[૧૦૪] એક દેશની ઝકાત બીજા દેશમાં મોકલવી

Chapter : ઝકાત

(Page : 142-143-144)

સવાલ :–  એક માણસ ઝામ્બિયાનો રહેવાસી છે અને ત્યાં કવાચા નામનું ચલણ પ્રચલિત છે, એ માણસ પોતાના માલની ઝકાત આપવા ચાહે છે અને તે પોતાનું શહેર છોડી બીજી જગ્યાએ મોકલવા ચાહે છે અને તે કવાચાના બદલામાં ઝકાતમાં પાઉન્ડ આપવા ચાહે છે અને કવાચાથી પાઉન્ડનો વટાવ દાખલા તરીકે આ પ્રમાણે હોય કે ૪ કવાચાનો એક પાઉન્ડ મળતો હોય હવે તે ઝામ્બિયાવાસી વ્યકિત ઉપર દા.ત. ૪૦૦૦ કવાચા ઝકાત ફર્ઝ થતી હોય અને તે ઉપરના દાખલા તરીકે ૧૦૦૦ એક હજાર પાઉન્ડ આપે તો તેની ઝકાત અદા થશે કે નહિ ? અને થાય તો કેટલી અદા થશે પૂરી કે અધૂરી તેવો ખુલાસો લખશો ?

જવાબ :– ઝકાતની અદાયગી વિષેના અમુક ઝરૂરી શરઈ કાયદાઓ પ્રથમ જાણી લેવા જોઈએ કે,

(૧) પોતાની પાસે સોનું ચાંદી કે વેપારના સામાનમાંથી જે પણ ઝકાતપાત્ર વસ્તુ હોય તે વસ્તુનો ચાળીસમો ભાગ ઝકાતમાં વાજિબ છે.

(ર) જો તે વસ્તુ ન આપે અને તેની કિંમતની કોઈ બીજી વસ્તુ આપે તો બીજી વસ્તુ આપવાથી પણ ઝકાત અદા થઈ જશે.

(૩) કિંમતમાં તે દેશ અને શહેરની કિંમત માન્ય ગણવામાં આવશે જયાં ઝકાત આપનારનો ઝકાતપાત્ર માલ મવજૂદ છે. બીજી જગ્યાએની કિંમતનો એઅતેબાર નહિ થાય.                           (શામી : ર/ રર)

(૪) જો તે ઝકાતપાત્ર વસ્તુ વિવિધ કિંમતોથી વેચાતી હોય તો પોતાના માલની ઝકાત અદા કરવામાં તે કિંમતનો એઅતિબાર કરવામાં આવશે, જેનો આમતોર પર રિવાજ હોય. એવી જ રીતે જે કિંમતમાં ફકીરોનો ફાયદો હોય તે કિંમતનો એઅતિબાર કરવામાં આવશે.                  (શામી  : ૩૧ ભાગઃ ર , ઈ.ફતાવા– ૪૪ ભાગઃર)

                ઉપરોકત નિયમોને આધારે જામ્બિયાવાસીના પોતાના શહેરમાં કવાચાનો આમ તોર પર પ્રચલિત ભાવ લખવા મુજબ દા.ત. ૪ કવાચાનો એક પાઉન્ડ પ્રમાણે હોય તો પોતાના શહેરથી બહાર બીજી જગ્યાએ એક હજાર પાઉન્ડ અદા કરવાથી ચાર હજાર કવાચા ઝકાતરૂપે અદા થશે અને જો તે શહેરમાં આમ પ્રચલિત ભાવ વધતો ઓછો હોય તો તે હિસાબે જેટલા કવાચા થતા હોય તેટલા ઝકાતમાં અદા થયા ગણાશે. જો કવાચાનો પ્રચલિત ભાવ એથી વધુ હોય તો ૪૦૦૦થી ઓછા કવાચા ઝકાતરૂપે અદા થશે અને પ્રચલિત ભાવ જો એનાથી ઓછો હોય તો ૪૦૦૦ થી વધુ કવાચા ઝકાતરૂપે અદા થાય એમ માનવાની પણ ગુંજાઈશ છે. પરંતુ દુર્રે મુખ્તારની ઈબારત જોતા એહતિયાત તો એમાં જ છે કે જે કિંમતથી ઝકાત કાઢવામાં ગરીબોનો ફાયદો વધારે હોય તે જ કિંમતનો એઅતિબાર કરી ઝકાત કાઢવામાં આવે.

Log in or Register to save this content for later.