Chapter : ઝકાત
(Page : 316-317)
[ર૭૧] નામ જોગ સરકારી સહાય બીજાને આપવી
સવાલ :– હું એક સરકારી પ્રાથમિક શિક્ષક તરીકે ફરજ બજાવું છું, પાંચેક વર્ષ પહેલાં સરકાર તરફથી વિદ્યાર્થીઓને (સ્કોલરશીપ) પાટી–પેન સહાયના અંદાજે રૂપિયા પ૦૦૦/– જેટલી રકમ સરકાર તરફથી મળેલ, પરંતુ વેકેશન હોવાને લઈ રકમ ચૂકવી ન શકયા. એવામાં ત્યાંથી મારી બદલી બીજી જગ્યાએ થઈ જતાં તે રકમ મારી પાસે રહેલ અને મારી નિય્યત સમય મળતા બાળકોને ચુકવી દેવાની હતી, પણ સંજોગોવસાત એ રકમ હું બાળકોને ચુકવી શકયો નહિ અને જોતજોતામાં પાંચેક વર્ષ વિતી ગયા અને આ રકમ ૪૦થી ૪પ વિદ્યાર્થીઓની છે અને પાંચ વર્ષ બાદ અમૂક બાળકો શાળા છોડી બીજી શાળામાં અભ્યાસ કરતા હોય અને અમુક અભ્યાસ છોડી દીધેલ હોય, તો આ બાબત અમુક સવાલોના જવાબ આપી મહેરબાની કરશો.
(૧) આ રકમ નામ જોગ વિદ્યાર્થીઓનો હક હતો તો હવે શું કરવું ?
(ર) હકદાર વિદ્યાર્થીઓને આપવા મુશ્કેલી છે અને તેઓ પ્રશ્ન કરશે. આ પૈસા શાના છે અને સાચુ બોલતા મારી નામોશી થાય એમ છે તો મારે શું કરવું ?
(૩) જો એ રકમ હું સરકારશ્રીના શિક્ષણ ખાતામાં જમા કરાવી આપું તો દુરસ્ત છે કે કેમ ?
(૪) અથવા હાલ હું જયાં સર્વીસ કરું છું ત્યાં ગરીબ વિદ્યાર્થીઓને પાટી–પેન સહાયમાં આપી શકું કે નહિ ?
(પ) સરકારી મકાન જે શાળામાં રિપેરીંગ કામમાં આપી શકાય કે નહિ ? જવાબ :– જે રકમ નામ જોગ ચોકકસ વિદ્યાર્થીઓ માટે મળી હોય તે તેમને જ પહોંચાડવી પડે, બીજા વિદ્યાર્થીઓને ન આપી શકાય અને શાળાના કોઈ રીપેરીંગ કામ વગેરેમાં પણ ન વાપરી શકાય. અલબત્ત, સરકારના જે ખાતામાંથી મળ્યા હોય તેમાં પરત જમા થાય એ રીતે પરત કરી શકાય. (શામી – ર/૧૧)
Log in or Register to save this content for later.