[૩પ૯] નફલ કે વાજિબ કુરબાનીનું ચામડું અને તેની કિંમતનો હુકમ

Chapter : કુરબાની

(Page : 422 to 424)

સવાલ :– નફલ, વાજિબ અને મન્ન્તમાંથી દરેક પ્રકારની કુરબાનીના ચામડાને પોતે ઉપયોગ કરવાનો કે બીજા કોઈ માણસને હદિયા, સદકા પેટે આપવાનો શું હુકમ છે? અને જો ચામડું વેચી દેવામાં આવે તો કિંમતનો શું હુકમ છે?

જવાબ :– જો માલદાર વ્યકિતની વાજિબ કે નફલ કુરબાનીનું ચામડું હોય અથવા ગરીબ માણસે ઈદના દિવસોમાં કુરબાની માટે ખરીદેલા જાનવરનું ચામડું હોય અને ઝુબાનથી મન્‍નત ન માની હોય અથવા ગરીબની નફલ કુરબાનીનું ચામડું હોય તો કુરબાની કરનાર પોતે પણ ઉપયોગ કરી શકે છે અને બીજા કોઈ માલદારને હદિયા તરીકે અથવા ગરીબને સદકા તરીકે પણ આપી શકે છે.

                પોતે ઉપયોગ કરવાનો મતલબ એ છે કે ચામડાની કોઈ ઉપયોગ લાયક વસ્તુ બનાવી લે જેમકે બેસવાની દરી, બુટ, મોઝો, કિતાબોનું બાઈન્ડીંગ, મુસલ્લો, ડોલ અથવા ચામડાના બદલામાં જ (ચામડાને રકમથી વેચ્યા વગર) કોઈ એવી વસ્તુ ખરીદ કરી લે જેને બાકી રાખી હંમેશા ઉપયોગમાં લઈ શકાય જેમકે કોઈ વાસણ કે ફર્નિચર. (આલમગીરી–પ/૩૦૧)

                જો માલદાર કે ગરીબની ઝુબાની મન્‍નતની કુરબાનીનું ચામડું હોય તો તેના ગોશ્તની જેમ ચામડાનો પણ ગરીબ મુસ્લિમોને સદકો કરી દેવો વાજિબ છે પોતે ઉપયોગ કરવું કે માલદારને આપવું જાઈઝ નથી.    (શામી–પ/ર૦૮)

                એવી જ રીતે જો માલદારે કે ગરીબે પોતાની ઝુબાની મન્‍નત સિવાયની વાજિબ કે નફલ કુરબાનીનું ચામડું રકમના બદલામાં વેચી આપ્યું તો ગમે તે નિય્યતથી વેચ્યું હોય, હવે એ રકમનો સદકો કરી દેવો વાજિબ અને જરૂરી છે અને એ વાજિબ સદકાની રકમના હકદાર તેજ ગરીબ મુસલમાનો છે જે ઝકાત અને સદકએ ફિત્રના હકદાર છે.(શામી–પ/ર૦૯, શામી–ર/પ૮)

                મસ્જિદ મદ્રસા કે અન્ય કોઈ સંસ્થાના બાંધકામ માટે અને ઈમામ, મુદર્રિસોના પગાર માટે કે સંસ્થાની કોઈ ઝરૂરતનો સામાન ખરીદવા માટે મજકૂર રકમ આપવી જાઈઝ નથી અને કોઈ પણ એવી દીની કે સામાજિક સંસ્થામાં એ રકમ આપવી જાઈઝ નથી કે જેમાં તે રકમ ગરીબ મુસલમાનોને ખરેખર માલિક બનાવી આપવામાં ન આવે અને કોઈ ગરીબ મય્યિતના કફન દફન ખર્ચમાં પણ વાપરી ન શકાય. હા, મય્યિતના ગરીબ રિશ્તેદારોને આપવામાં આવે અને તે પોતાના તરફથી મય્યિતના કફન દફનમાં વાપરે તો જાઈઝ છે.

                એવી જ રીતે એવી સંસ્થાઓમાં અસલ ચામડું આપવું પણ જાઈઝ નથી કે જેના વ્યવસ્થાપકો વેચીને તેની કિંમત ગરીબ મુસલમાનોને ન આપતા હોય, કારણ કે જેવી રીતે અસલ માલિકે વેચ્યા પછી કિંમતનો ગરીબ પર સદકો કરી દેવો વાજિબ છે તે જ રીતે મજકૂર વ્યવસ્થાપકોએ પણ અસલ માલિકના નાયબ તરીકે સદકો જ કરવો વાજિબ છે.

                હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ હઝરત અલી (રદિ.)થી ફરમાવ્યું કે તમો કુરબાનીના જાનવરોની જુલો અને બાંધવાની દોરડીઓનો સદકો કરી આપો અને કુરબાનીની કોઈ વસ્તુ ગોશ્ત કાપનારને મજદૂરી (પગાર) પેટે ન આપો.

                બીજી હદીષમાં આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)નો ઈર્શાદ છે કે જે માણસે પોતાની કુરબાનીનું ચામડું (પોતે રકમ ઉપયોગ કરવા) વેચ્યું તો તેની કુરબાનીનો સંપુર્ણ સવાબ નહિ મળે. (શામી,દુ.મુખ્તાર– પ/ર૦૯, અલ બદાઈઅ – પ/૮૧)

                એવી સંસ્થામાં ચામડું આપવું વિના સંકોચે જાઈઝ છે, બલ્કે અફઝલ છે કે જે સંસ્થા ગરીબ મુસ્લિમોને સદકો કરવાની નિય્યતથી ચામડાંઓ વેચે છે અને વેચ્યા બાદ રકમ ગરીબ મુસ્લિમોને આપી દે છે કારણ કે સદકો કરવાની નિય્યતથી ચામડું વેચવાને ફુકહાએ કિરામે જાઈઝ બતાવ્યું છે.  (ખુલાસતુલ ફતાવા–૪/૩રર અલ–બહર–૮/૧૭૮)

Log in or Register to save this content for later.