દિવાળી,ઉતરાણમાં મુસ્લિમોએ ભાગ ભજવવો.

Chapter : અકાઇદ અને ઇલ્મ

(Page : 90-91)

સવાલ(૬–૬)ઃ– હિન્દુઓની દિવાળીના તહેવારોમાં તેમજ શબેબરાતના તહેવારોમાં મુસ્લિમો ફટાકડાં ફોડે છે,તો શું એ જાઈઝ છે ? હિન્દુઓના તહેવારોમાં પણ મુસ્લિમો ભાગ લઈ પતંગ ઉડાડે છે,અને ધૂમ રૂપિયા એના પાછળ બગાડે છે તો શું એ મુસ્લિમો માટે જાઈઝ છે?

જવાબ(૬–૬)ઃ–  હિન્દુઓના કે બિન મુસ્લિમોના તહેવારોમાં કોઈ પણ જાતનો ભાગ લેવો જેમકે દશેરામાં ઘોડદોડ,દિવાળીમાં દીવો સળગાવવો, ફટાકડાં ફોડવા,હોળીમાં આગ સળગાવવી,ઉતરાણમાં પતંગ ચગાવવી વિગેરે હરામ છે. અમૂક આલિમોએ તેને કુફ્ર લખ્યું છે. એટલે ઉપરોકત બધી ક્રિયાઓ કુફ્રિયહ છે. જેનાથી મુસ્લિમ કુફ્રના નજીક પહોંચી જાય છે. તેનું ઈમાન ભયમાં છે;

               કુર્આન શરીફમાં છે ‘‘યા અય્યુહલ્લજીન આમનૂ લા તકૂનૂ કલ્લજીન કફરૂ અર્થાત હે મો’મિનો ! તમો કાફિરો માફક ન થાઓ.

(સિપારો : ૪ રૂકૂઅ્‌–૭)

               હદીષ શરીફમાં વર્ણન છે હઝરત અનસ (રદિ.)રિવાયત કરે છે કે અલ્લાહ ના રસૂલ (સ.અ.વ.) હિજરત કરી મદીનહ મુનવ્વરહ તશરીફ લાવ્યા,અને મદીનહ વાસીઓ બે દિવસોમાં (નવરોઝ તથા મહરજાન) ઉત્સવ મનાવતા હતા,ત્યારે આપ (સ.અ.વ.) એ પુછયું આ બે દિવસો શું છે ? લોકોએ ઉત્તર આપ્યો કે ઈસ્લામ પૂર્વે હમો આ દિવસોમાં ખુશાલી મનાવતા હતા,તો અલ્લાહના રસૂલ (સ.અ.વ.)એ ફરમાવ્યું અલ્લાહ તઆલાએ એના બદલામાં બે શ્રેષ્ઠ દિવસો,ઈદુલ ફિત્ર અને બકરાઈદ તમને આપ્યા છે;

 (મિશકાત શરીફઃ ૧ર૬)

               ખુત્બતુલ વિદાઅ્‌ (હજ્જના અંતિમ ખુત્બા)માં આપે (સ.અ.વ.) લોકોને સંબોધી ફરમાવ્યું કે કુફ્રિયહ યુગના તમામ રીત રિવાજો મિટાવી દેવામાં આવે;

(મિશકાત શરીફઃ રરપ)

               શબેબરાત (શાબાનની પંદરમી રાત) જેવી બરકતવંતી રાત જેમાં સુર્યાસ્તથી સુબ્હે સાદિક સુધી અલ્લાહ તઆલાની રહમતોની વર્ષા થાય છે, તેવી મુબારક રાતમાં ઈબાદતથી વંચિત રહી ફટાકડા ફોડવા કેટલી અજ્ઞાનતા અને બદનસીબીની વાત છે. વળી એમાં ઈસ્રાફ (ફુઝૂલખર્ચી) છે,જે બિલકુલ હરામ છે. ઈસ્રાફ કરનાર શૈતાનનો દોસ્ત અને ખુદાપાકનો દુશમન છે;

               સારાંશ કે ઉપરોકત ખુરાફત (નઠારા કૃત્યો) માં વિશેષ ખરાબીઓ છે. આખિરત બગડે છે,તદુપરાંત તેની દુનિયા પણ ખરાબ થાય છે. અલ્લાહ તઆલા સર્વેને સદ્‌બુધ્ધિ આપે અને કુકર્મોથી બચાવી નેક તૌફિક અર્પે. આમીન યા રબ્બલ્‌ આલમીન. બિજાહિન્નબિય્યિલ અમીન.  ફકત અલ્લાહપાક વધુ જાણનાર છે.

Log in or Register to save this content for later.