[ર૪ર] બેકારી એલાઉન્સ લઈ જીવન નિર્વાહ

Chapter : ઝકાત

(Page : 285-287)

સવાલ :–  ઈંગ્લેંડમાં જે માણસની પાસે કામ હોતુ નથી એવા માણસને બેરોજગારીનું ભથ્થુ મળે છે. તેના માટે દવા ફ્રી હોય છે તેમજ તેના બાળકોને ડીનર ફ્રી હોય છે અને હાઉસ ટેક્ષ (ઘરનો વેરો), ઘરનું ભાડુ (રેન્ટ) તથા માર્ટગેજ (વ્યાજ લીધેલી લોન)માં પણ સરકારી મદદ હોય છે તેવા માણસને જયારે કામ મળે છે ત્યારે કામના પગારમાં એટલા પૈસા મળતા નથી જેટલા પૈસા આ બધુ મળીને તેને મળે છે, માટે આપણાવાળા મોટે ભાગે કામ કરવાના બદલે બેરોજગારીના ભથ્થાને વધુ પસંદ કરે છે, તો આ બાબતમાં શું હુકમ છે?

જવાબ :– ઈસ્લામી શરીઅતમાં પોતાની ખાવા–પીવા અને રહેવાની ઝરૂરતો પૂરી કરવા માટે પોતે જાત મહેનત કરી રોઝી કમાવવાની ઘણી તાકીદ કરવામાં આવી છે અને બેકાર રહીને બીજાઓ પાસે સવાલ કરવાની ઘણી બુરાઈ બયાન કરવામાં આવી છે. હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)નું ફરમાન છે કે માણસ પોતે મહેનત કરીને જે ખાવુ ખાય છે તેનાથી વધારે સારું તે કોઈ ખાવુ ખાતો નથી અને અલ્લાહના નબી હઝરત દાઉદ (અલ.) પણ ઝાત મહેનત કરીને ખાતા હતા.                          (બુખારી શરીફ – મિશ્કાત શરીફ)

               બીજુ ફરમાન છે કે તમારામાંથી કોઈ માણસ પોતાની રસ્સી લે અને પોતાની પીઠ ઉપર લાકડાનો ભારો ઉઠાવી લાવે પછી તેને વેચે અને તેના કારણે અલ્લાહ તઆલા તેની ઈઝઝતને મહફૂઝ ફરમાવે એ વાત તે હાલતથી બેહતર છે કે તે લોકોથી માંગતો ફરે ચાહે લોકો તેને આપે કે ન આપે.               (બુખારી શરીફ – મિશ્કાત શરીફ)

               ત્રીજુ ફરમાન છે કે હલાલ કમાણી તલાશ કરવી (ઈબાદતના) ફર્ઝો પછીનો એક ફરીઝો છે.                    (બય્‌હકી શરીફ – મિશ્કાત શરીફ)

               હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)નું ફરમાન છે કે જે માણસ લોકોથી સવાલ કરતો રહે છે અહિંયા સુધી કે તે કયામતના દિવસે એવી હાલતમાં આવશે કે તેના ચહેરા પર ગોશ્તની એક નાની બોટી પણ બાકી નહિ હોય.     (બુખારી શરીફ – મુસ્લિમ શરીફ – મિશ્કાત શરીફઃ૧૬ર)

               ફુકહાએ કિરામ (રહ.) પણ લખે છે કે માણસ પોતાની અને પોતાના બાલ બચ્ચાઓની ખાવા – પીવા, પહેરવા – રહેવાની ઝરૂરતો અને કર્ઝ વગેરેની ઝરૂરતો પૂરી થાય એટલા પ્રમાણમાં કમાવવું ફર્ઝ છે.      (આલમગીરી – પ/ ૩૦પ)

               અને જે માણસ સ્વસ્થ તંદુરસ્ત અને મહેનત કરી કમાઈ શકતો હોય તેના માટે સવાલ કરવો હરામ છે.                      (શામી – ર/૬૯)

Log in or Register to save this content for later.