તઆલાથી સફરમાં મદદ તેમજ આસાની માટે દુઆ માંગો.

                સગાવહાલા, દોસ્તો અને પડોશીઓ વગેરેથી માફી માંગો, દુઆની દરખાસ્ત કરો અને મુસાફહો કરો. હજ્જમાં જતી વખતે ઉપરોકત માણસોને મળીને જવું જોઈએ, અને હજ્જમાંથી પાછા આવો ત્યારે, ઉપરોકત માણસોએ આવનાર હાજી સાહેબને મળવા જવું જોઈએ.

                હજ્જની સફર આખિરતની સફરનો નમૂનો છે. જયારે હાજી ઘરેથી નીકળે છે, અને દોસ્તો, સગાવહાલાઓથી રૂખ્સત થાય છે, ત્યારે જનાઝો નીકળવાનો સમય યાદ આવે છે, કે એક દિવસ આ દુન્યાથી બધા જ દોસ્તો અને સગાવ્હાલાઓને છોડીને આખિરત તરફ સફર કરવાનો છે. જયારે એહરામ બાંધે છે, તો કફનનો ટાઈમ યાદ આવે છે,મીકાતે હજ્જ, મીકાતે કયામતની મિસાલ છે. અને અરફાતના મૈદાનમાં લાખો માણસોનો ઈજતિમાઅ અને અરફાતની ગરમી, રોઝે મહશરનો નમૂનો છે. આ રીતે વિચારશો તો હજ્જના બધા જ અમલોમાં સફરે આખિરતનો નમૂનો જણાશે.

જો તમને યાદ હોય તો ઘરેથી નીકળતી વેળા આ દુઆ પઢો.

بِسْمِ اللّٰہِ اٰمَنْتُ بِاللّٰہِ، تَوَکَّلْتُ عَلَی اللّٰہِ وَلا حَوْلَ وَلاقُوَّۃَ اِلا بِاللّٰہِ

                ” બિસ્મિલ્લાહી, આમન્‌તુ બિલ્લાહિ, તવક્‌કલ્‌તુ અલલ્લાહિ, વલા હવ્લ વલા કુવ્વત ઈલ્લા બિલ્લાહિ”

                (હું અલ્લાહનું મુબારક નામ લઈને, એનો ઈકરાર કરું છું, કે મારું આપ ઉપર પૂરું ઈમાન અને પૂરો ભરોસો છે અને યકીની વાત છે કે આપના હુકમ સિવાય એક પત્તું પણ હલી નથી શકતું, બસ તમારા સહારે અને તમારા ભરોસે જઈ રહયો છું.)

અને જો ઉપરોકત દુઆ યાદ ના હોય તો,

(બિસ્મલ્લાહી ર્રહમાનિ ર્રહીમ) પઢો.

بسم اللہ الرحمن الرحیم

Log in or Register to save this content for later.