Chapter : બહેનોની હજ્જ
(Page : 95 to 102)
સફા–મરવહ દરમિયાન સઈ
સફા–મરવહના વચ્ચે એક ખાસ રીતથી સાત ચકકર લગાવવાને શરીઅતની પરિભાષામાં ”સઈ” કહેવામાં આવે છે. હજ્જ–ઉમરહ કરનાર માટે ”સઈ” કરવી વાજિબ છે.
આપને પહેલાં હું જણાવી ચુકયો કે ”સફા– મરવહ” તે જગા છે, જેના દરમિયાન હઝરત હાજિરહ (રદિ.)એ પાણીની શોધમાં વ્યાકૂળતાપૂર્વક દોડ લગાવી હતી, મસ્જિદે હરામની નવેસરથી ત’અ્મીર થયા બાદ, ત્યાંનો નકશો એકદમ બદલાઈ ગયો છે.
”સઊદી હુકૂમતે” હાજીઓ માટે જે રાહતો કરી છે, તેમાંની એક આ પણ છે કે બંનેના વચ્ચેના રસ્તામાં સંગે મરમર બીછાવી દીધા છે, તેને એર કંડીશન કર્યા છે અને હાજીઓની ભીડના કારણે બે માળના બનાવી દીધા છે, એટલે ઉપર પણ સઈ કરવામાં આવે છે, ભીડ વધારે હોય તો ઉપર જઈને સઈ કરશો તેમાં આપને રાહત રહેશેે.
ઉપર જવા માટે સફા તથા મરવહ બંને તરફ ઈલેકટ્રીકલ સીડીઓ છે, અને એ સિવાય વચમાં સાદી સીડીઓ પણ છે.
”સઈ” કરવામાં લગભગ હજીયાણીઓ એ ભૂલ કરે છે કે, ”સઈ” શરૂ કરતા પહેલાં ”હજરે અસ્વદ”ને ”ઈસ્તિલામ” કર્યા વગર જ ”સઈ” માટે ચાલી જાય છે, હાલાં કે જેવી રીતે ”તવાફ”, ”હજરે અસ્વદ”ના ”ઈસ્તિલામ”થી શરૂ કર્યો હતો, એ જ રીતે, ”સઈ” પણ ”હજરે અસ્વદ”ના ”ઈસ્તિલામ”થી શરૂ કરવી રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ની સુન્નત છે.
તો આપે હવે ”સઈ” કરવા જવાનું છે, માટે ”હજરે અસ્વદ”ને ”ઈસ્તિલામ” કરી લો અથવા દૂરથી તેના તરફ બંને હથેળીઓ કરી, તેને ચૂમી લો, અને ”બાબુસ્સફા” ઉપર આવો.
હજરે અસ્વદની નિશાનીવાળી કાળી પટ્ટી, જયાં પૂરી થાય છે, ત્યાં મોટા અક્ષરે અરબી અને ઈંગ્લીશમાં ”અસ્સફા”નું બોર્ડ લગાવેલું છે, ત્યાંથી થોડા આગળ ચાલતાં, પહાડની નિશાની શરૂ થઈ જાય છે.
તમો જયારે ”સફા” પહાડી પાસે પહોંચો તો આ પઢો :
اَبْدَأُ بِمَا بَدَأَ اللّٰہُ بِہٖ، اِنَّ الصَّفَا وَ الْمَرْوَۃَ مِنْ شَعَائِرِ اللّٰہِ۔
(અબ્દઉ બિમા બદઅ લ્લાહુ બિહી, ઈન્નસ્સફા વલ મરવત મિન શઆઈરિ લ્લાહિ.)
” હું (સઈ)તે જ જગાએથી શરૂ કરું છું જેનું અલ્લાહ તઆલાએ પહેલા વર્ણન કયુર્ં છે, (જેમકે ફરમાવ્યું) બેશક સફા અને મરવહ અલ્લાહ તઆલાની નિશાનીઓમાંથી છે.”
અને ”સફા” ઉપર એટલી ઉંચાઈએ ચઢો કે ”કઅબહ” શરીફ દેખાય (વગર ચઢે કઅબતુલ્લાહ જોવાય તો પણ ચઢવું મસ્નૂન છે.)
નવા બાંધકામ પછી સફાની ઉંચાઈના પ્રથમ ભાગ પર ચઢવું, જયાંથી બયતુલ્લાહ નજર આવે, બસ છે. અમૂક હજીયાણીઓ બિલ્કુલ દિવાલ સુધી ચઢી જાય છે, એ સહીહ નથી.
હવે દિલમાં ”સઈ”ની નિય્યત કરો અને મોંથી આ પઢો :
اَللّٰھُمَّ اِنِّی اُرِیْدُ السَّعْیَ بَیْنَ الصَّفَا وَ الْمَرْوَۃَ سَبْعَۃَ اَشْوَاطٍ لِوَجْھِکَ الْکَرِیْمَ ، فَیَسِّرْہٗ لِی وَ تَقَبَّلْہُ مِنِّی۔
(અલ્લાહુમ્મ ઈન્ની ઉરીદુ સ્સઅ્ય બયન સ્સફા વલ મરવત સબ્અત અશ્વાતિન લિ વજહિકલ કરીમ ફ યસ્સિરહૂ લિ વ તકબ્બલહુ મિન્ની.)
”અય અલ્લાહ હું આપની રઝામંદી માટે સફા–મરવહના સાત ચકકરોનો ઈરાદો કરું છું. આપ મારા માટે તે આસાન ફરમાવી દો અને તેને કબૂલ ફરમાવો. (દિલથી નિય્યત કરી શકો છો, પરંતુ મોંઢેથી બોલવું અફઝલ છે.)
પછી બંને હાથ આસ્માન તરફ એ પ્રમાણે ઉઠાવો, જે પ્રમાણે દુઆમાં ઉઠાવવામાં આવે છે. નમાઝની ”તકબીરે તહરીમહ”ની જેમ ના ઉઠાવશો, જેમકે ઘણી અભણ બહેનો આ પ્રમાણે કરે છે. પછી અલ્લાહ તઆલાની હમ્દ અને ષના બયાન કરો, ત્યાર પછી તેની તવહીદ બયાન કરો, ખાસ કરીને કલિમએ તવહીદ પઢો જે આ પ્રમાણે છે.
لااِلٰہَ اِلَّا اللّٰہُ وَحْدَہٗ لاشَرِیْکَ لَہٗ، لَہُ المُلْکُ وَ لَہُ الْحَمْدُ وَ ھُوَ عَلٰی کُلِّ شَیْئٍ قَدِیْرٌ۔
(લા ઈલાહ ઈલ્લલ્લાહુ વહદહૂ લા શરીક લહૂ, લહુલ મુલ્કુ વલહુલ હમ્દુ વહુવ અલા કુલ્લિ શયઈન કદીર.)
” અલ્લાહના સિવાય કોઈ મઅબૂદ નથી, તે એક છે, તેમનો કોઈ ભાગીદાર નથી, તેમની બાદશાહી છે, અને બધા વખાણ તેમના જ માટે છે, અને તેઓ દરેક વસ્તુ ઉપર કાદિર છે.”
અને ત્રીજો કલિમો, કલિમએ તમજીદ પણ પઢો :
سبحان اللہ، ولحمد اللہَ،ولاالہ الااللہ،واللہ اکبر ،ولا حول،ولاقوۃالابللہ العی العظیم
(સુબ્હાન લ્લાહિ વલ્હમ્દુ લિલ્લાહિ વલા ઇલાહ ઇલ્લ લ્લાહુ વ લ્લાહુ અકબર, વલા હવ્લ વલા કુવ્વત ઇલ્લા બિલ્લાહિલ અલિય્યિલ અઝીમ.)
”અલ્લાહ તઆલા પાક છે અને બધા વખાણ અલ્લાહ તઆલાના માટે છે અને અલ્લાહ સિવાય કોઈ મઅ્બૂદ નથી, અને અલ્લાહ સૌથી મોટા છે, અને ગુનાહોથી બચવાની તાકત અને સારા કામો કરવાની તાકત, અલ્લાહના તરફથી છે,જે મોટી શાન અને અઝમતવાળા છે..”
પછી અલ્લાહ તઆલાનો શુક્ર અદા કરો કે, તેણે ફકત પોતાના ફઝલો કરમથી આ મુબારક અને પાક જગાએ આપને પહોચાડી અને ખૂબ ઈત્મીનાનથી દુઆ કરો અને અહિંયાં જે પણ ચાહો તે માંગો અને વધારે વખત ઉભી રહો. લગભગ રપ આયતો પઢી શકાય એટલી વાર ઊભી રહો, ત્યાર પછી પોતાની આદત પ્રમાણે ઝિક્ર કરતી કરતી, અને દુઆ માંગતી માંગતી, ”મરવહ” પહાડી તરફ ચાલો.
(સઊદી હુકૂમતે જવા આવવાના રસ્તાઓ, અલગ અલગ કરી આપ્યા છે, અને વચમાં મઅઝૂર લોકોની ગાડીઓ ચલાવવાના રસ્તા પણ બનાવેલા છે.) ”સફા– મરવહ”ના વચમાં પણ દિલથી દુઆ માંગો, કે ઈલાહી આ સઈ હઝરત હાજિરહ (રદિ.) હઝરત ઈબ્રાહીમ (અલયહિસ્સલામ) અને હઝરત ઇસ્માઈલ (અલયહિસ્સલામ)ની યાદગાર છે. એજ પ્રમાણે મને અને મારી અવલાદને તારા દીનની મહેનત અને કોશિષ માટે ચાલવાની તૌફીક અર્પણ ફરમાવો. અને આ દુઆ પઢતી રહો :
رَبِّ اغْفِرْ ،وَ ارْحَمْ ،اَنْتَ الاعزُّ الاکْرَمْ
(રબ્બિગફિર, વર્હમ, અન્તલ અઅઝઝુલ અકરમ.)
”અય અલ્લાહ તઆલા મને મુઆફ ફરમાવો, અને મારા ઉપર રહમ ફરમાવો, તમો સૌથી વધૂ ઈઝઝત અને બુઝુર્ગીવાળા છો.”
અને બીજી દુઆઓ પણ માંગો. પછી આગળ ચાલતાં ચાલતાં, લીલા રંગના થાંભલાઓ, જમણી તથા ડાબી બંને બાજુ આવશે. (લીલા રંગની ટયુબો ર૪ કલાક સળગેલી રહે છે.) તો એ થાંભલાઓના વચમાં મર્દોે ઝડપથી ચાલતા હશે પણ તમારે તો તમારી સામાન્ય ચાલ પ્રમાણે જ ચાલવાનું છે. હવે આગળ મરવહ પહાડી આવશે, તો તેના ઉપર પણ એટલી ઉંચાઈએ ચઢો, કે જો સામે મકાનો ના હોત, તો બયતુલ્લાહ દેખાત! (હવે ત્યાં બાંધકામ થઈ જવાથી બય્તુલ્લાહ નઝર નથી આવતું). બય્તુલ્લાહ તરફ મોઢું કરીને ઉભી રહો અને ત્યાર પછી, જે રીતે સફા પહાડી ઉપર ઝિક્ર અને દુઆ કરી હતી, અહિયા પણ તેમજ કરો, હવે આ તમારો એક ચકકર પૂરો થયો. હવે મરવહથી સફા તરફ ઉતરીને ચાલો અને સફા ઉપર પહોંચી પહેલાની જેમજ દુઆ કરો, આ તમારો બીજો ચકકર થયો. આજ પ્રમાણે તમારે સાત ચકકરો પૂરા કરવાના છે. સાતમો ચકકર મરવહ પહાડી ઉપર પૂરો થશે.
(એક ખાસ વાત તરફ ધ્યાન અપાવું, કે આ જે સાત ચકકરો લગાવવાનાં છે, એમાં આપની ભૂલ થઈ શકે છે, અને બની શકે છે, કે આપને યાદ ના રહે કે આપે કેટલા ચકકરો કર્યા છે, માટે ચકકરોને યાદ રાખવા માટે સાત દાણાની તસ્બીહ આંગણીમાં પરોવી રાખવી અને દરેક ચકકર પર એક એક દાણો હટાવતા રહેવું.. બીજી વાત એ કે, સઈમાં વુઝુ હોવું મુસ્તહબ છે, વુઝૂ વગર પણ સઈ થઈ જાય છે.)
હવે તમે સઈના સાત ફેરા પૂરા કર્યા છે, એટલે મતાફમાં આવી, કોઈ પણ જગાએ બે ર’કા’ત નમાઝ પઢો. (શરત આ છે કે મકરૂહ વખત ના હોય, અને સફા કે મરવહ ઉપર નફલ ના પઢશો, ત્યાં નમાઝ પઢવી મકરૂહ અને બિદ્અત છે.)
Log in or Register to save this content for later.