Chapter : કુરબાની
(Page : 385-386-387)
સવાલઃ– મેં કુરબાની માટે એક બકરો આશરે ર૦, રપ દિવસ અગાઉ એક ગેર મુસ્લિમ પાસેથી કુરબાની માટે વેચાણ લીધો હતો, ત્યારે વેચાણ આપનાર માણસને મેં બકરાની ઉમર બાબત પૂછયું હતું તો તેનું કહેવું હતું કે બકરાને એક વર્ષની ઉમરમાં ૧પ, ર૦ દિવસ ઓછા છે ત્યારે મારા ધારવા મુજબ કે ઈદ આવતા સુધીમાં એક વર્ષની ઉમર થઈ જશે એટલે મેં એ બકરો વેચાણ લઈ લીધો, ત્યાર બાદ ગામના આપણા દીની ભાઈઓને મેં બકરા બાબત વાત કરી ત્યારે આપણા મજહબી ભાઈઓનું કહેવું એમ છે કે આ બકરો ઉમરમાં નાનો છે તેઓનું કહેવું છે કે બકરાને દાંત પૂરા છે અને એક સરખા દાંત છે જયારે વચ્ચેના બે દાંત મોટા હોવા જોઈએ તો જ કુરબાની દુરસ્ત થશે, નહિતર એક વર્ષથી ઓછી ઉમરનો બકરો કહેવાશે અને કુરબાની દુરસ્ત થશે નહિ, તેઓના કહેવાનો મતલબ એ કે બકરો કુરબાનીના લાયક ગણાવાની નિશાની એ છે કે આગળના બે દાંત બધા દાંતો કરતાં મોટા હોવા જોઈએ.
ત્યાર બાદ બીજા એક મુસ્લિમ ભાઈનું કહેવું છે કે અગાઉનો લીધેલ બકરો કુરબાનીમાં ચાલશે, કેમકે તેઓએ કુરબાનીની નિય્યત કરી હતી તેમજ તે બકરો તંદુરસ્ત છે બીજા બકરા કરતાં તગડો છે, જેથી કુરબાનીમાં પહેલો બકરો ચાલશે, બીજો બકરો શરીરમાં કમઝોર છે જેથી તે ભાઈનું કહેવું એમ છે કે તમો બીજા બકરાની કુરબાની કરી પહેલા બકરાનો હક મારો છો તો આ બાબતે યોગ્ય ખુલાસો જણાવશો.
જવાબઃ– કુરબાની માટેનો બકરો પૂરા એક વર્ષની ઉમરનો હોવો જરૂરી છે, વર્ષમાં એક અડધો દિવસ પણ ઓછો હોય તો પણ તે કુરબાનીમાં ન ચાલી શકે, ચાહે તે પૂરા એક વર્ષના બકરા કરતાં બીજો બકરો જેની ઉમર શંકાસ્પદ છે તે દેખાવમાં અને તદુરસ્તીમાં ચઢિયાતો અને સારો હોય તો પણ એક વર્ષથી ઓછી ઉમરના બકરાની કુરબાની દુરસ્ત નથી.
જયારે આપને કુરબાનીનો પહેલો બકરો વેચનાર ગેર મુસ્લિમે ચોક્કસ ઉમર બતાવી નથી અને ઉમરની નિશાનીઓના આધારે તે પહેલા બકરાની પૂરા એક વર્ષની ઉમર હોવામાં શંકા છે તો તે પહેલા બકરાની કુરબાની ન કરવામાં આવે, બલ્કે બીજા નંબરે ખરીદેલા બકરાની જ કુરબાની કરવામાં આવે, અને શરીઅતના હુકમ મુજબ પહેલા બકરાની કુરબાની મુલતવી રાખવાથી તેનો હક મારેલો નહિ ગણાય. (શામી–પ)
Log in or Register to save this content for later.