[૪પ૭] મૃત બેબીનો અકીકો

Chapter : અકીકહ

(Page : 523-524-525)

સવાલ :– હું મારા વાલિદ સાહેબથી અલગ રહું છું, એમણે મને અલગ કરી આપેલ છે, હાલમાં ફકત વાલિદ સાહેબ હયાત છે, વાલિદહ સાહિબાનો ૯, ૧૦ વર્ષથી ઈન્તેકાલ થયેલ છે.

                અત્યારે હું ફેમિલી સાથે અલગ રહું છું, હાલમાં બે બાબા અને એક બેબી હયાત છે, એક બેબીનો ઈન્તેકાલ ૬ માસની ઉમરમાં જ થઈ ગયેલ છે, આગામી બકરી ઈદ પ્રસંગે ઈન્શાઅલ્લાહ કુરબાની કરનાર છું. તો કુરબાની ભેગો અકીકો થઈ શકે કે કેમ? અકીકાના પ ભાગ અને અમારા બે ભાગ મળી ૭ ભાગ પૂરા થાય છે, અલ્લાહના ફઝલો કરમથી પહેલી કુરબાની થાય છે, જેથી હું કોના નામથી કુરબાની કરું? વાલિદ સાહેબ, વાલિદા સાહિબહ કે મારી પોતાની તેમજ પત્નીની વગેરેમાંથી, ઉપરાંત હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ). એમાંથી સૌ પ્રથમ કોના નામની કુરબાની કરવી ? તેનો જવાબ આપશો.

                મર્હૂમા બેબીનો અકીકો કરવો પડે કે કેમ તે પણ જણાવશો, કુરબાની તેમજ અકીકાની નિય્યત કઈ રીતે કરવી તે લખી જણાવશો.

જવાબઃ– મોટા જાનવરમાં લખવા મુજબ પતિ–પત્નીના બે ભાગની કુરબાની અને બાકીના પાંચ ભાગમાં બે છોકરાઓ, એક છોકરીના અકીકાની નિય્યત કરવી જાઈઝ છે.   (શામી –પ/ર૦૭, આલમગીરી–પ/૩૦૪)

                આ સિવાય હવે કોઈ ભાગ બચતો નથી, એટલે વાલિદ, વાલિદહ વગેરેમાંથી બીજા કોઈની કુરબાનીની નિય્યત કરવી જાઈઝ નથી.

                જો તમો માલદાર હોય તો પ્રથમ તમારે પોતાની વાજિબ કુરબાની કરવી જરૂરી છે અને તે જયાં સુધી માલદાર રહો દર વર્ષે કરવી પડશે, ઓરત માલદાર હોય તો તેના ઉપર કુરબાની વાજિબ છે, પણ તેના પોતાના માલમાંથી વાજિબ છે, જો તમો તેઓની મંજુરી મેળવી કરી આપશો તો પણ વાજિબ અદા થઈ જશે અને તે સિવાય આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ), વાલિદ – વાલિદહમાંથી જેના નામની પણ નફલ કુરબાની પ્રથમ કરવા ચાહો કરી શકો છો, મુસ્તહબ છે વાજિબ નથી.

                મર્હૂમ અવલાદના અકીકાનું મુસ્તહબ હોવું ફિકહની કિતાબો કે હદીસ શરીફથી સાબિત નથી. (ફતાવા રહીમિય્યહ–ર/૭૪)

                કુરબાની અને અકીકાની નિય્યત ફકત દિલમાં કરવાની હોય છે કે માણસ જાનવર ઝબહ કરતાં પહેલાં ઈરાદો કરી લે કે હું પોતાની અને ફલાણી વ્યકિતઓની કુરબાની અને ફલાણી ફલાણી અવલાદના અકીકામાં આ જાનવર અલ્લાહના નામથી ઝબહ કરી રહયો છું અથવા કરાવી રહયો છું.

                હા, અકીકા અને કુરબાનીની દુઆ જાનવરને બિસ્મિલ્લાહિ અલ્લાહુ અકબર પઢી ઝબહ કરતાં પહેલાં પઢવી મુસ્તહબ છે અને તે એ પ્રમાણે પઢવી મુસ્તહબ છે કે બિસ્મિલ્લાહિ અલ્લાહુ અકબરથી અલગ પાડી પઢવામાં આવે, સળંગ પઢવામાં ન આવે.(બદાઈઅ–પ/૭ર)

                અકીકાની દુઆ આ મુજબ છેઃ

اللھم ھذہ عقیقۃ اب છોકરા, છોકરીનું નામ  نی دمھا بدمہ ولحمھا بلحمہ وعظمھا بعظمہ وجلدھا بجلدہ وشعرھا بشعرہ اللھم اجعلھا فدائً لابنی من النار.

                અને તે પછી કુરબાની વાળી દુઆ નીચે પ્રમાણે પઢેઃ

انی وجھت وجھی للذی فطر السموات والارض حنیفا وما أنا من المشرکین  O  ان صلا تی ونسکی ومحیای ومماتی للہ رب العالمین لا شریک لہ وبذالک امرت وأنا من المسلمین۔

                પછી બિસ્મિલ્લહિ અલ્લાહુ અકબર કહી ઝબહ કરવામાં આવે તમારે જો મોટા જાનવરની કુરબાની કરવાની હોય અને સવાલમા લખવા મુજબ સાત ભાગો રાખવાના હોય તો ઉપરની દુઆના શબ્દોમાં થોડો ફેરફાર કરી પઢવી પડશે અને તે આ પ્રમાણેઃ

اللھم اضحیتی واضحیۃ زوجتی وعقیقہ أولادی છોકરા, છોકરીના નામો બોલવામાં આવે دمھا بدمنا ولحمھا بلحمنا وعظمھا بعظمنا وجلدھا بجلدنا وشعرھا بشعرنا اللھم اجعلھا فداء لنا من النار۔

                અને બીજી દુઆ ઉપર પ્રમાણે પઢવામાં આવે.  (રિસાલએ અકીકહમાં માલાબુદ્દ સાથે ૧૭૪)

Log in or Register to save this content for later.