Chapter : તરાવીહ
(Page : 185)
સવાલ(ર૦૭–૮૭):– રમઝાન શરીફની તરાવીહમાં કુર્આન શરીફનું ખતમ, આપણાં હિન્દુસ્તાનનાં ગામો અને શહેરોના રિવાજ મુજબ સત્તાવીસમી રાતે કરવું જણાવે છે,તો શું એ હુઝૂર (સ.અ.વ.) ની સુન્નત છે ? અફઝલ છે ? એક રિવાજ અથવા એમ કરવું ગુનોહ છે ? એ માટે હદીસો તેમજ આપણાં આલિમોનું શું કહેવું છે ? અહિંયા દર વર્ષે રમઝાનુલ મુબારકની સત્તાવીસમી રાતે કુર્આન શરીફ તરાવીહમાં ખતમ કરવામાં આવે છે,અગાઉ બે વરસ પહેલા ઈમામ સાહબે અઠ્ઠાવીસમી રાત્રે કુર્આન શરીફની તરાવીહ ખતમ કરવા કોશીષ કરી હતી,પરંતુ તેઓને સમજાવવાથી સત્તાવીસમી રાતે ખતમ કર્યુ હતું,અને જમાતી ભાઈઓમાં ઝઘડો થતો અટકી ગયો હતો,ત્યાર પછી આજ સુધી સત્તાવીસમી રાત્રે કુર્આન શરીફ તરાવીહમાં પુરૂ કરતાં આવ્યા હતા. ચાલુ રમઝાનમાં વીસ અથવા બાવીસ રમઝાનના રોજ ઈમામ સાહબને કમીટી તરફથી અથવા કમીટીના એક મુતસદ્દી ભાઈ તરફથી જાણ કરવામાં આવી હતી કે તમારે સત્તાવીસમી રાતે જ કુર્આન શરીફ તરાવીહમાં ખતમ કરવું જેથી જમાઅત તૂટી ન જાય, ઝઘડો ઉત્પન્ન ન થાય,ઈમામ સાહબે એવું ન કરતાં છવ્વીસમીના રાતે જ કુર્આન શરીફ પુરૂ કરી દીધું,જેનાથી ઝઘડો થયો,સો જમાતી ભાઈઓમાંથી સાઠ,સિત્તેર જમાતી ભાઈઓ કે જે સત્તાવીસમીના રાતે કુર્આન શરીફની તરાવીહ ખતમ કરવાના આગ્રહી હતા,હઠ પકડી અને જમાઅતની કમીટીએ ઈમામ સાહબને ઈમામત કરવા ના પાડી,જયારે અમૂક જમાતી ભાઈઓનું મંતવ્ય છે કે તે ઈમામ નમાઝ પઢાવશે તો જ હમો પઢીશું,જેથી અહિંયા બે ભાગે જમાઅત પડી ગઈ છે તો તે માટે શું હુકમ છે ?
જવાબ(ર૦૭–૮૭):– તરાવીહમાં એક વાર ખત્મે કુર્આન શરીફ સુન્નત છે, રાત નકકી નથી,સત્તાવીસમી રાત્રે જ ખતમ કરવાને સુન્નત કે જરૂરી માનવું સનદ–દલીલ વગરની વાત છે,એ વિષે ઝઘડો,ફસાદ,ફુટફાટ (જમાઅતમાં બે પક્ષ) જહાલત છે,ઘણાં ખરા હાફિઝીઓનો સત્તાવીસમીએ ખતમ કરવાનો તરીકો (રીત) છે. પરંતુ જયાં લોકો સુન્નત કે જરૂરી માનતા હોય ત્યાં લોકોની માન્યતા સુધારવા પેશ ઈમામ અન્ય રાત્રે ખતમ કરે તેમાં વાંધો નથી. જયારે એના કારણે જમાઅતમાં ફુટફાટ,બે પક્ષ થવાનો વધુ ભય હોય તો જેમકે મુતસદ્દીભાઈ તરફથી જાણ કરવામાં આવી હતી તો પેશઈમામે ઝઘડો મિટાવવા સત્તાવીસમીએ ખતમ કરવું બેહતર હતું. જમાઅતના સંપ માટે સદરહુ પેશઈમામ ભૂલ કબૂલ કરી લે,હિકમતથી કામ કરે,ફુટફાટથી શૈતાન જમાઅતનું કામ બગાડે,લોકોએ સુન્નતે રસૂલુલ્લાહ (સ.અ.વ.) અપનાવવી જોઈએ. ફકત અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.( ઈમ્દાદુલ ફતાવાઃ૧/૪૮૭)
Log in or Register to save this content for later.