Chapter : રોઝહ
(Page : 365-366-367)
સવાલઃ– (૩) દિલ્હી, મુંબઈ તેમજ કલકત્તાથી રમઝાન તથા ઈદના થતા એલાનો અહિંયાંની (સ્થાનિક) ચાંદ કમિટીઓ માટે દલીલ બની શકે કે નહિ ? બની શકે તો કઈ શર્તો સાથે ? ખાસ કરી દિલ્હી જામેઅ મસ્જિદના ઈમામ સાહેબના એલાનની શું હકીકત છે ?
જવાબઃ– (૩) દિલ્હી, મુંબઈ તેમજ કલકત્તા અને બીજા શહેરોની રેડિયો ઉપરથી પ્રસારિત થતી ચાંદ બાબતની ખબરો મોટે ભાગે તો કોઈ વિશ્વાસપાત્ર વ્યકિત કે ચાંદ કમિટીના હવાલા વગર ફકત ચાંદ થયાની અને ફલાણા દિવસે પહેલી રમઝાન કે ઈદ હોવાની ખબર હોય છે અને તે ખબર પ્રસારણ મંત્રાલયનો ગમે તે નિયુકત કર્મચારી રેડિયો સ્ટેશન પરથી પ્રસારિત કરે છે. જે ફિકહી દ્રષ્ટિએે ન ચાંદ કમિટીઓ માટે ફેસલો કરવા માટે મોઅતબર અને પૂરતી છે, ન આમ રોઝા રાખનાર ભાઈઓ માટે અમલ પાત્ર છે.
રેડિયોથી આપવામાં આવતી ખબર સ્થાનિક ચાંદ કમિટી માટે એ શર્તે રમઝાન અને ઈદના ચાંદનો ફેસલો કરવાની દલીલ બની શકે છે કે રેડિયો સ્ટેશન પરથી ખબર આપનાર કોઈ વિશ્વાસપાત્ર મુસલમાન હોય અને તે પોતે ચાંદ જોવાની અથવા બીજા દીનદાર મુસલમાનોના ચાંદ જોવાની અને પોતે તેઓથી સાંભળવાની અથવા કોઈ વિશ્વાસપાત્ર જવાબદાર વ્યકિત કે ચાંદ કમિટીના શરીઅત મુજબ ચાંદનો ફેસલો કરવાની અને તે ફેસલો સાંભળવાની વિગત વાર ખબર આપે અને અનેક જગ્યાઓના ચાંદની આ પ્રમાણેની ખબર વિવિધ દિશાઓના અનેક રેડિયો સ્ટેશનોથી પ્રસારિત થતી સંભળાય. કારણ કે આવી ખબર ખબરે મુસ્તફીઝ ગણાશે અને તે ખબરના આધારે રમઝાન અને ઈદના ચાંદનો ફેસલો કરી શકાય છે.
જો રમઝાનના ચાંદનો પ્રસંગ હોય અને વાદળ, ધૂમાડા કે ધૂળના રજકણોને કારણે મતલઅ (ચાંદનું ઉદય સ્થાન) સ્વચ્છ ન હોય તો એવી સૂરતમાં ઉપર મુજબની ગમે તે એક રેડિયો સ્ટેશનની ખબર પણ અમલપાત્ર છે.
બાકી આજ કાલ પ્રસારિત થતી એક અથવા અનેક સ્ટેશનો ઉપરથી એક અથવા અનેક સ્થળોના ચાંદની ખબર કે જેમાં એલાન કરનાર કોઈ વિશ્વાસપાત્ર મુસલમાન નથી હોતો બલ્કે મોટા ભાગે ખાતાકીય ગેર મુસ્લિમ કર્મચારી હોય છે, જે સંબંધિત મંત્રાલયના નીતિ નિયમના તાબે અને એનો પાબંદ હોય છે અને ન તે પોતે ચાંદ જોયાનું કે જોનારથી સાંભળ્યાનું કે ફેસલો સાંભળવાનુ વર્ણન કરે છે, ન હવાલાવાળી વ્યકિતનો શરઈ કવાઈદ મુજબ ફેસલો કરવાનો સંતોષ અને વિશ્વાસ હોય છે. રેડિયોની આવી ખબર ચાંદ કમિટી માટે ફેંસલો કરવા બાબત મોઅતબર અને પૂરતી નથી અને આમ લોકો માટે પણ રોઝા અને ઈદ બાબત અમલપાત્ર નથી
(શામી –ર/૯૪, આલમગીરી –પ/૩૦૮, હાશિયએ બહર– ર/ર૭૦) (૧૭, મુહર્રમ ૧૪૦૩ હિ.સ.)
Log in or Register to save this content for later.