[રપ૩] પહેરેલા કપડાં પણ ખૈરાત કરી આપવા

Chapter : ઝકાત

(Page : 294-298)

સવાલ :– ગઝવએ તબૂક અથવા બીજા કોઈ ગઝવાના મોકા ઉપર હઝરત અબૂ બક્ર (રદિ.) પોતાનો બધો જ માલ આપી દે છે અહિંયાં સુધી કે પોતાના સતર છુપાવવાના પણ કપડાં રહેતા નથી.  એક બાજુ અલ્લાહના રસૂલ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) હઝરત અબૂ બક્રની મુલાકાત ન થવાના કારણે ગમગીન છે. બીજી બાજુ હઝરત અબૂ બક્ર (રદિ.) નબી (સ.અ.વ.)ની મુલાકાત વિના ગમગીન છે. આ રીતે કેટલાય દિવસો નીકળી ગયા. અલ્લાહના રસૂલ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ને ખબર પડે છે કે હઝરત અબૂબક્ર (રદિ.)ની આ હાલત છે. પોતાની અઝવાજે મુતહ્‌હરાતમાં ખબર કઢાવે છે કે કોઈ કપડું હોય તો અબૂબક્રના કામ આવી જાય. જવાબ ના મળે છે, પછી હઝરત ફાતિમા (રદિ.) વિચારે છે કે વાલિદ સાહેબે શાદીના મોકા પર તકિયો આપ્યો છે, તેનું કવર ફાડી તે મોકલે છે. હઝરત અબૂબક્ર (રદિ.) વાડામાં જઈ કપડું લપેટી બટનની જગ્યાએ કાંટા લાગવી આ હાલતમાં અલ્લાહના નબી (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ની મુલાકાત લે છે. નબી (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) ખૂબ રડે છે. હઝરત જિબ્રઈલ આવે છે તેમણે પણ હઝરત અબૂબક્ર જેવો જ લિબાસ પહેરેલો છે. હઝરત અબૂબક્ર (રદી.) ની અદા (કુર્બાની) નું અલ્લાહને પસંદ આવવુ, તમામ ફરિશ્તાઓને હઝરત અબૂબક્રની નકલનું એલાન કરવું વગેરે. પરંતુ ઈશ્કાલ એ છે કે સતર છુપાવવું તો ફર્ઝ છે. ખેરાતમાં એટલુ બધું ન દેવું કે સતર માટે પણ કપડું ન રહે, તો હઝરત અબૂબક્ર (રદી.)એ સતર માટે પણ કપડાં ન રહેવા દીધા હશે? એક આલિમે દીનથી આ વિગત સાંભળી છે જે મેં મજમામાં બયાન કરી છે તો એક ભાઈનું કહેવું છે કે આ રીતની વાત અમેં સાંભળી નથી હવે હું તેની તહકીક કરી શકું એમ નથી જેથી આપ તહકીક કરી જવાબ આપવા મહેરબાની કરશો.

જવાબ : –  સર્વ પ્રથમ એક ઉસૂલી વાત સમજી લેવી જોઈએ કે કોઈ વ્યકિતએ પોતાની ઝરૂરતની વસ્તુમાં પોતાની જાત ઉપર બીજાને અગ્રીમતા અને પ્રાધાન્ય આપવાના બે પ્રકાર છે :

(૧) પોતાની જાતની હિફાઝતથી સંબંધિત વસ્તુની પોતાને ઝરૂરત હોવા છતાં બીજી એવી જ વસ્તુની ઝરૂરતમંદ વ્યકિતને પોતાના ઉપર અગ્રીમતા આપીને તે વસ્તુ તેને આપી દેવી. જેમકે કોઈ ખાવા અથવા પીવાની અથવા શરદી –ગરમીથી  બચવા પહેરવાની વસ્તુની પોતાને ઝરૂરત હોવા છતાં તે વસ્તુ બીજી ઝરૂરતમંદ વ્યકિતને આપી દેવી અને પોતે તકલીફ ગ્રહણ કરી સબ્રથી કામ લેવું. આ પ્રકારની અગ્રીમતા આપવી જાઈઝ અને શરીઅતમાં સર્વાનુમતે ઈચ્છનીય છે અને કુર્આન – હદીસથી સાબિત છે. કુર્આન મજીદમાં અન્સારી સહાબા (રદિ.)ના વખાણપાત્ર ગુણોનું બયાન છે કે, ”વયુસિરૂન અલા અન્‌ફુસિહિમ……… (કે ખાવા – પીવા વગેરેમાં) તેઓ મુહાજિરીનને પોતાનાથી આગળ રાખે છે ચાહે પોતે હાજતમંદ અને ફક્ર ફાકહ (તંગી અને ભૂખ) માં હોય.(સૂ.હશ્ર. આ.ન. ૯)

               સહીહ મુસ્લિમ શરીફની એક હદીસમાં છે હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ની સેવામાં કોઈ પીવાની વસ્તુ રજૂ કરવામાં આવી. આપે તેમાંથી થોડું પીધું અને આપની જમણી બાજુ જમાઅતમાં સૌથી નાની વયના એક છોકરા એટલે ઈબ્ને અબ્બાસ (રદી.) હતા અને આપ (સ.વ.)ની ડાબી બાજુ ઉમર રસીદા બુઝુર્ગ સહાબા બેઠા હતા, આપે ઈબ્ને અબ્બાસ (રદિ.)થી ફરમાવ્યું કે , શું તમો મને એ વાતની રજા આપો છો કે હું ( આ પીવાની વસ્તુ) (ડાબી બાજુના તમારાથી બુઝુર્ગ) આ સહાબાને આપું ઈબ્ને અબ્બાસે કહયું કે અલ્લાહની કસમ હું રજા નથી આપી શકતો, તો આપે તે પીવાની બાબરકત વસ્તુ ઈબ્ને અબ્બાસ (રદિ.)ને અતા ફરમાવી. ફુકહાએ કિરામ લખે છે કે આ હદીષમાં આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ના ઈબ્ને અબ્બાસ પાસે (તેઓનો હક બીજાઓને આપવાની) રજા માંગવાથી એ વાત સાબિત થઈ કે પોતાની ઝાત ઉપર બીજાને અગ્રીમતા આપવી વિના કરાહતે જાઈઝ છે, નહિતર આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નાજાઇઝ અથવા મકરૂહ કામની રજા વિશે મઝકૂર ઈરશાદ ન ફરમાવતે.

               (ર) પોતે ઈબાદત કરવા માટે જે વસ્તુની ઝરૂરત હોય તેમાં પોતાના ઉપર બીજાને અગ્રીમતા આપવી આ વિશે શાફઈ ઉલમા તો ફરમાવે છે કે ઈબાદતથી સંબંધિત વસ્તુઓમાં પોતાની જાત ઉપર બીજાને અગ્રીમતા આપવી મકરૂહ છે. પરંતુ હનફી ઉલમા એ બાબત ફરમાવે છે કે જો વધુ અફઝલ નેકીનું કામ પ્રાપ્ત કરવા માટે બીજાને અગ્રીમતા આપે છે તો એ જાઈઝ છે, જેમકે એક માણસે મસ્જિદમાં વહેલા પહોંચીને જમાઅતની પહેલી સફમાં જગ્યા મેળવી લીધી તે પછી એનાથી ઉંમરમાં અથવા ઈલ્મમાં મોટો હોય એવો કોઈ માણસ આવ્યો અને તેની ઈઝઝતના ખાતર પહેલી સફની જગ્યા તેના માટે ખાલી કરી પોતે પાછળની સફમાં હટી ગયો તો આ જાઈઝ છે, પરંતુ  જો કોઈ ઈબાદતથી સંબંધિત વસ્તુમાં બીજાને અગ્રિમતા આપવામાં વધુ ફઝીલતનું કામ ન થતુ હોય તો આ સૂરતમાં અગ્રીમતા આપવી ઈચ્છનીય નથી બલ્કે મકરૂહ છે.  (શામી–૧/૩૮૩, અશ્બાહ–૧૮ર)

               જાહેર વાત છે કે માણસે પોતાનું સતર છુપાવવું ફર્ઝ છે અને પોતાના ફર્ઝ સતર માટેનું કપડું અલ્લાહના રસ્તામાં આપી દેવું મુસ્તહબ છે માટે ફર્ઝને છોડીને મુસ્તહબ ઉપર અમલ નહિ કરવામાં આવે, બલ્કે પોતાના ફર્ઝને અગ્રીમતા આપવામાં આવશે, અલબત્ત ફર્ઝ સતર માટે ઝરૂરી હોય તેટલા પ્રમાણથી ઉપરનું કપડું જે પોતાની જાતને શરદી ગરમીથી હિફાઝત માટે હોય તે કપડું બીજા મુહતાઝને આપી દેવું જાઈઝ છે. અમૂક ઝઈફ હદીષોમાં આ પ્રમાણે વર્ણન છે કે હઝરત નબી (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)એ ફરમાવ્યું કે જિબ્રઈલ (અલૈ.) મારી પાસે એવી હાલતમાં આવ્યા કે તેઓના શરીર પર એક ચાદર હતી અને તેને કાંટા લગાવીને પહેરી હતી, મેં પૂછયૂં કે જિબ્રઈલ આવી હાલત શા માટે? તો તેઓએ કહયું કે અલ્લાહ તઆલાએ ફરિશ્તાઓને હુકમ આપ્યો છે કે તેઓ આસ્માનમાં એ પ્રમાણે પોતાની ચાદરોને કાંટા લગાડે જેવી રીતે અબૂબક્રે જમીનમાં પોતાની ચાદરને કાંટો લગાડયો છે.    (તારીખુલ ખુલફાઅ–૪૪)

               હઝરત અબૂ બક્ર (રદિ.)ના ઈન્ફાક ફી સબીલિલ્લાહના બયાનમાં આ હદીષ તિરમીઝી શરીફ અને અબૂદાઉદ શરીફથી નકલ કરવામાં આવી છે કે હઝરત ઉમર (રદિ.) ફરમાવે છે કે (ગઝવએ તબૂક વેળા) હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)એ અમોને માલ સદકો કરવાનો હુકમ આપ્યો તો તે વખતે મારી પાસે ઘણો માલ હતો. તો મેં (દિલ દિલમાં) કહયું કે જો હું કોઈ દિવસ હઝરત અબૂ બક્ર (રદિ.)થી આગળ વધી શકું છું તો આજે હું તેઓથી આગળ વધી જઈશ. હું મારો અડધો માલ લઈને આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ની સેવામાં હાજર થયો. આપે પૂછયું કે તમો તમારા ઘરવાળાઓ માટે શું બાકી રાખ્યું છે ? મેં અરઝ કરી કે આટલા જ પ્રમાણમાં બીજો અડધો માલ અને હઝરત અબૂ બક્ર (રદિ.) પોતાની પાસે જે કંઈ માલ હતો તે બધો જ માલ લઈને હાજર થયા. આપે પૂછયું હઝરત અબૂ બક્ર તમારા ઘરવાળાઓ માટે શું બાકી રાખ્યું છે. તેઓએ જવાબ આપ્યો કે અલ્લાહ અને તેના રસૂલ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ને તેઓના માટે બાકી રાખ્યા છે. હઝરત ઉમર (રદિ.) કહે છે કે મેં કહયું કે હું કોઈ વાતમાં કદી પણ હઝરત અબૂ બક્ર (રદિ.) અન્હૂથી આગળ નથી વધી શકતો. (તારીખુલ્‌ ખુલફાઅ, ઈઝાલતુલ્‌ ખિફા–ર/૧૬)

               હઝરત અબૂ બક્ર (રદિ.)ની દીનના રસ્તામાં માલી કુરબાની વિષે એ વાતનું વર્ણન કે તેઓએ ફર્ઝ સતર માટેનું કપડું પણ ગઝવએ તબૂક વેળાએ આપી દીધું એ કોઈ હદીષમાં જોયું નથી અને ઉપરની હદીષથી ઉલટો એ વાતનો સંકેત મળે છે કે તેઓએ પોતાનું ફર્ઝ સતર માટેનું કપડું આપ્યું ન હતુ કારણ કે જાહેર વાત છે કે તેઓ આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ની સેવામાં સતર છૂપાવીને જ આવ્યા હતા. જો આપે કોઈ કિતાબમાં સવાલમાં લખેલી વિગત વાંચી હોય તો તે કિતાબનો હવાલો લખશો અને જો કોઈથી સાંભળી હોય તો તેઓથી તેનો હવાલો પૂછી લેશો અને પછી લખશો તો ઈન્શાઅલ્લાહ વધુ તહકીક કરી શકાશે.

Log in or Register to save this content for later.