માલિક બનાવવું અને માલિક બનાવવાનો હીલો

Chapter : ઝકાતના લેટેસ્ટ મસાઈલ

(Page : 122)

ઝકાત અદા થવા માટે ગરીબ હકદારને માલિક બનાવવો શર્ત છે અને જ્યાં માલિક બનાવવામાં નહિ આવે (દા.ત. બાંધકામ અથવા લોકકલ્યાણ–જનહિતનાં કામો) ત્યાં ઝકાતની અદાયગી દુરુસ્ત થતી નથી. અસલ મસ્અલહ આ જ છે, પરંતુ ફુકહાએ કિરામ(ધર્મશાસ્ત્રીઓ)એ જરૂરતના અવસર પર માલિક બનાવવાના હીલાની ગુંજાઇશ આપી છે.

ચેતવણી : અહીં આ યાદ રાખવું જોઇએ કે, હીલો અસલ અને મૂળ કાનૂનનો દરજો ધરાવતા નથી, બલકે સાચી–યથાર્થ જરૂરતની પરિપૂર્ણતા અને કાનૂનની સીમાઓની સુરક્ષા માટે હીલો અપનાવવાની ઇજાઝત મજબૂરીના દરજામાં આપવામાં આવી છે અને હીલાના વિશે બુનિયાદી કાનૂન અને સિદ્ધાંત આ છે કે, શરીઅતની મરજીને પૂરી કરવા માટે હીલો કરવામાં આવે તો કરાહત વગર તેની ગુંજાઇશ હોય છે અને જો શરીઅતની મરજી અને હેતુઓને નાપસંદ કરી અને નામંજૂર કરી હીલો કરવામાં આવે તો એવો હીલો સખત મકરૂહ– અપ્રસન્ન હોય છે, દા. ત. કોઇ વ્યક્તિ પોતાના ઉપર ઝકાતને વાજિબ ન થવા માટે હીલો કરે તો તેની ઇજાઝત નથી. અલબત્ત, દીની જરૂરતની પરિપૂર્ણતા ખાતર હીલો કરવામાં આવે જ્યારે કે તેના સિવાય બીજો કોઇ વિકલ્પ જ ન હોય તો તે કરાહત વગર દુરુસ્ત છે. દા.ત. કોઇ જગાએ દીની પડતીના કારણે મુસ્લિમ વસતિનો દીન (ઇસ્લામ) ખતરામાં હોય અને ઝકાત સિવાય બીજા કોઇ ઇમ્દાદી ફંડથી ત્યાં દીની તા’લીમની વ્યવસ્થા કાયમ કરવી મુશ્કેલ હોય, તો આ પ્રકારની સખત જરૂરતના મોકાઓ પર માલિક બનાવવાના હીલાની ગુંજાઇશ છે અને જ્યાં હીલા વગર જરૂરત પૂરી થઇ જતી હોય તો ત્યાં માલિક બનાવવાનો હીલો જાઇઝ નથી.  (કિફાયતુલ મુફતી : ૪/ર૮પ)

આજકાલ માલિક બનાવવાના હીલામાં બહુ લાપરવાહી– બેદરકારી વર્તાઇ રહી છે અને સામાન્ય રૂપે હીલાને જ કાનૂનનો દરજો આપી દેવામાં આવ્યો છે, એટલા માટે ઝકાતના ફંડને નિઃસંકોચ અને ખચકાયા વગર માલિક બનાવવાના હીલા પછી ગેર મસારિફ (અનુચિત, અવૈધ અને પ્રતિબંધિત ઝકાતનાં વ્યય–સ્થાનો)માં ખર્ચ કરવામાં આવે છે અને આ ગફલત અને બે એહતિયાતીનો કોઇ એહસાસ સુદ્ધાં નથી થતો, જો કે આ સમસ્યા અતિશય ગંભીર છે. સપડાયેલ વ્યક્તિએ પોતાના અને અલ્લાહ તઆલાના દરમિયાન નિષ્ઠાપૂર્વક ફેંસલો કરવો જોઇએ કે શું ખરેખર, માલિક બનાવવાના હીલાની જરૂરત છે યા નહિ ? જો દિલ સંતોષ અનુભવતું હોય તો તેના પર પગલાં લે–અમલ કરે, નહિતર તેનાથી બચવું અત્યંત જરૂરી છે. (મુસ્તફાદ મહમૂદુલ ફતાવા : ૩/૪૮–પ૬, કિતાબુલ મસાઇલ : ર/૧૯ર–૧૯૪)

Log in or Register to save this content for later.