[૩૯૭]અંજુમનના વિવિધ હેતુઓ માટે ચામડાની રકમ

Chapter : કુરબાની

(Page : 452-453)

સવાલઃ– હમારા વલણ ગામમાં અંજુમને મુઈનુલ ઈસ્લામ નામથી હમો સંસ્થા ચલાવીએ છીએ. જેમાં ઝકાત, લિલ્લાહ, સદકાત, ચર્મે કુરબાની વગેરેની રકમ લઈ જમા રાખી તેનો ઉપયોગ નીચે બતાવ્યા પ્રમાણે કામોમાં વાપરીએ છીએ.

(૧) દારૂલ ઉલૂમમાં પઢતા ગરીબ તલબાને માસિક સ્કોલરશીપ આપવી.

(ર) ગામના ગરીબ લોકોને બીમારીનો ઈલાજ કરવા અંગે મદદ કરવી.

(૩) લાવારિસ તેમજ ગરીબોના કફન–દફનમાં વાપરવા.

(૪) હાયર સેકન્ડરી તેમજ કોલેજમાં ભણતા ગરીબોને નોટબૂક તેમજ સ્કોલરશીપ તેમજ યુનિફોર્મ આપવામાં આવે છે.

                ઉપરોકત મુદ્દાઓ ઉપર ઝકાત, લિલ્લાહ, સદકાત, ચર્મે કુરબાનીની રકમ વાપરીએ છીએ. તો ફતવાની રૂએ આ રકમ ઉપરોકત મુદ્દાઓમાં વાપરી શકાય કે નહિ?

                બીજુ કે ઘણા લોકોનું કહેવું છે ચર્મે કુરબાનીની રકમ કુરબાની પછી તરત જ હકદારને આપી દેવી જાઈએ, અને આ રીતે કુરબાનીના ચામડાની રકમ જમા રાખી વરસ દરમિયાન જયાં સુધી મઝકૂર રકમ વપરાય નહિ ત્યાં સુધી કુરબાની થતી નથી, કુરબાની લટકતી રહે છે, ફતાવાની રૂએ ખુલાસાવાર જવાબ આપશો, અને આ રકમ કેટલા સમયમાં વાપરી નાંખવી જોઈએ? વહેલી તકે જવાબ આપશો.

જવાબઃ– સવાલમાં લખેલ નં. ૧, ર, ૩, ૪, ના મુસ્લિમ ગરીબ હકદારોને ઝકાત, સદકાત અને કુરબાનીના ચામડાંની રકમનો ઉપયોગ કરવો દુરસ્ત છે, આ રકમથી સહાય કરવી જાઈઝ છે, નં. ૩ માં ઝકાત, સદકાત અને કુરબાનીના ચામડાંની રકમનો ઉપયોગ કરવો દુરસ્ત અને જાઈઝ નથી, તેમાં લિલ્લાહ રકમનો ઉપયોગ થઈ શકે છે.     (શામી ભાઃર)

                ઝકાત, વાજિબ સદકાતની રકમ વિશે બેહતર અને અફઝલ તો એ જ છે કે તેને તુરંત અદા કરી આપવામાં આવે, પરંતુ વધુ જરૂરતના સમયે અને ખરા હકદારોને પહોંચાડવાની નિય્યતથી એક વર્ષ પૂરૂ થતાં પહેલાં સુધી જમા રાખવામાં આવે તો જાઈઝ છે અને ચામડાની રકમ પણ વાજિબ સદકાની રકમ છે, તેનો પણ આજ હુકમ છે, આ સૂરતમાં કુરબાની અદા થવામાં કોઈ વાંધો નહિ આવે, કુરબાની લટકતી નહિ રહે.        (શામી : ર)

Log in or Register to save this content for later.