Chapter : ઝકાત
(Page : 236-238)
સવાલ :– અમારા ગામમાં મુસ્લિમ સુન્નત જમાઅત (રજી. ટ્રસ્ટ)ની નિગેહબાનીમાં એક કોમના ગરીબ, બેવા, મિસ્કીનોને મદદરૂપ થવાના નેક હેતુથી ”બેવા મિસ્કીન ફંડ” ચલાવવામાં આવે છે જેનો વાર્ષિક અહેવાલ પણ બહાર પાડવામાં આવે છે, જેમાં ગામ, પરગામ, વિદેશથી મુખ્યત્વે ઝકાત, ફિત્રા, સદકહ અને લિલ્લાહ રકમો સારી એવી મળતી રહે છે.
આ હેતુ અન્વયે મુખ્યત્વે ગામની બેવાઓને દર માસે અનાજ, તેલ, સાબુ વગેરે જરૂરિયાતની વસ્તુઓ આપવામાં આવે છે એ માટે ઝરૂરતમંદોનું લિસ્ટ રાખવામાં આવ્યું છે જે મુજબ ચીઝ વસ્તુઓ કયારેક રોકડ રકમ, કપડાં વગેરે આપવામાં આવે છે.
આ હેતુ માટે માલી ઈમદાદ કયારેક પૂરતી અને કયારેક અપૂરતી મળતી રહે છે માસિક ખર્ચનું અંદાજિત ધોરણ નકકી રાખેલ છે. જેથી ઈમદાદમાં મળતી રકમ હાથ પર ન રાખતા બેંકમાં અલગ ખાતુ રાખી તેમાં રાખવામાં આવે છે અને જરૂરિયાત મુજબની રકમ ઉપાડવામાં આવે છે જેથી વર્ષના અંતે કેટલીક રકમ સિલકમાં રહે છે.
મળતી ઈમદાદ મુખ્યત્વે ઝકાત ફિત્રા, સદકહ વગેરેની હોય છે. તેમજ અમૂક રકમ લિલ્લાહ પણ હોય છે તો આ રીતે સિલકમાં રહેતી રકમ બાબતે શરઅન કોઈ વાંધો આવે છે ? આ રીતે રકમ જમા રાખી શકાય કે નહિ? કે પછી જે તે વર્ષની રકમ તે વર્ષે વાપરવી ઝરૂરી છે. આ રીતે ચાલતી સંસ્થાને આપવાથી આપનારની ઝકાત, ફિત્રા અદા થઈ જાય છે ? ગરીબ મિસ્કીનો કે ઝરૂરતમંદને મદદરૂપ થવાનો હેતુ ઉમદા છે. પરંતુ મદદની માસિક ખર્ચ ઉપરાંતની રકમ સિલક રાખવી ઝરૂરી છે કારણ કે દર વર્ષે મળનારી ઈમદાદની રકમ નિર્ધારિત નથી. આ બાબતે શરીઅતની રોશનીમાં જવાબ આપશોજી.
જવાબ :– પ્રથમ વાત તો આ છે કે કોઈ સખત મજબૂરી વિના મઝકૂર સંસ્થાની કોઈ રકમ બેંકમાં જમા કરવી જાઈઝ નથી.
બીજી વાત આ છે કે ઝકાતની રકમ મુસ્લિમ ઝકાતના હકદાર ગરીબો માટે છે, માટે જો તેઓની ઝરૂરતોમાં ખર્ચ કરવાની ઝરૂરત હોય તો તેઓની ઝરૂરત હોવા છતાં ખર્ચ ન કરવી અને જમા રાખવી જાઈઝ નથી. હા, તેઓની ઝરૂરતો પૂરી કરવા છતાં વધતી હોય તો બીજા વર્ષ સુધી પણ જમા રાખી શકાય છે.
ત્રીજી વાત આ છે કે સદકએ ફિત્રની રકમ ગરીબોને વહેંચી નાખવી જોઈએ. મઝકૂર રકમ જમા ન રહેવા દેવી જોઈએ તાકે મસનૂન વખત મુજબ સદકએ ફિત્ર અદા થઈ જાય.
ચોથી વાત એ છે કે ઝકાતની રકમ ”બેવા મિસ્કીન ફંડ”ના જિમ્મેદારોને સોંપવાથી અદા થઈ જશે અને જિમ્મેદારો પાસે નકકી કરેલ ઝકાતના હકદારો માટે અમાનત ગણાશે જેને જે તે હકદારોને પૂરીપૂરી પહોંચાડવી ઝરૂરી છે. (ઈ.મુફતીન–૧૦૮પ)
Log in or Register to save this content for later.